ઓદંતપુરી (ઉદ્દંડપુર) : પ્રાચીન બિહાર(મગધ)માં આવેલ પ્રમુખ વિદ્યાધામ અને બૌદ્ધતીર્થ. ધર્મપાલે અહીં ભવ્ય વિહાર બંધાવ્યો હતો. તિબેટી પરંપરાનુસાર ગોપાલ અથવા દેવપાલે ઓદંતપુરી વિહારની રચના કરી હતી. બિહારના રાજાશાહી જિલ્લાના પહાડપુરનો ઉત્ખનનમાંથી પ્રાપ્ત વિહાર સંભવત: ઓદંતપુરી વિહાર હોય. આ સ્થળ અને નજીકના ગામનું નામ ઓમપુર આ સંદર્ભે વિચારણીય છે. ધર્મપાલના વિહારની રચનાની કથા અને દેવપાલના વિહારની કથા વચ્ચે સામ્ય છે. ઓદંતપુરી ઉત્તરકાલીન પાલ રાજાઓની રાજધાની હતી. ઈ. સ.ની બારમી સદીમાં ઉદ્દંડપુરનો મહાવિહાર વિદ્યાધામ હતું. આચાર્યો અને વિદ્યાર્થીઓ સહિત તેમાં નિવાસીઓની સંખ્યા હજારોની હતી. ત્યાં શિક્ષણનું માધ્યમ સંસ્કૃત હતું. તેમાં બૌદ્ધોના ધાર્મિક ગ્રંથો સાથે ગણિત, જ્યોતિષ, આયુર્વેદ આદિનું શિક્ષણ અપાતું. વ્યાવહારિક શિક્ષણ આપવાનો પણ ત્યાં પ્રબંધ હતો. ઈ. સ. 1197માં કુત્બુદ્દીન અયબેકના મદદનીશ સિપાહસાલાર મોહમ્મદ બિન બખ્તયાર ખલજીએ આક્રમણ કરી ઉદ્દંડપુરનો વિહાર લૂંટ્યો. તે સમયે આચાર્યો અને વિદ્યાર્થીઓએ શસ્ત્રો ધારણ કરી તેનો સામનો કર્યો અને તેઓ બધાએ પોતાનાં બલિદાન આપ્યાં. મોહમ્મદે વિશાળ ગ્રંથાલયને આગ ચાંપી તથા ત્યાંના ભંડાર, મૂર્તિઓ, મકાનો અને અમૂલ્ય પુસ્તકોનો નાશ કર્યો.

રસેશ જમીનદાર

જયકુમાર ર. શુક્લ