ઉપવાસ

ઉપવાસ (હિંદુ ધર્મમાં) ઉપવાસ (उप + वस्) એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં વસવાનું હોય છે. તે કર્મમાં નિમંત્રિત દેવો પણ તે રાત્રે અતિથિ થઈ અગ્નિશાળામાં આવી વસે છે. યજમાને આમ અગ્નિ અને દેવોની સંનિધિમાં વસવાનું બને છે. તેથી ઉપવાસનો લાક્ષણિક અર્થ, ‘વ્રતોપવાસપૂર્વક દેવ સમીપે વસવું’ એવો થાય છે.

ઉપવાસ એ શ્રૌતગૃહ્યાદિ કર્મોમાં આવશ્યક શુદ્ધિનું સાધન છે. તેથી કર્મકાંડમાં ઉપવાસનું વિધાન છે. ધર્મશાસ્ત્રો અને પુરાણોમાં ઉપવાસનો ઘણો મહિમા વર્ણવાયો છે. સ્વતંત્ર વ્રત રૂપે તેનું નિરૂપણ કરાયું છે તથા પ્રસંગ અને પ્રકારભેદે તેનું સૂક્ષ્મ નિરૂપણ થયેલું છે. દેવતા પ્રત્યેની ભક્તિના નિમિત્તે, શુદ્ધ નિમિત્તે, કોઈ કર્મવિધિ કે વ્રતના અંગ રૂપે, વિશિષ્ટ પ્રસંગ નિમિત્તે કે પ્રાયશ્ચિત્ત નિમિત્તે ઉપવાસ થાય છે. નિમિત્ત અનુસાર અને આહાર, અનાહાર તેમજ સમયમર્યાદા અનુસાર તેના અનેક ભેદો છે. શિવરાત્રી, કૃષ્ણજન્માષ્ટમી, રામનવમી આદિના ઉપવાસ તે તે દેવ પ્રત્યેની ભક્તિશ્રદ્ધાના દ્યોતક છે. એકાદશી હરિવાસર (હરિનો દિવસ) કહેવાય છે તે પણ વિષ્ણુભક્તિનો દ્યોતક છે. જુદા જુદા માસોની અનેક તિથિઓ તે તે દેવની જયન્તી તરીકે ઊજવાય છે. એ નિમિત્તનો ઉપવાસ પણ ભક્તિદ્યોતક ઉપવાસ છે. શ્રૌતગૃહ્ય કર્મોમાં દીક્ષા નિમિત્તે અને શુદ્ધિ અર્થે ઉપવાસ થાય છે. મન-કર્મ-વચનની શુદ્ધિ અર્થે પણ ઉપવાસ થાય છે. કોઈ અપવિત્ર કે અમેધ્ય પદાર્થના સંસર્ગને લીધે આવેલી અશુદ્ધિ દૂર કરવા સારુ ઉપવાસ થાય છે. ગ્રહણના અશૌચ વગેરે પ્રસંગે ઉપવાસ થાય છે. ધર્મવિધિમાં થયેલી ક્ષતિ કે પાપાચરણના પ્રાયશ્ચિત્ત રૂપે પણ ઉપવાસ થાય છે.

એક ઉપવાસમાં આગલા દિવસનું સાયં ભોજન, મુખ્ય દિવસનાં બંનેય ભોજન અને પછીના દિવસનું પ્રથમ ભોજન એમ ચાર ભોજન તજવાં એમ વિહિત છે. કૃચ્છ્ આદિવ્રતોમાં એક પક્ષ જેટલા સમયના ઉપવાસ થાય છે. ચાંદ્રાયણ વ્રતમાં શુક્લ-કૃષ્ણ પક્ષ અનુસાર ચંદ્રકલાની વધઘટ પ્રમાણે તેટલા ગ્રાસ લઈ પરિમિત ભોજન કરાય છે. કેટલાક ઉપવાસોમાં નિરાહાર રહેવાનું હોય છે.

બધા ઉપવાસ પૂર્ણ નિરાહારરૂપ હોતા નથી. નિરાહાર ઉપવાસમાં પણ નિયત હવિષ્યાન્ન, દૂધ કે ફળનો પરિમિત આહાર કરી શકાય છે. પ્રાયશ્ચિત્ત નિમિત્તના ઉપવાસમાં અનાહાર કે અતિ પરિમિત આહાર કરવાનો હોઈ આવા ઉપવાસ કષ્ટસાધ્ય હોય છે. કોઈ વ્યાવહારિક હેતુની સિદ્ધિ માટે કે કોઈ કારણે હઠપૂર્વક આમરણ અનશન થાય છે, એને પ્રાયોપવેશન કહે છે પણ તે ઉપવાસ નથી.

કોઈ પણ અનશનમાં મન, કર્મ, વચનની ત્રિવિધ શુદ્ધિ અને મન દ્વારા દેવતાનું સાન્નિધ્ય હોય ત્યારે જ તે નિમિત્તનો અનાહાર ઉપવાસ કહેવાય. અન્નાભાવે થતો અનાહાર કે સ્વાસ્થ્યસાધનાર્થે થતો મિતાહાર કે અનાહાર પણ પ્રસ્તુત અર્થમાં ઉપવાસ નથી.

ઉપવાસ (ઇસ્લામ) : ઇસ્લામ ધર્મના પાંચ પાયાના સિદ્ધાંતોમાંથી એક ઉપવાસ છે. જેને અરબીમાં ‘સોમ’ અને ઉર્દૂમાં ‘રોજા’ કહેવામાં આવે છે. કુરાન(કુર્આન)માં ઉપવાસનો હુકમ નીચે પ્રમાણે કરવામાં આવ્યો છે :

‘‘હે ઇમાનવાળાઓ ! તમારા ઉપર રોજા ફર્ઝ કરવામાં આવ્યા છે. જેવી રીતે તમારાથી પહેલા(આગલી ઉમ્મત)ના લોકો ઉપર ફર્ઝ કરવામાં આવ્યા હતા, એ આશાએ કે તમે (રોજાના પ્રતાપે) બૂરાં કામોથી દૂર રહેનાર થઈ જાઓ. અમુક દિવસો (એટલે) રમજાન માસમાં રોજા રાખ્યા કરો, પણ તમારામાંથી જે કોઈ માંદો હોય, અથવા મુસાફરીમાં હોય તો તે (રમજાન પછીના) બીજા દિવસોમાં પૂર્તિ કરી લે.’’ (કુર્આન : 2 : 183/184)

કુર્આન અને હદીસની રોશનીમાં ઇસ્લામી રોજા અથવા ઉપવાસ માટે નીચેની શરતો તથા નિયમો સૂચવવામાં આવ્યા છે :

(1) દરેક પુખ્ત વયના મુસ્લિમ સ્ત્રી-પુરુષ માટે રમજાન માસના રોજા ફરજિયાત છે.

(2) બીમાર, મુસાફર અને માસિક ધર્મવાળી સ્ત્રીને માટે મુક્તિ છે, પરંતુ છૂટી ગયેલા ઉપવાસના દિવસોની પૂર્તિ પાછળથી કરી લેવી જરૂરી છે.

(3) વૃદ્ધજનો અશક્તિને કારણે ઉપવાસ ન કરી શકે તો એક દિવસના ઉપવાસ બદલ એક ટંકના ખાવા જેટલી રકમનું દાન આપવાનું જરૂરી છે.

(4) ઉપવાસનો ઉદ્દેશ અનૈતિક કામોથી બચવાની ટેવ પાડવાનો છે.

(5) ઉપવાસનો સમય પ્રભાતથી લઈને સૂર્યાસ્ત સુધીનો હોય છે.

(6) રોજા દરમિયાન ખાવું, પીવું અને દેહસંબંધથી બચવું ફરજિયાત હોય છે.

(7) પ્રભાત પહેલાં હળવો ખોરાક લેવાનો હોય છે, જે સહેરી કહેવાય છે. સૂર્યાસ્ત સમયે રોજા છોડવાની ક્રિયાને ઇફતારી કહેવામાં આવે છે.

મુસલમાનોમાં રોજા તથા રોજાનો રમજાન મહિનો મુસ્લિમ સભ્યતાનું એક અગત્યનું અંગ બની ગયો છે. રમજાન માસમાં રોજા ઉપરાંત બીજાં બે કાર્યો મહત્વ ધરાવે છે. એક રોજ રાત્રે વધારાની તરાવીહની નમાજ અને બીજું જકાત-દાન. તરાવીહની નમાજ પઢવી અને કુર્આન સાંભળવું તથા પોતાની વર્ષભરની આવકમાંથી થયેલી બચત અને સ્થાવર મિલકતની કિંમતના 2 ટકા રકમ લેખે જકાત આપવાની હોય છે.

ઇસ્લામી પંચાંગના મહિના વર્ષભર ફર્યાં કરે છે; તેથી રમજાન મહિનો બધી ઋતુઓમાં આવે છે. આમ શિયાળો, ઉનાળો તથા ચોમાસું – ત્રણેય ઋતુઓમાં રોજા રાખવાનો અવસર મળે છે. રમજાનના ફરજિયાત રોજા ઉપરાંત બીજા કેટલાક દિવસોના રોજા પણ મરજિયાતપણે રાખી શકાય છે; દા. ત., શાબાન મહિનાની 15 તારીખ, મહોર્રમ મહિનાની 9 અને 10 તારીખ તથા દરેક ઇસ્લામી મહિનાની 13, 14 અને 15 તારીખના રોજા. રમજાન ઇદ તથા બકરી ઇદના દિવસોએ રોજા રાખી શકાતા નથી.

ઉપવાસ (આયુર્વિજ્ઞાનની ર્દષ્ટિએ) : અન્નત્યાગ સ્વૈચ્છિક અથવા અન્ય કારણસર હોઈ શકે. અપચો, યકૃત(liver)ના કમળા જેવા વિકારો, મનોવિકારી અરુચિ (anorexia nervosa), ચિંતા તથા અન્ય માનસિક અસ્વસ્થતાઓ, લાંબા ગાળાના ક્ષય જેવા ચેપજન્ય રોગો વગેરેમાં ભૂખ ન લાગવાને કારણે પણ સંપૂર્ણ અથવા મર્યાદિત અન્નત્યાગ થાય છે. ઘણી વખતે શારીરિક કે પ્રયોગશાળાકીય ચકાસણી માટે પણ ટૂંકા સમય પૂરતો અન્ન તથા પાણીનો ત્યાગ કરવાનું સૂચવાય છે. મેદસ્વિતા (obesity), મધુપ્રમેહ, હૃદય, યકૃત તથા મૂત્રપિંડના રોગો, ટાઇફૉઇડ તાવ વગેરે રોગોમાં ઉપચારાર્થે અમુક પ્રકારના અન્નનો ત્યાગ સૂચવાય છે. પાણીના ત્યાગથી નિર્જલન (dehydration) અને ધાતુક્ષારોના આયનોના પ્રમાણમાં વિકારો સર્જાય છે.

અન્નત્યાગથી થતા ચયાપચયી (metabolic) ફેરફારો સમજવા માટે પ્રાણીઓ અને માણસો પર અભ્યાસો થયા છે. નોંધાયેલા કિસ્સાઓ પ્રમાણે જોતાં સંપૂર્ણ અન્નત્યાગ પછી માણસ વધુમાં વધુ 9થી 10 અઠવાડિયાં જીવી શકે છે. અન્નત્યાગને કારણે વજન, ન્યૂનતમ

આકૃતિ 1 : અન્નત્યાગના કિસ્સામાં શરીરમાં થતા ફેરફારો

ચયાપચયી દર (basal metabolic rate – BMR), લોહીનું દબાણ, નાડીના ધબકારા તથા શરીરનું તાપમાન ઘટે છે; જ્યારે 2થી 5 દિવસમાં કીટોનદ્રવ્યનું ઉત્પાદન અને લોહી તથા પેશાબમાંનું તેમનું પ્રમાણ વધવા માંડે છે (આકૃતિ 1). અન્નત્યાગના સમયે શક્તિ (calory) સૌપ્રથમ કાર્બોહાઇડ્રેટ(ગ્લાયકોજન)માંથી મળે છે. બીજા તબક્કામાં સંગૃહીત ચરબી અને છેલ્લે પેશીમાંનું પ્રોટીન વાપરીને શક્તિ મેળવાય છે, શક્તિ મેળવ્યા પછી બાકી રહેતો નાઇટ્રોજનવાળો પ્રોટીનનો ભાગ પેશાબમાં યૂરિયા રૂપે વહી જાય છે. પેશાબમાંના નાઇટ્રોજનને 6.25 વડે ગુણતાં તે સમયે થઈ રહેલો પ્રોટીનનો વ્યય જાણી શકાય છે. સામાન્યત: શરીરના પ્રોટીનમાં દર 24 કલાકે થતો ઘટાડો 50 ગ્રામ જેટલો હોય છે. અન્નત્યાગ સમયે શરીરની બધી પેશીઓમાં એકસરખો ઘટાડો થતો નથી. ચરબીનો વ્યય થતો હોય ત્યારે કોષ બહારનું પાણી અને જ્યારે પ્રોટીનનો વ્યય થતો હોય ત્યારે કોષની અંદરનું પાણી ઘટે છે. સૌથી છેલ્લે કોષોમાંની અંગિકાઓ (organelles) ઘટે છે. શરીરના વજનના ઘટાડા સાથે યકૃત, સ્નાયુઓ, બરોળ અને જઠર-આંતરડાંના વજનનો ઘટાડો સમાંતર રીતે થાય છે, પરંતુ અન્ય અવયવોના વજનમાં થતો ઘટાડો ઓછો હોય છે (આકૃતિ 2). જ્યારે સ્નાયુઓમાં થયેલો ઘટાડો 35 % જેટલો હોય ત્યારે મૂત્રપિંડમાં 20 % જેટલો, અંત:સ્રાવી ગ્રંથિઓ અને જનનગ્રંથિઓમાં 2 %થી 8 % જેટલો અને કેન્દ્રીય ચેતાતંત્રમાં માંડ 5 % જેટલો જ ઘટાડો નોંધાયો હોય છે. લાંબા સમયના અન્નત્યાગથી ક્ષીણતા, અવયવભ્રંશ (visceroptosis), સોજા આવવા, ન્યૂનતમ ચયાપચયી દરમાં ઘટાડો, ચેપ-પ્રતિકારમાં ઘટાડો, માનસિક અસ્વસ્થતાઓ, કીટોનદ્રવ્યોમાં વધારો, અમ્લતા (acidosis) વગેરે વિકારો ઉત્પન્ન થાય છે. મધુપ્રમેહના દર્દીમાં ચયાપચયી વિકારો વધુ ઝડપી અને તીવ્ર હોય છે. ક્ષીણતા, ચેપ અને કીટોઅમ્લતા (ketoacidosis) વિવિધ અવયવોના કાર્યમાં વિક્ષેપ આણે છે. તેથી ગાઢ બેભાન-અવસ્થા (coma) અને મૃત્યુ થાય છે. તેથી લાંબા ગાળાના ઉપવાસ કરતી વખતે કે છોડતી વખતે તબીબી નિરીક્ષણની જરૂર ગણાય છે.

આકૃતિ 2 : મર્યાદિત અન્નત્યાગનાં 24 અઠવાડિયાંમાં શરીરની પેશીઓમાં થતો ઘટાડો. આંકડા પ્રથમ (1) અને ચોવીસમા (24) અઠવાડિયે નોંધાયેલું પ્રમાણ દર્શાવે છે.

ઉપવાસ (આયુર્વેદની ર્દષ્ટિએ) : આયુર્વેદિક પરિભાષામાં ઉપવાસને ‘લંઘન’ (fasting) કહે છે. આયુર્વેદને મતે રોગો બે પ્રકારે થાય છે : (1) સંતર્પણજન્ય અને (2) અપતર્પણજન્ય. શરીરમાં વાયુ, પિત્ત, કફરૂપી દોષો વિકૃત રીતે વધે, દેહ વધુ તૃપ્તિ અને પુષ્ટિ અનુભવે તે અવસ્થાજન્ય તે ‘સંતર્પણજન્ય’. આ પ્રકારમાં પ્રાય: શરીરમાં આહારનો અપરિપક્વ રસ ‘આમ’ સંજ્ઞા પામીને શરીરમાં અનેક રોગોમાં નિમિત્ત બને છે. તેથી સંતર્પણજન્ય દોષોથી આમદોષ પેદા થાય છે, જે શરીરના રક્તને દૂષિત કરી, ધીમા ઝેરરૂપ બનીને રોગ પેદા કરે છે. આવા રોગો ‘સામ’ (આમદોષયુક્ત) કહેવાય છે. સંતર્પણજન્ય – આમદોષજ દર્દોમાં શરીરની વિકારરૂપ વધેલી ધાતુઓનું પ્રમાણ ઘટાડનારી, આમદોષને પકવનારી અને દેહનો કચરો સાફ કરનારી ‘સંશોધન-ચિકિત્સા’ કરવાનો સિદ્ધાંત છે.

આ સિદ્ધાંતમાં વમન, વિરેચન, સ્વેદનાદિ 10 પ્રકારોમાં ‘લંઘન’ પણ એક દેહશુદ્ધિકર્તા ચિકિત્સા પ્રકાર છે.

આયુર્વેદોક્ત ‘ઉપવાસ’ના બે પ્રકારો છે : (1) પૂર્ણ લંઘન (2) લઘુ લંઘન. ‘લંઘન’ શબ્દનો અર્થ છે – શરીરમાં લઘુતા (હળવાશ) પેદા કરવી તે. પૂર્ણ ઉપવાસમાં દર્દીએ ખૂબ ઉકાળીને ગરમ કરેલા પાકા પાણી ઉપર જ રહેવાનું હોય છે. એમાં કોઈ પણ પ્રકારનાં ફળ, પેય કે ખાદ્ય પદાર્થો લેવાતા નથી. આવા ઉપવાસ વધુ જટિલ, ગંભીર કે અસાધ્ય દર્દોમાં કરાય છે. આવા ઉપવાસથી દેહશુદ્ધિ થાય છે અને શરીર નિરામય બને છે. લઘુ લંઘનમાં પૂર્ણ ઉપવાસ ન કરતાં તેમાં દાળ, ભાત, ખીચડી જેવો સાવ હળવો, સુપાચ્ય ખોરાક થોડા પ્રમાણમાં લઈ, સામાન્ય દોષવૃદ્ધિને કાબૂમાં લેવાય છે. વિકૃત દોષો શુદ્ધ થાય અને દેહ આમદોષરહિત નીરોગી બને ત્યાં સુધી જ ઉપવાસ કરવાની મર્યાદા છે.

લંઘન-ઉપવાસથી મટતાં દર્દો આ મુજબ છે : કફદોષજન્ય દર્દો શરદી, ઉધરસ, ખાંસી, શ્વાસ, દમ, મેદસ્વિતા, અજીર્ણ, સોજા, આમવાત, ઊલટી, સંધિવા, બહુમૂત્ર વગેરે તથા પિત્તદોષજન્ય ભારે તાવ, રક્તવિકાર, ત્વચાવિકાર, કૉલેરા, હોજરીનાં ચાંદાં, ઝાડા-મરડો વગેરે અને વાયુપ્રકોપજન્ય આફરો, ઝાડો-પેશાબ બંધ થવો, અંગઘાત, મંદાગ્નિ વગેરે.

ઉપવાસની પ્રક્રિયાથી દેહમાં કુદરતી રીતે ઉષ્મા વધે છે, જેથી દેહના કાચા દોષો (કફ-પિત્તાદિ) પાકી જાય છે અને તેથી વ્યક્તિ સ્વસ્થ બને છે.

ભારતમાં આયુર્વેદવિજ્ઞાને શરીરને અને હિંદુ ધર્મે તન-મનને શુદ્ધ કરવા માટે અને જીવન સાત્વિક બનાવવા માટે ‘ઉપવાસ’ને હજારો વર્ષ પૂર્વેથી મહત્વ આપેલ છે. ભારતમાં તેનો પ્રચાર 5,000 વર્ષથી છે.

આધુનિક કાળમાં છેલ્લા 200-250 વર્ષોમાં યુરોપ-અમેરિકા જેવા દેશોમાં પણ ઉપવાસ ઉપર ઘણાં લોકોએ અનેક પ્રયોગો કર્યા છે, જેમાં અમેરિકન ડૉ. બર્નાર મેકફેડનના પ્રયોગો ખૂબ જાણીતા બનેલા છે. તેની અસર મહાત્મા ગાંધીજી પર પણ પડેલી અને તેમણે પણ જીવનમાં માંદગી માટે તથા રાજકારણમાં પોતાની વાત રજૂ કરવા ઉપવાસ કરેલા. એ પછી અનેક નિસર્ગોપચારકોએ પણ ઉપવાસને ખાસ મહત્વ આપેલું છે. આજે નિસર્ગોપચાર(નૅચરોપૅથી)માં ઉપવાસ એ સારવારનું એક મહત્વનું અંગ છે. ડૉ. બર્નાર મૅકફેડનના મત અનુસાર, જેઓ સ્વસ્થ હોય પણ થોડા થોડા સમયાંતરે કંઈ ને કંઈ પેટમાં પધરાવતા હોય, તેઓ જ જલદી બીમાર પડે છે અને એ સ્થિતિમાં તેમને સ્વસ્થ થવા માટેનો ઉત્તમ ઉપાય ઉપવાસ જ હોય છે.

શાણી વ્યક્તિ હિંદુઓની જેમ અઠવાડિયે-પખવાડિયે કે મહિને (ભલે ધાર્મિક ર્દષ્ટિએ) પણ એકાદ ઉપવાસ કે એકટાણું કરે તો તે માંદગીમાંથી જરૂર બચી શકે. શરીરસ્વાસ્થ્ય અને શક્તિ ટકાવી રાખવા માટે માણસ જેટલું ઓછું ખાય, તેટલું જ તેનું શરીર વધુ સ્ફૂર્તિવાન અને મન વધુ સ્વસ્થ રહે તથા તેનું આયુષ્ય પણ લંબાય.

ઉપવાસ માંદગીમાંથી મુક્તિ મેળવવાનો સહેલો, બિનખર્ચાળ અને ઉત્તમ ઉપાય છે; પરંતુ ઉપવાસ કેટલા દિવસ કરવા, ક્યારે તોડવા કે તેનો અતિરેક થતો કેવી રીતે નિવારવો તે જાણવું ખૂબ જરૂરી છે. તે માટે અનુભવી વૈદ્યના માર્ગદર્શન નીચે ઉપવાસ કરાય તે હિતાવહ છે.

જો માણસ લાંબા કાળ સુધી નીરોગી રહેવા ઇચ્છતા હોય તો તેણે જીવનમાં ઉપવાસને જરૂરી માની તેને યોગ્ય સ્થાન દેવું પડશે. દર અઠવાડિયે, પખવાડિયે કે મહિને 1 દિવસ ઉપવાસ માટે નક્કી કરી લેવો જોઈએ. ઉપવાસ આરોગ્ય રક્ષાનો ખૂબ સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. તે માંદા માણસને દવાઓના ખર્ચાળ અને જોખમી રસ્તેથી ઉગારી લેવામાં ઘણી વાર સહાયભૂત થાય છે.

ગોંડલના પૂર્વ રાજવૈદ્ય શ્રી જીવરામ કાળીદાસ અને પશ્ચાદ્ અવસ્થામાં ગોંડલની ભુવનેશ્વરી શક્તિપીઠના સંસ્થાપક આચાર્ય ચરણતીર્થ મહારાજે પણ ઉપવાસનું મહત્વ બતાવ્યું છે. ભારતીય ધર્મશાસ્ત્રકારોએ જે ઉપવાસ બતાવ્યા છે, તે મૂલત: તો વૈદકના નિયમને અનુસરતા ‘લંઘન’નું જ સ્વરૂપ છે. લંઘન નિયમિત રૂપે કરવાથી શરીરનાં અનેક વ્યાધિઓ નાશ પામે છે.

મહર્ષિ ચરકના મતાનુસાર લંઘન(ઉપવાસ)થી શરીર હળવું દોષરહિત થઈ જાય છે. કફ-પિત્તદોષનાં રોગીઓ તથા મેદસ્વી શરીરવાળા લોકોને તેથી ઘણો લાભ થાય છે. ત્વચાદોષ, રક્તવિકાર તથા વાયુના ઉપદ્રવવાળા દર્દીઓએ મહા-ફાગણ માસમાં લંઘન (ઉપવાસ) કરવું જોઈએ. પોતાની પ્રકૃતિને અનુકૂળ આવે એ રીતે લંઘન કરવાથી માણસને અધોવાયુ, મળ-મૂત્રાદિ સાફ આવે છે, તેનું શરીર હળવું થાય છે, તેને સહજ રીતે પરસેવો છૂટે છે. તેને શુદ્ધ ઓડકાર આવે છે, તેનાં કંઠ અને મુખ સાફ થાય છે તથા ગ્લાનિ અને આળસ મટી જાય છે, વળી તેને જમવા ઉપર ઉત્તમ રુચિ થાય છે, ભૂખ-તરસ એકસાથે ઉત્પન્ન થાય છે તથા તેનો અંતરાત્મા અતિ પ્રસન્ન રહે છે.

લંઘન (ઉપવાસ) વ્યક્તિની પ્રકૃતિ અને તેનાં બળ-વય અને દર્દની સ્થિતિ જોઈ, હિતકર હોય તે રીતે યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તે ઇષ્ટ છે. અન્યથા અતિઉપવાસ બહુ હાનિકારક પણ બને છે અને તેથી વ્યક્તિનાં બળ, જઠરાગ્નિ અને આયુષ્યનો નાશ થાય છે. યોગ્ય ઉપવાસથી શરીરમાં સ્ફૂર્તિ ને બળ સચવાય છે અને દર્દની સ્થિતિમાં ઉપવાસથી દોષ અને મળવિકારનો નાશ થતાં શરીર જલદી સ્વસ્થ થાય છે.

આહારના અતિરેકથી પીડાતા અને દર્દી બનેલા માટે ઉપવાસ રામબાણ ઇલાજ છે; પરંતુ ભૂખમરો વેઠતી, વધુ ભૂખી રહેલી કે કુપોષણથી પીડાતી વ્યક્તિને ઉપવાસ કે લંઘન લાભને બદલે નુકસાન કરે છે. તેથી ઉપવાસ ખૂબ સમજણપૂર્વક અને જાણકાર વ્યક્તિની સલાહ મુજબ જ કરવા વધુ ઇચ્છનીય છે.

ઉપવાસ (સત્યાગ્રહ) : વ્રતો અને ઉપવાસોના સૌપ્રથમ સંસ્કાર ગાંધીજીએ બાલ્યકાળમાં માતા પૂતળીબા પાસેથી ગ્રહણ કરેલા. એ સમજણા થયા ત્યારથી એમણે જોયેલું કે મા કઠણમાં કઠણ વ્રતો આદરતી અને ચાતુર્માસ કરતી. ગમે તેવી માંદગીમાં પણ એ નિર્વિઘ્ને પૂરાં કરતી. બાળ મોહન પર આની અમીટ છાપ પડેલી. દેખાદેખી કે મા-બાપને રીઝવવા દૂધ અને ફળાહાર લઈ એકાદશી વગેરે વ્રતોનું પાલન એ કાળ દરમિયાન એમણે પણ કરેલું. પુખ્તવયે એનું મહત્વ સમજાતાં વૈચારિક બળ તેમાં ઉમેરાયું અને દક્ષિણ આફ્રિકામાં ધાર્મિક ર્દષ્ટિએ ફક્ત પાણી લઈને ઉપવાસો કરતા.

ફિનિક્સ આશ્રમ અને ટૉલ્સ્ટૉય ફાર્મના સામુદાયિક, ધાર્મિક જીવનમાં પણ ગાંધીજીએ ઉપવાસ અને એક ટાણાનું મહત્વ સૌને સમજાવી શ્રાવણ મહિનામાં અને રમજાનના દિવસોમાં હિંદુ અને મુસલમાન ભાઈબહેનોને ઉપવાસ કરવા પ્રેરેલા. એનું શુભ પરિણામ એ આવેલું કે અન્યોન્ય પ્રત્યે ઉદારતા અને પ્રેમભાવ વિકસ્યાં હતાં.

દક્ષિણ આફ્રિકામાં એમના તથા આશ્રમવાસીઓના આરોગ્યને સાચવવા ગાંધીજી કુદરતી ઉપચાર તરફ વળેલા. એમાં મહત્વના સાધન તરીકે ઉપવાસના પ્રયોગો પણ પોતા ઉપર તથા સાથીઓ પર કરેલા. ત્યાં જ સમર્પણભાવથી લોકસેવામાં તન્મય થવાની ર્દષ્ટિએ બ્રહ્મચર્ય તરફ વળેલા અને બ્રહ્મચર્યની સાધનામાં પણ સ્વાદેન્દ્રિયજય અને ઉપવાસની અનિવાર્યતા એમને સમજાયેલી.

સત્યના ઉપાસક ગાંધીજી પોતાના સાથીઓ અને અંતેવાસીઓ પાસે પણ સત્યના પાલનની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. કારણ એમની ર્દષ્ટિએ તો ‘ઝેરી વાયુ કરતાં પણ અસત્ય વધારે ઝેરી અને વધારે સૂક્ષ્મ છે.’ એટલે સાથીઓ સાથે વિચારપૂર્વકનું સામુદાયિક જીવન જીવવા માટે એમણે સ્થાપેલી સંસ્થામાં સૌ કોઈ સત્યનું પાલન કરે એવી ઉત્કટ ભાવના એમણે સેવેલી. એમને મન સત્ય આત્મવિકાસનું સાધ્ય અને સાધન બંને હતું. વળી એ માનતા કે જ્યાં સૂર્ય હોય ત્યાં અંધકાર ટકી જ ન શકે. તેમ જે સંસ્થાનો મોવડી સત્યનું સંપૂર્ણ પાલન કરતો હોય તે સંસ્થામાં અસત્ય ટકી જ ન શકે. એટલે સંસ્થાની કોઈ પણ વ્યક્તિ અસત્ય બોલે તો એમાં તેઓ પોતાના સત્યાચરણમાં ત્રુટિ જોતા અને ઉપવાસાદિ દેહદમન દ્વારા વાતાવરણમાં શુદ્ધિ ફેલાવવા મથતા. ગાંધીજીએ અનેક પ્રસંગોએ પોતાના અથવા બીજાના દોષોના પ્રાયશ્ચિત્ત અર્થે નિશ્ચિત કે અનિશ્ચિત સમયના ઉપવાસ કર્યા છે. એમના જીવનકાળ દરમિયાન એમણે સત્તર વખત ઉપવાસ કર્યા હતા. ગાંધીજીની ર્દષ્ટિએ ઉપવાસ એટલે પોતાના કે બીજાના આત્માની શુદ્ધિ અર્થે કરેલું બધી ઇન્દ્રિયોનું દમન. આ દેહદમન ઈશ્વરના હાથમાં પોતાને સંપૂર્ણ રીતે સમર્પિત કરી દેવાનું સાધન હતું. ફિનિક્સ આશ્રમમાં આવા બે પ્રસંગો બનેલા. પહેલા પ્રસંગમાં એક શિક્ષિકા અને કેટલાક વિદ્યાર્થીઓએ રસ્તામાંથી મળેલા પૈસાનાં ભજિયાં લઈ ખાધાં અને એ વાત છુપાવી. ગાંધીજીને એની જાણ થતાં સત્ય હકીકત જાણવા એમણે અન્નજળનો ત્યાગ કર્યો. એની ભારે અસર થઈ. એક જ દિવસમાં સત્ય બહાર આવ્યું અને ઉપવાસ આટોપાયો; પણ ગાંધીજીનું મનોમંથન શમ્યું નહિ. એમાં પોતાની કંઈ કચાશ રહી હશે એમ માનીને અઠવાડિયા પછી પ્રાયશ્ચિત્ત રૂપે એક સપ્તાહના ઉપવાસ અને ચાર માસ સુધી એક ટાણું કરવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો. દેહદમનનો એ કાળ પૂરો થયો તે પછી બે-એક મહિનામાં જ બીજો પ્રસંગ બન્યો. જે વ્યક્તિના ચારિત્ર્ય પર ગાંધીજીને ખૂબ વિશ્વાસ હતો તેના સ્ખલનની એમને જાણ થઈ. એથી ગાંધીજી ખૂબ દુ:ખી થયા અને પ્રાયશ્ચિત્તરૂપે ઉપવાસ કર્યો. તે સાથે સંયમના સંસ્કાર કેળવી મનની ગુલામીમાંથી મુક્ત થવાની સૌને શીખ આપી.

1915માં ગાંધીજી હિંદ આવ્યા અને સત્યાગ્રહ આશ્રમ સ્થાપી ફિનિક્સવાસીઓ સાથે અમદાવાદમાં સાબરમતી તીરે વસવાટ કર્યો. સૌમાં સંયમ અને સેવાના સંસ્કાર ઢાળવા સત્ય-અહિંસાદિ અગિયાર વ્રતો દાખલ કર્યાં. આશ્રમનું નામ સૂચવે છે તેમ સત્ય આશ્રમનો પાયો હતો. વાણી, વિચાર અને કર્મમાં સત્યાચરણનો આગ્રહ આશ્રમમાં સેવાતો અને જ્યારે જ્યારે અસત્ય બોલાય ત્યારે તેને મહારોગ સમજી તે દૂર કરવા ચાંપતાં પગલાં લેવાતાં. ત્યાં દોષ કરનારને દંડ દેવાની તો નીતિ જ નહોતી. એટલે દોષિતને સમજાવીને એના દોષ સમાજ આગળ પ્રગટ કરવા અને મુખ્ય કાર્યકર્તાઓ તથા દોષિત જો તૈયાર થાય તો તેને પણ પ્રાયશ્ચિત્ત રૂપે ઉપવાસ કરવાના વગેરે ઉપાયો મુખ્ય કાર્યકર્તાઓની શુદ્ધિ માટે અજમાવતા. ગાંધીજીની ર્દષ્ટિએ આવા દેહદમનથી મુખ્ય કાર્યકર્તા, અસત્ય આચરનાર અને સમાજ, ત્રણેય પર પ્રભાવક અસર થાય છે. એનાથી નબળાઈ દૂર કરવામાં મદદ મળે છે. આવા દેહદમન પાછળની એમની વૈચારિક ભૂમિકા એવી હતી કે માણસ દેહનો દાસ બનીને એના ભોગ માટે અનેક પાપો કરે છે એટલે આહારરૂપી ભોગનો ત્યાગ અને આત્મનિરીક્ષણ કરવામાં મદદરૂપ થાય છે. પણ એની એવી પણ વિપરીત અસર થઈ શકે કે ઉપવાસાદિની બીકથી પાપ કરતાં અટકવાને બદલે એવા લોકો પાપ છુપાવવાનો પ્રયત્ન કરે. એટલે એમણે ઉપવાસાદિ પ્રાયશ્ચિત્ત માટે અધિકારની આવશ્યકતા દર્શાવીને તેની શરતો મૂકી છે :

(1) દોષ કરનારના મનમાં પ્રાયશ્ચિત્ત કરનાર પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. (2) દોષની સાથે જેને કશો સંબંધ નથી તેને સારુ તે પ્રાયશ્ચિત્ત ન કરે. (3) પ્રાયશ્ચિત્ત કરનાર પોતે એવા દોષથી મુક્ત હોવો જોઈએ, અને દોષિત આગળ તેની પ્રતિષ્ઠા હોવી જોઈએ. (4) પ્રાયશ્ચિત્ત કરનાર અંગત સ્વાર્થ અને રોષને વશ ન હોવો જોઈએ. (5) દોષ પ્રત્યક્ષ, સર્વમાન્ય ને આત્માને હણનારો હોવો જોઈએ ને તેનું દોષ કરનારને ભાન હોવું જોઈએ.

વિવિધ સત્યાગ્રહ આંદોલનોમાં પણ અંતરાત્માના આદેશને અનુસરીને આત્મશુદ્ધિ અને સામાજિક જીવનશુદ્ધિ માટે ઉપવાસો કરીને ગાંધીજીએ સામાજિક અને રાજકીય ક્ષેત્રે ચમત્કારિક અસરો ઉપજાવેલી. એનો સૌપ્રથમ પ્રયોગ 1918માં અમદાવાદમાં મિલમજૂર આંદોલન સમયે થયેલો. મજૂરોની પગારવધારાની લાંબા સમયની માગણી ન સંતોષાઈ એટલે ગાંધીજીએ મિલમાલિકોને મજૂરોની માગણી વિશે પંચ નીમવા વીનવ્યા. પણ માલિકોએ એનો સ્વીકાર ન કર્યો. એટલે ગાંધીજીએ હડતાલ પાડવાની સલાહ આપી. મજૂરોએ માગણી ન સંતોષાય અથવા તપાસપંચ ન નિમાય ત્યાં સુધી કામ પર ન જવાનો ઠરાવ કરી હડતાલ પાડી. પહેલાં બે અઠવાડિયાં તો મજૂરોએ ખૂબ હિંમત બતાવી પણ પછી તે મોળા પડ્યા. કેટલાક મિલમાં પણ જવા લાગ્યા. બીજા તેમનો દ્વેષ કરવા લાગ્યા. ગાંધીજીને થયું કે દસ હજાર માણસો પ્રતિજ્ઞા લે અને ગમે ત્યારે તોડે તો દેશની અધોગતિ જ થાય. આટલા બધા માણસોનું નૈતિક અધ:પતન ગાંધીજીને માટે અસહ્ય હતું. એમને પડતા અટકાવવા ગાંધીજીએ ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લીધી. એની વીજળીના જેવી અસર થઈ. મજૂરોનું આત્મભાન જાગ્રત થયું. ફરી હડતાલ ચાલુ રાખી અને સ્વમાનભેર જીવવા કામની માગણી કરી, એમને કામ સોંપાયું. ગાંધીજીના ઉપવાસની અસર માલિકો પર પડતાં તેઓ સમાધાન માટે તૈયાર થયા. આખરે પંચ નિમાયું અને હડતાલ છૂટી એટલે ત્રણ જ દિવસમાં ગાંધીજીના ઉપવાસ આટોપાયા. પણ આ ઉપવાસને કારણે માલિકો પર અણઘટતું દબાણ થયું એટલે માલિકોના સંબંધમાં એ ઉપવાસ દોષવાળા હતા એવું એમને લાગ્યું. આથી મજૂરોની માગણીમાં પણ એમને બાંધછોડ કરવી પડી.

1919માં રોલેટ બિલ સામે સત્યાગ્રહનું એલાન કરી આખા દેશમાં એક દિવસ-ચોવીસ કલાકના ઉપવાસ અને કામધંધો બંધ કરવાની હાકલ ગાંધીજીએ કરી. તે વખતે મુંબઈ અને અમદાવાદમાં તોફાનો ફાટી નીકળ્યાં. એટલે પ્રજાને અહિંસક લડત માટે તૈયાર કર્યા વિના સત્યાગ્રહનું એલાન આપ્યું, એમાં પોતાની ભૂલ હતી એમ સમજી એમણે શાંતિ માટે પ્રયત્નો કર્યા અને પ્રાયશ્ચિત્ત રૂપે ત્રણ દિવસના ઉપવાસ કર્યા. તે દિવસોમાં એમણે કુલ સાત દિવસના ઉપવાસ કરેલા. તેવી જ રીતે નવેમ્બર, 1921માં પ્રિન્સ ઑવ્ વેલ્સના સ્વાગતના બહિષ્કારના સંદર્ભમાં મુંબઈમાં તોફાનો થવાને કારણે ચાર દિવસના ઉપવાસ કરેલા અને 1922માં ચૌરીચૌરા હત્યાકાંડ વખતે પાંચ દિવસના ઉપવાસ કરેલા. તે વેળા બારડોલીમાં જમીનમહેસૂલ વધારા સામે સત્યાગ્રહનું આંદોલન ઉપાડવાની તૈયારી થતી હતી તે પણ સ્થગિત કરી દીધી હતી, દેશમાં એક બાજુ અહિંસક આંદોલન ચાલે અને બીજે ખૂણે લોકો હિંસક તોફાનો કરી પોલીસ સહિત પોલીસચૉકી બાળે તે ગાંધીજીને માટે અસહ્ય હતું. દેશભરમાંથી અનેક લોકોએ બારડોલી સત્યાગ્રહ બંધ કરવા સામે વિરોધ ઉઠાવેલો, પણ ગાંધીજી એ આંદોલન સ્થગિત રાખવા માટે મક્કમ રહેલા. તે તકનો લાભ લઈ સરકારે ગાંધીજીને પકડી લઈ છ વર્ષ કેદની સજા કરેલી; પણ માંદગીને કારણે બે વર્ષ પછી એમને છોડી મૂકવામાં આવેલા. જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે ગુલબર્ગ અને કોહાટમાં ભયંકર કોમી રમખાણો ફાટી નીકળેલાં. હિંદુ અને મુસ્લિમો વચ્ચે વધતાં જતાં વૈમનસ્યથી અત્યંત વ્યથિત થઈ ગાંધીજીએ 1924માં એકવીસ દિવસના ઉપવાસ કરેલા; તે જ વર્ષે એમના આશ્રમના વિદ્યાર્થીઓમાં ચારિત્રદોષ આવવાથી એક સપ્તાહના ઉપવાસ કરેલા.

1932-34ના સમય દરમિયાન અસ્પૃશ્યતાનિવારણનાં કાર્યોના સંદર્ભમાં ગાંધીજીએ પાંચ વખત ઉપવાસ કરવા પડેલા. તા. 2-12-1932ને દિવસે આપ્પાસાહેબ પટવર્ધનને રત્નાગીરી જેલમાં સરકારે જાજરૂ સફાઈ કરવાની મના કરી એ સામે ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા. એટલે સરકારે બીજે દિવસે મંજૂરી આપી, બીજી વખતે હરિજનોને અલગ પ્રતિનિધિત્વ આપવાના વિરોધમાં 20-9-1933માં યરવડા જેલમાં ઉપવાસ શરૂ કરેલા. તે આઠ દિવસ ચાલેલા અને યરવડા કરારથી એનો અંત આવેલો. ત્રીજી વખત 8-5-1933થી 29-5-1933 સુધી હરિજન આંદોલનના સંદર્ભમાં એકવીસ દિવસના ઉપવાસ કરેલા. એ ઉપવાસ માટે 29-4-33ની મધરાતે એમને પોતાના અંતરાત્માનો અવાજ સંભળાયેલો અને આદેશ મળેલો. એટલે એમણે પોતાની તથા પોતાના સાથીઓની આત્મશુદ્ધિ માટે ઉપવાસ કરેલા. ચોથી વખત 16-8-33ના રોજ સરકારે એમને જેલમાં હરિજનકાર્ય નિર્વિઘ્ને કરવા ન દીધું. એટલે આમરણ ઉપવાસ આરંભેલા. તા. 23-8-33ના રોજ ગાંધીજીની તબિયત ખૂબ બગડી ત્યારે સરકારે તેમનો બિનશરતી છુટકારો કરેલો. તા. 7મી નવેમ્બરે એમણે અસ્પૃશ્યતાનિવારણના કાર્ય માટે વર્ધાથી યાત્રા શરૂ કરેલી. એ યાત્રા દરમિયાન અજમેરની સભામાં થયેલાં તોફાનોથી વ્યથિત થયેલા ગાંધીજીએ પ્રાયશ્ચિત્ત રૂપે 7-8-1934થી સાત દિવસના ઉપવાસ કરેલા.

એ બે વર્ષના સમયગાળા દરમિયાન સત્યાગ્રહીના એક શસ્ત્ર તરીકે ઉપવાસની વિશદ ચર્ચાઓ પણ થઈ હતી. એ બધી ચર્ચાઓમાંથી ફલિત થતી ઉપવાસ અંગેની કેટલીક પાયાની બાબતો નીચે દર્શાવ્યા પ્રમાણે છે :

  1.  સ્વાર્થી હેતુ માટે ઉપવાસ ન થાય. હેતુ શુદ્ધ જનકલ્યાણનો હોવો જોઈએ.
  2.  ઉપવાસ કોઈના કહેવાથી ન થાય. તે માટે ઈશ્વરી પ્રેરણા થવી જોઈએ.
  3.  ઉપવાસ કરતાં પહેલાં મનને શાંત, નિર્મળ કરવું જોઈએ.
  4.  ઉપવાસ દરમિયાન જીવન નિરંતર પ્રાર્થનામય હોવું જોઈએ. ઉપવાસ એ પ્રાર્થનાનું ઉત્કટમાં ઉત્કટ રૂપ છે, સત્યાગ્રહીનું અંતિમ શરણું છે. ‘પ્રભુ ! તારું જ ધાર્યું થાઓ, મારું નહિ’ એ જાતની વૃત્તિ રાખી જે પૂરેપૂરો ઈશ્વરને શરણે જાય છે તે ઉપવાસને લાયક ગણાય.
  5.  વ્યક્તિ સામેના સત્યાગ્રહમાં ઉપવાસ જેટલે અંશે યોજી શકાય તેટલે અંશે સમાજ અથવા તંત્ર સામે ન યોજી શકાય. વળી જો એ વ્યક્તિ સાથે પહેલાંનો કશો અંગત અને મિત્રતાનો સંબંધ ન હોય તો ઉપવાસનો ઉપાય લેવો સલાહભર્યો નથી.
  6. ઉપવાસ રૂપે સત્યાગ્રહ કુટુંબીઓ, અંગત મિત્રો, ગુરુશિષ્ય, ગુરુ-ભાઈ વગેરે અંગત રીતે પરિચિત મંડળ સામે કરી શકાય. એ જ પ્રમાણે જે સમાજ પોતાનો જ હોય અને પૂર્વે પોતે કરેલી સેવાથી તેનો એ આદરપાત્ર બનેલો હોય તો જ એ સમાજના અન્યાય સામે ઉપવાસ રૂપે સત્યાગ્રહ કરી શકાય એમ સામાન્યપણે કહી શકાય. શાસન પ્રત્યે ઉપવાસ ત્યારે જ ઉચિત ગણાય, જ્યારે ન્યાયપ્રાપ્તિના બધા રસ્તા બંધ થઈ ગયા હોય અને સત્યાગ્રહીને લાગે કે અન્યાય ચરમસીમાએ પહોંચી ગયો છે અને એને સહન કરીને જીવવા કરતાં મરવું બહેતર છે તે વખતે, (દેખાવ માટે, યશ મેળવવા માટે કે લોકપ્રિય બનવા માટે નહિ પણ) અંત:પ્રેરણાવશ ખૂબ દુ:ખ સાથે તથા અત્યંત નમ્રતાપૂર્વક ઈશ્વરના હાથમાં પોતાનું જીવન સોંપીને ઉપવાસ કરવો જોઈએ.
  7. જેઓ પોતાને વિરોધી અથવા દુશ્મન માનતા હોય તેવાઓની સામે ઉપવાસ ન કરી શકાય. વિરોધીનો મત ફેરવવા માટે ઉપવાસ યોગ્ય સાધન ન ગણાય.
  8.  ઉપવાસ બે પ્રકારના હોય છે – શરતી અને બિનશરતી. બિનશરતી ઉપવાસ મરણપર્યંતના હોય અથવા અમુક સમય માટેના હોય. આવા ઉપવાસમાં કોઈની પાસે અમુક વસ્તુ કરાવવાની શરત હોતી નથી. એટલે ઉપવાસ જો શુદ્ધ હોય તો તેને પરિણામે ઉપવાસ કરનારની અને તેના ઉપર પ્રેમ રાખનારાની આત્મશુદ્ધિ થાય છે. શરતી ઉપવાસની શરત કરવામાં વિવેક અને મર્યાદા હોવાં જોઈએ. એવા ઉપવાસ મિત્રો અને સાથીઓ સામે જ થાય, એવા ઉપવાસ તેમના સૂતેલા અંતરાત્માને ઢંઢોળીને જગાડે છે અને તેમને પોતાના કર્તવ્યમાં પ્રવૃત્ત કરે છે. ત્રાહિત કે વિરોધી પર આવા ઉપવાસની કશી અસર ન થાય.
  9.  એક બાજુથી સત્યાગ્રહ રૂપે ઉપવાસ કરવો અને બીજી બાજુથી પોતાની માગણીને મંજૂર રખાવવા વિરોધીના ઉપરીઓ દ્વારા દબાણ લાવવા પ્રયત્ન કરવો તે બરાબર નથી. એવા ઉપવાસને સત્યાગ્રહ કહી શકાય નહિ.
  10.  જે માન્યતાને માણસ પોતાનો ધર્મ ગણતો હોય તે માન્યતા બીજાના ઉપવાસને કારણે માણસે છોડવી ન જોઈએ. ગાંધીજીએ તો કહ્યું છે કે મારી સામે લાખ માણસો ઉપવાસ કરે તોપણ હું જેને મારો ધર્મ ગણતો હોઉં તેવી વસ્તુ ન છોડું.

ઉપરના નવમા મુદ્દાને સ્પર્શતો પ્રસંગ રાજકોટ સત્યાગ્રહ વખતે બન્યો. ત્યાંના દીવાન, દરબાર વીરાવાળાના જુલમી શાસન વિરુદ્ધ રાજકોટની પ્રજાએ સત્યાગ્રહ આદર્યો; પણ એથી તો દીવાનનો જુલમ વધ્યો. સત્યાગ્રહીઓ પર ભારે જુલમ ગુજારી એમને જેલમાં પૂર્યા એના સમાચાર ગાંધીજીને મળ્યા એટલે એ રાજકોટ આવ્યા અને પરિસ્થિતિ ખૂબ વણસેલી જોઈ. 3-3-39ના રોજ એમણે ઉપવાસ ચાલુ કર્યા. બીજી બાજુ રાજા-પ્રજાના એ ઝઘડાનો તટસ્થ રીતે નિકાલ કરવામાં એમણે વાઇસરૉયને પત્ર લખી મદદ માગી. વાઇસરૉયના ચુકાદાથી ગાંધીજીને સંતોષ થયો અને 6-3-39ના રોજ એમના ઉપવાસ છૂટ્યા. પણ વીરવાળા પર એની વિપરીત અસર પડી અને એનો રોષ વધ્યો. આમ સત્યાગ્રહને અંતે સુખદ સમાધાન ન થયું એટલે ગાંધીજી વિચારમાં પડ્યા અને એમને સમજાયું કે વાઇસરૉયને વચ્ચે લાવવામાં એમની ભૂલ હતી. એ ચુકાદો એમણે રદ ગણ્યો અને મળેલી જીત જતી કરી.

8-8-1942ના રોજ આરંભાયેલી ‘હિંદ છોડો’ લડત વખતે ગાંધીજી અને અન્ય દેશનેતાઓને બીજે દિવસે પકડી લેવામાં આવ્યા. ત્યારે તેના વિરોધમાં દેશભરમાં લોકોએ સભાસરઘસો યોજ્યાં. દેખાવકારો સામે સરકારે દમનનો કોરડો વીંઝ્યો. જવાબમાં પ્રજાએ વળતા હુમલા કર્યા, એ માટે સરકારે કૉંગ્રેસને અને તેના અધિકૃત નેતા તરીકે ગાંધીજીને જવાબદાર ઠરાવ્યા. આવા જુઠ્ઠા આક્ષેપો ગાંધીજી માટે અસહ્ય હતા. એમણે સ્પષ્ટતા કરી કે સરકારની દમનનીતિએ જ લોકોને હિંસા તરફ વાળ્યા. એ પછી પોતાના અંતરાત્માના અવાજને અનુસરીને એમણે 11-2-43થી 4-3-43 સુધી એકવીસ દિવસના ઉપવાસનો નિર્ણય કર્યો. એ ઉપવાસની રાષ્ટ્રવ્યાપી અને વિશ્વવ્યાપી અસરો થઈ. આઝાદીના ઉષ:કાળે ફાટી નીકળેલાં કોમી રમખાણોએ ગાંધીજીને બેચેન બનાવી મૂક્યા. એનો આરંભ કોલકાતાથી થયો. એ વિદ્વેષની આગ નોઆખલીનાં ગામડાંઓમાં ફેલાઈ. ગાંધીજીએ એ આગને ઠારવા પગપાળા પ્રવાસ શરૂ કર્યો. એની ચમત્કારી અસર થઈ. રમખાણો શાંત પડ્યાં. બંને કોમોએ સાથે મળી આઝાદીનો ઉત્સવ ઊજવ્યો. એ પછી પંજાબમાં ભયંકર કત્લેઆમ શરૂ થઈ એના છાંટા કોલકાતામાં ઊડ્યા. એટલે ગાંધીજીએ વિચાર્યું કે ‘જે મારી વાણીથી ન થયું તે કદાચ મારા ઉપવાસથી થાય’. ત્રીજી સપ્ટેમ્બરથી શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસ આરંભ્યા. આની બહુ મોટી અસર થઈ. બંને કોમના પ્રતિનિધિઓ તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ફરી વળ્યા અને સઘળે શાંતિ સ્થાપી. એટલું જ નહિ ફરી તોફાનો ન થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવા અંગેનું પ્રતિજ્ઞાપત્ર તૈયાર કરી તેના પર સહી કરી. એ બાંયધરીને ગાંધીજીએ સ્વીકારીને બોત્તેર કલાકના ઉપવાસ બાદ પાંચમી સપ્ટેમ્બરે પારણાં કર્યાં. ગાંધીજીના આ ઉપવાસે જાદુઈ અસર ઉપજાવેલી. હુલ્લડખોરોએ એમની આગળ હથિયારોના ઢગ રચી દીધા હતા. એ અસરથી પ્રભાવિત થઈ લૉર્ડ માઉન્ટબેટન બોલી ઊઠેલા : ‘પચાસ હજાર સૈનિકો પંજાબમાં જે ન કરી શક્યા તે એક માણસના લશ્કરે સિદ્ધ કર્યું.’

આ શાંતિકાર્ય પછી ગાંધીજીની મીટ પંજાબ પર મંડાઈ. પણ ત્યાં તો દિલ્હીમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. એટલે એમને દિલ્હી બોલાવવામાં આવ્યા. ત્યાં આવેલા હિંદુ ને શીખ નિરાશ્રિતો તથા રોષે ભરાયેલા સ્થાનિક હિંદુઓ દિલ્હીના મુસલમાનો પર વેર વાળવા તેમનાં ઘર અને મસ્જિદો કબજે કરી તેમને ભગાડી રહ્યા હતા. ગાંધીજીને થયું કે આ વિદ્વેષની આગને શાંત પાડવામાં નહિ આવે તો એની લપટમાં આખો દેશ હોમાશે. એટલે બધી કોમો વચ્ચે હૃદયની એકતા સ્થાપવાના હેતુથી તેરમી જાન્યુઆરીએ ઉપવાસ શરૂ કર્યા. એમના આ અંતિમ ઉપવાસ સૌથી વધુ અસરકારક સાબિત થયા. દેશ-વિદેશ અને ખાસ કરીને મુસ્લિમ જગતમાં ગાંધીજી પ્રત્યેનાં આદરમાન વધ્યાં. દિલ્હીમાં પણ સૌ કોમના પ્રતિનિધિઓ શાંતિકાર્યમાં લાગ્યા. ઉપવાસના ત્રીજા દિવસે હિંદ સરકારે પાકિસ્તાનને 55 કરોડનું દેવું ચૂકવવાનો નિર્ણય કર્યો. ગાંધીજીને મન આ અસામાન્ય ઉપવાસ એમના અંતરાત્માના આદેશને અનુસરીને અને પરિસ્થિતિને થાળે પાડવાની ફરજ રૂપે હતા. એ ઉપવાસે અનેકોનાં દિલ ઢંઢોળ્યાં. હજારો અને લાખો મુસલમાનો, હિંદુઓ અને શીખો બધું જ કામકાજ બંધ રાખી બહાર નીકળી પડ્યા અને સરઘસાકારે સમગ્ર શહેરમાં ફરી શાંતિ સ્થાપી. સઘળી કોમોના પ્રતિનિધિઓની એક મધ્યસ્થ શાંતિ સમિતિ રચાઈ અને મુસલમાનોના જાન-માલ-મિલકત અને ધર્મનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવાઈ. શાંતિ સ્થપાયાની ખાતરી થતાં ગાંધીજીએ પારણાં કર્યાં.

આમ દેશની વિવિધ સમસ્યાઓના અહિંસક ઉકેલની દિશામાં સત્યાગ્રહનાં ભિન્ન ભિન્ન અંગો પ્રયોજતાં ગાંધીજીને છેવટે અંતિમ ઉપાય તરીકે અનેક વાર ઉપવાસનો સહારો લેવો પડેલો. એવા ઉપવાસ વખતે તેઓ પોતાના અંતરાત્માના અવાજથી દોરાતા હતા. એટલે બહારનું કોઈ બળ કે જિજીવિષા પણ એમને ચળાવી શકતાં નહોતાં. ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા ધરાવતા ગાંધીજીનું એ અંતિમ પગલું એમના અંતરાત્મા અને પરમાત્મા પાસે ધા નાખી, ઉકેલની શોધમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરવાની સાધનારૂપ હતું. એનાં આશ્ચર્યકારક પરિણામો દેશે અને દુનિયાએ અનુભવ્યાં. એ આધ્યાત્મિક અનુષ્ઠાનોએ આપણા સમાજજીવનની અનેક સમસ્યાઓના ઉકેલમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. એનો દુરુપયોગ પણ થતો હોય છે, પણ એનાથી એનું મહત્વ ઓછું નથી થતું.

રમણભાઈ મોદી

બળદેવપ્રસાદ પનારા

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

નટવરલાલ યાજ્ઞિક

 હરિત દેરાસરી

શિલીન નં. શુક્લ