ઇ-બુક્સ | eBooks

મેઘાણીચરિત

વીસમી સદીના બીજા દાયકામાં અંગ્રેજી સાથેનો એક યુવાન ગ્રૅજ્યુએટ, તેય વણિક, લોકપ્રેમ ને શબ્દશ્રદ્ધાના અદમ્ય ખ્યાલથી પ્રેરાઈને, વિલાયતયાત્રાના લાભ સાથેનું સ્વબળે પોતાને મળેલું એક પ્રસિદ્ધ વેપારી પેઢીમાંનું ઊંચા દામ-દરમાયાવાળું સ્થાન ઘડીના છઠ્ઠા ભાગમાં ફગવી દે, અને વતનમાં આવી આખુંયે આયખું કલમને ધરી દે, એ પુન: પુન: સ્મરણીય મેઘાણીજીવનનું આ સાહિત્યિક ચરિત્ર છે. મેઘાણીએ `શબ્દનો વેપાર’ માંડ્યો તો શબ્દે એની અઢળક રૂપસમૃદ્ધિથી એમને અને આપણને બેયને કેવાં ન્યાલ કરી દીધાં એની અહીં વાત છે. મેઘાણીજીવનની ભોંય પર મેઘાણીસાહિત્યનો આ આલેખ છે.

 download .epub  view .pdf

સિદ્ધાંતસારનું અવલોકન

ઓગણીસમી સદીમાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સંઘર્ષ થયો તે દરમ્યાન પ્રાચીન આર્ય ધર્મને દુનિયાના તમામ ધર્મોના કરતાં શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયત્ન થયો હતો એ સંદર્ભમાં પુસ્તક `સિદ્ધાંતસાર’નું અવલોકન કવિ કાન્તે, કાન્તાને પત્રોરૂપે, લખી મોકલેલું, તીક્ષ્ણ કટાક્ષ અને મીઠા પ્રહારોથી શરૂ થયેલું કાન્તનું વક્તવ્ય અધવચથી તેમનું માનસપરિવર્તન થતાં કેવું બદલાય છે, તેનું રસિક પ્રતિબિંબ આ પત્રોમાં પડેલું જોવા મળે છે. મૂળ `જ્ઞાનસુધા’ માસિકમાં ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં પ્રગટ થયેલા આ પત્રો 1927માં પુસ્તકરૂપે કાન્તે પ્રગટ કર્યા હતા, પરંતુ પછી ઘણા વખતથી તે ઉપલબ્ધ નહોતા. યોગ્ય ભૂમિકા સહિત સંપાદિત સ્વરૂપમાં ગુજરાતી સાહિત્યના એક રસિક પ્રકરણનો સાહિત્યરસિકોની નવી પેઢીને પરિચય થશે.

 download .epub  view .pdf

ગ્રંથના પંથના અનોખા યાત્રી

ભાષા-સંસ્કારપ્રેમી સાહિત્યિક પત્રકાર

યશવંત દોશી

પોતાની જાત વિશે ભાગ્યે જ બોલનાર કે લખનાર યશવંત દોશીએ એક વાર પોતાને વિશે લખ્યું હતું :

`મારે મારી જાતને પ્રમાણપત્ર આપવાનું હોય તો હું આમ આપું : આ માણસને પુસ્તકો વિશે જાણવામાં ખૂબ રસ છે. બીજું બધું વાંચવાનું પડતું મૂકીને એ પુસ્તકો વિશેની માહિતી તરત હાથમાં લે છે. એને લીધે પુસ્તકો પરત્વેની વિવેકશક્તિ એનામાં કદાચ ખીલી પણ હોય. પણ એ પુસ્તકોનો પ્રેમી છે, એમતો હું વિના સંકોચે કહી શકું.’

યશવંતભાઈ એક સંનિષ્ઠ અને સજ્જ લેખક હતા, સમીક્ષક હતા, અનુવાદક હતા, સાહિત્યિક પત્રકાર હતા, સંપાદક અને તંત્રી હતા, પણ તેમના વ્યક્તિત્વનાં આ બધાં પાસાંને એકસૂત્રે બાંધી રાખનાર તો હતો તેમનો સાચુકલો, પ્રગાઢ પુસ્તક-પ્રેમ. વાડીલાલ ડગલીની સાથે મળીને શરૂ કરેલ પરિચય ટ્રસ્ટ અને તેનાં પ્રકાશનો `ગ્રંથ’ માસિક અને `પરિચય પુસ્તક’ દ્વારા યશવંતભાઈએ વ્યાપક અર્થમાં લોકશિક્ષણનું જે ભગીરથ કામકર્યું તેનો જોટો, આપણી ભાષામાં તો મળવો મુશ્કેલ છે. આ ઉપરાંત તેમણે મુંબઈથી પ્રગટ થતાં કેટલાંક વર્તમાનપત્રોમાં પણ નિયમિત રીતે કૉલમો લખી. પણ પોતાનાં આ બધાં લખાણોને ગ્રંથસ્થ કરવા અંગે તેમણે ક્યારેય રસ દાખવ્યો નહિ.

શ્રી યશવંત દોશીની જન્મશતાબ્દીના વર્ષમાં પ્રગટ થઈ રહેલા આ પુસ્તકમાં જાણીતા સમીક્ષક, સંપાદક, અનુવાદક અને યશવંતભાઈના નિકટવર્તી સાથી દીપક મહેતાએ તેમનાં જીવન અને કાર્યનો પરિચય આપ્યો છે.

 download .epub  view .pdf

નાટ્યતાલીમના નેપથ્યે

આ પુસ્તકમાં શિક્ષણની પૂરક પ્રવૃત્તિ તરીકે કૉલેજ અને યુનિવર્સિટી કક્ષાએ નાટ્યતાલીમનો પ્રયોગ કઈ રીતે ઉપયોગ થઈ શકે અને શિક્ષણ તેમાં કેવો મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે એનું લેખકે તાલીમ-શિબિરોના પોતાના અનુભવથી મિશ્રિત સૈદ્ધાન્તિક નિરૂપણ રસપ્રદ શૈલીમાં કરેલું છે. તે કળાકારને ઉપયોગી છે એટલું જ શિક્ષણ સંસ્થાઓને ઉપયોગી છે.

 download .epub  view .pdf

વિરલ વિભૂતિ વિક્રમ સારાભાઈ

બાવન વર્ષના અલ્પ આયુષમાં ભારતના અવકાશ અને પરમાણુયુગની તાસીર બદલનાર પી. આર. એલ., અટિરા, આઈ.આઈ.એમ. તથા ક્મ્યૂનિટી સાયન્સ સેન્ટર જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થાઓના સર્જક; પ્રગતિશીલ ઉદ્યોગપતિ, કલા, વિજ્ઞાન અને ઉપનિષદનો ઉત્તમ સમન્વય સાધનાર, માનવતાના હામી; ઉદાર દિલના ઉમદા વિજ્ઞાની વિક્રમ સારાભાઈએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરેલા પ્રચંડ પુરુષાર્થની આ સંક્ષિપ્ત કથા છે.

 download .epub  view .pdf

હસ્તપ્રતવિજ્ઞાન

હસ્તપ્રતવિજ્ઞાન એટલે પ્રાચીન સમયનાં પુસ્તકોની હસ્તપ્રતોને વાંચી, ઉકેલીને શુદ્ધ લખાણ રૂપે સંપાદિત કરવાનું શાસ્ત્ર. સદીઓ પહેલાં મુદ્રણયંત્રની શોધ થઈ નહોતી એ સમયમાં, પ્રાચીન લિપિમાં કવિઓ અને વિદ્વાનો હસ્તલિખિત રચનાઓ કરતા. તે હસ્તપ્રતો લહિયાઓ દ્વારા નકલો થઈને પેઢી-દર-પેઢી જળવાઈ રહેતી. આવા હસ્તપ્રતોના ભંડારો દરેક દેશમાં દરેક ભાષામાં દરેક સંસ્કારી પ્રજા અમૂલ્ય વારસા રૂપે સંઘરી રાખે છે. ગુજરાતમાં આવી હજારો હસ્તપ્રતો વિવિધ સ્થળે જૈન ગ્રંથભંડારો તથા અન્ય ભંડારોમાં સચવાઈ રહેલી છે. તેનું સંશોધન-સંપાદન કરીને શુદ્ધ સમીક્ષિત વાચના રૂપે પ્રગટ કરવાની અભ્યાસોપયોગી પ્રવૃત્તિ છેલ્લી બે સદી દરમ્યાન ચાલી છે. તેને પરિણામે માનવસંસ્કૃતિ અનેકધા સમૃદ્ધ થયેલી છે.

આ ક્ષેત્ર વિશેષ ખેડાયેલું ન હોવાથી અનુભવી સંશોધક પ્રા.જયંત પ્રે. ઠાકરે લખેલ આ ગ્રંથ આગવું મહત્ત્વ ધરાવે છે. વિદ્યારસિક વાચકોને હસ્તપ્રતવિષયક આ પ્રકારનો ઝીણવટપૂર્વકનો સર્વતોમુખી વિશદ અભ્યાસ અનેકધા રસપ્રદ બની રહેશે.

 download .epub  view .pdf

ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો : માહિતીકોશ

ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો વિશે સર્વાંગી માહિતીકોશ

ગુજરાતના સ્વાંતંત્ર્યસૈનિકોના આ માહિતીકોશમાં દેશના સ્વાતંત્ર્ય માટે ભાગ લેનારા 4,212 જેટલા સ્વાંત્ર્યસૈનિકોની વિગતો આપવામાં આવી છે. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામથી શરૂ કરીને 1947 સુધીની આરઝી હકૂમત તથા 1961માં ગોવાના મુક્તિસંગ્રામમાં ભાગ લેનારા ગુજરાતી સ્વાતંત્ર્યવીરોની વિગતો આમાં સમાવવામાં આવી છે. ભારતનાં બીજાં રાજ્યોના અને ભારતની બહાર રહીને પણ સ્વાતંત્ર્ય માટેના આંદોલનમાં ભાગ લેનારા સ્વાતંત્ર્યસૈનિકોનો પણ આ માહિતીકોશમાં સમાવેશ થયો છે. માહિતીકોશની આ દ્વિતીય સંવર્ધિત આવૃત્તિમાં 977 જેટલા વધુ સ્વાંત્ર્યસૈનિકોની માહિતી ઉમેરી છે. કેટલાક સ્વાતંત્ર્યસૈનિકોને આંદોલનમાં ભાગ લેવા માટે જેલમાં જવું પડ્યું છે; પરંતુ તેમના કાર્યની વિગત મળી નથી તેવા 1,956 સ્વાતંત્ર્યસૈનિકોની યાદી પણ આમાં આપવામાં આવી છે. આ રીતે દેશના સ્વાતંત્ર્યસંગ્રામની લડતમાં એક યા બીજી રીતે સક્રિય ભાગ લેનારા લગભગ તમામ સ્વાતંત્ર્યસૈનિકોનો આ માહિતીકોશમાં સમાવેશ કર્યો છે.

 download .epub  view .pdf

તળની બોલી

ગ્રામજીવનના સામાજિક સંબંધ નિમિત્તે થયેલા વિભાજનને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાતમાં આવેલ દોતોર પરગણું અને તેની આજુબાજુના વિસ્તારની વિવિધ જાતિઓનાં હુન્નર અને સાધનોની વિગત અહીં રજૂ કરી છે.
આ ઉપરાંત તેમનાં પહેરવેશ, ઘરેણાં, રહેઠાણ, વાનગીઓ, દેવ-દેવીઓ વગેરેનાં નામ અને પ્રચલિત કહેવતો, રૂઢિપ્રયોગો, બોલતાં બેવડાતા શબ્દો તેમજ લગ્ન-મૃત્યુ સમયે ઉપયોગમાં લેવાતા તથા `અ’ થી `હ’ સુધીના શબ્દોને સાંકળતી શબ્દાવલીનો કક્કાવારી પ્રમાણે અહીં સમાવેશ કર્યો છે.

 download .epub  view .pdf

જ્ઞાનયજ્ઞના આચાર્ય

ઋષિતુલ્ય પ્રતિભા પુરુષની જીવનકથા

`જ્ઞાનયજ્ઞના આચાર્ય’ – ધીરુભાઈ ઠાકરની આ જીવનકથા, એમના સાડા નવ દાયકા (95 વર્ષ)ના સફળ અને સાર્થક જીવનનો રસપ્રદ આલેખ રજૂ કરે છે. આપણા શિક્ષણસમાજનું દસ્તાવેજી છતાં રસાળ શૈલીમાં અહીં ઊપસતું ચિત્ર આસ્વાદ્ય હોવા સાથે પેઢીઓ માટેય પ્રેરક છે. ધીરુભાઈ સતત વિદ્યાવ્યાસંગી આચાર્ય રહ્યા. વિશ્વની સચરાચરસૃષ્ટિનું અને માનવવિદ્યાઓ તથા શાસ્ત્રોનું સકળ જ્ઞાન ગુજરાતી ભાષામાં અવતારવાનું ભગીરથકાર્ય `વિશ્વકોશ’ (25 ગ્રંથો) સ્વરૂપે ગુજરાતને સમર્પિત કરનાર આ ઋષિતુલ્ય પ્રતિભા પુરુષનું `જીવન-મિશન’ પણ આ જીવનકથા દ્વારા સહુને સુલભ થઈ રહ્યું છે, એ એક વિરલ સુયોગ છે. ડૉ. ધીરુભાઈ ઠાકરના શૈશવથી આરંભીને એમના સમગ્ર જીવનને અને વિશેષ એમના વિદ્યાપુરુષાર્થને `જ્ઞાનયજ્ઞના આચાર્ય’ પુસ્તકમાં ડૉ. મણિલાલ હ. પટેલે વિસ્તૃતપણે આલેખ્યા છે. વળી એક વિશેષ સુયોગ પણ એ છે કે આપણા સુખ્યાત સર્જક-વિવેચક મણિલાલ હ. પટેલ ધીરુભાઈ ઠાકરના વિદ્યાર્થી પણ રહ્યા છે. એક સર્જક-વિદ્યાર્થીની કલમે લખાયેલી પોતાના ઋષિતુલ્ય ગુરુની જીવનકથા આથી અત્યંત રસપ્રદ બની છે.

 download .epub  view .pdf