અમેરિકા

પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે. ઉત્તર છેડાના બુથિયાના દ્વીપકલ્પથી દક્ષિણ છેડાના ચીલીના ફોવાર્ડ ભૂશિર ભાગ સુધી તેની કુલ લંબાઈ આશરે 14,000 કિમી. જેટલી છે. તેના પશ્ચિમ છેડાનું સ્થળ અલાસ્કાના પશ્ચિમ કિનારે આવેલા સેવર્ડ દ્વીપકલ્પ ખાતે રહેલું છે, જ્યારે પૂર્વ છેડાનું સ્થળ બ્રાઝિલનો ઇશાન છેડો ગણાય છે. અમેરિકાના ભૂમિસમૂહમાં તેની ઉત્તરે, દક્ષિણે, પૂર્વ અને પશ્ચિમે તથા યુ. એસ., બ્રિટિશ, ફ્રેંચ અને ડચ સંસ્થાનોનો પણ તેમાં સમાવેશ થાય છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકા પનામાની સાંકડી સંયોગીભૂમિમાં આવેલા ભૂમિસંધાનથી જોડાયેલા છે.

ઘણા વૈજ્ઞાનિકો માને છે કે આજથી 25 કરોડ વર્ષ અને 20 કરોડ વર્ષ વચ્ચેના ગાળામાં સમગ્ર અમેરિકી ભૂમિસમૂહ યુરેશિયા અને આફ્રિકાની પશ્ચિમ ધાર સાથે જોડાયેલો હતો. તેના પુરાવા આ પ્રમાણે છે : ઉત્તર અમેરિકાની ઍપેલેશિયન પર્વતમાળા અને સ્કૉટલૅન્ડની કેલિડોનિયન પર્વતમાળા સમલક્ષણી છે, એ જ રીતે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની જ્વાળામુખી રચનાઓ પણ સમાન છે, સામસામેની કિનારારેખાઓ પણ બંધ બેસે છે.

અમેરિકા શબ્દ ઇટાલીના સાહસવીર નૌકાસફરી અમેરિગો વેસ્પુસીના માનમાં પ્રયોજેલો હોવાનું મનાય છે. શરૂઆતમાં તો તે માત્ર દક્ષિણ અમેરિકા માટે જ વપરાતો હતો, પરંતુ પછીથી સમગ્ર ભૂમિખંડ માટે તે ઉપયોગમાં લેવાતો થયો છે. અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનો માટે પણ તે વપરાય છે. બધાં મળીને 36 રાષ્ટ્રોનો સમાવેશ કરતો આ ભૂમિસમૂહ કુલ 96 કરોડ જેટલી વસ્તી ધરાવે છે.

અમેરિકા, ઉત્તર : પૃથ્વી પરના ખંડોમાં (ગ્રીનલૅન્ડ, મધ્ય અમેરિકા સહિત) ત્રીજા ક્રમે સૌથી મોટો ખંડ. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 8,000 કિમી. ટાપુઓ સહિત 8900 કિમી. તથા  પૂ. પ. લંબાઈ 6400 કિમી. ટાપુઓ સહિત 8900 કિમી.થી વધુ છે અને કુલ વિસ્તાર 2,42,37,000 ચોકિમી. છે. દક્ષિણે પનામાની સંયોગીભૂમિ દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશ સાથે ખંડને જોડે છે એ સિવાય સમગ્ર ખંડ ચારેય બાજુએથી પાણીથી ઘેરાયેલો છે. તેની પૂર્વે આટલાન્ટિક મહાસાગર, પશ્ચિમે પ્રશાંત મહાસાગર અને ઉત્તરે ઉત્તરધ્રુવીય આર્ક્ટિક મહાસાગર આવેલા છે. ખંડનો આકાર ઊંધા ત્રિકોણ જેવો છે. તેના દરિયાકિનારાની લંબાઈ 30,000 કિમી. છે. યુ.એસ.નો વિસ્તાર પૂર્વ-પશ્ચિમ દિશામાં વધુ પથરાયેલો હોવાથી વહીવટી સરળતા માટે અહીં ચાર પ્રમાણસમય નક્કી કરવામાં આવેલા છે. તે વિશ્વના સૌથી વધુ વિકસિત પ્રદેશોમાંનો એક ગણાય છે. તેની માથાદીઠ વાર્ષિક સરેરાશ આવક પશ્ચિમ યુરોપ કરતાં 15% વધારે છે. તેની માથાદીઠ ખોરાકની વપરાશ એશિયાના લોકોની વપરાશ કરતાં અઢીગણી વધારે છે. માથાદીઠ ઊર્જાવપરાશ દુનિયાની તમામ પ્રજાઓ કરતાં છગણી વધારે છે. ઉત્તર અમેરિકામાં વિશ્વની 12% વસ્તી રહે છે અને તે વિશ્વની ત્રીજા ભાગની ઉદ્યોગ-ઉત્પાદિત વસ્તુઓ પેદા કરે છે.

ઉત્તર અમેરિકા

ભૂપૃષ્ઠ : ઉત્તર અમેરિકાની પર્વતમાળા વાયવ્યે એલ્યુશિયન પર્વતમાળાથી શરૂ થાય છે અને દક્ષિણે પનામામાં થઈને દક્ષિણ અમેરિકાને સ્પર્શે છે. સમગ્ર પર્વતમાળા પૂર્વ અને પશ્ચિમમાં વહેંચાયેલી છે. પશ્ચિમે દરિયાકિનારે આવેલી પર્વતમાળામાં ખંડનું સૌથી ઊંચું શિખર મેકકિન્લી 6194 મીટર ઊંચાઈએ આલાસ્કામાં આવેલું છે. કિનારાની પશ્ચિમ પર્વતમાળા ભૂસ્તરીય રીતે ઘણી સક્રિય છે. તે મધ્ય અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં પથરાયેલી છે. મોટેભાગે આ વિસ્તારનું એક પણ મોટું શહેર ધરતીકંપસર્જિત વિનાશથી બચી શક્યું નથી. અવારનવાર અહીં ભૂકંપ થતા રહે છે. ઘણા સક્રિય જ્વાળામુખીઓ તેમની નજીક જ આવેલા છે. 1980ના દાયકામાં મેક્સિકોમાં મોટા ધરતીકંપો થયા હતા. ત્યાંથી પૂર્વમાં રૉકી પર્વતમાળા છે, જે ઉત્તરમાં મેકેન્ઝી પર્વતોથી શરૂ થાય છે અને દક્ષિણે પૂર્વ મેક્સિકોની સિયેરા મેડ્રે રેન્જને મળે છે. પૂર્વની પર્વતમાળામાં પશ્ચિમની પર્વતમાળા જેટલાં ઊંચાં શિખરો નથી.

ઉત્તરે આર્કિટક સમુદ્રથી શરૂ કરી દક્ષિણે મિસિસિપીના મુખ સુધી મેદાનો વિસ્તરેલાં છે. આ મેદાનો પર્વતીય હારમાળા અને અવિચળ પ્રદેશના ધોવાણને કારણે થયેલા નિક્ષેપનું પરિણામ હોઈ ફળદ્રૂપ છે. આ મેદાનોને પ્રેરિઝનાં મેદાનો તરીકે ઓળખવામાં આવે છે. ખંડની અંદર જે મેદાનો આવેલાં છે તે ઉત્તરે સરોવરોના પ્રદેશથી દક્ષિણે ટેક્સાસ સુધી વિસ્તરેલાં છે. દરિયાકિનારે સાંકડી પટ્ટી રૂપે પણ મેદાનો આવેલાં છે. ખેતી માટે તે ફળદ્રૂપ છે અને બંદરોના વિકાસના કારણે ગીચ વસ્તી ધરાવે છે.

વિશ્વના અન્ય ખંડો કરતાં ઉત્તર અમેરિકાની નદીઓએ માનવજાત ઇતિહાસમાં અને ખંડના આર્થિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મિસિસિપી, ઓહાયો અને મિસૂરી નદીનો પ્રદેશ 32.50 લાખ  ચોકિમી. છે, જે ઉત્તર અમેરિકાનો લગભગ સાતમો ભાગ થાય છે. આ ઉપરાંત સેન્ટ લૉરેન્સ, યુકોન, ટેનેસી, પીસ, કોલોરાડો, સાન જોકવીન, મેકેન્ઝી, ફ્રેચર, કોલંબિયા, હડસન, મોહાક અને રિયો ગ્રાન્દે મહત્ત્વની નદીઓ છે. વિશ્વમાં સૌથી મોટા આંતરિક જળમાર્ગો ઉત્તર અમેરિકામાં છે, જે મિસિસિપી અને તેની ઉપનદીઓ તથા મોટાં સરોવરો દ્વારા નિર્માયા છે. સુપિરિયર સરોવર વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર (82,362 ચોકિમી.) છે. આ ઉપરાંત મિશિગન, હ્યુરોન, ઇરી અને ઓન્ટારિયો સરોવરો છે. આ સરોવરોએ જ વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક પ્રદેશનું નિર્માણ કર્યું છે.

ઉ. અક્ષાંશ 70 8´થી 870 7´ અને 200 પ. રે.થી 1790 પ. રે.  સુધી વિસ્તરેલા ઉત્તર અમેરિકા ખંડમાં ઉષ્ણ કટિબંધથી શરૂ કરી શીત કટિબંધ સુધીની આબોહવા જોવા મળે છે. મધ્ય અમેરિકામાં તાપમાન ઊંચું રહે છે. મધ્યના વિસ્તારોમાં આબોહવા સમધાત રહે છે. ઉત્તરના પ્રદેશોમાં ભારે ઠંડી પડે છે. ખંડના કિનારાના પ્રદેશોમાં, પ્રશાંત મહાસાગરના કિનારાના પર્વતીય વિસ્તારોમાં અને મધ્ય અમેરિકી રાજ્યોમાં વધુ (1,000થી 5,000 મિમી.) વરસાદ પડે છે. મધ્યનાં પ્રેરિઝનાં મેદાનો અને ઉચ્ચ પ્રદેશોમાં 500 મિમી. જેટલો વરસાદ પડે છે. પશ્ચિમના રણવિસ્તારોમાં 250 મિમી. કરતાં પણ ઓછો વરસાદ પડે છે.

ઉત્તર અમેરિકાની જમીનનો આઠમો ભાગ ખેડાણલાયક છે. આ જમીનો મુકાબલે સ્થિર આબોહવા ધરાવે છે. તે વિશ્વના સૌથી વધુ ઉત્પાદક પ્રદેશોમાંનો એક છે. વિશ્વની 11% ગોચરભૂમિ ઉત્તર અમેરિકામાં છે, જેમાં વિશ્વનાં 15% ઢોર, 2% ઘેટાં અને 30% ઘોડાનું પાલન થાય છે. કુલ વિસ્તારના ત્રીજા ભાગ જેટલી જમીનમાં જંગલો છે. વિશ્વનાં સૌથી મોટાં જંગલોમાંનું એક ઉત્તર કૅનેડા અને આલાસ્કાની સરહદે આવેલું છે.

તાપમાન અને વરસાદની વિવિધતાને લીધે વનસ્પતિમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. આર્કિટક કિનારાના પ્રદેશો ટુન્ડ્ર વનસ્પતિ તથા દક્ષિણના પ્રદેશો અને રૉકી પર્વતમાળાના ઢોળાવો શંકુદ્રુમનાં પોચાં લાકડાંનાં વૃક્ષો ધરાવે છે. પૂર્વના વિસ્તારોમાં મિશ્ર જંગલો છે. મધ્ય અમેરિકામાં ઉષ્ણ કટિબંધનાં લીલાં જંગલો છે. મેદાનોમાં ઘાસ પુષ્કળ પ્રમાણમાં થાય છે. અમેરિકાના પ્રાણીજીવનમાં પણ વૈવિધ્ય છે.

કૅડમિયમ (37%), તાંબું (30%), સીસું (43%), મૉલિબ્ડેનમ (54%), ચાંદી (42%) અને જસત (47%)નો વિશ્વનો સૌથી મોટો ખનિજ-જથ્થો ઉત્તર અમેરિકામાં છે. મૅંગેનીઝ, કોલંબિયમ અને વેનેડિયમ બહુ ઓછાં છે, જ્યારે ક્રોમિયમ બિલકુલ નથી. કલાઈ (tin) અને પેટ્રોલિયમ અને કુદરતી વાયુની પેદાશ ઉત્તર અમેરિકામાં છે. વિશ્વનો 20%થી 30% જેટલો કોલસો ત્યાં છે. ઉત્તર અમેરિકામાં 900 લાખ કિલોવૉટની સ્થાપિત જળવિદ્યુત-ઉત્પાદનક્ષમતા છે, જે વિશ્વની ઉત્પાદનક્ષમતાની 20% જેટલી થાય છે. પીટ (Peat-કોહવાઈ જઈને થોડી સખત અને કાર્બનવાળી બનેલી બળતણ તરીકે વપરાતી વનસ્પતિ) પણ ખૂબ મોટા પ્રમાણમાં મળી આવે છે.

લોકો : ઉત્તર અમેરિકા ખંડ લાંબા સમય સુધી છૂટાછવાયા વસવાટોવાળો અને અવિકસિત રહ્યો હતો. યુરોપીય પ્રજાઓના આગમને અને તેમણે લાવેલી આફ્રિકન પ્રજાએ ખંડની સિકલ બદલી નાખી. વિવિધ સાંસ્કૃતિક પ્રણાલિકાઓ અને કૌશલ્યો ધરાવતી પ્રજાઓ આ ખંડમાં ભેગી થઈ. એ પહેલાં ઉત્તર અમેરિકામાં ઇન્ડિયનો વસતા હતા. તેઓ લગભગ 60 હજાર વર્ષ અગાઉ સંભવત: આંતરહિમકાળ દરમિયાન એશિયામાંથી અહીં આવ્યા હોવાનું મનાય છે. યુરોપીય સંસ્થાનવાદીઓએ મૂળ ઇન્ડિયનોને અંદરના વિસ્તારોમાં હાંકી કાઢ્યા અને મોટાભાગનો પ્રદેશ પચાવી પાડ્યો.

ઉત્તર અમેરિકાની કુલ વસ્તી આશરે 58 કરોડ (2018) છે, જે વિશ્વની વસ્તીનો 12મો ભાગ છે. અમેરિકાનાં સંયુક્ત રાજ્યો(U.S.A.)માં ઇન્ડિયનોની વસ્તીને માટે અનામત વિસ્તારો રાખવાની નીતિ શરૂઆતમાં અપનાવવામાં આવી હતી. પરંતુ આવા અનામત વિસ્તારોની સંખ્યા અને પ્રમાણમાં સતત ઘટાડો થતો ગયો. ઇન્ડિયન અને ફ્રેંચ પ્રજાઓ વચ્ચે તો લગ્નવ્યવસ્થા પણ ગોઠવાઈ હતી. કૅનેડામાં આ વ્યવસ્થાને લીધે એક મિશ્ર પ્રજાનો જન્મ થયો હતો. આ પ્રજા આજે મેતી (Meti) તરીકે ઓળખાય છે. મેક્સિકોમાં ગોરાઓ અને ઇન્ડિયનોની મિશ્ર પ્રજા 60% છે, જે મેસ્તિઝો (Mestizo) તરીકે જાણીતી છે. મધ્ય અમેરિકામાં સ્પૅનિશ વિજય બાદ બહુ જ ઓછા યુરોપિયનોનું સ્થળાંતર થયું છે. આથી ગ્વાટેમાલામાં આજેય 50 % વસ્તી ઇન્ડિયનોની છે.

ખંડની કુલ વસ્તીની આશરે 6% પ્રજા કૅનેડામાં વસે છે. તેની વસ્તીનું પ્રમાણ 1 ચોકિમી. દીઠ 3.0 છે. બ્રિટિશ રાષ્ટ્રકુટુંબના સભ્ય કૅનેડામાં 45% અંગ્રેજો છે. જોકે 60% પ્રજા અંગ્રેજી ભાષા બોલે છે. લગભગ 26% પ્રજા ફ્રેંચ ભાષા બોલી શકે છે જ્યારે 18% પ્રજા માત્ર ફ્રેંચ જ બોલે છે. 84% કરતાં વધારે પ્રજા કૅનેડામાં જ જન્મેલી છે. હવે સ્થળાંતરિતો તરીકે અંગ્રેજો આવે છે એના કરતાં બિનઅંગ્રેજો કૅનેડામાં વધારે આવે છે. યુ.એસ.માં ખંડની 60% વસ્તી છે. તેની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. તેની કુલ વસ્તીના 12% અશ્વેત લોકો છે અને 6 % મૂળ સ્પૅનિશ પ્રજા છે. વસ્તીનું પ્રમાણ એક ચોકિમી. દીઠ 29 છે. મેક્સિકોમાં ખંડની 19% પ્રજા વસે છે, જ્યારે ખંડની ત્રીજા ભાગની વસ્તી સમગ્ર મધ્ય અમેરિકામાં વસે છે. મધ્ય અમેરિકાની વસ્તી ખંડના અન્ય ભાગો કરતાં ઝડપથી વધે છે. અમેરિકામાં વસ્તીનો વાર્ષિક વૃદ્ધિદર 1.0% છે, જ્યારે ગ્વાટેમાલામાં 2.8% ને મેક્સિકોમાં 1.8% છે. સમગ્ર ઉત્તર અમેરિકામાં ખ્રિસ્તીઓની વસ્તી 93% કરતાં વધારે છે. થોડા હિંદુઓ અને શીખો ભારતમાંથી અહીં આવી વસ્યા છે. એશિયાવાસીઓની વસ્તી ઘણી ઓછી છે. ઉત્તર અમેરિકાનાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરો આ પ્રમાણે છે : મેક્સિકો સિટી, ન્યૂયૉર્ક, શિકાગો, ટોરેન્ટો, લૉસ ઍન્જિલસ, મૉન્ટ્રિયલ, ગ્વાડેલજારા, મૉન્ટેરી, ફિલાડેલ્ફિયા, હ્યુસ્ટન, ગ્વાટેમાલા સિટી, વાનકુંવર, ડેટ્રોઇટ, સાન ડિયેગો, ડલાસ.

વહીવટી અને સામાજિક સ્થિતિ : ઉત્તર અમેરિકામાં અનેક સ્વરૂપની સરકારો અસ્તિત્વ ધરાવે છે. પ્રતિનિધિત્વવાળી લોકશાહી અમેરિકા, કૅનેડા, કોસ્ટારિકા અને વેસ્ટ ઇન્ડિઝના 10 નાના દેશોમાં છે. મેક્સિકોમાં દેખાવ પૂરતી લોકશાહી છે, ખરેખર તો ત્યાં ‘ઇન્સ્ટિટ્યૂશનલ રિવૉલ્યૂશનરી પાર્ટી’ નામના એક જ રાજકીય પક્ષનું શાસન છે.  મધ્ય અમેરિકામાં જમણેરી લશ્કરી શાસન મોટો પ્રભાવ ધરાવે છે. ગ્વાટેમાલામાં લશ્કર સત્તા ઉપર છે, જ્યારે અલ સાલ્વાડૉર, હૉન્ડુરાઝ અને પનામામાં લશ્કરી અધિકારીઓનો પ્રભાવ ઘણો વધારે રહ્યો છે. ક્યૂબા અને નિકારાગુઆમાં ડાબેરી સરકારો અસ્તિત્વમાં છે.

ઉત્તર અમેરિકાના દેશો ‘ઑર્ગેનિઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ’ (O.A.S.) નામના સંગઠનમાં જોડાયેલા છે, જેમાં દક્ષિણ અમેરિકા ખંડના દેશો પણ સભ્ય છે. જોકે કૅનેડા આનું સભ્ય નથી. કૅનેડાએ બ્રિટિશ સંસદીય પદ્ધતિ અપનાવી છે, જ્યારે અમેરિકાએ પ્રમુખીય લોકશાહી અપનાવી છે. કૅનેડા અને અમેરિકા બંને ઉત્તર આટલાન્ટિક કરાર સંઘ (N.A.T.O.)માં જોડાયેલા છે. અમેરિકા વિશ્વની મોટી અણુસત્તા છે. તે પશ્ચિમ યુરોપ, જાપાન અને દક્ષિણ કોરિયામાં પોતાનાં લશ્કરો ધરાવે છે. અમેરિકા ‘એન્ઝુસ’ (ANZUS) સંધિમાં પણ ભાગીદાર છે, જેમાં ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સભ્યો છે.

ઉત્તર અમેરિકાના દરેક દેશમાં સામાજિક કલ્યાણના લાભોની વ્યવસ્થા ગોઠવાઈ છે. પરંતુ કૅનેડા અને અમેરિકામાં માંદગી, ગરીબી, અપંગતા, માતૃત્વ, બેકારી, કામ દરમિયાન ઈજા, વૃદ્ધત્વ અને વૈધવ્ય માટેના સામાજિક લાભોની વ્યવસ્થા શ્રેષ્ઠ રીતે ગોઠવાઈ છે. આરોગ્યની તાંત્રિક વ્યવસ્થા દેશે દેશે જુદી છે. અમેરિકા અને કૅનેડામાં તો તે અત્યંત સુવિકસિત છે. બરમુડા, કોસ્ટારિકા, ક્યૂબા, ગ્રેનેડા, ગ્વાડેલૂપ, જમૈકા અને માર્ટિનીકમાં આરોગ્યની વ્યવસ્થા સારી છે. આમાંથી મોટાભાગના દેશોમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષથી વધુ છે.

ઉત્તર અમેરિકામાં બધા જ દેશોમાં શિક્ષણ ફરજિયાત છે. માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાઓમાં બાળકોની ભરતીનું પ્રમાણ બાર્બાડોસ, કૅનેડા, ક્યૂબા અને પનામામાં 90% કરતાં પણ વધારે છે, જ્યારે અમેરિકામાં 100% છે. ગ્વાટેમાલા અને હૈતીમાં તે 5% કરતાં પણ ઓછું છે. ત્યાં શિક્ષકો અને શાળાકીય વ્યવસ્થાની તંગી પ્રવર્તે છે. ઉચ્ચ શિક્ષણની અનેક ખ્યાતનામ સંસ્થાઓ આ ખંડમાં આવેલી છે. જેમાં હાર્વર્ડ, યેલ, પ્રિન્સ્ટન, શિકાગો, સ્ટેનફર્ડ યુનિવર્સિટીઓ અને મેસેચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી (M.I.T.)નો સમાવેશ થાય છે.

કૅનેડા, કોસ્ટારિકા અને અમેરિકામાં અખબારી સ્વાતંત્ર્ય મોટા પ્રમાણમાં છે. કૅનેડા અને અમેરિકામાં તે બહુ અસરકારક છે. કૅનેડામાં બંધારણમાં જ અખબારી સ્વાતંત્ર્યની બાંયધરી આપવામાં આવી છે અને સરકારહસ્તક પ્રસારણમાધ્યમો પણ ઘણી સ્વતંત્રતા ભોગવે છે. ક્યુબામાં અખબારો સરકારી પ્રવક્તા તરીકેનું કામ કરે છે. અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા અને મેક્સિકોમાં કડક સરકારી સેન્સરશિપની ગેરહાજરી હોવા છતાં ખાનગી માલિકીનાં અખબારો ભાગ્યે જ સરકારની ટીકા કરે છે.

હેમન્તકુમાર શાહ

પ્રાચીન સંસ્કૃતિઓ

અમેરિકા ઉપખંડમાં પૂર્વ કાળમાં માયા, ઇન્કા અને ઍઝટેક સંસ્કૃતિઓ પાંગરી હતી. મેક્સિકોનો અખાત, પ્રશાંત મહાસાગર અને કેરિબિયન સમુદ્રથી ઘેરાયેલી ભૂમિ ઉપર, ભારતીય સંસ્કારોથી અંકિત અને બારમીથી સોળમી સદી દરમિયાન ઉદયાસ્ત પામેલી આ સંસ્કૃતિના ઇતિહાસાલેખન માટે લિખિત પુરાવા ઉપલબ્ધ નથી. પુરાવિદોના પરિશ્રમથી પ્રાપ્ત ભૌતિક સામગ્રી આ સંસ્કૃતિઓની ઝાંખી પણ સમૃદ્ધ પ્રતિભાને ઉપસાવવામાં ઉપયોગી બની છે. સ્પૅનિશ આક્રમણોથી નાશ પામેલી આ સંસ્કૃતિઓ સૂર્ય સામ્રાજ્ય તરીકે ખ્યાત હતી અને તેના સર્જકો વિદેશી હતા.

માયા : ઉત્તર અમેરિકા ખંડના મધ્યભાગ, મેક્સિકો અને આજુબાજુના પ્રદેશોમાં માયા સંસ્કૃતિ વિકસેલી હતી. ઈ. સ. 480થી 1600 સુધી અસ્તિત્વમાં રહ્યા પછી સ્પેનથી આવેલા આક્રમણકારોના હાથે તેનો ધ્વંસ થયો. બ્રિટિશ પુરાતત્ત્વવિદ્ એરિક થૉમસને આ સંસ્કૃતિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. ઈ. સ. 925 સુધીમાં માયા સંસ્કૃતિએ સ્થાપત્ય, કાષ્ઠની શિલ્પકળા અને વિજ્ઞાનના ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ઈ. સ. 925 સુધીનો ગાળો માયા સંસ્કૃતિનો સુવર્ણકાળ ગણાય છે. ઉસલમ એમનું સુંદર શહેર હતું. માયા સમાજ ગ્રીક નગરરાજ્યો જેવો હતો. ઉમરાવ લોકોથી રચાયેલો આ સમાજ વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન હતો. તેના વિદ્વાન પુરોહિતો પાસે ખગોળ, ગણિત અને શસ્ત્રક્રિયાનું ઊંચું જ્ઞાન હતું. એમની ચિત્રલિપિ ઉકેલાઈ નથી પણ એમણે કેટલોક ઇતિહાસ અને થોડી કવિતાઓ રચી હોવાનું જણાય છે. આ સમય દરમિયાન પથ્થરની બાંધણીનાં પિરામિડાકાર વિશાળ ધાર્મિક સ્થળો અસ્તિત્વમાં આવ્યાં, જેમાં ગ્વાટેમાલામાં ઉઆક્ષાકટુનનો પિરામિડ પ્રાચીનતમ છે. તે સિવાય ટીકલના પિરામિડ પણ પ્રખ્યાત છે. પથ્થરની લષ્ટિ (stela) પર લેખ લખવાનો આરંભ પણ આ સમયમાં થયો. માયન લોકોએ વાર–મહિનાયુક્ત કૅલેન્ડરની શોધ પણ કરી અને અંકગણિતના ક્ષેત્રે ઘણી પ્રગતિ હાંસલ કરી હતી. તેમનું પંચાંગ વીસ દિવસનું અને અઢાર મહિનાનું હતું. 765માં માયા પંચાંગોને વ્યવસ્થિત કરવા કોપાનમાં ખગોળવિદ્યાનું અધિવેશન મળ્યું હતું. માયા ઇજનેરોએ બાંધેલા પુલો, રાજમાર્ગો અને સરોવરો એમની બૌદ્ધિક ક્ષમતાનાં દર્શન કરાવે છે.

ઇન્કા : દક્ષિણ અમેરિકાના પેરુ રાજ્યમાં પાંગરેલી આ સંસ્કૃતિના લોકો ઇજનેરી વિદ્યામાં બાહોશ હતા. ઈ. સ. 1438માં ‘પાચા કુટી ઇન્કા ચુપાન્કુઇ’ના રાજ્ય-અમલ દરમિયાન ઇન્કા સામ્રાજ્યનું મહત્તમ વિસ્તૃતીકરણ થયું. ઇન્કા લિપિનો અભાવ હોઈ ઇન્કાઓનું લિખિત સાહિત્ય ઉપલબ્ધ નથી. ઇન્કા રાજ્ય વ્યવસ્થિત હતું અને રાજ્યપ્રણાલીમાં ધાર્મિક રાજાશાહી ઉપરાંત સમાજવાદના અંશો પણ પ્રચલિત હતા. ઇજનેરી ક્ષેત્રે વિશાળ રસ્તાઓ, પુલો, ધાર્મિક સ્થળો, પિરામિડો અને શહેરોનાં અટપટાં આયોજન ઇન્કા લોકોએ હાંસલ કરેલી ઇજનેરી કુશળતાનાં દૃષ્ટાંત પૂરાં પાડે છે. કૂઝકો રાજધાનીનું શહેર હતું જ્યારે માચુ-પીચુ અન્ય પ્રમુખ નગર હતું. ‘ટ્રુજીલ્લો’ની નજીકનો પિરામિડ સૌથી વિશાળ છે, જેમાં વાઘના મુખવાળાં, અસંખ્ય શિલ્પો જોવા મળે છે.

ઇન્કા સંસ્કૃતિ સમાજવાદી સંસ્કૃતિ હતી. રણ, જંગલ અને પર્વતીય પ્રકૃતિમાં વિકસેલી ઇન્કા સંસ્કૃતિ હતી. સુવર્ણમંડિત મકાનોથી શોભતી હતી. ઇન્કા પ્રજાના સામાજિક પિરામિડના પાયામાં કામદાર હતો. ઇન્કા પંચાંગ બાર મહિનાનું હતું. પ્રત્યેક મહિનાનું નામ વિધિ ઉપરથી પાડેલું હતું. સંગીત, નૃત્ય અને ધર્મ આ સમાજની બુનિયાદ હતી. સૂર્યપૂજક ઇન્કા લોકો પોતાના શાસકને સૂર્યનો વારસદાર ગણતા. ઓછી સ્વતંત્રતા ભોગવતી આ પ્રજામાં ગુનાખોરી ઓછી હતી અને ગુનેગારને સખત સજા થતી. બધી જમીન સરકારી માલિકીની હતી. ખાતર અને સિંચાઈથી ખેડૂતો વધારે પાક મેળવતા. રાજમાર્ગો અને પુલોની સહાયથી રાજ્યવહીવટ વધુ વ્યવસ્થિત હતો. સોના-ચાંદીની ખાણોથી પ્રાપ્ત ખંડણીથી રાજકોશ સમૃદ્ધ હતો, છતાં ઇન્કા સંસ્કૃતિએ લેખનકળા, નાણાવ્યવહાર કે કળાના ક્ષેત્રે પ્રગતિ સાધી ન હતી. એમના કિલ્લા અને મહેલો સુંદરતા કરતાં વધુ તો બળના પ્રતીકરૂપ હતાં. આ સંસ્કૃતિનો અંત પણ સોળમી સદીમાં સ્પૅનિશ આક્રમણને કારણે થયો હતો.

ઍઝટેક : મધ્ય અમેરિકામાં માયા સંસ્કૃતિમાંથી વિકસેલી છેલ્લી સંસ્કૃતિ ઍઝટેક લોકોની છે. મેક્સિકોનો પ્રદેશ આ સંસ્કૃતિનું કેન્દ્રસ્થાન રહ્યો. ઈ. સ. 1519માં સ્પૅનિશ હુમલાના પરિણામે ઍઝટેક સંસ્કૃતિ નાશ પામી, પણ તે પહેલાં લગભગ 450 વર્ષથી પણ વિશેષ સમયપર્યંત તે અસ્તિત્વમાં રહી. ધર્મ અને યુદ્ધ જેમનાં અવિભાજ્ય અંગ હતાં તે ઍઝટેક પ્રજા સંસ્કારી અને માંસભક્ષી હતી. એમનું પ્રત્યેક કાર્ય ધર્મસમર્પિત હતું. જંગલી રિવાજો અને સંસ્કારસંપન્ન વિધિવિધાનના વિચિત્ર મિશ્રણરૂપ ઍઝટેક લોકો ચૌદમી સદીના આરંભમાં અહીં આવી વસ્યા અને ટોલ્ટેક પ્રજાને જીતી લઈ આજના મેક્સિકો શહેરના વિસ્તારમાં પોતાની રાજધાની બાંધી મહાન સામ્રાજ્ય સ્થાપ્યું. સરોવરમાંના બે ટાપુઓ ઉપર વિસ્તરેલી ઍઝટેક રાજધાની તળભૂમિ સાથે પુલોથી જોડાયેલી હતી. દેવોની મહેરબાની પ્રાપ્ત કરવા તેઓ સતત યુદ્ધોમાં વ્યસ્ત રહેતા અને યુદ્ધકેદીઓમાંથી કેટલાકને ગુલામો બનાવતા તથા કેટલાકનું બલિદાન આપી માંસભક્ષણ કરતા.

ઍઝટેક લોકોની રહેણીકરણી પર ટોલ્ટેક પરંપરાનો પ્રભાવ અધિક રહ્યો. ઍઝટેક લોકોએ પણ માયાની જેમ જ પંચાંગ(કૅલેન્ડર)ને પોતાના રોજબરોજના જીવન તેમજ ધાર્મિક ક્રિયાકાંડોનાં આધારરૂપ અપનાવ્યું. ઍઝટેક પ્રજા લડાયક હોઈ ક્રિયાકાંડોમાં સવિશેષ વિશ્વાસ ધરાવતી, જેમાં મનુષ્ય-બલિનો પણ સમાવેશ થતો. મૃત્યુ સાથે ઍઝટેક માનસને ઘનિષ્ઠ સંબંધ હતો. તેની અસર તેની કળા પર પણ જોવા મળે છે. વિશાળ મંદિરો ઉપરાંત ઍઝટેક કળાકારો નાની-મોટી મૂર્તિઓ, સોના-ચાંદીનાં આભૂષણો અને ભય પમાડે તેવાં મોઢા પરનાં મહોરાં (masks) બનાવતા.

સૂર્યતાપે પકવેલી ઈંટોનાં મકાન અને પથ્થરનાં જાહેર ભવનો જોઈ કોરટેઝ હેઠળના સ્પેનિયાર્ડ સૈન્યને આશ્ર્ચર્ય થયેલું. ઍઝટેક મહેલોનાં ભોંયતળિયાં આરસથી મંડિત હતાં, દીવાલો રંગીન ચંદરવાથી મઢેલી રહેતી. વેપારથી અને ખંડણીથી ઍઝટેક લોકો સમૃદ્ધ થયા હતા. સાપ્તાહિક હાટ મારફતે તેઓ જરૂરી ચીજવસ્તુઓની લેવડદેવડ કરતા હતા. વિવિધ રમતોથી મનોરંજન મેળવતા. ચામડું, કાપડ, કાગળ અને પથ્થર ઉપરનાં એમનાં ચિત્રલખાણો હાથ લાગ્યાં છે. પ્રાણીસંગ્રહાલયો, પુલો, ફુવારા તથા સ્નાનાગારના બાંધનાર આ લોકો અંદરોઅંદરની ઈર્ષ્યાથી વિભાજિત રહેતા, વહેમમાં ગળાડૂબ રહેતા.

રસેશ જમીનદાર

યુનુસ ચિતલવાલા

ઉત્તર અમેરિકાની સંસ્કૃતિને પાંચ વિભાગમાં વહેંચી શકાય : કૅનેડિયન, અમેરિકન, મેક્સિકન, કેરિબિયન અને મધ્ય અમેરિકન. કૅનેડામાં ક્વિબેક સિવાયના તમામ પ્રાંતોમાં અંગ્રેજ કૅનેડિયન સંસ્કૃતિ વિક્સી છે. ક્વિબેકમાં અલગ ફ્રેંચ સંસ્કૃતિનો વિકાસ થયો છે. અમેરિકામાં અંગ્રેજ અને અમેરિકન સાંસ્કૃતિક અસરો તથા લૅટિન અમેરિકા, આફ્રિકા, એશિયા અને યુરોપની સંસ્કૃતિઓની અસર હેઠળ એક મિશ્ર સંસ્કૃતિનો વિકાસ થયો છે. મેક્સિકોમાં સ્પૅનિશ અને ઇન્ડિયન સંસ્કૃતિઓના વારસાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કેરિબિયન સમુદ્રના દેશોમાં ભાષા અને ઇતિહાસમાં વૈવિધ્ય ધરાવતા લોકો આવીને વસ્યા હોવા છતાં એક સામાન્ય સંસ્કૃતિનાં ઘણાં તત્ત્વો ત્યાં મળે છે. જ્યારે મધ્ય અમેરિકામાં સ્પૅનિશ ઇન્ડિયન અને આફ્રિકી સંસ્કૃતિઓનું મિશ્રણ જોવા મળે છે.

અર્થતંત્ર : ઉત્તર અમેરિકામાં વિકસિત, અર્ધવિકસિત અને અલ્પવિકસિત એમ ત્રણે પ્રકારનાં અર્થતંત્રો છે. કૅનેડા અને અમેરિકા વિકસિત અર્થતંત્રો છે, જ્યારે મેક્સિકો અને મોટાભાગનું મધ્ય અમેરિકા અર્ધવિકસિત અર્થતંત્ર ધરાવે છે અને બાકીનાં રાષ્ટ્રોનું અર્થતંત્ર વિકાસશીલ છે. ઉત્તર અમેરિકામાં સમાવિષ્ટ દેશોની માથાદીઠ આવકમાં મોટા તફાવતો જોવા મળે છે. 1997માં અમેરિકા(યુ.એસ.)ની માથાદીઠ આવક 28,740 ડૉલર અને કૅનેડામાં 19,290 ડૉલર હતી, બીજે છેડે હૈતીમાં 330 અને કૉસ્ટારિકામાં 410 ડૉલર હતી.

ખંડની માત્ર 13% જમીનમાં જ ખેતી થાય છે. તેમ છતાં ઉત્તર અમેરિકા વિશ્વનો સૌથી વધારે અન્ન ઉત્પન્ન કરનાર ખંડ છે. તેનું મુખ્ય કારણ અમેરિકા અને કૅનેડામાં વૈજ્ઞાનિક અને વ્યાપારી ઢબે થતી ખેતી છે. પશ્ચિમ અમેરિકા, કૅનેડા અને ક્યૂબામાં સિંચાઈ વિકસી છે. ઉત્તર અમેરિકા વિશ્વનું લગભગ ચોથા ભાગનું અનાજ ઉત્પન્ન કરે છે અને મકાઈ, સોયાબીન, લીંબુ, નારંગી, જવ, ઘઉં, ચોખા, શેરડી, બીટ, બટાટાં, ટામેટાં, કેળાં, દ્રાક્ષ, રૂ અને મગફળીના ઉત્પાદનમાં આગળ છે. પ્રક્રિયાગત (processed) કૃષિપેદાશોમાં શરાબ, ખાંડ અને તમાકુની પેદાશો મહત્ત્વની છે.

ખંડની 16% જમીન ગોચરની છે, જે મુખ્યત્વે કૅનેડા, અમેરિકા અને મેક્સિકોમાં છે. ગાય, ઘેટાં, ડુક્કર, બકરાં અને મરઘીઓનું પાલન મોટા પ્રમાણમાં થાય છે. કૅનેડા અને અમેરિકામાં ડેરી ઉદ્યોગ મહત્ત્વનો ઉદ્યોગ છે. ડેરી પેદાશોની નિકાસ પણ કરે છે. ગોમાંસ અને ડુક્કરના માંસનું ઉત્પાદન મેક્સિકો, કૅનેડા અને અમેરિકામાં મોટા પ્રમાણમાં થાય છે.

ઉત્તર અમેરિકામાં કુલ જમીનના ત્રીજા ભાગની જમીનમાં જંગલો છે. તે મોટા પ્રમાણમાં લાકડું ઉત્પન્ન કરે છે. વિશ્વનું છઠ્ઠા ભાગનું લાકડા(lumber)નું ઉત્પાદન ઉત્તર અમેરિકામાં થાય છે. જંગલો અપૂરતાં હોવાને કારણે ગોળ લાકડાં(round wood)ની આયાત અમેરિકાએ કરવી પડે છે.

ઉત્તર અમેરિકાના દરેક દેશને દરિયાકિનારો છે એટલે મત્સ્યોદ્યોગ ખંડનો એક ધીકતો ઉદ્યોગ છે. અમેરિકા, કૅનેડા અને મેક્સિકો વિશ્વના અગ્રણી મત્સ્યોત્પાદકો છે. ઘણાં કેરિબિયન રાષ્ટ્રો મત્સ્યોદ્યોગની નિકાસ-આવક પર મોટો આધાર રાખે છે. કોલસો, કુદરતી વાયુ, પેટ્રોલિયમ જેવાં ખનિજો કૅનેડા, અમેરિકા, મેક્સિકો, ગ્વાટેમાલા અને ટ્રિનિડાડ–ટોબેગોમાં મળે છે. લિથિયમ, મૅગ્નેશિયમ, યુરેનિયમ અને મોલિબ્ડેનમનું ઉત્પાદન ઉત્તર અમેરિકામાં સૌથી વધુ છે, જ્યારે ફૉસ્ફેટ, સિલીનિયમ, પૉટાશ, નિકલ, ચાંદી, બેરાઇટ, ઇલ્મેનાઇટ, બિસ્મથ, ઍસ્બેસ્ટૉસ, સીસું, જસત, તાંબું, ટેલેરિયમ, કૅડમિયમ અને ફ્લોરસ્પારનું પાંચમા ભાગનું ઉત્પાદન આ ખંડમાં થાય છે. આ બધાં જ કૅનેડા, મેક્સિકો અને અમેરિકામાં મળે છે. જમૈકામાં બૉક્સાઇટ અને ક્યુબામાં કોબાલ્ટ તથા નિકલનું ઉત્પાદન થાય છે. ખંડમાં મૅંગેનીઝ, ક્રોમાઇટ, પ્લૅટિનમ, રૂટાઇલ, ટૅન્ટેલિયમ અને કલાઈનો અભાવ છે એટલે તેની તેણે આયાત કરવી પડે છે.

ઉત્તર અમેરિકાના મોટાભાગનાં રાષ્ટ્રોમાં ભારે ઉદ્યોગ સ્થપાયા છે. વિકસતાં રાષ્ટ્રોએ પણ તેમનો ઔદ્યોગિક પાયો 1980ના દાયકાના આરંભમાં વિસ્તાર્યો છે. પ્રવાસન-ઉદ્યોગ ખંડની અંદર અને દેશોની અંદર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કેરિબિયન દેશોમાં તે આવકનું અગત્યનું સાધન છે. અમેરિકા અને કૅનેડામાં પરિવહન સુવિકસિત છે, જ્યારે મોટા- ભાગના મધ્ય અમેરિકા અને કેરિબિયન વિસ્તારોમાં તે સારા પ્રમાણમાં વિકસ્યું છે. ખંડમાં લગભગ 51,200 કિમી.નો આંતરિક જળમાર્ગ અમેરિકા, કૅનેડા, મેક્સિકો અને હૉન્ડુરાઝમાં છે. આમાં સૌથી વિશેષ મહત્ત્વનાં છે : સેન્ટ લૉરેન્સ, ગ્રેટ લેઇક્સ, જે કૅનેડા અને અમેરિકા વચ્ચે છે, અને પનામા નહેર.

પ્રાદેશિક વિભાજન અને ફેરફારો : ખંડનું નામ ઇટાલિયન વેપારી અને સાહસિક અમેરિગો વેસ્પુસીના નામ પરથી પડ્યું છે. તેણે 1497માં આ ખંડ શોધ્યો હતો. 1507માં તેની મુસાફરીઓના વર્ણનના પ્રકાશન બાદ આ હકીકત સર્વસ્વીકૃત થઈ. અમેરિકા નામ ઉત્તર અને દક્ષિણ બંને ખંડ માટે વપરાય છે. કેટલાંક મંતવ્યો અનુસાર ઉત્તર અમેરિકા પનામાની સંયોગીભૂમિથી શરૂ થતો નથી પરંતુ તેહુન્તેપેકની સંયોગીભૂમિથી શરૂ થાય છે, જે મેક્સિકોમાં દક્ષિણે અને ગ્વાટેમાલાની ઉત્તરે આવેલી છે. તેઓ વચ્ચેના મધ્ય અમેરિકાને ઉત્તર અમેરિકાનો ભાગ ગણતા નથી. આ વ્યાખ્યા અનુસાર મેક્સિકોનો મોટો ભાગ ઉત્તર અમેરિકામાં રહે છે અને બહુ નાનો ભાગ મધ્ય અમેરિકામાં રહે છે. આથી મેક્સિકો, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાને લૅટિન અમેરિકા અને કૅનેડા તથા અમેરિકા(U.S.A.)ને ઍંગ્લો-અમેરિકા તરીકે ઓળખવામાં આવે છે. મેક્સિકો, મધ્ય અમેરિકા અને કેરિબિયન દેશો ભૌગોલિક રીતે ઉત્તર અમેરિકા સાથે સંકળાયેલા હોવા છતાં આ સાંસ્કૃતિક વિભાજન વાસ્તવિક છે. એ જ રીતે ડેનિશભાષી ગ્રીનલૅન્ડ સાંસ્કૃતિક રીતે અલગ હોવા છતાં તે ઉત્તર અમેરિકા સાથે ભૌગોલિક રીતે સંકળાયેલ છે. આ બધા જ વિસ્તારોને સામાન્યતયા અમેરિકા, નવું વિશ્વ અથવા ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે.

યુરોપીય રાજાઓએ એવી ધારણા કરી હતી કે નવા વિશ્વમાં તેમનું સાર્વભૌમત્વ તેમની જ પ્રજાઓ હોવાને લીધે જળવાઈ રહેશે. પરંતુ સંસ્થાનવાદી નીતિઓ, યુરોપીય યુદ્ધો અને અમેરિકન સ્પર્ધાઓએ ઉત્તર અમેરિકામાં પ્રાદેશિક ફેરફારો આણ્યા. સત્તરમી સદી દરમિયાન સ્પૅનિશ પ્રજાએ તળભૂમિ(main land)માં વસાહતો સ્થાપી, જ્યારે અંગ્રેજ, ફ્રેંચ, ડચ અને ડેનિશ પ્રજાઓએ કેરિબિયન ટાપુઓ કબજે કર્યા હતા. 1655માં અંગ્રેજોએ સ્પૅનિશ પ્રજા પાસેથી જમૈકા મેળવી લીધું અને હૉન્ડુરાઝના દરિયાકિનારાઓ કબજે કર્યા. ફ્રેંચોએ હૈતી કબજે કર્યું.

1644માં ઇંગ્લૅન્ડે ન્યૂ નેધરલૅન્ડ (ન્યૂયૉર્ક) કબજે કર્યું અને 1713માં હડસનના ઉપસાગરની આસપાસના વિસ્તારો કબજે કર્યા. 1763માં સાત વર્ષના યુદ્ધ બાદ ફ્રેંચોએ મિસિસિપીના પૂર્વનો તમામ તળભૂમિ પ્રદેશ બ્રિટનને અને તે નદીની પશ્ચિમનો પ્રદેશ સ્પૅનને આપ્યો. પછી સ્પૅને ફ્લોરિડા બ્રિટનને આપ્યું. અમેરિકન ક્રાંતિ બાદ અમેરિકા(U.S.A.)એ કૅનેડાની દક્ષિણનો પ્રદેશ અને મિસિસિપીની પૂર્વનો પ્રદેશ મેળવ્યો અને સ્પૅને ફરીથી ફ્લોરિડા પ્રાપ્ત કર્યું. નેપોલિયને 1800માં સ્પૅન પાસેથી લુઇસિયાના ઝૂંટવી લીધું. પરંતુ હૈતીમાંના બળવાએ અમેરિકામાંની ફ્રેંચોની ગણતરીઓ ઊંધી વાળી અને છેવટે હૈતી અને ડૉમિનિકના રિપબ્લિકને સ્વતંત્રતા મળી. અમેરિકાએ 1803માં ફ્રાંસ પાસેથી લુઇસિયાના ખરીદી લીધું. 1819ની સંધિ હેઠળ સ્પૅને ફ્લોરિડા અમેરિકાને આપ્યું અને ટેક્સાસ તેણે સ્પૅન પાસે રહેવા દીધું. 1810ના આરંભમાં બળવાઓને લીધે અમેરિકામાં સ્પૅનિશ સામ્રાજ્ય હચમચવા માંડ્યું. મેક્સિકો, ગ્વાટેમાલા, અલ સાલ્વાડૉર, હૉન્ડુરાઝ, નિકારાગુઆ અને કોસ્ટારિકા ઊભાં થયાં, જોકે તેમણે 1823થી 1839 દરમ્યાન ‘મધ્ય અમેરિકાના સંયુક્ત પ્રાંતો’(U.P.C.A.)ની રચના કરી હતી.

1835માં અમેરિકામાંથી આવેલા વસાહતીઓએ ટેક્સાસમાં બળવો કર્યો, જાતે જ તેને પ્રજાસત્તાક જાહેર કર્યું, જે 1845માં અમેરિકામાં જોડાયું. અમેરિકા સાથેના નાના યુદ્ધ બાદ મેક્સિકોએ 1848માં ટેક્સાસ પરનો પોતાનો દાવો જતો કર્યો અને ન્યૂ મેક્સિકો તથા અપર કૅલિફૉર્નિયા અમેરિકાને આપ્યાં. 1853માં અમેરિકાએ ‘ગેડ્સડેન ખરીદી’ દ્વારા ગિલા નદીની દક્ષિણનો મેક્સિકોનો પ્રદેશ મેળવ્યો. અમેરિકા અને ઉત્તરી અંગ્રેજ પ્રાન્તો વચ્ચેની સરહદમાં પણ 1818 અને 1846માં ફેરફાર થયો. દરમિયાન 1842માં મેઇનન્યૂ બ્રન્સવિક સરહદ નક્કી થઈ ગઈ. રશિયા અને બ્રિટને 1825માં સંધિ કરી અલાસ્કાની આંતરિક સરહદ નક્કી કરી અને રશિયાએ 1867માં આ પ્રદેશ અમેરિકાને વેચી દીધો.

1860 બાદ અંગ્રેજ પ્રાંતોમાં પ્રાદેશિક વહીવટી તંત્રમાં મહત્ત્વના ફેરફારો થયા. 1867માં નોવા સ્કોટિયા અને ન્યૂ બ્રન્સવિક કૅનેડા (આધુનિક ક્વિબેક અને ઑન્ટારિયો)માં જોડાયા. કૅનેડાએ 1869માં હડસન્સ બે કંપની પાસેથી રૂપટર્સ લૅન્ડ પ્રાન્ત ખરીદી લીધો. બ્રિટિશ કોલંબિયા 1871માં, પ્રિન્સ એડવર્ડ આઇલૅન્ડ 1873માં અને ન્યૂફાઉન્ડલૅન્ડ 1849માં તેમાં જોડાયાં. 1898માં સ્પૅનિશ-અમેરિકી વિગ્રહ બાદ ક્યૂબાને સ્વતંત્રતા મળી અને ગુઆમ તથા ફિલિપાઇન્સની જેમ પુઅર્તોરિકો અમેરિકાને અપાયું. પનામાએ કોલંબિયા પાસેથી 1903માં સ્વતંત્રતા પ્રાપ્ત કરી અને નહેરવિસ્તાર અમેરિકાને આપ્યો. 1979માં ફરીથી તે પનામાની સાર્વભૌમ સત્તા નીચે આવ્યો. અમેરિકાએ વર્જિન ટાપુઓ ડેન્માર્ક પાસેથી 1917માં ખરીદી લીધા.

ઇતિહાસ : ઉત્તર અમેરિકામાં સૌપ્રથમ વસવાટ કરનારા ઇન્ડિયનો બેરિંગની સામુદ્રધુની દ્વારા પૂર્વ સાઇબીરિયામાં થઈને એશિયામાંથી આવ્યા હતા. આ સ્થળાંતર લગભગ 35 હજાર વર્ષ અગાઉ થયું હોવાનું મનાય છે. તેઓ લાંબા સમય સુધી પથ્થરયુગના માછીમારો અને શિકારીઓનું જીવન જીવતા રહ્યા. પ્રથમ વાર યુરોપીય પ્રજાઓ આવી ત્યારે પણ કેટલાક એવું જ જીવન જીવતા હતા. અગાઉની સંસ્કૃતિઓ મેસો-અમેરિકા તરીકે જાણીતી છે. ઈ. સ. પૂ. 1150માં ઓલ્મેક સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી. તે મેક્સિકો, વેરાક્રૂઝ અને તાબાસ્કોની આસપાસ વિકસી હતી. તે તેના શિલ્પ માટે જાણીતી થઈ. ગ્વાટેમાલા અને યુકાતાન ભૂશિરની માયા સંસ્કૃતિ (ઈ. સ. પૂ. 300થી ઈ. સ. 900) પશ્ચિમ ગોળાર્ધની મહત્ત્વની સંસ્કૃતિઓમાંની એક ગણાય છે. તેમણે ખેતી વિકસાવી, પથ્થરનાં મોટાં મકાનો બાંધ્યાં, પિરામિડ આકારનાં મંદિરો બાંધ્યાં, સોના અને તાંબા ઉપર નકશીકામ કર્યું અને લેખનકળા પણ વિકસાવી. દસમી સદીથી બારમી સદી દરમિયાન ટોલ્ટેક સામ્રાજ્ય મેક્સિકોની ખીણમાં વિકસ્યું, જે ચૌદમી સદી સુધીમાં ઍઝટેક સામ્રાજ્ય તરીકે ખ્યાતિ પામ્યું હતું. તે ટેનૉક્ટિટ્પ્લાન (હાલનું મેક્સિકો) શહેરને કેન્દ્રમાં રાખીને વિકસ્યું હતું. આ તમામ મેસો-અમેરિકન પ્રજાઓએ સંસ્કૃતિઓ વિકસાવી પરંતુ તેમણે વ્યાપારી સાહસ કે યંત્રવિદ્યા(mechanical technology)માં બહુ રસ દાખવ્યો નહિ. એટલે જ સોળમી સદીમાં તેઓ સ્પૅનિશ પ્રજાને તાબે થઈ ગયા. તે સમયે મધ્ય અમેરિકા અને મેક્સિકોની વસ્તી 50 લાખની હતી. જ્યારે મેક્સિકોની ઉત્તરે ઉત્તર અમેરિકાની વસ્તી 6થી 12 લાખ હતી. મેક્સિકોની ઉત્તરે ઇન્ડિયનોએ સઘન ખેતી કે શહેરી જીવન વિકસાવ્યાં ન હતાં.

યુરોપિયન પ્રજાએ અમેરિકા ખંડની શોધ કરતાં એશિયા જવા માટેનો પશ્ચિમી જળમાર્ગ મળી આવ્યો. યુરોપીય સત્તાઓએ ત્યારબાદ સામ્રાજ્યો વિકસાવ્યાં અને વ્યાપારી પ્રવૃત્તિ વધારી દીધી. સૌપ્રથમ સ્પૅનિશ પ્રજાએ સંસ્થાનો સોળમી સદીમાં સ્થાપ્યાં. ફ્રેંચોએ નોવા સ્કોટિયામાં પૉર્ટ રૉયલ ખાતે 1605માં અને અંગ્રેજોએ જેમ્સટાઉન ખાતે 1607માં સંસ્થાનોની પ્રથમ સ્થાપના કરી. ડચ અને સ્વીડિશ પ્રજાએ સંસ્થાનો સ્થાપ્યાં હતાં, પરંતુ તે અલ્પજીવી રહ્યાં. રશિયનો આલાસ્કામાં સ્થાયી થયા. 1763માં અંગ્રેજો સર્વોચ્ચ બન્યા અને ફ્રેંચોને નવા વિશ્વમાંથી ઉચાળા ભરવા પડ્યા. 1783માં અંગ્રેજોને પણ 13 સંસ્થાનો છોડવાં પડ્યાં, જે સત્તાવાર રીતે અમેરિકાનાં સંયુક્ત રાજ્યો (U.S.A.) બન્યાં. 1926 સુધી કૅનેડા અંગ્રેજોના હાથમાં રહ્યું. 1921માં મધ્ય અમેરિકા અને મેક્સિકો સ્વતંત્ર થયાં. સોળમી સદીથી ઓગણીસમી સદી દરમ્યાન આફ્રિકી અશ્વેત લોકોને ગુલામ તરીકે રાખવાની નીતિ ગોરાઓએ અપનાવી હતી. આથી અમેરિકા અને કેરિબિયન ટાપુઓમાં એક લઘુમતી સંસ્કૃતિ પણ વિકસી. ઉત્તર અમેરિકા, તેનો વૈવિધ્યપૂર્ણ ઇતિહાસ છતાં, વિશ્વના ઇતિહાસમાં છેલ્લાં 200 કરતાં વધુ વર્ષોથી કેન્દ્રમાં રહ્યું છે. ઓગણીસમી સદીના અંતે અને વીસમી સદીના આરંભે અમેરિકા ઔદ્યોગિક રાષ્ટ્ર બન્યું, અને બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના અંત સુધીમાં તે જગતનાં શક્તિશાળી રાષ્ટ્રોમાંનું એક બન્યું. પૃથ્વી પરના સૌથી ગીચ વિસ્તારો પશ્ચિમ યુરોપ અને પૂર્વ એશિયાની વચ્ચે આવેલા ઉત્તર અમેરિકાને તથા તેની પ્રજાને આથી વૈશ્વિક મહત્ત્વ સાંપડ્યું. વૈશ્વિક સંસ્થા સંયુક્ત રાષ્ટ્રો(U.N.)નું વડું મથક પણ ઉત્તર અમેરિકામાં ન્યૂયૉર્ક શહેરમાં છે.

હેમન્તકુમાર શાહ

અમેરિકા, મધ્ય

ઉત્તર અને દક્ષિણ અમેરિકાને જોડતો ગળણી આકારનો પ્રદેશ, જેમાં કુલ સાત દેશોનો સમાવેશ થાય છે – મેક્સિકો, ગ્વાટેમાલા, બેલિઝ (પહેલાંનું બ્રિટિશ હૉન્ડુરાઝ), હૉન્ડુરાઝ, નિકારાગુઆ, કોસ્ટારિકા તથા પનામા. આ પ્રદેશનું કુલ ક્ષેત્રફળ 5,23,000 ચોકિમી. છે, અને તેની વસ્તી આશરે 4 કરોડ (2020) જેટલી છે. આ પ્રદેશની ઉત્તરે તથા પશ્ચિમે પેસિફિક તથા દક્ષિણે અને પૂર્વે કૅરિબિયન સમુદ્ર આવેલા છે. મોટેભાગે આ પ્રદેશ પર્વતીય છે. અને તેમાં જ્વાળામુખીઓ પણ છે. આ પ્રદેશમાં ધરતીકંપ પણ ઘણી વાર થતા રહ્યા છે, પરંતુ તે જ કારણથી આ પ્રદેશની જમીન સારી પેઠે ફળદ્રૂપ બની છે. ઉચ્ચ પ્રદેશના કારણે વિષુવવૃત્તની નજીક હોવા છતાં અહીંની આબોહવા સમધાત રહે છે અને વરસાદ પણ સારા પ્રમાણમાં થાય છે. અહીં શિયાળાની ઋતુ દરમિયાન તાપમાન 180 સે. થી 00 સે. વચ્ચેનું રહે છે. ઑક્ટોબર અને મે માસમાં સૂકી ઋતુ અનુભવાય છે. જ્યારે વરસાદ મોટેભાગે જૂનથી ઑક્ટોબર સુધીમાં પડે છે.

મધ્ય અમેરિકા : 1. મેક્સિકો, 2. ગ્વાટેમાલા, 3. બેલિઝ, 4. અલ સાલ્વાડોર, 5. હોન્ડુરાઝ, 6. નિકારાગુઆ, 7. કોસ્ટારિકા, 8. પનામા

ઐતિહાસિક દૃષ્ટિએ આ પ્રદેશ ઉત્તર અને દક્ષિણ અમેરિકા વચ્ચે સેતુ જેવો રહ્યો છે. ઇન્ડિયન તેમજ સ્પૅનિશ લોકો આ રસ્તેથી ઉત્તરથી દક્ષિણમાં પ્રવેશ્યા હતા અને દક્ષિણમાં તેમનાં સંસ્થાનો સ્થાપ્યાં હતાં. આટલાન્ટિક અને પેસિફિકને જોડતી પનામા નહેર 1914માં ખુલ્લી મૂકવામાં આવી હતી.

મધ્ય અમેરિકાની એક ખાસિયત તે દરેક દેશનું નાનું કદ છે. તે ઘણે અંશે તેના ઇતિહાસ અને તેની ભૌગોલિક રચનાને આભારી છે. આ સમગ્ર પ્રદેશે 1921માં સ્પૅનની ધૂંસરી ફગાવી દીધી હતી અને થોડો સમય (1821-1838) મધ્ય અમેરિકાના સમવાય તરીકે વિતાવ્યો હતો, પરંતુ ત્યારબાદ આ જુદાં જુદાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં હતાં. 1903માં પનામાએ કોલંબિયાના આધિપત્યને હડસેલી દીધું હતું અને સ્વતંત્ર રાજ્ય તરીકે જન્મ લીધો હતો.

આ સમગ્ર પ્રદેશ મુખ્યત્વે ખેતી ઉપર નભે છે અને મુખ્ય પાકમાં કૉફી, કેળાં, કોકો અને કપાસ છે જે તેની નિકાસના 70% જેટલા થાય છે. નિકારાગુઆ તથા હૉડન્ડુરાઝમાં સોનું તેમજ ચાંદી પ્રાપ્ત થાય છે અને ગ્વાટેમાલામાં થોડા પ્રમાણમાં તેલ મળતું રહ્યું છે.

રાજકીય દૃષ્ટિએ આ પ્રદેશ અસ્થિર રહેવા પામ્યો છે. આપખુદ શાસન અને અવારનવાર થતા બળવાઓ તેનું મુખ્ય લક્ષણ છે. 40% જેટલી પ્રજા ગરીબ અને પછાત છે. 1979માં નિકારાગુઆમાં થયેલા બળવાના કારણે સોમોઝાની સરકારને પદભ્રષ્ટ કરીને સેન્ડીનિરન્ટા રાષ્ટ્રીય મુક્તિ મોરચાએ સત્તા ગ્રહણ કરી છે. અલ સાલ્વાડોર અને ગ્વાટેમાલામાં પણ લશ્કરી બળવાઓને કારણે જૂની સરકારોના સ્થાને નવી સરકારોએ સત્તાનાં સૂત્રો સંભાળ્યાં છે. 1980ના દાયકામાં હિંસા, બળવાઓ અને અસ્થિરતાનું વાતાવરણ ચાલુ રહેવા પામ્યું છે.

દેવવ્રત  પાઠક

હેમન્તકુમાર શાહ

અમેરિકા, દક્ષિણ (લૅટિન)

પશ્ચિમ ગોળાર્ધમાં દક્ષિણે 1,78,64,000 ચોકિમી. વિસ્તારનો ચોથા ક્રમે સૌથી મોટો, પૃથ્વી પરની ભૂમિનો તેરમો ભાગ ધરાવતો ખંડ. 350થી 800 પશ્ચિમ રેખાંશ અને 120 ઉત્તરથી 550 દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો છે. તેના ઉત્તરના ભાગમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. પરંતુ ખંડની 80% જમીન તેની દક્ષિણે આવેલી છે. બ્રાઝિલ સમગ્ર ખંડની લગભગ અર્ધી જમીન ધરાવે છે.

દક્ષિણ અમેરિકાની વાયવ્યે કેરિબિયન સમુદ્ર, દક્ષિણે ડ્રેક પૅસેજ, પૂર્વ-અગ્નિ-ઈશાને આટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમે પ્રશાંત મહાસાગર છે. ખંડના વિસ્તારના સંદર્ભમાં તેનો દરિયાકિનારો ઘણો ટૂંકો-25,285 કિમી. છે. આ ખંડ અને તેની નજીકના ટાપુઓમાં 12 સાર્વભૌમ પ્રજાસત્તાકો – આર્જેન્ટિના, બોલિવિયા, બ્રાઝિલ, ચિલી, કોલંબિયા, ઇક્વેડૉર, ગિયાના, પરાગ્વે, પેરુ, સુરીનામ, ઉરુગ્વે, વેનેઝુએલા અને બે પરાધીન દેશો — ફોકલૅન્ડ ટાપુઓ (બ્રિટન) અને ફ્રેંચ ગિની આવેલા છે.

ભૂસ્તરીય બંધારણ : પુરાજીવ યુગમાં 25 કરોડ વર્ષ અને 20 કરોડ વર્ષ વચ્ચેના ગાળા દરમિયાન આ ખંડના કેટલાક ભાગો દક્ષિણ આફ્રિકા, દક્ષિણ ભારત અને ઑસ્ટ્રેલિયા સાથે જોડાયેલા હતા, જે ગાડવાના લૅન્ડ તરીકે ઓળખાય છે. આ ઉચ્ચ પ્રદેશો ભૂસ્તરીય યુગો દરમ્યાન થયેલા ભારે વિસ્ફોટો અને લાવા નિક્ષેપોને આધારે મૂળ ભૂમિથી છૂટા પડ્યા એમ મનાય છે. ભૂનિમજ્જન વળાંકોમાં દબાણને લીધે ઍન્ડીઝ પર્વતીય સંકુલનો જન્મ થયો. એમાં જ્વાળામુખીઓ, પર્વતો, ખીણો, ઉચ્ચ પ્રદેશો અને જળક્ષેત્રો ઊપસી આવ્યાં.

ઍન્ડીઝની પર્વતમાળા : પનામાની સંયોગીભૂમિથી દક્ષિણમાં હૉર્ન ભૂશિર સુધી 8,900 કિમી. લાંબી, સ્થાનભેદે 160થી 645 કિમી. પહોળી અને વધુમાં વધુ 6,959 મીટર ઊંચાઈ ધરાવતી ઍન્ડીઝ પર્વતમાળા સરેરાશ ઊંચાઈમાં હિમાલય પછી બીજા ક્રમે આવે છે. સૌથી ઊંચું શિખર ચિલી અને આર્જેન્ટિનાની સરહદે એકાન્કાગુઆ (6959 મીટર) આવેલું છે. પ્રશાંત મહાસાગરને લગભગ કિનારે આવેલી પર્વતમાળા જ્વાળામુખી અને ગેડીકરણ જેવી ભૂસંચલનપ્રક્રિયાનું પરિણામ છે. સૌથી વધુ સક્રિય જ્વાળામુખી કોટોપાક્સી (5,897 મી.) ઇક્વેડૉરમાં આવેલો છે. ક્વીટોથી 56 કિમી. દૂર આવેલો આ જ્વાળામુખી દક્ષિણ અમેરિકાનો સૌથી ભયાનક જ્વાળામુખી ગણાય છે. તે બારે માસ બરફથી છવાયેલો રહે છે. ચિમ્બોરાઝો (ઇક્વેડૉર) પણ ઘણો જાણીતો જ્વાળામુખી છે.

ઉત્તર-પૂર્વના ઉચ્ચ પ્રદેશો : ખંડના પૂર્વ અને ઉત્તર ભાગમાં બ્રાઝિલ અને ગિયાનામાં ઉચ્ચ પ્રદેશો, ટેકરીઓ અને જ્વાળામુખી શંકુઓ જોવા મળે છે.

મધ્યનાં સમતલ મેદાનો : ઍન્ડીઝમાંથી નીકળતી નદીઓએ આશરે 58.8 લાખ ચોકિમી.ના વિસ્તારમાં કાંપનાં મેદાનો બનાવેલાં છે. ઍમેઝોન નદીનો તટપ્રદેશ દુનિયાનો સૌથી મોટો તટપ્રદેશ છે. તે વિષુવવૃત્તની નીચે 57 લાખ ચોકિમી.ના વિસ્તારવાળો છે. આ મેદાનોની જમીન અત્યંત ફળદ્રૂપ છે.

હવામાન અને આબોહવા : દક્ષિણ અમેરિકામાં સામાન્યતયા સાત પ્રકારની આબોહવા જોવા મળે છે. ઍમેઝોનનાં મેદાનોમાં બારે માસ ઊંચું તાપમાન (270 સે.) અને ઊંચી આર્દ્રતા (80%) અને વધુ વરસાદ હોય છે. જ્યારે દક્ષિણ ચિલીમાં આવેલા કેપ હૉર્ન ખાતે સરેરાશ તાપમાન જાન્યુઆરી અને જુલાઈમાં 160 સે. અને 50 સે. હોય છે. વિષુવવૃત્ત પર આવેલા ક્વીટોમાં 130 સે. તાપમાન હોય છે. વર્ષ દરમ્યાન કુલ વરસાદ મેદાનોમાં 2000 મિમી. ઘાસનાં બીડોમાં 1,000થી 2,000 મિમી. અને રણપ્રદેશોમાં 250 મિમી. હોય છે.

નદીઓ : વિશ્વમાં નાઈલ પછીના બીજા ક્રમે સૌથી લાંબી 6,440 કિમી લાંબી ઍમેઝોન નદી દક્ષિણ અમેરિકાની સૌથી મોટી નદી છે. દર સેકન્ડે તે આટલાન્ટિક મહાસાગરમાં 1,77,800 ઘનમીટર પાણી ઠાલવે છે, જે મિસિસિપી કરતાં દસગણું વધારે છે. 1,000 કરતાં પણ વધુ નાની-મોટી નદીઓ તેને મળે છે. 5,240 મી.ની ઊંચાઈએ ઍન્ડીઝમાં આવેલા લૌરીકોચા સરોવરમાંથી તે નીકળે છે. આ ઉપરાંત રિયો-ડી- પ્લાટા એક અખાત જેવો વિસ્તાર છે. પરાગ્વે, પરાના અને ઉરુગ્વે નદીઓનો તે બનેલો છે. પરાના 3,976 કિમી. અને પરાગ્વે 2,474 કિમી. લાંબી નદીઓ છે. પરાના નદીમાં તો આર્જેન્ટિનામાં દરિયાથી અંદર 200 કિમી. દૂર રોઝારિયો સુધી મોટાં વહાણો પણ જઈ શકે છે. ઑરીનોકો નદી 2139 કિમી. લાંબી છે. દક્ષિણ અમેરિકાની મોટાભાગની નદીઓ પશ્ચિમમાં ઍન્ડીઝમાંથી નીકળી પૂર્વ તરફ વહી આટલાન્ટિક મહાસાગરને મળે છે.

ધોધ, સરોવરો અને બંદરો : દક્ષિણ અમેરિકામાં કેટલાક સૌથી ઊંચા અને ભવ્ય ધોધ આવેલા છે. બ્રાઝિલ અને આર્જેન્ટિનાની સરહદે આવેલો 78 મી. ઊંચો અને 3.2 કિમી. પહોળો ઇગુઆઝુ ધોધ ઘણો પ્રખ્યાત છે. મોટાભાગનાં સરોવરો ઍન્ડીઝમાં કે તેની તળેટીમાંની ટેકરીઓમાં આવેલાં છે. સૌથી મોટું સરોવર ટિટિકાકા પેરુ અને બોલિવિયાની વચ્ચે 3,810 મી.ની ઊંચાઈએ આવેલું છે. 31,951 કિમી. લાંબો દરિયાકિનારો ધરાવતા દક્ષિણ અમેરિકામાં કેટલાંક સારાં બંદરો છે, તેમાંનું શ્રેષ્ઠ રિયો ડી-જાનેરો (બ્રાઝિલ) છે. તે દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ વ્યાપાર કરતું બંદર છે.

જમીન અને જંગલો : ઉષ્ણ કટિબંધમાં અત્યંત સૂકી રાતા રંગની લેટેરાઇટ જમીન છે અને ઈશાન બ્રાઝિલ, ઉત્તર ચિલી અને પેરુના કિનારે રેતાળ જમીન છે. કોલંબિયાના ઍન્ડીઝમાં લાવાની ફળદ્રૂપ જમીન છે, જ્યારે પંપાઝનાં મેદાનોમાં અતિફળદ્રૂપ ચેર્નોઝેમ અને દક્ષિણ ચિલીમાં પૉડઝોલ જમીન આવેલી છે. બ્રાઝિલનો ઉષ્ણકટિબંધીય જમીનનો મોટો ભાગ ઓછી ફળદ્રૂપતા ધરાવે છે જ્યારે આર્જેન્ટિનામાંનો પ્રદેશ શુષ્ક અથવા અર્ધશુષ્ક છે.

દુનિયાનાં કુલ જંગલોના 21.1% અને ઘાસનાં બીડોના 14.5% દક્ષિણ અમેરિકામાં આવેલાં છે. 9,460 લાખ હેક્ટર જેટલા વ્યાપક વિસ્તારમાં જંગલો છે, જે સમગ્ર ખંડના 50% કરતાં પણ વધુ વિસ્તાર છે. બ્રાઝિલમાં સૌથી વધુ જંગલો છે. સમગ્ર ખંડનાં જંગલો કરતાં વધુ જંગલો બ્રાઝિલમાં છે.

વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ : દક્ષિણ અમેરિકામાં લગભગ 2,500 જાતનાં ઝાડ ઊગે છે. મોટાભાગનાં માનવીઓ માટે ઉપયોગી છે. બીજાં અનેક જાતનાં ફળઝાડ થાય છે અને અનાજ પાકે છે. ઉષ્ણકટિબંધીય જંગલોમાં 200 જાતનાં મોટાં વૃક્ષો થાય છે, જેમાંથી મોટા પાયા પર લાકડું મેળવવામાં આવે છે.

વિશ્વનાં પ્રાણીઓમાંની તમામ જાણીતી જાતોના લગભગ ચોથા ભાગની વસ્તી દક્ષિણ અમેરિકામાં રહે છે. તેમાં હરણ, રીંછ, જગુઆર, સાપ વગેરેનો સમાવેશ પણ થાય છે. વિશ્વની પાંચમા ભાગની ગાયો અને ચોથા ભાગના ઘોડા દક્ષિણ અમેરિકામાં છે. અહીં વન્યજીવનમાં ઘણું વૈવિધ્ય છે. જોકે આફ્રિકાની જેમ અહીં પણ કેટલીક જાતિઓના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. જંગલોમાં વાનર અને પોપટની વસ્તી ઘણી મોટી છે. એ જ રીતે પાણીમાં સર્પ, મત્સ્યની વસ્તી ઘણી મોટી છે. ઉંદરના વર્ગના ચિન્ચીલા નામના પ્રાણીનું આ વતન છે. સૌથી વધુ તાપીર નામનું ડુક્કર જેવું પ્રાણી અહીં જોવા મળે છે. ઉપરાંત શાહમૃગ જેવા રહિયા નામના પ્રાણીની વસ્તી પણ મોટી છે, તે મહદંશે આર્જેન્ટિનામાં જોવા મળે છે. ઇક્વેડૉરથી 965 કિમી. દૂર પશ્ચિમે આવેલા ગાલાપગોસ ટાપુઓ પર મળી આવતાં કેટલાંક પ્રાણીઓ પૃથ્વી પર બીજે ક્યાંય નથી. તેમનો અભ્યાસ કરવા ચાર્લ્સ ડાર્વિને પણ 1835માં આ ટાપુઓની મુલાકાત લીધી હતી.

લોકો : દક્ષિણ અમેરિકાનો વિસ્તાર યુ.એસ.એ.ના વિસ્તાર કરતા મોટો છે પરંતુ તેની વસ્તી ઓછી છે. તેની કુલ વસ્તી 64,22,16,682 (2020) છે. લગભગ અર્ધી વસ્તી 15 વર્ષની નીચેનાં બાળકોની છે અને તેથી બધો આર્થિક ભાર મુકાબલે નાના એવા કામદાર વર્ગ ઉપર આવે છે. વસ્તીની ગીચતા ચોકિમી. દીઠ 17 વ્યક્તિની છે, અને વસ્તીવૃદ્ધિનો દર 1980થી ’85 દરમિયાન 2.3%નો હતો. વિશ્વના સૌથી વધુ શહેરી વિસ્તારો પણ દક્ષિણ અમેરિકામાં છે બ્યુનોએરીસ, સાઓ પાઉલો, રિયો-ડી-જાનેરો, બોગોટા, સાન્ટિયાગો, લિમા અને કારાકાસ મોટાં શહેરો છે. ચિલી, આર્જેન્ટિના, ઉરુગ્વે અને વેનેઝુએલામાં તે આવેલાં છે. દક્ષિણ અમેરિકાનું સૌથી મોટું શહેર સાઓ પાઉલો બ્રાઝિલમાં આટલાન્ટિક મહાસાગરના કિનારા પાસે આવેલું છે. તેની વસ્તી શહેર : આશરે 96,46,200; મહાનગર : આશરે 1,65,67,300 છે.

દક્ષિણ અમેરિકા 9. પેરુ, 10. ઇક્વેડૉર, 11. કોલંબિયા, 12. વેનેઝુએલા, 13, ગિયાના, 14. સુરીનામ, 15. ફ્રેંચ ગિયાના, 16. બ્રાઝિલ, 17. બોલિવિયા, 18. પરાગ્વે, 19. આર્જેન્ટિના, 20. ઉરુગ્વે, 21. ચિલી.

ધાર્મિક રીતે સૌથી વધુ 74% લોકો ખ્રિસ્તી છે, જેમાંના 95% રોમન કૅથલિક છે. અન્યમાં યહૂદી, મુસ્લિમ, બૌદ્ધ અને હિંદુ લઘુમતીઓનો સમાવેશ થાય છે. દક્ષિણ અમેરિકામાં લોકો સ્પૅનિશ, ફ્રેંચ, અંગ્રેજી, ડચ અને પોર્ટુગીઝ ભાષાઓ બોલે છે. નવ દેશોની સત્તાવાર ભાષા સ્પૅનિશ છે. મોટાભાગના આદિવાસી ઇન્ડિયનો હજુ પણ તેમની મૂળ ભાષા જ બોલે છે. તેમનામાં આવાં 82 ભાષાકીય જૂથો ઓળખી કઢાયાં છે.

દક્ષિણ અમેરિકાની હાલની વસ્તીના ચાર મુખ્ય ઘટકો છે : અમેરિન્ડિયન (કોલંબસના આગમન પૂર્વે નિવાસ કરતા અમેરિકન ઇન્ડિયનો), ઇબેરિયન (ખંડ જીતનાર અને ઓગણીસમી સદીના આરંભ સુધી વર્ચસ્ જમાવનાર), આફ્રિકી (સંસ્થાનવાદીઓ દ્વારા આયાત કરાયેલા ગુલામો) અને સ્વાતંત્ર્ય બાદ વિદેશોમાંથી અને ખાસ કરીને યુરોપમાંથી આવેલા સ્થળાંતરિતો.

અમેરિન્ડિયનો યુરોપિયનો સોળમી સદીમાં આવ્યા તે પહેલાં દક્ષિણ અમેરિકામાં વસતા હતા. પુરાતન સંસ્કૃતિ પ્રકારનો તેમનો એન્ડિયન સમાજ હતો. પ્રશાંત મહાસાગરને કિનારે વિકસેલા આ સમાજનું મુખ્ય કેન્દ્ર પેરુમાં હતું. જોકે આ સમાજની કોઈ લેખિત ભાષા ન હતી.

સ્પૅનિશ અને પોર્ટુગીઝ સિવાયના જે યુરોપીય લોકો દક્ષિણ અમેરિકા આવ્યા તેઓ ઇબેરિયન કહેવાયા. તેમાં વીસીગોથ, યહૂદી, આરબ, બર્બર અને મૂર લોકોનો સમાવેશ થાય છે.

સ્પૅનિશ અને પોર્ટુગીઝો આવ્યા ત્યારે તેમની સાથે ગુલામો તરીકે થોડા આફ્રિકીઓને લઈ આવ્યા હતા. તેના બે-ત્રણ દાયકા બાદ મજૂરોની ભારે અછતને લીધે મોટા પાયા પર ગુલામોની આફ્રિકાથી આયાત કરાઈ. હાલના બ્રાઝિલમાં લગભગ 40 લાખ અને અન્ય સ્પૅનિશ અમેરિકામાં લગભગ 30 લાખ આફ્રિકી લોકો ફેલાયા. બ્રાઝિલ પછી તેમની સૌથી વધુ વસ્તી કોલંબિયામાં છે. તે બધા મહદ્અંશે પશ્ચિમ આફ્રિકામાંથી આયાત કરાયા હતા.

દક્ષિણ અમેરિકાના મોટાભાગના દેશો ઓગણીસમી સદીની શરૂઆતમાં સ્વતંત્ર થયા. પરંતુ ઓગણીસમી સદીના અંતથી શરૂ કરીને 1930 સુધીમાં દક્ષિણ અમેરિકામાં 110થી 120 લાખ યુરોપિયનો આવ્યા. તેમાંના લગભગ 50% આર્જેન્ટિનામાં અને લગભગ 37% બ્રાઝિલમાં ગયા.

ઇતિહાસ : પુરાતત્ત્વીય શોધો દર્શાવે છે કે મૉંગોલૉઇડ લોકો લગભગ 20,000 વર્ષ અગાઉ પહેલી વાર દક્ષિણ અમેરિકામાં આવ્યા હતા. ઈ. સ. પૂ. 2600 વર્ષ અગાઉ ખેતીનો વિકાસ થયો તે પહેલાંના લોકો શિકારીઓ અને વસ્તુઓ એકત્ર કરનારા હતા.

ઍન્ડીઝના મધ્ય પર્વતીય વિસ્તારમાં મકાઈની ખેતી શરૂ થઈ હોવાનો અંદાજ છે. આ એન્ડિયન સંસ્કૃતિની શરૂઆત ઈ. સ. પૂ. 1000થી શરૂ થઈ. ઈ. સ. 1થી 1000ના ગાળામાં સ્થાપત્યકળા વિકસી, બહુખંડી મકાનો બંધાયાં, સુવર્ણમિશ્ર ધાતુઓ અને તાંબાની ધાતુવિદ્યા તથા ખેતીની પદ્ધતિઓ વિકસી. રાજકીય અને લશ્કરી સંગઠનો દ્વારા અનેક રાજ્યો સ્થપાયાં. આ ઇન્કા સાંસ્કૃતિક સામ્રાજ્યનો વિસ્તાર 25,88,000 ચોકિમી. થયો હતો. તેની વસ્તી 60 લાખની હતી. જોકે તેમની પાસે કોઈ લેખિત ભાષા ન હતી. ઈ. સ. 1000 પછી પેરુમાં ઇન્કા સામ્રાજ્યનો વિકાસ થયો હતો. તે હાલના કોલંબિયાથી ચિલી સુધી વિસ્તર્યું હતું. ઈ. સ. 1400 પછી તો વિસ્તરણ વધતું જ ગયું, જે 1530માં સ્પૅનિશ હુમલાઓથી અટક્યું. તે સમયે દક્ષિણ અમેરિકાની વસ્તી આશરે 140 લાખ હતી.

કોલંબિયામાં બીજી ચિબકા સંસ્કૃતિ વિકસી હતી. બાકીની સંસ્કૃતિઓ યુરોપિયનો આવ્યા ત્યાં સુધી પ્રાચીન પાષાણયુગ અને નૂતન પાષાણયુગના તબક્કા સુધી જ વિકસી હતી.

કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો ત્યારબાદ યુરોપિયનો દક્ષિણ અમેરિકામાં મોટા પ્રમાણમાં આવ્યા. તે અગાઉ 1494માં ટોર્ડેસિલાસની સંધિ દ્વારા પોર્ટુગલ અને સ્પૅને દક્ષિણ અમેરિકા વહેંચી લીધું હતું. ખંડનો પૂર્વ ભાગ પોર્ટુગલે પ્રાપ્ત કર્યો અને બાકીનો સ્પૅને મેળવ્યો. સ્પૅને 1593માં સત્તાવાર રીતે ઉત્તરીય દરિયાકિનારાનો કબજો મેળવ્યો.

ફ્રાન્સિસ્કો પીઝારોએ 1533માં ઇન્કા સામ્રાજય જીતી લીધું. 1538માં જિમેનેઝ દ ફુસાઈએ ચિબકાઓને હરાવ્યા અને બોગોટા સ્થાપ્યું. યુરોપમાંથી સ્થળાંતરિતોનું મોટી સંખ્યામાં આવવાનું સોળમી સદીના મધ્યમાં શરૂ થયું અને શહેરી સંસ્કૃતિનો પાયો નંખાયો. સત્તરમી સદીમાં સ્પૅનનાં સંસ્થાનોનો વ્યાપ વધ્યો અને અઢારમી સદીના અંત સુધીમાં આ સંસ્થાનોમાં ક્રાંતિનો પવન ફૂંકાયો. નેપોલિયને સ્પૅન અને પોર્ટુગલ પર હુમલો કરતાં તેઓ આ સંસ્થાનો ઉપર ધ્યાન આપી શક્યા નહિ અને તેથી એ સંસ્થાનો સ્વતંત્ર થવા માંડ્યાં. સુરીનામ અને ગિયાના સિવાયના તમામ 10 દેશો 1810થી 1828ના ગાળામાં સ્વતંત્ર થઈ ગયા. ગિયાના 1966માં અને સુરીનામ 1975માં સ્વતંત્ર થયું.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મોટાભાગના દેશોએ જર્મની સાથેના સંબંધો તોડી નાખ્યા. યુદ્ધ બાદ તે રાષ્ટ્રસંઘ(League of Nations)ના સભ્ય બન્યા. 1938માં ‘લીમા જાહેરાત’ પર સહીઓ થઈ, જેમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકાની સરકારોએ બાહ્ય હુમલાઓ સામે રક્ષણ માટે એકતા સાધી.

યુ.એસ. બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું ત્યારે આર્જેન્ટિના સિવાય દક્ષિણ અમેરિકાનાં તમામ રાષ્ટ્રોએ ધરીરાજ્યો સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. યુદ્ધ બાદ બધા જ દેશો સંયુક્ત રાષ્ટ્રો(યુ. એન.)ના સભ્યો બન્યા. 1945ના ચાપુલ્ટેપેક ધારાએ 1947ની રિયો-ડી-જાનેરો ખાતેની પરિષદમાં કરારનું સ્વરૂપ ધારણ કર્યું, જેમાં આંતર-અમેરિકી ઐક્ય, સહકાર અને બાહ્ય આક્રમણ સામે રક્ષણ મજબૂત બન્યાં. 1948માં અમેરિકન રાજ્ય સંગઠન (ઓ.એ.એસ. – Organization of American States) સ્થપાયું.

અર્થકારણ : દક્ષિણ અમેરિકાનાં મોટાભાગનાં રાષ્ટ્રોમાં મુક્ત અથવા મિશ્ર અર્થતંત્ર છે. બ્રાઝિલ આ ખંડની સૌથી મોટી આર્થિક સત્તા છે. તે પછીના ક્રમે આર્જેન્ટિના અને વેનેઝુએલા આવે છે. ઉદ્યોગીકરણ મહદંશે ખનિજોના ઉત્ખનન પર કેન્દ્રિત થયેલું છે અને માળખાગત રીતે તે મોટાભાગના દેશોમાં અસંતુલિત છે. આવક થોડા સંપત્તિવાન લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી છે. જમીન બહુ ઓછા લોકો પાસે મોટા જથ્થામાં કેન્દ્રિત થયેલી છે. જમીનસુધારા બોલિવિયા, પેરુ અને ચિલીમાં વ્યાપક પ્રમાણમાં થયા છે. પરંતુ બાકીના દેશોમાં તેનો દર ઘણો ધીમો છે. તાજેતરનાં વર્ષોમાં મોટા પ્રમાણમાં લોકો શહેરોમાં સ્થળાંતર કરી ગયા હોવા છતાં ગ્રામવિસ્તારોમાં હજુ પણ વ્યાપક બેરોજગારી પ્રવર્તે છે. આર્થિક સહકાર માટે 1969માં એન્ડિયન જૂથ અને 1978માં ઍમેઝોન સમજૂતી જેવાં સંગઠનો પણ રચાયાં છે.

ખેતી : દક્ષિણ અમેરિકામાં કુલ જમીનના છ ટકા કરતાં પણ ઓછી જમીનનું ખેડાણ થાય છે. સમગ્ર ખંડની ખેડાણલાયક જમીનના 40% (આશરે ત્રણ લાખ ચોકિમી.) જમીન માત્ર બ્રાઝિલમાં જ આવેલી છે. બીજા ક્રમે 2.14 લાખ ચોકિમી. જમીન ધરાવતું આર્જેન્ટિના છે. આમ છતાં આ બંને દેશોમાં જમીન વધુ ઉપયોગી નથી. અગ્નિ બ્રાઝિલ, ઉરુગ્વે, આર્જેન્ટિના અને મધ્ય ચિલીમાં મોટા પાયે ખેતી થાય છે. સમગ્ર ખંડમાં મકાઈ મોટા પ્રમાણમાં ઉગાડાય છે. શેરડી અને કેળાંની ખેતી પણ મોટા પાયે થાય છે. કેળાંની તો વિશ્વના અન્ય ભાગોમાં મોટા પ્રમાણમાં નિકાસ કરાય છે. નાળિયેર દક્ષિણ અમેરિકામાં સર્વત્ર થાય છે. એશિયામાંથી ચોખાનો પાક અહીં આવ્યો અને કોલંબિયા, પેરુ, બ્રાઝિલ, ઉરુગ્વેમાં તે પકવાય છે. આર્જેન્ટિનામાં ઘઉં વધુ પ્રમાણમાં ઉગાડાય છે. કૉફી કોલંબિયા અને બ્રાઝિલમાં સૌથી વધુ ઉત્પન્ન થાય છે. રૂ અહીં પ્રાગૈતિહાસિક કાળથી ઉત્પન્ન થતું આવ્યું છે. તે બ્રાઝિલ, આર્જેન્ટિના, પેરુ અને ઇક્વેડૉરમાં મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.

દક્ષિણ અમેરિકામાં કૃષિ મોટું ક્ષેત્ર હોવા છતાં અનેક દેશોને મહત્ત્વની કૃષિપેદાશો આયાત કરવી પડે છે. દક્ષિણ અમેરિકાના સૌથી વધુ વિસ્તારમાં મકાઈ ઉગાડાય છે; બીજે ક્રમે ઘઉં અને ત્રીજે ક્રમે ચોખા છે.

જમીનની હેક્ટર દીઠ ઉત્પાદકતા અન્ય પ્રદેશો કરતાં ઘણી નીચી છે. મહદંશે ખેડાણલાયક જમીનના વિસ્તારને લીધે જ ઉત્પાદકતા વધે છે. જમીનનો ઉપયોગ બિનકાર્યક્ષમ રીતે થાય છે. ખેતીની મૂડી માટે પ્રવર્તતી તંગી આની પાછળનું મહત્ત્વનું કારણ છે. વળી સાધનોના ખર્ચ અને ઉત્પાદનના ભાવો વચ્ચેના વિપરીત સંબંધને લીધે પણ કૃષિવિકાસ નીચો છે. શૈક્ષણિક કૌશલ્યનો અભાવ, બેકારી અને સંચાલનની આધુનિક પદ્ધતિઓના મર્યાદિત ઉપયોગને લીધે ખેતકામદારદીઠ સરેરાશ પેદાશ ઘણી નીચી છે. ચોથા ભાગથી ઓછી આર્થિક રીતે સક્રિય વ્યક્તિઓ કૃષિક્ષેત્રમાં કામ કરે છે. પેરુગ્વે અને બોલિવિયામાં ખેતકામદારોની ટકાવારી સૌથી ઊંચી છે, જ્યારે આર્જેન્ટિના અને ઉરુગ્વેમાં સૌથી નીચી છે.

ખનિજો : દક્ષિણ અમેરિકામાં ખનિજો વિપુલ જથ્થામાં છે. કોલસો સરખામણીએ ઓછો છે પણ ખનિજ તેલ ઘણા મોટા જથ્થામાં છે. વેનેઝુએલા વિશ્વના મોટા તેલ-ઉત્પાદકોમાંનો એક છે. કુદરતી વાયુ પણ ત્યાં મળી આવે છે. કાચું લોખંડ ઘણા મોટા પ્રમાણમાં ત્યાંથી નીકળે છે. વિશ્વની પાંચમા ભાગની લોખંડની અનામતો દક્ષિણ અમેરિકામાં છે. વેનેઝુએલા અને બ્રાઝિલમાં તાજેતરમાં જડી આવેલ લોખંડની અનામતો તેને રશિયા પછી વિશ્વમાં બીજે ક્રમે મૂકે છે. મૉલિબ્ડેનમ સૌથી વધુ ચિલીમાં છે. વિશ્વની તાંબાની અનામતોનો લગભગ ચોથો ભાગ દક્ષિણ અમેરિકામાં છે. તાંબાના ઉત્પાદનમાં ચિલીનો ક્રમ વિશ્વમાં ત્રીજો છે પરંતુ તાંબાની અનામતો ચિલીની જ સૌથી વધારે છે. કોલંબિયામાં પ્લૅટિનમની સૌથી મોટી અનામત છે. બૉક્સાઇટ સૌથી વધુ સુરીનામમાં છે. મૅંગેનીઝનો જથ્થો પણ મળે છે. મલેશિયા પછી કલાઈના પતરાની નિકાસમાં બોલિવિયા બીજા ક્રમે આવે છે. સોનાની અનામતો દક્ષિણ અમેરિકામાં ઓછી છે. ચાંદી પણ ઓછા પ્રમાણમાં મળી આવે છે. દક્ષિણ અમેરિકાના ઘણા ભાગોમાં કીમતી પથ્થરો મળી આવે છે, જોકે તેનું પ્રમાણ ઘણું ઓછું છે.

ઉદ્યોગો : દક્ષિણ અમેરિકામાં ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ ઘણો ઓછો થયો છે. ઉદ્યોગીકરણનો પહેલો તબક્કો દક્ષિણ અમેરિકાના બધા દેશો ચૂકી ગયા હતા. બીજા તબક્કાના પ્રણાલીગત ઉદ્યોગો હજુ ચાલુ છે. પાયાના ઉદ્યોગોનો ત્રીજો તબક્કો ઘણા દેશોમાં હજુ પ્રગતિ સાધી રહ્યો છે. બીજા વિશ્વયુદ્ધ બાદ આયાત-અવેજીકરણની પ્રક્રિયા વધતાં ઉદ્યોગોનો વિકાસ થયો. હાલના મોટાભાગના ઉદ્યોગો હળવા ઉદ્યોગો અથવા નિકાસ માટેના પ્રક્રિયાગત (processing) ઉદ્યોગો છે. આર્જેન્ટિના અને બ્રાઝિલ તેમાં અપવાદ છે. બંને સંપૂર્ણપણે ઔદ્યોગિક છે. ખંડમાં મોટાભાગની ઔદ્યોગિક પ્રવૃત્તિ મોટાં શહેરોમાં જ કેન્દ્રિત થયેલી છે. ઘણા દેશોએ મોટા ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું.

દક્ષિણ અમેરિકામાં આવેલા દેશોમાં માથાદીઠ આવકમાં નોંધપાત્ર તફાવતો જોવા મળે છે. 1997માં આર્જેન્ટિનાની માથાદીઠ આવક 8570 ડૉલર હતી, જ્યારે બોલિવિયાની માથાદીઠ આવક 950 ડૉલર હતી. વસ્તી અને વિસ્તારમાં સહુથી મોટા એવા બ્રાઝિલની માથાદીઠ આવક માત્ર 4720 ડૉલર હતી. ઉદ્યોગોના ભૌગોલિક કેન્દ્રીકરણને લીધે ખાસ કરીને બોલિવિયા અને ચિલીમાં મજબૂત અને અસરકારક મજૂરસંઘો ઊભા થયા છે. ત્યાં મોટા રાજકીય ફેરફારો પાછળ પણ ઘણી વાર તેમનું મોટું બળ રહ્યું છે, જોકે તાજેતરનાં વર્ષોમાં આર્જેન્ટિના, બોલિવિયા, ઉરુગ્વે અને ચિલીમાં તથા કૈંક અંશે પેરુ, કોલંબિયા અને ઇક્વેડૉરમાં મજૂર-ચળવળને નાથતા કાયદાઓ થયા છે. આ મોટાભાગના દેશોમાં મજૂરસંઘો ગેરકાયદે જાહેર કરાયા છે અને હજારો કામદારોને જેલમાં પૂરી ત્રાસ અપાયો છે.

વ્યાપાર : બૅંકો અને નાણાકીય સંસ્થાઓ મોટાં શહેરો અને કસબાઓમાં વ્યાપેલી છે. ઘણા મોટા પ્રમાણમાં તે સરકારહસ્તક છે. છૂટક અને જથ્થાબંધ વ્યાપાર ખાનગી લોકો પાસે છે. વિવિધ ચીજો વેચતી મોટી દુકાનો (departmental stores) ભાગ્યે જ દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. કુલ નિકાસોમાં આંતરપ્રાદેશિક નિકાસોનો ફાળો છઠ્ઠા ભાગનો છે. આંતરપ્રાદેશિક વ્યાપારમાં વધારો સમગ્ર દક્ષિણ અમેરિકાના ઝડપી આર્થિક વિકાસ માટે ચાવીરૂપ તત્ત્વ છે એમ ઘણા લોકો માને છે. આર્જેન્ટિના, બ્રાઝિલ અને વેનેઝુએલાની નિકાસો 50% કરતાં પણ વધુ છે. આ જ દેશો 50% કરતાં વધુ આયાતો ધરાવે છે. આયાતોની ચુકવણી માટે પૂરતી નિકાસ-આવક ન હોવાની સમસ્યા છે. મુખ્ય નિકાસોમાં ખાદ્ય પદાર્થો, બળતણ અને કાચો માલ છે. ત્રીજા ભાગ કરતાં વધુ આયાતો યુ.એસ.માંથી જ થાય છે, અને બીજી લગભગ ત્રીજા ભાગની આયાતો પશ્ચિમ યુરોપમાંથી થાય છે. આમ ઔદ્યોગિક વસ્તુઓ માટે આયાતો પર જ આધાર રાખવો પડે છે અને ઔદ્યોગિક રાષ્ટ્રો સાથેના વ્યાપારમાં અસમતુલા પ્રવર્તે છે. વિશ્વના વ્યાપારમાં દક્ષિણ અમેરિકાનો ટકાવારી ફાળો ઘણો નીચો છે. 1960માં લૅટિન અમેરિકન મુક્ત વ્યાપાર મંડળની સંધિ ઉરુગ્વેના મોન્ટેવીડેઓમાં થઈ. એમાં સહી કરનારાઓ આર્જેન્ટિના, બ્રાઝિલ, ચિલી, મેક્સિકો, પરાગ્વે, પેરુ અને ઉરુગ્વે હતાં. તે રદ કરીને 1980માં નવું એ.એલ.એ.ડી.આઈ. સંગઠન સ્થપાયું.

સામાજિક–રાજકીય પરિવર્તન : આર્થિક વિસ્તરણની સાથે સાથે શહેરી સમાજ રચાયો અને શહેરી મધ્યમવર્ગ તથા મજૂરવર્ગ અસ્તિત્વમાં આવ્યો. રાજકીય પદ્ધતિમાં આથી ફેરફારો થયા અને લોકોની ભાગીદારી વધી. આથી સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય ચિત્ર બદલાયું. રાષ્ટ્રવાદ વિવિધ માર્ગોએ અને માત્રામાં ફેલાયો. લોકપ્રિય સરકારોને સ્થાને અલ્પસંખ્ય સરકારો આવી. તેમાં એકહથ્થુ સત્તાવાદ અને મર્યાદિત લોકશાહી રહ્યાં. લશ્કરી દરમ્યાનગીરી ચાલુ રહી, પરંતુ તેનો અર્થ બદલાયો, મોટાભાગના દેશોમાં સરમુખત્યારશાહી સરકારો શાસન કરે છે.

તાજેતરનાં વર્ષોમાં દક્ષિણ અમેરિકાનાં રાષ્ટ્રોમાં ઉદ્યોગીકરણ, સામાજિક ઊથલપાથલ અને રાજકીય જુવાળ ઊભાં થયાં છે. રાષ્ટ્રીય અસ્મિતાની વધતી ભાવનાએ ઇન્ડિયન અને મોસ્તિઝોના સાંસ્કૃતિક વારસાનું પુનર્મૂલ્યાંકન કરવાની ફરજ પડી છે. આર્થિક વિકાસ અને ઐક્ય સર્વસ્વીકૃત બન્યાં છે. પરંતુ વિવિધ સામાજિક વર્ગોનાં વિરોધાભાસી હિતો અને વિચારોએ સંઘર્ષો ઊભા કર્યા છે. આ વર્ગો રાજકીય ક્ષેત્રમાં સક્રિય ભાગીદારી ધરાવે છે. એક તરફ માર્ક્સવાદી અને બીજી તરફ એકહથ્થુ લશ્કરી શાસનવાળી સરકારો સ્થપાઈ છે. જૂનો સંસ્થાનવાદી વારસો સ્પષ્ટતયા અદૃશ્ય થઈ ગયો છે.

હેમન્તકુમાર શાહ

અમેરિકાની ક્રાંતિ (1775-1783)

અમેરિકાનાં 13 સંસ્થાનો અને ગ્રેટ બ્રિટન વચ્ચે સંસ્થાનોની સ્વતંત્રતા માટે થયેલ ક્રાંતિકારી યુદ્ધ. આ તેર સંસ્થાનો કનેક્ટિકટ, ડેલાવેર, જ્યૉર્જિયા, મેઇન, મેરીલૅન્ડ, મૅસેચ્યૂસેટ્સ, ન્યૂ હેમ્પશાયર, ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક, પેન્સિલ્વેનિયા, ર્હોડ આઇલેન્ડ, વરમોન્ટ અને વર્જિનિયા હતાં. 1763માં ઉત્તર અમેરિકામાં ગ્રેટ બ્રિટનની સત્તા પ્રવર્તતી હતી. બ્રિટને ફ્રાન્સને હરાવીને તેના ઘણાખરા પ્રદેશો મેળવી લીધા હતા. સંસ્થાનોના મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી ધારાસભાઓ કાયદા ઘડીને લોકો પર કર નાખી શકતી હતી. સંસ્થાનોમાં ગવર્નરોની નિમણૂક બ્રિટનનો રાજા કરતો હતો. અમેરિકાનાં સંસ્થાનો તેનાં આર્થિક હિતો જાળવે એવી ગ્રેટ બ્રિટનની સરકાર આશા રાખતી. સંસ્થાનવાસીઓ બ્રિટનના કાયદા માનતા. 1650ના નૌકાયાનના કાયદા મુજબ બ્રિટિશ માલ સાથે સ્પર્ધા થાય એવા માલનું ઉત્પાદન તેઓ કરી શકતા નહિ, તથા ઇંગ્લૅન્ડ સિવાય અન્ય કોઈ દેશ સાથે સીધો વેપાર કરી શકતા નહિ. પરન્તુ આ કાયદાનો કડક અમલ થતો નહિ.

ફ્રેન્ચો અને ઇન્ડિયનો સામેના યુદ્ધ પછી બ્રિટને અમેરિકાના તેના પ્રદેશો પરના અંકુશો મજબૂત કર્યા. સંસ્થાનવાદની નીતિમાં ઇંગ્લૅન્ડના શાસકો હવે વધુ આપખુદ અને સ્વાર્થી બન્યા. 1764માં ખાંડ અંગેનો કાયદો ઘડવામાં આવ્યો. તે મુજબ ખાંડ ઉપરાંત દારૂ, રેશમ, કૉફી, ગળી વગેરેની આયાત ઉપર જકાત નાખવામાં આવી. તે વસૂલ કરવા માટે કડક નીતિ અપનાવવામાં આવી. તેનો સંસ્થાનોમાં સખત વિરોધ થયો. અનેક ઠેકાણે સંસ્થાનવાસીઓ ચર્ચા કરવા લાગ્યા કે ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટને સંસ્થાનો પર કર નાખવાનો અધિકાર છે કે કેમ. ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે 1765માં ચલણનો કાયદો ઘડી, સંસ્થાનવાસીઓને ચલણી નોટો છાપવાનો પ્રતિબંધ ફરમાવ્યો. એ જ વર્ષે બીજા એક કાયદા દ્વારા, ઇંગ્લૅન્ડના જે સૈનિકો અમેરિકામાં હોય ત્યાંના સંસ્થાનને તેમને રહેવાની વ્યવસ્થા કરવાની પાર્લમેન્ટે ફરજ પાડી. આ બંને કાયદા સામે લોકોમાં રોષ ફેલાયેલો હતો. ઇંગ્લૅન્ડને સંસ્થાનો ઉપર કર નાખવાની સત્તા નથી, એવી ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ લીધું, આ પરિસ્થિતિમાં પાર્લમેન્ટે 1765માં સ્ટૅમ્પ ઍક્ટ પસાર કરી વર્તમાનપત્રો, સામયિકો, પરવાનાઓ, કાનૂની લખાણો વગેરે ઉપર સંસ્થાનવાસીઓએ ટિકિટો લગાડવી ફરજિયાત કર્યું. સંસ્થાનોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો. કેટલેક ઠેકાણે તોફાનો થયાં. ટિકિટોને જાહેરમાં બાળવામાં આવી. વર્જિનિયામાં પેટ્રિક હેન્રીના નેતૃત્વ હેઠળ મળેલી સભાએ ઠરાવ કર્યો કે, ‘પ્રતિનિધિત્વ વિનાનો કર એ પરંપરા વિરુદ્ધની, ભૂતકાળની શોધ છે અને તે સંસ્થાનવાસીઓની સ્વતંત્રતા માટે ભયજનક છે.’ ‘પ્રતિનિધિ નહિ તો કર નહિ’ એ સૂત્ર સંસ્થાનોમાં પ્રચલિત થયું. લોકોના સખત વિરોધના ફળસ્વરૂપે આ કાયદો 1766માં રદ કરવામાં આવ્યો. 1767માં પાર્લમેન્ટે ટાઉનશેન્ડની આર્થિક નીતિ મુજબ કાગળ, કાચ, રંગ, ચા વગેરે ઇંગ્લૅન્ડથી નિકાસ થતી વસ્તુઓ ઉપર જકાત નાખી અને તેનો કડક અમલ કર્યો. તે સાથે સંસ્થાનોની અદાલતોને કોઈના પણ મકાન વગેરેની તપાસ કરવાની સત્તા આપી. ટાઉનશેન્ડના આ કાયદાઓના વિરોધમાં વેપારીઓએ ઉપર્યુક્ત માલની આયાત નહિ કરવાનો અને લોકોએ સ્વદેશી માલ વાપરવાનો નિર્ણય કર્યો.

ગ્રેટ બ્રિટનની સરકાર કરની વસૂલાત માટે કડક પગલાં ભરવા તત્પર હતી. તેથી જકાત અમલદારોની સલામતી માટે સૈન્યની બે ટુકડીઓ બોસ્ટન મોકલવામાં આવી. બોસ્ટનના લોકો અને સૈન્ય વચ્ચે 5 માર્ચ 1770ના રોજ થયેલાં તોફાનોમાં, ગોળીબારથી બોસ્ટનના પાંચ નાગરિકો શહીદ થયા. આ બનાવનો ‘બોસ્ટનની કતલ’ તરીકે વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો.

ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે 1770માં ટાઉનશેન્ડના કાયદા રદ કર્યા. પરંતુ કર નાખવાનો અધિકાર જાળવી રાખવા માટે એક રતલ (458 ગ્રામ) ચા ઉપર માત્ર ત્રણ પેન્સની જકાત ચાલુ રાખવામાં આવી. તેથી તેનો વિરોધ ચાલુ રહ્યો. 16 ડિસેમ્બર 1773ની રાત્રે બોસ્ટનવાસીઓએ રેડ ઇન્ડિયનોના વેશમાં બોસ્ટન બંદરે ઊભેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહાણમાંની ચાની પેટીઓ દરિયામાં નાખી દીધી. ‘બોસ્ટન ટી-પાર્ટી’ નામથી જાણીતા આ બનાવથી ઇંગ્લૅન્ડના રાજા અને મંત્રીઓ ક્રોધે ભરાયા. તેમણે આ બનાવને બળવાખોર કૃત્ય ગણાવી, નાશ કરેલી ચાની કિંમત ભરપાઈ થાય નહિ ત્યાં સુધી બોસ્ટન બંદર બંધ કર્યું. આ ઉપરાંત બીજા અત્યાચારી કાયદા દ્વારા મૅસેચ્યૂસેટ્સ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં.

ફિલાડેલ્ફિયામાં 5 સપ્ટેમ્બરથી 26 ઑક્ટોબર 1774 સુધી મળેલી સંસ્થાનોની પ્રથમ કૉંગ્રેસે માગણી કરી કે અત્યાચારી કાયદા રદ કરવામાં ન આવે ત્યાં સુધી ઇંગ્લૅન્ડ સાથે વેપાર કરવો નહિ. તેણે યુદ્ધ માટે નાગરિકોને તાલીમ આપવા સંસ્થાનોને સલાહ આપતો ઠરાવ કર્યો. તેમણે જ્યૉર્જ વૉશિંગ્ટનના સેનાપતિપદ હેઠળ લશ્કર તૈયાર કર્યું. બોસ્ટન પાસેના કોન્કર્ડમાં ક્રાંતિકારીઓએ ભેગો કરેલ શસ્ત્રસરંજામ કબજે કરવા ગયેલ બ્રિટિશ લશ્કર સાથે એપ્રિલ 1775માં અથડામણ થઈ. જૂન 1775માં બંકરહિલની લડાઈમાં ઉભય પક્ષે મોટી ખુવારી થઈ. ત્યારબાદ ફિલાડેલ્ફિયામાં મળેલી બીજી કૉંગ્રેસે 4 જુલાઈ 1776ના રોજ સ્વતંત્રતાની જાહેરાત કરી. યુદ્ધમાં અમેરિકાને ફ્રાન્સ તરફથી નાણાં, શસ્ત્રો, સૈનિકો અને યુદ્ધજહાજોની મદદ મળી. ત્યારબાદ સ્પેન અને નેધરલેન્ડ્ઝની મદદ મળી. ટ્રેન્ડન, બ્રેન્ડીવાઇન, સારાટોગા વગેરે સ્થળે યાદગાર લડાઈઓ થયા બાદ 19 ઑક્ટોબર 1781ના રોજ યોર્કટાઉન મુકામે બ્રિટિશ સેનાપતિ કોર્નવોલિસે શરણાગતિ સ્વીકારી. તે પછી કેટલાક પ્રદેશોમાં આશરે બે વર્ષ સુધી લડાઈ ચાલુ રહી. 3 સપ્ટેમ્બર 1783ના રોજ પૅરિસ મુકામે થયેલી સંધિમાં ઇંગ્લૅન્ડે યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતા માન્ય રાખી.

જયકુમાર ર. શુક્લ

સંયુક્ત રાજ્યો (United States)

ઉત્તર અમેરિકામાં મધ્યમાં આવેલો દેશ, જે ટૂંકમાં અમેરિકાના તરીકે જાણીતો છે, તેનું સત્તાવાર નામ છે અમેરિકાનાં સંયુક્ત રાજ્યો (U.S.A.). પશ્ચિમ ગોળાર્ધમાં વસ્તી અને આર્થિક વિકાસની બાબતમાં અગ્રેસર અને વિશ્વની મહાસત્તા તરીકેનું સ્થાન તેણે પ્રાપ્ત કર્યું છે.

ભૌગોલિક સ્થાન : લગભગ 250થી 720 ઉ. અ. અને 650થી 1680 પ. રે. વચ્ચેનો અમેરિકાનો કુલ વિસ્તાર 93,63,123 ચોકિમી. છે. કૅનેડા અને ચીન પછી વિસ્તારની દૃષ્ટિએ તે વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. તેની પશ્ચિમે પ્રશાંત મહાસાગર, ઉત્તરે કૅનેડા, પૂર્વે આટલાન્ટિક મહાસાગર અને દક્ષિણે મેક્સિકો અને મેક્સિકોનો અખાત આવેલાં છે.

ભૂપૃષ્ઠ : અમેરિકાનાં સંયુક્ત રાજ્યોને મુખ્યત્વે નીચેના પાંચ પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય : (1) આટલાન્ટિક કિનારાનાં મેદાનો, જે ન્યૂ ઇંગ્લૅન્ડથી દક્ષિણે મેક્સિકોના યુકાતાન સુધી અને પશ્ચિમે ફ્લૉરિડા ભૂશિર સુધી વિસ્તરેલાં છે તેની ઊંચાઈ દરિયાની સપાટીથી 115 મીટર કરતાં વધુ નથી. (2) ઍપેલેશિયન પર્વતમાળા, જે દક્ષિણ અને નૈર્ઋત્યથી ઉત્તર અને ઈશાન સુધી વિસ્તરેલી છે તે 2,400 કિમી. જેટલી લાંબી છે. ઍપેલેશિયન પર્વતમાળા ઘણી જૂની છે. તેનું સૌથી ઊંચું શિખર માઉન્ટ મિશેલ (2,206 મીટર) છે. તેની સરેરાશ ઊંચાઈ 1,150 મીટર છે. (3) મધ્યનાં મેદાનો : તે ઉત્તરમાં સૌથી વધુ પહોળાં અને દક્ષિણે સાંકડાં છે અને તે રિયો ગ્રાન્દે નદી સુધી વિસ્તરેલાં છે. (4) રૉકી પર્વતમાળા : ઉત્તરથી દક્ષિણ સરહદ સુધીના વિસ્તારમાં આ પર્વતમાળા ફેલાયેલી છે. અમેરિકાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ વ્હિટની (4,783 મીટર) અને ઉત્તર અમેરિકા ખંડનું સૌથી ઊંચું શિખર માઉન્ટ મેકિન્લી (4,194 મીટર) આ પર્વતમાળામાં આવેલાં છે. (5) ઇન્ટરમેન્ટાનો ઉચ્ચ પ્રદેશ : રૉકી પર્વતમાળા અને પ્રશાંત મહાસાગરના કિનારાની પર્વતમાળાની વચ્ચેના ઉચ્ચ પ્રદેશો. એમાં કૉલોરાડોના ઉચ્ચ પ્રદેશનો સમાવેશ થાય છે, જેની સરેરાશ ઊંચાઈ 890 મીટરથી પણ વધુ છે. ઉટાહ અને નેવાડાના રણમાં ગ્રેટ બેઝિન ઉચ્ચ પ્રદેશ આવેલો છે, જ્યારે કૅલિફૉર્નિયાની ‘ડેથ વૅલી’ સમુદ્રની સપાટીથી 86 મીટર નીચી છે.

અમેરિકાની પાંચમા ભાગની જમીન ખેડાણલાયક છે. વિશ્વની 17.7% ખેતીલાયક જમીન અમેરિકામાં છે. અમેરિકાની આબોહવા વૈવિધ્યભરેલી છે. ઉત્તર ડાકોટામાં શિયાળામાં તાપમાન શૂન્યથી 180 સે. નીચું જાય છે, જ્યારે દક્ષિણના વિસ્તારો ઉષ્ણકટિબંધમાં આવેલા હોવાને લીધે તાપમાન 180 સે. જેટલું હોય છે. ત્રીજા ભાગ જેટલી જમીનમાં જંગલો આવેલાં છે. રશિયા પછી લાકડાના ઉત્પાદનમાં અમેરિકાનો બીજો ક્રમ છે.

રાજ્ય

પાટનગર વિસ્તાર ચોકિમી.

વસ્તી હજારમાં (2023)

1

2 3 4

અલબામા

મોન્ટગોમેરી 1,33,915

50,97,641

અલાસ્કા

જૂનો 15,30,693

7,40,339

આયોવા

દેસ મોનિસ 1,45,752

32,33,572

આરકેન્સાસ

લિટલ રૉક 1,37,754

30,40,207

આઇડાહો

બૉઇસ 2,16,430

19,20,562

ઇન્ડિયાના

ઇન્ડિયાનાપોલિસ 93,719

68,76,047

ઇલિનૉય

સ્પ્રિંગફિલ્ડ 1,45,933

1,28,07072

ઉટાહ

સૉલ્ટ લેક સિટી 2,19,887

34,23,935

ઉત્તર કૅરોલિના

રાબેધ 1,36,412

1,07,10558

ઉત્તર ડાકોટા

બિસ્માર્ક 1,83,117

8,11,044

ઍરિઝોના

ફીનિક્સ 2,95,25

73,79,346

ઓક્લાહોમા

ઓક્લાહોમા શહેર 1,81,185

40,21,753

ઑરેગોન

સાલેમ 2,51,418

43,59,110

ઓહાયો

કોલંબસ 1,07,044

1,18,78,330

કૅન્ટકી

ફ્રકફર્ટ 1,04,659

45,55,777

કૅન્સાસ

ટૉપેકા 2,13,096

29,63,308

કૅલિફૉર્નિયા

સેક્રામેન્ટો 4,11,047

4,02,23,504

કનેક્ટિકટ

હાર્ટફર્ડ 12,997

36,15,499

કૉલોરાડો

ડેન્વર 2,69,594

59,97,070

જ્યૉર્જિયા

આટલાન્ટા 1,52,576

1,10,19186

ટૅક્સાસ

ઑસ્ટિન 6,91,027

30,34,548

ટેનેસી

નેશ્વિલે 1,09,152

70,80,262

દક્ષિણ કૅરોલિના

કોલંબિયા 80,582

62,66,343

દક્ષિણ ડાકોટા

પિયેરે 1,99,730

9,08,414

દેલવારે

ડોવર 5,294

10,17,551

નેબ્રાસ્કા

લિંકન 2,00,359

20,02,052

નેવાડા

કાર્સન શહેર 2,86,352

32,25,832

ન્યૂ જર્સી

ટ્રેન્ટન 20,168

94,38124

ન્યૂ મેક્સિકો

સાન્તા ફે 3,14,924

21,35,024

ન્યૂયૉર્ક

આલ્બેની 1,27,189

2,04,48,194

ન્યૂ હૅમ્પશાયર

કૉન્ફર્ડ 24,032

13,95,847

પશ્ચિમ વર્જિનિયા

ચાર્લ્સટન 62,758

17,75,932

પેનસિલ્વેનિયા

હૅરિસબર્ગ 1,17,347

1,30,92,796

ફ્લૉરિડા

ટોલાહાસી 1,51,939

22,35,925

મિનેસોટા

સેન્ટ પૉલ 2,18,600

98,27,265

મિશિગન

લાન્સિંગ 1,51,584

1,01,35438

મિસિસિપી

જૅક્સન 1,23,514

29,59,473

મિસૂરી

જેફરસન શહેર 1,80,514

62,04,710

મેઇન

ઑગસ્તા 86,156

13,72,559

મેરીલૅન્ડ

એન્નાપૉલિસ 27,091

62,98,325

મૅસેચૂસેટ્સ

બૉસ્ટન 21,455

71,74,604

મૉન્ટાના

હેલેના 3,80,847

11,12,668

ર્હોડ ટાપુ

પ્રૉવિડન્સ 3,139

11,10,822

લૂઇઝિયાના

બૅટન રોગ 1,23,677

46,95,071

વર્જિનિયા

રિચમન્ડ 1,05,586

28,20,504

વમૉર્ન્ટ

મૉન્ટપેલિયર 24,900

6,47,156

વાયોમિંગ

ચેયેની 2,53,324

5,83,279

વિસ્કૉન્સિન

મેડિસન 1,45,436

59,55,737

વૉશિંગ્ટન

ઑલિમ્પિયા 1,76,479

79,99,503

હવાઈ

હોનોલુલુ 16,760

14,83,762

પ્યૂટોરિકો અને દક્ષિણ કોલંબિયા રાજ્ય નથી. તેમ છતાં તેની વસ્તી અનુક્રમે 31,53,898 અને 7,15,891 જેટલી છે.

અમેરિકાની પ્રાણીસૃષ્ટિ પણ વૈવિધ્યથી ભરેલી છે. જોકે 1980ના દાયકાના આરંભમાં કેટલાંક વન્ય પ્રાણીઓની જાતિઓ લુપ્ત થવા અંગેનો ખતરો ઊભો થયો હતો. મિસિસિપી, મિસૂરી, ઓહાયો, કૉલોરાડો, કોલંબિયા અને સેન્ટ લૉરેન્સ વગેરે અમેરિકાની મુખ્ય નદીઓ છે. વિશ્વના કેટલાક શ્રેષ્ઠ અંતર્દેશીય જળમાર્ગોમાંનો એક જળમાર્ગ અહીં આવેલો છે. દુનિયામાં મીઠા પાણીનાં સરોવરોનું સૌથી મોટું જૂથ ‘ગ્રેટ લેઇક્સ’ અહીં આવેલું છે.

અર્થતંત્ર : અમેરિકાનું અર્થતંત્ર વિકસિત અને મુક્ત સાહસનું છે. નાણાકીય એકમ : ડૉલર. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (G.N.P.) અને માથાદીઠ વાર્ષિક આવક બંનેની દૃષ્ટિએ અમેરિકા વિશ્વની સૌથી મોટી આર્થિક સત્તા છે. રાષ્ટ્રની સમૃદ્ધિ અંશત: તેની સમૃદ્ધ કુદરતી સંપત્તિને આભારી છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકામાં વસતી વિશ્વની 5% પ્રજાએ વિશ્વના કોલસા અને તાંબાના કુલ ઉત્પાદનનો ચોથો ભાગ, પેટ્રોલિયમનો પાંચમો ભાગ અને કાચા લોખંડનો દસમો ભાગ ઉત્પન્ન કર્યો છે. દેશનું કૃષિક્ષેત્ર દુનિયાના કુલ ઉત્પાદનના 50% જેટલી મકાઈ અને દસમા ભાગના ઘઉં ઉત્પન્ન કરે છે.

2019માં માથાદીઠ વાર્ષિક આવક 66,080 અમેરિકન ડૉલર હતી. અમેરિકાની કાચી ગૃહપેદાશ(GDP)માં 1995માં ખેતીનો હિસ્સો 2.0%, ઉદ્યોગોનો 26% અને સેવાક્ષેત્રનો 72% હતો. લોકોના સામાજિક કલ્યાણની માત્રા ઘણી ઊંચી છે. રહેણાંકોને પ્રાપ્ત થતી સેવાઓની ટકાવારી  વીજળી 100%, પાણી-પુરવઠો 84%, જાહેર કચરાસંગ્રહ 73.6%. ભૌતિક સમૃદ્ધિ ધરાવતાં કુટુંબોની ટકાવારી  ઑટોમોબાઇલ 87.1%, ટેલિફોન 92.9%, મનોરંજનનાં વીજાણુ ઉપકરણો 100% ઍરકન્ડિશનર 57.1%.

અમેરિકામાં મોટાભાગની ખેતી યાંત્રિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી થાય છે. મોટાભાગના રોકડિયા પાકોની બાબતમાં તે વિશ્વનું અગ્રણી નિકાસકાર રાષ્ટ્ર છે. ખેડાણલાયક જમીનના 11%માં સિંચાઈ થાય છે. મકાઈ, ઘઉં, સોયાબીન, શેરડી, બીટ, ચાર, જવ, બટાટા, રૂ, ઓટ, ટામેટાં, સૂર્યમુખી અને મગફળી તેના મુખ્ય પાકો છે. તમાકુ, અનાનસ, સ્ટ્રૉબેરી, બદામ, અખરોટ વગેરેના ઉત્પાદનમાં પણ તે આગળ છે. 95% જેટલું માછલીનું વ્યાપારી ઉત્પાદન દરિયામાંથી થાય છે. તે આટલાંટિક અને પ્રશાંત મહાસાગરો, આર્કિટક અને કૅરિબિયન સમુદ્રો તથા મેક્સિકોના અખાતમાંથી થાય છે. ખાણકામ અત્યંત વિકસિત અને ભારે મોટા પ્રમાણમાં યાંત્રિક છે. કોલસો, બૉક્સાઇટ, તાંબું, ટંગસ્ટન, ચાંદી, સીસું, જસત, સલ્ફર, અબરખ વગેરે ખનિજો મોટા પ્રમાણમાં મળી આવે છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટું વૈવિધ્ય જોવા મળે છે.

પરિવહન : રેલવે 2,96,489 કિમી, માર્ગો 62,22,030 કિમી., વિમાની મથકોની સંખ્યા 12,562. પરિવહન સેવાઓમાં સૌથી વધુ મોટી આંતરરાજ્ય ધોરી માર્ગવ્યવસ્થા છે, જે 42,000 માઈલ લાંબી છે. તે 48 રાજ્યો અને 50 હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતાં 90% શહેરોને સાંકળી લે છે.

અમેરિકાનું અર્થતંત્ર કુદરતી સાધનસામગ્રીનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. તે વિશ્વની કુલ વપરાશના 42% ઍલ્યુમિનિયમ, 44% કોલસો, 63% કુદરતી વાયુ, 38% નિકલ, 33% પેટ્રોલિયમ, 40% મૉલિબ્ડેનમ, 33% તાંબું, 32% કોબાલ્ટ, 31% પ્લૅટિનમ જૂથની ધાતુઓ, 19% ક્રોમિયમ, 26% સોનું, 28% લોખંડ, 25% સીસું, 14% મૅંગેનીઝ, 24% પારો, 26% ચાંદી, 24% પતરું, 22% ટંગસ્ટન અને 26% જસતની વપરાશ કરે છે (1971).

દુનિયાની કુલ નિકાસોમાં અમેરિકાનો ફાળો 10% કરતાં પણ વધુ છે. અમેરિકા વિશ્વ ઉપર માત્ર વ્યાપારી સત્તા તરીકે જ નહિ, પણ મૂડી-રોકાણના મૂળ સ્રોત તરીકે પણ આધિપત્ય ધરાવે છે. દુનિયાના અનેક દેશોમાં અમેરિકન પેઢીઓનું સીધું મૂડીરોકાણ છે. જેમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ અગ્રેસર છે.

રાજકીય માળખું : 50 ઘટક રાજ્યોનું બનેલું અમેરિકા સમવાયી પ્રજાસત્તાક છે. તેમાંનાં 49 રાજ્યો ઉત્તર અમેરિકામાં આવેલાં છે. અલાસ્કા રાજ્ય 48 રાજ્યોથી દૂર કૅનેડાની વાયવ્યે આવેલું છે, જ્યારે પ્રશાંત મહાસાગરમાંના હવાઈ ટાપુઓ અમેરિકાનું સંલગ્ન રાજ્ય છે. આ ઉપરાંત પ્રશાંત મહાસાગર અને કૅરિબિયન સમુદ્રમાં આવેલા 2,300 જેટલા નાનામોટા ટાપુઓ પર કાં તો અમેરિકાનિવાસી સાર્વભૌમત્વ ભોગવે છે અથવા તે પ્રદેશો અમેરિકામાં સમાવિષ્ટ છે.

આમાંના તેર રાજ્યો મૂળે તો બ્રિટનનાં સંસ્થાનો હતાં અને તેમને વિદેશી શાસકોના સ્વાર્થી અને શોષણભર્યા કાયદાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવાની ફરજ પડી હતી. આથી, આ સંસ્થાનોએ સ્વાતંત્ર્યની માંગ કરી. લાંબી મથામણ અને સંઘર્ષને અંતે 4થી જુલાઈ 1776ના રોજ અમેરિકાએ પોતાનું સ્વતંત્રતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું. આમ વિશ્વના ફલક પર એક મોટી અને માતબર લોકશાહીનો જન્મ થયો. 1777માં સમૂહતંત્ર (confederation) દ્વારા આ દેશના સંચાલનનો પ્રયોગ કરવામાં આવ્યો, પરંતુ તેની અનેક નબળાઈઓ હોવાથી આ પ્રયોગને સ્થાને નવી વ્યવસ્થા વિચારવાની ફરજ પડી. પરિણામે લાંબી ચર્ચા-વિચારણાને અંતે અમેરિકાનું સમવાયતંત્ર રચવાનો નિર્ણય લેવાયો અને તે મુજબ નવું બંધારણ ઘડવામાં આવ્યું. તેનો અમલ 30 એપ્રિલ 1789થી શરૂ થયો. મૂળ તેર રાજ્યોનું આ સંગઠન યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા તરીકે જાણીતું બન્યું. પ્રારંભથી જ લેખિત બંધારણ, પ્રમુખીય લોકશાહી, સમવાયતંત્ર અને સત્તાવિશ્લેષ જેવા તે યુગમાં તદ્દન અજાણ્યા અને તેથી નવા જ રાજકીય સિદ્ધાંતો સાથે તે દેશની રાજ્યવ્યવસ્થાની શરૂઆત થઈ.

1789માં અમેરિકાના બંધારણનો સ્વીકાર થયો ત્યારે વિશ્વ આજના કરતાં સાવ જુદા જ પ્રકારનું હતું. બધાં રાજ્યો મુખ્યત્વે ખેતીપ્રધાન હતાં. સંવહન-માધ્યમોમાં માત્ર થોડાં વર્તમાનપત્રો અને ચોપાનિયાંનો સમાવેશ થતો હતો. અમેરિકામાં ગગનચુંબી ઇમારતો કે ભારે યંત્રોનો ત્યારે સાવ અભાવ હતો. લગભગ 200 વર્ષ પહેલાં ઘડાયેલું બંધારણ માત્ર 26 જ બંધારણીય સુધારાઓ (જેમાંના પહેલા 10 સુધારા દ્વારા અમેરિકી નાગરિકોને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે) દ્વારા અને વાસ્તવમાં એકસાથે થયેલા દસ સુધારાઓને સંગઠિત રૂપે ગણીએ તો 16 જ સુધારાઓ દાખલ થયા છતાં આધુનિક અમેરિકાની જરૂરિયાતોને તે અનુરૂપ બની શક્યું છે. કદની દૃષ્ટિએ છાપેલાં આઠ પાનાંમાં સમાઈ જતો આ ટૂંકો દસ્તાવેજ મૂળ તો માત્ર તેર રાજ્યો માટે ઘડાયો હતો, જે આજે 50 ઘટક રાજ્યોથી બનેલા અમેરિકાની જરૂરિયાતો સંતોષે છે. બંધારણનો અમલ શરૂ થયો તે પછીના આજદિન સુધીના ગાળામાં પ્રત્યેક ક્ષેત્રમાં અને દેશના કદમાં ઘણું બધું પરિવર્તન આવવા છતાં બંધારણની કલમો કે લખાણમાં ખાસ કશું પરિવર્તન કરવામાં આવ્યું નથી. આ દુષ્પરિવર્તનશીલ ગણાય તેવું બંધારણ સમયના તકાજા અનુસાર ઉદભવેલી વિવિધ પરિસ્થિતિઓ અને જરૂરિયાતો સાથે અનુકૂલન સાધી શક્યું છે અને એ તેની સ્વરૂપગત શક્તિનું પરિચાયક છે.

સત્તાવિશ્લેષના સિદ્ધાંત અનુસાર સરકારની ત્રણ શાખાઓ-ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર-નું કાર્યક્ષેત્ર એકબીજાથી સ્વતંત્ર હોય તેમજ કોઈ પણ શાખા પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે એ માટે અન્ય શાખા તેના પર દેખરેખ અને અંકુશ રાખે. સત્તાવિશ્લેષના આ સિદ્ધાંત દ્વારા અમેરિકાએ અંકુશ અને સમતુલા(checks and balances)નો સિદ્ધાંત વિકસાવ્યો. ટૂંકમાં, સત્તાનું એકબીજી સત્તા પર નિયંત્રણ હોય, જેથી સત્તાનો દુરુપયોગ આપોઆપ અટકાવી શકાય. આ સિદ્ધાંત અનુસાર અમેરિકામાં સરકારની રચના એવી રીતે ગોઠવી છે કે દરેક અંગ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે ખરું, પણ તેને મનસ્વી બનતાં કે સત્તાનો દુરુપયોગ કરતાં અટકાવી શકાય અને એ રીતે સત્તાની સમતુલા સાચવી શકાય; દા.ત., પ્રમુખ કારોબારીના વડા હોઈ સ્વતંત્ર રીતે નિર્ણયો લે છે, પરંતુ આ નિર્ણયોને કાયદેસર બનાવવા માટે તેમને કૉંગ્રેસની સંમતિની જરૂર રહે છે. એવી જ રીતે, કૉંગ્રેસ ખરડા મંજૂર કરે છે ખરી, પણ પ્રમુખની સહી બાદ જ કૉંગ્રેસ દ્વારા મંજૂર થયેલો તે ખરડો કાયદો બની શકે. આમ ધારાસભા અને કારોબારી પરસ્પરને અંકુશમાં રાખી સમતુલા પેદા કરે છે, તો ન્યાયતંત્ર બંને ઘટકોને અંકુશમાં રાખી સમતુલા પેદા કરવામાં મદદરૂપ થાય છે. આ રીતે સરકારનાં ત્રણેય અંગો સત્તાનો દુરુપયોગ થતો અટકાવી સમગ્ર સરકારની કાર્યવહીમાં અંકુશ અને સમતુલા જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અમેરિકાના રાજ્યતંત્રની આ એક આગવી લાક્ષણિકતા ગણાય.

અમેરિકાએ પ્રમુખીય લોકશાહી પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. રાજ્યના અને સરકારના વડા તે પ્રમુખ, પ્રજા દ્વારા ચાર વર્ષ માટે સીધેસીધા ચૂંટાય છે, જોકે ચાર વર્ષના બીજા સમયગાળા માટે ઉમેદવારી કરવાનો તેમને અધિકાર બક્ષવામાં આવ્યો છે. અલબત્ત, બંધારણે આ માટે પરોક્ષ ચૂંટણીપદ્ધતિ સૂચવી હતી, પરંતુ પક્ષપ્રથાના વિકાસને કારણે પરોક્ષ ચૂંટણીપદ્ધતિ વાસ્તવમાં પ્રત્યક્ષ ચૂંટણીપદ્ધતિમાં બદલાઈ ગઈ છે. દેશના ચૂંટાયેલા પ્રમુખ એ જ વાસ્તવમાં અમેરિકાની સરકારની કારોબારી છે, આથી બંધારણે કારોબારીને સુપરત કરેલી તમામ સત્તાઓનો તેઓ ઉપયોગ કરી શકે છે. પ્રમુખ પ્રત્યેક ચાર વર્ષની એક  એમ બેથી વધુ મુદત માટે ફરીને ચૂંટાતા નથી. મહાભિયોગ સિવાય તેમને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાતા નથી. આ હોદ્દાને દેશના બંધારણે મૂળભૂત રીતે અત્યંત શક્તિશાળી બનાવ્યો છે તેમજ અમેરિકાની પ્રગતિ સાથે અને બીજા વિશ્વયુદ્ધમાં એક વિજેતા દેશ તરીકે તે ક્રમે ક્રમે દુનિયાભરનો સૌથી શક્તિશાળી હોદ્દો બન્યો છે.

અમેરિકાની ધારાસભા ‘કૉંગ્રેસ’ નામથી ઓળખાય છે. કૉંગ્રેસ દ્વિગૃહી છે. તેનું નીચલું ગૃહ પ્રતિનિધિસભા (House of Representatives) અને ઉપલું ગૃહ સેનેટ છે. કૉંગ્રેસનું મુખ્ય કાર્ય અમેરિકાના સમવાયતંત્ર માટે કાયદા-ઘડતરનું છે. ઉપરાંત, અંદાજપત્રને મંજૂરી આપવી, સરકાર પર વિવિધ રીતે અંકુશો રાખવા તેમજ મતદાર વિભાગની સેવા કરવી જેવાં વિવિધ કાર્યોનો સમાવેશ તેની કામગીરીમાં થતો હોય છે.

પ્રતિનિધિસભા પ્રજા દ્વારા વસ્તીના ધોરણે સીધી રીતે ચૂંટાય છે. તેની મુદત બે વર્ષની હોય છે. દર બે વર્ષે આખું ગૃહ વિસર્જિત થાય છે અને નવી ચૂંટણી દ્વારા તેની રચના થાય છે. આ ગૃહ કુલ 435 પ્રતિનિધિઓ ધરાવે છે. બંધારણીય રીતે આ ગૃહ થોડીક જ સત્તાઓ ધરાવે છે. આ દૃષ્ટિએ તે વિશ્વમાં સૌથી ઓછી સત્તાઓ ધરાવતું નીચલું ગૃહ છે.

ઉપલું ગૃહ સેનેટ સમવાયતંત્રને અભિવ્યક્ત કરે છે. આ ગૃહમાં પ્રત્યેક રાજ્ય, દર છ વર્ષે બે પ્રતિનિધિ મોકલે છે. દર બે વર્ષે ત્રીજા ભાગના (એક તૃતીયાંશ) સભ્યો નિવૃત્ત થાય છે અને તેને સ્થાને જે તે રાજ્યના સભ્યો આ સ્થાન ગ્રહણ કરે છે. આમ સેનેટ સતત અસ્તિત્વમાં રહેતું ગૃહ છે, જે ક્યારેય આખેઆખું વિખેરાતું નથી.

દરેક રાજ્ય આ બે પ્રતિનિધિઓને કયા ધોરણે મોકલશે તે માટે રાજ્યદીઠ અલગ અલગ અને સ્વતંત્ર ધોરણો અસ્તિત્વ ધરાવે છે. અમેરિકા સમવાયતંત્રી દેશ હોવાથી ત્યાં પ્રત્યેક એકમ રાજ્યનું પોતાનું અલગ બંધારણ હોય છે. એકમ રાજ્યોમાં કરવામાં આવેલી જોગવાઈના ધોરણે જે તે રાજ્ય સેનેટમાં પ્રતિનિધિઓ મોકલે છે.

સેનેટ અમેરિકાની કૉંગ્રેસનાં બે ગૃહોમાં સૌથી શક્તિશાળી ગૃહ છે તેમજ તે વિશ્વનું પણ સૌથી શક્તિશાળી ઉપલું ગૃહ છે.

અમેરિકાના ન્યાયતંત્રની રચના શ્રેણીસ્તૂપીય છે તેમજ સમગ્ર દેશમાં બેવડા ન્યાયતંત્રની પદ્ધતિ પ્રવર્તે છે. એટલે રાજ્યોને પોતાના બંધારણ અનુસાર રાજ્ય માટેની અદાલતો છે, જ્યારે સમવાય સરકાર કે કેન્દ્ર સરકારનું આખું ન્યાયતંત્ર માત્ર સમવાય સરકારના કાયદાઓ અંગે ઊભા થતા સંઘર્ષો, વિવાદો કે તકરારો અંગે ન્યાય આપે છે.

સૌથી નીચલી કક્ષાએ ફેડરલ ડિસ્ટ્રિક્ટ અદાલતો, તેથી ઉપરની કક્ષાએ કૉર્ટ ઑવ્ અપીલ અને ટોચની કક્ષાએ સર્વોચ્ચ અદાલત કાર્ય કરે છે. સર્વોચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયાધીશ અને આઠ અન્ય ન્યાયાધીશ મળી કુલ નવ ન્યાયાધીશો કામ કરે છે. સેનેટની સલાહ અને સંમતિથી પ્રમુખ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. આ ન્યાયાધીશો આજીવન મુદત માટે હોદ્દો ધરાવે છે. મહાભિયોગનો આરોપ સાબિત થાય તો જ તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય, અન્યથા નહિ.

સર્વોચ્ચ અદાલત અમેરિકાના સમવાયતંત્રની ટોચની અદાલત છે. અહીં ન્યાયતંત્રનો એક વિશેષ સિદ્ધાંત વિકસ્યો અને પોષાયો અને તે છે અદાલતી સમીક્ષાનો સિદ્ધાંત. આ સમીક્ષા હેઠળ સર્વોચ્ચ અદાલત સરકાર દ્વારા ઘડાયેલા કાયદાની બંધારણીયતા તપાસે છે. જો કાયદો દેશના બંધારણ સાથે સુસંગત ન હોય તો અદાલત સમગ્ર કાયદાને યા તેના અસંગત ભાગને ગેરબંધારણીય જાહેર કરી રદબાતલ ઠેરવી શકે છે. એ જ રીતે બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા પણ સર્વોચ્ચ અદાલત પાસે છે. અદાલતી સમીક્ષા અને બંધારણનું અર્થઘટન કરવાની સત્તા અમેરિકી ન્યાયતંત્રને શક્તિશાળી બનાવે છે.

દેશના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દર ચાર વર્ષે યોજાય છે. ધારાકીય સત્તા પ્રતિનિધિગૃહ (નીચલું ગૃહ) અને સેનેટ(ઉપલું ગૃહ)ને મળેલી છે. બંને ભેગાં મળીને કૉંગ્રેસ તરીકે ઓળખાય છે. પ્રતિનિધિગૃહના સભ્યો દર બે વર્ષે અને સેનેટના સભ્યો દર છ વર્ષે ચૂંટાય છે. કેન્દ્ર સરકાર સંરક્ષણ, વિદેશનીતિ, વિદેશી વ્યાપાર, આંતરિક સલામતી વગેરે મહત્ત્વની બાબતો સંભાળે છે. જ્યારે બીજી બધી જ સત્તાઓ રાજ્યોને અપાયેલી છે. ડેમોક્રૅટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી  એમ બે રાજકીય પક્ષો અમેરિકાના રાજકારણ પર પ્રભુત્વ ધરાવે છે. અન્ય પક્ષોએ સમયે સમયે આ બંને સામે પડકાર ફેંક્યા છે, પરંતુ તેમને કોઈ કાયમી સફળતા મળી નથી. 1829 પછી દેશમાં દ્વિપક્ષી પ્રથા બળવત્તર બનતી ગઈ. તે પછી થોડા સમય સુધી વ્હીગ પક્ષ ડેમોક્રૅટિક પક્ષની સાથે અસ્તિત્વમાં હતો અને તે પહેલાં સમવાયી પક્ષનું પ્રભુત્વ હતું. વીસમી સદીમાં 2000 સુધીમાં રિપબ્લિકન પક્ષે 19 વખત અને ડેમોક્રૅટિક પક્ષે 16 વખત પ્રમુખપદ મેળવ્યું છે.

અમેરિકા વૈશ્વિક લશ્કરી સત્તા છે. યુરોપ, જાપાન અને દક્ષિણ કોરિયા તથા અન્ય વિસ્તારોમાં તેનાં અત્યાધુનિક શસ્ત્રો સહિતનાં દળો ગોઠવાયેલાં છે. કુલ સૈનિકોની સંખ્યા છે. 21,35,900, જેમાં પાયદળ 36.6%, નૌકાદળ 26.4%, હવાઈદળ 27.8% અને નાવિકો છે. 9.2% (1984) લશ્કરી ખર્ચ છે. કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના 6.4% (1984). માથાદીઠ લશ્કરી ખર્ચ છે 845 અમેરિકન ડૉલર (1982).

પ્રસારણ-માધ્યમોની સ્વતંત્રતાની બંધારણે ખાતરી આપી છે. તે સરકારી કામકાજ પર સતત નજર રાખે છે. અમેરિકામાં પ્રસારણ-માધ્યમોની સત્તા પ્રચંડ અને સર્વવ્યાપક છે. દૈનિક અખબારોની સંખ્યા છે, 1,711 જેનો ફેલાવો છે 1,000દીઠ 370.5.

સામાજિક કલ્યાણનું ખર્ચ અને વહીવટી ખર્ચ ખાનગી અને જાહેર બંને ક્ષેત્રો દ્વારા થાય છે. બેકારી, માંદગી, માતૃત્વ, વૃદ્ધાવસ્થા, અપંગતા, વૈધવ્ય અને કામ દરમિયાન અકસ્માત અંગેની સામાજિક સલામતીની યોજનાઓ અમેરિકામાં અસ્તિત્વ ધરાવે છે. અમેરિકાનો સમાજ ધીમે ધીમે વધુ ને વધુ અદ્યતન બનતાં રાજકારણ અને સરકાર બંને વધુ ને વધુ જટિલ બનતાં ગયાં છે. પરિણામે પરિવહન, પ્રદૂષણ, આરોગ્ય, કલ્યાણ, શિક્ષણ અને રહેઠાણની સમસ્યાઓ વકરી છે, ગુનાખોરીનો દર વધ્યો છે અને સામાજિક અલગાવની સ્થિતિનું નિર્માણ થતાં દેશમાં માનસિક રોગીઓની સંખ્યા વધી છે.

હેમન્તકુમાર શાહ

રક્ષા મ. વ્યાસ

અમેરિકા-સામાજિક માળખું : અમેરિકાની વસ્તી 32,82,39,523 (2020) છે, ગીચતા ચોકિમી. દીઠ 28.1 (1997) છે. શહેરી વસ્તી 76.4% અને ગ્રામવસ્તી 23.6% (1996) છે. અમેરિકાનાં મુખ્ય શહેરોમાં ન્યૂયૉર્ક, લૉસ ઍન્જિલસ, શિકાગો, હ્યૂસ્ટન, ફિલાડેલ્ફિયા, ડેટ્રૉઇટ, ડલાસ, સાન ડિયાગો, ફીનિક્સ, સાન ઍન્ટોનિયો, સાન ફ્રાન્સિસ્કો, બૉસ્ટન વગેરેનો સમાવેશ થાય છે. રાજધાની વૉશિંગ્ટન ડી. સી. છે. અમેરિકાની કુલ વસ્તીમાં પુરુષો 48.93% અને સ્ત્રીઓ 51.07% (1996) છે. જન્મદર 1,000 દીઠ 14.9નો છે જેમાં 67.4% કાયદેસર અને 32.6% ગેરકાયદેસર છે (1994). મૃત્યુદર 1,000 દીઠ 9.2 છે, (1996). અમેરિકાની વંશગત સંરચના(1996)માં બિન-સ્પૅનિશ ગોરાઓ 73.1%, બિનસ્પૅનિશ નિગ્રો વગેરે કાળાઓ 12%, સ્પૅનિશ 10.7%, એશિયન અને પ્રશાંત ટાપુવાસીઓ 3.5% તેમજ અમેરિકન ઇન્ડિયન અને એસ્કિમો 0.7% છે.

ધાર્મિક સંલગ્નતા(1995)ના સંદર્ભમાં જોતાં અમેરિકામાં મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ પળાય છે. કુલ વસ્તીના 85.3% ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેમાં 57.9% પ્રૉટેસ્ટન્ટ, 21.0% રોમન કૅથલિક અને 6.4% અન્ય ખ્રિસ્તી સંપ્રદાયોમાં આસ્થા ધરાવે છે. યહૂદી 2.1%, મુસ્લિમ 1.9%, કોઈ પણ ધર્મમાં નહિ માનનારા નાસ્તિકો 8.7% અને બાકીના ધર્મોને માનનારા 2% લોકો છે. અલબત્ત, દેશનો કોઈ સત્તાવાર ધર્મ નથી, પણ અનેક દેશો અને સંસ્કૃતિઓના લોકો ત્યાં આવી વસ્યા છે અને તેમનાં ધર્મસ્થાનો પણ બન્યાં છે.

અમેરિકાની સત્તાવાર ભાષા અંગ્રેજી છે, પરંતુ અનેક જૂથો તેમની ભાષાનું અસ્તિત્વ જાળવી રાખવા પ્રયાસો કરી રહ્યા છે.

અમેરિકન સંસ્કૃતિએ અનેક પ્રતિભાશાળી લેખકો અને કલાકારોને જન્મ આપ્યો છે. ઓગણીસમી સદીની તેની વિખ્યાત પ્રતિભાઓમાં માર્ક ટ્વેઇન, એડ્ગર ઍલન પો, હર્મન મેલવિલ, વૉલ્ટ વ્હિટમન અને હેન્રી જેમ્સનો સમાવેશ થાય છે. વીસમી સદીમાં તેણે અર્નેસ્ટ હેમિંગ્વે, વિલિયમ ફૉકનર, ઓ’નીલ, જૉન સ્ટાઇનબેક, એચ. એલ. મેનકન, એઝરા પાઉન્ડ, ટી. એસ. એલિયટ, રૉબર્ટ ફ્રૉસ્ટ, સોલ બેલો, નૉર્મન મેલર જેવા લેખકોને જન્મ આપ્યો છે. ચલચિત્ર-જગતમાં અમેરિકાની કલા વિશ્વભરમાં અસરકારક રહી છે. હૉવર્ડ હૉક્સ, જ્યૉર્જ કૂકર, ઑર્સન વેલિસ, ફ્રૅન્ક કાપ્રા અને જૉન ફૉર્ડ અમેરિકાના વિશ્વવિખ્યાત ફિલ્મ-નિર્માતાઓ છે. જાઝ, ‘રૉક ઍન્ડ રોલ’ અને ‘બ્લૂઝ’ જેવા સંગીતના લોકપ્રિય પ્રકારો અમેરિકાએ વિકસાવ્યા છે.

વીસમી સદી દરમિયાન અમેરિકન સંસ્કૃતિ વસ્તીવૃદ્ધિ, ટેક્નૉલૉજિકલ વિકાસ, શહેરીકરણ અને વૈશ્વિક બનાવોની અસરો તળે ફેરફાર પામતી રહી છે.

શિક્ષણ : મોટાભાગનાં રાજ્યોમાં મફત અને 7થી 16 વર્ષનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. 1995-96માં શિક્ષણની સવલતો દર્શાવતું કોષ્ટક આ મુજબ છે :

શિક્ષણ શાળાઓ શિક્ષકો વિદ્યાર્થીઓ શિક્ષકદીઠ વિદ્યાર્થીઓનું પ્રમાણ
પ્રાથમિક (વયજૂથ 5-13) 85,393 17,84,000 3,34,10,000 18.7
માધ્યમિક અને વ્યવસાયલક્ષી (વયજૂથ 14-17) 11,87,000 1,73,90,000 14.6
ઉચ્ચ શિક્ષણ (કૉલેજો સહિત) 5,758 83,000 1,42,10,000 17.1

શૈક્ષણિક સિદ્ધિઓ (1996) પરત્વે 25 વર્ષ અને તેની ઉપરની વસ્તીની ટકાવારી જોતાં કેવળ પ્રાથમિક શિક્ષણ લેનારાઓ 9.3%; માધ્યમિક શિક્ષણ (અપૂર્ણ) લેનાર 16.5%, (સંપૂર્ણ) માધ્યમિક શિક્ષણ લેનાર 35.1%, અનુ. માધ્યમિક લેનાર 25.5% અને ચાર વર્ષ કે તેથી વધારે મુદતમાં ઉચ્ચ શિક્ષણ લઈ ડિગ્રી પ્રાપ્ત કરનાર 13.6% હતા. 1995માં ડિગ્રી ધરાવનાર સ્નાતકો 11,92,000; અનુસ્નાતકો 4,05,00; પીએચ.ડી. ડિગ્રી ધરાવનાર 43,000 અને કાયદો, તબીબી વગેરે ધંધાદારી ડિગ્રી ધરાવનારની સંખ્યા 77,000ની હતી. હાર્વર્ડ યુનિવર્સિટી, યેઇલ, શિકાગો, સ્ટૅનફોર્ડ, મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી જેવી વિશ્વની કેટલીક વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ આ દેશમાં છે.

હેમન્તકુમાર શાહ

પ્રવીણચંદ્ર પરીખ

સારણી

રાજ્ય પાટનગર જોવાલાયક સ્થળો
1 2 3
1. કનેક્ટિકટ હાર્ટફર્ડ વિયર ફાર્મ, નૅશનલ હિસ્ટૉરિક સાઇટ; રાષ્ટ્રીય ઉદ્યાન;
રાજ્યઉદ્યાનો (કુલ 91); સૌથી મોટો ઉદ્યાન :
વ્હાઇટ મેમોરિયલ ફાઉન્ડેશન.
2. મેઇન ઑગસ્ટા પૉર્ટલૅન્ડ બંદર; એકેડિયા નૅશનલ પાર્ક; રાજ્યઉદ્યાનો (કુલ 24); દરિયાકિનારા પરના ઉદ્યાનોમાં ઐતિહાસિક દીવાદાંડીઓ; મૂઝહેડ સરોવર (સરોવરતટ 672 કિમી.); બાસ્ક્સ્ટર રાજ્યઉદ્યાન : 8,000 હેક્ટર ભૂમિમાં વન્યસૃષ્ટિ, આ ઉદ્યાન કેટાહ્ડીનની આજુબાજુ વિસ્તરેલો છે.
3. મૅસેચૂસેટ્સ બૉસ્ટન કોડની ભૂશિર પરનો 64 કિમી. લંબાઈમાં વિસ્તરેલો રાષ્ટ્રીય સમુદ્રકંઠાર; રેડક્લિફ  કૉલેજ; કેમ્બ્રિજ અને
હાર્વર્ડ યુનિવર્સિટીઓ; મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ
ઑવ્ ટૅક્નૉલૉજી.
4. ન્યૂ હૅમ્પશાયર કૉન્કર્ડ 3,08,000 હેક્ટર ભૂમિવિસ્તારને આવરી લેતું વ્હાઇટ માઉન્ટન નૅશનલ ફૉરેસ્ટ.
5. ન્યૂયૉર્ક ઑલ્બની ન્યૂયૉર્ક શહેર : રૉકફેલર સેન્ટર, રેડિયો સિટી મ્યુઝિયમ હૉલ, ફિફ્થ ઍવન્યૂ, ન્યૂયૉર્ક પબ્લિક લાઇબ્રેરી, યુનોનું મુખ્ય મથક, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, ટાઇમ સ્ક્વેર, ગ્રિનિચ વિલેજ, અમેરિકન મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી, હાર્લેમ, સ્ટેચ્યૂ ઑવ્ લિબર્ટી, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, વૉલ સ્ટ્રીટ, 337 હેક્ટર ભૂમિમાં વિસ્તરેલો સેન્ટ્રલ પાર્ક, બ્રૉન્ક્સ પ્રાણીસંગ્રહાલય. લૉંગ આઇલૅન્ડ, કૅનેડી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, નાયગ્રા ધોધ.
6. વમૉર્ન્ટ મૉન્ટ પિલ્યર 1,20,000 હેક્ટર ભૂમિમાં વિસ્તરેલું ગ્રીન માઉન્ટન નૅશનલ ફૉરેસ્ટ માન્ચેસ્ટર.
7. મૅરીલૅન્ડ ઍનાપૉલિસ બાલ્ટિમોર–જૉન હૉપકિન્સ યુનિવર્સિટી.
8. ન્યૂ જર્સી ટ્રેન્ટન આટલાન્ટિક સિટી; પ્રિન્સ્ટન શહેર; પ્રિન્સ્ટન યુનિવર્સિટી; મૉરિસટાઉન નૅશનલ હિસ્ટૉરિક પાર્ક; નુવાર્ક; જર્સી સિટી.
9. પેનસિલ્વેનિયા હૅરિસબર્ગ ફિલાડેલ્ફિયા; પિટ્સબર્ગ; 2,00,000 હેક્ટર ભૂમિમાં વિસ્તરેલું ઍલિગેની નૅશનલ ફૉરેસ્ટ.
10. વર્જિનિયા રિચમૉન્ડ શાલૉર્ટ વિલ; 2,80,000 હૅક્ટર ભૂમિમાં વિસ્તરેલું જ્યૉર્જ વૉશિંગ્ટન નૅશનલ ફૉરેસ્ટ; 600 હેક્ટર ભૂમિમાં પથરાયેલું પીટ્સબર્ગ નૅશનલ બૅટલફીલ્ડ.
11. વૉશિંગ્ટન  (ડી. સી.) વૉશિંગ્ટન સ્મારકો : નૅશનલ મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટ્રી; સ્મિસ્થોનિયન સંગ્રહાલય, વૉશિંગ્ટન અને લિંકનનાં સ્મારકો, વ્હાઇટ હાઉસ (કૅપિટલ હિલ); આર્લિંગ્ટન શહેર આર્લિંગ્ટન નૅશનલ સિમેટ્રી; પેન્ટાગૉન લશ્કરી મથક.
12. અલાબામા મૉન્ટગોમેરી લોહ-કોલસાની ખાણોના ઉદ્યોગનું મથક બર્મિંગહામ; યુ.એસ. અવકાશી મથક (નાસા પ્રયોગશાળા).
13. જ્યૉર્જિયા ઍટલાન્ટા સવાના શહેર.
14. ફ્લૉરિડા તલ્લાહાસી માયામી શહેર; માયામી બીચ; ડિઝની વર્લ્ડ; ઑર્લેન્ડો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક; કેપ કૅનાવરલ (અવકાશી મથક); એવરગ્લેડ્ઝ તથા બિસ્કેઇન રાષ્ટ્રીય ઉદ્યાનો.
15. ઉત્તર કૅરોલિના રાલે 5,14,000 એકર ભૂમિમાં પથરાયેલો સ્મોકી માઉન્ટન નૅશનલ પાર્ક.
16. દક્ષિણ કૅરોલિના કોલંબિયા ચાર્લ્સટન શહેર, કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત;  દક્ષિણ કૅરોલિના સ્ટેટ મ્યુઝિયમ.
17. આર્કાન્સાસ લિટલ રૉક ગરમ પાણીના ઝરા; ઍલિગેટર ફાર્મ;
18. કેન્ટકી ફ્રૅન્કફર્ટ 560 કિમી. લંબાઈવાળી ગંજાવર ગુફા ‘મૅમથ કેવ નૅશનલ પાર્ક’; વિશ્વનું મોટામાં  મોટું ઘોડા-ઉછેર કેન્દ્ર લૅક્સિંંગ્ટન.
19. લૂઇઝિયાના બેટન રાઉજ ન્યૂ ઑર્લિયન્સ શહેર.
20. મિસિસિપી જૅક્સન નૅચેઝ ટ્રેસ પાર્ટ વે (માર્ગ).
21. ટેનેસી નૅશવિલ મૅમ્ફિસ શહેર; સ્મોકી માઉન્ટન નૅશનલ પાર્ક.
22. ઇલિનૉય સ્પ્રિંગ ફીલ્ડ શિકાગો; લિંકન પાર્ક; બહાઈ સેન્ટર; મ્યુઝિયમ ઑવ્ સાયન્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી; દુનિયામાં બીજે ક્રમે આવતો ઊંચો ટાવર સીઅર્સ ટાવર; 98 માળનું જૉન હૅન્કૉક સેન્ટર; વૉટર ટાવર; બ્રુકફીલ્ડ મ્યુઝિયમ; ગ્રાન્ડ પાર્કમાંનો બકિંગહામ ફુવારો, સ્પ્રિંગફીલ્ડમાંની લિંકન કબર; લિંકન ન્યૂ સાલેમ સ્ટેટ હિસ્ટૉરિક સાઇટ.
23. ઇન્ડિયાના ઇન્ડિયાના પોલિસ ઝાયોન્સ વિલ (ત્યાં ઝાયોન કોમે આજે પણ
મધ્ય યુરોપીય સંસ્કૃતિ જાળવી રાખી છે.
24. મિશિગન લૅન્સિંગ ડેટ્રૉઇટ શહેર; મિશિગન સ્ટેટ યુનિવર્સિટી; મિશિગન અને સુપીરિયર સરોવરો.
25. મિનેસોટા સેન્ટ પૉલ મિનિયેપોલિસ; મિનેસોટા મ્યુઝિયમ ઑવ્ આર્ટ; રોમના સેન્ટ પીટર દેવળની પ્રતિકૃતિ  સમું સેન્ટ પૉલનું દેવળ.
26. ઓહાયો કોલંબસ સિનસિનેટી; ક્લીવલૅન્ડ.
27. વિસ્કૉન્સિન મેડિસન મિલવાઉકી (બિયર માટે).
28. આયોવા ડિમૉઇન્સ આયોવા શહેર.
29. કૅન્સાસ ટૉપેકા સાન્ટા ફેટ્રેઇલ વિસ્તાર (માર્ગ).
30. મિસૂરી જેફર્સન સિટી માર્ક ટ્વેઇન નૅશનલ ફૉરેસ્ટ; સેન્ટ લૂઈ  શહેર; ગેટવે આર્ક, કૅન્સાસ સિટી.
31. નેબ્રાસ્કા લિંકન નેબ્રાસ્કા નૅશનલ ફૉરેસ્ટ (અમેરિકાનું સૌથી  મોટું માનવસર્જિત અરણ્ય).
32. ઉત્તર ડાકોટા બિસ્માર્ક બૅડલૅન્ડ્ઝ.
33. દક્ષિણ ડાકોટા પિયરે બૅડલૅન્ડ્ઝ નૅશનલ પાર્ક; ‘સૂ’ ધોધ; બ્લૅક હિલ્સ નૅશનલ ફૉરેસ્ટ; માઉન્ટ રશમોર પર  પ્રમુખોની પાષાણમૂર્તિઓ.
34. ઍરિઝોના ફીનિક્સ ટ્યુસોન નગર; આશરે 443 કિમી. લાંબું, 27  કિમી. પહોળું અને 1.6 કિમી.થી વધુ ઊડું  મહાકોતરગ્રાન્ડ કૅન્યન; ગ્રાન્ડ કૅન્યન  નૅશનલ પાર્ક.
35. નેવાડા કાર્સન સિટી લાસ વેગાસ શહેર–નાઇટ ક્લબો અને જુગારખાનાં; રૅનૉ શહેર અને તેનાં જુગારખાનાં; 35 કિમી. લાંબું, 19 કિમી. પહોળું ટાહો સરોવર.
36. ન્યૂ મેક્સિકો સાન્ટા ફે કાર્લ્સબાડ નૅશનલ પાર્ક અને તેની વિશ્વભરમાં મોટી ગણાતી ‘કાર્લ્સબાડ’ ગુફાઓ  તેમાં લગભગ 248 મીટર નીચે ઊતરવું પડે છે, જાહેર જનતા માટે માત્ર બે જ ખુલ્લી છે; નેટિવ અમેરિકન રિઝર્વેશન્સ; અલ્બુકર્ક શહેર અને તેનું ન્યૂ મેક્સિકો મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટ્રી; વ્હાઇટ સૅન્ડ્ઝ નૅશનલ મૉન્યુમેન્ટ.
37. ટેક્સાસ ઑસ્ટિન ડેવી ક્રોકેટ નૅશનલ ફૉરેસ્ટ, અન્ય રાજ્ય-ઉદ્યાનો તથા સ્મારક ઉદ્યાનો; હ્યુસ્ટન શહેર – રાઇસ યુનિવર્સિટી; સાન ઍન્ટોનિયો શહેર – પહાડી સ્થળ; ડલાસ શહેર; ઑસ્ટિન શહેર.
38. ઉટાહ સૉલ્ટ લેક સિટી ગ્રેટ સૉલ્ટ લેક; બ્રુસ કોતર, ઝાયો નૅશનલ પાર્ક; મર્મન દેવળ.
39. કૉલોરાડો ડેનવર રૉકી માઉન્ટન નૅશનલ પાર્ક; ગ્રાન્ડ સૅન્ડ ડ્યૂન્સ નૅશનલ મૉન્યુમેન્ટ.
40. મૉન્ટાના હેલિના ગ્લેસિયલ નૅશનલ પાર્ક, યેલોસ્ટોન પ્રદેશ.
41. વાયોમિંગ શેયેન આશરે 422 મીટર ઊંચાઈ ધરાવતો પાષાણ-સ્તંભ ‘ડેવિલ્સ ટાવર’; ગરમ પાણીના ફુવારાવાળો યેલોસ્ટોન નૅશનલ પાર્ક.
42. કૅલિફૉર્નિયા સાક્રેમેન્ટો યોશિમિટી નૅશનલ પાર્ક – ધોધ સહિત; સાન ફ્રાન્સિસ્કો શહેર  — ગોલ્ડન ગ્રેટ બ્રિજ; બર્કલી યુનિવર્સિટી; લૉસ ઍન્જિલસ હૉલિવુડ ફિલ્મ ઉદ્યોગ; પૅસેડેના; સાન ડિયેગો; સી વર્લ્ડ મ્યુઝિયમ; ડેથ વૅલી નૅશનલ મૉન્યુમેન્ટ– તેમાં આશરે 36 ચોકિમી.ના રેતીના ઢૂવા  અને 518 ચોકિમી.નો ખારો પટ.
43. ઑરેગૉન સાલેમ ક્રેટર લેક નૅશનલ પાર્ક, પૉર્ટલૅન્ડ શહેર.
44. વૉશિંગ્ટન ઑલિમ્પિયા માઉન્ટ રેનિયર નૅશનલ પાર્ક; માઉન્ટ સેન્ટ હેલિન્સ નૅશનલ વૉલ્કેનિક મૉન્યુમેન્ટ;  સિયૅટલ શહેર.
45. અલાસ્કા જૂનો ગ્લેશિયલ બે નૅશનલ પાર્ક ઍન્ડ પ્રિઝર્વ; માલા સ્પિના હિમનદી; એન્કોરાજ શહેર; કાટમાઇ નૅશનલ પાર્ક  સહસ્ર ધ્રૂમસેરોની ધારક ખીણ.
46. હવાઈ હૉનોલુલુ હવાઈ વૉલ્કેનો નૅશનલ પાર્ક; હૉનોલુલુ શહેર; વાઇકીકી શહેર.

જ. પો. ત્રિવેદી

ગિરીશભાઈ પંડ્યા

ઇતિહાસ : ઇટાલીનો નાવિક ક્રિસ્ટોફર કોલંબસ 1492માં અમેરિકા પહોંચ્યો ત્યારે ત્યાં અમેરિકન ઇન્ડિયનો વસતા હતા. યુરોપમાંથી સ્પૅનિશ લોકો 1513માં ફ્લોરિડા, ફ્રેન્ચો 1673માં મિસિસિપી ખીણ વિસ્તારમાં અને રશિયનો 1741માં અલાસ્કા ગયા હતા. સ્પેને 1565માં પ્રથમ વસાહત ફ્લોરિડામાં સ્થાપી. ત્યારબાદ અંગ્રેજોએ 1607માં વર્જિનિયાના જેમ્સટાઉનમાં સ્થાપી. 1620માં ઇંગ્લૅન્ડના ‘મે ફ્લાવર’ નામના વહાણમાં આવેલા ‘પિલ્ગ્રિમ ફાધર્સ’ પ્લિમથ ગામ વસાવીને રહેવા લાગ્યા. 1733માં અંગ્રેજોએ જ્યૉર્જિયામાં 13મું સંસ્થાન સ્થાપ્યું. બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે થયેલા સપ્તવાર્ષિક યુદ્ધમાં બ્રિટન જીત્યું (1763) અને ઉત્તર અમેરિકાના પૂર્વના પ્રદેશો પર પોતાનો કબજો જમાવ્યો. બ્રિટને સંસ્થાનોમાંથી આવક વધારવા જુદા જુદા કાયદા ઘડી કરવેરા નાખ્યા. સંસ્થાનવાસીઓએ તેનો વિરોધ કર્યો. બીજી કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસે 4 જુલાઈ 1776ના રોજ સંસ્થાનોની સ્વતંત્રતાની જાહેરાત કરી અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાની રચના કરી. સંસ્થાનોએ જ્યૉર્જ વૉશિંગ્ટનના સેનાપતિપદ હેઠળ બ્રિટિશ સેનાને 1781માં વર્જિનિયાના યૉર્કટાઉનમાં હરાવી આખરી વિજય મેળવ્યો. 1783માં પૅરિસની સંધિથી અમેરિકાની સ્વતંત્રતા સ્વીકારાઈ અને અમેરિકાની ક્રાંતિનો અંત આવ્યો. જ્યૉર્જ વૉશિંગ્ટન, જેમ્સ મૅડિસન, બેન્જામિન ફ્રૅન્કલિન, ટૉમસ જેફરસન વગેરે નેતાઓએ 1787માં દેશનું બંધારણ ઘડ્યું. જ્યૉર્જ વૉશિંગ્ટન પ્રથમ પ્રમુખ બન્યા. પ્રમુખ જેફરસને 1803માં લૂઇઝિયાનાનો 21,44,476 ચો. કિમીનો પ્રદેશ ફ્રાન્સ પાસેથી ખરીદી લીધો. તેનાથી યુનાઇટેડ સ્ટેટ્સનો વિસ્તાર લગભગ બમણો થયો. ત્યાર પછી પશ્ચિમ તરફનું વિસ્તરણ થવા લાગ્યું. 1862ના હોમસ્ટેડ ઍક્ટ અને 1873ના ટિમ્બર કલ્ચર ઍક્ટ હેઠળ ઘણા લોકો વિશાળ ખેતરોના માલિકો બન્યા. 1861થી 1912 દરમિયાન પશ્ચિમનાં કૅન્સાસ, નેબ્રાસ્કા, નેવાડા, વાયોમિંગ વગેરે રાજ્યો સંઘમાં પ્રવેશ્યાં. 1619માં સૌપ્રથમ 20 હબસીઓ જેમ્સટાઉનમાં લાવવામાં આવ્યા હતા. વર્જિનિયાની ધારાસભાએ 1661માં ગુલામીને માન્યતા આપ્યા બાદ ગુલામીની પ્રથા યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેલાઈ હતી. ઉત્તરનાં રાજ્યો ગુલામીની વિરુદ્ધમાં અને દક્ષિણનાં રાજ્યો તરફેણમાં હતાં. ગુલામીની સમસ્યાને લીધે દક્ષિણનાં રાજ્યો સંઘમાંથી અલગ થયાં. પ્રમુખ ઍબ્રહામ લિંકને સંઘમાંથી અલગ થવાના અધિકારને નકારતાં આંતરવિગ્રહ થયો. 1865માં ઉત્તરનાં રાજ્યો જીત્યા બાદ બંધારણના 13મા સુધારા દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ગુલામી નાબૂદ કરવામાં આવી. 1867માં રશિયા પાસેથી અલાસ્કા ખરીદી લેવામાં આવ્યું. આંતરવિગ્રહ બાદ અમેરિકામાં અનેક શોધખોળો થઈ તથા 1880થી 1920 દરમિયાન ઝડપી ઔદ્યોગિક વિકાસ થયો. હેન્રી ફૉર્ડ, ડુપોન્ટ, રૉકફેલર, કાર્નેગી અને વેન્ડરબિલ્ટ જેવા ઉદ્યોગપતિઓએ લોખંડ અને પોલાદ, મોટરકાર, રંગ અને રસાયણ, ખનિજતેલ જેવા ઉદ્યોગો વિકસાવ્યા. રેલવે અને ખેતીના ક્ષેત્રે પણ આ દરમિાયન વિકાસ થયો. 1870થી 1916 દરમિયાન બે કરોડ પચાસ લાખ વિદેશીઓ કાયમી વસવાટ માટે આવ્યા. તેનાથી વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો. 1898માં સ્પેન સાથે યુદ્ધ કરીને યુનાઇટેડ સ્ટેટ્સે પૉર્ટોરિકો, ફિલિપિન્સ અને ગુઆમ મેળવ્યાં. આમ તેણે અલગતાની નીતિ છોડીને આંતરરાષ્ટ્રીય બાબતોમાં મહત્ત્વનો ભાગ ભજવવા માંડ્યો. યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) દરમિયાન 1917માં યુનાઇટેડ સ્ટેટ્સ યુદ્ધમાં પ્રવેશ્યું અને મિત્રરાજ્યોના વિજયમાં તેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. 1919માં પૅરિસની શાંતિ પરિષદમાં અને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વુડ્રો વિલ્સને નોંધપાત્ર કામ કર્યું. વીસીમાં આર્થિક વિકાસ થયો, પરંતુ 1929માં મહામંદી શરૂ થઈ. અસંખ્ય કારખાનાં અને દુકાનો બંધ થવાથી લાખો લોકો બેકાર થયા. હજારો બૅંકો બંધ થવાથી દેશનું અર્થતંત્ર સ્થગિત થઈ ગયું. 1932થી પ્રમુખ એફ. ડી. રૂઝવેલ્ટના પ્રયાસોથી આ સ્થિતિમાં સુધારો થવા લાગ્યો. બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયગાળામાં ઔદ્યોગિક શહેરોનો ઝડપથી વિકાસ થયો, શહેરોમાં ગોરા-કાળાનાં રમખાણો થયાં, સ્ત્રીઓને મતાધિકાર મળ્યો, વૅક્યુમ-ક્લીનર, રેફ્રિજરેટર, વૉશિંગ-મશીન, મોટરકાર, રેડિયો અને ચલચિત્રોનો ઉપયોગ ખૂબ વધ્યો અને લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન થયું. પર્લ હાર્બર પર જાપાને બૉંબમારો કરતાં (1941) અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું અને મિત્રરાજ્યોના વિજયમાં તેણે નિર્ણાયક ભાગ ભજવ્યો. આ વિશ્વયુદ્ધમાં અમેરિકાએ જાપાનનાં હીરોશીમા અને નાગાસાકી ઉપર ઑગસ્ટ 1945માં અણુબૉમ્બ નાખ્યા. વિશ્વયુદ્ધ બાદ ઠંડા યુદ્ધની શરૂઆત થઈ. તેમાં અમેરિકાએ પશ્ચિમના દેશોનું નેતૃત્વ લીધું. અમેરિકા વિશ્વસત્તા બન્યું અને પશ્ચિમ યુરોપના દેશો સાથે તેણે લશ્કરી કરાર કર્યા. અમેરિકા કોરિયન યુદ્ધ (1950-53) અને વિયેટનામ યુદ્ધ(1965-73)માં જોડાયું. માર્ટિન લ્યૂથર કિંગે હબસીઓ પ્રત્યેના ભેદભાવ વિરુદ્ધ ચળવળ શરૂ કરી. તેના પરિણામે સાઠના દાયકામાં નાગરિક અધિકારોના કાયદા ઘડવામાં આવ્યા. અવકાશ ટૅક્નૉલૉજીમાં અમેરિકાએ નોંધપાત્ર પ્રગતિ કરવા માંડી. 1916માં ઍલન શેફર્ડ પ્રથમ અમેરિકન અવકાશયાત્રી બન્યો. 1969માં નીલ આર્મસ્ટ્રૉંગે ચંદ્ર પર સૌપ્રથમ ઉતરાણ કર્યું. ત્યારબાદ વૉટરગેટ કૌભાંડ જાહેર થવાથી પ્રમુખ નિક્સન (ઑગસ્ટ 1974માં) રાજીનામું આપનાર પ્રથમ પ્રમુખ હતા. 1981-82 દરમિયાન મંદીની સમસ્યાને કારણે ત્યાં બેકારીનો સામનો કરવો પડ્યો. 1987માં અમેરિકાએ સોવિયેત સંઘ સાથે સંધિ કરીને સંબંધો સુધાર્યા. 1991માં અમેરિકાએ ઇરાક સામે યુદ્ધ કર્યું. તેમાં કુવૈતમાંથી ઇરાકની સેનાને અમેરિકાએ પાછી હઠાવી. ડિસેમ્બર, 1992માં સોમાલિયામાં શાંતિ સ્થાપવા અમેરિકાએ મોકલેલાં સૈન્યો માર્ચ, 1995માં પાછાં ખેંચી લેવામાં આવ્યાં. બોઝનિયા-હર્ઝગોવિનામાં સંઘર્ષ વધવાથી અમેરિકાએ નાટોનાં સૈન્યો મારફતે સર્બિયાની સત્તા હેઠળના બોઝનિયામાં 1995માં હવાઈ હુમલા કર્યા. ત્યારબાદ 1999માં પણ નાટો મારફતે યુગોસ્લાવિયા પર હુમલા કરવામાં અમેરિકાએ ભાગ ભજવ્યો હતો.

જયકુમાર ર. શુક્લ

અમેરિકા-કલા : સ્થાપત્ય : અમેરિકાની ધરતી આદિવાસીઓની હતી. ત્યાં અંગ્રેજો અને યુરોપવાસીઓ જઈ વસ્યા એટલે વસવાટનો પ્રશ્ન ઊભો થયો. વર્જિનિયા અને મૅસેચૂસેટ્સનાં પ્રથમ સંસ્થાનોમાં ઘરો અને દેવળો બંધાવા લાગ્યાં. આ બાંધકામના નકશા ખૂબ સાદા હતા. તેનો નમૂનો આદમ થૉરોગૂડ હાઉસ પ્રિન્સેસ ઍન કાઉન્ટીમાં છે. મધ્યયુગના અંતિમ કાળનાં અથવા ટ્યૂડર શૈલીનાં અંગ્રેજી ઘરો જેવાં એ બાંધકામ હતાં. આમાં નવીનતા આણનારા હતા અંગ્રેજ-સ્થાપિત દેવળોથી દૂર રહેવા માગનારા. તેમણે નવીન સુંદર શૈલીમાં મકાનો બંધાવ્યાં. તેનો નમૂનો હિંગહમ, મૅસેચૂસેટ્સમાં આવેલ ‘ઓલ્ડશિપ મીટિંગ હાઉસ’ છે. આ નવાં મકાનોના ભૂમિનકશા સમચોરસ કે લંબચોરસ છે.

જેમ સંસ્થાનો-રાજ્યો આબાદ અને સમૃદ્ધ થવા લાગ્યાં તેમ વધુ વિશાળ અને નવીન આકારનાં સ્થાપત્યો તૈયાર થયાં. સત્તરમી સદીના અંતમાં અમેરિકન જાહેર સંસ્થાનાં મકાનોનું આયોજન સર ક્રિસ્ટૉફર રેનના નકશા પ્રમાણે થતું હતું. આના શ્રેષ્ઠ સ્થાપત્યના નમૂના રૂપે ‘રેન બિલ્ડિંગ’ છે. એ 1695-1702 દરમિયાન વિલિયમ અને મેરીની કૉલેજ માટે બંધાયું હતું. 1706-20ના સમયમાં બંધાયેલ ગવર્નરનો મહેલ તત્કાલીન સ્થાપત્યનો સુંદર નમૂનો છે. આ બંને મકાનો વિલિયમ્સબર્ગમાં આવેલાં છે. ફિલાડેલ્ફિયાના રહેવાસીઓ માટે ટૉમસ હોમનો ગ્રીડ પ્લાન 1682માં અપનાવાયો હતો. અઢારમી સદીના મધ્યભાગમાં સ્થપતિઓ અંગ્રેજ રાજા જ્યૉર્જ પ્રથમના નામે ઓળખાતી જ્યૉર્જિયન સ્થાપત્યશૈલીનાં મકાનો અને દેવળોના નકશા કરતા અને બાંધતા હતા.

અમેરિકન ક્રાંતિ પછી ટૉમસ જેફરસને નવા રાજ્યને અનુકૂળ નવું કૅપિટલ બિલ્ડિંગ રિચમન્ડમાં ફ્રાન્સના રોમન દેવળની શૈલીને અનુસરીને બંધાવ્યું. તે જ પ્રમાણે 1785-96 દરમિયાન ‘ધ વર્જિનિયા સ્ટેટ કૅપિટલ’ની રચના થઈ. આમ જેફરસન દ્વારા અમેરિકન સ્થાપત્યમાં નવીન પ્રશિષ્ટ શૈલી(neoclassicism)નો પ્રચાર થયો. વિલિયમ થૉર્નટન અને સ્ટીફન હાલેટે 1792માં વૉશિંગ્ટન માટેના ‘કૅપિટલ ઑવ્ યુનાઇટેડ સ્ટેટ્સ’ના સ્થાપત્યની ડિઝાઇન તૈયાર કરી.

બેંજામિન લાટ્રોબે તેમાં સુધારા કરીને 1798-1800માં બક ઑવ્ પેનસિલ્વેનિયાનું મકાન બાંધ્યું અને 1806-21 દરમિયાન બાલ્ટિમોરમાં રોમન કૅથલિક કેથીડ્રલ બાંધ્યું. આગમાં નાશ પામેલ વૉશિંગ્ટન કૅપિટલને ફરીથી બાંધવા લૅટ્રોબે ચાર્લ્સ બુલફિન્ચની સહાય લીધી અને નકશા તૈયાર કર્યા.

White house - America

અમેરિકાનું સંસદ ભવન

સૌ. "U.S. Capitol West Facade" by massmatt | CC BY 2.0

લૅટ્રોબ અને બુલફિન્ચે રોમન શૈલી કરતાં ગ્રીક સ્થાપત્યશૈલીને વધુ પસંદ કરી અને પ્રચલિત સ્થાપત્યશૈલીમાં સુધારો કર્યો. આ નવીન સુધારેલી શૈલીના સ્થાપત્યના ઉત્તમ નમૂના રૂપે વિલિયમ સ્ટ્રીકલૅન્ડ્ઝ, ફિલાડેલ્ફિયા, મરચન્ટ્સ એક્સચેન્જ (1832-34) અને ઍલેક્ઝાંડર જૅક્સન ડેવિસનું લા ગ્રાંજ ટેરેસ (ન્યૂયૉર્કમાં 1832-36) છે.

1810 પહેલાં કેટલાક અમેરિકન સ્થપતિઓએ અમેરિકામાં ‘ગૉથિક રિવાઇવલ’ શૈલી અપનાવી હતી, કારણ કે તેમના મૂળ વતન ઇંગ્લૅન્ડમાં રોમૅન્ટિસિઝમનો ઉદય થતો હતો. ન્યૂયૉર્કમાં રિચાર્ડ અપજૉને 1839-46 દરમિયાન આ નવી શૈલીમાં ટ્રિનિટી ચર્ચ બાંધ્યું. આ શૈલી કૉલેજોનાં મકાનો માટે વધુ પ્રચલિત થઈ હતી.

આંતરિક વિગ્રહ પહેલાં રોમન, ઇજિપ્શિયન અને ઇટાલિયન સ્થાપત્યોનાં અનુકરણો થવા લાગ્યાં; પરંતુ મધ્યમવર્ગના લોકો માટે ઍન્ડ્રૂ જૅક્સન ડાઉનિંગે સામાન્ય કિંમતનાં મકાનો માટેની કૉટેજ શૈલી અપનાવી.

ઉદ્યોગ અને વેપારના વિકાસ સાથે બાંધકામ અને સ્થાપત્યમાં લોખંડનો ઉપયોગ વધુ પ્રમાણમાં જરૂરી બન્યો. કડિયાકામના ચણતરને બદલે લોખંડના મોટા સ્તંભોનો ઉપયોગ થવા લાગ્યો અને તેમાં કાચનો પણ ઉપયોગ થવા લાગ્યો. આવા લોખંડી સ્થાપત્યનો યશ યંત્રો શોધનાર અને યંત્રોનું ઉત્પાદન કરનાર જેમ્સ બૉગાર્ડ્ઝને ફાળે જાય છે. 1848માં લેઇંગ સ્ટૉર્સનું ન્યૂયૉર્કમાં આવેલું સ્થાપત્ય ‘કાસ્ટ આયર્ન બિલ્ડિંગ’ લોખંડી સ્થાપત્યનો નમૂનો છે. આ પદ્ધતિનાં સ્થાપત્ય ઇન્ડસ્ટ્રિયલ પૅલેસ ઑવ્ ન્યૂયૉર્ક વર્લ્ડ ફેર (1853) અને વાનમેકર ડિપાર્ટમેન્ટ સ્ટૉર્સ વગેરેનાં છે.

1861-65 દરમિયાન આંતરિક વિગ્રહ અને આર્થિક મંદી આવ્યા પછી થોડો સમય બાંધકામપ્રવૃત્તિ મંદ પડી, પરંતુ ફરીથી સમૃદ્ધિ છલકાતાં અમેરિકાએ ફ્રાન્સના નેપોલિયન ત્રીજાના શાસનમાં રચાયેલ ભવ્ય મકાનો જેવાં મકાનો બાંધવાની શરૂઆત કરી અને જૉન મેકઆર્થરે આવો ધરખમ ફિલાડેલ્ફિયા સિટી હૉલ (1874-1901) બાંધ્યો.

બે મહાન સ્થપતિઓ ફ્રૅન્ક ફર્નેસ અને હેન્રી હૉબ્સન રિચાર્ડસને નવીન મૌલિક વિચિત્ર શૈલી સ્થાપત્યમાં દાખલ કરી. રિચાર્ડસનની નવીન શૈલીનો ઉત્તમ નમૂનો ‘બૉસ્ટન ટ્રિનિટી ચર્ચ’ (1872-77) છે. તે રોમનેસ્ક શૈલીનો હિમાયતી હતો. તેણે વિવિધ અનેક સ્થાપત્ય સર્જ્યાં છે. આ નવાં બાંધકામોમાં માર્શલ ફિલ્ડ હોલસેલ સ્ટોર (1885-87), શિકાગો મુખ્ય છે.

Solomon R. Guggenheim Museum

ગુગનહાઇ મ્યુઝિયમ

સૌ. "Solomon R. Guggenheim Museum" by Upstateherd | CC BY 2.0

સ્થાપત્યના ઇતિહાસમાં ગગનચુંબી (sky-scrapers) વાણિજ્ય-ઇમારતો એ અમેરિકાનો મૌલિક ફાળો છે. 1850માં ફિલાડેલ્ફિયામાં બંધાયેલ બહુમાળી વાણિજ્ય મકાનો આની શરૂઆત દર્શાવે છે. ઓગણીસમી સદીના છઠ્ઠા દાયકામાં ન્યૂયૉર્કમાં ગગનસ્પર્શી બાંધકામની શરૂઆત થઈ અને શિકાગોમાં તે પૂર્ણપણે વિકાસ પામી. આવાં મકાનોના સ્થપતિઓમાં લૂઈ સલિવાન અગ્રગણ્ય હતો. તેણે અન્ય સ્થપતિઓ સાથે મળી ‘શિકાગો સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર’ની કાચપિંજર સમી રચના ઉપસાવી. ઊંચાં ગગનચુંબી મકાનોનાં બાંધકામ કરનારા સ્થપતિઓમાં અને સ્થાપત્યમાં વિલિયમ હોલાબર્ડ અને માર્ટિન રોશેનું ટાકોમા બિલ્ડિંગ, ડૅનિયલ બર્નહામ અને જૉન વેલ્બૉર્ન રૂટનું રિલાયન્સ બિલ્ડિંગ અને સલિવાનનું ગેજ બિલ્ડિંગ આ પદ્ધતિના વિકાસના વિવિધ તબક્કા દર્શાવે છે.

સ્થાપત્યમાં શિકાગોમાં ન્યૂયૉર્કની મક્કિમ, મીડ ઍન્ડ વ્હાઇટની પેઢીએ સુંદર કલાત્મક શૈલીમાં બૉસ્ટન પબ્લિક લાઇબ્રેરી (1887-98) બાંધીને નવો પ્રભાવ પાડ્યો. આ શૈલીમાં ન્યૂયૉર્કમાં 1913માં કારુ ગિલ્બર્ટે જે ગૉથિક ગગનચુંબી મકાન બાંધ્યું તે વુલવર્થ બિલ્ડિંગ.

આધુનિક સ્થાપત્યમાં પ્રતિભાશાળી સ્થપતિ ફ્રૅન્ક લૉઇડ રાઇટ છે અને તેની સાથે બાઉહાઉસ સ્થપતિઓ વૉલ્ટર ગ્રૉમિયસ, લુડવિગ, મીસ વેન ડર રોહે અને સ્વતંત્ર શૈલીવાળા એરિક મૅન્ડલસ્હૉન તથા એલીએલ સારીનેન છે. રાઇટની કલ્પનાશક્તિ ફળદ્રૂપ હતી. તેણે એક માળનાં ‘પૅરી હાઉસિઝ’ બાંધીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. તેણે જાપાનના પાટનગર ટોકિયોની ઇમ્પિરિયલ હોટેલ (1916-22, હાલ નાશ પામી છે), જૉન્સન વૅક્સ કંપની બિલ્ડિંગ (1936-39, રેસીનમાં) તથા ન્યૂયૉર્કના ગુગનહેમ મ્યુઝિયમ(1956-59)ના સ્થાપત્ય-નકશાઓ તૈયાર કર્યા હતા. 1932માં ન્યૂયૉર્કના આધુનિક કલાસંગ્રહમાં પ્રદર્શિત થયેલ યુરોપિયન ઇન્ટરનૅશનલ શૈલીને રાઇટે બિન-અમેરિકી ગણાવી. વીસમી સદીના ચોથા દાયકાથી યુરોપિયન આધુનિકતાવાદી સ્થપતિઓનો પ્રભાવ અમેરિકન શહેરો અને ઉદ્યોગો પર પડવા લાગ્યો. ગ્રૉપિયસ 1938માં હાર્વર્ડ યુનિવર્સિટીના સ્થાપત્ય વિભાગનો અધ્યક્ષ બન્યો. આમ રાઇટ અને યુરોપિયન સ્થપતિઓ વચ્ચે સમતુલા સ્થપાઈ.

Seagram Building

સીગ્રામ બિલ્ડિંગ

સૌ. "Seagram Building" by Epicgenius | CC BY 2.0

બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકન શહેરોમાં બાઉહાઉ યુરોપિયન આધુનિકતાવાદીઓની શૈલીનાં ઊંચાં ગગનચુંબી મકાનોમાં, જાણે ખોખાં ગોઠવ્યાં હોય એવી શૈલી પ્રચલિત થઈ. તેમાં પડદા તરીકે કાચનો ઉપયોગ વધતો ગયો. આનો નમૂનો લ કૉર્બૂઝિયે અને વૉલેસ હૅરિસને નિર્માણ કરેલ યુનાઇટેડ નૅશન્સ સંકુલ (1947-53) છે. એવું જ મહત્ત્વનું સ્થાપત્ય લુડવિગ મીસ વેન ડર રોહ અને ફિલિપ જૉન્સને તૈયાર કરેલું સીગ્રામ બિલ્ડિંગ (1956-59) છે.

કૃષ્ણવદન જેટલી

અમેરિકા – ચિત્ર અને શિલ્પ : અમેરિકન કલા અને સંસ્કૃતિ યુરોપિયન સંસ્કૃતિની જ આડનીપજ હોવાથી તે (અમેરિકન કલા) યુરોપની કલાની જ ઉપશાખા લેખાય છે. અમેરિકન વસવાટનું નવું સ્થળ યુરોપની સદીઓજૂની કલા-પ્રણાલીઓમાંથી સહેલાઈથી મુક્તિ અપાવનારું બન્યું, તો સાથે સાથે ખુદ અમેરિકન કલાકારોને મતે પ્રણાલીના અભાવ અને નિષેધને કારણે અમેરિકન કલાને જોઈતાં જોમ અને જુસ્સો મળી શક્યાં નહિ. આના પ્રત્યાઘાત રૂપે અમેરિકન કલાકારો પ્રાચીન યુરોપની કલાના સંપૂર્ણ સ્વીકાર અને અનુસરણ તરફ વળ્યા. બીજું, અમેરિકામાં દુનિયાના જુદા જુદા દેશોમાંથી આવતા રહેવાસીઓને લીધે આ દેશ વિશ્વની ભિન્ન ભિન્ન કલા અને સંસ્કૃતિઓનું સંગમસ્થાન બન્યો.

વસાહતો સ્થપાઈ ત્યારથી માંડીને તે અઢારમી સદી સુધી શિલ્પ અને ચિત્રમાં અમેરિકામાં ભાગ્યે જ કોઈ નોંધપાત્ર કૃતિ સર્જાઈ છે. શિલ્પ તો ઓગણીસમી સદીના અમેરિકામાં પણ નિજી ઓળખ (identity) માટે કોશિશ કરી રહ્યું હતું. તેની સરખામણીમાં ઓગણીસમી સદીમાં ચિત્રકલાના ક્ષેત્રે વધુ પ્રગતિ થઈ. ગિલ્બર્ટ સ્ટુઅર્ટ, જૉન ટ્રમ્બલ, ટૉમસ ઇક્નિસ, સિંગલ્ટન કૉપ્લે જેવા વ્યક્તિચિત્રમાં અને નિસર્ગચિત્રમાં મૌલિકતા પ્રગટાવી શક્યા. ઑદોબને અમેરિકન પંખીઓનાં કલાત્મક હૂબહૂ ચિત્રો કર્યાં. આ ઉપરાંત ‘હડસન રિવર’ શૈલીના નિસર્ગ-ચિત્રકારો ટૉમસ કૉલ અને ઍશર ડુરાન્ડ પણ મહત્ત્વના છે. આ બે ચિત્રકારો ભાવાત્મક આલેખનમાં કુશળ હોવા ઉપરાંત વિગતપ્રચુર ચિત્રણામાં પણ નિપુણ હતા. આ ઉપરાંત તત્કાલીન યુરોપિયન ચિત્ર-શૈલીઓના પડઘા પણ ઓગણીસમી સદીનાં અમેરિકન ચિત્રોમાં સંભળાવા લાગ્યા. યુરોપિયન રોમૅન્ટિસિઝમ વિચિત્ર, કુરૂપ અને અજાયબ પદાર્થો તેમજ સ્થળોની અમેરિકન ચિત્રણામાં જોવા મળે છે. પદાર્થચિત્રણામાં જૉન પેટૂ, રૅફાએલ પીલે અને વિલિયમ હાર્નેટે પોતાનાં ચિત્રોમાં રોજિંદા વપરાશની ચીલાચાલુ ચીજોને અવનવું સ્વરૂપ આપ્યું. પશ્ચિમ અમેરિકાની ભેંકાર માનવહીન નિસર્ગ જેને ‘કુંવારી ભોમકા’ કહેવામાં આવે છે તે પ્રેરણાનો મહાસ્રોત બની. ઉપરાંત, અહીંની સાહસિક, ખડતલ, મર્દાનગીભરી જીવનશૈલી પણ ચિત્રવિષય બની. તેમાં ચિત્રકાર બિંગઅમ સૌથી વધુ નોંધપાત્ર છે. આ ચિત્રકારોમાં ચિત્ર કરવાની ટૅકનિક ક્યારેક અણઘડ અને પ્રાથમિક કક્ષાની જોવા મળે છે તે છતાં તે પાછળનો પ્રબળ ભાવાવેગ ચિત્રોને અનેરું જોમ બક્ષે છે.

1860 પછી ફ્રાંસની ‘બાર્બિઝન’ ચિત્રશૈલીની અસરમાં વિલિયમ પેજ અને જ્યૉર્જ ઇનેસે નિસર્ગચિત્રણ કર્યું; પણ ઓગણીસમી સદીનો સૌથી વધુ મૌલિક નિસર્ગ-દૃશ્ય-ચિત્રકાર તો વિન્ઝ્લો હોમર જ ગણી શકાય. આલ્બર્ટ પિંકહૅમ રાઇડરનાં નિસર્ગચિત્રોમાં અંતર્મુખી દૃષ્ટિથી પરિષ્કૃત સ્વપ્નિલ નિસર્ગ જોવા મળે છે. સૂર્યાસ્ત પછીનો ધૂંધળો ઝાંખો પ્રકાશ અને તેની રહસ્યમય લીલાઓ તેની કલાને પરાવાસ્તવવાદી સ્પર્શ આપે છે.

ઓગણીસમી સદીના છેલ્લા દસકાઓમાં યુરોપની પ્રભાવવાદી (impressionistic) નિસર્ગ-ચિત્રણાની અસરો ઝીલીને જે તેજસ્વી ચિત્રકારો આવ્યા તેમાં થિયૉડૉર રૉબિન્સન, ચિલ્ડ હસમ, વિલાર્ડ લેરૉય અને જૉન ટ્વારમન નોંધપાત્ર છે.

વીસમી સદીનાં ચિત્રોમાં શરૂઆતથી જ યુરોપિયન પ્રભાવવાદ, ઘનવાદ (cubism), ભવિષ્યવાદ (futurism), ફૉયવાદ (fouvism), અભિવ્યક્તિવાદ (expressionism), ચાક્ષુષવાદ (orphism) સાથે વાસ્તવવાદ (realism) દેખાય છે. તેમાં ગ્લૅકન્સ, બેલૉઝ, સ્લૉઝ અને પ્રેન્ડેર્ગાસ્ટનાં નામ મૂકી શકાય. યુરોપના પિકાસો, માતીસ, બ્રાક વગેરેનાં પ્રદર્શનો અમેરિકામાં થવા માંડ્યાં તેથી પ્રજા અને કલાકારોની રુચિનું ઘડતર થયું. ચાર્લ્સ ડેમ્યૂથે શરૂઆતમાં ઘનવાદી શૈલીનાં ચિત્રો કર્યાં અને પછી તે દાદાવાદ તરફ વળ્યો. મન રે અમેરિકાનો દાદા- શૈલીનો સૌથી અગત્યનો કલાકાર ગણાય છે. પોતાનાં ચિત્રોને તે ‘વાસ્તવિક જગતના ઍક્સ-રે ફોટોગ્રાફ’ તરીકે ઓળખાવતો. જાણે તે વસ્તુઓની આરપાર નીકળી તેમનો તાગ લેવા મથતો હોય તેવું તેનાં ચિત્રો જોતાં લાગે છે. આ ઉપરાંત મૅક્સ વૅબર, જૉન મારીન અને સ્ટેલાએ પણ પ્રયોગશીલ ચિત્રો કર્યાં.

1920 પછી ‘ઇમૅક્યુલેટ્સ’ નામના કલાકારજૂથની સ્થાપના થઈ તેમાં ચાર્લ્સ શિલર, નાઇલ્સ સ્પેન્સર, જ્યૉર્જિયા ઓ’કિફી અને ચાર્લ્સ ડેમ્યૂથનો સમાવેશ થાય છે. તદ્દન સરળ રજૂઆત અને અનલંકૃત શૈલીને કારણે તેમનાં ચિત્રો અમૂર્તની લગોલગ પહોંચે છે. ફૅક્ટરી, પુલ, રસ્તા, મકાનો, સ્ટીમર જેવા તેમના વિષયો યંત્રયુગને આભારી છે.

વાસ્તવવાદી ચિત્રકારોમાં સૌથી વધુ અગત્યનો ચિત્રકાર એડ્વર્ડ હૉપર છે. તેના વાસ્તવવાદમાં કાવ્યાત્મક અને ભાવનાત્મક અનુભૂતિ પણ અદભુત રીતે વણાયેલી છે. તેનાં ઘરાળુ દૃશ્યો અને નગરદૃશ્યોમાં વિહ્વળતાભર્યાં એકલવાયાપણાનો અને નિર્વેદ-શાંતિનો અનુભવ થાય છે.

રૉબર્ટો માટ્ટા, ગ્રાન્ટ વુડ, બેન શાન ફિલિપ એવરગુડ, જૅક લેવાઇન અને વિલિયમ ગ્રોપરે પ્રબળ અભિવ્યક્તિવાદી શૈલીમાં ચિત્રો કર્યાં છે. ફ્લેચર માર્ટિનનાં ચિત્રોમાં પશ્ચિમ અમેરિકાના કાઉબૉયનાં રંગદર્શી દૃશ્યો જોવા મળે છે. અમૂર્ત અભિવ્યક્તિવાદનો સૌથી વધારે આવિષ્કાર અમેરિકામાં જ થયો. તેમાં અર્શાઇલ ગૉર્કી, સ્ટૂઅર્ટ ડેવિડ, જૉસેફ આલ્બેર્સ, મૉરિસા ગ્રેવ્ઝ, માર્ક એબી, જૅક્સન પૉલાક મુખ્ય ગણી શકાય. 1970 પછી ન્યૂયૉર્કના કલાજગતમાં મૂળ ગુજરાતી અમૂર્ત ચિત્રકાર નટવર ભાવસારનું નામ ઘણું પ્રતિષ્ઠિત છે. 1960 અને 1970ના દાયકામાં પૉપ આર્ટનો ઉદય થયો તેમાં સૌથી ઝળહળતું નામ ઍન્ડી વૉર્હોલનું છે. પૉપ આર્ટમાં સમૃદ્ધિ અને સાહ્યબીમાં રાચતા અમેરિકાની વરવી છીછરી વૃત્તિઓ પર કુઠારાઘાત થયેલો જોવાય છે અને બીજું એ કે કલામાં ઉપેક્ષ્ય રહેલી સામગ્રી અહીં પ્રદર્શન-મંચ પર આવી પહોંચે છે. ચિત્રોને બદલે અનુભૂતિજન્ય ‘હૅપનિંગ’નો પ્રકાર અજમાવાયો. આમાં વિલક્ષણ, વિચિત્ર, અદભુત વગેરેનો સાક્ષાત્કાર કરવા અનેક અખતરા થયા. ક્યાંક અંધારા પટમાં લાલ-ભૂરા પ્રકાશમાં કે ઘાસના બોગદામાં દર્શકે પસાર થવાનું હોય, તો ક્યાંક માદક દવાના સેવનમાં સાઇકિડેલિક પ્રકારની મન અને આંખને ચોંકાવનારી અનુભૂતિ પામવાની હોય. કલામાં જાહેરાતના બજારુ સૌન્દર્યને પ્રમાણવાના પ્રયત્નો થયા. રૉઝેન્ક્વિસ્ટે છાપાંની ચિત્રવાર્તા(comic strip)નાં ચોકઠાંને વિશાળ કૅન્વાસ પર આલેખ્યાં. માત્ર લેબલ જોઈ ખાણું ખરીદવાની અમેરિકી વૃત્તિને લક્ષ્યમાં લઈ ઍન્ડી વૉર્હોલે સાબુ કે સૂપનાં લૅબલોવાળાં ખોખાં પ્રદર્શનમાં મૂક્યાં. રૉબર્ટ રાઉશેનબર્ગે ઔદ્યોગિક ઉપકરણો અને કલાત્મક પદાર્થોનાં આકાર-આકૃતિની તોડફોડ કરી, ચીતરી-ચોંટાડી, સુરૂપ-વિરૂપ ચિત્રશિલ્પના સમન્વયવાળી રચનાઓ કરી. ઑલ્ડનબર્ગે ‘એ હેમ્બર્ગર’ના વિશાળ શિલ્પને અર્વાચીન અમેરિકન સંસ્કૃતિના પ્રતીક તરીકે રજૂ કર્યું. ક્યાંક હળવાશ, રમૂજ તો ક્યાંક કટાક્ષ અને આક્રોશ તો ક્યાંક બજારુ સંસ્કૃતિનો મહિમા ‘પૉપ’ની વિશેષતાઓ લેખે ગણાવી શકાય.

અમેરિકી શિલ્પમાં ચિત્ર અને શિલ્પ વચ્ચેની ભેદરેખાઓ ભૂંસાતી જતી જોવા મળે છે. તે હકીકતમાં અર્ધશિલ્પ–અર્ધચિત્ર હોય છે. લૂઈસ નેવેલ્સને ખુરસીની પીઠ, અટારીના થાંભલા, ડટ્ટા જેવા લાકડાના આકારોથી વિશાળ અર્ધમૂર્ત શિલ્પો બનાવ્યાં. આમાં કૃતિની સમગ્ર સપાટી કાળા, સોનેરી કે સફેદ રંગે લીંપાયેલી રહેતી. રિચર્ડ સ્ટાન્કિએવિત્ઝે ભંગારના ટુકડાઓને રેણ કરી ઉપભોક્તા સંસ્કૃતિના ઉચ્છિષ્ટને આગળ ધર્યું. જ્યૉર્જ સિગાલે જીવતી વ્યક્તિઓનાં બીબાંમાં ઢાળી હોય એવી પ્લાસ્ટર આકૃતિઓ દ્વારા સાંપ્રત સમાજ અને માનવસમાજનું વણઓળખાયેલું રૂપ પ્રગટાવ્યું. 1970 પછી કળાના મૂળ સ્વરૂપનો-  કલાપદાર્થનો પ્રતિકાર, નિષેધ અને વિનાશ કરવાનાં વલણો પ્રગટ્યાં. આવાં વલણોમાં એક તો કલાકૃતિ વેચાણ માટેના માલ જેવી બની ગઈ છે. તેની વિરુદ્ધ સ્વવિનાશી કે હંગામી કૃતિઓ પણ રચાઈ. એક કલાકારે જાહેરમાં પોતાના ગુપ્તાંગ પર આઘાત કરી સર્જનાત્મકતાનું રૂપક ખંડિત કર્યું. ધંધાદારી ગૅલરીઓએ કળાને નાગચૂડમાં લઈ નિચોવી હતી. તેના પ્રતિકાર રૂપે કલાકારો બહાર ખુલ્લા પરિવેશમાં આવ્યા. ‘કન્સેપ્ચ્યુઅલ આર્ટ’માં આકૃતિ સાથે અથવા આકૃતિને બદલે વિચારોનું લખાણ મુકાયું. હવે ‘કલાકૃતિ’ની વ્યાખ્યા બદલાઈ. આમાં કલાકૃતિ તરીકે વેચાય એવું બહુ ઓછું હતું. અલ્પતમ (minimum) કળાના પ્રયોગોમાં અમૂર્તથીય ઓછું કે નિમિત્તમાત્ર ચિત્રણ થયું, એકાદ રંગથી કે ટપકાંથી કૅન્વાસ ભરી દેવાયું. ‘ફોટોરિયાલિઝમ’માં આબેહૂબને ઝીણામાં ઝીણી વિગત દ્વારા પ્રતિષ્ઠિત કરવાની પ્રયુક્તિ અજમાવાઈ. કેટલાકે કળાપદાર્થનો જ ત્યાગ કર્યો અને પોતે જ દીવાલે ઊભા રહ્યા કે અન્ય કોઈને પ્રદર્શનખંડને બારણે કે ખંડની વચ્ચે નગ્નાવસ્થામાં ઊભા રાખ્યા. કમ્પ્યૂટરના વિનિયોગથી અવનવી કલાઓ સર્જાઈ અને હજીયે સર્જાતી રહી છે. સાથે સાથે કૅન્વાસ અને કાગળ પરની ચિત્રકલા તથા પથ્થર અને કાંસાનાં શિલ્પો પણ થતાં રહે છે. 1970ના ગાળામાં જે કેટલાકે અમૂર્ત ચિત્ર-શિલ્પ રચ્યાં હતાં તેમણે ફરી પાછું માનવપાત્ર ‘પુનર્જીવિત’ કર્યું અને અનુઆધુનિક(postmodern)ના પાયા નાખ્યા. આ શૈલીમાં ‘આધુનિક’ની મૂળ કલ્પનાનું પુનર્મૂલ્યાંકન થયું છે અને પ્રાચીન ખ્યાલોનો નવા સંદર્ભોમાં પુન: સ્વીકાર થયો છે. ભૂમિલક્ષી કળા(earth art)માં કલાકારે ખુલ્લા પ્રદેશમાં પોતે ચીંધે તે જગ્યાએ ખોદકામખાડા કરી, એની ફરતાં લીટા-કૂંડાળાં કરી એની છબીઓ રજૂ કરવાની શૈલી અપનાવી છે.

અમિતાભ મડિયા

અમેરિકન સંગીત : અમેરિકન સંસ્કૃતિની પેઠે અમેરિકન સંગીત પણ બહુધા યુરોપિયન અને આફ્રિકન-હબસી સંગીતથી પ્રભાવિત છે. વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે અમેરિકન સંગીતકારોએ અથાગ સંઘર્ષ વેઠ્યો છે.

અમેરિકન સંગીત 3 યુગમાં વહેંચી શકાય : (1) સંસ્થાનવાદી યુગ (બ્રિટિશ અસર હેઠળ સત્તરમી અને અઢારમી સદી); (2) 1800થી 1900 સુધીનો યુગ (બ્રિટન સિવાયના યુરોપની અસરવાળો યુગ) અને (3) સ્વતંત્ર અસ્મિતાનો યુગ (વીસમી સદી).

(1) સંસ્થાનવાદી યુગ : શરૂઆતના વસાહતીઓ તેમની નિયમિત પ્રાર્થનાઓ છંદોબદ્ધ (metrical) રીતે ગાતા; પરંતુ તેમાં સંગીત કરતાં શબ્દો (text) પર વધુ ધ્યાન આપતા. સંગીત પર તેમનું પ્રભુત્વ નહોતું. બ્રિટનથી તેઓ બ્રિટિશ લોકગીતો પણ લાવેલા, પરંતુ તેમાંથી કશું આજે નથી. ધાર્મિક કંઠ્ય અને સમૂહ કંઠ્યગાન સંગીતપ્રધાન હતાં. આ પછી નગરોનો વિકાસ વધતાં 1731 પછી બૉસ્ટનમાં, 1732 પછી ચાર્લ્સટનમાં, 1736 પછી ન્યૂયૉર્કમાં તથા 1757માં ફિલાડેલ્ફિયામાં વાદ્યવૃંદોના કાર્યક્રમો યોજાવા માંડ્યા. આમ થવાથી આર્થિક રીતે નિર્ભર થવા માંગતા વાદકો, ગાયકો, સંગીતરચનાકારો યુરોપથી અમેરિકા આવી સ્થિર થવા માંડ્યા. આ યુગના નોંધપાત્ર સંગીતસર્જકો (composers) અને વાદકોમાં ઍલેક્ઝાન્ડર રેઇનેગલ (1756-1809), બેન્જામિન કાર (1768-1831), જેમ્સ હૅવિટ (1770-1827) અને ગૉટ્લિબ ગ્રૉપ્નર(1767-1836)નો સમાવેશ થાય છે.

(2) ખંડીય યુરોપની અસરનો યુગ (ઓગણીસમી સદી) : આ યુગના પ્રારંભમાં લૉવેલ મેસનનું નામ ખૂબ અગત્યનું છે. 1832માં તેણે બૉસ્ટન એકૅડેમી ફૉર મ્યુઝિકની સ્થાપના કરી. બૉસ્ટન હૅન્ડલ ઍન્ડ હાયડન સોસાયટીના વિકાસમાં પણ તેણે મુખ્ય ભાગ ભજવ્યો. બૉસ્ટન પબ્લિક સ્કૂલ સિસ્ટમમાં તેણે સંગીત-શિક્ષણ દાખલ કર્યું. આશરે 1,200 પ્રૉટેસ્ટન્ટ પ્રાર્થના-શ્ર્લોકોને તેણે સંગીતબદ્ધ (compose) કર્યા. તેના મુખ્ય અનુયાયીઓમાં ડૅનિયલ ગ્રેગરી મેસન (1873-1953), ટૉમસ હેસ્ટિન્ગ્ઝ (1784-1872), વિલિયમ બ્રૅડબરી (1816-68) તથા બી. વુડબરી (1819-58)નો સમાવેશ થાય છે. તેમણે સંગીતબદ્ધ કરેલ પ્રાર્થનાઓ વીસમી સદી સુધી દેવળોમાં ગવાતી રહી છે.

1884 પછી અનેક યુરોપિયન સંગીતકારો અમેરિકામાં સ્થિર થયા. આ સાથે વિવિધ યુરોપિયન વાદ્યવૃંદોની અમેરિકાની યાત્રાઓ પણ વધતી ગઈ. તેમણે નાનાંમોટાં નગરો અને કસબાઓમાં કરેલા સંખ્યાબંધ સંગીતકાર્યક્રમો(performances)ને કારણે અમેરિકન પ્રજાનાં સંગીત પ્રત્યેનાં રુચિ, જાગૃતિ અને પ્રેમ વધતાં ગયાં. આ સંગીતકારોમાં ઑસ્ટ્રિયન પિયાનોવાદક હેન્રી હર્ટ્ઝ, નૉર્વેજિયન વાયોલિનવાદક ઓલે બુલ, સ્વિડિશ સોપ્રાનો (તાર અને અતિતાર સપ્તકમાં ગાનાર સ્ત્રી) જેની લિન્ડ, તથા ફ્રેન્ચ વાદ્યવૃંદ-સંચાલક (orchestra conductor), લૂઈ જૂલિયેનનાં નામ મોખરે છે. આ ઉપરાંત અમેરિકામાં જ જન્મેલ પિયાનોવાદક લૂઈ મોરિયુ ગૉટ્સચૉકનું નામ પણ ઉપર જણાવેલા મૂળ યુરોપિયન સંગીતકારોની તોલે જ આવે એમ છે. મોખરાના આ સંગીતકારોએ મુખ્યત્વે જર્મન સંગીત રચનાકારોના અને જર્મન રુચિના સંગીતનો પ્રસાર કર્યો; પરંતુ લોકોમાં નવીન અને મૂળભૂત અમેરિકન લક્ષણોવાળું સંગીત તથા સંગીતકારો સ્વીકૃતિ પામતાં ગયાં. આમાં ગાયક હચિન્સન પરિવાર સૌથી વધુ નોંધપાત્ર ગણાય. તેમણે હબસી ઢાળ તથા યુરોપિયન લોકસંગીતનાં લક્ષણોને પોતાના સંગીતમાં વણી લઈ ગેય રચનાઓ કરી. અમેરિકામાં તેમણે અસાધારણ ખ્યાતિ પ્રાપ્ત કરી. પોતાનાં ગીતોમાં તેમણે હબસી ગુલામોની મુક્તિ જેવા સામાજિક હેતુઓને પણ વણી લીધા હતા.

1820 પછી ઉદભવ પામેલા મિન્સ્ટ્રલ-શો (ડફ, બેન્જો, મંજીરાં અને તંતુવાદ્યો વગાડતા કાળા અને ધોળા લોકોની મંડળીના સંગીતપ્રયોગો)માં ગીત અને નાટકનો સમન્વય કરવામાં આવ્યો હતો. તેના સંગીતમાં હબસીઓના લોકસંગીતને પણ વણી લેવામાં આવ્યું હતું. મિન્સ્ટ્રલ-શો મુખ્યત્વે કૉમેડી હતા અને લગભગ એક સદી સુધી તે ઘણા લોકપ્રિય રહ્યા. તેમને લોકભોગ્ય બનાવવામાં ટી. ડી. ડેડી રાઇસ (1808-60), ડૅનિયલ ડેકાટુર એમેટ (1815-1904) તથા ઇ. પી. ક્રિસ્ટી (1815-62)નો ફાળો મુખ્ય છે. આ શોને કારણે સ્ટીવન કૉલિન્સ ફૉસ્ટરને અસાધારણ સફળતા મળી અને તેનાં ગીતો ‘જેની વિથ લાઇટ બ્રાઉન બેર’, ‘ઓલ્ડ ફોક્સ ઍટ હોમ’ અને ‘કૅમ્પટાઉન ટૅસિઝ’ને પુષ્કળ લોકપ્રિયતા મળી. એ ગીતોનો સુમધુર ઢાળ ખાસ ઉલ્લેખનીય ગણી શકાય. આ ઉપરાંત પી. નાઇટ(1812-87)નું ગીત ‘રૉક્ડ ઇન ધ ક્રેડલ ઑવ્ ધ ડીપ’, હેન્રી રસેલ(1812-1900)નું ગીત ‘વુડમૅન, સ્પૅર ધૅટ ટ્રી’, સેપ્ટિમસ વિનર(1827-1902)નું ગીત ‘વ્હિસ્પરિંગ હોપ’ તથા ‘લિસન ટુ ધ મૉકિંગ બર્ડ’ અને જૉન એચ. હ્યૂઇટ(1801-90)નું ગીત ‘ઑલ ક્વાએટ અલોન્ગ ધ પોટોમેક’ પણ લોકપ્રિયતા પામ્યાં.

ન્યૂયૉર્ક શહેર કળાના કેન્દ્ર તરીકે વિકસતું જતું હતું. અમેરિકન રચનાકારો દ્વારા અમેરિકન સંગીતના સર્જનની માંગ વધતી જતી હતી. ઑપેરાની રચના કરવામાં પ્રથમ અમેરિકન સંગીતકાર વિલિયમ હેન્રી ફ્રાય (1813-64) છે. તેના ઑપેરા ‘લિયોનોરા’નું 1845માં ફિલાડેલ્ફિયામાં મંચન થયેલું. આ ઉપરાંત 1855માં ન્યૂયૉર્કમાં મંચન પામેલ જ્યૉર્જ એફ. બ્રિસ્ટો(1825-98)ના ‘રિપ વાન વિન્કલ’ ઑપેરામાં સર્વપ્રથમ અમેરિકન વિષયનું નિરૂપણ જોવા મળે છે.

1810થી ન્યૂ ઑર્લિયન્સમાં કાયમી ઑપેરાહાઉસ હતું. 1840 પછી ઘણાં શહેરોમાં કાયમી વાદ્યવૃંદો અસ્તિત્વમાં આવ્યાં; જેમાં ન્યૂયૉર્ક ફિલ્હાર્મોનિક, બૉસ્ટન સિમ્ફની ઑર્કેસ્ટ્રા અને શિકાગો સિમ્ફની ઑર્કેસ્ટ્રાઓને સૌથી વધુ નોંધપાત્ર ગણી શકાય.

ઓગણીસમી સદીના અમેરિકામાં બૅન્ડ (લશ્કરી કવાયતની સાથે સંગીતવાદ્યો વગાડનારાઓનાં મંડળો) ખૂબ લોકપ્રિયતા પામ્યાં. લોકભોગ્ય સંગીત પીરસવાની પહેલ કરનાર આવું પહેલું બૅન્ડ અઢારમી સદીના અંતમાં કાર્યરત હતું. તેનું નામ હતું : ‘જોસાયા ફ્લૅગ્ઝ સિક્સ્ટીફોર્થ રેજિમેન્ટ બૅન્ડ’. બૅન્ડનાં વાદ્યોમાં સુષિર (wind) અને તાલ (percussion) વાદ્યો સવિશેષ રહેતાં. તંતુ(string)વાદ્યો તેમાં ગણ્યાંગાંઠયાં હતાં. આંતરવિગ્રહ સુધીમાં અમેરિકામાં આવાં 3,000 બૅન્ડ અસ્તિત્વમાં હતાં. ‘વ્હેન જૉની કમ્સ માર્ચિંગ હોમ’ના સર્જક પૅટ્રિક સાસંફિલ્ડ ગિલ્મોર (1829-92) અને ‘ધ સ્ટાર્સ ઍન્ડ સ્ટ્રાઇપ્સ ફૉરેવર’, ‘એલ કૅપ્ટન’ તથા ‘ધ વૉશિન્ગ્ટન પોસ્ટ’ના સર્જક જૉન ફિલિપ સૂઝા અગ્રિમ બૅન્ડમાસ્ટરો ગણાયા છે. ગિલ્મોર લૂઇઝિયાનાના ‘યુનિયન ફૉર્સિઝ’ના બૅન્ડમાસ્ટર હતા. તેમણે આંતરવિગ્રહને અંતે 500 વાદકો તથા 5,000 ગાયકોના વૃંદનું સંચાલન કરી સંગીત-કાર્યક્રમ આપ્યો હતો. સૂઝાએ 1880થી 1892 સુધી (conduct) ‘યુનાઇટેડ સ્ટેટ્સ મરીન બૅન્ડ’નું સંચાલન કર્યું હતું.

આંતરવિગ્રહ અગાઉ સંગીતના વિદ્યાર્થીને યુરોપિયન અને વિશેષત: જર્મન સંગીતનો અભ્યાસ કરવો પડતો હતો; પણ આંતરવિગ્રહ પછી પરિસ્થિતિ બદલાઈ અને એવી સંગીત-મહાશાળા ઊભી થતી ગઈ, જેમાં અમેરિકન સંગીતની નિજી ઓળખ અને વ્યક્તિત્વનો વિકાસ થયો. 1865માં સ્થપાયેલ ઓબર્લિન કૉલેજ તથા 1868માં બૉસ્ટનમાં સ્થપાયેલ ન્યૂ ઇંગ્લૅન્ડ કૉન્ઝર્વેટરી ઑવ્ મ્યુઝિક દ્વારા આ શરૂઆત થઈ. 1868માં સિનસિનાટી અને શિકાગોમાં પણ સંગીત-મહાશાળાઓ ઊભી થઈ. 1875માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ સંગીતના પ્રથમ પ્રાધ્યાપકની નિમણૂક થઈ. આજે એ દેશમાં ભાગ્યે જ કોઈ એવી શૈક્ષણિક સંસ્થા હશે, જ્યાં સંગીતનો અભ્યાસક્રમ ન હોય. આમ છતાં, ઓગણીસમી સદીમાં તક મળતાં અમેરિકા છોડી યુરોપનાં બર્લિન, લાઇપ્ઝિગ અને મ્યૂનિક નગરોમાં સંગીતના અભ્યાસ માટે જવાનું વલણ વ્યાપક હતું.

જૉન નોવલેસ પાઇન યુરોપ જઈ સંગીતનો અભ્યાસ કરી આવેલા. આવીને તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંગીત-શિક્ષણ આપ્યું અને તેમના હાથ નીચે આર્થર ફૂટ (1853-1937) જેવા નોંધપાત્ર સંગીતકારોનું ઘડતર થયું. આર્થર ફૂટ, જ્યૉર્જ ચૅડ્વિક (1854-1931) અને હોરેશિયો પાર્કર(1863-1919)ની નીચે પછીની પેઢીના મહાન સંગીતકારોની પ્રતિભાનું ઘડતર થયું. તેમાં ડૅનિયલ ગ્રેગરી મેસન, ચાર્લ્સ ઇવ્ઝ, અને ડગ્લાસ મરેનાં નામ મોખરે છે. એડવર્ડ મૉક્ડાવેલે ફ્રાન્સ અને જર્મની જઈ સંગીત-શિક્ષણ મેળવ્યું. તેણે યુરોપમાં નામ કાઢ્યું તથા યુરોપના મહાન સંગીતકાર ફ્રાન્ઝ લિઝ્તની ખાસ પ્રીતિ પ્રાપ્ત કરી. (લિઝ્ત મૂળ હંગેરિયન પણ ફ્રાન્સમાં સ્થિર થયેલ હતા.) અમેરિકા પરત આવી મેકવેલ કોલંબિયા યુનિવર્સિટીમાં 1896માં સંગીતના પ્રાધ્યાપક નિમાયા. પોતાના વાદ્યવૃંદ માટેના સંગીતમાં હબસી-નિગ્રો સૂર-ઢાળ(tune)નો વિનિયોગ કરવાની પહેલ કરનાર તેઓ પ્રથમ અમેરિકન સંગીત-સંરચનાકાર હતા. તેમના વિદ્યાર્થી હેન્રી એફ. ગિલ્બર્ટે (1869-1928) આ નવો ચીલો ચાલુ રાખ્યો.

(3) સ્વતંત્ર અસ્મિતાનો યુગ (વીસમી સદી) : પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યાં લગી જર્મન સંગીત તથા તેના આદર્શોનું આકર્ષણ ચાલુ રહ્યું. યુદ્ધ શરૂ થતાં જ ફ્રેન્ચ સંગીત તરફ વિશેષ આકર્ષણ શરૂ થયું. અમેરિકાની આગવી પહેચાનની ખોજમાં ઘણા સંગીત-રચનાકારો અમેરિકાના હબસી લોકસંગીત તરફ વળ્યા, અને એક અનન્ય સંગીત જાઝનો જન્મ થયો. ન્યૂ ઑર્લિયન્સના રૂપજીવિનીઓના આવાસોમાં પ્રચલિત બનેલ હબસી સંગીતની ‘બ્લૂઝ’ શૈલી તથા સ્કૉટ જૉપ્લિનની ‘રૅગ્ટાઇમ’ ધૂનોમાં જાઝનાં મૂળિયાં છે. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે જાઝ સંગીત તેમાંથી બહાર નીકળીને ક્લબ, રેસ્ટોરાં અને કાફેમાં પ્રતિષ્ઠિત સ્થાન જમાવી ચૂક્યું હતું. જાઝમાં પૂર્વયોજિત સંગીત નથી. તેમાં તત્કાલ સ્ફુરણા(spontaneity)નું સૌથી વધુ મહત્વ છે. જાઝની અસર યુરોપના સંગીત પર પણ પડી. અમેરિકામાં જાઝના પ્રથમ મહાન સર્જકોમાં બે હબસી સંગીતકારો લૂઈ આર્મસ્ટ્રૉન્ગ તથા ઍડવર્ડ ડ્યૂક ઍલિન્ગટનનાં નામ મોખરે છે. યુરોપિયન શાસ્ત્રીય શૈલીમાં તૈયાર થયેલા ગોરા અમેરિકન સંગીત-રચનાકાર જ્યૉર્જ ગ્રેશ્વિને તેની બે રચનાઓ  ‘રૅપ્સડી ઇન બ્લૂ’ (1924) તથા ‘ઍન અમેરિકન ઇન પૅરિસ’(1928)માં જાઝની શૈલીનો પ્રયોગ કર્યો છે. તેના ઑપેરા ‘પૉર્ગી ઍન્ડ બૅસ’(1935)માં પણ જાઝની અસર છે.

વીસમી સદીના અમેરિકન સંગીતનો નિર્વિવાદ સૌથી મહાન સર્જક છે ચાર્લ્સ ઇવ્ઝ. તેના મોટાભાગના સંગીતનું સર્જન 1920 પહેલાં થઈ ચૂક્યું હતું. વિસંવાદી સુરાવટ (dissonance), અસમપ્રમાણ તાલ તથા અનેક સૂર-સંયોજના(polytonality)ના પ્રયોગો કરવામાં તે યુરોપના અગ્રગણ્ય સંગીતકારો ઈગર સ્ટ્રાવિન્સ્કી, આર્નોલ્ડ શોઅનબર્ગ તથા દરાયસ મિહોં (Milhand) કરતાં પણ ઘણો આગળ હતો અને આ રીતે પરંપરાગત શાસ્ત્રીય સંગીતમાં પ્રણાલીભંગ કરવાનું શ્રેય કોઈ યુરોપિયનને નહીં, પણ ઇવ્ઝને મળે છે. તેણે પોતાના સંગીતમાં અમેરિકન દેવળમાં ગવાતા શ્લોકો, લોકસંગીતના ઢાળો (ધૂન), દેશભક્તિનાં ગીતો તથા જાઝની ‘રૅગ્ટાઇમ’ શૈલીનો પણ વિનિયોગ કર્યો છે. તેના વિચારો પર હેન્રી ડેવિડ થૉરો તથા રાલ્ફ વાલ્ડો એમર્સનની ઘેરી અસર વરતાય છે.

1920 પછી અમેરિકન સંગીતમાં એક નવો આત્મવિશ્વાસ ઝળકે છે. હવે સંખ્યાબંધ રચનાકારો હિંમતભર્યા પ્રયોગો કરવાના શરૂ કરે છે. તેમાં મૂળ ફ્રેન્ચ એદગાર વારિસ, જૉન જે. બેકર, કાર્લ રગ્લેસ, હેન્રી કૉવેલ, જૉન કેજ, મિલ્ટન બૅબિટ તથા જ્યૉર્જ ક્રમ્બનાં નામ ટોચ પર છે. આ પછી યુરોપ બહારની એટલે કે અરબસ્તાન, ભારત, ચીન, જાપાન, ઇન્ડોનેશિયા ઇત્યાદિ દેશોની સંગીતપ્રણાલીઓની અસર સ્વીકારીને રચના કરનાર સંગીતકારોની પેઢી આવી; જેમાં વૉલ્ટર પિસ્ટન, વર્જિલ ટૉમ્સન, રૉય હૅરિસ, ઍરન કૉપ્લેન્ડ, એલિયટ કાર્ટર, સૅમ્યુઅલ બાર્બર અને વિલિયમ શૂમન ટોચ પર છે.

યુરોપમાંથી વીસમી સદીમાં અમેરિકા જઈ સ્થિર થયેલ સંગીતકારોએ પણ અમેરિકન સંગીત પર ઘેરી છાપ પાડી છે; જેમાં ઇગૉર સ્ટ્રાવિન્સ્કી, આનૉર્લ્ડ શોઅનબર્ગ, સર્ગેઇ રાક્માનિનૉફ તથા પ્રોકોફિફ મુખ્ય છે. રંગમંચ માટેના સંગીતની રચના કરનાર સંગીતકારોમાં ફ્રિડરિખ લૉવે, રેજિનાલ્ડ દ કાવેન, આલાન જ્યૉ લર્નર, વિક્ટર હર્બર્ટ, જ્યૉર્જ એમ. કોહિન, જેરોમ કર્ન, રિચર્ડ રૉજર્સ તથા ઑસ્કર હૅમર્સ્ટિન મુખ્ય છે. રિચર્ડ રૉજર્સનું ‘સાઉન્ડ ઑવ્ મ્યુઝિક’ જાદુઈ અસર ઉપજાવી શકેલું. જ્યૉર્જ ગ્રેશ્વિન, કૉલપૉર્ટર તથા અર્વિંગ બર્લિન પણ અસરકારક રહ્યા હતા. પરંતુ બ્રૉડવે તથા હૉલિવુડમાં સંગીતની કલાત્મકતા નહિ, પણ તેની સસ્તી મનોરંજક શક્તિની જ કદર હતી; તેથી ત્યાં કલા નહિ પણ ધંધો વિકસ્યો.

1950 પછી અમેરિકામાં પરિસ્થિતિ એવી થઈ કે માત્ર પૉપ અને રૉક સંગીત જ બજારની પ્રક્રિયા દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. ઑપેરા-કંપનીઓ, સિમ્ફની-વાદ્યવૃંદો (orchestra), જાઝ તથા આ ત્રણેય પ્રકારના સંગીતને બ્રૉડકાસ્ટ કરનાર રેડિયો-સ્ટેશનોએ અસ્તિત્વ ટકાવી રાખવા માટે બહારના દાતા તથા પ્રાયોજક (sponsor) પર આધાર રાખવો જ પડે. દાન વ્યક્તિગત, સંસ્થાકીય અને સરકારી  – એમ ત્રણ પ્રકારે આવે છે. પરંતુ વ્યક્તિગત દાન પ્રમાણમાં નાનાં હોય છે તથા અમેરિકાની યુનિયન તથા રાજ્યોની સરકારો ભાગ્યે જ દાન આપતી હોવાથી આ ત્રણેય પ્રકારનાં સંગીતને અને સંગીતકારોને ટકવું મુશ્કેલ બન્યું છે; પરંતુ 1950 પછી અસ્તિત્વમાં આવેલ પૉપ અને રૉક સંગીતનો વિપુલ ફેલાવો થયો છે. અમેરિકા અને અમેરિકાની બહાર વિદેશોમાં પણ તેના કરોડો ચાહકો છે. આમ સંગીતનો વિપુલ શ્રોતાગણ હોવાને કારણે તેના પ્રયોગો આજે એક નફાકારક ધંધો, એક મહત્વનો ઉદ્યોગ બની ગયા છે અને સમસ્ત વિશ્વના સંગીત પર તેની ઘેરી અસરો દાખવી રહ્યા છે. ફિલિપ ગ્લાસ જેવા શાસ્ત્રીય સંગીત-સરચનાકાર પણ પૉપ અને રૉક સંગીતની અસરો અપનાવી રહ્યા છે.

અમિતાભ મડિયા

અમેરિકાનો આંતરવિગ્રહ

અમેરિકાનો કેટલોક ભાગ 1492થી 1498ના ગાળામાં કોલંબસે તથા તે જ ગાળામાં અમેરિકા ખંડ વેસ્પુસી અમેરિગોએ શોધ્યો જે ઉપરથી ‘અમેરિકા’ નામ પડ્યું. 1565માં સ્પેને ફ્લૉરિડામાં પ્રથમ વસાહત સ્થાપી. ડચ પ્રજાએ ન્યૂ આમ્સ્ટર્ડામમાં વસાહત સ્થાપી. સ્વિડને ન્યૂ જર્સીમાં વસાહત સ્થાપી. જેમ્સ પહેલાના સમયમાં અંગ્રેજોની પ્રથમ વસાહત અમેરિકામાં સ્થપાઈ અને રાજાના નામ પરથી તેને ‘જેમ્સટાઉન’ નામ આપવામાં આવ્યું. 1620માં ‘મેફ્લાવર’ નામના વહાણમાં 100 ‘પિલ્ગ્રિમ ફાધર્સ’ અમેરિકાના મૅસેચૂસેટ્સના કિનારે ન્યૂ પ્લિમથ ગામ વસાવીને રહ્યા. તે પછી અમેરિકાના પૂર્વ કિનારે અંગ્રેજોની બીજી વસાહતો સ્થપાઈ.

અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન નામથી ઓળખાતા હતા. યુરોપના વસાહતીઓ આવવાથી તેઓ દેશના અંતરિયાળ ભાગમાં ગયા. તેમની અનેક જાતિઓ નાશ પામી. અંગ્રેજ સંસ્થાનોમાં ઇંગ્લૅન્ડના રાજા દ્વારા ગવર્નર નીમવામાં આવતો. આંતરિક વહીવટ સંસ્થાનો સંભાળતાં; છતાં બ્રિટિશ પાર્લમેન્ટે તેમના પર કેટલાક વેપારી અંકુશો મૂક્યા હતા. ઇંગ્લૅન્ડના વહાણવટાને ઉત્તેજન આપવા સંસ્થાનોમાંથી આયાત અને નિકાસ થતા માલની ઇંગ્લૅન્ડનાં વહાણોમાં જ હેરફેર કરી શકાશે એવું નક્કી કરવામાં આવ્યું. ખાંડ, કૉફી, તમાકુ, લોખંડ વગેરે સંસ્થાનોમાં તૈયાર થતો માલ માત્ર ઇંગ્લૅન્ડને જ વેચી શકાતો. સંસ્થાનોના આર્થિક વિકાસને રૂંધનારા આવા અંકુશ સામે સંસ્થાનવાસીઓમાં વિરોધ જાગ્યો. સપ્તવર્ષીય યુદ્ધના ખર્ચને મેળવવા ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે અમેરિકન પ્રજા પર કર નાખ્યો. 1765માં બ્રિટિશ પાર્લમેન્ટે સ્ટૅમ્પ ઍક્ટ પસાર કર્યો. લોકોના વિરોધને લીધે તે રદ કરવામાં આવ્યો. 1767માં પાર્લમેન્ટે સંસ્થાનોમાં આયાત થતાં કાગળ, કાચ, રંગ, જસત અને ચા પર જકાત નાખી. તેની સામે લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો. બ્રિટિશ સૈનિકોએ બૉસ્ટનના ત્રણ નાગરિકોની કતલ કરી. સરકારે ચા સિવાય અન્ય ચીજો પરની જકાત રદ કરી. ડિસેમ્બર 1773માં બૉસ્ટન બંદરે આવેલી ચાની પેટીઓ દરિયામાં ફેંકી દેવામાં આવી.

અમેરિકાના આંતરવિગ્રહનાં યુદ્ધસ્થાનો

સપ્ટેમ્બર 1774માં સંસ્થાનોના પ્રતિનિધિઓની ફિલાડેલ્ફિયામાં મળેલી કૉંગ્રેસે હક્કોનું જાહેરનામું તૈયાર કર્યું. મે 1775માં ફિલાડેલ્ફિયામાં બીજી કૉંગ્રેસ મળી. તેમાં જ્યૉર્જ વૉશિંગ્ટનને અમેરિકાનો સરસેનાપતિ નીમવામાં આવ્યો. બેન્જામિન ફ્રૅન્કલિન, ટૉમસ જેફરસન અને જૉન ઍડમ સહિત પાંચ સભ્યોની સમિતિએ સ્વાતંત્ર્યનું જાહેરનામું ઘડી કાઢ્યું. 4 જાન્યુઆરી 1776ના દિવસે અમેરિકાનાં સંસ્થાનોના પ્રતિનિધિઓની સભાએ સ્વાતંત્ર્યની જાહેરાત કરી. અમેરિકાનાં સંસ્થાનો અને ઇંગ્લૅન્ડ વચ્ચે 1776થી 1781 સુધી યુદ્ધ ચાલ્યું. તેમાં ઇંગ્લૅન્ડનો પરાજય થયો. અમેરિકાની સ્વતંત્રતાનો ઇંગ્લૅન્ડે સ્વીકાર કર્યો. અમેરિકાનાં તેર સંસ્થાનોએ ‘યુનાઇટેડ સ્ટેટટ્સ ઑવ્ અમેરિકા’ નામના લોકશાહી પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરી. તેનું બંધારણ ઘડવામાં આવ્યું. જ્યૉર્જ વૉશિંગ્ટન યુનાઇટેડ સ્ટેટ્સનો પ્રથમ પ્રમુખ બન્યો. તેણે સરકારને શક્તિશાળી અને સ્થિર બનાવી.

1801માં ટૉમસ જેફરસન યુનાઇટેડ સ્ટેટ્સનો પ્રમુખ બન્યો. તેણે લોકશાહીના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. મતદાન અને જાહેર હોદ્દાને માટે મિલકતની લાયકાત તેણે રદ કરી. તેણે દેવળના અંકુશમાંથી મુક્તિ અપાવવા તથા જમીનદારી પ્રથા તથા આર્થિક અસમાનતાની સામે ઝુંબેશ ઉપાડી હતી. ઍન્ડ્રુ જૅક્સનના પ્રમુખપદ દરમિયાન પણ યુનાઇટેડ સ્ટેટ્સમાં લોકશાહીનો વિકાસ થયો. તે સામાન્ય જનતાનો પ્રિય નેતા હતો.

અમેરિકામાં ગુલામીની પ્રથા પ્રચલિત હતી. 1808માં ત્યાં ગુલામોનો વેપાર ગેરકાયદે જાહેર કરવામાં આવ્યો હતો. વૉશિંગ્ટન અને જેફરસન ગુલામી પ્રથાના વિરોધી હતા. કૅરોલિના, જ્યૉર્જિયા, મિસિસિપી, ટૅક્સાસ વગેરે દક્ષિણનાં રાજ્યોમાં કપાસની ખેતી માટે અને કેન્ટકી, ટૅનેસી વગેરે રાજ્યોમાં તમાકુની ખેતી માટે ગુલામો આવશ્યક હતા. આમ આર્થિક કારણોને લીધે દક્ષિણમાં ગુલામી પ્રથાનો વિકાસ થયો હતો.

ઉત્તરનાં રાજ્યો ગુલામી પ્રથાનાં વિરોધી હતાં. 1821માં બેન્જામિન લુંડીએ ઓહાયોમાં ‘ધ જીનિયસ ઑવ્ યુનિવર્સલ ઇમૅન્સિપેશન’ નામના ગુલામી પ્રથાનો વિરોધ કરતા માસિકની શરૂઆત કરી. 1823માં વિલ્બર ફોર્સે ‘ઍન્ટિસ્લેવરી સોસાયટી’ની સ્થાપના કરી. ગુલામીનાબૂદી અને સ્વતંત્ર ભૂમિ માટેની ચળવળે ઉત્તરનાં રાજ્યોમાં વ્યાપક સ્વરૂપ લીધું. 1831માં વિલિયમ લૉઇડ ગૅરિસને બૉસ્ટનમાં ગુલામી પ્રથા વિરુદ્ધ પ્રચાર કરવા ‘લિબરેટર’ માસિક શરૂ કર્યું. સી. જી. ફીન, થિયૉડોર વેલ્ડ, આર્થર ટેપન વગેરે નેતાઓ ગુલામી પ્રથાની નાબૂદી માટે ઝુંબેશ ચલાવવા લાગ્યા.

દક્ષિણના નેતાઓએ ગુલામી પ્રથાની તરફેણમાં જાહેર ભાષણો, પ્રચાર અને વર્તમાનપત્રોમાં ઝુંબેશ શરૂ કરી હતી. ટૉમસ ડ્યૂએ ગુલામીની તરફેણ માટે એક ગ્રંથ લખ્યો. દક્ષિણ કૅરોલિનાના ગવર્નર કેલ્હૂને ઍથેન્સનું ઉદાહરણ આપીને કહ્યું કે ગુલામીની પ્રથા તો સુંદર સભ્યતાનું આધારબિંદુ છે. 1850ના અરસામાં ગુલામીનો પ્રશ્ન આંતરવિગ્રહની કક્ષાએ પહોંચ્યો. તે સમયે યુનાઇટેડ સ્ટેટ્સની 230 લાખની વસ્તીમાં 32 લાખ ગુલામો હતા.

1844માં ટૅક્સાસ રાજ્યને સંઘમાં ગુલામ રાજ્ય તરીકે દાખલ કર્યું ત્યારથી ગુલામીનો પ્રશ્ન ગંભીર બન્યો. ‘વિલમૉટ દરખાસ્ત’ વધુ ચર્ચાસ્પદ બની. દક્ષિણનાં રાજ્યોએ અલગ થવાની ધમકી આપી. આખરે હેન્રી ક્લેએ 1850માં સમાધાન કરાવ્યું. ક્લે, ડગ્લાસ અને વેબ્સ્ટરના પ્રયાસોને કારણે દેશ આંતરવિગ્રહમાંથી બચી ગયો. નાસી ગયેલા ગુલામોને પાછા સોંપવાના કાયદાથી ઉત્તરના લોકોનો વિરોધ વધ્યો. ગુલામોને નાસી જવામાં કેટલાક લોકો મદદ કરવા લાગ્યા. આ દરમિયાન હૅરિયટ બીચર સ્ટોએ ‘અંકલ ટૉમ્સ કૅબિન’ નામનું ગુલામો પર કરવામાં આવતા જુલમોનું વર્ણન કરતું પુસ્તક લખ્યું. ઉત્તરનાં રાજ્યોમાં તે ઘણું લોકપ્રિય થયું અને ગુલામી નાબૂદ કરવા લોકો અધીરા બન્યા.

1857માં યુનાઇટેડ સ્ટેટ્સની સર્વોચ્ચ અદાલતે ડ્રેડસ્કૉટના મુકદ્દમાના ચુકાદામાં જણાવ્યું કે ગુલામી પ્રથાને ગેરકાયદે ઠરાવવાની કૉંગ્રેસને સત્તા નથી. સ્વતંત્ર ભૂમિમાં માનતા રાજપુરુષો અને વર્તમાનપત્રોએ આ ચુકાદાની ટીકા કરી. દક્ષિણના પાદરી એડમંડ રફિને પોતાનો બધો સમય ગુલામીના બચાવ માટે સમર્પિત કર્યો. અલાબામાના વકીલ વિલિયમ યાન્સીએ ગુલામોનો વેપાર પુન: શરૂ કરવાની અને દક્ષિણનાં રાજ્યોનું અલગ પ્રજાસત્તાક રચવાની માગણી કરી.

1858ની કૉંગ્રેસની ચૂંટણીમાં ઇલિનૉય રાજ્યની સેનેટની બેઠક પર સેનેટર સ્ટીફન ડગ્લાસની સામે રિપબ્લિકન પક્ષે લિંકનને ઊભો રાખ્યો. લિંકનની ગુલામીવિરોધી દલીલો હૃદયસ્પર્શી હતી. તેણે ચર્ચાસભાઓમાં ત્રણ મુદ્દા પ્રચલિત કર્યા : (1) ગુલામી નૈતિક દૃષ્ટિએ અસ્વીકાર્ય છે, (2) ડ્રેડ-સ્કૉટના ચુકાદા છતાં ગુલામી અન્ય રાજ્યોમાં ફેલાવા દેવી જોઈએ નહિ, (3) તેની હાલની સીમાઓમાં રહેવા દેવી, જે ભવિષ્યમાં નાબૂદ થશે. સેનેટની ચૂંટણીમાં લિંકન હાર્યો, પરંતુ રાષ્ટ્રીય મંચ પર તેની પ્રતિષ્ઠા વધી. 1860ની પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવાર તરીકે ઉત્તર અને પશ્ચિમનાં રાજ્યોમાં તેનું નામ ચર્ચાવા લાગ્યું.

1859માં જૉન બ્રાઉને ગુલામોને મુક્ત કરવા વર્જિનિયામાં હાર્પર્સ ફેરી મુકામે હુમલો કરી શસ્ત્રાગારનો કબજો લીધો. બ્રાઉનને ફાંસી આપવામાં આવી. ઉત્તરના લોકોએ તેને ગુલામીવિરોધી શહીદ ગણાવ્યો.

ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે સામાજિક, આર્થિક અને રાજકીય ભિન્નતા હતી. 1860માં પ્રમુખપદની ચૂંટણીમાં ગુલામીવિરોધી નેતા ઍબ્રહામ લિંકન ચૂંટાયા. દક્ષિણના નેતાઓએ લખ્યું કે પ્રમુખપદ રિપબ્લિકન પક્ષ પાસે જવાથી તેઓ આર્થિક સ્વતંત્રતા પણ ગુમાવશે. તેથી દક્ષિણનાં સાઉથ કૅરોલિના, મિસિસિપી, ફ્લૉરિડા, અલાબામા, જ્યૉર્જિયા, લૂઇઝિયાના અને ટૅક્સાસ રાજ્યોએ અલગ થઈને અમેરિકાના અલગ રાજ્યસંઘની રચના કરી.

દક્ષિણના રાજ્યસંઘે તેમનાં રાજ્યોમાં આવેલી સમવાયી મિલકતોનો કબજો લીધો; પરંતુ સાઉથ કૅરોલિનામાં ફૉર્ટ સમ્ટર અને ફ્લૉરિડામાં ફૉર્ટ પિકન્સનો કબજો લઈ શક્યા નહિ. લિંકને ફૉર્ટ સમ્ટરના રક્ષણ માટે નૌકાકાફલો મોકલ્યો અને એપ્રિલ 1861માં આંતરવિગ્રહ શરૂ થયો. આ દરમિયાન વર્જિનિયા, આરકેન્સાસ, ટૅનેસી અને નૉર્થ કૅરોલિના રાજ્યો પણ દક્ષિણના રાજ્યસંઘમાં જોડાયાં.

ઉત્તરનાં તેવીસ રાજ્યોની વસ્તી આશરે 222 લાખની અને દક્ષિણના સંઘનાં અગિયાર રાજ્યોની વસ્તી આશરે 90 લાખની હતી. તેમાં 60 લાખ ગોરા અને આશરે 30 લાખ ગુલામો હતા. ઉત્તરમાં ઔદ્યોગિક વિકાસને લીધે તેમની આર્થિક સ્થિતિ સારી હતી. બંને વિભાગોએ યુરોપમાંથી શસ્ત્રો ખરીદ્યાં. 1862 પછી ઉત્તરનાં રાજ્યો યુદ્ધનાં શસ્ત્રો બનાવવા લાગ્યાં. દક્ષિણનાં રાજ્યોએ સમગ્ર યુદ્ધ દરમિયાન શસ્ત્રો માટે યુરોપ પર આધાર રાખ્યો. દક્ષિણનાં શસ્ત્રો ઉત્તરનાં શસ્ત્રો કરતાં ગુણવત્તામાં ઊતરતાં હતાં. તેની આર્થિક સ્થિતિ નબળી હોવાથી સૈનિકોની જરૂરિયાતો પૂરી પાડી શકાતી નહિ. દક્ષિણમાં અનુભવી લશ્કરી અફસરો સારી સંખ્યામાં હતા. દક્ષિણના સંઘનો પ્રમુખ જેફરસન ડેવિસ મેક્સિકન યુદ્ધનો અનુભવી અને માજી યુદ્ધમંત્રી હતો. તે રૉબર્ટ લી, જૅક્સન (સ્ટોનવૉલ) અને જૉસેફ જૉનસ્ટન જેવા અનુભવી સેનાપતિઓ પર આધાર રાખતો. બંને પ્રદેશોના લોકોમાં અપાર આત્મવિશ્વાસ હતો.

1862માં કૉંગ્રેસે ગુલામી-નાબૂદીનો ધારો પસાર કર્યો. સમવાયી લશ્કરે દક્ષિણના પ્રદેશો જીતવાથી ગુલામો મુક્ત થવા લાગ્યા. તેમાંથી 1,86,000 ગુલામોએ સૈનિકો, નાવિકો તથા મજૂરો તરીકે સેવાઓ આપીને અન્ય ગુલામોની મુક્તિ માટે મદદ કરી.

અબ્રહામ લિંકને યુદ્ધનું સફળ સંચાલન કર્યું. ઉત્તરમાં શક્તિશાળી સેનાપતિઓ નહોતા. ઉત્તરમાં વિનફિલ્ડ સ્કૉટ, મેક્લેલન અને હેલેકને એક પછી એક સેનાપતિઓ બનાવવામાં આવ્યા. આખરે 1864માં લિંકને યુલિસિસ ગ્રાંટને સેનાપતિ નીમ્યો. તે દક્ષિણના રૉબર્ટ લી જેવો મહાન સેનાપતિ પુરવાર થયો. ગ્રાંટ સેનાપતિ નિમાયા બાદ ઉત્તરની સ્થિતિ સુધરી. એપ્રિલ 1865માં રૉબર્ટ લી તાબે થયો. દક્ષિણનો પરાજય થયો. લી યુદ્ધ અને શાંતિમાં મહાન હતો. તેણે યુદ્ધ બાદ દક્ષિણના લોકોને સંઘને વફાદાર રહેવા જણાવ્યું. આંતરવિગ્રહ બાદ લિંકનનું ખૂન થયું. આંતરવિગ્રહને લીધે સંઘનું રક્ષણ થયું. દેશ વિભાજિત થતો બચી ગયો. ગુલામી નાબૂદ થઈ. બંધારણના 14મા અને 15મા સુધારા દ્વારા ગુલામોને સમાનતાના અધિકારો તથા મતાધિકાર મળ્યા. દક્ષિણની કુલીનશાહી નાબૂદ થવાથી તેને ઘણાં વર્ષો સુધી શક્તિશાળી નેતાઓ મળ્યા નહિ.

જયકુમાર ર. શુક્લ