ચીતરી : તમાકુના છોડને લાગતો રોગ. રોપણી બાદ ઓતરા-ચીતરાના તાપ પડે છે ત્યારે આ રોગ જોવા મળે છે. આ વ્યાધિ ફૂગ Fusarium oxysporumથી થાય છે અને તેની સાથે જો કૃમિનો ઉપદ્રવ હોય તો આ રોગની તીવ્રતા વિશેષ જોવા મળે છે.

ખેતરમાં રોગની શરૂઆત થાય કે તુરત જ છોડનાં નીચેનાં પાન અથવા એક બાજુનાં પાન ચીમળાવા માંડે છે. ઉપદ્રવ વધે છે તેમ તેમ બધાં જ પાન ચીમળાઈ જઈ સુકાઈ જાય છે. છેવટે આવાં સુકાઈ ગયેલાં પાન છોડ સાથે વળગી રહે છે. આ રીતે છોડનો નાશ થાય છે. સુકાઈ ગયેલાં પાન પાતળાં તેમજ હલકી કક્ષાનાં હોવાથી ભૂકામાં ભેળવી શકાતાં નથી અને ગુણવત્તાની ર્દષ્ટિએ ગાળિયાં ગણાય છે. આવા રોગિષ્ઠ છોડને ઉપાડીને જોઈએ તો મૂળ કોહવાઈ ગયેલાં માલૂમ પડે છે અને મૂળની છાલ ખેંચતાં તે સહેલાઈથી નીકળી આવે છે. આ રોગથી છોડ પાકટ થતાં પહેલાં જ આખો સુકાઈ જવાથી તમાકુમાં આર્થિક ર્દષ્ટિએ ઘણું જ નુકસાન થાય છે. આ રોગથી ખેતરમાં કૂંડીઓ પડી જાય છે. કેટલીક વખત રોગની તીવ્રતા વધુ હોવાના કારણે આખું ખેતર પણ સાફ થઈ જાય છે.

જમીનના ભેજની કમી તથા ઊંચા તાપમાનવાળા વાતાવરણમાં રોગનું પ્રસરણ ખૂબ ઝડપી બને છે.

રોગને કાબૂમાં લેવા માટેનાં પગલાં : (1) રોગિષ્ઠ છોડને ખોદી કાઢી નાશ કરવો. (2) ઓતરા-ચીતરા વખતે જમીનનું તાપમાન ઘટાડી શકાય તો રોગનું પ્રમાણ કાબૂમાં રાખી શકાય છે. તે સમય દરમિયાન તમાકુને આછાં એકાદ-બે પાણી આપીએ તો રોગ આગળ વધતો નથી. (3) કૃમિનો ઉપદ્રવ વધુ હોય તેવા ખેતરમાં કૃમિનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો ચીતરીનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ