ઇ-બુક્સ | eBooks
ઓગણીસમી સદીનું ગુજરાતી સાહિત્ય – કેટલાંક વણખૂલ્યાં પાનાં
આપણા સાહિત્યનાં વિવેચન કે ઇતિહાસનાં ઘણાં ખરાં પુસ્તકો માટે ઓગણીસમી સદી એટલે દસ-પંદર લેખકો અને તેમની વીસ-પચીસ કૃતિઓ. તેમાંય નર્મદ-દલપત પહેલાંના લેખકો અને તેમનાં પુસ્તકો વિશે તો કોઈ ભાગ્યે જ વાત કરે. આથી આપણા ઓગણીસમી સદીના સાહિત્યનાં ઘણાંબધાં પાનાં આજ સુધી વણખૂલ્યાં રહ્યાં છે. આવાં થોડાંક પાનાંને જરા ખોલીને ઓગણીસમી સદીના કેટલાક લેખકો, તેમનાં પુસ્તકો, સામયિકો ઉપરાંત સમાજ, શિક્ષણ-વ્યવસ્થા, સંસ્થાઓ વગેરે વિશે આ પુસ્તકમાં વિગતે વાત કરવામાં આવી છે. ઓગણીસમી સદીના સાહિત્ય વિશેના લેખકના આ ચોથા પુસ્તકમાં અભ્યાસ અને સંશોધન છે, પણ તેનો ભાર નથી. સામાન્ય વાચકનો પણ રસ પડે તેવી સરળ અને આકર્ષક રીતે થયેલી સચિત્ર રજૂઆત એ આ પુસ્તકમાંના લેખોની આગવી વિશિષ્ટતા છે. એ રીતે એમણે સાહિત્ય સંશોધનોનું મહત્ત્વનું કાર્ય કર્યું છે અને અર્વાચીન યુગના પ્રારંભે થયેલાં સર્જનો વિશે નવો પ્રકાશ પાડ્યો છે. આ પુસ્તક ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓ, સંશોધકો અને જિજ્ઞાસુઓને ઉપયોગી બનશે.
શ્રી રઘુવીર ચૌધરીએ કહ્યું તેમ `મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય વચ્ચેની ખૂટતી કડીઓ જોડવાનું મહત્ત્વનું કામ દીપકભાઈએ કર્યું છે.’
ત્રિફળા
ત્રિફળા અને તેની ઘટક વનસ્પતિઓની આ પુસ્તકમાં વિસ્તૃત સમીક્ષા કદાચ સૌપ્રથમ વાર કરવામાં આવી છે. આ વિષયમાં થયેલાં આધુનિક સંશોધનોનો આમાં સમાવેશ કરવા યથાશક્ય પ્રયત્ન કર્યો છે. આ વિશિષ્ટ પુસ્તકમાં ત્રિફળાની ઘટક વનસ્પતિઓનું વિતરણ, આકારવિજ્ઞાન, વનસ્પતિ રસાયણ, ઔષધગુણવિજ્ઞાનીય (Pharmacological) ગુણધર્મો, પ્રણાલિકાગત ઉપયોગો, આયુર્વેદ, લોકઔષધવિજ્ઞાન, યુનાની કે અન્ય ઔષધ પદ્ધતિ અને ઔષધની આડઅસરોનો સમાવેશ કરવાનો યત્કિંચિત પ્રયાસ કરવામાં આવ્યો છે.
ત્રિફળા અને હરડે, બહેડાં તથા આમળામાં રહેલા સક્રિય પોષક પદાર્થો વિકિરણ અને વિષયુક્ત રસાયણો સામે રક્ષણ આપે છે. તેઓ પ્રતિઉપચાયી (anti-oxidant) છે અને શરીરમાં થતા રોગોનું પ્રતિરક્ષા (immunity) દ્વારા નિવારણ કરે છે. આ પુસ્તકમાં ત્રિફળા અને તેના ઘટકો દ્વારા કૅન્સર સામે થતી પ્રતિકારની ક્રિયા; વિષવિજ્ઞાન (toxicology), ઔષધ આંતરક્રિયાઓ તથા વૃદ્ધત્વ અને ત્રિફળાની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે.
ઉપરાંત, આયુર્વેદમાં દર્શાવેલાં મહત્ત્વનાં કર્મ(Actions)ને અર્વાચીન સંશોધન સાથે સાંકળવામાં આવ્યાં છે. ત્રિફળા અને ઔષધ વનસ્પતિઓ સાથે સંયોજિત સ્વરૂપમાં બનાવાતાં સંયુક્ત ઔષધો અને તેમના ચિકિત્સીય ઉપયોગોનો અહીં ઉલ્લેખ કરાયો છે. વળી ચરક અને સુશ્રુત જેવા મહાન આયુર્વેદાચાર્યોના વિષયને સંપુષ્ટિ આપતાં અવતરણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સપનાનાં સોદાગર
`સપનાનાં સોદાગર’ પુસ્તક મુંબઈ મહાનગરના વિકાસમાં યોગદાન આપનાર ચરિત્રોની કથા છે. ગુજરાતના સાહસિકોએ દાખવેલાં અપ્રતિમ સાહસનો માર્મિક ચિતાર આ ચરિત્રોમાંથી મળી રહે છે. મુંબઈ મહાનગરના વિકાસમાં પ્રાણ પૂરનારા ગુજરાતી મહાનુભાવોની આ કથા માત્ર દસ્તાવેજી ચિત્રણ જ નથી બ્લેક નવી પેઢીને પ્રેરણા આપનારી મુંબઈના વિકાસની યશોગાથા છે.
નાટ્યસર્જન
નાટક એ કલા છે, માત્ર કસબ નહીં. કલા (art) આપણી અભિવ્યક્તિમાં મૌલિકતા અને ઊંડાણ લાવે છે જ્યારે કસબ (craft) માત્ર બે ઘડી ઉપરછલ્લો આનંદપ્રમોદ કરાવે છે. જીવનમાં જરૂરિયાત બંનેની છે, આનંદ તેમજ ઊંડાણની, નાટ્યકલામાં પણ બંને જોઈએ – કલા અને કસબ. સૌ ઊગતા કલાકારોએ સમજવા જેવી વાત એ છે કે કસબ શીખી શકાય છે, કેળવી શકાય છે; જ્યારે કલા સહજ રીતે અંદરથી ઊગે છે, પાંગરે છે, વિકસે છે. કલા એ બીજ છે, મૂળ છે, થડ છે જ્યારે કસબ એ ડાળખી અને પાંદડાં છે. કલાની ચરમ પરાકાષ્ઠા તેનાં ઉમદા ફળફૂલોમાં, તેનાં સ્વાદ અને સુગંધમાં છે. જે કોઈની ભીતર કલાનાં આ બીજ કુદરતી રીતે પડ્યાં હશે, મૌલિક અભિવ્યક્તિનું ચમત્કારી રસાયણ ઘૂંટાયેલું હશે, એવા કલાકારો માટે આ પુસ્તક ચોક્કસ માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની શકશે.
વસન્તસૂચિ
વીસમી સદીના પ્રારંભે આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવે ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસાર્થે અને કોઈ પણ વિદ્યાશાખામાં થતાં સંશોધન-વિવેચનથી અભ્યાસીઓ પરિચિત રહે તેમજ એ સદીની સાહિત્યિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય ગતિવિધિનો પરિચય સમાજને મળી રહે એવા શુભાશયથી `વસન્ત’ સામયિકનો આરંભ કરેલો. `વસન્ત’ આડત્રીસ વર્ષ ચાલ્યું. એ માત્ર સર્જનાત્મક-વિવેચનાત્મક સાહિત્યનું સામયિક નહોતું; પરંતુ એમાં ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજકારણ, ધર્મ, વિજ્ઞાન, સંગીત ઇત્યાદિના લેખો પણ પ્રસિદ્ધ થતા. એ પ્રકાશિત સાહિત્ય વિશેની જાણકારી ભાવિ અભ્યાસીઓને મળી રહે તે માટે આ `વસન્તસૂચિ’ તૈયાર કરી છે. અહીં વર્ષવાર -વિષયવાર લેખસૂચિ સાથે લેખસૂચિ અને તખલ્લુસોનો સમાવેશ કર્યો છે. `આ જમાનામાં તો સૂચિ એ જ ગ્રંથનો દીવો છે.’ – એ ઉમાશંકર જોશીનું કથન સૂચિની મહત્તાને નિર્દેશ છે એની પ્રતીતિ આ સૂચિ દ્વારા પણ થશે.
જ્ઞાનાંજન : 2
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની શ્રી ભદ્રંકર વિદ્યાદીપક વ્યાખ્યાનશ્રેણીનાં વ્યાખ્યાનોનો આ બીજો ગ્રંથ `જ્ઞાનાંજન-2’ શિક્ષણ, વિજ્ઞાન, સમાજ અને ધર્મચિંતન જેવા વિષયો પર તજ્જ્ઞોએ કરેલા અભ્યાસનું જ્ઞાનાંજન આપે છે. એમાં જદુનાથ સરકાર જેવા ઇતિહાસવિદ તેમજ રામમનોહર લોહિયા જેવા રાજપુરુષનાં વ્યક્તિત્વ, લેખન અને વિચારસૃષ્ટિનો પરિચય પ્રાપ્ત થાય છે. અમૂલના ભૂતકાળનો ઇતિહાસ અને `કલ્પસર પ્રકલ્પ’થી સર્જાનારું ભવિષ્ય – બંને વિશે એ ક્ષેત્રના ઊંડા અભ્યાસીઓએ વાત કરી છે.
શિક્ષણ અને વિજ્ઞાન વિશેના લેખોમાં આજનાં શિક્ષણ અને વિજ્ઞાનની સ્થિતિ વિશે સ્વાધ્યાયનિષ્ઠ અવલોકનો મળે છે. જુદા જુદા શિક્ષણવિદોએ પોતાની રીતે શિક્ષણ વિશેની વિભાવના પ્રગટ કરી છે. ભારતીય લોકશાહી અને ગુજરાતની મહાજનપરંપરા વિશે અહીં અધિકૃત વ્યક્તિઓના લેખો સાંપડ્યા છે.
હકીકતમાં આટલા બધા ભિન્ન ભિન્ન વિષયો વિશે એના તજ્જ્ઞોએ કરેલા અભ્યાસનું સુફળ અહીં પ્રાપ્ત થાય છે. જ્ઞાનાંજનના આ બીજા ભાગમાં વૈચારિક સમૃદ્ધિ, વર્તમાન પરિસ્થિતિ અંગે ગવેષણા, વિજ્ઞાનનાં વિવિધ પાસાંઓ વિશે અભ્યાસ, શિક્ષણની જુદી જુદી તરાહો વિશે ચિંતન ઉપરાંત ધર્મચિંતન અને ધ્યાનસાધના જેવા વિષયોને પણ આવરી લીધા છે અને આ વ્યાપક વિષય પરના ગંભીર અભ્યાસલેખો આ ગ્રંથને રસપ્રદ, માહિતીપૂર્ણ તથા સર્વજનભોગ્ય બનાવે છે.
જ્ઞાનાંજન : 1
સાહિત્ય અને અન્ય માનવવિદ્યાઓના વિશાળ ગગનમાં મનોરમ મેઘધનુષ દૃષ્ટિગોચર થાય અને હૃદયમાં બ્રહ્મસ્વાદસહોદર આનંદ પ્રગટ થાય તેવો અનુભવ આ ગ્રંથના સાહિત્યાકાશમાં વિહરતા વાચકને થશે. આનું કારણ એ છે કે અહીં સાહિત્યની સર્જન-પ્રક્રિયાથી માંડીને પ્રવાસ, હાસ્ય, આત્મકથા, લોકસાહિત્ય, સંગીત અને સાહિત્યમાં વિજ્ઞાન સુધીના વિષયોની ચર્ચા કરવામાં આવી છે. જેમણે સમગ્ર જીવન અમુક કલાસ્વરૂપના સ્વાધ્યાય અને સર્જનમાં વ્યતીત કર્યું છે એવી અભ્યાસી વ્યક્તિઓએ અહીં એ સ્વરૂપ અંગેના એમના બહુમુલ્ય વિચારો વ્યક્ત કર્યા છે. આ દૃષ્ટિએ આ ગ્રંથ માનવવિદ્યાના અભ્યાસીઓ અને સંસ્કારી વાચકોને સાહિત્યની પ્રક્રિયા, સાહિત્યકૃતિઓ, સાહિત્યનો આસ્વાદ, ચિત્રકલા અને સ્થાપત્યકલા જેવી કલાઓના મહિમાનો સંતર્પક ખ્યાલ આપશે.
ગુજરાતી રંગભૂમિ રિદ્ધિ અને રોનક
ગુજરાતી રંગભૂમિની સ્થાપનાને દોઢસો વર્ષ પૂરાં થાય છે તે નિમિત્તે ગુજરાતની વ્યવસાયી રંગભૂમિની પ્રવૃત્તિની અધિકૃત સંકલિત માહિતી આપતો ગ્રંથ `ગુજરાત રંગભૂમિ : રિદ્ધિ અને રોનક’ તૈયાર થયો, તેના ફળ રૂપે અહીં નાટકો, નાટ્યસંસ્થાઓ, નાટ્યકારો, દિગ્દર્શકો, નટો, નટીઓ, સંગીતકારો, સન્નિવેશકારો અને પ્રેક્ષકો અંગે રસપ્રદ માહિતી સંપાદિત કરીને મૂકેલ છે. આ ગ્રંથમાં ગુજરાતી થિયેટરના ઇતિહાસની અનેક ખૂટતી કડીઓ ઉમેરીને `ગુજરાતી રંગભૂમિની રિદ્ધિ અને રોનક’ને ઉઠાવ આપતી જૂની રંગભૂમિનો ચહેરોમહોરો ઉપસાવી આપવાનો પ્રયાસ છે. નાટ્યરસિકો અને અભ્યાસીઓને તે ગમશે તેવી આશા છે.
સત્યની મુખોમુખ
મારે એવી દુનિયામાં જીવવું છે…
“મારે એવી દુનિયામાં જીવવું છે જ્યાં કોઈને નિષ્કાસિત કરેલ ન હોય. હું કોઈને નિષ્કાસિત નહિ કરું. આવતી કાલે હું પેલા પાદરીને `તમે અમુકને બાપ્તિસ્મા નહિ આપી શકો, કેમ કે તમે સામ્યવાદના વિરોધી છો’ એમ નહિ કહું. બીજા પાદરીને એમ પણ નહિ કહું કે `તમારું સર્જન, તમારું કાવ્ય હું પ્રગટ નહિ કરું, કારણ કે તમે સામ્યવાદી છો.’ મારે એવી દુનિયામાં જીવવું છે જ્યાંના લોકો માત્ર માનવ હોય એને બીજું કોઈ વિશેષણ લાગ્યું ન હોય. કોઈ પણ પ્રકારના નિયમ, શબ્દ કે લેબલની માથાકૂટ કર્યા સિવાય માત્ર માનવ હોય તેવી દુનિયામાં હું જીવવા માગું છું. બધા જ પ્રકારના ચર્ચમાં બધા માણસો જઈ શકે, બધાં જ છાપાખાનામાં બધા જઈ શકે એમ હું િચ્છું છું. કોઈ મેયરની ઑફિસના દરવાજે કોઈક બીજાને પકડવા રાહ જોતું હોય અને બીજા કોઈકને દેશવટો આપતું હોય, એવું મારે જોઈતું નથી. દરેક જણ સ્મિત વેરતાં વેરતાં નગર સભાગૃહમાં જાય અને તેમાંથી નીકળે એમ હું ઇચ્છું છું…. બધા જ લોકો મુક્તતાથી બોલી શકે, વાંચી શકે, સાંભળી શકે અને વિકાસ પામી શકે. સંઘર્ષને દૂર કરવા માટેનો સંઘર્ષ કશુંક સાધન બને એ સિવાય હું સંઘર્ષનો અર્થ સમજી શક્યો નથી. સખત પગલાંને દૂર કરવા માટેનો સંઘર્ષ કશુંક સાધન બે એ સિવાય હું સંઘર્ષનો અર્થ સમજી શક્યો નથી. સખત પગલાંને દૂર કરવા માટે સખત પગલાં લેવાય તે સિવાય સખત પગલાંનો અર્થ હું સમજી શક્યો નથી. એક રસ્તો મેં લીધો છે; કેમ કે એ રસ્તો આપણને બધાને ચિરંતન બંધુત્વ સુધી લઈ જશે એમ હું માનું છું. હું તે સર્વવ્યાપી વિશાળ અજરામર સત્તતત્ત્વ માટે લડી રહ્યો છું…. આપણે સર્વલક્ષી પ્રેમ તરફ જઈ રહ્યા છીએ.
મને ખબર છે કે આપણા સૌના માથા ઉપર બૉંબનો ભય ઝળુંબી રહ્યો છે, એવી ભયંકર ન્યૂક્લિયર વિપત્તિ આવવાની છે જે કોઈને જીવતા નહિ છોડે. આ પૃથ્વી ઉપર કશુંય રહેશે નહિ. વારુ, પણ તેનાથી મારી આશા ચલિત થશે નહિ. કટોકટીની આ ક્ષણે, અજંપાના આ અનુભવની વચ્ચે, આપણે જાણીએ છીએ કે જાગૃત દૃષ્ટિમાં સાચો પ્રકાશ પ્રવેશશે. આપણે સૌ એકબીજાને સમજતા થઈશું. આપણે સાથે આગળ વધીશું. આ આશાને કોઈ કચડી શક્શે નહિ.’ (પૃ. 218-219)
પાબ્લો નેરુદા
લિપિ
માનવસંસ્કૃતિના અન્વેષણ અને નિરૂપણમાં લેખનકલા મહત્ત્વનું અંગ ગણાય છે. માનવીએ લેખનકલાની શોધ કરી ત્યારથી એને મહત્ત્વનું વ્યવહારનું સાધન ઉપલબ્ધ થયું તે ભાષાની વર્ણમાળા. આ વર્ણમાલા લખવાની રીત તે લિપિ. વિશ્વ અને ભારતના સંદર્ભમાં લિપિના વિકાસનાં સોપાનો, લિપિઓનું વર્ગીકરણ, વિવિધ લિપિઓની વર્ણમાળાઓ વચ્ચે આંતરિક સામ્ય, વિભિન્ન સંસ્કૃતિઓ અને ભાષાઓની લિપિઓની ઉત્પત્તિ, તે તે લિપિઓના પ્રાચીન લેખો વગેરે બાબતોની વૈજ્ઞાનિક પણ રસપ્રદ સચિત્ર માહિતી આ પુસ્તિકામાં આપવામાં આવી છે.