હસ્તિનાપુર : મહાભારત અનુસાર મહારાજા દુષ્યંતના પુત્ર ભરતના પ્રપૌત્ર મહારાજા હસ્તિને ગંગાના કિનારે વસાવેલ નગર. તે હાલના ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ગંગા નદીના કાંઠે આવેલું હતું. તે કૌરવો અને પાંડવોની સમૃદ્ધ રાજધાની હતી. દિલ્હીની ઉત્તર-પૂર્વે (ઈશાન ખૂણે) આશરે 91 કિમી.ના અંતરે આ પ્રાચીન નગરના અવશેષો મળ્યા છે. તે ગંગા નદીના પ્રવાહથી ધોવાઈ ગયા છે. કૌરવો-પાંડવો વચ્ચે અહીં દ્યૂત રમાયું હતું અને પાંડવો પોતાનું સર્વસ્વ હારી ગયા હતા.

ઈ. સ. 1950–1953 દરમિયાન પ્રસિદ્ધ પુરાતત્વવિદ બી. બી. લાલ દ્વારા કરાયેલ ઉત્ખનન દરમિયાન અહીંથી પાંચ સંસ્કૃતિકાળની ભાળ મળી છે. પ્રત્યેક કાળનાં વાસણના અવશેષો મળ્યા છે. આમાંના સૌથી પ્રાચીન કાળનાં વાસણો ચિત્રિત ગેરુવા રંગનાં વિશિષ્ટ ભાતવાળાં હતાં. બીજા કાળનાં સલેટી રંગનાં અને તેના ઉપર ભૂરા અથવા કાળા રંગનાં ચિત્રણવાળાં વાસણો છે. અહીં તાંબાનો ઉપયોગ થતો હોવાના પુરાવા છે. ત્રીજા કાળમાં કાળા ઓપવાળાં વાસણો, માટીની પાકી ઈંટો આહત (Panch marked), સિક્કા વગેરે મળ્યાં છે. ચોથા તબક્કામાં કુષાણકાલીન અને પાંચમા અને છેલ્લા તબક્કામાં મધ્યકાલીન અવશેષો મળ્યા છે. બી. બી. લાલ આના દ્વિતીય કાળને મહાભારતકાલીન માને છે.

મહાભારતના યુદ્ધ પછી ધૃતરાષ્ટ્રના 100 પુત્રો મરણ પામ્યા અને યુધિષ્ઠિર કુરુઓના રાજા બન્યા. તેમનું પાટનગર પણ હસ્તિનાપુર હતું. રાજા પરિક્ષિતની પૌરાણિક વાર્તા ઐતિહાસિક હકીકત સૂચવે છે કે, નાગ લોકોના રાજા તક્ષકે હસ્તિનાપુર પર ચડાઈ કરી હતી. તેના આક્રમણને રોકવાના પ્રયાસમાં ત્યાંનો રાજા પરિક્ષિત મરણ પામ્યો. હસ્તિનાપુરનો નાશ થયા પછી કે ગંગા નદીથી ધોવાઈ ગયા પછી, કુરુ કુળના રાજાઓ ઇન્દ્રપ્રસ્થમાં રાજ્ય કરતા હતા.

હસ્તિનાપુરનું મંદિર : જંબુદ્વીપ

હસ્તિનાપુર જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થ છે. મહાવીર સ્વામીએ આ સ્થળની મુલાકાત લીધી હતી. આ સ્થળે રાજા શ્રેયાંસે આદિ તીર્થંકર ઋષભદેવને શેરડીનો રસ દાનમાં આપ્યો હતો. તેથી આ સ્થળ ‘દાનીતીર્થ’ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળનો સંબંધ શાંતિનાથ, કુંતુનાથ અને અરહન્નાથ નામના તીર્થંકરો સાથે પણ છે.

હસમુખ વ્યાસ

જયકુમાર ર. શુક્લ