ઇ-બુક્સ | eBooks
કેટલાક સાહિત્યિક વિવાદો
ગુજરાતી સાહિત્ય સન્માન્ય વિદ્વાન ડૉ. ધીરુભાઈ ઠાકરે ભારે જહેમત લઈ દલપત-નર્મદથી રમેશ શુકલ અને જયંત કોઠારી સુધીના અનેક વિદ્વાનોએ સાહિત્યનાં વિવિધ પાસાં વિશે જે સાધક-બાધક ચર્ચાઓ વખતોવખત કરી છે તેનો પ્રમાણભૂત ચિતાર ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આપી તેનાથી એકંદરે ગુજરાતી ભાષા તથા સાહિત્યને કેવો લાભ થયો છે તેનું તટસ્થ ભૂમિકાએ રહીને અહીં સ્વસ્થ-દર્શન રજૂ કર્યું છે. ગુજરાતી સાહિત્યિક વિવાદો વિશે વ્રજલાલ દવેએ `ગુજરાતી સાહિત્યકોશ’ના ત્રીજા ભાગમાં એક નોંધ આપી છે, પરંતુ એ અગાઉ ડૉ. ધીરુભાઈએ તો આવા વિવાદોને અનુલક્ષીને વ્યાખ્યાનમાળા જ આપવાનું જે સ્વપ્ન સેવેલું તે જઈફ વયે પણ જે રીતે અહીં સિદ્ધ થયું છે તેનો આનંદ આપણને સૌને છે. પ્રશિષ્ટ સાહિત્યિક રુચિ ધરાવનારા આપણા આ વિદ્વાન પ્રસ્તુત વાદવિવાદોના નિમિત્તે આપણા સારસ્વતધર્મી અને સારસ્વતકર્મી વિદ્વાનોના મનોરાજ્યનો – એમની ચિંતન – મનનની ગતિવિધિનોયે જે નકશો આપે છે, એમના વ્યક્તિની જે ઝાંયઝલક દર્શાવે છે તે વળી આ ગ્રંથની આનુષંગિક – વધારાની ઉપલબ્ધિ છે. પ્રસ્તુત ગ્રંથ આપણા ગુજરાતી સાહિત્યના તલાવગાહી અધ્યયન અને મૂલ્યાંકનમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ઉપકારક થશે એવી શ્રદ્ધા છે. સ્વર્ણિમ ગુજરાતના શુભ અવસરે એક સંનિષ્ઠ સારસ્વતે સાહિત્ય પ્રત્યેના સ્નેહથી જે આ મૂલ્યવાન ગ્રંથ-મુદ્રા સમર્પી છે તેનું આપણે સ્વાગત કરીએ છીએ.
ચંદ્રકાન્ત
વિશ્વકોશવિમર્શ
વિશ્વકોશની રચના કે વિશ્વકોશનો ખાસ અભ્યાસ કરવા ઇચ્છનારને માર્ગદર્શક નીવડે તેવું આ પુસ્તકનું આયોજન થયેલું છે. કદાચ, આ પ્રકારનું આપણી ભાષામાં આ વિષયનું આ પહેલું જ પ્રકાશન છે.
આપણી મોંઘેરી ધરોહર
આ પુસ્તકમાં ગુજરાતની આગવી અને મોંઘેરી પ્રતિભા શ્રી પ્ર. ચુ. વૈદ્યના જીવનકાર્યનો પ્રમાણભૂત આલેખ રજૂ થયો છે. વૈદ્યસાહેબે ગુજરાતના જનજીવન પર એમની સાદગી અને વિદ્વત્તાથી આગવો પ્રભાવ પાડ્યો હતો. વૈજ્ઞાનિકો, રાજપુરુષો, કલાકારો, સાહિત્યકારો અને વિશાળ જનસમુદાયને સ્પર્શતી એમની પ્રવૃત્તિ હતી.
પ્રભાવશાળી વક્તા, કુશળ લેખક, વ્યાયામ-વીર અને આગવી નેતૃત્વશક્તિ ધરાવતા હતા. સાંપ્રત બનાવો પર સુંદર ટિપ્પણી કરતા હતા. ગાંધીવાદી જીવનશૈલી ધરાવતા આ વિદ્વાન ગણિત જેવા વિષયમાં વિદ્યાર્થીઓની આગવી ચાહના ધરાવતા હતા.
તેમણે સાપેક્ષતાવાદમાં `વૈદ્ય મૅટ્રિક’ની શોધ કરી બ્રહ્માંડની કેટલીક ભેદી ઘટનાઓનું રહસ્ય છતું કર્યું હતું. એ વિષયમાં તો તેઓ વિશ્વપ્રસિદ્ધ હતા.
ગુજરાતમાં તેમણે ગણિતશિક્ષણની કાયાપલટ કરી દીધી હતી. ગણિતમાં જૂના જર્જરિત અભ્યાસક્રમોને તેમણે દરેક કક્ષાએ દસ-બાર વર્ષના પ્રયત્નો થકી વધુ આધુનિક બનાવ્યા હતા. એ માટે તેમણે એક સમૃદ્ધ સામયિક `સુગણિતમ્’ની સ્થાપના કરી હતી. એમના પુષ્કળ લેખો `કુમાર’માં પ્રસિદ્ધિ પામ્યા હતા અને એ બધા પાછળથી પુસ્તકો સ્વરૂપે પણ પ્રગટ થયા છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રારંભકાળની પ્રવૃત્તિમાં એમની પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન મળ્યાં હતાં.
તેઓ ગુજરાતને ઘણી ઉત્તમ ધરોહર સોંપી ગયા છે.
એક બહુઆયામી પુરુષની આ જીવનકથા છે.
સવ્યસાચીનો શબ્દવેધ
ગાંધીયુગના બે સમર્થ સર્જક સુન્દરમ્-ઉમાશંકરે જે દિશા ભણી ગતિ કરી તેમાં કૃતિના રસબિન્દુને પામીને ભાવકને તેનાથી અવગત કરાવવાનો અભિગમ રહ્યો હતો. એ અભિગમે એમની વિવેચના શુષ્ક ન બનતા રસલક્ષી બની. એમાં જ્ઞાનનો ભાર નહીં, પણ સમજની સરળ અભિવ્યક્તિ છે. આ જ માર્ગ એમના સમકાલીન – અનુકાલીન વિવેચકોએ અપનાવ્યો. અલબત્ત, સહુની આગવી વિવેચનરીતિ તો હતી જ. ધીરુભાઈ ઠાકર આ ધારાના મર્મજ્ઞ અભ્યાસી વિવેચક. એમની વિવેચનાનો પ્રધાન સૂર કૃતિના આસ્વાદનો રહ્યો છે, તો એની મર્યાદાનો નિર્દેશ કરવાનું એ ચૂક્યા નથી. આસ્વાદ પૂર્વે વિવેચ્ય કૃતિના સંદર્ભે તેઓ જે ભૂમિકા બાંધે છે તેમાં સાહિત્યના ઇતિહાસકારની દૃષ્ટિનું દર્શન થાય છે. એમણે કૃતિલક્ષી વિવેચના કરી છે તો સ્વરૂપલક્ષી વિવેચના એમની પાસેથી મળી છે. સૈદ્ધાન્તિક વિવેચનામાં એમનો સંચાર છે. સર્જકના વ્યવહારજગત કે મનોજગતને ઉઘાડી એના સર્જનનું મૂલ્યાંકન કરવાનો એમનો અભિગમ રહ્યો છે. વળી એમની નાટ્યરુચિ અને રંગભૂમિના પ્રત્યક્ષ પરિચયે એમણે કરેલી નાટ્યવિવેચના સૂચક બની રહે છે. એમનાં વ્યાખ્યાનોમાં વિવેચનાત્મક અંશો મળે છે તો સંસ્થાગત કે માહિતીપ્રદ લેખમાં હકીકતને નાણવાનું તેઓ ચૂકતા નથી. સાક્ષરોનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે ત્યાં પણ મૂલ્યાંકન-વિવેચન વર્તાય છે. એમની સમતોલ દૃષ્ટિએ જટિલ પણ ઉકલી રહે છે. કોઈ વાદ-વાડામાં તેઓ ગૂંથાયાગૂંચાયા નથી, પરિણામે પરંપરાના અનાદાર વગર એમણે નવાનો સ્વીકાર કર્યો છે. આધુનિક-અનુ-આધુનિક સર્જકોની કૃતિઓને એમણે પ્રમાણી છે. એમનો વિવેચનપ્રવાસ પ્રસન્નકર બન્યો છે એમના વિદ્યાવ્યાસંગે.
ચીકુ
સોનલ પરીખની કલમ બહુ સાહજિકતાથી અનેક ક્ષેત્રોમાં વિહરે છે. કાવ્યો, ફિલ્મી ગીતોનું ગીતોનું વિવરણ અને રસાસ્વાદ, સમાજના સાંપ્રત પ્રવાહોનું નિરીક્ષણ અને વિવેચન, મૌલિક વિચારોનું લોકભોગ્ય આલેખન – અને હવે તો લઘુનવલ અને નવલકરથાના પડકારો પણ ઝીલવાની વૃત્તિ ! આ બધું જોતાં એમની પાસેથી ચીકુ જેવી સાદ્યંત રસાળ કિશોરાવસ્થાને આકર્ષતી પ્રાણીકથા-ખરેખર તો કુટુંબકથા મળે એમાં મને સહેજે નવાઈ નથી લાગતી. અનુભવાય છે માત્ર આનંદ ! – ધીરુબહેન પટેલ
વિશ્વનું શિલ્પ-સ્થાપત્ય
લલિતકલાઓ (fine arts)માં શિલ્પ અને સ્થાપત્ય એ બે દૃશ્ય કલાઓ (visual arts) છે. વિશ્વના શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ વ્યાપક અને ગહન છે. તેથી અહીં ગાગરમાં સાગર સમાવવાનો નમ્ર પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રવાસનાં સ્થળોએ જવાનું થાય ત્યારે ત્યાંની શિલ્પ -સ્થાપત્યકલાના નમૂનાઓને જોઈને આશ્ચર્ય થાય, આનંદની અનુભૂતિ થાય અને તેના ઇતિહાસ તથા તેની અગત્ય વિશે જાણવાની ઉત્કંઠા જાગ્રત થાય. અહીં આ ઉત્કંઠાને સંતોષવાનો અને તેના વિશે વધુ રસાભિમુખ કરવાનો આશય છે. કલાનું શિક્ષણ આપતી સંસ્થાઓને અને શિલ્પ-સ્થાપત્યકલામાં રુચિ ધરાવનારા સૌ કોઈને આ ગ્રંથ ઉપયોગી નીવડશે.
લોકવિદ્યા-પરિચય
લોકવિદ્યા જેવો અતિપરિચિત લાગતો છતાં શિક્ષિત-અશિક્ષિત સર્વેને અનેક રીતે અપરિચિત વિષય અહીં નિરૂપવામાં આવ્યો છે. લોકસંસ્કૃતિનાં અનેક પાસાં આલેખીને લોકવિદ્યાના પરિચયથી મનુષ્ય-સમાજના વર્તમાન સાથે ભૂતકાળનો સંસ્પર્શ કેવો થાય છે તે અહીં આલેખાયું છે.
લોકવિદ્યાનાં બે મુખ્ય અંગો લોકસાહિત્ય અને લોકસંગીત ઉપરાંત લોકકલા અને કસબ, સામ્પ્રત લોકજીવન, લોકસાહિત્ય સંશોધન વગેરેની સવિસ્તર અને સચિત્ર માહિતી અહીં રજૂ થયેલ છે. અન્ય દેશોના લોકવિદ્યાકુળનાં પુસ્તકોની વિગતો તથા એની સંદર્ભસામગ્રીનો આ ગ્રંથમાં સમાવેશ થયો છે. લોકવિદ્યાનાં પાયાનાં મૂળભૂત તત્ત્વોનો પરિચય આપવાની સાથોસાથ ગુજરાતની લોકસંપદા વિશે મૂલ્યવાન માહિતીઆમાં આલેખાઈ છે.
શહીદ વિનોદ કિનારીવાલા
ગુજરાત કૉલેજના પ્રાંગણમાં ચણાયેલી અને એમના જેવા ભાવનાશાળી યુવાક-યુવતીઓને માટે હમેશાં પ્રેરણાદાયી બનનારી ઈ. સ. 1942નાં સ્વાતંત્ર્યસંગ્રામના કૉલેજના શહીદ વિદ્યાર્થી સ્વ. વિનોદ કિનારીવાલાનું અને તેની શહીદીની ઘટનાને આલેખતું ડૉ. બિપિન સાંગણકર લિખિત જીવનચરિત્ર.
ડાયનોસૉર
આ પુસ્તકમાં પૃથ્વીના પટ પર ભૂસ્તરીય અતીતમાં થઈ ગયેલાં વિશાળકાય સરીસૃપોના સમૂહ ડાયનોસૉર ની વિસ્તૃત પ્રમાણભૂત માહિતી રજૂ કરવામાં આવી છે.
ડાયનોસૉરનાં ઉદ્ભવ, ઉત્ક્રાંતિ અને વિલોપન ઉપરાંત તેના વિવિધ પ્રકારો, તેના જીવાવશેષોના પુરાવાની માહિતી આપેલ છે. પૃથ્વીના પેટાળમાં જુદા જુદા સ્તરે પ્રાણીઓના અવશેષો કેવી રીતે સચવાય છે, કેવી રીતે રૂપાન્તર પામે છે અને તે કયા સમયનું પ્રતિનિધિત્વ ધરાવે છે તેની વિગતો પણ આ પુસ્તકમાં મળી રહે છે.
વળી ભારતમાં અને તેમાંયે ગુજરાત રાજ્યમાં ડાયનોસૉરના અવશેષો ક્યાં મળે છે તેની વિગતે ચર્ચા કરી છે.
સ્વસ્થ જીવનશૈલીનો આધાર શાકાહાર
સમગ્ર ચૈતન્ય સૃષ્ટિનાં પોષણ અને વિકાસ માટે સૂર્યપ્રકાશ, પાણી, હવા અને ખોરાકની અત્યંત આવશ્યકતા રહે છે. સૂર્યપ્રકાશ, પાણી અને હવા કુદરતની દેન છે, જ્યારે ખોરાકની પસંદગીમાં મનુષ્ય સ્વતંત્ર છે. આથી જ ખોરાક જેટલો સ્વાસ્થ્યપ્રદ તેટલી સ્વસ્થ જીવનશૈલી. તેથી જ પોષણયુક્ત આહાર કેવો અને કેટલો હોવો જોઈએ તે માટે અભ્યાસ અને સંશોધનો થાય છે.
વિવિધ દેશોમાં શાકાહારનું કેવું મહત્ત્વ છે અને શાકાહારના કેવા પ્રકારો સ્વીકારવામાં આવે છે તેની છણાવટ આ પુસ્તકમાં કરવામાં આવી છે. વિવિધ ધર્મોમાં પણ નિરામિષ આહારને અગ્રિમતા આપવામાં આવી છે તથા માંસાહારનાં ભયસ્થાનો પણ દર્શાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત માનવઅધિકારોની જેમ પ્રાણીઓના અધિકારની વિભાવના સ્વીકારતા વિશ્વના નામાંકિત મહાનુભાવોનાં મંતવ્ય પણ નોંધપાત્ર છે.
એકવીસમી સદીની કોવિડ-19 (કોરોના) નામની મહામારીએ જ્યારે પૂરા વિશ્વને ભરડામાં લીધું ત્યારે માંસાહારના ગેરફાયદા માટે લોકોમાં જાગરુક્તા આવી, કારણ કે એક સમય એવો હતો જ્યારે શાકાહારના ગેરફાયદા અને માંસાહારના ફાયદાઓ વિશે ઘણો ભ્રામક પ્રચાર કરવામાં આવેલો. પણ છેલ્લાં કેટલાંક વર્ષોના અભ્યાસ પછી એવું તારણ બહાર આવ્યું છે કે, સંક્રમિત રોગોમાંથી મોટા ભાગના રોગો પશુ અને પક્ષીઓ દ્વારા ફેલાયેલા જોવા મળે છે.
આ ઉપરાંત હાલના સમયમાં પર્યાવરણની સમસ્યાને પણ અગત્યતા આપતાં માંસાહારથી થતા જમીન, પાણી, હવાના પ્રદૂષણના બગાડને પણ અક્ષમ્ય લેખી શકાય તેવું સ્વીકારવામાં આવે છે.
આથી આપણે કહીએ કે માનવીની સ્વસ્થ જીવનશૈલી અને પૃથ્વીના સ્વસ્થ પર્યાવરણના મુખ્ય આધાર તરીકે શાકાહાર માત્ર અગત્યનો જ નહીં પણ અનિવાર્ય છે.
- « Previous
- 1
- 2
- 3
- 4
- Next »