ઑથેલો (1604) : શેક્સપિયરરચિત ચાર મહાન ટ્રેજેડી પૈકીની એક. 1602 અને 1604 વચ્ચે રચાયેલું અને 1604માં રાજા જેમ્સ પહેલાની હાજરીમાં રાઇટ હૉલમાં ભજવાયેલું. ઇટાલિયન લેખક ગિરાલ્ડો સિન્થિયોની વાર્તા ‘હેક્ટોમિથિ’(1556)ના ફ્રેંચ અનુવાદ (1584) પર તેનું વસ્તુ આધારિત છે. પરંતુ અનુચિત સંદેહના, અપ્રચલિત વિષયબીજને હૃદયસ્પર્શી કારુણ્યપૂર્વક બહેલાવવામાં શેક્સપિયરે સર્જકતાનો સ્વકીય ઉન્મેષ દાખવ્યો છે.

નાટકની નાયિકા ડેસડિમોના વેનિસના સેનેટર બ્રબાન્સીઓની પુત્રી છે. ઑથેલો આફ્રિકન મૂર જાતિનો હબસી રાજ્યના સૈન્યમાં નોકરી કરતો વીર સૈનિક છે. તેની વીરતા, બહાદુરી અને તેનાં સાહસોની વાત જાણીને ગોરી ડેસડિમોના તેના પ્રેમમાં પડે છે અને ઑથેલો તથા ડેસડિમોના ગુપ્ત રીતે લગ્ન કરે છે. ઑથેલોએ બ્રબાન્સીઓની પુત્રીનું અપહરણ કર્યું છે એવો આક્ષેપ વેનિસના ડ્યૂક તથા સેનેટર સમક્ષ થાય છે. ઑથેલો પોતાની સાચી વાત સ્પષ્ટ રીતે સમજાવીને પોતાના વર્તનનો અને ચારિત્ર્યનો સમર્થ બચાવ કરે છે. સેનેટને તેનાથી સંતોષ થવાથી ઑથેલોને સાયપ્રસ પરના તુર્કોના આક્રમણ સામે લડવા લશ્કરના સેનાપતિ તરીકે મોકલે છે.

દરિયાઈ તોફાનને કારણે તુર્કોનું નૌકાદળ છિન્નભિન્ન થઈ જાય છે. ઑથેલો, ડેસડિમોના તથા તેના મિત્ર કેશિયો સાથે સાયપ્રસ ટાપુ પર ઊતરે છે. ઑથેલો અને ડેસડિમોનાના પ્રેમસંબંધમાં ફ્લોરેન્ટાઇન કેશિયો સહાયક હતો. ઑથેલો કેશિયોને પોતાના લેફટેનન્ટ તરીકે નીમે છે. કેશિયોથી વયમાં મોટો ઇયાગો આથી પોતાની ઉપેક્ષા થઈ છે એમ માની ઇર્ષ્યા અને ક્રોધથી સળગી ઊઠે છે. ઑથેલો પર વેર લેવાની યોજના ઘડે છે. ડેસડિમોનાના પ્રેમને ઝંખતા રોડરિગોને ઇયાગો તેની દુષ્ટ યોજનાનું પ્યાદું બનાવે છે. તે રોડરિગોને કેશિયોને દારૂ પીવડાવી તેની સાથે લડવાનું સૂચવે છે. કેશિયો અને રોડરિગોની લડાઈથી ઑથેલો કેશિયોને લેફટેનન્ટના હોદ્દા પરથી દૂર કરે છે. ઇયાગો કેશિયોને પોતાનો હોદ્દો પાછો મેળવવા ઑથેલોની પત્ની ડેસડિમોના દ્વારા ઑથેલોને સમજાવવા સૂચવે છે. ડેસડિમોના ઑથેલોને રાજીખુશીથી કેશિયોની ભલામણ કરે છે, ઇયાગો બીજી તરફ ઑથેલોને એમ ઠસાવે છે કે કેશિયો ડેસડિમોનાનો પ્રેમી છે. ડેસડિમોના કેશિયોને પ્રેમ કરે છે અને ઑથેલો પ્રત્યે બેવફા છે. તે પુરવાર કરવા ઇયાગો તેની પત્ની એમિલિયાનો ઉપયોગ કરે છે. એમિલિયા ડેસડિમોનાની સખી અને સેવિકા છે. ઑથેલોએ ડેસડિમોનાને ભેટ આપેલો હાથરૂમાલ કેશિયો પાસે મળે એવી ગોઠવણ એમિલિયા દ્વારા થાય છે. ઑથેલોના મનમાં ડેસડિમોનાની પતિ પ્રત્યેની વફાદારી વિશે ઇયાગોએ રોપેલું શંકાનું બીજ આ યોજના દ્વારા પાંગરે છે. દુષ્ટ ઇયાગો ડેસડિમોનાને લલચાવીને તેની સાથે આડસંબંધ બાંધવા ઇચ્છતો હતો, પણ તેમાં તે નિષ્ફળ ગયો હતો. આથી તેને ડેસડિમોના પ્રત્યે પણ વેરભાવ છે. ઇયાગોની યોજના સફળ થાય છે અને ઑથેલો ડેસડિમોનાને બેવફા પત્ની ગણીને, ઇયાગોની વાતથી ઉશ્કેરાઈને શય્યામાં જ તેને ગૂંગળાવીને મૃત્યુને શરણે કરે છે. ઇયાગો રોડેરિગોને કેશિયોનું ખૂન કરવા પ્રેરે છે, પણ તેમાં રોડરિગો સફળ થતો નથી. અને ઇયાગો જાતે તેનું ખૂન કરે છે. એમિલિયા ડેસડિમોનાના મૃત્યુની વાત જાણી ડેસડિમોનાની નિર્દોષતાની ઑથેલોને ખાતરી કરાવે છે. ઇયાગો પોતાની પત્નીનું આ વર્તન જાણીને તેને મારી નાંખે છે. છેવટે એમિલિયાની સાક્ષીથી અને રોડરિગો પાસેના પત્રોથી ઇયાગોનું કાવતરું અને તેનો ગુનો પુરવાર થાય છે. ઇયાગોને કેદ પકડવામાં આવે છે. ઑથેલો તેને મારવા જાય છે પણ ઘાયલ થયેલ ઇયાગો ભાગી જાય છે. પશ્ચાતાપની આગમાં ઑથેલો પોતાની તલવારથી આપઘાત કરે છે. ઇયાગોને પુન: પકડીને જેલમાં પૂરી દેવામાં આવે છે. છેલ્લે શાયપ્રસના રક્ષણ માટે કેશિયોની નિયુક્તિ કરવામાં આવે છે.

આ દુખાંત નાટક શેક્સપિયરની સર્જકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ દર્શાવતું સૌથી વધુ વાસ્તવિક નાટક ગણાય છે.

કૃષ્ણવદન જેટલી

વિ. પ્ર. ત્રિવેદી