ટાન્ઝાનિયા : પૂર્વ આફ્રિકામાં આવેલું પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક સ્થાન 6o  00´ દ. અ. અને 35o 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. પૂર્વ આફ્રિકાની મુખ્ય ભૂમિ પર આવેલા ટાંગાનિકા અને હિંદી મહાસાગરના કિનારા નજીક આવેલા ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓના રાજ્યને એકત્ર કરીને 1964ની 26મી એપ્રિલે આ રાજ્યની રચના કરવામાં આવી.

સ્થાન : ઝાંઝીબાર (1660 ચોકિમી.) અને પેમ્બા (935 કિમી.) સહિત ટાન્ઝાનિયાનો કુલ ભૌગોલિક વિસ્તાર 9,42,799 ચોકિમી. છે. તેની મુખ્ય ભૂમિની ઉત્તરે યુગાન્ડા, ઈશાનમાં કેન્યા, વાયવ્યમાં બુરુન્ડી અને રવાન્ડા, પશ્ચિમે ઝાઇર અને દક્ષિણે ઝામ્બિયા, માલાવી અને મોઝામ્બિક આવેલા છે. તેની પૂર્વમાં હિંદી મહાસાગર, ઉત્તરે વિક્ટોરિયા, પશ્ચિમે ટાંગાનિકા અને દક્ષિણે માલાવી સરોવરો આવેલાં છે.

ટાન્ઝાનિયાનો નકશો

ભૂપૃષ્ઠ અને વિભાગો : ટાન્ઝાનિયાનો મોટાભાગનો વિસ્તાર સમુદ્રસપાટીથી સરેરાશ 1000થી 1400 મી.ની ઊંચાઈએ આવેલો છે. પ્રાકૃતિક રચનાની ર્દષ્ટિએ તેના મુખ્ય ચાર વિભાગ છે : (1) મધ્યનો ગરમ અને સૂકો ઉચ્ચપ્રદેશ, (2) દક્ષિણ અને ઉત્તરના સમધાત આબોહવાવાળા ઉચ્ચપ્રદેશ, (3) કિનારાનાં મેદાનો અને (4) સરોવરો અને ઉચ્ચપ્રદેશનો પશ્ચિમનો વિસ્તાર.

પૂર્વમાં 800 કિમી. લાંબો તાડનાં વૃક્ષોથી છવાયેલો સમુદ્રકિનારો છે, જ્યારે મધ્ય ટાન્ઝાનિયાથી લઈને તેની પશ્ચિમ સરહદ સુધી ‘મહા ફાટ ખીણ’(Great Rift Valley)ની કેટલીક શાખાઓ વિસ્તરેલી છે. અહીં ટાંગાનિકા તથા રુકવા સરોવરો આવેલાં છે. ટાન્ઝાનિયાના ઈશાન વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 1100 મી.ની ઊંચાઈએ આવેલો સ્ટેપપ્રદેશ અને દેશના એક-તૃતીયાંશ વિસ્તારને આવરી લેતો ઘાસનો મધ્ય ઉચ્ચપ્રદેશ છે. મસાઈ સ્ટેપની પશ્ચિમે મધ્યનો ઉચ્ચપ્રદેશ સમુદ્રની સપાટીથી 1200 મી.ની ઊંચાઈએ આવેલો છે. ઈશાન સરહદે કિલિમાન્જારો(ઊંચાઈ 5895 મી.)નાં જ્વાળામુખીય શિખરો અને અગ્નિમુખ ઉચ્ચપ્રદેશ આવેલો છે. કિલિમાન્જારો વિષુવવૃત્તથી માત્ર 3° દ. અક્ષાંશ જેટલો જ દૂર હોવા છતાં સમગ્ર વર્ષ દરમિયાન તેનાં શિખરો હિમાચ્છાદિત રહે છે. કિલિમાન્જારોની પશ્ચિમે આવેલું નગોરોન્ગોરો જ્વાળામુખીનું મુખ વિશ્વમાં બીજા નંબરનું અગ્નિમુખ ગણાય છે.

વિશ્વની બે મોટી નદીઓ – નાઇલ અને ઝાઇર બંનેનાં ઉદગમસ્થાન અહીં આવેલાં છે. હિંદી મહાસાગરને મળતી નદીઓમાં પાનગાની, રુફીજી, રુપુમા અને તેની શાખાઓ આ પ્રદેશમાંથી વહે છે. કેટલીક નાની નદીઓ વિક્ટોરિયા સરોવરને મળે છે.

દેશની આબોહવા પર ભૂપૃષ્ઠની વધુ અસર જોવા મળે છે. કિનારાના વિસ્તારો ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવે છે. કિનારાથી અંદરની તરફ આવતાં આબોહવા સૂકી અને ગરમ થતી જાય છે. વિષુવવૃત્તથી ખૂબ નજીક હોવા છતાં ઊંચાં ભૂમિસ્વરૂપો આબોહવાને અતિશય ગરમ વિષુવવૃત્તીય થતી અટકાવે છે. મધ્યના ઉચ્ચપ્રદેશમાં તાપમાનનો દૈનિક ગાળો 4° સે. જ્યારે કિનારાના પ્રદેશમાં તે વધીને 10° સે. જેટલો રહે છે. વાર્ષિક સરેરાશ તાપમાન 20°થી 31° સે. વચ્ચે હોય છે. મધ્યના ભાગોમાં અને કિનારાના વિસ્તારમાં તાપમાન 25°થી 35° સે. રહે છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓમાં ભેજવાળી વિષુવવૃત્તીય આબોહવા છે, નવેમ્બર-ડિસેમ્બરથી એપ્રિલ-મે વર્ષાઋતુનો ગાળો છે. અહીં ખેતી માટે પર્યાપ્ત વરસાદ થાય છે.

વનસ્પતિ અને વન્ય પશુજીવન : કુદરતે ટાન્ઝાનિયાને વનસ્પતિ અને પ્રાણીજીવનમાં આગવું વૈવિધ્ય બક્ષ્યું છે. હાથી, ગેંડા, સિંહ, ચિત્તા, જંગલી ભેંસ, ઝીબ્રા, જિરાફ, ચીતળ, હરણ, જંગલી ડુક્કર અને ઇમ્પાલા જેવાં પ્રાણીઓ અહીં જોવા મળે છે. અહીં આશરે 1,00,000 ચોકિમી. વિસ્તારમાં 17 જેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો આવેલાં છે. 15,500 ચોકિમી.માં વિસ્તરેલું સેરંગેટી રાષ્ટ્રીય  ઉદ્યાન એકેશિયા (બાવળ)નાં વૃક્ષો, જંગલો, નાનાં ઝરણાં અને કિલિમાન્જારો હારમાળાને લીધે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સૌથી વધુ આકર્ષક બન્યું છે. વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં હાથી પૂર્વ મધ્ય ટાન્ઝાનિયાના માન્યારા ઉદ્યાનમાં છે. 50,000 ચોકિમી.થી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું દક્ષિણ ટાન્ઝાનિયાનું સેલસ અભયારણ્ય વિશ્વનું મોટામાં મોટું અભયારણ્ય છે. અહીં વિવિધ વૃક્ષોનાં લીલાં જંગલો જોવા મળે છે.

અર્થતંત્ર (ખેતી, ઉદ્યોગો) : ખનિજોની બાબતમાં હીરા સિવાય ટાન્ઝાનિયા બહુ સમૃદ્ધ નથી. અહીં સોનું, કલાઈ, નિકલ અને મીઠું થોડા પ્રમાણમાં મળે છે. ઔદ્યોગિક વિકાસની ર્દષ્ટિએ ટાન્ઝાનિયા અવિકસિત છે. ખેતીપ્રધાન દેશ હોવાથી તેના મોટાભાગના ઉદ્યોગો ખેતપેદાશો પર આધારિત છે, તેમ છતાં અહીં કાપડ, ખનિજતેલ શુદ્ધીકરણ, સિમેન્ટ અને ખાદ્ય પદાર્થ તૈયાર કરવાના ઉદ્યોગો વિકસ્યા છે.

ટાન્ઝાનિયાની 80% વસ્તી ખેતી પર નભે છે. કુલ જમીનના 5% જેટલા જ વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે. જમીનની ઉત્પાદકતા ઘણી નીચી છે અને તેથી ત્યાં પ્રાથમિક સ્વરૂપની ખેતી થાય છે. અહીં મકાઈ, ડાંગર, કઠોળ, જુવાર વગેરે મુખ્ય પાકો છે. કપાસ, તમાકુ અને કૉફી જેવા રોકડિયા પાકો પકવતા ખેડૂતો સમૃદ્ધ છે. પરદેશી સત્તાના શાસન દરમિયાન રોકડિયા પાક તરીકે મગફળીની ખેતી વ્યાપારી ધોરણે શરૂ કરવામાં આવેલી; પરંતુ અપૂરતા વરસાદ અને ખેતીનાં યંત્રોના અભાવે એ પ્રયોગ ત્યાં સફળ થયો નહિ.

ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓ પરની ફળદ્રૂપ જમીનોને લીધે ત્યાં ખેતીનો વધુ વિકાસ થયો છે. ઝાંઝીબારના પશ્ચિમ ભાગમાં ખાટાં ફળો, ડાંગર, મકાઈ, કઠોળ, તમાકુ અને કંદમૂળોની ખેતી થાય છે. નારિયેળ અને લવિંગ આ પ્રદેશની સૌથી વધુ મહત્ત્વની બાગાયતી પેદાશો છે. પેમ્બા અને ઝાંઝીબાર વિશ્વમાં લવિંગના  ઉત્પાદનમાં મોખરે છે અને તેથી તે ‘લવિંગના ટાપુઓ’ તરીકે જાણીતા છે.

સંદેશાવાહનવ્યવહાર : ટાન્ઝાનિયાના વિશાળ વિસ્તાર અને નબળા અર્થતંત્રને લીધે અહીં સંદેશા-વાહનવ્યવહારનો વિકાસ ઓછો થયો છે.  દેશમાં 88,200 કિમી.ના રસ્તા છે. પરંતુ પાકા રસ્તા બહુ ઓછા છે. રેલમાર્ગોની લંબાઈ 2722 કિમી છે, ટાન્ઝાનિયાનો મુખ્ય રેલવેવ્યવહાર દારેસલામથી પશ્ચિમમાં ઝામ્બિયા સાથે જોડાયેલો છે. દારેસલામનું બારું કુદરતી હોવાથી તે દેશનું મુખ્ય બંદર છે. બુરુન્ડી, માલાવી, રવાન્ડા, યુગાન્ડા, ઝાઇર તેમજ ઝામ્બિયા વ્યાપાર માટે દારેસલામ બંદરનો ઉપયોગ કરવામાં આવે છે. કિલિમાન્જારો દારેસલામ અને ઝાંઝીબારમાં આંતરરાષ્ટ્રીય વિમાની મથક આવેલાં છે.

લોકો–વસ્તી : ટાન્ઝાનિયાની કુલ વસ્તી 6.17 કરોડ (2022) જેટલી છે. કુલ વસ્તીના 82% ગ્રામ વિસ્તારમાં અને 18% શહેરી વિસ્તારમાં રહે છે. ટાન્ઝાનિયામાં વસ્તીનું વિતરણ અને ગીચતા પર ભૌગોલિક પરિબળોની અસર દેખાય છે. કિનારાના સાંકડા મેદાનમાં વસ્તીનું કેન્દ્રીકરણ થયેલું છે, જ્યારે મધ્યના વિસ્તારો લગભગ નિર્જન છે.

અહીં વસતા લોકોનું જાતિગત  અને નૃવંશીય વૈવિધ્ય વસ્તીનું આગવું લક્ષણ છે. 120 જુદી જુદી આદિજાતિઓ અહીં વસે છે. તેમાંથી મોટાભાગના ‘બાન્ટુ’ જૂથની સ્વાહિલી ભાષા બોલનારા છે. આ જાતિઓમાં મુખ્ય ભૂમિની 13% જેટલી વસ્તીવાળું સૌથી મોટું જાતિજૂથ સુકુમા જાતિનું છે, જે વિક્ટોરિયા સરોવર પાસેના વિસ્તારમાં કપાસની ખેતી કરે છે. ચગ્ગા આદિજાતિના લોકો કિલિમાન્જારોની ફળદ્રૂપ તળેટીમાં કૉફીની ખેતીથી સમૃદ્ધ થયા છે. મસાઈ સ્ટેપપ્રદેશમાં મસાઈ જાતિના લોકોએ પ્રાચીન સમયમાં વ્યાપારમાર્ગો નિશ્ચિત કરવામાં આગવો ફાળો આપ્યો હતો.

છેલ્લાં આશરે 1000 વર્ષ દરમિયાન ઘણા આરબો અહીં આવીને વસ્યા છે અને સ્થાનિક સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ત્યાંના કાયમી નાગરિકો બન્યા છે. છેલ્લી ત્રણ સદીઓમાં અહીં આવીને વસેલા ભારતીય દ્વીપકલ્પના લોકોની સંખ્યા 50,000થી પણ વધુ છે. યુરોપના દેશમાંથી આવેલ આશરે 20,000 જેટલા લોકો અહીં વસે છે.

ઝાંઝીબારમાં શીરાઝી (ઈરાનના વતનીઓના વંશજો), આરબો અને કોમોરન(માડાગાસ્કર અને ટાન્ઝાનિયાની વચ્ચે આવેલ કોમોરસ ટાપુના લોકો)ના ઘણા વંશજો વસ્યા છે.

અહીંની 30% વસ્તી ખ્રિસ્તી ધર્મ, 35% ઇસ્લામ, 23% જુદા જુદા આદિવાસી ધર્મો અને 4% વસ્તી હિંદુ ધર્મ પાળનારી છે.

સ્વાહિલી ઉપરાંત અંગ્રેજી અહીંની મુખ્ય તથા સત્તાવાર ભાષા છે.  અહીં પ્રાથમિક શિક્ષણ નિ:શુલ્ક કરવામાં આવ્યું છે, તેની અસર સાક્ષરતા પર જોવા મળે છે. 1967માં 28% સાક્ષરતા હતી જે વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન વધીને 80%એ પહોંચી છે. દારેસલામની યુનિવર્સિટી અહીંની મુખ્ય યુનિવર્સિટી છે.

દેશનાં મુખ્ય શહેરોમાં જૂની રાજધાની દારેસલામ અને નવી બંધાતી રાજધાની ડોડોમાનો સમાવેશ થાય છે. તે હવાઈ માર્ગે અન્ય દેશો સાથે સંકળાયેલાં છે.

ટાન્ઝાનિયાની અનેક અજાયબીઓમાં તેની પુરાતત્વીય વિશિષ્ટતા પણ છે. 1964માં સેરંગેટી મેદાનની પશ્ચિમે આવેલ ઓલ્ડુવાઇ ગૉર્જ પાસેથી 20 લાખ વર્ષ પહેલાંના આદિમાનવના અવશેષો પ્રાપ્ત થયા છે. એ સિવાય મસાઈ સ્ટેપ પાસેથી 30,000 વર્ષ પહેલાંનાં પથ્થરયુગનાં ગુફાચિત્રો પણ મળ્યાં છે.

આઠમી સદીમાં આરબોના ગુલામોના વ્યાપારના કેન્દ્ર તરીકે વિકસેલ ટાન્ઝાનિયામાં કિનારા પર હજુ આરબ વેપારીઓની જૂની વસાહતોના અવશેષો જોવા મળે છે. બારમી સદીનાં મહેલો અને મસ્જિદો પણ જાળવવામાં આવ્યાં છે. સોળમી સદીમાં પોર્ટુગીઝ અને ત્યારબાદ આવેલ અનેક યુરોપિયનોમાં બ્રિટિશ અન્વેષકોનાં સ્મારકો અહીં છે.

સરકાર : અહીં એકપક્ષીય પદ્ધતિ હેઠળ સરકાર રચાય છે. ‘ક્રાંતિકારી પક્ષ’ (સી.સી.એમ. – ચામ ચા માપિન્ડુઝી) અહીંનો એકમાત્ર રાજકીય પક્ષ છે. અહીં પ્રમુખીય પદ્ધતિની સરકાર છે. પ્રમુખ રાષ્ટ્રીય સરકારનો વડો છે. સી.સી.એમ. પક્ષ દ્વારા સૂચવાયેલ ઉમેદવારને લોકો પ્રમુખ તરીકે પાંચ વર્ષ માટે ચૂંટે છે. પ્રમુખ બે ઉપપ્રમુખ નિયુક્ત કરે છે. એક ઉપપ્રમુખ દેશના વડાપ્રધાન તરીકે અને બીજા ઉપપ્રમુખ ઝાંઝીબારના પ્રમુખ તરીકે કામ કરે છે. અહીંની રાષ્ટ્રીય ધારાસભામાં 244 સભ્યોમાંથી મોટાભાગના સભ્યોને લોકો પાંચ વર્ષ માટે ચૂંટે છે. ધારાસભા સી.સી.એમ. પક્ષે નક્કી કરેલી નીતિ મુજબ કાનૂન ઘડે છે.

ઇતિહાસ : સોળમી સદીની શરૂઆતથી પૂર્વ-આફ્રિકાના કિનારાના આ પ્રદેશમાં પોર્ટુગીઝ વ્યાપારીઓએ અંકુશ જમાવ્યો હતો; પરંતુ સ્થાનિક બળવાઓને પરિણામે સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. 1698માં અરબસ્તાન દ્વીપકલ્પના ઓમાન પ્રદેશમાંથી આવેલા આરબોએ ઝાંઝીબાર પર અંકુશ જમાવ્યો અને મુખ્ય ભૂમિ પર સોનું, હાથીદાંત વગેરેનો વેપાર વિકસાવ્યો. ઓગણીસમી સદીની શરૂઆતમાં ઓમાનના સુલતાને ઝાંઝીબારને પોતાની રાજધાની બનાવી. અઢારમી અને ઓગણીસમી સદી દરમિયાન આરબો અને ગુજરાતી વેપારીઓેએ અહીં ગુલામોનો વેપાર વધાર્યો. ઝાંઝીબાર ગુલામોના વ્યાપારનું મોટું કેન્દ્ર બન્યું.

અઢારમી સદી દરમિયાન યુરોપીય અન્વેષકો તથા ખ્રિસ્તી મિશનરીઓએ આ વિસ્તારમાં પ્રવેશ કર્યો. ઓગણીસમી સદીના આઠમા દાયકા દરમિયાન જર્મનીએ અત્યારના ટાન્ઝાનિયાની મુખ્ય ભૂમિને પોતાનું સંસ્થાન બનાવ્યું અને નવમા દાયકામાં બ્રિટને ઓમાનના સુલતાનો પાસેથી ઝાંઝીબાર તથા પેમ્બા ટાપુઓ પરની સત્તા લઈને આ ટાપુઓનું રક્ષિત રાજ્ય બનાવ્યું. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર પછી મુખ્ય ભૂમિ પરના જર્મન સંસ્થાન પર બ્રિટને અંકુશ સ્થાપ્યો અને તેને ટાંગાનિકા નામ આપ્યું. ત્યારથી મોટી સંખ્યામાં યુરોપિયનો તેમજ હિંદીઓ સહિત બ્રિટિશ સામ્રાજ્યના વિવિધ ભાગોમાંથી આવેલા લોકોએ ટાંગાનિકામાં વસવાટ શરૂ કર્યો.

1946થી ટાંગાનિકાને સંયુક્ત રાષ્ટ્રસંઘની વાલી સમિતિ હેઠળ મૂકવામાં આવ્યું. પરંતુ રાજકીય તેમજ વહીવટી સત્તા બ્રિટન પાસે જ રહી,  બ્રિટને અહીં યુરોપિયનો, એશિયનો તેમજ આફ્રિકનોનું સમાન પ્રતિનિધિત્વ જળવાય તે પ્રકારની રાજકીય પ્રથા વિકસાવવા પ્રયાસ કર્યો, પરંતુ આફ્રિકનોએ તેનો વિરોધ કર્યો. 1954માં ‘ટાંગાનિકા આફ્રિકન નૅશનલ યુનિયન’ની સ્થાપના થઈ. જુલિયસ ન્યેરેરેના નેતૃત્વ હેઠળ 1961માં ટાંગાનિકાને રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. બીજે વર્ષે ન્યેરેરેને ટાંગાનિકાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. 1963માં બ્રિટને ઝાંઝીબારને પણ સ્વતંત્રતા આપી. એપ્રિલ 1964માં ટાંગાનિકા તથા ઝાંઝીબાર રાજ્યોનું એકત્રીકરણ થયું અને ઑક્ટોબરમાં નવા રાજ્યનું નામ ટાન્ઝાનિયાનું સંયુક્ત પ્રજાસત્તાક (યુનાઇટેડ રિપબ્લિક ઑવ્ ટાન્ઝાનિયા) રાખવામાં આવ્યું. ન્યેરેરે નવા રાજ્યના પ્રથમ પ્રમુખ થયા. તેમના નેતૃત્વ હેઠળ ‘ઉજમા’ તરીકે જાણીતી એવી સહકાર અને સ્વાવલંબન પર આધારિત સમાજવાદી અર્થવ્યવસ્થા અપનાવવામાં આવી હતી.

ટાન્ઝાનિયાએ કેન્યા તથા યુગાન્ડા સાથે મળીને 1967થી 1977 દરમિયાન ‘ઈસ્ટ આફ્રિકન કૉમ્યુનિટી’ની રચના કરી હતી. પરંતુ ત્રણેય રાજ્યોની અલગ આર્થિક નીતિને લીધે આ સંગઠન નિષ્ફળ ગયું. 1978માં યુગાન્ડાના ક્રૂર સરમુખત્યાર  ઈદી અમીને ટાન્ઝાનિયા પર આક્રમણ કર્યું તેમાં તેની હાર થઈ, ત્યારથી ટાન્ઝાનિયાનું અર્થતંત્ર વધારે નબળું પડ્યું. 1985માં ન્યેરેરે સી.સી.એમ. પક્ષના અધ્યક્ષ તરીકે અને દેશના પ્રમુખ તરીકે નિવૃત્ત થયા. તેમ છતાં ટાન્ઝાનિયાના જાહેરજીવનમાં આજે પણ તેમની પ્રતિષ્ઠા અને વગ ચાલુ છે.

ઈ. સ. 1985માં ન્યેરેરે નિવૃત્ત થયા અને તેમને સ્થાને અલી હસન મવીની પ્રમુખ બન્યા. ઈ. સ. 1992માં મવીનીએ ચૂંટણીમાં બહુપક્ષી પ્રથાને ટેકો આપ્યો. ઈ. સ. 1995માં બહુપક્ષી પ્રથા મુજબ થયેલ ચૂંટણીમાં બેન્જામિન મકાપા પ્રમુખ ચૂંટાયા. ઈ. સ. 1997માં લાંબા સમયની અનાવૃષ્ટિ પછી, પ્રમુખે દુષ્કાળની જાહેરાત કરી.

ઈ. સ. 2000માં મકાપા ફરી વાર પ્રમુખ ચૂંટાયા. ઈ. સ. 2001માં ઝાંઝીબારમાં હિંસક હુલ્લડો થયા. તેમાં અનેક લોકો માર્યા ગયા. ઈ. સ. 2002ની 24મી જૂનના રોજ થયેલ ટ્રેન-અકસ્માતમાં 200 માણસો માર્યા ગયા અને 800 ઘવાયા. ઈ. સ. 2005ના નવેમ્બરમાં ઝાંઝીબારના ટાપુમાં ચૂંટણી થયા પછી તોફાનો થયા. ઈ. સ. 2006થી જાકાયા કિકવેટ દેશના પ્રમુખ બન્યા. તેમણે ઍડવર્ડ લોવાસાને વડાપ્રધાન નીમ્યા. તેમણે સ્ત્રીઓને સારી એવી સંખ્યામાં મંત્રીઓ તરીકે નીમી. પ્રમુખ જાકાયા કિકવેટે માર્ચ, 2007માં વિદેશી અને સ્થાનિક મૂડી રોકનારાને પ્રોત્સાહન મળે એવા નિયમો જાહેર કર્યા. ફેબ્રુઆરી, 2008માં વડાપ્રધાન ઍડવર્ડ લોવાસા સામે રાજકીય લાગવગની તપાસનો હેવાલ મળ્યા પછી તેના રાજીનામાનો સ્વીકાર કરી, મિઝેન્ગો પિન્ડાને નવા વડાપ્રધાન નીમ્યા. નવેમ્બર, 2009માં ‘ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી’ની દસ વર્ષની ઉજવણી ટાન્ઝાનિયામાં કરવામાં આવી.

રાજકીય : 26 એપ્રિલ, 1964માં દેશ સ્વતંત્ર બન્યો. ડોડોમા તેનું પાટનગર છે. મવાન્ઝા અને દારે-સલામ તેનાં મુખ્ય શહેરો છે. ટાન્ઝાનિયન શિલિંગ તેનું નાણું છે. અંગ્રેજી અને કિસવાહિલી ભાષાઓ બોલાય છે. તે 69 ટકા અક્ષરજ્ઞાન ધરાવતો દેશ છે.

આ દેશ પ્રજાસત્તાક તંત્ર ધરાવે છે. પ્રમુખ જુલિયસ ન્યરેરે તેના રાજકારણનું પ્રમુખ નામ છે.

રક્ષા મ. વ્યાસ

જયકુમાર ર. શુક્લ

ગિરીશ ભટ્ટ

નિયતિ મિસ્ત્રી