દક્ષિણ આફ્રિકા
આફ્રિકા ખંડનો આર્થિક રીતે સમૃદ્ધ તથા વિકસિત પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 22° દ. અ. થી 35° દ. અ. અને 16° પૂ. રે. થી 33° પૂ. રે.. દેશના કિનારાની કુલ લંબાઈ 2798 કિમી. જેટલી છે. આફ્રિકા ખંડના છેક દક્ષિણના ભૂ-ભાગને ‘દક્ષિણ આફ્રિકા’ તરીકે ઓળખવામાં આવે છે જે સંસદીય પ્રજાસત્તાક શાસનપદ્ધતિને વરેલો દેશ છે. તે આફ્રિકા ખંડના કુલ વિસ્તારના 4% ભૂભાગ પર ફેલાયેલો છે. તેમાં સમગ્ર ખંડની કુલ વસ્તીના 6% લોકો વસે છે.
દક્ષિણ આફ્રિકાનું ક્ષેત્રફળ 12.23 લાખ ચોકિમી. તથા કુલ વસ્તી યનો દ્વારા દર્શાવેલ માહિતી મુજબ 6.09 કરોડ (2022) છે. કુલ વસ્તીનો મોટો ભાગ શહેરી વિસ્તારમાં રહે છે. પૂર્વ કેપ, ઉત્તર કેપ, ફ્રીસ્ટેટ, ગોટેન્ગ, ક્વાઝુલુ નાતાલ, મ્યુમાલાંગા અને લિમ્પોપો જેવા રાજકીય એકમો અહીં આવેલા છે.
દેશની કુલ વસ્તીમાંથી આશરે 79% લોકો અશ્વેત, 9.6% શ્વેત, 8.9% મિશ્ર પ્રજા તથા 2.5% એશિયા મૂળના છે. દેશના અશ્વેત લોકો માટે દેશના પૂર્વ ભાગમાં અલાયદા વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે. આ દેશમાં ભારતીયોની સંખ્યા અન્ય દેશો કરતાં વધારે છે. મોટાભાગના ભારતીયો નાતાલ ફ્રી સ્ટેટ અને ટ્રાન્સવાલમાં રહે છે. દેશની કુલ વસ્તીમાં 48% ખ્રિસ્તી, 16% પરંપરાગત આફ્રિકન ધર્મના તથા બાકીના અન્ય ધર્મોના અનુયાયીઓ છે.
આફ્રિકાના મૂળ નિવાસીઓમાં પિગ્મી અને બુશમૅન લોકો છે. આ ઉપરાંત અહીં નિગ્રૉઇડ સમુદાયની ઝૂલુ, મસાઈ, યોરુબા, માટાબેલે, હોટેન્ટો, જોંગો, તુરકાના, તોપાસા, તુઆરેગ (તુર્ક) તથા તીબૂ જાતિના લોકો પણ વસે છે. આ વિવિધ જાતિઓમાં હેમિટીસ, નિગ્રો અને બાન્ટુ જાતિ મુખ્ય છે. અહીં ભાષાનું વૈવિધ્ય ઘણું છે. બાન્ટુ સમુદાયમાં આશરે અઢીસોથી અધિક ભાષાઓ બોલાય છે, જ્યારે સુદાનિક સમુદાયમાં પણ બસોથી વધુ ભાષાઓ પ્રચલિત છે.
દેશની દક્ષિણે અને પૂર્વે હિન્દી મહાસાગર, પશ્ચિમે ઍટલાન્ટિક મહાસાગર જ્યારે ઉત્તરે બોટ્સ્વાના, ઈશાને ઝિમ્બાબ્વે અને મોઝાંબિક અને વાયવ્યે નામિબિયા આવેલાં છે. આ ઉપરાંત ઍનક્લેવ સ્વરૂપે સ્વાઝિલૅન્ડ તથા લિસોથો દેશો રહેલા છે. પ્રિટોરિયા નગર દેશનું મુખ્ય વહીવટી મથક છે જ્યારે કેપટાઉનમાં સંસદ તથા બ્લૂમફૉન્ટેન નગરમાં સર્વોચ્ચ ન્યાયાલય કામ કરે છે.
દક્ષિણ આફ્રિકાનું પાટનગર પ્રિટોરિયા છે છતાં સૌથી વધુ વસ્તી જોહાનિસબર્ગમાં (વસ્તી : 60.65 લાખ – 2022) છે.
ભૂપૃષ્ઠ : આ દેશને પ્રાકૃતિક દૃષ્ટિએ પાંચ વિભાગોમાં વહેંચી શકાય : (1) ઉચ્ચસપાટ પ્રદેશ, (2) કંઠાળ પ્રદેશ, (3) ભૂશિરનો પહાડી પ્રદેશ (4) કલહરી રણ અને (5) નામિબ રણ.
(1) ઉચ્ચસપાટ પ્રદેશ : દક્ષિણ આફ્રિકાના અંતરિયાળ ભાગના મોટા પ્રદેશને આવરી લે છે. અહીં સમુત્પ્રપાત, ભેખડો અને પર્વતો આ ઉચ્ચપ્રદેશના કિનારે આવેલા છે, જેનાથી કંઠાળ પ્રદેશ અલગ પડે છે. સમુત્પ્રપાતની ઊંચાઈ 3350 મીટર જેટલી છે. દેશનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું સ્થળ ચેમ્પોઇનકેસલ (3375 મીટર) ડ્રેક્ધસબર્ગ ખાતે આવેલ છે. આ ઉચ્ચપ્રદેશના ત્રણ પેટાવિભાગો પડે છે : (અ) હાઈવેલ્ડ, (બ) મીડલવેલ્ડ, (ક) ટ્રાન્સવાલ થાળું.
(2) કંઠાળ પ્રદેશ : આ પ્રદેશ મોઝામ્બિકથી ભૂશિરના પહાડી પ્રદેશ સુધી અગ્નિકાંઠે વિસ્તરેલો છે. નજીકના ડરબન વિસ્તારમાં, દરિયાથી 30 કિલોમીટર અંદર તરફનું ભૂપૃષ્ઠ આશરે 600 મીટરની ઊંચાઈ ધરાવે છે.
(3) ભૂશિરનો પહાડી પ્રદેશ : આ વિભાગ કંઠાળપટ્ટીથી નામિબ રણ સુધી વિસ્તરેલો છે. અહીં પણ પહાડી પ્રદેશ આવેલો છે. પહાડી પ્રદેશ અને સમુત્પ્રપાત પ્રદેશ વચ્ચે બે શુષ્ક ઉચ્ચપ્રદેશો લિટલ કારુ અને મેટ કારુ આવેલા છે.
(4) અને (5) કલહરી અને નામિબ રણ : કલહરીનું રણ મીડલવેલ્ડની ઉત્તર તરફ આવેલું છે, જે બોટ્સ્વાના દેશ તરફ વિસ્તરેલ છે. નામિબ રણ ભૂશિરના પહાડી પ્રદેશની ઉત્તરે એટલાંટિકના મહાસાગર તરફ પથરાયેલ છે.
નદીઓ : ઑરેન્જ નદી દક્ષિણ આફ્રિકાની લાંબામાં લાંબી છે. તે લિસોથોથી શરૂ થઈ પશ્ચિમ તરફ આશરે 2100 કિમી. લંબાઈમાં વહીને એટલાંટિક મહાસાગરમાં ઠલવાય છે. આશરે 1210 કિમી. લંબાઈ ધરાવતી વાઅલ નદી ઑરેન્જની સહાયક નદી છે. આ ઉપરાંત લિમ્પોપો નદી જ્હોનિસબર્ગથી શરૂ થઈને પૂર્વીય દક્ષિણ આફ્રિકા અને મોઝામ્બિકનો વળાંક લઈને હિંદી મહાસાગરમાં ઠલવાય છે. આ દેશમાં નાની નદીઓ પણ આવેલી છે.
આબોહવા : સમગ્ર દક્ષિણ આફ્રિકા એક ઉચ્ચપ્રદેશ રૂપે હોવાથી અહીંની આબોહવા સમ છે. ઉત્તર આફ્રિકા કરતાં દક્ષિણ આફ્રિકાના તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. દક્ષિણમાં આવેલું પ્રિટોરિયા સરેરાશ 17° સે. તાપમાન નોંધાવે છે.
ઉનાળામાં અને શિયાળામાં ડરબન કરતાં કિમ્બર્લીનું તાપમાન ઊંચું રહે છે કારણ કે ડરબન સાગરકિનારે આવેલું છે, જ્યારે કિમ્બર્લી ખંડના અંદરના ભાગમાં આવેલું છે. કેપ પ્રાન્તની આબોહવા ભૂમધ્ય સાગર પ્રકારની આબોહવાને મળતી આવે છે.
દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાકનો મોટો ભાગ અગ્નિકોણીય વ્યાપારી પવનો(Trade Winds)ની અસર તળે હોય છે. આ પવનો હિન્દી મહાસાગર પરથી વાય છે, જે દક્ષિણ આફ્રિકાના કિનારે ભારે વરસાદ આપે છે. મોટા ભાગનો વરસાદ ઉનાળામાં પડે છે. વરસાદની માત્રા પૂર્વથી પશ્ચિમ તરફ જતાં ઘટતી જાય છે. નાતાલનો કિનારો તેમ જ ડ્રૅકન્સબર્ગનો પર્વતીય વિસ્તાર સૌથી વધુ વરસાદ મેળવે છે. જ્યારે ખંડના અંદરના ભાગમાં કિમ્બર્લી અને કલહરીના રણપ્રદેશમાં વરસાદ બિલકુલ ઓછો કે નહિવત્ પડે છે. પશ્ચિમ કિનારે બૅન્ગ્વિલાનો ઠંડો પ્રવાહ વહે છે તેથી વરસાદની માત્રા ઓછી જોવા મળે છે. સમગ્ર દક્ષિણ આફ્રિકામાં કલહરીનો રણપ્રદેશ સૌથી ઓછો વરસાદ મેળવે છે. દક્ષિણ આફ્રિકાના નૈર્ઋત્ય ખૂણે આવેલા કેપ પ્રાન્તના પ્રદેશો ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોની પેઠે શિયાળામાં વરસાદ મેળવે છે. એકંદરે સાગરકિનારો બાદ કરતાં ખંડના અંદરના ભાગમાં આબોહવા સૂકી અને ખંડીય છે.
ખેતી : દેશની આંતરિક માંગ પૂરી કરવા માટે જરૂરી તેટલું ખાદ્યાન્ન દેશમાં પેદા થાય છે. શ્વેત ખેડૂતો અદ્યતન પદ્ધતિ દ્વારા ખેતી કરે છે. તેમની માલિકીનાં ખેતરોનું સરેરાશ કદ 930 હેક્ટર જેટલું હોય છે. પરિણામે તેમનાં ખેતરો પરનું હેક્ટરદીઠ સરેરાશ ઉત્પાદન ઘણું ઊંચું હોય છે; પરંતુ અશ્વેત ખેડૂતો પરંપરાગત પદ્ધતિ દ્વારા ખેતી કરે છે. તેમનાં ખેતરોનું કુટુંબદીઠ સરેરાશ કદ 20 હેક્ટર જેટલું હોય છે. અશ્વેત ખેડૂતો નિભાવ પૂરતી જ ખેતી કરે છે જ્યારે શ્વેત ખેડૂતો વ્યાપારી ધોરણે ખેતી કરતા હોય છે.
કૃષિપ્રવૃત્તિના વિકાસ માટે અહીં સિંચાઈની સુવિધા અનિવાર્ય બને છે. લિમ્પોપો, વાલ, ઑરેન્જ જેવી દક્ષિણ આફ્રિકાની મુખ્ય ત્રણ નદીઓ સિંચાઈ માટે ઉપયોગી બને છે. જ્યારે દક્ષિણમાં આવેલી ગ્રેટ ફિશ નદી જે નાના કારુના વિસ્તારમાં વહે છે અને 75 કિમી. લાંબા બોગદા (tunnel) દ્વારા ઑરેન્જ નદી સાથે જોડી દેવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાની મોટાભાગની ખેતી સિંચાઈ આધારિત છે.
આબોહવાના વૈવિધ્યને કારણે અહીં ખેતીના વિવિધ પાકો લેવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાનો સૌથી મહત્ત્વનો પાક મકાઈ છે. અહીંના લોકોનો તે મુખ્ય ખાદ્ય પાક છે. મકાઈનાં પાન અને ડાળાં પશુઓને ઘાસચારામાં ઉપયોગી બને છે. ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટ્સમાં આવેલા ટૂંકા ઘાસની ભૂમિના ‘વેલ્ડ’ પ્રદેશોમાં મકાઈનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. વિશ્વભરમાં મકાઈના ઉત્પાદનમાં દક્ષિણ આફ્રિકાનું સ્થાન દ્વિતીય છે. અહીંનો બીજો મહત્વનો પાક ઘઉં છે, જેની ખેતી શિયાળુ વરસાદવાળા કેપ પ્રાન્ત અને ઑરેન્જ ફ્રી સ્ટેટ્સ જેવા પ્રદેશોમાં વિશેષ થાય છે.
અહીં મકાઈ અને ઘઉં મુખ્ય ખાદ્ય પાકો ઉપરાંત જવ, ઓટ, રાય અને તમાકુની ખેતી થાય છે. તમાકુનો પાક મોટે ભાગે કેપ પ્રાન્ત, નાતાલ ફ્રી સ્ટેટ્સ અને ટ્રાન્સવાલના સાગરકિનારાના પ્રદેશોમાં લેવામાં આવે છે. કપાસ-શેરડી-તેલીબિયાં જેવા પાકોનું વાવેતર પણ ઠીક ઠીક પ્રમાણમાં થાય છે. કેપ પ્રાન્ત તથા ઑરેન્જ ફ્રી સ્ટેટ્સ તેમજ નાતાલના વિસ્તારો ફળફળાદિની ખેતી માટે જાણીતા છે. અહીંની ભૂમિને સુંદર પ્રાકૃતિક ર્દશ્યો ઊભાં કરવામાં ફળોની વિશાળ વાડીઓ મદદ કરે છે.
જંગલ અને પ્રાણીસંપત્તિ : સમગ્ર દેશ એક ઉચ્ચપ્રદેશ સ્વરૂપે આવેલો છે, અને તેથી દક્ષિણ આફ્રિકામાં જંગલોનું પ્રમાણ ઓછું છે. આ દેશ નક્કર ખડકોનો બનેલો છે. રણવિસ્તાર અને વરસાદની ઓછી માત્રા જંગલસંપત્તિની અછત માટે કારણરૂપ છે.
ઘાસભૂમિ અને રણની ઝાડી-ઝાંખરાંળુ વનસ્પતિ અહીં જોવા મળે છે. નાતાલ પ્રદેશમાં પામ વૃક્ષોનું વિશાળ જંગલ આવેલું છે. દક્ષિણના કેપ પ્રાન્તમાં જ્યાં ભૂમધ્ય સમુદ્ર પ્રકારની આબોહવા છે ત્યાં સિડાર અને સાયપ્રસનાં વૃક્ષો અધિક માત્રામાં આવેલાં છે, જ્યારે નમાક્લૅન્ડ અને નામિબ(નામિબિયા)ના રણપ્રદેશમાં પાણીની અછતને કારણે કૅક્ટસ અને થોર પ્રકારની વનસ્પતિ ખાસ જોવા મળે છે. નાતાલમાં વૉટલ (wattle or acacia) નામનાં વૃક્ષોના વિશાળ બગીચાઓ આવેલા છે. આ વૃક્ષોની છાલ ચામડાં કમાવવામાં અને તેનું લાકડું નાતાલની કોલસાની ખાણોમાં ટેકા મૂકવા માટે વપરાય છે. વિશ્વના મોટા ભાગના દેશોને વૉટલ વૃક્ષોની છાલ દક્ષિણ આફ્રિકા પૂરી પાડે છે. વેલ્ડ(ટૂંકા ઘાસની ભૂમિનો પ્રદેશ)માં વિશાળ ભૂમિના પ્રદેશો આવેલા છે જ્યારે નાના કારુના પ્રદેશો ઝાડીઝાંખરાંની વનસ્પતિ ધરાવે છે.
દક્ષિણ આફ્રિકાના દેશો ખેતી કરતાં પશુપાલનને વધુ મહત્ત્વ આપે છે. પર્વતીય ઢોળાવો તેમજ ‘કારુ’ અને ‘વેલ્ડ’ પ્રદેશો પશુપાલનપ્રવૃત્તિ માટે વધુ ભૌગોલિક અનુકૂળતા ધરાવે છે. દુધાળાં ઢોરનો ઉછેર વધુ વરસાદવાળા પ્રદેશોમાં થાય છે. કેપ પ્રાન્ત તથા વેલ્ડના પ્રદેશોની આબોહવાનો લાભ લઈ યુરોપિયનોએ વિશાળ પશુવાડાઓ (animal farms) તૈયાર કરી પશુપાલનપ્રવૃત્તિનો વૈજ્ઞાનિક ઢબે વિકાસ કર્યો છે. ડેરી-ઉદ્યોગના વૈજ્ઞાનિક પદ્ધતિથી થયેલા વિકાસને પરિણામે અહીંથી વિદેશમાં ચીઝ, બટર અને દૂધના પાઉડરની તેમજ ચામડાંની નિકાસ પણ થાય છે.
ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ઘેટાં-બકરાં ઉછેરવામાં આવે છે. અહીંના ઘેટાના ઊંચી જાતના ઊનની વિદેશોમાં નિકાસ થાય છે. ઊનના ઉત્પાદનમાં દક્ષિણ આફ્રિકા વિશ્વમાં ચોથા સ્થાને આવે છે. દક્ષિણ આફ્રિકાના વિકાસમાં સોના પછી ઊનનું મહત્ત્વ છે. અહીંનાં અંકોરા જાતિનાં ઘેટાં તેના મુલાયમ ઊન માટે જાણીતાં છે.
વિશાળ ઘાસભૂમિના પ્રદેશોમાં ઝીબ્રા અને જિરાફ જેવાં પ્રાણીઓ તેમજ શાહમૃગ (ઑસ્ટ્રિચ) જેવાં પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ઑસ્ટ્રિચ પક્ષીઓ તેનાં રંગબેરંગી પીછાં માટે જાણીતાં છે. કારુના પ્રદેશોમાં આ પક્ષીઓનો ઉછેર વૈજ્ઞાનિક ઢબે થાય છે. જૂના સમયમાં આ પક્ષીનાં પીછાંની યુરોપમાં ખૂબ માંગ રહેતી હતી. યુરોપીય લોકો તેને શોભા માટે હૅટ ઉપર રાખતા હતા. ફૅશન બદલાતાં હવે તેની માંગ ઘટી ગઈ છે. દક્ષિણના વિશાળ સાગરકિનારે મત્સ્ય-ઉદ્યોગ વિકસેલો છે. અહીંની પીલ, ચાર, રૉક-લૉબસ્ટર અને ટુના માછલીઓ જાણીતી છે. શાર્ક માછલીનો શિકાર પણ દૂરના ઊંડા સાગરવિસ્તારોમાં થાય છે. તેના તેલની નિકાસ થાય છે.
ખનિજસંપત્તિ : ખનિજસંપત્તિની બાબતમાં દક્ષિણ આફ્રિકા સમૃદ્ધ છે. આફ્રિકાના અન્ય પ્રદેશો કરતાં અહીં વિપુલ પ્રમાણમાં ખનિજો પ્રાપ્ત થાય છે. ખનિજતેલ અને બૉક્સાઇટ સિવાય લગભગ બધા જ પ્રકારનાં ખનિજો અહીંથી પ્રાપ્ત થાય છે.
મુખ્ય ખનિજોમાં સોનું, હીરા, યુરેનિયમ, કોલસો, તાંબું, ઍસ્બેસ્ટૉસ અને કલાઈ છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ, ટ્રાન્સવાલ, ઑરેન્જ ફ્રી સ્ટેટ્સ વગેરેમાં સોનાની સમૃદ્ધ ખાણો આવેલી છે. સમગ્ર વિશ્વમાં હવે દક્ષિણ આફ્રિકા અને રશિયા આ બે જ દેશોમાં સોનાની ખાણો સક્રિય છે.
કિમ્બર્લી અને પ્રિટોરિયાની હીરાની ખાણો જગવિખ્યાત છે.
જૂના સમયમાં સૌપ્રથમ ટ્રાન્સવાલમાં રેન્ડની સોનાની ખાણ શોધી કાઢવામાં આવી હતી. જોહાનિસબર્ગ શહેર આ ખાણપ્રદેશમાં જ વસેલું છે. અહીંની સોનાની ખાણોની માલિકી એક જમાનામાં શ્વેત લોકોની હતી, જેમાં આજે પરિવર્તન જોવા મળે છે. સ્વતંત્રતા બાદ અહીંની સ્થાનિક પ્રજાની ભાગીદારી તેમાં વધી છે. છતાં ખાણોમાં મજૂરો તરીકે અહીંના હબસી જ કામ કરે છે. કેપ પ્રાન્તનું કિમ્બર્લી શહેર ‘હીરાનું શહેર’ કહેવાય છે. હીરાના ઉત્પાદનમાં તે વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. જ્વાળામુખી ખડકોના વિસ્તારોમાંથી સ્ફટિકમય હીરા વિશેષ પ્રમાણમાં મળી આવે છે. ઑરેન્જ અને વાલ નદીની ખીણનો પ્રદેશ તથા પ્રિટોરિયા મુખ્ય હીરાઉત્પાદક પ્રદેશો છે. અહીંથી મોટા ભાગના હીરા પહેલ પાડવા માટે નેધરલૅન્ડ મોકલવામાં આવે છે. નેધરલૅન્ડનું ઍમ્સ્ટરડૅમ શહેર હીરા-ઉદ્યોગ માટે જાણીતું છે. ઈ. સ. 1905માં અહીંના પ્રિટોરિયા વિસ્તારમાંથી ‘કલિનન ડાયમન્ડ’ મળી આવ્યો હતો, જે દોઢ રતલનો હતો. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ, કેપટાઉન તથા ડરબનમાં હીરાને પહેલ પાડવાની પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં વિકસી છે.
દેશના ઘણા ભાગોમાંથી કોલસો મળી આવે છે. ઑરેન્જ ફ્રી સ્ટેટ્સમાંથી કોલસો વિપુલ પ્રમાણમાં મળે છે. ટ્રાન્સવાલ, જોહાનિસબર્ગ, નાતાલ ફ્રી સ્ટેટ્સ કોલસાનાં મુખ્ય ઉત્પાદક કેન્દ્રો છે. લોખંડ, રૉક ફૉસ્ફેટ તથા યુરેનિયમ પણ અહીંથી મળે છે. પ્લૅટિનમ પ્રિટોરિયામાંથી, જ્યારે ઍસ્બેસ્ટૉસ ટ્રાન્સવાલના ઉત્તર ભાગમાંથી મળી આવે છે. ખનિજતેલ પણ થોડા પ્રમાણમાં મળે છે.
ધાતુમય ખનિજો કરતાં બિનધાતુમય ખનિજોની બાબતમાં દક્ષિણ આફ્રિકા વધુ સમૃદ્ધ છે.
ઉદ્યોગો : ઔદ્યોગિક ઉત્પાદનની બાબતમાં દક્ષિણ આફ્રિકાએ સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે. દેશના લોકોની તૈયાર ચીજ-વસ્તુઓની માંગ આંતરિક ઉત્પાદન દ્વારા પૂરી થાય છે.
દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) બાદ અહીં વિવિધ ઉદ્યોગોનો ઝડપી વિકાસ થયો છે, જેમાં ખનિજપ્રાપ્તિ સાથે સંલગ્ન ખાણઉદ્યોગ, લોખંડ અને પોલાદનો ઉદ્યોગ, ખેત-આધારિત ઉદ્યોગોમાં ખાંડઉદ્યોગ, દારૂ ગાળવાનો ઉદ્યોગ, રસાયણઉદ્યોગ, કાપડઉદ્યોગ તેમજ ફળફળાદિને લગતા ઉદ્યોગો મુખ્ય છે. તાજેતરનાં વર્ષો દરમિયાન દેશમાં યંત્રો, ધાતુની ચીજવસ્તુઓ, સ્વયંચાલિત વાહનો તથા ખાદ્યપ્રક્રમણ કરતા ઔદ્યોગિક એકમોનો વિકાસ નોંધપાત્ર પ્રમાણમાં થયો છે. પશુપાલનને કારણે દેશમાં ડેરી-ઉદ્યોગ, ઊન-ઉદ્યોગ, ચર્મ-ઉદ્યોગ અને મત્સ્ય-ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે.
વિપુલ ખનિજોને કારણે દક્ષિણ ટ્રાન્સવાલ, કેપટાઉન, પૉર્ટ ઈલિઝાબેથ, ઈસ્ટ લંડન અને ડરબનની આસપાસ સૌથી વધુ ઉદ્યોગો ખીલ્યા છે; દા. ત., પ્રિટોરિયા, ન્યૂકેસલ તથા વેરીનિગિંગમાં લોખંડ અને પોલાદનો ઉદ્યોગ, જ્યારે જોહાનિસબર્ગમાં સોનું ગાળવાનો ઉદ્યોગ વિકસ્યો છે. સુતરાઉ કાપડ-ઉદ્યોગ ડરબન, ઈસ્ટ લંડન તથા પૉર્ટ ઈલિઝાબેથમાં ખીલ્યો છે. સાગરકિનારા નજીક ખનિજતેલ અલ્પમાત્રામાં મળે છે. તેથી કેપટાઉન અને ડરબનમાં ખનિજતેલનું શુદ્ધીકરણ કરતા એકમો આવેલા છે.
પૉર્ટ ઈલિઝાબેથ ખાતે મોટરકાર બનાવવાનો ઉદ્યોગ, ડરબન ખાતે ખાંડનું ઉત્પાદન કરતો ઉદ્યોગ તથા કેપટાઉનમાં શાર્ક માછલીમાંથી તેલ કાઢવાના ઉદ્યોગો વિકસ્યા છે. અહીં વિકસેલા અન્ય ઉદ્યોગોમાં દ્રાક્ષમાંથી દારૂ બનાવવાનો, ફળફળાદિની સુકવણી અને જાળવણીને લગતો ઉદ્યોગ તેમજ રેયૉન, રાસાયણિક ખાતર, કૃત્રિમ રબર, ચામડાની વિવિધ બનાવટો જેવા અનેક ઉદ્યોગોનો વિકાસ થયો છે. દેશને આઝાદી મળ્યા બાદ દક્ષિણ આફ્રિકાએ ઔદ્યોગિક વિકાસમાં હરણફાળ ભરી છે.
વિદેશવ્યાપાર : દક્ષિણ આફ્રિકા સોનું, કોલસા, હીરા, લોખંડ અને પોલાદ, ધાતુઓ, ફળફળાદિ, મકાઈ, ખાંડ, ઊન અને દરિયાઈ ખોરાક જેવી ચીજોની નિકાસ કરે છે. દેશ જે વસ્તુઓની આયાત કરે છે તેમાં પેટ્રોલ, ખનિજતેલની અન્ય પેદાશો, વીજળીનાં યંત્રો, સ્વયંચાલિત વાહનો, રસાયણો વગેરેનો સમાવેશ થાય છે. દેશનો મોટા ભાગનો વિદેશવ્યાપાર અમેરિકા, જાપાન, જર્મની, ઇંગ્લૅન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ તથા આફ્રિકાના કેટલાક દેશો સાથે થાય છે.
વાહનવ્યવહાર : માનવપ્રવૃત્તિઓ અને ગીચ વસ્તીને કારણે દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કિનારો વાહનવ્યવહારની બાબતમાં વિકસિત સ્થિતિમાં છે. ખેતી, પશુપાલન તથા ખાણઉદ્યોગ તેમજ નવા વિકસતા ઉદ્યોગોને કારણે વાહનવ્યવહારનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. જમીનમાર્ગોમાં રેલમાર્ગોનો વિકાસ નોંધપાત્ર છે. ટ્રાન્સવાલ ટાઉન અને જોહાનિસબર્ગ વચ્ચે 35 કિમી.નો રેલમાર્ગ હીરાની ખાણોને કારણે જ સ્થપાયો છે.
કેપટાઉનથી કિમ્બર્લી, જોહાનિસબર્ગ, પ્રિટોરિયા, ઈસ્ટ લંડન, પૉર્ટ ઈલિઝાબેથ, પીટર મેરિટ્ઝબર્ગ, બ્લૂમફૉન્ટેન, ડરબન જેવાં અનેક શહેરો રેલમાર્ગે પરસ્પર જોડાયેલાં છે. અસમાન ભૂપૃષ્ઠ તથા રણપ્રદેશની વિશાળતાને કારણે એકંદરે માર્ગપરિવહન ક્ષેત્રનો વિકાસ મર્યાદિત પ્રમાણમાં થયો છે, જેની સરખામણીમાં હવાઈ અને જળમાર્ગનો વિકાસ વધુ જોવા મળે છે; તેમ છતાં, દક્ષિણ આફ્રિકા પડોશી અને અગ્નિ આફ્રિકા(South-East Africa)ના દેશો રહોડેશિયા, કૉંગો-કિનશાસા તથા મોઝાંબિક દક્ષિણ આફ્રિકા સાથે રેલમાર્ગે જોડાયેલું છે. આ દેશમાં 2400 કિમી. લંબાઈના રેલમાર્ગો, 7.55 લાખ કિમી.ના સડકમાર્ગો આવેલા છે. દેશમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલાં છે. ખુલ્લો સાગરકિનારો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે જ્યારે ઑરેન્જ, લિમ્પોપો, વાલ વગેરે નદીઓ આંતરિક જળમાર્ગ માટે મર્યાદિત રીતે ઉપયોગી બને છે.
સંદેશાવ્યવહાર : દેશમાં 23 દૈનિક છાપાંઓ છે જેમાંથી 17 અંગ્રેજીમાં તથા બાકીનાં 6 સ્થાનિક આફ્રિકન ભાષાઓમાં પ્રકાશિત થાય છે. સાઉથ આફ્રિકા બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (SABC) રેડિયો તથા ટેલિવિઝન જેવાં માધ્યમો પર અંકુશ ધરાવે છે. આ સંસ્થા રોજના 19 રેડિયો-કાર્યક્રમો તથા ટેલિવિઝનની ચૅનલો પર કાર્યક્રમો પ્રસારિત કરે છે. ટપાલ, તાર તથા ટેલિફોન ખાતાંઓ રાજ્યના સીધા અંકુશ હેઠળ છે.
મહત્ત્વનાં શહેરો : દક્ષિણ આફ્રિકામાં રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્ત્વનાં પાંચ શહેરોમાં જોહાનિસબર્ગ, પ્રિટોરિયા, ડરબન, કેપટાઉન અને પીટરમારિટ્ઝબર્ગનો સમાવેશ કરી શકાય.
જોહાનિસબર્ગ : ઈ. સ. 1866માં જ્યારે રેન્ડમાંથી સોનું પ્રાપ્ત થયું ત્યારે જોહાનિસબર્ગ એક નાનકડી છૂટાંછવાયાં ઝૂંપડાંઓની વસાહત હતું. આજે તે દક્ષિણ આફ્રિકાનું સૌથી અગત્યનું અને ગીચ વસ્તી ધરાવતું મોટું શહેર છે.
આ શહેર ખનિજોના પ્રદેશની મધ્યમાં આવેલું હોવાથી તે મહત્ત્વનું ઔદ્યોગિક શહેર બન્યું છે. અદ્યતન ઢબનું બહુમાળી ઇમારતો ધરાવતું આ શહેર પશ્ચિમના કોઈ વિકસિત શહેર જેવું લાગે છે. મુખ્ય શહેરની આસપાસ ´બ્લૅક ટાઉનશિપ´માં નિગ્રો મજૂરોની વસાહતો છે. મુખ્ય શહેરમાં ગોરા લોકોની વસ્તી વિશેષ છે. કેપ પ્રાન્તનું આ શહેર રેલમાર્ગે દક્ષિણ આફ્રિકાનાં અન્ય શહેરો અને અગત્યનાં બંદરો સાથે જોડાયેલું છે. હવાઈ માર્ગે તે લંડન, રોમ, ખાર્ટુમ અને નાઈરોબી સાથે જોડાયેલ છે. વેરીનિગિંગ, ગ્રીમીસ્ટોન, પ્રિટોરિયા, રસ્ટેનબર્ગ તથા ક્રુરગરડોપ સાથે તે રેલમાર્ગે જોડાયેલું છે.
પ્રિટોરિયા : આ શહેર જોહાનિસબર્ગથી આશરે 50 કિમી. ઉત્તરે આવેલું દક્ષિણ આફ્રિકાની રાજધાની અને રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. 11.83 લાખની વસ્તી (2022)નું આ શહેર હારબંધ વૃક્ષોવાળા જાહેર માર્ગો અને રંગીન ગગનચુંબી ઇમારતો ધરાવે છે. હીરાની ખાણો અને કોલસાની ખાણો વચ્ચે આ શહેર આવેલું છે. પરિણામે અહીં વિવિધ ઉદ્યોગો વિકસેલા છે, જેમાં એન્જિનિયરિંગ ઉદ્યોગ તથા લોખંડ-પોલાદનો ઉદ્યોગ મુખ્ય છે. અહીં હીરા પર આધારિત અનેક ઉદ્યોગો વિકસેલા છે.
ડરબન : આ શહેર નાતાલ પ્રાન્તનું મહત્વનું શહેર અને બંદર છે. મહાત્મા ગાંધી સૌપ્રથમ વાર 1893માં ભારતથી અહીં પહોંચ્યા હતા. કોલસાના ક્ષેત્રની નજીક આ સ્થાન હોવાથી અહીં નિગ્રો મજૂરોની વિશાળ વસાહત આવેલી છે. અહીં ઘણા ભારતીયો પણ વસે છે. જહાજ- બાંધકામ, રિફાઇનરી તથા વિવિધ પ્રકારના ઉદ્યોગો વિકસેલા છે. 32.28 લાખ જેટલી (2022) વસ્તી ધરાવતું આ શહેર તેની સુંદરતાને કારણે વિદેશી પ્રવાસીઓને આકર્ષે છે.
કેપટાઉન : આશરે 49,77,833 (2022)થી અધિક વસ્તી ધરાવતું આ શહેર પર્વતોની તળેટીમાં આવેલું છે. વસ્તીની દૃષ્ટિએ દક્ષિણ આફ્રિકાનું આ બીજા નંબરનું (ડરબન પછી) શહેર છે. કેપ પ્રાન્તનું આ શહેર યુરોપ, એશિયા, અને ઑસ્ટ્રેલિયાના મહત્ત્વના જળમાર્ગો પર આવેલું છે. 1652માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નેજા હેઠળ જાન-વાન-રીબેકે આ શહેર વસાવ્યું હતું. આ શહેરનો મુખ્ય દરવાજો હોલૅન્ડ(હાલના નેધરલૅન્ડ)ના ડોરડ્રેશ શહેરના દરવાજાને આબેહૂબ મળતો આવે છે. ડચ બાંધણીથી બંધાયેલાં પ્રાચીન સંગ્રહસ્થાન, નૅશનલ બોટૅનિકલ ગાર્ડન તેમજ ફળની વાડીઓથી શોભતા આ શહેરમાં વિદેશી પ્રવાસીઓની વણથંભી વણજાર સતત ફરતી જોવા મળે છે. અહીં ડચ અને અંગ્રેજ સંસ્કૃતિનું મિશ્રણ થયેલું છે. ફળફળાદિ આધારિત ઉદ્યોગોનું તે મુખ્ય કેન્દ્ર છે. આ બંદરેથી મોટા પ્રમાણમાં ફળફળાદિ, દારૂ અને માછલાંની નિકાસ થાય છે.
પીટરમારિટ્ઝબર્ગ : આ શહેર નાતાલ પ્રાન્તની રાજધાની છે. તે ડરબન અને જોહાનિસબર્ગ સાથે રેલમાર્ગે જોડાયેલું છે. વૉટલવૃક્ષની છાલ આધારિત ઉદ્યોગો (wattel industry) અહીં વિકસેલા છે. 1.60 કરોડથી અધિક (2022) વસ્તી ધરાવતું આ શહેર ડરબન બંદરની ઉત્તરે આવેલું છે.
આ ઉપરાંત કિમ્બર્લી કેપ પ્રાન્તનું હીરાઉદ્યોગ માટે જાણીતું શહેર છે. પૉર્ટ ઈલિઝાબેથ તથા ઈસ્ટ લંડન ત્યાંનાં મહત્ત્વનાં બંદરો અને પ્રવાસી કેન્દ્રો છે. પૉર્ટ ઈલિઝાબેથ નગર રબરનાં ટાયર, પગરખાં, હોડી અને મોટરકારના ઉદ્યોગ માટે જાણીતું છે. ઈસ્ટ લંડન નગર ડેરીની પેદાશો માટે પ્રખ્યાત છે.
દેશને આઝાદી મળ્યા પછી દક્ષિણ આફ્રિકાનો ઔદ્યોગિક અને આર્થિક વિકાસ થયો છે.
આફ્રિકાન્સ તથા અંગ્રેજી — આ બે દેશની માન્ય ભાષાઓ છે.
એક રીતે જોઈએ તો આધુનિક દક્ષિણ આફ્રિકાના રાજકીય બંધારણનો આરંભ સાઉથ આફ્રિકન ઍક્ટ(1909)થી થયો. દક્ષિણ આફ્રિકાની કુલ વસ્તીમાં 1/5 જેટલું જ પ્રમાણ ધરાવતા શ્વેત લોકોના પ્રતિનિધિઓએ ડરબન (નાતાલ) ખાતેના રાષ્ટ્રીય અધિવેશનમાં આને લગતો ઠરાવ પસાર કર્યો. 1900ના ઑસ્ટ્રેલિયન બંધારણ પર આધારિત આ બંધારણ ટ્રાન્સવાલના સાંસ્થાનિક સેક્રેટરી જનરલ જૅન ક્રિસ્ટિઆન સ્મટ્સ(1870–1950)નું સર્જન હતું. બંધારણીય કાયદાના મુસદ્દાને 1901માં બ્રિટિશ પાર્લમેન્ટે બહાલી આપી તથા તેને કાયદાનું સ્વરૂપ આપ્યું. 31 મે, 1910ના રોજ દક્ષિણ આફ્રિકાના સંઘનું ઉદઘાટન થયું અને લુઈ બોથા સંઘના પ્રથમ વડાપ્રધાન બન્યા.
શ્વેત પ્રતિનિધિઓવાળી પાર્લમેન્ટ તમામ ધારાકીય સત્તાઓ ધરાવતી. પાર્લમેન્ટનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં 2/3 બહુમતીથી બંધારણમાં સુધારાવધારા કરવાની તેમાં જોગવાઈ હતી. આ બંધારણ અન્વયે અશ્વેત આફ્રિકન અને અશ્વેત (coloured) પ્રજાને મતાધિકારથી વંચિત રાખવામાં આવી. પાર્લમેન્ટના સભ્યોએ સંઘની નવી રાજધાની પસંદ કરવાના સંકુલ રાજકીય સવાલનો ઉકેલ પ્રિટોરિયાને વહીવટી રાજધાની, કેપટાઉનને ધારાકીય રાજધાની તથા બ્લૂમફૉન્ટેનને ન્યાયકીય રાજધાની તરીકે પસંદ કરીને આણ્યો. ઉક્ત બંધારણમાં રંગભેદની નીતિને સામેલ કરવામાં આવી હતી.
1961નો બંધારણીય કાયદો 1909ના દક્ષિણ આફ્રિકાના કાયદા પર આધારિત હતો. દક્ષિણ આફ્રિકાની સંસદે પસાર કરેલ આ કાયદો મે 31, 1961ના રોજ દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાક બન્યું ત્યારથી અમલમાં હતો. આ બંધારણ અન્વયે વડાપ્રધાન (સરકારના વડા) પાર્લમેન્ટને જવાબદાર હતા. મતાધિકાર પર શ્વેત લોકોનો ઇજારો હોઈને પાર્લમેન્ટમાં માત્ર શ્વેત લોકો જ પ્રતિનિધિ તરીકે ચૂંટાતા. અલબત્ત, અમુક શૈક્ષણિક અને આર્થિક લાયકાતો ધરાવતા રંગીન અને આફ્રિકન (અશ્વેત) લોકો મર્યાદિત સંખ્યામાં પ્રતિનિધિઓ ચૂંટી શકતા. આફ્રિકનો તથા રંગીન પ્રજા માટેનો આ વિશિષ્ટાધિકાર અનુક્રમે 1959 અને 1968માં રદ કરવામાં આવ્યો.
3, સપ્ટેમ્બર, 1984ના રોજ દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકનું નવું બંધારણ અમલમાં આવ્યું. વડાપ્રધાનનો હોદ્દો રદ કરવામાં આવ્યો તથા તેમનાં કાર્યો પ્રમુખે સંભાળી લીધાં. નવી બંધારણીય વ્યવસ્થા નીચે પણ 73% આફ્રિકનો(અશ્વેતો)ને મતાધિકારથી વંચિત રાખવામાં આવ્યા હતા. રાષ્ટ્રપ્રમુખ રાજ્ય અને સરકાર બંનેનો વડો ગણાતો. સંસદ દ્વારા પસંદ કરાયેલ મતદારમંડળ તેને ચૂંટતું. મતદારમંડળમાં શ્વેત લોકોનું પ્રતિનિધિત્વ કરતી ‘હાઉસ ઑવ્ ઍસેમ્બ્લી’ના 50 સભ્યો, અશ્વેત પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ‘હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝ’ના 25 સભ્યો તથા એશિયન પ્રજાનું પ્રતિનિધિત્વ કરનાર ‘હાઉસ ઑવ્ ડેલિગેટ્સ’ના 13 સભ્યોનો સમાવેશ થતો. આમ શ્વેત લોકોનું પ્રભુત્વ જળવાઈ રહે તેની અકબંધ વ્યવસ્થા કરવામાં આવી હતી. કૅબિનેટ તથા સ્પેશિયલ મિનિસ્ટર્સ કાઉન્સિલ પ્રમુખને તેના કાર્યમાં મદદ કરતાં.
ત્રિગૃહી ધારાસભા સમસ્ત ધારાકીય સત્તાઓ ધરાવતી. તેનાં ત્રણ ગૃહો : ‘હાઉસ ઑવ્ ઍસેમ્બ્લી’ (178), ‘હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝ’ (85) તથા ‘હાઉસ ઑવ્ ડેલિગેટ્સ’(45)ના સભ્યો જે તે સમુદાય દ્વારા સીધી રીતે ચૂંટાતા. અમુક સભ્યોની નિમણૂક પણ કરવામાં આવતી. પરંતુ અહીં પણ બહુમતી આફ્રિકન પ્રજાને મતાધિકારથી વંચિત રાખવામાં આવી હતી. દેશની ન્યાયકીય સત્તા સર્વોપરી અદાલતમાં નિહિત થયેલી હતી. પ્રમુખ ન્યાયમંત્રીની સલાહ અનુસાર ન્યાયાધીશોની નિમણૂક કરતા.
1948 પછી અપનાવવામાં આવેલી રંગભેદની નીતિને લીધે દક્ષિણ આફ્રિકામાં જાતિગત હિંસા અને હડતાળોનો દોર શરૂ થયો. ઘણાં શહેરોમાં હુલ્લડો ફાટી નીકળ્યાં. સ્ટિફેન બિકો નામના એક અશ્વેત કાર્યકરનું પોલીસ અટકાયત દરમિયાન મૃત્યુ થયું (1977). આને પગલે પગલે કેટલાંક વર્તમાનપત્રો પર અને નાગરિક અધિકારો પર અંકુશો લાદવામાં આવ્યા. નવેમ્બર, 1977માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે (UNO) 1 વર્ષ માટે આદેશાત્મક શસ્ત્રસહાય પર પ્રતિબંધ લાદ્યો. 1978માં વડાપ્રધાન-પદે આવેલ પીટર બોથાએ કેટલાક રંગભેદી કાયદાઓમાં સુધારા કર્યા.
ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાની સરકાર પર આર્થિક અને સાંસ્કૃતિક પ્રતિબંધો લાદ્યા. 1990 પછી દક્ષિણ આફ્રિકાના પ્રમુખ એફ. ડબલ્યૂ. દ. ક્લાર્કે રંગભેદની નીતિ તથા પ્રથાને ક્રમશ: રદ કરવા માંડી. અશ્વેત નેતા નેલ્સન મંડેલાને 27 વર્ષના કારાવાસ પછી મુક્ત કરવામાં આવ્યા તથા આફ્રિકન નૅશનલ કાગ્રેસ (ANC) પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો (1990). આંતરરાષ્ટ્રીય રમતગમતમાં દક્ષિણ આફ્રિકાને પુન: પ્રવેશ આપવામાં આવ્યો તથા સંયુક્ત રાજ્ય અમેરિકાએ અગાઉ દક્ષિણ આફ્રિકા પર લાદેલા વ્યાપાર અને રોકાણ અંગેના પ્રતિબંધો દૂર કર્યા (1991). 1991માં રંગભેદને લગતા શેષ કાયદાઓ પણ રદ કરવામાં આવ્યા.
1992માં દેશના પ્રમુખ એફ. ડબલ્યૂ. દ. ક્લાર્કે એપ્રિલ, 1994માં સૌપ્રથમ બિનજાતિગત સરકાર રચવા માટે ચૂંટણી કરવાની જાહેરાત કરી. 1993માં દક્ષિણ આફ્રિકાએ નવું બંધારણ અપનાવ્યું. આ અન્વયે અશ્વેત લોકોને પ્રથમ વાર મતાધિકાર પ્રાપ્ત થયો. વળી આ બંધારણથી સરકારના સંગઠનમાં શકવર્તી ફેરફારો થયા. અગાઉની ત્રિગૃહી ધારાસભાને સ્થાને દ્વિગૃહી ધારાસભાની જોગવાઈ કરવામાં આવી. 400 બેઠકો ધરાવતી ‘નૅશનલ ઍસેમ્બ્લી’ (દક્ષિણ આફ્રિકાના તમામ લોકો દ્વારા ચૂંટાયેલ) તથા 90 બેઠકો ધરાવતી સેનેટ (9 પ્રાંતીય ધારાસભાઓ દ્વારા પરોક્ષ રીતે ચૂંટાયેલ સભ્યો) એમ ધારાસભામાં બંને ગૃહોની સંયુક્ત બેઠક દેશના પ્રમુખની ચૂંટણી કરે છે. મે, 1994માં યોજવામાં આવેલ દેશવ્યાપી ચૂંટણીઓમાં આફ્રિકન નૅશનલ કાગ્રેસનો વિજય થયો અને આફ્રિકન નેતા નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા.
રંગભેદની નીતિને કારણે દક્ષિણ આફ્રિકા સાથેના સંબંધો પર રાષ્ટ્રસંઘે જે પ્રતિબંધ મૂક્યા હતા તે ઉઠાવી લેવામાં આવ્યા. તેમજ ઉપર્યુક્ત નીતિને કારણે ભારત જેવા જે દેશોએ દક્ષિણ આફ્રિકા સાથેના રાજદ્વારી સંબંધો કાપી નાંખ્યા હતા તે સંબંધો તે દેશમાં રંગભેદની નીતિ નાબૂદ થતાં ફરી પ્રસ્થાપિત કરવામાં આવ્યા.
ઇતિહાસ : ઈ. સ. પૂર્વે 814માં ફિનિશિયન પ્રજા કાર્થેજમાં શાસન કરતી હતી. ત્યારબાદ રોમનોએ કાર્થેજ પર કબજો જમાવ્યો. રોમનોને હરાવીને આરબોએ ઇજિપ્તમાં ઈ. સ. 613માં આરબ સામ્રાજ્યનો આરંભ કર્યો. આરબોએ શક્તિશાળી નૌકાકાફલા અને તાલીમબદ્ધ સૈન્યના જોરે ભૂમધ્ય સમુદ્રના રસાળ અને ફળદ્રૂપ કિનારાના પ્રદેશોમાં છેક સ્પેન સુધી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. આફ્રિકામાં આરબોના રાજકીય પ્રભાવને કારણે ઉત્તર આફ્રિકામાં ઇસ્લામનો પ્રભાવ સ્પષ્ટ વર્તાય છે, જ્યારે તેથી વિરુદ્ધ યુરોપિયનોના સાગર-સાહસના પ્રયાસોની સફળતાને કારણે દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તી ગોરા યુરોપિયનોનો પ્રભાવ વિશેષ અને સ્પષ્ટ જોઈ શકાય છે.
ઈ. સ. 1488માં પોર્ટુગીઝ સાહસિક અને સાગરખેડુ બોર્થોલૉમ્યુ ડાયસ આફ્રિકાના દક્ષિણ કિનારે કેપ ઑવ્ ગુડ હોપ સુધી આવ્યો હતો. વાસ્કો દ-ગામા પણ 1498માં અહીં આવ્યો હતો. પોર્ટુગીઝોની માફક યુરોપમાંથી વલંદા (ડચ-હોલૅન્ડના), ફ્રેન્ચ અને અંગ્રેજો પણ અહીં પ્રારંભે વ્યાપાર અર્થે આવ્યા હતા. પાછળથી સમૃદ્ધિનો લાભ મેળવી તેમણે રાજકીય પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. કેટલાક યુરોપિયનોએ અહીંના ગ્રામીણ નિગ્રોનો ગુલામો તરીકેનો વેપાર શરૂ કર્યો હતો. અહીંના ગુલામોને યુરોપમાં અને ઉત્તર અમેરિકામાં વેચવાની પ્રવૃત્તિનો પ્રારંભ થતાં આ ખંડમાં યુરોપિયનોની અવરજવર ખૂબ વધી ગઈ.
અંગ્રેજ સાહસિક જેમ્સ બ્રુસ પગપાળા ઇથિયોપિયાના ભૂમિભાગો પર સૌપ્રથમ ઘૂમી વળ્યો હતો. ઈ. સ. 1770માં તેણે ભૂરી નાઇલ(Blue Nile)નું મૂળ શોધવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. ડેવિડ લિવિંગ્સ્ટને ઈ. સ. 1852માં ઉત્તરે એટલાન્ટિકથી દક્ષિણે હિન્દી મહાસાગર સુધીનો પગપાળા પ્રવાસ ખેડીને ન્યાસા સરોવરોની હારમાળા શોધી કાઢી હતી. દુનિયાના મોટા ધોધમાં ગણના થાય છે તે વિક્ટોરિયા ધોધની શોધ પણ લિવિંગ્સ્ટને કરી હતી. અહીંના હબસી લોકો આ ધોધને તેમની ભાષામાં ‘મોસી તુન્યા’ અર્થાત્ ‘ગર્જતા ધુમાડા’ (roaring smoke) તરીકે ઓળખાવે છે. ધોધથી દસેક કિમી. ઉપરવાસમાં નદીના કિનારે લિવિંગ્સ્ટન શહેર આવેલું છે. ઝાંબેઝી નદીના જળમાર્ગે લિવિંગ્સ્ટને પ્રવાસ ખેડ્યો હતો. જિંદગીના અંત સુધીમાં એ નાઈલ નદીનું મૂળ શોધવા ખૂબ રખડ્યો હતો અને છેવટે આફ્રિકામાં જ મૃત્યુ પામ્યો હતો.
આફ્રિકાના વિભાજનમાં અંગ્રેજ શાસકોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ઈ. સ. 1806માં અંગ્રેજોએ વલંદાઓ (ડચ પ્રજા) પાસેથી કેપ ઑવ્ ગુડ હોપનું સંસ્થાન પડાવી લીધું, જ્યારે ઉત્તરમાં ફ્રેન્ચોએ અલ્જીરિયા પર આક્રમણ કરી તે જીતી લીધું. આ વિજય બાદ ફ્રેન્ચોએ ટ્યૂનિશિયા અને મોરોક્કોના પ્રદેશો પ્રાપ્ત કર્યા. ફ્રેન્ચ શાસક લિયૉપાર્ડ બીજાએ ઈ. સ. 1885થી 1908 સુધીમાં કૉંગોમાં સ્વતંત્ર શાસનનો પ્રારંભ કર્યો હતો. આ કૉંગો આજે ઝાઈર દેશ તરીકે ઓળખાય છે.
સેસિલ રોડ્ઝની અસર તળે ઈ. સ.ની સત્તરમી સદીમાં ઉત્તર તથા દક્ષિણ રહોડેશિયા, ન્યાસાલૅન્ડ, કેન્યા અને યુગાન્ડા આવી ગયા હતા. છેલ્લાં ત્રણસો વર્ષમાં અંગ્રેજ ગોરા શાસકોએ સુદાન અને સોમાલિલૅન્ડ સહિત પોણા ભાગના આફ્રિકા પર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. આફ્રિકામાં વિદેશી પ્રજાઓએ ખાસો સમય પોતાની રાજકીય પ્રવૃત્તિઓ દ્વારા અહીંની નિગ્રો પ્રજાનું આર્થિક અને રાજકીય શોષણ કર્યું હતું. છેલ્લાં થોડાં વર્ષોથી આફ્રિકામાં સ્વતંત્રતાની લહેર ફૂંકાઈ છે. દક્ષિણ આફ્રિકામાં ઈ. સ. 1994માં જબરદસ્ત રાજકીય પરિવર્તન આવ્યું. છેલ્લાં ત્રણસો વર્ષથી નિગ્રો–હબસીઓ પર શાસન કરતા ગોરાઓને કોઈ ખૂનખાર લડાઈ કે યુદ્ધ વગર સમજૂતીથી દેશનું રાજકીય સુકાન અશ્વેત પ્રજાને સોંપવું પડ્યું હતું. છેલ્લાં 350 વર્ષના દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં ત્યાંના હાલના અશ્વેત નેતા નેલ્સન મંડેલાનું પ્રદાન સવિશેષ નોંધપાત્ર છે. 27 વર્ષ સુધી જેમણે જેલયાતના ભોગવી તે મંડેલા ઈ. સ. 1994ના ઉનાળામાં (એટલે કે ત્યાંની શીતઋતુમાં) દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા. રંગભેદની નીતિ સામે તેમજ ભારતીયોના હક્કો માટે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જ સત્યાગ્રહના પ્રયોગો આરંભ્યા હતા.
હિન્દી મહાસાગરમાં આવેલા પ્રિન્સ એડવર્ડ અને મેરિયન નામના દક્ષિણ ધ્રુવ ખંડના બે નાના ટાપુઓ દક્ષિણ આફ્રિકાએ ઈ. સ. 1947ના ડિસેમ્બર માસમાં પોતાની હકૂમત હેઠળ લઈ લીધા હતા.
ઈ. સ. 1990માં નેલ્સન મંડેલાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા તે પછી તેમણે આફ્રિકન નૅશનલ કૉંગ્રેસની આગેવાની સંભાળી. સરકાર દ્વારા દક્ષિણ આફ્રિકાને નવ પ્રાંતોમાં વિભાજિત કરવામાં આવ્યું. ઈ. સ. 1997માં થેબો મબેકી આફ્રિકન નૅશનલ કૉંગ્રેસના પ્રમુખ મંડેલાને સ્થાને બન્યા. તે પછી ઈ. સ. 1999માં થયેલી ચૂંટણીમાં થેબો દક્ષિણ આફ્રિકાના પ્રમુખ બન્યા. ઈ. સ. 2001માં દક્ષિણ આફ્રિકામાં એચ.આઈ.વી. પૉઝિટિવ(AIDS)ના દુનિયામાં સૌથી વધારે 47 લાખ લોકો હતા. આફ્રિકાના વેપારના મથક જોહાનિસબર્ગમાં કુલ બાળમરણના 75 ટકા મરણ એઇડ્ઝને કારણે થયાં હતાં. 2006ના માર્ચ મહિનામાં સ્થાનિક કાઉન્સિલોની ચૂંટણીમાં આફ્રિકન નૅશનલ કાગ્રેસને 3/4 કાઉન્સિલોમાં બહુમતી મળી. દક્ષિણ આફ્રિકાના રાજકીય તેના પી.ડબલ્યૂ. બોથાનું 2006ના ઑક્ટોબરની 31મી તારીખે અવસાન થયું. 2008ના સપ્ટેમ્બરની 21મી તારીખે પ્રમુખ થેબો મબેકીએ પોતાના હોદ્દાનું રાજીનામુ આપ્યું. ઈ. સ. 2012માં દક્ષિણ આફ્રિકામાં યંત્રો, વિજ્ઞાનનાં સાધનો, રસાયણો, કાપડ વગેરેની આયાત તથા સોનું, હીરા, ધાતુઓ વગેરેની નિકાસ થતી હતી.
રાજકીય : 1910 સુધી યુનિયન ઑવ સાઉથ આફ્રિકા તરીકે જાણીતો દેશ માત્ર દક્ષિણ આફ્રિકા તરીકે ઓળખાવા લાગ્યો. 1961માં કૉમનવેલ્થ છોડી તે પ્રજાસત્તાક બન્યો. તે વેળા રંગભેદની નીતિ ત્યાં સ્વીકાર્ય હતી જેમાં 1990થી બદલાવ આવ્યો. ક્રમશ: રંગભેદ નાબૂદ થયો. રંગભેદના પ્રખર વિરોધી નેલ્સન મંડેલાને 27 વર્ષના કારાવાસ બાદ 71ની ઉંમરે મુક્ત કરવામાં આવ્યા. 1996માં રંગભેદ નાબૂદી સાથેનું નવું બંધારણ સ્વીકારવામાં આવ્યું. સમૃદ્ધ ખનિજસંપત્તિ ધરાવતો આ દેશ જોહાનિસબર્ગની આસપાસના વિસ્તારમાં સોનાની ખાણો ધરાવે છે. પૃથ્વીના પટ પર 2013 સુધીમાં ખનનપદ્ધતિથી બહાર કાઢવામાં આવેલું સોનું આ ખાણોમાંથી બહાર કાઢવામાં આવ્યું છે અને તેથી કેટલીક વાર તેને ‘સોનાના દેશ’ તરીકે ઓળખાવવામાં આવે છે.
પ્રિટોરિયા તેનું વહીવટી, કેપટાઉન ધારાકીય અને બ્લૂમફૉન્ટેન તેનાં ન્યાયકીય પાટનગરો છે. તેનું ચલણ ‘રેન્ડ’ છે. આફ્રિકાન્સ, અંગ્રેજી અને અન્ય નવ ભાષાઓ ચલણમાં છે. પ્રજાસત્તાક રાજકીય વ્યવસ્થા ધરાવતો આ દેશ જેકોબ ઝુમા નામના રાજકીય અને સરકારના વડા ધરાવે છે.
રક્ષા મ. વ્યાસ
જયકુમાર ર. શુક્લ
મહેશ મ. ત્રિવેદી