એશિયાટિક સોસાયટી (1784) : ભારતીય કલા, શાસ્ત્રો, પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને પ્રાચીન અવશેષો અને સંસ્કૃત ભાષાના જ્ઞાનભંડારોનો શાસ્ત્રીય પદ્ધતિથી અભ્યાસ કરવા માટે 1784માં સ્થપાયેલી સોસાયટી. એશિયાટિક સોસાયટીની સ્થાપના સૌપ્રથમ કોલકાતામાં વિલિયમ જૉન્સ નામના કાયદાશાસ્ત્રી અને પ્રાચ્યવિદ્યાવિશારદે (1746-94) ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સના પ્રોત્સાહનથી કરી હતી. વિલિયમ ચેમ્બર્સ, ગ્લૅડવિન, હૅમિલ્ટન અને ચાર્લ્સ વિલ્કિન્સ આ સંસ્થાના આદ્ય સભ્યો હતા, જ્યારે વિલિયમ જૉન્સ મરણ પર્યંત તેના અધ્યક્ષ હતા. વિલિયમ જૉન્સે ‘શાકુંતલ’ અને ‘મનુસ્મૃતિ’નું અંગ્રેજી ભાષાંતર કર્યું હતું. ચેમ્બર્સ પ્રાચ્યવિદ્યાના પંડિત હતા. ગ્લૅડવિને ‘અકબરનામા’નું ભાષાંતર કર્યું હતું. હૅમિલ્ટને અનેક ફારસી ગ્રંથોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું, જ્યારે વિલ્કિન્સે સંસ્કૃત ગ્રંથોનું મુદ્રણકાર્ય સંભાળ્યું હતું. આ સંસ્થા સૌથી પ્રાચીન છે.

મુંબઈમાં જેમ્સ મૅકિન્ટૉશે મુંબઈના ગવર્નર ડંકનની પ્રેરણાથી 1804માં ‘લિટરરી સોસાયટી ઑવ્ બૉમ્બે’ સ્થાપી હતી. માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન તથા માલ્કમસન જેવા વિદ્યાપ્રેમી ગવર્નરોએ તથા અર્સકિન, ઑડિન, મૂર, ડ્રમંડ અને કે. બેસિલ હૉલ જેવા વિદ્વાનોએ ખાસ રસ લઈને નિબંધવાચન અને ચર્ચા ઉપરાંત ગ્રંથાલય અને વાચનાલય, પ્રાચીન વસ્તુઓ અને સિક્કાઓનું સંગ્રહસ્થાન, વેધશાળા, પ્રાકૃતિક રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા વગેરે અનેકવિધ વિભાગો શરૂ કરાવ્યા હતા. 1823માં લંડનમાં રૉયલ એશિયાટિક સોસાયટી ઑવ્ ગ્રેટબ્રિટન ઍન્ડ આયર્લૅન્ડ સ્થપાતાં તેણે મુંબઈની સંસ્થાને જોડાવા સૂચના કરી. 1827માં વ્હાન્સ કૅનેડીએ આ અંગે દરખાસ્ત કરી અને 1829માં જૉન માલ્કમસનના રિપૉર્ટ બાદ મુંબઈની સંસ્થાએ બૉમ્બે બ્રાંચ ઑવ્ રૉયલ એશિયાટિક સોસાયટી નામ ધારણ કર્યું. આ સંસ્થામાં પહેલેથી જ પુસ્તકાલય શરૂ કરાયું હતું. 1831માં સ્થપાયેલી બૉમ્બે જ્યોગ્રાફિકલ સોસાયટી 1873માં, 1895માં ‘ઍન્થ્રૉપૉલૉજિકલ સોસાયટી ઑવ્ બૉમ્બે ગ્રંથાલય અને સંગ્રહસ્થાન સાથે, મેડિકલ અને લિટરરી સોસાયટી (1789), ઍગ્રિ-હૉર્ટિકલ્ચરલ સોસાયટી (1830), મેડિકલ અને ફિઝિકલ સોસાયટી (1835) અને લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટી (1848) આ સંસ્થા સાથે જોડાઈ હતી. આ બધી સંસ્થાઓનાં પુસ્તકો, સાધનો, સિક્કાઓ, પ્રાચીન અવશેષો વગેરે મળ્યાં હતાં. 1826માં મુંબઈ સરકારે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી હસ્તપ્રતોનો પોતાનો સંગ્રહ તેને સોંપ્યો હતો. પાર્લમેન્ટના રિપૉર્ટોનો સંગ્રહ તથા અન્ય દફતરો 1837માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટરોએ સોંપ્યાં હતાં. માલ્કમસન ટેસ્ટિમોનિયલ ફંડે (1844) નૅચરલ હિસ્ટરી અને ભૂગોળના ગ્રંથોનો સંગ્રહ ભેટ આપ્યો હતો. જગન્નાથ શંકરશેઠ તથા કાવસજી જહાંગીરે પ્રાચ્યવિદ્યાનાં પુસ્તકો તથા હસ્તપ્રતો 1863માં આપ્યાં હતાં. કે. બેસિલ હૉલે પ્રાચીન વસ્તુઓનો તથા વિલિયમ ફ્રીઅરના પ્રાચીન અવશેષો, અભિલેખો, તામ્રપત્રો, કોતરકામના નમૂના અને સિક્કાનો સંગ્રહ કાવસજી જહાંગીરે ભેટ તરીકે આપ્યો હતો. 1909માં લાઇબ્રેરીમાં 88,000 પુસ્તકો હતાં. સંસ્થા મ્યુનિસિપાલિટીના ભાડાના મકાનમાં બેસતી હતી; પણ રૂ. 10,000 ટાઉનહૉલના મકાન માટે દાન આપતાં ટાઉનહૉલનો ઉત્તર તરફનો ઉપરનો ભાગ કાયમ માટે મળ્યો હતો. શરૂઆતમાં માત્ર યુરોપિયન સભાસદો હતા. 1840માં માણેકજી ખરસેટજી પ્રથમ ભારતીય સભ્ય થયા. ત્યારબાદ જગન્નાથ શંકરશેઠ, જમશેદજી જીજીભાઈ, ડૉ. ભાઉ દાજી, ડૉ. ભગવાનલાલ ઇંદ્રજી, બાલશાસ્ત્રી જાંભેકર, ન્યાયમૂર્તિ કે. ટી. તેલંગ વગેરે સભ્યો થયા હતા. કુલ સભ્યોમાં ભારતીયોની સંખ્યા ત્રીજા ભાગની હતી. 1841માં આર્લીબારના તંત્રીપણા નીચે સંસ્થાનું ત્રૈમાસિક શરૂ કરાયું હતું.

આ સંસ્થાના હાલના પ્રમુખ પ્રખ્યાત ઇતિહાસવિદ દામોદર આર. સરદેસાઈ (1990) છે. સોસાયટીના ગ્રંથાલયમાં ત્રણ લાખ પુસ્તકો છે, જે પૈકી ત્રીજા ભાગનાં સો વર્ષ કે તેથી વધુ સમયનાં છે. કેટલાંક અપ્રાપ્ય પુસ્તકો ઉપરાંત 3,000 સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી હસ્તપ્રતો છે. ઇટાલિયન મહાકવિ દાન્તેની ‘ધ ડિવાઇન કૉમેડી’ની 1341ની હસ્તપ્રત છે. ઈરાનના પ્રસિદ્ધ ફારસી કવિ ફિરદૌસીના ‘શાહનામા’ની નકલ છે. ઇટાલીના સરમુખત્યાર મુસોલીનીએ દાન્તેની હસ્તપ્રત માટે દસ લાખ પાઉંડ આપવા જણાવ્યું હતું. વિવિધ વસ્તુઓ, હસ્તપ્રતો, પૂતળાં વગેરેની પુન: સજાવટ માટે આ વિદ્યાના તજ્જ્ઞ ફ્રેડ્રિક માર્શની સહાય લેવાઈ છે. લાઇબ્રેરીનાં પુસ્તકો તથા સંસ્કૃત હસ્તપ્રતોની યાદી અદ્યતન કરવા કમ્પ્યૂટરની સહાય લેવાનું નક્કી થયું છે. સંસ્થા માટે રૂપિયા અઢી કરોડનો ફાળો એકઠો કરવા વિચારાયું છે. તે પૈકી રૂ. 40 લાખના છેલ્લા ત્રણ દાયકામાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકો ખરીદાશે. મુંબઈની એશિયાટિક સોસાયટી વિદ્વત્તાભર્યા લેખો માટે ચંદ્રકો આપે છે. ચેન્નઈમાં એશિયાટિક સોસાયટીની શાખા છે.

1823માં ઇંગ્લૅન્ડમાં રૉયલ એશિયાટિક સોસાયટી ઑવ્ ગ્રેટબ્રિટન અને આયર્લૅન્ડ’ની સ્થાપના કરાઈ હતી. તેની સાથે ભારતની ત્રણે સંસ્થાઓ ઉપરાંત હૉંગકૉંગ, સિંગાપોર, શ્રીલંકા વગેરે સ્થળોએ મળીને કુલ 11 સંસ્થાઓ જોડાઈ છે. આ સંસ્થા પાસે 85,000 પુસ્તકો, 1,500 હસ્તપ્રતો, તૈલચિત્રો વગેરે છે. 1834માં શરૂ કરાયેલું સંશોધન-મુખપત્ર વર્ષમાં બે વાર પ્રસિદ્ધ થાય છે. તેમાં સંશોધનલેખો અને પુસ્તકોનાં અવલોકનો છપાય છે. ઑક્ટોબરથી જૂન દરમિયાન દર વરસે વિદ્વાનોનાં વ્યાખ્યાન યોજાય છે. લંડનની અને મુંબઈની એશિયાટિક સોસાયટી સંશોધનલેખો માટે રૌપ્ય અને સુવર્ણચંદ્રકો આપે છે.

રસેશ જમીનદાર

શિવપ્રસાદ રાજગોર