હસ્તસંજીવન : હસ્તરેખાશાસ્ત્રનો મેઘવિજયગણિકૃત એક પ્રમાણિત ગ્રંથ. આ ગ્રંથમાં રચનાકાળનો કોઈ ઉલ્લેખ નથી, પણ ભાષ્યમાં ગ્રંથકારની લેખનપ્રવૃત્તિ વિક્રમ સંવત 1714થી 1760 દરમિયાન થઈ હોવાથી આ ગ્રંથ લગભગ સંવત 1737ના અરસામાં રચ્યો હશે. ક્યારેક ગ્રંથકાર મેઘવિજયગણિ આને ‘સામુદ્રિક લહરી’ નામે ઓળખાવે છે. વારાણસીના કવિ જીવરામે ‘સામુદ્રિક લહરી ભાષ્ય’ રચ્યું છે.

ગ્રંથકારે ‘હસ્તસંજીવન’, ‘પ્રશ્નસુંદરી’, ‘વર્ષપ્રબોધ’ અને ‘અર્જુનપતાકા’ નામે જ્યોતિષશાસ્ત્રના ગ્રંથો રચ્યા છે. સાહિત્યક્ષેત્રે મેઘદૂત, નૈષધ અને માઘનો સમસ્યાપૂર્તિ દ્વારા પોતાના કાવ્યમાં સમાવેશ કર્યો છે.

‘હસ્તસંજીવન’ સવા પાંચસો અનુષ્ટુપ છંદના શ્લોકોમાં લખાયેલો ગ્રંથ છે. આને ‘હસ્તસંજીવન સિદ્ધ જ્ઞાન’ કે ‘હસ્તસંજીવની’ પણ કહેવામાં આવે છે. પ્રત્યેક અધ્યાયના અંતે બૃહદ્ છંદ યોજવામાં આવ્યો છે.

સમગ્ર ગ્રંથ ચાર અધિકારોમાં વહેંચાયેલો છે. જ્યોતિષના ગ્રંથોમાં અધ્યાયોને ‘અધિકાર’ સંજ્ઞાથી ઓળખવાની પરિપાટી છે. આ ગ્રંથ કરણગ્રંથ નથી; છતાં આ પરિપાટીને સ્વીકારવામાં આવી છે. પહેલો દર્શનાધિકાર, બીજો સ્પર્શનાધિકાર, ત્રીજો રેખાવિમર્શનાધિકાર અને ચોથો વિશેષાધિકાર છે. દરેક અધિકારમાં નાનાં નાનાં પ્રકરણો છે. કેટલીક જગ્યાએ પેટા પ્રકારોને પણ ‘અધિકાર’ સંજ્ઞા આપવામાં આવી છે.

પ્રથમ દર્શનાધિકારમાં શાસ્ત્રપ્રારંભાધિકારના વીસ શ્લોકોમાં હાથની પ્રશંસા છે. ધ્યાનાધિકારમાં નૈમિત્તક માટે ઇષ્ટ દેવતાની કૃપાની જરૂરિયાત બતાવી છે. પરમાત્માની કૃપા વગર વાકસ્થિતિ થતી ન હોવાનું કહ્યું છે. ત્રીજા પ્રકરણમાં પારિભાષિક શબ્દોના સંગ્રહ છે. ચોથા પ્રકરણમાં હાથ જોવાની વિધિ આપી છે. આમાં છલને સ્થાન નથી. ઇષ્ટદેવ, પરમાત્મા, ગુરુની કૃપા અને શ્રદ્ધાથી સાચું ફળકથન સૂઝતું હોવાનું જણાવાયું છે. કેવળ પરીક્ષા ખાતર સ્વકથનને નકારવામાં આવ્યું છે. પાંચમા અધ્યાયમાં તિથિચક્રો સહિત અનેક ચક્રોની ચર્ચા છે. સમગ્ર ગ્રંથના હાર્દરૂપ આ અધ્યાય છે. હસ્તસંજીવનમાં નષ્ટજાતક અથવા હસ્તરેખા ઉપરથી જન્મકુંડળી કરવાની રીત હોવાની માન્યતા અહીં બરાબર જણાતી નથી. દર્શનાધિકારના સત્તર શ્લોકોમાં હથેળીમાં જન્મકુંડળી સમા બાર ભાવ કલ્પવામાં આવ્યા છે. ચૂડામણિ-શાસ્ત્રની પદ્ધતિ જેવી નષ્ટજાતક માટેની પદ્ધતિ ઉપરથી આવી માન્યતા ફેલાયેલી છે. ‘રણવીર જ્યોતિમહાનિબંધ’માં હથેળી ઉપરથી જન્મકુંડળીની રચનાની કેટલીક પદ્ધતિઓ છે તે એકદમ બંધબેસતી જણાઈ નથી. હાથમાં દેખાતાં શુભાશુભ લક્ષણોની પરીક્ષા ઉપરથી વર્ષ, માસ, તિથિ, ઘડી વગેરનું શુભાશુભ તારવવાની વાત છે ખરી.

આ ગ્રંથના બીજા અધિકારનું નામ સ્પર્શનાધિકાર છે. હાથની અંદર જ સર્વ નિમિત્તોનો સમાવેશ કર્યો છે. પ્રથમ સત્તાવીશ શ્લોકોમાં અંગવિદ્યાનું નિરૂપણ છે. વર્ષનું શુભાશુભ જ્ઞાન, વૃષ્ટિજ્ઞાન, મુષ્ટિજ્ઞાન, ગયેલી વસ્તુના લાભાલાભ, ચોરજ્ઞાન, નિધિજ્ઞાન, ગર્ભજ્ઞાન વગેરે જ્ઞાનની વિગતો છે. શ્લોક 28થી સ્વપ્નવિદ્યાનું નિરૂપણ કર્યું છે. પછી સ્વરશાસ્ત્રની ચર્ચા છે. શ્લોક 35થી ભૌમશાસ્ત્ર, 29માં વ્યંજન અને લક્ષણ, 40થી ઉત્પાત અને 44મા અંતરીક્ષનું દિગ્દર્શન છે. 45મા શ્લોકથી ચૂડામણિશાસ્ત્ર, શકુનશાસ્ત્ર પુસ્તક શકુનપદ્ધતિનો અંતર્ભાવ સંક્ષેપમાં કર્યો છે. ત્રીજા ‘રેખાવિમર્શનાધિકાર’ અને ચોથા વિશેષાધિકારમાં વિવિધ રેખાઓનાં વર્ણન અને સામુદ્રિકશાસ્ત્રની નખ, તલ, આવર્ત વગેરે બાબતોની હાથમાં સમાય તેટલી બધી જ બાબતોની ચર્ચા કરેલી છે. ‘રેખાવિમર્શનાધિકાર’ સૌથી મોટો છે. હાથની બધી જ મુખ્ય રેખાઓનું વર્ણન આ વિભાગમાં આવી જાય છે. આ ગ્રંથને જોયા પછી લાગે છે કે આજના વિસ્તૃત મળતા હસ્તરેખાશાસ્ત્રનું મૂળ આ ગ્રંથમાં જ છે.

શ્રી મેઘવિજયજી ઉપાધ્યાયના જન્મ કે જીવન વિશે વિગતો મળતી નથી. તેમના ગ્રંથોમાં મળતી પ્રશસ્તિઓ ઉપરથી પોતાનું નામ, ગુરુશ્રી કૃપાવિજયજી અને શ્રી વિજયપ્રભસૂરિ પ્રતિ તેમનાં આદરભક્તિ સવિશેષ છે. શ્રી વિજયપ્રભસૂરિએ તેમને ‘ઉપાધ્યાય’ પદ આપ્યું હતું. તેમણે ‘કિરાત’, ‘માઘ’, ‘નૈષધ’, ‘મેઘદૂત’ વગેરેનું આકંઠ પાન કર્યું હતું. તેમના ‘યુક્તિપ્રબોધ નાટક’ ઉપરથી તેઓ તત્વજ્ઞાનના પ્રકાંડ પંડિત હોવાનું જણાય છે. તેમણે આ નાટકમાં બનારસીદાસના સિદ્ધાંતોનું ખંડન કર્યું છે. તેમણે જૈનદર્શનના નવીન મતસંસ્થાપકનું યુક્તિપૂર્વક નવીન માર્ગ અપનાવીને ખંડન કર્યું છે. હેમચંદ્રાચાર્યની ‘સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન લઘુવૃત્તિ’ને ‘હેમકૌમુદી’ કે ‘ચંદ્રપ્રભા’–2 થી સરળ બનાવી છે. ‘લઘુપ્રક્રિયા’ અને ‘હેમશબ્દચંદ્રિકા’ રચી વૈયાકરણ તરીકે તેમની પ્રસ્થાપના કરી છે. ‘ઉદયદીપિકા’, ‘વર્ષપ્રબોધ’, ‘પ્રશ્નસુંદરી’, ‘માતૃકાપ્રસાદ’, ‘અર્હદગીતા’ વગેરે ગ્રંથો તેમના પાંડિત્યનું દર્શન કરાવે છે. ‘સપ્તસંઘાત મહાકાવ્ય’ નામના અદભુત ગ્રંથમાં સાત મહાપુરુષોનાં ચરિત્રો એક જ પદ્યમાંથી નીકળતા સાત અર્થો દ્વારા નિરૂપ્યાં છે. તેઓ ગુજરાતી ભાષાના પણ સિદ્ધહસ્ત કવિ-લેખક છે. આમ તેઓ પ્રતિભાશાળી કવિ, સ્ફુરન્મતિ, દાર્શનિક, પ્રયોગવિશુદ્ધ વૈયાકરણ, સમયજ્ઞ જ્યોતિષ અને મહાઆત્મજ્ઞાની હતા. તેમનો ‘હસ્તસંજીવન’ ગ્રંથ હસ્તસામુદ્રિકશાસ્ત્રનો એક પ્રમાણભૂત ગ્રંથ છે.

દશરથલાલ ગૌ. વેદિયા