દક્ષિણ એશિયા

દક્ષિણ એશિયામાં આવેલા દેશોનું જૂથ. એક સમાન વંશવારસો ધરાવતા દેશોની સહિયારી સંસ્કૃતિ અને લોકાચારથી આ વિસ્તાર એકસૂત્રે બંધાયેલો છે. દક્ષિણ એશિયાનો વિસ્તાર પૂર્વમાં મ્યાનમાર (બ્રહ્મદેશ), દક્ષિણે હિંદી મહાસાગર, પશ્ચિમે અફઘાનિસ્તાન તથા ઉત્તરે ચીન(તિબેટ)ની વચ્ચે આવેલો છે. તેમાં બાંગ્લાદેશ, ભુતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. અગાઉ તેમાં અફઘાનિસ્તાન અને ઈરાનનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. આ પ્રદેશ 6° ઉ. અક્ષાંશથી 37° ઉ. અક્ષાંશ અને 61° પૂર્વ રેખાંશથી 98° પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે.

દક્ષિણ એશિયાનો (ઉપખંડીય) ભૂ-ભાગ ત્રણ મુખ્ય ભૌગોલિક પ્રદેશો ધરાવે છે. આ ત્રણે ભૌગોલિક પ્રદેશો ઉદભવની ર્દષ્ટિએ પણ અલગ તરી આવે છે. ઉપખંડની ઉત્તર સીમાએ પૂર્વથી પશ્ચિમ સુધી હિમાલય અને હિંદુકુશની પર્વતમાળા આવેલી છે. દક્ષિણે ભારતીય દ્વીપકલ્પ આવેલો છે, જે વિશ્વમાં સૌથી જૂનો અને ઓછામાં ઓછા ભૌગોલિક ફેરફારો ધરાવતો વિસ્તાર છે. હિમાલય અને દક્ષિણ દ્વીપકલ્પ વચ્ચે સિંધુ-ગંગાનો મેદાની પ્રદેશ પાકિસ્તાનમાંની સિંધુ ખીણથી બ્રહ્મપુત્ર સુધી ફેલાયેલો છે. બાંગ્લાદેશમાં આ પ્રદેશ નીચાણવાળા ટાપુઓનો પ્રદેશ બની રહે છે. શ્રીલંકા ભૂસ્તરશાસ્ત્રીય ર્દષ્ટિએ ભારતીય દ્વીપકલ્પનો ભાગ છે. જ્યારે દક્ષિણ-પશ્ચિમે આવેલ માલદીવ પરવાળાના ટાપુઓનો વિસ્તાર છે. હિમાલયના પર્વતીય અને તળેટીના વિસ્તારોમાં ભારત, પાકિસ્તાન, નેપાળ અને ભુતાનનો સમાવેશ થાય છે. સિંધુ-ગંગાનાં સપાટ મેદાનોનો મોટાભાગનો વિસ્તાર ભારતમાં આવેલ છે. પાકિસ્તાનના સિંધ અને પંજાબ તથા બાંગ્લાદેશનો 70 % ભૌગોલિક વિસ્તાર ગંગા-બ્રહ્મપુત્રના નદીમુખ-(delta)નો બનેલો છે.

વિષુવવૃત્તીય માલદીવથી શરૂ કરીને કર્કવૃત્તની ઉત્તરે 37°  અક્ષાંશ પર ઉત્તરે આવેલ કાશ્મીરના વિસ્તાર સુધીના દક્ષિણ એશિયાનું હવામાન મોસમી પવનોના પ્રદેશ તરીકે વર્ણવાય છે. આમ છતાં, હવામાનમાં પ્રાદેશિક ફેરફાર પણ જોવા મળે છે. દક્ષિણ એશિયાના દેશોના અમુક વિસ્તારો અતિવૃષ્ટિના છે, જ્યારે અમુક પ્રદેશ રણવિસ્તારનું હવામાન ધરાવે છે. માલદીવના પરવાળાના ટાપુઓ વિષુવવૃત્તીય દરિયાઈ હવામાન ધરાવે છે, જ્યારે હિમાલયના વિસ્તારોમાં વિષમ એવું પર્વતીય હવામાન પ્રવર્તતું જોવા મળે છે.

દક્ષિણ એશિયાનાં ભારત અને અન્ય રાષ્ટ્રો

વિશ્વની વસ્તીની દર સાતમી વ્યક્તિ ભારતમાં વસે છે, જે ચીન પછી સૌથી વધુ વસ્તી ધરાવનાર બીજા ક્રમનો દેશ છે. આમાં પાકિસ્તાન તથા બાંગ્લાદેશની વસ્તીનો સમાવેશ કરવામાં આવે તો વિશ્વની વસ્તીનો પાંચમો ભાગ દક્ષિણ એશિયામાં વસે છે. વસ્તીવધારાના વર્તમાન દરે દક્ષિણ એશિયાના દેશોની વસ્તીનો આંક નજદીકના ભવિષ્યમાં સવા અબજ (125 કરોડ) કરતાં પણ વધી જવાનો સંભવ છે.

ઉપખંડીય ઇતિહાસના જુદા જુદા તબક્કે પ્રભાવક એવાં ત્રણ જૂથો– આર્યો, મુસ્લિમો તથા અંગ્રેજોએ દક્ષિણ એશિયાની સામાજિક-સાંસ્કૃતિક શૈલીને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઉપખંડના લોકો વચ્ચેના સાંસ્કૃતિક તફાવતને તેમનાં ભૌતિક લક્ષણોના સંદર્ભમાં સમજાવવાના અનેક પ્રયાસો થયા છે. જોકે આ પ્રદેશના લોકોના જાતિ-પ્રકારો અને ઉત્ક્રાંતિને સમજાવવામાં પુરાવસ્તુવિદ્યા કે ભૌતિક માનસશાસ્ત્ર સંપૂર્ણ રીતે સફળ થયાં નથી. આ વિશાળ જનસમુદાયની સૌથી વધારે ધ્યાન ખેંચતી લાક્ષણિકતા છે તેમની એકરૂપતા. ´ઇન્ડિયન´, ´ઈસ્ટ ઇન્ડિયન´ કે ´હિંદુ´ નામે ઓળખાતા આ લોકો ઘઉંવર્ણો દેહ, કાળા વાળ તથા કાળી આંખો ધરાવે છે. જોકે પ્રાદેશિક અસર નીચે આ લોકોના ભૌતિક સ્વરૂપમાં–દેખાવમાં તફાવત નજરે પડે છે; જેમ કે, ઉત્તર-પશ્ચિમના લોકો શ્વેત અને ખડતલ બાંધો ધરાવે છે, જ્યારે ઉત્તર-પૂર્વના લોકો મોંગોલિયન પ્રકારનો ચહેરો ધરાવે છે (ગોળ ચહેરો તથા ઊપસી આવેલ ગાલ). દક્ષિણના લોકો પ્રમાણમાં વધારે શ્યામ દેહવર્ણ ધરાવે છે.

સમગ્ર રૂપે જોઈએ તો દક્ષિણ એશિયાના દેશો(મુખ્યત્વે ભારત) સંકુલ જાતિમિશ્રણ તેમજ ધર્મ અને ભાષાનું વૈવિધ્ય ધરાવે છે. દક્ષિણ એશિયાના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સૌથી વધારે મહત્વનું સાંસ્કૃતિક નિર્ણાયક તત્વ છે ધર્મ. દક્ષિણ એશિયામાં હિંદુ, મુસ્લિમ, ઈસાઈ, બૌદ્ધ, શીખ, જૈન અને પારસી (જરથુષ્ટ્રી) વસે છે. આ વિભિન્ન ધાર્મિક મતો–સંપ્રદાયો વ્યક્તિઓનાં નામકરણ, રિવાજ, ખાણીપીણી અને વિશાળ પ્રમાણમાં વર્તનશૈલીઓને અસર કરે છે. અત્યારનો રાજકીય નકશો પણ ધર્મને આધારે નક્કી થયો છે. 1947માં બ્રિટિશ હિંદુસ્તાનમાંથી ધર્મના આધારે મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતોને એકઠા કરીને પાકિસ્તાનના નવા રાજ્યની રચના કરવામાં આવી. 1971માં પાકિસ્તાનનું વિઘટન થતાં તે અગાઉ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો વિસ્તાર બાંગ્લાદેશ બન્યો. ભૌગોલિક ર્દષ્ટિએ અલગ એવો માલદીવ એ ત્રીજો ઇસ્લામિક દેશ છે. શ્રીલંકામાં જોવા મળતા બૌદ્ધો અને હિંદુઓ વચ્ચેના તણાવ અને સંઘર્ષ જેવી જ પરિસ્થિતિ હિમાલયનાં રાજ્યો નેપાળ અને ભુતાનમાં જોવા મળે છે.

દક્ષિણ એશિયાનો સૌથી મહત્વનો દેશ ભારત બિનસાંપ્રદાયિકતાની નીતિને વરેલો છે; પરંતુ અહીં પણ બહુમતી હિંદુ લોકોની વાજબી આકાંક્ષાઓને પૂરી કરતી વખતે અન્ય ધર્મો તથા લઘુમતીઓનાં હિતો અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખવાનાં રહે છે. આ પ્રક્રિયા ક્યારેક ભારતીય પ્રજાના જુદા જુદા ધાર્મિક વર્ગો વચ્ચે સામાજિક-આર્થિક તણાવનું કારણ બની રહે છે. વંશપરંપરાગત જ્ઞાતિપ્રથામાં વ્યક્ત થતો અસમાન દરજ્જો સામાજિક સંગઠનની ર્દષ્ટિએ હિંદુ સમાજ-સંસ્કૃતિનું સૌથી વધારે નોંધપાત્ર તત્વ છે. આનાં મૂળ પ્રાચીન વર્ણવ્યવસ્થામાં રહ્યાં છે. જ્ઞાતિ એ હિંદુ સમાજની નિર્ણાયક ઓળખ છે, પરંતુ શિક્ષણના પ્રચાર અને પ્રસાર તથા પશ્ચિમીકરણના પ્રભાવ નીચે હિંદુ સમાજની પ્રભાવક જ્ઞાતિઓને નિમ્ન તથા પછાત જ્ઞાતિઓના સામાજિક-રાજકીય પડકારોનો સામનો કરવો પડે છે. શહેરી વિસ્તારોમાં વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રે પરંપરાગત વેપારી જ્ઞાતિઓનો પ્રભાવ ચાલુ રહ્યો છે, પરંતુ ગ્રામીણ ક્ષેત્રમાં સ્થાનિક જમીનદાર વર્ગ પ્રભાવશાળી રહ્યો છે. આને લીધે જ જમીન-સુધારણાના કાયદાના અભાવ કે તેના નિષ્ઠાહીન અમલીકરણને લીધે ગ્રામીણ ક્ષેત્રમાં જાટ, રાજપૂત, યાદવ, કુર્મી, રેકી જેવી જમીનદાર જ્ઞાતિઓ અને પછાત જ્ઞાતિઓ વચ્ચે સતત તણાવપૂર્ણ સંઘર્ષ પ્રવર્તતો જોવા મળે છે.

સામાજિક ભેદભાવો અને અસમાનતાઓને વાજબી ઠેરવતી હિંદુ ધર્મની વિધિઓની અસર દક્ષિણ એશિયાનાં અન્ય ધાર્મિક જૂથોના વલણ પર પડી છે. આ વિસ્તારની કુલ વસ્તીના 25 ટકા વસ્તી ધરાવતા સૌથી મોટા ધાર્મિક જૂથ મુસ્લિમોમાં ઇસ્લામે પ્રબોધેલો સમાનતાનો ખ્યાલ સ્થાનિક અસર નીચે મોળો પડેલો જોવા મળે છે. મધ્ય અને પશ્ચિમ એશિયાનાં મૂળ ધરાવતા મુસ્લિમોનો શ્રેષ્ઠતાનો ખ્યાલ આનું ઉદાહરણ છે. વળી ઉપખંડીય ધર્માન્તરિત મુસ્લિમોમાં પ્રચ્છન્ન એવી જ્ઞાતિપ્રથા પણ પ્રવર્તતી રહી છે. આવા પ્રકારનું સામાજિક વલણ દક્ષિણ એશિયાની અન્ય ધાર્મિક લઘુમતીઓમાં પણ ર્દષ્ટિગોચર થાય છે.

સ્ત્રીઓના સામાજિક દરજ્જાના સંદર્ભમાં આઝાદી પછી ભારતમાં ઠીક ઠીક પ્રમાણમાં સુધારો થયો છે. શિક્ષણ, સેવાઓ, વિશિષ્ટ વ્યવસાયો અને અમુક અંશે રાજકારણમાં સ્ત્રીઓની ભૂમિકા નોંધપાત્ર રહી છે.

પ્રદેશ-આધારિત જૂથઓળખ એ બીજું મહત્વનું તત્વ છે. ધાર્મિક વિભાગોને, ક્યારેક તો દેશના સીમાડાને ભેદતી એવી દક્ષિણ એશિયાની પ્રાદેશિક પર્યાવરણ અને સાંસ્કૃતિક વિવિધતા પરત્વે તે આગવી ઓળખ ધરાવે છે. આવી સ્પષ્ટ પ્રાદેશિક ઓળખ એ આધુનિક દક્ષિણ એશિયાના સમાજોનું વિશિષ્ટ લક્ષણ છે; દા.ત., બાંગ્લાદેશ.

પર્યાવરણીય પરિબળો સ્થાનિક ખેતી, આહારવિહાર અંગેના આગ્રહો અને નિષેધો તથા પ્રાદેશિક જીવનધોરણને નક્કી કરવામાં મદદરૂપ બને છે.

દક્ષિણ એશિયાની ત્રીજી અસાધારણ વિશિષ્ટતા છે ભાષાવૈવિધ્ય. ઉત્તરમાં ઇન્ડો-આર્યન કુળની ઓછામાં ઓછી 25 ભાષાઓ પ્રચલિત છે. ઉપરાંત દક્ષિણમાં દ્રવિડ કુળની ભાષાઓ તથા આદિવાસી લોકબોલીઓની વિપુલતા ભાષાવૈવિધ્યને વ્યક્ત કરે છે. ભારતમાં વસ્તીગણતરી વખતે ધર્મ ઉપરાંત ભાષાને ધ્યાનમાં લેવામાં આવે છે. તે વર્તમાન સામાજિક વાસ્તવિકતા પર પ્રકાશ ફેંકે છે. દક્ષિણ એશિયાની સામાજિક જીવનરીતિ એટલી સંકુલ છે કે તેને કોઈ પ્રાદેશિક લાક્ષણિકતાઓને આધારે વર્ગીકૃત કરવાનો પ્રયાસ ભાગ્યે જ ઉપયોગી થાય.

ભારતની દક્ષિણે આવેલો દેશ શ્રીલંકા અલગ સાંસ્કૃતિક વિકાસની આગવી પરંપરા ધરાવે છે. આ ટાપુની સંસ્કૃતિ પર બૌદ્ધ ધર્મનો સતત પ્રભાવ રહ્યો છે. ઇન્ડોઆર્યન કુળની સિંહાલી ભાષાએ પણ તેની સાંસ્કૃતિક અલગતાને જાળવી રાખી છે. શ્રીલંકામાં જ્ઞાતિઓનો પ્રભાવ તો છે, પરંતુ સિંહાલી પ્રજા પર બૌદ્ધ ધર્મના પ્રભાવને લીધે બ્રાહ્મણવાદ અને તજ્જન્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. અહીં બ્રાહ્મણનું સ્થાન બૌદ્ધ ભિખ્ખુએ લીધું છે.

તાજેતરનાં વર્ષોમાં વસ્તીવિષયક દબાણો અને સામાજિક તણાવો પરિપાટી પર ઊપસી આવ્યાં છે. સિંહાલીભાષી બૌદ્ધ બહુમતી અને ઉત્તર શ્રીલંકાના તમિળભાષી લોકો વચ્ચે શરૂઆતમાં સ્વાયત્તતા અને પાછળથી અલગ સ્વતંત્ર તમિળ રાજ્યની માંગણીના મુદ્દે તમિળ ઉગ્રવાદીઓ (LTTE—Liberation Tigers of Tamil Elam) અને શ્રીલંકાની સરકાર વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યો હતો. ભુતાનમાં બૌદ્ધધર્મી લોકોની ભારે બહુમતી છે (75 %), જ્યારે નેપાળમાં 90 % વસ્તી હિન્દુ છે. ત્યાં નેપાળી સત્તાવાર ભાષા છે, પરંતુ નેવારી, ભૂતિયા અને મૈથિલીભાષી લોકો પણ વસે છે.

દક્ષિણ એશિયાના અન્ય ટાપુઓ જુદા જ પ્રકારની વસ્તી ધરાવે છે. ગીચ વસ્તી ધરાવતા લક્ષદ્વીપ ટાપુ પર મલયાળમભાષી મુસ્લિમોની અને માલદીવ ટાપુ પર દિવેહી ભાષાભાષી મુસ્લિમોની બહુમતી છે. બંગાળના અખાતમાં આવેલ નિકોબાર ટાપુઓ પરની વસ્તી મુખ્યત્વે આદિમ જાતિના લોકોની બનેલી છે; જેઓએ પોતાનાં આગવાં જાતિ, રિવાજ તથા ભાષા જાળવી રાખ્યાં છે. આંદામાન ટાપુ પરની આદિમ વામન લોકોની વસ્તી તો હવે લગભગ નેસ્તનાબૂદ થઈ ગઈ છે.

દક્ષિણ એશિયાના દેશો એક યા બીજા સમયે બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતા. તેમના રાજકીય સંગઠન, આર્થિક વિકાસ અને વ્યાપારી સંબંધો પર બ્રિટિશ સામ્રાજ્યનો સારો એવો પ્રભાવ હતો. દ્વિતીય વિશ્વયુદ્ધના અંત પછી ઇંગ્લૅન્ડની સરકારે જ્યારે હિંદુસ્તાનના લોકોને સત્તા સોંપવાનો નિર્ણય કર્યો ત્યારે દેશના વિભાજન પહેલાં હિંદુસ્તાનમાંના મુસ્લિમોમાંના એક પ્રભાવક જૂથનો એવો મત હતો કે મુસ્લિમો ધર્મઆધારિત એક અલગ રાષ્ટ્ર ઇચ્છે છે અને આથી મુસ્લિમોનાં રાજકીય-આર્થિક-સાંસ્કૃતિક હિતોની જાળવણી માટે અલગ મુસ્લિમ રાજ્યની માંગણી કરવામાં આવી. કવિ-ચિંતક મહંમદ ઇકબાલે 1931માં પાકિસ્તાનના ખ્યાલની ઝાંખી આપી હતી. મહંમદ અલી ઝીણાના નેતૃત્વ નીચે મુસ્લિમ લીગે 1940માં પાકિસ્તાનની રચનાની માંગણીને લગતો ઠરાવ પસાર કર્યો. ´માઉન્ટબૅટન યોજના´ અન્વયે બ્રિટિશ હિંદના ભાગલા પાડવામાં આવ્યા અને ઑગસ્ટ 14, 1947ના રોજ મુસ્લિમોના અલગ રાજ્ય પાકિસ્તાનની રચના કરવામાં આવી.

પ્રાચીન કાળમાં તાપ્રોબાને સીરીનદ્વીપ, લંકા, સિંહલદ્વીપ તરીકે ઓળખાતો દેશ 1972 સુધી સિલોન તરીકે જાણીતો હતો. સોળમી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ પશ્ચિમી કાંઠે વસાહતો સ્થાપી; ઘણા સ્થાનિક લોકોને ઈસાઈ બનાવ્યા. 100 વર્ષ પછી તેમનું સ્થાન ડચ લોકોએ લીધું. ડચ લોકોએ મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તાર પર કબજો જમાવ્યો. મધ્ય સિલોનમાં માત્ર કેન્ડીનું સ્વતંત્ર રાજ્ય હતું. ડચ લોકોને બ્રિટિશરોએ હાંકી કાઢ્યા. 4 ફેબ્રુઆરી, 1948ના રોજ સિલોન આઝાદ  થયું અને 22 મે, 1948ના રોજ શ્રીલંકાના પ્રજાસત્તાકની રચના કરવામાં આવી.

આઝાદી પૂર્વે બાંગ્લાદેશ પાકિસ્તાનના પાંચ પ્રાંતોમાંનો એક પ્રાંત હતો. ´પૂર્વ પાકિસ્તાન´ તરીકે ઓળખાતો આ પ્રાંત પાકિસ્તાનના અન્ય પ્રાંતોથી 1600 કિમી. દૂર હતો. ´પૂર્વ પાકિસ્તાન´ની રચના પૂર્વ બંગાળ તથા આસામના સિલ્હટ જિલ્લાને એકત્ર કરીને કરવામાં આવી હતી. અલબત્ત, ´પૂર્વ પાકિસ્તાન´ વધુ વસ્તીવાળો પ્રાંત હોવા છતાં પાકિસ્તાનની સરકારનું વડું મથક પશ્ચિમ પાકિસ્તાનમાં હતું. 1971ના વિગ્રહને પરિણામે ´પૂર્વ પાકિસ્તાન´ પાકિસ્તાનની ધૂંસરીમાંથી મુક્ત થયું અને ´બાંગ્લાદેશ´ નામે નવા સ્વતંત્ર રાજ્યની રચના કરવામાં આવી,  શેખ મુજીબુર રહેમાન તેના પ્રથમ વડાપ્રધાન બન્યા.

ભુતાનમાં વંશપરંપરાગત રાજાશાહીનો આરંભ વીસમી સદીના પ્રથમ દાયકામાં થયો. 1907માં ધાર્મિક બૌદ્ધશાસનનો અંત આવ્યો. વિશ્વથી અલગ પડી ગયેલા દેશના આધુનિકીકરણની અહીંથી શરૂઆત થઈ. વાંગચૂક વંશના પ્રથમ બે રાજવીઓએ મઠાધીશો અને પ્રાદેશિક અગ્રવર્ગ (શાસકો) પર કેન્દ્રીય અંકુશ લાદવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. આના પાયા પર ત્રીજા રાજવી જિગ્મે દોરજી વાંગચૂકે (1952–72) મૂળભૂત રાજકીય સુધારાઓ અને આર્થિક વિકાસ માટેના કાર્યક્રમોની શરૂઆત કરી. તેમના અનુગામી જિગ્મે સિંગ્યે વાંગચૂકે આ સુધારાલક્ષી કાર્યક્રમનો દોર ચાલુ રાખ્યો તથા તેને તમામ ક્ષેત્રોમાં વિસ્તાર્યો.

જિગ્મે દોરજીનો રાજકીય ક્ષેત્રે પ્રથમ સુધારો તે ´રાષ્ટ્રીય પરિષદ´ની  સ્થાપના હતી (1953). અને આ દ્વારા વાંગચૂકે પ્રતિનિધિત્વ પ્રથાના ખ્યાલને દાખલ કર્યો. શરૂઆતમાં ´રાષ્ટ્રીય પરિષદ´ ધારાકીય સંસ્થા કરતાં મુખ્યત્વે સલાહકાર સ્વરૂપની સંસ્થા હતી; પરંતુ 1968માં આમાં મૂળભૂત ફેરફાર થયો. શાહી આદેશથી એમ ઠરાવવામાં આવ્યું કે રાષ્ટ્રીય પરિષદના નિર્ણયો આખરી છે અને આ નિર્ણયો પર શાહી મંજૂરી જરૂરી નથી. ´રાષ્ટ્રીય પરિષદ´ને   બહુમતીએ ચાલુ રાજાને (રાજાશાહીને નહિ) દૂર કરવાની સત્તા બક્ષવામાં આવી.

જિગ્મે દોરજી વાંગચૂકે 1965માં નીતિવિષયક બાબતો પર વિચાર-વિમર્શ કરવા માટે ´શાહી સલાહકાર સમિતિ´(Royal Advisory Council)ની રચના કરી તથા 1968માં દેશમાં પ્રથમ કૅબિનેટની રચના કરી. આમ છતાં સ્વવિવેક પર આધારિત શાહી આદેશો બહાર પાડવાની રાજાની સત્તા પર કોઈ બંધારણીય મર્યાદાઓ નથી.

પ્રથમ બે વાંગચૂક રાજવીઓ દ્વારા કેન્દ્રીય વહીવટી પ્રથા સ્થાપવામાં આવી હતી. પરંતુ 1950 પછી આ પ્રથાનું વિસ્તરણ અને આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. ભુતાન 15 જિલ્લાઓમાં વહેંચાયેલું છે તથા જિલ્લા અધિકારી (dzongdas) વિશાળ વહીવટી અને રાજકીય સત્તાઓ ધરાવે છે. જિલ્લાના વિકાસલક્ષી કાર્યક્રમોનું તે આધારબિંદુ ગણાય છે. 1980ના દાયકા દરમિયાન રાજા જિગ્મે સિંગ્યે વાંગચૂકે આર્થિક આયોજન અને વહીવટના ક્ષેત્રે મહત્વાકાંક્ષી વિકેન્દ્રીકરણનો કાર્યક્રમ શરૂ કર્યો.

1959માં તિબેટ પર ચીની સાર્વભૌમત્વ સ્થપાતાં ભુતાને લગભગ 4000 નિરાશ્રિતોને આશ્રય આપ્યો. 1980 સુધીમાં તો આ નિરાશ્રિતોમાંના મોટાભાગનાએ ભુતાની નાગરિકત્વ સ્વીકારી લીધું હતૂં. 1950ના દાયકામાં નવી રાજકીય પ્રથા શરૂ થતાં ભુતાન પોતાની અલગતાવાદી વિદેશનીતિનો ત્યાગ કરીને 1971માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જોડાયું. ત્યારબાદ ભુતાને ભારત ઉપરાંતના અન્ય દેશો સાથે રાજદૂતીય સંબંધો બાંધ્યા છે તથા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં પણ તે જોડાયું છે. ભુતાને દ્વિપક્ષી અને બહુપક્ષી સાધનો–સ્રોતોમાંથી મદદ પણ મેળવી છે.

એપ્રિલ, 1959 સુધી ´માલદીવ ટાપુઓ´ તરીકે ઓળખાતા માલદીવનો રાજ્યાધ્યક્ષ ચૂંટાયેલ સુલતાન હતો. 1887માં માલદીવને બ્રિટિશ રક્ષણ નીચે મૂકવામાં આવ્યું હતું. જાન્યુઆરી, 1953માં માલદીવ પ્રજાસત્તાક રાજ્ય બન્યું. જોકે ફેબ્રુઆરી, 1954માં સુલતાનના શાસનની પ્રથા ફરી સ્થાપવામાં આવી. 26 જુલાઈ, 1965ના રોજ માલદીવ કૉમનવેલ્થની બહાર એક સંપૂર્ણ સ્વતંત્ર રાજ્ય બન્યું. નવેમ્બર, 1968માં યોજવામાં આવેલ લોકપૃચ્છા-(referendum)ના આધારે છેલ્લા સુલતાને રાજીનામું આપ્યું અને માલદીવ ફરીથી પ્રજાસત્તાક બન્યું. 1974થી માલદીવના વડાપ્રધાન તરીકે કાર્ય કરતા ઇબ્રાહીમ નાસિર પ્રમુખપદે નિયુક્ત થયા. 1976માં બ્રિટિશ સરકારે ભાડાપટ્ટે લીધેલ ´ગન´ ટાપુ પરના હવાઈ મથક પરથી પોતાનો હક્ક જતો કરતાં વ્યાપારી અને લશ્કરી શૂન્યાવકાશ ઊભો થયો. નાસિરના સ્થાને પ્રમુખ તરીકે એમ. એ. ગયુમ ચૂંટાઈ આવતાં 1982માં માલદીવ કૉમનવેલ્થમાં ફરીથી જોડાયું.

અમીન દીદીએ શરૂ કરેલી આધુનિકીકરણની પ્રક્રિયા નાસિરના સમયમાં વેગવાન બની. વોરા અને શ્રીલંકાના મૂર લોકોને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા તથા વિદેશી વ્યાપાર સરકારનો ઇજારો બની રહ્યો. મુખ્યત્વે ભારત અને મધ્યપૂર્વના દેશો સાથે વ્યાપારી સંબંધો જાળવી રાખવા માટે વ્યાપારી જહાજો (merchant navy) પ્રાપ્ત કરવામાં આવ્યાં. શ્રીલંકાની પદ્ધતિ પર માલે ખાતેની સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમના શિક્ષણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. માલેમાં જૂની કુલીનશાહી સમાજવ્યવસ્થામાં સારો એવો ફેરફાર કરવામાં આવ્યો.

મૂળે નેપાળ અનેક રજવાડાંમાં વિભક્ત હતું. આ રજવાડાંમાંના એકમાં વસતા ગુરખાઓ રાજકીય રીતે પ્રભાવશાળી બન્યા (1769). 1846થી 1951 સુધી નેપાળમાં વાસ્તવિક અર્થમાં રાણા કુટુંબનું શાસન હતું, જેમણે હિંદુસ્તાનમાંની બ્રિટિશ સરકાર સાથે ગાઢ સંબંધ બાંધ્યો હતો. 1940ના દાયકામાં વધુ લોકશાહીકરણ માટેના નેપાળી કૉંગ્રેસ પક્ષના આંદોલનના પરિણામે ક્રાંતિ થતાં શાહી વંશના રાજા ત્રિભુવન ગાદીએ આવ્યા. જૂન, 1959માં પશ્ચિમી પ્રથા પર આધારિત ચૂંટણીઓ યોજવામાં આવી, જેમાં નેપાળી કૉંગ્રેસ પક્ષનો ભારે વિજય થયો. બી. પી. કોઈરાલાના નેતૃત્વ નીચે સરકારની રચના કરવામાં આવી. લોકશાહી સંસદીય પ્રથાનો પાયો મજબૂત કરવાના હેતુથી નેપાળી કૉંગ્રેસ મંત્રીમંડળે નોકરશાહી પર અંકુશ લાદ્યો; પરંતુ 1960ના અંતભાગે રાજા ત્રિભુવનના સ્થાને સત્તા પર આવેલ નવા રાજા મહેન્દ્રે દેશની પ્રથમ સંસદીય સરકારને ભંગ કરી તથા 1959ના બંધારણને મોકૂફ રાખીને કટોકટી જાહેર કરી. રાજા મહેન્દ્રે ´પક્ષહીન પંચાયતપ્રથા´ નીચે પોતાના વ્યક્તિગત શાસનનો આરંભ કર્યો.

ફેબ્રુઆરી, 1975માં રાજા મહેન્દ્રના પશ્ચિમી શિક્ષણ પામેલા પુત્ર બિરેન્દ્રે સત્તા ગ્રહણ કરી. 1979માં નેપાળની રાજ્ય પ્રથા (પક્ષહીન પંચાયત પ્રથા) પર મત લેવામાં આવશે એવી રાજાની જાહેરાતને પગલે પગલે 2 મે, 1980ના રોજ લોકપૃચ્છા યોજવામાં આવી. આ લોકપૃચ્છાના પરિણામે ´પક્ષહીન પંચાયતપ્રથા´ને પાતળી બહુમતીએ જીવતદાન પ્રાપ્ત થયું. પાંચ વર્ષ બાદ રાજાએ વહીવટી સત્તાના વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કર્યો.

એપ્રિલ, 1990માં રાજાએ 46 મહિના જૂના પ્રધાનમંડળને બરખાસ્ત કર્યું તથા લોકેન્દ્રબહાદુરચંદને નવા વડાપ્રધાનપદે નિયુક્ત કર્યા; આમ છતાં, લોકશાહીની પુન:સ્થાપના માટે શરૂ કરવામાં આવેલ સર્વપક્ષીય આંદોલન હિંસક બની જતાં ´રાષ્ટ્રીય પંચાયત´ને વિખેરી નાખવામાં આવી તથા નેપાળી કૉંગ્રેસના નેતા ક્રિશ્નપ્રસાદ ભટ્ટારાયના નેતૃત્વ નીચે સંયુક્ત મોરચાની સરકાર અમલમાં આવી. 1991માં યોજવામાં આવેલ સામાન્ય ચૂંટણીના પરિણામે એમ. પી. કોઈરાલાની નેતાગીરી નીચે સરકાર રચવામાં આવી.

આમ દક્ષિણ એશિયામાંનાં રાજ્યોના રાજકીય ઇતિહાસને અવલોકતાં એ સ્પષ્ટ થાય છે કે આ તમામ રાજ્યો બ્રિટિશ સામ્રાજ્યના ભાગરૂપ હોઈને તેઓને વિચારો, મૂલ્યો, સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને કાયદાઓ, બ્રિટિશ સામ્રાજ્યના વારસા રૂપે પ્રાપ્ત થયાં છે. સાથે સાથે રાજકીય-આર્થિક પ્રશ્નો પણ વારસામાં મળેલ છે. વહીવટી ક્ષેત્રે મજબૂત સનદી સેવા, મુલકી ક્ષેત્રે સમાન ફોજદારી ધારો, વ્યવસાયી લશ્કર, પશ્ચિમી ઢબનું યુનિવર્સિટી શિક્ષણ તથા એકતંત્રી વહીવટી માળખા જેવી બાબતો ધ્યાન ખેંચે તેવી છે. અંગ્રેજીના પ્રસારને લીધે આ રાજ્યોના અગ્રવર્ગમાં ભાવાત્મક એકતા અને જાગૃતિ ઉદભવી. કાળાંતરે આ રાજકીય જાગૃતિએ સ્વાધીનતા માટેના આંદોલનનો માર્ગ મોકળો કર્યો.

ભૂ-રાજકીય ર્દષ્ટિએ દક્ષિણ એશિયા મહત્વનું સ્થાન ધરાવે છે. ઉપખંડીય પરિમાણ ધરાવતો દક્ષિણ એશિયાનો વિસ્તાર વિશાળ એશિયાનો પેટા-વિભાગ છે. પ્રાચીન અને મધ્યકાલીન યુગ દરમિયાન એશિયાના અન્ય સમાજો સાથે તેનો જૂજ સામાજિક-રાજકીય-આર્થિક સંબંધ હતો. 1947 પહેલાં દક્ષિણ એશિયાના હિંદુ સમાજનો પૂર્વ એશિયાની ચીની સંસ્કૃતિ સાથે કોઈ સીધો સંપર્ક ન હતો. એશિયામાં ભૂમધ્ય સમુદ્રથી ઈરાન થઈને ચીન  સુધી પથરાયેલ સંદેશાવ્યવહાર અને માર્ગવ્યવહારની પ્રથામાં ઉપખંડીય વિસ્તારનો સમાવેશ થતો ન હતો. ´રેશમ માર્ગો´(silk routes)માંનો એક માર્ગ ઉપખંડના વાયવ્ય છેડે થઈને પસાર થતો હોવા છતાં આ ધીકતા વેપારમાં ઉપખંડના લોકો ભાગીદાર બની શક્યા નહિ.

જગતના કોઈ પણ પ્રદેશને આ ઉપખંડને પ્રાપ્ત એવી અભેદ્ય પર્વતીય દીવાલ પ્રાપ્ત થઈ નથી. તેની ઉત્તરે 4000 કિમી. પૂર્વથી પશ્ચિમ પથરાયેલ વિશ્વની ઊંચામાં ઊંચી હિમાલય–હિંદુકુશની પર્વતમાળા આવેલી છે. આસામ અને બર્માની સરહદે આવેલ પર્વતમાળા પણ પ્રમાણમાં જનસંપર્ક માટે સુગમ નથી. ઉપખંડને ઈરાન, અફઘાનિસ્તાન અને મુસ્લિમ જગતથી જુદી પાડતી પર્વતમાળા હિમાલય પર્વતમાળા જેટલી ભવ્ય નથી; પરંતુ તેની બંને બાજુએ અર્ધવેરાન પ્રદેશો આવ્યા છે. આ માર્ગે મધ્ય એશિયા તરફથી આ ઉપખંડ પર બાહ્ય આક્રમણો થતાં હતાં.

પરાપૂર્વથી આર્થિક અને સાંસ્કૃતિક ર્દષ્ટિએ દક્ષિણ એશિયાનો બાહ્ય જગત સાથેનો સંબંધ હિંદી મહાસાગર, ઈરાની અખાત અને અરબી દ્વીપસમૂહ દ્વારા ભૂમધ્ય સમુદ્રીય દેશો અને દક્ષિણ-પૂર્વ એશિયા મારફતે ચીન સાથે બંધાયેલો રહ્યો. પશ્ચિમ એશિયામાંથી આવેલ ઇસ્લામ અને યુરોપીય આધુનિક સંસ્કૃતિનું ઉપખંડમાં આગમન સાગર વાટે થયું હતું, જ્યારે સાગર વાટે ભારતનો સાંસ્કૃતિક પ્રભાવ નેર્ઋત્ય-પૂર્વ એશિયાના દેશોમાં ફેલાયો.

હિંદી મહાસાગરના વિસ્તારમાં દક્ષિણ એશિયા ભૂરાજકીય અને આર્થિક ર્દષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. અતિ સંકુલ છતાં ભારે ફાયદાકારક દરિયાઈ વ્યાપારી માળખામાં ભારતના પ્રવેશદ્વાર તરીકેના દરજ્જાને લીધે આરબ, ડચ, પોર્ટુગીઝ, ફ્રેંચ તથા બ્રિટિશ દરિયાઈ વ્યાપારી સત્તાઓએ દક્ષિણ ભારતના દરિયાકાંઠા પર સ્થાન જમાવવાનો પ્રયાસ કર્યો. કાળાંતરે આ દરિયાઈ વ્યાપારી સત્તાઓ હિંદુસ્તાનના કુસંપનો લાભ ઉઠાવીને પોતાની હકૂમત સ્થાપવામાં સફળ રહી. ફ્રેંચ અને અંગ્રેજો વચ્ચેના સંઘર્ષના અંતે અંગ્રેજો વિજયી રહ્યા અને આખરે 1858માં બ્રિટિશ પાર્લમેન્ટે હિંદુસ્તાનનો કારોબાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાંથી લઈ લીધો. હિંદુસ્તાનની સંપત્તિ ઉપરાંત એશિયામાં બ્રિટિશ સામ્રાજ્યવાદી તથા વ્યાપારી પ્રથા કેન્દ્રસ્થાને હોઈને બ્રિટિશરોએ હિંદુસ્તાનને ´સામ્રાજ્યના તાજમાંના રત્ન´ તરીકે નવાજ્યું હતું.

હિંદી મહાસાગરની ભૂ-વ્યૂહાત્મક અને વ્યાપારી પ્રથામાં દક્ષિણ એશિયા મહત્વની કડી છે. મલક્કાની ખાડીથી આફ્રિકા સુધીના દરિયાઈ વ્યાપારી માર્ગ પર દક્ષિણ એશિયા છવાયેલું છે. દક્ષિણ એશિયાનાં ભારત સહિતનાં રાજ્યોએ પોતાની પ્રાદેશિક અખંડિતતા તથા સ્વતંત્રતાના હિતમાં આ દરિયાઈ વ્યાપાર માર્ગ પર અંકુશ રાખી શકે તેટલું સામર્થ્ય ધરાવવું જોઈએ. વળી આ વિસ્તારનાં દરિયાકાંઠો ધરાવતાં રાજ્યોના પ્રાદેશિક જળવિસ્તારમાં ઉપલબ્ધ ખનિજો તથા તેલના ભંડારોના સમુચિત વિકાસ અને ઉપયોગની ર્દષ્ટિએ પણ દક્ષિણ એશિયા આગવું મહત્વનું સ્થાન ધરાવતું હોઈને વિશ્વરાજકારણના ફલક પર તે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ રાજકારણમાં ઠંડા યુદ્ધનો આરંભ થતાં, સમગ્ર વિશ્વ બે જૂથોમાં – પશ્ચિમી જૂથ તથા સોવિયત જૂથમાં વહેંચાઈ ગયું હતું. આમાં અપવાદ રૂપે આફ્રિકા, દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના કેટલાક દેશોએ બિનજોડાણવાદી નીતિ અખત્યાર કરીને બંનેમાંથી કોઈ પણ જૂથમાં જોડાવાનો ઇન્કાર કર્યો. બિનજોડાણવાદી દેશોની નેતાગીરી ભારત, ઇજિપ્ત, યુગોસ્લાવિયા જેવા દેશોના ર્દષ્ટિમંત નેતાઓના હાથમાં હતી. વૈશ્વિક સ્તરે રાષ્ટ્રો વચ્ચેની જૂથબંધીથી અલિપ્ત રહેવાની આ વિધેયાત્મક નીતિ આફ્રો-એશિયન દેશોની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વના હિતમાં લાભદાયી પુરવાર થઈ.

બિનજોડાણવાદની વ્યાખ્યામાં સમયોચિત ફેરફાર થતો રહ્યો છે. 1950ના દાયકાની શરૂઆતમાં પંડિત જવાહરલાલ નહેરુની ચિંતાની મુખ્ય બાબત હતી બે જૂથોમાં વિશ્વનાં રાષ્ટ્રોનું વિભાજન. આ દ્વિધ્રુવી વિશ્વના પ્રવાહમાં આફ્રો-એશિયન નવોદિત રાજ્યો માટે શક્તિહીન રાષ્ટ્રો તરીકે બિનઅસરકારક ન બની રહેવાનો એકમાત્ર રસ્તો એક નવી વ્યૂહરચના અપનાવવાનો હતો. કોઈ પણ સત્તાજૂથમાં ન જોડાવા પૂરતો નહેરુનો બિનજોડાણવાદનો ખ્યાલ નકારાત્મક હતો, પરંતુ દેશના હિતમાં કોઈ એક મુદ્દા પર આ કે તે જૂથ સાથે જોડાવાનો તે વિરોધી ન હતો. બિનજોડાણવાદી નીતિનો અમલ કરનાર રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને તેમની ગુણવત્તાને આધારે મૂલવવા જોઈએ. બિનજોડાણવાદી નીતિ એ કોઈ અલિપ્તતાવાદી કે તટસ્થતાવાદી નીતિ ન હતી. વાસ્તવમાં તે એક ક્રિયાત્મક નીતિ હતી. બિનજોડાણવાદી સરકાર આંતરરાષ્ટ્રીય વિવાદો પર ગુણવત્તાને આધારે સ્વતંત્રપણે નિર્ણયો લેવાની જવાબદારી ધરાવે છે.

´શાંતિના ક્ષેત્ર´ની વિભાવના : બિનજોડાણવાદી નીતિની સાથે ગાઢ રીતે સંબંધિત નહેરુની બીજી વિભાવના પણ હતી. ´શાંતિના ક્ષેત્ર´ની વ્યૂહરચનાનો આશય એશિયાનાં રાષ્ટ્રોને ઠંડા યુદ્ધના પ્રભાવથી દૂર રાખવાનો હતો. શરૂઆતમાં આ વ્યૂહરચનાનું કેન્દ્ર અગ્નિ એશિયાના દેશો હતા. પરંતુ ´શાંતિના ક્ષેત્ર´ની યોજના વ્યવહારુ રીતે અમલમાં ન આવી.

વચગાળામાં ´શાંતિના ક્ષેત્ર´ના ધ્યેયમાં ભારતનો રસ દક્ષિણ એશિયાના વિસ્તાર ઉપર કેન્દ્રિત થયો. ભારતે 1971માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાના આ અંગેના ઠરાવનું અનુમોદન કર્યું. આ ઠરાવ અન્વયે વિદેશી દળોને (અમેરિકા, સોવિયત સંઘ, ઇંગ્લૅન્ડ તથા ફ્રાન્સને) હિંદી મહાસાગરના વિસ્તારમાંથી ખસી જવાની વિનંતી કરવામાં આવી હતી. ભારતે આ દરખાસ્તનો સ્વીકાર એટલા માટે કર્યો કે આમ કરવાથી હિંદી મહાસાગરના ઉત્તરના વિસ્તારમાં તે એક ગણનાપાત્ર નૌકાશક્તિ તરીકે ઊપસી આવે. (ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા દક્ષિણ હિંદી મહાસાગર પર પ્રભુત્વ જાળવી રાખે.) પરંતુ ભારતની આ ઇચ્છા આ વિસ્તારનાં અન્ય દરિયાઈ સીમા ધરાવતાં રાજ્યોની રીતિનીતિથી અંકુશિત બને છે.

ઠંડા યુદ્ધના ગાળા દરમિયાન અમેરિકા તથા સોવિયત સંઘ, – આ બંને મહાસત્તાઓએ પોતાનાં વૈશ્વિક હિતોને સાચવવા માટે દક્ષિણ એશિયાના દેશોને પોતપોતાના વર્ચસ નીચે લાવવાના પ્રયાસો કર્યા. બિનજોડાણની નીતિને અનુસરતું ભારત આ બંને જૂથોથી તો અલગ રહ્યું પરંતુ અમેરિકાની તુલનામાં સોવિયેત સંઘ સાથેના તેના સંબંધો વધુ મૈત્રીભર્યા રહ્યા. જ્યારે દક્ષિણ એશિયા અને મધ્ય એશિયાના સંદર્ભમાં વ્યૂહાત્મક મહત્વ ધરાવતા પાકિસ્તાને પશ્ચિમી જૂથ સાથે સંબંધ બાંધ્યો. શ્રીલંકામાં પણ અમેરિકા નૌકામથક સ્થાપવાનો નિષ્ફળ પ્રયાસ કરતું રહ્યું છે. શ્રીલંકામાં ચાલતા જાતિસંઘર્ષે વિદેશી પ્રભાવ માટેની શક્યતાઓ ખુલ્લી કરી. વળી ચીન-પાકિસ્તાન વચ્ચેની ધરી પણ દક્ષિણ એશિયાની શાંતિ અને સલામતી માટે ભયરૂપ બની રહી.

દક્ષિણ એશિયાના દેશોની શાંતિ અને સલામતી તથા આર્થિક વિકાસના પ્રશ્નોને હલ કરવા માટે આ ક્ષેત્રના દેશોએ એકસાથે સહિયારો પ્રયાસ હાથ ધરવાનું જરૂરી હતું. દક્ષિણ એશિયાના દેશોની વિદેશનીતિનું પ્રધાન લક્ષ્ય મહાસત્તાઓની રાજકીય-લશ્કરી વ્યૂહરચના અને ધ્યેયોમાંથી ઊભા થતા પડકારોનો સામનો કરવાનું હતું. વળી આર્થિક વિકાસના ક્ષેત્રે આ વિસ્તારના દેશો વૈશ્વિકીકરણના પ્રવાહથી અલિપ્ત તો રહી શકે નહિ, પરંતુ સાથે સાથે આ દેશોએ પશ્ચિમનાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનો સમુચિત ઉપયોગ કરીને આર્થિક વિકાસ સાધવાની નીતિ અખત્યાર કરવાની હતી. ચાવીરૂપ આર્થિક ક્ષેત્રોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓનો સહકાર સાધી ઘરઆંગણે પ્રાપ્ત ઔદ્યોગિક કુનેહ અને વ્યવસ્થાને સ્પર્ધાત્મક અને સક્ષમ બનાવવી પડે. આમ થાય તો આ ક્ષેત્રના દેશો પોતાના આર્થિક પ્રશ્નોને ગરીબીનાબૂદી તથા સામાજિક ન્યાયનાં ધ્યેયો દ્વારા હલ કરી શકે. આ દિશામાં પ્રાદેશિક સહકારનાં ક્ષેત્રો વિકસાવવાની જરૂર હતી. ´સાર્ક´ સંગઠનનો હેતુ પણ આ જ છે. 1980 પહેલાં ´દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સંઘ´ની જરૂરિયાતના પ્રશ્ને આ ક્ષેત્રના દેશોમાં કોઈ ઉમળકો ન હતો. ભારતનું એવું માનવું હતું કે પ્રાદેશિક પ્રથાનો લાભ લઈને અન્ય રાજ્યો ભારત વિરુદ્ધ એક થઈ જશે. જ્યારે અન્ય દેશોના મનમાં એવી ભીતિ હતી કે પ્રાદેશિક પ્રથાના માધ્યમથી ભારત આ વિસ્તારના દેશો પર પોતાનું પ્રભુત્વ સ્થાપશે. આથી 1979માં બાંગ્લાદેશે પ્રાદેશિક સંઘ સ્થાપવાની રજૂઆત કરી ત્યારે બાકીના દેશોનો પ્રત્યાઘાત સાવચેતીભર્યો હતો. કોઈને પણ આ રજૂઆતને તોડી પાડવામાં રસ ન હતો, પરંતુ જેમાં ભારત અને પાકિસ્તાન જોડાયા ન હોય તેવી કોઈ પણ પ્રાદેશિક પ્રથા બહુ ઉપકારક નીવડી શકે નહિ.

ત્યારપછીથી સાનુકૂળતા સર્જાતાં 1987ના શરૂઆતના ગાળામાં ´સાર્ક´ સંગઠનની સ્થાપના કરવામાં આવી તથા કાઠમંડુ ખાતે ´સાર્ક´ (South Asian Association for Regional Co-operationSAARC) સંગઠનના સચિવાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ સચિવાલય ´સેક્રેટરી જનરલ´ સહિત 12 સમિતિઓ ધરાવે છે. ´સાર્ક´ સંગઠનમાં 7 દેશો — ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, ભુતાન, નેપાળ તથા માલદીવ જોડાયેલા છે. પાયાના સલામતી, રાજકીય અને આર્થિક મુદ્દાઓને શરૂઆતના ગાળામાં દૂર રાખવાનું વલણ દાખવવામાં આવ્યું. ´સાર્ક´ દેશોના વડાઓની વાર્ષિક બેઠક દ્વિપક્ષી અને બહુપક્ષી વાટાઘાટો માટે એક મહત્વનું માધ્યમ પૂરું પાડે છે.

90ના દાયકાની શરૂઆતથી ભારતે પોતાની આર્થિક-વ્યાપારી અભિમુખતા અગ્નિ એશિયા તરફ વાળી છે. આર્થિક-વ્યાપારી વિકાસ તથા સલામતીવિષયક બાબતોને અનુલક્ષીને આવી અભિમુખતાને નીતિનું સ્વરૂપ આપીને ભારતે ´એશિયન´ (Association of South East Asian Nations) સાથે સક્રિયપણે જોડાવાનું નક્કી કર્યું. આ વૈશ્વિક રાજકારણના સ્તરે દક્ષિણ એશિયા અને અગ્નિ એશિયાના દેશોના વધતા જતા આર્થિક-વ્યાપારી તથા વ્યૂહાત્મક મહત્વનો નિર્દેશ કરે છે. ´સાર્ક´ અને ´એશિયન´ દ્વારા આ રાજ્યો વિશ્વ-રાજકારણ પર તેમનો પ્રભાવ જાળવી રાખવા ઉત્સુક છે.

નવનીત દવે