દક્ષમિત્રા : શક ક્ષત્રપ નહપાનની પુત્રી. અનુ-મૌર્ય કાલમાં પશ્ચિમ ભારતમાં શક કુલના ક્ષત્રપ રાજાઓનું શાસન પ્રવર્તેલું. એ રાજકુલના રાજા નહપાનના સમયના કેટલાક અભિલેખ મહારાષ્ટ્રમાંનાં નાસિક, કાર્લા અને જુન્નારની ગુફાઓમાં કોતરેલા છે. નાસિકની ગુફા નં. 10ના વરંડામાં કોતરેલા ગુફાલેખમાં જણાવ્યા મુજબ રાજા ક્ષહરાત ક્ષત્રપ નહપાનની પુત્રી દક્ષમિત્રાએ ત્યાં ગુહા-ગૃહનું ધર્મદાન કર્યું હતું. દક્ષમિત્રા દીનીકના પુત્ર ઋષભદત્તની પત્ની હતી. દક્ષમિત્રાના પતિ અને નહપાનના જમાઈ ઋષભદત્તે પણ નાસિકમાં આવાં અનેક ધર્મદાન કર્યાં હતાં. એના અભિલેખ વર્ષ 41થી 45ના છે, જે રાજા નહપાનના રાજ્યકાલનાં વર્ષ છે. નહપાને ઈ. સ. 32થી 78 સુધી રાજ્ય કર્યું હોવાનું માલૂમ પડે છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી