એશિયા માઇનોર (આનાતોલિયા) : વર્તમાન તુર્કસ્તાનના એશિયા ખંડ તરફના ભૌગોલિક વિસ્તારને આવરી લેતો દ્વીપકલ્પ. ભૌગોલિક સ્થાન : 390 ઉ. અ. અને 320 પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તેના મધ્યમાં સમુદ્રની સપાટીથી આશરે 900 મીટરની ઊંચાઈ પર પઠાર છે. ઉત્તરમાં ટેકરીઓની લાંબી હારમાળા છે, દક્ષિણ તરફ આશરે 3,700 મીટર જેટલી ઊંચાઈ ધરાવતી વિશાળ પર્વતમાળા છે, પશ્ચિમ તરફ પર્વતો તથા ટેકરીઓની લાંબી કતારો છે અને પૂર્વ તરફ પણ ઊંચા પર્વતો છે. ઉત્તરમાં આવેલી ટેકરીઓ કાળા સમુદ્ર તરફની અવરજવરને અવરોધે છે, દક્ષિણ તરફના પર્વતો ભેદીને અવરજવર માટે થોડાક માર્ગો બનાવવામાં આવ્યા છે અને પશ્ચિમ તરફની પર્વતમાળા ગ્રીસના કેટલાક ટાપુઓને સ્પર્શે છે. દક્ષિણમાં કિઝિલ (જૂનું નામ હૅલિસ) તથા સાકાર્યા (જૂનું નામ સંગારિયસ) મુખ્ય નદીઓ છે. કૃષિ કે વસવાટની ર્દષ્ટિએ નહિ, પરંતુ રાજ્યો તથા સાંસ્કૃતિક વિભાગો વચ્ચેની ભેદરેખા તરીકે તે મહત્વ ધરાવે છે.

એશિયા માઇનોર (પ્રાચીન આનાતોલિયા)

એશિયા માઇનોરના એશિયા ખંડ તરફના વિસ્તારની આબોહવા ભૂમધ્ય સમુદ્રના પ્રદેશને મળતી છે. અહીં શિયાળામાં વરસાદ પડે છે, જ્યારે ઉનાળો લાંબો અને સૂકો છે. તેમાંની નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી નથી. આ પ્રદેશ સૃષ્ટિસૌંદર્યની ર્દષ્ટિએ આકર્ષક નથી, પરંતુ યુરોપ ખંડની અડોઅડ તેનો પશ્ચિમ કાંઠાનો જે વિસ્તાર છે તેમાં ઘણી ફળદ્રૂપ ખીણો છે તથા તેની આબોહવા પણ સરસ છે. આનાતોલિયામાં માનવવસવાટ ઈ. પૂ. 7000 વરસ પહેલાં થયો હોય તેવા પુરાવા સાંપડ્યા છે.

ઇતિહાસ : પૂર્વ અને પશ્ચિમ વચ્ચે રણભૂમિ તરીકે, એશિયા અને યુરોપમાંથી સતત સ્થળાંતર કરનારી પ્રજાઓના ત્રિભેટા (cross-road) તરીકે તથા પૂર્વથી પશ્ચિમ તરફ જનારા વેપારી કાફલાઓને ભૂમિ તથા બંદરોની સગવડ પૂરી પાડી પૂર્વ તથા પશ્ચિમને જોડનારા પુલ તરીકે એશિયા માઇનોરનું ઐતિહાસિક મહત્વ છે. પ્રાગ્-ઐતિહાસિક પાષાણયુગોથી કાંસ્ય તથા પોલાદયુગોના પ્રાગ્-ઐતિહાસિક તથા ઐતિહાસિક યુગો સુધી પૂર્વ તથા પશ્ચિમ વચ્ચેની સાતત્યપૂર્ણ કડી તરીકે આ પ્રદેશનું મહત્વ ઘણું રહ્યું છે. છતાં તે માત્ર પ્રવાસમાર્ગ (transit territory) છે એવું પણ નથી. હકીકતમાં તેનો સ્વતંત્ર ઇતિહાસ અને પોતાની સંસ્કૃતિ છે, જે તેના અલાયદા અસ્તિત્વને આભારી છે. પુરાતત્વની ર્દષ્ટિએ વિશ્વના અત્યંત સમૃદ્ધ વિસ્તારોમાં આનાતોલિયાનો ઉલ્લેખ થાય છે.

ટૂંકા ઘાસવાળી પર્વતીય ભૂમિનો પ્રદેશ : એશિયા માઇનોર

સમૃદ્ધ કૃષિ તથા વિકાસ પામતી પશુપાલનવ્યવસ્થા પર તેનું અર્થતંત્ર નભતું હતું. ખનિજ પદાર્થોની પેદાશ તથા ઇમારતી લાકડાનો વ્યાપાર એ તેની અર્થવ્યવસ્થાના પૂરક વિભાગો હતા.

રાજાશાહી તથા અમીરવર્ગના વર્ચસ્ પર ત્યાંની રાજ્યવ્યવસ્થા રચાયેલી હતી. પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાની ઝંખના ધરાવતા ઘણા રાજ્યકર્તાઓ ત્યાં આવી ગયા, જેને લીધે શાસકો બદલાતા રહ્યા છતાં ત્યાંની સ્થાનિક ભાષા તથા ધર્મ યથાવત્ રહ્યાં હતાં.

એશિયા માઇનોરના ઇતિહાસને નીચેના તબક્કાઓમાં વહેંચી શકાય – (1) પ્રાચીન પાષાણયુગ (Paleolithic : Old Stone Age) : આ અંગે સળંગ અને અધિકૃત માહિતીનો અભાવ છે. (2) નૂતન પાષાણયુગ (Neolithic Stone Age) : સ્થાનિક વંશાવળી (pedigree) ધરાવતું ગ્રામજીવન એ તેની મુખ્ય લાક્ષણિકતા હતી. (3) તામ્રપાષાણ સંસ્કૃતિ (Chalcolithic : Copper Stone Age). (4) પ્રારંભિક કાંસ્યયુગ (Early Bronze Age). (5) મધ્ય તથા ઉત્તર કાંસ્યયુગ (Middle and Late Bronze Age) (ઈ. પૂ. 1700/1600 થી 1200). (6) હિટાઇટ સામ્રાજ્યનો કાળ. હટ્ટુસા એ તેનું પાટનગર હતું. આ સ્થળ પર તે જમાનાની સંસ્કૃતિ તથા કલાના આકર્ષક અવશેષો હજુ સુરક્ષિત છે. આ સમયના રાજ્યકર્તાઓમાં સુપિલુલિઉમસ વધુ જાણીતો થયો હતો. (ઈ. પૂ. આશરે 1385-1345). આ સામ્રાજ્યની સ્થાપના બાદ બે શતક પછી આર્યજાતિઓએ તેના પર અનેક વાર આક્રમણ કર્યું હતું અને પોતાની ભાષા તેના પર લાદવાનો પ્રયાસ કર્યો હતો. ઇન્ડો-યુરોપિયન જાતિએ આ સામ્રાજ્યને પરાસ્ત કર્યું હતું. એજિયન તટ (પશ્ચિમ આનાતોલિયા) પર તથા અંદરના પ્રદેશમાં તેમણે ઘણી વસાહતો ઊભી કરી હતી, એમાંથી ફ્રિજિયન રાજ્યનો ઉદભવ થયો હતો.

(7) ઉત્તર હિટાઇટ કાળ (The Post-Hittite Era) : સ્થળાંતરો અને આક્રમણોના દબાણ હેઠળ ઈ. પૂ. આશરે 1200ના અરસામાં હિટાઇટ સામ્રાજ્ય છિન્નભિન્ન થયું હતું. આ સામ્રાજ્યના સીમાડા પર આક્રમણખોરોએ પોતાનાં મથકો ઊભાં કર્યાં હતાં. તે ઉપરાંત પૂર્વ તથા પશ્ચિમ દિશામાંથી એશિયા માઇનોરમાં ઇન્ડો-યુરોપિયન કુળની ઘણી આદિમ જાતિઓ દાખલ થઈ હતી અને તેમણે હિટાઇટ સામ્રાજ્યનું પાટનગર તથા અન્ય કેન્દ્રોનો નાશ કર્યો હતો. સામ્રાજ્યના પતનને કારણે આ પ્રદેશમાં અંધકારયુગ (Dark Age) દાખલ થયો હતો.

એશિયા માઇનોરના મધ્ય તથા દક્ષિણ વિસ્તારોનું એકીકરણ કરવાનો યશ હિટાઇટ સામ્રાજ્યને ફાળે જાય છે. આ સામ્રાજ્યે ઈ. પૂ. ચૌદમી સદી સુધી ઘણી સુર્દઢતા તથા તાકાત હાંસલ કરી હતી. આ સામ્રાજ્યના કાળમાં ગ્રંથાલયો તથા પુરાવસ્તુભંડાર(archives)ને મહત્વનું સ્થાન આપવામાં આવતું હતું. હિટાઇટ ધર્મના સંસ્કારોની સારી એવી છાપ તે પછીના જમાના પર પડી હતી.

(8) નૂતનહિટાઇટ નગરરાજ્યો : હિટાઇટ સામ્રાજ્યના અવશેષોમાંથી કેટલાંક નાનાં નગરરાજ્યો દક્ષિણ-પૂર્વમાં ઊભાં થયાં હતાં. તેમણે તે પ્રદેશની પ્રાચીન સંસ્કૃતિને બચાવી લીધી હતી. કાંસ્યયુગ તથા લોહયુગ વચ્ચે તેમજ પૂર્વ તથા પશ્ચિમ વચ્ચે આ નગરરાજ્યોએ કડીની ગરજ સારી હતી.

(9) ઉરાર્ટુ : ગ્રીસ અંધકાર યુગમાંથી બહાર આવતું હતું. પ્રાચ્ય કલા તથા સંસ્કૃતિનું રક્ષણ કરવાનું કાર્ય આ તબક્કામાં થયું હતું.

(10) ફ્રિજિયા : ઈ. પૂર્વે 1200 પછીના ગાળામાં એશિયા માઇનોરમાં ઇતિહાસ સર્જવાનો પુરુષાર્થ મધ્ય તુર્કસ્તાનની વતની ગણાતી જે આદિમ જાતિએ કર્યો તે જાતિ આ હતી. તેના સ્થળાંતર તથા પૂર્વ ઇતિહાસ અંગેનું અન્વેષણ અધૂરું છે. કૉકેસસમાંથી આવેલા સિમેરિયન અશ્વદળના હુમલા સામે ફ્રિજિયા રાજ્ય ટકી શક્યું નહિ અને તેનો કરુણ અંત આવ્યો હતો.

(11) લિસિયા : એશિયા માઇનોરના દક્ષિણ-પશ્ચિમ તટ પરનો આ પર્વતીય તથા સૌંદર્યસભર પ્રદેશ હતો.

(12) લિડિયા : એશિયા માઇનોરના પશ્ચિમ તરફના એક ટાપુ પર આ રાજ્ય હતું; તેનો ઉલ્લેખ સામ્રાજ્ય સ્થાપવાની આકાંક્ષા ધરાવતા છેલ્લા કેટલાક ઘટકોમાં કરવામાં આવેલો છે. આ પ્રદેશ અંગેની પ્રાપ્ય માહિતી સાબિત કરે છે કે પૂર્વ તથા પશ્ચિમની કલાઓનું આ રાજ્યમાં મિલન થયું હતું.

ઈ. પૂ. 334માં ગ્રીસ તથા પર્શિયન યુદ્ધો સમાપ્ત થયાં તે અરસામાં એશિયા માઇનોર પર સિકંદરે આક્રમણ કર્યું હતું. સિકંદરના અવસાન પછી આ પ્રદેશના જુદા જુદા વિસ્તાર પર જુદા જુદા શાસકોએ પોતાનું વર્ચસ્ સ્થાપિત કર્યું હતું. ઈ. પૂ. 190માં તે રોમની સત્તા હેઠળ મૂકવામાં આવ્યું જેને લીધે તેનાં સમૃદ્ધિ તથા વિકાસમાં વધારો થયો. ઈ. સ. 395માં રોમન સામ્રાજ્યના ભાગલા થતાં આનાતોલિયા પૂર્વ રોમન સામ્રાજ્ય હેઠળ મૂકવામાં આવ્યું. કૉન્સ્ટૅન્ટિનોપલ તેનું પાટનગર હતું. ઈ. સ. 616થી 626 દરમિયાન એશિયા માઇનોર પર પર્શિયાના સમ્રાટ ઑશરોએ વારંવાર હુમલા કર્યા હતા. બારમી સદીમાં આનાતોલિયાના જુદા જુદા પ્રાંતો પર સેલજુક તુર્કોનું શાસન હતું. 1243માં મૉંગોલોએ રમના સેલજુક સુલતાનનો પરાજય કર્યો હતો. તે અરસામાં તુર્કસ્તાનની આદિમ જાતિઓ વચ્ચે સત્તાની સાઠમારી થઈ હતી અને તેના અંતે ઑટોમન જાતિનું પ્રભુત્વ પ્રસ્થાપિત થયું હતું. ઈ. સ. 1400માં યુફ્રેટીસ નદીના પશ્ચિમ તરફના સમગ્ર વિસ્તાર પર સુલતાન બાયોજીદ પહેલાનું રાજ્યશાસન દાખલ થયું હતું. પરંતુ તિમૂરના હાથે તેનો પરાજય થયો હતો. તિમૂરના મૃત્યુ પછી મહમૂદ બીજાના (1451-81) શાસન હેઠળ ઑટોમન સત્તા પુન: પ્રસ્થાપિત થઈ હતી અને ત્યારથી ઑટોમન સામ્રાજ્યનો ઇતિહાસ એ જ આનાતોલિયાનો ઇતિહાસ બની રહ્યો. 1832માં ઇજિપ્તના લશ્કરી બળના જોરે ઇબ્રાહિમ પાશાએ આનાતોલિયા પર આક્રમણ કર્યું હતું. આનાતોલિયા પરનું તુર્કોનું વર્ચસ્ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સમાપ્ત થયું હતું. 1918માં તુર્કોએ યુદ્ધવિરામની સંધિ સ્વીકારી ત્યાં સુધી આનાતોલિયાના અરબી ભાષા હેઠળના સમગ્ર વિસ્તાર પર બ્રિટિશ લશ્કરે સ્વામિત્વ મેળવ્યું હતું. 1920ની સંધિ હેઠળ, આનાતોલિયાની ભૌગોલિક સીમાઓ પાંચ શતકોથી ચાલી આવતા તુર્કોના વર્ચસના પ્રદેશ પૂરતી જ મર્યાદિત કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ 1923ની લોઝાન સંધિ દ્વારા આનાતોલિયા પર મર્યાદિત અર્થમાં તુર્કસ્તાનનું પ્રભુત્વ સ્વીકારવામાં આવેલું. આ સંધિની એક શરત હેઠળ તુર્કસ્તાન અને ગ્રીસ વચ્ચે થયેલા કરાર મુજબ આશરે દસ લાખ જેટલા ગ્રીક નાગરિકોનું પશ્ચિમ આનાતોલિયામાંથી ગ્રીસમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને આતાતુર્ક કમાલપાશાનો ઉદય થતાં તુર્ક સુલતાનના શાસનનો અંત આવ્યો હતો અને નવા યુગનો ઉદય થયો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે