ટાન્ગે, કેન્ઝો (જ. 1913) : જાપાનના પ્રતિભાશાળી સ્થપતિ. જાપાન તેમજ વિશ્વના આધુનિક સ્થાપત્યના તે પ્રણેતા ગણાય છે. શિક્ષણ 1935થી 1938 ટોકિયો યુનિવર્સિટીમાં. તે વખતના વિખ્યાત માએકાવા નામના સ્થપતિ સાથે તેમણે કામ કર્યું. કેન્ઝો ટાન્ગેની શૈલી પણ આથી કાક્રીટ સ્થાપત્યની અસર નીચે ઉદભવેલ. તેમની રચનાઓમાં હિરોશીમાનું સ્મૃતિભવન (1950), ટોકિયો સિટી હૉલ (1956) તથા ટોકિયો ઑલિમ્પિક માટે બંધાયેલ સ્ટેડિયમ વગેરે મુખ્ય ગણાય છે.

રવીન્દ્ર વસાવડા