ચીન-જાપાન યુદ્ધ

January, 2012

ચીન-જાપાન યુદ્ધ : ચીન અને જાપાન વચ્ચે થયેલાં બે યુદ્ધો : (1) 1894–95 (2) 1937.

(1) ચીનજાપાન યુદ્ધ (189495) : ઈ. સ. 1853માં જાપાનમાં અમેરિકાના નૌકાદળના અમલદાર કોમોડોર પેરીના આગમન સાથે જાપાનનાં બંધ દ્વાર પાશ્ચાત્ય રાષ્ટ્રોના વેપાર માટે ખુલ્લાં મુકાયાં અને સાથે જ જાણે કે તેની પ્રગતિનાં દ્વાર પણ ખૂલ્યાં. તેમાં વળી ઈ. સ. 1868માં બાળરાજવી મુત્સુહિતો મેઇજી નામ ધારણ કરીને ગાદીએ બેઠો. તેણે પોતાના દેશનાં દ્વાર પશ્ચિમી વિચારો માટે પણ ખુલ્લાં મૂક્યાં અને પાશ્ચાત્ય રાષ્ટ્રોનું અનુકરણ કરી વિવિધ ક્ષેત્રે સુધારાઓ કરી પ્રગતિ સાધીને જાપાનનું આધુનિકીકરણ કરવા પ્રયાસ કર્યો. પાશ્ચાત્ય રાષ્ટ્રોની બીજી બાબતોની સાથે તેના સામ્રાજ્ય-વિકાસના કાર્યનું પણ તેણે ગંભીરતાથી અનુકરણ કર્યું. સૌપ્રથમ તેણે શક્ય હોય તો શાંતિથી કે સમાધાન કરી પ્રદેશ મેળવવાની નીતિ અપનાવી અને પછીથી થોડું શક્તિશાળી બન્યા પછી યુદ્ધ કે ધમકીની નીતિ દ્વારા રાજ્યવિસ્તાર કર્યો.

સૌપ્રથમ ઈ. સ. 1874માં જાપાને ચીનને ધમકી આપીને તેની પાસેથી જાપાનની દક્ષિણે આવેલા રિયુક્યુ ટાપુ મેળવ્યા હતા. ત્યારપછી જાપાને ઈ. સ. 1875માં રશિયા સાથે સંધિ કરી. તેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સખાલિન ટાપુ ઉપર રશિયાનો અને ક્યુરાઇલ ટાપુ ઉપર જાપાનનો અધિકાર માન્ય રાખવો. આમ, તેણે ક્યુરાઇલ ટાપુ મેળવ્યા. ઈ. સ. 1878માં ફરી જાપાને પૅસિફિક મહાસાગરમાં આવેલા બોનિન ટાપુઓ મેળવ્યા. આમ, ઈ. સ. 1874થી 1894 સુધીના 20 વર્ષના ગાળામાં જાપાને આ ત્રણ પ્રદેશ શાંતિપૂર્વક મેળવ્યા. તેમાં કાંઈ વિશેષ અડચણ ન આવતાં તેને વિસ્તારવાદી બનવાનું પ્રોત્સાહન મળ્યું.

ચીન-જાપાન યુદ્ધ

જાપાનને પોતાની પાડોશમાં જ આવેલા સમૃદ્ધ પણ નિર્બળ એવા ચીનમાં પોતાના સામ્રાજ્યનો વિકાસ કરવાની તક દેખાઈ. વળી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અનેક પાશ્ચાત્ય રાષ્ટ્રોએ પણ ચીનની નિર્બળતાનો લાભ લઈ ત્યાં પોતાનાં પ્રભાવક્ષેત્રો સ્થાપ્યાં હતાં. કોરિયા ચીનની સર્વોપરિ સત્તા ઔપચારિક રીતે માન્ય રાખતું હતું; પરંતુ ચીને તેની સાથે વ્યવસ્થિત અને કાયમી રાજકીય સંબંધો વિકસાવ્યા ન હતા. કોરિયાનું ભૌગોલિક અને લશ્કરી ર્દષ્ટિએ ઘણું જ મહત્વનું સ્થાન છે. કોરિયા જાપાનની બિલકુલ સામે આવેલો પ્રદેશ છે. તે પ્રદેશમાં પાશ્ચાત્ય રાષ્ટ્રો – વિશેષ કરીને રશિયા – પણ પોતાનો પ્રભાવ વિસ્તારવા માગતાં હતાં. તેથી કોરિયામાં ચીન, જાપાન અને રશિયાનાં હિતો ટકરાતાં હતાં. જાપાન તો કોરિયામાં રશિયા જેવા કોઈ રાજ્યની સત્તાસ્થાપનાને ‘‘જાપાનની છાતી ઉપર તાકેલા ખંજર’’ સમાન ગણાવતું હતું. રશિયાએ કોરિયાના લશ્કરની પુન:વ્યવસ્થા માટે પોતાના લશ્કરી અમલદારો મોકલ્યા હતા. તેની આ મદદના બદલામાં કોરિયાએ તેને લજરફ નામનું બંદર આપ્યું હતું. આમ, રશિયા જેવા શક્તિશાળી અને હરીફ રાજ્યની સત્તાનો કોરિયામાં વિકાસ થાય તેને જાપાન શંકા, ભય અને ચિંતાની નજરે નિહાળતું હતું, કારણ કે જાપાન પોતે જ કોરિયાને પોતાના પ્રભાવ હેઠળ લાવવા ઉત્સુક હતું.

મેઇજી શાસન દરમિયાન જાપાને આર્થિક પ્રગતિના ક્ષેત્રે હરણફાળ ભરી હતી. ઔદ્યોગિક ઉત્પાદનના ઝડપી વિકાસને કારણે જાપાન માટે કાચો માલ મેળવવા અને પાકો માલ વેચવા માટેના બજારની જરૂરિયાત ઊભી થઈ હતી. તે બંને પ્રશ્નોનો ઉકેલ કોરિયાનો કબજો કરવાથી આવી શકે. વળી જાપાને પોતાના લશ્કરનું પણ આધુનિકીકરણ કર્યું હતું અને હવે તે યુદ્ધ દ્વારા તેની શક્તિની કસોટી કરવા તત્પર હતું.

કોરિયામાં મંચુ વંશના નિર્બળ રાજાઓનું શાસન હતું. રાજ્યમાં અવ્યવસ્થા, અંધેર અને પક્ષાપક્ષી હતાં. વળી કોરિયામાં પાશ્ચાત્ય સંપર્ક પછી બે જૂથો ઊભાં થયાં હતાં. એક જૂથ પશ્ચિમીકરણ કરીને કોરિયામાં સુધારા કરવામાં માનતું હતું. તે મદદ અને માર્ગદર્શન માટે જાપાન તરફ નજર દોડાવતું હતું. બીજું જૂથ રૂઢિચુસ્તોનું હતું જે ‘તોંગ-હાક’ તરીકે જાણીતું હતું. તે સુધારા અને પશ્ચિમીકરણનું વિરોધી હતું. તે ચીનની મદદની અપેક્ષા રાખતું હતું. કોરિયાનો રાજા સુધારાતરફી હતો; પરંતુ તેના વિરોધમાં તોંગ–હાક દળે બળવો કરતાં કોરિયાએ ચીનની મદદ માગી. પ્રગતિશીલ દળે જાપાનની મદદ માગી. પરિણામે ચીન અને જાપાન બંનેનાં લશ્કરો કોરિયામાં આવ્યાં. બંને લશ્કરો આવ્યાં પહેલાં જ બળવો શાંત થઈ ગયો હતો; પરંતુ ચીન અને જાપાન પોતાનાં લશ્કરો પાછાં ખેંચવા તૈયાર ન હતાં. પરિણામે 1894માં ચીન અને જાપાન વચ્ચે વિગ્રહ થયો.

જાપાનનું લશ્કર આધુનિક ઢબે તાલીમ પામેલું તથા આધુનિક શસ્ત્રોથી સજ્જ હતું, જ્યારે ચીનનું લશ્કર વિશાળ હતું; પરંતુ અવ્યવસ્થિત અને નિર્બળ હતું. તેથી જાપાને ઝડપથી તેને પરાજિત કર્યું. જાપાનના લશ્કરે કોરિયા કબજે કરી મંચુરિયામાં પણ ચીનને હરાવ્યું અને પૉર્ટ આર્થર તથા વી-હાઈ-વેઈ નૌકામથક પણ કબજે કર્યાં. બેજિંગ તરફનો તેનો માર્ગ મોકળો થયો. ચીને નમતું જોખી ઈ. સ. 1895માં જાપાન સાથે શિમોનોસેકીની સંધિ કરી. તેના દ્વારા કોરિયાને સ્વતંત્ર રાજ્ય તરીકે માન્ય કરવામાં આવ્યું. ચીને લિયાઓટુંગનો પ્રદેશ, ફૉર્મોસા તથા પેસ્કાડોરસ ટાપુઓ જાપાનને આપ્યા. યુદ્ધદંડની રકમ ચીન ભરપાઈ ન કરે ત્યાં સુધી વી-હાઈ-વેઈ જાપાનના કબજા હેઠળ રાખવાનું તથા ચાર નવાં બંદરો જાપાનના વેપાર માટે ખુલ્લાં મૂકવાનું પણ ચીને સ્વીકાર્યું. જોકે લિયાઓટુંગ પ્રદેશ જાપાનને આપવા અંગે રશિયાએ સખત વિરોધ નોંધાવતાં તથા ફ્રાંસ અને જર્મનીના દબાણને કારણે જાપાને એ પ્રદેશ ઉપરથી પોતાનો અધિકાર જતો કરવો પડ્યો હતો. આમ, ચીન-જાપાન વિગ્રહના પરિણામે જાપાને પ્રદેશ, પૈસા અને પ્રતિષ્ઠા ત્રણે મેળવ્યાં અને ચીને તે ગુમાવ્યાં હતાં

(2) ચીનજાપાન યુદ્ધ (1937) : જાપાન ચીનના વધુ ને વધુ પ્રદેશો પોતાના પ્રભાવ હેઠળ લાવવા માગતું હતું અને બીજી બાજુ 1937માં કોમિંન્ટોંગ તથા સામ્યવાદી દળ સંયુક્ત મોરચો રચીને જાપાનને ચીનમાંથી હાંકી કાઢવા તત્પર બન્યાં હતાં. તેથી બંને વચ્ચે યુદ્ધ અનિવાર્ય બન્યું. તે દરમિયાન હૅન્કોમાં જાપાનના પોલીસની હત્યા થઈ. સ્વેતો નગરમાં જાપાનના એક રેસ્ટોરાંમાં ચીનનો બૉમ્બ મળી આવ્યો અને બેજિંગ પાસે ફેંગતાઈમાં એક જાપાની અધિકારી પર હુમલો થયો. 7 જુલાઈ, 1937ના રોજ બેજિંગ નજીકના ગામમાં ચીન અને જાપાનનાં સૈન્યો વચ્ચે સામસામા ગોળીબાર થયા. ત્યારે બૉક્સર પ્રોટોકૉલ પ્રમાણે જાપાનનું સૈન્ય ઉત્તર ચીનમાં હતું. બંને દેશો વચ્ચે સમજૂતીની મંત્રણા નિષ્ફળ જતાં ચીન-જાપાન વિગ્રહ શરૂ થયો.

જાપાને ચીનના વિવિધ પ્રદેશોમાં તેનાં સૈન્યો લાવી; પૂર્વ અને ઉત્તર અને દક્ષિણ ચીનમાં તેનો પ્રભાવ સ્થાપ્યો. ડિસેમ્બર 1937માં જાપાની સૈન્યે નાનકિંગ જીતી ઑક્ટોબર 1938 સુધીમાં હૅન્કો તથા કૅન્ટૉન કબજે કર્યાં. તેથી ચ્યાંગ કાઈ-શેકે તેની સરકાર પશ્ચિમ ચીનના શેચ્વાન પ્રાન્તમાં ખસેડીને ચુંગકિંગને પાટનગર બનાવ્યું. નાનકિંગ શહેરમાં જાપાની સૈન્યે લૂંટ કરી અને લોકો પર ત્રાસ ગુજાર્યો. ચીનના કેટલાક નેતાઓએ જાપાન સાથે સુલેહ કરવાનું વિચાર્યું. ચ્યાંગ કાઈ-શેક યુદ્ધ ચાલુ રાખવામાં માનતા હતા. વાંગ ચિંગ વેઈ જાપાન સાથે સંધિ કરવામાં માનતા હતા. જાપાને જાહેર કર્યું કે તે ચીનમાં જીતેલા પ્રદેશોમાં અલગ સરકાર રચશે. કોમિંન્ટોંગ સરકારની ગુલામીમાંથી દેશને સ્વતંત્ર કરી, તેની ઉન્નતિ કરશે. જાપાન સાથે મૈત્રીભર્યા સંબંધો રાખવાથી ચીનમાં કાયમી શાંતિ સ્થપાશે. આ જાહેરાતથી ખુશ થઈ વાંગ ચિંગ વેઈએ નાનકિંગમાં અલગ નવી ચીનની સરકાર સ્થાપી. આમ, હૅન્કોના પતન બાદ ચીનના બે વિભાગો પડ્યા અને તે બેની અલગ સરકારો અસ્તિત્વમાં આવી.

શશિકાન્ત વિશ્વનાથ જાની

જયકુમાર ર. શુક્લ