ઑદુબૉન, જૉન જેમ્સ [જ. 26 એપ્રિલ 1785, લેસ કેઇસ, હેઇટી (Haiti); અ. 27 જાન્યુઆરી 1851, મેનહટ્ટન, ન્યૂયોર્ક, યુ. એસ.] : અમેરિકાનો મોખરાનો પક્ષીવિદ (ornithologist) અને વિખ્યાત પક્ષીચિત્રકાર. પક્ષીવિજ્ઞાનના ક્ષેત્રે અમેરિકામાં પાયાનું કામ કરનાર વિજ્ઞાની તરીકે તેની આજે ઓળખ છે. તેણે ચીતરેલાં અમેરિકન પંખીઓનાં 435 ચિત્રો આજે ‘કલા દ્વારા પ્રકૃતિને આપવામાં આવેલી સૌથી મોટી અંજલિ’ તરીકે ગણવામાં આવે છે. આમ, પ્રાણીશાસ્ત્ર (zoology) અને કલા બંને ક્ષેત્રોમાં તેનું પ્રદાન પાયાનું છે.

એક ફ્રેન્ચ નેવલ ઑફિસર લેફ્ટનન્ટ જ્યા ઑદુબૉનનો તે અનૌરસ પુત્ર હતો. માતા મેડિમોસિલે રૅબિન સાન્તો ડોમિન્ગોના મૂળ નિવાસી અને સ્પૅનિશ વિજેતાઓની સંકર ઓલાદ ક્રેયોલ (Creole) હતી. ફ્રૅન્ચ પિતા જ્યા ઑદુબૉનની હેઇટીમાં આવેલી જાગીર પર ઑદુબૉન જન્મેલો અને ચાર વરસની ઉંમર સુધી ત્યાં જ મોટો થયેલો. 1789માં પિતા જ્યા ઑદુબૉન ચાર વરસના બાળક ઑદુબૉન અને એક વળી અન્ય ક્રેયોલ સ્ત્રીને પેટે જન્મેલી પોતાની એક અનૌરસ પુત્રી જ્યાં જાક ફૂગેરે ઑદુબૉન(Jean Jacque Fouge ‘re’ Audubon)ને લઈને વતન ફ્રાંસમાં પાછો ફર્યો. અહીં ફ્રાંસમાં પિતાની કાયદેસરની પત્ની એની મોઇનેટ રહેતી હતી. અપર માતાએ બંને સાવકાં બાળકોનું પ્રેમપૂર્વક જતન કર્યું. ઑદુબૉને મોટી ઉંમરે નોંધ્યું છે કે એ માતાએ વધુ પડતા લાડચાગથી પોતાને બગાડી મૂકેલો. પોતાના બધા જ દોષ એ ઢાંકી દેવા તત્પર રહેતી. એ માતાએ એને માટે ઘરે જ ગણિત, ભૂગોળ, સંગીત અને તલવારબાજીના અભ્યાસની વ્યવસ્થા કરેલી. પિતા જ્યા ઑદુબૉન ફ્રાંસની ક્રાંતિકારી ચળવળમાં જોડાયો, પણ અભ્યાસ પ્રત્યેની પુત્રની અરુચિ તુરત જ તેના ધ્યાન પર આવી ગઈ. તેથી તેણે પુત્ર ઑદુબૉનને ફ્રેન્ચ નેવલ અકાદમીમાં વિદ્યાર્થી તરીકે મૂક્યો. પણ ઑદુબૉન ગાપચી મારીને ખેતરોમાં અને જંગલોમાં રખડવા નીકળી પડતો અને પંખીઓ, તેમના માળા, ઈંડાંનું નિરીક્ષણ કરતો. એ માળા, પીંછાં અને ઈંડાં ભેગાં કરી ઘરે લઈ આવતો અને પંખીઓનાં ચિત્રો ચીતરતો. ચિત્રકળામાં તેનો રસ જોઈ પિતા જ્યા ઑદુબૉને ફ્રેન્ચ કલાની તત્કાલીન વિરાટ પ્રતિભા જાક લૂઈ દાવિદની કલાશાળામાં પુત્ર ઑદુબૉનને વિદ્યાર્થી તરીકે દાખલ કર્યો. એવામાં જ તરુણો અને યુવાનોને લશ્કરમાં ફરજિયાત ભરતી થવા માટે નેપોલિયોંએ એલાન કરતાં તેમાંથી છુટકારો પામવા માટે ઑદુબૉન અમેરિકા જતો રહ્યો. અહીં પિતા જ્યા ઑદુબૉને તાજેતરમાં સ્થાપેલા ધંધાની દેખરેખ રાખવાની જવાબદારી તેને માથે હતી.

ઑદુબૉને દોરેલું આત્મચિત્ર

ઑદુબૉન અમેરિકા આવ્યો ત્યારે એ 18 વરસનો હતો. તેને અંગ્રેજી તો ભાંગ્યું-તૂટ્યું પણ આવડતું નહોતું, એટલું જ નહિ, તેને ઠીક રીતે ફ્રેન્ચ લખતાં પણ આવડતું નહિ. છતાં તે પછી લેખક પણ થયો. તેનાં લખાણોનું કદ આશરે દસ લાખ શબ્દોનું અંદાજવામાં આવે છે. પિતાની ફિલાડેલ્ફિયામાં આવેલી જાગીરની આસપાસ અરણ્યમાં ઑદુબૉન રેશમી વસ્ત્રોમાં સજ્જ થઈ, એક કૂતરો અને એક બંદૂક લઈ ઘોડા ઉપર સવાર થઈને નીકળી પડતો. એ પંખીઓનો શિકાર કરતો, પણ તે પંખીઓના શરીરના બારીક અવલોકન માટે; ખાવા માટે કદી નહિ. પંખીઓ પ્રત્યેના પ્રેમને કારણે જ તે હવે સંપૂર્ણ શાકાહારી બની ગયો હતો.

આ જ સમયે તે લ્યુસી બ્લૅકવેલ નામની એક અંગ્રેજ કન્યાના પ્રેમમાં પડ્યો. લ્યુસીને પણ પક્ષીવિજ્ઞાનમાં ઊંડી દિલચસ્પી હતી. એ દિવસોમાં એને પૈસાની કે કમાવાની કંઈ પડી નહોતી. એ બાપને પૈસે તાગડધિન્ના કરતો હતો. મોંઘામાં મોંઘા ઘોડા પર સવારી, મહેફિલો, મોંઘાંદાટ કપડાં, નૃત્ય-સમારોહ, સ્કેટિંગ અને ઉજાણીઓ. છતાં આ સમયે પંખીઓનો ઊંડો અભ્યાસ કરવો ચાલુ જ હતો. સમગ્ર વિશ્વમાં વિરલ ગણાય એવું એક મહાક્રાંતિકારી પગલું 1804માં ઑદુબૉને લીધું. ફોએબ્સ (Phoebes-any American fly catcher of the genus SAYORNIS) પંખીઓની માળા બાંધવાની આદતોનો અભ્યાસ કરવા માટે, તેમના પ્રવાસપંથ જાણવા માટે, તેણે તે પંખીઓનાં હજી ઊડી નહીં શકતાં બચ્ચાંઓને પણ ચાંદીના પાતળા તાર બાંધ્યા. પંખીઓના પગે તાર બાંધવાના ‘બેન્ડિન્ગ બર્ડ્ઝ’ નામે ઓળખાતા પ્રયોગનો આ પહેલવહેલો નોંધાયેલો દાખલો છે. એક સદી પછી અમલમાં મુકાનારી પક્ષીશાસ્ત્રની એક ખૂબ જ પાયાની અને અગત્યની તરકીબ શોધવાનું શ્રેય ઑદુબૉનને મળે છે.

1808ના એપ્રિલમાં ફ્રાંસ જઈ પિતાને મળીને ઑદુબૉને લ્યુસી બ્લૅકવેલ સાથે લગ્નની મંજૂરી મેળવી લીધી. ઑદુબૉનના જીવનકથાકારોએ આ મહિલાને વિશ્વના ઇતિહાસમાં થઈ ગયેલી મહાન પત્નીઓમાં એક તરીકે ઓળખાવી છે. બેશક, આ મહિલાનાં હિંમત, સમર્પણ અને શ્રદ્ધાના પીઠબળ વિના ઑદુબૉન વિઘ્નો ઓળંગીને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવામાં કદી સફળ થયો ન હોત. વિશ્વ તેણે એકઠા કરેલા પક્ષીશાસ્ત્રના જ્ઞાન તેમજ તેણે સર્જેલી ભવ્ય ચિત્રશ્રેણી ‘બર્ડ્ઝ ઑવ્ અમેરિકા’ – એ બંનેથી વંચિત રહી ગયું હોત.

લગ્ન પછી ઑદુબૉનના જીવનના ત્રણ દસકા નિરાશા અને કારમી ગરીબાઈમાં વીત્યા. કોઈકની સાથે ભાગીદારીમાં ઑદુબૉને કૅન્ટુકી(Kentucky)ના જંગલમાં આવેલી વસાહત લૂઇસ્વિલે-(Louisville)માં એક કરિયાણાની દુકાન ખોલી; પણ વેપાર અને નામાના ચોપડામાં એનું ચિત્ત ચોંટ્યું જ નહિ. આ સાહસ નિષ્ફળ નીવડ્યું અને બંને ભાગીદારો છૂટા થયા. તે પછી ઑદુબૉન કૅન્ટુકીમાં ઓહાયો નદીને કાંઠે હેન્ડરસન ચાલ્યો ગયો. અહીં બીજા કોઈ ભાગીદાર સાથે ફરી કરિયાણાની દુકાન શરૂ કરી. પરંતુ અહીં પણ ઑદુબૉનનું ચિત્ત ધંધાવેપારમાં ચોંટ્યું જ નહિ. પેલો ભાગીદાર દુકાન સંભાળતો અને ઑદુબૉન જૉન પોપ નામના એક છોકરા જોડે જંગલો ખૂંદવા નીકળી પડતો. દુર્લભ પંખીઓના શિકાર, અભ્યાસ અને ચિત્રણ – એ તેની રોજની પ્રવૃત્તિ હતી. એની આર્થિક હાલત સાવ કથળી ગઈ, છતાં એની બંદૂક અને પીંછીના ઉત્સાહમાં સહેજ પણ ઓટ આવી નહિ.

1810માં ઑદુબૉન અમેરિકાના તત્કાલીન નામાંકિત પક્ષીવિદ ઍલેક્ઝાન્ડર વિલ્સનને મળ્યો. ઑદુબૉનના જીવનમાં આ મેળાપ ઘણો જ મહત્ત્વનો હતો. એ વખતે વિલ્સન પોતે ચીતરેલા અમેરિકન પંખીઓનાં ચિત્રોની ચોપડી ‘અમેરિકન ઑર્નિથૉલોજી’ 120 ડૉલરમાં એક નંગ લેખે વેચી રહ્યો હતો. એ જોઈને પોતે ચીતરેલાં પંખીઓનાં ચિત્રોને છપાવીને સેટરૂપે વેચવાની મહત્ત્વાકાંક્ષા ઑદુબૉનના અંતરમાં જન્મી.

1812 સુધીમાં ઑદુબૉન અને લ્યુસી બ્લૅકવેલના સુખી લગ્નજીવન રૂપે બે પુત્રો જન્મ્યા. એ જ વર્ષે ઑદુબૉને ફ્રાંસનું નાગરિકત્વ તજીને અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું. ઓહાયો નદીને કાંઠે હેન્ડરસનમાં શરૂ કરેલી કરિયાણાની દુકાન પણ નિષ્ફળ ગઈ અને ભાગીદારીનો પણ અંત આવ્યો, પરંતુ આટલી વ્યાપારી નિષ્ફળતાઓથી ઑદુબૉન હજી ધરાયો નહોતો. એણે હજી બીજા નવા ધંધા શરૂ કર્યા અને એમાં પત્ની લ્યુસીની બધી મૂડી ખોઈ નાંખી ! ઑદુબૉન હવે નાદાર જાહેર થયો, એને કેદ પણ થઈ અને સમાજે પણ એને બહિષ્કૃત અને હડધૂત કર્યો. આ નાજુક સમય વિશે તેણે પાછળથી ડાયરીમાં નોંધેલું : ‘આ એક જ ક્ષણ એવી હતી કે જ્યારે મને મારાં બધાં જ પંખીઓ દુશ્મન જેવાં જણાયાં, મેં મારી નજર તેમના તરફથી ફેરવી લીધી.’ તેણે તરુણાવસ્થામાં પૅરિસમાં જાક લૂઈ દાવિદના સ્ટુડિયોમાં લીધેલી ચિત્રકલાની તાલીમનો ઉપયોગ કરી ક્રેયૉન્સ તેમજ તૈલરંગો વડે ધંધાદારી વ્યક્તિચિત્રણો કરીને કમાવાનું શરૂ કર્યું. એક વ્યક્તિચિત્રનો ભાવ તેણે પાંચ ડૉલર ઠેરવેલો, પણ પંખીઓનાં ગાને તેના સપનામાં પણ તેનો કેડો મૂક્યો નહિ. દુર્લભ પંખીઓની શોધમાં ઓહાયો અને મિસિસિપી નદીની કોતરોનાં જંગલોમાં તેણે વિહાર કર્યો. આ દરમિયાન ક્યારેક પશુપંખીઓના ખોળિયામાં ભૂંસાં ભરવાનો, ક્યારેક કલાશિક્ષકનો, તો વળી ક્યારેક તલવારબાજીના શિક્ષકનો ધંધો કરી એ જીવનનિર્વાહ માટે નાણાં કમાયો. દરમિયાન લ્યુસીએ ન્યૂ ઑર્લિન્સમાં આયાની નોકરી સ્વીકારી ઑદુબૉનને યોગક્ષેમની જવાબદારીમાંથી મુક્ત કરી આપ્યો. 1826ના અંત સુધીમાં ઉત્તર અમેરિકા ખંડના ઘણા બધા વિસ્તારોનો પ્રવાસ કરીને ઑદુબૉને 435 પંખીચિત્રોમાંનાં મોટાભાગનાં ચિત્રો તૈયાર કરી દીધાં તથા એ પંખીઓ વિશેની આધારભૂત વૈજ્ઞાનિક માહિતી પણ એકઠી કરી લીધી.

હવે ઑદુબૉને અમેરિકાના પ્રકાશકોનો સંપર્ક સાધ્યો. ફિલાડૅલ્ફિયાના પ્રકાશકોએ એનું કામ જોયું, પણ એના હરીફોએ ચાલાકીથી એની યોજના પર ઠંડું પાણી રેડી દીધું. અમેરિકાના પક્ષીવિદો તેમજ કલાકારો બંનેએ તેની ઠેકડી ઉડાવી. માત્ર તેની પત્ની જ તેને ટેકો આપતી રહી. આ સમયે ઑદુબૉને ડાયરીમાં નોંધ્યું છે : ‘મારા શ્રેષ્ઠ મિત્રો હૃદયપૂર્વક એવું માને છે કે હું ગાંડો છું. માત્ર એક મારી પત્ની જ એવું માને છે કે મારી પ્રતિભાનો વિજયઘોષ થવો જોઈએ; મને સફળતા મળવી જોઈએ.’

આખરે અમેરિકાથી થાકીને ઑદુબૉને યુરોપ ઉપર આશાભરી મીટ માંડી. લ્યુસીની રહીસહી બચતો વાળી-લૂછીને એકઠા કરેલા પૈસામાંથી ટિકિટ ખરીદીને ઑદુબૉન 1826ના જુલાઈની એકવીસમીએ લિવરપુલ પહોંચ્યો. પોતે ચીતરેલાં 435 પંખીચિત્રો અને થોડા ભલામણપત્રો એ લેતો આવેલો. લિવરપુલનું એક ધનાઢ્ય વેપારી કુટુંબ રૅથબોન્સ (Rathbones) એનાં ચિત્રોની સાહજિકતા અને એના મેલાઘેલા ગામડિયા વેશ પર વારીને ઓળઘોળ કરી ગયું. વરુના ચામડામાંથી બનેલો ઓવરકોટ પહેરી એ ફરતો હતો અને એના ગેરુઆ-લાલ રંગના વાળનાં ઝુલ્ફાં એના ખભા સુધી લહેરાતા હતા. રૅથબોન્સ કુટુંબે એનાં પંખીચિત્રોનું પ્રદર્શન ‘એડિન્બર્ગ રૉયલ ઇન્સ્ટિટ્યૂશન’ ખાતે ગોઠવ્યું. આ પ્રદર્શનની ફળશ્રુતિરૂપે બ્રિટનના વૈજ્ઞાનિકોએ એના વૈજ્ઞાનિક જ્ઞાનની તેમજ શ્રીમંત અને આમ જનતાએ તેની કલાની કદર કરવી શરૂ કરી. ઠેર ઠેર એના વિશે અને એની વૈજ્ઞાનિક અને કલાત્મક સિદ્ધિઓની પ્રશંસા છપાવા માંડી તથા લોકોની જીભે એનું નામ રમવું શરૂ થયું. ઘણાં મંડળોના માનાર્હ સભ્ય તરીકે એની વરણી થઈ તથા એક પછી એક પ્રદર્શનો યોજાવા માંડ્યાં. એમાંથી એને ખાસ્સી કમાણી થવી પણ શરૂ થઈ.

સ્કૉટિશ એન્ગ્રેવર – મુદ્રક ડબ્લ્યૂ. એચ. લિઝારે ડબલ એલિફન્ટ સાઇઝમાં હાથબનાવટના કાગળો ઉપર (75 × 100 સેમી.) 435 ચિત્રોનો પૉર્ટફોલિયો છાપવાનું બીડું ઝડપ્યું. પ્રત્યેક પૉર્ટફોલિયોનું વજન 25 કિલો થાત, પણ હજી છપામણી શરૂ થાય તે પહેલાં લિઝારની પ્રેસમાં હડતાળ પડી; અને આખી યોજના હવામાં અધ્ધર લટકી ગઈ. થાકીને ઑદુબૉને લંડન-સ્થિત ઍન્ગ્રેવર હેવલ્સ(Havells)ને આ ભગીરથ કામ સોંપ્યું. 1827થી 1838 સુધી અગિયાર વરસ સુધી વચમાં એક પણ દિવસ રજા પાડ્યા સિવાય હૅવલ્સે આ કામ પાર પાડ્યું, પણ આ માટે નાણાભંડોળ તો ખુદ ઑદુબૉને જ રળી આપ્યું. અમેરિકન વન્ય અને આરણ્યક જીવનનાં તૈલચિત્રો ચીતરીને, હજી એના રંગો પૂરા સુકાયા પણ હોય નહિ ને એણે લંડન નગરને બારણે બારણે ભટકીને જાતે જ સેલ્સમૅન બનીને એમને વેચવાનું શરૂ કર્યું. એ રોજ સવારે ચાર વાગ્યે ઊઠી જઈને આ કામે જોતરાઈ જતો. એણે છપાઈ રહેલા પૉર્ટફોલિયોના આગોતરા ગ્રાહકો પણ નોંધ્યા. આ માટે એક સેટનો ભાવ બ્રિટનમાં 182 પાઉન્ડ અને અમેરિકામાં 1,000 ડૉલર નક્કી કર્યો, અને એવાં ખાસ્સાં નાણાં એકઠાં કર્યાં.

વૃક્ષ પર ચઢીને પંખીઓના માળા પીંખી નાખતા રૅટલસ્નેઇકનું
ઑદુબૉને દોરેલું ચિત્ર

1829માં ઘર, પત્ની અને બે પુત્રોની યાદ આવતાં એ ઘરે અમેરિકા પાછો ફર્યો. હજી એનાં ચિત્રોના પૉર્ટફોલિયોનું પ્રકાશન થયું નહોતું, છતાં બ્રિટનથી એની ખ્યાતિ અમેરિકામાં પ્રસરી ચૂકી હતી. બે પુત્રો અને પત્ની લ્યુસીને લઈ ઑદુબૉન પાછો બ્રિટન ગયો. બંને પુત્રો કુશળ કલાકારો તો હતા જ, તેમણે પણ બ્રિટનની જનતાને ગમતાં અમેરિકાની આરણ્યક પ્રકૃતિનાં મોટાં કદનાં તૈલચિત્રો ચીતરી અને વેચીને નાણાભંડોળ ભેગું કરવામાં ખાસ્સી મદદ કરી; એટલું જ નહિ, પૉર્ટફોલિયોનાં ચિત્રોની છપાતી જતી પ્લેટોનું સુપરવિઝન કરવાનું અને પ્રૂફ જોવાનું કામ પણ કર્યું. અમેરિકન કૉપીરાઇટ અનામત કરી લેવા માટેના લખાણનો ડ્રાફ્ટ જહેમતપૂર્વક લ્યુસીએ લખી આપ્યો. 435 પંખીચિત્રોમાં ચિત્રિત પંખીઓ વિશે વૈજ્ઞાનિક માહિતી યુનિવર્સિટી ઑવ્ એડિનબર્ગના પ્રકૃતિવિદ વિલિયમ મેકગિલિવ્રે (MacGillivray) સાથે સહલેખન કરીને ઑદુબૉને પાંચ ગ્રંથોમાં વહેંચાયેલું પુસ્તક ‘ઑર્નિયોલૉજિકલ બાયૉગ્રાફિઝ’ (1831-1839) લખ્યું.

ફરી એક વાર ઑદુબૉને અમેરિકાનો પ્રવાસ કર્યો અને આ વખતે ફ્લોરિડા, ટૅક્સાસ અને કૅલિફૉર્નિયાનાં પંખીઓનો અભ્યાસ કર્યો.

આખરે 1838ના જૂનની વીસમીએ ‘બર્ડ્ઝ ઑવ્ અમેરિકા’ની છેલ્લી ચારસો પાંત્રીસમી પ્લેટ છપાઈ ચૂકી; ઑદુબૉને જીવનનું ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું. આ પૉર્ટફોલિયોના પ્રકાશન પાછળ ઑદુબૉન પરિવારે કુલ 1,15,640 અમેરિકન ડૉલર ખર્ચ્યા હતા. ઑદુબૉને ગર્વપૂર્વક ડાયરીમાં નોંધ્યું : ‘‘અમારા જેટલું બીજું કોઈ પણ ગરીબ કુટુંબ પૈસા ઊભા કરીને ‘બર્ડ્ઝ ઑવ્ અમેરિકા’ જેવી કબર રચી શકે નહિ !’’

આખરે પૈસે ટકે સમૃદ્ધ થતાં ઑદુબૉન કુટુંબે અમેરિકામાં હડસન નદીના મુખ પાસે ‘‘મીની’ઝ એસ્ટેટ’’ નામે મોટી જમીન ખરીદી. આ સ્થળ આજે ન્યૂયૉર્ક નગરમાં 155મી સ્ટ્રીટ ઉપર ‘ઑદુબૉન પાર્ક’ નામે ઓળખાય છે. જીવનના ઘસારાને પરિણામે ઑદુબૉનની ઇન્દ્રિયો ક્ષીણ થઈ ગઈ હતી. તેને દેખાતું અને સંભળાતું પણ બંધ થયું.

ઉત્તર અમેરિકાનાં સસ્તન ચોપગાં ઉપર 1845માં ઑદુબૉને શરૂ કરેલું પુસ્તક તેના બે પુત્રોએ 1848માં પૂરું કર્યું. 1847 પછી તો એણે યાદદાસ્ત પણ ખોઈ નાંખી અને 1851માં એ મૃત્યુ પામ્યો.

આજે ભલે એક પક્ષીવિદ તરીકે તેમજ એક કલાકાર તરીકે ઑદુબૉનનું નામ મોખરાનું ગણાતું હોય, પણ ઘણી કડવી ટીકાઓ એને ભાગે આવેલી. કલાકારોએ એનાં ચિત્રોને વધુ પડતાં ‘ફોટોગ્રાફિક’ કહી વગોવેલાં તો સામે પક્ષે વૈજ્ઞાનિકોને એનાં ચિત્રોમાં આલેખિત પંખીઓ વધુ પડતા લાગણીવેડા ધરાવતાં ‘નાટકિયાં’ લાગેલાં. ચિત્રોની નાટ્યાત્મકતા વધારવા માટે એ સત્યનો ભોગ લેતો એવા આક્ષેપ પણ એની ઉપર થયેલા. ઝાડ ઉપર બાંધેલો પોતાનો માળો બચાવવા માટે મોકિન્ગ બર્ડ્ઝ રૅટલસ્નેઇક્સનો સામનો કરે છે તે પ્રસંગનું નિરૂપણ કરતા તેના ચિત્રને વૈજ્ઞાનિકોની જમાતે ‘જુઠ્ઠું’ કહીને વખોડી કાઢેલું. વૈજ્ઞાનિકોનો દાવો હતો કે રૅટલસ્નેઇક કદી ઝાડ પર ચડી શકે જ નહિ અને વળી એના વિષદંતના છેડા ઑદુબૉને ચીતર્યાં છે તેવા ઉપર તરફ વળેલા હોતા નથી. ઑદુબૉન પોતાની માન્યતામાંથી ચ્યુત થયો નહિ અને વર્ષો પછી એ જ સાચો પુરવાર થયો. હકીકતમાં માત્ર વૈજ્ઞાનિક સત્ય જ નહિ, ઑદુબૉનનાં ચિત્રોમાં પંખીઓનાં સૌથી વધુ જીવંત આલેખનો જોવા મળે છે.

435 ચિત્રો ધરાવતો પૉર્ટફોલિયો ‘બર્ડ્ઝ ઑવ્ અમેરિકા’ ઉત્તર અમેરિકા ખંડના પંખીઓની સમગ્ર જાતિઓ અને પ્રજાતિઓના 60 %ની રજૂઆત કરે છે. ઑદુબૉને ચીતરેલાં પંખીઓ સહેજ પણ અક્કડ કે શુષ્ક જણાતાં નથી; પછી તે પંજામાં કૅટફિશ પકડીને ઊડતું ઘાતકી ગરુડ હોય કે ઝાડના લાકડાને કોચતા લક્કડખોદ હોય, ઘુવડ હોય કે માછલાં પકડવાની તાકમાં ફરતા બગલા હોય, કૅરોલિના પારાકીત હોય કે પેરેગ્રાઇન ફાલ્કન હોય કે મડદાં ચીરતા કૅલિફૉર્નિયાના કૅન્ડોર હોય. ઑદુબૉને તેમને સૌથી વધુ જીવંત લાગે તેવી રીતે ચીતર્યાં છે. પંખીઓના આનંદ-કલરવ, કલબલાટ, કકળાટ, આક્રંદ અને કેલિઓને આલેખિત કરવામાં આજે ઑદુબૉન બિનહરીફ ગણાય છે. પંખીઓનાં પીંછાંઓના અનન્ય ચળકાટ અને ચમકને આલેખિત કરવા માટે ઑદુબૉને પેન્સિલ, જળરંગ, ઑઇલ પેસ્ટલ, મીણિયા ક્રેયૉન, શાહી, તેલ અને ઈંડાંની સફેદીના અવનવા સંયોગ કરવાની અનોખી તરકીબ શોધેલી.

વિશ્વમાં વધતી જતી માનવવસ્તી અને માનવપ્રવૃત્તિથી લુપ્ત થતાં જતાં પંખીઓને જોઈને એ વારંવાર વિષાદગ્રસ્ત બનતો. એક કલાકાર તરીકે તો તે ચિરંજીવી છે જ, પણ અમેરિકામાં પક્ષીવિજ્ઞાનના ક્ષેત્રે પાયાનું કામ કરનાર પ્રથમ વિજ્ઞાની તરીકેની પણ તેની ખ્યાતિ છે. આજે વ્યાપક બનેલી પર્યાવરણરક્ષણની જેહાદ એણે છેક ઓગણીસમી સદીના પ્રારંભમાં શરૂ કરેલી, જ્યારે એ વિશે કોઈને ખાસ પડી નહોતી. એના મૃત્યુ પછી 1905માં પર્યાવરણ-રક્ષણ અંગેની એક સંસ્થા નૅશનલ ઑદુબૉન સોસાયટીની સ્થાપના અમેરિકામાં કરવામાં આવી છે. પર્યાવરણને લગતા સામયિક ‘ઑદુબૉન’નું પ્રકાશન અને સંપાદન પણ આ સોસાયટી કરે છે. ઑદુબૉનનાં ચિત્રોમાંથી મોટાભાગનાં ચિત્રો આજે ન્યૂયૉર્ક નગરના ‘મ્યુઝિયમ ઑવ્ નેચરલ હિસ્ટરી’માં ઑદુબોન સોસાયટીમાં તેમ જ ઑદુબોન પાર્કમાં સંઘરાયેલાં છે.

અમિતાભ મડિયા