એશિયા

દુનિયાના સાત ખંડો પૈકી સૌથી મોટો ખંડ. પૂર્વ ગોળાર્ધના ઉત્તર ભાગમાં 100 દ. અ.થી 800 ઉ. અ. અને 250 પૂ. રે.થી 1750 પૂ. રે. વચ્ચે આવેલો છે. પૃથ્વીના કુલ વિસ્તારના 11થી 12 ટકા અને કુલ સૂકી જમીનના 1/3 ભાગને તે આવરી લે છે. તેનું ક્ષેત્રફળ 4,46,14,399 ચોકિમી. છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 8,700 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 8,530 કિમી. છે. તેનો મધ્ય ભાગ સમુદ્રથી 3,200 કિમી. દૂર છે. ગ્રીક ભૂગોળવેત્તાઓએ પોતાની ભૂમિને સૂર્યની ઉગમણી દિશા તરફ અડીને આવેલા પૂર્વ વિસ્તારના દેશોને ‘આસુ’ નામ આપેલું. આ શબ્દ ઉપરથી એશિયા નામ પડ્યું હોવાનો સંભવ છે. વાસ્તવમાં વિશ્વનો આ સૌથી મોટો ખંડ યુરેશિયા (Eurasia) તરીકે ઓળખાતા વિસ્તારનો હિસ્સો છે.

એશિયાની ઉત્તરે આર્ક્ટિક (Arctic) મહાસાગર, દક્ષિણે હિન્દી મહાસાગર અને પૂર્વે પૅસિફિક મહાસાગર છે. એશિયા અને અલાસ્કા વચ્ચે આવેલી બેરિંગની સાંકડી સામુદ્રધુની એશિયાને અમેરિકા ખંડથી જુદો પાડે છે. યુરલ પર્વત, કાસ્પિયન સમુદ્ર અને કાળો સમુદ્ર એશિયા અને યુરોપ ખંડોને અલગ પાડે છે. એજિયન સમુદ્ર, માર્મરાનો અખાત અને કાળો સમુદ્ર નૈર્ઋત્ય એશિયા અને યુરોપનું વિભાજન કરે છે. રાતો સમુદ્ર અને સુએઝની નહેર આફ્રિકા અને એશિયાને અલગ કરે છે. એશિયા ખંડના પૂર્વ ભાગમાં કામચાટકા દ્વીપકલ્પ, કુરાઇલ દ્વીપો, સખાલીન ટાપુઓ, જાપાન, રયુક્યુ ટાપુઓ, કોરિયા, ચીન, તાઇવાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, વિયેટનામ, કંબોડિયા, થાઇલૅન્ડ અને મલયેશિયા પૅસિફિક સમુદ્રના કિનારે આવેલા છે. હિંદી મહાસાગરના કિનારે મલયેશિયા, મ્યાનમાર, આંદામાન-નિકોબાર ટાપુઓ, બાંગ્લાદેશ, ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, માલદીવ અને લક્ષદ્વીપ ટાપુઓ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્ર ઉપર આવેલા છે. ઈરાની અખાત અને રાતા સમુદ્ર ઉપર ઈરાન, ઇરાક, કુવૈત, કતાર, બહેરીન, ઓમાન, સાઉદી અરેબિયા, જૉર્ડન, સંયુક્ત આરબ અમીરાત અને બંને યેમેન આવેલા છે. ભૂમધ્ય સમુદ્રને કાંઠે તુર્કસ્તાન, સીરિયા, લેબેનોન અને ઇઝરાયલ આવેલા છે. કાળા સમુદ્રને કાંઠે આઝરબૈજાન વગેરે એશિયાઈ-રશિયાના પ્રજાસત્તાકો આવેલાં છે. ઈરાન અને રશિયન એશિયાઈ વિસ્તાર વચ્ચે કાસ્પિયન સમુદ્ર આવેલો છે.

સમુદ્રકિનારો : એશિયાના સમુદ્રકિનારાની લંબાઈ 94,280 કિમી. છે. આ કિનારો ખંડના પ્રમાણમાં ખાંચાખૂંચીને અભાવે લંબાઈમાં ઘણો ઓછો છે. આ કિનારો તૂટક નથી અને કિનારા નજીક હૉંગકૉંગ, હૈનાન, સિંગાપોર, મુંબઈ વગેરે સિવાય દ્વીપો નથી એટલે એશિયાના પૂર્વ કિનારા સિવાય અન્યત્ર કુદરતી બંદરો ઘણાં થોડાં છે. યોકોહામા, ઓસાકા, હૉંગકૉંગ, સિંગાપોર, મુંબઈ અને કરાંચી કુદરતી બંદરો છે. શાંગહાઈ, કૅન્ટૉન, સાઇગોન, બગકોક, રંગૂન (હવે યાન્ગોન), કૉલકાતા, બસરા વગેરે નદીના મુખ ઉપરનાં કે નદીના અંદરના ભાગમાં આવેલાં બંદરો છે. ઉત્તરધ્રુવ સમુદ્ર બરફથી મુક્ત નથી અને થીજી જતો હોવાથી આ કિનારો વહાણવટા માટે બિનઉપયોગી છે.

ભૂપૃષ્ઠ : એશિયા અતિ વિશાળ ખંડ હોવાથી એના ભૂપૃષ્ઠમાં ઘણી વિવિધતા જોવા મળે છે. એના કેટલાક ભાગોમાં ઊંચા પર્વતો અને વિશાળ ઉચ્ચપ્રદેશો આવેલા છે, જ્યારે કેટલાક ભાગોમાં નદીઓનાં ફળદ્રૂપ મેદાનો છે. વળી તેના કર્કવૃત્ત નજીકના મધ્ય અને પશ્ચિમ ભાગમાં રણ આવેલાં છે. ભૂપૃષ્ઠ પ્રમાણે એશિયા ખંડના મુખ્ય ચાર વિભાગ પાડી શકાય :

(1) ઉત્તરનું મેદાન : તે પશ્ચિમમાં યુરલ પર્વતથી શરૂ થઈને છેક યેનેસી નદીના કિનારા સુધી પથરાયેલું છે. પૂર્વ તરફ જતાં આ મેદાન વધારે પહોળું બને છે. યુરલ પર્વતની પશ્ચિમે તે યુરોપના મેદાન સાથે જોડાઈ જાય છે. આ મેદાનનો ઘણોખરો ભાગ રશિયાઈ સાઇબીરિયાના પ્રદેશમાં આવેલો હોવાથી તે સાઇબીરિયાના મેદાન તરીકે પણ ઓળખાય છે. આ મેદાનમાં દક્ષિણથી ઉત્તર તરફ વહેતી ઓબ, યેનેસી અને લીના નદીઓ છે. પૂર્વ ભાગને બાદ કરતાં આખું મેદાન સપાટ ને ફળદ્રૂપ છે. એશિયા ખંડનો 25 % વિસ્તાર મેદાનો દ્વારા આવરી લેવાયો છે. સાઇબીરિયા ઉપરાંત તુરાન, મેસોપોટેમિયા અને ગંગા-સિંધુના મેદાનનો તેમાં સમાવેશ થાય છે.

(2) મધ્યનો પહાડી પ્રદેશ : એશિયા ખંડના મધ્ય ભાગમાં અને ઉત્તરના મેદાનની દક્ષિણે ઉચ્ચ પ્રદેશો અને ઊંચા પર્વતોની હારમાળા આવેલી છે. આ પહાડી પ્રદેશ એશિયા ખંડની લગભગ પાંચમા ભાગની ભૂમિ રોકે છે. એશિયાના મધ્ય ભાગમાં પામીરનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ‘પામીરની ગાંઠ’ની દક્ષિણે એક છેડે હિંદુકુશ અને

એશિયા

સુલેમાન પર્વતો છે; બીજા છેડે કારાકોરમ અને હિમાલયની ગિરિમાળાઓ છે. હિંદુકુશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલો છે. તેની એક શાખા ઈરાનની ઉત્તરે થઈને એશિયાના એક પશ્ચિમ છેડા સુધી પહોંચે છે. કારાકોરમ કાશ્મીર, રશિયાઈ એશિયા અને ચીનની ઉત્તર-પશ્ચિમ સરહદે આવેલો છે. હિમાલયની ગિરિમાળા પૂર્વ-પશ્ચિમ આવેલી છે. તેનાં એવરેસ્ટ, કાંચનજંઘા, નંદાદેવી જેવાં શિખરો 7,200 મી.થી ઊંચાં છે. દુનિયાનાં આવાં 94 શિખરો પૈકી 92 શિખરો એશિયામાં છે. હિમાલયની એક શાખા પૂર્વ છેડેથી દક્ષિણ તરફ ફંટાય છે અને મ્યાનમારની પશ્ચિમ સરહદે થઈને છેક ઇન્ડોનેશિયા સુધી પહોંચે છે. મ્યાનમારમાં આરાકાનયોમા અને પેગુયોમા પર્વતો આવેલા છે. પામીરની પૂર્વ તરફ તિયેનશાન, કુનલુન, અલ્તિનતાઘ અને નાનશાનની ગિરિમાળાઓ છે; જ્યારે ઉત્તર ભાગમાં આલ્તાઈ અને બીજી કેટલીક ગિરિમાળાઓ છે. આ ગિરિમાળાને કારણે ઉત્તર અને દક્ષિણ એશિયા એવા બે ભાગ પડી જાય છે.

(3) ઉચ્ચ પ્રદેશો : એશિયાના મધ્ય અને પૂર્વ ભાગમાં પામીર, તિબેટ અને તારીમના ઉચ્ચ પ્રદેશો આવેલા છે. તિબેટ દુનિયામાં સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ છે. તેની સરાસરી ઊંચાઈ 4,000 મીટરથી વધુ છે. દુનિયામાં માનવ-વસવાટવાળો આ સૌથી ઊંચો પ્રદેશ છે. તે વર્ષાછાયામાં આવેલો હોવાથી અને સમુદ્રથી ખૂબ દૂર અને ઊંચા પર્વતોથી ઘેરાયેલો હોવાથી તેની આબોહવા વિષમ છે. શિયાળો અને ઉનાળો બંને સખત છે. વરસાદ જૂજ પડે છે અને વસ્તી સાવ પાંખી છે. એશિયાના પશ્ચિમ ભાગમાં ઈરાન, સાઉદી અરેબિયા અને આનાતોલિયાના ઉચ્ચ પ્રદેશો આવેલા છે. આ ઉચ્ચ પ્રદેશો પૈકી પ્રથમ બે ઉચ્ચ પ્રદેશો મોટાભાગે ઓછા વરસાદવાળા છે. આ ભાગમાં કોઈ નદી નથી.

વિશ્વમાં સૌથી ઉત્તુંગ શિખર માઉન્ટ એવરેસ્ટ ધરાવતા હિમાલયની ગિરિમાળા

એશિયાના દક્ષિણ ભાગમાં દક્ષિણ ભારત અને હિંદી ચીનના ઉચ્ચ પ્રદેશો આવેલા છે. આ એશિયા ખંડનો અતિ પ્રાચીન ભાગ છે. આ ઉચ્ચ પ્રદેશ કઠણ સ્ફટિકમય ખડકોના બનેલા છે. ઉચ્ચ પ્રદેશની લાવાની કાળી જમીન ફળદ્રૂપ અને ભેજ ટકાવે તેવી છે. આ ખડકોમાંથી લોખંડ, સીસું, કલાઈ, ચાંદી, સોનું, મૅંગેનીઝ વગેરે ખનિજો મળે છે. હિંદી ચીનનો અને ભારતનો પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ ગીચ જંગલોથી છવાયેલો છે.

(4) રણપ્રદેશ : ઉચ્ચ પ્રદેશના કર્કવૃત્ત ઉપરના પશ્ચિમ ભાગમાં અરબસ્તાન, થર, તકલામકાન અને ગોબીનાં રણો આવેલાં છે.

નદીકિનારાનાં સપાટ મેદાનો : એશિયા ખંડના પૂર્વ તથા દક્ષિણ ભાગમાં નદીઓનાં સપાટ મેદાનો આવ્યાં છે. તેમાં યુફ્રેટીસ અને ટાઇગ્રિસનું મેદાન, પાકિસ્તાનનું સિંધનું, ભારતનું ગંગા-બ્રહ્મપુત્રાનું, બ્રહ્મદેશનું ઇરાવદીનું, થાઇલૅન્ડનું મેકોંગનું અને ચીનનું યાંગત્સેક્યાંગ અને હુવાંગહોનું મેદાન મુખ્ય છે.

આ મેદાનો નદીના કાંપનાં બનેલાં હોવાથી ખૂબ રસાળ છે અને માનવ-વસવાટ માટે અનુકૂળ છે. પ્રાચીન કાળમાં અહીં સુમેરિયન અને એસેરિયન સંસ્કૃતિ, મોહેં-જો-દડો અને હડપ્પાની સંસ્કૃતિ, સપ્ત સિંધુ અને ગંગાની ખીણની સંસ્કૃતિ તથા ચીની સંસ્કૃતિ ઈસુનાં હજારો વર્ષ પૂર્વે પાંગરી હતી. સાહિત્ય, કલા અને વિજ્ઞાનના ક્ષેત્રે આ સંસ્કૃતિઓએ કેટલાંક ઉચ્ચ શિખરો સર કરેલાં હતાં. માનવ-સંસ્કૃતિના વિકાસમાં આ સંસ્કૃતિનો ફાળો મહત્વનો છે.

નદીઓ : દુનિયાની અગિયાર મોટી નદીઓ પૈકી સાત નદીઓ એશિયા ખંડમાં આવેલી છે. ઓબ, યેનેસી, લીના, આમુર, યાંગત્સેક્યાંગ, હુવાંગહો અને મેકોંગ. મધ્યના પહાડી પ્રદેશમાંથી નીકળી પૅસિફિક મહાસાગરને મળે છે. આમુર નદી રશિયાની સરહદે વહી પૅસિફિકમાં પડે છે. તે ચારેક માસ ઠરી જાય છે. હુવાંગહો ચીનની ‘દિલગીરી’ તરીકે જાણીતી હતી. ખૂબ કાંપ ઘસડાઈ આવતાં પાણીની ઊંડાઈ ઘટે છે ને કિનારાના પાળા તોડી અવારનવાર ખેતરોમાં ફરી વળે છે. જાનમાલ અને પાકને ઘણું નુકસાન કરે છે. યાંગત્સેક્યાંગ મધ્ય ચીનમાં અને સિક્યાંગ દક્ષિણ ચીનમાં આવેલી છે. તેનાં મેદાનો ખૂબ ફળદ્રૂપ છે. આ નદીઓ સિંચાઈ અને જળમાર્ગ તરીકે ઉપયોગી છે. ચીનના કેટલાક લોકો કાયમ નદીમાં નૌકાગૃહો-હાઉસબોટમાં રહે છે. મેકોંગ થાઇલૅન્ડ અને હિંદી ચીનની મુખ્ય નદી છે. સિંચાઈ અને વહાણવટા માટે તે ઉપયોગી છે.

હિંદી અને અરબી સમુદ્રને મળતી નદીઓ પૈકી ઇરાવદી, બ્રહ્મપુત્ર, ગંગા, યમુના, સિંધુ, યુફ્રેટીસ અને ટાઇગ્રિસ મહત્વની છે. ઇરાવદી મ્યાનમારમાં ઉત્તર-દક્ષિણ વહે છે. તેની ખીણ ચોખાનો ભંડાર ગણાય છે. મ્યાનમારની મોટાભાગની વસ્તી ઇરાવદીની ખીણમાં વસે છે. બ્રહ્મપુત્ર, ગંગા અને સિંધુ હિમાલયમાંથી નીકળીને બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા પૂર તથા પ્રવાહના ફેરફારને કારણે ક્યારેક વિનાશ વેરે છે. સિંધુ અને ગંગા ઉપર અનેક બંધો આવેલા છે. સક્કર બેરેજ, સિંધુ ઉપરનો બંધ છે. તેનાથી સિંધ અને પંજાબમાં બારેમાસ ખેતી થઈ શકે છે. સિંધુને મળતી ઝેલમ અને ચિનાબ ઉપર પણ બંધો બાંધી સિંચાઈની સગવડ વધારાઈ છે. ગંગાને મળતી યમુના, ગંડક, ગોગ્રા, બેટવા, ચંબલ, શોણ વગેરે નદીઓ સિંચાઈ માટે ખૂબ ઉપયોગી છે. યુફ્રેટીસ અને ટાઇગ્રિસ ભેગી થતાં શત્-અલ-અરબ તરીકે ઓળખાય છે. ઇરાકની સમૃદ્ધિનો આધાર આ નદીઓ ઉપર છે. તે ઈરાની અખાતમાં પડે છે. ઇરાકની પ્રાચીન સંસ્કૃતિ અહીં પાંગરી હતી.

અંત:સ્થ નદીઓ : આમુદરિયા અને સિરદરિયા નદીઓ અરલ સમુદ્રને મળે છે. શિયાળામાં તે ઠરી જાય છે. ઉનાળામાં પૂર આવતાં ખેતી માટે સિંચાઈની સગવડ મળે છે. ભારતમાં સરસ્વતી, બનાસ, લૂણી આ પ્રકારની નદીઓ છે, જે છેવટે કચ્છના રણમાં સમાઈ જાય છે.

સરોવરો : ઇઝરાયલ અને જૉર્ડન વચ્ચે મૃત સરોવર આવેલું છે. તેનું પાણી દુનિયામાં સૌથી વધુ ખારું છે. સામાન્ય પાણી કરતાં તે પચ્ચીસગણું ખારું છે અને પાણીની ઘનતાને કારણે તેમાં માણસ ડૂબતો નથી. રશિયન સાઇબીરિયા પ્રદેશમાં અરલ અને બાલ્ખશ તથા ભારતમાં ચિલ્કા, પુલિકટ, નળ અને સાંભર ખારા પાણીનાં સરોવરો છે. મીઠા પાણીનું સૌથી મોટું સરોવર સાઇબીરિયાના દક્ષિણ ભાગમાં આવેલું બૈકલ સરોવર છે. ભારતમાં કાશ્મીરમાં આવેલાં વુલર અને દાલ તથા માનસબલ સરોવર મીઠા પાણીનાં છે. ભારતમાં મહારાષ્ટ્ર ખાતે આવેલું લોનાર સરોવર જ્વાળામુખ પ્રકારનું સરોવર છે. કમ્પુચિયામાં તોનલેસેપ અને ચીનમાં ટોંગકિંગ મીઠા પાણીનાં સરોવરો છે.

આબોહવા : એશિયા ખંડ 100 દ. અ.થી 800 ઉ. અ. વચ્ચે આવેલો છે. વિષુવવૃત્ત તેના દક્ષિણ ભાગ પાસેથી, કર્કવૃત્ત લગભગ તેના દક્ષિણ ભાગના મધ્યમાંથી અને ઉ. ધ્રુવવૃત્ત તેના ઉત્તર ભાગ પાસેથી પસાર થાય છે. આમ ઉષ્ણ, સમશીતોષ્ણ અને શીત ત્રણેય કટિબંધોમાં આ ખંડ વિસ્તરેલો છે.

વિષુવવૃત્ત નજીકના ઇન્ડોનેશિયા, મલયેશિયા, લંકા વગેરે પ્રદેશોમાં બારેમાસ સૂર્યનાં કિરણો સીધાં પડે છે તેથી આ પ્રદેશોનું તાપમાન બારેમાસ એકધારું ઊંચું રહે છે અને શિયાળા અને ઉનાળાનાં તાપમાનમાં થોડોક જ તફાવત રહે છે; દા. ત., સિંગાપોરનું ઉનાળાનું તાપમાન 270 સે. અને શિયાળાનું તાપમાન 25.50 સે. છે. આમ અહીં શિયાળા જેવી ઋતુ અનુભવાતી નથી. વરસાદ પણ બારેમાસ પડે છે. તેનાથી ઊલટું, કર્કવૃત્તથી ઉત્તરે સૂર્યનાં કિરણો બારેમાસ ત્રાંસાં પડે છે. તેથી આ ભાગમાં ઉનાળાનું તાપમાન ઓછું રહે છે અને શિયાળામાં ઠારબિંદુથી પણ નીચે જાય છે. સાઇબીરિયાના ઇર્કુટ્સ્કમાં ઉનાળાનું તાપમાન આશરે 180 સે. હોય છે, જ્યારે શિયાળામાં તે -200 સે. જેટલું નીચું હોય છે. આ જ ભાગના વર્ખોયાન્સ્કમાં શિયાળાનું તાપમાન -500 સે., જે દુનિયામાં સૌથી નીચું રહે છે. એક વખત તો અહીં -670 સે. તાપમાન થઈ ગયું હતું.

એશિયાનો મધ્ય ભાગ સમુદ્રથી 3,200 કિમી. જેટલો દૂર છે. તેથી અહીં ખંડસ્થ પ્રકારની વિષમ આબોહવા પ્રવર્તે છે. ગોબીના રણમાં આવેલા કાશ્ગરમાં ઉનાળામાં 260 સે. અને શિયાળામાં -60 સે. તાપમાન હોય છે. આમ તેના તાપમાનનો તફાવત 320 સે. જેટલો છે. સિંધના રણમાં આવેલા જેકોબાબાદમાં અતિવિષમ આબોહવા છે. તેનું ઉનાળાનું સૌથી વધારે તાપમાન 450 સે. અને શિયાળાનું તાપમાન 140 સે. રહે છે. દુનિયાના સૌથી ઊંચા તાપમાનવાળા સ્થળ પૈકી તેની ગણના થાય છે. સાઇબીરિયાની આબોહવા મધ્ય એશિયા જેવી વિષમ છે. સૌથી વધુ તાપમાન અને સૌથી ઓછું તાપમાન વિષુવવૃત્ત અને ધ્રુવ પર નથી પણ ખંડના અંદરના ભાગમાં છે. ભૂપૃષ્ઠને કારણે ઊંચા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોમાં વધુ નીચું તાપમાન ઉનાળામાં જોવા મળે છે. આ કારણે કાશ્મીર તથા હિમાલયમાં આવેલાં શ્રીનગર, સિમલા, પહેલગામ, સોનગાંવ, નૈનીતાલ, અલમૌડા, દાર્જિલિંગ, મનાલી વગેરે ગિરિમથકો તરીકે વિકસ્યાં છે. શિયાળામાં આ પ્રદેશમાં હિમવર્ષા થાય છે. લ્હાસામાં ઉનાળાનું તાપમાન 180 સે. અને શિયાળાનું તાપમાન 00 સે. કે તેથી નીચે રહે છે.

સાઇબીરિયા તરફથી વાતા શિયાળાના ઠંડા પવનોને હિમાલય અવરોધે છે. તેથી ઉત્તર ભારત અતિશય ઠંડીથી બાકાત રહે છે, જ્યારે ઉત્તર અને મધ્ય ચીનનો સમાન અક્ષાંશવાળો પ્રદેશ સખત શિયાળાનો અનુભવ કરે છે. શિયાળામાં પેકિંગનું તાપમાન 50 સે. હોય છે તે જ સમયે લાહોરનું તાપમાન 120 સે. હોય છે. ચીનની હુવાંગહો નદી શિયાળામાં ઠરી જાય છે જ્યારે ભારતની ગંગા નદીનું પાણી ઠરી જતું નથી.

સતત લીલાં ગાઢ જંગલો ગરમીનું પ્રમાણ ઓછું કરવામાં સહાયભૂત થાય છે. જે પ્રદેશનાં જંગલો કપાઈ ગયાં હોય છે ત્યાં તાપમાન વધારે અનુભવાય છે.

વરસાદ : તાપમાનની જેમ એશિયામાં પડતા વરસાદમાં પણ ઘણી વિવિધતા છે. વિષુવવૃત્તીય પ્રદેશમાં બારેમાસ ઊંચા તાપમાનને કારણે સતત બાષ્પીભવનની ક્રિયા થાય છે અને અહીં ઉષ્ણતાનયન-(convection)નો વરસાદ વધારે પડે છે. મલયેશિયા, ઇન્ડોનેશિયા વગેરે વિષુવવૃત્તથી ઉત્તર અને દક્ષિણ 50 વચ્ચે આવેલા પ્રદેશોમાં 2,000થી 3,000 મિમી. જેટલો વરસાદ પડે છે. તેનાથી ઊલટું, વિષુવવૃત્તથી 600-800 ઉ. અ. વચ્ચેના પ્રદેશમાં તાપમાન બારેમાસ નીચું રહેવાથી બાષ્પીભવનની ક્રિયા મંદ રહે છે અને વરસાદ ઓછો અને બરફ વધારે પડે છે. ઉનાળામાં માર્ચથી ખૂબ તપતા નૈર્ઋત્યના મોસમી પવનો ભારત, શ્રીલંકા, મ્યાનમાર, નેપાળ, ભુતાન વગેરે દેશોમાં સારો વરસાદ લાવે છે. આસામના મોનસિનરમમાં સરેરાશ 11,400 મિમી. વરસાદ પડે છે, જે દુનિયાનો સરેરાશ વધુમાં વધુ વરસાદ ગણાય છે. આ પવનો હિમાલય ઓળંગીને જતાં ભેજ વિનાના હોય છે. તેથી તિબેટના વર્ષાછાયાના પ્રદેશમાં 180થી 260 મિમી. વરસાદ પડે છે. ભારતનો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ પણ વર્ષાછાયામાં આવતો હોવાથી અહીં પણ 600 -1,000 મિમી. વરસાદ પડે છે. મ્યાનમાર, હિંદી ચીન થાઇલૅન્ડ અને દક્ષિણ ચીનમાં ભારતની માફક ચોમાસામાં વરસાદ પડે છે. અહીં 700 -2,500 મિમી. વરસાદ પડે છે. ઈશાની મોસમી પવનો ભારતના પૂર્વકિનારે શિયાળામાં 600 -1,000 મિમી. વરસાદ આપે છે અને વાયવ્ય એશિયાનો મધ્યભાગ સમુદ્રથી દૂર હોઈને ભેજવાળા પવન અહીં સુધી પહોંચી શકતા નથી. પામીરના ઉચ્ચ પ્રદેશ અને ગોબીના રણમાં 250 મિમી. કરતાં પણ ઓછો વરસાદ પડે છે. સાઉદી અરબસ્તાન તથા પાકિસ્તાનના સિંધ અને ભારતના રાજસ્થાનના થરના રણના પ્રદેશમાં તેમજ કચ્છના રણમાં સરેરાશ 75 મિમી. વરસાદ પડે છે.

એશિયાના પૂર્વ ભૂમધ્ય મહાસાગરના કિનારે આવેલા તુર્કસ્તાન, સીરિયા, લેબેનોન અને ઇઝરાયલમાં શિયાળામાં સમુદ્ર ઉપરથી ભેજવાળા પવનો વાતા હોવાથી તે ઋતુમાં વરસાદ આવે છે. ઉનાળો સૂકો અને ગરમ હોય છે. ભારતમાં ઈશાની પવનો શિયાળામાં બંગાળના ઉપસાગર ઉપરથી વાતા હોવાથી ઓરિસા, આંધ્ર અને તમિલનાડુમાં વરસાદ આવે છે, પણ અહીં ભૂમધ્ય સમુદ્રના પ્રદેશ જેવી આબોહવા નથી.

વનસ્પતિ અને પ્રાણીજીવન : એશિયાખંડ વિસ્વિતારની દૃષ્ટિએ સૌથી મોટો હોવા છતાં જંગલોનું પ્રમાણ ઓછું છે. અંદાજે એશિયાના કુલ વિસ્તારમાં આશરે 60 લાખ ચોકિમી. જેગલો આવેલાં છે. ભારતમાં 7.24 લાખ ચોકિમી. જેગલો આવેલા છે. કતાર, ઓમાન અને કુવૈત જેવા દેશોમાં જંગલો છે જ નહીં એમેન અને સાઉદી એરેબીયામાં 1% અને જ્યારે યુ. એ.ઈ.માં આશરે 5% છે. વિષુવૃત્તીય પ્રદેશોની ગરમ અને ભેજવાળી આબોહવા અને સારા વરસાદને કારણે અહીં સતત લીલાં જંગલો જોવા મળે છે. અબનૂસ, રોઝવુડ, મેહૉગની, તાડ વગેરે ખૂબ ઊંચાઈવાળાં અને ઇમારતી લાકડું આપતાં વૃક્ષો અહીં છે તથા રબર, કોકો અને સોપારી, એલચી, મરી, જાયફળ વગેરે તેજાનાના બગીચા શ્રીલંકા, મલયેશિયા, ઇન્ડોનેશિયા વગેરેમાં જોવા મળે છે. જંગલોમાં હાથી, ગેંડા, ગોરીલા, ઉરાંગઉટાંગ, જંગલી ભેંસ, મગર, અજગર તથા રંગબેરંગી કીટકો અને પક્ષીઓ જોવા મળે છે.

ભારતથી દક્ષિણ ચીન સુધી પથરાયેલા મોસમી પવનોના વિસ્તારમાં સાગ, સાલ, વાંસ અને સીસમ જોવા મળે છે. કિનારાના પ્રદેશમાં સોપારી, રબર, કાજુ અને પર્વતોના ઢોળાવો ઉપર તેજાના, રબર, સિંકોના, ચા અને કૉફીના બગીચા છે. જંગલોમાં હાથી, વાઘ, ચિત્તા, દીપડા, રીંછ, વાંદરા, સાપ, અજગર વગેરે જોવા મળે છે. ગુજરાતના ગીરના જંગલમાં એશિયાઈ સિંહની સંખ્યા 6,000 જેટલી છે (2021).

રણપ્રદેશમાં રણદ્વીપમાં જ્યાં પાણી હોય છે અને થોડો વરસાદ પડે છે ત્યાં ગાંડો બાવળ, ગૂગળી, ખજૂરી, બોરડી, કેટડી, થોર વગેરે વૃક્ષો જોવા મળે છે. અહીં ઊંડા મૂળવાળી – જાડાં પાનવાળી વનસ્પતિ મુખ્યત્વે જોવા મળે છે. ઊંટ, ઘોડા, ઘેટાં-બકરાં, ગધેડાં, ઘુડખર, ખચ્ચર વગેરે પ્રાણીઓ મુખ્યત્વે છે. અરબી ઘોડા તેની ઝડપી ચાલ માટે જાણીતા છે.

ભૂમધ્ય પ્રદેશમાં દ્રાક્ષ, આલુ, અંજીર, બદામ, નારંગી, લીંબુ વગેરે ફળોનાં તથા શેતૂર અને ઑલિવનાં વૃક્ષો મુખ્ય છે. ઓક, વૉલ્નટ ને ચેસ્ટનટનાં વૃક્ષો પણ કોઈ કોઈ સ્થળે જોવા મળે છે. આ પ્રદેશમાં આઠ માસ સૂકી ઋતુ હોય છે. તેથી ઘેટાં-બકરાં, ગધેડાં, ડુક્કર, ઘોડા, ગાય, બળદ વગેરે પ્રાણીઓ છે.

સ્ટેપીઝનાં ટૂંકા ઘાસનાં મેદાનોમાં ઉનાળો ટૂંકો અને શિયાળો ઠંડો હોય છે. વરસાદ પડતાં ઘાસ ઊગે છે. અહીં ઘોડા, હરણો, ગધેડાં, સસલાં વગેરે પ્રાણીઓ જોવા મળે છે. વૃક્ષોનું પ્રમાણ નહિવત્ હોય છે.

શંકુદ્રુમ જંગલો 600થી 700 અક્ષાંશ વચ્ચે આવેલાં છે. પાઇન, ફર અને બ્રુસ, દેવદાર વગેરેનાં પોચા લાકડાનાં વૃક્ષો અહીં હોય છે. બરફ ઓગળતાં વૃક્ષોને પાણી મળે છે. અહીં શિયાળો સખત અને ઠંડો હોય છે. બરફ સરકીને પડે તેવાં નમેલાં, સોયાકાર પાનવાળાં આ વૃક્ષો હોય છે. ન્યૂઝપ્રિન્ટ, કાગળ, રમકડાં, પેન્સિલ, દીવાસળી વગેરે માટે આ લાકડું વપરાય છે. અહીં બીવર, શિયાળ, એબલ, રેકૂન, વરુ, સસલાં, ઓટર જેવાં રૂંવાંવાળાં પ્રાણીઓ જોવા મળે છે.

ટુંડ્ર પ્રદેશમાં જમીન ઉપર ઉનાળાના દોઢેક માસ સિવાય કાયમ બરફ જોવા મળે છે. લીલ, સેવાળ અને લીચન જેવી વનસ્પતિ મુખ્ય છે. ઉનાળામાં રંગબેરંગી ફૂલો જોવા મળે છે. અહીં રંગબેરંગી પક્ષીઓ અને પતંગિયાં હોય છે. સફેદ રીંછ, રેન્ડિયર અને કેરીબુ જમીન ઉપરનાં પ્રાણીઓ છે. સમુદ્રમાં સીલ, વૉલરસ અને વહેલ જેવી વિરાટકાય માછલીઓ હોય છે.

ખેતી : કુલ જમીનના 10-16 ટકા વિસ્તારમાં ખેતીલાયક જમીન છે. તેમાં મોસમી પવનના પ્રદેશોમાં ઘણી જમીન છે. ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ, તેલીબિયાં, તેજાના, કઠોળ, શેરડી, કપાસ, શણ, તમાકુ, રબર, ચા, કૉફી, નાળિયેર વગેરે મુખ્ય પાકો છે.

ચીનમાં ખેતીલાયક જમીન ઓછી છે, પણ ખાતરનો વધુ ઉપયોગ કરવાથી ખેતીના પાકોનું ઉત્પાદન વધ્યું છે. ભારત પણ મેકસિકન ઘઉં, રશિયન બાજરી, બ્રાઝિલના દીવેલા તથા કપાસની સંકર જાતો, સારા બિયારણ અને ખાતરનો ઉપયોગ વધારી અનાજ વગેરેના ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યું છે. થાઇલૅન્ડ અને મ્યાનમાર ચોખાની નિકાસ કરે છે, જ્યારે જાપાનમાં ચોખાનું ઉત્પાદન ઓછું થવાથી ચોખાની આયાત કરાય છે. રશિયાએ તેના મધ્ય એશિયાનાં પ્રજાસત્તાક રાજ્યોમાં ઘઉં તથા કપાસની નવી જાતો વિકસાવી છે. કોકો, મકાઈ, જવ તથા કપાસનું ઉત્પાદન જરૂર કરતાં ઓછું હોવાથી તેની આયાત થાય છે. સિંચાઈની સુવિધા તથા ખાતરના વધુ ઉપયોગથી હરિયાળી ક્રાંતિ શક્ય બની છે. પાકિસ્તાન અને મધ્ય એશિયાનાં રાજ્યો તથા ભારત તેનાં ઉદાહરણ છે.

ખનિજો : એશિયામાં ઍન્ટિમની, મૅગ્નેશિયમ, કલાઈ, ટંગસ્ટન વગેરેનો અનામત જથ્થો દુનિયાના કુલ જથ્થાના 50 %થી વધુ છે. બિસ્મથ, કોબાલ્ટ, નિકલ, વૅનેડિયમ તથા ઝિરકોનિયમનો 1/3 જેટલો અનામત જથ્થો એશિયા ખંડમાં છે. રશિયા, ઈરાની અખાતના દેશો તથા ઇન્ડોનેશિયામાં મળીને કુલ પેટ્રોલિયમના અનામત જથ્થાનો 66 % ભાગ છે. તે પૈકી પેટ્રોલિયમ પેદાશનો 80 % હિસ્સો ઈરાની અખાતના દેશોનો છે. ગૅસના ઉત્પાદનમાં તેનો 60 % હિસ્સો છે, જ્યારે અનામત કોલસાના જથ્થામાં સોવિયેત એશિયન રાજ્યોનો 50 % હિસ્સો છે.

ઉદ્યોગો : જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન, ચીન અને ભારતમાં ઔદ્યોગિક વિકાસ ઓછાવધતા અંશે થયો છે. રશિયન એશિયાઈ પ્રજાસત્તાક રાજ્યોમાં લોખંડ, પોલાદ, રસાયણ, કાપડ, સિમેન્ટ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. ઇઝરાયલે રસાયણ-ઉદ્યોગ વિકસાવ્યો છે. જાપાન અને ભારત કાપડ, રસાયણ વગેરે ઉદ્યોગોમાં આગળ છે.

સુતરાઉ કાપડ : ભારત, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, રશિયા, હૉંગકૉંગ, તુર્કસ્તાન, ઈરાન વગેરે કપાસ પકવતા એશિયાના દેશોમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. લાંબા તારનું રૂ ભારત, જાપાન, તાઇવાન, કોરિયા વગેરે દેશો, યુ.એસ., યુગાન્ડા, કેનિયા, ઇજિપ્ત વગેરે દેશોમાંથી આયાત કરે છે. ભારત અને જાપાન ઉત્તમ કાપડ અને તૈયાર કપડાંની અમેરિકામાં નિકાસ કરે છે.

રેશમી કાપડ : શેતૂરનાં વૃક્ષો ચીન, ઈરાન, જાપાન અને ભારતમાં ઊગે છે. ચીન અને જાપાન તેના મોટા ઉત્પાદક દેશો છે. ભારતમાં કાશ્મીર અને કર્ણાટકમાં આ ઉદ્યોગ વિકસ્યો છે. ભારત રેશમી કાપડ નિકાસ કરે છે. હાથસાળ ઉપર પણ કેટલુંક કાપડ વણાય છે. બનારસ અને બૅંગ્લોરના રેશમી પીતાંબર, સાડીઓ વગેરે વખણાય છે.

કૃત્રિમ રેસામાંથી બનાવેલું કાપડ : ઘાસ, લાકડાનો માવો તથા પેટ્રોલિયમની આડપેદાશોમાંથી ટેરેલીન, રેયૉન, નાયલૉન, પૉલિયેસ્ટર વગેરે કાપડ જાપાન, ભારત, ચીન, દક્ષિણ કોરિયા વગેરે દેશોમાં મોટા પ્રમાણમાં બને છે. ભારતમાં નાગદા, સૂરત, વેરાવળ, મુંબઈ, કાનપુર, વાંસવાડા વગેરે સ્થળે કૃત્રિમ રેસા તથા કાપડનાં કારખાનાં છે. ભારતમાં આ કાપડનું માત્ર સૂરતનું ઉત્પાદન કુલ ઉત્પાદનના 40 ટકાની આસપાસ છે.

ગરમ કાપડ : ઓછો વરસાદ અને ઓછા કસવાળી જમીન હોય ત્યાં ઘેટાંબકરાં ઉછેરાય છે. હિમાલય પ્રદેશ અને કાશ્મીર જેવા ઠંડા પ્રદેશનું ઊન તથા તુર્કસ્તાનનાં અંગોરા બકરાં તથા મરીનો ઘેટાંનું ઊન મુલાયમ હોય છે. રાજસ્થાન, ગુજરાત તથા તમિલનાડુ વગેરેનું બરછટ ઊન ગાલીચા માટે યોગ્ય છે. રશિયાનાં એશિયન રાજ્યો, ચીન, જાપાન, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇરાક, ઈરાન અને તુર્કસ્તાનમાં આ ઉદ્યોગ વિકસ્યો છે.

શણનું કાપડ : શણ, ભારત અને બાંગ્લાદેશમાં ઊગે છે. કોલકાતા, ઢાકા, ચટગાંવ, નારાયણગંજ વગેરે સ્થળોએ શણના કાપડની મિલો છે.

લોખંડપોલાદનો ઉદ્યોગ : એશિયામાં ચીન, જાપાન, ભારત, રશિયાનાં એશિયા રાજ્યોમાં આ ઉદ્યોગ વિકસ્યો છે. જાપાન ભારતમાંથી મૅંગેનીઝ અને કાચું લોખંડ આયાત કરે છે. જાપાનનું સ્થાન લોખંડના ઉત્પાદનમાં દુનિયામાં ત્રીજું છે. ભારતમાં જમશેદપુર, બર્નપુર, ભીલાઈ, દુર્ગાપુર, રૂરકેલા, ભદ્રાવતી, બોકારો, સાલેમ વગેરે સ્થળોએ મોટાં કારખાનાં છે. આ ઉદ્યોગ પરત્વે ભારતની ક્ષમતા ઘણી છે. કોકિંગ કોલ ભારતે આયાત કરવો પડે છે. ચીને નાનાં કારખાનાં સ્થાપી ઝડપી વિકાસ સાધ્યો છે.

વાહનઉદ્યોગ : ભારત અને જાપાન મોટરો બનાવે છે. જાપાન તેમાં અગ્રણી છે અને યુ.એસ., ભારત તથા અન્ય દેશોમાં તેની નિકાસ કરે છે. ટ્રકો ભારતમાં બને છે. રેલવેના ડબા, એન્જિન, પાટા વગેરે ભારત, જાપાન, ચીન વગેરે બનાવે છે. સ્ટીમરો જાપાન, ભારત અને ચીન બનાવે છે. ભારત, ચીન અને જાપાન વિમાનો પણ બનાવે છે.

રસાયણ ઉદ્યોગ : સોડા ઍશ, કૉસ્ટિક સોડા, બ્રોમિન, બ્લીચિંગ પાઉડર, ક્લોરિન, મૅગ્નેશિયમ ક્લોરાઇડ, મીઠું, ખાતર વગેરેનો ઉદ્યોગ જાપાન, ઇઝરાયલ, ભારત અને ચીનમાં વિકસ્યો છે. ઇઝરાયલમાં મૃતસરોવરના કાંઠે ભારે રસાયણનો ઉદ્યોગ વિકસ્યો છે. ભારતમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પંજાબમાં તેનાં કારખાનાં છે. ભારત અને પશ્ચિમ એશિયાના દેશોમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ વિકસ્યો છે.

ખાંડઉદ્યોગ : શેરડીમાંથી ખાંડ ભારત, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, ચીન, તુર્કસ્તાન, બાંગ્લાદેશ વગેરેમાં બને છે. ભારતમાં ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખાંડનાં ઘણાં કારખાનાં છે.

કાગળઉદ્યોગ : શંકુદ્રુમ જંગલોના વિસ્તારમાં પોચું લાકડું આપતાં વૃક્ષોમાંથી અને અન્યત્ર ઘાસ તથા વાંસમાંથી માવો બનાવી કાગળનું ઉત્પાદન થાય છે. જાપાન, ચીન, ભારત, (રશિયન) એશિયાઈ પ્રજાસત્તાકો, બાંગ્લાદેશ, નેપાળ, તુર્કસ્તાન વગેરેમાં કાગળ બને છે. ભારત ન્યૂઝપ્રિન્ટ આયાત કરે છે.

સિમેન્ટ : ચિરોડી, ચૂનાના પથ્થરો અને લોહ દ્રવ્ય વિનાની માટીની વિપુલતાવાળા દેશો જાપાન, ભારત, ચીન, કોરિયા, ઇઝરાયલ, થાઇલૅન્ડ, વિયેટનામ, તુર્કસ્તાન વગેરે છે, જ્યાં સિમેન્ટનું ઉત્પાદન થાય છે.

સિરેમિક્સ : માટીનાં વાસણો, બરણી, શીશી વગેરે જાપાન, ચીન, ભારત વગેરેમાં બને છે. કાચ-રેતી, ચીનાઈ માટી, અગ્નિજિત માટી અને ફેલ્સ્પાર તે માટેની કાચી સામગ્રી છે. આ ઉપરાંત વીજાણુ-ઉદ્યોગ, શસ્ત્રાસ્ત્રો જેવા ઉદ્યોગો પણ સારા પ્રમાણમાં વિકસ્યા છે.

વાહનવ્યવહાર : રણ અને પહાડી પ્રદેશો સિવાય મેદાનો તથા ઉચ્ચ પ્રદેશોમાં સડકોનું પ્રમાણ ચીન, ભારત અને જાપાનમાં વિશેષ છે. મુખ્ય શહેરો, બંદરો અને જિલ્લામથકો વાહનવ્યવહારથી સંકળાયેલાં છે. રેલવેનું પ્રમાણ જાપાન, ભારત અને જાવામાં વધુ છે. ભારતમાં 60,000 કિમી. લંબાઈના રેલમાર્ગો છે. (રશિયન) એશિયાઈ પ્રજાસત્તાકોમાં 8,700 કિમી. લાંબો મૉસ્કોથી વ્લાડિવોસ્ટૉક સુધીનો રેલમાર્ગ છે. તુર્કસ્તાનથી વિયેટનામ સુધી રેલમાર્ગ બાંધવાની યોજના છે. ચીન, વિયેટનામ, થાઇલૅન્ડ, ઇરાક, મ્યાનમાર અને ભારતમાં નદીઓના જળમાર્ગ છે.

લોકો : 2021ની વસ્તીગણતરી પ્રમાણે વિશ્વની વસ્તી આશરે 7.9 અબજ છે. તે પૈકી 4.6 અબજ જેટલી વસ્તી એકલા એશિયામાં છે. સૌથી વધુ વસ્તી ચીનની 1.43 અબજ જેટલી છે. ભારતની વસ્તી 1.38 અબજથી વધુ છે. વિશ્વની વસ્તીની ગીચતાનું પ્રમાણ દર ચોકિમી.દીઠ 45 છે જ્યારે એશિયાનું પ્રમાણ 130 વ્યક્તિ છે. આ વસ્તી અસમાન રીતે વહેંચાયેલી છે. જાપાન, ચીન, ભારત, બાંગ્લાદેશ અને જાવામાં ગીચ વસ્તી છે. અહીં વસ્તીની સરેરાશ ગીચતા દર ચોકિમી.દીઠ 200થી વધુ છે. ભારતના કેરળ રાજ્યમાં આ પ્રમાણ 820 છે. ચીનના યાંગત્સેક્યાંગના મેદાની વિસ્તારમાં આ પ્રમાણ 1,500થી વધુ છે. મધ્યપૂર્વ અને મધ્ય એશિયાના વેરાન પ્રદેશોમાં ઉત્તર ધ્રુવ નજીકના તથા રણવિસ્તાર ને પહાડી પ્રદેશમાં વસ્તી અત્યંત ઓછી છે. કેટલોક પ્રદેશ વસ્તી વિનાનો પણ છે. વાયવ્ય એશિયામાં 70 % વસ્તી શહેરોમાં વસે છે, જ્યારે પૂર્વ અને દક્ષિણ એશિયાના દેશોમાં 70 % વસ્તી ગામડાંમાં વસે છે. ભારત, શ્રીલંકા અને કેટલાક મુસ્લિમ દેશોમાં પુરુષો કરતાં સ્ત્રીનું પ્રમાણ ઓછું છે. ભારતમાં દર હજાર પુરુષોએ 933 પ્રમાણ છે, જ્યારે એશિયાનો વસ્તીવધારાનો દર આફ્રિકા તેમજ અમેરિકા કરતાં ઓછો 1.4થી 2.2 % છે. સૌથી ઓછો  દર જાપાનનો 0.8 ટકા છે. ચીન, ભારત, ઇન્ડોનેશિયા, ઇરાક, ઈરાન અને ઇઝરાયલનો જન્મદર અનુક્રમે 1.6, 2.5, 2.3, 3.6, 3.4 અને 2.3 ટકા છે.

એશિયાના દેશોમાં વિવિધ ભાષાઓ બોલાય છે. પશ્ચિમ એશિયાના દેશોમાં અરબી, ઈરાનમાં ફારસી, ભારતમાં હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી અને દ્રાવિડી ભાષાઓ બોલાય છે. ચીનમાં મેન્ડેરીન, તુર્કસ્તાનમાં તુર્કી, અગ્નિ એશિયામાં મલયકુળની ભાષાઓ, શ્રીલંકામાં સિંહલ અને મધ્ય એશિયામાં તુર્કી વગેરે બોલાય છે.

જાતિની ર્દષ્ટિએ જોઈએ તો કૉકેસિયન કે આર્ય જાતિના લોકો તુર્કસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરેમાં વસે છે. ચીન, મૉંગોલિયા, જાપાન, હિંદી ચીન, થાઇલૅન્ડ, કોરિયા, મ્યાનમાર, તિબેટ વગેરે દેશોના લોકો મૉંગોલોઇડ છે. હિમાલયની ઉત્તર અને પૂર્વની પહાડીઓમાં વસતા લોકો પણ મૉંગોલોઇડ છે. લડાખ, કુલુ, કુમાઉં, નેપાળ અને ભુતાનના લોકો મૉંગોલોઇડ છે. આરબ અને યહૂદી પ્રજા સેમેટિક પ્રજા છે. ઇન્ડોનેશિયા તથા પૅસિફિક મહાસાગરના ટાપુઓમાં વસતા લોકો પોલિનેશિયન મલયવંશી છે. મધ્ય એશિયા તથા ઉત્તર ધ્રુવ નજીકની જાતિઓમાં તુર્ક અને મૉંગોલ જાતિઓનું મિશ્ર લોહી છે. દુનિયાનો આદિ માનવ ‘જાવા’ અને ‘પૅકિંગ મૅન’ પણ એશિયાવાસી હતો. તેમાંથી મૉંગોલોઇડ તથા મલયવંશી પ્રજા ઊતરી આવી છે.

એશિયાના લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. નદીનાં મેદાનો, ત્રિકોણાકાર પ્રદેશ અને પર્વતોની ઉપત્યકાઓમાં રહીને તેઓ ખેતી કરે છે. મધ્ય એશિયા, મધ્યપૂર્વ તથા કેટલાક ડુંગરાળ પ્રદેશોમાં લોકોનો મુખ્ય ધંધો પશુપાલન છે. સ્ટેપીઝ તરીકે ઓળખાતાં ટૂંકા ઘાસનાં મેદાનો, રણના સરહદી પ્રદેશો કાશ્મીર, નેપાળ, અફઘાનિસ્તાન, ઈરાન વગેરે પર્વતાળ પ્રદેશો ઢોરઉછેર તથા ઘેટાં-બકરાંના ઉછેર માટે યોગ્ય છે. ટૈગાંનાં જંગલોમાં લોકો શિકાર, મચ્છીમારી અને લાકડા ઉપર આધારિત ઉદ્યોગોમાં રોકાયેલા છે. ગીચ જંગલોના પ્રદેશમાં ખેતી અશક્ય છે. ત્યાં શિકાર, મચ્છીમારી તથા ફળો એકઠાં કરી લોકો નિર્વાહ કરે છે. રણપ્રદેશમાં લોકો પશુપાલન ને વણજાર ઉપર જીવનનિર્વાહ કરે છે. ખનિજની વિપુલતા તથા ટેકનિકલ કૌશલ ધરાવતા જાપાન અને મધ્ય એશિયાના ઔદ્યોગિક પ્રદેશો, ચીન તથા ભારતનાં શહેરી કેન્દ્રો ઉદ્યોગો અને વેપારવણજ ઉપર આધાર રાખે છે. ગામડાંના 70 ટકા લોકો ખેતી અને પશુપાલન ઉપર આધાર રાખે છે.

એશિયાના જાપાન, ચીન અને ભારત જેવા દેશોમાં તોક્યો, બેજિંગ, શાંગહાઈ, વુહાન, કૅન્ટૉન, હૉંગકૉંગ, હેનોઈ, બૅન્ગકૉક, યાંગોન, ઢાકા, કૉલકાતા, પટણા, લખનૌ, અલ્લાહાબાદ, બનારસ, બૅંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, કોચીન, મુંબઈ, અમદાવાદ, કોલંબો, કરાંચી, લાહોર, પેશાવર, કાબુલ, તહેરાન, એડન, જેરૂસલેમ, તેલ અવીવ, બૈરૂત, દમાસ્કસ, અંકારા, ઇસ્તંબુલ, એડન, તાશ્કંદ, તોમ્સ્ક, ઇર્કુટ્સ્ક, ખાબરોવસ્ક, કુવૈત, બગદાદ, બસરા, વ્લાડિવોસ્ટૉક વગેરે શહેરો આવેલાં છે.

ઇતિહાસ : યુરોપ અને એશિયા વચ્ચેનો વર્તમાન તફાવત ભૌગોલિક અવરોધો કરતાં વિશેષત: અલગ સાંસ્કૃતિક ઇતિહાસને પરિણામે પેદા થયો હોવાની સંભવિતતા છે.

વિશ્વની ચાર પ્રાચીનતમ સંસ્કૃતિઓ મિસર (ઇજિપ્ત), મેસોપોટેમિયા (ઇરાક), ચીન તથા મોહેં-જો-દડો (ભારત) પૈકી ત્રણ સંસ્કૃતિઓ એશિયામાં પાંગરી હતી. મિસર તેનાં અજોડ પિરામિડો અને ભવ્ય મહાલયો તથા મંદિરો માટે, મેસોપોટેમિયા-બૅબિલોનની ટેકરીઓ પરના 198 મીટર જેટલા ઊંચા ઝીગુરાત નામે પંકાયેલાં અદ્વિતીય મંદિરો માટે, ચીન તેની વિશાળ દીવાલ માટે તથા મોહેં-જો-દડો તેના ર્દષ્ટાંતરૂપ નગરનિયોજન માટે વિશ્વવિખ્યાત થયા છે. વિશ્વનો પ્રથમ ધર્મસુધારક રાજા મિસરનો ઇખનાટન (ઈ. પૂર્વે 1375), વિશ્વને પ્રથમ કાયદા આપનાર બૅબિલોનનો રાજા હેમુરાબી (ઈ. પૂ. 2100), વિશ્વને મહેલની વિશાળ અગાસી પર અજાયબીરૂપ ઝૂલતા બાગની ભેટ આપનાર બૅબિલોનનો રાજા નેબુકુદનેઝર (ઈ. પૂ. 605) તથા ચીનની 2091.7 કિમી. લાંબી, 6 મી. પહોળી તથા 6.7 મી. ઊંચી દીવાલનો સર્જક શીર-વાંગ-ટી (ઈ. પૂર્વે 245) પણ એશિયામાં થઈ ગયા.

ચીનની વિરાટ દીવાલ

વિશ્વના મહાન ધર્મો અનુક્રમે હિન્દુ, પારસી, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, ઇસ્લામ, શીખ તથા શિન્ટો (જાપાનનો રાજધર્મ) અને અનુક્રમે તેમના સર્જકો – પ્રેરકો રામ-કૃષ્ણ, અષો જરથુષ્ટ્ર, મહાવીર, બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત, મહંમદ પયગમ્બર તથા ગુરુ નાનક પણ એશિયામાં થઈ ગયા. વિશેષમાં ચીનમાં ઈ. પૂર્વે છઠ્ઠી સદીમાં મહાત્મા લાઓત્સે તથા કૉન્ફ્યૂશિયસ (બુદ્ધ અને મહાવીરના સમકાલીન) પણ થઈ ગયા. તેમના નામે પણ ચીનમાં ધર્મ પ્રચલિત થઈ ગયા. ઉપર નિર્દેશિત ચાર પ્રાચીનતમ સંસ્કૃતિઓ પછીની ભારતની વેદકાલીન સંસ્કૃતિ તથા ઈરાનની પ્રાચીન સંસ્કૃતિ પણ ભવ્ય હતી. વિશ્વમાં પ્રથમ વિશાળ સામ્રાજ્ય સ્થાપવાનું માન ઈરાનને ફાળે જાય છે. ઈ. પૂર્વે છઠ્ઠી-પાંચમી સદીના તેના શાસકો સાયરસ, કેમ્બિસિસ, દરાયસ તથા ઝર્સીસ મહાન સામ્રાજ્યવાદીઓ હતા. તેમણે ઈરાનના મુખ્ય નગરો પર્સોપોલિસ, સુસા વગેરેને ભવ્ય મહાલયોથી શણગાર્યાં. ગ્રીસનાં ઍથેન્સ, સ્પાર્ટા વગેરે નગર-રાજ્યો સામે મૅરેથોનના ઐતિહાસિક યુદ્ધમાં દરાયસનો પરાજય તથા થર્મોપિલીના વિખ્યાત યુદ્ધમાં ઝર્સીસનો પરાજય, લોકશાહીનો સામ્રાજ્યવાદ સામેનો વિશ્વનો પ્રથમ વિજય હતો. આ પછી સિકંદરે ઈરાની સામ્રાજ્યનો નાશ કર્યો અને ગ્રીક સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

ભગવાન બુદ્ધની આશરે 13 મીટર ઊંચી વિરાટ કાંસ્ય પ્રતિમા
(જાપાન : 13મી શતાબ્દી)

મધ્યપૂર્વમાં ઈ. સ. છઠ્ઠા સૈકામાં ઇસ્લામનો ઉદય થયો. ત્યારપછીના ચાર સૈકામાં (દશમા સૈકા પર્યન્ત) મધ્યપૂર્વનાં મોટાભાગનાં રાષ્ટ્રો ઇસ્લામી રાજ્યોમાં પલટાયાં. અફઘાનિસ્તાનમાં દશમા સૈકામાં સ્થપાયેલા ગઝનવી રાજ્ય (મહેમૂદ ગઝની) અને બારમા સૈકામાં સ્થપાયેલા ઘોરી (મહમ્મદ ઘોરી) રાજ્યે ભારત પર અવારનવાર આક્રમણો કરીને સરહદ પરનાં હિન્દુ રાજ્યોનો નાશ કર્યો તથા ભારતમાં મુસ્લિમ સત્તા સ્થાપવાનો માર્ગ મોકળો કર્યો. ભારતની બ્રિટિશ સરકારે ત્રણ અફઘાન વિગ્રહો કરીને અફઘાનિસ્તાન પર પોતાનો પ્રભાવ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો; પણ સ્વાતંત્ર્યપ્રિય, વીર અને ઝનૂની અફઘાનોએ તે નિષ્ફળ બનાવ્યો. અફઘાનિસ્તાનના શાહ અમાનુલ્લાએ અફઘાનિસ્તાનને આધુનિક રાષ્ટ્ર બનાવવા અમુક અંશે તેનાં શાસનતંત્ર, અર્થકારણ અને સમાજજીવનનું આધુનિકીકરણ કર્યું.

સાતમા સૈકામાં ઈરાન ઇસ્લામી રાષ્ટ્ર બનતાં ત્યાંના મૂળ વતનીઓ છેક ઓગણીસમી સદીના અંત સુધી ઈરાનનું શાસનતંત્ર મધ્યયુગી રહ્યું; પરંતુ 1925માં ઈરાનના શાહ બનેલ રેઝા શાહે પાશ્ચાત્ય ઢબે શાસનતંત્ર, ખેતીવાડી, ઉદ્યોગધંધા, સમાજજીવન વગેરેનું આધુનિકીકરણ કર્યું તથા ઈરાનને નૂતન રાષ્ટ્ર બનાવ્યું. તેની સરમુખત્યારશાહી રીતરસમો સામે વિરોધ થતાં ગાદીત્યાગ કરી તેમને ઈરાન છોડી નાસી જવું પડ્યું. ત્યારબાદ વડાપ્રધાન મુસાદિકના વહીવટ હેઠળ તેલઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કરાતાં ઈરાનની ખનિજ તેલની આવક વધતાં તે ખૂબ જ સમૃદ્ધ બન્યું. ઈરાનના મોટાભાગના લોકો ચુસ્ત શિયાપંથી છે. નેતા આયાતોલ્લા ખોમેનીના નેતૃત્વ નીચે ઈરાન કટ્ટર ઇસ્લામી રાજ્ય બન્યું. સરહદી પ્રશ્નો સંબંધે ઇરાક અને ઈરાન વચ્ચે આશરે આઠ વર્ષ યુદ્ધ ચાલતાં બંને દેશોએ ભારે માનવ તથા આર્થિક ખુવારી વેઠી. આયાતોલ્લાના અવસાન બાદ ઈરાન ઉદારતાવાદ તરફ ઢળ્યું છે.

ઇરાક (મેસોપોટેમિયા) પ્રાચીન સંસ્કૃતિનું એક કેન્દ્ર હતું. તેમાં આઠમા સૈકામાં હારૂન અલ રશીદ નામે મહાન ખલીફા અને સુલતાન થયો, જેણે બગદાદને આબાદ તથા આરબ સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું. 1930માં ઇરાક બ્રિટિશ સત્તાથી આંતરિક રીતે મુક્ત બન્યા બાદ તેનો વિકાસ ઝડપી બન્યો. જનરલ નૂરીનો અરબી પક્ષ છેક 1936થી 1958 સુધી સત્તા પર રહ્યો. નૂરી સર્વસત્તાધીશ હતો અને ફઝલ નામનો રાજા હતો, પરંતુ તે ઇંગ્લૅન્ડની તરફદારી કરતો હોવાથી લશ્કરી નેતા અબ્દુલ કરીમ કાસિમના નેતૃત્વ નીચે લોકોએ તેની સામે બંડ પોકારીને રાજા ફઝલ તથા નૂરીની હત્યા કરી અને ઇરાકમાં કાસિમ સર્વસત્તાધીશ બન્યો (1958). ઇરાકે આ અરસામાં ખનિજ તેલ, ખેતીવાડી તથા અન્ય ઉદ્યોગોના વિકાસથી સારી એવી આર્થિક સમૃદ્ધિ મેળવી. આરોગ્ય અને શિક્ષણને ક્ષેત્રે પણ તેની પ્રગતિ નોંધપાત્ર રહી. કાસીમના પતન પછી સદામ હુસેન ઇરાકનો સરમુખત્યાર બનતાં તેના નેતૃત્વ નીચે ઇરાકે કેટલીક આર્થિક તથા લશ્કરી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. તેણે સરહદી પ્રશ્ને ઈરાન સામે આઠ વર્ષ યુદ્ધ ચાલુ રાખ્યું. વળી, સદામે કુવૈત પર આક્રમણ કરતાં ઇરાકનો ઘોર પરાજય સ્વીકારવો પડ્યો અને તેની ભારે આર્થિક તથા લશ્કરી ખુવારી થઈ.

બસરા ઇરાકનું મુખ્ય બંદર છે, જ્યારે રાજધાની બગદાદમાંનું પુરાતત્વવિદ્યાઓનું મહાવિદ્યાલય અને પુરાતન વસ્તુઓનું સંગ્રહાલય આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવે છે.

એશિયા(સાઉદી અરેબિયા)ના ખનિજતેલ-ભંડારો તેલની તોતિંગ પાઇપો

અરબસ્તાનમાં સાઉદી અરેબિયા સૌથી મોટું, સૌથી અગત્યનું અને ખનિજ તેલની ર્દષ્ટિએ સૌથી સમૃદ્ધ રાજ્ય છે. આ ઉપરાંત અરબસ્તાનમાં કુવૈત, બહેરીન, કતાર, ઓમાન, મસ્કત તથા યેમેનનાં નાનાં રાજ્યો છે. પ્રાચીન કાળથી આ પ્રદેશ સાથે ભારતનો વેપાર હતો. એડન અને મસ્કત અગત્યનાં વેપારી કેન્દ્રો હતાં અને ગુજરાત સાથે સત્તરમી સદી સુધી આ પ્રદેશનો ઘનિષ્ઠ સંબંધ હતો. અંગ્રેજોના આધિપત્ય બાદ તેમાં ઓટ આવી. સુએઝની નહેર થતાં ભારતના યુરોપ સાથેના વેપારને પ્રોત્સાહન મળ્યું. હાલ ખનિજ તેલની પ્રાપ્તિથી આ દેશો સમૃદ્ધ બનેલા છે. અરબી ભાષા તથા અરબી સંસ્કૃતિ પુરાણી છે. આરબોએ મહંમદ પયગમ્બરના ઉદય સાથે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. આરબો અતિકુશળ વેપારીઓ છે. ભારતના શૂન્યની શોધને તેમણે યુરોપમાં પહોંચાડી. સાઉદી અરેબિયામાં નિયંત્રિત રાજાશાહી છે; ઇબ્નસાઉદે સાઉદી અરેબિયાનું આધુનિકીકરણ કર્યું. 1953માં તેના અવસાન બાદ તેના અનુગામી શાસકોના સમયમાં સાઉદી અરેબિયાની પ્રગતિ ચાલુ રહી, પરંતુ હવે ત્યાં લોકશાહી તંત્રની માંગ વધી રહી છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સુંદર શહેર છે. આ ઉપરાંત મક્કા અને મદીના જેવા મુસ્લિમ ધર્મનાં પવિત્ર સ્થળો પણ સાઉદી અરેબિયામાં આવેલાં છે.

તુર્કસ્તાન રાજકીય રીતે યુરોપનો, પણ ભૌગોલિક રીતે એશિયાનો દેશ ગણાય છે. તુર્કોએ 1453માં કૉન્સ્ટન્ટિનોપલ (ઇસ્તંબુલ) જીતી લેતાં વેપારમાર્ગો રૂંધાયા. આથી યુરોપ અને એશિયા વચ્ચેના જળ-સ્થળ માર્ગ બંધ થયા અને યુરોપીય પ્રજાને પોતાનો વેપાર ચાલુ રાખવા ભારત અને એશિયાનો નવો દરિયાઈ માર્ગ શોધવાની ફરજ પડી. સોળ, સત્તર અને અઢારમી સદીના તુર્કી શાસકો હેઠળ તુર્કસ્તાને એકંદરે સારી એવી રાજકીય, આર્થિક અને સામાજિક પ્રગતિ સાધી. પૂર્વ યુરોપનાં બલ્ગેરિયા, ગ્રીસ, રુમાનિયા, આલ્બેનિયા વગેરે તેના સામ્રાજ્યના ભાગરૂપ હતાં. ત્યારબાદ ખાસ કરીને ક્રિમિયાના યુદ્ધ(1854-56)માં તુર્કીનો પરાજય થયા બાદ તેનું યુરોપીય સામ્રાજ્ય અસ્ત પામ્યું અને તેનું આધુનિકીકરણ થયું. આપખુદ શાસક અબ્દુલ હમીદના શાસનકાળ (1876-1909) દરમિયાન તુર્કસ્તાનની આ પ્રગતિ ચાલુ રહી, પરંતુ યુવા ટર્ક નામની ક્રાન્તિકારી સંસ્થાએ તુર્કસ્તાનમાં લોકશાહી સ્થાપવા અબ્દુલ હમીદ સામે બળવો પોકાર્યો, જે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તુરત સફળ થયો. કમાલ આતા તુર્ક(રાષ્ટ્રપિતા)ના નેતૃત્વ નીચે યુવા ટર્કોએ તુર્કસ્તાનમાં લોકશાહીની સ્થાપના કરી અને રાજાશાહી નાબૂદ કરી. કમાલ આતા તુર્કે તુર્કસ્તાનનું પાશ્ચાત્ય ઢબે આધુનિકીકરણ કર્યું. તુર્કસ્તાનમાં આ લોકશાહી પ્રક્રિયા ચાલુ છે.

ઇજિપ્ત ભૌગોલિક રીતે આફ્રિકાનો ભાગ હોવા છતાંય રાજકીય અને સાંસ્કૃતિક ર્દષ્ટિએ તે પશ્ચિમ એશિયાનો દેશ ગણાય છે. ઇજિપ્ત(મિસર)ની સંસ્કૃતિ ખૂબ પુરાણી છે. પ્રાચીન યુગનાં તેનાં પિરામિડો, મંદિરો અને મહેલો અજાયબ ગણાય છે. ઇજિપ્તે તેના ઓગણીસમી સદીના શાસકો હેઠળ આધુનિકીકરણની દિશામાં હરણફાળ ભરી. પાશા ઇસ્માઇલના શાસન (1863-1879) દરમિયાન સુએઝની વિખ્યાત નહેરનું બાંધકામ પૂરું થયું (1869) અને તે વિશ્વના દેશોનાં વેપારી વહાણો માટે ખુલ્લી મુકાતાં ઇજિપ્તને સારો એવો આર્થિક લાભ થયો. ઇજિપ્ત 1936માં અંશત: સ્વાધીન બન્યું ત્યાં સુધી તે બ્રિટનના આશ્રિત રાજ્ય જેવું હતું, પરંતુ વફદ પક્ષે પોતાના નેતા ઝગલુલ પાશાના નેતૃત્વ નીચે આઝાદીની લડત ચલાવી એટલે ઇજિપ્તને સ્વરાજ્ય મળ્યું. ઇજિપ્તના લોકોએ 1952ની ક્રાન્તિ મારફત ઇજિપ્તમાંથી રાજાશાહી નાબૂદ કરી અને જનરલ નજીબની આગેવાની નીચે ક્રાન્તિકારી સમિતિએ ઇજિપ્તનો વહીવટ હાથમાં લીધો. પરંતુ વડા નજીબ અને ઉપવડા કર્નલ ગેમલ નાસર વચ્ચે વિખવાદ થતાં નાસરે સત્તાનાં સૂત્રો સંભાળી લઈ ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખનું પદ ધારણ કર્યું. તેના નેતૃત્વ નીચે ઇજિપ્તે સારી એવી પ્રગતિ સાધી. કર્નલ નાસરે 1956માં સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કર્યું અને ઇંગ્લૅન્ડને પોતાનાં દળો સુએઝ વિસ્તારમાંથી હઠાવી લેવા એલાન કર્યું. પરંતુ ઇંગ્લૅન્ડ, ઇઝરાયલ અને ફ્રાન્સે ઇજિપ્ત પર આક્રમણ કર્યું; પણ ભારત, યુ.એસ. તથા સોવિયેત રશિયા સહિતના વિશ્વના દેશોએ તેનો પ્રબળ વિરોધ કરતાં ઇંગ્લૅન્ડ, ઇઝરાયલ તથા ફ્રાન્સને પોતાનું આક્રમણ પાછું ખેંચી લેવા ફરજ પડી. ત્યારબાદ નાસરના નેતૃત્વ તળે ઇજિપ્તે આધુનિકીકરણની દિશામાં ખૂબ નોંધપાત્ર પ્રગતિ કરી.

ભૂમધ્યની પૂર્વ બાજુએ આવેલા પ્રદેશો(લેવેન્ટ)માં લૅબેનોન નાનું પણ મહત્વનું પ્રજાસત્તાક રાજ્ય છે. તે પશ્ચિમી દેશોથી તદ્દન નજીક હોવાથી ત્યાં પાશ્ચાત્ય સંસ્કૃતિ અને શિક્ષણની સૌથી વધારે અસર થયેલી છે. આથી મધ્ય એશિયાના દેશોમાં સૌથી ઊંચું જીવનધોરણ અને શિક્ષણનું સૌથી વધારે પ્રમાણ લૅબેનોનમાં છે. લૅબેનોનની હાલની વસ્તીમાં આશરે અર્ધા ખ્રિસ્તીઓ તથા અર્ધા મુસ્લિમો છે. પ્રથમ તુર્કી આધિપત્ય અને બાદમાં ફ્રેન્ચ આધિપત્ય હેઠળ રહેલ લૅબેનોને દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ (1947) આઝાદી પ્રાપ્ત કરી. હાલમાં ત્યાં લોકશાહી અને પ્રજાસત્તાક સરકાર છે. એમાં ખ્રિસ્તી તથા મુસ્લિમ પ્રતિનિધિઓનું પ્રમાણ લગભગ સરખું છે. લૅબેનોનમાં પૂરતું અખબારી સ્વાતંત્ર્ય છે. લૅબેનોનનું બૈરૂત શહેર સૌથી ઉદ્યમી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તથા સૌથી વધારે માલની હેરફેર કરનાર આંતરરાષ્ટ્રીય બંદર છે, હાલ આંતરવિગ્રહને કારણે તે પાયમાલ થઈ ગયું છે.

સીરિયા અને લૅબેનોન 1946 સુધી ફ્રાન્સના આધિપત્ય હેઠળ હતાં. તે પહેલાં તે તુર્કસ્તાનના આધિપત્ય હેઠળ હતાં. બંનેએ 1947માં આઝાદી પ્રાપ્ત કરતાં બંને અલગ રાષ્ટ્રો બન્યાં અને તેમનો અલગ ઇતિહાસ શરૂ થયો. લૅબેનોન કરતાં સીરિયાની સ્થિતિ જુદી છે. સીરિયામાં આશરે 85 ટકા મુસ્લિમોની વસ્તી છે, એમાંથી 70 ટકા જેટલા સુન્ની છે, જ્યારે ખ્રિસ્તીઓ અને અન્ય પ્રજા માત્ર 15 ટકા જેટલી છે. પરંતુ તેમના હાથમાં દેશનો મોટાભાગનો વેપાર છે, જ્યારે મુસ્લિમો બહુધા ખેડૂતો તથા કારીગરો છે. રાજધાની દમાસ્કસ વિકસિત શહેર છે. સીરિયાના 90 ટકા જેટલા લોકો અરબી બોલે છે; બાકીના 10 ટકા હિબ્રૂ, અંગ્રેજી, ફ્રેન્ચ વગેરે ભાષાઓ બોલે છે. શીશકલીનું સીરિયા પરનું લશ્કરી શાસન (1950-54) સુધારાની ર્દષ્ટિએ નોંધપાત્ર છે. ત્યારબાદ સીરિયામાં લોકશાહી સરકાર સ્થપાઈ. દમાસ્કસનું રાષ્ટ્રીય પુસ્તકાલય, અરબી ભાષાની શ્રેષ્ઠ હસ્તપ્રતોના સંગ્રહ માટે વિશ્વવિખ્યાત થયેલું છે.

ભૂમધ્ય સમુદ્રના પૂર્વ તરફના પ્રદેશો(લેવેન્ટ)માં લૅબેનોન, સીરિયા તથા જૉર્ડન સાથે ઇઝરાયલ(પૅલેસ્ટાઇન)નો પણ સમાવેશ થાય છે. પરંતુ ઇઝરાયલના લોકો મોટેભાગે યહૂદીઓ છે તથા તેમની અલગ સંસ્કૃતિ પણ છે, જ્યારે લેવેન્ટના અન્ય દેશો બહુધા આરબ છે અને તેમની સંસ્કૃતિ ઇસ્લામી છે. હાલના ઇઝરાયલની સ્વતંત્ર યહૂદી રાજ્ય તરીકે મે 1948માં સ્થાપના થઈ ત્યારથી ઇઝરાયલ અને આરબ રાષ્ટ્રો વચ્ચે નાનામોટા સંઘર્ષો ચાલ્યા કરે છે. યુરોપ તથા આફ્રિકામાંથી વિશેષત: જર્મની, ઑસ્ટ્રિયા, રશિયા, પોલૅન્ડ વગેરેમાંથી લાખોની સંખ્યામાં યહૂદીઓ સ્થળાન્તર કરીને ઇઝરાયલમાં વસ્યા છે. પવિત્ર જેરૂસલેમ શહેરનો પૂર્વ ભાગ અરબ રાષ્ટ્ર હસ્તક છે, જ્યારે પશ્ચિમ તરફનો ભાગ ઇઝરાયલ હસ્તક છે. થિયોડૉર હર્ઝલના નેતૃત્વ નીચેની ઝાઇયોનિઝમની ચળવળે ઇઝરાયલના સ્વતંત્ર રાષ્ટ્રના સર્જનમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો. હાલમાં પૅલેસ્ટાઇનનો એક ભાગ આરબ રાષ્ટ્રો હસ્તક તથા બીજો ભાગ (ઇઝરાયલ) યહૂદીઓને હસ્તક છે. ઇઝરાયલે શિક્ષણ, સંસ્કૃતિ (હિબ્રૂ સાહિત્ય અને સંસ્કૃતિ), ખેતીવાડી તથા વેપારવાણિજ્યને ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેની રાજધાની તેલ અવીવ અદ્યતન શહેર છે. ઇઝરાયલની વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના ક્ષેત્રની સિદ્ધિઓ પણ પ્રશંસાપાત્ર છે.

એશિયાના દૂર પૂર્વના દેશોમાં ચીન, મૉંગોલિયા, જાપાન તથા કોરિયાનો સમાવેશ થાય છે. ચીનની પ્રાચીન સંસ્કૃતિ ભવ્ય હતી. બારમા-તેરમા સૈકામાં થયેલો ચંગીઝખાન મહાન સેનાપતિ હતો. અર્ધા યુરોપ અને એશિયામાં ઝંઝાવાત માફક તે ફરી વળ્યો હતો. સમ્રાટ કુબ્લાઇખાનના શાસનની વેનિસના મુસાફર માર્કોપોલોએ ખૂબ પ્રશંસા કરેલી છે. ત્યારબાદ ચીનમાં છેક 1583થી 1911 સુધી એટલે 300 વર્ષ ઉપરાંત મંચુ વંશના શાસકોની સત્તા રહી. 1911ની પ્રથમ ચીની ક્રાન્તિથી તે રાજ્યવંશનો અંત આવ્યો. આ રાજ્યવંશ આપખુદ, પછાત તથા મધ્યયુગી માનસવાળો હતો એટલે ચીનની પ્રગતિ થઈ શકી નહિ. ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ઔદ્યોગિક ક્રાન્તિનો યુરોપના દેશોમાં સારો એવો વિસ્તાર થયો હતો, એટલે તેમને પુષ્કળ કાચા માલની તથા પોતાનો તૈયાર માલ ખપાવવા માટે મોટાં બજારોની જરૂરિયાત હતી. ચીન તથા ભારત આવો કાચો માલ આપી શકે તેમ હતાં તથા તૈયાર માલનું બજાર બની શકે તેમ હતાં. આથી ચીન તથા ભારતમાં સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદનો પ્રથમ વિસ્તાર થયો. યુરોપીય સત્તાઓએ ઓગણીસમી સદીના મધ્ય ભાગ સુધીમાં ચીનમાં પોતાના વિશિષ્ટ અધિકારો સાથેનાં ક્ષેત્રો સ્થાપ્યાં અને ચીનનું આર્થિક શોષણ કર્યું. ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, રશિયા વગેરેની સાથે અમેરિકા તથા જાપાન પણ ચીનની શોષણખોરીમાં સામેલ થયાં. આમાંથી અફીણ-વિગ્રહો થયા. એમાં ચીન પરાજિત થતાં તેને ભારે આર્થિક તથા પ્રાદેશિક નુકસાન વેઠવું પડ્યું.

ચીનના લોકોએ ચીનની આવી દુર્દશા માટે પુરાણી મંચુ રાજાશાહીને જવાબદાર ગણી. તેથી તેની સામે તાઇપિંગ (મહાન શાંતિ) નામે જાણીતો વિદ્રોહ થયો (1851-64). હુંગ-હસિંઉ-ચુઆનની નેતાગીરી નીચે વિદ્રોહીઓએ રાજધાની પેકિંગનો કબજો લેવા કૂચ કરી, પરંતુ વિદેશી સત્તાઓની સહાયથી મંચુ રાજાશાહીએ તાઇપિંગ વિદ્રોહ દબાવી દીધો. ચીનના જાપાન સાથેના 1894-95ના વિગ્રહમાં ચીનનો સખત પરાજય થતાં તેને પોતાના ઘણા પ્રદેશો ગુમાવવા પડ્યા. વળી ઓગણીસમી સદીના અંતે ચીનમાં મંચુવંશની રાજમાતા ઝૂસી સર્વસત્તાધીશ હતી, પરંતુ તેના વહીવટ દરમિયાન વિદેશી સત્તાઓએ ચીનમાં વધારે આર્થિક અને પ્રાદેશિક લાભો મેળવતાં ચીનના લોકોનો રોષ ઉગ્ર બન્યો અને રાજાશાહી તેમજ ચીનમાંની વિદેશી સત્તાઓ સામે બૉક્સરનો બળવો થયો (1900-1901). એમાં કેટલાક વિદેશીઓની તથા અનેક બળવાખોરોની હત્યા થઈ.

પરંતુ ચીનનો પ્રજામત હવે જાગ્રત બન્યો હતો. મહાન ચીની નેતા ડૉ. સુન-યાત-સેને તુંગ-પેંગ-હુઈ [ક્રાન્તિકારી પક્ષ જે પછીથી કુઓ-મિન તાંગ (રાષ્ટ્રીય) પક્ષ બન્યો.] પક્ષની સ્થાપના કરી. તેનું ધ્યેય મંચુ રાજ્યવંશનો અંત લાવીને ચીનમાં લોકશાહી-સમાજવાદી શાસન સ્થાપિત કરવાનું હતું. યુઆન-શી-કાઈ નામે લશ્કરી નેતાની સહાયથી તથા પ્રચંડ પ્રજાશક્તિથી ડૉ. સુન-યાત-સેને મંચુ રાજાશાહીને ઉથલાવી નાખી. આમ 1911ની ક્રાન્તિથી મંચુ રાજાશાહી તેમજ રાજાશાહી શાસનનો ચીનમાંથી અસ્ત થયો. ત્યારબાદ ચાર વર્ષ સુધી (1911-16) ચીનમાં યુઆન-શી-કાઈની લશ્કરી સત્તા સર્વોપરી રહી, પરંતુ તેના અવસાન સાથે ડૉ. સુન-યાત-સેને ચીનમાં પ્રજાસત્તાકની સ્થાપના કરી અને ચીનને આધુનિક રાષ્ટ્ર બનાવ્યું. 1925માં સુન-યાત-સેનનું અવસાન થતાં ચાંગ-કાઈ-શેક ચીની પ્રજાસત્તાકના વડા બન્યા. જોકે માઓ-ત્સે-તુંગ અને યુતેહની આગેવાની નીચે સામ્યવાદીઓએ લાંબી કૂચ કરી અને પહાડોમાં વસીને પરદેશી જાપાનનો સામનો કર્યો. ત્યારબાદ છેક 1927થી 1949 સુધીનો ચીનનો ઇતિહાસ એ બહુધા ચાંગ-કાઈ-શેકના રાષ્ટ્રીય પક્ષ અને માઓ-ત્સે-તુંગના સામ્યવાદી પક્ષ વચ્ચેના આંતરવિગ્રહનો ઇતિહાસ છે; જેમાં છેવટે 1949માં માઓ-ત્સે-તુંગના સામ્યવાદી પક્ષનો આખરી વિજય થયો અને ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ. ચીને સામ્યવાદી શાસન નીચે રાજકીય, આર્થિક, સામાજિક, શૈક્ષણિક વગેરે ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વની મહાસત્તા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું.

એશિયાના દૂર પૂર્વના દેશોમાં હાલમાં જાપાન સૌથી અગત્યનો વિકસિત દેશ છે. તે દ્વીપોના સમૂહરૂપ દેશ છે. ઓગણીસમી સદીના મધ્ય ભાગ સુધી વિશ્વના દેશો માટે તેનાં દ્વાર બંધ રહ્યાં હતાં. સૌપ્રથમ અમેરિકન અફસર કૉમોડોર પેરીએ 1853-54માં જાપાનમાં પ્રવેશ કર્યો અને અમેરિકા સાથે જાપાનની સૌપ્રથમ સંધિ થઈ (1854). 1866 સુધી જાપાનમાં શૉગૂનશાહી (સામંતશાહી) શાસન હતું, પરંતુ 1867માં મેઈજી (મુત્સુહીટો) જાપાનનો સમ્રાટ બનતાં તેણે શૉગૂનશાહીનો અંત લાવીને જાપાનમાં નવું બંધારણ દાખલ કર્યું. આ મેઈજી-બંધારણે જાપાનનું પશ્ચિમી ઢબે આધુનિકીકરણ કર્યું. આમ મેઈજી યુગ એ જાપાનના પરિવર્તન અને પ્રગતિનો યુગ હતો. ઓગણીસમી સદીના અંત સુધીમાં તો જાપાન સામ્રાજ્યવાદી બન્યું. તેણે ચીનને પરાજય આપ્યો અને તેના કેટલાક પ્રદેશો પડાવી લીધા તથા કોરિયામાં કેટલાક વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત કર્યા. રશિયા સાથેના 1904-1905ના વિગ્રહમાં નાના જાપાને વિરાટકાય રશિયાને પરાજય આપતાં જાપાને સામ્રાજ્યવાદી સત્તાની સાથે વિશ્વસત્તા બનવા પ્રતિ પ્રયાણ કર્યું.

પ્રથમ વિશ્વયુદ્ધમાં જાપાન ઇંગ્લૅન્ડ તથા મિત્રરાષ્ટ્રોને પક્ષે રહેતાં તેને પ્રાદેશિક લાભો થયા તથા તેની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષાને વેગ મળ્યો. આથી તે આર્થિક પ્રગતિની સાથે લશ્કરવાદી શાસન તરફ ઢળ્યું. તેણે રાષ્ટ્રસંઘની અવગણના કરીને કોરિયાનો કબજો લીધો તથા મંચુરિયામાં પોતાની કહ્યાગરી સરકાર સ્થાપી. આવી વિસ્તારવાદી નીતિને પોષવા દ્વિતીય વિશ્વયુદ્ધમાં તે ઇટાલી (મુસોલીની) તથા જર્મની(હિટલર)ના પક્ષે જોડાયું. અલબત્ત દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેણે વીજળીવેગે કૂચ કરીને એશિયાના ભારતની સરહદ સુધીના મ્યાનમાર સહિતના અગ્નિ એશિયામાં ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને મલાયા જેવા ઘણા દેશો કબજે કરી લીધા. પરંતુ પછીથી ઇટાલી અને જર્મનીના પરાજય સાથે છેવટે તેનો પણ પરાજય થયો. તેનાં બે ઔદ્યોગિક શહેરો હિરોશીમા અને નાગાસાકીનો અમેરિકાએ અણુબૉમ્બથી નાશ કરતાં જાપાને શરણાગતિ સ્વીકારી તથા તેને છ વર્ષ (1945થી 1951) સુધી અમેરિકન સેનાપતિ મેક આર્થરના પ્રભુત્વ હેઠળના શાસનમાં રહેવું પડ્યું. પરંતુ ત્યારબાદ જાપાને ભારે ઉદ્યમથી ઔદ્યોગિક, વૈજ્ઞાનિક તથા ટેક્નિકલ ક્ષેત્રે અજોડ પ્રગતિ સાધી અને વિશ્વના સમૃદ્ધ, ઔદ્યોગિક અને વિકસિત દેશોમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું.

કોરિયા દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાં જાપાનને અધીન હતું, પરંતુ ત્યારબાદ તે મુક્ત દેશ બનેલ છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના ઠંડા યુદ્ધને કારણે ઉત્તર કોરિયા સામ્યવાદી વર્ચસ્ હેઠળ, જ્યારે દક્ષિણ કોરિયા અમેરિકન વર્ચસ્ હેઠળ હતું, જેથી બંને વચ્ચે આંતરવિગ્રહ જેવી સ્થિતિ હતી.

એશિયાના અગ્નિકોણના દેશોમાં વિયેટનામ (હિન્દી ચીન), કંબોડિયા, લાઓસ, સિયામ (થાઇલૅન્ડ), મલાયા, ઇન્ડોનેશિયા, સિંગાપુર, ફિલિપાઇન્સ, મ્યાનમાર વગેરે દેશોનો સમાવેશ થાય છે. અગ્નિ-એશિયાના આ દેશોનો પ્રાચીન ઇતિહાસ એટલે ભારતના વ્યાપારિક અને સાંસ્કૃતિક સામ્રાજ્યનો પ્રભાવ અને પ્રસારનો ઇતિહાસ કહી શકાય. તેથી પ્રાચીન યુગમાં આ દેશો વિશાળ ભારતને નામે જાણીતા થયેલા. જાવામાંનો બોરોબુદુરનો વિશ્વવિખ્યાત બૌદ્ધ સ્તૂપ તથા કમ્બોડિયા(કંબોજ)માંનું અંગકોરવાટનું વિશ્વપ્રસિદ્ધ વિષ્ણુમંદિર આ પ્રદેશમાં ભારતીય સંસ્કૃતિના પ્રભાવ અને પ્રસારનાં સ્મારકો છે. બાલીમાં હિન્દુ ધર્મ હાલ જીવંત છે.

એક ઉત્કૃષ્ટ મંદિરસંકુલ –
અંગકોરવાટ(કંબોડિયા, 12મી શતાબ્દી)

વિયેટનામ પહેલાં હિન્દી ચીન (ફ્રેન્ચ ઇન્ડો-ચાઇના) તરીકે ઓળખાતો દેશ હતો. તે ફ્રેન્ચોના આધિપત્ય નીચે હતો. લાઓસ અને કમ્બોડિયા તેનાં અંગ હતાં. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ વિશ્વના દેશો મુખ્યત્વે બે બળિયાં જૂથો (1) અમેરિકાના પ્રભાવ તળેના દેશો અને (2) સોવિયેત રશિયા અને સામ્યવાદી ચીનના પ્રભાવ હેઠળના દેશોમાં વિભાજિત થતાં વિશ્વમાં ઠંડા યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ. પરિણામે ફ્રેન્ચ ઇન્ડો-ચાઇનાએ આઝાદી પ્રાપ્ત કર્યા બાદ ઉત્તર વિયેટનામ સામ્યવાદની અસર તળે તથા દક્ષિણ વિયેટનામ અમેરિકાના પ્રભાવ હેઠળ આવ્યું. રાષ્ટ્રપ્રમુખ ડૉ. હો-ચી-મિન્હના નેતૃત્વ હેઠળ ઉત્તર વિયેટનામે ઝડપી પ્રગતિ સાધી, જ્યારે દક્ષિણ વિયેટનામ પ્રમાણમાં પછાત રહ્યું. મહાસત્તાઓની પ્રેરણા નીચે બંને વચ્ચે આંતરવિગ્રહ ચાલુ રહ્યો, જેથી હો-ચી-મિન્હ વિયેટનામની એકતા સાધી શક્યા નહિ, પરંતુ આ આંતરવિગ્રહમાં દક્ષિણ વિયેટનામના પક્ષે સંડોવાયેલા અમેરિકાને ભારે માનવખુવારી સાથે પીછેહઠ કરવી પડી. ઉત્તર વિયેટનામના વિયેકટોંગ નામના ગેરીલા દળે દક્ષિણ વિયેટનામની સરકારને અત્યંત પરેશાન કરી. હો-ચી-મિન્હનું 1969માં અવસાન થયું તોપણ ઉત્તર વિયેટનામનો જુસ્સો અણનમ રહ્યો. 1973માં યુદ્ધવિરામ થતાં વિયેટનામમાં શાંતિ સ્થપાઈ. ડૉ. હો-ચી-મિન્હ વિયેટનામના રાષ્ટ્રપિતા ગણાય છે.

ઇન્ડોનેશિયા જાવા, સુમાત્રા સહિત નાનામોટા અનેક દ્વીપસમૂહનો દેશ છે. તે દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાં હોલૅન્ડ(ડચ)ના આધિપત્ય હેઠળ હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ ઇન્ડોનેશિયાએ તેના નેતા સુકર્ણોના નેતૃત્વ હેઠળ આઝાદી પ્રાપ્ત કરી. તેમાં રબર, ગરમ મસાલા વગેરે પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેથી ઇન્ડોનેશિયા ગરમ મસાલાના ટાપુઓનો દેશ પણ કહેવાય છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રીય પક્ષના નેતા ડૉ. સુકર્ણોના રાષ્ટ્રપ્રમુખપદ હેઠળ દેશે નોંધપાત્ર પ્રગતિ સાધી. દેશમાં સામ્યવાદ વિરુદ્ધના ભારે આંદોલનના પરિણામે સુકર્ણોની પ્રતિષ્ઠાને નુકસાન થતાં તેને પદત્યાગ કરવાની ફરજ પડી અને તેને સ્થાને જનરલ સુહાર્તો નવા રાષ્ટ્રપ્રમુખ બન્યા (1967). તેમના નેતૃત્વ હેઠળ ઇન્ડોનેશિયાની પ્રગતિ ચાલુ રહી. સ્વાધીન ઇન્ડોનેશિયાના ઇતિહાસનો સૌથી મહત્વનો પ્રસંગ 1955ની બાંડુંગ પરિષદ કહી શકાય. ડૉ. સુકર્ણોના નિમંત્રણથી ઇન્ડોનેશિયાના બાંડુંગ શહેરમાં આફ્રો-એશિયાનાં સ્વાધીન રાષ્ટ્રોના પ્રતિનિધિઓની આ પરિષદ યોજવામાં આવી. તેમાં 29 રાષ્ટ્રોના 340 પ્રતિનિધિઓએ ભાગ લીધો. 29 રાષ્ટ્રોમાં 23 એશિયાનાં અને 6 આફ્રિકાનાં હતાં. ભાગ લેનારામાં મુખ્ય – ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ચીનના વડાપ્રધાન ચાઉ-એન-લાઈ, ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ નાસર વગેરે હતા. જવાહરલાલ નહેરુએ આ પરિષદમાં વિદેશનીતિનો પંચશીલનો સિદ્ધાંત રજૂ કરેલો.

દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ મલાયા અને સિંગાપુર જાપાનના આધિપત્યથી મુક્ત થયા. તે પહેલાં તે બ્રિટનના આધિપત્ય હેઠળ હતા, 1947ની સમજૂતી બાદ મલાયા આઝાદ રાષ્ટ્ર બન્યું. જ્યારે મલેશિયાના ભાગ તરીકે રહેલું સિંગાપુર સ્વશાસિત રાજ્ય ઘોષિત થયું. વડાપ્રધાન ટૂન્કુ અબ્દુલ રહેમાનના  શાસનકાળમાં મલાયાએ તથા વડાપ્રધાન લીકુઆન યૂના શાસન દરમિયાન સિંગાપુરે સારી પ્રગતિ કરી. છેવટે 1965માં સિંગાપુર મલેશિયાથી તદ્દન અલગ થઈ ગયું અને એક સ્વતંત્ર ગણરાજ્ય બન્યું. તેની 75 ટકા જેટલી વસ્તી ચીની લોકોની છે. સિંગાપુર હિન્દી મહાસાગર અને પૅસિફિક મહાસાગરની વચ્ચે આવેલું વિશ્વનું સૌથી સમૃદ્ધ શહેર અને મુક્ત બંદર છે. ત્યાં દર મહિને 1,500 ઉપરાંત વેપારી તથા પ્રવાસી જહાજો આવજા કરે છે. સિંગાપુરના વિકાસમાં તેના પ્રથમ વડાપ્રધાન લી-કુઆન-થૂનું સૌથી મોટું પ્રદાન છે.

સિયામે 1939માં પોતાના રાષ્ટ્રનું નામ થાઇલૅન્ડ (થાઇ પ્રજાનો દેશ) રાખ્યું. તે દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાન સાથે સામેલ થયેલું. તેથી તેને સહન કરવું પડેલું. પરંતુ 1947માં તે સંપૂર્ણ મુક્ત થયું અને સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય બન્યું. પ્રથમ દશકા (1947-57) દરમિયાન ટિબુન સોંગ્રામના વડાપ્રધાનપદ હેઠળ તથા ત્યારબાદ લશ્કરી નેતા સારિતના પ્રમુખપદ હેઠળ થાઇલૅન્ડે નોંધપાત્ર વિકાસ સાધ્યો. રાજધાની બૅંગકોકનો વિશાળ રસ્તાઓ, સમૃદ્ધ બજારો, અદ્યતન હોટલો, ફુવારા, બાગ-બગીચાઓ વગેરેથી વિશ્વનું આગળ પડતું આધુનિક શહેર બનાવવામાં આવ્યું.

ફિલિપાઇન્સ પર ત્રણ સદી (1571-1898) સુધી સ્પેનનું શાસન રહ્યું. મે સે રિઝાલે સુધારા અને સ્વાતંત્ર્યની માગણી કરતાં તેને મૃત્યુદંડની સજા કરવામાં આવી. તેની શહીદી બાદ ફિલિપાઇન્સમાં ક્રાન્તિકારી ચળવળ વેગીલી બની. 1898માં અમેરિકા-સ્પેન વચ્ચેના વિગ્રહમાં સ્પેનનો પરાજય થતાં સ્પેને ફિલિપાઇન્સ ગુમાવ્યું અને ત્યાં અમેરિકાનું આધિપત્ય સ્થપાયું. ફિલિપાઇન્સ પરના અમેરિકાના 43 વર્ષના (1898-1941) વહીવટ હેઠળ ફિલિપાઇન્સે રાજકીય, આર્થિક, સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી. 1946માં ફિલિપાઇન્સ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું અને તેના રાષ્ટ્રપ્રમુખ ક્વિઝિનોના શાસન હેઠળ ફિલિપાઇન્સ એકંદરે પ્રગતિશીલ દેશ બન્યો. 1966-83 દરમિયાન દેશમાં ફર્દિનંદ માર્કોસનું નિરંકુશ શાસન હતું. 1981માં થયેલ સામાન્ય ચૂંટણીમાં વ્યાપક ગેરરીતિઓની મદદથી માર્કોસ ફરી પ્રમુખ તરીકે ચૂંટાયેલા તેની સામે પ્રજામાં વિરોધ થયો. 1983માં વિરોધ પક્ષના પ્રમુખ નેતા બેનિગ્નો ઍક્વિનો સ્વદેશ પાછા ફર્યા ત્યારે વિમાન મથકે તેમની હત્યા કરવામાં આવી. 1989થી બેનિગ્નો ઍક્વિનોનાં પત્ની કોરાઓન ઍક્વિનો દેશના પ્રમુખ બન્યા હતા.

ડેગોન પેગોડા, યોં ગોન (રંગૂન), મ્યાનમાર

પ્રાચીન યુગમાં સુવર્ણભૂમિ તરીકે ઓળખાતા મ્યાનમારને 1935ના કાયદા હેઠળ ભારતથી અલગ કરીને બ્રિટિશ પાર્લમેન્ટના સીધા આધિપત્ય હેઠળ મૂકવામાં આવ્યું. તે પછી મ્યાનમારનું મુક્તિ-આંદોલન વધારે વેગીલું બન્યું. જોકે 1935ના દાયકાથી મ્યાનમારને સ્થાનિક સ્વરાજ્ય મળ્યું હતું, તોપણ પૂર્ણ સ્વરાજ્ય માટેનું આંદોલન ચાલુ રહ્યું અને દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ મ્યાનમાર સંપૂર્ણ સ્વાયત્ત દેશ બન્યો. ઊ નૂના મંત્રીમંડળ હેઠળ મ્યાનમારે આર્થિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે સારી પ્રગતિ કરી. તેની વસ્તીના 90 ટકા જેટલા લોકો બૌદ્ધ ધર્મ પાળતા હોવાથી મ્યાનમારને સોનેરી પેગોડાઓનો દેશ પણ કહેવામાં આવે છે. સામ્યવાદીઓ અને બૌદ્ધધર્મીઓ વચ્ચેના આંતરવિગ્રહમાં મ્યાનમારને ઘણું સહન કરવું પડ્યું. લશ્કરી નેતા નેવિને દેશની અરાજકતા દૂર કરી દેશમાં શાંતિ સ્થાપી. ને વિને દેશની અર્થવ્યવસ્થા પણ સ્થિર કરી અને રંગૂનને અદ્યતન શહેર બનાવ્યું.

દક્ષિણ એશિયાના દેશો : ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા તથા નેપાળ વિશે અલગ અલગ માહિતી જે તે દેશના શીર્ષક હેઠળ આપવામાં આવી છે. તેથી આ દેશોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો નથી. આમ એશિયાના વિશાળ ખંડમાં આવેલા અનેક દેશોમાં રાજકીય તથા ભૌગોલિક ભિન્નતા હોવા છતાંય સાંસ્કૃતિક ર્દષ્ટિએ તેમાં ઘણી સમાનતા છે. એ રીતે એશિયા એ પૌરસ્ત્ય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર છે.

બાદશાહી મસ્જિદ, લાહોર

રાજકીય : વિશ્વનો આ સૌથી મોટો ખંડ 48 દેશો ધરાવે છે. ઇતિહાસકારોની નજરે તે વિશ્વની ‘સંસ્કૃતિઓનું પારણું’ છે. આદિમ સંસ્કૃતિથી આરંભીને સુસંસ્કૃત અને સભ્યજીવન તરફની માનવજાતની પ્રગતિનો તે સાક્ષી છે. આદિમ સમાજોમાંથી વિશાળકાય અને વિવિધ રાજ્યોનું ઘડતર કરવાની પ્રક્રિયાનો દીર્ઘ અને તળપદો ઇતિહાસ તે ધરાવે છે. ઊંચામાં ઊંચી ટોચ ધરાવતા પર્વતો અને લાંબામાં લાંબી નદીઓ આ ખંડ ધરાવે છે. તે સૌથી નીચી ભૂમિ અને સપાટી, મૃત સમુદ્રકાંઠો (the shore of the Dead Sea) અને સૌથી વધુ વરસાદી સ્થાન, સૌથી વધુ ઠંડા સ્થાન વરખોયાન્સ્ક અને ઓઝમ્યાકોન (સાઇબીરિયા) ધરાવે છે. તેના સમગ્ર વિસ્તારને 6 મુખ્ય વિભાગોમાં વહેંચી શકાય; જેમાં (1) ઉત્તર એશિયા, (2) દક્ષિણ એશિયા, (3) પૂર્વ એશિયા, (4) પશ્ચિમ એશિયા, (5) મધ્ય એશિયા અને (6) અગ્નિ એશિયાનો સમાવેશ થાય છે.

(1) ઉત્તર એશિયા : સાઇબીરિયાના અત્યંત ઠંડા પ્રદેશો આ ક્ષેત્રમાં આવે છે. આ વિસ્તાર યુરોપકેન્દ્રી રશિયાનો ભાગ ગણાય છે.

(2) દક્ષિણ એશિયા : આ વિસ્તાર મુખ્યત્વે દ્વીપકલ્પ છે. હિમાલયની પર્વતમાળાને કારણે એશિયાના અન્ય વિસ્તારોથી નોખો તરી આવે છે. તેમાં મુખ્ય દેશ ભારત હોવા ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવના ટાપુઓનો સમાવેશ થાય છે.

(3) પૂર્વ એશિયા : પાંચ રાષ્ટ્રોથી રચાયેલો આ વિસ્તાર બેસુમાર વૈશ્વિક પ્રભાવ ધરાવે છે. આ વિસ્તારમાં ચીન (જેની વસ્તી માનવજાતનો પાંચમો ભાગ છે), જાપાન [વિશ્વમાં બીજા ક્રમાંકની કાચી રાષ્ટ્રીય પેદાશ (Gross National Product – GNP) ધરાવે છે], તાઇવાન, ઉત્તર કોરિયા અને દ. કોરિયાનો સમાવેશ થાય છે. 2000માં હૉંગકૉંગનું બ્રિટિશ સંસ્થાન અને મકાઉનું પૉર્ટુગીઝ સંસ્થાન ચીનને પરત કરવામાં આવ્યા.

(4) પશ્ચિમ એશિયા : એશિયાના મોટાભાગના અભ્યાસીઓ આ વિસ્તારને પશ્ચિમ એશિયા યા દક્ષિણ પશ્ચિમ (નૈર્ઋત્ય એશિયા) તરીકે ઓળખાવે છે. ઓગણીસમી સદી અને તે પૂર્વે આ વિસ્તાર મધ્યપૂર્વ તરીકે ઓળખાતો હોવાથી ‘નૅશનલ જ્યૉગ્રાફિક’ તેને ધ લૅન્ડ ઑવ્ નિયર-ઈસ્ટ તરીકે ઓળખાવતું હતું. તેમાં અફઘાનિસ્તાન, ઇઝરાયલ, ઇરાક, ઈરાન, ઓમાન, કતાર, કુવૈત, જૉર્ડન, તુર્કી, બહેરીન, લૅબેનોન, યેમન, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, સાયપ્રસ તથા સીરિયાનો સમાવેશ થાય છે. વધુમાં 1991માં સોવિયેત સંઘનું વિઘટન થતાં આર્મેનિયા, આઝરબૈજાન અને જ્યૉર્જિયા – એમ ત્રણ રાજ્યો આ વિસ્તારમાં સામેલ થયાં. આમ આ વિસ્તારમાં કુલ 19 દેશો આવેલા છે.

(5) મધ્ય એશિયા : આ ક્ષેત્રનો મોટો વિસ્તાર સદીઓથી સોવિયેત સંઘ દ્વારા આવરી લેવાયો હતો; પરંતુ 1991માં સોવિયેત સંઘના વિઘટનને કારણે મધ્ય એશિયામાં પાંચ નવાં રાષ્ટ્રો – કઝાખિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કિર્ગિઝસ્તાન અને તઝાકિસ્તાન – ઉદભવ્યાં. આ ઉપરાંત છઠ્ઠું મૉંગોલિયાનું રાજ્ય પણ આ જ વિસ્તારમાં સ્થિત છે. રણો અને પર્વતોથી બનેલા આ વિસ્તારમાં ઉપજાઉ કે ફળદ્રૂપ જમીનનું પ્રમાણ ઓછું છે.

(6) અગ્નિ એશિયા : મુખ્યત્વે હિંદી ચીનથી ઓળખાતો આ વિસ્તાર અનેક ટાપુઓનો બનેલો છે. મ્યાનમાર (બર્મા-બ્રહ્મદેશ), થાઇલૅન્ડ, લાઓસ, કંબોડિયા, વિયેટનામ, મલેશિયા, સિંગાપુર, ઇન્ડોનેશિયા, ઈસ્ટ તિમોર, બ્રુનેઈ અને ફિલિપાઇન્સ મળી કુલ 11 દેશોનો સમાવેશ આ વિસ્તારમાં થાય છે. સમૃદ્ધ ખનિજસંપત્તિ, ફળદ્રૂપ જમીન અને જંગલો તે ધરાવે છે.

પંદરમી સદી સુધી એશિયાના આ દેશો સ્વશાસન ધરાવતા હતા. તેમાંના મોટાભાગના દેશો સમૃદ્ધ કૃષિને કારણે પશ્ચિમના દેશો સાથે તેજાના અને રેશમ જેવી વસ્તુઓનો બહોળો નિકાસ વ્યાપાર ધરાવતા હતા અને આર્થિક રીતે સમૃદ્ધ હતા. આ એશિયાઈ સમૃદ્ધિ મેળવવાની મહેચ્છા યુરોપના વિવિધ દેશો પર સવાર થતાં 1500 બાદ તેમનું આક્રમણ શરૂ થયું. સૌપ્રથમ પૉર્ટુગીઝોએ હિંદી મહાસાગરના વિસ્તારમાં પ્રવેશ કર્યો અને વ્યાપાર માટે ચીનનું મકાઉ બંદર મેળવ્યું (જે 1999માં ચીનને પરત સોંપવામાં આવ્યું અને ત્યારથી તે ચીનનો વિશિષ્ટ વહીવટી વિસ્તાર બન્યું છે.). 1565માં ફિલિપાઇન્સમાં સ્પેનનો, 1600માં ભારતમાં અંગ્રેજોનો, 1619માં જાવામાં ડચ-હોલૅન્ડનો પ્રવેશ થયો. ત્યારબાદ ઇન્ડોનેશિયા અને અગ્નિ એશિયાના વિસ્તારોમાં અંગ્રેજો અને અન્ય યુરોપીય સત્તાઓ પ્રવેશી. સૌથી મોડે છેક 1842માં યુરોપીય સત્તાઓ ચીનમાં પ્રવેશી. પ્રારંભે તે માત્ર તીવ્ર વ્યાપારી સ્પર્ધા સાથે સંકળાયેલી હતી, જે ક્રમશ: રાજકીય પ્રભુત્વની હોડમાં રૂપાંતર પામી. એ સાથે ઉપર્યુક્ત પ્રદેશોમાં સંસ્થાનો સ્થાપવાની તીવ્ર સ્પર્ધાનો યુગ શરૂ થયો. બ્રિટને પશ્ચિમ એશિયામાં, રશિયાએ ચીન-મંચુરિયા ધરાવતા કેન્દ્રીય એશિયામાં, ફ્રેંચોએ હિંદી ચીનમાં થાણાં નાંખ્યાં. સ્પેન-અમેરિકા વચ્ચેના યુદ્ધમાં સ્પેન પાસેથી 1896માં અમેરિકાએ ફિલિપાઇન્સ મેળવ્યું.

આમ, એશિયાના વિવિધ દેશો પર સંસ્થાનવાદનો ભરડો વ્યાપક બન્યો. તે પછી એશિયાના લગભગ તમામ દેશો વિદેશી શાસનના સામ્રાજ્યવાદ અને શોષણનો ભોગ બન્યા. જાપાને 1889માં બંધારણીય રાજાશાહી સ્થાપી અને પૂર્વ એશિયાની મોટી સત્તા બન્યું. 1894 અને 1905 વચ્ચે ચીન અને રશિયા સાથે યુદ્ધો કરી તાઇવાન ટાપુ કબજે કર્યો તથા મંચુરિયા અને કોરિયામાં પ્રવેશ કર્યો અને અગ્નિ એશિયામાં જાપાન આગળ વધ્યું. બીજા વિશ્વયુદ્ધ (1939-45) સમયે 1941માં તે નાઝી જર્મની સાથે જોડાયું. સામ્રાજ્ય સ્થાપનારા પશ્ચિમી દેશોએ એશિયાની સમૃદ્ધ કૃષિ તથા સાધનસંપત્તિનું શોષણ કર્યું અને તે દ્વારા આ પ્રદેશોનો આર્થિક વિકાસ રૂંધ્યો, તેની મૌલિક સ્વશાસનની સંસ્થાઓ કચડી નાંખી, સમાજ અને રાજ્યવ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાંખ્યા. વસાહતવાદીઓએ સાંસ્થાનિક દેશોના માલિક બની કાચો માલ ઘસડી લઈ તૈયાર માલ માટેના વપરાશકારો અને બજારો ઊભાં કર્યાં તેમજ આર્થિક લાભ ઉસેટતા રહ્યા. આ લાંબા સામ્રાજ્યવાદી શાસને વિકાસશૂન્યતાનો વારસો છોડ્યો. પરિણામે એક જમાનામાં સૌથી મોટા અને સમૃદ્ધ દેશો ધરાવતો એશિયા ખંડ ગરીબીના વિષચક્રમાં ફસાયો. સ્વાતંત્ર્ય મેળવ્યા બાદ આ તમામ દેશો ભારે ગરીબીનો સામનો કરી રહ્યા છે. મોટાભાગના દેશોને વિશ્વબૅંકે ‘નિમ્ન આવકના દેશો’ના વર્ગમાં મૂક્યા છે. સમૃદ્ધ સાધનસંપત્તિ છતાં ગરીબ રહેલા આ દેશોની ગરીબીનાં મુખ્ય કારણો સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ હતાં.

યુરોપની સંસ્કૃતિ અને રાજ્યો સાથેનો સુદીર્ઘ અને ગાઢ પરિચય પાશ્ચાત્ય વર્ચસની સાથે નવી વિચારધારા, વાહન અને સંદેશાવ્યવહારનાં અદ્યતન સાધનોના પરિચયમાં પરિણમ્યો. વિદેશીઓનો બહિષ્કાર અને સ્વવિકાસની ઝંખના સાથે એશિયામાં રાષ્ટ્રવાદ બુલંદ બનવા લાગ્યો. કોઈ ને કોઈ સ્વરૂપે આ દેશોમાં રાષ્ટ્રવાદી લડતો આરંભાઈ.

બીજા વિશ્વયુદ્ધના અંત સાથે નબળા પડેલાં પાશ્ચાત્ય રાજ્યોએ રાજકીય સામ્રાજ્યવાદને સમેટવાનું મુનાસિબ માન્યું. એશિયાઈ રાષ્ટ્રવાદમાં ઉછાળો આવ્યો. 1943થી 1949નાં વર્ષોમાં મ્યાનમાર (બર્મા), ભારત, ઇન્ડોનેશિયા, જૉર્ડન, લૅબેનોન, ફિલિપાઇન્સ અને શ્રીલંકા (સિલોન) સંસ્થાનો મટી રાષ્ટ્રરાજ્યો બન્યાં. ઇઝરાયલ અને પાકિસ્તાનનાં નવાં રાષ્ટ્રો રચાયાં. તેનાં થોડાં વર્ષો બાદ હિંદી ચીન વિસ્તારનાં ફ્રેંચ સંસ્થાનો સ્વતંત્ર રાષ્ટ્રો બન્યાં. ચીન અને મૉંગોલિયાએ સામ્યવાદી વિચારધારાનો સ્વીકાર કર્યો. ઉત્તર અને દક્ષિણ કોરિયા, વિયેટનામ, કંબોડિયા, લાઓસ વગેરે દેશોમાં સામ્યવાદી વિચારધારાનો ભારે વૈચારિક પ્રભાવ રહ્યો. ફ્રેંચોએ હિંદી ચીન વિસ્તારોનું શાસન છોડ્યું ત્યારે આ દેશો સંઘર્ષને માર્ગે ચાલ્યા. 1976માં ઉત્તર અને દક્ષિણ વિયેટનામનું એકીકરણ થયું. 1978માં અફઘાનિસ્તાન પર સોવિયેત સંઘના નેજા હેઠળ સામ્યવાદી વર્ચસ્ શરૂ થયું અને 1989થી તે ગૃહયુદ્ધમાં ફસાયું. તાલિબાન શાસનની જોહુકમી સાથે ત્યાં અત્યંત રૂઢિચુસ્ત મુસ્લિમ શાસન સ્થિર થયું, જે ક્રમશ: આતંકવાદી પુરવાર થયું અને 2001માં અમેરિકાના ટેકાથી નૉર્ધન એલાયન્સની સરકાર રચાઈ. જો કે અમેરિકાએ 2021માં સૈન્ય પાછું ખેંચી લીધું તેથી અફઘાનિસ્તાનમા ફરીથી તાલીબાની શાસનનો ઉદય થયો.

સ્વરાજ્ય-પ્રાપ્તિ સાથે આ એશિયાઈ દેશોની સ્વવિકાસની ઝંખના તીવ્ર બની અને આધુનિક વિકાસની દિશામાં તેમણે ગતિ આરંભી. આ નવી ઊભરતી રાજકીય પ્રથાઓ આર્થિક અને ઔદ્યોગિક વિકાસની તાતી જરૂરિયાત અનુભવે છે. ઔદ્યોગિક વિકાસની ઝંખના અને ટાંચાં સાધનો વચ્ચે મેળ બેસાડવાની મથામણ આ દેશોમાં ચાલી રહી છે. મોટાભાગના દેશો વિકસતાં રાષ્ટ્રો છે. કેટલાક જાપાન, દક્ષિણ કોરિયા અને મ્યાનમાર જેવા થોડા વિકસિત દેશો છે તો બંને કક્ષાઓની સીમારેખાઓ વચ્ચે આવતા મલેશિયા, ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડ જેવા મધ્યમ વિકાસ ધરાવતા દેશો પણ છે.

સંસ્થાનવાદ-સામ્રાજ્યવાદનો અંત, રાજકીય સ્વાતંત્ર્યની પ્રાપ્તિ અને આર્થિક વિકાસની તીવ્ર ઝંખનાને કારણે એશિયાના દેશોમાં નવી ક્ષિતિજો ઉઘાડ પામી છે. એથી ભારે સામાજિક પરિવર્તનોનો આરંભ થયો છે. એ સાથે અતિતીક્ષ્ણ વૈવિધ્યને કારણે વાંશિક સમસ્યાઓ વકરી રહી છે. રાષ્ટ્રનિર્માણ અને રાજ્યનિર્માણમાં ઠીક ઠીક અંશે સફળ રહેલાં આ નવોદિત રાષ્ટ્રો આર્થિક વિકાસની દિશામાં મૂંઝારો અનુભવી રહ્યાં છે. અપ્રમાણસરનો વિકાસ નવી સમસ્યાઓ ઊભી કરી તેમને વધુ ને વધુ મૂંઝવી રહ્યો છે. ઔદ્યોગિકતા દ્વારા આધુનિકતાની શોધ કરતાં આ રાજ્યો સંક્રાંતિકાલીન તબક્કો ઓળંગી જવા તત્પર છે. સંકીર્ણ રાજકારણ, નોકરશાહીનું વર્ચસ્, ચીજવસ્તુઓની અછત અને ભ્રષ્ટાચારનું રાજકારણ પ્રજાની આકાંક્ષાઓ સાથે મેળ બેસાડી શક્યાં નથી, પરિણામે વિકાસની સાચી દિશાની શોધ હજુ ચાલુ જ છે. જો આ ખંડ અપેક્ષિત વિકાસ સાધી શકે તો એકવીસમી સદી કદાચ એશિયાની હશે પણ ખરી.

રમણલાલ ક. ધારૈયા

શિવપ્રસાદ રાજગોર

રક્ષા મ. વ્યાસ