ચીન

ભારતની ઉત્તરે આવેલો પ્રાચીન સંસ્કૃતિ અને સુદીર્ઘ ઇતિહાસ ધરાવતો દેશ.

ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને સીમા : ચીનનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં 18° ઉ. અ.થી 53° ઉ. અક્ષાંશ વચ્ચે આવેલો છે. આ રીતે તેનો દક્ષિણ તરફનો ભાગ ઉષ્ણ કટિબંધની આબોહવાવાળો અને મધ્ય તથા ઉત્તર તરફનો ભાગ સમશીતોષ્ણ કટિબંધની આબોહવાવાળો છે. 74° પૂ. રે.થી 135° પૂ. રેખાંશ વચ્ચે પૂર્વ ગોળાર્ધમાં તે આવેલો છે. દક્ષિણ અને પૂર્વ તરફ જે સમુદ્રો છે તે પૅસિફિક મહાસાગરના ભાગ સ્વરૂપે આવેલા છે.

ચીન એશિયા ખંડનો જ નહિ પરંતુ વિશ્વનો એક મહત્વનો દેશ છે. એશિયા ખંડનો તે વિસ્તારમાં સૌથી મોટો દેશ છે, જ્યારે રશિયા અને કૅનેડા પછી વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ છે. તેનું ક્ષેત્રફળ અંદાજે 95,61,000 ચોકિમી. છે, એટલે કે ભારતના ક્ષેત્રફળ કરતાં લગભગ ત્રણગણું મોટું છે. ચીનની વસ્તી 135 કરોડ કરતાં પણ વધુ થઈ છે (2010). પરિણામે આજે ચીન દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. ચીનના વિશાળ વિસ્તારમાં કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવા માટે આ વધુ વસ્તી ઉપયોગી પણ છે અને કેટલેક અંશે દેશ માટે બોજારૂપ પણ બની રહે છે.

દેશનો પૂર્વ તરફનો ભાગ દરિયાઈ સીમા ધરાવે છે, જેની કુલ લંબાઈ 4900 કિમી. છે. આમાં ઉત્તરમાં પીળો સમુદ્ર, મધ્યમાં પૂર્વ ચીની સમુદ્ર અને દક્ષિણ તરફના ભાગમાં દક્ષિણ ચીની સમુદ્રનો સમાવેશ થાય છે. આ બધા પૅસિફિક મહાસાગર સાથે જોડાયેલા છે. ચીનનું ક્ષેત્રફળ વિશાળ હોવાથી ભૂમિ સરહદની કુલ લંબાઈ 20,000 કિમી. થાય છે. આથી 11 દેશો ચીનની સીમા સાથે જોડાયેલા છે. પશ્ચિમ અને ઉત્તરમાં રશિયા અને માગોલિયા સાથે, ઉત્તરપૂર્વ તરફનો દક્ષિણ ભાગ ઉત્તર કોરિયા જોડે, પૂર્વમાં હાગકાગ અને મકાઉ, દક્ષિણ-પશ્ચિમમાં અફઘાનિસ્તાન, તાઝિકીસ્તાન, કિર્ધિઝસ્તાન અને કઝાખસ્તાન અને પાકિસ્તાન સાથે, દક્ષિણમાં દક્ષિણ તરફ વિયેટનામ, ભારત, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, લાઓસ તથા કંબોડિયા સાથે જોડાયેલો છે. સમગ્ર ચીનમાં 22 પ્રાન્ત, 5 સ્વાયત્ત પ્રદેશ અને 4 કેન્દ્રશાસિત નગરપાલિકાઓનો સમાવેશ થાય છે :

ક્રમ

પ્રાન્ત ક્ષેત્રફળ

(ચોકિમી.માં)

રાજધાની

  1 હેલુંગચિયાંગ 7,10,000 હાર્બિન
  2 જિલિન 2,90,000 ચાંગચુન
  3 લિયાઉનિંગ 2,30,000 શુનયાંગ
  4 હેબે 2,02,700 શરજિયાજ્વાંગ
  5 શેન્સી 1,57,100 તાઈયુઆન
  6 શાંડોંગ 1,53,300 જિનાન
  7 કિયાંગસૂ 1,02,200 નાનકિંગ
  8 આંહ્વેઇ 1,39,000 હેફે
  9 જુજિયાંગ 1,01,800 હેંગજો
 10 ફૂજિયેન 1,23,100 ફૂજો
 11 હોનાન 1,67,000 જુંગજો
 12 હુપે 1,87,500 વુહાન
 13 હુનાન 2,10,500 ચાંગશા
 14 જિયાંગસી 1,64,800 નાનચાંગ
 15 ગ્વાંગદુંગ 2,32,400 કૅન્ટૉન
 16 શેચ્વાન 5,69,000 ચુંગદુ
 17 ગ્વેજો 1,74,000 ગ્વેયાંગ
 18 યુનાન 4,36,200 કુનમિંગ
 19 શાન્સી 1,95,800 શિઆન
 20 ગાન્સુ 5,30,000 લાન્જો
 21 શાંગહાઈ 7,21,000 સિનિંગ

આકૃતિ 1 : ચીનનો નકશો

સ્વાયત પ્રદેશ

ક્રમ

પ્રદેશ ક્ષેત્રફળ

(ચોકિમી.માં)

રાજધાની

 1 આંતરિક મૉંગોલિયા 4,50,000 હોહોટ
 2 ગ્વાંગસી-ચુઆંગ 2,20,400 નાનનિંગ
 3 તિબેટ 12,21,600 લાસા
 4 નિંગ્શિયા 1,70,000 ચિનચુઆન
 5 જિનજિયાંગ 16,46,000 ઉરુમચી

કેન્દ્રશાસિત નગરપાલિકાઓ

ક્રમ

નગરપાલિકા ક્ષેત્રફળ

(ચોકિમી.માં)

રાજધાની

 1 બેજિંગ 17,800
 2 શાંગહાઈ 5,800
 3 તાઇયુઆન 4,000

ભૂપૃષ્ઠ

જુદા જુદા ભૂસ્તરીય કાળગાળા દરમિયાન ચીનનું ભૂપૃષ્ઠ તૈયાર થયેલું જોવા મળે છે. આમાં પ્રીકૅમ્બ્રિયન યુગથી ટર્શિયરી યુગ દરમિયાન તૈયાર થયેલા ભૂપૃષ્ઠના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉત્તરપૂર્વ ચીનનો વિસ્તાર અધિક પ્રાચીન એવા પ્રિકૅમ્બ્રિયન યુગ દરમિયાન બન્યો છે. ઉત્તર-પશ્ચિમ ભાગ પેલિયોઝોઇક, મેસોઝોઇક, અને જુરાસિક યુગમાં બન્યો છે. અહીં કેટલાયે વિસ્તારમાં લોએસની માટી તૈયાર થયેલી છે. દક્ષિણ ચીનનો વિસ્તાર મેસોઝોઇક યુગમાં બન્યો છે. પશ્ચિમમાં આવેલા પર્વતોની શ્રેણીઓ ટર્શિયરી યુગમાં બની છે. આ વિસ્તાર હિમાલય પર્વતના વિસ્તાર સાથે જોડાયેલો છે. આમાં તિબેટના ઉચ્ચપ્રદેશનો પણ સમાવેશ થાય છે. અહીં એક સમયે ટેથીઝ સમુદ્ર હતો તેનું તળ ઊંચકાતાં હિમાલયની ઊંચી પર્વતશ્રેણી તૈયાર થઈ છે.

તેની ઊંચાઈમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. એકદમ ઊંચા પહાડો જેવા કે અલ્તાઈ, તિયાનશાન, કુનલુન, નાનશાન, હિમાલય, પિનશાન, તાપાશાન, શાંડોંગ, શેચ્વાનની પર્વતશ્રેણીઓ વધુ ઊંચાઈવાળી છે. આ ઉપરાંત દક્ષિણ-પૂર્વમાં પણ પર્વતશ્રેણીઓ આવેલી છે. ટૂંકમાં, વિશાળ વિસ્તારવાળા ચીનમાં 68 % વિસ્તાર 1000 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. 18 % વિસ્તારની ઊંચાઈ 500થી 1000 મીટરની છે. ફક્ત 14 % વિસ્તાર જ 500 મીટરની ઊંચાઈથી નીચો છે. મેદાનપ્રદેશનો વિસ્તાર માત્ર 10 % જેટલો જ છે. પર્વતશ્રેણીઓની વચ્ચે વચ્ચે ક્યાંક નાનાં ખેતી-મેદાનો છે. ચીનના દરિયાકિનારાના વિસ્તારમાં હ્વાંગહો, યાંગત્સે અને સિક્યાંગ નદીઓએ ખેતીને યોગ્ય વિશાળ સમતલ મેદાનો બનાવ્યાં છે. આ નદીનાં મેદાનો ચીનના ખેતીવિકાસના આધારરૂપ છે.

નદીનાં મેદાનોની સાથે મંચુરિયાના મેદાનનો પણ સમાવેશ થાય છે. ઉત્તરમાં આવેલા આ મેદાનનું ક્ષેત્રફળ 2,00,000 ચોકિમી. છે. મંચુરિયાના મેદાનના ઉત્તરના ભાગમાં સુંગારી નદી અને દક્ષિણમાં લિયો-હો નદી વહે છે. હ્વાંગહો અને તેની શાખારૂપ નદીઓએ પૂર્વમાં સમુદ્રકિનારા વિસ્તારમાં 2,40,000 ચોકિમી.નું વિશાળ મેદાન બનાવ્યું છે. આ મેદાન ચીનની રાજધાની બેજિંગની આસપાસ પીળી માટીથી તૈયાર થયું છે. આ મેદાનમાં પ્રતિવર્ષ લાખો ટન ફળદ્રૂપ કાંપની માટી પથરાય છે. આથી પૂરની સમસ્યા વારંવાર ઊભી થાય છે. યાંગત્સે નદીનો ઉત્તર તરફનો વિસ્તાર પીળી માટી સાથે જોડાયેલો છે. દક્ષિણ ચીનના વિસ્તારમાં જિનજિયાંગ, ટુંગ અને પેઈ નદીઓએ નાનું સરખું મેદાન નિર્માણ કર્યું છે. ટૂંકમાં, ચીનની નદીઓએ તૈયાર કરેલાં ફળદ્રૂપ કાંપનાં મેદાનો જ હકીકતમાં ચીનનો મુખ્ય ખેતીનો વિસ્તાર છે, જ્યાં ફળદ્રૂપ કાંપની જમીન, પાણીની સુવિધા, ગીચ માનવવસ્તી, વાહનવ્યવહારનો વિકાસ થયેલો જોવા મળે છે. દેશમાં જ્યાં ખેતી માટેની જમીન ઓછી છે, ત્યાં વસ્તીનું પ્રમાણ પણ ઓછું છે.

નદીઓ : ચીનમાં અનેક નાની, મધ્યમ અને મોટી કક્ષાની નદીઓ આવેલી છે. આ નદીઓનાં મોટા ભાગનાં ઉદગમસ્થાન પશ્ચિમ તરફ છે. એટલે કે પશ્ચિમમાંથી વહીને પૂર્વ કે દક્ષિણ-પૂર્વમાં સમુદ્રને મળી જાય છે. હવાંગહો, ચાંગ, સિક્યાંગ તથા તેની શાખારૂપ નદીઓ મહત્વની છે. આ ત્રણ નદીઓમાંથી બે નદીઓનો તો વિશ્વની લાંબી નદીઓમાં સમાવેશ થાય છે. 5557 કિમી.ની લંબાઈ ધરાવતી સિક્યાંગ નદી વિશ્વની ચોથા નંબરની (નાઇલ, ઍમેઝોન, મિસિસિપી પછીના ક્રમે) સૌથી લાંબી નદી છે, જ્યારે 4845 કિમી.ની લંબાઈ ધરાવતી હવાંગહો નદી (ઓબ પછી) વિશ્વની છઠ્ઠા નંબરની વધુ લંબાઈવાળી નદી છે.

ઉત્તર ચીનમાં વહીને હવાંગહો નદી પૂર્વમાં પીળા સમુદ્રને મળે છે. આ નદીઓએ તેનો થાળા વિસ્તાર 7,50,000 ચોકિમી.નો બનાવ્યો છે. પ્રતિવર્ષ આ નદીમાં પ્રચંડ પૂર આવે છે તેથી તે વિસ્તારમાં કરોડો રૂપિયાના જાનમાલનું નુકસાન થાય છે. એટલા માટે તેને ચીનની દિલગીરી (Sorrow of China) કહેવામાં આવે છે. હવાંગહો કુનલુન પર્વતમાંથી નીકળી ગાન્સુ, શેન્સી, શાન્સી અને હુપે પ્રાન્તમાંથી વહીને પૂર્વમાં સમુદ્રને મળે છે. આ નદી લોએસ માટીના વિસ્તારમાંથી પસાર થવાથી પોતાની સાથે પીળી માટી ખેંચી લાવે છે. તેથી તેનો ‘પીળી નદી’ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.

ચાંગ નદી તિબેટમાં આવેલી તંગલા પર્વતશ્રેણીમાંથી નીકળીને પછી શેચ્વાન, યુનાન, હુપે વગેરે પ્રાન્તોમાંથી વહીને પછી પૂર્વ બાજુએ પૂર્વ ચીન સમુદ્રને મળી જાય છે. આ નદીનો થાળા વિસ્તાર 19,50,000 ચોકિમી. જેટલો વિશાળ છે. બીજા અર્થમાં ચીનનો લગભગ 20 % જેટલો વિસ્તાર તે આવરી લે છે. આંતરિક જળમાર્ગ તરીકે યાંગત્સે નદી મહત્વની છે. ચાંગ નદીએ પૂર્વ બાજુએ ફળદ્રુપ કાંપનો વિશાળ ત્રિકોણપ્રદેશ બનાવ્યો છે. ત્રિકોણપ્રદેશના વિસ્તારમાં ચીનનું સૌથી મોટું શહેર અને બંદર શાંગહાઈ આવેલું છે.

દક્ષિણ ચીનમાં આવેલી જિનજિયાંગ નદી ત્રીજી મહત્વની નદી છે. નૈર્ઋત્યમાં આવેલા યુનાનના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળીને પછી તે પૂર્વ તરફ વહીને દક્ષિણ ચીન સમુદ્રને મળે છે. આ નદીનું વહેણ ગ્વાંગસી અને ગ્વાંગદુંગ પ્રાન્તોમાં છે. સિક્યાંગ નદીની કુલ લંબાઈ 2655 કિમી. છે જે ગંગા નદી કરતાં વધુ લંબાઈવાળી તથા બ્રહ્મપુત્ર નદી કરતાં ઓછી લંબાઈવાળી (ગંગા 2506 કિમી., બ્રહ્મપુત્ર 2897 કિમી.) નદી છે. આ નદી તેના મુખથી 320 કિમી. સુધી આંતરિક ભાગમાં જળમાર્ગ તરીકે ઉપયોગી છે.

ચીનની નદીઓએ તેની સંસ્કૃતિના વિકાસમાં ઘણો અગત્યનો ફાળો આપ્યો છે. પીવાનું પાણી, સિંચાઈ, જળવિદ્યુત, ફળદ્રુપ કાંપની જમીનનું નિર્માણ, જળમાર્ગ, ઔદ્યોગિક વિકાસ વગેરેમાં દેશની નદીઓ મહત્ત્વની બની રહે છે. ચીનના દુર્ગમ પહાડી વિસ્તારમાં બનેલાં જળવિદ્યુત મથકો અને નદીનાં પાણી દેશના અર્થતંત્રને સમૃદ્ધ બનાવવામાં મહત્વનાં છે.

આબોહવા : ભારતની જેમ જ ચીન પણ લગભગ મોસમી આબોહવાવાળો દેશ ગણાય, જ્યાં ઋતુઓ પ્રમાણે ફેરફાર નોંધાય છે. દેશનું વિશાળ ક્ષેત્રફળ, પૂર્વ અને દક્ષિણ તરફનો 4900 કિમી. લાંબો દરિયાકિનારો, ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રકારનું ભૌગોલિક સ્થાન, ઊંચા અને વિશાળ પર્વતવિસ્તારો, રણપ્રદેશ, મેદાનપ્રદેશ, હિમાચ્છાદિત વિસ્તાર વગેરે ચીનની આબોહવા નિર્માણ કરવામાં અસરકર્તા પરિબળો બને છે.

તાપમાન : ઉનાળાની ઋતુમાં સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્ત પર પ્રકાશે છે ત્યારે ચીનના ભૂમિવિસ્તાર પર વધુ ગરમીનો અનુભવ થાય છે. પરિણામે આ સમયે ભૂમિવિસ્તાર પર હલકાં દબાણકેન્દ્રો બને છે. પૂર્વ અને દક્ષિણમાં આવેલા સમુદ્રો પર ભૂમિવિસ્તાર કરતાં ઓછી ગરમી નોંધાય છે. તેથી સમુદ્રવિસ્તારમાં ભારે દબાણકેન્દ્રો તૈયાર થાય છે. આ રીતે ઉનાળાની ઋતુમાં ચીનમાં વધુ ગરમીને કારણે તાપમાન ઊંચું રહે છે. જુલાઈ મહિનામાં ઉત્તર ચીનના વિસ્તારમાં 23° સે., મધ્ય ચીનમાં 29° સે. અને દક્ષિણ ચીનના વિસ્તારમાં 32° સે. તાપમાન નોંધાય છે. જુલાઈમાં ઉત્તરમાં આવેલા હાર્બિનનું તાપમાન 25° સે., બેજિંગ 27° સે., શાંગહાઈ 26° સે. અને કૅન્ટૉનનું 24° સે. નોંધાય છે.

શિયાળાની ઋતુમાં ચીનના તાપમાનમાં ખૂબ જ મોટા ફેરફારો નોંધાય છે. શિયાળાની ઋતુમાં ઉનાળા કરતાં વિરુદ્ધ પરિસ્થિતિ ઊભી થાય છે. ચીનના ઉત્તર તરફના ભાગમાં અતિશય ઠંડીનો અનુભવ થાય છે. ઠંડી હવાના પ્રવાહો પૂર્વ ચીનમાં પણ તાપમાનમાં ઘટાડો કરે છે. જાન્યુઆરી મહિનામાં દક્ષિણમાં આવેલા કૅન્ટૉનનું તાપમાન 15° અને શાંગહાઈનું 10° સે. નોંધાય છે, જ્યારે બેજિંગનું તાપમાન -1° સે. અને હાર્બિનનું -11° સે. જેટલું નીચું નોંધાય છે. 40° ઉત્તર અક્ષાંશથી વધુ ઉત્તર તરફ ચીનમાં 0° સે. કરતાં નીચાં તાપમાન જોવા મળે છે.

વરસાદ : ચીન મોસમી પ્રકારની આબોહવાવાળો દેશ હોવાથી 94 % વરસાદ ઉનાળાની ઋતુમાં જ પડી જાય છે. દક્ષિણથી ઉત્તર તરફ તથા દક્ષિણ-પૂર્વથી ઉત્તર-પશ્ચિમ તરફ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. સમુદ્રો પરથી નિર્માણ થઈ ભેજવાળા પવનો દરિયાકિનારે વધુ વરસાદ આપે છે; પરંતુ ઉત્તર તરફ જતાં તેમજ પશ્ચિમ તરફ જતાં ભેજનું પ્રમાણ ઘટતાં વરસાદનું પ્રમાણ ઘટે છે.

ચીનમાં પડતા વરસાદથી નદીઓમાં વારંવાર પૂર આવે છે. નદીઓ સીધા ઢોળાવવાળા પ્રદેશમાંથી વહેતી હોવાને કારણે પૂરની ભયંકરતા વિશેષ હોય છે. વળી નદીનું વહેણ મેદાનપ્રદેશમાં ઓછી લંબાઈનું અને પહાડી વિસ્તારમાં વધુ લંબાઈનું છે તેથી પણ પૂર વધુ તારાજી સર્જે છે. આમાં હવાંગહો, ચાંગ અને સિક્યાંગ નદીઓ સૌથી વધુ જાણીતી છે.

જંગલસંપત્તિ : ચીનના વિસ્તારના સંદર્ભમાં જંગલો ઓછાં છે. આ દેશમાં એક સમયે વિશાળ પ્રમાણમાં જંગલો હતાં. પરંતુ દેશની વસ્તી ઝડપથી વધતાં મોટા ભાગમાંથી વૃક્ષો કપાઈ ગયાં છે અને આજે ત્યાં ખેતી થાય છે. ચીનના ફક્ત 10 % વિસ્તારમાં જ જંગલો રહ્યાં છે.

દેશના ઉત્તર-પૂર્વના ભાગમાં સમશીતોષ્ણ કટિબંધનાં ખરાઉ જંગલો આવેલાં છે જેમાં એલ્મ, પૉપ્લર વગેરે ઉપયોગી વૃક્ષો છે. શંકુદ્રુમ પ્રકારનાં જંગલોનો વિસ્તાર ચીનના ઊંચા પહાડી વિસ્તારમાં છે જેમાં પાઇન, ફર, સીડર, લાર્ચ જેવાં પોચાં વૃક્ષોનો સમાવેશ થાય છે. ચીનમાં સૌથી વધુ ઉપયોગી વૃક્ષ તંગ (tung) છે જેમાંથી તેલ પ્રાપ્ત થાય છે.

દક્ષિણ ચીનમાં જ્યાં તાપમાન ઊંચું રહે છે તથા વરસાદનું પ્રમાણ વધુ છે તેવા ભાગમાં બારેમાસ લીલાં પાનખરનાં જંગલો છે. તેમાં વાંસ, સાગ, નારિયેળ, તંગ, રબર, સીસમ, મહૉગની જેવાં વૃક્ષો છે. ગોબીનું રણ, તકલામકાન અને ઉત્તર-પશ્ચિમ ભાગમાં તાપમાન ઊંચું રહે છે અને વરસાદનું પ્રમાણ 250થી 300 મિમી. છે. ત્યાં રણ પ્રકારની વનસ્પતિ ઊગે છે. અહીં આગળ કાંટાવાળી અને ઝાંખરાંવાળી વનસ્પતિ છે. રણપ્રદેશના રણદ્વીપ વિસ્તારમાં ખજૂરી તેમજ અન્ય પ્રકારનાં વૃક્ષોનો સમૂહ જોવા મળે છે. મૉંગોલિયા, તિબેટ તથા જિનજિંયાંગના વિસ્તારમાં સ્ટેપ પ્રકારનું ટૂંકું ઘાસ ઊગે છે.

પશુસંપત્તિ : વિશ્વમાં સૌથી વધુ પશુઓની સંખ્યા ભારતમાં 60 કરોડ કરતાં વધુ છે; પરંતુ ઉપયોગી પશુઓ – ઉત્પાદક પશુઓની સૌથી વધુ સંખ્યા ચીનમાં છે. પશુસંખ્યાની ર્દષ્ટિએ ચીન પ્રથમ સ્થાન પર છે; પરંતુ આ દેશમાં પશુપાલન વ્યવસાય હજુ ઓછા પ્રમાણમાં વિકસ્યો છે. તેને માટે આબોહવા, ઘાસચારો, પાણીની સગવડ, ઉત્તમ પ્રકારની પશુઓલાદ તથા અન્ય કેટલીક આર્થિક અને વૈજ્ઞાનિક બાબતો મહત્વની બની રહે છે. દૂધના ઉત્પાદનમાં વિશ્વમાં ચીનનું સ્થાન આગળ પડતું છે. પશુઆહાર તરીકે ઉપયોગી મકાઈના ઉત્પાદનમાં ચીન, યુ.એસ. પછી બીજા સ્થાન પર છે. વિશ્વમાં ભૂંડની સૌથી વધુ સંખ્યા ચીનમાં છે. તદુપરાંત ઘેટાંનો ઉછેર પણ થાય છે. પ્રતિવર્ષ ચીનમાં માંસનું ઉત્પાદન વધુ થાય છે.

મત્સ્યસંપત્તિ : મત્સ્યઉદ્યોગમાં ચીન મહત્વનું સ્થાન ધરાવે છે. વિવિધ પ્રકારનાં માછલાંમાં હૅરિંગ, સામન, કૉડ, તુના, મૈકરેલ, સાર્ડિન, શેલફિશ વગેરે મહત્વની માછલીઓ છે. મત્સ્ય-ઉત્પાદનમાં જાપાન અને રશિયા પછી ચીન ત્રીજા સ્થાન પર છે. પ્રતિવર્ષ 90 લાખ ટન જેટલાં માછલાં પકડવામાં આવે છે.

જમીનસંપત્તિ : ચીનનું ક્ષેત્રફળ વિશાળ છે પરંતુ ખેતી માટેની જમીન ઓછી છે. દેશના કુલ વિસ્તારના ફક્ત 10 % ભાગમાં જ ખેતીપાકનું વાવેતર થાય છે. રશિયા અને યુ.એસ. કરતાં તો ખેતી માટેની જમીન ચીનમાં ઓછી છે જ; પરંતુ ભારત કરતાં પણ ઓછી છે. ચીનની મોટી નદીઓએ તથા તેની શાખારૂપ નદીઓએ જે મેદાનો બનાવ્યાં છે તે સૌથી વધુ ફળદ્રૂપ છે. દક્ષિણ ચીનમાં લોહતત્વોવાળી લાલ જમીન છે જે ડાંગર અને શેરડીના પાક માટે ઉત્તમ ગણાય છે. શાન્સી, ગાન્સુ પ્રાંતોમાં લોએસની જમીન છે. ક્યાંક આ જમીનની ઊંડાઈ 80 મીટર જેટલી છે. હોનાન, હુપે અને શાંડોંગ પ્રાંતમાં મિશ્ર જમીન છે. ભૂરી જમીન (brown soil) શેચ્વાન, હુનાન, જુજિયાંગ અને ફુજિયેન પ્રાંતમાં છે. આ ઉપરાંત ક્ષારીય અને રણ પ્રકારની જમીન પણ છે. આ વિવિધ પ્રકારની જમીન દેશની વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકો ઉત્પન્ન કરવામાં મહત્વની બની રહે છે.

સિંચાઈ : ચીનમાં ખેતી માટેની જમીન ભલે ઓછી હોય પણ સિંચાઈનો વિકાસ ચીનમાં વધુ થયો છે. ઈ. સ. 1949માં ચીનનો ખેતીયોગ્ય જમીનનો 16 % વિસ્તાર સિંચાઈની સગવડ મેળવતો હતો. હાલમાં દેશની 50 % કરતાં વધુ જમીનમાં સિંચાઈની સગવડ પ્રાપ્ત થઈ છે. આ રીતે આ દેશ સિંચાઈમાં વિશ્વમાં મોખરાનું સ્થાન ભોગવે છે.

ખેતી : ભારતની જેમ જ ચીનનું સમગ્ર અર્થતંત્ર ખેતી પર જ આધારિત છે. દેશની 70 % કરતાં વધુ વસ્તી ખેતીના વ્યવસાયમાં રોકાયેલી છે. છેલ્લાં 4000 વર્ષથી ચીનમાં ખેતી થાય છે. તેથી ચીનવાસીઓ પ્રાચીન ખેડૂતો ગણાય છે. દેશમાં ખેતીનું મહત્વ ખૂબ છે. આ મહત્વ દર્શાવવા માટે એક કહેવત છે : ‘‘The precious things are not pearls and jade but five grains.’’ ચીનમાં બહુમૂલ્ય પદાર્થ મોતી તથા નીલમ નથી; પરંતુ પાંચ ધાન્ય છે. આ પાંચ ધાન્ય છે : ચોખા, ઘઉં, જુવાર-બાજરી, જવ અને સોયાબીન. ખેતીવિકાસમાં કૉમ્યૂન પદ્ધતિ મહત્વની બની છે. દેશની જમીનને કૉમ્યૂનમાં વહેંચી નાખી છે. એક કૉમ્યૂન પર 10,000થી 30,000 વ્યક્તિઓ સામૂહિક રીતે ખેતી કરે છે. આ પદ્ધતિથી ચીનમાં ખેતીવિકાસ ઝડપી બન્યો છે.

ખાદ્યપાકો : ડાંગર : દક્ષિણ ચીન તથા પૂર્વના દરિયાકિનારાના મેદાનમાં વાવેતર અને ઉત્પાદન થાય છે. ચીનમાં પ્રતિ હેક્ટરે ચોખાનું ઉત્પાદન 3700 કિગ્રા. થાય છે. દુનિયાનું 37 % ચોખાનું ઉત્પાદન કરતો ચીન દેશ વિશ્વમાં પ્રથમ સ્થાન પર છે.

ઘઉં : ખાદ્યપાકમાં ચોખા પછી ઘઉં બીજો મહત્વનો પાક છે. મધ્ય ચીનમાં શિયાળાની ઋતુમાં તથા ઉત્તર ચીનમાં મંચુરિયાના પ્રદેશમાં વસંત ઋતુમાં ઘઉંનું વાવેતર થાય છે. પ્રતિ હેક્ટરે ઉત્પાદન 1500 કિગ્રા. છે. ઘઉંના ઉત્પાદનમાં રશિયા અને યુ.એસ. પછી ચીન વિશ્વમાં ત્રીજા સ્થાન પર છે.

મકાઈ : ઉત્તર ચીનના વિશાળ મેદાન અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં મકાઈની ખેતી થાય છે. માનવ અને પશુઆહાર તરીકે તેનો ઉપયોગ થાય છે. ઉત્પાદનમાં યુ.એસ. પછી ચીન બીજા સ્થાન પર છે.

સોયાબીન : તે ખાદ્યપદાર્થ અને તેલ માટે વપરાય છે. શાંડોંગ, હુપે, શાન્સી, હોનાન, શેચ્વાન પ્રાંતમાં તેનું ઉત્પાદન થાય છે. ચીન સોયાબીન ઉત્પન્ન કરતો મહત્વનો દેશ છે તેથી તેની નિકાસ કરે છે.

ઉપરાંત જુવાર-બાજરી તથા જવના પાક પણ થાય છે.

રોકડિયા પાકો : ચા : આ ચીનની પ્રાચીન ખેતી છે. ચાની શોધ ચીનમાં થઈ તેવું માનનારો વર્ગ મોટો છે. ઈ. સ. 1737માં ચીનમાંથી ભારતમાં કોલકાતા ખાતે બૉટેનિકલ ગાર્ડનમાં ચાના છોડના ઉછેરની શરૂઆત થઈ હતી. ચીન ચાના ઉત્પાદનમાં દુનિયામાં ત્રીજા ક્રમે છે. વિશ્વની 13 % ચા ચીન ઉત્પન્ન કરે છે.

તમાકુ : તેનું મધ્ય અને દક્ષિણ ચીનમાં વાવેતર થાય છે. તમાકુનું સૌથી વધુ વાવેતર ચીનમાં થાય છે; પરંતુ ઉત્પાદનમાં વિશ્વમાં યુ.એસ. પછી બીજા સ્થાન પર છે. વિશ્વની 15 % તમાકુ અહીં ઉત્પન્ન થાય છે.

કપાસ : ચીનમાં કપાસની ખેતી પ્રાચીન સમયથી થતી આવી છે. મધ્ય અને દક્ષિણ ચીનમાં કપાસ ઉત્પન્ન થાય છે. રશિયા અને યુ.એસ. પછી વિશ્વમાં તે ત્રીજા સ્થાન પર છે. ચીન વિશ્વનો 20 % કપાસ ઉત્પન્ન કરે છે. ટૂંકા તારનો કપાસ નિકાસ થાય છે અને લાંબા તારનો આયાત કરાય છે.

શેરડી : દક્ષિણ-પૂર્વ ચીનમાં શેરડીનું વધુ વાવેતર થાય છે. તે ખાંડ-ઉત્પાદનમાં ચોથા ક્રમ પર છે.

અહીં શુગરબીટ, શણ અને રબરનું ઉત્પાદન પણ થાય છે.

ખનિજસંપત્તિ

લોખંડ : લોખંડનો અનામત જથ્થો ચીનમાં વિપુલ પ્રમાણમાં છે. દક્ષિણ મંચુરિયા, હેફે, હોપે, શાંડોંગ, હૈનાનદ્વીપ મુખ્ય ઉત્પાદનકેન્દ્રો છે. કાચા લોખંડના ઉત્પાદનમાં ચીન વિશ્વમાં પાંચમા સ્થાન પર છે.

તાંબું : શેચ્વાન, યુનાન, તુગચ્ચાન અને જિલિનમાંથી તાંબું મળી આવે છે. જરૂરિયાત કરતાં પણ ઓછું તાંબું ચીનમાં ઉત્પન્ન થાય છે.

મૅંગેનીઝ : તેનો અનુમાનિત જથ્થો બહુ મોટો નથી. આના ઉત્પાદનમાં ચીન વિશ્વમાં આઠમા ક્રમ પર છે.

કલાઈ (ટિન) : ચીનમાં લોખંડ પછી કલાઈ એ બીજા નંબરનું મહત્વનું ખનિજ છે. તેનો અનુમાનિત જથ્થો વિપુલ પ્રમાણમાં છે. કલાઈના ઉત્પાદનમાં ચીન વિશ્વમાં છઠ્ઠા સ્થાન પર છે.

ટંગ્સ્ટન : દુનિયામાં સૌથી વધુ અનુમાનિત જથ્થો અહીં હોવાનું જાણવા મળે છે. જિયાંગસુ, ગ્વાંગદુંગ, હુનાન, હુપે અને જુજિયાંગ પ્રાન્તોમાં તે ઉત્પન્ન થાય છે.

બૉક્સાઇટ : તે હુનાન અને શેચ્વાન પ્રાંતોમાંથી થોડા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત સોનું, ચાંદી, સીસું, જસત, પારો વગેરે એકદમ સીમિત પ્રમાણમાં મળે છે.

કોઈ પણ દેશના આર્થિક વિકાસમાં શક્તિનાં સાધનો મહત્વનાં છે. ચીનમાં તે નીચે પ્રમાણે છે :

કોલસો : અનુમાનિત જથ્થો વિપુલ પ્રમાણમાં છે. ચીનમાં તેનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. શાન્સી અને શેન્સીનાં કોલસાનાં ક્ષેત્રો દેશમાં જાણીતાં છે, જ્યાં 20 કોલસાની ખાણો છે. મંચુરિયા પ્રદેશમાં 40 ખાણો છે. બેજિંગ, શાંડોંગ, શેચ્વાન, હુનાન વગેરે અન્ય ક્ષેત્રો છે. ઉત્તર ચીનમાં ઉત્તમ પ્રકારનો અને દક્ષિણ ચીનમાં હલકા પ્રકારનો કોલસો મળે છે. માંચુકોના ફશિન ક્ષેત્રમાં 139 મી. જાડો કોલસાનો થર મળી આવ્યો છે. કોલસાના ઉત્પાદનમાં રશિયા અને યુ.એસ. પછી ચીન વિશ્વમાં ત્રીજા સ્થાને છે.

ખનિજ તેલ : તેનાં ગાન્સુ, જુગારિયા, સાઈદામ અને શેચ્વાન કેન્દ્રો જાણીતાં છે. તાચિંગ હવે મુખ્ય ક્ષેત્ર બન્યું છે. ચિનચાઉ ક્ષેત્રમાં 1000 તેલના કૂવા છે. ચીનમાં તેનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. વિશ્વમાં તે છઠ્ઠા સ્થાન પર છે.

જળવિદ્યુત : ચીનની પ્રાકૃતિક રચના તથા અનેક નદીઓ જળવિદ્યુત યોજનાના વિકાસમાં સહાયક બની છે. પંચવર્ષીય યોજનાઓ દરમિયાન મોટી, મધ્યમ અને નાની જળવિદ્યુત યોજનાઓ બની છે. કોલસા પછી વધુ ઊર્જા ચીનમાં જળવિદ્યુતમાંથી મેળવાય છે.

યુરેનિયમથોરિયમ : આ ખનિજો થોડા પ્રમાણમાં મળે છે. ચીનમાં અણુ બૉમ્બ તથા હાઇડ્રોજન બૉમ્બના સફળ પ્રયોગ થયા છે. અણુશક્તિનો ઉપયોગ લશ્કરી હેતુઓ માટે થઈ રહ્યો છે. પરમાણુશક્તિ ધરાવતા વિશ્વના પાંચ અગ્ર દેશોમાં ચીનનો સમાવેશ થાય છે.

ઔદ્યોગિક વિકાસ

પ્રાચીન સમયમાં ચીનમાં લઘુઉદ્યોગ હતા; પરંતુ મોટા ઉદ્યોગની સ્થાપના મોડી શરૂ થઈ. ઈ. સ. 1888માં શાંગહાઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. પછી આ ઉદ્યોગ સાથે મશીનરી ઉદ્યોગ વિકસવા લાગ્યો, જેમાં અંગ્રેજોનો ફાળો મહત્વનો હતો. સુતરાઉ કાપડ, ખાદ્ય ઉદ્યોગ તથા મંચુરિયામાં લોખંડ-પોલાદ-ઉદ્યોગ સ્થાપિત કરવામાં જાપાનનો ફાળો હતો. રશિયાએ પણ વિકાસમાં મદદ કરી. સામ્યવાદી સરકારે સત્તા સંભાળતાં ઈ. સ. 1953માં પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ થઈ જેનો મુખ્ય ઉદ્દેશ ભારે ઉદ્યોગની સ્થાપના, વાહનવ્યવહારનો વિકાસ, ઔદ્યોગિક સંશોધન, ખેતીપદ્ધતિમાં સુધારો અને રાજ્યોમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના કરવાનો હતો. વર્તમાન સમયમાં ચીન ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિશીલ છે તથા દેશની મોટા ભાગની જરૂરિયાત સ્વયંપૂર્ણ કરવા સમર્થ બન્યો છે.

લોખંડ-પોલાદ ઉદ્યોગ વીસમી સદીનો એક મહત્ત્વનો પાયાનો ઉદ્યોગ છે. દક્ષિણ મંચુરિયામાં આનશાન મુખ્ય કેન્દ્ર છે જે દેશમાં સૌથી વધુ લોખંડ-પોલાદ ઉત્પન્ન કરે છે. આનશાન કેન્દ્ર એશિયા ખંડનું બીજા નંબરનું સૌથી મોટું લોખંડ-પોલાદનું કેન્દ્ર છે. ચીન લોખંડ-પોલાદના ઉત્પાદનમાં એશિયા ખંડમાં જાપાન પછી બીજા અને વિશ્વમાં પાંચમા સ્થાન પર છે.

કાપડઉદ્યોગ : ભૌગોલિક અને આર્થિક અનુકૂળતાઓને કારણે ચીન વિશ્વનો એક મહત્વનો કાપડ-ઉદ્યોગનો દેશ છે. અડધાં ઉદ્યોગકેન્દ્રો ચાંગ ખીણમાં છે, જ્યાં 70 % ઉત્પાદન થાય છે. ચીન જરૂરિયાત કરતાં વધુ કાપડ ઉત્પન્ન કરતું હોવાથી ઉત્તર કોરિયા, વિયેટનામ, નેપાળ, થાઇલૅન્ડ અને મ્યાનમારને કાપડ નિકાસ કરે છે. ગરમ કાપડની મિલો શાંગહાઈ, બેજિંગ, તિનત્સિનમાં છે. ગરમ કાપડનો ચીનમાં ઓછો વિકાસ હોવાથી ગરમ કાપડ યુ.એસ., યુ.કે. અને જાપાનમાંથી આયાત થાય છે. રેશમી કાપડના ઉદ્યોગમાં ચીન, રશિયા અને જાપાન પછી ત્રીજું છે.

રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ : મુખ્ય ઉત્પાદન સુપરફૉસ્ફેટ, એમોનિયમ નાઇટ્રેટ, સોડા ઍશ, એમોનિયમ સલ્ફેટ, કૉસ્ટિક સોડા અને કૃત્રિમ રેસાનું થાય છે. તિનત્સિન આ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે. દક્ષિણ મંચુરિયામાં તેનો વધુ વિકાસ થયો છે. પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનો વિકાસ ઓછો થયો છે.

સિમેન્ટ ઉદ્યોગ : આ ઉદ્યોગમાં ચીને ખૂબ જ પ્રગતિ કરી છે. રશિયા અને યુ.એસ. પછી સિમેન્ટના ઉત્પાદનમાં ચીન ત્રીજા સ્થાન પર છે. વાર્ષિક ઉત્પાદન 10 કરોડ મે. ટન હતું તેમાં વધારો થયો છે.

એન્જિનિયરિંગ ઉદ્યોગ : આ ઉદ્યોગમાં ચીન આત્મનિર્ભર છે. વાહનવ્યવહારનાં સાધનો, ખેતીનાં ઓજારો, વિવિધ યાંત્રિક સામગ્રી, શસ્ત્ર-ઉદ્યોગ વગેરેમાં ઝડપી વિકાસ થયો છે.

અન્ય ઉદ્યોગો : કાગળ, ખનિજતેલ રિફાઇનરી, ખાંડ, જહાજ, વિમાન શસ્ત્ર-સરંજામ વગેરે ઉદ્યોગો પણ વિકસ્યા છે. છેલ્લાં 45 વર્ષમાં ચીનમાં ઔદ્યોગિક વિકાસ ઝડપથી શરૂ થયો છે જે દેશના અર્થતંત્રને સમૃદ્ધ બનાવવામાં ઉપયોગી છે.

વાહનવ્યવહાર

રસ્તામાર્ગથી 83 % કૉમ્યૂનો સડક દ્વારા જોડી દેવાયાં છે. દેશના આંતરિક ભાગમાં તથા સીમાસુરક્ષા માટે અન્ય દેશોની સરહદો સુધી સડક બની છે. દેશના આર્થિક વિકાસમાં તેનો ફાળો મહત્વનો છે. જ્યાં રેલવે નથી ત્યાં ઝડપથી સડકો બનવા લાગી છે. કૅન્ટૉન-યુનાન માર્ગ, શાંગહાઈ-ઈચાંગ માર્ગ, કૅન્ટૉન-હેન્કોઉ-બેજિંગ માર્ગ, નાનજિંગ-બેજિંગ માર્ગ મુખ્ય છે. ઉત્તર ચીન, મધ્ય ચીન અને દક્ષિણ ચીનનાં શહેરો અરસપરસ પાકી સડકો દ્વારા જોડાયેલાં છે. બેજિંગથી લ્હાસા સુધીનો સડક માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. 2002માં રસ્તાઓની કુલ લંબાઈ 17.65 લાખ કિમી. જેટલી હતી.

રેલવે માર્ગ ઈ. સ. 1876માં પ્રથમ શરૂ થયો. ઈ. સ. 2001માં રેલવેની કુલ લંબાઈ 70,108 કિમી. હતી. આજે તેના કરતાં વધુ લંબાઈની બની છે. ઉત્તર-દક્ષિણ રેલવે માર્ગ, પૂર્વ-પશ્ચિમ રેલવે માર્ગ, મંચુરિયા રેલવે માર્ગ મુખ્ય રેલવે માર્ગો છે. બેજિંગ-મૉસ્કો રેલવે માર્ગ જાન્યુઆરી 1954માં ખુલ્લો મુકાયો. આની લંબાઈ 9050 કિમી.ની છે. બેજિંગથી મૉસ્કો સુધી પહોંચતાં રેલવેને 215 કલાક જેટલો સમય થાય છે.

જળમાર્ગમાં ચીનમાં નદીઓનો ફાળો મહત્વનો છે. ચાંગ નદી સૌથી મહત્વની છે. દરિયાકિનારાથી પશ્ચિમના આંતરિક ભાગમાં 560 કિમી. સુધી જહાજ પ્રવેશ કરી શકે છે. નાની હોડીઓ 1600 કિમી. સુધી જાય છે. સિક્યાંગ નદીના આંતરિક ભાગમાં 320 કિમી. સુધી જવાય છે. 2001ની માહિતી મુજબ આંતરિક જળમાર્ગની લંબાઈ 1.21 લાખ કિમી. જેટલી છે. આજ ચીનનાં શાંગહાઈ અને કૅન્ટૉન મુખ્ય બંદરો છે. અમોય, ફૂચુ, નિનોપો, તિનત્સિન, ટિંગસ્ટાઓ અન્ય બંદરો છે. ચીનનો દરિયાઈ વેપાર શરૂઆતમાં સીમિત હતો પરંતુ હવે ઝડપથી વધી રહ્યો છે. પૂર્વચીન સમુદ્રકિનારે શાંગહાઈ આધુનિક પ્રકારના બંદર તરીકે વિકસ્યું છે તેમ છતાં દેશના દરિયાકિનારે બંદરોનો વિકાસ ઓછો થયો છે. નદીઓના વહનમાર્ગ વધુ લંબાઈ તેમજ ઢોળાવવાળા હોવાથી દરિયાકિનારે પુષ્કળ માટી-કાંપ ખેંચાઈ આવે છે, જે બંદરોના વિકાસમાં અવરોધરૂપ બને છે.

હવાઈ માર્ગ : દેશમાં 2001માં 139 કરતાં વધુ હવાઈ મથકો વિકસ્યાં છે. સિવિલ એવિયેશન ઍડમિનિસ્ટ્રેશન ઑવ્ ચાઈના દેશના આંતરિક હવાઈ માર્ગની વ્યવસ્થા સંભાળે છે. ચીનમાં શાંગહાઈ, બેજિંગ અને કૅન્ટૉન મહત્વનાં હવાઈ મથકો છે.

વેપાર : શરૂઆતમાં ચીનનો વેપાર સામ્યવાદી દેશો સાથે જ હતો; પરંતુ હવે પરિવર્તન આવ્યું છે. હવે વિકસિત અને વિકસતા દેશો સાથે વેપાર ઝડપથી વધી રહ્યો છે. ભારતની જેમ જ ચીનનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે.

વસ્તી : 1,35,45,30,000 (2010) ચીન વિશ્વમાં રશિયા અને કૅનેડા પછી ત્રીજા નંબરનો સૌથી વિશાળ ક્ષેત્રફળવાળો દેશ છે. પરંતુ સૌથી વધુ વસ્તીવાળો દેશ પણ છે. ચીનનું વસ્તીવિતરણ ખૂબ જ અસમાન જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં એકદમ વધુ ગીચ વસ્તી છે તો કેટલાક ભાગમાં એકદમ ઓછી વસ્તી છે.

વધુ ગીચ વસ્તીવાળા પ્રદેશ : ચાંગ નદીના મધ્ય અને નીચલા મેદાનમાં વસ્તી દર ચોકિમી.એ 2000થી 3000 છે. દક્ષિણ ચીનનો દરિયાકિનારાનો વિસ્તાર અથવા પર્લ નદીના ત્રિકોણપ્રદેશમાં દર ચોકિમી.એ 1000થી 1500ની વસ્તી છે. હવાંગહોના મેદાનમાં વસ્તીગીચતા 500થી 1000 જેટલી છે અને મંચુરિયાના મેદાનમાં 400થી 500 છે. દક્ષિણ ચીનના ભાગમાં 12 પ્રાન્તો આવેલા છે જે દેશના કુલ વિસ્તારનો 28 % ભાગ રોકે છે. અહીં ચીનની કુલ વસ્તીના 59 % વસ્તી છે. એવી જ રીતે ઉત્તર ચીનમાં 8 પ્રાન્તો છે જે ચીનના કુલ વિસ્તારનો 18 % ભાગ રોકે છે. અહીં ચીનની 36 % વસ્તી વસે છે. આ રીતે દક્ષિણ ચીનના 12 પ્રાન્તો અને ઉત્તર ચીનના 8 પ્રાન્તો સાથે દેશના 46 % વિસ્તારમાં ચીનની 95 % વસ્તી રહે છે.

ચીનનો વસ્તીવધારાનો દર પ્રથમ ઊંચો હતો પરંતુ આજે આ દર 1.2 % જેટલો જ છે. દેશનો વાર્ષિક વિકાસદર 5.5 %નો થયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી દરરોજ 2630 કૅલરીયુક્ત ખોરાક ચીનવાસી મેળવે છે. સ્ત્રી-પુરુષનું આયુષ્ય સરેરાશ 70 વર્ષથી વધુ થયું છે. આ સાથે દેશમાં શિક્ષણના પ્રમાણમાં પણ વધારો થયો છે.

શહેરીકરણ : ચીનમાં શરૂ થયેલી હરિયાળી ક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિને કારણે શહેરીકરણની પ્રક્રિયા ઝડપી બને છે. ઈ. સ. 1949માં શહેરી વસ્તીનું પ્રમાણ 11 % હતું આજે વધીને 27 % જેટલું થયું છે.

ચીનની રાજધાની બેજિંગ છે જે પહેલાં પેકિંગ તરીકે જાણીતું હતું. દેશનું સૌથી મોટું શહેર શાંગહાઈ છે તેની વસ્તી 1994માં 130 લાખની હતી. તે દેશનું સૌથી મોટું બંદર પણ છે. તિનત્સિન, કૅન્ટૉન, બેજિંગ, શુનયાંગ, શુહાન, ચોંગકિંગ, હાર્બિન, નાનજિંગ, સિયાન, સિગતાઓ, ચુંગદુ, તાઇયુઆન અને ફુશન અન્ય મોટાં શહેરો છે જેની વસ્તી 10 લાખ કરતાં વધુ છે. 5 લાખથી વધુ વસ્તીવાળાં શહેરોની સંખ્યા 80 કરતાં વધુ છે.

ચીનમાં સામ્યવાદી સરકાર સત્તા પર આવ્યા પછી વિકાસ ઝડપી બન્યો છે અને એમાં પણ છેલ્લાં 10 વર્ષથી વિશ્વના વિકસિત દેશો સાથે ચીનના સંબંધોમાં પરિવર્તન આવ્યું છે. પરિણામે ખેતી, ઉદ્યોગ, વાહનવ્યવહાર, વેપાર વગેરે ક્ષેત્રોમાં ઝડપથી પ્રગતિ નોંધાઈ છે. ચીનમાં ભલે વસ્તી કેટલાક અંશે અવરોધરૂપ હોય પણ વિશાળ ક્ષેત્રફળમાં પ્રાપ્ત કુદરતી સંપત્તિનો ઉપયોગ વિકાસ માટે કરવામાં સહાયરૂપ બને છે. દેશમાં ટૅક્નૉલૉજીનો ઝડપી વિકાસ થતાં કુદરતી પર્યાવરણનું વર્ચસ્ ઓછું થવા લાગ્યું છે. આ રીતે અનેક અવરોધો વચ્ચે પણ ચીન ઝડપથી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ

ઇતિહાસ

ચીનની રાજધાની પેકિંગ (હવે તેની રાજધાની બેજિંગ છે) (ચીની ભાષામાં તેનો અર્થ થાય છે પે = ઉત્તર, કિંગ = રાજધાની એટલે કે ઉત્તરની રાજધાની) નામથી પ્રસિદ્ધ હતું. 1989ની વસ્તીગણતરી પ્રમાણે તેનાં મોટાં અને મહત્વનાં શહેરોની વસ્તી આ પ્રમાણે હતી : શાંગહાઈ 72, 28,000; બેજિંગ 55,68,000; ટિએનજીન (જૂનું નામ તિનત્સિન), 44,19,000; શુનયાંગ (જૂનું નામ મુકડેન) 35,20,000; વુહાન 31,90,000; કૅન્ટૉન 28,11,300; હાર્બિન 23,71,000; ચોંગકિંગ (જૂનું નામ ચુંગકિંગ)   22,17,500 નાનજિંગ (જૂનું નામ નાનકિંગ) 20,22,500.

સ્વતંત્ર ચીનમાં 1953માં સૌપ્રથમ રાષ્ટ્રવ્યાપી વસ્તીગણતરી કરવામાં આવી ત્યારે તે 58.79 કરોડ હતી. 1958માં તે 67.30 કરોડ હતી. ચીનની વસ્તી જગતમાં સૌથી વધુ છે જે જગતની વસ્તીના 25 % જેટલી થવા જાય છે. ચીનમાં જન્મદર 2.1 % છે અને મૃત્યુદર 0.64 % છે. વધતી વસ્તીને અટકાવવા ચીને તેની વસ્તી 100 કરોડનો આંક વટાવી ગઈ ત્યારપછી વિશેષ પગલાં લીધાં છે. ચીને તે માટે લગ્નના કાયદા કડક બનાવ્યા છે. ચીનમાં લગ્ન માટેની લઘુતમ ઉંમર યુવકો માટે 22 વર્ષ અને યુવતીઓ માટે 20 વર્ષ નક્કી કરી છે જે જગતમાં સૌથી વધુ છે. ઉપરાંત નવપરિણીત માટે કુટુંબનિયોજન ફરજિયાત બનાવ્યું છે. ‘એક કુટુંબ એક બાળક’ સિદ્ધાંતનો જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે. ચીને એક બાળક હોય તેવા કુટુંબને ઇનામ આપવાની પ્રથા દાખલ કરી છે તથા મકાન, આરોગ્ય સેવા તથા અન્ય સામાજિક કલ્યાણ સેવામાં તેવાં કુટુંબોને અગ્રતા આપવામાં આવે છે. તેથી તેની વસ્તી એકવીસમી સદીમાં ઘટશે તેવી શક્યતા છે.

ચીનનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ અને વૈવિધ્યપૂર્ણ છે. ઈ. સ. 1927માં ચીનની રાજધાની બેજિંગ(પેકિંગ)થી 45 કિમી. દૂરની એક ગુફામાંથી મળી આવેલ માનવખોપરીના અવશેષો ઉપરથી તેને ‘પેકિંગ માનવ’ નામ અપાયું છે. તે દર્શાવે છે કે ચીનમાં 3.5 લાખ વર્ષ પૂર્વે માનવવસાહત હતી. ચીનની પ્રાચીન સંસ્કૃતિનું પારણું સૌપ્રથમ હવાંગહો અને ચાંગ(યાંગસિક્યાંગ) નદીના ખીણ વિસ્તારમાં બંધાયું હોવાનું મનાય છે. તો ચીનની પ્રાચીન સંસ્કૃતિની પ્રથમ ઝાંખી શેન્સી, શાંડોંગ અને હોનાન પ્રાંતમાં જોવા મળે છે.

પ્રાચીન સાહિત્યમાં ચીનનો ઉલ્લેખ ‘હુઆ હ્સિયા’ તથા ‘ચુંગ કુઓ’ (મધ્યરાજ્ય) તરીકે થયો છે. ટૉલેમીની ભૂગોળમાં તેનો ઉલ્લેખ ‘રેશમ ઉત્પન્ન કરનાર પ્રદેશ અને પ્રજા’ તરીકે થયો છે. રશિયાના લોકો તેને ‘કિતાઈ’ નામથી ઓળખતા, તો યુરોપિયન પ્રવાસી માર્કો પોલોએ તેને ‘કેથે’ નામ આપ્યું હતું. કેથે એ તો ખરેખર અગિયારમી સદીમાં ચીનના ઉત્તર ભાગમાં સત્તાધીશ પ્રભાવશાળી એવી એક મૉંગોલ જાતિનું નામ હતું.

ચીનનો ઇતિહાસ ઈ. પૂ. 2000માં થઈ ગયેલા પૌરાણિક હસિયા વંશથી શરૂ થયેલો મનાય છે; પરંતુ તેના કોઈ ઐતિહાસિક પુરાવા સાંપડ્યા નથી. સૌપ્રથમ જેની ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે તે શાંગ વંશ હતો, જેણે ઈ. પૂ. 1766થી 1122 સુધી શાસન કર્યું હતું. તે વંશના શાસન હેઠળ ચીને ઘણી પ્રગતિ કરી હતી. તે વંશના શાસન દરમિયાન ચીની લોકો કૅલેન્ડર વાપરતા, લખી શકતા તથા વાસણો તથા શસ્ત્રો માટે કાંસાનો ઉપયોગ કરતા હતા. તેઓ પોતાના પૂર્વજોને આદર આપતા હતા. ખેતી તેમનો મુખ્ય ધંધો હતો. શાંગ વંશનું શાસન આસપાસની ઓછી સભ્ય એવી જાતિઓની વચ્ચે આવેલું હતું. તેથી તેઓએ પોતાના રાજ્યને ‘ચુંગ કુઓ’ (મધ્યપ્રદેશ) નામ આપ્યું હતું, જે પછીથી ચીન માટેનું નામ બન્યું હતું. તે નામની પાછળ ભાવ એવો હતો કે ચીન એ વિશ્વનું કેન્દ્ર છે અને તેની સંસ્કૃતિ અજોડ છે. આમ પોતાની સંસ્કૃતિની સર્વોપરિતાની આ ભાવના છેક સાડા ત્રણ હજાર વર્ષ પછી આજે પણ ચીનમાં પ્રજાજીવનને પ્રભાવિત કરી રહી છે.

ઈ. પૂ. 1122માં ચાઉ વંશના રાજવીએ શાંગ વંશના શાસકને હરાવીને સત્તા પ્રાપ્ત કરી લીધી. આ વંશે ઈ. પૂ. 221 સુધી શાસન કર્યું. શાંગ અને ચાઉ વંશના શાસન દરમિયાન ચીનના સામંતો તક મળતાં વિદ્રોહ કરી સ્વતંત્ર થવા પ્રયત્ન કરતા. આમ, ઈ. પૂ. ત્રીજી સદી સુધી ચીનમાં શાંતિ અને વ્યવસ્થાનો અભાવ રહ્યો હતો.

ઈ. પૂ. ત્રીજી સદીમાં ચીન વંશમાં શી-હુઆંગ-તી નામનો રાજા થયો. તેણે ઈ. પૂ. 221માં ચાઉ વંશને હરાવીને ચીનની સત્તા મેળવી અને ચીનમાં સૌપ્રથમ ‘સમ્રાટ’નું બિરુદ ધારણ કર્યું. તેણે ચીનના વિવિધ રાજાઓ અને સામંતોને હરાવી પોતાને અધીન કર્યા અને ઈ. પૂ. 221થી 207 સુધી શાસન કર્યું. તે ચીન વંશના નામ ઉપરથી જ આ પ્રદેશનું નામ ‘ચીન’ પડ્યું છે. ઉત્તરમાંથી થતા હૂણ જાતિના હુમલાઓ ખાળવા માટે તેણે ત્રણ લાખની સેના એકત્ર કરી હતી. તેના દ્વારા તેણે હૂણોને હરાવ્યા હતા. પરંતુ ભવિષ્યમાં પણ હૂણો આક્રમણ ન કરી શકે તે માટે તેણે જગપ્રસિદ્ધ એવી 2880 કિમી. લાંબી ચીનની પ્રસિદ્ધ દીવાલનું નિર્માણ કરાવ્યું હતું. આ દીવાલના બાંધકામથી ચીન જાણે કે એક વિશાળ કિલ્લો બની ગયું હતું. આવી વિશાળ અને ભવ્ય દીવાલનું બાંધકામ તેના રાજ્યની સમૃદ્ધિનું પ્રમાણ છે. શી-હુઆંગ-તીએ આમ સૌપ્રથમ સંપૂર્ણ ચીનના રાજ્યનું એકીકરણ કર્યું હતું. તેણે હૂણોના આક્રમણ સામે સુરક્ષિત દીવાલ બાંધી. પછીથી મંચુરિયા, મૉંગોલિયા, તુર્કસ્તાન તથા તિબેટમાં પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. આમ તે ચીનનો પ્રથમ સાર્વભૌમ સમ્રાટ હતો. તેણે સામંતશાહી નાબૂદ કરી હતી. તે ભારતના મહાન રાજવી અશોકનો સમકાલીન હતો. ચીનના અનેક સામંતો અને રાજાઓને તેણે હરાવ્યા હતા. તેમને પોતાના પ્રાચીન ગૌરવમય ઇતિહાસનું સ્મરણ ન રહે તે માટે તેણે ચિકિત્સાશાસ્ત્ર અને વિજ્ઞાન સિવાયના બધા ગ્રંથોને બાળી નખાવ્યા હતા.

આકૃતિ 2 : ચીનની મહાન દીવાલ

ચીન વંશનું શાસન લાંબું ચાલ્યું નહિ. તેના પછી હાન વંશ ગાદીએ આવ્યો. તેણે 206 ઈ.પૂ.થી 220 ઈ. સ. સુધી શાસન કર્યું. આ વંશનો એક મહાન સમ્રાટ વુ ટી હતો તેણે રાજ્યનો વિસ્તાર કર્યો અને તેનું શાસન પૂર્વમાં પૅસિફિક મહાસાગરથી પશ્ચિમમાં કાસ્પિયન સાગર સુધી વિસ્તર્યું હતું. હાન વંશના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મનો ચીનમાં પ્રવેશ થયો હતો. ઈ. પૂ. 140માં એક ચીની પ્રવાસી ચાંગ ચિએન ભૂમધ્ય સાગરના પ્રદેશોની મુલાકાતે ગયો હતો. ચીનનાં રેશમ, ચામડાં, ફર અને તજ મધ્ય એશિયા થઈને યુરોપ પહોંચતાં અને તેના બદલામાં ચીનમાં કાચ, કીમતી પથ્થર, હાથીદાંત, ઊન અને કાપડ આવતાં હતાં.

ચીનની સંસ્કૃતિનાં રાજકીય અને સાંસ્કૃતિક લક્ષણ સમાન જાહેર પરીક્ષાપદ્ધતિની શરૂઆત હાન વંશના શાસન દરમિયાન જ થઈ, જે પછીથી બે હજાર વર્ષ સુધી ચાલુ રહી. હાન વંશના સમ્રાટોએ સરકારી નોકરી માટે જાહેર પરીક્ષાપદ્ધતિનો પ્રારંભ કરી ગુણવત્તાના ધોરણે જ નોકરી આપવાનું ઠરાવ્યું. તેથી કટોકટીની પળોમાં પણ તેનું વહીવટી તંત્ર કાર્યક્ષમ રહ્યું અને રાજકીય ઊથલપાથલોની તેના ઉપર બહુ ઓછી અસર થઈ. આ વહીવટી તંત્રની પદ્ધતિ છેક 1911ની ક્રાંતિ સુધી ચાલુ રહી હતી. જે વ્યક્તિ ચીનના પ્રાચીન ગ્રંથો અને વિદ્યાઓમાં નિષ્ણાત હોય અને રાજ્ય દ્વારા લેવાતી પરીક્ષામાં પાસ થાય તેને જ વિવિધ રાજકીય હોદ્દાઓ ઉપર નિમણૂક આપવામાં આવતી હતી. આમ, હાન વંશે ચીનના કાર્યદક્ષ વહીવટી તંત્રનો પાયો નાખ્યો હતો. તો આ વંશના શાસન દરમિયાન જ ચીનમાં છાપખાનાની શોધ થઈ અને પુસ્તકો છપાવા લાગ્યાં.

ચીનમાં પછીથી ઈ. સ. 618થી 906 સુધી તાંગ વંશનું અને ઈ.સ. 960થી 1279 સુધી શુંગ વંશનું શાસન રહ્યું. શુંગ વંશે ઉત્તરમાં અવારનવાર થતાં આક્રમણોને કારણે પોતાનું શાસન દક્ષિણ ચીનમાંથી કરવાનું યોગ્ય માન્યું હતું. તેના શાસન દરમિયાન ચીને ફરી મહત્વ ધારણ કર્યું હતું. તેના શાસન દરમિયાન ચીન વિશ્વનો એક સૌથી વધુ ઉન્નત દેશ બન્યો હતો. શુંગ વંશના શાસકોએ સામાન્ય પ્રજાના કલ્યાણ માટે અનેક કાયદા બનાવ્યા હતા. શુંગ વંશના શાસન દરમિયાન ચીને શિક્ષણ અને કલાના ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી હતી, પરંતુ તે મૉંગોલ આક્રમણનો સામનો કરવા શક્તિમાન ન હતું. તેમને હરાવી મૉંગોલો ચીનના શાસક બન્યા.

ઈ. સ. 1279થી 1368 દરમિયાન ચીનમાં મૉંગોલ ઉર્ફે યુઆન વંશનું શાસન હતું. ચંગીઝખાન, ઉગદઈખાન, મંગુખાન, કુબલાઈખાન જેવા તેના મહત્વના અને શક્તિશાળી શાસકો હતા. કુબલાઈખાનના શાસન દરમિયાન વેનિસનો પ્રવાસી માર્કો પોલો ચીનના પ્રવાસે આવ્યો હતો. પોતાના પ્રવાસવર્ણનમાં તેણે ચીનના સમ્રાટનાં વૈભવ, વિલાસ, શક્તિ અને વિદ્યાપ્રેમનું સરસ વર્ણન કર્યું છે. ચીનના લોકો માગોલ વંશને વિદેશી શાસકો ગણતા હતા. તેની નીતિરીતિથી સ્થાનિક પ્રજા નારાજ હતી. માગોલ પછી મિંગ વંશે ઈ. સ. 1368થી 1644 સુધી શાસન કર્યું. તેણે પોતાનો પ્રભાવ છેક શ્રીલંકા સુધી વધાર્યો હતો. ત્યારપછી ઈ.સ. 1644થી 1911 સુધી ચીનના છેલ્લા વંશ એવા મંચુ (ચિંગ = શુદ્ધ) વંશનું શાસન સ્થપાયું હતું.

મંચુ લોકો ઉત્તર ચીનના નિવાસી હતા. ચંગીઝખાને આક્રમણ કરીને ઉત્તરમાં મંચુઓના કિન વંશને હરાવીને પોતાના સામ્રાજ્યના વિસ્તારનો પ્રારંભ કર્યો હતો. મંચુ વંશના નૂરહચુ નામના વીરપુરુષે 60 હજારની સેના એકત્ર કરી મિંગ સેનાને અનેક જગ્યાએ હરાવી ચીનમાં મંચુ વંશના શાસનની સ્થાપના કરી હતી. મંચુ વંશમાં ક્વાંગ હ્સી (1662–1722) અને ચિએન લુંગ (1736–1796) નામના બે મહાન પ્રતાપી શાસકો થઈ ગયા. તેમણે ચીનની પ્રગતિ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ફ્રાંસનો લુઈ ચૌદમો ક્વાંગ હસી, રશિયાના પીટર મહાન અને ભારતના ઔરંગઝેબનો સમકાલીન હતો. તે પણ આ સમ્રાટોની જેમ મહત્વાકાંક્ષી અને શક્તિશાળી હતો. ચિએન લુંગ એ અમેરિકાના જ્યૉર્જ વૉશિંગ્ટનનો સમકાલીન હતો. મંચુ શાસન દરમિયાન મૉંગોલિયા, સિક્યાંગ અને તિબેટ ચીની સામ્રાજ્યના ભાગ બની ગયા હતા, તો નેપાલ અને મ્યાનમાર પણ ચીનને ખંડણી આપતાં હતાં. તો અનામ, કોરિયા અને પૅસિફિક મહાસાગરના તટવર્તી અનેક દ્વીપો પણ મંચુ સમ્રાટની અધીનતા સ્વીકારતાં હતાં. ચિએન લુંગના અવસાન પછી ચીની સામ્રાજ્યમાં શિથિલતા આવવા લાગી અને દૂરના અનેક પ્રાંતો અને પ્રદેશો મંચુ સમ્રાટોના શાસનની ઉપેક્ષા કરવા લાગ્યા. શાસનમાં પણ ભ્રષ્ટાચાર શરૂ થયો હતો. તેથી સત્તરમીથી ઓગણીસમી સદીમાં જ્યારે ચીન પાશ્ચાત્ય દેશોના સંપર્કમાં આવ્યું ત્યારે તેનો બાહ્ય દેખાવ તો એક શક્તિશાળી અને વ્યવસ્થિત તંત્ર ધરાવતા દેશનો હતો; પરંતુ હકીકતમાં તે ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાનું શિકાર બની ગયું હતું. પરિણામે પશ્ચિમનાં શક્તિશાળી રાજ્યોની તે ટક્કર ઝીલી શક્યું ન હતું, કારણ કે તે સમૃદ્ધ જરૂર હતું પરંતુ નિર્બળ હતું.

ચીનની સંસ્કૃતિ જગતની એક અતિપ્રાચીન સંસ્કૃતિ ગણાય છે. દૂર પૂર્વમાં કલા, સાહિત્ય અને તત્વજ્ઞાનને ક્ષેત્રે જે કંઈ છે તે લગભગ સંપૂર્ણપણે ચીનની સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે તેમ કહી શકાય. ચીન પોતાની સંસ્કૃતિ જ જગતમાં સર્વોત્તમ છે તેમ માનવા લાગ્યું હતું અને પોતાના ભવ્ય ભૂતકાળના ગૌરવમાં તેણે અન્ય દેશો માટે ‘બંધ બારણાંની નીતિ’ અપનાવી હતી. ઓગણીસમી સદી સુધી તે સ્વાવલંબી રાષ્ટ્ર હોવાથી બીજા દેશો સાથે કોઈ પણ જાતના સંપર્ક કે વ્યવહારની તેને જરૂરિયાત ન હતી. પરિણામે અન્ય દેશોની શક્તિ અને પ્રગતિની સરખામણીમાં તે પાછળ રહી ગયું. પાશ્ચાત્ય સત્તાઓ સાથે તે સંપર્કમાં આવ્યું ત્યારે અત્યાચારી રાજાશાહી, સામંતશાહી સમાજવ્યવસ્થા, ધાર્મિક અંધશ્રદ્ધા, વહેમ અને જડતા, મધ્યયુગીન લશ્કરી પદ્ધતિ અને માનસિક પછાતાવસ્થા ત્યાંના જીવનની વિશેષતા હતી.

પાશ્ચાત્ય દેશોમાંથી સૌપ્રથમ પોર્ટુગીઝો ચીનમાં ઈ. સ. 1516માં આવ્યા હતા. તેઓ કૅન્ટૉનની દક્ષિણે આવેલા મકાઉમાં પોતાની વસાહત સ્થાપવામાં સફળ થયા હતા. પછીથી સ્પેન, હૉલેન્ડ, ઇંગ્લૅન્ડ વગેરે રાજ્યોએ પણ ચીન સાથે વેપાર શરૂ કર્યો હતો. તે બધા દરિયાઈ માર્ગે આવ્યા હતા. રશિયા સાઇબીરિયાના જમીનમાર્ગે પૂર્વ તરફ આગળ વધી રહ્યું હતું. વળી મંચુરિયા તથા મૉંગોલિયામાં તેની સીમાઓ ચીનને સ્પર્શતી હતી તેથી ઈ. સ. 1727માં તેની સાથે ચીને કરાર કરી રશિયામાં પોતાનો રાજદૂત મોકલ્યો હતો. વિદેશી રાજ્યમાં ચીનનો તે પ્રથમ રાજદૂત હતો. આમ સોળમીથી અઢારમી સદી સુધીમાં ચીનમાં અનેક વિદેશી રાષ્ટ્રો વેપાર અર્થે આવવા લાગ્યાં હતાં. ચીનની સરકારને તેમની સામે અણગમો હતો. તેથી ઈ. સ. 1757માં એક ઘોષણા બહાર પાડીને ચીનના સમ્રાટે યુરોપિયનોને માત્ર કૅન્ટૉન બંદરે જ વેપાર કરવાની છૂટ આપી હતી. ઉપરાંત તેઓ ચીનની સરકારે નીમેલા તેર વેપારીઓના બનેલા ‘કો હોંગ’ નામના વેપારીસંઘ મારફત જ વસ્તુઓની આપલે કરી શકતા. ઉપરાંત તેમને ચીનના આંતરિક ભાગમાં જવાની મનાઈ હતી. આમ અનેક નિયંત્રણો છતાં વિદેશી વેપારીઓ ચીનમાં આવતા હતા, કારણ કે તેની સાથેના વેપારથી તેમને ખૂબ લાભ થતો હતો.

ઇંગ્લૅન્ડ તો એક વેપારી રાષ્ટ્ર હતું. તે ઘણાં વર્ષોથી ચીન સાથે વેપાર કરતું હતું. તે ચીન પાસેથી રેશમ, ચા, ખાંડ, માટીનાં વાસણ અને કાપડ ખરીદતું હતું; પરંતુ ચીન સ્વાવલંબી હોવાથી તેને ઇંગ્લૅન્ડની કોઈ વસ્તુની જરૂરત ન હતી. પરિણામે ઇંગ્લૅન્ડથી વસ્તુઓની કિંમતના વળતર રૂપે ચાંદીનો જથ્થો ચીનમાં આવતો હતો. આવો પ્રતિકૂળ આંતરરાષ્ટ્રીય વેપાર લાંબા સમય સુધી ઇંગ્લૅન્ડ ચલાવી શકે તેમ ન હતું. તેથી તેણે વેપારનું પાસું પોતાને અનુકૂળ કરવા ચીનમાં અફીણ દાખલ કર્યું. સૌપ્રથમ તેણે અફીણ તમાકુમાં ભેળવીને ચીની લોકોને આપ્યું અને ધીમે ધીમે તે પ્રમાણ વધારતા ગયા. પરિણામે, ચીનમાં અફીણનો ઉપયોગ કેફી અને માદક પીણા તરીકે થવા લાગ્યો. તેની ચીનના આર્થિક અને નૈતિક જીવન ઉપર માઠી અસર થતાં ચીને 1800માં અફીણના વેપારને ગેરકાયદેસર જાહેર કર્યો. છતાં ચીની અમલદારો લાંચ લઈ અફીણના વેપાર સામે આંખ આડા કાન કરતા હતા. તેથી 1830માં વેપારનું પાસું ચીન માટે પ્રતિકૂળ બનતાં ચીને કડક પગલાં લીધાં અને ઇંગ્લૅન્ડના સાઠ લાખ ડૉલરની કિંમતના વીસ હજાર પેટી અફીણનો નાશ કર્યો. પરિણામે ઇંગ્લૅન્ડ અને ચીન વચ્ચે ઈ.સ. 1839માં અફીણના પ્રશ્ને યુદ્ધ લડાયું તેથી તે ‘અફીણ વિગ્રહ’ તરીકે ઓળખાય છે. ઇંગ્લૅન્ડ જેવા શક્તિશાળી રાષ્ટ્ર સામે ચીન હાર્યું અને 1842માં નાનકિંગની સંધિથી યુદ્ધનો અંત આવ્યો. ચીને પોતાનાં પાંચ બંદર ઇંગ્લૅન્ડના વેપાર માટે ખુલ્લાં મૂક્યાં, હૉંગકૉંગનો ટાપુ ઇંગ્લૅન્ડને આપ્યો અને બસો દસ લાખ ડૉલરનો યુદ્ધદંડ આપવાનું કબૂલ્યું. આમ, પાશ્ચાત્ય રાષ્ટ્રો માટે ચીનના દરવાજા ખોલવાનું કામ ઇંગ્લૅન્ડે કર્યું. નાનકિંગની સંધિથી ઇંગ્લૅન્ડને જે વેપારી લાભો મળ્યા હતા, તેવા લાભો યુરોપના બીજા દેશોને પણ ચીને આપ્યા.

પાશ્ચાત્ય સત્તા દ્વારા પરાજિત થતાં ચીનની પ્રતિષ્ઠાને ભારે ફટકો પડ્યો. નિર્બળ મંચુ રાજાશાહી, તેમનું કથળેલું વહીવટી તંત્ર તથા લાંચિયા અમલદારોથી ત્રાસીને ચીનની પ્રજાએ ‘શાંગ તી હુઈ’ નામની સંસ્થા સ્થાપી તથા તેના નેતા હુંગ-હસિઉ-ચુઆનના નેતૃત્વ હેઠળ ‘તાઇપિંગ’ એટલે કે ‘મહાન શાંતિ’ સ્થાપવા 1851માં બળવો કર્યો, દક્ષિણ ચીનમાં તેમણે નાનકિંગ કબજે કરી ઉત્તરમાં તિનત્સિન તરફ કૂચ કરી પરંતુ આ તાઇપિંગ વિદ્રોહને કારણે પાશ્ચાત્ય વેપારને નુકસાન થતું હોવાથી ઇંગ્લૅન્ડે જનરલ ગૉર્ડનના નેતૃત્વ હેઠળ ચીનને લશ્કરી મદદ કરી અને ઈ. સ. 1864માં તાઇપિંગ બળવો શમાવી દેવામાં આવ્યો.

તાઇપિંગ બળવો ચાલતો હતો તે દરમિયાનમાં 1852માં નાનકિંગની સંધિ(1842)ની શરતો અનુસાર દસ વર્ષ પછી તેનું પુનરાવલોકન કરવાનું હતું; પરંતુ તે પ્રશ્ર્ને ચીન અને પાશ્ચાત્ય રાષ્ટ્રો વચ્ચે મતભેદ ઉત્પન્ન થતાં 1856થી 1860 દરમિયાન બીજો અફીણ વિગ્રહ લડાયો. તેમાં ચીન હાર્યું અને 1860માં તેને પેકિંગની સંધિ કરવા ફરજ પડી. તેના દ્વારા તેણે બીજાં અગિયાર બંદરો પાશ્ચાત્ય વેપાર માટે ખુલ્લાં મૂક્યાં, યુદ્ધખર્ચ તથા મિલકતોના નુકસાનનું વળતર આપવાનું પણ કબૂલ્યું, યુરોપિયન લોકોને અતિપ્રાદેશિક વિશેષાધિકાર (extra- territorial rights) પણ મળ્યા. પછીથી 1894–95માં ચીન અને જાપાન વચ્ચે યુદ્ધ થયું અને તેમાં જાપાને ચીનને પરાજિત કરતાં ચીનની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો. યુદ્ધને અંતે તે બંને વચ્ચે થયેલી શિમોનોસેકીની સંધિ અનુસાર કોરિયામાંથી ચીનની સર્વોપરિ સત્તાનો અંત આવ્યો, અને જાપાનને ફૉર્મોસા અને પેસ્કાડોરસના ટાપુ મળ્યા. આમ જાપાન જેવા એક નાનકડા એશિયાઈ દેશે ચીનને હરાવતાં યુરોપનાં અન્ય રાજ્યોએ પણ ચીનમાં વધુ ને વધુ લાભો મેળવવાની હરીફાઈ શરૂ કરી., તેને ‘પ્રભાવક્ષેત્રો સ્થાપવાની હરીફાઈ’ કહેવામાં આવે છે. અમેરિકાએ પણ તેમાં ‘ખુલ્લાં દ્વારની નીતિ’ અપનાવવા માટે ઝુકાવ્યું. આમ પાશ્ચાત્ય રાષ્ટ્રોએ ચીનમાં ‘આર્થિક સામ્રાજ્યવાદ’ સ્થાપવાના પ્રયત્ન કર્યા.

આવી પરિસ્થિતિમાં ચીનના સમ્રાટ ક્વાંગ હ્ સુએ કાંગ યુ-વેઈ નામના વિદ્વાન સુધારકની સલાહથી વિવિધ ક્ષેત્રે ઈ. સ. 1898માં સુધારા કર્યા. તે ‘સો દિવસના સુધારા’ (18 જૂન 1898થી 22 સપ્ટેમ્બર 1898) તરીકે ઓળખાય છે. આ સુધારાના ચાલીસ આદેશ દ્વારા ચીનનો સમ્રાટ જાપાનના મેઇજી સમ્રાટની જેમ ચીનનું પશ્ચિમીકરણ અને આધુનિકીકરણ કરવા માગતો હતો. ઈ. સ. 1860થી 1887 સુધી રાજમાતા ઝુસીએ બાળરાજવી ક્વાંગ હ્ સુના સંરક્ષક તરીકે રાજ્યની બધી સત્તા ભોગવી હતી. બાળરાજવી વયસ્ક થતાં તેણે કરેલા આ સુધારાનો રાજમાતાએ વિરોધ કર્યો અને તેને પકડી 1908માં તેનું મૃત્યુ થયું ત્યાં સુધી જેલમાં પૂરી રાખ્યો હતો. આમ આ સુધારાનો કાર્યક્રમ નિષ્ફળ ગયો.

ચીનમાં પાશ્ચાત્ય સામ્રાજ્યવાદીઓના અત્યાચાર અને મંચુ રાજવીના સુધારાના કાર્યક્રમની નિષ્ફળતાને કારણે ઈ. સ. 1898માં ‘શ્વેત કમળ સોસાયટી’ નામની ગુપ્ત સંસ્થાના નેતૃત્વ હેઠળ ‘મંચુઓનો વિરોધ કરવા તથા વિદેશીઓને દૂર કરવા’ બૉક્સર બળવો થયો; પરંતુ તેની સામે ચીનમાંની બધાં પાશ્ચાત્ય રાષ્ટ્રોની સેનાએ સંયુક્ત થઈ બૉક્સર બળવાખોરોને બેજિંગમાં હરાવ્યા. પરિણામે બળવો નિષ્ફળ ગયો. પરિસ્થિતિ પારખીને 1902માં રાજમાતા ઝુસીએ કચવાતા મને પણ સુધારા આપવાની ખાતરી આપી. તેમાં 1904–05માં ચીનના મંચુરિયા પ્રદેશ ઉપર કબજો કરવાની હરીફાઈના પ્રશ્ને રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું, જેમાં જાપાન જીત્યું. પોર્ટસ્મથની સંધિ દ્વારા કોરિયામાં જાપાનનું પ્રભુત્વ સ્થપાયું, મંચુરિયામાં તેને વિશેષાધિકાર મળ્યા તથા પોર્ટ આર્થરનું બંદર પણ પટ્ટે મળ્યું.

મંચુ શાસકોની પુરવાર થયેલી નિર્બળતાને કારણે ચીનની પ્રતિષ્ઠાને જે નુકસાન પહોંચ્યું હતું તેથી પ્રજા હવે મંચુ રાજાશાહીનો નાશ કરવા તત્પર બની અને 10 ઑક્ટોબર, 1911ના ચીનમાં ડૉ. સુન યાત-સેનના નેતૃત્વ હેઠળ રાજ્યક્રાંતિ થઈ. ઈ. સ. 1644થી સત્તા ઉપર રહેલા મંચુ વંશના શાસનનો અંત આવ્યો અને ચીનમાં ગણતંત્રની સ્થાપના થઈ. નવા રાષ્ટ્રની એકતા જાળવી રાખવા ડૉ. સુન યાત-સેને હોદ્દાનો ત્યાગ કરીને યુઆન શી-કાઈને નવા ગણતંત્રના રાષ્ટ્રપતિ બનાવ્યા; પરંતુ તે તો ચીનમાં વ્યક્તિગત સરમુખત્યારશાહી સ્થાપવા અગ્રેસર થયા. તે ડૉ. સુનના કોમિન્ટાંગ (national) પક્ષ સાથે પણ સંઘર્ષમાં આવ્યા. તેવામાં 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. જાપાને પરિસ્થિતિ પારખીને ચીન પાસે એકવીસ માગણીઓ મૂકી જેમાંથી મોટા ભાગની સ્વીકારવાની ચીનને ફરજ પડી. 1916માં યુઆન શી-કાઈનું અવસાન થતાં ચીનમાં તેનો વંશાનુગત રાજાશાહી સ્થાપવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો અને ગણતંત્રના રાષ્ટ્રપતિ તરીકે ડૉ. સુનને નીમવામાં આવ્યા. 1917માં ચીને પણ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. તેમાં મિત્રરાજ્યોનો વિજય થતાં 1919ની પૅરિસ શાંતિ પરિષદમાં હાજર રહેવાનું તેને પણ નિમંત્રણ મળ્યું હતું.

ચીનનું એક ગણતંત્ર તરીકેનું સર્જન તથા વિશ્વના રાજકારણમાં તેની તે પ્રકારની સ્વીકૃતિ તે મોટે ભાગે ડૉ. સુન યાત-સેન તથા તેના કુઓ મિંગ ટાંગ (કોમિન્ટાંગ = રાષ્ટ્રીય પક્ષ)ની સિદ્ધિ ગણાવી શકાય. કોમિન્ટાંગ પક્ષના મુખ્ય ત્રણ સિદ્ધાંતો હતા : રાષ્ટ્રવાદ, લોકશાહી અને આર્થિક ઉન્નતિ. 1925માં ડૉ. સુનના અવસાન પછી ચ્યાંગ કાઈશેક સત્તા ઉપર આવ્યા અને છેક 1949 સુધી સત્તા ઉપર રહ્યા. તેમણે વિવિધ ક્ષેત્રે સુધારા કરી ચીનનું આધુનિકીકરણ કરવા પ્રયત્ન કર્યા હતા. આધુનિક ચીનના ઘડતરમાં તેમનું યોગદાન સૌથી વિશેષ ગણાવી શકાય. તે એક મહાન સેનાપતિ પણ હતા. તેમણે ચીનમાં રાજકીય સ્થિરતા અને રાષ્ટ્રીય એકતા સ્થાપ્યાં હતાં. તેમની સરકારને ચીનની પ્રથમ રાષ્ટ્રીય સરકાર કહી શકાય. ચીનમાંથી પાશ્ચાત્ય રાષ્ટ્રોનાં પ્રભાવક્ષેત્રો નાબૂદ કરવા તેમણે અથાગ પ્રયત્ન કર્યા હતા. પરિણામે 1931માં ચીનમાં વિદેશી પ્રભાવ અને પ્રભુત્વવાળી માત્ર તેર વસાહતો જ હતી; પરંતુ 1931માં જાપાને મંચુરિયા ઉપર આક્રમણ કરી તે જીતી લઈ ચીનની પ્રતિષ્ઠાને ફટકો લગાવ્યો હતો. ચીને આ પ્રશ્ર્ન રાષ્ટ્રસંઘમાં મૂક્યો અને રાષ્ટ્રસંઘે નીમેલા લિટન કમિશને જાપાનને આક્રમણખોર ગણ્યું હોવા છતાં જાપાન જેવા શક્તિશાળી દેશની સામે ખાસ અસરકારક કામગીરી થઈ શકી નહિ. આ કડવો ઘૂંટડો ચ્યાંગને પી જવો પડ્યો હતો.

ચ્યાંગના રાષ્ટ્રવાદી દળનું વિરોધી સામ્યવાદી દળ હતું. જાપાનના આક્રમણ કરતાં પણ ચ્યાંગ સામ્યવાદી દળના વધતા જતા પ્રભાવને વધુ હાનિકારક ગણતા હતા. સામ્યવાદીઓનું વર્ચસ્ દક્ષિણ ચીનમાં હતું; પરંતુ 1934 સુધીમાં ચ્યાંગની સેનાએ તેમને ચારે બાજુથી ઘેરી લેતાં અંતે એક લાખના લાલ લશ્કરે ગ્વાંગસી(દક્ષિણ ચીન)થી ઉત્તર ચીન તરફ 9654 કિમી.ની લગભગ એક વર્ષ ચાલેલી લાંબી કૂચ કરી, જે મહાપ્રસ્થાન (Long March) તરીકે ઓળખાય છે. એક લાખમાંથી માત્ર વીસ હજાર જ ઉત્તરમાં શેન્સી પ્રાંતમાં પહોંચી શક્યા હતા અને બાકીના રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. આમ 1927થી 1937 સુધી રાષ્ટ્રવાદીઓ અને સામ્યવાદીઓ વચ્ચે આંતરિક સંઘર્ષ ચાલ્યો હતો; પરંતુ 1937માં ફરી જાપાને ચીન ઉપર આક્રમણ કરતાં તે બંને પક્ષોએ સંયુક્ત થઈ 1937થી 1945 સુધી જાપાનનો મુકાબલો કરી રાષ્ટ્રભક્તિ દર્શાવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચીન મિત્રરાષ્ટ્રોના પક્ષે રહી લડ્યું હતું; પરંતુ બીજા વિશ્વયુદ્ધના અંત પછી 1946થી 1949 દરમિયાન ફરી રાષ્ટ્રવાદીઓ અને સામ્યવાદીઓ વચ્ચે આંતરવિગ્રહ લડાયો, જેમાં અંતે સામ્યવાદીઓનો વિજય થતાં 1 ઑક્ટોબર, 1949થી ચીનમાં સામ્યવાદી સરકાર સ્થપાઈ અને ચ્યાંગ કાઈ–શેકને ફૉર્મોસામાં શરણ લેવું પડ્યું.

રાજકીય : લાલચીન તરીકે ઓળખાતું ચીન સામ્યવાદીઓના હાથમાં આવી પડ્યું. ચીનની નવી સામ્યવાદી સરકારના પ્રમુખ તરીકે માઓ ત્સે-તુંગ અને વડાપ્રધાન તરીકે ચાઉ એન-લાઈ નિમાયા હતા. આ સામ્યવાદી સરકારે પોતાના શાસનનાં પ્રથમ દશ વર્ષમાં અનેક પગલાં લઈ રાજ્યની તથા પ્રજાની ઉન્નતિ કરવા પ્રયત્નો કર્યા હતા. તેણે સોવિયેટ સંઘનું અનુકરણ કરીને 1953–58ની પ્રથમ પંચવર્ષીય યોજના અમલમાં મૂકી હતી. સામ્યવાદી પક્ષના મહત્વના નેતાઓને સરકારમાં ઉચ્ચ સ્થાનો આપવામાં આવ્યાં હતાં. પક્ષ તથા સરકાર બંને ઉપર માઓ ત્સે-તુંગનું પ્રભુત્વ હતું. મંચુરિયાના સામ્યવાદી પક્ષના વડા ગાઓ ગેંગ અને શાંગહાઈના સામ્યવાદી નેતા રાવ વધુ શક્તિશાળી અને સ્વતંત્ર બનવા પ્રયત્ન કરતા હોવાનાં કારણોસર તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

ચીનને અઢાર પ્રાંતો, પાંચ સ્વાયત્ત પ્રદેશો અને શાંગહાઈ, બેજિંગ અને તિનત્સિનનાં ત્રણ કેન્દ્રશાસિત મેટ્રોપૉલિટન પ્રદેશોમાં વહેંચી તેનો વહીવટ ચલાવવામાં આવતો હતો. 1950માં ચીને તિબેટ ઉપર કબજો મેળવી લીધો હતો. ચીનની સામ્યવાદી સરકારના સોવિયેટ સંઘની સામ્યવાદી સરકાર સાથે પ્રારંભમાં ખૂબ જ ઘનિષ્ઠ સંબંધો હતા.

આકૃતિ 3 : બેજિંગમાંનો પ્રસિદ્ધ તૈનાનમેન ચૉક

માઓએ 1950માં સૌપ્રથમ પોતાની વિદેશયાત્રા મૉસ્કોની કરી હતી અને ત્યારે તેની સાથે એક કરાર કરવામાં આવ્યો હતો. કોરિયાના યુદ્ધ પછી વિદેશનીતિના ક્ષેત્રે ચીનના પ્રતિનિધિઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1954માં હિંદી ચીનના પ્રશ્ને જિનીવા પરિષદમાં તથા 1955માં બાંડુંગમાં મળેલ આફ્રો-એશિયન પરિષદમાં તેના પ્રતિનિધિઓએ મહત્વની કામગીરી બજાવી હતી. ભારત સાથે પ્રારંભમાં તેના સંબંધો સારા પડોશીના રહ્યા હતા અને બંને દેશોએ ‘પંચશીલ’ના સિદ્ધાંતો સ્વીકાર્યા હતા; પરંતુ 1962માં ચીને ભારત ઉપર આક્રમણ કરતાં તે સંબંધો વણસ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં પ્રારંભે સામ્યવાદી ચીનના બદલે તાઇવાન(ફૉર્મોસા)ના રાષ્ટ્રવાદી ચીનને સભ્યપદ મળ્યું હતું. ક્રમશ: તાઈવાને કાયદેસરના ચીન તરીકેની માન્યતા ગુમાવી. ચીનને તેમાં સભ્યપદ આપવાનો અમેરિકા ઘણાં વર્ષો સુધી વિરોધ કરતું રહ્યું હતું. અંતે 26 ઑક્ટોબર, 1971માં તાઇવાનના બદલે ચીનને સંયુક્ત રાષ્ટ્રસંઘનું તથા તેની સલામતી સમિતિનું કાયમી સભ્યપદ મળ્યું છે. 1978માં પીપલ્સ રિપબ્લિક ઑવ્ ચાઈનાને અમેરિકાએ માન્યતા આપી.

સામ્યવાદી શાસન હેઠળ બૌદ્ધિકોની સ્વતંત્રતા ઉપર નિયંત્રણો આવતાં તેમાં અસંતોષ વ્યાપ્યો હતો. તે દૂર કરવા માઓ ત્સે–તુંગે ‘ધ હંડ્રેડ ફ્લાવર્સ’ નામની યોજના અમલમાં મૂકી. બૌદ્ધિકોને સ્વતંત્રતા આપી, તેમનાં દિલ જીતી લઈ સહકાર મેળવવા પ્રયત્ન કર્યો હતો (1957). તો 1958માં ‘મહાન કૂદકો’ નામે પ્રસિદ્ધ ઝડપી આર્થિક પ્રગતિ માટેની યોજના અમલમાં મૂકી હતી. આ યોજનાઓ દ્વારા તેણે બૌદ્ધિક તથા આર્થિક પ્રગતિને વેગ આપવાની નેમ રાખી હતી. ‘મહાન કૂદકા’ની નીતિના અમલથી 1958માં 26,000 કૉમ્યૂન અસ્તિત્વમાં આવ્યાં, જેમાં ચીનની 98 % ગ્રામીણ વસ્તી નિવાસ કરતી હતી. 1965થી 1969 દરમિયાન ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ દ્વારા ચીનના સમાજમાં આમૂલ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરાયો હતો. 1976માં માઓ ત્સેતુંગના અવસાન સાથે ચીનના એક વિશિષ્ટ યુગનો અંત આવ્યો. તેના પછી વિધવા માઓની નેતાગીરી હેઠળ ‘ચારની ચોકડી’એ સત્તા હસ્તગત કરી હતી. જે ‘ચંડાળ ચોકડી’ તરીકે પણ જાણીતી બનેલી. ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ એ ભૂલ હતી એમ તેમણે સ્વીકાર્યું; પરંતુ 1981માં આ ચોકડીને દેશદ્રોહના આરોપ હેઠળ પકડવામાં આવી અને 1982માં ચીનના ઉપપ્રમુખ ડેંગ ઝીઆઓ પિંગના નેતૃત્વ હેઠળ સામ્યવાદી પક્ષે નવું બંધારણ ઘડી માઓના ઉગ્રવાદનો ત્યાગ કર્યો હતો. 1989માં ચીનમાં લોકશાહી તરફી રાજકીય સુધારા માટે વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન થયું હતું અને હજારો વિદ્યાર્થીઓ બેજિંગમાં એકત્ર થયા હતા; પરંતુ ચીનના શાસકોએ તેને કડક હાથે દાબી દીધું હતું. તૈનાનમેન ચૉકની આ ઘટનાથી ચીન નાલેશીની સ્થિતિમાં મુકાયું હતું; પરંતુ ત્યારપછી તેમણે પોતાની નીતિમાં પરિવર્તન કર્યું હતું. ચીન આજે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું એક કાયમી સભ્ય છે અને વીટો પાવર ધરાવે છે. ઉપરાંત તે 1964થી એક અણુસત્તા પણ બન્યું છે. તેણે અવકાશ-સંશોધનના ક્ષેત્રે પણ સિદ્ધિઓ મેળવી છે. એપ્રિલ 1970માં ચીનનો પ્રથમ ઉપગ્રહ 173 કિગ્રા.નો જેનું નામ ચાઇના 1 હતું તે અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો. એ રીતે તે અવકાશી ક્ષેત્રે રશિયા, અમેરિકા, ફ્રાન્સ અને જાપાનની જેમ સિદ્ધિ મેળવનાર પાંચમું રાષ્ટ્ર બન્યું હતું. સોવિયેટ સંઘના વિઘટન પછી વિશ્વમાં ચીન જ સૌથી વધુ મહત્વનું અને શક્તિશાળી સામ્યવાદી શાસન ધરાવતું રાષ્ટ્ર બન્યું છે.

જાન્યુઆરી 1987માં હુ યાઓબાંગને સામ્યવાદી પક્ષના મહામંત્રીના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો. તેના ઉદારમતવાદી વિચારો માટે રૂઢિચુસ્ત નેતાઓએ તેની ટીકા કરી હતી. તેના પછી ઝાઓ ઝિયાંગ ચીનના સામ્યવાદી પક્ષનો મહામંત્રી બન્યો અને લીપેંગ એપ્રિલ 1988માં વડો પ્રધાન બન્યો. વિદ્યાર્થીઓની વાણીસ્વાતંત્ર્યની માગણી તથા વિરોધી દેખાવો પ્રત્યે સહાનુભૂતિ દાખવનાર મહામંત્રી ઝાઓ ઝિયાંગને દૂર કરી જિયાંગ ઝેમિનને પક્ષનો મહામંત્રી નીમવામાં આવ્યો. જૂન 1989માં લોકશાહી તરફી 10 લાખ લોકો બેજિંગમાં ટાઇનામેન સ્ક્વેરમાં સરકારની નીતિઓનો વિરોધ કરવા એકઠા થયા. ત્યાં લશ્કર બોલાવવામાં આવ્યું. લશ્કરે સેંકડો દેખાવકારોની હત્યા કરી અને હજારોની ધરપકડ કરી. સરકારે વધુ સુધારા અટકાવી દીધા. ચીનના વરિષ્ઠ નેતા ડેંગ ઝિયાઓપીંગે 1992માં બજારલક્ષી આર્થિક સુધારા આગળ વધાર્યા અને રાજકીય સત્તા પર પક્ષની પકડ જાળવી રાખી. દક્ષિણ-પૂર્વ (અગ્નિ) ચીનના પાંચ આર્થિક પ્રદેશોમાં તેણે મુક્ત-બજારના સુધારા પ્રાયોગિક ધોરણે કર્યા હતા. તે પ્રદેશોનો પ્રવાસ કરીને ઉદારીકરણનાં સારાં પરિણામો અનુભવ્યાં. પૉલિટ બ્યૂરોએ ડેંગના આર્થિક સુધારાનો વેગ વધાર્યો. નૅશનલ પીપલ્સ કૉંગ્રેસે પણ તેના આર્થિક કાર્યક્રમને સ્વીકાર્યો.

21 મે, 1992ના રોજ ચીને 1,000 કિલોટનના અણુ બૉમ્બનો ધડાકો કર્યો. તેની વિશ્વના અનેક દેશોએ ટીકા કરી. તેણે પાકિસ્તાનને અણુશસ્ત્રો વેચ્યાં. તેની પણ ટીકા થઈ હતી.

27 માર્ચ, 1993ના રોજ ચીનની પાર્લમેન્ટ, નૅશનલ પીપલ્સ કાગ્રેસે જિયાંગ ઝેમિનને ચીનના પ્રમુખપદે ચૂંટ્યો. તે સામ્યવાદી પક્ષનો મહામંત્રી અને કેન્દ્રીય લશ્કરી પંચનો અધ્યક્ષ હતો. 1992માં ચીનનો આર્થિક વિકાસ 13 ટકા, વિશ્વમાં સૌથી વધુ ઝડપી થયો હતો. 1993માં તેનો આર્થિક વિકાસ લગભગ 14 ટકાએ પહોંચ્યો હતો. તે સાથે ઘણા લોકોનાં જીવનધોરણમાં સુધારો થયો હતો. દેશમાં ભ્રષ્ટાચાર, વીજળીની અછત, અપૂરતાં વાહનવહેવારનાં સાધનો, ફુગાવો જેવી સમસ્યાઓ સર્જાઈ. ભ્રષ્ટાચાર અને નવા કરવેરાના કારણે બાર જેટલા પ્રાંતોમાં ખેડૂતોના બળવા થયા. તેના પરિણામે સરકારે ખેડૂતો પરના 37 કરવેરા નાબૂદ કરવા પડ્યા. ભાવો બેસુમાર વધવાથી લોકોમાં અશાંતિ પેદા થવાના ભયથી સત્તાધીઓએ અનાજના ભાવો પર જુલાઈ 1994માં અંકુશો મૂક્યા. અતિશય ફુગાવાને લીધે જીવનધોરણ નીચે ગયું. સરકારની માલિકીના એકલાખ જેટલા ધંધામાંથી આશરે અડધા ખોટમાં ચાલતા હતા. આ બધા ધંધામાં જરૂર કરતાં ઘણા વધારે કામદારો નીમવામાં આવ્યા હતા. તેઓને છૂટા કરે તો તોફાનો થવાનો ભય હતો.

સામ્યવાદી પક્ષે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું અભિયાન 1995માં ચલાવ્યું. તેમાં ઘણુંખરું નિષ્ફળતા મળી.

જુલાઈ 1996માં ચીનના સામ્યવાદી પક્ષે તેની સ્થાપનાની 75મી સંવત્સરી ઊજવી. આ પક્ષની સભ્યસંખ્યા 57 મિલિયન (5 કરોડ 70 લાખ) હોવાનો દાવો કર્યો હતો. 1996ના વર્ષ દરમિયાન ચીનના અમેરિકા સાથેનો સંબંધો સારા નહોતા. ચીનનો સર્વોચ્ચ સામ્યવાદી નેતા ડેંગ ઝિયાઓપીંગ 19 ફેબ્રુઆરી, 1997ના રોજ 92 વર્ષની વયે અવસાન પામ્યો. ચીનના આર્થિક ઉદારીકરણમાં તેનું પ્રદાન મહત્વનું હતું. તે પછી જિયાંગ ઝેમિન પીપલ્સ રિપબ્લિક ઑવ્ ચાઇનાનો નેતા બન્યો. સપ્ટેમ્બર 1997માં સામ્યવાદી પક્ષના 58 મિલિયન સભ્યોના 2000 ડેલિગેટ 15મી સામ્યવાદી પક્ષની કૉંગ્રેસમાં ભેગા થયા. રાજ્યની માલિકીના 1,18,000 ઉદ્યોગોમાંથી અડધા જેટલા ખોટમાં ચાલતા હતા. તેને 512 મોટા ઉદ્યોગોમાં ભેગા કરવાની જાહેરાત કરી. રાજ્યના અનેક ઉદ્યોગોમાં કુલ 100 મિલિયન જેટલા માણસો રોજગારી મેળવતા હતા. તેમાંના અનેક બિનકાર્યક્ષમ હતા અને જરૂર કરતાં વધારે માણસો નીમ્યા હતા. આ કંપનીઓ ચાલુ રાખવા માટે સરકાર અબજો ડૉલર સબસિડી આપતી હતી. 1997માં ચીનનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું હતું.

1997માં હૉંગકૉંગ ચીનનો વિશિષ્ટ વહીવટી પ્રદેશ બન્યો.

1998માં ચીનમાં યાંગત્ઝે તથા બીજી બે નદીઓમાં ભયંકર પૂર આવ્યાં. તેમાં 3,000થી વધુ માણસો માર્યા ગયા અને 6 મિલિયન (60 લાખ) મકાનો નાશ પામ્યાં. તેમાં 20 અબજ ડૉલરનું નુકસાન થયું.

17 માર્ચ, 1998ના રોજ ચીનની પાર્લમેન્ટ, નૅશનલ પીપલ્સ કૉંગ્રેસે ઝૂ રોંગજીને વડાપ્રધાન તરીકે ચૂંટ્યો. તેણે આર્થિક સુધારા કર્યા. રાજ્યની માલિકીની હજારો કંપનીઓમાંની કેટલીક ભેગી કરવા, સ્ટાફ ઓછો કરવા, મૅનેજમેન્ટ સુધારવા વગેરે સુધારાનો તેણે અમલ કર્યો. સામ્યવાદી પક્ષ તરફથી ચાલતી કંપનીઓ કરોડો ડૉલરની દાણચોરી કરતી હોવાથી સરકારે કરવેરાની આવક ગુમાવવી પડતી હતી. તે બદી દૂર કરવા તેણે દાણચોરી-વિરોધી પોલીસ દળની રચના કરવાની જાહેરાત કરી.

ઑક્ટોબર 2001માં યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ જ્યોર્જ બુશ ચીનના પ્રમુખ જિયાંગ ઝેમીનને મળ્યા. જિયાંગે આતંકવાદીઓ સામેના અમેરિકાના યુદ્ધને ટેકો જાહેર કર્યો.

મે, 2001માં સામ્યવાદી પક્ષના સંશોધન જૂથે ચેતવણી આપી કે સામાજિક અને આર્થિક અસમાનતામાં ખૂબ વધારો થયો હતો તથા સરકારમાં ભ્રષ્ટાચારને કારણે લોકોમાં અસંતોષ ખૂબ વધ્યો હતો. ભ્રષ્ટાચારના પરિણામે જનતા અને અધિકારીઓ વચ્ચેના સંઘર્ષો વધ્યા હતા. તેને લીધે લોકોના વિરોધી દેખાવો તથા હિંસા વારંવાર થઈ રહ્યાં હતાં. સંશોધન જૂથના હેવાલમાં જણાવ્યું કે લોકોની આવકોમાં અસમાનતાને લીધે રમખાણો અને વિરોધી દેખાવો થતા હતા.

ચીનના સામ્યવાદી પક્ષની 16મી કૉંગ્રેસમાં, નવેમ્બર 2002માં ઉપપ્રમુખ હૂ જિન્તાઓએ પક્ષના મહામંત્રીનો હોદ્દો સંભાળ્યો. વડાપ્રધાન ઝૂ રોંગજી અને પાર્લમેન્ટનો વડો લી પેંગ સહિત કેટલાક સત્તાધીશ નેતાઓ 2002માં નિવૃત્ત થયા. ઉત્તર-પૂર્વ (ઈશાન) ચીનમાં માર્ચ 2002માં સરકારની માલિકીના ઉદ્યોગોના કામદારોએ ન ચૂકવાતા પગારો અને ભ્રષ્ટાચારના વિરોધમાં દેખાવો કર્યો. ઔદ્યોગિક શહેર લિયાઓયાંગમાં દેવાળિયાં કારખાનાં બહાર દેખાવો કરીને વિશ્વના દેશોનું ધ્યાન દોર્યું.

ચીનની પાર્લમેન્ટ, નૅશનલ પીપલ્સ કૉંગ્રેસે 15 માર્ચ, 2003ના રોજ હૂ જિન્તાઓને ચીનનો પ્રમુખ ચૂંટ્યો. નૅશનલ પીપલ્સ પાર્ટી કૉંગ્રેસે વેન જિયાબાઓને વડાપ્રધાનપદે ચૂંટ્યો. જિયાંગને સેન્ટ્રલ મિલિટરી કમિશનના વડા તરીકે પુન: ચૂંટવામાં આવ્યો. સર્વોચ્ચ લશ્કરી સેનાપતિ તરીકે જિયાંગ, હૂ પછી બીજા ક્રમાંકમાં સત્તાધીશ હતો. 2003માં ચીનના અર્થતંત્રનો વિકાસ 9.9 ટકા જેટલો થયો. 2003માં ચીનના અગ્નિ એશિયાના દેશો સાથેના વેપારમાં 55 ટકાનો વધારો થયો. ઝડપી આર્થિક વિકાસ માટે, ઈ.સ. 2004માં ખનિજતેલ, કોલસો, કાચું લોઢું વગેરે આયાત કરવું પડ્યું. વિકાસની સાથે ચીનમાં પ્રદૂષણ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું. પાણીથી થતા રોગોને લીધે મોટી સંખ્યામાં લોકો મરણ પામ્યા.

19 ઑક્ટોબર, 2005ના રોજ સરકારે જાહેર કર્યું કે તેમનું શાસન લોકશાહી હતું. ચાઇનીઝ સામ્યવાદી પક્ષે પોતાના હેવાલમાં જણાવ્યું કે તેમનો મુખ્ય હેતુ આર્થિક વિકાસ અને સામાજિક સ્થિરતાનો હતો. લોકો વારંવાર હિંસક વિરોધ કરતા હતા. ખેડૂતોની જમીન કારખાનાં બાંધવા કે પરાંઓમાં મકાનો બાંધવા માટે લઈ લેવામાં આવતી; તેનો તેઓ વિરોધ કરતા હતા. આવા વિરોધના બનાવો 2003માં 58,000 થયા હતા. તે 2004માં વધીને 74,000 થયા. વિરોધના દેખાવોમાં 2004માં 36 લાખ લોકો જોડાયા હતા.

ઈ. સ. 2006માં ચીનના સામ્યવાદી પક્ષની સરકારે વ્યાપક ભ્રષ્ટાચાર તથા શ્રીમંતો અને ગરીબો વચ્ચે વધતા જતા અંતર સામે લડત આપવાની હતી. મોટા અધિકારીઓ અંગત લાભાર્થે સત્તાનો દુરુપયોગ કરતા હોવાનો પ્રમુખ હૂ જિન્તાઓ અને પક્ષના મહામંત્રીએ પણ ઉલ્લેખ કર્યો. સામ્યવાદી પક્ષના 50થી વધારે ઉચ્ચ અધિકારીઓની કૌભાંડોને કારણે ધરપકડ કરવામાં આવી હતી.

ઈ. સ. 2006માં ચીનનો આર્થિક વિકાસ 10 ટકાથી વધારે થયો; અને ફુગાવાનો ભય પેદા થયો. ચીનનો વિદેશ વ્યાપાર નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો. તેની આયાતોની સરખામણીમાં નિકાસ ઘણી વધારે થઈ હતી.

15થી 21 ઑક્ટોબર, 2007 દરમિયાન બેજિંગમાં મળેલી ચીનના સામ્યવાદી પક્ષની 17મી રાષ્ટ્રીય કૉંગ્રેસમાં 73.4 મિલિયન (7 કરોડ 34 લાખ) સભ્યોનું પ્રતિનિધિત્વ કરતા 2,200 ડેલિગેટોએ હાજરી આપી. તેમાં દેશના પ્રમુખ અને પક્ષના મહામંત્રી હૂ જિન્તાઓએ તેમના પ્રવચનમાં વારંવાર ‘લોકશાહી’ શબ્દનો પ્રયોગ કર્યો. હૂએ આગ્રહપૂર્વક જણાવ્યું કે ઝડપી આર્થિક વિકાસને અગ્રતાક્રમ આપ્યો છે. માર્ચ 2007માં ચીનની પાર્લમેન્ટે (NCP) ખાનગી મિલકતને રક્ષણ આપતો કાયદો ઘડ્યો. જૂના માર્કસવાદીઓએ તેનો વિરોધ કર્યો. ટીકાકારોએ જણાવ્યું કે ભ્રષ્ટ અધિકારીઓ અને અપ્રામાણિક વેપારીઓએ અયોગ્ય માર્ગે એકઠી કરેલી મિલકતને રક્ષણ આપવા આ કાયદો ઘડ્યો છે.

12 મે, 2008ના રોજ ચીનના વેસ્ટર્ન સિચુઆન પ્રાંતમાં 7.9ના સ્કેલનો ધરતીકંપ થયો. તેમાં 70,000 જેટલા માણસો માર્યા ગયા, 18,000 માણસો જડ્યા નહિ તથા અંદાજે 50 લાખ લોકો ઘરવિહોણા થયા. ભૂકંપને કારણે શાળાઓ નાશ પામી તેમાં આશરે 10,000 બાળકો મરણ પામ્યાં. એપ્રિલ 2008માં વિશ્વ બૅંકે જાહેર કર્યું કે ખરીદ શક્તિની બાબતમાં ચીનનું અર્થતંત્ર વિશ્વમાં બીજા ક્રમાંકે હતું. 12 ઑક્ટોબર, 2008ના રોજ સામ્યવાદી પક્ષના અધિકારીઓએ ચીનના 80 કરોડ (800 મિલિયન) જેટલા ખેડૂતોને જમીન મુક્ત રીતે લે-વેચ કરવાના હકો આપ્યા.

ઑગસ્ટ 2008માં ચીને બેજિંગમાં ઑલિમ્પિક રમતોનું સફળ આયોજન કર્યું. તેની આ કાર્ય માટે પ્રશંસા થઈ. 1 ઑક્ટોબર, 2009ના રોજ ચીને ‘પીપલ્સ રિપબ્લિક ઑવ્ ચાઇના’ની સ્થાપનાની 60મી સંવત્સરી ઊજવી. નવેમ્બર 2009માં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ચીનની મુલાકાત લીધી. 2009ના ઑગસ્ટમાં જાપાનમાં થયેલી ચૂંટણીઓમાં ડેમૉક્રેટિક પાર્ટી સત્તા પર આવ્યા પછી ચીન સાથેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો.

શશિકાન્ત વિશ્વનાથ જાની

જયકુમાર ર. શુક્લ

ચીનના સામ્યવાદ અંગે માઓ-ત્સે-તુંગે કેટલાક વિચારો પ્રગટ કર્યા હતા. તે વિચારો ‘લિટલ રેડ બુક’ નામની નાની પુસ્તિકામાં 1964માં પ્રકાશિત થયા. તે વેચાણનો વિશ્વવિક્રમ ધરાવતું પુસ્તક છે. તેમાં માઓએ ચીનની ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ અને લાલ સૈનિકો દ્વારા પક્ષીય શ્રેણીસ્તૂપ પર આકરી ટીકાઓ કરી હતી.

2003માં ચીને તેના દેશમાં પ્રથમ વાર માનવસહિતનાં અવકાશયાનો સફળતાપૂર્વક તરતાં મૂકી વૈજ્ઞાનિક ક્ષેત્રે મહત્વનું સ્થાન સિદ્ધ કર્યું.

વિસ્તારવાદી ચીન : ચીન લાંબા સંઘર્ષ પછી સામ્યવાદી જગતમાં ઊંચું સ્થાન ધરાવતું રાષ્ટ્ર બન્યું. આવા સંઘર્ષો છતાં તેણે તેની વિસ્તારવાદી નીતિઓ ચાલુ રાખી અને અન્ય પડોશી દેશો પર નજર બગાડી તેના પ્રદેશો ઝૂંટવી લઈ પ્રાદેશિક લાલસા ઘણી વાર વ્યક્ત કરી છે. તેનું પડોશી રાજ્ય તિબેટ મૂળે તો નાનું, હિમાલયની ટોચે વસેલું સ્વતંત્ર અને બફર (ભારત અને ચીન જેવાં મોટાં રાજ્યો વચ્ચે આવેલું નાનું રાજ્ય જે બે મોટાં પડોશી રાજ્યોને અલગ રીતે ટકી રહેવા પ્રેરે છે અને તેમને સલામતી પૂરી પાડે છે.) રાજ્ય હતું. ચીને તિબેટ પર 1950માં આક્રમણ કરી તે નાના રાજ્યનો કોળિયો કર્યો. એથી તેની વિસ્તારવાદી નીતિ અને નેમ ખુલ્લાં પડ્યાં. આથી તિબેટના ધાર્મિક વડા દલાઈ લામાએ ભારતમાં આશરો લીધો. ચીને તે પછી તિબેટમાં દમનનો દોર ચલાવી તિબેટવાસીઓને કચડી, અલિપ્ત કરી ત્યાં મોટા પ્રમાણમાં ચીનાઓને વસાવ્યા જેથી 1959માં ત્યાં બળવો થયો. આ બળવો કચડી સપ્ટેમ્બર, 1965માં તેણે તિબેટને ચીનનો સ્વાયત્ત પ્રદેશ ઘોષિત કર્યો.

ત્યારબાદ 1950 અને 1960ના દસકાઓમાં તે અન્ય પડોશી દેશો સાથે સરહદી સંઘર્ષોમાં સંડોવાયું. 1950–53 દરમિયાન કોરિયાના યુદ્ધમાં તે સામ્યવાદી ઉત્તર કોરિયા સાથે સંઘર્ષમાં ઊતર્યું. તે 1950માં ચીન–સોવિયેત સંઘ વચ્ચેની સરહદો અંગે સંઘર્ષમાં ઊતર્યું. ચીન અને મ્યાનમાર વચ્ચે પણ સરહદી સંઘર્ષ ઊભો થયેલો છે. એ જ રીતે 1962માં તેણે ભારતીય સરહદો પર આક્રમણ કરી સંઘર્ષ વહોર્યો. હિમાલયના પહાડો, અકસાઈ ચીન, કૈલાસ પર્વત અને માનસરોવર જેવા કેટલાક વિસ્તારો – કુલે 56,000 ચોરસ કિમી. વિસ્તારો તેણે હડપ કર્યા. ત્યારબાદ 2006થી તેણે ભારતીય પ્રદેશો સાથે છેડછાડ આરંભી છે. તેમાં અરુણાચલ અને લડાખ વિસ્તારો પરત્વે તેનો ડોળો છે. ભારતની ઉત્તર-પૂર્વ સરહદે તે ગણતરીપૂર્વકની હિલચાલ કરી રહ્યું છે. અરુણાચલના ઈશાન ભાગમાં 90,000 ચોકિમી. જેટલા વિસ્તાર પર તેણે દાવો કર્યો છે. મૅકમેહોન રેખા સ્વીકારવા તે આનાકાની કરે છે અને એલઓસી(લાઇન ઑવ્ એક્ચ્યુઅલ કંટ્રોલ)થી તે આગળ વધવા ઉત્સુક છે. આમ ચીન આ પ્રકારની વિસ્તારવાદી અને ઘૂસણખોરીની નીતિઓથી એશિયાઈ ભાગમાં અને જગતમાં સર્વોચ્ચ સત્તા બનવાની દિશામાં દોડી રહ્યું છે.

ચીનની સરકાર : ચીનની સરકાર પર ત્રણ સંગઠનોનું પ્રભુત્વ છે. આ ત્રણ સંગઠનોમાં (1) સામ્યવાદી પક્ષ (2) લશ્કર અને (3) સ્ટેન્ડિંગ કમિટી યા સ્ટેટ કાઉન્સિલ(કારોબારી)નો સમાવેશ થાય છે. આ ત્રણે સંગઠનોમાં સામ્યવાદી પક્ષ સૌથી પ્રભાવક સંગઠન છે. પક્ષની વિવિધ કક્ષાએ તેના કાર્યકરો કામ કરે છે. પક્ષના કાર્યકરોના બનેલા વર્ગસમૂહને ‘કૅડર’ તરીકે ઓળખવામાં આવે છે.

ચીનનો સામ્યવાદી પક્ષ વિશ્વમાં સૌથી મોટો છે. 40 મિલિયનથી વધુ ચીનાઓ તેના સભ્ય છે, જોકે વાસ્તવમાં આ સંખ્યા તે દેશની વસ્તીના માત્ર ચાર ટકા છે. અન્ય નાના પક્ષો ત્યાં છે ખરા પણ તે પક્ષોની પાસે નહિ જેવી યા શૂન્ય સત્તા હોય છે.

સામ્યવાદી પક્ષ ચીનની સરકારનું સૌથી અગત્યનું અંગ અને પ્રભાવક સંગઠન છે. દેશના સમગ્ર રાજકીય વ્યવહારમાં તે સર્વોચ્ચ અને નિર્ણાયક ભૂમિકા ધરાવે છે. આ પક્ષમાં નિર્ણયકર્તા એકમો મુખ્યત્વે ચાર છે. તેના અન્ય એકમો વિવિધ કામગીરીમાં સામેલ હોય છે ખરા પણ તે નિર્ણયો લેવામાં ખાસ કામગીરી બજાવતા નથી. તેના ચાર નિર્ણયકર્તા ઘટકોમાં (1) નેશનલ પાર્ટી કૉંગ્રેસ; (2) ધ સેન્ટ્રલ કમિટી’ (3) પૉલિટ બ્યૂરો; અને (4) સેક્રેટરીયેટનો સમાવેશ થાય છે. નૅશનલ પાર્ટી કૉંગ્રેસમાં સમગ્ર દેશમાં 1900 પ્રતિનિધિઓ ચૂંટાય છે. (2) સેન્ટ્રલ કમિટીમાં પક્ષના 300 અગ્રણી સભ્યો કામ કરે છે. તેઓ નૅશનલ પાર્ટી કૉંગ્રેસ દ્વારા ચૂંટાય છે. (3) પૉલિટ બ્યૂરોમાં 20 સભ્યો હોય છે જેઓ પક્ષના સર્વોચ્ચ સભ્યો છે અને પક્ષની સેન્ટ્રલ કમિટી દ્વારા ચૂંટાય છે. પૉલિટ બ્યૂરોમાં સામ્યવાદી પક્ષના 5 કે 6 સૌથી અગત્યના સભ્યોની સ્ટૅન્ડિંગ કમિટી હોય છે. નિર્ણયો લેવામાં અને પક્ષના હોદ્દેદારોની પસંદગીમાં પૉલિટ બ્યૂરો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સેક્રેટરીયેટમાં 5 સભ્યો હોય છે જે પૉલિટ બ્યૂરોની સ્ટૅન્ડિંગ કમિટી દ્વારા ચૂંટાય છે. પક્ષની વિવિધ નીતિઓના રોજબરોજના અમલમાં આ એકમ અગત્યનું સ્થાન ધરાવે છે. વળી તે પક્ષના કાર્યો પર દેખરેખ પણ રાખે છે. સામ્યવાદી પક્ષના બંધારણ અનુસાર નૅશનલ પાર્ટી કૉંગ્રેસ અને ધ સેન્ટ્રલ કમિટી – બંને પક્ષના સૌથી અગત્યના એકમો છે, જોકે નૅશનલ પાર્ટી કૉંગ્રેસને સાવ અલ્પમાત્રામાં ખરી સત્તા મળેલી છે. ધ સેન્ટ્રલ કમિટી અને પૉલિટ બ્યૂરો દ્વારા માન્ય થયેલી નીતિઓને તે માન્ય કરે છે. પૉલિટ બ્યૂરો પક્ષને માટે નીતિઓની માર્ગદર્શક રૂપરેખા પણ ઘડે છે.

સિદ્ધાંતની ર્દષ્ટિએ સામ્યવાદી પક્ષનો સર્વોચ્ચ હોદ્દો મહામંત્રીનો હોય છે. પ્રારંભે ડેંગ ઝિયાઓ પીંગ સૌથી પ્રભાવકારી નેતા હતા, તેમણે પક્ષના લશ્કરી કમિશનના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવેલી. તેઓ સરકારના કેન્દ્રીય લશ્કરી કમિશનના પણ અધ્યક્ષ હતા. પાછળથી તેમણે આ બંને હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. આમ છતાં તેમના પ્રભાવકારી સ્થાનમાં ખાસ ફેર પડ્યો નહોતો. પક્ષના અને સરકારના સર્વોચ્ચ અધિકારીઓ મહત્વના મુદ્દાઓ પર તેમની ખાસ સલાહ લેતા.

21 સપ્ટેમ્બર 1949માં ચીનના સામ્યવાદી પક્ષે બેજિંગ ખાતે ચાઇનીઝ પીપલ્સ પોલિટિકલ કન્સલટેટિવ કૉન્ફરન્સની એક બેઠક બોલાવી. આ પરિષદમાં 60 કલમો ધરાવતો એક સર્વસામાન્ય કાર્યક્રમ અને 31 કલમો ધરાવતો ‘ઑર્ગેનિક લૉ ઑવ્ ધ સેન્ટ્રલ પીપલ્સ ગવર્નમેન્ટ’ સ્વીકારવામાં આવ્યો. 20 સપ્ટેમ્બર, 1954ના રોજ સ્વીકારાયેલ ચીનના બંધારણના પાયામાં ઉપર્યુક્ત બે દસ્તાવેજ રહેલા છે, જે તે જ દિવસે તેની ધારાસભા – નૅશનલ પીપલ્સ કૉંગ્રેસ દ્વારા સ્વીકારવામાં આવ્યા. સામ્યવાદી શાસન હેઠળ 1975, 1978 અને 1982(જે હાલ અમલમાં છે)માં ત્રણ વધુ બંધારણો ઘોષિત કરવામાં આવ્યાં. 1982નું બંધારણ 1988, 1993 અને 1999માં અંશત: સુધારવામાં આવ્યું. નવા સુધારાઓમાં સમાજવાદી બજારવ્યવસ્થાનું અર્થતંત્ર અને ખાનગી માલિકીના સિદ્ધાંતોને માન્યતા આપવામાં આવી.

ધારાસભા : ચીન નૅશનલ પીપલ્સ કૉંગ્રેસ નામની એકગૃહી ધારાસભા ધરાવે છે. બંધારણ અનુસાર તે રાજ્યની સત્તાનું સર્વોચ્ચ અને કાયદા ઘડતું અંગ છે. વર્ષમાં એક વાર તેની બેઠક બોલાવવામાં આવે છે. તે બંધારણ સુધારી શકે છે, રાજ્યના સર્વોચ્ચ અધિકારીઓને હોદ્દા પરથી દૂર કરવાની તેમજ તેમને નામથી ચૂંટવાની સત્તા ધરાવે છે. આ ગૃહની સભ્યસંખ્યા 2,985 છે. આ સભ્યો વિવિધ નગરપાલિકાઓ, પ્રાદેશિક પીપલ્સ કૉંગ્રેસ અને પ્રાંતીય પીપલ્સ કાગ્રેસ દ્વારા ચૂંટાય છે અને તે પાંચ વર્ષની મુદ્દત ધરાવે છે. આ નેશનલ પીપલ્સ કૉંગ્રેસ, સ્ટૅન્ડિંગ કમિટી યા સ્ટેટ કાઉન્સિલ(કારોબારી)ને ચૂંટે છે. ધારાસભાના ઉમેદવારો તેમજ અન્ય તમામ હોદ્દાના ઉમેદવારોની પસંદગીમાં સામ્યવાદી પક્ષ ભારે પ્રભાવકારી છે. આ ગૃહના સભ્યોને વ્યાપક સત્તા અને ફરજો છે; પરંતુ વાસ્તવમાં તેને કોઈ જ સત્તા નથી. ટૂંકમાં તેનું એકમાત્ર મહત્વનું કાર્ય સામ્યવાદી પક્ષે નક્કી કરેલી નીતિઓને કાર્યોમાં ઉતારવાનું છે. ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે તેના બદલે સ્ટૅન્ડિંગ કમિટી કામ કરે છે.

કારોબારી : સ્ટૅન્ડિંગ કમિટી સ્ટેટ કાઉન્સિલના નામથી પણ ઓળખાય છે. આ સ્ટૅન્ડિંગ કમિટી તેની કારોબારી છે અને સર્વોચ્ચ વહીવટી એકમ છે. તેના વડા તરીકે પ્રીમિયર હોય છે, જે સરકારના વડા ગણાય છે. સામ્યવાદી પક્ષની સેન્ટ્રલ કમિટી દ્વારા પ્રીમિયર નિમણૂક પામે છે અને પ્રમુખ તે નિમણૂકને મંજૂરી આપે છે, જોકે પ્રમુખ પણ મુખ્યત્વે ઔપચારિક અધિકારી હોય છે.

પ્રીમિયરની મદદમાં 3 ઉપપ્રીમિયર હોય છે. 40 મંત્રીઓ અને ખાસ કમિશનના વડાઓ દ્વારા કારોબારી તંત્ર ચાલે છે. મંત્રી વિવિધ સરકારી વિભાગોનું ધ્યાન રાખે છે જેમાં સંરક્ષણ મંત્રાલય અને આર્થિક આયોજનનો સમાવેશ થાય છે.

વહીવટી ર્દષ્ટિએ ચીન 30 મુખ્ય રાજકીય ઘટકો ધરાવે છે જેમાં 22 પ્રાંતો, 5 સ્વાયત્ત પ્રદેશો અને 3 વિશેષ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. તેના પાંચ સ્વાયત્ત પ્રદેશોમાં ગોંગઝી, ઇનર મૉંગોલિયા, નીન્ગઝીયા, તિબેટ(ઝિમાંગ) અને ઝીનજીઆંગનો સમાવેશ થાય છે. આ વિસ્તારોના મોટા ભાગના લોકો વાંશિક રીતે ચીની વંશના લોકો નથી. આ સ્વાયત્ત પ્રદેશોને રાજકીય નિર્ણયો અંગેની કોઈ સ્વાયત્તતા નથી અને ચીનના અન્ય પ્રદેશોની જેમ જ તેનો વહીવટ ચાલે છે. માત્ર સાંસ્કૃતિક બાબતોમાં તેમને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.

આમાંના ઝીનજીઆંગ સ્વાયત્ત પ્રદેશમાં ભારે અજંપો પ્રવર્તે છે અને કેટલાક અભ્યાસીઓના મતે તે પ્રદેશ ચીનથી સ્વતંત્ર થવાની મથામણ કરી રહ્યો છે જે મથામણને ચીનની સરકાર કચડી દે છે. એવી જ રીતે તિબેટ 1950 પછી ચીને કબજે કરી લીધું. ત્યારથી ત્યાં પણ વ્યાપક અસંતોષ પ્રવર્તે છે. તિબેટની દેશવટો ભોગવતી દલાઈ લામા સરકારે ભારતમાં રાજ્યાશ્રય લીધો છે અને વિવિધ સ્તરે દલાઈ લામા સરકારના તિબેટના રાજકીય સ્વાતંત્ર્ય માટે આછાપાતળા પ્રયાસો કરે છે.

ધ સેન્ટ્રલ મિલિટરી કમિશન ચીનનું સર્વોચ્ચ લશ્કરી એકમ છે.

ડિસેમ્બર, 2002 અને ફેબ્રુઆરી 2003માં છેલ્લી ચૂંટણીઓ થઈ હતી. માર્ચ, 2003ની બેઠક દ્વારા હૂ જિનતાઓ નૅશનલ પીપલ્સ કૉંગ્રેસના પ્રમુખ અને ઝેન કિવંદહોંગ ઉપપ્રમુખ ચૂંટાયેલા છે.

‘માર્ચ ઑવ્ ધ વૉલન્ટિયર્સ’ તેનું રાષ્ટ્રગીત છે. તેના કવિ ટીએન હેન છે અને તેને ની-એરે સ્વરબદ્ધ કર્યું છે.

ભારત–ચીન સંબંધો : વિશ્વના સૌથી મોટા ખંડ એશિયાની બે મહાસત્તાઓ ભારત અને ચીન છે. બંને સત્તાઓ 2009ના અંતે વિશ્વરાજકારણની વૈશ્વિક મહાસત્તાઓ તરીકે ઊભરી રહી છે. બંને રાષ્ટ્રો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં શાંતિ અને મીઠાશ કેળવવાના પ્રયાસો છતાં વાસ્તવમાં કટ્ટર સ્પર્ધાનું રાજકારણ કામ કરે છે.

1950 પૂર્વે બંને દેશો વચ્ચે આછા-પાતળા રાજકીય સંબંધો છતાં વ્યાપક સાંસ્કૃતિક સંબંધો પ્રવર્તતા હતા. ઈસુની પ્રથમ સદીથી તેમની વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો મજબૂત બન્યા હતા. બૌદ્ધ ધર્મ ચીનમાં સ્વીકૃતિ પામ્યો હતો. બીજી તરફ ‘રેશમ માર્ગ’ દ્વારા આ દેશો વચ્ચે ચાલતો વ્યાપાર ‘આર્થિક સંપર્કની મુખ્ય કડી’ હતો. 15 ઑગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર દેશ બનેલું ભારત 26 જાન્યુઆરી, 1950માં પ્રજાસત્તાક રાજ્ય બને છે તો ચીન 1 ઑક્ટોબર, 1949ના રોજ ‘પીપલ્સ રિપબ્લિક ઑવ્ ચાઇના’ બને છે. વાસ્તવમાં તે સામ્યવાદી ચીન કે લાલ ચીન તરીકે પણ ઓળખાતું. ચીનના આંતરવિગ્રહમાં ‘પીપલ્સ લિબરેશન આર્મી’એ ચીનના યાંગ-કાઈ-શૅકના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી પક્ષને પરાજિત કરી સત્તા મેળવી હતી. આ ‘આર્મી’ના સેનાપતિ માઓ-ત્સે-તુંગ યા માઓ-દ-ઝેદોંગ હતા, જે માઓ નામથી જાણીતા હતા. તેઓ ચીનના સામ્યવાદી પક્ષના અધ્યક્ષ હોવા સાથે ચીનની રાજ્યવ્યવસ્થાના સર્વોચ્ચ વડા હતા. આમ ચીનમાં સામ્યવાદી પક્ષ અને તેના સર્વોચ્ચ વડા માઓનું શાસન ચાલતું હતું.

પરાપૂર્વથી ચીન અને ભારત વચ્ચેનું નાનું રાજ્ય તિબેટ બંને વચ્ચેનું બફર રાજ્ય હતું. ચીનના માઓ તિબેટને ચીનનો અંતર્ગત ભાગ ગણતા હતા. તે વેળા ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જણાવેલું કે ભારતને તિબેટ તરફ કોઈ ‘રાજકીય કે પ્રાદેશિક મહત્વાકાંક્ષા’ નથી, તે તિબેટ પર કોઈ હક્ક જમાવવા માંગતું નથી; પરંતુ તિબેટ સાથેના પરંપરાગત વેપારના હક્કનું સાતત્ય ઇચ્છે છે. આથી તિબેટના પ્રતિનિધિઓએ ભારતના ટેકાથી 1951માં એક કરાર દ્વારા તિબેટની રાજકીય વ્યવસ્થાને જાળવી રાખવાની બાંયધરી સાથે ચીનના વર્ચસનો સ્વીકાર કર્યો. આ બાબત ભારત–ચીન સંબંધોનું અગત્યનું પાસું છે.

1954માં ભારત-ચીન વચ્ચે ‘શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ’ સ્થાપવાનો એક કરાર આઠ વર્ષ માટે થયેલો જેમાંના પાંચ મુખ્ય મુદ્દા ‘પંચશીલ’ તરીકે જાણીતા હતા. આ કરારને કારણે બંને દેશો વચ્ચે પ્રારંભિક મૈત્રી પ્રવર્તતી હતી. નહેરુના શાસનકાળમાં ચીનના વડાપ્રધાન ચાઉ-એન-લાઈ અને તેના સામ્યવાદી પક્ષના વડા માઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. બંને દેશો વચ્ચે સહકાર-સદભાવનાના પ્રતીક તરીકે ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’નાં સૂત્રો ગાજતાં હતાં. 1959માં ભારત-ચીન વચ્ચે સરહદો બાબતે વિસંગતિ (discrepancy) પ્રવર્તતી હોવા છતાં ચીનના નેતાઓએ ભારતને ખાતરી આપેલી કે સરહદો બાબતે તેમની વચ્ચે કોઈ વિવાદ નથી.

પંરતુ 1959માં ભારતની એક તપાસ-ટુકડી સરહદોની તપાસ કરી રહી હતી ત્યારે તેણે જોયું કે ભારતના જમ્મુ–કાશ્મીર રાજ્યના લદાખ જિલ્લાના ‘અકસાઈ ચીન’ નામના વિસ્તારમાં ચીનના લશ્કરે જાહેર માર્ગનું બાંધકામ કર્યું છે. આ ઘટનાનો વિરોધ કરતાં પરિસ્થિતિ વણસી. 1959ના આ જ અરસામાં તિબેટ સમસ્યા વકરેલી. તે સમયે માઓએ તિબેટને ચીનના સીધા લશ્કરી અને વહીવટી અંકુશ હેઠળ લાવવાનો નિર્ધાર કર્યો. ભારતની તિબેટ અંગેની ચિંતાને ચીનના સત્તાધીશો ચીનની આંતરિક બાબતમાં દખલગીરી ગણતા હતા. 28 માર્ચ, 1959ના દિવસે ‘બળ-પ્રયોગ’ દ્વારા ચીને તિબેટને આંચકી લઈ ત્યાં ચીની સત્તા પ્રસ્થાપિત કરી. તિબેટના મુખ્ય ધર્મ એવા લામાવાદ(બૌદ્ધ ધર્મ)ને દૂર કરી તેના ધાર્મિક વડા દલાઈ લામાને તિબેટ છોડવાની ફરજ પાડેલી, જેમને તેમના સાથીઓ અને હજારો તિબેટવાસીઓ સાથે ભારતે રાજ્યાશ્રય આપ્યો હતો. આમ ચીને તિબેટ પચાવી પાડ્યું ત્યારે ભારત તિબેટનો પક્ષ લેવાનું ચૂકી ગયું. આથી તિબેટની અટવાયેલી સમસ્યા જેમની તેમ છે અને ભારત-ચીન સંબંધોમાં તણાવનું એક મહત્વનું કારણ છે. આથી તિબેટના બફર રાજ્ય તરીકે મળતા લાભ ભારતે ગુમાવ્યા છે અને સીધું સરહદી જોખમ વધ્યું છે. એ જ રીતે ઉત્તરીય સીમા પરનું નેપાળ માઓવાદની દિશામાં આગળ વધ્યું છે. નેપાળની વિસ્તરેલી માઓવાદી પ્રવૃત્તિઓ સરહદી ખતરાની ગંભીરતામાં વધારો કરે છે કારણ નેપાળના માઓવાદમાં ચીનનો સક્રિય સહકાર છે. આમ બંને નાના પડોશી દેશો દ્વારા ચીન ભારતને માટે પડકારરૂપ બન્યું છે.

આ સમયે સૌથી મહત્વની બાબત એ બની કે ભારતના નકશા મુજબ 1,04,000 કિમી.ના સરહદી વિસ્તાર પર ભારતનું આધિપત્ય હતું તે વિસ્તારો પર ચીને દાવો કરીને સરહદોની નવેસરથી પુન: આંકણી કરવાની માંગ કરી. બંને દેશો વચ્ચે સરહદી વિવાદ વકર્યો. આ સ્થિતિમાં ઑક્ટોબર 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારતની ચીન તરફની સીમાઓ પર અપૂરતી લશ્કરી સજ્જતાને કારણે ભારત ઊંઘતું ઝડપાયું. હિમાલયની અભેદ્ય ગણાતી ભારતીય સરહદો ભેદીને ચીને તેના લશ્કરને આગળ વધવાનો આદેશ આપ્યો. 32 દિવસના ભારત-ચીન યુદ્ધ પછી ચીને એકપક્ષી યુદ્ધવિરામ જાહેર કર્યો અને 43,000 ચોકિમી.નો પ્રદેશ પચાવી પાડ્યો. સ્વતંત્ર ભારત પરનું આ સૌપ્રથમ વિદેશી આક્રમણ હતું. એથી દેશભક્તિનો પ્રચંડ જુવાળ ઊઠ્યો. આ કડવા અનુભવ પછી ભારતની સશસ્ત્ર સેનાનું પુનર્ગઠન કરવામાં આવ્યું.

એક અંદાજ મુજબ કૈલાસ પર્વત, માનસરોવર અને અકસાઈ ચીન જેવા વિસ્તારો મળી 56,000 ચોકિમી. વિસ્તાર ચીને પચાવી પાડ્યા. એકલું અકસાઈ ચીન લગભગ 38,000 ચોકિમી.નો પ્રદેશ ધરાવતું હતું. 1962 પછી ચીને ભારતની લગભગ 90,000 ચોકિમી. જમીન પર તેનો હક્ક-દાવો કર્યો.

ભારત-ચીન સીમા લગભગ 4000 કિમી.ની લંબાઈ ધરાવે છે. ઉત્તરપૂર્વના અરુણાચલમથી ઉત્તર પશ્ચિમના અકસાઈ ચીન સુધી તે ફેલાયેલી છે. અહીં જ મુખ્ય સમસ્યા છે. આ સીમા આંતરરાષ્ટ્રીય સીમા તરીકે સ્વીકારવાની બાબતે બંને દેશો વચ્ચે વર્ષોથી વિવાદ ચાલે છે. 1914માં બ્રિટિશ જનરલ મેકમૅહોને આંકેલી રેખા અંગે ચીને દાવો કરીને તેને (મેકમૅહોન રેખા) અમાન્ય કરેલી. 1962ના આક્રમણના સંદર્ભે તે લાઇન ઑવ્ એક્ચ્યુલ કંટ્રોલ(LOC)ને સ્વીકારવાનો દાવો કરે છે. આથી મેકમૅહોન રેખા ઉપરાંતનો પ્રદેશ આપોઆપ સ્વીકૃત બની જાય. વર્ષો વીતવા છતાં આ બાબતે કોઈ પ્રગતિ બંને દેશો વચ્ચે થઈ નથી. ભારતની રાજકીય નેતાગીરી આ બાબતે ખોંખારીને કંઈ બોલતી નથી અને સ્થિતિ યથાવત્ છે.

1960ના દાયકાનાં શેષ વર્ષોમાં ચીન ‘પરમાણુ સક્ષમ રાષ્ટ્ર’ બની ચૂક્યું હતું. 1970ના દાયકામાં ચીન-પાકિસ્તાન મિત્ર રાજ્યો બન્યાં. ભારતને એ અરસામાં સોવિયેત સંઘની વિશ્વસત્તાનો મજબૂત ટેકો હતો. આ વર્ષોમાં ચીનને ‘યુનો’માં સ્થાન મળ્યું. 1974માં ભારતે પોખરણ ખાતે અણુપરીક્ષણ કરી તેની વૈજ્ઞાનિક-રાજકીય તાકાતનો જગતને પરિચય કરાવ્યો. તે પછીનો કાળ બંને દેશો વચ્ચેના તણાવભર્યા સંબંધોનો રહ્યો. 1981માં ચીનના વિદેશપ્રધાન હુઆંગ હુઆ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે વિવાદ છતાં નવા અધ્યાયની શરૂઆત થઈ, તેમણે દક્ષિણ એશિયામાં ભારતની ભૂમિકાને બિરદાવીને બે દેશો વચ્ચેના સંબંધોમાંથી તણાવમુક્તિનો પ્રયાસ કર્યો. 1981–87નાં વર્ષોમાં સરહદ અંગે બંને દેશો વચ્ચે આઠ મંત્રણાઓ યોજાઈ; પરંતુ 1986માં અને સુમડો-રંગવેલી ખાતે લશ્કરી થાણું અને હેલિપેડ બાંધતા સીમાઓ વળી પાછી ધણધણી ઊઠી. 1987માં ભારતે અરુણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપતા આ સીમાવિવાદ વકર્યો. 1988માં વડાપ્રધાન રાજીવ ગાંધીએ ચીનની મુલાકાત લેતા સીમા પરની ઉગ્રતા નરમ પડવા સાથે સીમાવિવાદ ઉકેલવા બંને પક્ષો સંમત થયા. 1954માં વડાપ્રધાન નહેરુએ ચીનની મુલાકાત લીધી હતી તે પછી 34 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાને ચીનની મુલાકાત લીધી.

1990ના દાયકામાં ક્રમશ: દેશો વચ્ચે તણાવ ઘટતા સંબંધ-સુધારની શરૂઆત થઈ. 1991ની સાલમાં ચીનના વડા લી-પેંગે, 1995માં તેના અન્ય નેતા તાઈપેઈએ ભારતની મુલાકાતો લીધી. જ્યારે 1992માં ભારતના રાષ્ટ્રપ્રમુખ આર. વેંકટરામને ચીનની મુલાકાત લીધી. 1998માં ભારતે અણુપરીક્ષણ કરતાં ફરી તણાવ વધ્યો. ભારતના તત્કાલીન સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસે ‘ચીનને ભારત માટે એક નંબરનો ખતરો’ ગણાવતા આ સંબંધોમાં ઓટ આવવા લાગી અને દાયકાને અંતે સંબંધો તંગ બન્યા.

એકવીસમી સદીના આરંભે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની ફરી શરૂઆત થઈ. વર્ષ 2000માં ભારતના રાષ્ટ્રપ્રમુખ કે. આર. નારાયણન્ અને 2003માં વડાપ્રધાન વાજપાઈએ ચીનની મુલાકાત લીધી. વચ્ચે 2002માં ચીનના વડાપ્રધાન ઝુ રોંગજીએ ભારતની મુલાકાત લીધી. આ પારસ્પારિક મુલાકાતોમાં મુખ્યત્વે ‘આર્થિક પાસાંઓ’ સંબંધોના કેન્દ્રમાં રહ્યા. 2003માં ચીને સિક્કીમ પરના ભારતના સાર્વભૌમત્વને સત્તાવાર રીતે માન્ય રાખ્યું અને સંબંધોમાં રાબેતા મુજબની સ્થિતિ પેદા થઈ. 2004માં સૌપ્રથમ વાર બંને દેશો વચ્ચે દસ બિલિયન અમેરિકી ડૉલરનો વેપાર થયો જે એક સિદ્ધિ લેખાય. 6 જુલાઈ, 2006ના રોજ ચીન ભારત વચ્ચેનો ‘નાથુલા ઘાટ’ 44 વર્ષ પછી ફરી વ્યાપાર અર્થે ખુલ્લો મુકાતાં આર્થિક સંબંધો મજબૂત બનવા લાગ્યા; પરંતુ તે સાથે નવેમ્બર, 2006માં કાશ્મીરનો 38,000 કિમી.નો વિસ્તાર ચીને પચાવી પાડ્યો હોવાનો ભારતે દાવો કરતાં સીમાવિવાદ સપાટી પર આવ્યો. આ સમયે જ ભારતના અરુણાચલ વિસ્તારને ચીને તેનો ગણાવી વિવાદ તીવ્ર બનાવ્યો. તે પછી 2009માં આ દાવો ફરી કર્યો તેમજ દલાઈ લામા અરુણાચલની મુલાકાતે ન જાય તેવો આગ્રહ રાખ્યો. અલબત્ત ભારત સરકારે ચીનનો અત્યાગ્રહ માન્ય રાખ્યો નથી; પરંતુ અરુણાચલ પરના દાવાનો યોગ્ય જવાબ આપવાનો બાકી છે. ચીનનો આ દાવો તેની વિસ્તારલાલસાની પ્રતીતિ કરાવે છે. આમ આર્થિક સંબંધોના વિકાસ છતાં સીમાવિવાદ જેમનો તેમ છે. 2007–08માં 50,00,00,00,000થી પણ વધુ ડૉલરનો વેપાર ભારતે ચીન સાથે કર્યો છે. તો ચીનનું સંરક્ષણનું અંદાજપત્ર ભારત કરતાં સાડા ત્રણસો ગણું વધારે છે. ચીન દુનિયાના ઘણા દેશોને શસ્ત્રો વેચે છે. શસ્ત્રોના વેપારમાં ચીન અમેરિકા પછી બીજા ક્રમે છે. 2007 ભારત-ચીન વચ્ચે પર્યટન મૈત્રીનું વર્ષ હતું જ્યારે 67,000 ચીની પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. આ જ વર્ષમાં ભારત અને ચીનના લશ્કરી સૈનિકોએ ચીનના યુનાન પ્રાંતમાં આતંકવાદ વિરુદ્ધ સંયુક્ત લશ્કરી કવાયત કરી હતી. આમ વિસ્તરતા આર્થિક સંબંધો છતાં સીમાવિવાદ માત્ર વણઉકલ્યા જ નથી પરંતુ વધુ ગૂંચવાયેલા છે. વધુમાં તે તેની વિસ્તારલાલસા માટે જાણીતું છે. આ સંદર્ભમાં ભારતે આ પડોશી દેશથી સતત સાવધ અને સતર્ક રહેવાની જરૂર છે એ વિશે શંકાને સ્થાન નથી. એશિયાનાં બંને કદાવર (જાયન્ટ) રાષ્ટ્રો છે અને ભાવિમાં વિશ્વની મહાસત્તા બનવા માટે વિસ્તાર, વિકાસ અને અર્થતંત્રની ક્ષમતાઓ ધરાવે છે.

રક્ષા મ. વ્યાસ

ચીનનો ધર્મ

ચીનમાં ધર્મ પ્રાય: પ્રાકૃતિક દેવતાઓની પૂજા, મૃત પૂર્વજોની પૂજા, ભૂતપ્રેતમાં માનવું તેમજ કૉન્ફ્યૂશિયસ, તાઓ અને બૌદ્ધ ધર્મોના મિશ્રણ રૂપે પ્રવર્તે છે. વસ્તુત: ઘણા ચીનાઓ ઘણા સમય સુધી એક કરતાં વધારે ધર્મો પાળતા રહ્યા છે. અલબત્ત, ચીનના ધાર્મિક જીવન પર કૉન્ફ્યૂશિયસ અને લાઓત્ઝે જેવા દાર્શનિક ધર્મસુધારકોનો વ્યાપક પ્રભાવ પડ્યો છે. પાછળથી અહીં પ્રચલિત થયેલા બૌદ્ધ ધર્મની પણ અસર પડી છે. સમય જતાં અહીં ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામનો પણ પ્રચાર થયો છે. આ બધું હોવા છતાં ચીનમાં ધાર્મિક સહિષ્ણુતા ઘણે ભાગે અકબંધ રહી છે. પરલોકના સુખને બદલે આ લોકમાં સુખપ્રાપ્તિ અને તેને માટે દેવો કરતાં મૃત પૂર્વજોની કૃપા પર વિશેષ નિર્ભર રહેવું એ ચીની ધર્મની નોંધપાત્ર વિશેષતા વરતાય છે.

ચીનનો પ્રાચીન ધર્મ સીધોસાદો અને સરળ હતો. એ કાળમાં ચીનાઓ પ્રકૃતિપૂજક અને બહુદેવવાદી હોવાની સાથોસાથ સર્વચેતનવાદી પણ હતા. તેઓ માનતા કે સમગ્ર વિશ્વની નાનીમોટી બધી વસ્તુઓ ગૂઢ-શક્તિથી ભરપૂર છે. અલબત્ત, આ બધાં પૈકી કેટલાંક પ્રાકૃતિક તત્ત્વો, જેવાં કે પર્વતો, નદીઓ, વૃક્ષો, આકાશ, પૃથ્વી, નક્ષત્રો, વાયુ, વર્ષા, સૂર્ય વગેરેમાં વિશિષ્ટ ગૂઢશક્તિ રહેલી છે એમ માની તેમની વિશેષભાવે પૂજા કરતા. દેવોમાં ભૂવાસી અને આકાશી એવું વર્ગીકરણ પ્રચલિત હતું. ભૂવાસી દેવોમાં પૃથ્વી-દેવતા ‘હોઉ-તૂ’નું મહત્વ વિશેષ હતું. આકાશી દેવતાઓમાં ‘શાંગ-તી’ સ્વર્ગનો સર્વોચ્ચ દેવતા ગણાતો. પૃથ્વીના દેવ ‘હોઉ-તૂ’ની સમકક્ષ આકાશનો દેવ ‘તિ-એન’ હતો. તેની અનુમતિથી પોતે રાજ કરે છે એમ ચાઉ સમ્રાટો માનતા. સમય જતાં ‘શાંગ-તી’ અને ‘તિ-એન’ અભિન્ન મનાવા લાગ્યા. એકાત્મસ્વરૂપ ધરાવતો દેવ ‘શાંગ-તી’ વસ્તુત: પરમાત્માની સમકક્ષ હતો.

કોઈ પણ બાબતની ઘોષણા કરતાં પહેલાં, યાત્રા કે યુદ્ધ માટેના પ્રસ્થાન પૂર્વે, શિકાર કે મચ્છીમારીએ જતાં પહેલાં, પાક, વરસાદ, હિમપ્રપાત, ચક્રવાત વગેરેને લગતી આગાહી માટે તથા બીમારીમાંથી સ્વસ્થતા પ્રાપ્ત કરવા અંગે દેવોની ઇચ્છા જાણવા માટે તે બધાને લગતા પ્રશ્ન કાચબાના હાડકા પર લખતા. આવા હાડકાને ‘ઑરેકલ બોન’ કહે છે. ભવિષ્યવેત્તા વ્યક્તિ તે હાડકા પર દેવતાની ઇચ્છા લખતી. વળી સ્વપ્ન દ્વારા પણ દેવતાની ઇચ્છાનું સ્પષ્ટીકરણ થતું.

દેવતાઓની પૂજા ગામના એક વિશિષ્ટ ટીંબા રૂપ વેદી પર થતી. એવા ટીંબાને ‘શી’ કહેતા. પૃથ્વી ખેતીની અધિષ્ઠાત્રી દેવી ગણાતી અને આ ટીંબા પર બલિ આપીને તેની પૂજા થતી. પાછળથી આ ‘શી’નું નામ ‘શી-ચી’ પડ્યું, જેનો અર્થ થાય છે ભૂમિ અને અન્ન. આ ટીંબાઓ પાસે અન્ય દેવતાઓની ઉપાસના તેમજ બીજાં ધાર્મિક કાર્યો પણ સંપન્ન થતાં.

ચીનમાં પ્રાચીન કાળથી મૃત પૂર્વજો પ્રત્યે યથોચિત સમ્માન દર્શાવવું અને એ ઉદ્દેશથી શ્રાદ્ધતર્પણ કરવું એ ચીનાઓને મન મહત્વનું કર્તવ્ય હતું. ઉત્તર કાલમાં કૉન્ફ્યૂશિયસ, તાઓ અને બૌદ્ધ ધર્મનો પ્રસાર થવા છતાં આ મૃત પૂર્વજપૂજા નષ્ટ નહોતી થઈ અને આંશિકપણે જે તે ધર્મો સાથે પણ સંકળાયેલી રહી હતી, જે તેની પ્રબળતા સૂચવે છે. આ પૂજા મૃત વ્યક્તિ પ્રત્યેના ભયથી નહિ પણ તેના પ્રત્યેનાં આદર, નિષ્ઠા અને ભક્તિભાવને કારણે થતી. દરેક પરિવારમાં પિતૃપૂજા માટે ઘરમાં એક અલગ ઓરડો રખાતો. પિતૃઓને નિયમિત બલિ અપાતો. આ પ્રથા જેમ વૃદ્ધ પિતા કે માતાને દરરોજ ખાનપાન અપાય તેને મળતી હતી. જોકે બલિ સાથે દરરોજ પ્રાર્થના કરવી અપેક્ષિત નહોતી. પિતૃપૂજા અંગે શ્રીમંતો અને રાજપરિવારોએ મંદિર કરાવ્યાં હતાં. આવાં મંદિરો ‘પિતૃઓનાં મંદિર’ તરીકે જાણીતાં છે. સમય જતાં આ મંદિરો ધાર્મિક જીવનનાં કેન્દ્ર બન્યાં. લગ્ન કે શ્રાદ્ધને લગતા સમારોહ ત્યાં થતા. રાજાઓ અને સમ્રાટોનાં પિતૃમંદિરો તો સામાજિક અને ધાર્મિક ક્રિયાઓ ઉપરાંત કેટલાંક રાજકીય અને વહીવટી કાર્યવાહીનાં કેન્દ્ર પણ હતાં. તેઓ અન્ય દેવતાઓની પૂજા-ઉપાસના પણ ત્યાં જ કરતા.

આકૃતિ 4 : ધ હૉલ ઑવ્ સુપ્રીમ હાર્મની, બેજિંગ

‘ઑરેકલ બોન’ના લેખોને આધારે જણાય છે કે લોકો બલિ અને ભેટસોગાદ પિતૃઓને ચડાવતા એટલું અન્ય દેવતાઓને ચડાવતા નહિ. સામાન્ય માણસ પણ પોતાના ગજા પ્રમાણે બલિ આપતો. વિશેષ અવસર કે સંકટ સમયે વિશેષ પૂજા-બલિદાન અને પ્રાર્થના થતાં. પ્રાર્થના લખવામાં આવતી અને તે પૂજા-બલિદાન સમયે ઉચ્ચ સ્વરે ગાવામાં કે બોલવામાં આવતી અને પ્રાર્થનાપત્રને બાળી નાખવામાં આવતું. બલિમાં ખેતપેદાશો, તેમાંથી બનતો દારૂ, માછલી, માંસ, જીવિત પશુઓ તેમજ બહુમૂલ્ય વસ્તુઓ વગેરે અર્પવામાં આવતાં. બલિમાં હોમવાનાં પશુઓ વિકલાંગ ન હોય તેની તકેદારી રખાતી. પશુને જમીનમાં દાટીને, અગ્નિમાં હોમીને કે પાણીમાં ડુબાડીને પશુબલિ અપાતો. બલિ વખતે શરાબને જમીન પર ઢોળીને એ પણ અર્પવામાં આવતો. પ્રાચીન શાંગ યુગમાં તો નરબલિ આપવાની પ્રથા પણ હતી, જે કૉન્ફ્યૂશિયસ જેવા વિચારકોના પ્રભાવથી ચોઉ યુગમાં લુપ્ત થયેલી.

પ્રાચીન ધર્મમાં પ્રારંભમાં નૈતિકતા અને સદાચરણ પ્રત્યે સામાજિક જાગૃતિનો અભાવ વરતાય છે. પણ કૉન્ફ્યૂશિયસ અને લાઓત્ઝે જેવા વિચારકોના ઉદય પછી ધર્મક્ષેત્રે માનવતાવાદ, લોકોપકાર, શુદ્ધ આચારવિચાર તેમજ શિષ્ટાચાર પર ખૂબ ભાર મુકાયો. શુષ્ક કર્મકાંડો અને અનુષ્ઠાનો પર મુકાતો ભાર ઘટવા લાગ્યો. કૉન્ફ્યૂશિયસ જેવા વિચારકોએ જાહેર કર્યું કે દેવતાઓ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે યજ્ઞયાગ કરતાં સદાચાર મહત્વપૂર્ણ છે. બલિ આપવાથી દેવતાની કૃપાના અધિકારી થવાય નહિ. પાપોનાં દુષ્પરિણામ જેવાં કે વિપત્તિ, અપયશ, દુર્ભાગ્ય કે અપમૃત્યુ આ જન્મમાં જ ભોગવવાં પડે છે. આ વિચારોથી સમાજમાં માનવતાવાદ અને લોકોપકારની ભાવનાને બળ મળ્યું. ધર્મ સાથે સદાચાર અને શિષ્ટાચારનો ઘનિષ્ઠ સંબંધ ખાસ કરીને કૉન્ફ્યૂશિયસના પ્રભાવથી સ્થપાયો. આ નવી વિચારધારામાં ‘તિ-એન’ને વ્યક્તિગત રીતે સ્વર્ગના દેવતા ન ગણતાં એને અવૈયક્તિક તત્વ તરીકે સ્વીકારાયો.

પિતૃપૂજાનો સ્વીકાર તો થયો પણ એમાં ર્દષ્ટિકોણ બદલાયો. પિતૃઓએ નિર્માણ કરેલ વિશિષ્ટ પરંપરાઓ પોતે અનુસરે છે તેથી સમ્માનભાવે પિતૃઓને બલિ આપવાનું તેમણે સ્વીકાર્યું. શિક્ષિત વર્ગે અને રાજપરિવારોએ પણ કૉન્ફ્યૂશિયસની આ ધાર્મિક વિચારસરણી અપનાવી. રાજકીય સ્થિરતા અને તેની સાથે ધર્મનો અનુબંધ યોજાતો હોઈ અનેક સમ્રાટોએ કૉન્ફ્યૂશિયસની આ સુધારાવાદી વિચારધારા સ્વીકારી. ધીમે ધીમે કૉન્ફ્યૂશિયસ પ્રત્યે આદર વધતો ગયો અને દરેક શહેરમાં તેના માનમાં મંદિર બંધાયાં. શિક્ષિતો કૉન્ફ્યૂશિયસને દેવ માનતા નહિ પણ તેના વિકલ્પ રૂપે એક પવિત્ર ધાર્મિક મહાન આત્મા તરીકે તેને ગણતા. હવે ‘શાંગ-તી’ને જગતના મુખ્ય નિયામક તત્વ તરીકે માન્યતા મળી અને આ અપૌરુષેય દેવતાના માનમાં સમ્રાટ દર વર્ષે સ્વર્ગની વેદીમાં બલિદાન આપતો.

જોકે આમ જનસમાજને આવા શુષ્ક અને બુદ્ધિગમ્ય ધર્મથી સંતોષ નહોતો. એમની ર્દષ્ટિએ એક તો એમાં કલ્પનાશક્તિને સ્થાન નહોતું ને બીજું, તેમનાં ખ્વાબો અને ખ્યાલો તેમજ આકાંક્ષાઓનો એમાં પ્રત્યુત્તર નહોતો. વળી તેમના રોજિંદા જીવનમાં પ્રચલિત વહેમોને પણ એમાંથી પ્રોત્સાહન મળતું નહોતું. તેમને તો પૃથ્વીના પેટાળના અને અંતરિક્ષમાં રહેલા પ્રેતાત્માઓ પાસેથી, મંત્રતંત્રની ગૂઢશક્તિઓના પ્રયોગ દ્વારા સહાય મેળવવાની ખેવના હતી. અને એ માટે દૈવજ્ઞો અને ભવિષ્યવેત્તાઓને રોકીને તેમની પાસે ‘ઑરેકલ બોન’, તારાની ગતિઓ અને સ્વપ્નો વગેરે પરથી ફળકથન કરાવવામાં રસ હતો. આવે વખતે દક્ષિણ ચીનમાં કૉન્ફ્યૂશિયસના બુદ્ધિવાદથી ધરાઈ ગયેલા અને અન્ય રોચક ધર્મની આકાંક્ષા સેવતા લોકોએ નવા ધર્મની ખોજ આરંભી. તેઓએ મહાત્મા લાઓત્ઝેની વિચારસરણી અપનાવી, જે ધીમે ધીમે ‘તાઓ ધર્મ’માં પરિણમી. મહાત્મા લાઓત્ઝે અને તેમના શિષ્ય ચુંગ-ઝેને મતે તો ‘તાઓ’ને અનુસરવું એ આ પૃથ્વી પર શાંતિ પ્રાપ્ત કરવાનો એકમાત્ર સરળ જીવનમાર્ગ હતો. તેઓએ ‘તાઓ’ને કદી અમરત્વ આપવાના બદલામાં ભેટસોગાદો અને બલિદાન લેનાર દેવતા તરીકે સ્વીકાર્યો નહોતો. પણ ઈ. સ.ની બીજી સદી પછી તાઓ ધર્મમાં સંજીવની-પેય નામે માદક દ્રવ્ય પ્રચલિત થયું. એને માટે એમ મનાયું કે આ પેય છેક લાઓત્ઝેના જમાનાથી પરંપરાગત રીતે પ્રયોજાતું આવે છે અને તે પીવાથી અમરત્વ પ્રાપ્ત થાય છે. આ માન્યતા એટલી તો લોકપ્રિય થઈ કે કેટલાક રાજાઓએ આ પવિત્ર પેયમાં ડૂબીને પોતાના પ્રાણ ખોયા. પાંચ થેલી ચોખાના બદલામાં મેળવેલ એક ચાંગળું પવિત્ર પેય પીવાથી બધાં દર્દો નાશ પામશે એવી આસ્થા પ્રવર્તતી. દેખીતી રીતે આવા માંત્રિક ઉપચારોની અસર થાય છે અને સારું થયું તો તેના પ્રભાવથી અને સારું ન થયું તો તેના પ્રત્યેની શ્રદ્ધાના અભાવને લઈને છે એવી માન્યતા થઈ. આવા ધર્મ પ્રત્યે લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં. મંદિરો બંધાયાં. લાઓત્ઝેને દેવતા બનાવાયા. તેમની આસપાસ તેમના જન્મ વગેરેને લગતી અનેક અલૌકિક કથાઓ પ્રચલિત થઈ. આ નવા ધર્મમાં અનેક નવા દેવો અને દૈત્યોની વિભાવના પણ ભળી. હજારેક વર્ષ સુધી લોકો તાઓ ધર્મને વળગી રહ્યા. કેટલાક રાજાઓ અને સમ્રાટોએ પણ તેનો સમાદર કર્યો. આ ધર્મના અનુયાયીઓને કૉન્ફ્યૂશિયસ ધર્મના અનુયાયીઓ સાથે સંઘર્ષ થતો રહ્યો. આ સ્પર્ધામાં ભારતથી આવેલ બૌદ્ધ ધર્મની મહાયાન શાખા પણ ભળી.

ચીની બૌદ્ધ ધર્મમાં સ્વર્ગના દેવતા તરીકે અમિતાભ અને કરુણાની દેવી તરીકે કુઅન-ઇન લોકપ્રિય બન્યાં. બીજા પણ 18 દેવતાઓ દુ:ખી માનવજાતને દુ:ખમાંથી છોડાવવા અને સદાય સહાય કરવા તત્પર રહે છે એવી માન્યતા ફેલાઈ. આર્ય બોધિ ધર્મે ભારતમાંથી ચીન આવી ‘ધ્યાન’ને આગળ કરતો એક સંપ્રદાય ઈ. સ.ની સાતમી સદીના પ્રારંભમાં પ્રચલિત કરેલો કે જે ઉત્તરકાળમાં ‘ચાન-શુ’(= ધ્યાન સંપ્રદાય)ને નામે વિકાસ પામ્યો. આ સંપ્રદાય પછી કોરિયા મારફતે જાપાનમાં પ્રસર્યો અને ત્યાં તે ‘જેન-શુ’ નામે પ્રસિદ્ધિ પામ્યો. ચીનમાં સમ્રાટોએ બૌદ્ધ ધર્મ પ્રત્યે કડકાઈ દાખવી. કેટલાક વિચારકોએ એમ કહીને આ ધર્મનો વિરોધ કર્યો કે ચીનનું બુદ્ધિધન બૌદ્ધ મઠોમાં વેડફાઈ રહ્યું છે. પણ અંતે લોકપ્રિય થયેલા બૌદ્ધ ધર્મને રાજ્ય તરફથી પણ માન્યતા મળી. બૌદ્ધ સાધુઓને ભિક્ષા લેવાની અને મંદિરો બાંધવાની પરવાનગી અપાઈ. તાઓવાદીઓએ આ નવા ધર્મને અપનાવ્યો જ્યારે કૉન્ફ્યૂશિયસ ધર્મ હવે અભિજાત ધર્મ તરીકે અમલદારો અને વિદ્વાનો પૂરતો સીમિત બન્યો. નવા ધર્મે અનેક પુરાણાં મંદિરોનો કબજો લીધો. નવાં બૌદ્ધ તીર્થસ્થાનો સ્થપાયાં. અનેક કલાઓને પ્રોત્સાહન અપાયું. ચીની સભ્યતાને ગૌરવ અપાવે એવા અનેક નવા ઉન્મેષ સર્જાયા. પણ તાઓ ધર્મની જેમ બૌદ્ધમાં તંત્રવાદ, વહેમો અને દેવોનાં પક્ષપાતી વલણોના વિકાસે એ ધર્મને પણ પતનને આરે આણ્યો. રાજકીય પીઠબળ ગુમાવવાની સાથે અને કૉન્ફ્યૂશિયસ ધર્મના ચુ-હ્સીની દોરવણી નીચે થયેલ ધર્મસુધારણાની ચળવળે ચીનમાં બૌદ્ધ ધર્મને ભારે ફટકો માર્યો.

સામાન્ય ચીની નાગરિક એકી વખતે કૉન્ફ્યૂશિયસ પણ છે અને તાઓ તેમ બૌદ્ધ પણ છે. એ પ્રાર્થના કરે છે તે સ્વર્ગનાં અલૌકિક સુખો માટે નહિ પણ આ લોકમાં લૌકિક લાભ-પ્રાપ્તિ અર્થે જ કરે છે. દેવતા તેની પ્રાર્થનાનો પ્રત્યુત્તર ન આપે તો તે દેવતા કે દેવમૂર્તિને તરછોડે છે. ચીનમાં એવી કહેવત છે કે કોઈ મૂર્તિ ઘડનાર શિલ્પી દેવતાઓની પૂજા કરતો નથી. તે જાણે છે કે તે દેવતાઓ કઈ વસ્તુમાંથી બન્યા છે અને આથી જ સામાન્ય ચીની નાગરિકે અગાઉના અન્ય ધર્મોની જેમ ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મને પણ ઉમળકાપૂર્વક અપનાવ્યા નથી. કેમ કે એમણે જે સ્વર્ગની વાત આગળ કરેલી તે આ પહેલાં બૌદ્ધો અને અન્યોએ પણ કરેલી પણ પોતાને જોઈતી આ લોકમાં જ સુખપ્રાપ્તિની ખાતરી એને કોઈ આપતું નહોતું.

પ્રવીણચંદ્ર પરીખ

ચીનની કલા

ચીનની કલાપરંપરા તેની સંસ્કૃતિના ઉદભવ જેટલી પ્રાચીન છે. ભારતની જેમ ચીનમાં પણ વિવિધ ધર્મોએ કલાને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર પ્રદાન કરેલું છે, જેમાં કૉન્ફ્યૂશિયસ, તાઓ અને બૌદ્ધ ધર્મ ઉલ્લેખનીય છે. દુનિયાના દરેક દેશની કલાના વિકાસમાં તેની ભૌગોલિક પરિસ્થિતિ અગત્યનો ભાગ ભજવતી હોય છે. ચીનની કલાના વિકાસમાં તેની ભૌગોલિક પરિસ્થિતિએ કલાકારોને પ્રેરણા અને પ્રોત્સાહન આપેલ છે. ઉત્તર ચીનની હવાંગહો નદીની આસપાસનો પ્રદેશ સુંદર, આહલાદક અને ફળદ્રૂપ છે એ પ્રમાણે દક્ષિણ ચીનનો ચાંગ નદીનો પ્રદેશ અત્યંત રમણીય અને ચિત્તાકર્ષક છે. ચીનની પ્રજા ઇતિહાસના ઉગમકાળથી પ્રકૃતિ પ્રત્યે આદર અને ભક્તિભાવ ધરાવે છે, જે તેમની કલામાં ભારોભાર વ્યક્ત થયેલો જોવા મળે છે. ચીનની કલાને મુખ્યત: પાંચ વિભાગમાં વહેંચી શકાય : (1) સ્થાપત્ય, (2) ચિત્ર, (3) શિલ્પ, (4) સુલેખન અને (5) સંગીત-નાટ્ય.

(1) સ્થાપત્ય : પ્રાચીન ચીનમાં સ્થાપત્યકીય પ્રકારો બે સ્વરૂપમાં જોવા મળે છે : (અ) ધાર્મિક અને (બ) નાગરિક. ધાર્મિક સ્થાપત્યમાં વિખ્યાત ચિંતક કૉન્ફ્યૂશિયસનાં દેવળો, બૌદ્ધ દેવળો અને પેગોડાઓનો સમાવેશ થાય છે. બેજિંગનું પેગોડા કલાત્મક છે. નાગરિક સ્થાપત્યમાં રહેઠાણ માટેનાં મકાનો, રાજમહેલો અને કોટ-કિલ્લાનો સમાવેશ થાય છે. પ્રાચીન ચીનમાં મોટી ઇમારતો બાંધવામાં આવતી ન હતી. શુંગ વંશ દરમિયાન સ્થાપત્યકલાનો ઘણો વિકાસ થયો હતો. રહેઠાણ માટેનાં મકાનો નાનાં પણ સુંદર અને કલાત્મક હોય છે. રાજમહેલમાં કુબલાઈખાનનો મહેલ ભવ્ય અને સુંદર ઐતિહાસિક ઇમારત છે. ચીનની દીવાલ ઐતિહાસિક અને દુનિયાની અજાયબીઓમાંની એક ગણાય છે.

(2) ચિત્રકલા : સાહિત્યિક પુરાવાઓના આધારે જાણી શકાય છે કે ચીનમાં ચિત્રકલાનો ઐતિહાસિક વિકાસ ઈસવી સન પૂર્વેના સૈકાઓમાં થયો હતો. ચિત્રો આલેખવાની કલા છેક પ્રાચીન કાળથી આજદિન સુધી જળવાઈ રહી છે. ચિત્રકલા ચીની પ્રજા માટે લેખનકલાની શાખા છે. પરંપરાગત માન્યતા એવી છે કે ચીનમાં ચિત્રકલાની સૌપ્રથમ શરૂઆત કરનાર લેઈ નામનાં સ્ત્રી કલાકાર હતાં. ચિત્રકલાની ઉત્પત્તિ અંગે પરંપરાગત માન્યતા એવી છે કે અર્દશ્ય અને અશ્રાવ્ય એવી દૈવી ચેતનામાંથી તેની ઉત્પત્તિ થઈ છે. ચીનના રાજવંશોના રાજવીઓએ ચિત્રકલાને રાજ્યાશ્રય આપીને પ્રોત્સાહન આપ્યું હતું. તાંગ અને શુંગ રાજવીના દરબારમાં ચિત્રકલા તેના વિકાસની ચરમ સીમાએ પહોંચી હતી. તેના દરબારમાં બસો પચાસ ઉપરાંત ચિત્રકારો સર્જનાત્મક પ્રવૃત્તિ કરતા હતા.

ચીનમાં ચિત્રકલા ભિત્તિચિત્રો, ચિત્રવીંટા અને વૈયક્તિક ચિત્રોમાં વિકસેલી જોવા મળે છે. ભારતીય ચિત્રકલાની જેમ ચીનની ચિત્રકલા પણ ધર્મ અને અધ્યાત્મના રંગે રંગાયેલી છે. કૉન્ફ્યૂશિયસ, તાઓ વિચારસરણી અને બૌદ્ધ ધર્મની અસર ચીની ચિત્રકલામાં જોઈ શકાય છે. તાઓ વિચારસરણી ધરાવનાર ચિત્રકારોએ તેની રચનાઓમાં ફૂલોની કોમળતા, માધુર્ય અને સૌંદર્યને વ્યક્ત કરેલ છે. ચીની ચિત્રકલામાં ચેરીનું ફૂલ વીરપુરુષના પ્રતીક તરીકે આલેખાયેલું જોવા મળે છે. ચિત્રકલામાં ડ્રૅગનનો પણ કલાત્મક પ્રતીક તરીકે સ્વીકાર કરવામાં આવેલો છે. ચીનની કલામાં વુડકટ ચિત્રો નોંધપાત્ર છે. ચીનના લોકો પ્રાચીન કાળમાં એવી માન્યતા ધરાવતા હતા કે ચિત્રકલાનું ધ્યેય લોકકલ્યાણ છે. ચિત્રકલા લોકોનું મંગલ કરનારી, ધારી અસર ઉપજાવનારી અને લોકોનાં નૈતિક ધોરણોને બલવત્તર કરનારી કલા છે.

(3) શિલ્પકલા : ચીનમાં શિલ્પનું નિર્માણ માટી, લાકડું, પથ્થર અને ધાતુમાં કરવામાં આવતું હતું. જીવનજરૂરિયાત માટે ચીની માટીનાં વાસણોમાં પણ અદભુત કલાકારીગરી જોવા મળે છે. ધાતુશિલ્પોમાં કાંસાનો ઉપયોગ છૂટથી કરવામાં આવતો હતો. ગૌતમ બુદ્ધની કલાત્મક ધાતુપ્રતિમાઓ ચીનનો મૂલ્યવાન વારસો છે. મહાયાન સંપ્રદાયમાં ચીની લામાઓની પ્રતિમાઓ માટીમાંથી અને ધાતુમાંથી તૈયાર કરવામાં આવતી હતી. નોંધપાત્ર બાબત એ છે કે ચીની શિલ્પોમાં દેવો અને દાનવોનું અવલોકન વિકૃત, બિહામણું અને ભયાનક કરવામાં આવેલું છે. પશુપંખીઓનાં મહોરાં પણ શિલ્પકલાનો ભાગ ગણાતો. વાંસ અને પંખીઓનાં પીંછાંમાંથી હવા ખાવા માટે કલાત્મક પંખાઓ તૈયાર કરવામાં આવતા હતા. વાંસની પટ્ટીઓ અને કાગળમાંથી બનાવેલા પંખાઓનું ચિત્રકામ કલાત્મક અને આકર્ષક હતું. શુંગ રાજવંશના અમલ દરમિયાન ચીનની શિલ્પકલા તેના વિકાસની ચરમ સીમાએ પહોંચી હતી.

(4) સુલેખન : સુલેખનકલાની બાબતમાં ચીનનું સ્થાન જગતની પ્રજાઓમાં આગળ પડતું છે. ચીની લિપિ એ ચિત્રલિપિ છે. એમ મનાય છે કે સુલેખન એ ચિત્રકલાનું નોંધપાત્ર અંગ છે. લેખનના કલાત્મક અને ચિત્રાત્મક મરોડ આકર્ષક હોય છે.

(5) સંગીતનાટ્ય : ચીનમાં સંગીતકલા સ્વતંત્રપણે વિકસેલી કલા ન હતી પરંતુ ધાર્મિક ક્રિયાકાંડ અને નાટ્ય સાથે વિકસેલી કલા હતી. પરંપરાગત માન્યતા પ્રમાણે તેની ઉત્પત્તિ માટેનું માન ફુ-સી(Fu Hsi)ને આપવામાં આવે છે. લિ કિ નામના કર્મકાંડના પુસ્તકમાં કૉન્ફ્યૂશિયસથી અગાઉ રચવામાં આવેલા સંગીતના ગ્રંથોનો ઉલ્લેખ છે. ચીનની સંગીત-પરંપરામાં octave – અષ્ટક સ્વરોનો સ્વીકાર કરવામાં આવેલો છે. સંગીતનાં વાદ્યોમાં તંતુવાદ્યો, ચર્મવાદ્યો, ફૂંક મારીને વગાડાતાં સુષિર વાદ્યો અને ઘનવાદ્યોનો પ્રચાર જોવા મળે છે. ચીનમાં અન્ય કલાઓની સરખામણીમાં નાટ્યકલા બહુ ઓછી વિકસેલી જણાય છે. ચીની પ્રજાએ નાટકનો સાહિત્ય કે કલા તરીકે સ્વીકાર કર્યો નથી. ચીનના ઇતિહાસમાં નાટ્યકારોનાં નામ બહુ ઓછાં જોવા મળે છે. નટો પ્રત્યે ચીનની પ્રજા બહુ ઊંચો અભિપ્રાય ધરાવતી નથી. ચાઉ રાજવંશના રાજવીઓના અમલ દરમિયાન ધાર્મિક નૃત્યો અને નાટકો ભજવવામાં આવતાં. મિંગ યુઆંગ (Ming Huang) નામના માણસે નાટકના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. નાટકો દ્વારા ઇતિહાસ, પરંપરા, ધર્મ અને કૉન્ફ્યૂશિયસની નૈતિકતાનો બોધ રજૂ કરવામાં આવતો હતો. ચીનમાં નાટ્યકલા બહુ લોકપ્રિય કલા બની શકી ન હતી.

ચીનુભાઈ નાયક