ઇ-બુક્સ | eBooks

સંસ્કૃતિ – સૂચિ ભાગ ૧
કવિ ઉમાશંકર જોશીનું 21 જુલાઈ, 1911 જન્મવર્ષ, ઇ. સ. 2010-2011નું વર્ષ તેમનું જન્મ શતાબ્દી જન્મવર્ષ. `સૂચિ એ ગ્રંથનો દીવો છે’ – એમ કહેનાર કવિવર્ય શ્રી ઉમાશંકર જોશીના સંપાદન હેઠળ પ્રગટ થયેલ `સંસ્કૃતિ’ સામવિક ગુજરાતી સામયિકો માટે આદર્શ ગણી શકાય. તેથી તેની `સૂચિ’ તૈયાર કરી, તેમને અર્પણ કરવાનો આ સૂચિનો હેતુ છે. તોરલ પટેલ અને શ્રદ્ધા ત્રિવેદી દ્વારા તૈયાર થયેલ આ `સૂચિ’ 2011માં વિશ્વકોશ થકી બહાર પડે છે તેનો આનંદ છે. આ પુસ્તક ગુજરાતી ભાષાના સર્વે અભ્યાસી મિત્રો, અધ્યાપકો તેમજ જિજ્ઞાસુઓને રસપ્રદ માહિતી પૂરી પાડશે અને માર્ગદર્શક રૂપ બનશે તેવી આશા છે.

ગુજરાતી રંગભૂમિ રિદ્ધિ અને રોનક
ગુજરાતી રંગભૂમિની સ્થાપનાને દોઢસો વર્ષ પૂરાં થાય છે તે નિમિત્તે ગુજરાતની વ્યવસાયી રંગભૂમિની પ્રવૃત્તિની અધિકૃત સંકલિત માહિતી આપતો ગ્રંથ `ગુજરાત રંગભૂમિ : રિદ્ધિ અને રોનક’ તૈયાર થયો, તેના ફળ રૂપે અહીં નાટકો, નાટ્યસંસ્થાઓ, નાટ્યકારો, દિગ્દર્શકો, નટો, નટીઓ, સંગીતકારો, સન્નિવેશકારો અને પ્રેક્ષકો અંગે રસપ્રદ માહિતી સંપાદિત કરીને મૂકેલ છે. આ ગ્રંથમાં ગુજરાતી થિયેટરના ઇતિહાસની અનેક ખૂટતી કડીઓ ઉમેરીને `ગુજરાતી રંગભૂમિની રિદ્ધિ અને રોનક’ને ઉઠાવ આપતી જૂની રંગભૂમિનો ચહેરોમહોરો ઉપસાવી આપવાનો પ્રયાસ છે. નાટ્યરસિકો અને અભ્યાસીઓને તે ગમશે તેવી આશા છે.

સત્યની મુખોમુખ
મારે એવી દુનિયામાં જીવવું છે…
“મારે એવી દુનિયામાં જીવવું છે જ્યાં કોઈને નિષ્કાસિત કરેલ ન હોય. હું કોઈને નિષ્કાસિત નહિ કરું. આવતી કાલે હું પેલા પાદરીને `તમે અમુકને બાપ્તિસ્મા નહિ આપી શકો, કેમ કે તમે સામ્યવાદના વિરોધી છો’ એમ નહિ કહું. બીજા પાદરીને એમ પણ નહિ કહું કે `તમારું સર્જન, તમારું કાવ્ય હું પ્રગટ નહિ કરું, કારણ કે તમે સામ્યવાદી છો.’ મારે એવી દુનિયામાં જીવવું છે જ્યાંના લોકો માત્ર માનવ હોય એને બીજું કોઈ વિશેષણ લાગ્યું ન હોય. કોઈ પણ પ્રકારના નિયમ, શબ્દ કે લેબલની માથાકૂટ કર્યા સિવાય માત્ર માનવ હોય તેવી દુનિયામાં હું જીવવા માગું છું. બધા જ પ્રકારના ચર્ચમાં બધા માણસો જઈ શકે, બધાં જ છાપાખાનામાં બધા જઈ શકે એમ હું િચ્છું છું. કોઈ મેયરની ઑફિસના દરવાજે કોઈક બીજાને પકડવા રાહ જોતું હોય અને બીજા કોઈકને દેશવટો આપતું હોય, એવું મારે જોઈતું નથી. દરેક જણ સ્મિત વેરતાં વેરતાં નગર સભાગૃહમાં જાય અને તેમાંથી નીકળે એમ હું ઇચ્છું છું…. બધા જ લોકો મુક્તતાથી બોલી શકે, વાંચી શકે, સાંભળી શકે અને વિકાસ પામી શકે. સંઘર્ષને દૂર કરવા માટેનો સંઘર્ષ કશુંક સાધન બને એ સિવાય હું સંઘર્ષનો અર્થ સમજી શક્યો નથી. સખત પગલાંને દૂર કરવા માટેનો સંઘર્ષ કશુંક સાધન બે એ સિવાય હું સંઘર્ષનો અર્થ સમજી શક્યો નથી. સખત પગલાંને દૂર કરવા માટે સખત પગલાં લેવાય તે સિવાય સખત પગલાંનો અર્થ હું સમજી શક્યો નથી. એક રસ્તો મેં લીધો છે; કેમ કે એ રસ્તો આપણને બધાને ચિરંતન બંધુત્વ સુધી લઈ જશે એમ હું માનું છું. હું તે સર્વવ્યાપી વિશાળ અજરામર સત્તતત્ત્વ માટે લડી રહ્યો છું…. આપણે સર્વલક્ષી પ્રેમ તરફ જઈ રહ્યા છીએ.
મને ખબર છે કે આપણા સૌના માથા ઉપર બૉંબનો ભય ઝળુંબી રહ્યો છે, એવી ભયંકર ન્યૂક્લિયર વિપત્તિ આવવાની છે જે કોઈને જીવતા નહિ છોડે. આ પૃથ્વી ઉપર કશુંય રહેશે નહિ. વારુ, પણ તેનાથી મારી આશા ચલિત થશે નહિ. કટોકટીની આ ક્ષણે, અજંપાના આ અનુભવની વચ્ચે, આપણે જાણીએ છીએ કે જાગૃત દૃષ્ટિમાં સાચો પ્રકાશ પ્રવેશશે. આપણે સૌ એકબીજાને સમજતા થઈશું. આપણે સાથે આગળ વધીશું. આ આશાને કોઈ કચડી શક્શે નહિ.’ (પૃ. 218-219)
પાબ્લો નેરુદા

લિપિ
માનવસંસ્કૃતિના અન્વેષણ અને નિરૂપણમાં લેખનકલા મહત્ત્વનું અંગ ગણાય છે. માનવીએ લેખનકલાની શોધ કરી ત્યારથી એને મહત્ત્વનું વ્યવહારનું સાધન ઉપલબ્ધ થયું તે ભાષાની વર્ણમાળા. આ વર્ણમાલા લખવાની રીત તે લિપિ. વિશ્વ અને ભારતના સંદર્ભમાં લિપિના વિકાસનાં સોપાનો, લિપિઓનું વર્ગીકરણ, વિવિધ લિપિઓની વર્ણમાળાઓ વચ્ચે આંતરિક સામ્ય, વિભિન્ન સંસ્કૃતિઓ અને ભાષાઓની લિપિઓની ઉત્પત્તિ, તે તે લિપિઓના પ્રાચીન લેખો વગેરે બાબતોની વૈજ્ઞાનિક પણ રસપ્રદ સચિત્ર માહિતી આ પુસ્તિકામાં આપવામાં આવી છે.

કેટલાક સાહિત્યિક વિવાદો
ગુજરાતી સાહિત્ય સન્માન્ય વિદ્વાન ડૉ. ધીરુભાઈ ઠાકરે ભારે જહેમત લઈ દલપત-નર્મદથી રમેશ શુકલ અને જયંત કોઠારી સુધીના અનેક વિદ્વાનોએ સાહિત્યનાં વિવિધ પાસાં વિશે જે સાધક-બાધક ચર્ચાઓ વખતોવખત કરી છે તેનો પ્રમાણભૂત ચિતાર ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આપી તેનાથી એકંદરે ગુજરાતી ભાષા તથા સાહિત્યને કેવો લાભ થયો છે તેનું તટસ્થ ભૂમિકાએ રહીને અહીં સ્વસ્થ-દર્શન રજૂ કર્યું છે. ગુજરાતી સાહિત્યિક વિવાદો વિશે વ્રજલાલ દવેએ `ગુજરાતી સાહિત્યકોશ’ના ત્રીજા ભાગમાં એક નોંધ આપી છે, પરંતુ એ અગાઉ ડૉ. ધીરુભાઈએ તો આવા વિવાદોને અનુલક્ષીને વ્યાખ્યાનમાળા જ આપવાનું જે સ્વપ્ન સેવેલું તે જઈફ વયે પણ જે રીતે અહીં સિદ્ધ થયું છે તેનો આનંદ આપણને સૌને છે. પ્રશિષ્ટ સાહિત્યિક રુચિ ધરાવનારા આપણા આ વિદ્વાન પ્રસ્તુત વાદવિવાદોના નિમિત્તે આપણા સારસ્વતધર્મી અને સારસ્વતકર્મી વિદ્વાનોના મનોરાજ્યનો – એમની ચિંતન – મનનની ગતિવિધિનોયે જે નકશો આપે છે, એમના વ્યક્તિની જે ઝાંયઝલક દર્શાવે છે તે વળી આ ગ્રંથની આનુષંગિક – વધારાની ઉપલબ્ધિ છે. પ્રસ્તુત ગ્રંથ આપણા ગુજરાતી સાહિત્યના તલાવગાહી અધ્યયન અને મૂલ્યાંકનમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ઉપકારક થશે એવી શ્રદ્ધા છે. સ્વર્ણિમ ગુજરાતના શુભ અવસરે એક સંનિષ્ઠ સારસ્વતે સાહિત્ય પ્રત્યેના સ્નેહથી જે આ મૂલ્યવાન ગ્રંથ-મુદ્રા સમર્પી છે તેનું આપણે સ્વાગત કરીએ છીએ.
ચંદ્રકાન્ત

વિશ્વકોશવિમર્શ
વિશ્વકોશની રચના કે વિશ્વકોશનો ખાસ અભ્યાસ કરવા ઇચ્છનારને માર્ગદર્શક નીવડે તેવું આ પુસ્તકનું આયોજન થયેલું છે. કદાચ, આ પ્રકારનું આપણી ભાષામાં આ વિષયનું આ પહેલું જ પ્રકાશન છે.

આપણી મોંઘેરી ધરોહર
આ પુસ્તકમાં ગુજરાતની આગવી અને મોંઘેરી પ્રતિભા શ્રી પ્ર. ચુ. વૈદ્યના જીવનકાર્યનો પ્રમાણભૂત આલેખ રજૂ થયો છે. વૈદ્યસાહેબે ગુજરાતના જનજીવન પર એમની સાદગી અને વિદ્વત્તાથી આગવો પ્રભાવ પાડ્યો હતો. વૈજ્ઞાનિકો, રાજપુરુષો, કલાકારો, સાહિત્યકારો અને વિશાળ જનસમુદાયને સ્પર્શતી એમની પ્રવૃત્તિ હતી.
પ્રભાવશાળી વક્તા, કુશળ લેખક, વ્યાયામ-વીર અને આગવી નેતૃત્વશક્તિ ધરાવતા હતા. સાંપ્રત બનાવો પર સુંદર ટિપ્પણી કરતા હતા. ગાંધીવાદી જીવનશૈલી ધરાવતા આ વિદ્વાન ગણિત જેવા વિષયમાં વિદ્યાર્થીઓની આગવી ચાહના ધરાવતા હતા.
તેમણે સાપેક્ષતાવાદમાં `વૈદ્ય મૅટ્રિક’ની શોધ કરી બ્રહ્માંડની કેટલીક ભેદી ઘટનાઓનું રહસ્ય છતું કર્યું હતું. એ વિષયમાં તો તેઓ વિશ્વપ્રસિદ્ધ હતા.
ગુજરાતમાં તેમણે ગણિતશિક્ષણની કાયાપલટ કરી દીધી હતી. ગણિતમાં જૂના જર્જરિત અભ્યાસક્રમોને તેમણે દરેક કક્ષાએ દસ-બાર વર્ષના પ્રયત્નો થકી વધુ આધુનિક બનાવ્યા હતા. એ માટે તેમણે એક સમૃદ્ધ સામયિક `સુગણિતમ્’ની સ્થાપના કરી હતી. એમના પુષ્કળ લેખો `કુમાર’માં પ્રસિદ્ધિ પામ્યા હતા અને એ બધા પાછળથી પુસ્તકો સ્વરૂપે પણ પ્રગટ થયા છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રારંભકાળની પ્રવૃત્તિમાં એમની પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન મળ્યાં હતાં.
તેઓ ગુજરાતને ઘણી ઉત્તમ ધરોહર સોંપી ગયા છે.
એક બહુઆયામી પુરુષની આ જીવનકથા છે.

સવ્યસાચીનો શબ્દવેધ
ગાંધીયુગના બે સમર્થ સર્જક સુન્દરમ્-ઉમાશંકરે જે દિશા ભણી ગતિ કરી તેમાં કૃતિના રસબિન્દુને પામીને ભાવકને તેનાથી અવગત કરાવવાનો અભિગમ રહ્યો હતો. એ અભિગમે એમની વિવેચના શુષ્ક ન બનતા રસલક્ષી બની. એમાં જ્ઞાનનો ભાર નહીં, પણ સમજની સરળ અભિવ્યક્તિ છે. આ જ માર્ગ એમના સમકાલીન – અનુકાલીન વિવેચકોએ અપનાવ્યો. અલબત્ત, સહુની આગવી વિવેચનરીતિ તો હતી જ. ધીરુભાઈ ઠાકર આ ધારાના મર્મજ્ઞ અભ્યાસી વિવેચક. એમની વિવેચનાનો પ્રધાન સૂર કૃતિના આસ્વાદનો રહ્યો છે, તો એની મર્યાદાનો નિર્દેશ કરવાનું એ ચૂક્યા નથી. આસ્વાદ પૂર્વે વિવેચ્ય કૃતિના સંદર્ભે તેઓ જે ભૂમિકા બાંધે છે તેમાં સાહિત્યના ઇતિહાસકારની દૃષ્ટિનું દર્શન થાય છે. એમણે કૃતિલક્ષી વિવેચના કરી છે તો સ્વરૂપલક્ષી વિવેચના એમની પાસેથી મળી છે. સૈદ્ધાન્તિક વિવેચનામાં એમનો સંચાર છે. સર્જકના વ્યવહારજગત કે મનોજગતને ઉઘાડી એના સર્જનનું મૂલ્યાંકન કરવાનો એમનો અભિગમ રહ્યો છે. વળી એમની નાટ્યરુચિ અને રંગભૂમિના પ્રત્યક્ષ પરિચયે એમણે કરેલી નાટ્યવિવેચના સૂચક બની રહે છે. એમનાં વ્યાખ્યાનોમાં વિવેચનાત્મક અંશો મળે છે તો સંસ્થાગત કે માહિતીપ્રદ લેખમાં હકીકતને નાણવાનું તેઓ ચૂકતા નથી. સાક્ષરોનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે ત્યાં પણ મૂલ્યાંકન-વિવેચન વર્તાય છે. એમની સમતોલ દૃષ્ટિએ જટિલ પણ ઉકલી રહે છે. કોઈ વાદ-વાડામાં તેઓ ગૂંથાયાગૂંચાયા નથી, પરિણામે પરંપરાના અનાદાર વગર એમણે નવાનો સ્વીકાર કર્યો છે. આધુનિક-અનુ-આધુનિક સર્જકોની કૃતિઓને એમણે પ્રમાણી છે. એમનો વિવેચનપ્રવાસ પ્રસન્નકર બન્યો છે એમના વિદ્યાવ્યાસંગે.

ચીકુ
સોનલ પરીખની કલમ બહુ સાહજિકતાથી અનેક ક્ષેત્રોમાં વિહરે છે. કાવ્યો, ફિલ્મી ગીતોનું ગીતોનું વિવરણ અને રસાસ્વાદ, સમાજના સાંપ્રત પ્રવાહોનું નિરીક્ષણ અને વિવેચન, મૌલિક વિચારોનું લોકભોગ્ય આલેખન – અને હવે તો લઘુનવલ અને નવલકરથાના પડકારો પણ ઝીલવાની વૃત્તિ ! આ બધું જોતાં એમની પાસેથી ચીકુ જેવી સાદ્યંત રસાળ કિશોરાવસ્થાને આકર્ષતી પ્રાણીકથા-ખરેખર તો કુટુંબકથા મળે એમાં મને સહેજે નવાઈ નથી લાગતી. અનુભવાય છે માત્ર આનંદ ! – ધીરુબહેન પટેલ

વિશ્વનું શિલ્પ-સ્થાપત્ય
લલિતકલાઓ (fine arts)માં શિલ્પ અને સ્થાપત્ય એ બે દૃશ્ય કલાઓ (visual arts) છે. વિશ્વના શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ વ્યાપક અને ગહન છે. તેથી અહીં ગાગરમાં સાગર સમાવવાનો નમ્ર પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રવાસનાં સ્થળોએ જવાનું થાય ત્યારે ત્યાંની શિલ્પ -સ્થાપત્યકલાના નમૂનાઓને જોઈને આશ્ચર્ય થાય, આનંદની અનુભૂતિ થાય અને તેના ઇતિહાસ તથા તેની અગત્ય વિશે જાણવાની ઉત્કંઠા જાગ્રત થાય. અહીં આ ઉત્કંઠાને સંતોષવાનો અને તેના વિશે વધુ રસાભિમુખ કરવાનો આશય છે. કલાનું શિક્ષણ આપતી સંસ્થાઓને અને શિલ્પ-સ્થાપત્યકલામાં રુચિ ધરાવનારા સૌ કોઈને આ ગ્રંથ ઉપયોગી નીવડશે.