એશિયન રમતોત્સવ : એશિયન રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય ભારતના ઑલિમ્પિક સમિતિના સભ્ય અને ભારતસરકારના યુવક કલ્યાણ વિભાગના સલાહકાર જી. ડી. સોંધીને ફાળે જાય છે. તે મક્કમપણે માનતા હતા કે જો દર ચાર વર્ષે અને બે ઑલિમ્પિક રમતોત્સવની વચ્ચે એશિયા ખંડના દેશો માટે જો કોઈ રમતોત્સવ શરૂ કરવામાં આવે તો એશિયાના દેશોનું રમતનું ધોરણ ઊંચું આવે, શાંતિ તથા મૈત્રીની ભાવના જાગે તેમજ પછીના ઑલિમ્પિક માટે ખેલાડીઓને પસંદ કરી યોગ્ય તાલીમ પણ આપી શકાય. 1948માં લંડન મુકામે યોજાયેલા ઑલિમ્પિક રમતોત્સવ દરમિયાન તેમણે 8મી ઑગસ્ટના રોજ લંડનની માઉન્ટ રૉયલ હોટેલમાં એશિયાના જુદા જુદા દેશના પ્રતિનિધિઓની એક સભા ભરી હતી. આ સભામાં તેમણે એશિયાકક્ષાએ રમતગમતમંડળની સ્થાપના કરવાની અને દર ચાર વર્ષે એશિયન રમતોત્સવ યોજવાની બાબતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને હાજર રહેલા કોરિયા, ચીન, બર્મા, સિલોન, ફિલિપાઇન્સ અને જાપાનના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક આવકાર્યો હતો. પતિયાલાના મહારાજ યાદવેન્દ્રસિંહે એશિયન ગેઇમ્સ ફેડરેશનની રચના માટે આગેવાની લીધી. તેમના નિમંત્રણથી એશિયાના બધા દેશોના પ્રતિનિધિઓની સભા 13 ફેબ્રુઆરી, 1949ના રોજ દિલ્હી મુકામે યોજાઈ. આ સભાએ એશિયન ગેઇમ્સ ફેડરેશનનું બંધારણ તૈયાર કરી પ્રથમ એશિયન રમતોત્સવ ભારતમાં 1950માં યોજવાનું નક્કી કર્યું. પરંતુ નાણાકીય તેમજ અન્ય કારણોસર આ રમતોત્સવ 1950ને બદલે 1951ની 4 માર્ચે દિલ્હીના નૅશનલ સ્ટેડિયમમાં યોજવામાં આવ્યો હતો.

પ્રથમ એશિયન રમતોત્સવમાં 11 દેશોના 600 ખેલાડીઓએ 6 રમતોમાં ભાગ લીધો હતો. આ રમતોત્સવનું ઉદઘાટન ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે કર્યું હતું. 1924માં ભારત તરફથી ઑલિમ્પિકમાં ભાગ લેનાર બ્રિગેડિયર દલિપસિંહે આતશજ્યોત પ્રજ્વલિત કરી હતી અને ભારતીય દલના કપ્તાન બલદેવસિંહે બધા ખેલાડીઓ વતી શપથ લીધા હતા. આ રમતોત્સવમાં એથ્લેટિક્સ, તરણ, વેઇટ લિફ્ટિંગ, સાઇક્લિગં, ફૂટબૉલ અને બાસ્કેટ બૉલની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ભારતના લેવી પિંટોએ 100 મીટર અને 200 મીટરમાં સુવર્ણચંદ્રક મેળવીને સરસ દેખાવ કર્યો હતો અને ફૂટબૉલમાં ભારતે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. સમગ્ર રીતે જાપાન પ્રથમ અને ભારત દ્વિતીય સ્થાને આવ્યું હતું. પતિયાલાના મહારાજાએ સમાપનવિધિ કરી હતી. આ રમતોત્સવને સફળ બનાવવામાં ભારતના રમતપ્રેમી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ ખૂબ જ સહકાર આપ્યો હતો. આ રમતોત્સવના મુખ્ય વ્યવસ્થાપક તરીકેની જવાબદારી ઍન્થની ડિ’મેલોએ નિષ્ઠાપૂર્વક સંભાળી હતી.

બીજો એશિયન રમતોત્સવ 1954માં ફિલિપાઇન્સના પાટનગર મનિલામાં યોજવામાં આવ્યો હતો, એમાં 18 દેશોના 1,021 ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાઇક્લિગંની રમત રદ કરવામાં આવી હતી અને તેની જગ્યાએ કુસ્તી, બૉક્સિગં અને શૂટિંગની રમતો ઉમેરવામાં આવી હતી. જાપાન 38 સુવર્ણચંદ્રકો સાથે પ્રથમ સ્થાને અને ભારત 5 સુવર્ણચંદ્રકો સાથે ચોથા સ્થાને આવ્યું હતું; જ્યારે બીજું અને ત્રીજું સ્થાન અનુક્રમે ફિલિપાઇન્સ અને કોરિયાને ફાળે ગયાં હતાં. ત્રીજો એશિયન રમતોત્સવ 1958માં જાપાનના પાટનગર ટોકિયોમાં યોજાયો હતો. આ રમતોત્સવમાં 20 દેશોના 1,422 ખેલાડીઓએ 13 રમતોમાં ભાગ લીધો હતો. હૉકીને પ્રથમ વાર સામેલ કરવામાં આવી હતી. પરંતુ સુવર્ણચંદ્રક મેળવવાનું શ્રેય પાકિસ્તાનને ફાળે ગયું હતું. ભારતના મિલ્ખાસિંઘે 200 મીટર અને 400 મીટરમાં નવા વિક્રમો સાથે પ્રથમ આવીને ‘ઊડતા શીખનું’ ઉપનામ મેળવ્યું હતું. જાપાને 68 સુવર્ણચંદ્રકો સાથે પોતાની સર્વોપરિતા જાળવી રાખી હતી. ભારત 5 સુવર્ણ, 4 રજત અને 4 કાંસ્યચંદ્રકો મેળવીને સાતમા સ્થાને આવ્યું હતું.

ચોથા એશિયન રમતોત્સવનું આયોજન 1962માં ઇન્ડોનેશિયાના જાકાર્તા શહેરમાં કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં 17 દેશોના 1,545 રમતવીરોએ ભાગ લીધો હતો. ભારતે સાત રમતોમાં ભાગ લીધો હતો. ભારતના કુસ્તીબાજો 3 સુવર્ણ, 6 રજત અને 3 કાંસ્યચંદ્રક મેળવવામાં સફળ રહ્યા હતા. મિલ્ખાસિંઘે 400 મીટરમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ભારત ફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવીને ફરીથી એશિયન ફૂટબૉલ ચેમ્પિયન બન્યું હતું. સમગ્ર રીતે ભારતનો દેખાવ સારો રહ્યો હતો અને 11 સુવર્ણ, 13 રજત અને 10 કાંસ્યચંદ્રકો સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પાંચમો રમતોત્સવ 1966માં થાઇલૅન્ડના પાટનગર બૅંગકોક મુકામે યોજાયો હતો. આ રમતોત્સવમાં 18 દેશોના 1,945 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે 11 રમતોમાં ભાગ લીધો હતો. હૉકીમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું અને પાકિસ્તાનને હરાવીને પ્રથમ વાર ‘એશિયન ચૅમ્પિયન’ બન્યું હતું. ભારતના દોડવીર અજમેરસિંઘે 400 મીટરમાં સુવર્ણ અને 200 મીટરમાં રજતચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. જાપાન 78 સુવર્ણચંદ્રકો સાથે મોખરે રહ્યું હતું અને ભારત 7 સુવર્ણ, 3 રજત અને 11 કાંસ્યચંદ્રકો સાથે પાંચમા સ્થાને આવ્યું હતું.

1970માં આ રમતોત્સવ દક્ષિણ કોરિયાના સિયોલ મુકામે યોજાવાનો હતો પરંતુ તેમની અસમર્થતાને કારણે ફરીથી બૅંગકોક મુકામે જ છઠ્ઠો રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં 18 દેશોના 1,572 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે 11 રમતોમાં ભાગ લીધો હતો. એથ્લેટિક્સમાં ભારતે 4 સુવર્ણ, 5 રજત અને 5 કાંસ્યચંદ્રકો મેળવીને સારો દેખાવ કર્યો હતો. 400 મીટરની દોડમાં તાઇવાનની મહાન મહિલા એથલીટ ચી ચાંગના પગના સ્નાયુ ખેંચાવાથી તે દોડમાંથી બહાર નીકળી ગઈ હતી અને આ રીતે કુ. કમલજિત સિંધુને ભારતની પ્રથમ મહિલા એશિયન સુવર્ણ ચંદ્રકવિજેતા બનવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. પાકિસ્તાને ફરીથી ભારતને હૉકીમાં હરાવીને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી આપી હતી. કુસ્તીમાં ચંદગીરામે અને બૉક્સિંગમાં હવાસિંહે સુવર્ણચંદ્રકો મેળવ્યા હતા. જાપાન ફરીથી મોખરે રહ્યું હતું અને ભારતને પાંચમું સ્થાન પ્રાપ્ત થયું હતું.

1974માં સાતમો રમતોત્સવ ઈરાનના પાટનગર તહેરાન મુકામે યોજવામાં આવ્યો હતો. 19 દેશોના 2,869 ખેલાડીઓએ 16 રમતોમાં ભાગ લીધો હતો. ફૅન્સિંગ અને જિમ્નાસ્ટિક્સને પ્રથમ વાર સ્થાન આપવામાં આવ્યું. આ રમતોત્સવમાં ચીને સૌપ્રથમ વાર ભાગ લીધો હતો અને જાપાન સામે સખત મુકાબલો કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઈરાને દરેક સ્પર્ધામાં ભાગ લઈને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતે 11 રમતોમાં ભાગ લીધો હતો. એથ્લેટિક્સમાં ભારતના વિજયસિંહ ચૌહાણ, ટી. સી. યોહાનન, રામસિંહ અને શિવનાથસિંહે સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા હતા. હૉકીમાં ફરીથી સુવર્ણચંદ્રક પાકિસ્તાનને અને રજતચંદ્રક ભારતને પ્રાપ્ત થયો હતો. ભારતે 4 સુવર્ણ, 12 રજત અને 12 કાંસ્યચંદ્રકો સાથે પાંચમું સ્થાન મેળવ્યું.

1978માં આઠમો એશિયન રમતોત્સવ ફરીથી બૅંગકોક મુકામે યોજવામાં આવ્યો. એમાં 25 દેશોના 3,842 ખેલાડીઓએ 19 રમતોમાં ભાગ લીધો હતો. જાપાને દરેક સ્પર્ધામાં ભાગ લઈ મોખરાનું સ્થાન ટકાવી રાખ્યું હતું. ભારતે આ રમતોત્સવમાં એથ્લેટિક્સમાં 8, કુસ્તીમાં 2 અને શૂટિંગમાં 1 સુવર્ણચંદ્રકની સાથે 11 રજત અને 6 કાંસ્યચંદ્રકો પણ મેળવ્યા હતા. આ રમતોત્સવમાં 5,000 મીટર અને 10,000 મીટરની દોડમાં ભારતના હરિચંદે સુવર્ણચંદ્રક અને મહિલાઓમાં કુ. ગીતા ઝુત્સીએ 800 મીટરમાં સુવર્ણ અને 1,500 મીટરમાં રજતચંદ્રક મેળવીને સારો દેખાવ કર્યો હતો. પાકિસ્તાને ફરીથી ભારતને હરાવીને હૉકીમાં સુવર્ણચંદ્રક જાળવી રાખ્યો હતો.

1982માં નવમો એશિયાઈ રમતોત્સવ 19 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ફરી એક વાર દિલ્હી મુકામે યોજવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં આશરે 5,000 ખેલાડીઓએ 22 રમતોમાં ભાગ લીધો હતો. રમતોત્સવનું ઉદઘાટન ભારતના રાષ્ટ્રપતિ શ્રી ઝૈલસિંહે કર્યું હતું. પહેલી જ વાર ચીને જાપાનનું પ્રભુત્વ હઠાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતે દરેક રમતમાં ભાગ લીધો હતો, પરંતુ ધાર્યા કરતાં ઓછી સફળતા મેળવી હતી. ભારતના ચાર્લ્સ બોરોમિયોએ 800 મીટરમાં, બહાદુરસિંહે ગોળાફેંકમાં, કુ. એમ. ડી. વાલસમ્માએ 400 મીટરમાં અને ચાંદરામે 20 કિમી.ની જલદ ચાલમાં સુવર્ણચંદ્રકો મેળવ્યા હતા. ભારતની મહિલાઓએ હૉકીમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ભારતના સતપાલે કુસ્તીમાં અને કૌરસિંહે બૉક્સિગંમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ભારતે ગૉલ્ફ અને ઘોડેસવારીમાં પણ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા હતા. ભારતે 13 સુવર્ણ, 19 રજત અને 25 કાંસ્યચંદ્રકો સાથે પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

1986માં દશમા એશિયાઈ રમતોત્સવનું આયોજન દક્ષિણ કોરિયાના પાટનગર સિયોલ મુકામે કરવામાં આવ્યું હતું. ભારતના 300 ખેલાડીઓએ 22 રમતોમાં ભાગ લીધો હતો. ભારત તરફથી સર્વશ્રેષ્ઠ દેખાવ કુ. પી. ટી. ઉષાનો રહ્યો હતો. ચાર સુવર્ણ અને એક રજતચંદ્રક સાથે ત્રણ નવા એશિયાઈ આંક તેમણે પ્રસ્થાપિત કર્યા હતા. કુ. શાઈની અબ્રાહમે પણ સારો દેખાવ કર્યો હતો. એથ્લેટિક્સ સિવાય ફક્ત કુસ્તીમાં ભારતના કરતારસિંઘે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. આ રમતોત્સવમાં ચીન અને યજમાન દેશ દક્ષિણ કોરિયાએ સારો દેખાવ કરીને અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને જાપાનને તૃતીય સ્થાન મળ્યું હતું. ભારતના ખેલાડીઓ બૉક્સિગંમાં સુવર્ણચંદ્રક તો ન મેળવી શક્યા, પરંતુ ચાર રજત અને પાંચ કાંસ્યચંદ્રકો મેળવવામાં સફળ રહ્યા હતા. ભારતની કુ. સોમા દત્તા શૂટિંગમાં એક રજત અને એક કાંસ્યચંદ્રક મેળવવામાં સફળ રહ્યાં હતાં. આ રીતે ભારત 5 સુવર્ણ, 9 રજત અને 23 કાંસ્યચંદ્રકો સાથે પાંચમા સ્થાને આવ્યું હતું. આ રમતોત્સવ પાછળ દક્ષિણ કોરિયાએ આશરે 45,000 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો હતો અને 1988ના ઑલિમ્પિક રમતોત્સવને ધ્યાનમાં રાખીને અભૂતપૂર્વ સુવિધાઓ ઊભી કરી હતી.

1990માં 11મા એશિયન રમતોત્સવનું આયોજન ચીનના પાટનગર બેઇજિંગ ખાતે કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં ભારતે 50 ચંદ્રકો મેળવવાની અપેક્ષા રાખી હતી અને ચંદ્રકો મેળવવા માટે ભારતીય ખેલાડીઓ તનમનથી મહેનત કરે તે માટે ‘હિન્દુજા ફાઉન્ડેશને’ નાણાકીય પ્રોત્સાહન આપવાની જાહેરાત પણ કરી હતી, જેમાં સુવર્ણચંદ્રક વિજેતાને દર મહિને 1000 રૂપિયા, રજતચંદ્રક વિજેતાને 750 રૂપિયા અને કાંસ્યચંદ્રક વિજેતાને 500 રૂપિયા બીજી એશિયાડ સુધી એટલે કે 1994 સુધી આપવાનું આ ફાઉન્ડેશનના ચૅરમૅન, રિટાયર્ડ ઍર ચીફ માર્શલ ઓ. પી. મહેરાએ જાહેર કર્યું હતું. આ ઉપરાંત દિલ્હીના લેફ્ટ. ગવર્નર ઍર ચીફ માર્શલ અર્જુનસિંઘે પણ વધારાનું પ્રોત્સાહક રોકડ ઇનામ દિલ્હીના ખેલાડીઓ માટે જાહેર કર્યું હતું; જેમાં સુવર્ણચંદ્રક વિજેતા ખેલાડીને પાંચ લાખ રૂપિયા, રજતચંદ્રક વિજેતાને ત્રણ લાખ રૂપિયા અને કાંસ્યચંદ્રક વિજેતાને એક લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું; પરંતુ ભારતના રમતવીરોએ આ બધી આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. અત્યાર સુધી ભારતે મોટાભાગે ખેલકૂદ, કુસ્તી અને હૉકીમાં સારો દેખાવ કર્યો છે તેમજ ખેલકૂદમાં કેટલાક ‘એશિયાઈ રેકૉર્ડ’ પણ સ્થાપિત કર્યા હતા. બેઇજિંગ એશિયાડ જેવો કંગાળ દેખાવ ભારતે કોઈ પણ એશિયાડમાં આજ દિન સુધી કર્યો નથી. ભારતે ફક્ત કબડ્ડીની રમતમાં જ સુવર્ણચંદ્રક મેળવવામાં સફળતા મેળવી હતી (જુઓ કોઠો 1). કુ. પી. ટી. ઉષાએ પણ આશાસ્પદ દેખાવ કર્યો ન હતો.

કોઠો 1 : એશિયાડમાં ભારતની ચંદ્રકયાત્રા

. . વર્ષ સુવર્ણ રજત કાંસ્ય કુલ સ્થાન
 1. 1951 17 17 21 55 બીજું
 2. 1954 5 4 8 17 પાંચમું
 3. 1958 5 4 4 13 સાતમું
 4. 1962 10 13 10 33 ત્રીજું
 5. 1966 7 3 11 21 ચોથું
 6. 1970 6 9 10 25 છઠ્ઠું
 7. 1974 5 12 11 28 સાતમું
 8. 1978 11 10 7 28 છઠ્ઠું
 9. 1982 13 19 25 57 પાંચમું
10. 1986 5 9 23 37 પાંચમું
11. 1990 1 8 14 23 અગિયારમું
12. 1994 4 3 15 22 આઠમું
13. 1998 7 11 17 35 નવમું
14. 2002 10 12 13 35 આઠમું

1994માં 12મા એશિયન રમતોત્સવનું આયોજન જાપાનમાં હીરોશીમા ખાતે કરવામાં આવ્યું હતું અને આ રીતે એશિયાઈ રમતોત્સવના ઇતિહાસમાં પ્રથમ વાર પાટનગર સિવાય બીજા કોઈ શહેરમાં એશિયા ખંડનો મહાન રમતોત્સવ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. જાપાનના સમ્રાટ એકીદીતોના વરદ હસ્તે 12મા એશિયાડનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં ત્યારે સૌથી વધુ 34 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વળી ત્યારે સૌથી વધુ 7,300 ખેલાડીઓ અને અધિકારીઓએ આ રમતોત્સવમાં ભાગ લઈ વિક્રમ સર્જ્યો હતો. ભારતના 198 ખેલાડીઓએ 15 રમતોમાં ભાગ લીધો હતો અને ઉદઘાટન-સમારંભમાં ‘ધ્વજવાદક’ તરીકેનું બહુમાન શ્રી રઘુવીરસિંહને ફાળે ગયું હતું. આ એશિયાડમાં મહિલા વેઇટલિફ્ટરોએ સારો દેખાવ કર્યો હતો. કરનામ મલ્લેશ્વરીએ રજતચંદ્રક અને કુંજરાની, નીલમ લક્ષ્મી અને ભારતીસિંઘે કાંસ્યચંદ્રક મેળવી ભારતને કુલ ચાર ચંદ્રકો અપાવ્યા હતા. ભારતે આ એશિયાડમાં ટેનિસની રમતમાં પ્રથમ વાર ટીમ તરીકે સુવર્ણચંદ્રક મેળવ્યા હતા. આ ઉપરાંત લિયેન્ડર પેસ અને ગૌરવ નાટેકરની જોડીએ પણ ડબલ્સની રમતમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. ભારત નેપાળને કબડ્ડીમાં 84-32 ગુણથી હાર આપી સુવર્ણચંદ્રક જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. શૂટિંગમાં વ્યક્તિગત સેન્ટર ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક મેળવવામાં જસપાલ રાણા સફળ રહ્યો હતો. હૉકીમાં ભારત ફાઇનલમાં પહોંચવામાં તો સફળ રહ્યું હતું; પરંતુ ફાઇનલમાં દક્ષિણ કોરિયાથી 32 ગોલથી હારી ગયું હતું. ટૂંકમાં, બેઇજિંગ એશિયાડની તુલનામાં ભારતનો દેખાવ આ એશિયન રમતોત્સવમાં સારો રહ્યો હતો; પરંતુ અગાઉના રમતોત્સવો કરતાં નબળો રહ્યો હતો (જુઓ કોઠો 1).

1998માં વીસમી સદીના અંતિમ અને સળંગ 13મા એશિયાઈ રમતોત્સવનું આયોજન થાઇલૅન્ડના પાટનગર બૅંગકોકમાં ચોથી વાર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં સૌથી વધુ 36 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વળી 43 દેશોના સૌથી વધુ 10,000 જેટલા ખેલાડીઓ અને અધિકારીઓએ ભાગ લઈ વિક્રમ સર્જ્યો હતો. આ રમતોત્સવમાં ભારતે 22 રમતોમાં ભાગ લીધો હતો. થાઇલૅન્ડના રાજા ભૂમિબોલ અદુલમોહજેના વરદ હસ્તે 13મા એશિયાડનું ભવ્ય ઉદઘાટન રાજમંગલો નૅશનલ સ્ટેડિયમ ખાતે 6 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. 32 વર્ષ પછી ભારતે પુરુષોની હૉકીમાં સુવર્ણચંદ્રક મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે દક્ષિણ કોરિયાને ટાઇબ્રેકરમાં 5-3થી હરાવી ભારતની હૉકીમાં ઇજારાશાહી ફરીથી પુરવાર કરી હતી. ભારતની મહિલા-ખેલાડીઓએ પણ હૉકીમાં રજતચંદ્રક મેળવીને સારો દેખાવ કર્યો હતો. 16 વર્ષ બાદ ભારતના ડિંગ્કોસિંઘે મુક્કાબાજીની ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના તેમર તુલ્યાલોવને ચોથા રાઉન્ડમાં જ પછાડી ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. 12 વર્ષ બાદ આ એશિયાડમાં મહિલા-દોડવીરોએ સારો દેખાવ કર્યો હતો. 800 મીટર અને 1,500 મીટરની દોડમાં ભારતની મહાન મહિલા-ધાવક જ્યોતિર્મયીએ સુવર્ણચંદ્રક જીતીને અગાઉ 1978માં બૅંગકોક ખાતે જ યોજાયેલ એશિયાડમાં ભારતની ગીતા જુત્સીના રેકૉર્ડની બરાબરી કરી હતી. ભારતની રોઝા કુટ્ટીએ પણ 800 મીટર દોડ 2 મિનિટ અને 3.34 સેકન્ડમાં પૂર્ણ કરી રજતચંદ્રક મેળવીને સારો દેખાવ કર્યો હતો અને 1,500 મીટરની દોડમાં સુનીતા રાનીએ 4 મિનિટ અને 13.66 સેકન્ડના સમય સાથે કાંસ્યચંદ્રક જીત્યો હતો. સુનીતા રાનીએ 5,000 મીટર દોડમાં પણ સારો દેખાવ કરી રજતચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. કબડ્ડીમાં ભારત ફરી એક વાર સુવર્ણચંદ્રક જાળવી રાખવામાં સફળ રહ્યો હતો અને આ રીતે કબડ્ડીમાં ભારતે ગોલ્ડમેડલની ‘હેટ્રીક’ કરી હતી. ગીત શેઠી-અશોક શાંડિલ્યની જોડીએ સ્નૂકરની ફાઇનલમાં થાઇલૅન્ડની જોડીને 5-4થી હરાવી ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. અશોક શાંડિલ્યે બિલિયર્ડની રમતમાં ભારતના જ પૂર્વ વિશ્વવિજેતા ગીત શેઠીને હરાવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી બધાંને આશ્ચર્ય-ચકિત કર્યાં હતાં. આ એશિયાડમાં કુલ 43 દેશોએ ભાગ લીધો હતો. આ એશિયાડમાં ભારતે દસ રમતોમાં 35 ચંદ્રકો મેળવવામાં સફળતા મેળવી હતી. આ રમતોત્સવનો સમાપન સમારંભ પણ ખૂબ જ ભવ્ય, નયનરમ્ય અને આકર્ષક રહ્યો હતો.

2002માં 14મા એશિયાઈ રમતોત્સવનું આયોજન દક્ષિણ કોરિયામાં બુસાન મુકામે કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં સૌથી વધુ 38 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તથા 44 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં બૉડી-બિલ્ડિંગની રમત સૌપ્રથમ વાર સામેલ કરવામાં આવી હતી અને મૉડર્ન પેન્ટેથ્લોન જે 1998માં બંધ કરાઈ હતી તે ફરીથી દાખલ કરવામાં આવી હતી. આ રમતોત્સવનું ઉદઘાટન રાષ્ટ્રપતિ કિમજુંગે કર્યું હતું. આ રમતોત્સવની યાદગાર બાબત તે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના રમતવીરોએ સાથે મળીને ભાગ લીધો એ હતી. આ રમતોત્સવનું સૂત્ર ‘નવી ર્દષ્ટિ, નવું એશિયા’ રાખવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં ભારતે 10 સુવર્ણચંદ્રક, 12 રજતચંદ્રક અને 13 કાંસ્યચંદ્રક જીતીને સારો દેખાવ કર્યો હતો. (જુઓ કોઠો 1). ભારતે બુસાન રમતોત્સવમાં આયોજિત કુલ 38 રમતોમાંથી 23 રમતોમાં પોતાના ખેલાડીઓને ઉતાર્યા હતા. કબડ્ડીમાં ભારતને ચોથી વાર સુવર્ણચંદ્રક મેળવવામાં સફળતા મળી હતી.

2006માં 15મા એશિયાઈ રમતોત્સવનું આયોજન કતારના દોહા ખાતે થયું હતું. 45 દેશોના 9,520 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 39 રમતોની 424 સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ચીન કુલ 316 ચંદ્રક મેળવીને મોખરે રહ્યું હતું.

2010માં 16મો એશિયાઈ રમતોત્સવ ચીનના ગ્યુઆંગજોઉમાં યોજાયો હતો. 45 દેશોના 9,704 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 199 સુવર્ણચંદ્રક, 119 રજતચંદ્રક અને 98 કાંસ્યચંદ્રક સાથે કુલ 416 ચંદ્રક મેળવીને પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો હતો. 76 સુવર્ણચંદ્રક સાથે દક્ષિણ કોરિયાએ કુલ 232 ચંદ્રકો મેળવીને બીજો નંબર તેમજ 48 સુવર્ણચંદ્રક સાથે કુલ 216 ચંદ્રક સાથે જાપાને ત્રીજો નંબર જાળવી રાખ્યો હતો. 14 સુવર્ણચંદ્રકો, 17 રજત અને 34 કાંસ્ય ચંદ્રક સહિત ભારતીય ખેલાડીઓને કુલ 65 ચંદ્રકો મળ્યા હતા, જેના કારણે ગત એશિયાડની તુલનાએ ભારતનો દેખાવ સુધર્યો હતો. ભારતને 16મા એશિયાઈ રમતોત્સવમાં છઠ્ઠો ક્રમ મળ્યો હતો.

2014માં 17મો રમતોત્સવ દક્ષિણ કોરિયાના ઇન્ચિઓન શહેરમાં યોજાયો હતો. 45 દેશોના 9,501 ખેલાડીઓએ 36 રમતોમાં ભાગ લીધો હતો. કુલ 439 સ્પર્ધા યોજાઈ હતી જેમાં 151 સુવર્ણચંદ્રક સાથે ચીને કુલ 345 ચંદ્રકો મેળવ્યા હતા, જેણે ચીનનો પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો હતો. 79 સુવર્ણચંદ્રક, 70 રજતચંદ્રક અને 79 કાંસ્ય સહિત દક્ષિણ કોરિયાએ કુલ 228 ચંદ્રક મેળવીને વધુ એક એશિયાડમાં બીજો ક્રમાંક યથાવત જાળ્યો હતો. 47 રજત સહિત 200 ચંદ્રક સાથે જાપાને પણ ત્રીજો નંબર જાળવી રાખ્યો હતો. 11 સુવર્ણચંદ્રક, 10 રજત ચંદ્રક, 36 કાંસ્ય સહિત ભારતે 57 ચંદ્રકો મેળવ્યા હતા, જેના કારણે ભારતને આઠમો ક્રમ મળ્યો હતો.

18મો એશિયાઈ રમતોત્સવ 2018માં ઇન્ડોનેશિયાના જાકાર્તા-પ્લેમ્બેંગમાં યોજાયો હતો. 18મી ઑગસ્ટથી 2જી સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ આ રમતોત્સવમાં 45 દેશોના 11,300 ખેલાડીઓએ ભાગ લઈને ઇતિહાસ રચ્યો હતો. આમાં 40 રમતોનો સમાવેશ કરાયો હતો. એમાં 465 સુવર્ણચંદ્રકો, 465 રજતચંદ્રકો અને 622 કાંસ્યચંદ્રકો અપાયા હતા. 132 સુવર્ણચંદ્રક, 92 રજતચંદ્રક અને 66 કાંસ્યચંદ્રક સાથે ચીને કુલ 280 ચંદ્રક મેળવીને પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો હતો. જાપાનનો દેખાવ ગત એશિયાડની સરખામણીએ સુધર્યો  હતો. 75 સુવર્ણચંદ્રક, 57 રજતચંદ્રક અને 66 કાંસ્યચંદ્રક  સાથે જાપાને 205 ચંદ્રક પર નામ કોતરાવ્યું હતું, જેના કારણે જાપાને દક્ષિણ કોરિયાને ત્રીજા સ્થાને ધકેલીને બીજો ક્રમ મેળવ્યો હતો. ભારતનો દેખાવ પણ અગાઉ કરતાં સારો રહ્યો. ભારતીય ખેલાડીઓએ 16 સુવર્ણચંદ્રક, 23 રજતચંદ્રક અને 31 કાંસ્યચંદ્રક સાથે કુલ 70 ચંદ્રકો અંકે કર્યા હતા. જોકે ગત એશિયાઈ રમતોત્સવની જેમ ભારતને આઠમા ક્રમથી જ સંતોષ માનવો પડ્યો હતો. કુલ 18 એશિયાઈ રમતોત્સવમાં ભારતે 155 સુવર્ણચંદ્રક સહિત કુલ 672 ચંદ્રક સાથે પાંચમો ક્રમ મેળવ્યો છે.

પ્રભુદયાલ શર્મા