ઑસ્ટ્રેલિયન સાહિત્ય

January, 2004

ઑસ્ટ્રેલિયન સાહિત્ય : ઑસ્ટ્રેલિયા ખંડમાં વસતા અંગ્રેજી ભાષા બોલતા-લખતાં માણસોએ અંગ્રેજીમાં રચેલું સાહિત્ય. ઑસ્ટ્રેલિયન સાહિત્યને કેટલાંક આગવાં લક્ષણો છે. વિશાળ જમીન, અમાપ ખુલ્લો પ્રદેશ, તેમાં વસતાં જાતજાતનાં પશુપંખીઓ, કીટકો, સામાન્ય માણસો માટેનો આદર અને યુરોપની પરંપરાઓમાંથી છૂટા થઈને આગવાં જીવનમૂલ્યોની સ્વતંત્રતા ભોગવતાં મનુષ્યો વગેરે તેના સાહિત્યમાં છતાં થાય છે. જોકે આનો અર્થ એ નથી કે ઑસ્ટ્રેલિયન અંગ્રેજી કોઈ જુદી જ ભાષા છે પરંતુ તદ્દન નવા શબ્દોથી અલંકૃત આગવી જીવનમૂલ્યોની સ્વતંત્રતા ભોગવતાં મનુષ્યો વગેરે તેના સાહિત્યમાં છતાં થાય છે. જોકે આનો અર્થ એવો નથી કે ઑસ્ટ્રેલિયન અંગ્રેજી કોઈ જુદી જ ભાષા છે; પરંતુ તદ્દન નવા શબ્દોથી અલંકૃત આગવી ભાષા છે. જોકે શરૂઆતમાં આ નવા શબ્દોના ઉપયોગ માટે ઑસ્ટ્રેલિયન પ્રજા માફી માગતી હોય તેમ લાગે છે; પરંતુ હવે તો તે બધું અંગ્રેજી ભાષાને તેમણે કરેલ ઉત્તમ દેણગી હોય તેમ મનાવા લાગ્યું છે. આવી ઑસ્ટ્રેલિયન અંગ્રેજી ભાષાના અભ્યાસીઓએ તે અંગે આધારભૂત ગ્રંથો પ્રસિદ્ધ કર્યા છે. ઑસ્ટ્રેલિયા ખંડ સત્તરમી સદી સુધી સભ્ય દુનિયાથી અજાણ, અણખેડાયેલો, આદિવાસીઓનો પ્રદેશ હતો. ડચ લોકોએ તેમાં વસવાટનો આરંભ સત્તરમી સદીમાં કરેલો, પરંતુ તેમાં પ્રગતિ તો ઍબલ ટાસ્માન, કૅપ્ટન કૂક, જ્યૉર્જ બાસ, મૅથ્યૂ ફ્લિન્ડર્સ, ફ્રેંચ નિકોલાસ બૌદિન વગેરેના પ્રયાસોથી થઈ. બ્રિટિશ સરકારે 1786માં ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથવેલ્સમાં વસવાટનો નિર્ણય કરી 1787ના મેની 13 તારીખે અગિયાર નૌકાઓનો કાફલો તે બાજુ રવાના કર્યો. આ કાફલામાં 730 કેદીઓ – 570 પુરુષો અને 160 સ્ત્રીઓ તથા તેમની સાથે 250 મુક્ત માનવો હતા. 1830 સુધીમાં ઑસ્ટ્રેલિયામાં 58,000 ગુનેગાર કેદીઓ આવ્યા હતા. ઑસ્ટ્રેલિયન સાહિત્યની શરૂઆત અંગ્રેજી ભાષામાં, એ દેશમાં આવી. પડાવ-વસવાટ માટે પાયાનું કામ કરનારા અને શોધ કરનારા વિશે લખવાથી થઈ.

તેના ‘સંસ્થાનકાળ’(1788-1880)નાં ઊર્મિગીતોના કવિઓ બેરન-ફીલ્ડ (1786-1846), વિલિયમ ચાર્લ્સ વેન્ટવર્થ (1792-1872) અને ચાર્લ્સ હાર્પુર(1813-1868)ની લેખનપ્રવૃત્તિનો પ્રારંભ અંગ્રેજી કવિતાના અનુકરણમાં લખાયેલી કવિતાથી થાય છે. 1798માં ડૅવિડ કૉલિન્સે ‘ઍન એકાઉન્ટ ઑવ્ ધ ઇંગ્લિશ કૉલોની ઇન સાઉથ-વેલ્સ’ અને 1813માં વેન્ટવર્થે ‘ડિસ્ક્રિપ્શન ઑવ્ ન્યૂ સાઉથ-વેલ્સ’ એ ગદ્યપુસ્તકો પ્રગટ કર્યાં. આમ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ઑસ્ટ્રેલિયન સાહિત્યનો વ્યવસ્થિત આરંભ થયો. ઇંગ્લૅન્ડના સાહિત્યના અનુકરણરૂપ આ સાહિત્યમાં ઑસ્ટ્રેલિયાની અજાયબીઓ અને પ્રાકૃતિક જીવનનું નિરૂપણ થતું. ગુનેગાર કેદીઓના વસવાટ અને જીવનસંઘર્ષને કારણે સાહિત્યલેખનની પ્રારંભિક ગતિ મંદ હતી. અંગ્રેજ લેખક હેન્રી કિંગ્સ્લીએ આરંભમાં બે નવલકથાઓમાં ઑસ્ટ્રેલિયામાં વસવાટ કરતાં અંગ્રેજોના જીવનનું આલેખન કર્યું  આ બે નવલકથાઓ છે : ‘ધ રિક્લેક્શન્સ ઑવ્ જ્યૉફ્રી હેમલીન’ (1859) અને ‘ધ હિલ્યર્સ ઍન્ડ ધ બર્ટન્સ’ (1865). પરંતુ ઑસ્ટ્રેલિયામાં વસેલા કેદીઓના જીવન વિશેની અગ્રગણ્ય નવલકથા ‘ફૉર ધ ટર્મ ઑવ્ હિસ નેચરલ લાઇફ’(1874)નું સર્જન માર્કસ ક્લાર્કે કર્યું.

તે પછી ‘રૉલ્ફ બૉલ્દ્રેવૂડે’ (ટૉમસ ઍલેક્ઝાંડર બ્રાઉનનું તખલ્લુસ) ‘રૉબરી અન્ડર આર્મ્સ’ (1880) અને ‘ધ માઇનર્સ રાઇટ’(1890)માં સોનાની શોધથી પ્રગટેલા આવેશ અને સાહસોનું, રંગીન વાતાવરણ અને વર્ણન સાથે, જટિલ આલેખન કર્યું. કવિતાના ક્ષેત્રે આદમ લિન્ડસે ગૉર્ડન (1833-1870) રચિત ‘બુશ બૅલડ્ઝ ઍન્ડ ગેલપિંગ રાઇમ્સ’(1870)ને લોકપ્રિયતા પ્રાપ્ત થઈ. હેન્રી કૅન્ડેલ (1839-1882) પણ આ કૃતિને અનુસરી લોકપ્રિય બૅલડ-કવિ બન્યો. આ બંને કવિઓનો જન્મ ઑસ્ટ્રેલિયામાં થયો હતો.

1880માં જે. એફ. આર્કિબાલ્ડે ‘સિડની બુલેટિન’ નામના સાહિત્યિક સામયિકની સ્થાપના કરી. આ સામયિકનું સંપાદન એ. જી. સ્ટિફન્સ (1865-1933) કરતા હતા. આ કાળથી ઑસ્ટ્રેલિયામાં રાષ્ટ્રવાદનો વિકાસ થયો અને ઑસ્ટ્રેલિયાનાં છૂટાં રાજ્યો એક સમવાયતંત્રમાં જોડાવા લાગ્યાં. રાષ્ટ્ર માટે અભિમાન-ગૌરવ, ગ્રામજીવનનાં મૂલ્યો, નાના જમીનદારોના સંઘર્ષ પ્રત્યે સહાનુભૂતિ જેવી બાબતો સાહિત્યના સામાન્ય વિષયો બન્યા. હેન્રી લાવ્સન (1867-1922) અને ‘સ્ટીલ રુડ’(આર્થર હોપ ડૅવિસનું તખલ્લુસ)ની વાર્તાઓ આ વિષયોનું નિરૂપણ કરે છે. ‘પ્રિન્સ વારુંગ’(મૂળ નામ વિલિયમ ઍસ્ટલી)ના ચાર વાર્તાસંગ્રહોમાં ઇંગ્લૅન્ડથી ઑસ્ટ્રેલિયામાં આવેલા જન્મટીપની સજાના કેદીઓના જીવનની સમસ્યાઓનું નિરૂપણ છે. ‘જૉસેફ ફર્ફી’ (1843-1912) ઉર્ફે ટૉમ કૉલિન્સની મોટી નવલકથા ‘સચ ઇઝ લાઇફ’ (1903) ઓગણીસમી સદીના નવમા દાયકાના સમાજનું  વિક્ટોરિયા રાજ્યના લોકોનું  જીવન વર્ણવતી સુંદર કૃતિ છે. બૅલડ કાવ્યોની પરંપરાને હેન્રી લાવ્સન અને બૅન્જો પેટર્સને (1864-1941) જીવંત રાખી. બૅન્જો પેટર્સનની ‘ધ મૅન ફ્રૉમ સ્નોઈ રિવર’ (1895) અને ‘વૉલ્ઝિંગ મટિલ્ડા’ (1895) ખૂબ જાણીતી બૅલડ કાવ્યરચનાઓ છે.

1901માં ઑસ્ટ્રેલિયન રાજ્યોનું સમવાયતંત્ર સ્થપાયું અને કવિઓ તેમજ ગદ્યલેખકોએ તેને ઉત્સાહપૂર્વક બિરદાવ્યું. લોકોમાં ઑસ્ટ્રેલિયાના જટિલ જીવનની સભાનતા વિકસી અને સામાન્ય લોકોની પરિસ્થિતિ સુધારવા પ્રતિ ધ્યાન અપાયું. આ સમયના અગ્રગણ્ય લેખકોમાં કૅથેરિન સુસાન્ના પ્રિશાર્ડ (1884-1869), લુઈ સ્ટોન, એડ્વર્ડ ડાયસન અને ‘કાયલી ટેન્નાન્ટ’ (મિસિસ એલ. સી. રોડનું તખલ્લુસ) હતાં. મૂળ આદિવાસીઓ અને ગોરાઓના જીવનના સંબંધો વિશે શ્રીમતી એનિયાસ ગન, ઝેવિયર હર્બર્ટ અને શ્રીમતી કૅથેરિન સુસાન્ના પ્રિશાર્ડે સંશોધન અને આલેખન કર્યું.

પ્રથમ પૂર્ણ ઑસ્ટ્રેલિયન નવલકથા ‘માય બ્રિલિયન્ટ કૅરિયર’(1901)માં લેખિકા માઇલ્સ ફ્રેંકલિને એક આદિવાસી બુશ-કન્યાનો સંકુચિત જીવન પ્રત્યે વિરોધ દર્શાવ્યો છે. લેખિકા ઇલનોર ડાર્કે પણ પ્રારંભિક સંસ્થાનોના દિનોમાં રસ લઈ માઇલ્સ ફ્રેંકલિનની જેમ અનેક નવલકથાઓ રચી છે, તેમાં ‘પ્રિલ્યૂડ ટુ ક્રિસ્ટોફર’ ખૂબ જાણીતી કૃતિ છે. વાન્સ પામરે (1885-1959) વાર્તાઓ તેમજ ‘ધ પેસેજ’ જેવી નવલકથાઓ દ્વારા ઑસ્ટ્રેલિયાની નવીન શોધ આદરી હતી. ‘હેન્રી હાન્ડેલ રિચાર્ડસન’નું પુરુષનામી તખલ્લુસ રાખીને લેખિકા ઇથેલ ફ્લૉરેન્સ લિંડસે રૉબર્ટસને (1870-1946) લખેલી નવલકથાઓ ઑસ્ટ્રેલિયન સાહિત્યમાં વિશિષ્ટ ભાત પાડે છે. તેમણે ‘ગેટિંગ ઑવ્ વિઝ્ડમ’(1910)માં મેલ્બૅર્ન શહેરમાંનું પોતાનું શાળાનું જીવન તથા ‘મોરિસ ગેસ્ટ’(1908)માં લિપ્ઝિકનું પોતાનું વિદ્યાર્થીજીવન આલેખ્યું છે. તેમની પ્રખ્યાત નવલત્રિપુટી – ‘ધ ફૉર્ચ્યુન્સ ઑવ્ રિચર્ડ મેહોની’ (1917-19) ઑસ્ટ્રેલિયન સાહિત્યનું એક સીમાચિહ્ન ગણાય છે.

કવિતાક્ષેત્રે જૉન શૉ નેલ્સને (1872-1942) નાજુક ઊર્મિકાવ્યો આપ્યાં છે. વિક્ટર ડલી(1858-1905)ની કવિતા રંગદર્શી અને વ્યંગ્યયુક્ત છે. સી. જે. ડેનિસે લોકપ્રિય બૅલડ-પરંપરા ચાલુ રાખી. ક્રિસ્ટોફર બ્રેનન (1870-1932) યુરોપિયન પ્રતીકવાદી ઢબે કવિતા રચતા. કૅન્નેથ સ્લેસરની ઊર્મિકવિતા જુસ્સાવાળી અને નાટ્યાત્મક છે. પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)ના ગાળા દરમિયાન સાહિત્યમાં આવેલી પ્રૌઢિ તેમની કાવ્યકૃતિ ‘થીફ ઑવ્ ધ મૂન’(1909)માં જણાય છે. આ કાવ્યસંગ્રહથી માંડી ‘ફાઇવ બેલ્સ’ (1939) સુધીની કાવ્યકૃતિઓમાં ઑસ્ટ્રેલિયન કવિતા સમકાલીન પરિબળોને ઝીલતી જણાય છે. આર. ડી. ફિટ્સજેરલ્ડે (જ. 1902) તેના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ ગ્રેટર ઍપોલો’(1927)થી ‘બિટવીન ટુ ટાઇડ્ઝ’ (1952) દ્વારા કવિતાનું મહત્વનું ખેડાણ કરેલું છે. વૉલ્ટર મર્ડોક આ સમયના ઉલ્લેખનીય નિબંધકાર હતા. 1934માં પ્રગટ થયેલ કિસ્તિના સ્ટીડની નવલકથા ‘સેવન પૂઅર મૅન ઑવ્ સિડની’ અને 1941માં પ્રગટ થયેલી કાયલી ટેન્નાન્ટની નવલકથા ‘ધ બૅટલર્સ’માં વિષાદનું વાતાવરણ છે, પરંતુ આ બંને નવલકથાઓએ નવો ચીલો પાડ્યો હતો. નૉર્મન લિન્ડસે(1879-1969)ની બે નવલકથાઓ ‘રેડ હીપ’ (1930) અને ‘સેટરડી’(1933)માં ઑસ્ટ્રેલિયામાં નૈતિક મૂલ્યો અને જાતીય સંબંધમાં આવેલી સ્વચ્છંદતાનું નિરૂપણ છે. કૅન્નેથ મૅકેન્ઝીએ લિન્ડસેની પરંપરા તેમની નવલકથાઓ ‘મૅન-શાય’ (1931) અને ‘ધ યંગ ડિઝાયર ઇટ’(1937)માં આગળ વધારી.

બીજા વિશ્વયુદ્ધથી ઑસ્ટ્રેલિયન સાહિત્યનો આધુનિક યુગ શરૂ થયો. ઑસ્ટ્રેલિયન લેખકોની કલ્પનાશક્તિ પર અમેરિકા અને એશિયાનો પ્રભાવ પડ્યો. અનેક સામયિકો સાહિત્યક્ષેત્રે પ્રગટ થવા લાગ્યાં અને વાચકવર્ગ વ્યાપક બન્યો. બીજા વિશ્વયુદ્ધથી પ્રભાવિત અગ્રગણ્ય ઑસ્ટ્રેલિયન નવલકથાઓમાં લાવ્સન ગ્લા સોપની ‘વી વૅર ધ રૅટ્સ’ (1944), એરિક લૅમ્બર્ટની ‘ધ ટ્વેન્ટી થાઉઝન્ડ થીવ્ઝ’ (1951) અને હંગરફૉર્ડની ‘ધ રિજ ઍન્ડ ધ રિવર’ (1952), ઇલનોર ડાર્કની ‘ધ લિટલ કંપની’ (1945), હેન્રિયેટા ડ્રેક-બ્રોકમનની ‘ધ ફેટલ ડેઝ’, ઇવ લેંગ્લીની ‘ધ પી પિકર્સ’ (1942), રૂથ પાર્કની ‘ધ હાર્પ ઇન ધ સાઉથ’ (1948) વગેરે છે.

બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી વધુ પ્રભાવશાળી નવલકથાકાર પેટ્રિક વ્હાઇટ (જ. 1912) છે. તે ઇંગ્લૅન્ડમાં જન્મ્યા અને ઊછર્યા હતા અને ઑસ્ટ્રેલિયામાં આવી તેમણે નવલકથાઓનું સર્જન કર્યું. આ નવલકથાઓનું વાતાવરણ ઑસ્ટ્રેલિયન હોવા છતાં તેનું ફલક વિશાળ છે. પેટ્રિક વ્હાઇટની તુલના અને ગણના ટૉલ્સ્ટૉય અને દૉસ્તોવસ્કી સાથે થાય છે. 1973માં સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર તે પ્રથમ ઑસ્ટ્રેલિયન લેખક છે. તેમણે 1948માં ‘ધ આન્ટ્સ સ્ટોરી’થી લેખક તરીકેની કારકિર્દી શરૂ કરી, અનેક નવલકથાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય નામના મેળવી. તેમની જાણીતી નવલકથાઓ ‘ધ ટ્રી ઑવ મૅન’ (1955), ‘રાઇડર્સ ઇન ધ ચૅરિઅટ’ (1961), ‘ધ સૉલિડ મન્ડલ’ (1966), ‘ધ વિવિસેક્ટર’ (1970) અને ‘આઈ ઑવ ધ સ્ટૉર્મ’ (1973) છે. તેમણે કવિતા, વાર્તાઓ અને નાટકો પણ લખ્યાં છે. તેમની શૈલી કવિત્વમય, કલ્પનાથી સભર અને પ્રકૃતિવાદથી દૂર તેમજ બુદ્ધિવાદી છે. તેમના ‘ટ્રી ઑવ્ મૅન’(1954)ની પશ્ચાદભૂમિકામાં ઑસ્ટ્રેલિયન જંગલો છે. ખુલ્લામાં રહેતા અને ખેતરો ખેડતાં ખેડૂતોની બહાદુરી, જવાંમર્દી અને તોય પણ નરી એકલતાનું મહત્વાકાંક્ષી બયાન છે. ‘વૉઝ’(1957)-19મી સદીના એક જર્મન સાહસિક ઑસ્ટ્રેલિયન અન્વેક્ષક (explorer) ત્યાંના અંતરિયાળ પ્રદેશોમાં પ્રવેશ કરે છે. ‘ધ સૉલિડ મેન્ડેલા’ (1966), ‘ધ વિવિસેક્ટર’ (1970) અને ‘ધી આય ઑવ્ ધ સ્ટોર્સ’ (1973) તેમની અન્ય નવલકથાઓ છે.

અન્ય આધુનિક નવલકથાકારોમાં ‘ધ મૉન્તેફોટર્સ’ના લેખક માર્ટિન બૉય્ડ અંગ્રેજ અને ઑસ્ટ્રેલિયન જીવનનું વિશ્લેષણ રજૂ કરે છે. રાન્ડૉલ્ફ સ્ટૉવ (જ. 1935) ઑસ્ટ્રેલિયન ભૂમિર્દશ્યોના આલેખન સાથે પ્રતીકાત્મક નવલકથા સર્જનાર છે. હાલ પૉર્ટર(જ. 1917)ની આત્મકથાત્મક નવલકથા, ‘ધ વૉચર ઑન ધ કાસ્ટ આયર્ન બાલ્કની’ (1963) સભાન શૈલી માટે જાણીતી છે. મોરિસ વેસ્ટે બિન-ઑસ્ટ્રેલિયન વિષયવસ્તુ પર નવલકથાઓ લખીને આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે. વીસમી સદીના છઠ્ઠા દાયકાની સૌથી વધુ બુદ્ધિપ્રધાન નવલકથા-લેખિકા થી એસ્ટલી છે. ડૅવિડ ફોરેસ્ટ, શર્લી હઝાર્ડ, ક્રીના રોહન, ક્લાઇવ બેરી, બેરી ઓક લી અને ‘બ્રિંગ લાર્કસ ઍન્ડ હિરોઝ’(1967)ના સર્જક થૉમસ કેનીલ્લી વગેરેએ ઑસ્ટ્રેલિયન નવલકથાસાહિત્યના વિકાસમાં સારો ફાળો આપ્યો છે.

જૉન ક્લેરીએ ‘ધ સનડાઉનર્સ’ (1952) નામની લોકપ્રિય નવલકથા લખી છે. જૉન ઓ’ગ્રેડીએ ‘નિનો કુલોટા’ તખલ્લુસથી ‘ધે આર અ વેર્ડ મૉબ’ (1957) નામની હાસ્યપ્રધાન નવલકથા લખી, જેની અત્યધિક નકલો આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાઈ છે. કોલીન મૅક્કુલોની ‘ધ થૉર્ન બર્ડ્ઝ’ (1977) પેઢીઓમાં ફેલાયેલી કુટુંબકથા છે. તેના અનુવાદો અનેક ભાષાઓમાં થયા છે. તેના પરથી ટેલિવિઝન સિરિયલ પણ બની છે. મોરિસ વેસ્ટની જેમ ક્રિસ્ટિના સ્ટીડે પણ આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે. ભગ્ન લગ્નજીવનની તેમની નવલકથાઓમાં ‘ધ મૅન હુ લવ્ડ ચિલ્ડ્રન’ (1940; સંશોધિત આવૃત્તિ, 1965) અને ‘ધ લિટલ હૉટેલ’ (1973) નોંધપાત્ર છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધુ વેચાણના વિક્રમો ધરાવતી ‘ધ ડેવિલ્સ ઍડ્વોકેટ’ (1959) અને ‘ધ શુઝ ઑવ્ ધ ફિશરમૅન’ (1963) નવલકથાઓ સુપ્રસિદ્ધ છે. થૉમસ માઇકલ કેનીલ્લીની ‘ધ ચાન્ટ ઑવ્ જીમી બ્લૅકસ્મિથ’(1972)માં એક આદિવાસીએ લીધેલા વેરની વસૂલાતની કહાણી છે. આ નવલકથા ઉપરથી ‘શિન્ડલર્સ આર્ક’ (1982) નામનું ચલચિત્ર બન્યું હતું. આ નવલકથાને ‘બુકર પ્રાઇઝ’થી નવાજવામાં આવી હતી. સાંપ્રત નવલકથાકારોમાં ઇલિઝાબેથ જૉલી અને ડૅવિડ માલુફનાં નામ નોંધપાત્ર છે. જૉલીની ‘મિસ પીબોડીઝ ઇનહેરિટન્સ’ (1984) અને ‘ફૉક્સબેબી’(1985)ના વાચકો અન્ય દેશોમાં પણ છે. માલુફની ‘એન ઇમેજિનરી લાઇફ’(1978)ને નૅશનલ બુક કાઉન્સિલે દશકાની ઑસ્ટ્રેલિયાનાં દસ શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન આપ્યું છે. તેમની ‘હાર્લેન્ડ્ઝ હાફ એકર’(1984)માં ઑસ્ટ્રેલિયન કલાકારના જીવનની પશ્ચાદભૂમિકામાં ઑસ્ટ્રેલિયાની સંસ્કૃતિનાં દર્શન થાય છે.

ઑસ્ટ્રેલિયાએ વાર્તાક્ષેત્રે ઠીક પ્રગતિ કરી છે. પૅટ્રિક વ્હાઇટ, ‘ધ એમ્પટી સ્ટ્રીટ’(1965)ના લેખક પીટર કોવન (જ. 1914), ‘ટ્વેન્ટી થ્રી’(1962)ના લેખક જૉન મૉરિસન, ‘ધ અમેરિકન્સ બેબી’ (1972) અને ‘ધ ઇલેક્ટ્રિકલ એક્સપિરિયન્સ’ (1974) વાર્તાસંગ્રહોના ઉદ્દામવાદી લેખક ફ્રેંક મૂરહાઉસ, થેલ્મા ફોરશો (જ. 1923), રે મૅથ્યૂ (જ. 1929), રાન્ડૉલ્ફ સ્ટૉવ (જ. 1935) અને જૉન બેકસ્ટર (જ. 1939) વગેરેએ વાર્તાલેખનમાં ઉચ્ચ ધોરણો જાળવ્યાં છે.

વીસમી સદીમાં ઑસ્ટ્રેલિયન કવિતાનો વિકાસ થયો છે. કેન્નેથ સ્લેસર(1901-1971)નાં કાવ્યો ‘સાઉથ કન્ટ્રી’ અને ‘ફાઇવ વિઝન્સ ઑવ્ કૅપ્ટન કૂક’ ઑસ્ટ્રેલિયન કવિતાનાં આગવાં લક્ષણો પ્રગટ કરે છે. રૉબર્ટ ડી. ફિટ્સજેરલ્ડ(જ. 1902)ના પાંચ કાવ્યસંગ્રહોમાં ‘સાઉથમોસ્ટ ટ્વેલ્વ’(1963)માંનું ‘ધ હિડન બૉલ’ કાવ્ય વટવૃક્ષ દ્વારા અસ્તિત્વની જટિલતા પ્રગટ કરે છે. 1938માં રેક્સ ઇન્ગામેલ્સ (1913-55) દ્વારા કાવ્યક્ષેત્રે ‘જિન્ડીવોરોબાક’ નામનું ગ્રામવિસ્તારના અનુભવો આલેખતી કવિતાનું આંદોલન શરૂ થયું, જે ભદ્ર વર્ગની હાંસીનો વિષય બનેલું. પ્રૉફેસર એ. ડી. હોપે (જ. 1907) કવિ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. ડૅવિડ કૅમ્પબેલ(જ. 1915)ના જાણીતા કાવ્યસંગ્રહો ‘સ્પીક વિથ ધ સન’ (1949) અને ‘ધ મિરેકલ ઑવ્ મુલિયન હિલ’ (1956) છે. તેનું ‘મૅન ઇન ગ્રીન’ બૅલડ-શૈલીનું યુદ્ધ વિશેનું સુંદર કાવ્ય છે, કવયિત્રી જુડિથ રાઇટ(જ. 1915)ની કવિતા પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તેમના કાવ્યસંગ્રહો ‘વુમન ટુ મૅન’ (1949), ‘ધે ટુ ફાયર્સ’ (1955) અને ‘ધ અધર હાફ’ (1966) તથા કાવ્યો ‘મિડનાઇટ’, ‘પાસેટા’ વગેરે કવિતાપ્રેમીઓમાં જાણીતાં છે. રોઝમરી ડૉબ્સન(જ. 1920)નું કાવ્ય ‘ધ ડેવિલ ઍન્ડ ધ એન્જલ’ તથા કાવ્યસંગ્રહો ‘ચાઇલ્ડ વિથ અ કોકાટુ’ (1955) અને ‘કૉક ક્રો’ (1965) ચાતુર્ય, મૃદુતા અને ચોકસાઈનાં લક્ષણો ધરાવે છે. ફ્રાંસિસ વેલ(જ. 1925)નું ‘અ ડ્રમ ફૉર બેન બૉય્ડ’ અત્યંત જુસ્સાવાળું વર્ણનાત્મક કાવ્ય છે. જે. આર. રોવલૅન્ડ (જ. 1925) રશિયામાં રાજદૂત હતા. તેમણે તેમના કાવ્યસંગ્રહ ‘ધ ફીસ્ટ ઑવ્ ઍન્સેસ્ટર્સ’ (1965) દ્વારા કવિ તરીકે કીર્તિ પ્રાપ્ત કરી. ડગ્લાસ સ્ટુઅર્ટ(જ. 1913)ની કવિતા શક્તિશાળી છે. તેમના કાવ્યસંગ્રહો ‘સન ઑર્કિડ્સ’ (1962) અને ‘રુથરફૉર્ડ’ (1964) પ્રગટ થયા છે. ક્રિસ વૉલેસ-ક્રેબ(જ. 1934)નો જાણીતો કાવ્યસંગ્રહ ‘ઇન લાઇટ ઍન્ડ ડાર્કનેસ’ (1964) છે. રે મૅથ્યૂ (જ. 1929) કવિ ઉપરાંત નવલકથાકાર, નાટ્યકાર અને વિવેચક તરીકે બહુમુખી પ્રતિભા ધરાવે છે. ગ્લેન હાર્વુડ(જ. 1920)નો કાવ્યસંગ્રહ ‘પોએમ્સ’ (1963) જાણીતો છે. બ્રુલ બીવરે (જ. 1928) કાવ્યો ઉપરાંત નવલકથાલેખન પણ કર્યું છે. જેમ્સ મૅકઑલી (1917-76), લેસ એ. મુરે તથા ‘ગોલ્ડન બિલ્ડર્સ’(1974)ના કવિ વિન્સેન્ટ બર્કલી જાણીતા કવિઓ છે. સાતમા અને આઠમા દાયકામાં ઑસ્ટ્રેલિયન કવિતાએ વૈવિધ્ય અને પ્રભાવ પ્રાપ્ત કર્યાં. આ સમયના બીજા કવિઓ તે રૉબર્ટ આદમસન, મેક માસ્ટર, જે. એસ. હેરી, રિચર્ડ ટિપિંગ (ચારેય 1949માં જન્મેલા) અને મિકાએલ ડ્રાન્સફીલ્ડ (1984-73) છે. વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દશકમાં સિડની અને મૅલબૉર્નમાં જુદી તરાહની કાવ્યપ્રવૃત્તિ શરૂ થઈ. સિડનીના કવિઓની રચનાઓ વધુ ને વધુ છૂટછાટ મૂકતી, પણ લોકોને ગમે તેવી હતી, જ્યારે મૅલબૉર્નના કવિઓ સાહિત્યિક શૈલી પ્રયોજવા માટે વધુ સભાન રહેતા. તેમની કવિતામાં સામાજિક અને નૈતિક મૂલ્યોની જિકર કરવામાં આવતી. વિન્સેન્ટ બર્કલી અને ક્રિસ વૉલેસ ક્રેબ મૅલબૉર્નના કવિવૃંદમાં જ્યારે કેનેથ સ્લેસર, આર. ડી. ફિટ્જેરાલ્ડ અને ડગ્લાસ સ્ટુઅર્ટ સિડનીના કવિવૃંદમાં નોંધપાત્ર કવિઓ હતા. જોકે જૉન બ્લાઇટ, ગ્વેન હારવુડ, રોઝમેરી ડૉબ્સન, બ્રુસ બીવર, લેસ એ મુરે, ડૅવિડ મેલુફ, જૉન ટ્રેન્ટર અને રૉબર્ટ ગ્રે ઑસ્ટ્રેલિયાના સાંપ્રત સમય અને અનુભવને પોતપોતાની કવિતામાં આગવી રીતે અભિવ્યક્ત કરે છે.

નાટ્યક્ષેત્રે ઑસ્ટ્રેલિયન સાહિત્યે વીસમી સદીના પૂર્વાર્ધ સુધી ઝાઝી પ્રગતિ કરી ન હતી. 1789માં ઑસ્ટ્રેલિયન રંગભૂમિ પર પ્રથમ નાટક જ્યૉર્જ ફર્કહારનું ‘ધ રિક્રુટિંગ ઑફિસર’ કેદીઓએ ભજવ્યું. 1833માં બાર્નેટ લેવીએ સિડનીમાં ‘થિયેટર રૉયલ’ની સ્થાપના કરી. તેમાં ઘણેભાગે શેક્સપિયરનાં તેમજ પરદેશી નાટ્યકારોનાં નાટકો ભજવાતાં. સમ્નર લૉક-એલિયટનું નાટક ‘રસ્ટી બ્યૂગલ્સ’ 1948થી ભજવાતું રહ્યું છે. ડગ્લાસ સ્ટુઅર્ટ(જ. 1913)નાં નાટકો, ‘શિપરેક’ (1947), ‘નેડ કેલી’ (1943) અને ‘ધ ફાયર ઑન ધ સ્નો’ (1944) ઑસ્ટ્રેલિયાના ઇતિહાસના પ્રસંગો પર રચાયેલાં છે. લુઈ ઍસોન(1879-1943)નાં નાટકો પર આયરિશ નાટ્યકારો યેટ્સ અને સિંજનો પ્રભાવ છે. 1954માં ‘ધ ઇલિઝાબેથ થિયેટર ટ્રસ્ટ’ સ્થપાયું. નાટ્ય-સંગીત પ્રવૃત્તિને તે સહાય કરે છે. અભિનેતા – નાટ્યકાર રે લાવ્લાર(જ. 1903)નું ‘ધ સમર ઑવ્ સેવનટીન્થ ડૉલ્સ’ (1955) ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડની રંગભૂમિ પર સફળતાપૂર્વક ભજવાયું. તેનું બીજું નાટક ‘ધ પિકડિલી બુશમૅન’ (1959) પ્રથમ જેટલું લોકપ્રિય ન બની શક્યું. રિચર્ડ બેન્યૉનનું ‘ધ શિફિ્ંટગ હાર્ટ’ (1957) અને એલન સેમૂરનું ‘ધ વન ડે ઑવ્ ધ ઇયર’ (1962) નાટક જૂની અને નવી પેઢી વચ્ચેનો સંઘર્ષ રજૂ કરે છે. પેટ્રિક વ્હાઇટ અને હૉલ પૉર્ટરે પણ નાટકો સર્જ્યાં છે, પરંતુ લાવ્લારની કક્ષાએ કોઈ પહોંચ્યું નથી. ઍલેક્ઝાંડર બુઝોનાં નાટકો ‘રૂટેડ’ અને ‘ધ ફ્રન્ટ રૂમ બૉઇઝ’ 1969માં અને બીજાં બે નાટકો 1971માં ભજવાયાં હતાં. ડોરોથી યુએટનાં નાટકો ‘મિસિસ પૉર્ટર ઍન્ડ ધ એન્જલ’ (1969) તથા આત્મકથાની વિડંબના રૂપ ‘ધ ચેપલ પેરિલસ’ (1973) અતિવાસ્તવવાદી છે. જૅક હિબર્ડનાં નાટકો ‘ઓપન-ફૉર્મ’ નાટકો તરીકે ઓળખાય છે. રે મૅથ્યૂ-રોમેરિલ, બેરીઓકલી, જે. પી. મૅકેન્ઝી, જ્યૉર્જ ડન વગેરેએ નાટ્યક્ષેત્રે સારો ફાળો આપ્યો છે. સમકાલીન નાટ્યકારોમાં ડૅવિડ વિલિયમસન સૌથી સફળ નાટ્યકાર છે. તેમનાં જાણીતાં નાટકો છે – ‘ધ રિમૂવાલિસ્ટ્સ’ (1973), ‘ડાન્સ પાર્ટી’ (1973) અને ‘ધ ડિપાર્ટમેન્ટ’ (1975). લુઈ ઍસન નાટ્યપ્રવૃત્તિને વરેલા સાહિત્યકાર છે. રૅલૉલરેનું ‘સમર ઑવ્ ધ સેવન્ટીન્થ ડૉલ’ ન્યૂયૉર્કમાં બ્રોડવે(1956)માં અને અન્ય થિયેટરો(1968)માં ભજવાયું. તેના પરથી ‘સીઝન ઑવ્ પૅશન’ (1961) ચલચિત્ર બન્યું હતું. 1970 પછી નાટકો અને ચલચિત્રોનું સર્જન થતું રહ્યું છે. એ. જી. સ્ટીફન્સ વિવેચક તરીકે અને વૉલ્ટર મર્ડોક કેળવણીકાર તરીકે સુપ્રસિદ્ધ છે.

નિબંધલેખક વૉલ્ટર મર્ડોકનો ફાળો ઉલ્લેખનીય છે. બાળકોના સાહિત્યમાં મિસિસ એનિયાસ ગન કૃત ‘વી ઑવ્ ધ નેવર-નેવર’ (1908) અને ‘ધ લિટલ બ્લૅક પ્રિન્સેસ’ (1905) ખૂબ પ્રખ્યાત કૃતિઓ છે. સાંપ્રત ઑસ્ટ્રેલિયન સાહિત્ય માટેના ‘મીન્જિન ઑવ્ મૅલબૉર્ન’, ‘સધર્લી ઑવ્ સિડની’, ‘ધ બુલેટિન’ અને ‘ઑસ્ટ્રેલિયન લિટરરી સ્ટડીઝ’ સાહિત્ય અને જીવનદર્શન અંગેનાં અગત્યનાં સામયિકો છે. ‘ધ બુલેટિન’ તો છેલ્લાં છ-સાત દશકાથી ઑસ્ટ્રેલિયન સાહિત્ય માટેનું શક્તિશાળી મુખપત્ર છે. અંગ્રેજી સાહિત્યના અભ્યાસમાં કેટલીક યુનિવર્સિટીઓમાં ઑસ્ટ્રેલિયન સાહિત્યના અભ્યાસનો સ્વીકાર થયો છે.

લગભગ બીજા વિશ્વયુદ્ધ (1939-1945) સુધી ઑસ્ટ્રેલિયન સાહિત્ય વિશે પરદેશોમાં ભાગ્યે જ કોઈ જાણતું હતું, પરંતુ હવે સ્થિતિ પલટાઈ છે. વિશ્વના મહાન સાહિત્યકારોની હરોળમાં બેસે તેવા ઑસ્ટ્રેલિયન લેખકો ખૂબ ઓછા છે, છતાં ઑસ્ટ્રેલિયન સાહિત્યે કૉમનવેલ્થ દેશોનાં તેમજ દુનિયાના સાહિત્યક્ષેત્રે નાનું પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને હજુ તે વિવિધ દિશામાં આગળ વધી રહ્યું છે.

કૃષ્ણવદન જેટલી

વિ. પ્ર. ત્રિવેદી