ઇંગ્લૅન્ડ

યુ. કે.નું મહત્વનું રાજ્ય. ભૌગોલિક માહિતી : ઇંગ્લૅન્ડ આશરે 50o ઉ. અ.થી 55o 30´ ઉ. અ. અને 2o પૂ. રે.થી 6o પ. રે. વચ્ચે આવેલું છે. આ રાજ્યનો વિસ્તાર 1,30,439 ચોકિમી. છે. આ રાજ્યની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 580 કિમી. જ્યારે પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 435 કિમી. છે. ત્રિકોણાકાર ધરાવતા આ રાજ્યની પૂર્વે ઉત્તર સમુદ્ર, દક્ષિણે ડૉવરની સામુદ્રધુની, ઇંગ્લિશ ખાડી, પશ્ચિમે વેલ્સ રાજ્ય, આઇરિશ સમુદ્ર અને ઉત્તરે સ્કોટલૅન્ડ રાજ્યની સીમા આવેલી છે. આ રાજ્યને આશરે 1,850 કિમી. લાંબો સમુદ્રકિનારો પ્રાપ્ત થયો છે. આ રાજ્યના કોઈ પણ ભાગથી સમુદ્રકિનારો 125 કિમી. કરતાં વધુ દૂર નથી.

ઇંગ્લૅન્ડ

પ્રાકૃતિક રચના : ઇંગ્લૅન્ડનો ભૂમિભાગ પર્વતો, ઉચ્ચપ્રદેશો સાથે નદીઓ અને કિનારાનાં મેદાનોની વિવિધતા ધરાવે છે. મધ્ય, દક્ષિણ અને પૂર્વના વિસ્તારો નીચાણવાળા છે, જ્યારે પશ્ચિમે અને ઉત્તરે આવેલા ઊંચા પર્વતીય ભૂમિભાગો અહીંના ભૂપૃષ્ઠને વિવિધતા બક્ષે છે.

પિનાઇન પર્વતમાળા : ઇંગ્લૅન્ડના પ્રાકૃતિક સૌંદર્યમાં શિરમોર સમાન છે. સ્લેટ અને આરસપહાણ જેવા વિકૃત ખડકોના આ પર્વતો ખનિજ-સંપત્તિના ભંડાર સમાન છે. અહીં અઢારમી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ આ પ્રદેશનાં લોખંડ અને કોલસાનાં ખનિજોને આભારી છે. આજે પણ ઇંગ્લૅન્ડના ઉદ્યોગો માટે આ પર્વતમાળા કરોડરજ્જુ સમાન છે. આ પર્વતમાળા દક્ષિણે વેલ્સના રાજકીય વિભાગથી ઉત્તરે છેક સ્કૉટલૅન્ડ સુધી વિસ્તરેલી છે. આ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર સ્કેફિલ છે, તે સમુદ્રની સપાટીથી 978 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વતમાળા અહીંની નદીઓના ઉત્પત્તિસ્થાન તરીકે પણ મહત્વની છે. નદીઓમાં બારે માસ પાણી રહે છે અને નૌવહન માટે કેટલીક નદીઓ ઉપયોગી છે. મોટાં બંદરો તેમનાં મુખ ઉપર છે. આ ઉપરાંત પૂર્વની મિલ્ટની ટેકરીઓ અને પશ્ચિમની કોટ્સવોલ્ડની ટેકરીઓ પણ અહીંના ભૂપૃષ્ઠને આગવી વિશિષ્ટતા અર્પે છે.

ઇંગ્લૅન્ડના દક્ષિણ ભાગમાં અને પશ્ચિમે કોર્નવોલ અને ડેવોનના ઉચ્ચપ્રદેશો આવેલા છે. પોચા ખડકોવાળા આ પ્રદેશો પણ ખનિજ-સંપત્તિ માટે ઉપયોગી છે. વળી ઇંગ્લૅન્ડના અગ્નિખૂણામાં ટેમ્સ, ટ્રેન્ટ, એક્સ, એવન જેવી નદીઓનાં મેદાનો ખેતીવાડી, વાહનવ્યવહાર, ઉદ્યોગો તેમજ શહેરી વસાહત માટે સૌથી વધુ ઉપયોગી છે. આ મેદાનો સૌથી વધુ ફળદ્રૂપતા ધરાવે છે, પરિણામે ઇંગ્લૅન્ડની ખેતીવાડી અહીં વધુ થતી જોવા મળે છે. લંડનની આસપાસનો પ્રદેશ (London Basin) ‘વેલ્ડ’ના નામે ઓળખાય છે, જ્યાં ખેતી સૌથી વધુ થાય છે. અહીનાં અગત્યનાં મેદાનોમાં સમરસેટ, મિડલૅન્ડ, બ્રિસ્ટોલ વગેરે મુખ્ય છે. ઇંગ્લૅન્ડની સૌથી વધુ વસ્તી, વાહનવ્યવહાર અને માનવપ્રવૃત્તિઓ આ પ્રદેશમાં છે. ક્રિકેટનાં સારાં મેદાનો પણ અહીં જ આવેલાં છે.

ઇંગ્લૅન્ડના પ્રાકૃતિક સૌન્દર્યમાં ભારતના કાશ્મીર જેવો જો કોઈ રળિયામણો પ્રદેશ હોય તો તે છે ‘સરોવરોનો પ્રદેશ’ (Lake District). ઇંગ્લૅન્ડના વાયવ્ય ખૂણે પિનાઈન પર્વતમાળાના કૅમ્બ્રિયન પર્વતોની વચ્ચે આ સરોવરોનો પ્રદેશ આવેલો છે. અહીંનાં અસંખ્ય સરોવરોમાં સૌથી મોટું સરોવર વિન્ડરમિયર છે. ઇંગ્લૅન્ડની ટાઈન અને એક્સમથ ઉપરાંત અનેક નદીઓ આ પ્રદેશમાંથી નીકળે છે. અહીંની મુખ્ય નદી ટેમ્સને ‘ફાધર ટેમ્સ’ કહે છે. અહીંનું પાટનગર લંડન આ નદીના કિનારે વસેલું છે.

હાઉસિસ ઑવ્ પાર્લમેન્ટ, લંડન

આબોહવા : ઇંગ્લૅન્ડની આબોહવા દરિયાઈ અને સમધાત છે. આખું વર્ષ પશ્ચિમિયા પવનો અહીં વાય છે અને ઉત્તર ઍટલાંટિકનો અખાતનો ગરમ પ્રવાહ ઇંગ્લૅન્ડના પશ્ચિમ કિનારેથી (નૈર્ઋત્ય દિશાએ) પસાર થાય છે. પરિણામે પૂર્વ ઇંગ્લૅન્ડ કરતાં પશ્ચિમ ઇંગ્લૅન્ડની આબોહવા વધુ સમધાત બની છે. ચક્રવાતોની વ્યાપક અસરને કારણે અહીંનું હવામાન સતત પરિવર્તનશીલ રહે છે. આ સતત બદલાતા હવામાનને ‘બહચી’ કહેવામાં આવે છે.

શિયાળા દરમિયાન ઠંડી વધુ પડે છે. આ ઋતુમાં તાપમાન 4o સે.થી પણ ઘણી વાર નીચે જાય છે. શિયાળો દક્ષિણ કરતાં ઉત્તરમાં વધુ ઠંડો હોય છે. શિયાળા દરમિયાન ઝાકળ, હિમ, ધુમ્મસ તેમજ ‘સ્મૉગ’ અહીં સામાન્ય છે. લંડનના હિથ્રો હવાઈ મથકે ઈ.સ. 1971ના જાન્યુઆરી માસમાં લાગલાગટ 3 દિવસ સુધી ગાઢું ધુમ્મસ છવાઈ ગયું હતું તેને પરિણામે આશરે 22,000 મુસાફરો અટવાઈ પડ્યા હતા. જાન્યુઆરીમાં સરેરાશ 3o સે.થી 0o સે. અને જુલાઈમાં સરેરાશ 15o સે.થી 18o સે. ઉષ્ણતામાન રહે છે. પૂર્વ તરફ ગરમ પ્રવાહને કારણે ઉષ્ણતામાન વધારે રહે છે. ઔદ્યોગિક વિકાસ અને શહેરીકરણને કારણે ઇંગ્લૅન્ડમાં પ્રદૂષણની માત્રા પણ વધુ છે. ‘ગલ્ફ સ્ટ્રીમ’ના ગરમ પ્રવાહને કારણે ઇંગ્લૅન્ડના પશ્ચિમ કિનારાનાં બંદરોમાં બરફ જામતો નથી અને વધુ વરસાદ પડે છે. પર્વતીય વિસ્તારોમાં અને ઉત્તર તરફ જતાં તાપમાન અન્ય ભાગ કરતાં ઓછું હોય છે.

વર્ષનો મોટો ભાગ અહીં ઝરમર ઝરમર વરસાદ પડે છે. પરંતુ ઉનાળામાં વધુ વરસાદ પડે છે. વરસાદનું સૌથી વધુ પ્રમાણ સરોવરોના પ્રદેશમાં અને પિનાઈન પર્વતમાળાનાં ઊંચાં શિખરો(સ્કેફિલ)ની આસપાસ હોય છે. અહીં આશરે 760 મિમી. જેટલો સરેરાશ વરસાદ પડે છે, પણ ઓછામાં ઓછો 240 મિમી. અને વધુમાં વધુ 1,020 મિમી. પડે છે. વરસાદ લાવવામાં ચક્રવાતો મહત્વનો ભાગ ભજવે છે. સૂર્યપ્રકાશની અહીં સતત ખેંચ વર્તાય છે. શિયાળામાં અંધારું વહેલું થાય છે, જ્યારે ઉનાળામાં રાત્રિ પ્રકાશમય જણાય છે. અહીંની સમધાત આબોહવા ખેતી, ઉદ્યોગ, વાહનવ્યવહાર તેમ જ માનવપ્રવૃત્તિને પ્રોત્સાહક હોય છે. તેને પરિણામે ઇંગ્લૅન્ડ અનેક માનવપ્રવૃત્તિના વિકાસમાં અગ્રેસર બન્યું છે.

વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ : ઇંગ્લૅન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ અને શહેરીકરણ થયા પછી જંગલ અને પ્રાણીસૃષ્ટિનો નાશ થતો રહ્યો છે, તેમ છતાં બ્રિટિશ ટાપુનાં કુલ જંગલોમાંથી અર્ધા ઉપરાંત જંગલો ઇંગ્લૅન્ડમાં આવેલાં છે. 1919માં જંગલ કમિશનની સ્થાપના થયા છતાં આજે બ્રિટિશ ટાપુની કુલ ભૂમિમાં માત્ર 4 % ભૂમિ ઉપર જ જંગલો પથરાયેલાં છે. (સમગ્ર યુરોપ ખંડમાં સૌથી ઓછાં જંગલો બ્રિટિશ ટાપુમાં આવેલાં છે !) અહીંનાં જંગલોમાં ઓક વૃક્ષ સામાન્ય છે. આ ઉપરાંત એશ, બર્ચ, એલ્મ, વિલો, એલ્ડર, આસ્પાન તથા હોર્નબીમનાં વૃક્ષો મુખ્ય છે. બીચ વૃક્ષો દક્ષિણ-પૂર્વ ઇંગ્લૅન્ડમાં વધુ જોવા મળે છે. એક્સમૂર અને ડાર્ટમૂરના વિસ્તારોમાં કાદવ-કીચડ સાથે ઘાસ જેવી વનસ્પતિ વધુ જોવા મળે છે. રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડાય છે અને તેની કાળજી લેવાય છે.

ખેતી, બળતણ, વસવાટ અને વાહનવ્યવહાર માટે જંગલો સતત નાશ પામતાં હોવાથી ઇમારતી લાકડું નૉર્વે, કૅનેડા, સ્વીડન અને ફિનલૅન્ડ જેવા પડોશી દેશોમાંથી આયાત કરવું પડે છે.

ઓછાં જંગલોને કારણે પ્રાણીસૃષ્ટિ મર્યાદિત છે. કેટલાંક અભયારણ્યો પ્રાણીસૃષ્ટિ અલ્પસંખ્યામાં ધરાવે છે. પાલતુ પ્રાણીઓની સંખ્યા અહીં વધારે છે. તેમાં ડુક્કર, ઘેટાં-બકરાં, ગાય, મરઘાં-બતકાં મુખ્ય છે. દુધાળાં ઢોરના ઉછેર માટે કોર્નવોલ, ડેવોન અને સમરસેટનાં મેદાનો જાણીતાં છે. દૂધ, માખણ, ઊન, માંસ અને ચામડાં – ડેરી ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થતી મુખ્ય પેદાશો છે. આ ઉપરાંત સ્થાનિક માંગ સંતોષવા દૂધની બનાવટો તેમજ ઈંડાંની ડેન્માર્કથી આયાત થાય છે.

દરિયાકિનારે મત્સ્યઉદ્યોગ વિકસેલો છે, જેની દ્વારા પીલકાર્ડ, મેકરલ, હેરિંગ, ટ્રાઉટ અને સાલ્મન જેવી અનેક પ્રકારની માછલીઓ પકડવામાં આવે છે.

વસ્તી અને માનવપ્રવૃત્તિ : ઇંગ્લૅન્ડમાં મોટા ભાગની વસ્તીનો વસવાટ શહેરોમાં છે. સમગ્ર ઇંગ્લૅન્ડમાં ‘ગ્રેટર લંડન’ વિસ્તાર વધુ શહેરી વસ્તી ધરાવે છે. ઇંગ્લૅન્ડમાં ગ્રેટ બ્રિટનની કુલ વસ્તીના 85 % અને યુનાઇટેડ કિંગ્ડમની 80 % વસ્તી વસવાટ કરે છે. વસ્તીની ગીચતાનું સૌથી વધુ પ્રમાણ દર ચોરસ કિ.મીટરે 911 માણસો જેટલું છે. લોકો મોટે ભાગે ઉદ્યોગોમાં રોકાયેલા છે. ગરમ અને સુતરાઉ કાપડ, નાઇલૉન વગેરેની મિલો છે અને મિડલૅન્ડમાં આવેલ બર્મિંગહામ આસપાસ લોખંડ અને પોલાદ તથા મોટરઉદ્યોગ તેમ જ લેંકેશાયર, માંચેસ્ટર અને લિવરપુલમાં સુતરાઉ અને ગરમ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. કાપડ ઉપરાંત ઇજનેરી ઉદ્યોગો, વહાણ બાંધવાનો ઉદ્યોગ, કટલરી, સિમેન્ટ, કાચ, દવા, રસાયણ વગેરેના ઉદ્યોગો પણ વિકસ્યા છે. માલવહન માટે આ દેશ મોટો જહાજી કાફલો ધરાવે છે. ખેતીવાડીમાં 3 %થી પણ ઓછા લોકો રોકાયેલા છે. ઘઉં, જવ, ઓટ, શાકભાજી અને ફળોનો સ્થાનિક પાક છે, અનાજ, ફળો, ડેરીપેદાશો વગેરે આયાત કરવાં પડે છે.

મોટે ભાગે ખ્રિસ્તી ધર્મ પાળતી અહીંની વસ્તી ઉદ્યોગ, વાહનવ્યવહાર, વ્યાપાર-વાણિજ્ય, ખેતી, પશુપાલન અને અન્ય વ્યવસાયોમાં રોકાયેલી છે. મત્સ્ય-ઉદ્યોગ દ્વારા પણ કિનારાના ઘણા લોકોને આજીવિકા પ્રાપ્ત થાય છે. ઑક્સફર્ડ અને કેમ્બ્રિજનાં વિદ્યાધામો જાણીતાં છે. અહીંની ઉદ્યમી, શિક્ષિત, સાહસિક અને મહત્વાકાંક્ષી પ્રજાએ આર્થિક, રાજકીય, વૈજ્ઞાનિક અને સાહિત્ય તથા શિક્ષણના ક્ષેત્રે સારો વિકાસ કર્યો છે, પણ 1947 પછી સંસ્થાનો ગુમાવતાં ઇંગ્લૅન્ડ બીજી કક્ષાની સત્તા બની ગયું છે અને ઑસ્ટ્રેલિયા અને કૅનેડામાં સ્થળાંતર કરનારની સંખ્યા વધી છે જ્યારે કેરેબિયન સમુદ્રના દેશો તથા ભારતીય ઉપખંડથી ઘણા લોકો આવીને વસ્યા છે.

ઑક્સફર્ડ નગરનો એક રાજમાર્ગ

આયાતનિકાસ : ઇંગ્લૅન્ડ રૂ, ઊન, લોખંડની ધાતુ, કલાઈ, પારો, તાંબું, સીસું, અનાજ, ચા, કૉફી, ફળો, શાકભાજી, રબર, સુતરાઉ કાપડ, શણ, લાકડું, કોથળા, લાખ, અબરખ, મૅંગેનીઝ વગેરે આયાત કરે છે જ્યારે ગરમ કાપડ, રેયૉન કાપડ, યંત્રો, વીજળીનો સામાન, રસાયણો, રંગ, દવાઓ, જહાજો, પુસ્તકો વગેરે નિકાસ કરે છે.

અગત્યનાં શહેરો : ઇંગ્લૅન્ડમાં શહેરોનું પ્રમાણ સ્કૉટલૅન્ડ, વેલ્સ અને ઉ. આયર્લૅન્ડ કરતાં વિશેષ છે. અગત્યનાં શહેરોમાં લંડન, માન્ચેસ્ટર, લિવરપુલ અને બર્મિંગહામ મુખ્ય છે.

લંડન : ગ્રેટ બ્રિટનનું આ પૂર્વ કિનારાનું મુખ્ય બંદર છે. ઇંગ્લૅન્ડની રાજધાનીનું શહેર અને વ્યાપારી કેન્દ્ર છે. સમુદ્રકિનારાથી લગભગ 70 કિમી. દૂર ટેમ્સ નદી પર આવેલું શહેર છે. વિવિધ ઉદ્યોગો ઉપરાંત પુનર્નિકાસ માટે આ શહેર વિશ્વવિખ્યાત છે. અહીં નજીક આવેલી ઇંગ્લિશ ખાડી સાથે સંકળાયેલી ડોવરની સામુદ્રધુની હેઠળ ઇંગ્લૅન્ડ અને ફ્રાંસને સાંકળતી ‘ઇંગ્લિશ ટનલ’ (બોગદું) 1994માં નિર્માણ કરાઈ છે, જે બંને દેશોના પરિવહન માટે ખૂબ ઉપયોગી બની રહી છે.

અહીં 5 હવાઈમથકો આવેલાં છે, જેમાં હેસ્ટન, ક્રાયડન, ઈલફોર્ડ, ગેરવિંગ અને હિથ્રોનો સમાવેશ થાય છે. આ શહેર યુ. કે.નું વિદ્યા અને સંસ્કારનું પણ કેન્દ્ર છે. અહીં રૉયલ આલ્બર્ટ હૉલ, બ્રિટિશ મ્યુઝિયમ, કિંગ્સ્ટન સાયન્સ ઍન્ડ નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ, રૉયલ પોન્ડ, બી.બી.સી. બિલ્ડિંગ, લંડન યુનિવર્સિટી, બકિંગહામ મહેલ, વેસ્ટમિન્સ્ટર બ્રિજ, બેડફોર્ડ કૉલેજ, વિક્ટોરિયા ટાવર, ક્યુ ગાર્ડન વગેરે ઉપરાંત અનેક સુંદર ઇમારતો અને મહાલયો અહીં આવેલાં છે.

ગ્રીનિચ : લંડનનું એક પરું છે, જ્યાં વિશ્વવિખ્યાત વેધશાળા આવેલી છે. આ ગ્રીનિચ પરથી જ 0oનું મુખ્ય રેખાંશ પસાર થાય છે. લંડન શહેર પૂર્ણ આયોજિત અને પુરાતન શહેર છે. રાજકીય પરિવર્તન અને યુરોપીય દેશોના સંઘર્ષમાં આ શહેરને વધુ અસર થયેલી. આ શહેર ઇંગ્લૅન્ડનું એક નમૂનેદાર અને પ્રવાસી આકર્ષણનું કેન્દ્ર છે.

માન્ચેસ્ટર : ઇંગ્લૅન્ડના પશ્ચિમ કિનારે મર્સી નદીની ઉપશાખા ઇરવેલ નદીના મુખ પર આ બંદર આવેલું છે. સુતરાઉ કાપડઉદ્યોગ માટે આ બંદર જગવિખ્યાત છે. આ શહેર સમુદ્રથી દૂર હોવાથી 1894માં તેને માન્ચેસ્ટર નહેર દ્વારા લિવરપુલ સાથે જોડવામાં આવેલું હતું. આ શહેરની પૂર્વમાં શેફિલ્ડ અને ઉત્તર બેડફોર્ડના ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે. અહીં અતિ પ્રાચીન અને ઐતિહાસિક જોન રેલેન્ડ લાઇબ્રેરી આવેલી છે. અહીં પંદરમી સદી આસપાસની 3,000 કરતાં પણ વધુ હસ્તપ્રતો હજુ પણ જળવાયેલી છે.

વિન્ડસર કૅસલ, લંડન

લિવરપુલ : બ્રિટિશ ટાપુના પશ્ચિમ કિનારે આવેલું આ શહેર ઇંગ્લૅન્ડનું લંડન પછી બીજું મહત્વનું બંદર છે. આ શહેર મર્સી નદીના મુખ ઉપર આવેલું છે. તે જળ, જમીન અને હવાઈ માર્ગની સુંદર સગવડ ધરાવે છે. મિડલૅન્ડ અને ઉ. ઇંગ્લૅન્ડનો સમૃદ્ધ પીઠપ્રદેશ (hinterland) આ બંદરને મળેલ છે. સુતરાઉ કાપડ, લોખંડ-પોલાદ, રંગ-રસાયણ જેવા ઉદ્યોગો અને ક્રૂડ ઑઇલની રિફાઇનરીથી ધમધમતા પ્રદેશ વચ્ચે આ બંદર આવેલું હોવાથી કૅનેડા, અમેરિકા અને દક્ષિણ આફ્રિકા તેમજ યુરોપ સાથે આ બંદર દ્વારા વિદેશી વ્યાપાર થાય છે.

બર્મિંગહામ : પિનાઈન પર્વતમાળાની દક્ષિણ બાજુએ આવેલું આ પ્રાચીન શહેર છે. લોખંડ અને કોલસાની પ્રાપ્તિ નજીકનાં ક્ષેત્રોમાંથી થતી હોવાથી લોખંડ અને પોલાદનો ઉદ્યોગ અહીં વર્ષોથી વિકાસ પામ્યો છે. જેમ્સ વૉટ અને સ્ટીવન્સને આ શહેરના વસવાટ દરમિયાન વરાળ એન્જિનની શોધ કરી હતી. અહીં વરાળ એન્જિનનું પ્રથમ કારખાનું પણ સ્થપાયું હતું. અહીંની મૈસન યુનિવર્સિટી સમગ્ર ઇંગ્લૅન્ડમાં પ્રખ્યાત છે.

આ મુખ્ય શહેરો ઉપરાંત ઑક્સફર્ડ અને કૅમ્બ્રિજ શૈક્ષણિક અને સાંસ્કૃતિક ધામો છે. ઇંગ્લૅન્ડનાં અન્ય શહેરોમાં બ્રિસ્ટલ, લીડ્સ, લીસ્ટર, બેડફોર્ડ અને પોટર્સમાઉથ ગણાવી શકાય. વસ્તી : ઇગ્લૅન્ડ :  5,62,86,961 (2019).

પ્રાચીન અને મધ્યયુગ

ઇંગ્લૅન્ડ અથવા ગ્રેટ બ્રિટન (ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ અને વેલ્સ)નો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળથી શરૂ કરી શકાય, કારણ અહીં પુરાતન તથા નૂતન પાષાણયુગના માનવીના વસવાટના અવશેષો પ્રાપ્ત થયા છે. આ સમયના માનવીને ‘આઇબેરિયન’ તરીકે ઓળખવામાં આવે છે. આઇબેરિયનો પછી અહીં ‘કેલ્ટ’ નામની આર્ય જાતિના લોકો આવીને વસ્યા. તેમાંની એક જાતિ ‘બ્રિટન’ નામની જાતિ હતી અને તેના ઉપરથી જ આ ટાપુનું નામ ‘બ્રિટાનિયા’ પડ્યું. તે પછી ઈ. પૂ. 55-54માં મહાન રોમન સેનાપતિ જુલિયસ સીઝરે બ્રિટનની ધરતી ઉપર પગ મૂક્યો ત્યારથી લગભગ 100 વર્ષના ગાળામાં મોટા ભાગનું બ્રિટન રોમન સામ્રાજ્યના સંપૂર્ણ તાબા નીચે આવી ગયું. જેની અસરથી ઇંગ્લૅન્ડની સંસ્કૃતિમાં ઈ. સ. પાંચમી સદીના આરંભ સુધીમાં ઘણાં રોમન તત્વો પ્રવેશ્યાં.

એંગ્લોસેક્સન સમય : ઈસુની પાંચમી સદીમાં (ઈ. સ. 410 પછી) ખુદ રોમ ઉપર જ વેન્ડાલ, ગોથ, હૂણ વગેરે અર્ધસભ્ય જાતિઓનાં આક્રમણો થવા લાગતાં, રોમન શહેનશાહે બ્રિટનમાંના સૈનિકોને રોમના બચાવ માટે પાછા બોલાવી લીધા. પરિણામે બ્રિટનમાં અંધાધૂંધી ફેલાઈ અને તે જુદી જુદી જાતિઓનાં આક્રમણોનું ભોગ બનવા લાગ્યું. લગભગ છઠ્ઠી સદીથી યુરોપની ઉત્તર જર્મની તથા ડેન્માર્ક બાજુથી જ્યુટ, એંગલ્સ અને સેક્સન નામની જાતિઓ અહીં સુધી આવી. તેમાંની મુખ્ય જાતિ ‘એંગલ્સ’ના નામ ઉપરથી કાળક્રમે આ સમગ્ર ટાપુનું નામ ‘ઇંગ્લૅન્ડ’ (Land of Angles) પડ્યું. એંગ્લો-સેક્સનોનાં અહીં જુદાં જુદાં સાત રાજ્યો સ્થપાયાં. આ એંગ્લો-સેક્સન રાજાઓએ જ અહીં વર્તમાન સમયના ઇંગ્લૅન્ડના બંધારણના પાયાનાં તત્વો – જેવાં કે સર્વસત્તાધીશ રાજાશાહી, રાજાની પસંદગી કરનારી તથા તેને સલાહ આપનારી રાજ્યના મુખ્ય માણસોની સભા ‘વિટેનાગેમટ’ (અર્થાત્, ડાહ્યા માણસોની સભા) તથા સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓની સ્થાપના કરી. તે ઉપરાંત તેમના પ્રયત્નોથી અહીં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થતાં વ્યવસ્થિત ‘ખ્રિસ્તી દેવળ સંસ્થા’(Church)ની પણ સ્થાપના થઈ. આ વંશમાં આલ્ફ્રેડ ધ ગ્રેટ શક્તિશાળી રાજવી હતો (849-899). તેના વિશે કેટલીય લોકકથાઓ વણાયેલી છે.

ઈસુની નવમી સદીમાં એંગ્લો-સેક્સન રાજવીઓને હરાવીને ડેન્માર્કના ડેન લોકો(તેઓ ‘વાઇકિંગ’ કહેવાતા)એ અર્ધા ઇંગ્લૅન્ડ ઉપર પોતાની હકૂમત સ્થાપી. તેમનો રાજા કેન્યુટ (જેને ઈ. સ. 1017માં ખુદ ‘વિટને’ જ રાજા તરીકે પસંદ કર્યો હતો) ઘણો શાણો રાજવી ગણાતો. કેન્યુટના અવસાન પછી એંગ્લો-સેક્સનો ફરી વખત જોરમાં આવ્યા, પરંતુ તેમની વચ્ચે આંતરકલહ થતાં તેનો લાભ લઈને ઉત્તર ફ્રાન્સના નૉર્મન્ડીના ડ્યૂક (ઠાકોર) વિલિયમે ઈ. સ. 1066માં છેલ્લા એંગ્લો-સેક્સન રાજવી હેરોલ્ડને હરાવી ‘ઇંગ્લૅન્ડના રાજા’ તરીકે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો.

નૉર્મન યુગ (ઈ. સ. 1066-1154) : નૉર્મનો પોતાની સાથે તે સમયે મધ્ય-યુરોપ અને ફ્રાન્સમાં પ્રવર્તી રહેલી ‘સામંતશાહી’ પ્રથાઓ તથા સંસ્થાઓને ઇંગ્લૅન્ડમાં લેતા આવ્યા. જોકે તેમણે એંગ્લો-સેક્સન સમયની રાજકીય સંસ્થાઓ પણ રાખી, પરંતુ તેમણે તેમાં સામંતશાહી તત્વો પણ દાખલ કર્યાં. દા.ત., એંગ્લો-સેક્સન સમયની ‘વિટેનાગેમટ’ હવે સામંતશાહી અધિકારોવાળી ઉમરાવો(Lords)ની સભા (‘ક્યુરિયા રીજીસ’ = મહાસભા) બની ગઈ. ‘વિજેતા વિલિયમ’ પછી તેનો પુત્ર હેન્રી પહેલો ગાદીએ આવ્યો. તે ઘણો શક્તિશાળી રાજવી સાબિત થયો, પરંતુ તેના અવસાન પછી ગાદી તેની પુત્રી મટિલ્ડા(જેને આંજુના પ્લેન્ટેજીનેટ વંશના ડ્યૂક સાથે પરણાવી હતી.)ના વંશમાં ગઈ. મટિલ્ડાનો પુત્ર હેન્રી બીજો પ્લેન્ટેજીનેટ (અથવા એન્જેવિયન) વંશનો સૌથી શક્તિશાળી રાજવી હતો. તેણે વહીવટમાં સુધારા કર્યા તથા માથાભારે સામંતો ઉપર અંકુશ રાખ્યો, પરંતુ તેના પુત્ર જ્હૉને તેને પગલે ચાલવા જતાં, સામંતો, ધર્મગુરુઓ અને આમજનતાનો રોષ વહોરી લીધો. પરિણામે ઈ. સ. 1215માં ઉપરના ત્રણેય વર્ગોના સંયુક્ત વિરોધ સામે ઝૂકી જઈને તેણે 63 કલમોવાળું એક ‘મહાન ખતપત્ર’ (Magna Carta) લખી આપવું પડ્યું. આ ખતપત્રમાં તેણે પોતાના મુખ્ય સામંતોની સંમતિ વગર સામંતશાહી ધારાધોરણ મુજબના વેરા કરતાં વધારે પૈસા નહીં ઉઘરાવવાનું, સામંતોની અદાલતો ચાલુ રાખવાનું.  કોઈની પણ અન્યાયી રીતે ધરપકડ નહીં કરવાનું, કાયદા દ્વારા નક્કી થઈ ન હોય તેવી શિક્ષા નહીં કરવાનું, વગેરે વચનો આપ્યાં. રાજાનાં આ વચનો ઇંગ્લૅન્ડના રાજાઓના આપખુદ વર્તન ઉપર અંકુશ મૂકતાં હતાં, તેથી આ ‘મહાન ખતપત્ર’ ‘અંગ્રેજ-સ્વાતંત્ર્યના પાયાનો દસ્તાવેજ’ કહેવાય છે.

પાર્લમેન્ટનો ઉદભવ અને વિકાસ : ‘મહાન ખતપત્ર’ના બનાવ પછી તેરમી અને ચૌદમી સદી દરમિયાન ઇંગ્લૅન્ડના રાજાઓ (હેન્રી ત્રીજો, એડ્વર્ડ પહેલો, એડ્વર્ડ બીજો તથા એડ્વર્ડ ત્રીજો)ને ફ્રાન્સ સાથેનાં યુદ્ધો (જે ઈ. સ. 1338થી લગભગ 100 વર્ષ સુધી ચાલ્યાં કર્યાં હતાં)ને કારણે વધારે ને વધારે નાણાંની જરૂર પડતી ગઈ. આ માટે તેમણે માત્ર સામંતો ઉપર આધાર રાખવાને બદલે સામંતોની ‘મહાસભા’માં ગ્રામવિસ્તાર(country)ના નાના સામંતો (knight) તથા શહેરી વિસ્તાર (borough)ના વેપારી વર્ગના પ્રતિનિધિઓને બોલાવવા માંડ્યા તથા તેમની પાસેથી વધારાનાં નાણાં ઉઘરાવવાની સંમતિ પ્રાપ્ત કરવા લાગ્યા. આમ, સામંતશાહી ‘મહાસભા’માં વેપારી વર્ગ જેવાં બિનસામંતશાહી તત્વો દાખલ થતાં તેમાંથી ધીરે ધીરે વર્તમાન સમયની ‘પાર્લમેન્ટ’નું ક્લેવર બંધાયું. રાજા એડ્વર્ડ ત્રીજાના શાસનની શરૂઆતના સમયમાં (ઈ. સ. 1330 આસપાસ) પાર્લમેન્ટના વેપારી સભ્યો, સામંતો તથા ગ્રામવિસ્તારના નાના પાદરીઓએ મોટા ઉમરાવોની સભામાં બેસવાને બદલે અલગ ગૃહમાં બેસવા માંડ્યું. તેઓ બિન-ઉમરાવ(એટલે કે આમજનતા)માંથી આવતા હતા તેથી તેમનું ગૃહ ‘આમસભા’ (House of Commons) કહેવાયું અને ઉમરાવો તથા મોટા ધર્મગુરુઓનું મૂળ ગૃહ ‘ઉમરાવ સભા’ (House of Lords) કહેવાયું. આમ, ચૌદમી સદીમાં ઇંગ્લૅન્ડની ‘દ્વિગૃહી ધારાસભા’ની શરૂઆત થઈ.

આ સદી દરમિયાન જ પાર્લમેન્ટે રાજાની નાણાકીય જરૂરિયાતનો લાભ લઈને રાજાના કરવેરા મંજૂર કરવાનો, તેમજ રાજ્યના ખર્ચનો હિસાબ તપાસવાનો અધિકાર પ્રાપ્ત કર્યો, તે સાથે તેણે કાયદો ઘડવાની તથા રાજાના પ્રધાનો ઉપર આક્ષેપ મૂકી તેમની ઉપર કામ ચલાવી (impeachment) તે દ્વારા આડકતરી રીતે રાજા(અર્થાત્ સરકાર)ની નીતિ તથા વહીવટ ઉપર અંકુશ રાખવાની સત્તા પણ મેળવી. એડ્વર્ડ ત્રીજાનો પુત્ર રિચાર્ડ બીજો આપખુદપણે વર્તતાં ઉમરાવોએ રિચાર્ડે હદપાર કરેલા તેના પિતરાઈ હેન્રી બોલીંગબ્રોકની ચડાઈને જનતાના સાથમાં ઉત્તેજન આપ્યું અને પાર્લમેન્ટે રિચાર્ડને બરતરફ કરી હેન્રીને ગાદી આપી. હેન્રી લેન્કેસ્ટરનો ડ્યૂક હતો તેથી તેનો વંશ ‘લેન્કેસ્ટ્રીઅન વંશ’ કહેવાયો.

લેન્કેસ્ટ્રીઅન અને યૉર્ક વંશ (ઈ.સ. 1399-1485) : લેન્કેસ્ટ્રીઅન વંશમાં ત્રણ રાજવીઓ થયા. તેનો સ્થાપક હેન્રી ચોથો પાર્લમેન્ટની ઇચ્છાથી ગાદીએ આવેલો હોઈને પાર્લમેન્ટની વિરુદ્ધ જવાની હિંમત કરી શક્યો નહીં. તેનો પુત્ર હેન્રી પાંચમો મોટે ભાગે ફ્રાન્સ સાથેના યુદ્ધમાં વ્યસ્ત રહ્યો હતો અને તેથી પાર્લમેન્ટનાં કાર્યોમાં તે દખલગીરી કરી શકે તેમ ન હતો, તેનો પુત્ર હેન્રી છઠ્ઠો ગાદીએ આવ્યો ત્યારે બાળક હતો અને મોટો થતાં તે નિર્બળ સાબિત થયો હતો. આથી આ ત્રણેય રાજાઓના સમયમાં પાર્લમેન્ટને પોતાની સત્તાઓ વધારવાની તથા કેટલાક વિશેષાધિકારો (જેવા કે, વાણીસ્વાતંત્ર્ય, પાર્લમેન્ટના સભ્યની ધરપકડમાંથી મુક્તિ, પોતાના સભ્યની તથા મતદારોની લાયકાત નક્કી કરવાનો અધિકાર વગેરે) પ્રાપ્ત કરવાની અનુકૂળ તકો મળી ગઈ. પરિણામે લેન્કેસ્ટ્રીઅન યુગ ‘પાર્લમેન્ટરી શાસન’નો સુવર્ણયુગ ગણાય છે.

બ્લૅકપુલ ખાતેનો સમુદ્રતટ-પ્રવાસીઓનું રમણીય આકર્ષણ, લિવરપુલ

લેન્કેસ્ટ્રીઅન વંશના છેલ્લા રાજા હેન્રી છઠ્ઠાને તેના જ એક પિતરાઈ ડ્યૂક ઑવ્ યૉર્ક સાથે વારસાવિગ્રહમાં સંડોવાવું પડ્યું. આ વિગ્રહમાં લેન્કેસ્ટ્રીઅન વંશનું નિશાન રાતું ગુલાબ અને યૉર્ક વંશનું નિશાન સફેદ ગુલાબ હતું. તેથી આ વિગ્રહ ‘ગુલાબના વિગ્રહ’ તરીકે જાણીતો થયો. તે 30 વર્ષ સુધી ચાલ્યો. તેમાં શરૂઆતમાં યૉર્ક વંશનો વિજય થતાં એડ્વર્ડ ચોથો, એડ્વર્ડ પાંચમો અને રિચાર્ડ ત્રીજો એમ તેના ત્રણ રાજાઓ ક્રમશ: ગાદીએ બેઠા (ઈ. સ. 1461-1485), પરંતુ ઈ. સ. 1485માં લેન્કેસ્ટ્રીઅન વંશની જ એક કુંવરી(માર્ગારેટ)ના પુત્ર હેન્રી ટ્યૂડરે બોસ્વર્થના મેદાનમાં રિચાર્ડ ત્રીજાને હરાવીને હેન્રી સાતમા તરીકે ઇંગ્લૅન્ડનો તાજ ધારણ કર્યો.

આ ટ્યૂડર વંશની સ્થાપના સાથે ઇંગ્લૅન્ડના ઇતિહાસમાં મધ્યયુગનો અંત અને અર્વાચીન યુગની શરૂઆત થયેલી ગણવામાં આવે છે. જોકે મધ્યયુગના અંત પહેલાં જ ઇંગ્લૅન્ડમાં એક આધુનિક રાષ્ટ્રનાં બધાં લક્ષણો પ્રગટી ચૂક્યાં હતાં, લોકોમાં ‘અંગ્રેજી રાષ્ટ્ર’ તરીકેની સભાનતા જન્મી ચૂકી હતી તથા અંગ્રેજી ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકેનું સ્થાન મળી ગયું હતું. ચૉસર જેવા મહાન કવિની રચના (‘The Canterbury Tales’) અંગ્રેજી ભાષામાં જ થઈ હતી. આ મધ્યયુગ દરમિયાન જ ઑક્સફર્ડ અને કેમ્બ્રિજની વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ, તથા ઈટન કૉલેજ, કિંગ્ઝ કૉલેજ અને ક્વીન્સ કૉલેજ જેવી નામાંકિત શિક્ષણસંસ્થાઓ સ્થપાઈ હતી અને વિલિયમ કેકસ્ટન નામના સદગૃહસ્થે છાપખાનાની શરૂઆત કરી દીધી હતી.

અર્વાચીન યુગ

ટ્યૂડર વંશ (ઈ. સ. 1485-1603) : ઇંગ્લૅન્ડના ઇતિહાસમાં ટ્યૂડર યુગ એ રાજાશાહી અને સંસ્કૃતિ માટે ‘સુવર્ણયુગ’ ગણાય છે. ટ્યૂડરોની શક્તિશાળી રાજાશાહી નીચે દેશે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યાં; તેણે યુરોપમાં પંદરમી અને સોળમી સદી દરમિયાન પ્રવર્તેલા ‘નવજાગૃતિ’ (renaissance) અને ‘ધર્મસુધારણા’ના આધુનિક પ્રવાહોને ઝીલ્યા, ભૌગોલિક શોધખોળોનો લાભ લઈને દરિયાપારના દેશોમાં સંસ્થાનો સ્થાપવાની શરૂઆત કરી; અને વિશ્વને વિલિયમ શેક્સપિયર જેવા મહાન નાટ્યકારની તથા બેકન જેવા સમર્થ ગદ્યસ્વામીની ભેટ આપી.

ટ્યૂડર વંશના સ્થાપક હેન્રી સાતમાએ માથાભારે ઉમરાવોનું જોર તોડીને શક્તિશાળી રાજાશાહીની સ્થાપના કરી; તો તેનો પુત્ર હેન્રી આઠમો પોતાને મનગમતી સ્ત્રી સાથે લગ્ન કરવાના પ્રશ્ને ખ્રિસ્તી ધર્મના વડા પોપની સાથે સંઘર્ષ કરીને ઇંગ્લૅન્ડમાં ‘ધર્મસુધારણા’નો અગ્રણી બન્યો. તેણે પાર્લમેન્ટ પાસે કાયદો પસાર કરાવીને ઇંગ્લૅન્ડના રાજાના વડપણ હેઠળ અને પોપથી સ્વતંત્ર હોય તેવા ‘ઇંગ્લૅન્ડના દેવળ’ની સ્થાપના કરી; તેની પછી તેના પુત્ર એડ્વર્ડ છઠ્ઠાએ તેની નીતિ ચાલુ રાખી, પરંતુ એડ્વર્ડ પછી તેની ઓરમાન બહેન રાણી મૅરીએ ઇંગ્લૅન્ડમાં પોપના આધિપત્યવાળા રોમન કૅથલિક સંપ્રદાયની પુન:સ્થાપના કરવાના પ્રયત્નો કર્યા. આમ કરવામાં તેણે પોપના વિરોધી એવા પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના અગ્રણીઓને પકડીને જીવતા જલાવી દીધા. તેનું શાસન લાંબું ચાલ્યું નહીં અને તેની પછી ગાદીએ આવેલી તેની ઓરમાન બહેન રાણી ઇલિઝાબેથ પ્રથમે ફરીથી ‘ઇંગ્લૅન્ડના દેવળ’ના સંપ્રદાયની સ્થાપના કરી.

રાણી ઇલિઝાબેથ પ્રથમ ઇંગ્લૅન્ડની પ્રજામાં ઘણી લોકપ્રિય હતી, તે ઇંગ્લૅન્ડની પ્રજાને ખરા હૃદયથી ચાહતી. તેને અમુક અંશે અંગત કારણોસર અને અમુક અંશે વેપારી હરીફાઈને કારણે, સ્પેનના રાજા ફિલિપ સાથે યુદ્ધમાં ઊતરવું પડ્યું. તેમાં તેના નૌકાસૈન્યે સ્પેનના વિશાળ નૌકાકાફલાનો પરાજય કર્યો. તેને કારણે ઇંગ્લૅન્ડની પ્રતિષ્ઠામાં વધારો થયો અને તે ‘સમુદ્ર ઉપરની મહારાણી’ ગણાવા લાગ્યું. આ ઉપરાંત આ સમયમાં આયર્લૅન્ડ પર પૂરેપૂરી જીત મળી; વળી દરિયાપારના દેશો સાથે વેપાર કરવા માટે ઘણી કંપનીઓ સ્થપાઈ (જેમાંની એક હિંદ સાથે વેપાર કરવા માટેની ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ પણ હતી); તેના વેપારથી ઇંગ્લૅન્ડની સમૃદ્ધિમાં વધારો થયો. આ સમય અંગ્રેજી સાહિત્ય માટે પણ ‘સુવર્ણ યુગ’ હતો. વિલિયમ શેક્સપિયર, એડમંડ સ્પેન્સર, સર ફિલિપ સિડની અને ફ્રાન્સિસ બેકન આ સમયના મહાન સાહિત્યકારો હતા. ડ્રેક, હૉકિન્સ અને વૉલ્ટર રેલે જેવા સાહસિક સાગરખેડુઓએ દરિયા ઉપર ઇંગ્લૅન્ડનું આધિપત્ય સ્થાપ્યું.

સ્ટુઅર્ટ વંશ (ઈ. સ. 1603-1714) : રાણી ઇલિઝાબેથ પ્રથમ જિંદગીભર અપરિણીત રહી હતી. તેથી તેના અવસાન પછી ગાદી હેન્રી સાતમાની દીકરી માર્ગારેટ(જેને સ્કૉટલૅન્ડના સ્ટુઅર્ટવંશી જેમ્સ ચોથા સાથે પરણાવેલી)ના વંશમાં ગઈ. તે સમયે સ્કૉટલૅન્ડની ગાદીએ માર્ગારેટની પ્રપૌત્રીનો પુત્ર જેમ્સ છઠ્ઠો હતો. હવે તેને ઇંગ્લૅન્ડની ગાદી મળતાં સ્કૉટલૅન્ડ અને ઇંગ્લૅન્ડની ગાદી એક થઈ અને તે જેમ્સ પહેલા તરીકે ઇંગ્લૅન્ડની ગાદીએ બેઠો.

રાજા જેમ્સ પહેલો કૅથલિક પંથનો હતો. તે આપખુદ રાજાશાહી અને રાજાના ‘દૈવી અધિકાર’ના સિદ્ધાંતમાં માનતો હતો. તેથી તેને તુરત જ ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટ સાથે સંઘર્ષ થયો. તેની ધાર્મિક નીતિથી ત્રાસીને પ્યુરિટન પંથ(પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયની વધારે ચુસ્ત શાખા)ના કેટલાક લોકો પોતાનો ધર્મ બચાવવા માટે ઈ. સ. 1620માં ‘મે ફ્લાવર’ નામના વહાણમાં બેસીને આજના અમેરિકાની ધરતી ઉપર ઊતર્યા. તેઓ ‘યાત્રાળુ પિતાઓ’ તરીકે જાણીતા થયા. ત્યાં તેમણે ‘ન્યૂ ઇંગ્લૅન્ડ’ નામનું સંસ્થાન સ્થાપ્યું, જેમાંથી અત્યારનું અમેરિકા (U. S.) વિકસ્યું.

જેમ્સનો પુત્ર ચાર્લ્સ પહેલો તેના પિતા કરતાં પણ વધારે આપખુદ અને જિદ્દી હતો. પાર્લમેન્ટે આ પહેલાંનાં 250 વર્ષ દરમિયાન પ્રાપ્ત કરેલા અધિકારોને માન્ય કરવા તે તૈયાર ન હતો. તેથી તેણે પાર્લમેન્ટની સંમતિ વગર કરવેરા ઉઘરાવવાનું શરૂ કર્યું તથા પાર્લમેન્ટના સભ્યોની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો. પાર્લમેન્ટે પહેલાં ‘પીટિશન ઑવ્ રાઇટ’ રજૂ કરીને પોતાના અધિકારો જાળવવાની રાજાને વિનંતી કરી, પરંતુ તેમ છતાં રાજાએ પોતાનું વર્તન નહીં સુધારતાં, પાર્લમેન્ટે તેની સામે શસ્ત્રો ઉપાડ્યાં. રાજા અને તેની પ્રજા વચ્ચેના અધિકારો માટેના આ અભૂતપૂર્વ સંઘર્ષમાં ધાર્મિક તત્વ પણ ભળ્યું હતું. રાજા ચાર્લ્સ પહેલો કૅથલિકપંથી હતો, ત્યારે પાર્લમેન્ટના મોટા ભાગના સભ્યો પ્રૉટેસ્ટન્ટ અને પ્યુરિટન પંથના હતા. આખરે ઑલીવર ક્રૉમવેલ નામના પાર્લમેન્ટના બાહોશ પ્યુરિટન સેનાપતિને હાથે રાજાનો પરાજય થયો. પાર્લમેન્ટે પ્રજાના ‘મહાન દ્રોહ’ માટે રાજાને ફાંસીએ ચડાવ્યો. (30 જાન્યુઆરી 1649) ઇતિહાસમાં આ બનાવો ‘પ્યુરિટન ક્રાંતિ’ તરીકે પ્રસિદ્ધ થયા.

મહાન અંગ્રેજી સાહિત્યકાર શેક્સપિયરનું જન્મસ્થાન, સ્ટ્રેટફર્ડ

આ પછી પાર્લમેન્ટે ઇંગ્લૅન્ડને ‘કૉમનવેલ્થ’ (પ્રજાસત્તાક) જાહેર કરી તેનો વહીવટ ચલાવવા માટે ઑલીવર ક્રૉમવેલની ‘લૉર્ડ પ્રૉટેક્ટર’ તરીકે નિમણૂક કરી. પરંતુ ક્રૉમવેલ લશ્કરી મિજાજનો હતો અને તે પણ આપખુદ સત્તા ચલાવવાના મતનો હતો તેથી તેના શાસનથી ઇંગ્લૅન્ડની પ્રજા કંટાળી ગઈ. તેના અવસાન પછી તેના પુત્ર રિચાર્ડ ક્રૉમવેલને ‘પ્રૉટેક્ટર’ બનવાની ઇચ્છા ન હતી, તેથી તે ઇંગ્લૅન્ડની જનતાને તેના નસીબ ઉપર છોડીને પોતાના ખેતરમાં ચાલ્યો ગયો ! આથી જનતાએ રાજા ચાર્લ્સ પહેલાના પુત્ર(જે ક્રાંતિ વખતે હોલૅન્ડ નાસી ગયો હતો)ને પાછો બોલાવી તેને ચાર્લ્સ બીજા તરીકે ગાદીએ બેસાડ્યો (1660). મહાકાવ્ય ‘પૅરેડાઇઝ લૉસ્ટ’નો મહાકવિ મિલ્ટન આ યુગમાં થઈ ગયો.

1688નીરક્તવિહીન ક્રાંતિ : રાજા ચાર્લ્સ બીજો કૅથલિકપંથી હોવા છતાં તેણે પાર્લમેન્ટ સાથેના સંબંધોમાં ધાર્મિક માન્યતાને વચ્ચે આવવા દીધી ન હતી. તેના સમયમાં 1665માં લંડનમાં ભયંકર પ્લેગ ફાટી નીકળ્યો તેમાં એક લાખ જેટલા લોકો હોમાઈ ગયા, વળતે વર્ષે લંડન શહેરમાં ભયંકર આગ લાગી, તે 4 દિવસ ચાલી. તેમાં મોટા ભાગનું શહેર ખાક થઈ ગયું. ચાર્લ્સ બીજાના શાસનકાળના અંતભાગમાં પાર્લમેન્ટમાં તેના નાના ભાઈ જેમ્સને, તે કૅથલિકપંથી હોવાને કારણે, ગાદીવારસામાંથી બાતલ કરવાનો ખરડો લાવવામાં આવ્યો. આ ખરડાને કારણે પાર્લમેન્ટના સભ્યો 2 પક્ષોમાં વહેંચાઈ ગયા. જેઓ જેમ્સની તરફેણ કરતા હતા તેઓ ‘ટોરી’ કહેવાયા (આ નામ તેમના વિરોધીઓએ આપ્યું હતું  આયર્લૅન્ડનાં જંગલોમાં વસતા લૂંટારાઓ ‘ટોરી’ કહેવાતા) અને જેઓ જેમ્સને આ વારસામાંથી બાતલ કરવા માગતા હતા તેઓ ‘વ્હીગ’ કહેવાયા (આ સ્કૉટિશ શબ્દનો અર્થ ‘ખાટી છાશ’ જેવો થાય છે). આમાંથી પાછળથી વ્યવસ્થિત રાજકીય પક્ષોનો ઉદભવ થયો.

જોકે આ ‘વારસા-બાતલ ખરડો’ પસાર ન થયો અને ચાર્લ્સ બીજાના અવસાન પછી તેનો ભાઈ જેમ્સ બીજો ગાદીએ આવ્યો. તેણે ખુલ્લેઆમ કૅથલિકોને પ્રોત્સાહન આપવા માંડ્યું, તેણે કૅથલિકોને તેમની ઉપર પાર્લમેન્ટના એક કાયદા (Test Act) દ્વારા મુકાયેલા પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા માંડી તથા પાછળથી તે કાયદાનો અમલ જ મોકૂફ રાખવાની જાહેરાત કરી. આથી પાર્લમેન્ટ સાવચેત બની ગઈ. તેવામાં જેમ્સને ત્યાં પુત્રપ્રાપ્તિ થઈ. તેથી લોકોને ચિંતા થઈ કે હવે ઇંગ્લૅન્ડની ગાદીએ કૅથલિકપંથી રાજાઓની પરંપરા શરૂ થશે. આથી પાર્લમેન્ટના નેતાઓએ હોલૅન્ડના પ્રૉટેસ્ટન્ટપંથી રાજા (અને જેમ્સના જમાઈ) વિલિયમને ઇંગ્લૅન્ડ આવવા આમંત્રણ આપ્યું. વિલિયમ તેની પત્ની મૅરી (જેમ્સની પુત્રી) સાથે જ્યારે ઇંગ્લૅન્ડને કિનારે ઊતર્યો ત્યારે પ્રજાજનો, લશ્કર અને ખુદ તેની નાની પુત્રી એન પણ વિલિયમને પક્ષે ભળી જતાં, જેમ્સ હતાશ થઈને ગાદી છોડીને ફ્રાન્સ નાસી ગયો. પાર્લમેન્ટે વિલિયમ અને મૅરીને (સંયુક્તપણે) ગાદી આપી (1688). આમ, ઇંગ્લૅન્ડની જનતાએ લોહીનું એક પણ ટીપું રેડ્યા વગર રાજ્યક્રાંતિ કરી, તેથી આ ક્રાંતિ ‘રક્તવિહીન ક્રાંતિ’ તરીકે પ્રસિદ્ધ થઈ.

વિલિયમ (ત્રીજા) અને મૅરી(બીજી)ને ગાદી આપવાની સાથે પાર્લમેન્ટે તેમની સમક્ષ ‘હકનો ખરડો’ (Bill of Rights) પેશ કર્યો, તેમાં તેણે રાજા જેમ્સ બીજાનાં આપખુદ કૃત્યોની યાદી આપી, તે બધાંને ‘ગેરકાયદે’ ગણાવ્યાં, અને પાર્લમેન્ટનાં ‘પુરાણા હકો અને સ્વતંત્રતાઓ’ની રજૂઆત કરી. વિલિયમ અને મૅરીએ આ ‘હકનો ખરડો’ સ્વીકાર્યો, તેથી આ ‘હક્ધાા ખરડા’થી ઇંગ્લૅન્ડમાં રાજાશાહી મર્યાદિત બની અને પાર્લમેન્ટ(અર્થાત્ જનતા)ના સાર્વભૌમત્વની સ્થાપના થઈ. એ અર્થમાં 1688ની ક્રાંતિ એ ‘ભવ્ય ક્રાંતિ’ કે ‘કીર્તિવંત ક્રાંતિ’ (Glorious Revolution) બની ગઈ.

રાજા વિલિયમ ત્રીજાના અવસાન પછી (તેની રાણી મૅરીનું તેની પહેલાં અવસાન થયું હતું) પાર્લમેન્ટે 1701માં પસાર કરેલા કાયદા ઍક્ટ ઑવ્ સેટલમેન્ટ અનુસાર જેમ્સ બીજાની નાની પુત્રી રાણી એન ગાદીએ આવી. તેના સમયમાં ઇંગ્લૅન્ડે યુરોપમાં લડાયેલા ‘સ્પૅનિશ ગાદીવારસા વિગ્રહ’માં ભાગ લીધો, તેને પરિણામે તેને ભૂમધ્ય સમુદ્રમાં વ્યૂહાત્મક સ્થળ જિબ્રાલ્ટર મળ્યું. 1707માં પાર્લમેન્ટે ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડનું સંયુક્ત રાજ્ય બનાવતો કાયદો પસાર કર્યો, તેને કારણે આ સંયુક્ત રાજ્ય ‘ગ્રેટ બ્રિટન’ તરીકે ઓળખાવા લાગ્યું. રાણી એનનું એક પણ સંતાન જીવિત નહીં હોઈને, તેના અવસાન પછી ‘ઍક્ટ ઑવ્ સેટલમેન્ટ’ અનુસાર રાજા જેમ્સ પહેલાની પૌત્રી સોફિયાનો પુત્ર જ્યૉર્જ (જે પ્રૉટેસ્ટંટપંથી હતો અને જર્મનીના હેનોવર નામના એક નાનકડા રાજ્યનો રાજવી હતો) ગાદીએ આવ્યો (1714). આમ, ઇંગ્લૅન્ડની ગાદીએ હેનોવર વંશની સ્થાપના થઈ, તે રાજવંશ આજ સુધી ચાલુ છે.

હેનોવર વંશ (1714થી ચાલુ) : આ વંશના પ્રથમ બે રાજાઓ  જ્યૉર્જ પહેલા અને જ્યૉર્જ બીજાને ઇંગ્લૅન્ડ કરતાં જર્મનીના રાજકારણમાં વધારે રસ હતો. તેમને અંગ્રેજી ભાષા પણ આવડતી ન હતી તેથી તેમના સમયમાં (1714-1760) રાજ્યવહીવટ મહદ્ અંશે પ્રધાનોના હાથમાં રહ્યો. આ પ્રધાનોમાં વ્હીગ પક્ષનો સભ્ય સર રૉબર્ટ વૉલ્પોલ ઘણો પ્રભાવશાળી હતો. તેણે ધીરે ધીરે પ્રધાનમંડળમાં બધા પ્રધાનો વ્હીગ પક્ષમાંથી જ લેવરાવ્યા, તે ઉપરાંત પાર્લમેન્ટમાં પણ વ્હીગ પક્ષની જ હંમેશાં બહુમતી રહે તેવા ‘ઉપાયો’ કરવામાં તે ઉસ્તાદ હતો. આથી વ્હીગ પ્રધાનોનાં બધાં કાર્યોને પાર્લમેન્ટની મંજૂરી મળી જતી. આમ, વૉલ્પોલના સમયમાં એક જ પક્ષનું પ્રધાનમંડળ, પ્રધાનમંડળની બેઠકોમાં રાજાની સતત ગેરહાજરી, પ્રધાનમંડળનો માન્ય નેતા (જે પાછળથી ‘વડો પ્રધાન’ કહેવાયો) અને પ્રધાનમંડળને પાર્લમેન્ટની બહુમતીનો ટેકો  આ બધામાંથી અઢારમી સદીમાં ઇંગ્લૅન્ડની પ્રખ્યાત ‘પાર્લમેન્ટરી પદ્ધતિની સરકાર’ અને ‘પ્રધાનમંડળ (કૅબિનેટ) પદ્ધતિ’નો વિકાસ થયો. આની શરૂઆત વૉલ્પોલના સમયથી થઈ તેથી વૉલ્પોલને ‘પ્રથમ વડો પ્રધાન’ કહેવામાં આવે છે.

રાજા જ્યૉર્જ બીજાના સમયમાં ઇંગ્લૅન્ડે યુરોપમાં લડાયેલા ‘ઑસ્ટ્રિયન ગાદીવારસા વિગ્રહ’ (1740-46) તથા ‘સપ્તવાર્ષિક વિગ્રહ’(1756-63)માં ફ્રાન્સની વિરુદ્ધ ભાગ લીધો. સપ્તવાર્ષિક વિગ્રહના છાંટા બંને રાષ્ટ્રોનાં ભારત તથા અમેરિકાનાં સંસ્થાનોમાં ઊડ્યા હતા, તેમાં અંગ્રેજો ભારત અને કૅનેડામાંથી ફ્રેન્ચોને હાંકી કાઢવામાં સફળ થયા હતા. આ વિગ્રહ દરમિયાન ઇંગ્લૅન્ડમાં વિલિયમ પિટ્ટ (મોટો પિટ્ટ) વડો પ્રધાન હતો.

1760માં જ્યૉર્જ બીજાના અવસાન પછી તેનો 22 વર્ષનો યુવાન પૌત્ર જ્યૉર્જ ત્રીજો ગાદીએ આવ્યો. તે તેના પુરોગામીઓની જેમ માત્ર નામ પૂરતો નહીં, પરંતુ સાચા અર્થમાં ‘રાજા’ બનવા માંગતો હતો. તેથી તેણે પ્રધાનમંડળમાં વ્હીગ પક્ષને બદલે રાજભક્ત એવા ટોરી પક્ષના પ્રધાનો લેવા માંડ્યા. તેઓ રાજાની ઇચ્છા મુજબ જ નીતિ ઘડતા, રાજા પાર્લમેન્ટમાં પણ રાજભક્ત સભ્યોની જ બહુમતી રહે તથા તેઓ રાજાના માનીતા પ્રધાનોને ટેકો આપ્યા કરે તેવા ‘ઉપાયો’ યોજતો. આમ થોડા સમય સુધી તો રાજા જ્યૉર્જ ત્રીજો પોતાની ‘સ્વાયત્ત રાજાશાહી’ સ્થાપવામાં સફળ થયો. પરંતુ તેની સરકારની આપખુદ તથા સ્વાર્થી નીતિની સામે ઇંગ્લૅન્ડનાં 13 અમેરિકન સંસ્થાનોએ ‘સ્વાતંત્ર્ય વિગ્રહ’ શરૂ કર્યો અને તેમાં ઇંગ્લૅન્ડનો પરાજય થતાં 1783માં અમેરિકન સંસ્થાનો સ્વતંત્ર થયાં ત્યારે જ્યૉર્જની ‘સ્વાયત્ત રાજાશાહી’નો અંત આવ્યો. હતાશ થયેલા રાજાએ સત્તાનાં બધાં સૂત્રો ટોરી પક્ષના યુવાન વડાપ્રધાન નાના પિટ્ટ(મોટા પિટ્ટનો સુપુત્ર)ને સોંપી દીધાં. બીજી બાજુએ, અમેરિકન સંસ્થાનો જવાથી ઇંગ્લૅન્ડને પડેલી ખોટ ટૂંક સમયમાં જ હિંદમાં અંગ્રેજ કંપનીના લૉર્ડ ક્લાઈવ, વૉરન હેસ્ટિંગ્સ, લૉર્ડ કોર્નવોલિસ અને લૉર્ડ વેલેસ્લી જેવા શાસકોએ અંગ્રેજ-સત્તા જમાવીને પૂરી કરી આપી. રાજા જ્યૉર્જ ત્રીજાના સમયમાં ઇંગ્લૅન્ડમાં કાંતણ-વણાટનાં યંત્રો શોધાતાં કાપડ-ઉદ્યોગમાં ક્રાંતિ આવી. તેનાથી વિશ્વભરમાં પ્રખ્યાત ‘ઔદ્યોગિક ક્રાંતિ’નો પાયો નખાયો.

રાજા જ્યૉર્જ ત્રીજાના સમયમાં જ પડોશી દેશ ફ્રાંસમાં 1789માં ‘મહાન ક્રાંતિ’ થઈ. ઇંગ્લૅન્ડે ક્રાંતિકારી ફ્રાંસ (અને પાછળથી ફ્રાંસના શહેનશાહ બનેલા નેપોલિયન બોનાપાર્ટ) વિરુદ્ધ યુરોપની ઑસ્ટ્રિયા, રશિયા, પ્રશિયા વગેરે મહાસત્તાઓના સાથમાં યુદ્ધમાં ઝંપલાવ્યું. ફ્રાંસ સાથેનું આ યુદ્ધ ઘણા લાંબા સમય (1793થી 1815) સુધી ચાલ્યું, એમાં ઇંગ્લૅન્ડની ચડિયાતી દરિયાઈ તાકાતે નેપોલિયનનો આખરી પરાજય કરવામાં અતિ મહત્વનો ભાગ ભજવ્યો. આ દરમિયાન ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે આયર્લૅન્ડની પાર્લમેન્ટનું પોતાની સાથે એકીકરણ કરવાનો કાયદો પસાર કર્યો. 1801ના જાન્યુઆરીની પહેલી તારીખે આ એકીકરણ અમલમાં આવતાં, ઇંગ્લૅન્ડ-આયર્લૅન્ડનું ‘સંયુક્ત રાજ્ય’ (United Kingdom – U. K.) અસ્તિત્વમાં આવ્યું.

રાણી વિક્ટોરિયાનો યુગ (1837-1901) : જ્યૉર્જ ત્રીજાના 60 વર્ષના લાંબા શાસનકાળ (1760-1820) પછી તેના બે પુત્રો  જ્યૉર્જ ચોથો અને વિલિયમ ચોથો અનુક્રમે ગાદીએ આવ્યા. 1837માં વિલિયમ ચોથાનું અવસાન થતાં તેની 18 વર્ષની યુવાન ભત્રીજી રાણી વિક્ટોરિયા ગાદીએ આવી. તેનો 64 વર્ષનો લાંબો શાસનકાળ ઇંગ્લૅન્ડના ઇતિહાસના અનેક યાદગાર બનાવોથી ભર્યો છે. ઓગણીસમી સદીનો આ સમય યુરોપભરમાં ઉદારમતવાદ, માનવતાવાદ, રાષ્ટ્રવાદ અને લોકશાહીનો યુગ ગણાય છે. વિક્ટોરિયન યુગના ઇંગ્લૅન્ડે આ બધા યુગ-પ્રવાહોને ઝીલ્યા હતા. રાણી વિક્ટોરિયાના શાસનકાળ પહેલાં ઇંગ્લૅન્ડમાં કૅથલિકોને છૂટછાટ આપતો કાયદો (1829) અને ગુલામી નાબૂદીનો કાયદો (1833) જેવા ઉદારમતવાદી કાયદા કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત 1832ના ઐતિહાસિક કાયદાથી ખુદ પાર્લમેન્ટમાં સુધારા કરી મતાધિકાર વિસ્તૃત બનાવવામાં આવ્યો હતો તથા કેટલાક ઉજ્જડ બનેલા મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ રદ કરી, ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઊભાં થયેલાં નવાં ઔદ્યોગિક શહેરોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું.

હવે રાણી વિક્ટોરિયાના સમયમાં 1867 અને 1884-85ના કાયદાઓથી પાર્લમેન્ટના આ ‘લોકશાહીકરણ’ને વેગ મળ્યો. (પાછળથી 1911 અને 1928ના કાયદાઓથી આ પ્રક્રિયા સંપૂર્ણ બની.) 1839માં કૅનેડાને ‘સ્વાયત્તતા’ આપવામાં આવી અને 1857માં હિંદમાં કંપની સામે ‘સિપાહી-વિદ્રોહ’ થતાં પાર્લમેન્ટે ત્યાં કંપનીનું શાસન રદ કરી, બ્રિટિશ ‘તાજ’નું શાસન સ્થાપ્યું. રાણી વિક્ટોરિયા હવે ‘ગ્રેટ બ્રિટનની રાણી અને હિંદની સામ્રાજ્ઞી’ કહેવાઈ, તેણે 1858માં એક જાહેરનામું બહાર પાડી હિંદને સુશાસન આપવાનું વચન આપ્યું.

રાણી વિક્ટોરિયાના સમયમાં ઇંગ્લૅન્ડના ટોરી અને વ્હીગ પક્ષો અનુક્રમે ‘રૂઢિચુસ્ત’ (Conservative) અને ‘ઉદારમતવાદી’ (Liberal) પક્ષ તરીકે ઓળખાવા લાગ્યા. રૂઢિચુસ્ત પક્ષના નેતા ડીઝરાયલી અને ઉદારમતવાદી પક્ષના નેતા ગ્લૅડસ્ટન એ બે શક્તિશાળી વડાપ્રધાનો આ સમયના ઇંગ્લૅન્ડના આંતરિક તેમજ વિદેશનીતિસંબંધી રાજકારણ ઉપર છવાઈ ગયા હતા. રૂઢિચુસ્ત પક્ષની નીતિ સામ્રાજ્યવાદી હતી, જોકે સામ્રાજ્યવાદી નીતિની શરૂઆત તેની પહેલાંના વ્હીગ પક્ષના નેતા પામર્સ્ટને કરી હતી, પરંતુ ડીઝરાયલીની નેતાગીરી નીચે રૂઢિચુસ્ત પક્ષે તેને ચરમસીમા ઉપર પહોંચાડી. તેને કારણે વિક્ટોરિયન યુગમાં બે અફઘાન વિગ્રહો, ચીન સાથેના અફીણ-વિગ્રહો, રશિયા સાથેનો ક્રીમિયન વિગ્રહ, બે બર્મી વિગ્રહો, ઇજિપ્ત સાથેનું યુદ્ધ, દક્ષિણ આફ્રિકામાં ઝુલુ અને બોઅર વિગ્રહો વગેરે લડીને ઇંગ્લૅન્ડે દરિયાપારના દેશોમાં પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું. જ્યારે શાંતિની નીતિને વરેલા ગ્લૅડસ્ટનના ઉદારમતવાદી પક્ષે ઘરઆંગણે કલ્યાણકારી સુધારા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વિકાસ વગેરે ઉપર ધ્યાન આપ્યું તથા આયર્લૅન્ડને સ્વશાસન (‘હોમરૂલ’) આપવાના પ્રયત્નો કર્યા.

‘વિક્ટોરિયન યુગ’ એકંદરે શાંતિ, સમૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિનો યુગ હતો. સાહિત્યક્ષેત્રે તો આ યુગ ‘સુવર્ણ યુગ’ સમાન હતો. ચાર્લ્સ ડિકન્સ, થેકરે, જ્યૉર્જ ઇલિયટ, રૉબર્ટ બ્રાઉનિંગ, લૉર્ડ મૅકોલે, થોમસ કાર્લાઈલ, જૉન રસ્કિન, ચાર્લ્સ કીંગ્સ્લે, વિલિયમ મોરિસ, ટેનિસન, જે. એસ. મિલ વગેરે આ સમયના મહાન સાહિત્યસ્વામીઓ હતા. તો લૅકી, ગ્રીન, લૉર્ડ ઍક્ટન, બિશપ સ્ટબ્સ, મેઈટલૅન્ડ વગેરે પ્રખર રાજ્યશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો હતા. વિજ્ઞાનને ક્ષેત્રે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, તબીબીશાસ્ત્ર વગેરે જુદી જુદી શાખાઓમાં ઇંગ્લૅન્ડના માઇકલ ફેરેડે, ચાર્લ્સ ડાર્વિન, ડૉ. જેનર વગેરે ખ્યાતનામ વૈજ્ઞાનિકોએ શકવર્તી શોધખોળો કરી.

વીસમી સદીમાં ઇંગ્લૅન્ડ : રાણી વિક્ટોરિયાના અવસાન પછી તેનો મોટો પુત્ર એડ્વર્ડ સાતમો (1901-1910) અને તેની પછી તેનો પુત્ર જ્યૉર્જ પાંચમો (1910-1936) ગાદીએ આવ્યા. જ્યૉર્જ પાંચમાના શાસનકાળની શરૂઆતમાં જ પ્રથમ વિશ્વવિગ્રહ (1914-1918) ફાટી નીકળ્યો. તેમાં ઇંગ્લૅન્ડે રશિયા, ફ્રાંસ, ઇટાલી અને જાપાન (તથા પાછળથી અમેરિકા)ના સાથમાં જર્મની-તુર્કી-ઑસ્ટ્રિયા વિરુદ્ધ ભાગ લીધો. આ વિગ્રહમાં ભારે યાતનાઓ અને ખુવારી પછી ઇંગ્લૅન્ડ સહિત ‘મિત્રરાજ્યો’નો વિજય થયો અને તેમણે પરાજિત રાજ્યો ઉપર અત્યંત કડક સંધિઓ લાદી. યુદ્ધ સમયે ઇંગ્લૅન્ડના વડાપ્રધાનપદે ઉદારમતવાદી પક્ષનો નેતા લૉઇડ જ્યૉર્જ હતો, પરંતુ યુદ્ધના અંત પછી તેના પક્ષનો પરાજય થતાં રૂઢિચુસ્ત પક્ષના નેતા બાલ્ડવિને તથા 1924 અને 1929માં નવા સ્થપાયેલા મજૂર પક્ષના નેતા રામ્સે મેકડોનાલ્ડે પ્રધાનમંડળો રચ્યાં હતાં.

1936માં રાજા જ્યૉર્જ પાંચમાના અવસાન પછી તેનો સૌથી મોટો પુત્ર એડ્વર્ડ આઠમો ગાદીએ આવ્યો. તેની ઇચ્છા શ્રીમતી સિમ્પસન નામની અગાઉ બે પતિ સાથે છૂટાછેડા લેનારી સ્ત્રી સાથે લગ્ન કરવાની હતી; પરંતુ તે સમયના સત્તાધારી રૂઢિચુસ્ત પક્ષે આ લગ્નનો વિરોધ કરતાં રાજા એડ્વર્ડે ગાદીત્યાગ કર્યો. તેની પછી તેનો નાનો ભાઈ જ્યૉર્જ છઠ્ઠો (1936-1952) ગાદીએ આવ્યો. તેના શાસનકાળની શરૂઆતમાં રૂઢિચુસ્ત પક્ષના નેતા બાલ્ડવિન અને 1937માં નેવિલ ચેમ્બરલેન વડાપ્રધાન તરીકે હતા. ચેમ્બરલેનની નીતિ શાંતિ-તરફ હતી, તેથી તેણે જર્મની તથા ઇટાલીના સરમુખત્યારો હિટલર અને મુસોલિનીની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષાઓ સામે ઢીલી (અથવા ‘તુષ્ટીકરણ’ની) નીતિ અપનાવી (જેનાથી તે ઘણો બદનામ થયો). આમ છતાં 1939માં હિટલર-મુસોલિનીએ દ્વિતીય વિશ્વયુદ્ધ (1939-1945)નો પ્રારંભ કર્યો ત્યારે ઇંગ્લૅન્ડને તેમની વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવું પડ્યું. આ યુદ્ધમાં શરૂઆતમાં ઇંગ્લૅન્ડ(તથા તેના મિત્ર ફ્રાંસ)ને ભારે પરાજયો વેઠવા પડ્યા, તેથી 1940ના મે મહિનામાં ચેમ્બરલેને વડાપ્રધાનપદનો ત્યાગ કર્યો અને તેની જગ્યાએ વિન્સ્ટન ચર્ચિલે રૂઢિચુસ્ત સરકાર(જેને પાછળથી ‘સર્વપક્ષીય’ – ‘રાષ્ટ્રીય’ સરકાર બનાવાઈ હતી)નું નેતૃત્વ સંભાળ્યું. આ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ચર્ચિલ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એફ. ડી. રૂઝવેલ્ટ અને સોવિયેત સંઘના વડાપ્રધાન સ્ટાલીનની બનેલી ત્રિપુટીએ ર્દઢ આત્મવિશ્વાસ, ધીરજ અને ભગીરથ પ્રયત્નો દ્વારા આખરે ઇટાલી, જર્મની અને જાપાનને પરાસ્ત કર્યાં (1945).

યુદ્ધ સમય દરમિયાન ચર્ચિલ ઇંગ્લૅન્ડની જનતામાં અત્યંત લોકપ્રિય હતો, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી તુરત જ થયેલી ચૂંટણીઓમાં જનતાએ તેને બદલે રાષ્ટ્રના યુદ્ધોત્તર નવનિર્માણની જવાબદારી મજૂર પક્ષને સોંપી. મજૂર સરકારના વડાપ્રધાન ક્લેમેન્ટ ઍટલીએ દેશમાં મહત્વના ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કર્યું તથા સમાજકલ્યાણનાં કેટલાંક પગલાં ભર્યાં. તેમ છતાં 1951ની ચૂંટણીઓમાં મજૂર પક્ષનો પરાજય થયો અને સર વિન્સ્ટન ચર્ચિલે ફરી વખત રૂઢિચુસ્ત સરકારની રચના કરી. 1952ના ફેબ્રુઆરીમાં રાજા જ્યૉર્જ છઠ્ઠાનું અવસાન થતાં તેની પુત્રી રાણી ઇલિઝાબેથ બીજી ગાદીએ આવી. તેની પછી પાટવી પુત્ર ચાર્લ્સ તેનો ગાદીવારસ છે.

દ્વિતીય વિશ્વયુદ્ધે સર્જેલી આર્થિક મુશ્કેલીઓ તથા અન્ય વિટંબણાઓને પરિણામે ઇંગ્લૅન્ડે યુદ્ધોત્તર વિશ્વરાજકારણમાં મહાસત્તા તરીકેનું તેનું પ્રથમ સ્થાન ગુમાવ્યું, બીજી બાજુ તેના તાબા નીચે રહેલી એશિયા અને આફ્રિકાની પ્રજાઓનાં રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય આંદોલનોની સામે તેને ઝૂકવું પડ્યું અને 1947માં સૌપહેલાં તેના તાબામાંથી ભારત અને પાકિસ્તાન (હિન્દુસ્તાનના જ બે ભાગ) તથા બર્મા (મ્યાનમાર) અને સિલોન (શ્રીલંકા) સ્વતંત્ર બન્યાં. તે પછી તેને મલાયા, સિંગાપુર, સાયપ્રસ, ઘાના, નાઇજિરિયા, કેન્યા, યુગાન્ડા, ન્યાસાલૅન્ડ તથા ર્હોડેશિયાને એક પછી એક સ્વતંત્ર કરવાં પડ્યાં. આમ દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના લગભગ એક દસકામાં તેનું સામ્રાજ્ય તૂટી પડ્યું. પરંતુ તેણે કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ સહિત અગાઉ પોતાના આધિપત્ય નીચે રહેલી તે બધી પ્રજાઓ(આયર્લૅન્ડ તથા દક્ષિણ આફ્રિકા બાદ કરતાં)નું ‘રાષ્ટ્રસમૂહ’(Commonwealth)ના નામથી સંગઠન કરી, તેમની સાથે રાજકીય, આર્થિક તથા સાંસ્કૃતિક સંબંધો જાળવી રાખ્યા છે.

દરમિયાન 1955માં ચર્ચિલે વૃદ્ધાવસ્થાને કારણે રાજીનામું આપતાં, તેના સ્થાને સર એન્થની ઇડન, 1957માં હૅરોલ્ડ મેકમિલન અને 1963માં સર ઍલેક ડગ્લાસ હ્યુમ રૂઢિચુસ્ત સરકારોના વડા બન્યા. પરંતુ 1964માં મજૂર પક્ષ સત્તા ઉપર આવતાં મજૂર પક્ષના નેતા હૅરોલ્ડ વિલ્સને મજૂર પક્ષની સરકારની રચના કરી. તે પછી 1970માં સર એડ્વર્ડ હીથે (રૂઢિચુસ્ત પક્ષની) અને 1974માં હૅરોલ્ડ વિલ્સને (મજૂર પક્ષની) સરકારની રચના કરી. 1976માં હૅરોલ્ડ વિલ્સને તબિયતને કારણે રાજીનામું આપતાં જેમ્સ કેલહાન મજૂર પક્ષની સરકારના વડા બન્યા.

પરંતુ 1979ની ચૂંટણીઓમાં મજૂર પક્ષનો પરાજય થયો અને 53 વર્ષનાં શ્રીમતી માર્ગારેટ થેચરે રૂઢિચુસ્ત પક્ષના પ્રધાનમંડળની રચના કરી. ઇંગ્લૅન્ડના ઇતિહાસમાં તેઓ પ્રથમ મહિલા વડાંપ્રધાન બન્યાં. તે પછી તેમની નેતાગીરી નીચે રૂઢિચુસ્ત પક્ષે ઉપરાઉપરી 2 ચૂંટણીઓ જીતી (1989). શ્રીમતી માર્ગારેટ થેચર સતત ત્રીજી વખત વડાંપ્રધાનપદે આવ્યાં. વીસમી સદીમાં ઇંગ્લૅન્ડનો ત્રીજો ‘ઉદારમતવાદી’ પક્ષ ઉત્તરોત્તર પોતાની પ્રતિભા ગુમાવતો ગયો છે તે હકીકત નોંધપાત્ર છે. શ્રીમતી થેચરે મહત્વના ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ રદ કરી ખાનગી ક્ષેત્રને તેનું સંચાલન સોંપ્યું. તેમણે ફુગાવાને અંકુશમાં લીધો પણ ત્રીજી વખતની ચૂંટણી બાદ નવા કરવેરા લાદવાથી અપ્રિય થયાં.

આ બધા સમય દરમિયાન ઇંગ્લૅન્ડ ‘સંયુક્ત રાષ્ટ્ર સંઘ’ (U. N. O.)ના સભ્ય તરીકે તથા તેની સલામતી સમિતિના કાયમી સભ્ય તરીકે તેનાં વિશ્વશાંતિનાં તથા અન્ય કલ્યાણકારી કાર્યોમાં સક્રિય રહ્યું છે. થોડા સમયમાં (1992) તે યુરોપના ‘સહિયારા બજાર’નું પણ સભ્ય બન્યું. 1990ના નવેમ્બરમાં માર્ગારેટ થેચરના યુરોપીય સંઘ અંગેના વિચારો વિવાદાસ્પદ બનતાં રૂઢિચુસ્ત પક્ષમાં તેમની સામે વિરોધ શરૂ થયો અને વિદેશ મંત્રી ડગ્લાસ હર્ડને તેમના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું. પક્ષની આંતરિક કટોકટી વધતાં માર્ગારેટ થેચરે પક્ષની અખંડિતતા સાચવવા પોતાના પ્રમુખપદનો તથા વડાંપ્રધાનપદનો ત્યાગ કર્યો. પક્ષની ચૂંટણીમાં ચાન્સેલર ઑવ્ એક્સ્ચેકર જૉન મેજરને બહુમતી મળતાં તેઓ વડાપ્રધાનપદે આવ્યા.

એપ્રિલ 1992માં થયેલ સામાન્ય ચૂંટણીઓમાં રૂઢિચુસ્ત પક્ષને ચોથી વાર વિજય મળ્યો અને જૉન મેજર વડા પ્રધાન બન્યા. તેમણે રાજ્યની માલિકીના વધુ ઉદ્યોગો વેચી દીધા તથા શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સુધારા કર્યા. મે 1997માં થયેલ ચૂંટણીઓમાં, છેલ્લાં 18 વર્ષથી સત્તા ભોગવતા રૂઢિચુસ્ત પક્ષને પરાજય મળ્યો અને મજૂર પક્ષને બહુમતી મળી. ટોની બ્લેર યુનાઇટેડ કિંગ્ડમના વડાપ્રધાન બન્યા. છેલ્લાં 100 વર્ષમાં થયેલા વડાપ્રધાનોમાં તે સૌથી નાની ઉંમરના તથા ઘણા લોકપ્રિય વડાપ્રધાન ગણાય છે. તેમણે દેશમાં ઘણા સુધારા કર્યા તથા કલ્યાણયોજનાઓ કરી. તેમના સમયમાં સ્કૉટલૅન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લૅન્ડને વધુ સત્તાઓ આપવામાં આવી.

‘ધ ગુડ ફ્રાઇડે એગ્રીમેન્ટ’ (1998) થવાથી ઉત્તર આયર્લૅન્ડમાં 1999માં ધારાસભાની રચના કરવામાં આવી. ઈ. સ. 2000માં બ્રિટિશ લશ્કરે સિએરા લિયોનની સરકારને રક્ષણ આપવા દરમિયાનગીરી કરી. 2001માં અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેના યુદ્ધમાં બ્રિટને ટેકો આપ્યો. ઈ. સ. 2003માં બ્રિટિશ અને યુનાઇટેડ સ્ટેટ્સનાં લશ્કરોએ સદ્દામ હુસેન અને તેના શાસનને પદભ્રષ્ટ કરવા, ઇરાકમાં પ્રવેશ કર્યો. 2005માં ટૉની બ્લેરની લેબર પાર્ટી ત્રીજી વાર જીતી અને સત્તા પ્રાપ્ત કરી. 2012ની ઑલિમ્પિક ગેમ્સના યજમાન બનવામાં યુનાઇટેડ કિંગ્ડમની સરકારને સફળતા મળી. સારા એવા દબાણને વશ થઈને, વડાપ્રધાન ટૉની બ્લેરે 2006માં જાહેર કર્યું કે 2007માં તે હોદ્દો છોડશે. જૂન 2007માં વડાપ્રધાન ટૉની બ્લેરે રાજીનામું આપ્યું. નાણામંત્રી ગોર્ડન બ્રાઉન તેના ઉત્તરાધિકારી બન્યા. ઈ. સ. 2008માં વિશ્વવ્યાપી આર્થિક કટોકટીની અસર યુનાઇટેડ કિંગ્ડમે પણ અનુભવી. 2009માં આર્થિક મંદીની અસર વધુ ઘેરી બની.

આર્થિક મંદીના માહોલ વચ્ચે 2010માં ચૂંટણી થઈ હતી. એ ચૂંટણીમાં રૂઢિચુસ્ત પક્ષને બહુમતી મળી હતી. પક્ષના પ્રમુખ ડેવિડ કેમેરોન વડાપ્રધાન બન્યા હતા. 2016 સુધી ડેવિડ કેમેરોન વડાપ્રધાનપદે રહ્યા હતા. એ વખતે બ્રિટનમાં યુરોપિયન સંઘથી અલગ થઈ જવાની ઝુંબેશે જોર પકડ્યું હતું. લોકજુવાળ જોઈને યુરોપિયન સંઘ સાથે જોડાઈ રહેવું કે અલગ થઈ જવું તે મુદ્દે મતદાન થયું હતું. મતદાનમાં સંઘથી અલગ થઈ જવાના પક્ષમાં બહુમતી મળી હતી. વડાપ્રધાન ડેવિડ કેમેરોન યુરોપિયન સંઘમાં જોડાઈ રહેવાના પક્ષમાં હતા. તેમણે જ 2015ની ચૂંટણી વખતે આ મુદ્દે જનમત લેવાનો વાયદો કરાવ્યો હતો. બ્રિટનના નાગરિકો કરતાં તેમનો મત અલગ હતો, તેથી તેમણે રાજીનામું આપી દીધું હતું.

યુરોપિયન સંઘથી અલગ થવાનો જનમત મળતાં તેનું પાલન કરવાની જવાબદારી સાથે થેરેસા મે વડાંપ્રધાન બન્યાં હતાં. થેરેસા મે ડેવિડ કેમેરોનની સરકારમાં 2010થી 2016 દરમિયાન ગૃહમંત્રી હતાં. પક્ષમાં પણ કેમેરોન પછી ‘નંબર ટુ’ ગણાતાં હતાં. પરિણામે કેમેરોનના રાજીનામા પછી રૂઢિચુસ્ત પક્ષના સાંસદોએ થેરેસા મેને વડાંપ્રધાન તરીકે પસંદ કર્યાં હતાં. થેરેસા મે ત્રણ વર્ષ સુધી વડાંપ્રધાન રહ્યાં હતાં. એ દરમિયાન યુરોપિયન સંઘથી અલગ થવા માટેનાં ત્રણ બિલ તેમણે સંસદ સમક્ષ રજૂ કર્યાં હતાં, પરંતુ ત્રણેય વખત બિલ નામંજૂર થયું હતું. યુરોપિયન સંઘ અને બ્રિટનની આ અલગ થવાની પ્રક્રિયા ‘બ્રેક્ઝિટ’ના નામથી ઓળખાય છે. 2019માં થેરેસા મેએ પણ રાજીનામું આપી દીધું હતું. તે પછી થેરેસા મેની સરકારમાં વિદેશમંત્રી રહી ચૂકેલા બોરિસ જોન્સનને વડાપ્રધાનપદે સાંસદોએ ચૂંટી કાઢ્યા હતા. 2019માં લોકસભાની ચૂંટણી થઈ હતી, જેમાં બોરિસ જોન્સનના નેતૃત્વમાં રૂઢિચુસ્ત પાર્ટીને 650માંથી 365 બેઠકો મળતાં જોન્સન ફરીથી બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. યુરોપિયન સંઘથી અલગ થવાની પ્રક્રિયાને પૂરી કરવી એ બોરિસ જોન્સન સામેનો મુખ્ય પડકાર રહેશે.

રાજકીય :  બ્રિટનની લોકશાહી આધુનિક યુગની સૌથી જૂની લોકશાહી છે. તેની લોકશાહી સંસદીય લોકશાહી પદ્ધતિનું ઉત્તમ ર્દષ્ટાંત છે. ત્યાં સંસદ તેની રાજકીય વ્યવસ્થાનો સર્વોચ્ચ ઘટક છે. સંસદે ઘડેલા કાયદા સર્વોચ્ચ ગણાય છે અને તે અનુસાર ન્યાય ચૂકવવામાં આવે છે. સંસદે ઘડેલા કાયદા ગેરબંધારણીય કે રદબાતલ ઠેરવી શકાતા નથી. બીજું સંસદ પોતે જ બંધારણસભા છે. તેને બંધારણમાં ફેરફાર કે સુધારાવધારા કરવાની પૂરી સત્તા છે. તેનું બંધારણ અને લોકશાહી, રાજકીય વિકાસગાથાનું પરિણામ છે. તેનું બંધારણ અંશત: લેખિત અને અંશત: અલેખિત છે; પરંતુ બ્રિટન અલેખિત બંધારણ ધરાવે છે તેવું વ્યાપકપણે માનવામાં આવે છે. તે ક્રમશ: વિકસેલું બંધારણ છે. સંસદીય સાર્વભૌમત્વ તેનું વિશેષ લક્ષણ છે. તે સુપરિવર્તનશીલ, એકતંત્રી રાજકીય વ્યવસ્થા અને કાયદાનું શાસન ધરાવે છે. રાજ્યના સર્વોચ્ચ વડા રાણી કે રાજા હોય છે પરંતુ કાયદાનું ઘડતર, કાયદાનો અમલ અને ન્યાયચુકવણીનું કાર્ય તેના ઘટકો કરતા હોવાથી ‘રાણી કે રાજા કદી કશું ખોટું કરતા નથી’ એ સૂત્ર ત્યાં સ્વીકૃત છે અને તેનો વાસ્તવિક અમલ થાય છે.

તેની સંસદ/ધારાસભા પાર્લમેન્ટ કહેવાય છે. તેનું નીચલું ગૃહ આમસભા અને ઉપલું ગૃહ ઉમરાવસભા છે. નીચલા ગૃહમાં લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્થાન ધરાવે છે. તેનું આ ગૃહ અત્યંત શક્તિશાળી ગૃહ છે. વધુમાં આમસભામાં વિરોધપક્ષ મહત્વનું સ્થાન ધરાવે છે. સરકારની નીતિઓ અને નિર્ણયોની વિચારણા, ચકાસણી અને અમલીકરણની બાબતમાં તે ખૂબ ધ્યાન રાખે છે. જ્યારે ઉમરાવસભા વંશપરંપરાગત ધોરણે નિમાયેલા ઉમરાવોથી રચાય છે.

કારોબારી તરીકે વડાપ્રધાન અને પ્રધાનમંડળ કામ કરે છે. આમસભામાં બહુમતી ધરાવતો પક્ષ કૅબિનેટની રચના કરે છે, તેમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળનો સમાવેશ થાય છે. સમગ્ર કારોબારી સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતથી કામ કરે છે. તેનો અર્થ એ છે કે કૅબિનેટે લીધેલા નિર્ણયો માટે સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર છે. કૅબિનેટમાં થતી ચર્ચાવિચારણા ગુપ્ત રાખવામાં આવે છે. વડાપ્રધાન આમસભાના બહુમતી પક્ષના નેતા હોવા સાથે કૅબિનેટ રચનાર મુખ્ય નેતા છે. આથી તેઓ ‘કૅબિનેટની કમાનની આધારશિલા’ તરીકે ઓળખાય છે. આ કૅબિનેટ સમગ્ર દેશના વહીવટીનું સંચાલન કરે છે.

ન્યાયતંત્ર સંસદીય સરકારનું ત્રીજું મહત્વનું અંગ છે. તેમાં દીવાની અને ફોજદારી – એમ બે પ્રકારની અદાલતો કામ કરે છે. તેનો કાર્યચાલક સિદ્ધાંત કાયદાનું શાસન છે. કાયદાને સર્વોચ્ચ સ્થાને સ્થાપીને તેના આધારે ન્યાય ચૂકવવાનું કાર્ય થાય છે. કાયદા સમક્ષ સૌને સમાન માનીને ન્યાયવિતરણનું કાર્ય ચાલતું રહે છે. બ્રિટિશ લોકશાહીમાં બે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે સત્તાની ફેરબદલી થતી રહે છે આથી તેની લોકશાહી દ્વિપક્ષ પ્રથા તેની વિશેષતા બની રહે છે.

મહેશ મ. ત્રિવેદી

દેવેન્દ્ર ભટ્ટ

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ

રક્ષા મ. વ્યાસ