ઑસ્ટ્રેલિયા

January, 2024

ઑસ્ટ્રેલિયા

દક્ષિણ ગોળાર્ધમાં આવેલો સૌથી મોટો ટાપુમય દેશ. તે પૅસિફિક અને હિંદી મહાસાગરની વચ્ચે સેતુ સમાન છે. આ દેશ 100 41′ થી 430 39′ દ. અ. અને 1130 09’ થી 1530 39′ પૂ. રે. વચ્ચેનો 76,92,030 ચો.કિમી.નો વિસ્તાર આવરી લે છે. મકરવૃત્ત તેની લગભગ મધ્યમાંથી પસાર થાય છે. તેની જનસંખ્યા 2,58,73,000 (2021) છે. તે નાનામાં નાનો ખંડ છે તથા બ્રિટિશ રાષ્ટ્રકુટુંબનો એક અગત્યનો દેશ ગણાય છે. સમવાયી સંઘનું બંધારણ ધરાવતા આ દેશના ઘટકોમાં ન્યૂ સાઉથવેલ્સ, વિક્ટોરિયા, ક્વિન્સલૅન્ડ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા, ટાસ્માનિયા, ઉત્તરીય પ્રદેશ અને ઑસ્ટ્રેલિયન પાટનગર વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઘટક રાજ્યોના બનેલા ઑસ્ટ્રેલિયાને ઑસ્ટ્રેલિયાનો રાષ્ટ્રસંઘ (કૉમનવેલ્થ ઑવ્ ઑસ્ટ્રેલિયા) કહે છે. ખંડની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 3840 કિમી., ઉત્તર-દક્ષિણ લંબાઈ 3152 કિમી. છે. વિશ્વના કુલ ભૂભાગના 7 ટકા આ ખંડ રોકે છે. તે કદની ર્દષ્ટિએ દુનિયામાં છઠ્ઠું સ્થાન ધરાવે છે.

હિંદી મહાસાગરમાં આ ટાપુ અગ્નિ ખૂણે આવેલો છે. અંગ્રેજી ‘ઑસ્ટર’ (Auster) શબ્દનો અર્થ લૅટિન ભાષા અનુસાર ‘દક્ષિણનો પવન’ થાય છે, તે પરથી ઑસ્ટ્રેલિયા નામ પડ્યું હશે.

ભૂસ્તરીય માહિતી : આ ભૂમિખંડ દુનિયાના અતિ પ્રાચીન અવિચલ (shield) પ્રદેશનો એક ભાગ છે. મધ્ય જીવયુગમાં ગોંડવાનાલૅંડની સાથે આ ટાપુ સંલગ્ન હતો. આર્કિયન અને પુરાજીવયુગમાં આ ખંડના ઘણા ભૂમિભાગો અસ્તિત્વમાં આવ્યા હતા. પુરાજીવયુગ દરમિયાન આંતરિક હિલચાલને લીધે કેટલાંક સરોવરો અને ખીણો બન્યાં, જ્યારે ક્રિટેસિયસ યુગમાં જ્વાળામુખી-પ્રસ્ફોટને લીધે કેટલાક પર્વતો બન્યા. તૃતીય યુગ દરમિયાન ઑસ્ટ્રેલિયાનો પૂર્વ કિનારો નીચે બેસી ગયો અને ટાસ્માનિયા દ્વીપરૂપે છૂટો પડી ગયો. આયર સરોવર, બાસની સામુદ્રધુની તથા ટોરેન્સ સરોવર હિમયુગની અસર નીચે આવ્યાં. આમ તેના ભૂપૃષ્ઠમાં ભૂસ્તરીય યુગો દરમિયાન ઘણા ફેરફારો થયા.

ઑસ્ટ્રેલિયા

પ્રાકૃતિક રીતે આ ખંડના ચાર વિભાગ પાડી શકાય :

પૂર્વનો પર્વતીય પ્રદેશ : ઑસ્ટ્રેલિયાની પૂર્વે કેપયૉર્કથી ક્વિન્સલૅન્ડ અને વિક્ટોરિયા રાજ્ય સુધી ઉત્તર-દક્ષિણ પહોળી પટ્ટી-આકારે કિનારાને સમાંતર ‘ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ’ તરીકે ઓળખાતો આ ભાગ છે. આ પર્વતોનો પૂર્વ ભાગ સીધો અને સીધા ચઢાણવાળો હોવાથી ખંડના આંતરિક ભૂમિભાગમાં પ્રવેશવા શરૂઆતમાં વસાહતીઓને મુશ્કેલી પડી હતી. ન્યૂ સાઉથવેલ્સમાં આ પર્વતોની સરેરાશ ઊંચાઈ 915 મી.થી 1220 મી. જેટલી છે. કૉસ્કિવસ્કો પર્વત અહીંનો 2230 મી. ઊંચાઈ ધરાવતો સૌથી ઊંચો પર્વત છે. વિક્ટોરિયા રાજ્યમાં આ પર્વતમાળાનાં ઘણાં શિખરો હિમાચ્છાદિત છે જેથી શિયાળુ પર્વતીય રમતો, પર્વતીય શિકાર તથા સહેલાણીઓ માટેનાં વિહારધામો અહીં છે; ઑસ્ટ્રેલિયાની મોટાભાગની નદીઓનું ઉદભવસ્થાન અહીં છે. ઉત્તર તરફ જતાં મેસીવ ઉચ્ચપ્રદેશ, બ્રોકન હિલ, કાર્નારબોન, ક્વિન્સલૅન્ડ, એથર્ટન તથા ન્યૂ ઇંગ્લૅન્ડના ઉચ્ચપ્રદેશો આ પર્વતમાળાના અવશેષરૂપે આવેલા છે તથા ગ્રૅનાઇટ અને નક્કર પ્રસ્તર ખડકોના બનેલા છે. અહીંની બેલ્યાડો અને ગુલબને નદીઓ ફળદ્રૂપ ખીણો માટે જાણીતી છે. નાની વેગવંતી અનેક નદીઓ જળવિદ્યુત માટે પણ ઉપયોગી છે. પૂર્વ તરફનો દરિયાકિનારો ખાંચાખૂંચીવાળો હોવાથી અહીં સિડની, ટાઉન્સવિલે, બ્રિસ્બેન, કૅનબેરા, ન્યૂ કૅસલ જેવાં બંદરો આવેલાં છે, જ્યાં વસ્તી સૌથી વધુ ગીચ છે.

મધ્યનું નીચું મેદાન : પૂર્વની પર્વતીય હારમાળા અને પશ્ચિમના ઉચ્ચપ્રદેશો વચ્ચે આ પ્રદેશ આવેલો છે, એમાં નાની પર્વતીય હારમાળા જેવી કે માઉન્ટ એબા, મૅકડોનલ રેન્જ, ફિલન્ડર્સ રેન્જ, માઉન્ટ ઈસા, માઉન્ટ લૉફ્ટી મુખ્ય છે. આ પ્રદેશના ત્રણ પેટા વિભાગ પાડવામાં આવ્યા છે, જેમાં (અ) મરે-ડાર્લિંગનો ખીણપ્રદેશ : સહાયક નદીઓ સાથે મરે અને ડાર્લિંગ અહીં સંગમ પામે છે. ખેતપેદાશોના ઉત્પાદન તેમજ જળભંડાર માટે આ પ્રદેશ ખૂબ સમૃદ્ધ છે. (આ) આયર સરોવરનો પ્રદેશ : રકાબી આકારના આ પ્રદેશમાં ખારા પાણીનાં સરોવરો વિશેષ છે; જેમાં ગાઇર્ડનર, ટૉરેન્સ અને આયર મુખ્ય છે. સૂકા, વેરાન અને નિર્જન ખારાપાટ જેવા આ પ્રદેશમાં ઓછા વરસાદ અને ક્ષારયુક્ત રેતાળ જમીનને લીધે થોર તેમજ કાંટાળી વનસ્પતિ ઊગે છે. (ઇ) કાર્પેન્ટેરિયાનો નીચો પ્રદેશ : યૉર્કના દ્વીપકલ્પથી દક્ષિણે ન્યૂ સાઉથવેલ્સ અને આયર સરોવર સુધી આ પ્રદેશ પથરાયેલો છે. ઓછા ફળદ્રૂપ પ્રદેશમાં ફ્લિન્ડર્સ અને મિચેલ જેવી નાની નદીઓ વર્ષાઋતુ દરમિયાન પાણીનો પુરવઠો પૂરો પાડે છે. અહીં પશુપાલન માટે સારી સગવડ છે. સિંચાઈ દ્વારા ખેતી થાય છે. ઑસ્ટ્રેલિયાના અસંખ્ય પાતાળકૂવામાંથી મોટાભાગના પાતાળકૂવા આ પ્રદેશમાં આવેલા હોઈ આ દેશને ‘પાતાળકૂવાનો દેશ’ કહે છે.

પશ્ચિમનો ઉચ્ચપ્રદેશ : આ પ્રદેશ અતિપ્રાચીન, અવિચળ ભૂમિભાગનો બનેલો છે. પિરામિડ, ઘુમ્મટ, સ્તંભ અને શંકુ આકારના ભૂમિભાગો ઉચ્ચપ્રદેશ પર ઘસારાની તીવ્ર અસરને કારણે થયેલા છે. રેતીખડક, ચૂનાખડક અને અગ્નિકૃત ખડકોના સમાંતર થર ભૂમિ સપાટી નીચે પથરાયેલા છે. ઉચ્ચપ્રદેશની સરેરાશ ઊંચાઈ 200થી 500 મી. જેટલી છે. અહીં હેમર્સ્લી અને મસ્ગ્રેવ ડુંગરમાળાઓ મુખ્ય છે. અહીં ફિંક, વિક્ટોરિયા અને રોપર જેવી નદીઓ સિંચાઈની સગવડ પૂરી પાડે છે. કાલગુર્લી અને કુલગાર્ડીનાં સુવર્ણક્ષેત્રો આ વિભાગમાં આવેલાં છે. તૃતીય જીવ યુગમાં ક્વાર્ટઝાઇટ ખડકોનો બનેલો આ ભાગ છે. પશુપાલન અને ખેતીની સુવિધા ધરાવતા આ પ્રદેશમાં છૂટીછવાઈ વસાહતો સ્થપાયેલી છે. ગ્રેટ વિક્ટોરિયા રણ, ગ્રેટ સેન્ડી રણ, ગિબ્સન રણ, સિમ્પસન રણપ્રદેશ સૌથી ઓછી વસ્તીવાળા છે; જ્યારે ન્યૂલાર્બોર અને ડાર્બેનિયન મેદાન ગીચ વસ્તી ધરાવે છે. અહીં પર્થ અને જિરાલ્ડટોન મોટાં અને વિન્ડહેમ, ડર્બી નાનાં બંદરો છે. આ પ્રદેશમાં ડિસેપોઇન્ટમેન્ટ અને મેકે સરોવરો આવેલાં છે. પૉર્ટ ડાર્વિન મહત્વનું બંદર છે. નૉર્ધર્ન ટેરિટરીનો આસપાસનો તેનો પ્રદેશ મોસમી આબોહવા ધરાવે છે અને ભારતમાં લેવાતા કૃષિપાક લઈ શકાય છે.

ગ્રેટ બેરિયર રિફ : ઑસ્ટ્રેલિયાના ઈશાન સમુદ્રકિનારાથી થોડે દૂર દુનિયાનો સૌથી મોટો પરવાળાના ટાપુઓનો સમૂહ આવેલો છે; તેને ‘ગ્રેટ બેરિયર રિફ’ કહે છે. આ અવરોધક ખરાબાની લંબાઈ 2000થી 2400 કિમી. અને પહોળાઈ 15થી 150 કિમી. છે. ટોરસની સામુદ્રધુનીથી ક્વિન્સલૅન્ડના બુન્ડાબર્ગ બંદર સુધી આ પ્રદેશ વિસ્તરેલો છે. તેની મધ્યમાં 73.2 મી. ઊંડાઈ અને 12 કિમી.થી 130 કિમી. પહોળાઈ ધરાવતું સરોવર આવેલું છે. અહીં વિચિત્ર દરિયાઈ વનસ્પતિસૃષ્ટિ, પક્ષીઓ, ઑઇસ્ટર માછલીઓ તેમજ અન્ય જળચર પ્રાણીઓ જોવાલાયક છે.

ઑપેરા હાઉસ, સિડની

જળપરિવહન : ખંડની મોટાભાગની નદીઓ પૂર્વની પર્વતમાળામાંથી નીકળી દક્ષિણ તરફ વહે છે. પશ્ચિમના ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી નદીઓ મુખ્યત્વે હિંદી મહાસાગરને મળે છે. મધ્ય ઑસ્ટ્રેલિયામાં નદીઓ નથી પણ ખારાં સરોવરો છે. આંતરિક જળપરિવહનને બે વિભાગોમાં વહેંચી શકાય : (1) હિંદી મહાસાગરનો જળપરિવાહ અને (2) પ્રશાંત મહાસાગરનો જળપરિવાહ.

સ્વાન, મરચીસન, ઍશબ્રર્ટન, ફિટ્ઝરોય, ગૅસકોયન, મિચેલ, ગિલબર્ટ, ફ્લિન્ડર્સ, નૉરમન, રોપર વગેરે નદીઓ હિંદી મહાસાગરને જ્યારે ડાઉસન, બેલિયાન્ડો, મરે-ડાર્લિંગ તથા ખંડના પૂર્વ તથા દક્ષિણ ભાગની નદીઓ પ્રશાંત મહાસાગરને મળે છે.

અહીં સમુદ્રની સપાટી કરતાં પણ લગભગ 12 મી. નીચી સપાટી ધરાવતો આયર સરોવરનો પ્રદેશ ખંડની દક્ષિણે આવેલો છે. ઘણી નદીઓ આ સરોવરમાં મળે છે. આ ઉપરાંત ટૉરેન્સ, ફ્રોમ, ગ્રેગરી, એવરાર્ડ, હેરિસ, બ્લાન્સ, કીલાબોના પણ જાણીતાં સરોવરો છે. આ સરોવરમાં એકત્ર થતું પાણી છિદ્રાળુ પ્રસ્તર ખડકો દ્વારા ભૂગર્ભ જળસ્વરૂપે વાયવ્યમાં એકઠું થાય છે. વાયવ્યમાં પાતાળકૂવા દ્વારા મળતું પાણી અહીંથી જ ભૂમિમાં ઊંડે ઊતરેલું હોય છે.

આબોહવા : ઑસ્ટ્રેલિયાના કેટલાક ભાગો ઉષ્ણકટિબંધીય, મોસમી તથા ભૂમધ્ય પ્રકારની આબોહવા અનુભવે છે. મધ્ય અને પશ્ચિમ રણપ્રદેશોની આબોહવા ગરમ અને સૂકી છે. ચારેય બાજુ સમુદ્રો અને વહેતા ગરમ તથા ઠંડા પ્રવાહો અને પવનો આબોહવા પર અસર કરે છે. ઑસ્ટ્રેલિયાના ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ કિનારા ઊંચું તાપમાન અને દક્ષિણ ભાગ નીચું તાપમાન ધરાવે છે. મહત્વનાં ચાર શહેરો કૅનબેરા, બ્રિસ્બેન, પર્થ અને મેલ્બૉર્નનાં તાપમાન અને વરસાદ અનુક્રમે 200 સે. (જાન્યુ.), 5.50 સે. (જુલાઈ), 250 સે. (જાન્યુ.) અને 14.40 સે. (જુલાઈ), 23.30 સે. (જાન્યુ.) અને 12.80 સે. (જુલાઈ), 19.40 સે. (જાન્યુ.), 9.40 સે. (જુલાઈ) તથા 635 મિમી., 1153 મિમી., 873 મિમી. અને 659 મિમી. પડે છે. ઉનાળામાં ઉત્તર તથા મધ્યભાગમાં હલકું દબાણ રહે છે. દક્ષિણ અને પૂર્વમાંથી અહીં પવનો ધસી આવે છે. આ મોસમી પવનો વિક્ટોરિયા રાજ્યમાં વધુ વરસાદ આપે છે. દક્ષિણથી ઉત્તર તરફ જતાં વરસાદ ઘટે છે. ક્વિન્સલૅન્ડ અને ન્યૂ સાઉથવેલ્સમાં પર્વતોને લીધે વધુ વરસાદ પડે છે, જ્યારે સિમ્પસનના રણમાં ખૂબ ઓછો વરસાદ પડે છે. અહીં શિયાળા દરમિયાન મકરવૃત્તથી દક્ષિણમાં ભારે દબાણની સ્થિતિ સર્જાય છે. તેથી પશ્ચિમી પવનો દક્ષિણના સમુદ્ર વિસ્તારો પરથી ખંડીય વિસ્તારો પર ધસી આવતાં અનેક ચક્રવાતો સાથે શિયાળામાં વરસાદ લાવે છે; તેને ઑસ્ટ્રેલિયામાં ‘વિલિ-વિલીઝ’ કહે છે. દક્ષિણે મેલ્બૉર્ન અને પશ્ચિમે પર્થ ભૂમધ્ય પ્રકારની આબોહવા અનુભવે છે. પૉર્ટ ડાર્વિન નજીકના પ્રદેશમાં મોસમી આબોહવા છે.

વનસ્પતિ : ખંડની આબોહવાની અસર ત્યાંની વનસ્પતિ પર પડે છે. અહીં પૂર્વનો સમુદ્રતટીય વિસ્તાર બારેમાસ લીલાં જંગલો ધરાવે છે. ઉત્તરે વધુ વરસાદવાળા પ્રદેશમાં દરિયાકિનારે ‘મૅન્ગ્રૉવ’ જંગલો અને થોડા ભાગમાં સવાના પ્રકારના ઘાસનાં મેદાનો છે. ઓછા વરસાદવાળા પ્રદેશમાં કાંટાળી વનસ્પતિ તેમજ ઘાસ થાય છે. યુકેલિપ્ટસ અહીંનું રાષ્ટ્રીય વૃક્ષ છે. જરાહ અને કારી વૃક્ષો વાયવ્ય પ્રદેશમાં ખૂબ થાય છે. તેનું લાકડું અત્યંત સખત અને ઉપયોગી હોય છે. તેમાંથી ગુંદર મળે છે. ઉપરાંત કોરી પાઇન પોચાં લાકડાં માટે પ્રખ્યાત છે, જે ક્વિન્સલૅન્ડમાં થાય છે. ટાસ્માનિયામાં સફેદ લાકડું ધરાવતા હ્યુઓન પાઇન અને રાતું લાકડું આપતાં કિંગ વિલિયમ પાઇન જાણીતાં છે. રણપ્રદેશમાં જાડાં અને કાંટાળાં પાનવાળાં સ્પિનીફેઝ વૃક્ષો કે છોડ થાય છે જે કાંગારુંના ખોરાક માટે ઉપયોગી છે. ઉપરાંત પાલ, ઍશ, સિડાર, સફેદ સનોવર, નેતર, તાડ તથા સુંદરી જેવાં અનેક વૃક્ષો થાય છે. માલી વૃક્ષોનાં મૂળ તૈલી પદાર્થ ધરાવતાં હોઈ બળતણ માટે ઉપયોગી છે.

ખેતી : અહીં ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે ચાલે છે. ખેતીના વિકાસમાં સિંચાઈની સુવિધાએ મહત્વનો ભાગ ભજવ્યો છે. ઑસ્ટ્રેલિયામાં 300 ઉપરાંત નાનામોટા બંધો સિંચાઈ યોજના માટે બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત પાતાળકૂવા ખોદીને ભૂગર્ભજળનો ઉપયોગ કરાયો છે. ખેત-ઉત્પાદનમાં 70 ટકા ખેતી ખોરાકી પાકોની છે. મોટાં શહેરો અને કસબાની નજીક મરઘાં ઉછેર, ફળો, શાકભાજી, પશુપાલન તથા ડેરીઉદ્યોગની પ્રવૃત્તિ થાય છે. ઘઉંનું સૌપ્રથમ વાવેતર દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં સ્પૅન્સરની ખાડી અને સેન્ટ વિન્સેન્ટના અખાતીય પ્રદેશમાં થયેલું. વિક્ટોરિયા, ન્યૂ સાઉથવેલ્સ તથા નૈર્ઋત્ય અને અગ્નિ ઑસ્ટ્રેલિયામાં ઘઉંની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. રીવરીના અને કોટોવ ન્યૂ સાઉથવેલ્સનાં અગત્યનાં ઘઉં-ઉત્પાદક ક્ષેત્રો છે. આ ઉપરાંત ઓટ, જવ, મકાઈ, જુવાર, સૂર્યમુખી, સોયાબીન, કપાસ, શેરડી પણ અહીં ઉગાડવામાં આવે છે. ઈશાન અને નૈર્ઋત્ય ખૂણે આવેલા ઑસ્ટ્રેલિયાના ભૂમધ્ય પ્રકારની આબોહવાવાળા પ્રદેશમાં ફળફળાદિની ખેતી થાય છે. અહીં દ્રાક્ષમાંથી દારૂ બનાવી યુરોપના દેશોમાં તેની નિકાસ થાય છે.

જંગલસંપત્તિ : જંગલસંપત્તિમાં પણ આ દેશ સમૃદ્ધ છે. યુકેલિપ્ટસ, પાઇન, સિડર જેવાં વૃક્ષો લાકડું, લાખ, ગુંદર, કેપોક તથા કાગળ માટે પોચું લાકડું પૂરું પાડે છે. એકેશિયા (બાવળ) અને વેટલ વૃક્ષની છાલ ચામડાં કમાવવા માટે વપરાય છે. યુકેલિપ્ટસ, જારા અને કારી વૃક્ષો તૈલી પદાર્થવાળાં હોવાથી પાણીમાં સડતાં નથી તેથી જહાજ- બાંધકામ, દરિયાકિનારે ધક્કા બાંધવામાં તથા રેલવેના સ્લીપરો બનાવવામાં વપરાય છે. મેહૉગની અને ઍશ પ્રકારનું લાકડું ગૃહ-ઉપયોગી ચીજો માટે તથા કારી વૃક્ષનું લાકડું ઊધઈમુક્ત હોવાથી મકાન-બાંધકામમાં વપરાય છે.

ઑસ્ટ્રેલિયાનું પ્રાણીવિશેષ : કાંગારું

પ્રાણી અને પક્ષીઓ : અહીં 230 પ્રકારનાં સસ્તન પ્રાણીઓ છે. કાંગારુંની અનેક જાતો છે. ટાસ્માનિયામાં વરુની એક જાત છે. આ સિવાય સસલાં, હરણ, વૉલેબી, વૉમ્બેટ, એચીડના, ઍન્ટઇટર, અજગર, સાપ, બે પ્રકારના મગર, 300 જાતના કાચીંડા, દેડકાં વગેરે પ્રાણીઓ છે. ગાય, બળદ, સસલાં, મેરીનો ઘેટાં વગેરે બહારથી લાવવામાં આવે છે.

એમુ, લાયર, બોવર, કુકીબર્શ (હસતું ગધેડું), બેલબર્ડ, વ્હીપ, કોકેટુ, અનેકવિધ પોપટો, માલી ફાઉલ વગેરે પક્ષીઓ છે. તુગા અને અન્ય જાતની માછલીઓ પુષ્કળ પ્રમાણમાં છે. ઑસ્ટ્રેલિયન માછીમારો દક્ષિણ ધ્રુવ પ્રદેશના શીત જળમાંથી પણ માછલાં પકડે છે.

ડેરીઉદ્યોગ : આ ખંડ ગોપાલકોની ભૂમિ તરીકે પ્રખ્યાત છે. અહીં ઓછો વરસાદ, પર્વતીય ઢોળાવો અને પશુચરાણ માટે વિશાળ ગૌચરો જોવા મળે છે. ઑસ્ટ્રેલિયાની નિકાસમાં ડેરીની પેદાશોનો હિસ્સો ઘણો મોટો છે. અહીં મેરીનો પ્રકારનાં જગવિખ્યાત ઘેટાં 16 કરોડ હોવાનો અંદાજ છે. વિશ્વનાં કુલ ઘેટાંના  ભાગ અહીં વસે છે; જ્યારે ઑસ્ટ્રેલિયામાં ઊનની કુલ પેદાશ વિશ્વ-ઉત્પાદનના 30 ટકા જેટલી છે. ઘેટાંને ઊન, માંસ અને ચામડાં માટે તેમજ ગાય, ડુક્કર વગેરેને દૂધ, માખણ, પનીર, ચીઝ, માંસ વગેરે માટે ઉછેરવામાં આવે છે. કાંગારું અને સસલાંનું માંસ પણ નિકાસ થાય છે.

ખનિજસંપત્તિ : આ ખંડ ઘણી ખનિજસંપત્તિ ધરાવે છે. દુનિયાના સુવર્ણ-ઉત્પાદક દેશોમાં તેનું પાંચમું સ્થાન છે. કાલગુર્લી, કુલગાર્ડી, માઉન્ટ મોર્ગન અને ચાર્ટર્સ ટાવર, બાથર્સ્ટ, બેલારેટ, બેડિગો બિકેન્સફિલ્ડ તથા ટાસ્માનિયા ટાપુમાં અગત્યનાં સુવર્ણ-ઉત્પાદક ક્ષેત્રો છે. કોલસો અને જળવિદ્યુત ઉદ્યોગો માટે ચાલકબળ પૂરું પાડે છે. ન્યૂ સાઉથવેલ્સ, ક્વિન્સલૅન્ડ તથા વિક્ટોરિયા રાજ્યમાંથી હલકો અને કોકિંગ કોલ પ્રકારનો કોલસો મળી આવે છે. ન્યૂ સાઉથવેલ્સમાં આવેલી બ્રોકન હિલ દુનિયાની સૌથી મોટી સીસાની ખાણ છે. માઉન્ટ ઈસા, માઉન્ટ મોર્ટાન તથા માઉન્ટ ભાયલી તાંબાના તથા યુરેનિયમ માટે રમ જંગલ, રેડિયમ હિલ અને મેરી કૅથેલિન ક્ષેત્રો અગત્યનાં છે. લોખંડ તથા બૉક્સાઇટ પણ નીકળે છે અને તેની નિકાસ થાય છે. મિડલબૅક રેન્જમાં લોખંડની મહત્વની ખાણ આવેલી છે. આ ઉપરાંત ઓપલ નામનો કીમતી પથ્થર દક્ષિણ ઑસ્ટ્રેલિયા, ક્વિન્સલૅન્ડ અને ન્યૂ સાઉથવેલ્સમાંથી પ્રાપ્ત થાય છે. ખનિજતેલ ક્વિન્સલૅન્ડ ટાપુના ન્યૂગિની તથા બેરોમાંથી મળે છે. તેના ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે અને ખનિજતેલની બાબતમાં ઑસ્ટ્રેલિયા સ્વાવલંબી બને તેવી પૂરેપરી શક્યતા છે.  ખનિજતેલનું ઉત્પાદન 34,00,000 લિટરનું હતું, જ્યારે કુદરતી વાયુનું ઉત્પાદન 3,03,230 ઘનમીટર જેટલું નોંધાય છે.

ઉદ્યોગો : કોલસાનાં વિશાળ ક્ષેત્રો, જળવિદ્યુત-શક્તિનો પુરવઠો તેમજ જળમાર્ગની અનુકૂળતાને લીધે અહીં ઉદ્યોગો બીજા વિશ્વયુદ્ધ પછી સારા પ્રમાણમાં ખીલ્યા છે. અગ્નિભાગમાં લોખંડ-પોલાદનો ઉદ્યોગ વધુ વિકાસ પામ્યો છે. દર વર્ષે અહીંથી લગભગ 2 લાખ ટન પિગ આયર્ન નિકાસ થાય છે. વહાણ બાંધકામના જહાજવાડા એડિલેડ, વિયાલ્લા, મેરીબેરો, બ્રિસ્બેન, ન્યૂ કેસલ, સિડની તથા મેલ્બૉર્નમાં આવેલાં છે. ટાસ્માનિયાના હોબાર્ટ બંદરેથી ટ્યુના માછલાં અને પૉર્ટ લિંકનથી કેરિશ માછલાંની નિકાસ થાય છે. ઉપરાંત કરચલાં, ઑઇસ્ટર, સ્કેલૉપ્સ વગેરે જળસંપત્તિ મેળવવાનો પણ વ્યવસાય ચાલે છે. તદુપરાંત ખનિજતેલશુદ્ધીકરણ, સુતરાઉ કાપડ, વીજળીનાં તથા પ્લાસ્ટિકનાં સાધનો, ઊનની બનાવટો, યંત્રસામગ્રી, ધાતુ-અધાતુ ખનિજો, રસાયણો, કાગળ, કોલસો, મુદ્રણકામ, ઇમારતી લાકડાં, ચર્મઉદ્યોગ, ખાદ્યસામગ્રી, પીણાં અને તમાકુ-આધારિત અનેક ઉદ્યોગો અહીં સ્થપાયા છે. એડિલેડ, બ્રિસ્બેન, ડાર્વિન, ફ્રીમેન્ટલ ન્યૂ કૅસલ, સિડની વગેરે મુખ્ય બંદરો છે.

ઑસ્ટ્રેલિયાના ઊન ઉદ્યોગની સંપત્તિ : ઘેટાં

પરિવહન : અસમાન ભૂપૃષ્ઠ, ઓછી વસ્તી તેમજ પાયાના ઉદ્યોગોનું નહિવત્ પ્રમાણ વાહનવ્યવહારના વિકાસ માટે અવરોધક ગણાવી શકાય. સમુદ્રકિનારાની વિશાળતાને લીધે દૂરનાં બંદરો સાથે સમુદ્રમાર્ગે વ્યવહાર ચાલે છે. નદીઓનો 7,800 કિમી.નો આંતરિક જળમાર્ગ છે. અહીં 1,20,000 કિમી. લંબાઈના હવાઈ માર્ગો છે. અહીં હવાઈ માર્ગે ડૉક્ટરો સ્વાસ્થ્યની સેવા બજાવે છે. સરકાર દ્વારા હવાઈ ઍમ્બ્યુલન્સ કેન્દ્રોની સેવા નોંધપાત્ર છે. ઉપરાંત 1999 મુજબ રેલમાર્ગો (40,604 કિમી.) તથા પાકા રસ્તા (2,73,000 કિમી.) પણ દેશમાં ચારે તરફ ફેલાયેલા છે.

વેપાર : ઑસ્ટ્રેલિયા ઘઉં, ઓટ, જવ, ફળો, ડેરીની પેદાશો, માંસ, ઊન તથા ચર્મ, ખાંડ, બૉક્સાઇટ, ઘડતરનું લોખંડ, કોલસો તથા ખનિજ-પેદાશોની નિકાસ કરે છે; જ્યારે યંત્રો, રસાયણો, વાહનવ્યવહારનાં સાધનો, કાપડ, ખાદ્ય ચીજો, પેટ્રોલિયમ પેદાશો તથા બળતણની આયાત કરે છે. બહુમુખી અર્થતંત્ર ધરાવતો આ દેશ માથાદીઠ આવકની બાબતમાં વિશ્વના ટોચના દસ દેશોમાં ગણાય છે.

માનવવસ્તી અને વસાહતો : સૌપ્રથમ 1788માં બ્રિટિશ વસાહતનો પ્રારંભ પૉર્ટ જૅક્સન(હાલનું સિડની)માં થયો હતો. ત્યારે ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓની સંખ્યા 3,00,000 જેટલી હતી; જે આજે 80,207 કરતાં પણ ઓછી છે. અહીંની આદિવાસી પ્રજા શિક્ષણને અભાવે લાકડાં અને પથ્થરનાં ઓજારો દ્વારા પ્રાણીઓનો શિકાર કરી અનેક પ્રકારની અંધશ્રદ્ધા ધરાવતું જીવન ગુજારે છે અને રણ જેવા પ્રદેશોમાં રહે છે. હવે તેઓ સ્થાયી જીવન જીવતા થયા છે અને વસ્તી વધી છે. ઑસ્ટ્રેલિયાની વસ્તી આશરે 2,58,73,300 (2021) જેટલી છે; એમાં મોટોભાગ યુરોપિયનોનો છે. 85.0 % વસ્તી શહેરી વિસ્તારમાં અને 15 % ગામડાંમાં વસે છે. વસ્તીની ગીચતાનું પ્રમાણ અહીં એક ચોકિમી. દીઠ 2.5 વ્યક્તિ જેટલું છે. કૅન્બેરા 1927થી અહીંનું પાટનગર છે. વસ્તી : 4,31,380 (2021) આ ઉપરાંત સિડની (સૌથી મોટું શહેર), મેલ્બૉર્ન, બ્રિસ્બેન, એડિલેડ, પર્થ, ન્યૂ કૅસલ, વૉલાગ, હોબાર્ટ, ગિલાગ અને ટાઉન્સવિલે અહીંનાં મુખ્ય શહેરો છે. મુખ્ય ભાષા અંગ્રેજી છે.

શિક્ષણ : શિક્ષણ દરેક સંલગ્ન રાજ્યની સ્વતંત્ર જવાબદારી છે. 6-15 વર્ષની વય સુધી શિક્ષણ ફરજિયાત અને મફત છે. દૂરનાં સ્થળોમાં રહેતા વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર દ્વારા શિક્ષણ અપાય છે. રોમન કૅથલિક પંથની શાળાઓ સિવાય ધાર્મિક શિક્ષણ અપાતું નથી. માધ્યમિક શાળા વિવિધલક્ષી હોય છે. અનેક વિષયોના શિક્ષણને તેમાં સ્થાન છે. રાજ્યમાં સરકારી અને ખાનગી – એમ બે પ્રકારની શાળાઓ છે. 20 ટકા વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં ભણે છે. 17થી 22 વર્ષની વયના યુવાનો પૈકી 10 ટકા ઉચ્ચ શિક્ષણ લે છે. સાંજની કૉલેજોમાં સંગીત, ખેતી તથા ટેકનિકલ વિષયો પણ શીખવાય છે. 98.5 ટકા લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. તાજેતરનાં વર્ષોમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે કાયદેસર રીતે ઉચ્ચશિક્ષણની સુવિધા અહીંની રાજ્યસરકારો તરફથી કરવામાં આવી છે.

સાહિત્ય : ઑસ્ટ્રેલિયાના પ્રારંભિક કાળના કવિઓ અઢારમી સદીના સામાન્ય કવિઓની કવિતાથી આકર્ષાયા હતા અને આ કારણે બેરન ફિલ્ડ (1786-1846), વિલિયમ ચાર્લ્સ વેન્ટવર્થ (1792-1872) વગેરેનાં ઊર્મિકાવ્યો ટેકનિકની ર્દષ્ટિએ પૂર્ણ પણ અંગ્રેજી કવિતાના અનુકરણ જેવાં હતાં. ઑસ્ટ્રેલિયાનું નિરૂપણ આ કાવ્યોમાં અંગ્રેજની ર્દષ્ટિથી અંગ્રેજી કાવ્યભાષામાં થયું હતું. ઑસ્ટ્રેલિયામાં જન્મેલા પ્રતિભાવંત કહી શકાય તેવા કવિઓ હેન્રી કૅન્ડલ (1839-82) અને આદમ લિન્ડસે ગૉર્ડન (1833-70) હતા. તેમણે ‘બુશ બૅલડ’ને લોકપ્રિય બનાવ્યું. આધુનિક કાળનો પ્રખ્યાત કવિ એન્ડ્રૂ બારટન (‘Banjo’ – 1864-1941), પેટર્સન (1864-1941) અને હેનરી લૉસન (1867-1922) છે. પેટરસનનું ‘Waltzing Matilda’ બૅલડ પ્રખ્યાત છે. 1973નું સાહિત્યનું નોબેલ પારિતોષિક પૅટ્રિક વ્હાઇટને મળ્યું છે. કવયિત્રી જુડીથ રાઇટ, કવિ કૅનેથ સ્લેચર, એન્ડ્રૂ હોપ, બ્રેમન વગેરે જાણીતા કવિઓ છે. ટૂંકી વાર્તા અને નવલકથા તેમજ સંગીત, ચિત્રકળામાં પણ તેમનું પ્રદાન છે.

રમતગમતના ક્ષેત્રે ખાસ કરીને ક્રિકેટમાં તથા ફૂટબૉલ, ટેનિસ વગેરે રમતોમાં ઑસ્ટ્રેલિયાનું આગવું સ્થાન છે. આ દેશે ડૉન બ્રેડમૅન જેવા વિશ્વવિખ્યાત અજોડ બૅટ્સમેન, લીંડવૉલ અને ડેનિસ લીલી જેવા સમર્થ ઝડપી ગોલંદાજો અને વિલી ગ્રાઉટ જેવા વિકેટકીપર આપ્યા છે. ‘ઍશીસ’નો કપ ઘણાં વર્ષો સુધી ઑસ્ટ્રેલિયાએ જાળવી રાખ્યો હતો. ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સૌથી સફળ ગણાય છે. વન ડે ક્રિકેટમાં છ વિશ્વકપ જીત્યા છે. 2000ની સાલમાં સિડની ખાતે ઑલિમ્પિક રમતોત્સવ ઊજવાયો હતો.

ઇતિહાસ : પંદરમી સદીના અંતભાગથી આ ખંડની શોધખોળ માટે પોર્ટુગીઝ, ડચ, સ્પૅનિશ, ફ્રેન્ચ તથા બ્રિટિશ નાવિકોએ પ્રયાસો કર્યા હતા. ઑસ્ટ્રેલિયાના શોધક તરીકેનું માન બ્રિટિશ વહાણવટી કૅપ્ટન જેમ્સ કૂકને જાય છે (1770).

ઉત્તર અમેરિકાનાં સંસ્થાનો ગુમાવ્યા બાદ ગુનેગારોને દેશનિકાલ કરવા માટે ગ્રેટબ્રિટને આ પ્રદેશની પસંદગી કરી. 1787 પછી કૅપ્ટન આર્થર ફિલિપ સિડની દ્વારા પૉર્ટ જૅક્સન (હાલ સિડની) પાસે ગુનેગારોની વસાહત ઊભી કરાઈ. સજા પૂર્ણ થયા બાદ મુક્ત થયેલા કેદીઓને જીવનનિર્વાહ માટે જમીન અપાતી હતી. આ વસાહતીઓ ‘emancipist’ – મુક્ત નાગરિકો કહેવાયા. તે સિવાયના સ્વતંત્ર વસાહતીઓ (free settlers) કહેવાયા.

1823માં ન્યૂ સાઉથવેલ્સમાં નિયુક્ત સભ્યોની બનેલી અને માત્ર સલાહ આપવાની અને ચર્ચા કરવાની સત્તા ધરાવતી વિધાન પરિષદ અસ્તિત્વમાં આવી. આ પૂર્વે 1814માં સુપ્રીમ કૉર્ટની સ્થાપના થઈ હતી. કાઉન્સિલના 15 સભ્યો પૈકી નિયુક્ત સરકારી અધિકારીઓની સંખ્યા વિશેષ હતી. 1835માં ડબ્લ્યૂ. સી. વેન્ટવર્થે ‘પૅટ્રિયૉટિક ઍસોસિયેશન’ સ્થાપી સ્વશાસનની માગણી કરી. 1842માં ન્યૂ સાઉથ-વેલ્સની વિધાન પરિષદના 36 સભ્યો પૈકી 24 ચૂંટાયેલા અને 12 નિયુક્ત સભ્યો હતા. 200 પાઉંડ કે તેથી વધુ મૂલ્યની તથા કેટલીક આર્થિક બાબતો માટેની સત્તા બ્રિટિશ પાર્લમેન્ટને હતી. આ બાબત વસાહતીઓને અણગમતી હતી. 1850 પછી વિક્ટોરિયા અને 1856માં ટાસ્માનિયા, દક્ષિણ ઑસ્ટ્રેલિયા, ન્યૂ સાઉથવેલ્સ સંસ્થાનોએ કૅનેડાના બંધારણને લક્ષમાં રાખી સ્વતંત્ર બંધારણ ઘડ્યું. પ્રતિનિધિ સભા અને સેનેટ  એમ બે ગૃહો અસ્તિત્વમાં આવ્યાં, જે પાછળથી નીચલું ગૃહ (lower house) અને ઉપલું ગૃહ (upper house) તરીકે ઓળખાયાં. 1859માં ક્વીન્સલૅન્ડની વસાહત સ્વતંત્ર બની.

1851માં વિક્ટોરિયા સંસ્થાનમાં સોનું મળી આવતાં અંગ્રેજો અને અન્ય યુરોપિયનોનો ધસારો થતાં તેની વસ્તી ત્રણ ગણી થઈ. જમીનના કબજા માટે પશુપાલકો અને સ્વતંત્ર ખેડૂતોના બે પક્ષો પડી ગયા હતા. મોટા જમીનદારો અને પશુપાલકોની શોષણનીતિને કારણે મજૂર મંડળોની શરૂઆત થઈ. બાંધકામ મજૂરોનું મંડળ પ્રથમ રચાયા બાદ ખાણિયા, ખલાસીઓ, બંદર-કામદાર, ઊન કાંતનારાં વગેરેનાં મંડળો અસ્તિત્વમાં આવ્યાં. તેમણે રોજ વધુમાં વધુ આઠ કલાકના કામની તથા શેરડીના ખેતરમાં કામ કરતા ચીનાઓ તથા હવાઈ ટાપુમાંથી આવેલા મજૂરોની ભરતી બંધ કરવા માગણી કરી. 1860-’90 દરમિયાન સ્વતંત્ર વેપારના હિમાયતી ન્યૂ સાઉથવેલ્સના સંસ્થાન સિવાયનાં અન્ય સંસ્થાનોએ તેમના વેપાર-ઉદ્યોગોના રક્ષણ માટે રક્ષણાત્મક જકાતની નીતિ અપનાવી હતી. 1894થી 1908ની ચળવળે સ્ત્રીઓને ચૂંટણીમાં ભાગ લેવાનો મતાધિકાર અપાવ્યો. 1890-92 દરમિયાન હડતાળોનો પવન વાયો અને પ્રારંભમાં નિષ્ફળતા મળવા છતાં ફૅક્ટરી ઍક્ટ, વૃદ્ધાવસ્થાનું પેન્શન, ઔદ્યોગિક વિવાદોનું સમાધાન અને લવાદી તેમજ પગારવધારા માટેની મજૂર સંઘોની માગણીઓ ક્રમશ: ગ્રાહ્ય રાખવા માલિકોને ફરજ પડી. વિક્ટોરિયા સંસ્થાનમાં 1885માં અને બીજાં સંસ્થાનોમાં 1890માં ‘ફૅક્ટરી ઍક્ટ’નો અમલ શરૂ થયો.

ડચ, ફ્રેન્ચ, જર્મન વગેરે અન્ય યુરોપીય સત્તાઓના ભયને કારણે ઓગણીસમી સદીના છેલ્લા બે દાયકામાં સમવાયી રાજતંત્રની હવા ઊભી થઈ. 1893માં બધાં સંસ્થાનોના પ્રતિનિધિઓ પારસ્પરિક સંબંધો વિચારવા એકઠા થયા. 1885માં નજીવી અગત્ય ધરાવતા કાયદાઓ કરવાની સત્તા સાથે બધાં રાજ્યોના પ્રતિનિધિઓની ફેડરલ કાઉન્સિલ અસ્તિત્વમાં આવી. 1889માં હેનરી પાર્કસે આ કાઉન્સિલને વધુ સત્તા મળે તે માટે ઝુંબેશ કરી. 1890માં બધાં સંસ્થાનોના પ્રતિનિધિઓ પ્રથમ મેલ્બૉર્નમાં અને પછી 1891માં સિડનીમાં મળ્યા. બંધારણ ઘડી સમવાયી તંત્ર અને રાજ્યો વચ્ચેની સત્તાની વહેંચણી નક્કી કરી; નીચલા ગૃહમાં વસ્તીના ધોરણે અને ઉપલા ગૃહમાં દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ અપાયું. તેમની સમક્ષ અમેરિકાનું બંધારણ હતું.

વર્ષોવર્ષ ઊંચાઈમાં વધતો જતો ઑલ્ગા પર્વત

1895માં બધાં સંસ્થાનોના મુખ્ય પ્રધાનોએ ફેડરલ બંધારણ માટે મતદારોની અનુમતિથી બ્રિટિશ પાર્લમેન્ટને કાયદો ઘડવા જણાવ્યું.

23-3-1897માં 1891ના મુસદ્દામાં ઘટતા સુધારા કરવા ફરી મળ્યા અને જાન્યુઆરી, 1898માં રેફરન્ડમ દ્વારા અનુમતિ લઈ મેલ્બૉર્ન મુકામે બંધારણને મહોર મારી. આંતરિક મુક્ત વ્યાપાર, સંરક્ષણ, ઉદ્યોગ વગેરે આર્થિક બાબતો અંગે સમાન નીતિ અપનાવવાની બધાની ઇચ્છાને કારણે સમવાયી તંત્રનું બંધારણ શક્ય બન્યું અને 1901માં તેમનું ફેડરેશન રચાયું. 1 જાન્યુઆરી, 1901ના રોજ ન્યૂ સાઉથવેલ્સ, વિક્ટોરિયા ક્વીન્સલૅન્ડ, દક્ષિણ અને પશ્ચિમ ઑસ્ટ્રેલિયા તથા ટાસ્માનિયાને ઑસ્ટ્રેલિયાના સમવાયતંત્રમાં ભેળવવામાં આવ્યા. નવી જોડાયેલી આ વસાહતોને ઘટક ‘રાજ્ય’નો દરજ્જો આપવામાં આવ્યો. ઑસ્ટ્રેલિયાના સાઉથ ઑસ્ટ્રેલિયન વિભાગમાંથી નૉર્ધર્ન ટેરિટરી નામના પ્રદેશને 1911માં છૂટો પાડી અન્ય વહીવટી ઘટકોની સાથે તેને પણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. તે ઑસ્ટ્રેલિયન વહીવટ હેઠળ હોવા છતાં, તેનામાં સમાવેશ ન થતા હોય તેવા પ્રદેશો, પાપૂઆ, નોરફોક દ્વીપ, ન્યૂ ગીનીનો વાલીપણા હેઠળનો પ્રદેશ, ઍશમોર અને કાર્ટિયર દ્વીપ અને ઑસ્ટ્રેલિયન દક્ષિણધ્રુવ પ્રદેશ છે. ઑસ્ટ્રેલિયાને મૅકડૉનાલ્ડ, કોકોસ, કિલિંગ અને ક્રિસ્ટમસ દ્વીપોની સાર્વભૌમ સત્તા સુપરત કરાઈ છે.

1901-14 દરમિયાન મુક્ત વેપારના અને રક્ષક જકાત નાખવાના હિમાયતીઓ વચ્ચેના ગજગ્રાહમાં મજૂરપક્ષ સમતુલન જાળવતો હતો. આ કારણે તેઓ મજૂરો માટે સારી સવલતો મેળવી શક્યા હતા.

1902માં ન્યૂ સાઉથવેલ્સના પ્રારંભિક વિરોધ બાદ રાજ્યો 8થી 25 ટકા જકાત નાખી શકે તેમ સ્વીકારાયું. સંરક્ષણાત્મક જકાત અને સ્થળાંતર કરી આવનારાઓ માટે ઇમિગ્રેશન કાયદો કરવાની સત્તા ફેડરલ કાઉન્સિલની હતી. જીવનધોરણ નીચું ન જાય તે બહાના નીચે એશિયા અને હવાઈ ટાપુઓમાંથી મજૂરોના આગમન ઉપર પ્રતિબંધ મૂકી ‘White Australia’ની રંગભેદની નીતિ અપનાવવામાં આવી હતી. 1901-1904ના ગાળામાં રક્ષણવાદી (protectionist) વડાપ્રધાનો હતા. ઑસ્ટ્રેલિયાની વસ્તીમાં મજૂરોનું પ્રમાણ બીજા દેશો કરતાં વિશેષ હતું. 1904માં મજૂર પક્ષના જૉન સિન્વૉટસન વડાપ્રધાન થયા હતા. 1915-17 દરમિયાન વડાપ્રધાન ડબ્લ્યૂ. એમ. હ્યુજિસ હતા. ફરજિયાત લશ્કરી ભરતીના પ્રશ્ને 1916માં મજૂર પક્ષમાં ભાગલા પડ્યા અને તેથી 1917માં આ નીતિના વિરોધીઓનો સમાવેશ કરી 11 સભ્યોનું પ્રધાનમંડળ રચાયું. આમ 1917માં રાષ્ટ્રીય પક્ષનો જન્મ થયો. તેઓ 1923 સુધી સત્તા ઉપર રહ્યા.

1917માં ગ્રામવિસ્તારના લોકોએ તેમની ખેતીની પેદાશોના વાજબી ભાવ મળે અને તેમનાં હિતોની રક્ષા થાય તે હેતુથી ‘કન્ટ્રી’ પક્ષ સ્થાપ્યો. 1922માં તેમને ચૂંટણીમાં 14 બેઠકો મળી હતી. 1919-20માં પૅરિસ શાંતિ કૉન્ફરન્સમાં ઑસ્ટ્રેલિયાને સ્વતંત્ર બેઠક અપાઈ હતી અને નારૂનો ટાપુ શાસનાદિષ્ટ (mandated) પ્રદેશ તરીકે સોંપાયો હતો. પ્રથમ યુદ્ધ પછી પૂર્વકાંઠાનાં રાજ્યોમાં ઉદ્યોગોનો વિકાસ થયો અને હડતાળો, લૉક-આઉટ વગેરે છતાં આબાદીમાં વધારો થયો હતો. જોકે બેકારી અને ફુગાવો વધ્યાં હતાં.

1920 પછી સમવાયી સરકારે મજૂરવિરોધી નીતિ અપનાવી હતી. હડતાલો દાબી દેવા કડક પગલાં લેવાયાં હતાં અને લવાદી પ્રથા મોટાભાગે રદ કરવા લોકપૃચ્છા (referendum) યોજાતાં મજૂર પક્ષને 1929માં બહુમતી મળી હતી. 1929માં વિશ્વવ્યાપી મંદીને કારણે ખાંડ, માંસ, ઊન, અનાજ વગેરેના ભાવો ઘટી ગયા હતા; તેથી આયાત ઉપર પ્રતિબંધ મુકાયો હતો અને જકાતના દરો વધારાયા હતા. રાજ્યોના ખર્ચ ઉપર અંકુશ મૂકવા લોન લેવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો. બાંધકામની પ્રવૃત્તિ સ્થગિત કરાઈ હતી. મજૂર પક્ષના અંતિમવાદીઓ અને રૂઢિચુસ્ત જમણેરીઓ પગાર અને ખર્ચ ઘટાડવા અને વધુ પ્રમાણમાં ચલણી નોટો બહાર પાડવા અંગે વિરોધી મંતવ્યો ધરાવતા હતા. સમવાય સરકારે સરકારી નોકરોના પગાર અને પેન્શનમાં કાપ મૂક્યો. બૉન્ડ ઉપરનું વ્યાજ અને હૂંડિયામણનો દર ઘટાડ્યો અને નિકાસને પ્રોત્સાહન આપ્યું. મજૂર પક્ષનો એકભાગ રાષ્ટ્રીય પક્ષ સાથે જોડાયો અને આમ 1932માં યુનાઇટેડ ઑસ્ટ્રેલિયન પાર્ટીનો જન્મ થયો. 1932થી 1941 દરમિયાન યુનાઇટેડ પક્ષ અને મજૂર પક્ષ સત્તા ઉપર હતા. 1932ના ઓટાવા કરારને કારણે ઑસ્ટ્રેલિયાનો ગ્રેટબ્રિટન સાથેનો વેપાર વધ્યો અને ઑસ્ટ્રેલિયાની કાચી વસ્તુઓ (ખેતીની પેદાશો વગેરે) ઊંચા ભાવે ખરીદવા તેની સાથે સંમતિ સધાઈ. આ સરકારે ‘નૅશનલ હેલ્થ ઇન્સ્યૉરન્સ’ યોજના પડતી મૂકી ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું હતું. 1940-42માં રૉબર્ટ જી. મૅન્જિઝની નીતિનો ખૂબ વિરોધ થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડ વગેરે મિત્રદેશો સાથે યુદ્ધમાં ઝંપલાવ્યું હતું અને પાપુઆને કબજે કર્યું હતું. યુદ્ધને કારણે ખોરાક, કાપડ, કોલસા વગેરેની માપબંધી દાખલ કરવી પડી હતી.

1941-’49 દરમિયાન મજૂર પક્ષ સત્તા ઉપર આવતાં સામાજિક સલામતીની યોજનાઓ હેઠળ વૃદ્ધાવસ્થા-પેન્શન, બેકારી અને માંદગી અંગેનો વીમો, અશક્તોને વળતર વગેરે પગલાં લેવાયાં હતાં. મજૂરોની તંગીને કારણે લાખો અંગ્રેજો અને યુરોપિયનોને ઑસ્ટ્રેલિયામાં પ્રવેશ અપાયો હતો.

1949-1967 દરમિયાન રૉબર્ટ મૅન્જિઝનો ઉદારમતવાદી પક્ષ સત્તા ઉપર આવ્યો હતો. ઔદ્યોગિક પ્રગતિ સાધી ઑસ્ટ્રેલિયા મધ્યમ કક્ષાનો ઔદ્યોગિક દેશ બન્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી ગ્રેટબ્રિટન બીજી કક્ષાની સત્તા બન્યું અને પોતાના રક્ષણ માટે ઑસ્ટ્રેલિયાના અમેરિકા સાથેના સંબંધો વધ્યા. ઑસ્ટ્રેલિયાએ કોરિયા, વિયેટનામ અને મલાયામાં 1955માં લશ્કર મોકલ્યું હતું. તેણે સામ્યવાદવિરોધી વલણ અપનાવ્યું હતું. લિબરલ પક્ષને ‘કન્ટ્રી’ પક્ષનો ટેકો મળ્યો હતો. 1951માં તે આન્ઝુસ (Australia  Newzeland  U.S. = ANZUS) કરારમાં અને 1954માં સિઆટો (South  East Asia Treaty Organization : SEATO) કરારમાં ઑસ્ટ્રેલિયા જોડાયું હતું. 1967-68માં કન્ટ્રી પક્ષના વડાપ્રધાન હતા. 1968-72 દરમિયાન લિબરલ પક્ષના વડાપ્રધાનો સત્તા ઉપર આવ્યા હતા. 1971ની ચૂંટણીમાં આ પક્ષની હાર થતાં 1972માં મજૂર પક્ષ સત્તા ઉપર આવ્યો હતો. તેણે ચીનને માન્યતા આપી હતી, વિયેટનામમાંથી ઑસ્ટ્રેલિયન સૈનિકો ખસેડ્યા હતા, સાર્વત્રિક આરોગ્ય યોજના ફરી દાખલ કરી હતી અને ફરજિયાત લશ્કરી ભરતી બંધ કરી હતી. શિક્ષણનો વિસ્તાર થયો હતો. સેનેટમાં મજૂર પક્ષને બહુમતી ન મળવાને કારણે કેટલાંક બિલ પસાર થઈ શક્યાં ન હતાં. 1975માં સેનેટમાં નાણાબિલ પસાર થઈ ન શકતાં નાણાકીય કટોકટી ઊભી થઈ હતી. ગવર્નર જનરલે મજૂર પક્ષની નીચલા ગૃહમાં બહુમતી હોવા છતાં તેના પ્રધાનમંડળને રુખસદ આપી અબંધારણીય પગલું ભર્યું હતું. માલ્કમ ફ્રેઝરની વચગાળાની સરકાર રચાઈ અને ચૂંટણી યોજાતાં નૅશનાલિસ્ટ-કન્ટ્રી પક્ષનો બનેલો લિબરલ પક્ષ ફરી સત્તા ઉપર આવ્યો. 1980માં ફુગાવો વધતાં બોબહોકનો મજૂર પક્ષ સત્તા ઉપર આવ્યો. ફુગાવો ઘટાડવા બોબહોકે કેટલાંક પગલાં લીધાં પણ તેમાં તેને બહુ સફળતા મળી ન હતી. ત્યારબાદ ફ્રેઝરનો ઉદારમતવાદી પક્ષ ફરી સત્તા ઉપર આવ્યો. પણ 1983માં ફ્રેઝરની સરકાર હારી જતાં બોબહોકની મજૂર પક્ષની સરકાર ફરી સત્તા ઉપર આવી.

માર્ચ, 1986માં તેની ધારાસભાએ ઑસ્ટ્રેલિયન ઍક્ટ ઘડ્યો. આ ઍક્ટ દ્વારા ઑસ્ટ્રેલિયાની ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર અંગે જે શેષ સત્તાઓ (residuary powers) બ્રિટિશ પાર્લમેન્ટ ધરાવતી હતી તે રદ કરવામાં આવી. ફેબ્રુઆરી, 1998માં એક બંધારણીય બેઠક (constitutional convention) બોલાવવામાં આવી. તેનો હેતુ બંધારણીય સુધારા દ્વારા ઑસ્ટ્રેલિયાને પ્રજાસત્તાક (republic) ઘોષિત કરવાનો હતો. આ બેઠકે દેશને પ્રજાસત્તાક જાહેર કરવાની સંમતિ આપી. પરિણામે 6 નવેમ્બર, 1999ના રોજ આ મુદ્દા પર દેશમાં રેફરેન્ડમ યોજવામાં આવ્યું. તે અનુસાર 55 ટકા મતો રાજાશાહી ચાલુ રાખી બ્રિટિશ તાજને રાજ્યના વડા સ્વરૂપે સ્વીકારવાનો અભિપ્રાય ધરાવતા હતા, જ્યારે 45 ટકા મતો તેને પ્રજાસત્તાક ઘોષિત કરવા ઇચ્છતા હતા. આથી અંતે બ્રિટિશ તાજનું રાજ્યના વડા તરીકેનું સ્થાન ચાલુ રહ્યું અને રાણી એલિઝાબેથ (બીજા) રાજ્યનાં વડાં ગણાય છે. તેમની વતી ઑસ્ટ્રેલિયા માટે ગવર્નર-જનરલ નીમવામાં આવે છે, જેઓ વાસ્તવિક અર્થમાં રાજ્યના વડા છે.

લૉન-બૉલિંગ(Lawn bowling)માં વ્યસ્ત
રમતપ્રિય ખેલાડીઓ – એક ઝલક

રાજકીય : બંધારણીય રીતે ‘કૉમનવેલ્થ ઑવ્ ઑસ્ટ્રેલિયા’ નામ ધરાવતો આ દેશ ઉદારમતવાદી લોકશાહી અને સમવાયતંત્ર ધરાવે છે. બ્રિટિશ તાજના નામે ગવર્નર-જનરલ તમામ સત્તાઓ ધરાવે છે; પરંતુ આ સત્તાઓનો ભોગવટો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર કરે છે. ચૂંટણી માટે પુખ્તવય મતાધિકારની પદ્ધતિ પ્રવર્તે છે અને 18 વર્ષની વય પુખ્તવયનું માન્ય ધોરણ છે. 1925ના કાયદા દ્વારા ફરજિયાત મતદાન-પદ્ધતિ દાખલ કરવામાં આવી છે.

ધારાસભા : તેની ધારાસભા બે ગૃહોથી રચાયેલી છે; ઉપલું ગૃહ સેનેટ તરીકે અને નીચલું ગૃહ પ્રતિનિધિસભા તરીકે ઓળખાય છે. સેનેટમાં 76 સભ્યો છે, જેઓ સમવાયતંત્રના વિવિધ ઘટક રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ગૃહ 6 વર્ષની મુદત માટે કામ કરતું કાયમી ગૃહ છે. તેના 50 ટકા સભ્યો દર ત્રણ વર્ષે નિવૃત્ત થાય છે. ક્રમિક મતપરિવર્તન-પદ્ધતિના આધારે મતદારો સેનેટરોને ચૂંટે છે.

પ્રતિનિધિસભા વસ્તીના ધોરણે પુખ્તવય મતાધિકારથી રચાય છે, તેની કુલ સભ્ય સંખ્યા 148 છે. રાજ્યની વિધાનસભાના સભ્યને કેંદ્રની સંસદ માટે ઉમેદવારી કરવી હોય તો તેણે રાજ્યની વિધાનસભાની બેઠક પરથી સૌપ્રથમ રાજીનામું આપવું પડે છે.

કારોબારી : કારોબારી-વિષયક સત્તા ગવર્નર-જનરલને સુપરત કરવામાં આવી છે. આ માટેનાં કાર્યોમાં મદદરૂપ થવા તેઓ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ નીમે છે. આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કૅબિનેટ જેવું સ્વરૂપ ધરાવે છે. આ કાઉન્સિલ હેઠળ વડાપ્રધાન અને તેની કૅબિનેટ કામ કરે છે. આ કૅબિનેટ સરકારનું કાયદેસરનું ઘટક ગણાતી નથી. તેના નિર્ણયો કાનૂની પ્રભાવ ધરાવતા નથી; પરંતુ આ કૅબિનેટના સભ્યો એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ સભ્યપદ ધરાવતા હોય છે તેથી જ્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તરીકે નિર્ણય લે છે ત્યારે તે નિર્ણયો પ્રભાવકારી હોય છે.

ન્યાયતંત્ર : તેની સર્વોચ્ચ અદાલત હાઇકોર્ટ ઑવ્ ઑસ્ટ્રેલિયા નામથી ઓળખાય છે. આ હાઇકોર્ટમાં એક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય છ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે. આ ઉપરાંત નીચલા સ્તરે અલગ સમવાયી અદાલતો તથા રાજ્ય અદાલતો કાર્ય કરતી હોય છે. 1986ના કાયદા દ્વારા અપીલ માટેની છેલ્લી અદાલત તરીકે લંડન ખાતેની પ્રિવી કાઉન્સિલનું સ્થાન નાબૂદ કરવામાં આવ્યું છે.

મજૂરો અહીં સારી સ્થિતિમાં છે. શ્વેત ઑસ્ટ્રેલિયાની નીતિમાં થોડો પલટો આવ્યો છે. એશિયનોનાં આવક અને શિક્ષણ લક્ષમાં લઈને તેમને પ્રવેશ આપવાની નીતિની શરૂઆત થઈ છે. ભારત સાથેના ઑસ્ટ્રેલિયાના સંબંધો સારા છે. ભારત, અમેરિકા, જાપાન ઑસ્ટ્રેલિયાનું ‘ક્વાડ’ જૂથ હિંદી મહાસાગરની સુરક્ષા માટે રચાયું છે.

મહેશ મ. ત્રિવેદી

શિવપ્રસાદ રાજગોર

રક્ષા મ. વ્યાસ