ભારત

January, 2001

ભારત

ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો.

ભૂગોળ

સ્થાનસીમાવિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ. અને 68° 07´થી 97° 25´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર–દક્ષિણ લંબાઈ 3,214 કિમી. અને પૂર્વ–પશ્ચિમ પહોળાઈ 2,933 કિમી. જેટલી છે. કર્કવૃત્ત તેના મધ્યભાગમાંથી પસાર થાય છે. પૂર્વ ગોળાર્ધમાં ભારતનું સ્થાન મધ્યવર્તી ગણાય છે. દુનિયાના મોટાભાગના આંતરરાષ્ટ્રીય જળમાર્ગો ભારતની દરિયાઈ સરહદ નજીકથી પસાર થાય છે. આંતરરાષ્ટ્રીય વેપાર-વાણિજ્ય-વિકાસના સંદર્ભમાં ભારતનું સ્થાન મધ્યમાં આવેલું છે, કારણ કે તેની નૈર્ઋત્યમાં આફ્રિકાના દેશો, પશ્ચિમે મધ્યપૂર્વના દેશો, વાયવ્યમાં યુરોપીય દેશો, અગ્નિકોણમાં અગ્નિ એશિયાના દેશો અને ઑસ્ટ્રેલિયા તથા પૂર્વમાં ચીન, જાપાન અને દૂર પૂર્વ તરફ પેસિફિકની પેલી પાર અમેરિકાના દેશો આવેલા છે. એશિયા ખંડના સંદર્ભમાં ભૂમિમાર્ગોની ર્દષ્ટિએ પણ ભારતનું સ્થાન અતિ મહત્વનું અને મોકાનું ગણાય છે, કારણ કે ભારતની પૂર્વ તરફ ચીન, જાપાન, લાઓસ, કંબોડિયા, થાઇલૅન્ડ, જાવા, સુમાત્રા, બૉર્નિયો આવેલા છે, તો પશ્ચિમ તરફ આફ્રિકા, અરબસ્તાન, ઇરાક, ઈરાન, અને તુર્કસ્તાન આવેલા છે. હવાઈ માર્ગોની ર્દષ્ટિએ પણ ભારત મહત્વનું સ્થાન ધરાવે છે. પશ્ચિમી દેશોનાં વિમાનો પૂર્વના દેશો તરફ પ્રવાસ ખેડતાં હોય ત્યારે તેમને ઇંધન ભરાવવા ભારતના વિમાની મથકે ઊતરવું પડે છે. ભારત આ રીતે જળમાર્ગો, ભૂમિમાર્ગો અને હવાઈ માર્ગોના સંદર્ભમાં અતિ મહત્વનું, મોકાનું અને મધ્યસ્થ સ્થાન ધરાવે છે. ભારતના પડોશી દેશોમાં પૂર્વ તરફ બાંગ્લાદેશ અને મ્યાનમાર, દક્ષિણે શ્રીલંકા અને માલદીવ, પશ્ચિમે પાકિસ્તાન, વાયવ્યમાં અફઘાનિસ્તાન, તથા ઉત્તરે નેપાળ, ભુતાન અને ચીન આવેલા છે. દક્ષિણ એશિયાઈ દેશોમાં પણ ભારત સૌથી મોટો દેશ છે. આ ઉપરાંત એશિયા-આફ્રિકાના અલ્પવિકસિત દેશોના સંદર્ભમાં પણ ભારતનું સ્થાન મહત્વનું છે.

ભારતના મધ્યના લંબચોરસ ભાગને બાદ કરતાં દ્વીપકલ્પીય ભારત ઊંધો ત્રિકોણાકાર ધરાવે છે. ભારતનો છેક ઉત્તર તરફનો ભાગ પણ ત્રિકોણઆકાર છે. સમગ્રપણે જોતાં ભારતનો આકાર હાથ પસારેલી માનવ આકૃતિ જેવો છે. દ્વીપકલ્પીય ભારતને બાદ કરતાં બાજુઓ લગભગ સમાન ક્ષેત્રફળ ધરાવતા ચોરસ આકારની છે. ઉત્તર વિભાગની તુલનામાં દક્ષિણ વિભાગ ક્રમશ: સાંકડો બનતો જાય છે અને કન્યાકુમારીની ભૂશિર રૂપે છેડાનું સ્વરૂપ રચે છે.

કન્યાકુમારીથી વિષુવવૃત્ત ફક્ત 800 કિમી.ને અંતરે આવેલું છે, તેથી દ્વીપકલ્પીય ભારતનો ભાગ ઉષ્ણ કટિબંધમાં આવે છે; પરંતુ કર્કવૃત્તથી ઉત્તર તરફનો તેનાથી બમણો વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધમાં ગણાય છે. દક્ષિણે હિંદી મહાસાગર અને ઉત્તરે વિશાળ હિમાલય પર્વતમાળાને કારણે ભારતની આબોહવા એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. આથી ભારત ઉષ્ણકટિબંધીય પ્રકારની મોસમી આબોહવાનો પ્રદેશ બની રહેલો છે.

ભારત ઘણો વિશાળ દેશ છે. ભારતની ઉત્તર–દક્ષિણ લંબાઈ 3,214 કિમી. અને પૂર્વ–પશ્ચિમ પહોળાઈ 2,933 કિમી. છે. તેનું ક્ષેત્રફળ 32,87,263 ચોકિમી. જેટલું છે. તેની ભૂમિસીમાની લંબાઈ આશરે 15,200 કિમી. છે. જ્યારે દરિયાઈ સીમાની લંબાઈ આશરે 7,516.6 કિમી. છે (આંદામાન-નિકોબાર ટાપુઓ સહિત). ભારતની દક્ષિણ સીમા હિંદી મહાસાગરથી રચાયેલી કુદરતી સીમા છે. પશ્ચિમ સીમા અરબી સમુદ્રમાં આવેલ કચ્છ નજીકની સિરક્રીક(Sircreek) (ખાડી) અને પૂર્વ સીમા બંગાળના ઉપસાગરમાં આવેલ રાઇમંગલા નદીની ખાડી અથવા ન્યૂમૂર ટાપુઓ દ્વારા નક્કી થાય છે. અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર બંને હિંદી મહાસાગરના ભાગરૂપ હોવાથી તે પણ કુદરતી સીમા રચે છે. ઉપરાંત, આંદામાન-નિકોબાર ટાપુઓને પણ ભારતીય જળસીમામાં ગણવામાં આવે છે.

ભારતના પૂર્વ છેડા પરના અરુણાચલ પ્રદેશનું રાજ્ય અને ચીન વચ્ચેની સીમા, ત્યાંના સીમાવર્તી પ્રદેશમાં વસતા માનવભક્ષી આદિવાસીઓને લીધે કંઈક અંશે સુરક્ષિત રહી છે. નાગાલૅન્ડ, મણિપુર અને મિઝોરમ રાજ્યો મ્યાનમાર સાથે સીમા બનાવે છે. આ સીમાવર્તી પ્રદેશોમાં ગારો, ખાસી, મિઝો (લુશાઈ) જેવી ટેકરીઓ તથા ગીચ જંગલો આવેલાં છે. આ ટેકરીઓ પ્રમાણમાં નીચી હોવાથી સરળતાથી ઓળંગી શકાય છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય અને ત્રિપુરા જેવાં પૂર્વ તરફનાં રાજ્યો બાંગ્લાદેશ સાથે કુદરતી તથા કૃત્રિમ (કાંટાળી વાડ) સરહદ રચે છે. એ જ રીતે પશ્ચિમ બંગાળ, આસામ અને અરુણાચલ પ્રદેશનાં રાજ્યો ભુતાન સાથે સીમા બનાવે છે. ભારતની પશ્ચિમ અને વાયવ્ય દિશામાં પાકિસ્તાન આવેલું છે. ગુજરાત, રાજસ્થાન અને પંજાબનાં રાજ્યો પાકિસ્તાન સાથે સીમા બનાવે છે. ઉત્તરે પાકિસ્તાનનો થોડોક ભાગ અને ચીન આવેલાં છે, તે જમ્મુ-કાશ્મીર રાજ્ય સાથે સીમા રચે છે. ભારતની ભૂમિસીમાની લંબાઈ દેશ અનુસાર આ પ્રમાણે છે : ભારત-ચીન સીમા (મેકમેહૉન રેખા) : 3,917 કિમી.; ભારત-પાકિસ્તાન સીમા : 3,310 કિમી. (વાસ્તવિક હરોળ–790 કિમી.; અને સિયાચીનમાં 98 કિમી.); ભારત–બાંગ્લાદેશ સીમા : 4,096 કિમી. (781 કિમી. નદીસીમા); ભારત–નેપાલ સીમા : 1,752 કિમી.; ભારત-મ્યાનમાર સીમા : 1,458 કિમી.; ભારત–ભુતાન સીમા : 587 કિમી; ભારત–અફઘાનિસ્તાન સીમા : 106 કિમી. અને ભારત રશિયા સાથે પણ સીમા ધરાવે છે.

ભૂસ્તરીય રચના : પ્રાકૃતિક ભૂગોળ તેમજ ભૂસ્તરશાસ્ત્રના સંદર્ભમાં ભારતનો સમગ્ર વિસ્તાર ત્રણ વિશિષ્ટ એકમોથી બનેલો છે. આ ત્રણે એકમો તેમનાં પ્રાકૃતિક તેમજ ભૂસ્તરીય લક્ષણોમાં ભિન્નતા ધરાવે છે. ભૂસ્તરીય એકમો : (i) શ્રીલંકાના ટાપુ સહિતનો દક્ષિણ ભારતનો ત્રિકોણાકાર ઉચ્ચસપાટ પ્રદેશ – આ વિસ્તાર દ્વીપકલ્પ તરીકે ઓળખાય છે. (ii) ભારતની પશ્ચિમે, ઉત્તર તથા પૂર્વમાં આવેલો હિમાલય તેમજ અન્ય પર્વતમાળાઓનો વિસ્તાર. તેમાં અફઘાનિસ્તાન, બલૂચિસ્તાન અને મ્યાનમારના પર્વતીય પ્રદેશોનો સમાવેશ થાય છે. આ વિસ્તાર ‘બાહ્ય-દ્વીપકલ્પ’ (Extra Peninsula) તરીકે ઓળખાય છે. (iii) ઉપર્યુક્ત બંને વિસ્તારોનું જુદું પાડતું પંજાબથી બંગાળ સુધીનું સિંધુ–ગંગાનું મેદાન. તે સિંધમાં આવેલી સિંધુની ખીણ સુધી વિસ્તરેલું છે.

ભૂસ્તરીય ઇતિહાસના પ્રારંભથી શરૂ કરીને આજ સુધી દ્વીપકલ્પીય વિસ્તાર પૃથ્વીની બાહ્ય સપાટીના ખંડીય પોપડાના એક ભાગ તરીકે જ રહ્યો છે, અર્થાત્ કૅમ્બ્રિયન કાળથી અર્વાચીન સમય સુધી કેટલાક સ્થાનિક અપવાદો સિવાય તેનું સમુદ્રજળ હેઠળ અવતલન થયું નથી. વળી તેના પર કોઈ પ્રકારની દરિયાઈ નિક્ષેપક્રિયા પણ થઈ નથી. માત્ર કિનારાના ભાગો પર અમુક સમયના દરિયાઈ નિક્ષેપોના સ્તર જામેલા છે ખરા.

બાહ્ય-દ્વીપકલ્પીય વિસ્તાર તેના ભૂસ્તરીય ઇતિહાસના મોટાભાગના કાળ દરમિયાન સમુદ્રજળ હેઠળ રહેલો છે. તેથી તે કૅમ્બ્રિયન કાળથી શરૂ કરીને બધા જ ભૂસ્તરીય સમયના વિશિષ્ટ દરિયાઈ નિક્ષેપોથી બનેલો છે. તેમાંથી મળી આવતા જુદા જુદા ભૂસ્તરીય કાળના જીવાવશેષો આ હકીકતની સાક્ષી પૂરે છે.

બીજો મહત્વનો તફાવત આ બંને વિસ્તારો વચ્ચેનાં ભૂરચનાત્મક લક્ષણોનો છે. બાહ્ય-દ્વીપકલ્પીય વિસ્તાર કરતાં દ્વીપકલ્પીય ભારતનો આ પ્રાચીનતમ ભાગ ગોંડવાના ભૂમિપ્રદેશનો જ એક હિસ્સો છે. તેનું ભૂસ્તર ર્દઢ હોવાથી તે ભૂકવચ અથવા અવિચળ પ્રદેશ (shield) તરીકે જાણીતો છે. દ્વીપકલ્પીય વિસ્તાર ર્દઢ ગણાતો હોવા છતાં જબલપુરમાં, લાતુરમાં અને કચ્છમાં મોટા ભૂકંપ થયા છે. 2001ના ભૂકંપે સમગ્ર ગુજરાતમાં તારાજી વેરેલી. બાહ્ય-દ્વીપકલ્પીય વિભાગ જળકૃત ખડક સ્તરોથી રચાયેલો છે તથા ભૂસંચલનજન્ય ક્રિયાઓમાં સામેલ થયેલો હોવાથી સ્તરભંગો અને ગેડરચનાઓવાળો બની રહેલો છે. આ ર્દષ્ટિએ તે પૃથ્વીનો ખૂબ જ નબળો વિસ્તાર ગણાય છે. આ કારણે જ અહીં અવારનવાર ભૂકંપ થતા રહે છે.

આ બંને વિસ્તારો વચ્ચેની ત્રીજી ભિન્નતા તેમના જળપરિવાહ વિશેની છે. દ્વીપકલ્પીય વિસ્તારની લગભગ બધી જ નદીઓ ઓછા જળપ્રમાણવાળી, છીછરી તેમજ આછા ઢોળાવવાળી છે. તે ઘસારાની સમભૂમિના સ્તર સુધી પહોંચી ગયેલી છે. નર્મદા અને તાપી તેમજ તેમની સહાયક નદીઓ ખંભાતના અખાતને મળે છે. તે સિવાયની બાકીની બધી જ નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને પૂર્વીય જળપરિવાહ રચીને બંગાળના ઉપસાગરને મળે છે. બાહ્ય-દ્વીપકલ્પ વિસ્તારની બધી જ નદીઓ હિમાલયમાંથી નીકળે છે. તે બધી અત્યંત વેગવાળી અને પુષ્કળ જળજથ્થાવાળી છે. તેમાં વર્ષમાં બે વાર પૂર આવે છે. હિમાલયના ઉત્થાનને કારણે તેમનો વારંવાર કાયાકલ્પ (rejuvenation) થતો રહ્યો છે. કેટલીક નદીઓએ તેમનાં વહેણ પણ બદલ્યાં છે.

હિમાલયની તળેટીની ધારે ધારે આવેલું વિશાળ સિંધુ-ગંગાનું મેદાન ભારતનો ત્રીજો ભૂસ્તરીય એકમ છે. વાસ્તવમાં તો તે હિમાલયના ક્રમશ: ઉત્થાનને પરિણામે ઉદભવેલું એક વિશાળ ગર્ત છે. તેની ઉત્પત્તિ માટે જુદાં જુદાં મંતવ્યો પ્રવર્તે છે, તે પૈકી એડવર્ડ સ્વેસ અને ઓલ્ડહામ બુરાર્ડનાં મંતવ્યો વધુ જાણીતાં છે. આ ગર્ત તેના તળ પર અનેક પ્રકારની રચનાત્મક લાક્ષણિકતાઓવાળું છે. સિંધુ, ગંગા તેમજ તેમની શાખાનદીઓ દ્વારા હિમાલય પર્વતમાળામાંથી ઘસડાઈ આવેલા કાંપથી તે ક્રમશ: પુરાતું જવાથી મેદાનમાં પરિણમેલું છે. વિપુલ જળભંડાર અને કૃષિપેદાશો માટે આજે તે ખૂબ જ ઉપયોગી બની રહેલું છે.

રાજસ્થાનના રણને ચોથા એકમ તરીકે ઉમેરી શકાય. અરવલ્લીની પશ્ચિમે આવેલો રાજસ્થાનનો મોટો વિસ્તાર દ્વીપકલ્પીય ભારત અને બાહ્યદ્વીપકલ્પનાં મિશ્ર લક્ષણો ધરાવે છે. લાંબા ગાળાની શુષ્કતાને પરિણામે આ પ્રદેશમાં રણનાં લક્ષણો ઉદભવેલાં છે. ખડકોના વિભંજનથી તૈયાર થયેલી અને સિંધુના નિક્ષેપથાળામાંથી ફૂંકાઈ આવેલી રેતીના આવરણ નીચે આ સમગ્ર વિસ્તારનાં મૂળ લક્ષણો દટાઈ ગયેલાં છે.

હિમાલય અને તેની નજીકની પર્વતમાળાઓની રચના તૃતીય જીવયુગ દરમિયાન થયેલી છે. અહીં ભૂસ્તરીય અતીતમાં ટેથીસ સમુદ્ર અસ્તિત્વ ધરાવતો હતો. ઉત્તર અને દક્ષિણ તરફથી આવતી તે વખતની નદીઓએ લાખો વર્ષો સુધી તેના તળ પર કાંપ ઠાલવ્યા કર્યો. કાંપના બોજથી થાળું દબતું ગયું. કાંપ સમાવવાની ક્ષમતા વધી. પરંતુ જમાવટ વધી જતાં લાંબે ગાળે અહીંનું ભૂસંતુલન જોખમાયું. તેમાં અનેક પ્રકારનાં રચનાત્મક લક્ષણો ઉદભવતાં ગયાં. સંજોગોવશાત્ તે દરમિયાન–મધ્ય ઇયોસીન કાળગાળા વખતે – ગોંડવાના ભૂમિસમૂહમાંથી ઉત્તર તરફ આવતી ભારતીય ભૂતકતી એશિયા સાથે અથડાઈ. પરિણામે ટેથીસ મહાસાગર તળ પરથી નિક્ષેપ-જમાવટ હિમાલય સ્વરૂપે ઊંચકાઈ આવી – હિમાલયનું આ ઉત્થાન આખા તૃતીય જીવયુગના કાળગાળા દરમિયાન આંતરે આંતરે ત્રણથી ચાર વખત જુદા જુદા તબક્કાઓમાં થયેલું છે. હજી આજે પણ હિમાલય ઊંચકાઈ રહ્યો છે.

ભૂપૃષ્ઠ

ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ ભારતને નીચે મુજબના પાંચ વિભાગોમાં વહેંચી શકાય : (1) હિમાલયની હારમાળા, (2) ગંગા-સિંધુનું વિશાળ મેદાન, (3) દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ, (4) દરિયા-કિનારાનાં સાંકડાં મેદાનો, (5) રણપ્રદેશ.

(1) હિમાલયની હારમાળા : પામીરની ગાંઠમાંથી નીકળતી અને કમાન આકારે પથરાયેલી હિમાલયની હારમાળા દુનિયાની સૌથી વધુ ઊંચાઈ ધરાવતી હારમાળા છે. તે પૂર્વ–પશ્ચિમ આશરે 2,400 કિમી.ની લંબાઈ અને ઉત્તર–દક્ષિણ સ્થાનભેદે આશરે 160થી 400 કિમી.ની પહોળાઈવાળી છે. તેની સરેરાશ ઊંચાઈ 6,000 મીટર જેટલી છે. દુનિયાનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ (ગૌરીશંકર) હિમાલયમાં આવેલું છે. તેની ઉત્તરે તિબેટનો ઉચ્ચપ્રદેશ અને દક્ષિણે ગંગા-જમનાનું મેદાન આવેલું છે. એશિયા ખંડના પર્વતીય વિસ્તારોનાં 6,500 મીટરથી વધુ ઊંચાં શિખરો પૈકીનાં 92 શિખરો આ હારમાળામાં છે.

ઊંચાઈના સંદર્ભમાં આ હારમાળાને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય છે : (i) ઉચ્ચ હિમાલય, (ii) મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય અને (iii) બાહ્ય હિમાલય.

(i) ઉચ્ચ હિમાલય : ઉચ્ચ હિમાલયની ગિરિમાળાઓ જમ્મુ-કાશ્મીરમાં આવેલા નંગા પર્વતથી શરૂ કરીને આસામમાં આવેલ નામચા બર્વા શિખર સુધી વિસ્તરેલી છે. તેની પૂર્વ–પશ્ચિમ લંબાઈ 2,400 કિમી. છે, જ્યારે પહોળાઈ 25 કિમી. છે. હિમરેખાથી ઉપર તરફનો આ વિભાગ બારેમાસ હિમાચ્છાદિત રહેતો હોવાથી તેમાંથી અનેક હિમનદીઓ નીકળે છે. આ વિભાગની સરેરાશ ઊંચાઈ 6,100 મીટર છે, પરંતુ તેમાં 7,000 મીટરથી પણ વધુ ઊંચાઈવાળાં શિખરો આવેલાં છે. દુનિયાનાં ઊંચાં શિખરો માઉન્ટ એવરેસ્ટ (8,872 મી.); ગોડવિન ઑસ્ટિન (8,611 મી.); કાંચનજંઘા (8,598 મી.); કામેટ  (7,756 મી.); ધવલગિરિ (8,167 મી.) તથા નંગા પર્વત : (8,125 મી.); ગેશર બ્રમ (8,068 મી.); ગોસાઇન્થાન (8,013); નંદાદેવી (7,817 મી.) આ વિભાગમાં આવેલાં છે. આ હારમાળાની બાજુઓ સીધા ઢોળાવવાળી છે અને તેમાં પહોળી ખીણોનો અભાવ છે. આ હારમાળામાં આવેલી હિમનદીઓ ભારતની મહત્વની નદીઓનાં ઉદગમસ્થાનો છે. આ શ્રેણીમાં આવેલી ઝંસ્કાર અને લડાખની હારમાળાઓની મધ્યમાં સિંધુ નદીની ખીણ આવેલી છે. કારાકોરમ હારમાળામાં આવેલો કારાકોરમ ઘાટ (5,575 મીટર) ભારતના લેહ અને ચીનનાં શહાખીડુલ્લા સ્થળોને જોડે છે, જ્યારે ઝંસ્કાર હારમાળામાં આવેલો શિપ્કી ઘાટ (4,694 મીટર) ભારતનાં સિમલા અને ચીનનાં ટોલિંગ સ્થળોને જોડે છે.

(ii) મધ્ય હિમાલય (લઘુ હિમાલય) : આ હારમાળા ઉચ્ચ હિમાલયની દક્ષિણે અને સમાંતર આશરે 80થી 100 કિમી. પહોળાઈમાં પથરાયેલી છે. તેની સરેરાશ ઊંચાઈ 3,000 મીટર જેટલી છે. ઉચ્ચ અને મધ્ય હિમાલય હારમાળાઓની વચ્ચે બે વિશાળ ખીણપ્રદેશો આવેલા છે : પશ્ચિમ તરફ 4,900 ચોકિમી.નો વિસ્તાર ધરાવતી કાશ્મીરની ખીણ અને પૂર્વમાં નેપાળમાં આવેલી ખટમંડુની ખીણ – આ બંને ખીણો લગભગ સપાટ મેદાન જેવી છે. આ હારમાળામાં સિમલા, મસૂરી અને નૈનીતાલ જેવાં ગિરિમથકો આવેલાં છે. અહીંની પાંગી હારમાળામાં આવેલો બર્ઝિલ ઘાટ (4,199 મી.) શ્રીનગર અને ગિલગિટ (પાકિસ્તાન હસ્તક) શહેરોને જોડે છે.

(iii) બાહ્ય હિમાલય : આ હારમાળા હિમાલયના તળેટી વિસ્તારમાં નીચી ટેકરીઓ રૂપે જોવા મળે છે. તેની પહોળાઈ 15થી 30 કિમી. જેટલી છે. તેની સરેરાશ ઊંચાઈ 1,500 મીટર છે. મધ્ય હિમાલય અને બાહ્ય હિમાલયની મધ્યમાં આવેલા ખીણપ્રદેશોને પશ્ચિમમાં દૂન અને પૂર્વમાં દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. દા.ત., દહેરાદૂન, હરદ્વાર વગેરે. આ હારમાળા શિવાલિકની ટેકરીઓ તરીકે પણ જાણીતી છે, જોકે સળંગ હિમાલયમાં સ્થાનભેદે તેનાં જુદાં જુદાં સ્થાનિક નામ પણ છે. બલૂચિસ્તાનમાં મકરાન, સિંધમાં મંચાર, આસામમાં તિપામ, ડુપી તિલા અને દિહિંગ તથા મ્યાનમારમાં ઇરાવદી નામોથી તે ઓળખાય છે. પૂર્વ વિભાગમાં પતકાઈ, નાગા અને મિઝો(લુશાઈ)ની ટેકરીઓ આવેલી છે, તે વધુ પૂર્વ તરફ જતાં આરાકાનયોમા (મ્યાનમાર) તરીકે ઓળખાય છે. આ શ્રેણીનો જ એક ફાંટો પૂર્વ ભારતમાં જે પશ્ચિમ તરફ લંબાય છે, તે ખાસી, ગારો અને જેંતિયાની ટેકરીઓને નામે ઓળખાય છે. ઊંડી ખીણો, પુષ્કળ વરસાદ, ગીચ જંગલો, હિંસક પ્રાણીઓ તેમજ માનવભક્ષી આદિવાસી ટોળીઓને લીધે અહીંનો વિસ્તાર લગભગ અલ્પ વસ્તીવાળો બની રહેલો છે.

હિમાલયમાં આવેલા જુદા જુદા ઘાટો પૈકી કારાકોરમ અને જેલાપલા ઘાટ વધુ મહત્વના છે. અન્ય જાણીતા ઘાટોમાં શિપ્કી, કોન્ગકા, થાગ લા, લાહુ લા, નાથુ લા, થાગણ ઘાટ અને ચુસુલ ઘાટનો સમાવેશ કરી શકાય.

(2) સિંધુગંગાનું વિશાળ મેદાન : હિમાલય અને દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશની વચ્ચે આવેલું આ મેદાન દુનિયાનાં મોટાં કાંપનાં મેદાનો પૈકીનું એક ગણાય છે. તે પૂર્વ–પશ્ચિમ 2,400 કિમી. લાંબું અને સ્થાનભેદે 150થી 500 કિમી. પહોળાઈવાળું છે. તેનું કુલ ક્ષેત્રફળ 7,77,000 ચોકિમી. જેટલું છે. તે હિમાલયમાંથી નીકળતી નદીઓ દ્વારા ઘસડાઈ આવેલા કાંપથી બનેલું છે. આ મેદાનનું નિર્માણ પ્લાયસ્ટોસીન કાલખંડમાં થયેલું છે, તેમ છતાં આજ સુધી પણ તેની રચના ચાલુ છે. સપાટીના ઊંચાણ-નીચાણની ર્દષ્ટિએ તેને સમતળ ગણાવી શકાય. સમુદ્ર-સપાટીથી તેની ઊંચાઈ લગભગ 250થી 300 મીટર જેટલી છે, પરંતુ દિલ્હી પાસે જ્યાં અરવલ્લીના ફાંટારૂપે ઊંચી ભૂમિ શિવાલિક હારમાળા સુધી પહોંચે છે ત્યાં મેદાનની ઊંચાઈ વધુ છે. દેહલી(દિલ્હી)નો અર્થ ઉંબરો થાય છે, તે મુજબ દિલ્હી ગંગાના મેદાનના પ્રવેશદ્વારનો ઉંબરો ગણાય છે. આ ઊંચાઈને કારણે જ સિંધુ અને ગંગાનાં મેદાનો જુદાં પડે છે. આ મેદાનોના ઢોળાવો એકતરફી ન હોવાથી સિંધુને મળતી રાવી, બિયાસ, જેલમ, ચિનાબ, સતલજ વગેરે નદીઓ નૈર્ઋત્ય તરફ વહે છે. સિંધુ નદી પણ નૈર્ઋત્ય તરફ વહીને છેવટે અરબી સમુદ્રને મળે છે; જ્યારે ગંગાને મળતી જમના, ગોમતી, ગંડક વગેરે નદીઓ અગ્નિ દિશામાં વહીને બંગાળના ઉપસાગરને મળે છે. આ મેદાનમાં કાંપના થર 500 મીટરની ઊંડાઈ સુધી વિસ્તરેલા છે. દુનિયાના મુખ્ય ત્રિકોણપ્રદેશોમાં ગંગાના મુખત્રિકોણની પણ ગણના થાય છે. ત્રિકોણપ્રદેશમાં થતી રહેતી કાંપજમાવટને કારણે મેદાન સતત બંગાળના ઉપસાગર તરફ આગળ વધી રહ્યું છે. 18મી સદીના ઉત્તરાર્ધમાં કૉલકાતા (કલકત્તા) દરિયાકિનારે હતું, આજે નથી. ભારતનો આ મેદાની પ્રદેશ સૌથી વધુ ફળદ્રૂપ હોવાથી તે ગીચ વસ્તીનો પ્રદેશ બની રહેલો છે. ખેતીની ર્દષ્ટિએ પણ તે અતિ સમૃદ્ધ ગણાય છે. અહીં દિલ્હી, આગ્રા, કાનપુર, લખનૌ, અલાહાબાદ, વારાણસી, પટણા, કોલકાતા જેવાં શહેરો વસેલાં છે.

(3) દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ : ભારતનો આ જૂનામાં જૂનો પ્રદેશ છે. તેની ઉત્તર–દક્ષિણ લંબાઈ મધ્યપ્રદેશના પંચમઢીથી શરૂ કરીને કન્યાકુમારી સુધી આશરે 1,600 કિમી. અને વધુમાં વધુ પહોળાઈ પશ્ચિમે સહ્યાદ્રિથી શરૂ કરીને પૂર્વમાં રાજમહાલની ટેકરીઓ સુધી 1,400 કિમી. જેટલી છે. આ ઉચ્ચપ્રદેશની સરેરાશ ઊંચાઈ 600 મીટર છે, પરંતુ વધુમાં વધુ ઊંચાઈ 1,000 મીટર છે. અહીં અનેક નાના નાના ઉચ્ચપ્રદેશો પણ આવેલા છે. વિંધ્ય પર્વત, સાતપુડા અને મહાદેવના પહાડો, દક્ષિણના ઉચ્ચપ્રદેશના બે ભાગ પાડે છે. ઉત્તરમાં અરવલ્લીની હારમાળા આવેલી છે અને દક્ષિણ તરફ સહ્યાદ્રિ હારમાળા વિસ્તરેલી છે. ઉત્તર તરફના ભાગનો ઢોળાવ ઈશાન તરફનો હોવાથી ચંબલ અને બેતવા નદીઓ ઉત્તર તરફ વહીને, જમના-શોણને મળીને ગંગામાં સમાઈ જાય છે. દક્ષિણ તરફના ભાગનો ઢોળાવ અગ્નિકોણી હોવાથી મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓ બંગાળના ઉપસાગરને મળે છે. વિંધ્ય અને સાતપુડા વચ્ચે નર્મદા-તાપી નદીઓ ફાટખીણના માર્ગે પશ્ચિમ તરફ વહીને ખંભાતના અખાતને–અરબી સમુદ્રને મળે છે.

દક્ષિણનો ઉચ્ચપ્રદેશ દક્ષિણ તેમજ પશ્ચિમ તરફ વધુ ઊંચાઈ ધરાવે છે. સહ્યાદ્રિ આ ઉચ્ચપ્રદેશનો સીધા ઢોળાવવાળો વિસ્તાર છે. તે પશ્ચિમઘાટના નામથી પણ ઓળખાય છે. તેની ઊંચાઈ સરેરાશ 1,200 મીટર જેટલી છે. ઉચ્ચપ્રદેશની પૂર્વ બાજુએ તૂટક તૂટક રૂપે પૂર્વ ઘાટ આવેલો છે. તેની ઊંચાઈ ઓછી છે. પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ મૈસૂર નજીક ભેગા થાય છે. ત્યાં નીલગિરિની ટેકરીઓ આવેલી છે. નીલગિરિનું સૌથી ઊંચું ગણાતું શિખર દોદાબેટા (2,637 મીટર) છે, પરંતુ વાસ્તવમાં તો અનાઈમુડીની ઊંચાઈ 2,695 મીટર છે. તે દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલી છે.

(4) દરિયાકિનારાનાં મેદાનો : ભારતના દરિયાકિનારાનાં મેદાનોને બે ભાગમાં વહેંચેલાં છે : (i) પૂર્વ કિનારાનું મેદાન અને (ii) પશ્ચિમ કિનારાનું મેદાન.

(i) પૂર્વ કિનારાનું મેદાન : પશ્ચિમ કિનારાના મેદાન કરતાં પૂર્વ કિનારાનું મેદાન વધુ પહોળું છે. આ મેદાન પૂર્વઘાટ અને બંગાળના ઉપસાગરની મધ્યમાં આવેલું છે. તેના દક્ષિણ ભાગને કોરોમાંડલનું મેદાન અને ઉત્તર ભાગને કલિંગનું મેદાન કહે છે. કોરોમાંડલનો પટ કલિંગના મેદાન કરતાં વધુ પહોળો છે. પૂર્વ કિનારાનું મેદાન ઉત્તરથી દક્ષિણ તરફ જતાં વધુ પહોળું થતું જાય છે. ગોદાવરી, કૃષ્ણા તથા કાવેરીના મુખપ્રદેશના મેદાનની પહોળાઈ આશરે 100 કિમી.ની છે. આ મેદાનની ઊંચાઈ 15 મીટરથી પણ ઓછી છે. કૃષ્ણા નદીની દક્ષિણે રહેલા ભાગની પહોળાઈ લગભગ 475થી 675 કિમી. સુધીની છે. પૂર્વ તરફનો દરિયાક્ધિાારો ઓછો ખાંચાખૂંચીવાળો છે, તેથી અહીં બંદરો ઓછા પ્રમાણમાં છે. અહીં કોલકાતા, તુતિકોરિન, ચેન્નઈ, વિશાખાપટનમ્ જેવાં બંદરો આવેલાં છે. અહીંના દરિયાકિનારે રેતીના અનેક ઢૂવા આવેલા છે, તેથી કેટલાંક સ્થળોએ ખાડીસરોવરની રચના થયેલી છે. ચિલકા અને પુલિકટ તેનાં ઉદાહરણો છે.

(ii) પશ્ચિમ કિનારાનું મેદાન : આ મેદાન પશ્ચિમ ઘાટ અને અરબી સમુદ્રના કિનારા વચ્ચે આવેલું છે. મુંબઈની દક્ષિણમાં ગોવા સુધી તે કોંકણના મેદાન તરીકે અને ત્યાંથી વધુ દક્ષિણના ભાગને મલબારના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમના મેદાનનો મધ્યભાગ સૌથી સાંકડો છે, તેની પહોળાઈ 30થી 35 કિમી. જેટલી છે, નર્મદા અને તાપીના મુખ પાસે આ મેદાનની પહોળાઈ 80 કિમી. જેટલી થાય છે. અહીંથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનું મેદાન વધુ પહોળું છે. પશ્ચિમ કિનારાના મેદાનના દરિયાકિનારે રેતીના ઢૂવા વધુ પ્રમાણમાં જોવા મળે છે, ઢૂવાઓની પાછળના ભાગમાં પાણી ભરાતાં ખાડી-સરોવરની રચના થયેલી જોવા મળે છે. પશ્ચિમ કિનારે કચ્છમાં પણ આવાં કુદરતી સરોવરો રચાયેલાં છે.

(5) રણપ્રદેશ : પશ્ચિમ ભારતનો નીચી ભૂમિનો રણવિસ્તાર એક તરફ અરવલ્લી હારમાળાથી અને બીજી તરફ અરબી સમુદ્રથી ઘેરાયેલો છે. તે કર્કવૃત્તથી શરૂ કરીને 30° ઉ. અ. વચ્ચે પથરાયેલો છે. તે થરના રણ કે રાજસ્થાનના રણ તરીકે પણ ઓળખાય છે. રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબને આવરી લેતા રણપ્રદેશનો કુલ વિસ્તાર આશરે 1,54,000 ચોકિમી. જેટલો થાય. આ રણપ્રદેશ બે ભાગમાં વહેંચાયેલો છે : (i) પંજાબ-રાજસ્થાનનો રણપ્રદેશ, (ii) કચ્છનો રણપ્રદેશ. રાજસ્થાનના રણ તરીકે ઓળખાતા ભાગમાં દક્ષિણ પંજાબ તેમજ જોધપુર, બીકાનેર અને જેસલમેરનો સમાવેશ થાય છે. રાજસ્થાનનો આ ભૂમિભાગ આશરે 200 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે, તે ‘જોતવાના’ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. અહીં રેતીની બે પ્રકારની ટેકરીઓ જોવા મળે છે : અનુદીર્ઘ (લાંબી) અને અનુપ્રસ્થ (આડી). સિંધી ભાષામાં ભિટ (Bhits) તરીકે ઓળખાતી લાંબી ટેકરીઓ પવનોના દિશાના માર્ગને અનુસરતી ઈશાન–નૈર્ઋત્ય ઉપસ્થિતિવાળી તૈયાર થાય છે, આડ ટેકરીઓ પવનની દિશાને કાટખૂણે ગોઠવાય છે, તેમને રેતીના ઢૂવા કહે છે. સામાન્ય રીતે તેમની ઊંચાઈ 60 મીટર જેટલી હોય છે. રણવિસ્તારની સમગ્ર જમીનમાં ક્ષારોનું પ્રમાણ પણ ભળેલું હોય છે. આ કારણે નજીકના પ્રદેશની નદીઓ કે સરોવરોનાં જળ ખારાં હોય છે. ખારી નદી અને સાંભર સરોવર તેનાં ઉદાહરણ છે.

કચ્છનું રણ બે વિભાગમાં વહેંચાયેલું છે : મોટું રણ (7,000 ચોકિમી.) અને નાનું રણ (4,000 ચોકિમી.). તેનો કુલ વિસ્તાર 11,000 ચોકિમી. જેટલો થાય છે. આ રણનો ઢોળાવ સમુદ્ર તરફનો છે. કેટલીક વાર ઉદભવતી અનિશ્ચિત પરિસ્થિતિને કારણે અહીંની સપાટી કાદવ-કીચડવાળી પણ બની રહે છે. નૈર્ઋત્યના મોસમી પવનોને લીધે પડતા વરસાદ તેમજ નદીઓનાં પાણી અહીંના સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જાય છે, સાથે સાથે સમુદ્રસપાટી 1થી 15 મીટર ઊંચી આવતાં અહીં ખારું પાણી પથરાઈ જાય છે. આ કારણે ચોમાસામાં મોટું અને નાનું રણ એકાકાર બની રહે છે. નાના રણનું પાણી નળ સરોવર દ્વારા ખંભાતના અખાતમાં પણ ઠલવાય છે.

જળપરિવાહ

ભારતના જળપરિવાહના સંદર્ભમાં નદીઓનું 70 % જળ ગંગા-બ્રહ્મપુત્રની જળપ્રણાલી દ્વારા બંગાળના ઉપસાગરમાં ભળે છે, સિંધુનદીની જળપ્રણાલી દ્વારા 20 % જળ ભળે છે, જ્યારે દક્ષિણ ભારતની નદીઓનાં જળનું પ્રમાણ 10%થી પણ ઓછું છે. આશરે 1 % જળરાશિમાં હિમાચ્છાદિત પ્રદેશો, રણવિસ્તારો અને ટાપુવિસ્તારોનો સમાવેશ થઈ શકે છે.

ભારતના જળપરિવાહને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (1) ઉત્તર ભારતનો જળપરિવાહ, (2) દક્ષિણ ભારતનો જળપરિવાહ, (3) આંતરિક જળપરિવાહ.

(1) ઉત્તર ભારતનો જળપરિવાહ : વિદ્વાનોના મત પ્રમાણે ઉત્તર ભારતની નદીઓ હિમાલયની ઉત્પત્તિ થઈ તે પહેલાંની છે. આવી નદીઓ યથાપૂર્વ (antecedent) નદીઓ કહેવાય છે. તે પૈકીની મોટાભાગની નદીઓ હિમાલયના હિમાચ્છાદિત પ્રદેશોમાંથી નીકળે છે. તેમાં ચોમાસા દરમિયાન વરસાદથી તથા ઉનાળા દરમિયાન હિમગલનથી એમ વર્ષમાં બે વાર પૂર આવે છે. કેટલીક નદીઓ તિબેટના ઉચ્ચપ્રદેશનું પાણી પણ પોતાની સાથે લાવે છે. આ નદીઓ બારેમાસ જળથી ભરપૂર રહેતી હોવાથી તેમને કાયમી નદીઓ કહે છે.

ઉત્તર ભારતની જળપ્રણાલીને પણ ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (i) સિંધુનો જળપરિવાહ, (ii) ગંગાનો જળપરિવાહ, (iii) બ્રહ્મપુત્રનો જળપરિવાહ.

(i) સિંધુનો જળપરિવાહ : સિંધુ વિશાળ પાયા પર સિંચાઈ પદ્ધતિ માટે જળસ્રોત પૂરી પાડતી દુનિયાની નદીઓ પૈકીની એક છે. સિંધુ-ગંગા વચ્ચે જે જળવિભાજક પ્રદેશ આવેલો છે, તે આશરે 300 મીટરની ઊંચાઈ ધરાવે છે. સિંધુની સહાયક નદીઓમાં રાવી, બિયાસ, ચિનાબ, જેલમ અને સતલજ મુખ્ય છે, જે નૈર્ઋત્ય તરફ વહીને સિંધુને મળે છે. આ પાંચ નદીઓના કાંપનિક્ષેપનથી નિર્માણ પામેલો પ્રદેશ પંજાબ (પંચ આબ) કહેવાય છે. આ બધી નદીઓ હિમાલયમાંથી નીકળતી હોવાથી તેમાં બારેમાસ જળપુરવઠો રહે છે. આ બધી નદીઓનો મોટોભાગ પાકિસ્તાનમાંથી વહેતો હોવાથી ભારતને તે બહુ ઉપયોગી નથી. સિંધુ જળપરિવાહની નદીઓ નૈર્ઋત્ય તરફ વહીને અરબી સમુદ્રને મળે છે. સિંધુને મળતી જે નદીઓ ભારત-પાકિસ્તાન બંને દેશમાં વહે છે, તેના જળવિવાદ અંગે જે કરાર થયા છે, તેને આધારે સિંધુ, જેલમ અને ચિનાબનાં પાણી પાકિસ્તાનને તથા રાવી, બિયાસ અને સતલજનાં પાણી ભારતને મળે છે. સિંધુ નદીનું ઉદગમસ્થાન ચીન હસ્તક આવેલા માનસરોવરમાં રહેલું છે. આ નદીની કુલ લંબાઈ તિબેટ-પાકિસ્તાન સહિત 3,180 કિમી. છે.

(ii) ગંગાનો જળપરિવાહ : ગંગા નદી પુરાણ, ધર્મ, સંસ્કૃતિ, કૃષિ, જળમાર્ગ વગેરે સંદર્ભમાં ભારતની સૌથી મહત્વની નદી છે. તેનું મૂળ હિમાલયના કામેટ શિખર વિસ્તારમાં ગંગોત્રીમાં રહેલું છે. હરદ્વાર પાસે તે મેદાનમાં પ્રવેશ કરે છે. તેનો કુલ પ્રવાહવિસ્તાર 8,38,200 ચોકિમી. જેટલો થાય છે. આ નદી ભારતના કુલ ક્ષેત્રફળના
25 % ભાગને પાણી પૂરું પાડે છે. તેની કુલ લંબાઈ આશરે 2,500 કિમી. જેટલી છે. તેના કિનારા પર હરદ્વાર, કાનપુર, અલાહાબાદ, વારાણસી, પટણા, ગયા, કોલકાતા, હાવરા વગેરે સ્થળો આવેલાં છે. અલાહાબાદ ખાતે ગંગા-યમુનાનો સંગમ થાય છે. તેને મળતી અન્ય નદીઓમાં ગોમતી, ઘાઘરા, ગંડક અને કોશી મુખ્ય છે. આ પૈકી કોશી નેપાલમાંથી નીકળે છે. બિહારમાં તે પારાવાર નુકસાન કરતી હોવાથી તેને બિહારની દિલગીરી કહે છે. હવે તેના પર પણ નિયંત્રણ લાવી શકાયું છે. આ ઉપરાંત દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળીને ઉત્તર તરફ વહેતી ચંબલ, બેતવા અને કેન નદીઓ ગંગાને મળે છે. વળી પૂર્વ તરફ વહેતી શોણ અને દામોદર પણ ગંગાને મળે છે. યમુના નદી જમ્નોત્રી શિખરમાંથી નીકળીને દિલ્હી, આગ્રા, મથુરા વગેરે શહેરો ખાતેથી પસાર થઈ ગંગાને મળે છે.

ઉત્તર ભારતની નદીઓ ઘસારાની સાથે વહનક્રિયા અને નિક્ષેપનું પણ કામ કરે છે. ગંગા નદીને કારણે સુંદરવનનો ત્રિકોણાકાર પ્રદેશ વધુ ને વધુ વિસ્તૃત થઈ રહ્યો છે. ગંગાનો જે પ્રવાહ પશ્ચિમ બંગાળ તરફ વહે છે તે હુગલી તરીકે, બાંગ્લાદેશમાં પ્રવેશે છે તે પછી પદ્મા તરીકે અને બ્રહ્મપુત્રને મળે છે તે મેઘના તરીકે ઓળખાય છે. ગંગા નદી એના વિપુલ જળજથ્થાને કારણે તેના મુખથી કાનપુર સુધી જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે.

(iii) બ્રહ્મપુત્રનો જળપરિવાહ : બ્રહ્મપુત્ર નદી હિમાલયમાં કૈલાસ શિખરના કોંગુત્શો (માનસરોવરથી અગ્નિદિશામાં 96 કિમી. અંતર પર) પાસેથી નીકળી લાંબા અંતર સુધી તિબેટમાં વહે છે. તેની કુલ લંબાઈ આશરે 2,900 કિમી. છે. ભારતમાં તેની લંબાઈ 720 કિમી.ની છે. તિબેટ છોડીને તે ભારતના ઈશાન ખૂણે આસામમાં પ્રવેશે છે. આ નદીમાં દર વર્ષે પૂર આવે છે. ભારતનો પ્રદેશ છોડીને તે બાંગ્લાદેશમાં વહીને ગંગાનદીના પ્રવાહમાં ભળી જાય છે અને બંગાળના ઉપસાગરને મળે છે. આ નદીનો પટ ખૂબ જ વિશાળ છે. ગુઆહાટી અને દિબ્રૂગઢ શહેરો આ નદી પર આવેલાં છે. આ નદી તેના મુખથી દિબ્રૂગઢ સુધી જળમાર્ગ તરીકે ઉપયોગી છે. તિસ્તા નદી તેની સહાયક નદી છે.

 (2) દક્ષિણ ભારતનો જળપરિવાહ : દક્ષિણ ભારતની નદીઓ અનુવર્તી જળપરિવાહ ધરાવે છે. વિદ્વાનોના મત પ્રમાણે દક્ષિણ ભારતની નદીઓ ઉત્તર ભારતની નદીઓ કરતાં પણ વધુ પ્રાચીન છે. અહીંની મોટાભાગની નદીઓ પશ્ચિમઘાટમાંથી નીકળીને બંગાળના ઉપસાગરને મળે છે. આ નદીઓમાં પાણીપુરવઠો પ્રમાણમાં ઓછો રહે છે, તેમજ તે ટૂંકી અને છીછરી છે. આ નદીઓમાં ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, મહા, પેન્નાર, પેરિયાર, પમ્બા અને શરાવતીનો સમાવેશ કરી શકાય. તેમના માર્ગમાં અનેક કોતરો અને ધોધ આવતાં હોવાથી તે નૌકાવહન માટે ઉપયોગી નીવડતી નથી.

વિંધ્ય અને સાતપુડાની હારમાળાઓમાંથી નીકળતી નર્મદા અને તાપી ફાટખીણના માર્ગે વહીને અરબી સમુદ્રને મળે છે. તે નૌકાવહન માટે અંશત: ઉપયોગમાં લેવાય છે. નર્મદાનું મૂળ મૈકલ પર્વતના અમરકંટકમાં રહેલું છે, જ્યારે તાપીનું મૂળ સાતપુડાની ટેકરીઓમાં આવેલું છે. નર્મદાનું પ્રવાહક્ષેત્ર 98,420 ચોકિમી. જેટલું છે, તેની કુલ લંબાઈ 1,310 કિમી. અને તાપીની કુલ લંબાઈ 752 કિમી. જેટલી છે. અને જળવહન ક્ષેત્ર 75,000 ચોકિમી. છે. આ બંને નદીઓ એકબીજીને સમાંતર વહે છે. નર્મદાના મુખ પર ભરૂચ અને તાપીના મુખ પર સૂરત શહેર વસેલાં છે નર્મદા નદી પરના જબલપુર પાસે આવેલા ભેડાઘાટ તથા ધુંઆધારના ધોધ જાણીતા છે.

ગોદાવરી નદી પશ્ચિમઘાટમાં આવેલા નાસિક પાસેથી નીકળે છે. તેની લંબાઈ આશરે 1,465 કિમી. છે. તેનો પ્રવાહપ્રદેશ 3,23,800 ચોકિમી. જેટલો છે. તે ભારતના ક્ષેત્રફળના 10 % વિસ્તારનું પાણી મેળવે છે. તે પૂર્વ તરફ આંધ્રપ્રદેશમાં વહીને બંગાળના ઉપસાગરને મળે છે. કૃષ્ણા નદી પશ્ચિમઘાટમાં આવેલા મહાબળેશ્વર પાસેથી નીકળે છે. તેની લંબાઈ 1,270 કિમી. છે અને તેનું પ્રવાહક્ષેત્ર 2,71,300 ચોકિમી. જેટલું છે. તે પણ પૂર્વ તરફ આંધ્રપ્રદેશમાં વહીને બંગાળના ઉપસાગરને મળે છે. કાવેરી નદી પશ્ચિમઘાટમાંથી નીકળી કર્ણાટક અને તામિલનાડુ રાજ્યોમાં વહીને બંગાળના ઉપસાગરને મળે છે. તેની લંબાઈ 760 કિમી. અને પ્રવાહક્ષેત્ર 94,400 ચોકિમી. જેટલાં છે. તિરુચિરાપલ્લી કાવેરી પર આવેલું છે. મહાનદી મધ્યભારતમાં આવેલી વિંધ્યપર્વત માળાના મૈકલ પર્વતમાંથી નીકળે છે, ઓરિસા રાજ્યમાં વહીને બંગાળના ઉપસાગરને મળે છે. તેની લંબાઈ 890 કિમી. જેટલી છે. કટક શહેર તેના મુખ પાસે આવેલું છે.

દક્ષિણ ભારતની નદીઓનાં મૂળ ઓછી ઊંચાઈવાળા પ્રદેશોમાં રહેલાં હોવાથી તેમના જળજથ્થાનો આધાર વરસાદ પર રહેલો છે. આ નદીઓનો વહનમાર્ગ અસમતળ પ્રદેશોમાંથી જતો હોવાથી તેમના માર્ગમાં જળધોધોનું નિર્માણ થયેલું છે. દા.ત., કાવેરી પરનો શિવસમુદ્રમનો ધોધ, શરાવતી પરનો જોગનો ધોધ. જોગનો ધોધ એશિયાભરમાં સૌથી વધુ ઊંચાઈ (300 મીટર) ધરાવતો ધોધ છે. આ ઉપરાંત નર્મદા પરનો ધુઆંધારનો ધોધ, ચંબલ પરનો સુલિયાનો ધોધ, ગોકાક નદી પરનો ગોકાકનો ધોધ તથા ભવાનીસાગરને મળતી નાની નદી પરનો પાયકારાનો ધોધ અન્ય ઉદાહરણો છે.

(3) આંતરિક જળપરિવાહ : આ પ્રકારનો જળપરિવાહ માત્ર પશ્ચિમ રાજસ્થાનમાં જ જોવા મળે છે. રણવિસ્તારમાંથી વહેતી નદીઓમાં માત્ર લૂણી નદી જ કચ્છની ખાડી સુધી પહોંચે છે. બાકીની નાની નાની બધી જ નદીઓ રણમાં જ સમાઈ જાય છે, કેટલીક સાંભર સરોવરને મળે છે. ગુજરાતમાં આવેલી બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓ પણ કચ્છના રણમાં સમાઈ જાય છે. આ ત્રણે નદીઓ સમુદ્રને મળતી ન હોવાથી તે કુંવારિકા અથવા અંત:સ્થ નદીઓ કહેવાય છે.

સરોવરો : ભારત વિસ્તારમાં વિશાળ હોવા છતાં તેમાં કુદરતી સરોવરો ખૂબ ઓછાં છે. હિમાલયમાં આવેલાં મીઠા પાણીનાં જાણીતાં સરોવરોમાં વુલર (110 ચોકિમી.), દાલ (24 ચોકિમી.). નૈનીતાલ (84 ચોકિમી. સરેરાશ ઊંડાઈ 27 મી.) અને ભીમતાલ(68 ચોકિમી. સરેરાશ ઊંડાઈ 26 મી.) અને માનસબલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાતતાલ અને ખુરપાતાલ શેષનાગ, અનંતનાગ, ગોધરબલ, અચ્છાબલ અને વેરીનાગ પણ છે. હિમનદીઓ દ્વારા બનેલાં સરોવરોમાં ગંગોત્રી અને જમનોત્રીનો સમાવેશ કરી શકાય. મહારાષ્ટ્રમાં આવેલું 90 મી. ઊંડું લોનાર સરોવર જ્વાળામુખમાં રચાયેલું સરોવર ગણાય છે. ખાડી સરોવરોમાં ઓરિસાનું ચિલકા (210 ચોકિમી. વર્ષાઋતુમાં તેનું ક્ષેત્રફળ વધી જાય છે.), પુલિકટ (90 ચોકિમી.) તથા 160થી 260 ચોકિમી. ક્ષેત્રફળ અને ઈંડા જેવો આકાર ધરાવતા કોલર સરોવરોનો સમાવેશ થાય છે એ જ રીતે કચ્છના સમુદ્રકિનારે પણ ઘણાં નાનાં નાનાં ખાડીસરોવરો તૈયાર થયેલાં છે. 220 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતું, રાજસ્થાનમાં આવેલું ખારા પાણીનું સાંભર સરોવર ભારતમાં સૌથી મોટું ગણાય છે. ગુજરાતનું નળ સરોવર (ચોમાસામાં 120 ચોકિમી. જેટલો વિસ્તાર) પણ ખૂબ જાણીતું બનેલું છે. આ ઉપરાંત ઉદયપુરમાં ઉદયસાગર, પિછોલા અને ફતેહસાગર જેવાં નાનાં સરોવરો પણ છે. આ ઉપરાંત રાજસમંદ અને જયસમંદ સરોવરો પણ મહત્ત્વનાં છે. ઉદયપુરને આ કારણે સરોવરોના શહેર તરીકે ઓળખવામાં આવે છે.

આબોહવા

ભારતની આબોહવા વૈવિધ્યસભર છે. ભારતમાં અતિ ગરમ અને અતિ ઠંડા વિસ્તારો તેમજ અતિવૃષ્ટિના અને તદ્દન ઓછા વરસાદના પ્રદેશો પણ આવેલા છે. આથી જ તો આબોહવાશાસ્ત્રી મોસેડેન જણાવે છે કે ‘દુનિયામાં પ્રવર્તતી મોટાભાગની આબોહવા ભારતમાં અનુભવાય છે.’

ભારતની આબોહવાને સામાન્ય રીતે મોસમી આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. મોસમી શબ્દ અરબી ભાષાના મૌસિમ (mausim) પરથી ઊતરી આવેલો છે, તેનો અર્થ ઋતુ થાય છે. એટલે મોસમી આબોહવાના સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ચોક્કસ દિશામાંથી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો અને તેને લીધે મળતો વરસાદ એવો અર્થ કરી શકીએ. ભારતની આબોહવાને મુખ્ય બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે :

1. ઈશાનકોણીય મોસમી પવનોની ઋતુ

(i) શિયાળો – 15 ડિસેમ્બરથી ફેબ્રુઆરી

(ii)  ઉનાળો – માર્ચથી 15 જૂન

2. નૈર્ઋત્યના મોસમી પવનોની ઋતુ

(i) વર્ષાઋતુ – 15 જૂનથી 15 સપ્ટેમ્બર

(ii) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ – 15મી સપ્ટેમ્બરથી 15 ડિસેમ્બર.

1. ઈશાનકોણીય મોસમી પવનોની ઋતુ : (i) શિયાળો : જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો ગાળો. ભારતમાં શિયાળાની ઋતુ સામાન્ય રીતે 15મી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીની ગણાય છે. આ ગાળામાં સૂર્યનાં સીધાં કિરણો મકરવૃત્ત પર પડતાં હોય છે. આ વખતે ઉત્તર ગોળાર્ધમાં સૂર્યનાં કિરણો ત્રાંસાં પડે છે. પરિણામે ડિસેમ્બર માસમાં ઉત્તર ભારતમાં તાપમાન વધુ નીચું જાય છે. હિમાલયના ખીણપ્રદેશોમાં તો તે ઘણું નીચું જાય છે અને હિમ પડે છે. હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનો સમગ્ર દેશમાં તાપમાનને નીચું રાખે છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં આ વખતે ભારે દબાણનું કેન્દ્ર નિર્માણ પામે છે, પરંતુ દરિયાઈ વિસ્તારોમાં દબાણ હલકું હોવાથી ભૂમિ તરફથી સમુદ્ર તરફ વેગીલા પવનો ફૂંકાય છે. તેમાં ભેજનું પ્રમાણ તદ્દન ઓછું હોય છે. દક્ષિણ ભારતના વિસ્તારોમાં ઉષ્ણતાનયનના પવનોને કારણે અને ઉત્તર ભારતમાં ભૂમધ્યના ચક્રવાતને કારણે થોડોઘણો વરસાદ પડે છે.

(ii) ઉનાળો (માર્ચથી 15મી જૂન) : માર્ચ માસથી કર્કવૃત્ત તરફ સૂર્યનાં કિરણો સીધાં મળવાનું શરૂ થતાં તાપમાનમાં વધારો થતો જાય છે. દક્ષિણ ભારતના અંતરિયાળ પ્રદેશોમાં 40° સે., જ્યારે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તો 44° સે.થી 48° સે. સુધી તાપમાન પહોંચી જાય છે. રાજસ્થાનમાં આવેલ ગંગાનગર ખાતે તાપમાન 50°સે. જેટલું પણ થઈ જાય છે. અહીં દિવસ દરમિયાન ફૂંકાતા ગરમ પવનો ‘લૂ’ તરીકે ઓળખાય છે. બંગાળમાં આ ગાળામાં તાંડવ કરતા પવનોને ‘કાલ વૈશાખી’ કહે છે. ઉત્તર ભારતમાં તાપમાન 32° સે. જેટલું અનુભવાય છે. એકંદરે ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતમાં તાપમાનનું પ્રમાણ ઊંચું રહે છે.

2. નૈર્ઋત્યના મોસમી પવનોની ઋતુ : (i) વર્ષાઋતુ (15 જૂનથી 15 સપ્ટેમ્બર) : આ સમયગાળા દરમિયાન સૂર્યનાં કિરણો કર્કવૃત્ત (23.5° ઉ. અ.) પર સીધાં પડે છે. આથી ભારતમાં તાપમાન ઊંચું રહે છે. પાકિસ્તાનનાં લાહોર અને મુલતાનમાં હલકા દબાણનું કેન્દ્ર ઉદભવે છે. સમુદ્રવિસ્તારમાં રચાયેલાં ભારે દબાણનાં કેન્દ્રો તરફથી પવનો ઉત્તર તરફ ગતિ કરે છે. આ પવનો નૈર્ઋત્ય તરફથી આવતા હોવાથી તેને નૈર્ઋત્યના મોસમી પવનો કહે છે. તે પોતાની સાથે ભેજ ખેંચી લાવતા હોવાથી વરસાદ આપે છે. ભારતમાં અનુભવાતા વરસાદનો સમયગાળો અને તેનું પ્રમાણ ક્યારેય એકસરખાં રહેતાં નથી. ભારતના વિશિષ્ટ આકારને કારણે દક્ષિણના સમુદ્રો તરફથી આવતા ભેજવાળા પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે : અરબી સમુદ્ર પરથી વાતા પવનો અને બંગાળના ઉપસાગર પરથી વાતા પવનો.

જૂનની શરૂઆતમાં અરબી સમુદ્ર પરથી આવતા પવનો સર્વપ્રથમ પશ્ચિમઘાટની ટેકરીઓ સાથે અથડાતાં ત્યાં સૌથી પહેલાં વરસાદનો પ્રારંભ થાય છે. અહીં વરસાદનું પ્રમાણ 2,500 મિમી. કરતાં વધુ રહે છે. આ પવનો પશ્ચિમ ઘાટને ઓળંગીને પૂર્વ તરફ જાય છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે, તેથી ત્યાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે. મુંબઈ પશ્ચિમઘાટની વાતાભિમુખ બાજુ પર છે અને પુણે તેની વાતવિમુખ બાજુ પર છે. આમ મુંબઈ અને પુણે વચ્ચે અંતર ઓછું હોવા છતાં મુંબઈમાં પુણે કરતાં વરસાદ વધુ પડે છે. આવી જ પરિસ્થિતિ મૅંગલોર અને બૅંગલોરમાં પણ જોવા મળે છે. પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુના પ્રદેશો ઘણો ઓછો વરસાદ મેળવે છે. આવા પ્રદેશો વર્ષાછાયાના પ્રદેશો તરીકે ઓળખાય છે. અરબી સમુદ્ર પરથી વાતા પવનોનો બીજો ફાંટો નર્મદા-તાપી ખીણપ્રદેશમાં પ્રવેશી ભારતના મધ્યભાગમાં થઈને તથા ગુજરાત, કચ્છમાં થઈને ઈશાન તરફ પહોંચે છે. માર્ગમાં અવરોધરૂપ બનતા પહાડી પ્રદેશોમાં આ પવનો વરસાદ આપે છે.

નૈર્ઋત્યના મોસમી પવનોની પૂર્વીય શાખા ભારતના પૂર્વ ભાગમાં આરાકાનયોમાની ખીણમાં પ્રવેશીને આસામની ટેકરીઓ સાથે અથડાય છે. અહીં પુષ્કળ વરસાદ પડે છે. ચેરાપુંજીનો મૌસિનરામ(Mawsynram) વિસ્તાર દુનિયાનો વધુમાં વધુ (12,000 મિમી. જેટલો) વરસાદ મેળવે છે. અહીં આવેલા ભેજવાળા પવનો હિમાલયના અવરોધને કારણે બે ભાગમાં ફંટાઈ જાય છે : એક બ્રહ્મપુત્રની ખીણ તરફ અને બીજો ગંગાની ખીણ તરફ. આ ઉપરાંત એક નાનો ફાંટો ઓરિસા અને આંધ્રપ્રદેશ તરફ પણ જાય છે.

(ii) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ (15મી સપ્ટેમ્બરથી 15મી ડિસેમ્બર) : પાછા ફરતા મોસમી પવનોનો સમયગાળો મધ્ય સપ્ટેમ્બરથી મધ્ય ડિસેમ્બરનો હોય છે. પાછા ફરતા આ પવનો ભૂમિ તરફથી સમુદ્ર તરફ જતા હોવાથી સૂકા હોય છે. ત્યારે આકાશ પણ સ્વચ્છ હોય છે. પરંતુ માર્ગમાં બંગાળનો ઉપસાગર આવતાં ભેજને પોતાની સાથે ખેંચી લાવે તો પૂર્વ કિનારે કોરોમાંડલ અને કેરળમાં થોડોઘણો વરસાદ આપે છે. આ ઋતુમાં ભેજને કારણે મચ્છરોનો અને તેને લીધે મલેરિયાનો ઉપદ્રવ વધી જાય છે. ભારતની મોટાભાગની પ્રજાને આ રોગનો અનુભવ થાય છે.

આ રીતે ભારતમાં વિવિધ આબોહવા ધરાવતું ઋતુચક્ર પૂરું થાય છે.

તાપમાન–સરેરાશ અને ગાળો : ભારતમાં ઉનાળો વિષમ રહે છે. મે અથવા જૂનમાં તાપમાન પ્રમાણમાં ઊંચું રહે છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં તાપમાન નીચું રહે છે. જુલાઈથી ઑગસ્ટ માસ સુધી વાતાવરણમાં ભેજનું પ્રમાણ અધિક રહે છે. વર્ષનો મોટાભાગનો વરસાદ આ બે માસમાં પડી જાય છે. આસામ-મેઘાલય વધુમાં વધુ અને રાજસ્થાન-કચ્છ ઓછામાં ઓછો વરસાદ મેળવે છે. ભારતમાં તાપમાન અને વરસાદની માત્રામાં અનુભવાતી વધઘટ માટે સમુદ્રકિનારાથી અંતરનું પરિબળ વધુ જવાબદાર છે. દક્ષિણ છેડે ત્રિવેન્દ્રમ(કેરળ)માં સરેરાશ તાપમાનમાં 2.4° સે.નો તફાવત રહે છે, તેનું વાર્ષિક સરેરાશ તાપમાન 27° સે. જેટલું રહે છે. વાયવ્ય તરફ અંબાલા(હરિયાણા)માં વાર્ષિક સરેરાશ તાપમાનની વધઘટ 13° સે. જેટલી રહે છે, જ્યારે તેનું વાર્ષિક સરેરાશ તાપમાન 33° સે. જેટલું રહે છે.

શહેર મહત્તમ (સે.) અંશમાં લઘુતમ (સે.) અંશમાં
દિલ્હી 31.7 18.8
મુંબઈ 31.0 23.6
ચેન્નાઈ 32.9 24.3
કૉલકાતા 31.8 22.1
અમદાવાદ 34.2 20.5

ભારતનો દૈનિક હવામાનનો નકશો

ભારતમાં વરસાદનું વિતરણ

વર્ષાપ્રમાણ

દેશો

(i)

3,000 મિમી. કરતાં વધુ વરસાદવાળા પ્રદેશો પૂર્વ હિમાલયનો દક્ષિણ ભાગ, ખાસી, ગારો વગેરે પહાડી ભાગો, કોંકણપટ્ટી સહિત ભારતનો પશ્ચિમ કિનારો
(ii) 1,000થી 3,000 મિમી. જેટલો વરસાદ મેળવતા પ્રદેશો ઉત્તર પંજાબ, ઉત્તરપ્રદેશનો ઉત્તર ભાગ, આસામ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસા, મધ્યપ્રદેશનો પૂર્વભાગ, કોરોમાંડલ કિનારો
(iii) 600થી 1,000 મિમી. જેટલો વરસાદ મેળવતા પ્રદેશો જમ્મુ-કાશ્મીર, ઉત્તરપ્રદેશનો દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ
(iv) 400થી 600 મિમી. વરસાદ મેળવતા પ્રદેશો

ગુજરાત, રાજસ્થાન અને રણપ્રદેશો

કુદરતી વનસ્પતિ અને પ્રાણીજીવન

કુદરતી વનસ્પતિ એ આબોહવાની ખરી પારાશીશી છે. કુદરતી વનસ્પતિને વરસાદ સાથે ગાઢ સંબંધ છે. વરસાદની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિમાં પણ પુષ્કળ વિભિન્નતા જોવા મળે છે. દેશના 32,87,30,000 હેક્ટર જેટલા ભૂભાગમાં માત્ર 7 કરોડ હેક્ટર ભૂમિ જ વનાચ્છાદિત છે. ભૂમિ-જીવન-જંગલ વચ્ચે આદર્શ સમતુલન જળવાઈ રહે તે માટે 11 કરોડ હેક્ટર ભૂમિ જંગલઆચ્છાદિત હોવી જોઈએ. પરંતુ આ પ્રમાણ ઔદ્યોગિક એકમો, વીજળી-પ્રકલ્પો, વસવાટ વગેરેને કારણે જળવાતું નથી. ભારતની કુલ વનાચ્છાદિત ભૂમિનો 91 % વિસ્તાર સરકારના જંગલ ખાતાના અધિકાર હેઠળ છે, તેના ​16 ભાગમાં સાલનાં વૃક્ષો આવેલાં છે. તે મોટેભાગે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં આવેલાં છે. દક્ષિણ ભારતમાં સાગનાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે. તે ઉપરાંત અહીં સાદડ, સીસમ, ખેર, આમળાં અને બહેડાંનાં વૃક્ષો પણ છે – ઉત્તર ભારતમાં 2,150થી 3,850 મીટરની ઊંચાઈ ધરાવતા પર્વતીય વિસ્તારમાં શંકુદ્રુમ પ્રકારનાં જંગલો આવેલાં છે, ત્યાં મુખ્યત્વે ચીડ અને દેવદારનાં વૃક્ષો જોવા મળે છે. રણ અને અર્ધરણ પ્રકારના વિસ્તારમાં કાંટાળી વનસ્પતિ, બાવળ અને થોર મુખ્ય છે.

ભારતમાં વિવિધ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. આંકડાકીય માહિતીને આધારે વનસ્પતિની વિવિધતામાં ભારત એશિયામાં ચોથા ક્રમે અને દુનિયામાં દસમા ક્રમે આવે છે. ભારતમાં આશરે 49,000 પ્રકારના છોડ હોવાનું નોંધાયેલું છે. તે પૈકીના 35 % જેટલા છોડ ભારત સિવાય અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી. પામનાં વૃક્ષોની આશરે 100 જેટલી જાતો જોવા મળે છે. એ જ રીતે ફૂલોની જાતો પણ આશરે 17,400 જેટલી થાય છે.

ભારતમાં જોવા મળતી વનસ્પતિની વિવિધતા માટે વરસાદનું વિતરણ જવાબદાર છે. ભારતનો ઉષ્ણ કટિબંધનો વિસ્તાર કે જ્યાં ભેજનું પ્રમાણ વધુ રહે છે, ત્યાં સતત લીલાં જંગલો અને મિશ્ર જંગલો જોવા મળે છે. ભેજનું પ્રમાણ જ્યાં ઓછું હોય છે ત્યાં પાનખર જંગલો, સૂકાં ઝાડી-ઝાંખરાંવાળાં જંગલો કે ઘાસનાં મેદાનો જોવા મળે છે. હિમાલયના પર્વતીય વિસ્તારમાં શંકુદ્રુમ પ્રકારની વનસ્પતિ થાય છે.

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી : વાઘ

પ્રાણીસંપત્તિની વિવિધતામાં સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન અજોડ છે. ભારતમાં આશરે 81,251 જાતનાં નાનાં-મોટાં પ્રાણીઓ જોવા મળે છે, તેમાં નાના જીવોના પ્રકારોનું પ્રમાણ 60,000, એનાથી મોટા જીવોની જાતની સંખ્યા 5,000, સસ્તન પ્રાણીઓ 372 જાતનાં, પક્ષીઓની જાતો 12,281, 446 જાતિના સરીસૃપો, 204 જાતનાં ઉભયજીવીઓ તથા 2,546 જાતનાં મત્સ્ય છે.

ભારતમાં જોવા મળતાં મુખ્ય પ્રાણીઓમાં ગાય, ભેંસ, ઘોડા, ગધેડાં, ઊંટ, ઘેટાં-બકરાં, હાથી, જંગલી ભેંસ, એક શિંગડાવાળો ગેંડો, વાંદરાં, વિવિધ જાતનાં હરણ, સાબર, નીલગાય, શિયાળ, વરુ, રીંછ, વાઘ, દીપડો, ચિત્તો, સિંહ વગેરેનો સમાવેશ થાય છે. નદીના મુખત્રિકોણમાં મીઠા અને ખારા પાણીના મગર, ઘડિયાલ, કાચબા વગેરે મળે છે.

ભારતમાં 84 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 447 અભયારણ્યો આવેલાં છે.

ભારતનાં કેટલાંક જંગલો

જંગલોના પ્રકાર            પ્રદેશો         મુખ્ય વૃક્ષો        જંગલપેદાશો
1 2 3 4
1. સતત લીલાં જંગલો વરસાદ : 2,500 મિમી. પૂર્વનો પહાડી પ્રદેશ, તરાઈનો પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંદામાન-નિકોબારના પ્રદેશો બારે માસ લીલાં રહેતાં વૃક્ષો, મેહૉગની, અબનૂસ, તાડ, રબર, વાંસ, નાળિયેરી, સિંકોના ઇમારતી લાકડું, ગુંદર, લાખ, રંગ માટેનો રસ, રેઝિન, ટર્પેન્ટાઇન, ક્વિનાઇન બનાવાય છે.
2. ખરાઉ અથવા પાનખર જંગલો 1,000 મિમી. જેટલો વરસાદ. હિમાલયના નીચલા ઢોળાવો, પશ્ચિમ ઘાટના  પ્રદેશો, વિંધ્યાચળ, સાતપુડા અને નીલગિરિના વિસ્તારો, પૂર્વનાં બે રાજ્યો તેમજ વાયવ્યનાં રાજ્યોને બાદ કરતાં મોટાભાગનાં રાજ્યોનો સમાવેશ સાગ, સાલ, વાંસ, અબનૂસ, રોઝવુડ, સીસમ, ચંદન, મહુડો, આંબો, અને સ્થાનિક વૃક્ષો ઇમારતી લાકડું, ગુંદર, લાખ, ઇંધન માટેનાં લાકડાં તથા વિવિધ ઔષધીય વનસ્પતિ
3. સૂકાં જંગલો કે ઝાડીઓ 500થી 1,000 મિમી. જેટલો વરસાદ મેળવતા પ્રદેશો. મધ્યપ્રદેશ, દક્ષિણના ઉચ્ચપ્રદેશના સૂકા વિસ્તારો, પંજાબ, ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશો સ્થાનિક વૃક્ષો, બાવળ, થોર, બોરડી, કેરડાં, ઘાસ અને કાંટાળી વનસ્પતિ ગુંદર, ઇંધન માટેનાં લાકડાં, જલાઉ કોલસા માટેનાં લાકડાં
4. રણ અને અર્ધરણ પ્રકારની વનસ્પતિ 500 મિમી. કરતાં ઓછો વરસાદ, રાજસ્થાન, ગુજરાત અને પંજાબના સીમાવર્તી પ્રદેશો દેશી-વિદેશી બાવળ, ખજૂરીનાં વૃક્ષો જલાઉ લાકડાં, ગુંદર
5. પર્વતીય જંગલો 1,000થી 4,000 મીટરની ઊંચાઈએ આવેલા પ્રદેશો. હિમાલયની હારમાળાના તરાઈનો પ્રદેશો, નીલગિરિની ટેકરીઓ, પશ્ચિમ અને પૂર્વ ઘાટના ઊંચાઈવાળા વિસ્તારો  હિમરેખાના વિસ્તારો સુધીના ભાગો ઓક, ચેસ્ટનટ, ઍશ, બીચ, પૉપ્લર, વિલો, યુકૅલિપ્ટસ, વૉલનટ, ચીડ, દેવદાર, સિલ્વર ફર, વિવિધ પ્રકારનાં વૃક્ષો પૅકિંગ કરવા, કાગળનો માવો બનાવવા, દીવાસળી બનાવવા માટેનાં પોચાં, લાકડાં, ગુંદર, મધ, મીણ વગેરે
6. મૅન્ગ્રુવ જંગલો નદીના મુખત્રિકોણ અને સમુદ્રની ખાડીના વિસ્તારો, ગંગા-બ્રહ્મપુત્રનો ત્રિકોણપ્રદેશ, સુંદરવનનો વિસ્તાર, મહા, ગોદાવરીના મુખપ્રદેશો તેમજ કચ્છના પશ્ચિમ અને દક્ષિણ કિનારે આવેલા પ્રદેશો સુંદરી અને ચેર પ્રકારનાં વૃક્ષો ટકાઉ અને વજનદાર લાકડાં, લાખ અને ગુંદર

ભારતનાં અભયારણ્યો : જંગલને સંસ્કૃત ભાષામાં અરણ્ય કહે છે, એવું અરણ્ય જ્યાં પશુ-પંખી નિર્ભયતાથી રહી શકે, જ્યાં તેમનું સંવર્ધન થઈ શકે, જ્યાં તેમના શિકાર પર પ્રતિબંધ હોય. આવું અરણ્ય અભયારણ્ય કહેવાય. ભારતનાં અરણ્યો અપાર વૈવિધ્યવાળાં છે. ભારતનાં લગભગ બધાં જ અભયારણ્યો દુનિયાનાં બીજાં અભયારણ્યો કરતાં પ્રમાણમાં નાનાં છે.

ભારતનાં કેટલાંક અભયારણ્યો

 

અભયારણ્ય – રાષ્ટ્રીય ઉદ્યાન

સ્થાન વિશેષતા
  1 2

3

1. ગીરનું અભયારણ્ય સાસણગીર, ગુજરાત એશિયામાં સિંહદર્શન માટેનું એકમાત્ર સ્થળ. મગર-ઉછેર-કેન્દ્ર
2. ઘુડખર અભયારણ્ય કચ્છનું નાનું રણ, ગુજરાત જંગલી ગધેડાં (ઘુડખર) માટેનું સ્થળ.
3. સારિસ્કાનું અભયારણ્ય જયપુર, રાજસ્થાન સાબરના નિરીક્ષણ માટેનું ઉત્તમ સ્થાન
4. વનવિહાર રામ- સાગર અભયારણ્ય ધોલપુર, રાજસ્થાન ચિતળ તથા નીલગાયના નિરીક્ષણ માટેનું પ્રસિદ્ધ સ્થળ
5. રણથંભોર અભયારણ્ય રાજસ્થાન વાઘ અને હરણ જેવાં પ્રાણીઓ
6. દાચીગામ અભયારણ્ય જમ્મુ-કાશ્મીર હનુગલ-કાશ્મીરી સાબર માટેનું સ્થળ
7. કૉરબેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરપ્રદેશ વાઘ, રીંછ, ચિત્તા, જંગલી હાથી, જંગલી કૂતરાં માટે જાણીતું સ્થળ
8. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન જમાલપુર, મધ્યપ્રદેશ વાઘ, ચિત્તા, જંગલી બળદ, બારસિંગા સાબર માટે પ્રખ્યાત
9. શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન ગ્વાલિયર, મધ્યપ્રદેશ જંગલી ડુક્કર, સ્લૉથ, રીંછ, શિયાળ અને વરુ જેવાં પ્રાણીઓ
10. તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન ચંદ્રપુર, મહારાષ્ટ્ર ચિત્તા, વાઘ, મગર, હનુમાન, વાનર માટે જાણીતું સ્થળ
11. બોરીવલી રાષ્ટ્રીય ઉદ્યાન બોરીવલી, મહારાષ્ટ્ર દીપડા, સાબર, ચોશિગાં ચીતળ, માઉસડિયર, જંગલી ભૂંડ, વાંદરાં
12. હઝારીબાગ રાષ્ટ્રીય ઉદ્યાન હઝારીબાગ, બિહાર સાબર અને જંગલી ડુક્કર માટે પ્રસિદ્ધ
13. જલદાપારા અભયારણ્ય પશ્ચિમ બંગાળ એક શિંગડાવાળા ગેંડા, સાબર, બારશિંગા માટે જાણીતું
14. કાઝીરંગા અભયારણ્ય આસામ એક શિંગડાવાળા ગેંડા, વાઘ, ચિત્તા અને રીંછ માટે જાણીતું
15. ઝૂલતું અભયારણ્ય લોગતાક સરોવર, મણિપુર ભાતશૃંગી હરણ, પારંગ હરણ માટે દુનિયાનું એકમાત્ર સ્થળ
16. મૃદુમલાઈ અભયારણ્ય તામિલનાડુ ચીતળ, સાબર માટે જાણીતું

પક્ષીઓનાં અભયારણ્ય

 

અભયારણ્ય

સ્થાન

વિશેષતા

1. નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાત દેશી-વિદેશી પક્ષીદર્શન. સુરખાબ માટે વિશિષ્ટ
2. કેવલાદેવ પક્ષી અભયારણ્ય ભરતપુર, રાજસ્થાન સાઇબીરિયાનાં ક્રૌંચ પક્ષીઓ માટે જાણીતું
3. કર્નાવાનું પક્ષી અભયારણ્ય મુંબઈ, મહારાષ્ટ્ર દેશી-વિદેશી પક્ષીઓ
4. રંગનાથેટુ પક્ષી અભયારણ્ય કર્ણાટક ક્રૌંચ, શ્વેત ઇબિસ, વિવિધ પ્રકારના બગલા
5. વેદાથાંગલ પક્ષી અભયારણ્ય તામિલનાડુ ભૂખરા બગલા, કાર્ટર, કારમૉન્ટ બગલા

ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. ભારતમાં આશરે 1,200થી 2,400 પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે, તેમાં સ્થળાંતર કરીને આવેલાં વિદેશી પક્ષીઓનો પણ સમાવેશ થઈ જાય છે. એ જ રીતે સાપ, સરીસૃપોની આશરે 446 જાતો તથા મીઠા અને ખારા જળની માછલીઓની 2,546 જાતો જોવા મળે છે. જુદા જુદા મત્સ્યપ્રકારોમાં શ્રિંપ, પ્રૉન, લૉબ્સ્ટર, મોતી પકવતી ઑઇસ્ટર અને કરચલાનો સમાવેશ થઈ જાય છે. આ ઉપરાંત રેશમના કીડા, મધમાખી તેમજ 2,500 પ્રકારનાં પતંગિયાં પણ જોવા મળે છે.

ભારતના કેટલાક જંગલવિસ્તારો આજદિન સુધી ગૂઢ અને અજ્ઞાત પ્રદેશો તરીકે રહ્યા છે. આ પૈકી અરુણાચલ પ્રદેશમાંના ભારત-મ્યાનમારના સરહદી ભાગો તેમજ આંદામાન-નિકોબારના ભાગો વિશેષ ઉલ્લેખનીય છે.

ભારતની જમીનો

ભારત મોસમી આબોહવા ધરાવતો દેશ હોવાથી આશરે 61 % વસ્તી ખેતી પર નભે છે. તેમ છતાં ભારતમાં જમીનો સંબંધી જેટલું સંશોધન થવું જોઈએ એટલું થયું નથી. ભારતની જમીનો તેમનાં સ્થાન પ્રમાણે ભૂસ્તરીય રચના સાથે સંકળાયેલી છે.

ભૌગોલિક સંદર્ભમાં ભારતની જમીનોને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (i) હિમાલય વિસ્તારની જમીનો, (ii) ગંગા-જમનાના મેદાનની જમીનો. (iii) દક્ષિણ ભારતની જમીનો.

(i) હિમાલય વિસ્તારની જમીનો : આ વિસ્તારની જમીનો પૂર્ણપણે તેમના બંધારણનું માળખું પ્રાપ્ત કરી શકી નથી. તેથી તેમની કણરચના સ્થૂળ છે અને ઓછી દળદાર છે. અહીંની ગ્રૅનાઇટજન્ય જમીનોનો રંગ રાતો, જ્યારે ફેલ્સ્પારજન્ય જમીનોનો રંગ ભૂખરો છે. આ જમીનોને બે પ્રકારોમાં વહેંચેલી છે : પહાડી જમીન અને તળેટીની જમીન. પહાડી જમીન લઘુ (મધ્ય) હિમાલયના પહાડી ઢોળાવો પર જોવા મળે છે. તેમાં કાર્બન, નાઇટ્રોજન અને લોહ તત્વો વધુ છે. ખાસ કરીને આસામ, ઉત્તર બંગાળ અને હિમાલય પ્રદેશમાં તે જોવા મળે છે. અહીં ચા અને ફળોની ખેતી વિશેષ થાય છે. તળેટીની જમીન રેતાળ અને છીછરી છે. નૈનીતાલ અને મસૂરીના વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. અહીં પણ ફળોની ખેતી થાય છે.

(ii) ગંગાજમનાનાં મેદાનોની જમીનો : ઉત્તર ભારતનું આખુંય મેદાન હિમાલયમાંથી નીકળતી નદીઓના કાંપ-માટીના નિક્ષેપથી બનેલું છે. તેમાં ચીકણી માટી અને રેતીનું મિશ્રણ જોવા મળે છે. અહીંની જમીનોને મુખ્ય ત્રણ પ્રકારોમાં વહેંચેલી છે : જૂના કાંપ(ભાંગર)ની જમીન, નવા કાંપ(ખદર)ની જમીન અને ત્રિકોણ પ્રદેશની જમીન.

જૂના કાંપની ભાંગર પ્રકારની જમીનોમાં થોડાઘણા કાંકરા હોય છે. આ જમીન એકંદરે ફળદ્રૂપ હોવાથી અહીં ઘઉં અને શેરડીની ખેતી થાય છે. નવા કાંપની ખદર પ્રકારની જમીનો નદીઓના નજીકના ભાગોમાં રચાય છે. આ જમીનમાં ચીકાશ વધુ હોય છે. તેમાં પણ ઘઉં અને શેરડીની ખેતી વિશેષ લેવાય છે. ત્રિકોણપ્રદેશની જમીનો ગંગાના મુખત્રિકોણમાં જોવા મળે છે. આ જમીનમાં સેન્દ્રિય તત્વો, ફૉસ્ફરસ, નાઇટ્રોજન, ચૂનો અને પૉટાશનું પ્રમાણ વધુ હોય છે. આ જમીન ડાંગર અને શણની ખેતી માટે વધુ અનુકૂળ પડે છે. ઉપરાંત તેમાં ઘઉં, સરસવ, જુવાર અને બાજરીના પાકો પણ લેવાય છે.

(iii) દક્ષિણ ભારતની જમીનો : આ વિસ્તારની જમીનોને મુખ્ય ચાર પ્રકારોમાં વહેંચેલી છે :

રેગર અથવા કાળી માટીની જમીન, રાતી અથવા પીળી જમીન, પડખાઉ જમીન અને કાંપની જમીન. લાવાજન્ય ખડકોના ખવાણ-ધોવાણથી તૈયાર થયેલી જમીન કાળા રંગની હોવાથી તે રેગર તરીકે ઓળખાય છે. તેલુગુ ભાષામાં તેને રેગાડા કહે છે. આ જમીનોમાં લોહ, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ, ચૂનો, નાઇટ્રોજન અને અલ્પ માત્રામાં પૉટાશનાં તત્વો રહેલાં હોય છે. તે ચીકણી, દાણાદાર અને જળસંગ્રહક્ષમતાવાળી હોય છે. ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં અને સૌરાષ્ટ્રમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તેમાં કપાસ, શેરડી અને જુવારની ખેતી વિશેષ લેવાય છે.

સ્ફટિકમય વિકૃત ખડકોના ખવાણ-ધોવાણથી રાતા રંગની જમીનો તૈયાર થાય છે. આ પ્રકારની જમીન કર્ણાટક, આંધ્ર, બિહાર અને કેરળમાં જોવા મળે છે. તેમાં લોહ, ઍલ્યુમિનિયમ અને મૅગ્નેશિયમ જેવાં તત્વોનું પ્રમાણ અધિક હોય છે. તે પ્રમાણમાં દળદાર હોય છે. આવી જમીનોમાં ડાંગર, શેરડી અને બાજરીની ખેતી કરવામાં આવે છે.

લૅટરાઇટજન્ય જમીનોને પડખાઉ જમીનો કહે છે. આ પ્રકારની જમીનો પંજાબ, હરિયાણા, હિમાચલના પ્રદેશો, બિહાર, અને આસામના કેટલાક પ્રદેશોમાં જોવા મળે છે. લૅટિન ભાષામાં Laterનો અર્થ ઈંટ થાય છે, તે ઈંટના જેવા રતાશ પડતા રંગવાળી હોય છે. અતિશય ગરમીને કારણે લોહનાં ખનિજો વિઘટન પામીને તૈયાર થતી જમીનમાં ભળી જાય છે. વધુ વરસાદને લીધે તેમાંનાં જરૂરી તત્વો ધોવાઈ જાય છે. આ પ્રકારની જમીનો અવશિષ્ટ પ્રકારની જમીનો ગણાય છે. આવી જમીનોમાં ઍલ્યુમિનિયમ, ઑક્સાઇડ, નાઇટ્રોજન અને લોહનાં તત્વો વિશેષ હોય છે. આવી જમીનો ખેતીના પાકો લેવા માટે અનુકૂળ પડતી નથી, તેમ છતાં તેમાં અમુક પ્રમાણમાં જુવાર અને હલકાં ધાન્યોની ખેતી લેવાય છે.

કાંપની જમીન દક્ષિણ ભારતની નદીઓ દ્વારા ખેંચી લવાયેલ બારીક રેતીના કણોથી બનેલી હોય છે. આ જમીનોમાં ચૂનો અને પૉટાશનું પ્રમાણ અધિક હોય છે. આ પ્રકારની કાંપની જમીનોમાં ડાંગરની ખેતી વિશેષ થાય છે. ભારતની મોટાભાગની નદીઓના કિનારાના તથા મુખત્રિકોણના પ્રદેશોમાં આ પ્રકારની જમીનો જોવા મળે છે.

જમીનનું ધોવાણ, કારણો અને ઉપાયો : પૃથ્વીના પટ ઉપર ખવાણ અને ધોવાણનાં અનેક પરિબળો નિરંતર કાર્ય કરતાં રહે છે. જમીનનું ધોવાણ એ સભ્યતાના ક્ષયરોગ જેવું છે. જે જમીનનું બંધારણ થતાં ઘણાં વર્ષો વીત્યાં હોય છે, તેનું ધોવાણ થોડાંક જ વર્ષોમાં થઈ જાય છે. લાખો ટન કાંપ-માટી ઘસડાઈને સમુદ્રમાં ઠલવાય છે. ઉત્તરપ્રદેશમાં ઇટાવા, આગ્રા તેમજ ચંબલની ખીણમાં ધોવાણને કારણે કોતરો રચાયાં છે. ગુજરાતમાં મહીનદીએ કરેલા ધોવાણને કારણે વાસદની આજુબાજુ તેમજ અન્યત્ર કોતરો બનેલાં નજરે પડે છે. પંજાબ, આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ અને કેરળમાં નદીઓ દ્વારા થયેલું જમીનધોવાણ જોવા મળે છે. ભારતની કુલ 6,07,04,168 હેક્ટર જમીન પર ધોવાણની અસર થયેલી છે.

કારણો : (i) નદીઓના ઉપરવાસના ખીણપ્રદેશોમાં જંગલો કપાઈ જવાથી પૂરની તીવ્રતા વધી છે. (ii) અસમાન ઢોળાવ અને ભારે વરસાદને લીધે નદીઓમાં અવારનવાર પૂર આવે છે, તેથી જમીનનું ધોવાણ થાય છે. (iii) અવ્યવસ્થિત ચરિયાણને કારણે જમીનનું પડ નબળું પડે છે, તેથી જમીનનું ધોવાણ થાય છે. (iv) પવનો તીવ્ર ગતિથી ફૂંકાય ત્યારે જમીનના ઉપલા પડમાં રહેલાં ફળદ્રૂપ તત્વો ઊડી જાય છે, વનસ્પતિ-વિકાસ રૂંધાય છે, ધોવાણ વધે છે. (v) મનફાવે તેમ ખોદકામ કરવાથી, ખનિજ-સંશોધન અર્થે થતાં ખોદકામો કરવાથી દળદાર જમીનનો નાશ થાય છે. આવા વિસ્તારોના ભાગો વધુ વરસાદ પડતાં ત્યાંની જમીનો ધોવાઈ જાય છે.

ઉપાયો : ઘસારો અને ધોવાણ પામેલી જમીનોમાં તે ક્રિયા થતી અટકાવવાના અને તેને નવસાધ્ય કરવાના ઉપાયો યોજવા જોઈએ. (i) જંગલોનો વિસ્તાર વધારવાથી જમીનોનું ધોવાણ ક્રમે ક્રમે ઓછું થઈને અટકે છે (ii) કપાયેલાં જંગલોવાળા ભાગોમાં નવાં વૃક્ષોનું વાવેતર કરવું તે બીજો ઉપાય. (iii) ખીણ વિસ્તારમાં બંધ બાંધવાથી પાણીનો વેગ ઘટે છે, જળવહનક્ષમતા ઘટતાં જમીનોનું ધોવાણ પણ અટકે છે. (iv) ઢોળાવવાળાં ખેતરોમાં પાળા બાંધવાથી ધોવાણ અટકાવી શકાય છે. (v) પહાડી વિસ્તારોમાં ઢોળાવો પર સીડીદાર ખેતરોનું નિર્માણ કરવાથી ઘસારો-ધોવાણ અટકે છે. જ્યાં ઘસારો-ધોવાણ થયાં હોય ત્યાં જમીનોને નવસાધ્ય કરવા નેધરલૅન્ડ્ઝ અને ઇઝરાયલની કાર્યપદ્ધતિ અપનાવી શકાય છે. ગુજરાતના શુષ્ક (રણ) વિસ્તારોની જમીનને નવસાધ્ય કરવા રાજ્ય સરકારે એ ધોરણે એક યોજના તૈયાર કરી છે.

ખેતી : ભારત ખેતીપ્રધાન દેશ છે. દેશની આશરે 61 % વસ્તી ખેતીના વ્યવસાયમાં રોકાયેલી છે. કૃષિ અને તેના સંલગ્ન વ્યવસાયોનો એકસાથે વિચાર કરીએ તો આશરે 65 % વસ્તી તેની સાથે સંકળાયેલી છે. દુનિયામાં ખેતીના વ્યવસાય પર આટલી મોટી સંખ્યામાં નભતા લોકોમાં ચીન પછી ભારતનો ક્રમ આવે છે. ભારતમાં ખેતીયોગ્ય કુલ જમીન આશરે 1,710 લાખ હેક્ટર છે, તે પૈકીની 1,407 લાખ હેક્ટર જમીન ખેતીના ઉપયોગમાં લેવાય છે. ખેતી હેઠળ લેવાયેલી જમીનનું પ્રમાણ જોઈએ તો દુનિયામાં ચીન અને યુ.એસ. પછી ભારતનો ક્રમ આવે છે. રાષ્ટ્રની કુલ કાચી ગૃહપેદાશમાં ખેતીનો ફાળો 34.6 % છે (1,000). ખેતી હેઠળની કુલ જમીનમાંથી 1,240 લાખ જેટલી જમીનમાં ખાદ્ય પાકોનું ઉત્પાદન થાય છે. દેશમાં ખેતીના વિકાસ માટે ઘણા અનુકૂળ સંજોગો  છે. દેશમાં ખેતીને લાયક વિશાળ ફળદ્રૂપ મેદાનો છે ત્યાં લગભગ બારેમાસ ખેતી થઈ શકે એવી અનુકૂળ પરિસ્થિતિ છે. ખેતીના ઉપયોગમાં લીધી હોય એવી સૌથી વધુ જમીન ઉત્તર ભારતમાં ગંગા અને સતલજના મેદાનમાં છે. ત્યાં ખેતી હેઠળની કુલ જમીનના 25 % જમીનોને સિંચાઈનો લાભ મળે છે. ભારતમાં મુખ્યત્વે આકાશી ખેતી, સૂકી ખેતી, ક્યારીની ખેતી, બાગાયતી ખેતી થાય છે.

ભારતમાં થતા મુખ્ય કૃષિપાકોને ઋતુ અનુસાર બે વિભાગમાં વહેંચેલા છે : ખરીફપાકો (ઉનાળુ) અને રવી પાકો (શિયાળુ). ખરીફ પાકો પૈકી ધાન્ય પાકોમાં ડાંગર, જુવાર અને બાજરીનો, જ્યારે રોકડિયા પાકોમાં કપાસ, શેરડી, તેલીબિયાં, તમાકુ, શણ, ફળો, મરી-મસાલા અને રબરનો તથા રવી પાકોમાં ઘઉં, બાજરી, કઠોળનો સમાવેશ થાય છે.

ધાન્ય પાકો
પાક જમીન વાવેતર વિસ્તાર (લાખ હેક્ટરમાં) રાજ્યો વિશેષ નોંધ
ડાંગર કાંપવાળી રેગર 434 પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓરિસા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, કેરળ દુનિયામાં દ્વિતીય ક્રમે ઉત્પાદન (ચીન પ્રથમ)
ઘઉં કાંપની રેગર, ગોરાડુ વગેરે 267 ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર ચોથા ક્રમે (યુ.એસ., રશિયા અને ચીન પછી)
જુવાર લગભગ બધી જ જમીનોમાં 110 તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત ભારતમાં તામિલનાડુ  પ્રથમ ક્રમે; દુનિયામાં બીજા ક્રમે
બાજરી લગભગ બધી જ જમીનોમાં 97 પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ, હરિયાણા ભારતમાં પંજાબ  પ્રથમ ક્રમે; દુનિયામાં બીજા ક્રમે
કઠોળ લગભગ બધી જ જમીનોમાં 228 ભારતનાં બધાં જ રાજ્યોમાં દુનિયામાં પ્રથમ ક્રમે
રોકડિયા પાકો
પાક જમીન વાવેતર વિસ્તાર (લાખ હેક્ટરમાં) રાજ્યો વિશેષ નોંધ
ચા લોહતત્વોવાળી, આછા ઢોળાવ વાળી આસામ, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, કેરળ, કર્ણાટક ભારત પ્રથમ ક્રમે 40 % ઉત્પાદન આસામમાં
કપાસ રેગર(કાળી) કાંપવાળી 89 ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા દુનિયામાં દ્વિતીય ક્રમે (યુ.એસ. પ્રથમ). ભારતમાં ગુજરાત પ્રથમ સ્થાને
શણ કાંપની (દર વર્ષે નવા કાંપવાળી) પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, ઓરિસા, ઉત્તરપ્રદેશ ભારત દ્વિતીય ક્રમે (બાંગ્લાદેશ પ્રથમ). નિકાસમાં પ્રથમ.
શેરડી રેગર (કાળી કાંપવાળી) 40 ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, હરિયાણા, બિહાર. ભારત પ્રથમ ક્રમે
મગફળી રેતાળ (કાંપવાળી), ગોરાડુ 73 ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ ભારત દ્વિતીય ક્રમે

અન્ય રોકડિયા પાકોમાં કૉફી, નાળિયેરી, રબર, તેજાના, શાકભાજી અને ફળોનો સમાવેશ થાય છે. કૉફી, નાળિયેરી, રબર મહત્વના પાકો ગણાય છે. આ સિવાય શાકભાજી અને ફળોના ઉત્પાદનમાં પણ ભારતે સારી પ્રગતિ કરી છે. દુનિયામાં શાકભાજીનું વધુ ઉત્પાદન ભારતમાં લેવાય છે. ભારતનાં લગભગ બધાં જ રાજ્યોમાં બટાટા, મરચાં, આદુ અને કોબીજનું વાવેતર થાય છે. ભારતના ઠંડા પ્રદેશોમાં સફરજન, અખરોટ, ચેરી, પીચ, આલુ, રાસબરી (પ્લમ) અને લીચીનું ઉત્પાદન મેળવાય છે. ગરમ પ્રદેશોમાં કેરી, નારંગી, પપૈયાં, ચીકુ, દ્રાક્ષ, દાડમ, જામફળ, કાજુ, કેળાં, પાઇનેપલ, સ્ટ્રૉબેરી વગેરેનું ઉત્પાદન લેવાય છે. ભારતમાં તેજાનાની ખેતી દક્ષિણ ભારતમાં થાય છે, તેમાં ખાસ કરીને તજ, લવિંગ, ઇલાયચી, જાયફળ–જાવંત્રીની ખેતી મુખ્ય છે.

પશુસંપત્તિ : ભારતના આર્થિક માળખામાં પશુધનનું મહત્વનું સ્થાન છે, કારણ કે ખેતીકાર્યમાં તેમની સહાય મળે છે, એટલું જ નહિ પરંતુ પરિવહન, ભારવહન, જળવહન વગેરેમાં પણ તેમનો ઉપયોગ થાય છે. આથી જ તો પશુઓ સંપત્તિ સમાન ગણાય છે. ભારતનું પશુધન સંખ્યાની ર્દષ્ટિએ દુનિયામાં સૌથી વધુ છે. પશુઓ દ્વારા દૂધ, માંસ, ચામડું, ખાતર જેવી જરૂરિયાતો સંતોષાય છે. ભારતમાં પશુઓની સૌથી વધુ સંખ્યા અનુક્રમે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. અન્ય રાજ્યોમાં તે ઓછા પ્રમાણમાં છે. ભારતમાં ઉત્તમ ઓલાદની ગાયોની જાતોમાં ગીર, કાંકરેજી અને શાહેવાલ મુખ્ય છે. ભેંસોની જાતોમાં જાફરાબાદી, સુરતી, નાગપુરી અને મરાડની ઓલાદો વધુ જાણીતી છે. આ સિવાય બળદ, ઊંટ, પાડા, ઘેટાં-બકરાં, હાથી, ઘોડા, ખચ્ચર, કૂતરાં જેવાં પાલતુ પ્રાણીઓ દ્વારા લોકજરૂરિયાતો સંતોષવામાં આવે છે.

ભારતમાં ખાસ કરીને ઊન માટે ઘેટાંઉછેર થાય છે. ઘેટાનું ઊન હલકું અને બરછટ હોય છે. ઘેટાંઉછેર મુખ્યત્વે કાશ્મીર, કચ્છ, રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે. ઊનનું વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે રશિયામાંથી મૅરીનો ઘેટાંની આયાત કરાઈ છે.

દૂધ ઉદ્યોગ : દુનિયામાં પશુઓની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે, તેમ છતાં દૂધ-ઉત્પાદનમાં ભારત બીજું સ્થાન ધરાવે છે. આ માટે પશુઓની જાત, પશુરોગો, પશુઆહાર, ઘાસચારો અને અવ્યવસ્થા કારણભૂત હોવાથી ભારતમાં દૂધ-ઉત્પાદનનો દર નીચો રહે છે. તેમ છતાં દુનિયાના દૂધ-ઉત્પાદનમાં ભારત દ્વિતીય (યુ.એસ. પ્રથમ) ક્રમે અને માખણ-ઘીના ઉત્પાદનમાં તે પ્રથમ સ્થાને આવે છે. ભારતમાં થતા કુલ દૂધ-ઉત્પાદનમાં ગાય, ભેંસ અને બકરીના દૂધનો સમાવેશ થાય છે. સૌથી વધુ દૂધ-ઉત્પાદન ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર, હરિયાણા, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં થાય છે. મોટા પાયા પરનાં દૂધ ઉત્પાદક કેન્દ્રો દેશમાં મર્યાદિત છે. સમગ્ર ભારતમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જેના ડાંગ અને કચ્છ જિલ્લાઓને બાકાત કરતાં બાકીના ત્રેવીસ જિલ્લાઓમાં ડેરીઓ કાર્યરત છે. આથી ગુજરાત ભારતના ‘ડેરી રાજ્ય’ તરીકે ઓળખાય છે. આણંદ ખાતે આવેલી અમૂલ ડેરીએ દૂધ અને દૂધની પેદાશો માટે ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. દૂધમાંથી ઘી, માખણ, પનીર, ચીઝ, દહીં, કેસીન, માવો, દૂધનો પાઉડર, મીઠાઈઓ, ચૉકલેટ વગેરે બનાવાય છે. ભારતમાં ડેરી ઉદ્યોગનો વિકાસ ધીમે ધીમે વધી રહ્યો છે. ઝડપી પરિવહન, શીતાગારો, પશુ-આહાર, ડેરીવિજ્ઞાન અને શિક્ષણની સગવડો મળી રહેતાં ડેરી-ઉદ્યોગના વધુ વિકાસની તકો ઊજળી છે.

મરઘાં-બતકાં : દરિયાકિનારે વસતા લોકો જેમ માછલાંનો ઉપયોગ અને મત્સ્યપ્રવૃત્તિ કરે છે તેમ અંતરિયાળ પ્રદેશોમાં લોકો ઈંડાં મેળવવા માટે મરઘાં-બતકાંનો ઉછેર કરે છે. આવાં ઉછેરકેન્દ્રો મોટેભાગે કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આસામ, જમ્મુ-કાશ્મીર, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવેલાં છે. ઈંડાંના ઉત્પાદનમાં ચીન દુનિયામાં પ્રથમ સ્થાને છે, જ્યારે ભારતનો ક્રમ તેમાં છઠ્ઠો આવે છે. ચીનમાં ઈંડાંની માથાદીઠ વપરાશની સરેરાશ 100 છે, જ્યારે ભારતમાં તે ફક્ત 26 છે.

સિંચાઈ : ભારતમાં ચોમાસું અનિયમિત રહે છે. દર વર્ષે ભારતના કોઈ પણ ભાગમાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનો સામનો કરવો પડે છે. આથી ભારતમાં ખેતીના વિકાસ માટે સિંચાઈ અનિવાર્ય છે. પ્રાચીન સમયથી ભૂપૃષ્ઠને લક્ષમાં રાખીને ભારતમાં કૂવા અને તળાવો દ્વારા સિંચાઈ કરવામાં આવતી, પરંતુ વર્તમાન સંજોગોમાં કૂવા અને તળાવો ઉપરાંત ટ્યૂબવેલ અને નહેરો દ્વારા પણ સિંચાઈ થાય છે. કૂવા દ્વારા થતી સિંચાઈનો મુખ્ય આધાર જે તે પ્રદેશની જમીન તથા ત્યાં પ્રાપ્ત થતા વરસાદ પર રહેલો હોય છે. ઈ. સ. 1993–94માં 278 લાખ હેક્ટર જમીનમાં કૂવા/ટ્યૂબવેલ દ્વારા સિંચાઈ થઈ હતી. ભારતમાં કૂવા દ્વારા સિંચાઈ મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, તામિલનાડુ, રાજસ્થાન અને ગુજરાતમાં વધુ થાય છે; જ્યારે ટ્યૂબવેલનું પ્રમાણ પંજાબ, હરિયાણા, બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં વધુ છે. 1993–94માં તળાવો દ્વારા થતી સિંચાઈનો લાભ 32 લાખ હેક્ટર જમીનને મળતો હતો. આ પ્રકારે થતી સિંચાઈ મુખ્યત્વે તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસા, ઉત્તરપ્રદેશ અને બિહાર રાજ્યોમાં થાય છે.

નહેરો દ્વારા સિંચાઈ થાય તે માટે સરકાર તરફથી પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે. આઝાદી પછીનાં 50 વર્ષોમાં સરકારે મોટા કદની, મધ્યમ તથા નાના કદની સિંચાઈ યોજનાઓ પર રૂ. 91,940 કરોડ જેટલી રકમ ખર્ચી છે; જેને પરિણામે દેશની સિંચાઈશક્તિમાં ધરખમ વધારો થયો છે; દા.ત., 1950–51માં માત્ર 226 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળતો હતો, જેના સ્થાને 1996–97માં 890 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવાની ક્ષમતા હાંસલ કરવામાં આવી છે. વિશ્વમાં સિંચાઈ હેઠળની જમીનનું પ્રમાણ ભારતમાં સૌથી વધારે છે (535 લાખ હેક્ટર) પરિણામે અનાજના ઉત્પાદનમાં લગભગ ચારગણો વધારો નોંધાયો છે. નહેર-સિંચાઈ માટે કેટલીક અનુકૂળતાઓ હોવી આવશ્યક છે. તેમાં જે તે પ્રદેશની જમીન સમતળ હોવી જોઈએ, જળ-પુરવઠો સુલભ હોવો જોઈએ તથા પવન દ્વારા રેતી-માટીનો નિક્ષેપ ન થવો જોઈએ. ભારતમાં પંજાબ રાજ્યની પશ્ચિમ યમુના નહેર, રિહન્દ નહેર, ભાકરા નહેર, નાંગલ નહેર; ઉત્તરપ્રદેશમાં નીચલી યમુના અને પૂર્વ યમુના નહેર; આગ્રા, શારદા, બેતવા અને રામગંગા નહેરો તેમજ રાજસ્થાનમાં ઇન્દિરા નહેર મહત્વની છે. આ ઉપરાંત ઓરિસા, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ નહેરોનો વિકાસ કરવામાં આવ્યો છે. ભારતમાં સૌથી જૂની નહેરો દક્ષિણ ભારતના કાવેરી ત્રિકોણપ્રદેશમાં આવેલી છે. વિજયવાડા શહેરની કૃષ્ણા નદીની નહેરો તેમજ ગોદાવરીની ગૌતમી અને વસિષ્ઠ નહેરો મહત્વની ગણાય છે.

બહુહેતુક યોજનાઓ : ભારતમાં વર્ષ દરમિયાન આશરે 1,70,000 કરોડ ઘનમીટર પાણી વરસાદ દ્વારા પ્રાપ્ત થાય છે, જેમાંથી 6,000 કરોડ ઘનમીટર પાણી બાષ્પીભવન દ્વારા ઊડી જાય છે, 4,000 કરોડ ઘનમીટર પાણી જમીનમાં શોષાઈ જાય છે, 4,000 કરોડ ઘનમીટર પાણી નદીઓમાં વહી જાય છે, જેમાંથી 60 % પાણી હિમાલયની નદીઓ, 16 % પાણી મધ્ય ભારતની નદીઓ અને 24 % પાણી દક્ષિણ ભારતની નદીઓમાં વહી જાય છે. આ નદીઓનાં 55,500 કરોડ ઘનમીટર પાણીનો જ ઉપયોગ થઈ શકે તેમ છે. આ માટે ભારત સરકારે કેટલીક બહુહેતુક યોજનાઓ સફળતાથી પૂરી કરી છે અને તે માટે વધુ પ્રયાસો ચાલુ છે. પૂરનિયંત્રણ, સિંચાઈ, જમીનધોવાણ-નિયંત્રણ, વિદ્યુત-ઉત્પાદન, મચ્છીમારી, જળમાર્ગો, જળસંગ્રહ, જંગલવિકાસ તેમજ પર્યટકમથકોનું નિર્માણ જેવા હેતુઓ આ યોજનાઓ દ્વારા સિદ્ધ કરી શકાય છે.

મહત્વની સિંચાઈ યોજનાઓ

1. દામોદર ખીણ યોજના : આ યોજના યુ.એસ.ની ટેનેસી વૅલી કૉર્પોરેશનને લક્ષમાં રાખીને દામોદર નદી પર ઊભી કરવામાં આવેલી છે. આ યોજનાને આધારે સસ્તો જળમાર્ગ શરૂ થયો છે અને છોટાનાગપુર ક્ષેત્રના કોલસાને વહાણો દ્વારા કોલકાતા સુધી પહોંચાડાય છે. આ યોજના હેઠળ કોનાર, મૈથોના, તિલૈયા અને પંચેટ હિલ જેવા ચાર બંધ બાંધવામાં આવ્યા છે. આ યોજનાનાં પાણીનો લાભ પશ્ચિમ બંગાળ રાજ્યને મળ્યો છે. તેનાથી સિંચાઈ, પૂરનિયંત્રણ, જળવિદ્યુત અને સસ્તા જળમાર્ગો જેવા હેતુઓ પરિપૂર્ણ કરવાનો હેતુ સિદ્ધ થયો છે.

2. ભાકરાનાંગલ યોજના : તે પંજાબ અને હિમાલય પ્રદેશના સરહદી વિસ્તારમાં સતલજ નદી પર આકાર પામેલી ભારતની સૌથી મોટી બહુહેતુક યોજના છે. અહીં તૈયાર થયેલા સરોવરને ગોવિંદસાગર નામે ઓળખવામાં આવે છે. આ બંધની ઊંચાઈ 226 મીટર અને લંબાઈ 518 મીટર છે. ભાકરા બંધમાંથી છોડાયેલા પાણીને નાંગલ આડબંધથી જુદી જુદી નહેરોમાં વાળવામાં આવે છે. આ યોજના પર બે જળવિદ્યુત-મથકો ઊભાં કરવામાં આવેલાં છે. આ યોજનાથી પંજાબ અને રાજસ્થાનમાં પિયત ખેતીનું પ્રમાણ વધ્યું છે.

3. હિરાકુડ (Hirakud) યોજના : ઓરિસામાં વહેતી મહાનદી પર, સંબલપુરથી 14 કિમી. ઉત્તરમાં આ યોજના ઊભી કરવામાં આવી છે. દુનિયાના સૌથી લાંબા માટીના બંધ તરીકે આ યોજનાની ગણતરી થાય છે. પૂરથી થતું નુકસાન અટકાવવાનો, સિંચાઈ અને જળવિદ્યુત-ઉત્પાદનનો હેતુ સિદ્ધ થયો છે.

4. નાગાર્જુન સાગર યોજના : આંધ્રપ્રદેશમાં આવેલી કૃષ્ણા નદી પર, હૈદરાબાદથી 160 કિમી. દૂર નાગાર્જુનકોન્ડા ગામ પાસે આ યોજના ઊભી કરવામાં આવેલી છે. બંધની લંબાઈ 1,450 મીટર છે અને બંધ પાછળ તૈયાર થયેલા સરોવરનો ઘેરાવો 150 ચોકિમી. જેટલો છે.

5. નર્મદા યોજના : ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદે આવેલ નવાગામ પાસે નર્મદા નદી પર આ યોજના આકાર લઈ રહી છે, તે ‘સરદાર સરોવર યોજના’ના નામથી પણ ઓળખાય છે. આ યોજના ત્રણ રાજ્યોની સહિયારી છે. આ યોજના પૂર્ણ થતાં પૂરથી થતું નુકસાન, પીવાના પાણીનો પ્રશ્ન, સિંચાઈ, જળવિદ્યુત જેવી સમસ્યાઓ હલ થઈ શકશે. આ બહુહેતુક યોજના ગુજરાતની સૌથી મોટી યોજના છે. તેની લંબાઈ 1,210 મીટર છે.

6. ઉકાઈ યોજના : ગુજરાતની સર્વપ્રથમ પૂર્ણ થયેલી બહુહેતુક યોજના. તે તાપી નદી પર, ઉકાઈ ગામે ઊભી કરવામાં આવેલી છે. તેમાંથી ભરૂચ અને સૂરત જિલ્લાની જમીનોને સિંચાઈનો લાભ મળે છે. અહીંથી ઉત્પન્ન કરાયેલી જળવિદ્યુતને લીધે સૂરત શહેરને સૌથી વધુ લાભ થયો છે. આ યોજનાથી પૂરનિયંત્રણ, સિંચાઈ અને જળવિદ્યુતના લાભો મળ્યા છે.

આ યોજનાઓ ઉપરાંત ભારતની અન્ય મહત્વની યોજનાઓમાં બિહારની કોસી અને મયૂરાક્ષી, મહારાષ્ટ્રની કોયના, કર્ણાટકની તુંગભદ્રા અને કાવેરી, હિમાલય પ્રદેશની બિયાસ, મધ્યપ્રદેશની ચંબલ તથા ગુજરાતની મહી-કડાણાનો સમાવેશ થાય છે. અમદાવાદ અને ગાંધીનગરની વસ્તીને પીવાનું પાણી મળી રહે તે માટે સાબરમતી નદી પર ધરોઈ બંધ બાંધવામાં આવેલો છે. અમદાવાદ ખાતે સાબરમતી પર જળસંગ્રહ માટે વાસણા-આડબંધ બાંધવામાં આવેલો છે.

ખનિજસંપત્તિ

ભારતના આર્થિક વિકાસમાં ખનિજોનું મહત્વ વધતું રહ્યું છે. અબરખ, લોહ, મૅંગેનીઝ, બૉક્સાઇટ, કોલસો  જેવાં ઉદ્યોગોના વિકાસ માટે પાયારૂપ ખનિજો ભારતમાં પૂરતા પ્રમાણમાં છે. ચિરોડી, ચિનાઈ માટી, કૅલ્સાઇટ, ડૉલોમાઇટ, ફ્લોરાઇટ જેવાં ખનિજોની બાબતમાં પણ ભારત મહત્વનું સ્થાન ધરાવે છે; પરંતુ હીરા, પ્લૅટિનમ, સોનું, ચાંદી, સીસું, જસત, તાંબું, કલાઈ, ટંગસ્ટન, નિકલ વગેરે જેવાં ધાતુખનિજોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ખનિજ તેલ અને કુદરતી વાયુના જથ્થા પણ મર્યાદિત છે. ગ્રૅનાઇટ, બેસાલ્ટ, ચૂનાખડકો, રેતીખડકો, આરસપહાણ, સ્લેટ, ફિલાઇટ જેવા ઇમારતી પથ્થરો ભારતમાં સારા પ્રમાણમાં રહેલા છે. અબરખ તેમજ લોહ-અયસ્ક, મૅંગેનીઝ-અયસ્ક તેમજ બૉક્સાઇટની નિકાસ કરવામાં આવે છે, જ્યારે અન્ય ખનિજોની જરૂરિયાત પ્રમાણે આયાત કરવામાં આવે છે.

સંચાલનશક્તિનાં સાધનો : આ સાધનોને બે વિભાગમાં વહેંચી શકાય : (i) પરંપરાગત સાધનો; જેમાં ખનિજ કોલસો, ખનિજતેલ, કુદરતી વાયુ અને અણુશક્તિનો સમાવેશ થાય છે. (ii) બિનપરંપરાગત સાધનો; જેમાં જળવિદ્યુત, સૌરશક્તિ, પવનશક્તિ, ભૂતાપશક્તિ, દરિયાઈ મોજાંની શક્તિ અને ગોબર ગૅસશક્તિનો સમાવેશ થાય છે. આ પૈકી ભારતમાં જળવિદ્યુત અને પવનશક્તિનો ઉપયોગ થાય છે.

પરંપરાગત સાધનો : (i) ખનિજકોલસો : ભારતમાં કોલસાનાં મુખ્ય ક્ષેત્રોમાં રાણીગંજ (પ. બં.) તથા ઝરિયા, બોકારો, કરણપુરા તેમજ અન્ય(બિહાર)નો સમાવેશ થાય છે. આ બંને રાજ્યો ભારતના કોલસાના કુલ ઉત્પાદનનો આશરે 75 % જેટલો હિસ્સો આપે છે. બાકીનો 25 % કોલસો મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓરિસા, આસામ તેમજ અન્ય રાજ્યોમાંથી મેળવાય છે. જિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા (G.S.I.) દ્વારા જાન્યુઆરી 1990 સુધીમાં કરવામાં આવેલી મોજણી મુજબ ભારતમાં કોલસાનો અનામત જથ્થો આશરે 18,600 કરોડ ટન હોવાનો અંદાજ છે. ભારતમાં શ્રેષ્ઠ પ્રકારના ઍન્થ્રેસાઇટ કોલસાનું પ્રમાણ ઘણું જ ઓછું છે, જ્યારે મધ્યમ પ્રકારના બિટુમિનસ અને ઊતરતી કક્ષાના લિગ્નાઇટનું પ્રમાણ મધ્યમસરનું છે. કોલસાનો મુખ્ય ઉપયોગ તાપવિદ્યુતમથકોમાં વીજળી મેળવવામાં તથા રેલવે-એંજિનોમાં વરાળ ઉત્પન્ન કરવામાં થાય છે.

(ii) ખનિજતેલકુદરતી વાયુ : ભારતમાં ખનિજ-તેલ અને કુદરતી વાયુનાં અગત્યનાં ક્ષેત્રોમાં બૉમ્બેહાઈ, ગુજરાત (મહેસાણાથી અંકલેશ્વર) તેમજ આસામનો તથા ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના ત્રિકોણપ્રદેશો અને બાડમેર(રાજસ્થાન)નો સમાવેશ થાય છે. ખનિજ-તેલમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન તેમજ અસંખ્ય આડપેદાશો મેળવવામાં આવે છે. કુદરતી વાયુની બાબતમાં ભારતે સંશોધનક્ષેત્રે સારી એવી પ્રગતિ સાધી છે. ભારતનું દરેક રાજ્ય કુદરતી વાયુનું ઉત્પાદન કરતું થયું છે, ગુજરાત તેમાં મોખરે છે. ગુજરાતનું ગાંધાર વાયુક્ષેત્ર ભારતનું સૌથી મોટું ક્ષેત્ર ગણાય છે. કુદરતી વાયુનો ઉપયોગ જો ઇંધન તરીકે કરવામાં આવે તો કોલસા અને ખનિજ-તેલ પરનું ભારણ ઘટી શકે.

(iii) અણુશક્તિ : ભારતમાં અણુશક્તિ માટેની વિચારણાનો પ્રારંભ 1942માં થયેલો. તેના અનુસંધાનમાં 1944માં ડૉ. હોમી ભાભાને ઍટમિક ઍનર્જી કમિશનનું કામ સોંપવામાં આવ્યું. યુરેનિયમ અને થોરિયમનાં ખનિજો તેને માટેનો સ્રોત છે. આ બંને ધાતુઓ કિરણોત્સર્ગી છે. ભારતમાં યુરેનિયમ કરતાં થોરિયમનું પ્રમાણ વધુ છે. યુરેનિયમનાં ખનિજો બિહાર અને રાજસ્થાનમાંથી તથા થોરિયમનાં ખનિજો મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રની દરિયાઈ કિનારાપટ્ટીમાંથી મળે છે. ભારતમાં મહારાષ્ટ્રનું ટ્રૉમ્બે અને તારાપુર, રાજસ્થાનનું રાણા પ્રતાપસાગર, તામિલનાડુનું કલ્પક્કમ અને ગુજરાતનું કાકરાપાર જાણીતાં અણુવિદ્યુત-મથકો છે.

બિનપરંપરાગત સાધનો : (i) જળવિદ્યુત : કુદરતી જળધોધ મારફતે મેળવાતી વીજળી માટે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, કેરળ અને પાડિચેરીના પ્રદેશો મુખ્ય છે. આ રાજ્યોએ 1981–82માં ‘સધર્ન રીજિયૉનલ ઇલેક્ટ્રિસિટી બોર્ડ’ની સ્થાપના કરી છે. હિમાચલ પ્રદેશ પણ જળવિદ્યુત મેળવવા પ્રયત્નશીલ રહ્યું છે. બીજાં કેટલાંક રાજ્યો બહુહેતુક યોજનાઓ દ્વારા જળવિદ્યુત મેળવે છે. ઈશાની રાજ્યોમાં જળપુરવઠો અને જળધોધ હોવા છતાં જળવિદ્યુત ઓછા પ્રમાણમાં ઉત્પન્ન કરે છે.

(ii) પવનઊર્જા : જ્યાં પવનની ગતિ ઝડપી હોય તેમજ તે સતત જળવાતી રહેતી હોય એવા સમુદ્રતટે અથવા પર્વત કે ઉચ્ચપ્રદેશીય વિસ્તારોમાં પવનચક્કીઓ ગોઠવીને વિદ્યુત મેળવી શકાય છે. ભારતમાં ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને ઓરિસામાં સાનુકૂળ પરિસ્થિતિ ઉપલબ્ધ છે ત્યાં આવાં ‘વિન્ડફાર્મ’ ઊભાં કરેલાં છે.

(iii) ગોબરગૅસ : દુનિયામાં ગોબરગૅસનું સૌથી વધુ ઉત્પાદન ચીન કરે છે. ભારતમાં ગોબરગૅસનો સૌથી વધુ ઉપયોગ ગુજરાત કરે છે. આ ઉપરાંત જ્યાં ઢોરની સંખ્યા અધિક છે એવાં રાજ્યો પણ તેનું ઉત્પાદન કરે છે.

(iv) સૌર ઊર્જા : ભારતનો ઘણોખરો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં આવેલો હોવાથી બારેમાસ સૂર્યપ્રકાશનો લાભ લઈ શકાય તેમ છે; તેમ છતાં તેનો પૂરેપૂરો લાભ ભારત લઈ શક્યું નથી. સૌર ઊર્જાનો ઉપયોગ બે રીતે થાય છે : સૂર્ય-ગરમીનો સીધો ઉપયોગ કરીને તથા સૂર્યનાં કિરણોમાંથી વીજળી મેળવીને. ભારતમાં મોટા ઔદ્યોગિક એકમોએ અને હોટેલોએ તેનો લાભ લેવાનો પ્રારંભ કર્યો છે.

આ ઉપરાંત ભૂતાપશક્તિ અને સમુદ્રભરતી-મોજાંમાંથી ઊર્જા મેળવવાના પ્રયોગો થયા છે. કચરાને બાળીને વીજળી મેળવવા માટે જર્મની અને જાપાનના નિષ્ણાતોનાં મંતવ્યો પણ મેળવવામાં આવ્યાં છે.

મત્સ્યસંપત્તિ : ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં મત્સ્યનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે, પરંતુ લોકોની જરૂરિયાત કરતાં તેનું ઉત્પાદન ઓછું છે. ભારતનો દરિયાકિનારો લગભગ 7,516 કિમી. લાંબો છે. આર્થિક ષ્ટિએ અગત્યની મોટાભાગની માછલીઓ સમુદ્રોમાંથી પકડવામાં આવે છે, તદુપરાંત નદીઓ, સરોવરો, તળાવો, બંધનાં જળાશયો, નહેરો જેવાં અંત:સ્થ મીઠાં પાણીના વિસ્તારોમાંથી પણ તે પકડવામાં આવે છે. ભારતનો દરિયાકિનારો ખંડીય છાજલી વડે સારી રીતે સંકળાયેલો છે. ખંડીય છાજલીને લીધે ભારતમાં મત્સ્ય-ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે અને મહત્તમ ઉત્પાદનની ર્દષ્ટિએ દુનિયામાં તે આઠમા ક્રમાંકનું સ્થાન ધરાવે છે. આમાંથી માત્ર 6 % વિસ્તારમાંથી મત્સ્ય પકડવામાં આવે છે. અનાજ ઉપરનું ભારણ ઘટે તે માટે સરકાર તરફથી લાંબા ગાળા સુધી માછલીઓને જાળવી રાખવા શીતાગારોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સહકારી મંડળીઓ દ્વારા મત્સ્ય-ઉદ્યોગને વધુ ને વધુ વિકસાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. ભારતનાં પોરબંદર, કંડલા, ઓખા, વેરાવળ, મુંબઈ, માર્મગોવા, કોચીન, કોલમ, વિશાખાપટ્ટનમ્ જેવાં બંદરોને મત્સ્યબંદરો તરીકે પણ વિકસાવવામાં આવ્યાં છે. ખારા પાણીના વિસ્તારોમાંથી બાંગડા, બૂમલા, પાંપલેટ, હેરિંગ, સાલ્મન, ઝિંગા, સાંઢો, શાર્ક, સાર્ડિન્સ, ગોળ, દારા, અને ટ્યૂના જ્યારે મીઠા પાણીના વિસ્તારોમાંથી કાટલા, રોહુ, મૃગલ, મરળ વગેરે મત્સ્ય મેળવાય છે.

ભારતના કિનારાનાં રાજ્યોમાં માછલીઓનો આંતરિક વેપાર થાય છે. પશ્ચિમ બંગાળ રાજ્ય ઓરિસા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાંથી માછલીઓ મંગાવે છે. દેશના અંદરના પ્રદેશો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપમાંથી માછલીઓ મંગાવે છે. માછલીઓની નિકાસ જાપાન, અમેરિકા, યુરોપ, ઈરાની અખાત વિસ્તાર, દક્ષિણ-પૂર્વ એશિયા વગેરે દેશોમાં કરવામાં આવે છે. મીઠા પાણીના મત્સ્ય-ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ, ઓરિસા, બિહાર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને પંજાબનાં રાજ્યોનો ફાળો વિશેષ છે. વિશાળ જળાશયોમાં મત્સ્યઉછેર-કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે.

ઉદ્યોગો અને તેનો વિકાસ

ભારતમાં આધુનિક ઢબે ઉદ્યોગની શરૂઆત થઈ તે પહેલા પણ ભારતમાં હસ્તઉદ્યોગ વડે ઉત્પાદન કરવામાં આવતી ચીજવસ્તુઓની માંગ વિશ્વના ઘણાખરા વિસ્તારોમાં નોંધપાત્ર પ્રમાણમાં રહેતી હતી. ભારતમાંથી નિકાસ થતી આવી ચીજવસ્તુઓમાં સુતરાઉ તથા રેશમનું કાપડ, સુતરાઉ તથા રેશમના દોરા, મલમલ, ધાતુની ચીજવસ્તુઓ, ઊનની બનાવટો વગેરેનો સમાવેશ થતો હતો; પરંતુ બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતના હસ્તઉદ્યોગનો નાશ થયો. ઉપરાંત, બ્રિટિશ સરકારની વિદેશમાંથી તૈયાર માલની આયાત તથા ભારતમાંથી કાચા માલની નિકાસોને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે છેક આઝાદી સુધી દેશના ઔદ્યોગિક ક્ષેત્રનો સમતોલ વિકાસ થઈ શક્યો ન હતો. પરંતુ 1951માં દેશમાં આયોજન-યુગની શરૂઆત થતાં ભારતે ઝડપી ઔદ્યોગિક પ્રગતિ કરી છે; એટલું જ નહિ, પરંતુ તેમાં માળખાગત ફેરફારો થયા છે. પરિણામે છેલ્લાં પચાસ વર્ષો(1951–2000)માં ઔદ્યોગિક ઉત્પાદનમાં વીસગણો વધારો થયો છે, ભારતના ઉદ્યોગોમાં વૈવિધ્ય દાખલ થયું છે. વપરાશી ચીજવસ્તુઓ ઉપરાંત ભારત હવે નોંધપાત્ર પ્રમાણમાં ઔદ્યોગિક મૂડીમાલનું ઉત્પાદન કરે છે. તૈયાર માલની  આયાતોમાં ક્રમશ: ઘટાડો થયો છે, જ્યારે તૈયાર માલની નિકાસોમાં નોંધપાત્ર વધારો થયો છે તથા દેશના તકનીકી તથા વ્યવસ્થાપન-ક્ષેત્રના કૌશલ્યમાં ધ્યાન ખેંચે તેવો વધારો થયો છે. મોટાભાગની વપરાશી ચીજવસ્તુઓની બાબતમાં ભારતે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે; મૂડીમાલ, ખાણ અને ધાતુવિદ્યા, રસાયણ અને ખનિજ-તેલની પેદાશો, રાસાયણિક ખાતરો, નાના, મધ્યમ અને ભારે ઇજનેરી ઉદ્યોગોમાં બનતી ચીજવસ્તુઓ; વીજળી અને વાહનવ્યવહારને લગતાં સાધનો, બાંધકામ-ઉદ્યોગને લગતાં ઉપકરણો વગેરેનું ઉત્પાદન દેશમાં હવે મોટા પ્રમાણમાં થાય છે, જેને પરિણામે દેશના ભાવિ ઔદ્યોગિક વિકાસનો પાયો મજબૂત બન્યો છે. 1951 પછીના ગાળામાં દેશના ઔદ્યોગિક એકમોમાં રોકાયેલા શ્રમિકોની સંખ્યામાં લગભગ ત્રણગણો વધારો થયો છે, પરંતુ તે જ ગાળામાં ઔદ્યોગિક એકમો અને ખાણ ક્ષેત્રમાં થતી ઊર્જા-વપરાશમાં માથાદીઠ દસગણો વધારો નોંધાયો છે, જે દેશના ઔદ્યોગિક ક્ષેત્રના આધુનિકીકરણનો સ્પષ્ટ સંકેત આપે છે. આઝાદીના અરસામાં ભારતમાં જાહેર ક્ષેત્રના ગણાય તેવા માત્ર 5 એકમો હતા, જેની સંખ્યા હવે 245 જેટલી થઈ છે. આ ક્ષેત્રમાં હવે દેશની કુલ ઉત્પાદિત મૂડીના 39 ટકા જેટલી મૂડી રોકાયેલી છે. જાહેર ક્ષેત્રમાં ભારે અને પાયાના ઉદ્યોગોનો પ્રાદુર્ભાવ વધારે જોવા મળે છે. ભારતે હવે ખનિજ-તેલના યુગમાં પ્રવેશ કર્યો છે એમ કહેવાય, કારણ કે દેશના જુદા જુદા વિસ્તારોમાં તેલ-શુદ્ધીકરણનાં કારખાનાંઓ તથા ખનિજ-તેલની પેદાશોનો સંગ્રહ કરતા એકમોનો વિકાસ કરવામાં આવ્યો છે. આઝાદી પછી કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં થયેલ ઝડપી વિકાસને લીધે વાહનવ્યવહાર તથા સંદેશાવ્યવહાર, બૅંકિંગ, વીમો, વીજળી, વાણિજ્ય અને વ્યાપાર જેવા પૂરક ક્ષેત્રના ઝડપી વિકાસને પણ પ્રોત્સાહન મળ્યું છે.

ઔદ્યોગિક પ્રદેશો : ભારતમાં મુખ્ય ત્રણ ઔદ્યોગિક પ્રદેશો આવેલા છે અને તે કાચા માલનાં ક્ષેત્રો પાસે વિકસેલા છે : (i) અમદાવાદ–મુંબઈ–પુણેનો ઔદ્યોગિક પ્રદેશપટ્ટો – તેમાં સુતરાઉ કાપડ, કૃત્રિમ કાપડ, ઇજનેરી માલસામાન, રસાયણો, દવાઓ, તેલ- શુદ્ધીકરણ, ફિલ્મ, વીજાણુયંત્રો અને તેમના પુરજા બનાવવાના તેમજ રોજિંદા જીવનને લગતી વપરાશી ચીજોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો આવેલા છે. અમદાવાદ અને મુંબઈ તેના સુતરાઉ કાપડ, લોખંડ-પોલાદની અને ઇજનેરી ચીજવસ્તુઓ, વીજાણુયંત્રો અને તેમના પુરજાઓ તથા રસાયણોના ઉદ્યોગો માટે; વડોદરા તેના તેલ-શુદ્ધીકરણ, ખાતર, દવાઓ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો માટે; સૂરત તેના રેશમ, જરીકામ, કૃત્રિમ કાપડ તેમજ વીજાણુયંત્રો અને પુરજાઓ બનાવવાના ઉદ્યોગો માટે; વલસાડ તેના અતુલ ઉદ્યોગ, રસાયણો અને દવાઓ માટે તથા પુણે દવાઓ, વીજાણુયંત્રો અને તેનાં સાધનો બનાવવાના ઉદ્યોગો માટે જાણીતાં છે. આ ઉપરાંત ગુજરાતમાં મહેસાણા, કલોલ અને જામનગરમાં હોઝિયરી, સાબુ, ડિટરજન્ટ તેમજ પ્લાસ્ટિક અને ફાઉન્ડ્રી ઉદ્યોગો પણ વિકસ્યા છે. મહારાષ્ટ્ર(પાતાલગંગા વિસ્તાર)માં પણ નવાં ઔદ્યોગિક કેન્દ્રો ઊભાં થયાં છે.

(ii) પૂર્વ ભારતનો ઔદ્યોગિક પટ્ટો : આ પટ્ટામાં દામોદર ખીણ વિસ્તારમાં આવેલાં જમશેદપુર, ખડ્ગપુર, કોલકાતા અને આસનસોલનો સમાવેશ કરી શકાય. તેમાં લોખંડ-પોલાદનો ઉદ્યોગ, ધાતુગાળણ-ઉદ્યોગ, ઍલ્યુમિનિયમ, શણ, કાગળ, રેલવે-એંજિન અને વિવિધ યંત્રસામગ્રી, પેટ્રોરસાયણ, કાપડ-ઉદ્યોગ, વીજાણુ-સાધનો, યંત્રો બનાવવાના ઉદ્યોગો વગેરે વિકસેલા છે. (iii) દક્ષિણ ભારતનો ઔદ્યોગિક વિસ્તાર : તેમાં બૅંગ્લોર, કોઇમ્બતુર, મદુરાઈ, ભદ્રાવતી, ચેન્નઈ, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે. બગ્લોરમાં જહાજ, ટેલિફોન, વિદ્યુત-સાધનો અને વીજાણુયંત્રો બનાવવાના ઉદ્યોગો, ભદ્રાવતીમાં લોખંડ-પોલાદનો ઉદ્યોગ, ચેન્નઈ અને કોઇમ્બતુરમાં કાપડ, રસાયણો અને વીજાણુયંત્રોના ઉદ્યોગો, વિશાખાપટ્ટનમ્ અને પેરામ્બુરમાં રેલડબ્બા બનાવવાનો ઉદ્યોગ, તથા હૈદરાબાદમાં વીજાણુયંત્રો અને તેનાં સાધનો બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે.

આ ઉપરાંત ઉત્તર ભારતમાં કાનપુર, દિલ્હી, શ્રીનગર, અમૃતસર, લુધિયાણા, જગાધરી વગેરેમાં છૂટાંછવાયાં ઔદ્યોગિક કેન્દ્રો આવેલાં છે. તે તેમનાં ચામડાં અને તેની બનાવટો, રસાયણો, ગરમ-રેશમી કાપડ, હોઝિયરી અને ખેતીનાં ઓજારો માટે જાણીતાં છે.

1. લોખંડપોલાદઉદ્યોગ : લોખંડ-પોલાદના ઉદ્યોગના વિકાસ અને પોલાદની માથાદીઠ વપરાશને કોઈ પણ રાષ્ટ્રની આર્થિક અને ઔદ્યોગિક પ્રગતિની પારાશીશી માનવામાં આવે છે. ભારત પાસે લોહ-અયસ્કને અનામત જથ્થો વિપુલ હોવા છતાં દુનિયાના પોલાદ- ઉત્પાદક દેશોમાં ભારતનું સ્થાન પંદરમા ક્રમનું છે. ભારતમાં લોહ-અયસ્કનું ઉત્પાદન કરતાં રાજ્યોમાં બિહાર, ઓરિસા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગોવા મુખ્ય છે. ભારતમાં પોલાદનું પહેલું કારખાનું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જોસાઈયા માર્શલ હીથે 1830માં તામિલનાડુના પૉર્ટોનોવો ખાતે સ્થાપ્યું હતું. ત્યારપછી પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે બેંગૉલ આયર્ન વર્ક્સ કંપની, જમશેદપુર ખાતે ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની, પશ્ચિમ બંગાળના બર્નપુરમાં ઇન્ડિયન આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની સ્થપાઈ હતી. ત્યારબાદ ભારત સરકારે જાહેર ક્ષેત્ર તરીકે ભદ્રાવતી ખાતે વિશ્વેશ્વરૈયા આયર્ન ઍન્ડ સ્ટીલ વર્ક્સની સ્થાપના કરેલી. આજે તો રૂરકેલા, ભિલાઈ, દુર્ગાપુર, વિશાખાપટ્ટનમ્, હજીરા, બોકારો, સેલમ, વિજયનગર વગેરે સ્થળોએ લોખંડ-પોલાદના એકમો ઊભા થયેલા છે. આ એકમોમાં ફિનિશ્ડ તૈયાર સ્ટીલ, એલૉય સ્ટીલ, કન્સ્ટ્રક્શનલ સ્ટીલ, સ્પ્રિંગ્ર-પોલાદ, મિશ્રધાતુ માટેનું પોલાદ, ઇમારતી બાંધકામનું પોલાદ, કમાનો માટેનું પોલાદ, સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ અને બૉલબેરિંગ સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવે છે. આજે તો ભારતમાં સ્ટીલ ઑથોરિટીના એકમો છે તેમજ ટાટા સ્ટીલ પાસે સંશોધન અને વિકાસનું મજબૂત તેમજ કાર્યક્ષમ માળખું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની ટેક્નૉલોજિકલ કામગીરી હાંસલ કરવાનો આ એકમોનો પ્રયાસ છે, આ ઉદ્યોગમાં હવે 4,000 કરોડ રૂપિયા જેટલું મૂડીરોકાણ થયું છે. જેમાંથી મોટાભાગનું મૂડીરોકાણ જાહેર ક્ષેત્રના એકમોમાં થયેલું છે.

2. કાપડઉદ્યોગ : (i) સુતરાઉ કાપડ-ઉદ્યોગ : ભારતનો આ સૌથી જૂનો અને મોટા પાયા પરનો ઉદ્યોગ છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ઈ. સ. 1854માં ભારતીય મૂડી દ્વારા સર્વપ્રથમ સુતરાઉ કાપડની મિલ મુંબઈ ખાતે સ્થાપવામાં આવેલી. ત્યારબાદ અમદાવાદ ખાતે 1861માં શાહપુર મિલ અને 1863માં કૅલિકો મિલની સ્થાપના થયેલી. ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો સૌથી વધુ વિકાસ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તામિલનાડુ રાજ્યોમાં થયો છે. અમદાવાદ, મુંબઈ, નાગપુર, ઇન્દોર, કોઇમ્બતુર, મદુરાઈ, કાનપુર, દિલ્હી અને અમૃતસર તેનાં મુખ્ય કેન્દ્રો ગણાય છે. કૃત્રિમ કાપડની વપરાશની શરૂઆત થઈ તે પહેલાં અમદાવાદ ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું. ભારતના કાપડ-ઉદ્યોગમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનું પ્રભુત્વ રહ્યું છે. આજે પણ દેશના કુલ વણાટઉત્પાદનમાં કાપડ-ઉદ્યોગના ઉત્પાદનનો ફાળો 65 ટકા જેટલો છે.

સૂતરના ઉત્પાદનમાં યુ.એસ. અને રશિયા પછી તરત જ ભારતનો ક્રમ આવે છે, જ્યારે સુતરાઉ કાપડના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે આવે છે. ભારત તેના સુતરાઉ કાપડની તથા તૈયાર પોશાકોની નિકાસ રશિયા, યુ.એસ., યુ.કે., ફ્રાંસ, ઑસ્ટ્રેલિયા, જર્મની, આફ્રિકા, નેપાળ જેવા દેશોમાં કરે છે. ભારતનાં મોટાભાગનાં રાજ્યોમાં હૅન્ડલૂમ અને પાવરલૂમ કાપડનું ઉત્પાદન થાય છે.

(ii) ગરમ કાપડ : મૂળ ગૃહઉદ્યોગ તરીકે સ્થાન પામેલો આ ઉદ્યોગ હવે મિલ-ઉદ્યોગમાં પરિણમ્યો છે. ગરમ કાપડની સર્વપ્રથમ મિલ કાનપુર ખાતે 1886માં સ્થપાયેલી. આજે તો પંજાબ ભારતનું ગરમ કાપડનું સૌથી મોટું કેન્દ્ર ગણાય છે. અમૃતસર, લુધિયાણા, ચંડીગઢ, મુંબઈ, જામનગર વગેરે શહેરોમાં ગરમ કાપડની મિલો આવેલી છે. આ ઉદ્યોગ ગુજરાતના કચ્છ જિલ્લામાં, રાજસ્થાનના બાડમેર જિલ્લામાં તેમજ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ગૃહઉદ્યોગ તરીકે પણ તે વિકસેલો જોવા મળે છે.

(iii) રેશમી કાપડ : કૃત્રિમ કાપડનો ઉપયોગ વધતાં હવે રેશમી કાપડની માંગ ઘટી છે. દુનિયામાં રેશમી કાપડના ઉત્પાદનમાં ચીન પછી ભારતનો ક્રમ આવે છે. રેશમી કાપડના ઉદ્યોગનો વિકાસ ભારતનાં કર્ણાટક, તામિલનાડુ, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં થયો છે.

(iv) કૃત્રિમ રેસાઉદ્યોગ : આ ઉદ્યોગ પેટ્રોકેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. પેટ્રોલિયમની આડપેદાશરૂપે કૃત્રિમ રેસાનું ઉત્પાદન થાય છે. તેનું સર્વપ્રથમ ઉત્પાદન 1963માં ગુજરાતમાં કોયલી ખાતે શરૂ થયું હતું. આ ઉપરાંત વાંસ જેવા પોચા લાકડામાંથી જે રેસા મેળવાય છે તે રેયૉન તરીકે ઓળખાય છે. રેયૉનનાં કારખાનાં કેરળ, કર્ણાટક અને ગુજરાતમાં આવેલાં છે.

(v) કંતાન : શણના રેસામાંથી કાપડ બનાવવાની કળા ભારતમાં વર્ષોથી ચાલી આવે છે. ભારતમાં શણનું ઉત્પાદન કરતાં પશ્ચિમ બંગાળ અને આસામ રાજ્યોમાં શણની મિલો ઊભી કરવામાં આવેલી છે.

3. ખાંડઉદ્યોગ : 1932 પહેલાં ભારતમાં ખાંડ મૉરેશિયસમાંથી આયાત થતી હતી, તેથી આજે પણ તે મોરસ નામે ઓળખાય છે. અંગ્રેજોએ ખાંડનું સર્વપ્રથમ કારખાનું 1907માં ઉત્તરપ્રદેશમાં સ્થાપ્યું હતું. દુનિયામાં ખાંડના કુલ ઉત્પાદનમાં ભારતનો ક્રમ ચોથો (રશિયા, બ્રાઝિલ અને ક્યૂબા આ ત્રણ દેશોના ક્રમ પછી) છે. ભારતમાં ખાંડના ઉત્પાદનનો આધાર શેરડીના ઉત્પાદન પર રહે છે. શેરડીના કુલ ઉત્પાદનના 30 % જેટલો હિસ્સો ખાંડ બનાવવામાં વપરાય છે, 55 %થી 60 % જેટલી શેરડી ગોળ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે, જ્યારે 10 %થી 15 % શેરડી પશુઓના આહારમાં વપરાય છે. ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની શેરડી ઊંચી ગુણવત્તાવાળી સાબિત થઈ છે. ભારતમાં શેરડીના વાવેતરના પ્રમાણને આધારે ખાંડનાં કારખાનાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત, આસામ, બિહાર, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં સ્થાપાયેલાં છે. આ રાજ્યો ખાંડસરીનું પણ ઉત્પાદન કરે છે. ભારતમાં ગોળ એ ગૃહઉદ્યોગની પેદાશ છે. ગોળનું ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. ભારતના ખાંડ-ઉદ્યોગમાં 3.25 લાખ કામદારો પ્રત્યક્ષ રીતે રોકાયેલા છે, જ્યારે તેને લીધે પરોક્ષ રીતે 250 લાખ કામદારોને રોજી મળે છે. 1995–96માં ભારતમાં 160 લાખ મેટ્રિક ટન જેટલી ખાંડનું ઉત્પાદન 420 જેટલાં ખાંડ-કારખાનાંઓ દ્વારા થયું હતું. ખાંડની બાબતમાં ભારતે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે, એટલું જ નહિ, પરંતુ તે ખાંડની નિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે.

4. સિમેન્ટઉદ્યોગ : સિમેન્ટનાં મૂળ શોધક જૉસેફ અસ્પદિન નામનો એક અંગ્રેજ કડિયો હતો. તેણે બનાવેલો સિમેન્ટ ઇંગ્લૅન્ડના પૉર્ટલૅન્ડ ટાપુ પર મળી આવતા ચૂનાખડકોના જેવો રંગ ધરાવતો હોવાથી એનું નામ પૉર્ટલૅન્ડ સિમેન્ટ પડ્યું. ભારતમાં સર્વપ્રથમ વાર 1914માં પોરબંદર ખાતે પૉર્ટલૅન્ડ સિમેન્ટ બનાવવામાં સફળતા મળી. ભારતમાં જ્યાં ચૂનાખડકોનાં ક્ષેત્રો આવેલાં છે ત્યાં આ ઉદ્યોગો વિકસેલા છે. ભારતમાં વિવિધ પ્રકારના સિમેન્ટ બનાવવામાં આવે છે; જેમાં બ્લાસ્ટ ફર્નેસ સ્લૅગ સિમેન્ટ, પોઝોલન સિમેન્ટ, વ્હાઇટ સિમેન્ટ, લો હીટ સિમેન્ટ, રૅપિડ હાર્ડનિંગ સિમેન્ટ, ઑઇલ વેલ સિમેન્ટ, હાઇડ્રો સિમેન્ટ અને હાઇ ઍલ્યુમિના સિમેન્ટનો સમાવેશ થાય છે.

સિમેન્ટ-ઉદ્યોગ મુખ્યત્વે કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને તામિલનાડુમાં વધુ વિકસ્યો છે. આ ઉપરાંત ઓરિસા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ તેનાં કારખાનાં સ્થપાયેલાં છે. રસ્તા, મકાનો, પુલો, નહેરો, રેલવે-સ્લિપર્સ, ગૃહઉપયોગી સુશોભન વસ્તુઓ બનાવવામાં તેનો ઉપયોગ વધતો જાય છે. ભારતમાં હાલ સિમેન્ટનાં 20 મોટાં કારખાનાંઓ તથા 140 નાના કદનાં કારખાનાંઓ છે; જેમની ઉત્પાદનક્ષમતા 10 કરોડ 50 લાખ ટન જેટલી છે. લગભગ 2 લાખ કામદારો તેમાંથી રોજી મેળવે છે. ભારતમાં સિમેન્ટ-ઉદ્યોગનું ભાવિ ઊજળું છે.

5. પેટ્રોરસાયણઉદ્યોગ : પેટ્રોરસાયણો માટેનો કાચો-માલ કોલસો, ખનિજ-તેલ, કુદરતી વાયુ અને આલ્કોહૉલ છે. પેટ્રોકેમિકલ્સને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે : પૉલિમર્સ, રસાયણો અને કૃત્રિમ રેસાઓ. પૉલિમર્સ પદાર્થોને થરમૉપ્લાસ્ટિક, થરમૉસેટ, ઇજનેરી પ્લાસ્ટિક અને સંશ્લેષિત રબર જેવા પદાર્થોમાં વિભાજિત કરી શકાય. જે રસાયણો પેટ્રોકેમિકલ્સ સંકુલોમાંથી મેળવવામાં આવે છે, તેમાં લિનિથર આલ્કાઇલ બેન્ઝિન, આલ્ફા ઑલિફિન્સ અને ઑક્સાઇડ મુખ્ય છે. સિન્થેટિક ફાઇબર એટલે કૃત્રિમ રેસા. ભારતમાં આ ઉદ્યોગ વધુ વિકસ્યો છે. પેટ્રોરસાયણોને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે. દેશમાં તેનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્ર, કૃષિક્ષેત્ર તેમજ ગૃહવપરાશમાં થાય છે. ભારતમાં 20,000 કરતાં પણ વધુ પ્લાસ્ટિક પ્રક્રમણ એકમો સ્થપાયેલા છે.

પેટ્રોરસાયણ-ઉદ્યોગની સર્વપ્રથમ કંપની ઇન્ડો પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (આઇ.પી.સી.એલ.) 1969માં વડોદરા ખાતે સ્થાપવામાં આવી. ત્યારબાદ મુંબઈ અને હલ્દિયામાં પણ આ ઉદ્યોગ સ્થપાયો. જાહેર અને સંયુક્ત ક્ષેત્રમાં આ ઉદ્યોગના જે અન્ય એકમો વિકસી રહ્યા છે તેમાં મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના નાગોઠાણે ખાતે આઇ.પી.સી.એલ.નો એકમ, સલીમપુર ઍરોમેટિક કૉમ્પલેક્સ વગેરે નોંધપાત્ર છે. ખાનગી ક્ષેત્રમાં નવા સ્થપાઈ રહેલા ગુજરાત પેટ્રોકેમિકલ સંકુલ વિશેષ ધ્યાન ખેંચે તેવા છે. નૅશનલ ઑઇલ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા લિમિટેડનું વિસ્તરણ પણ થઈ રહ્યું છે. આ સિવાય પણ રાજ્ય-સરકારોના સહયોગથી કેટલાક નવા એકમો પણ કાર્યરત છે. આગામી વર્ષોમાં ભરૂચ પાસે ગાંધાર ખાતે નવો એકમ આકાર લઈ રહ્યો છે.

6. રાસાયણિક ખાતર : ભારત ખેતીપ્રધાન દેશ છે. ભારતની જમીનોમાં નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટૅશિયમનાં તત્વો ઓછાં હોવાથી જરૂરિયાત અનુસાર કૃષિ-ઉત્પાદન મળતું નથી, તેથી રાસાયણિક ખાતરોનો ઉપયોગ આવશ્યક બન્યો છે. ચિરોડી, નેપ્થા, રૉકફૉસ્ટેટ, પેટ્રોલિયમનો કચરો, કુદરતી વાયુ અને પાણી આ ઉદ્યોગ માટેનો કાચો માલ ગણાય છે. આ પૈકીના કેટલાક પદાર્થો ઉપલબ્ધ ન હોવાથી તે પરદેશથી આયાત કરવા પડે છે. ભારત સરકારે રાસાયણિક ખાતરના ઉત્પાદન માટે ફર્ટિલાઇઝર કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા અને નૅશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ જેવા એકમો સ્થાપ્યા છે. રાસાયણિક ખાતરના ઉત્પાદનમાં મુખ્યત્વે ગુજરાત, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ અને કેરળ રાજ્યોએ વધુ પ્રગતિ કરી છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઓરિસા, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, મધ્યપ્રદેશ અને કર્ણાટક વગેરે રાજ્યોમાં પણ આ એકમો સ્થપાયેલા છે. જાણીતા એકમોમાં વડોદરા, કલોલ, ભરૂચ, સિંદરી, નાંગલ, ટ્રૉમ્બે, ગોરખપુર, નામરૂપ, દુર્ગાપુર અને અલ્વાયે કાર્યરત છે. રાસાયણિક ખાતરના ઉત્પાદનમાં યુ.એસ., રશિયા, ચીન, જાપાન, ફ્રાંસ અને જર્મની પછી ભારતનો ક્રમ આવે છે; જ્યારે ખાતરની વપરાશમાં ભારતનો ક્રમ ચોથો આવે છે.

7. રસાયણઉદ્યોગ : આ ઉદ્યોગને બે ભાગમાં વહેંચી શકાય : (i) ભારે રસાયણઉદ્યોગ : આ ઉદ્યોગ દ્વારા સિન્થેટિક રેઝિન, પ્લાસ્ટિક, સિન્થેટિક રેસા, સ્ફોટક પદાર્થો, ડાયસ્ટફ, ખાતરો, રંગો, વાર્નિશ, દવાઓ, સાબુ, જિલેટિન વગેરેનું ઉત્પાદન મેળવાય છે. તે માટે કોલસો, લાકડું, પેટ્રોલિયમ, સોડિયમ, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, વનસ્પતિ અને પાણીનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. ભારે રસાયણોના એકમો દ્વારા ગંધકના તેજાબ(સલ્ફ્યુરિક ઍસિડ)નું, કૉસ્ટિક સોડા અને સોડા ઍશનું ઉત્પાદન લેવાય છે. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે.

(ii) ફાઇન રસાયણઉદ્યોગ : આ ઉદ્યોગમાં ફોટોગ્રાફિક રસાયણો, દવાઓ, રંગો, વાર્નિશ, ડાયસ્ટફ વગેરેનો સમાવેશ થાય છે.

8. ઇજનેરી ઉદ્યોગ : ઇજનેર કોઈ પણ વ્યવસાય કે ઉદ્યોગ-ધંધા સાથે સંકળાયેલો હોઈ શકે; પરંતુ ઇજનેરી ઉદ્યોગ એટલે ‘જે કોઈ ઉદ્યોગ ધાતુઓમાંથી કે બિનધાતુ પદાર્થોમાંથી વિવિધ પ્રક્રિયાઓ દ્વારા વપરાશી ચીજો બનાવતો હોય અથવા તો તેમના પુરજા બનાવતો હોય અથવા પુરજાઓ એકત્ર કરીને – સંમિલિત કરીને – જોડીને યંત્રો, સાધનો, ઉપકરણો બનાવતો હોય અથવા તો જુદા જુદા ઉદ્યોગ માટે જરૂરી ધાતુઓ બનાવતો હોય તે ઉદ્યોગ. ઇજનેરી ઉદ્યોગોને પાંચ વર્ગોમાં વહેંચવામાં આવેલા છે : (i) ધાતુ-ઉદ્યોગો તથા ધાતુ પર પ્રક્રિયા કરનારા ઉદ્યોગો, (ii) ઔદ્યોગિક યંત્રસામગ્રી બનાવતા ઉદ્યોગો, (iii) ઘરવપરાશ માટેનાં યાંત્રિક સાધનો કે ટકાઉ ચીજો બનાવતા ઉદ્યોગો, (iv) હાર્ડવેર તથા ઓજારો બનાવતા ઉદ્યોગો, (v) પૂરક ઉદ્યોગો.

ભારતમાં આ ઉદ્યોગ હેઠળ સ્થપાયેલા જાણીતા એકમોમાં હિન્દુસ્તાન મશીન ટૂલ્સ (એચ.એમ.ટી.), ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિ. (બી.એચ.ઇ.એલ.), હિન્દુસ્તાન સ્ટીલ, હિન્દુસ્તાન કૉપર, હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ, હિન્દુસ્તાન શિપયાર્ડ, ઇન્ડિયન ટેલિફોન ઇન્ડસ્ટ્રિઝ, ઇન્ટિમુલ કોચ ફૅક્ટરી વગેરેનો સમાવેશ થાય છે. આ બધા એકમો સરકાર હસ્તક છે. ખાનગી માલિકી હેઠળના ઇજનેરી ઉદ્યોગોમાં ટેલ્કો, ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ, પ્રીમિયર ઑટોમોબાઇલ્સ, હિન્દુસ્તાન ઑટોમોબાઇલ્સ, અશોક લેલૅન્ડ, મારુતિ ઉદ્યોગ, ગોદરેજ, કિર્લોસ્કર, સીમેન્સ, લાર્સન ઍન્ડ ટુબ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ, મફતલાલ ઇન્ડસ્ટ્રિઝ વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગુજરાત રાજ્યોમાં આ ઉદ્યોગો વિકસ્યા છે.

9. શણઉદ્યોગ : ભારતમાં 1885માં બંગાળમાં શણનું પહેલું કારખાનું સ્થાપવામાં આવ્યું. હાલ શણનું ઉત્પાદન કરતા 69 એકમો કાર્યરત છે; જેમાં 44,900 લૂમો દ્વારા તેનું ઉત્પાદન થાય છે. વિશ્વના શણના કુલ ઉત્પાદનમાં ભારતનો ફાળો 30 ટકા જેટલો છે. આ ઉદ્યોગમાં 25 લાખ કામદારો પ્રત્યક્ષ રીતે તથા 40 લાખ કુટુંબો શણની ખેતી દ્વારા આજીવિકા મેળવે છે. વિદેશી હૂંડિયામણ કમાવાની ર્દષ્ટિએ ભારતના અર્થકારણમાં આ ઉદ્યોગ મહત્વનું સ્થાન ધરાવે છે.

10. કાગળઉદ્યોગ : ભારતમાં કાગળનું ઉત્પાદન કરતો પ્રથમ એકમ લગભગ 100 વર્ષ પહેલાં સ્થપાયો. 1925 પછીના ગાળામાં તત્કાલીન સરકારની ઉદ્યોગોને રક્ષણ આપવાની નીતિ હેઠળ આ ઉદ્યોગ વિકસતો રહ્યો. આયોજનના ગાળામાં પણ આ ઉદ્યોગનો વિકાસ થતો રહ્યો જેમાં ભારતનાં જંગલોમાંથી મળતા વિપુલ કાચા માલનો ફાળો મહત્વનો રહ્યો છે. 1960–61માં ભારતમાં કાગળનું કુલ ઉત્પાદન 3.5 લાખ ટન હતું, જે 1996–97માં 32 લાખ ટન સુધી પહોંચી ગયું હતું. તેવી જ રીતે ન્યૂઝપ્રિન્ટના ઉત્પાદનમાં 1970–71માં 0.4 લાખ ટન ઉત્પાદન હતું, જે 1996–97માં 3.6 લાખ ટન થયું હતું. હાલ ભારતના ખાનગી ક્ષેત્રમાં કાગળનું ઉત્પાદન કરતા 340 એકમો છે, જેમની સ્થાપિત ઉત્પાદનક્ષમતા 40 લાખ ટન જેટલી છે. સરકારના પ્રોત્સાહનને લીધે કાગળનું ઉત્પાદન કરતા નાના પાયાના એકમો જેમની વાર્ષિક સ્થાપિત ઉત્પાદનક્ષમતા 24,000 ટન જેટલી હોય છે તેમાં હાલ દેશમાં થતા કાગળના કુલ ઉત્પાદનમાં 50 ટકા જેટલું ઉત્પાદન થાય છે.

અન્ય ઉદ્યોગો : ઑટોમોબાઇલ, ડીઝલ-એંજિન, વિદ્યુત-એંજિન, રેલ-ડબ્બા, જહાજ બનાવવાનો ઉદ્યોગ, નૌકા-ભંજન-ઉદ્યોગ, કાગળ- ઉદ્યોગ, મીઠાનો ઉદ્યોગ, કમ્પ્યૂટર ઉદ્યોગ, ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી વગેરેનો અન્ય ઉદ્યોગોમાં સમાવેશ થાય છે.

વેપાર

ભારતમાં વેપારને ઘણું મહત્વ અપાય છે. વિદેશી વેપારની તુલનામાં દેશનો આંતરિક વેપાર ઘણો વધારે છે. આંતરિક વેપાર રેલમાર્ગો, સડકમાર્ગો અને નદીઓ મારફતે દેશનાં બંદરો અને રાજ્યો વચ્ચે થતો રહે છે. આંતરિક વેપારમાં વિશેષ કરીને કૃષિ અને ઔદ્યોગિક પેદાશોનો સમાવેશ થાય છે. કેટલીક પેદાશોની નિકાસ કરવા તેમને બંદરો સુધી લાવવામાં આવે છે, જ્યારે આયાત કરેલો માલ દેશની અંદર આવેલા જુદા જુદા વિસ્તારો સુધી પહોંચાડવામાં આવે છે.

ભારતના વેપારના ચાર પ્રકારો પાડવામાં આવેલા છે :

(i) આંતરરાજ્ય વેપાર : આ પ્રકારના વેપારનો વિકાસ થાય તે માટે સરકાર તરફથી ઘર ઘર સુધીની સેવા (door to door service) પણ વિકસાવવામાં આવી છે. આ માટે આંતરરાજ્ય ઑક્ટ્રૉય નાબૂદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે કેટલીક વસ્તુઓ પર જકાતનો ઘટાડો પણ કર્યો છે. સરકારે રેલવ્યવહારમાં વૅગનોની ઉપલબ્ધિની સુવિધા કરી આપી છે. કોલકાતા, ચેન્નઈ, મુંબઈ, માર્મગોવા, વિશાખાપટ્ટનમ, કંડલા અને કોચીન બંદરો આ પ્રકારના વ્યવહાર માટેનાં મહત્વનાં કેન્દ્રો છે. આંતરરાજ્ય વેપારમાં મુખ્યત્વે ખનિજ-તેલ, રૂ, સૂતર, સુતરાઉ કાપડ, શણ, મસાલા, રબર, સિમેન્ટ, કોલસો, ચા, ખાંડ, રસાયણો, લોખંડ-પોલાદનો સમાવેશ થાય છે.

(ii) સીમાપ્રાંતીય વેપાર : ભારતની ભૂમિસીમા વિવિધ દેશો સાથે સંકળાયેલી છે. તે પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર અને પૂર્વના ભાગોમાં વિસ્તરેલી છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, રશિયા વગેરે દેશો સાથેના વેપારમાં સુતરાઉ કાપડ, રંગ, યંત્રો, ખાંડ, તમાકુ, ચોખા, ઘઉં, ચા, મીઠું વગેરેનો સમાવેશ થાય છે. (iii) પુન:નિકાસ વેપાર : ભારતના વિદેશી વેપારની આ એક વિશિષ્ટતા છે. પરદેશોમાંથી આયાત કરેલા માલની પડોશી દેશોમાં નિકાસ કરવામાં આવે છે. નેપાળ, ભુતાન, અફઘાનિસ્તાન, ઈરાન, ચીન અને મધ્ય એશિયાના દેશો સાથે આ પ્રકારનો વેપાર થાય છે. (iv) આંતરરાષ્ટ્રીય વેપાર : ઉત્પાદન અને વપરાશની વિવિધતાને કારણે ગમે તેટલો સમૃદ્ધ દેશ પણ તેની અમુક જરૂરિયાતો માટે બીજા દેશો પર આધાર રાખે છે. વિકાસશીલ દેશ માટે તો આ વિધાન વધુ સાચું છે. ભારત વિકાસશીલ દેશ છે. આવા દેશોના આર્થિક વિકાસમાં વિદેશી વેપારનું આગવું મહત્વ હોય છે. ભારત 190 દેશોમાં 7,500થી વધુ વસ્તુઓની નિકાસ કરે છે; જ્યારે તે 140 દેશોમાંથી 6,000થી વધુ વસ્તુઓની આયાત કરે છે. 1950–51થી 1998–99નાં લગભગ 50 વર્ષના ગાળામાં ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારના મૂલ્યમાં ધરખમ વધારો થયો છે; દા.ત., 1950–51માં તેનું મૂલ્ય માત્ર રૂા. 1,250 કરોડ હતું. જે 1998–99માં રૂ. 3,17,702 કરોડ થયું હતું. ભારતનો 98 % આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થાય છે. વિશ્વવ્યાપારમાં ભારતનો ફાળો આજે 1 ટકા કરતાં પણ ઓછો છે (1995 = 0.66 ટકા). તાઇવાન (ફૉર્મોસા) અને સિંગાપુર જેવા નાના દેશોની સરખામણીમાં ભારતનો ફાળો કુલ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ઓછો છે.

આયાતવેપાર : આયાતી વેપારમાં મોટેભાગે તો ખાતર, ન્યૂઝપ્રિન્ટ, પેટ્રોલ, યંત્રો, દવાઓ, રંગો, રસાયણો, ખાદ્ય તેલ, કઠોળ, બિન-લોહ ધાતુઓ, અને કાચા હીરા વગેરેનો સમાવેશ થાય છે. ભારતનો આયાત-વેપાર પશ્ચિમ યુરોપ, યુ,એસ., બ્રિટન, જર્મની, જાપાન, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર અને ઈરાની અખાતના દેશો સાથે વધુ થાય છે.

નિકાસવેપાર : ભારત મોટેભાગે યંત્રસામગ્રી, સૉફ્ટવેર, રંગો–રસાયણો, અકીક, ઝવેરાત, કાપડ, હસ્તકલાકારીગરીની વસ્તુઓ, ચામડાંની બનાવટો, સામુદ્રિક ચીજવસ્તુઓ, રમતગમતનાં સાધનો, ગાલીચા અને ખાદ્યસામગ્રીની નિકાસ કરે છે. ભારત કેટલીક કૃષિપેદાશો – મગફળી, કેળાં, કેરી, શાકભાજી, ફૂલો વગેરે – ની પણ નિકાસ કરે છે. આ ઉપરાંત ભારત લોહ-અયસ્ક અને બૉક્સાઇટ જેવાં ખનિજો પણ બહાર મોકલે છે. ભારતના મુખ્ય ગ્રાહકોમાં પશ્ચિમ યુરોપીય દેશો, આફ્રિકી દેશો, યુ.એસ., જાપાન, જર્મની, યુ. કે., રશિયા અને ઈરાની અખાતના દેશોનો સમાવેશ થાય છે. નિકાસપાત્ર વસ્તુઓમાં વધારો થાય તે હેતુથી ભારતમાં કંડલા (ગુજરાત), સાન્તાક્રૂઝ (મહારાષ્ટ્ર), કોચીન (કેરળ), ચેન્નઈ (તામિલનાડુ), નૉઇડા (ઉત્તરપ્રદેશ), ફાલ્ટા (પશ્ચિમ બંગાળ) અને વિશાખપટ્ટનમ્ (આંધ્રપ્રદેશ) – એ 7 સ્થળોએ નિકાસ પ્રક્રિયા વિસ્તાર (Export Processing Zones) શરૂ કરવામાં આવ્યા છે.

બૅંકિંગ : દેશના અર્થતંત્રમાં મૂડીસર્જનને પ્રોત્સાહન આપતી વિત્તવ્યવસ્થામાં બૅંકો મહત્વનો ભાગ ભજવે છે. આઝાદી પૂર્વેના ગાળામાં દેશમાં અદ્યતન બૅંકિંગનો વિકાસ મર્યાદિત પ્રમાણમાં જ થયો હતો, જેને લીધે અર્થતંત્રના લગભગ 80 ટકા ભાગ પર દેશી શરાફો અને શાહુકારોનું વર્ચસ્ હતું; પરંતુ આઝાદી પછીના ગાળામાં દેશના બૅંકિંગ ક્ષેત્રમાં માળખાગત ફેરફારો કરવામાં આવ્યા છે; દા.ત., 1949માં દેશની મધ્યસ્થ બૅંક રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1955માં ઇમ્પિરિયલ બૅંક ઑવ્ ઇન્ડિયાને જાહેરક્ષેત્રની બૅંકમાં ફેરવી નાંખી તેને સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયા એવું નવું નામ આપવામાં આવ્યું તથા 1969માં દેશની 14 મોટી વ્યાપારી બૅંકોનું અને 1980માં 6 અન્ય વ્યાપારી બૅંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આ માળખાગત ફેરફારોને લીધે દેશના બૅંકિંગના ક્ષેત્રના ઝડપી વિકાસને પ્રોત્સાહન મળ્યું; દા.ત., 1969માં વ્યાપારી બૅંકોની કુલ શાખાઓની સંખ્યા સમગ્ર દેશમાં માત્ર 8,260 હતી, જેમાંથી ગ્રામ વિસ્તારની શાખાઓની સંખ્યા 1,860 હતી, જે કુલ શાખાઓના 22 ટકા જેટલી હતી. બૅંકની શાખાઓ અને દેશની કુલ વસ્તી વચ્ચેના પ્રમાણનો વિચાર કરતાં તે 1 : 63,800 જેટલું હતું. તેની સામે માર્ચ 1997માં વ્યાપારી બૅંકોની કુલ શાખાઓની સંખ્યા 63,380 થઈ છે; જેમાંથી ગ્રામ વિસ્તારની શાખાઓની સંખ્યા 32,890 એટલે કે 52 ટકા અને શાખા તથા વસ્તી વચ્ચેનું પ્રમાણ 1 : 15,000 (આશરે) થયું છે.

ઉપરાંત આઝાદી પછી ઝડપી ઔદ્યોગિક વિકાસના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ભારતમાં રાજ્યપ્રેરિત નાણાસંસ્થાઓની સ્થાપનાએ પણ વેગ પકડ્યો હતો, જેની હેઠળ ઇન્ડસ્ટ્રિયલ ફાઇનાન્સ કૉર્પોરેશન (1948), ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા (1955), ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બૅંક ઑવ્ ઇન્ડિયા (1964), ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ બૅંક ઑવ્ ઇન્ડિયા (1971), એક્સપૉર્ટ–ઇમ્પૉર્ટ (Exim) બૅંક વગેરે નાણા સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

પરિવહન અને દૂરસંચાર

ભારત ભૂમિ, જળ અને હવાઈ પરિવહનના ક્ષેત્રે એશિયાઈ દેશોમાં પ્રથમ સ્થાને અને દુનિયાના દેશોમાં ચોથા સ્થાને આવે છે.

1. ભૂમિમાર્ગો : (i) રેલમાર્ગો : ભારતમાં રેલમાર્ગનો પ્રારંભ 1853ની 16મી એપ્રિલથી થયેલો. સર્વપ્રથમ રેલવે મુંબઈથી થાણે સુધીની માત્ર 33 કિમી. લંબાઈની હતી. ગુજરાતમાં સર્વપ્રથમ રેલવેના પાટા 1860માં નંખાયા હતા. રેલમાર્ગોના વિકાસની બાબતમાં ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ તથા દુનિયામાં યુ.એસ., રશિયા અને કૅનેડા પછી ચોથું આવે છે. ભારતમાં રેલમાર્ગો ત્રણ પ્રકારના છે : બ્રૉડગેજ, મીટરગેજ અને નૅરોગેજ. તેમની લંબાઈ અનુક્રમે 41,791, 17,044 અને 3,710 કિમી. જેટલી છે. બ્રૉડગેજ રેલમાર્ગો રાજ્યોનાં મુખ્ય મથકો અને અગત્યનાં શહેરોને સાંકળે છે. આ માર્ગોને જોડતા મીટરગેજ રેલમાર્ગો પણ આવેલા છે. ઓછી જરૂરિયાતવાળા પ્રદેશોમાં ટૂંકા અંતરના નૅરોગેજ રેલમાર્ગો પણ છે; પરંતુ આજે વસ્તી અને માંગને કારણે નૅરોગેજને મીટરગેજમાં અને મીટરગેજને બ્રૉડગેજમાં બદલવાનું કાર્ય ચાલી રહ્યું છે. ભારતના જટિલ રેલતંત્રને કાર્યક્ષમ બનાવવા માટે મુખ્ય નવ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે : મધ્ય રેલવે (મુંબઈ), પૂર્વ રેલવે (કોલકાતા), ઉત્તર રેલવે (દિલ્હી), ઉત્તર–પૂર્વ રેલવે (ગોરખપુર), ઉત્તર–પૂર્વ સરહદી રેલવે (ગુવાહાટી), દક્ષિણ રેલવે (ચેન્નઈ), દક્ષિણ મધ્ય રેલવે (સિકન્દરાબાદ), દક્ષિણપૂર્વ રેલવે (કોલકાતા) અને પશ્ચિમ રેલવે (મુંબઈ).

રેલવેતંત્ર હેઠળ કાર્યરત રેલમથકોની સંખ્યા 6,984 છે; જેમાં 38 રેલમથકો પર કમ્પ્યૂટર દ્વારા રિઝર્વેશનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, તેમાં ‘તત્કાલ રિઝર્વેશન’ની નવી પ્રથા અમલમાં આવી છે. આગામી થોડાં વર્ષોમાં બીજાં 20 જેટલાં રેલમથકોએ પણ આ સુવિધા મળશે. ભારતમાં લાંબા અંતરની ટ્રેનો વધુ દોડાવી શકાય તે માટે તંત્ર સક્રિય પગલાં લઈ રહ્યું છે. આજે તો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ છેડાઓને સાંકળવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ રેલવે દોડાવવા ડીઝલ/વીજળી-એંજિનોનો ઉપયોગ થાય છે. સ્ટીમ-એંજિનનો ઉપયોગ ક્રમશ: ઘટતો ગયો છે. ભારતીય રેલવેતંત્રે કોલકાતામાં મેટ્રો ટ્રેન (ભૂગર્ભ રેલ) તથા પશ્ચિમ ઘાટને વટાવતો ‘કોંકણ રેલવે’ માર્ગ તૈયાર કરીને ભારતીય ટૅકનૉલૉજીનો પરિચય કરાવ્યો છે. તેમજ પડોશી દેશો સાથે મૈત્રીભર્યા સંબંધો સ્થાપવા ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ વચ્ચે રેલવે-વ્યવહાર પણ શરૂ કર્યો છે.

(ii) સડક-માર્ગો : ભારતના વિશાળ ફલક પર 6 લાખ જેટલાં ગામડાં વસેલાં છે. આ ગામડાંને નજીકનાં શહેરી કેન્દ્રો સાથે જોડવાનો એકમાત્ર વિકલ્પ સડક માર્ગો છે. ભારતને સ્વતંત્ર થયાને પચાસ વર્ષ વીત્યાં હોવા છતાં પણ ભારતનાં 36 % ગામડાં સડક-માર્ગોથી વંચિત રહ્યાં છે. દર 100 ચોકિમી. વિસ્તારદીઠ આશરે 17.40 કિમી.ના પાકા રસ્તા છે. ભારતમાં સૌથી વધુ રસ્તાઓનું પ્રમાણ મહારાષ્ટ્રમાં છે; જ્યારે સૌથી ઓછા રસ્તાઓનું પ્રમાણ સિક્કિમમાં છે. 1994–95માં ભારતમાં રસ્તાઓની કુલ લંબાઈ 30,15,229 કિમી. હતી. તે પૈકી પાકા રસ્તાઓની લંબાઈ 12,16,269 કિમી. અને કાચા રસ્તાઓની લંબાઈ 9,83,894 કિમી. હતી. બાકીનામાં ગાડા રસ્તા તેમજ અન્ય રસ્તાઓનો સમાવેશ થાય છે.

ભારતમાં સડક-માર્ગોને મુખ્ય ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે : (i) રાષ્ટ્રીય ધોરી માર્ગો, (ii) રાજ્ય ધોરી માર્ગો, (iii) જિલ્લા ધોરી માર્ગો અને (iv) ગ્રામીણ માર્ગો. રાષ્ટ્રીય ધોરી માર્ગો દેશના પ્રથમ કક્ષાના માર્ગો છે, તેમની કુલ લંબાઈ 34,608 કિમી. જેટલી છે. તે દેશનાં અગત્યનાં બંદરો, શહેરો, પાટનગરો, વહીવટી મથકો, વ્યૂહાત્મક સ્થાનો વગેરેને સાંકળે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગો માટે વિશ્વબૅંક અને એશિયન ડેવલપમેન્ટ બૅંક દ્વારા આર્થિક સહાય મળે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 4 ભારતનો સૌથી લાંબો ધોરી માર્ગ છે. તે વારાણસી અને કન્યાકુમારીને સાંકળે છે. તેની લંબાઈ 2,369 કિમી. છે; જ્યારે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 35 ભારતનો સૌથી ટૂંકો ધોરી માર્ગ છે. તે કોલકાતા-બાંગ્લાદેશની સરહદે આવેલ બનગાંવ ગામને સાંકળે છે.

દરેક રાજ્ય પોતાના ધોરી માર્ગો બાંધે છે અને તેની જાળવણી કરે છે. રાજ્યમાર્ગો રાજ્યનાં અગત્યનાં શહેરોને સાંકળે છે. દેશમાં આવેલા બધા જ રાજ્યમાર્ગોની કુલ લંબાઈ આશરે 4 લાખ કિમી. જેટલી છે. જિલ્લા માર્ગોનું બાંધકામ અને તેની જાળવણી રાજ્યોની જિલ્લા પંચાયતો કરે છે, તે મુખ્ય શહેરો અને મોટાં ગામોને જોડે છે. દેશના મોટાભાગના ગ્રામીણ માર્ગો કાચી સડકો અને ગાડામાર્ગો રૂપે આવેલા છે. તે નજીકમાંથી પસાર થતા મોટા માર્ગો કે પાકા માર્ગો સાથે સંકળાયેલા હોય છે. તેનો વહીવટ ગ્રામ પંચાયત કરે છે.

સંરક્ષણની ર્દષ્ટિએ ભારતની સરહદોના ભાગોમાં સરહદી ધોરી માર્ગો બાંધવામાં આવ્યા છે. તેનો વહીવટ સરહદીય ધોરી માર્ગ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશના મનાલી અને જમ્મુ-કાશ્મીરના લડાખને લેહ સાથે જોડતો દેશનો સૌથી વધુ ઊંચાઈ (4,270 મીટર) ઉપર આવેલો માર્ગ આ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલો છે. વિવિધ રાજ્યોમાં આ બોર્ડ દ્વારા આશરે 18,000 કિમી. લંબાઈના માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

2. જળમાર્ગો : ભારતને 6,100 કિમી.નો દરિયાકિનારો મળ્યો હોવાથી જળમાર્ગોના વિકાસ માટેની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ જળમાર્ગીય વાહનવ્યવહાર આંતરિક જળમાર્ગે અને કિનારાના દરિયાઈ માર્ગે થાય છે. ભારતના આંતરિક જળમાર્ગોમાં નદીના જળમાર્ગો અને નહેરમાર્ગોનો સમાવેશ થાય છે. દેશમાં નદીઓનું પ્રમાણ તો વધુ છે, પરંતુ તે પૈકીની કેટલીક નદીઓ જ બારમાસી છે, તો કેટલીક નદીઓ અસમતળ ભૂપૃષ્ઠવાળા પ્રદેશોમાંથી વહેતી હોવાથી જળમાર્ગોનું નિર્માણ થઈ શક્યું નથી. ભારતમાં સૌથી વધુ વહાણવટું ગંગાની શાખા હુગલીમાં થાય છે. હુગલીના જળમાર્ગો કોલકાતા અને હલ્દિયા બંદરને જોડે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ વગેરે રાજ્યોના જળમાર્ગો મહત્વના છે. તેમની કુલ લંબાઈ આશરે 10,000 કિમી. જેટલી છે. ભારતમાં કેટલીક મોટી નહેરોનો પણ જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. નહેરોના જળમાર્ગોની કુલ લંબાઈ આશરે 4,300 કિમી. જેટલી છે.

બંદરો : ભારતના દરિયાકિનારે 11 મોટાં, 22 મધ્યમ, 111 લઘુબંદરો તેમજ કેટલાંક નાનાં મત્સ્યબંદરો આવેલાં છે. પશ્ચિમે કચ્છના અખાતની સીરની ખાડીથી પૂર્વે પશ્ચિમ બંગાળના સુંદરવન સુધીના કિનારા સુધીમાં 173 બંદરો આવેલાં છે. ભારતનાં મહત્વનાં બંદરો કંડલા, મુંબઈ, માર્માગોવા, ન્યૂ મૅંગલોર, કોચીન, તુતિકોરીન, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ્, પારદીપ, કોલકાતા અને હલ્દિયાનો સમાવેશ થાય છે. કંડલા ભારતનું એકમાત્ર ‘મુક્ત વ્યાપારી’ બંદર છે. ભારતનાં જૂનાં ગણાતાં બંદરોમાં સૌથી જૂનું ચેન્નઈ છે. ભારતમાં ચાર કુદરતી બંદરો આવેલાં છે. તેમાં મુંબઈ, માર્માગોવા, કોચીન અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે. વિશાખાપટ્ટનમ્ ભારતનું સૌથી ઊંડું બંદર છે. આંદામાન-નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ ટાપુઓ પર આવેલાં નાનાં બંદરોનો વિકાસ સંરક્ષણના હેતુને ધ્યાનમાં રાખીને કરાયો છે. દરિયાઈ જળમાર્ગોનો વધુ વિકાસ થાય તે માટે બંદરો પર રડાર, કમ્પ્યૂટર અને દૂરસંચારનાં સાધનોની સગવડ ઊભી કરાઈ છે. દરિયાકિનારાની સુરક્ષા માટે નૌકાદળ અને તટરક્ષક દળ અવિરતપણે પોતાની કામગીરીને વેગીલી બનાવે છે.

3. હવાઈ માર્ગો : હવાઈ પરિવહન સૌથી ઝડપી અને મોંઘું છે. કુદરતી આફતો અને દેશના સંરક્ષણ માટે હવાઈ માર્ગો સૌથી વધુ ઉપયોગમાં આવે છે. હવાઈ માર્ગ સેવા બે પ્રકારની છે : આંતરિક હવાઈ માર્ગ સેવા અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ સેવા.

ભારતના આંતરિક પ્રદેશો ઉપરની ઉડ્ડયન સેવા ‘ઇન્ડિયન ઍર લાઇન્સ’, ‘વાયુદૂત’, જેટ એરવેઝ, સહાર એરલાઇન્સ, સ્કાયલાઇન અને ‘પવનહંસ’ સંભાળે છે. આ સિવાય અન્ય ખાનગી કંપનીઓ પણ સેવા આપે છે. ઉપર દર્શાવેલી કંપનીઓ ભારતનાં 62 મથકોને પોતાની સેવાનો લાભ આપે છે. આ ઉપરાંત ભારતના નવ પડોશી દેશોને પણ તેમની સેવાનો લાભ મળે છે.

‘ઍર ઇન્ડિયા’ આંતરરાષ્ટ્રીય સેવા આપતી ભારતની એકમાત્ર સંસ્થા છે. ઍર ઇન્ડિયા યુ.એસ., કૅનેડા, રશિયા, યુરોપ, પૂર્વ એશિયા અને આફ્રિકાના દેશો તરફનાં ઉડ્ડયનોની સેવા આપે છે. ભારતીય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકોમાં સહાર (મુંબઈ), ડમડમ (કોલકાતા), ઇન્દિરા ગાંધી (દિલ્હી), મીનામ્બકમ્ (ચેન્નઈ), સરદાર વલ્લભભાઈ (અમદાવાદ) અને ત્રિવેન્દ્રમનો સમાવેશ થાય છે.

ઉપરના માર્ગો સિવાય પાઇપલાઇન અને રજ્જુમાર્ગ(રોપવે)નો પણ ઉપયોગ થાય છે. ભારતમાં કેટલાક પહાડી વિસ્તારોમાં રજ્જુમાર્ગનો ઉપયોગ થાય છે. ભારતમાં આશરે 100 જેટલા રજ્જુમાર્ગો કાર્યરત છે. ખનિજ-તેલ, કુદરતી વાયુ અને પાણીનું વહન કરવા માટે પાઇપ-લાઇન ઉપયોગમાં લેવાય છે.

પ્રવાસન

ભારતમાં પ્રવાસન-ઉદ્યોગના વિકાસ માટે ભારતીય પ્રવાસન વિકાસ નિગમની રચના કરવામાં આવી છે, વળી દરેક રાજ્યમાં પણ નિગમો સ્થાપવામાં આવેલા છે. પ્રવાસના કોઈ પણ સ્થળનું આકર્ષણ તેની રચના, સ્વરૂપ, ઉપયોગ અને જાળવણી પર આધાર રાખે છે. પ્રવાસીઓને આકર્ષવા માટે દેશનાં જે તે સ્થળોએ કે તેની નજીક આધુનિક પંચતારક હોટેલોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કાશ્મીરમાં ગુલમર્ગ ખાતે તથા હિમાચલ પ્રદેશમાં બરફ ઉપર સરકરવા માટે પટાંગણો; ચેન્નઈ, કારવાર, દમણ, કેરળમાં કોવાલમ વગેરે ખાતે સમુદ્રતટ; દિલ્હી-આગ્રા-જયપુર વચ્ચેનો સુવર્ણ ત્રિકોણ વગેરે જેવાં આનંદપ્રમોદનાં સ્થળો વિકસાવવામાં આવ્યાં છે. ધાર્મિક, ઐતિહાસિક તેમજ પુરાતત્વીય ર્દષ્ટિએ મહત્વ ધરાવતાં સ્થળોને પણ જરૂરી અગ્રિમતા આપીને તે બધાંનો લાભ પ્રવાસીઓ લઈ શકે તે માટે પણ આયોજન કરવામાં આવેલું છે. ખાસ કરીને વિદેશી પ્રવાસીઓને આકર્ષવા ભારતનાં જોવાલાયક સ્થળોને સાંકળતી, સુવિધાઓવાળી એક ‘Palace on Wheel’ ગાડી પણ શરૂ કરેલી છે.

ભારતના પ્રવાસન-ઉદ્યોગમાં ગુજરાતનું પણ ગૌરવવંતું સ્થાન છે. લોથલ, ધોળાવીરાનાં પ્રાગ્-ઐતિહાસિક પુરાતત્વીય સ્થળો; હિન્દુ, જૈન અને મુસ્લિમ સંસ્કૃતિનાં વિવિધ ધર્મસ્થાનો અને તેનાં સ્થાપત્યો, સાબરમતી આશ્રમ, કચ્છ-સૌરાષ્ટ્રના લોકમેળાઓ; અભયારણ્યો, પરવાળાંનો સમુદ્રકિનારો વગેરે પ્રવાસીઓ માટેનાં મુખ્ય આકર્ષણો રહ્યાં છે. ગુજરાત રાજ્યમાં વિશેષે કરીને તો પરિવહનના વિકાસને લીધે આ ઉદ્યોગ દિનપ્રતિદિન વિકસતો જાય છે.

સંસદ ભવન, દિલ્હી

ભારતનાં પ્રવાસધામો : ભારતમાં આવેલાં પ્રાકૃતિક ઐતિહાસિક કે સાંસ્કૃતિક પ્રવાસધામોનો વિકાસ કરવામાં આવ્યો છે અને તેમને મુખ્ય પાંચ વિભાગોમાં વહેંચવામાં આવ્યાં છે :

(i) ઉત્તર વિભાગ : આ વિભાગમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંડીગઢ અને દિલ્હીનો સમાવેશ થાય છે. જમ્મુ–કાશ્મીરમાં શ્રીનગર, પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ, અમરનાથ, બૈજનાથ, વૈષ્ણોદેવી, ખીરભવાની, હજરત બાલ મસ્જિદ તથા મોગલ સમયના બગીચા, દાલ અને વુલર સરોવર જોવા-માણવા-લાયક સ્થળો છે. હિમાચલ પ્રદેશમાં કુફરી, સિમલા, ડેલહાઉસી, ચમ્બા, કુલુ-મનાલી વગેરે તેમનાં કુદરતી સૌંદર્ય માટે જાણીતાં છે. પંજાબ–હરિયાણાનાં ચંડીગઢ, જલંધર, લુધિયાણા, પતિયાલા, અમૃતસર જેવાં શહેરો તથા જોશ ગાર્ડન અને સુવર્ણમંદિર પણ જોવા-લાયક છે. ચંડીગઢ આધુનિક ઢબે બંધાયેલું ભારતનું પ્રથમ શહેર હોવાથી તેનું મહત્વ વધુ છે. વળી તે બે રાજ્યોનું પાટનગર પણ છે. રાજસ્થાનમાં જયપુર અને તેના હવામહલ તેમજ અંબર પૅલેસ, અજમેર અને તેના ખ્વાજા સલીમ ચિશ્તીની દરગાહ તેમજ નજીકમાં આવેલું પુષ્કર, ચિતોડનો કિલ્લો, રાણકપુરનાં જૈન મંદિરો, આબુનાં દેલવાડાનાં જૈન મંદિરો અને

લક્ષ્મીનારાયણ મંદિર (બિરલા મંદિર), દિલ્હી

ગુરુશિખર તથા જોધપુર, બીકાનેર અને જેસલમેર અગત્યનાં પર્યટક સ્થળો છે. ભરતપુર અને ધોલપુરને તેમનાં પક્ષી અને પ્રાણીઓનાં અભયારણ્ય માટે વિકસાવ્યાં હોઈ મહત્વનું સ્થાન ધરાવે છે. સૈકાઓથી દિલ્હી ભારતનું રાજધાનીનું સ્થળ રહ્યું હોવાથી ત્યાં ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક સ્થળો આવેલાં છે. તેમાં રાષ્ટ્રપતિભવન, સંસદભવન, લાલ કિલ્લો, જુમા મસ્જિદ, બુલંદ દરવાજો, કુતુબમિનાર, અશોકસ્તંભ, લોટસ ટેમ્પલ, બિરલા મંદિર, રાજકીય નેતાઓની સમાધિઓ વગેરેનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સમાધિ : રાજઘાટ, દિલ્હી

(ii) દક્ષિણ વિભાગ : આ વિભાગમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, કેરળ અને પાડિચેરીનો સમાવેશ થાય છે. અહીં દ્રવિડ સંસ્કૃતિનો વિકાસ થયેલો જોવા મળે છે. આંધ્રપ્રદેશમાં હૈદરાબાદ (તેના ધાર્મિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક મહત્વ માટે), વારંગલ, તિરુપતિ, ગોલકોંડાનો કિલ્લો, શ્રીશૈલમનું મંદિર, વિશાખાપટ્ટનમ્ અને વિજયવાડા (તેમના ઔદ્યોગિક વિકાસ માટે) પ્રવાસ માટેનાં જાણીતાં સ્થળો છે. કર્ણાટકનાં જોવાલાયક સ્થળોમાં બગીચાઓના શહેર તરીકે ઓળખાતું પાટનગર બૅંગ્લોર, મૈસૂર, બીજાપુર, શ્રીરંગપટ્ટનમ્, મૅંગ્લોર જેવાં શહેરો તથા શ્રવણબેલગોડા, શંકરાચાર્ય મુખ, ચામુંડી હિલ, બેલુર, હળેબીડ, વૃંદાવન ગાર્ડન, રંગનાથીટુ પક્ષી અભયારણ્ય, બાંદીપુર અભયારણ્ય, શરાવતી પરનો જોગનો ધોધ જોવાલયક સ્થળો છે. કેરળમાં તિરુવનંતપુરમ્, કોચીન, ક્વિલોન, એલેપ્પી અને ત્રિચુર ખૂબ જાણીતાં શહેરો છે. કુથીરમલિકા મહેલ, થેકડી, પેરિયાર, મુનાર વગેરે સ્થળો કુદરતી સૌંદર્ય માટે જાણીતાં છે. ક્વિલોનથી એલેપ્પી સુધીનો ‘બૅક વૉટર વે’ પણ ખૂબ જાણીતો બનેલો છે. તામિલનાડુ વિશેષે કરીને તેનાં ભવ્ય મંદિરો માટે ભારતભરમાં વધ ખ્યાતિ પામ્યું છે. તેમાં તાંજોર, મદુરાઈ, મમલાપુરમ્, કાંચીપુરમ્, તિરુવન્નમલાઈ, તિરુચિરાપલ્લી વગેરેનો સમાવેશ થાય છે. ઉદગમંડલમ્, કોડાઈકેનાલ અહીંનાં હવા ખાવાનાં સ્થળો છે. પાડિચેરી તેના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું બનેલું છે. મહર્ષિ અરવિંદ આશ્રમ અહીંનું જોવાલાયક સ્થળ છે. કન્યાકુમારી ત્યાંનાં મંદિર તેમજ વિવેકાનંદ સ્મારક માટે જાણીતું છે.

(iii) પૂર્વ વિભાગ : આ વિભાગમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલૅન્ડ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, બિહાર, સિક્કિમ અને ઓરિસાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં પ્રવાસન-ઉદ્યોગના વિકાસની ઘણી તકો રહેલી છે, પરંતુ અહીં દૂરસંચાર અને પરિવહનનો વિકાસ થયો ન હોવાથી આ રાજ્યોનો પ્રવાસન-ક્ષેત્રે વિકાસ ઓછો થયો છે. અરુણાચલનું ઇટાનગર, આસામનાં દિસપુર, ગુવાહાટી, શિબસાગર, મેઘાલયનું શિલોંગ, મણિપુરનું ઇમ્ફાલ, મિઝોરમનું આઇઝોલ, નાગાલૅન્ડનું કોહિમા અને ત્રિપુરાનું અગરતલા જેવાં શહેરોનું મહત્ત્વ વધુ છે. સપ્તભગિની (Seven Sisters) તરીકે જાણીતાં બનેલાં આ સાત રાજ્યોની પ્રાણી-વનસ્પતિ સંપત્તિ સમગ્ર એશિયામાં સર્વશ્રેષ્ઠ ગણાય છે; તેમ છતાં તેમનો જોઈએ એટલો વિકાસ થઈ શક્યો નથી. આસામનાં કાઝીરંગા, માનસબલ, સોની-રૂપા અને પાભાનાં અભયારણ્યો વધુ જાણીતાં છે. બિહારમાં પટણા, નાલંદા, રાજગીર ઐતિહાસિક ર્દષ્ટિએ તથા દેવઘર, બોધિગયા તથા ગયા ધાર્મિક ર્દષ્ટિએ મહત્વનાં છે. અન્ય જાણીતાં શહેરોમાં જમશેદપુર, હજારીબાગ, રાંચી વગેરેનો સમાવેશ થાય છે. ઓરિસામાં જગન્નાથપુરી, ભુવનેશ્વર, કોણાર્ક ધાર્મિક સ્થળો તરીકે, જ્યારે ચિલ્કા સરોવર અને ગોપાલપુર પર્યટક સ્થળો તરીકે જાણીતાં છે. સિક્કિમમાં ગંગટોક અને ચાન્ગુ લેકનું મહત્વ ઘણું છે : હિમાલય શ્રેણી સાથે તે સંકળાયેલું હોવાથી અહીંનાં સ્થળોનો વિકાસ થઈ શકે તેમ છે. પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ, કર્સિયાંગ, કાલિમપોંગ હવા ખાવાનાં સ્થળો તરીકે જ્યારે દીઘ, બકખાલી તેના રેતાળ કંઠારપટ માટે જાણીતાં છે. અહીંનાં ઐતિહાસિક સ્થળોમાં મુર્શિદાબાદ, માલ્દા, બિશનપુર, શાંતિનિકેતન વગેરેનો સમાવેશ થાય છે. સુંદરવન જેવાં અભયારણ્યો પણ અહીં આવેલાં છે. કોલકાતા, હલ્દિયા, દુર્ગાપુર, ચિત્તરંજન વગેરે જેવાં મોટાં જોવાલાયક શહેરો પણ છે.

(iv) પશ્ચિમ વિભાગ : આ વિભાગમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાનો સમાવેશ કરી શકાય. મહારાષ્ટ્રનાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોમાં મુંબઈ, ઔરંગાબાદ, અહમદનગર, પુણે, નાગપુર, નાસિક, કોલ્હાપુર અને સોલાપુરનો સમાવેશ થાય છે; જ્યારે ધાર્મિક-સાંસ્કૃતિક-ઐતિહાસિક સ્થળોમાં અજંટા-ઇલોરાની ગુફાઓ જગમશહૂર છે. હવા ખાવાનાં સ્થળોમાં માથેરાન, મહાબળેશ્વર, પંચગની, ખંડાલા, લોનાવાલા વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાં સોમનાથ પાટણ, દ્વારકા, ડાકોર, પાલિતાણા, અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને નારાયણ સરોવરનો સમાવેશ થાય છે. ઐતિહાસિક સ્થળોમાં અમદાવાદ, વડોદરા, સૂરત, નવસારી, ખંભાત, પોરબંદર અને ભાવનગર મુખ્ય છે. સાસણગીર સિંહના અભયારણ્ય માટે તથા કચ્છનું નાનું રણ ઘુડખરના અભયારણ્ય માટે જાણીતાં છે. ગોવા ભારતનું નાનું રાજ્ય છે. અહીંનાં ચર્ચ અને કિલ્લો જોવાલાયક સ્થળો છે. સમુદ્રસ્નાન માટે અહીંનો રેતાળ કંઠારપટ ઉત્તમ ગણાય છે.

ગેટ-વે ઑવ્ ઈન્ડિયા, મુંબઈ

(v) મધ્ય વિભાગ : આ વિભાગમાં ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશમાં હિન્દુ ધર્મને સાંકળતાં અનેક કેન્દ્રો આવેલાં છે, તેમાં હરદ્વાર, ઋષિકેશ, કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી, જમનોત્રી, અલાહાબાદ, વારાણસી, મથુરા, વૃંદાવન, અયોધ્યા વગેરેનો સમાવેશ થાય છે. નૈનીતાલ, રાણીખેત, અલમોડા અને મસૂરી અહીંનાં હવા ખાવાનાં સ્થળો છે. ઇસ્લામિક સંસ્કૃતિની ર્દષ્ટિએ લખનૌ, આગ્રા, અલીગઢ, મેરઠ મુખ્ય કેન્દ્રો છે. બૌદ્ધ ધર્મના સ્થળ તરીકે સારનાથ મહત્વનું છે. મધ્યપ્રદેશ આર્ય સંસ્કૃતિ તેમજ ભારતીય સંસ્કૃતિના ઉદગમ અને વિકાસનું સ્થળ છે. ભોપાલ, ગ્વાલિયર, ઉજ્જૈન, માંડુ, ઇન્દોર ઐતિહાસિક ર્દષ્ટિએ જાણીતાં છે. શિલ્પસ્થાપત્યની ર્દષ્ટિએ ખજૂરાહો અને સાંચીના સ્તૂપનું મહત્ત્વ છે. નર્મદાકિનારાનાં મંદિરો અને ધોધ જોવાલાયક છે. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન અને ચંદ્રપુરનું અભયારણ્ય પણ જોવાલાયક છે.

દૂરસંચાર

કોઈ પણ દેશના આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસમાં દૂરસંચારનો ફાળો મહત્વનો ગણાય છે. ભારતમાં થયેલા દૂરસંચારના વિકાસને કારણે દુનિયામાં હવે તેની પ્રગતિશીલ દેશ તરીકે ગણના થાય છે.

ભારતમાં ટપાલનો સર્વપ્રથમ પ્રારંભ 1837માં થયો હતો. આજે તે ટપાલસેવાના સર્વશ્રેષ્ઠ આયોજનમાં પ્રથમ સ્થાને આવે છે. દુનિયામાં સૌથી સસ્તી ટપાલસેવા ભારતમાં છે. દેશમાં ટપાલ-કચેરીઓની સંખ્યા 1,44,400 જેટલી છે, તાર-કચેરીઓની સંખ્યા 36,000 છે. તાર-કચેરીમાં તાર, ટેલિફોન, ટેલેક્સ અને ફૅક્સની સેવાઓ ઉપલબ્ધ છે. કેટલીક ખાનગી કંપનીઓ જેવી કે સેલફોર્સ, એ ટી ઍન્ડ ટી દ્વારા સેલ્યુલર ફોનની સગવડો પણ ઉપલબ્ધ છે. તેમના દ્વારા દેશના મર્યાદિત વિસ્તારોમાં તેમજ વિદેશોમાં પણ સંદેશા મોકલી શકાય છે. ભારતમાં રેડિયોસેવાનો પ્રારંભ 1927માં થયો હતો, જે ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ તરીકે ઓળખાતી હતી. 1957માં તેને ‘આકાશવાણી’ નામ અપાયું. દેશમાં આજે આકાશવાણીનાં 96 જેટલાં મથકો આવેલાં છે. દેશની 95 % વસ્તી આ સેવાનો લાભ લે છે અને ભારતની 83 % ભૂમિને તે આવરી લે છે. આકાશવાણીના અમુક કાર્યક્રમોનો તો વિદેશમાં વસતા ભારતીયો પણ લાભ લે છે.

ભારતમાં ‘દૂરદર્શન’નો પ્રારંભ 1959માં થયો હતો, પરંતુ નિયમિત સેવાનો લાભ 1965થી મળવા લાગ્યો છે. આજે ભારતમાં દૂરદર્શન કેન્દ્રોની સંખ્યા ક્રમશ: વધતી જાય છે. ભારતમાં બીજી ચૅનલની સેવાનો પ્રારંભ 1984માં થયો, તે ‘મેટ્રો’ તરીકે જાણીતી છે. આ ઉપરાંત આજે તો વિદેશી કંપનીઓના સહયોગથી સ્ટાર, ઝી, તેમજ બીજી કેટલીક ખાનગી ચૅનલો પણ કાર્યરત છે. ભારતે અવકાશી ઉપગ્રહો તરતા મૂક્યા હોવાથી તેમજ કમ્પ્યૂટર જેવાં સાધનોની મદદથી ઈ-મેઇલ, ઈ-કૉમર્સ, ઇન્ટરનેટ વગેરેનો પણ લાભ મળવા લાગ્યો છે. તેની મદદથી થોડીક જ સેકંડોમાં જોઈતી માહિતી તેમજ સંદેશાઓની આપલે થઈ શકે છે. આ સિવાય સમાચારો માટે વર્તમાનપત્રોનો ફાળો પણ મહત્વનો છે. ભારતમાં 100 જેટલી ભાષાઓમાં વર્તમાનપત્રો પ્રગટ થાય છે. તેમાં અંગ્રેજી ભાષાનાં વર્તમાનપત્રો વધુ વંચાય છે. વર્તમાનપત્રોને પ્રમાણભૂત સમાચારો મળે તે માટે પી.આઇ.બી., પી.ટી.આઇ., યુ.એન.આઇ. જેવી સંસ્થાઓ મદદરૂપ બને છે.

 વસ્તી

ભારતમાં માનવ વસવાટ માટે ઘણી અનુકૂળતાઓ છે. કાંપના ફળદ્રૂપ મેદાની પ્રદેશો અને સાગરકિનારાની પટ્ટી, સારો વરસાદ, સિંચાઈની જોગવાઈઓ, વિકસેલાં ખનિજક્ષેત્રો, પરિવહનની સુવિધાઓ જેવાં કારણો ગીચ વસ્તી થવા માટે જવાબદાર છે; તેમ છતાં વસ્તીનું વિતરણ જુદાં જુદાં રાજ્યોમાં એકસરખું જોવા મળતું નથી. ભારતમાં સૌથી ગીચ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરપ્રદેશ છે. તે પછી બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશનો ક્રમ આવે છે. ઊંચો જન્મદર ધરાવતાં રાજ્યોમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, નાગાલૅન્ડ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, દમણ, દીવ, લક્ષદ્વીપ અને પુદુચેરી છે. મહત્તમ જન્મદરનું પ્રમાણ નાગાલૅન્ડમાં, જ્યારે લઘુતમ જન્મદરનું પ્રમાણ કેરળમાં છે. સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતું શહેર બૃહદ મુંબઈ અને સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતું રાજ્ય દિલ્હી છે.

વસ્તીની ગીચતાની ર્દષ્ટિએ ભારતનાં રાજ્યોને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય :

(i) વધુ વસ્તીગીચતા ધરાવતા પ્રદેશો : આ પ્રદેશોમાં ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પંજાબ, દિલ્હી, પુદુચેરી, કેરળ, ચંડીગઢ, દમણ-દીવ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. આ પ્રદેશોમાં દર ચોકિમી.દીઠ વસ્તીની ગીચતા 400 કરતાં પણ વધુ છે.

(ii) મધ્યમ વસ્તીગીચતા ધરાવતા પ્રદેશો : આ પ્રદેશોમાં તામિલનાડુ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, ઓરિસા, ગોવા, આસામ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ત્રિપુરા રાજ્યોનો સમાવેશ થાય છે. આ પ્રદેશોમાં દર ચોકિમી.દીઠ વસ્તીની ગીચતા 200થી 400 વચ્ચેની છે.

(iii) ઓછી વસ્તીગીચતા ધરાવતા પ્રદેશો : આ પ્રદેશોમાં મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલૅન્ડ, અરુણાચલ પ્રદેશ, આંદામાન-નિકોબાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ–કાશ્મીરનો સમાવેશ થાય છે. આ પ્રદેશોમાં દર ચોકિમી.દીઠ વસ્તીની ગીચતા 100 કરતાં પણ ઓછી છે. આ ઉપરાંત ગુજરાતના કચ્છ અને રાજસ્થાનના જેસલમેર, બાડમેર અને ગંગાનગરના વિસ્તારોમાં વસ્તી તદ્દન ઓછી છે.

વસ્તીનું માળખું : વસ્તીના માળખામાં વિવિધ વસ્તીજૂથોનો સમાવેશ થાય છે. તેમાં સ્ત્રી-પુરુષોનું પ્રમાણ, વયજૂથો, વ્યાવસાયિક જૂથો, ભાષાજૂથો, ધાર્મિક જૂથો, ગ્રામીણ અને શહેરી વસ્તીનાં જૂથોનો સમાવેશ થાય છે. કોઈ પણ પ્રદેશના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ પર આ દરેક જૂથની અસર પડે છે. ભારતમાં 1881ની વસ્તીગણતરી પ્રમાણે 1,000 પુરુષોએ 930 સ્ત્રીપ્રમાણ હતું. ભારતમાં સૌથી ઊંચું સ્ત્રીપ્રમાણ કેરળમાં છે, ત્યાં દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1,036 જેટલી હતી. સ્ત્રીઓનું સૌથી ઓછું પ્રમાણ (1,000 : 790) ચંડીગઢમાં છે. ભારતમાં દર 1,000 પુરુષોએ સ્ત્રીઓનું સરેરાશ પ્રમાણ 927 છે. દર 1,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 950 હોય તેને આદર્શ પ્રમાણ ગણાય છે. ધાર્મિક વિતરણની ર્દષ્ટિએ જોતાં ભારતની કુલ વસ્તીમાં આશરે 82.63 % હિન્દુ, 11.36 % મુસ્લિમ, 2.43 % ખ્રિસ્તી, 1.96 % શીખ, 0.70 % બૌદ્ધ, 0.40 % જૈન અને બાકીના 0.52 % અન્ય ધર્મના લોકો છે. ઉત્તર ભારતમાં હિન્દુધર્મીઓનું જ્યારે જમ્મુ–કાશ્મીર, પંજાબ વગેરે રાજ્યોમાં ઇસ્લામધર્મીઓનું પ્રમાણ વધુ છે. પંજાબ–હરિયાણામાં શીખધર્મીઓનું જ્યારે દક્ષિણ ભારત અને પૂર્વનાં રાજ્યોમાં ખ્રિસ્તીઓનું પ્રમાણ વધુ છે.

ભાષાજૂથોની ર્દષ્ટિએ જોતાં ભારતમાં મુખ્ય 15 ભાષાઓ બોલાય છે. જ્યારે બોલીઓ 1,052 કરતાં પણ વધુ છે. ભારતની રાષ્ટ્રભાષા હિન્દી છે, પરંતુ દક્ષિણ ભારતમાં અંગ્રેજી ભાષા વધુ ઉપયોગમાં લેવાય છે. મુખ્ય ભાષાઓમાં અસમિયા, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, મલયાળમ, મરાઠી, ઊડિયા, પંજાબી, તમિળ, તેલુગુ, ઉર્દૂ, સંસ્કૃત અને સિંધીનો સમાવેશ થાય છે. વસ્તીના સંદર્ભમાં દુનિયાભરમાં બોલાતી ભાષાઓમાં હિન્દી અને ગુજરાતી ભાષાનો ક્રમ અનુક્રમે ચોથો અને પચીસમો આવે છે.

ભારતમાં સાક્ષરતાનું સરેરાશ પ્રમાણ 52.21 % જેટલું છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ અનુક્રમે 64.13 % અને 39.29 % જેટલું છે. સાક્ષરતાનું મહત્તમ અને લઘુતમ પ્રમાણ અનુક્રમે કેરળમાં 89.81 % અને બિહારમાં 38.48 % જેટલું છે. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ વધારવા સરકાર તરફથી નિ:શુલ્ક પ્રાથમિક શિક્ષણ, નિ:શુલ્ક સ્ત્રી-શિક્ષણ, પ્રૌઢશિક્ષણ, મધ્યાહ્નભોજન જેવા પ્રયોગો કરવામાં આવ્યા છે. ભારતમાં યુવાન વર્ગનું પ્રમાણ 57.51 % અને વૃદ્ધોનું પ્રમાણ 6.49 % જેટલું છે. વ્યાવસાયિક જૂથોમાં લગભગ 60 % વસ્તી ખેતીમાં, 19 % વસ્તી ઉદ્યોગમાં, બાકીના વાહનવ્યવહાર, વેપાર-વાણિજ્ય તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 75 % અને 25 % જેટલું છે. શહેરોની સંખ્યા 3,949 અને ગામડાંઓની સંખ્યા 5,59,137 જેટલી છે. દેશમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતાં 23 શહેરો છે, તેમાં ક્રમ પ્રમાણે બૃહદ મુંબઈ, કૉલકાતા, દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, બૅંગાલુરુ, અમદાવાદ, પુણે, કાનપુર, લખનૌ, નાગપુર, સૂરત, જયપુર, કોચી, વડોદરા, ઇન્દોર, કોઇમ્બતુર, પટણા, મદુરાઈ, ભોપાલ, વિશાખાપટ્ટનમ્, લુધિયાણા અને વારાણસીનો સમાવેશ થાય છે. અનુસૂચિત જાતિઓનું સૌથી વધુ પ્રમાણ પંજાબમાં 26.85 % છે, જ્યારે સૌથી ઓછું પ્રમાણ મેઘાલયમાં 0.41 % છે. આદિવાસીઓનું સૌથી વધુ અને સૌથી ઓછું પ્રમાણ અનુક્રમે મિઝોરમમાં 92.20 % અને ઉત્તરપ્રદેશમાં 0.20 % જેટલું છે.

વસ્તીવિષયક સમસ્યાઓ : 2000ની સાલમાં ભારતની વસ્તી એક અબજનો આંક વટાવી ગઈ છે. તેથી ભવિષ્યમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. ભારતની આશરે 40 % જેટલી વસ્તી ગરીબી-રેખાથી નીચેનું જીવન જીવે છે. વધતી જતી વસ્તીને કારણે ખોરાક, આવાસો, વસ્ત્રો અને આરોગ્યની સમસ્યાઓ ઊભી થઈ છે, તેની સાથે સંકળાયેલા સામાજિક અને રાજકીય પ્રશ્નોએ ગંભીર સ્વરૂપ લીધું છે.

વસાહતો

ભારતમાં વસાહતો બે પ્રકારની જોવા મળે છે : (i) ગ્રામીણ વસાહતો અને (ii) શહેરી વસાહતો. ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી ગામડાંઓનું પ્રમાણ અધિક છે. ભારતની 75 % વસ્તી ગામડાંઓમાં વસે છે. ભારતમાં ગ્રામીણ વસાહતોના નિર્માણમાં ભૂપૃષ્ઠ, જમીન, આબોહવા, જળસ્રોત જેવાં ભૌગોલિક પરિબળોનો ફાળો મહત્વનો રહ્યો છે, પરંતુ અત્યારે આર્થિક અને સાંસ્કૃતિક પરિબળો વધુ મહત્વનાં ગણાય છે; તેમાં પરિવહન, વેપારી મથકો, ધાર્મિક સ્થળો અને હવા ખાવાનાં સ્થળો મુખ્ય છે.

સામાન્ય રીતે જીવન-જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં લોકો વસવાટ કરવા પ્રેરાય છે. ગામડાંઓમાં કૂવા, તળાવ કે સરોવર હોય ત્યાં ઊભી થતી વસાહતો વર્તુળાકારમાં ગોઠવાયેલી જોવા મળે છે. રેલમથકો કે બસમથકોની આસપાસ પણ આવી જ વસાહતો હોય છે. ભારતનાં મોટાભાગનાં ગામડાંઓમાં કાચા-પાકા રસ્તા, મંદિર, મસ્જિદ, પાણી તેમજ સંદેશાવ્યવહારની સુવિધા ઉપલબ્ધ હોય છે. આર્થિક રીતે સુખી લોકોના આવાસો પાકા હોય છે, જ્યારે ગરીબ લોકોના આવાસો કાચા હોય છે. મોટેભાગે ગામડાંઓમાં વિવિધ જાતિ, પેટાજાતિ વગેરે પર આધારિત વાડા ઊભા કરવામાં આવ્યા હોય છે. ભારતમાં આવી કેટલીક વસાહતો પંખાકારે, રેખીય કે છૂટીછવાઈ પણ જોવા મળે છે.

ગામડાંને નાનાં કે મોટાં ગણવાં તે તેમની વસ્તી પર આધાર રાખે છે. 200થી ઓછી વસ્તીવાળું ગામડું નાનું ગામડું, 200થી 300 જેટલી વસ્તી હોય તેને મધ્યમ કક્ષાનું ગામડું અને 300થી 500 સુધીની વસ્તી ધરાવતાં ગામડાંને મોટાં ગામડાં તરીકે ઓળખાવી શકાય. પહાડી પ્રદેશોમાં નાનાં ગામડાંઓનું પ્રમાણ અધિક હોય છે, જ્યારે મેદાની વિસ્તારોમાં મધ્યમ કે મોટાં ગામડાં જોવા મળે છે ભારતમાં સૌથી વધુ ગામડાં ઉત્તરપ્રદેશમાં, જ્યારે સૌથી ઓછાં ગામડાં મિઝોરમમાં છે; એ જ રીતે કેન્દ્રશાસિત રાજ્યોમાં સૌથી વધુ ગામડાં આંદામાન-નિકોબારમાં, જ્યારે સૌથી ઓછાં ગામડાં લક્ષદ્વીપમાં આવેલાં છે.

ગ્રામીણ વસાહતોમાં વિવિધ સગવડો ઉપલબ્ધ થાય તે માટે સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે. ભારતમાં 5,76,000 ગામડાં આવેલાં છે, તે પૈકી 75 % ગામડાંઓમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ છે. કેન્દ્રશાસિત રાજ્યોમાં આવેલાં બધાં જ ગામડાંઓમાં વીજળીની સગવડ છે. ભારતનાં 65 % ગામડાંઓમાં પોસ્ટઑફિસની, 55.8 % ગામડાંઓમાં રેલવે અને 43.7 ગામડાંઓમાં પાકા રસ્તાઓની સગવડો છે.

આજે ભારતનાં મોટાભાગનાં ગામડાંઓમાં ટી.વી., ટ્રૅક્ટર, મોટર, મોટરસાઇકલો વગેરે જેવાં સાધનો જોવા મળે છે.

બિનખેત-પ્રવૃત્તિ ધરાવતા, ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોને શહેરી વસાહતો તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં 5,000ની વસ્તી હોય, 75 % લોકો બિનખેત-પ્રવૃત્તિમાં રોકાયેલા હોય, દર ચોકિમી.દીઠ 1,000 લોકો વસતા હોય તેનો એમાં સમાવેશ થઈ શકતો નથી. 5,000થી 10,000 અને 10,000થી 20,000ની વસ્તી ધરાવતી વસાહતોને અનુક્રમે નગર અને શહેર તરીકે ઓળખવામાં આવે છે. ભારતના ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓરિસા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર ભારતના પહાડી પ્રદેશો તેમજ ઉત્તર-પૂર્વના સરહદી પ્રદેશોમાં શહેરોનું પ્રમાણ ખૂબ ઓછું છે, ત્યાં 15 % કરતાં પણ ઓછાં શહેરો આવેલાં છે. આવાં શહેરોમાં અતિ આધુનિક વિકાસ જોવા મળતો નથી. આ જાતની પરિસ્થિતિ પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતનાં કેટલાંક શહેરોમાં પણ જોવા મળે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળનાં નાનાં શહેરોનો વિકાસ સામાન્ય છે. ઉપર્યુક્ત રાજ્યોમાં શહેરીકરણનું પ્રમાણ 15 %થી 30 % જેટલું છે. પંજાબ અને હરિયાણામાં પણ આવી જ પરિસ્થિતિ છે. સૌથી વધુ શહેરી વિકાસ તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ–કાશ્મીર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ગુજરાતમાં જોવા મળે છે.

દસ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં ઘટતી જતી સંખ્યાના ક્રમમાં બૃહદ મુંબઈ, કૉલકાતા, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, બૅંગાલુરુ, અમદાવાદ, પુણે, કાનપુર, લખનૌ, નાગપુર, સૂરત, જયપુર, કોચી, વડોદરા, ઇન્દોર, કોઇમ્બતુર, પટણા, મદુરાઈ, ભોપાલ, વિશાખાપટ્ટનમ્, લુધિયાણા અને વારાણસીનો સમાવેશ થાય છે.

શહેરીકરણની સમસ્યાઓ : (i) વસવાટ, (ii) પરિવહન, (iii) પાણીપુરવઠો, (iv) હવા, પાણી અને ઘોંઘાટ, (v) આરોગ્ય, (vi) ખાદ્યસામગ્રીમાં ભેળસેળ. આ સિવાય આધુનિક સાધનોની સગવડો વધતાં શહેરોમાં ઝૂંપડપટ્ટી, ગુનાખોરી, ધર્મના નામે થતાં હુલ્લડો, આતંકવાદ તેમજ સાયબર સેક્સ જેવી બાબતો ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

ટાપુઓ

અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં કેટલાક મહત્વના ટાપુઓ આવેલા છે. અરબી સમુદ્રનાં લક્ષદ્વીપ, મિનિકોય અને અમીનદીવ નામનાં ત્રણ ટાપુજૂથો લક્ષદ્વીપ ટાપુસમૂહ હેઠળ આવે છે. આ ટાપુઓ પરવાળાં જેવી જીવસૃષ્ટિથી નિર્માણ પામેલા છે, તેથી તેમને કોરલ ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કુદરતની આ વિશિષ્ટ રચના છે. આંદામાન અને નિકોબારના ટાપુઓ બંગાળના ઉપસાગરમાં 6° 45´થી 14° 00´ ઉ. અ. અને 82°થી 84° પૂ. રે. વચ્ચે આવેલા છે. આંદામાનમાં ત્રણ ટાપુજૂથો જુદાં પાડી શકાય છે : ઉત્તરનો ટાપુ, મધ્યનો ટાપુ અને દક્ષિણનો ટાપુ. 450 મીટર ઊંચાઈ ધરાવતું માઉન્ટ હારનેટ આંદામાનના દક્ષિણ ટાપુ પર આવેલું છે. અહીંનો દરિયાકિનારો ખૂબ જ રળિયામણો છે. નિકોબાર ટાપુસમૂહ પ્રમાણમાં મોટો છે, તેમાં 18 જેટલા ટાપુઓનો સમાવેશ થાય છે. તેની બાજુમાં બૅરન અને નારકોન્ડમ નામના બીજા બે ટાપુઓ પણ છે. બૅરન ટાપુ પર જ્વાળામુખી આવેલો છે. ભારતનો આ એકમાત્ર જ્વાળામુખી છે. તે સક્રિય ગણાય છે. 1991–92માં તેનું પ્રસ્ફુટન થયેલું, તેનાથી સમુદ્ર-જીવસૃષ્ટિને નુકસાન થયેલું, પરંતુ કોઈ માનવ-જાનહાનિ થઈ ન હતી.

નીતિન કોઠારી

ગિરીશભાઈ પંડ્યા

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ભૂસ્તરીય રચનાઓ

ભારતના સમગ્ર વિસ્તારને ભૂસ્તરીય ર્દષ્ટિકોણથી મૂલવતાં નીચે મુજબના ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચેલો છે : (i) દ્વીપકલ્પીય વિસ્તાર, (ii) બાહ્ય-દ્વીપકલ્પીય વિસ્તાર અને (iii) સિંધુ-ગંગાનાં મેદાનો.

(i) દ્વીપકલ્પીય વિસ્તાર : ભારતનો 70 % ભાગ આવરી લેતો, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ શિલોંગના ઉચ્ચપ્રદેશ સહિતનો દક્ષિણ ભારતનો ત્રિકોણાકાર વિસ્તાર. આ એક અતિપ્રાચીન અને અત્યંત ર્દઢ ભૂકવચ (shield) છે. તેનો તળભાગ ગ્રૅનાઇટ ખડકોથી, પૂર્વ કિનારાના ભાગો ક્રિટેસિયસ અને ટર્શ્યરી ખડકોથી, મધ્ય અને પશ્ચિમ ભાગો ક્રિટેસિયસ-ઇયોસીન કાળગાળાના લાવાના થરોથી તથા બાકીનો બધો જ ભાગ પ્રી-કૅમ્બ્રિયન ખડકોથી બનેલો છે. પૂર્વ તરફનાં નદીથાળાંમાં કોલસાનાં ક્ષેત્રો આવેલાં છે. ભારતની અતિમૂલ્યવાન ખનિજ-તેલની ધારક ટર્શ્યરી રચનાઓ ખંભાતના અખાતની ઉત્તર તરફના ભૂમિભાગમાં તેમજ દક્ષિણ તરફ બૉમ્બે હાઇના દૂરતટીય વિસ્તાર સુધી વિસ્તરેલી છે. ગુજરાત અને તેની આજુબાજુનું સમગ્ર ભૂમિમાળખું સ્તરભંગોની ગૂંથણીવાળું બની રહેલું છે. પરિણામે આખુંય સૌરાષ્ટ્ર ઉપર તરફ ઊંચકાયેલું છે, જ્યારે ખંભાતનો અખાત ગર્ત બનેલું છે. દ્વીપકલ્પના મધ્યસ્થ ભૂમિભાગની ધારે ધારે ઘસાઈ ગયેલી ગેડપર્વતમાળાઓના અવશેષો જોવા મળે છે, તેમાં નદીઓના કાયાકલ્પથી જળધોધ અને કોતરો રચાયાં છે. અહીંની નર્મદા-તાપી સિવાયની બધી જ નદીઓ પૂર્વીય જળપરિવાહવાળી છે, તે અતિપ્રાચીન સમયની હોવાથી ધોવાણની સમભૂમિના સ્તરે પહોંચી ગયેલી છે.

(ii) બાહ્યદ્વીપકલ્પીય વિસ્તાર : ભારતની ભૂમિનો 15 % ભાગ આવરી લેતા આ વિભાગમાં હિમાલય, કાશ્મીર, નાગાલૅન્ડ, મણિપુર, ત્રિપુરા અને આંદામાન-નિકોબારનો સમાવેશ થાય છે. તે દ્વીપકલ્પીય વિસ્તાર કરતાં તદ્દન જુદાં જ લક્ષણો ધરાવે છે. તે ગેડીકરણ, સ્તરભંગો અને અતિધસારાઓવાળો પોપડાનો ખૂબ જ નબળો વિસ્તાર ગણાતો હોવાથી તેની દક્ષિણ ધાર ભૂકંપને પાત્ર બની રહેલી છે. આશરે પાંચ કરોડ વર્ષ અગાઉ અહીં અસ્તિત્વ ધરાવતા ટેથીઝ મહાસાગર થાળામાં થયેલી કણજમાવટ, ભૂસંચલનજન્ય પ્રતિબળોની અસરમાં સામેલ થવાથી એક પછી એક જુદા જુદા તબક્કાઓમાં હિમાલય પર્વતમાળા રૂપે ઊંચકાઈ આવેલી છે; પરિણામે અહીંની નદીઓના વારંવાર કાયાકલ્પ થયા છે; ઘસારો, વહનક્રિયા અને નિક્ષેપક્રિયાનું પ્રમાણ વધ્યું છે, ઊંડાં કોતરો અને ખીણો રચાયાં છે. હિમાલયના ઉત્થાનની સાથે સાથે તેની દક્ષિણે ઉદભવેલું ઊંડું થાળું ઘસારાદ્રવ્યથી ભરાતું જઈ આજના વિશાળ મેદાનમાં પરિણમ્યું છે.

બાહ્ય-દ્વીપકલ્પનો સમગ્ર વિસ્તાર કૅમ્બ્રિયનથી ઇયોસીન સુધીના જળકૃત ખડકસ્તરોથી બનેલો છે. તેમનાં સ્તરનમન ઉત્તરતરફી છે; ઊંચકાવાથી અને ભીંસમાં આવવાથી ખડકોમાં સ્તરભંગ, અતિધસારા અને ગેડના વિવિધ પ્રકારો ઉદભવ્યા છે. પર્વતોનું અંદરનું ઉપસ્તર અગ્નિકૃત ખડકોથી બનેલું છે. અહીંની પંજાલ હારમાળામાં લાવાના થરો પણ મળે છે. હિમાલયના લગભગ બધા જ જળકૃત ખડકો દરિયાઈ ઉત્પત્તિવાળા હોવાથી તેમાં સ્તર અને કાળભેદે જુદા જુદા પ્રકારના જીવાવશેષો પણ મળે છે.

(iii) સિંધુગંગાનાં મેદાનો : ભારતનો આશરે 15 % ભૂમિભાગ આવરી લેતો, દ્વીપકલ્પ અને બાહ્ય-દ્વીપકલ્પ વચ્ચે આવેલો આ વિસ્તાર સંપૂર્ણપણે કાંપનાં સમતળ મેદાનોથી બનેલો છે. ભૂસ્તરીય ર્દષ્ટિએ તેમનું કોઈ વિશિષ્ટ મહત્વ નથી. લાંબા ભૂસ્તરીય ઇતિહાસના સંદર્ભમાં તો હજી હમણાં જ બનેલી ઘટના છે. ઘણી ઊંડાઈવાળા કાંપ-આવરણથી જૂના વયના ખડકોથી બનેલા તેના તળભાગો અને લક્ષણો ઢંકાઈ ગયેલાં હોવાથી હિમાલયની દક્ષિણ હદ અને દ્વીપકલ્પની ઉત્તર હદ નક્કી કરી શકાતી નથી. કાંપની નિક્ષેપક્રિયા, શિવાલિક હારમાળારૂપે થયેલા હિમાલયના છેલ્લા તબક્કા બાદ, શરૂ થયેલી છે અને હજી ચાલુ છે. તેમનું કુલ ક્ષેત્રફળ આશરે 7,77,000 ચોકિમી., લંબાઈ સિંધુના ત્રિકોણપ્રદેશથી ગંગા-બ્રહ્મપુત્રના ત્રિકોણપ્રદેશ સુધીની, પહોળાઈ સ્થાનભેદે 150 કિમી.થી 500 કિમી. સુધીની તથા ઊંડાઈ સ્થાનભેદે 100 મીટરથી 4,600 મીટર સુધીની છે. ઉત્તર વિભાગમાં કાંપની નીચે બે ડુંગરધારો પણ દટાયેલી છે, આ ઉપરાંત ત્રણ-ચાર થાળાં પણ દટાયેલાં છે. આ ગર્તની ઉત્પત્તિ વિશે બે જુદા જુદા મત પ્રવર્તે છે. એક મત મુજબ તે હિમાલયના ઉત્થાન વખતે ઉદભવેલું અગ્રઊંડાણ (foredeep) અર્થાત્ અધોવાંકમય લક્ષણવાળી અધોવાંકમાળા (synclinorium) છે; બીજા મત મુજબ તે બે સમાંતર સ્તરભંગો વચ્ચે ઊંડી ઊતરી ગયેલી ‘ફાટખીણ’ છે. પ્રથમ અભિપ્રાયને ભૂસ્તરવિદોએ સમર્થન આપેલું છે. આ મેદાન કાંપ, માટી, રેતી, ગ્રૅવલ અને કૉંગ્લોમરેટના બંધારણવાળું છે. તેમાં સસ્તન પ્રાણીઓના જીવાવશેષો પણ મળે છે.

સિંધુ-ગંગા અધોવળાંકમાળાની આરપારનો છેદ. (1) પૂર્વ-ટર્શ્યરી, (2) ન્યૂમુલિટિક ખડકો, (3) મરી, (4) શિવાલિક, (5) ઉપઅર્વાચીન અને અર્વાચીન કાંપ

ભારતીય ભૂસ્તરોનું વ્યાપક વર્ગીકરણ : દુનિયાની પ્રમાણભૂત સ્તરવિદ્યાના બહોળા સંદર્ભમાં વિવિધ કાળની ભારતની ભૂસ્તરીય રચનાઓને જીવનરહિતના અને જીવન સહિતના બે મહાયુગોમાં વહેંચેલી છે. પ્રી-કૅમ્બ્રિયન નામથી ઓળખાતા પ્રથમ મહાયુગને તદ્દન જીવનરહિત એવા આર્કિયૉઝોઇક અને જીવનના પ્રારંભનો અણસાર મળે છે એવા પ્રોટેરોઝોઇક (પ્રાગ્જીવયુગ) નામના બે વિભાગોમાં વિભાજિત કરેલો છે. આર્કિયૉઝોઇકને આર્કિયન અને ધારવાડ તથા પ્રાગ્જીવયુગને કડાપ્પા અને વિંધ્ય જેવા પેટાવિભાગોમાં વહેંચેલા છે. આ મહાયુગ પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધીનાં કુલ 460 કરોડ વર્ષ પૈકીનો 400 કરોડ વર્ષનો, 78 ભાગ જેટલો, કાળગાળો આવરી લે છે. તે પછીનો બાકી રહેલાં 60 કરોડ વર્ષનો, માત્ર 18 જેટલો, કાળગાળો જીવનસહિતના ફૅનરોઝોઇક મહાયુગ(ર્દશ્યજીવયુગ)ને આવરી લે છે. તેના ક્રમશ: મોટાથી નાના થતા જતા ચાર વિભાગો–પ્રથમ, દ્વિતીય (મધ્ય), તૃતીય અને ચતુર્થ જીવયુગો–પાડેલા છે. તેમને ફરીથી છ, ત્રણ, પાંચ અને બે પેટા વિભાગોમાં પણ વિભાજિત કરેલા છે. જીવનનાં વિવિધ સ્વરૂપો તેમાં પાંગર્યાં છે, વિકસ્યાં છે, ટક્યાં છે, ઉત્ક્રાંત થતાં ગયાં છે તો કેટલાંક લુપ્ત પણ થઈ ગયાં છે. આ કાળગાળાઓની ખડકરચનાઓ ભારતમાં ઓછાવત્તા પ્રમાણમાં મળે છે. તેમનું ઉપર્યુક્ત વિભાગોમાં કરેલું વર્ગીકરણ અમુક વખતે ઘટેલી વિશિષ્ટ ઘટનાઓ પર આધારિત છે.

સારણી 1 ભૂસ્તરીય યુગોનું વ્યાપક વર્ગીકરણ

મહાયુગ

યુગ કાળ કાલખંડ

વ. પૂ. વર્ષોમાં

ફે

રો

ઝો

ક.

 

હા

યુ

 

દ્ર

શ્ય

જી

વ.

યુ

 

 

 

કેનોઝોઇક યુગ

ચતુર્થ જીવયુગ

અર્વાચીન 20 ± લાખ

પ્લાયસ્ટોસીન

તૃતીય જીવયુગ

પ્લાયોસીન

6.5 કરોડ

માયોસીન

ઑલિગોસીન

ઇયોસીન

પેલિયોસીન

 

મધ્ય જીવયુગ

ક્રિટેસિયસ

 

 

 

ગોંડવાના કાળ

22.5 કરોડ

જુરાસિક

ટ્રાયાસિક

 

 

પ્રથમ જીવયુગ

 

ઉર્ધ્વ

પર્મિયન

 

 

 

 

 

 

57 ± કરોડ

કાર્બોનિફેરસ

ડિવોનિયન

 

નિમ્ન

સાઇલ્યુરિયન

ઑર્ડોવિસિયન

કૅમ્બ્રિયન

60 ± કરોડ

પ્રોટેરોઝોઇક યુગ =

પ્રાગ્જીવયુગ

 

 

પ્રી-કૅમ્બ્રિયન યુગ

વિંધ્ય

કડાપ્પા

 

આર્કિયૉઝોઇક યુગ

ધારવાડ

આર્કિયન

પૃથ્વીની ઠરવાની સ્થિતિનો કાળગાળો

460 કરોડ

પૃથ્વીની ઉત્પત્તિ

સારણી 2 અસંગતિઓની ઘટનાઓ

આર્યસમૂહ

અર્વાચીન

ઊર્ધ્વ કાર્બોનિફેરસ-પર્મિયન

—–પેલિયોઝોઇક—–અસંગતિ—–

દ્રાવિડ સમૂહ

મધ્ય કાર્બોનિફેરસ

કૅમ્બ્રિયન

—–વિંધ્ય પશ્ર્ચાત્—–અસંગતિ—–

પુરાના સમૂહ

વિંધ્ય રચના

કડાપ્પા રચના

—–એપાર્કિયન—–અસંગતિ—–

આર્કિયન સમૂહ

ધારવાડ રચના

આર્કિયન રચના

 

ગિરીશભાઈ પંડ્યા

આર્થિક આયોજન

ભારતમાં આર્થિક આયોજનની પદ્ધતિનો અમલ 1851થી થયેલો હોવા છતાં આયોજન વિશેની વિચારણા આઝાદી પહેલાં શરૂ થયેલી; દા.ત., 1838ના અંતમાં પંડિત જવાહરલાલ નહેરુની પ્રેરણાથી નૅશનલ પ્લાનિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ દેશના અર્થતંત્રનાં જુદાં જુદાં પાસાંઓનો અભ્યાસ કરી ભારતના આર્થિક વિકાસ અંગે કેટલાક અહેવાલ તૈયાર કર્યા હતા. સમિતિના મત મુજબ દેશના અર્થતંત્રના પાયાના વિભાગો પર રાજ્યનું સ્વામિત્વ હોવું જોઈએ, જેમાં ચાવીરૂપ ઉદ્યોગો, ખનિજો, રેલવે, જળપરિવહન, જાહેર ઉપયોગિતાઓ વગેરેનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. આયોજનના અમલ પછીનાં દસ વર્ષમાં લોકોનું જીવનધોરણ બમણું થવું જોઈએ એવો લક્ષ્યાંક પણ કમિટીએ સૂચવ્યો હતો.

ત્યારબાદ દેશના અગ્રણી આઠ ઉદ્યોગપતિઓએ આયોજનનો એક મુસદ્દો તૈયાર કર્યો હતો, જે ‘બૉમ્બે પ્લાન’ના નામથી ઓળખાયો. વિખ્યાત ગાંધીવાદી વિચારક શ્રીમન્નારાયણે પણ આયોજનનો એક મુસદ્દો તૈયાર કર્યો હતો; જ્યારે ડાબેરી વિચારક એમ. એન. રૉયે જે ખરડો તૈયાર કર્યો હતો તે ‘પીપલ્સ પ્લાન’ નામથી જાણીતો થયો. આઝાદી પછી 1850માં ભારત સરકારે આયોજન પંચની સ્થાપના કરી અને 1 એપ્રિલ 1951થી અત્યાર સુધીમાં આઠ પંચવર્ષીય યોજનાઓ અને ત્રણ વાર્ષિક યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે. (1951-97). દેશની નવમી પંચવર્ષીય યોજના (1997–2002)નો અમલ અત્યારે થઈ રહ્યો છે.

ભારતમાં અત્યાર સુધીના આયોજનના ચાર મુખ્ય ઉદ્દેશો રહ્યા છે : (1) રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો કરી લોકોના જીવનધોરણમાં સુધારો કરવો. (2) દેશના અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી. (3) આવક અને સંપત્તિની અસમાનતાઓમાં ઘટાડો કરવો અને (4) ન્યાય અને સમાનતા પર આધારિત શોષણવિહીન સમાજરચના પ્રસ્થાપિત કરવી.

નીચેની ત્રણ સારણીઓ ભારતમાં આયોજનની સિદ્ધિઓનો ખ્યાલ આપે છે : (1950–51થી 1996–97, 1980–81ની ભાવસપાટીના આધારે).

સારણી 1 : રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની વૃદ્ધિનાં વલણો

વર્ષ ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ (રૂપિયામાં) ચોખ્ખી માથાદીઠ પેદાશ (રૂપિયામાં)
1950–51 40,454 1,127
1960–61 58,602 1,352
1970–71 82,211 1,520
1980–81 1,10,685 1,630
1980–81 1,86,446 2,222
1986–87 2,52,558 2,710

સારણી 2 : સરેરાશ વાર્ષિક આર્થિક વૃદ્ધિદર

સમયગાળો

સરેરાશ વૃદ્ધિદર

માથાદીઠ આવકવૃદ્ધિદર

1950–51 થી 1980–81

3.4 ટકા 1.2 ટકા
1980–81 થી 1986–87 5.3 ટકા

3.2 ટકા

(સ્રોત : આર્થિક સર્વેક્ષણ 1996–97, ભારત સરકાર)

સારણી 3 : પંચવર્ષીય યોજનાદીઠ આર્થિક વૃદ્ધિનું આલેખન

યોજના લક્ષ્યાંક

સિદ્ધિ

1. પ્રથમ પંચવર્ષીય યોજના (1951–56) 2.1 3.61
2. બીજી પંચવર્ષીય યોજના (1956–61) 4.5 4.27
3. ત્રીજી પંચવર્ષીય યોજના (1961–66) 5.6 2.84
4. ચોથી પંચવર્ષીય યોજના (1968–74) 5.7 3.30
5. પાંચમી પંચવર્ષીય યોજના (1974–78) 4.4 4.80
6. છઠ્ઠી પંચવર્ષીય યોજના (1980–85) 5.2 5.66
7. સાતમી પંચવર્ષીય યોજના (1985–82) 5.0 6.01
8. આઠમી પંચવર્ષીય યોજના (1882–87) 5.6 6.50

નોંધ : 1. પ્રથમ ત્રણ પંચવર્ષીય યોજનાઓ દરમિયાન પ્રયોજિત વૃદ્ધિદર રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં, ચોથી યોજનામાં ચોખ્ખી ગૃહ-પેદાશ(Net Domestic Product)ના સંદર્ભમાં અને ત્યારબાદની યોજનાઓમાં કાચી ગૃહપેદાશ(Gross Domestic Product)ના સંદર્ભમાં નિર્ધારિત કરવામાં આવેલ છે.

2. આઠમી પંચવર્ષીય યોજના વિશેની વિગતો 1995–96માં અંદાજેલી વિગતો તથા 1996–97ના આગોતરા અંદાજ પર આધારિત છે.

[સ્રોત : આયોજન પંચ (1998), નવમી પંચવર્ષીય યોજના(1997–2002)નો મુસદ્દો.]

આયોજનના સમગ્ર ગાળાની સમીક્ષા કરતાં જણાય છે કે ભારતે આર્થિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. (1) રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે. (2) કાચી ગૃહ-પેદાશ(GDP)ના સંદર્ભમાં તપાસતાં જણાય છે કે બચતના દરમાં ખાસી વૃદ્ધિ થઈ છે. (1950–51 = 10.4 જ્યારે 1995–96 = 25.6). (3) દેશમાં પાયાની સુવિધાઓનું વિસ્તરણ થયું છે. જેમાં વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, બકિંગ, વેપાર અને વાણિજ્ય, સિંચાઈ, વિદ્યુતશક્તિ વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે. (4) જન્મદરમાં સામાન્ય ઘટાડો થયો હોય તોપણ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેને લીધે સરેરાશ આયુષ્ય-મર્યાદા વધી છે. (5) માથાદીઠ સરેરાશ વપરાશમાં 1.4 ટકા જેટલો સુધારો થયો છે; જેમાં કાપડ, ખાદ્ય તેલો, ધાન્ય વગેરે જીવનોપયોગી વસ્તુઓનો સમાવેશ થાય છે. (6) ઘણી ચીજવસ્તુઓની આયાતો ઘટી છે, જ્યારે તૈયાર માલની નિકાસોમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશના વિદેશી વ્યાપારના સ્વરૂપમાં સાનુકૂળ ફેરફારો થયા છે. (7) દેશમાં ઔદ્યોગિકીકરણની ઝડપ, સ્તર અને માળખામાં ફેરફાર થયા છે; જેમાં જાહેર ક્ષેત્રનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. (8) શિક્ષણ, વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રમાં દેશે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

હીરાકુડ બંધ

આ બધી પ્રગતિ છતાં આર્થિક આયોજનની કેટલીક નિષ્ફળતાઓ પ્રત્યે આંખ આડા કાન કરી શકાય નહિ. (1) દેશમાં વસ્તીનો આંક સો કરોડ વટાવી ગયો છે. (2) ગરીબીની સમસ્યા વણઊકલી રહી છે. આજે પણ દેશની કુલ વસ્તીનું એકતૃતીયાંશ કરતાં વધારે પ્રમાણ ગરીબીની રેખાથી નીચેના સ્તર પર જીવી રહ્યું છે. (3) બેકારીમાં સતત વધારો થઈ રહ્યો છે. (4) ગરીબ અને તવંગર વર્ગ વચ્ચેનો તફાવત વધ્યો છે. (5) ફુગાવાને કારણે સ્થિર આવક ધરાવતા વર્ગના લોકોની આર્થિક સ્થિતિ વધુ ને વધુ બગડતી જાય છે. (6) દેશ પર દેવાનો બોજ પણ સતત વધી રહ્યો છે, જેમાં વિદેશી દેવાનો બોજ સવિશેષ છે. તેને લીધે દેશની લેણદેણની તુલામાં અસમતુલા ચાલુ જ રહી છે. (7) દેશમાં જીવનાવશ્યક ચીજવસ્તુઓને બદલે મોજશોખની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

સમાજ અને ધર્મ

પુરાતત્વ પ્રમાણો પરથી જણાય છે કે પ્રાગ્-ઐતિહાસિક કાલમાં ભારતમાં વિવિધ પ્રદેશોમાં સંસ્કૃતિના જુદા જુદા તબક્કાઓમાં નિષાદ, કિરાત, હબસી, દ્રવિડ વગેરે સંખ્યાબંધ જાતિઓના લોકો રહેતા હતા. આર્યોનો પ્રસાર થયો ત્યારે અહીં કેટલીક જાતિઓ દુર્ગવાળાં નગરોમાં રહેતી હતી ને તેમણે સમૃદ્ધ નાગરિક સભ્યતાનો વિકાસ કર્યો હતો. આ કાલના લોકો સર્જનાત્મક તત્વની પવિત્રતામાં માનતા હતા ને દેવતાનાં પિતૃ તથા માતૃસ્વરૂપોને તેમજ તેઓનાં પ્રતીકો(લિંગ અને યોનિ)ની ઉપાસના કરતા હતા. સૂર્ય અને ચંદ્ર જેવાં પ્રકૃતિનાં બળો માટે પણ તેમને આદર હોવાનું જણાય છે.

વૈદિક આર્ય જાતિ ‘વિશ્’ ભ્રમણશીલ હતી. અગ્નિ અને ઢોરઢાંખરે તેને કેટલીક સ્થિરતા આપી. મૃગયા પછી પશુપાલનનું ચડિયાતું અર્થકારણ દાખલ થયું. સહુથી પ્રાચીન વિશ્ માતૃપ્રધાન હતી. ઋગ્વેદ અને મહાભારતમાં આરંભિક પ્રજાપતિઓ તેઓની માતાઓનાં નામોથી ઓળખાય છે. અદિતિ, દિતી, દનુ, કદ્રુ, વિનતા અને પુલોમા – આ માતાઓ માનવજાતના સ્રોત હોવાનું ધારવામાં આવ્યું છે. કેવી રીતે અને ક્યારે સમૂહના અગ્રણીએ માતાને બાજુએ હડસેલી દઈને માતૃપ્રધાનને સ્થાને પિતૃપ્રધાન પદ્ધતિ દાખલ કરી દીધી તે જાણવામાં આવ્યું નથી. વખત જતાં માનવશ્રમનું સ્થાન પશુ-શ્રમે લીધું. પશુ-ઉછેર અને પશુ-શ્રમને લઈને સમૃદ્ધિમાં વધારો થયો. પ્રજાકીય યુદ્ધોમાં પકડાયેલાં સ્ત્રીપુરુષોને ખવરાવવું અને તેઓ પાસે કામ લેવું શક્ય હતું. પશુઓની જેમ માણસ પણ લૂંટનો માલ અને ઉપયોગી ચીજવસ્તુ ગણાતો હતો. આમ ગુલામી, દ્વિવર્ણ સમાજ, સામાજિક કાયદા અને પ્રજાકીય લોહીનું સંમિશ્રણ થયાં. આર્ય અને આર્યેતર પ્રજાઓ એકમેક સાથે ભળી ગઈ ત્યારે એકવર્ણ સમાજનું સ્થાન (દેવો અને અસુરો કે આર્ય અને દાસ એવા) દ્વિવર્ણસમાજે લીધું. હવે અગ્નિ, ઢોરઢાંખર અને દાસ વડે સ્થિર વસવાટની સુવિધા વધી. કૃષિ ઉપરાંત અન્ય હુન્નરો અને વેપાર વધતાં જીવન વધુ સરળ થયું. સખત સમૂહકાર્યની જરૂરિયાત નહિ રહેતાં હવે વિશ્ જાતિ ત્રણ ભાગોમાં વિભક્ત થઈ : મુખ્ય અંગ અર્થાત્ વૈશ્ય જાતિના લોકો કૃષિ, પશુપાલન અને વાણિજ્ય જેવા ઉત્પાદક વ્યવસાયો કરતા અને એમની વધારાની સમૃદ્ધિ બે નવા વર્ણોના નિભાવમાં વપરાતી. એ વર્ણ હતા બ્રાહ્મણ અને ક્ષત્રિય. તેઓ તેમની ચામડીના રંગથી નહિ પણ વ્યવસાયથી ઓળખાતા હતા. બ્રાહ્મણો સામાન્ય કલ્યાણ માટે યજ્ઞો કરાવતા, વેદાધ્યયન કરતા અને રિવાજો તેમજ ન્યાયના પાયા પર સામાજિક કાયદાઓ (ધર્મ) ઘડતા. ક્ષત્રિયો રાજ્યનું રક્ષણ અને નવાં નવાં રાજ્યો સ્થાપી સત્તાનો વિસ્તાર કરતા. આ ત્રણેય વર્ણો પોતપોતાના વ્યવસાયમાં નિપુણ થયા ને તેમને તેમની સેવાની કક્ષાને અનુરૂપ સામાજિક માળખામાં સ્થાન અપાયું. એ ત્રણની નીચે શૂદ્ર કે દાસ વર્ણ હતો, જે તેમની સેવા કરતો હતો. પ્રારંભમાં વર્ણોના વ્યવસાય ચુસ્ત રીતે વંશપરંપરાગત નહોતા. ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો પણ પોતાનાં બુદ્ધિ, ગુણ અને અતિ પરિશ્રમપૂર્વકની તપસ્યા વડે પોતાનો દરજ્જો સુધારી શકતા હતા. સમય જતાં વર્ણ અને વ્યવસાય સ્મૃતિઓના નિયમો પ્રમાણે વંશપરંપરા વડે જડબેસલાક થયા.

ઋગ્વેદ આર્યોની ધાર્મિક માન્યતાઓ અને ક્રિયાઓનું સ્વરૂપ દર્શાવે છે. તે પરથી જણાય છે કે આર્યો ઇંદ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય અને રુદ્ર જેવા દેવોને માનતા હતા. આમાંના કેટલાક નિ:શંક પ્રકૃતિનાં સત્વો હતાં. યજ્ઞો એટલે દેવોની પ્રસન્નતા માટે અગ્નિને અન્ન, માંસ અને સુરાના હવિનું વિધિસર અર્પણ. આ મુખ્ય ધાર્મિક ક્રિયા હતી. પ્રાણીઓનું યજ્ઞમાં બલિદાન દેવાતું અને સોમરસ અર્પણ કરાતો અને પિવાતો. વળી સામવેદ અને યજુર્વેદમાં તેમજ બ્રાહ્મણગ્રંથોમાં યાજ્ઞિક ક્રિયાઓ અને કર્મકાંડોનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. જોકે અનેક દેવોને માનવા છતાં છેક આરંભિક વેદકાલથી એકદેવવાદનો વિચાર પણ પ્રવર્તતો હતો. એ કાળે પણ કેટલાક ઋષિઓનાં મનમાં પ્રચલિત કર્મકાંડ પ્રત્યે અનાસ્થા અને શંકા પ્રવર્તતાં હતાં. આરણ્યકો અને ઉપનિષદોમાં પ્રગતિશીલ ર્દષ્ટિબિંદુ જોવામાં આવે છે. મુખ્ય ઉપનિષદોમાંનાં કેટલાંક પહેલાં સર્વેશ્વરવાદનું અને પછી શાશ્વત રીતે અસ્તિત્વ ધરાવતું એક પરમ તત્વ – બ્રહ્મ કે આત્મન્ – માં કેન્દ્રિત ઈશ્વરવાદનું નિરૂપણ કરે છે. આ ઉપનિષદોમાં ધર્મ અને તત્વજ્ઞાનને લગતી અનેક વિભાવનાઓની અહીં છણાવટ થઈ છે. ઉત્તરકાલમાં વિકસેલાં ભારતીય દર્શનો, કર્મના નિયમનો સિદ્ધાંત અને આત્માનું 84 લાખ યોનિઓમાં ભ્રમણ જેવી બાબતોનાં મૂળ ઉપનિષદોના ચિંતનમાં પ્રાપ્ત થાય છે.

વેદોત્તરકાલમાં ચાર વર્ણોના ફાંટા પડ્યા ને પેટા વર્ણો તેમજ મિશ્ર વર્ણોની અટપટી આંટીઘૂંટીમાં સેળભેળ થઈ ગયા. ધર્મશાસ્ત્રીય નિયમોની અવજ્ઞારૂપ આંતર-વર્ણ-લગ્ન તેમજ નવા હુન્નરો અને વ્યવસાયોના ઉદયની સાથે સાથે થતાં મિશ્ર લગ્નની સંતતિને પણ નવું વર્ણ-નામ અને નવો હુન્નર-વ્યવસાય અપાતાં. પરિણામે વર્ણપ્રથાના વધુ ફાંટા પડ્યા. જોકે ધનના આધારે પડતા વિભાગો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના પાયરી-ક્રમ સાથે ભાગ્યે જ સંગત હતા. સમાજમાં વસ્તુત: આર્થિક પિરામિડમાં ટોચથી નીચે જતા સ્તર હતા. ઉચ્ચ અધિકારીઓ, વેપારીઓ, શરાફો અને જમીનદારો; તેમની નીચે નાના જમીનદારો, કારીગરો અને સાધારણ અધિકારીઓ; તેમની નીચે હક અને મિલકત વિનાના મજૂરો અને તેમની નીચે તિરસ્કૃત તેમજ પૃથક્કૃત મજૂરો – એવા ચાર સ્તર હતા. ત્રીજો અને ચોથો સ્તર શૂદ્ર અને મ્લેચ્છ ગણાતો. મિલકત અને અધિકાર અલગ હતા. અધિકાર બ્રાહ્મણોને પ્રાપ્ત થતા. વૈશ્ય પણ ધીમે ધીમે શૂદ્રની કક્ષાએ ઊતરી ગયો. એણે પોતાની વર્ણ-પરંપરા અને વૈદિક અધ્યયન તેમજ દ્વિજત્વ(ઉપનયન)ના અધિકાર ગુમાવ્યા. યાજ્ઞવલ્ક્યના ધર્મશાસ્ત્રમાં શૂદ્રોને કૃષિ, હુન્નરો અને વેપારના વૈશ્ય-વ્યવસાય કરવાની છૂટ અપાઈ. વસ્તુત: વર્ણપ્રથા સમાજમાંના ભેદોને ઉકેલવા, સ્પર્ધા ઘટાડવા અને હિતોની સમતુલા સાચવવા યોજાઈ હતી. તેને અવારનવાર નવા વિકાસોને અનુકૂળ કરવામાં આવતી હતી.

બુદ્ધના સમયે, અર્થાત્ ઈ. પૂ. છઠ્ઠી સદીમાં સમાજ આદિમ જાતિઓથી માંડીને સમૃદ્ધિ ભોગવતાં નગરોના ધાર્મિક વેપારીઓ અને વિદ્વાનો તેમજ પુરોહિતો સુધીના સંસ્કૃતિ અને આર્થિક જીવનના વ્યાપકપણે ભિન્ન ભિન્ન સ્તરોનો બનેલો હતો. લોકો મેળાઓ અને મેળાવડાઓમાં મોજ માણતા. એમાં આનંદપ્રમોદ માટે પ્રાણીયુદ્ધો, નટોના ખેલ, નૃત્યો અને નાટ્યપ્રયોગો કરવામાં આવતાં. ગણિકા, સુરા અને દ્યૂત સર્વસામાન્ય દૂષણો હતાં.

ઈ. પૂ. ચોથી સદી દરમિયાન અર્થાત્ મૌર્યકાલમાં ચંદ્રગુપ્તના દરબારમાં આવેલા ગ્રીક એલચી મેગસ્થનિસે અહીંના સમાજના સાત વર્ગો નોંધ્યા હતા : બ્રાહ્મણો કે દાર્શનિકો, ખેડૂતો, ગોવાળો અને શિકારીઓ, કારીગરો અને વેપારીઓ, સૈનિકો, ગુપ્તચરો અને મંત્રીઓ (રાજાના અધિકારીઓ). આમાં બ્રાહ્મણો સિવાયના અન્ય વ્યાવસાયિક સમૂહો હતા. મેગસ્થનિસ નોંધે છે કે ધંધા હંમેશાં કુળ-પરંપરાથી નક્કી થતા નહિ. ધંધાના વિભાગો વધુ સ્પષ્ટ થયા હતા. આંતર-વર્ણ લગ્નો વ્યાપક હતાં. ‘અર્થશાસ્ત્ર’માં લગ્નોના આઠ પ્રકારો જણાવ્યા છે. ચાર રિવાજ મુજબના – આર્ષ, દૈવ, બ્રાહ્મણ અને પ્રાજાપત્ય અને ચાર અનુકાલીન ઉમેરારૂપ – વિક્રયસૂચક પહેરામણીવાળું લગ્ન (આસુર), પરસ્પર પસંદગીવાળું લગ્ન (ગાન્ધર્વ), અપહરણવાળું (રાક્ષસ) અને બળાત્કારવાળું (પૈશાચ) લગ્ન. ગણિકા, સુરા અને દ્યૂતનાં જૂનાં દૂષણોનું રાજ્યના પરવાનાથી નિયમન કરવામાં આવ્યું.

ઈ. પૂ. ચોથીથી ઈ. સ.ની બીજી સદી દરમિયાન બાહલિક ગ્રીકો, શકો, પહલવો અને કુષાણો જેવા વિદેશી આક્રમકોએ રાજ્યો સ્થાપ્યાં. એમાંના કેટલાકે ભારતીય રાજકુળો સાથે આંતર-વિવાહ કર્યા અને તેઓ ભારતીય સંસ્કૃતિની અસર નીચે આવ્યા. એમાંના ઘણાએ ભારતીય નામો અપનાવ્યાં; દા.ત., શક ઉષવદત્ત અને રુદ્રદામા તેમજ કુષાણ વાસુદેવ. વિદેશી રાજવંશોનાં પાટનગરો; જેમ કે, શાકલ, પુરુષપુર અને ઉજ્જયિની સાંસ્કૃતિક સમન્વયનાં કેન્દ્રો બન્યાં અને તેમણે ભારતીય સમાજ અને સંસ્કૃતિને સ્પષ્ટપણે પચરંગી સ્વરૂપ આપ્યું. આ વલણ ગુપ્તકાળ દરમિયાન પૌરાણિક હિંદુ ધર્મના ઉદયમાં પરાકાષ્ઠાએ પહોંચ્યું. બુદ્ધને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે અપનાવતાં, બ્રાહ્મણ ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચેનો જૂનો ઝઘડો લુપ્ત થયો. દેવદેવીઓ તેમજ વિદેશી ધાર્મિક પ્રતીકોને હિંદુ દાયરામાં ભેળવી દેવામાં આવ્યાં. હિંદુ સમાજ ધીમે ધીમે વિચારો અને રિવાજોને મુક્ત રીતે અદલોબદલો કરતા અને સારા પડોશી-સંબંધોમાં સાથે સાથે રહેતા સાંસ્કૃતિક અને સામાજિક સમૂહોનો સમવાય બન્યો.

ઈ. સ.ની પાંચમી સદીના આરંભમાં ફાહિયાને ગુપ્ત સમ્રાટોના શાસન નીચે ઉત્તર ભારતમાં પ્રવર્તતી સમૃદ્ધ સ્થિતિ વર્ણવી છે. ત્યારે જીવન સાદું હતું અને લોકો સુખી હતા. શ્રીમંતો પોતાનું દ્રવ્ય વિહારો, મંદિરો, પાઠશાળાઓ અને દવાખાનાં તેમજ ભિક્ષુકગૃહો જેવી પરમાર્થ-સંસ્થાઓ પાછળ ઉદારતાથી ખર્ચતા હતા. દેવદેવીઓની પૂજાની સાથે વિસ્તૃત સામાજિક ઉત્સવો ઊજવાતા અને વાદ્ય, નૃત્ય તેમજ ભોજન સાથેની વિધિઓ કરાતી, જેમાં દરેક જણ ભાગ લઈ શકતું. વસંતોત્સવ સહુથી મહત્વનો ગણાતો, જેમાં નરનારીઓ નિરંકુશપણે આનંદપ્રમોદ કરતાં. નાગરિકોના કામકાજનું નિયમન રાજ્યના કાનૂનોથી નહિ, પણ ‘ધર્મ’ તરીકે ઓળખાતા રિવાજગત નિયમનોથી થતું. ધર્મ એટલે સમાજના વિવિધ વિભાગોના સંવાદી કાર્ય-કારણ માટેની આચારસંહિતા. ધર્મશાસ્ત્રો અને સ્મૃતિઓ દરેક જ્ઞાતિ અને ધંધા માટે નિયમો કરતાં હતાં. નિયમો ચુસ્ત નહોતા ને નવા વિકાસોને અનુરૂપ થવા અવારનવાર સુધારાતા. કેટલીક વાર સ્મૃતિકારો અને બ્રાહ્મણવર્ગ તેમાં પોતાના વિચારો દાખલ કરતા અને પ્રતિબંધો તથા નિષેધો પણ ફરમાવતા.

સાતમી સદીમાં ભારતનો વ્યાપક પ્રવાસ કરનાર યુઅન-શ્વાંગે વિસ્તૃત વૃત્તાંત લખ્યો છે. તેમાં એણે ભારતીયોનાં લક્ષણો વિશે માર્મિક ઉલ્લેખો કર્યા છે; જેમ કે, કંઈક ચંચળ વૃત્તિના હોવા છતાં ભારતીયો પ્રામાણિક છે. તેઓ કદી છેતરપિંડી ને વચનભંગ કરતા નથી. તેઓ માને છે કે દુષ્કૃત્યોની સજા આ જીવનમાં ન થાય, તો તેનું ફળ પછી પણ ભોગવવું પડે છે.

આ સમયથી સામાજિક જીવન શાસ્ત્રોના નિયમો વચ્ચે વધુ ને વધુ નિયંત્રિત થતું ગયું. જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ ચુસ્ત રીતે અલગ પડી. આંતર-જ્ઞાતિસંપર્ક ભોજન, લગ્ન, સ્પર્શ અને વિધિઓના સખત નિયમો વડે મર્યાદિત કે નિષિદ્ધ કરાયા. પછીની સદીઓમાં પોતાની મૌલિકતાને નષ્ટ કરતા જ્ઞાતિ-નિયમોની જડતા; અંત્યજોની અવહેલના; સ્ત્રીઓનું અવમૂલ્યન; ગણ, શ્રેણી અને સંઘ જેવાં સમવાયી મંડળોનું વિઘટન જેવાં કારણોને લઈને ભારતીય સમાજની અવનતિ થઈ. ભારતે બહારના જગત સાથેનો સ્ફૂર્તિદાયક સંપર્ક ગુમાવી દીધો ને પોતાના કોચલામાં ભરાઈ ગયું. અગિયારમી સદીના પ્રારંભમાં અલ્-બિરૂનીએ દેશની મુલાકાત લીધી ત્યારે એણે અવલોક્યું કે ભારતીયો વિદેશીઓ તરફ ઘૃણાભર્યો વર્તાવ રાખે છે અને પોતાના તત્વજ્ઞાનની વધારે પડતી મગરૂબીના કારણે વિદેશોમાં થતી બૌદ્ધિક પ્રગતિના મુખ્ય પ્રવાહોથી તેઓ વિખૂટા પડી ગયા છે.

ઈ. પૂ. 600થી ઈ. સ.  400 સુધીના લગભગ એક હજાર વર્ષના ગાળા દરમિયાન હિંદુ (ભાગવત, શૈવ, શાક્ત વગેરે પૌરાણિક), બૌદ્ધ અને જૈન ધર્મનું કલેવર બંધાયું. આ ગાળા દરમિયાન આર્યોનો વિસ્તાર પૂર્વમાં બંગાળ અને દક્ષિણે નર્મદા સુધી થઈ ચૂક્યો હતો. તેમના પ્રસારની સાથે વધુ ને વધુ સંખ્યામાં આર્યેતર પ્રજા આર્યસમાજમાં ભળતાં પરિસ્થિતિ બદલાતી જતી હતી. આર્યેતરોને આર્ય સમાજમાં ચોથા વર્ણ(શૂદ્ર)માં ગોઠવવામાં આવ્યા હતા ને એમને વેદાભ્યાસ તેમજ યજ્ઞાદિ ધાર્મિક અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા; જોકે આર્યેતર લોકો પોતાના દેવતાઓની તો પરંપરા અનુસાર પૂજા કરતા જ હતા. બીજી બાજુ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સ્થપાયેલી બ્રાહ્મણોની જોહુકમીનો ક્ષત્રિયો દ્વારા વિરોધ થવા લાગ્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં ભાગવત, જૈન અને બૌદ્ધ ધર્મોના પાયા નખાયા. ભાગવત સંપ્રદાય, પ્રાચીન બ્રાહ્મણ ધર્મનો અંગભૂત બની રહી, એમાં આર્યેતર તત્વોને ભેળવીને સુધારાનું વલણ ધરાવતો રહ્યો; જ્યારે જૈન અને બૌદ્ધ ધર્મ બ્રાહ્મણ ધર્મના વિરોધી તરીકે ઉદભવ્યા. શરૂઆતમાં બૌદ્ધ અને જૈન ધર્મોએ ભારતીય જીવન પર ભારે પ્રભાવ પાડ્યો. તેઓ પ્રગટ્યા એ વખતના જનસમાજમાં ગૃહસ્થો પોતપોતાનાં કૃષિ, વ્યવસાય, વેપાર વગેરે સાંસારિક ધંધાઓમાં પ્રવૃત્ત રહી અર્થોપાર્જન કરતા હતા. એમનાં પ્રત્યેક કુળમાં દેવતા, પોતપોતાનાં રીતરિવાજ અને પોતપોતાની પરંપરાઓ હતાં. એ સર્વની મર્યાદામાં રહીને ગૃહસ્થો પોતાના કુળધર્મ પાળતા હતા. તેઓ બ્રાહ્મણોનો આદર કરતા, તેમના ઉપદેશો સાંભળતા, તેમના દર્શાવ્યા પ્રમાણે કર્મકાંડોનું અનુષ્ઠાન કરતા ને એ રીતે ઇહલોક અને પરલોકનાં સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હતા. બ્રાહ્મણો મૂળ સાંસારિક ધંધાઓથી અલગ રહી ધર્મચિંતનમાં સંલગ્ન રહેતા, પણ હવે એમનામાંના ઘણા ત્યાગ-તપસ્યામય જીવન છોડી ચૂક્યા હતા. આવી સ્થિતિમાં મહાવીર અને બુદ્ધે નૂતન ધાર્મિક સંપ્રદાયોની સ્થાપના કરી. એમણે ઈશ્વરના અસ્તિત્વના સિદ્ધાંતનું ખંડન કર્યું કે મૌન રહીને એને ટાળી દીધો ને મુક્તિ માટે કઠોર નૈતિક આચરણ કરી સ્વપ્રયત્નનો માર્ગ દર્શાવ્યો. એ બંને મહાપુરુષોનો ઉપદેશ પૂર્વ ભારતના પ્રદેશોમાં અનેક જાતિઓએ અપનાવ્યો. આ નવા ધર્મોનો પ્રસાર થતાં ધાર્મિક નેતૃત્વ બ્રાહ્મણોના હાથમાંથી શ્રમણો, મુનિઓ અને ભિક્ષુઓના હાથમાં આવ્યું. એમાં બધા વર્ણો અને બધી જાતિઓના લોકોનો સમાવેશ હતો. વળી આ નવી શ્રેણી સંગઠિત હતી ને ઘરગૃહસ્થી છોડી તપસ્યાનું જીવન વિતાવી મનુષ્યમાત્રનું કલ્યાણ સાધવામાં રત હતી. એમના આ ગુણોને કારણે સમાજમાં એમને ભારે પ્રતિષ્ઠા મળી. પ્રજા પણ એમનો ઉપદેશ સાંભળવા અને તદનુસાર જીવન વ્યતીત કરવા તત્પર બની. આ નવા ધર્મોના પ્રભાવથી યજ્ઞો અને કર્મકાંડોનું જોર ઘટી ગયું. એને લઈને યજ્ઞમાં પશુબલિ આપવાની પ્રથા નામશેષ થઈ.

બ્રાહ્મણ ધર્મની પ્રતિક્રિયા રૂપે ઉદય પામેલા જૈન અને બૌદ્ધ ધર્મોને લોકપ્રિયતા મળતાં બ્રાહ્મણ ધર્મના નેતાઓને પણ આત્મનિરીક્ષણ કરવાની ફરજ પડી. એમણે ઉદારતાવાદી ર્દષ્ટિકોણ અપનાવ્યો અને અહિંસાનું મહત્વ સ્વીકાર્યું. કર્મકાંડોનું સ્થાન ભક્તિભાવના અને મૂર્તિપૂજાએ લીધું. જે વખતે પૂર્વમાં બુદ્ધ અને મહાવીરે પ્રબોધેલા ધર્મનો પ્રચાર થતો હતો તે વખતે પશ્ચિમ ભારતમાં સાત્વત જાતિ પાસે આદિ કાલમાં કૃષ્ણ-વાસુદેવે પ્રબોધેલો ‘એકાંતિક ધર્મ’ હતો. તેમાં તેણે પરમેશ્વરના વિચારને માન્યતા આપી મુક્તિ માટે ભક્તિમાર્ગ અપનાવ્યો હતો. આ અરસા(ઈ. પૂ. ચોથી–ત્રીજી સદી)માં કોઈ પરમ વાસુદેવ ભક્ત આચાર્યે મૂળ ઉપદેશને અદ્યતન ભગવદગીતાનું સ્વરૂપ આપ્યું ને તેમાં તત્કાલીન પ્રચલિત બધા મત-માર્ગોનો સમન્વય સાધી સર્વજનસુલભ ધર્મ પ્રબોધ્યો. આ ગીતાનો ઉપદેશ ભાગવત ધર્મના પાયારૂપ બની રહ્યો અને ભારતીય સંસ્કારજીવનમાં પ્રભાવક પણ થયો.

ભાગવત સંપ્રદાયે સુધારાવાદી પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવ્યો. બૌદ્ધોએ જીવનની ઉન્નતિ માટે મહાત્મા બુદ્ધને લોકો સમક્ષ આદર્શ રૂપે રજૂ કર્યા, તો ભાગવત સંપ્રદાયે કૃષ્ણ અને રામને આદર્શ પૂર્ણપુરુષ તરીકે રજૂ કર્યા. એક બાજુ, બૌદ્ધો ચૈત્યો બાંધી બુદ્ધની પ્રતિમાઓ સ્થાપી પૂજા કરતા થયા, તો બીજી બાજુ પૌરાણિકો પણ વાસુદેવ, શિવ, સ્કંદ વગેરેની પ્રતિમાઓ બનાવી મંદિરોમાં તેમની પ્રતિષ્ઠા કરવા લાગ્યા.

ગુપ્તકાલમાં બ્રાહ્મણ ધર્મની જાગૃતિનું મોજું ભારતભરમાં ફરી વળ્યું. વર્તમાન સમયમાં જોવા મળતું હિંદુ ધર્મનું સ્વરૂપ ઘણે અંશે આ કાલમાં ઘડાયું. બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન – ત્રણેય ધર્મોમાં મૂર્તિપૂજાનો પ્રચાર વ્યાપક બન્યો. વળી આ ત્રણેય ધર્મોમાં પોત-પોતાના ધર્મ-સંપ્રદાયોને દાર્શનિક ભૂમિકા પૂરી પાડવાનો પ્રબળ પુરુષાર્થ પણ થતો રહ્યો. ભાગવત સંપ્રદાયના પ્રાણરૂપ બનેલા શ્રીમદભાગવત પુરાણની રચના દક્ષિણ ભારતમાં સંભવત: આઠમી સદીમાં થઈ હતી. બ્રાહ્મણ ધર્મને સુઢ પાયા પર સ્થાપવાનું કાર્ય પણ આઠમી સદીના અંતભાગમાં દાક્ષિણાત્ય આચાર્ય શંકરે પાર પાડ્યું.

શંકરાચાર્યે હિંદુ ધર્મનો પ્રાચીન શાસ્ત્રોમાંથી મહત્વનાં તત્વો શોધીને એમનો ઉપદેશ કર્યો. તે સાથે તેમણે સાધારણજનસમાજને પણ લક્ષમાં રાખ્યો. તત્કાલીન સમાજમાં જૂના યજ્ઞોનું સ્થાન મૂર્તિપૂજાએ લીધું હતું ને આમજનતામાં એનો વ્યાપક ફેલાવો હતો. સૂર્ય, ભૈરવ, શક્તિ તથા ગણપતિની પૂજાના સ્વતંત્ર મતસંપ્રદાયો પણ પ્રવર્ત્યા હતા. શંકરાચાર્યે જુદા જુદા દેવો વચ્ચે સમન્વય સાધી શિવ, વિષ્ણુ, સૂર્ય, અંબિકા અને ગણેશ – એ પાંચેય દેવોની પૂજાને માન્યતા આપી. તેમણે સર્વ દેવોને સમાન ગણાવ્યા. એ પાંચેય જુદા જુદા દેવો નથી, પણ એક જ દેવ ભારતના જુદા જુદા ભાગોમાં પાંચ જુદા જુદા સ્વરૂપે ઉપાસાય છે ને ઉપાસક પોતાની ઇચ્છા અનુસાર તેમની ઉપાસના કરે છે એમ સમજાવ્યું. પંચાયતન પૂજા કરનાર લોકો ‘સ્માર્ત’ કહેવાયા. પંચાયતન પૂજાનો પ્રસાર થતાં હિંદુ મંદિરોમાં અનેક દેવતાઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા થવા લાગી. શંકરે કાયમી ધર્મવ્યવસ્થા ગોઠવવા ભારતના ચાર ખૂણે ચાર અદ્વૈત પીઠો સ્થાપી અને અંત:કરણથી સમાજ-સેવા કરે ને પ્રાણીમાત્રના હિતમાં તત્પર રહે એવા સંન્યાસીઓ તૈયાર કર્યા. તેમણે બ્રાહ્મણ ધર્મ-સંપ્રદાયો વચ્ચેના સંઘર્ષો ટાળવા દરેકનાં ધ્વજ-નિશાન પણ નક્કી કરી આપ્યાં.

સમય જતાં રાજપૂતકાલમાં ધર્મોપાસનામાં આડંબરો અને તાંત્રિક પદ્ધતિઓનું પ્રાબલ્ય વધ્યું.

મધ્યકાલમાં ભારતમાં રાજ્યસત્તા પ્રવર્તાવવા પ્રવેશેલા તુર્કો, અફઘાનો અને તેમની પછી આવેલા મુઘલોએ અહીં પોતાનાં રાજ્યો જમાવ્યાં. તેઓ અહીં કાયમને માટે વસી ગયા. ભારતના લગભગ બધા જ ભાગોમાં તેમની હકૂમત પ્રસરી. આ બધા લોકો તદ્દન ભિન્ન પ્રકારની સંસ્કૃતિ ધરાવવાને કારણે ભારતીય સમાજમાં ભળી શક્યા નહિ. પરિણામે ભારતીય સમાજ હિંદુ અને મુસ્લિમ – એવા બે વિભાગોમાં વહેંચાઈ ગયો.

મુસલમાનોનાં આક્રમણ અને રાજ્યસ્થાપના પૂર્વે હિંદુ સમાજ અને સંસ્કૃતિમાં જીર્ણતા અને દુર્બળતા આવી હતી. તેનો સાંસ્કૃતિક ઉન્નતિનો પ્રવાહ મંદ પડી ગયો હતો. એવે સમયે ઇસ્લામી આક્રમણ થતાં પુરાતન પરંપરા અને નિયમોને આધારે હિંદુ સમાજે સ્વબચાવ માટે ભારે પ્રયત્ન કર્યો. આ માટે જ્ઞાતિ-વ્યવસ્થા ર્દઢ કરી દેવામાં આવી અને ખાનપાન તેમજ લગ્નને લગતાં નિયંત્રણો પણ કડક કરી દેવામાં આવ્યાં. હિંદુ જ્ઞાતિઓમાં અનેક શાખા-ઉપશાખાઓ પડી ગઈ અને તેમની વચ્ચે ઊંચ-નીચનો ભાવ બદ્ધમૂળ થઈ ગયો. બ્રાહ્મણોને રાજ્યાશ્રય મળતો બંધ થયો અને મુસલમાનોના ધાર્મિક ઝનૂનનો આઘાત તેમને સવિશેષ સહન કરવો પડ્યો. પરિણામે ઘણા બ્રાહ્મણો સ્થાનાંતર કરીને દક્ષિણ ભારતમાં જઈ વસ્યા. ક્ષત્રિયોમાં 36 કુળો સ્પષ્ટ થયાં. ઇસ્લામી સંસ્કૃતિની અસર નીચે તેઓ શાસક વર્ગના મુસલમાનોની ભાષા અને રહેણીકરણી ગ્રહણ કરવા લાગ્યા. હિંદુ સમાજમાં બાળલગ્નો પ્રચલિત થયાં. ઇસ્લામી સંસ્કૃતિની અસર નીચે ઉચ્ચ વર્ગનાં હિંદુ કુટુંબોમાં બહુપત્ની લગ્નપ્રથાનું પ્રમાણ વધ્યું, સતીપ્રથાનું જોર પણ વધ્યું. શિક્ષણનો અભાવ, કૌટુંબિક ત્રાસ, અપમાન અને કઠોર સામાજિક બંધનોને કારણે સ્ત્રીનો સામાજિક દરજ્જો ઘણો ઊતરી ગયો.

ભારતમાં આ સમયે ઘણા મુસલમાનો આવી વસ્યા હતા. તેઓ અહીંના સમાજમાં ભળી ન શકતાં વિદેશી જેવા રહ્યા. તેમનામાં રાજકીય અને ધાર્મિક અભિમાન વિશેષ હતું. ઇસ્લામ અંગીકાર કરનારા હિંદુઓને તેઓ આવકારતા, પરંતુ તેઓ આવા નવા બનેલા ભારતીય મુસલમાનો સાથે સમતાભર્યો વ્યવહાર કરી શકતા નહિ. આમ મુસ્લિમ સમાજમાં વિદેશી અને દેશી મુસલમાનોના ભેદ પ્રવર્તતા હતા. તેમનામાં રીત-રિવાજ, ભાષા વગેરે બાબતોમાં પણ ભેદ પ્રવર્તતો હતો. લગ્નસંબંધો પણ ઘણું કરીને તેઓ પોતાના સમૂહમાં રાખતા. મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊતરતું હતું. કડક પડદાપ્રથા, બહુપત્નીપ્રથા વગેરેનો પ્રચાર હતો. સ્ત્રીશિક્ષણનો પ્રબંધ માત્ર કુલિન પરિવારોમાં થતો હતો.

મુઘલકાલમાં ખાનપાન અને મનોરંજન એકંદરે પૂર્વકાલની જેમ ચાલુ હતાં. લિજ્જતદાર મુઘલાઈ ખાણું આ વખતે પ્રચલિત થયું, જે આજદિન સુધી પ્રસિદ્ધ છે. ઉચ્ચ વર્ગના લોકો ‘મધુમેવા પકવાન, મીઠાઈ’ આરોગતા, વસ્ત્રોમાં ફૅશનપરસ્ત, 37 પ્રકારનાં આભૂષણોથી સુશોભિત અને ચોપાટ, શિકાર, પતંગ, ગંજીફા, સાઠમારી, કબૂતર ઉડાડવાં વગેરેમાં આનંદપ્રમોદ પ્રાપ્ત કરનારા હતા. હિંદુઓ અને મુસલમાનો વચ્ચે વિકસતી સમન્વય-ભાવના એ મુઘલકાલના સામાજિક જીવનનું તરી આવતું લક્ષણ હતું. અકબરની ઉદાર નીતિએ બંને કોમોને નિકટ આવવાનો માર્ગ મોકળો કરી આપ્યો. તેનાં રાજપૂત રાજકન્યાઓ સાથેનાં લગ્નોથી રાજમહેલોમાં હિંદુ રીત-રિવાજો પ્રવેશ પામ્યા. હિંદુ નાગરિકો મોહરમના તાજિયાના જુલુસમાં છૂટથી ભાગ લેતા, જ્યારે હિંદુ તહેવારોમાં પણ ઉચ્ચ દરજ્જાના મુસ્લિમો ભાગ લેતા થયા હતા. મુઘલ અદબ અને શિષ્ટાચાર-પદ્ધતિનો હિંદુ રાજાઓ, સામંતો અને ઉચ્ચ અધિકારીઓ પર પ્રભાવ પડ્યો.

લિંગરાજમંદિર, ભુવનેશ્વર

મધ્યકાલમાં ઇસ્લામનો પ્રસાર વધવા છતાં હિંદુ ધર્મ મુખ્ય સ્થાને રહ્યો. એમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત, નાથ વગેરે મુખ્ય સંપ્રદાયો અને તેમના અનેક પંથોનો પ્રચાર રહ્યો. શિવની પૂજા આખા દેશમાં પ્રચલિત હતી. શૈવ ધર્મના પાશુપત, વીર શૈવ, કાપાલિક અને કાલમુખ એ ચાર સંપ્રદાયો ઓછેવત્તે અંશે પ્રચારમાં હતા. દક્ષિણ ભારતમાં નાયનમાર ભક્તોએ રચેલાં ભક્તિપદોનો ત્યાંના શિવભક્તો પર વ્યાપક પ્રભાવ પડ્યો હતો. વૈષ્ણવ સંપ્રદાય આ વખતે ચાલેલા ભક્તિ-આંદોલનને કારણે દેશમાં ગામેગામ અને ખૂણે ખૂણે પ્રસરી ગયો. આ આંદોલન સમાજના ભદ્ર અને આમવર્ગ બંનેને સ્પર્શ્યું હતું. દક્ષિણના આળવાર સંતોએ પાડેલી ભક્તિની કેડીને રામાનુજાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુએ ભારતવ્યાપી ધોરી માર્ગમાં ફેરવી દીધી. તેમણે શાસ્ત્રો રચીને ભક્તિને શાસ્ત્રીય આધાર આપ્યો; તો બીજી બાજુ સંતો અને ભક્તોએ આળવારોની જેમ લોકભાષામાં સરળ પદો દ્વારા ભક્તિને સાધારણજનસમાજમાં ઘેર ઘેર પહોંચાડી દીધી. ઉત્તર ભારતમાં રામાનંદ, કબીર, રૈદાસ, નાનક, દાદૂ; મહારાષ્ટ્રમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ અને રામદાસ; ગુજરાતમાં નરસિંહ મહેતા; બંગાળમાં સહજિયા; ઓરિસામાં પંચસખા અને આસામમાં શંકરદેવ જેવા ભક્તો-સંતોએ ભક્તિ-આંદોલનનો વ્યાપક ફેલાવો કર્યો. આ આંદોલનનું મુખ્ય લક્ષણ એ હતું કે તેના પુરસ્કર્તાઓએ વર્ણ, જ્ઞાતિ, કોમ, લિંગ, ધર્મ વગેરેને નામે પડેલા ભેદભાવ પર ઉગ્ર પ્રહારો કરી જીવમાત્રની એકતા પર ભાર મૂક્યો હતો. રામાનંદે પ્રચલિત કરેલ સૂત્ર – ‘જાતિપાંતિ પૂછે નહિ કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ’ – સર્વત્ર ગુંજતું થયું હતું. શરૂઆતમાં નિર્ગુણમાર્ગી જ્ઞાનાશ્રયી ભક્તિધારા પ્રબળ રહી, ઉત્તરકાલમાં સગુણ ભક્તિધારાનો પ્રભાવ વધી ગયો. એમાં કૃષ્ણભક્તિ અને રામભક્તિની ધારાઓના બે ફાંટા થયા. કૃષ્ણભક્તિધારાનો વ્યાપક ફેલાવો ઉત્તર ભારતમાં વલ્લભાચાર્ય અને તેમના પુત્ર વિઠ્ઠલનાથે કર્યો. ચૈતન્ય મહાપ્રભુ અને તેમના શિષ્યોએ પ્રવર્તાવેલ કૃષ્ણભક્તિ-આંદોલન અને મહાત્મા હિતહરિવંશે સ્થાપેલા રાધાવલ્લભ સંપ્રદાયથી પણ કૃષ્ણભક્તિ અને વ્રજવૃંદાવનનો મહિમા વધ્યો. રામભક્તિધારામાં થયેલા ગોસ્વામી તુલસીદાસજીએ પોતાના ‘રામચરિતમાનસ’ દ્વારા સનાતન હિંદુ ધર્મનો ઉપદેશ આપી હિંદુ ધર્મ અને સમાજની મહત્વની સેવા કરી. આ કાલના છેવટના ભાગમાં થયેલા સ્વામી સહજાનંદે સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપી તેના દ્વારા આરંભેલી સમાજસુધારણા અને ચારિત્ર્યઘડતરની પ્રવૃત્તિઓ આજદિન સુધી ચાલુ છે.

મધ્યકાલમાં બૌદ્ધ ધર્મનો અસ્ત થયો અને મોટાભાગના બૌદ્ધો વૈષ્ણવ ધર્મમાં ભળી ગયા. જૈન ધર્મ ગુજરાત, રાજપૂતાના, માળવા અને મહારાષ્ટ્રમાં પ્રચલિત હતો. ગિરનાર, શત્રુંજય, આબુ, ભદ્રેશ્વર, રાણકપુર, ચિત્તોડ વગેરે તીર્થોમાં ભવ્ય જિનાલયો બંધાયાં કે જીર્ણોદ્ધાર પામ્યાં. સોળમી સદીમાં શ્વેતાંબર સંપ્રદાયમાં દેરાવાસી અને સ્થાનકવાસી – એવા બે પંથ પડ્યા. મુઘલકાલ દરમિયાન હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિ જેવા પ્રકાંડ આચાર્યોએ શ્વેતાંબર સંપ્રદાયની પ્રભાવના ઉત્તર ભારતમાં છેક પંજાબ સુધી વિસ્તારી.

દિલ્હીમાં મુસલમાનોનું રાજ્ય સ્થપાયા પછી અને તેરમી સદીના અંતમાં અલાઉદ્દીન ખલજીના પ્રયત્નોથી તેનો ભારત વ્યાપી વિસ્તાર થતાં ઇસ્લામના પ્રચાર-પ્રસારને ભારે વેગ મળ્યો. તેના સુન્ની, શિયા અને સૂફી – ત્રણેય પંથોનો ફેલાવો થવા લાગ્યો. સુન્ની પંથ કુરાન અને શરિયતને ચુસ્તપણે વળગી રહીને ઉલેમાઓની દોરવણી નીચે ચાલતો મુખ્ય સંપ્રદાય હતો. શિયા પંથનો ઇસ્માઇલિયા ફિરકાના નિઝારી (ખોજા) અને મુસ્તાલી (વૉરા) પંથોનો કાશ્મીરથી માંડીને ગુજરાત સુધીના પ્રદેશોમાં વિશેષ ફેલાવો થયો. ખોજા પંથમાં આવનાર હિંદુઓને પોતાનાં રીત-રિવાજ, રહેણીકરણી તથા માનતાઓ યથાવત્ રાખવાની છૂટ અપાઈ હતી. સૂફી સંપ્રદાય ભારતમાં આવ્યા પછી તેનો ભારતમાં અદ્વૈતવાદ અને ભક્તિમાર્ગ સાથે સંપર્ક થતાં તેનું ભારતીય સ્વરૂપ પાંગર્યું. તેના વિકાસમાં અજમેરના ખ્વાજા મુઇનુદ્દીન ચિશ્તી, બાબા ફરીદ, શેખ નિઝામ ઓલિયા, શેખ સિરાજુદ્દીન ઉસ્માની, શેખ બુરહાનુદ્દીન ગરીબ, શેખ સૈયદહુસેન, શેખ નાસિરુદ્દીન ચિરાગ દહેલવી જેવા સંતોનું પ્રદાન મહત્વનું છે. અકબરે બધા પ્રચલિત ધર્મોમાંથી પોતાને ઉત્તમ જણાયા તે અંશો લઈ ‘દીન-એ-ઇલાહી’ (ઈશ્વરીય ધર્મ) સ્થાપ્યો, પરંતુ તે લોકપ્રિય થયો નહિ અને અકબરના અવસાન સાથે તે પણ લુપ્ત થયો. ગુરુ નાનકદેવે સ્થાપેલા શીખ ધર્મનો તેમની પછી થયેલ નવ ગુરુઓએ વિકાસ કર્યો. પાંચમા ગુરુ અર્જુનદેવની જહાંગીરે કતલ કરાવતાં શીખો લડાયક બન્યા. નવમા ગુરુ તેગબહાદુરનો ઔરંગઝેબે શિરચ્છેદ કરાવેલો. દશમા ગુરુ ગોવિંદસિંહે ઔરંગઝેબની ધાર્મિક કટ્ટરતા અને શીખોને થયેલા અન્યાય સામે તેમને સંગઠિત કર્યા. તેમને પાંચ કક્કા (કેશ, કાંસકી, કડું, કચ્છ અને કિરપાણ) ધારણ કરાવી ‘સિંહ’ બનાવ્યા. તેમના અવસાન (ઈ. સ. 1708) પછી ગુરુગાદી પર શ્રી ગ્રંથસાહેબની સ્થાપના કરવામાં આવી. પશ્ચિમ ભારતમાં પારસીઓ શાંતિપૂર્વક પોતાનો જરથોસ્તી ધર્મ પાળતા રહ્યા.

ખ્રિસ્તી ધર્મનો પ્રસાર મુખ્યત્વે મધ્યકાલમાં થયો. ફિરંગી મિશનરીઓએ ધર્મપ્રચાર માટે હિંદુઓ અને મુસલમાનો પર અત્યાચારો કર્યા અને એમાં તેમને થોડી સફળતા પણ મળી, પણ આથી તેઓ ઘણા બદનામ થયા. અકબર અને જહાંગીરના સમયમાં મદુરા (ઇટાલિયન) મિશનના જેસુઇટ પાદરીઓએ ઉત્તર ભારતમાં આ ધર્મનો સારો ફેલાવો કર્યો. તેઓએ પોતાના ધર્મને અકબંધ રાખીને બાકીની બધી બાબતોમાં ભારતીય જીવનશૈલી અપનાવી લીધી હોવાથી તેમનો ભારે પ્રભાવ પડેલો.

અર્વાચીનકાલના પ્રારંભ વખતે અર્થાત્ અઢારમી સદી દરમિયાન ભારતીય સમાજની સ્થિતિ શોચનીય હતી. જ્ઞાતિપ્રથાનું જટિલ સ્વરૂપ પૂર્ણપણે વિકસ્યું હતું. દરેક વર્ણમાં સેંકડો જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ હતી. જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચે ખાન-પાન કે લગ્નના સંબંધો સંભવિત નહોતા. જ્ઞાતિબંધનો ચુસ્ત હતાં. જ્ઞાતિ-પંચાયતની જોહુકમી પ્રવર્તતી હતી. દલિતોની સ્થિતિ દયાજનક હતી. તેઓ વિદ્યાપ્રાપ્તિ, દેવદર્શન કે ધાર્મિક ગ્રંથોના પઠન-પાઠનથી વંચિત હતા. અસ્પૃશ્યો તરીકે તેમની સાથે અમાનુષી વ્યવહાર રખાતો હતો. બાળલગ્ન-પ્રથા સમાજમાં વ્યાપકપણે પ્રચલિત હતી. હિંદુઓમાં દસ વર્ષથી પણ નાની વયમાં કન્યાનાં લગ્ન કરી નાખવામાં આવતાં હતાં. બે-ત્રણ વર્ષમાં છોકરી બાળકની મા બની જતી અને ધીમે ધીમે તેનું યૌવન નષ્ટ થઈ જતું. 18 વર્ષે તો તેની સુંદરતા કરમાઈ જતી હતી. બાળમરણનું પ્રમાણ વધારે હતું. બાળલગ્નોને પરિણામે નાની ઉંમરે ઘણી સ્ત્રીઓ વિધવા બનતી હતી. વિધવા-પુનર્લગ્નની પ્રથા પ્રચલિત નહોતી, તેથી વિધવાઓનું જીવન ઝેર જેવું બની જતું હતું. પડદા-પ્રથા ઉત્તર ભારતમાં મુસ્લિમ અને હિંદુ સ્ત્રીઓમાં પ્રચલિત હતી. દક્ષિણ ભારતમાં આ પ્રથાનું પાલન ચુસ્ત નહોતું. સતીપ્રથા કેવળ ઉચ્ચ પરિવારોમાં પ્રચલિત હતી. બંગાળમાં તેનું પ્રમાણ વિશેષ હતું. દક્ષિણમાં ખાસ કરીને ચેન્નાઈ અને ઓરિસાનાં ઘણાં મંદિરો સાથે દેવદાસી-પ્રથા સંકળાયેલી હતી. આ કાળમાં પણ પુત્ર-જન્મ હર્ષદાયક અને પુત્રીજન્મ શોકદાયક ગણાતો હતો. રાજપૂતોમાં કેટલેક સ્થળે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. શ્રીમંત પરિવારોમાં પુત્રકામના અને ભોગવિલાસાર્થે અનેકપત્ની-પ્રથા પ્રચલિત હતી. સંયુક્ત કુટુંબપ્રથા પ્રચલિત હતી અને એમાં સ્ત્રીઓનું સ્થાન ઘણું નિકૃષ્ટ હતું. સ્ત્રી પાસે સાસુ-સસરાની સેવા કરવી, કુટુંબના સભ્યોને પ્રસન્ન રાખવા અને પુત્રવતી થવું – એ ત્રણ બાબતોની ખાસ અપેક્ષા રખાતી હતી. સમાજમાં સ્ત્રી-શિક્ષણનું કોઈ મહત્વ નહોતું. છોકરી ‘પારકા ઘરની વસ્તી’ ગણાતી હોવાથી તેના ઉત્કર્ષ પર કોઈ વિશેષ ધ્યાન અપાતું નહોતું.

અઢારમી સદીમાં પ્રવર્તેલા દેશવ્યાપી અરાજકતાના વાતાવરણમાં હિંદુ-મુસ્લિમ એકતા અને બંને ધર્મો વચ્ચે સમન્વય સાધવાનું કેટલુંક મહત્વનું કામ થયું. આ સદીના આરંભમાં જજિયા વેરો રદ થયો અને ધાર્મિક અત્યાચારોનો લગભગ અંત આવી ગયો. આથી હિંદુઓ અને મુસલમાનો સ્વાભાવિક રીતે નિકટના સંપર્કમાં આવતા થયા. તેમની વચ્ચેના ધાર્મિક મતભેદ ઘટતા જતા હતા, પરંતુ બીજી બાજુ તેમનામાં અનેક પંથો પડી જતાં આંતરિક મતભેદો અને કલહો વધી રહ્યા હતા. હિંદુ ધર્મમાં વૈષ્ણવ અને શૈવ ધર્મો અગાઉની જેમ દેશના બધા જ ભાગોમાં પ્રચલિત હતા. ગામેગામ ઇષ્ટદેવનાં મંદિરો બંધાતાં હતાં. બધા જ પંથોના લોકો પોતાની ધર્મપીઠો સ્થાપીને પોતાના પંથનો પ્રચાર કરવામાં મગ્ન હતા. નવા સંપ્રદાયો પણ સ્થપાતા હતા. રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં જૈન ધર્મ વિશેષ પળાતો હતો. રાજસ્થાનમાં શ્વેતાંબર સ્થાનકવાસીઓમાં આ સમયે તેરાપંથ જેવો ક્રાંતિકારી પંથ પ્રગટ્યો. ખ્રિસ્તી ધર્મના પ્રચારમાં મિશનરીઓને ખુલ્લો ટેકો આપવામાં શરૂઆતમાં કંપની સરકાર અચકાતી હતી; છતાં ઇંગ્લૅન્ડથી આવેલા મિશનરીઓ ધર્મપ્રચાર માટે પૂરા પ્રયત્નો કરતા હતા. કૉલકાતા પાસેનું સિરામપુર ખ્રિસ્તી ધર્મપ્રચારનું કેન્દ્ર બન્યું. બાઇબલના ભારતીય ભાષાઓમાં અનુવાદ થયા. મિશનરી શાળાઓ સ્થપાઈ. ચેન્નાઈ અને બંગાળમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારે જોર પકડ્યું. દલિત વર્ગના લોકો તેમજ અંગ્રેજો પાસેથી લાભ મેળવવાની ગણતરી કરનારા કેટલાક લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. આની સાથોસાથ એક એવા વર્ગનો પણ ઉદય થવા લાગ્યો કે જે પશ્ચિમી સભ્યતાને રંગે રંગાઈ, ત્યાંની સભ્યતા અને સમાજને આદર્શ માની ભારતીય સમાજ અને ધર્મને ઘૃણાની ર્દષ્ટિએ જોવા લાગ્યો.

આવી સ્થિતિમાં ઓગણીસમી સદીમાં અંગ્રેજી શિક્ષણ પામેલા અધિકાંશ નવશિક્ષિતોએ પશ્ચિમી સભ્યતાની સારી બાબતોને ભારતમાં લાવવાનો પુરુષાર્થ કર્યો. ભારતીય સમાજની આંતરિક તાકાતથી તેઓ પૂરેપૂરા વાકેફ હતા. આથી તેની ઉપરના રૂઢિઓ અને અંધવિશ્ર્વાસોના કોચલાને તોડી તેને જાગ્રત કરી તેની આંતરિક શક્તિને પ્રગટ કરવા માટે તેમણે સુધારણા-આંદોલન ઉપાડ્યું. ભારતીય સમાજ મુખ્યત્વે હિંદુ ધર્મ પર આધારિત હોવાથી ધર્મ અને સમાજ – બંને ક્ષેત્રે સુધારણાનું કાર્ય અનિવાર્ય બન્યું. રાજા રામમોહન રૉય, કેશવચંદ્ર સેન, મહાદેવ ગોવિંદ રાનડે, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ વગેરે આ આંદોલનના પ્રણેતા હતા. તેમણે ધર્મ અને સમાજની સુધારણા માટે બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ, આર્યસમાજ અને રામકૃષ્ણમિશન જેવી સંસ્થાઓ સ્થાપી. આ સંસ્થાઓ તેમજ ઇન્ડિયન નૅશનલ સોશ્યલ કૉન્ફરન્સ, ડિપ્રેસ્ડ ક્લાસ મિશન, સર્વન્ટ્સ ઑલ ઇન્ડિયા સોસાયટી જેવી સંસ્થાઓની પ્રવૃત્તિઓ અને તેમના પ્રભાવથી અને આઝાદી પછી ભારતીય બંધારણમાં કરેલ જોગવાઈઓ અને ત્યારબાદ ભારતીય સંસદે પસાર કરેલા ખરડાઓ દ્વારા સામાજિક સુધારણાક્ષેત્રે અપૂર્વ કામગીરી થઈ. ગાંધીજી અને બીજા રાષ્ટ્રીય નેતાઓએ કરેલી રચનાત્મક પ્રવૃત્તિઓથી પણ સુધારણા-પ્રવૃત્તિને ભારે વેગ મળ્યો. આ બધાંને પરિણામે ભારતીય સમાજના લોખંડી માળખા જેવી જ્ઞાતિપ્રથાને ભારે ધક્કો પહોંચ્યો. ખાન-પાન અને લગ્ન અંગેના નિષેધો નાશ પામ્યા. જ્ઞાતિપંચોની સત્તાને કાયદા દ્વારા નાબૂદ કરવામાં આવી. હવે કેળવણી પામેલા વર્ગોમાં અને શહેરોમાં જ્ઞાતિનાં બંધનો લગભગ તૂટી ગયાં છે; જ્યારે ગ્રામીણ જનતામાં હજી પણ તે વત્તેઓછે અંશે વરતાય છે. સ્વતંત્ર ભારતના બંધારણમાં અસ્પૃશ્યતાની બંધી ફરમાવવામાં આવી છે અને તેમાં અનુસૂચિત જ્ઞાતિઓ અને જનજાતિઓને ખાસ રક્ષણ અપાયું છે અને તે મુજબ કેન્દ્રીય સંસદ અને રાજ્યોની ધારાસભાઓમાં અનામત બેઠકો તેમજ સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

દાસપ્રથા, દેવદાસી, સતી અને દૂધ પીતીના રિવાજ નાબૂદ થયા છે. સ્ત્રીઓને કાયદાથી સમાનતાનો હક્ક પ્રાપ્ત થયો છે અને સ્ત્રીશિક્ષણમાં વૃદ્ધિ તેમજ નારીઉત્કર્ષની યોજનાઓથી જાગૃતિ આવી છે. ફરજિયાત એકપત્નીત્વ, વિધવાને પુનર્લગ્નની છૂટ, બાળલગ્નો પર પ્રતિબંધ વગેરેને કારણે સમાજનાં અનેક દૂષણો નાશ પામ્યાં છે. પુખ્ત વયે લગ્નો કરવાં અને કેળવણી પામેલા વર્ગમાં ઊંચી ગયેલી લગ્નવય-મર્યાદા પણ ઉલ્લેખનીય છે. આ બધા સુધારાઓની કૌટુંબિક જીવન પર ભારે અસર પડી છે. સંયુક્ત કુટુંબપ્રથા તૂટી રહી છે અને તેનું સ્થાન વિભક્ત કુટુંબપ્રથાએ લીધું છે.

ઓગણીસમી સદીની નવજાગૃતિ અને ધર્મસુધારણાની ચળવળ અને વીસમી સદીમાં શિક્ષણનો ફેલાવો, ભારતીય બંધારણમાં સ્વીકારાયેલ બિનસાંપ્રદાયિકતાનો સિદ્ધાંત અને સમૂહ-માધ્યમોના ફેલાવાને લીધે અર્વાચીન કાલમાં હિંદુ, મુસ્લિમ, જૈન, શીખ, ખ્રિસ્તી, જરથોસ્તી, બહાઈ, નિયો-બુદ્ધિઝમ વગેરે ધર્મો અને તેમનામાં પ્રવર્તતા સંપ્રદાયો પોતપોતાના સિદ્ધાંતો અને પદ્ધતિઓને અનુસરીને ધર્માચરણ કરે છે. બધા ધર્મ-સંપ્રદાયો દેશ-વિદેશમાં મંદિરાદિ ઉપાસનાસ્થાનો સ્થાપવાની સાથોસાથ ધર્મપ્રચાર અને સમાજસેવાની પ્રવૃત્તિઓ પણ કરે છે. આમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સિદ્ધિઓેએ વિશિષ્ટ ભાત પાડી છે. તીર્થાટન સરળ અને સગવડભર્યું બન્યું હોઈ તેનો પ્રચાર વધ્યો છે. ધાર્મિક ઉત્સવો અને પર્વો ઊજવાય છે; પરંતુ તેમાં સમૂહ-માધ્યમોના પ્રભાવથી અનેક નવાં તત્વો ભળ્યાં છે.

પ્રવીણચંદ્ર પરીખ

શિક્ષણ

પ્રાચીન સમયમાં ભારત શૈક્ષણિક અને સાંસ્કૃતિક બાબતોમાં મહત્વનું સ્થાન ધરાવતું હતું. તક્ષશિલા અને નાલંદાની પ્રાચીન વિદ્યાપીઠો દુનિયાભરમાં જાણીતી હતી. વિદેશી અને વિધર્મી દખલોને કારણે તેમાં ઓટ આવી. આજે વિકસિત દેશોની સરખામણીએ ભારત ઘણું પાછળ પડી ગયેલું છે. સમગ્ર દેશમાં શિક્ષણ માટેની અપૂરતી સગવડો અને શૈક્ષણિક આયોજનની ખામીઓને કારણે વિકસિત દેશોના સંદર્ભમાં ભારતમાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ છે. તેમ છતાં 1987–88માં ‘ઑપરેશન બ્લૅક બોર્ડ’નું અભિયાન હાથ ધરાયું અને નિરક્ષરતાનું પ્રમાણ ઘટાડવાના પ્રયાસો થતા રહ્યા છે. દેશના શૈક્ષણિક માળખામાં ફેરફાર લાવવામાં કોઠારી કમિશન અને રાધાકૃષ્ણન્ કમિશનનો ફાળો મહત્વનો છે.

દેશની શિક્ષણવ્યવસ્થાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલી છે : (1) પ્રાથમિક, (2) માધ્યમિક, (3) ઉચ્ચસ્તરીય.

(1) પ્રાથમિક શિક્ષણ

આ વિભાગને વધુ સક્ષમ બનાવવા ભારત સરકાર તરફથી દેશના લગભગ પ્રત્યેક ગામમાં પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી છે, તેમાં પ્રાદેશિક ભાષામાં શિક્ષણ અપાય છે તેમજ એકથી ચાર ધોરણો હોય છે. આવી શાળાઓમાં ફક્ત એક જ શિક્ષકની નિમણૂક થઈ હોય છે. અંતરિયાળ ગામોમાં શિક્ષક ન હોય ત્યાંની શાળાઓનો વહીવટ સ્થાનિક લોકોને હસ્તક હોય છે. તેમને સરકાર તરફથી થોડીઘણી આર્થિક સહાય અપાય છે. પ્રાથમિક શાળાઓ કેન્દ્ર સરકાર દ્વારા, નગર પંચાયત કે મ્યુનિસિપાલિટી દ્વારા કે ખાનગી મંડળો દ્વારા પણ ચલાવાય છે. શહેરની શાળાઓમાં પૂર્વ-પ્રાથમિક કક્ષાએ પ્લેગ્રૂપ, નર્સરી, જુનિયર-સિનિયર કે. જી. જેવા વિભાગો પાડવામાં આવે છે. ગ્રામીણ શાળાઓમાં આવા વિભાગો હોતા નથી. 1998–99ની આંકડાકીય માહિતી અનુસાર દેશમાં પ્રાથમિક શાળાઓની સંખ્યા 6.88 લાખ નોંધાઈ છે. 5થી 9 વર્ષની વયનાં બધાં જ બાળકો પ્રાથમિક શાળાઓમાં જતાં નથી, માત્ર 29.7 % બાળકો જ હાજરી આપે છે. 0.7 % બાળકો શાળાઓમાં ન જતાં હોવા છતાં લખતાં-વાંચતાં હોય છે, જ્યારે 69.7 % બાળકો નિરક્ષર હોવાનું જાણવા મળે છે. ગ્રામીણ અને શહેરની શાળાઓમાં બાળકોની હાજરીનું પ્રમાણ અનુક્રમે 0.7 % અને 46.6 % હતું. આનાં કારણોમાં કુટુંબોની મર્યાદિત આવક, ગરીબાઈ અને સામાજિક રિવાજો ગણાવી શકાય. તેમ છતાં વધુ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે મફત શિક્ષણ, મધ્યાહ્ન ભોજન, બાળમજૂરી પર પ્રતિબંધ જેવી બાબતો પ્રત્યે સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

(2) માધ્યમિક શિક્ષણ

અઢારમી સદીના અંત અને ઓગણીસમી સદીના પ્રારંભ વખતે કેટલીક મિશનરી સંસ્થાઓ તેમજ રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા માધ્યમિક શિક્ષણ અપાતું હતું. ભારત સ્વતંત્ર થતાં માધ્યમિક શિક્ષણપદ્ધતિમાં પરિવર્તન આવ્યું, 1852થી માધ્યમિક શિક્ષણની નવી વ્યવસ્થા શરૂ થઈ. માધ્યમિક શાળાઓ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નૅશનલ ઓપન સ્કૂલ તેમજ ઑલ ઇન્ડિયા સેકંડરી બોર્ડ દ્વારા ચાલે છે. 1880 સુધી માધ્યમિક અને હાઈસ્કૂલ શિક્ષણ માળખું અપનાવાયું હતું, તેમાં 5થી 7 ધોરણો અને 8થી 11 ધોરણો રખાયેલાં. એસ. એસ. સી.ની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી. પરંતુ 1977માં નવી તરેહ 10 + 2 + 3નું પૂર્ણ શિક્ષણ માળખું અપનાવાયું. દેશનાં બધાં રાજ્યોની તેમાં ક્રમશ: સ્વીકૃતિ મળી. આ તરેહમાં વિદ્યાર્થીએ એસ. એસ. સી. અને હાયર સેકંડરીની બે જાહેર પરીક્ષાઓ પસાર કરવી પડે છે. તેનો અભ્યાસક્રમ મોટેભાગે NCERT(National Council of Educational Research and Training)ને અનુરૂપ હોવાથી દેશભરમાં એકરૂપતા જળવાય છે. ઉપર્યુક્ત સંસ્થા દ્વારા વિનયન, વિજ્ઞાન, તકનીકી, વાણિજ્ય, કૃષિની; કલા અને ગૃહવિજ્ઞાન જેવી સાત જેટલી વિષયશાખાઓ તેમજ પી. ટી. સી. અને શિક્ષણની કૉલેજોનું માળખું પણ ઘડવામાં આવ્યું છે. 1998–99માં દેશમાં શાળાઓની સંખ્યા 1.10 લાખ જેટલી હતી, વિદ્યાર્થીઓની સંખ્યા 272 લાખ અને શિક્ષકોની સંખ્યા 154.2 લાખ જેટલી હતી.

(3) ઉચ્ચ શિક્ષણ

આ માળખા દ્વારા વિદ્યાર્થીઓ વ્યાવસાયિક, તકનીકી, કૃષિ, ઇજનેરી, ચિકિત્સા, વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય ક્ષેત્રે પદવી મેળવી શકે તે માટે વિવિધ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. તે પૈકીની કેટલીક યુનિવર્સિટીઓ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા અંશત: રાજ્ય સરકાર દ્વારા ચાલે છે, તો કેટલીક સ્વાયત્ત પણ છે. મોટાભાગની કૉલેજો U. G. C.(University Grant Commission)ના માળખાને અનુસરે છે. 1998–99માં દેશમાં યુનિવર્સિટીઓની સંખ્યા 221 હતી, જ્યારે કૉલેજોની સંખ્યા 10,555 જેટલી હતી. આ વર્ષમાં વિદ્યાર્થીઓની અને અધ્યાપકોની સંખ્યા અનુક્રમે 70.78 લાખ અને 3.31 લાખ હતી. પૉલિટૅકનિક સંસ્થાઓની સંખ્યા 1,128 અને તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 1.80 લાખ જેટલી હતી.

ભારતના અંતરિયાળ વિસ્તારોમાં વસતા તેમજ સંજોગોવશાત્ એચ. એસ. સી.માં અસફળ રહ્યા હોય એવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે ગુજરાત, આંધ્ર, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં અનુક્રમે અમદાવાદ, હૈદરાબાદ, કોટા, નાલંદા, નાસિક, ભોપાલ, મૈસૂર અને કૉલકાતા ખાતે ઓપન યુનિવર્સિટીઓ કાર્યરત છે. આ ઉપરાંત વિશિષ્ટ શિક્ષણ માટે કાઉન્સિલ ફૉર સાયન્ટિફિક રિસર્ચ, કાઉન્સિલ ફૉર ઍગ્રિકલ્ચરલ રિસર્ચ; આઇ. આઇ. ટી., આઇ. આઇ. એમ., એન. આઇ. ડી. જેવી સ્વાયત્ત સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. ભારતની જાણીતી કેટલીક યુનિવર્સિટીઓમાં દિલ્હી, પંજાબ, બનારસ, મેરઠ, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, અલાહાબાદ, ઓસ્માનિયા વગેરે ગણાવી શકાય. આ ઉપરાંત વીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાત યુનિવર્સિટી, વડોદરા યુનિવર્સિટી તથા સરદાર પટેલ યુનિવર્સિટીએ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી છે.

ભારતમાં ઉચ્ચ શિક્ષણનો વિકાસ વધુ થયો હોવાથી એમ માનવામાં આવે છે કે સમગ્ર વિશ્વમાં ઉચ્ચ શિક્ષણનો સૌથી વધુ લાભ આપતો દેશ ભારત છે. ભારતમાં સૌથી વધુ સાક્ષરતાપ્રમાણ ધરાવતું રાજ્ય મિઝોરમ (95 %) છે, બીજા ક્રમે કેરળ (73 %) આવે છે; જ્યારે સૌથી ઓછું સાક્ષરતાપ્રમાણ બિહારમાં (49 %) છે. દેશમાં પુરુષોમાં અને સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ અનુક્રમે 64 % અને 39.3 % જેટલું છે. 1997 મુજબ ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 62 % જેટલું છે.

(4) કલા, હુન્નર આદિનું શિક્ષણ

ભારતીય કલાના વિકાસ અર્થે તેમજ તેના હેતુઓને સાકાર કરવા કેટલીક સંસ્થાઓએ આગવી રીતે શૈક્ષણિક કાર્યને આગળ ધપાવ્યું છે. નૃત્યક્ષેત્રમાં ભરતનાટ્યમમાં તામિલનાડુની અનામલાઈ યુનિવર્સિટી, ચેન્નઈની કલાક્ષેત્ર કૉલેજ ઑવ ફાઇન આર્ટ્સ, મુંબઈની રાજરાજેશ્વરી ભરતનાટ્ય કલામંદિર, અમદાવાદની દર્પણ એકૅડેમી ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટ્સ અને વડોદરાની એમ. એસ. યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.

કથક નૃત્યમાં ઓરિસાની ભુવનેશ્વરમાં આવેલી ઓડીસી ઇન્સ્ટિટ્યૂશન, બૅંગાલુરુની ધ ડાન્સ વિલેજ, કૉલકાતાની રવીન્દ્ર ભારતી યુનિવર્સિટી, મુંબઈની સાને ગુરુજી આરોગ્યમંદિર અને અમદાવાદની કદમ્બ સંસ્થાનો સમાવેશ થાય છે.

કુચિપુડી નૃત્યકળામાં ચેન્નઈની કુચિપુડી એકૅડેમી, શોરનુરનું કેરાલા કલામંડલમ્, કુચિપુડી કલાકેન્દ્ર મુખ્ય છે; જ્યારે મણિપુરી નૃત્યક્ષેત્રે કૉલકાતામાં આવેલી ત્રિવેણી કલા સંગમ તેમજ અંજિકા સેન્ટર ઑવ્ મણિપુરી ડાન્સ મૂવમેન્ટ થેરપીનો ફાળો મહત્વનો છે.

અભિનયકલાનું શિક્ષણ આપતી મહત્વની સંસ્થાઓમાં પુણે ખાતે આવેલી ફિલ્મ ઍન્ડ ટેલિવિઝિન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા, નોઇડા(ઉ. પ્ર.)માં આવેલી એશિયન એકૅડેમી ઑવ્ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન, મુંબઈની એકૅડેમી ઑવ્ સિનેમા ઍન્ડ આર્ટ્સ, ઍક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ, ફિલ્માલય ઍક્ટિંગ સ્કૂલ, મધુમતી એકૅડેમી ઑવ્ ઍક્ટિંગ ઍન્ડ ડાન્સ, વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટ્સ હૈદરાબાદમાં આવેલી ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આંધ્રપ્રદેશ, બૅંગાલુરુની આદર્શ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે.

નાટ્યક્ષેત્રે દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા, વડોદરાની ફૅકલ્ટી ઑવ્ પર્ફોર્મિંગ આર્ટ, મુંબઈની નૅશનલ કાઉન્સિલ ઑવ્ પર્ફૉમિંગ આર્ટ, કનકસભા સેન્ટર ફૉર પર્ફૉર્મિંગ આર્ટ્સ વગેરે મુખ્ય છે.

ચિત્ર અને સ્થાપત્યક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓનો ફાળો પણ મહત્વનો છે. ગુજરાત ખાતે વડોદરામાં ચિત્રકળા માટે એમ. એસ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સ અને અલ-અમીન સર્વિંગ ધ સ્ટેટ ઑવ્ ધી આર્ટ એજ્યુકેશન; જ્યારે પ્રાચ્યવિદ્યાક્ષેત્રે અમદાવાદની એલ. ડી. ઇન્ડૉલૉજી સંસ્થા મુખ્ય છે. સંગીતક્ષેત્રે દિલ્હીની અલી-અકબર કૉલેજ ઑવ્ મ્યુઝિક, વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટ્સ તેમજ દક્ષિણ ભારતની અનેક સંસ્થાઓ પણ સંગીતનું શિક્ષણ આપે છે. લુપ્ત થતી જતી કઠપૂતળીની કલાને ટકાવી રાખવા રાજસ્થાનની રાજ્ય સરકાર કેટલીક સંસ્થાઓ ચલાવે છે.

ભારત બિનસાંપ્રદાયિક દેશ હોવાથી દરેક ધર્મ અને ભાષા પ્રત્યે સમભાવ કેળવાય તે હેતુથી કેન્દ્ર સરકારે જે તે સંસ્થાઓના વિકાસમાં હકારાત્મક વલણ દાખવ્યું છે; દા.ત., હિન્દુ ધર્મ અને સંસ્કૃતને શિક્ષણના માધ્યમ તરીકે કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપતી સંસ્થાઓમાં વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલય તથા અન્ય સંસ્કૃત પાઠશાળાઓ, શંકરાચાર્ય-પીઠો, ચિન્મય મિશન, રામકૃષ્ણ મિશન જેવી સંસ્થાઓનો ફાળો મહત્વનો રહ્યો છે. ઇસ્લામ અને ઉર્દૂ ભાષાને મહત્વ આપતી સંસ્થાઓમાં અલીગઢ યુનિવર્સિટી, જામિયા-મિલિયા યુનિવર્સિટી તેમજ નાનાં-મોટાં શહેરોમાં ચાલતી મદરેસાઓનો ફાળો અગત્યનો છે. ખ્રિસ્તી ધર્મ અને અંગ્રેજી ભાષાને મહત્વ આપતી સંસ્થાઓ મોટાં શહેરો અને અંતરિયાળ ગ્રામવિસ્તારોમાં કાર્યરત છે; જેમ કે, સેંટ ઝેવિયર્સ, માઉન્ટ કારમેલ અને મિશનરીઓ તેમની આગવી પદ્ધતિથી શિક્ષણ આપે છે.

કોઈ સન્માનનીય વિશિષ્ટ/પ્રતિષ્ઠિત વ્યક્તિના આદર્શને કેન્દ્રમાં રાખીને કેટલીક સંસ્થાઓ કાર્ય કરે છે. તેમાં કૉલકાતા ખાતે રવીન્દ્રનાથ ટાગોર સ્થાપિત શાંતિનિકેતન, પુદુચેરી ખાતે અરવિંદ આશ્રમ તેમજ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા સંચાલિત સ્વાધ્યાય-શાળાઓનો સમાવેશ થાય છે.

મહાત્મા ગાંધીજીએ સ્વાશ્રયના હેતુથી સ્થાપેલી સંસ્થાઓમાં અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ, વર્ધામાં જમનાલાલ બજાજ વાણિજ્ય મહાવિદ્યાલય, વેડછીમાં જુગતરામ દવેના નેજા હેઠળ શરૂ થયેલી ગાંધી વિદ્યાપીઠ અને નારાયણભાઈ દેસાઈ સંચાલિત સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, સણોસરામાં લોકભારતી સંસ્થા મનુભાઈ પંચોલી દ્વારા કાર્યરત છે.

આ સિવાય બુનિયાદી તાલીમ આપી શકાય તે માટે આશ્રમશાળાઓ પણ સ્થપાયેલી છે. સમાજના વિવિધ વર્ગોના ઉત્કર્ષ અર્થે પણ કેટલીક સંસ્થાઓ કાર્ય કરે છે, જેમાં અંધશાળા, બહેરા-મૂંગાની શાળાઓ, અપંગશાળાઓ તથા મંદબુદ્ધિધારકો માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સહાયથી કેટલીક સંસ્થાઓ કાર્ય કરે છે. એ જ રીતે મહિલાઓના વિકાસ અર્થે શિક્ષણ આપતી મુંબઈની શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી (એસ. એન. ડી. ટી.) સંસ્થાનો ફાળો પણ મહત્વનો છે. ભારત સરકાર દેશમાં આવી અન્ય સંસ્થાઓ સ્થાપવા પ્રયત્ન કરી રહી છે.

યુનિવર્સિટીઓ કે કૉલેજો સાથે પરંપરાગત વિશિષ્ટ વિષયોમાં અભ્યાસ-સંશોધન થાય તે માટે કાર્ય કરતી અનેક સંસ્થાઓ પણ જોવા મળે છે : જેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીની સંસ્થાઓ મુંબઈ, ગુવાહાટી, ખડકવાસલા, ચેન્નઈ, કાનપુર અને દિલ્હીમાં કાર્યરત છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ જેવી વ્યવસાયલક્ષી ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ અમદાવાદ, બૅંગાલુરુ, કૉલકાતા, ઇન્દોર, કાલિકટ અને લખનૌમાં સ્થપાયેલી છે. સ્કૂલ ઑવ્ પ્લાનિંગ ઍન્ડ આર્કિટેક્ટર સંસ્થાઓ દિલ્હી અને અમદાવાદમાં આવેલી છે.

કૃષિક્ષેત્રે શિક્ષણ આપતી સંસ્થાઓમાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દેશની સર્વોચ્ચ કૃષિસંસ્થા છે. તેમાં કૃષિ, પશુવિજ્ઞાન અને મત્સ્યવિજ્ઞાન જેવાં વિવિધ ક્ષેત્રો સમાવિષ્ટ છે. રાષ્ટ્રીય કૃષિસંસ્થાઓમાં (1) ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા, નવી દિલ્હી, (2) ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થા, ઇજ્જતનગર, (3) રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થા, કરનાલ – આ સંસ્થાઓ સંશોધનની તેમજ અનુસ્નાતક શિક્ષણની કામગીરી સંભાળે છે.

પ્રાદેશિક કૃષિસંશોધનની જવાબદારી જે તે રાજ્યની કૃષિ યુનિવર્સિટીને હસ્તક હોય છે. ગુજરાતના કૃષિવિભાગ દ્વારા સંચાલિત સંસ્થાઓ દાંતીવાડા, આણંદ, જૂનાગઢ અને અમદાવાદમાં આવેલી છે. કેટલીક ખાનગી સંસ્થાઓ આગવા ર્દષ્ટિકોણથી પણ સંશોધન કરે છે; જેમ કે, અમૂલ સંસ્થા, આણંદ.

ભારતને 6,100 કિમી. કરતાં વધુ લાંબો સમુદ્રકિનારો મળેલો હોવાથી અહીં સામુદ્રિક શિક્ષણ આપતી સરકારી અને ખાનગી સંસ્થાઓ આવેલી છે; જેમ કે, ગોવાની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઓશનૉગ્રાફી, ઇન્ટરનૅશનલ મેરિટાઇમ ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નઈની ચિદમ્બરમ્ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેરિટાઇમ ટૅકનૉલૉજી.

સંરક્ષણના હેતુને લક્ષમાં રાખીને શિક્ષણ આપતી સંસ્થાઓમાં ખડકવાસલા અને દહેરાદૂનની ‘રાષ્ટ્રીય સૈન્ય અકાદમી’ ઉપરાંત સંરક્ષણ વિષયનું મહત્વ સમજીને દેશનાં કેટલાંક રાજ્યોની યુનિવર્સિટીઓ સ્નાતક કક્ષાએ તેનું અધ્યાપન કરાવે છે. ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તેમજ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ રાજ્યની યુનિવર્સિટીનો ફાળો આ વિષયક્ષેત્રે મહત્વનો છે.

સમયને અનુરૂપ નવા વિષયો ઉમેરાતાં તેના શિક્ષણ માટે પણ કેટલીક સંસ્થાઓ સેવા આપે છે; જેમ કે, હોટેલ ઇન્ડ્સ્ટ્રીઝના વિકાસ માટે સ્થપાયેલી ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હોટેલ મૅનેજમેન્ટ. આ સંસ્થાએ ભારતમાં મોટાં શહેરોમાં પોતાની શાખાઓ ઊભી કરી છે; જેવી કે, દિલ્હીમાં અંજુમન કે. હાફિઝકા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હોટેલ મૅનેજમેન્ટ ઍન્ડ કેટરિંગ ટૅકનૉલૉજી. ફૅશન – એ આર્થિક વિકાસ સાધવાનું એક માધ્યમ બન્યું હોવાથી તેના શિક્ષણ માટેની જોગવાઈઓ ઊભી કરવામાં આવી છે; જેમ કે, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફૅશન ટૅકનૉલૉજી. આ સંસ્થા હેઠળ લુધિયાણા, વિઝાગ (આં. પ્ર.), ઇન્દોર, તેમજ ગાંધીનગરમાં શિક્ષણ અપાય છે.

જાહેરખબર અંગેનું શિક્ષણ આપતી સંસ્થાઓમાં મુંબઈ ખાતે આવેલી હિંદુસ્તાન ટૉમ્પ્સન ઍસોસિયેટ્સ લિ., ઑલિંગ્વી ઍન્ડ માથર લિ., એફ. બી. સી. ઉલ્કા ઍડ્વર્ટાઇઝિંગ લિ., દિલ્હીની મેકકૅન-એરિક્સન (ઇન્ડિયા) લિ., ચેન્નઈની આર. કે. સ્વામી બી. બી. ડી. ઓ. ઍડવર્ટાઇઝિંગ લિ. અને અમદાવાદની મુદ્રા ઉલ્લેખનીય છે. આ સિવાય દિલ્હી અને મુંબઈમાં પણ આવી સંસ્થાઓ આવેલી છે. આજે તો કમ્પ્યૂટરનું શિક્ષણ આપતી સંસ્થાઓ ભારતમાં મોટાં શહેરોમાં સ્થપાયેલી છે, જેમાં ખાસ કરીને એન. આઇ. આઇ. ટી., ઍપ્ટેક તેમજ લાખોટિયાનો ફાળો મહત્વનો છે. એ જ રીતે ઇલેક્ટ્રૉનિક્સ વિષયનું મહત્વ વધતાં તેનું શિક્ષણ ભારતની કેટલીક યુનિવર્સિટીઓમાં અપાય છે.

ચિકિત્સાક્ષેત્રે એલૉપથી, આયુર્વેદિક અને હોમિયૉપથી પદ્ધતિનું શિક્ષણ આપતી સંસ્થાઓ ભારતમાં સ્થપાયેલી છે. વાણિજ્યશાખાના ભાગ રૂપે માર્કેટિંગ વિષયને વધુ મહત્વ અપાયું છે. તેને લીધે બી. બી. એ. અને એમ. બી. એ.નો નવો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેનું શિક્ષણ ભારતનાં મોટાભાગનાં રાજ્યોની યુનિવર્સિટીઓમાં અપાય છે.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી

વિજ્ઞાન અને ટૅકનૉલૉજી

ઋગ્વૈદિક કાળ (1500–700 ઈ. પૂ.)માં લોખંડનાં ઓજારો અને યુદ્ધનો સામાન તૈયાર કરવા પૂરતો પ્રૌદ્યોગિક વિકાસ થયો હતો. યજુર્વૈદિક કાળ (700–400 ઈ. પૂ.)માં કૌટિલ્યે, 321–300 ઈ. પૂ. લખેલ ‘અર્થશાસ્ત્ર’માં અયસ્કો છૂટા પાડવા અને ગાળવાનો નિર્દેશ મળે છે. આ સમયે દ્વિઘાતી સમીકરણો, અપરિમેય સમીકરણો અને ક્રમચયનો પણ ઉલ્લેખ મળે છે. ચરકકૃત ‘ચરકસંહિતા’ અને સુશ્રુતકૃત ‘સુશ્રુતસંહિતા’માંથી ચિકિત્સાવિજ્ઞાનના વિકાસનો પરિચય થાય છે.

કણાદ(ઈ. પૂ. 600)-પ્રતિપાદિત ભારતીય વૈશેષિક પદ્ધતિમાં લઘુતમ કણોને બિંદુ માનવામાં આવ્યા હતા. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુના ગુણો સંભવત: આ બિંદુઓમાં રહેલા છે.

મૌર્ય સામ્રાજ્યમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના વિકાસને નવી દિશા મળી. ગુપ્તકાળમાં કૃષિ, ગણિતશાસ્ત્ર અને ખગોળવિજ્ઞાનને ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ. અલબિરૂની(973–1048)એ તેના ગ્રંથોમાં ખગોળવિજ્ઞાનક્ષેત્રે ભારતના યોગદાનનું વર્ણન કર્યું છે. આર્યભટ્ટ, વરાહમિહિર અને બ્રહ્મગુપ્તના ગ્રંથોનું પણ વર્ણન મળે છે. આ સમયે જલઘડી અને ઉન્નતાંશમાપક અસ્તિત્વમાં આવ્યાં.

મધ્યયુગીન ભારતમાં પ્રૌદ્યોગિક ક્ષેત્રે ગિયર, શાફ્ટ, વણાટતંત્ર અને કાગળનું નિર્માણ થયું. આસવન, વાસ્તુકલા, ધાતુના પેચ ચિત્રમાં આવ્યાં. સૈન્ય-પ્રૌદ્યોગિકી, જહાજ-નિર્માણ અને કૃષિમાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ.

પુનર્જાગરણ (Renaissance) દરમિયાન યુરોપમાં કૉપરનિકસ, ગૅલિલિયો, આઇઝેક ન્યૂટન અને બ્રૂનોના વૈજ્ઞાનિક વિચારોને કારણે ચર્ચનો પ્રભાવ ઘટવા લાગ્યો. અઢારમી સદીમાં યુરોપ(ખાસ કરીને બ્રિટન)માં ઔદ્યોગિક ક્રાંતિ (1760–1830) થઈ. ચાર્લ્સ ડાર્વિને (1809–87) જૈવિક વિકાસના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા અને લૂઈ પાશ્ચરે (1822–1895) કીણ્વનની પ્રક્રિયા સમજાવી.

છેલ્લી કેટલીય સદીઓથી પરદેશી આક્રમણોને કારણે જનમાનસની ગરિમાને ભારે ઠેસ લાગી હતી. સત્તર–અઢારમી સદીમાં ભારત પાસે ખાસ કોઈ વૈજ્ઞાનિક સંસ્થાઓ કે વિજ્ઞાનસાહિત્ય ન હતાં.

ભારતમાં કોલકાતા વિજ્ઞાનનું ધરુવાડિયું ગણાય છે. 1784માં કોલકાતામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના કરવામાં આવી, જે ભારતમાં વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. મેકૉલેની શિક્ષણપ્રથામાં સાહિત્ય ઉપર વધુ ભાર મૂકવામાં આવેલો જ્યારે, વિજ્ઞાનશિક્ષણની ઉપેક્ષા કરવામાં આવી હતી. ડૉ. મહેન્દ્રલાલ સરકારના પ્રયાસોથી ચિકિત્સાવિજ્ઞાન અને ઇજનેરી સંસ્થાઓ શરૂ થઈ. 1857માં કલકત્તા, મુંબઈ અને મદ્રાસ વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરવામાં આવી. 1870 પછી વિશ્વવિદ્યાલયોમાં વિજ્ઞાનના શિક્ષણનો પ્રારંભ થયો. સૌપ્રથમ કૃષિ અને ખનિજ-સંસાધનોનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. રૉનાલ્ડ રૉસે મલેરિયા અને સંબંધિત મચ્છરો ઉપર મૌલિક સંશોધન કર્યું. મૅકનેમેરાએ હૈની (કૉલેરા) અને પ્લેગ ઉપર તથા રોજર્સે કાલાજાર ઉપર શોધ કરી. તત્પશ્ચાત્ મુંબઈ, મદ્રાસ, કુન્નૂર, કસૌલી અને ભુવનેશ્વરમાં જીવાણુવિજ્ઞાનની પ્રયોગશાળાઓ શરૂ કરવામાં આવી. રાજા રામમોહન રાયે સમુચિત વિજ્ઞાનશિક્ષણની માંગ કરી, મુંબઈમાં બાળ ગંગાધર શાસ્ત્રી અને હરિ કેશવ પઠારે, દિલ્હીમાં માસ્ટર રામચંદર, મધ્ય પ્રાંતોમાં શુભાજી બાપુ અને ઓમકાર ભટ્ટ અને કૉલકાતામાં અક્ષય દત્ત ભારતીય ભાષામાં વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા કામે લાગી ગયા. આ સમયે ભૂગોળ અને ખગોળના અભ્યાસની શરૂઆત થઈ.

1864માં સૈયદ ખાને અલીગઢ સાયન્ટિફિક સોસાયટીની, સૈયદ ઇમદાદઅલીએ બિહાર સાયન્ટિફિક સોસાયટીની, 1876માં મહેન્દ્રલાલ સરકારે ‘સોસાયટી ફૉર કલ્ટિવેશન ઑવ્ સાયન્સ’ની સ્થાપના કરી. (આ સંસ્થાઓમાં ભારતનો જ પ્રબંધ હતો અને સરકાર તરફથી કોઈ મદદ લેવામાં આવતી ન હતી.) આ સંસ્થાઓનો આશય મૌલિક સંશોધન અને વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાનો હતો. મહેન્દ્રલાલ સ્થાપિત સંસ્થા ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર કલ્ટિવેશન ઑવ્ સાયન્સ(IACS)માં પ્રકાશ, ધ્વનિ, ચુંબકત્વ અને પ્રકાશપ્રકીર્ણન ઉપર સંશોધન થતું હતું. મુંબઈમાં જમશેદજી ટાટાએ ઉચ્ચતર વિજ્ઞાનના શિક્ષણની યોજના કરી અને 1909માં બૅંગાલુરુ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સની સ્થાપના કરી.

જગદીશચંદ્ર બોઝ (1858–1937) આધુનિક ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનનાં ક્ષેત્રે પ્રથમ સંશોધનકાર હતા. આ સમયે રસાયણશાસ્ત્રમાં પ્રફુલ્લચંદ્ર રાય પ્રથમ કોટિના સંશોધનકાર હતા. તે સમયની રાજનૈતિક પ્રતિકૂળતાઓની વચ્ચે રહીને આ બે વિજ્ઞાનીઓએ વિજ્ઞાનનાં શિક્ષણ, સંશોધન અને વિકાસ માટે અથાગ પ્રયત્નો કર્યા. તેવે સમયે આશુતોષ મુખરજીના પ્રયાસોથી યુનિવર્સિટી કૉલેજ ઑવ્ સાયન્સની સ્થાપના થઈ. આ સંસ્થાને વિજ્ઞાનમાં સંશોધનની અનુમતિ મળી. તેમાં પ્રફુલ્લચંદ્ર રાય, સી. વી. રામન્, સત્યેન્દ્રનાથ બોઝ અને કે. એસ. કૃષ્ણ જેવા વિખ્યાત વિજ્ઞાનીઓ

સી. વી. રામન

શિક્ષણ આપતા હતા. અહીં ભૌતિક અને રસાયણવિજ્ઞાનનું એવું પ્રભાવશાળી દળ તૈયાર થયું કે તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. આ સાથે ડી. એન. વાડિયાએ ભૂવિજ્ઞાન, બીરબલ સાહનીએ પુરાવનસ્પતિ, પ્રશાંતચંદ્ર મહલાનોબીસે સાંખ્યિકી અને શાંતિસ્વરૂપ ભટનાગરે રસાયણશાસ્ત્રમાં મહત્વનું યોગદાન કર્યું. ઉપરાંત 1917માં બોઝ ઇન્સ્ટિટ્યૂટ, 1936માં શીલાધર મૃદાવિજ્ઞાન સંસ્થા, બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પૅલિયોબૉટની જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓ સ્થપાઈ. ભૌતિકવિજ્ઞાની મેઘનાદ સહા અને સુભાષચંદ્ર બોઝના આગ્રહથી રાષ્ટ્રીય આયોજન સમિતિની 1938માં રચના કરવામાં આવી. 1942માં વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ(CSIR)ની સ્થાપના કરવામાં આવી.

આઝાદી વેળાએ ભારતનું કૃષિ, ઉદ્યોગ, વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ક્ષેત્રે ચિત્ર નિરાશાજનક હતું; પણ આજે આ ક્ષેત્રે ભારતે મોટી હરણફાળ ભરી છે. આઝાદી બાદ ઇજનેરી ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે ભાખરા-નાંગલ, દામોદર વૅલી યોજના, હીરાકુડ બંધ, કૃષ્ણરાજસાગર બંધ અને સરદાર સરોવર જેવાં અન્ય જળાશયો, પાતાળકૂવા, ખેત-તળાવડી અને અન્ય પૂરક યોજનાઓ થઈ છે. આઝાદી બાદ નવો વિજ્ઞાનયુગ શરૂ થયો. શાંતિસ્વરૂપ ભટનાગર, હોમી જહાંગીર ભાભા, દોલતસિંહ કોઠારી અને વિક્રમ સારાભાઈ ભારતના આધુનિક વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના શિલ્પીઓ ગણાય છે.

આઝાદી પછી શાંતિસ્વરૂપ ભટનાગરે વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય પ્રયોગશાળાઓની સ્થાપના માટે આયોજન કર્યું. તે માટે વૈજ્ઞાનિક-ઔદ્યોગિક સંશોધન પરિષદ(CSIR)ની રચના કરી; જેના ઉપક્રમે આજે દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા (NPL), પુણે ખાતે રાષ્ટ્રીય રાસાયણિક પ્રયોગશાળા (NCL), હૈદરાબાદ ખાતે ભૂ-ભૌતિક, ગોવા ખાતે સમુદ્રવિજ્ઞાન, બૅંગાલુરુ ખાતે વૈમાનિકી, જમશેદપુર ખાતે ધાતુવિદ્યા, પિલાણી ખાતે ઇલેક્ટ્રૉનિક્સની પ્રયોગશાળાઓ આંતરરાષ્ટ્રીય મહત્વ પામીને કામ કરી રહી છે.

હોમી ભાભા તે ટૅકનૉલૉજીના બીજા શિલ્પી છે, જેમને પરમાણુ-ઊર્જાયુગના પિતા ગણી શકાય. ભાભાએ મુંબઈમાં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ(TIFR)ની સ્થાપના કરી. ત્યારબાદ ઊર્જાની તંગી દૂર કરવા માટે ન્યૂક્લિયર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનું મહત્વ સમજાતાં પાર્લમેન્ટ દ્વારા 1948માં અધિનિયમ દ્વારા પરમાણુ ઊર્જા પ્રતિષ્ઠાન(AEE)ની સ્થાપના થઈ; જેને ભાભાના મૃત્યુ બાદ 1966થી, ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (B.A.R.C.) તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્થા-અંતર્ગત અપ્સરા, સી.આઇ.આર. ઝર્લિના, પૂર્ણિમા અને ધ્રુવ જેવાં સંશોધનના હેતુલક્ષી રિઍક્ટરોનું નિર્માણ થયું. ત્યારબાદ તારાપુર ખાતે વિદ્યુત-ઉત્પાદન કરતું પ્રથમ પરમાણુ રિઍક્ટર 1969માં ચાલુ થયું. આજે રાજસ્થાનમાં રાણાપ્રતાપ સાગર, ચેન્નાઈ નજીક કલ્પક્કમ, ઉ. પ્ર.માં નરોરા, ગુજરાતમાં કાકરાપાડ, કર્ણાટકમાં કૈગા, તામિલનાડુમાં કુડાન્કુલમ ખાતે પરમાણુ-ઊર્જા મથકો કાર્યરત છે. ઉપરાંત ભારત 1974માં પોખરણ ખાતે પ્રથમ અને 1998માં બીજાં પાંચ સફળ ભૂગર્ભ પરમાણુ-પરીક્ષણો કરીને પરમાણુ-ઊર્જા ક્ષેત્રે વિકસિત રાષ્ટ્રોની હરોળમાં આવ્યું છે. 2004ની સાલ સુધીમાં ભારત 10,000 મેગાવૉટ ઊર્જા ઉત્પન્ન કરવા ઉમેદ ધરાવે છે.

ડૉ. વિક્રમ સારાભાઈએ રાષ્ટ્રના ભાવિ અને સર્વાંગી વિકાસ માટે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL) અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનિઝેશન(ISRO)ની સ્થાપના કરી. અવકાશસંશોધનની વિક્રમભાઈએ બ્લૂપ્રિન્ટ તૈયાર કરી, જેનાં સુફળો આજે ભારતની પ્રજા ભોગવી રહી છે. વિક્રમભાઈ અવકાશયુગના પિતા ગણાય છે. આઇ. આર. એસ. અને ઇનસેટ ઉપગ્રહોની શ્રેણી દ્વારા ભારત સંશોધન, સંદેશાવ્યવહાર અને સર્વેક્ષણ માટે સ્વનિર્ભર બન્યું છે.

ડૉ. ડી. એસ. કોઠારીના અધ્યક્ષપણા નીચે ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલેપમેન્ટ ઑર્ગેનિઝેશન (DRDO) ચાલુ કરવામાં આવ્યું. તેના ઉપક્રમે અને ડૉ. અબ્દુલ કલામના માર્ગદર્શન હેઠળ નાગ, પૃથ્વી, ત્રિશૂલ, અગ્નિ જેવાં પ્રક્ષેપાસ્ત્રો તૈયાર કરવામાં ભારત સફળ થયું છે.

વિક્રમ સારાભાઈ

ઇલેક્ટ્રૉનિક કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા લિમિટેડ (ECIL), કમ્પ્યૂટર સંવર્ધન કૉર્પોરેશન (CMS) જેવી જાહેર વિભાગીય સંસ્થાઓ શરૂ કરી. ભારત સુપર (અનુપમ અને પરમ) કમ્પ્યૂટર તૈયાર કરવામાં સફળ થયું છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તરફથી ગાંધીનગર પાસે ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્લાઝ્મા રિસર્ચ(IPR), સંશોધન માટે પરમાણુ ઊર્જા વિભાગ તરફથી ઇન્દિરા ગાંધી સેન્ટર ફૉર ઍટમિક રિસર્ચ (IGCAR) લેસર પ્રણાલી માટે ઇન્દોર ખાતે સેન્ટર ફૉર ઍડવાન્સ્ડ ટૅકનૉલૉજી(CAT)માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંશોધન થાય છે.

ભારતે છોડેલો પ્રથમ ઉપગ્રહ : આર્યભટ

વિશ્વબૅંકના એક હેવાલમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે દુનિયાને સૉફ્ટવેર પૂરાં પાડવા માટે ભારત સક્ષમ રાષ્ટ્ર બન્યું છે. 1995 સુધી આ ક્ષેત્રે પૂરતો વિકાસ થયો ન હતો, પણ 2000માં સૂચના પ્રૌદ્યોગિકી (Information Technology – IT) ક્ષેત્રે ભારતે મોખરાનું સ્થાન મેળવ્યું છે. યુ.એસ.ની સિલિકન વૅલીમાંનાં ભારતીય ઇજનેરોની સંખ્યા અને તેમની કામગીરી તેનું પ્રમાણ છે.

ભારત અને પશ્ચિમના દેશો વચ્ચે IT સેતુ બને છે. મૂડી, મજૂરી, નિમ્નસ્તરીય રચનાની જેમ IT ઉદ્યોગોનો અનિવાર્ય ઘટક છે. ITએ સમય અને અંતરને ટૂંકાવી દીધાં છે. કોઈ પણ સંસ્થા, કાર્યક્રમ કે પ્રક્રિયા ઉપર ITનો પ્રભાવ પડે છે. ઓછી કિંમત અને ઊંચી ગુણવત્તા માટે ભારતીય સૉફ્ટવેર ઉદ્યોગ વૈશ્વિક સ્વીકૃતિ પામ્યો છે.

‘શૂન્ય’ વિના ITનો વિકાસ શક્ય નથી. શૂન્યની શોધ ભારતમાં થઈ હતી. શૂન્યના વ્યાપક ઉપયોગ માટે ભારત કોઈ રાષ્ટ્ર પાસેથી પેટન્ટ-ફી કે રૉયલ્ટી લેતું નથી. આ ઉપરથી ITના વિકાસમાં ભારતનું મહત્વ સમજી શકાય તેમ છે.

મધ્યપૂર્વના દેશોમાં ખનિજ-તેલનું જે મહત્વ છે તેવું મહત્વ ITનું ભારતમાં છે. ખનિજ-તેલ સમય જતાં ખૂટશે જ્યારે ITનો વિકાસ વધશે. ખનિજ-તેલના વિકલ્પો છે, પણ જ્ઞાનનો વિકલ્પ નથી.

હૈદરાબાદ અને અલ્લાહાબાદ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ફર્મેશન ટૅકનૉલૉજીની સ્થાપના કરવામાં આવી છે. હૈદરાબાદે સાઇબર સિટી તરીકે અને બૅંગાલુરુ હાઇ-ટેક સિટી તરીકે દુનિયામાં પોતાનું સ્થાન જમાવ્યું છે.

ભારત સરકારે ડિપાર્ટમેન્ટ ઑવ્ બાયૉટૅકનૉલૉજી (DBT) શરૂ કર્યું. હૈદરાબાદ ખાતેનું સેલ્યુલર ઍન્ડ મૉલેક્યુલર બાયૉલૉજી કેન્દ્ર, સેન્ટર ફૉર બાયૉટૅકનૉલૉજી (CBT) ડી.એન.એ. – આધારિત સંશોધન કરે છે.

સૌર ઊર્જા, પવન-ઊર્જા અને ભરતીમાંથી મળતી ઊર્જાનું વિદ્યુતમાં પરિવર્તન કરવામાં ભારતે આઝાદી પછી નોંધપાત્ર પ્રગતિ કરી છે.

તબીબી ક્ષેત્રે લેસર, ક્ષ-કિરણો, રેડિયો સમસ્થાનિકો, ન્યૂક્લિયર પદ્ધતિઓ તથા કમ્પ્યૂટરથી રોગોના નિદાન અને ઇલાજ માટે ભારતે સારું એવું ગજું કાઢ્યું છે.

પ્રહલાદ છ. પટેલ

ભારતમાં ગણિતશાસ્ત્ર

ભારતમાં ગણિતશાસ્ત્રના ઘનિષ્ઠ અભ્યાસ અને વિકાસના ત્રણ મુખ્ય તબક્કા છે : પહેલો તબક્કો વૈદિક સમયથી ઈસવી સનના બારમા સૈકાનો છે. આ કાળમાં ભારતના ગણિતશાસ્ત્રીઓએ મૌલિક રીતે અંકગણિત, ભૂમિતિ, બીજગણિત, ત્રિકોણમિતિ, ગોલીય ત્રિકોણમિતિ અને ખગોળશાસ્ત્રનો સુંદર વિકાસ કર્યો હતો.

આ કાળની ભારતની વિશ્વપ્રસિદ્ધ અને સમગ્ર ગણિતના વિકાસની ર્દષ્ટિએ યુગપ્રવર્તક સિદ્ધિઓ એટલે સંખ્યાઓ લખવા માટેનો સ્થાનમૂલ્યનો સિદ્ધાંત, દશાંશપદ્ધતિ અને શૂન્ય માટે વિશેષ સંકેતનો ઉપયોગ. આ સિદ્ધિઓ કયા ગણિતશાસ્ત્રીએ મેળવી હતી તે ઇતિહાસની ગર્તામાં છુપાઈ ગયું છે. બૌધાયને શૂલ્બસૂત્રોમાં ભૂમિતિનાં મહત્વનાં પરિણામો મેળવ્યાં હતાં, આર્યભટ્ટ (પહેલો) અને વરાહમિહિરે ત્રિકોણમિતિ અને ખગોળશાસ્ત્રમાં પાયાની પ્રગતિ કરી હતી. મહાવીરે અંકગણિતમાં સુંદર પરિણામો મેળવ્યાં. બ્રહ્મગુપ્ત તથા ભાસ્કારાચાર્ય બીજાએ બીજગણિતમાં યુગપત્ સમીકરણો અને પેલનાં સમીકરણોના ઉકેલ મેળવ્યા. ‘બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત’ અને ‘લીલાવતી’ – આ બે ગણિતશાસ્ત્રીઓના ઉત્તમ ગ્રંથો છે.

બારમા સૈકામાં વાયવ્ય દિશામાંથી થયેલાં આક્રમણોએ ઉત્તર ભારતમાં ગણિતની પ્રગતિને રૂંધી નાખી, પરંતુ દક્ષિણ ભારતમાં પરમેશ્વર, નારાયણ પંડિત, માધવ વગેરેએ કલનશાસ્ત્રમાં પણ સુંદર પરિણામો આપ્યાં.

ભારતમાં ગણિતમાં વિકાસનો ત્રીજો તબક્કો ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં યુનિવર્સિટીઓ સ્થપાઈ ત્યારથી શરૂ થયો છે. આ કાળમાં વીસમી સદીની શરૂઆતમાં થયેલા શ્રીનિવાસ રામાનુજન્ ભારતના વીસમી સદીના સર્વશ્રેષ્ઠ ગણિતજ્ઞ હતા. એમના પછી પણ ભારતમાં અનેક વિશ્વકક્ષાના ગણિતજ્ઞો જેવા કે હરિશ્ર્ચન્દ્ર, ચંદ્રશેખરન્, જે. એન. કપૂર, સી. શેષાદ્રિ, એમ. એસ. રઘુનાથન્, એમ. એસ. નરસિંહન્, પી. સી. વૈદ્ય, સી. જી. ખત્રી વગેરે થયા છે. અત્યારે મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ, કૉલકાતા તેમજ દિલ્હીનાં ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નઈની ચેન્નઈ મૅથેમૅટિક્સ ઇન્સ્ટિટ્યૂટ વગેરે સંસ્થાઓમાં બહુ જ ઉત્તમ કોટિનું ગણિતનું સંશોધન ચાલે છે.

અરુણ વૈદ્ય

શિવપ્રસાદ મ. જાની

આરોગ્ય અને તબીબી સેવાઓ

ભારતમાં આરોગ્યસેવાઓનો વ્યાપ. સન 1948માં ભરાયેલી આંતરરાષ્ટ્રીય સભામાં આલ્મા-એટા (Alma-Ata) જાહેરાત દ્વારા આરોગ્યને માનવીના મૂળભૂત અધિકાર તરીકે ઘોષિત કરેલું છે. તેને કારણે દરેક દેશ માટે, તેની પાસેનાં ઉપલબ્ધ સાધનોનો યથાયોગ્ય ઉપયોગ કરીને પ્રાથમિક, પરંતુ સર્વગ્રાહી આરોગ્યસેવાઓ આપવાનું જરૂરી છે એવું સ્વીકારાયું છે. વિકાસશીલ દેશોમાં આરોગ્યસેવા માટેની ચળવળે વસ્તીનિયંત્રણ પર ઘણો ભાર મૂકેલો છે. ભારતમાં તેનાં રાજ્યોની આરોગ્યસેવાઓની સ્થિતિનો વિગતે અભ્યાસ કરતાં લાગે છે કે હજુ વસ્તીસ્થિરતા (population stabilization) માટે ઘણું કરવાનું બાકી રહે છે; તેનું કારણ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસની અસમાનતા છે. કેરળ, ગુજરાત જેવાં રાજ્યોમાં સમગ્ર ભારતના ઉપલબ્ધ આંકડાઓને સંદર્ભે મૃત્યુદર, જન્મદર, શિશુમૃત્યુદર (infant mortality rate) અને જન્મસમયે સંભવિત જીવનકાળ (life expectancy at birth) જેવાં વિવિધ પરિમાણો ઘણાં સારાં છે. ગુજરાત કરતાં કેરળની માથાદીઠ આવક ઓછી હોવા છતાં ગુજરાત રાજ્ય તેના કરતાં વિવિધ આરોગ્યલક્ષી પરિમાણોમાં પાછળ છે. તેને કારણે રાષ્ટ્રસંઘના વિકાસલક્ષી કાર્યક્રમ (United Nations Development Programme, UNDP) દ્વારા સૂચવેલા માનવવિકાસાંક (human development index) પ્રમાણે ગુજરાત અને સમગ્ર ભારત (કેરળને બાદ કરતાં) હજુ આરોગ્યવિકાસના સંદર્ભે નિમ્ન સ્તરે છે, જ્યારે કેરળ રાજ્ય મધ્યમ સ્તરે પહોંચી ગયું છે. પરંપરાગત ગરીબાઈથી ઉદભવતી આરોગ્યલક્ષી સમસ્યાઓમાં વાતાવરણલક્ષી આરોગ્ય, વ્યાવસાયિક આરોગ્ય, એઇડ્ઝ જેવા નવા ચેપી (સંક્રામક) રોગો અને સમૃદ્ધિજન્ય રોગોએ પણ આગવું પરિમાણ ઉમેર્યું છે.

ભારતમાંની આરોગ્ય-સમસ્યાઓને અસર કરતાં પરિબળોમાં ગરીબાઈ, સામાજિક અને ધાર્મિક પદ્ધતિઓ અને જીવનશૈલી તથા આરોગ્યસેવાઓની ઉપલબ્ધિ, તંત્ર અને ખર્ચાળતાનો મુખ્ય સમાવેશ થાય છે. ઉત્પાદન-વહેંચણી અને તેની કિંમતનાં જોડકાંને કારણે કુપોષણ ઉદભવે છે. તેમાં ગરીબાઈનું પાસું ઉમેરાય છે. આ બંને મુખ્ય પરિબળોને કારણે પોષણની ઊણપ એ આપણી મહત્વની આરોગ્યલક્ષી સમસ્યા બને છે. મુખ્ય પોષણની ઊણપોમાં પ્રોટીન-ઊર્જાનું કુપોષણ (protein-energy malnutrition), લોહ (પાંડુતા), વિટામિન એ (રતાંધળાપણું), આયોડિન (ગલગંડ) તથા વિટામિન બી (મોઢું આવવું) વગેરેની ઊણપોનો સમાવેશ થાય છે. તેની સૌથી વધુ અસર શિશુઓ, શાળાએ જવાની ઉંમર કરતાં ઓછી ઉંમરનાં બાળકો – ખાસ કરીને છોકરીઓ, સગર્ભા અને સ્તન્યપાન કરાવતી માતાઓ, જમીનવિહોણા મજૂરો, શહેરી ઝૂંપડપટ્ટીના નિવાસીઓ તથા આદિવાસીઓના આરોગ્ય પર પડે છે. વિશ્વભરમાં ઔદ્યોગિકીકરણે શહેરીકરણ, આવકની વૃદ્ધિ અને આરોગ્યનો વિકાસ સર્જ્યો છે; પરંતુ ભારતમાં વધતા જતા ઔદ્યોગિકીકરણે અને શહેરીકરણે પ્રદૂષણ જન્માવ્યું છે. તેમાં અસમાન વિકાસના ઘટકે સમસ્યામાં ઉમેરો કર્યો છે. વસ્તીવધારો, શિશુઓ અને બાળકોનું સ્વાસ્થ્ય તથા સ્ત્રીઓમાં જોવા મળતા મુખ્ય રોગોમાં ઘટાડો કરવા માટે સ્ત્રીઓનું શિક્ષણ મહત્વનું પરિબળ ગણાય છે; પરંતુ તેના પર સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ અને જીવનશૈલીની ઘણી વ્યાપક અસર રહેલી છે.

આ સર્વ પ્રકારની સમસ્યાઓ હોવા છતાં ભારતમાં જન્મદર અને મૃત્યુદર ઘટ્યા છે. 1951માં ભારતમાં મૃત્યુદર 27.4 હતો તે ઘટીને 1991માં 9.8 થયો હતો અને 1997ના ઉપલબ્ધ આંકડા પ્રમાણે તે ઘટીને 8.9 થયો છે. સન 1971માં શહેરી વિસ્તારમાં મૃત્યુદર 9.7 અને ગ્રામવિસ્તારમાં 16.4 હતો. આમ શહેરી અને ગ્રામવિસ્તારો વચ્ચેના મૃત્યુદરમાં સારો એવો (6.7), તફાવત હતો, જે પણ ઘટ્યો છે (3.1). જોકે તેની સામે ગ્રામ અને શહેરી વિસ્તારોમાં જન્મદર ઘટ્યો છે, છતાં તેમની વચ્ચેનો તફાવત હજુ એવો ઘટ્યો નથી. સન 1871માં ગ્રામ જન્મદર 38.9 અને શહેરી જન્મદર 30.1 હતા અને તેમની વચ્ચેનો તફાવત 8.8 હતો; જે 1997માં ઘટીને અનુક્રમે 28.9, 21.5 અને 7.4 થયા છે. સન 1971 અને 1997ના શિશુમૃત્યુદર સરખાવતાં પણ જોવા મળે છે કે ગુજરાત તથા ભારતમાં ગ્રામ, શહેરી તથા એકંદર શિશુમૃત્યુદર ઘટ્યો છે અને ગ્રામ અને શહેરી વિસ્તારોમાં થતો ઘટાડો લગભગ સમાંતર રહ્યો છે (સારણી 3). જોકે સારણી 4માં જોતાં સમજાય છે કે બાળકોના મૃત્યુદરમાં જે કાંઈ ઘટાડો થયો છે તે નવજાતશિશુના મૃત્યુદરમાં થયેલા ઘટાડાને કારણે છે. ગુજરાતમાં 5 વર્ષની સંભવિત ઉંમરે બાળમૃત્યુદરનો જે વધારો દેખાય છે તે વધેલી તબીબી સવલતોને કારણે સુધરેલી નોંધણી હશે એવું તારણ કાઢી શકાય તેમ છે. ભારતમાં માંદગીનો દર એક હજારની વસ્તીએ 108 છે, જ્યારે ગુજરાતમાં તે 74.5થી 80.8 છે. સ્ત્રીઓ અને પુરુષોમાં માંદગીનું પ્રમાણ શહેરી અને ગ્રામવિસ્તારના સંદર્ભે જુદું જુદું રહે છે. તેથી શહેરી પુરુષો અને ગ્રામ સ્ત્રીઓમાં માંદગી નોંધાયેલી જોવા મળે છે. ઉગ્ર (acute) ચેપી રોગોનું પ્રમાણ, સમગ્ર ભારત દેશના સંદર્ભે, ગુજરાતમાં વધુ નોંધાયું છે. કેટલાક નિષ્ણાતોના મતે ગુજરાતમાં માંદગીના નોંધાવાનો દર કદાચ વધુ લોકો આરોગ્ય અને તબીબી સેવાઓનો લાભ લે છે તે છે. વળી, કેટલાક નિષ્ણાતોના મતે મૃત્યુદર ઘટવાને કારણે પણ માંદગીનો દર વધેલો લાગે છે. ગુજરાતમાં, સમગ્ર ભારતના સંદર્ભે, એકંદર મૃત્યુદર, 5 વર્ષે બાળમૃત્યુદર, નવજાતશિશુમૃત્યુદર, શિશુમૃત્યુદર તથા માતૃમૃત્યુદર પણ વધુ છે. વળી ગુજરાતમાં જન્મદર પણ વધુ છે તેમજ પ્રજનનક્ષમતા-દર અને એકંદર પ્રજનનદર પણ, સમગ્ર ભારતના સંદર્ભે, વધુ નોંધાયેલા છે. આમ લગભગ બધા જ મહત્વના આરોગ્યલક્ષી સૂચકાંકોમાં ગુજરાત ભારતના એકંદર આરોગ્યલક્ષી સૂચકાંકોની ર્દષ્ટિએ પાછળ છે.

ભારતમાં વ્યાપકપણે રસીકરણનો કાર્યક્રમ હાથ ધરાયેલો છે અને તેથી નવજાતશિશુનો મૃત્યુદર ઘટ્યો છે. તેને કારણે જ મુખ્યત્વે શિશુમૃત્યુદર તથા બાળમૃત્યુદર પણ ઘટ્યા છે. ગુજરાતનો શિશુમૃત્યુદર કેરળ કરતાં 3.5ગણો વધારે છે. ગુજરાતનાં ગામડાંઓમાં જન્મદર ઘટ્યો છે અને અખિલ ભારતીય દર કરતાં ઓછો થઈ ગયો છે; પણ શહેરોમાંનો દર ભારતીય દર કરતાં વધુ છે. ભારતમાં ગુજરાતનું સિદ્ધિસૂચક સ્થાન મધ્યમ કક્ષાનું છે. તે જન્મદર ઘટાડવામાં ભારતીય રાજ્યોમાં 16મા સ્થાને અને મૃત્યુદર ઘટાડવામાં 14મા સ્થાને છે. એવો અંદાજ છે કે ગુજરાતમાં 60 % સગર્ભા સ્ત્રીઓ અને 6 વર્ષથી નાનાં 40 % બાળકોમાં પાંડુતાનો વિકાર થયેલો છે. અંધાપાનો દર શોધવાના એક સર્વેક્ષણ પ્રમાણે ગુજરાતનાં 6 વર્ષથી નાનાં બાળકોમાં 7.6 % બાળકો તથા ભારતનાં તે ઉંમરનાં સમગ્ર બાળકોનાં 6 % બાળકો વિટામિન ‘એ’ની ઊણપથી થતા અંધાપાથી પીડાય છે.

વિકસિત દેશોમાં 5.6 % GDPના દરે સરકાર અને બીજા 3.5 % GDPના દરે ખાનગી ક્ષેત્રમાં આરોગ્યલક્ષી ખર્ચા થાય છે. આમ તે 9.2%ની નજીકનો દર બને છે. ભારતનો તે માટેનો દર 6 %થી ઓછો છે, જેમાં સરકાર તરફથી 1 % અને ખાનગી ક્ષેત્રનો 4થી 5 %નો ફાળો હોય છે. અખિલ ભારતનો આરોગ્યલક્ષી ખર્ચ 6.47 % છે, જેના સંદર્ભે ગુજરાતમાં સરકારી ખર્ચના 10 % જેટલો ખર્ચ આરોગ્યક્ષેત્રે થાય છે. ગુજરાતમાં અને ખાસ કરીને તેના શહેરી વિસ્તારોમાં આરોગ્ય અને તબીબી સારવારની સવલતો વધુ પ્રમાણમાં છે. હૉસ્પિટલ અને નાનાં દવાખાનાંની સંખ્યા અખિલ ભારતીય સંખ્યાની ર્દષ્ટિએ લગભગ 3ગણી વધુ છે. જોકે શહેરી–ગ્રામ વિસ્તારો વચ્ચે ઉચ્ચ તબીબી સવલતોની ર્દષ્ટિએ તફાવત પણ ગુજરાતમાં વધુ છે.

આરોગ્યલક્ષી વિકાસમાં સર્વગ્રાહી વિકાસયોજનાને બદલે ભારતે ચોક્કસ આરોગ્યલક્ષી સમસ્યાઓને ઉકેલવા માટે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરેલું છે; જેમ કે, માતૃબાળકલ્યાણ-કાર્યક્રમ, કુટુંબકલ્યાણ-કાર્યક્રમ, શીતળા-નાબૂદી-કાર્યક્રમ વગેરે. આ કાર્યક્રમોમાં શીતળાનાબૂદી-કાર્યક્રમને સંપૂર્ણ સફળતા મળી છે, જ્યારે અન્ય કાર્યક્રમમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. હાલ પલ્સ પોલિયો કાર્યક્રમ હેઠળ ભારતનાં બધાં જ પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને, તેમણે અગાઉ પોલિયોની રસી મેળવેલી હોય કે ન હોય તોપણ, વારંવાર અને નિયત સમયે પોલિયોની રસી આપીને પોલિયોના રોગ(બાળલકવાના રોગ)ની નાબૂદીનું અભિયાન આરંભેલું છે; જેમાં સારી એવી સફળતા મળી રહી છે. મલેરિયા-નાબૂદીનું અભિયાન કુદરતી પરિબળોને કારણે નિષ્ફળ રહ્યું અને તેથી સતત ચાલતા મલેરિયા માટેનો નિયંત્રણ-કાર્યક્રમ હજુ અમલમાં છે. ભારતમાં કુટુંબકલ્યાણ-કાર્યક્રમ અને માતૃબાળકલ્યાણ-કાર્યક્રમની સફળતાના આંકડા ઉપર દર્શાવ્યા છે. આવા પ્રકારના આયોજનને ઊર્ધ્વારોહી આયોજન (vertical planning) કહે છે, જેમાં એક વિષય કે સમસ્યા પરત્વે દરેક તબક્કાનું સંગ્રથિત આયોજન કરાય છે. આ પદ્ધતિમાં અન્ય સમસ્યાઓ માટે વિશિષ્ટ ખર્ચ અને આયોજનની જરૂર પડે છે. હાલ ભારતમાં આવા ઊર્ધ્વારોહી રાષ્ટ્રીય કાર્યક્રમોની આર્થિક અસર અને આર્થિક બોજા અંગે કેટલાક નિષ્ણાતોએ આંગળી ચીંધી છે.

સારણી 1 : ભારત, ગુજરાત અને કેરળમાંનાં આરોગ્ય-પરિમાણો

આરોગ્યનાં પરિમાણો ભારત ગુજરાત કેરળ
જન્મદર 25.60 27.20 17.40
મૃત્યુદર 7.60 8.90 6.30
માતૃમૃત્યુદર 3.89 4.58 2.34
શિશુમૃત્યુદર 62.00 72.00 17.00
પુરુષોનો જન્મસમયે સંભવિત જીવનકાળ 61.53 62.36 68.80
સ્ત્રીઓનો જન્મસમયે સંભવિત જીવનકાળ 62.77 63.39 74.40
નવજાતશિશુમૃત્યુદર 42.30 48.60 15.50
જન્મસમયની આસપાસના સમયકાળમાં નોંધાતો મૃત્યુદર 43.00 42.50 જાણમાં નથી.
જન્મોત્તર મૃત્યુદર 26.40 29.90 8.20
બાળમૃત્યુદર 20.70 23.70 8.40
સામાન્ય પ્રજનનક્ષમતાદર 106.00 118.30 જાણમાં નથી.
કુલ પ્રજનનક્ષમતાદર 3.20 3.50 1.80
એકંદર પ્રજનનદર 1.30 1.60 જાણમાં નથી.

સારણી 2 : ગુજરાત અને ભારતમાં ઘટતા જતા જન્મદર અને મૃત્યુદર

 

ગુજરાત

ભારત

વર્ષ

ગ્રામવિસ્તાર શહેરી વિસ્તાર ગ્રામવિસ્તાર શહેરી વિસ્તાર
  જન્મદર મૃત્યુદર જન્મદર મૃત્યુદર જન્મદર મૃત્યુદર જન્મદર

મૃત્યુદર

1971

42.1 18.1 36.1 13.1 38.9 16.4 30.1 9.7
1991 36.1 12.4 29.8 10.7 35.6 13.7 27.0

7.8

1990

30.2 9.6 28.3 7.2 31.7 10.5 24.7 6.8
1991 28.2 8.8 25.9 7.9 30.9 10.6 24.3

7.1

1995

27.8 3.3 24.0 6.2 30.0 9.8 22.7 6.5
1997 27.0 8.3 22.6 6.2 28.9 9.6 21.5

6.5

સારણી 3 : ગુજરાત અને ભારતમાં શિશુમૃત્યુદર

ગુજરાત ભારત
વર્ષ ગ્રામ-વિસ્તાર શહેરી વિસ્તાર કુલ ગ્રામ-વિસ્તાર શહેરી વિસ્તાર કુલ
1971 155 110 145 138 82 129
1981 123 89 116 119 62 110
1990 79 54 72 86 50 80
1991 73 57 69 87 53 80
1995 68 47 62 80 48 74
1997 69 46 62 77 45 71

સારણી 4 : ગુજરાતમાં શિશુમૃત્યુદર અને 5 વર્ષે બાળમૃત્યુદરમાં

નવજાતશિશુમૃત્યુદર 5 વર્ષે બાળમૃત્યુદર
વિગત શહેરી વિસ્તાર ગ્રામ વિસ્તાર બધા વિસ્તારો શહેરી વિસ્તાર ગ્રામ વિસ્તાર

બધા વિસ્તારો

1989–1996

40.7 59.2 52.9 82.6 126.1 113.3
1996–1999 38.3 43.6 42.3 84.2 108.2

104.0

સારણી 5 : ભારત અને ગુજરાતમાં

માંદગીસૂચક લક્ષણો

ગુજરાત

ભારત

  ગ્રામવિસ્તાર શહેરી વિસ્તાર ગ્રામવિસ્તાર શહેરી વિસ્તાર
પુરુષ/સ્ત્રી 71.6/80.8 95.0/74.5 105.5/108.1 98.2/108.4
કુલ 75.8 84.3 106.7 103.0
ઉગ્ર માંદગી/દીર્ઘકાલીન માંદગી 49.6/5.2 52.8/12.7 77.9/13.2 70.6/18.4
કુલ 21.0 18.8 15.6 14.0

સારણી 6 : વિવિધ રોગોનું વસ્તીપ્રમાણ

દર 1000ની વસ્તીએ પ્રમાણ

વસ્તીવિદ્યાલક્ષી પરિમાણો  

અંધાપો

ક્ષયરોગ કુષ્ઠરોગ અપંગતા છેલ્લા 3 મહિનામાં મલેરિયા
અંશત: પૂર્ણ
શહેરી વિસ્તાર
ઉંમર (વર્ષ) 0-14 1.7 5.6 0.4 જાણમાં નથી. 3.8 30.4
15-59 12.8 3.5 2.1 જાણમાં નથી. 4.6 25.5
60+ 201.5 17.3 1.9 જાણમાં નથી. 12.4 15.4
લિંગ પુરુષ 20.5 5.6 2.1 જાણમાં નથી. 4.8 22.8
સ્ત્રી 25.4 4.7 0.9 જાણમાં નથી. 5.6 30.1
કુલ 22.9 5.2 1.5 જાણમાં નથી. 5.2 26.4
ગ્રામવિસ્તાર
ઉંમર (વર્ષ) 0-14 3.3 6.3 0.4 જાણમાં નથી. 5.0 32.1
15-59 19.5 1.0 5.4 0.4 4.8 34.5
60+ 235.5 16.6 8.3 2.8 12.9 56.3
લિંગ પુરુષ 28.2 4.5 5.3 0.3 6.6 36.7
સ્ત્રી 33.8 3.7 2.4 0.6 4.3 34.0
કુલ 31.0 4.1 3.9 0.4 5.5 35.4
બધા વિસ્તારો                                                  ભારત
ઉંમર (વર્ષ) 0-14 2.8 6.0 0.4 જાણમાં નથી. 4.6 31.5
15-59 17.1 1.9 4.2 0.2 4.7 31.3
60+ 224.4 16.8 6.2 1.9 13.7 43.0
લિંગ પુરુષ 25.5 4.9 4.2 0.2 6.0 31.9
સ્ત્રી 31.0 4.1 1.9 0.4 4.8 32.7
કુલ 28.2 4.5 3.1 0.3 5.4 32.3

સારણી 7 : ગુજરાત અને ભારતમાં મૃત્યુનાં મુખ્ય કારણો (%)

કારણો ભારત ગુજરાત
1990 1990 1996
       1 2 3 4
વૃદ્ધાવસ્થા 24.4 21.5 25.0
શ્વસનતંત્રના રોગો 18.8 20.4 23.0
ક્ષય અને  રુધિરાભિસરણના રોગો 11.1 8.3 10.4
શૈશવકાળના રોગો 9.8 9.1 9.4
અકસ્માત અને ઈજાઓ 8.5 7.7 9.7
તાવ 7.3 6.7 4.4
પાચનતંત્રના રોગો 6.2 3.0 4.5
ચેતાતંત્રના રોગો 4.3 3.4 3.4
સગર્ભા સ્ત્રીના રોગો 1.0 0.9 0.6
અન્ય તકલીફો 8.5 10.1 9.6

સારણી 8 : ગુજરાત અને ભારતમાં

મધ્ય કક્ષા (ટકા) તીવ્ર (ટકા)
ગુજરાત ભારત ગુજરાત ભારત
કુલ 50.8 45.1 11.9 11.1
છોકરા 54.8 45.6 9.6 11.6
છોકરીઓ 45.7 44.6 14.7 10.2

સારણી 9 : ગુજરાત અને ભારતમાં ફલનશીલતાના નોંધાયેલા દર

સૂચક દર ગુજરાત ભારત
1986 1993 1986 1993
સામાન્ય ફલિતતાદર (General fertility rate, GFR) 130.5 110.4 136.5 116.6
સામાન્ય લગ્નસંબંધિત ફલિતતા દર (General marital fertility rate, GMFR) 170.9 145.6 175.6 153.7
કુલ ફલિતતાદર (Total fertility rate, TFR) 3.8 3.2 4.2 3.5
કુલ લગ્નસંબંધિત ફલિતતાદર (Total marital fertility rate, TMFR) 4.9 4.3 5.5 4.9
એકંદર પ્રજનનક્ષમતાદર (Gross reproductive rate) 1.8 1.5 2.0 1.7
સરેરાશ ફલિતતાકાલીન ઉંમર (Mean age of fertility) 27.4 27.0 27.7 27.4

સારણી 10 : ગુજરાતમાં આરોગ્યલક્ષી ખર્ચ (ટકામાં)

વર્ષ

આવક ખાતામાંથી

કૅપિટલ ખાતામાંથી

એકંદર

સામાજિક સેવા વિકાસલક્ષી બજેટ સામાજિક સેવા વિકાસલક્ષી બજેટ કુલ બજેટ NSDP
1986 –87 30.7 15.9 12.1 3.9 0.8 0.3 8.0 2.16
1991 –92 25.3 12.7 9.2 2.1 0.2 0.1 6.2 1.86
1995 –96 21.8 11.1 7.8 2.6 0.2 0.2 6.3 1.19
1999 –00 25.3 14.1 9.3 7.3 1.5 1.1 7.5 જાણમાં નથી.

સારણી 11 : ભારત અને ગુજરાતમાં દર એક લાખની વસ્તીએ ઉપલબ્ધ તબીબી સેવાઓ (1991)

ઉપલબ્ધ સેવા ગુજરાત ભારત
ગ્રામ વિસ્તાર શહેરી વિસ્તાર કુલ ગ્રામ વિસ્તાર શહેરી વિસ્તાર કુલ
હૉસ્પિટલ 0.70 11.26 4.34 0.57 3.51 1.32
દવાખાનાં 9.33 17.78 15.22 1.86 5.38 3.25
સુશ્રૂષા-પથારીઓ 31.34 363.95 145.76 22.26 241.96 78.70
પ્રાથમિક સારવાર-કેન્દ્ર 3.24 3.55
ઉપ-સારવાર-કેન્દ્ર 26.41 20.90
તબીબો 52.98 47.19
પરિચારિકાઓ 59.00 36.86

સારણી 12 : ભારત અને ગુજરાતમાં આરોગ્યલક્ષી ખર્ચ (1990-91)

માથાદીઠ આરોગ્યલક્ષી ખર્ચ (રૂપિયામાં) ગુજરાત ભારત
તબીબી અને આરોગ્યલક્ષી 25.92 29.79
પાણી અને જાહેર સફાઈ 17.12 19.58
પોષણ 7.56 4.15
કુટુંબકલ્યાણ 5.16 6.40
બાળ અને અપંગ કલ્યાણ 1.32 3.48
કુલ માથાદીઠ આરોગ્યલક્ષી ખર્ચ 57.56 63.51
સરકારના કુલ ખર્ચમાં આરોગ્ય ખાતે ખર્ચ (ટકા) 10.38 6.47
સરકારનો આયોજિત ખર્ચ (ટકા) 2.52 2.78

સારણી 13 : ભારત અને ગુજરાતમાં આરોગ્યલક્ષી સેવાઓનો ઉપયોગ

વિગત ગુજરાત ભારત
બહારના દર્દીનો વિભાગ જાહેર સેવા ખાનગી સેવા જાહેર સેવા ખાનગી સેવા
ગ્રામવિસ્તાર – પુરુષ/સ્ત્રી 36.8/38.7 62.2/58.8 40.2/43.3 54.5/50.8
શહેરી વિસ્તાર – પુરુષ/સ્ત્રી 38.7/31.6 57.7/63.2 34.7/33.2 58.8/60.8
હૉસ્પિટલમાં દાખલ દર્દી જાહેર સેવા ખાનગી સેવા જાહેર સેવા ખાનગી સેવા
ગ્રામવિસ્તાર 32.2 67.8 62.0 38.0
શહેરી વિસ્તાર 27.2 72.8 60.1 38.8

કેરળ, ગુજરાત અને ભારતમાંનાં આરોગ્ય પરિમાણો (1) જન્મદર, (2) મૃત્યુદર, (3) માતૃમૃત્યુદર, (4) શિશુમૃત્યુદર, (5) કેરળ, (6) ગુજરાત, (7) ભારત

ગુજરાત અને ભારતનાં શહેરો અને ગામડાંમાં જોવા મળેલા જન્મ અને મૃત્યુદર. (1) ગુજરાતનો ગ્રામ જન્મદર, (2) ભારતનો ગ્રામ મૃત્યુદર, (3) ગુજરાતનો શહેરી જન્મદર, (4) ભારતનો શહેરી જન્મદર, (5) ગુજરાતનો ગ્રામ મૃત્યુદર, (6) ભારતનો ગ્રામ મૃત્યુદર, (7) ગુજરાતનો શહેરી મૃત્યુદર અને (8) ભારતનો ગ્રામ મૃત્યુદર.

શિલીન નં. શુક્લ

આયુર્વેદ

પ્રાચીનકાળથી ભારતમાં જીવન પ્રત્યેની ર્દષ્ટિ સદા વિધાયક રહી છે. ધર્મનો મહિમા છતાં શરીર કે સ્વાસ્થ્યની અવગણના કરાઈ નથી. ઊલટું, શરીરને ધર્મનું પહેલું સાધન માન્યું છે. એટલે આયુર્વેદ છૂટીછવાઈ વૈદકની માહિતીનો સંગ્રહ હોવા છતાં તેને બ્રહ્માજીના નિ:શ્વાસ એવા ઉપવેદનું સ્થાન આપ્યું. તે કોઈ એક વ્યક્તિની રચના નથી. તેના સર્જનમાં અનેક દિવ્ય પુરુષો, ઋષિઓ, આચાર્યો આદિનો ફાળો છે. તેમણે તેમાં પોતાના સંશોધનનું નવું જ્ઞાન ઉમેર્યું. તેમણે તેને સુગ્રથિત કર્યું. તેમણે તેને વિજ્ઞાનનું સ્વરૂપ આપ્યું. બ્રહ્માજી, દક્ષ, પ્રજાપતિ, અશ્વિનીકુમારો, દેવરાજ ઇન્દ્ર, ધન્વંતરિ, કાશ્યપ ઋષિ, ભરદ્વાજ ઋષિ, પુનર્વસુ ઋષિ, આચાર્ય અગ્નિવેશ, પરાશર ઋષિ, મહર્ષિ સુશ્રુત, મહર્ષિ વસિષ્ઠ, મહર્ષિ ભૃગુ, ચ્યવન ઋષિ, આચાર્ય જીવકથી મધ્યયુગમાં વાગ્ભટ, ચરક ઋષિ, ગયદાસ, ઈશ્વરસેન, હેમાદ્રિ, નાગાર્જુન; યશોધર ભટ્ટથી અર્વાચીન યુગમાં શંકરદાનજી શાસ્ત્રી, ઝંડુ ભટ્ટજી, પંડિત શિવશર્મા આદિ સમર્થ આયુર્વેદશાસ્ત્રીઓના પ્રદાનથી સ્વસ્થ મન અને સ્વસ્થ દેહ સાથેના ચિરાયુષ્યનું શાસ્ત્ર નિષ્પન્ન થયું.

આયુર્વેદમાં સોળ મુખ્ય વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે. તેમાં રોગોનું વર્ગીકરણ, તેમના પ્રકાર, રોગોનાં મૂળ, વયગત રોગો, વ્યવસાયગત રોગો, દેહગત રોગો, ઋતુસંલગ્ન રોગો, આહારદોષના વ્યાધિ, વિચારદોષના વ્યાધિ, આચારદોષના વ્યાધિ આદિ વિષયોની સવિસ્તર ચર્ચા છે. શરીરચનાશાસ્ત્ર, શરીરક્રિયાવિજ્ઞાન, પ્રસૂતિશાસ્ત્ર, ગર્ભવિદ્યા આદિ વિષયોનું વર્ણન આવે છે. ઔષધિશાસ્ત્ર તો તેનો કેન્દ્રસ્થ વિષય છે. દ્રવ્ય તથા વનસ્પતિના ગુણદોષ, રસવિદ્યા, વિષ-વિજ્ઞાન, વાજીકરણ, ચિકિત્સાપદ્ધતિઓ, શલ્ય-શાલાક્ય વિજ્ઞાન, પંચકર્મવિજ્ઞાનનો પણ એમાં સમાવેશ થાય છે.

બૌદ્ધ ધર્મનો પ્રભાવ વધતાં વૈદિક શાસ્ત્રો ઉપેક્ષાનો ભોગ બનતા થયાં. રાજ્યાશ્રય મંદ પડ્યો. એક કાળે તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, વલભી આદિ વિદ્યાપીઠો દેશપરદેશના હજારો વિદ્યાર્થીઓથી ઊભરાતી હતી. તેમનાં ભવનો વેરાન થવા લાગ્યાં. મુસલમાનોનાં આક્રમણોએ વિદ્યાપીઠોનો નાશ કર્યો; ગ્રંથો બાળી મુકાયા; આચાર્યોનો વધ કરાયો. મંદિરો જે વિદ્યાલયો હતાં તેમ આરોગ્યધામો પણ હતાં. તેમનો પણ વિશાળ પાયે નાશ કરાયો. ત્યારના વિશ્વની સર્વશ્રેષ્ઠ આરોગ્યપ્રણાલીનું પતન થયું. રડ્યાખડ્યા વૈદ્યરાજો છૂટાછવાયા તેમના જ્ઞાનનો લાભ સમાજને આપતા રહ્યા. એમાંથી ડોશીમાનું વૈદું વિકાસ પામ્યું. પરોક્ષ રીતે દરેક ઘર આયુર્વેદનું મંદિર બની રહ્યું.

નવજાગૃતિના યુગમાં યુરોપના દેશોને વિશ્વમાં દૂર દૂર સામ્રાજ્યો સ્થાપવાની અનુકૂળતા મળી. તેથી યુરોપના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિની સાથે આયુર્વિજ્ઞાનના ક્ષેત્રે પણ ભારે પ્રગતિ થઈ. અંગ્રેજો દ્વારા ભારતમાં પશ્ચિમી આયુર્વિજ્ઞાનની પ્રતિષ્ઠા કરાતાં આયુર્વેદને મોટો ફટકો પડ્યો. આપાતકાલમાં પશ્ચિમી પદ્ધતિનાં ઝડપી લાભદાયી પરિણામો મળતાં જોઈ તેમાં લોકોનો વિશ્વાસ વધ્યો. દેશી પદ્ધતિમાં ‘ટૂંકા’ માર્ગને સ્થાન નહોતું. તેમાંથી શ્રદ્ધા ડગી ગઈ. સ્વતંત્રતા સમયે આયુર્વેદ મરવાને વાંકે જાણે જીવતો હતો.

સ્વતંત્રતા પછી ફરી એક વાર દેશી પદ્ધતિ પ્રત્યે ધ્યાન ગયું. ગાંધીજી જેવા સર્વમાન્ય નેતાએ ‘હિંદ સ્વરાજ્ય’માં વકીલોની સાથે દાક્તરોની આકરી ટીકા કરી. તેમણે દેશી નૈસર્ગિક ઉપચારપદ્ધતિ પર ભાર મૂક્યો. ઘણા દેશપ્રેમી નેતાઓનું ગાંધીજીને સમર્થન મળ્યું. ભારત સરકારે સ્વદેશી ચિકિત્સાપદ્ધતિને એટલે કે આયુર્વેદની પદ્ધતિને પ્રોત્સાહન આપવાની નીતિ સ્વીકારી. પંચવર્ષીય યોજનામાં તેને નિશ્ચિત સ્થાન સાંપડ્યું. હવે પરિસ્થિતિ સુધરવા લાગી. અત્યારે ભારતમાં ફરી એક વાર આયુર્વેદની પ્રતિષ્ઠા સુઢ બની છે. એટલું જ નહિ, વિશ્વ ફલકે પણ ભારતીય ચિકિત્સાપદ્ધતિરૂપે તેને માન્યતા પ્રાપ્ત થઈ છે. પરદેશી બહુરાષ્ટ્રીય પેઢીઓ આયુર્વેદિક સિદ્ધૌષધિઓ માટે પેટન્ટ લેવા પડાપડી કરવા લાગી છે. સ્વતંત્રતાનાં પચાસ વર્ષોમાં આયુર્વેદે પ્રાપ્ત કરેલી સિદ્ધિનું એ પ્રમાણ છે. 1885માં કેન્દ્ર સરકારમાં આરોગ્ય મંત્રાલયમાં આ વિષયમાં વિશેષ વિભાગ સ્થાપવામાં આવ્યો છે. ઈસુની વીસમી સદીના અંતે આ ક્ષેત્રે પ્રવર્તતી સ્થિતિનું અવલોકન રસપ્રદ છે.

શિક્ષણ

1999ના વર્ષમાં સ્નાતક કક્ષાનું શિક્ષણ આપતી આયુર્વેદિક કૉલેજો દેશમાં 305 હતી. અનુસ્નાતક શિક્ષણની સગવડ 47 કૉલેજોમાં હતી. સ્નાતક કક્ષામાં પ્રવેશ માટે 6,300 બેઠકો ઉપલભ્ય હતી. અનુસ્નાતક કક્ષાએ બેઠકસંખ્યા 437 હતી. આ શિક્ષણવાળા સ્નાતકો તથા અનુસ્નાતકો દેશી વૈદ્યો, વૈદકના પ્રાધ્યાપકો તથા આયુર્વેદની વિશેષ શાખાના નિષ્ણાતો બને છે. દેશી વૈદ્યકસંલગ્ન અન્ય આરોગ્યનિષ્ણાતો, જેમ કે, કંપાઉન્ડર, પરિચારિકા, ઔષધનિર્માતા આદિના પ્રશિક્ષણ માટે 24 વિદ્યાલયો હતાં.

ચિકિત્સા-વ્યવસાય અને સેવાક્ષેત્ર : 1998માં ભારતમાં સરકારી, બિનસરકારી અને સરકારી અનુદાનથી ચાલતાં આયુર્વેદિક રુગ્ણાલયો(hospitals)ની સંખ્યા 2,189ની હતી. તેમાં પથારીઓની સંખ્યા 33,145ની હતી. દેશમાં સર્વ પ્રકારનાં આયુર્વેદિક ચિકિત્સાલયોની સંખ્યા 14,252 હતી. તેમાં સરકારી, જિલ્લા પંચાયતનાં, નગરપાલિકાનાં, અનુદાનથી ચાલતાં તથા બીજાં એ પ્રકારનાં ચિકિત્સાલયોનો સમાવેશ થાય છે. આમાં વૈદ્યોનાં નિજી ચિકિત્સાલયોનો સમાવેશ થતો નથી.

1999ના આરંભે દેશમાં વ્યાવસાયિક રૂપે માન્ય વૈદ્યોની સંખ્યા 3,66,812 હતી. આમાં કૉલેજના પદવીધારકો 2,70,348 હતા અને ગુરુપરંપરાદિ અન્ય પદ્ધતિના તથા ગ્રામીણ વૈદ્યની ભૂમિકા પર માન્યતાપ્રાપ્ત નોંધાયેલા વૈદ્યોની સંખ્યા 98,148 હતી. આમાં હાડવૈદ્ય તથા અનુભવને આધારે ઘરખાનગી વૈદું ચલાવતા પદવી કે પ્રમાણપત્ર વિનાના વૈદ્યોનો સમાવેશ થતો નથી.

ઔષધનિર્માણ

દેશી પદ્ધતિમાં પ્રારંભે વૈદ્યરાજ પોતે અથવા તેમના સહાયકો રોગી માટે કાચાં ઓસડમાંથી માત્રા અનુસાર ઔષધિનાં મિશ્રણ કરી પડીકીઓ બાંધી આપતા હતા. કેટલીક વાર વૈદ્યરાજ કેવળ ઔષધિની વિગતો જ લખી આપતા, જે રોગીએ કરિયાણાવાળાને ત્યાંથી કાચી ઓસડ રૂપે મેળવી સૂચના અનુસાર પ્રક્રિયા કરીને ઠરાવેલી માત્રામાં લેવાની રહેતી. રોગીઓ થોડા આવતા તથા ઔષધિઓની પરખ અઘરી હતી ત્યારે આ પદ્ધતિ અનુકૂળ અને આવશ્યક હતી. પ્રચાર, પ્રશિક્ષણ અને પ્રોત્સાહનના પરિણામે આયુર્વેદમાં લોકોની રુચિ વધી. પશ્ચિમી પદ્ધતિની જેમ તૈયાર ઔષધોની આવશ્યકતા અનુભવાઈ. ઝંડુ, ઊંઝા, સાંડૂ, ગુરુકુલ, રસશાળા, દુગ્ધાનુપાન, ધૂતપાપેશ્વર, વૈદ્યનાથ, ડાબર બર્મન આદિ થોડી આયુર્વેદિક ઔષધિ નિર્માણ કરતી ફાર્મસીઓ ઝડપથી વધતી માંગને પહોંચી વળવા સક્ષમ નહોતી. આયુર્વેદિક ફાર્મસીઓને ઉત્તેજન આપવાની સરકારી નીતિને સારો પ્રતિભાવ સાંપડ્યો. ઊંચી કક્ષાની આધુનિક સ્વરૂપની આયુર્વેદિક ઔષધિઓ બનાવવા સંખ્યાબંધ ફાર્મસીઓ ઊભી થઈ. 1999ના આરંભે દેશમાં નોંધાયેલી આયુર્વેદિક ફાર્મસીઓની સંખ્યા 8,405 હતી. આ આંકડામાં 549 યુનાની ફાર્મસી તથા 417 સિદ્ધ ઔષધિની ફાર્મસીઓનો સમાવેશ થતો નથી. ગૃહઉદ્યોગની રીતે વનસ્પતિ ઔષધિઓ બનાવતા એકમોની સંખ્યા ઘણી મોટી છે. આ ઉપરાંત લોન-લાયસન્સવાળી અન્ય ફાર્મસીઓ પણ છે. તેમની વિગતો : આયુર્વેદિક 458; યુનાની 4 અને સિદ્ધ 6.

ઔષધિવિકાસ

આયુર્વેદમાં વનસ્પતિમાત્ર ઔષધિ છે. ચંદ્રમાંથી વરસતું અમૃત ગ્રહણ કરીને દરેક વનસ્પતિ જીવનદાયી ઔષધિ બને છે. ફાર્મસીઓની સંખ્યા વધતાં કાચી ઔષધિની માંગ પણ ઝડપથી વધી. તેને અનુલક્ષીને મોટી માત્રામાં ઉપયોગી તથા દુર્લભ ગણાતી વનસ્પતિઓના રોપણ અને સંવર્ધન માટે પણ વિકાસ યોજના હાથ ધરાઈ. હવે કૃષિમંડળો, ફાર્મસીઓ તથા વ્યક્તિગત ધોરણે ઔષધોપયોગી વનસ્પતિની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં આવે છે. આ પ્રવૃત્તિનો એટલો સારો વિકાસ થયો છે કે હવે પરદેશમાં ઔષધિ-નિકાસની ઊજળી તકો પ્રાપ્ત થઈ છે. 1999માં આ ક્ષેત્રે પંદર સંસ્થાઓ કાર્યરત હતી. તેમને વાર્ષિક અનુદાન 76 લાખ રૂપિયા અપાયું હતું.

સંશોધન

આયુર્વેદનો વિકાસ છેલ્લાં એક હજાર વર્ષોથી સ્થગિત થઈ ગયો હતો. આ ગાળામાં પશ્ચિમમાં શરીરશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર તથા આયુર્વિજ્ઞાન ક્ષેત્રે પ્રચંડ પ્રગતિ થઈ. આયુર્વેદે પણ આધુનિક જીવનની આવશ્યકતાઓને અનુરૂપ થવું અનિવાર્ય હતું. આ માટે ભારત સરકારે ‘ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ’એ નામે ક્ષેત્ર રચી તેમાં આયુર્વેદ, સિદ્ધ, યુનાની, આમચી, તિબેટી, નિસર્ગોપચાર અને યોગના વિષયોમાં સંશોધન-કાર્યક્રમ અમલમાં મૂક્યો. આ વ્યાપક કાર્યક્રમ હેઠળ શિક્ષણસુધાર, સંશોધનમૂલક અભ્યાસ, ઔષધિમૂલક વનસ્પતિવિકાસ, ઔષધનિર્માણ માનકોનું નિર્ધારણ અને ઔષધપરીક્ષણની સુવિધા જેવી પ્રવૃત્તિઓનો આરંભ કરાયો. આની પાછળ ખર્ચાતી રકમ પ્રથમ પંચવર્ષીય યોજનાના રૂ. 40 લાખથી વધતી વધતી નવમી યોજનામાં 2.66 અબજ રૂપિયાની પેલી પાર પહોંચી છે. તેની વૃદ્ધિ ચાલુ છે. દરેક પદ્ધતિના ભિન્ન ઔષધકોશ(pharmacopeia)ની સત્તાવાર રચના માટે સમિતિઓ સક્રિય છે. 1970માં આ માટે ગાઝિયાબાદમાં પ્રયોગશાળાની સ્થાપના કરાઈ. કાચી ઔષધિનું તેનું સંગ્રહાલય અતિ સમૃદ્ધ છે. અહીં ઔષધવિશ્લેષણનું પ્રશિક્ષણ આપતું વિદ્યાલય પણ છે. દરેક ચિકિત્સા-પદ્ધતિની સંશોધન માટેની કેન્દ્રીય પરિષદ રચવામાં આવી છે. 1988માં દિલ્હીમાં રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. તેમાં ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા છે. આ ઉપરાંત, જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન, બૅંગાલુરુમાં યુનાની ચિકિત્સા સંસ્થાન તથા પુણેમાં નિસર્ગોપચાર સંસ્થાન પ્રચાર, પ્રશિક્ષણ, પ્રોત્સાહન આદિ કાર્યો કરે છે. ઔષધીય વનસ્પતિના વિકાસ માટે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયમાં ઔષધીય વનસ્પતિ કક્ષની રચના કરાઈ છે. અલમોડા પાસે મોહનમાં વિશ્વસનીય ઔષધિનિર્માણ નિગમની સ્થાપના કરવામાં આવી છે. 1983થી તે વૈદ્યોની માંગ અનુસાર શુદ્ધ ઔષધિઓ પૂરી પાડે છે. લગભગ બધાં રાજ્યોમાં સંશોધન એકમો તથા કેન્દ્રો ચાલે છે. બીજી મહત્વની સંશોધનસંસ્થાઓ આ પ્રમાણે છે :

1. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રિસર્ચ ઇન ઇન્ડિજિનસ સિસ્ટમ્સ ઑવ્ મેડિસિન, જામનગર, સ્થાપના 1953

2. સ્નાતકોત્તર આયુર્વેદ સંસ્થાન, કાશી; હિન્દુ વિદ્યાપીઠ, વારાણસી, 1963

3. અખિલ ભારતીય આયુર્વેદ અનુસંધાન સંસ્થાન, નાગપુર

4. અખિલ ભારતીય આયુર્વેદ અનુસંધાન સંસ્થાન, દિલ્હી

કેરળમાં આયુર્વેદ ટ્રસ્ટ સંસ્થા, સંશોધન અને ઉપચારમાં કાર્યરત છે.

નોંધપાત્ર ફાર્મસીઓની સૂચિ :

1. અડ્યાર ફાર્મસી, પ્રજાપુરમ્ (કેરળ)

2. આત્માનંદ સરસ્વતી સહકારી ફાર્મસી, સૂરત(ગુજરાત)

3. આયુર્વેદ રસશાળા, પુણે (મહારાષ્ટ્ર)

4. આર્ય ઔષધ ફાર્માસ્યૂટિકલ પ્રા. લિ., ઇંદોર (મ. પ્ર.)

5. આર્ય વૈદ્યશાળા, કોષ્ટકલ (કેરળ)

6. ઊંઝા ફાર્મસી, ઊંઝા તથા અમદાવાદ (ગુજરાત, સ્થા. 1874)

7. એલારસિન ફાર્મસી, મુંબઈ (મહારાષ્ટ્ર)

8. ઔષધિભવન, આયુર્વેદિક સેવાસંઘ, નાસિક (મહારાષ્ટ્ર)

9. કૃષ્ણગોપાલ આયુર્વેદ ભવન, કાલેડી–બોગલા (રાજસ્થાન)

10. ગર્ગ વનૌષધિ ભંડાર, વિજયગઢ (અલીગઢ) (ઉ.પ્ર.)

11. ગુરુકુલ કાંગડી ફાર્મસી, હરિદ્વાર (ઉ.પ્ર.)

12. ચરક ફાર્મસી, મુંબઈ (મહારાષ્ટ્ર)

13. ઝંડુ ફાર્માસ્યૂટિકલ વર્ક્સ, મુંબઈ (મહારાષ્ટ્ર)

14. ડાબર (ડા. એસ. કે. બર્મન) પ્રા. લિ., કોલકાતા, 1833

        (પશ્ચિમ બંગાળ)

15. ડાબર (ડા. એસ. કે. બર્મન) પ્રા. લિ. (દિલ્હી)

16. ડેક્કન આયુર્વેદાશ્રમ ફાર્મસી, હૈદરાબાદ (આં.પ્ર.)

17. દત્તાત્રેય કૃષ્ણ (ડી. કે.), સાંડૂ આયુર્વેદિક ફામર્ર્સી, મુંબઈ

        (મહારાષ્ટ્ર)

18. દીનદયાલ ઔષધિ પ્રા. લિ., ગ્વાલિયર (મ.પ્ર.)

19. ધન્વંતરિ આયુર્વેદિક ફાર્મસી, વિજયગઢ (અલીગઢ), (ઉ.પ્ર.)

20. ધૂતપાપેશ્વર (પનવેલ) પ્રા. લિ., પનવેલ (મહારાષ્ટ્ર)

21. નાગાર્જુન આયુર્વેદિક ફાર્મસી, અમદાવાદ (ગુજરાત)

22. પ્રાણાચાર્ય આયુર્વેદિક સંસ્થાન, વિજયગઢ (અલીગઢ) (ઉ.પ્ર.)

23. બેંગાલ કેમિકલ્સ ઍન્ડ ફાર્માસ્યૂટિકલ વર્કસ, કોલકાતા

        (પ. બંગાળ)

24. ભારતીય ઔષધનિર્માણશાળા (બાન) રાજકોટ, (ગુજરાત)

25. ભુવનેશ્વરી ઔષધશાળા, ગોંડલ (ગુજરાત)

26. મહર્ષિ આયુર્વેદિક ફાર્મસી, દિલ્હી

27. મુલતાની ફાર્માસ્યૂટિકલ, નવી દિલ્હી

28. મેવાડ આયુર્વેદિક વર્ક્સ પ્રા. લિ., ઉદયપુર (રાજસ્થાન)

29. રસશાળા ઔષધાલય, ગોંડલ (ગુજરાત)

30. રાજવૈદ્ય શીતલપ્રસાદ ઍન્ડ સન્સ, દિલ્હી

31. વાસુ ફાર્માસ્યૂટિકલ, વડોદરા (ગુજરાત)

32. વૈદ્યનાથ આયુર્વેદ ભવન પ્રા. લિ. (સ્થા. 1892), કોલકાતા

33. વ્યાસ ફાર્માસ્યૂટિકલ પ્રા. લિ., ઇંદોર (મ.પ્ર.)

34. સાધના ઔષધાલય, ઢાકા (બાંગલાદેશ)

35. હમદર્દ દવાખાના (યુનાની), દિલ્હી

36. હિમાલય ડ્રગ કંપની, મુંબઈ (મહારાષ્ટ્ર)

સામયિકો : સાક્ષરતાના પ્રસાર સાથે લોકોમાં વર્તમાનપત્રો અને સામયિકો વાંચવામાં રુચિ જાગી. આરોગ્ય વિશે સભાનતા જાગતાં વર્તમાનપત્રોમાં તે વિષયના સ્તંભો લખાતા થયા તથા વિશેષ સામયિકો પણ પ્રગટ થવા લાગ્યાં. તેમાં સ્વાભાવિક રીતે દેશી વૈદ્યકનો પ્રભાવ વધારે રહ્યો. કેટલાંક નોંધપાત્ર સામયિકોની સૂચિ અત્રે આપી છે.

આયુર્વેદ વિષયનાં સામયિકોની સૂચિ :

1. આયુર્વેદ મહાસંમેલનપત્રિકા (હિન્દી), નિખિલ ભારતીય આયુર્વેદ મહાસંમેલન, દિલ્હી

2. આયુર્વેદ વિકાસ (હિન્દી), ડાબર (ડા. એસ. કે. બર્મન), કોલકાતા

3. આરોગ્ય સંજીવની (હિન્દી), પાયોનિયર બુક કંપની, મુંબઈ

4. ધન્વંતરિ (હિન્દી), ધન્વંતરિ કાર્યાલય, વિજયગઢ (અલીગઢ)

5. નાગાર્જુન (અંગ્રેજી), નાગાર્જુન પ્રેસ, કોલકાતા

6. નિરામય (ગુજરાતી), ગુજરાત વિકાસ મંડળ ટ્રસ્ટ, અમદાવાદ

7. નીરોગધામ (હિન્દી), નીરોગધામ કાર્યાલય, ઈંદોર

8. નીરોગસુખ (હિન્દી), નીરોગસુખ કાર્યાલય, જયપુર

9. મહેતા નીરોગધામ (ગુજરાતી), મહેતા નીરોગધામ કાર્યાલય, વડોદરા

10 સચિત્ર આયુર્વેદ (હિન્દી), વૈદ્યનાથ આયુર્વેદ ભવન

11 સુધાનિધિ (હિન્દી), સુધાનિધિ કાર્યાલય, વિજયગઢ (અલીગઢ)

ગુજરાતમાં આયુર્વેદ વિકાસ

ભારતમાં કેટલાંક ક્ષેત્રોમાં ગુજરાત રાજ્ય પહેલ કરનારું રહ્યું છે. આયુર્વેદ વિકાસક્ષેત્ર આવું ક્ષેત્ર છે. પહેલી આયુર્વેદિક કૉલેજ પાટણમાં 1923માં સ્થપાઈ. 1924માં સૂરતમાં, 1938માં નડિયાદમાં અને 1946માં જામનગરમાં આયુર્વેદ કૉલેજો સ્થપાઈ. ત્યાં જ 1956માં અનુસ્નાતક શિક્ષણનો આરંભ થયો. જામનગરમાં જ દેશની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી 1967માં સ્થપાઈ. અત્યારે ગુજરાતમાં આયુર્વેદશિક્ષણની ઉત્તમ વ્યવસ્થા છે. શાસને આયુર્વેદ વિકાસ મંડળની સ્થાપના કરી છે. તે બીજી પ્રવૃત્તિઓ અંતર્ગત અદ્યતન ફાર્મસી દ્વારા ઉત્તમ આયુર્વેદિક ઔષધોનું નિર્માણ કરી સસ્તા મૂલ્યે રાજ્યભરમાં તેને સુલભ બનાવે છે. લોકોમાં આયુર્વેદ પ્રત્યે સારી જાગરુકતા પ્રવર્તતી થઈ છે.

બળદેવપ્રસાદ પનારા

ઇતિહાસ

પુરાતત્વવિદોએ ખોદકામ કરીને હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સિંધુ નદીના કાંઠેથી શોધી કાઢ્યા છે. આ સંસ્કૃતિનાં કેન્દ્રોમાંનું હડપ્પા પશ્ચિમ પંજાબ(હાલ પાકિસ્તાન)ના મૉંટગોમરી જિલ્લામાં અને મોહેં-જો-દડો સિંધના લારખાના જિલ્લામાં આવેલાં છે. આ ઉપરાંત રાજસ્થાનમાં કાલીબંગન, ઉત્તરપ્રદેશમાં આલમગીર, ગુજરાતમાં લોથલ, રંગપુર, રોજડી, ધોળાવીરા વગેરે સ્થળેથી પ્રાચીન અવશેષો મળી આવ્યા છે.

મોહેં-જો–દડોનું સ્નાનાગાર

આશરે ઈ. પૂ. 3000 વર્ષ અગાઉ આ સંસ્કૃતિનો વિકાસ થયો હતો. આ સંસ્કૃતિનાં હડપ્પા, મોહેં-જો-દડો નગરોનું બાંધકામ પૂર્વ-આયોજિત હતું. મકાનો હારબંધ અને રસ્તાઓ એકબીજાને કાટખૂણે છેદતા. આ નગરોમાં ભૂગર્ભ ગટર યોજના અને જાહેર સ્નાનગૃહો હતાં. લોથલમાં પણ રસ્તા પહોળા, સીધા અને એકબીજાને કાટખૂણે કાપતા હતા તથા ધોરી માર્ગો પહોળા હતા. લોથલના પૂર્વ છેડે વહાણ લાંગરવા માટે વિશાળ ધક્કો બાંધ્યો હતો. આ નગરોમાં વ્યવસ્થિત રાજ્યતંત્ર હોવાનું પ્રતીત થાય છે. ત્યાં વસતા લોકો સંભવત: દ્રવિડો હતા. તેઓ ખેતી કરી અનાજ ઉગાડતા હતા. લોકો વૈવિધ્યપૂર્ણ આભૂષણો પહેરતા હતા. તેઓ માટીનાં આકર્ષક તથા વિવિધ આકારનાં નાનાંમોટાં વાસણો વાપરતા હતા. કારીગરો તાંબું, કાંસું અને સોનાની અનેક વસ્તુઓ બનાવતા હતા. વેપારીઓ જળ અને જમીન માર્ગે સુમેરિયા, બૅબિલોન, ઇરાન, અરબસ્તાન, ઇજિપ્ત, અફઘાનિસ્તાન, બલૂચિસ્તાન વગેરે દેશો સાથે વેપાર કરતા. આ નગરોમાંથી મળેલી મુદ્રાઓ તથા તામ્રપટ્ટિકાઓ ઉપરનું લખાણ વાંચી શકાયું નથી. લોકો સામાન્ય રીતે સુતરાઉ કાપડનો પોશાક પહેરતા હતા. આશરે ઈ. પૂ. 1700માં આ સંસ્કૃતિનો લોપ થયો. ઈ. પૂ. 2000ના અરસામાં મધ્ય એશિયામાંથી આર્યો ભારતમાં આવ્યા અને પંજાબમાં સપ્તસિંધુના પ્રદેશમાં તેમની વસાહતો સ્થાપી. તેમણે પોતાના કરતાં વધારે સંસ્કારી દ્રવિડો સાથે લડાઈઓ કરી, તેમને હરાવીને દૂર હઠાવ્યા. આર્યોની અનેક ટોળીઓ હતી જેમાં પંચજન, ભરત, શ્રુંજય, પુરુ, યદુ વગેરે મુખ્ય હતી. તેઓ ગોરા, ઊંચા અને મજબૂત બાંધાના હતા. તે સમયનો દશ રાજાઓની લડાઈનો બનાવ મહત્વનો હતો. ભરત અને પુરુ નામની ટોળીઓ વચ્ચેની લડાઈમાં ભરત ટોળીના રાજા સુદાસે દશ રાજાઓના વિશાળ લશ્કરને પરાજય આપ્યો હતો. સૌથી મહત્વની આર્યોની ટોળી ભરતોની હતી. તે  ઉપરથી આ દેશનું નામ ‘ભારત’ પડ્યું. ઉત્તરમાં હિમાલયથી દક્ષિણમાં વિંધ્યાચળ પર્વત સુધીના તથા અફઘાનિસ્તાનથી બંગાળ સુધીના પ્રદેશનું ‘આર્યાવર્ત’ નામ પ્રચલિત થયું. આર્યાવર્તનાં મહત્વનાં ચાર આર્ય રાજ્યો હતાં : (1) હસ્તિનાપુર(કુરુક્ષેત્ર)માં ભરત કે કુરુ, (2) બ્રહ્માવર્તમાં ત્રિત્સુ, (3) પંજાબની ઉત્તરે પુરુ અને (4) યમુના નદીની દક્ષિણે યાદવ ટોળીનું ઇન્દ્રપ્રસ્થમાં રાજ્ય હતું. ઉત્તર વેદકાલીન સમયમાં સરસ્વતી અને ગંગા નદીઓના દોઆબના પ્રદેશમાં કુરુ અને પાંચાલોએ, કોશલ અને કાશીના વિસ્તારો વિદેહોએ અને વર્ધાની ખીણ સુધીના પ્રદેશો વિદર્ભોએ કબજે કર્યા. તેની આગળના પ્રદેશોમાં પૂર્વ બંગાળમાં અંગ લોકો, દક્ષિણ બિહારમાં મગધો, ઉત્તર બંગાળમાં પુંદ્રો, વિંધ્યાચળનાં જંગલોમાં પુલિંદો અને શબરો તથા ગોદાવરી નદીની ખીણના પ્રદેશોમાં આંધ્ર લોકોએ વસવાટ કર્યો. આ યુગમાં પરિક્ષિત્ અને જનમેજય જેવા શક્તિશાળી રાજાઓ થઈ ગયા. આર્યોએ રચેલું વૈદિક સાહિત્ય વિશ્વનું સૌથી પ્રાચીન સાહિત્ય છે. સૌપ્રથમ ઋગ્વેદની અને પછી યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની રચના થઈ. વેદોની ભાષા સંસ્કૃત છે અને તે ઘણુંખરું કાવ્યના રૂપમાં છે. તે પછી બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, વેદાંગો, ષડ્દર્શન તથા મહાકાવ્યોની રચના કરવામાં આવી. ઈ. પૂ. 800થી 500 દરમિયાન ઋષિઓ દ્વારા 108 ઉપનિષદો લખવામાં આવ્યાં. મહાકવિ વાલ્મીકિએ 24,000 શ્લોકોમાં રામાયણ તથા મહર્ષિ વેદવ્યાસે એક લાખ શ્ર્લોકોમાં મહાભારતની રચના કરી. ભારતના કરોડો લોકોને આ બે ગ્રંથોએ એક પ્રેમસાંકળે બાંધી, દેશમાં સાંસ્કૃતિક એકતાનું સર્જન કર્યું છે. મહાભારતના એક ભાગ રૂપે રજૂ થયેલ શ્રીમદભગવદગીતા જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વિના પ્રત્યેક માનવીને જીવન પ્રત્યેનો સાચો ર્દષ્ટિકોણ સમજાવે છે.

વેદોના સમયમાં સરકારનું સ્વરૂપ રાજાશાહીનું હતું. લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતી સભા અને સમિતિ જેવી સંસ્થાઓ રાજાની આપખુદ સત્તાને નિયંત્રણમાં રાખતી. આર્યોએ સમાજને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોમાં વહેંચી દીધો હતો. વ્યક્તિના જીવન વિશે વિચાર કરીને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ એમ ચાર વિભાગોમાં વહેંચી દીધું હતું.

ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં ભારતમાં ધાર્મિક ક્રાંતિ થઈ. વૈશાલીના રાજા સિદ્ધાર્થના પુત્ર વર્ધમાને ગૃહત્યાગ કરી, તપ કર્યા બાદ તે મહાવીર કહેવાયા, તેમણે જૈન ધર્મનો પ્રચાર કર્યો. કપિલવસ્તુના રાજા શુદ્ધોદનના પુત્ર સિદ્ધાર્થે તપ કરી, બુદ્ધ થયા બાદ ધર્મ-ચક્ર-પ્રવર્તન કર્યું. આ સમયે અંગ, મગધ, કાશી, કોશલ, વજ્જિ, મલ્લ, ચેદિ, વત્સ, કુરુ, પંચાલ, મત્સ્ય, શૂરસેન, અશ્મક, અવંતિ, ગંધાર અને કંબોજ આ 16 મહાજન પદો તથા કેકય, મદ્રક, કલિંગ, વિદર્ભ, આંધ્ર વગેરે અન્ય રાજ્યો પણ હતાં. તેમાં પણ મગધ, કોશલ, અવંતિ અને વત્સ મોટાં રાજ્યોમાંથી છેલ્લાં બે રાજ્યોએ વર્ચસ્ ગુમાવ્યું. તે પછી કોશલ-નરેશ પ્રસેનજિતને મગધનરેશ અજાતશત્રુએ હરાવી મગધની સર્વોપરિતા સ્થાપી. ઈ. પૂ. 326માં મૅસિડોનિયાના રાજા ઍલેક્ઝાંડરે ઉત્તર ભારત પર આક્રમણ કર્યું. પંજાબના રાજા પુરુ તથા કઠ ગણરાજ્યે તેનો સખત પ્રતિકાર કર્યો. છેવટે તેણે પીછેહઠ કરવી પડી. ત્યારબાદ કૌટિલ્યની મદદથી ચન્દ્રગુપ્ત મૌર્યે ધનનંદને હરાવી મગધ કબજે કર્યું, તેણે પોતાની શક્તિશાળી સેનાની મદદથી ભારતમાં પ્રથમ સામ્રાજ્ય સ્થાપ્યું. તેના પુત્ર બિંદુસારે 25 વર્ષ રાજ્ય કર્યા બાદ ઈ. પૂ. 272માં અશોક ગાદીએ બેઠો. તેણે કલિંગ પર વિજય મેળવ્યા બાદ શસ્ત્રસંન્યાસ લઈને બૌદ્ધ ધર્મનો દેશવિદેશમાં પ્રચાર કર્યો. તે માટે તેણે દેશભરમાં ખડકલેખો, ગુફાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. અશોક પછી મૌર્યવંશની પડતી શરૂ થઈ. ઈ. પૂ. 180માં રાજા બૃહદ્રથની હત્યા કરીને તેના બ્રાહ્મણ સેનાપતિ પુષ્પમિત્રે શૂંગ વંશ સ્થાપ્યો. તે દરમિયાન વિદેશીઓએ ભારત પર હુમલા કરી સરહદના પ્રદેશો જીતી લીધા. દિમેત્રિયસ અને મિનેન્ડર ગ્રીક શાસકો હતા. ઈ. સ. 100ના અરસામાં મધ્ય એશિયાના કુષાણ જાતિના કનિષ્કે કાશ્મીર, પંજાબ, સિંધ, સૌરાષ્ટ્ર રાજપૂતાના વગેરે પ્રદેશોમાં રાજ્ય સ્થાપ્યું હતું. દક્ષિણ ભારતમાં સાતવાહન વંશના ગૌતમીપુત્ર શાતકર્ણી અને વાસિષ્ઠિ પુલુમાવી, જેવા પ્રતાપી રાજાઓ થઈ ગયા. ઈ. સ. 300 પછી ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત (335–375) ચંદ્રગુપ્ત બીજો (380–414) અને સ્કંદગુપ્ત (455–468) જેવા પરાક્રમી સમ્રાટોએ રાજ્યવિસ્તાર કરવા સાથે વિદ્યા અને કલાને પ્રોત્સાહન આપ્યું. ચીની મુસાફર ફાહિયાન ગુપ્તોના શાસનતંત્રથી પ્રભાવિત થયો હતો. ગુપ્ત યુગમાં સમાજ સુખી અને સમૃદ્ધ હતો. વેપારીઓ દેશ-વિદેશ સાથે વેપાર કરતા હતા. ગુપ્ત સમ્રાટો પરમ ભાગવત હતા. તે સાથે તેઓ ધાર્મિક સહિષ્ણુતામાં પણ માનતા હતા. નાલંદા વિશ્વવિદ્યાલયમાં અનેક વિષયોમાં ઉચ્ચ શિક્ષણ અપાતું હતું, બૌદ્ધ વિદ્ધાન વસુબંધુ, નાલંદાના આચાર્ય શાંતિરક્ષિત, ધર્મપાલ, ગુણમનિ, શીલભદ્ર જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પ્રખર વિદ્વાનો આ સમયે થઈ ગયા. પ્રથમ કક્ષાના સંસ્કૃત સાહિત્યની રચના આ સમયે થઈ. મહાકવિ કાલિદાસ આ સમયના સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ કવિ હતા. આ ઉપરાંત વિજ્ઞાન, શિલ્પ, સ્થાપત્યનો પણ નોંધપાત્ર વિકાસ થયો હતો. સ્કંદગુપ્તે ઘાતકી હૂણ લોકોને હાંકી કાઢી મહાન દેશભક્તિ દાખવી હતી. હૂણ જાતિનો રાજા મિહિરગુલ ધર્મઝનૂની અને ક્રૂર હતો. સમ્રાટ હર્ષે (606–647) થાણેશ્વરના નાના રાજ્યમાંથી ઉત્તર ભારતમાં સામ્રાજ્ય સ્થાપ્યું. તે સંસ્કારી અને ધર્મપ્રિય રાજવી હતો. તેનો સમકાલીન વાતાપીનો પુલકેશી બીજો (609–642) ચાલુક્ય વંશનો શક્તિશાળી સમ્રાટ હતો. દક્ષિણ ભારતમાં ચોલ, પાંડ્ય અને ચેરા (કેરલ) રાજવીઓના સમયમાં વેપારઉદ્યોગનો વિકાસ થવાથી તે પ્રદેશની સમૃદ્ધિ વધી અને સાંસ્કૃતિક વિકાસ પણ થયો. આ તામિલ રાજ્યોની માહિતી સંગમ સાહિત્યમાંથી મળે છે.

ઈ. સ. 647થી 1200 સુધીના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. એશિયાના અનેક દેશોમાં ઇસ્લામનો ફેલાવો થયો હતો, ત્યારે ભારતના રાજપૂત રાજાઓએ મુસલમાનોને આવતા રોક્યા હતા. આઠમી સદીની શરૂઆતમાં મોહમ્મદ બિન કાસિમે સિંધ અને મુલતાન પ્રાંતો જીત્યા, પરન્તુ અરબો આગળ વધી શક્યા નહિ. સમ્રાટ હર્ષના અવસાન પછી પચાસ વર્ષે કનોજના રાજા યશોવર્માએ સામ્રાજ્ય સ્થાપ્યું. તેના અવસાન બાદ કનોજ જીતવા અનેક લડાઈઓ થઈ. માળવાના પ્રતીહારોએ ગુજરાતથી માંડી કનોજ સુધીનો વિશાળ પ્રદેશ કબજે કર્યો. આ વંશમાં નાગભટ બીજો અને મિહિર ભોજ નોંધપાત્ર રાજાઓ થઈ ગયા. દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટોમાં ગોવિંદ 3જાએ કનોજ સહિત ઉત્તર ભારતના પ્રદેશો જીતી લીધા હતા. દક્ષિણના ચોલ રાજાઓએ ભારતની બહારના પ્રદેશો પણ કબજે કર્યા હતા. ગુજરાતના સોલંકી વંશના સિદ્ધરાજ અને કુમારપાળના વખતમાં આસપાસના ઘણા પ્રદેશો જીતી લેવામાં આવ્યા તથા વેપાર, સાહિત્ય, વિદ્યા, કલા અને સ્થાપત્યના ક્ષેત્રે સારો વિકાસ થયો.

સાતમી સદીના આરંભથી હિંદુ અને બૌદ્ધ ધર્મ તથા સંસ્કૃતિનો ફેલાવો જાવા, સુમાત્રા, હિંદી ચીન વગેરે અગ્નિ એશિયાના દેશોમાં પણ થયો. અનેક મુસલમાન વેપારીઓ ગુજરાત અને મલબારનાં બંદરો સાથે વેપાર કરતા અને ત્યાં વસવાટ કરવા લાગ્યા. ઈ. સ. 1000 અને 1030 દરમિયાન મહમૂદ ગઝનીએ ભારત પર હુમલા કર્યા, મંદિરો તોડ્યાં અને સોનાચાંદીની લૂંટ કરી. મુહમ્મદ ઘોરીએ ઉત્તર ભારતના પ્રદેશો જીત્યા પછી 1206થી 1526 દરમિયાન દિલ્હીની ગાદી પર ગુલામ, ખલ્જી, તુગલુક, સૈયદ અને લોદી વંશના સુલતાનોએ શાસન કર્યું. તેમનામાં ઇલ્તુત્મિશ, બલબન, અલાઉદ્દીન ખલ્જી, મોહમ્મદ બિન તુગલુક વગેરે શક્તિશાળી સુલતાનો થયા હતા. ઈ.સ. 1526થી 1707 દરમિયાન બાબર, હુમાયૂં, અકબર, જહાંગીર શાહજહાંએ પ્રતાપી મુઘલોએ ભારતના વિશાળ પ્રદેશો પર શાસન કર્યું. તેમનામાં અકબરે વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું અને અર્ધી સદી સુધી રાજ્ય કર્યું. મેવાડના મહારાણા પ્રતાપે અકબરનો સખત સામનો કર્યો હતો. ઔરંગઝેબના સમયમાં દક્ષિણમાં મરાઠા સરદાર શિવાજીનો ઉદય થયો. તે સફળ સેનાપતિ અને કુશળ વહીવટદાર હતો. પૉર્ટુગીઝ નાવિક વાસ્કો દા ગામા 1488માં ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે ઊતર્યો. ત્યારબાદ પૉર્ટુગીઝ (ફિરંગી), ડચ (વલંદા), ફ્રેન્ચો તથા અંગ્રેજોએ ભારતમાં પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં. ક્લાઇવ, વૉરન હેસ્ટિંગ્ઝ, કૉર્નવૉલિસ, વેલેસ્લી અને ડેલહાઉસી જેવા અંગ્રેજ ગવર્નર જનરલોએ બ્રિટિશ સત્તાનો વિકાસ કર્યો. 1757માં પ્લાસીની લડાઈમાં કાવતરું કરીને ક્લાઇવે કેટલોક પ્રદેશ બંગાળમાં કબજે કર્યા બાદ 1857 સુધીમાં સમગ્ર ભારત ઉપર અંગ્રેજોએ સર્વોપરિતા સ્થાપી હતી. આ સો વરસ દરમિયાન સ્વમાની અને સ્વાતંત્ર્યપ્રિય ભારતીયોએ વખતોવખત અંગ્રેજો સામે બળવા કર્યા હતા. 1857માં બ્રિટિશ સરકાર સામે વિપ્લવ થયો. મેરઠ, દિલ્હી, કાનપુર, લખનૌ, ઝાંસી વગેરે તેનાં મુખ્ય કેન્દ્રો હતાં. નાનાસાહેબ, રાણી લક્ષ્મીબાઈ, કુંવરસિંહ, મૌલવી અહમદશાહ વગેરે વિપ્લવનાં આગેવાનો હતા. અંગ્રેજોએ વિપ્લવને કચડી નાખ્યો. પરન્તુ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ઇંગ્લૅન્ડની રાણી વિક્ટોરિયાએ શાસન લઈ લીધું.

ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય અને સ્વાતંત્ર્યસંગ્રામ

19મી સદીના પૂર્વાર્ધમાં ભારતમાં જાગૃતિ લાવવાનું પ્રથમ કાર્ય રાજા રામમોહન રાયે સામાજિક સુધારા તથા શિક્ષણ અને અખબારી સ્વાતંત્ર્ય દ્વારા કર્યું. તેમણે ભારતમાં આધુનિક યુગનો પ્રારંભ કર્યો. તેમણે અને બ્રહ્મોસમાજે સમાજના કુરિવાજો સામે જેહાદ જગાવી. સ્વામી દયાનંદ સરસ્વતીએ ‘વેદ તરફ પાછા જાઓ’નું સૂત્ર આપી ઉગ્ર રાષ્ટ્રવાદ જાગૃત કર્યો. અંગ્રેજી શિક્ષણે રૂઢિચુસ્ત સમાજમાં નૂતન વિચારો ફેલાવ્યા. ‘કેસરી’, ‘ધ હિન્દુ’ ‘હિન્દુ પેટ્રિયટ’ જેવાં અખબારોએ સરકારની શાહીવાદી નીતિની સખત ઝાટકણી કાઢી લોકોમાં રાષ્ટ્રવાદ જાગ્રત કર્યો. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, દીનબંધુ મિત્ર, રમેશચંદ્ર દત્ત જેવા લેખકોએ રાષ્ટ્રભક્તિપ્રેરક લખાણો દ્વારા લોકમાનસમાં ક્રાંતિ સર્જી. રાજકીય એકતા અને સંદેશા તથા વાહન-વ્યવહારના વિકાસે રાષ્ટ્રવાદના વિકાસને વેગ આપ્યો. ડિસેમ્બર 1885માં એ. ઓ. હ્યૂમે મુંબઈમાં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરી. તેમાં દાદાભાઈ નવરોજી, ફીરોઝશાહ મહેતા, દીનશા વાચ્છા, ન્યાયમૂર્તિ રાનડે વગેરે નેતાઓએ ભાગ લીધો. કૉંગ્રેસે તેના પ્રારંભનાં વર્ષોમાં નરમ વલણ દાખવ્યું. તેની ઠરાવો અને વિનંતીઓ કરવાની નીતિ સામે ટિળક, અરવિંદ ઘોષ, લાલા લજપતરાય વગેરેએ બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વરાજ્યની માગણી કરી ઉદ્દામ નીતિ અપનાવી. ઉગ્ર રાષ્ટ્રવાદનું અંતિમ સ્વરૂપ ક્રાંતિકારી ચળવળ હતું. શ્યામજી કૃષ્ણ વર્મા, વિનાયક સાવરકર, મૅડમ કામા, લાલા હરદયાળ વગેરે વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવતા. દેશમાંના ક્રાંતિકારીઓ બૉંબ કે રિવૉલ્વર વડે સરકારી અધિકારીઓ અથવા તેમના ટેકેદારોનાં ખૂન કરતા. ટિળક અને ઍની બેસન્ટે 1916માં અલગ અલગ હોમરૂલ લીગ સ્થાપીને સ્વરાજનો મંત્ર આમજનતામાં પહોંચાડ્યો.

દક્ષિણ આફ્રિકામાં સફળ સત્યાગ્રહ કરીને ગાંધીજી 1915માં ભારત પાછા ફર્યા. તેમણે અમદાવાદમાં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી. તે પછી ચંપારણના ખેડૂતોનાં દુ:ખ નિવારવા સત્યાગ્રહ કરીને સફળતા મેળવી. ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ જવાથી સત્યાગ્રહ કરીને ગરીબ ખેડૂતોનું મહેસૂલ મુલતવી રખાવ્યું. 1919ના ઍપ્રિલમાં રૉલેટ કાયદા સામે દેશભરમાં હડતાલ પડાવી અપૂર્વ સફળતા મેળવી. અમૃતસરમાં થયેલા જલિયાંવાલા બાગના હત્યાકાંડની તપાસ કરવા સમિતિ નીમવાની સરકારને ફરજ પાડવામાં આવી. 1920માં કૉલકાતામાં મળેલા કૉંગ્રેસના અધિવેશનમાં અસહકારની લડતનો ઠરાવ ગાંધીજીએ પસાર કરાવ્યો. તે મુજબ બહિષ્કાર અને રચનાત્મક કાર્યક્રમ આપવામાં આવ્યો. હજારો વિદ્યાર્થીઓએ શાળાકૉલેજો અને વકીલોએ વકીલાત છોડી. સરકારે હજારો સત્યાગ્રહીઓને જેલમાં પૂર્યા, લાઠીમાર અને ગોળીબારો કર્યા. લોકોએ વિદેશી માલની હોળીઓ કરી અને ખાદી અપનાવી. પરન્તુ હિંસા થવાથી ગાંધીજીએ લડત મોકૂફ રાખી. સરકારે ગાંધીજીની ધરપકડ કરી, રાજદ્રોહના ગુના હેઠળ છ વર્ષની કેદની સજા કરી. ધારાસભાઓમાં જઈને સરકારનો બંધારણીય વિરોધ કરવા ચિત્તરંજન દાસ, મોતીલાલ નહેરુ વગેરેએ સ્વરાજ પક્ષ સ્થાપી બંધારણીય લડત આપી. દેશમાં બંધારણીય સુધારા સૂચવવા બ્રિટિશ સરકારે સાયમન કમિશન નીમ્યું. તેમાં એક પણ ભારતીય સભ્ય ન હોવાથી દેશના બધા પક્ષોએ હડતાલો પાડી તથા સરઘસો કાઢીને તેનો વિરોધ કર્યો. 1929ના અંતમાં લાહોરમાં કૉંગ્રેસના અધિવેશને જવાહરલાલ નહેરુના પ્રમુખપદે સંપૂર્ણ સ્વાતંત્રતાની માગણીનો ઠરાવ કર્યો. 26મી જાન્યુઆરી 1930નો દિવસ સ્વાતંત્ર્યદિન તરીકે આખા દેશમાં ઊજવવામાં આવ્યો. સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરવા ગાંધીજીએ દાંડીકૂચ કરીને મીઠાના કાયદાનો ભંગ કર્યો. તે પછી દેશભરમાં કાનૂનભંગની ચળવળ શરૂ થઈ. દારૂતાડીનાં પીઠાં અને પરદેશી કાપડની દુકાનો ઉપર પિકેટિંગ કરવામાં આવ્યું. આશરે 75,000 માણસો જેલમાં ગયા. સરકારે સત્યાગ્રહીઓ ઉપર અત્યાચારો ગુજાર્યા. ગોળમેજી પરિષદો નિષ્ફળ ગયા બાદ સરકારે કોમી ચુકાદો જાહેર કર્યો. 1935ના હિંદી સરકારના કાયદા મુજબ 1937માં થયેલી ચૂંટણીઓમાં છ પ્રાંતોમાં બહુમતી મળતાં કૉંગ્રેસે પ્રધાનમંડળો રચ્યાં, પરન્તુ ભારતની સંમતિ વિના બ્રિટિશ સરકારે દેશને દ્વિતીય વિશ્વયુદ્ધમાં સંડોવ્યો, તેના વિરોધમાં કૉંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યાં. 1940માં મુસ્લિમ લીગે પાકિસ્તાનની રચનાની માગણી કરતો ઠરાવ કર્યો.

ઈ. સ. 1940માં રામગઢ અધિવેશનમાં ઠરાવ્યા મુજબ કૉંગ્રેસે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો. તેની શરૂઆત વિનોબા ભાવેએ પવનાર ખાતે યુદ્ધવિરોધી ભાષણથી કરી. તેમાં 40,000 સત્યાગ્રહીઓ જેલમાં ગયા.

માર્ચ 1942માં સ્ટૅફર્ડ ક્રિપ્સની દરખાસ્તોનો અસ્વીકાર કર્યા બાદ કૉંગ્રેસે અંગ્રેજોને દેશ છોડીને ચાલ્યા જવાનો આદેશ આપતો ઠરાવ મુંબઈ ખાતે પસાર કર્યો. 9મી ઑગસ્ટની વહેલી સવારે ગાંધીજી સહિત સેંકડો દેશનેતાઓની ધરપકડ કરવામાં આવી. લોકોનાં શાંત ટોળાં પર અમદાવાદ, મુંબઈ, શોલાપુર વગેરે સ્થળે લાઠીમાર અને ગોળીબારો કરવામાં આવ્યા. આગ અને ભાંગફોડના અનેક બનાવો બન્યા. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મુંબઈ ઇલાકામાં બૉમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. આ લડતમાં 60,000થી વધુ લોકોએ જેલ ભોગવી. અનેક શહેરો અને ગામોમાં હડતાલો પાડવામાં આવી. સુભાષચંદ્ર બોઝે જાપાનની સહાયથી આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી, આઝાદ હિંદ ફોજમાં યુદ્ધકેદીઓને જોડ્યા અને ઇમ્ફાલ, આરાકાન તથા પાલેલની ટેકરીઓમાં ખૂનખાર જંગ ખેલવામાં આવ્યો. તેમાં તેનો આખરે પરાજય થયો અને ફોજના સૈનિકો ગિરફતાર થયા. ફેબ્રુઆરી 1946માં મુંબઈ, કૉલકાતા, વિશાખાપટ્ટનમ્ વગેરે ઠેકાણે નૌકાસૈન્યના નાવિકોએ બળવો કર્યો અને સરદાર પટેલની સમજાવટથી તે પાછો ખેંચી લેવામાં આવ્યો. 1946માં જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ વચગાળાની સરકાર રચવામાં આવી. ‘માઉન્ટબૅટન યોજના’ મુજબ દેશના વિભાજનનો નિર્ણય લેવામાં આવ્યો. 15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત અને પાકિસ્તાનનાં બે સ્વતંત્ર રાજ્યોની રચના કરવામાં આવી. પંડિત જવાહરલાલ નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે મુત્સદ્દીગીરીથી 562 દેશી રાજ્યોનું ભારતના સંઘમાં વિલીનીકરણ કર્યું તે દેશની રાજકીય એકતા માટે નોંધપાત્ર સિદ્ધિ હતી. 30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધીનું ખૂન થયું. ભારતે પોતાના નવા બંધારણનો 26મી જાન્યુઆરી 1950થી અમલ શરૂ કર્યો. નવા બંધારણ મુજબ 1952માં સૌપ્રથમવાર સામાન્ય ચૂંટણીઓ કરવામાં આવી. મે 1964માં જવાહરલાલ નહેરુનું અવસાન થયું ત્યાં સુધી તેમણે વડાપ્રધાન તરીકે કામ કર્યું. દેશના આર્થિક વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓ ઘડવામાં આવી અને ઉદ્યોગો, ખેતી, વીજળી વગેરે ક્ષેત્રોમાં વિકાસોન્મુખ પગલાં લેવામાં આવ્યાં. વિદેશો સાથે ભારતે બિનજોડાણની નીતિ અપનાવી તથા પંચશીલના સિદ્ધાંતો સ્વીકાર્યા. ચીને 1962માં આક્રમણ કર્યું ભારતે સ્વરક્ષણનાં પગલાં ભરવાં પડ્યાં. નહેરુના અવસાન પછી 1964માં લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા. કાશ્મીર અને કચ્છના રણની સરહદે 1965માં ભારતને પાકિસ્તાન સાથે યુદ્ધ થયું અને તેમાં ભારતે જ્વલંત વિજય મેળવ્યો. તાશ્કંદમાં કરાર કરવા ગયેલા વડાપ્રધાન શાસ્ત્રીનું જાન્યુઆરી 1966માં અવસાન થયું. તે પછી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં. 1972માં પાકિસ્તાન સાથે થયેલી લડાઈમાં પાકિસ્તાનનો સખત પરાજય થયો અને અલગ બાંગ્લાદેશની રચના કરવામાં આવી. 1975માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી. 1977ની ચૂંટણી પછી મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા અને જનતા પક્ષની સરકાર રચવામાં આવી. 1979માં મોરારજી દેસાઈએ રાજીનામું આપતાં, 1980માં ચૂંટણી બાદ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં. ઑક્ટોબર 1984માં ઇન્દિરા-ગાંધીની હત્યા થયા બાદ તેમના પુત્ર રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા.

જયકુમાર ર. શુક્લ

રાજકારણ

પ્રાચીન ભારતીય રાજકીય પરંપરામાં ‘દંડ’ અને ‘ધર્મ’ અત્યંત અગત્યનું સ્થાન ધરાવતા હતા. દંડના ઉપયોગ સાથે શિસ્ત, શિક્ષા અને સત્તાના ખ્યાલો સંકળાયેલા હતા જે મુખ્યત્વે શાસનનું એટલે કે સરકારનું કાર્ય હતું. રાજધર્મનું એક મુખ્ય પાસું સમાજ પ્રત્યેની નિષ્ઠા હતી. એ શબ્દ વ્યાપક અને સર્વગ્રાહી અર્થમાં પ્રયોજાતો. રાજધર્મમાં રૂઢિ, પરંપરા, નિયમો-કાયદાઓ, નૈતિકતા, ફરજ, ન્યાય, પવિત્રતા જેવી વ્યાપક બાબતો સમાવિષ્ટ હતી. જાહેરજીવનની તમામ બાબતો પર ધર્મનો અંકુશ હતો. આમ માનવજીવનની સાથે વ્યાપક સમાજજીવનને સાંકળી લેતી આચારસંહિતા ધર્મશાસ્ત્ર દ્વારા અપાતી હતી.

પ્રાચીન ભારતીય રાજકીય પરંપરામાં રાજધર્મ મુખ્યત્વે બે સ્વરૂપો–રાજાશાહી અને ગણતંત્રોમાં જોવા મળતો. પ્રજાના હિતમાં કામ કરતી શિષ્ટ રાજ્યવ્યવસ્થા વિરુદ્ધ ધર્મમાર્ગથી ચ્યુત થયેલા શાસકોને પદભ્રષ્ટ કરવાની ભલામણ પણ તેમાં કરવામાં આવતી.

ઈ. પૂ. છઠ્ઠી સદીમાં બૌદ્ધધર્મનો આવિર્ભાવ થયો ત્યારે રાજકીય ક્ષેત્રે નવી વિભાવનાઓ પેદા થઈ જેમાં જ્ઞાતિવ્યવસ્થાનો ઇન્કાર કરવામાં આવ્યો તેમજ મહિલાઓને ધાર્મિક વ્યવસ્થામાં સ્થાન આપવામાં આવ્યું. શ્રમિક અને કારીગર વર્ગને સમાજના મોભી તરીકે સ્થાન આપી સુગ્રથિત સમાજવ્યવસ્થા વધુ સુર્દઢ કરવામાં આવી. લોકશાહી અને બહુલતાવાદી રાજકીય જીવનને શક્તિ પૂરી પાડે અને મજબૂત બનાવે તેવાં તત્વો આ પરંપરામાં અભિપ્રેત હતાં.

ભારતનાં કળા, કારીગરી અને હુન્નરે તથા બહોળા વ્યાપાર-વણજે વિદેશી પ્રજાઓને આકર્ષી હતી. શક, કુશાણ, હૂણ, તૂર્કો, મુસ્લિમો, ફ્રેંચ, પૉર્ટુગીઝ અને અંગ્રેજ પ્રજાઓના મોટા સમૂહો પ્રારંભે વ્યાપાર અર્થે આકર્ષાયા અને ત્યારબાદ રાજકીય શાસકો તરીકે સ્થિર બનતા ગયા. આ વિદેશીઓને ભારતીય સમાજમાં સમ્મિલિત કરવાની, સમાવી લેવાની પ્રક્રિયા દેશમાં સતત ચાલતી રહી. વિવિધ જાતિઓ, સંસ્કૃતિઓ અને ધર્મો એકબીજાંમાં ભળતા ગયાં તેથી ક્રમશ: મિશ્ર રાષ્ટ્રીય સંસ્કૃતિના સર્જન સાથે અનોખી એકતા નિર્માણ પામી. આ સંમિશ્ર સંસ્કૃતિ સૂફીવાદ અને ભક્તિ આંદોલનના પરિણામ રૂપે ભારતીય રાજકીય પરંપરાનો ચિરંજીવ અંશ બની જેમાં કબીર, ગુરુ નાનક કે દાદુ જેવા સંતોનો ભારે પ્રભાવ હતો.

સત્તરમી સદીનું રાજકીય ભારત અસ્તવ્યસ્ત હતું. મોગલ સામ્રાજ્ય તૂટી પડવાની અણી પર હતું. સમગ્ર દેશ રાજા-રજવાડાં અને નવાબોના આધિપત્ય હેઠળ નાનાં નાનાં રાજ્યોમાં વિભાજિત હતો. સમાજમાં વ્યાપક વાડાબંધી પ્રવર્તતી હતી. રાજકીય અંધાધૂંધીની આ સ્થિતિનો લાભ લઈ અંગ્રેજ વ્યાપારી પેઢી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સત્તાનાં સૂત્રો હસ્તગત કર્યાં ત્યારે મધ્યકાલીન રાજકીય ભારતે તેનો પ્રતિકાર કર્યો. મરાઠા, શીખ અને રાજપૂત શાસકોએ અંગ્રેજ શાસકોને 1857ના વિપ્લવ દ્વારા પડકાર્યા જે ભારતના ઇતિહાસની શકવર્તી ઘટના છે. ભારતની સ્વતંત્રતાની સભાન ખેવના સાથે ખેલાયેલું એ પહેલું સ્વાતંત્ર્યયુદ્ધ હતું. એથી સામંતયુગીન ભારતનો અંત આવ્યો અને પશ્ચિમી સંસ્કૃતિનો પડકાર શરૂ થયો. આ પડકાર સામેની મથામણમાંથી રાષ્ટ્રીય પુનર્જાગૃતિનું કલેવર બંધાવા માંડે છે અને તેમાંથી રાષ્ટ્રીય મુક્તિ આંદોલનનો તખ્તો ઘડાય છે.

રાષ્ટ્રીય પુનર્જાગૃતિએ પરંપરાગત ભારતીય સમાજને આધુનિકતાની સમીપ લાવવા પ્રયાસ કર્યો. પરંપરાગત મૂલ્યોને નવો ઓપ આપી સમાજસુધારા દ્વારા જાગૃતિ આણી. આ પ્રજાકીય નવજાગૃતિમાં બ્રિટિશ શાસકોએ વિવિધ રીતે જાણ્યે-અજાણ્યે ફાળો આપ્યો.

બ્રિટિશ શાસનના આગમન સાથે પ્રથમ વાર જ મજબૂત કેન્દ્રીય રાજકીય સત્તાનો દેશને પરિચય થયો અને તે સાથે રાષ્ટ્રવ્યાપી એવું એક જ વહીવટીતંત્ર અમલી બન્યું. સમગ્ર દેશના વહીવટ માટે એકસરખાં કાનૂની ધોરણો ક્રમશ: ઊભાં થયાં. આ વહીવટી કાર્યોમાં ભારતીયોને સામેલ કરાતાં વહીવટી તાલીમ ધરાવતો વર્ગ પેદા થયો જે આઝાદી પછી ભારતની મોટી મૂડી બની રહ્યો. આ સાથે સમાન ન્યાયપદ્ધતિ અને ‘કાયદાના શાસન’(Rule of Law)નો પરિચય સાંપડ્યો. પાશ્ચાત્ય શિક્ષણના ફેલાવા સાથે ઉદારમતવાદી વિચારધારાનો પરિચય થતાં નવું ર્દષ્ટિબિંદુ સાંપડ્યું જેણે ધર્મસુધારણા અને સમાજસુધારણાની પ્રવૃત્તિઓને જન્મ આપ્યો. અંગ્રેજી ભાષાનો અભ્યાસ દેશના અગ્રવર્ગોને નજીક લાવ્યો. વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર વિકસતાં પ્રજાના વિવિધ સ્તરો અને વર્ગો વચ્ચે આદાન-પ્રદાનની ભૂમિકા રચાઈ. રેલવે અને ભૂમિમાર્ગોના વિકાસને કારણે ભૌગોલિક નજદીકતા ગાઢ પ્રજાકીય સંપર્કોમાં પરિણમી. અખબારો અને શિક્ષણના વધતા વ્યાપે વૈચારિક આદાનપ્રદાન અને માહિતીની લેવડદેવડની સુવિધા વિસ્તારી અને પ્રજાની લઘુતાગ્રંથિ ખંખેરવામાં મદદ કરી. પોતાના સાહિત્ય અને ધર્મ માટે ગૌરવ કેળવવાની સભાનતા વિકસી. આ નવશિક્ષિતોના બે વર્ગ હતા. એક વર્ગ વિદેશી શાસકોનો પ્રશંસક અને બીજો વર્ગ તેનો ટીકાકાર વર્ગ હતો. આ વર્ગને સામાજિક, સાંસ્કૃતિક કે બૌદ્ધિક ક્ષેત્રે થતા અન્યાય કઠતા હતા જેમાંથી સામાજિક સુધારાની માંગ જન્મી અને લાંબે ગાળે અધિકારો અને સ્વશાસનની માંગમાં પરિણમી. આ વર્ગે બ્રિટિશ શાસકોના સામ્રાજ્યવાદી સ્વરૂપને છતું કર્યું.

આર્થિકક્ષેત્રે બ્રિટનની સામ્રાજ્યવાદી નીતિઓને કારણે ગૃહઉદ્યોગો નષ્ટપ્રાય થયા, જમીનદારી પદ્ધતિના અમલને કારણે ખેડૂતો બેહાલ બન્યા. આર્થિક શોષણે તીવ્ર અસંતોષ પેદા કર્યો. તો બીજી તરફ આયાત થતા બ્રિટિશ માલને લીધે નવા વર્ગો અને હિતો ઉદભવ્યાં. આર્થિક વિરોધાભાસ તીવ્ર અને કટુતાભર્યો બન્યો જેણે રાષ્ટ્રીય મુક્તિ આંદોલનને શક્તિ આપી.

વિશ્વસ્તરે યુરોપના સંસ્થાનવાદની તીવ્ર હરીફાઈએ યુદ્ધો સર્જ્યાં. યુરોપમાં પણ રાષ્ટ્રવાદ વેગીલો બન્યો હતો અને દેશોની રાજકીય સરહદો બદલાઈ રહી હતી. પ્રથમ વિશ્વયુદ્ધે (1914–18) પ્રજાઓના ‘આત્મનિર્ણય’ના હકને ઉચિત ઠેરવ્યો, જેણે એશિયા-આફ્રિકાના દેશોની પ્રજાઓને જાગ્રત કરી, રાષ્ટ્રવાદી બનાવી. શાસકો માટે સમસ્યાઓ સર્જી. વિદેશી શાસકોનાં અને વતની પ્રજાઓનાં હિતો વ્યાપક ઘર્ષણમાં આવતાં બંને વચ્ચે સંઘર્ષ અનિવાર્ય બન્યો.

ભારતમાં બ્રિટિશ શાસકો સાથે સહકાર, સમજૂતી અને સમાધાનના પ્રયાસો નિષ્ફળ નીવડતાં પ્રજાએ પ્રચંડ અને અસાધારણ પુરુષાર્થનો માર્ગ લીધો. પ્રજાકીય પુરુષાર્થની આ કહાણી એટલે રાષ્ટ્રીય મુક્તિ આંદોલન.

રાષ્ટ્રીય મુક્તિ આંદોલનનું પ્રારંભનું સ્વરૂપ માંગણી અને સમાધાનનું રહ્યું. આ માંગણીઓ ઉગ્ર બનતાં અને તેનો કોઈ નોંધપાત્ર પ્રતિભાવ ન મળતાં સ્વરાજ્યની માંગનો એકમાત્ર અંતિમ ઉપાય હાથ ધરવામાં આવ્યો. પ્રજાની પૂર્ણ સ્વરાજ્યની આ લડતને મુખ્ય ચાર તબક્કા દ્વારા સમજી – સમજાવી શકાય :

1. આરંભનો તબક્કો, 1857થી 1885

2. વિનીત રાજકારણનો તબક્કો, 1885થી 1904

3. વિનીત – ઉગ્રવાદી રાજકારણના સંઘર્ષનો તબક્કો, 1905થી 1919

4. ગાંધીપ્રભાવિત રાજકારણનો તબક્કો, 1920થી 1947

1. આરંભનો તબક્કો

1857થી 1885 : 1857ના વિપ્લવ દ્વારા બ્રિટિશ શાસનને પડકારવાનો વિફળ પ્રયાસ થયો. પરંતુ એથી પ્રજામાં સ્વતંત્રતાની ઝંખના અને બલિદાનની ભાવના જાગ્રત થઈ. બીજી બાજુ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જ્ઞાતિઓની ચડઊતર વ્યવસ્થા, બ્રાહ્મણવર્ગનું પ્રભુત્વ, શૂદ્રો પ્રત્યેનો ઘૃણાસ્પદ વ્યવહાર, ધર્મના જડ ક્રિયાકાંડ અને વહેમી માન્યતાઓથી સમાજ વિચ્છિન્ન હતો ત્યારે સામાજિક સુધારણા અને નવરચનાના પ્રયાસો બ્રહ્મોસમાજ, આર્યસમાજ અને પ્રાર્થનાસમાજના સ્વરૂપમાં પાંગર્યા. વહાબી ચળવળે પણ શિયા-સુન્નીના સાંપ્રદાયિક મતભેદો મિટાવવા સાથે બ્રિટિશ સામ્રાજ્યને પડકારવાનું લક્ષ્ય રાખ્યું. વાસુદેવ બલવંત ફડકેના એક વ્યક્તિ સૈન્યથી આરંભાયેલા મરાઠા જૂથે શસ્ત્રસહાયના માર્ગોનો આશ્રય લઈ બ્રિટિશ સરકારને ઉથલાવવાની નેમ તાકી. 1870 પછી દુકાળ અને કિસાન હુલ્લડોની પરંપરા ઉદભવી અને 1875ના ડેક્કન કિસાન આંદોલને પ્રજાના રોષને વાચા આપી. 1877માં રાણી વિક્ટોરિયાને ‘ભારતની સામ્રાજ્ઞી’ જાહેર કરતો ઠસ્સાદાર દરબાર ભરાયો અને ‘હરખ હવે તું હિન્દુસ્તાન’ ગવાયું પણ હરખ અતિ દૂર હતો. જનતા બ્રિટિશ શાસનથી હરખવા તૈયાર નહોતી. દેશભક્તિના રંગ અને મિજાજને અખબારોએ વાચા આપી. 1861થી શરૂ થયેલા ભારતીય દૈનિકોએ 1878ના અખબારી સ્વાતંત્ર્ય પર અંકુશ મૂકતાં ‘વર્નાક્યુલર પ્રેસ ઍક્ટ’નો ઉદ્દેશ પિછાન્યો. 1879ના ભારતીયોને માટે શસ્ત્રબંધી ફરમાવતા ‘આર્મ્સ ઍક્ટ’ને લીધે પ્રજા સરકાર પ્રત્યે શંકાશીલ બની. પ્રજાની પ્રવૃત્તિઓને અવરોધતા દ્વેષીલા દમનકારી અને અપમાનજનક કાયદાઓ ઘડવાનું સરકારનું વલણ વધ્યું. ભારતીય અને બ્રિટિશ નાગરિકો વચ્ચે સમાન અદાલતી વ્યવહારની ભલામણ કરતા ‘ઈલ્બર્ટ બિલ’ને ફગાવી દઈ બ્રિટિશરોએ જાતિગત ભેદભાવ સ્પષ્ટ કર્યો. આ ઘટનાઓએ જન્માવેલા તીવ્ર અસંતોષ અને અજંપાને વાચા આપી સુરેન્દ્રનાથ બેનરજીએ. 1876માં તેમણે ‘કલકત્તા ઇન્ડિયન ઍસોસિયેશન’ની સ્થાપના દ્વારા સનદી સેવાઓમાં ભારતીયોને થતા અન્યાય વિરુદ્ધ અને બ્રિટનમાં લેવાતી પરીક્ષાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. આ વિરોધના પરિપાક રૂપે ઍસોસિયેશનની રાહબરી હેઠળ ‘નૅશનલ કૉન્ફરન્સ’ ભરવામાં આવી. સમગ્ર ભારતમાં તે આ પ્રકારનો સૌપ્રથમ પ્રયાસ હતો. ભારતીય ઇતિહાસકારો તેને 1885માં રચાયેલી કૉંગ્રેસની સાચી પુરાગોમી સંસ્થા ગણે છે. આમ કૉંગ્રેસની રચનાનું બીજ રોપાયું.

આ જ અરસામાં રાષ્ટ્રીય સભાનતાનાં અન્ય વહેણો શરૂ થયાં. પ્રારંભિક નેતાગીરીનું રાષ્ટ્રવાદી દિશાનું કાર્ય આરંભાયું. દાદાભાઈ નવરોજીએ આર્થિક શોષણની ઘટનાને રાષ્ટ્રીય વિચારો સાથે સાંકળી. મહાદેવ ગોંવિદ રાનડેએ આર્થિક અને સામાજિક સુધારણાનો પાયો નાંખ્યો. પ્રજાના અસંતોષની આગને વ્યવસ્થિત રજૂઆતની તક સાંપડે એ માટે ઉદારમતવાદી અંગ્રેજ ઑક્ટેવિયન હ્યૂમના પ્રયાસોથી 1885માં ‘ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ’ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાના નેજા હેઠળ આનંદમોહન બોઝ, સુરેન્દ્રનાથ બેનરજી, રાસબિહારી ઘોષ, દાદાભાઈ નવરોજી, ફીરોઝશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, મહાદેવ ગોવિંદ રાનડે, ગોપાળ કૃષ્ણ ગોખલે, દીનશા વાચ્છા જેવા અનેક અગ્રણીઓ વધુ સક્રિય બન્યા. અસંતોષને અભિવ્યક્ત કરવા કાનૂની માર્ગોએ નવા નવા તોર-તરીકા શોધવા તેમણે સૌએ મથામણ આદરી. આમ કૉંગ્રેસની સ્થાપનાના શક્વર્તી બનાવ દ્વારા સંસ્થા સ્વરૂપે ભારતીય રાષ્ટ્રવાદ આવિર્ભાવ પામ્યો.

2. વિનીત રાજકારણનો તબક્કો

1885થી 1904 : રાષ્ટ્રીય સ્વરૂપની આ સંસ્થાએ કેટલીક માગણીઓ રજૂ કરી જેમાં  ઇંગ્લેન્ડની સાથે ભારતમાં પણ સનદી સેવાઓની પરીક્ષાઓ યોજવાની કેન્દ્ર અને પ્રાંતોની ‘લેજિસ્લેટિવ કાઉન્સિલો’ને વિસ્તૃત કરવાની તથા તેમાં પ્રશ્નો પૂછી ચર્ચા કરવાના અધિકારની અને વાયવ્ય સરહદી પ્રાંત, ઔંધ અને પંજાબમાં ધારાસભાની રચનાનો સમાવેશ થતો હતો. ક્રમશ: ન્યાયતંત્ર અને કારોબારીની અલગતાની, ટૅકનિકલ અને ઔદ્યોગિક વિકાસની, જમીન-મહેસૂલ પદ્ધતિમાં સુધારાની, વેઠપ્રથાની નાબૂદીની, કપાસ પરની જકાતની નાબૂદીની, બ્રિટિશ સંસ્થાનોમાં વસતા ભારતીયોની સ્થિતિની સુધારણાની, રાજદ્રોહના કાયદાની નાબૂદીની, ભારતીય યુનિવર્સિટી ધારાની અને સ્થાનિક સ્વરાજ્ય જેવી ભારતીય પ્રજાનો ઉત્કર્ષ તાકતી વિવિધ માંગણીઓ મવાળ નેતાઓ દ્વારા આ તબક્કામાં થઈ.

અલબત્ત, આ તમામ માગણીઓની પરિપૂર્તિ અર્થે બ્રિટિશ શાસન સામે સંઘર્ષ નહિ પણ સહકારની વિનીતોની મુરાદ હતી. વિનંતી અરજી, આજીજી કે મેમોરૅન્ડમ દ્વારા માંગણીઓ સંતોષાય તેવી તેમની અભિલાષા હતી. બ્રિટિશ રાજનીતિજ્ઞોની ન્યાયબુદ્ધિમાં તેમને વિશ્વાસ હતો. તેઓ બ્રિટન અને ભારતનાં હિતોને સહધર્મી માનતા અને તેની સાથે મિત્રાચારીભર્યા સંબંધોની હિમાયત કરતા હતા. તેમના આવા નરમ વલણને કારણે આ તબક્કો મવાળ વલણો માટે જાણીતો બન્યો. પ્રજાકીય અપેક્ષાઓની સતત રજૂઆત છતાં સંઘર્ષમાં ન ઊતરવાનો બંધારણીય કહી શકાય તેવો માર્ગ તેમને માન્ય હતો. આમ શાસકો સાથેનો સીધો સંઘર્ષ તેમણે ટાળ્યો. આમ છતાં વ્યાપક પ્રજાકીય સ્તરે રાજકીય અન્યાયો પ્રત્યેની સભાનતા કેળવવામાં તેમનું અદ્વિતીય પ્રદાન હતું.

પ્રારંભકાળમાં જ પ્રજાને લોકશાહી વિચારો, પદ્ધતિઓ અને પ્રાતિનિધિક સંસ્થાઓની પિછાન કરાવી રાષ્ટ્રીય ચેતનાને સંકોરવાનું કાર્ય આ નેતાગણે કર્યું. આમ સ્વરાજ્યક્ષેત્રે કોઈ પ્રગતિ સંભવિત ન બની પણ વ્યાપક રાષ્ટ્રીય ચેતનાનો જુવાળ શરૂ થયો.

આ નેતાગણ શાસકો અને શાસિતો વચ્ચેના મૂળભૂત હિતસંઘર્ષને સમજવામાં થાપ ખાઈ ગયો. નિર્ભેળ રાજકીય અને આર્થિક હિતોની અથડામણ તેમની ર્દષ્ટિમર્યાદાની બહાર રહી. તમામ માંગણીઓ અંગે સરકાર તરફથી લગભગ નકારાત્મક પ્રત્યુત્તર મળતાં સહકારભર્યા શાંતિમય માર્ગોમાંથી શ્રદ્ધા ગુમાવવાનો વારો આવ્યો અને સંઘર્ષની અનિવાર્યતા ઊભી થઈ.

3. વિનીત–ઉગ્રવાદી રાજકારણના સંઘર્ષનો તબક્કો

1905થી 1919 : પ્રજાકીય માંગના નકારાત્મક પ્રત્યુત્તરથી લોકોનો અસંતોષ તીવ્ર, તીવ્રતર બનતો જતો હતો. સરકાર પાસેથી સમજદારીની અપેક્ષા ઠગારી નીવડી ચૂકી હતી. 1905માં લૉર્ડ કર્ઝને બંગાળના ભાગલા કર્યા ત્યારે આ સંતોષ ચરમસીમાએ પહોંચ્યો અને સમગ્ર પ્રજાએ એક સૂરે આ ભાગલાનો વિરોધ કર્યો, જેમાં મધ્યમવર્ગ પણ જોડાયો હતો. રાષ્ટ્રીય માંગ અને બ્રિટિશ શાસન સામેનો તીવ્ર પ્રત્યાઘાત હવે માત્ર પ્રગતિશીલ, ભણેલા-ગણેલા બુદ્ધિજીવીઓનું ક્ષેત્ર ન રહ્યું. રાષ્ટ્રવાદનાં મૂળિયાં પ્રજાજીવનમાં પ્રસરી ચૂક્યાં હતાં. લાલ, પાલ ને બાલ (લાલા લજપતરાય, બિપીનચંદ્ર પાલ અને બાળ ગંગાધર ટિળક) સાથેના મવાળોના મતભેદો સપાટી પર આવ્યા. ટિળકે ઉગ્ર અને લડાયક માર્ગો અપનાવવાની હિમાયત કરી. 1906માં દાદાભાઈ જેવાના ધ્યેયગામી વલણથી આ બે જૂથો વચ્ચે સમાધાન તો થયું પરંતુ કૉંગ્રેસે ‘વિદેશી’ વસ્તુઓના બહિષ્કારનો ઠરાવ કર્યો. સમાધાન અલ્પજીવી નીવડ્યું. જહાલોના ઉગ્ર કાર્યક્રમો પ્રજાની માંગણી સંતોષાવાની આશા જન્માવતા હતા. રાષ્ટ્રવાદની આ લાગણીમાં સર્જક કલ્પનાશીલતા ઉમેરીને ‘ભારતમાતા’ની કલ્પના ખડી કરાઈ. ‘વંદેમાતરમ્’ આપોઆપ રાષ્ટ્રગીત બન્યું.

બંગાળના ભાગલાને કારણે યુવા આક્રોશ તેજ બન્યો. બંગાળમાં ‘અનુશીલન સમિતિ’ સ્થપાઈ. બારીન્દ્ર ઘોષ આ પ્રવૃત્તિના નેતા બન્યા. ‘યુગાંતર’ સામયિક શરૂ થયું. ક્રાંતિકારી તકનીકો વિકસાવવામાં આવી અને ક્રાંતિકારી લડતે વેગ પકડ્યો. બંગાળ, બિહાર, ઓરિસા, પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી ક્રાંતિકારી પ્રવૃત્તિ વિસ્તરી. વધુમાં શ્યામજી કૃષ્ણ વર્મા જેવાઓએ વિદેશ વસવાટ સ્વીકાર્યો. 1905માં ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ની સ્થાપના કરીને ‘ઇન્ડિયન સોશિયૉલૉજિસ્ટ’ પત્રનો આરંભ કરીને ‘પૂર્ણ સ્વરાજ’ની ઘોષણા કરી. ક્રાંતિકારીઓની પ્રવૃત્તિ બ્રહ્મદેશ (હવે મ્યાનમાર), મલાયા, સિંગાપોર, હૉંગકૉંગ, શાંઘાઈ, ચીન, ઑસ્ટ્રેલિયા, ફ્રાંસ, કૅનેડા સુધી વિસ્તરી. ‘ગદ્દર’ને ક્રાંતિકારી પ્રચારનું કેન્દ્ર બનાવાયું. સરકારી તિજોરીની લૂંટ, બ્રિટિશ અધિકારીઓનાં ખૂન, બૉમ્બ પ્રવૃત્તિ, રેલવે અને ટેલિગ્રાફના માર્ગોમાં ભાંગફોડ જેવી હિંસક પ્રવૃત્તિઓનો તેમને કોઈ છોછ નહોતો. બ્રિટિશ શાસકોના શોષિત અને દમનખોર સ્વરૂપને તેમણે દેશ-વિદેશમાં ઉઘાડું પાડ્યું.

આ જ અરસામાં રાષ્ટ્રવાદી લડતમાં એક વધુ ફાંટો ફંટાયો. 1906માં ‘મુસ્લિમ લીગ’ની સ્થાપના થઈ. સર સૈયદ અહમદખાને ‘મુસ્લિમ અસ્મિતા’ની વાત કરી અને મુસલમાનોને કૉંગ્રેસથી ‘અલગ’ રહેવાની સલાહ આપી. ત્યારબાદ મુસ્લિમ અસ્મિતાનાં વલણો કુંઠિત થયાં અને તેમણે કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યા, પરંતુ મૂળ વલણો તદ્દન નાબૂદ થયાં નહોતાં.

ટિળકનો ‘માંડલે’ ખાતેનો કારાવાસ, કલકત્તા અધિવેશનના પ્રમુખ તરીકે દાદાભાઈએ કરેલો ‘સ્વરાજ્ય’ના ધ્યેયનો ઉલ્લેખ, 1908માં મુંબઈની કાપડની મિલોના મજદૂરોની હડતાળ – આ બધી ઘટનાઓ સૂચવતી હતી કે રાષ્ટ્રવાદી લડત સમાજના મધ્યમવર્ગીય સ્તરોને પાર કરી નીચેના થરોમાં પ્રસરી ચૂકી હતી. રાજકીય ર્દષ્ટિએ જનસમાજની સામેલગીરીનો પ્રારંભ થયો હતો.

પ્રજાના આ વ્યાપક આક્રોશને નરમ પાડવા 1909ના મોર્લે-મિન્ટો સુધારામાં કોમી મતદાર મંડળો સૂચવીને મર્યાદિત અધિકાર દ્વારા પ્રતિનિધિઓની ચૂંટણીની વાત રજૂઆત પામી. ત્યારબાદ 1919 અને 1935 સુધીમાં કોમી મતદારમંડળોનો ખ્યાલ ખ્રિસ્તી, એંગ્લો-ઇન્ડિયન, યુરોપિયન અને હરિજનો સુધી વિસ્તર્યો. બ્રિટિશ શાસકોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ ખુલ્લી પડી.

આ સુધારા છતાં પ્રજાના લડાયક મિજાજમાં કોઈ પરિવર્તન નહોતું આવ્યું. 1914માં ‘હોમરૂલ લડત’માં સ્વ-સરકારનો ઉદ્દેશ વ્યક્ત કરાયો. 1915માં ગોખલેનું અવસાન થયું. ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું લઈને જ જંપીશ’ એ ટિળકનું સૂત્ર પ્રત્યેક રાષ્ટ્રવાદીનું સૂત્ર બન્યું. રાજકીય તખ્તો ઝડપભેર નવો રંગ ધારણ કરી રહ્યો હતો. રોલેટ ઍક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે બ્રિટિશ સરકારનું દમનકારી સ્વરૂપ ખુલ્લું પાડ્યું. આ તીવ્ર કટોકટી અને કૉંગ્રેસના આંતરિક મનોમંથનના સમયે નવી અસાધારણ પ્રતિભાનું ભારતના રાજકીય તખ્તા પર આગમન થયું.

4. ગાંધીપ્રભાવિત રાજકારણનો તબક્કો

1920થી 1947 : દેશના રાજકારણમાં પ્રવર્તતી દ્વિધાના સમયે ગાંધીજીનો રાજકીય ક્ષેત્રે પ્રવેશ થાય છે. બ્રિટિશ પ્રતિસ્પર્ધીની પાકી ઓળખ તેમને ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ’ વેળા મળી ચૂકી હતી. ભારતપ્રવાસ દ્વારા સામાન્ય જનજીવનના હીરની પરખ પણ ગાંધીજીએ કરી અને 1916માં તેઓ કૉંગ્રેસમાં જોડાયા. બિહારના ચંપારણમાં અને ગુજરાતના બારડોલીમાં સત્યાગ્રહો પ્રયોજીને તેઓ આ પદ્ધતિને કસોટીની સરાણે ચડાવે છે. પ્રજામાં તેમને વિશ્વાસ બેસે છે અને સત્યાગ્રહની પદ્ધતિઓનો વ્યાપક ઉપયોગ કરવાનો મનસૂબો પાકો બને છે. 1918ના અમૃતસર અધિવેશનમાં સરકારે સૂચવેલા બંધારણીય સુધારાઓ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો. મુસ્લિમ લીગની ખિલાફત ચળવળને ટેકો આપી લીગને રાષ્ટ્રવાદના મધ્યપ્રવાહ સાથે જોડવામાં આવી અને ધીમે ધીમે ગાંધીની વિકસતી પ્રતિભા રાષ્ટ્રજીવનનાં વહેણો સાથે તદ્રૂપ બનતી ગઈ. અસહકારની લડતનો આરંભ થયો. આ અસહકારના કાર્યક્રમનાં બે પાસાં હતાં : વિધેયાત્મક અને નકારાત્મક. વિધેયાત્મક પાસા તરીકે સ્વદેશીને ઉત્તેજન, ખાદી રેંટિયાને ઉત્તેજન, અસ્પૃશ્યતાની નાબૂદી, હિંદુ-મુસ્લિમ એક્તા, મદ્યપાનબંધી જેવા કાર્યક્રમ યોજાતા. નકારાત્મક પાસાં તરીકે ત્રિકોણિયો બહિષ્કાર – ધારાસભાઓનો, સવિનય કાનૂનભંગ અને વિદેશી માલનો બહિષ્કાર માન્ય રહ્યાં. તમામ સ્તરના લોકો આ કાર્યક્રમોમાં જોડાતાં નૂતન રાષ્ટ્રવાદનો આરંભ થયો. એથી રાષ્ટ્રીય લડતને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વ્યાપ સાંપડ્યો. રાષ્ટ્રીય લડતના રચનાત્મક કાર્યક્ષેત્રની ભૂમિકા બંધાઈ.

ચૌરીચૌરામાં નિદોર્ષોની હત્યાને કારણે અસહકારની લડત પાછી ખેંચાઈ. કૉંગ્રેસ-લીગ જોડાણ તૂટ્યું. રાષ્ટ્રવાદની ટૅકનિક શી હોવી જોઈએ એ મુદ્દે કૉંગ્રેસના અગ્રણીઓ સાથે મતભેદ થતાં દેશબંધુ ચિત્તરંજન દાસ, મોતીલાલ નેહરુ, વિઠ્ઠલભાઈ પટેલ વગેરે અગ્રિમ હરોળના નેતાઓએ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી. 1924માં ભયંકર કોમી રમખાણો થયાં. 1927માં સાયમન કમિશન ભારત આવ્યું જેનો બહિષ્કાર થયો. મદ્રાસ અધિવેશનમાં ગાંધીજીનો વિરોધ છતાં પૂર્ણ સ્વરાજ્યની ઘોષણાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. 1928માં બારડોલી સત્યાગ્રહ યોજાયો. 1929ની લાહોર કૉંગ્રેસમાં ‘સ્વરાજ્ય એટલે પૂર્ણ સ્વાતંત્ર્યની’ ઘોષણા કરવામાં આવી અને આ ર્દઢનિશ્ચયના પ્રતીક રૂપે રાવી કાંઠે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો. 1930ની કૉંગ્રેસ કારોબારીની એક બેઠકમાં 26મી જાન્યુઆરીને ‘પૂર્ણસ્વરાજ્યદિન’ તરીકે ઊજવવાનો નિર્ણય લેવાયો. 1930માં ઐતિહાસિક દાંડીકૂચ આરંભાઈ. કિશોરો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્રીય લડતમાં જોડાયાં. દેશાભિમાન અને જાગૃતિનું પ્રચંડ મોજું સમગ્ર દેશમાં ફરીવળ્યું અને જેલ મહેલ બની.

સરકાર સમાધાન માટે ઉત્સુક હતી. ગોળમેજી પરિષદો યોજાઈ અને નિષ્ફળતામાં પરિણમી. 1932માં હરિજનોના ‘અલગ મતાધિકાર’નો કોમી ચુકાદો લાદવાનો પ્રયાસ થયો. ગાંધીજીએ ‘આમરણ ઉપવાસ’ શરૂ કર્યા. સરકારને નિર્ણય બદલવાની ફરજ પડી. 1935માં પ્રાંતિક સ્વરાજ્ય, 1937માં ચૂંટણીમાં ભારતના અગિયારમાંથી આઠ પ્રાંતોમાં કૉંગ્રેસને બહુમતી મળતાં પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી સરકારોની રચનામાં મહમદઅલી ઝીણાને હિંદુત્વનો રંગ દેખાયો અને પછીનાં વર્ષોમાં તેઓ ‘દ્વિરાજ્ય-દ્વિરાષ્ટ્ર’ના સમર્થક બન્યા. 1939માં બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં પ્રાંતિક સરકારોની સંમતિ વિના ભારતને વિશ્વયુદ્ધમાં સામેલ કરાતાં આ સરકારોએ રાજીનામાં આપ્યાં અને સ્વાયત્તતાનો અધ્યાય સમાપ્ત થયો.

1940માં વ્યક્તિગત સત્યાગ્રહ આરંભાયો. 1942માં ‘હિંદ છોડો’ની લડત દ્વારા સ્વાતંત્ર્યની લડતનું અંતિમ ચરણ આરંભાયું. કોમી સમસ્યા માટે નિષ્ફળ મંત્રણાઓ યોજાતી રહી. બ્રિટિશ શાસકોની નિષ્ઠામાંથી વિશ્વાસ ગુમાવી બેઠેલા નેતાજી સુભાષચંદ્ર બોઝે 1942માં આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ કર્યું. એશિયાઈ દેશ જાપાનની મદદ લઈ બ્રિટિશરોને હંફાવી ભારતને સ્વતંત્ર બનાવવાના તેમને કોડ હતા. 1945માં બ્રિટનમાં મજૂર પક્ષ સત્તા પર આવ્યો. 1946નો નૌકાદળનો બળવો સરકારની આંખ ઉઘાડનાર બન્યો. કૅબિનેટ મિશન ભારત આવ્યું. મુસ્લિમ લીગે ‘હિંદુ બહુમતીના જુલમ’ નીચે જીવવાને બદલે ‘સીધાં પગલાં’ની ઘોષણા કરી. ઠેર ઠેર કોમી રમખાણો ફાટી નીકળ્યાં. બ્રિટનમાં ઍટલીની મજૂર સરકારે 1948 જૂન પહેલાં હિંદની જવાબદારીઓથી મુક્ત થવાનો ઇરાદો જાહેર કરી આઝાદીનો માર્ગ મોકળો કર્યો.

આ જાહેરાતના અનુસંધાનમાં લૉર્ડ માઉન્ટબેટન ભારતના ગવર્નર જનરલ નિમાયા અને ભારત-પાકિસ્તાનના સર્જન સાથે સ્વતંત્રતાનું પ્રભાત ઊગ્યું. 15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત આઝાદ બન્યું અને ભારતના સ્વતંત્ર રાજ્યનું સર્જન થયું.

બંધારણસભા

બંધારણ એટલે દેશનો મૂળભૂત કાયદો. સ્વતંત્ર ભારતની અનેક જરૂરિયાતોમાંની પાયાની જરૂરિયાત, ભાવિ સરકારો માટેની પદ્ધતિ અને નીતિનિયમો ઘડવાની હતી. આ કાર્ય 1946માં બંધારણની રચના દ્વારા હાથ ધરાયું.

બંધારણ-ઘડતરના કાર્ય માટે બંધારણસભા રચવામાં આવી, જેની પ્રથમ બેઠક 9મી ડિસેમ્બર, 1946ના રોજ સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખસ્થાને મળી હતી. આ બેઠક અવિભાજિત ભારત અસ્તિત્વમાં હતું, ત્યારે યોજાઈ હતી. ભારતના વિભાજનની પૂર્વસંધ્યાએ 14 ઑગસ્ટ, 1947ના રોજ ભારતની સાર્વભૌમ બંધારણસભાની બેઠક યોજાઈ જેમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદને બંધારણસભાના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા. ફેબ્રુઆરી, 1948માં બંધારણનો મુસદ્દો પ્રકાશિત કરવામાં આવ્યો. 26 નવેમ્બર, 1949માં તેનો સ્વીકાર કરવામાં આવ્યો અને 26 જાન્યુઆરી, 1950માં બંધારણનો અમલ શરૂ થયો.

1906માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે સ્વરાજ્યની માંગ કરી ત્યારે તેમાં બંધારણસભાનો વિચાર સમાયેલો હતો. 1922માં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ બંધારણઘડતરનો વિચાર ગાંધીજીએ રજૂ કર્યો. 28 ડિસેમ્બર 1936ના રોજ યોજાયેલ ફૈઝપુર અધિવેશનમાં કૉંગ્રેસે આ અંગેનો સંકલ્પ જાહેર કર્યો. આ તબક્કે મુસ્લિમ લીગે બંધારણ અંગે રસ દાખવ્યો નહોતો પરંતુ 1940માં લીગ પણ બંધારણની માંગમાં જોડાઈ. કૉંગ્રેસ અને લીગની સંયુક્ત માંગ ઊભી થતાં બ્રિટને 1940માં ‘ઑગસ્ટ ઑફર’ દ્વારા બંધારણસભા અંગેની માંગનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો. 15મી માર્ચ, 1946ના રોજ બ્રિટનની વડાપ્રધાન ઍટલી સરકારે ભારતીયોનો બંધારણઘડતરનો અધિકાર માન્ય કર્યો. આ માટે 1946માં બ્રિટિશ સરકારે કૅબિનેટ મિશન ભારત મોકલ્યું. ભારત આવેલા આ મિશને બંધારણસભાની રચના રજૂ કરી જેમાં બ્રિટિશ પ્રાંતોના 296 પ્રતિનિધિઓ તેમજ ભારતીય દેશી રાજ્યોના 93 પ્રતિનિધિઓ એમ કુલ 389 સભ્યોથી રચાયેલી બંધારણસભાની જોગવાઈ કરી. 1935ના કાયદા અનુસાર 1945માં પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી યોજાયેલી તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને દેશી રાજ્યોના પ્રતિનિધિઓ આ બંધારણસભાના સભ્યો હતા. આ સમયે કર, મિલકત અને શૈક્ષણિક લાયકાતો પર આધારિત મર્યાદિત મતાધિકારની જોગવાઈ કરવામાં આવી હતી. આમ કુલ વસતીના માત્ર 14% લોકોને જ મતાધિકાર મળ્યો હતો. વળી પ્રતિનિધિઓની ચૂંટણી દેખીતી રીતે જ પરોક્ષ હતી. આ કારણોસર બંધારણસભાની રચનાને ઊણપભરી ગણવામાં આવે છે. અલબત્ત, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રખર રાષ્ટ્રવાદી હોવાથી બંધારણીય આદર્શો ઉપર તેની કોઈ અસર નહોતી.

બંધારણના વિવિધ વિભાગો અંગે કલમો ઘડવા વિવિધ સમિતિઓ નીમવામાં આવી હતી. જેમાં (1) બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ, (2) સંઘ સંવિધાન સમિતિ, (3) પ્રાંતીય સંવિધાન સમિતિ, (4) સંઘની સત્તાઓ અંગેની સમિતિ, (5) લઘુમતીઓ સંબંધે સલાહકાર સમિતિ, (6) મૂળભૂત હક્કો અંગેની સમિતિ (7) સંઘ રાજ્ય અને ઘટક રાજ્યો વચ્ચે નાણાકીય સંબંધો અંગેની સમિતિ – આ મુખ્ય સમિતિઓ હતી. બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકર હતા. આ સમિતિનું કાર્ય બંધારણસભાના હેતુદર્શી પ્રસ્તાવ, વિવિધ સમિતિઓના અહેવાલો અને તે અંગેની બંધારણસભાની ચર્ચાના પ્રકાશમાં રાજ્યબંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું હતું, ત્યારબાદ આ સમિતિએ રજૂ કરેલા મુસદ્દાની કલમવાર વિશદ ચર્ચા-વિચારણા કરી તેમાં આવશ્યક સુધારા કરવામાં આવ્યા. આ મુસદ્દો ત્રણ વાંચનમાંથી પસાર થયા પછી બંધારણસભાએ 26 નવેમ્બર, 1949ના રોજ તેને આખરી સ્વરૂપમાં પસાર કર્યો. તે જ દિવસે બંધારણસભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદે મંજૂરી આપી તે સાથે બંધારણસભાના 284 ઉપસ્થિત સભ્યોએ સહી કરી મંજૂરી આપતાં ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ

બંધારણના ઘડતરમાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. એ માટે 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પ્રજાની આંકાક્ષાઓ અને વ્યવહારુતાને લક્ષમાં લઈને ઘડાયેલું આ બંધારણ 395 કલમો અને 8 પરિશિષ્ટો ધરાવે છે. 1930ની કૉંગ્રેસ કારોબારીની બેઠકમાં 26મી જાન્યુઆરીને ‘પૂર્ણ સ્વરાજ્યદિન’ તરીકે ઊજવવાનો નિર્ણય લેવાયો હતો તે ઘટનાની સ્મૃતિ રૂપે બરાબર 20 વર્ષના ગાળા બાદ 26 જાન્યુઆરી 1950થી સ્વતંત્ર ભારતનું પ્રજાસત્તાક બંધારણ અમલી બન્યું. બંધારણના ઘડવૈયાઓએ વ્યાપક આદર્શ અને વિશાળ ર્દષ્ટિને અનુલક્ષીને જગતનાં લોકશાહી બંધારણોના તમામ ઉદાત્ત સિદ્ધાંતોને બંધારણમાં સંમિલિત કરવા ચાહ્યા હતા.

બંધારણના મુખ્ય ઘટકો આ પ્રમાણે છે :

(1) બંધારણનું આમુખ

(2) ભાગ 1થી 22  જેમાં 1થી 395 કલમોનો સમાવેશ થયો છે.

(3) પરિશિષ્ટ 1થી 12 અને

(4) અનુસૂચિ

73મો બંધારણીય સુધારાધારો 1992 દ્વારા ભાગ 9 અને પરિશિષ્ટ 11 (કલમ 243-જી) સામેલ કરવામાં આવ્યા છે.

ભારતના મૂળ બંધારણનું આમુખ ભારતના પ્રજાજનોને નામે રજૂ થયું છે તે ભારતને સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાક ઘોષિત કરે છે. 1976ના 42મા સુધારા દ્વારા તેમાં ‘સમાજવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક’ આ બે આદર્શો ઉમેરવામાં આવ્યા. સાથોસાથ દેશની એકતાના ઉલ્લેખમાં એકતાની સાથે અખંડિતતા શબ્દનો ઉમેરો પણ કરવામાં આવ્યો હતો. આમુખ દ્વારા ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, ભ્રાતૃભાવ વ્યક્તિગૌરવ અને રાષ્ટ્રીય એકતાના ધ્યેયો રજૂ થયા છે.

મૂળ બંધારણનો બીજો હિસ્સો કદમાં સૌથી મોટો છે તેમાં કુલ 395 કલમોનો સમાવેશ થયો છે. તેમાં સંઘ સરકાર અને સંઘ સરકાર સંચાલિત વિસ્તારો, સત્તાવિભાજન, નાગરિકત્વ, મૂળભૂત અધિકારો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કેન્દ્ર સરકાર, તેની કારોબારી–પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીમંડળની રચના, તેમની સત્તાઓ અને વિસર્જન જણાવવામાં આવ્યાં છે. પાછળથી તેમાં મૂળભૂત ફરજો અંગેની કલમો પણ ઉમેરવામાં આવી છે. સંસદના બંને ગૃહોની રચના, કામગીરી અને વિસર્જન જણાવવામાં આવ્યાં છે. ન્યાયતંત્રની રચના અને કામગીરીની વાત કરવા ઉપરાંત એટર્ની જનરલ કમ્પટ્રોલર અને ઑડિટર જનરલ, ચૂંટણીપંચ, રાજ્યો માટે ઍડવોકેટ જનરલ, અને બંધારણ સુધારવાની પદ્ધતિની અનુક્રમે રજૂઆત થઈ છે.

બંધારણનાં પરિશિષ્ટોમાંથી પ્રથમ પરિશિષ્ટમાં કેન્દ્રશાસિત અને રાજ્યોના વિસ્તારો, બીજા પરિશિષ્ટમાં પ્રમુખ, ઉપપ્રમુખ, રાજ્યપાલ, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, ચૅરમૅન, નાયબ ચૅરમૅન, વિધાનસભાના અધ્યક્ષો વગેરેનાં વેતન અને ભથ્થાંઓ અંગેની માહિતી આપવામાં આવી છે. ત્રીજું પરિશિષ્ટ વિવિધ સોંગદવિધિની બાબતો આવરે છે. ચોથું પરિશિષ્ટ રાજ્યસભામાં રાજ્યો અને કેન્દ્રશાસિત વિસ્તારોને ફાળવવામાં આવેલી બેઠકોને સ્પર્શે છે. પાંચમું પરિશિષ્ટ વહીવટ તથા બંધારણીય સુધારા અંગે છે. છઠ્ઠું પરિશિષ્ટ આદિવાસી વિસ્તારોના વહીવટને સ્પર્શે છે. સાતમું પરિશિષ્ટ ભારતીય સંઘ રાજ્ય અંગે છે જેમાં કેન્દ્રયાદી, રાજ્યયાદી અને સંયુક્ત યાદીનો સમાવેશ થયો છે જે દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાવિભાજનનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે. આઠમું પરિશિષ્ટ માન્ય ભાષાઓની યાદી રજૂ કરે છે. નવમું પરિશિષ્ટ જમીનવેરો, રેલવે, ઉદ્યોગોને સ્પર્શે છે. દસમા પરિશિષ્ટમાં પક્ષપલ્ટાવિરોધી ધારાની જોગવાઈઓનો સમાવેશ થયો છે. અગિયારમા પરિશિષ્ટમાં પંચાયતોનાં વિવિધ પાસાંઓ અંગેની જોગવાઈઓ છે અને બારમા પરિશિષ્ટમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ અંગેની જોગવાઈઓનો સમાવેશ થયો છે.

ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી લાંબું લિખિત બંધારણ છે. વિશ્વનાં વિવિધ બંધારણોની લોકશાહી જોગવાઈઓનો તેમાં સમાવેશ કરવાનો તેમજ સત્તાના દુરુપયોગનાં જોખમો વિરુદ્ધ કાનૂની જોગવાઈની આડશો ઊભી કરી તમામ સારાં તત્વોનો સમન્વય કરવાનો પ્રયાસ થયો હોવાથી બંધારણ ખૂબ લાંબું બન્યું. વધુમાં પ્રજાની આશા, આકાંક્ષા, આદર્શો અને મૂલ્યોનું પ્રતિબિંબ પણ તેમાં પડે છે. સરકારનું પ્રત્યેક અંગ તેને સુપરત થયેલી સત્તામાં જ કાર્ય કરે એ રીતે વિવિધ અંગોના કાર્યક્ષેત્રની ચોક્કસ સીમાઓ આંકીને સત્તાની મર્યાદામાં જ ઘટકો કાર્ય કરે તેમ જણાવવામાં આવ્યું છે. એટલે કે બંધારણીય સર્વોપરિતાનો સિદ્ધાંત તેમાં સમાયેલો છે. ઉપરાંત વિશિષ્ટ આમુખ, સાર્વભૌમ લોકશાહી, બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક રાજ્ય, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પુખ્તવયમતાધિકાર, એક જ નાગરિકત્વ, વિશિષ્ટ સમવાયતંત્ર, સંસદીય પદ્ધતિની સરકાર, સુપરિવર્તનશીલતા (flexibility) અને દુષ્પરિવર્તનશીલતાનો સુમેળ, સ્વતંત્ર, સળંગ અને તટસ્થ ન્યાયતંત્ર, પછાત વર્ગો અને લઘુમતીઓ માટેની ખાસ જોગવાઈ જેવાં ઘણાં લક્ષણો ભારતનું બંધારણ ધરાવે છે.

બંધારણમાં સુધારા કરવાની પદ્ધતિ : કોઈ પણ બંધારણીય દસ્તાવેજમાં કાલાતીત જોગવાઈઓ રદ કરવાની અને નવી આવશ્યક જોગવાઈઓ ઉમેરવી જરૂરી હોય છે. આવા ફેરફાર કરવા માટે બંધારણમાં સુધારા કરવાની પદ્ધતિની જોગવાઈ પ્રત્યેક બંધારણ કરે છે. ભારતે પણ બંધારણીય સુધારાવધારા માટેની જોગવાઈઓ અંગે મુખ્યત્વે બે પદ્ધતિઓ સ્વીકારી છે. બંધારણના અમુક હિસ્સામાં સહેલાઈથી પરિવર્તન કરી શકાય છે તો અમુક હિસ્સામાં પરિવર્તન કરવાનું કામ ખૂબ અઘરું છે. આ અર્થમાં ભારતનું બંધારણ અતિશય જડ પણ નથી તેમ સાવ સુપરિવર્તનશીલ પણ નથી. ભારતના બંધારણમાં સુધારા કરવાની બે પદ્ધતિઓ છે :

(1) એક પદ્ધતિ અનુસાર કુલ સભ્યોની બહુમતીથી અને સંસદના પ્રત્યેક ગૃહના હાજર રહી મતદાન કરતા સભ્યોની બે તૃતીયાંશ બહુમતી અને કુલ રાજ્યોની અડધી વિધાનસભાઓની મંજૂરી બાદ રાષ્ટ્રપ્રમુખ સંમતિ આપે તો બંધારણમાં તે મુજબનો ફેરફાર થઈ શકે. ભારતના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કેન્દ્રની કારોબારીની સત્તાઓ, સંઘ અને રાજ્યો વચ્ચેના ધારાકીય સંબંધો, સર્વોચ્ચ અને વડી અદાલતો વગેરેની બાબતમાં આ પદ્ધતિની ભલામણ કરવામાં આવી છે.

(2) બીજી પદ્ધતિ અનુસાર સંસદના પ્રત્યેક ગૃહની બહુમતી અને પ્રત્યેક ગૃહના હાજર રહી મતદાન કરતા સભ્યોની બે તૃતીયાંશ બહુમતી બાદ પ્રમુખની સંમતિથી તે મુજબનો ફેરફાર કરી શકાય.

બંધારણીય સુધારા અંગે નોંધપાત્ર બાબત એ છે કે બધા બંધારણીય સુધારાની દરખાસ્ત માત્ર સંઘની સંસદ દ્વારા જ થઈ શકે છે. આ અંગેનો ખરડો સંસદના બેમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ થવો જોઈએ. રાજ્યની વિધાનસભાઓ બંધારણીય સુધારાની દરખાસ્ત કરી શકતી નથી.

રાજકીય સંસ્થાઓ

ભારતના રાષ્ટ્રપ્રમુખ : ભારતીય પ્રજાસત્તાકના અંતિમ અને આખરી વડા રાષ્ટ્રપ્રમુખ છે. આપણે સમવાયતંત્રી પદ્ધતિનો સ્વીકાર કર્યો હોવાથી સમવાયી માળખાના વડા પણ રાષ્ટ્રપ્રમુખ છે. તેઓ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રના પણ વડા છે. તેઓ દેશનાં સશસ્ત્ર દળોની ત્રણે પાંખના સર્વોચ્ચ વડાનો હોદ્દો પણ ધરાવે છે. ઉચ્ચ હોદ્દા પરની તમામ નિમણૂકો બંધારણ અનુસાર તેમની સંમતિથી કરવામાં આવે છે. આમ રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે. પરોક્ષ ચૂંટણી પદ્ધતિ દ્વારા તેમને ચૂંટવામાં આવે છે. તેમના હોદ્દાની મુદત પાંચ વર્ષની હોય છે. તેમની વય 35 વર્ષ યા તે કરતાં વધુ હોવી જોઈએ તેમજ અન્ય ક્યાંય તેઓ સવેતન હોદ્દો ધરાવતા ન હોવા જોઈએ તથા લોકસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. રાષ્ટ્રપ્રમુખ વ્યાપક સત્તાઓ ધરાવે છે. જેમાં તેમની કારોબારી વિષયક, ધારાકીય સત્તાઓ તેમજ અદાલતી સત્તાઓનો સમાવેશ થાય છે. મહત્વની બાબત તો એ છે કે અસાધારણ પરિસ્થિતિઓને સંભાળી લેવા માટે રાષ્ટ્રપ્રમુખને કટોકટીની સત્તાઓ પણ આપવામાં આવી છે. તદનુસાર આંતરિક અને બાહ્ય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટીની સત્તાઓ તેમને પ્રાપ્ય છે. અલબત્ત, આ સત્તાઓનો વિવેકપૂર્વક ઉપયોગ થાય એવી જોગવાઈઓ પણ બંધારણે તે સાથે સામેલ કરી છે. હોદ્દાની મુદત પૂરી થતાં અથવા આકસ્મિક અવસાનથી યા મહાઅભિયોગ દ્વારા જ તેમને હોદ્દા પરથી ખસેડી શકાય.

ઉપરાષ્ટ્રપ્રમુખ : ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે સંસદનાં બંને ગૃહોના સભ્યોનાં મતદાર મંડળ દ્વારા કરવામાં આવે છે. તેમની ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિત્વના આધારે થાય છે. આ મુજબ ઉમેદવારની પસંદગીનો ક્રમ દર્શાવતી ક્રમિક મતપદ્ધતિ દ્વારા ગુપ્ત મતદાનથી થાય છે. રાષ્ટ્રપ્રમુખ માટે આવશ્યક લાયકાતો ઉપરાષ્ટ્રપ્રમુખ માટે પણ લાગુ પડે છે. અપવાદ રૂપે તેઓ રાજ્યસભાના સભ્યપદે ચૂંટાઈ આવવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

સામાન્ય રીતે તેમનું કાર્યક્ષેત્ર રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ગૃહની કાર્યવાહી સંભાળવાનું છે, પરંતુ રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપ્રમુખ તેમની ફરજો બજાવે તેવી જોગવાઈ છે. રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપ્રમુખ કામચલાઉ રાષ્ટ્રપ્રમુખ તરીકેની ફરજો વધુમાં વધુ છ માસ સુધી જ બજાવી શકે છે. તે દરમિયાન તેમની રાજ્યસભાના અધ્યક્ષ તરીકેની ફરજો મોકૂફ રહેતી હોય છે. આ ગાળા દરમિયાન નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી યોજવી આવશ્યક લેખાય છે.

વડાપ્રધાન અને મંત્રીમંડળ : ભારતે સંસદીય પદ્ધતિની સરકાર સ્વીકારી હોવાથી રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, વડાપ્રધાન અને મંત્રીમંડળ દ્વારા કારોબારી રચાય છે. વડાપ્રધાન અને તેમના મંત્રી મંડળના સાથીઓ રાષ્ટ્રપ્રમુખની સલાહ અને મદદ માટે કાર્યરત હોય છે. સાધારણ સંજોગોમાં રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ લેવા તથા બંધારણના 42મા સુધારા મુજબ તેના પર અમલ કરવા બંધાયેલા છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાનપદે નિયુક્ત કરે છે તેમજ તેમની સલાહ મુજબ મંત્રીમંડળના અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે. મંત્રીમંડળના સભ્યો બેમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય હોય છે. પરંતુ તેઓ લોકસભાના સભ્ય હોય તે ઇચ્છનીય ગણાય છે. મંત્રીમંડળ સંયુક્ત જવાબદારી ધરાવે છે તેમજ સંયુક્ત રીતે તેમજ વૈયક્તિક રીતે લોકસભાને જવાબદાર હોય છે. સામાન્ય સંજોગોમાં મંત્રીમંડળની મુદત પાંચ વર્ષની હોય છે.

વડાપ્રધાન એ રાષ્ટ્રપ્રમુખ અને મંત્રીમંડળને જોડતી કેન્દ્રીય કડી છે. તેઓ મંત્રીમંડળના નિર્ણયોથી રાષ્ટ્રપ્રમુખને વાકેફ અને માહિતગાર રાખે છે. વડાપ્રધાન બહુમતી પક્ષના તેમજ સમગ્ર ગૃહના નેતા હોવાથી ગૃહની બેઠકો, અધ્યક્ષની ચૂંટણી, વિવિધ ખરડાઓ અને પ્રસ્તાવો તેમજ વિવિધ નીતિવિષયક નિર્ણયોમાં સૌથી મહત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવે છે. મંત્રીઓનાં પગાર, ભથ્થાં અને અન્ય સવલતો સંસદ વખતોવખત કાયદા દ્વારા નક્કી કરે છે.

આ મંત્રીમંડળ સામાન્ય રીતે ચાર કક્ષાઓ ધરાવતું હોય છે. સૌથી ઉપરની કક્ષા કૅબિનેટ કક્ષાના મંત્રીઓની હોય છે. બીજે સ્થાને રાજ્ય કક્ષાના મંત્રીઓ, ત્રીજે સ્થાને નાયબમંત્રીઓ અને ચોથે સ્થાને સંસદીય મંત્રીઓ હોય છે. કૅબિનેટ કક્ષાના મંત્રીઓ વડાપ્રધાનના સૌથી અગત્યના સાથીઓ હોય છે. દેશની આર્થિક, સામાજિક અને વિદેશી નીતિની બાબતો વગેરે અંગેની ચર્ચાવિચારણા આ કક્ષાએ થાય છે. મહત્વના પ્રશ્નોની વિચારણા આ કક્ષાએ થાય છે. વિવિધ પ્રશ્નોની છણાવટ કરવા કૅબિનેટ કાયમી અને કામચલાઉ સમિતિઓ નીમે છે. કેન્દ્રયાદી તથા સંયુક્તયાદીમાં દર્શાવવામાં આવેલી બાબતો અંગે મંત્રીમંડળ નિર્ણય લઈ શકે છે. ભારતના બંધારણે નાયબ વડાપ્રધાનના પદની જોગવાઈ કરેલી નથી.

ભારતીય સંસદ : લોકશાહીનું સંચાલન પ્રજાના હિતમાં ચાલતું રહે એ માટે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંસ્થા–સંસદ કાર્યરત હોય છે. સંસદનું મુખ્ય કાર્ય કાયદાના ઘડતરનું હોય છે. ભારતમાં સંસદ રાષ્ટ્રપ્રમુખ સહિત બે ગૃહોની બનેલી છે, જેમાં પ્રજા દ્વારા સીધી રીતે ચૂંટાતા પ્રતિનિધિઓનું નીચલું ગૃહ લોકસભા છે, જ્યારે રાજ્યોની વિધાનસભા દ્વારા ચૂંટાતા પ્રતિનિધિઓનું બનેલું ઉપલું ગૃહ રાજ્યસભા છે. આમ ઘણા દેશોની જેમ ભારતની સંસદ પણ દ્વિગૃહી છે.

લોકસભા : ભારતીય સંસદનું આ નીચલું ગૃહ નાગરિકો દ્વારા પુખ્તવયમતાધિકારને આધારે સીધી રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું હોય છે. તેની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે. ચૂંટણી માટે સમગ્ર દેશને વસતીના ધોરણે પ્રાદેશિક એકમોમાં વહેંચી દેવામાં આવે છે. હાલ (ઈ. સ. 2000) તેની કુલ સભ્ય સંખ્યા 542 છે. પ્રારંભે પાંચ લાખની વસતી દીઠ એક પ્રતિનિધિ ચૂંટાતો, જે સંખ્યા વસતી વધારાને કારણે વધારીને સાડા સાત લાખ કરવામાં આવી છે. આ રીતે 540 સભ્યો ચૂંટાઈને લોકોના પ્રતિનિધિ બને છે. તે ઉપરાંત એઁગ્લોઇન્ડિયન કોમના પ્રતિનિધિ પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ન ચૂંટાય તો રાષ્ટ્રપ્રમુખ તે કોમના બે પ્રતિનિધિઓ નીમે. એમ લોકસભાની કુલ પ્રતિનિધિ સંખ્યા 542ની બને છે.

25 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક અન્ય રીતે લાયક હોય તો લોકસભા માટે ઉમેદવારી કરી શકે છે. દા.ત., તે સંઘ સરકારનો નોકરિયાત ન હોવો જોઈએ તેમજ નાદાર કે અસમતોલ માનસિક અવસ્થા ધરાવતો ન હોવો જોઈએ. આ ગૃહની બેઠક બંધારણ અનુસાર વર્ષમાં ઓછામાં ઓછી બે વાર મળવી જોઈએ. પરંતુ શિરસ્તા અનુસાર તેની શિયાળુ, ઉનાળુ/બજેટ અને ચોમાસુ એમ ત્રણ બેઠકો યોજાય છે. આ સિવાય જરૂર લાગે ત્યારે રાષ્ટ્રપ્રમુખ તેની બેઠકો બોલાવી શકે તેમજ બેઠકની મુદ્દતમાં વધારોઘટાડો કરી શકે. ગૃહના કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા દસમા ભાગના સભ્યો હાજર હોય (કોરમ) તો સભા કાર્યવાહી કરે છે. ચૂંટણી પછીની પ્રથમ બેઠકમાં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થાય છે. નવા અધ્યક્ષ ચૂંટાય ત્યારબાદ જૂના અધ્યક્ષ હોદ્દો છોડે છે. અધ્યક્ષનો હોદ્દો નિષ્પક્ષ અને તટસ્થ હોવાથી અધ્યક્ષની વિરુદ્ધ સામાન્ય રીતે અન્ય કોઈ પણ પક્ષ પોતાનો અલગ ઉમેદવાર ઊભો રાખે નહિ એવી પ્રણાલિકા છે.

ગૃહમાં ખરડો રજૂ થાય ત્યારબાદ તે ત્રણ વાંચનમાંથી પસાર થાય ત્યારે તે મતદાન માટે રજૂ થાય છે અને જો બહુમતી સભ્યો તેની તરફેણ કરે તો ગૃહે તે ખરડો મંજૂર કર્યો એમ જાહેર થાય છે. આ ઉપરાંત આ ગૃહમાં બહુમતી મેળવનાર પક્ષને રાષ્ટ્રપ્રમુખ સરકાર રચવાનું આમંત્રણ આપે છે અને બહુમતી પક્ષના નેતાને વડાપ્રધાન જાહેર કરવામાં આવે છે.

રાજ્યસભા : ભારતની સંસદનું આ ઉપલું ગૃહ છે. તેમાં રાજ્યોની વિધાનસભાઓના સભ્યો પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિ અનુસાર ચૂંટીને પ્રતિનિધિ મોકલે છે. આ ગૃહ કાયમી ગૃહ છે એટલે આખું ગૃહ સંપૂર્ણપણે ક્યારેય વિખેરાતું કે વિસર્જન પામતું નથી. ગૃહની મુદત છ વર્ષની છે. દર બીજા વર્ષે તેના ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તે સ્થાને નવા ચૂંટાયેલા સભ્યો આવે છે. ગૃહની અધિકમાં અધિક સંખ્યા 250ની છે જેમાં 12 પ્રતિનિધિઓ રાષ્ટ્રપ્રમુખ દ્વારા નીમવામાં આવે છે. સામાન્ય રીતે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજસેવા એમ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને રાષ્ટ્રપ્રમુખ આ માટે પસંદ કરે છે. દરેક રાજ્યને વસતીના ધોરણે પ્રતિનિધિઓની સંખ્યા ફાળવવામાં આવી હોવાથી તે મુજબ રાજ્યની વિધાનસભા પ્રતિનિધિઓ ચૂંટીને મોકલે છે.

રાજ્યસભા માટે ઉમેદવારી કરનાર વ્યક્તિ ભારતીય નાગરિક હોય, 30 વર્ષ કે તેથી વધુ વય ધરાવતો હોય તેમજ સરકારમાં નોકરિયાત ન હોય તે જરૂરી છે. આ સિવાયની ઉમેદવારની બાકીની લાયકાતો લોકસભાના ઉમેદવાર માટેની લાયકાતો જેવી જ હોય છે.

ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ પદની રૂએ આ ગૃહના અધ્યક્ષની જવાબદારી ધરાવે છે. ગૃહની વર્ષમાં ઓછામાં ઓછી બે બેઠકો બોલાવવી આવશ્યક હોય છે. સામાન્ય પરંપરા મુજબ લોકસભામાં ત્રણ વાંચન બાદ મંજૂર થયેલો ખરડો રાજ્યસભામાં આવે તેની પર ત્રણ વાંચન થાય અને મંજૂર થાય તો રાષ્ટ્રપ્રમુખની સહી બાદ તે ખરડો કાયદાનું સ્વરૂપ પામે છે.

સંસદ વ્યાપક ધારાકીય સત્તાઓ ધરાવે છે. સંઘયાદીના 97 અને સંયુક્ત યાદીના 47 વિષયો પર તે કાયદા ઘડી શકે છે. આ ઉપરાંત વિશિષ્ટ સંજોગોમાં રાજ્યયાદીના વિષયો પર પણ તે કાયદા ઘડી શકે છે. આ ઉપરાંત બંધારણે શેષ વિષયો પર કાયદા ઘડવાની સત્તા તેને સુપરત કરી છે. નાણાકીય ખરડા અંગે લોકસભાને કેટલાક વિશેષાધિકાર છે. જેમકે સરકારનું અંદાજપત્ર નીચલા ગૃહમાં જ રજૂ થવું જોઈએ. કારોબારી ક્ષેત્રે વડાપ્રધાન અને મંત્રીમંડળને પ્રશ્નો પૂછવાની કે ઠપકાની દરખાસ્ત, સભા મોકૂફીની દરખાસ્ત રજૂ કરવાની સાંસદને સત્તા હોય છે. જો તે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરે તેમજ આ દરખાસ્ત મંજૂર થાય તો સરકારે રાજીનામું આપવું પડે છે. ઉપરાંત વિવિધ ખરડાઓ તેમજ પ્રજાકીય પ્રશ્નોના અભ્યાસ માટેની સમિતિઓ તેમજ તપાસ સમિતિઓની નિમણૂક પણ તે કરે છે. આમ ભારતીય સંસદ બહોળું કાર્યક્ષેત્ર ધરાવે છે.

ભારતીય ન્યાયતંત્ર : ભારતીય ન્યાયતંત્ર એકસૂત્રી સળંગ સુગ્રથિત અને પિરામિડ આકારનું છે. આ પિરામિડની ટોચ પર સર્વોચ્ચ અદાલત છે. તેની હેઠળ પ્રત્યેક રાજ્યમાં રાજ્યની વડી અદાલતો અને તેની હેઠળ ઊતરતા ક્રમે જિલ્લા અદાલતો, સેશન્સ અદાલતો અને મહેસૂલી અદાલતો કામ કરે છે. સમવાયતંત્રના સિદ્ધાંત મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની અદાલતો અલગ અલગ હોવી જોઈએ. પરંતુ ભારતે અહીં વ્યવહારુ અભિગમ સ્વીકારી બંને કક્ષાની સરકારો માટે એકસૂત્રી યા એકવડું ન્યાયતંત્ર સ્વીકાર્યું છે. આ ઉપરાંત અદાલતો બે કક્ષાઓમાં વહેંચાયેલી છે. દીવાની અને ફોજદારી અદાલતો. રાજ્યના મુખ્ય શહેરોમાં દીવાની અદાલતો હેઠળ ‘સિટી સિવિલ કોર્ટ’ અને કેટલાંક મોટાં શહેરોમાં ‘સ્મોલ કોઝીસ કોર્ટ’ કામ કરતી હોય છે.

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તથા તેમના સહાયક ન્યાયાધીશોની તથા વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે. જિલ્લાકક્ષાની તથા અન્ય કક્ષાની અદાલતોના ન્યાયાધીશની નિમણૂક રાજ્યના જાહેર સેવા પંચ અને વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની સંમતિથી રાજ્યપાલ કરે છે. સ્વતંત્ર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવવાનું કાર્ય કરી શકે તે માટે બંધારણના બીજા પરિશિષ્ટમાં તેમના વેતનની જોગવાઈ કરીને તેમને પદ અંગેની સલામતી બક્ષવામાં આવી છે. આ ઉપરાંત વિશિષ્ટ પ્રકારના વિવાદ કે ઝઘડાઓના ઉકેલ માટે ટ્રિબ્યૂનલોની નિમણૂક કરવા અંગે કાયદાઓ ઘડવાની સત્તા સંસદને અને રાજ્ય-વિધાનસભાઓને આપવામાં આવી છે.

સર્વોચ્ચ અદાલત અને અન્ય અદાલતો સામાન્ય રીતે વિવાદના પ્રશ્નોમાં ન્યાય આપવાનું કાર્ય કરે છે. પરંતુ સર્વોચ્ચ અદાલત કેટલાંક વિશેષ કાર્યો પણ કરે છે, જેમ કે બંધારણીય મડાગાંઠ વખતે સરકારને સલાહ આપવાનું તેમજ બંધારણીય વિવાદ અંગે આખરી નિર્ણય આપવાનું કાર્ય. આ ઉપરાંત નીચલી અદાલતોમાં દાવાઓ અંગે જે ચુકાદા આપવામાં આવ્યા હોય તે અંગે અંતિમ અને આખરી ચુકાદો આપવાની સત્તા પણ તે ધરાવે છે.

ભારતનું સમવાયતંત્ર : સમવાયતંત્ર એવી પદ્ધતિ છે જેમાં બે કક્ષાએ : (ક) પ્રાદેશિક કક્ષાએ અને (ખ) કેન્દ્રીય કક્ષાએ સરકારો કામ કરે છે. વિશાળ કદ અને પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા દેશોને આવી પદ્ધતિ વિશેષ માફક આવે છે. બંને કક્ષાની સરકારોને પરસ્પરથી સ્વાયત્ત, સમકક્ષ અને સમોવડી ગણવામાં આવે છે. ભારતે સમવાયતંત્ર શબ્દ પ્રયોજ્યા વિના સમવાયતંત્રની રચના કરી છે. આ માટે ભારતના બંધારણમાં ‘સંઘ’ (union) શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. ભારતના સમવાયતંત્રમાં બેવડી સરકાર. બંધારણ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાવિભાજન, બંધારણનું અર્થઘટન કરવા માટે સર્વોચ્ચ અદાલત અને કેન્દ્ર તથા રાજ્યોનું સંઘમાંનું કાયમી જોડાણ અસ્તિત્વ ધરાવે છે. ભારતીય સમવાયતંત્રે જે સત્તાવિભાજન કર્યું છે તેની વિશિષ્ટતા એ છે કે બંધારણમાં સત્તાઓ અંગેની ત્રણ યાદીઓ રજૂ થઈ છે : (1) કેન્દ્ર યાદી, (2) રાજ્ય યાદી અને (3) સંયુક્ત યાદી. કેન્દ્ર અને રાજ્ય યાદીના વિષયો અંગે આ બંને સરકારો નિશ્ચિત ક્ષેત્રોમાં કાયદા ઘડી શકે છે, જ્યારે સંયુક્ત યાદીમાં એવી સત્તાઓનો ઉલ્લેખ છે જે વિષયો અંગે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારોને કાયદા ઘડવાની સત્તા છે. આમ છતાં, જો બંને સરકારો વચ્ચે કોઈ એક વિષય બાબતે વિવાદ કે વિરોધાભાસ કે સંઘર્ષ સર્જાય તો કેન્દ્રે ઘડેલો કાયદો કે લીધેલો નિર્ણય સ્વીકાર્ય રાખી રાજ્ય સરકારનો કાયદો કે નિર્ણય યા તેનો સંઘર્ષ પેદા કરતો ભાગ રદ ગણવામાં આવે છે. આ ઉપરાંત બંધારણ અનુસાર ન ઉલ્લેખ પામેલી ‘શેષ સત્તાઓ’ કેન્દ્ર હસ્તક રહેશે એમ જણાવવામાં આવ્યું છે આમ બંધારણે દર્શાવેલ સત્તાવિભાજનમાં કેન્દ્રને કશુંક ‘અધિક’ યા ‘સવિશેષ’ પ્રાપ્ત થાય છે. ઉપરાંત ભારતમાં સમવાયતંત્ર હોવા છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારો એકવડું વહીવટી તંત્ર અને એકવડું ન્યાયતંત્ર ધરાવે છે. આમ હોવાથી ભારતીય સમવાયતંત્રને નિષ્ણાતો ‘અર્ધસમવાયતંત્ર’ યા ‘વિશિષ્ટ સમવાયતંત્ર’ તરીકે ઓળખાવે છે. ભારતીય સમવાયતંત્રની આ વિશિષ્ટતા સમય અને સંજોગોની નીપજ હતી.

ચૂંટણીઓ : ભારતમાં સંઘ યા કેન્દ્ર કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની સરકારો કામ કરે છે. પુખ્તવયમતાધિકારને આધારે સમગ્ર દેશમાં અને રાજ્યોમાં દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે. ભારતમાં પ્રારંભે પ્રત્યેક નાગરિકને 21 વર્ષની વયે પુખ્તવયમતાધિકાર બંધારણ દ્વારા આપવામાં આવ્યો હતો, પરંતુ 1989ના 61મા બંધારણીય સુધારા દ્વારા આ વયમર્યાદા ઘટાડીને 18 વર્ષની કરવામાં આવી. આથી 18 વર્ષની વય ધરાવતો પ્રત્યેક નાગરિક પુખ્તવયમતાધિકાર ધરાવતો હોઈ અન્ય રીતે લાયકાત ધરાવતો હોય તો મતદાનમાં ભાગ લઈ શકે છે.

બંધારણની 324મી કલમ ચૂંટણી પંચની રચના અને કાર્યોની જોગવાઈ કરે છે. ચૂંટણીપંચ દ્વારા સામાન્ય ચૂંટણીઓ બાદ રાષ્ટ્રીય કક્ષાએ માન્ય પક્ષોની યાદી જાહેર થાય છે અને તેમાં પક્ષોએ પ્રાપ્ત કરેલા મતોની ટકાવારીને આધારે રાષ્ટ્રીય સ્તરે માન્યતા ધરાવતા પક્ષોમાં ફેરફાર થતા રહે છે. મુખ્ય રાજકીય પક્ષોમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, ભારતીય સામ્યવાદી પક્ષ, ભારતીય સામ્યવાદી (માર્ક્સવાદી) પક્ષ, જનતા દળ, ભારતીય જનતા પક્ષ, અને સમાજવાદી જનતા પક્ષનો સમાવેશ થાય છે.

સામાન્ય ચૂંટણીઓ : 1952માં પહેલી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં લોકસભાના અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓના પ્રતિનિધિઓની સમાંતરે ચૂંટણી થઈ હતી. ત્યારબાદ 1957માં, 1962માં, 1967માં અને 1971માં સામાન્ય ચૂંટણીઓ ક્રમશ: યોજવામાં આવી હતી. 1971ની સામાન્ય ચૂંટણી તેની મુદત કરતાં એક વર્ષ અને બે માસ વહેલી યોજવામાં આવી હોવાથી તે મધ્યસત્ર ચૂંટણી હતી. એ જ રીતે છઠ્ઠી સામાન્ય ચૂંટણી સમયે લોકસભાની મુદતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો હોઈ 1977માં છઠ્ઠી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. 1971 સુધીની સામાન્ય ચૂંટણીઓમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે પોતાની બહુમતી જાળવી રાખી હતી. 25 જૂન, 1975ની મધ્યરાત્રિથી દેશમાં આંતરિક કટોકટી જાહેર કરવામાં આવી, પ્રેસ સેન્સરશિપ લાદવામાં આવી અને નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા. વિપક્ષી નેતાઓને કારાવાસમાં કેદ રાખવામાં આવ્યા અને લોકદમનનો દોર ચાલ્યો. બહુમતીની અપેક્ષાએ વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ છઠ્ઠી સામાન્ય ચૂંટણીઓ જાહેર કરી. પરંતુ 1977ની છઠ્ઠી સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષે પોતાની બહુમતી ગુમાવી અને કેન્દ્રમાં સૌથી પહેલી વાર વિરોધ પક્ષોના બનેલા જનતા પક્ષની સરકારની રચના થઈ, જેમાં મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા. પરંતુ સત્તાની ખેંચતાણમાં આ સરકારનું પતન થયું અને ચરણસિંઘે કૉંગ્રેસના ટેકાથી સરકાર રચી, જે ટકી ન શકી અને જાન્યુઆરી 1980માં સાતમી સામાન્ય ચૂંટણી દ્વારા ફરી કૉંગ્રેસ પક્ષ પ્રચંડ બહુમતીથી સત્તા પર આવ્યો. ઇંદિરા ગાંધીના અવસાન બાદ ડિસેમ્બર 1984માં આઠમી સામાન્ય ચૂંટણીમાં રાજીવ ગાંધીના નેતૃત્વ નીચે કૉંગ્રેસે ફરી બહુમતી મેળવી સરકારની રચના કરી.

નવમી સામાન્ય ચૂંટણીઓ નવેમ્બર 1989માં યોજાઈ અને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય રાજકારણમાં આ ચૂંટણીનું પરિણામ સીમાચિહ્નરૂપ બન્યું. કારણ કે આ સામાન્ય ચૂંટણીમાં સંસદમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી પરંતુ ‘ત્રિશંકુ સંસદ’ (Hung Parliament) અસ્તિત્વમાં આવી. પાંચ પક્ષોના બનેલા રાષ્ટ્રીય મોરચાની સરકાર રચાઈ જેમાં જનતાદળ, કૉંગ્રેસ (સં) અને ત્રણ પ્રાદેશિક પક્ષો – તેલુગુ દેશમ, દ્રવિડ મુનેત્ર કઝગમ અને આસામ ગણ પરિષદ દ્વારા રાષ્ટ્રીય મોરચો રચવામાં આવ્યો હતો. ભારતીય જનતા પક્ષ અને ડાબેરી પક્ષોમાંથી ભારતીય સામ્યવાદી (માર્ક્સવાદી) પક્ષ અને તેની સાથે સંલગ્ન પક્ષો સરકારમાં જોડાયા વિના રાષ્ટ્રીય મોરચાને ટેકો આપ્યો હતો. સવા વર્ષની અવધિ બાદ આ નવમી લોકસભા પણ વિખેરી નાંખવી પડે તેવી સ્થિતિ પેદા થઈ. રાષ્ટ્રીય મોરચાના વડાપ્રધાન વી. પી. સિંઘે રાજીનામું આપ્યું. સમાજવાદી જનતા દળના નેતા ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા પરંતુ અન્ય પક્ષોના સ્થિર સમર્થનના અભાવે રાષ્ટ્રપ્રમુખે લોકસભાનું વિસર્જન જાહેર કર્યું. આમ નવમી લોકસભાનું આયુષ્ય માત્ર 15 માસનું રહ્યું. દેશ વિવાદોના વમળમાં ફસાયો અને ત્યારથી રાજકીય અસ્થિરતાનો ભારતમાં પ્રારંભ થયો.

1991ની દસમી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ અને અત્યંત ટૂંકા ગાળામાં બીજી વાર ‘ત્રિશંકુ સંસદ’ની રચના અનિવાર્ય બની. કૉંગ્રેસે અન્ય પક્ષોના ટેકાથી સરકારની રચના કરી. વડાપ્રધાન તરીકે પી. વી. નરસિંહરાવની વરણી થઈ. ભારતીય જનતા પક્ષ રાષ્ટ્રીય કક્ષાએ બીજો મોટો પક્ષ પુરવાર થયો, જનતા દળ ત્રીજા સ્થાને આવ્યો જેમાં 1994માં ભાગલા પડ્યા.

મે, 1996માં અગિયારમી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં પાંચ પક્ષોનો ત્રીજો મોરચો રચાયો અને તેની સંયુક્ત સરકાર રચાઈ. કૉંગ્રેસે તેને બહારથી ટેકો આપ્યો અને એચ. ડી. દેવગૌડા વડાપ્રધાન બન્યા. આ સાથે રાજકીય અસ્થિરતા ભણી ધકેલાતા દેશના રાજકારણમાં મિશ્ર સરકારોના યુગની શરૂઆત થઈ. કૉંગ્રેસના આગ્રહથી દેવગૌડાને ખસેડી ઇન્દ્રકુમાર ગુજરાલને એપ્રિલ 1997માં વડાપ્રધાન બનાવવામાં આવ્યા. પરંતુ કૉંગ્રેસે ટેકો પાછો ખેંચતાં 1998ના પ્રારંભે ગુજરાલની મિશ્ર સરકારનું પણ પતન થયું.

1998ના પ્રારંભે બારમી લોકસભાની ચૂંટણી યોજાઈ જે દ્વારા ફરી ‘ત્રિશંકુ’ લોકસભા રચાઈ. તેમાં ભા.જ.પ. લોકસભાની 178 બેઠકો મેળવી મુખ્ય પક્ષ રહ્યો અને અન્ના દ્ર.મુ.ક., આસામ ગણ પરિષદ અને અકાલી દળ સાથી પક્ષો હતા. અટલ બિહારી બાજપાઈ પ્રથમ વાર વડાપ્રધાન બન્યા. 1999ના એપ્રિલમાં અન્ના દ્ર.મુ.ક. પક્ષે ટેકો પાછો ખેંચ્યો રાષ્ટ્રપતિએ વડાપ્રધાન બાજપાઈને વિશ્વાસનો મત પ્રાપ્ત કરવાનો આદેશ આપ્યો જેમાં મતદાન દરમિયાન પ્રથમવાર માત્ર એક મતથી સરકારનું પતન થયું. અન્ય પક્ષોના સહકારથી સરકાર રચવાનો વિકલ્પ કૉંગ્રેસ રજૂ કર્યો. સંસદના એક પણ ગૃહનું સભ્યપદ ન ધરાવતા સોનિયા ગાંધી સંસદીય કૉંગ્રેસ પક્ષના નેતા નિમાયા. તેઓ પણ લોકસભાના સંચાલન માટે જરૂરી સભ્યોનો ટેકો રજૂ ન કરી શક્યાં. આથી રાષ્ટ્રપતિએ તેરમી લોકસભા માટેની ચૂંટણીઓ જાહેર કરી.

સપ્ટેમ્બર–ઓક્ટોબર 1999માં તેરમી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. પરંતુ રખેવાળ સરકાર તરીકે બાજપાઈના નેતૃત્વ હેઠળ સરકાર ચાલતી હતી તેની સમક્ષ અનેક પડકારો ઊભા થયા જેમાં પાકિસ્તાને કાશ્મીરની કારગિલ સરહદે આક્રમણ કર્યું અને રખેવાળ સરકાર સમક્ષ અસાધારણ પડકાર ઊભા થયા. આ યુદ્ધમાં ભારત વિજયી બન્યું. બાજપાઈ અને ભા.જ.પ.ની લોકપ્રિયતા એકદમ ઊંચે ગઈ. ભા.જ.પ.ના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય લોકશાહી મોરચો રચાયો જેમાં દ્ર. મુ. ક., તૃણમૂલ કૉંગ્રેસ, જનતા દળ (યુ.), અકાલી દળ, નૅશનલ કૉન્ફરન્સ જેવા નાના- મોટા 22 પક્ષો જોડાયા અને બધા પક્ષોનો સહિયારો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો અને રાષ્ટ્રીય લોકશાહી મોરચાને સ્પષ્ટ બહુમતી મળી તથા તેના નેતા તરીકે બાજપાઈએ બીજી વાર વડાપ્રધાન બની સત્તાનાં સૂત્રો સંભાળ્યાં.

ભારતના રાજકીય પક્ષોનાં વિશિષ્ટ લક્ષણો : લોકશાહીના સ્વસ્થ સંચાલન માટેની અનિવાર્ય ને આવશ્યક શરત રાજકીય પક્ષોનું અસ્તિત્વ છે. વળી, આધુનિક રાજ્યોની વિશાળ વસતી, વ્યાપક કદ અને બહુપરિમાણીય સમસ્યાઓને કારણે રાજકીય પક્ષો પાયાની જરૂરિયાત પણ બન્યા છે. રાજકીય પક્ષો પ્રજા અને સરકારને જોડતાં, રાજકીય સત્તાની સ્પર્ધાનું નિયમન કરતાં, લોકોની ઇચ્છાને પ્રતિબિંબિત કરતાં અને રાજકીય ભાગીદારોને સંસ્થાકીય સગવડો પૂરી પાડતાં મધ્યસ્થ તંત્રો યા કડીતંત્રો છે.

રાજકીય પક્ષનો મુખ્ય ઉદ્દેશ સત્તાપ્રાપ્તિનો અને તેની જાળવણીનો હોય છે. આ માટે પક્ષોને વિચારસરણી, સંગઠન, કાર્યકરો, નાણાં જેવાં સાધનોની આવશ્યકતા રહે છે. પક્ષોનો આધારસ્તંભ છે લોકમાન્યતા અને લોકોનું સમર્થન. આથી સતત લોકપ્રભાવ જાળવવાની અને ઉત્તરોત્તર તેમાં વધારો કરતા રહેવાની મથામણ રાજકીય પક્ષો કરતા હોય છે. ચૂંટણી સમયે આ લોકપ્રભાવને પક્ષો પોતાના સમર્થનમાં રૂપાંતરિત કરે છે અને તે દ્વારા સત્તા પર ટકી રહેવાની નિર્ણાયક ક્ષમતા પક્ષો હાંસલ કરે છે.

સંસદીય લોકશાહીમાં સંસદની અને કારોબારીની રચનામાં રાજકીય પક્ષો કેન્દ્રસ્થાને હોય છે. પક્ષો અત્યંત મહત્વની સામાજિક, રાજકીય અને સંવહનાત્મક ભૂમિકા નિભાવે છે. ભારત જેવા વિકસતા અને લોકશાહીની નવતર પદ્ધતિ દ્વારા સંચાલિત થતા દેશમાં રાજકીય પક્ષો કેટલાંક વિશિષ્ટ લક્ષણો વ્યક્ત કરે છે.

વિકસતા દેશોના રાજકીય પક્ષોમાં વિચારસરણી પરત્વેની પ્રતિબદ્ધતા અલ્પમાત્રામાં હોય છે. પક્ષો નિશ્ચિત વિચારસરણી ધરાવતા હોવા છતાં તેમાં વૈયક્તિક વફાદારી અને લાભાલાભ મહત્વનું પરિબળ હોય છે. આથી પક્ષીય વફાદારી અને શિસ્તનું સ્થાન ગૌણ બની જાય છે. રાજકીય ખેંચાખેંચના ખેલ રચાય છે. જેથી ઘણીવાર પક્ષોના વિભાજનની પરિસ્થિતિ ઊભી થાય છે. બીજું, પક્ષીય સંગઠનો નબળાં રહે છે. કારણ પક્ષો વિચારધારાને બદલે નેતૃત્વનો આધાર લઈ ટેકો હાંસલ કરતા હોય છે. ત્રીજું, રાષ્ટ્રીય સમસ્યાઓને પ્રભાવક જ્ઞાતિ, કોમ, ધર્મ યા જાતિની ર્દષ્ટિએ વિચારવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રીય યા વ્યાપાક સંદર્ભને ભાગ્યે જ વિચારણામાં લેવાય છે. આથી પક્ષો અને નેતાઓની તડજોડ ચાલ્યા કરે છે. એથી પક્ષપલટાના અને આર્થિક લેતીદેતીના ભ્રષ્ટાચારને પોષણ મળે છે. ચોથું, પક્ષીય સંગઠનોનો મજબૂત વિકાસ થતો હોતો નથી. સર્વોચ્ચ કક્ષાએ નેતાની ઇચ્છાનુસાર નિર્ણય લેવાય છે અને નીચલી કક્ષાના એકમોએ આજ્ઞાંકિત ઘટક બની રહેવું પડે છે. પક્ષમાં આંતરિક લોકશાહી અલ્પ માત્રામાં જોવા મળે છે. પાંચમું, પક્ષના નેતાઓ અને કાર્યકરો તેમજ રાજકીય અગ્રવર્ગ અને વંચિત વર્ગો વચ્ચે પક્ષોમાં ભેદરેખા જોવા મળે છે. છઠ્ઠું, પ્રત્યેક પક્ષને આર્થિક મજબૂતાઈ ધરાવતાં ઉદ્યોગગૃહો કે સમૃદ્ધ આર્થિક સમૂહ સાથે જોડાઈને આર્થિક અવલંબન શોધવું પડે છે. આવા આર્થિક અવલંબનને કારણે પક્ષો ધૂંધળી આર્થિક વિચારધારા ધરાવે છે. તેમજ તેમાં મોટાં છીંડાં રાખે છે. સાતમું, પક્ષો સત્તાપ્રાપ્તિનું ધ્યેય રાખે છે જ્યારે તેમની પાસેથી લોકોની અપેક્ષા સેવા અને નિ:સ્વાર્થી રાજકારણની હોય છે. આથી અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનું ભારે અંતર પૂરવા કૃત્રિમતાનું રાજકારણ ખેલાય છે.

રાજકીય પક્ષો

ભારતમાં રાષ્ટ્રીય આંદોલન સાથે પક્ષ-પ્રક્રિયાનો ક્રમિક વિકાસ આરંભાયો. આથી ઐતિહાસિક સંદર્ભમાં રાજકીય પક્ષોનો વિકાસ સાવ તાજી અને નવી ઘટના છે. પ્રત્યેક રાજકીય પક્ષને પોતાની ચોક્કસ વિચારસરણી, ધ્યેયો, નીતિ અને કાર્યક્રમો હોય છે. આ હેતુઓ સિદ્ધ કરવા નિશ્ચિત ઢબનું સંગઠન દરેક રાજકીય પક્ષ ધરાવતો હોય છે. આ સાધનો દ્વારા સત્તા મેળવવી એ કોઈ પણ રાજકીય પક્ષનું અંતિમ ધ્યેય હોય છે.

રાષ્ટ્રીય કૉંગ્રેસ : 1885માં સ્થપાયેલ કૉંગ્રેસ પક્ષ ભારતીય રાષ્ટ્રીય મુક્તિ આંદોલનનું નેતૃત્વ કરનાર, લોકભાગીદારી અને લોકસહકાર દ્વારા ધ્યેયસિદ્ધિ હાંસલ કરનાર તથા એક સૈકા કરતાં પણ વધારે વર્ષોનો ઇતિહાસ ધરાવનાર પક્ષ છે. પક્ષના વિકાસની સાથે સાથે રાષ્ટ્રનિર્માણ અને લોકશાહીની વિચારસરણી વિકસી. ભારતના રાષ્ટ્રીય નેતાઓનું સમર્થ નેતૃત્વ તેને સાંપડ્યું હતું. દેશની સ્વતંત્રતા એ તેનું પાયાનું ધ્યેય હતું એથી ઝાઝા મતભેદોને પક્ષમાં અવકાશ નહોતો. 1916માં પક્ષમાં ગાંધીના આગમન સાથે તેને ગાંધી, સરદાર અને નેહરુનું વિશ્વસનીય નેતૃત્વ સાંપડ્યું – જેમના નેતૃત્વ થકી ભારત, સ્વતંત્રતાનું એકમાત્ર લક્ષ્ય સિદ્ધિ કરી શક્યું. આથી સ્વતંત્રતાના પ્રારંભે જ ભારતનું રાજકીય, સામાજિક અને આર્થિક ઘડતર કરવાની જવાબદારી આ પક્ષ પર આવી અને લગભગ તમામ વર્ગોના ટેકાને કારણે આ પક્ષ ભારતનો શાસક પક્ષ બન્યો (1947–1977, 1980–89, 1991–96).

વૈચારિક ર્દષ્ટિએ કૉંગ્રેસનું માળખું સમાજવાદ, લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદની વિભાવનાથી ઘડાયેલું છે. આઝાદીની લડત દરમિયાન અને ત્યારબાદ 1964 સુધી જવાહરલાલ નેહરુના તેજસ્વી નેતૃત્વને કારણે રાજકીય ક્ષેત્રે કૉંગ્રેસનું લગભગ એક હથ્થુ પ્રભુત્વ રહ્યું અને તેણે દુનિયામાં સાવ નોખી એવી એક પક્ષ – પ્રભાવ – પ્રથાને જન્મ આપ્યો. 1967ની ચોથી સામાન્ય ચૂંટણીઓમાં પક્ષે સાવ નબળો દેખાવ કર્યો. 1969માં કૉંગ્રેસનું વિભાજન થતાં ઇંદિરા કૉંગ્રેસ અને સંસ્થા કૉંગ્રેસ આ બે પક્ષો અસ્તિત્વમાં આવ્યા. 1971માં મધ્યસત્ર ચૂંટણીમાં સંસ્થા કૉંગ્રેસ સાવ પાંખી બની અને ઇંદિરા કૉંગ્રેસનું પ્રભુત્વ દાખલ થયું. 1973–74માં પક્ષમાં વ્યાપક અસંતોષ ફેલાયો તેમજ વિરોધ, સ્પર્ધા, તીવ્ર હરીફાઈ, રાજકીય ભ્રષ્ટાચાર અને આર્થિક અસંતોષને કારણે આ પક્ષ ખાસ કોઈ નોંધપાત્ર કામગીરી કરી શક્યો નહિ. પક્ષ ‘ગરીબી હટાવો’ સૂત્રને અમલી બનાવવામાં સરિયામ નિષ્ફળ રહ્યો. 1975માં બેકાબૂ પરિસ્થિતિના ભયથી ઇન્દિરા કૉંગ્રેસ પક્ષની સરકારે દેશમાં કટોકટી જાહેર કરી, કટોકટી દરમિયાન આચરવામાં આવેલા દમનને કારણે પક્ષ સર્વસામાન્ય લોકોમાં અપ્રિય બન્યો અને 1977ની ચૂંટણીઓમાં તેને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો.

સાતમી સામાન્ય ચૂંટણી દ્વારા 1980માં આ પક્ષ ફરી સત્તા પર આવ્યો. ઇંદિરા ગાંધીના નેતૃત્વ સાથે પક્ષ આગળ વધ્યો. 1984માં પક્ષનાં આ સમર્થ નેત્રીની રાજકીય કારણોસર હત્યા થઈ અને ત્યારથી પક્ષમાં સમર્થ નેતૃત્વની કટોકટી પેદા થઈ. નેતૃત્વની આ કટોકટીમાં 2000 સુધીમાં પક્ષને કોઈ મજબૂત વિકલ્પ મળ્યો નથી. 1999ની મધ્યમાં 13મી લોકસભાની ચૂંટણી પૂર્વે પક્ષના પ્રથમ પંક્તિના નેતા શરદ પવારે બીજા બે ટોચના નેતાઓ સાથે રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષની રચના કરતાં કૉંગ્રેસ પક્ષમાં વધુ એક વાર ભંગાણ પડ્યું.

આ બધું છતાં પક્ષે રાષ્ટ્રવાદ, બિનસાંપ્રદાયિકતા, સમાજવાદ, લોકશાહીના પાયાના સિદ્ધાંતો, વિકાસના સામાજિક આર્થિક કાર્યક્રમો જારી રાખ્યા છે. સમાજના નબળા વર્ગોને સમર્થન આપતી નીતિઓનો તે પુરસ્કાર કરે છે. તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બિનજોડાણની નીતિને આ પક્ષ વળગી રહ્યો છે. એકંદરે સામાજિક ક્ષેત્રે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાંથી તેને ઠીક ઠીક સમર્થન મળતું રહે છે. ઉજળિયાતો, હરિજનો, મુસ્લિમો વગેરે તેના મુખ્ય ટેકેદાર વર્ગો છે. કૉંગ્રેસ પક્ષની દિલ્હી ખાતેની મુખ્ય કચેરી દ્વારા સપ્ટેમ્બર 2000માં બહાર પાડવામાં આવેલ યાદીમાં એ વાત સ્વીકારવામાં આવી છે કે પક્ષના પ્રાથમિક સભ્યો 4.56 કરોડથી ઘટીને 2.20 કરોડ જ રહ્યા છે.

સામ્યવાદી પક્ષો : આંતરરાષ્ટ્રીય સામ્યવાદી ચળવળ ‘કૉમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલ’ (કૉમિન્ટર્ન) તથા બ્રિટિશ સામ્યવાદીઓની પ્રેરણાથી છેક 1924માં કૉંગ્રેસમાં સામ્યવાદી જૂથ અસ્તિત્વમાં આવ્યું અને નાના પાયા પર ભારતનો પ્રથમ સામ્યવાદી પક્ષ (CPI) શરૂ થયો. કૉંગ્રેસમાં રૂઢિચુસ્તોનું પ્રાબલ્ય આ જૂથને ખૂંચતું અને માર્કસની વિચારધારાથી આ જૂથ અત્યંત પ્રભાવિત થયું હતું. શોષણમુક્ત અને વર્ગવિહીન સમાજની રચના તેમના પાયાના ઉદ્દેશો હતા. આથી મજૂર ચળવળો કિસાન-પ્રવૃત્તિ અને વિદ્યાર્થી-ચળવળો આરંભીને આ જૂથે ઠીક ઠીક લોકપ્રિયતા સિદ્ધ કરી. તેમને ગાંધીની વિચારધારામાં અહિંસાના તત્વજ્ઞાન અને સત્યાગ્રહની શાંત વિરોધની પદ્ધતિમાં શ્રદ્ધા નહોતી. 1929ના મેરઠ કાવતરા કેસમાં આ પક્ષના કેટલાક આગેવાનોને કારાવાસની લાંબી સજા થઈ હતી. પક્ષ પર પ્રતિબંધ મુકાયો હતો જે 1942માં હટાવી લેવામાં આવ્યો. 1946થી 1951 તેલંગણા સંઘર્ષમાં પક્ષે અગ્રિમ ભાગ ભજવ્યો. પક્ષના મહામંત્રી બી. ટી. રણદીવેએ તેલંગણામાં સામ્યવાદી શાસનના અસ્તિત્વનો દાવો કર્યો. સામ્યવાદી શાસનનો આ પ્રયોગ ભારત સરકારે કચડી નાંખ્યો. 1951માં પક્ષના નવા મહામંત્રી પી. સી. જોશીના નેતૃત્વ હેઠળ પક્ષની નવી નીતિ જાહેર થઈ અને તેણે બંધારણીય રીતરસમો માન્ય રાખી. દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં પક્ષને સારા પ્રમાણમાં બેઠકો મળી. આ સફળતાએ પક્ષને પાયામાંથી પરિવર્તન કરવા પ્રેર્યો. 1952થી 62 સુધી પક્ષમાં લોકશાહી અને મધ્યમમાર્ગી નીતિઓનું પ્રાબલ્ય રહ્યું. 1957ની બીજી સામાન્ય ચૂંટણીમાં આ પક્ષે કેરળ વિધાનસભામાં બહુમતી પ્રાપ્ત કરી અને પશ્ચિમ બંગાળમાં મુખ્ય વિરોધપક્ષનું સ્થાન મેળવ્યું. સામ્યવાદી વિચારસરણી માટે ચૂંટણીના બંધારણીય માર્ગે સત્તાપ્રાપ્તિનું જગતભરમાં આ પ્રથમ ર્દષ્ટાંત હતું. આમ સશસ્ત્ર ક્રાંતિ કે આંદોલનના માર્ગને બદલે સત્તા હાંસલ કરવા માટે બંધારણીય માર્ગો પક્ષે સ્વીકાર્યા. આથી પક્ષના વલણમાં આમૂલાગ્ર સુધારો થયો. 1958માં પક્ષના બંધારણમાં સુધારો કરી તેણે જાહેર કર્યું કે ‘શાંતિમય માર્ગો દ્વારા અને સશસ્ત્ર ક્રાંતિનો આશરો લીધા સિવાય ભારતમાં પક્ષ પૂર્ણ લોકશાહી અને સમાજવાદ સ્થાપી શકશે’. 1954થી 62 પક્ષના અગ્રણીઓ વચ્ચે ચાલતો આંતરકલહ, પક્ષમાં સ્પષ્ટ અને વિશિષ્ટ રાજનીતિનો અભાવ, સંગઠનશક્તિની ઊણપ અને ટાંચાં સાધનો વગેરેને કારણે તેની છબી ખરડાઈ. 1962ના ભારત-ચીન યુદ્ધે પક્ષની અપ્રિયતામાં વધારો કર્યો અને 1964માં પક્ષના ભાગલા પડતાં ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અસ્તિત્વમાં આવ્યો. આ ઉદ્દામવાદીઓનું પશ્ચિમ બંગાળ, આંધ્ર અને કેરળમાં વર્ચસ્ રહ્યું. આ ઉદ્દામવાદીઓએ બંગાળના નકસલબારીમાં કિસાન ક્રાંતિ માટે સીધાં પગલાં ભરવા માંડ્યાં. આગળ જતાં આ જૂથમાં વૈચારિક મતભેદો વધતાં ત્રીજો ઉદ્દામવાદી સામ્યવાદી (માર્ક્સવાદી – લેનિનવાદી) પક્ષ અસ્તિત્વમાં આવ્યો જે આમજનતામાં નકસલવાદી તરીકે જાણીતો બન્યો. ઠીક ઠીક મથામણો છતાં છૂટા પડેલા આ ઘટકો આજદિન સુધી એક થઈ શક્યા નથી.

સમાજનું પાયામાંથી પરિવર્તન કરવાની ખ્વાહીશ ધરાવનાર આ પક્ષ અસમાનતા, અજ્ઞાનતા, ગરીબી અને ભૂખમરો દૂર કરવા તાકે છે. આ લક્ષ્યો સિદ્ધ કરવા તે માર્ક્સ-લેનિન-પ્રણીત સિદ્ધાંતો અપનાવવાનો આગ્રહ રાખે છે. પક્ષ મૂડીવાદવિરોધી નીતિઓ અને બૂર્ઝવાવિરોધી નીતિઓને વરેલો છે. એ માટે પક્ષે 1989ના ચૂંટણી ઢંઢેરામાં 33 સૂત્રી કાર્યક્રમ ઘોષિત કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં છેલ્લાં 24 (1976–2000) વર્ષોથી આ પક્ષ સત્તા પર છે અને જ્યોતિ બસુના મુખ્યપ્રધાનપદ હેઠળ શાસન ચલાવે છે. આમ પશ્ચિમ બંગાળમાં તેનાં મૂળિયાં ઊંડાં હોવા છતાં આર્થિક સ્થિતિમાં તે રાજ્યમાં ભારે મોટો બદલાવ લાવી શકાયો નથી. શહેરી મધ્યમ ને નીચલા વર્ગમાં તેને બહોળું સમર્થન પ્રાપ્ય છે. તે મુખ્યત્વે કામદારો, નીચલા ખેડૂતો અને શ્રમજીવીઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંજોગોમાં ભારતના લોકશાહી રાજકારણમાં તે પોતાનું સ્થાન જાળવી રહ્યો છે.

સમાજવાદી પક્ષો : 1934માં કૉંગ્રેસ પક્ષમાં રૂઢિચુસ્તોનું પ્રાબલ્ય હતું ત્યારે દેશમાં માર્કસના વિચારોનો બહોળો ફેલાવો કરવા ઉત્સુક યુવાનો – જયપ્રકાશ નારાયણ, યૂસુફ મહેરઅલી, અચ્યુત પટવર્ધન, અરુણા અસફઅલી, મીનુ મસાણી, અશોક મહેતા, એન. જી. ગોરે, એસ. એમ જોશી, મધુ લિમયે, પુરુષોત્તમદાસ ત્રિકમદાસ ઇત્યાદિ યુવા કાર્યકરોએ કૉંગ્રેસના એક જૂથ સ્વરૂપે ‘કૉંગ્રેસ સમાજવાદી પક્ષ’ સ્થાપ્યો; જેમાં આચાર્ય નરેન્દ્ર દેવ અને રામમનોહર લોહિયા પણ જોડાયા હતા.

નહેરુ અને સુભાષચંદ્ર બોઝ આ સમાજવાદી વિચારો સાથે સંમત હતા અને તે યુવાનો પ્રત્યે કૂણી લાગણી ધરાવતા હતા, છતાં તેઓ તેમના જૂથથી દૂર રહ્યા. મજદૂર-સંગઠનો, કિસાનપ્રવૃત્તિ તથા વિદ્યાર્થી-આંદોલનો અંગે આ જૂથની કાર્યવાહી પ્રશંસનીય હોવા છતાં તેનો વૈચારિક પ્રભાવ સીમિત હતો.

ભારતમાં સમાજવાદી વિચારધારાના પ્રખર અગ્રણી : જયપ્રકાશ નારાયણ

જયપ્રકાશ નારાયણની નેમ સમાજવાદમાં શ્રદ્ધા ધરાવતાં અન્ય જૂથોનું જોડાણ કરવાની હોવાથી આ જૂથ સામ્યવાદીઓ સાથે જોડાઈ સંયુક્ત રાષ્ટ્રીય મોરચા રૂપે કાર્યશીલ રહ્યું. આવા જોડાણને કારણે સમાજવાદી પક્ષ મજબૂત પાયો તૈયાર કરવાનું ચૂકી ગયો, જેનો એકરાર જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓએ કર્યો હતો.

સમાજવાદી જૂથના તરવરિયા યુવાનોને ગાંધી વિચારધારા મોળી અને નબળી લાગતી હતી. આથી 1935ના પ્રાંતિક સ્વરાજ્યના કાયદાનો તથા 1937ની ચૂંટણીઓનો તેમણે લગભગ બહિષ્કાર જ કર્યો હતો. 1942ની ‘કરેંગે યા મરેંગે’ની લડતમાં પ્રથમ હરોળના કાગ્રેસના આગેવાનોની ધરપકડ થઈ ત્યારે આ જૂથના યુવાનેતાઓએ હિંસાનો ઉપયોગ કર્યો અને તેમની લોકપ્રિયતાનો આંક ઊંચો ગયો.

બીજું વિશ્વયુદ્ધ (1939–45) પૂરું થયું ત્યારે કૉંગ્રેસ સ્વાયત્ત મજૂર-સંસ્થાની બાબતમાં સક્રિય બનતાં સમાજવાદીઓ અને કૉંગ્રેસ વચ્ચેની તિરાડ મોટી થવા લાગી. અંતે 1948ના ફેબ્રુઆરી મહિનામાં નાશિક મુકામે સ્વતંત્ર એવા સમાજવાદી પક્ષની વિધિસરની સ્થાપના કરવામાં આવી. આ પક્ષનાં વ્યાપ અને લોકપ્રિયતા બાબતે તેમજ કૉંગ્રેસના એકમાત્ર વિકલ્પ તરીકે તેના યુવાનેતાઓ અત્યંત આશાવાદી હતા. આ પક્ષના નેજા હેઠળ હિંદ મજદૂર સભા (HMS) નામનું એક અલાયદું સંગઠન પણ ઊભું કરવામાં આવ્યું.

1952ની પહેલી ચૂંટણી દરમિયાન આ પક્ષે કેરળમાં મુસ્લિમ લીગ જોડે સમાધાન કર્યું અને ચૂંટણીમાં કૉંગ્રેસ કરતાં ચોથા ભાગના મતો મેળવ્યા, પણ આ મતો ભારતભરમાં પથરાયેલા હોવાથી તેને લોકસભાની બેઠકોમાં રૂપાંતરિત કરી શકાય એમ નહોતા અને પક્ષને લોકસભામાં માત્ર 12 બેઠકો જ હાંસલ થઈ. આચાર્ય કૃપાલાનીના કિસાન મજદૂર પ્રજા પક્ષ(KMPP)નો દેખાવ નબળો રહ્યો, એથી મતભેદો છતાં આ જૂના સાથીઓએ પરસ્પર જોડાવાનું નક્કી કરતાં 1952ના ઑગસ્ટમાં પ્રજા સમાજવાદી પક્ષ અસ્તિત્વમાં આવ્યો. નિષ્ઠાવાન નેતાઓ છતાં પક્ષની અગ્રિમ હરોળની નેતાગીરીમાં વૈચારિક તફાવતો અને અનૂકૂલન સાધવાની અસમર્થતાને લીધે આ પક્ષ પ્રારંભથી જ નબળો રહ્યો અને આગળ જતાં તેમાં ભંગાણ પણ પડ્યું.

જવાહરલાલ નહેરુ મૂળભૂત રીતે સમાજવાદમાં વિશ્વાસ ધરાવતા હોવાથી પ્રજા સમાજવાદીઓનો સહયોગ મેળવવા તેમણે 1953માં જયપ્રકાશ નારાયણને આમંત્રિત કર્યા તથા પ્રાદેશિક અને કેંદ્ર-કક્ષાએ સરકારમાં જોડાવાનું ઇજન આપ્યું. જયપ્રકાશે ચૌદ મુદ્દાનો કાર્યક્રમ રજૂ કરી તેના આગોતરા સ્વીકારની બાંયધરી માંગી તેથી આ ઇજન પડી ભાંગ્યું. આ પછી પક્ષના બેતુલ મુકામે યોજાયેલા અધિવેશનમાં અશોક મહેતાએ આર્થિક ઘડતરના કાર્યક્રમ બાબતે કૉંગ્રેસ જોડે સહકાર સાધવા અનુરોધ કર્યો. દરમિયાન કેરળના પ્રજા સમાજવાદી પક્ષના મુખ્યપ્રધાન પટ્ટમથાણ્ણુ પિલ્લૈની સરકારે ભાષાકીય આંદોલન બાબતે ગોળીબાર કર્યો, જેને સમાજવાદી નેતા લોહિયાએ ભારે શબ્દોમાં વખોડી કાઢ્યો. પક્ષના નાગપુર અધિવેશનમાં આ બાબતે વિવાદ છેડાતાં તમામ કારોબારી સભ્યોએ રાજીનામાં આપી આ કટોકટીનું નિવારણ કર્યું.

આ દરમિયાન 1954માં અવાડી મુકામે કૉંગ્રેસ પક્ષે ‘સમાજવાદી ઢબની સમાજરચના’નો ઠરાવ પસાર કર્યો, જેને અશોક મહેતા જેવા નેતાઓએ આવકાર્યો; એથી પક્ષમાં ખળભળાટ મચી ગયો. પક્ષમાંની નેતૃત્વની તિરાડો પહોળી બનતી ગઈ અને 1955ના માર્ચમાં મુંબઈ શાખાના નેતા મધુ લિમયે તથા તેમના એકવીસ સાથીઓને પક્ષ બહાર મૂકવામાં આવ્યા; પરંતુ પક્ષ બહાર મુકાયેલા આ સાથીઓ દ્વારા જ ઉત્તર પ્રદેશ શાખાના કાર્યકરોના સંમેલનનો મંગળપ્રારંભ કરાતાં લોહિયા અને ઉત્તર પ્રદેશ શાખા બંનેને બરતરફ કરાયાં.

આથી પક્ષમાં મોટું ભંગાણ પડ્યું. આ જૂથો સાથે વાટાઘાટો કરી એકતા સ્થાપવા જયપ્રકાશે 1957માં તેમની સાથે મંત્રણાઓ કરી; પણ કોઈ નક્કર પરિણામ હાંસલ ન થયું. આ આંતરકલહને કારણે 1957 અને 1962ની સામાન્ય ચૂંટણીઓમાં પક્ષનો ચૂંટણી-દેખાવ સાવ નબળો રહ્યો.

1963માં પ્રજા સમાજવાદી પક્ષે કૉંગ્રેસને સત્તામાંથી ઉખેડી નાંખવાનો ઠરાવ કર્યો, જેમાં અશોક મહેતા જેવા નેતાઓને વિશ્વાસમાં લેવાયા નહોતા, આથી તેમણે મૌન રહેવાનું પસંદ કર્યું અને 1963ના સપ્ટેમ્બરમાં અશોક મહેતાએ આયોજન પંચના ઉપાધ્યક્ષનો હોદ્દો સ્વીકારી ઘણા સાથીઓ સાથે પક્ષ છોડી કૉંગ્રેસમાં જોડાવાનું પસંદ કર્યું.

આથી 1964ના પ્રારંભે બંને સમાજવાદી પક્ષોએ જોડાણ કરી સંયુક્ત સમાજવાદી પક્ષ (SSP) સ્થાપવાનો નિર્ણય કર્યો, પરંતુ તેના પહેલા અધિવેશનમાં જ ભંગાણ પડતાં મૂળ પ્રજા સમાજવાદી પક્ષ જીવિત રહ્યો અને સંયુક્ત સમાજવાદી પક્ષ એક અલાયદા પક્ષ તરીકે અસ્તિત્વમાં આવ્યો.

રામમનોહર લોહિયાની આગેવાની હેઠળ પક્ષે ક્રાંતિના સ્થાને સંસદીય પ્રવૃત્તિઓનું મહત્વ સ્વીકાર્યું અને સંસદની અંદર સરકારી કામગીરીના સક્રિય પહેરેદાર બની સરકારી વહીવટની અવ્યવસ્થા, ગોટાળા તથા ગેરરીતિઓ પ્રકાશમાં આણી. આ સક્રિયતા છતાં પક્ષનું સંગઠન મજબૂત બની શક્યું નહિ અને 1967માં ઉત્તર પ્રદેશ અને બિહાર આ બે રાજ્યોમાં ઠીક ઠીક દેખાવ કરી સંયુક્ત સમાજવાદીઓ ટકી રહ્યા, પણ પ્રજા સમાજવાદી પક્ષનું ધોવાણ થયું.

ધ્યેયનિષ્ઠ, અભ્યાસી નેતાઓ છતાં મનમેળ સાધવાની અશક્તિને કારણે આ આગેવાનો ભારતીય રાજકારણમાં નોંધપાત્ર પ્રદાન કરી શક્યા નહિ. પરંતુ સાધનશુદ્ધિમાં વિશ્વાસ રાખતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ જેવા સાચા સમાજવાદીઓ 1975ની કટોકટી વિરુદ્ધ ‘બીજા સ્વરાજ્યની લડત’ સમયે, જૈફ વય છતાં સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવવામાં ક્યાંય કાચા પડ્યા નહોતા અને જેલવાસ વેઠી જનસમાજ સાથેની શુદ્ધ નિસબત તેમણે પ્રગટ કરી હતી.

ઉત્તર પ્રદેશના મુલાયમસિંહ યાદવના નેતૃત્વ હેઠળનો પક્ષ પણ સમાજવાદી પક્ષનું માત્ર નામ ધરાવે છે, પરંતુ તે ભારતના મૂળ સમાજવાદી પક્ષનો વારસદાર પક્ષ નથી.

ભારતીય જનતા પક્ષ : ઑક્ટોબર 1951માં અખિલ ભારતીય જનસંઘ પક્ષની સ્થાપના કરવામાં આવેલી જે આજના ભારતીય જનતા પક્ષનો પુરોગામી પક્ષ કહેવાય. આ પક્ષ ભારતીય રાજકારણનો ચર્ચાસ્પદ પક્ષ રહ્યો છે. કેટલાક તેને હિંદુ કોમવાદીનું લેબલ લગાડે છે તો કેટલાકને મતે આ પક્ષનું ઉગ્ર રાષ્ટ્રવાદી વલણ તેને ચર્ચાસ્પદ બનાવે છે.

1943માં હિંદુ મહાસભાના પ્રમુખ ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી હતા. તેઓ ભારતને મહાન રાષ્ટ્ર બનાવવા કૃતનિશ્ર્ચયી હતા અને એ માટે કોમી પૂર્વગ્રહો ત્યજવાનો તેમણે આગ્રહ રાખ્યો હતો. સરકારના પાકિસ્તાન પ્રત્યેના અતિ ઉદાર વલણને કારણે તેમણે નેહરુના કામચલાઉ પ્રધાનમંડળમાંથી રાજીનામું આપેલું. આ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉગ્ર રાષ્ટ્રવાદી, અત્યંત શિસ્તબદ્ધ, સૈદ્ધાંતિક અભિરુચિ ને મૂલ્યનિષ્ઠ સંગઠન ગણાતું હતું. રા. સ્વ. સં.ના વરિષ્ઠ આગેવાનો સાથે બે શરતો શ્યામાપ્રસાદ મુખરજીએ રજૂ કરેલી. જો નવું સંગઠન રચીએ તો  – એક, તે તમામ ભારતીયો માટે ખુલ્લું હોય અને બે, તેનું ધ્યેય ‘ભારતીય’ રાષ્ટ્રનું ઘડતર કરવાનું હોય. આ શરતો સાથે 1951માં અખિલ ભારતીય જનસંઘની સ્થાપના થયેલી. ભારતીય રાષ્ટ્રવાદ પર મુકાયેલા અતિશય ભારને કારણે આ પક્ષ ઝનૂની રાષ્ટ્રવાદ ધરાવે છે તેવો આક્ષેપ તેના પર કરવામાં આવે છે. તે હિંદુ કોડ બિલનો વિરોધ કરતો હતો અને ગૌહત્યાવિરોધી આંદોલન ચલાવતો હતો. આથી તે હિંદુવાદી અને કોમવાદી પક્ષ ગણાયો. આમ છતાં તેણે રૂઢિચુસ્ત હિંદુ વલણ અપનાવ્યું નથી. અસ્પૃશ્યતાનો સમર્થક રહ્યો છે અને ધર્માંતરને ઉત્તેજન  આપતો નથી. રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય હિતો તેના કાર્યક્રમોની આધારશિલા છે.

પ્રારંભિક ચૂંટણીઓમાં પક્ષનું રાજકીય બળ અલ્પ હોવા છતાં 1969 સુધીમાં તેણે પોતાનું સ્થાન મજબૂત કર્યું. જનસંઘ, ભારતીય ક્રાંતિદળ, સ્વતંત્ર પક્ષ અને કૉંગ્રેસ (સંસ્થા) સાથે સંબંધો વિકસતાં આ પક્ષોએ ‘ભવ્ય જોડાણ’ની રચના કરી. આ સમય દરમિયાન વિભાજનને કારણે કૉંગ્રેસ પક્ષ કંઈક નબળો હતો. 1975માં કટોકટીના વિરોધમાં આ પક્ષ ભારતીય લોકદળ, સંસ્થા કૉંગ્રેસ વગેરે અગ્રણી પક્ષો સાથે જોડાયો અને 1977માં આ સામૂહિક જોડાણમાં દાખલ થઈ ભારતીય જનતા પક્ષનું નવું ક્લેવર ધારણ કર્યું. આમ 1973–75ના બિહાર આંદોલન અને 1975–77ના કટોકટી વિરોધી આંદોલન દરમિયાન ભા.જ.પ. ઘડાતો ગયો. 1980માં તેનું પહેલું રાષ્ટ્રીય અધિવેશન મુંબઈ મુકામે યોજાયું હતું. આ અધિવેશનમાં પક્ષે પાંચ સિદ્ધાંતો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે : (1) રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય ઐક્ય, (2) લોકશાહી, (3) વિધેયાત્મક બિનસાંપ્રદાયિકતા, (4) ગાંધીવાદી સમાજવાદ (રોટી, સ્વતંત્રતા અને રોજગારી) અને (5) મૂલ્યઆધારિત રાજકારણ. 1985ના ગાંધીનગરના અધિવેશનમાં તેણે ‘એકાત્મ માનવવાદ’નો સ્વીકાર કર્યો છે. આર્થિક ક્ષેત્રે પૂર્ણ રોજગારી આપી કૃષિ-ગ્રામીણ પાયાને મજબૂત કરી, સ્વદેશી ભાવનાનું સિંચન કરી ગરીબી દૂર કરવા તે ત્યારથી પ્રયત્નશીલ છે. પક્ષ ઝડપી અને સંતુલિત આર્થિક વિકાસ ચાહે છે અને ભારતીય પદ્ધતિએ દેશની સમસ્યાઓ ઉકેલવા આગ્રહી છે.

સામાજિક ક્ષેત્રે તેણે નવા ભૌગોલિક પ્રદેશોમાં અને વર્ગોમાં પ્રવેશ મેળવ્યો છે. મધ્યમ વયજૂથ, ઉચ્ચશિક્ષણ પામેલા શહેરી રહીશોનો ઉચ્ચ મધ્યમ વર્ગ, નોકરિયાતો અને વ્યાવસાયિકો પાસેથી સમર્થન અંકે કરીને હવે તે આદિવાસી વિસ્તારોમાં પ્રવેશ કરી રહ્યો છે.

1990 પછી રાષ્ટ્રીય કક્ષાએ ભા.જ.પે. કેટલાંક રાજ્યોમાં સ્વતંત્ર રીતે સરકારની રચના કરી. 6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યા ખાતેની બાબરી મસ્જિદ તૂટવાની ઘટનામાં આ પક્ષને જવાબદાર માનવામાં આવ્યો. 1996ની અગિયારમી સામાન્ય ચૂંટણીમાં આ પક્ષ લોકસભાની સૌથી વધુ બેઠકો (178) મેળવી મુખ્ય પક્ષ તરીકે ઊપસી આવ્યો પરંતુ સ્પષ્ટ બહુમતીના અભાવે સરકાર રચી શક્યો નહિ. 1998ની બારમી લોકસભામાં પણ ભા.જ.પ.ના નેતૃત્વ હેઠળ રચાયેલા રાષ્ટ્રીય મોરચાની સરકાર રચાતાં આ પક્ષના અગ્રણી નેતા અટલ બિહારી બાજપાઈ વડાપ્રધાન બન્યા. 1999ની તેરમી લોકસભામાં પણ ચૂંટણી પૂર્વે રચાયેલા રાષ્ટ્રીય લોકશાહી મોરચામાં ભા.જ.પ. મુખ્ય રાજકીય પક્ષ હતો. ચૂંટણીમાં મોરચાને બહુમતી મળતાં આ પક્ષના અને મોરચાના નેતા અટલબિહારી બાજપાઈએ ફરી બીજી વાર વડાપ્રધાનપદ સંભાળ્યું. આમ નેવુંના દસકામાં રાજકીય ફલક પર આ પક્ષ મહત્વની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શક્યો છે.

જનતા દળ : પક્ષ મુખ્યત્વે જનતા પક્ષ, લોકદળ અને (વી. પી. સિંહના નેતૃત્વવાળા) જન મોરચાથી રચાયેલો છે. આથી જનતા પક્ષ અને લોકદળની વિચારસરણી આ પક્ષના આધાર રૂપે કામ કરે છે. પક્ષ લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ પરત્વે પ્રતિબદ્ધતા ધરાવે છે. આર્થિક અને રાજકીય સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા ચાહતા ગાંધીવાદી સિદ્ધાંતની તે તરફદારી કરે છે. રાષ્ટ્રની સુષુપ્ત માનવશક્તિ બહાર લાવવા ગ્રામીણ ગરીબો અને શહેરી નીચલા વર્ગનાં હિતોની કાળજી લેવાની તે આશા સેવે છે. આ વર્ગોને ચોક્કસ લઘુતમ સેવાઓ પહોંચાડવાનો તે આગ્રહ રાખે છે. જેમાં ખોરાક, કપડાં, શિક્ષણ અને તંદુરસ્તીનો સમાવેશ કરે છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા, દેવામાં રાહત તથા હળવી શરતોએ શાખ આપવા અંગે પણ તે પ્રતિબદ્ધ છે. દેશના આર્થિક વિકાસમાં જાહેરક્ષેત્રને તે અનિવાર્ય લેખે છે. તે સામાજિક આર્થિક માળખામાં પાયામાંથી પરિવર્તન ઇચ્છે છે. પક્ષ ઔદ્યોગિક એકમોના સંચાલનમાં હિસ્સેદારીની હિમાયત કરે છે તેમજ કામના અધિકાર પર સવિશેષ ભાર મૂકે છે. પક્ષ મંડલ પંચની ભલામણોના અમલનું વચન આપી અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને પોતાની તરફ આકર્ષવા ઉત્સુક છે. શહેરી વિસ્તારોનાં ઓછી આવકનાં જૂથો, મધ્યમ વર્ગો અને નોકરિયાતોનો ટેકો મેળવવા તે પ્રયાસો કરે છે.

રાજકીય સંદર્ભમાં આ પક્ષ ખૂબ ટૂંકું આયુષ્ય ધરાવે છે. આથી તેના સંગઠનાત્મક માળખાનું સ્પષ્ટ ઘડતર હજુ સુધી આકાર પામ્યું નથી.

પ્રાદેશિક પક્ષો : ભારત જેવા ઉપખંડીય પરિમાણ ધરાવતા દેશમાં ભારે સાંસ્કૃતિક અને પ્રાદેશિક વૈવિધ્ય છે. વળી, તેનો ભૂ-રાજકીય વ્યાપ ઘણો વિશાળ છે. આથી હાર્દરૂપ પ્રદેશો, સીમાવર્તી પ્રદેશો, પહાડી પ્રદેશો આ બધાંની જરૂરિયાતો અને સમસ્યાઓમાં પણ ભારે વૈવિધ્ય છે. આ વૈવિધ્ય રાજકીય તખ્તા પર વાચા પામે તે લોકશાહીમાં ઇચ્છવાજોગ અને આવશ્યક છે. આ વૈવિધ્યને અભિવ્યક્ત કરવાની કામગીરી બહુધા પ્રાદેશિક રાજકીય પક્ષો કરતા હોય છે. ભારતમાં આવા પ્રાદેશિક રાજકીય પક્ષોની કામગીરીને આધારે કેટલાંક સર્વસામાન્ય લક્ષણો તારવી શકાય.

1. દેશના પ્રારંભિક ત્રણ દાયકા દરમિયાન એકતાલક્ષી પ્રવાહો અને પરિબળો શક્તિશાળી હતાં, તેથી પ્રારંભે પ્રાદેશિક પક્ષોની સંખ્યા મર્યાદિત રહી. 2. આ પક્ષોએ રાષ્ટ્રીય ઐક્યની ચિંતા દાખવી રાષ્ટ્રીય કક્ષાના પક્ષો સાથે ચૂંટણી સમજૂતીઓમાં સામેલ થવું વાજબી ગણ્યું. 3. આઝાદી પછીના ત્રણ દાયકા (1950–80) બાદ સ્થાનિક જરૂરિયાતો અને પ્રશ્નોનું સ્વરૂપ બદલાતાં પ્રાદેશિક પક્ષોનાં વલણો પણ બદલાયાં અને સ્થાનિક પ્રજાને સંતોષે એવી પ્રાદેશિક બાબતોએ કેંદ્રીય મહત્વ પ્રાપ્ત કર્યું. આથી સ્થાનિક પક્ષો ચૂંટણીમાં સ્થાનિક પ્રજાનું અસાધારણ સમર્થન મેળવી પોતપોતાના પ્રદેશોમાં સરકાર રચવા શક્તિમાન બન્યા. 4. પ્રાદેશિક સમર્થન એ તેમની મોટી તાકાત બન્યું તેને કારણે કેંદ્ર સરકાર પાસે ઘણે અંશે પોતાનું ધાર્યું કરાવવા જેટલી ક્ષમતા પ્રાદેશિક પક્ષો કેળવી શક્યા. સમયના વહેણ સાથે રાષ્ટ્રીય કક્ષાનું નેતૃત્વ નબળું પડતું ગયું અને બહુપક્ષી સરકારો જેમ જેમ રચાવા લાગી તેમ તેમ પ્રાદેશિક પક્ષો શક્તિશાળી બનવાનું વલણ દાખવી રહ્યા છે. દા.ત., તામિળનાડુમાં અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ, (ADMK) દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને તમિલ મનીલા કૉંગ્રેસ; પંજાબમાં અકાલી દળ; ગોવામાં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પક્ષ; મહારાષ્ટ્રમાં શિવસેના; જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં નૅશનલ કૉન્ફરન્સ; હરિયાણામાં વિશાલ હરિયાણા પક્ષ; મેઘાલયમાં ઑલ ઇન્ડિયા હીલ્સ પીપલ્સ કૉંગ્રેસ; નાગાલૅન્ડમાં નાગ નૅશનલ કાઉન્સીલ; ઉત્તર પ્રદેશમાં ભારતીય લોકદળ; આસામમાં આસામ ગણ પરિષદ; ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પક્ષ; કેરળમાં કેરાલા કૉંગ્રેસ; મણિપુર રાજ્યમાં મણિપુર પીપલ્સ પાર્ટી; મીઝોરામમાં મીઝો નૅશનલ ફ્રન્ટ; પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ, મહારાષ્ટ્ર નૅશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) અને આંધ્રમાં તેલુગુ દેશમ્ જેવા પક્ષો ઉલ્લેખનીય છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ

પ્રાચીન સમયમાં રાજ્યવહીવટના કેન્દ્રમાં ગામડું હતું. ‘પંચ ત્યાં પરમેશ્વર’ની ભાવના પ્રવર્તમાન હોવાથી ગ્રામીણ વહીવટમાં ‘પંચાયતો’ પાયાનું સ્થાન ધરાવતી. મહાભારત કાળમાં નારદ-યુધિષ્ઠિર વાર્તાલાપમાં પંચાયતનો ઉલ્લેખ જોવા મળે છે. મનુસ્મૃતિમાં ગ્રામસંઘો અંગે તથા જાતકકથાઓમાં ગ્રામસભા અંગેના ઉલ્લેખો છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સ્થાનિક સ્વરાજ્ય અને સ્થાનિક વહીવટની વિગતસભર માહિતી રજૂ થઈ છે. આમ ભારતમાં પ્રાચીન સમયથી પંચાયતો ગ્રામીણ સામાજિક રાજકીય જીવનમાં કેન્દ્રસ્થાને હતી.

બ્રિટિશ શાસનકાળ દરમિયાન પંચાયતી રાજ્યવ્યવસ્થાના પતનનો પ્રારંભ થયો. રૈયતવારી પદ્ધતિ દાખલ થતાં અને ન્યાય માટેની અદાલતો રચાતાં ગ્રામપંચાયતોનું મહત્વ અને મોભો બંને ધીરે ધીરે ઘટ્યાં અને નાબૂદ થયાં. જો કે 1919 અને 1935માં પ્રાંતિક સરકારોને સ્થાનિક સ્વરાજ્યની કામગીરી સોંપવાની શરૂઆત થઈ ત્યારે ગ્રામપંચાયતો પુનર્જીવિત કરવાના પ્રયાસો થયા. પરંતુ મૂળભૂત માળખાકીય મર્યાદાઓને લીધે આ સંસ્થાઓ જીવંત અને ધબકતી બની શકી નહિ.

ગાંધીજીએ તેમના ભારતપ્રવાસ દરમિયાન ગ્રામીણ ભારતની અવદશા જોઈ ગ્રામપંચાયતોને પુનર્જીવિત કરવાની જરૂર અનુભવી તથા તેમણે ‘ગ્રામસ્વરાજ’ની વ્યાપક અને ઉગ્ર ભલામણ કરી. નાનેથી મોટા બનતાં અને પરસ્પરમાં સમાઈ જતાં ‘સમુદ્રીય વર્તુળના સિદ્ધાંત’ની જેમ ગ્રામીણ સ્વશાસનની ભાવના વિસ્તરતી રહેવી જોઈએ અને પંચાયતોને શક્ય તેટલી વધુ સત્તાઓ સોંપવી એવો તેમનો આગ્રહ હતો.

સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર સમયે પંચાયત વ્યવસ્થાને યોગ્ય સ્થાન અને મહત્વ આપવાની બાબતમાં કસર રહી ગઈ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પંચાયતોની સ્થાપના બાબતે રાજ્ય પગલાં લેશે અને સ્થાનિક સ્વરાજ્યના એકમ તરીકે તે કામ કરી શકે તે માટે અધિકારો અને સત્તાઓ સોંપશે એમ જણાવ્યું છે. પરંતુ બંધારણમાં પંચાયતો માટે સ્પષ્ટ રીતે કોઈ જોગવાઈ નહોતી. પહેલી અને બીજી પંચવર્ષીય યોજનામાં ‘સામુદાયિક વિકાસ કાર્યક્રમ’ની જોગવાઈઓ હતી. આ યોજનાઓ દર્શાવતી કે ગ્રામીણ વિકાસની જરૂર હોવા છતાં તેમાં લોકોની પહેલનો અભાવ સ્પષ્ટ રીતે વર્તાતો હતો.

સામુદાયિક વિકાસ યોજનાનું મૂલ્યાંકન કરી તેમાં રહેલી અધૂરપો દૂર કરવા 1957માં બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ એક સમિતિ રચવામાં આવી. આ સમિતિએ કાર્યદક્ષ અને કરકસરયુક્ત વહીવટી સંચાલન સાથે વધુમાં વધુ લોકોની સહભાગિતાના મુદ્દાઓને નજર સમક્ષ રાખી પોતાનો અહેવાલ સુપરત કર્યો. તેમાં લોકશાહી વિકેન્દ્રીકરણના પાયાના સિદ્ધાંતોનો ખ્યાલ કરી ‘પંચાયતી રાજ’ની ભલામણ કરી. આ ભલામણો મુજબ વિકાસ કાર્યક્રમોમાં લોકોને સહભાગી બનાવવા અને ગ્રામકક્ષાની જરૂરિયાત મુજબ યોજના તૈયાર કરવા માટે આવશ્યક સત્તા અને સાધનો ધરાવતી લોકશાહી સંસ્થાઓ ઊભી કરવા બાબતે તેને તમામ જવાબદારી સોંપવાની બાબત પર આગ્રહ રાખવામાં આવ્યો. આમ મહેતા સમિતિની ભલામણોના આધારે વર્તમાન ‘પંચાયતી રાજ’નું માળખું ઘડાયું અને 1958થી દેશમાં પંચાયતી રાજની સ્થાપના કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો. મોટાભાગનાં રાજ્યોએ આ અહેવાલને ધ્યાનમાં રાખી જરૂરી ધારાઓ ઘડ્યા. અલબત્ત બંધારણ અનુસાર સ્થાનિક સ્વશાસન રાજ્યયાદીનો વિષય હોવાથી સંપૂર્ણ એકરૂપ માળખું આ બાબતે ઘડાયું નથી. સૌથી નીચેના સ્તરે ગ્રામપંચાયત બીજા કે મધ્યના સ્તરે તાલુકાપંચાયત અને તેથી ઉપરના ત્રીજા સ્તરે જિલ્લાપંચાયતો એમ ત્રિસ્તરીય માળખું નિશ્ચિત થયું. આ માળખા અનુસાર દેશમાં પંચાયતી રાજનો પ્રારંભ કરવાનું બહુમાન રાજસ્થાન અને આંધ્રના ફાળે જાય છે. 1959ના 2જી ઑક્ટોબર ગાંધીજયંતી-દિને રાજસ્થાનના નગોર ગામમાં પંડિત નેહરુએ પંચાયતી રાજનું ઉદઘાટન કર્યું અને ત્યારબાદ ક્રમશ: સમગ્ર ભારતમાં પંચાયતી રાજનો સ્વીકાર થયો અને મોટાભાગનાં રાજ્યોએ આ માટે જરૂરી ધારા ઘડ્યા. જોકે સૂચિત ત્રિસ્તરીય માળખામાં સ્થાનિક જરૂરિયાતો મુજબ ફેરફાર કરવાની છૂટ રાજ્યોને આપવામાં આવી હતી.

ગ્રામપંચાયત પંચાયતી રાજનો પાયાનો એકમ છે. મતદારયાદીમાં સ્થાન ધરાવતા ગ્રામજનો દ્વારા નિયત સંખ્યામાં પંચાયતના પ્રતિનિધિઓ ચૂંટવામાં આવે છે અને આમ ગ્રામપંચાયતની રચના થાય છે. 15,000ની વસતી ધરાવતા ગામ યા મુવાડા, કસબા, નવી વસાહતો સહિતનાં ગામોના જૂથ માટે ગ્રામપંચાયતની રચના થાય છે. ગ્રામપંચાયતની સભ્યસંખ્યા વસતીના ધોરણે સાતથી એકત્રીસ સુધીની હોય છે. ગામની અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યો માટે તેમની વસતીના ધોરણે અનામત બેઠકો રાખવામાં આવે છે. પંચાયતની કુલ બેઠકોમાં ત્રીજા ભાગની બેઠકો (33 ટકા) મહિલાઓ માટે અનામત હોય છે. ન્યાયિક કાર્યો માટે સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત કરવામાં આવે છે. પંચાયતના સભ્યોની સીધી ચૂંટણી કરવામાં આવે છે. પરંતુ સરપંચ ગામના તમામ લોકો દ્વારા ચૂંટાય છે. પંચાયત સ્વાસ્થ્ય, સફાઈ, જાહેર બાંધકામ, શિક્ષણ, ગ્રામરક્ષણ, આયોજન, વહીવટ, સામૂહિક વિકાસ, પશુસંવર્ધન, ગ્રામોદ્યોગ, જમીન મહેસૂલ વગેરે ક્ષેત્રોમાં કામ કરે છે. આ કાર્યોના વહીવટ માટે મકાનો-જમીન પરનો કર, યાત્રાળુ કર, મેળા-પર્વો તથા મનોરંજન કર જેવા વેરાઓ દ્વારા પંચાયત આવકનાં સાધનો ઊભાં કરે છે.

સરપંચ એ ગ્રામપંચાયતની કારોબારીના વડા હોય છે. દર મહિને પંચાયતની સભા યોજાય છે. વધુમાં, તમામ મતદારોથી બનેલી ગ્રામસભાની બેઠક પણ વર્ષમાં બે વાર યોજાતી હોય છે. જરૂર જણાય તો સરપંચ અસામાન્ય સભા પણ બોલાવી શકે છે.

તાલુકાપંચાયત, પંચાયતી રાજનું બીજું યા મધ્ય સ્તર છે અને ગ્રામપંચાયત તથા જિલ્લાપંચાયત વચ્ચે કડીરૂપ ભૂમિકા નિભાવે છે. તાલુકાના મતદારો આ પંચાયતના સભ્યો ચૂંટે છે અને આ ચૂંટાયેલા સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. એક લાખ સુધીની વસતી ધરાવતા તાલુકાઓની પંચાયત પંદર સભ્યોની હોય છે, એથી વધુ વસતી ધરાવતા તાલુકાઓની પંચાયતમાં 15થી 31 સુધીની સભ્ય-સંખ્યા હોય છે. આમાં પણ ત્રીજા ભાગની (33 ટકા) બેઠકો મહિલાઓ માટે અનામત હોય છે. તેમજ અનુસૂચિત જાતિ-જનજાતિના સભ્યો માટે તેમની વસતીના પ્રમાણમાં બેઠકો અનામત રાખવાની જોગવાઈ હોય છે. તેની સામાન્યસભા દર ત્રણ મહિને એક વાર ભરાય છે. પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત હોય છે. સ્વાસ્થ્ય, સફાઈ, શિક્ષણ, બાંધકામ, ખેતીવાડી, પશુસંવર્ધન વગેરે કાર્યો તાલુકાપંચાયતની જવાબદારી છે. તાલુકામાં નાંખેલા કરવેરા ઉપરાંત રાજ્યની કુલ મહેસૂલ વસૂલાતના 25 ટકા જેટલી રકમ તેને અનુદાન સ્વરૂપે પ્રાપ્ત થાય છે.

પંચાયતના ત્રિસ્તરીય માળખાનું સૌથી ઉપરનું એકમ જિલ્લા પંચાયત છે. જિલ્લાના મતદારો જિલ્લાપંચાયતની રચના કરે છે. ચાર લાખ સુધીની વસતી ધરાવતા જિલ્લાની પંચાયતમાં 17 સભ્યો અને એથી વધુ વસતી ધરાવતા જિલ્લામાં પંચાયતની સભ્ય સંખ્યા 17થી 31 સુધીની હોય છે. જિલ્લાપંચાયતમાં પણ ત્રીજા ભાગની (33 ટકા) બેઠકો મહિલાઓ માટે અનામત હોય છે. જિલ્લાની વસતીના પ્રમાણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે બેઠકો અનામત રાખવામાં આવે છે. પંચાયતની મુદત પાંચ વર્ષની હોય છે. વિવિધ સમિતિઓની નિમણૂક કરીને પંચાયત પોતાનાં કાર્યોનું સંકલન કરે છે. કરવેરા અને સ્વભંડોળ ઉપરાંત વિવિધ યોજનાઓના અમલ માટે રાજ્ય સરકાર અનુદાન રૂપે જિલ્લા પંચાયતને નિશ્ચિત રકમ આપે છે. જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાપંચાયતની તમામ પ્રવૃત્તિઓના અમલ બાબતે દેખરેખ અને નિયંત્રણ રાખે છે.

પંચાયતી રાજની દીર્ઘ કામગીરી બાદ તેના સર્વગ્રાહી અવલોકન માટે 12 ડિસેમ્બર, 1977ના રોજ અશોક મહેતા સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ પંચાયતોની કામગીરી નિહાળી વિશદ અભ્યાસને આધારે પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. કુલ 11 પ્રકરણો અને પ્રસ્તાવના સહિત 153 પાનાં ધરાવતા અહેવાલમાં પંચાયતી રાજની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સમિતિએ કેટલીક મહત્વની ભલામણો કરેલી જે અંગેનાં સૂચનો આ મુજબ હતાં : (1) લોકશાહી વિકેન્દ્રીકરણનું પ્રથમ બિંદુ જિલ્લો હોય, તે પછી ક્રમશ: નીચેના સ્તરોએ ‘મંડળ પંચાયતો’ રચવી, ‘મંડળ પંચાયતો’ સાચા અર્થમાં પ્રવૃત્તિઓથી ધમધમતું કેન્દ્ર બને તે જોવું; (2) આ સંસ્થાઓની ચૂંટણીઓનું સંચાલન રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી કમિશનરની સલાહથી કરવું. (3) આયોજિત વિકાસનો લાભ જિલ્લા અને તેથી નીચેના ઘટકોને પહોંચે તેની તકેદારી રાખવી; (4) સમાજના નબળા વર્ગોના વિકાસ પ્રત્યે વિશેષ લક્ષ આપવું. આ માટે વહીવટી ક્ષેત્રે આમૂલ ફેરફારો કરવા; (5) પંચાયત ક્ષેત્રોમાં માનવ સાધનસંપત્તિનો વિકાસ કરવા તાલીમનો પ્રબંધ કરવા પણ સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો.

1993ના 73મા બંધારણીય સુધારા દ્વારા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાંની સ્વશાસનને લગતી 40મી કલમમાં સુધારો કરવામાં આવ્યો અને પંચાયતોને સ્પર્શતો ભાગ-9 બંધારણમાં આમેજ કરવામાં આવ્યો. આ 73મા બંધારણીય સુધારા અનુસાર ગ્રામસભા અને અન્ય કક્ષાઓએ પંચાયતોની તમામ બેઠકોની સીધી ચૂંટણી કરવાની જોગવાઈ છે. વસતીના પ્રમાણમાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે તેમજ 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. પંચાયતોની મુદત પાંચ વર્ષની રહેશે તેમજ જો પંચાયતને સ્થાનચ્યુત (supersede) કરવામાં આવે તો છ માસના ગાળામાં ફરી ચૂંટણીઓ યોજવામાં આવે એમ નક્કી થયું.

આમ, પંચાયતી રાજ હેઠળ વિકેન્દ્રીકરણનો લાભ લઈ દેશનાં વિવિધ રાજ્યોમાં નમૂનારૂપ ઘટકો વિકસ્યાં છે તેમ છતાં એકંદરે તેનાથી સ્થાનિક કક્ષાએ ઘર્ષણો પેદા થાય છે. પ્રજાના પ્રતિનિધિઓની વહીવટી દરમિયાનગીરી તેમજ રાજકીય દબાણ વધે છે. આવી સમસ્યાઓના નિવારણ અંગે સભાનતા દર્શાવવામાં આવે તો પંચાયતી રાજ આશીર્વાદરૂપ બનવાની ક્ષમતા ધરાવે છે.

વિદેશનીતિ

ભારતની વિદેશનીતિનાં મૂળ આઝાદી પૂર્વેના સમય સુધી વિસ્તરેલાં છે. રાષ્ટ્રના અગ્રણી પક્ષ તરીકે કૉંગ્રેસે વિદેશનીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સક્રિય રસ દાખવ્યો હતો. સ્વાતંત્ર્ય માટેની લડતનું વિશિષ્ટ સિદ્ધાંતો સાથે સંચાલન થયું હોવાથી વિદેશનીતિના જે સિદ્ધાંતો ઘડાયા તેમાં પણ દીર્ઘર્દષ્ટિ અને સૈદ્ધાંતિકતાનો આગ્રહ સેવવામાં આવ્યો. તેમાં રાષ્ટ્રીય હિત અને નૈતિક મૂલ્યોનો સુમેળ સાધવાનો પ્રયાસ થયો.

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ બિનજોડાણની નવતર અને અદ્વિતીય વિદેશનીતિ સ્વીકારી. તેમાં કેટલાક પાયાના ધ્યેયો સ્વીકારવામાં આવ્યા હતા, જેમાં (1) ભારતની પ્રાદેશિક અખંડિતતા તથા વિદેશનીતિની સ્વતંત્રતા, (2) વિશ્વશાંતિનો ફેલાવો અને (3) ભારતનો આર્થિક વિકાસ – આ ત્રણ બાબતો પર વિશેષ ભાર મુકાયો હતો. આ ધ્યેયો સિદ્ધ કરવા માટે બિનજોડાણવાદ, શાંતિ અને મૈત્રીને પંડિત નેહરુએ મહત્વનાં સાધનો તરીકે ઓળખાવ્યાં હતાં. બિનજોડાણવાદ એ તટસ્થતા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સમસ્યાની ગુણવત્તાને આધારે તેના વિશે નિર્ણય લેવાનું વલણ છે. એથી કરીને જૂથવાદના વિશ્વરાજકારણને બદલે ન્યાય અને ગુણવત્તાના રાજકારણ તરફ જવાનો આરંભ થાય છે. દેશ આંતરરાષ્ટ્રીય જૂથવાદથી દૂર રહી જુદા જુદા દેશો સાથે મૈત્રીભર્યા સંબંધો જાળવી શકે તેમજ આંતરરાષ્ટ્રીય પ્રશ્નોની પતાવટ સમજદારી સાથે, શાંતિપૂર્વક કરવાની દિશામાં આગળ વધી શકે. આમ ભારતની વિદેશનીતિમાં વિશ્વયુદ્ધ પછીની પ્રવર્તમાન સત્તાની સમતુલાના રાજકારણનો અસ્વીકાર હતો તેમજ ઝઘડાઓના શાંતિમય નિરાકરણ માટે વાટાઘાટો, મંત્રણા, સમાધાનનો આશરો લેવાની ભલામણ હતી.

1947માં ભારત આઝાદ થયું ત્યારે વિશ્વમાં રશિયા અને અમેરિકા એ બે મહાસત્તાઓ વચ્ચે ઠંડું યુદ્ધ બરાબર જામ્યું હતું. બીજી તરફ એશિયા-આફ્રિકાના ઘણા દેશો ક્રમશ: સ્વતંત્ર બનતા હતા જેમણે પોતાની આઝાદીનું જતન કરવાનું હતું. આથી આ નવોદિત દેશો ઠંડા યુદ્ધથી દૂર રહેવા ઉત્સુક હતા. આ રાષ્ટ્રોને બિનજોડાણવાદમાં યોગ્ય ભૂમિકા તેમજ અર્થપૂર્ણ વિદેશીનીતિનું સૈદ્ધાંતિક માળખું લાધ્યું. ત્રીજા વિશ્વના નવોદિત દેશોમાંથી મોટાભાગનાં રાષ્ટ્રોએ બિનજોડાણવાદની નીતિ પસંદ કરતાં નવોદિત દેશોનું એક બિનજોડાણવાદી જૂથ રચાયું અને ભારતને આ જૂથનું નેતૃત્વ કરવાની તક સાંપડી. આમ બિનજોડાણવાદની નીતિને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માન્યતા સાંપડી. વિશ્વરાજકારણમાં એક નવું, ત્રીજું પરિમાણ રચાયું. તેમાં મોટાભાગના નવા સ્વતંત્ર બનેલા દેશો હતા જે કોઈ પણ મહાસત્તા સાથે જોડાયા વિના સ્વતંત્ર વિદેશનીતિના હિમાયતી હતા.

બિનજોડાણની આ વિદેશનીતિને કૉંગ્રેસ ઉપરાંત વિવિધ પક્ષોએ ટેકો આપ્યો છે. એટલું જ નહિ પણ પછીથી સત્તા પર આવેલા વિરોધપક્ષોએ પણ બિનજોડાણની વિદેશનીતિ ચાલુ રાખીને. આ બાબતે એક પ્રકારનું સાતત્ય પૂરું પાડ્યું છે. બિનજોડાણવાદની આ વિદેશનીતિ કેટલાક પાયાના સિદ્ધાંત ધરાવે છે :

(1) સામ્રાજ્યવાદ અને રંગભેદ-જાતિવાદનો વિરોધ; (2) પશ્ચિમી ઢબની મૂડીવાદી લોકશાહી અને સામ્યવાદી વિચારસરણીનો અસ્વીકાર; (3) આંતરરાષ્ટ્રવાદ (4) બૃહદ્ એશિયાવાદ; (5) શાંતિમય માર્ગે આંતરરાષ્ટ્રીય વિવાદોની પતાવટ; (6) બધા દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ; (7) સંયુક્ત રાષ્ટ્રસંઘને સમર્થન.

બિનજોડાણની વિદેશનીતિને લીધે ભારત અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓ સાથે સંબંધો વિકસાવી તેમની ટૅનૉલૉજી અને પ્રગતિશીલતાનો વિધેયાત્મક ઉપયોગ કરી વિકાસની દિશામાં આગળ વધી શક્યું. 1954માં ચીન સાથેના મૈત્રીકરારમાં પંચશીલની ઘોષણા કરી શાંતિમય સહઅસ્તિત્વની સરાહના કરી. 1955ની બાંડુગ પરિષદમાં ભારત અને ચીન નજીક આવ્યાં તેમાં એશિયા અને આફ્રિકાનાં 29 રાષ્ટ્રોએ ભાગ લીધો અને પંચશીલનું વિસ્તૃતીકરણ કરીને દસ સિદ્ધાંતો તારવ્યા, જેમાં (1) પરસ્પરની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન, (2) બિનઆક્રમણ, (3) બિનદરમિયાનગીરી, (4) સમાનતા અને પરસ્પર સહાય, (5) મૂળભૂત માનવ અધિકારો માટે આદરભાવના; (6) વ્યક્તિગત અને સામૂહિક રક્ષણનો અધિકાર, (7) બાહ્ય દબાણો વિના કરારો કરવાની છૂટ; (8) માત્ર લાભ માટે જ ગુપ્ત કરારમાં દાખલ ન થવું; (9) ઝઘડાની શાંતિમય પતાવટ, (10) ન્યાય માટે આદર. – આ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. આમ ભારતે રજૂ કરેલ પંચશીલના સિદ્ધાંતો બૃહદ્ સ્વરૂપમાં ત્રીજા વિશ્વમાં માન્યતા ધરાવવા લાગ્યા. ત્રીજા વિશ્વના દેશોના આવા વિધેયાત્મક વલણને કારણે 1959થી 62નાં વર્ષો દરમિયાન દ્વિધ્રુવી સ્પર્ધા અને ઘર્ષણ ઘટ્યાં અને આંતરરાષ્ટ્રીય સહકારના પ્રયાસોને ઉત્તેજન મળ્યું. વિશ્વરાજકારણનું માળખું બદલાવાની શરૂઆત થઈ. ભારતને પી.એલ. 480, વિશ્વબૅંક અને ખાનગી સંગઠનો દ્વારા અમેરિકી સહાય મળવા લાગી.

1962ના ચીની આક્રમણ વેળા અમેરિકી મદદ છતાં ભારતને વ્યૂહાત્મક પીછેહઠ કરવી પડી. 1963માં અણુપ્રયોગબંધી કરારને સંમતિ આપી. 1965માં પાકિસ્તાની આક્રમણ અને પછી રશિયાની મધ્યસ્થીથી તાશ્કંદ સમજૂતીએ આકાર લીધો.

1966થી 70 દરમિયાન બિનજોડાણની નીતિ તો ચાલુ રહી પણ ભારતે આદર્શવાદનો અતિરેક છોડ્યો અને વિદેશનીતિની વ્યવહારુ મુલવણી કરીને અણુબૉંબ બનાવવાની દિશામાં ભારત વિચાર કરવા લાગ્યું અને અણુવિસ્ફોટબંધી કરાર પર સહી કરવાનો ઇન્કાર કર્યો. 1971માં બાંગ્લાદેશના ઉદયમાં સક્રિય ભૂમિકા ભજવી મજબૂત દેશ તરીકે વિકસતું રહ્યું. 1972માં ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી મંત્રણા દ્વારા નવી અંકુશ રેખા નિર્ધારિત કરવામાં આવી. 1974માં પોખરણ, રાજસ્થાનમાં કરેલા અણુવિસ્ફોટ દ્વારા ભારત અણુ તાકાત બન્યું. જો કે અણુ ટૅકલૉજીનો ઉપયોગ શાંતિમય હેતુઓ માટે જ કરશે એવી બાંયધરી પણ આ સાથે આપી. 1975માં સિક્કિમનું ભારત સાથેનું જોડાણ કાયદેસર રીતે જાહેર કરવામાં આવ્યું. 1977ના જનતા સરકારનાં અઢી વર્ષના શાસન દરમિયાન સોવિયત સંઘ સાથેના સંબંધો વધુ સુધર્યા. ડિસેમ્બર 1980માં સોવિયત સંઘ સાથે પાંચ કરારો કરવામાં આવ્યા. ચીન સાથેના સંબંધોમાં પણ સુધારો થયો. 1985માં ભારતે ‘સાર્ક’(South Asian Association for Regional Co-operation)નું નેતૃત્વ કર્યું અને દક્ષિણ એશિયાનું માન્ય અગ્રણી રાષ્ટ્ર બન્યું. નેપાલ અને બાંગ્લાદેશ સાથે સમજૂતીઓ હાથ ધરાતાં નદીઓનાં પાણીની પરસ્પર વહેંચણી અને પ્રાદેશિક સીમાંકન કરવામાં આવ્યું તેમજ વિદેશી ઘૂસણખોરી રોકવા અંગે પણ સમજૂતી સધાઈ.

1988માં રાજીવ-જયવર્દને કરાર હેઠળ ભારતે પોતાનાં શાંતિ દળો (Indian peace keeping force) શ્રીલંકા મોકલ્યાં અને ઘણો ભોગ આપ્યા પછી દળોને પાછાં ખેંચી લેવામાં આવ્યાં. સપ્ટેમ્બર 1993માં ચીન સાથે સરહદ શાંતિ મંત્રણા હાથ ધરવામાં આવી. 1997નું વર્ષ દક્ષિણ એશિયામાં ભારતનું વર્ષ બની રહ્યું. વડાપ્રધાન ઇન્દરકુમાર ગુજરાલ દ્વારા વિદેશનીતિમાં ‘ગુજરાલ સિદ્ધાંત’ (Gujaral Doctrine) સ્વીકારવામાં આવ્યો જેમાં તમામ પડોશીઓ સાથે તનાવરહિત સામાન્ય સંબંધો સ્થાપવાના તથા દક્ષિણ એશિયાના સમગ્ર વિસ્તારને તનાવમુક્ત બનાવવાના મુખ્ય ઉદ્દેશો હતા. જાન્યુઆરી 1997માં ભારત–બાંગ્લાદેશ વચ્ચે 30 વર્ષના જળવહેંચણી કરાર પર સહી સિક્કા થયા. ત્યારબાદ ભારત–નેપાળ વચ્ચે મહાકાલી નદીના પ્રશ્નનું નિરાકરણ કરી જળવિદ્યુત કેન્દ્રો ઊભાં કરવા અંગે સમજૂતી સાધવામાં આવી.

ભારત–પાકિસ્તાન સંવાદ 1994થી લગભગ નહિવત હતો. જૂન 1996માં સંયુક્ત મોરચા સરકારે પાકિસ્તાન સાથે સંવાદ યોજવા તૈયારી બતાવી હતી. ફેબ્રુઆરી 1999માં ભારત–પાકિસ્તાન વચ્ચે લાહોર કરાર કરવામાં આવ્યા, જેથી બસ તથા રેલવે વ્યવહારથી ભારત–પાકિસ્તાન વચ્ચે નાગરિકોની સરળ અવર-જવરની સુવિધા ઊભી કરવામાં આવી. કાશ્મીર સહિતની ભારત–પાક સમસ્યાઓને શાંતિ મંત્રણા દ્વારા ઉકેલવા અંગે પુનરુચ્ચાર કરવામાં આવ્યો. પરંતુ ત્રણ માસ બાદ મે 1999માં કારગિલ મોરચે પાકિસ્તાને ઘૂસણખોરી કરતાં બંને દેશો વચ્ચે યુદ્ધ છેડાયું. માર્ચ 2000માં અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને ભારતની મુલાકાત લીધી અને બંને દેશો વચ્ચે ‘વિઝન 2000’ કરાર કરવામાં આવ્યો તેમજ સપ્ટેમ્બર 2000માં ભારતના વડાપ્રધાન અટલબિહારી વાજપાઈની અમેરિકાની મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો મૈત્રીભર્યા અને ઉષ્માપૂર્ણ સંબંધોનો નવો અધ્યાય આરંભાયો.

રાજકીય સમસ્યાઓ

ભારતે બંધારણના આરંભ સાથે લોકશાહી પદ્ધતિ સ્વીકારી. લોકશાહી પદ્ધતિનો સ્વીકાર કરવો અને લોકશાહીનું સંચાલન કરવું બંને રાજકીય જીવનની ઘણી મહત્વની બાબતો છે. લોકશાહીના આધારે રોજિંદા વ્યવહારો ગોઠવાય ત્યારે અનેક સમસ્યાઓ ખડી થાય છે. માત્ર લોકશાહી માળખું રચવાથી સમગ્ર વ્યવસ્થા આપોઆપ ગોઠવાતી નથી. લોકશાહી વ્યવહાર ગોઠવવા માટે પ્રજાએ રાજકીય જીવનમાં સક્રિય ભાગીદારી અને જાગૃતિ દાખવવાં પડે છે, જાહેર જીવનમાં અને સરકારનાં કાર્યોમાં સતત રસ લેવો પડે છે તેમજ અન્ય વ્યક્તિ, જૂથ કે સમૂહના વિચાર-વર્તનને સમજવાની અને સહન કરવાની તત્પરતા દાખવવી પડે છે. એટલે કે લોકશાહી રાજકીય વ્યવહાર ઉપરાંત જીવનરીતિ બને અને ‘બુલેટ’ (હિંસા)ને બદલે ‘બેલટ’ (મતપત્ર) દ્વારા નિર્ણયો લેવાય તે વધુ ઇષ્ટ છે.

ભારત જેવા નવોદિત, ગરીબ, રૂઢિચુસ્ત અને વ્યાપક અશિક્ષિતતા ધરાવતા દેશમાં આપણે 1950થી આ દિશામાં મંગલાચરણ કરી લોકશાહી સ્થાપવાનો ભગીરથ પ્રયાસ આદર્યો ત્યારે કદમાં વિશ્વની આ સૌથી મોટી લોકશાહી સમક્ષની વ્યાપક વિષમતાઓ, ખતરાઓ, સમસ્યાઓ અને પડકારોની ગંભીરતા સ્પષ્ટ થઈ. આ પડકારોને મૂલવીએ ત્યારે યાદ રહે કે રાષ્ટ્રોના ઇતિહાસ અને તવારીખમાં 50 વર્ષ એ બહુ નાનો ગાળો ગણાય.

ભારતની લોકશાહી સમક્ષનો મુખ્ય પડકાર રાષ્ટ્રીય એકતાનો છે. લોકશાહી અને રાષ્ટ્રીય એકતા પરસ્પર ગાઢ રીતે સંકળાયેલાં છે. દેશ સાથે તાદાત્મ્યનો અનુભવ સ્વયંભૂ રીતે પ્રગટ થતો રહેવો જોઈએ. દેશની મોટાભાગની પ્રજા સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો અનુભવતી હોય તો જ સાચું રાષ્ટ્રીય ઐક્ય પ્રગટે. આ ઐક્ય દ્વારા લોકશાહી પરિપુષ્ટ બને અને પાંગરે. પરંતુ ભારતમાં આ રાષ્ટ્રીય ઐક્ય વિઘટિત છે. એમાં નાનીમોટી તિરાડો પડેલી છે. લોકો દેશ સાથે તાદાત્મ્ય અનુભવવા છતાં સંકુચિત પ્રાદેશિક ભાવનાઓથી ઉપર ઊઠીને વ્યાપક રાષ્ટ્રીય હિતમાં વર્તી શકતા નથી. સામાજિક-આર્થિક વિષમતાઓ આ સમસ્યાને વઘુ ઘેરી બનાવે છે. ઊંચનીચના ભેદભાવવાળી સમાજરચના, જ્ઞાતિવ્યવસ્થા, ગ્રામીણ અને શહેરી વિસ્તાર વચ્ચેના તફાવતો, આવક અને સંપત્તિની અસમાનતા, અસમાન પ્રાદેશિક આર્થિક વિકાસ, શિક્ષિતો અને અશિક્ષિતો વચ્ચેનો ભેદ, સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા – આ બધી વિષમતાઓ પ્રજાકીય ઐક્યની આડે આવે છે અને તે દેશની પ્રગતિને રૂંધે છે. આ કારણોસર મજબૂત રાષ્ટ્રીય ઐક્ય જાણે ઘણે દૂરની વાત બની રહે છે.

ભારતની લોકશાહી સમક્ષનો બીજો પડકાર કોમવાદનો છે. ભારતીય સંસ્કૃતિની બુનિયાદ સહિષ્ણુતા, ઉદારતા અને મતાંતરક્ષમા પર રચાયેલી હોવા છતાં કોમી લાગણીઓ એમાં વિષ ઘોળે છે. આઝાદી પૂર્વેના કાળમાં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની રચનાના સમયથી કોમી લાગણીઓ વરવા રૂપે છતી થાય છે. વિદેશી શાસકોએ આ સંગઠનોને રાજકીય માન્યતા આપી. અખંડ હિંદુસ્તાનના ભાગલા કર્યા અને ક્રમશ: આ બે મુખ્ય કોમોનો ઇતિહાસ સાંપ્રદાયિકતાનો રંગ પકડતો ગયો. સ્વતંત્ર ભારતમાં ચૂંટણી ટાણે મતની અપેક્ષાએ વિવિધ કોમોને ખોટી રીતે બહેકાવવામાં આવે છે. સાંપ્રદાયિક સૂત્રો, અપીલો, પ્રદર્શનો, પ્રતીકો, સભા-સંબોધનો વગેરે દ્વારા કોમવાદ રાજકીય પરિમાણ ધારણ કરે છે. વિવિધ કોમોની વચ્ચે સત્તા મેળવવા, ટકાવવા અને ર્દઢ કરવા સાંપ્રદાયિક લાગણીઓનો દુરુપયોગ થાય છે. એથી વિવિધ કોમો વચ્ચે ઘૃણા, વૈરભાવ કે દુશ્મનાવટ વિસ્તરે છે. ક્યારેક આ લાગણીઓ હિંસક બની રાષ્ટ્રની મિલકતોને પારાવાર નુકસાન પહોંચાડે છે. ખાલિસ્તાનની માંગ, કાશ્મીર સમસ્યા, રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વગેરે આ કોમવાદનાં વરવાં સ્વરૂપો છે જે તંદુરસ્ત સમાજ માટે ઘાતક અને લોકશાહી માટે ખતરનાક છે.

સામાન્યતયા ભાષા એ લોકોને જોડનારી કડી છે. વિચારો અને ભાવોની અભિવ્યક્તિનું તે સબળ માધ્યમ છે. રાષ્ટ્રીય એકતાની ર્દઢતામાં ભાષા મહત્વની ભૂમિકા નિભાવે છે. વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં એકથી વધુ રાજ્યમાન્ય ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે. ભારતમાં બધી મળીને હજાર કરતાં પણ વધારે ભાષાઓ અને બોલીઓ છે. જેમાંથી કુલ 18 એવી મુખ્યભાષાઓ છે જેને માન્યતા સ્વરૂપે બંધારણના 8મા પરિશિષ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતમાં મુખ્ય બે ભાષાકુળની ભાષાઓ બોલાય છે. ઇન્ડો-આર્યન કુળની 574 જેટલી ભાષા બોલનારાની સંખ્યા કુલ વસતીમાં લગભગ 73 % જેટલી છે, જ્યારે દ્રવિડિયન ભાષા કુળની 153 ભાષા બોલનારની સંખ્યા કુલ વસતીમાં 24.5 % જેટલી છે. ભારતમાં ભાષાઓનું આ બાહુલ્ય વિભાજક બનીને અલગતાવાદને પોષે છે. સત્તાવાર ભાષાનો પ્રશ્ન હજુ પૂરેપૂરો ઉકેલાયો નથી. બંધારણસભામાં આ વિશે વિગતે ચર્ચા થઈ ત્યારે એમ નક્કી થયેલું કે દેવનાગરી લિપિમાં લખાતી હિન્દી ભાષા ભારતીય સંઘની સત્તાવાર ભાષા રહેશે. સાથે 15 વર્ષ પૂરતી અંગ્રેજી પણ સત્તાવાર ભાષા તરીકે ચાલુ રાખવામાં આવી હતી. આ અંગે ઉત્તર અને દક્ષિણ ભારતમાં ભારે વિવાદ અને સંઘર્ષ થયા, પરિણામે બંને ભાષાઓને સત્તાવાર જોડિયા ભાષા તરીકે સ્વીકારીને આ વિસ્ફોટક પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યું.

1956માં રાજ્યપુનર્રચના ધારો સંસદે પસાર કર્યો ત્યારે પણ દેશમાં હિંસક આંદોલનો થયાં. પરિણામે ભાષાને આધારે નવાં રાજ્યોની રચના થવા લાગી અને 2000 સુધીમાં ભારતીય સંઘનાં ઘટક રાજ્યોની સંખ્યા 28ને આંબી ગઈ છે. આમ ભાષા એ ભારતમાં પ્રજાને જોડનાર પરિબળ બનવા કરતાં તોડનારું પરિબળ બન્યું.

ભાષાએ ભારતમાં પ્રાંતવાદ–અલગતાવાદને પોષ્યો છે. એવું પણ એક મંતવ્ય છે. પ્રદેશ તરીકે ઓળખાવા ભૌગોલિક વિસ્તારમાં પેઢી દર પેઢીથી વસવાટ કરતા લોકો ભાવનાત્મક અને લાગણીભર્યા સંબંધોથી જોડાઈને પોતાના આ પ્રદેશ માટે તાદાત્મ્ય અને એકતા અનુભવતા હોય છે. સામાન્ય રીતે આવી લાગણી પ્રાદેશિક અસ્મિતા તરીકે ઓળખાય છે. આવી લાગણીમાંથી જ્યારે અન્ય પ્રદેશોને ઊતરતા ગણવાનું તિરસ્કારનું કે ઘૃણાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે તેમાંથી પ્રાંતવાદ જન્મે છે. તેમાં એક પ્રકારની સંકીર્ણતા – સંકુચિતતા હોય છે. આવો બહેકેલો પ્રાંતવાદ જે તે વિસ્તારના લોકોને પોતાનું અલાયદું રાજ્ય રચવા પ્રેરે છે; એ માટે હિંસક, ગેરબંધારણીય અને પંજાબમાં બન્યું તેમ આતંકવાદી માર્ગો અખત્યાર કરી લોકો સ્વયં પોતાની જ સરકાર સામે યુદ્ધે ચડે છે. એથી લોકશાહી અને રાષ્ટ્રીય એકતા બંને જોખમાય છે. આમ અલગતાવાદ એ પ્રદેશવાદનું વકરેલું, આત્યંતિક સ્વરૂપ છે.

ભારતમાં 1956માં રાજ્યોની ભાષાવાર પુનર્રચના પછી ઘણાં રાજ્યોમાં સંકુચિત પ્રદેશવાદ વિકસ્યો. અલબત્ત એનો ઉકેલ નાનાં રાજ્યોની રચનામાં શોધાયો છે, એ દ્વારા આ સમસ્યાને હળવી બનાવવામાં ઘણી સફળતા મળી છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તરપૂર્વમાં આસામ, નાગાલૅન્ડ, મિઝોરમ અને છેક તાજેતરમાં 2000ના વર્ષમાં રચાયેલ ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરાંચલ જેવાં રાજ્યો પ્રાંતવાદની પેદાશ છે. અલબત્ત, આ પ્રદેશવાદ વિભાજક નહોતો. થોડીક વધુ સ્વાયત્તતા મેળવીને ભારતીય સંઘ રાજ્યના ભાગરૂપ બની રહેવામાં આ ઘટકોને સંતોષ છે. પરંતુ આત્યંતિક પ્રદેશવાદ વિભાજનનું જોખમ લઈને આવતો હોય છે. તેમાં લોકશાહી અને રાષ્ટ્રીય એક્તા બંને માટે ખતરો હોય છે. તેમાંથી સ્વતંત્ર અને અલગ રાજ્યની માંગ પેદા થાય છે. જેનો ઉકેલ લગભગ અસંભવ બને છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની આ દિશાની માંગને કારણે વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. આવાં જોખમો સામે શાસનવ્યવસ્થાએ સતર્ક અને જાગ્રત રહેવું અતિ આવશ્યક છે.

ભારતમાં વ્યાપ્ત આવી જ એક અન્ય સમસ્યા પક્ષપલટાની છે. અંગત અને રાજકીય લાભ માટે રાજકીય પક્ષ બદલી સરકારો અસ્થિર કરવાનું વલણ 1968 સુધીમાં એટલું તો બેકાબૂ બન્યું કે તે સામે પ્રજાએ પ્રચંડ વિરોધ વ્યક્ત કર્યો. આથી 1985માં પક્ષપલટા વિરોધી ધારો ઘડી તેને 52મા બંધારણીય સુધારા સ્વરૂપે 10મા પરિશિષ્ટમાં બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો. જો કે સામૂહિક રીતે એક તૃતીયાંશ સભ્યો પક્ષ બદલે તો તે પક્ષનું વિભાજન ગણાય છે, નહિ કે પક્ષપલટો. આવી મર્યાદા છતાં આ સુધારાથી પક્ષપલટાની સમસ્યા ઘણે અંશે અંકુશમાં આવી છે.

સંસદીય આચારસંહિતાનો વ્યાપક ભંગ, સાંસદોની પાંખી હાજરી, ચર્ચામાં તાર્કિક દલીલો સાથેના ઊંચા સ્તરનો અભાવ, સાંસદોનું કઠોર વર્તન, ધાંધલ-ધમાલનાં ર્દશ્યો વગેરે ભારતની લોકશાહી માટે ભારે ચિંતાજનક છે.

રાજકારણમાં વધતી ગુનાખોરી અને ગુનાહિતોનું રાજકીયકરણ છેલ્લા દસકાની મોટી સમસ્યા છે. રાજકીય પક્ષોમાં વ્યાપક પ્રમાણમાં ‘માફિયા’ જૂથોનું પ્રભુત્વ, તેમનાં ગુનાઇત રેકૉર્ડ, બેફામ રાજકીય ભ્રષ્ટાચાર, બહુમતી મેળવવા અને સત્તા પર ટકી રહેવા માટે સાંસદો સાથે થતી નાણાકીય લેવડ-દેવડ, રાષ્ટ્રનાં હિતો અને ભાવિ પેઢીનાં હિતોની ધરાર અવગણના પ્રજા હતપ્રભ બનીને જોઈ રહે છે. છેલ્લા દસકાની ભારતની આ ગંભીર સમસ્યાઓ વિચાર માંગી લે છે.

રક્ષા મ. વ્યાસ

સંરક્ષણવ્યવસ્થા

ભારત અને સંરક્ષણ : ભારતની સંરક્ષણનીતિનો મુખ્ય ઉદ્દેશ ભારતીય ઉપખંડમાં અને બહોળા અર્થમાં દક્ષિણ એશિયામાં શાંતિનું સંવર્ધન અને તેનું જતન કરવા માટેનો રહ્યો છે અને કોઈ પણ જાતના આક્રમણને પહોંચી વળવા ભારતીય સશસ્ત્ર દળોને હંમેશ માટે સજ્જ રાખવાનો છે.

પ્રજાસત્તાક ભારતમાં રાષ્ટ્રપતિ બંધારણ મુજબ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા હોય છે, જોકે રાષ્ટ્રીય સંરક્ષણની જવાબદારી મૂળભૂત રીતે પ્રધાનમંડળની હોય છે. સંરક્ષણની તમામ બાબતો માટે સંરક્ષણમંત્રી સંસદને જવાબદાર હોય છે. વહીવટી અને યુદ્ધની બાબતો પર સંરક્ષણખાતું અને લશ્કરની ત્રણેય પાંખોનાં વડાઓ ધ્યાન રાખે છે.

સાંપ્રત સ્થિતિ મુજબ ભૂમિસૈન્યના વડા જનરલ એસ. પદ્મનાભન્, નૌસેનાના ઍડમિરલ સુશીલકુમાર અને વાયુસેનાના વડા ઍર ચીફ માર્શલ એ. વાય. ટિપનીસ છે.

ભારતની સીમાના જાગ્રત પ્રહરી : ભૂમિસેનાના જવાન

ભૂમિસેના

ભારતીય ભૂમિસેનાનાં પાંચ કમાન્ડ-મથકો છે : દક્ષિણ કમાન્ડ, પૂર્વ કમાન્ડ, પશ્ચિમ કમાન્ડ, મધ્યસ્થ કમાન્ડ અને ઉત્તર કમાન્ડ. ઉપરાંત એક કમાન્ડ ટ્રેનિંગ માટે અલાયદો છે. તેના વડાનો દરજ્જો લેફ્ટેનન્ટ જનરલનો અને પદ જનરલ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ છે. કમાન્ડને એરિયા અને એરિયાને સબ-એરિયામાં વિભાજિત કરેલા છે. તેના વડાઓનો દરજ્જો અનુક્રમે મેજર જનરલ અને બ્રિગેડિયરની  કક્ષાનો હોય છે. લશ્કરનો સૌથી નાનો એકમ સેક્શન અને સૌથી મોટો કૉર (corps) હોય છે. કૉરમાં ડિવિઝન અને તેમાં બ્રિગેડ, બટૅલિયન, કંપની, પ્લેટૂન અને સેક્શન નિયત સંખ્યામાં હોય છે. તેમાં શસ્ત્રવાર અને સેવાવાર વિભાગો હોય છે. ભૂમિસેનાનું વડું મથક ન્યૂ દિલ્હી છે.

સેનામાં આર્મર્ડ કૉર, રેજિમેન્ટ ઑવ્ આર્ટિલરી, કૉર ઑવ્ ડિફેન્સ આર્ટિલરી, આર્મી એવિયેશન કૉર, કૉર ઑવ્ એન્જિનિયર્સ, કૉર ઑવ્ સિગ્નલ્સ, મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી, આર્મી સર્વિસ કૉર, મિલિટરી નર્સિગ સર્વિસ, આર્મી મેડિકલ કૉર, આર્મી ડેન્ટલ કૉર, કૉર ઑવ્ ઇલેક્ટ્રિકલ ઍન્ડ મિકૅનિકલ એન્જિનિયર્સ ઉપરાંત રિમાઉન્ટ ઍન્ડ વેટરિનરી, આર્મી એજ્યુકેશન, ઇન્ટેલિજન્સ, મિલિટરી પોલીસ, જજ ઍડવોકેટ જનરલ ડિપાર્ટમેન્ટ, આર્મી ફિઝિકલ ટ્રેનિંગ, પાયોનિયર, પોસ્ટલ સર્વિસ, ટેરિટૉરિયલ આર્મી, ડિફેન્સ સિક્યૉરિટી, રિક્રૂટિંગ ઑર્ગેનાઇઝેશન, રેકૉર્ડ ઑફિસ ડેપો, બૉઇઝ એસ્ટાબ્લિશમેન્ટ, સિલેક્શન સેન્ટર્સ અને ટ્રેનિંગ સ્કૂલ કે ઇન્સ્ટિટ્યૂટ હોય છે. આમ સેનામાં લશ્કરી કામગીરી, જાસૂસી, તાલીમ, મેદાની કૌશલ્ય (fieldcraft), શસ્ત્રસામગ્રી, બખ્તરિયા દળ, તોપદળ, સંકેતદળ, પાયદળ, પ્રાદેશિક સેના, સંરક્ષણ સલામતી દળ, સંચાલન, ભરતી, વૈદ્યકીય સેવા, હેરફેર, પુરવઠો, રહેઠાણ, પશુ, પશુ-ચિકિત્સા, લશ્કરી ખેતરો, ટપાલ, શસ્ત્રસામગ્રીનાં કારખાનાં, નીતિ અને સંકલન, બાંધકામ વગેરે વિભાગો માટે જોગવાઈ છે. સેનામાં શીખ રેજિમેન્ટ, રાજપૂતાના રાઇફલ્સ, મરાઠા રેજિમેન્ટ, ગુરખા રેજિમેન્ટ, મદ્રાસ રેજિમેન્ટ,  મહાર રેજિમેન્ટ વગેરે છે; જેમાં નાતજાતના ભેદભાવ વગર ભારતવાસી જોડાઈ શકે છે. દુનિયાના લશ્કરોમાં ભારતીય સૈન્ય શિસ્ત અને ધૈર્યની ભાવના તથા મનોબળ(morale)ને લીધે ઊંચું સ્થાન ધરાવે છે. સ્વતંત્ર ભારતની પ્રત્યેક ચૂંટણી વખતે ભારતીય લશ્કરની કોઈ પણ પાંખનો સભ્ય નાગરિક તરીકે પોતાનું મતદાન ટપાલના માધ્યમ દ્વારા કરી શકે એવી વ્યવસ્થા છે; છતાંય 1947માં દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી તેને આ કે તે રાજકીય પક્ષનું વળગણ નથી; તેનો જશ કદાચ આ દેશને સાંપડેલ લશ્કરી વડાઓ અને લશ્કરી શિસ્તને ફાળે જાય છે. બીજી તરફ યુદ્ધવિસ્તારોની હરોળોમાં લડતા કે શાંતિના સમયમાં ફરજ બજાવતા સૈનિકોનું મનોબળ ટકાવી રાખવા ભારત સરકાર તેની ત્રણેય પાંખોની ખાસ વ્યવસ્થા દ્વારા હરહંમેશ તેમના હિતને સતત ધ્યાનમાં રાખે છે. તેની તકેદારી રાખે છે. નિવૃત્તિ પામતાં કે મોરચે લડતાં શહીદી વહોરી લેતાં કે અવસાન થતાં અનેકવિધ યોજનાઓ દ્વારા તેને અને તેના પરિવારને સવલતો મળે તેવી જોગવાઈ રાખેલી છે. ભૂમિસેનાની શક્તિ 12,65,000 (1999) સૈનિકોની છે. નૌસેના અને વાયુદળ ભૂમિસેનાને પોતાનાં શસ્ત્રો અને વ્યૂહરચના (કવરિંગ ફાયર) દ્વારા મદદ પૂરી પાડે છે.

નૌસેના

ભારતની દરિયાઈ સરહદોની અખંડિતતા અને માલમિલકત તથા તેમનાં હિતો જાળવવા અને તેમનું રક્ષણ કરવા નૌસેના છે. નવી દિલ્હીમાં તેનું વડું મથક છે. તેના પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણના કમાન્ડનાં મુખ્ય મથકો અનુક્રમે મુંબઈ, વિશાખાપટ્ટનમ્ અને કોચીનમાં છે. પ્રત્યેક કમાન્ડના વડા વાઇસ ઍડમિરલના દરજ્જાના ફ્લૅગ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ અથવા કૉમોડૉર કમાન્ડિંગ કહેવાય છે. પશ્ચિમ અને પૂર્વની નૌસેનાના કાફલામાં યુદ્ધજહાજો, સબમરીનો અને ઍરક્રાફ્ટ હોય છે. દક્ષિણ કમાન્ડ ભારતીય નૌસેનાની તાલીમ પર દેખરેખ રાખે છે. આપણી નૌસેના હસ્તક યુદ્ધજહાજો, ઍરક્રાફ્ટ કૅરિયર્સ, માઇનસ્વીપર્સ અને અદ્યતન સબમરીનો છે. મહત્વની વાત તો એ છે કે આપણાં યુદ્ધજહાજો અને અન્ય આનુષંગિક સામગ્રીના ઉત્પાદન પરત્વે ભારત હવે સ્વનિર્ભર બન્યું છે. દુનિયાના દેશોની હરોળમાં ઊભો રહી શકે તેવો શસ્ત્રસરંજામ આપણી નૌસેનાના કાફલામાં છે. આધુનિક ડૉકયાર્ડની સવલતો નવી ટૅકનૉલૉજીને અનુરૂપ છે.

સીજી ઍક્ટ 1978 દ્વારા 18 ઑગસ્ટ, 1978થી તટરક્ષા સેનાની રચના કરવામાં આવી છે. ભારતનો વિશાળ દરિયાકિનારો અને તેની હકૂમત તળેના ટાપુઓ ઉપરાંત માછીમારોના રક્ષણ માટે તે ફરજો બજાવે છે. તે દરિયાઈ પર્યાવરણ અને કસ્ટમ વિભાગને પણ મદદ કરે છે. સંરક્ષણખાતાની સીધી દેખરેખ તળે ડિરેક્ટર જનરલ, કોસ્ટગાર્ડ્ઝ તેમના વિભાગની ફરજો બજાવે છે. તેના ત્રણ વિભાગોમાં પશ્ચિમ, પૂર્વ અને આંદામાન-નિકોબાર ટાપુઓ છે. તેનાં વડાં મથકો અનુક્રમે મુંબઈ, ચેન્નઈ અને પૉર્ટ બ્લેરમાં આવેલાં છે. કોસ્ટગાર્ડ માટેના જિલ્લાઓ દરિયાની નજીકનાં રાજ્યોમાં છે. તેમાં પોરબંદર, મુંબઈ, ગોવા, બૅંગાલુરુ અને કોચીન પશ્ચિમના કિનારા માટે છે. ચાર મથકો પૂર્વ કિનારે છે તેમાં ચેન્નઈ, વિશાખાપટ્ટનમ્, પારાદીપ અને હલ્દિયા છે; આંદામાન-નિકોબાર ટાપુઓમાં તે દિગ્લીપુર અને કૅમ્પબેલ ‘બે’(Bay)માં આવેલાં છે. આ ઉપરાંત કોસ્ટગાર્ડ સ્ટેશનો અને ઍર-ક્લેવ્ઝ જુદે જુદે સ્થળે છે. છેલ્લાં 22 વર્ષોમાં ફ્રિગેટ અને સીવૉર્ડ ડિફેન્સ બોટ્સ (એસ. ડી. બે. એસ.), ઍડવાન્સ ઑવ્ શોર પેટ્રોલ વેસલ્સ (એ.ઓ.પી.વી.), નવ ઑફશોર પેટ્રોલ વેસલ્સ (ઓ.પી.વી.), ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ (એફ. પી. વી. ), 24 ઇન્ટરસેપ્ટર બોટ્સ (આઇ.બી.એસ.), ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ્સ (આઇ.સી.એસ.), 17 ડૉર્નિયર ઍરક્રાફ્ટ્સ અને 17 ‘ચેતક’ હેલિકૉપ્ટર્સનો સમાવેશ થાય છે. ત્રીજું, ભારતનું ઑફશૉર વેસલ લગભગ પૂરું થવાની તૈયારીમાં છે, જેને કોસ્ટ-ગાર્ડમાં વિધિવત્ પ્રવેશ (કમિશન્ડ) કરાવવામાં આવશે. ઉપરનાં સાધનોમાં જરૂરી હોય તેવાંનો વધારો ભારત સરકારની મંજૂરીથી કરાતો હોય છે. નૌસેનાની શક્તિ 47,000 ખલાસી-સૈનિકો- (sailors)ની છે (1999).

વાયુસેના

60 વર્ષ પહેલાં રચાયેલું ભારતીય વાયુદળ દુનિયાનાં શક્તિશાળી હવાઈ દળોમાંનું એક છે. લશ્કરી ષ્ટિએ ભારતના આધુનિક વિકાસનું તે પ્રતીક છે. એમાં પુરુષો અને સ્ત્રીઓ તેમની પૂરેપૂરી વફાદારી, ઉત્સાહ અને બલિદાનની ભાવનાથી કાર્યરત છે. આધુનિક યુદ્ધતંત્ર (modern warfare) માટે તે ખૂબ જ અગત્યનો અને શક્તિશાળી એકમ ગણાય છે. તેનાં પાંચ કમાન્ડ-મથકોમાં વેસ્ટર્ન, સાઉથ-વેસ્ટર્ન, સેન્ટ્રલ, ઈસ્ટર્ન તથા સધર્ન કમાન્ડ-મથકો છે. જાળવણી અને તાલીમ માટે અલાયદાં કમાન્ડ હોય છે. અત્યંત આધુનિક ઍરક્રાફ્ટ, સાધનો અને શસ્ત્રો, તેમના અનેક છૂટા ભાગોનું ઉત્પાદન અને ખરીદી ઉપરાંત તકનીકી ર્દષ્ટિએ તેનાં સંશોધન અવિરત ચાલ્યાં કરે છે. આક્રમણ અને સંરક્ષણ ઉભયને કામ લાગે તેવાં શસ્ત્રો, માહિતીની આપલે માટેની પદ્ધતિ અને દુશ્મનની હિલચાલ પર પૂરી નજર રાખવા માટે વાયુદળ કાર્યરત રહે છે. તેની સૌથી મોટી ઉપલબ્ધિ તે મિગ–29 ઍરક્રાફ્ટ, મલ્ટી-શેલ કૉમ્બૅટ ઍરક્રાફ્ટ જેવાં કે મિરાજ-2000 અને એસયુ–30 અને હુમલા કે હવાઇ રક્ષણ માટે જાગુઆર, મીગ–21, મિગ–23 કે 27 જેવાં ઍરક્રાફ્ટ (બૉમ્બર) છે. જૂની પેઢીનાં હન્ટર, કૅનબેરા અને નૅટનો પણ અમુક અંશે ઉપયોગ થાય છે. આ સિવાય માલ-સામાનના વહન માટે ડૉર્નિયર–228 જેવાં કે લશ્કરી સ્થળાંતર વખતે બોઇંગ–737 જેવાં તોતિંગ ઍરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ખૂબ મોટા વજનનાં સાધનોની હેરફેર માટે IL–76 જેવાં ઍરક્રાફ્ટ વપરાય છે. હેલિકૉપ્ટરના કાફલામાં ‘ચિત્તા’ અને ‘ચેતક’ છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યો અને દુનિયાની સૌથી ઊંચી યુદ્ધભૂમિ સિયાચીન ગ્લૅશિયર માટે હેલિકૉપ્ટરો મદદકર્તા થઈ પડે છે. આધુનિક એમઆઇ–8 હેલિકૉપ્ટર ઍન્ટાર્ક્ટિક(દક્ષિણ ધ્રુવ)ના પ્રદેશમાં સંશોધન માટે ત્યાં જતા-આવતા વૈજ્ઞાનિકોને મદદરૂપ બને છે. વળી દુશ્મનના લશ્કરી હુમલા વખતે MI–25 અને 35 હેલિકૉપ્ટરની સેવાઓ નોંધપાત્ર રહી છે.

યુદ્ધગ્રસ્ત ભૂમિ(operational area)ની આગલી હરોળ(frontline)માં પૂરેપૂરી ચોકસાઈથી છોડાયેલ મિસાઇલના ટોપચામાં રાખેલ બૉમ્બ કે અણુશસ્ત્રો વાયુસેનાની તાકાત છે. દુશ્મન આપણને જોઈ કે જાણી ન શકે, પરંતુ આપણે દુશ્મનને જોઈ કે જાણી શકીએ ને દુશ્મન પર તે અંગે જાપ્તો કે પહેરો રાખી શકીએ તે માટે હવાઈ દળ સાથે નૌસેના કે ભૂમિસેના સુસજ્જ અને કાર્યરત હોવી અતિ આવશ્યક છે. ભારતીય હવાઈ દળ આ માટે હંમેશ જાગ્રત રહે છે.

વાયુસેનાની ભરતી અને તેની તાલીમ સવિશેષ વ્યવસ્થાનો વિષય છે. હવે તો મહિલાઓ પણ વાયુસેનામાં જોડાય છે; તેઓ પાઇલટ તરીકે પણ ફરજો બજાવે છે. 12 ડિસેમ્બર, 1994માં સ્ત્રીપાઇલટની પ્રથમ ટુકડીને સફળ તાલીમને અંતે કાર્યરત કરવામાં આવી છે. હાલ તુરત તે ટૅકનિકલ, વહીવટી, શિક્ષણ, મેડિકલ, ઍરટ્રાફિક અને ફાઇટર કન્ટ્રોલર શાખાઓમાં કામ કરે છે. 1999ના ફેબ્રુઆરી માસમાં વાયુસેના હવાઈ શક્તિનું બેનમૂન પ્રદર્શન કરી લોકોમાં હેરત પેદા કરી હતી. દક્ષિણ આફ્રિકામાં 1999ના એપ્રિલમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ વતી ભારતીય હવાઈ સેનાએ શાંતિ માટેની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. વાયુસેના પૂર, ધરતીકંપ અને અન્ય કુદરતી આફતો વખતે ફરજ અદા કરતી રહી છે.

ભરતી : કોઈ પણ જાતના ભેદભાવ સિવાય ભારતીય લશ્કરી દળોમાં ભારતીય નાગરિકો/યુવાનો ભરતી દ્વારા જોડાઈ શકે છે. આમાં સરહદી, પહાડી અને દૂરના વિસ્તારોને ધ્યાનમાં રાખીને ભરતીના નિયમોમાં માફકસરની છૂટછાટ આપવામાં આવે છે. હવે લશ્કરની કેટલીક શાખાઓમાં મહિલાઓ પણ જોડાઈ શકે છે. ટૂંકી મુદતની સેવા(short service commission)ના ધોરણે સ્ત્રીઓને તેમની ગુણવત્તા અનુસાર લશ્કરી સેવા, એન્જિનિયરિંગ, સિગ્નલ, શિક્ષણ, ઑર્ડનન્સ કોર વગેરેમાં પ્રવેશ આપવામાં આવે છે. 1999 સુધીમાં 372 મહિલા-અધિકારીઓ દેશની લશ્કરી સેવામાં જોડાયેલ છે. આ ઉપરાંત લશ્કરમાં જોડાવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસિઝની પરીક્ષા (CDSE) વર્ષમાં બે વાર લેવાય છે. તેમાં પસંદગી પામેલ ઉમેદવારોને પૂરી ચકાસણી બાદ ઇન્ડિયન મિલિટરી અકાદમી (IMA), ઍરફોર્સ અકાદમી કે નેવલ અકાદમીમાં પ્રી–કમિશન્ડ ટ્રેનિંગ લેવાની હોય છે. વળી, સર્વિસ સિલેક્શન બોર્ડ 20થી 27 વર્ષના યુવાનોની (એન્જિનિયરો) અને 23થી 27 વર્ષના અન્ય વિષયોના સ્નાતકોની પસંદગી સીધા ઇન્ટરવ્યૂ દ્વારા કરે છે. ટૅકનિકલ ઑફિસરો માટે ચેન્નઈ અને મેડિકલ કૉર માટે પસંદ થયેલા સ્નાતકોને પુણેમાં લશ્કરી તાલીમ માટેની જોગવાઈ છે. એનસીસીનાં ‘સી’ સર્ટિફિકેટ ધરાવનાર કેટલાક કૅડેટ બોર્ડના સીધા ઇન્ટરવ્યૂ દ્વારા લશ્કરની જે તે પાંખ માટે પસંદગી પામી શકે છે.

1997થી એક ખાસ યોજના અંતર્ગત લશ્કરના જેસીઓ, એનસીઓ કે તત્સમ અન્ય ગૌણ દરજ્જાવાળા, 30થી 35 વર્ષની વયવાળા, આર્મી સિનિયર સ્કૂલ સર્ટિફિકેટવાળા ઉમેદવારોની પસંદગી બોર્ડ કરે છે. આવા અફસરો કર્નલ સુધીના દરજ્જા માટે લાયક ગણાય છે. તેમની વયનિવૃત્તિ 57 વર્ષની રાખી છે. તેમને ટૂંકી કે કાયમી મુદતના ધોરણે કમિશન્ડ ઑફિસર તરીકે બઢતી આપવામાં આવે છે.

ભરતી માટે 12 વિભાગીય કાર્યાલયો અને 58 જુદી જુદી શાખાઓ છે. દિલ્હીમાં આ માટે એક સ્વતંત્ર કાર્યાલય છે. પ્રત્યેક સૈનિકના એક પુત્રને અને/અથવા યુદ્ધમાં શહીદ થયેલ સૈનિકની વિધવાના કે નિવૃત્ત થયેલ સૈનિકના એક પુત્રને તે અન્ય રીતે સક્ષમ હોય તો લશ્કરમાં લેવામાં આવે છે. આ મુજબ વાયુસેનામાં ઍરમૅન તરીકે મધ્યસ્થ ઍૅરમૅન પસંદગી બૉર્ડ દ્વારા ભરતી કરવામાં આવે છે.

પ્રાદેશિક સેના (territorial army) : 1949માં દેશના સંરક્ષણ માટે બીજી હરોળ તરીકે રચાયેલું આ દળ છે. આવા તાલીમબદ્ધ સૈનિકોએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને જમ્મુ–કાશ્મીરમાં પર્યાવરણ-જાળવણીનું કાર્ય યશસ્વી રીતે કર્યું છે.

સૈનિક-શાળાઓ

1961થી દેશનાં અનેક રાજ્યોમાં સૈનિક-શાળાઓ સ્થાપવામાં આવી છે. 1998માં આ શાળાઓના 132 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમીમાં જોડાયા છે. આજ સુધીમાં કુલ 5,033 વિદ્યાર્થીઓ તેમાં જોડાયા છે. રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી, ખડકવાસલાનું ધ્યેય ‘सेवा परमो धर्म:’ છે. ભારતીય મિલિટરી અકાદમી, દહેરાદૂનનું ધ્યેય ‘વીરતા ઔર વિવેક’ છે. રાષ્ટ્રીય મિલિટરી કૉલેજ, દહેરાદૂન આઠમા ધોરણમાં ગુણવત્તાના ધોરણે પ્રવેશ આપે છે. રાષ્ટ્રને આજ સુધીમાં આ સંસ્થાએ ત્રણ ‘ચીફ ઑવ્ ધી આર્મી સ્ટાફ’ અને  એક ‘ચીફ ઑવ્ ધી ઍર સ્ટાફ’ આપ્યા છે.

74થી વધુ સૈનિક પ્રશિક્ષણ-શાળાઓ મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓરિસા, ગોવા, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક વગેરે રાજ્યોમાં આવેલી છે. આમાં ભૂમિસેના, ઇજનેરી, નૌસેના, વાયુસેના, છત્રીદળ, પાયદળ, દૂરસંચાર ઇજનેરી અભ્યાસક્રમોને લક્ષમાં લઈ વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ અપાય છે.

લશ્કરી અધિકારીઓ માટે ઓપવર્ગો ઉપરાંત ‘કૉલેજ ઑવ કૉમ્બૅટ ઇન્દોરની નજીકના મઉ નામના સ્થળે છે. તેમાં કંબાઇન્ડ ઑપરેશનલ રિવ્યૂ ઍન્ડ ઇવૅલ્યુએશન (CORE) માટે મેજર જનરલની કક્ષા સુધીના અફસરો તાલીમ લે છે. ત્યાં જુદાં જુદાં શસ્ત્રો ચલાવવાની પણ તાલીમ આપવામાં આવે છે.

નૅશનલ કૅડેટ કૉર

સરદાર વલ્લભભાઈએ છેક 1946માં પંડિત હૃદયનાથ કુંઝરુ સમિતિને, આઝાદી મળ્યા બાદ દેશનાં યુવકયુવતીઓ માટે લશ્કરી તાલીમ અંગે વિચારવા જણાવેલું, જેના પરિણામે નૅશનલ કૅડેટ કૉર ઍક્ટ, 1948નું બિલ પાર્લમેન્ટે પસાર કર્યું. દેશની યુવાનો માટેની સૌથી મોટી અને મહત્વાકાંક્ષી આ યોજનામાં કૉલેજ–યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે સિનિયર અને શાળાઓ માટે જુનિયર ડિવિઝનની જોગવાઈ છે. તેમાં આર્મી, નેવી અને ઍરફૉર્સ ઉપરાંત મેડિકલ અને એન્જિનિયરિંગ શાખાની તાલીમ માટે 12 લાખથી વધુ કૅડેટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું વડું મથક નવી દિલ્હીમાં છે, જ્યારે રાજ્યવાર 13 ડિરેક્ટોરેટ છે. તેનો ઉદ્દેશ એકતા અને અનુશાસનનો છે. તેના હેતુઓમાં ચારિત્ર્ય, બહાદુરી, ભ્રાતૃભાવ, નેતૃત્વ, બિનસાંપ્રદાયિકતા, સાહસિકપણું, ખેલદિલીની ભાવના અને નિ:સ્વાર્થ સેવાના આદર્શો છે; જેથી આ તાલીમ લેનાર વિદ્યાર્થીઓ દેશના ઉત્તમ નાગરિકો બની શકે. એનસીસી દ્વારા તાલીમ અને સમાજસેવા માટે તરેહ તરેહની વાર્ષિક શિબિરો યોજવામાં આવે છે. વાર્ષિક શિબિરોમાં 1999ના વર્ષ માટે 4,80,894 કૅડેટ જોડાયા હતા.

શસ્ત્રસરંજામ ઉત્પાદન

1984થી ડિરેક્ટરેટ ઑવ્ ડિફેન્સ પ્રૉડક્શન ઍન્ડ સપ્લાઇઝ છેલ્લામાં છેલ્લી ઢબનાં આધુનિક શસ્ત્રો અને સાધનો પૂરાં પાડીને લશ્કરની ત્રણેય પાંખોને તકનીકી વિકાસની ર્દષ્ટિએ અદ્યતન રાખવાનો પ્રયત્ન કરે છે. આ દેશનાં 39 ઑર્ડનન્સ ફૅક્ટરી અને 8 પબ્લિક સેક્ટરમાં સેંકડો પ્રકારનાં સાધનો અને તેના છૂટા ભાગોનું નિર્માણ થાય છે.

સંરક્ષણ-વિભાગની સપ્લાય-વિંગ વધુ ને વધુ સાધનોનું ઉત્પાદન દેશમાં થાય તે જોવા તત્પર રહે છે. વળી તે સમસ્ત લશ્કરની જરૂરિયાતો અને તે વસ્તુઓની ખરીદી માટે કોઈ ખાસ નીતિ નક્કી કરે છે. 1998–99ના વર્ષ માટે 3,314 જેટલી ચીજો માટે તેણે ખાનગી સેક્ટરમાં રૂ. 200 કરોડનો ઑર્ડર મૂકેલ હતો. ડિફેન્સ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્ઝ (DPSU) પાસે 8 પબ્લિક સેક્ટરો છે. તેમાં હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિ., ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિ., ભારત અર્થ મૂવર્સ લિ., મઝગાંવ ડૉક લિ. વગેરે દ્વારા 1998–99માં સંરક્ષણ માટેનું ઉત્પાદન રૂ. 7,085.50 કરોડનું કરવામાં આવ્યું છે.

ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO) (1958) પાસે 51 લૅબોરેટરી એસ્ટાબ્લિશમેન્ટ છે, જે રાષ્ટ્રના સંરક્ષણ માટે નવી ટૅક્નૉલૉજી અને સંશોધનમાં કાર્યરત રહે છે. તેના વડા સાયન્ટિફિક ઍડ્વાઇઝર ટૂ ડિફેન્સ મિનિસ્ટર હોય છે. મિસાઇલ જેવાં કે ઍર-ટુ-ઍર, ઍર-ટુ-ગ્રાઉન્ડ, ગ્રાઉન્ટ-ટુ-ઍર અને ગ્રાઉન્ડ-ટુ-ગ્રાઉન્ડ જેવાં મિસાઇલોના સફળ પ્રયોગો કરવામાં આવ્યા છે. પૃથ્વી, આકાશ, ત્રિશૂલ, નાગ અને અગ્નિ જેવાં મિસાઇલો ભારતનું ગૌરવ છે. મિસાઇલ અગ્નિ-IIનો સફળ પ્રયોગ 11 એપ્રિલ, 1999ના રોજ કરવામાં આવ્યો હતો.

સૈનિક-કલ્યાણ (વેલફેર)

પ્રત્યેક વર્ષે સંરક્ષણ-સેવાઓમાંથી આશરે 60,000 વ્યક્તિઓ નિવૃત્ત થાય છે. હાલ દેશમાં 14.99 લાખ લશ્કરી વ્યક્તિઓ નિવૃત્ત છે. 2.88 લાખ સૈનિકોની વિધવાઓ કુટુંબ-પેન્શન મેળવે છે. (31 ડિસેમ્બર, 1998). આ બધાંની વ્યવસ્થા માટે ડિરેક્ટરેટ જનરલ ઑવ્ રિસેટલમેન્ટ (DGR) છે. ઉપરાંત કેન્દ્રીય સૈનિક બોર્ડ (KCB) છે. સંરક્ષણ મંત્રી તેના અધ્યક્ષ હોય છે. રાજ્ય અને જિલ્લા સૈનિક બોર્ડો પણ હોય છે; જેમનો 50 % ખર્ચ ભારત સરકાર અને બાકીનો રાજ્ય સરકાર ભોગવે છે. નિવૃત્ત સૈનિકો અને અફસરો માટે સરકારમાં, જાહેર સાહસોમાં પુનર્નિયુક્તિ કે સ્વયંરોજગાર કે ધંધા અંગેની અલગ અલગ જોગવાઈઓ અને યોજનાઓ છે. 1995–1999ના સમયગાળામાં 34,478 સૈનિકો અને 450 અફસરોને આ યોજનાઓ દ્વારા નોકરીમાં પ્રતિષ્ઠિત કરેલ છે. આમાં બૅંકો, ખાદી અને ગ્રામોઉદ્યોગ કમિશન પણ મદદરૂપ થાય છે. સ્કીમ ફૉર સેલ્ફ એમ્પ્લૉયમેન્ટ દ્વારા સૈનિકો અને તેમની વિધવાઓને લોન આપવામાં આવી છે. લશ્કર દ્વારા, ‘ફ્લૅગ ડે ફંડ’ 60.52 કરોડ(1999)નું છે, જેમાંથી વૃદ્ધ અને અપંગ સૈનિકો કે તેમના પરિવારનાં સભ્યોને મદદ આપવામાં આવે છે. આવી મદદ શિક્ષણ અને દાક્તરી સારવાર માટે હોય છે. મુસાફરી માટે રેલવેમાં કે બસમાં તેમને કન્સેશન આપવામાં આવે છે, બે પુત્રીઓનાં લગ્ન માટે પ્રત્યેકને રૂ. 8000/ ની આર્થિક મદદ કરવામાં આવે છે.

કારગિલનું યુદ્ધ : 8–15 મે, 1999ના ગાળામાં કારગિલ તથા દ્રાસ વિસ્તારમાં અને બટાલિક વિભાગમાં લાઇન ઑવ્ કન્ટ્રોલ ઓળંગીને જેહાદના બહાના નીચે આવેલ મુજાહિદીન અને પાકિસ્તાન લશ્કરને ‘ઑપરેશન વિજય’ હેઠળ હરાવવામાં આવ્યું. 10 જુલાઈ, 1999ના રોજ ‘ઑપરેશન વિજય’ સફળ થયાની જાહેરાત કરવામાં આવી. આ યુદ્ધમાં ભારતે 398 સૈનિકો (23 અફસરો સહિત) ગુમાવ્યા અને 578 ઘાયલ થયા. ભારતે 696 પાકિસ્તાની ઘૂસણખોરો–સૈનિકો મરાયાનો દાવો કરેલ છે.

20–10–1947ના રોજ પાકિસ્તાનના ઘૂસણખોરો (infiltrators) સામે, 20–10–1964ના રોજ ચીને કરેલ હુમલાને ખાળવા, 9–4–1965-એ પાકિસ્તાને કચ્છસિંધ સરહદ પર કરેલ હુમલા માટે, 5–8–1965-એ કાશ્મીર પર પાકિસ્તાનનું આક્રમણ થતાં, 3–12–1971-એ પાકિસ્તાને ભારત સામે યુદ્ધ જાહેર કર્યું તે વખતે પણ ભારતીય લશ્કરે દેશના સંરક્ષણ માટે જ યુદ્ધમાં ઝંપલાવ્યું છે. 18–5–1974ના રોજ પોખરણમાં ભારતે કરેલ ભૂગર્ભ અણુ-ધડાકો અને 11–5–1998ના રોજ પોખરણમાં જ કરેલ થરમૉન્યૂક્લિયર હાઇડ્રોજન બૉમ્બના ભૂગર્ભ અણુધડાકાથી ભારત જગતની અણુસત્તા તરીકે ઊભરી આવ્યું છે. 21–5–1989ના રોજ ‘અગ્નિ’ બૅલિસ્ટિક મિસાઇલ તથા 5–6–1989ના રોજ ‘ત્રિશૂલ’ મિસાઇલ, 24–6–1990ના રોજ ‘નાગ’ મિસાઇલ, 14–8–1990ના રોજ ‘આકાશ’ મિસાઇલ અને 29–5–1992ના રોજ ‘અગ્નિ’ના જાન્યુઆરી ફેબ્રુઆરી 2001માં અગ્નિ–2 પુન: પરીક્ષણથી પણ લશ્કરી સરંજામ-ક્ષેત્રે ભારતે મોટી સિદ્ધિ મેળવી છે. 1–3–1993ના રોજનું ‘અર્જુન’ ટૅંકનું ઉત્પાદન પણ યશ વધારનારું રહ્યું છે.

2000ના સપ્ટેમ્બર 11થી 16ના ગાળામાં ભારતના વડાપ્રધાન અટલબિહારી વાજપેયી અને અમેરિકાના પ્રમુખ ક્લિન્ટનની શિખર-વાર્તામાં જગતની સૌથી મોટી લોકશાહી અને લોકશાહી રીતે વધુ ને વધુ મજબૂત બનતા તેમ જ અનેક ક્ષેત્રોમાં, ખાસ કરીને ઇન્ફર્મેશન ટૅકનૉલૉજીમાં, હરણફાળ ભરતા ભારતની સરાહના કરી તેના વિકાસમાં પૂરેપૂરી મદદ કરવાનો અમેરિકાએ પુનરુચ્ચાર કર્યો છે. સામે પક્ષે વાજપેયીએ પણ ભારત અણુસત્તા હોવા છતાં માનવજાતની શાંતિ માટે જ પ્રયત્નશીલ રહેશે તેવો સધિયારો પશ્ચિમનાં રાષ્ટ્રોને અને જગતનાં સમસ્ત રાષ્ટ્રોને આપ્યો છે.

વિ. પ્ર. ત્રિવેદી

આદિવાસી સમાજ અને સંસ્કૃતિ

આદિવાસીઓ દેશની સંસ્કૃતિના એક ભાગરૂપ છે. દેશના આદિમ વતનીઓ તરીકે તેઓ મુખ્યત્વે પહાડો અને જંગલોમાં વસતા આવ્યા છે. તેથી તેમને ‘ગિરિજનો’, ‘વનવાસી’, ‘આદિવાસી’, ‘પ્રિમિટિવ્ઝ’ વગેરે નામોએ ઓળખવામાં આવે છે. ભારત સરકારે વિકાસની જે યાદી તૈયાર કરી હતી તેમાં તેમને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. તેથી તેઓ ‘અનુસૂચિત જનજાતિ’ના કહેવાયા. તેમને માટે હવે શિક્ષણ અને સેવાઓને ક્ષેત્રે અનામત જગાઓ રાખવામાં આવે છે. દેશમાં જમ્મુ–કાશ્મીર અને પંજાબ સિવાયનાં બધાં રાજ્યોમાં તેમની વત્તીઓછી વસ્તી છે. 1991 પ્રમાણે તેમની વસ્તી 6,77,58,000 એટલે 8.08 % છે. દેશમાં તેમની 414 જેટલી જાતિઓ જોવામાં આવે છે. તેમાં ખાસી, ગારો, કૂકી, નાગા, સંથાલ, ભૂમિજ, મુંડા, બોડો, ગોંડ, ભીલ, દૂબળા, કુનબી, ડામોર, મીણા, ટોડા, મીઝો, લુશાઈ વગેરે મુખ્ય છે. જાતિતત્વની ર્દષ્ટિએ (1) ઉત્તર-પૂર્વ ભારતના આદિવાસીઓમાં મૉંગોલૉઇડ જાતિતત્વનું, (2) મધ્ય-ભારતમાં આદિ-ઑસ્ટ્રોલૉઇડ જાતિતત્વનું અને (3) દક્ષિણ ભારતમાં નિગ્રો જાતિતત્વનું પ્રાધાન્ય છે. ભાષાની ર્દષ્ટિએ ઈશાન સરહદી વિસ્તારમાંના આદિવાસીઓની બોલી તિબેટી – ચીની અથવા સિનોબિટ્ટન ભાષાકુળમાં સમાયેલી છે. મધ્ય અને પૂર્વ ભારતમાં આદિવાસીઓની બોલી ઑસ્ટ્રિક ભાષાકુળની છે; જ્યારે દક્ષિણ ભારતના આદિવાસીઓ દ્રવિડી ભાષાકુળમાં સમાય છે.

દેશના મોટાભાગના આદિવાસીઓ પિતૃસત્તાક, પિતૃવંશીય અને પિતૃસ્થાનીય કુટુંબવ્યવસ્થા ધરાવે છે; પરંતુ આસામની ખાસી, ગારો આદિવાસી જાતિઓ માતૃસત્તાક, માતૃવંશીય અને માતૃસ્થાનીય કુટુંબવ્યવસ્થા ધરાવે છે. તેમાં સામાજિક, આર્થિક, ધાર્મિક ર્દષ્ટિએ સ્ત્રીનો દરજ્જો ઊંચો અને મહત્વપૂર્ણ છે. મોટાભાગના આદિવાસીઓ ગોત્રવ્યવસ્થા ધરાવે છે. દરેક ગોત્રને તેમનાં દેવ-દેવીઓ તેમજ પ્રતીકો હોય છે. બહુપત્ની, દિયરવટું, છૂટાછેડા અને પુનર્લગ્નની સહુ જાતિઓમાં છૂટ હોય છે. વરકન્યાની સંમતિથી થતાં લગ્નોને વિશેષ પ્રાધાન્ય અપાય છે. યુવાગૃહ તેમની મહત્વની સામાજિક સંસ્થા છે. તેની રાત્રિક્લબ જેવી સંસ્થામાં અપરિણીત છોકરા-છોકરીઓ જાતીય જ્ઞાન તેમજ સામાજિક અને આર્થિક કાર્યોની તાલીમ મેળવે છે.

આદિવાસીઓની આર્થિક પ્રવૃત્તિઓમાં (1) શિકાર અને જંગલમાંથી ખોરાક એકઠો કરવો, (2) પશુપાલન કરવું, (3) ખેતી કે ખેતમજૂરી કરવી, હસ્તોદ્યોગ તેમજ મજૂરીકામ મુખ્ય છે. શિક્ષણનો પ્રસાર થતાં તેમજ અનામતની જોગવાઈને લઈને તેઓ સરકારી નોકરીઓમાં, બૅંકો અને બીજી જાહેર સેવાઓમાં તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં શિક્ષક તરીકે નોકરી કરતા થયા છે.

આદિવાસીઓની ધાર્મિક માન્યતાઓ પ્રકૃતિપૂજા, ગોત્રચિહ્ન, ગૂઢ આત્મવાદ, જાદુ, માનતા, મંત્ર-તંત્ર, ભગત-ભૂવા, ભૂત-પ્રેત, પિતૃપૂજા વગેરે પર આધારિત છે.

મોટાભાગના આદિવાસીઓને તેમના સમુદાયના સંચાલન અને નિયંત્રણ માટે તેમનાં પોતાનાં પરંપરાગત જાતિપંચો છે; જે આચાર-વ્યવહાર, લગ્ન વગેરે સામાજિક બાબતો પર નિયંત્રણ મૂકવા ઉપરાંત આર્થિક, સામાજિક ઝઘડાઓના નિકાલનું કામ પણ કરે છે. આઝાદી પછી પંચાયતી રાજ અને પક્ષીય રાજકારણની જાતિપંચો પર માઠી અસર પડી છે. બિનઆદિવાસીઓના સંપર્ક તેમજ શિક્ષિત આદિવાસીઓને કારણે આદિવાસી સમાજોની રહેણીકરણી પર આધુનિક સમાજની નીતિરીતિની વ્યાપક અસર થયેલી જોવામાં આવે છે.

પ્રવીણચંદ્ર પરીખ

ભારતીય સાહિત્ય

શિષ્ટ સાહિત્ય

ભારતની વિવિધ ભાષાઓમાં ને બોલીઓમાં રચાતું સાહિત્ય. તેમાં મૌખિક તેમજ લેખિત-મુદ્રિત – એમ બેય પરંપરાઓના સાહિત્યનો – લોકસાહિત્ય તેમજ શિષ્ટ સાહિત્યનો– સમાવેશ થાય છે. ભારત અનેક રાજ્યો, પ્રજાઓ-કોમો, ભાષાઓ-બોલીઓ, સંસ્કાર-સંસ્કૃતિના આગવા વિશેષોની બહુરંગી ભાત ધરાવતો ખંડ જેવો વિશાળ દેશ છે. એની સેંકડો વર્ષોની સાતત્યભરી, વ્યાપક સાંસ્કૃતિક પરંપરા છે. ભારતીયતા પ્રદેશે પ્રદેશે જૂજવાં રૂપ ધારણ કરતી હોવા છતાં તે અંતસ્તત્વની ર્દષ્ટિએ એક અને અખંડ છે અને તેની પ્રતીતિ ભારતની સર્વ ભાષાઓ, તેનાં સાહિત્યો અને અન્ય કળાઓ, તેની ધર્મ-સંપ્રદાયોની શાખા-પ્રશાખાઓ તેમજ તેના અધ્યાત્મચિંતન ને જીવનચિંતનના વિવિધ પ્રવાહો આપી રહે છે.

‘ઋગ્વેદ’ સંભવત: માનવજાતનો જૂનામાં જૂનો ગ્રંથ છે. કેટલાકના મતે માનવજાતની જ્ઞાનસંવેદનાનો એ પહેલવહેલો દસ્તાવેજ છે. આ ઋગ્વેદથી વૈદિક સાહિત્યની એક ઉદાત્ત, ભવ્ય અને પ્રભાવક પરંપરા ભારતીય સાહિત્યમાં આરંભાય છે. ચાર વેદો, બ્રાહ્મણગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદો વગેરેની; સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા ને ઉત્તરમીમાંસા જેવા દર્શનગ્રંથોની; શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ – એ વેદાંગોની જે પરંપરા ચાલી તે ઓછામાં ઓછી પાંચેક હજાર વર્ષ જેટલી પ્રાચીન હોવાનો એક અભિપ્રાય છે. આ વૈદિક પરંપરા આર્ય તેમજ દ્રવિડ પરંપરાના ગંગા-જમુનાના જેવા સમન્વય-સુમેળથી વિકસતી સમગ્ર ભારતીય સંસ્કાર-સંસ્કૃતિની – તેના સાહિત્યની એક સબળ આધારભૂમિ બની રહે છે.

પ્રાચીન ભારતીય આર્યભાષાનો પહેલો તબક્કો વૈદિક સાહિત્ય સાથે સંકળાયેલો જણાય છે. એ ગાળો તે વેદકાલીન પ્રાકૃત કે કથ્ય પ્રાકૃત અને તેના પ્રાદેશિક પ્રભેદોનો અને તે પછી પ્રાકૃતોદભવ પ્રાદેશિક અપભ્રંશોનો છે. અન્યથા જોતાં તે વેદકાલીન અને તે પછી પાણિનીય સંસ્કૃતનો ગાળો પણ છે. આ ગાળા દરમિયાન કેટલુંક ઉત્તમ સાહિત્ય ભારતને મળ્યું છે, જે પછી ભારતભરનાં પ્રાદેશિક ભાષા-સાહિત્યો માટેય સમૃદ્ધ વારસારૂપ બની રહે છે. આ વારસો વેદ-વેદાંતનો–ઉપનિષદોનો, રામાયણ-મહાભારત-ગીતાનો, પુરાણોનો અને ષડ્દર્શનોનો હોવા સાથે જૈન તેમજ બૌદ્ધ સાહિત્યોનો – આગમો ને જાતક સાહિત્યોનો પણ છે. મંત્ર અને તંત્રના અનેકાનેક આવિષ્કારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાહિત્યના સીમાડાઓ સુધી વિસ્તરે છે. મંત્ર-ઋચા-સ્તોત્રોની તથા યજ્ઞ અને કર્મકાંડની ભાષાની સાથે સાથે સંવાદોની – નાટકની – કાવ્યસાહિત્યની ભાષા પણ તૈયાર થાય છે. મંત્રદ્રષ્ટા ને મંત્રસ્રષ્ટાનો, દર્શન-સ્તવન-વર્ણનનો એક સેતુ રચાતો આવે છે. માનવસંવેદન – માનવદર્શન પ્રકૃતિદર્શન સાથે સુમેળ સાધતું, કલારસની અવનવી સૃષ્ટિ ભાષાકીય સ્તરે પ્રગટ કરે છે અને એ રીતે અધ્યાત્મ-ચિંતન-દર્શનનો અને સાહિત્યસર્જનનો એવો સંગમ રચાય છે, જે સર્વ ભારતીય સાહિત્યો માટે ગંગોત્રીરૂપ બની રહે છે.

વૈશ્વિક ભૂમિકાએ પણ મહત્વનું લેખાય એવું પ્રાચીન ભારતીય-આર્ય ભાષાનું પ્રદાન છે. આ ગાળાની વેદોપનિષદથી માંડીને રામાયણ, મહાભારત જેવી કૃતિઓ વિશ્વસાહિત્યનીયે મૂલ્યવાન સંપદા છે. ગ્રીક નાટક અને રંગભૂમિની પરંપરા જેવી બલકે એથી વિશેષ વિલક્ષણ અને સમૃદ્ધ સંસ્કૃત નાટક અને રંગભૂમિની પરંપરા છે. ઈ. સ.ની દશમી–બારમી સદી સુધીમાં તો સંસ્કૃતનાં મહાકાવ્યો ને નાટકોનો, કથાસાહિત્ય ને મુક્તકસાહિત્યનો, વ્યાકરણ-કાવ્યશાસ્ત્ર-અલંકાર-શાસ્ત્રો વગેરેનો એવો તો ફાલ આવ્યો; ખગોળ, જ્યોતિષ, ગણિત, આયુર્વેદ, યોગ, વાસ્તુશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, ધનુર્વેદ આદિ વિવિધ વિષયક્ષેત્રોની એવી તો કામગીરી રહી છે કે બધાં પ્રાદેશિક સાહિત્યો પર તેનો કોઈ ને કોઈ રીતે સ્પષ્ટ પ્રભાવ પડેલો જોઈ શકાય છે. વૈદિક ઋષિમુનિઓ અને વાલ્મીકિ-વ્યાસ તો ખરા જ; તદુપરાંત અશ્વઘોષ, કાલિદાસ, ભવભૂતિ, શૂદ્રક ને વિશાખદત્ત જેવા કવિઓ–નાટ્યસર્જકો; સુબંધુ–બાણ જેવા કથાસર્જકો પ્રાદેશિક ભાષાઓના અનેક સર્જકો માટે પ્રેરણાસ્રોત થયાનાં ઉદાહરણો મળે છે. કહેવું હોય તો કહેવાય કે મોટાભાગનાં પ્રાદેશિક સાહિત્યો સંસ્કૃત શિષ્ટ સાહિત્યની – સંસ્કૃત ધર્મસાહિત્યની છાયામાં પુષ્ટ થતાં – સંવર્ધન પામતાં વિકસ્યાં છે અને આ હકીકત વિશેષ ભાવે ભારતનાં મધ્યયુગીન પ્રાદેશિક સાહિત્યોને લાગુ પડે છે.

પ્રાદેશિક પ્રાકૃતો અને તજ્જન્ય અપભ્રંશો સાથેનો અર્વાચીન ભારતીય આર્યભાષાઓનો સંબંધ જનકજન્ય પ્રકારનો રહ્યો છે. સંસ્કૃતની તુલનામાં પ્રાકૃત – અપભ્રંશ સાહિત્ય સાથેનો આ ભાષાઓના સાહિત્યોનો સંબંધ પ્રમાણમાં ઓછો જણાય તો નવાઈ નથી. પ્રાકૃતમાં ‘ગાહાસતસઇ’; મહાકાવ્યોમાં ‘સેતુબંધ’, ‘ગઉડવહો’ તથા ‘રાવણવહો’ તથા કથાસાહિત્યમાં ‘ણાયાધમ્મકહાઓ’, ‘વસુદેવહિંડી’ (સંઘદાસગણિકૃત), ‘તરંગવઇકહા’ (પાદલિપ્તસૂરિકૃત), ‘સમરાઇચ્ચકહા’ (હરિભદ્રસૂરિકૃત), ‘કુવલયમાલા’ (ઉદ્યોતનસૂરિકૃત), ‘કહાણયકોસ’ (જિણેશ્વરાચાર્યકૃત) અને ‘આખ્યાનમણિકોશ’ (નેમિચંદ્રસૂરિકૃત) જેવી રચનાઓ મળી છે. આ ઉપરાંત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિય’ અને ‘પઉમચરિય’, ‘પાસનાહચરિય’ તથા ‘મહાવીરચરિય’ જેવા ચરિત્રગ્રંથો તેમજ ‘કપ્પૂરમંજરી’, ‘ચંદ્રલેહા’ અને ‘આણંદસુંદરી’ જેવાં નાટકો-સટ્ટકો પણ પ્રાકૃતમાં મળ્યાં છે. પ્રાકૃતોદભવ અપભ્રંશમાંયે સ્વયંભૂરચિત ‘પઉમચરિઉ’ પુષ્પદંતરચિત ‘ણાયકુમારચરિઉ’, ધનપાલરચિત ‘ભવિસયત્તકહા’ તથા ‘ઉપદેશરસાયનરાસ’ જેવી રચનાઓ જોવા મળે છે. આ સંસ્કૃત–પ્રાકૃત–અપભ્રંશનો જ સાંસ્કૃતિક ને સાહિત્યિક વારસો અર્વાચીન પ્રાદેશિક ભાષા-સાહિત્યના વિકાસમાં એક જીવનબળની રીતે સતત ખપમાં આવ્યો છે.

ઉત્તર ભારતનો ખાસ કરીને આર્યાવર્ત–બ્રહ્માવર્તનો વિસ્તાર પ્રાચીન ભારતીય આર્યભાષાના પ્રસાર-પ્રચારનું ક્ષેત્ર રહ્યો હતો. તેની સાથે ઉત્તર ભારતની અસમિયા, ઉર્દૂ, ઊડિયા, કાશ્મીરી, કોંકણી, ગુજરાતી, ડોગરી, નેપાળી, પંજાબી, બંગાળી, મણિપુરી, મરાઠી, મૈથિલી, રાજસ્થાની, સિન્ધી તેમજ હિન્દી ભાષાઓને સીધો સંબંધ રહ્યો છે. દક્ષિણની દ્રવિડ કુલની કન્નડ, તમિળ, તેલુગુ તથા મલયાળમે પણ સંસ્કૃતનો પ્રભાવ અનુભવ્યો છે અને એ જ દ્રવિડ ભાષાઓનો પ્રભાવ ભારતીય આર્યભાષાઓ પર પણ પડેલો જણાય છે. ભારતીય આર્ય-ભાષાના ત્રણ તબક્કાઓમાં પહેલો તબક્કો એક મતે ઈ. પૂ. 1500થી આરંભાઈ ઈ. પૂ. 500 સુધીનો વૈદિક ભાષા અને પ્રશિષ્ટ સંસ્કૃતના સમયપટને આવરી લે છે. બીજો તબક્કો મધ્ય ભારતીય આર્યભાષાનો છે, જે ઈ. પૂ. 500થી આશરે 1000નો છે અને તે પાલિ, પ્રાકૃતો અને અપભ્રંશોના સમયપટને આવરી લે છે. તેનો ત્રીજો તબક્કો અર્વાચીન ભારતીય-આર્ય ભાષાઓનો છે, જે આશરે ઈ. સ. 1000થી આજ સુધીની પ્રાદેશિક ભાષાભૂમિકાઓને આવરી લે છે.

આ ભારતીય આર્યભાષાઓ અને દ્રવિડ કુલની ભાષાઓ વચ્ચે સારું એવું આદાનપ્રદાન ચાલતું રહ્યું છે. આ આદાનપ્રદાન કેવળ ભાષાકીય સ્તર પૂરતું મર્યાદિત ન રહેતાં દાર્શનિક અને સાહિત્યિક ભૂમિકા સુધી – સાંસ્કૃતિક ભૂમિકા સુધી પણ વિસ્તરેલું છે. તેલુગુ અને મલયાળમ ભાષા-સાહિત્ય તો ખરાં જ; પણ તમિળ, કન્નડ પણ સંસ્કૃત ભાષાસાહિત્યના પ્રભાવથી અલિપ્ત રહી શક્યાં નથી. ભારતીય જીવનદર્શનના સંસ્કૃતિ ને સંસ્કારદર્શનના પ્રતિનિધિરૂપ રામાયણ, મહાભારત અને પુરાણો તેમજ ઉપનિષદ આદિ ગ્રંથોએ આ ભાષાઓને માત્ર વિષયવસ્તુથી જ નહિ; સ્તોત્ર, મહાકાવ્ય, દૂતકાવ્ય, ચમ્પૂ, શતક, મુક્તક જેવા સાહિત્યપ્રકારો દ્વારા પણ તેમના સર્વતોમુખી વિકાસમાં કેટલીક મહત્વની સહાય કરી છે. વળી જેમ સૂફીવાદી અને એવી અન્ય ભાવધારાઓ –વિચારધારાઓએ ઉત્તરની, તેમ ભક્તિ-જ્ઞાન અને વૈરાગ્યની સાધનાધારાએ, દક્ષિણની સાહિત્ય-સરવાણીઓને પુષ્ટ–સમૃદ્ધ કરવાનું ઇષ્ટ કાર્ય સતત કર્યા કર્યું છે. ભારતીય જીવનમૂલ્યોથી રસાયેલી એક અને અખંડ, સતતવાહી એવી ‘ભારતીયતા’-સંજ્ઞિત સંસ્કારધારાનું દર્શન, વ્યાપક ભૂમિકાએ, ભારતનાં તમામ ભાષા-સાહિત્યોમાંથી મળી રહે છે. શ્રીમદ્ શંકરાચાર્યે આસેતુહિમાલય ધર્મ-અધ્યાત્મનો જે મજબૂત વણાટ ઊભો કર્યો તે આજે પણ ટકી રહ્યા પાછળનું રહસ્ય આ ભાષા-સાહિત્યોના ઊંડા, વ્યાપક અને તુલનાત્મક અધ્યયને પામી શકાય એમ છે.

આમ છેક વેદકાળથી ધર્મ-અધ્યાત્મની, જ્ઞાનભક્તિની જે દર્શન-પરંપરા ને સાધનાધારા ચાલી આવે છે તેનો સીધો પ્રભાવ વૈદિક–પૌરાણિક અને સાંપ્રદાયિક કાંઠાઓ વચ્ચે વહેતા સાહિત્યમાં પણ અનુભવી શકાય છે. રામભક્તિના પ્રચાર-પ્રસારે રામાશ્રિત સાહિત્યનું એક વિશાળ ક્ષેત્ર ખોલી આપ્યું. વાલ્મીકિ રામાયણમાંથી પ્રેરણા ગ્રહીને લોકસાહિત્યે તથા શિષ્ટ સાહિત્યે અને સંગીત, નૃત્ય, નાટ્ય આદિ કળાઓએ અવનવાં કલારૂપો નિપજાવ્યાં. રામલીલાનો – કૃષ્ણલીલા–રાસલીલાનો એક અલગ કલાપ્રદેશ જ ઉદઘાટિત થયો. વળી રામાયણની પરિપાટીએ હિન્દુ રામાયણો ઉપરાંત જૈન રામાયણોનીયે એક પરંપરા પ્રાદેશિક ભાષાઓમાં ઊભી થઈ, જેનો રેવ. ફાધર કામિલ બુલ્કેએ એમના ‘રામકથા’ નામના ગ્રંથમાં વિગતે ખ્યાલ આપ્યો છે. તમિળમાં ‘કમ્બરામાયણ’ (દસમી-બારમી સદી); તેલુગુમાં ત્યાગરાજની રામભક્તિની કવિતા ઉપરાંત ‘રંગનાથ-રામાયણ’ (તેરમી સદી), ‘ભાસ્કરરામાયણ’ આદિ રામાયણો; મલયાળમમાં ‘રામચરિતમ્’, ‘કણ્ણશરામાયણ’ અને એજુત્તચ્ચનકૃત ‘અધ્યાત્મરામાયણ’; બંગાળીમાં કૃત્તિવાસ(1398)કૃત રામાયણ (પંદરમી સદી); ઊડિયામાં બલરામદાસકૃત ઊડિયા-રામાયણ; હિન્દીમાં તુલસીદાસકૃત ‘રામચરિતમાનસ’ (સોળમી સદી); અસમિયામાં માધવ કંદલિ, શંકરદેવ અને માધવદેવકૃત અસમિયા-રામાયણ (ચૌદમી-પંદરમી સદી) અને ગુજરાતીમાં ગિરધરકૃત રામાયણ (ઓગણીસમી સદી) વગેરે તુરત યાદ આવે. આ ઉપરાંત ‘રામાયણચમ્પૂ’, ‘રામનાટ્ટમ્’ વગેરે પણ ઉલ્લેખનીય છે. વળી રામના જીવનના કેટલાક પ્રસંગોને અનુલક્ષીને, રામાયણનાં જાનકી, હનુમાન, ભરત, મેઘનાદ જેવાં પાત્રોને લઈને પણ અનેક કૃતિઓ વિવિધ પ્રાદેશિક ભાષાઓ ને બોલીઓમાં રચાઈ છે. એ રીતે રામ-વિષયક પદસાહિત્ય પણ સર્વ પ્રાદેશિક ભાષાઓમાં માતબર પ્રમાણમાં મળે છે. ભારતીય પદ-સાહિત્ય રામ અને કૃષ્ણનાં, શિવ અને શક્તિનાં સંખ્યાબંધ સુંદર પદોને કારણે ઘણું આસ્વાદ્ય બની રહ્યું છે.

જેમ રામાયણનું તેમ મહાભારતનુંય સર્વ પ્રાદેશિક સાહિત્યો પર મોટું ઋણ રહ્યું છે. તેલુગુમાં નન્નય, તિક્કન અને ઍર્રને તો કન્નડમાં પંપ અને કુમારવ્યાસે મહાભારત આપ્યાં છે. મલયાળમમાં એજુત્તચ્ચને એમના રામાયણ કરતાંયે મહાભારતમાં સવિશેષ સર્જકતા દાખવી છે. સત્તરમી–અઢારમી સદીમાં બંગાળીમાં મહાભારતનાં ત્રીસેક રૂપાંતરો મળે છે, જેમાં શ્રેષ્ઠ છે કાશીરામદાસનું. ઊડિયામાં ‘ઉત્કલ-વ્યાસ’ તરીકે જાણીતા સારલાદાસે મહાભારત આપ્યું છે. પંજાબીમાં કૃષ્ણલાલે મહાભારતનો પદ્યાનુવાદ આપ્યો છે તો હિન્દીમાં પણ અનેક મહાભારત મળ્યાં છે; જેમાં ગોકુળનાથ, સબલસિંહ ચૌહાણ વગેરેનાં જાણીતાં છે. મરાઠીમાં શ્રીધરનું ‘પાંડવ-પ્રતાપ’ તો ગુજરાતીમાં નાકરાદિનાં મહાભારતનાં પર્વો પર આધારિત આખ્યાનો મળે છે. અસમિયામાં રામસરસ્વતીએ મહાભારતનો આધાર લઈ અનેક વધકાવ્યો આપ્યાં છે.

આ રામાયણ તથા મહાભારતનો લાભ અર્વાચીન યુગની ભારતીય કવિતાએ પણ સારા પ્રમાણમાં લીધાનાં અનેક ઉદાહરણો મૈથિલીશરણ ગુપ્ત (‘જયભારત’) આદિનાં મળે છે. બંગાળીમાં રવીન્દ્રનાથનાં તેમ ગુજરાતીમાં કાન્ત, ઉમાશંકરથી માંડીને પ્રો. ગોવિંદભાઈ સુખાભાઈ પટેલ સુધીના અનેક કવિઓએ મહાભારતના વિષયવસ્તુનો કવિતામાં વિનિયોગ કર્યો છે.

સંભવત: રામ કરતાંયે રસેશ્વર ને રાસેશ્વર એવી શ્રીકૃષ્ણની લીલાનું ગાન ઘણું વ્યાપક, વૈવિધ્યસભર અને આકર્ષક રહ્યું છે. વેદકાળથી આરંભાયેલી ભક્તિ મહાભારતપ્રેરિત નારાયણપૂજા, ગીતાપ્રેરિત વાસુદેવપૂજા અને તે પછી ભાગવતપ્રેરિત બાલકૃષ્ણપૂજા સુધી રૂપાંતર પામતી વિસ્તરે છે. ગીતા અને નારદાદિનાં ભક્તિ સૂત્રો દ્વારા તાત્વિક ભૂમિકાએ પ્રતિષ્ઠિત થયેલી ભક્તિ ભાગવત જેવા ભક્તિપ્રધાન પુરાણમાં સખ્ય, દાસ્ય આદિ નવધા ભક્તિના અને પ્રેમલક્ષણા ભક્તિના પ્રકારોમાં સરસ રીતે વ્યક્ત થઈને સૈકાઓથી સંખ્યાબંધ સર્જકો–ભાવકો માટે પરમ આકર્ષણનો વિષય બની રહેલી જણાય છે. કૃષ્ણભક્તિ સાથે જ રાધાભક્તિ ઉદય પામે છે; અને ક્રમશ: વૈદિક ભક્તિ પૌરાણિક અને પછી સાંપ્રદાયિક ભક્તિના રૂપમાં અવનવી રીતે સંતો–ભક્તો–કવિઓ ને શાસ્ત્રજ્ઞો દ્વારા વ્યાખ્યાયિત થતી રહે છે. દક્ષિણમાં દશમા શતક પૂર્વે થઈ ગયેલા બાર આળવારો; વિવિધ ભક્તિસંપ્રદાયોના રામાનુજાચાર્ય (1017–1137), વલ્લભાચાર્ય (1473–1531), ચૈતન્ય (1485–1533) જેવા ભક્તાચાર્યો; વિઠોબા(વિઠ્ઠલ)-ભક્તિના પ્રચારક જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ જેવા સંતો; આ ઉપરાંત બીજા સગુણ ને નિર્ગુણ ભક્તિ સાથે સંલગ્ન રામાનંદ, રૈદાસ, નાનક, કબીર, તુલસીદાસ, સૂરદાસ, નરસિંહ ને મીરાં જેવા સંતો; અનેક સૂફી ઓલિયા–પીરો વગેરેએ ભક્તિસાધનાને એવું બળ આપ્યું, એને એવા તો વળ ને ચાક ચઢાવ્યા કે સર્વ પ્રાદેશિક ભાષા-સાહિત્યોમાં તેની ઉત્તમ કવિતા સૈકાઓ થયાં હજુ આજે પણ અવતરતી રહી છે. ભક્તિકવિતાએ લોકવાણીને સાહિત્યમાં સુપેરે પ્રતિષ્ઠિત કરી. તો લોકવાણી દ્વારા ભક્તિતત્વનો અબાધિત ને વ્યાપક પ્રસાર-પ્રચાર આમજનતામાં થયો. સંતવાણી સર્વ પ્રાદેશિક ભાષાસાહિત્યોની મોંઘેરી મિરાત બની રહી. એણે સંગીતાદિ કળાઓને સારું એવું પોષણ આપ્યું.

ભક્તિકવિતામાં સૌથી વધુ વૈવિધ્યસભર અને આકર્ષક કવિતા મળી હોય તો તે શ્રીકૃષ્ણ અંગેની. શ્રીકૃષ્ણનો પ્રભાવ જેમ પ્રાચીન અને મધ્યકાલીન કવિતામાં તેમ અર્વાચીન કવિતામાંયે જોઈ શકાય એમ છે. સંગીતમાંયે કૃષ્ણની એવી ઉપસ્થિતિ રહી કે ‘કાના બિન ગાના નહીં’ એવી ઉક્તિ પ્રચારમાં આવી. ‘કૃષ્ણનાટ્ટમ્’ તથા ‘રાસલીલા’ જેવામાં તો કૃષ્ણ જ કેન્દ્રસ્થાને. કૃષ્ણભક્તિની કવિતામાં ખાસ તો કૃષ્ણની બાળલીલા, રાસલીલા આદિ અનેક લીલાઓનું રસગાન સવિશેષ આકર્ષકતા દાખવે છે. તમિળમાં આન્ડાલાદિ આળવારોની જે ભક્તિકવિતા ‘નાલાયિરદિવ્યપ્રબંધમ્’માં મળી તેનો સતત વિકાસ થતો રહ્યો છે. પિળ્ળે પેરુમાળ અય્યંગારની વૈષ્ણવ કવિતા ઉલ્લેખનીય છે. તેલુગુમાં રામકાવ્યની સાથે જ કૃષ્ણકાવ્યનીયે સમૃદ્ધ પરંપરા છે. તેમાંયે ચુમ્મેર પોતન્નનું ‘ભાગવતમ્’ તેમજ ત્યાગરાજનાં કીર્તનો સ્મરણીય છે. કન્નડમાં સત્તરમી સદીમાં પુરન્દર દાસ, કનક દાસ વગેરે વૈષ્ણવ કવિતા આપે છે. મલયાળમમાં ‘કૃષ્ણગાથા’ (પંદરમી સદી), ‘ભાસભાગવત’, ‘હરિનામકીર્તન’ તથા ‘કૃષ્ણનાટ્યમ્’ જેવી સરસ કૃતિઓ મળે છે. મરાઠી મધ્યકાલીન કવિતા પર વારકરી નામના ભાગવત વૈષ્ણવ સંપ્રદાયના આદ્ય સંસ્થાપક જ્ઞાનેશ્વરથી માંડીને નામદેવ, એકનાથ, તુકારામ અને રામદાસ જેવા સંત-ભક્તોની વૈષ્ણવભક્તિની કવિતાના ઘણા ઊંડા ને વ્યાપક સંસ્કાર પડેલા જણાય છે. બંગાળીમાં એક બાજુ ચંડીદાસનાં રાધાકૃષ્ણવિષયક કીર્તન-પદો તો બીજી બાજુ જ્ઞાનદાસ, ગોવિંદદાસ આદિ ચૈતન્યપ્રેરિત વૈષ્ણવભક્તિનાં પદો તો સહજિયા પંથના કવિઓનાં ભક્તિશૃંગારનાં અને બાઉલોનાં ભક્તિની મસ્તીનાં પદો – આ બધાંએ બંગાળમાં કૃષ્ણભક્તિનું એક અનોખું વાતાવરણ જમાવ્યું હતું. અસમિયામાં શંકરદેવ ભાગવત પર આધારિત ‘કીર્તનપદાવલી’ આપે છે તો એમના શિષ્ય માધવદેવ સહસ્ર ઘોષાવાળાં પદો – બડગીતો આપે છે. ઊડિયામાં સારળાદાસની ‘પંચસખા’ નામે ખ્યાત સોળમી સદીના પાંચ કવિઓ(બલરામ દાસ, જગન્નાથ દાસ, અનંત દાસ, યશોવંત દાસ અને અચ્યુતાનંદ દાસ)ની તેમજ દીનકૃષ્ણ દાસ, ભક્તચરણ અને ગોપાલકૃષ્ણ વગેરેની તો ઉર્દૂમાં નઝીર અકબરાબાદી જેવાની કૃષ્ણભક્તિની કવિતા મળે છે. હિન્દીમાં તો વિદ્યાપતિ ઉપરાંત અષ્ટછાપના સૂરદાસ, કુંભનદાસ, પરમાનંદદાસ, કૃષ્ણદાસ જેવા કવિઓ તેમજ રસખાન તો ગુજરાતીમાં નરસિંહ–મીરાં જેવાં ભક્ત કવિઓએ કૃષ્ણ-લીલાનું ઉત્તમ ગાન કર્યું છે. આમ ભક્તિના અને એમાંયે વૈષ્ણવભક્તિના પ્રવાહે ભારતીય સાહિત્યને અનેકધા સમૃદ્ધ કર્યાની પ્રતીતિ થાય છે.

ભારતીય સાહિત્યમાં આ ભક્તિકવિતા — વૈષ્ણવકવિતાની જોડાજોડ જ — સમાંતરે જ્ઞાનાશ્રયી કવિતાનો – વૈરાગ્યબોધની કવિતાનો પ્રવાહ પણ ચાલતો રહ્યો છે. ઉપનિષદો, ભગવદગીતા, ભક્તિસૂત્રો વગેરેની છાયામાં વૈષ્ણવાચાર્યોની ભક્તિમીમાંસાના અનુસંધાનમાં; યોગાદિ દર્શનોના પ્રકાશમાં; ટૂંકમાં, શ્રુતિ-સ્મૃતિગ્રંથોનાં પ્રેરણા-પ્રભાવ હેઠળ ધર્માદિ પુરુષાર્થોને અનુલક્ષીને ઘણું ચિંતનપ્રેરક, આત્મપ્રબોધક સાહિત્ય વિશેષે તો પદ્યમાં ને કેટલુંક ગદ્યમાં સર્જાતું જોવા મળે છે. એમાં અધ્યાત્મગ્રંથોના ભાવાનુવાદ કે સારાનુવાદની પ્રવૃત્તિ પણ આવી જાય છે. ‘યોગવાસિષ્ઠ’, ‘ભગવદગીતા’, ‘અધ્યાત્મરામાયણ’, ઉપનિષદો, ભર્તૃહરિનાં ‘નીતિશતક’ ને વૈરાગ્યશતક’ વગેરેને લગતું અનુવાદસાહિત્ય ભારતની મહત્વની લગભગ બધી પ્રાદેશિક ભાષાઓમાં સાંપડે છે. ‘જ્ઞાનેશ્વરી’ ને ‘દાસબોધ’ જેવા ગ્રંથોયે મળે છે. ગુજરાતી જેવી ભાષામાં તો ‘ભગવદગીતા’ને અનુસરતો ‘ગીતા’ નામક કાવ્યપ્રકાર જ વિકસેલો જોઈ શકાય છે.

વળી યોગમાર્ગી–રહસ્યમાર્ગી અધ્યાત્મચિંતનની ધારા પણ સર્વ પ્રાદેશિક ભાષા-સાહિત્યમાં પ્રાચીન તબક્કાથી જ પ્રવહમાન જણાય છે. બૌદ્ધ ધર્મનાં વળતાં પાણી થયાં તે અરસામાં તેની કેટલીક શાખાઓ તેમજ શૈવ-શાક્ત ધર્મસંપ્રદાયોના સંયોગે નાથ સંપ્રદાયની એક પરંપરા ઊભી થઈ. જોકે તેનો પ્રભાવ દક્ષિણ ભારતનાં સાહિત્યોમાં ઉત્તરની અપેક્ષાએ ઓછો વરતાય. દક્ષિણમાં શૈવધર્મનો સવિશેષ પ્રભાવ હોઈ ત્યાં શૈવ યોગીઓ કરતાં શૈવ ભક્તોનું પ્રમાણ વધારે હોવાનું જણાય છે. દક્ષિણ ભારતમાં શિવની સગુણભક્તિનું સાહિત્ય વધારે મળે છે. કન્નનડમાં વીરશૈવવાદના સમર્થ પ્રવર્તક બસવેશ્વર આદિ ઉત્તર ભારતના નાથ અને સિદ્ધ કવિઓથી મૂળભૂત રીતે જુદા પડે છે. દક્ષિણ ભારતમાં શૈવ કવિઓ શુદ્ધ ભક્તો રૂપે વિશેષ તો ઉત્તર અને પૂર્વ ભારતમાં નાથ સંપ્રદાયના કવિઓ યોગીઓ કે તાંત્રિકો રૂપે વિશેષ પ્રગટ થાય છે. જોકે નાથ સંપ્રદાય દક્ષિણ ભારતમાં પહોંચ્યાનું પ્રમાણ તેલુગુ જેવી ભાષામાં મળતું ‘નવનાથચરિત્રમ્’ છે. મરાઠી અને બંગાળીમાં પણ આ સંપ્રદાયનો પ્રભાવ વિસ્તર્યો છે. બંગાળમાં બૌદ્ધોના સહજિયા સંપ્રદાયના સાહિત્યની તેમજ ચર્યાગીતની પરંપરાઓ સંમિલિત થયાનું જણાય છે. તેની નાથ સંપ્રદાય સાથેની સગોત્રતા સ્પષ્ટ છે. વળી મરાઠીમાં ગોરખનાથી વાણી સંભળાવનારાઓમાં અમરનાથ સનવડ તેમજ ગૈગીનાથનું સ્મરણ થાય છે. પંજાબમાં ઇસ્લામી અને સૂફી પ્રભાવવાળા કાવ્યસાહિત્યની નાથ સંપ્રદાય સાથેની નિસબત સબળ રીતે પ્રતીત થાય છે. ગોરખનાથ અને ચરપટનાથ તો પંજાબી સાહિત્યના પ્રારંભિક તબક્કાના લેખકો મનાય છે. આ નાથ સંપ્રદાયની સાહિત્યધારાને પુષ્ટ કરવામાં ફરીદ આદિ કેટલાક મુસ્લિમ પીરોનોયે ફાળો હોવાનું દર્શાવાય છે. આ સંપ્રદાયની યોગમાર્ગી ને રહસ્યમાર્ગી ચિંતનધારાની ઝલક ગુજરાતની ભજનવાણીમાં અને ખાસ તો કબીરપંથી કવિઓની વાણીમાં સવિશેષ વરતાય છે.

પ્રેમલક્ષણા ભક્તિની સમાંતરે સૂફીવાદી ચિંતનભક્તિની ધારાયે ચાલી છે. ઇસ્લામી અને ઈરાની સાહિત્ય દ્વારા સૂફી તત્વજ્ઞાન ભારતમાં પ્રવેશ્યું. કેટલાક હિન્દુ સંપ્રદાયોએ તેને ઊલટથી સ્વીકાર્યું. આ તત્વજ્ઞાનવાળા સાહિત્યે ઈશુની તેરમી સદી પછી હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિઓને એકસૂત્રે સાંકળી લેવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. સિન્ધીના આદિ કવિ શાહ અબ્દુલ કરીમ, શાહ લતીફ, કવિ સચલ; પંજાબીમાં શાહ હુસેન, શાહ શરફ અને બાબા સુંદર; હિન્દીમાં મલિક મોહમ્મદ જાયસી; ઉર્દૂમાં મોહંમદ ખૂબ ચિશ્તી અને શાહ અલી જીવ ગામધણીથી માંડીને ગાલિબ આદિ કવિઓ – એમ અનેક કવિઓએ સૂફી રંગની કવિતા આપી છે. એવી કવિતા અર્વાચીન કાળમાંયે મળતી રહી છે. સૂફીવાદની પ્રમાણમાં ઓછી અસર દાખવતા દક્ષિણ ભારતમાંયે બીજાપુર અને ગોવળકોંડા જેવાં રાજ્યો સૂફી સંતોનાં થાણાં હતાં. આ સૂફીરંગી સંતો–કવિઓએ વૈષ્ણવ કવિતાનેય સૂફી રંગનો પાસ આપ્યો જણાય છે.

ભારતીય સાહિત્યમાં પ્રેમકથાઓનો પ્રચાર-પ્રસાર પણ ધર્મકથાઓની રીતે થયાનું જોઈ શકાય છે. લોકપરંપરામાં પ્રચલિત મારુ–ઢોલા, શેણી–વીજાણંદ, સુહિણી–મેહાર, ઉમર–મારુઈ, હીર–રાંઝા, લૈલા–મજનૂ, માધવાનલ–કામકંદલા, શીરીં–ફરહાદ, યૂસુફ–ઝુલેખા, સસી–પુન્નુ, મિરઝા–સાહિબા, સોહિની–મહિવાલ જેવાં પ્રેમી યુગલોને અનુલક્ષીને રાજસ્થાની, ગુજરાતી, સિન્ધી, પંજાબી, કાશ્મીરી, હિન્દી, ઉર્દૂ વગેરેમાં અનેકાનેક શૃંગારરસિક કથાઓ–કથાકાવ્યો રચાયેલાં જોવા મળે છે. આવાં કાવ્યોની લોકસાહિત્યનીયે એક પ્રભાવક પરંપરા રહી છે. દક્ષિણમાં પણ આવી પ્રેમકથાઓ રચાઈ છે. તેલુગુમાં ‘રાજશેખરચરિત્રમ્’ ‘પ્રભાવતી-પ્રદ્યુમ્નમ્’ અને ‘ચંદ્રલેખાવિલાસમ્’ જેવી પ્રેમકથાઓ મળે છે. જોકે વારિસ શાહની ‘હીર-રાંઝા’ કે મલિક મોહમ્મદ જાયસીની ‘પદ્માવત’ જેવી કલાત્મક ઉત્તમ પ્રેમકથાઓ તો ઓછી જ મળે છે. સર્વ પ્રાદેશિક ભાષાઓમાં આવી અદભુતરસિક પ્રેમકથાઓએ પ્રેમશૌર્યનો સંસ્કારબોધ આપવા સાથે જનમન-રંજનનીયે મોટી જવાબદારી અદા કરી જણાય છે.

ભારતીય સાહિત્યમાં રાજ્યાશ્રયી તેમજ લોકાશ્રયી – એવી બે પ્રકારની કાવ્યધારાઓ જોઈ શકાય. કાલિદાસ ને બાણભટ્ટ જેવા રાજ્યાશ્રિત કવિસર્જકોની એક પરંપરા સંસ્કૃત શિષ્ટ સાહિત્યમાં તો છે જ; પ્રાદેશિક ભાષાઓના સાહિત્યમાં પણ આ પરંપરા સેંકડો વર્ષોથી ચાલી આવી છે. દરબારી કવિ અને દરબારી કવિતાના અનુસંધાનમાં એક બાજુ હિન્દીમાં ચંદ બારોટ તો ગુજરાતમાં પદ્મનાભ અને શ્રીધર વ્યાસ જેવા રાજ્યાશ્રિત કવિઓની પરંપરા જોવા મળે છે, તો તે સાથે ચારણો અને ચારણી સાહિત્યની પરંપરા પણ એ જ પરંપરાનાં રંગ-રૂપ લઈને વ્યાપક રીતે પ્રતિષ્ઠિત થયેલી જોવા મળે છે. આ પરંપરા રીતિવાદી કવિતા સાથેય ઘણું નિકટનું અનુસંધાન જાળવે છે. તેનો સભારંજની કવનશૈલી ને કથનશૈલી સાથેય ગાઢ નાતો રહેલો જણાય છે. તમિળમાં સંગમકાળ(ઈ. પૂ. 500-100)ના આરંભથી જ ચારણકાવ્યો મળે છે. પત્તુપ્પાટ્ટુમાં ચારણકાવ્યોના કેટલાક ઉત્કૃષ્ટ નમૂનાઓ મળે છે. તમિળના સંગમયુગના ઇળંગોવડિગળરચિત પ્રસિદ્ધ મહાકાવ્ય ‘શિલપ્પદિકારમ્’ તથા તેલુગુમાં રચાયેલ શ્રીનાથના લોકપ્રિય કાવ્ય ‘પલનાટિવીરચરિત્રમ્’ને ચારણકાવ્યના વર્ગમાં મૂકવામાં આવે છે. મલયાળમના આદિ કાવ્યસંગ્રહ ‘પઝય પાટ્ટુકલ’માં કેટલાંક ચારણગીતો મળે છે. એવાં ગીતોનો મહત્વનો સંચય પર્સી મેક્વિન નામના એક અંગ્રેજ અધિકારીએ કરી આપેલો. મરાઠીમાં પવાડાસાહિત્ય, ગુજરાતીમાં કેટલુંક છંદ–રાસાનું સાહિત્ય, તો પંજાબીમાં શીખ વીરોની પ્રશસ્તિ કરતું સાહિત્ય આ ધારાના ઉદાહરણરૂપ છે. હિન્દીમાં તો આદિ સાહિત્યયુગનું નામ જ ‘વીરગાથાકાળ’ અપાયું છે અને તેમાં ચંદ બરદાઈકૃત ‘પૃથ્વીરાજ-રાસો’, ‘ખુમાનરાસો’, ‘વીસલદેવરાસો’ જેવી રચનાઓનો આ કાવ્યધારાનાં ર્દષ્ટાંતો રૂપે ઉલ્લેખ થાય છે. મધ્યકાલીન હિન્દીની ભૂષણ, સૂદન વગેરેની રચનાઓ પણ આ સંદર્ભમાં સ્મરણીય છે.

ભારતીય સાહિત્યના પ્રારંભથી તે લગભગ ઓગણીસમી સદી સુધીના ગાળામાં જે કંઈ સાહિત્ય મળ્યું છે તેમાં ધર્મપ્રભાવ ને લોકપરંપરાનો પ્રભાવ સર્વોપરી હતો. મોટાભાગનું સાહિત્ય શ્રૌત પરંપરા સાથે સંકળાયેલું અને સમૂહભોગ્યતાની ક્ષમતા ધરાવનારું હતું. આજના જેવી મૌલિકતાનો પ્રશ્ન એ સાહિત્યમાં ન હતો. લોકઘડતર ને લોકરંજન જોડાજોડ ચાલતાં હતાં. નીતિબોધનું વર્ચસ્ પણ વ્યાપક રહેલું જણાય છે. આ મધ્યકાલીન સાહિત્યનું સર્જન અને ભાવન રૂઢ સંસ્કાર-પરંપરાને જાળવીને થતું જણાય છે. પ્રાચીન–મધ્યકાલીન સાહિત્યને ‘ધર્મ માટેનું સાહિત્ય’ કહી શકાય. પાપ અને પુણ્ય; દાનવ, માનવ અને દેવ; પાતાળ, ઇહલોક ને સ્વર્ગલોક; કર્મફળ અને પુનર્જન્મ; પુરુષાર્થ અને પ્રારબ્ધ – આવી આવી અનેક પરંપરાગત માન્યતાઓ ને રૂઢિઓની વચ્ચે રહીને સર્જકમાનસ કામ કરતું જણાય છે. સર્જક ત્યારે આમવર્ગથી ઝાઝો દૂર નહોતો; બલકે આમવર્ગ સાથે અથવા કહો કે, આમવર્ગમાંનો એક હતો. કેટલાક કવિઓ તો ગામડાંગામના ‘ભગતો’ હતા તો કેટલાક તો અભણ છતાં કવિતા જોડનારા અને કહેનારા હતા. આખ્યાન, કથા, છપ્પા, દુહા, રાસડા, પવાડા–રાસા–પ્રબંધ, ફાગુ જેવા લોકપ્રચલિત સાહિત્યપ્રકારોમાં તત્કાલીન સાહિત્યકારની કલમ ચાલતી હતી. આ ગાળાના કાવ્યસાહિત્યમાં સારો એવો ભાગ ધર્મ-ભક્તિની સાધના-આરાધના સાથે સંલગ્ન હતો. ગરબા–ગરબી–રાસ–હીંચ, થાળ–આરતી જેવા અનેક કાવ્યપ્રકારો તો ભજન-કીર્તનની અંતર્ગત – તેના ભાગરૂપ હતા – રામ–કૃષ્ણ, શિવ–શક્તિ આદિની ઉપાસનાવિધિના અંગભૂત પણ હતા. આ કાવ્યપ્રકારોના શ્રવણ–આસ્વાદ દ્વારા શ્રોતાવર્ગ–ભાવકવર્ગની મકસદ મનોરંજનની નહિ એટલી આત્મકલ્યાણની રહેતી હતી. કવિસર્જક તેથી કલાકાર કરતાંયે સવિશેષ પુરોહિત-શો, માર્ગદર્શક ગુરુ-શો આદર-ભક્તિનો અધિકારી લેખાતો હતો.

આ તબક્કાનું કાવ્ય-સાહિત્ય લોકસાહિત્યની પડખોપડખ ચાલ્યું છે. મૌખિક પરંપરાના વ્યાપક પ્રભાવ હેઠળ આ ગાળામાં શિષ્ટ અને લોકસાહિત્ય વચ્ચે સારું આદાન-પ્રદાન ચાલતું જોવા મળે છે. શબ્દભંડોળ, અલંકાર ને વર્ણનરીતિ, કથન અને ગાયનશૈલી, ઢાળ-છંદ અને કાવ્યસ્વરૂપ – આ સર્વમાં શિષ્ટ સાહિત્યને લોકસાહિત્ય પાસેથી ઘણી સામગ્રી સાંપડી છે.

આ રીતે સંસ્કૃત સાહિત્યની અને ખાસ તો ધર્મ-અધ્યાત્મના સાહિત્યની સામગ્રી લઈને ચાલતા આ સાહિત્યનું વિષયવર્તુળ પ્રમાણમાં મર્યાદિત જણાય છે. એમાં પુરાણપ્રસિદ્ધ ઋષિમુનિઓ, જ્ઞાનીઓ, ભક્તોના ચરિત્રસંકીર્તનનો સવિશેષ મહિમા જોવા મળે છે. ભગવાનની અદભુતરસિક લીલાઓનું વળીવળીને ગાન કરવામાં અનેક કવિઓએ પોતાની સાર્થકતા પ્રીછી છે. આમ આ પ્રાચીન– મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં કલાકીય સંપ્રજ્ઞતા કે સભાનતાનું તત્વ અપેક્ષાનુસાર પ્રભાવક હોય એવું લાગતું નથી. કવિકર્મ એક રીતે ધર્મકાર્યના ભાગરૂપ પ્રતીત થાય છે. આમાં અત્રતત્ર અપવાદો હોય તોયે જૂજ છે. મોટાભાગનું સાહિત્ય, સંસ્કૃતમાં જે કંઈ ભગવાન માટેનું છે તેને આસ્તિકભાવે ‘પ્રાકૃત’માં – જનભાષાઓમાં ઉતારી પ્રાકૃતજનો સુધી પહોંચાડવાની સદભાવનાએ પ્રેરિત છે. રસાસ્વાદ સાથે ફલશ્રુતિ પણ તેમાં મહત્વની રહી છે. આ સાહિત્ય એ રીતે લોકાભિમુખતાનો સંદર્ભ જાળવીને રચાયું છે. તેમાં આત્મલક્ષિતા કરતાં પરલક્ષિતાનાં તત્વોનું બળ વિશેષ વરતાય છે. આ સાહિત્યમાં હરિવિરહિત હુંની કોઈ પ્રતિષ્ઠા નથી; પ્રતિષ્ઠા છે હરિના જનની, હરિની. લોકકથા કે પ્રેમકથાઓ અને રાજરાજવીઓનું વંશાનુકીર્તન કે ચરિત્રકીર્તન પણ કોઈ ને કોઈ રીતે હરિ પ્રત્યેની ભાવ-ભાવનાને સમર્થિત કે પુષ્ટ કરીને રહે છે.

આ પ્રાચીન–મધ્યકાલીન સાહિત્ય–પરંપરાએ સંગીત–નૃત્ય–નાટ્યનીયે એક પરંપરાને પોતાની રીતે સમર્થન આપવાનું કાર્ય કર્યું છે. સંસ્કૃત નાટકને પોતાની રંગભૂમિ હતી. રાજા-રજવાડાંઓના સત્તા- અમલ દરમિયાન તેમના પ્રાસાદોનાં પટાંગણ પણ નાટકને ઉપયોગી થતાં હોવાના નિર્દેશો મળે છે. એમાંયે મંદિરોનાં પ્રાંગણોય સંગીત-સંકીર્તન, રાસ-નૃત્ય તથા નાટ્ય માટે કામમાં આવતાં હોવાનું અનેક વિદ્વાનો માને છે. ગામના ચાચર-ચૉકમાં ભવાઈ જેવા વેશ ભજવાતા હોવાના સબૂતો છે. એ રીતે જોતાં બધાં પ્રાદેશિક સાહિત્યોમાં લોકનૃત્યો–લોકનાટ્યોની એક મહત્વની ભૂમિકા રહ્યાનું જાણવા મળે છે. ગુજરાતીમાં અસાઇતે ભવાઈના 360 વેશ લખ્યાની વાયકા છે. એ વેશોમાંથી કેટલાક જ બચ્યા છે, જે આજેય ભજવાય છે. એ ભવાઈએ ગુજરાતની પ્રશિષ્ટ રંગભૂમિની પણ બહુમૂલ્ય સેવા કરી છે. વળી ગરબી–ગરબા–હીંચ જેવા કેટલાક કાવ્યપ્રકારો તો સીધા જ લોકનૃત્ય સાથે સંબદ્ધ રહ્યા છે. આવું અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ જોવા મળે છે : તેલુગુ અને કન્નડમાં યક્ષગાન, મલયાળમમાં આટ્ટકથા, મરાઠીમાં લળિત અને તમાશા, બંગાળ અને અન્ય પૂર્વીય પ્રદેશોમાં જાત્રા, હિન્દીમાં રાસલીલા ને રામલીલા, મધ્યપ્રદેશમાં નૌટંકી – આવાં આવાં અનેક અભિનેય સ્વરૂપોમાં મધ્યકાલીન શિષ્ટ સાહિત્યે અને લોકસાહિત્યે પોતાની સાંસ્કૃતિક-કલાકીય ક્ષમતાશક્તિ દાખવ્યાં છે. શિવરામ કારંથ જેવા કેટલાક સમર્થ સાહિત્યકારોએ લોકપ્રચલિત નૃત્ય–નાટ્યરૂપોના સમુત્કર્ષ માટે ભેખ લઈને ભારે પુરુષાર્થ કર્યાના ઊજળા દાખલા પણ છે.

ભારતને જેમ પ્રદેશે પ્રદેશે પોતાનો આગવો સૌન્દર્યવિશેષ તેમ આગવો કાવ્યવિશેષ પણ છે. તમિળનું સંગમ-સાહિત્ય; તેલુગુનું અવધાન-સાહિત્ય; કન્નડનું વચન-સાહિત્ય; મલયાળમનાં સંદેશકાવ્ય કે કીરગીત (કલિપ્પાટુ) તથા મણિપ્રવાલશૈલી; મરાઠીના અભંગ અને પોવાડા; ગુજરાતનાં ફાગુ અને આખ્યાન; બંગાળીનાં મંગળકાવ્યો, મનસાકાવ્યો તથા બાઉલ ગીતો; અસમિયાનાં બિહુગીતો – બડગીતો, ડાકરવચનો અને બુરંજી સાહિત્ય; ઊડિયાનાં ‘કોઇલિ’-કાવ્યો; કાશ્મીરીનાં વાખ; સિન્ધીના રિસાલા; પંજાબીનાં ઝુમ્મર અને શૌર્યગીતો; ઉર્દૂની ગઝલો, કસીદા અને મસનવી અને હિન્દીની રીતિ-કવિતા તેમજ છાયાવાદી કવિતા – આમ વિવિધ પ્રદેશોએ પોતપોતાનાં આગવાં ભાષા-સાહિત્યથી સરવાળે તો ભારતીય સાહિત્યનો જ ભાતીગળ સમૃદ્ધિથી સમુત્કર્ષ સાધ્યો છે.

બધાં પ્રાદેશિક સાહિત્યોમાં – ખાસ કરીને ઉત્તર ભારતનાં સાહિત્યોમાં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ભારતીય આર્ય-ભાષાના તબક્કાઓ એકંદરે સમાંતરે ચાલ્યા છે. એ સાહિત્યનાં પ્રેરક–પોષક પરિબળોમાં પણ સારું એવું સામ્ય ર્દષ્ટિગોચર થાય છે. કંઠસ્થ સાહિત્યની – લોકસાહિત્યની સરવાણીની લગોલગ જ શિષ્ટ સાહિત્યની સરવાણી પણ ચાલતી રહી છે. એમની વચ્ચે સારું એવું આદાનપ્રદાન પણ થતું રહ્યું છે. પ્રાચીન કે મધ્યકાલીન કવિ ધર્મ અને સમાજ પ્રત્યેના એના ઉત્તરદાયિત્વથી પ્રેરાઈને ચાલ્યો છે અને એની કલમ તળપદ જીવનના સંસ્કારો ને રંગોને પ્રગટ કરતી રહી છે. શબ્દ લોકજીભે ઝિલાતો–રમતો આગળ વધ્યો છે અને એ રીતે આ સાહિત્યે કેટલાક અવિસ્મરણીય કવિઓ–સર્જકોની એક તેજસ્વી રત્નમાળા આપી છે : હિન્દીમાં ચંદ બરદાઈ, અમીર ખુસરો, કબીર, જાયસી, તુલસીદાસ ને સુરદાસ; ઉર્દૂમાં વલી, મીર તકી મીર, નઝીર અકબરાબાદી; બંગાળીમાં બડુચંડીદાસ અને ચંડીદાસ, કૃત્તિવાસ અને કાશીરામદાસ; અસમિયામાં માધવકંદલિ, શંકરદેવ અને માધવદેવ; મૈથિલીમાં વિદ્યાપતિ; ઊડિયામાં સારળા દાસ, જગન્નાથ દાસ, ઉપેન્દ્ર ભંજ; મરાઠીમાં મુકુંદરાજ, ચક્રધર, જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, તુકારામ અને રામદાસ; પંજાબીમાં ગુરુ નાનક, શાહ હુસેન, બુલ્લે શાહ, વારિસ શાહ; કાશ્મીરીમાં લલ્લેશ્વરી, હબ્બાખાતૂન, અરણિમાલ, અબ્દુલ વહાબ અને સ્વામી પરમાનંદ; સિન્ધીમાં શાહ અબ્દુલ કરીમ, શાહ અબ્દુલ લતીફ, સચલ અને સામી; કન્નડમાં પંપ, પોન્ન, રન્ન, બસવેશ્વર, અલ્લમ પ્રભુ, અક્કા મહાદેવી; તમિળમાં અવ્વૈ, સંત તિરુવલ્લુવર, ઈળંગો, બાર આળવારો, કંબન, ઓટ્ટક્કૂત્તન, પુકઝેન્તિ; તેલુગુમાં નન્નય ભટ્ટ, તિક્કનાર્ય, એર્રાપ્રેગડ, કૃષ્ણદેવરાય, તેનાલી રામકૃષ્ણ, ત્યાગરાજ; મલયાળમમાં ચેરુશ્શેરી, ઍરાત્તુચ્છન, કુંચન નમ્પિયાર; ગુજરાતીમાં નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ, શામળ અને દયારામ; નેપાળીમાં ગુમાની પટના, શશિધર, મોતીરામ ભટ્ટ; મણિપુરીમાં ચરૈરોન્ગબા, અન્ગોમ ગોપી વગેરે.

આમ ભારતીય સાહિત્યે વ્યાપક રીતે પ્રદેશવાર કાવ્ય-સાહિત્યનાં વિષયવસ્તુ, પ્રયોજન, રજૂઆતરીતિ વગેરેમાં સારું એવું સામ્ય દાખવવા સાથે પ્રાદેશિક વૈશિષ્ટ્યને જાળવવાની જવાબદારી પણ અદા કરી છે. જે સાંસ્કૃતિક એકતાનો તંતુ વૈદિક, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ સાહિત્યોમાં અનુસ્યૂત છે તે ભારતની મધ્યકાલીન પ્રાદેશિક ભાષાઓમાં પણ અખંડ રીતે જળવાયેલો જોવા મળે છે.

લગભગ બધી જ ભારતીય આર્યભાષાઓમાં અર્વાચીન યુગ ઓગણીસમી સદીના પૂર્વાર્ધ બાદ, 1857ના સ્વાતંત્ર્યવિપ્લવના અરસામાં પ્રારંભાતો જોઈ શકાય છે. આ અર્વાચીન યુગના પ્રારંભ પાછળનાં પરિબળોમાં પણ ઘણું સામ્ય છે. પૉર્ટુગીઝો, ફ્રેન્ચો, વલંદાઓ અને અંગ્રેજો ભારતમાં આવ્યા તે સાથે પાશ્ર્ચાત્ય સંસ્કાર અને સંસ્કૃતિની અનેક લાક્ષણિકતાઓ પણ પોતાની સાથે લઈને આવ્યા. દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં બંગાળમાં પાશ્ર્ચાત્ય સંસ્કાર-સંસ્કૃતિનો પવન અન્ય પ્રદેશોની તુલનામાં વહેલો ફૂંકાવો શરૂ થયો. એક બાજુ કાયદો ને વ્યવસ્થાનું પશ્ચિમી ઢબનું માળખું કાર્ય કરતું થયું, સરકાર દ્વારા કેળવણી ખાતું ચલાવાતું થયું, અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ; અંગ્રેજી સાહિત્ય, અંગ્રેજી પત્રકારત્વ વગેરેનો સંપર્ક–પ્રભાવ વધ્યો અને ભારતીય પ્રજાના ભદ્ર વર્ગ પર એનું વર્ચસ્ વધતું રહ્યું; વળી મુદ્રણયંત્રના આગમનથી સાહિત્ય ને પત્રકારત્વમાં મોટી ક્રાન્તિ આવી. શ્રવણભોગ્ય ને સમૂહભોગ્ય સાહિત્યપ્રકારોના પ્રસાર-પ્રભાવને તેથી ઠીક ઠીક અસર પહોંચી. એક બાજુ રૂઢિપરંપરાના ચોકઠામાં જકડાઈ ગયેલી જનતાને નવું નવું જોવા-જાણવાની–આસ્વાદવા-અનુભવવાની અભૂતપૂર્વ મોકળાશ મળી. એક પ્રકારની ‘રેનેસાં’ જેવી – પુનર્જાગૃતિની ભૂમિકા સર્વ પ્રાદેશિક ભાષા-સાહિત્યોમાં ઊભી થઈ. અંગ્રેજી અને તદનુષંગે યુરોપીય ભાષા-સાહિત્યમાં જે બૌદ્ધિક – સાહિત્યિક સંચારો ચાલ્યા તેના અનુકરણ—અનુસરણમાં ઘર-આંગણે ભાષાસાહિત્યમાં અનેકાનેક નવપ્રસ્થાનો આરંભાયાં. મધ્યકાળમાં નહોતી એવી મુક્તિ-મોકળાશની પરિસ્થિતિ અર્વાચીન કાળમાં ઊભી થઈ, જેણે સાહિત્યકારોને અનેક નવા પ્રકારો, પ્રયોગો, પદ્ધતિઓ વગેરે પ્રત્યે અભિમુખ – સક્રિય કર્યા. મધ્યકાળમાં જેમ ધર્મ, તજ્જન્ય ભાવસંદર્ભો, તેમ અર્વાચીન કાળમાં મનુષ્ય અને તેના ભાવસંદર્ભો કેન્દ્રમાં આવે છે અને તેમના અવનવા કલાત્મક નિરૂપણ પ્રતિ સાહિત્યકારની ર્દષ્ટિ એકાગ્ર થાય છે.

કેળવણી તેમજ ખ્રિસ્તી ધર્મભાવનાના સંસ્કારોનો પ્રત્યક્ષ-પરોક્ષ, વત્તો-ઓછો પ્રભાવ સાહિત્યકારો પર પડતાં તેમના સાહિત્યમાંયે તેથી કેટલીક અર્વાચીન કહી શકાય એવી ચિંતનવિચાર, ભાવભાવના તથા અભિવ્યક્તિરીતિની વિલક્ષણતાઓ પ્રગટ થતી જોવા મળે છે. મિશનરીઓએ બાઇબલના, તેમાંની ર્દષ્ટાંતકથાઓના તેમજ ‘દસ આજ્ઞાઓ’ના અનુવાદો દ્વારા ધર્મપ્રચારના તેમના સાહિત્ય દ્વારા લગભગ બધી પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ-સંપાદન, કોશ, વ્યાકરણ જેવી પ્રવૃત્તિઓ માટેની ભૂમિકા તૈયાર કરી. કેળવણી માટેનાં પાઠ્યપુસ્તકો પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાની પ્રવૃત્તિને પણ તેમના થકી પોષણ અને વેગ મળ્યાં. મિશનરીઓની સાહિત્યિક કામગીરીએ દેશીઓની આંખો ઉઘાડવાનું કાર્ય પણ કર્યું. તેમના પ્રભાવે દેશી સાહિત્યકારોને વિશ્વાભિમુખ થવા સાથે આત્માભિમુખ થવાની આવશ્યકતા–અનિવાર્યતા પ્રતીત થઈ. એક બાજુ અહોભાવે વિદેશી ભાષા-સાહિત્યનાં અનુકરણો ને અનુસરણોનો પ્રવાહ શરૂ થયો તો બીજી બાજુ આત્મજાગૃતિને કારણે પોતાના પરંપરાગત શીલસંસ્કાર અને ભાષા-સાહિત્યના પુનર્મૂલ્યાંકનનો અને સ્પર્ધાભાવે તેમની પુન:પ્રતિષ્ઠાનો ઉપક્રમ પણ બળવત્તર થતો ચાલ્યો. ભારત આવેલા અનેક મિશનરીઓએ ભારતની તળભૂમિમાં, દલિત-શોષિત-પછાત-પીડિત વર્ગોમાં ધર્મપ્રચાર કરવા, એ વર્ગોમાં સેવાભાવે સક્રિય થવા બાઇબલ આદિ ધર્મસાહિત્યની મદદ લીધી. તેમણે તેમનું ધર્મ-પ્રચારનું સાહિત્ય જે તે પ્રદેશની લોક-ભાષામાં રજૂ કરવાના પ્રયાસો આરંભ્યા. ગુજરાતી, કોંકણી, મલયાળમ, તમિળ, તેલુગુ, બંગાળી, અસમિયા વગેરે ભાષાઓથી માંડીને ડોગરી, મણિપુરી, મૈથિલી જેવી અનેક ભાષાઓમાં અર્વાચીન યુગના પ્રારંભકાળે કેટલાક વિદેશીઓએ અને તેમાંય વિશેષે મિશનરીઓએ જે કેટલુંક પાયાનું કામ કર્યું તેનાં અનેક ર્દષ્ટાંતો છે : કન્નડમાં મૅકરૈલ, રેવરંડ કિટ્ટલ, લૂઈ રાઇસ, વિલિયમ કેરી અને મોલ્ડિંગ; કાશ્મીરીમાં એ. સ્ટાઇન અને જે. એચ. નૉલ્ઝ; તમિળમાં રેવ. જૉસેફ બેસ્કી, રેવ. યૂ. પોપ, ડૉ. કાલ્ડવેલ વગેરે; તેલુગુમાં સર સી. પી. બ્રાઉન; બંગાળીમાં ચાર્લ્સ વિલ્કિન્સ, વિલિયમ કેરી અને ફેલિક્સ કેરી વગેરે; અસમિયામાં રૉબિન્સન, બ્રોનસન, નૅથન બ્રાઉન અને ડૉ. માઇલ્સ બ્રાન્સ; મલયાળમમાં રેવ. બેન્જામિન બૈલી, રેવ. જૉસેફ પીટર, ડૉ. ગંડર્ટ વગેરે; રાજસ્થાનીમાં ડૉ. તેસ્સિતોરી અને ગુજરાતીમાં ડૉ. ડ્રમંડ, રેવ. જૉસેફ વાન ટેલર, ફાર્બસ, હોપ વગેરેનું કાર્ય આ સંદર્ભમાં સ્મરણીય છે.

આમ લગભગ સર્વ પ્રાદેશિક સાહિત્યોમાં ગદ્યમાં વ્યાકરણ અને કોશ જેવું ભાષાકીય સાહિત્ય, બાલસાહિત્ય, કેળવણી માટેનું પાઠ્યસાહિત્ય, મહિલા-ઉત્કર્ષનું સાહિત્ય, લલિતેતર સાહિત્ય; કથાસાહિત્ય, નાટ્યસાહિત્ય, વિવેચન, સંશોધન વગેરેનું સાહિત્ય; અનુવાદ તેમજ સંપાદનનું તથા પત્રકારત્વનું સાહિત્ય – આ સર્વમાં વિદેશી ભાષા-સાહિત્યનાં અને તેમાંયે ખાસ તો અંગ્રેજી ભાષા-સાહિત્યનાં સંપર્ક-સહાય સારાં એવાં ઉપકારક થયાં છે. સાહિત્યમાં મનુષ્ય કેન્દ્રસ્થાને આવતાં લૌકિક જીવનના – વાસ્તવિક જીવનનાં સંદર્ભો–ક્ષેત્રોનો વિસ્તાર થયો. પ્રકૃતિ કેવળ ઉદ્દીપનવિભાવ ન રહેતાં આલંબન વિભાવ રૂપે – કવનવિષય રૂપેય સાહિત્યમાં મહત્વની બની. વ્યક્તિગત અને સમષ્ટિગત જાતભાતની સમસ્યાઓની રજૂઆતમાં અને એમના નિરાકરણમાં સાહિત્યકાર સક્રિય રીતે સંડોવાતો ગયો. આ અર્વાચીન યુગના પ્રારંભિક તબક્કે મંડળીઓ મળવાથી થતા લાભમાં લગભગ બધાં પ્રાદેશિક સાહિત્યોમાં અનેક સર્જકો–ભાવકો હિસ્સેદાર થતા જણાય છે. ગુજરાતીમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, લિટરરી સોસાયટી અને અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા; બંગાળમાં વર્નાક્યુલર લિટરેચર કમિટી અને તત્વબોધિની સભા; કન્નડમાં વિદ્યાવર્ધક સંઘ; મૈથિલીમાં મૈથિલી વિદ્વજ્જન સમિતિ જેવી વિવિધ સમિતિઓ–સભાઓની કામગીરીએ પુનરુત્થાન માટેના સાહિત્ય માટે જરૂરી વાયુમંડળ રચ્યું. સાહિત્યકાર એની આસપાસ જે કંઈ ચાલતું હતું તે પ્રત્યે, તેના દેશકાળની પ્રવર્તમાન પરિસ્થિતિ પ્રત્યે સભાન અને સચિંત થયો. એ વાસ્તવદર્શી બન્યો. એ રીતે લેખકના પોતાના અને પોતાની આસપાસના સમાજની વેદનાઓ અને સમસ્યાઓ તેના ચિંતન-લેખનને પ્રેરનાર બળ બન્યાં. કેવળ ભૂતકાળમાં, પૌરાણિક પાત્રો ને પ્રસંગોની દુનિયા એના માટે હવે પૂરતી ન રહી. તેની ર્દષ્ટિ સામે એવા સંસાર-પટનો ઉઘાડ થયો, જેનાં પાત્રો-પ્રસંગો વગેરેએ કવિતા ઉપરાંત કથા, નાટક, નિબંધ આદિ સાહિત્યના વિવિધ પ્રકારો પ્રતિ – ગદ્ય પ્રતિ તેને પ્રેર્યો. અર્વાચીન યુગના આરંભે ગદ્યની સબળ રીતે પ્રતિષ્ઠા થઈ. મુદ્રણયંત્રોના પ્રતાપે સાહિત્ય હવે શ્રવણ ઉપરાંત વ્યક્તિગત રીતે વાચનનોયે વિષય બન્યું. તેથી ગદ્યને વિસ્તરવા–વિકસવા માટે ઘણી અનુકૂળતા પ્રાપ્ત થઈ. બધાં સાહિત્યોમાં અર્વાચીન યુગ કેટલીક રીતે ‘ગદ્યયુગ’ની સંજ્ઞાને પાત્ર ઠરે એવી ગદ્યક્ષેત્રની અનેકાનેક ઉપલબ્ધિઓ દાખવે છે.

આ અર્વાચીન યુગના પ્રારંભથી તે સ્વાતંત્ર્યયુગનો 1947માં પ્રારંભ થયો ત્યાં સુધીની સમયાવધિના સામાન્ય રીતે ચાર તબક્કાઓ પાડવામાં આવે છે : 1. પુનર્જાગૃતિનો – પુનરુત્થાનનો – ‘રેનેસાં’નો તબક્કો; 2. સાંસ્કૃતિક અસ્મિતા ને રાષ્ટ્રીયતાની ભાવનાના ઉત્કર્ષનો તબક્કો; 3. રંગદર્શી સૌન્દર્યભાવનાના પ્રભાવનો તબક્કો અને 4. સામાજિક પ્રતિબદ્ધતા સાથેનો – સમાજવાદી-સામ્યવાદી-માર્કસવાદી-સર્વોદયવાદી વિચારધારાઓના પ્રસાર-પ્રચારનો તબક્કો.

તમિળ સાહિત્યમાં પુનર્જાગૃતિના અગ્રેસર કવિ હતા રામલિંગ સ્વામીગલ. તેમણે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનની તથા સર્વ ધર્મોની એકતાની હિમાયત કરતી કવિતા આપી. સુબ્રહ્મણ્ય ભારતીએ પણ એમની કવિતા દ્વારા રાષ્ટ્રીય ક્રાન્તિનો સમર્થ રીતે પુરસ્કાર કર્યો. ચિદમ્બરમ્ પિલ્લૈ અને બી. બી. એસ. અય્યરે પણ રાષ્ટ્રીય યજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું. આમ તો તમિળ સાહિત્યકાર પરંપરાનિષ્ઠ સંસ્કારધારાને સમર્થિત કરતો સાહિત્યિક અભિગમ ધરાવે છે; તેમ છતાં તેણે દેશકાળાનુસાર સામ્યવાદી વિચારધારાનેય ઝીલી તેનું તારસ્વરે ગાન કર્યું છે. એવું ગાન કરનારાઓમાં ભારતીદાસન્ જેવાનું નામ પહેલું દેવું પડે. તેલુગુમાં પુનર્જાગૃતિના આંદોલનના અગ્રેસર હતા વીરેશલિંગમ્. તેમના વૈવિધ્યસભર વિપુલ સાહિત્યનું પ્રેરક બળ જ પુનર્જાગૃતિની ભાવના હતું. ગુર્જાડ અપ્પારાવે એમના જ કાર્યને આગળ ધપાવ્યું. એ પછી તો વીસમી સદીના પહેલા ચરણમાં રાયપ્રોલુ સુબ્બારાવ આદિએ સાહિત્યમાં રંગદર્શી સૌન્દર્ય-ભાવનાની તરફદારી કરી. આ જ સદીના ચોથા–પાંચમા દાયકામાં શ્રીરંગમ્ શ્રીનિવાસ રાવ, દાશરથિ વગેરેએ સામાજિક ચેતનાથી પ્રેરિત સમાનતાની ભાવનાનો મહિમા કર્યો. કા. શ્રી શ્રી આદિ સાહિત્યકારોએ આ ભાવના-પરંપરાના અનુસંધાનમાં આગળ વધીને ભાવિ પેઢી માટે જરૂરી ભૂમિકા રચી આપી. કન્નડમાં 1890માં સ્થપાયેલા કર્ણાટક વિદ્યાવર્ધક સંઘ દ્વારા અર્વાચીન યુગચેતનાનો ઉદય-વિકાસ થયો. અંગ્રેજી કેળવણી પામેલા સાહિત્યિક વર્ગે અંગ્રેજીમાંથી તેમજ સંસ્કૃતમાંથી પણ અનુવાદ કરવાનું કામ ઉપાડ્યું. અંગ્રેજી કેળવણીએ ભારતીય સર્જકને એની સાહિત્યિક અને સાંસ્કૃતિક ભૂમિકાને નવી ર્દષ્ટિએ, નવા પરિવેશમાં જોવા–મૂલવવા ઉત્તેજિત કર્યો. એ રીતે રાષ્ટ્રીય ચેતનાના સંદર્ભમાં આત્મચેતનાને સંકોરવાના પ્રયાસો શરૂ થયા. એમાં ગાંધીજીના આગમને નવી હવા, નવી ભૂમિકાનું સર્જન કર્યું; જેનો પ્રભાવ વ્યાપક રીતે અનેક સાહિત્યકારોએ અનુભવ્યો અને એમના સાહિત્યમાં અભિવ્યક્ત કર્યો. ગાંધીજીના અસહકારના આંદોલનથી રાષ્ટ્ર-જાગૃતિનો જે એક તબક્કો આરંભાયો તેમાં શ્રીકંઠૈયા, ગોવિંદ પૈ, બેન્દ્રે, શંકર ભટ્ટ વગેરેની કલમે નવો પ્રાણ પૂરવાનું કામ કર્યું. આ ગાળામાં રવીન્દ્રનાથની સૌન્દર્યલક્ષી કવિતાનો પ્રભાવ ઝીલી પુટ્ટપ્પા, ગોકાક વગેરેએ રંગદર્શી કવિતા આપી. વળી માર્કસવાદી વિચારધારાના પ્રભાવે અ. ન. કૃષ્ણરાવ, કારંથ તથા નિરંજન આદિ કવિઓ શોષિત–પીડિતની વેદનાઓનું ગાન કવિતામાં કરવા લાગ્યા. એ પછી ગોપાલકૃષ્ણ અડિગે ‘નવ્ય કાવ્ય’માં અને નરસિંહ સ્વામીએ ‘નવીન કાવ્ય’માં જીવન તેમજ સાહિત્યમાં આધુનિક અને અત્યાધુનિક મૂલ્યોની તરફદારી કરતાં પરંપરાપ્રાપ્ત કાવ્યધારાને ઓર વિકસાવી. મલયાળમમાં પણ ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ પૂરો થતા સુધીમાં અંગ્રેજી કેળવણીનો પ્રભાવ સાહિત્યમાં સ્પષ્ટ વરતાવા લાગ્યો. પાઠ્યપુસ્તકોની માગ ઊભી થતાં જેમ અન્યત્ર, તેમ અહીં પણ અંગ્રેજી–સંસ્કૃતના અનેક પ્રશિષ્ટ ગ્રંથોનો અનુવાદ કરવાનું કાર્ય ચાલ્યું. કેરળવર્મા, વેનમણિ, રાજરાજવર્મા વગેરે કેરળના પુનર્જાગૃતિના તબક્કાના આગેવાન સાહિત્યકારો હતા. કેરળમાં પણ રાષ્ટ્રીય ભાવનાનું વિકાસગાન મહાકવિ વલ્લથોળની પાછળની રચનાઓમાં પ્રાપ્ત થાય છે. વલ્લથોળે રાષ્ટ્રીય ગૌરવના એકેએક મુદ્દાને કાવ્યમાં સ્થાન આપ્યું. તેમણે આર્થિક અને સામાજિક વિષમતા પ્રત્યે પણ પોતાનો આક્રોશ અભિવ્યક્ત કર્યો. વલ્લથોળ પછી રંગદર્શી કવિતાની ધારા મલયાળમમાં પ્રબળ બની. તેમાં શંકર કુરુપ્પ તેમજ ચ. કૃષ્ણપિળ્ળૈ જેવાઓનો ફાળો મહત્વનો હતો. આ મલયાળમમાં 1936 પછી ડાબેરી વિચારધારાએ પ્રભાવિત કવિતાનો નવો વળાંક ર્દષ્ટિગોચર થાય છે. એમાં ‘જીવિત સાહિત્યમ્’ તેમજ તેનું નામાંતર થતાં ‘પુરોગમન સાહિત્ય’ તરીકે ઓળખાતી સંસ્થાએ મહત્વનો ભાગ ભજવ્યો. એ સંસ્થાને એ. બાલકૃષ્ણ પિળ્ળૈ, એમ. પી. પાલ અને જૉસેફ મુંડાશેરિ જેવા વિવેચકોનું પ્રોત્સાહન સાંપડ્યું હતું. પ્રગતિશીલ કવિઓમાં એન. વી. કૃષ્ણવારિયર, અક્કિતમ્, વયલાર રામવર્મા, ઓલપ્પમન્ન, ઓ. એન. વી. કુરુપ્પ, પી. ભાસ્કરન્, અનુજન વગેરેનો સમાવેશ થાય છે. આવા સામાજિક પ્રતિબદ્ધતાવાળા લેખકો સામે વિરોધ દર્શાવતાં માધવન્ કે. ચેરિયન વગેરેએ સાહિત્ય-કળાની સ્વાયત્તતાની જિકર કરી.

મરાઠી સાહિત્યમાં પણ અર્વાચીન યુગનો પ્રારંભ ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં થાય છે. તેમાં એલ્ફિન્સ્ટન અને માલકમની કેળવણીની ઉદાર નીતિ; ખ્રિસ્તીઓનો ધર્મપ્રચાર; બાલશાસ્ત્રી જમેકર, કૃષ્ણશાસ્ત્રી ચિપલૂણકર વગેરેનાં પત્રોનું પ્રકાશન; લોકમાન્ય ટિળક, ન્યાયમૂર્તિ રાનડે તથા ગોપાલકૃષ્ણ ગોખલે જેવા વિચારકોનો પ્રભાવ – આવાં આવાં અનેક પરિબળો કારણભૂત હતાં. સંસ્કૃતના કાલિદાસ, ભવભૂતિ, શૂદ્રક આદિના તેમજ અંગ્રેજીના મિલ્ટન, ગ્રે, વર્ડ્ઝવર્થ વગેરેના મરાઠીમાં અનુવાદો થતાં તેમની દૂરગામી અસર મરાઠી સાહિત્ય અને ભાષાશૈલી પર થઈ. મહાજની, કીર્તિકર, કુંતે જેવા કવિઓએ મરાઠી કાવ્યને નવી દિશા ચીંધી. કેશવસુતની ‘તુતારી’ અને કુંતેની ‘રાજા શિવાજી’ જેવી કાવ્યરચનાઓમાં, ગોવિંદાગ્રજ અને સાવરકર જેવા ક્રાંતિકારી નેતાઓના પોવાડાઓમાં રાષ્ટ્રભક્તિનો ભાવનાપ્રભાવ પ્રગટ થાય છે. મરાઠીમાં રંગદર્શી કવિતાના વહેણમાં કેશવસુત ઉપરાંત બી. બાલકવિ વગેરેનો ફાળો ઉલ્લેખનીય છે. શરત, મુક્તિબોધ અને વિંદા કરંદીકર જેવા સાહિત્યકારોનાં લખાણોમાં સામ્યવાદી વિચારસરણીનો પ્રભાવ વરતાય છે. વળી બૌદ્ધિકતાનો પ્રભાવ દાખવતી પ્રયોગશીલ મરાઠી કવિતામાં મર્ઢેકર અને તે પછી પેંડસે, પુ. શિ. રેગે વગેરેનો પુરુષાર્થ પ્રશસ્ય રહ્યો છે. ગુજરાતીમાં અર્વાચીન યુગ 1845માં ‘બાપાની પીંપર’થી આરંભાય છે. આ યુગ સુધારાયુગના નામે 1885 સુધી ચાલે છે. તેમાં દલપત, નર્મદ જેવા કવિઓ અને નવલરામ પંડ્યા જેવા વિવેચકનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. એ પછી 1885થી 1920 સુધીના સાક્ષરયુગમાં ગોવર્ધનરામ, નરસિંહરાવ, મણિલાલ ન. દ્વિવેદી, આનંદશંકર ધ્રુવ, કાન્ત, કલાપી, ન્હાનાલાલ, બલવંતરાય ક. ઠાકોર, ખબરદાર આદિ અનેક સમર્થ સાહિત્યકારો ને વિદ્વાનોએ ગુજરાતી સાહિત્યનાં કાવ્ય, નાટક, નિબંધ, વિવેચન-ચિંતન આદિ અનેક ક્ષેત્રોને સમૃદ્ધિ બક્ષી. 1920 પછી ગાંધીજીના પ્રભાવે રાષ્ટ્રીય સાહિત્યનું હવામાન જામ્યું. તેમાં ગાંધીજી ઉપરાંત કાકાસાહેબ કાલેલકર, ઝવેરચંદ મેઘાણી, સુન્દરમ્, ઉમાશંકર, રા. વિ. પાઠક આદિનો ફાળો મહત્ત્વનો છે. ક્ધૌયાલાલ મુનશીએ રંગદર્શી શૈલીમાં ગુજરાતી કથાસાહિત્યને આગળ બઢાવ્યું; જેમાં પછી ધૂમકેતુ, ર. વ. દેસાઈનો ફાળો મહત્ત્વનો રહ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પછીના ગુજરાતી સાહિત્યના વિકાસમાં ઉમાશંકર આદિ ઉપરાંત પન્નાલાલ પટેલ, દર્શક, જયંતિ દલાલ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, સુરેશ જોષી, ગુલાબદાસ બ્રોકર, ઉશનસ્, જયંત પાઠક વગેરેનાં નામ-કામ ઉલ્લેખનીય છે. સ્વાતંત્ર્યોત્તર સાહિત્યમાં આ ઉપરાંત પણ નવતર પ્રયોગો કરનારા કેટલાક સમર્થ સર્જકોમાં ધીરુબહેન પટેલ, હરીન્દ્ર દવે, રઘુવીર ચૌધરી, મધુ રાય, પ્રિયકાન્ત મણિયાર, રાવજી પટેલ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ર્ચંદ્ર, ચંદ્રકાન્ત શેઠ, રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, વગેરેની કલાકીય કામગીરી પ્રશસ્ય રહી છે.

ભારતીય ભાષાઓમાં કલાસમૃદ્ધિની ર્દષ્ટિએ સર્વોચ્ચ સ્થાન બંગાળી સાહિત્યનું છે. ઓગણીસમી સદીમાં રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, દેવેન્દ્રનાથ ઠાકુર જેવા સંસ્કારનેતાઓના પ્રભાવે તથા ઈશ્વર ગુપ્ત, માઇકલ મધુસૂદન દત્ત તથા બંકિમચંદ્ર જેવા સમર્થ સાહિત્યકારોની કલમે બંગાળી સાહિત્યમાં અર્વાચીન યુગની પ્રતિષ્ઠા થઈ. બંગાળી સાહિત્યમાં અર્વાચીનતાના પ્રભાવ-પ્રવર્તનમાં સવિશેષ બળ અને વેગ જોવા મળે છે. બંગાળીમાં કવિવર રવીન્દ્રનાથ ઠાકુરના આગમને જે અસરો થઈ તે બંગાળ પૂરતી સીમિત ન રહેતાં

રવીન્દ્રનાથ ટાગોર

અન્ય પ્રાદેશિક ભાષાસાહિત્યો સુધી પણ વિસ્તરી. રવીન્દ્રનાથની કવિતામાં રંગદર્શી રહસ્યવાદી કાવ્યધારા સાથે જ ભારતીયતાનાં મૂલ્ય-રંગોવાળી રાષ્ટ્રીય–સાંસ્કૃતિક કાવ્યધારા પણ જોવા મળે છે. આ બે કાવ્યધારાઓ સમન્વિત રૂપે પણ જોવા મળે છે. કાવ્યેતર વાઙ્મય-પ્રકારોમાં પણ તેનાં પ્રભાવ-પ્રવર્તન જોઈ શકાય છે. ‘ગીતાંજલિ’ ને ‘ગોરા’ જેવી તેમની કૃતિઓને અનેક પ્રાદેશિક ભાષાઓમાં અવતરવાની તક મળી છે. આ રવીન્દ્રનાથની જેમ શરતચંદ્ર પણ બંગાળી હોવા સાથે જ વિશેષભાવે ભારતીય લેખક ન લાગે તો જ નવાઈ ! ભારતની અનેક ભાષાઓમાં તેમનાં પાત્ર–કથાનકોનો પ્રવેશ-પ્રસાર થયેલો જોઈ શકાય છે. એ રીતે સંસ્કૃત–અંગ્રેજીને બાજુએ રાખતાં; સંભવત: અન્ય પ્રાદેશિક સાહિત્યોમાં અનુવાદ દ્વારા સૌથી વધુ સંખ્યામાં જનારા સાહિત્યકારો બંગાળના હશે એમ જણાય છે. ગુજરાતી પૂરતું તો આ હકીકત છે. બંગાળી સાહિત્યમાં રવીન્દ્રનાથ, જીવનાનંદ દાસ અને શરતચંદ્રનો વિરોધ કરતા બૌદ્ધિકોના ડાબેરી વર્ગના બુદ્ધદેવ બસુ જેવા કેટલાક સર્જકો પણ આવ્યા. સામ્યવાદી વિચારધારાથી પ્રભાવિત સુભાષ મુખોપાધ્યાય અને માણિક્ય બંદ્યોપાધ્યાય પણ ઉલ્લેખનીય છે. વળી બંગાળીમાં પ્રયોગશીલ કવિતાનું ક્ષેત્ર પણ ઘણું સમૃદ્ધ છે ને તેમાં વિષ્ણુ દે જેવા અનેક કવિઓ મળે છે. કથાક્ષેત્રે તારાશંકર, વિભૂતિભૂષણથી માંડી આશાપૂર્ણાદેવી અને મહાશ્વેતાદેવી જેવી અનેક સમર્થ પ્રતિભાઓ મળી છે. એથી બંગાળી સાહિત્ય ગુણવત્તા તેમજ ઇયત્તા બંને ર્દષ્ટિએ ભારતીય સાહિત્યમાં સર્વોપરી હોવાનું પ્રતીત થાય છે.

અસમિયા અને ઊડિયા ભાષા-સાહિત્યની ગતિવિધિ પણ બંગાળી ભાષા-સાહિત્યની ગતિવિધિને મળતી આવતી જણાય છે. અસમિયામાં રાષ્ટ્રીય જાગૃતિમાં આનંદરામ ફુકન અગ્રેસર હતા. તેમની સાથે કમલાકાન્ત ભટ્ટાચાર્ય, હેમચંદ્ર બરુવાનાં નામ પણ નિર્દેશપાત્ર છે. આસામમાં અર્વાચીન યુગના બીજા તબક્કામાં ચંદ્રકુમાર અગ્રવાલ, લક્ષ્મીનાથ બેજબરુવા અને હેમચંદ્ર ગોસ્વામી અગ્રેસર લેખકો હતા. એમણે રાષ્ટ્રીય ભાવનાના ઉત્કર્ષનું સાહિત્ય આપવા સાથે રંગદર્શી સાહિત્યિક શૈલીનોયે પ્રભાવ દાખવ્યો. તેમના રંગદર્શી વલણનું સાતત્ય હિતેશ્વર બરબરુવા, યતીંદ્રનાથ દુબરા અને દેવકાન્ત બરુવા જેવા સર્જકોમાં જોવા મળે છે. 1942 પછી અસમિયા સાહિત્યકારો સમાજવાદી વિચારધારા પ્રતિ ઝોક બતાવે છે. એ પછી એલિયટ આદિનો પ્રભાવ દાખવતી નવી કવિતા પણ અસમિયામાં પ્રતિષ્ઠિત થાય છે.

ઊડિયામાં અર્વાચીન યુગની ઉષાના વૈતાલિકો તરીકે ફકીરમોહન સેનાપતિ, રાધાનાથ તેમજ મધુસૂદન સ્મરણીય છે. આ સર્જકોએ જે રાષ્ટ્રભાવના જગાવી તેનો ઉત્કર્ષ ‘સત્યવાદી દલ’ના અગ્રણી ગોપબંધુ દાસ અને તેમના સહયોગી કવિલેખકોમાં મળે છે. આ ‘સત્યવાદી દલ’ના નીતિચુસ્ત આગ્રહોનો પ્રતિકાર કરતો સબુજા વર્ગ ઊડિયા સાહિત્યક્ષેત્રે ઊભો થયો. તેણે રવીન્દ્રનાથમાંથી પ્રેરણા ગ્રહણ કરીને રંગદર્શી કાવ્યરચનાઓ આપી. આ વર્ગના પ્રતિનિધિઓ તરીકે વૈકુંઠ પટ્ટનાયક તેમજ કાલિંદીચરણ પાણિગ્રહીનાં નામ ઉલ્લેખનીય છે. આ પછી સમાજવાદી –સામ્યવાદી વિચારધારાની અસર હેઠળ ઊડિયા સાહિત્ય આવ્યું. એ પછી ટી. એસ. એલિયટ જેવા પાશ્ચાત્ય કવિઓની અસર નીચે ઊડિયા સાહિત્યે આધુનિકતાનો સંકેત કરતી કલ્પન–પ્રતીકની નૂતન સૃષ્ટિ સાથે કામ પાડ્યું.

આ જ પરિપાટીએ પંજાબી, ઉર્દૂ તેમજ હિન્દીમાં પણ અર્વાચીન યુગનો – પુનર્જાગૃતિનો આરંભ ઓગણીસમી સદીના પૂર્વાર્ધ બાદ થાય છે. પંજાબીમાં સર અત્તરસિંહ, ઉર્દૂમાં સર સૈયદ અહમદખાન અને હિન્દીમાં ભારતેન્દુ હરિશ્ચંદ્ર અને શિવપ્રસાદ સિતારે–હિન્દ જેવા મહાનુભાવો આ નૂતન પ્રસ્થાનના અગ્રેસરો થયા. આ ભાષાઓમાં પણ મિશનરીઓએ પ્રારંભિક તબક્કે મહત્વનો ફાળો આપ્યો જણાય છે. તેમના પ્રતાપે પંજાબીમાં 1852માં બાઇબલનો અનુવાદ અને 1854માં પંજાબી ભાષાનો શબ્દકોશ પ્રગટ થયેલા. ઉર્દૂમાં હાલી અર્વાચીન યુગના અગ્રદૂત બને છે. ઉર્દૂ ગદ્યના જન્મમાં સર સૈયદનું પ્રદાન ગણનાપાત્ર રહ્યું જણાય છે. હિન્દીમાં ભારતેન્દુએ પરંપરાગત કાવ્યસ્વરૂપોમાં અર્વાચીન દેશકાલાનુસાર પરિવર્તનો દર્શાવતાં અનેક નવાં રૂપો હિન્દી સાહિત્યમાં પ્રચલિત કર્યાં. વળી રાષ્ટ્રીય ચેતનાના સમુદાયે પંજાબીમાં ગુરુમુખસિંહ મુસાફિર, હીરાસિંહ દર્દ જેવા કવિઓમાં તો ઉર્દૂમાં ઇકબાલ તેમજ ચકબસ્ત તથા અકબર અને હિન્દીમાં રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્ત, માખનલાલ ચતુર્વેદી વગેરેમાં રાષ્ટ્રીય અસ્મિતાની ભાવનાનો રંગ ઊતરેલો દેખાય છે. એ પછીના નવા તબક્કામાં પંજાબીમાં વીરસિંહ અને પૂરણસિંહ; ઉર્દૂમાં અખ્તર શીરાની અને મજાજ, હિન્દીમાં પ્રસાદ, નિરાલા, સુમિત્રાનંદન પંત તેમજ મહાદેવી વર્મા વગેરેએ રંગદર્શી અભિગમથી નવી જ સાહિત્યિક આબોહવાનો સૌને અનુભવ કરાવ્યો. એ પછી સમાજવાદી–માર્કસવાદી–સામ્યવાદી વિચારપ્રભાવે આ ભાષાઓમાં સર્જન–વિવેચનમાં નવા વળાંકો આવતા જણાય છે. પંજાબીમાં અમૃતા પ્રીતમ, કર્તારસિંહ દુગ્ગલ તો ઉર્દૂમાં જોશ મલીહાબાદી, ફિરાક ગોરખપુરી, અલી સરદાર જાફરી અને હિન્દીમાં સુમિત્રાનંદન પંત, નરેન્દ્ર, અંચલ, સુમન, નાગાર્જુન વગેરેની અનેક રચનાઓ એ વળાંકોના ઉદાહરણરૂપે ધ્યાનપાત્ર છે. એ પછીના નૂતનતમ સાહિત્યિક પ્રવાહમાં પ્રયોગવાદી વલણો જોર પકડે છે. કલાકીય સ્વાયત્તતાનો મહિમા વધવા સાથે સાથે બૌદ્ધિક ભૂમિકાનો પ્રભાવ પણ વધતો જાય છે. આ નવાં વલણોમાં પંજાબીમાં પ્રીતમસિંહ પીર, આદિનો, ઉર્દૂમાં ફૈજ, નૂન વગેરેનો અને હિન્દીમાં અજ્ઞેય આદિનો ફાળો નોંધપાત્ર છે.

ભારતીય સાહિત્યનો આ રીતે ક્રમિક વિકાસ જોતાં તુરત પ્રતીત થાય છે કે ધાર્મિક, આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યવત્તા ધરાવનારાં રામાયણ, મહાભારત, પુરાણો વગેરે અનેક પ્રાદેશિક સાહિત્યોની ગંગોત્રી બન્યાં છે. દીવાથી દીવો થાય એ ન્યાયે સંસ્કૃત રામાયણ-મહાભારતાદિના સ્રોતોએ પ્રાદેશિક ભાષાઓમાં એમની સમાંતર કોટિનાં મહાકાવ્યો રચાય એ માટે પ્રેરણા તેમજ માર્ગદર્શન બંનેય પૂરાં પાડ્યાં છે. સંતવાણીએ બધાં પ્રાદેશિક સાહિત્યોમાં પદ-ભજનના પ્રવાહોને જીવતા ને વિકસતા રાખવા સાથે લોકવાણીનો બળપ્રભાવ પ્રતીત કરાવવામાં સર્જનાત્મક રીતે સહાય કરી છે. વળી ભારતીય નારીની, ભારતીય સંસ્કારિતાની વાસ્તવિક ને ભાવનાપૂર્ણ છબિ ખડી કરવામાં ને જાળવી રાખવામાં આ બધાં સાહિત્યોએ પોતપોતાની રીતે મહત્વનો ભાગ ભજવ્યો છે.

અર્વાચીન યુગના, પાશ્ચાત્ય સંસ્કાર-સંસ્કૃતિના અને અંગ્રેજી ભાષા-સાહિત્ય અને શિક્ષણના આગમન સાથે બધી જ પ્રાદેશિક ભાષાઓમાં પુનર્જાગૃતિનું મોજું ફરી વળ્યું અને ગદ્યપક્ષે અનેક નવાં પ્રસ્થાનો આરંભાયાં. સંપાદન, અનુવાદ, સંશોધન, વિવેચન વગેરેનાં ક્ષેત્રોનો અનેકધા વિકાસ-વિસ્તાર થતો ગયો. અંગ્રેજી ભાષા-સાહિત્યના સંપર્કયોગે વીરકાવ્ય, કરુણપ્રશસ્તિ, સૉનેટ, લિરિક અને પાછળથી જાપાની તાન્કા–હાઇકુ જેવા પદ્યપ્રકારો તો ટૂંકી વાર્તા, એકાંકી, નવલકથા, નિબંધ, જીવનચરિત્ર અને આત્મચરિત્ર, પ્રવાસ, રોજનીશી અને પત્ર જેવા ગદ્યપ્રકારોનો વિકાસ થયો. બ્લૅન્ક વર્સ, ફ્રી-વર્સ (મુક્ત પદ્ય) અને પદ્યમુક્તિના – અછાંદસના – અનેક પ્રયોગોમાં પાશ્ચાત્ય સાહિત્યનો પ્રભાવ કારણભૂત હોવાનું જણાય છે. મધ્યકાલીન ભારતીય સાહિત્ય જો સંસ્કૃતની તો અર્વાચીન ભારતીય સાહિત્ય અંગ્રેજીની છત્રછાયામાં વિકસ્યું છે એમ કહી શકાય અને છતાં એ વિકાસમાં ભારતીયતાનો સાંસ્કૃતિક સંદર્ભ અખંડ રીતે અનુસ્યૂત હોવાનું – જળવાઈ રહ્યો હોવાનું – પ્રતીત થાય છે.

સમગ્ર ભારતમાં અંગ્રેજી શાસને જે ઘટનાઓ ઘટી; જે ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક, આર્થિક, રાજકીય આંદોલનો – પરિવર્તનો વગેરેનો સિલસિલો ચાલ્યો તેની અસર સમગ્ર રાષ્ટ્રમાં વરતાય છે. ગુજરાતમાં ‘સરસ્વતીચંદ્ર’ રચાય છે તો બંગાળમાં ‘ગોરા’. ગુજરાતીમાં નર્મદ તો હિન્દીમાં ભારતેન્દુની કામગીરી સમાંતરે ચાલે છે. લાલા લજપતરાય, ટિળક, ગોખલે, ગાંધીજી, સુભાષચંદ્ર, જવાહરલાલ, સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય સ્તરના નેતાઓનો પ્રભાવ કોઈ એક રાજ્ય કે ભાષા-સાહિત્ય પૂરતો સીમિત ન રહેતાં આસેતુહિમાલય ફેલાયેલો જણાય છે. આની સમાંતરે રામકૃષ્ણ, વિવેકાનંદ, શ્રી અરવિંદ જેવા ધર્મપુરુષોનો તો ગાલિબ, રવીન્દ્રનાથ, શરતચંદ્ર જેવા મોટા ગજાના સાહિત્યસ્વામીઓનો કલાપ્રભાવ પણ અનેક પ્રદેશોમાં અનેક સાહિત્યકારોએ અનુભવ્યો છે. આ બધાં સમાન પરિબળોને કારણે સુધારાયુગ, રાષ્ટ્રીય અસ્મિતાનો યુગ – ગાંધી યુગ–સ્વાતંત્ર્યયુગ અને સ્વાતંત્ર્યોત્તર યુગ જેવા યુગો સર્વ પ્રાદેશિક સાહિત્યમાં સમાંતરે ઉદભવ્યા ને વિકસ્યાનાં ઉદાહરણો મળે એ સ્વાભાવિક છે. ગાંધીજી જેવા યુગપુરુષનો પ્રભાવ ભારતીય જીવનનાં અનેક પાસાં પર અનેક રીતે પડ્યો છે. વળી સમાજવાદ, માર્કસવાદ, આંતરરાષ્ટ્રીયતાવાદ જેવી વિશ્વવ્યાપી બાબતોનો સ્પર્શ ભારતને ન થાય એવું તો ન જ બને. ભારતીય સાહિત્યના અનેક અગ્રેસર વિચારકો–સર્જકો–વિવેચકોએ આ બધી બાબતોનો સંચાર એમના રોજબરોજના જીવનમાં જ નહિ, એમના વિચારજગત અને સાહિત્યજગતમાંયે અનુભવ્યો ને અભિવ્યક્ત કર્યો. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધે યુદ્ધખોરી ઉપરાંત શોષણખોરી, સંઘરાખોરી વગેરેનાંયે વરવાં રૂપો પ્રગટ કર્યાં; જેની સમાજ અને સાહિત્ય પર દૂરગામી અસર થઈ. આદિવાસી અને પછાત કોમોના, દીનદલિત ને પીડિતના અવાજને તારસ્વરે રજૂ કરવા મથતું સાહિત્ય ઉર્દૂ, હિન્દી, મરાઠી, બંગાળી, ગુજરાતી વગેરે અનેક ભાષાઓમાં સર્જાવા લાગ્યું. સાહિત્યમાં લોકાભિમુખ અભિગમ પ્રતિષ્ઠિત થતાં લોકજીવનને લોકવાણીમાં, બોલીમાં રજૂ કરતા સાહિત્યનું ગૌરવ થયું. સાહિત્યનું વિષયક્ષેત્ર ઘણું વિશાળ અને વૈવિધ્યસભર થયું. શિષ્ટ સાહિત્યનો લોકસાહિત્ય સાથેનો અને સાહિત્યકારનો આમજનતા (mass) સાથેનો સંબંધ વધુ ગાઢ ને ફળદાયી થયો. બધાં પ્રાદેશિક સાહિત્યોમાં આ વલણે વિષયવસ્તુ પ્રત્યેના ર્દષ્ટિકોણ–અભિગમ અને રજૂઆત-રીતિમાં નવાં પરિમાણો નિપજાવ્યાં. સાહિત્યિક ભાષાનો પણ સર્વતોમુખી વિકાસ-વિસ્તાર સધાતો ચાલ્યો. સદભાગ્યે, ભારતીય સાહિત્યોમાંથી વાલ્મી –કિવ્યાસ કે ભાસ–કાલિદાસ–ભવભૂતિ વગેરેની ઉપસ્થિતિ તો રહી અને તેમની સાથે ફ્રૉઇડ ને માર્કસ; શેક્સપિયર, ઇબ્સન ને શૉ; ચેખૉવ ને માપાસાં; તૉલ્સ્તૉય, દૉસ્તોયેવસ્કી, એલૅક્ઝાન્ડર ડ્યૂમા ને એમિલ ઝોલા; હેમિંગ્વે ને જેમ્સ જૉઇસ; સાર્ત્ર અને આલ્બેર કામુ; બૅકેટ અને પિરાન્દેલો; રિલ્કે, બોદલેર, એઝરા પાઉન્ડ અને ટી. એસ. એલિયટ જેવી અનેક વૈશ્વિક વિચારક–ચિંતક તેમજ સર્જક-પ્રતિભાઓને ભારતનાં પ્રાદેશિક સાહિત્યોમાં આદરપૂર્વક સ્થાન મળ્યું. આધુનિક ભારતીય સાહિત્યનો વીસમી સદીનો ઉત્તરાર્ધ રોમૅન્ટિસિઝમ અને ક્લાસિસિઝમ, રિયાલિઝમ અને નૅચરાલિઝમ જેવા વાદો ઉપરાંત સરરિયાલિઝમ અને એક્ઝિસ્ટન્શ્યાલિઝમ; સ્ટ્રીમ ઑવ્ કૉન્શ્યસનેસ તથા ઍબ્સર્ડિટી વગેરેના રંગો પણ દાખવે છે. સાહિત્યમાં અસંપ્રજ્ઞાત અને અર્ધસંપ્રજ્ઞાત ચિત્તની અવનવી સંચાર-લીલાઓનું ચિત્રણ થતું જાય છે. આ તબક્કામાં સાહિત્યકારનું મનોવલણ બહિર્મુખતાના મુકાબલે અંતર્મુખતાનો પક્ષ કરનારું જણાય છે; સમષ્ટિલક્ષિતાને મુકાબલે વ્યક્તિલક્ષિતાનો ઝોક કેટલાક દાખવે છે તો કેટલાક હવે સમષ્ટિલક્ષી-આમજનતાલક્ષી તાસીર ભાષા-સાહિત્યની રહે એ માટે પ્રતિબદ્ધતા દાખવતા પણ થયા છે.

વળી ભારતીય સાહિત્ય રાષ્ટ્રીય એકતાના એક સબળ પ્રતીકરૂપે પોતાનું તેજ દાખવી રહ્યું છે; અનેકતામાં એકતાના સત્યનો તે સતત સાક્ષાત્કાર કરાવતું રહ્યું છે. આમ તો એક જ ભારતીય સાહિત્ય જુદી જુદી ભારતીય ભાષા-બોલીમાં રજૂ થાય છે એમ પણ કહેવાયું છે. સદભાગ્યે, હાલ, અનુવાદ આદિ પ્રવૃત્તિઓને કારણે પ્રાદેશિક ભાષા-સાહિત્યો વચ્ચેના આદાન-પ્રદાનની માત્રા વધતી રહી છે, અને તેથી પ્રાદેશિક સાહિત્યોમાં રહેલ મૂળભૂત ભારતીયતાનું દર્શન કરવાની અનુકૂળતાયે વધી છે. એ સાથે તુલનાત્મક અભિગમે આ પ્રાદેશિક સાહિત્યોને જોઈ –તપાસી એમાંથી સ્ફુટ થતી ભારતીયતાનો ખરો તાગ મેળવવાની ભૂમિકાઓ ઇષ્ટ રીતે બંધાતી રહી હોવાની પ્રતીતિ પણ થાય છે.

ભારતીય સાહિત્ય હવે સમૂહ માધ્યમોનોયે સારો એવો લાભ લેતું થયું છે. ખાસ કરીને લોકનાટ્યનાં ને લોકનૃત્યાદિનાં કેટલાંક કલાકીય તત્વોને રંગભૂમિ માટે ખપમાં લઈ તે નાટકનાં નૂતન પરિમાણો પણ દાખવી રહ્યું છે. હવે ર્દશ્ય-શ્રાવ્ય માધ્યમોની મદદ મળતાં સર્વ પ્રાદેશિક સાહિત્યોમાં નવાં નવાં સાહિત્યિક રૂપો અને નવી નવી રજૂઆત-રીતિઓ પણ આવિર્ભાવ પામવા લાગી છે. પત્રકારત્વની પણ પ્રાદેશિક સાહિત્યોમાં વિષયવસ્તુથી માંડીને સ્વરૂપ તથા અભિવ્યક્તિ વગેરેમાં, લોકાભિમુખતાના અને લોકઘડતરના સંદર્ભમાં વ્યાપક અસરો થવા માંડી છે. એક બાજુ સાહિત્ય અમુક અધિકારી વર્ગ  (class) જ પામી શકે એવી ભૂમિકા સુધી પહોંચ્યું છે તો બીજી બાજુ વિશાળ આમ વર્ગ (mass) સુધી પહોંચવાનીયે તેની કોશિશો ચાલતી રહી છે. સર્વ પ્રાદેશિક સાહિત્યોમાં ભદ્રવર્ગીય અને આમવર્ગીય સાહિત્યની ધારાઓ સમાંતરે ને એકબીજી સાથે મળતીભળતી ચાલે છે. વળી નૂતન પ્રગલ્ભ રીતિના પ્રયોગરસિક સાહિત્યની સાથે જ પરંપરાગત રીતિના સાહિત્યનું સર્જન પણ ચાલતું રહ્યું છે.

સર્વ પ્રાદેશિક સાહિત્યોમાં વૈશ્વિકતા સાથે સ્થાનિકતાલક્ષી અભિગમો પણ સુપ્રતિષ્ઠિત થતા જાય છે. રાષ્ટ્રીય અસ્મિતા સાથે જ પ્રાદેશિક અસ્મિતાના સંવેદનતંતુઓ વણાતા રહ્યા છે. આ સાહિત્યો એક બાજુ યુરોપીય વિચારધારાઓ અને તત્સંબંધી પ્રયોગશીલતાથી પ્રેરિત હોવા સાથે પોતાનાં મૂળિયાં પ્રતિ પાછાં વળવાનો ભાવ પણ દાખવે છે. વળી સમગ્ર દેશને મૂંઝવતા પર્યાવરણના, રોજીરોટી ને ગરીબીના, ભ્રષ્ટાચારના અને સ્ત્રી, બાળક, શ્રમજીવી વગેરેના શોષણના પ્રશ્નો હવે કવિતા-નાટક-કથામાં વિદ્રોહ અને વ્યંગની ધાર કાઢતા જણાય છે. વળી રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પછી એકંદરે વ્યક્તિગત તેમજ જાહેર જીવનમાં વ્યાપ્ત મૂલ્યહ્રાસને કારણે થયેલા સ્વપ્નભંગની વેદના અનેક સર્જકોમાં તારસ્વરે મુખરિત થાય છે. વિશ્વશાંતિનો પ્રશ્ન તો રહ્યો છે, પણ સાથે અંતરતમ અશાંતિનો પ્રશ્ન પણ સતાવતો રહ્યો છે. ‘ભોંયતળિયાના આદમી’ની વેદના અનેક સર્જકોનું ધ્યાન ખેંચી રહી છે. ‘બૅક ટુ નેચર’ ને ‘બૅક ટુ પ્રિમિટિવિઝમ’ની વાત શબ્દાંતરે સાહિત્યમાં ગોરંભાતી રહી છે. આધ્યાત્મિકતાની કવિતાની સેર તો અખંડપણે ચાલુ જ છે. પણ તે સાથે લૌકિક ઉન્મૂલિત અવસ્થાના વેદનામૂલક કારુણ્યની કવિતા પણ રચાતી રહી છે. કમ્પ્યૂટર સુધીની ટૅકનૉલૉજીના આક્રમણે  – યંત્ર અને તંત્રની ભીંસે માનવતાનો મંત્ર ગૂંગળાતો હોવાની પ્રતીતિ આધુનિક સર્જક અનુભવી રહ્યો છે. આધુનિક સર્જક વિચ્છિન્નતાની – ત્રિશંકુ, અશ્વત્થામા, શિખંડી, પાંચાલી, અહલ્યા વગેરેની વેદના અનુભવતો થયો છે અને તેથી હતાશા–નિરાશાના ઉદગારોય અવારનવાર સાંભળવા મળે છે. આમ છતાં ભારતીય સાહિત્યમાંથી ધર્મપ્રાણિત શ્રદ્ધાભાવની – આશાવાદની છેક જ બાદબાકી થઈ હોય એવું લાગતું નથી. છેવટે તો સર્વ પ્રાદેશિકતાઓની ઉપરવટ એવી રાષ્ટ્રીયતાની  – વૈશ્વિકતા ને માનવતાની ટાગોરદીધી પરિપાટી જાળવવામાં જ કોઈ પણ સાહિત્યની સાર્થકતા હોય છે. અનેકાનેક સંઘર્ષો-આઘાતો છતાં વૈશ્વિકતા ને માનવતાના પર્યાયરૂપ ભારતીયતા અડીખમ રીતે સર્વ પ્રાદેશિક સાહિત્યો દ્વારા પોષાતી–રસાતી હોવાનું પ્રતીત થાય છે.

ચન્દ્રકાન્ત શેઠ

લોકસાહિત્ય

લોકસાહિત્યની ભાષા, એનાં પ્રતીકો એનું કલેવર અને એનો આત્મા બધું શિષ્ટ સાહિત્યથી કેટલીક રીતે જુદું હોય છે અને એ જ એની વિશેષતા બની રહે છે. આ સાહિત્યમાં આમ પ્રજાનું પ્રદાન વિશેષ વરતાય છે. એની રચનાઓ સરળ અને સાદી, લોકહૃદયના મર્મને વ્યક્ત કરનારી છે. જીવનના રોજિંદા વ્યવહારને એ સાહજિકતાથી વણી લે છે. આ સાહિત્ય લોકજીભે સચવાતું પ્રસરે છે. કથા-વાર્તા હોય કે ગીત હોય, એનું કથન સચોટ અને ઊર્મિસભર હોવાથી સહુને સ્પર્શે છે. એનું વાઙ્મય સ્વરૂપ ને રચનાવિધાન એવું હોય છે કે તે જલદી કંઠે ચડે છે. કંઠસ્થ થવાના કારણે જ આ સાહિત્ય વધુ પાંગર્યું અને પ્રસર્યું. ભાટચારણો વગેરેએ ગાયેલ દુહા કે દુહાબદ્ધ કથાઓ હોય, કોસ હાંકતા ખેડૂતોએ ગાયેલા ચંદ્રાવળા હોય કે વીરોની બિરદાવલી હોય, વરસાદના વરતારા હોય કે ભડલી-વાક્યો હોય, ભવાઈનાં ગીતો હોય કે સંતોની ભજનવાણી હોય, લગ્નગીતો હોય કે મરશિયાં હોય – સર્વમાં પ્રજાજીવનનું સીધું પ્રતિબિંબ યથાતથા પડતું હોય છે. ભારતના વિવિધ પ્રદેશોમાં પ્રચલિત લોકસાહિત્યમાં આવાં લક્ષણો લગભગ એકસરખાં સર્વત્ર ર્દષ્ટિગોચર થાય છે. પ્રદેશ અનુસાર જે તે ભાષામાં સચવાયેલા આ સાહિત્યમાં વૈવિધ્ય હોવા છતાં ભારતીય સંસ્કૃતિનું એકાત્મસ્વરૂપ તેમાં પ્રતીત થયા વગર રહેતું નથી. ભારતના વિવિધ પ્રદેશોના લોકસાહિત્ય પર ઊડતી નજર નાખતાં એ તુરત સમજાય છે.

ભારતની વિવિધ પ્રાદેશિક ભાષાઓ જેમ શિષ્ટ સાહિત્યથી તેમ લોકસાહિત્યથીયે કેવી સમૃદ્ધ અને સત્વસભર છે તે ભારતનું લોકસાહિત્ય પ્રદેશવાર જોતાં પ્રતીત થાય છે.

અસમિયા : આસામ પ્રદેશની મુખ્ય ભાષા અસમિયામાં મૌખિક સાહિત્યની સમૃદ્ધ પરંપરા છે. અસમિયા લોકગીતોમાં લગ્નાદિ સંસ્કારો સાથે તેમ જ ધાર્મિક ઉત્સવો સાથે સંકળાયેલાં ગીતો કરુણ-પ્રશસ્તિઓ, હાલરડાં, કથાકાવ્યો વગેરે છે. લોકવાર્તાઓમાં અદભુતરસિક અને હાસ્યરસથી ભરપૂર બોધાત્મક કથાઓ છે. વળી લોકસાહિત્યની નીપજરૂપ કહેવતો અને ઉખાણાં પણ છે. અસમિયામાં હાલરડાંને ‘નિચુકાની’ કહે છે. ‘બિયાનામ’નાં લગ્નગીત લગ્નસંસ્કારની જુદી જુદી વિધિઓ નિમિત્તે સમૂહમાં ગવાય છે. વરપક્ષ અને કન્યાપક્ષ એકમેકની મજાક કરતાં ગીતો ગાય છે. આને ‘ખિજાગીત’ કે ‘જોરાનામ’ કહે છે. સીતાલા, લખિમી કે અપેશ્વરી દેવીને ઉદ્દેશીને સ્ત્રીઓ સમૂહમાં ગીતો ગાય છે. શીતળા–બળિયાની દેવી આઈ બાળકોનું રક્ષણ કરે છે. શરીરના વિવિધ ભાગો વિશેનાં ‘દેહ-વિચાર’ ગીતો ગાતાં ભક્તો ભ્રમણ કરે છે. અજાન ફકીરના બોધને લક્ષમાં લઈ મુસ્લિમ અનુયાયીઓ ‘જિકિર’ ગાય છે. સાહિત્યિક સ્વરૂપનું ‘બિહુનામ’ લોકગીત વિચારસભર હોય છે. ‘બિહુ’ કે ‘બોહાગ-બિહુ’ ધર્મોત્સવ વખતે ગવાય છે. નવા વર્ષનું કે ‘ફસલ’નું એ ગીત છે. બીજું અગત્યનું લોકસર્જન ‘મલિતા’ કથા-કાવ્ય છે. ‘પગલા પગલિર’ સ્પર્ધકની કથા છે જે પ્રકાર ભારત, ઇન્ડોનેશિયા અને યુરોપમાં પણ પ્રચલિત છે. આમાં પતિપત્નીના કજિયાને વણી લેવામાં આવે છે.

‘બરફુકનાર ગીત’માં મ્યાનમારના (બર્માના) આક્રમણની વાત આવે છે. આ ઐતિહાસિક લોકગીત છે. 1857ના બળવા વખતે દેશભક્ત મણિરામ દીવાનને બ્રિટિશ હકૂમતે આપેલી ફાંસીનું એમાં વર્ણન છે.

બ્રિટિશ વસ્ત્રોની હોળી કરવાના વિષયનું લોકગીત પણ મળે છે. લોકસાહિત્યમાં ‘સાધુકથા’ આવે છે. આમાં મહાભારત અને ‘કથાસરિત્સાગર’ની અસર છે. ‘તેજા અને તેજી’ સિન્ડ્રેલા પ્રકારની પરીકથા છે. ‘સરબગ્યાન’ પર ‘કથા સરિત્સાગર’ની સ્પષ્ટ અસર છે. પ્રત્યેક વસંતઋતુમાં કચારી પ્રજા ‘બધાઉ બ્રાઇ’(મહાદેવ)ની ગાથા ગાય છે. બ્રહ્માની પુત્રીના અક્ષમ્ય અપરાધ બદલ કોપેલા ધર્મરાજાનો કોપ શાંત કરવા મહાદેવને પ્રસન્ન કરવાની વાતને વણી લેતું આ લોકગીત છે. ‘બિલાપી ગીત’ શોકગીત છે. વાસકસજ્જાનો પતિવિરહ કે ગોપીઓની કૃષ્ણને મળવાની તાલાવેલી, કે કૌશલ્યાનો પુત્રવિરહ કે યશોદાની બાલગોપાલ વિશેની ચિંતા જેવા વિષયો આ લોકગીતોમાં વ્યક્ત થયા છે.

આમ આસામનું લોકસાહિત્ય પ્રજાના આનંદ-ઉત્સવની સાથે કઠિન જીવન અને સંઘર્ષની ગાથા રજૂ કરે છે.

વિ. પ્ર. ત્રિવેદી

ઉર્દૂ : બીજી ભાષાઓના લોકસાહિત્યની જેમ જ આ સાહિત્યનાં મૂળ લોકમાનસમાં રહેલાં છે અને પ્રારંભિક પઠાણ યુગ દરમિયાન દિલ્હી તથા આસપાસના પ્રદેશોમાં સામાજિક–રાજકીય ઊથલપાથલના પરિણામે લોકભાષામાં થયેલાં દૂરગામી પરિવર્તનો તથા બોલીવિષયક સમન્વય સાથે આ લોકસાહિત્યને સીધો સંબંધ છે.

ઉર્દૂ લોકસાહિત્યમાં કથાઓ, ગીતો, નાટ્ય (નૌટંકી) વગેરેનો સમાવેશ થાય છે. તેમાં બાળકો માટેની કથાઓ તેમજ હાસ્યરમૂજની ઉક્તિઓ પણ છે. ઉર્દૂ લોકકવિતામાં દુખડા, ચાર બૈત, પહેલી, દોહા તથા બારમાસા જેવા પ્રકારની રચનાઓ જોવા મળે છે.

લોકકથાઓ જોગી, કથાકાર, કથાવાચક જેવાં નામોએ ઓળખાતા વ્યવસાયી કે તાલીમ પામેલા વાર્તાકારો સારંગી, ખંજરી કે એકતારા જેવાં વાદ્યોની સંગત સાથે રજૂ કરતા હોય છે. ઉર્દૂની બોધકથાઓમાં પુષ્કળ વૈવિધ્ય રહેલું છે. નાનાં બાળકોને આવી વાર્તાઓનું બહુ ઘેલું લાગેલું હોય છે. કેટલીય પરીકથાઓ વણનોંધાયેલી–વણલખાયેલી રહી છે અને કેવળ યાદદાસ્તના જોરે કંઠ-પરંપરાથી પેઢીદરપેઢી સચવાતી આવી છે. કેટલાંક બાલ-સામયિકોમાં એ પરીકથાઓ છપાતી રહી છે.

ઉર્દૂ લોકગીતોમાં સ્થાનિક સંસ્કારજીવનના બહુરંગી તાણાવાણા તથા મનમોહક ભાવછટાઓ ગૂંથાઈ છે. લગ્ન તથા બીજા આનંદજનક અને યાદગાર પ્રસંગોની ઉજવણી વખતે આ લોકગીતો ઢોલક સાથે અને પ્રસંગોપાત્ત, નૃત્ય અને નાટ્યોચિત હાવભાવ સાથે રજૂ થતાં હોય છે.

લોરી (હાલરડાં) લોકગીતોનો સૌથી મધુર અને સૌથી સુંદર પ્રકાર છે. ગીત-સંગીત અને નૌટંકી જેવાં જનસમુદાયનાં મનોરંજનાત્મક માધ્યમોમાં ચમોલા, લાવણી, રેખતા, ગઝલ, રુબાઈ જેવા કાવ્યપ્રકારો આવે છે. વળી ભારતીય લોકકથાઓ – દંતકથાઓ, ઐતિહાસિક પ્રસંગો તેમજ સામાજિક ઘટનાઓને વણી લેતી અનેક લોકકથાઓ પ્રચલિત છે.

‘સંગીત’ નામની કાવ્યરચના હિન્દી રચના સાથે સામ્ય ધરાવે છે, પણ તેની ભાષા ઉર્દૂ છે.

બારમાસા જેવાં ઋતુવિષયક કાવ્યોની ભારતીય પ્રશિષ્ટ સાહિત્યમાં જે એક સુદીર્ઘ પરંપરા છે તેની સરવાણી ઉર્દૂ લોકસાહિત્યમાંયે પ્રભાવક રહી છે.

ચુટકુલે, લતીફે અને ફબ્તિયાં પણ ઉર્દૂ લોકસાહિત્યનો ભાગ ગણાય. આ પ્રકારો લોકોની જીભે રમતા હોય છે અને જનસમાજમાં ખૂબ પ્રચલિત હોય છે.

બહુમુખી પ્રતિભા ધરાવતા ખુસરો લોકકવિ પણ હતા. દોહા, સુખના, અનમિલ, બેજોડ, કેહ મુકરની, મંધા ગીત, રાગ, પહેલી ઢકોલા, રેખતા તથા અન્ય પ્રકારની રચનાઓ એમના નામે ચઢેલી છે.

કબીરનાં સાખી, દોહા, હોરી, ઝૂલણા, મંગલા તથા બારમાસા અને ઉત્તરી વિસ્તારોના તેમના સમકાલીનોની તેમજ દક્ષિણ વિસ્તારોના અનુયાયી વર્ગની આવી અન્ય કાવ્યરચનાઓમાં લોકગીતોનો સ્પષ્ટ પ્રભાવ છે.

મહેશ ચોકસી

ઊડિયા : ઓરિસાની પ્રજામાં નાટ્યગીતો, ઉત્સવગીતો, બુદ્ધિચાતુર્યના ચમકારા વેરતી કહેવતો તથા ઉખાણાંઓ વગેરેનું; કાવ્ય, વાર્તા અને નાટક આદિ સ્વરૂપો ધરાવતું થોકબંધ લોકસાહિત્ય છે.

લોકગીતોમાં ‘જોગીગીતા’ ભિક્ષાનું પાત્ર લઈ ફરતાં યાચકો ગાય છે, તો કંદના પતિગૃહે જતી કન્યાઓ ગાય છે. ચૈત્ર માસમાં દાંડી ગવાય છે. દંડાનૃત્ય શિવપાર્વતીના પ્રસંગોને વણી લઈને ગવાય છે. પાછળથી આમાં રાધા અને કૃષ્ણનાં ગીતો પણ ઉમેરાયાં છે. કન્યાઓ ‘ચૈત્રપર્વ’નાં ગીતો સમૂહનૃત્ય દ્વારા રજૂ કરતી વખતે, વચ્ચે વચ્ચે સંવાદો પણ બોલતી હોય છે. શુક્લ પક્ષની અગિયારશે ‘કરમસાની’ ગીતો આદિવાસીઓ ગાય છે. ‘ચાલી’, ‘ચકા’, ‘ઝામેર’ અને ‘પરભાતી’નાં ગીતો રાત્રીના 4 પ્રહરો દરમિયાન ગવાય છે. આસો માસમાં ‘દલખાઈ’ ગવાય છે. એમાં દરેક પંક્તિને છેડે ‘દલખાઈ’ શબ્દ આવે છે.

લગ્ન સમયે વરપક્ષ તરફથી કન્યાને ઘેર અને કન્યાપક્ષ તરફથી વરને આંગણે ‘રાસરકેલિ’ અને ‘માયાલાજડા’ ગીતો ગવાય છે. આ ગીતો ગુજરાતનાં ફટાણાં જેવાં હોય છે. ખેડૂતો ‘હાલિયા’ ગીતો ગાય છે.

ઊડિયા લોકસાહિત્યમાં પ્રયોજાતી રોજબરોજના જીવનમાંથી પ્રગટતી અને છતાંય ઉપમા ઇત્યાદિ અલંકારોથી સભર એવી, ઉખાણાં તથા કહેવતોવાળી વાણી આજેય જીવંત લાગે છે. ‘કથાનિકા’ બાળકોમાં કુતૂહલ પ્રેરતો બાલકથાઓનો પ્રકાર છે. વ્રતકથાઓ સ્ત્રીઓમાં પ્રચલિત છે. અહીંની સ્થાનિક અને હિંદુ દેવદેવીઓની કથાઓમાં ખેતીપ્રધાન સંસ્કૃતિ પ્રગટ થાય છે. ગાય લોકકથાનું નોંધપાત્ર પાત્ર છે. ‘સખીનાતા’, ‘કૃષ્ણલીલા’, ‘રામલીલા’, ‘ગોપલીલા’, ‘સુઆંગ’, ‘મુઘલતમાશા’ – ઓરિસાનાં પ્રચલિત લોકનાટકો છે.

વિ. પ્ર. ત્રિવેદી

કન્નડ : સામાન્ય રીતે તેને નિરક્ષર પ્રજાવર્ગના સાહિત્ય તરીકે ઓળખાવાય છે. કન્નડ લોકસાહિત્યના મુખ્ય ત્રણ પ્રકારો છે : (1) ગદ્યવાર્તાઓ; (2) મનગમતાં દેવદેવીનો મહિમા ગાતી કવિતા અથવા ઐતિહાસિક કે દંતકથાના મનગમતા નાયકોનાં પરાક્રમો કે ત્યાગભાવનાને બિરદાવતાં કથાકાવ્યો અને (3) સામાન્ય લોકમાનસના પ્રચલિત આનંદ અને શોકના ભાવોને વ્યક્ત કરતાં ગીતો. વિવિધ સ્વરૂપની અને વિવિધ વિષયની ટૂંકી–લાંબી વાર્તાઓમાં આનંદ અને બોધ બંનેનું તત્વ હોય છે, પણ મનોરંજન તેમાં પ્રધાનતા ભોગવે છે. આ લોકકથાઓમાં જાદુ-ચમત્કારનાં તત્વો પણ ઉમેરાયાં છે. આ ઉપરાંત ચતુર અને મૂર્ખ વ્યક્તિઓ તથા પશુ-પંખીઓ વિશેની પણ કથાઓ છે. તેમની વર્ણનશૈલી તાર્દશ અને રસપ્રદ હોય છે.

કેટલીક કાવ્યરચનાઓનું ફલક ખૂબ વિસ્તૃત હોય છે; તેમાં કોઈ સ્થાનિક દેવ-દેવતા કે કોઈ ચમત્કાર કે લોકકલ્યાણનાં કાર્ય કર્યાં હોય તેવાં દંતકથારૂપ પાત્રો વિશે ધાર્મિક અથવા અર્ધધાર્મિક કથાનક હોય છે. દેવદેવીને લગતી રચનાઓ અમુક મંદિર કે મઠ સાથે સંકળાયેલી હોય છે અને તે વાજિંત્રોની સંગતમાં ગવાય છે. આ રચનાઓનું ફલક એટલું વિસ્તૃત હોય છે કે તેની ગીત-રજૂઆતમાં કેટલીય રાતો વીતી જાય. લોકગીતોની મુખ્ય વિશેષતા એ છે કે તેમના રચયિતા અજ્ઞાત–અનામી હોય છે અને કંઠોપકંઠ તેમની પરંપરા જળવાઈ રહી હોય છે. આ ગીતોની પિંગળ-પદ્ધતિ તથા તેમનું વૈવિધ્ય વિગતપૂર્ણ અભ્યાસ માગી લે છે. આ ગીતોમાં જીવનનાં અનેક પાસાં – અનેક સંદર્ભો ગૂંથાયેલાં હોય છે.

કન્નડ કથાકાવ્યોનો એક જુદો જ વર્ગ છે. વસ્તુત: તે વર્ણનકાવ્યો હોય છે. કથાકાવ્યોમાં કોઈ નાયક કે નાયિકાની વાર્તા પદ્યબંધમાં રજૂ થઈ હોય છે અને કાર્ય તથા ઘટનાપ્રવાહના વેગ સાથે કાવ્યપ્રવાહની ગતિ–રીતિ બદલાતી રહે છે.

લોકસાહિત્યમાં સામાજિકોનાં ગમા-અણગમા, અચળ શ્રદ્ધા તેમ આસ્થા અને રોજિંદા જીવનની ગુણવત્તા તથા ઘટના-પરંપરાની અભિવ્યક્તિ થયેલી હોય છે.

મહેશ ચોકસી

કાશ્મીરી : કાશુર અને કાશ્મીરી ભાષામાં રચાયેલું અને પરંપરાગત મૌખિક રીતે સચવાયેલું આ સાહિત્ય ભારતીય તેમજ ગ્રીક, કુષાણ, હૂણ, મુઘલ અને અફઘાન સંસ્કૃતિઓની અસરથી ઊપજેલું અને કાશ્મીરીપણું દાખવતું સાહિત્ય છે. તેમાં જમ્મુ અને કાશ્મીરની ઉજ્જ્વલ પરંપરાઓ જોવા મળે છે. ગુણાઢ્યનું ‘બૃહત્કથા’ જોકે ઉપલબ્ધ નથી તોપણ રાજા અનંત(1028–1063)ની રાણી સૂર્યમતી માટે સોમદેવે તેમનું ‘કથાસરિત્સાગર’ આ રચના ઉપરથી લખ્યું હોય તેમ લાગે છે. ‘પંચતંત્ર’ આ પરંપરામાં લખાયેલો કાશ્મીરનો પુરાણો ગ્રંથ છે. જોકે ક્ષેમેન્દ્રનું ‘બૃહત્કથામંજરી’ સોમદેવની રચના પહેલાં લખાયેલું છે. મૌખિક પરંપરાનું લોકસાહિત્ય ‘રાજતરંગિણી’ અને ‘નીલમાતાપુરાણ’માં કાશ્મીરના મૂળ પ્રદેશની ઉત્પત્તિની દંતકથા રૂપે મળે છે.

કાશ્મીરી લોકસાહિત્યમાં પરીકથાઓ, દંતકથાઓ અને હાસ્યટુચકાની પરંપરા સમૃદ્ધ છે. ફારસી-અરબી અને સંસ્કૃત પરંપરાની અસર તળે લોકકથાઓમાં ગુલ-બુલબુલ, કોહે-કાફ, ફકીર, જિન, લાલ, સાંગી-ફારસ અને પરીની જોડાજોડ બોમ્બુર–યમબારઝાલ, હરમોખ, સાધુ, યોગી, દેવ સોનાપોશ, વિજિની અને બોદાબ્રોરના સંદર્ભો આવે છે.

કાશ્મીરી લોકકવિતાનો સંબંધ કર્મકાંડ અને ધાર્મિક તહેવારો સાથે સવિશેષ રહ્યો છે. જોકે આ સિવાય પણ અન્ય બિનસાંપ્રદાયિક વિષયો લઈને, લોકકવિતા રચાઈ છે. કેટલાંક લોકગીતોનો વિષય જન્મોત્સવ, મુંડનવિધિ, યજ્ઞોપવીત, લગ્ન અને મૃત્યુ રહ્યો છે; જ્યારે કેટલાંક ખત્ના, નિકાહ અને આવા મુસ્લિમ સંસ્કારોને વણીને રચાયાં છે. સાથ (વસંતોત્સવ), હેરથ (શિવરાત્રિ), નવરેહ (હિંદુ નૂતનવર્ષ), ઝર્માસતમ (જન્માષ્ટમી), દશેહાર(વિજયાદશમી)ની સાથે ઈદ અને મુસ્લિમ ધર્મ-સંપ્રદાયનાં ગીતો પણ જોવા મળે છે. કેટલાંક ગીતો હિંદુ-મુસ્લિમ કોમોનાં સહિયારાં છે. જોકે લોકકાવ્યોના મુખ્ય વિષયો તો પ્રેમ, રોમાંચક ઘટનાઓ, આનંદોલ્લાસ, દુ:ખદર્દ, દરિદ્રતા, પૂર, દુષ્કાળ અને કાશ્મીરનું સ્વર્ગીય સૌંદર્ય છે.

કાશ્મીરીમાં કેલૈયાના કથાનકવાળું કરુણરસનું કાવ્ય ‘અકનાન્દુન’ છે. ગુલ-સનોબર, હાતિમતાઈ ફારસી-અરબીમાંથી થયેલા અનુવાદો છે.

વિ. પ્ર. ત્રિવેદી

કોંકણી : પૉર્ટુગીઝ અસર હેઠળની કોંકણી ભાષાના લોકસાહિત્ય તથા મહારાષ્ટ્રની અસર હેઠળની કોંકણી ભાષાના લોકસાહિત્યનાં સ્વરૂપ અને શૈલીમાં તફાવત છે. લગ્નવિધિ પૂરી થયા પછી વરરાજા કે વરકન્યાના નિવાસ પર જે લોકગીતો ગાવામાં આવે છે તેને ‘ઓવ્યો’ અને ‘ઝોતિ’ કહે છે. મૃત્યુના એક વર્ષ બાદ મૃતકની સ્મૃતિમાં ગવાતાં લોકગીતો ‘બાનવદ’ કહેવાય છે. સગર્ભા સ્ત્રીઓને ઉદ્દેશીને ગવાતાં લોકગીતો ‘ઢવળે’ તરીકે ઓળખાય છે.

જુદા જુદા વ્યવસાયો સાથે સંલગ્ન લોકગીતોની શૃંખલા પણ પ્રચલિત છે; દા.ત., કોળીગીતો, લણણીગીતો, નીંદણગીતો વગેરે. કોંકણીમાં કર્ણમધુર હાલરડાં હોય છે. હિંદુ સ્ત્રીઓનાં ‘ઢાલો’ નામથી ઓળખાતા લોકનૃત્યમાંનો ‘માંડો’ નામથી ઓળખાતો વિશિષ્ટ ગીતનૃત્યપ્રકાર ગોવામાં વસેલા ખ્રિસ્તી લોકોમાં પ્રચલિત છે.

સામાન્ય રીતે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં હોળીની ઋતુમાં રજૂ થતાં લોકનાટ્યો કે લોકનૃત્યો ‘શિગ્મો’ નામથી ઓળખાતાં લણણી- ગીતો સાથે રજૂ થાય છે.

માછીમારોમાં અને દારૂ ગાળવાનો ધંધો કરનારા લોકોમાં પ્રચલિત લોકગીતો ‘ઝાગોર’ તરીકે ઓળખાય છે. ચાલુ ઘટનાઓ અને સ્થાનિક નિંદ્ય કૃત્યો ‘ઝાગોર’માં વણી લેવામાં આવે છે, જેને લીધે સ્થાનિક લોકોમાં તે તરત જ પ્રચલિત થાય છે.

નાતાલ, ઈસ્ટર અને કાર્નિવલ દરમિયાન રજૂ થતાં લોકનાટ્યો ‘ખેળ્ળ’ નામથી અને હિંદુઓ દ્વારા જાત્રાઓમાં કે તહેવારો પ્રસંગે રજૂ થતાં લોકનાટ્યો ‘કાલો’ નામથી ઓળખાય છે.

પુરાણકથાઓ પર આધારિત પોવાડા હિંદુઓની લગ્નવિધિ દરમિયાન અને ખેતીમાં લણણીની ઋતુઓમાં ગવાતાં હોય છે. ગ્રામ-વિસ્તારોમાં દેવદેવીઓ સાથે સંકળાયેલ દંતકથાઓ અને પરાક્રમી સ્ત્રી-પુરુષોના શૌર્ય સાથે સંકળાયેલી દંતકથાઓ વગેરે કોંકણી લોકસાહિત્યમાં વધુ પ્રચલિત છે. પંચતંત્ર, હિતોપદેશ વગેરેમાંથી લેવામાં આવેલ બોધકથાઓનું પણ કોંકણી લોકસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે.

મહારાષ્ટ્રની સંસ્કૃતિ કે મરાઠી ભાષાની અસર તળે કોંકણીમાં જે લોકસાહિત્ય વિકસેલું છે તે પણ નોંધપાત્ર છે. હકીકતમાં કોંકણી મરાઠીની ઉપભાષા હોવાથી કોંકણી લોકસાહિત્ય પર મરાઠી ભાષાની છાપ પડે તે સ્વાભાવિક ગણાય. કોંકણીમાંનો ‘ઓવ્યો’ કાવ્યપ્રકાર મરાઠી ‘ઓવી’ને મળતો આવે છે.

મંદિરોમાં કુલવંતી નામથી ઓળખાતી ‘દેખણી’ યુવતીઓ જે પ્રકારનાં લોકગીતો ઈશ્વરની આરાધના માટે ગાતી હોય છે તે પ્રકારનાં લોકગીતો ‘દેવદાસીઓ’ ગોવાનાં મંદિરોમાં ગાતી હોય છે. અલબત્ત, દેવદાસીઓ લોકગીતોની રજૂઆતમાં શાસ્ત્રીય સંગીતની સ્વરરચનાઓનો વધુ ઉપયોગ કરતી હોય છે.

યુવાવસ્થાની છોકરીઓ ‘ફુગડ્યો’ કે ‘ઝિમ્મા’ જેવી રમતો રમતી હોય છે ત્યારે પણ તે કેટલાંક લોકગીતો ગાતી હોય છે. કોંકણીમાં કોળીગીતોનો એક પ્રકાર ‘નાવ-ગીતો’ નામથી ઓળખાય છે, જે કોંકણી લોકસાહિત્યનો જ ભાગ ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ગુજરાતી : ગુજરાતની લોકસાહિત્યની પરંપરા વૈવિધ્યપૂર્ણ છે અને સમૃદ્ધ પણ છે. આ પરંપરાનું અનુસંધાન વૈદિક તથા પ્રાકૃત, અપભ્રંશ આદિ સાહિત્ય સાથે પણ હોવાના સંકેતો મળે છે. લોકસાહિત્યના કેટલાક અભ્યાસીઓ ‘યમ-યમી સંવાદ’, ‘પુરૂરવા-ઉર્વશી સંવાદ’ વગેરે સાથે લોકકથા કે લોકવારતાનાં જટિયાં ગૂંથાયેલાં હોવાનું જણાવે છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ કથાસાહિત્યે પણ લોકસાહિત્યની પરંપરાનો સારો એવો લાભ લીધો હશે એમ અનુમાન થઈ શકે છે. લોકકથાઓના અનેક કથાઘટકો દેશ-વિદેશના કથાસાહિત્યમાં અવનવા રૂપસંદર્ભે મળતા હોય છે. એ રીતે ગુજરાતી લોકકથાઓનાં મૂળ-કુળ ભારતીય તેમ વિદેશી કથાસાહિત્ય સાથે હોવાનું ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા વિદ્વાનોએ સર્દષ્ટાંત બતાવ્યું છે.

ગુજરાતી લોકસાહિત્યની પરંપરાના સ્પષ્ટ લિખિત પ્રમાણો  માટે આચાર્ય હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણ ‘સિદ્ધહૈમ’ સુધી જઈ શકાય છે. એમાં અપભ્રંશની ચર્ચા માટે ટાંકેલા દુહાઓમાં વીર, શૃંગાર ને શાંત રસનાં કેટલાંક ઉત્તમ ઉદાહરણો સાંપડે છે.

આ લોકસાહિત્ય ધર્મ અને સમાજની વિશાળ છત્રછાયામાં સતત વિકાસ પામતું જોઈ શકાય છે. ખેડૂતોનાં વાવણી –લણણી વગેરેને લગતાં ગીતો, દરિયાખેડુઓનાં ગીતો, દરિયાકાંઠાના લોકોનાં જાતભાતનાં ગીતો, કોશિયાનાં, ટીપણી કરનારી બહેનોનાં, ઘાંચીનાં ને ગોવાળનાં – એમ અનેક શ્રમજીવીઓનાં શ્રમ કરતાં કરતાં ગવાયેલાં ગીતો મળે છે.

વળી વ્રતઉપવાસ, જાગરણ, જાગપૂજા વગેરે સાથે સંકળાયેલું લોકસાહિત્ય પણ મળે છે.

શીતળા માતા, નાગદેવતા, ગોરમા, શક્તિપૂજા, શિવ-પૂજા વગેરે સાથે, રામ, કૃષ્ણ વગેરેની ભક્તિ સાથે સંલગ્ન ઘણું ભજન-કીર્તન આદિનું સાહિત્ય ગુજરાતીમાં મળે છે. ભજનોમાં પ્રભાતિયાં, સંધ્યા, આરતી, આરાધ, આગમ, સ્તવનો, પ્યાલા, આંબો, બારમાસી, રામગરી, ધોળ, ચાબખા, ભેત, કાફી, કટારી જેવા અનેક પ્રકારો ઉપરાંત માતાજીનાં મનામણાં માટે ગવાતી આરણ્યું, સરજુ, સાવળો વગેરેનો પણ નિર્દેશ કરવો જોઈએ. કૃષ્ણભક્તિ ને શક્તિભક્તિ સાથે સંલગ્ન ગરબી–ગરબા–રાસ–રાસડા, હીંચ–હમચી જેવા ગેય પ્રકારો તેમજ તાલીરાસ ને લકુટારાસ (ડાંડિયારાસ) જેવા પ્રભેદોય છે. ગુજરાતમાં ખાસ કરીને નવરાત્રિના નવ દિવસો સુધી ચોરે-ચૌટે ગરબા-રાસની જે રમઝટ ચાલે છે તે આજેય નવાં પરિવર્તનો – નવા આવિષ્કારો સાથે અવિચ્છિન્ન રીતે ચાલુ છે. આજેય દયારામની ગરબીઓ ને વલ્લભ ભટ્ટના ગરબા ખૂબ લોકપ્રિય છે તેમ લોકગરબીઓ, લોકગરબા, લોકરાસ ને રાસડાઓ લેનારાયે મળે છે.

મનુષ્યના અંગત જીવનવિકાસ સાથે સંબદ્ધ ગીતોમાં સીમંત કે અઘરણીનાં ગીતો, જન્મસમયનાં વધાઈનાં ગીતો, સલોકા, હાલરડાં, બાલરમતોનાં ગીતો, લગ્નગીતો, ફટાણાં, મિલન અને વિરહનાં ગીતો, ખાંયણાં, મરસિયા–રાજિયા–છાજિયાં જેવાં ગીતો પણ છે. બાળકો માટેનાં જોડકણાં, ઉખાણાં–વરત–હરિયાળી, એ રીતે બાલગીતો ને બાલકથાઓનુંયે માતબર સાહિત્ય મળે છે.

વળી પ્રશસ્તિગીતો–બિરદાવલીઓ, શૌર્યગીતો, ઋતુગીતો, કથાગીતો વગેરેનું તથા ભવાઈનાં ગીતોનુંયે એક નોખું ક્ષેત્ર છે.

લોકગીતોમાં મુક્ત આનંદનો – છલકાતા ઉલ્લાસનો, જીવનના ઉત્સવનો સૂર બુલંદપણે સંભળાય છે.

આ ઉપરાંત સોરઠા ને દુહા અને તેના છકડિયા, દુમેળિયા, દોઢિયા જેવા પ્રકારો; ચોપાઈ ને સવૈયા, કુંડળિયા, રામવળા ને ચંદ્રાવળા, ચારણી છંદો-ઢાળોના અનેકાનેક પ્રકારો પદ્યાત્મક લોકસાહિત્યની આશ્ચર્યકર સમૃદ્ધિ ને સિદ્ધિ દાખવે છે.

ગુજરાતી લોકસાહિત્યના વૈવિધ્ય તથા સમૃદ્ધિમાંથી મધ્યકાલીન કવિઓ તથા અર્વાચીન યુગના કવિઓએ નિરંતર પ્રેરણા મેળવી છે.

ગુજરાતી લોકસાહિત્યે ગદ્ય-પ્રકારમાં, ખાસ કરીને લોકકથા, વ્રતકથા, પ્રેમકથા વગેરેમાંયે વૈશિષ્ટ્ય ને વૈભવ દાખવ્યાં છે. ખાસ કરીને વર્ણનાત્મક અને કથનાત્મક ગદ્યચ્છટાની અનેક લાક્ષણિકતાઓ લોકકથાઓ દ્વારા સાંપડી છે.

લોકકથામાં રાજપૂતાણીએ સોળ શણગાર સજ્યા હોય ત્યારે એ કેવી હોય ? – ‘હાલે ત્યાં કંકુ-કેસરનાં પગલાં પડે, બોલે ત્યાં બત્રીસ પાંખડીનાં ફૂલડાં ખરે, પ્રેમના બાંધ્યા ભમરા ગુંજારવ કરે, એવી હામકામ લોચના, ત્રાઠી મૃગલી જેવાં નેણ, ભૂખી સિંહણના જેવો કેડ્યનો લાંક, જાણે ઊગતો આંબો, રાણ્યનો કોળાંબો, બહારવટિયાની બરછી, હોળીની ઝાળ, પૂનમનો ચંદ્રમા, જૂની વાડ્યનો ભડકો અને ભાદરવાનો તડકો, સંકેલી નખમાં સમાય, ઉડાડી આભમાં જાય, ઉગમણા વા વાય તો આથમણી નમે, આથમણા વા વાય તો ઉગમણી નમે, ચારે દિશાના વા વાય તો ભાંગીને ભૂકો થાય.’

લોકકથામાં શબ્દોની ઝાકઝમાળ દ્વારા કથક શ્રોતાઓનાં ચિત્તમાં એક ચિત્ર ઊભું કરી દે છે. બંધાણી ડાયરાની વાતનો ઠા ને ઠસ્સો તો જુઓ : ‘ગામડું ગામ. બંધાણી દરબારની ડેલી. ડેલીના ખાનામાં ડાયરો જામ્યો છે. ખરલુંમાં કોટાઈ, મિસરી, માળવી, ચિનાઈ અફીણ ને કહૂંબો કસરક ભૂટાક કસરક ભૂટાક ઘૂંટાય છે. હથેળીમાં અજવાળિયું લઈને હેતુમિત્રને સામસામી કહૂંબાની અંજળિયું પિવરાવાય છે !

આ કહૂંબો કેવો ? તો લોકકવિ કહે છે :

‘‘રાંકાના ઘરની રાબ હોય, પારેઠ ભેંસનું દૂધ હોય, જૂના છાપરાનું ચુવાણ હોય, ધુપેલ તેલ હોય, દૂબળાના ઘરનો દૂધપાક હોય એવો કહૂંબો – બાપ પીએ તો બેટાને ચડે, બેટો પીએ તો બાપને ચડે. બેય ભેળા થઈને લ્યે તો ત્રીજી પેઢીએ ટપ્પો લઈ જાય. એમાંય મોતીવા વધ્યો હોય ને ‘સૂમ’ કહેતાં કોઈ લોભિયા માણહના ખોરડા માથે નાખ્યો હોય તો કડેડીને ઢગલો થઈ જાય. ઈમાંથી છાંટોક કોઈ ખેડુની ખોખલી ગાડીમાં નાખ્યો હોય તો ગાડી વગર બળદે દોડવા માંડે. ઈનું એક ટીપું ધરતી માથે પડી જાય ને ફરતો ફરતો કોઈ ઉંદરડો આવીને ચાટી જાય તો ઈનો રિકાટ બદલાઈ જાય, મૂછે તા’ દેતો પટમાં આવીને પડકારો કરે…… ‘તમારી માનાં મીંદડાં… નીકળો બા’રાં… આજ તો જોઈ લેવાં છે.’’

વ્રતકથાઓની પોતાની એક વિશિષ્ટ શૈલી હોય છે. ડોલનશૈલી જેવી એ શૈલી ગદ્યને કર્ણપ્રિય બનાવી રહે છે.

અનેક લોકકથાઓએ વાર્તા, નવલકથા, નાટકનાં ક્ષેત્રોનેય ફલદાયી કર્યાં છે. મૌખિક કે કંઠ્ય ગાન કે કથનપરંપરાની અનેક બાબતો ગુજરાતી ભાષા તેમજ સાહિત્યનું ગૌરવપ્રદ પ્રદાન રહ્યું છે.

ગુજરાતના લોકસાહિત્યના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠાના તથા સૂરત-વલસાડ બાજુના ખારવા, નળકાંઠાના પઢાર, ઈડર અને પંચમહાલ બાજુના ભીલો, દક્ષિણ ગુજરાતના દૂબળા, ગુજરાતના મુસલમાન અને પારસીઓ ને એમ અનેક પ્રદેશો, કોમો–વર્ણોનું મુક્ત ગાન આવરી લેવાયું છે.

ગુજરાતમાં લોકસાહિત્યની સમાંતરે ચારણી સાહિત્યની પરંપરા પણ ચાલી છે. ચારણી સાહિત્ય રાજ-રજવાડાંની છાયામાં ભાટ, ચારણ, ઢાઢી, મીર વગેરે દ્વારા ફરતું રહ્યું. ચારણી સાહિત્ય કર્તૃત્વની છાપવાળું ને સ્પષ્ટતયા અભિજાત સાહિત્યના – દરબારી સાહિત્યના જ એક પ્રકારરૂપ લેખાય. એ સાહિત્યના પાઠ લેવા માટે તો ભુજમાં એક વ્રજભાષાની પાઠશાળા જ રાજ્યાશ્રયે ચાલતી હતી.

ચારણી સાહિત્યની પરંપરા ‘મારુ ગુર્જર’ના કાળ દરમિયાન પણ હોવાનું આ ક્ષેત્રના તદ્વિદો જણાવે છે. ચારણ કવિઓમાં આણંદ–પરમાણંદ (બારમી સદી), આલ્હા, આમ, હટ્ટોપવિષ્ટ, રામચંદ્ર ગાગિલ, પ્રથમ ચારણ કવયિત્રી ઊજળી, માવલ, લૂણપાળ વગેરેનાં નામો ગણાવાય છે. જોકે આ સાહિત્યના ક્ષેત્રે ઉત્તમ ગ્રંથો છેલ્લાં 200 વર્ષોમાં રચાયા છે. ચારણી સાહિત્યમાં દુહા, છંદ, ઋતુગીતો, બારમાસી, ગીતકથાઓ ઉપરાંત પણ અન્ય અનેક સાહિત્યપ્રકારોમાં કૃતિસર્જનો–ગ્રંથસર્જનો થયાં છે. તેની અનેક હસ્તપ્રતો, તેના અનેક મુદ્રિત ગ્રંથો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સચવાયાં છે.

ગુજરાતમાં ચારણોની જેમ ભાટ, મીર, મોતીસર, રાવળ જેવી કોમોએ દુહા, વાર્તા, બિરદાવળીઓ આપીને સંસ્કારસેવા કરી છે. ‘ભડલીવાક્ય’ની ગદ્યપદ્યાત્મક ઉક્તિઓ; લોકનાટ્ય ભવાઈના ચોબોલા, હરિયાળી વગેરે; કબીરપંથી, માર્ગી ને નાથસંપ્રદાયના રંગોવાળી ભજનવાણી – આવું ઘણુંબધું લોકસાહિત્ય શ્રવણગોચર થાય છે.

ગુજરાતમાં વિવિધ પ્રદેશો, કોમો-વર્ણો વગેરેનું વિવિધ પ્રકારનું લોકસાહિત્ય એકત્ર કરવાનું કાર્ય ઘણું મોટું અને મહત્વનું છે. સાંપ્રત સમયમાં શહેરીકરણના કારણે આવેલાં ઝડપી પરિવર્તનોનો લોકસાહિત્યની વસ્તુસામગ્રી ને રજૂઆતરીતિ પરત્વે પણ ખાસ્સો પ્રભાવ પડ્યો છે.

જોરાવરસિંહ જાદવ

ડોગરી : ભારતની વાયવ્ય સરહદે આવેલ ડુગ્ગરના પહાડી પ્રદેશની ડોગરી બોલીમાં પણ મૌખિક પરંપરામાં રચાયેલું સાહિત્ય છે. ડોગરી લોકસાહિત્યની પરંપરા સુદીર્ઘ અને ભવ્ય છે. આ થોકબંધ સાહિત્યમાં કથાગીતો –લોકગીતો અને ગદ્યવાર્તાઓ છે. સદીઓથી આ લોકસાહિત્યે ડોગરી પ્રજાને જ્ઞાન સાથે ગમ્મત આપ્યાં છે અને તેમાં ઇતિહાસ અને જીવનમૂલ્યોનો સિલસિલો અકબંધ જળવાયો છે. ડોગરી કથાઓના વિષયવસ્તુમાં ધર્મ, રહસ્યવાદ, સામાજિક વિટંબણાઓ, રાજકીય ઊથલપાથલો અને કાવાદાવા, પ્રકૃતિપ્રેમ અને માનવો–દેવો, પક્ષીઓ, પ્રાણીઓ અને પૃથ્વી–સ્વર્ગ પર વસવાટ કરતાં જીવજંતુઓ વગેરે હોય છે. મનુષ્યના રોજબરોજના જીવનમાં દુ:ખ અને ક્લેશને દૂર કરનારી આ વાર્તાઓમાં ભૂતપ્રેત અને પરીકથાઓ તથા જાદુગરો અને અર્દશ્ય શક્તિઓ ઉપરાંત સૂર્ય, ચંદ્ર, વૃક્ષો અને સાધુઓ તથા રાક્ષસોની વાતો પણ આવે છે. મોટાભાગની લોકકથાઓમાં માનવીનો આશાવાદ, માનવીય કલ્યાણ અને અસત પર સતનો વિજય વગેરે સારી પેઠે જળવાયાં છે. જોકે નસીબનું પલ્લું હંમેશાં ઝૂકેલું રહ્યું છે. કેટલીક કથાઓ સંપૂર્ણત: ભૂમિજાત છે; જ્યારે કેટલીક જુદા જુદા દેશની અન્ય પ્રજાઓની કહાણીઓ છે.

ડોગરી લોકગીતોમાં ત્રણ પ્રકારની વાતો આવે છે. બાર, કારકમાં આવતાં ગીતો સાધુ અને ગારુડી વાદ્યો સાથે કોઈ ખાસ પ્રસંગે ગાય છે. ગિટારુ-કથ્થન હળવું અને ટૂંકું હોય છે. ‘બાર’માં વીરોનાં સાહસ, શક્તિ અને બલિદાનની ગાથાઓ ગવાય છે. કારકમાં વીર પુરુષો અને સ્ત્રીરત્નોની ગાથાઓ છે, આ બધાં દેવદેવીઓ તરીકે પૂજાય છે. ગિટારુ-કથ્થાન કથા-કાવ્યો જેવાં છે. જેમાં પ્રેમ, કૌટુંબિક વૈમનસ્ય અને યુદ્ધની કથાઓ ગવાય છે. કારકમાં વીર પુરુષો અને સ્ત્રીરત્નોની ગાથાઓ છે, આ બધાં દેવદેવીઓ તરીકે પૂજાય છે.

ડોગરી કથાકાવ્યોમાં વ્યક્તિના જન્મથી માંડી મૃત્યુ પર્યન્તના પ્રસંગો આવે છે. એમની ભાષા હૃદયસ્પર્શી હોય છે. ભખાન કોઈ પણ જાતના વાદ્ય વગર ગવાતું સમૂહગાન છે.

ડોગરી લોકગીતોના આઠ વિભાગો છે : (1) સંસ્કારગીત : જન્મ, લગ્ન અને મૃત્યુ સમયે ગવાય છે. (2) ઋતુગીત : ઋતુઓમાં થતા ફેરફાર વિષે ગવાતાં આ ગીતો બરન-માહ, રિટ્ટારિયન, મારુઆ અને ધોલારુના નામે ઓળખાય છે. (3) ત્યોહારગીત : લોકોત્સવ, ધાર્મિક પ્રસંગો અને પર્વોને લક્ષમાં રાખીને આ ગીતો ગવાય છે. (4) ભગતીગીત : આ પ્રકારમાં બિનસપાટે, ભેતાન, ગુજરિયાન, આરતી, અંજલિ વગેરેનો સમાવેશ થાય છે. (5) મનોરંજનગીત : મનોરંજન અને આનંદપ્રમોદ માટે તાપ્પસ, મહિયાછન્ન, સદ્દાન પ્રકારનાં ગીતો ગવાય છે. (6) શ્રમગીત : સખત શારીરિક મહેનત માગી લેતાં કામો કરતી વખતે મજૂરો લડ્ડી, સ્વાદી, ચરખા અને ચક્કી જેવાં ગીતો ગાય છે. (7) પ્રેમ અને પરિવારગીતો : આમાં શૃંગારિક અને નાજુક લાગણીઓને અભિવ્યક્ત કરતાં ગીતોની સાથે કૌટુંબિક સગપણનાં ગીતો વિપુલ પ્રમાણમાં હોય છે. (8) પ્રકીર્ણ ગીતો : કુટુંબનિયોજન, વ્યસન-નાબૂદી, પહાડોમાં સૌપ્રથમ રેલવે-આગમન, પોસ્ટની બચતયોજનાઓ, દુષ્કાળ, યુદ્ધ જેવા વિષયો પરનાં ગીતોને આ સામાન્ય વિભાગમાં મૂકવામાં આવે છે.

ડોગરી લોકસાહિત્યમાં કહેવતો, ઉખાણાં અને સૂત્રાત્મક કથનોનો પણ સમાવેશ કરવામાં આવે છે.

વિ. પ્ર. ત્રિવેદી

તમિળ : તમિળ લોકસાહિત્યને સામાન્ય રીતે નાટ્ટુપુરા ઇળક્કિયમ્ કહે છે. પ્રસંગોપાત્ત, મક્કલ ઇળક્કિયમ્, નાડોડી ઇળક્કિયમ્, વૈમોલી ઇળક્કિયમ્, નટ્ટાર ઇળક્કિયમ્ અને પામરાર ઇળક્કિયમ્ જેવાં નામો પણ વપરાય છે. તમિળ લોકસાહિત્યમાં લોકગીત, લોકકથા, ગીતકથા, એત્રપ્પટ્ટુ, કુમ્મી, ચિન્ટુ, એસળ, અમ્મનાઈ, ઓપ્પારી, પ્રહેલિકા, હાલરડાં, વાદ્યગીત વિલ્લુપટ્ટુ, ઉડુક્કઈ-પટ્ટુ, કનિયાનપટ્ટુ, કહેવતો આદિ સ્વરૂપો જોવા મળે છે.

લોકગીતમાં પરિણયપૂર્વ અને પરિણયપશ્ચ પ્રણયનાં વિવિધ ભાવો અને રૂપો વ્યક્ત કરતાં ગીતો તથા ઈશ્વરકૃપાથી વંચિત હોય તેમનાં સુખદુ:ખનું વર્ણન કરતાં શ્રમિકગીતો મુખ્ય છે. હાલરડાંમાં રૂઢિ, આચાર તથા આકાંક્ષાનું પ્રતિબિંબ ઝિલાય છે. મરસિયા કે વિલાપગીતોમાં સ્ત્રીઓ મૃતકનાં રૂપ અને ગુણોનું ગાન કરે છે. ઓપ્પારીમાં વૈધવ્ય પામતી સ્ત્રી તેનું દુ:ખ મોકળા ભાવે વ્યક્ત કરી શકે છે.

તમિળ લોકકથાઓમાં આર્ય અને દ્રાવિડ સંસ્કૃતિઓનું સુભગ મિશ્રણ છે. સ્થાનિક કથાઓ સાથે જ રામાયણ અને મહાભારત પર આધારિત કથાઓ સાંભળવા મળે છે.

કથાગીતના ત્રણ પ્રકારોમાં પુરાણ-આધારિત કથાગીતો, ઐતિહાસિક યુદ્ધવર્ણનો તથા સ્થાનિક વીરોની ગાથાઓનો સમાવેશ થાય છે.

એત્રપ્પટ્ટુ, કુમ્મી, ચિન્ટુ, એસળ અને અમ્મનાઈ લોકગીતોનાં વિવિધ રૂપો છે. એત્રમ્ જળપાત્ર ભરતાં કે કોસ ચલાવતાં થતા શરીરના હલનચલનને લયબદ્ધ રીતે પ્રસ્તુત કરે છે. તેમાં પ્રણયકથા મુખ્ય હોય છે. કુમ્મી કન્યાઓનું ગરબાને મળતું ગીત છે. ચિન્ટુ બાળકોની દૈનિક પ્રાર્થનાનું ગીત છે. ક્વાતીચિન્ટુમાં દેવ-વિશેષની સ્તુતિ કરવામાં આવે છે. એન્નઈ ચિન્ટુમાં વિદ્યાર્થીના દૈનિક જીવનનું વર્ણન આવે છે. ઉડુક્કુ (નાનું ઢોલ) અને વિલ્લુ(રાવણહથ્થા જેવું વાદ્ય)ની સાથે ગવાતાં ગીતો ઉડુક્કઈ-પટ્ટુ અને વિલ્લુ-પટ્ટુ નામે જાણીતાં છે.

તમિલનાડુમાં તમિળ લોકસાહિત્યના અભ્યાસ પરત્વે વિશેષ આકર્ષણ છે. યુનિવર્સિટીમાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં તેને મહત્વનું સ્થાન મળેલું છે.

બંસીધર શુક્લ

તેલુગુ : તેલુગુ લોકસાહિત્યના ત્રણ વર્ગ પાડી શકાય : ગીત, ગદ્ય અને નાટ્ય.

તેલુગુમાં પ્રણયગીતોની વિપુલતા છે. તેમાં ભાવોની પરસ્પર- વિરોધી અભિવ્યક્તિ જોવા મળે છે.

હાસ્યગીતો પણ વિપુલ માત્રામાં છે. એમાં કેટલાંક પુરાણના પ્રસંગો પર આધારિત છે. લગ્નગીતોમાં હાસ્યની છોળો ઊડે છે. બીજા પ્રદેશોની જેમ તેલુગુ સમાજમાં પણ માંડવાવાળા તથા જાનૈયા એકબીજાની ઠઠ્ઠા કરે છે.

પ્રકૃતિના કોપનો ભોગ બનેલાઓનાં કરુણાગીતો પણ મોટી સંખ્યામાં પ્રચલિત છે. પરિવારજનો વિખૂટાં પડે એની વેદના તેમાં વ્યક્ત થાય છે.

આધ્યાત્મિક ગીતો તત્તવલુમાં અદ્વૈતવાદ પ્રગટ થાય છે. તેમાં કર્મકાંડ અને રૂઢિની અવમાનના કરી છે. પ્રભાતિયાં કે જાગૃતિગીત, હાલરડાં તથા વ્રતાલુ અને નોમુલુ જેવાં ભક્તિગીતો આ વર્ગનાં છે. બાલગીતોમાં બંનેનો સમાવેશ થાય છે.

શ્રમગીતોમાં પણ બે પ્રકારો છે. ખેતરોમાં કામ કરતાં તથા માર્ગનાં કામો કરતાં ગાવાનાં ગીતો વિશેષ લોકપ્રિય છે. ઘરમાં કામ કરતાં ગાવાનાં ગીતોમાં લયતાલ મુખ્ય છે. આંધ્રના ઇતિહાસની ઘણી કથાઓ કથાગીતોમાં ગવાઈ છે. તેમાં સામાન્ય રીતે અંત સુખદ હોય છે અને સત્યનો જય થાય છે. દુષ્ટોને દંડ મળે છે. એક વિશેષ પ્રકાર સ્થાનિક દેવીમાતાનાં ગીતોનો છે. પતિ પાછળ સતી થયેલી મહિલાઓની દેવીરૂપે પ્રશસ્તિ કરતાં ગીતો ચારણો દ્વારા ગામેગામ ગવાય છે.

ગદ્યમાં કથાલુ, સમેતાલુ (કહેવતો) અને પોદુપુલુ કે શાસ્ત્રાલુ (પ્રહેલિકા) – એ ત્રણ પ્રકારો છે. ગુણાઢ્યની ‘બૃહત્કથા’, ‘પંચતંત્ર’, ‘શુકસપ્તતિ’ અને ‘હંસવિંશતિ’ આ કથાઓનો સ્રોત છે.

ગૃહસ્થજીવન, વ્યવસાયી જીવન, વિદેશવેપાર આદિ વિષયની કથાઓ કહેવતો કે સમેતાલુ વર્ગમાં આવે છે. તેનાં બીજ પુરાણકથા કે દંતકથામાં મળે છે. કેટલીક કહેવતકથામાં અશ્લીલતા તરી આવે છે.

આંધ્રપ્રદેશ લોકનાટ્યની અખૂટ સંપત્તિ ધરાવે છે. તેના યક્ષગાન, વીથિનાટકમ્, પગતિ વેષાલુ, કલાપમ્, કુરવંજી, બોમ્મલતા (કઠપૂતળી), વલાકમ, બુરાકથા અને બહુરૂપ જેવા પ્રકારો છે. પગતિ વેષાલુ દિવસે ભજવાય છે. તેમાં એક કે બે કલાકારો ગામેગામ ફરતા પ્રતિદિન એક વેશ ભજવે છે.

કલાપમ્ યક્ષગાનનું પુરોગામી છે. તેનું સ્વરૂપ સરલ છે. તે એકાલાપરૂપે નીતિબોધ કરે છે.

કુરવંજી અધ્યાત્મના વિષયને સ્પર્શે છે. ધર્મનાં મૂળ તત્વો રમૂજ પમાડે તેવી શૈલીમાં પ્રગટ કરાય છે. વીથિનાટકમ્ સંસ્કૃત વીથિથી ભિન્ન ખુલ્લામાં ભજવાતું નાટક છે. બહુરૂપમાં એક જ કલાકાર વિવિધ શૈલીમાં અનેક પાત્રો પ્રસ્તુત કરે છે. એમાં સ્ત્રીપાત્ર પણ પુરુષ જ ભજવે છે.

કઠપૂતળીમાં તેની પ્રસ્તુતિની પદ્ધતિ અનુસાર ચાર શૈલીઓ છે. ખેલવાળા ગામેગામ ફરીને આજીવિકા મેળવતા. હવે આ કલા અર્દશ્ય થતી જણાય છે.

બંસીધર શુક્લ

નેપાળી : મૉંગોલિયન, કિરાતી, ઑસ્ટ્રિક અને આર્ય સંસ્કૃતિના સહિયારા પારણે નેપાળી સંસ્કૃતિનો ઉછેર થયો છે. આથી નેપાળી સંસ્કૃતિમાં વિવિધતા અને તેના હૃદયંગમ લોકસાહિત્યની ભવ્યતાનાં તત્વો ઊપસ્યાં છે. નેપાળી લોકસાહિત્યના અભ્યાસમાં તેનાં લોકગીતો, દંતકથાઓ, લોકકથાઓ, લોકનાટકો, કહેવતો અને પહેલીઓ વગેરેનો સમાવેશ થાય છે.

નેપાળના ઉત્સવો અને સામાજિક કાર્યક્રમોમાં ગીતો અને નૃત્યો હોય જ. ખેતીવાડીનાં એ બધાં અનિવાર્ય અંગ બન્યાં છે. પ્રત્યેક પ્રસંગને અનુરૂપ ગીત કે નૃત્ય હોય છે, ‘તીજ’ના ઉત્સવ વખતે નેપાળી સ્ત્રીઓ ‘સંગિની’ પ્રકારના લયમાં ગીતો ગાય છે અને નૃત્ય કરે છે. ખેતરમાં વાવણી કરતી વખતે ‘અશારે’નાં ગીતો, પાકની લણણી કે ઊપજ વખતે ‘માંગશીર’ ગીતો, નકામા ઘાસનું નીંદણ કરતી વખતે ‘લાલિમાઈ’ ગીતો તાલબદ્ધ રીતે ગવાતાં હોય છે. અન્ય તામંગ-નેપાળીઓ ‘સેલો’ અને રઈસ-નેપાળીઓ ‘હેક્પાર’ પ્રકારનાં લોકગીતો નૃત્યમાં પ્રયોજે છે. હેક્પાર ઘણુંઘરું મેળા વખતે ગવાય છે. નેપાળીઓમાં ગુરુંગ જનજાતિની તોલે અન્ય કોઈ ગાયકો ન આવે. ગુરુંગનાં યુવક-યુવતીઓ ‘રોડી-ઘર’નો સંગીત-નૃત્યનો મહોત્સવ પૂરો એક મહિનો ઊજવે છે. આ ઉપરાંત ‘બાલન’ અને ‘બારામાસી’ જે તે ઋતુને અનુકૂળ ગીતોનો ઉત્સવ છે.

જુદા જુદા પ્રસંગે નૃત્ય સાથે ગવાતાં ગીતોમાં નવાંનું પણ ઉમેરણ થાય છે. આવાં બધાં અગણિત ગીતો છે. કેટલાંક ગીતોમાં અભિવ્યક્ત થતા કલ્પનાપ્રચુર અલંકારો સાદા પણ હૃદયંગમ હોય છે.

નેપાળી સોરઠી જુદા જુદા 16 સૂરમાં અને 16 તાલ કે લયમાં ગવાય છે અને તેમાં નૃત્યકારો મારુની અને ધાતુવેરની અંગમરોડમાં 16 ભંગિ અને હાવભાવ દ્વારા રાજા જયસિંહ અને રાણી હિમૈતીની દંતકથાને ભજવે છે.

‘સંગિની’માં રાજ હરિમલ્લા અને રાણી જલબાલ્ડીની કથા છે.

‘કિરાતી મુંધુમ’ લિંબસ નેપાળીઓનો પવિત્ર ગ્રંથ છે. તેમાં પૃથ્વીના સર્જનની વાત આવે છે.

‘સવાઈ’, ‘કર્ખા’, ‘પૈકેલો’ અને ‘પડેલી’ લોકસંગીતના ઢાળવાળાં ગીતો છે અને ‘ફેગ’, ‘ધમરી’, ‘ધુસ્કો’, ‘ચૈત’ અને ‘ભા’ઇની જેમ જ તેમાં દંતકથાઓ વણી લેવાઈ છે. નેપાળી ભાટ-ચારણો ઐતિહાસિક રાજાઓ અને યુદ્ધોની કથા કરતા ફરે છે. મોટાભાગની લોકકથાઓ અસલ રચનાઓ છે, જ્યારે કેટલીકમાં સ્થળ-કાળ પ્રમાણે ફેરફાર થયા છે.

નેપાળી ભાષામાં કહેવતોનો ભંડાર છે, જેમાંની કેટલીક લોકસાહિત્યમાં ર્દષ્ટિગોચર થાય છે. ઉખાણાં લોકસંસ્કૃતિ પર પ્રકાશ પાડે છે.

વિ. પ્ર. ત્રિવેદી

પંજાબી : પંજાબની મોટાભાગની ગ્રામવાસી વસ્તીનાં ગીતોમાં ધરતી ખેડવી, પાકની વાવણી કે ખેતરની સિંચાઈ કરવી તથા લશ્કરમાં જોડાઈ જવા માટેની વિદાય તેમજ શરાફો અને અમલદારશાહીના હાથે લોકોનું શોષણ જેવા વિષયો ગુંજતા હોય છે. ઉત્સવ અને તહેવાર પ્રસંગે ભાટ લોકો ઐતિહાસિક તથા યુદ્ધવિષયક કથાકાવ્યો રજૂ કરે છે. પ્રસંગોપાત્ત, ‘રામાયણ અને ‘મહાભારત’ જેવાં મહાકાવ્યો પર આધારિત નાટકો પણ ભજવાતાં હોય છે.

હાલરડાં તથા જોડકણાં જેવી રચનાઓ બાળકો અને કિશોરો જેવા વર્ગમાં લોકપ્રિય રહી છે. વર્ષાઋતુને લગતાં ‘સાવન’ જેવાં ઋતુકાવ્યો પણ પ્રચલિત રહ્યાં છે. ‘હરિયા’ અને ‘સુહાગ’, ‘છાંટ’ તથા ‘સિથાનિયાં’, જન્મોત્સવ અને લગ્નોત્સવનાં ગીતોમાં ખાસ સાંસ્કૃતિક મહત્વ સચવાયેલું છે. અવસાન પ્રસંગે ‘આલ્હની’, ‘વૈન’ તથા ‘કિરને’ ગવાય છે. વળી દંતકથાનાં તથા પૌરાણિક સમયનાં નાયક-નાયિકાને લગતાં વીરશૃંગાર રસનાં ગીતો પણ લોકભોગ્ય છે. લગ્નગીતો બહુધા મહિલાવૃંદો રાતના સમયે ઢોલકી સાથે ગાતાં હોય છે.

પંજાબી લોકસાહિત્યની સર્વોત્તમ રચનાઓ તે પ્રણયગીતો. તેમાં મિલનનો હર્ષોન્માદ તથા વિરહની વ્યાકુળતા–વેદના વણાયાં હોય છે.

પંજાબમાં પ્રચલિત બનેલી કથાઓ હરપ્પા સંસ્કૃતિથી ઊતરી આવેલી અને બીજી કેટલીક તેથીય પ્રાચીન દંતકથાઓ અને પુરાણ-કથાઓમાંથી ઊતરી આવેલી ગણાય છે. દંતકથાઓ સૌથી રસપ્રદ અને પ્રેરક કથાવસ્તુ ધરાવે છે. તેમાં પ્રેમીઓ, યોદ્ધાઓ, સાહસિકો, સંતો તથા પીર જેવાં પાત્રો હોય છે. પંજાબી લોકસાહિત્ય કહેવતો તથા સૂત્રાત્મક–માર્મિક રચનાઓની ર્દષ્ટિએ સમૃદ્ધ છે. કેટલીક કહેવતોનું પગેરું છેક વેદકાળમાં જોવાય છે. પંજાબી લોકો ઉખાણાં અને કોયડાના શોખીન છે. મોટાભાગે લોકો રાતે ભેગા મળે ત્યારે ઉખાણાં પૂછીને આનંદ માણે છે. ઉખાણાંની નિયમિત સ્પર્ધા પણ યોજાય છે.

પંજાબી લોકસાહિત્યમાં વૈવિધ્ય રહેલું છે, પરંતુ હજુ સુધી કોઈ સંસ્થા કે એકૅડેમી તરફથી લોકસાહિત્યનાં આ વિવિધ સ્વરૂપોને વૈજ્ઞાનિક ઢબે સંગૃહીત અને સંપાદિત કરવાનો પ્રયાસ થયો નથી.

મહેશ ચોકસી

બંગાળી : પશ્ચિમ બંગાળના લોકો દ્વારા પરંપરાગત રીતે જળવાયેલું લોકસાહિત્ય ભારતીય લોકસાહિત્યનું ઊજળું પાસું છે. આ લોકસાહિત્યમાં ગદ્ય કે પદ્ય-કથાઓ, લોકગીતો, પ્રાસાનુપ્રાસવાળું પદ્ય, કહેવતો અને ઉખાણાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. દંતકથા, મંગળકથા, ધર્મકથાઓ વગેરે ગદ્યમાં જળવાઈ છે. આમાંય વાર્તાના સ્વરૂપમાં રૂપકથા, વ્રતકથા, ઉપકથા આવે છે. રૂપકથામાં પરીકથા આવે છે. ‘શ્વેતવસંત’, ‘દલિમકુમાર’, ‘નીલકમલ–લાલકમલ’, ‘સતભાઈ ચંપા’, ‘સુખદુ:ખ’, ‘ફકીરચંદ’ અને ‘રાજકન્યા કલાવતી’ નામની લોકકથાઓનો વિષય પ્રેમ અને સાહસ છે. અહીં પ્રાણીકથા દ્વારા શાણપણ અને હાસ્ય પીરસાયું છે. ‘વાનર રાજપુત્ર’ની કથામાં મુખ્ય પાત્ર મનુષ્યજાતિમાં જન્મેલ ‘વાનર’ રાજકુમાર છે. ‘વ્રતકથા’ એકંદરે કર્મકાંડ કે વ્રતની ઉજવણી સાથે સંકળાયેલી જણાય છે. બંગાળના સામાજિક–સાંસ્કૃતિક ઇતિહાસને સમજવા માટે વ્રતકથા સારું સાધન બની શકે તેમ છે. ઉપકથા મુખ્યત્વે પશુકથા હોય છે. સભાકથા કે રસકથા ઉપકથાઓ છે. આમાં પશુકથા આગવી ભાત પાડે છે. રસકથા અને હાસ્યકથા પણ બંગાળી લોકસાહિત્યનું આગવું સ્વરૂપ છે. હાલના બાંગ્લાદેશમાં જાણીતી ‘ટ્યાતોન’ કથાઓનું પણ આગવું પોત છે.

‘ગીતિકા’ એક પ્રકારનાં કથાકાવ્યો છે. કથાકાવ્યો ધાર્મિક અને બિનસાંપ્રદાયિક પ્રકારનાં છે. બંગાળના ઉત્તર પ્રાંતોમાં ધાર્મિક અને હાલના બાંગ્લાદેશમાં બિનસાંપ્રદાયિક કથાકાવ્યોનું સવિશેષ ચલણ છે. ધાર્મિક કથાકાવ્યો ‘નાથગીતિકા’ કે ‘યુગીયાત્રા’ તરીકે ઓળખાય છે. ‘માયમેનસિંહ ગીતિકા’ સંગ્રહમાં મૉંગોલિયન આદિવાસીઓના રીતરિવાજોની ઝલક જોવા મળે છે. શ્રમ, કર્મકાંડ, ઋતુચક્ર, સમારંભ અને આ્ધ્યાત્મિક વિષયો પરનાં સંગીતમય લોકકાવ્યોમાં અલ્કપ, બોલન, ગંભીરા, મારિફતી, મુર્શિદી, જરી, સારી, ખાન, ઘાટુ, પાંચાલી, જાગ, પીર, ઝુમુર, પંખી, બટાલી વગેરે સંગીતનાટ્યના અદભુત નમૂના છે. બંગાળી લોકકાવ્યમાં પ્રાસાનુપ્રાસનો વારસો ભવ્ય છે. ‘ઘુમપદાની’ (હાલરડાં), ‘છેલે ભુલાનો’ (બાળગીતો), ‘મેયેલી’ (સ્ત્રી-ગીતો) વગેરે લય અને ઢાળમાં ગવાતાં ગીતો છે. રવીન્દ્રનાથ ટાગોરે બંગાળી ‘છાદા’નો તેમના લોકસાહિત્યમાં સંગ્રહ કર્યો છે. બંગાળીમાં કહેવતોને ‘પ્રવાદ’ કહે છે. ઉખાણાંને ‘ધાંધા’ કે ‘શિલુક’ કહે છે. તેમાં સામાન્ય પ્રજાનાં ડહાપણ અને બુદ્ધિના ચમકારા જોવા મળે છે. તેમનું સ્વરૂપ ‘છાદા’ જેવું હોય છે.

આ સંદર્ભમાં  બાઉલ પરંપરાનો વિચાર પણ કરવો ઘટે લોકસાહિત્યનો બંગાળ પર પ્રભાવ છે અને આધુનિક બંગાળી સાહિત્ય અને સંસ્કૃતિ પર તેની સ્પષ્ટ અસર જોવા મળે છે.

વિ. પ્ર. ત્રિવેદી

મણિપુરી : કંઠ્ય પરંપરા અને અનામી કર્તૃત્વને લોકસાહિત્યનાં મુખ્ય લક્ષણો ગણવામાં આવે તો આદિકાળથી માંડીને ઓગણીસમી સદીના મધ્ય ભાગ સુધી મોટાભાગના મણિપુરી સાહિત્યને લોકસાહિત્ય તરીકે સ્વીકારી શકાય.

મણિપુરી લોકસાહિત્યમાં વાર્તાઓ, ગીતો, નૃત્ય, નાટક, ક્રિયાકાંડનું સાહિત્ય, કહેવતો, ઉખાણાં અને કથા-કાવ્યો જેવું વૈવિધ્ય છે. મણિપુરી લોકવાર્તામાં મણિપુરની ટેકરીઓમાં વસતી મુખ્ય 29 આદિમ જાતિઓ અને મણિપુરની ખીણોમાં વસતી મૈતેઈ પ્રજાનો લોકવાર્તાઓનો વારસો ખૂબ સમૃદ્ધ છે. આ લોકવાર્તાઓ વિષયની ર્દષ્ટિએ કલ્પિત અને દંતકથારૂપે હોય છે. મણિપુરી લોકવાર્તાઓના અંગ્રેજી અનુવાદ અવારનવાર સામયિકોમાં – અઠવાડિકોમાં પ્રસિદ્ધ થાય છે. મણિપુરના મૈતેઈ અને આદિવાસીઓનાં પ્રસંગોપાત્ત, ગવાતાં લોકગીતો મોહક અને આનંદદાયક હોય છે. ઘણા શાસ્ત્રીય રાગોનું મણિપુરીના સંકીર્તન-સંગીતના લોકઢાળ અને લોકસંગીત સાથે પણ સામ્ય જોવાયું છે.

મણિપુરી લોકગીતોમાં શોકગીતો, વાવણી અને લણણીનાં ગીતો, પ્રેમાલાપનાં ગીતો, ક્રિયાકાંડનાં ગીતો, બાળકોનાં રમત-ગીતો તથા પ્રસંગ અને ભાવને અનુરૂપ બીજાં સંખ્યાબંધ લોકગીતો છે.

થાઓશંગ (ડોલજાત્રા) નામની ઋતુ દરમિયાન મણિપુરીઓ દિવસોના દિવસો સુધી રાતના સમયે ચંદ્રના અજવાળે ‘થાબલ ચાગ્બા’ તરીકે ઓળખાતા નૃત્યમાં લોકગીતો અને ટૂંકી વાર્તાઓ સમૂહગાન તરીકે રજૂ કરતા હતા. તહેવારમાં ઘણાં ગીતો ગવાય છે અને આકર્ષક સંવાદો સમગ્ર ઉત્સવનો અગત્યનો ભાગ બની રહે છે.

મણિપુરી નાટકોના મોટાભાગનાં વિષય અને વસ્તુનાં મૂળ અને શૈલી લોકજીવન પર નિર્ભર છે. મણિપુરની પુરાણકથાઓ, વિવિધ વ્યક્તિવિશેષ અને પ્રસંગો સાથે વણાયેલી દંતકથાઓ, મણિપુરનો ઇતિહાસ અને પ્રજાજીવનની લોકવાર્તાઓ સદીની શરૂઆતથી આજ સુધી મણિપુરી નાટકની વિષયસામગ્રી બની રહ્યાં છે.

છેલ્લા દાયકાઓમાં મણિપુરી રંગમંચનો મુખ્ય ઝોક લોકજીવનના વિષયવસ્તુ અને લોકશૈલીના ઉપયોગ પરત્વે રહ્યો છે.

મણિપુરીઓ અનેક ક્રિયાકાંડ આચરે છે. તેમની લાગણીઓ અને ભાવો વ્યક્ત કરવામાં તેઓ કહેવતો અને ઉખાણાંનો નિરંતર ઉપયોગ કરતા રહે છે. આ ક્રિયાકાંડમાં સૂત્રો, આહ્વાન-સૂત્રો અને પ્રાર્થનાઓ આવે છે. મણિપુરી લોક-કહેવતો અને ઉખાણાંનો ઉપયોગ નિર્દોષ આનંદ માટે – મનોરંજન માટે તેમજ બાળકોને વ્યવહારુ શિક્ષણ આપવા માટે કરવામાં આવે છે.

બળદેવભાઈ કનીજિયા

મરાઠી : મરાઠી ભાષામાં લોકસાહિત્ય વિપુલ પ્રમાણમાં હોવા ઉપરાંત વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ છે. તે મરાઠીભાષી લોકોના જીવનવ્યવહાર સાથે સંકળાયેલાં વિધિ, આચારો, સંસ્કારો, રૂઢિઓ અને પરંપરાઓનું તાર્દશ ચિત્ર રજૂ કરે છે. મરાઠી લોકસાહિત્યનો ઇતિહાસ ગુણાઢ્ય અને શાલિવાહન કાળ જેટલો પ્રાચીન છે. મહારાષ્ટ્રની તદ્દન પછાત ગણાતી માંગ, મહાર જેવી જમાતમાં પણ તેમની વિશિષ્ટ સામાજિક અને સાંસ્કૃતિક છાપ ઉપસાવી શકે તેવી લોકકથાઓ અને લોકગાથાઓ છે. અન્ય પ્રાદેશિક સંસ્કૃતિઓની જેમ મહારાષ્ટ્રની વાસુદેવ અને ગોંધળી જેવી લોક-ટોળીઓનો છંદોબદ્ધ રીતે રચાયેલી લોકકથાઓનો ભંડાર પેઢી-દર-પેઢી સચવાતો રહ્યો છે.

મરાઠી લોકસાહિત્યમાં દેવદેવતાઓ અને સંતો વિશેની કલ્પિત કથાઓ, પુરાણકથાઓ, પરીકથાઓ, અપ્સરાઓ અને યક્ષણીઓ અંગેની તદ્દન કાલ્પનિક વાર્તાઓ, દંતકથાઓ, બોધકથાઓ, અદભુતરમ્ય ઘટનાઓનું બયાન કરતી વાર્તાઓ, ઉખાણાં, કહેવતો વગેરે પ્રચલિત છે. લોકકથાઓના બે મુખ્ય ઉદ્દેશ લોકરંજન કરવાનો અને બીજો, આવી કથાઓના બયાન દ્વારા લોકોમાં ડહાપણ, નીતિમત્તા અને ચતુરાઈનો પ્રસાર કરવાનો હોય છે. પુરાણકાળની બોધકથા કે ર્દષ્ટાંતકથાઓમાં ‘કહાણી’ એ એક પ્રાચીન સ્વરૂપની લોકકથાઓ ગણાય છે. દરેક કહાણીમાં કોઈ ને કોઈ બોધપાઠ તો હોય છે જ. દરેક વ્રતદીઠ એક કહાણી હોય છે, જેનું શ્રવણ કર્યા વિના વ્રત પૂર્ણ થયેલું ગણાતું નથી એવી શીખને કારણે તે મરાઠીભાષી નારીજીવન સાથે કાયમ માટે સંકળાયેલી રહી છે.

મરાઠી લોકસાહિત્યના સંશોધનરૂપે કેટલાંક લક્ષણો તારવી કાઢવામાં આવ્યાં છે : (1) મરાઠી લોકકથાઓમાં સ્થળાંતરનું લક્ષણ જોવા મળે છે અને તેને લીધે તેના મૂળ તત્વમાં ફેરફાર ભલે ન થયા હોય, પરંતુ વિસ્તારદીઠ તેની બાહ્ય વિગતોમાં ફેરફાર થતા રહ્યા છે. (2) જુદા જુદા છંદમાં લખાયેલાં લોકગીતો લોકોના ભિન્ન ભિન્ન મનોવ્યાપારનું પ્રતિનિધિત્વ અને જુદા જુદા લોકમિજાજનું નિરૂપણ કરે છે. (3) ભિન્ન-ભિન્ન ઋતુઓના સંદર્ભમાં લખાયેલાં ગીતો ‘ઋતુગીતો’ તરીકે ઓળખાય છે. (4) વિશિષ્ટ પ્રસંગે અથવા તહેવારો પર ગવાતાં લોકગીતોની એક અલગ શૃંખલા છે. આ ગીતો ગાનારી કુમારિકાઓ લત્તે લત્તે ફરીને જુદા જુદા પરિવારોમાં તેની રજૂઆત કરતી હોય છે. (5) કેટલાંક લોકગીતો મહારાષ્ટ્રના અમુક પ્રદેશો કે ગામોનાં નામ ધારણ કરે છે. આ પ્રકારનાં ગીતોમાં જે તે વિસ્તારની બોલીની ઝલક જોવા મળે છે.

‘ઓળી’ બે લીટીનો શ્ર્લોક હોય છે અને તે મરાઠી લોકસાહિત્યનો એક અલાયદો પ્રકાર છે. સ્ત્રીઓ ઘરકામ કરતી હોય કે રમતો રમતી હોય કે કોઈ ધાર્મિક વિધિ કરતી હોય ત્યારે તે ઓળીબદ્ધ ગીતો ગાતી હોય છે. ‘ભારુડ’, ‘લળિત’ જેવા લોકસાહિત્યનો પ્રકાર મરાઠી ભાષામાં નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે. ‘ભારુડ’માં કપોલકલ્પિત વાર્તા ગૂંથવામાં આવેલી હોય છે અને ગૂઢતા એ તેનો સ્થાયી ભાવ હોય છે, જ્યારે ‘લળિત’ એ મરાઠી લોકનાટ્યનો એક પ્રકાર છે. ‘તમાશા’ પણ મરાઠી લોકનાટ્યનો એક અત્યંત પ્રભાવી અને લોકપ્રિય પ્રકાર છે. રંજકતા એ તેનો મુખ્ય ઉદ્દેશ હોય છે. તેમાંનાં સંવાદો, સંભાષણો અને ગીતો શૈલીબદ્ધ હોય છે.

મરાઠીમાં ઉખાણાં અને કહેવતો લોકસાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. ‘આહણા’, ‘કોકે’ અને ‘ઉમાણ’ – એ પણ મહારાષ્ટ્રમાં ઉખાણાના પ્રચલિત પ્રકાર છે. કહેવતો મરાઠી ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓમાં લગભગ સમાન સ્તરે જોવા મળે છે.

કેટલાક વિચારકો ‘પોવાડા’ અને ‘લાવણી’ને પણ મરાઠી લોકસાહિત્યના ભાગ તરીકે ગણે છે, પરંતુ તેમના રચનાકાળ અને રચયિતા અજ્ઞાત હોતા નથી; એટલું જ નહિ, પરંતુ લગભગ દરેક ‘પોવાડા’ અને ‘લાવણી’ની અંતિમ લીટીઓમાં તેના રચયિતાનો નામનિર્દેશ કરવામાં આવતો હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

મલયાળમ : મલયાળમમાં લોકસાહિત્ય સૌથી જૂનો પ્રકાર એટલે કે લગભગ હજાર વર્ષ પ્રાચીન છે. હમણાં સુધી તે મૌખિક પરંપરામાં જ જીવંત રહ્યું. ઐતિહાસિક ર્દષ્ટિએ તે વર્તમાન લિખિત સાહિત્યને તેના દ્રવિડ મૂળ સાથે જોડે છે. તે ભાષાનું પ્રારંભિક સ્વરૂપ જાળવી રાખે છે. તેની વિશેષતા તેનું ધર્મનિરપેક્ષપણું છે. કર્મકાંડ સાથે સંકળાયેલાં લોકગીતો જેવું જ દૈનિક જીવનની સર્વસામાન્ય વાત કરતું લોકસાહિત્ય પણ વિપુલ છે.

અજ્ઞાત સર્જકનાં સ્તોત્ર અને ભજનો ભક્તો મંદિરોમાં કે ઘેર સવારસાંજે ગાય છે. પર્વ તથા વિશેષ પ્રસંગે લાંબાં કથાનકો કે નાટ્યો મંચ પર કે તે વગર પ્રસ્તુત કરાય છે. વિધિરૂપે અથવા મનોરંજન માટે ઢોલ સાથે ગીતો ગવાય છે. લોકસાહિત્યનાં સ્વરૂપો તેય્યમ, તીરા, પદ્યાનિ, તિય્યટ્ટુ, મુદિ યેટ્ટુ, કાકરિસ્સિ, વેલકલિ, તિરુવાટિરા, કોલમ તુલ્લાલ આદિ પૂર્વનાટ્ય કે નૃત્યશૈલીઓમાં ગોઠવાતાં રહ્યાં. વાવણી, પિયત, લણણી આદિ સમયે કૃષિશ્રમિકો તેમનાં ગીતો ગાય છે. દરેક ક્ષેત્રને પોતાનું સાહિત્ય છે. બધાં ક્ષેત્રોમાં યુદ્ધગીતો, નૌકાગીતો, ક્રીડાગીતો, વિવાહગીતો તથા વીરગાથા, પ્રણયગાથા, પુરાણકથા તથા ઐતિહાસિક કથાનકો સાથે સાથે જોવા મળે છે. ઉત્તર મલબારમાં વડક્કન પટ્ટુકલ નામનાં તથા દક્ષિણે ત્રાવણકોરમાં ટેક્કન પટ્ટુકલ નામનાં કથાગીતો પ્રચારમાં છે.

કર્મકાંડસંલગ્ન નૃત્યો મૃદંગ સાથે મંદિરોમાં પ્રસ્તૃત કરાય ત્યારે તે વિષયનાં ગીતો ગવાય છે. પુરાણકાળનાં ધ્વનિવાળાં છંદોબદ્ધ ગીતો દ્વારા દેવની કૃપાપ્રાર્થના કરાય છે.

કૈકોટ્ટિકલી અથવા તિરુવાતિરામાં સ્ત્રીઓ ગરબા જેવી રચનામાં રમૂજી ગીતો પ્રસ્તુત કરે છે. સૌરાષ્ટ્રના પુરુષોના ગરબા જેવા કોલકોલ નૃત્યોમાં કેરળના પુરુષો જુસ્સાપૂર્વક ઝૂમે છે.

કેરળમાં સર્પપૂજા વ્યાપક છે. પુલ્લુવન જ્ઞાતિના લોકો સર્પવંદનાનાં ગીતો તથા નૃત્યો સુંદર રીતે રજૂ કરી શકે છે. અય્યપ્પાની અવતારકથા અય્યપ્પનપટ્ટુ ઘરોમાં તથા યાત્રામાં બધે ગવાય છે.

અનેક લોકગીતો વળગાડ દૂર કરે એવી ભાવનાથી ગવાય છે. આમાં ભૂવાનો મહિમા અકબંધ રહ્યો છે. ઘણાં પર્વો એવાં છે જ્યારે નૌસ્પર્ધાઓમાં યુવાનો ઉત્સાહથી ભાગ લે છે. તે સાથે વિશેષભાવે નૌસ્પર્ધાગીતો પણ ગવાય છે. ખેતરોમાં સમુદાયમાં કામ કરતા લોકો – ખાસ કરીને સ્ત્રીઓ ગીતો ન ગાય એવું ભાગ્યે જ બને. કેટલાંક લોકગીતો કેવળ તેમની મધુરતા માટે જ વખણાય છે. તેમાં પ્રણયગીતો વિશેષ હોય છે.

કેરળના પૌરાણિક રાજા મહાબલિના પૃથ્વી પરના આગમનની સ્મૃતિમાં ઓણમ પર્વ ઊજવાય છે. ઓણમને અનુલક્ષીને પ્રચલિત થયેલાં ગીતોની સંખ્યા ઘણી મોટી છે. ઊંજલ પટ્ટુ (હીંચકાનાં ગીત), અમ્માના પટ્ટુ (દડો ઉછાળવાના જાદુનાં ગીત), તુમ્પી ઉરાયલ (કન્યાઓનાં આવેશયુક્ત ગીત) જેવાં ગીતો કેરળની સંસ્કૃતિનાં અંગ છે.

મલયાળી સ્વભાવનું સાચું દર્શન વિનોદકાવ્યોમાં થાય છે. મલયાળી વિનોદ લોકકથાઓ તથા અસંબદ્ધતાનાં ગીતો(હડૂલો)માં સચવાયો છે. એમાંનાં ઘણાં આજે પણ મૌખિક રૂપે પ્રચારમાં છે.

પ્રહેલિકા (ઉખાણાં) અને રમૂજ લોકસાહિત્યમાં ઉચિત સ્થાન ધરાવે છે. જીભમરોડના નમૂનાઓ પણ લોકપ્રિય છે. જૂના સમયમાં અમુક જ્ઞાતિઓ અમુક ગીતો ગાય તેવી પ્રથા હતી.

લોકનાટ્ય પ્રમાણમાં ઓછું સમૃદ્ધ છે. આમ છતાં તેની પ્રાચીનતાને કારણે સંસ્કૃત મંચને તે પ્રભાવિત કરી શક્યું છે. કથકલિ ભલે શાસ્ત્રીય હોય, પણ તે મહદંશે લોકનાટ્યથી પ્રભાવિત છે. કાકરિસ્સિ, તિય્યટ્ટુ, મુદિયેટ્ટુ, પદ્યાનિ, કોલમ તુલ્લાલ આદિ સાચા અર્થમાં મંચનાટ્યો છે.

મલયાળમ લોકકથાનો હજુ સંતોષકારક સંચય થયો નથી. કેટલાક સાહિત્યકારોએ તેમની ભાષામાં સંગ્રહો કર્યા છે. પણ તેમાં લોકકથાની શૈલી પ્રસ્ફુટ થતી નથી.

બંસીધર શુક્લ

મૈથિલી : મોટાભાગના મૈથિલીભાષી ગ્રામવિસ્તારોના લોકસાહિત્યમાં સામાન્ય લોકજીવનનું પ્રતિબિંબ પડે છે.

મૈથિલી લોકસાહિત્યને દેવપક્ષ (દૈવી) અને રસપક્ષ (લૌકિક) એમ સામાન્ય રીતે બે ભાગમાં વહેંચી શકાય. દૈવી ગીતોમાં પ્રતિ, ભૈરવી, જજમંતી, વિહગ, વિષ્ણુપદો, મહેશ્વરી, નાચરી અને ગોસૌનિક ગીત જેવાં ભજનોનો સમાવેશ થાય છે. તે પૈકી ખાસ કરીને મધુર રીતે ગવાતી શિવસ્તુતિ માટે મહેશ્વરી અને નાચરીનું સ્થાન અજોડ છે. શક્તિ કે કુળદેવીની પ્રશંસારૂપે ગવાતાં ગીતો ગોસૌનિક ગીતો કહેવાય છે. ખાસ ઉપવાસ અને તહેવારો સાથે સંકળાયેલ ઘણાં બધાં વ્રતગીતોમાં મધુશ્રવણિકા ગીત અને છઠીકા ગીત વિશેષ જાણીતાં છે.

સંખ્યાબંધ લૌકિક ગીતોમાં લગ્નગીતો સહિત સોહર(જન્મ)ગીત અને સંસ્કારગીતોમાં તમામ પ્રકારનાં લગ્નગીતો, પ્રેમગીતો, ઋતુગીતોનો સમાવેશ થાય છે. પવાડા અને કથાગીતો વધુ કાવ્યમય હોય છે. બાળજોડકણાં, હાલરડાં, ઉખાણાં તથા કહેવતોનું પુષ્કળ વૈવિધ્ય તેમાં રહેલું છે.

આ ગીતો પૈકી જત-જતીના અને વાતહવાન જેવાં નાટ્યગીતો સૌથી વધુ મધુર છે. પ્રથમ પ્રકારનાં ગીતોમાં વર્ષાનું આહ્વાન અને બીજા પ્રકારમાં પવનની લહેરોનું આહ્વાન કરાય છે.

મૈથિલીભાષી તિરહૂત ભૂમિની સૌથી ઉમદા દેન સમાં તિરહૂતી ગીતોમાં પ્રેમગીતોનો ઉત્તમ આવિષ્કાર છે. તે પૈકી બતગમની, જોગ અને ઉચિતિ જેવાં ગીતો ઉત્કૃષ્ટ રસિકતા ધરાવે છે.

લગ્ન સમયે વર-કન્યા વચ્ચે રમાડાતી પ્રીતિ-રમતોની ભાવના કાબરાગાન દ્વારા જીવંત બનાવવામાં આવે છે. વર-કન્યાની વિદાય વેળાએ ઉદાસી અને સમદમની ગીતો ખાસ મૈથિલી ઢાળમાં ગવાય છે.

ગદ્ય સ્વરૂપોમાં સરળથી માંડીને વિનોદી કહેવતો અને સૂત્રો તથા અત્યંત કાલ્પનિક છતાં સંસ્કારી વ્રતકથાઓ અને લૌકિક લોકવાર્તાઓથી માંડીને મિથ્યા-તાંત્રિક રહસ્યમયતાવાળી કથાઓનો સમાવેશ થાય છે. મિથિલા તંત્રની ભૂમિ લેખાઈ છે. તેમાં સ્થાનિક વાતાવરણમાં ઘણી દંતકથાઓ અને વાર્તાઓ ઉદભવેલી છે. તેમાં વિષહર અને તાંત્રિક પંથના સંખ્યાબંધ અનુયાયીઓ પણ છે.

વર્તમાન લોકકવિતામાં વૈષ્ણવ કીર્તનનું પ્રભુત્વ જોવા મળે છે. રામવિવાહ કીર્તન અને કિશોરી સંકીર્તન અતિ લોકપ્રિય છે.

મિથિલાના લોકસાહિત્યમાં સુંદરતા અને લાલિત્ય પુષ્કળ પ્રમાણમાં છે. શિષ્ટ સાહિત્ય મર્યાદિત લોકોને જ સુલભ છે. લોકસાહિત્ય તમામ વર્ગના તેમ સ્તરના લોકોમાં વ્યાપક બનેલું છે. વ્રતકથાઓ ઘણી વાર સંસ્કૃત શ્લોકમાં લખેલ લઘુપુરાણો જેવી લાગે છે. મૈથિલીમાં લખાયેલ આ સાહિત્ય દ્વારા સામાન્ય માનવીને તમામ પ્રકારનું શિક્ષણ તથા જીવનનાં તાત્ત્વિક મૂલ્યોનો બોધ મળી રહે છે. પણ આધુનિક ચલચિત્રો મારફત શહેરી સભ્યતા તથા સંસ્કારોએ સામાન્ય માણસના જીવનમાં પગપેસારો કર્યો હોવાથી આજે ગ્રામીણ સંસ્કૃતિની સીમારેખાઓ લોપાઈ જવાનો ભય ઊભો થયો છે.

મિથિલાનું લોકસાહિત્ય પ્રસંગોપાત્ત શિષ્ટ સાહિત્ય માટે પણ પ્રેરકબળ નીવડ્યું છે. તાજેતરમાં લોકઢાળ તથા લોકકથા-ઘટકોના વિનિયોગ દ્વારા શિષ્ટ સાહિત્યક્ષેત્રે વિકાસ અને વૈવિધ્ય લાવવા અજમાયશ થઈ રહી છે.

બળદેવભાઈ કનીજિયા

રાજસ્થાની : રાજસ્થાની લોકસાહિત્યના પ્રાચીન પ્રકારો ‘ઢાલ’, ‘દેશી’, ‘લોકવાર્તા’, ‘ઉખાણાં’, ‘કહેવતો’ વગેરેમાં જોવા મળે છે.

લોકગીત એ રાજસ્થાની લોકસાહિત્યનો અગત્યનો પ્રકાર છે. ધાર્મિક, સામાજિક કે ઔપચારિક પ્રસંગે પરિવારની સ્ત્રીઓ દ્વારા ગવાતાં રાજસ્થાની લોકગીતો, અગ્રવર્ગના વર્તુળમાં વ્યાવસાયિક ગાયકો દ્વારા ગવાતાં ગીતો, શહેરોના રસ્તા, ગામોની શેરીઓ કે ગામડાંનાં ફળિયાંમાં ફરતા ગાયકો દ્વારા ગવાતાં ગીતો, ધાર્મિક અને આધ્યાત્મિક વિચારસરણી વ્યક્ત કરતાં ગીતો, કથાગીતો, પવાડા વગેરે અને આદિવાસી ગીતો આ 6માંથી પ્રથમ પ્રકારનાં ગીતો અગ્રસ્થાને મૂકી શકાય.

ગણગૌરી અને હોળી જેવા વસંતઋતુના તહેવારો વખતે ગવાતાં ‘ઘુમર’ અને ‘લુહારા’ નામક ખાસ ગીતોની શ્રેણી છે. રાજસ્થાની જનતામાં કેટલાંક ધાર્મિક અને આધ્યાત્મિક ગીતો ખૂબ પ્રચલિત છે. વ્યાવસાયિક ગાયકો દ્વારા તેમના સામંતોના રંજન માટે ગવાતાં ગીતોને શાસ્ત્રીય લોકગીતોના નામથી અથવા ‘મહાફલી ગીત’ નામથી ઓળખે છે. રાજસ્થાની લોકગીતોની શૃંખલામાં ‘ગઢગીત’ (songs of the forts) નામનો પણ એક પ્રકાર છે. ‘બગાવત દેવનારાયણ મહાગાથા’ લોકગીતમાં ચૌદમી સદીના રાજપૂત અને ગૂજર વચ્ચેના સંઘર્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. ‘પાબુજી રા પવાડા’ પણ રાજપૂતોના શૌર્યના વર્ણનને લગતું બીજું લોકપ્રિય લોકગીત છે, જે ‘ભોપા’ વર્ગના ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે અને તેમાં તાર-વાજિંત્રનો અનિવાર્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. ‘ગલાલેંગ’ નામક બીજું રાજસ્થાની લોકગીત મેવાડ અને વેગડા વિસ્તારોમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી શક્યું છે, જેમાં ગુલાલસિંહ નામક રાજપૂતની વફાદારી અને શૌર્યનું વર્ણન છે. સુલતાન નામના એક ગરીબોના હમદર્દીની કીર્તિગાથા પર રચાયેલું રાજસ્થાની લોકગીત ‘નિહાલદે સુલતાન’ પણ રાજસ્થાની લોકગીતોની શ્રેણીમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. ઉપરાંત, ભોપા અને જોગી જાતિના લોકો કેટલીક પુરાણકથાઓ અને ઐતિહાસિક કથાઓ પર આધારિત લોકગીતો ગાતા હોય છે.

લોકગીતો ઉપરાંત રાજસ્થાની લોકસાહિત્યમાં લોકગાથાઓ અથવા લોકવાર્તાઓ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. ‘બાતન રી ફુલવાડી’ શીર્ષક હેઠળના સંગ્રહમાં આશરે 1,000 લોકવાર્તાઓ પ્રકાશિત થઈ છે. હિંદી ભાષામાં પ્રકાશિત ‘રાજસ્થાન કી લોકગાથાએં’ નામક સંગ્રહમાં પણ ઘણી લોકગાથાઓ સાંપડે છે. ધાર્મિક વિધિઓ અને ઉપવાસ જેવી બાબતો પર આધારિત લોકગાથાઓ ‘રાજસ્થાની વ્રતકથાવન’ સંગ્રહમાં સુલભ છે.

કહેવતો અને રૂઢિ પર આધારિત કિસ્સાઓ પણ રાજસ્થાની લોકસાહિત્યમાં સ્થાન ધરાવે છે. વરસાદ અંગેની આગાહી, શુભ અને અશુભ શુકન જેવી માન્યતાઓ વગેરે પર આધારિત લોકોક્તિઓ રાજસ્થાની લોકસાહિત્યમાં પ્રચલિત છે. તેમજ લોકપ્રિય ટુચકા પર આધારિત પ્રસંગકથા રાજસ્થાની લોકસાહિત્યનો એક ભાગ લેખાયો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

સિંધી : સિંધી લોકસાહિત્ય સિંધી ભાષા જેટલું જ પ્રાચીન છે. તેનું પગેરું છેક આઠમી સદીના પ્રારંભ સમયે નીકળે છે; એ વખતે નીચાણવાળા સિંધુ-ખીણપ્રદેશની ભાષા અપભ્રંશથી જુદી પડવાની શરૂઆત થઈ હતી. સિંધી લોકસાહિત્યના સૌથી પ્રારંભિક ગાળા(712–1520)નું લોકસાહિત્ય ભાટ-ચારણોએ કંઠ-પરંપરાથી જાળવી રાખ્યું હતું. તેમાં રાજવી અને સેનાનીઓનાં પરાક્રમોની તથા પ્રણય-શૃંગારની કથાઓ, દંતકથાઓ અને કેટલીક પુરાણકથાઓ તથા ધાર્મિક દંતકથાઓ છે.

મધ્યકાલીન ગાળા(1520–1843)નો આરંભ અર્ઘનોના શાસનથી થાય છે અને 1843માં બ્રિટિશ શાસને એ પ્રદેશ જીતી લેવાની સાથે એ ગાળો પૂરો થાય છે. પ્રારંભિક ગાળાનાં શૌર્ય-શૃંગારનાં ભૂમિજાત લોક-કથાનકો કંઠ-પરંપરા મારફત વિશેષ લોકપ્રિય બનવા લાગ્યાં. કેટલીક દંતકથાઓનું એ પ્રદેશના સૂફી-સંતોને પણ જબરું આકર્ષણ થયેલું.

અર્વાચીન સમય (1843થી આગળ) દરમિયાન કેટલાક ચારણો અને લોકકવિઓએ આવી દંતકથાઓ પદ્યમાં તેમજ ગદ્યમાં રચવાની અને ગાવાની પરંપરા જાળવી રાખી; વળી આ ગાળા દરમિયાન સિંધી લોકસાહિત્યના સંગ્રહ, સંપાદન અને પ્રકાશનની પ્રવૃત્તિને ભારે વેગ મળ્યો તે ઘટના મહત્વની નીવડી. આ ઉપરાંત આ ગાળાના સિંધી કવિઓ તથા ગદ્યલેખકોએ લોકસાહિત્યના વિષયો અપનાવવા માંડ્યા અને તેમાં બહુધા નવતર અર્થઘટન પ્રયોજ્યું. સિંધી કવિતાનો એક મુખ્ય પ્રકાર તે લોકગીતો; તેમાં વાર્તા-તત્વ હોતું નથી. તેના મધુરા સૂર તથા ગાયન-શૈલી લોકપ્રિય નીવડ્યાં છે. ‘જમાલો’, ‘મોરો’, ‘બેલાનુ’, ‘છાલો’ અને ‘લોલી’ જેવાં ગીતોમાં પ્રણય અને શૃંગારના વિષયો હોય છે; ‘હમારાચો’ નામક ગીતો શ્રમજીવીઓ ખેતરોમાં કામ કરતાં ગાતા હોય છે. ‘મંધિયારો’ એ દહીં વલોવતી વખતે મહિલાવૃંદના કંઠે ગવાતાં ગીતો છે. લગ્ન તથા લગ્ન સંબંધી અન્ય પ્રસંગોએ પણ નારીવૃંદ દ્વારા ગીતો ગવાતાં હોય છે. અવસાન પ્રસંગે ગવાતાં શોકગીતો ‘ઓસારા’ કે ‘પારા’ કહેવાય છે. સિંધી મુસલમાનો ખુદાની કે પયગંબરની પ્રશસ્તિરૂપે ગવાતાં ધાર્મિક ગીતો ‘મદાહા’, ‘મૌલુદા’, ‘મુનજાતા’ કે ‘માનક્વિબો’ તરીકે જાણીતાં છે. એ જ રીતે, ‘ઓરેનો’, ‘પનજિરા’, ‘ઉપાંગ’, શલોકા’, ‘સાખી’ તથા ‘શબ્દ’ એ સિંધી હિંદુઓના કેટલાક ભજનપ્રકાર છે.

વર્ણનાત્મક લોકકાવ્યોમાં કોઈ બનાવ કે કૃત્યનું સંક્ષિપ્ત વર્ણન હોય છે. ‘વાકિયાતી’, ‘બાયતા’, ‘મૌજૂઝા’ તથા ‘મુનાઝિરા’ આ પ્રકારનાં વર્ણનકાવ્યો છે. આ લોકકવિતામાં કથાકાવ્યો પણ ખાસ્સી સંખ્યામાં છે. તેમાં શૌર્ય-સાહસ તથા પ્રણય-શૃંગારની વાતો વિસ્તારપૂર્વક આલેખાઈ છે, વળી આમાં વર્ણનાત્મક ગદ્ય રચનાઓ પણ પુષ્કળ સંખ્યામાં છે. તેમાં વચ્ચે વચ્ચે દુહા અથવા કંડિકાઓ કે નાની કાવ્યકૃતિઓ મૂકવામાં આવે છે.

સિંધી લોકસાહિત્યની સમગ્ર ગદ્ય રચનાઓમાં લોકકથાઓ, પરીકથાઓ, બોધકથાઓ, અર્ધ ઐતિહાસિક દંતકથાઓ, પ્રાચીન કથાઓ અને ધર્મકથા કે આખ્યાનોનો સમાવેશ થાય છે. ગૌણ લોકકૃતિઓમાં રૂઢિપ્રયોગો, કહેવતો, ઉખાણાં, કોયડા, કામણટૂમણ, મંત્રતંત્ર, નિંદાત્મક અપશબ્દો, ફટાણાં, નિષિદ્ધ શબ્દપ્રયોગો વગેરેનો ઉલ્લેખ કરી શકાય.

લોકનાટ્યમાં સિંધી હિંદુવર્ગમાં ‘ભગતી’ તથા ‘ચૌંકી’ જેવાં લોકનાટ્યોનું ધાર્મિક મહત્વ છે. હોળી પ્રસંગે ભજવાતા ‘સાંગા’ તથા કઠપૂતળીના ખેલ લોકનાટ્યના લોકભોગ્ય પ્રકારો છે.

સ્વાતંત્ર્ય પછી સિંધી લોકસાહિત્ય તથા સંસ્કૃતિની પરંપરા દૂષિત થઈ નથી. તેનાં મૂળ ત્યાંની ભૂમિમાં અને લોકમાનસમાં ઊંડાં રોપાયેલાં છે; તેનો ક્રમિક વિકાસ ખૂબ સાહજિક અને સ્વયંભૂ છે.

મહેશ ચોકસી

હિંદી : હિંદીભાષી વિસ્તારમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી અને પંજાબ રાજ્યના અમુક ભાગનો સમાવેશ થાય છે. આ પ્રદેશોમાં ખડી બોલી, વ્રજભાષા, કનૌજી, બુંદેલી, અવધી, છત્તીસગઢી, ભોજપુરી, મૈથિલી વગેરે ભાષા-બોલી વિશેષ ઉલ્લેખનીય છે. આ બધી જ બોલીઓમાં સમૃદ્ધ ગણાય તેવું લોકસાહિત્ય છે. હિંદી લોકસાહિત્યમાં લોકગીત, લોકકથા, ધાર્મિક કથા કે પુરાણકથા, લોકવાર્તા, લોકનાટ્ય, લોકોક્તિ અથવા કહેવતો, ઉખાણાં અને મંત્ર જેવા પ્રકાર સામેલ છે.

સામાજિક કે લૌકિક સમારંભો વખતે ગવાતાં લોકગીતો સંસ્કારગીત નામથી પણ ઓળખાય છે. દા.ત., બાળકના જન્મપ્રસંગે ગવાતાં ગીતો, જનોઈ પ્રસંગે ગવાતાં ગીતો, લગ્ન પ્રસંગે ગવાતાં ગીતો અને કેટલાક કિસ્સાઓમાં મરણ પ્રસંગે ગવાતાં ગીતો વગેરે. લગ્ન પ્રસંગે ગવાતાં ગીતો લોકગીતોની શૃંખલામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. લગ્ન પ્રસંગનાં લોકગીતોના ત્રણ મુખ્ય પ્રકારો છે : (1) લગ્નની ધાર્મિક વિધિઓ પ્રસંગે ગવાતાં ગીતો જેને ‘કોહબર’ કહે છે; (2) લગ્ન પ્રસંગે જુદી જુદી વિધિઓનું વર્ણન કરતાં ગીતો અને તે વિધિઓ કરાવનારની ઓળખાણ કરાવતાં ગીતો; (3) સ્ત્રીઓની સંવેદનાઓ અને ઊર્મિઓ વ્યક્ત કરતાં ગીતો.

તહેવારો કે પર્વો વખતે ગવાતાં ગીતો દેવ-દેવીઓને કે સ્થાનિક દેવતાને કેન્દ્રમાં રાખીને મુખ્યત્વે તેમની કૃપાયાચના કરવાના હેતુથી ગવાતાં હોય છે. ફાગ અથવા હોલી ગીતો, રાસિયા ગીતો, રાધાકૃષ્ણની લીલાનું વર્ણન કરતાં ગીતો હિંદીભાષી લોકોમાં બહુ પ્રચલિત છે.

ચૈત્ર નવરાત્રિ દરમિયાન જુદી જુદી દેવીઓની પૂજાઅર્ચના દરમિયાન તેમના મહિમાને લગતી પ્રાર્થનાઓ ગાવામાં આવે છે. જગદેવ પાનવડા દ્વારા રચિત કથાગીત ખૂબ લોકપ્રિય છે. આશ્વિન (ક્વાર) માસમાં ઊજવાતી નવરાત્રીના 9 દિવસ દરમિયાન ‘નોરતાં’ પર દેવીના પ્રતીકરૂપે મૂકેલી માટીની પ્રતિમાઓને અનુલક્ષીને રોજ સવારમાં લોકગીતો ગવાતાં હોય છે.

વરસાદની ઋતુમાં શ્રાવણ અને ભાદ્રપદ માસમાં ગવાતાં લોકગીતો ‘મલ્હાર’ નામથી ઓળખાય છે. આ ગીતોમાં સ્ત્રીઓ રિમઝિમ વરસાદ તથા મુશળધાર વરસાદ વખતની પોતાની ઊર્મિઓ વ્યક્ત કરતી હોય છે. પતિ-પત્નીના વિરહની વેદનાઓનાં ગીતો ‘બારહમાસા’ નામથી ઓળખાય છે.

જાગરણ દરમિયાન ગવાતાં લોકગીતોમાં નવરાત્રી દરમિયાન માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. આ ગીતોમાં દેવી-દેવતાઓના ચમત્કારોનું પણ વર્ણન હોય છે. ‘સોહિલા’ નામથી ઓળખાતાં લોકગીતો પણ જાગરણ દરમિયાન ગવાય છે. જહારપિર અથવા ગુરુ ગોગા (નાગદેવ) અને ભૈરવને પ્રસન્ન કરવા માટે પણ લોકગીતો છે. ગઢવાલ અને કુમાઉં પહાડીઓમાં વસતા ઉત્તર હિંદુસ્તાની લોકોની બોલીઓમાં પણ ઘણાં લોકગીતો છે, જે જાગરણ દરમિયાન ગવાય છે. જાગદેવ નામક લોકગીત પાર્વતીને ઉદ્દેશીને ગવાતું હોય છે. ભારતના હિંદી પ્રદેશના પૂર્વ તરફના વિસ્તારમાં ‘લોરીકી’ નામથી ઓળખાતાં લોકગીતો છે. 1377થી 1380 દરમિયાન મુલ્લા દાઉદે ‘ચન્દાયન’ નામક પ્રેમગીતની રચના કરી જે હિંદી ભાષાનું પ્રથમ પ્રેમગીત ગણાય છે.

નરવરના પુત્ર મનાતા નળ પર રચાયેલ ગાથાગીત ‘ઢોલા’ નામથી ઓળખાય છે.

ઉત્તર તરફના ગઢવાલ અને કુમાઉં પ્રદેશોમાં માલુશાહી અને રાજુલાની પ્રેમગાથા પર રચાયેલ લોકગીત ‘માલુ-શાહી’ જેવાં અનેક લોકગીતો છે. ‘રામોલા’ નામક લોકકથા પણ આ પ્રદેશમાં ખૂબ પ્રચલિત છે. કૃષ્ણના જન્મ પહેલાં તેનાં જે ભાંડુઓ જન્મ્યાં હતાં અને જેમનો કંસે એક પછી એક વધ કર્યો હતો તે ભાંડુઓને કેન્દ્રમાં રાખીને આ લોકગીતો રચવામાં આવ્યાં છે. ‘બગાવત’ જેવા રાજસ્થાની લોકગીતમાં દેવનારાયણની સિદ્ધિઓનું વર્ણન સાંપડે છે. લોકકહાની જેવા લોકસાહિત્યનું ધાર્મિક વ્રતના, ઉપવાસના દિવસો તથા તહેવારો દરમિયાન સ્ત્રીઓ ભોજનપૂર્વે ખૂબ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતી હોય છે. આ લોકવાર્તાઓમાં ધાર્મિક તત્ત્વ મુખ્ય છે.

લોકકહાનીના બીજા મનોરંજક પ્રકારમાં પરીકથાઓ, રાક્ષસ, ભૂત-પ્રેતની કથાઓ, જાદુ પર આધારિત કથાઓ, ચોરો અને ઠગોની વાર્તાઓ, પશુપક્ષીઓ અંગેની વાર્તાઓ, વિક્રમાદિત્યની ગાથાઓ, સંતોની વાર્તાઓ, દેવી-દેવતાઓના ચમત્કારો વર્ણવતી વાર્તાઓ વગેરે મુખ્ય છે.

હિંદીભાષી પ્રદેશમાં પશુ-પક્ષીઓને લગતી અસંખ્ય બોધકથાઓનો ભંડાર છે. લોકનાટ્ય એ પણ હિંદી લોકસાહિત્યનો એક મહત્વનો પ્રકાર છે. દા.ત., રામલીલા તથા રાસલીલા વગેરે. ભગતનાટ્ય નામના અલાયદા હિંદી નાટ્યપ્રકારમાં સમગ્ર વાર્તા ‘ચૌબોલા’ નામથી ઓળખાતાં ગીતો દ્વારા રંગમંચ પર રજૂ થાય છે. આવાં લોકનાટ્યોમાં લૈલા–મજનૂં, શીરીન–ફરહાદ, પૂરણમલ, ગોપીચંદ, ભરથરી જેવાં લોકનાટ્યો વિશેષ ઉલ્લેખનીય છે. હિંદી રંગમંચ પર વ્યાવસાયિક ધોરણે રજૂ કરવામાં આવતાં લોકનાટ્યો ‘નૌટંકી’ નામથી ઓળખાય છે.

વરરાજાની જાન કન્યાના ઘેર પહોંચે ત્યારે સ્ત્રીઓ દ્વારા રજૂ થતા લોકનાટ્યને ‘ખોડિયા’ અથવા ‘ખોઈઆ’ કહેવામાં આવે છે અને લગ્નની સમગ્ર વિધિ કલાકારો નાટ્યરૂપે પ્રદર્શિત કરતા હોય છે.

હિંદી ભાષાના લોકસાહિત્યમાં ઉખાણાં અને કહેવતોનું પણ આગવું સ્થાન છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ભારતીય કળા

ભારતની કલાપરંપરા વિશ્વની એક સૌથી પ્રાચીન અને સમૃદ્ધ પરંપરા લેખાય છે. પ્રાગૈતિહાસિક સમયમાં ખડકોમાં આલેખાયેલાં ચિત્રોથી તેનો પ્રારંભ થયાનું મનાય છે. તેનો સમયગાળો ઈ. પૂ. છઠ્ઠી સહસ્રાબ્દીનો મનાય છે. લગભગ 8,000 વર્ષના વિશાળ પટમાં પથરાયેલી આ પરંપરા દરમિયાન વૈવિધ્યપૂર્ણ અને અગણિત સર્જનોનું નિર્માણ થયું છે. તેમાં કલાનાં તમામ મહત્વનાં માધ્યમોમાં સર્જનાત્મકતા મહોરી છે. એ રીતે શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળા, ધાતુકામ, વસ્ત્રકળા તથા માટીકામની ચિરસ્થાયી કૃતિઓ મળી છે.

ભારતીય કલાકારોની તાત્વિક પ્રતિભા સંપૂર્ણપણે મહોરી હોય તો તે શિલ્પકળામાં. પ્રાચીન ગુપ્તકાળ તથા મધ્યયુગમાં શિલ્પનાં અસામાન્ય સર્જનો થયાં તે યથાર્થ રીતે વિશ્વકળાની સર્વોત્તમ સિદ્ધિ લેખાયાં છે. પાશ્ચાત્ય જગતના કેટલાક મહાન કલાપ્રવાહોથી ઊલટું, આ બધાં સર્જનો અનામી કલાકારોનાં છે અને આ સર્જનકાર્ય તેમણે પ્રતિષ્ઠા ખાતર કે સ્વત્વની અભિવ્યક્તિરૂપે નહિ, પણ રાજવીઓ અને ધર્મગુરુઓની વિનંતીથી ધર્મના સેવાકાર્યરૂપે કર્યાં છે.

ભારત પર શાસન ભોગવી ગયેલા વિવિધ રાજવંશોના વિસ્તૃત આશ્રય-પ્રોત્સાહનનો પણ ભારતીય કળાપરંપરા પર નિર્ણાયક પ્રભાવ પડ્યો છે. હિંદુ રાજવીઓએ મધ્યયુગમાં મહાન મંદિરોના નિર્માણમાં પ્રોત્સાહન આપ્યું હતું અને મુઘલ શાસકોએ ઇસ્લામના સમયગાળા દરમિયાન સુંદર આવાસો, કબરો અને મસ્જિદો બંધાવ્યાં તેમ મૌર્ય રાજવી અશોકે તથા કુષાણ રાજવી કનિષ્કે બૌદ્ધ કળાના સર્જનમાં મહત્વનો ફાળો આપ્યો. શાસક વર્ગનાં આવાં સહાય તથા પ્રોત્સાહન વિના આમાંની કેટલીય ભવ્ય તેમ કલાત્મક ઇમારતોનું નિર્માણ કદાચ થયું જ ન હોત.

શિલ્પ–સ્થાપત્ય

સૌથી પ્રાચીન કલા-પરંપરા સિંધુ ખીણ-પ્રદેશમાં ઈ. પૂ. આશરે 2500 અને 1500 દરમિયાન વિકસી હતી. અહીંથી મળી આવેલી કલાત્મક ચીજો પ્રાચીન મેસોપોટેમિયામાંથી મળેલી મુદ્રાઓ સાથે સામ્ય ધરાવે છે. આના પરથી સિંધુ તથા સુમેરના કલાપ્રવાહો વચ્ચે સંપર્કસેતુ હોવાનું અનુમાન થયું છે.

ઈ. પૂ.ની બીજી સહસ્રાબ્દી દરમિયાન, ભારત પર ભટકતી જાતિઓના હુમલાના પરિણામે  મોહેં-જો-દડો તથા હરપ્પાનો નાશ થવાથી, એ સંસ્કૃતિનું અસ્તિત્વ રહ્યું નહિ. ભારતીય કળાનું પુનરુત્થાન છેક ઈ. પૂ. ત્રીજી શતાબ્દીમાં મૌર્ય વંશના રાજવી અશોકના શાસન દરમિયાન થયું. આ ગાળાનાં સૌથી મહત્વનાં નિર્માણોમાં વિશાળ સ્તંભો ઉલ્લેખનીય છે; તેમાં મથાળે ભવ્ય કમળપુષ્પો તથા સિંહોની આકૃતિઓ હોય છે. આ ઉપરાંત યક્ષ-યક્ષી તથા ભારહૂત અને સાંચી જેવાં સ્થળોના સ્તૂપો પણ મહત્વના છે. કુષાણ રાજ્યકાળ દરમિયાન, બુદ્ધ માનવદેહી તરીકે આલેખાવા માંડે છે. કુષાણ ભારતની કળાપ્રવૃત્તિનાં 2 મહત્વનાં કેન્દ્રો તે ગાંધાર અને મથુરા. બૌદ્ધ સ્થાપત્યની એક મહત્વની શૈલી દક્ષિણમાં અમરાવતીમાં પાંગરી હતી.

બૌદ્ધકાલીન ભારતીય કળા ગુપ્તયુગ દરમિયાન સર્વોત્તમ વિકાસ સાધી શકી. ભારતીય કળાનો એ સુવર્ણયુગ લેખાય છે. ભવ્ય મંદિરો અને સુંદર તથા પ્રભાવશાળી પ્રાસાદો પૈકી કશું બચવા પામ્યું નથી. પણ ખડકોમાં કોતરી કાઢેલાં અજંટાનાં ગુફા-મંદિરોમાં ભીંતચિત્રો તથા શિલ્પો પુષ્કળ પ્રમાણમાં સચવાયાં છે. જોકે મોટાભાગની ગુપ્તકાલીન કળા બૌદ્ધ ધર્મને સમર્પિત હતી, પણ હિંદુ ધર્મને વરેલાં કલાસર્જનો પણ નિર્માણ પામ્યાં છે. દેવગઢ ખાતેનું વિષ્ણુમંદિર આ ગાળાનું કલાત્મક મંદિર-સર્જન છે. પછીના ગાળાના હિંદુ સ્થાપત્યના વિકાસમાં અઈહોળ ખાતેનાં મંદિરો સૌથી પ્રાચીન હયાત મંદિર-સંકુલ લેખાય છે. બીજું મહત્વનું નિર્માણ તે બદામી ખાતેનાં ખડકમાં કંડારેલાં મંદિરો. આ બંને નિર્માણોમાં ચાલુક્ય વંશનો રાજ્યાશ્રય હતો.

ગૌતમ બુદ્ધ

બૌદ્ધ કળાનું પાલ વંશ દરમિયાન બંગાળ જેવા પ્રદેશમાં સર્જન થતું રહ્યું, ભારતીય ઇતિહાસના મધ્યકાલીન ગાળાની કળાપ્રવૃત્તિ હિંદુ ધર્મની લાક્ષણિકતા ધરાવતી હતી. તેનો ઉદભવ થયો સાતમી સદીમાં અને સત્તરમી સદી સુધી તેનો વિકાસક્રમ થતો રહ્યો. એ દરમિયાન ભારતીય કળા તેમજ વિશ્વકળાના કેટલાક મહાન ઉચ્ચ સ્તબકો જોવા મળે છે. મુંબઈ પાસેના દરિયા નજીક એલિફન્ટા ખાતે ખડકમાં કોતરેલાં  વિશાળ શિવ-મંદિરો તથા ઇલોરા ખાતેનું કૈલાસ- મંદિર હિંદુ ધર્મના પ્રભાવશાળી સાક્ષાત્ સ્વરૂપ જેવાં છે. ભારતીય કલાકારોનાં સર્વોત્તમ સર્જનોમાં તેમની ગણના થાય છે. પૂર્વ-મધ્યકાળનું બીજું એક અસામાન્ય મંદિરસંકુલ મહાબલિપુરમમાંથી મળી આવ્યું છે. સાતમી-આઠમી સદી દરમિયાન પલ્લવોના રાજ્યાશ્રય દ્વારા તેનું નિર્માણ થયું હતું.

પદ્મપાણિ (અજંટાની ગુફા)

કળાવિકાસની ચરમસીમા ઈ.સ. 1000માં સિદ્ધ થયેલી જોવાય છે; એ સમયગાળામાં ઊંચાં શિખરો તથા વિસ્તૃત સ્થાપત્ય-સુશોભનો ધરાવતાં ભવ્ય મંદિર-સંકુલોનું ભારતભરમાં નિર્માણ થયું. આમાં ખજુરાહો સૌથી સુંદર લેખાય છે. તેમાં આધ્યાત્મિક મિલનના પ્રતીક રૂપે પ્રેમાસક્ત દંપતીઓનાં ભોગાસનનાં મનોહર શિલ્પો કંડારાયાં છે. આમાં સૌથી વિશાળ અને મહત્વાકાંક્ષી મંદિરસંકુલ તે ઓરિસામાં કોણાર્ક ખાતે આવેલ અને સૂર્યદેવને સમર્પિત સૂર્યમંદિર છે. તેરમી સદીના અંતભાગમાં મુસ્લિમોની વિજયકૂચને પરિણામે, ઉત્તર ભારતમાં ભારતીય કલાપરંપરાનો અંત આવ્યો; પણ આ કલાપ્રવાહ દક્ષિણ વિસ્તારમાં વિકસતો રહ્યો. મંદિર-નિર્માણોની પરંપરા વહેલી શરૂ થઈ હતી; તેનું લાક્ષણિક ઉદાહરણ તે આશરે ઈ.સ. 1000માં બંધાયેલ તાંજોર ખાતેનું વિશાળ મંદિર. અલબત્ત, મદુરા જેવાં મહત્વનાં ભવ્ય મંદિર-સંકુલોનું નિર્માણ સત્તરમી સદીમાં થયું.

દક્ષિણ ભારતની બીજી મહત્વની કલાવિષયક સિદ્ધિ હિંદુ દેવતાઓની કાંસ્ય મૂર્તિઓ રૂપે જોવા મળે છે. ભારતીય શિલ્પસર્જનોમાં આ સૌથી સુંદર નમૂના છે. ધાતુકામ જેવી હસ્તકળાના કારીગરોનો – ભારતીય કળાનો તેમાં સર્વોચ્ચ ઉન્મેષ જોવા મળે છે.

ઉત્તર ભારતના પ્રદેશો મુસ્લિમ આક્રમણકારોએ જીતી લીધા ત્યારે ત્યાં ક્રમશ: એક જુદા જ પ્રકારની કળા-પરંપરાનો પ્રારંભ થયો અને મુખ્યત્વે તે પર્શિયન તથા ટર્કિશ કળા-નમૂના પર આધારિત છે. ઇસ્લામમાં મૂર્તિ-નિર્માણ પર નિષેધ હોવાથી, અત્યાર સુધી પ્રમુખ કળા-પ્રકાર રહેલ શિલ્પકળાની અવનતિ થઈ.

કળાત્મક અભિવ્યક્તિનું સ્થાન સ્થાપત્યકળાએ લીધું. 1199માં સર્વપ્રથમ સ્થાપત્ય-ઇમારત રૂપે સર્જાયેલ મસ્જિદ હિંદુ મંદિરના સ્થળે જ બંધાઈ છે. તેનો સૌથી પ્રભાવક ભાગ હયાત રહ્યો છે તે કુતુબ મિનાર. ભારત-ઇસ્લામી કળાનો ઉત્તમ આવિષ્કાર મુઘલકાળ દરમિયાન જોવા મળ્યો. મુઘલોના રાજ્યાશ્રયના પરિણામે જ સ્થાપત્યની સર્વોત્તમ કૃતિ સમા તાજનું તથા દિલ્હી ખાતેની ભવ્ય જુમા મસ્જિદનું નિર્માણ શક્ય બન્યું. અકબરે બંધાવેલ શહેર ફતેહપુર સિક્રી પણ સ્થાપત્યનો લાક્ષણિક નમૂનો છે. મુઘલ શાસન હેઠળ બીજા જે કલાપ્રકારો પાંગર્યા તે લઘુચિત્રો અને સુશોભનકળા, જેવી કે ગાલીચા-વણાટ, વસ્ત્ર-નિર્માણ, ધાતુકળા, ઉપરાંત કાષ્ઠકોતરણી, હાથીદાંતકોતરણી અને રત્નજડાવકામ.

ચિત્રકળા

ભારતની પરંપરાગત કળાનો છેલ્લો શ્રેષ્ઠ ઉન્મેષ લઘુ-ચિત્રોરૂપે જોવા મળે છે. ભારતમાં અનેક સદીઓથી આ કળાપ્રકાર પ્રચલિત હતો; સૌથી પ્રાચીન નમૂનો અગિયારમી સદીમાં પાલ શૈલીનાં ચિત્રોમાં જોવા મળે છે. તાડપત્રોની હસ્તપ્રતોમાં, બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં ર્દશ્યોના ચિત્રાંકન રૂપે તે મળે છે. પછીના સમયગાળાની બીજી શૈલી જૈન ધર્માશ્રય હેઠળ ગુજરાતમાં પાંગરી-વિકસી. તેનો ત્રીજો પ્રવાહ મુઘલ રાજદરબારોમાં વિકસ્યો – તેમાં બિનસાંપ્રદાયિક વિષયોનું ચિત્રાંકન હતું.

આ વિવિધ પરંપરાઓમાંથી નવી વિકસેલી ચિત્રશૈલી તે રાજપૂત શૈલી. તેનાં મહત્વનાં કેન્દ્રો રાજપૂતાનામાં આવેલાં હોઈ આ શૈલી તે નામે ઓળખાઈ. 1500થી 1800 દરમિયાન વિકસતી રહેલી આ કળા-પરંપરામાં રાધા અને કૃષ્ણના પ્રણયજીવનનાં ર્દશ્યો આલેખાયાં છે. તે ઉપરાંત રામાયણ, મહાભારત તથા રાગમાળાના વિષયો પણ તેમાં સ્થાન પામ્યા છે. નાના કદનાં હોવા છતાં, કાગળ પર અપારદર્શક રંગોથી ચિત્રાંકન કરી વિષયગત ભાવોની સચોટ અભિવ્યક્તિ કરાયેલી છે. લઘુચિત્રોની બીજી એક ઉત્કૃષ્ટ શૈલી તે હિમાલયના તળેટીવિસ્તારમાં કેન્દ્રિત થયેલી પહાડી શૈલી. તેમાં મુઘલ પરંપરાની લાક્ષણિકતાઓ ઉપરાંત રાજપૂત શૈલીનાં તત્વોનું કલાત્મક સંયોજન થયું છે.

અઢારમી અને ઓગણીસમી સદીના અંત સુધીમાં મુઘલ તેમજ હિંદુ કળાપરંપરાની સર્જનાત્મકતા સમાપ્ત થઈ ચૂકી હતી; સાથોસાથ યુરોપીય કળા અને એ કળાની વિચારધારા બ્રિટિશ પ્રજા દ્વારા ભારતમાં પ્રચલિત બની. બ્રિટિશ અધિકારીઓના મંતવ્ય પ્રમાણે રાષ્ટ્રની કળા-રુચિનું સંમાર્જન કરવા, ભારતનાં પ્રમુખ શહેરોમાં કળાશાળાઓની સ્થાપના કરવામાં આવી; તેમાં ભારતીય ચિત્રકારો જળરંગો તથા તૈલરંગો વડે તત્કાલીન અંગ્રેજી ચિત્રકળાનું અનુસરણ કરતા રહ્યા. અપવાદ રૂપે, પરંપરાગત ભારતીય કલા ગ્રામીણ વિસ્તારોમાં લોકકળા રૂપે સાતત્ય સાચવી શકી.

ભારતીય પરંપરા અને યુરોપીય શૈલીનું સંયોજન પ્રયોજવા, કલકત્તા સ્કૂલ ઑવ્ આર્ટના વડા ઈ. બી. હૅવેલ જેવા સંનિષ્ઠ અંગ્રેજ સજ્જને કોશિશ કરી. તેમણે પરંપરાગત ભારતીય આદર્શ પ્રમાણે કળાની તાલીમ આપવાનું નક્કી કર્યું. ખાસ કરીને અજંટાનાં ભીંતચિત્રો તથા મુઘલકાલીન લઘુચિત્રોની પ્રેરણા અગ્રસ્થાને રહી. પ્રાચીન શૈલીઓને પુનર્જીવિત કરવાના તેમના પ્રયાસો જોકે સફળ થયા નહિ, પણ તેમનાં વિચારો અને લખાણોનો વ્યાપક અને ઊંડો પ્રભાવ પડ્યો. પરિણામે વીસમી સદીમાં ભારતીય કળાના નવ-જાગરણ(renaissance)માં વેગ આવ્યો. આધુનિક પાશ્ચાત્ય કળા તથા ભારતીય લોકકળા પરંપરામાંથી પ્રેરણા લઈને અમૃતા શેરગિલ, યામિની રાય તથા એમ. એફ. હુસેન જેવાં કેટલાંય કલાકારોએ સુંદર કળાકૃતિઓ સર્જી. સ્વાતંત્ર્યોત્તર કાળમાં ભારતના કળાજગતમાં અનેક નવતર અને જોશીલા તેમજ પ્રયોગશોખીન કળાપ્રવર્તકોનો અને પ્રવાહો-વહેણોનો આવિષ્કાર થયો. છેલ્લા કેટલાક દાયકામાં કેવળ અમૂર્ત કળાનો પ્રભાવ વધવા પામ્યો છે, જોકે તેમાં પણ ભારતની પરંપરાગત સૌંદર્યરાગિતા સચવાઈ રહી છે.

ચિત્રકળા ગુજરાતમાં સમૃદ્ધ સંસ્કાર-વારસા રૂપે વિકસી છે. ઘરઆંગણે જ ગુજરાત કલા સંઘની સ્થાપના કરનાર રવિશંકર રાવળ ગુજરાતની ચિત્રકલાપરંપરાના પિતામહ લેખાય છે. તેમના માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ કલાકારોની એક આખી પેઢી તૈયાર થઈ; આ યુવા પેઢીના સોમાલાલ શાહ, કનુ દેસાઈ, છગનલાલ જાદવ, શાંતિ શાહ, રસિકલાલ પરીખ જેવા કલાકારોએ નિજી શૈલી અને પ્રયોગશીલતા વડે ગુજરાતના કલાપ્રવાહને વેગીલો બનાવ્યો અને વૈવિધ્યપૂર્ણ સંપન્નતા આપી. શાંતિ શાહે ‘મોઝેક’ શૈલીમાં, યજ્ઞેશ શુક્લે ‘એચિંગ’માં અને ખોડીદાસ પરમારે લોકકલાશૈલીમાં આગવું પ્રદાન કર્યું. સોમાલાલ શાહે ભાવનગરમાં, રસિકલાલ પરીખે અમદાવાદના શેઠ ચી. ન. કલા મહાવિદ્યાલયના આચાર્યપદેથી અને મગનલાલ ત્રિવેદીએ રાજકોટમાં ચિત્રકારોની એક બીજી પેઢી તૈયાર કરી, ગુજરાતભરમાં ચિત્રકલાના વ્યાપ-પ્રસાર વિકસાવ્યા. મુખ્યત્વે ચિત્રકાર માર્કંડ ભટ્ટના પ્રયત્નોથી વડોદરા ખાતે મ. સ. યુનિવર્સિટીને ઉપક્રમે ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીની સ્થાપના થવાથી કલાશિક્ષણને વિદ્યાશાખાનો દરજ્જો પ્રાપ્ત થયો અને વડોદરા કલાશિક્ષણનું તેમ કલાની સર્જનાત્મક પ્રવૃત્તિનું ધામ બન્યું. અહીં અનેક કલાકારોને શૈક્ષણિક તાલીમ પ્રાપ્ત થઈ. આ વિદ્યાશાખાના ભારતખ્યાત શંખો ચૌધરી તથા રતન પારિમુ જેવા કલા-આચાર્યોનું વિકાસપ્રેરક માર્ગદર્શન મળ્યું. અહીંના અગ્રણીઓમાં જેરામ પટેલ, ભૂપેન ખખ્ખર જ્યોતિ ભટ્ટ જેવાં નામો ઉલ્લેખનીય છે.

ઉત્સાહ, તાલીમ, પ્રોત્સાહનની આવી મોકળાશ, ભૂમિકા અને તક મળવાથી ચિત્રકલા વિશે અનેક પ્રયોગો અને અભિવ્યક્તિ જોવા મળ્યાં. જેરામ પટેલે ચિત્રકલામાં લાકડા અને લોખંડની સામગ્રીનો ઉપયોગ કરી ‘કૉલાજ’ પ્રકાર વિકસાવ્યો. ઉત્તરોત્તર તેમાં રેતી, કાચ, કપડું, કાગળ એમ ઇતર સામગ્રીનો પણ વિનિયોગ થયો. ગુલામ મોહમ્મદ શેખ તથા પીરાજી સાગરા અને શાંતિ દવે જેવા ભારતના અગ્રણી આધુનિક કલાકારોમાં ગણના પામ્યા. છગનલાલ જાદવે હિમાલય પર્વતમાળાની મનોહર ચિત્રમાળા સર્જી. બાલકૃષ્ણ પટેલ જેવા બીજા કેટલાકની ચિત્રશૈલીમાં અનોખા આયામ પ્રગટ થયા. તાંત્રિક ચિત્રકળાના વિકાસમાં છગનભાઈ મિસ્ત્રી જેવા કેટલાક ચિત્રકારોનો પણ ફાળો છે. ભાવનગરના કુમાર મંગળસિંહજી જીર્ણશીર્ણ ચિત્રોને લગતી પુન:સ્થાપન(restoration)ની કલાવિદ્યાના એકમાત્ર નિષ્ણાત હતા. કનુ દેસાઈએ ચિત્રસંપુટો તથા અભિનંદન-કાર્ડ દ્વારા ચિત્રકલાને ઘેરઘેર પહોંચાડી ગુજરાતમાં કલારુચિ પ્રગટાવી. બંસી વર્મા, લક્ષ્મણ વર્મા, ચન્દ્ર ત્રિવેદી, શિવ પંડ્યા જેવાએ કાર્ટૂનકલાની નવી વિકાસ-દિશા ચીંધી. રવિશંકર રાવળે સ્થાપેલા અને બચુભાઈ રાવતના તંત્રીપદ હેઠળ ચાલતા ‘કુમાર’ માસિક દ્વારા કલાકારોની ઊગતી પેઢીને માર્ગદર્શન મળવા ઉપરાંત પીઢ કલાકારોને પીઠબળ મળ્યું તથા ચિત્રકલાનો પ્રસાર એક આંદોલન બની રહ્યું. પુસ્તકપ્રકાશનપ્રવૃત્તિ વધતાં કેટલાક કલાકારોએ પુસ્તકના જૅકેટ તથા આંતરિક ચિત્રાંકન(illustration)માં દક્ષતા દાખવી અને વિજ્ઞાપનસંસ્થાઓનો વિકાસ થવાથી ઘણા કલાકારો ‘કોમર્શિયલ’ કલાના ક્ષેત્રે નિપુણતા દાખવી શક્યા. પીરાજી સાગરા, જેરામ પટેલ, શાંતિ દવે જેવા કેટલાક કલાકારો આંતરરાષ્ટ્રીય નામના પણ પામ્યા. લલિત કલા અકાદમીનાં રાષ્ટ્રીય પ્રદર્શનોમાં રાષ્ટ્રીય ઍવૉર્ડના વિજેતા બની સંખ્યાબંધ ગુજરાતી કલાકારોએ રાષ્ટ્રીય નકશા પર ગુજરાતનું નામ ગૌરવાન્વિત કર્યું છે.

ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથોસાથ સ્થપાયેલ ગુજરાત લલિત કલા અકાદમી હવે સ્વાયત્ત બની છે. તેના ઉપક્રમે રાજ્યવ્યાપી સ્તરે યોજાતા રહેલા રાજ્ય કલા પ્રદર્શન ઉપરાંત પ્રદર્શન-સહાય, પુસ્તક-પ્રકાશન સહાય, કલાકારોના જીવન-કાર્યની પુસ્તિકાનું પ્રકાશન, ચિત્રકારોના કલાસંપુટ અને અભિનંદન કાર્ડનું પ્રકાશન, આંતરરાષ્ટ્રીય કલાપ્રદર્શન, તત્કાળ બાળચિત્રસ્પર્ધા, કલા-અભ્યાસ માટે શિષ્યવૃત્તિ જેવી પ્રોત્સાહક પ્રવૃત્તિઓ હાથ ધરાય છે.

કલાકાર-સન્માનની મહત્વની યોજના હેઠળ અત્યાર સુધીમાં રવિશંકર રાવળથી માંડીને 50 ઉપરાંત કલાકારોનું ગૌરવ-સન્માન કરાયું છે. રાજ્ય સરકાર હસ્તકની અમદાવાદ ખાતેની બહુમાળી આર્ટ ગૅલરી રવિશંકર રાવળના યોગદાનને અનુલક્ષીને તેમનું નામાભિધાન પામી છે. બહુવિધ સુવિધા ધરાવતી આ કલા-ઇમારત કલાકારોનું મહત્વનું મિલનસ્થાન બન્યું છે.

સર્વાંશે જોતાં, કલાપ્રવૃત્તિ ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતાનું ઊજળું પાસું બન્યું છે. એ રીતે ભારતના કલા-ઇતિહાસમાં એક યશસ્વી પ્રકરણ ઉમેરાયું છે.

નાટ્ય અને નૃત્ય

ભારતમાં નાટ્ય-પરંપરા ખૂબ પ્રાચીન છે. અનુકરણની વૃત્તિ-પ્રવૃત્તિ માનવસ્વભાવમાં જન્મજાત હોય છે; એટલે અભિનય તથા નાટક જેવી અભિનયાશ્રિત પ્રવૃત્તિ સહજસાધ્ય બની રહે છે. સાહિત્ય-સ્વરૂપે તેનો પ્રથમ આવિષ્કાર જોવા મળે છે તે ઋગ્વેદનાં યમ-યમી તથા પુરુરવા-ઉર્વશી જેવાં સૂક્તોમાં વણાયેલા સંવાદો, સામવેદમાંની ગીતપ્રધાન રચનાઓ, યજુર્વેદમાંનો અભિનય તથા અથર્વવેદમાંનું રસતત્વ. સંહિતાયુગમાં સંભવત: યજ્ઞાદિ પ્રસંગે યજમાન વિક્રેતા તથા અધ્વર્યુનો વાર્તાલાપ અભિનયપૂર્વક થતો હતો. ભરતમુનિના મત અનુસાર, દેવાસુરસંગ્રામ પછી ઇન્દ્રધ્વજના મહોત્સવ પ્રસંગે દેવતાઓએ નાટ્યનો પ્રારંભ કર્યો. વેદકાલીન સમયમાં અવાન્તર નાટકમાં નૃત્યનો પ્રયોગ થયો. યજ્ઞાદિના અવસર પર ‘રામાયણ’ તથા ‘મહાભારત’નાં સંગીતમય પારાયણ થતાં હતાં, પરિણામે ‘રામાયણ’ તથા ‘મહાભારત’ તેમજ તે વખતે પ્રચલિત અન્ય લઘુકથાઓમાંથી નાટકને પાઠ્યબંધ તથા સંગીત જેવાં ઘટક તત્વો સાંપડ્યાં. આમ ભારતમાં નાટકનો જન્મ ધાર્મિક વાતાવરણમાં થયો છે. કેટલાક સંદર્ભો પરથી એવું અનુમાન કરવામાં આવ્યું છે કે ઈ. પૂ. આઠમી સદી સુધી નાટ્યવિષયક ગ્રંથોનું અસ્તિત્વ હશે.

સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ પહેલાં ભાસ, સૌમિલ્લ, કવિપુત્ર જેવા નાટ્યકારો થયાનો ઉલ્લેખ છે, પરંતુ ભાસનાં જ કેટલાંક નાટકો શેષ બચ્યાં છે. જોકે કાલિદાસથી માંડીને દસમી સદી સુધી નાટકોની પરંપરા અવિચ્છિન્ન રહી છે. ત્યારપછી સંસ્કૃત નાટ્યપ્રવાહ ક્ષીણ થતો ગયો, કેમ કે રાજ્યાશ્રય સ્થગિત થવા સાથે રંગમંચ-પ્રવૃત્તિ પણ બંધ પડતી ગઈ. પ્રાકૃત તથા અપભ્રંશમાં બહુધા નાટ્યનો અભાવ છે.

ભારતના વિવિધ પ્રદેશો-પ્રાંતોમાં તળપદી ભૂમિજાત લોક-પરંપરાઓ રૂપે નાટ્યપ્રવૃત્તિનો પ્રવાહ જોવા મળે છે. તેમાં અગાઉ મંદિરના પ્રાંગણમાં ધાર્મિક વાતાવરણમાં સ્થગિત રહેલ નાટ્ય ગામના ચોતરે સમાજની વચ્ચે સામાજિક સંદર્ભો સાથે પાંગરતું થયું. ત્યાર-પછી પશ્ચિમના સંપર્કથી આયાત થયેલી રંગભૂમિ નિમિત્તે નાટ્યપ્રવૃત્તિ (બાંધેલા) થિયેટરમાં પ્રોસીનિયમ કમાન નીચે પડદાનાં ર્દશ્યો વચ્ચે પાંગરવા લાગી. ઉચ્ચ શિક્ષણ નિમિત્તે નાટ્યસાહિત્યનો અભ્યાસ વધવાથી, શિક્ષિત લેખકો નાટ્યલેખન તરફ આકર્ષાયા અને ગદ્યપ્રકાર લેખે નાટકનો વિકાસ થયો. એવાં લઘુબંધ ધરાવતાં ગદ્ય-નાટકોની ભજવણી નિમિત્તે અવેતન રંગભૂમિ પ્રવૃત્તિનાં દિશા-દ્વાર ખૂલ્યાં. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં ભારતીય નાટ્ય તથા રંગમંચના ક્ષેત્રે યુનિવર્સિટી કક્ષાએ નાટ્ય શિક્ષણનો પ્રબંધ થતાં પ્રયોગલક્ષિતા, રંગમંચન, નાટ્યલેખન, નાટ્યાંદોલન એમ અનેક પ્રકારે વિકાસમુખી ઉન્મેષ-આયામ પ્રગટ્યા. બંગાળી, મરાઠી, ગુજરાતી, હિંદી જેવી કેટલીક ભારતીય ભાષાઓમાં નાટ્યપ્રવૃત્તિએ પ્રશંસનીય ગજું કાઢી બતાવ્યું છે. ભારતીય સંગીત નાટ્ય અકાદમી તથા રાજ્યવાર આવી અકાદમીઓની સ્થાપનાથી પ્રત્યેક ભારતીય ભાષામાં નાટ્યવિકાસ માટે બહુવિધ તક, મોકળાશ અને પ્રોત્સાહન સાંપડ્યાં છે.

ભારતમાં નૃત્યકળાની પ્રાચીન પરંપરા છે. ‘નાટ્યશાસ્ત્ર’માં નૃત્યના જે 2 પ્રકારોનો ઉલ્લેખ છે તે લોકધર્મી અને નાટ્યધર્મી. વૈદિક સાહિત્યથી માંડી ‘રામાયણ’, ‘મહાભારત’, સંસ્કૃત નાટકો, પુરાણો તથા જૈન તેમ જૈનેતર સાહિત્યમાં આના ઉલ્લેખ છે. પ્રાચીન મંદિર-શિલ્પોમાંથી પણ આ નૃત્યશૈલીઓનો ખ્યાલ મળે છે.

ભક્તિયુગમાં લગભગ પંદરમી સદીના ગાળામાં મંદિરોમાં દેવદાસીની પ્રથાથી નૃત્યપરંપરા જીવંત રહી, પણ કાળક્રમે તેમાં વિલાસિતા ભળવાથી નૃત્ય પ્રત્યેનો લોકાદર ઘટવા લાગ્યો. બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભદ્ર-શિષ્ટ ગણાતા વર્ગે નૃત્યકળાની અવગણના કરી.

ત્યારપછી સ્વાતંત્ર્ય-આંદોલનનો અને સાંસ્કૃતિક અસ્મિતાનો જુસ્સો, સાંસ્કૃતિક વારસાની ઝંખના અને શોધ, વિદેશી નૃત્યાંગના આના પાવલોવાનો ચિત્તાકર્ષક નૃત્યપ્રવાસ, રુક્મિણીદેવી, ઈ. કૃષ્ણ અય્યર, કવિ વલ્લથોલ તથા ટાગોર જેવા સાંસ્કૃતિક પ્રવર્તકોનું પ્રોત્સાહક સમર્થન, અનેક નૃત્યાચાર્યોના સંનિષ્ઠ પ્રયાસ-પુરુષાર્થ જેવા ઘટનાક્રમના કારણે ભારતમાં નૃત્યકળાનો પુન:પ્રસાર થયો અને તેની સામાજિક પ્રતિષ્ઠા સુનિશ્ચિત બની.

ભરતનાટયમ્

ભારતીય નૃત્યમાં આદિવાસી, લોકનૃત્ય તથા શાસ્ત્રીય નૃત્ય એમ 3 મુખ્ય પ્રવાહો છે. શાસ્ત્રીય નૃત્યના બહુવિધ પ્રાદેશિક શૈલી-પ્રકારોમાં કેરળના કથકલી અને મોહિનીઆટ્ટમ્, ચેન્નાઈનું ભરતનાટ્યમ્ (અથવા દામીઆટ્ટમ્), મણિપુરનું મણિપુરી, ઉત્તરનું કથક, ઓરિસાનું ઉડિસી તથા આંધ્રનું કુચીપુડી વિશેષ જાણીતાં છે.

વીસમી સદીનાં છેલ્લાં 30થી 40 વર્ષનો ગાળો ભારતીય નૃત્યકળાના પુનરુત્થાનનો સમય લેખાય છે. અનેક સુશિક્ષિત તાલીમનિપુણ, ખંતીલા, પુરુષાર્થી, અભ્યાસનિષ્ઠ તથા સમર્પિત ભાવનાવાળા કળાકારો-નર્તકોએ દેશભરમાં નૃત્યકળાના નવા આયામ પ્રગટાવી વિકાસપ્રેરક આબોહવા જન્માવી. નૃત્યની સાધના ભારતીય સંસ્કારિતા અને અભિરુચિનું આવશ્યક લક્ષણ બન્યું.

વળી રાષ્ટ્રીય સ્તરે તેમ રાજ્ય કક્ષાએ સંગીત નાટક અકાદમી જેવી સંસ્થાઓની સ્થાપનાથી નૃત્યવિકાસના પ્રજાકીય પુરુષાર્થને સંગીન પીઠબળ અને વિકાસવેગ સાંપડ્યાં છે.

મહેશ ચોકસી

સંગીત

પ્રાચીન કાળથી ભારતમાં સંગીતને મહત્વનું સ્થાન અપાયું છે. હિંદુ ધર્મનાં દેવદેવીઓમાંનાં મોટાભાગનાં પાસે કોઈ ને કોઈ વાદ્ય હોય છે એવી કલ્પના કરવામાં આવી છે. શંકર ભગવાનના હાથમાં ડમરુ, ભગવાન વિષ્ણુના હાથમાં શંખ, સરસ્વતીના હાથમાં વીણા, ભગવાન કૃષ્ણના હાથમાં વાંસળી, નારદના હાથમાં તંબૂરો આવા અનેક દાખલાઓ આપી શકાય. સંતોના હાથમાં કરતાલ, મૃદંગ કે એકતારો હંમેશ હોય જ છે. વૈદિક કાળમાં  સામવેદની ઋચાઓનું પઠન સંગીતની શૈલીમાં થતું. યાજ્ઞવલ્ક્ય-સ્મૃતિના એક શ્લોકમાં સંગીતને મોક્ષમાર્ગના સાધન તરીકે વર્ણવવામાં આવ્યું છે.

ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં સંગીતનાં અનેક પાસાંની ચર્ચા કરવામાં આવી છે.

સમય જતાં ભારતીય સંગીતના બે મુખ્ય વિભાગ થયા : (1) હિંદુસ્તાની સંગીત, (2) કર્ણાટક સંગીત. તેમાંનું પ્રથમ ઉત્તર હિંદુસ્તાનમાં અને બીજું દક્ષિણ ભારતમાં વિકસ્યું. હિંદુસ્તાની સંગીતમાં બે મુખ્ય શૈલીઓ છે, જેમાંથી એકને ધ્રુપદની શૈલી અને બીજીને ખ્યાલની શૈલી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી એક શૈલી ઉપશાસ્ત્રીય સંગીત તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઠૂમરી, દાદરા, કજરી, હોરી, ચૈતી વગેરેનો સમાવેશ થાય છે. સ્વામી હરિદાસ, ગ્વાલિયરના રાજા માનસિંહ, તાનસેન, બૈજુ બાવરા જેવા ગાયકો ધ્રુપદ શૈલીના સંગીતકારો હતા. આધુનિક ભારતમાં ડાગર ઘરાનાના ગાયકો પણ ધ્રુપદ શૈલીને વરેલા હતા. ધ્રુપદ શૈલીમાં બોલને અને તાનોને વધારે મહત્વ હોય છે. ધ્રુપદ શૈલીનો ગાયક જ્યારે મહેફિલમાં ગાવાની શરૂઆત કરે છે, ત્યારે ‘નોમતોમ’ શબ્દ વડે આલાપની રજૂઆત કરે છે. તે શબ્દનો ઉપયોગ કરતો નથી.

પ્રસિદ્ધ સિતારવાદક પંડિત રવિશંકર

ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં હાલ જે પ્રકારનું સંગીત પ્રચલિત છે તે ખ્યાલ સંગીત તરીકે ઓળખાય છે. તેમાં અસ્તાઈ તથા અંતરા આ બે મુખ્ય વિભાગ હોય છે. ખ્યાલ સંગીતમાં વિલંબિત જે ધીમી ગતિથી ગવાય છે તે તથા દ્રુત જે વધારે ગતિથી ગવાય છે તે – એવા બે પ્રકાર હોય છે. દિલ્હીના બાદશાહ મહમદશા રંગીલેના દરબારમાં સદારંગ નામક જે ગાયક હતો તે આ ખ્યાલ સંગીતનો પ્રણેતા ગણાય છે. સદારંગ તાનસેનનો વંશજ હતો એવી પણ એક માન્યતા છે. સદારંગના પુત્ર અદારંગ અને શિષ્ય મનરંગે ઘણા ખ્યાલોની રચના કરી છે. આ શૈલીમાં રજૂ થતા સંગીતમાં તરાણા, ચતુરંગ તથા તિરવરનો સમાવેશ થાય છે. તરાણામાં મોટાભાગે અર્થહીન શબ્દો, તો ચતુરંગની બંદિશોમાં અર્થસભર શબ્દનો ઉપયોગ સવિશેષ હોય છે.

ઉત્તર હિંદુસ્તાની કંઠ્ય સંગીતનાં કેટલાંક જાણીતાં ઘરાના છે, દા.ત., ગ્વાલિયર ઘરાના, અતરોલી, જયપુર ઘરાના, પતિયાળા ઘરાના, આગ્રા ઘરાના, કિરાના ઘરાના, મેવાતી ઘરાના, બનારસ ઘરાના, ભીંડી બજાર ઘરાના, રામપુર ઘરાના વગેરે. આ બધાં જ ઘરાનામાં ગુરુશિષ્યપરંપરાનું પ્રચલન હતું. વાદ્યસંગીતમાં મહિયર ઘરાના, વિલાયતખાની ઘરાના તથા ઇંદોર ઘરાના વિશેષ જાણીતાં છે. આ ત્રણે ઘરાના સિતારવાદ્ય સાથે સંકળાયેલાં છે. તબલાવાદનના ઘરાનામાં બનારસ ઘરાના, લખનૌ ઘરાના, અજરાડા ઘરાના તથા પંજાબ ઘરાના અને પખવાજના ઘરાનામાં મથુરા ઘરાના, જાવલી ઘરાના વગેરે પ્રચલિત છે.

ભારતના દક્ષિણ તરફના પ્રદેશોમાં જે સંગીત પ્રચલિત છે તે કર્ણાટક સંગીત તરીકે ઓળખાય છે. તેનો જૂનામાં જૂનો ઉલ્લેખ ચેર રાજ્યના રાજકુમાર ઇલંગોવાગલ દ્વારા રચિત ‘સિલપ્પાદિકરણ’માં જોવા મળે છે. તેમાં તે જમાનાની કર્ણાટકી સંગીતની સ્વરરચનાઓ તથા રાગરાગિણીઓ ઉપરાંત ઢોલક, વીણા તથા નગારા જેવાં વાદ્યોનો પણ સમાવેશ છે. બારમી સદીના તે પ્રદેશના એક રાજા સોમેશ્વર ભુલ્લોકમલ દ્વારા આ પ્રદેશના સંગીતને ‘કર્ણાટક સંગીત’ નામ અપાયું હતું એવા નિર્દેશ સાંપડે છે. પરંતુ ઉત્તર હિંદુસ્તાની અને કર્ણાટકી સંગીત વચ્ચેનું પ્રમાણભૂત વિભાજન વિજયનગર સામ્રાજ્યના વિદ્યારણ્ય (1302–1387) દ્વારા થયું. આ પ્રકારના સંગીતને વિશિષ્ટ ઘાટ આપવાનું કાર્ય પુરંદર દાસ (1484–1564) નામના સંતે કર્યું હતું. આધુનિક કર્ણાટકી સંગીતના ત્રણ અગ્રણી રચનાકારો ત્યાગરાજ, શ્યામાશાસ્ત્રી અને મુથુસ્વામી દીક્ષિતારના પ્રયાસોથી તેને નક્કર સ્વરૂપ પ્રાપ્ત થયું છે.

આ બંને પદ્ધતિઓમાં ગવાતી રાગરાગિણીઓનાં નામ જુદાં હોવા છતાં શાસ્ત્રીય સંગીતનાં મૂળભૂત તત્વોની ર્દષ્ટિએ તેમાં ઘણું સામ્ય છે.

ઉત્તર હિંદુસ્તાની અને કર્ણાટકી સંગીત ઉપરાંત ભારતના જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી પ્રાદેશિક શૈલીનું સંગીત વિકસ્યું છે. દા.ત., બંગાળમાં રવીન્દ્ર સંગીત, મહારાષ્ટ્રમાં ભાવગીત, ગુજરાતમાં સુગમ સંગીત, પંજાબમાં પંજાબી ભાષાની લઢણનું સંગીત વગેરે. આ ઉપરાંત સમગ્ર દેશમાં પ્રાદેશિક ભાષાઓમાં ભક્તિસંગીત અને લોકસંગીત પણ પ્રચલિત છે.

બાળકૃષ્ણ માધવરરાવ મૂળે

સમૂહ-માધ્યમો

ઓગણીસમી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને આધુનિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ. આને પરિણામે પરંપરાગત સમાજરચનામાં પરિવર્તન આવ્યું અને સમૂહ-સમાજ (mass society) અસ્તિત્વમાં આવ્યો. પરંપરાગત લોકમાધ્યમોનું સ્થાન સમૂહ-માધ્યમોએ લીધું. આ સમૂહ-માધ્યમનો પ્રારંભ ઈ. સ. 1403માં કોરિયામાં ધાતુમાંથી પ્રથમ વાર ટાઇપ બનાવ્યા ત્યારથી થયો ગણાય. 1450માં જૉન ગુટેનબર્ગ ટાઇપ તૈયાર કરીને મુદ્રણ-માધ્યમનો પ્રારંભ કરે છે. પહેલા મુદ્રણ-માધ્યમમાં અખબાર, સામયિક, પુસ્તક, પૅમ્ફલેટ વગેરે પ્રસારમાં આવ્યાં અને ત્યારબાદ વીજાણુ-માધ્યમરૂપે ચલચિત્ર, રેડિયો, ટેલિવિઝન વગેરે આવ્યાં. આમ મુદ્રિત, શ્રાવ્ય અને ર્દશ્ય-માધ્યમો આવ્યાં અને હવે માહિતી-વિસ્ફોટના યુગમાં માધ્યમોની ભૂમિકા પ્રભાવક બની છે. ભારતમાં આ માધ્યમોનો નોંધપાત્ર વિકાસ થયો છે.

પત્રકારત્વ

પરંપરાગત વ્યાખ્યા મુજબ સમાચારો એકત્ર કરવા, લખવા, સંપાદિત અને પ્રકાશિત કરવા તે પત્રકારત્વ ગણાય છે. પત્રકારત્વને ઉતાવળે લખાયેલ સાહિત્ય પણ કહેવાય છે.

ઈ. સ.ની પહેલી સદીમાં રોમન સમ્રાટ જૂલિયસ સીઝરે Acta Diurna (દૈનિક ઘટનાઓ) – હસ્તલિખિત સમાચાર-બુલેટિનો રોજેરોજ ચોક્કસ સ્થળોએ લગાડવાના આદેશો આપી પત્રકારત્વનો પ્રારંભ કર્યો. તે પછી તે ક્રમશ: મુદ્રિત, શ્રાવ્ય અને ર્દશ્ય માધ્યમો – વૃત્તપત્રો, સામયિકો, રેડિયો, ટેલિવિઝનના રૂપે વિકસતું રહ્યું છે અને હવે માહિતી-વિસ્ફોટના યુગમાં પ્રવેશ્યું છે.

ભારતમાં પત્રકારત્વને ત્રણ મુખ્ય તબક્કાઓમાં વહેંચી શકાય :

(1) સ્વાતંત્ર્યપ્રાપ્તિ પૂર્વેનું પત્રકારત્વ.

(2) સ્વાતંત્ર્યસંગ્રામની સાથે સાથે વિકસેલું પત્રકારત્વ, જેને રાષ્ટ્રવાદી પત્રકારત્વ કહી શકાય.

(3) સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનું પત્રકારત્વ.

લોકરંજન તથા વ્યાપારીકરણ તેનાં લક્ષણો છે. દેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બોલબાલા હતી ત્યારે 1780ના જાન્યુઆરીની 19મીએ કોલકાતામાં જેમ્સ ઑગસ્ટસ હિક્કીએ ‘બેંગૉલ ગૅઝેટ’ યાને ‘કોલકાતા જનરલ એડવર્ટાઇઝર’ના નામે સર્વપ્રથમ વર્તમાનપત્ર શરૂ કર્યું. દર સપ્તાહે બે પાનાંમાં પ્રગટ થતું આ પત્ર ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્ઝ અને ચીફ જસ્ટિસ ઇલિયાહ ઇમ્પે સહિત વગદાર અંગ્રેજ અધિકારીઓના રોષનો ભોગ બન્યું; કારણ કે તેમાં તેમનાં બધાં કાળાં કરતૂતોનો પર્દાફાશ થતો હતો. અદાલતી કારવાઈ તથા દંડ તેમજ ટાઇપોની જપ્તી જેવાં દમનકારી પગલાંઓની પરાકાષ્ઠારૂપે હિક્કીને દેશનિકાલ કરવામાં આવ્યો. 1782ના માર્ચમાં ભારતના આ પ્રથમ પત્રની લીલા સંકેલાઈ ગઈ. 1818માં જેમ્સ સિલ્ક બકિંગહામ કેટલાક વેપારીઓએ શરૂ કરેલા ‘કોલકાતા ક્રૉનિકલ’નું તંત્રીપદ સંભાળવા ભારત આવ્યો. ઑક્ટોબરની બીજીએ તેનો પ્રથમ અંક પ્રગટ થયો હતો. બકિંગહામને જવાહરલાલ નહેરુએ અખબારી સ્વાતંત્ર્યના પુરસ્કર્તા તરીકે બિરદાવ્યો હતો. દેશમાં તેણે પત્રકારત્વને પ્રજાભિમુખ બનાવ્યું; પરંતુ તેને પણ શાસકોના કોપનો ભોગ બનવું પડ્યું. એની સામે ઍડવોકેટ-જનરલે બદનક્ષીનો ફોજદારી કેસ કર્યો. તેમાં બકિંગહામ જીત્યો તો ખરો, પણ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો. 1823માં એને દેશનિકાલ કરાયો.

હિક્કી અને બકિંગહામ અંગ્રેજ હોવા છતાં તેમણે અંગ્રેજ શાસકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવીને પત્રકારત્વનો સાચો ધર્મ શો છે તે સ્પષ્ટ કર્યું અને તેમના અનુગામીઓને માટે પ્રેરણા પૂરી પાડી. આવી પ્રેરણા પામનારાઓમાં એક હતા રાજા રામમોહન રાય. તેઓે ભારતીય પત્રકારત્વના સંસ્થાપક ગણાય છે.

1821માં તેમણે બંગાળી ભાષાનું એક સાપ્તાહિક કોલકાતામાં ‘સંગબાદ-કૌમુદી’ શરૂ કર્યું. 1822માં તે બંધ કરાયું, પણ 1823માં ફરી શરૂ કરાયું. રાજા રામમોહન રાયે 1822માં એક પર્શિયન ભાષાનું પત્ર ‘મિરુત-અલ-અખબાર’ પણ શરૂ કર્યું હતું, જે 1823માં અખબારોનું નિયમન કરવાના સરકારના આદેશ સામે વિરોધ દર્શાવવા બંધ કરી દેવાયું હતું. રાજા રામમોહન રાયને એક બાજુ સરકાર તથા બીજી બાજુ હિંદુ પ્રત્યાઘાતીઓ સાથે સંઘર્ષમાં આવવું પડ્યું. આ પ્રખર સમાજસુધારક આધુનિક રાષ્ટ્રવાદી પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. એમનાથી પ્રભાવિત ગંગાધર ભટ્ટાચાર્યજીએ 1816માં ભારતીય માલિકીનું સર્વપ્રથમ અંગ્રેજી દૈનિક ‘બેંગૉલ ગૅઝેટ’ શરૂ કર્યું હતું.

આ અરસામાં ભારતીય પત્રકારત્વનાં બે વહેણ પરસ્પર–વિરોધી દિશામાં ચાલતાં હતાં : એક અંગ્રેજોના શાસનનું સમર્થન કરતું હતું, તો બીજું એનો વિરોધ કરી રાજકીય જાગૃતિ માટે મથતું હતું.

1831થી 1833ના સમયગાળામાં બંગાળમાં 33 અંગ્રેજી વર્તમાનપત્રો અને 16 બંગાળી સામયિકો પ્રગટ થતાં હતાં. દ્વારકાનાથ ટાગોરનું ‘બેંગૉલ હેરલ્ડ’ (અંગ્રેજી સાપ્તાહિક) તથા ‘બંગદૂત’ (બંગાળી), 1853માં ગિરીશચંદ્ર ઘોષનું અંગ્રેજી સાપ્તાહિક ‘હિંદુ પૅટ્રિયટ’ વગેરે ઉલ્લેખપાત્ર ગણાય. ‘હિંદુ પૅટ્રિયટ’ પાછળથી મહાન સામાજિક સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાને હસ્તક લીધું હતું. 1871માં કેશવચંદ્ર સેને ‘ઇન્ડિયન મિરર’ સામયિક પોતાને હસ્તક લીધું હતું. આમ, બંગાળમાં સામાજિક સુધારણા, રાજકીય જાગૃતિ સાથે પત્રકારત્વનો વિકાસ સધાતો રહ્યો.

1857ના વિપ્લવ દરમિયાન અંગ્રેજ માલિકીનાં પત્રોએ ઝેરી પ્રચાર કર્યો હતો; જ્યારે અન્ય પત્રોએ આ મહાન ઘટનાનું ઐતિહાસિક મૂલ્ય લગભગ અવગણ્યું હતું.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં દેશના પત્રકારત્વમાં ઍંગ્લો-ઇન્ડિયન અખબારો તથા તંત્રીઓનો ઘણો પ્રભાવ રહ્યો. કોલકાતામાં ‘ધી ઇંગ્લિશમૅન’ અને ‘સ્ટેટ્સ્મૅન’, મુંબઈમાં ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’, ચેન્નઈમાં ‘મદ્રાસ ટાઇમ્સ’ અને ‘મદ્રાસ મેઇલ’, લાહોરમાં ‘ધ સિવિલ ઍન્ડ મિલિટરી ગૅઝેટ’ અને અલ્લાહાબાદમાં ‘ધ પાયોનિયર’ વૃત્તપત્રો આમાં મુખ્ય હતાં. ઍંગ્લો-ઇન્ડિયન પત્રકારત્વ ‘ધ સ્ટેટ્સ્મૅન’(1857)ના રૉબર્ટ નાઇટે આગળ વધાર્યું હતું. રડ્યાર્ડ કિપ્લિંગ 1883માં ‘ધ સિવિલ ઍન્ડ મિલિટરી ગૅઝેટ’નો સહાયક તંત્રી બન્યો, ત્યારે ખૂબ નાની વયનો હતો. પછી તે ‘પાયોનિયર’માં જોડાયેલો.

લૉર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા ત્યારે તેની સામેની ઉગ્ર લડતે રાષ્ટ્રવાદી પત્રકારત્વને જન્મ આપ્યો. સુરેન્દ્રનાથ બૅનરજીના ‘બેંગૉલી’એ તેમાં ઘણો ભાગ ભજવ્યો. આ ઉપરાંત બિપિનચંદ્ર પાલના ‘ન્યૂ ઇન્ડિયા’ અને ‘વંદે માતરમ્’ (જેનું સુકાન પાછળથી શ્રીઅરવિંદ ઘોષે સંભાળ્યું હતું) અને 1922માં મૃણાલકાંતિ ઘોષ, પ્રફુલ્લકુમાર સરકાર અને સુરેશચંદ્ર મજુમદારે શરૂ કરેલ ‘અમૃત બાઝાર પત્રિકા’નો ઉલ્લેખ કરી શકાય. ‘યુગાન્તર’ અને ‘બસુમતી’ સહિત અનેક પત્રોએ બંગાળી પત્રકારત્વને લોકપ્રિય બનાવ્યું છે.

હિંદી ભાષાનું સર્વપ્રથમ દૈનિક 1854માં શરૂ થયું હતું. સ્વાતંત્ર્ય પૂર્વેના ગાળામાં બનારસમાંથી 1920માં શરૂ થયેલું ‘આજ’, ડૉ. રાજેન્દ્રપ્રસાદ દ્વારા શરૂ કરાયેલ સાપ્તાહિક ‘દેશ’ વગેરેનો આમાં સમાવેશ થાય છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનાં પત્રોમાં ‘હિન્દુસ્તાન’, ‘પંજાબકેસરી’, ‘નવભારત ટાઇમ્સ’, ‘જનસત્તા’, ‘દૈનિક સહારા’ વગેરે ઉલ્લેખનીય છે. હિંદી પત્રકારત્વે ફેલાવા ઉપરાંત ગુણવત્તાની ર્દષ્ટિએ આઝાદી પછી ઝડપી વિકાસ સાધ્યો છે.

ઉર્દૂ પત્રકારત્વનો પ્રારંભ 1852માં થયો હતો. મૌલાના અબુલ કલામ આઝાદે 1922માં શરૂ કરેલા ‘અલ હિલાલે’ ઉર્દૂ પત્રકારત્વને નવો વળાંક આપ્યો હતો. 1923માં આર્યસમાજ દ્વારા લાહોરમાંથી ‘મિલાપ’ તથા અન્ય માલિકો દ્વારા શરૂ કરાયેલ ‘પ્રતાપ’ની ગણના લોકપ્રિય પત્રોમાં થતી હતી. 1923માં દિલ્હીમાંથી સ્વામી શ્રદ્ધાનંદે ‘તેજ’ શરૂ કર્યું હતું. આંધ્રપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ઉર્દૂ પત્રકારત્વ વિકસ્યું છે.

મરાઠી ભાષાના પત્રકારત્વે રાજકીય સ્વાતંત્ર્ય તથા સામાજિક સુધારણાના ક્ષેત્રે ઘણો મોટો ફાળો આપ્યો છે. 1881માં શરૂ થયેલાં લોકમાન્ય બાળ ગંગાધર ટિળકનાં ‘કેસરી’ તથા ‘મરાઠા’ (અંગ્રેજી) આમાં મોખરે રહ્યાં. જ. સ. કરંદીકર, ન. ચિ. કેળકર અને ખાડિલકર ટિળકના સહયોગીઓ હતા. બાળશાસ્ત્રી જાંભેકર મરાઠી પત્રકારત્વના પિતા ગણાય છે. 1832માં તેમણે ‘બૉમ્બે દર્પણ’ માસિક શરૂ કર્યું હતું, જે પછી સાપ્તાહિક બન્યું હતું. એ. આર. કોલ્હટકરના ‘સંદેશ’, કે. પી. ખાડિલકરના ‘લોકમાન્ય’ અને ‘નવા કાળ’, સદાનંદના ‘નવશક્તિ’ (1932), એન. બી. પરુળેકરના ‘સકાળ’ અને પાછળથી શરૂ કરાયેલાં પત્રો – ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’, ‘લોકસત્તા’ વગેરે ઉલ્લેખનીય છે. મરાઠી પત્રકારત્વને વિકસાવવામાં જી. જી. આદરકર, એસ. એમ. પરાંજપે, એન. સી. કેળકર, મામા વરેરકર, આચાર્ય અત્રે, એલ. બી. ભોપટકર, જી. ટી. મધોળકર, વી. એમ. સાઠે, ગડકરી વગેરેનું પ્રદાન નોંધપાત્ર છે.

દક્ષિણ ભારતમાં કેરળનું ‘મલયાળમ મનોરમા’ સૌથી વધુ ફેલાવો ધરાવતું ભારતીય ભાષાનું દૈનિક છે. 1890માં દેશી રાજ્ય ત્રાવણકોરના કોટ્ટાયમમાં તે શરૂ કરાયું હતું. 1923માં કાલિકટમાંથી શરૂ કરાયેલ ‘માતૃભૂમિ’ અસહકારની લડતના વાહન તથા કૉંગ્રેસના મુખપત્ર તરીકે શરૂ કરાયું હતું. આ બે પછી ત્રીજા નંબરે ‘કેરળ કૌમુદી’ આવે છે.

કર્ણાટકમાં કન્નડ ભાષાના આધુનિક પત્રકારત્વના પિતા એમ. વેંકટકૃષ્ણૈયા ગણાય છે. 1843માં મૅંગલોરમાંથી શરૂ થયેલ ‘મેંગલૂરા સમાચાર’ સર્વપ્રથમ પત્ર હતું. તેનો ઉદ્દેશ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો હતો. તે મિશનરીઓ દ્વારા પ્રગટ થયું હતું. 1859માં તે વખતના મૈસૂરના મહારાજાના આશ્રયે ‘માયસૂરૂ વૃત્તાંતબોધિની’ શરૂ કરાયું હતું. એમ. વેંકટકૃષ્ણૈયાએ 1885માં ‘વૃત્તાંતચિંતામણિ’ શરૂ કર્યું હતું.

છેક 1914માં મહિલાઓએ પત્રકારત્વના ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું, જેમાં ટી. સંજીવમ્મા તથા તિરુમલામ્મા(1916)નાં નામો ઉલ્લેખનીય છે.

‘પ્રજાવાણી’ અને તેનું ભગિની પત્ર ‘ડેક્કન હેરલ્ડ’ લોકપ્રિયતામાં અત્યારે મોખરે છે. ‘પ્રજાબંધુ’ તથા ‘ગુજરાત સમાચાર’(અમદાવાદ)ના તંત્રી ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોરે બૅંગ્લોરમાં કાયમી વસવાટ કર્યો તે પછી ‘ડેક્કન હેરલ્ડ’માં ઉચ્ચ પદે જોડાઈ તેના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો એ ઉલ્લેખનીય છે.

આંધ્રપ્રદેશમાં તેલુગુ ભાષાના પત્રકારત્વે પણ સ્વાતંત્ર્ય પૂર્વે અને તે પછી ઘણું નામ કાઢ્યું છે. 1835માં બેલારીથી શરૂ કરાયેલ ‘સત્યદૂત’ તેલુગુનું પ્રથમ પત્ર (માસિક) હતું. એનો ઉદ્દેશ ભગવાન ઈસુનો સંદેશ ફેલાવવાનો હતો. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે શરૂ થયેલાં પત્રોના પ્રતિકાર માટે વૈદિક ધર્મનો પ્રચાર કરનારાં પત્રો પણ આ અરસામાં શરૂ થયાં હતાં. 1864માં વેદ સમાજ દ્વારા શરૂ કરાયેલ ‘તથ્યબોધિની’ આવું એક પત્ર હતું. તેમાં ઋગ્વેદના શ્લોકો તથા તેનું તેલુગુ ભાષાંતર પ્રગટ કરાતું હતું.

વીરાસલિતગમ્ પન્ટુલુ તેલુગુ પત્રકારત્વના પિતા લેખાય છે. 1895 અને તે પછી તેમણે વિવિધ પ્રકારનાં પત્રો શરૂ કર્યાં હતાં.

1885માં કૉંગ્રેસની સ્થાપના થઈ તે પછી ‘આંધ્ર પ્રકાશિકા’ નામનું સમાચાર-સાપ્તાહિક એ. પી. પાર્થસારથિ નાયડુએ શરૂ કર્યું હતું. 1953માં આંધ્રપ્રદેશના રાજ્યની રચના પછી તેલુગુ પત્રકારત્વ ખૂબ વિકસ્યું છે. એ પહેલાં 1947માં રામોજી રાવે હૈદરાબાદમાં ‘ઇનાડુ’ શરૂ કરીને નવો ઇતિહાસ સર્જ્યો હતો.

તમિળ ભાષાના પત્રકારત્વનો વિકાસ પ્રમાણમાં મંદ રહ્યો છે. સર્વપ્રથમ તમિળ સામયિક ‘તમિળ પત્રિકા’ 1831માં શરૂ કરાયું હતું. શરૂઆતનાં પત્રો ધાર્મિક અને બિનરાજકીય હતાં. 1882માં ‘સ્વદેશમિત્રન’ના આરંભ સાથે સાચા અર્થમાં તમિળ પત્રકારત્વના શ્રીગણેશ થયા. જી. સુબ્રમણ્યમ્ ઐયરે સાપ્તાહિક ‘હિંદ’ શરૂ કર્યું હતું. મહાન કવિ સુબ્રમણ્યમ્ ભારતીએ તેના દ્વારા પત્રકારત્વમાં પ્રવેશ કર્યો હતો. 1934માં એક્સપ્રેસ જૂથના ‘દિનમણિ’ના પ્રકાશન સાથે તમિળ પત્રકારત્વમાં એક વીજળીસંચાર થયો. તેના તંત્રી ટી. એસ. ચોકલિંગમ્ અને સહતંત્રી એ. એન. શિવરામન તમિળ પત્રકારત્વના ભીષ્મ પિતામહ ગણાય છે.

1942માં એ. બી. આદિત્યને ‘દિન થાંતી’ (Dina Thanti) નામનું દૈનિક અર્ધશિક્ષિત અને નીચલા વર્ગના વાચકો માટે શરૂ કર્યું. મદ્રાસ રાજ્યમાં દ્રવિડ કળગમ અને દ્રવિડ મુનેત્ર કળગમ જેવા પક્ષોની સ્થાપના પછી આદિત્યન્ કૉંગ્રેસ છોડી તેમાં જોડાયા અને તેમણે આ પત્રને સાવ સામાન્ય માણસ સુધી પહોંચાડી પત્રકારત્વને નવો વળાંક આપતો ઇતિહાસ સર્જ્યો. આજે તેનો ફેલાવો સૌથી વધુ છે. બીજા નંબરે ‘દિનમણિ’ આવે છે; ત્રીજા નંબરે ‘દિનમલાર’ આવે છે, જે 1951માં શરૂ થયું હતું. એસ. એસ. વાસને રાજ્યમાં સામયિકોના પ્રકાશનક્ષેત્રે ‘આનંદનિકેતન’(1924)નો નવો યુગ શરૂ કર્યો. એના તંત્રી આર. કૃષ્ણમૂર્તિએ પછી પોતાનું સાપ્તાહિક ‘કલ્કિ’ શરૂ કર્યું. તેનો ફેલાવો અત્યારે (2001) સૌથી વધુ છે. ચો રામાસ્વામીનું ‘તઘલખ’ ખૂબ લોકપ્રિય બન્યું છે.

1 જુલાઈ 1822ના દિવસે મુંબઈથી ‘શ્રી મુમબઈના સમાચાર’ (આજનું ‘મુંબઈ સમાચાર’) પ્રગટ થયું અને ગુજરાતી પત્રકારત્વનો પ્રારંભ થયો. એના સ્થાપક હતા ફરદૂનજી મર્ઝબાન. પ્રારંભમાં એ સાપ્તાહિક હતું. 1855માં દૈનિક બન્યું.

‘મુંબઈ સમાચાર’ને પગલે બીજાં પત્રો શરૂ થયાં, તેમાં 1830માં શરૂ થયેલ ‘મુંબઈ ચાબુક’ (‘મુંમઈના ચાબુક’), 1832માં શરૂ થયેલ ‘જામે જમશેદ’, 1851માં દાદાભાઈ નવરોજીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ ‘રાસ્ત ગોફતાર’ મુખ્ય હતાં. આ બધાં પત્રો પારસીઓએ શરૂ કર્યાં હતાં અને એમાં મુખ્યત્વે પારસી સમાજની સમસ્યાઓની ચર્ચા થતી હતી.

2 મે 1849ના રોજ અમદાવાદમાંથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ‘વરતમાન’નું પ્રકાશન શરૂ કર્યું અને ગુજરાતમાં પત્રકારત્વનો પ્રારંભ થયો. ‘વરતમાન’ શિલાપત્ર પર છપાતું હતું. 1854માં બીબાઢાળ ટાઇપ ઉપર મુદ્રણ થઈને ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ થયું, જે આજે પણ ચાલુ છે. 1851માં ‘ખેડા વર્તમાન’ સાપ્તાહિકનો પ્રારંભ થયો. 1921ની બીજી ઑક્ટોબરે રાણપુરથી અમૃતલાલ શેઠે ‘સૌરાષ્ટ્ર’ (આજનું ‘ફૂલછાબ’) શરૂ કર્યું અને સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોની જોહુકમી સામે પ્રજાની વેદનાને વાચા આપી. 1948માં રાજકોટથી ‘જયહિંદ’ અને ‘નૂતન સૌરાષ્ટ્ર’ દૈનિકો શરૂ થયાં. ‘ફૂલછાબ’ 1950માં રાજકોટ આવ્યું અને દૈનિક બન્યું.

1852માં કરસનદાસ મૂળજીએ શરૂ કરેલ ‘સત્યપ્રકાશ’ અને 1864માં નર્મદે શરૂ કરેલ ‘ડાંડિયો’એ સમાજસુધારાના પત્રકારત્વમાં ઇતિહાસ રચ્યો. આ પત્રો આજીવિકા માટે નહિ, પણ સમાજના ઉત્થાનના મિશનથી જ ચાલેલાં.

1880માં ઇચ્છારામ દેસાઈના તંત્રીપદ હેઠળ ‘ગુજરાતી’ના પ્રારંભ સાથે ગુજરાતી પત્રકારત્વનો એક નવો યુગ શરૂ થયો. રાજકીય પ્રશ્ર્નો ઉપર પણ લખવાનું શરૂ થયું. એક જમાનામાં તેનું સ્થાન ટિળકના ‘કેસરી’ જેવું હતું.

1864માં જૂનાગઢથી મણિશંકર કીકાણીએ ‘સૌરાષ્ટ્રદર્પણ’ શરૂ કર્યું. એ સૌરાષ્ટ્રનું પ્રથમ પત્ર ગણાય છે. ભાવનગરથી મિર્ઝા મુરાદઅલીએ ‘મનોરંજક રત્નમાળ’ 1868માં શરૂ કરેલું. એ જ વર્ષે, રાજકોટથી ‘વિજ્ઞાનવિલાસ’ શરૂ થયું, જેમાં પણ પ્રેરણા મણિશંકરની હતી. મણિશંકરનો સુધારો નર્મદ–દુર્ગારામ જેવો આક્રમક નહિ, પણ સંરક્ષક હતો. 1862માં અમદાવાદથી ‘ગુજરાત શાળાપત્ર’ શરૂ થયું તે 1876થી 1888 સુધી નવલરામે રાજકોટથી ચલાવ્યું હતું. 1885માં મણિલાલ નભુભાઈએ ભાવનગરમાં રહીને ‘પ્રિયંવદા’ નામે મહિલાઓ માટેનું માસિક પત્ર ચલાવ્યું હતું, જે 1890થી ‘સુદર્શન’ રૂપે વિસ્તૃત ફલક પર મુકાયું હતું.

1919માં ગાંધીજીએ ઇન્દુલાલ યાજ્ઞિક પાસેથી ‘નવજીવન’નું સુકાન સંભાળ્યું, એ જ અરસામાં (8-10-1919થી) અંગ્રેજી ‘યંગ ઇન્ડિયા’ સાપ્તાહિકનું પણ તંત્રીપદ તેમણે સ્વીકાર્યું અને ગુજરાતી પત્રકારત્વનો નવો યુગ મંડાયો. ‘હરિજન’ (અંગ્રેજી 11-2-33), ‘હરિજનસેવક’ (હિન્દી 23-2-33), ‘હરિજનબંધુ’ (ગુજરાતી 12-3-33), ‘હરિજન’ (મરાઠી 1-3-1942), એમ જુદી જુદી ભાષામાં આ પત્રો ચાલ્યાં. તેમાં ભારતની આઝાદી માટે તેમણે ચલાવેલી રાજકીય લડત, અસ્પૃશ્યતા જેવાં સામાજિક દૂષણો સામે જિંદગીને હોડમાં મૂકવા સુધી આપેલી લડત, શિક્ષણ, અર્થકારણ, ધર્મ આદિ અન્ય ક્ષેત્રોને લગતા વિવિધ વિષયો અને તેની પાછળ રહેલી તેમની સત્ય ને અહિંસાના પાયા પર બંધાયેલી ફિલસૂફી ઇત્યાદિ બાબતોનું લગભગ ત્રણ દાયકા સુધી (જેલનિવાસના ગાળા બાદ કરતાં) નિરૂપણ થયાં કર્યું હતું. ગાંધીજીના વ્યક્તિત્વની છાપ પત્રકારત્વ ઉપર પણ પડી, અને એમના લેખોની અસર શહેરી ભદ્રવર્ગથી માંડીને ગામડાના ખેડૂતને પણ સ્પર્શી જતી હતી. દેશમાં રાજકીય જાગૃતિનો જુવાળ લાવવામાં આ પત્રોએ ખૂબ મદદ કરી. ગાંધીજી ઉપરાંત મહાદેવભાઈ, કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર, સ્વામી આનંદ વગેરેની કલમનો લાભ પણ આ પત્રોને મળતો હતો.

ગુજરાતી ભાષામાં આજે 106થી વધુ દૈનિકો પ્રગટ થાય છે. ઉપરાંત ગુજરાતીમાં 565 સાપ્તાહિકો, 161 પાક્ષિકો અને 455 જેટલાં માસિકો નીકળે છે. ‘ચિત્રલેખા’, ‘અભિયાન’ ફેલાવા અને સામગ્રીની ર્દષ્ટિએ નોંધપાત્ર છે. માસિકોમાં ‘અખંડ આનંદ’, ‘નવનીત-સમર્પણ’, ‘કુમાર’, ‘નવચેતન’ ઉલ્લેખનીય છે. ‘ભૂમિપુત્ર’, ‘નિરીક્ષક’, ‘ઉદ્દેશ’, ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘કવિતા’ સાહિત્ય તથા પ્રજાજીવનના અન્ય પ્રવાહોને ઝીલે છે.

ભારતમાં પત્રકારત્વે બે સદીથી વધુ સમયમાં સારો એવો વિકાસ સાધ્યો છે, છતાં સાક્ષરતાના નીચા આંક તથા બીજાં કારણોને લીધે હજી આ બાબતમાં વિકસિત દેશોની સરખામણીએ ભારત પાછળ છે. દર હજારની વસ્તીદીઠ દૈનિક પત્રના 100 નકલના ફેલાવાના યુનેસ્કોના માપદંડની સામે ભારતમાં હજી એ આંક 40 નકલનો જ છે.

ભારતમાં પત્રકારત્વે ઘણું વૈવિધ્ય અને આકર્ષણ જન્માવ્યું છે અને વીજાણુ-માધ્યમોની તીવ્ર સ્પર્ધા છતાં પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે તથા આગેકૂચ જારી રાખી છે. દેશકાળને અનુરૂપ તે લોકરંજન તરફ વધુ વળ્યું છે એમ ઘણા માને છે.

મહેશ ઠાકર

યાસીન દલાલ

બંસીધર શુક્લ

ચલચિત્રો

ભારતમાં ચલચિત્રના પ્રથમ પ્રદર્શન વખતે, ઈ. સ. 1896ની 7મી જુલાઈએ મુંબઈની વૉટસન હોટલમાં દસ્તાવેજી ચિત્રોને લૂમિયે બંધુઓએ ‘મૅજિક શો’ તરીકે રજૂ કર્યાં હતાં. બીજે અઠવાડિયે ‘લોકલાગણીને માન આપીને’ નૉવેલ્ટી થિયેટરમાં એ મૅજિક શોની રજૂઆત લંબાવવામાં આવી ત્યારે એ વખતે ચાર ચાર આનાની ટિકિટો ખરીદી મુંબઈગરાઓની શિક્ષિત મેદની એ જોવા ઊમટી પડી હતી.

આ પહેલાં ઈ. સ. 1880માં મુંબઈમાં ભાટવડેકરે ‘ફોટો સ્ટુડિયો’ સ્થાપેલો. વિખ્યાત ગણિતશાસ્ત્રી આર. પી. પરાંજપેના સન્માન-સમારંભને પણ તેમણે ફિલ્મમાં ઝડપી લીધો. ભારતનું એ પ્રથમ ‘ન્યૂઝ રીલ’ હતું.

જેમ ગુજરાતી રંગભૂમિના ક્ષેત્રે તેમ આ ફિલ્મક્ષેત્રે પણ ત્રણ ત્રણ દાયકા સુધી ટૂંકી ફિલ્મો બનાવીને તંબૂઓમાં બતાવ્યા કરનાર, પહેલો તો પારસી જ હતો જમશેદજી માદન અને એ પછી અબ્દુલ અલી યૂસુફ અલી. લગભગ 30 મીટર લાંબા અને 15.2 મીટર પહોળા તંબૂમાં એક હજાર પ્રેક્ષકો બેસે, અને ચાલીસ-પચાસ જેટલાં ‘ચલિત ચિત્રોના દસ્તાવેજો’ જુએ. આવા શો માટે ઘણી ફિલ્મો પરદેશથી પણ મંગાવાતી; ક્યારેક એના પ્રદર્શન સાથે કૉમેન્ટરી અપાતી, તો ક્યાંક વાદ્યો પણ બજી ઊઠતાં. ધીમે ધીમે ફિલ્મ-પ્રદર્શન માટે પાકાં થિયેટરો બંધાવા માંડ્યાં. 1910ના અરસામાં ભારત દેશમાં આવાં 37 થિયેટરો હતાં. આ સિવાય બીજાં ઘણાં ક્ષેત્રે પ્રારંભ કરનાર ગુજરાતીઓ હતા. ઉદા. મોહનલાલ ગોપાળજી દવે. છેક પંજાબમાં લાહોરમાં ગુજરાતના દલસુખ પંચોલીએ આપેલાં ‘ખજાનચી’ અને ‘ખાનદાન’ જેવાં ચલચિત્રોએ ધૂમ મચાવી. પાછળથી તે મુંબઈ આવ્યા.

પણ ચલિત ચિત્રોના માધ્યમને સમજીને પ્રયોજનાર તો હતા દાદાસાહેબ ફાળકે. નાટકના રસિયા, ચિત્રકાર અને સ્થિર તસવીરકલાના એ જાણકાર. પોતાની જીવનવીમાની પૉલિસી અને પત્નીનાં ઘરેણાં ગીરવે મૂકી લંડન જઈ તેઓ ચલચિત્રની કલા શીખ્યા અને ફિલ્મ-નિર્માણનાં સાધનો અને સાહિત્ય ખરીદી લાવ્યા. બીજે જ વરસે, 1913માં એમણે ‘રાજા હરિશ્ચંદ્ર’ નામની 114.7 મીટર લાંબી ફિલ્મ બનાવી. એ પછી ‘ભસ્માસુર-મોહિની’, ‘લંકાદહન’, ‘કૃષ્ણજન્મ’ વગેરે સોએક જેટલી ફિલ્મો બનાવી. ફાળકેએ અતિપરિચિત કથાવસ્તુવાળી અને સરળતાથી સમજી શકાય તેવી ફિલ્મોમાં ટ્રિક-સીન્સ, ઍનિમેશન વગેરેથી ખૂબ નામના મેળવી.

પ્રારંભમાં પૌરાણિક અને પછી ઐતિહાસિક કથાવસ્તુવાળી ફિલ્મો બનતી. બીજી બાજુ વિદેશી સ્ટંટ ફિલ્મોનું પણ ભારતમાં અનુકરણ થવા માંડ્યું. ઈ. સ. 1917માં ફાળકેએ ‘હિંદુસ્થાન ફિલ્મ કંપની’ સ્થાપી. તેમણે તો ‘ફિલ્મ કેવી રીતે બને છે’ એ વિશે પણ ફિલ્મ બનાવી હતી ! ભારતની એ પ્રથમ શૈક્ષણિક ફિલ્મ છે અને તે પણ ફિલ્મ- માધ્યમ વિશે જ !

ધીરેન ગાંગુલી ફિલ્મ-નિર્માણના પ્રારંભના તબક્કાનો બીજો ઝળહળતો સિતારો હતો. એ પણ સ્થિર તસવીરકલાના જાણકાર, સ્વયં અદાકાર અને લેખક હતા. ‘ઇંગ્લૅન્ડ-રિટર્ન્ડ’, ‘લેડી ટીચર’, ‘સ્ટેપ મધર’, ‘મૅરેજ ટૉનિક’ વગેરે કૉમેડી ફિલ્મો તેમણે બનાવી હતી. ‘રઝિયા બેગમ’ (1920) રાષ્ટ્રીય એકતાની પ્રથમ ફિલ્મ હતી. આ દરમિયાન બંગાળમાં દેવકી બોઝે પણ અનેક ફિલ્મો સર્જી હતી. આ સાહસમાં સફળતા પામનાર પ્રથમ ગુજરાતી હતા ચંદુલાલ શાહ. ઈ. સ. 1925માં મિસ ગોહરને લઈને હોમી માસ્ટરની અધૂરી ફિલ્મ ‘ગુણસુંદરી’ એમણે બનાવી, જે સામાજિક ફિલ્મોના ઉદયમાં નોંધપાત્ર ગણાય છે. એમની બીજી ફિલ્મ ‘ટાઇપિસ્ટ ગર્લ’ પણ બહુ વખણાઈ હતી. એ દિવસોમાં મૂગી ફિલ્મોનું ઍક્શન સમજાવવા અંગ્રેજી ભાષામાં શીર્ષકો મુકાતાં. ફિલ્મ બતાવવા દેશના જુદા જુદા ભાગોમાં 265 જેટલાં પાકાં સિનેમાઘરો બંધાયાં હતાં. ચંદુલાલ શાહની કુલ 130 ફિલ્મોમાંથી 60 જેટલી તો આવી સફળ સામાજિક ફિલ્મો હતી. અલબત્ત, પ્રદર્શિત થતી ફિલ્મોમાં 80 % વિદેશી ફિલ્મો હતી.

1929માં આ ‘ફિલ્મ-નિર્માતાઓ’એ ‘મેલડી ઑવ્ લવ’ નામનું પ્રથમ બોલપટ નિહાળ્યું અને એનું અવશ્યંભાવિ પિછાણ્યું. 1931માં માદન બંધુઓએ સૌપ્રથમ ટૂંકાં બોલપટ બનાવ્યાં : ‘શિવમંદિરમાં પ્રાર્થના’ અને પ્રો. સી. વી. રામનનું વ્યાખ્યાન ! એ જ વરસે પ્રથમ પૂરા કદના હિંદી બોલપટ ‘આલમઆરા’ની રજૂઆત થઈ. અરદેશર ઈરાનીની આ ફિલ્મમાં 12 ગીતો હતાં. એ સમયની એક તમિળ ફિલ્મમાં 60 ગીતો હતાં !

દિગ્દર્શકોને રોકીને કામ કરનાર એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર બી. એન. સરકાર બંગાળના જાણીતા ઍડવોકેટ-જનરલના પુત્ર હતા. મેધાવી નટનટીઓ અને કસબીઓ સાથે તેમણે સાધનસંપન્ન સ્ટુડિયો ‘ન્યૂ થિયેટર્સ’ની સ્થાપના કરી હતી. દેવકી બોઝ અને ધીરેન ગાંગુલીના દિગ્દર્શનમાં એમણે ‘ચંડીદાસ’ (1932), ‘સીતા’ (1934), ‘વિદ્યાપતિ’ (1937) વગેરે ફિલ્મો બનાવી. તેમણે ફિલ્મસંગીતમાં ક્રાંતિ સર્જી. છાયાદેવી અને કાનનબાલા એમની લોકપ્રિય અભિનેત્રીઓ હતી. 1935માં એમની ‘દેવદાસ’ ફિલ્મે તો ભારતીય સામાજિક ફિલ્મ-નિર્માણની વિભાવના જ બદલી નાંખી. નટ-દિગ્દર્શક-લેખક પી. સી. બરુઆએ પ્રથમ બંગાળીમાં ‘દેવદાસ’ ફિલ્મ બનાવેલી; પછી એનું હિંદી સંસ્કરણ પણ તૈયાર કર્યું. ‘માયા’ (1936), ‘મુક્તિ’ (1937) વગેરે બરુઆની બીજી યાદગાર ફિલ્મો છે. દિગ્દર્શન-અભિનય ઉપરાંત એની પટકથા પણ બહુધા બરુઆ જ લખતા.

આ તરફ પશ્ચિમ ભારતમાં પણ કેટલાક ફિલ્મ સ્ટુડિયોએ ભારે પ્રતિષ્ઠા મેળવી. દિગ્દર્શનક્ષેત્રે ગુરુ ગણાતા વી. શાંતારામનો પ્રભાત સ્ટુડિયો; અને ‘અયોધ્યા ચા રાજા’ એની પ્રથમ મરાઠી ફિલ્મ. એ પછી 1930થી ’39 વચ્ચે ‘સંત તુકારામ’, ‘દુનિયા ન માને’, ‘આદમી’ વગેરે હિંદી ફિલ્મો ખૂબ લોકપ્રિય બની. પછી પોતાના રાજકમલ સ્ટુડિયોમાં તેમણે ‘ડૉ. કોટનીસ કી અમર કહાની’ જેવી અમર ફિલ્મ સર્જી. બૉમ્બે ટૉકિઝમાં હિમાંશુ રાયે 1936માં ‘અછૂત કન્યા’ દ્વારા અસ્પૃશ્યતાનો પ્રશ્ર્ન પ્રસ્તુત કર્યો. અશોકકુમાર, દિલીપકુમાર, રાજ કપૂર, એસ. મુખરજી, કે. એ. અબ્બાસ જેવી ખ્યાતનામ ફિલ્મી હસ્તીઓ બૉમ્બે ટૉકિઝ દ્વારા જ પ્રકાશમાં આવી છે.

વિશાળ સ્ટુડિયો, ઊંચા પગારનાં નટ-નટીઓ અને કસબીઓ તથા સ્ટંટ ફિલ્મોનો એ જમાનો હતો. સાગર મૂવિટોનની ‘જાગીરદાર’ (1937), વાડિયા મૂવિટોનની ‘હંટરવાલી’ (1937), મિનર્વા મૂવિટોનની ‘સિકંદર’ (1940) વગેરે ત્યારે ખૂબ ખ્યાતિ પામેલી. સુરેન્દ્ર, બિબ્બો, નાદિયા, સોહરાબ મોદી, પૃથ્વીરાજ, મોતીલાલ, સવિતાદેવી, યાકૂબ, દુર્ગા ખોટે, અશોકકુમાર, શાંતા આપ્ટે, કેશવરાવ દાતે ત્યારનાં જાણીતાં-માનીતાં નટ-નટીઓ હતાં. ધીમે ધીમે કરારપદ્ધતિએ કામ કરવાનું શરૂ થયું, અને 1945 સુધીમાં મોટા સ્ટુડિયો નાણાભીડમાં આવી પડ્યા. અલબત્ત, ફિલ્મોનાં કથાવસ્તુ અને અભિનય વગેરેમાં સનસનાટીની બોલબાલા હતી.

બીજા વિશ્વયુદ્ધ પછી ભારતમાં દસ્તાવેજી ફિલ્મોનું નિર્માણ વધ્યું. એ સમયની ‘ચંદ્રલેખા’ ફિલ્મ, એનો ખર્ચ એ વખતના 30 લાખ રૂપિયા અને આવક 1 કરોડ રૂપિયા ! આવા આર્થિક માળખાને ટકવા માટે ફિલ્મ-નિર્માણની એક ફૉર્મ્યુલા બની : સિતારા, ગીતો, નૃત્યો, પ્રેમ-સંવનનનાં ટાહ્યલાં, ગણિકાનર્તકીની કુરબાની, સનસનાટી, સદ્-અસદનું ચિત્રણ, અંતે સદનો વિજય વગેરે. આજે એમાં હિંસા અને કામુકતાને વળી ‘સ્લો-મોશન’માં દર્શાવી વધુ ગ્રામીણ બનાવવામાં આવી રહી છે.

પરંતુ આ બધાંની વચ્ચેય સામાજિક ર્દષ્ટિએ ‘સાર્થક’ એવી ફિલ્મોય ઝળકતી. કે. એ. અબ્બાસે બૉમ્બે ટૉકિઝ માટે ‘નયા સંસાર’ 1941માં બનાવી, તો 1949માં ‘ધરતી કે લાલ’માં ખેતવિહોણા મજૂરોની વાત હતી. અલબત્ત, એ જ લેખકે પેલી ‘ફૉર્મ્યુલા’ મુજબ ‘આવારા’ અને ‘શ્રી 420’ વગેરે ફિલ્મો રાજ કપૂરને લખી આપી. એમની પ્રયોગશીલ ફિલ્મ ‘જાગતે રહો’ (1957) કાર્લોવી બેરીમાં ‘ગ્રાં પ્રી’ મેળવી આવેલી. બિમલ રૉયની ‘દો બિઘા જમીન’ (1954) કૅન ફિલ્મ મહોત્સવમાં વિજયી બની હતી. એ જ રીતે ગુરુ દત્તની ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ તેમજ બિમલ રૉયની ‘સુજાતા’ પણ ખૂબ નોંધપાત્ર હતી.

બીજી બાજુ ગુજરાતી નિર્માતા ચીમનલાલ દેસાઈના સાગર મૂવિટોને કનૈયાલાલ મુનશી જેવા લેખકોની કૃતિઓ પરથી પણ ફિલ્મો બનાવી; જેવી કે ‘વેરની વસૂલાત’, ‘બે ખરાબ જણ’, ‘ડૉ. મધુરિકા’ વગેરે.

1955માં, અનેક આકરા તપે તપીને સત્યજિત રાયે ‘પથેર પાંચાલી’ બનાવી; એની વિદેશોની સફળતા પછી તેમણે ‘અપરાજિત’ અને ‘અપુર સંસાર’ ફિલ્મો સર્જી, બંગાળી ગ્રામ અને કુટુંબજીવન કચકડે મઢ્યું. એમણે ચલચિત્રની કલા અને કસબને નવી દિશા ચીંધી આપી. પછી 1962માં ‘મહાપુરુષ’ અને 1966માં ‘નાયક’માં હાસ્ય-કટાક્ષ અને સત્તાની ભીંસમાં પતિત માનવીનું વાસ્તવ પેશ કર્યું. નાગરિક જીવનની લાગણીહીનતા અને શૂન્યતા ‘મહાનગર’ અને ‘પ્રતિદ્વંદ્વી’માં પ્રસ્તુત કરી ભારતીય ફિલ્મ-નિર્માણમાં સત્યજિતે નવું પ્રકરણ ઉમેરી આપ્યું.

સત્યજિત રાયની સીધી અને આડકતરી અસર નીચે આવનારા અને ફિલ્મ-નિર્માણની તાલીમ આપતી પુણેની ‘ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ’ દ્વારા આવેલી જાગૃતિને પરિણામે બીજા અનેક કલાકસબીઓ આગળ આવ્યા : ઋત્વિક્ ઘટકની ફિલ્મો ‘અજાંત્રિક’ (1958), ‘મેઘે ઢાકા તારા’ (1960), ‘કોમલ ગાંધાર’ (1961), ‘અમર લેનિન’ (1970), ‘જુક્તિ તક્કો આર ગપ્પો’ (1970) ખ્યાતિ પામી છે. એ જ રીતે તપન સિંહાની ‘કાબુલીવાલા’ (1956), ‘ક્ષુધિત પાષાણ’ (1960), ‘અતિથિ’ (1966); મૃણાલ સેનની ‘ભુવનસોમ’ (1969), ‘કોરસ’ (1974), ‘મૃગયા’ (1976); બસુ ચૅટરજીની ‘સારા આકાશ’ (1969), ‘રજનીગંધા’ (1974); એમ. એસ. સથ્યુની ‘ગર્મ હવા’ (1973); શ્યામ બેનેગલની ‘અંકુર’ (1974), ‘નિશાંત’ (1976) વગેરે; બી. વી. કારંથની ‘ચોમન્ના દુદી’ (1975) અને ગિરીશ કર્નાડની ‘વંશવૃક્ષ’ (1979) વગેરે ફિલ્મો ચલચિત્રના માધ્યમમાં આવેલી જાગૃતિની દ્યોતક છે.

આ અને તાજેતરની અડૂર ગોપાલકૃષ્ણ, ગોવિંદ નિહાલાની, સઈ પરાંજપે, કેતન મહેતા, મણિરત્નમ્ વગેરે દિગ્દર્શકોની ફિલ્મો સિને તારક-કેન્દ્રી ફૉર્મ્યુલા ફિલ્મોને ‘સમાંતર’ બની રહી છે. એ દિગ્દર્શકો જાણે એક પ્રકારના ઝનૂનથી, આર્થિક-સામાજિક હિતોથી સંચાલિત વ્યાપારી ફિલ્મોના કામુકતા અને હિંસાના સમાજવિરોધી અભિગમ સામે, સમાજપરિવર્તનના ટમટમતા દીવાનું જતન-પરિમાર્જન કરી રહ્યા છે. અમિતાભ, ધર્મેન્દ્ર, હેમા, રેખા કે શાહરુખખાન, માધુરી, જૂહી વગેરે ખ્યાતનામ અને બહુચર્ચિત સિતારાઓની વરસની 900 ફિલ્મોની સરેરાશ સામે નસીરુદ્દીન શાહ, ઓમ્ પુરી, શ્રીરામ લાગુ, શબાના આઝમી, સ્મિતા પાટીલ જેવાં અદાકારોની ફિલ્મો આંગળીને વેઢે ગણાય એટલી હોવા છતાં નવાં વિષય, અભિગમ, ર્દશ્યવિધાન અને પ્રત્યાયન વડે સહુનું ધ્યાન ખેંચી રહેલ છે.

પરંતુ સમાંતર સિનેમાનું અભિયાન નામશેષ થઈ ગયું જણાય છે. કહેવાતી ઍક્શન ફિલ્મો તેમજ બીબાંઢાળ કથાવસ્તુ અને માવજતવાળી મુખ્ય પ્રવાહ(મેઇન સ્ટ્રીમ)ની ફિલ્મોની ઝાકઝમાળ સામે સમાંતર ફિલ્મો જોનારો વર્ગ હવે ઓછો થતો ગયો છે, અને અન્ય કોઈ પ્રોત્સાહક પરિબળો ન હોવાને કારણે સામાજિક અભિગમને સુસંગત કલાત્મક ફિલ્મોનું નિર્માણ જ ઘટી ગયું છે. ક્યાંક ગિરીશ કસારવલ્લી કે ગોપી દેસાઈ, કેતન મહેતા કે ગોવિંદ નિહાલાની, કલ્પના લાજમી કે સઈ પરાંજપેના ચમકારા વરતાય છે. પરંતુ વ્યાપારી અભિગમ ધરાવતાં સમગ્રતયા સમૂહ માધ્યમોના વાતાવરણમાં આજના જીવનનાં માર્ગદર્શક પ્રતિબિંબો માટે પણ મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં અપેક્ષા રાખવી વધુપડતી છે. પ્રાદેશિક ફિલ્મોમાં કન્નડ, બંગાળી કે ઊડિયા ભાષામાં ક્યારેક મનોહારી ર્દશ્ય-શ્રાવ્ય ચિત્રો સાંપડે છે, પરંતુ ગુજરાતી ભાષામાં તો હજી પાઘડીવાળા અને કડિયાળી ડાંગથી રક્ષિત ગરબે ઘૂમતી નારીની એવી કથાઓ રજૂ થાય છે જે હિન્દી ફિલ્મોના અનુકરણમાંથી જન્મી હોય અને સાંપ્રત ગુજરાતી જીવનને સ્પર્શતી ન હોય. એમાં સરકારી પ્રોત્સાહનની ર્દષ્ટિહીન નીતિ પણ જવાબદાર જણાય છે. ‘ગુજરાત ફિલ્મ વિકાસ બૉર્ડ’ ફિલ્મનિર્માણ માટે જે પ્રોત્સાહન આપતું હતું તે વ્યાપારી નિર્માતાઓને મળતું હતું. દિગ્દર્શકોને આવું પ્રોત્સાહન રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ બૉર્ડ આપતું રહ્યું છે અને એથી સારી ફિલ્મોનું નિર્માણ થતું હતું. હવે તો ગુજરાત અને રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ બૉર્ડ લગભગ નિષ્ક્રિય બની ગયાં છે, પરિણામે પ્રેક્ષકોનો ભલે નાનો, પણ મહત્વનો વર્ગ એવી ફિલ્મોથી વંચિત રહે છે.

હસમુખ બારાડી

પીયૂષ વ્યાસ

આકાશવાણી

બિનતારી રેડિયો કાર્યક્રમ પ્રસારણને આકાશવાણી નામાભિધાન મૈસૂર કેન્દ્ર પરથી ડૉ. ગોપાલસ્વામીએ 1935માં આપ્યું; પરંતુ ભારતમાં રેડિયો-પ્રસારણની શરૂઆત તો ‘ઇન્ડિયન સ્ટેટ્સ ઍન્ડ ઈસ્ટર્ન એજન્સી લિ.’ દ્વારા 1922માં તત્કાલીન હિંદ સરકારને પ્રસારણ-સેવા શરૂ કરવા જણાવાયું ત્યારથી થઈ. 1923ના નવેમ્બરમાં બંગાળની ‘રેડિયો ક્લબ’ને સથવારે કોલકાતામાં એક કેન્દ્ર શરૂ થયું. 1924ના જૂનમાં મુંબઈની ‘રેડિયો ક્લબ’ના સહકારમાં માર્કોની કંપનીએ આપેલા ટ્રાન્સમિટર દ્વારા કાર્યક્રમો શરૂ થયા. વ્યવસ્થિત કાર્યક્રમ પ્રસારણ-સેવા 1924ના જુલાઈની 31મીએ શરૂ થઈ. કુલ દોઢ કિલોવૉટ્સના મીડિયમ વેવ ટ્રાન્સમિટર દ્વારા 48 કિમી.ના પ્રસારણ- વિસ્તારમાં કુલ સાડા ત્રણ હજાર જેટલા રેડિયો સેટ હતા. એ હતી ‘ઇન્ડિયન બ્રૉડકાસ્ટિંગ કંપની’ની શરૂઆત. ‘ભારત જેવા મોટા દેશની અનેક ભાષા-સંસ્કૃતિઓ વચ્ચે કાર્યક્ષમ પ્રત્યાયન(communication)ની મુશ્કેલી નિવારવા રેડિયો માધ્યમની ક્ષમતા, સમાચારો, શિક્ષણ અને મનોરંજન વગેરે’ પ્રત્યે ઇન્ડિયન બ્રૉડકાસ્ટિંગ કંપનીના અધ્યક્ષ સર રહિમતુલ્લાએ એ વખતે જ રેડિયો-પ્રસારણ સેવાના ઉદ્દેશો તરીકે ધ્યાન દોરેલું. એ કંપનીમાં ભાવનગરના એક પ્રજાજન, પણ મુંબઈનિવાસી, સર સુખનાથ ચિતઈ મુખ્ય હતા. મુંબઈના ઑપેરા હાઉસની બાજુના મકાનમાં આ કંપની કામ કરતી હતી. એના પ્રારંભકાળના કલાકારોમાં જાણીતા ગઝલકાર ‘શયદા’ પણ હતા. ગુજરાત ને કાઠિયાવાડમાં મહાવિનાશી પૂર વખતે પૂરા એક અઠવાડિયા સુધી બહારના જગત સાથેનો એમનો સંપર્ક મુંબઈના રેડિયો કેન્દ્ર દ્વારા જ શક્ય બન્યો હતો એવું આ કંપનીની તવારીખમાં નોંધાયું છે. ત્રણ વર્ષમાં આ કંપની ફડચામાં ગઈ, અને સરકારી ખર્ચે 1930ના એપ્રિલની 1લી તારીખે, ‘ઇન્ડિયન સ્ટેટ બ્રૉડકાસ્ટિંગ સર્વિસ’ને નામે રેડિયો-પ્રસારણ સેવા ચાલુ થઈ. 1933ના વાયરલેસ ટેલિગ્રાફી ઍક્ટ અને 1935ના સરકારી કાયદા મુજબ એને કાનૂની રૂપ અપાયું ત્યારે દેશમાં અગિયાર હજાર રેડિયો સેટ હતા. ઑગસ્ટ 1935માં બી. બી. સી.(બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કંપની)ને નજર સામે રાખીને એને વિકસાવવા લાઇનલ ફિલ્ડેનને મહાનિર્દેશક તરીકે બોલાવવામાં આવ્યા. ભારતની આજની પ્રસારણ-સેવાનું અંગ્રેજી નામ ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ તેમણે 1936માં આપ્યું. એ પહેલાં 1935ની 10મી સપ્ટેમ્બરે શરૂ થયેલા મૈસૂર કેન્દ્ર પરથી એનું અન્ય ઉચિત નામાભિધાન ‘આકાશવાણી’ થયું હતું. 1938 સુધીમાં દેશમાં ચોસઠ હજાર રેડિયો સેટ હતા. આ દરમિયાન જ મીડિયમ વેવની સાથોસાથ શૉર્ટ વેવ ટ્રાન્સમિટરો વપરાવા માંડ્યાં હતાં અને મુંબઈ અને દિલ્હી કેન્દ્રો પરસ્પર કાર્યક્રમો પ્રસારિત કરતાં થઈ ગયાં હતાં. મુંબઈ કેન્દ્ર પરથી ગુજરાતી ભાષાના કાર્યક્રમો 1933થી રજૂ થવા માંડ્યા હતા. વડોદરા બ્રૉડકાસ્ટિંગ કંપનીની શરૂઆત 1939થી થઈ હતી.

દેશના સ્વાતંત્ર્યઆંદોલનને સંપૂર્ણપણે અવગણનાર  આ પ્રસારણ-સેવા અંગે જોકે રાષ્ટ્રીય નેતાઓ સજાગ હતા અને 1938માં જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદે તત્કાલીન કૉંગ્રેસ પક્ષની રાષ્ટ્રીય આયોજન સમિતિ નીમવામાં આવી હતી. રેડિયો-પ્રસારણ માટે ‘સમાચાર, માહિતી, પ્રૌઢશિક્ષણ, અજ્ઞાનનિવારણ, મનોરંજન’ વગેરે ઉદ્દેશો તારવી આપી, આધુનિક વિકાસ માટે એને અનિવાર્ય સાધન ગણાવવામાં આવ્યું હતું. દેશના વિભાજન વખતે કુલ 9 કેન્દ્રોમાંથી 6 કેન્દ્રો ભારતમાં રહ્યાં; પણ 1950 સુધીમાં એ વધીને 25 થયાં. 1999ના અંત સુધીમાં 109 પ્રાદેશિક કેન્દ્રો, 74 સ્થાનિક કેન્દ્રો અને 9 રિલે કેન્દ્રોથી દેશનો 90 ટકા વિસ્તાર રેડિયો-પ્રસારણ સેવા દ્વારા આવરી લેવામાં આવ્યો છે. વસ્તીના 97.3 ટકા એમાં રહે છે, જેમની પાસે કુલ 10 કરોડ રેડિયો સેટ છે. કાર્યક્રમ-નિર્માણનાં સાધનો અને ધ્વનિમુદ્રણનાં યંત્રો આજે વધુ કાર્યક્ષમ અને જંગમ બન્યાં છે, એ જ રીતે ટ્રાન્ઝિસ્ટર રેડિયોની ક્રાંતિએ રેડિયો સેટને પણ સસ્તા, હળવા અને જંગમ બનાવ્યા છે. રેડિયો એ ઘર ઘરનું સાધન બની શકે એમ છે, જોકે દસ કરોડ રેડિયો-કુટુંબો ગણીએ તોયે દેશની અર્ધીથીય ઓછી વસ્તી ખરેખર તો રેડિયો-પ્રસારણ સેવાનો લાભ લઈ શકે છે. નિર્માણયંત્રો જંગમ અને સરળ બનવા છતાં સ્ટુડિયોની બહાર, લોકોની વચ્ચે, કાર્યક્રમોનું નિર્માણ નહિવત્ રહ્યું છે. અત્યારે દેશભરમાં આકાશવાણીનાં કુલ 184 નિર્માણ-પ્રસારણ કેન્દ્રો છે, અને 305 ટ્રાન્સમિટરો છે, જેમાં મીડિયમ વેવ ટ્રાન્સમિટરો 145 અને શૉર્ટ વેવ ટ્રાન્સમિટરો 55 તેમજ એફ. એમ. સેવા માટે 105 ટ્રાન્સમિટરો છે.

‘આકાશવાણી’નાં મહત્વનાં અંગોમાં એનો ‘સમાચાર વિભાગ’ જગતમાં સૌથી મોટો છે. દરરોજ 19 ભાષાઓમાં 88 રાષ્ટ્રીય સમાચાર-પ્રસારણો, 66 ભાષાઓ અને બોલીઓમાં 137 પ્રાદેશિક સમાચાર-પ્રસારણો, આદિવાસી બોલીઓમાં 33 પ્રસારણો અને વિદેશો માટે 8 ભારતીય ભાષાઓ અને 24 વિદેશી ભાષાઓમાં 65 સમાચાર-પ્રસારણો થાય છે. ઘરઆંગણાની પ્રસારણ-સેવામાં ‘વિશેષ શ્રોતાઓ માટેના કાર્યક્રમો’માં ગ્રામજનો, સ્ત્રીઓ, બાળકો, યુવકો, આદિવાસીઓ, ઔદ્યોગિક કામદારો, સંરક્ષણ દળો, વિદ્યાર્થીઓ વગેરેનો સમાવેશ થાય છે. ભારતના પ્રથમ માહિતી અને પ્રસારણ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અનેક કેન્દ્રોની શરૂઆત, 1957માં ડૉ. બી. વી. કેસકરના નેતૃત્વ હેઠળ ‘કાર્યક્રમ-નિર્માતા’ઓની નિમણૂકો, શ્રીમતી ઇંદિરા ગાંધીના નેતૃત્વ હેઠળ કર્મચારીઓની કાર્યસ્થિતિમાં સુધારો વગેરે આકાશવાણીના વિકાસના નોંધપાત્ર તબક્કાઓ હતા. 1957થી અખિલ ભારતીય સંગીત, નાટક, વાર્તાલાપો અને દસ્તાવેજી રૂપકોનું પ્રસારણ શરૂ થયું. દેશની એક ભાષા કે પ્રદેશની સંસ્કૃતિનો પરિચય એ દ્વારા સમગ્ર દેશને થાય એવો એમાં પ્રયત્ન છે.

મનોરંજન માટેની ‘વિવિધ ભારતી’ કુલ 303 નાનાંમોટાં ટ્રાન્સમિટરોથી લગભગ આખા દેશને આવરી લેતી, રાષ્ટ્રીય કહી શકાય એવી સેવા છે. વિજ્ઞાપનો લેવાં, અને એનો સામાજિક સંદર્ભ ખ્યાલમાં રાખવો વગેરે નીતિનિયમો જાળવી, ‘વિવિધ ભારતી’માં મોટેભાગે ફિલ્મી ગીતો અને ફિલ્મ-આધારિત કાર્યક્રમો અપાય છે. આજે દેશમાં વિવિધ ભારતીના કાર્યક્રમોનું આયોજન અને વિજ્ઞાપનોની નોંધણી આકાશવાણીના સમગ્ર તંત્રની માફક એકકેન્દ્રી છે. વિજ્ઞાપનોમાંથી થતી આવક આકાશવાણીની બધી સેવાઓના ચાલુ ખર્ચાઓને પહોંચી વળી શકે છે.

દેશના રેડિયો-પ્રસારણના આ મહત્વના માધ્યમમાં અનેક કલાકારો, પત્રકારો, વ્યવસ્થાપકોએ ફાળો આપ્યો છે. લાઇનલ ફિલ્ડેન પછી પ્રસારણના માધ્યમને સમજીને પ્રયોજનારાઓમાં બુખારીબંધુઓ નોંધપાત્ર હતા. સમાચાર અને દસ્તાવેજી રૂપકોમાં મેલ્વિલ ડી’મેલો સિદ્ધહસ્ત નિર્માતા હતા.

ગુજરાતી ભાષામાં પ્રસારકો(બ્રૉડકાસ્ટર્સ)ની પરંપરામાં બુખારીબંધુઓ પાસે તાલીમ મેળવનારા ચંદ્રવદન મહેતા અને બરકત વીરાણી, અદી મર્ઝબાન અને એમની બીજી પેઢીનાં ગિજુભાઈ વ્યાસ, અરુણ શ્રોફ, ઇન્દુલાલ ગાંધી, ચંદ્રકાન્ત ભટ્ટ, વસુબહેન ભટ્ટ વગેરે નોંધપાત્ર ગણાય.

પ્રસારણના શ્રાવ્ય માધ્યમમાં હવે FM (Frequency modulation) ચૅનલો શરૂ થઈ છે, જેમાં ટાઇમ્સ એફ.એમ. અને રેડિયો મિડ-ડે વગેરે મુખ્ય છે. મોટેભાગે યુવા શ્રોતાવર્ગને સંગીત અને એમના રસના વિષયો એ ફ્રીક્વન્સી પર અપાય છે. આકાશવાણી કેટલાંક ‘સ્થાનિક’ કેન્દ્રો (દા.ત., ગુજરાતમાં સૂરત) પણ આ ફ્રીક્વન્સી પર ચલાવે છે, જેમાં ભૌગોલિક ર્દષ્ટિએ વિશેષ હિતને સમર્પિત કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવે છે. વીજાણુ સાધન તરીકે ભાવિ પ્રસારણની આ દિશા છે, કારણ કે FM ચૅનલો સિગ્નલની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખે છે.

લોકમાધ્યમ તરીકે વિકસી શકે તેવી આ પ્રસારણ-સેવાને બી.બી.સી.ની જેમ સ્વાયત્ત નિગમ બનાવવાનું ખુદ નહેરુએ 1948ના માર્ચની 15મી તારીખે બંધારણસભામાં સ્વીકાર્યું હતું. એ માટે 1964માં ચંદા સમિતિની રચના કરવામાં આવેલી. એના અહેવાલ વિશે છેક 1970માં પ્રતિભાવ આપતાં ઇંદિરા ગાંધીએ સ્વાયત્ત નિગમની દરખાસ્ત નકારી કાઢેલી. 1975ની ‘કટોકટી’ દરમિયાન તો આકાશવાણીએ પ્રચારનો છુટ્ટો એકમાર્ગી દોર ચાલુ કર્યો હતો. સ્વાયત્તતાની મથામણના બીજા તબક્કામાં 1978ના ફેબ્રુઆરીનો વર્ગીઝ સમિતિનો અહેવાલ મહત્વનો છે. ‘આકાશભારતી’ નામે ‘નૅશનલ બ્રૉડકાસ્ટ ટ્રસ્ટ’ની રચના કરવાની આ અહેવાલમાં ભલામણ હતી. દેશની
90 % વસ્તીને આવરી લેતાં રેડિયો-પ્રસારણોને ખ્યાલમાં રાખી વર્ગીઝે એ વખતે દૂરદર્શન કરતાં પણ આકાશવાણીને મહત્વનું સ્થાન આપવાની ભલામણ કરી હતી. એ પછી પી. સી. જોશી અને પાર્થસારથિ સમિતિઓની ભલામણો પણ ધ્યાનમાં લેવામાં નહોતી આવી. 1991માં સંસદે પ્રસાર ભારતી કાનૂન મંજૂર કર્યો તે છતાં 1997 સુધી એનો અમલ ન થયો. આજે (ઈ. સ. 2000માં) અનેક મુશ્કેલીઓ પાર કરીને પ્રસાર ભારતીનું તંત્ર લોકપ્રસારણની પોતાની જવાબદારી અદા કરી રહ્યું છે. આકાશવાણીની સાથોસાથ હવે ખાનગી એફ. એમ. કેન્દ્રો પણ પ્રસારણ કરી રહ્યાં છે.

સમૂહ પ્રત્યાયનના આ મહત્વના જનમાધ્યમની એક વિશેષ ભાષા છે, વ્યાકરણ છે, સંગીત છે. એ ‘પ્રસારણ’નું, ‘બનન્તી’(happening)નું માધ્યમ છે. લોકભાગીદારી એના કેન્દ્રમાં હોય, સામાજિક પ્રગતિ એનું ધ્યેય હોય, સર્વપક્ષી, સર્વઅંગી સંવાદ એની ફલશ્રુતિ હોય.

હસમુખ બારાડી

વસુબહેન ભટ્ટ

દૂરદર્શન

ભારતની શાસન  હસ્તકની ટેલિવિઝન પ્રસારણ-સંસ્થા. સ્ટુડિયો અને ટ્રાન્સમિટરની વ્યવસ્થા, કાર્યક્રમનું વૈવિધ્ય અને દર્શકોની વિશાળ સંખ્યાને કારણે દૂરદર્શન વિશ્વની એક વિશાળ પ્રસારણ-સંસ્થા છે. 1959ની 15મી સપ્ટેમ્બરે દિલ્હીમાં નાનકડા ટ્રાન્સમિટર અને અસ્થાયી સ્ટુડિયોની સહાયથી પ્રાયોગિક ધોરણે પ્રસારણનો સાવ સામાન્ય રીતે પ્રારંભ થયો. અઠવાડિયાના બે દિવસ દિલ્હીની આજુબાજુનાં વીસ ગામોમાં કૃષિ અને શિક્ષણ-આધારિત કાર્યક્રમો દર્શાવવામાં આવતા. એના પ્રસારણના સમયમાં ક્રમશ: વધારો થતો ગયો અને 1965થી રોજ નિયમિત પ્રસારણ થવા લાગ્યું. 1972માં મુંબઈમાં દૂરદર્શન શરૂ થયું. 1975માં કોલકાતા, ચેન્નાઈ, શ્રીનગર, અમૃતસર અને લખનૌમાં પ્રસારણ શરૂ થયું. આમ 1975 સુધી ભારતનાં માત્ર સાત મુખ્ય શહેરો ટેલિવિઝનનું પ્રસારણ ધરાવતાં હતાં. આજે (2001) 984થી વધુ ટ્રાન્સમિટર દ્વારા દૂરદર્શનના કાર્યક્રમો એક અબજથી વધુ વસ્તી ધરાવતા આ દેશના 87 ટકા લોકોને આવરી લે છે. જોકે દર્શકોની સંખ્યા 36 કરોડ છે. 34 જેટલાં શહેરોમાં કાર્યક્રમો તૈયાર કરવા માટે સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યા છે. આ અદ્યતન યંત્રવિદ્યાનો સામાજિક શિક્ષણ માટે વિશ્વમાં સૌપ્રથમ ઉપયોગ કરવાનો પ્રયાસ 1975–1976માં ભારતમાં થયો. સૅટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સ્પેરિમેન્ટ(SITE)નો કાર્યક્રમ ‘નાસા’ની સહાયથી અમલમાં આવ્યો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO) તથા એ સમયે ‘આકાશવાણી’ના એક વિભાગ જેવું દૂરદર્શન તેમજ જુદાં જુદાં રાજ્યોની સરકારોના સંયુક્ત પ્રયાસથી આંધ્રપ્રદેશ, ઓરિસા, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન – એમ છ રાજ્યોમાં પાંચ જુદી જુદી ભાષાઓમાં સવારે શૈક્ષણિક અને સાંજે  કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષણ વગેરેને લગતા કાર્યક્રમો દર્શાવવામાં આવ્યા. ‘નાસા’એ એક વર્ષ વાપરવા માટે આપેલા ઉપગ્રહ દ્વારા પછાત ક્ષેત્રોમાં આવેલાં 2,400 ગામોને આવરી લેવામાં આવ્યાં.

1976માં ‘સાઇટ’ બંધ થતાં ભારતનાં ગામડાંઓ માટે ‘સાઇટ કન્ટિન્યૂઇટી સર્વિસ’ શરૂ થઈ, જેનું સંપૂર્ણ યંત્રવિદ્યાકીય કાર્ય અને તેનો અમલ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં થયો. 1981માં ભારતે ‘ઍપલ’ ઉપગ્રહની સહાયથી કાર્યક્રમો દર્શાવ્યા. 1982માં ઇનસૅટ શ્રેણીનો બીજો સંચાર ઉપગ્રહ મૂકવામાં આવ્યો. એ વર્ષે દિલ્હી અને જુદાં જુદાં ટ્રાન્સમિટરો વચ્ચે નિયમિત ઉપગ્રહ જોડાણ કરીને રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરાયો. 1982ની 15મી ઑગસ્ટે ભારતમાં 34.30 કરોડ રૂપિયાના ખર્ચે રંગીન પ્રસારણનો પ્રારંભ કરાયો. દિલ્હીમાં યોજાયેલા નવમા એશિયાઈ રમતોત્સવમાં ટેલિવિઝનના રંગીન પ્રસારણનો પ્રયોગ થયો અને આને પરિણામે ટેલિવિઝનની લોકચાહનામાં પણ વધારો નોંધાયો. ભારતે આને માટે ‘પાલ’ (PAL) પદ્ધતિ અપનાવી. એ સમયે દેશમાં પ્રતિદિન એક ટ્રાન્સમિટર સ્થપાતું હતું. પરિણામે માત્ર એક જ દસકામાં 46થી વધીને 553 ટ્રાન્સમિટરો થયાં અને કાર્યક્રમ નિર્માણ કરનારાં કેન્દ્રોમાં પણ નોંધપાત્ર વધારો થયો.

1976માં ‘આકાશવાણી’થી જુદું પાડીને ‘દૂરદર્શન’ને જુદું નામાભિધાન અને સ્વતંત્ર વિભાગનું રૂપ અપાયું. દૂરદર્શને એના કાર્યક્રમો પાછળ શિક્ષણ, માહિતી અને મનોરંજન – ત્રણેય હેતુઓ રાખ્યા. દૂરદર્શન ત્રણ સ્તરે કાર્યક્રમો દર્શાવે છે, – રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક. રાષ્ટ્રીય કાર્યક્રમોમાં એનો વિશેષ ઝોક દેશની અખંડિતતા, કોમી સંવાદિતા તેમજ સમાચાર, વર્તમાન બનાવો, વિજ્ઞાન, ધારાવાહિક સાંસ્કૃતિક ઘટનાઓ, સંગીત, નૃત્ય, નાટક અને ફીચર ફિલ્મો પર હોય છે. પ્રાદેશિક કાર્યક્રમો જે તે રાજ્યના પાટનગરમાં તૈયાર કરાય છે અને રાજ્યનાં બધાં જ ટ્રાન્સમિટર દ્વારા એનું પ્રસારણ થાય છે. સ્થાનિક કાર્યક્રમો અમુક નિશ્ચિત વિસ્તારના સ્થાનિક પ્રજાના પોતાના પ્રશ્નો માટે યોજાય છે.

1985માં ઇનટેક્સ્ટ નામે ઓળખાતી ટેલિટેક્સ્ટ સેવા દિલ્હીમાં શરૂ કરવામાં આવી, જેમાં ટ્રેનના સમય, વિમાની સેવાઓ, શેરબજારના આંકડાઓ તથા હવામાન જેવી લોકોપયોગી વિગતો આપવામાં આવે છે. લોકસેવા સંચાર પરિષદની સ્થાપના કરીને દૂરદર્શને રાષ્ટ્રભાવના તથા સામાજિક ઉત્થાનની ભાવનાની બાબતમાં પ્રયાસ કર્યો. આમાં માધ્યમો અને વિક્રય – એ બંને ક્ષેત્રોના સર્જનશીલ નિષ્ણાતોનો સમાવેશ કર્યો. દૂરદર્શનનો એક વિભાગ એના કાર્યક્રમોનું આંતરરાષ્ટ્રીય વેચાણ કરવાની કામગીરી સંભાળે છે. વ્યવસાયી સંશોધકો દ્વારા દૂરદર્શન એના ‘ઑડિયન્સ રિસર્ચ યુનિટ’ની મદદથી પ્રસારણનાં જુદાં જુદાં પાસાંઓનો અભ્યાસ કરે છે. દર અઠવાડિયે કાર્યક્રમોને ક્રમાંક (rating) પણ આપે છે. વળી દર્શકોનાં સૂચનોના અમલીકરણ પર ધ્યાન આપવા ઉપરાંત રાષ્ટ્રીય અને પ્રાદેશિક કેન્દ્રોના સ્તરે ‘ડેટા બૅંક’ પણ ધરાવે છે. દૂરદર્શન પર 1976થી વિજ્ઞાપન-કાર્યક્રમોની શરૂઆત થઈ. એ પછી વિજ્ઞાપનો અને પ્રાયોજિત કાર્યક્રમો પણ આવવા લાગ્યાં. 1996–1997માં આ વિજ્ઞાપનોમાંથી દૂરદર્શનને આશરે સાડા પાંચ અબજ રૂપિયા મળ્યા હતા.

1984માં મહાનગરોની પ્રજાને અનુલક્ષીને દિલ્હી કેન્દ્ર દ્વારા બીજી ચૅનલ શરૂ કરવામાં આવી અને તે પછી મુંબઈ, કોલકાતા,  ચેન્નાઈ અને અન્ય શહેરોમાં પણ આ સુવિધા આપવામાં આવી. 1993માં ચાર ટ્રાન્સમિટરનું ઉપગ્રહ સાથે જોડાણ થતાં શહેરી દર્શકોને વધુ મનોરંજક કાર્યક્રમો પૂરા પાડવામાં આવ્યા. આ સેવા ‘ડીડી-2 મેટ્રો એન્ટરટેઇનમેન્ટ ચૅનલ’ તરીકે 54 શહેરોમાં વિસ્તારવામાં આવી અને અત્યારે લગભગ સાડા સાત કરોડ લોકો આ કાર્યક્રમ જોઈ શકે છે. દૂરદર્શને પ્રાદેશિક ભાષાની દસ સૅટેલાઇટ ચૅનલ શરૂ કરી છે. દૂરદર્શન–3 દ્વારા વર્તમાન ઘટનાઓ, સાંસ્કૃતિક બનાવો અને વાણિજ્યપ્રવાહો વિશે જાણકારી મેળવવા ઉત્સુક દર્શકો માટે ચૅનલ શરૂ કરવામાં આવી છે. 1995ના એપ્રિલમાં ‘મૂવી ક્લબ’ નામની ચલચિત્ર દર્શાવતી ચૅનલનો પ્રારંભ થયો. આ ચૅનલ પર રોજ ચારથી પાંચ ફિલ્મો દર્શાવવામાં આવે છે અને ભારતીય ફિલ્મોને આવરીને ભિન્ન ભિન્ન વિષયના કાર્યક્રમો દર્શાવાય છે. દૂરદર્શને કેબલ ન્યૂઝ નેટવર્ક (CNN) સાથે કરાર કરતાં દર્શકોને ચોવીસ કલાક સમાચાર અને વર્તમાન પ્રવાહોની છણાવટ કરતા કાર્યક્રમો જોવા મળે છે. દૂરદર્શનના દર્શકોની સંખ્યામાં અસાધારણ ઝડપે વધારો થયો છે અને થઈ રહ્યો છે. ભારતમાં પોણા સાત કરોડ ઘરોમાં ટી.વી. સેટ હોવાનું અનુમાન છે અને દર વર્ષે તેમાં દસ ટકાનો વધારો થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ દ્વારા 62,000 જેટલા સામૂહિક ટી.વી. સેટ ગામડાંઓમાં મૂકવામાં આવ્યા છે. 1994ની 22મી ફેબ્રુઆરીએ દેશની 83.6 ટકા પ્રજાને અને દેશના 64.5 ટકા વિસ્તારને 563 ટ્રાન્સમિટર દ્વારા દૂરદર્શને આવરી લીધાં હતાં. આમ દૂરદર્શન ટેલિવિઝનના ક્ષેત્રે કદાચ વિશ્વની એક અગ્રણી સંસ્થા બની રહ્યું છે.

દૂરદર્શન અને શિક્ષણ : તા. 1–8–1975, શુક્રવારે સાંજે 6-20 વાગ્યે અમદાવાદમાં તત્કાલીન વડાપ્રધાન સ્વ. ઇંદિરા ગાંધીએ ભારતનાં કેટલાંક રાજ્યોના દુર્ગમ્ય અને આંતર પ્રાદેશિક ગામોને આવરી લઈ શકે તેવા સૅટેલાઇટ દૂરદર્શનનું ઉદઘાટન કરીને ડૉ. વિક્રમ સારાભાઈના દૂરદર્શન દ્વારા સમૂહ-શિક્ષણ(mass education)ના સ્વપ્નને સાકાર કર્યું. શ્રીમતી ગાંધીએ પ્રસારણમાં કહ્યું કે સૅટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સ્પેરિમેન્ટ (SITE) દ્વારા રાષ્ટ્રની એકતા મજબૂત બનશે. 15–9–1959ના રોજ પ્રાયોગિક કક્ષાએ દૂરદર્શન સેવાનું ઉદઘાટન દિલ્હીમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે કર્યું હતું. યુનેસ્કો પ્રકલ્પ(project)ના ભાગરૂપે તેનો હેતુ ‘પ્રયોગ, પ્રશિક્ષણ અને મૂલ્યાંકન’નો હતો. ભારતમાં રંગીન દૂરદર્શનની શરૂઆત ઑગસ્ટ 1982થી કરવામાં આવી.

દૂરદર્શન દ્વારા શાળાકીય કાર્યક્રમો (ETV) ઑક્ટોબર 1961થી શરૂ થયા; પરંતુ તેનો વ્યાપ ઘણો સીમિત હતો. દૂરદર્શન વિચાર-પ્રસારણનું ખૂબ જ પ્રબળ માધ્યમ હોઈ શિક્ષણક્ષેત્રે ક્રાંતિકારી સુધારા કરવા માટેનું અદ્વિતીય ઉપકરણ બની શકે તેમ છે. પ્રાથમિક શિક્ષણ, પ્રૌઢશિક્ષણ, શિક્ષક પ્રશિક્ષણ, સમૂહશિક્ષણ કે નવીન વિચારોના પ્રસારણ માટે શૈક્ષણિક દૂરદર્શન ખૂબ જ મહત્વનો ફાળો આપી શકે તેમ છે.

શૈક્ષણિક દૂરદર્શનના મુખ્ય બે પ્રકાર પાડી શકાય : ઓપન સરકિટ અને ક્લોઝ્ડ સરકિટ. પ્રથમ પ્રકારમાં સિગ્નલને ટ્રાન્સમિટર દ્વારા રેડિયોતરંગની સહાયથી પ્રસારિત કરી 70થી 120 કિમી.નો વિસ્તાર આવરી લેવાય છે, પરંતુ સિગ્નલ ટ્રાન્સમિટરથી ઍન્ટેના સુધી સીધી લીટીમાં જતા હોઈ પર્વતીય અથવા અસમતલ ભૂમિમાં આનો ઉપયોગ મર્યાદિત બને છે. ઓપન સરકિટ દૂરદર્શનના બે પ્રકાર છે : (ક) વેરી હાઈ ફ્રિક્વન્સી (VHF), (ખ) અલ્ટ્રા હાઈ ફ્રિક્વન્સી (UHF). બીજા પેટાપ્રકારનો ઉપયોગ વધુ થાય છે; તેમાં 12 ચૅનલોની મર્યાદા છે. બીજા પ્રકારમાં સિગ્નલ કોઍક્સિયલ કેબલ દ્વારા લઈ જવામાં આવે છે. આમાં મર્યાદિત ભૌગોલિક વિસ્તાર આવરી લેવાય છે. શાળાઓ જ્યારે ઇચ્છે ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે. ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આ પ્રકાર વધુ સફળ પુરવાર થઈ શકે તેમ છે. સ્થાનિક લોકોની અભિરુચિને લક્ષમાં રાખી દૂરદર્શને શરૂઆતમાં ભારતનાં 6 રાજ્યો(આંધ્રપ્રદેશ, ઓરિસા, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર અને ઉત્તરપ્રદેશ)માં ધી ઇન્ડિયન નૅશનલ સૅટેલાઇટ (INSAT) સેવાઓ પૂરી પાડવાની શરૂઆત કરી. હવે INSAT સેવાઓનો વ્યાપ વર્ષ–પ્રતિવર્ષ વધતો રહ્યો છે. આ કાર્યક્રમો VHF અને સૅટેલાઇટનો ઉપયોગ કરી ડાયરેક્ટ રિસીવર સેટ્સ (DRS) દ્વારા ગ્રામજનોના મોટા સમુદાયને આવરી લઈ અવૈધિક શિક્ષણ પૂરું પાડે છે.

શિક્ષણક્ષેત્રે ત્રણ પ્રકારના કાર્યક્રમો માટે દૂરદર્શન ઉપયોગમાં લઈ શકાય : (ક) નિદર્શન પ્રકારના કાર્યક્રમો (demonstration), (ખ) પૂરક પ્રકારના કાર્યક્રમો (supplementary) અને (ગ) સીધા શૈક્ષણિક પ્રકારના કાર્યક્રમો (direct teaching).

શૈક્ષણિક દૂરદર્શનને વધુ સફળ બનાવવા માટે સી. ઈ. સ્વેનસને કેટલાક સિદ્ધાંતો રજૂ કર્યા છે. દૂરદર્શન કાર્યક્રમનું વિષયવસ્તુ (content) પ્રેક્ષક વર્ગ(ગમે તે ઉંમરના વિદ્યાર્થીઓ)ની જરૂરિયાતો અને વલણોને સંતોષી શકે તેવું પ્રબળ (reinforcing) હોવું જોઈએ. ભવિષ્યમાં જે જવાબદારીઓ પ્રેક્ષકવર્ગે ઉપાડવાની હોય તેને અનુલક્ષીને વિષયવસ્તુ હોવું જોઈએ. ટૂંકસમયમાં જ વળતર આપી શકે અથવા આનંદ આપી શકે તેવું વળતર (reward) મળી શકે તે પ્રકારનું વિષયવસ્તુ હોવું જોઈએ.

ભારતમાં અનેકવિધ જાતિઓ, લોકો, ભાષાઓ, સામાજિક રીતરિવાજો, રહેણીકરણી અને સામાજિક મૂલ્યો હોઈ પ્રસ્તુત વિવિધતામાંથી એકતા સ્થાપવા દૂરદર્શન સર્વોત્કૃષ્ટ માધ્યમ બની શકે તેમ છે. દૂરદર્શન દ્વારા શિક્ષણકાર્ય કરવાથી કેટલીક બાબતો સુલભ બને છે : શિક્ષણકાર્યમાં વિવિધતા, વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે અભિરુચિ પેદા થવી, ઝડપી અને અસરકારક વિચારપ્રસારણ, એકીસાથે અનેક સ્થળોના મોટા સમૂહોને આવરી લેવાની શક્તિ, દૂરના સ્થળના બનતા બનાવોનું તાત્કાલિક (live) દર્શન. આ ઉપરાંત વલણ-ઘડતરમાં, મૂલ્યોના વિકાસ માટે તેમજ સામૂહિક પ્રતિભા વિકસાવવામાં મદદરૂપ થઈ શકે તેવા કાર્યક્રમો તૈયાર કરીને દૂરદર્શન દ્વારા પ્રસારિત કરી તેનો ઇષ્ટ ઉપયોગ થઈ શકે. શૈક્ષણિક દૂરદર્શનની કેટલીક મર્યાદાઓ પણ છે : શરૂઆતમાં સારું એવું રોકાણ, અપૂરતા તજ્જ્ઞો, એકમાર્ગી શિક્ષણપ્રક્રિયા, વિદ્યાર્થીઓની સજગતાનો પ્રશ્ન, ચોક્કસ ઝડપથી આગળ વધતા ટેલિકાસ્ટ સાથે બધા જ વિદ્યાર્થીઓ એ જ ઝડપે માહિતી સમજી શકે કે કેમ, વિદ્યાર્થીઓને વિચારવિમર્શ કે પ્રશ્નો પૂછવા માટેની તકોનો અભાવ વગેરે. ઉપર દર્શાવેલી મર્યાદાઓ દૂર કરવા દૂરદર્શન દ્વારા અપાતા શિક્ષણનો વૈધિક શિક્ષણ સાથે યોગ્ય સમન્વય આવશ્યક ગણાયેલ છે.

ગુજરાત યુનિવર્સિટી(અમદાવાદ)માં 1983–84ના શૈક્ષણિક વર્ષમાં એજ્યુકેશન મીડિયા રિસર્ચ સેન્ટર(EMRC)ની સ્થાપના થઈ, જ્યાં વિવિધ વિષયોને લગતી અનેક ટીવી શ્રેણીઓનું નિર્માણ કરી, તેના પર સંશોધન કરી, તે દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનો પ્રસાર કરવાનું મહત્વનું કામ થઈ રહેલ છે.

સમૂહ માધ્યમ તરીકે છેલ્લાં થોડાં વર્ષોમાં ઇન્ટરનેટે ખૂબ મોટી હરણફાળ ભરી છે. આ વર્ષોમાં ટેલિવિઝન, કમ્પ્યૂટર અને ટેલિકોમ્યૂનિકેશન – એ ત્રણેય ટેક્નૉલૉજીનો સમન્વય અને સુમેળ સધાતાં તો વળી એની કન્વર્ઝન્સ ટૅકનૉલૉજી વિકસી છે. કમ્પ્યૂટરનું મૉનિટર ટીવી સેટ બની ગયેલ છે. ટીવી સેટનો ઉપયોગ કમ્પ્યૂટર દ્વારા શક્ય બન્યો છે. પરિણામે સમૂહ-પ્રસારણ તથા વ્યક્તિગત અને જૂથગત પ્રસારણ નવો અર્થ ધારણ કરે તેમ બન્યું છે. કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ સંદેશા-પ્રસારણ માટે જ નહિ, પરંતુ વિશેષ કાર્યક્રમોના પ્રસારણો માટે પણ પ્રયોજાવા લાગ્યાં છે. એની મોટી અસર વિજ્ઞાપનકારોના વ્યાપારી સંદેશાઓના પ્રસારણકાર્ય પર પડવા લાગી છે. પ્રેક્ષક સીધો ગ્રાહક બનશે, એનો સામાજિક અભિગમ બદલાશે અને પ્રસારણ પાસેની એની અપેક્ષાઓ બદલાશે; શક્ય છે કે એની સામેના અસંખ્ય વિકલ્પોમાંથી પોતાને ગમતો વિકલ્પ – મનોરંજન, વિકાસ, શિક્ષણ કે કલાલક્ષી કાર્યક્રમોનો વિકલ્પ – એને સરળતાથી મળશે. પ્રસારણના ક્ષેત્રની આ ક્રાન્તિ ભાવકોને વ્યાપક સ્વાયત્તતા બક્ષશે. પરિણામે સમૂહ માધ્યમોમાં સંશોધન, એનું અવિરત પૃથક્કરણ અને તપાસની પ્રક્રિયા અનિવાર્ય બનશે; ટીવી, રેડિયો, કમ્પ્યૂટર કે ર્દશ્યાત્મક ટેલિફોન માનવપ્રવૃત્તિ અને માહિતી-પ્રસારણક્ષેત્ર માટે આગવી દિશાઓ ખોલી રહેલ છે.

પ્રીતિ શાહ

જયંતીભાઈ શાહ

બંસીધર શુક્લ