ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની આદિજાતિઓ

January, 2004

ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની આદિજાતિઓ : નિગ્રોઇડ પ્રજાતિમાંથી ઊતરી આવેલી જાતિઓ. પ્રશાંત મહાસાગરમાં આવેલ ઑસ્ટ્રેલિયા મહાદ્વીપ, ન્યૂઝીલૅન્ડ, ન્યૂગિની, પૉલિનેશિયા અને અન્ય નાનામોટા ટાપુઓનો બનેલો છે. શરીરવિજ્ઞાનની ખાસિયતોને ધ્યાનમાં લેતાં તેમને ઑસ્ટ્રેલૉઇડનું ખાસ નામ આપવામાં આવ્યું છે. એમનો રંગ કથ્થાઈ-કાળો હોય છે. તેમના શરીર ઉપર ભરાવદાર વાળ હોય છે. તેઓ પહોળું મોઢું, સાંકડું કપાળ અને નાનું માથું ધરાવે છે. નાક ચપટું અને મોટું હોય છે. ઑસ્ટ્રેલિયાના રાજકર્તા બ્રિટનમાંથી આવીને વસેલા છે. એમના સંસર્ગથી અહીંની આદિજાતિઓના થોડાક લોકોમાં વર્ણસંકરતા પ્રવેશી છે. આ રીતે ત્યાંના આદિવાસીઓને બે વિભાગમાં વહેંચી શકાય : મૂળ પ્રજાતિઓ અને શ્વેત-મિશ્રિત આદિમાનવો.

શુદ્ધ અને મિશ્ર આદિજાતિઓ અગ્નિ એશિયાની આદિવાસી જાતિઓને મળતી આવે છે. તેમાં આંદામાન-નિકોબાર ટાપુઓમાં વસતા આદિમાનવોનો સમાવેશ થાય છે. એમની વચ્ચેના સંબંધો ક્યારથી શરૂ થયા હતા તે કહેવું મુશ્કેલ છે.

કૌટુંબિક સમાજનો એકમ બધી જાતિઓમાં જોવા મળે છે. કુટુંબ ઉપરનું પ્રભુત્વ માતૃમૂલક અને પિતૃમૂલક  એમ બંને પ્રકારનું જોવા મળે છે. ત્રણ-ચાર પેઢીમાંથી ઊતરી આવેલ કુટુંબોનાં સંયુક્ત જૂથો પણ અસ્તિત્વમાં છે. કુદરતમાં વસતાં પશુ-પક્ષી વગેરે એમના પૂર્વજો હોય એમ માનીને એમની પૂજા કરે છે. તેને ‘ટોટમ આરાધના’ કહેવામાં આવે છે. ટોટમને મારવાનો નિષેધ હોય તે સ્વાભાવિક છે. વિશ્વમાં જાણીતું થયેલું શસ્ત્ર ‘બૂમરૅંગ’ ઑસ્ટ્રેલિયાની આ જાતિઓની દેન છે. આ શસ્ત્રનો ઉપયોગ જંગલી પશુઓનો શિકાર માટે તો થાય છે જ, પરંતુ મનોરંજન માટે ગવાતાં ગીતોમાં તાલ આપવા માટે પણ થાય છે.

1961ની જનગણનાને અંતે શુદ્ધ આદિજાતિઓની સંખ્યા 40,081 હતી. મિશ્ર વર્ગની જાતિઓની સંખ્યા 39,172 હતી. કૌટુંબિક પરિવારોની વાત કરીએ તો અંગ્રેજોના આગમનના અરસામાં શુદ્ધ આદિવાસી જાતિઓ 500 કુટુંબ-કબીલાના સમૂહમાં વહેંચાયેલી જોવા મળતી હતી. હાલમાં આવાં ઘણાં કુટુંબો લુપ્ત થઈ ગયાં છે. આક્રમણ કરનાર શ્વેત અંગ્રેજ લોકોએ ત્યાંના ફળદ્રૂપ મેદાનો અને જંગલો ઉપર કબજો જમાવીને એમને અન્ય સ્થળે ભગાડી દીધાં છે. આમ છતાં યુરોપિયન જાતિઓના સંસર્ગથી તેમનામાં સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન તથા શિક્ષણ વગેરેનો સંચાર થયો છે. ત્યાંના રાજકર્તાઓ પણ હવે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની આદિજાતિઓમાં ધર્મપરિવર્તનની સાથે પશ્ચિમીકરણ અને આધુનિકીકરણનું બીજારોપણ કરીને એમને સાધન-સંપન્ન બનાવવા માટે રાજકીય અને સ્વૈચ્છિક ધોરણે પ્રયાસ કરી રહ્યા છે.

હર્ષદ રા. ત્રિવેદી