ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
February, 2011
ગુજરાત
ધર્મ અને સંસ્કૃતિ
ધર્મ–સંપ્રદાય
ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી આ પ્રદેશ આનર્ત નામે જાણીતો થયો. વેદના ઋષિ શાકલ્ય પણ અહીં થયાનું મનાય છે. ચ્યવન, ભાર્ગવ આ પ્રદેશમાં હતા. અપરાન્તમાં રામ જામદગ્ન્યનો આશ્રમ હતો અને માહિષ્મતીના હૈહયો સાથે એમનાં યુદ્ધો થયાં એ બધી વિગતો પુરાણોમાં છે એટલે કે તે સમયમાં આ પ્રદેશોમાં વૈદિક કર્મકાંડપરક અને ઔપનિષદ તત્વજ્ઞાનપરક ધર્મ પ્રવર્તતો હતો. મહાભારતકાળમાં શ્રીકૃષ્ણ યાદવોને મથુરામાંથી લઈ સુરાષ્ટ્રમાં દ્વારકામાં આવી વસ્યા તે સમયે આ વૈદિક ધર્મ અહીં મોટે ભાગે સ્થિર થયો હતો. પુરાણોત્તર કાળમાં અહીં વેદ્ઘર્મમાંથી વિકસેલા સ્માર્ત અને ભાગવત સંપ્રદાયો પ્રવર્તતા હતા. ગુજરાતનાં અનેક સ્થળોએ થયેલાં પુરાતત્વીય ઉત્ખનનોમાંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે. બૌદ્ધ અને જૈન સંપ્રદાયો બે હજાર વર્ષ પૂર્વે આ પ્રદેશમાં પ્રવેશી ચૂક્યા હતા. આમ, આ પ્રદેશની ધાર્મિક પરંપરા છેક વૈદિક સમયથી આરંભાયેલી માલૂમ પડે છે.
પુરાણોથી આરંભી મધ્યયુગીન ઉત્કીર્ણ લેખો અને શાસનપત્રોમાં વૈદિક અગ્નિહોત્રાદિ યજ્ઞોના ઉલ્લેખો મળે છે. અગ્નિહોત્રાદિ યજ્ઞોની પ્રવૃત્તિ માટે કર્મકાંડી બ્રાહ્મણોને શાસકોએ ભૂમિ, ગ્રામ વગેરેનાં દાન કર્યાનું જણાય છે, પણ કર્મકાંડપરક ધર્મ ધીમે ધીમે થોડાક બ્રાહ્મણો પૂરતો મર્યાદિત થઈ ગયો. ઔપનિષદ અધ્યાત્મચિંતનનું સ્થાન સામાન્ય કર્મકાંડ અને ભક્તિમાર્ગના પ્રચારને લીધે બહુ ઓછું થતું ગયું. આમ છતાં, વેદોની સંહિતાઓ તથા બ્રાહ્મણગ્રંથો અને સૂત્રગ્રંથોની બહુમૂલ્ય હસ્તલિખિત પોથીઓ આ પ્રદેશનાં વડનગર, પાટણ, ખંભાત, ભરૂચ, જૂનાગઢ, ભાવનગર અને જામનગર જિલ્લાના ગ્રામપ્રદેશોમાંથી મળી છે તે વૈદિક ધર્મ પ્રચલિત હોવાનો પુરાવો છે.
વૈદિક ધર્મમાંથી વિકસેલા ભાગવત, સૌર, શાક્ત, ગાણપત્ય આદિ સંપ્રદાયો ગુજરાતમાં સર્વત્ર પ્રચલિત હતા. વૈદિક દેવોના નવાવતાર સમા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શક્તિ, સૂર્ય આદિ દેવોની ભક્તિ આ પ્રદેશમાં સ્વીકારાઈ હતી; પણ બ્રહ્માની પૂજા સંપ્રદાય તરીકે સ્થિર ન થઈ શકી. આમ છતાં બ્રહ્માનાં મંદિરો અને મૂર્તિઓ ગુજરાતમાં ઉપલબ્ધ થયાં છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા, ખંભાત પાસે નગરા, બનાસકાંઠાના થરાદ તાલુકાના કરૂરા ગામમાં તથા સિદ્ધપુર પાસે કાંબળી ગામમાં બ્રહ્માનાં મંદિરો છે. ખંભાત પાસે નગરા ગામના ઉત્ખનનમાં બ્રહ્માની ચતુર્મુખ મૂર્તિ મળી આવી છે. વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે બ્રહ્માસાવિત્રીનું મંદિર છે. અનેક જૂનાં મંદિરોની બાહ્ય મેખલાઓમાં બ્રહ્માસાવિત્રીની પ્રતિમાઓ છે. મોઢેરામાં ખંડિત સૂર્યમંદિર છે. તેના ગર્ભગૃહમાં મુખ્ય મૂર્તિ નથી, પણ બહારના ભાગમાં સૂર્યનાં સ્વરૂપો કોતરાયેલાં છે. સૂર્ય વૈદિક દેવ છે. તેની ઉપાસના ઘણી પ્રાચીન હશે. હાલ તેના અવશેષ વિરલ પ્રમાણમાં મળે છે. સોમનાથનું પ્રભાસક્ષેત્ર મહાભારતમાં ભાસ્કરક્ષેત્ર પણ કહેવાયું છે. અહીં ધર્માદિત્યનું મંદિર હતું. સૂર્યનાં 12 સ્વરૂપોનાં 12 મંદિરો હતાં. સૌરાષ્ટ્રનું આનંદપુર અર્કસ્થલી કહેવાતું. વિજાપુર પાસે મહુડી ગામમાં સાબરમતીને તટે કોટ્યર્કનું મંદિર છે. નગરામાં સૂર્યપત્ની રન્ના (રાજ્ઞી) રાજદેવીનું મંદિર વસ્તુપાલે બંધાવેલું હોવાનો ઉલ્લેખ મળે છે. કેટલાક મૈત્રક રાજાઓ સૂર્યપૂજક હતા. સૂર્ય સાથે 9 ગ્રહો પણ પૂજાતા હતા. સૂર્યપુત્ર રેવન્તની મૂર્તિ પણ મળી છે. શ્રીમાળ જે ગુજરાતમાં ગણાતું હતું ત્યાંના જગત્સ્વામી મંદિરમાં સૂર્ય-રન્નાની મૂર્તિઓ ચંપાના લાકડામાંથી બનાવેલી તે હાલમાં પાટણના મંદિરમાં સુરક્ષિત છે. તેમની સાચવણી માટે તેમને ચંપાના તેલનો અભ્યંગ કરાય છે.
સાંપ્રત સમયમાં પ્રવર્તમાન શૈવ સંપ્રદાય સૌમ્ય પ્રકારનો છે. ક્ષત્રપ અને તે પૂર્વે પણ શિવના પાશુપત, કાપાલિક અને લકુલીશ સંપ્રદાયો તો ગુજરાતમાં જ જન્મ્યા હતા. વડોદરા પાસેના કારવણ (કાયાવરોહણ) ગામને લકુલીશની જન્મભૂમિ કહે છે. હાલ ત્યાં નવું મંદિર થયું છે. નર્મદા, મહી, સાબરમતી અને બીજી નદીઓના કાંઠે ઘણા જૂના સમયનાં શૈવ મંદિરો છે. વેરાવળ પાસેનું સોમનાથ તીર્થ ભારતનાં દ્વાદશ જ્યોતિર્લિગોમાંનું એક ગણાય છે. ક્ષત્રપો શૈવ હતા. મૈત્રકો પણ શૈવ હતા. તેમના રાજ્યકાળમાં ઉત્તમ કલાકારીગરીવાળાં શૈવ મંદિરોનું નિર્માણ થયું. શામળાજીમાં ઉત્ખનનમાં આખું શિવમંદિર મળ્યું છે. ક્ષત્રપકાળ પછી પાશુપતાદિ શૈવ મતોનો પ્રચાર ઓછો થતો ગયો; પણ સોલંકી કાળમાં શૈવ મતોના સૌમ્ય સ્વરૂપનો પ્રચાર વધ્યો જણાય છે. ગુજરાતનું પ્રાય: કોઈ ગામ એવું નહિ હોય જ્યાં શિવમંદિર ન હોય. સિદ્ધપુરમાં મૂળરાજ સોલંકીએ બંધાવેલા રુદ્રમહાલયના ભગ્નાવશેષો છે. જૂનાગઢનું ભવનાથ મંદિર અને દ્વારકા પાસેનું નાગનાથ શિવાલય વિશિષ્ટ ધાર્મિક મહિમા ધરાવે છે.
શક્તિપૂજા ગુજરાતમાં શિવપૂજાની સાથે જ રહી છે. કૌલ સંપ્રદાય પણ હતો. શક્તિતીર્થોમાં ખેડબ્રહ્મા અને આરાસુરનાં અંબિકા મંદિરો અને પાવાગઢનું ભદ્રકાલી મંદિર તથા મહાકાલી મંદિર પ્રસિદ્ધ છે. પાટણમાં હરસિદ્ધિ દેવી અને વિંધ્યવાસિની દેવીનાં મંદિરો હતાં. સહસ્રલિંગ સરોવર ફરતાં 108 દેવીમંદિરો હતાં. દક્ષિણમાં તુલજાભવાનીનું ક્ષેત્ર પણ જાણીતું છે. સૌરાષ્ટ્રમાં હળવદ પાસે હરસિદ્ધિ દેવીનું મંદિર છે. ચામુંડાનાં મંદિરો ઠેર ઠેર છે. સરસ્વતી, કમલા વગેરેની પૂજા પણ થતી. યોગિનીઓની ઠેર ઠેર મળતી મૂર્તિઓ અને મંદિરો શક્તિપૂજાનો એક તંત્રમાર્ગીય ફાંટો છે. સામાન્ય વર્ગના લોકોમાં યોગિનીઓ, વારાહી વગેરે શક્તિઓની માન્યતા આજે પણ છે. અંબિકા, ચામુંડા અને કાલિકા સાથે જ તંત્રોક્ત બાલાત્રિપુરસુંદરીની ઉપાસના થતી. બાલા બહિશ્ચરા(બહુચર)નું મંદિર ધરાવતું મહેસાણાથી ચાળીસેક કિમી. દૂર પશ્ચિમે આવેલું બહુચરાજી મોટું શાક્ત તીર્થ છે. હળવદમાં ભવાની અને વાંકાનેરમાં મહાલક્ષ્મીનું મંદિર છે. સિદ્ધપુરમાં નદીકિનારે સરસ્વતીનું મંદિર છે. સરસ્વતીનું મંદિર ભાગ્યે જ જોવા મળે છે. પણ લોકોમાં સોગંદ આપવા માટે હજીય સરસ્વતીનું નામ દેવાય છે. થોડાંક વર્ષો શ્રીરામ શર્મા-પ્રેરિત ગાયત્રી ઉપાસનાનો પ્રચાર વધ્યો હતો. કેટલેક સ્થળે ગાયત્રીમંદિરો થયાં છે અને ગાયત્રીયજ્ઞ, અશ્વમેધયજ્ઞ (ગાયત્રીપરક સ્વરૂપ) જેવા યજ્ઞો પણ થાય છે. ઊંઝામાં ઉમિયા માતા, અરણેજમાં બૂટ ભવાની અને કચ્છમાં માતાના મઢમાં આશાપુરાનાં સ્થાનક છે. લોકધર્મમાં ખોડિયાર, સંતોષીમાતા, દશામા જેવી દેવીઓની પૂજા પણ પ્રચલિત છે. અમદાવાદ નજીક ગાંધીનગર હાઇ-વે પર વિષ્ણોદેવીનું મંદિર થોડા સમય પર જ બનાવવામાં આવ્યું છે.
શિવપાર્વતીના પુત્રોમાં ગણેશ અને સ્કંદ એ બંનેયની પૂજાઓ થતી. સાંપ્રદાયિક ગણેશપૂજા તો હાલ પણ પ્રચલિત છે. પંચદેવપૂજામાં ગણેશની પૂજા પહેલી થાય છે. મહેસાણા જિલ્લામાં ઐઠોર ગામમાં ગણપતિનું પ્રાચીન મંદિર છે. આ જ રીતે અરણેજ નજીક ગણેશપુરાનું ગણપતિનું મંદિર જાણીતું છે. અહીં ચૈત્ર સુદ ત્રીજથી ચૈત્ર સુદ પાંચમ સુધી મેળો ભરાય છે. દેવને ધરાવેલ ફૂલો, અનાજ વગેરે પરથી આખાયે વર્ષની આબોહવા, રાજકીય બનાવો, બજાર વગેરે વિશે વરતારો કઢાય છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગણેશચતુર્થીનો ઉત્સવ હવે ધામધૂમ અને ભક્તિથી ઊજવાય છે. ગણપતિ વિઘ્નહર દેવ છે. તેથી સર્વધર્મકર્મ અને મંગલકાર્યના આરંભે ગણપતિપૂજા ગુજરાતમાં અને ભારતમાં સર્વત્ર પ્રચલિત છે. સ્કંદપૂજાના પૌરાણિક ઉલ્લેખો સિવાય બીજું કોઈ પ્રમાણ પ્રાપ્ત નથી. સ્કંદપુરાણ વડનગરમાં રચાયું હતું એમ મનાય છે. આમ છતાં ગુજરાતમાં સ્કંદપૂજાનો પ્રચાર જોવા મળતો નથી તે પણ આશ્ચર્ય છે. શિવના ગણો, ભૂતપ્રેતાદિ અને યોગિનીઓની પૂજાને લોકધર્મમાં ગણી શકાય. ઉપરાંત ક્ષેત્રપાલ, લોકમાતાઓ, માતૃકાઓ, યક્ષિણીઓ, ભૂતમાતા, શીતલા, મેલડી, શ્યામલા, આડમા કે હજારીમા, ખોડિયાર, શિકોતરી , વીસત માતા, મોમાઈ માતા, વેરાઈ માતા, બ્રહ્માણી માતા અને જુદા જુદા વીરોની પૂજા અત્યારે પણ પ્રચલિત છે.
સ્માર્ત સંપ્રદાયમાં શિવની ભક્તિ મુખ્ય ગણાય છે. ગુજરાતમાં નાથ સંપ્રદાય પણ સ્માર્ત સંપ્રદાયનો એક ફાંટો હતો. કચ્છમાં ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે. આ શાખાના સાધુઓ ‘કાનફટ્ટા’ તરીકે ઓળખાતા, સ્માર્ત સંપ્રદાયમાં આસ્થા ધરાવનારાઓમાં બ્રાહ્મણો ઉપરાંત રાજપૂતો, વાણિયા, કણબી, ભાટ વગેરેનો સમાવેશ થાય છે.
વૈષ્ણવ સંપ્રદાયનાં ગુજરાતનાં તીર્થોમાં દ્વારકા સૌથી પ્રાચીન છે. મહાભારતકાળમાં શ્રીકૃષ્ણ યાદવોને લઈ મથુરાથી સુરાષ્ટ્રમાં દ્વારિકા વસાવી તેમાં રહ્યા તે પૂર્વે પણ વિષ્ણુની પૂજા પ્રવર્તતી હોવાનો સંભવ છે. સ્કંદગુપ્તના ગિરનારના શિલાલેખમાં વિષ્ણુ, વામન અને ગોવિંદની પૂજાના ઉલ્લેખો છે. મૌર્યકાળથી ગુપ્તકાળ સુધી ગિરિનગર તે સમયના શાસકોનું, ગુજરાત-સુરાષ્ટ્રના પ્રાદેશિક અધિકારીઓનું પાટનગર હતું. એ પ્રદેશમાં વૈષ્ણવ સંપ્રદાયના ઉત્કીર્ણ લેખ, જલાશયાદિ પૂર્તકર્મના અવશેષ વગેરે મળે છે. સુદર્શન સરોવર, તેનો બંધાવનાર ચક્રપાલિત વગેરે નામો વૈષ્ણવ સંપ્રદાયનાં સૂચક છે. શ્રીકૃષ્ણની પૂજા આ સમયમાં જાણીતી હતી. ભાગવત, પાંચરાત્ર આદિ વૈષ્ણવ સંપ્રદાયો આ પ્રદેશમાં ઘણા જૂના છે. દ્વારકાની જેમ જૂનાગઢ પાસેના માધવપુરમાં ઘણી જૂની વૈષ્ણવપીઠ છે. સાબરકાંઠાનું શામળાજીનું ગદાધર મંદિર મધ્યકાળનું મોટું તીર્થ છે. ડાકોરનું રણછોડરાય મંદિર મરાઠાકાલનું છે તેથી નવું કહેવાય. વલ્લભાચાર્ય, વિઠ્ઠલનાથજી અને તેમના વંશજોની ઘણી બેઠકો અને ગોકુલેશજી, કલ્યાણરાયજી વગેરેનાં વૈષ્ણવ મંદિરો ગુજરાતમાં અનેક સ્થળે છે. વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈત સંપ્રદાય(પુષ્ટિમાર્ગ)નો ગુજરાતમાં બહોળો પ્રચાર થયેલો છે. રામપૂજા પણ અહીં મધ્યકાળથી પ્રચલિત છે. રામમંદિરો ગુજરાતનાં ઘણાં ગામોમાં છે અને રામની સાંપ્રદાયિક પૂજા, ઉત્સવો વગેરે ત્યાં થાય છે. નરસિંહનું મંદિર વડોદરામાં છે. સત્યનારાયણની પૂજા અને કથાનો મહિમા પણ જોવામાં આવે છે.
જામનગરમાં દેવચંદ્રજીએ સ્થાપેલા શ્રીકૃષ્ણપ્રણામી પંથને તેમના પ્રકાંડ શિષ્ય મહામતિ પ્રાણનાથે સત્તરમી સદીમાં ઉત્તર ભારતમાં ફેલાવેલો. તેનો પ્રભાવ ગુજરાતના ઘણા ભાગોમાં દૃષ્ટિગોચર થાય છે. નાતજાત અને નાનામોટાના ભેદભાવ વગર સહુને પ્રણામ કરનાર આ સંપ્રદાયના અનુયાયીઓ સુંદરસાથ તરીકે ઓળખાય છે. શુદ્ધાદ્વૈત સંપ્રદાયે શુદ્ધિની જે ચોકસાઈ આપી તેને છેક નીચેના સ્તરના લોકસમૂહ સુધી લઈ જવાનું શ્રેય સહજાનંદસ્વામીને છે. ભક્તિમાં ઉચ્ચનીચના જ્ઞાતિભેદ કાઢી નાખીને તેમણે શ્રમજીવી વર્ગ સુધી ધર્મને પહોંચાડ્યો અને આચારશુદ્ધિનો આગ્રહી બનાવ્યો. આ સંપ્રદાયના અનુયાયીઓએ વ્યસનોનો ત્યાગ કર્યો અને વ્યવહારશુદ્ધિનો આગ્રહ રાખ્યો.
અન્ય સંપ્રદાયો : 16મી સદીમાં પ્રવર્તેલ રાધાવલ્લભ સંપ્રદાયનો ગુજરાતમાં ઘણો વિકાસ થયો હતો. આ સમય દરમિયાન આ સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા ઘણી વધી અને તેનાં ઘણાં મંદિરો ગુજરાતમાં ઠેર ઠેર આવેલાં છે. ગુજરાતમાં ઉદાસી સંપ્રદાયનો ફેલાવો પણ થયો હતો. ખંભાતમાં ઉદાસી બાવાના મંદિરની ગાદી ઉપર ભોળાનાથ, ગંગારામ, રામદાસ, ગુરુદત્ત વગેરે સંતો થઈ ગયા. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે. આ સંપ્રદાયનાં 52 મંદિરો ગુજરાતમાં છે. મહાત્મા રંગ અવધૂતે ગુજરાતમાં દત્તની ઉપાસના અને એ પ્રણાલીની સાધનાને તથા દત્તની જીવનલીલાને શબ્દ્બદ્ધ કરીને દત્ત સંપ્રદાયનો પ્રચાર કર્યો. રાજસ્થાન મારવાડમાં રણુજા ગામે રામદેવપીર સંપ્રદાય શરૂ થયો. બસો વર્ષ પૂર્વે ધોળકા પાસે રંગપુર આવીને રામબાવાએ રામદેવપીરનું મંદિર બંધાવ્યું. અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં કાલાવડ પાસે રણુજામાં રામદેવપીરનાં મંદિરો આવેલાં છે. શિરડીના સાંઈબાબાના અનુયાયીઓનો એક વર્ગ ગુજરાતમાં છે. એના પ્રચારમાં સાંઈ શરણાનંદ મહાત્માનો ફાળો મુખ્ય છે. ગુજરાતના ઘણા લોકો સાંઈબાબામાં માને છે. વૈષ્ણવ સંપ્રદાયમાં રામના ઉપાસકોમાં મુખ્યત્વે રામાનંદી અને રામસનેહી જેવા પંથોનો સમાવેશ થાય છે. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ (આશરે 14મી સદી) હતા. ગુજરાતમાં કણબી, લુહાર, કડિયા, દરજી વગેરે કોમોમાં આ પંથનો ઘણો પ્રચાર થયો હતો. આ ઉપરાંત ગુજરાતમાં પીરાણા પંથ, સંતરામ પંથ, રવિ પંથ, દાદુ પંથના અનુયાયીઓ પણ છે. પીરાણા પંથના અનુયાયીઓ હિંદુ તથા મુસ્લિમ તહેવાર ઊજવતા. આ પંથમાં મૂર્તિપૂજાનો નિષેધ છે. જૂનાગઢ પાસેના શાહપુરના વતની રવિસાહેબે ઈ. સ. 1750માં રવિ પંથ સ્થાપ્યો હતો. અઢારમી સદીમાં નડિયાદમાં સંતરામ મહારાજે સંતરામ પંથની સ્થાપના કરી હતી. ઈ. સ. 1600માં દાદુરામ અથવા દયાળજીએ દાદુપંથની સ્થાપના કરી હતી. તે ઘણુંખરું ઉપાસના અને સિદ્ધાંતની દૃષ્ટિએ કબીર પંથને મળતો આવે છે.
જૈન ધર્મ : મહાવીર-વર્ધમાનસ્વામીએ જૈન ધર્મને સ્વતંત્ર સ્વરૂપ આપ્યું તે પહેલાં આ ધર્મ ગુજરાતમાં પ્રવર્તતો હોવાનું અનુમાન છે. બાવીસમા તીર્થંકર નેમિનાથ શ્રીકૃષ્ણના સમકાલીન યાદવ રાજકુમાર હતા. ઈસુની પહેલી સદીમાં ભરૂચના ખપુટાચાર્યે તેમના સમકાલીન બૌદ્ધ આચાર્યોને ધાર્મિક વિવાદમાં પરાજિત કર્યા હતા. પ્રસિદ્ધ આચાર્ય સિદ્ધસેન દિવાકર તેમની ઉત્તરાવસ્થામાં ભરૂચની આસપાસ વિહાર કરતા હતા. ઉત્તર ગુજરાતમાં શંખેશ્વર પાર્શ્વનાથનું તીર્થ પ્રાચીન ગણાય છે. ગુજરાતમાં લગભગ સર્વત્ર જૈન ધર્મ સ્વીકારાઈ ગયો હતો. હેમચંદ્રાચાર્યના સમય પૂર્વે જયશિખરી ચાવડાના નિર્વાસિત પુત્ર વનરાજ ચાવડાને શીલગુણસૂરિએ આશ્રય આપેલો. ત્યારપછી ઉત્તર ગુજરાતના સોલંકીઓના સમયમાં જૈન શાસ્ત્રો પર ઉત્તમ ટીકાઓ રચાઈ એ આ ધર્મની લોકપ્રિયતા દર્શાવે છે. જૈન ધર્મને અહીં રાજ્યાશ્રય મળેલો. પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ, શંખેશ્વરના પાર્શ્વનાથ વગેરે મંદિરોની ઘણી પ્રસિદ્ધિ હતી. આ ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખરતરગચ્છની સ્થાપના જિનેશ્વરસૂરિએ ઉત્તર ગુજરાતમાં કરી. દિગંબર મત પણ અહીં પ્રવર્તતો હતો; પણ સોલંકી સમય પૂર્વે તેની માન્યતા ઓછી થતી ચાલેલી. હાલ થોડાંક દિગંબર મંદિરો છે અને પ્રમાણમાં ઓછા દિગંબર સાધુઓ ગુજરાતમાં વિહાર કરે છે. શ્વેતામ્બરોનો તેરાપંથ મારવાડ અને ગુજરાતમાં વિસ્તરતો જાય છે. સ્થાનકવાસી સંપ્રદાય પણ અહીં પ્રવર્તે છે. આ સંપ્રદાયોના ઉપાશ્રયોમાં ચાતુર્માસ દરમિયાન શાસ્ત્રોપદેશ અને પ્રવચનો થતાં રહે છે. જૈન ધર્મે જૂના ગ્રંથો સાચવવાનું મહત્વનું કામ કર્યું. પરિણામે પાટણ, ખંભાત, રાધનપુર, થરાદ, છાણી લીંબડી, અમદાવાદ વગેરે સ્થળોએ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો સચવાયેલા છે. મૈત્રકકાળમાં વલભીપુરમાં જૈન આગમોની વાચના ભારતભરમાંથી આવેલા જૈન વિદ્વાનોએ તૈયાર કરી કે જે વલભીવાચના નામે ઓળખાય છે. મોટાભાગના સૂરિઓએ સાહિત્યરચના કરી છે. આમાં હેમચંદ્રસૂરિ તેમજ યશોવિજયજીની સાહિત્યસેવાઓ વિશિષ્ટ છે. હીરવિજયસૂરિ જેવા સમર્થ સૂરિઓનો મુઘલ સમ્રાટ અકબર પર ઘણો પ્રભાવ હતો.
બૌદ્ધ ધર્મ : જૈન ધર્મની સાથે સાથે જ ઈસુ પૂર્વેના સૈકાઓમાં અહીં બૌદ્ધ ધર્મનો પ્રચાર હતો. બૌદ્ધ સ્તૂપો અને વિહારોના અનેક નમૂના ગુજરાતમાંથી મળી આવ્યા છે. ખપુટાચાર્યે મંત્રબળે બૌદ્ધ પ્રતિમાને નમાવી એવો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં છે. શામળાજી પાસે દેવની મોરી પાસેથી ઉત્ખનનમાં ઈસુ પૂર્વેના બૌદ્ધ સ્તૂપના અવશેષો મળેલા છે. અર્થાત્ ગુજરાતમાં આ ધર્મનો પ્રચાર હતો એ સિદ્ધ થાય છે. સ્વ. આંબેડકરના અનુકરણમાં અહીંના સામાન્ય વર્ગના લોકો નવ્ય-બૌદ્ધ ધર્મ સ્વીકારવા લાગ્યા છે. ‘લોકાયત’, જેવા નાસ્તિક મતનો પણ અહીં પ્રચાર હતો એમ જણાય છે.
જરથોસ્તી ધર્મ : ઈ.સ.ની દસમી સદીમાં કેટલાક જરથોસ્ત-ધર્માનુયાયીઓ ઈરાનમાંથી સ્થળાંતર કરી ગુજરાતમાં પ્રથમ દીવ અને પછી સંજાણ બંદરે આવ્યા અને સંજાણ, ઉદવાડા વગેરે સ્થળે સ્થાયી થયા. તેઓ અગ્નિપૂજકો હતા અને સાથે પવિત્ર આતશ (અગ્નિ) પણ લઈ આવ્યા હતા. દીવ અને સંજાણમાં આવ્યા તે પૂર્વે તેઓ ખંભાતમાં વેપાર અર્થે આવ્યા હશે એમ લાગે છે. ખંભાતમાં અગ્નિપૂજકો હતા એવા ઉલ્લેખો છે અને તેઓ જરથોસ્તી હોવાનો પૂરો સંભવ છે. સંજાણમાંથી સ્થળાંતર કરી તેઓ ધરમપુરમાં પણ વસેલા અને ત્યાંથી વલસાડ, નવસારી અને ગુજરાત-મહારાષ્ટ્રનાં મોટાં નગરોમાં સ્થિર થયા છે.
તેઓ પારસિક (ઈરાન) દેશમાંથી આવ્યા છે. તેથી અહીં પારસીઓના નામે ઓળખાય છે. તેમની આતશ બહેરામની પૂજા વૈદિક આર્યોના અગ્નિહોત્ર જેવી છે. તેમની યજ્ઞવિધિ અને સંસ્કારવિધિ પણ વૈદિક આર્યો જેવી છે. તેમના ધર્મપુસ્તક ઝંદ ભાષામાં લખાયેલા ‘અવેસ્તા’ અને સપ્તસિંધુના આર્યોના ઋગ્વેદની ભાષામાં ઘણું મળતાપણું છે. આ બે ભાષાઓ ભારત-યુરોપીય ભાષાપરિવારમાં ભારત-ઈરાની ભાષાયુગલ તરીકે જાણીતી છે. પારસીઓના અગ્નિમંદિરને ‘અગિયારી’ કહેવામાં આવે છે, જ્યારે તેમના દફનસ્થાનને ‘દખમું’ કહેવાય છે.
બહાઇ ધર્મ : ઈરાનમાં મીરઝાઅલી મુહમ્મદે ઈ. સ. 1864માં એક નવો ધર્મ પ્રચલિત કર્યો; જે એમના અનુગામી બહાઉલ્લાહના નામ પરથી બહાઇ ધર્મ તરીકે ઓળખાયો. ઈ. સ. 1914માં નારાયણરાવ રંગનાથ શેઠજી વકીલ તેનાથી આકર્ષાયા અને સૂરતમાં એ ધર્મનો સંદેશો ફેલાવ્યો. એમના કુટુંબીજનોએ તેનો પ્રસાર કરવા આધ્યાત્મિક સભા સ્થાપી. આ ધર્મના અનુયાયીઓ જગતમાં એક જ ધર્મ અને એક ઈશ્વરમાં માને છે. અમદાવાદમાં 1940–41ના અરસામાં શિરીન ફોજદારે ધર્મપ્રસાર અને પછાત વર્ગમાં સમાજસેવાનું કાર્ય કર્યું. વડોદરામાં 1944માં બહાઇઓની આધ્યાત્મિક સભાની સ્થાપના થઈ. અમદાવાદમાં બહાઇ સેન્ટર શાહપુર વિસ્તારમાં આવેલું છે.
ઇસ્લામ ધર્મ : ગુજરાતમાં ઇસ્લામનું આગમન દરિયાઈ માર્ગે અરબસ્તાન અને ઈરાનથી આવતા વેપારીઓ દ્વારા થયું. દસમી સદીમાં ખંભાતમાં મુસ્લિમો હતા. અમાત્ય વસ્તુપાલે તેમને એક મસ્જિદ બંધાવી આપ્યાના ઉલ્લેખો છે. આરંભમાં તેમના શિયા-સુન્ની જેવા સંપ્રદાયોનો કોઈ ઉલ્લેખ નથી, પણ ધીમે ધીમે વેપારીઓ સાથે ધર્મપ્રચારકો આવવા લાગ્યા ત્યારથી ગુજરાતમાં શિયા-સુન્ની પંથના ભેદો શરૂ થયા હોય એમ જણાય છે. ઈરાન, અરબસ્તાન અને ઇજિપ્તથી ફકીરો અને પ્રચારકો આવતા. શિયાપંથનો પ્રચાર ઇજિપ્તના પ્રચારકોએ કરેલો. આ પ્રચારકોની અસર તળે ગુજરાતના કેટલાક હિંદુઓએ ધર્માન્તર કરેલું. વહોરા (વહેવારિયા – વહેપારી) આ રીતે ઇસ્લામ સ્વીકારનાર હિંદુ હતા. પછી તો મુસ્લિમ શાસકોએ જ ધર્માન્તરને ઉત્તેજન આપ્યું – ખાસ તો સુન્ની સંપ્રદાયે. ગુજરાતમાં શિયા અને સુન્ની બંને સંપ્રદાયોના અનુયાયીઓ છે. તે બંને સંપ્રદાયોની ધાર્મિક માન્યતામાં કોઈ ભેદ નથી પણ મુહમ્મદ સાહેબના શિષ્યોને તેમના ઉત્તરાધિકારી ખલીફા માનનાર તે સુન્ની અને તેમના કુલના અંગત સગા અલીસાહેબને જ તેમના ઉત્તરાધિકારી માનનાર તે શિયા આટલો જ માત્ર ભેદ છે. મુસ્લિમોમાં અરબસ્તાન-ઈરાનથી આવનાર મૂળ લોકો કરતાં ધર્માન્તરિતોની સંખ્યા મોટી છે. મોટાભાગના ખોજા અને વહોરા શિયાપંથી છે. કેટલાક વહોરા સુન્ની પણ છે. શિયા પંથનો પ્રચાર ઈરાનથી આવેલા દાઈઓએ કર્યો. ઇજિપ્તના પ્રચારકો મુસ્તાલી ઇસ્માઇલ કહેવાય છે. તેમના અનુયાયી ગુજરાતના વહોરા મુસ્તાલીઓ કહેવાય છે. ખોજા નિઝારી કહેવાય છે.
કેટલાક ઇસ્લામી ઉપદેશકોએ હિંદુ અને ઇસ્લામ વિચારધારાઓનું મિશ્રણ કરી પીરાણા પંથ સ્થાપેલો છે. તેના અનુયાયીઓ પણ ગુજરાતમાં છે. આ સર્વ સંપ્રદાયો અલ્લાહને સર્વોત્કૃષ્ટ સત્તા માને છે અને હજરત મુહમ્મદને તેમના રસૂલ માને છે. આ જ રીતે અમદાવાદ અને પાટણમાં હજરત મુહમ્મદ મેંહદી જૌનપુરીએ મહેંદવી પંથ ચલાવેલો. તેના અનુયાયીઓ પણ ગુજરાતમાં છે.
ખ્રિસ્તી ધર્મ : ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રવેશ પોર્ટુગીઝો દ્વારા સલ્તનતકાળમાં થયો હતો અને ગુજરાતમાં ખ્રિસ્તી મિશનોએ મુઘલકાળ દરમિયાન પગપેસારો કર્યો હતો. આ મિશનો કૅથલિક મિશનો હતાં. અકબર તથા જહાંગીરના સમયમાં પોર્ટુગીઝ પાદરીઓને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો તથા દેવળ બાંધવાનો પરવાનો અપાયો હતો. 1594માં ખંભાતમાં કોટ પાસે તેમણે દેવળ બાંધ્યું હતું. 1605માં ખંભાતમાં 80 પોર્ટુગીઝ કુટુંબો વસતાં હતાં. સૂરત અને ભરૂચમાં રોમન કૅથલિક સંપ્રદાયનાં દેવળો હતાં. દમણમાં રોમન કૅથલિક પંથના જેસુઇટ પાદરીઓ ઉપરાંત ડોમિનિકન, ફ્રાન્સિસ્કન અને ઑગસ્ટિયન સંઘના પાદરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા. દીવ અને દમણમાં તેમનાં સુંદર દેવળો હતાં.
સૂરતમાં કેપુચિન સંઘના પાદરીઓ 1640થી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા. 1664માં તેમણે એક દેવળ બાંધ્યું હતું. કાર્મલાઇટ પંથના પોપના પ્રતિનિધિ 1669માં સૂરત આવ્યા હતા. 1759માં આ પંથનું દેવળ સૂરતના કિલ્લા નજીક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ માટે બંધાયું હતું.
1818 પછી બ્રિટિશ શાસનના પ્રારંભમાં રોમન કૅથલિક સંપ્રદાયની પ્રવૃત્તિ આણંદ, વડોદરા, ભરૂચ, સૂરત, અમદાવાદ, રાજકોટ, ભુજ, પોરબંદર, ભાવનગર વગેરે શહેરોમાં જ મર્યાદિત હતી.
પ્રૉટેસ્ટન્ટ પંથ : આ પંથનાં ‘આર્મિનિયન મિશન’ અને ‘લંડન મિશનરી સોસાયટી’ ધર્મપ્રચારનું કામ કરતાં હતાં. આર્મિનિયન મિશને વડોદરામાં ‘મહીકાંઠા મિશન’ સ્થાપી ધર્મપ્રચારનું કામ કર્યું હતું. 1861–62માં લંડન મિશનરી સંસ્થાની ૩19 શાળાઓમાં 15,000 વિદ્યાર્થીઓ અને 589 શિક્ષકો હતા. આઇરિશ પ્રેસ્બિટિરિયન મિશને (આઇ. પી. મિશન) તેની પ્રવૃત્તિ 1840માં સૂરતથી શરૂ કરી હતી. આઇ. પી. મિશને ‘લંડન મિશનરી સોસાયટી’ બંધ થયા પછી તેનો હવાલો સંભાળ્યો હતો. એક પારસી વિદ્યાર્થીનું ધર્માન્તર કરાવવાથી સૂરતમાં આ સંસ્થાની પ્રવૃત્તિમાં ઓટ આવી હતી. આઇ. પી. મિશને 1889માં ‘જંગલ ટ્રાઇબ્સ મિશન’ સ્થાપ્યું હતું. સૂરત ઉપરાંત અમદાવાદમાં આ મિશને શાળાઓ શરૂ કરી હતી. ગુજરાતમાં મેથડિસ્ટ ચર્ચે 1872થી મહી નદીની દક્ષિણે આવેલા વિસ્તારમાં કામ શરૂ કરી 1895, 190૩ અને 1906માં ધાર્મિક મેળાનું આયોજન કરી ધર્મપ્રચારકાર્ય કર્યું હતું. ‘ધ ચર્ચ મિશનરી સોસાયટી’એ ખાસ કરીને ભીલોમાં 1880થી અને મુક્તિફોજે (Salvation Army) 1882થી ધર્મપ્રચારનું કાર્ય શરૂ કર્યું હતું.
મિશનોની પ્રવૃત્તિ : 1874માં આઇ. પી. મિશનનાં મિસ સુસાન બ્રાઉને સૂરતમાં સૌપ્રથમ તબીબી સેવાનો પ્રારંભ કર્યો હતો. 1890માં મિસ મૉન્ટગૉમરીએ આ પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. મેથડિસ્ટ અને આઇ. પી. મિશને 1905માં આણંદમાં હૉસ્પિટલ શરૂ કરી હતી. ડૉ. કૂકના દવાખાના તરીકે તે જાણીતી છે. નડિયાદમાં પણ એપિસ્કોપલ મિશનની હૉસ્પિટલ છે. સાબરકાંઠામાં લુસડિયા ખાતે ક્ષયની હૉસ્પિટલ છે. 1906માં મેથડિસ્ટ મિશને ભરૂચમાં દવાખાનું શરૂ કર્યું હતું. તેમનું બીજું દવાખાનું વડોદરામાં 1910માં મિસિસ વિલિયમ બટલરે શરૂ કર્યું હતું. બોરસદમાં આઇ. પી. મિશનની હૉસ્પિટલ છે. ખંભાત અને માતર નજીક મુક્તિફોજનાં તબીબી કેન્દ્રો છે. કિચન મિશન ઑવ્ અલાયન્સ મિશનનું ખેડા કૅમ્પમાં દવાખાનું રેવરંડ કિંગે શરૂ કર્યું હતું. વર્ષો પહેલાં અમદાવાદમાં આસ્ટોડિયામાં એસ. ટી. બસ-સ્ટૅન્ડની નજીક કૅથલિક સાધ્વીઓ રક્તપિત્તના રોગીઓની હૉસ્પિટલ ચલાવતી હતી. તે પછી અમદાવાદ મ્યુનિસિપાલિટીએ તેનો વહીવટ હાથમાં લીધો હતો અને તે નારોલ પાસે હાઈ-વે પર આવેલી જૂની કોર્ટના મકાનમાં સ્થળાંતરિત થઈ હતી.
શૈક્ષણિક પ્રવૃત્તિઓ : ખ્રિસ્તી મિશનરીઓ ગુજરાતી ભાષામાં ધર્મોપદેશ કરતા હતા. તેથી તેમને ગુજરાતી વ્યાકરણ શીખવાની જરૂર પડી. 1819માં સ્કિનર અને ફાઈવીએ ગુજરાતી વ્યાકરણ અને કોશ તૈયાર કર્યાં. 1847માં લંડન મિશનરી સોસાયટીના વિલિયમ ક્લાર્કસનનું ગુજરાતી ભાષાનું વ્યાકરણ પ્રસિદ્ધ થયું. જે. વી. એસ. ટેલરનું પણ ગુજરાતી વ્યાકરણ હતું. તેમના પુત્રે અંગ્રેજી ભાષામાં ‘ધ સ્ટુડન્ટ્સ ગુજરાતી ગ્રામર’ પ્રસિદ્ધ કર્યું. સી. એસ. એસ. મિશનના થૉમ્પસને ભીલી-ગુજરાતી વ્યાકરણ અને રૉબર્ટ મૉન્ટગૉમરીએ અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ તૈયાર કર્યો.
સૂરતમાં 1840માં આઇ. પી. મિશન શાળા, 1841માં રાજકોટમાં કન્યાશાળા, 1870માં સૂરતમાં ‘ધ સૂરત ગર્લ્સ હાઈસ્કૂલ’, 1885માં રોમન કૅથલિક મિશનની શાળા, 1889 અને 1892માં અનુક્રમે આણંદ અને બોરસદમાં એ. વી. સ્કૂલ વગેરે શરૂ કરાયાં હતાં. આણંદમાં આઇ. પી. મિશનની કન્યાશાળા ને છાત્રાલય અને મુક્તિફોજનાં કન્યા છાત્રાલય અને અનાથાશ્રમ, નડિયાદમાં મેથડિસ્ટ ચર્ચનાં પ્રાથમિક શાળા, અંગ્રેજી શાળા, કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય, ટૅકનિકલ શાળા, હાઈસ્કૂલ વગેરે છે. ખ્રિસ્તીઓને નોકરીની તકો મળી રહે એ હેતુથી પી. ટી. સી. કૉલેજ અને નર્સિંગ કૉલેજની શરૂઆત પ્રૉટેસ્ટન્ટોએ કરી જ્યારે ઉચ્ચતર શિક્ષણ માટે રોમન કૅથલિકોએ પહેલ કરી અને તે માટે તેમણે અમદાવાદમાં 1955માં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ શરૂ કરી. અધ્યાત્મવિદ્યા(Theology)ના શિક્ષણ માટે પ્રૉટેસ્ટન્ટોએ અમદાવાદમાં સ્ટીવન્સન ડિવિનિટી કૉલેજની સ્થાપના કરી.
અંકલેશ્વર, બોરસદ અને ગોધરામાં પ્રાથમિક શિક્ષકો માટે અધ્યાપન-મંદિરો છે. હાઈસ્કૂલો, કુમાર અને કન્યાશાળાઓ સાથે છાત્રાલયો પણ છે.
ગુજરાતમાં ખેડા, વલસાડ, સૂરત અને પંચમહાલ જિલ્લામાં તેમની પ્રવૃત્તિ વિશેષ રહી છે. આદિવાસી અને હરિજનોના શિક્ષણ માટેના પ્રારંભનો યશ તેમને જાય છે.
શીખ ધર્મ : ગુરુનાનકના સમયથી ગુજરાતમાં શીખ ધર્મનો પ્રસાર થયો હતો. ગુરુનાનક ગુજરાતના પ્રવાસે આવેલા અને નર્મદા નદીના કાંઠે ભરૂચ ખાતે તેમણે વિશ્રામ કર્યો હતો. તેમની યાદમાં ઉદાસી સંપ્રદાયે ત્યાં પ્રાચીન ગુરુદ્વારા અને ધર્મશાખા સ્થાપી છે. આ ઉપરાંત વડોદરા, જૂનાગઢ, દ્વારકા, પાલીતાણા, અમદાવાદ વગેરે સ્થળોએ ગુરુદ્વારા છે.
છેલ્લી બે સદીમાં ભારતમાં પશ્ચિમની વિચારસરણીનો પરિચય થયો તેના પરિણામે ધર્મોમાં યુગાનુકૂલ પરિવર્તનો માટે આંદોલનો ઊભાં થયાં. સ્વામી દયાનંદ સરસ્વતીએ પ્રાચીન વેદધર્મનું આગ્રહપૂર્વક પુન:સ્થાપન કર્યું. એમની વિચારસરણી આર્યસમાજના નામે જાણીતી છે. સ્વામી દયાનંદે મૂર્તિપૂજાને અવૈદિક કહી અને વેદમંત્રોમાં સ્તુત્ય દેવોનાં મૂળ સ્વરૂપોનાં પૂજન-અર્ચનનો આગ્રહ રાખ્યો. શૈવ, વૈષ્ણવાદિ સંપ્રદાયોનો અસ્વીકાર કર્યો અને વેદમંત્રોને જ ધર્મમાં પ્રમાણરૂપ માન્યા. એમની આર્યસમાજ વિચારસરણીનો પંજાબમાં ઘણો સ્વીકાર થયો અને ગુજરાતે પણ તેને આવકાર્યો. હિંદુ ધર્મ ત્યજીને અન્ય ધર્મમાં ગયેલા હિંદુઓને મૂળ ધાર્મિક પ્રવાહમાં લાવવા શુદ્ધીકરણની પ્રવૃત્તિ આર્યસમાજ દ્વારા શરૂ કરવામાં આવી. વેદોથી ધર્મશાસ્ત્રો સુધીમાં વિકસેલી વિચારધારાને સ્વીકારતું બીજું એક આંદોલન બંગાળમાં જન્મ્યું તે બ્રહ્મોસમાજના નામે પરિચિત છે. ગુજરાતે બ્રહ્મોસમાજની વિચારધારા પણ સ્વીકારી અને એ વિચારધારામાંથી જન્મેલી પ્રાર્થનાસમાજની વિચારધારા પણ સ્વીકારી; પણ એનો બહુ પ્રચાર ન થયો. શ્રીમન્નથુરામ શર્માએ વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રો એ સર્વનો સ્વીકાર કર્યો અને કર્મકાંડને પણ પુન:પ્રતિષ્ઠિત કર્યું. વડોદરામાં શ્રીમન્નૃસિંહાચાર્યે ઉપનિષદ્-ધર્મને સતેજ કર્યો. તેમનો અનુયાયીવર્ગ શ્રેય:સાધક અધિકારીવર્ગને નામે જાણીતો છે. આચારધર્મની શુદ્ધિ પર ભાર મૂકવાનું કામ સિંધમાં જન્મેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી સંપ્રદાયે કર્યું. ગુજરાતમાં હાલ આ પ્રવૃત્તિ વિકસી રહી છે. આચાર અને વિચારના શુદ્ધ સ્વરૂપના સ્વીકારની વાત પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ કરી. આ આંદોલન મુંબઈમાં ઉદભવ્યું અને સમગ્ર ગુજરાતમાં વ્યાપી ગયું છે. તે સ્વાધ્યાય મંડળના નામે પરિચિત છે. આ પરિવારનાં કાર્યકર ભાઈબહેનોના કશાય બાહ્યાડંબર વિના શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નથી સમાજના સાવ નીચલા સ્તરમાં પણ તે વ્યાપી ગયું છે અને ધર્મનું હાર્દ સમજવામાં જનસામાન્ય માટે તે અત્યંત ઉપયુક્ત પુરવાર થતું જાય છે. દાદા ભગવાન [અંબાલાલ મૂળજીભાઈ પટેલ (ભાદરણના)] દ્વારા અક્રમ વિજ્ઞાનની પ્રવૃત્તિ શરૂ થઈ. આ પ્રવૃત્તિના પ્રચારમાં દાદા ભગવાન પછી સ્વ. ડૉ. નિરુબહેન(નિરુમા અમીન)નો અને કનુભાઈ(કનુદાદા)નો અને દીપકભાઈનો ફાળો મહત્વનો છે. આનાં જાણીતાં કેન્દ્રો અનુક્રમે અમદાવાદ પાસે અડાલજ નજીક અને સૂરતમાં કામરેજ રોડ પર આવેલાં છે.
ગુજરાતમાં કબીરપંથ વ્યાપક રૂપે ફેલાયેલો છે. મોટાભાગના સંતો કબીરપંથી હતા. ચિન્મયાનંદ મિશન (અમદાવાદમાં આવેલ પરમધામ), અધ્યાત્મવિદ્યામંદિર, ઇસ્કૉન (International Society for Krishna Consciousness), સદ્વિચાર પરિવાર, રામકૃષ્ણમિશન, પુનિત આશ્રમ, પૂજ્ય મોટાની સંસ્થા તથા દિવ્યજીવન સંઘ ઇત્યાદિ સંસ્થાઓ પોતપોતાની રીતે ગુજરાતના જનજીવનમાં ધર્મ અને અધ્યાત્મની પ્રવૃત્તિ પ્રવચન-પ્રકાશન વડે કરી રહ્યાં છે.
ધાર્મિક સંસ્થાઓ
જગન્નાથજી મંદિર : અમદાવાદમાં જમાલપુરમાં આવેલું જગન્નાથ મંદિર આશરે 150 વર્ષ જૂનું છે. આ મંદિરના મહંત નૃસિંહદાસજી મહારાજે તેના વિકાસમાં સૌથી વધુ ફાળો આપ્યો છે. તેમની દેખરેખ હેઠળ સાધુસેવા, સદાવ્રત, ગૌશાળા જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ મુખ્ય હતી. પ્રતિવર્ષ અષાઢ સુદ બીજના દિવસે આ મંદિરમાંથી ઈ. સ. 1884થી રથયાત્રા નીકળે છે. મુખ્યમંદિરમાં જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની મૂર્તિઓ છે.
વેદમંદિર : સ્વામી ગંગેશ્વરાનંદજીની પ્રેરણાથી ઈ. સ. 1947–48માં અમદાવાદમાં, વેદપ્રચારની પ્રવૃત્તિઓ માટે વેદમંદિરની સ્થાપના થઈ. મંદિરમાં વેદનારાયણની પ્રતિમા પ્રતિષ્ઠિત છે. આ મંદિર તરફથી અન્નક્ષેત્ર, ચિકિત્સાલય તથા ગૌશાળા ચાલે છે. ગંગેશ્વરાનંદજી અને સ્વામી સેવારામે વૈદિક સાહિત્યના સંપાદન અને પ્રચાર વાસ્તે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે.
ગીતામંદિર : ગીતાધર્મના પ્રચાર માટે અમદાવાદ, વડોદરા અને કરનાળીમાં ગીતામંદિરની સ્થાપના થઈ. મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદજીએ ગુજરાતમાં ગીતાધર્મનો પ્રચાર કર્યો. ઈ. સ. 1941માં બંધાયેલા અમદાવાદના ગીતામંદિરમાં ગીતાદેવીની ચતુર્ભુજ મૂર્તિ તથા મોટો સભાખંડ છે. સભાખંડની દીવાલો પર ભગવદગીતાના શ્લોક કોતરેલી આરસની તક્તીઓ જડી છે. આ મંદિરમાં આયુર્વેદિક ઔષધાલય, રસાયણશાળા, વિદ્યાનંદ પ્રેસ, ગીતાસ્વાધ્યાય, અન્નક્ષેત્ર, ગૌશાળા વગેરે પ્રવૃત્તિઓ ચાલે છે.
સંન્યાસાશ્રમ : ગુજરાતમાં અનેક ગામોમાં સંન્યાસ-આશ્રમો સ્થપાયા છે. તેમાં વેદાંતનાં પ્રવચનો થાય છે. આવા આશ્રમોમાં અમદાવાદનો તથા નર્મદાકાંઠાના વિવિધ આશ્રમ ઉલ્લેખનીય છે. અમદાવાદના આશ્રમમાં ઈ. સ. 1941માં કૃષ્ણાનંદજી મહારાજ ગાદીનશીન થયા. આ સંસ્થા તરફથી સંસ્કૃત પાઠશાળા, સત્સંગ, સ્વાધ્યાય વગેરે પ્રવૃત્તિઓ ચાલે છે.
રામકૃષ્ણ મિશન રાજકોટ : ઈ. સ. 1927માં મોરબીના મહારાજ લખધીરજીની ઉદાર સખાવતથી રાજકોટમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ. આ આશ્રમના સાધુઓ ધાર્મિક અને આધ્યાત્મિક બોધ આપવા ભ્રમણ કરે છે. પુસ્તકોનું પ્રકાશન, તબીબી સેવા, રાહતકાર્યો વગેરે તેની મુખ્ય પ્રવૃત્તિઓ છે.
થિયૉસૉફિકલ સોસાયટી : ગુજરાતમાં ઈ. સ. 1882ના અરસામાં ભાવનગર પાસે થિયૉસૉફિકલ સોસાયટી સ્થાપવામાં આવી. આ સંસ્થા પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિ ટકાવી સમાજસેવાની પ્રવૃત્તિ કરે છે. સૂરત, વડોદરા, રાજકોટ, નડિયાદ, અમદાવાદ, સાણંદ વગેરે સ્થળોએ તેની શાખાઓ આવેલી છે.
શ્રી અરવિંદ કેન્દ્ર : ગુજરાતના લોકોને શ્રી અરવિંદનું તત્વજ્ઞાન અને ભક્તિભાવનો પણ સ્પર્શ થયો છે. શ્રી અરવિંદના તત્વજ્ઞાનથી ગુજરાતમાં ખેડા જિલ્લાના અંબુભાઈ પુરાણી સૌપહેલા પ્રભાવિત થયા. પુરાણી અરવિંદ આશ્રમમાં રહ્યા અને ત્યાંથી પાછા ફરી 1947માં વડોદરામાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી. તેમણે શ્રી અરવિંદની વિચારધારા સમજાવતાં પુસ્તકો પ્રગટ કર્યાં. તે પછી આણંદ, નડિયાદ, સૂરત વગેરે સ્થળે શ્રી અરવિંદ કેન્દ્રો સ્થપાયાં.
દિવ્યજીવન સાંસ્કૃતિક સંઘ : મહર્ષિ શિવાનંદ સરસ્વતી (1887–196૩) વેદકાલીન આધ્યાત્મિક પરંપરાના જ્યોતિર્ધર હતા. તેઓ દક્ષિણ ભારતમાં જન્મ્યા હતા. તેમણે ઈ. સ. 19૩4માં હૃષીકેશમાં શિવાનંદ આશ્રમ સ્થાપી જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, પ્રેમ તથા સેવાનો આધ્યાત્મિક સંદેશો ફેલાવ્યો. ઈ. સ. 19૩6માં તેમણે દિવ્ય જીવન સાંસ્કૃતિક સંઘ સ્થાપ્યો. ગુજરાતમાં 1950માં સ્વામીજી આવ્યા પછી આ સંઘની પ્રવૃત્તિઓ ચાલે છે. સૌરાષ્ટ્રમાં ડૉ. શિવાનંદ અધ્વર્યુએ 195૩થી દિવ્યજીવન સંઘની પ્રવૃત્તિઓનો વ્યાપક પ્રચાર કર્યો છે.
આ ઉપરાંત ગુજરાતમાં આનંદમયી મા સંઘ તથા ચિન્મય-મિશનની પ્રવૃત્તિઓ પણ ચાલે છે. આનંદમયી મા વખતોવખત ગુજરાતમાં આવ્યાં છે. તેમનો ભક્તસમુદાય વિશાળ છે.
ચીમનલાલ વલ્લભરામ રાવળ
શિવપ્રસાદ રાજગોર
તીર્થધામો
ગુજરાતીઓને તીર્થયાત્રા અને પ્રવાસ અતિપ્રિય છે. કોઈ પણ વૅકેશનમાં દેશના બધા ભાગોમાં આવેલાં તીર્થસ્થાનો અને પ્રવાસધામોમાં ગુજરાતીઓ જોવામાં આવે છે. ગુજરાતમાં પણ ઠેર ઠેર આવેલાં તીર્થધામોમાં શ્રદ્ધાળુઓ અવારનવાર અને ખાસ કરીને પર્વ, ઉત્સવ કે મેળા વખતે મોટી સંખ્યામાં ઊમટે છે.
અંબાજી (બનાસકાંઠા) : શક્તિ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી મોટું અને પ્રાચીન તીર્થધામ. અહીં મળી આવેલા પંદરમી સદીના શિલાલેખો દર્શાવે છે કે આ સ્થળ પ્રાચીન હશે. અંબાજી ગામની મધ્યમાં આવેલ આરાસુરી અંબાના ભવ્ય મંદિરમાં માતાજીની પ્રતિમાને બદલે વિશોયંત્રની પ્રતિષ્ઠા થયેલી છે, જેના દર્શનાર્થે દરરોજ સેંકડો યાત્રાળુઓ આવે છે. આ મંદિરની આસપાસ શ્રીગણેશ, વારાહી, કોટેશ્વર, વાલ્મીકેશ્વર વગેરે પ્રાચીન મંદિરો છે. અંબાજી મંદિરની સામે ઊંચી ટેકરી પર ગબ્બરમાં અંબામાતાનાં પગલાં છે. આસો અને ચૈત્ર માસની નવરાત્રિમાં તેમજ ભાદરવાની પૂનમે અહીં મોટો મેળો યોજાય છે, જેમાં હજારો ભક્તોના પગપાળા સંઘો ભાગ લે છે. આ મંદિરના જીર્ણોદ્ધારનું કામ વર્ષોથી ચાલતું હતું તે 1994માં પૂરું થયું છે. અંબાજી પાસે કુંભારિયાનાં પાંચ સુંદર જૈન દેરાસરોછે. નજીકમાં આવેલ કોટેશ્વરની જગ્યાએ સરસ્વતીનો પ્રવાહ પહાડમાંથી બહાર આવતો હોઈને યાત્રાળુઓ અહીં સ્નાન માટે આવે છે.
બહુચરાજી (મહેસાણા જિલ્લો) : ઉત્તર ગુજરાતના ચુંવાળ પ્રદેશમાં આવેલ આ સ્થળ શ્રી બહુચરા માતાના પ્રાચીન મંદિરને કારણે પ્રસિદ્ધ છે. અહીં એક વિશાળ સંકુલમાં ત્રણ ભવ્ય મંદિરો છે. જેમાંનું પહેલું, 1152માં બંધાયેલું સૌથી પ્રાચીન મનાય છે. મધ્યે આવેલું મંદિર મરાઠા કાળમાં અને ત્રીજું જે મુખ્ય મંદિર ગણાય છે તે ત્યારબાદ 1781–91 દરમિયાન માનાજીરાવ ગાયકવાડે બંધાવેલું છે. આ મંદિરના અંદરના ગોખમાં યંત્ર છે જેની પૂજા-આરતી થાય છે. તેના દર્શને તથા બાળકોના ક્ષૌરકર્મ માટે અને સંતાન-પ્રાપ્તિની માનતા અર્થે સેંકડો શ્રદ્ધાળુઓ દરરોજ આવે છે. ક્ષૌરકર્મ આદિ ક્રિયા મંદિર પાસેના માનસરોવરના સ્થાને થાય છે.
કાયાવરોહણ–કારવણ (વડોદરા જિલ્લો) : વડોદરાથી ૩5 કિમી.ના અંતરે આવેલું આ સ્થળ પાશુપત સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ છે. પાશુપત સંપ્રદાયના સ્થાપક શ્રી લકુલીશજી દેહાવતાર ધારણ કરી અહીં જન્મ પામ્યા હતા એવી માન્યતા છે. આમ, કાયા ધારણ કરી એમણે અહીં આગમન કર્યું એટલે આ સ્થળ ‘કાયાવરોહણ’ કહેવાયું. અહીં સુંદર શિલ્પ-સ્થાપત્ય ધરાવતું યોગમંદિર છે, જેમાં જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે. અહીંના શ્રી કૃપાલ્વાનંદ સ્વામીએ આ મંદિરની રચનામાં પ્રાચીન-અર્વાચીન સ્થાપત્યનો સુંદર સમન્વય કર્યો છે. મંદિરના ત્રણ માળમાં અનુક્રમે બ્રહ્માલોક, વિષ્ણુલોક અને શિવલોકનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત યોગનાં વિવિધ આસનો શિલ્પાંકિત કરવામાં આવ્યાં છે. યાત્રાળુઓ-પર્યટકો માટે રહેવા-જમવાની સગવડ ઉપલબ્ધ છે.
કામરેજ (સૂરત જિલ્લો) : સૂરતથી 21 કિમી.ને અંતરે તાપીના દક્ષિણ કિનારે વસેલ આ સ્થળે ત્રણ પ્રાચીન મંદિરો છે. અહીં નારદ-બ્રહ્માની અનોખી પ્રતિમા છે.
પાવાગઢ (પંચમહાલ) : વડોદરાથી 45 કિમી. દૂર વનપ્રદેશની વચ્ચે પાવાગઢ પર્વત પર લગભગ 85૩.4 મીટરની ઊંચાઈએ કાલિકામાતાનું પ્રાચીન તીર્થધામ છે. અગિયારમી સદીમાં રચાયેલ ચંદ બારોટના કાવ્યમાં પાવાગઢનો ઉલ્લેખ મળે છે. કદમાં વિશાળ નહિ, પણ સ્થાપત્યની દૃષ્ટિએ ખૂબ સુંદર કહી શકાય એવા આ મંદિરમાં માતાજીનાં ત્રણ સ્વરૂપોની મનોહર મૂર્તિઓ છે. મંદિરની ઉપર સદનશા પીરની દરગાહ છે. અહીં ભદ્રકાલીમાતા, ભગવાન લકુલીશ અને જૈનોનાં પણ મંદિરો આવેલાં છે. પર્વતની તળેટીથી મંદિર સુધી ચઢવા પગથિયાં છે. તાજેતરમાં રોપ-વેની સગવડ પણ થઈ છે. આસો અને ચૈત્રની નવરાત્રિ દરમિયાન યાત્રિકોનો મોટો સમુદાય અહીં ઊમટી પડે છે.
ગોપનાથ (ભાવનગર જિલ્લો) : ભાવનગરથી 75 કિમી.ના અંતરે તળાજા નજીક રમણીય સમુદ્રકિનારે આ તીર્થધામ આવેલું છે. પંદરમી-સોળમી સદીમાં સ્થપાયેલ મનાતા ગોપનાથના શિવમંદિરનો મહિમા ભક્ત કવિ નરસિંહ મહેતાના નામ સાથે સંકળાયેલો છે. મહેતાજીને અહીં જ ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન મહાદેવ શંકરે કરાવ્યાં હોવાની માન્યતા પ્રચલિત છે. શ્રી ગોપનાથના મુખ્ય મંદિર ઉપરાંત અહીં નાનાંમોટાં અનેક મંદિરો છે. યાત્રાળુઓ માટે ધર્મશાળા-ભોજનશાળા ઉપરાંત અહીં વિશાળ વિહારધામ પણ છે. શ્રાવણની અમાસે મંદિર નજીક મોટો મેળો ભરાય છે.
ગુપ્ત પ્રયાગ (જૂનાગઢ જિલ્લો) : ઉના-દેલવાડા નજીક ગુપ્ત પ્રયાગરાજજીનું પ્રાચીન મંદિર અને મહાપ્રભુજીની બેઠક છે.
ઘેલા સોમનાથ (રાજકોટ જિલ્લો) : રાજકોટ જિલ્લાના જસદણ નજીક ઘેલો નદીના કાંઠા પર ઘેલા સોમનાથ તરીકે ભગવાન શ્રી શંકરનું પ્રસિદ્ધ પ્રાચીન પવિત્ર મંદિર છે. મંદિર સુધી જવા માટે નિયમિત વાહનવ્યવસ્થા બારે માસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવા છતાં મંદિરની પ્રાચીનતા અને પવિત્રતા અનેક ભાવિકોને અહીં આવવા આકર્ષે છે.
ચાણોદ–કરનાળી (વડોદરા જિલ્લો) : ડભોઈ નજીક નર્મદા અને ઓર નદીના સંગમતટે ચાણોદ અને કરનાળી નામનાં બે ગામો ગુજરાતનાં પવિત્ર તીર્થધામો તરીકે પ્રસિદ્ધ છે. અહીં સંગમ પાસે અનેક બાંધેલા ઘાટ છે, જ્યાં નર્મદાસ્નાન કરવાનું માહાત્મ્ય છે. આ સ્થળે થોડે થોડે અંતરે નજીકના તીર્થ શૂલપાણેશ્વર સુધી અસંખ્ય શિવાલયો ઉપરાંત શેષનારાયણનું ભવ્ય વિશાળ વૈષ્ણવ મંદિર પણ છે. ચાણોદમાં પિતૃકાર્ય અને શ્રાદ્ધ-તર્પણ કરવા માટે શ્રદ્ધાળુઓ આવે છે. કાલસર્પદોષના નિવારણની વિધિ અહીં કરાવવામાં આવે છે.
ડાકોર (ખેડા જિલ્લો) : દ્વારકા ખાતેની શ્રીકૃષ્ણની મૂળ પ્રતિમા અહીં પ્રસ્થાપિત થયેલી મનાય છે. શ્રીકૃષ્ણના દર્શનાર્થે દર પૂર્ણિમાએ અહીંથી દ્વારકા જતા ભક્ત બોડાણાની ભક્તિ પર પ્રસન્ન થઈ શ્રીકૃષ્ણે પોતાની પ્રતિમા ડાકોર પહોંચાડી, જે અહીં રણછોડજીના મંદિરમાં પ્રતિષ્ઠા પામી. હાલનું મંદિર 1772માં મરાઠા શરાફ ગોપાળરાવ તાંબેએ એક લાખ રૂપિયાના ખર્ચે બંધાવ્યું હતું. મંદિરની સમીપમાં પવિત્ર ગોમતી સરોવર છે. આસપાસમાં નાનાંમોટાં અનેક મંદિરો છે, જેમાં 1970માં નિર્માણ પામેલ શારદામ્બાનું કમળાકૃતિનું મંદિર એની સ્થાપત્યકલાને કારણે વધુ દર્શનીય બન્યું છે. પુરાણકાળમાં અહીં ડંકઋષિનો આશ્રમ હતો અને આ સ્થળ ડંકપુર તરીકે પ્રસિદ્ધ હતું.
દ્વારકા (જામનગર જિલ્લો) : ભારતનાં ચાર પવિત્ર ધામો પૈકીનું એક. સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા તે નિર્માણ પામેલું. એમ મનાય છે કે શ્રીકૃષ્ણે વસાવેલ દ્વારકા સમુદ્રમાં ડૂબી જતાં એમના પ્રપૌત્ર વજ્રનાભે નજીકમાં એક ઊંચી જગ્યાએ પોતાના પૂર્વજોને નામે સાત મંદિરો સ્થાપ્યાં, જેમાંના એકમાં ઈસુની પહેલી સદી દરમિયાન શ્રીકૃષ્ણની ચતુર્ભુજ મૂર્તિની સ્થાપના થઈ. તેના પર સમુદ્રનાં પાણી ફરી વળતાં તે મંદિર પર ચોથી સદીમાં અને એ પછી આઠમી સદીમાં શ્રીકૃષ્ણનું મંદિર સ્થપાયું, જે વારંવાર જીર્ણોદ્ધાર પામ્યું. હાલ ગોમતીતટે 40 મીટર ઊંચા, સાત ઝરૂખા અને 72 સ્તંભોવાળા જગત મંદિરમાં લગભગ એક મીટર ઊંચી શ્યામ આરસની શ્રીકૃષ્ણની ચતુર્ભુજ પ્રતિમા ચાંદીના સુંદર સિંહાસન પર વિરાજમાન છે. આ પ્રસિદ્ધ મંદિરના દર્શનાર્થે દેશના ચારે ખૂણેથી યાત્રાળુઓ આવે છે. મુખ્ય મંદિરની આસપાસ એવી જ શૈલીનાં અન્ય મંદિરોમાં (1) અનિરુદ્ધજી, (2) પુરુષોત્તમજી, (૩) દેવકીજી, (4) વેણીમાધવ, (5) બલરામજી વગેરે દેવસ્થાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુદામા મંદિર, ગાયત્રી મંદિર, શારદાપીઠ તથા અંબાજી, સરસ્વતી વગેરેનાં મંદિરો અહીં મંદિરના પરિસરમાં આવેલાં છે. મુખ્ય મંદિરનાં સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાતાં બે દ્વારો છે. આ પૈકીના પ્રથમ દ્વારથી ગોમતી તરફ ઊતરતાં 56 પગથિયાંની સીડીની બંને બાજુએ તથા ગોમતીકાંઠે અનેક બીજાં મંદિરો છે. જન્માષ્ટમી, દિવાળી, હોળી-ધૂળેટીના તહેવારોમાં અહીં મેળા ભરાય છે. બેટ શંખોદ્ધારનું તીર્થ અહીંથી ૩0 કિમી. દૂર સમુદ્ર વચ્ચે આવેલું છે. શંખોદ્ધારના મંદિર ઉપરાંત બીજાં મંદિરો પણ આવેલાં છે.
નારાયણ સરોવર, કોટેશ્વર (કચ્છ) : ભારતનાં પાંચ પવિત્ર સરોવરોમાં જેનો સમાવેશ થાય છે એ નારાયણ સરોવર કચ્છ-ભુજથી લગભગ 150 કિમી.ના અંતરે નખત્રાણા તાલુકામાં છે. હિંદુઓનાં 68 તીર્થોની યાત્રામાં આ સરોવરની યાત્રા અગત્યની મનાય છે. સરોવરતીરે લક્ષ્મીનારાયણ, ત્રિકમરાય, ગોવર્ધનરાય, મહાલક્ષ્મી વગેરે મંદિરો ઉપરાંત મહાપ્રભુજીની બેઠક પણ છે.
નારાયણ સરોવર નજીક દરિયાકાંઠે કોટેશ્વર મહાદેવનું પુરાતન મંદિર છે. આ મંદિરનો ઉલ્લેખ રામાયણમાં મળી આવે છે. યાત્રાળુઓ માટે નારાયણ સરોવર ખાતે ભોજનશાળા, ધર્મશાળા વગેરેની સગવડ છે.
નારેશ્વર (વડોદરા જિલ્લો) : પાલેજ નજીક નર્મદાતીરે સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં વસેલું નારેશ્વર એક પ્રાચીન તીર્થસ્થાન છે. મહારાજ શ્રીરંગ અવધૂતના આશ્રમને લીધે આ સ્થળનું મહત્વ વધ્યું છે. 1914માં શ્રીરંગ અવધૂતના ગુરુ પંડિત વાસુદેવાનંદ સંન્યસ્ત લઈ અહીં આવી સ્થિર થયા. એ પછી શ્રીરંગ અવધૂતે અહીં વિશાળ આશ્રમની સ્થાપના કરી. આશ્રમમાં રહેવા-જમવાની અને ધ્યાન-મનન કરવાની સંપૂર્ણ સુવિધા છે.
ભાડભૂત (ભરૂચ જિલ્લો) : ભરૂચથી લગભગ 20 કિમી. દૂર નર્મદા નદીના ઉત્તરકાંઠે આવેલું આ સ્થળ ઘણું પુરાતન મનાય છે. અઢારમી સદીમાં બંધાયેલ ભાડભૂતેશ્વર મહાદેવના મંદિર ઉપરાંત નર્મદામાતાનું મંદિર, દત્તાત્રેય મંદિર, સૂર્ય મંદિર વગેરેના દર્શનાર્થે ભાવિકજનો અહીં આવે છે. દર અઢાર વર્ષે ભાદ્રપદ માસમાં અહીં કુંભમેળાનું આયોજન થાય છે.
ભૃગુ આશ્રમ : ભરૂચ નજીક નર્મદાતીરે ઝાડેશ્વર દરવાજા બહાર ભૃગુ ઋષિનું પ્રાચીન સ્થાન હવે જીર્ણોદ્ધાર પામ્યું છે. એમ મનાય છે કે ભરૂચ સ્થપાયું એ પહેલાં ભૃગુ ઋષિ અહીં આવી વસ્યા હતા. સાદા ઘુમ્મટની બાંધણીવાળા આ મંદિરમાં 17 શિવલિંગોની સ્થાપના થઈ છે. મંદિરના વિશાળ પટાંગણમાં અન્ય મંદિરો અને ભૃગુ ઋષિની ગાદી વગેરે છે.
મૂળ દ્વારકા (અમરેલી જિલ્લો) : કોડીનાર નજીકના સમુદ્રકાંઠે એક ટેકરી પર પ્રાચીન મંદિરોના અવશેષો છે, જે મૂળ દ્વારકા તરીકે ઓળખાય છે. અહીં ગોપતળાવ, સૂરજકુંડ અને જ્ઞાનવાપી નામનાં પવિત્ર સ્થાનો છે.
શામળાજી (સાબરકાંઠા) : હિંદુ પુરાણોમાં ગદાધરક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ આ સ્થળ મેશ્વો નદીના તીરે ભિલોડા ગામ નજીક ડુંગરોની હારમાળા વચ્ચે આવેલું છે. શિલ્પ-સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ આ મંદિર મુઘલકાળ દરમિયાન બંધાયેલું છે. તેનો જીર્ણોદ્ધાર કરાયો છે. તેના વિશાળ પટાંગણમાં પ્રવેશદ્વારે મહાકાય હાથીઓની બે પ્રતિમાઓ છે. મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના ગદાધર શ્યામસ્વરૂપની મૂર્તિ પ્રસ્થાપિત થયેલી હોવાથી આ સ્થળ ગદાધરક્ષેત્ર અને શામળાજી નામે પ્રસિદ્ધિ પામેલ છે. મંદિરની ઇમારતમાંનાં ભોગાસન-શિલ્પો, રામાયણ અને પુરાણોના કેટલાક પ્રસંગોનાં શિલ્પો સુંદર છે. ‘હરિશ્ચંદ્રની ચૉરી’ તરીકે ઓળખાતું એક પ્રાચીન મંદિર પણ શામળાજીમાં આવેલું છે. તેની સન્મુખે આવેલું તોરણ ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ છે. નજીકમાં દેવની મોરી સ્થળમાંથી પ્રાચીન બૌદ્ધ સ્તૂપ અને વિહાર પણ પ્રાપ્ત થયેલ છે. યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલભ્ય છે.
સોમનાથ (જૂનાગઢ જિલ્લો) : પ્રભાસ પાટણ કે સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ આ પ્રાચીન સ્થળ સૌરાષ્ટ્રનાં પાંચ રત્નોમાંનું એક છે. આર્યોના આગમન પૂર્વે મૂળ સ્થપાયેલ અહીંના શિવાલયનો ભારતનાં 12 જ્યોતિર્લિંગોમાં સમાવેશ થયેલો છે. વેરાવળથી લગભગ છ કિમી.ના અંતરે સમુદ્રતટે આવેલું આ તીર્થ અહીંની ત્રણ નદીઓ સરસ્વતી, હિરણ્ય અને કપિલા – સાથે સમુદ્રના સંગમને કારણે ખૂબ પવિત્ર મનાય છે. સોમનાથના પ્રાચીન મંદિરને વિદેશી આક્રમકોએ અનેક વખત નષ્ટ કરવા પ્રયત્ન કર્યો અને દરેક વેળા તેનો જીર્ણોદ્ધાર થયો. 178૩માં ઇન્દોરનાં મહારાણી અહલ્યાબાઈએ મૂળ મંદિરથી થોડે દૂર બીજું સોમનાથનું મંદિર બંધાવ્યું, જે આજે પણ અહલ્યાબાઈ મંદિર તરીકે જાણીતું છે. હાલનું મંદિર સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ સરદાર પટેલની પ્રેરણાથી બંધાયું છે અને તે 5૩.૩ મી. ઊંચું છે. તેના દર્શનાર્થે દેશભરમાંથી યાત્રાળુઓ આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગનું ભાલકા તીર્થ અહીંથી એકાદ કિમી. દૂર છે. નજીકમાં સોમનાથ ટ્રસ્ટ સ્થાપિત ગીતામંદિર તથા મહાકાલી અને લક્ષ્મીનારાયણનાં મંદિરો છે. કાર્તિકી પૂર્ણિમાએ સંગમસ્થાને મેળો ભરાય છે.
સિદ્ધપુર (મહેસાણા જિલ્લો) : ભારતનાં ચાર પવિત્ર સરોવરો પૈકીના બિન્દુ સરોવર અને સરસ્વતી નદીના કાંઠે વસેલું આ યાત્રાધામ પ્રાચીન કાળમાં સિદ્ધક્ષેત્ર અને શ્રીસ્થળ તરીકે પ્રસિદ્ધ હતું. ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે અહીં બારમી સદીમાં રુદ્રમહાલયની સ્થાપના કરી હતી. માતૃશ્રાદ્ધ માટે પવિત્ર ગણાતા આ તીર્થધામમાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુ યાત્રીઓ તર્પણ કરવા આવે છે. ભગવાન શ્રી પરશુરામે માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કર્યું હોવાનું મનાય છે. અહીં ગોવિંદ-માધવ, સિદ્ધેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, રણછોડજી, હનુમાનજી, સરસ્વતી, હિંગળાજ માતા, સહસ્રકળા માતા, અરવડેશ્વર મહાદેવ વગેરેનાં પ્રાચીન મંદિરો જોવા મળે છે.
આ ઉપરાંત સૂરત નજીક અનાવિલ બ્રાહ્મણોના ઇષ્ટદેવ શુક્લેશ્વરનું પ્રાચીન મંદિર, કપડવંજ નજીક ઉત્કંઠેશ્વર, ભરૂચ નજીકનું શુક્લતીર્થ, સૂરતમાં અશ્વિનીકુમાર, ખેડબ્રહ્મા પાસે અંબાજી માતા, ભાવનગરની ભાગોળે ખોડિયાર માતા, ઊના નજીક તુલસીશ્યામ (તપ્તોદક) સરોવર, જૂનાગઢ જિલ્લામાં જ સોમનાથ નજીકનું ખોરાસા, વેરાવળ નજીકનું પ્રાચી, સુરેન્દ્રનગર જિલ્લામાં થાન પાસેનું તરણેતરનું મંદિર, રાજકોટ જિલ્લાના ગોંડળમાં ભુવનેશ્વરી માતા, જૂનાગઢ નજીક ગીરના વનપ્રદેશ વચ્ચેનું સતાધાર તેમજ રાજકોટ–જૂનાગઢ વચ્ચે વીરપુર ખાતેનું શ્રી જલારામ તીર્થ, લુણાવાડા પાસે કલેશ્વરીનાલ વગેરે પ્રસિદ્ધ તીર્થધામો છે.
સ્વામિનારાયણ તીર્થધામો
9 મહામંદિરો : સહજાનંદ સ્વામીએ પોતાને હાથે નવ મહામંદિરો બંધાવ્યાં હતાં. તેમણે કાળુપુર અમદાવાદ (1822), મૂળી (182૩), ભુજ (182૩), વડતાલ (1825), જેતલપુર (1826), ધોલેરા (1826), ધોળકા (1827), જૂનાગઢ (1828) અને ગઢડા(1829)માં મંદિરો બંધાવ્યાં હતાં જે બધાં સ્વામિનારાયણ તીર્થધામ તરીકે પ્રસિદ્ધ છે. પછીના સમયમાં પણ સ્વામિનારાયણ મંદિરો બંધાતાં રહ્યાં.
બોચાસણ (ખેડા જિલ્લો) : ખેડા જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ ગામમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક છે. એ સંસ્થા તરફથી ત્યાં શ્રી સ્વામિનારાયણનું વિશાળ મંદિર બાંધવામાં આવ્યું છે. તેના દર્શનાર્થે સંખ્યાબંધ યાત્રાળુઓ આવે છે. મંદિરના પટાંગણમાં ભોજનશાળા અને ધર્મશાળા છે.
વડતાલ (ખેડા જિલ્લો) : ખેડા જિલ્લાના આણંદ તાલુકાના વડતાલ ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મનોહર મંદિર છે, ત્યાં આ સંપ્રદાયની એક ગાદી સ્થાપવામાં આવી છે. મંદિરની પાસે વિશાળ સરોવર છે, જ્યાં સ્નાન કરી યાત્રાળુઓ પવિત્ર થાય છે. અહીં સેંકડો યાત્રાળુઓ એકસાથે ભોજન કરી શકે અને રહી શકે એવી સગવડ છે.
ગઢડા (ભાવનગર જિલ્લો) : ભાવનગર જિલ્લાનું ગઢડા ગામ ‘સ્વામીના ગઢડા’ તરીકે પ્રખ્યાત છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું એ મુખ્ય તીર્થ છે. શ્રી સહજાનંદ સ્વામીએ અહીં નિવાસ કરી ઉપદેશકથા કહેલી એ કારણે આ સ્થળનું ધાર્મિક મહત્વ વિશેષ છે. શ્રી સ્વામિનારાયણનાં બે જૂનાં-નવાં મંદિરો અહીં છે. ગઢડા મંદિર-સંકુલમાં રહેવાની અને ભોજનની સુંદર વ્યવસ્થા છે.
અક્ષરધામ (ગાંધીનગર જિલ્લો) : પાટનગર ગાંધીનગરમાં 1991માં બંધાયેલ અક્ષરધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી આધુનિક અને ભવ્ય વિશાળ મંદિર-સંકુલ છે. મુખ્ય મંદિર ઉપરાંત અહીં ધર્મ-ઇતિહાસનાં દર્શન કરાવતું કલાત્મક પ્રદર્શન પણ છે, જે યાત્રાળુઓ–જિજ્ઞાસુઓ માટે અનેરું આકર્ષણ છે.
આ તીર્થધામો ઉપરાંત બોટાદ નજીકનું સાળંગપુર પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું જાણીતું તીર્થ છે. ત્યાંના કષ્ટભંજક હનુમાનના મંદિરે બાધા-આખડી ઉતારવા અનેક શ્રદ્ધાળુઓ આવે છે.
જૈન તીર્થધામો
ગિરનાર (જૂનાગઢ જિલ્લો) : પ્રાચીન કાળમાં રેવતાચળ તરીકે પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર પાંચ મુખ્ય શિખરો છે જેમાં (1) ગોરખનાથ, (2) અંબામાતા, (૩) ગુરુ દત્તાત્રેય, (4) ઓઘડ અને (5) અઘોરીઓના સ્થાન ગણાતા કાળકા શિખરનો સમાવેશ થાય છે. આ શિખરો પર નેમિનાથજીના સૌથી મોટા દેરાસર સહિતઅન્ય જૈન દેરાસરો અને અંબામાતાનું પ્રાચીન મંદિર છે. આને કારણે આ સ્થળ જૈનો તેમજ હિંદુઓ માટે પવિત્ર યાત્રાધામ બન્યું છે. વિવિધ મંદિરો ઉપરાંત ભર્તૃહરિની ગુફા, ગોરખનાથની ધૂણી, ગુરુ દત્તાત્રેયની પાદુકા, દાતારની મુસ્લિમ દરગાહ, પાંડવગુફા, શેષાવન, સીતામઢી વગેરે પ્રાચીન સ્થાનો યાત્રાળુઓને આકર્ષે છે. ગિરનારની તળેટીમાં ભવનાથનું મંદિર, અશોકના પ્રાચીન શિલાલેખો, દામોદર કુંડ તથા નરસિંહ મહેતાનો ચૉરો વગેરે જોવાલાયક સ્થળો છે. ભવનાથમંદિર પાસે શિવરાત્રિના તહેવારે બહુ મોટો મેળો ભરાય છે.
તારંગા (મહેસાણા જિલ્લો) : અહીં લગભગ 1,200 ફૂટ (૩65 મીટર) ઊંચા પર્વત પરથી બૌદ્ધ દેવી તારાની મૂર્તિ મળી આવવાથી આ સ્થળ તારંગા તરીકે પ્રસિદ્ધ થયું. આ સ્થળે આવેલું અજિતનાથની સુંદર પ્રતિમાવાળું ભવ્ય જૈન દેરાસર અસંખ્ય યાત્રાળુઓને આકર્ષે છે.
મહુડી (મહેસાણા જિલ્લો) : મહેસાણા જિલ્લાના વીજાપુરથી 8 કિમી. અને ગુજરાતના પાટનગર ગાંધીનગરથી 45 કિમી.ના અંતરે સાબરમતીના કિનારે આવેલું આ પ્રાચીન જૈન તીર્થધામ મધુપુરી તીર્થ તરીકે પણ ઓળખાય છે. જૈનોના 52 વીરો પૈકીના ૩0મા વીર શ્રી ઘંટાકર્ણ વીરની અહીં પ્રતિષ્ઠા કરવામાં આવી હોવાથી તેનું ધાર્મિક મહત્વ ઘણું છે. અહીંની ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ હનુમાનજીને મળતી આવે છે ને યાત્રાળુઓ તેમાં અજબ આસ્થા ધરાવે છે. અહીં સુખડી આ મૂર્તિને અર્પીને પછી તેનો પ્રસાદ મંદિરના પટાંગણમાં જ વહેંચી દેવો પડે છે. મહુડીમાં ઘંટાકર્ણ મંદિરની નજીક ખડાયતા વણિકોનું કોટ્યર્ક મંદિર છે ત્યાં સૂર્યમંદિરના અવશેષો છે.
ભોયણી (મહેસાણા જિલ્લો) : મહેસાણાથી 40 કિમી. દૂર ભોયણી ગામમાં ભગવાન શ્રી મલ્લિનાથની સુંદર પ્રતિમા ધરાવતું વિશાળ જૈન દેરાસર છે. સમગ્ર દેરાસર અને અંદરનો સભામંડપ તથા સ્તંભો, ઝુમ્મરો વગેરે ખૂબ કલાત્મક હોઈ શ્રદ્ધાળુઓ તેમજ શિલ્પ-કલાપારખુઓને આ સ્થળ સમાન રીતે આકર્ષે છે.
મહેસાણા ગામની બહાર અમદાવાદના મુખ્ય માર્ગ પર આવેલું કલાપૂર્ણ ગગનચુંબી શિખરવાળું જૈન ધર્મના વર્તમાન (વિહરમાન) તીર્થંકર શ્રી સીમંધર સ્વામીની ૩.68 મીટર ઊંચી પદ્માસનસ્થ બિરાજમાન પ્રતિમાવાળું મનોહર શૈલીનું, અદ્યતન મંદિર એક તીર્થસ્થળ બન્યું છે.
શંખેશ્વર (મહેસાણા) : જૈનો માટે પાલિતાણા પછી મહત્વનું તીર્થધામ શંખેશ્વર ગણાય છે. પ્રાચીન કાળમાં એ શંખપુર તરીકે પ્રસિદ્ધ હતું. અહીંના મુખ્ય મંદિરમાં પાર્શ્વનાથજીની મનોહર મૂર્તિ પ્રતિષ્ઠિત છે. આ મંદિરોનો અનેક વખત જીર્ણોદ્ધાર થયો છે. મૂળ મંદિરના ભગ્ન અવશેષો હજુ જળવાયા છે. વર્તમાનકાળમાં બાંધેલ અહીંનું આગમમંદિર પણ ઉલ્લેખનીય છે.
જૈનોનાં અન્ય તીર્થધામોમાં મહેસાણા જિલ્લાના કમ્બોઈ ગામે સોળમી સદીનું શ્રી પાર્શ્વનાથજીનું પ્રાચીન દેરાસર, મહેસાણા જિલ્લામાં સિદ્ધપુર નજીક મેત્રાણા ખાતે આદીશ્વર ભગવાનનું સુંદર દેવસ્થાન, અમદાવાદમાં હઠીસિંહનું ભવ્ય દેરાસર, સૂરતમાં ચિંતામણિ પાર્શ્વનાથજીનું સત્તરમી સદીનું પ્રાચીન દેરાસર વગેરે એમની પ્રાચીન શિલ્પકલા તથા પવિત્રતાને કારણે ઉલ્લેખનીય છે.
ભદ્રેશ્વર (કચ્છ જિલ્લો) : અંજારથી ૩5 કિમી. અને ભુજથી 75 કિમી.ના અંતરે આવેલું જૈનોનું આ સમૃદ્ધ અને પવિત્ર તીર્થધામ ઘણું પ્રાચીન છે. ભગવાન મહાવીરના મુખ્ય મંદિર ઉપરાંત જૈન તીર્થંકરોનાં 52 જેટલાં દેરાસરો ભદ્રેશ્વરના વિશાળ સંકુલમાં છે. મૂળે અતિ પ્રાચીન મનાતાં આ દેરાસરોનો જીર્ણોદ્ધાર કચ્છના દાનવીર જગડૂશા શેઠે કરાવ્યો હતો. મંદિરના સંકુલમાં વિશાળ ભોજનશાળા અને ધર્મશાળા છે. ઈ. સ. 2001ના ધરતીકંપમાં આ મંદિર ધરાશાયી થવાથી નવેસરથી તેનું બાંધકામ થયું છે.
પાલિતાણા (ભાવનગર જિલ્લો) : ભાવનગરથી 50 કિમી.ના અંતરે આવેલું પાલિતાણા પવિત્ર તીર્થધામ છે. પ્રાચીન ગ્રંથોમાં તેનો પાદલિપ્તપુર તરીકે ઉલ્લેખ જોવા મળે છે. અહીં શત્રુંજય પર્વતની જુદી જુદી નવ ટૂકો ઉપર અગિયારમીથી સોળમી સદી દરમિયાન બંધાયેલાં સફેદ આરસનાં 86૩ દેરાસરો છે. સેંકડોની સંખ્યામાં અહીં મંદિરો આવેલાં હોવાથી આ સ્થળ ‘મંદિરોના નગર’ તરીકે ઓળખાય છે. અહીં આદીશ્વરનાથજીનું દેરાસર મુખ્ય છે. એ ઉપરાંત ચૌમુખી મંદિર, પાંચ પાંડવોનું મંદિર, સો સ્તંભ ધરાવતું શનિયું મંદિર, ગરીબશા પીરની દરગાહ, ભૂતેશ્વર મહાદેવ, ભવાનીમાનું મંદિર વગેરે પૂજાસ્થાનો આ પર્વતની પવિત્રતા વધારે છે. શત્રુંજયની તળેટીમાં સમવસરણનું અર્વાચીન સ્થાપત્યશૈલીનું જૈન મહામંદિર છે. લગભગ 8591.6 ચોમી. વિસ્તારમાં બંધાયેલા આ મંદિરના શિખરની ઊંચાઈ ૩2.9 મી. છે. મંદિરમાં જવા માટે 108 પગથિયાં છે, જે વટાવીને અંદર જતાં 108 પ્રતિમાઓ દૃશ્યમાન છે. આવું ભવ્ય દેરાસર ભારતમાં અન્યત્ર ક્યાંય નથી એમ મનાય છે.
મુસ્લિમ તીર્થધામો
દેલમાલ (મહેસાણા જિલ્લો) : ચાણસ્મા તાલુકાના મોઢેરા નજીકના દેલમાલ ગામમાં હિંદુ તથા મુસ્લિમ (વોરા) આ બંને ધર્મના ભાવિકોને સમાન રીતે આકર્ષતું હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન આવેલું છે. અહીં હસનપીર નામના દાઉદી વોરા કોમના શહીદનો રોજો છે. સુંદર સફેદ આરસથી બંધાયેલું આ સ્થાનક લગભગ 600 વર્ષ જૂનું મનાય છે.
મીરાદાતાર (મહેસાણા જિલ્લો) : સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામે પુષ્પાવતી નદીને કાંઠે એક ઓલિયાની પુરાતન દરગાહ છે. મુસ્લિમોને એ સ્થાન માટે ઘણી શ્રદ્ધા છે; પરંતુ અન્ય ધર્મના શ્રદ્ધાળુઓ પણ અહીં બાધા ઉતારવા અને દરગાહ પર ચાદર ચઢાવવા આવે છે.
શેલાવી (મહેસાણા જિલ્લો) : ચાણસ્માથી લગભગ 21 કિમી.ના અંતરે અહીં દાઉદી વોરા કોમની બે જૂની દરગાહો છે, જેની બાધા માનવા સંખ્યાબંધ ભાવિકો આવે છે.
આ ઉપરાંત ખેડા જિલ્લામાં મહેમદાવાદ નજીક વાત્રક કાંઠે રોજા-રોજી તરીકે ઓળખાતા બે પ્રસિદ્ધ રોજા, જૂનાગઢ નજીક દાતાર ડુંગરની ટેકરી પરની જમિયલશા પીરની દરગાહ વગેરેનો પણ જાણીતાં મુસ્લિમ તીર્થોમાં સમાવેશ થઈ શકે. એવું જ બીજું તીર્થ દસ્ક્રોઈ તાલુકામાં પીરાણા છે. અમદાવાદમાં સરખેજ, શાહઆલમ, વટવા, ધંધૂકા તાલુકામાં આવેલ ભાદ્રોડ, કચ્છનું હાજીપીર વગેરે મુસ્લિમોનાં યાત્રાસ્થાનો છે. દર વર્ષે આ સ્થળોએ ઉરસ ભરાતા હોય છે ત્યારે અનેક યાત્રાળુઓ આવતા હોય છે.
પારસી તીર્થધામો
ગુજરાતનાં પારસી તીર્થધામોમાં ઉદવાડા અને સંજાણ મુખ્ય છે. મુંબઈ–અમદાવાદ રેલવેલાઇન ઉપર વલસાડ જિલ્લામાં પારડી તાલુકાનું ઉદવાડા ગામનું રેલવેસ્ટેશન છે. અહીં પારસીઓનો પવિત્ર આતશ બહેરામ સદીઓથી અખંડ રીતે પ્રજ્વલિત રહ્યો છે. તેના દર્શનાર્થે દેશ-પરદેશથી જરથોસ્તી–પારસી યાત્રાળુઓ અહીં આવી કૃતાર્થ થાય છે કારણ કે એમને માટે આ સૌથી પવિત્ર તીર્થધામ છે.
વલસાડ જિલ્લાનું નવસારી પણ પારસીઓનું એક જાણીતું યાત્રાધામ છે. અહીં પવિત્ર આતશ બહેરામ ઉપરાંત પાંચ પારસી અગિયારીઓ છે.
ધર્મને બચાવવા ઈરાન છોડીને ભારતમાં આવી પારસીઓ સંજાણના રાજાનો આશ્રય મેળવી અહીં રહ્યા હતા એટલે આ સ્થળનું ધાર્મિક મહત્વ એમને માટે અનેરું છે. અહીં પવિત્ર આતશ બહેરામના દર્શનાર્થે આવવાની ઇચ્છા પ્રત્યેક પારસી સેવે છે. સંજાણ રેલવેસ્ટેશન પણ મુંબઈ–અમદાવાદ રેલવેલાઇન પર આવેલું છે. આ સ્થળ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલું છે.
યહૂદીઓનું તીર્થધામ
ગુજરાતમાં યહૂદી ધર્મ પાળનારા લોકો પણ છે. વેપારીઓ દ્વારા ગુજરાતમાં યહૂદીધર્મનું આગમન થયું છે. મોટેભાગે તેઓ મહારાષ્ટ્રમાં થઈને ગુજરાતમાં આવ્યા છે તેથી તેમની અટકોમાં મહારાષ્ટ્રિયન અસર જોવા મળે છે. ગુજરાતમાં અમદાવાદમાં ખમાસા પાસે પારસીઓની અગિયારીની બરાબર સામે એમનું ‘માગેન અબ્રાહમ’ નામનું પ્રાર્થના ગૃહ – સિનેગૉગ આવેલું છે. ગુજરાતનું આ એકમાત્ર સિનેગૉગ છે અને તે 19૩4માં બંધાયું હતું.
ખ્રિસ્તીઓનાં તીર્થધામ
ગુજરાતના રોમન કૅથલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓમાં આઝાદી પછીના સમયથી યાત્રાનો ખ્યાલ પ્રવર્તેલો જણાય છે અને તેને કારણે તેમનાં યાત્રાધામો સ્થપાયાં છે. વિશેષ કરીને ઈસુની માતા મૅરીની ભક્તિને કેન્દ્રમાં રાખીને આવાં યાત્રાધામો વિકસ્યાં છે, જે પૈકી પેટલાદમાં આરોગ્યમાતાનું ધામ, વડોદરામાં નિષ્કલંકમાતાનું ધામ, આણંદ પાસે ખંભોળજમાં નિરાધારોની માતા વગેરે જાણીતાં ખ્રિસ્તી યાત્રાધામો છે. આણંદ પાસે આંકલાવ પણ જાણીતું ખ્રિસ્તી તીર્થસ્થાન છે. અહીં ઈસુની અંતિમ વ્યથાને રજૂ કરતાં 14 સ્થાનકો છે. ઈસુ જે ક્રૉસ ઉપર મૃત્યુ પામ્યા હતા તે મૂળ ક્રૉસના અવશેષ અહીં સંગૃહીત કરવામાં આવ્યા છે. ગુડ ફ્રાઇડેના અગાઉના બીજા રવિવારે અહીં લોકો યાત્રાએ આવે છે અને આધ્યાત્મિક મેળો ભરાય છે.
મહેન્દ્ર ત્રિવેદી
પર્યટનસ્થળો
સદીઓથી આધ્યાત્મિક મૂલ્યોનું જતન કરનાર તથા ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતું અને 1600 કિમી. લાંબા સાગરકાંઠાવાળું ગુજરાત વિશ્વના પર્યટકો માટે કુદરતી અને માનવસર્જિત બંને પ્રકારનાં વૈવિધ્યપૂર્ણ સ્થળો ધરાવતું રાજ્ય છે. એક તરફ સપાટ ભૂમિ પર સુલતાન અહમદશાહે પંદરમી સદીમાં વસાવેલું રાજ્યનું સૌથી મોટું ઔદ્યોગિક નગર અમદાવાદ છે તો બીજી તરફ 1118 મી.ની ઊંચાઈએ આવેલું હિંદુ અને જૈન તીર્થધામ ગિરનાર છે. એક તરફ રાજ્યમાં સહેલાણીઓ માટે અહમદપુર-માંડવી અને ચોરવાડ જેવા નયનરમ્ય દરિયાકિનારા છે તો બીજી બાજુ એશિયાના સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન સાસણગીર છે. ગુજરાતમાં પર્યટનની દૃષ્ટિએ જે સ્થળો મહત્વનાં છે અને રાજ્યની રચના (1960) પછી વિકસાવવામાં આવ્યાં છે તે નીચે મુજબ છે :
ગાંધીનગર : અમદાવાદથી આશરે 25 કિલોમીટરના અંતરે આવેલા રાજ્યના આ સુયોજિત પાટનગરમાં સેક્ટર 28માં શિશુઉદ્યાન વિકસાવવામાં આવ્યું છે, જેમાં બાળકો માટેની ટ્રેન એક ખાસ આકર્ષણ છે. સેક્ટર 9માં ઉજાણીસ્થળ તરીકે સરિતાઉદ્યાન તથા રાજભવનની પાછળના ભાગમાં ઇંદ્રોડા ખાતે હરણપાર્ક અને સર્પગૃહ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું રમણીય અક્ષરધામ પણ પર્યટકોનું આકર્ષણસ્થાન છે.
અમદાવાદ : એક જમાનામાં ‘ભારતનું મૅન્ચેસ્ટર’ ગણાતા આ નગરમાં મહાત્મા ગાંધીજીએ જૂન 1917માં સ્થાપેલો સાબરમતી આશ્રમ છે. ઉપરાંત, વિશ્વવિખ્યાત સ્થપતિઓ લા કૉર્બૂઝિયે, લુઈ કાન્હ અને ચાર્લ્સ કોરિયા દ્વારા સંયોજિત (designed) આધુનિક ઇમારતો અમદાવાદમાં આવતા પર્યટકો માટે ખાસ આકર્ષણનાં કેન્દ્રો બની રહ્યાં છે. સીદી સઇદની જાળી, ઝૂલતા મિનારા, કાંકરિયાનું પ્રાણીસંગ્રહાલય, બાલવાટિકા, સાબરમતી રીવરફ્રન્ટ, 1848માં બાંધવામાં આવેલ હઠીસિંગ જૈન મંદિર, સુંદરવન નામથી ઓળખાતું સર્પગૃહ, ઘોડાસરનું સ્વામિનારાયણ મંદિર (સ્મૃતિ મંદિર), ગાંધીનગરના હાઈ-વે પર આવેલું વિષ્ણોદેવીનું મંદિર જેવાં નગરનાં જોવાલાયક સ્થળોની મુલાકાત માટે અમદાવાદ નગર નિગમ દ્વારા રોજ સવાર-બપોર એકસાથે બે લક્ઝરી બસોની વ્યવસ્થા છે.
મહેસાણા : આ જિલ્લામાં ધોરી માર્ગ પર તાજેતરમાં નંદાસણ અને મહેસાણા વચ્ચે ‘શંકૂઝ વૉટર પાર્ક’ નામક બાળનગરી રૂ. 10 કરોડના ખર્ચે ત્રણ સાહસિકો દ્વારા ઊભી કરવામાં આવી છે, જે ગુજરાતનાં પર્યટનસ્થળોમાં આગવું સ્થાન ધરાવે છે.
નળ સરોવર : અમદાવાદથી 61 કિમી.ના અંતરે આવેલા આ સરોવરમાં દર વર્ષે નિયમિત સ્થળાંતર કરનારાં (યાયાવર) પક્ષીઓની ૩00 જેટલી જાતો જોવા મળે છે. તેમાં પૅલિકન, ફ્લેમિંગો અને સારસ પક્ષીઓનો સમાવેશ થાય છે.
પાવાગઢ : વડોદરાથી 46 કિમી.ના અંતરે આવેલો આ પર્વત ધાર્મિક અને ઐતિહાસિક પર્યટનસ્થળ છે. તેની ઊંચાઈ લગભગ 762 મીટર. છે. ત્યાંનું કાલિકા માતાનું મંદિર જાણીતું છે. પર્વત પર જવા માટે હવે રોપ-વેની સુવિધા છે.
સાપુતારા : દેશને સ્વાતંત્ર્ય મળ્યા પછી સૌથી પહેલા ગિરિમથક તરીકે આ સ્થળનો વિકાસ કરવામાં આવ્યો. તે રાજ્યના સૌથી ગાઢ જંગલ ધરાવતા ડાંગ જિલ્લામાં સૂરતથી 164 કિમી. અંતરે આવેલું છે. દરિયાની સપાટીથી તે 872.9 મીટરની ઊંચાઈ પર છે. ઉનાળામાં અહીંનું હવામાન ઠંડું, ખુશનુમા અને આહલાદક હોય છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 2,540થી ૩,200 મિમી. થાય છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં સનરાઇઝ અને સનસેટ પૉઇન્ટ, પ્રતિધ્વનિ બિંદુ (echo point), વાઘબારી, સંગ્રહાલય, વન ઉદ્યાન, બોટ-ક્લબ, મધમાખી-ઉછેર કેન્દ્ર, ટાઉન વ્યૂ પૉઇન્ટ અને પાળિયા ઉલ્લેખનીય છે.
ડુમસ : સૂરતથી આશરે 12 કિમી.ના અંતરે આવેલા દરિયાના આ સ્થળને પર્યટનસ્થાન તરીકે વિકસાવવામાં આવેલ છે.
ભરૂચ : આ જિલ્લાના ધુમખલ અભયારણ્યમાં વાઘ અને ચિત્તા જેવાં પ્રાણીઓ છે.
વલસાડ : આ જિલ્લામાં વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા, વાઘ, ખડિયો વાઘ, જંગલી રીંછ, સાબર, ઝરખ, ચોશિંગાં જેવાં હિંસ્ર પ્રાણીઓ જોવા મળે છે.
તીથલ : વલસાડથી સાત કિમી.ના અંતરે આવેલું આ સ્થળ રજા ગાળવા માટેનાં ઉત્તમ સ્થળોમાંનું એક ગણાય છે. અહીંના દરિયાકિનારે તાડનાં વૃક્ષો તેના પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરે છે.
ઉભરાટ : સૂરતથી 42 કિમી.ના અંતરે આવેલા દરિયાકિનારાના આ પર્યટનસ્થળ પર પણ તાડનાં પુષ્કળ વૃક્ષો છે. અહીંનો દરિયો ખૂબ ખતરનાક છે.
ધ્રાંગધ્રા : કચ્છના રણમાંનાં અભયારણ્યોની સૌથી નજીકનું આ નગર અને રેલવેસ્ટેશન છે. રેલવે- સ્ટેશનથી 22 કિમી.ના અંતરે કચ્છનું નાનું રણ છે જેમાંના 5,000 ચો. કિમી. વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહેલાં જંગલી ગધેડાં (ઘુરખડ) છે. તે સિવાય આ અભયારણ્યમાં બ્લૅક બક, છીંકારા, વરુ, રણની બિલાડી જેવાં પ્રાણીઓ પણ જોવા મળે છે.
ચોરવાડ : વેરાવળથી આશરે 20 કિમી.ના અંતરે આવેલા દરિયાકિનારાના આ સ્થળે જૂનાગઢના ભૂતપૂર્વ નવાબનો મહેલ આવેલો છે, જેનો ગુજરાત પર્યટન નિગમે રજા ગાળવાના સ્થળ તરીકે વિકાસ કર્યો છે. ચોરવાડનો દરિયાકિનારો ખૂબ જ તોફાની અને જોખમકારક ગણાય છે. આવા તોફાની દરિયામાં દર વર્ષે ચોરવાડથી વેરાવળ સુધીની દરિયાઈ 22 નૉટિકલ માઈલની હરિ: ૐ આશ્રમ પ્રેરિત અખિલ હિંદ ઓપન-સી તરણસ્પર્ધા વીર સાવરકરની સ્મૃતિમાં યોજાય છે.
કચ્છનું મોટું રણ : કચ્છના મોટા રણનો ખાવડાની ઉત્તરે આવેલો અમુક વિસ્તાર રાજ્ય સરકારે ફ્લેમિંગો પક્ષીઓ માટેના અભયારણ્ય તરીકે જાહેર કર્યો છે.
એહમદપુર–માંડવી : દીવ ટાપુની નજીકમાં ગુજરાત પર્યટન નિગમે ગુજરાતના છેડાના આ સ્થળને દરિયાકિનારા પરના પર્યટનસ્થળ તરીકે વિકસાવ્યું છે. ઊનાથી આ સ્થળ 12 કિમી.ના અંતરે આવેલું છે. અહીં પર્યટકો માટે પાણી પરની રમતો(water sports)ને પ્રોત્સાહન આપવામાં આવે છે.
સાસણગીર : સૌરાષ્ટ્ર દ્વીપકલ્પની દક્ષિણ-પશ્ચિમે આવેલું ગીર જંગલ એશિયાના સિંહનું એકમાત્ર નિવાસસ્થાન છે. ટેકરીઓથી પથરાયેલા આ ગીચ જંગલમાં અનેક ઝરણાં છે. ગુજરાત સરકારે આ વિસ્તારને રક્ષિત રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યો છે.
અહીંના પ્રાણીજગતમાં સિંહ ઉપરાંત રીંછ, તરસ (hyaena), શિયાળ, મૃગ અને હરણની વિવિધ જાતો, નીલગાય, છિંકારા, ભસતાં હરણ (barking deer) વગેરે વિપુલ સંખ્યામાં જોવા મળે છે. અહીં પક્ષીઓની વિવિધ જાતો તથા વાંદરા પણ જોવા મળે છે.
ઉપર દર્શાવેલ સ્થળો સિવાય તારંગા, બાલારામ, મહી નદીના કિનારે આવેલું ગળતેશ્વર, સરનાલ (ખેડા જિલ્લો), પ્રાંતિજ નજીક ગળતેશ્વર, વડોદરા નજીક આજવા તળાવ જોડે વિકસાવવામાં આવેલું મૈસૂરના વૃંદાવન ગાર્ડન્સની યાદ અપાવે તેવું ઉદ્યાન તથા તાજેતરમાં આ ઉદ્યાન નજીક તદ્દન આધુનિક સાધનોથી સજ્જ એવી બે બાળનગરીઓઆજવા ફન-વર્લ્ડ તથા નિમેટા ઉદ્યાન નજીક નિમેટા ફન-વર્લ્ડ નામક મોટાં ક્ષેત્રોમાં વિકસિત થઈ ગયેલ છે. નિમેટા તેના ફુવારાઓ માટે જાણીતું છે. કચ્છ-ભુજ જોડેનું નારાયણ સરોવર પણ જોવાલાયક સ્થળ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
બંસીધર શુક્લ
સંતો અને લોકસેવકો
ગુજરાતની લોકસંસ્કૃતિમાં સંતો અને સેવકોનો મોટો ફાળો છે. તેમનામાં ત્યાગમય જીવન અને સેવાની ભાવના સાથે ભગવદભક્તિનો ત્રિવેણી સંગમ થયો હતો. તેનાથી ગુજરાતના સમાજને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા મળી છે.
કચ્છમાં 1664 આસપાસ ખાંભડા ગામના રજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. ધ્રંગ-લોડાઈ ગામે ધૂણી ધખાવી લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલા અનેક મુસાફરોનો તેમણે જીવ બચાવ્યો હતો. તેમની કચ્છી ભાષામાં લખાયેલી સાખીઓ ખૂબ જાણીતી છે. આવા બીજા સંત ત્રિકમસાહેબને ખીમસાહેબનો રંગ લાગ્યો હતો અને તેમની પાસે દીક્ષા લીધી હતી. ભાણસાહેબના પુત્ર ખીમસાહેબ રાપરમાં થઈ ગયા. તેમની અને ત્રિકમસાહેબની સમાધિ રાપરમાં છે. સતી તોરલે ભયંકર લૂંટારા જેસલ સાથે લગ્ન કરી કચ્છનો અખાત ઓળંગતા લૂંટારાના મૃત્યુના ભયને દૂર કરીને તેનો હૃદયપલટો કરેલો તે જાણીતી હકીકત છે. તેમની સમાધિ અંજારમાં છે. બારમી સદીના ગોરખનાથ કાનફટા પંથના સ્થાપક છે. ધીણોધર ડુંગર ઉપર તેમનાં મઠ અને સમાધિ છે. તેમના અનુયાયી કાપડી તરીકે ઓળખાય છે. મુસ્લિમ સંત હાજીપીરનું મૂળ નામ અલી અકબર હતું. કેર રજપૂતો નારાગામનું ગૌધન હરી જતાં તેમણે તેમનો સામનો કરી શહીદી વહોરી હતી. તેમની યાદમાં ભરાતા મેળામાં ત્રણેક લાખ લોકો ધર્મના કે નાતજાતના ભેદ સિવાય ભાગ લે છે. કચ્છના હરિદાસ સ્વામી જાણીતા છે. કચ્છમાં પ્રાણલાલ શાહ, કાંતિલાલ અંતાણી, ગુલાબશંકર ધોળકિયા વગેરે લોકસેવકો થઈ ગયા.
સૌરાષ્ટ્રમાં ગુજરાતના સંત કવિ નરસિંહ મહેતા જૂનાગઢમાં થઈ ગયા. તેમનું ‘વૈષ્ણવજન’ કાવ્ય ગાંધીજીને ખૂબ પ્રિય હતું. પોરબંદર પાસે વિસાવાડામાં વિઝાત ભક્ત થઈ ગયા. મોજીદડના નથુરામ શર્માએ બિલખામાં આનંદાશ્રમ સ્થાપી લોકોને શુદ્ધ સનાતન ધર્મ-કર્મવાળું જીવન જીવવા પ્રેર્યા. વિસાવદર તાલુકાના સતાધાર ગામમાં ચલાળાના સંત આપા દાનાના શિષ્ય આપા ગીગા થઈ ગયા. ઊના તાલુકાના આમોદરાના મહાત્મા મૂળદાસની સમાધિ અમરેલીમાં છે.
જૂનાગઢ જિલ્લામાં માંગરોળ પાસે લોજમાં ઘનશ્યામ મહારાજ અયોધ્યાથી આવેલા તે સહજાનંદ સ્વામી તરીકે અને તેમના દ્વારા સ્થપાયેલ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાય છે. દેવાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ (‘સખી’) વગેરે તેમના શિષ્યો હતા. કચ્છમાં આ પંથના અબજી બાપા થઈ ગયા. સરસઈ ગામે સંત રોહીદાસ અને બિલખામાં ચેલૈયાના પિતા સગાળશા શેઠ થઈ ગયા.
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં સંત પીપા થઈ ગયા. તેમના નામ ઉપરથી પીપાવાવ જાણીતું બંદર છે. કવિતામાં ‘ચાબખા’ મારીને લોકોને જાગ્રત કરનાર ભોજો ભગત અમરેલી નજીક ફતેહપુરમાં થઈ ગયા. ચલાળામાં આપા દાના થઈ ગયા. તેમના શિષ્યો આપા શાર્દૂલ, દેવીદાસ, અમરબાઈ, કરમણ, રૂડો વગેરે થઈ ગયા. ધારીના યોગી મહારાજ સ્વામિનારાયણ પંથના અગ્રગણ્ય સંત છે.
રાજકોટ જિલ્લામાં ગોંડળ પાસે વીરપુરમાં જલારામ (1800–1881) થઈ ગયા. ટંકારામાં આર્યસમાજના સ્થાપક અને શુદ્ધ વેદધર્મના પ્રવર્તક સ્વામી દયાનંદ સરસ્વતી થઈ ગયા. રાજકોટના રણછોડદાસજી મહારાજે બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં દુષ્કાળપીડિત લોકોને સુખડી વગેરે વહેંચી તથા અન્ય સહાય કરી સેવા કરી છે. ગોંડળ પાસે ઘોઘાવદરમાં દાસી જીવણ થઈ ગયા. તેમનાં પદો મીરાંબાઈ જેવાં છે. મોરબી પાસેના વવાણિયાના શ્રીમદ્ રાજચંદ્ર શતાવધાની તથા યોગવિદ્યાના સાધક હતા. વીરનગરમાં ડૉ. શિવાનંદ અધ્વર્યુની નેત્રયજ્ઞાદિની સેવા જાણીતી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનમાં મેવા ભગત અને આપા જાદરા થઈ ગયા, જેના અનેક શિષ્યો હતા. ચૂડામાં હરિકૃષ્ણ મહારાજ થઈ ગયા. અરુણાબહેન દેસાઈ સ્થાનિક વિકાસગૃહ તથા કન્યાઓની માધ્યમિક શાળાઓનું સંચાલન કરી ઘણાં વરસોથી સેવા આપે છે.
જામનગર જિલ્લામાં આણંદજી સોનીએ જામનગરમાં આશ્રમ સ્થાપીને છપ્પનિયો દુષ્કાળ, પ્લેગ વગેરે વખતે લોકોની સેવા કરી હતી. એમનો આશ્રમ અણદાબાવાના આશ્રમ તરીકે ઓળખાય છે. તેમના આશ્રમ તરફથી અન્નક્ષેત્ર, દવાખાનું, ગૌશાળા, શાળા, પાઠશાળા વગેરેનું સંચાલન થાય છે. દુષ્કાળમાં ઢોરો બચાવવાનું કાર્ય પણ થાય છે. પ્રણામી પંથના પ્રાણનાથ જામનગરની લોહાણા જ્ઞાતિના હતા. બુંદેલખંડના રાજવી છત્રસાલ તેમના શિષ્ય હતા. હિંદુ-મુસ્લિમ ઐક્યના તેઓ પ્રણેતા હતા. ગુજરાતમાં જામનગર અને અન્ય સ્થળોએ કબીર પંથનાં મુખ્ય સ્થાનક આવેલાં છે.
ભાવનગર જિલ્લામાં મહુવા પાસે તલ ગાજરડાના મોરારિ બાપુ રામાયણના કથાકાર છે અને બગદાણામાં બજરંગદાસજી મહારાજ થઈ ગયા. પાળિયાદમાં ઉનડબાપુ થઈ ગયા, જે દીનદુખિયાંની સેવા માટે જાણીતા હતા. ભાવનગરમાં છોટાલાલ ભે. શાહ, માનભાઈ ભટ્ટ, આત્મારામ ભટ્ટ અને પાલિતાણા પાસે ગારિયાધારમાં શંભુભાઈ ત્રિવેદી થઈ ગયા. ડૉ. પુરુષોત્તમ કાણેએ વરસો સુધી વ્યાયામ-પ્રચાર માટે અને સેવામંડળમાં સેવા આપી હતી. માનભાઈ શિશુવિહારના સ્થાપક છે. તે પુસ્તકો લારીમાં લઈને વિદ્યાર્થીઓને વહેંચતા હતા. કાઠિયાવાડના ગાંધી શંભુભાઈએ પાલિતાણા રાજ્ય સામેની મહેસૂલવધારા વિરુદ્ધ ચળવળની આગેવાની લીધી હતી. રાજકોટ, ધરાસણા, ધોલેરા વગેરે સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો હતો.
અમદાવાદમાં પુનિત મહારાજે (ઈ. સ. 1908–1962) ગુજરાતના ધર્મપ્રેમી લોકોના હૃદયમાં વિરલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે અમદાવાદમાં પુનિત આશ્રમ સ્થાપ્યો અને ‘જનકલ્યાણ’ જેવું લોકપ્રિય માસિક શરૂ કર્યું. આ ઉપરાંત અમદાવાદમાં મોટેરા આશ્રમના સંત આશારામજી, સોલામાં ભાગવત વિદ્યાપીઠ સ્થાપનાર કૃષ્ણશંકર શાસ્ત્રી, વડોદરાના ડોંગરે મહારાજ વગેરે સંતોનો લોકમાનસ ઉપર પ્રભાવ પડ્યો હતો.
મહેસાણા જિલ્લાના વિજાપુરના બુદ્ધિસાગરજી મહારાજે મહુડીમાં ઘંટાકર્ણ વીરની સ્થાપના કરી હતી. વિસનગરમાં રામસનેહી પંથનાં સૂરજબાઈ રામજી મહારાજ તરીકે ઓળખાતાં હતાં. વિસનગરના અન્ય સૂફી સંત અન્વર કાઝી રાધા-કૃષ્ણનાં ભજનો માટે જાણીતા છે. સિદ્ધપુરમાં અરવડેશ્વર નજીક ભટજી તરીકે જાણીતા દેવશંકર મહારાજ થઈ ગયા. ત્યાંના લોકસેવક છોટુભાઈ પંડિત સ્વાતંત્ર્યસૈનિક પણ હતા. મહેસાણા જિલ્લામાં વિસનગરમાં સર્વોદય કાર્યકર રતિભાઈ જોશી હતા. બાબુભાઈ શાહ, રીખવદાસ શાહ, નટવરલાલ પંડિત વગેરેનું જિલ્લાના વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે. ગુજરાતી વિશ્વકોશ શ્રેણીની સ્થાપનામાં કારણભૂત બનેલ સંનિષ્ઠ લોકસેવક સાંકળચંદ પટેલ ઉત્તર ગુજરાતની અનેક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના પ્રેરક અને પ્રોત્સાહક તરીકે ખાસ ઉલ્લેખપાત્ર છે. ઉનાવામાં મીરાદાતારનું મુસ્લિમ તીર્થધામ છે. મીરાદાતાર પાટણ પાસે આવેલ પળી ગામના હતા. બનાસકાંઠાના થરાદ પાસેના ગામમાં મીરાદાતાર મોરાર સાહેબ થઈ ગયા. વિમળાબહેન તથા જી. જી. મહેતાનું કન્યાકેળવણી તથા પછાત વર્ગના શિક્ષણના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન છે.
અમદાવાદ જિલ્લાના વીરમગામ પાસેના કમીજલા ગામમાં ભાણસાહેબની સમાધિ છે. અમદાવાદમાં શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ, કુતુબેઆલમ સાહેબ, સૈયદ ઉસ્માનગની શાહઆલમ તથા ચિશ્તી સંપ્રદાયના અનેક સંતો થઈ ગયા. ભિક્ષુ અખંડાનંદજીએ ધાર્મિક સાહિત્યની પરબ માંડી લોકો સુધી ધાર્મિક સાહિત્ય પહોંચાડ્યું હતું. અમદાવાદમાં અખંડઆનંદ આયુર્વેદ મહાવિદ્યાલય તથા અખંડઆનંદ આયુર્વેદ હૉસ્પિટલ તેમની સ્મૃતિમાં ચાલુ છે. નડિયાદ ખાતે સંતરામ મહારાજની જગ્યા છે.
સરસવણીના રવિશંકર મહારાજે ખેડા જિલ્લાના પાટણવાડિયા તથા મહેસાણા જિલ્લાના ઠાકોરોને સન્માર્ગે વાળવા તથા દુષ્કાળપીડિતોને સહાય કરવા તથા લોકહિતના પ્રશ્નો, ભૂદાન વગેરેમાં રસ લઈને સમગ્ર ગુજરાતની સેવા કરી છે. ગુજરાત રાજ્યનું ઉદઘાટન ગુજરાતના આ મૂક સેવકને શુભ હસ્તે થયું હતું.
પૂ. મોટા (ચુનીલાલ મહારાજ) તરીકે જાણીતા સંતના સૂરત અને નડિયાદ નજીક શેઢી ઉપર આશ્રમો અને મૌન મંદિરો છે. તેમણે અધ્યાત્મસાધનાની સાથે ગુજરાતની પ્રજાને બેઠી કરવા માટે અનેક યોજનાઓ ઘડીને અમલમાં મૂકી છે. મોતીભાઈ અમીન ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક અને પુસ્તકાલય-પ્રવૃત્તિના પ્રણેતા અને ગુજરાતના અગ્રગણ્ય સેવક હતા. બબલભાઈ મહેતાએ થામણામાં રહીને ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા શરૂ કરી હતી અને લોકોની સેવા કરી હતી.
વડોદરા જિલ્લાના કારવણમાં કૃપાલ્વાનંદજી તથા નારેશ્વરમાં રંગ અવધૂત મહારાજ થઈ ગયા. ભરૂચમાં સેવાશ્રમના સ્થાપક ડૉ. ચંદુલાલ દેસાઈએ સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લઈને તથા લોકહિતના સ્થાનિક પ્રશ્નોમાં રસ લઈને સેવા કરી છે. નારાયણ ગુરુ, જુમ્માદાદા, માણેકરાવજી, છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીએ ગુજરાતમાં વ્યાયામ-પ્રવૃત્તિમાં રસ લઈને તેને વેગ આપ્યો હતો. વડોદરામાં નૃસિંહાચાર્ય શ્રેય:સાધકવર્ગની સ્થાપના કરીને લોકોને ધર્મ તરફ અભિમુખ કરવા સહાયભૂત થયા હતા.
સૂરત અને વલસાડ જિલ્લામાં સ્વામી આત્માનંદ સરસ્વતીએ તાપી બ્રહ્મચર્યાશ્રમની સ્થાપના કરી હતી. ખેતી, આયુર્વેદ ગૌસેવા વગેરે ક્ષેત્રમાં તેમનો અનન્ય ફાળો છે. તેમણે આયુર્વેદિક ફાર્મસી, સંસ્કૃત પાઠશાળા વગેરેની સ્થાપના કરી હતી. કલ્યાણજીભાઈ પટેલ, બાલુભાઈ દેસાઈ, મીઠુબહેન પિટીટ, કીકીબહેન ભટ્ટ, છોટુભાઈ નાયક (ડાંગ), જુગતરામભાઈ દવે, પંડિત સાતવળેકર, નારાયણ દેસાઈ, સર્વોદય કાર્યકર કાન્તા-હરવિલાસ વગેરેએ સ્વાતંત્ર્યસંગ્રામ, શિક્ષણપ્રસાર, આદિવાસીઓની સેવા તથા લોકહિત વગેરે જેવાં વિવિધ ક્ષેત્રોમાં રસ લઈને મહત્વનો ફાળો આપ્યો છે. વલસાડ જિલ્લામાં નંદિગ્રામમાં સ્વ. મકરંદ દવે અને કુંદનિકાબહેન કાપડિયાની રાહબરી નીચે કલ્યાણ-કાર્યો થયાં છે.
ગુજરાતના લોકસેવકો
આશ્રમના સેવકો
ઈ. સ. 1915ના જાન્યુઆરીની 9મી તારીખે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યા. એક વર્ષ દેશમાં ફરીને પરિસ્થિતિનું મૂક નિરીક્ષણ કરતાં એમને ખાતરી થઈ ગઈ કે, રાજકીય આઝાદીની સાથે સાથે દેશની નવરચના માટે હજારોની સંખ્યામાં આત્મશુદ્ધ સમર્પિત સેવકોની જરૂર પડવાની. એવા સેવકો તૈયાર કરવાને સારુ 1915ના મેની 25મી તારીખે એમણે આશ્રમની સ્થાપના કરી. એમાં મગનલાલ ગાંધી, છગનલાલ ગાંધી, નારણદાસ ગાંધી, છગનલાલ જોષી, ઇમામસાહેબ, વિનોબા ભાવે, બાલકોબા ભાવે, મહાદેવભાઈ દેસાઈ, નરહરિ પરીખ, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, રમણીકભાઈ મોદી, સુરેન્દ્રજી, મામાસાહેબ ફડકે, પં. નારાયણ મોરેશ્વર ખરે, રાવજીભાઈ નાથાભાઈ પટેલ, જુગતરામ દવે, શિવાભાઈ ગો. પટેલ, માધવલાલ શાહ, ગિરિરાજ કિશોર, પંડિત તોતારામજી, ગંગાબહેન વૈદ્ય, મણિબહેન પટેલ, મીરાબહેન (મેડેલીન સ્લેડ), પ્રેમાબહેન કંટક, બિસેનજી વગેરે જોડાયા. એ સૌએ ઓછાવત્તા પ્રમાણમાં આશ્રમી જીવનનો અનુભવ લીધો. 19૩0ના મીઠાના સત્યાગ્રહ બાદ આશ્રમનું વિસર્જન થતાં એમાંના ઘણાખરા ગ્રામસેવાર્થે ગામડાંમાં જઈ બેઠા અથવા તો ગાંધીજીએ સૂચવેલા કોઈ એક રચનાત્મક કાર્યને પોતાનું જીવનકાર્ય બનાવી એમાં લાગી ગયા.
ગૂજરાત વિદ્યાપીઠના સેવકો
દેશના નવનિર્માણને માટે ચારિત્ર્યશીલ, શક્તિસંપન્ન અને કર્તવ્યનિષ્ઠ સમાજસેવકો તૈયાર કરવાના ઉદ્દેશથી ગાંધીજીએ તા. 18-10-1920ના રોજ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. એ ઉદ્દેશની સિદ્ધિ માટે તેઓ આચાર્ય ગિદવાણી, આચાર્ય કૃપાલાની, આચાર્ય કાકાસાહેબ કાલેલકર જેવા રાષ્ટ્રભક્ત આચાર્યો અને પંડિત સુખલાલજી, મુનિ જિનવિજયજી, પંડિત બેચરદાસજી, ધર્માનંદ કોસાંબી, રસિકલાલ પરીખ, રામનારાયણ વિ. પાઠક, રામચંદ્ર બળવંત આઠવલે, ઇન્દ્રભૂષણ મજમુદાર, મૌલવી અબુલઝફર નદવી, બનારસીદાસ ચતુર્વેદી, જે. પી. સ્વામીનારાયણ, પ્રો. મલકાનીજી, પ્રો. સિપાહી મલાનીજી જેવા ત્યાગી અને પોતપોતાના વિષયના મોટા વિદ્વાનોને ગાંધીજી વિદ્યાપીઠમાં લઈ આવ્યા હતા. કિશોરલાલ મશરૂવાલા જેવા સમર્થ ચિંતક, સમર્થ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ વિદ્યાપીઠના થોડા સમય માટે મહામાત્ર હતા અને ગાંધીજી એના કુલપતિ હતા. વિદ્યાપીઠ ગૌરવ લઈ શકે એવી પ્રતિભાશાળી વિભૂતિઓ અહીં એકત્રિત થઈ હતી. એ સૌના સહકારથી વિદ્યાપીઠમાં ઉચ્ચશિક્ષણ-ક્ષેત્રે રાષ્ટ્રીય શિક્ષણનો એક અભૂતપૂર્વ અખતરો થયો. એ અખતરો દસ વર્ષ ચાલ્યો. આ એક જ દસકામાં વિદ્યાપીઠે રાજકીય, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાહિત્યિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક એમ એકએક ક્ષેત્રે અનેક તેજસ્વી ને સમર્પિત સ્નાતકો આપ્યા; જેમણે અલ્પાંશે દેશના ને મહદંશે ગુજરાતના નવસર્જનમાં પોતાનો અદનો ફાળો આપ્યો. એમાંના કેટલાકનાં નામ અહીં પ્રસ્તુત છે : ખંડુભાઈ કસનજી દેસાઈ, હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ, બળવંતરાય ગોપાળજી મહેતા, મગનભાઈ પ્રભુદાસ દેસાઈ, પાંડુરંગ વિઠ્ઠલ વળામે (રંગ અવધૂત), અંબાલાલ પ્રાણલાલ વ્યાસ, ડાહ્યાભાઈ જીવણજી નાયક, ચુનીલાલ પુરુષોત્તમ બારોટ, ચીમનલાલ પ્રાણલાલ ભટ્ટ, વિઠ્ઠલદાસ મગનલાલ કોઠારી, પરીક્ષિતલાલ લલ્લુભાઈ મજમુદાર, ઉત્તમચંદ દીપચંદ શાહ, જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ, કમળાશંકર લલ્લુભાઈ પંડ્યા, ગોપાળભાઈ જીવાભાઈ પટેલ, નગીનદાસ નારણદાસ પારેખ, કીકુભાઈ રતનજી દેસાઈ, મણિબહેન વલ્લભભાઈ પટેલ, ગોરધનદાસ રણછોડદાસ ચોખાવાલા, ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠ, ઝીણાભાઈ રતનજી દેસાઈ (સ્નેહરશ્મિ), શિવાભાઈ ગોકળભાઈ પટેલ, જેઠાલાલ જીવણલાલ ગાંધી, ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોર, મૂળશંકર મોહનલાલ ભટ્ટ, અમૃતલાલ ઠાકોરદાસ નાણાવટી, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર (સુંદરમ્), મણિભાઈ ભગવાનજી દેસાઈ, ભોગીલાલ ચુનીલાલ ગાંધી, વિરસુત ત્રિભુવનદાસ મહેતા, દિનકરરાય કૃષ્ણલાલ મહેતા, કપિલરાય મનવંતરાય મહેતા, ઝવેરભાઈ પુરુષોત્તમદાસ પટેલ, ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ, પાંડુરંગ ગણેશ દેશપાંડે, ગુલામરસૂલ કુરેશી, પુરુષોત્તમદાસ નારણદાસ ગાંધી, કુ. મૃદુલા અંબાલાલ સારાભાઈ, ચુનીલાલ આશારામ ભાવસાર (પૂ. મોટા), કરસનદાસ માણેક, ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ, રાવજીભાઈ નાથાભાઈ પટેલ, વાલજીભાઈ ગોવિંદજી દેસાઈ, કીકુભાઈ ગુલાબભાઈ નાયક (ગ્રામસેવાદીક્ષિત), બબલભાઈ મહેતા (ગ્રામસેવાદીક્ષિત). તા. 28 જૂન, 1947ના રોજ શ્રી મહાદેવભાઈ દેસાઈની સ્મૃતિમાં વિદ્યાપીઠે શરૂ કરેલા શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયે પણ વિદ્યાપીઠની સેવાપરંપરાને ચાલુ રાખી. 1950થી 1960 સુધીમાં, શ્રી મગનભાઈ દેસાઈના કાર્યકાળ દરમિયાન, મહાવિદ્યાલયનો શિક્ષણક્રમ પૂરો કરીને જે સ્નાતક ભાઈબહેનો બહાર પડ્યાં એમાંનાં ઘણાંખરાંએ ગુજરાતના પછાત વિસ્તારોમાં શિક્ષણસંસ્થાઓ સ્થાપીને તથા અન્ય રચનાત્મક કાર્યો હાથ ધરીને ગુજરાતના દીનહીનો ને દુ:ખપીડિતોની નોંધપાત્ર સેવા કરી છે. એનો ઉલ્લેખ આગળ યથાસ્થાને કર્યો છે.
અમદાવાદના લોકસેવકો
ઇન્દુલાલ યાજ્ઞિક : ગાંધીજીના આગમનપૂર્વે એમણે લોકસેવાનો આરંભ કર્યો હતો. ‘નવજીવન અને સત્ય’ પત્ર મારફત એમણે ગુજરાતનાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાઓને વાચા આપી અનેક લોકોને એમણે સેવાની પ્રેરણા આપી હતી. દેશસેવા માટે એમણે ફકીરી ધારણ કરી હતી. ગુજરાતના અલગ રાજ્યની સ્થાપના માટે એમણે અથાગ પરિશ્રમ કર્યો હતો.
હરિભાઈ પંચાલ : અમદાવાદની જાણીતી સંસ્થા સદવિચાર પરિવારના સ્થાપક. આ સંસ્થા દ્વારા વર્ષો સુધી કુદરતી આફતોમાં રાહતકાર્ય, ગરીબ દર્દીઓ માટે તમામ પ્રકારની આરોગ્યસેવા, જેલમાં કેદીઓને રક્ષાબંધન દ્વારા ગુનેગારોનું હૃદયપરિવર્તિત કરાવવું, સત્-સાહિત્યનું પ્રકાશન અને પ્રચાર જેવી અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ કરી હતી.
ચુનીભાઈ વૈદ્ય : ગુજરાતના દલિત-પીડિતોની સેવા માટે નિરંતર કાર્યરત, અન્યાયો સામે સતત ઝૂઝનાર તથા ગાંધી-વિનોબાના ગ્રામસ્વરાજના મંત્રને મૂર્તરૂપ આપવા મથનાર સર્વોદય-કાર્યકર.
મજૂર મહાજન સંઘ, અમદાવાદના સેવકો
મિલમજૂરોનું સંઘબળ સ્થાપવા, તેમના હક્કોનું રક્ષણ કરવા તથા તેમનો સર્વાંગી વિકાસ સાધવાના આશયથી મહાત્મા ગાંધીજી શ્રીમતી, અનસૂયાબહેન સારાભાઈ અને શંકરલાલ બકરે મળીને તા. 4–12 –1917ના રોજ મજૂર મહાજનની સ્થાપના કરી હતી. તેના સ્થાપનાકાળથી જીવનના અંત સુધી અનસૂયાબહેન અને શંકરલાલ બૅંકરે સંસ્થાના સંચાલનમાં પોતાની તમામશક્તિ ખરચી, તદુપરાંત શ્રી ગુલઝારીલાલ નંદા, ખંડુભાઈ દેસાઈ, શ્યામપ્રસાદ વસાવડા; મનહરલાલ શુક્લ, અરવિંદભાઈ બૂચ, નવીનચંદ્ર બારોટ વગેરે સેવકોની સેવાઓ પણ આ સંઘને ઉપલબ્ધ થઈ.
ગુજરાતની અગ્રગણ્ય સમાજસેવિકાઓ
ગાંધીજીની પ્રેરણાથી સ્ત્રીઓના સર્વાંગી વિકાસ માટે કુ. મૃદુલાબહેન સારાભાઈએ તા. 25 એપ્રિલ, 19૩4ના રોજ અમદાવાદમાં જ્યોતિસંઘની સ્થાપના કરી. એને ઉદયપ્રભાબહેન મહેતા, ઊર્મિલાબહેન ગિરધરલાલ, ચારુમતીબહેન રામપ્રસાદ યોદ્ધા, હેમલતાબહેન હેગિષ્ટે વગેરેની કીમતી સેવાઓ પ્રાપ્ત થઈ. પુષ્પાબહેન મહેતાએ વિકાસગૃહ અમદાવાદ, વિકાસ વિદ્યાલય, વઢવાણ અને શિશુમંગલ જૂનાગઢ – એ ત્રણ સંસ્થાઓની સ્થાપના કરી, આખું જીવન સ્ત્રીઓની સેવામાં ગાળ્યું. ગૂજરાત વિદ્યાપીઠનાં સ્નાતિકા ઇન્દુમતીબહેન શેઠ અમદાવાદની જાણીતી સંસ્થા સી. એન. વિદ્યાવિહારનાં સ્થાપક અને એના પ્રાણ હતાં. જ્યોતિસંઘ, વિકાસગૃહ, કસ્તૂરબા સ્મારક ટ્રસ્ટ વગેરે સંસ્થાઓને એમની મદદ મળતી રહી. સરોજબહેન વેણીભાઈ પટેલ વર્ષો સુધી મહીપતરામ રૂપરામ આશ્રમનાં સંચાલિકા તરીકે અનાથ બાળકો તથા વિધવા-ત્યક્તા સ્ત્રીઓની સેવામાં જીવન વ્યતીત કર્યું. ઈલાબહેન ર. ભટ્ટે મજૂરી કરીને પેટિયું રળતી સ્ત્રીઓનાં સંગઠન અને આર્થિક વિકાસ અર્થે ‘સેવા’ સંસ્થાની સ્થાપના કરી. બહેનોના ગૌરવ અને સ્વાવલંબન ક્ષેત્રે કાર્ય કર્યું. એની શાખાઓ આખા દેશમાં વિસ્તરી છે અને એને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. મીઠુબહેન પિટીટ મુંબઈના ગર્ભશ્રીમંત પારસી પરિવારનાં હતાં. તેમણે અવિવાહિત રહી જીવનભર સેવાકાર્ય કર્યું. તા. 1 ડિસેમ્બર, 19૩0ના રોજ મરોલીમાં કસ્તૂરબા સેવાશ્રમની સ્થાપના કરી, શિક્ષણ, ખાદી, વૈદ્યકીય સારવાર વગેરે પ્રવૃત્તિઓમાં તેઓ રત રહ્યાં. તેમણે 1942માં માનસિક રોગોની ઇસ્પિતાલ પણ શરૂ કરી હતી જે આજે પણ ચાલુ છે. પૂર્ણિમાબહેન પકવાસા : ડાંગની આદિવાસી છોકરીઓના સાર્વત્રિક શિક્ષણ માટે સાપુતારામાં ઋતંભરા વિદ્યાપીઠની સ્થાપના કરી. અરુણાબહેન શંકરપ્રસાદ દેસાઈ : ગાંધીજીની આજ્ઞાથી ૩0 બહેનોની ટુકડી સાથે વઢવાણમાં શિક્ષણ અને સમાજસેવાનું કામ શરૂ કર્યું. પ્રાથમિક શાળા, માધ્યમિક વિદ્યાલય, મહિલા કૉલેજ અને અધ્યાપન મંદિર – એમ સંસ્થાની પ્રવૃત્તિઓ વિકસતી ગઈ. સમસ્ત ગુજરાતમાંથી બહેનો ત્યાં શિક્ષણ લેવા જાય છે.
ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના સેવકો
પ્રખર સમાજસુધારક મુનિશ્રી સંતબાલજીને 19૩7માં નર્મદાકાંઠે એક વર્ષના કાષ્ઠમૌન દરમિયાન ધર્મદૃષ્ટિએ સમાજરચનાનો એક ક્રાંતિકારી વિચાર સ્ફુર્યો. એ વિચારને મૂર્તરૂપ આપવા, સમસ્ત જૈન સંઘનો બહિષ્કાર અને પોતાના ગુરુનો વિરોધ વહોરીને પણ તેઓ લોકસેવા કરવા કટિબદ્ધ થયા. એમણે અમદાવાદ જિલ્લાના પછાત એવા ભાલ નળકાંઠા પ્રદેશને પોતાનું સેવાક્ષેત્ર બનાવ્યું અને 1947ના સપ્ટેમ્બરની 7મી તારીખે ગુંદીમાં ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘની સ્થાપના કરી. ગરીબી, શોષણ, અન્યાય અને રોગોથી ત્રસ્ત તેમજ શાહુકારી અને સામંતશાહી પ્રથાની ભીંસમાં જકડાયેલી અને આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલી હતાશ જનતાના આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રાજકીય, નૈતિક, ધાર્મિક કે આધ્યાત્મિક વિકાસ અર્થે એમણે નઈ તાલીમનું શિક્ષણ સહકારી પ્રવૃત્તિ, ખાદી અને ગ્રામોદ્યોગ, ગોપાલન, ખેતીસુધારણા, પંચાયતો, શુદ્ધિપ્રયોગ સમિતિઓ, માતૃસમાજો, પ્રાયોગિક સંઘો, ખેડૂતમંડળો, ગોપાલક-મંડળો, ગ્રામોદ્યોગી મજૂરમંડળો – એમ અનેક રચનાત્મક પ્રવૃત્તિઓનાં થાણાં ઊભાં કર્યાં. મુનિશ્રીના આ ભગીરથ કાર્યમાં પ્રાયોગિક સંઘના પ્રમુખ તરીકે 1956 સુધી પૂ. રવિશંકર મહારાજની અને મંત્રી તરીકે પરીક્ષિતલાલ મજમુદારની સેવાઓ પ્રાપ્ત થઈ. ધર્મદૃષ્ટિએ સમાજરચનાના આ યજ્ઞકાર્યમાં મુનિશ્રીએ અસંખ્ય લોકોને જોતર્યા. એમાં છોટાલાલ મહેતા, કાશીબહેન મહેતા, અંબુભાઈ શાહ, નવલભાઈ શાહ, સુરાભાઈ ભરવાડ, ફલજીભાઈ ડાભી, મણિભાઈ પટેલ, મીરાબહેન, અનસૂયાબહેન ઠક્કર, ડૉ. શાંતિભાઈ પટેલ, મણિબહેન પટેલ અને જ્ઞાનચંદ્રજી મહારાજનું પ્રદાન નોંધપાત્ર છે. આજે આ સેવકો બધા દિવંગત છે. પરંતુ સંતબાલજીના કામને ગોવિંદભાઈ ભંગી, સવજીભાઈ પટેલ, જેસંગભાઈ ડાભી, ગંગારામ ઓઝા વગેરે સેવકોએે ચાલુ રાખ્યું હતું.
ભીલસેવા મંડળ, દાહોદના સેવકો
ગાંધીજીની પ્રેરણાથી મુંબઈમાં કાર્યરત ‘સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી’એ અમૃતલાલ ઠક્કર(ઠક્કરબાપા)ને પંચમહાલના ભીલોની પરિસ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા મોકલ્યા. ભીલોની ગરીબી, અજ્ઞાનતા તથા શાહુકારો દ્વારા થતું એમનું શોષણ જોઈ બાપાનું દિલ દ્રવી ઊઠ્યું. ભીલોની આ સમસ્યાઓના કાયમી ઉકેલ માટે 192૩માં એમણે દાહોદમાં ભીલસેવા મંડળની સ્થાપના કરી. ઠક્કરબાપાની ગરીબો પ્રત્યેની ઊંડી હમદર્દી તથા આદિવાસીઓની સેવાની ઉત્કટ તમન્નાથી ઓતપ્રોત એમના વ્યક્તિત્વથી આકર્ષાઈને ગૂજરાત વિદ્યાપીઠના ત્રણ સ્નાતકો ડાહ્યાભાઈ નાયક, અંબાલાલ નાયક, અંબાલાલ વ્યાસ અને કસ્તૂરભાઈ પટેલ તથા મુંબઈના શ્રીમંત પરિવારના લક્ષ્મીદાસ શ્રીકાંત શેઠ તેમજ એમના મિત્ર પાંડુરંગ ગોવિંદ વણીકર, સુખદેવ ત્રિવેદી જેવા આજીવન સેવકો એમના યજ્ઞકાર્યમાં જોડાયા. વળી ભીલોમાંથી જ લાલચંદભાઈ ધૂળાભાઈ નિનામા, વીરસિંહ કાનજીભાઈ નીસરતા, મંગળદાસ આર્ય, ચતુરભાઈ ડાંગી, જયસિંહભાઈ માનસિંહભાઈ સોલંકી, પરથીભાઈ રાયસિંહભાઈ રાઠોડ, જાલજીભાઈ કોયાભાઈ ડીંડોડ, નરસિંહભાઈ કાનજીભાઈ હઠીલા, દીનાભાઈ બામણ્યા, ગોપાળદાસ દલાલ, ચુનીભાઈ હઠીલા જેવા નિષ્ઠાવાન આજીવન સેવકો એમણે તૈયાર કર્યા, જેમણે પંચમહાલના આદિવાસીઓના સર્વાંગીણ ઉત્કર્ષ માટે બાલવાડીઓ, બુનિયાદીઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલયો, આશ્રમશાળાઓ, કુમાર-કન્યા છાત્રાલયો, કૃષિ, ગોપાલન, ખાદી-ગ્રામોદ્યોગ, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, આરોગ્ય, પ્રૌઢશિક્ષણ, સહકારી મંડળીઓ જેવી અનેક પ્રવૃત્તિઓ શરૂ કરીને પંચમહાલના ભીલોમાં નવી ચેતના જગાડી. પરંતુ બાપાની આ સેવાઓ પંચમહાલ જિલ્લા પૂરતી સીમિત ન રહી. આઝાદી બાદ સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, ભરૂચ, રાજપીપળા ને નવસારી જેવા જિલ્લાઓમાં પણ એમણે આશ્રમો ને આશ્રમશાળાઓ શરૂ કરાવી. ઉપરાંત દેશનાં અન્ય રાજ્યોના આદિવાસીઓની સેવાર્થે મંડળના જૂના કાર્યકરો પૈકી પાંડુરંગ વણીકરને એમણે મધ્યપ્રદેશમાં, અંબાલાલ વ્યાસને ઓરિસા અને સુખદેવ ત્રિવેદીને રાજસ્થાન મોકલ્યા. લક્ષ્મીદાસ શ્રીકાંત શેઠને ભારત સરકારમાં આદિવાસીઓ અને હરિજનોના કમિશનરની ખૂબ જ મહત્વની કામગીરી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સોંપવામાં આવી. એ સૌએ દેશના આદિવાસીઓની સેવામાં પોતાનાં જીવન ન્યોછાવર કરી દીધાં.
સૂરત–વલસાડ જિલ્લાના સેવકો
જુગતરામ દવે : મુંબઈમાં ઘાસતેલ કંપનીમાં નોકરી કરતા જુગતરામભાઈને સ્વામી આનંદનો ભેટો થયો અને એમના જીવનની દિશા જ બદલાઈ ગઈ. સ્વામીએ જ એમને કાકાસાહેબ ને ગાંધીજીના સાન્નિધ્યમાં લાવી મૂક્યા. થોડો સમય એમણે કાકાસાહેબ સાથે આશ્રમમાં અને સ્વામી સાથે નવજીવનમાં કામ કર્યું, પણ ‘ગામડે જાઓ’નો ગાંધીજીનો મંત્ર એમને એવો તો સ્પર્શી ગયો કે એમણે સૂરત જિલ્લાના પછાત રાનીપરજ ગામ વેડછીમાં જઈ આસન જમાવ્યું. ‘કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીણ ક્રાંતિ થશે’ એ આશા સાથે 1928માં વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપનાથી એમણે સેવાની શરૂઆત કરી. ચીમનભાઈ ભટ્ટ અને અન્ય સાથી કાર્યકરો એમની સાથે જોડાતાં એમની શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિકસતી અને વિસ્તરતી ગઈ. આંગણવાડીઓ, બુનિયાદી શાળાઓ, ઉત્તર બુનિયાદી વિદ્યાલયો, અધ્યાપનમંદિરો, આશ્રમશાળાઓ અને છેલ્લે ગાંધીવિદ્યાપીઠ વગેરે શિક્ષણસંસ્થાઓ ઊભી થઈ. એની સાથેસાથે રાનીપરજ પ્રજાના સામાજિક-આર્થિક વિકાસ અર્થે ગોપાલન, ખેતીસુધારણા, હળપતિસેવા, સહકારી મંડળીઓ જંગલ-મંડળીઓ, સ્ત્રીસેવા, પ્રૌઢશિક્ષણ, ખાદી-ગ્રામોદ્યોગ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ પણ ચાલુ થઈ. આ પ્રવૃત્તિઓ વેડછી અને આજુબાજુનાં ગામો પૂરતી સીમિત ન રહી; એ આખા દક્ષિણ ગુજરાત અને છેક ડાંગ સુધી વિસ્તરી. આ પ્રવૃત્તિઓ અર્થે જુગતરામભાઈએ ગ્રામસેવા વિદ્યાલય દ્વારા રાનીપરજ પ્રજામાંથી જ અનેક કાર્યકરો તૈયાર કર્યા. વળી એમના વ્યક્તિત્વથી પ્રભાવિત ઝીણાભાઈ દરજી, નારાયણ દેસાઈ, મોહન પરીખ, ઝવેરભાઈ પટેલ, છોટુભાઈ દેસાઈ, મકનજી બાબા, અલ્લુભાઈ શાહ, બાબુભાઈ શાહ, ભીખુભાઈ વ્યાસ, ભૂપેન્દ્રભાઈ દેસાઈ, વિલાસભાઈ દેસાઈ, ઠાકોરભાઈ શાહ, કુલીન પંડ્યા, છોટુભાઈ નાયક, ઘેલુભાઈ નાયક, જ્યોતિભાઈ દેસાઈ, શિવાભાઈ જે. પટેલ, ભુલાભાઈ પટેલ, રમેશભાઈ દેસાઈ, મીનુભાઈ કકલિયા, સામનેક સાનખાન, અરવિંદભાઈ દેસાઈ, હર્ષકાન્ત વોરા, નાનુભાઈ શાહ, દેવેન્દ્રભાઈ ટંડેલ વગેરે સમર્પિત સેવકોની સેવાઓ પ્રાપ્ત થઈ. છ દાયકા જેટલા એકધારા જુગતરામભાઈના તપ અને આ સૌ સેવકોના પુરુષાર્થને પરિણામે આ આખા પ્રદેશમાં અભૂતપૂર્વ ક્રાંતિ સર્જાઈ. ગાંધીના શૈક્ષણિક વિચારો અને એમના રચનાત્મક કાર્યક્રમોમાં સમાજપરિવર્તનની કેવી ગર્ભિત તાકાત છે તે એમણે પુરવાર કરી બતાવ્યું.
આજે જુગતરામભાઈ નથી પણ અરવિંદ દેસાઈ, અમરસિંહ ઝ. ચૌધરી, માધુભાઈ ચૌધરી, તરલાબહેન શાહ, ભીખુભાઈ વ્યાસ, કોકિલાબહેન વ્યાસ, ગણપતભાઈ ગામીત વગેરે સેવકો એમની સેવાપરંપરાને આગળ ધપાવી રહ્યા છે.
દલુકલુની જોડી : દલુ એટલે દયાળજીભાઈ દેસાઈ અને કલુ એટલે કલ્યાણજીભાઈ મહેતા. આ બે મિત્રોને કારણે સૂરતના અનાવિલ આશ્રમ અને પાટીદાર આશ્રમ માત્ર સૂરતના નહિ પણ સમગ્ર ગુજરાતના પ્રેરણાસ્રોત બની ગયા હતા. કનૈયાલાલ દેસાઈ, ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક ગોરધનદાસ ચોખાવાલા, ઈશ્વરલાલ ગુલાબભાઈ દેસાઈ તથા જ્યોત્સ્નાબહેન શુક્લની સેવાઓ સૂરત શહેર અને જિલ્લાને પ્રાપ્ત થઈ. વિદ્યાપીઠના સ્નાતક ઉત્તમચંદ શાહ સ્વરાજ આશ્રમ, બારડોલીના સંચાલક તરીકે ખાદી-ગ્રામોદ્યોગ, ખેતી, ગોપાલન, બુનિયાદી શિક્ષણ વગેરે રચનાત્મક પ્રવૃત્તિઓ જીવનના અંત સુધી કરતા રહ્યા. ગાંધીજીની પ્રેરણાથી દિલખુશભાઈ દીવાનજી તા. 15-4-૩4ના રોજ મુંબઈ છોડી ગ્રામસેવાર્થે કરાડી આવ્યા અને જીવનભર ખાદી-ગ્રામોદ્યોગ, નઇતાલીમ, આદિવાસીસેવા વગેરે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યા. કીકુભાઈ ગુલાબભાઈ નાયકે 1951માં ગાંધીઘર કછોલીની સ્થાપના કરી. બહેરાં-મૂંગાં બાળકોની શાળા, સાર્વજનિક દવાખાનું, પ્રસૂતિગૃહ વગેરે પ્રવૃત્તિઓ સો વર્ષની ઉંમર સુધી કરતા રહ્યા. નવનીતભાઈ ફોજદાર, કાન્તિભાઈ શાહ, કાન્તાબહેન શાહ, હરવિલાસબહેન શાહ ગાંધીરંગે રંગાયેલાં આ ચાર મિત્રોએ ધરમપુર તાલુકાના પિંડવળમાં થાણું નાખી તાલુકાના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસ માટે વિવિધ રચનાત્મક કાર્યક્રમો હાથ ધર્યા. સવાસો-દોઢસો ગામોમાં એમનું કામ વિસ્તર્યું હતું. આ ચાર મિત્રોના આગમન પૂર્વે આદિવાસી શિક્ષક મંછુભાઈ ગામિતે શિક્ષણ દ્વારા આદિવાસીસેવાનો આરંભ કરેલો તેની નોંધ લેવી ઘટે. ભીખુભાઈ વ્યાસ અને કોકિલાબહેન વ્યાસ ધરમપુરમાં શિક્ષણ અને સર્વાંગીણ વિકાસનું કાર્ય કરી રહ્યાં છે.
ભરૂચ જિલ્લાના સેવકો
ગુજરાતના ‘છોટે સરદાર’નું બિરુદ પામેલા ડૉ. ચંદુલાલ દેસાઈએ ગાંધીજીની પ્રેરણાથી મુંબઈની ધીકતી કમાણી છોડી 1926માં ભરૂચમાં સેવાશ્રમ સંસ્થા સ્થાપી. 1968 સુધી દરિદ્રનારાયણની સેવામાં રત રહ્યા. આઝાદીની લડતોમાં પણ ભાગ લીધેલો. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને ગાંધીજીથી પ્રભાવિત ડૉ. અનિલભાઈ દેસાઈ તથા ડૉ. લતાબહેન દેસાઈએ અમેરિકાની ધીકતી પ્રૅક્ટિસ છોડી ભરૂચ જિલ્લાના પછાત વિસ્તારમાં સેવા રૂરલ, ઝઘડિયા સંસ્થા શરૂ કરી. તેઓ અન્ય સેવાભાવી ડૉક્ટરોની સહાયથી આરોગ્ય ઉપરાંત આજુબાજુનાં ગામડાંના સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. મહેન્દ્રભાઈ ભટ્ટ, ભારતીબહેન ભટ્ટ તથા જગદીશભાઈ લાખિયા રાજપીપળાથી આશરે 25 કિમી. દૂર પ્રયાસ, માંગરોળ સ્થિત સંસ્થા દ્વારા શિક્ષણ, સજીવખેતી, ગ્રામ-આરોગ્ય, ગ્રામોચિત ટૅક્નૉલૉજી, મહિલાજાગૃતિ તથા અન્ય વિવિધ વિષયની શિબિરો દ્વારા પાયાની આવશ્યકતાઓમાં ગામલોકોને આત્મનિર્ભર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. મનુભાઈ ભટ્ટ તથા ગીતાબહેન ભટ્ટ 1951માં ભરૂચ જિલ્લાના ડેકાઈ ગામને પોતાનું સેવાકેન્દ્ર બનાવી, સત્યધામ સર્વોદય આશ્રમ દ્વારા આજુબાજુનાં ગામડાંમાં માનવસેવાની અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે.
વડોદરા જિલ્લાના સેવકો
વિનાયકપ્રસાદ પંડ્યાએ 19૩0થી પચ્ચીસ વર્ષ સુધી વડોદરા જિલ્લામાં ખાદીપ્રચારનું કામ કર્યું. ચીમનભાઈ અમીને જિલ્લાની તમામ સાર્વજનિક પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લીધો. ગુજરાત રાજ્યની ધારાસભાના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. જશવંતલાલ શાહ તથા ચંદુભાઈ પટેલે 1956માં વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળની સ્થાપના કરી જિલ્લાના પછાત વર્ગોમાં શિક્ષણના ફેલાવા દ્વારા એમના આર્થિક-સામાજિક ઉત્કર્ષના પ્રયાસો કર્યા. હરિવલ્લભ પરીખે તા. 14 ડિસેમ્બર, 1949ના રોજ છોટા ઉદેપુરના રંગપુર ગામે આનંદનિકેતન સંસ્થા સ્થાપી. તેમણે છએક દાયકા ખાદી–ગ્રામોદ્યોગ, ખેતી, સહકારી મંડળીઓ, પ્રૌઢશિક્ષણ, આશ્રમશાળાઓ, વ્યસનમુક્તિ, સામાજિક કુરિવાજોનું નિવારણ, લોક અદાલતો દ્વારા ઝઘડાઓનું નિવારણ આદિ પ્રવૃત્તિઓ દ્વારા આ વિસ્તારના આદિવાસીઓની સેવા કરી. 1959માં વડોદરામાં ગુજરાત સર્વોદય મંડળ સ્થપાયું. એના મુખપત્ર તરીકે ‘ભૂમિપત્ર’ પાક્ષિક ચાલે છે. ઉપરાંત મંડળ સર્વોદય સાહિત્યનું પ્રકાશન કરીને તથા પદયાત્રાઓ – શિબિરસંમેલનો યોજીને ગાંધીવિનોબાના વિચારોનો પ્રચાર કરી રહ્યું છે. આ મંડળને નારાયણ દેસાઈ, પ્રબોધ ચોકસી, ચૂનીભાઈ વૈદ્ય, કાન્તિભાઈ શાહ, જગદીશભાઈ શાહ, હરવિલાસબહેન શાહ, કાન્તાબહેન શાહ વગેરેની સેવાઓ પ્રાપ્ત થઈ હતી. રમણભાઈ પંડ્યા સાવલી તાલુકાના સાંઢાસાલ નજીક કૈલાસ આશ્રમની સ્થાપના કરી ગાંધીજીએ સૂચવેલા રચનાત્મક કાર્યક્રમો દ્વારા ગ્રામસેવાનાં કાર્યો જીવનના અંત લગી કરતા રહ્યા. ગાંધીજીએ પોતાના રચનાત્મક કાર્યક્રમોમાં નિસર્ગોપચારને પણ સ્થાન આપ્યું છે. વડોદરામાં બે કુદરતી ઉપચારકેન્દ્રો ચાલે છે. કારેલી બાગ વિસ્તારમાં ચાલતા બળવંતરાય મહેતા આરોગ્યભવનના સંચાલક અને તે સમયના સેવાદળના દલપતિ મનુભાઈ પટેલ હતા. અનુબહેન ઠક્કર જિલ્લાના ગોરજ ગામમાં મુનિ આશ્રમની સ્થાપના કરી આરોગ્યસેવાઓ, મંદબુદ્ધિનાં બાળકો માટેનું છાત્રાલય, વૃદ્ધાશ્રમ તથા બુનિયાદી શિક્ષણ વગેરે સેવાપ્રવૃત્તિઓમાં જીવનના અંત લગી વ્યસ્ત રહ્યાં.
સાબરકાંઠાના સેવકો
મથુરદાદાના હુલામણા નામથી જાણીતા મથુરાદાસ લાલજીભાઈ ગાંધી સાબરકાંઠા જિલ્લાના આદ્યસેવક ને જિલ્લાની રચનાત્મક પ્રવૃત્તિઓના પ્રવર્તક હતા. જિલ્લાના તમામ સેવકોના એ માર્ગદર્શક રહ્યા. નરસિંહભાઈ ભાવસારે શામળાજીને પોતાની સેવાનું કેન્દ્ર બનાવી સમગ્ર જિલ્લાના આદિવાસીઓના ઉત્કર્ષ માટે પોતાની જાત ઘસી નાખી. આજે શિક્ષણ દ્વારા જિલ્લાના આદિવાસીઓમાં જે પરિવર્તન દેખાય છે એમાં નરસિંહભાઈનો ફાળો સૌથી વિશેષ છે. વલ્લભદાસ દોશીએ સેવામંડળ, મેઘરાજ સંસ્થાની સ્થાપના કરી. શિક્ષણ અને આરોગ્યસેવાની સાથે સાથે આ વિસ્તારના પછાત વર્ગોના આર્થિક; સામાજિક ને નૈતિક ઉત્કર્ષ માટે તેઓ છેલ્લા શ્વાસ સુધી વ્યસ્ત રહ્યા. નંદુભાઈ પટેલ ભીલસેવા મંડળ, દાહોદની શાખા સંસ્થા સેવાનિકેતન, ખેડબ્રહ્માના સંચાલક તરીકે શિક્ષણની સાથે સાથે દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, વગેરે પ્રવૃત્તિઓમાં જીવનના અંત લગી રત રહ્યા. વિદ્યાપીઠના સ્નાતક ગોવિંદભાઈ રાવલ તથા સુમતિબહેન રાવલ પોતાના વતન હડિયોલમાં ઈ. સ. 1959માં ‘વિશ્વમંગલમ્’ (અનેરા) સંસ્થા સ્થાપી. શિક્ષણ દ્વારા સ્ત્રીઓમાં કેવું પરિવર્તન લાવી શકાય છે તે આ દંપતીએ પુરવાર કરી બતાવ્યું. ગોવિંદભાઈએ ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે પણ સેવાઓ આપી છે. વિદ્યાપીઠના સ્નાતક હીરુભાઈ જરીવાલાએ 1962માં વિવિધ ભારતી, પોશીના સંસ્થાની સ્થાપના કરીને આ વિસ્તારના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસ માટે જીવનના અંત સુધી મથ્યા. સુરેશભાઈ સોની વડોદરા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની કારકિર્દી છોડીને ગાંધીજીને પ્રિય રક્તપિત્તિયાની સેવા માટે જીવન સમર્પિત કર્યું છે. એમણે રક્તપિત્તના દર્દીઓની સેવાર્થે હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગર ચોકડી પર ‘સહયોગકુષ્ઠ સેવાયજ્ઞ ટ્રસ્ટ’ની સ્થાપના કરી. અને ગુજરાત તથા દેશનાં અન્ય રાજ્યોના રક્તપિત્તના સેંકડો દર્દીઓને નવી જિંદગી આપી.
બનાસકાંઠા જિલ્લાના સેવકો
અકબરભાઈ ચાવડાએ તા. 2 મે, 1950ના રોજ બનાસકાંઠાની પછાત આદિવાસી પ્રજાની સેવાર્થે સર્વોદય આશ્રમ, સણાલીની સ્થાપના કરી. એમના આ સેવાયજ્ઞમાં ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક મનુભાઈ ભટ્ટ પણ જોડાયા. ગોરધનદાસ ગિરધરલાલ મહેતા (જી. જી. મહેતા) તથા વિમળાબહેન મહેતાએ ગાંધીજીની પ્રેરણાથી મુંબઈના વૈભવી જીવનનો પરિત્યાગ કરી આઝાદી બાદ બનાસકાંઠા જિલ્લાને પોતાનું સેવાક્ષેત્ર બનાવ્યું અને જીવનના અંત સુધી તેઓ બંને જિલ્લાની સેવામાં રત રહ્યાં. હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા સેવાદળના સૈનિક હતા. તેમણે 1961ના જૂનની 19મીએ પાલનપુર નજીક લોકનિકેતન (રતનપુર) સંસ્થાની સ્થાપના કરી. આજે સંસ્થા વિશાળ વટવૃક્ષમાં પરિણમી છે. શિક્ષણ દ્વારા સમગ્ર તાલુકાના સર્વાંગીણ વિકાસની અનેક પ્રવૃત્તિઓ અહીં ચાલી રહી છે. રામજીભાઈ પસવાભાઈ વોરા વિદ્યાપીઠના સ્નાતક હતા. તેમણે ઈ. સ. 1961માં નૂતનભારતી, ગઢમડાણા, સંસ્થાની સ્થાપના કરી બુનિયાદી શિક્ષણ આધુનિક ખેતી, પશુઉછેર, ખાદી-ગ્રામોદ્યોગ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા આ વિસ્તારના લોકોની સેવા કરી.
શ્યામસુંદર પરીખ જિલ્લાની ગરીબ પ્રજાની સેવાર્થે વર્ષોથી રાધનપુરમાં ‘સર્વોદય આંખની ઇસ્પિતાલ’ ચલાવે છે. અવારનવાર જિલ્લામાં તેમજ અન્ય રાજ્યોમાં પણ નેત્રયજ્ઞો યોજે છે. એમના આ કાર્યમાં વડનગરના ડૉ. વસંતભાઈ પરીખની બહુ મોટી મદદ હતી. મુંબઈના હીરાના વેપારી મહેશભાઈ ભણસાળી આજીવન અવિવાહિત રહેવાનું વ્રત લઈને, પ્રાયશ્ચિત્તની ભાવનાથી સમગ્ર બનાસકાંઠામાં આરોગ્ય, વ્યસનમુક્તિ, શિક્ષણ, કુદરતી આપત્તિઓ વખતે રાહતકાર્ય વગેરે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
મહેસાણા જિલ્લાના સેવકો
ગુજરાતના ગાંધીજનોમાં ‘મોટાભાઈ’ તરીકે જાણીતા ડૉ. દ્વારકાદાસ ડાહ્યાલાલ જોષી ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ, મુંબઈની ધીકતી કમાણીનો ત્યાગ કરી પોતાના વતન વડનગર નજીકના નવાપુર ગામમાં આવી વસ્યા. તેમણે છ દાયકા ગાંધી-વિનોબાના વિચારોનો આચાર દ્વારા પ્રચાર કર્યો હતો. રતિભાઈ જોષીને ગાંધીજીની હત્યાએ વકીલાત છોડાવી, સર્વોદય આશ્રમ વાલમની સ્થાપના કરાવી, ખાદી-ગ્રામોદ્યોગ, ગોપાલન અને શિક્ષણ આદિ પ્રવૃત્તિઓ દ્વારા આજુબાજુનાં ગામડાંની સેવામાં છેલ્લા શ્વાસ સુધી રત રાખ્યા. બાબુભાઈ મણિલાલ શાહ વિસનગરમાં ઊંચા પગારની સરકારી નોકરી છોડી રતિભાઈ જોષીના સર્વોદય આશ્રમમાં જોડાઈ ગયા. ત્યારબાદ વિસનગરના ચોરગામ ગણાતા છાબલિયા ગામમાં દસ વર્ષ સેવા આપી અને શેષ જીવન ગાંધી આશ્રમ ઝીલિયામાં પછાત વર્ગોની સેવામાં ગાળ્યું. મોતીભાઈ ચૌધરીએ જુગતરામ દવેની પ્રેરણાથી 1958માં કલોલ નજીક ગ્રામભારતી, અમરાપુર સંસ્થાની સ્થાપના કરી હતી. અહીં ખેતી અને ગોપાલનને કેન્દ્રમાં રાખી પ્રાથમિકથી માંડીને ગ્રામવિદ્યાપીઠ સુધીના શિક્ષણનો પ્રયોગ ચાલી રહ્યો છે. હરિજન, આદિવાસી, ઠાકરડા, રાવળ, દેવીપૂજકો આદિ પછાત વર્ગોના વિદ્યાર્થીઓ – વિદ્યાર્થિનીઓના ઉત્કર્ષમાં ગ્રામભારતી સંસ્થાનું પ્રદાન નોંધપાત્ર છે. રામુભાઈ ચીમનલાલ પટેલે સર્વોદય આશ્રમ, મઢી અને ગ્રામોદ્યોગ વાડી, વિજાપુર – આ બે સંસ્થાઓ દ્વારા મોટા પાયા પર ખાદી–ગ્રામોદ્યોગનું કાર્ય કર્યું. બાબુભાઈ શાહ અને ધર્મિષ્ઠાબહેન શાહ વિદ્યાપીઠનાં આ સ્નાતક દંપતીએ શિક્ષણ દ્વારા સમાજસેવાના ઉદ્દેશથી પોતાના વતન આજોલમાં શાંતિનિકેતનનું સ્મરણ કરાવે એવી સંસ્કારતીર્થ સંસ્થા શરૂ કરી. રીખવદાસ શાહ અને સાંકળચંદ પટેલ : જિલ્લાના આ બે સેવકોએ કોઈ સંસ્થા ન સ્થાપી, પરંતુ જિલ્લાના તમામ નાનામોટા સર્વોદય કે રચનાત્મક કાર્યકરોને એમનાં હૂંફ ને માર્ગદર્શન સતત મળતાં રહ્યાં. ગુજરાતી વિશ્વકોશની યોજના ને અમલીકરણમાં સાંકળચંદભાઈનું પ્રદાન નોંધપાત્ર હતું.
ખેડા જિલ્લાના સેવકો
ખેડા જિલ્લાના આદ્યસેવક હતા મોહનલાલ કામેશ્વર પંડ્યા (ડુંગળીચોર). ગાંધીજીના આગમન પૂર્વે દેશસેવાનું કામ કરતા હતા અને ક્રાંતિકારી હતા. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમણે સત્યાગ્રહની લડતોમાં ભાગ લીધો. રવિશંકર મહારાજને જાહેર જીવનમાં લઈ આવનાર અને ગાંધીજી સાથે એમનો સંપર્ક કરાવનાર પંડ્યાજી હતા.
રવિશંકર મહારાજનું સેવાક્ષેત્ર તો આખું ગુજરાત ગણાય; પણ 1922માં ગાંધીજીની આજ્ઞાથી ખેડા જિલ્લાની ગુનાઇત પાટણવાડિયા કોમની સેવામાં દસ વર્ષ ગાળી ચોર-બહારવટિયાઓમાં માનવતાના દીવા પ્રગટાવ્યા. કોમી હુલ્લડના દિવસોમાં આ નિર્ભીક માનવતાપ્રેમી શાન્તિદૂતે અજોડ સેવા બજાવી હતી. તેમણે આખું જીવન ગાંધી-વિનોબાના સંદેશવાહક તરીકે ને ગુજરાતની દુ:ખપીડિત પ્રજાનાં આંસુ લૂછવામાં ગાળ્યું. શિવાભાઈ ગો. પટેલે 19૩1માં વિદ્યાપીઠની શાખા સંસ્થા વલ્લભવિદ્યાલય બોચાસણનું સંચાલન હાથમાં લઈ શિક્ષણ દ્વારા બારૈયા – પાટણવાડિયાનાં સંતાનોની કાયાપલટ કરવામાં વિતાવ્યું. બબલભાઈ મહેતાએ ઠાસરા તાલુકાના પછાતમાં પછાત ગામ થામણામાં આસન જમાવી ગ્રામસેવા દ્વારા આદર્શ ગ્રામસેવકનું ઉદાહરણ પૂરું પાડ્યું. રાવજીભાઈ નાથાભાઈ પટેલે ખેડા જિલ્લાના ભલાડામાં ઉદ્યોગમંદિરની સ્થાપના કરી ખાદી ગ્રામોદ્યોગ ને નઈ તાલીમની પ્રવૃત્તિઓ વિકસાવી. માધવલાલ શાહે માતરને પોતાનું સેવાકેન્દ્ર બનાવી આખી જિંદગી માતર તાલુકા ને જિલ્લાની સેવામાં ગાળી. સુરેન્દ્રજીએ આણંદ તાલુકાના બોરીઆવી ગામમાં વર્ષો સુધી શેરીઓ વાળી ગામને સ્વચ્છતાના પાઠ શીખવ્યા. પોતાના પવિત્ર જીવનથી અનેક પરિવારોને અધ્યાત્મની પ્રેરણા આપી. ગંગાબહેન વૈદ્યે વલ્લભ વિદ્યાલયમાં ઔષધાલય ને ગોશાળા એ બે પ્રવૃત્તિઓ ઉપાડી. રવિશંકર મહારાજના પુત્ર પંડિત મેઘાવ્રતજીએ દવાખાનાની જવાબદારી સંભાળી લીધી. મહારાજની પ્રેરણાથી પંડિતજીએ અને આણંદના ડૉક્ટર રમણીકલાલ દોશીએ ગુજરાત નેત્ર રાહત મંડળની સ્થાપના કરી . મંડળ વર્ષોથી ગુજરાતમાં ને અન્ય રાજ્યોમાં પણ નેત્રયજ્ઞ યોજે છે. પરસદરાય શાસ્ત્રીએ 1952માં માતર તાલુકાના પછાત ગામ દેથલીમાં બેસી શિક્ષણ દ્વારા ગ્રામસેવાનું કામ આરંભ્યું. પૂરાં પચાસ વર્ષ એ કામમાં ગાળ્યાં.
કચ્છના સેવકો
માવજીભાઈ ધરમશી વેદ : કચ્છના આદ્ય લોકસેવક હતા. આ સાધુચરિત પુરુષે 19૩9માં ખાદી-ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના કરી ખાદીકાર્ય, ગ્રામસફાઈ, હરિજનસેવા, લોકશિક્ષણ વગેરે લોકસેવાની પ્રવૃત્તિઓ આરંભી. આઝાદી બાદ એ કચ્છના સરહદી વિસ્તાર ખાવડામાં બેસી દારૂબંધી, ખાદીપ્રચાર જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરી. મગનલાલ સોની 1952થી વલ્લભપુરમાં સરદાર કુમાર છાત્રાલય તથા કન્યા છાત્રાલય દ્વારા જીવનભર ગ્રામસેવાની પ્રવૃત્તિઓ કરતા રહ્યા. મણિભાઈ સંઘવી 1978માં રાપર તાલુકામાં ગ્રામ સ્વરાજ સંઘ, નીલપુરની સ્થાપના કરી શૈક્ષણિક, ઉત્પાદકીય, યોજનાકીય તથા કુદરતી આપત્તિઓમાં રાહતપ્રવૃત્તિઓ દ્વારા કચ્છ જિલ્લાની સેવા કરી. એમના બે દીકરા રમેશ સંઘવી તથા દિનેશ સંઘવીએ પિતાનો સેવાવારસો સંભાળી લીધો છે.
સૌરાષ્ટ્રના સેવકો
ફૂલચંદ કસ્તૂરચંદ શાહ 1917માં ગાંધીજીના આશ્રમમાં જોડાયા. 1921માં વઢવાણમાં આશ્રમ સ્થાપી રાષ્ટ્રીય શાળા, ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, દારૂબંધી વગેરે પ્રવૃત્તિઓ શરૂ કરી. એમના આ કાર્યમાં એમના બે સાથીઓ ચમનલાલ માધવલાલ વૈષ્ણવ અને સ્વામી શિવાનંદજીનું મહત્વનું યોગદાન રહ્યું. કરમશીભાઈ મકવાણાએ 1958માં ગ્રામવિદ્યાલય લોકશાળા, ધજાળાની સ્થાપના કરી. ત્યારબાદ સાયલા–ચોટીલા તાલુકામાં નઈ તાલીમની સંસ્થાઓની હારમાળા ઊભી કરીને શિક્ષણ દ્વારા આ વિસ્તારના પછાત લોકોની અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી. એમના એ કાર્યને એમના ભાઈ સવશીભાઈ મકવાણા અને ભાઈઓ આગળ ધપાવી રહ્યા છે. નાગજીભાઈ દેસાઈ તથા શાંતાબહેન દેસાઈ શિક્ષણ દ્વારા સામાજિક ક્રાંતિના ધ્યેય સાથે સુરેન્દ્રનગરમાં અનાથ બાળકોના સર્વાંગીણ ઉત્કર્ષ માટે બાલાશ્રમ ઉપરાંત લોકવિદ્યાલય, મૈત્રી અધ્યાપન મંદિર, મૈત્રી વિદ્યાપીઠ વગેરે સંસ્થાઓ ઊભી કરીને પ્રશંસનીય સેવા કરી છે. નારણદાસ ગાંધી ગાંધીજીના ભત્રીજા અને સત્યાગ્રહાશ્રમ, સાબરમતીના વ્યવસ્થાપક હતા. તેઓ રેંટિયાના અનન્ય ઉપાસક હતા. આશ્રમ સંકેલી લીધા પછી રાજકોટની રાષ્ટ્રીય શાળાના સંચાલક, સૌરાષ્ટ્રના અનેક લોકસેવકોના પ્રેરણાદાતા થયા હતા. ઉછરંગરાય ઢેબરે સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીપદે રહી દબાયેલા-કચડાયેલા લોકોના કલ્યાણનાં અનેક કાર્યો કર્યાં. તેઓ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ દ્વારા ચાલતી સંસ્થાઓ ને કાર્યકરોના પ્રેરક ને સહાયક રહ્યા. તેમણે હિંદી રાષ્ટ્રીય મહાસભા(કૉંગ્રેસ)ના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી. વજુભાઈ શાહ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સ્થાપકો પૈકીના એક હતા. એ સમિતિના પ્રમુખપદે રહી સમગ્ર સૌરાષ્ટ્રમાં રચનાત્મક કાર્યોના વિકાસ ને વિસ્તારની મહત્વની કામગીરી કરી હતી. કાર્યકરોને એમનાં હૂંફ ને માર્ગદર્શન સદૈવ મળતાં રહેલાં. જયાબહેન શાહ પતિ વજુભાઈ શાહનાં સેવાકાર્યોને અનુસર્યાં અને નિરંતર સેવાપરાયણ જીવન જીવી ગયાં. પુરુષોત્તમદાસ ગાંધીએ રાજકોટમાં રહી વર્ષો સુધી હરિજન સેવકસંઘનું કામ કર્યું. હાલ ખાદીગ્રામોદ્યોગ ને શિક્ષણના ક્ષેત્રે કામ કરતી રાષ્ટ્રીય શાળા, રાજકોટ સંસ્થાના સંચાલક તરીકે કામ કર્યું છે. કનુભાઈ ગાંધી, આભાબહેન ગાંધી – આ દંપતીએ 1956માં રાજકોટ નજીક ત્રંબામાં કસ્તૂરબા આશ્રમ સ્થાપ્યો અને ત્યાં શિક્ષણ, આરોગ્ય, ગોપાલન વગેરે પ્રવૃત્તિઓ કરતાં રહ્યાં. રતિભાઈ ગોંધિયા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રીપદે રહી સમિતિ દ્વારા ચાલતી સંસ્થાઓ, ખાદીભંડારો અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓને વિકસાવવામાં પોતાની સમગ્ર શક્તિ કામે લગાડનાર એકનિષ્ઠ કાર્યકર તરીકે જાણીતા હતા. નાગરદાસ દોશી તથા ઉકાભાઈ મિસ્ત્રી – ગાંધીજીથી પ્રભાવિત આ બે મિત્રોએ 19૩8માં અમરેલી જિલ્લાના ચલાલા ગામમાં ખાદી-ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ હાથ ધરી. એમણે આશ્રમી જીવન દ્વારા સૌરાષ્ટ્રમાં અનેક ખાદી-કાર્યકરો તૈયાર કર્યા. લાલચંદ વોરા 19૩0માં ગાંધીજીથી પ્રભાવિત થઈ કૉલકાતાની પોતાની પેઢી છોડી બગસરામાં આવ્યા અને તેમણે બાલકેળવણી મંડળની સ્થાપના કરી બાલશિક્ષણ, ખાદીકામ ને મહિલાજાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરી. બાલુભાઈ ભટ્ટે 19૩7માં વડોદરા રાજ્યની નોકરી છોડી ગ્રામોદ્ધાર અને ગ્રામનિર્માણના આદર્શો સાથે જાળિયા ગામમાં બેસી, ગ્રામવિકાસની અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ ઉપાડી. ગુણવંતરાય પુરોહિતે 1942ની ‘હિંદી છોડો’ ચળવળમાં ભાંગફોડની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. એ પછી તેઓ સર્વોદય મંદિર બાબાપુરના નિયામકપદે રહી ગાંધી-વિનોબાના આદર્શોને આચરણમાં ઉતારવા મથ્યા. રતુભાઈ અદાણીએ ગાંધીજીના ‘ગામડે જાઓ’ની હાકલ થતાં સર્વોદય મંદિર, તરવડા સંસ્થાની સ્થાપના કરી ચર્માલય, કાર્યકર તાલીમ વિદ્યાલય, ખેતી, ગોપાલન વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરી. ધ્રાંગધ્રા સત્યાગ્રહમાં જેલમાં ગયા હતા. તેમણે 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાંગફોડની પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. જૂનાગઢની આરઝી હકૂમતના સેનાપતિ તરીકે લડતમાં જોડાયા હતા. સૌરાષ્ટ્ર રાજ્ય, મુંબઈ મહાદ્વિભાષી રાજ્ય અને ગુજરાત રાજ્યમાં મંત્રી તરીકે પણ કામ કર્યું હતું. ઇસ્માઇલભાઈ નાગોરી 19૩5માં નોકરી છોડી રતુભાઈ સાથે તરવડામાં આવી વસ્યા. સર્વોદય મંદિર તરવડાના વિકાસમાં એમનો મોટો ફાળો હતો. ખેતી, ફળઝાડ-ઉછેર અને ગોપાલન એમના શોખના વિષય હતા.
નાનાભાઈ ભટ્ટ – હરભાઈ ત્રિવેદી – ગિજુભાઈ બધેકા – આ ત્રિપુટીએ 1910માં ભાવનગરમાં સ્થપાયેલ ‘દક્ષિણામૂર્તિ’ સંસ્થા દ્વારા કેળવણીમાં ક્રાંતિકારી પ્રયોગો કર્યા. 19૩8માં નાનાભાઈએ દક્ષિણામૂર્તિમાંથી મુક્ત થઈ આંબલામાં ‘ગ્રામદક્ષિણામૂર્તિ’ની સ્થાપના કરી. ત્યારબાદ 195૩માં 70 વર્ષની વયે સણોસરામાં લોકભારતી સંસ્થાની સ્થાપના કરી ઉચ્ચશિક્ષણક્ષેત્રે નઈતાલીમનો અભિનવ પ્રયોગ કર્યો. એમના આ પ્રયોગમાં મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ ભટ્ટ અને નટવરલાલ બૂચ જેવા કેળવણીકારોનો સહયોગ મળ્યો. આ પ્રયોગે અનેક સેવાપરાયણ સ્નાતકો આપ્યા, જેમણે બુનિયાદી શિક્ષણ, ખેતી અને ગોપાલનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું. દુલેરાય માટલિયાએ નાનાભાઈ ભટ્ટ પાસેથી ગ્રામસેવાની દીક્ષા લઈ સૌરાષ્ટ્રના નાનકડા ગામ માલપરામાં ઢાસન જમાવ્યું અને પોતાની અનોખી ઢબે સમગ્ર ગામની સર્વાંગી સેવાનું એક અદ્વિતીય દૃષ્ટાંત પૂરું પાડ્યું. મનુભાઈ પંચોળીએ સમગ્ર ગ્રામવિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી.
અમુલખભાઈ ખીમાણી, લલ્લુભાઈ શેઠ, કેશુભાઈ ભાવસાર – ગાંધીજીથી પ્રભાવિત આ મિત્રત્રિપુટીએ 1946માં કુંડલા તાલુકા ગ્રામસેવા મંડળની સ્થાપના કરી ખાદી-ગ્રામોદ્યોગ પ્રવૃત્તિની સાથે સાથે લોકશિક્ષણ અને ગ્રામસ્વરાજનો એક અનોખો પ્રયોગ આદર્યો. પૂરા પાંચ દાયકાના એમના પુરુષાર્થથી આદર્શ ગ્રામસેવા કોને કહેવાય અને આદર્શ ગ્રામસેવક કેવો હોય, તે આ મિત્રત્રિપુટીએ સિદ્ધ કરી બતાવ્યું છે. અકબરભાઈ નાગોરી દ્વારા 1948ના એપ્રિલમાં સર્વોદય આશ્રમ, શાહપુરની સ્થાપના કરવામાં આવી. એના નિયામક અને ટ્રસ્ટી અકબરભાઈએ બાલમંદિર, કુમાર મંદિર, લોકશાળા અને અધ્યાપન મંદિરની શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત ખેતી, ગોપાલન, ગ્રામોદ્યોગની પ્રવૃત્તિઓ હાથ ધરી. એમણે ગુજરાત રાજ્યના જાહેર સેવા નિગમ(પબ્લિક સર્વિસ કમિશન)ના સભ્ય તરીકે પણ સેવાઓ આપી હતી. વિદ્યાપીઠના સ્નાતક વીરસુતભાઈ મહેતાએ 19૩2માં માંગરોળમાં બાલમંદિરની સ્થાપના કરી. પૂરાં સાડત્રીસ વર્ષ એકનિષ્ઠાથી બાલશિક્ષણનું કામ કરી હજારો બાળકોને બાલશિક્ષણ તથા બસો બહેનોને બાલશિક્ષણની તાલીમ આપી. આ કામની સાથે સાથે રાષ્ટ્રભાષાપ્રચાર, હરિજનસેવા, કોમી એકતા વગેરે લોકસેવાનાં કાર્યો કરતા રહ્યા.
ગુજરાતના હરિજનસેવકો
સને 1917માં ગોધરામાં રાજકીય પરિષદ મળી તેની સાથે જ અંત્યજ પરિષદ પણ ભરવામાં આવી. તેમાં વાલ્મીકિ સમાજનાં બાળકો માટે ગોધરામાં શાળા શરૂ કરવાનો ઠરાવ થયો. ગાંધીજીની ઇચ્છાને માન આપી મહારાષ્ટ્રના ચિતપાવન બ્રાહ્મણ વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે(મામાસાહેબ)એ ગોધરામાં અંત્યજશાળા શરૂ કરીને ગુજરાતમાં હરિજનસેવાના શ્રીગણેશ કર્યા. પૂરાં પચાસ વર્ષ હરિજન-બાળકો સાથે છાત્રાલયમાં રહી, એમની સાથે જ ખાઈપીને, એકનિષ્ઠાથી હરિજનસેવા કરી ગુજરાત ને દેશ માટે એમણે હરિજનસેવકનો આદર્શ પૂરો પાડ્યો.
અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા ગાંધીજીએ સને 19૩૩માં અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી. એની સાથે જ દેશના દરેક પ્રાંત ને જિલ્લામાં એની શાખા-પ્રશાખાઓ શરૂ થઈ. એ રીતે ગુજરાત હરિજનસેવક સંઘ સ્થપાયો. ઠક્કરબાપા એના પ્રથમ પ્રમુખ બન્યા. એમના અવસાન બાદ ગટુભાઈ ધ્રુવ, પરીક્ષિતલાલ મજમુદાર, ડાહ્યાભાઈ નાયક વગેરેએ એ પદે રહી હરિજનસેવા કરી. પૂ. મોટાએ પણ વર્ષો સુધી એ કામ કર્યું. સૌરાષ્ટ્રમાં હરિજનસેવાને પોતાના જીવનનું પ્રિય કાર્ય ગણાવનાર સેવકોમાં છગનલાલ જોષી, બાબુભાઈ વૈદ્ય, જયસુખલાલ શાહ, હરિભાઈ રાણાભાઈ ભાસ્કર, લક્ષ્મીશંકર પાઠક, રામનારાયણ ના. પાઠક, જાદવજી મોદી, ગોકળદાસ પરમાર વગેરે મુખ્ય હતા. કચ્છમાં 19૩4માં હરિજનસેવક સંઘની સ્થાપના થતાં તે કામમાં પ્રભુલાલ ધોળકિયાએ આજીવન સેવા આપવાનું નક્કી કર્યું. એમના પછી કુંદનલાલ ધોળકિયાએ એ કામ ઉપાડી લીધું. ભગસુખરામ ખારોડ તથા નાગરદાસ શ્રીમાળીએ વર્ષો સુધી વિરમગામના ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલયના સંચાલકપદે રહી હરિજનસેવા કરી. ખેડા જિલ્લા હરિજનસેવક સંઘના મંત્રી ત્રિભોવનદાસ પટેલ તથા બોરીઆવીના ભાઈલાલભાઈ પટેલ સવર્ણોનો વિરોધ વહોરીને હરિજનસેવા કરતા રહ્યા. વલસાડ જિલ્લા હરિજનસેવક સંઘના મંત્રી નારણભાઈ માધવભાઈ રાઠોડ જિલ્લાની હરિજનપ્રવૃત્તિના આગળ પડતા કાર્યકર હતા. સંઘ તરફથી બીલીમોરામાં હરિજન કુમારો અને કન્યાઓનાં છાત્રાલયો ચલાવે છે. નવસારીમાં ચાલતા કુષ્ઠરોગનિવારણના મંત્રી અને વલસાડ જિલ્લા ગ્રામરક્ષકદળના માનાર્હ જિલ્લા અધિકારી તરીકે પણ એમણે સેવાઓ આપી છે.
શિવપ્રસાદ રાજગોર
પ્રવીણચંદ્ર પરીખ
લોકસંસ્કૃતિ
પૂર્વમાં સહ્યાદ્રિ અને સાતપુડાના પર્વતોની હારમાળા, પશ્ચિમમાં કચ્છનું રણ, ઉત્તરમાં ગિરિરાજ આબુની ડુંગરમાળ અને દક્ષિણે દમણગંગાનું નૈસર્ગિક સૌંદર્ય ધરાવતા ગુજરાતના ગૌરવવંતા લોકજીવનમાં લોકસંસ્કૃતિનો વિશાળ સાગર લહેરાતો જોવા મળે છે. લોકસંસ્કૃતિના તાણાવાણા માનવજાતની સાથે જોડાયેલા છે. એમ કહેવાય છે કે બે લાખ અબજ વર્ષ પહેલાં પૃથ્વી જન્મી અને વીસ લાખ વર્ષ પહેલાં તેના પર માનવ-જાત જોવા મળી. દસ લાખ વર્ષથી મંથન કરતી, લડતી, ભટકતી, ભોગવતી, સંસિદ્ધિઓ શોધતી અને સંઘરતી, નવા નવા પ્રયોગો આદરતી, સ્થિર થતી, વિચાર અને ઊર્મિને અભિવ્યક્ત કરતી માનવવણજાર લોકસંસ્કૃતિના નામે ઓળખાતા વિસામાની નજીક આવી ને થોભેલી આપણે નિહાળીએ છીએ. માનવીની પ્રાથમિક જંગલી અવસ્થા, ગોપસંસ્કૃતિ, કૃષિસંસ્કૃતિ અને સાગરસંસ્કૃતિ લોકસંસ્કૃતિરૂપી ઇમારતના સ્તંભો બની રહી.
લોકસંસ્કૃતિનો સર્જક માનવી : ‘લોકસંસ્કૃતિ’માં બે શબ્દો જોડાયેલા છે. – ‘લોક’ અને ‘સંસ્કૃતિ’. ‘લોક’ અને ‘લૌકિક’ શબ્દ વેદકાળથી આપણે ત્યાં વપરાતા આવ્યા છે. અહીં ‘લોકસંસ્કૃતિ’ના ‘લોક’નો અર્થ ‘માનવસમૂહ જે ખેતી, પશુપાલન અને તેના આનુષંગિક ધંધાઓ સાથે સંકળાયેલો છે અને પુરાણી પરંપરાઓના પ્રવાહમાં જીવે છે.’ તેમાં ગ્રામ-પ્રદેશોમાં રહેતા અને પર્વતીય વિસ્તારોમાં વસતા વનવાસીઓનો સમાવેશ થઈ જાય છે.
લોકસંસ્કૃતિને આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ પણ કહી શકાય. તેમાં લોકપ્રચલિત ધર્મ, વિશ્વાસ, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, પુરાણી પરંપરાઓ, રીતરિવાજો, કંઠસ્થ સાહિત્ય, ભૂતપ્રેતની કલ્પનાઓ, વશીકરણ, મૂઠ, ચોટ, તાવીજ, માદળિયાં, ડોડીઓ, દેવદેવલાંઓ, પહેરવેશ, ભાષા, ઉત્સવો, તહેવારો, યુદ્ધ, હથિયારો, પશુપાલન, નૌકાનયન, ખેતી ઉપરાંત લોકજીવને ભૌતિક અને માનસિક રીતે જે કંઈ મેળવ્યું છે તે સઘળું લોકસંસ્કૃતિના સીમાડાની અંદર સમાઈ જાય છે.
લોકસંસ્કૃતિ એ લોકસમૂહનું પેઢી-પરંપરાનું સહિયારું સર્જન છે. લોકો પોતાની સવલતો, સુવિધાઓ અને રુચિઓ અનુસાર જીવનમાં કેટલાક રીતરિવાજો અને પ્રણાલિકાઓ આરંભે છે, જે આગળ જતાં રીતરિવાજ અને રૂઢિરૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. જીવનને માત્ર જીવવાનું સાધન નહિ પરંતુ સુખમય જીવવાનું સાધન બનાવવા જે પ્રજા ઇચ્છે અને જીવનને શણગાર તથા ઉલ્લાસભર્યું બનાવવા પ્રયત્નશીલ થાય તે સમાજમાં લોકસંસ્કૃતિનો અને લાંબે ગાળે સંસ્કાર અને સંસ્કૃતિનો ઉદભવ થાય છે. આમ લોકસંસ્કૃતિના મહત્વના આધારસ્તંભો ગણાતા સાહિત્ય, કળા, ધર્મ એ ઈશ્વરના હાથનું નહિ પણ માનવીના હાથે થયેલું સર્જન છે, એથી એમ કહી શકાય કે માનવજાત જેટલી પ્રાચીન છે એટલી જ પ્રાચીન એની લોકસંસ્કૃતિ પણ છે. આ લોકસંસ્કૃતિના નિર્માણમાં અને તેની વિવિધતામાં ભૂસ્તર અને ભૂગોળે ઘણો મોટો ફાળો આપ્યો છે. માનવજાતનો પ્રથમ સંસ્કાર તે કૃષિ સંસ્કાર છે. કૃષિ, અગ્નિ અને ઓજારોએ મળીને માનવીને ઘર આપ્યું, ધર્મ આપ્યો, હુન્નર આપ્યો, હુન્નર-ઉદ્યોગો આપ્યા અને કલાજીવનમાં પ્રવેશ કરાવ્યો ત્યારથી લોકસંસ્કૃતિના પદધબકાર સંભળાવા શરૂ થયા.
લોકસંસ્કૃતિનું ઊગમસ્થાન : ગુજરાતની લોકસંસ્કૃતિના ઊગમ વિશે કહેવું હોય તો કહી શકાય કે સાબરમતીના તીરે કૂબા બાંધીને રહેતા આદિમાનવના હાથે એનું પ્રથમ પારણું બંધાયું હશે ! જ્યારે સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનું પારણું નેસડાઓમાં રહીને પશુપાલન કરનાર વન્ય જાતિઓના હાથે બંધાયું હશે. ડૉ. હસમુખ સાંકળિયાએ કરેલું સાબરમતી ખીણની સંસ્કૃતિનું સંશોધન આ વાતને સમર્થન આપે છે કે મોહેં-જો-દડો અને હડપ્પાની નગર-સંસ્કૃતિઓ વિકાસ પામી તેના પહેલાં પણ ભટકતી જાતિઓની લોકસંસ્કૃતિ હતી જ. આ સંસ્કૃતિના સ્પષ્ટ અવશેષો આજેય આદિવાસીઓની પશુપ્રાણીઓની પૂજામાં, વૃક્ષપૂજામાં, એનાં હથિયારોમાં, દેવદેવલાંઓ, વાજિંત્રો, ભૂવા ને જંતરમંતરમાં જોવા મળે છે.
લોકજાતિઓનું સંગમતીર્થ : રળિયામણા ગુજરાતની અફાટ ધરતીને અડીને આવેલો છે એનો 1,600 કિમી. લાંબો સાગરકાંઠો. પ્રાચીનકાળથી અહીં માનવવસવાટને કારણે સાગરસંસ્કૃતિનો ઉદય થયેલો જોઈ શકાય છે.
આજથી આઠેક હજાર વર્ષ પૂર્વે દેવદેવીઓની ઉપાસના કરનાર અને માછીમાર તરીકેનું જીવન ગુજારનાર નિષાદ પ્રજાએ ગુજરાતની ધરતી પર પગરણ માંડ્યાં. કોળી, ખારવા, વાઘેર અને મિયાણા આ જાતિના વારસદારો ગણાય છે. ઈ. પૂ. પાંચમા શતકમાં આયોનિયન, બૅક અને યોન ગ્રીક પ્રજાઓ આવી અને લાકડાનાં દેવદેવીઓ અને તેમની પૂજા ગુજરાતમાં લાવી. બરડાના મેર લોકોમાં આજેય આ ગ્રીક પ્રજાઓના અવશેષો દૃષ્ટિગોચર થાય છે. આશરે ચારેક હજાર વર્ષ પૂર્વે ગુજરાતની ભૂમિ પર ભ્રમણશીલ પ્રજાઓમાંથી ગોપસંસ્કૃતિનો ઉદય થયો. મથુરા-વૃંદાવનથી આવેલા યાદવો અને આહીરો પોતાની સાથે ત્યાંની રાસલીલા લાવ્યા. તેમની પુત્રવધૂઓએ દ્વારકાની ગોપીઓને લાસ્ય નર્તન શીખવ્યું. આજના આપણા દાંડિયારાસ એ એમની દેણગી છે. આમ, ગોપસંસ્કૃતિએ ગુજરાતને અનેરા ઉત્સવો આપ્યા. માનવહૈયાંને હેતે હુલાવતા મેળાઓ આપ્યા. આદર, આતિથ્ય અને ઔદાર્યના ઉમદા સંસ્કારો આપ્યા. દસમી સદીમાં સૌરાષ્ટ્રમાં સિથિયન અર્થાત્ સફેદ હૂણો આવ્યા. તેઓ સૂર્યપૂજાનો સંસ્કાર સાથે લાવ્યા. આ હૂણો એ આજના આપણા કાઠીદરબારો. ઘોડો, ભેંસ અને હથિયારો એમની સંસ્કૃતિનાં મહત્વનાં અંગો મનાયાં.
સૌરાષ્ટ્રના સાગરકાંઠે અનેક સમુદ્રખેડુ જાતિઓ આવી. ગુજરાતમાં વસતી લોકજાતિઓમાં સૌથી વધુ જાતિઓ બહારથી આવીને અહીં સ્થિર થઈ છે, તેમ નૃવંશશાસ્ત્રીઓ માને છે. ઉત્તરમાંથી આર્યો, રાજપૂતો અને ગુર્જરો આવ્યા. દક્ષિણમાંથી કણબી આવ્યા. દરિયાઈ માર્ગેથી સીદી અને આરબો આવ્યા. કચ્છનું રણ વીંધીને બલૂચો ને લોહાણા આવ્યા. આ ઉપરાંત કાળાંતરે કાઠિયાવાડની રઢિયાળી ભૂમિ પર ઓડ, અતીત, સતવારા, સરાણિયા, સલાટ, સીદી, જત, મહિયા, ઢાઢી, ચામઠા, બલોચ, બાબર, ખરક, વણજારા, રાવળ, પુરબિયા, તરગાળા, થોરી, કુંભાર, સંઘાર, સુમરા, સરવણ, વાલ્મીકિ, ભોપા, ભોઈ, લુહારિયા, લીબડિયા, મુમના, મોચી વગેરે લગભગ 170 કરતાંયે વધુ લોકજાતિઓએ આવીને વસવાટ કર્યો છે. મધ્યયુગમાં ઇસ્લામની અસરને લીધે ક્ષત્રિય જાતિઓ અને પોતાની જાતને કાંટિયાવરણ તરીકે ઓળખાવતી જાતિઓનું લડાયક ખમીર ખીલી ઊઠ્યું. આ લડાયક ખમીરની અસર સૌરાષ્ટ્રની અન્ય જાતિઓ ઉપર પણ પડી. એને પરિણામે લોકજીવનમાં ઘોડેસવારી, તરવાર, નૃત્ય અને શસ્ત્રો વાપરવાની વિદ્યાનો વિકાસ થયો. રખાવટ અને શૌર્યભાવનાનો સંસ્કાર સમાજમાં મહેકતો બન્યો. આ સંસ્કૃતિના પ્રતીક સમા પાળિયા આજે ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠેર ઠેર ઊભેલા જોઈ શકાય છે.
લોકસંસ્કૃતિનું ઘડતર : ગુજરાતના આંગણે પ્રાચીનકાળથી ઊતરી આવેલી આ બધી જાતિઓ સાથે એમના પરંપરાગત એવા રૂડારૂપાળા પહેરવેશ, પોતાનાં ઇષ્ટ દેવદેવીઓ, કળા, સંગીત, સાહિત્ય, નૃત્ય, લોકરિવાજો, માન્યતાઓ, નીતિરીતિના ખ્યાલો, રહેણીકરણી અને ખાનપાન પણ આવ્યાં. અનેક જાતિઓના સહવસવાટ અને ભાતીગળ સંસ્કૃતિના આદાનપ્રદાનથી સમૃદ્ધ બનેલા લોકસંસ્કૃતિના વહેણનો આછોપાતળો પ્રવાહ જાણે કે હિલોળા મારતો ભરપટે વહેવા માંડ્યો. આમ લોકસંસ્કૃતિ એ કોઈ એકલદોકલ માનવી કે માનવસમૂહનું સર્જન નથી, પણ ઘણીબધી નદીઓ મળીને મહાનદ ઊભો થાય તેમ અનેક લોકજાતિઓના સમન્વય કે સંમિશ્રણમાંથી આજની લોકસંસ્કૃતિનાં વિશિષ્ટ સ્વરૂપો સર્જાયાં છે. આ સ્વરૂપો વડે જ લોકસંસ્કૃતિનું કાઠું બંધાયું છે, એનું ક્લેવર કંડારાયું છે.
હરિયાળાં વનઉપવન, લહેરાતા સાગર અને ખળખળ નાદે વહેતી નદીઓના કાંઠે પ્રાચીનકાળથી માનવીએ વસવાટ કર્યો હોવાથી ગુજરાતના પ્રકૃતિપરાયણ લોકજીવનમાં અને લોકસંસ્કૃતિમાં, નિસર્ગનાં અનેક તત્વો આવિષ્કાર પામ્યાં છે. એથી લોકજીવનમાં નિસર્ગપ્રેમ, નિર્દોષ આનંદપ્રિયતા, સત્યપ્રિયતા, નિરાડંબરીપણું અને સરળતાના સંસ્કારો ખીલી ઊઠ્યા છે. સૌરાષ્ટ્રના અડીખમ ડુંગરાઓની ગાળિયુંમાં ગંભીર નાદે વહેતી નદીઓએ લોકજીવનમાં ખુમારી અને પ્રેમશૌર્યને પોષ્યાં છે.
લોકજાતિઓના વસવાટના પરંપરાગત પ્રદેશો : ગુજરાતની લોકસંસ્કૃતિને સમજવા માટે એના વિધવિધ પંથકોનો પરિચય જરૂરી બને છે. ભૌગોલિક દૃષ્ટિએ ગુજરાતના પરંપરાગત એવા આભીરદેશ(કચ્છ)ના વાગડ, બરડો, પાવર, માકવટ, મેઆણી, અબડાસો, મોડાસો, કાઠી, પ્રાંથડ; કાઠિયાવાડના ઓખામંડળ, હાલાર, મચ્છુકાંઠો, ઝરમરિયો ઝાલાવાડ, પાંચાળ, બારાડી, નાઘેર, સીમર, બાબરિયાવાડ, વાળાંક, વાગડ; ઉત્તર ગુજરાતના ચોરાડ, જતવાડો, નહેર, વઢિયાર, ઢાંઢર, છપ્પન, પાટણવાડા, દંઢાવ્ય; દક્ષિણ ગુજરાત તરફ જતાં ખંભાતબારું, ભાલબારું, વાંકળ, સંખેડા, મહુવાણ, કંઠાળ, નિમાડ, ખાનદેશ, મેવાડ, રાજ, મઠોર, ડાંગ, બાગલાણ તથા અમદાવાદ જિલ્લાના ભાલ, કનેર અને નળકાંઠા પંથકોમાં વસતી વિવિધ લોકજાતિઓએ પ્રાદેશિક સંસ્કૃતિની અનેક તેજરેખાઓ ઉપસાવી છે.
લોકજાતિઓના વસ્ત્રાલંકારોનું વૈવિધ્ય : લોકસંસ્કૃતિનો સાચુકલો પરિચય પામવા માટે લોકજીવનનો અભ્યાસ અતિ આવશ્યક બની રહે છે. ગુજરાતના લોકજીવનમાં રંગબેરંગી, રૂડા કલામય પોશાકના અસંખ્ય પ્રકારો સાંપડે છે. જાતિએ જાતિએ જુદા જુદા પહેરવેશ, આ પહેરવેશ પણ મરદોની મરદાનગીને ઓપ આપે અને નારીની મરજાદ સાચવે એવા. એનું ભાતીગળ ભરત અને રંગો ઊડીને આંખે વળગે. એની ભાતો કેટલી ? એની જાતોય કેટલી ? ચૂંદડીનાં નામો લઈએ તો છાયલ, છેલારિયું, સાળુ, સેલું, સણિયું, શાલપોત, બાંધણી, બિરોદક, ગવન, ગંડેરી, ગાળો, ઘરચોળું, ઘેર, કસૂંબો, લહેરિયું, મગિયું, મેઘાડંબર, ચિરઅંબર, ચંદ્રકળા, ગજવડા, સોનાસળી. એમાંય વળી સોંઘા નામના બત્રીસા ધૂપની સુગંધ મુકાતી. પહેરવેશની સાથે અણવટવીંછિયા, કડલાં ને કાંબિયું, રામનોમી, ઝરમર, ટૂંપિયા, પૈહાર, ત્રોટિયાં વગેરે ઘાટસુઘાટનાં ઘરેણાં નારીઓના શરીરની શોભા બની રહ્યાં. ઉલ્લાસપ્રિય લોકજીવનમાં મેંદી, છૂંદણાં ને અળતાનો સંસ્કાર પણ સરી આવ્યો.
ઘાટસુઘાટની પાઘડીઓ : માનવીની મર્દાનગીનું સાચું દર્શન કરાવતી અને મુછાળા મરદના રૂપને નિખારતી પાઘડી પુરુષોની વેશભૂષાનું આગવું અંગ ગણાય છે. તળ ગુજરાતની પ્રચલિત પાઘડીઓમાં અમદાવાદી, વડોદરાની બાબાશાહી, ગાયકવાડી, ખંભાતી, સૂરતી વગેરે દસેક પ્રકારની છે. સૌરાષ્ટ્રમાં તો વિવિધ સ્થળના લોકસમાજના અઢારે વરણની અલગ અલગ ઘાટની પાઘડીઓ જોવા મળે છે. મોરબીની ઈંઢોણી જેવી ચક્કર ઘાટની, ગોંડળની ચાંચવાળી, જામનગરની જામશાહી, બારાડીની પાટલિયાળી, બરડાની ખૂંપાવાળી, ઓખાની આંટિયાળી, બાબીઓની બત્તી, સિપાઈઓનો સાફો, વરલાડલાની ગુલખારની પાઘડી અને ભરવાડોના ભોજપરાના રંગોના આયોજનવાળી પાઘડી અનેરી રંગત પૂરે છે.
લોકકળાનો સંસ્કાર : લોકસમાજના માનવીનો રૂપસૌંદર્યનો સંસ્કાર શરીર-શણગાર પૂરતો મર્યાદિત ન રહ્યો. લોકનારીઓએ એનાં ઘરખોરડાં, ઓરડા ને ઓશરિયુંને ગારગોરમટી, ખડી અને ઓકળીથી ઓપાવ્યાં. વારતહેવારે ભીંતડાંને ચીતર અને ભાતીગળ ભરતથી શોભાવ્યાં. માળી, માંડ, પટારા, મજૂસ અને કોઠી, કોઠલા વડે ઓરડાની શોભાસજ્જા વધારી. પોતાના પંડનાં દીકરા-દીકરિયુંની જેમ માનીતાં પશુઓને માટે પણ ભાતીગળ ભરત ભરીને લોકકળાના પરંપરાના પ્રવાહને લોકસંસ્કૃતિના સાગર ભણી વહેતો મૂક્યો.
લોકસંસ્કૃતિની લહેરખીઓ લોકસાહિત્યમાં : લોકસાહિત્યમાં પણ લોકસંસ્કૃતિની લહેરખીઓ લહેરાતી જોવા મળે છે. લોકસાહિત્યનું મુખ્ય અંગ ગણાતી લોકકથાઓમાંય પ્રેમકથાઓ, વીરતા અને બલિદાનની કથાઓ, નાગકથાઓ, અશ્વકથાઓ, ઓઠાં, વ્રતકથાઓ, કહેવતકથાઓ, વૃક્ષકથાઓ, ઠગકથાઓ, સરોવરકથાઓ, ભૂતપ્રેતની કથાઓ – એમ અનેક પ્રકારો મળે છે તેમ લોકગીતોમાં ગરબા, ગરબી, રાસડા, લગ્ન પ્રસંગે ગવાતાં પ્રભાતિયાં અથવા પ્રોબિયાં, માંડવાનાં ગીતો, માયરાં, ફૂલેકાં, ચૉરી અને સાંજીનાં ગીતો; ઉકરડી અને પોખણાંનાં ગીતો; ફટાણાં, હરિયાળી અને ક્ધયાવિદાયનાં ગીતો; છઠ્ઠીનાં, સીમંતનાં અને રાંદલ તેડતી વખતે ગાવાનાં ગીતો; દુહામાંયે છકડિયા, દુમેળિયા ને દોઢિયા, શેરીનાં ગીતો, જોડકણાં, નાચણિયાં ને કૂદણિયાંનાં ગીતો; ચારણી ગીતોમાંયે ઋતુગીતો, શૌર્યગીતો ને છંદ, સોરઠા, કુંડળિયા, રેખતા, આદિવાસીઓનાં ગીતો; ભવાઈ ગીતો અને પાંચકડાં, વ્રતગીતો, ખાંયણાં, હાલરડાં; વિલાપગીતોમાં મરશિયાં, છાજિયાં, રાજિયાં અને આઝા; વરઘોડા અને લાંબા સાદે ગવાતા સલોકા; હોળી પ્રસંગે ગવાતાં રામવળા ને ચંદ્રાવળા; માતાજી આગળ ગવાતી આરણ્યું, સરજું, સાવળ્યું; ભજનોમાં પ્રભાતી, પદો, ચોપાઈ, સંધ્યા, આરતી, આરાધ, સ્તવનો, આગમ, પ્યાલા, આંબો, બારમાસી, રામગરી, ધોળ, કીર્તન ચાબખા, પદ, ભેત, કાફી વગેરે અનેકાનેક પ્રકારો મળી આવે છે. એમાંયે પંથ કે પંથકનાં નોખનિરાળાં ગીતોમાં લોકહૈયાંનો ઊર્મિ-ધબકાર સંભળાય છે.
પ્રાદેશિક લોકબોલીઓ : ગુજરાતના વિવિધ પંથકોમાં વિહાર કરતી લોકબોલીના અભ્યાસ વિના લોકસંસ્કૃતિનો અભ્યાસ અધૂરો જ રહે. ‘બાર ગાઉએ બોલી બદલાય’ એ કહેવત અનુસાર ગુજરાતના વિભિન્ન ભાગોમાં સોરઠી, વાગડી, ચરોતરી, મારવાડી, કચ્છી, ભીલી, સૂરતી વગેરે લહેકાપૂર્ણ લોકબોલીઓ; ચોર લોકોની અને સોનીઓની સાંકેતિક બોલીઓ વગેરે તો ભાષાશાસ્ત્રીઓને ઘણુંબધું ભાથું પૂરું પાડે છે. આ લોકબોલીઓમાં તળપદા શબ્દો, કહેવતો અને પાર વગરના રૂઢિપ્રયોગો પણ રમતાં જોવા મળે છે.
નામોનું અપાર વૈવિધ્ય : લોકજીવનમાં પ્રચલિત એવાં નામોના અભ્યાસનો પણ એક આગવો વિષય બની શકે એમ છે. રૂખડ, કમલો, રાઘો, રૂડિયો, મેલો, પોચો, નાગજી, વાઘજી, બાઘડુભા, નોંધુભા, પરસોત્તમ વગેરે પુરુષોનાં નામો; જ્યારે ઝડકી, કડવી, સવલી, દવલ, જીકુ, ઝમકુ, નાથી, શિવી વગેરે સ્ત્રીઓનાં નામો જોવા મળે છે. આ બધાં પરંપરાગત રીતે વારસામાં ઊતરી આવેલાં નામો છે. આ ઉપરાંત લોકસમાજના હરખુડા માનવીઓએ પોતાનાં પશુપ્રાણીઓમાં ઘોડીઓને પિરાણી, તાજણ, હેમણ, માણકી, પટી, નોરાળી, ફૂલમાળ, રેશમ વગેરે છત્રીસેક નામે સંબોધી છે. જ્યારે દેવાંગી અશ્વોને છબીલો, ઢોલ, છંછાળ, રેશમિયો વગેરે પંદરેક નામોથી, ગાયોને જાંબલી, કાબરી, ગોરી, જરી, કવલી વગેરે વીસેક નામોથી અને હાથણી જેવી કૂંઢિયું ભેંસુંને નાગલ્યું, ગોટક્યું, નેત્રમ્યું, ભૂતડિયું, છોગાળિયું, ઢિગલ્યું, બાપલિયું, હેતાળિયું જેવાં નામોથી અને બળદોને માકડો, કૂંઝડો, રોઝડો, ખાવડો, બાવળો, ડોળિયો, કુંડલો, ભીલો વગેરે નામોથી ઓળખ્યાં છે. જાનવરો અને પક્ષીઓનાં બચ્ચાંઓનાં પણ જુદાં નામો. ચકલીનું પોટું, ઊંટનું બોતડું, ગાયનું વાછરડું, કૂતરીનું કુરકુરિયું, ભેંસનું પાડું, ઘોડીનું વછેરું. માટીનાં અને તાંબાપિત્તળનાં વાસણોનાં કેટકેટલાં નામો ! વાવ, કૂવા, નદીઓ, વોંકળા, ઝરા, સરોવરો, વાહનો, ખેતરો, સાંતીગાડાના વિવિધ ભાગો, હથિયારો, ઘરનું રાચરચીલું અને સોની, સુથાર, લુહાર, રંગરેજ, સરાણિયા, સંઘેડિયા જેવી ધંધાદારી જાતિઓનાં ઓજારોનાં નામોનો તો એક લાંબો અલગ સંગ્રહ થઈ શકે.
ધર્મ : લોકસંસ્કૃતિના એક આગવા અંગ તરીકે ધર્મને પણ ગણાવી શકાય. ધાર્મિક સહિષ્ણુતા અને એકતાની આલબેલ પોકારતા લોકજીવનમાં અસંખ્ય દેવદેવલાંઓની શ્રદ્ધાપૂર્વક પૂજા-આરાધના થતી જોવા મળે છે. પૃથ્વીને તો આપણે ધરતીમાતા કહીએ છીએ. પૃથ્વી દીધા વડ, પીપળા, બોરડી વગેરે દ્વારા થતી વૃક્ષપૂજા; નાગ, વાનર, ગાય, મગર જેવાં પ્રાણીઓને તો ભયથી કે ઉપકારભાવથી લોકસમાજના માનવીએ દેવ માની લીધાં છે. માનવજાતના પરાક્રમી પુરુષો અને પિતૃઓ પણ ‘દેવલોક પામ્યાં’ એમ આપણે કહીએ છીએ. આમ વીરપૂજા અને પિતૃપૂજા લોકધર્મનો એક ભાગ બની ગયાં છે. લોકજીવને ઉપાસેલા દેવમંડળમાં કેટલાક દેવો સ્થાનિક છે, તો રાંદલ મા જેવાં કેટલાંક દેવદેવીઓ ચોથી સદીમાં પંજાબ ઉપરથી આવેલા મગ્ગ પારસી બ્રાહ્મણો દ્વારા ગુજરાતમાં આવ્યાં છે ને લોકજીવન પર છવાયાં છે. લોકજીવનમાં ધર્મની સાથે વહેમ, જાદુ અને તંત્ર પણ ઊભાં થયાં એ ખરું, પરંતુ જાદુ, વહેમ અને તંત્રમાંથી વૈદક અને ખગોળશાસ્ત્ર ઘડાયાં એ વાત ભૂલવી જોઈએ નહિ.
ધાર્મિક આસ્થાના લોકસંસ્કાર : ગુજરાતમાં વસતી પ્રત્યેક લોકજાતિને પોતાનાં કુળદેવ કે કુળદેવીઓ હોય છે. નિયત સમયે તેમનાં નૈવેદ્ય થાય છે. માતાના માંડવા નંખાય છે. ડાકલાં વાગે છે, ભૂવા ધૂણે છે. આમ, ધર્મ સાથે ભક્તિ અને શ્રદ્ધાના તંતુથી જોડાયેલા લોકજીવનમાં ચબૂતરે ચણ નાખવી, લોટ અને ખાંડ વડે કીડિયારાં પૂરવાં, ગાયોને ઘાસ નાખવું, કૂતરાને રોટલા નાખવા અને બ્રાહ્મણોને દાન દેવું એ ધાર્મિક આસ્થાના લોકસંસ્કાર પણ દૃષ્ટિગોચર થાય છે.
લોકપ્રાણના ઊર્મિધબકાર ઝીલતાં લોકનૃત્યો અને લોકસંગીત : ગુજરાતના લોકપ્રાણના ઊર્મિધબકાર તો ઝિલાયાં છે એનાં લોકનૃત્યોમાં. લોકનૃત્યોમાંયે માતાજીનાં ગરબા, ગરબી, રાસ, રાસડા; આયર, મેર, ભરવાડ અને પઢારોના રાસ; ઘેરિયારાસ, દાંડિયારાસ, ગોફગૂંથણ, ટપ્પા, ટિપ્પણી, સીદીઓની ધમાલ અને મશીરા નૃત્ય, શૂરાઓના ઢાલ, તલવારના રાસ, જાગનૃત્ય, મટકીનૃત્ય, કચ્છીઘોડી, હીંચ, હમચી, ટિટોડો, લુવર અને આદિવાસીઓનાં નૃત્યો ઉલ્લેખનીય છે.
લોકનૃત્યોની સાથે લોકસંગીતનો સાથ પ્રાચીન પરંપરાથી રહ્યો છે. લોકસંગીતમાં ક્યારેક ભૂપાલી, પહાડી અને સારંગ રાગની છાયા દેખાતી હોવા છતાં લોકસંગીત શાસ્ત્રીય સંગીતથી હરહંમેશ નિરાળું જ રહ્યું છે. સંગીતશાસ્ત્રના ગ્રંથોમાં તંતુ, સુષિર, અવનદ્ધ અને ઘન – એમ વાદ્યોના ચાર પ્રકારો બતાવ્યા છે. વ્રજ ભાષાના બહુ જાણીતા ગ્રંથ ‘પ્રવીણસાગર’ અને ‘વસ્તુરત્નકોશ’માં વાદ્યોના ૩6 પ્રકારો વર્ણવ્યા છે. લોકસંગીતમાં વપરાતાં વાદ્યોમાં ઢોલ, મોરલી, પાવા, શરણાઈ, ઝાંઝ, કરતાલ, એકતારો, ઘૂઘરા, મંજીરાં, રાવણહથ્થો, ઢોલક, ડફ, ખંજરી, મુખચંગ, સુંદરી, કંઠવાસ, કાની, શિંગી, શંખ, ભૂંગળ અને આદિવાસી વાદ્યોમાં તૂર, થાળી, ભજનિયાં, ભૂંગળ, ઝારીકાઠી, ડોબરું, ઘાંગલો, ચોનકું, ચેહકયા, ખાંગલો, મલંગો, અંબાડાની થાળી, ઢાકો, વહાલી ઢૂનક, ડાયરો, કરગેસ, ખપાટ, તાડકુ, નરહિલો, પાવરી, રોબી, કાહડો વગેરે મુખ્ય ગણી શકાય.
લોકમેળા અને ઉત્સવોની વણજાર : લોકજીવનમાં આનંદનો અબીલગુલાલ ઉડાડતા ઉત્સવો, તહેવારો અને મેળાનું માહાત્મ્ય તો વળી અનેરા પ્રકારનું જ છે. લોકજીવનનું દૈવત એના સાંસ્કૃતિક લોકોત્સવોમાં દૃષ્ટિગોચર થાય છે. હોળી, હળોતરાં, મેઘરાજાની છડી, જળઝીલણી અગિયારસ, દરિયાપીરનો ઉત્સવ, ઘોઘારાયની છડી, રૂપાલની પલ્લી, રબારીઓનો પુંજનો ઉત્સવ, તુલસીવિવાહ અને અખાત્રીજ જેવા ઉત્સવો પ્રસંગે જોવા મળતી મેરની ઘોડાદોડ, કચ્છના રબારીઓની ઊંટદોડ અને ભાલપંથકના ખેડૂતોની સાંતી-ગાડાંદોડ જોનારનાં રૂંવાડાં ખડાં કરી દે છે.
ડુંગર, નદીઓ, જળાશયો, કૂંડો અને સાગરતટે ભરાતા મેળાઓની સંખ્યા તો જુઓ. એકલા ગુજરાતમાં 1521 ઉપરાંત લોકમેળાઓ યોજાય છે. તેમાં હિંદુઓના 129૩, મુસલમાનોના 175, જૈનોના 21, લોકમેળા 14, ધંધાદારી મેળા 1૩ અને પારસીઓનો પણ એક મેળો યોજાય છે.
લોકસંસ્કારો : લોકસંસ્કૃતિના અભ્યાસમાં લોકસંસ્કારોનો સમાવેશ થઈ જાય છે. લોકજીવનમાં પ્રથમ વાર સગર્ભા થનાર નારીને સીમંત પ્રસંગે રાખડી બંધાય છે. બાળકના જન્મના છઠ્ઠા દિવસે છઠ્ઠીની વિધિ કરવામાં આવે છે. એ પછી બાળકને જનોઈ અપાય છે. લગ્ન પ્રસંગે લગ્નનો પડો મોકલાય છે. ઉકરડી નોતરવા જેવી શાસ્ત્રથી ઇતર એવી અનેક લોકવિધિઓ કરાય છે. માનવીના મૃત્યુ પછી વિવિધ સંસ્કારો અને વિધિઓ થાય છે.
શુકન–અપશુકન અને માન્યતાઓ : લોકજીવનમાં શુકન, અપશુકન, શ્રદ્ધા, અંધશ્રદ્ધા અને કેટલાક વહેમો પણ જાણીતા છે. સારા કામે જતાં કૂતરું કાન કરે, કોઈ છીંક ખાય, એરુ આડો ઊતરે, બિલાડી આડી ઊતરે, વિધવા નારી કે વાંઝિયો માણસ સવારમાં સામો મળે, ‘ક્યાં જાઓ છો ?’ એમ કોઈ પૂછે તો અપશુકન થાય, સંધ્યાટાણે નેવા નીચે સૂવાથી માતાજીનો રથ ફરી વળે અને અપંગ થઈ જવાય, રૂપાળા છોકરાને કાન પાસે મસો ન કરીએ તો નજરાઈ જાય, કાળીચૌદશે મેશ આંજે ઈ કોઈથી છેતરાય નહિ, એટલે તો ઉક્તિ કહેવાય છે કે ‘કાળીચૌદશનો આંજ્યો ઈ નો જાય કોઈથી ગાંજ્યો,’ સવારના પહોરમાં કાગડો બોલે તો મહેમાન આવે – એવી અસંખ્ય માન્યતાઓમાં લોકજીવન આજેય એટલી જ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે.
લોકરમતો : લોકસંસ્કૃતિનો કીમતી કણ : લોકરમતો એ પણ લોકસંસ્કૃતિનો એક કીમતી કણ છે. છોકરાઓમાં મોઈદાંડિયા, ગેડીદડો, ભગડતી, આંબલીપીપળી, ડબકીડોળો, ઓળકાંબડી, હળિયું જીતવું, કૂવા કૂદવા વગેરે રમતો રમાય છે. તો છોકરીઓની રમતોમાં દેદો કૂટવો, ટચાક ટીલડી, દલો ફૂફૂફૂ, ટપ માખી મારું, ચકલી ખાંડે ચોખલા, ચલકચલાણું, હકાપોપટડી, ઢબુ ને ઝબુ મુખ્ય છે. મોટા પુરુષો તલવાર ને લાકડી સમણવી, ઢોલ પર પૈસે રમવું, નિશાન પાડવું, ચોપાટબાજી, ચારકૂંડી, નવકૂંડી, ઘોડદોડ, આંબલીનું ડાળું કાઢવું વગેરે રમતો રમે છે. આવી અનેક રમતો આદિવાસીઓમાં પણ જાણીતી છે.
ખાનપાનના સંસ્કાર : લોકજાતિઓના ખાનપાનના સંસ્કારમાં પણ લોકસંસ્કૃતિ અને કલાનો અંશ વિલસી રહ્યો છે. ખોરાક એ માનવીની જરૂરિયાત ગણાય છે. માણસ હાથમાં રોટલો લઈને ઊભો ઊભો પણ ખાઈ શકે છે; પરંતુ તેમ કરવાને બદલે હીરભરતનો ચાકળો નાખી, ઘુઘરિયાળા બાજોઠ ઉપર ભોજનનો ભર્યો થાળ મૂકી પડખે પિત્તળિયો લોટો અને ઢીંચણ નીચે ઢીંચણિયું મૂકી વીંજણાથી વાહર ઢોળતાં ઢોળતાં જમવામાં પણ કલાદૃષ્ટિ દેખાઈ આવે છે.
ખાનપાનમાં તીખાં ને તમતમતાં, વઘાર્યાં ને ઘૂંઘાર્યાં, ગળ્યાં ને મોળાં, ખાટાં ને ખરહરાં, બત્રીસ વાનીનાં ભોજન ને સોળ શાણવા ઉપરાંત દેવોના રાજભોગ અને માનભોગ જાણીતા છે. સામાન્ય રીતે ચોળીને થાય તે ચૂરમું, બાફીને થાય તે બાફણું ને વાળીને થાય તે વેડમી. લોકસમાજના માનવીના ખાનપાનમાં રોટલા, રોટલી, ભાખરી, ઢેબરાં, લાડવા, લાપસી, કંસાર, સુખડી, શીરો, જાદરિયું, તલસાંકળી, ઘેંસ, બોળો, રાબ, કઢી, કેરાં, ગાજર, ગરમર કે કેરીનાં અથાણાં, વડી, પાપડ ને સારેવડાં મહત્ત્વનાં બની રહ્યાં છે. પીપર ઉપર થતાં પેપાંનું શાક તો ભારે સ્વાદિયું હોય છે. એક લોકકવિએ કાઠિયાવાડના બાજરાના રોટલા માટે ખરું જ કહ્યું છે કે : ‘‘મંગલપુર ગામનો બાજરો હોય એને દળવા માટે ધ્રાંગધ્રાના પાણાની ઘંટી હોય, દીધડિયા ગામના કુંભારે બનાવેલી તાવડી હોય, ગોલાસણી ગામનાં વીડમાંથી વીણી લાવેલાં અડાયાં-છાણાં હોય ને મેરુપર ગામની રજપૂતાણીએ મધરાતે ઈ બાજરાને દળ્યો હોય, પરોઢિયે ઊઠીને મધરા મધરા તાપે એને ત્રાંબિયા જેવો સેડવ્યો હોય, જોડે ખારાનાં રીંગણાંનું ભડથું ને વિજાણંદ જેની ગોત્યે નીકળેલો ઈ નવચંદરી ભેંસનું તાંસળી ભરેલું દૂધ હોય તો શામળાનેય ધરતી પર ભૂલા પડવાનું મન થઈ જાય; એટલા માટે તો લોકકવિએ દુહામાં શામળાને કાઠિયાવાડની ધરતી પર ભૂલા પડવાનું કીધું છે ને ! –
‘‘અમારા કાઠિયાવાડમાં, કો’ક દી, ભૂલો પડ્ય ને તું ભગવાન !
તું થાને મારો મહેમાન, તને સરગ ભુલાવી દઉં શામળા.’’
આદરસત્કારનો ઊજળો લોકસંસ્કાર લોકજીવનમાં ધબકતો જોઈ શકાય છે.
લોકસંસ્કૃતિના છડીદાર : પાળિયા : વીરતાની વાતો કહેતા અને શૂરવીરોની કીર્તિની ધ્વજપતાકા લહેરાવતા, ગામોગામ ઊભેલા પાળિયાને લોકસંસ્કૃતિના છડીદાર કહી શકાય. પાળિયામાંથી લોકસમાજનો એકલો ઇતિહાસ જ નહિ, પણ માનવીના મિજાજ અને ખુમારીની અસંખ્ય વાતો પ્રગટે છે. પાળિયા એ પિતૃપૂજા અને વીરપૂજાનું પણ પ્રતીક છે.
આમ લોકસંસ્કૃતિ લોકજીવનની રહેણીકરણી, આચારો અને ટેવોમાંથી ધીમે ધીમે આચારસંહિતાનું રૂપ ધારણ કરે છે. ગુજરાતની લોકસંસ્કૃતિમાંથી સાદ દેતો ઊજળો આતિથ્યસત્કાર; માનવીનાં નેક, ટેક, ખાનદાની, દિલાવરી, રખાવટ, પરોપકાર, શીલ અને સૌંદર્યનો સંસ્કાર લોકજીવનનો મહામૂલો વારસો છે. ગૌરવ લઈ શકાય એવા ગુજરાતના લોકજીવનના આ વારસાએ આરામપ્રધાન પ્રમાદને પોષ્યો નથી પણ શ્રમપ્રધાન પુરુષાર્થને પ્રબોધ્યો છે. ‘ધર્મે જય’ની વાત કરી છે, સર્વધર્મસમન્વયની વાત કરી છે અને અનેકતામાં એકતાનો સંદેશ આપ્યો છે.
જોરાવરસિંહ જાદવ
ગુજરાત રાજ્યનું પક્ષી – સુરખાબ, હંજ (ફ્લેમિંગો)
આ મનોહારી અને રંગબેરંગી છટા ધરાવતું સુરખાબ ગુજરાત રાજ્યનું પક્ષી છે. ઊંચું, લાંબા પગ ધરાવતું, પાણીમાં ચાલતું, સોહામણી રૂપછટા ધરાવતું આ સૌંદર્યવાન પક્ષી Phoenicopteridae કુળનું પક્ષી છે. પ્રાકૃતિક જગતમાં જોવા મળતું આ પક્ષી લાંબી સર્પિલ (ગમે તે દિશામાં વાળી શકાય તેવી) ડોક અને ખાસ પ્રકારની પોપટ જેવી લાલ ચાંચ સાથે આછો ગુલાબી રંગ ધરાવે છે તેમજ લાલાશ પડતા ગુલાબી રંગનાં સુંદર પીંછાં ધરાવે છે. તેની લાંબી ડોક અઢાર હાડકાં ધરાવતી અને વળાંકો લઈ શકવાની વિશેષતા ધરાવતી હોવાથી તે સરળતાથી ખોરાક લઈ શકે છે. તેની ચાંચ વિશિષ્ટ છે. ચાંચમાં ઝીણા ઝીણા તાંતણા હોય છે જેમાંથી ગળાઈને પાણી બહાર પડી જાય છે. તેથી તે ચાંચમાં કાદવવાળું પાણી ભરી લે પછી તેમાં ખોરાકનો ઘટ્ટ ભાગ રહી જાય છે અને પાણી નીકળી જાય છે. છીછરાં જળાશયો અને સરોવરો તેને વધુ માફક આવે છે. અલબત્ત તકનીકી ભાષામાં જલપ્લાવિત વિસ્તાર તરીકે ઓળખાતા પાણીયુક્ત કીચડ ધરાવતા વિસ્તારો તેને વસવાટ માટે વધુ અનુકૂળ આવે છે. આ વિસ્તારોમાં 20થી ૩0 સે.મી. ઊંચા સૂકા, કાદવના બાઉલ ( ∪ ) આકારના છીછરા અર્ધગોળાકાર ખાડા બનાવી તેમાં ઈંડાં સેવે છે. તે દોઢથી બે મીટર ઊંચાઈ અને ચારથી પાંચ કિલો વજનના હોય છે. જલપ્લાવિત વિસ્તારનું પક્ષી હોવાથી લાંબા પગ તેને ઘણા ઉપયોગી બની રહે છે. આ વિસ્તારોમાં તે સામૂહિક ધોરણે વસવાનું વધારે પસંદ કરે છે. ખોરાક શોધવા છીછરા પાણીમાં ચાંચ ડૂબાડી, કાદવ ફંફોસી શેવાળ, કીડા, ઇયળો તેમજ શંખલાં-છીપલાંમાં રહેલા જીવો તથા પાણીની વનસ્પતિ તેનો ખોરાક છે. તે તરવામાં ઉસ્તાદ છે તેમ ઝડપથી ઊડે પણ છે.
મુખ્યત્વે બે જાતના – ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો જોવા મળે છે. ચાંચના અગ્ર ભાગથી માંડીને પૂંછડીના છેલ્લા ભાગ સુધીમાં તે 80થી 1૩0 સે.મી.ની લંબાઈ અને 2.5થી ૩.5 કિ.ગ્રા. વજન ધરાવે છે. ગુજરાતમાં મુખ્યત્વે કચ્છના રણમાં ફ્લેમિંગોની માળા વસાહતો જોવા મળે છે. કચ્છના રણનું સુરખાબનગર આ માટે જાણીતું છે. મોટા પ્રમાણમાં જલપ્લાવિત વિસ્તારોમાં તે માળા બાંધી, ઈંડાં મૂકી તેને સેવી બચ્ચાંઓ ઉછેરે છે. એકાદ માસે ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે છે. એક સુરખાબ ઘણાં બચ્ચાંઓને એકી સાથે ચાંચ વડે બચ્ચાંઓની ચાંચમાં ખોરાક મૂકી તેને ખાતાં શીખવે છે. એ જ રીતે બચ્ચાંઓને પાણી સુધી દોરી જઈ જાતે ખોરાક મેળવતાં પણ શીખવે છે અને વિવિધ તાલીમ આપે છે. તે મુખ્યત્વે ઑગસ્ટથી ઑક્ટોબર દરમિયાન ગુજરાતમાં, વિશેષે કચ્છના વિવિધ વિસ્તારોમાં આવે છે અને પ્રજનન બાદ માર્ચ-એપ્રિલમાં બચ્ચાંઓનો પ્રારંભિક ઉછેર કરી અહીંથી વિદાય લે છે. સુરખાબ સારા ઇજનેર અને ભવિષ્યવેત્તા ગણાય છે. પાણી ઘટવાના સમયની જાણકારી તેને આગોતરી થતી હોય છે. ભયની સ્થિતિમાં સૂચક અવાજ દ્વારા તે સંકેતો દર્શાવી અન્ય સુરખાબોને ભયની જાણ કરે છે ત્યારે ડોક ઊંચી કરી અન્ય સુરખાબો સાવચેત થઈ જાય છે. કચ્છમાં 100 વર્ષ પહેલાં થયેલા રાજા ‘લાખા ફુલાણી’ની વાતોમાં આ પક્ષીનો ઉલ્લેખ છે. લાખા ફુલાણીએ કચ્છના મહેમાન ગણાતા સુરખાબ પક્ષીના શિકાર પર પ્રતિબંધ મૂક્યો હતો. કચ્છની મધ્યે ‘ફ્લેમિંગો સિટી’ નામનો દ્વીપ આવેલો છે જે સ્થાનિક પ્રજામાં ‘હંજ બેટ’ તરીકે જાણીતો છે. આ મનોહર પક્ષી તેની વિવિધ અદાઓથી આકર્ષક લાગતું હોય છે. નળ સરોવર જેવા ગુજરાતના અન્ય જલપ્લાવિત વિસ્તારોમાં પણ હવે તે મોટા પ્રમાણમાં જોવા મળે છે. પર્યાવરણીય ફેરપારોને કારણે અન્ય વિસ્તારોમાં પણ જલપ્લાવિત વિસ્તારો રચાય છે ત્યારે ત્યાં પણ મોટા પ્રમાણમાં સુરખાબની હાજરી જોવા મળે છે.
સિંહ – ભારતીય સંસ્કૃતિનું પ્રતીક
ગુજરાત રાજ્યનું પ્રાણી સિંહ છે.
પરમકૃપાળુ પરમાત્માએ સૂર્ય, ચંદ્ર, તારા-નક્ષત્રો, પશુ-પક્ષી, માનવજાત, પહાડ, નદી-સમુદ્ર, મહાસાગરની સાથોસાથ વિવિધ વનસ્પતિના સર્જન દ્વારા સૃષ્ટિને સમૃદ્ધ કરી છે, જ્યારે પ્રકૃતિને વન્યપશુઔષધિઓની અણમોલ ભેટ ધરી. તેથી માનવજાતને આદિકાળથી સંગીત, કળા, સંસ્કૃતિ, શિલ્પ, વિવિધ વૃક્ષો અને અન્ય પશુ-પક્ષીઓ સાથે નાતો બંધાયો. સમગ્ર એશિયા ખંડમાં ભારતના ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લાનો ગાઢ જંગલ-વિસ્તાર સાસણગીર તરીકે પ્રખ્યાત છે, જેને વન્ય જગતના અતિ શક્તિશાળી પ્રાણી સિંહે પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. તે ગુજરાત તથા ભારત માટે ગૌરવની બાબત છે.
ઉત્ક્રાંતિ
એશિયાઈ સિંહ ભારતીય મહાદ્વીપનું મૂળ વતની નથી. અશ્મિઓના અભ્યાસ પરથી સિંહની પ્રજાતિનાં પ્રાણીઓ યુરોપ, યુરેશિયા, આફ્રિકા તથા ઉત્તર અમેરિકામાં મળી આવ્યાનું પ્રતીત થાય છે. ગુફાઓના સિંહ (cave-lions)ની ઉત્ક્રાંતિ યુરોપમાં છ લાખ વર્ષ પહેલાંથી થયેલી. ત્યાંથી તેમનો ઉત્ક્રાંતિ તથા ફેલાવાનો ઇતિહાસ શરૂ થાય છે. શ્રી રશીદ તથા ડેવિડના મતે સિંહ ભારતીય મહાદ્વીપમાં અંદાજે ઈ. સ. પૂર્વે 6000 પહેલાં પ્રવેશ્યો. યુરોપનાં ગાઢ જંગલો તેમના વસવાટ માટે પ્રતિકૂળ જણાતાં ધીરે ધીરે સિંહની વસતિ દક્ષિણ યુરોપ, પશ્ચિમ એશિયા, આફ્રિકા, સીરિયા, ઈરાન, ઇરાકમાં થઈને ભારતમાં પ્રવેશી. આ વિભાજન સમય 55000થી 200000 વર્ષ પહેલાંનો સમયગાળો ગણાય છે. ઇરાક, ઇઝરાયલ, સીરિયા, મેસોપોટેમિયા તથા પર્શિયન ઇતિહાસ તેમના અવશેષો, કલાકૃતિઓ, પથ્થર પરનાં ચિત્રો અને સાહિત્ય દ્વારા ઈ. સ. પૂર્વે 1000 સુધી આ વિસ્તારમાં સિંહોની વસતિ પુષ્કળ પ્રમાણમાં હોવાનું સ્પષ્ટ થાય છે. સીરિયાના રાજા અસુર બનીપાલે પોતાનાં પાલતુ પશુઓના રક્ષણ માટે 400 સિંહોનો અને અન્ય રાજાઓએ 800 સિંહોનો શિકાર કર્યાનો ઉલ્લેખ તેનો પુરાવો છે.
સિંધુ ખીણના મોંહે-જો-દડો અને હડપ્પામાંથી મળી આવેલ સૂડી તથા ટેરાકોટાની અન્ય કલાકૃતિઓમાં સિંહનું ચિત્ર મળી આવેલ છે. ઋગ્વેદની રચના પર્શિયન વિસ્તારથી લઈને સિંધુ ખીણના વિસ્તાર સુધીમાં થઈ તેમાં જુદી જુદી જગ્યાએ સિંહોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈસુના સમયના એપોલોનિયસે નોધ્યું છે કે પ્રાચીન ભારતમાં લોકો સિંહનું માંસ ખાતા હતા. બિહાર અને નર્મદાના ઉત્તર ભાગમાં સિંહના પ્રચાર માટેનો મહત્વનો સમયગાળો ઈ. સ. પૂર્વે 1500થી 600 સુધીનો હોવાનું જણાય છે. ગૌતમ બુદ્ધ, શ્રીનંદ અને મૌર્ય વંશના સમયગાળા દરમિયાન સિંહોનો પ્રતીક તરીકે શિલ્પસ્થાપત્યમાં ઉપયોગ, ઈ. સ. પૂર્વે બૌદ્ધના સમયથી લઈને મુઘલ સમયની સાહિત્ય કલાકૃતિઓ, પાષાણની મૂર્તિઓ અને શિકારની વિગતો પરથી સ્પષ્ટ થાય છે.
સિંહનું કદ અને વજન
ગીરને 1965માં અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું અને ત્યાં નૅશનલ પાર્ક (1412 કિ.મી.) બન્યો. ત્યારબાદ 1900 પહેલાં નાકથી પૂંછડી સુધીનું તથા ખૂંટાથી ખૂંટા (પેગથી પેગ)નું માપ લેતાં સિંહની સરેરાશ લંબાઈ 284 સે.મી. જણાઈ. (મુઘલ બાદશાહ જહાંગીર અને મેજર રાઇસના સિંહની સરેરાશ લંબાઈ 290 સે.મી. અપવાદરૂપ જણાઈ હતી.) 1950 દરમિયાન 270 સે.મી. અને 2001થી 04 દરમિયાન 264 સે. મી. હતી. 1980માં નર સિંહનું વજન 184 કિ. ગ્રા. નોંધાયું. ત્યારબાદ નર સિંહનું વજન 155થી 160 તથા સિંહણનું વજન 120-1૩0 કિ. ગ્રા. નોંધાયું. 4થી 11 વર્ષના સિંહનું વજન 157 કિ. ગ્રા., ૩થી 12 વર્ષની સિંહણ 120થી 1૩5 કિ. ગ્રા.ની જણાઈ હતી.
નવા જન્મેલ સિંહ 1-11/2 કિ. ગ્રા.નો, 1 માસમાં ૩-4 કિ. ગ્રા.નો, બે માસમાં 6-7 કિ. ગ્રા.નો, ૩ માસમાં 10 કિ. ગ્રા.નો, 6 માસ 20-25 કિ. ગ્રા.નો, 1 વર્ષમાં 50 કિ.ગ્રા.નો થાય છે. પાઠડો એટલે અર્ધપુખ્ત (કિશોર) એવા નર સિંહનું વજન 15 માસમાં 70 કિ. ગ્રા., 18 માસે 90-95 કિ. ગ્રા., 2 વર્ષમાં 122 કિ. ગ્રા., ૩ વર્ષમાં 140 કિ. ગ્રા., 4 વર્ષમાં 150 કિ. ગ્રા. અને 5-6 વર્ષમાં 160-165 કિ. ગ્રા. હોય છે. સિંહણનું વજન 15 માસમાં 45 કિ. ગ્રા., 18 માસમાં 6૩, 2 વર્ષમાં 85, ૩ વર્ષમાં 110, 4 વર્ષની પુખ્ત વયે 125-1૩0 કિ. ગ્રા. હોય છે.
વયમર્યાદા અને વસવાટ
મુક્ત અવસ્થામાં સિંહનો સરેરાશ જીવનકાળ 14થી 15 વર્ષનો અને બંધનાવસ્થામાં 16થી 20 વર્ષનો જોવા મળે છે, આમ છતાં સક્કરબાગમાં એક સિંહણ 2૩ વર્ષ અને અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ‘રતિ’ નામની સિંહણ 26 વર્ષ જીવી હતી. 40 વર્ષ સુધીનું આયુષ્ય અપવાદરૂપ ગણાય છે.
આઝાદી પહેલાં જૂનાગઢના નવાબ દ્વારા અને ત્યારબાદ રાજ્યના વન વિભાગના વહીવટ હેઠળ સિંહની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવા પામ્યો છે. 1990 સુધી સિંહ ગિરનાર, મિતિયાણા અને દરિયાઈ કિનારાનાં જંગલોમાં ફેલાયેલા, પરંતુ પરિસ્થિતિ બદલાતાં સિંહના પ્રાઇડ હવે ગિરનાર, મિતિયાણા અને દરિયાકાંઠાના જંગલોમાં પુન: વસી ગયા છે. એકંદરે સિંહ કુટુંબપ્રિય પ્રાણી છે, અને પ્રાઇડમાં બે માદા, પાઠડા અને બચ્ચાં સાથે રહે છે. પોતાના વિસ્તારના રક્ષણ માટે તે ફરતો રહે છે. ‘સિંહ’, ‘સાવજ’, ‘કેસરી’, ‘ઊંટિયો વાઘ’, ‘બબ્બર શેર’, ‘વનરાજ’ અને ‘ડાલામથ્થો’ નામથી પ્રચલિત છે. તેને અંગ્રેજીમાં Asiatic Lion (Panther’s Lee Persica) તરીકે ઓળખવામાં આવે છે. લાંબા દેહધારીને ‘વેલિયા’ કે ‘વેલર’, ઊંચા દેહધારીને ‘ગધૈયા’ કહે છે. નેસવાસીઓ રંગ ને અવાજ પરથી તેને ‘રાતડો’, ‘મશિયો’ ને ‘ખાંખરો’ કહે છે.
સિંહનો ભક્ષ્ય
તેના ભક્ષ્યમાં તેના વજનથી ત્રણ ગણા વજનવાળાં ખરીવાળાં સસ્તન પ્રાણીઓ જેવાં કે, નીલગાય, રોઝડા, ચિત્તલ, સાંભર, જંગલી ભુંડ, ગાય-ભેંસ કે બળદનો સમાવેશ થાય છે. મોટા ભાગે તે પોતાનો કરેલો શિકાર જ ખાય છે. પુખ્ત વયનો નર કે મોટી માદા શિકાર કરે છે અથવા સમૂહમાં ‘વ્યૂહ’ ગોઠવી કે એકલા લપાઈ-છુપાઈને હુમલો કરી શિકાર કરે છે. તેમના ભોગ બાદ વધેલ મારણ વાઘ તથા ગીધ સમૂહ માટે ઉપલબ્ધ બને છે.
સંવનનકાળ અને ઉછેર
ઑક્ટોબર-નવેમ્બરમાં નર અને માદા પ્રાઇડથી અલગ થઈ એકાંત ગીતી લે છે. બે-એક દિવસના પ્રિયારાધન પછી 5-7 દિવસ બંને સંભોગ કરે છે. પછી સિંહણ અલગ થઈને કરમદાના ઢૂવામાં એકાંત સેવે છે. સિંહણ 106થી 111 દિવસની ગર્ભાવસ્થા બાદ બેથી ત્રણ કે ચાર બચ્ચાંને જન્મ આપે છે. સિંહબાળને ત્રણ અઠવાડિયે ચીરવાના દાંત ફૂટે છે, સાત અઠવાડિયે આગળ કાપવાના દાંત આવે છે. છ મહિને માદા બચ્ચાંને જન્મસ્થળથી બહાર લાવે છે અને શિકાર કરવાની કળા અને અન્ય સિંહથી રક્ષણ મેળવવાની પ્રત્યક્ષ તાલીમ આપે છે. 7 માસ પછી સ્તનપાન બંધ થાય છે અને તેમનું જીવન સંપૂર્ણ માંસ પર આધારિત થાય છે. એક વર્ષ પછી શરીરનું કદ દીપડા કરતાં મોટું થઈ જાય છે. 1થી 11/2 વર્ષમાં 140 કિ. મી.નો નર પ્રાઇડ વિસ્તાર જોઈ લેતો થાય છે, બે વર્ષની વયે શિકાર કરતાં શીખે છે. 2-21/2 વર્ષે તેમને પ્રાઇડ બહાર ભગાડી કાઢવામાં આવતાં તે પોતાના અલગ વિસ્તાર (ટેરિટરી) શોધી લે છે. આવી હોમ રેન્જમાં એકથી 4-5 પુખ્ત વયના સિંહ સાથે રહે છે. બે નર સિંહને બેલડ કહેવામાં આવે છે કે જે પ્રાઇડ પર રાજ કરે છે. પ્રાઇડ પર કબજો ધરાવનાર નર સિંહને જ સિંહણ સાથે સમાગમ કરવાની તક મળે છે. બેલડ સિંહનાં રાજપાટ 5 વર્ષ સુધી ચાલે છે.
પ્રતિભાશાળી દેખાવ
સોરઠનો સિંહ આખી દુનિયાના સિંહોની એક વિશિષ્ટ જાતિ ગણાય છે. નર સિંહને પીળાશ પડતા આછા બદામી રંગની કેશવાળી હોય છે, આગળ જતાં તે કાળી થઈ જાય છે. કેશવાળી તેની પીઠ પર અને આગળના પગના થોડાક ઉપરના ભાગ સુધી ઊગેલી હોય છે. તેનો ભરાવદાર મજબૂત બાંધો, પહોળું માથું, મજબૂત સ્નાયુવાળા પગ અન્ય પ્રાણીઓમાં એને ગજબનો રુઆબ આપે છે. પૂંછડીના છેડે કાળા વાળનો ગુચ્છો હોય છે. સિંહનો રંગ બદામી પીળાથી આછો લાલાશ પડતો બદામી હોય છે. તેના વાંકડિયા નહોર અને કેનાઇન(શિકારી દાંત)નો ઉપયોગ ભક્ષ્યનો શિકાર કરીને ખાવા માટે કરે છે.
વસતિ
1954ના અરસામાં વિંટરબ્લીધે સિંહની ગણતરી અઢી વર્ષની જહેમત બાદ તેની આ ૩ ખાસિયતોના આધારે કરી : (1) દરેક સિંહ દિવસમાં એક વખત પાણી પીવા જાય છે. (2) તે મુખ્ય રસ્તા પર ચાલવાનું પસંદ કરે છે. (૩) કોઈ બે સિંહના પંજા એકસરખા હોતા નથી. તે વખતે ગીરનું જંગલ 2,560 ચો. કિ.મી. જેટલું હતું. તેમાં સિંહની વસતિ 285ની હતી. તે વસતિ 1995માં ૩04ની થઈ ત્યારે ગીર વિસ્તાર 1412.1૩ ચો.કિમી. હતો. તે વસતિ 2001માં ૩27, 2005માં ૩69 અને એપ્રિલ, 2010માં 411ની નોંધાઈ છે.
પર્યાવરણ પુરાણો અને શિલ્પકલા સાથેનો સંબંધ
ભારતીય કલા-સંગીતના સાત સૂરો પણ પર્યાવરણની જ દેન છે. ષડજ, ગંધાર, ઋષભ, મધ્યમ, પંચમ જેવા સ્વરો પશુ-પંખીના અવાજ પરથી મેળવેલા છે. ભારતીય ઋતુચક્ર અનુસાર સંગીતના વિવિધ રાગ-રાગિણીઓની રચના થઈ છે. એ રીતે સંગીતવિદ્યા પર્યાવરણનો જ પરિપાક છે. પ્રાચીન જૈનમંદિરો, શિવાલયો, મસ્જિદો, ગિરજાઘરો, વૈષ્ણવ-મંદિરો અને અન્ય દેવાલયોનાં સ્થાપત્યોમાં, શિલ્પ અને ચિત્રોમાં પશુ-પંખીઓ અને પર્ણ-પુષ્પોની વિપુલતા જોવા મળે છે. રામાયણ-મહાભારત અને મેઘદૂતમાં તથા શાકુન્તલ નાટકમાં પ્રકૃતિ સાથેના, પશુ-પક્ષી સાથેના માનવના ઐક્યભાવનું સુંદર અને દિવ્ય ચેતનાથી ભરપૂર દર્શન થાય છે.
ધર્મકથાઓ-પુરાણોમાં, તેમાંની દેવકથાઓમાં મોર, ગરુડ, હંસ, કોયલ, કાગડા, બુલબુલ અને બતક જેવાં પક્ષીઓ અને સિંહ, વાઘ, રીંછ, જંગલી ભેંસ, આખલો, સૂવર, હરણ, સાપ, મગર, અજગર, કૂતરાં, ઉંદર, નોળિયા વગેરેને સુંદર રીતે વણી લેવામાં આવ્યાં છે. પાંચ હજાર વર્ષના પર્યાવરણની અસર ચલણી નાણાંની મુદ્રાઓ, ટપાલ-ટિકિટો, રાજ્ય ચિહનો, રાજ્યપ્રતીકો કે રાષ્ટ્રધ્વજમાં પશુપક્ષી વનસ્પતિઓનાં ચિત્રો દ્વારા થયેલી જોવા મળે છે.
ધાર્મિક ક્ષેત્રે હિંદુ ધર્મમાં દેવી દુર્ગા તથા ચામુંડા માતાનું વાહન સિંહ છે. વેદમાં અને મહાભારત જેવા મહાકાવ્યમાં સિંહનો ઉલ્લેખ છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે ‘‘પ્રાણીઓમાં ‘સિંહ’ હું છું’’ (અ. 10-૩0) જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓ પૈકીની એક ‘સિંહ’ રાશિ છે. ખગોળશાસ્ત્રમાં સિંહને સ્થાન આપવામાં આવ્યું છે. સિંહ પર અનેક કહેવતો પડી છે, સિંહ સાથે ઘણી વાર્તાઓ સંકળાયેલી છે. યોગવિદ્યામાં સિંહમુદ્રા નામનું આસન છે. આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા ‘લાયન્સ ક્લબ’નું ચિહન પણ સિંહ છે. ઉજ્જૈનમાં ભરાતો કુંભમેળો ‘સિંહસ્થ’થી ઓળખાય છે. ગુરુ ગ્રહ સિંહ રાશિમાં આવે તે સમય ‘સિંહસ્થ’ કહેવાય છે. પરાક્રમી યોદ્ધાને ‘સિંહ’ કહેવાય છે. સિંહ ઉપરથી ‘સિંહદ્વાર’, ‘સિંહવાદ’, ‘સિંહાસન’, ‘સિંહાવલોકન’, ‘સિંહફાળો’ જેવા અનેક શબ્દ પ્રયોજાયા છે. સિંહ નીડરતા અને અપ્રતીમ શક્તિનું પ્રતીક ગણાય છે. લાખો લોકો અને વિશ્વમાં જ 100 લાખ શીખો તથા પ્રાચીનકાળમાં 2000 વર્ષ પહેલાંથી પંજાબમાં ‘સિંહ’ અટક ચાલે છે. ક્ષત્રિય જાતિમાં નીડરતા પરાક્રમ અને શૂરવીરતાના ચિહનરૂપે તેમના નામની પાછળ ‘સિંહ’ લગાડવાની પ્રથા ચાલી આવે છે. બાઇબલમાં સિંહનો વારંવાર ઉલ્લેખ આવે છે. ઈસુને ‘The Lion of Tribe Judah’ એવો ખિતાબ અપાયેલો અને તેમની વાણી સિંહગર્જના જેટલી શક્તિશાળી હતી તેમ કહેવાય છે. સિંગાપુરને Lion City કહેવામાં આવે છે, જે મલય શબ્દોના આધારે Singa (lion) + Pura (City) છે, તે મલય શબ્દો સંસ્કૃત ‘સિંહપુર’ પરથી ઊતરી આવ્યા છે.
પ્રાચીન સિંધુ સંસ્કૃતિમાં, હડપ્પા (2500-1500 ઈ. સ. પૂર્વે) ટેરાકોટામાં અને મોહેં-જો-દડોના અવશેષોમાં સિંહની મુદ્રાઓ મળી આવી છે. ઇજિપ્તના પિરામિડોમાં પણ સિંહચિહનોની મુદ્રાઓ અને આકૃતિઓ મળી આવી છે. ઈ. સ. પૂર્વે ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે ‘સારનાથના સ્તંભ’ ઉપર ચાર સિંહની મુખ્ય આકૃતિ અંકિત કરીને સિંહને ગૌરવભરી પ્રતિષ્ઠા પ્રદાન કરી છે. સિંહોની આ આકૃતિને ભારત સરકારે રાષ્ટ્રીય મુદ્રા તરીકે જાહેર કરી છે. વળી દરેક ચલણી સિક્કામાં અને નોટોમાં એ સિંહની મુદ્રા અંકિત કરવામાં આવી છે. ટપાલ-ટિકિટો, કોર્ટના બિનઅદાલતી સ્ટૅમ્પ પેપરમાં આ મુદ્રા વૉટર માર્ક તરીકે ઉપયોગમાં લેવાય છે. સરકારી પ્રકાશનો, સરકારી લેટર-હેડ પર તેનો ઉપયોગ કરાય છે. ભારતને આઝાદી મળ્યા બાદ સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવેલો પણ 1972માં વાઘને રાષ્ટ્રીય પ્રાણી અને સિંહને ગુજરાત રાજ્યના પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યો.
ભારતીય સંસ્કૃતિના અવિભાજ્ય અંગ તરીકે સિંહ
ઈ. સ. પૂર્વે 600ની ભગવાન બુદ્ધની બે સિંહના પ્લૅટફૉર્મ પર સ્થાપિત કરાયેલી પ્રતિમા, ગુપ્ત કાળના સોનાના સિક્કા, ચૌલવંશમાં સંગમકાળના સિક્કા, સુંદર પંડ્યાના સિક્કા, કુશાનકાળ અને મૌર્યકાળનાં શિલ્પો, સાંચીના સ્તૂપમાં ત્રણ સિંહવાળું સિંહદ્વાર, ઋગ્વેદ અને સંસ્કૃત સાહિત્યમાં તમામ મંદિરોનાં દ્વાર પર ચોકી કરતા સિંહનાં શિલ્પો, જૂનાગઢની બૌદ્ધ ગુફાઓના સ્તંભ પરનાં સિંહોનાં શિલ્પો, રાણી ત્રિશલાનાં સ્વપ્નોમાં સિંહનું ત્રીજું સ્વપ્ન, બોધિગયા ખાતે મહાબોધિ મંદિર પરનું સિંહનું શિલ્પ (ઈ. સ. પૂ. પ્રથમ સદી), મુઘલ ચિત્રોમાં, જહાંગીરના (1605-૩8), સિંહની રાશિ અંકિત સિક્કા, મૈસૂરના મહારાજા શ્રીકૃષ્ણરાજ (1810-68)ના સમયમાં સિંહની પ્રતિકૃતિવાળા તાંબાના ચલણી સિક્કા, રેવાના રાજા રઘુરાજસિંહ (184૩-1880)ના તાંબા તથા સોનાના સિક્કા, રાજા ગુલાબસિંહ (1918-46)ના ચલણી સોનાના સિક્કા, ત્રિપુરના રાજા રત્નમાણિક્યના ચાંદીના તથા સોનાના સિક્કા, ગુજરાતમાં લુણાવાડાના રાજા વખતસિંહ (1892)ના તાંબાના સિક્કા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વિવિધ ધાતુના અસંખ્ય ચલણી સિક્કાઓ, આઝાદી બાદ 1947થી 4 સિંહની રાષ્ટ્રીય મુદ્રાથી અંકિત કરાઈ છે. આવા સિક્કાઓનો સંગ્રહ નૅશનલ મ્યુઝિયમ, નવી દિલ્હીમાં કરવામાં આવ્યો છે.
કોટાય (અણમોરગઢ)નાં શિવમંદિરોના સભામંડપના સ્તંભો પર સિંહમુખા અને કીચક આકારોના ટેકા, અનેક હવેલીઓમાં સિંહમુખાનાં કાષ્ઠ શિલ્પો, સંવત 1104ના ભવનાથના શિલાલેખોમાં ખેટક પ્રદેશનાં ખેડ મંદિરોમાં સિંહવાહિની ભવાની માતાની મૂર્તિ તથા હાથી પર આક્રમણ કરતા સિંહની મૂર્તિઓ, મઘુલ શૈલીમાં ચિત્રકાર ફારૂખ ચેલાનું વારાણસીના ‘ભારત કલાભવન’માં સંગ્રહાયેલ મૂલ્યવાન કલારત્ન સમાન લઘુચિત્ર ‘વનરાજનો દરબાર’ (16મી સદી), સિહોરના રામજી મંદિરનાં ભીંતચિત્રોમાં કચ્છપ્, વામન, વરાહ, પ્રહલાદ, ગણેશ નાગદમન સાથે નૃસિંહ જેવાં અનેક પાત્રોના વિષયવ્યાપ સુપ્રસિદ્ધ છે.
હળેબીડ – બેલૂરના હોયસળ અને યાદવવંશ (ઈ. સ. 1050-1૩00)ના સમયમાં ચેન્ના કેશવ મંદિરની જગતીમાં હાથીની એક શૃંખલા પર અશ્વથર અને સિંહથરની શૃંખલા કંડારાયેલી જોવા મળે છે. અકબરનું હાથી પર સવારી કરવા ‘હાવડા સિંહાસન’ જેવું પ્રતિભાવંત આસન, મોઢેરા મંદિરના સ્તંભો પર, કોણાર્કનાં મંદિરો અને અડાલજની વાવમાં સિંહનાં પાષાણશિલ્પો મળે છે.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1852માં ટપાલ વિભાગની ‘સિંધ ડોક્સ’ તરીકે જાણીતી ટપાલ-ટિકિટ બહાર પાડી. પછી કલકત્તાની ટંકશાળના કર્નલ ફૉર્બસે ‘સિંહ તથા તાડના વૃક્ષ’ની ટપાલટિકિટની સચિત્ર ડિઝાઇન તૈયાર કરેલી. પછી ભારતનાં વિવિધ દેશી રાજ્યો દ્વારા 1864થી ટપાલ ટિકિટ બહાર પડવી શરૂ થઈ. સોરઠે ગીરના જંગલમાંના સિંહના ચિત્રવાળી ટપાલ-ટિકિટ પ્રસિદ્ધ કરી. 1947થી અત્યાર સુધીમાં સિંહનાં વિવિધ ચિત્રોવાળી 10 ટપાલ-ટિકિટો બહાર પડી છે. આજે પણ ભારતીય રિઝર્વ બૅંક દ્વારા બહાર પાડવામાં આવતી ચલણી નોટોમાં આગળ ગાંધી બાપુના ચિત્રની બાજુમાં સિંહ સાથે તાડ વૃક્ષના ચિહનવાળી ભારતીય રિઝર્વ બૅંકની મુદ્રા સાથે ડાબી બાજુ અશોક ચક્રની ઉપર ત્રણ સિંહની રાષ્ટ્રીય મુદ્રા તથા પાછળના ભાગે હાથી અને ગેંડાના ચિત્ર વચ્ચે સિંહનું ચિત્ર જોવા મળે છે.
સિંહ શબ્દના વિવિધ પર્યાયો (ભગવદગોમંડળ મુજબ)
સિંહ – 1. ઘરનું રક્ષણ કરનાર દેવ, 2. એક પ્રકારનો ગોખ, ગવાક્ષ. ૩. 96 માત્રાનો એક છંદ (પિંગળ), 4. જિનધ્વજ, 5. પરાક્રમી ઘોડો, 6. મેષથી પાંચમી રાશિ, 7. રાતા સરગવાનું વૃક્ષ, 8. વિષ્ણુનું નામ, 9. કૃષ્ણને લક્ષ્મણાની કૂખે જન્મેલ દીકરો, 10. પિંગળ, 11. વિષમ જાતિ (152) માત્રામેળ છંદ, 12. વનરાજ, 1૩. ઉપપુરાણનું નામ, 14. (શિલ્પ) એક પ્રકારનું દર, 15. સિંહાસન, 16. ગોળનગર, 17. શ્રેષ્ઠ, 18. સિંહક – વર્ણમેળ છંદ, 19. સિંહ કપાલી, 20. સિંહકર્ણ (શિલ્પ), 21. સિંહકુંડળ (શિલ્પ), 22. સિંહગઢ, 2૩. સિંહચર્મ, 24. સિંહચલો (ડિંગળ) ચારણી રાગ, 25. સિંહતલ – અંજલિ, 26. સિંહથર (શિલ્પ), 27. સિંહદ્વાર, 28. સિંહનંદન (સંગીતશાસ્ત્ર) એક પ્રસિદ્ધ તાલ, 29. સિંહનાથી લોકેશ્વર – ધ્યાની બુદ્ધે ઉત્પન્ન કરેલ બોધિસત્વ, ૩0. સિંહનાદ – (પિંગળ) વર્ણમેળ છંદ, રણગર્જના; શિવનાં 1000 નામ પૈકી એક સિંહ જેવો નાદ, ૩1. સિંહનિકા – કરને બદલે મજૂરો પાસેથી પ્રાચીન સમયમાં લેવાતું કામ, ૩2. સિંહનિષાદી – એવો એક પર્વત. ૩૩. સિંહનું કૂંડું – એક રમત. ૩4. સિંહપક્ષી (બાળ રામાયણ). ૩5. સિંહપુચ્છ-છંદ, ૩6. સિંહપુર-1. (પુરાણ) એક નગર. 2. જૂના ભાવનગર રાજ્યની પ્રાચીન રાજધાની (સિહોર) ૩7. સિંહભૂમિ – પ્રદેશ, ૩8. સિંહમુખ – એક હાથનો અભિનય, ૩9. સિંહયાન (શિલ્પ) વિશાળ ઘર, 40. સિંહલદ્વીપ, 2. તમાલપત્રનું વૃક્ષ, ૩. કલઈ, 4. તજ, 5. પિત્તળ ધાતુ, 41. સિંહલવસ્થા (સં) એક પ્રકારની વેલ. 42. સિંહલંકી – સિંહના જેવી કેડવાળી, 4૩. સિંહલી-સિંહની એક અર્વાચીન લિપિ. 2. સિંહલ દ્વીપની ભાષા, 44. સિંહલીપીપર-પીપરની એક જાત, 45. સિંહલું – સોનું, 46. સિંહલેખા – (પિં) છંદ, 47. સિંહશય્યા યોગાસન, 48. સિંહ સભા, અમૃતસરનું જૂનું નામ, 49. સિંહ સંક્રાંતિ – સિંહ રાશિમાં સૂર્યનું આગમન, 50. સિંહ સંવત ઈ. સ. 1114થી શરૂ થતી સંવત 51. સિંહ સંહનન 1. શ્રેષ્ઠ અંગવાળું, રફ. સિંહ સમાન અંગવાળું. 52. સિંહસૂરી-સિદ્ધસેન દિવાકરના ગુરુ, 5૩. સિંહસેન (પુ) ચૌદમા તીર્થંકર અનંતનાથના પિતા. 54. સિંહસ્તંભ-1. સિંહ કોતરેલો સ્તંભ, 2. સાંચી સ્તૂપમાં સિંહમુખો થાંભલો. 55. સિંહસ્થ, સિંહાર્ક, (જ્યોતિષમાં) ગુરુ સિંહ રાશિમાં આવે તે સમય, 56. સિંહસ્થ દુર્ગાદેવી, 57. સિંહા 1. એક આકાશતત્વ દેવતા, 2. ભોરિંગડી, ૩. એક મરાઠા જાતિ, 58. સિંહાઈ-ક્ષત્રિયના મંદિર/ઘરની દેવી. 59. સિંહાક્રાંત – ગાયત્રીની એક મુદ્રા 60. સિંહાકૃતિ-સિંહ જેવી આકૃતિ, 61. સિંહણ – લોખંડનો કાર, 62. સિંહના નાકનો મેલ (ગુંગાં). 62. સિંહલના (સં.) એક રાગ. 6૩. સિંહનો કન્હોરો (સં) ગરમીમાં ઠંડક કરતો રાગ. 65. સિંહબાહુ-મગધનો એક રાજા. 65. સિંહાયન ઘોડાની એક ગતિ, 66. સિંહાર-નાશ, સંહાર, 67. સિંહાલી-સિંહલ પ્રજા, સિંહાવલોકન. નૃત્યનો એક ભેદ, અવલોકન. 68. સિંહાસન – સિંહલ પ્રજા સિંહાવલોકન. નૃત્યનો એક ભેદ, અવલોકન, 68. સિંહાસન – અર્હંતનો એક ગુણ, એક યોગાસન, સિંહની આકૃતિવાળું ઊંચું આસન, 69. સિંહાસનસ્થ – પુરુષોત્તમનું એક નામ, 70. સિંહાસ્ચક અરડૂસી, 71. સિંહાળા રજપૂત જાતિ, 71. સિંહિકા અરડૂસી 2, એક દેવી, ૩. વેલ, 4. કશ્યપની રાક્ષસી સ્ત્રી. 5. કશ્યપ કન્યા, 72. સિંહિકાતનય રાહુ, 7૩. સિંહીની-એક છંદ. 74. સિંહી-છંદ, એક વિદ્યા, 2. ભોયરીંગણી, 75. સિંહોન્નતા – (પિં.) એક છંદ.
સિંહ :
2011ના વર્ષમાં કેન્દ્ર સરકારના આયોજન પંચે ‘ગ્રેટર ગીર પ્રોજેક્ટ’ માટે 262 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ વિશ્ર્વના એક માત્ર એશિયાટિક સિંહના નિવાસસ્થાન ‘ગીર’માં વિવિધ કામો હાથ ધરાશે. આ વિવિધ કામોમાં જંગલમાં સઘન સુરક્ષા વ્યવસ્થામાં વધારો, સિંહોની ઓળખ માટેના લેબલ લગાવવા જી. પી. એસ. મેપિંગનો સમાવેશ થાય છે. વધુમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર ભાવનગર જિલ્લામાં, પાલીતાણામાં અને પોરબંદર નજીક બરડાનાં જંગલો એટલે કે બરડાના ડુંગર પ્રદેશમાં નવાં અભયારણ્યોના વિકાસનું કાર્ય સમાયેલું છે. આ નવાં અભયારણ્યોનો વિકાસ એટલા માટે આ પ્રોજેક્ટમાં સમાવેશ પામ્યો છે કે ગીરના જંગલના સિંહો અવારનવાર ગીરમાંથી બહાર નીકળીને આ વિસ્તારોમાં ફરતા હોય છે. આ સિંહોને નવાં અભયારણ્યો દ્વારા સુરક્ષા પૂરી પાડવાનો હેતુ તેમાં સામેલ છે.
એશિયાઈ સિંહોની જનનિક બૅંક :
એશિયાઈ સિંહોનું એક માત્ર પાલન કેન્દ્ર ગુજરાત છે. ગુજરાતનું ગીરનું જંગલ આ માટેનું જાણીતું સ્થાન અને કેન્દ્ર છે. ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહો ભવિષ્યમાં કોઈ રોગચાળાનો ભોગ બની નામશેષ બની જવાની સ્થિતિમાં ન મુકાય તે માટે ગુજરાત સરકારે સિંહોની જનનિક બૅંક ઊભી કરવાનું આયોજન કર્યું છે. આ માટે વાંકાનેર નગરની રામપરા રેન્જમાં એશિયાનું પ્રથમ સિંહો માટેનું બ્રિડિંગ કેન્દ્ર ઊભું કરવાના પ્રયાસને ઉત્તેજન આપ્યું છે. ડિસેમ્બર, 2010થી આ કેન્દ્રની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગીરના જંગલના 625 ચો.કિ.મી.ના વિસ્તારના 19 ભાગ કરી ત્યાંથી વિવિધ નસ્લના સિંહો લેવામાં આવ્યા છે. તેમને સૂચિત રામપરા રેન્જમાં રાખવામાં આવે છે. ક્રમશ: ત્યાં સિંહોની બ્રિડની એક જનનિક બૅંક તૈયાર કરવામાં આવી રહી છે. પહેલા કિસ્સામાં સિંહની જોડીએ ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો છે. અહીં ગીરના જંગલને અનુરૂપ વાતાવરણ ઊભું કરી સિંહોનો ઉછેર કરી જનનિક સ્થિતિ પેદા કરવામાં આવે છે. અહીં જન્મેલા બાળ સિંહોને પ્રારંભે ત્રણથી ચાર વર્ષ માટે ઉછેરી પછી તેમને ફરી ગીરનાં જંગલોમાં વસાવવામાં આવશે. આમ આ જનનિક કેન્દ્ર દ્વારા સિંહોના જન્મ-ઉછેર અને સંવર્ધન અંગે સભાન અને વૈજ્ઞાનિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યનું વૃક્ષ – આંબો
ગુજરાત રાજ્યનું અધિકૃત રીતે માન્ય વૃક્ષ આંબો છે. જનજીવનનું એ ચિરપરિચિત વૃક્ષ છે. ગુજરાત રાજ્યના તમામ પ્રદેશોમાં તે ઊગે છે. તે સર્વપ્રિય, શીતળ, ઘટાદાર અને ઘણો ઘેરાવો ધરાવે છે. આંબાનું ફળ તે કેરી. કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે. કેરીની ઓળખ ભારતભરમાં ‘ફળોની રાણી’ તરીકેની છે. કારણ તે ગરમ-ઠંડા, પહાડી-સપાટ એમ વિવિધ પ્રદેશોમાં ઊગે છે. વળી તે સર્વસુલભ – સમગ્ર પ્રજાને સહેલાઈથી મળી શકે છે. સૌને પરવડી શકે તેવી કિંમતે તે મળી શકે છે.
આંબાનું વૃક્ષ સેંકડો વર્ષ જીવે છે. તે સદાહરિત વૃક્ષ છે. પ્રત્યેક ઉનાળામાં કેરીનો ઉતાર–પેદાશ મળે છે. આંબાનાં વૃક્ષ મુખ્યત્વે ત્રણ જાતનાં હોય છે. વરસાદી હવામાનમાં ગમે ત્યાં પડેલા ગોટલામાંથી ઊગતો જંગલી આંબો. બીજો પ્રકાર દેશી આંબાનો છે જે રસાળ કેરીના ગોટલામાંથી માવજત દ્વારા ઉગાડવામાં –ઉછેરવામાં આવે છે. દેશી આંબાની કેરીઓ રસપ્રધાન હોય છે. ત્રીજો પ્રકાર કલમી આંબાનો છે જેમાં સાધારણ ઊછરેલા આંબા પર અન્ય આંબાની કલમ કાપી, તેને કૃષિપદ્ધતિ મુજબ ચોંટાડી ઉછેરવામાં આવે છે. વર્તમાન સંજોગોમાં કલમી આંબાઓમાં ભારે વૈવિધ્ય લાવવાના વિવિધ પ્રયોગો હાથ ધરાયેલા છે. વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ આ ક્ષેત્રે ઘણા પ્રયોગો દ્વારા કેરીની નવતર જાતોના પ્રયોગો હાથે ધરી રહી છે. નીલમ–દશેરીના સંમિશ્રણથી મલ્લિકા; દશેરી–નીલમના સંમિશ્રણથી આમ્રપાલી; નીલમ–આફૂસના સંમિશ્રણથી નીલફાન્ઝો; નીલમ–બનેશાનના સંમિશ્રણથી નીલેશાન; નીલમ–દશેરીના સંમિશ્રણથી નીલેશ્વરી; નીલમ–આફૂસના સંમિશ્રણથી રત્ના એમ વિવિધ પ્રયોગો દ્વારા નવી સંકર જાતો પેદા કરવાના પ્રયોગો સતત ચાલે છે.
દેશમાં આંબાનું વાવેતર આદિકાળથી થતું આવે છે. આંબાની ખેતી 4000થી 6000 વર્ષ જૂની છે. રામાયણ-મહાભારતમાં તેના ઉલ્લેખો સાંપડે છે, જેમાં મુખ્યત્વે આમ્રપાલી આમ્રપુર નોંધપાત્ર છે. ઈ. સ. પૂ.ના 150 અરસાથી કેરી શિલ્પ-સ્થાપત્યમાં જોવા મળે છે. કલાકારો માટે તે પ્રેરણાદાયી છે. સિકંદરે સિંધુ ખીણમાં તેને જોયાનો ઉલ્લેખ છે. તેનાં ફળ, કેરીની જાતોનું વૈવિધ્ય, વિપુલતા અને મીઠાશની દૃષ્ટિએ બીજો કોઈ દેશ આ બાબતમાં ભારતની બરોબરી કરી શકે તેમ નથી. ભારતનો આ મહત્વનો ફળ-પાક છે. તે ફળ-પાકોના કુલ વિસ્તારનો 60 ટકા વિસ્તાર રોકે છે એટલે કે 10.64 લાખ હેક્ટર જમીનને આવરી લે છે. ગુજરાત રાજ્યમાં 26,500 હેક્ટરમાં આંબાનું વાવેતર છે જેમાં વલસાડ 19,700 અને જૂનાગઢ 2,600 હેક્ટર પ્રથમ અને બીજા ક્રમનાં આંબાવાડિયાં ધરાવે છે. શેષ વાવેતર અમરેલી, ભાવનગર, ભરૂચ, સાબરકાંઠા, મહેસાણા અને ખેડા વિસ્તારોમાં છે. આંબાનું પ્રસર્જન બીજ અને વાનસ્પતિક પદ્ધતિથી થાય છે. તેમાં મુખ્યત્વે બે વંશ હોય છે – એકગર્ભી અને બહુગર્ભી. બહુગર્ભી ગોટલામાં ઘણા ગર્ભ રોપ હોય છે. તેને છૂટા પાડી સ્વતંત્ર રોપ તરીકે ઉછેરી શકાય. જોકે છેલ્લાં ઘણાં વર્ષોથી નૂતન કલમ પદ્ધતિ વધારે પ્રચલિત છે. આંબાની કલમો પ્રમાણિત કરીને વેચાણ માટે પણ મુકાય છે. જેમાં વિવિધ આંબાઓની જાત, ફળનો આકાર, રૂપ, ગંધ, સ્વાદ, ગરનો બાંધો, ફળનું કદ અને રસનું પ્રમાણ અલગ અલગ રહે છે. દરેક પ્રદેશની આગવી કેરીની જાત મશહૂર હોય છે, જેમ કે વલસાડની આફૂસ અને સૌરાષ્ટ્રની કેસર કેરી.
આંબાની કેરીઓના સારાં અને ઊંચાં ઉત્પાદન માટે તેની માવજત જરૂરી છે. આંબાનાં ફૂલોને મૉર તરીકે આપણે ઓળખીએ છીએ. લીલી-પીળી ઝાંય ધરાવતાં ગુચ્છાદાર પુષ્પોનો મૉર ઘણો સુગંધિત હોય છે. અત્તર બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. આ પછીના સમયે આંબાનું વૃક્ષ માવજત માંગી લે છે. નિયમિત ગોડ, ખાતર અને પાણી દ્વારા ઊંચી જાતની કેરીની પેદાશ મળે છે. નવા આંબા પર પ્રારંભનાં ૩ વર્ષ સુધી મૉર તોડીને અળગો કરાય છે અને ચોથા વર્ષથી કેરીનો પાક લેવામાં આવે છે. દરેક આંબો પ્રતિવર્ષ ઓછીવત્તી ઊપજ આપતો હોય છે. કેરી ભરાવદાર થાય ત્યારે તેને ઉતારાય છે જેને આંબો વેડવો એમ કહેવાય છે. આંબાનું પ્રત્યેક ફળ એક એક કરી ઉતારવામાં આવે છે તેમજ તે અથડાય કે પછડાય નહીં તેની કાળજી લેવાય છે. આવી માવજત પછી તે વેચાણ માટે જતું હોય છે. પાકી કેરી મધુર, શીતળ, બલપ્રદ, પુષ્ટિકર, કાંતિવર્ધક અને લોહી શુદ્ધ કરનાર છે. તે કાપીને તેમજ પરિરક્ષણ દ્વારા સાચવીને સંગ્રહયોગ્ય કરી શકાય છે. રસાળ કેરીનો રસ કાઢી તેને ભોજનમાં ઉપયોગમાં લેવાની વિશેષ પદ્ધતિ ગુજરાતમાં પ્રચલિત છે જે ભારતનાં બીજાં રાજ્યોમાં ખાસ જોવા મળતી નથી.
આંબાનું લાકડું ભૂખરું, લીલાશ પડતું બદામી રંગનું હોય છે. તે મધ્યમ મજબૂતાઈ ધરાવતું સખત લાકડું છે અને સરળતાથી વહેરી શકાય છે. પાણીમાં તે ટકાઉ હોવાથી હલેસાં અને હોડીના ભાગો બનાવવામાં ઉપયોગી હોય છે. બાકી તે રાચરચીલા અને અન્ય ઇમારતી કામોમાં પણ વપરાય છે. તેના લાકડામાંથી ઊંચી કૅલરી ધરાવતો કોલસો મળે છે. વિવિધ ઉપયોગો દ્વારા જનજીવન સાથે વણાઈ ગયેલું આ વૃક્ષ શુકનવતું મનાય છે અને દક્ષિણ ગુજરાત જેવા પ્રદેશોમાં તોરણ અને પૂજામાં આંબાનાં પાન ઉપયોગમાં લેવાય છે.
મ. શિ. દૂબળે
ગુજરાતી ભાષા અને સાહિત્ય
ભાષા
ગુજરાતી ભાષા ભારત-યુરોપીય ભાષાપરિવારની એક મહત્વની ભાષા છે. આજથી પાંચેક હજાર વર્ષ પહેલાં ઉત્તર યુરોપમાં આવેલી વિસ્તુલા અને એલ્બ નદીઓના દોઆબના પ્રદેશમાં ભારત-યુરોપીય ભાષાપરિવારનો વસવાટ હતો. સમય જતાં એક બાજુ યુરોપમાં અને બીજી બાજુ એશિયામાં આ પરિવારનાં વિવિધ જૂથોએ વિવિધ સ્થળોએ વસવાટ કર્યો. ભારતમાં એ જૂથોની ભાષા ભારતીય આર્ય ભાષાઓ તરીકે ઓળખાઈ.
ભારતીય આર્યભાષાઓમાં પ્રાકૃત–સંસ્કૃત પ્રાચીનતમ ભાષાઓ છે. પ્રાકૃત–સંસ્કૃતમાં પ્રાકૃત પહેલી કે સંસ્કૃત, એ વિવાદનો વિષય ભલે રહ્યો, પરંતુ બંનેનો વ્યાપક પ્રભાવ મહત્વની બધી જ ભારતીય ભાષાઓ પર પડેલો જોઈ શકાય છે. સંસ્કૃત, વિવિધ પ્રાદેશિક પ્રાકૃતો અને તેમાંથી પ્રભવેલી અપભ્રંશોમાંથી જ છેલ્લાં હજારેક વરસોથી નવ્ય ભારતીય આર્યભાષાઓનો ઉદભવ–વિકાસ થયેલો જોઈ શકાય છે.
નવ્ય ભારતીય ભાષાઓમાંની એક પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાત પ્રદેશમાં ગુજરાતી તરીકે ઓળખાય છે.
અત્યારે ‘ગુજરાત’ તરીકે ઓળખાતો પ્રદેશ, આજથી હજારેક વર્ષ પહેલાં ‘સુરાષ્ટ્ર’, ‘આનર્ત’ અને ‘લાટ’ એમ જુદા જુદા નામે ઓળખાતા પ્રદેશોનો બનેલો છે.
‘સુરાષ્ટ્ર’ તે આજનું ‘સૌરાષ્ટ્ર’. ‘આનર્ત’માં સમગ્ર ઉત્તર ગુજરાતનો સમાવેશ થતો હતો. ‘લાટ’ તે આજનું દક્ષિણ ગુજરાત.
આ પ્રદેશમાં વિવિધ સમયે વિવિધ પ્રજાઓએ આવીને વસવાટ કર્યો. એમાં આઠમી સદીની આસપાસ આવેલી ગુર્જર પ્રજા ઉપરથી આ પ્રદેશને ‘ગુજરાત’ એવું નામ મળ્યું અને ગુજરાતમાં બોલાતી ભાષા તે ગુજરાતી એમ પ્રચલિત થયું.
ગુજરાતી ભાષાનું કુળ ભારતીય-આર્ય (Indo-Aryan) ભાષા છે. ઈ. સ. પૂ. 600થી ઈ. સ. 100 સુધીમાં વેદકાલીન કથ્ય ભાષામાંથી પ્રાચીન પાલિ, અર્ધમાગધી અને અશોકના શિલાલેખોની ભાષા ઉદભવી. પ્રાકૃતિક વિશિષ્ટતાને લીધે જુદાં જુદાં નામે ઓળખાતી શૌરસેની, મહારાષ્ટ્રી અને માગધી જેવી પ્રાકૃતોનો સમય ઈ. સ.ના બીજા શતકથી છઠ્ઠા સુધીનો ગણાય. પ્રાકૃતોનો સ્વાભાવિક ક્રમે થયેલો વિકાસ તે અપભ્રંશ, તેનો સમય છઠ્ઠાથી દશમા શતકનો છે.
શૌરસેની પ્રાકૃતમાંથી શૌરસેની અપભ્રંશ અને પશ્ચિમી અપભ્રંશ સ્વરૂપે પરિવર્તન પામેલી ભાષા મથુરાથી દ્વારકા સુધીના પ્રદેશમાં ઈ. સ.ના દશમાથી બારમા શતક સુધી ચલણમાં હતી. પ્રાકૃત વ્યાકરણ ‘સિદ્ધહૈમ’ના અપભ્રંશ દુહાની ભાષાને ગ્રિયર્સન અને કેશવલાલ ધ્રુવે ‘પ્રાચીન ગુજરાતી’ કહી છે. ગુજરાતની અપભ્રંશ ‘નાગર’ કે ‘ગૌર્જર’ વિશેષણોથી ઓળખાઈ. તેનું પરિવર્તિત અને વિકસિત સ્વરૂપ તે આજની ગુજરાતી.
ગુજરાતી ભાષાની વિકાસ–ભૂમિકાઓ : પ્રાપ્ત હસ્તપ્રત-સાહિત્યના આધારે ગુજરાતી ભાષાના વિકસતા સ્વરૂપના વિવિધ તબક્કાઓની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખી ત્રણ યુગ પાડવામાં આવ્યા છે : (1) ઈ.સ.ના દસમા–અગિયારમા શતકથી ચૌદમા શતક સુધીનો. તેની ભાષાનું નામ અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી. તેને ભાષાવિદ નરસિંહરાવે ‘અંતિમ અપભ્રંશ’ અથવા ‘ગુર્જર અપભ્રંશ’ નામ આપ્યું છે. ડૉ. તેસ્સિતોરીએ તેને ‘પ્રાચીન પશ્ચિમ રાજસ્થાની’ કહી છે. ઉમાશંકર જોશીએ તે ભાષાને ‘મારુ-ગુર્જર’ નામથી ઓળખાવેલી. ગુજરાતી ભાષાના આ યુગને ગોવર્ધનરામે ‘ગુજરાતી ભાષાની ગર્ભદશાનો કાળ’ કહ્યો છે. (2) પંદરમા શતકથી સત્તરમા શતક સુધીનો બીજો યુગ તે જૂની ગુજરાતી અથવા મધ્યકાલીન ગુજરાતીનો. (3) ત્રીજો યુગ તે અર્વાચીન ગુજરાતીનો. તેનો પ્રારંભ સત્તરમા સૈકાની શરૂઆતથી. આ સમયમાં જ ‘ગુજરાતી ભાષા’ એવું નામ પ્રેમાનંદે આપ્યું. તે પહેલાં ભાલણે ‘ભાખા’ કે ‘ગૂજર ભાખા’ જેવા શબ્દો વાપર્યા છે અને તે જ ભાષાને પદ્મનાભ અને અખાએ ‘પ્રાકૃત’ શબ્દથી ઓળખાવેલી.
ગુજરાતી ભાષાના બંધારણ પર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશની સીધી અસર છે. તેનાં નામોનાં રૂપાખ્યાનો મધ્ય ભારતીય-આર્ય ભાષામાંથી વારસા રૂપે મળેલાં છે, જ્યારે ક્રિયાપદનાં રૂપાખ્યાનો અર્વાચીન ભારતીય આર્ય ભાષાના વિકાસથી બનેલાં છે. અન્ય ભારતીય-આર્ય ભાષાઓની જેમ ગુજરાતી પણ સંસ્કૃતના વાતાવરણમાં ઊછરી હોવાથી તેના અર્ધા ઉપરાંત શબ્દો સંસ્કૃતના – તત્સમ છે. તદભવ શબ્દો પ્રાકૃત-અપભ્રંશનો વારસો છે. આ ઉપરાંત દેશના મૂળ વતનીઓની આર્યેતર ભાષાના તળપદા રૂઢ શબ્દો ‘દેશ્ય’, ‘દેશજ’ કે ‘દેશી’ કહેવાય છે. તેમાં બહારથી આવેલા ગુર્જરોનો પણ ફાળો ખરો. અન્ય પ્રજાઓના સંપર્કથી અરબીના વહાણવટાને લગતા, ફારસીના મુલકી ખાતાને લગતા અને મુસલમાન સંપર્કને લીધે થોડા તુર્કી શબ્દો પણ ગુજરાતીમાં છે. મરાઠાઓના સંપર્કથી કેટલાક મરાઠી શબ્દો પણ ગુજરાતીમાં આવ્યા છે. વિદેશી શબ્દોમાં કેટલાક પોર્ટુગીઝ તથા રાજભાષા અને શિક્ષણના માધ્યમરૂપ અંગ્રેજી ભાષાના શબ્દો મોટા પ્રમાણમાં પ્રચલિત બનેલા છે.
અન્ય ભારતીય ભાષાઓના શબ્દોમાં બંગાળી અને હિંદીના અને રમતગમતમાં વપરાતા કાનડી શબ્દોએ પણ ગુજરાતીના શબ્દભંડોળમાં વૃદ્ધિ કરી છે; પરંતુ ગુજરાતી ભાષાના બંધારણ ઉપર આ ભાષાઓની અસર પડી જણાતી નથી. જોકે ક્વચિત્ અંગ્રેજી શબ્દ કે વાક્યપ્રયોગની અસર જોઈ શકાય છે.
શિષ્ટ વર્ગમાં ઉચ્ચારાતી અને સાહિત્યમાં પ્રયોજાતી વ્યાકરણશુદ્ધ માન્ય આદર્શ સ્વરૂપવાળી ભાષાને શિષ્ટ ભાષા કહેવામાં આવે છે. લોકોમાં રોજિંદા જીવન-વ્યવહારમાં વપરાતું ભાષાનું સ્વરૂપ બોલી કહેવાય છે. સાહિત્યમાં પણ લોકબોલી પ્રયોજાય છે; પરંતુ ઉચ્ચાર, લહેકા વગેરેની પ્રાદેશિક લાક્ષણિકતાઓને કારણે અલગ પડતી બોલીઓમાં ઉત્તર ગુજરાતની, ચરોતરી, સૂરતી, સૌરાષ્ટ્રમાં ગોહિલવાડી, ઝાલાવાડી, હાલારી અને સોરઠી અને કચ્છની કચ્છી ભાષા તે બોલીઓ છે. પંચમહાલ અને ઈડરના વન્ય ભીલોની ભાષા, સૂરત તરફના દૂબળાઓની અને ડાંગની ભાષા વગેરે પણ ગુજરાતની બોલીઓ છે. તેમાં ચારણોની અને દેશી ખ્રિસ્તીઓ તથા પારસીઓની બોલીઓને ઉમેરવી પડે. હિંદુઓ, મુસલમાનો, પારસીઓ વગેરેના દેશ-વિદેશમાં વસવાટે વિસ્તરેલા ગુજરાતની – બૃહત ગુજરાતની માતૃભાષામાં સર્જાયેલું ગુજરાતી સાહિત્ય વિપુલતા અને ગુણવત્તામાં સમૃદ્ધ છે.
આ ભાષાની કેટલીક મહત્વની લાક્ષણિકતાઓ બારમી સદીમાં રચાયેલી સાહિત્યકૃતિઓમાં પહેલવહેલી જોવા મળે છે. આ ઉપરથી એવું અનુમાન કરી શકાય કે સાહિત્યકૃતિમાં આ લાક્ષણિકતાઓ ધરાવતી ભાષા વપરાવા માંડી તે અગાઉ બસો-ચારસો વરસ પહેલાં તે વ્યવહારમાં બોલચાલમાં વપરાતી હોવી જોઈએ. 1014માં ભોજે ‘ગુર્જરોના પોતાના અપભ્રંશ’ની વાત કરી છે.
સિદ્ધરાજ–કુમારપાળના સમયમાં અગિયારમી સદીમાં આચાર્ય હેમચંદ્રે રચેલા ‘સિદ્ધહૈમ શબ્દાનુશાસન’માંની ભાષાને સીમાચિહનરૂપ ગણીએ તો બારમી સદીમાં રચાયેલી કેટલીક સાહિત્યકૃતિઓની ભાષા હેમચંદ્રની ભાષાથી જુદી પડે છે. હેમચંદ્રની ભાષામાં અપભ્રંશની લાક્ષણિકતાઓ છે, જ્યારે તે પછીની સદીમાં રચાયેલી ‘ભરતેશ્વર-બાહુબલિઘોર’, ‘ભરતેશ્વરબાહુબલિરાસ’ કે ‘જંબૂસામિચરિય’ જેવી કૃતિઓમાં જુદી જ લાક્ષણિકતાઓ દેખાય છે. આમાંની પહેલી આશરે ઈ. સ. 1170 પહેલાં વજ્રસેને, બીજી 1185માં સાલિભદ્રે અને ત્રીજી 1210માં ધર્મસૂરિએ રચી હતી. આ સદીમાં રચાયેલી અન્ય સાહિત્યકૃતિઓમાં જે ભાષાલક્ષણો મળે છે તે હેમચંદ્રના દુહાઓમાં મળતાં ભાષાલક્ષણોથી જુદાં છે. તેથી વિદ્વાનો આ ભાષાલક્ષણો ધરાવતી ભાષાને ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકા ગણાવે છે. જોકે નરસિંહરાવ તે ભાષાભૂમિકાને ‘અંતિમ અપભ્રંશ’ અને કે. હ. ધ્રુવ ‘ગુર્જર અપભ્રંશ’ તરીકે ઓળખાવે છે; છતાં એટલું સ્પષ્ટ છે કે એની લાક્ષણિકતાઓ ગુજરાતીની જ છે અને તેથી તેને પ્રાચીન ગુજરાતી કે ગુજરાતીની પ્રથમ ભૂમિકા તરીકે ઓળખાવવાનું વાજબી છે.
બારમીથી ચૌદમી સદીના ગાળામાં લખાયેલી સાહિત્યકૃતિઓમાં તે પહેલાં લખાયેલી સાહિત્યકૃતિઓની ભાષા કરતાં જે જુદી લાક્ષણિકતાઓ મળે છે તેમાંની મુખ્ય નીચે પ્રમાણે છે :
અગાઉની સાહિત્યકૃતિઓની ભાષામાં શબ્દોની વચ્ચે સંયુક્ત વ્યંજન મળે છે; દા.ત., હેમચંદ્રે નોંધેલા એક દુહામાં ‘पुत्त’ મળે છે. ‘पुत्तें जाएं कवणु गुणु’ — આ ઉદાહરણમાં ‘પુત્ત’ શબ્દમાં ‘उ અને ‘अ’ એવા બે સ્વરો વચ્ચે ‘त्त’ એવો સંયુક્ત વ્યંજન છે. આ સંયુક્ત વ્યંજનને સ્થાને આ ભૂમિકામાં એકવડો વ્યંજન માત્ર ‘त’ જ મળે છે એટલે કે ‘पूत’ એવો શબ્દ મળે છે. આજે પણ તે ‘સપૂત’, ‘માઈનો પૂત’ જેવા ગુજરાતીના પ્રયોગોમાં વપરાય છે.
ઉપરના ઉદાહરણમાં એ પણ નોંધી શકાય કે શબ્દમાં બે સ્વરોની વચ્ચે આવેલો સંયુક્ત વ્યંજન એકવડો થઈ જાય છે; તે સાથે તેની પૂર્વે આવેલો હ્રસ્વ સ્વર દીર્ઘ થઈ જાય છે; દા.ત., ‘पुत्त’માંના ‘पु’માં उ હ્રસ્વ હતો તે ‘पूत’માંના ‘पू’માં દીર્ઘ થઈ ગયો. આવું અનેક શબ્દોમાં બને છે; દા. ત., पक्कउનું પાકું, चक्कનું ચાક, विज्जुનું વીજ વગેરે. આ પરિવર્તનને ‘સંયુક્તવ્યંજનલોપ અને પૂર્વસ્વરદીર્ઘત્વ’ — એ નામે ઓળખાવાય છે.
એવું જ બીજું મહત્વનું લક્ષણ અગાઉની ભાષાના શબ્દોમાં શબ્દને અંતે આવતા હ્રસ્વ ‘ઉ’કારના લોપનું છે; દા.ત., અગાઉની ભૂમિકામાં कुम्भआरु, चम्मआरु, विज्जु, सुत्तआरु જેવા શબ્દો હતા. તેમાંથી શબ્દના અંતનો હ્રસ્વ ‘ઉ’ ચાલ્યો જતાં પછીની ભૂમિકામાં कुंभार, चामार, वीज, सूतार જેવા શબ્દો મળે છે.
ઉપરનાં ઉદાહરણોમાંના ‘कुंभार’ શબ્દમાં નોંધી શકાય કે અગાઉની ભાષાભૂમિકામાં ‘कु’ પછી જે ‘म्’ એવો નાસિક્ય વ્યંજન (જેને કેટલાક વિદ્વાનો તીવ્ર અનુનાસિક કહે છે.) હતો તે આ ભૂમિકામાં નાસિક્ય સ્વર રૂપે પરિવર્તિત થઈ ગયો છે. નાસિક્ય સ્વરને કેટલાક વિદ્વાનો કોમળ અનુનાસિક કહે છે; દા.ત., पञ्चમાં ञ् હતો તે ‘પાંચ’ એ શબ્દમાં નાસિક્ય સ્વરમાં પરિવર્તિત થયો દેખાય છે. એ રીતે જ अङ्गुलीનું ‘આંગળી’, अङ्कનું ‘આંક’ વગેરે થયાં છે. વળી સંયુક્ત વ્યંજન એકવડો થતાં કેટલાક શબ્દોમાં આગળનો હ્રસ્વ સ્વર દીર્ઘ થવાની સાથે તે સ્વર નાસિક્ય સ્વર રૂપે પણ સંભળાવા માંડ્યો; દા.ત., ‘वक्क’ શબ્દ ‘વાંક’ રૂપે સંભળાય છે; દા.ત., ‘केसूय कली अतिवांकुडी’ (‘વસંતવિલાસ’) જેવા ઉદાહરણમાં તે મળે છે. તેવું ‘इट्टीया’ પરથી ‘ઈંટ’, ‘भित्तिआ’ ઉપરથી ‘ભીંત’ જેવા શબ્દોમાં સાદો સ્વર નાસિક્ય સ્વર રૂપે પરિવર્તિત થયેલો જોવા મળે છે. આ પરિવર્તન તીવ્ર અનુનાસિકનો કોમળ અનુનાસિક અને અનુસ્વારના પ્રક્ષેપ (ન હોય તેવી જગ્યાએ અનુસ્વારનું ઉચ્ચારાવું) તરીકે ઓળખાય છે.
અગાઉની ભૂમિકામાં કેટલાક શબ્દોમાં ઉચ્ચારાતા ‘હ’, ‘વ’ જેવા ધ્વનિઓનો લોપ થાય છે (એટલે કે તે આ ભૂમિકામાં સંભળાતા નથી.); દા.ત., ‘देव’નું ‘दे’, ‘लेहसाल’નું ‘लेसाल’.
ઉપર જોઈ તે મુખ્ય ચાર ધ્વનિગત લાક્ષણિકતાઓ ઉપરાંત આ ભૂમિકામાં ‘सिउ’, ‘नइ’, ‘थिकउ’ અને ‘पासि’ જેવા નવા અનુગોની વપરાશ થતી જોવા મળે છે. વળી ‘छ’ અને ‘हो’ જેવાં સહાયકારક ક્રિયાપદો પણ આ ભૂમિકાથી વપરાશમાં આવ્યાં.
આ ભૂમિકામાં દેશ્ય, રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દો વધુ વપરાતા હોવાનું જણાય છે.
1297માં અલાઉદ્દીન ખલજીનું ગુજરાત ઉપર આક્રમણ થયું ત્યારપછી અહીં મોટા પ્રમાણમાં મુસલમાન પ્રજા સ્થિર થવા માંડી. આ કારણે એક નવી સંસ્કૃતિ, એક નવો સમાજ અને એક જુદી જ ભાષાનો પરિચય અહીંની પ્રજાને થવા માંડ્યો. 1407માં ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત સ્થપાઈ અને 1411માં અમદાવાદ વસ્યું. આ ઘટનાઓએ અહીંની પ્રજાની સંસ્કૃતિ તેનાં રીતરિવાજ, રહેણીકરણી અને ભાષા ઉપર પણ ઘણી મોટી અસર કરી. આ અસરોને કારણે બદલાયેલી ભાષાની કેટલીક મહત્વની લાક્ષણિકતાઓ ચૌદમીથી સત્તરમી સદીમાં રચાયેલી સાહિત્યકૃતિઓમાં જોવા મળે છે. આ કારણે ચૌદમીથી સત્તરમી સદી સુધીના સમયગાળાની ગુજરાતી ભાષાનું અલગ વ્યક્તિત્વ જોવા મળે છે અને તે બાબત ધ્યાનમાં લઈ વિદ્વાનો આ ગાળાની ભાષાભૂમિકાને મધ્યકાલીન ગુજરાતીની ભાષાભૂમિકા ગણે છે. આ લક્ષણોને કારણે આ ભૂમિકાની ભાષા જયપુરી, માળવી, મારવાડી વગેરેથી અલગ પડી. એ પણ નોંધી શકાય કે આ ભૂમિકામાં પ્રવેશેલાં ભાષાનાં કેટલાંક લક્ષણો સૌરાષ્ટ્રી બોલીમાં નથી પ્રવેશ્યાં. તેનાં બે કારણો હોઈ શકે : એક તો આ સમયગાળામાં સૌરાષ્ટ્રી બોલી બોલનારાઓનો બાકીના પ્રદેશના ભાષકો સાથેનો સંપર્ક ઓછો થયો હોય. બીજું કે એ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રી મોભાની ભાષાનું સ્થાન ધરાવતી હોય અને એ કારણે માન્યતાનાં ધોરણો સ્થિર થવા માંડ્યાં હોય.
ખાસ કરીને આ ભૂમિકામાં ઉચ્ચારણોનાં જે લક્ષણો વ્યાપક થયાં એ સૌરાષ્ટ્રીમાં નથી. વિવૃત ‘ઍ’ ને ‘ઑ’ સ્વરો આ ભૂમિકામાં વ્યાપક થયા. बइसइ (સં. उपविशति) ઉપરથી ‘બૅસે’, (સં. पविशति ઉપરથી અપ.માં આવેલા) पइसइ ઉપરથી ‘પૅસે’, (સં. चतुष्क ઉપરથી અપ.માં) चउक्क ઉપરથી ‘ચૉક’ કે (સં. गवाक्ष ઉપરથી અપ.માં) गउक्ख ઉપરથી ‘ગૉખ’ જેવા અનેક શબ્દોમાં ‘ઍ’ અને ‘ઑ’ વિવૃત છે.
એ જ રીતે અગાઉની ભૂમિકામાં શબ્દને અંતે જે હ્રસ્વ इ આવતો તેનો લોપ થયેલો મળે છે; દા.ત., आंखि, राति, खांधि, सेठि, साठि જેવામાં (જે મૂળ अक्षि, रात्रि, स्कन्धि, श्रेष्ठी, षष्टि ઉપરથી આવ્યા) શબ્દને અંતે આવેલો હ્રસ્વ इ આ ભૂમિકામાં ચાલ્યો જતાં ‘આંખ’, ‘રાત’, ‘ખાંધ’, ‘સેઠ’, ‘સાઠ’ જેવા શબ્દો ડના અંત્ય લખાણ સાથે આ ભૂમિકામાં મળે છે. (હજુ સૌરાષ્ટ્રીમાં આ હ્રસ્વ इનો ઉચ્ચાર શબ્દાંતે य રૂપે મળે છે; દા.ત., ‘સેઠ’નું બ.વ. ‘સેઠ્યાઉં’.)
શબ્દના આરંભે અને મધ્યમાં આવતા હ્રસ્વ इ અને उનો પણ આ ભૂમિકામાં अ થયેલો જોવા મળે છે; દા.ત., मिलइનું ‘મળે’, लिखइનું ‘લખે’, पडिछायउનું ‘પડછાયો’, अचरिजનું ‘અચરજ’, छुरउનો ‘છરો’, कुसुंभउનું ‘કસુંબો’, फुरइનું ‘ફરે’, आयुखउंનું ‘આયખું’ વગેરે.
ઉપરનાં બે પરિવર્તનો ઉપરથી સમજાશે કે શબ્દના આરંભ, મધ્ય અને અંતમાં આવતા હ્રસ્વ इ અને उનો મોટાભાગના શબ્દોમાંથી લોપ થતાં આ ભૂમિકામાંથી માત્ર દીર્ઘ ई અને માત્ર ऊ ની વપરાશ બાકી રહી, જે કારણે ગુજરાતીની આજની ભૂમિકામાં इ અને उની બાબતમાં હ્રસ્વત્વ-દીર્ઘત્વનું ભેદકત્વ ચાલ્યું ગયું.
બે સ્વર વચ્ચે આવેલા लનું ळમાં પરિવર્તન આ સમયમાં મળે છે; દા.ત., मिलइનું ‘મળે’, लेसालનું ‘નિશાળ’, खलइનું ‘ખળે’, खालइનું ‘ખાળે’ વગેરે.
શબ્દના આરંભમાં (શબ્દના પહેલા અક્ષરમાં) આવતા आનો કેટલાક શબ્દોમાં આ ભૂમિકામાં अ થયેલો જોવા મળે છે; દા.ત., चामारનું ‘ચમાર’, आखाडનું ‘અખાડ’, आगासનું ‘અગાસ’ (અને તે પરથી ‘અગાસી’,) आछराનું (સંસ્કૃત अप्सरा ઉપરથી अच्छरा થઈ आछराનું) ‘અછરા’ (શામળમાં આ શબ્દ મળે છે), पाथरोશ્નું (प्रस्तरक: ઉપરથી पत्थरउનું पाथेरोનું) ‘પથરો’, पातरुंનું ‘પતરું’, भालोનું ‘ભલો’, पाछीનું ‘પછી’ વગેરે.
ઉપર જોયાં તે ધ્વનિલક્ષણો ઉપરાંત રૂપરચનાની દૃષ્ટિએ બે મહત્વનાં લક્ષણોનો આવિર્ભાવ થયો છે. કર્મણિનું आવાળું રૂપ આ ભૂમિકામાં વ્યાપક રૂપે મળે છે અને તે કારણે करीइને બદલે ‘કરાય’, बोलइને બદલે ‘બોલાય’ તેમજ ‘રમાય’, ‘ખવાય’, ‘મરાય’ જેવી રચનાઓ મળે છે. વળી પહેલો પુ. બ. વ.નો -ઈએ પ્રત્યય પણ આ ભૂમિકામાં વપરાવો શરૂ થયો, જે કારણે ‘બોલીએ’, ‘ચાલીએ’, ‘દોડીએ’, ‘લખીએ’ જેવી રચનાઓ મળે છે. આ જ ભૂમિકામાં અનેક અરબી-ફારસી શબ્દોની વપરાશ વધી.
ત્રીજી ભૂમિકા સત્તરમી સદીથી શરૂ થયેલી જોઈ શકાય છે. વિશ્વનાથ જાની કે પ્રેમાનંદની કૃતિઓમાં ભાષાનાં જે લક્ષણો મળે છે તે બીજી (મધ્યકાલીન) ભૂમિકાની ભાષાનાં લક્ષણો કરતાં જુદાં પડે છે અને આજના ગુજરાતી ભાષકને એ ભાષા સરળતાથી સમજાય છે.
આમાં स અને श એ બે ધ્વનિઘટકો સ્વતંત્ર વપરાતા મળે છે. પંદરમી સદીના અંત સુધી शासन, शिशुपाल, शंखकुमार જેવા શબ્દોમાં श મળે છે; પરંતુ शील/सील જેવા બે स એક જ શબ્દમાં વપરાતા પણ જોવા મળે છે. અન્યત્ર पाडोसी, स्त्री साथिइ वाद करतां सोभइ नही જેવામાં તથા ભવિષ્યકાળમાં करिसु, जाइसु, करिसिइं એમ માત્ર એક જ स મળે છે. આ ઉપરથી એમ કહી શકાય કે પંદરમી સદીના અંત સુધીમાં માત્ર તત્સમ શબ્દોમાં श વપરાતો હતો (અને शील જેવો તત્સમ શબ્દ सील એવા તદભવ રૂપે પણ વપરાતો હતો.). સોળમી સદીમાં કેટલાક તદભવ શબ્દોમાં અને ભવિષ્યકાળનાં રૂપોમાં પણ स અને श મુક્ત વિકલ્પે વપરાવા શરૂ થયા જણાય છે; દા.ત., कारिसि, भरिस, कहसि ઉપરાંત जणाविशि, मेलवशि, चालोशि જેવાં પદોમાં स અને श વપરાયા છે. જોકે शની વપરાશ બહુ ઓછી છે. સત્તરમી સદી પછીની કૃતિઓમાં स અને शની વપરાશ બહુ સ્પષ્ટ રીતે અલગ અલગ ધ્વનિઘટકો તરીકે થવા માંડી છે. ભવિષ્યકાળનો પ્રત્યય તો श અને इश જ મળે છે. શબ્દાંતે આવતા વ્યંજનોમાંથી अનો લોપ આ ભૂમિકાનું મહત્ત્વનું લક્ષણ છે; દા.ત., ‘રમત્’, ‘બોલત્’, ‘બાળક્’.
સૌથી મહત્વની ધ્વનિલાક્ષણિકતા આ ભૂમિકામાં દેખાય છે તે મર્મર સ્વરોની વપરાશ છે. बहिरउ, पहुलउ જેવા શબ્દોમાં જે ‘હ’ સંઘર્ષી વ્યંજન તરીકે સ્વતંત્ર રીતે વપરાતો હતો તે આ ભૂમિકામાં ‘બહેરો’ (‘બ્હૅરો’), ‘પહેલો’ (‘પ્હૅલો’) જેવા શબ્દોમાં ‘બૅ’ અને ‘પૅ’ જેવા વિવૃતની સાથે મર્મર રૂપે ઉચ્ચારાવા માંડ્યો. शहर જેવા ફારસી શબ્દનું ઉચ્ચારણ પણ ‘શહેર’ (‘શ્હૅર’) જેવું થતાં એમાંના ‘શૅ’માં તે મર્મર તરીકે ઉચ્ચારાય છે. આ જ રીતે ‘વાઘ’ અને ‘લાભ’ જેવા શબ્દોમાંના મહાપ્રાણ વ્યંજનમાંનું મહાપ્રાણત્વ છૂટું પડીને આગળના સ્વરમાં મર્મર રૂપે ‘વ્હાગ્’ અને ‘લ્હાબ્’ એ રીતે સંભળાય છે. મર્મર સ્વરોનું ઉચ્ચારણ એ આધુનિક ગુજરાતી ભાષાનું વિશેષ લક્ષણ છે.
વ્યાકરણની દૃષ્ટિએ જોઈએ તો નામોને લગતો વધારાનો બહુવચનનો ‘ઓ’ પ્રત્યય આ ભૂમિકામાં પ્રચારમાં આવ્યો. આ પ્રત્યય ન લાગ્યો હોય તોપણ ગુજરાતી નામો બહુવચન વ્યક્ત કરે છે; દા.ત., ‘છોકરા’, ‘ઘોડા’, ‘વાંદરા’ વગેરે; પણ છેલ્લાં ઘણાં વરસથી વધારાનો -ઓ પ્રત્યય વાપરવાનો ચાલ છે; દા.ત., ‘છોકરાઓ’, ‘ઘોડાઓ’, ‘વાંદરાઓ’ વગેરે. તે એટલે સુધી કે ‘ટીચર્સ’ કે ‘ફ્રેન્ડ્ઝ’ જેવા ઉછીના લીધેલ બહુવચન ધરાવતા શબ્દોમાંય ‘ટીચર્સો’ કે ‘ફ્રેન્ડ્ઝો’ એમ વધારાનો બહુવચનનો ‘ઓ’ પ્રત્યય લગાડાય છે !
મધ્યકાલીન ભૂમિકાથી જ સંયુક્ત ક્રિયાપદોની વપરાશ શરૂ થઈ હતી. આ ભૂમિકામાં તેનો પ્રચાર ખૂબ વધ્યો. અંગ્રેજીની અસર નીચે કેટલીક ખાસ અભિવ્યક્તિઓ પણ પ્રચારમાં આવી; દા.ત., ‘સોગંદ ખાવા’ને બદલે ‘સોગંદ લેવા’, ‘ચા/કૉફી પીશો ?’ને બદલે ‘ચા લેશો કે કૉફી ?’, ‘પગલાં ભરવાં’ને બદલે ‘પગલાં લેવાં’ જેવા અનેક પ્રયોગો તત્સંબંધી અંગ્રેજી શબ્દપ્રયોગોના સીધા અનુવાદ રૂપે મળે છે.
શબ્દભંડોળની દૃષ્ટિએ પણ આ ભૂમિકામાં અંગ્રેજી ભાષાના અનેક શબ્દોની વપરાશ પ્રચારમાં આવી. એ ઉપરાંત પોર્ટુગીઝ, બંગાળી, મરાઠી, પંજાબી, કન્નડ જેવી ભાષાના કેટલાક શબ્દો પણ આ ભૂમિકામાં વપરાવા માંડ્યા.
છેલ્લાં હજાર વર્ષમાં ગુજરાતી ભાષાનું સ્વરૂપ જે રીતે ઘડાયું તે જોતાં ગુજરાતી ભાષાના ધ્વનિસ્વરૂપ અને વ્યાકરણી સ્વરૂપની ખાસ વિશેષતાઓ નીચે મુજબ વર્ણવી શકાય :
ધ્વનિસ્વરૂપ : આધુનિક ગુજરાતી ભાષામાં આઠ સ્વરો અને બત્રીસ વ્યંજનો ધ્વનિસંકેતો કે ધ્વનિઘટકોની કામગીરી બજાવે છે. તે અરસપરસના આંતરસંબંધોની એક ભાત રચે છે અને ભાષામાં અવગમન સાધવાની કામગીરીમાં અર્થભેદ સાધવાની ભૂમિકા ભજવે છે; દા.ત.,
રેતીમાં પગલાંની હાર સુંદર દેખાય છે.
રેતીમાં બગલાંની હાર સુંદર દેખાય છે.
જેવાં બે વાક્યોમાં (ધ્વનિશ્રેણીઓમાં) બધા જ ધ્વનિઓ એકસરખી રીતે ઉચ્ચારાય છે; પરંતુ ‘પ’ને સ્થાને ‘બ’ ઉચ્ચારાતાં (અથવા એ ધ્વનિશ્રેણીમાં ‘પ’ અને ‘બ’ની અરસપરસ અદલાબદલી થતાં) ગુજરાતી ભાષાનું સ્વતંત્ર વાક્ય અસ્તિત્વમાં આવે છે. આ બતાવે છે કે ગુજરાતી ભાષામાં ‘પ’ અને ‘બ’ ધ્વનિઓ ઘટકો તરીકેની કામગીરી બજાવે છે અને અરસપરસની ફેરબદલીના સંબંધો અર્થભેદ કરી શકે છે. આમ, અર્થભેદની ભૂમિકા ભજવીને અવગમન સાધવાની કામગીરી કરનારા ધ્વનિઓ ભાષા-વ્યવસ્થાના ઘટકો ગણાય છે. ગુજરાતીમાં સ્વરોના ધ્વનિ-ઘટકોની વ્યવસ્થા આ પ્રમાણે છે :
ઉપરના આઠ સ્વરો અરસપરસના ભેદકસંબંધોની વ્યવસ્થા રચે છે. તે ધ્વનિશ્રેણીઓમાં એકબીજાને સ્થાને આવીને અર્થભેદ દ્વારા ભિન્ન અર્થબોધની કામગીરી બજાવે છે; દા.ત., ‘મીર’, ‘મેર’, ‘મૅર’, ‘મર’, ‘માર’, ‘મુર’, ‘મોર’, ‘મૉર’ જેવા શબ્દોમાં ઈ, એ, ઍ, અ, આ, ઉ, ઓ અને ઑ – એ સ્વરોની અદલાબદલી માત્ર થાય છે, જ્યારે બાકીના ધ્વનિઓ જેમના તેમ ઉચ્ચારાય છે અને અર્થભેદ થાય છે.
ગુજરાતી ભાષાના ઘડતરની પ્રક્રિયાની બીજી ભૂમિકામાં જ હ્રસ્વ/દીર્ઘ ઇ/ઈના અને ઉ/ઊના ભેદ ચાલ્યા ગયા હતા એ આપણે ગુજરાતી ભાષાની મધ્યકાલીન ભૂમિકાની ચર્ચામાં તો નિર્દેશાયું છે. તેથી આજે ગુજરાતીમાં માત્ર એક ઇ અને એક ઉ જ ધ્વનિઘટકની કામગીરી બજાવે છે. એ જ રીતે એ ભૂમિકામાં જ વિવૃત ઍ અને ઑ અર્થભેદની કામગીરી બજાવતા અસ્તિત્વમાં આવ્યા એ પણ જોયું છે.
આ આઠ સ્વરોમાંથી છ સ્વરો અનુનાસિક હોઈ શકે છે; દા.ત., ભીંત, વીંટી, ઈંડું, ગૅંડો, પૅંડો, અંત્યજ, હં (હોંકારો), આંકડો, વાંકો, આંટો, ઊંટ, ઊંડો, પૉંક, મૉં વગેરે.
આ આઠ સ્વરો મર્મરસ્વરો તરીકે ઉચ્ચારાય છે; દા.ત., ‘બીક’, ‘ચીડ’ જેવામાં ઈ સ્વર મર્મર છે. ‘મેઢ’, ‘વેઢ’ જેવા શબ્દોમાં આવતા ઢ વ્યંજનનો મહાપ્રાણ ઘણા ભાષકોનાં ઉચ્ચારણોમાં આગળના એ સ્વરમાં મર્મર તરીકે સંભળાય છે. ‘વહેલો’, ‘મહેલો’ જેવા શબ્દોમાંનો ‘હ’, એ શબ્દો જ્યારે દ્વ્યાક્ષરી (ત્રણ અક્ષરોને બદલે) શબ્દો રૂપે ઉચ્ચારાય છે, ત્યારે ‘ઍ’ એવા સ્વર સાથે મર્મર રૂપે ઉચ્ચારાય છે. ‘અમે’, ‘તમે’ જેવા શબ્દોમાંનો ‘અ’ મર્મરસ્વર તરીકે માન્ય ભાષામાં ઉચ્ચારાય છે. ‘વહાલો’, ‘બહાલી’ જેવા શબ્દો ત્રણ અક્ષરને બદલે બે અક્ષરના શબ્દો તરીકે ઉચ્ચારાય ત્યારે તેમાંનો ‘હ’ ‘આ’ સ્વર સાથે મર્મર તરીકે ઉચ્ચારાય છે. ઉપરાંત ‘વાહ’, ‘મેઘ’ જેવા શબ્દોમાં બીજા અક્ષરમાંનું મહાપ્રાણત્વ એ શબ્દો એકાક્ષરી તરીકે ઉચ્ચારાતાં આગળના અક્ષરમાંના ‘આ’ તથા ‘એ’ સ્વર સાથે મર્મર રૂપે ઉચ્ચારાય છે. એવું જ ‘કોઢ’, ‘મોઢ’ વગેરેમાં બીજા અક્ષરમાંનું મહાપ્રાણત્વ, એ શબ્દો એકાક્ષરી તરીકે ઉચ્ચારાતાં આગળના ‘ઓ’ સ્વર સાથે મર્મર રૂપે ઉચ્ચારાય છે; જ્યારે ‘પહોંચો’, ‘ડહોળી’, ‘બહોળી’ જેવામાંનો ‘હ’ આ ત્રણ અક્ષર ધરાવતા શબ્દો બે અક્ષર ધરાવતા શબ્દો રૂપે ઉચ્ચારાય છે ત્યારે વિવૃત ‘ઑ’ સાથે મર્મર રૂપે ઉચ્ચારાય છે.
આઠ સાદા સ્વરો, આઠ મર્મર સ્વરો અને છ અનુનાસિક સ્વરો ઉપરાંત બત્રીસ વ્યંજનો પણ અરસપરસ ભેદકધર્મોની વ્યવસ્થાના સંબંધે સંકળાયેલા છે. તેમની વ્યવસ્થા કોઠામાં બતાવ્યા પ્રમાણે છે :
આ કોઠામાંથી સ્પષ્ટ થશે કે વીસ સ્પર્શ-વ્યંજનો અરસપરસના ભેદક સંબંધોની વ્યવસ્થા રચે છે. એક અભિગમ એવો પણ છે કે ગુજરાતીમાં માત્ર સ્પર્શ અલ્પપ્રાણ ધ્વનિઘટકોને સ્વતંત્ર ઘટકોનો મોભો આપવો અને મહાપ્રાણ સ્પર્શ-વ્યંજનોને અલ્પપ્રાણ + મહાપ્રાણ (એટલે કે ફ = પ + હ) એમ બે ઘટકોના બનેલા, ક્ષ, જ્ઞ જેવા જોડકા વ્યંજનો ગણવા. આ અર્થઘટનથી પાછળના તર્કને કંઈક અંશે ઐતિહાસિક પરિવર્તનોની અને કંઈક અંશે ભાષાવ્યવસ્થાના એકમોની વહેંચણીની સમતુલાની પુષ્ટિ મળે છે; છતાં વર્ણનની સરળતા ખાતર ભાષકોની સૂઝનો આધાર લઈએ તો ફ, ભ, થ, ધ, ઠ, ઢ, છ, ઝ અને ખ, ઘ એ મહાપ્રાણ વ્યંજનોને સ્વતંત્ર ઘટકોનો મોભો આપવો ઘટે.
અનુનાસિક વ્યંજનોના ચાર ઘટકો છે. એમાં મ, ન, ણ ઉપરાંત સ્વર સાથે આવતો અનુનાસિક, ઙ્ અને ઞ્ – એ ત્રણ થઈને એક ઘટકની રચના કરે છે.
વ, ય, હ ને અર્ધસ્વર ગણવાને બદલે ભાષકોની સૂઝને અનુસરીને વ્યંજન ગણતાં તે સ, શ, સંઘર્ષી વ્યંજનોની સાથે રહીને ધ્વનિવ્યવસ્થામાં સંઘર્ષી વ્યંજનોમાં પણ સ્પર્શની જેમ પાંચ સ્થાનોના ભેદક ધર્મની સમતોલ વ્યવસ્થા રચે છે.
ર, લ, ળ – એ ત્રણ ઘટકો માન્ય ભાષામાં સ્થિર થયા છે; છતાં કેટલીક પ્રાદેશિક સામાજિક બોલીઓમાં તેમની વચ્ચેનો ભેદક સંબંધ સ્થિર નથી.
ઉપરના બત્રીસ વ્યંજનો ઉપરાંત જંક્ચર, સ્વરભાર, સૂર અને આરોહ-અવરોહ જેવા સહવર્તી ધર્મો પણ ગુજરાતી ભાષામાં વપરાય છે. જંક્ચર અને આરોહ-અવરોહ અર્થભેદની કામગીરી બજાવે છે, જ્યારે સ્વરભાર અને સૂર શબ્દો અને વાક્યોની વપરાશમાં ભાષકની ચોક્કસ વિવક્ષાને સ્પષ્ટ કરવા માટે વપરાય છે.
વ્યાકરણી સ્વરૂપ : ધ્વનિ પછીનો ભાષાકીય ઘટક શબ્દ અને તે પછી વાક્ય છે. શબ્દ અને વાક્યના ઘટકોનું વર્ણન સામાન્ય રીતે વ્યાકરણી સ્વરૂપના વર્ણન તરીકે ઓળખાય છે.
ઉદ્દેશ્ય અને વિધેયની પરિભાષામાં વાક્યને વર્ણવી શકાય.
જ્યારે વાક્યમાં એક નામપદ અને એક ક્રિયાપદ હોય ત્યારે નામપદ ઉદ્દેશ્ય અને ક્રિયાપદ વિધેયને રજૂ કરે છે; પરંતુ જ્યારે વાક્યમાં એક કરતાં વધુ નામપદ હોય (ગુજરાતી વાક્યમાં વધુમાં વધુ પાંચ નામપદ મળે છે.) ત્યારે એક સિવાયનાં અન્ય નામપદો વિધેયના ભાગ રૂપે આવે છે; દા.ત., ‘રમેશ ગયો.’ જેવા વાક્યમાં ‘રમેશ’ એ નામપદ ઉદ્દેશ્યને અને ‘ગયો’ એ ક્રિયાપદ વિધેયને રજૂ કરે છે; પરંતુ ‘રમેશ મોટરમાં બેસીને વડોદરા શહેરમાં સાંજે પાંચ વાગ્યે ફરવા ગયો.’ જેવા વાક્યમાં ‘રમેશ’ સિવાયનાં નામપદો વિધેયના ભાગ રૂપે આવે છે. ક્યારેક વાક્ય માત્ર વિધેયનું પણ બનેલું હોય છે; દા.ત., ‘આજે મારે મોડું થયું !’ જેવા વાક્યમાં ઉદ્દેશ્ય નથી પણ માત્ર વિધેય જ છે.
નામપદ : નામપદ સંજ્ઞા + પ્રત્યયોનું બનેલું હોય છે. સંજ્ઞાની ડાબી બાજુ વિશેષણ અને વર્ધકો જોડાય છે; દા.ત., ‘એક લાલ ઘોડો’.
સંજ્ઞા, વિશેષણ અને વર્ધક સપ્રત્યય અથવા અપ્રત્યય હોઈ શકે છે. સપ્રત્યય સંજ્ઞા, વિશેષણ અને વર્ધકને લિંગવચનના પ્રત્યયો લાગે છે. લિંગવચનના પ્રત્યયો કુદરતી લિંગ અને વચન, પદાર્થનું કદ અને પદાર્થની નજાકત કે બરછટપણું સૂચવે છે; દા.ત., ‘વાંદરો’ જેવી સંજ્ઞામાં ‘ઓ’ લિંગવચનનો પ્રત્યય પુંલિંગ એકવચન સૂચવે છે, પણ ‘ચોટલો’ જેવી સંજ્ઞામાં એ પદાર્થનું કદ અને એકવચન સૂચવે છે. ‘ગાડી’ જેવી સંજ્ઞામાં ‘ઈ’ પ્રત્યય પદાર્થની નજાકત સૂચવે છે.
સર્વનામ સંજ્ઞાને સ્થાને આવે છે. તે પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ સૂચવે છે. ઉપરાંત તે પ્રશ્નાર્થક, અનિશ્ચિત, સાપેક્ષ, સ્વવાચક અને સમૂહવાચક પણ હોય છે. હું, તું, તે, અમે, આપણે, તમે, આપ અને તેઓ પુરુષવાચક સર્વનામો છે. તે/એ, પેલો દર્શક સર્વનામ તરીકેની કામગીરી પણ કરે છે. કોણ, કોને, શું એ પ્રશ્નાર્થક; કંઈ, કશું એ અનિશ્ચિત; જે સાપેક્ષ; જાતે, પંડે, પોતે, ખુદ – એ સ્વવાચક અને બધાં, સઘળાં, સૌ –એ સમૂહવાચક સર્વનામો છે.
ક્રિયાપદ : ક્રિયાવિશેષણ + આખ્યાત ભેગાં થઈને ક્રિયાપદ બને છે. આખ્યાત ધાતુ + પ્રત્યયોનું બનેલું હોય છે. ધાતુને લાગતા પ્રત્યયો અવસ્થા, કાળ, અર્થ અને પ્રયોગ ઉપરાંત લિંગવચન કે પુરુષવચન પણ દર્શાવે છે. સંયુક્ત ક્રિયાપદ આખ્યાત + સહાયકારીનાં બનેલાં હોય છે. ‘તે નિરંતર લખતો હશે’ અથવા ‘તે નિરંતર લખશે’ જેવા વાક્યમાં ‘તે’ એ ઉદ્દેશ્યપદ છે. ‘નિરંતર લખશે’ એ ક્રિયાપદમાં ‘નિરંતર’ને ક્રિયાવિશેષણ તરીકે ઓળખાવાય છે. ‘લખશે’ એ આખ્યાત છે. અને તેમાં ‘લખ’ એ ધાતુને ‘શ’ એ ભવિષ્યકાળનો તથા ‘એ’ એવો ત્રીજા પુ. એ. વ.નો પ્રત્યય લાગેલા છે. ‘લખતો હશે’ એ સંયુક્ત ક્રિયાપદ છે; જેમાં ‘લખ’ ધાતુને ‘ત’ અવસ્થાસૂચક, ‘ઓ’ લિંગવચનનો પ્રત્યય લાગ્યા પછી ‘હશ’ એવા સહાયકારી ધાતુને ‘એ’ એવો ત્રીજા પુ. એ. વ.નો પ્રત્યય લાગ્યો છે.
વાક્યરચના : ગુજરાતી વાક્યરચનાને ક્રિયાવિધાનના દૃષ્ટિબિંદુથી વર્ણવી શકાય. વક્તાના ઇરાદા પ્રમાણે વાક્યમાં ક્રિયાવિધાન રજૂ થાય છે. એ ઇરાદો માત્ર વિધાન કરવાનો હોય તો ‘રમેશ રોટલી ખાય છે.’ જેવું નિર્દેશાર્થ વાક્ય મળે છે. પ્રશ્ન પૂછવાનો ઇરાદો હોય તો ‘રમેશ રોટલી ખાય છે ?’ તેવું પ્રશ્નાર્થક વાક્ય મળે છે. સૂચન કે આદેશનો ઇરાદો હોય તો ‘રમેશે રોટલી ખાવી.’ જેવું આજ્ઞાર્થક વાક્ય મળે. એણે એ ક્રિયા રોજ કરવી જોઈએ એવું સૂચવવાનો ઇરાદો હોય તો ‘રમેશે રોજ રોટલી ખાવી જોઈએ.’ – એવું વિધ્યર્થક વાક્ય મળે. આશ્ચર્ય વ્યક્ત કરવાનો ઇરાદો હોય તો ‘કેવું સરસ !’ જેવું ઉદગારવાચક વાક્ય મળે.
સામાન્ય રીતે વક્તા ‘કર્તા’ અને ‘ક્રિયા’ને કેન્દ્રમાં રાખીને વાક્ય રજૂ કરે છે; દા.ત., ‘રમેશ રોટલી ખાય છે.’ આમાં ‘રમેશ’ અને ‘ખાવાની ક્રિયા’ કેન્દ્રમાં છે તેથી તે કર્તરિ વાક્ય તરીકે ઓળખાય છે; પરંતુ વક્તા જ્યારે ‘કર્મ’ને કેન્દ્રમાં રાખીને વાક્ય રજૂ કરે ત્યારે તે કર્મણિ વાક્ય હોય છે; દા.ત., ‘રમેશથી રોટલી ખવાય છે.’ જ્યારે માત્ર ક્રિયાને કેન્દ્રમાં રાખીને વાક્ય રજૂ થાય ત્યારે તે ભાવે રચના હોય છે; દા.ત., ‘હવે જવાય છે’ અથવા ‘મારાથી હસાતું નથી.’ વાક્યોમાં ક્રિયાવિધાનની સંખ્યા કેટલી છે તેને આધારે પણ વાક્યના પ્રકારો થઈ શકે. જો વાક્યમાં એક જ ક્રિયાવિધાન રજૂ થાય તો તે સાદું વાક્ય ગણાય; દા.ત., ‘રમેશ રોટલી ખાય છે.’ પરંતુ જો વાક્યમાં બીજું એક ક્રિયાવિધાન પણ ઉમેરવામાં આવે અને એ ક્રિયાવિધાન પહેલા ક્રિયાવિધાન જેવું જ મુખ્ય હોય તો સંયુક્ત વાક્ય બને છે; દા.ત., ‘રમેશ રોટલી ખાય છે અને ચા પીએ છે.’ પણ એક મુખ્ય ક્રિયાવિધાનની સાથે એક ગૌણ ક્રિયાવિધાનને જોડીને એક જ વાક્યમાં રજૂ કરવામાં આવે ત્યારે તે સંકુલ વાક્ય બને છે; દા.ત., ‘તેને જણાવો કે શંકાનું ઓસડ નથી.’
બોલી
ભાષાની સામાજિક વિવિધતાને જ્ઞાતિ-બોલીઓ તરીકે પ્રાથમિક રીતે ઓળખાવી શકાય. ભારતમાં વર્ણવ્યવસ્થાને કારણે અનેક જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી છે. આ જ્ઞાતિઓ પોતાની ઓળખ માટે ભાષાના ચોક્કસ વપરાશનો આગ્રહ રાખે છે. ગુજરાતમાં પારસીઓ અને નાગરો ભાષાના એવા ચોક્કસ વપરાશના આગ્રહો રાખતા જોવા મળે છે. આવા ખાસ આગ્રહ વિના પણ વાઘરી, વહોરા, આહીર તથા મેર અને ખારવાઓની એવી જુદી જુદી લાક્ષણિકતાઓ ધરાવતી જ્ઞાતિ-બોલીઓ ગુજરાતમાં જોવા મળે છે. જોકે અભ્યાસ કરતાં જણાયું છે કે આ બોલીઓનાં લક્ષણો કોઈ ને કોઈ ભૌગોલિક બોલીનાં લક્ષણો સાથે સરખાપણું ધરાવે છે. આનું એક કારણ એ પણ હોઈ શકે કે જે તે પ્રદેશમાં અમુક જ્ઞાતિ અન્ય જ્ઞાતિઓની સરખામણીમાં સામાજિક રીતે ઊંચો દરજ્જો ધરાવતી હોય. આ ઊંચા દરજ્જાને કારણે મોભાવાળી જ્ઞાતિ-બોલીનાં લક્ષણો અપનાવવાનું અન્ય ભાષકોનું વલણ હોય તે સ્વાભાવિક છે; દા.ત., સૌરાષ્ટ્રી બોલીની લાક્ષણિકતાઓ અને નાગર જ્ઞાતિની બોલીનાં લક્ષણો વચ્ચે ઘણું સામ્ય જોવા મળે છે. નાગરજ્ઞાતિ સૌરાષ્ટ્રમાં રાજકીય-સામાજિક-સાંસ્કૃતિક રીતે અગ્રેસર અથવા મોભાવાળી ગણાય છે. જૂનાં રજવાડાંના અનેક દીવાનો અને રાજકીય આગેવાનો – વહીવટકર્તાઓ નાગર જ્ઞાતિના હતા. આ બધાં કારણોસર તે જ્ઞાતિની બોલી મોભાની બોલી થઈ ગઈ હોવાનું લાગે છે.
સામાન્ય રીતે ભાષાનો વપરાશ વ્યક્તિના વિદ્યાકીય, સામાજિક – સાંસ્કૃતિક મોભાની સાથે સંકળાયેલો છે. માણસના ભાષા-વપરાશ ઉપરથી તે ભણેલો છે કે અભણ, ઉચ્ચ જ્ઞાતિનો છે કે નિમ્ન જ્ઞાતિનો, શહેરનો છે કે ગામડાનો – એની ખબર પડતી હોય છે. પોશાક માણસની અડધી ઓળખાણ આપે છે, જ્યારે ભાષા માણસની ઘણી ઓળખાણ આપે છે. વાસ્તવમાં એમ બનતું જોવામાં આવે છે. અદ્યતન ઢબનો પોશાક પહેરેલો માણસ બોલવા માંડે એટલે તેની વાતચીત ઉપરથી (ભાષાના વપરાશ ઉપરથી) તેની સંસ્કારિતા, તેનો સામાજિક મોભો વગેરેનો ખ્યાલ આવે છે. આ ઉપરથી એવું માની શકાય કે જે ભાષા માનવ માનવ વચ્ચે અવગમન-વ્યવહારની સરળતા કરીને સહકાર અને એકતા સાધવામાં મદદ કરે છે તે જ ભાષાના વિવિધ વપરાશો તેમને એકબીજાથી અલગ સમૂહો તરીકે અથવા જૂથો તરીકે ટકાવી રાખવામાં પણ મદદ કરે છે. માણસ માણસ વચ્ચે સમજ પેદા કરવામાં અથવા તો ગેરસમજ ફેલાવવામાં પણ ભાષાની ભૂમિકા બહુ અગત્યની હોય છે.
સામાન્ય રીતે ભાષાની આવી સામાજિક વિવિધતાના અભ્યાસમાં જ્ઞાતિ-બોલીઓ, ધંધાની બોલીઓ, ભાષાના વિશેષ એવા ચબરાકિયા પ્રયોગો, છૂપી બોલીઓ વગેરેને આવરી લેવાય છે.
દરેક સમાજમાં ધંધાદારી માણસોનાં પોતાના ધંધા પ્રમાણે આગવાં જૂથો અસ્તિત્વમાં આવતાં હોય છે. અંદરોઅંદર હરીફાઈ હોવા છતાં એક જ ધંધાને કારણે હિતોની સમાનતા હોવાથી તેમનાં જૂથ-સંગઠનો અસ્તિત્વમાં આવે છે. આ જૂથો પોતાના ધંધા પૂરતી ખાસ પરિભાષાઓ ઊભી કરે છે, એ ઉપરાંત ખાસ શબ્દપ્રયોગો પણ ચલણી બનાવે છે; દા.ત., ‘अ મક્કમ હતો અને ब છ રૂપિયા ઊછળ્યો છતાં ખેલાડીઓએ કડાકો બોલાવતાં રોકડામાં ઢીલાશ હતી’ – આ વાક્યમાં વપરાયેલા બધા શબ્દો ગુજરાતી ભાષામાં ચલણી છે. છતાં આ વાક્યમાં તેમના જુદા જ અર્થ થાય એ રીતે તેમનો વપરાશ થાય છે. આ શબ્દોને જાણે કે પારિભાષિક શબ્દોનો દરજ્જો આપવામાં આવ્યો છે. ‘મક્કમ’ એ વિશેષણ છે અને સામાન્ય રીતે વ્યક્તિ માટે વાપરવામાં આવે છે. અહીં ‘શૅર’ની સાથે તેને વાપરવામાં આવ્યું છે. શૅર મક્કમ હોય એનો અર્થ એ થયો કે તેનામાં ભાવની વધઘટની સંભાવના ન હતી. વળી ‘ઊછળવું’ એ ક્રિયાપદ સામાન્ય રીતે જીવંત માટે અને ક્યારેક ‘સ્પ્રિંગ’ જેવા પદાર્થના સંદર્ભમાં વપરાય છે. અહીં તે શબ્દ ‘શૅર’ માટે વપરાયો છે. આ શબ્દ પણ ‘મક્કમ’ની જેમ ‘શૅર’ના સંદર્ભમાં પારિભાષિક બની ગયો છે. ‘કડાકો’, ‘રોકડા’ અને ‘ઢીલાશ’ – એ શબ્દો પણ શેરબજારની પરિભાષા બની ચૂક્યા છે. આમ, શૅરબજારમાં વપરાતી ભાષા એક ધંધામાં જોડાયેલા સભ્યો વડે વપરાતી ખાસ પ્રકારની ભાષા બની ગઈ છે.
અંગ્રેજીમાં ધંધાદારી ભાષાને ‘જાર્ગન’ કહેવામાં આવે છે. ડૉક્ટરોની, વકીલોની, દરજીની, રેલવેની કે કાપડબજારની ભાષા – એમ જુદા જુદા ધંધાઓની વિવિધતાભરી ભાષાઓને ધંધાદારીઓની બોલીઓ તરીકે ઓળખવામાં આવે છે. એક રીતે એમ પણ કહી શકાય કે આ બધા ધંધાઓમાં કેટલીક વિશેષ અથવા ખાસ પ્રકારની પરિભાષા સ્થપાઈ હોય છે અને એ પરિભાષાનો અર્થ સમજવો અન્ય ભાષકો માટે મુશ્કેલ હોય છે.
ચબરાકિયા પ્રયોગો (slang) યુવાનો અને યુવતીઓમાં વિશેષ વપરાય છે. એક પ્રકારની ગમ્મત-રમૂજ-ટીખળની અને ક્યારેક બળવાની અને જાહેરમાં વડીલોની હાજરીમાં કશું છુપાવવાની વૃત્તિમાંથી આ પ્રકારના ભાષાપ્રયોગો કિશોરો-યુવાનો અને કિશોરીઓ-યુવતીઓનાં જૂથમાં થતા હોય છે.
આવા પ્રયોગોમાં એમની ઉંમરને સહજ એવી મુગ્ધતા, ચમત્કૃતિ, કાવ્યમયતા, રંગીનતા અને ધાર જોવા મળે છે. આમ તો રોજબરોજની ભાષામાં વપરાતા શબ્દોનો જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેમને નવા સંદર્ભમાં – નવા અર્થમાં વાપરવામાં આવે છે. આ કારણે ભાષામાં જે પરંપરાગત સ્થિરતા છે, રૂઢિગતતા કે ચીલાચાલુપણું અને તેનો કંટાળો છે, એકધારાપણું છે તેમાંથી મુક્તિ મળે છે. ક્યારેક બૌદ્ધિક ગુરુતાગ્રંથિ પણ આવા ભાષાપ્રયોગો પાછળ કારણભૂત હોય છે. મોટેભાગે આવા પ્રયોગો ભાષા સાથેની રમત અથવા છેડછાડમાંથી જન્મેલા જોવા મળે છે. જૂની પેઢીથી જુદા પડવાનું અને ભાષામાં નાવીન્ય–તાજગી લાવવાનું પ્રયોજન પણ આવા પ્રયોગોના વપરાશની પાછળ જોઈ શકાય.
ગુજરાતી ભાષામાં એક જમાનામાં ‘ચા પીવી’, ‘ટ્યૂબલાઇટ થવી’, ‘સવા નવ ને પાંચ હોવું’, ‘પાંચસો પંચાવન હોવું’, ‘માખણ લગાડવું’, ‘મફતલાલ હોવું’ જેવા પ્રયોગો ચબરાકિયા પ્રયોગો તરીકે ચલણી બન્યા હતા. હવે એ રૂઢિપ્રયોગો થઈ જતાં, ભાષાના સામાન્ય પ્રવાહનો ભાગ થઈ જતાં તેમાંનું નાવીન્ય જતું રહ્યું છે. ‘ઍસ્પ્રો’, ‘ઍનેસિન’, ‘ખપત’, ‘બામ’ એ બધા હવે ચબરાકિયા પ્રયોગો રહ્યા નથી, કારણ કે આવા પ્રયોગો વધુ ચલણી બનતાં એક જૂથની માલિકીના મટી ગયા છે અને તેની અંગતતા, આગવાપણું, ખાનગીપણું ચાલ્યાં ગયાં છે.
ઘણી વાર જાતીયતા, અશ્લીલતા અથવા અશિષ્ટતાને વ્યક્ત કરવા કેટલાક રંગીન શબ્દપ્રયોગોનો વપરાશ થાય છે. એ પ્રયોગો જૂથ પૂરતા જ મર્યાદિત હોવાથી એનું ખાનગીપણું અને ઔચિત્ય જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. ‘સુ-વાવડ છે’, ‘પર-ધાન છે’, ‘ખા-દી છે’ જેવા તોડફોડ કરેલા શબ્દો ચબરાકિયા પ્રયોગો તરીકે ગુજરાતીમાં વપરાય છે. યુવાન ભાષકજૂથોના મનોજગતને અને તેમની કલ્પના–સર્જનશક્તિને સમજવામાં ભાષાની આવી વિવિધતા ઉપકારક થઈ શકે છે.
વળી, કોઈ વાર સૌરાષ્ટ્ર; ઉત્તર, મધ્ય કે દક્ષિણ ગુજરાતના નાના ગામડાની મુલાકાત લેતાં અને ત્યાં જુદી જુદી જ્ઞાતિ કે કોમના માણસોને મળતાં આ વાત તુરત ધ્યાન પર આવે છે. એક જ ગામના ઠાકરડાવાસમાં જે પ્રકારની ભાષા વપરાય છે તેવી જ ભાષા હરિજનવાસમાં વપરાતી નથી. વળી, માછીવાડાની ભાષા તો સારી એવી જુદી જ લાગે. ગામના બ્રાહ્મણ-વાણિયા કદાચ શિષ્ટમાન્ય ભાષાની બહુ નજીકની ભાષાનો ઉપયોગ કરતા લાગે, પણ વહોરવાડમાં કે ઈદગાહ વિસ્તારની ભાષા જુદી જ હોય. એક જ ગામમાં ભાષા-વપરાશમાંનું આટલું વૈવિધ્ય હોવા છતાં બજારમાં કે બસ-સ્ટૅન્ડ પર બધાં ભેગાં થાય ત્યાં ઠાકરડા કે માછી, બ્રાહ્મણ કે વાણિયા, હરિજન કે મુસલમાન – બધા એકબીજા સાથે નિરાંતે વાતચીત કરતા સાંભળવા મળે છે. જોકે એમની વાતચીતમાં શાળામાં ભણ્યા હોય એવી ગુજરાતી ભાષા ભાગ્યે જ વપરાય છે.
જુદા જુદા પ્રાદેશિક અને તેમાંયે ગ્રામવિસ્તારમાં વાતચીત સાંભળતાં જણાય છે કે સૌરાષ્ટ્રનાં ગામડાંમાં સૌરાષ્ટ્રી, ઉત્તર ગુજરાતનાં ગામડાંમાં ઉત્તર ગુજરાતી, મધ્ય ગુજરાતનાં ગામડાંમાં ચરોતરી અને દક્ષિણ ગુજરાતમાં સૂરતી બોલી બોલાય છે. સૌરાષ્ટ્ર કે સૂરત જિલ્લાના કોઈ ગામડામાં ઊછરેલો માણસ એન્જિનિયર થાય કે ડૉક્ટર, વેપારી થાય કે પ્રધાન; પણ એ બોલવા માંડે એટલે ખબર પડી જાય કે એમનું મૂળ વતન ક્યાં આવ્યું. ગુજરાતમાં ગામડે ગામડે, જ્ઞાતિએ જ્ઞાતિએ અને એક જ ગામડાના જુદા જુદા વાસ(વિસ્તાર)માં જુદાં જુદાં ભાષા-લક્ષણો સાંભળવા મળે એવું બને, છતાં વ્યાપક રીતે જોઈએ તો ભૌગોલિક વિસ્તારોને અલગ પાડીને તેમાં બોલાતી બોલીઓનો અભ્યાસ થઈ શકે.
માન્ય ગણાતી અને તેથી શિક્ષણના માધ્યમ તરીકે વપરાતી અને પાઠ્યપુસ્તકોમાં છપાતી; વર્તમાનપત્રો, રેડિયો અને ટી.વી. જેવાં સમૂહ-માધ્યમોમાં ઉપયોગમાં લેવાતી ભાષાથી ઉચ્ચારણોમાં, શબ્દપ્રયોગ અને વાક્યપ્રયોગોમાં જુદી પડતી ભાષાને સામાન્ય રીતે ‘બોલી’ તરીકે ઓળખવામાં આવે છે. બોલીના અભ્યાસ માટે એટલે કે કોઈ પણ બોલીનાં લક્ષણોને અલગ તારવવા માટે તે વિશેની આ માન્યતા મદદરૂપ થાય છે; કારણ કે માન્ય ભાષાને આધારે મોટેભાગે બોલીઓના અભ્યાસો કરવાનું વલણ વધારે જોવા મળે છે.
કોઈ પણ અભણ ગામડિયો અથવા ખેતરમાં હળ ચલાવતો ખેડૂત જાણે છે કે તે જે ભાષાનો ઉપયોગ કરે છે તે તેના ગામના શિક્ષકની અથવા કર્મકાંડ કરાવનાર બ્રાહ્મણની ભાષા જેટલી ‘શુદ્ધ’ નથી. સમાજમાં વપરાતી શુદ્ધ અથવા માન્ય (આદર્શ) ભાષાની તુલનાએ ઘણાબધા ભાષકો ‘અશુદ્ધ’ અથવા ‘હલકી’ મનાતી ભાષાનો ઉપયોગ કરતા હોય છે. સામાન્ય જનસમુદાય શુદ્ધ અથવા આદર્શ ભાષાને ‘ભાષા’ તરીકે અને અશુદ્ધ કે હલકી મનાતી ભાષાને ‘બોલી’ તરીકે ઓળખે છે. એ રીતે જ જ્ઞાતિબોલી, ધંધાની બોલી અને ભૌગોલિક બોલી પ્રમાણમાં અશુદ્ધ કે હલકી મનાય છે.
વળી, જનસમુદાયમાં એવી એક માન્યતા પણ છે કે જે પુસ્તકો, સામયિકો, વર્તમાનપત્રોમાં છપાય છે, (અને હવે રેડિયો-ટી.વી. પર બોલાય છે) તે ભાષા હોય છે અને ગામડાંના અભણ માણસો દ્વારા બોલાય છે તે બોલી હોય છે.
વાસ્તવમાં ઝીણવટથી સાંભળવામાં આવે તો એક જ ભાષા બોલનાર અલગ અલગ વ્યક્તિઓ એ ભાષાને જુદી જુદી લાક્ષણિકતાઓ સાથે બોલતા જણાશે. આમ થવું સ્વાભાવિક પણ છે; કારણ કે ભાષા શીખવાની (એટલે કે નાનપણમાં સમાજમાંથી ભાષાને આત્મસાત્ કરવાની) પ્રક્રિયા જ એવી છે કે દરેક વ્યક્તિની ભાષામાં ભિન્નપણું હોય. કુટુંબ અને સમાજમાંથી વ્યક્તિ જ્યારે ભાષા શીખે છે ત્યારે તે ભાષા વપરાશના અનેક પ્રયોગો સાંભળતાં સાંભળતાં, એ પ્રયોગોના વપરાશ પાછળના નિયમો તારવે છે. આ તારવેલા નિયમોની મદદથી ભાષાને નામે ઓળખાતી ઉચ્ચારણો, શબ્દપ્રયોગો અને વાક્યપ્રયોગો વગેરેની સામગ્રીને પોતાની રીતે ઉપયોગમાં લે છે. દરેક વ્યક્તિએ તારવેલા નિયમો સમાન હોવા છતાં એ નિયમોનો વિનિયોગ દરેક વ્યક્તિ પોતાની રીતે કરે છે. આ કારણે તાત્વિક રીતે વ્યક્તિલઢણ–વ્યક્તિબોલી (idiolect) અસ્તિત્વમાં આવે છે.
આમ, બધી વ્યક્તિઓ વ્યક્તિબોલીનો ઉપયોગ કરતી હોવા છતાં જૂથ-ઓળખની સભાનતાને કારણે જે તે વ્યક્તિઓ જ્ઞાતિ-ધંધો-પ્રદેશ અનુસાર જ્ઞાતિબોલી, ધંધાની બોલી અને પ્રાદેશિક બોલી એમ ત્રણેયનો યથાવશ્યક ઉપયોગ કરે છે.
ભલે જનસમુદાયમાં એવી માન્યતા હોય કે પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રોમાં છપાય છે અને રેડિયો, ટી.વી. ઉપર જે વપરાય છે તે ભાષા અને સામાન્ય જનસમુદાય દ્વારા જે બોલાય તે બોલી; પરંતુ વૈજ્ઞાનિક રીતે સમજીએ તો ભાષા અને બોલી વચ્ચે કોઈ તાત્વિક ભેદ નથી.
માણસની ભાષાને આત્મસાત્ કરવાની પ્રક્રિયા જ એવા પ્રકારની છે કે અનેક ભાષકોને સાંભળીને તેમની ભાષાસામગ્રીના આધારે તેમની ભાષાની રચના અને કામગીરીના નિયમો તે તારવે છે. એક જ ભાષાસમાજ તરીકે ઓળખાતા સમૂહના બધા ભાષકોએ એ સામગ્રીની રચના અને કામગીરીના નિયમોને સમાન રીતે તારવ્યા હોય છે અને તેથી એ નિયમો લગભગ સમાન હોય છે. એ નિયમો ‘લગભગ સમાન’ હોય છે એમ જણાવવાનું કારણ કેટલાક અપવાદરૂપ નિયમોની બાબત સર્વસ્વીકૃતિ ન પામી હોય એવું પણ એમાં જોવા મળે છે તે છે; દા.ત., ગુજરાતી ભાષામાં દરેક શબ્દની સાથે લિંગની ઓળખ જોડાયેલી છે. હવે જડ પદાર્થોને સૂચવતા શબ્દોના લિંગની ઓળખ બાબતમાં એકવાક્યતા અથવા સર્વસંમતિ જોવા મળતી નથી. ‘ચંપલ’ શબ્દને કેટલાક સ્ત્રીલિંગ માને છે, તો કેટલાક પુંલિંગ તો વળી કેટલાંક નપુંસકલિંગ માનનાર પણ છે. એ રીતે માન્ય ભાષા બોલનાર તરીકે ઓળખાતા વિસ્તારમાં તે શબ્દ પુંલિંગમાં વપરાતો હોય અને બોલી તરીકે ઓળખાતા વિસ્તારમાં તે શબ્દ સ્ત્રીલિંગમાં વપરાતો હોય તો જે તે વિસ્તારનો ભાષક તેને અનુક્રમે પુંલિંગ અને સ્ત્રીલિંગમાં વાપરશે. ‘ચંપલ’ શબ્દની બાબતે એવું નથી થયું. ‘ચા’ શબ્દમાં એવું થયું છે. માન્ય ભાષા બોલતા વિસ્તારમાં તે શબ્દ સ્ત્રીલિંગમાં વપરાય છે અને સૌરાષ્ટ્રી બોલી બોલતા વિસ્તારમાં તે પુંલિંગમાં વપરાય છે. આના આધારે ‘ચા’ શબ્દને પુંલિંગ ગણવો એ સૌરાષ્ટ્રી બોલીનું એક લક્ષણ મનાય છે. હવે ‘ચંપલ’ શબ્દ ગમે તે લિંગમાં વપરાય તોપણ માન્ય ભાષાનો વપરાશ જ ગણાય છે અને ‘ચા’ પુંલિંગ કે સ્ત્રીલિંગમાં વપરાય તો અનુક્રમે બોલી અને માન્ય ભાષાનો વપરાશ ગણાય છે. આ પ્રકારના વલણ-નિયમ પાછળ કોઈ તર્ક નથી, પરંતુ ભાષા-સમાજની વ્યાપક માન્યતાનો આધાર છે. આમ, માન્ય ભાષા અને બોલીના ભેદો પાછળ કોઈ ભાષાકીય આધાર નથી, પણ સામાજિક માન્યતા છે.
ભાષા-પ્રદેશના વિસ્તારમાં આવી વૈકલ્પિક વપરાશની વિવિધતાઓને ભૌગોલિક બોલી તરીકે અથવા માત્ર બોલી તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારો ભૌગોલિક રીતે જુદા પડતા હોવા ઉપરાંત સામાજિક, રાજકીય, ધાર્મિક કારણોસર પણ જુદા પડી શકે. ક્યારેક તો એવું બને કે દરેક ગામડાની જુદી પડતી હોય તેવી બોલીઓ સાંભળવા મળે; પરંતુ વહીવટી કે રાજકીય કારણોસર કેટલાંક ગામોનો સમૂહ તાલુકા, જિલ્લા રૂપે અસ્તિત્વમાં આવ્યો હોય તો એ પ્રમાણે તે તાલુકા-જિલ્લાની બોલી ગણાવા માંડે; દા.ત., એક સમયે નંદરબાર અને પીંપલનેરમાં બોલાતી બોલીને ડૉ. ટી. એન. દવે સૂરતી ગુજરાતીના જ એક સ્વરૂપ તરીકે ઓળખાવે છે (‘જર્નલ ઑવ્ ગુજરાત રિસર્ચ સોસાયટી’, વૉ. 1, પૃ. 8); પણ રાજકીય વહીવટી કારણોસર તે ખાનદેશી (મરાઠીની) બોલી તરીકે હવે ઓળખાય છે.
બોલીસ્વરૂપ જેમ વહીવટી – રાજકીય કારણોસર આકાર લે છે, એવું જ માન્ય ભાષાનું પણ છે. એક જ પ્રદેશમાં અનેક બોલીઓ બોલાતી હોય, તેમાંથી અમુક વિસ્તાર વહીવટી, રાજકીય કારણોસર અથવા વિદ્યાકીય – ઔદ્યોગિક, ધાર્મિક, સામાજિક ગમે તે કારણોસર કેન્દ્રવર્તી બની જાય તો તે વિસ્તારના પ્રજાજનો પણ સામાજિક મોભાને કારણે અને વહીવટી સરળતાને માટે પેલા કેન્દ્રવર્તી વિસ્તારમાં બોલાતી બોલી વાપરવા લલચાય. પછી ધીમે ધીમે એ બોલીને આખા પ્રદેશના ભાષકોની સ્વીકૃતિ – માન્યતા મળતાં તે માન્ય ભાષા તરીકે આકાર લે, તેમાં સાહિત્ય રચાવા માંડે, વર્તમાનપત્રો છપાવા માંડે, રેડિયો–ટી.વી.ના કાર્યક્રમો આવવા માંડે, તેનું વ્યાકરણ રચાય અને પછી તો એ જ ‘શુદ્ધ ભાષાવ્યવહાર’ એવો આગ્રહ સેવાવા માંડે. એટલે કે શાળામાં જે ભાષામાં ભણાવાય છે, જેમાં સાહિત્ય–સામયિકો–છાપાં છપાય છે, જેનો ટી.વી.–રેડિયો પર ઉપયોગ થાય છે એ માન્ય ભાષા એમ નહિ; પરંતુ પહેલાં એ માન્ય ભાષા તરીકે સ્વીકારાઈ પછી એમાં સાહિત્ય, છાપાં વગેરે છપાવાનું શરૂ થાય ને શાળામાં એ ભાષાસ્વરૂપ ભણાવાતુંયે થાય.
માન્ય ભાષા સ્વીકૃત ભાષા છે અને બોલી એ ભાષાનું રોજ-બ-રોજના વ્યવહારમાં વપરાતું વ્યાપક સ્વરૂપ છે. આ બાબત સ્પષ્ટતા થવાથી ભાષાના ઇતિહાસના અને ભાષામાં રચાતા સાહિત્યના અભ્યાસમાં તથા ભાષા-શિક્ષણમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવાય અને સમજવામાં સરળતા થાય.
ગુજરાતી ભાષાના ઉદભવ અને વિકાસ વિશે વિચાર કરતાં તેમાં સમયના પરિમાણમાં ગુજરાતી ભાષા કેવાં કેવાં પરિવર્તનોમાંથી પસાર થઈ તેનું ચિત્ર મળે છે. ભાષાના આવા પરિવર્તનમાં સ્થળના પરિમાણનો પ્રભાવ પણ છતો થાય છે. ગુજરાતી ભાષાના ઉદભવના તબક્કે એમાં મર્મર (murmur) સ્વરો ઉચ્ચરાતા ન હતા. એ ભૂમિકાની ભાષામાં વિવૃત ‘ઍ’ અને ‘ઑ’નો ઉપયોગ થતો નહોતો. બોલીનો આવો અભ્યાસ ગુજરાતી ભાષાની પ્રારંભિક ભૂમિકાની લાક્ષણિકતા દર્શાવી આપે છે. સૌરાષ્ટ્રી બોલીમાં હજુ એ સમયની ભાષાભૂમિકાનાં લક્ષણો સચવાઈ રહ્યાં છે. તે ભૂમિકામાં અનુનાસિક વ્યંજનો અનુનાસિક સ્વરોમાં પરિવર્તિત થવાની ભૂમિકાની હજુ શરૂઆત હતી અને ત્યારે મોટા પાયે અનુનાસિક વ્યંજનો ઉચ્ચારાતા હતા. આજે સૌરાષ્ટ્રી બોલીમાં અનુનાસિક સ્વરોને બદલે અનુનાસિક વ્યંજનો (દા.ત., ‘પેંડો’ ને બદલે ‘પેન્ડો’ અને ‘ગાંડો’ને બદલે ‘ગાન્ડો’) સાંભળવા મળે છે.
આમ, સમયના પરિમાણમાં પરિવર્તન પામતી ભાષાનાં એ પરિવર્તનોનાં મૂળ, સ્થળના પરિમાણમાં અસ્તિત્વ ધરાવતી ભાષા(બોલી)નાં લક્ષણોમાં જડવાથી એ પરિવર્તનોનો તાળો મળે છે. વધુમાં એક જ ભાષાની મનાતી વિવિધ બોલીઓના તુલનાત્મક અભ્યાસની મદદથી એ ભાષાના પૂર્વરૂપ વિશે વૈજ્ઞાનિક ચોકસાઈથી કેટલીક અટકળો પણ કરી શકાય છે.
બોલીના અભ્યાસથી ભાષા અને બોલી વિશેના શુદ્ધિ-અશુદ્ધિના ઘણા ભ્રમમૂલક ખ્યાલો ભૂંસી શકાય છે. વળી એવી સમજ પેદા થતાં વર્ગમાં ભાષા ભણાવતી વખતે કેટલાક શિક્ષકો માન્ય અથવા શુદ્ધ ભાષાના અતિ આગ્રહને લીધે બાળકોને ભાષાશિક્ષણથી વિમુખ કરી દે એવો જે ભય હોય છે તેમાંથી બચે છે. મોટાભાગના ભાષાશિક્ષકો ભાષાશુદ્ધિના એટલા આગ્રહી હોય છે કે બાળકો જે બોલી બોલે છે તેને તદ્દન હલકી, અશિષ્ટ અને અસંસ્કારી લેખે છે. પરિણામે કોઈ પણ બોલીમાં બોલતાં બાળકોને લઘુતાગ્રંથિથી પીડાતાં કરી મૂકે છે.
બોલીનો ખરો અભ્યાસી શિક્ષક તો સમજે છે કે કોઈ પણ બોલીમાં બોલતાં બાળકો એમની સ્વાભાવિક માતૃભાષા જ બોલે છે. એમને માન્ય ભાષાના નિયમો ગોખાવડાવીને નહિ, પણ ધીરજપૂર્વકના અભ્યાસથી માન્ય ભાષા શીખવવી ઘટે. માન્ય ભાષા શીખવવા પાછળનો આશય ભાષાની એકવાક્યતાથી વિદ્યાર્થીને પરિચિત કરવાનો હોય છે. શિક્ષક આ ન જાણતો હોવાને કારણે માન્ય ભાષાના શિક્ષણને લક્ષ્ય માની લે છે. માત્ર માન્ય ભાષાના નિયમો યાદ રાખી લેવાથી, તે આવડી જતી નથી; પરંતુ એની ખબર હોવાથી બોલીનો અભ્યાસી કુનેહપૂર્વક ધીરજથી બોલી બોલતા વિદ્યાર્થીઓને માન્ય ભાષાનો વપરાશ શીખવી શકે છે. બોલીનો અભ્યાસી જાણે છે કે કોઈ પણ ભાષામાં સો ટકા અથવા સંપૂર્ણ એકવાક્યતા શક્ય જ નથી, તેથી તે વ્યવહારુ રીતે ભાષાની એકવાક્યતા સિદ્ધ કરવા માટેના માર્ગોથી વિદ્યાર્થીને પરિચિત કરે છે. એ સાથે ભાષાવપરાશના જુદા જુદા સ્તર પર અભિવ્યક્તિનું સામર્થ્ય કેળવવા માટે પણ એ પ્રયત્નશીલ રહે છે; જેથી તેનો વિદ્યાર્થી ભાષા-વપરાશની અનેક તરેહો અને ખૂબીઓથી માહિતગાર થાય છે.
સામાન્ય ખ્યાલ એવો છે કે સાહિત્યમાં તો હંમેશાં માન્ય ભાષાનો વપરાશ થાય છે. વાસ્તવમાં તો સાહિત્યકૃતિઓમાં અને ખાસ કરીને નાટક, નવલકથા, વાર્તા જેવાં સાહિત્યસ્વરૂપોમાં તો વિવિધ બોલીઓનો એક સાહિત્યિક પ્રયુક્તિ તરીકે પણ વપરાશ થતો હોય છે. સૌ જાણે છે કે ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ (ઝવેરચંદ મેઘાણી) અને ‘મળેલા જીવ’ (પન્નાલાલ પટેલ) જેવી જાનપદી નવલકથાઓમાં જ નહિ, પરંતુ ‘સરસ્વતીચંદ્ર’ જેવી નવલકથામાં પણ ગોવર્ધનરામ જેવા પંડિત સાહિત્યકારે પણ યોગ્ય રીતે જ મૂર્ખદત્ત કે જમાલ જેવા પાત્રને મોંએથી જે ભાષા બોલાવી છે તે કોઈ ને કોઈ બોલીનાં લક્ષણોવાળી છે.
ઉપર આપેલા નકશામાં ગુજરાતની પશ્ચિમે આવેલ સૌરાષ્ટ્રનો પ્રદેશ એ સૌરાષ્ટ્રી બોલીનો વિસ્તાર છે. એના પર નજર કરતાં જણાશે કે સૌરાષ્ટ્ર ગુજરાતનો દ્વીપકલ્પીય વિસ્તાર છે. પોતાની ત્રણ બાજુ અરબી સમુદ્ર ધરાવતો આ વિસ્તાર ગુજરાતની તળભૂમિ સાથે પ્રમાણમાં ઘણા સાંકડા ભૂભાગથી સંકળાયેલો છે. વર્તમાન સમયમાં આ સમગ્ર વિસ્તાર માટે ‘સૌરાષ્ટ્ર’ કે ‘કાઠિયાવાડ’ એવા શબ્દપ્રયોગ થાય છે; અર્થાત્, એ શબ્દોથી એ સમગ્ર પ્રદેશ સૂચવાય છે; પણ ભૂતકાળમાં એ શબ્દો સમગ્ર પ્રદેશ માટે નહિ પણ આખા પ્રદેશના અમુક વિભાગ માટે પ્રયોજાતા હતા. અઢારમી સદીમાં ‘મિરાતે અહમદી’ (ઈ. સ. 1756) પુસ્તકના લેખકે આ સમગ્ર પ્રદેશ માટે ‘સોરઠ’ શબ્દ પ્રયોજી નોંધ્યું છે કે સોરઠ 5 જિલ્લા(હાલાર, કાઠિયાવાડ, ગોહિલવાડ, બાબરિયાવાડ અને જેતવાડ)માં વહેંચાયેલો હતો. અઢારમી સદીના અંત પછી આ સમગ્ર પ્રદેશ કાઠી કોમના લોકોનું પ્રભુત્વ સ્થપાતાં મુખ્યત્વે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ‘કાઠિયાવાડ’ તરીકે ઓળખાવા માંડ્યો. સ્વાતંત્ર્ય પછી કાઠિયાવાડનાં નાનાં નાનાં રાજ્યોનું વિલીનીકરણ થયા બાદ તેનું અલગ રાજ્ય સ્થપાયું અને તેને ‘સૌરાષ્ટ્ર’ નામ અપાયું. હાલ આ પ્રદેશ 7 જિલ્લા(જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને સુરેન્દ્રનગર)માં વહેંચાયેલો છે અને તેમાં નીચે મુજબની મુખ્ય 4 ઉપબોલીઓ બોલાય છે :
1. હાલારી (જિલ્લા : જામનગર, રાજકોટ)
2. સોરઠી (જિલ્લો : જૂનાગઢ)
3. ગોહિલવાડી (જિલ્લા : ભાવનગર, અમરેલી)
4. ઝાલાવાડી (જિલ્લો : સુરેન્દ્રનગર)
સૌરાષ્ટ્રી (કાઠિયાવાડી) : સમગ્ર સૌરાષ્ટ્રમાં જુદા જુદા સમયે જુદી જુદી પ્રજાઓ આવીને વસી છે. તેમાંની કેટલીક ત્યાંની પ્રજામાં ભળી પણ ગઈ. એ પ્રજાની બોલીઓની અસર સૌરાષ્ટ્રની બોલીઓ પર થઈ જ હોય. વળી સૌરાષ્ટ્રમાં સૌથી પ્રથમ નેગ્રિટો કે નીગ્રૉઇડ, પછી ઑસ્ટ્રિક, પછી દ્રવિડો અને છેલ્લે આર્યો આવીને વસ્યા છે. આર્યો ઘણા લાંબા સમયથી ત્યાં વસ્યા હોવાને કારણે સૌરાષ્ટ્રી બોલીએ આર્ય બોલીનું રૂપ ધારણ કર્યું; આમ છતાં એમાં અગાઉ વસેલી પ્રજાની બોલીઓનાં લક્ષણો ક્યાંક ક્યાંક અવશેષ રૂપે સચવાયાં હોય એ સમજાય એવું છે. ઝાલાવાડ (જિલ્લો : સુરેન્દ્રનગર) વિસ્તારમાં બહારથી આવેલાને ભારતીય આર્યની કોઈ એક બોલી બોલતા ઝાલાઓની બોલીની વ્યાપક અસર થઈ હોય અને હાલાર(જિલ્લો : જામનગર, રાજકોટ)માં કચ્છમાંથી આવેલા જાડેજાઓના રાજ્ય-અમલ દરમિયાન અને એ પછી પણ તેમની બોલીની અસર થઈ હોય એ શક્ય છે.
આ બધું છતાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, ગુજરાતની તળભૂમિમાં પ્રજાઓની જે મોટી આવનજાવન થઈ તેવી કોઈ મોટી આવનજાવન થઈ નથી અને પ્રમાણમાં શિક્ષણનો પ્રચાર પણ વધુ થયો નથી; તેથી સૌરાષ્ટ્રની બોલીની આગવી લાક્ષણિકતાઓ મોટેભાગે જૂના સમયથી જળવાઈ રહી છે.
આમ તો સૌરાષ્ટ્રમાં એકાધિક બોલીઓ બોલાય છે; પણ પરંપરાગત રીતે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશની બોલીને સૌરાષ્ટ્રી (કે કાઠિયાવાડી) બોલી કહે છે. એ બોલીમાં વિશેષે સોરઠી બોલીમાં વિવિધ પ્રજાઓની વ્યાપક આવનજાવનને રોકી દે એવી સૌરાષ્ટ્રની ભૂરચના, પરસ્પર એકબીજાના પ્રદેશમાં પ્રજાના મોટા પાયા પરનાં સ્થળાંતરોનો અભાવ, શિક્ષણનો અલ્પ પ્રસાર જેવાં અનેક કારણોને લીધે જૂની ગુજરાતીનાં કેટલાંક રૂપ આજે પણ વપરાશમાં જળવાઈ રહેલાં જોવા મળે છે.
સૌરાષ્ટ્રી બોલી ખાસ કરીને ‘અ’ને બદલે ‘ઈ’; ‘ચોર’ અને ‘છતરી’ને બદલે ‘સોર’ અને ‘સતરી’; ‘બહેન’ને બદલે ‘બેન’; ‘ના’ ને બદલે ‘મા’; ‘ભરાયો’, ‘મરાયો’ને બદલે ‘ભરાણો’, ‘મરાણો’ જેવા ભાષા- પ્રયોગોથી તરત ધ્યાન ખેંચે છે.
શબ્દભંડોળ : સૌરાષ્ટ્રી બોલીનું શબ્દભંડોળ બહોળું છે. તેમાં સમયાનુસાર નવા નવા શબ્દો ઉમેરાતા ગયા છે, તેમ કોઈ કોઈ જૂના–રૂઢ શબ્દો વપરાતા બંધ પણ થતા ગયા છે; આમ છતાં એ શબ્દભંડોળ ધ્યાનાકર્ષક રહ્યું છે. આ શબ્દભંડોળ જોતાં એકના એક અર્થ માટે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં જુદો જુદો શબ્દ પ્રચલિત હોવાનું પણ તારવી શકાય છે. આવા શબ્દભંડોળમાંના કેટલાક નમૂનારૂપ શબ્દો આ પ્રમાણે છે :
અટાણે (અત્યારે), અડવાણું (ઉઘાડું), ઓધાન (ગર્ભ), અથરા (ઉતાવળા), ઓલું (પેલું), અસૂરું (કસમયનું), ઓશિંગણ (આભારી), આંબવું (પહોંચવું), કવરાવવું (હેરાન કરવું), કાલર (ઘાસની ગંજી), કેમણા કે કેની કોર ? (કઈ તરફ ?), કાવડિયું કે ફદિયું (પૈસો), ગગો (પુત્ર), ઘોડે (ની જેમ), ઝાલવું (પકડવું), ઠાલું (વ્યર્થ), તાકડો (ત્રેવડ), દાખડો (દેખાવ), દેન (અગ્નિદાહ), ધડકી (ગોદડી), ધોડવું (દોડવું), ધોરીડા (બળદ), નરવો (તંદુરસ્ત), પધાર કે પટાટ (ઘેટાંના વાળની દોરી), પણે, ન્યાં, વાં કે ઉવાં (ત્યાં), પરબારું (સીધેસીધું), બરકવું (બોલાવવું), મર (ભલે), ભંભલી (પાણી ભરવાનું માટીનું ગોળાકાર વાસણ), ભૂંગરી, ધતૂરી કે ચલમ (હોકલી), મલક (જગત), માલીપા (ભીતર), મૉર (આગળ), રાસ (દોરડું), રૂંગું (રુદન), રોંઢો (ત્રીજા પહોરનો નાસ્તો), રોગું (નકરું), વયા જાવ (ચાલ્યા જાવ), વસામણ (વિચાર), વાવડ (સમાચાર), વાહર (પવન), શિરામણ (સવારનો નાસ્તો), સનકારો (ઇશારો), સંજવારી (સાવરણી), સુવાણ્ય (આરામ), સેંતક (ઘણું), હડી કાઢવી (દોડવું), હમેલ (ગર્ભ), હરપ કે એરુ (સાપ), હંધું (સઘળું), હાડેતી (તંદુરસ્ત), હારે (સાથે), હાલવું (ચાલવું), હુખડી કે ગોળપાપડી (સુખડી), હંજ્યા કે હીંજા (સંધ્યા) વગેરે.
ઉત્તર ગુજરાતી/મધ્ય ગુજરાતી : મહીસાગર નદીથી ઉત્તરના ગુજરાત પ્રદેશને ‘આનર્ત’ એવા નામથી એક જ ભૂભાગ ગણીએ છીએ ત્યારે અહીં એક વાત ધ્યાનમાં લેવાની છે કે આ સમગ્ર પ્રદેશમાં બોલીગત સામ્ય ઘણું છે, પણ પ્રાદેશિક અને સામાજિક બોલીઓના ભેદ પણ ઘણા છે; જેમ કે, ઉત્તર ગુજરાતી (પટ્ટણી) બોલીનો પ્રદેશ આજના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના હદ-વિસ્તારોનો ગણાય, પરંતુ બનાસકાંઠા તથા સાબરકાંઠાના ઉત્તરના પ્રદેશો રાજસ્થાન સાથે જોડાયેલા છે ને આ સરહદી પ્રદેશોમાં બોલાતી ઉત્તર ગુજરાતી બોલીનું રૂપ રાજસ્થાનીની કેટલીક લાક્ષણિકતાઓનું મિશ્રણ ધરાવે છે. એ જ રીતે સાબરકાંઠાનો અને મધ્ય ગુજરાતનો પૂર્વોત્તર પ્રદેશ પહાડી પ્રદેશ છે. ત્યાં વસતી આદિવાસી પ્રજા ભીલી બોલીઓની લાક્ષણિકતાઓ ધરાવે છે; પરંતુ આ બધી બોલીઓ ગુજરાતી ભાષાના તાત્વિક બંધારણ સાથે મેળ ધરાવે છે, એથી એને એક જ પ્રદેશની બોલી ગણી અભ્યાસનો વ્યવહારુ રસ્તો અપનાવાય છે.
બોલીની દૃષ્ટિએ મહીસાગરથી ઉપરના ગુજરાત વિસ્તારના મુખ્ય બે વિભાગો જોવા મળે છે : ઉત્તર ગુજરાતી (પટ્ટણી) બોલી અને મધ્ય ગુજરાતી (ચરોતરી) બોલી. આ સમગ્ર પ્રદેશમાં બોલીગત ઘણું સામ્ય છે.
ઉત્તર ગુજરાતી બોલી વિશેષે ‘ગામ’, ‘કામ’ને બદલે ‘ગૉમ’, ‘કૉમ’; ‘ભીંત’, ‘વીંટી’ને બદલે ‘ભેંત’, ‘વેંટી’; ‘મેં’ અને ‘તેં’ને બદલે ‘મીં’ અને ‘તીં’; ‘લાવ્યો’, ‘આવ્યો’ને બદલે ‘લાયો’, ‘આયો’ જેવા પ્રયોગોને કારણે માન્ય ભાષાથી જુદી પડે છે. તેની કેટલીક શાબ્દિક વિશેષતાઓ ‘હેંડવું’, ‘વાયરો’, ‘લૂઘડાં’, ‘આલવું’, ‘તાણ’(ત્યારે), ‘સઈ રાખ’(પકડી રાખ), ‘છોડી’ (છોકરી) જેવા શબ્દપ્રયોગોમાં જોવા મળે છે.
ભૌગોલિક સ્થિતિ મુજબ ગુજરાતીની બોલીઓ વિશે વિચારીએ તો કચ્છ એના રણવિસ્તારી ભૂભાગને લીધે તો પશ્ચિમનો સુરાષ્ટ્રનો પ્રદેશ દ્વીપકલ્પની રીતે જુદો પડે છે. બાકી રહેલો તળ ગુજરાતનો પ્રદેશ ઘણુંખરું નદીઓના પટથી નાના વિભાગોમાં વહેંચાય છે; જેમ કે, ઉત્તર ગુજરાતમાં બનાસ અને સાબરમતી વચ્ચેનો પ્રદેશ, મધ્યમાં સાબરમતી અને નર્મદા વચ્ચેનો પ્રદેશ, દક્ષિણે નર્મદા અને તાપીની દક્ષિણનો પ્રદેશ બોલીભેદની રેખાઓવાળો જોવા મળે છે.
સામાન્ય રીતે, મહીસાગર નદીની આસપાસના ખેડા જિલ્લાના પ્રદેશને ચરોતર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. સાદી રીતે કહીએ તો ભરૂચ જિલ્લાનો કેટલોક પ્રદેશ, વડોદરાથી ઉત્તરે આવેલ (લગભગ અમદાવાદ સુધીનો) પ્રદેશ અને પંચમહાલ જિલ્લાનો કેટલોક પ્રદેશ તે મધ્ય ગુજરાત અને એ પ્રદેશની બોલી તે મધ્ય ગુજરાતી અથવા ચરોતરી બોલી.
ઝીણવટથી જોઈએ તો ચરોતરી બોલી ‘વાંદરો’ કે ‘વાણિયો’ને બદલે ‘વાદરો’, ‘ઑણિયો’; ‘ઘણી છોકરીઓ આવી હતી’ને બદલે ‘ઘણિયો સોડિયો આવિયો હતિયો’; ‘ક્યાં’ને બદલે ‘ચ્યા’ જેવા ભાષા- પ્રયોગોથી માન્ય ગુજરાતી કરતાં અલગ છે એમ સમજાય છે.
ચરોતર પ્રદેશના ઘણા લોકોના આફ્રિકાના વસવાટને કારણે આફ્રિકાની સ્વાહિલી જેવી ભાષાના શબ્દોનો પ્રયોગ પણ એમાં જોવા મળે છે; જેમ કે –
પૂંજો > ફગિયો
થાળો > સાની
તપેલી > સફુરિયું
દક્ષિણ ગુજરાતી : ગુજરાતનો નકશો જોતાં સમજાશે કે નર્મદા નદીની દક્ષિણે જે પ્રદેશ છે તે મુખ્યત્વે બે રીતે જુદો પડે છે : એક તો, ત્યાં અનેક નદીઓ છે અને ભરપૂર પાણીની સગવડ હોવાને કારણે પ્રદેશ ઘણો ફળદ્રૂપ છે; બીજું, એક બાજુ પૂર્વની સીમાએ ઊંચા ઊંચા ડુંગરો અને બીજી બાજુ પશ્ચિમે અફાટ સમુદ્રની વચ્ચેનો એ પ્રદેશ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની સરખામણીએ આ પ્રદેશની આબોહવા સમશીતોષ્ણ છે. અહીં બહુ ઠંડી પણ નથી પડતી તેમ અહીં બહુ ગરમી પણ નથી પડતી. આ કારણે અહીં ખેતી, પશુપાલન, વેપાર-વણજ વગેરેને માટે ઘણી તકો છે. આથી અહીં ઘણી પ્રજાઓએ આવીને વસવાટ કર્યો છે.
રાજકીય રીતે જોઈએ તો આજના ભરૂચ, સૂરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ એ સાત જિલ્લાઓ મળીને દક્ષિણ ગુજરાતનો પ્રદેશ બને છે. નર્મદા ઉપરાંત તાપી, કરજણ, દમણગંગા, અંબિકા જેવી મોટી નદીઓ આ પ્રદેશમાંથી વહે છે. ખનિજની દૃષ્ટિએ સમૃદ્ધ ડુંગરમાળા અને અંકલેશ્વરનું તેલક્ષેત્ર (ગાંધારનું તેલક્ષેત્ર) આ પ્રદેશમાં આવેલાં છે. આખા ગુજરાતમાં સૌથી વધુ ગાઢ જંગલો પણ આ પ્રદેશમાં આવેલાં છે. ખાસ કરીને વલસાડ અને ડાંગ જિલ્લાનાં સાગનાં વનો આ પ્રદેશની સમૃદ્ધિમાં ઘણો વધારો કરે છે. એક રીતે એક અલગ સ્વાયત્ત પ્રદેશ તરીકે વિકસવા માટે આટલી બાબતો પૂરતી ગણાય.
વળી, ભૌગોલિક અને ઐતિહાસિક રીતે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ ખાનદેશ અને મહારાષ્ટ્રની વધુ નજીક રહ્યો છે. ગુજરાતના ઇતિહાસના પરિચિતો જાણે છે કે છેક શરૂથી જ લાટ (દક્ષિણ ગુજરાત) આનર્ત (ઉત્તર ગુજરાત) અને સુરાષ્ટ્રથી (સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડથી) અલગ પ્રદેશ રહ્યો છે. આજે પણ આ પ્રદેશનો મોટાભાગનો વ્યવહાર મુંબઈ સાથે છે. જૂના સમયથી જ સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક અને રાજકીય રીતે આ પ્રદેશનું અલગ એકમ અસ્તિત્વમાં રહ્યું છે. આ પ્રદેશનાં બે મુખ્ય શહેરો ભરૂચ અને સૂરત વેપારવણજને કારણે દરિયામાર્ગે દક્ષિણના અને દરિયાપારના દેશો સાથે સંપર્કમાં રહ્યાં અને આર્થિક રીતે ઘણાં સમૃદ્ધ રહ્યાં.
(1) પારસીઓ દક્ષિણ ગુજરાતમાં સ્થિર થયા અને ત્યાંની પ્રજામાં સાકરની જેમ ભળી જઈને ગુજરાતીઓ જ બની રહ્યા તેની અસર એ પ્રદેશની રહેણીકરણી અને ભાષામાં વ્યાપક પ્રમાણમાં દેખાય છે.
(2) શિવાજીએ સૂરત લૂંટ્યું તે પહેલાંથી મરાઠીભાષીઓ સાથે આ પ્રદેશના લોકો સંપર્કમાં હતા. મરાઠાઓ અહીં સ્થિર થયા અને અહીંની સ્ત્રીઓને પરણ્યા એ અસર હજુ દક્ષિણ ગુજરાતની સ્ત્રીઓના પહેરવેશમાં, તેમની ખાણીપીણીમાં અને કંઈક અંશે ભાષામાં દેખાય છે.
(3) વલંદા અને પછી અંગ્રેજોએ સૂરતમાં કોઠી નાખી અને ત્યાંના વેપારવણજ ઉપર અસર કરી. તેને કારણે ત્યાંની ભાષામાં પ્રમાણમાં અંગ્રેજી શબ્દો વધુ મળે છે.
(4) મુખ્ય આ 3 કારણોસર દક્ષિણ ગુજરાતની કેટલીક આગવી લાક્ષણિકતાઓ માન્ય ગુજરાતીની સરખામણીએ અલગ જોવા મળે છે. જોકે આ પ્રદેશમાં લખાતી સાહિત્યકૃતિઓમાં, બહાર પડતાં સમાચાર-પત્રોમાં અને પુસ્તકોમાં માન્ય ભાષાનો વપરાશ જોવા મળે છે; આમ છતાં આ પ્રદેશની શિક્ષિત વ્યક્તિઓ પણ વિના સંકોચે આ પ્રદેશની વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથેની ભાષાનો વ્યવહાર બોલચાલ અને સંભાષણમાં કરે છે. કેટલીક સાહિત્યકૃતિઓમાં પણ આ બોલીનો ઉપયોગ થયેલો નોંધી શકાય છે. ગુજરાતી ભાષા-સાહિત્યના અભ્યાસીએ આ બધી બાબતોને નજર સામે રાખીને આ પ્રદેશની બોલીનો અભ્યાસ કરવા જેવો છે.
આ ઉપરાંત એક બીજી બાબત પણ નોંધવા જેવી છે. ગુજરાતના અન્ય પ્રદેશની સરખામણીએ અહીં આદિવાસી પ્રજાની સંખ્યા ઘણી વધારે છે. તેઓ ડાંગી ઉપરાંત ધોડિયા, ચોધરી, ગામીત, કુકણા, વારલી, કોટવાલી વગેરે બોલીઓ બોલે છે. આ આદિવાસી બોલીઓના સંપર્કની પણ કેટલીક અસર અહીંની મુખ્ય બોલીમાં નોંધી શકાય.
વળી, આ પ્રદેશ મહારાષ્ટ્રની સાવ નજીક છે. આખા ગુજરાતમાં સૌથી વધુ મરાઠી ભાષકો પણ આ પ્રદેશમાં વસે છે. તેથી મરાઠી ભાષાની કેટલીક લાક્ષણિકતાઓની અસર આ બોલીમાં જોવા મળે છે.
આ દક્ષિણ ગુજરાતી બોલીમાં ‘સ’ને બદલે બધે જ ‘હ’; ‘ળ’ને બદલે ‘ર’ કે ‘લ’; ‘ત’ અને ‘દ’ને બદલે ‘ટ’ અને ‘ડ’ જેવાં ઉચ્ચારણો સંભળાય છે અને ‘નથી’ને બદલે ‘નીં’; ‘ચાલ્યો’, ‘બોલ્યો’ને બદલે ‘ચાઇલો’, ‘બોઇલો’; ‘હું’ને બદલે ‘મેં’ જેવા ભાષાપ્રયોગને કારણે તે અલગ બોલી તરીકે ઓળખાય છે. તેમનું શબ્દભંડોળ પણ વિશિષ્ટ છે.
આ બોલીમાં કેટલાક વિશિષ્ટ શબ્દપ્રયોગો સાંભળવા મળે છે : ‘છોકરો’/‘છોકરી’ માટે ‘પોય્રો’/‘પોય્રી’ શબ્દો વ્યાપક છે. ‘મા’/‘બાપ’ માટે ‘ડોહો’/‘ડોહી’ પણ વ્યાપક શબ્દો છે. જમાઈ માટે અનાવિલ દેસાઈઓમાં ‘નાયક’ અને એ સિવાયના અનાવિલો તથા બીજી જ્ઞાતિના ભાષકોમાં ‘પટેલ’ શબ્દ વપરાતો સંભળાય છે. કોઈ પણ જ્ઞાતિની કામવાળી માટે ‘દૂબળી’ શબ્દ કેટલાક વિસ્તારોમાં પ્રચલિત છે. ‘દાદા’ માટે ‘આજા’/‘આજાબાપા’, ‘દાદી’ માટે ‘આજી’/‘આજીબા’ સંભળાય છે. ‘નહીં તો’ માટે ‘નીકર’ વપરાય છે; દા.ત., ‘નહીં તો મારીશ’ > ‘નીકર મારાં’. ‘આ બાજુ’/‘તે બાજુ’ માટે ‘આફા’/‘તીફા’ જેવા શબ્દો મળે છે. ‘ત્યારે’ માટે ‘તિવારે’ અથવા ક્યાંક ‘તિયારે’ શબ્દ મળે છે. ‘આગળ’/‘પાછળ’ માટે ‘અગાડી’/‘પછાડી’ શબ્દો વપરાય છે. ‘દિવસ’ માટે ‘દ્હાડો’ અને ‘સરખું’ માટે ‘પાધરું’ શબ્દ પ્રચલિત છે; દા.ત., ‘સરખું કામ કરજો’ > ‘પાધરું કામ કરજો.’ ‘ક્યાંય નહિ’ માટે ‘કેથે ની’ શબ્દ વપરાશમાં છે. વળી ‘હા’ > ‘ઓવે’/‘હોવે’, ‘હશે’ > ‘ઓહે’ જેવા શબ્દપ્રયોગો થાય છે. ‘હઈશ’ > ‘ઓવા’; દા.ત., ‘ઓવે મેં ઘેરમાં જ ઓવા.’ (હા, હું ઘરમાં જ હઈશ.); ‘ડાંગર’ > ‘ભાત’, ‘હોડી’ > ‘પનાઈ’, ‘પલાખાં’ > ‘લેખાં’, ચિનાઈ માટીના વાડકા જેવા વાસણ માટે ‘ચલાણું’, ‘મોટો લોટો’ > ‘ઘડુ’, ‘પતરાળી’ > ‘બાજ’, ‘પડિયા’ > ‘દડિયા’, ‘કથરોટ’ > ‘ત્રાંસ’, સુતરાઉ સાડી/કપડાં > લૂગડું, ત્રાંબા કે પિત્તળના મોટા ઘડા માટે ‘દેગડો’ અને નાના માટે ‘તામડી’ અથવા ‘દેગડી’ (જોકે તેનો આકાર જુદો હોય) અને બંને માટે ‘બેઢું’ અથવા ‘બ્હેડું’ શબ્દો પ્રચલિત છે.
‘પણ’ એ સંયોજકને સ્થાને ‘બી’ અથવા ‘હો’/‘હોત’ સંયોજક વપરાતો સંભળાય છે; દા.ત., ‘તમે પણ આવજો’ એવું વાક્ય ‘ટમું બી આવજો’ અથવા ‘ટમે હોત આવજો’ એ રીતે સંભળાય છે. ‘હબધો’ એટલે ‘મજબૂત’. ‘ઊબડો’ એટલે ‘ઊંધો’. ‘કરબડી’ એટલે ‘ચણ નાખવા ટાંગેલું વાસણ’ વગેરે શબ્દો વપરાય છે. ‘ઓણીથી પોણી’ (આરંભથી અંત), ‘લીંબુ પકડાવવું’ (ખોટી આશા બંધાવવી – કોણીએ ગોળ લગાડવો), ‘નસ ખેંચવી’ (કંટાળો આપવો) જેવા રૂઢિપ્રયોગો પણ આ વિસ્તારમાં વપરાતા નોંધાયા છે.
આ ચાર મુખ્ય પ્રાદેશિક બોલીઓ અને નાગરી, પારસી, વાઘરી, વહોરા જેવી જ્ઞાતિ-બોલીઓ ઉપરાંત ગુજરાતમાં ભીલી, કચ્છી, ડાંગી, ચોધરી, ગામીત, કુકણા, રાઠવી, ધોડિયા, વારલી જેવી કેટલીક બોલીઓ બોલાય છે. આમાંથી કચ્છી વિસ્તાર અને ભાષકોની સંખ્યાની દૃષ્ટિએ સૌથી વધુ ધ્યાન ખેંચે છે. ભાષા- કુળની રીતે તે સિંધી સાથે સંકળાયેલી છે અને તેની બે ઉપબોલી છે : એક જાડેજી અને બીજી કાયસ્થી. જાડેજીમાં લોકસાહિત્ય વધુ છે અને તેને જ કચ્છી તરીકે ઓળખાવાય છે. આ ઉપરાંત વાગડીને પણ કચ્છીની ઉપબોલી તરીકે ઓળખાવાય છે. કચ્છીની પોતાની કોઈ લિપિ નથી પણ એની શબ્દાવલી, વ્યાકરણ અને ઢગલાબંધ લોકસાહિત્ય ગુજરાતી લિપિમાં છપાયેલાં મળે છે.
કચ્છી સિવાયની ઉપર ગણાવી તે ભીલી, ડાંગી, રાઠવી, ગામીત, ચોધરી વગેરે આદિવાસી બોલીઓ છે. તેમાં ભીલી ગુજરાતના સમગ્ર પૂર્વ પટા ઉપર બનાસકાંઠાથી માંડી નર્મદા જિલ્લા સુધીના, અરવલ્લીની ગિરિમાળા અને સાતપુડા પર્વતોના ઘણા મોટા વિસ્તારમાં બોલાય છે. ભીલીની પણ અનેક ઉપબોલીઓ છે. એ જ રીતે ડાંગીની પણ ઉપબોલીઓ છે. આ બધી જ આદિવાસી બોલી બોલતા ભાષકો પ્રદેશભાષા તરીકે અને સામાન્ય રીતે શિક્ષણની ભાષા તરીકે શિષ્ટમાન્ય ગુજરાતીનો ઉપયોગ કરે છે.
યોગેન્દ્ર વ્યાસ
સાહિત્ય
મધ્યકાલીન સાહિત્ય
શાસકોની નીતિ, પ્રજાનું આંતર-બાહ્ય જીવન, પરદેશી જીવન અને કવનની ઝિલાતી અસરો વગેરે પરિબળો સાહિત્યનિર્માણમાં મહત્વનો ફાળો આપે છે. ગુજરાતમાં સિદ્ધરાજ અને સોલંકી તથા વાઘેલા રજપૂતોનો સમય આબાદીનો હતો. વ્યાપારવૃદ્ધિ અને જૈન ધર્મનું વર્ચસ્ નોંધપાત્ર હતાં. રાજ્યાશ્રયને લીધે સાહિત્ય-પ્રવૃત્તિને વેગ મળ્યો. તેમાં પુરુષપરાક્રમનું ગંભીર ગાન થયેલું છે. 1297માં અલાઉદ્દીન ખલજીએ કરણ વાઘેલાને હરાવી પાટણ લીધું ત્યારથી ગુજરાતની સ્વતંત્રતા ગઈ. સુલતાનો ધર્મઝનૂની હતા તેથી પ્રજાને સ્થાનાન્તર કરવું પડતું. આ ભ્રમણયુગમાં પણ લોકસંપર્કથી ભાષા ઘડાઈ. જૈન સાધુઓએ ઉપાશ્રયોમાં સાહિત્યની ઉપાસના કરી. સાહિત્ય ધર્મલક્ષી રહ્યું અને તેમાં ભાગવત, રામાયણ, મહાભારતનો પ્રભાવ વરતાય છે. વીરોની પ્રશસ્તિ, ઈશ્વરભક્તિ અને આખ્યાનોનું સાહિત્ય ખેડાયું. તેમાં મુસલમાન અમલ અને મુઘલ સત્તાએ શાંતિ અને આબાદીની પરિસ્થિતિ ઊભી કરેલી તેનો ફાળો છે. પછી ઔરંગઝેબની હયાતીમાં જ ખટપટો, મરાઠાઓની ધાડો, 4 દુષ્કાળ અને બંડ વગેરેથી ગુજરાતમાં અશાંતિ અને અંધેર વધ્યાં. તે યુગનું સાહિત્યસર્જન સત્ત્વહીન હોવાથી તેને ‘મંદયુગ’ કહ્યો છે. 1818માં પેશવાઈનો અસ્ત થતાં અંગ્રેજ કંપની સરકારની સત્તા આવી અને ગુજરાતમાં ફરી શાંતિ તથા સ્વસ્થતાનો સમય શરૂ થયો. ગુજરાતના આ મધ્યકાલીન સાહિત્ય-સર્જને લોકહૃદયને મનોરંજન સાથે સાહિત્યરસ અને ધાર્મિક સંસ્કારોથી પોષ્યું છે.
ખંભાત અને અમદાવાદની જાહોજલાલી; લોકરંજન માટે થતા કઠપૂતળી, ભવાઈ અને ચામખેડાના ખેલ; જૈન સાધુઓની વાર્તાઓ; ભાટ-ચારણની કથાઓ વગેરે પરથી જણાય છે કે મધ્યકાલીન સાહિત્ય પ્રજાને જિજીવિષા સારુ આધારરૂપ હતું. આ રીતે બારમા શતકથી (હેમચંદ્ર : 1088–1172) અઢારમા શતક સુધીનું (દયારામ : 1777–1853) ગુજરાતી સાહિત્ય ગુજરાતી ભાષાની પ્રાચીન અને મધ્યકાલીન બંને ભૂમિકાઓમાં રચાયેલું છે.
પ્રાગ્–નરસિંહયુગ અથવા રાસયુગ (ઈ. સ.ના અગિયારમા શતકથી ચૌદમા શતક સુધીનો સમય) : ગુજરાતી ભાષાના ઉત્ક્રાન્તિક્રમમાં આવતો આ પ્રથમ કાળખંડ છે. ‘સિદ્ધહેમ’ના દુહા એટલે તત્કાલીન લોકસાહિત્ય અને તેમાં વીર તથા શૃંગાર રસની સુંદર નિષ્પત્તિ થઈ છે.
પુત્તેં જાએં કવણુ ગુણુ અવગુણુ કવણુ મુએણ;
જા બપ્પીકી ભૂંહડી ચમ્પિજ્જઇ અવરેણ.
અપભ્રંશોત્તર સંક્રાન્તિકાળની ભાષામાં સૌથી જૂની કૃતિ વજ્રસેનસૂરિકૃત ‘ભરતેશ્વર-બાહુબલિઘોર’ (રચના ઈ. સ. 1170 પહેલાં) પછી સાલિભદ્રસૂરિકૃત ‘ભરતેશ્વર-બાહુબલિરાસ’ (ઈ. સ. 1185) મળે છે. ઋષભદેવના પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચેનું યુદ્ધ, બાહુબલિનાં તપ અને વૈરાગ્ય અને અંતે કેવળજ્ઞાનપ્રાપ્તિનું વર્ણન કરતી આ કૃતિનો રસ વીર છે. એના કર્તા સાલિભદ્રસૂરિની બીજી કૃતિ ‘બુદ્ધિરાસ’ શ્રાવકો માટે જીવનવ્યવહારનો ઉપદેશ આપે છે. આ યુગમાં લખાયેલા સંખ્યાબંધ રાસમાં ધર્મસૂરિની ‘જંબૂસામિચરિય’ (ઈ. સ. 1210), વિજયસેનસૂરિએ લખેલી ‘રેવંતગિરિરાસુ’ (ઈ. સ. 1231), સાંપ્રદાયિક માહિતી રજૂ કરતી અજ્ઞાત સર્જકની ‘સપ્તક્ષેત્રિરાસુ’ (ઈ. સ. 1271), ગિરનાર, કછુલી અને શત્રુંજયની સંઘયાત્રાઓનું વર્ણન કરતી ‘પેથડરાસ’, ‘કછુલીરાસ’ અને ‘સમરારાસો’ જેવી કૃતિઓ નોંધપાત્ર છે. શાલિભદ્રસૂરિનો ‘પંચપાંડવચરિત્રરાસ’ (1354), વિનયપ્રભરચિત ‘ગૌતમરાસ’ (1356) અને અન્ય સાલિસૂરિનું ‘વિરાટપર્વ’ જેવી રચનાઓ સૂચવે છે કે પૌરાણિક કથનપ્રધાન સાહિત્યપ્રકારનો પ્રારંભ જૈન સાધુઓને હાથે થયેલો છે. આ યુગનું વિનયચંદ્રકૃત ‘નેમિનાથચતુષ્પદિકા’ વિપ્રલંભ શૃંગાર આલેખતું બારમાસી કાવ્ય છે. તે છપ્પામાં લખાયું છે.
ફાગુકાવ્યો : ફાગુકાવ્યો આ યુગનાં નોંધપાત્ર સર્જનો છે. જિનપદ્મસૂરિનું ‘સિરિથૂલિભદ્દ ફાગુ’ (1334) ઉદ્દીપનવિભાવ વર્ષા અને આલંબનવિભાવ ગણિકાનું આલંકારિક વર્ણન કરતું, ભાષાપ્રભુત્વ દર્શાવતું કાવ્ય છે. એ જ પ્રકારનું બીજું કાવ્ય રાજશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગુ’ (1349) વૈરાગ્યનો મહિમા ગાતું વસંતવિહારના વર્ણનવાળું આકર્ષક કાવ્ય છે. જૈન સાધુઓને હાથે શૃંગાર અને ઉપશમ આલેખતાં રચાયેલ અન્ય ફાગુઓમાં જયશેખરનું ‘નેમિનાથફાગુ’, સોમસુંદરસૂરિનું ‘રંગસાગરનેમિનાથફાગુ’ અને ધનદેવ-ગણિરચિત ‘નેમિનાથફાગુ’ ગણનાપાત્ર છે. માત્રામેળ છંદો અને દેશીઓની સાથે તેમાં અક્ષરમેળ વૃત્તોનો પણ કુશળ રીતે ઉપયોગ થયેલો છે. ‘જંબૂસ્વામીફાગ’ (1374) વસંત અને નાયિકાનાં વર્ણન બાબતે નોંધપાત્ર છે. એમાં આંતરયમક અને યમકસાંકળીનો થયેલો પ્રયોગ પછીનાં જૈનેતર ફાગુઓમાં જોવા મળે છે.
1439ની હસ્તપ્રતમાં મળતું ‘ફાગુ’ નામનું કાવ્ય જૈન ધર્મના અંશોથી મુક્ત હોવાને લીધે ‘નતર્ષિ’ કે ‘નયર્ષિ’ નામના જૈન સાધુનું નહિ પણ જૈનેતર કર્તાનું હોવાનો સંભવ વિશેષ ગણાય છે. દ્વારકામાં ગોપીઓ સાથેના કૃષ્ણના વસંતવિહારનું તેમાં વર્ણન છે.
‘વસંતવિલાસ’ (હ.પ્ર.1452) જૂની ગુજરાતીનું ફાગુકાવ્ય છે. પ્રકૃતિ અને પ્રાણીસૃષ્ટિમાં પ્રવર્તતા વસંતના વૈભવનું અને વિપ્રલંભશૃંગાર નિષ્પન્ન કરતી રસિક નરનારીઓની ચેષ્ટાઓનું તેમાં વર્ણન કરેલું છે. શબ્દાલંકારો, અર્થાલંકારો, પદલાલિત્ય અને માધુર્યને કારણે આ કૃતિ ‘ચમક ચમક થતી ચાંદરણી’ જેવી મનોહર છે. આ કાવ્ય અજ્ઞાત (સંભવત:) જૈનેતર કવિનું છે. તેમાં દોહરા અને રોળા બંને છંદોનો ઉપયોગ થયેલો છે.
‘ત્રિભુવનદીપક પ્રબંધ’ પંદરમા શતકના પહેલા ચરણમાં લખાયેલો. આ કાવ્ય જયશેખરસૂરિએ સંસ્કૃત કાવ્ય ‘પ્રબોધચિંતામણિ’નું કરેલું ગુજરાતી રૂપાંતર છે. તે બોધપ્રધાન રૂપકકાવ્ય છે. દેશીઓ સાથે અક્ષરમેળ ઉપજાતિનો ઉપયોગ પદ્યબંધને વૈવિધ્ય અર્પે છે. તેમાં ‘બોલી’ નામના પ્રાસયુક્ત ગદ્યના બે ખંડો પણ છે.
આ સમયમાં લોકવાર્તાઓમાં વિજયભદ્રની ‘હંસરાજ-વચ્છરાજ ચઉપઈ’ (1355) અને હીરાણંદની ‘વિદ્યાવિલાસ પવાડુ’ (1429) – એ બે જૈન સાધુઓની રચનાઓ છે. જૈનેતરોમાં અસાઇતની ‘હંસાઉલી’ (1370) પરાક્રમો અને ચમત્કારોથી લોકપ્રિય બનેલી વાર્તા છે. અસાઇતે લોકનાટ્ય ભવાઈના 360 વેશ પણ લખ્યાનું કહેવાય છે. તે લોકનાટ્ય ભવાઈનો આદ્ય પ્રવર્તક પણ ગણાય છે. ભીમદેવે લખેલી ‘સદયવત્સચરિત’ (1410) સદેવંત અને સાવળિંગાની અદભુત રસવાળી પ્રણયકથા છે, ‘રણમલ્લછંદ’ શ્રીધર વ્યાસનું ઐતિહાસિક વીરકાવ્ય છે.
નરસિંહ પહેલાંના આ યુગમાં જૈન સાધુઓએ ગદ્યસાહિત્ય પણ નોંધપાત્ર પ્રમાણમાં ખેડ્યું છે. સંગ્રામસિંહ-કૃત ‘આરાધના’ (1274) અને ‘બાલશિક્ષા’ (1280); તરુણપ્રભસૂરિની ‘ષડાવશ્યક-બાલાવબોધ’ (1335) અને ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ (1394); સોમસુંદરસૂરિના ‘ઉપદેશમાલા’, ‘યોગશાસ્ત્ર’, ‘ષડાવશ્યક’ વગેરેના બાલાવબોધો ઉપરાંત માણિક્યસુંદરસૂરિએ રચેલી ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ (1422) જેવી કૃતિઓ ખાસ નોંધપાત્ર છે.
ભક્તિયુગ (પંદરમો સૈકો) : આ યુગમાં જૈનેતર હિંદુ કવિઓએ વિપુલ સાહિત્ય ગુજરાતને આપ્યું છે. દેશભરમાં ચૌદમાથી સોળમા શતક સુધી વ્યાપી વળેલો વૈષ્ણવ ભક્તિમાર્ગ નરસિંહથી દયારામ સુધીના કવિઓની કવિતા ઉપર અસર કરે છે. તેમાં શિવ અને શક્તિની ભક્તિ ઉપરાંત વેદાંત અને યોગની અસર પણ આવી જાય છે. વેદની ઋચાઓથી પ્રારંભાયેલી અને ગીતા, મહાભારત, પુરાણો અને ભાગવતથી લોકહૃદયમાં સ્થિર આસન જમાવતી ભક્તિ, વૈષ્ણવ સંપ્રદાય દ્વારા સુદૃઢ બને છે. દ્રાવિડમાં થયેલા આલવારો (મહાભક્તો), રામાનુજ (1017–1137), નિમ્બાર્ક અને વિષ્ણુસ્વામી, મધ્વ (1199–1278), વલ્લભાચાર્ય (1473–1531) વગેરે આચાર્યોએ ઊભી કરેલી પરંપરામાં જે ભક્તિ લોકપ્રિય બની તે પ્રેમલક્ષણા.
નરસિંહ મહેતા (સંભવત: 1414–1480) : તેઓ સમયષ્ટિએ નહિ, પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ આદિ ભક્તકવિ છે. આ વડનગરા નાગરનો જન્મ તળાજામાં થયેલો. ત્રણ વર્ષની ઉંમરે પિતા ગુમાવતાં જૂનાગઢમાં ભાઈને ત્યાં રહેતા અને સાધુસંતોમાં વખત ગાળતા. નરસિંહને ભાભીનું મહેણું ઘર છોડી નિર્જન વનમાં જઈ મહાદેવને આરાધવા પ્રેરે છે. તેમની આરાધનાથી પ્રસન્ન થયેલા આશુતોષ શંકર તેમને કૃષ્ણની રાસલીલાનાં દર્શન કરાવે છે. રાસલીલાનું અને કૃષ્ણનું સંકીર્તન જ જેનો વ્યવસાય બની ગયો છે એવા ગૃહસ્થ નરસિંહનું યોગક્ષેમ કૃષ્ણ જ સાચવે છે. પુત્ર શામળદાસનું લગ્ન, પુત્રી કુંવરબાઈનું મોસાળું, પિતાનું શ્રાદ્ધ અને શામળિયા પર લખેલી હૂંડી તેમજ રાજા રા’માંડલિકની ઇચ્છા મુજબ મૂર્તિ પરનો હાર પહેરાવવાનું કામ – એ સર્વ કાર્યો કરીને ભક્તવત્સલ કૃષ્ણ પોતાના ભક્તની અને એ સાથે પોતાની પણ લાજ રાખે છે ! હરિજનવાસમાં ભજનકીર્તન કરનાર નરસિંહને નગરજનો અને નાગરોએ પણ અપમાનિત કરેલા. તેમના જીવનની ચમત્કારિક ઘટનાઓના લૌકિક ખુલાસા કનૈયાલાલ મુનશી ભલે એમની રીતે કલ્પે તોપણ લોકહૃદયમાં તો એ ઘટનાઓ દ્વારા તેમની કૃષ્ણભક્તિનો પ્રભાવ પડેલો હતો. તેમનું જીવન પછીના અનેક સાહિત્યકારો માટે આખ્યાનનો વિષય બન્યું હતું.
નરસિંહને પદ્યરચનાનો ફાવતો પ્રકાર પદ છે. તેમાં નવી દેશીઓનો ઉપયોગ કરી સાધેલું વૈવિધ્ય અને ઝૂલણા-બંધનો ઉપયોગ નોંધપાત્ર છે. ગરબીઓ તરીકે ઉપયોગમાં લઈ શકાય એવાં સુંદર ઊર્મિગીતોરૂપ પદો ગુજરાતી સાહિત્યને મળ્યાં છે. છૂટક પદોમાં લખાયેલું ‘સુદામાચરિત્ર’ આખ્યાનકારની બીજભૂત શક્તિ દર્શાવે છે. તેનાં આત્મચરિત્રાત્મક કાવ્યોમાં ‘શામળદાસનો વિવાહ’, ‘હાર સમેનાં પદો’ ઉપરાંત હૂંડી, મામેરું અને શ્રાદ્ધના પ્રસંગોને લગતાં પદો છે. કૃષ્ણલીલાનાં કાવ્યોમાં ‘રાસસહસ્રપદી’માં રાસને લગતાં સવાસોથી પણ ઓછાં પદ છે. ગોપીઓની વિરહવ્યાકુળતા અને તેમના ઉત્કટ કૃષ્ણાનુરાગનું ચિત્રાત્મક વર્ણન ખાસ નોંધપાત્ર છે. ‘ચાતુરીઓ’માં કૃષ્ણનો રાધાવિરહ, કેલિવર્ણનો અને કૃષ્ણને આલિંગન કરતી રાધાને વર્ણવતી પંક્તિ ‘કનકવેલ તમાલ લપટી જાણઇ ઘન દામિની’ નરસિંહના ઊંચા કવિત્વની પ્રતીતિ કરાવે છે. ગોપીઓ અને કૃષ્ણનો વસંતવિહાર આલેખતાં ‘વસંતનાં પદો’નું ગુચ્છ નરસિંહનું ફાગુકાવ્ય જ કહેવાય એવું છે. ‘હિંડોળાનાં પદો’માં હિંડોળે બેઠેલા કૃષ્ણ અને તેમની શૃંગારચેષ્ટાઓનું વર્ણન છે.
‘શૃંગારમાળા’નાં પદોમાં કૃષ્ણ અને ગોપીઓની કેલિના વર્ણનમાં માઝા મૂકતો શૃંગાર છે. તેમના દ્વારા ભક્તિ-શૃંગારનું સ્થૂળ અને ઉત્કટ આલેખન થયું છે. ‘બારમાસ’ના પદમાં ઋતુવર્ણન છે. ‘કૃષ્ણજન્મ સમેનાં પદો’માં કૃષ્ણજન્મની કથા અને ‘કૃષ્ણજન્મ વધાઈનાં પદો’માં ગોકુળવાસીઓના આનંદનું વર્ણન છે. ‘બાળલીલા’માં વાત્સલ્યરસનું સુંદર નિરૂપણ છે. તેમાંયે આકાશના ચંદ્ર માટેની બાલકૃષ્ણની રઢનાં પદ આકર્ષક છે.
નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં એટલે ભક્તિબોધ અને જ્ઞાનનાં પદો. તે સંખ્યાએ અલ્પ, પરંતુ લોકપ્રિયતા પામી લોકકંઠમાં સ્થાન પામ્યાં છે. ભક્તિનો મહિમા ગાતું ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહીં રે’; દેહની નશ્વરતા, મનુષ્ય-અવતારની દુર્લભતા અને સંસારી સુખનું મિથ્યાત્વ દર્શાવતાં તેમનાં અનેક પદો સંસારીઓ માટે પ્રેરણારૂપ બન્યાં છે. ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ – એ ગાંધીજીને અત્યંત પ્રિય એવા એમના પદમાં સંતનાં લક્ષણો અને ‘સુખદુ:ખ મનમાં ન આણીએ’ તથા ‘જે ગમે જગતગુરુ દેવ જગદીશને’ વગેરેમાં બોધવાણી છે.
નરસિંહનાં જ્ઞાનનાં પદો કાવ્ય અને વક્તવ્યની દૃષ્ટિએ સમૃદ્ધ છે. આત્મસાક્ષાત્કારનું મહત્વ દર્શાવતું ‘જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી’; ઉચ્ચ કોટિના તત્વદર્શનને મંત્રવાણીમાં રજૂ કરતાં ‘જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે’, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે’ અને ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે’ જેવાં પદો ભક્તરાજને થયેલા અદ્વૈતાનુભવની પ્રતીતિ કરાવે છે. પૂર્વાવસ્થામાં ‘ભાગવત’ અને ‘ગીતગોવિંદ’ની અસર અને ઉત્તરાવસ્થામાં ઉપનિષદો, સાધુસંતોનો સંપર્ક અને ભાગવતના વેદાન્તની સંયુક્ત અસર નરસિંહના સર્જનમાં જોવા મળે છે. નરસૈંયો જ્ઞાની છતાં ભક્ત મટતો નથી એનો પુરાવો ‘પ્રેમ-રસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’ – એ ઉદગારમાં મળી રહે છે.
‘ગોવિંદગમન’ અને ‘સુરતસંગ્રામ’ – એ બંને કૃતિઓનું કર્તૃત્વ શંકાસ્પદ છે. ઉપરાંત ‘દાણલીલા’, ‘શૃંગારમાળા’ અને ‘રાસસહસ્રપદી’નાં ઘણાં પદો પાછળની રચનાઓ હોવાનું વિદ્વાનો માને છે. તેમનાં આત્મચરિત્રનાં પદોના કર્તૃત્વ સામે પણ પ્રશ્ન થયો છે.
પદ્મનાભ : આ વીસલનગરો નાગર જાલોરના રજપૂત રાજા અખેરાજનો આશ્રિત હતો. તેણે મુસલમાનો સામે રજપૂતોનાં યુદ્ધ અને પરાક્રમ વર્ણવતું ઐતિહાસિક વીરકાવ્ય ‘કાન્હડદે પ્રબંધ’ (1456) રચ્યું છે. જાલોરગઢમાં રજપૂતાણીઓના જૌહરનું વર્ણન રસાળ છે. સોમનાથના લિંગની અવદશામાં સ્વદેશાભિમાન સાથે સ્વધર્માભિમાનનું પણ નિરૂપણ છે. અલાઉદ્દીનની શાહજાદી પિરોજાના કાન્હડદેના પુત્ર વીરમદેવ માટેના એકપક્ષી ઉત્કટ પ્રેમની અદભુત રસની કથામાં શૃંગાર અને કરુણનું આલેખન હૃદયસ્પર્શી છે. આ કૃતિમાં તત્કાલીન ધંધારોજગાર, લોકાચાર, શસ્ત્રાસ્ત્રો, નગરરચના ઇત્યાદિની માહિતી મળે છે.
આ કૃતિનો પદબંધ ચોપાઈ અને પવાડુનો છે. તેમાં કેટલાંક સુગેય પદો પણ છે. સૈન્ય અને નગરના વર્ણનમાં મળતી ‘બોલી’મય ગદ્યની બે ભટાઉલી (ભાટચારણોની ઉક્તિ) આ કૃતિની વિશિષ્ટતા છે. ભાષા અરબી-ફારસી શબ્દોથી મિશ્રિત છતાં સાદી અને પ્રવાહી છે.
વીરસિંહે ‘ઉષાહરણ’માં ‘હરિવંશ’ અને ‘ભાગવત’ની ઓખાની પુરાણકથામાં ફેરફાર કરીને શૃંગાર અને વીરરસનું નિરૂપણ કર્યું છે. આ યુગના અન્ય સર્જક કર્મણ મંત્રીએ ‘સીતાહરણ’માં રામાયણકથા સંક્ષેપમાં રજૂ કરી છે. સાધારણ કોટિની આ રચના ભાષાની દૃષ્ટિએ અને રામચંદ્રની જીવનકથાના આલેખનના પ્રારંભની દૃષ્ટિએ નોંધપાત્ર ગણાય છે.
ભાલણ (1405–1489) : ઉત્તર ગુજરાતના આ મોઢ બ્રાહ્મણનું જન્મનામ પુરુષોત્તમ હતું. પૂર્વવયમાં શાક્ત અને ઉત્તરવયમાં રામભક્ત આ પુરુષોત્તમ મહારાજે સંન્યાસ લીધાની લોકવાયકા છે. કવિત્વની સારી છાપ ઉપસાવતી ભાલણની કૃતિઓમાં ‘દશમસ્કંધ’ ઉલ્લેખનીય છે. તેમાં પદોમાંથી સહજ રીતે કડવાંમાં સરકવાનો કાવ્યવ્યાપાર તે દર્શાવે છે. હીંચ-હમચીમાં ગાઈ શકાય તેવાં પદો પણ તેણે આપ્યાં છે. ‘દશમસ્કંધ’નો ઉત્તમાંશ તે કૃષ્ણની બાળલીલા અને વાત્સલ્યરસનાં ચિત્રો છે. ‘રામબાલચરિત’ સીતાસ્વયંવર સુધીની રામકથાનું અને વાત્સલ્યરસ નિરૂપતું ભાલણનું અન્ય ઉત્તમ સર્જન છે. પદોનું વૈવિધ્ય અને વાણીનું માધુર્ય કર્તાની આગવી સિદ્ધિ છે.
‘આખ્યાનના પિતા’ લેખાતા ભાલણનું ‘નળાખ્યાન’ મહાભારતની કથાને અનુસરતું વલણ કે ઊથલા વિનાનાં કડવાંમાં રચાયેલું છે. તેમાં શૃંગાર અને કરુણરસનું સરળ ભાષામાં આલેખન છે. ‘કૃષ્ણવિષ્ટિ’માં વેરની વસૂલાત માટે યુદ્ધ ઝંખતી ક્ષત્રિયાણી દ્રૌપદીની તેજસ્વી વાણીવાળો પ્રસંગ આકર્ષક છે. ભાલણનાં અન્ય આખ્યાનોમાં ‘સપ્તશતી’, ‘મૃગી આખ્યાન’, ‘દુર્વાસા આખ્યાન’, ‘રામવિવાહ’, ‘ધ્રુવાખ્યાન’ અને ‘જાલંધર આખ્યાન’ છે.
‘કાદંબરી’ : બાણની ગદ્યકથાનો કવિતામાં ભાવવાહી રસાનુવાદ આપતી આ કૃતિ ભાલણની યશોદાયિની કૃતિ છે. પદ્યાનુવાદ શબ્દશ: નથી; તે ટૂંકાવેલો અને સરળ બનાવેલો છે. મૂળ કથાના કેટલાક અંશોનો ત્યાગ, કેટલાક નવા ઉમેરા વગેરેમાં સર્જકનાં રસવિવેક, ઔચિત્યભાન અને વૈદગ્ધ્યનો પરિચય મળે છે. તેમાં આવતાં પંપા અને અચ્છોદ સરોવરનાં વર્ણનો, શબર સૈન્યે કરેલો પક્ષીસંહાર, વિલાસવતીની પુત્રઝંખના અને પુંડરીક-કાદંબરીની વિરહવેદના વગેરેમાં પ્રાસાદિક વાણી અને કવિત્વનો સુંદર પરિચય મળે છે. ભાલણની પ્રતિનિર્માણશક્તિની ઉત્કૃષ્ટતા દાખવતી આ આખ્યાનશૈલીની કૃતિ ભારતભરના ‘કાદંબરી’-વિષયક અનુવાદોમાં અનન્ય છે.
ભીમ : સિદ્ધપુરનો વતની. ભાલણનો શિષ્ય તથા બ્રાહ્મણ મનાતો ભીમ પંદરમા શતકના વૈષ્ણવ ભક્તિસાહિત્યને પુષ્ટ કરે છે. ‘હરિલીલાષોડશકલા’ (1485) બોપદેવના ભાગવતનો સાર આપતા સંસ્કૃત કાવ્ય ‘હરિલીલામૃત’ના આધારે રચાયું છે. ‘પ્રબોધપ્રકાશ’ (1490) અધ્યાત્મલક્ષી રૂપકકાવ્ય છે. તે કૃષ્ણમિશ્રના સંસ્કૃત નાટક ‘પ્રબોધચંદ્રોદય’નો પદ્યમાં અપાયેલો સારાનુવાદ છે.
આ યુગના જનાર્દનનું એકમાત્ર આખ્યાન-કાવ્ય ‘ઉષાહરણ’ (1492) વિવિધ દેશીબંધ અને રાગોમાં રચાયેલ લોકગીત જેવું છે.
માંડણ : ષટ્પદી ચોપાઈના બંધમાં રચેલી ‘પ્રબોધબત્રીશી’નો આ કર્તા શિરોહીનો બંધારો છે. તેની કૃતિમાં દંભી ધર્માચારની ટીકા સાથે લોકોક્તિઓ અને જ્ઞાનબોધના અંશો આકર્ષક છે.
પંદરમા શતકમાં બીજા નોંધપાત્ર કવિઓમાં ‘સગાળશા આખ્યાન’નો કર્તા વાસુ અને ‘નંદબત્રીસી’ તથા ‘પંચદંડ’ની પદ્યવાર્તાઓનો લેખક નરપતિ ઉલ્લેખપાત્ર છે.
જૈન સાહિત્ય : 1445થી 1478 સુધીમાં શ્રાવક કવિ દેપાલે ફાગ, કથા, રાસ અને સાંપ્રદાયિક સાહિત્ય રચ્યું છે. હેમહંસ, મેરુસુંદર વગેરેએ બાલાવબોધો ઘણી સંખ્યામાં લખ્યા છે. સ્થૂલિભદ્ર, નેમિનાથ અને જંબૂસ્વામી વિશે ફાગ અને રાસ પણ રચાયા છે. ઋષિવર્ધને ‘નલદવદંતિરાસ’ (1456) લખ્યું છે. લક્ષ્મીસાગર અને દેવપ્રભ જેવા સાધુઓએ વસ્તુપાળ, તેજપાળ અને કુમારપાળની ચરિત્રકથાવાળા ઐતિહાસિક રાસ પણ રચ્યા છે. આ ઉપરાંત સાધુકીર્તિકૃત ‘વિક્રમચરિત્રકુમારરાસ’ (1443), ન્યાયસુંદરકૃત ‘વિદ્યાવિલાસચોપાઈ’ (1460), મલયચંદ્રરચિત ‘સિંહાસનબત્રીશીચઉપઈ’ (1463), પુણ્યનંદીકૃત ‘સિંહાસનબત્રીસીપવાડો’ (1476) અને જિનહરરચિત ‘વિક્રમ-પંચદંડરાસ’ (1500) વગેરે જૈનોના સાહિત્યપ્રવાહના નમૂનાઓ છે.
પંદરમા શતકમાં રાસો, પ્રબંધ, ફાગુ, વાર્તા વગેરે સાહિત્યસ્વરૂપો ખેડાયાં છે. જૈન તેમજ જૈનેતર સર્જકોએ વિપુલ સાહિત્ય સર્જ્યું છે. આ યુગમાં વૈષ્ણવ ભક્તિમાર્ગનું તો મોટું પૂર આવ્યું તેમાં પદ અને આખ્યાનસ્વરૂપોના ઉદભવ અને વિકાસ જોવા મળે છે.
સોળમું શતક : મીરાંબાઈ (આશરે 1499–1547) : તે મેડતાના વિષ્ણુભક્ત રાઠોડ રાવ દુદાજીની પૌત્રી અને મેવાડના રાણા સંગ્રામસિંહ ઉર્ફે સંગના યુવરાજ ભોજરાજજીની પત્ની હતી. બાળવૈધવ્યમાં પિયરના સંસ્કારને કારણે ભક્તિમાર્ગે વળી અને સાધુસોબતમાં ભળતાં દિયર રાણા વિક્રમાદિત્યે તેને મારી નાખવા ત્રણેક પ્રયત્નો કર્યા છતાં ભગવાને અદભુત રીતે બચાવી એવી દંતકથા પ્રસિદ્ધ છે. રાણાને એકને બદલે ચાર મીરાં દેખાય, કરંડિયામાંનો નાગ શાલિગ્રામ બની જાય અને ઝેર અમૃત બની જાય એ એની ગિરધરલાલની અનન્ય ભક્તિનો પ્રતાપ. રામાનંદના શિષ્ય રૈદાસ મીરાંના ગુરુ હતા. સાધનાકાળમાં નાથ સંપ્રદાયના કોઈ જોગીનો સંપર્ક થયો હશે. આ ભક્ત-કવયિત્રીની કવિતામાં સાંપ્રદાયિકતા નથી. અઢીસો જેટલાં પદ વ્રજ, રાજસ્થાની અને ગુજરાતીમાં મળે છે.
મીરાંના જીવનપ્રસંગોને લગતાં આત્મચરિત્રાત્મક પદોમાં ‘ગોવિંદો પ્રાણ અમારો રે’; ‘પ્રીત પૂરવની રે શું કરું રાણાજી’; ‘મારું મનડું વીંધાણું રાણા’; ‘રાણાજી હું તો ગિરધરને મન ભાવી’ જેવાં અનેક પદો ધ્યાનપાત્ર છે. તેમાં ભક્તની ખુમારી દર્શાવનારાં ‘મેં તો હરિગુણ ગાવત નાચૂંગી’; ‘મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ’; ‘મુને લહે લાગી રે હરિના નામની રે’; ‘રામરમકડું જડિયું રે રાણાજી મને રામરમકડું જડિયું’ જેવાં અનેક છે. ભક્તિની તમન્ના દર્શાવતાં પદોમાં ‘બોલ મા બોલ મા બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા’; ‘નહિ ઐસો જન્મ બારબાર’ તથા ‘કરના ફકીરી તબ ક્યા દિલગીરી’ ઇત્યાદિને ગણાવી શકાય.
મીરાંએ કૃષ્ણલીલા અને પ્રાર્થનાનાં પદો – વ્રજની ગોપીના મનોભાવ દર્શાવતાં પદો આપ્યાં છે; જેમ કે, ‘હાં રે કોઈ માધવ લ્યો, વેચતી વ્રજનારી રે’; ‘નંદલાલ નહિ રે આવું ને ઘેર કામ છે’; ‘કાનુડો ન જાણે મારી પીડ’ વગેરે. ‘લે ને તારી લાકડી’; ‘વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે’ જેવાં પદો કૃષ્ણને લગતાં છે. ભક્તહૃદયની તમન્ના દર્શાવતાં પદોમાં ‘હરિ તુમ હરો જનકી ભીર’; ‘મ્હાંને ચાકર રાખોજી’; ‘બસો મોરે નેનનમેં નંદલાલ’; ‘વાટ જુએ મીરાં રાંકડી’; ‘રાખો રે શ્યામ લજ્જા મોરી’ જેવાં અનેક પદો છે.
વિરહ અને મિલનનાં પદોમાં પ્રેમલક્ષણાનો ભક્તિશૃંગાર છે. એ પદો મીરાંની સર્વોચ્ચ કોટિનું કવિત્વ દર્શાવે છે. એ ઉત્તમ ઊર્મિગીતો છે. એનાથી શુદ્ધ ભક્તિનો પ્રચાર થયો છે. ‘મુખડાની માયા લાગી રે’, ‘જૂનું તો થયું દેવળ જૂનું તો થયું’, ‘પ્રેમની પ્રેમની પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની’ ગુજરાતી સાહિત્યની અણમોલ સંપત્તિ છે. વળી ‘હે રી મૈં તો દરદદીવાની મેરો દરદ ન જાને કોઈ’, ‘પિયા કારન રે પીલી ભઈ લોક ન જાને ઘટરોગ’, ‘બંસીવાલા આજો મોરા દેશ’ જેવાં પદો મીરાંના ઉત્કટ મનોભાવ પ્રગટ કરે છે. મીરાં સ્ત્રીકવિ તરીકે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાનની અધિકારિણી છે.
નાકર : વડોદરાનો આ દિશાવાળ વણિક કવિ આખ્યાનકવિતાના પ્રવાહમાં મોટું પૂર લાવનાર છે. તેની કૃતિઓને આધારે તેનો કવનકાળ 1516થી 1558નો જણાય છે. મહાભારતનાં આરણ્યક, વિરાટ, ગદા આદિ પર્વોને તેણે દેશીઓમાં ઢાળ્યાં છે. ‘હરિશ્ચંદ્રાખ્યાન’, ‘શુકદેવાખ્યાન’, ‘ચંદ્રહાસાખ્યાન’, ‘નળાખ્યાન’, ‘ઓખાહરણ’, ‘લવકુશાખ્યાન’, ‘ભ્રમરગીતા’, ‘મૃગલીસંવાદ’, ‘ભીલડીના બાર માસ’ જેવી સંખ્યાબંધ કૃતિઓ રચી છે. રામાયણને પણ ગુજરાતીમાં ઉતારવાનો નાકરે પ્રયત્ન કર્યો છે. તેણે પદ અને કડવાં બંનેનો ઉપયોગ કર્યો છે. મુખબંધ અને વલણ સાથેનાં કડવાં રચીને તે આખ્યાનક્ષેત્રે ભાલણ અને પ્રેમાનંદને જોડતી કડી બન્યો છે. રસવૈવિધ્ય અને પદ્યરચનાની દૃષ્ટિએ ‘વિરાટપર્વ’ તેની નોંધપાત્ર કૃતિ છે. પુરાણકથાઓમાં વધારાઘટાડા કરવામાં અને સમકાલીન જીવનના રંગો ઉપસાવવામાં પ્રેમાનંદને માટે નાકરે કેડી પૂરી પાડી છે.
આ સમયના અન્ય કવિઓમાં ‘અંગદવિષ્ટિ’ના કર્તા ગણદેવીના કીકુ વસહી તથા ‘રાવણમંદોદરી-સંવાદ’ અને ‘ગૌરીચરિત્ર’ જેવાં સંવાદકાવ્યોના કર્તા જૂનાગઢનિવાસી વણિક શ્રીધર છે. નાકરના સમકાલીનોમાં ‘મૃગલીસંવાદ’(1515)ના કર્તા જાવડ; રામાયણનો ‘સુંદરકાંડ’ સુધીનો અનુવાદ કરનાર ભાલણસુત ઉદ્ધવ; ‘ભ્રમરગીતા’નો કવિ ચતુર્ભુજ; ‘લક્ષ્મીગૌરીસંવાદ’નો કર્તા સૂરતનો ગંગાદાસ; ‘ભ્રમરગીતા’નો કર્તા બ્રેહેદેવ; ‘ઉદ્ધવગીતા’ અને ‘રસિકગીતા’નો કવિ વૈષ્ણવ ભીમ; સગાળશા, ધ્રુવ અને પ્રહલાદનાં આખ્યાન લખનાર પ્રથમ સૌરાષ્ટ્રીય સુરદાસ; ‘શુકદેવાખ્યાન’નો કર્તા વસ્તો અને ‘હરિરસ’ કાવ્યનો કર્તા ઈસર બારોટ વગેરેનો સમાવેશ કરવો પડે. આ સર્વમાં સાત હજાર જેટલી પંક્તિઓમાં ભાગવતના દશમસ્કંધનો ‘કૃષ્ણલીલા’ નામે 1536માં અનુવાદ આપનાર પાટણના કાયસ્થ કવિ કેશવદાસ વિશેષ ઉલ્લેખપાત્ર છે. ‘કૃષ્ણલીલા’માંના સો જેટલા સંસ્કૃત શ્લોકો એમની નોંધપાત્ર વિશેષતા છે.
નાકરના અનુગામી આખ્યાનકવિઓમાં મહાભારતનાં પંદર પર્વ અને રામાયણના છ કાંડનો સારાનુવાદ, પૌરાણિક આખ્યાનો અને નરસિંહ મહેતાના જીવનને લગતાં ‘મોસાળું’ તથા ‘હૂંડી’ જેવાં ગુજરાતી આખ્યાનો લખનાર ખંભાતનો નાગર વિષ્ણુદાસ ધ્યાન ખેંચે છે. તેનો કવનકાળ 1568–1612 વચ્ચેનો છે. મધ્યમ કક્ષાના આખ્યાનકારોમાં વણિક કવિ ગોપાલદાસ, રામાયણના વિષયવસ્તુ પર આખ્યાન લખનાર વજિયો, બંધારો શેધજી વગેરેએ આખ્યાનસ્વરૂપના વિકાસમાં ફાળો આપ્યો છે.
જૈનેતર વાર્તાકારોએ આ સમયમાં પદ્યવાર્તાના સ્વરૂપને ખેડ્યું છે. આમોદનો કાયસ્થ ગણપતિ 1528માં ‘માધવાનલકામકંદલાદોગ્ધક’ નામની અલંકારપ્રધાન શૃંગારરસની કાવ્યત્વમાં ચડિયાતી વાર્તા આપે છે. ચોપાઈબંધમાં લખાયેલ ‘બિલ્હણપંચાશિકા’ અને ‘શશિકલાપંચાશિકા’ કવિ જ્ઞાનાચાર્યની પ્રેમકથાઓ છે. સોળમા શતકના મધ્ય ભાગમાં રચાયેલી મધુસૂદન વ્યાસની કૃતિ ‘હંસાવતી-વિક્રમકુમાર-ચરિત્ર’ પણ રસિક પ્રેમકથા છે. 1579માં જંબુસરના કવિ વચ્છરાજે લોકવાર્તાને આધારે ‘રસમંજરીની વાર્તા’ આપી છે. તેમાં સ્ત્રીચરિત્રની વિવિધ લીલાઓ, સુભાષિતો અને સૌંદર્યવર્ણનમાં શામળના પુરોગામીનો અણસાર મળે છે.
આ સમયના જૈન વાર્તાસાહિત્યમાં મતિસારની ‘કર્પૂરમંજરી’ (1549), કુશળલાભની ‘માધવાનલકામકંદલા રાસ’ તથા ‘મારુઢોલા ચુપઈ’, સિદ્ધસૂરિ અને હીરકલશની ‘સિંહાસન-બત્રીસી’ઓ, દેવશીલ અને હેમાણંદના ‘વૈતાલપંચવિંશતિ રાસ’, વચ્છરાજની ‘પંચોપાખ્યાન’ અને રત્નસુંદરની ‘શુકબહોતેરી’ જેવી ઘણી પદ્યવાર્તાઓ મળે છે. આ વાર્તાઓ કાવ્ય તરીકે સામાન્ય કોટિની હોવા છતાં તેમાં ચમત્કારો, શૃંગારનું ઉત્કટ આલેખન વગેરે બાબતો વાચકો અને શ્રોતાઓ માટે મોટું આકર્ષણ જન્માવતી.
નયસુંદરની કૃતિ ‘રૂપચંદકુંવર રાસ’ (1581) અને ‘નલદમયંતી રાસ’(1609)માં પહેલી સમૃદ્ધ વર્ણનો માટે અને બીજી જૈન ધર્મના ગૌરવની પ્રશસ્તિ માટે જાણીતી છે.
ઓગણત્રીસ જેટલી રચનાઓ આપનાર મુનિ લાવણ્યસમયે રચેલી તત્કાલીન સમાજચિત્ર આપતી ‘વિમલપ્રબંધ’ કે ‘વિમલરાસ’ (1512) કૃતિ ચરિત્રાત્મક પ્રબંધ તરીકે ગણનાપાત્ર છે.
પ્રક્ષુબ્ધ સામાજિક પરિસ્થિતિ વચ્ચે પણ આ યુગમાં મીરાંનાં ઉત્તમ ઊર્મિકાવ્યો જેવાં પદો ઉપરાંત અન્ય કવિઓનાં આખ્યાનો, જૈન અને જૈનેતર કવિઓની પદ્યવાર્તાઓ, રાસ, પ્રબંધ વગેરે કાવ્યપ્રકારોનું વિપુલ સાહિત્ય મળ્યું છે.
સત્તરમું શતક : શાંતિ અને આબાદીના આ સમયમાં ગુજરાતી સાહિત્યને મળેલા તેજસ્વી કવિઓમાં વેદાંતી જ્ઞાની કવિ અખો અને આખ્યાનકારશિરોમણિ પ્રેમાનંદ છે. જ્ઞાનમાર્ગી કાવ્યપ્રવાહને નરસિંહ મહેતા પછી આગળ ધપાવનાર અખાના કેટલાક પુરોગામીઓમાં 1604માં ‘ભગવદ્ગીતા’નો અનુવાદ આપનાર પ્રથમ કવિ ધનરાજે યોગવાસિષ્ઠ અને ભાગવતના અગિયારમા સ્કંધના સારાનુવાદ કરેલા છે. અખાનો કહેવાતો ગુરુભાઈ અને સમકાલીન નરહરિ (1616–1643) તેની છેલ્લી કૃતિ ‘હસ્તામલક’માં પોતાને વડોદરાનિવાસી અને વૈરાગ્ય, જ્ઞાન તથા ભક્તિમાં રસ લેનાર તરીકે ઓળખાવે છે. ‘જ્ઞાનગીતા’ તેની મહત્વની કૃતિ છે.
પદમિશ્ર કડવાબંધ, ગુરુ અને સંતનું માહાત્મ્ય, શબ્દપ્રયોગો, વિચારો અને ઉપમા-દૃષ્ટાંત જેવા અલંકારો વગેરે બાબતોમાં અખા ઉપર નરહરિની અસર હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. નરહરિની અન્ય સ્વતંત્ર રચનાઓમાં ‘પ્રબોધમંજરી’, ‘હરિલીલામૃત’, ‘સંતનાં લક્ષણો’, ‘ગોપી-ઉદ્ધવસંવાદ’, ‘કક્કો’, ‘માસ’ વગેરે છે. એની અનુવાદ કરેલી કૃતિઓમાં ‘વાસિષ્ઠસાર ગીતા’ (1618), ‘ભગવદગીતા’ (1621), ‘ભક્તિમંજરી’ અને ‘હસ્તામલક’(1643)ને ગણાવી શકાય.
અખાના આગમન પહેલાંની જ્ઞાની કવિઓની પરંપરામાં બીજું નામ છે ગીતા, યોગવાસિષ્ઠ અને એકાદશસ્કંધ જેવા સાહિત્યને ગુજરાતીમાં ઉતારનાર સૂરતના કાયસ્થ ભગવાનદાસનું (1625–1690). પછી આવે છે ‘અર્જુનગીતા’નો રચનાર ધનદાસ. ત્યારપછી ‘અખાએ કીધો ડખો’ એ લોકપ્રચલિત દોહરામાં નરહરિ સાથે જેનો ઉલ્લેખ છે તે ખીમજીસુત મોઢ વણિક અને ગુરુ સોમરાજનો શિષ્ય ગોપાલ 1649માં અમદાવાદમાં ‘ગોપાલગીતા’ અથવા ‘જ્ઞાનપ્રકાશ’ નામની ત્રેવીસ કડવાંની ગુરુશિષ્યસંવાદ રૂપે લખાયેલી કૃતિ આપે છે. બૂટિયાનાં પણ વેદાંતને લગતાં થોડાં પદો મળ્યાં છે.
અખો (આશરે 1591–1656) : જેતલપુરનો સોની, ધંધાર્થે અમદાવાદમાં વસેલો. વૈષ્ણવ સંપ્રદાયમાં ઉછેર પરંતુ કવિ તરીકે કેવલાદ્વૈત-વેદાંતી એવા અખાને બાલ્યકાળથી સાધુસંગનો રસ હતો. સંસાર પ્રત્યે વૈરાગ્ય ઊપજવાનાં કારણોમાં પિતા, બહેન, બે વારની પત્નીઓનું મૃત્યુ; ધર્મની બહેન ગણેલી બાઈની કંઠીમાં પદરનું સોનું ઉમેર્યું હોવા છતાં વ્યક્ત કરેલો અવિશ્વાસ; ટંકશાળના અધિકારી તરીકે ભેળસેળ કર્યાનો મુકાયેલો આક્ષેપ અને કર્કશા પત્ની વગેરેની વાતો લોકોમાં પ્રચલિત છે. સંસારવિમુખ બનેલા અખાએ ગોકુળ જઈ ગોસ્વામી ગોકુલનાથજીને ગુરુ કર્યા પણ સમાધાન અને શાંતિ ન મળ્યાં. દંતકથા મુજબ કાશીમાં મહિનાઓ સુધી જેમની કથા સાંભળી તે બ્રહ્મજ્ઞાની સંન્યાસીએ તેને બ્રહ્મનિષ્ઠ જ્ઞાની બનાવ્યો.
અખાનું સાહિત્ય : ‘અનુભવબિંદુ’ માત્ર ચાલીસ છપ્પામાં સંસારની માયામાં ફસાયેલા સ્વપ્નભોગી જીવોને ઈશ્વર સાથેના અભેદનું જ્ઞાન આપતું તત્વજ્ઞાનભર્યું કાવ્ય છે. રંગીન કાચવાળા મંદિરનું અને નારીકુંજરચીરનું દૃષ્ટાંત ઊંચી કવિત્વશક્તિનો પરિચય કરાવે છે. ઉપનિષદો, બ્રહ્મસૂત્રોનું શાંકરભાષ્ય વગેરેના આત્મસાત્ કરેલા તત્વજ્ઞાનને સરળ અને સચોટ ભાષામાં રજૂ કરવાની ફાવટ અખાને છે. આથી જ તે અર્થગંભીર રમણીય ખંડકાવ્ય કે પ્રાકૃત ઉપનિષદ કહેવાયું છે.
‘અખેગીતા’ માયાનું સ્વરૂપ, જીવની દુર્દશા, સદગુરુનું માહાત્મ્ય, બ્રહ્માનુભવનો આનંદ ઇત્યાદિ અંશોને નિરૂપતું ચાલીસ કડવાંનું કાવ્ય છે. જ્ઞાન અને વૈરાગ્યની બે પાંખવાળી પંખિણીનું રૂપક અને અંતે આવતું બ્રહ્માનંદને પ્રગટ કરતું ‘અભિનવો આનંદ આજ અગોચર ગોચર હવું એ’ જેવું પદ વગેરે કારણોથી ‘અખેગીતા’ જ્ઞાનાશ્રયી કવિતાનું ઊંચું શિખર ગણાઈ છે. અખાની પરિણત પ્રજ્ઞાનું ફળ હોવાથી તેમાં તત્વજ્ઞાન અને કાવ્યતત્વ ઓતપ્રોત થયેલાં છે.
અખાની પ્રકીર્ણ કવિતામાં ‘કૈવલ્યગીતા’, ‘કક્કો’, ‘વાર,’ ‘મહિના’, ‘કુંડલિયા’, ‘સાખીઓ’, ‘છપ્પા’, દુહા, પદો, ‘કૃષ્ણઉદ્ધવસંવાદ’ (એ જ ‘સંતનાં લક્ષણો’) વગેરેને ગણાવી શકાય. ‘સંતપ્રિયા’, ‘બ્રહ્મલીલા’ ઉપરાંત પદો અને સાખીઓ હિંદી ભાષાની રચનાઓ છે.
અખાનાં પદોમાં સાચો કવિત્વવિલાસ જોવા માટે ‘આજ આનંદ મારા અંગમાં ઊપજ્યો, પરિબ્રહ્મની મુને ભાળ લાગી’, ‘શાં શાં રૂપ વખાણું સંતો, શાં શાં રૂપ વખાણું’, ‘આનંદ વધ્યો ને રંગ ઊલટ્યો રે’ જેવાં પદો ઉપયોગી છે.
અખાના છપ્પા ષટ્પદી ચોપાઈમાં લખાયા છે. તેમાં માંડણનું અનુસરણ છે. 746 છપ્પાની રચના લાંબા સમયમાં થયેલી જણાય છે. વિવિધ અંગોમાં છપ્પાનું વિભાજન થયેલું છે. તેમાં જનસમાજનાં આચાર, દંભ, અજ્ઞાન, કૂપમંડૂકવૃત્તિ, અનાચારી અને વિતંડાવાદી ગુરુઓ અને પુરાણીઓનાં ઉપહાસસભર શબ્દચિત્રો અખાનું માર્મિક પ્રહારક તરીકેનું ચિત્ર ઉપસાવી આપે છે. આખાબોલા અને પુણ્યપ્રકોપ દર્શાવતા અખાની વાણીનો આસ્વાદ તેમના આ છપ્પા આપે છે :
એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ.
*
ન્હાયા ધોયા ફરે ફૂટડા, ખાઈપીને થયા ખૂંટડા.
*
જેમ ઊંડો કૂવો ને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
*
ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો.
*
જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ, સામેસામાં બેઠાં ઘૂડ.
– વગેરે પંક્તિઓ ગુજરાતી સમાજમાં પ્રચલિત બની ગઈ છે. લોકવ્યવહારમાંથી ઉપાડેલાં મૌલિક દૃષ્ટાંતો તેના નિરૂપણમાં ધારી ચોટ લાવી શકે છે. લોકોક્તિઓ વાણીને સૂત્રાત્મકતા આપે છે. ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’, ‘બોરાં સાટે ઘરેણું ગયું’, ‘ઘરડા બળદને ઘાલી નાથ’ વગેરે ઉક્તિઓ કહેવતરૂપ બની ગઈ છે. આમ સમર્થ વાક્પ્રભુતાવાળો છતાં ‘ભાષાને શું વળગે ભૂર ? રણમાં જે જીતે તે શૂર’ – એવું કથનાર અખો ભાષા, કવિતા વગેરેને સાધન માનતો હતો. ‘જ્ઞાનીને કવિતા ન ગણેશ’ ઉક્તિમાં પણ એનું લક્ષ્ય તત્વજ્ઞાન હોવાનું સૂચવાય છે; પરંતુ છંદો પરનું પ્રભુત્વ, અલંકારસમૃદ્ધ વાણી, અનાયાસ આવતો વાણીનો પ્રસાદ, જનસ્વભાવનું ઊંડું જ્ઞાન વગેરે કારણોથી – અનુભવમૂલક ઓજસ્વી અભિવ્યક્તિથી અખો તત્વજ્ઞાની કવિ તરીકે ગુજરાતી જ નહિ, એ પ્રકારની ભારતીય કવિતામાં પણ ઉચ્ચ આસને વિરાજમાન છે.
ભાણદાસ : આ જ્ઞાનમાર્ગી કવિ તે ભીમનો પુત્ર અને કૃષ્ણપુરીનો શિષ્ય હતો. તેના 71 ગરબાની હસ્તપ્રત 1659માં લખાયેલી છે. ‘ગરબો’ અને ‘ગરબી’ શબ્દનો સંભવત: પ્રથમ પ્રયોગ એણે કર્યો છે. તેની કૃતિઓમાં ‘હસ્તામલક’, ‘અજગર-અવધૂત સંવાદ’, ‘બારમાસ’, ‘પ્રહલાદ આખ્યાન’, નૃસિંહજીની અને હનુમાનજીની હમચીઓ અને કેટલાંક પદો પણ છે. તેની ગરબીમાં ‘ગગનમંડલની ગાગરડી ગુણ, ગરબી રે’ જેવી ભવ્ય કલ્પનાનું દર્શન થાય છે.
સત્તરમા શતકની વિશેષતા એ છે કે તેમાં જ્ઞાનમાર્ગી કવિતા કરતાં આખ્યાનો વધુ લખાયેલાં છે. અનેકોમાંથી ખંભાતના શિવભક્ત નાગર કવિ શિવદાસનાં આખ્યાનોમાં ‘પરશુરામ આખ્યાન’, ‘કૃષ્ણબાલચરિત્ર’, ‘જાલંધર આખ્યાન’, ‘દ્રૌપદીસ્વયંવર’, ‘ચંડી આખ્યાન’ વગેરે છે. કૃષ્ણદાસનાં ‘હૂંડી’ અને ‘મામેરું’ અને ગોવિંદનું ‘મામેરું’ નરસિંહના જીવનપ્રસંગો પર લખાયેલાં આખ્યાનો છે. અન્ય કૃતિઓમાં અવિચલનાં ‘ભાગવત ષષ્ઠ સ્કંધ’ (1628) અને ‘આરણ્યક પર્વ’, પરમાણંદનું પ્રબંધ પદ્ધતિનું ‘હરિરસ’ અને વૈકુંઠની ઉત્તમ ગણાતી રચના ‘નલકથા’ (1653); માણભટ્ટ હરિરામનું ‘બભ્રુવાહન આખ્યાન’, મુરારિની લોકપ્રિય રચના ‘ઈશ્વરવિવાહ’, નરસિંહ નવલનું ‘ઓખાહરણ’, ગોવિંદનું ‘સુધન્વાખ્યાન’, માધવનું ‘આદિપર્વ’ અને તાપીદાસનું ‘અભિમન્યુ આખ્યાન’ વગેરે ઉલ્લેખપાત્ર છે.
વિશ્વનાથ જાની : તેનું ‘મોસાળાચરિત્ર’ (1652) પ્રસંગોનાં નિરૂપણ અને રસની બાબતમાં ચડિયાતું છે. તેનું ‘સગાલ ચરિત્ર’ ભક્તિરસપ્રધાન આખ્યાન છે. ભાગવતમાંના ઉદ્ધવસંદેશના વસ્તુવાળું ‘પ્રેમપચીશી’ પ્રેમલક્ષણાભક્તિનું કાવ્ય છે અને ‘ચાતુરીચાલીશી’માં પણ કૃષ્ણ-ગોપીઓનો ભક્તિશૃંગાર નિરૂપાયેલો છે.
પ્રેમાનંદ (1649–1714) : આખ્યાનસાહિત્યની પરંપરામાં વિપુલ સર્જન કરનાર લોકપ્રિય અને શ્રેષ્ઠ આખ્યાનકાર પ્રેમાનંદ છે. વડોદરાનો પણ સૂરત અને નંદરબારમાં આખ્યાનો કરવા જતોઆવતો આ મેવાડો બ્રાહ્મણ મૌલિક પ્રતિભાને લીધે લોકપ્રિય બને છે. કોઈ સંતની કૃપા, શિષ્યોમાં બાર સ્ત્રીઓનું મંડળ, ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ થાય ત્યાં સુધી પાઘડી નહિ પહેરવાની પ્રતિજ્ઞા કે શામળ ભટ્ટ સાથેનો ઝઘડો વગેરે વાતો રસિક દંતકથા કોટિની છે. જોકે એને કોઈ સંન્યાસીના – રામચરણ હરિહરના સંપર્કે પુરાણોનો પરિચય, તીર્થયાત્રાનો લાભ અને સર્જનની પ્રેરણા મળ્યાં હોવાનો સંભવ નકારી શકાય નહિ.
કૃતિઓ : પચાસ જેટલી કૃતિઓમાં ‘દાણલીલા’ અને ‘ભ્રમરપચીશી’ એ કૃષ્ણવિષયક કાવ્યો છે. ‘દ્વાદશ માસ’ જેવા વિરહના મહિના અને ‘વિવેક વણજારો’ રૂપક કાવ્ય ઉલ્લેખનીય છે. તેનાં પૌરાણિક આખ્યાનોમાં ‘અભિમન્યુ આખ્યાન’ (1671), ‘ચંદ્રહાસ આખ્યાન’ (1671), ‘ઓખાહરણ’, ‘સુદામાચરિત્ર’ (1682), ‘મામેરું’ (1683), ‘સુધન્વાખ્યાન’ (1684), ‘રણયજ્ઞ’ (1685), ‘નળાખ્યાન’ (1685), ‘હરિશ્ચંદ્રાખ્યાન’ (1692), ‘મદાલસાખ્યાન’ (1709) વગેરે છે. નરસિંહના જીવનપ્રસંગોને લગતાં એનાં આખ્યાનોમાં ‘હૂંડી’, ‘શ્રાદ્ધ’, ‘મામેરું’, ‘હારમાળા’ અને ‘શામળશાનો વિવાહ’ ગણાવાય છે. ‘દશમસ્કંધ’ એ તેણે કરેલો ભાવાનુવાદ છે. તે એની અધૂરી રહેલી છેલ્લી કૃતિ મનાય છે. ‘પ્રાચીન કાવ્યમાળા’માં પ્રેમાનંદને નામે છપાયેલાં નાટકોનું કર્તૃત્વ એનું નથી.
આખ્યાનકલા : સર્જક તરીકે પ્રેમાનંદની વિશેષતાઓમાં સુગ્રથિત વાર્તા કહેવાની કુશળતા છે. નાટ્યપૂર્ણ પરિસ્થિતિઓ વિસ્તારી તે કથારસ જમાવે છે. તેની પાસે નાટ્યદૃષ્ટિ અને નાટ્યકલા હોવાથી વર્ણનો તાદૃશ બને છે. ‘મામેરું’ અને ‘સુદામાચરિત્ર’માં કવિની મનોરંજકતા અને રસિકતા જોવા મળે છે. કવિના પાત્રાલેખનમાં વાસ્તવિકતા અને સ્વાભાવિકતા એ બે મોટા ગુણ છે. પાત્રોનાં વાણી, વર્તન, પ્રસંગપ્રાપ્ત મનોવ્યવહારો વગેરે દર્શાવવામાં આખ્યાનકારની સૂઝ સહજ છે. સમકાલીન જીવન-અંશોના નિરૂપણથી પાત્રો જીવંત બની જાય છે, દૂરના ભૂતકાળનાં કે કાલ્પનિક રહેતાં નથી. વળી પ્રેમાનંદ વિધિઓ, રીતરિવાજો, ‘સહેજો મામીની ગાળ’ જેવી ઉક્તિઓ વગેરેથી પૌરાણિક કથાવસ્તુના હાડપિંજરમાં સમકાલીન ગુજરાતનાં લોહીમાંસ અને પ્રાણ ભરીને સૌથી વધુ ગુજરાતી કવિ તરીકેનો યશ મેળવે છે. પાત્રોનાં તળપદીકરણથી લોકહૃદય જીતનાર આ આખ્યાનકારની સર્જકતાનો ગુણવિશેષ તો છે રસસિદ્ધિ. શ્રોતાઓને સહજ રીતે ઇચ્છે ત્યારે હસાવી, રડાવી તાક્યું તીર મારવાની આ કવિની શક્તિ અજોડ છે. રસોની પ્રધાનગૌણ સહયુતિ અને રસસંક્રાન્તિ વાચકોને ‘અખંડલહરી’નો અનુભવ કરાવે છે અને ભિન્નરુચિ લોકને આખ્યાનમાં પરિતોષ પ્રાપ્ત થાય છે. પ્રેમાનંદ નર્મમર્મમાં કુશળ ઉત્તમ હાસ્યકવિ છે. ટીખળ, ઉપહાસ, વ્યંગોક્તિ, અતિશયોક્તિ વગેરે સામગ્રીનો છૂટથી ઉપયોગ કરી તે હસાવી શકે છે.
તાદૃશ શબ્દચિત્રો, જીવંત સંવાદો; ભાવાનુકૂલ ચાલ, ઢાળ અને વર્ણસંગીત; અલંકારસમૃદ્ધિ અને રસાનુકૂલ કાવ્યભાષા ઇત્યાદિ પ્રેમાનંદને ગુજરાતી ભાષાનો એક ટોચનો કવિ બનવામાં ઉપયોગી નીવડેલાં તત્વો છે.
પાત્રોનું તળપદીકરણ પૌરાણિક પાત્રોના ગૌરવને ક્યારેક હાનિ પહોંચાડે છે તો પાત્રોનું દેવીકરણ ક્યારેક તેમને ઉદાત્ત પણ બનાવે છે. તેની કેટલીક કૃતિઓ તો ગુજરાતી સાહિત્યનાં રત્નો છે. વાર્તારસ અને કાવ્યાનંદ આપનાર આ આખ્યાનકાર પ્રેમાનંદને ‘ગુજરાતની નાનકડી રંગભૂમિના વ્યાસ’ તરીકે ઓળખાવવામાં આવ્યો છે.
પ્રેમાનંદનું શિષ્યમંડળ અને તેનો પુત્ર વલ્લભ એ કપોલકલ્પના છે. ડભોઈનો મેવાડો બ્રાહ્મણ રત્નેશ્વર સંસ્કૃતમાંથી અનુવાદ કરનારા મધ્યકાલીન કવિઓમાં ગણનાપાત્ર છે. વીરજીએ ‘સુરેખાહરણ’ (1664) જેવું આખ્યાન રચ્યું છે. પ્રેમાનંદના અન્ય સમકાલીનોમાં સૂરતના કથાકાર વલ્લભ ભટ્ટે દશમસ્કંધ સિવાય સમગ્ર ભાગવતને ગુજરાતીમાં ઉતાર્યું છે.
વાર્તાસાહિત્ય : અજ્ઞાત કવિની ‘માધવાનલકથા’, શિવદાસની ‘કામાવતી’ અને ‘હંસાવળી’, મધુસૂદનની ‘વિક્રમચરિત્રહંસાવતી’, વીરજીની ‘કામાવતીકથા’ (1669) અને પાંચાની ‘કુંડલાહરણ’ જેવી અનેક વાર્તાઓ આ સમયમાં મળે છે, જે જૈનેતર લેખકોની છે.
‘રૂપસુંદરકથા’ (1650) કવિ માધવની સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી સંભોગ અને વિપ્રલંભશૃંગારવાળી પ્રેમકથા છે. આ ગાળાના વાર્તાસાહિત્યમાં મોટો ફાળો જૈન સર્જકોનો છે. એ પદ્યવાર્તાઓમાં નેમવિજયકૃત ‘શીલવતીરાસ’ (1694) અને દેવરત્નની ‘શીલવતીચોપાઈ’ એક જ વિષયવસ્તુવાળી છે.
‘હિતશિક્ષારાસ’, ‘સ્થૂલિભદ્રરાસ’, ‘કુમારપાળરાસ’ અને ‘હીરવિજયસૂરિરાસ’ના કર્તા ઋષભદાસ તેમજ ‘વસ્તુપાલ-તેજપાલરાસ’, ‘સીતારામ ચુપાઈ’ તથા ‘નલદવદંતીરાસ’(1617)ના કવિ સમયસુંદર ઉલ્લેખપાત્ર છે. મુનિ આનંદઘનજીએ ‘આનંદઘન-ચોવીશી’ અને ‘આનંદઘન-બહોતેરી’માં જ્ઞાન અને ભક્તિનાં પદો આપ્યાં છે. પરમતત્વના અનુભવને આલેખતી એમની ભાષા પ્રેમલક્ષણાભક્તિની છે. જૈન સાધુવર્ગમાં પ્રિય સુભાષિતો આપનાર યશોવિજય અને ‘સૂક્તમાલા’ના લેખક કેસરવિમલ પણ ઉલ્લેખનીય છે. ‘રાસલીલા’ અને ‘કલિયુગમહિમા’ જેવાં કાવ્યો પણ આ સમયમાં લખાયાં છે. અમદાવાદનો વલ્લભ મેવાડો માતાજીની સ્તુતિના ગરબા આ સમયમાં લખે છે. ‘આનંદના ગરબા’માં બહુચરાજીનું સંકીર્તન, ‘મહાકાળીના ગરબા’માં પાવાગઢનો પ્રસંગ અને ‘આરાસુરના ગરબા’માં અંબાજીની સ્તુતિ છે. ‘શણગારનો ગરબો’ આ કવિની વર્ણનશક્તિ દર્શાવતી શ્રેષ્ઠ રચના છે. તત્કાલીન સમાજ અને લોકાચારનું ચિત્ર આપતી કૃતિઓ છે ‘કળિકાળનો ગરબો’ અને ‘કજોડાનો ગરબો’.
સત્તરમા શતકમાં ગદ્ય-સાહિત્ય ખેડાયું તેમાં ભાગવત અને યોગવાસિષ્ઠના સાર ઉપરાંત ‘ગીતગોવિંદ’, ભગવદગીતા અને ‘ચાણક્યનીતિ’ના સારાનુવાદ અને ગદ્યમાં મળતી ‘પંચાખ્યાન’, ‘પંચદંડ’, ‘વેતાળપચીશી’ તથા ‘શુકબહોતેરી’ની વાર્તાઓ છે.
ગુજરાતીને માતૃભાષા બનાવનાર પારસીઓએ ઝંદનો ગદ્યાનુવાદ ‘યસ્ન’, ‘ઇજિસ્ન’, ‘મિનોઇ ખિરદ’ (સોળમા સૈકામાં) વગેરે ગુજરાતીમાં આપેલ છે. સૂરતના વતની મોબેદ રુસ્તમ પેશોતનની ચાર કૃતિઓ મળે છે : ‘જરથોસ્ત-નામેહ’ (1676), ‘શ્યાવક્ષ-નામેહ’ (1680) ‘વિરાફ-નામેહ’ અને ‘અસ્પંદયાર-નામેહ’. તેમાં પહેલવી તથા ફારસી શબ્દોવાળી તથા પારસી બોલીની લાક્ષણિકાઓવાળી ગુજરાતી જોવા મળે છે.
અઢારમું શતક : જેનો કવનકાળ અઢારમા સૈકામાં 1718થી 1765નો છે તે શામળ ભટ્ટ અમદાવાદના વેગણપુર(ગોમતીપુર)નો હતો. જ્ઞાતિએ શ્રીગોડ માળવી બ્રાહ્મણ, વીરેશ્વરનો પુત્ર અને નાના ભટ્ટ નામના ગુરુનો તે શિષ્ય હતો. પુરાણીના ધંધામાં સફળ ન થતાં તે વાર્તાકાર બન્યો. પદ્યવાર્તાઓ એની પ્રતિષ્ઠાનો કીર્તિકળશ છે. સંસ્કૃત વાર્તાગ્રંથો ‘સિંહાસનદ્વાત્રિંશિકા’, ‘વેતાલપંચવિંશતિ’, ‘શુકસપ્તતિ’ અને ‘ભોજપ્રબંધ’ વગેરેમાંથી લીધેલી અને લોકપ્રચલિત કથાઓનો તેણે ઉપયોગ કર્યો છે. સ્વીકારેલા કથાવસ્તુમાં રસસ્થાનો ખીલવી, નવી ઘટનાઓ કલ્પનાથી ઉમેરી, આડકથાઓ ગૂંથી શામળ વાર્તારસની જમાવટ કરે છે. ‘સિંહાસનબત્રીશી’ અને ‘સુડાબહોતેરી’ મોટા વાર્તાભંડારો છે. તેણે ‘વેતાલપચીશી’ અને ‘પંચદંડ’ને ‘સિંહાસનબત્રીશી’માં ગૂંથી લીધેલ છે. લાંબી વાર્તાઓમાં ‘પદ્માવતી’, ‘મદનમોહના’ અને ‘વિદ્યાવિલાસિની’ છે. વાર્તાકાર શામળનું લક્ષ્ય જનમનરંજન છે. મનુષ્યેતર પાત્રો, તિર્યગ્યોનિના જીવો વગેરે પાસે તે મહત્વનું કામ કરાવે છે. પરકાયાપ્રવેશ, મૃતસંજીવની, ચૌદ વિદ્યા અને ચોસઠ કળાઓ ઇત્યાદિના ઉપયોગથી તે વાર્તાને અદભુતરસિક બનાવે છે. પરદુ:ખભંજક રાજા વીર વિક્રમ શામળનું મોટું આકર્ષણ છે. તેની વાર્તામાંનાં માનવપાત્રો સાહસિક, પરોપકારી અને બુદ્ધિચાતુર્ય બતાવનારાં હોય છે. શામળનાં સ્ત્રીપાત્રો વધુ તેજસ્વી અને કેટલાંક તો પુરુષવેશે પરાક્રમો કરનારાં જોવા મળે છે. તેમાં ગણિકાઓ અને સતીત્વથી શોભતી સ્ત્રીઓ પણ છે. શામળ નરનારીની ચતુરાઈ દર્શાવીને પણ જનમનરંજન કરે છે. તેથી વાર્તાઓમાં સમસ્યાઓનો બહોળો ઉપયોગ કર્યો છે. લોકપ્રિય ઉખાણાંની સાથે શામળે સુભાષિતો અને ઉપદેશસૂત્રોનો છૂટથી ઉપયોગ કરી નીતિબોધ ને વ્યવહારજ્ઞાન આપ્યું છે. તેને લીધે તે વાણિયાનો એટલે સંસારબુદ્ધિવાળાનો કવિ કહેવાયો છે. ‘સાદી ભાષા, સાદી કડી….’ કહેનાર શામળની કવિત્વશક્તિ સાધારણ છે. શામળની વિશેષતા કલ્પનાની મનોહારી સૃષ્ટિનો વિહાર કરાવી, જીવનનો થાક ભુલાવી, વ્યવહારજ્ઞાન સાથે વાર્તાનો આનંદ પૂરો પાડવામાં રહેલી છે.
શામળ પછીનો સમય : તેમાં પદકવિતાનો પ્રવાહ વેગવંત બન્યો છે. રાજેથી દયારામ સુધીની કવિતા એકંદરે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં પદોની વિપુલતા દેખાડે છે. વિપરીત રાજકીય પરિસ્થિતિમાં સર્જાયેલા સાહિત્યના આ યુગને વિદ્વાનોએ નિર્માલ્ય, મંદ અને સાહિત્યના સુકવણાનો કાળ કહ્યો છે. આમ છતાં આ સમયમાં બીજા વર્ગમાં મૂકી શકાય એવા કેટલાક કવિઓ તો મળે છે.
કેરવાડાનો મોલેસલામ ગરાસિયો રાજે કૃષ્ણભક્ત હતો. તેની ‘રાસપંચાધ્યાયી’, ‘ગોકુળલીલા’, ‘વિરહગીતા’, ‘બારમાસી’ વગેરે કૃતિઓમાં પ્રેમલક્ષણાભક્તિનું નિરૂપણ મળે છે. ‘આજની ઘડી રે…’ એ નરસિંહનું મનાતું પદ રાજેનાં પદોમાં પણ મળે છે. રણછોડે ‘રણછોડજીનો ગરબો’, ‘બારમાસ’, ‘કક્કો’, ‘રાધાવિવાહ’, ‘દશાવતારલીલા’ ઉપરાંત કૃષ્ણવિષયક પદો લખ્યાં છે. બીજા પદકવિઓમાં શિવાનંદ સ્વામી, રામકૃષ્ણ, થોભણ અને રઘુનાથને ગણાવી શકાય. તેમાંની કેટલીક પંક્તિઓએ દયારામ અને ન્હાનાલાલ જેવા કવિઓને પ્રેરણા આપી છે. આ સમયની બે કૃતિઓ જીવરામ ભટ્ટની ‘જીવરાજ શેઠની મુસાફરી’ (1744) અને કવિ ગોવિંદરામની ‘કલિજુગનો ધર્મ’ (1781) નોંધપાત્ર છે. આ સમયમાં નાનીબાઈ અને રતનબાઈ એ બે સ્ત્રીકવિઓએ પદોકાવ્યો આપ્યાં છે.
પ્રીતમ : એકવીસ વર્ષના કવનકાળમાં તે વિપુલ સાહિત્ય સર્જે છે. તે વેદાંતી, યોગમાર્ગનો અભ્યાસી અને ભક્ત હોવાનું જણાય છે. ‘કક્કા’, ‘મહિના’, ‘તિથિ’ અને ‘વાર’ જેવી તેની કૃતિઓનો વિષય વૈરાગ્ય અને ભક્તિ છે. ગુરુશિષ્યસંવાદ રૂપે લખાયેલી તેની ‘જ્ઞાનગીતા’ અખાના છપ્પા સાથે સરખામણી કરી શકાય તેવી સાખીઓ આપે છે. આ ઉપરાંત ‘સરસગીતા’ અને ‘પ્રેમપ્રકાશ’માં પ્રીતમે પદો આપ્યાં છે. એનાં મોટાભાગનાં પદો સંસારી સુખની ક્ષણભંગુરતા અને આત્મદર્શનનો બોધ આપનારાં છે. ‘ભક્તિ એવી રે ભાઈ એવી, તરસ્યાને પાણી રે જેવી’; ‘આનંદ મંગળ કરું આરતી હરિ-ગુરુ સંતની સેવા’, ‘હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને’, ‘જીભલડી રે તુને હરિગુણ ગાતાં આવડું આળસ ક્યાંથી રે ?’ જેવાં તેનાં ઘણાં પદો લોકપ્રિય છે. આ ઉપરાંત તેનાં પ્રેમલક્ષણાભક્તિવાળાં કૃષ્ણલીલાનાં અને ગોપીભક્તિનાં પદો સંખ્યાબંધ મળે છે.
આ જ્ઞાનમાર્ગી કવિ ભક્તકવિ પણ છે. પદલાલિત્ય અને સરળતાને લીધે તેની કવિતા લોકપ્રિય બનેલી છે.
મીઠુ (1738–1791) : શક્તિ-ઉપાસક હતો. ‘રાસરસ’ તેની મુખ્ય કૃતિ છે. આ મીઠુ શુક્લે ભક્ત સ્ત્રીપુરુષોનું એક રાસમંડળ પણ સ્થાપ્યું હતું. તેની એક શિષ્યા બાઈ જનીએ શાક્તકવિતા આપી છે.
ધીરો (આશરે 1753–1825) : ‘રણયજ્ઞ’, ‘અશ્વમેધ’, ‘દ્રૌપદીવસ્ત્રહરણ’ જેવી આખ્યાનકવિતા રચનાર ધીરાને પાંચ કડી અને દશ પંક્તિનાં ‘કાફી’ તરીકે ઓળખાતાં પદોમાં વિશેષ ફાવટ આવી છે. તેમાં ‘સ્વરૂપ’, ‘જ્ઞાનકક્કો’ અને ‘પ્રશ્નોત્તરમાલિકા’ મહત્વનાં છે. ‘સ્વરૂપ’માં ધીરો દેહને વૃક્ષના પાન અને પાણીના પરપોટા સાથે સરખાવે છે. ‘જ્ઞાનકક્કા’માં વૈરાગ્યબોધ છે અને ‘પ્રશ્નોત્તરમાલિકા’માં વેદાંતજ્ઞાન, જેમાં આત્મવિદ્યા વિશે ગુરુ ઉત્તર આપે છે. ધીરાની શક્તિ ‘જ્ઞાનબત્રીશી’ અને ‘આત્મજ્ઞાન’ની કાફીઓમાં ખીલે છે. આખાબોલાપણું અને અવળવાણી બંને તેમાં જોવા મળે છે.
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ.
*
દુનિયા દીવાની રે બ્રહ્માંડ પાખંડ પૂજે.
*
ફૂલ્યો શું ફરે છે રે ભૂલ્યો ભવકૂપમાં પડ્યો.
– જેવી કાફીઓ ગુજરાતી કવિતાનું ઘરેણું છે.
નિરાંત (1747–1852) : તેણે સાખીઓ, કુંડલિયા, ઝૂલણા નામે ઓળખાતાં પદો, ધોળ, છપ્પા અને કાફીઓ પણ રચેલ છે. વળી વાર, તિથિઓ અને મહિનાઓમાં પ્રેમલક્ષણાભક્તિના ભાવો, જ્ઞાન, ઉપદેશ, આત્મજ્ઞાન વગેરેનું નિરૂપણ છે. સંતોને લખેલા તેના પદ્ય-પત્રો ધ્યાન ખેંચે તેવા છે.
બાપુ (સાહેબ) ગાયકવાડ (1777–1843) : એને ધીરા અને નિરાંતના સંપર્ક તથા ઉપદેશનો લાભ મળ્યો હતો. મુમુક્ષા અને વૈરાગ્યવૃત્તિનો રંગ લાગવાથી તે જ્ઞાનમાર્ગી કવિએ પદો, ગરબીઓ, રાજિયા અને કાફીઓ રચ્યાં છે. તેણે રૂઢ ધર્મના આચારની ટીકા કરી છે અને હિંદુ-મુસ્લિમ-ભેદ મિટાવવાની સલાહ આપી છે. તત્વવિચાર અને જ્ઞાનોપદેશનાં પદોમાં ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’, ‘હરિગુણ ગાય તેને હરિ જેવા જાણો’ જેવાં અનેક પદો ગમી જાય તેવાં છે.
ભોજો (1785–1850) : ભગત અને અનુભવી જ્ઞાનમાર્ગી સંતકવિ છે. તેણે પાંચ કડવાંનું ‘ચેલૈયા આખ્યાન’ અને છ કડવાંની ‘નાની ભક્તમાળ’ આપી છે. ‘બાવનાક્ષર તથા કક્કા’ તેની લાંબી રચના છે. ભોજાને વિશેષ ફાવતી પદરચનામાં પ્રભાતિયાં, સરવડાં, કાફી, હોરી અને ચાબખા છે. આ ઉપરાંત વાર, તિથિ અને મહિના પણ મળે છે. ભોજાએ ઝૂલણાના ઢાળમાં પ્રભાતિયાં રચ્યાં છે. તેનાં આત્માનુભવનાં કાવ્યો સારાં છે. ‘‘કાચબો ક્હે છે કાચબીને તું રાખ્યને ધારણ ધીર’’ એ ધ્રુવપંક્તિવાળું ભજન લોકપ્રિય છે; પણ ભોજાની વિશિષ્ટતા તેના ચાબખા છે. ભાષા સાદી પણ ચોટદાર હોવાનો અનુભવ તેની નીચેની પંક્તિઓ કરાવે છે :
મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલશે મોટો પા’ણો.
*
જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ.
*
પ્રાણિયા ભજી લેને કિરતાર, આ તો સપનું છે સંસાર.
આ સમયમાં ભજનિક સંતોની વાણી લોકહૃદયને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવે છે. કબીરપંથી સંતોમાં ભાણસાહેબ, રવિસાહેબ, મોરારસાહેબ, ત્રિકમસાહેબ, જીવણસાહેબ (દાસી જીવણ) વગેરેએ પદો લખ્યાં છે. રૂપકગર્ભ ભજનોથી લોકપ્રિય બનનાર, પોતાને હરિની દાસી માનનાર દાસી જીવણ ગાય છે : ‘મોર તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે ? મોરલા મરત લોકમાં આવ્યો.’
આ જ સમયગાળામાં ગુજરાતની ભાવિક પ્રજાનાં હૈયાંને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિઓએ ધર્મપ્રવૃત્તિ અને સમાજસેવા માટે પ્રેરણા આપી. અયોધ્યા પાસેના છપૈયા ગામમાં જન્મેલા ઘનશ્યામ તે સહજાનંદ સ્વામી(1781–1830)એ સ્વામી રામાનંદ પાસેથી દીક્ષા લઈ, આચાર્ય બની, ગુજરાત અને સૌરાષ્ટ્રનાં મંદિરો બંધાવી લોકજીવનને નિર્મળ કરવા સંસ્કારનો ફેલાવો કર્યો. આ સંપ્રદાયે ગુજરાતી સાહિત્યની પણ સારી સેવા બજાવી છે. શ્રીજી એટલે સહજાનંદે કરેલા જ્ઞાનબોધ અને ઉપદેશની નોંધ પરથી મુક્તાનંદ, ગોપાલાનંદ, નિત્યાનંદ અને શુકાનંદ શિષ્યોએ તૈયાર કરેલો સંગ્રહ એટલે ‘વચનામૃત’. એમાં ગુજરાતી ગદ્યનું તળપદું સૌરાષ્ટ્રીય સ્વરૂપ સચવાયેલું છે. તેની ભાષા મિતાક્ષરી, સરળ અને પ્રવચનશૈલીની છે.
‘મુક્તાનંદ’(1761–1830)ની ‘મુકુંદબાવની’, ‘ઉદ્ધવગીતા’ અને ‘સતીગીતા’ – એ ત્રણ રચનાઓ છે. તે ઉપરાંત ‘ધર્મામૃત’, ‘પ્રેમલીલા’, ‘રામલીલા’ અને સેંકડો છૂટક પદો લખ્યાં છે. પૂર્વાશ્રમના લાલજી સુતાર તે જ નિષ્કુલાનંદ (1766–1848). તેઓ વીસેક કાવ્યગ્રંથો અને ત્રણ હજાર પદો આપે છે. ‘પુરુષોત્તમપ્રકાશ’ અને ‘ભક્તચિંતામણિ’માં તેમણે સહજાનંદચરિત્ર લખ્યું છે. ‘યમદંડ’માં સહજાનંદ સ્વામીના દૃઢ માનસનું દર્શન કરાવ્યું છે. ભક્તિ અને વૈરાગ્યનો બોધ આપતી કૃતિ ‘ધીરજાખ્યાન’ છે. તેમની યાદગાર રચનાઓમાં ત્યાગ અને વૈરાગ્યનો ઉપદેશ કરતાં પદો છે. ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’, ‘જનની જીવો રે ગોપીચંદની…’ વગેરે ખૂબ લોકપ્રિય બનેલી રચનાઓ છે. આ ઉપરાંત વિરહ, સ્વરૂપ, વિવાહ, શિયળની વાડ, ધોળ અને ગરબીઓનું સાહિત્ય સરળ ભાષામાં લખ્યું છે. આ સંપ્રદાયના નોંધપાત્ર સાધુ તે પૂર્વાશ્રમના લાડુ બારોટ અને પછી બનેલા બ્રહ્માનંદ (1772–1849). તેઓ નૈસર્ગિક કાવ્યશક્તિ બતાવે છે. સહજાનંદ સ્વામી તેમને ‘સખા’ કહેતા. જ્ઞાનભક્તિ અને ગોપીભાવનાં પદોમાં તેમની કાવ્યસિદ્ધિ પ્રશસ્ય છે. તેમાં ઊંચા પ્રકારની કલા અને મોહકતા છે. ‘આ તનરંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી’ અને ‘રે શિર સાટે નટવરને વરીએ…’ જેવાં પદો એમની કવિત્વશક્તિનાં દ્યોતક છે. સહજાનંદ સ્વામી જેમને ‘પ્રેમસખી’થી સંબોધતા તે સ્વામી પ્રેમાનંદ (1779–1845) ભક્તિ-સાહિત્યની દૃષ્ટિએ સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા કવિ છે. તેમનાં કાવ્યોમાં શુદ્ધ ભક્તિ છે. તેમણે ભક્તિબોધ અને જ્ઞાનવૈરાગ્યનાં પદો લખ્યાં છે. તેમની પદાવલિમાં સંગીતમાધુર્ય છે. એમની કવિતાનો પ્રધાન ગુણ માધુર્ય છે. આ ઉપરાંત જ્ઞાન-ભક્તિની કવિતામાં ગૌરીબાઈ, દિવાળીબાઈ, કૃષ્ણાબાઈ, પુરીબાઈ, રાધાબાઈ વગેરેએ પણ ફાળો આપ્યો છે.
દયારામ (1777–1853) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો તે છેલ્લો તેજસ્વી પ્રતિનિધિ ગણાયો છે. નર્મદાકિનારે આવેલા ચાણોદનો સાઠોદરો નાગર મોસાળ ડભોઈમાં જીવન વિતાવે છે. માતાપિતાના વૈષ્ણવ સંસ્કારો અને ડાકોરના ઇચ્છારામ ભટ્ટે આપેલ શુદ્ધાદ્વૈતનું જ્ઞાન તેને પુષ્ટિ સંપ્રદાયનો ભક્તકવિ બનાવે છે. સંસ્કૃત, મરાઠી, પંજાબી, ઉર્દૂ, મારવાડી, બિહારી અને સિંધી ભાષાઓમાં કાવ્ય રચનાર આ કવિએ પોણોસોથી વધારે કૃતિઓ આપી છે. ‘રસિકવલ્લભ’ સાંપ્રદાયિક રચના છે. બ્રહ્મવાદને નામે ઓળખાતા પુષ્ટિસંપ્રદાયના વેદાંતમત શુદ્ધાદ્વૈતના ભક્તિસિદ્ધાંતનું તેમાં નિરૂપણ છે. માયાવાદનું ખંડન કરતાં પુષ્ટિભક્તિનો મહિમા દર્શાવ્યો છે. ‘ભક્તિપોષણ’માં ભક્તિશાસ્ત્ર વર્ણવ્યું છે. દયારામની ‘અજામિલ આખ્યાન’ જેવી રચનાઓ બતાવે છે કે તેને આખ્યાનમાં ફાવટ નથી. કૃષ્ણચરિત્રાત્મક અને રાધાવિષયક કાવ્યોમાં તેના રસિકત્વ અને કવિત્વનાં દર્શન થાય છે. ‘પ્રેમરસગીતા’ અને ‘પ્રેમપરીક્ષા’ ઉત્તમ રચનાઓ છે. આ સર્વમાં ઊર્મિકવિની પ્રતિભા ધરાવતા દયારામની કાવ્યદૃષ્ટિએ શ્રેષ્ઠ ગણાય તેવી કૃતિઓ તે ગરબીઓ છે. તેમાં ભાગવતનું વ્રજ ખડું કરી દીધું છે. ‘કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે’, ‘વાંકું મા જોશો વરણાગિયા…’, ‘વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું’, ‘ઘેલી મુને કીધી શ્રીનંદજીના નંદે’, ‘શ્યામ રંગ સમીપે ન જાવું…’ ઇત્યાદિ રચનાઓમાંની રસિક કલ્પના, ચાટૂક્તિઓ, શબ્દપ્રભુત્વ અને ચિત્રાત્મકતા તેમજ ઉત્કટ ઊર્મિઓને લીધે ગુજરાત અને ગુજરાતણનો હૃદયરાજવી બનેલો દયારામ ‘બંસીબોલના કવિ’ તરીકે ઓળખાયો છે. તેની ગરબીઓમાં નાટ્યાત્મકતા પણ છે. ઊર્મિકાવ્યો જેવી તેની ગરબીઓમાં જણાતો ભક્તિશૃંગાર ભાગવત અને ‘ગીતગોવિંદ’ની પ્રણાલીનો છે. આ દાસ દયો ‘ગુજરાતની ગોપી’ બન્યો છે. મધ્યકાલીન કાવ્ય-પરંપરાને અનુસરીને દયારામે તિથિઓ, બારમાસ, પ્રાર્થનાઓ, બોધક પદો, ‘પ્રબોધબાવની’ જેવી પ્રકીર્ણ કૃતિઓ વગેરેનું વિપુલ સાહિત્ય આપ્યું છે. આમ છતાં વાણીમાધુર્ય, ભાષાપ્રભુત્વ અને રસિક કલ્પનાને લીધે અમર બનતું સર્જન તો તેની ગરબીઓ જ છે.
ગુજરાતી સાહિત્યનો મધ્યકાળ દયારામના અવસાન સાથે પૂરો થાય છે. દયારામના સમયમાં જૈન સાહિત્યપ્રવાહ ચાલુ જ રહ્યો છે. આ ગાળા દરમિયાન ‘રાસ’ નામથી ઓળખાતી ધર્મપુરુષોની ચરિત્રકથાઓ, ધર્મકથાઓ, સ્તવનો, સજ્ઝાયો વગેરે મોટી સંખ્યામાં લખાયાં છે.
દરેક પ્રજાની જેમ ગુજરાતને પણ તેની તળપદી ભાષામાં લખાયેલું, લોકજીવનના વિવિધ અંશો દર્શાવતું સાહિત્ય મળ્યું છે. આ પ્રવાહ શિષ્ટ સાહિત્યના પ્રવાહ સાથે જ વહેતો રહ્યો છે. લોકસાહિત્યમાં ધરતીની ફોરમનો આસ્વાદ મળે છે. આનંદ વ્યક્ત કરતાં નૃત્ય અને ગાન, ટેક, શૌર્ય અને વીરપૂજાની પરંપરા, પ્રેમ અને વિરહના અનુભવો વગેરે જનસમાજની સહજ તળપદી વાણીમાં ગૂંથાયેલાં જોવા મળે છે. તે વાણીમાં તાજગી અને ચોટ હોય છે. અનામી સર્જકોની રચનાઓ સમાજની સંપત્તિ બનેલી હોય છે. માનવહૃદયના સનાતન ભાવોનું ગાન કરતા લોકસાહિત્યમાં શૌર્ય, સ્વાર્પણ, પ્રેમ, વિરહ, વાત્સલ્ય, મૃત્યુશોક વગેરેના અનુભવો ગૂંથાયેલા હોય છે. દેવીપુત્ર કહેવાતા ચારણોએ આમાં મોટો ફાળો આપ્યો છે. તેમાં દાતાઓની પ્રશંસા, વીરો અને સંતોની બિરદાવલિઓ ઉપરાંત છંદોબદ્ધ આખ્યાનકાવ્યો, સ્તુતિઓ, સુભાષિતો, દુહા અને મરસિયા વગેરે ‘ડિંગળ’ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. ચારણો ઉપરાંત ભાટ, મીર, મોતીસર, રાવળ ઇત્યાદિ કોમોએ પણ દુહા, વાર્તા અને બિરદાવલિઓનું સાહિત્ય આપ્યું છે. સાહિત્યમાં નારીસમાજે આપેલું લોકસાહિત્ય વિવિધ રાગ અને ઢાળોમાં રચાયેલું છે. કિશોરીઓનાં ક્રીડાગીતો, વ્રતગીતો, લગ્નગીતો; સીમંત, જનોઈ જેવા શુભ પ્રસંગોને લગતાં ગીતો; હાલરડાં, રાસડા, નવરાત્રના ગરબા, ઋતુગીતો, રાજિયા વગેરેને લગતું સાહિત્ય ગુજરાતના નારીસમાજનું સમૃદ્ધ પ્રદાન છે. આ સાહિત્ય એ પ્રજાનું જીવંત સંસ્કારબળ હતું. ઘણા અર્વાચીન કવિઓને એમાંથી પ્રેરણા મળી છે.
અર્વાચીન સાહિત્ય
ઓગણીસમી સદીનો ઉત્તરાર્ધ સમગ્ર ભારતના જીવન માટે નવી ક્ષિતિજો ખોલી આપે છે. 1850 સુધીમાં સ્થિર થયેલી બ્રિટિશ સત્તાએ સલામતી અને વ્યવસ્થા આપ્યાં. 1820માં મુંબઈ સરકારે નેટિવ સ્કૂલ બુક ઍન્ડ નેટિવ સ્કૂલ સોસાયટી સ્થાપેલી. તેના ઉપક્રમે ગુજરાતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો અને 1857માં મુંબઈ, મદ્રાસ (ચેન્નાઈ) તેમજ કલકત્તા(કૉલકાતા)માં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. બીજી નોંધપાત્ર ઘટના હતી મુદ્રણયંત્રના આગમનની. 1867 સુધીમાં વર્તમાનપત્રો, સામયિકો અને ગ્રંથપ્રકાશનની પ્રવૃત્તિને લીધે પ્રજામાં નવજાગૃતિનો સંચાર શરૂ થયો હતો. પરદેશી પ્રજાની જીવનશૈલી અને સાહિત્યના પ્રત્યક્ષ પરિચયથી પરિવર્તનની હવા જામી. અત્યાર સુધી જીવનના ઉલ્લાસને ગૌણ બનાવી ધર્મના કોચલામાં ભરાઈ પરભવનું ભાથું બાંધતી પ્રજા નવા પ્રકાશથી અંજાઈ પ્રોત્સાહિત થઈ. જીવનનાં સર્વ ક્ષેત્રો પર પ્રભાવ પાડતા આ મહાવિસ્ફોટની અસર ઝીલવામાં ગુજરાતના સંસ્કારસ્વામીઓ અને સારસ્વતો અગ્રેસર રહ્યા છે.
દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી (1820–1898) : કર્મકાંડી પિતા ડાહ્યા ‘વેદિયા’એ ધર્મ અને નીતિના સંસ્કાર આપ્યા. સ્વામિનારાયણની ‘સત્સંગી’ દીક્ષા એ સંસ્કારો દૃઢ કરી વ્રજભાષામાં ‘જ્ઞાનચાતુરી’ અને ‘વ્રજચાતુરી’ ગ્રંથો લખાવે છે. જોડકણાંના રસે તેમને શીઘ્રકવિ બનાવ્યા. રાજકવિ થવાના મનોરથ સેવતા દલપતરામને અમદાવાદમાં જજ ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફૉર્બ્સના સંપર્કે વિદ્યાવૃદ્ધિ, દેશોદ્ધાર અને સમાજસુધારાની પ્રવૃત્તિઓ માટે પ્રેરણા આપી. 1845માં લખાયેલી તેમની કાવ્યકૃતિ ‘બાપાની પીપર’ અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રારંભબિંદુ છે. 1849માં દલપતરામે લખેલો ‘ભૂતનિબંધ’ પહેલો ગદ્યલેખ છે. 1851માં તેમણે આપેલું પદ્ય-વ્યાખ્યાન ‘હુન્નરખાનની ચઢાઈ’ અર્વાચીન ગુજરાતનું પહેલું દેશભક્તિનું કાવ્ય છે.
‘દલપતકાવ્ય’ ભાગ 1–2માં કવિની દૃષ્ટિ અને રીતિ જૂની ઢબનાં હોવા છતાં ભાષાની ઝડઝમક અને બુદ્ધિચાતુર્યનાં તત્વોએ કવિતાને લોકભોગ્ય બનાવી છે. ઐતિહાસિક દૃષ્ટિએ ‘ગુજરાતી વાણીના આ વકીલે’ અર્વાચીન નિરૂપણરીતિનો પ્રારંભ કર્યો છે. નીતિ અને દેશોદ્ધાર સાથે સમાજસુધારાના નવા વિષયો સંક્રાન્તિકાળના સમાજને ઉપકારક નીવડે તે રીતે કવિતામાં ગૂંથ્યા છે. કવિની ધર્મ અને ઈશ્વર સંબંધી રચનાઓ સાદી અને લોકગમ્ય ભાષામાં ઊંચી કોટિનું ચિંતન રજૂ કરે છે. ‘આકાશ તથા કાળ વિશેની ગરબી’માં જોવા મળતી કલાત્મક એકતા એમના કવિત્વનો એક શ્રેષ્ઠ ઉન્મેષ છે.
અર્વાચીન કવિતાનું પ્રધાન લક્ષણ આત્મલક્ષિતા દલપતરામના ‘ફાર્બસવિરહ’માં જોવા મળે છે; છતાં પરલક્ષીપણું એમની કવિતાનું સાર્વત્રિક લક્ષણ છે. તેમની કવિતા વ્યવહારલક્ષી અને ફરમાસી છે. કવિની મનુષ્યસ્વભાવની જાણકારી અને વ્યવહારદક્ષતાનાં અનેક દૃષ્ટાંતો એમની વૈવિધ્યપૂર્ણ પાત્રસૃષ્ટિમાં મળે છે; જેમ કે, જીવરામ ભટ્ટ, શરણાઈવાળો, ગંડુ રાજા ઉપરાંત પ્રાણીજગતનાં સિંહ, કૂતરો, શિયાળ, ઊંટ, માખીનું બચ્ચું વગેરે.
માર્મિક વ્યવહારબુદ્ધિ તથા સમભાવી વિનોદવૃત્તિના કારણે તેમનો કટાક્ષ પણ માણી શકાય તેવો હોય છે. આ જ કારણે બોધપ્રધાન કવિતા પણ આસ્વાદ્ય બને છે. મુક્તક જેવા કાવ્યસ્વરૂપના વિકાસમાં તેમનો ચિરંજીવ ફાળો છે. ‘સમર્થ ઉપકવિ’ ગણાયેલા દલપતરામની સભારંજની કવિતામાં સમસ્યા અને પાદપૂર્તિના અંશો આકર્ષક છે. ‘કવિતા કહીએ કલ્પના જનમનરંજન જાણ’, ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત’, ‘દીવા-નથી દરબારમાં છે અંધારું ઘોર’, ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજાં’ અને ‘અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે’ જેવી પંક્તિઓથી દલપતરામ આબાલવૃદ્ધ સૌને પ્રિય બનેલા કવિ છે.
બાલસાહિત્યસર્જનમાં સંસ્કારનો સરળ રીતે બોધ કરતી રચનાઓ મોટી સંખ્યામાં આપનાર કવિ તરીકે તેમની ગણના થઈ છે.
ગદ્યક્ષેત્રમાં દલપતરામે નિબંધો ઉપરાંત ગ્રીક નાટક ‘પ્લુટસ’નું રૂપાંતર ‘લક્ષ્મીનાટક’ (1850) અને ભૂંગળ વિનાની ભવાઈરૂપ મૌલિક નાટક ‘મિથ્યાભિમાન’ (1870) આપ્યાં. એ બે કૃતિઓથી નાટકના વિકાસમાં તેમણે પ્રારંભિક કાર્ય કર્યું છે.
દલપતરામે જ્ઞાતિના વાડા તોડવાનું, અંધશ્રદ્ધા છોડવાનું અને બાળવિવાહ જેવાં સામાજિક અનિષ્ટો અટકાવવાનું પ્રજાને આવાહન આપી સુધારકનું કાર્ય કરેલું છે; પણ તેમની દૃષ્ટિ ‘ધીરે ધીરે સુધારાનો સાર’ જોનારી છે. અર્વાચીન યુગના પ્રસ્થાનસમયે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે મૂલ્યવાન સેવા આપનાર આ કવિને ‘ગરબીભટ્ટ’ની ગાળ મળી તો સાથે ‘કવીશ્વર’નું બિરુદ પણ મળ્યું ! આ ઉપરાંત સી. આઇ. ઈ. [કમ્પેનિયન ઑવ્ ધી ઇન્ડિયન એમ્પાયર]નો ઇલકાબ મહારાણી વિક્ટોરિયાના દરબારમાં તેમને પ્રાપ્ત થયેલો. દલપતરામ, પોતાની મદદથી ફાર્બસે 1848માં સ્થાપેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હાલની ગુજરાત વિદ્યાસભા)ના 30 વર્ષ સુધી મંત્રી રહ્યા અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં ફરી ઇતિહાસકથાઓ, લેખો, હસ્તપ્રતો વગેરે એકત્રિત કરી ‘રાસમાળા’ તૈયાર કરવામાં ફાર્બસને મદદ કરી તે પણ તેમની અમૂલ્ય સાહિત્યસેવા છે. ‘રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે’ એમ કહેનાર દલપતરામ પિંગળ અને અલંકારશાસ્ત્રના સારા જ્ઞાતા હતા. 1855માં ‘બુદ્ધિપ્રકાશ’માં પહેલવહેલું પ્રગટ થયેલું ‘દલપતપિંગળ’ ઘણા સમય સુધી શાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે ચાલુ રહેલું. તેની બાવીસ જેટલી આવૃત્તિઓ અને 91,000થી પણ વધારે નકલો ખપી ગઈ છે તે હકીકત દલપતરામ કવિની યશકલગીમાં એક વધુ છોગું ઉમેરનારી છે.
નર્મદાશંકર લાલશંકર દવે (1833–1886) : તેમનાથી સમાજસુધારાનું આંદોલન વેગવંત બને છે. ‘યાહોમ કરીને પડો’ કહેનાર પોતાને ‘કડખેદ’ ગણે છે. તેઓ વહેમયવન સામે લડે છે, કુરિવાજ અટકાવે છે અને વિધવા સાથે લગ્ન કરી પોતાના વિચારોને અમલમાં મૂકી બતાવે છે. સાંપ્રદાયિક સત્તાને પડકારવા વૈષ્ણવોના જદુનાથ મહારાજ સાથે વિવાદ કરે છે. પોતાના પાક્ષિક પત્ર ‘ડાંડિયા’ દ્વારા ગુજરાતની પ્રજાને જાગ્રત કરવા અને અજ્ઞાન તથા જડતામાંથી છોડાવવા તેમણે મોટો પુરુષાર્થ કર્યો હતો અને પરદેશગમન કરનાર મહીપતરામની પડખે ઊભા રહી જ્ઞાતિનો વિરોધ કરેલો. કરસનદાસ મૂળજીએ પોતાના પત્ર ‘સત્યપ્રકાશ’માં વૈષ્ણવ મહારાજ વિશે લખેલું. તેમના બદનક્ષી કેસમાં નર્મદે કરસનદાસને મદદ કરેલી.
અર્વાચીન ગુજરાતી કવિતામાં સુધારો, સ્વતંત્રતા, દેશાભિમાન, પ્રકૃતિ અને પ્રણય જેવા નવા વિષયોનું તેમણે ખેડાણ કર્યું અને ગુજરાતી કવિતાને આત્મલક્ષી ઝોક આપ્યો. અંગત ઊર્મિઓનું સીધું નિરૂપણ કરતી તેમની કવિતામાં તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ ઝિલાયું છે. તેમણે માતૃભાષાને ‘લાગણી’ અને ‘દેશાભિમાન’ જેવા શબ્દો આપ્યા છે. તેમની કવિતામાં પ્રેમશૌર્યનું સીધું ઉદબોધન છે. નર્મદને ગુજરાતીમાં મહાકાવ્ય લખવાના કોડ હતા. વીરવૃત્તમાં તેમણે લખેલ ‘વીરસિંહ’ અને ‘રુદનરસિક’ એ મહાકાવ્યના અધૂરા નમૂના છે. ‘નર્મકવિતા’માં જોવા મળતું લક્ષણ જોસ્સો ક્યારેક તેમના કવિત્વની મર્યાદા બને છે. તેમની કેટલીક ચિરંજીવ કૃતિઓમાં ‘જય જય ગરવી ગુજરાત’, ‘નવ કરશો કોઈ શોક’, ‘સહુ ચલો જીતવા જંગ’, ‘ડગલું ભર્યું કે ના હઠવું’, ‘દાસપણું ક્યાં સુધી ?’ વગેરેને ગણાવી શકાય. પંદરસો પંક્તિનું ‘હિંદુઓની પડતી’ નામનું કાવ્ય અર્વાચીન કાવ્યસાહિત્યની પ્રતિનિધિરૂપ કૃતિ છે.
સાહિત્યિક છટાવાળા ગદ્યનો નમૂનો નર્મદના ભાષણ ‘મંડળી મળવાથી થતા લાભ’(1850)માં મળે છે. નર્મદ ગુજરાતી ગદ્યના પિતા કહેવાયા છે. ગુજરાતી ભાષાના તેઓ પહેલા નિબંધકાર છે. વળી પત્રકારની અને વ્યાખ્યાનકારની શૈલીના ગુણો પણ તેમનાં ગદ્યલખાણોમાં જોવા મળે છે.
‘મારી હકીકત’ સત્યનિષ્ઠાના વિરલ ગુણથી શોભતું આત્મચરિત્ર છે. નર્મદના વિપુલ સાહિત્યસર્જનમાં ‘રાજ્યરંગ’, ‘સુરતની મુખ્તેસર હકીકત’, ‘મેવાડની હકીકત’ ઉપરાંત નરસિંહ અને દયારામ જેવા કવિઓનાં ચરિત્રો; ‘રામજાનકીદર્શન’, ‘સીતાહરણ’, ‘દ્રૌપદીદર્શન’ જેવાં નાટકો વગેરેનો ઉલ્લેખ અનિવાર્ય છે. ‘નાગર સ્ત્રીઓનાં ગીત’ અને ‘મનહરપદ’ જેવાં સંપાદનો પણ તેમણે કરેલાં છે. વળી ગુજરાતીમાં કવિતાની રીત જાણવાનો ગ્રંથ ‘પિંગળપ્રવેશ’ પણ લખેલો. તેમણે એકલે હાથે ગુજરાતી ભાષાનો શબ્દકોશ તૈયાર કર્યો હતો.
નર્મદના જીવનનો મુદ્રાલેખ હતો ‘પ્રેમશૌર્ય’. વિષમ સંજોગોમાં પણ ‘એ પણ એક રંગ છે’ એવો ઉદગાર તેઓ કાઢી શક્યા હતા. હજારોની હાજરીમાં ‘શાસ્ત્રો ઈશ્વરકૃત નથી’ એવું કહેનાર એમની હિંમત અને ખુદવફાઈ ખુશી ઉપજાવે તેવાં હતાં. ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયેલા નર્મદે સાહિત્યક્ષેત્રે અનેક નવપ્રસ્થાનો કરીને મૂલ્યવાન સેવા બજાવી છે. અંગ્રેજી સાહિત્યના સંસ્કારથી ઘડાયેલી તેમની કાવ્યવિભાવના અનુગામીઓ માટે પણ ઉપયોગી બની છે. રુચિભેદને લીધે નર્મદ-દલપત વિવાદ ઊભો થયેલો હોવા છતાં બંને વચ્ચે મીઠો સંબંધ હતો.
‘વીર, સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી’ ગાનાર નર્મદે કલમને ખોળે માથું મૂકીને ગુજરાતી ભાષા અને સાહિત્યની અનન્ય સેવા બજાવી યુગપુરુષની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. તેમની સત્યનિષ્ઠા વિરલ અને સ્તુત્ય હતી. સુધારક સાથીઓના દંભી વર્તનથી નિર્ભ્રાન્ત થયેલા નર્મદે આર્યધર્મ અને સંસ્કૃતિનો પુનરુદ્ધાર કરવામાં જ દેશનું હિત રહેલું છે એવું વિચારપરિવર્તન ‘ધર્મવિચાર’માં રજૂ કર્યું છે.
નવલરામ લક્ષ્મીરામ પંડ્યા (1836–1888) : તેઓ સુધારક યુગ તરીકે ઓળખાયેલા આ સમયગાળામાં ‘ગુજરાત શાળાપત્ર’ના તંત્રી અને ગ્રંથપરીક્ષક હતા. તેઓ સમકાલીન કૃતિઓ ‘કાન્તા’, ‘કરણઘેલો’, ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ વગેરે પર સમતોલ વિવેચન લખે છે. ‘નવલગ્રંથાવલિ’ના ચાર ભાગમાં તેમના લેખો ગોવર્ધનરામે સંપાદિત કરેલા. ફ્રેન્ચ નાટકકાર મૉલિયેરના પ્રહસનના અંગ્રેજી ભાષાંતર ‘મૉક ડૉક્ટર’ પરથી નવલરામે કરેલું ગુજરાતી રૂપાંતર ‘ભટનું ભોપાળું’ રંગભૂમિ પર હાસ્યની રંગત જમાવનારું નાટક છે. એમનું બીજું ગંભીર નાટક ‘વીરમતી’ છે. મિત્ર નર્મદનું લઘુચરિત્ર ‘કવિજીવન’, ‘વ્યુત્પત્તિપાઠ’ નામનું ભાષાશાસ્ત્રનું પુસ્તક, ‘નિબંધરીતિ’, ‘ઇંગ્રેજ લોકનો ઇતિહાસ’; ‘બાળગરબાવળી’ અને ‘બાળલગ્નબત્રીશી’ જેવા કાવ્યસંગ્રહો વગેરેમાં નવલરામની કવિત્વશક્તિ અને વિવેચનશક્તિનો સારો પરિચય મળે છે. ‘જનાવરની જાન’ એમની કટાક્ષશક્તિનો પુરાવો છે. ‘મેઘદૂત’ના ભાષાંતરમાં તેમણે કરેલો મેઘછંદનો ઉપયોગ નોંધપાત્ર છે. ‘સુધારાનું ઇતિહાસરૂપ વિવેચન’ તેની ગદ્યશૈલીને લીધે આકર્ષક બનેલું છે. એકંદરે નવલરામનું સાહિત્ય અને શિક્ષણ અંગેનું ચિંતન ઐતિહાસિક તથા તાત્વિક દૃષ્ટિએ મહત્વનું છે. ગુજરાતી વિવેચનની તંદુરસ્ત પ્રણાલી અને શાસ્ત્રીય પરિભાષા નવલરામે ઘડી આપી.
નંદશંકર તુળજાશંકર મહેતા(1835–1905)એ ‘કરણઘેલો’ (1866) નવલકથા આપીને નવીન સાહિત્યપ્રકારની પરંપરા ઊભી કરી. તેમાંનાં વર્ણનોમાં ગદ્યશૈલીની વિશેષતા ધ્યાન ખેંચનારી છે. ઐતિહાસિક દૃષ્ટિએ તે નર્મદયુગની શ્રેષ્ઠ રચના ગણાઈ છે. આ યુગમાં ‘માનવધર્મસભા’ના સ્થાપક અને ગુજરાતમાં સુધારાનો પહેલો પોકાર કરનાર દુર્ગારામ મહેતાજી (1809–1876); ‘અભંગમાળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થનાસમાજના સ્થાપક ભોળાનાથ સારાભાઈ (1823–1886); પ્રથમ પરદેશગમન કરનાર અને તે વિશે ‘ઇંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન’ લખનાર, ચરિત્રલેખક, ‘વનરાજ ચાવડો’ અને ‘સધરા જેસંગ’ જેવી ઐતિહાસિક વાર્તાઓના લેખક, ભવાઈના વીસ વેશોનો સંગ્રહ કરનાર મહીપતરામ રૂપરામ નીલકંઠ (1829–1891); ‘સત્યપ્રકાશ’ પત્રના તંત્રી, ‘રાસ્ત ગોફતાર’ અને ‘સ્ત્રીબોધ’ના અધિપતિ, ‘ઇંગ્લૅન્ડમાં પ્રવાસ’ નામનું પુસ્તક લખનાર, કરસનદાસ મૂળજી (1832–1871); ભવાઈના નિર્લજ્જ ચેનચાળા જોઈને શિષ્ટ નાટકો રચવામાં પહેલ કરનાર, ‘લલિતાદુ:ખદર્શક’ જેવાં સંસ્કૃત શૈલીનાં નાટકો લખનાર અને ‘ગુજરાતી રંગભૂમિ અને નાટકના પિતા’ ગણાયેલ રણછોડભાઈ ઉદયરામ દવે (1837–1923); સંસ્કૃતમય ગુજરાતીના પુરસ્કર્તા અને વેદાંતના પ્રખર વિદ્વાન મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠી (1840–1907); ‘શાંતિદાસ’ વાર્તાથી વિદ્યાર્થીઓમાં જાણીતા, વિચારક અને કેળવણીકાર અંબાલાલ સાકરલાલ દેસાઈ (1844–1914); પ્રાચીન ‘કાવ્યમાળા’ના સંપાદક હરગોવિંદદાસ કાંટાવાળા (1849–1931); ‘પ્રતાપ નાટક’ના કર્તા ગણપતરામ રાજારામ ભટ્ટ (1848–1920); ‘ગુજરાતી પત્ર’ના અધિપતિ, ‘કાવ્યદોહન’ના સંપાદક તથા ‘હિંદ અને બ્રિટાનિયા’ નવલકથા આપનાર ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (1852–1912) વગેરે સારસ્વતોની સેવાઓ નોંધપાત્ર છે. ઘણી મોટી સંખ્યામાં અનેક પ્રકારે સાહિત્યસેવા કરનાર આ યુગના બીજા કેટલાક મહાનુભાવોમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત ગટુલાલજી, ‘વિજયવાણી’ના કર્તા અને નર્મદના શિષ્ય વિજયશંકર ત્રિવેદી, ‘શાકુંતલ’નો પદ્યાનુવાદ કરનાર સવિતાનારાયણ, સૌરાષ્ટ્રના સુધારક મણિશંકર કીકાણી, ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ અને ‘ઉત્સર્ગમાળા’ના કર્તા વ્રજલાલ શાસ્ત્રી, ‘રાણકદેવી’ નવલકથા આપનાર અનંતપ્રસાદ વૈષ્ણવ, પુરાતત્વવિદ ભગવાનલાલ ઇન્દ્રજી, ‘શાંતિસુધા’ના કવિ છોટાલાલ નરભેરામ ભટ્ટ, ‘કાવ્યશાસ્ત્ર’ ‘નાટ્યશાસ્ત્ર’ વગેરેના કર્તા કવિ નથુરામ શુક્લ, ‘કાવ્યકલિકા’ ઉપરાંત સાક્ષરચરિત્રો લખનાર જયસુખલાલ જોશીપુરા, ‘શાકુન્તલ’ના અનુવાદક ઝવેરીલાલ ઉમિયાશંકર, ‘અમદાવાદનો ઇતિહાસ’ લખનાર મગનલાલ વખતચંદ, સૂફી પરિભાષામાં પ્રેમલક્ષણાભક્તિ નિરૂપનાર કાજી અનવરમિયાં, ‘મદાલસા આખ્યાન’ લખનાર કવિ છોટમ વગેરે ઉલ્લેખપાત્ર છે.
આ ઉપરાંત સાહિત્યસર્જનમાં પોતાની રીતે ફાળો આપનાર પારસી લેખકોમાં ‘નીતિવિનોદ’, ‘અનુભવિકા’ અને ‘સંસારિકા’ જેવા કાવ્યસંગ્રહો કવિ બહેરામજી મલબારીએ આપ્યા છે. ‘વિલ્સનવિરહ’ એમનું શોકપ્રશસ્તિ-કાવ્ય છે. કવિ જમશેદજી નસરવાનજી પીટીટે ‘માહરી મજેહ અને બીજી કવિતાઓ’નો સંગ્રહ આપ્યો છે. મૌલિક નવલકથા આપનાર દાદી તારાપોરવાળાએ ‘દુ:ખી દાદીબા’ અને ‘શીરીનની કહાણી’ આપી છે. જહાંગીર તાલિયારખાને ‘રત્નલક્ષ્મી’ અને ‘મુદ્રા અને કુલીન’ આપી છે. ડિકન્સની ‘પિક્વિક પેપર્સ’ ઉપરથી લોકપ્રિય કૃતિ ‘અક્કલના સમુંદર’ આપનાર હાસ્યકાર અને પત્રકાર હતા જહાંગીર મર્ઝબાન. કેખુશરૂ કાબરાજી ‘ગુલી ગરીબ’ અને ‘દુખિયારી બચુ’ જેવી સામાજિક નવલકથાઓ આપે છે. બમનજી કાબરાજીએ ‘કુમી કુલાંટ’ અને ‘શીરીનનાં સંકટો’ – એ બે મૌલિક નવલકથાઓ લખી છે. કેખુશરૂ કાબરાજીનું પ્રદાન પારસીઓની તથા પારસી સિવાયનાઓની નાટકમંડળીઓ દ્વારા થયેલા ગુજરાતી નાટક અને રંગભૂમિના વિકાસમાં સ્મરણીય રહેશે.
આ રીતે નર્મદયુગની સાહિત્યસેવા ચાલુ હતી ત્યારે જ તેની પછીની પેઢીમાં કેટલાક તેજસ્વી સર્જકોનો ઉદય થઈ રહ્યો હતો. યુનિવર્સિટીમાં શિક્ષણ લેનારમાં સંસ્કૃત ભાષાસાહિત્યે આકર્ષણ જન્માવ્યું હતું. રાજકીય પ્રવૃત્તિઓમાં સ્થાનિક સ્વરાજ વગેરેની ભાવનાઓનો ઉદય થયો હતો. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ દ્વારા હિંદુ ધર્મની કાયાપલટ થતી હતી. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને અર્વાચીન યુરોપીય સંસ્કૃતિની સંયુક્ત અસરોને લીધે શિક્ષિત વર્ગની દશા જૂના-નવાનો વિવેક કરી સુગ્રાહ્ય અંશોના સ્વીકારની મથામણ અનુભવતી વ્યક્તિ જેવી હતી. સંસ્કૃતિના ત્રિભેટે વિદ્વાનો પોતાની સંસ્કૃતિનું શ્રેષ્ઠ સંરક્ષવા તત્પર હતા. આ સાક્ષરયુગ, પંડિતયુગ કે તેના પ્રતિનિધિ સંસ્કારસ્વામી ગોવર્ધનરામના નામે ઓળખાતો ગોવર્ધનયુગ સંસારસુધારાને શાસ્ત્રીય રીતે સંમાર્જિત કરવાનો ભગીરથ પ્રયત્ન કરે છે. આખા યુગના સાહિત્યનો મુખ્ય સૂર સંસ્કારસુરક્ષા અને ધર્મભાવના બને છે.
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (1855–1907) : સંજોગવશાત્ સરસ્વતીસેવાનું વ્રત છોડી નર્મદે દાસપણું કર્યું ત્યારે બાવીસ વર્ષની વયે ‘વ્યવહારુ સંન્યાસ’ નિબંધ લખનાર ગોવર્ધનરામે ત્રીસ વર્ષની ઉંમરે નોકરી નહિ કરવાનો સંકલ્પ કરેલો. તેતાળીસ વર્ષની વયે વકીલાતનો ધીકતો ધંધો છોડી લોકસંગ્રહાર્થે સરસ્વતીની આરાધના શરૂ કરેલી. એના સુફલ રૂપે વિશ્વસાહિત્યમાં સ્થાન પામે તેવી ગુજરાતી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ રચાઈ (ભા. 1 1887; ભા. 2 1892; ભા. 3 1898, ભા. 4 1900). આ અમર કૃતિના ચાર ભાગમાં ભારતીય સંસ્કૃતિનું ગોવર્ધનરામે કરેલું આર્ષ દર્શન જોવા મળે છે. વાસ્તવિક જીવનને આલેખતી એ પહેલી શિષ્ટ ગુજરાતી મૌલિક નવલકથા છે. સરસ્વતીચંદ્ર અને કુમુદની પ્રણયકથા ભાગ પહેલાથી શરૂ થાય છે. બીજા ભાગમાં સેવા અને ત્યાગની ભાવનાથી દીપતી ગૃહિણીનો સંસાર આલેખાયો છે. ત્રીજા ભાગમાં પૂર્વ અને પશ્ચિમના સંબંધથી જન્મેલા રાજકીય અને સાંસ્કૃતિક સંઘર્ષની યોગ્યાયોગ્યતા તપાસી છે. ચોથા ભાગમાં કલ્યાણગ્રામની યોજના લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે. એ રીતે આ મહાનવલ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સુંદર મીમાંસા આપે છે.
‘સરસ્વતીચંદ્ર’ જટિલ વસ્તુવાળી નવલકથા છે. જીવંત અને તાશ પાત્રોની વિશાળ સૃષ્ટિ તેમાં છે. તેમાં રજૂ થતું ચિંતન ઉચ્ચ કોટિનું છે. લેખકની શૈલીએ ગુજરાતી ગદ્યની વિવિધ છટાઓ દર્શાવી છે. સાહિત્ય અને સમાજ ઉપર તેની વ્યાપક અસર પડેલી છે. તેમાં જીવનના મહાપ્રશ્નોની થયેલી છણાવટ ગુજરાતના ગૃહજીવનનું પુરાણ હોવાના અભિપ્રાયને સાર્થ ઠરાવે છે.
ગોવર્ધનરામે રચેલું ‘સ્નેહમુદ્રા’ (1889) કાવ્ય છે. તેનો વિષય સ્નેહમીમાંસા છે. આ ઉપરાંત ‘સાક્ષરજીવન’ અને ‘અધ્યાત્મજીવન’ ગોવર્ધનરામની દાર્શનિક વિચારધારાના અપૂર્ણ ગ્રંથો છે. ‘લીલાવતી જીવનકલા’ (1905) પ્રિય પુત્રી લીલાવતીના સૂક્ષ્મદેહની કથા આપતું ચરિત્ર છે. ‘નવલગ્રંથાવલિ’ સંપાદનગ્રંથમાં લખાયેલી ‘નવલરામની જીવનકથા’ લેખકે નવલરામના જીવન અને કાર્યનું કરેલું ગુણગ્રાહી વિવેચન-મૂલ્યાંકન છે. બે વિવેચનલેખોમાં ‘દયારામનો અક્ષરદેહ’(1908)માં કવિ દયારામની કવિતા પર પડેલી સંપ્રદાયની અસર દર્શાવી છે અને ‘ક્લાસિકલ પોએટ્સ ઑવ્ ગુજરાત’ (1916) એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો વ્યાખ્યાન રૂપે આપેલો પ્રથમ ઇતિહાસ છે. આ ઉપરાંત ચિંતનપૂર્ણ અંગ્રેજી રોજનીશી ‘સ્ક્રૅપબુક’(ચાર ભાગ)(1888–1906) લેખકની વિચારસૃષ્ટિની કાર્યશાલારૂપ નોંધપોથી છે. ‘ક્ષેમરાજ અને સાધ્વી’ તથા ‘સરસ્વતી અને માયા’ – એ બે અધૂરાં નાટકો છે. ‘માધવરામસ્મારિકા’, ‘સતી ચૂનીની વાર્તા’, ‘કવિતા, કાવ્ય અને કવિ એ વિષયે મિતાક્ષર’, ‘આ કાળનાં આપણાં આદિ નાટક’, ‘પાશ્ચાત્ય હાસ્યરસ અને તેનું એતદ્દેશીય રૂપાંતર’, ‘આધ્યાત્મિક કવિ અને તેની કવિતા’, ‘સંસારસુધારો’ વગેરે એમના સાહિત્યનાં વારસારૂપ અન્ય લખાણો છે.
સાંસ્કૃતિક પુનરુત્થાનના આ યુગના બીજા સમર્થ સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદી (1858–1898) છે. ‘સુદર્શન ગદ્યાવલી’ એ ધર્મ, ગૃહ, રાજ્ય અને સાહિત્ય વિશેના ચિંતનનો વિપુલ સાહિત્યરાશિ છે. ઉત્તર વયના નર્મદે સુધારાને સ્વધર્મ તરફ વાળવાનું શરૂ કરેલું તેને પ્રાચીન આર્યધર્મ અને ફિલસૂફીની પરંપરા તરફ અભિમુખ કરવાનું કાર્ય મણિલાલ કરે છે. આ અભેદમાર્ગપ્રવાસી સાક્ષર પ્રેમ અને કર્તવ્યના બોધ દ્વારા સાચા સુખનો માર્ગ ચીંધે છે. જીવનની સર્વ પ્રવૃત્તિનું મૂળ શંકરાચાર્યના અદ્વૈતસિદ્ધાન્તને ગણીને ગીતાનો સાર કર્મયોગ છે એમ પ્રતિપાદિત કરનાર મણિલાલે પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતાં ભારતીય સંસ્કૃતિનું સર્વોપરીપણું સિદ્ધ કરવા અથાગ પરિશ્રમ ઉઠાવ્યો. પ્રથમ વિશ્વ-ધર્મપરિષદમાં શિકાગો જવાનું નિમંત્રણ તેમણે મોકલેલા Hinduism નિબંધની ગુણવત્તાને આભારી હતું. દેશવિદેશમાં આર્યધર્મના પુરસ્કર્તા અને પ્રખર ભારતીય તત્વજ્ઞ તરીકે તેમને પ્રતિષ્ઠા મળી હતી.
ગુજરાતી ભાષા તેમને હાથે તત્વચર્ચા માટે ખેડાઈ અને સમર્થ બની. પ્રવાહી છતાં અર્થસભર ગદ્ય અને સુનિશ્ચિત આકૃતિવાળા નિબંધ – એ સાહિત્યક્ષેત્રે મણિલાલનું વિશિષ્ટ પ્રદાન છે. એમનું ચિંતન ધર્મ, સમાજ, શિક્ષણ, સાહિત્ય અને રાજકારણને આવરી લે છે. એમણે ગઝલ, ભજન, ગીત અને વૃત્તબદ્ધ કાવ્યો આપ્યાં, પરંતુ ગુજરાતી કવિતા તેમજ નિબંધને તત્વાભિમુખ બનાવ્યાં એ એમની મોટી સિદ્ધિ છે.
‘કાન્તા’ અને ‘નૃસિંહાવતાર’ એ બે નાટકો, ‘બાળવિલાસ’ અને ‘સુદર્શન ગદ્યાવલિ’ના લેખો, આત્મવૃત્તાંત, લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ‘ઝેનોની’નો ભાવાનુવાદ ‘ગુલાબસિંહ’, ‘આત્મનિમજ્જન’ કાવ્યસંગ્રહ, સંસ્કૃત નાટકોના અનુવાદો તેમજ વિવેચન-સંશોધનના લેખો ઇત્યાદિ સાહિત્ય તેમણે ગુજરાતને આપ્યું છે. આ સર્વમાં આત્મકથામાં પ્રગટ થતી તેમની નિખાલસતા, કવિતામાં પૃથ્વી છંદનો ઉપયોગ, ‘અમર આશા’ જેવી ગઝલો સાથે ‘ગગને આજ પ્રેમની ઝલક છાઈ રે’ જેવી ગીત-પંક્તિઓ વિશેષ નોંધપાત્ર છે.
સાક્ષરભૂમિ નડિયાદનું બીજું ગૌરવ તે મસ્ત કવિ ‘બાલ’ એટલે બાળાશંકર ઉલ્લાસરામ કંથારિયા (1858–1898). તેમનું શિખરિણીના સો શ્લોકોમાં લખાયેલું ‘ક્લાન્ત કવિ’ (1884) સૂફીમત અને ભક્તિના મિશ્રણવાળું કાવ્ય છે. આ અપૂર્વ કાવ્યકૃતિમાં ‘પરકીયાભાવ’ કે ‘સ્વકીયાપ્રેમ’ વિશે વિદ્વાનોમાં ભિન્ન મત ભલે હોય પરંતુ સંસ્કૃત કવિતાની ભાવછટા અને અલંકારસમૃદ્ધિવાળી આ સુદીર્ઘ રચના રસાવહ છે. ‘હરિપ્રેમપંચદશી’ની ગઝલોમાં ‘ગુજારે જે શિરે તારે’, ‘ઊડો નાદાન મન બુલબુલ’, ‘જિગરનો યાર જુદો તો’ જેવી રચનાઓ એ ફારસી કાવ્યપ્રકારને ગુજરાતીમાં પ્રચલિત કરે છે. હાફિઝની ગઝલોનો અનુવાદ પણ બાળાશંકરે કરેલો છે. વળી ‘ભારતીભૂષણ’ અને ‘ઇતિહાસમાલા’ સામયિકોમાં સાહિત્યકૃતિઓ તથા ઇતિહાસની સામગ્રી રજૂ કરીને તેમણે મહત્વની સાહિત્યસેવા કરી છે. ગુજરાતી કવિતાના ઉદયકાળમાં તેમનું સ્થાન એક રસકવિ તરીકેનું છે.
સંશોધન, ભાષાંતર, સંપાદન અને ધર્મચિંતન વગેરેથી સમાજ અને સાહિત્યની સેવા કરનાર સાક્ષર દી. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ (1859–1938) વિશાખદત્તના ‘મુદ્રારાક્ષસ’ નાટકનો ‘મેળની મુદ્રિકા’ નામે અનુવાદ કરે છે. ‘અમરુશતક’ અને ‘ગીતગોવિંદ’ એમણે કરેલા પદ્યાનુવાદો છે. આ ઉપરાંત કાલિદાસના ‘વિક્રમોર્વશીયમ્’નો ‘પરાક્રમની પ્રસાદી’ નામે અને શ્રીહર્ષના ‘પ્રિયદર્શિકા’નો ‘વિન્ધ્યવનની કન્યકા’ નામે અનુવાદ કર્યો છે. ભાસનાં ‘સ્વપ્નવાસવદત્તા’, ‘મધ્યમવ્યાયોગ’ અને ‘પ્રતિમા’ના પણ ગુજરાતી અનુવાદો તેમણે આપ્યા છે. કેશવ હ. ધ્રુવે સંપાદન અને સંશોધનનો આદર્શ રજૂ કર્યો છે. ‘કાદંબરી’ (પૂર્વ અને ઉત્તર ભાગ), ‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’, ‘હરિશ્ચંદ્રાખ્યાન’ અને ‘અનુભવબિંદુ’ તેનાં શ્રેષ્ઠ દૃષ્ટાંત છે. તેમની વિદ્વત્તામાં રસિકતા અને પાંડિત્યનો ઉત્તમ સમન્વય જોવા મળે છે. સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે આપેલું ભાષાના યુગો દર્શાવતું વ્યાખ્યાન, ‘વાગ્વ્યાપાર’, ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ની સમીક્ષા અને ‘સાહિત્ય અને વિવેચન’ના બે સંગ્રહો કેશવલાલ ધ્રુવની પ્રકાંડ વિદ્વત્તા દર્શાવે છે.
ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને મણિલાલથી ચાલ્યા આવતા આર્યસંસ્કૃતિના વિચારદોરને પોતાની રીતે પરિષ્કૃત કરનાર ‘મધુદર્શી સમન્વયકાર’ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ (1869–1942) બનારસ હિંદુ યુનિવર્સિટીના આચાર્ય અને પછી તેના પ્રો-વાઇસ ચાન્સેલર તથા ગુજરાત યુનિવર્સિટીના સ્વપ્નદ્રષ્ટા હતા. સંસ્કૃતિ, સ્વદેશ અને ધર્મ એમની બૌદ્ધિક પ્રવૃત્તિનાં મુખ્ય ક્ષેત્રો હતાં. ‘આપણો ધર્મ’ એમની સ્વસ્થ, નિર્મળ અને સત્યશોધક દૃષ્ટિથી ઓપતા લેખોનો સંગ્રહ છે. તેઓ ધર્મતત્વને સમગ્ર જીવનને આવરી લેતી વિશાળ સાત્વિક ભૂમિકા ઉપર મૂકે છે. સાહિત્યભાવનામાં પણ પરિશીલન અને તર્કશુદ્ધ ઐતિહાસિક અભિગમ વડે સૌંદર્યાનુભૂતિને પ્રત્યક્ષ જીવન સાથે સંકલિત કરે છે. તેઓ વિશ્વસાહિત્યના સંદર્ભને અનુલક્ષીને શુદ્ધ તથા સાત્વિક દૃષ્ટિએ ચર્ચા કરે છે. ‘સાહિત્યવિચાર’, ‘કાવ્યતત્વ-વિચાર’, ‘દિગ્દર્શન’ અને ‘વિચારમાધુરી’(12)માં તેમના કાવ્ય-સાહિત્ય, શિક્ષણ, સમાજ અને સંસ્કૃતિને લગતા લેખો છે. ‘વસન્ત’ માસિક એમનો પત્રકારત્વનો ઉચ્ચ આદર્શ દર્શાવનાર ગણાયું છે. આનંદશંકર આ પંડિતયુગની પરમવંદ્ય વિભૂતિ હતા.
નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (1859–1937) કવિ, વિવેચક, ભાષાશાસ્ત્રી, ચરિત્ર-લેખક, નિબંધકાર એમ અનેક સ્વરૂપે ગુજરાતી ભાષા-સાહિત્યને અર્ધી સદી સુધી સુદીર્ઘ સેવાઓ આપનારા સાક્ષર હતા. તેમની ‘કુસુમમાળા’ (1887) ગુજરાતી કવિતાના વિકાસનો બીજો તબક્કો દર્શાવે છે. પાલગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ના ચોથા ભાગથી અને વર્ડ્ઝવર્થ, શેલી જેવા કવિઓનાં પ્રકૃતિ તથા પ્રણયનાં ઊર્મિકાવ્યોની અસરથી પ્રભાવિત આ કવિ પાશ્ચાત્ય કુસુમોની ભેટ ધરે છે. યુવાન પુત્રના મૃત્યુના આઘાતથી પ્રગટેલું કરુણપ્રશસ્તિકાવ્ય ‘સ્મરણસંહિતા’ ટેનિસનના ‘ઇન મેમોરિયમ’ કાવ્યના સંસ્કાર ઝીલતું હોવા છતાં નરસિંહરાવની કવિત્વશક્તિનો ઉત્તમ નમૂનો છે. ‘હૃદયવીણા’, ‘નૂપુરઝંકાર’, અને ‘બુદ્ધચરિત’ તેમના બીજા કાવ્યગ્રંથો છે. તેમાં છેલ્લું એડવિન આર્નોલ્ડના ‘લાઇટ ઑવ્ એશિયા’ કાવ્યનો ગુજરાતી પદ્યાનુવાદ છે. વિવેચકને કવિનો જોડિયો ભાઈ કહેનાર નરસિંહરાવે ‘મનોમુકુર’ના ચાર ભાગમાં પોતાના વિવેચનલેખો આપ્યા છે. એવા લેખોથી નરસિંહરાવે સાહિત્યક્ષેત્રે જાગ્રત પ્રહરીનું કામ કર્યાનું જોઈ શકાય છે. ‘સ્મરણમુકુર’માં પરિચિત વ્યક્તિઓનાં સ્મૃતિચિત્રો છે. ‘જ્ઞાનબાલ’ના તખલ્લુસથી લખેલા નિબંધો અને ચર્ચાપત્રો ‘વિવર્તલીલા’માં મળે છે. મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં ‘વિલ્સન ફાઇલૉલૉજિકલ લેક્ચર્સ’ ભાષાશાસ્ત્રી નરસિંહરાવનું મૂલ્યવાન પ્રદાન છે. સાહિત્યપરિષદના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન, જોડણી વિશેના લેખો, પ્રેમાનંદનાં નાટકો વિશેની તેમની આલોચના વગેરેમાં મૌલિક ચિંતન અને મર્મગ્રાહી વિચારણા જોવા મળે છે. ‘અભિનયકલા’ એ નરસિંહરાવનો ગુજરાતી રંગભૂમિની સુધારણા વિશેનો શાસ્ત્રીય ગ્રંથ છે. એમની ‘રોજનીશી’માં એક અનોખા વ્યક્તિત્વનો પરિચય પ્રાપ્ત થાય છે. જીવનના અંગત આઘાતોમાં નરસિંહરાવના કવિહૃદયે ગાયું કે ‘આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે’, છતાં સુધારક અને પ્રાર્થનાસમાજની ધર્મભાવના નરસિંહરાવ પાસે પૂરી ઈશ્વરશ્રદ્ધાથી ભક્તિભીના ઉદગારો કઢાવે છે કે ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી’. ‘Lead thou kindly Light’નો પ્રાસાદિક ભાવાનુવાદ ‘પ્રેમળ જ્યોતિ’ એમની લોકપ્રિય બનેલી કૃતિ છે.
મિત્ર તરીકે ‘કુસુમમાળા’ને ગુજરાતી સાહિત્યના રણમાં ‘એક જ મીઠી વીરડી’ શબ્દોથી સત્કારનાર રમણભાઈ મહીપતરામ નીલકંઠ (1868–1928) નવલરામથી શરૂ થયેલી વિવેચનપ્રણાલીમાં સંસ્કૃત અને પાશ્ચાત્ય ધોરણોનો સમન્વય કરીને તેને સૌંદર્યલક્ષી બનાવે છે. ‘કવિતા અને સાહિત્ય’ના ચાર ભાગમાં તેમણે ‘મકરંદ’ તખલ્લુસથી લખેલાં કાવ્યો, વાર્તાઓ અને વિવેચનો છે. ધર્મ અને સમાજના વિષયોમાં મણિલાલના ‘સુદર્શન’ સામે રમણભાઈના ‘જ્ઞાનસુધા’ માસિકનું વાદ-યુદ્ધ એક રસપ્રદ ઘટના છે. રમણભાઈ સુધારકોની પરંપરાના છેલ્લા પ્રતિનિધિ હતા. ‘રાઈનો પર્વત’ (1914) સંસ્કૃત અને અંગ્રેજી શૈલીના સમન્વયવાળું તખ્તાને અનુલક્ષીને લખાયેલું તેમનું શિષ્ટ નાટક છે. રૂઢિચુસ્ત માનસ અને સંસ્કૃતમય શૈલીનો ઉપહાસ કરતું ‘ભદ્રંભદ્ર’ (1900) સળંગ હાસ્યરસિક નવલકથા તરીકે ભારતીય હાસ્યસાહિત્યની ગણનાપાત્ર કૃતિ છે. એનું આયોજન સર્વાન્તીસના ‘દૉન કિહોતે’ને લક્ષમાં રાખી થયેલું છે. મણિલાલ તથા મન:સુખરામના વ્યક્તિત્વની કેટલીક લાક્ષણિકતાઓનો ઉપહાસ કરવાના પ્રયોજને રમણભાઈ નીલકંઠે ભદ્રંભદ્ર અને અંબારામનાં પાત્રોની જે જોડી ‘ભદ્રંભદ્ર’માં રજૂ કરી તે હાસ્યનાં કેટલાંક ચિરંજીવ તત્વોના અધિષ્ઠાનરૂપ બની રહી છે. તેમના ‘હાસ્યમંદિર’માં સંવાદો, નિબંધો અને પ્રસંગચિત્રો છે. તેમાં તેમનાં પત્ની વિદ્યાબહેન નીલકંઠના લેખો પણ છે. ‘શોધમાં’ એ અપૂર્ણ હાસ્યરસિક નવલકથા છે. સાહિત્યસિદ્ધાંતોમાં વૃત્તિમય ભાવાભાસ અને સ્વાનુભવરસિક તથા સર્વાનુભવરસિક કવિતા અંગેનાં એમનાં દીર્ઘ લખાણો વિવેચનક્ષેત્રની એમની સેવાના નોંધપાત્ર પુરાવા છે.
મણિશંકર રત્નજી ભટ્ટ–‘કાન્ત’(1867–1923)થી ગુજરાતી કવિતામાં વસન્તનું આગમન થાય છે. શિષ્ટ અને રોચક ઊર્મિકાવ્યોમાં ધર્મ અને સ્નેહની વચ્ચેના તીવ્ર મનોમંથનને કમનીય કલાસ્વરૂપ મળે છે. ‘પૂર્વાલાપ’ ‘કાન્ત’ની કવિતાનો એક માત્ર સંગ્રહ છે. તેમાં ‘ઉદગાર’, ‘વિધુર કુરંગ’, ‘વત્સલનાં નયનો’, ‘આપણી રાત’ અને ‘સાગર અને શશી’ જેવાં ઊર્મિકાવ્યો સર્વાંગસુંદર રચનાઓ છે. અંગત સંવેદનાઓ પણ અહીં સર્વભોગ્ય બને છે અને તેમાંનો કરુણ આસ્વાદ્ય બને છે. ‘કાન્ત’નું કવિ-માનસ કલાદૃષ્ટિના ઉચ્ચગ્રાહવાળું હોવાથી પોતાના કાવ્યસર્જનને કલાકસબથી મઢે છે. આંતરવેદનાને પ્રગટ કરતી બાની શબ્દશિલ્પીની કલાનો નમૂનો બને છે. જગતની યોજનામાં રહેલી વિષમતા કવિહૃદયને અસહ્ય લાગે છે. સત્યની ખોજ કરનાર કવિ ધર્માન્તર કરે છે. સ્વીડનબૉર્ગના ગ્રંથો તેમાં નિમિત્ત બને છે. ત્રિભુવનદાસ ગજ્જર, રમણભાઈ નીલકંઠ અને બ. ક. ઠાકોર જેવા મિત્રો પણ તેમનો માનસપલટો કરી નહિ શકેલા; પરંતુ સ્વજનનાં આંસુ અસહ્ય લાગતાં એ પાછા હિંદુ ધર્મમાં આવ્યા. ‘કાન્ત’નાં ખંડકાવ્યો તેમની અજ્ઞેયવાદી વિચારધારા દર્શાવે છે. ‘અતિજ્ઞાન’, ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ તથા ‘દેવયાની’માં તેમનું દર્શન શ્રેષ્ઠ કલાસ્વરૂપ પામ્યું છે. ઊર્મિકાવ્ય અને કથનાત્મક કાવ્યની વચ્ચેનું ‘કાન્તે’ શોધેલું અને પ્રચલિત કરેલું કાવ્યસ્વરૂપ ખંડકાવ્ય છે. ‘કથનોર્મિકાવ્ય’ તરીકે પણ તે ઓળખાવાયું છે. એને આદર્શ ગણીને સમકાલીનો તેમજ અનુગામીઓએ ખંડકાવ્યનાં લક્ષણો તારવ્યાં છે તેમજ તે પ્રકારની રચનાઓ પણ આપી છે. તેમની અન્ય રચનાઓમાં ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ એ બે નાટકો, ઉપરાંત ‘સલીમશાહ’ છે. ‘રાણો કુંભો અને મીરાં’, ‘ચંદ્રકાન્ત અને અનામિકા’ જેવા વક્તૃત્વ-છટાવાળા સંવાદો; ‘શિક્ષણનો ઇતિહાસ’; ‘સિદ્ધાંતસારનું અવલોકન’ અને પત્રો વગેરેનો ઉલ્લેખ કરવો જોઈએ.
‘કાન્ત’ની સાથે જ કૌતુકપ્રિય પ્રકૃતિના કવિ ‘કલાપી’ – સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (1874–1900) અર્વાચીન ગુજરાતી કવિતાને રંગદર્શી વલણ આપે છે. પ્રકૃતિસૌંદર્યનો શોખ અને વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ, બાયરન જેવા કૌતુકપ્રિય કવિઓના સાહિત્યની અસર ઉપરાંત રાજદ્વારોના ખૂની ભપકા પ્રત્યે અનાસક્તિ ધરાવતું હૈયું ધરાવતા આ રાજવી કવિએ પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવ્યો. તેમણે ‘હૃદયત્રિપુટી’, ‘બિલ્વમંગળ’, ‘સારસી’ અને ‘ગ્રામ્ય માતા’ જેવાં ખંડકાવ્યો ગુજરાતી સાહિત્યને આપ્યાં છે. રમા, કોટડાવાળાં રાણી આનંદી બા અને દાસી શોભના પ્રત્યે નિષ્ઠા અને આકર્ષણથી મંથન અનુભવતું કવિહૃદય જીવનભર કાવ્યરચનાઓમાં ઊભરતું રહ્યું. રાગ અને ત્યાગની વચ્ચે ઝૂલતા કવિ પ્રેમમાં તરફડે છે અને કહે છે ‘આનંદની મધુર પાંખ ન ક્યાંય જોઈ.’
કલાપીએ લખેલી ગઝલોમાં ‘મસ્ત ઇશ્ક’, ‘હમારા રાહ’, ‘અતિમોડું’, ‘એક ઘા’, ‘નદીને સિંધુનું આમંત્રણ’ તથા ‘ત્યાગ’ વગેરે સાહિત્યપ્રેમીઓમાં તેના મસ્તરંગને લીધે પ્રિય બનેલી છે. શોભના(મોંઘી)ને પોતાની બનાવી અને કવિને વૈરાગ્ય ઊપજ્યો, પરિણામે ઇશ્કે હકીકીનાં કેટલાંક ઉત્તમ કાવ્યો ગુજરાતી સાહિત્યને મળ્યાં. ‘આપની યાદી’ની ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની’ તથા ‘માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને’ જેવી પંક્તિઓ ગઝલના આ નવીન કાવ્યપ્રકારને લોકપ્રિય બનાવવામાં નિમિત્ત બનેલી છે. ‘કલાપીનો કેકારવ’ ગુર્જરી કુંજોમાં આહલાદક વાતાવરણ ઊભું કરે છે. આ ઉપરાંત કલાપીએ પત્રધારા અને સંવાદો, પ્રવાસ નિબંધ‘કાશ્મીરનો પ્રવાસ’, ‘સ્વીડનબૉર્ગનો ધર્મવિચાર’ તેમજ ‘માલા અને મુદ્રિકા’ અને ‘નારીહૃદય’ જેવી અંગ્રેજીમાંથી રૂપાંતરિત નવલકથાઓ વગેરે આપ્યાં છે. સાહિત્યમાં કલાપીની પત્રધારાને તેના સર્જનાત્મક ગદ્યને કારણે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે.
ગુજરાતી સાહિત્યની અસામાન્ય ઘટના તે પોતાના જમાનાના લોકપ્રિય કવીશ્વર દલપતરામની અને અર્વાચીન યુગના અદ્વિતીય ઊર્મિકવિની કીર્તિ પ્રાપ્ત કરનાર તેમના પુત્ર ન્હાનાલાલ(1877–1946)ની ‘સળંગ એકસો એક વર્ષની’ સાહિત્યસેવા છે. 1905માં પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ન્હાનાલાલના ‘વસંતોત્સવ’ કાવ્યથી ગુજરાતી સાહિત્યમાં ‘પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’ ઊગ્યાની જાહેરાત તેમના મિત્ર ‘કાન્તે’ કરી હતી. કવિનું સાહિત્યસર્જન વિપુલ અને સત્વશાળી છે. તેમના વિષયોનો વ્યાપ વિસ્તૃત છે. અર્વાચીન છંદોબદ્ધ રચનાઓ સાથે પ્રાચીન પ્રણાલીને વિશિષ્ટ ઓપ આપતી ગીતરચનાઓ પણ છે. ઊર્મિકાવ્યો ન્હાનાલાલનું શ્રેષ્ઠ અર્પણ છે. ‘વિરાટનો હિંડોળો’ ઉદાત્ત કલ્પનાની ભવ્યતાનો આસ્વાદ કરાવે છે તો ‘બ્રહ્મવીંઝણો’ અદભુત કાવ્યરસનું પાન કરાવે છે. ‘ઝીણા ઝરમર વરસે મેહ’, ‘હૈયાનાં હેત વહેતી વાંસળી’, ‘ગોપિકાની ગોરસી ભરેલી’ રમ્ય અને મૃદુ ભાવોને નિરૂપતી રચનાઓ છે. ‘એક જ્વાલા જલે તુજ નેનનમાં’ એ તો પ્રણયરસની સંસિદ્ધ રચના છે. ‘સ્નેહીનાં સોણલાં’ કે ‘આશા-નિરાશાનો ચંદ્રમા’ જેવાં કાવ્યો વિરહની વેદના માર્મિક રીતે રજૂ કરે છે. દામ્પત્યભાવનાં કેટલાંક સુંદર કાવ્યોમાં ‘પ્રાણેશ્વરી’, ‘કુલયોગિની’, ‘વિલાસની શોભા’ અને ‘શરદપૂનમ’ ગણાવી શકાય. ન્હાનાલાલનાં અર્ઘ્યકાવ્યોમાં અનુષ્ટુપમાં લખાયેલું ‘પિતૃતર્પણ’ શ્રેષ્ઠ છે. એ કરુણ પ્રશસ્તિ છે. ‘ગુજરાતનો તપસ્વી’ ગાંધીજીને અંજલિ રૂપે લખાયેલ ઉત્તમ કાવ્ય છે. કવિનાં રાષ્ટ્રભક્તિનાં કાવ્યોમાં ‘શકુનની ઘડીઓ’, ‘ધન્ય હો ધન્ય જ પુણ્યપ્રદેશ’ અને ‘પાર્થને કહો ચડાવે બાણ’ વીરરસનું નિરૂપણ કરતી રચનાઓ છે. ચિંતન અને ભક્તિનાં ઊર્મિકાવ્યોમાં ‘ધર્મરાજના પાર્ષદને વિદાય’માં કવિ મૃત્યુનું મંગળ દર્શન કરાવે છે. એમનાં ‘શ્રાવણી અમાસ’, ‘બ્રહ્મદીક્ષા’, ‘મ્હારાં નયણાંની આળસ’, ‘બ્રહ્મબંસરી’ જેવાં કાવ્યો અર્વાચીન ભક્તિકવિતાના ઉત્તમ નિદર્શનરૂપ છે. ‘પ્રેમભક્તિ ભજનમાળા’ અર્વાચીન યુગનાં ભજનોનો સર્વોત્તમ સંગ્રહ છે. મધુર અને નિગૂઢ વ્યંજના કવિનાં ઊર્મિકાવ્યોની વિશેષતા છે. પુણ્યથી રસસાગરની પાળ પ્રભુએ બાંધેલી છે એવા વૈષ્ણવી સંસ્કારવાળા કવિના ‘ફૂલડાંકટોરી’ જેવા કાવ્યમાં દિવ્ય ભાવનાનું નિરૂપણ છે. સુંદર ભાવપ્રતીકો ઉપરાંત કવિએ વાપરેલા જૂનાં લોકગીતો અને ભજનોના ઢાળ એમની રચનાઓને ઉપકારક નીવડ્યા છે. ‘ન્હાના ન્હાના રાસ’ ભા. 1–2–3ની રચનાઓએ ગુજરાત અને ગુજરાતણને રાસના હિલોળે ચઢાવ્યાં. તેમાં કોમળ ભાવો, વાણીનું સંગીત, અલંકારની ચારુતા, અર્થની વ્યંજકતા વગેરે તત્વોનો મોટો ફાળો છે. ગુજરાતી ભાષાને તેજે ઘડેલા શબ્દો વધારે પ્રમાણમાં કવિ ન્હાનાલાલે આપ્યા છે. ‘કેટલાંક કાવ્યો’ (ભાગ 1થી 3); ‘ચિત્રદર્શનો’ અને ‘પ્રેમભક્તિ-ભજનાવલિ’ ન્હાનાલાલના અન્ય મહત્વના કાવ્યસંગ્રહો છે.
‘વસંતોત્સવ’ તથા ‘ઓજ અને અગર’ કવિનાં ખંડકાવ્યો છે. ‘કુરુક્ષેત્ર’ ન્હાનાલાલે કરેલો મહાકાવ્યનો પ્રયોગ છે. એના અનુસંધાનમાં લખાયેલ ‘દ્વારિકાપ્રલય’નું ચિત્ર ભવ્ય અને સચોટ છે. સળંગ અનુષ્ટુપમાં લખાયેલું ‘હરિસંહિતા’ વિરાટ કાવ્ય છે. આ ઉપરાંત કવિએ ‘હરિદર્શન’ અને ‘વેણુવિહાર’ કાવ્યો પણ ઉત્તરવયમાં લખ્યાં છે.
કવિએ લખેલાં બારેક જેટલાં નાટકોમાં ‘ઇન્દુકુમાર’, ‘જયા-જયંત’, ‘શાહાનશાહ અકબરશાહ’, ‘જહાંગીર નૂરજહાન’, ‘વિશ્વગીતા’ મુખ્ય છે. કવિએ લગ્નસ્નેહ અને સ્નેહલગ્નની મીમાંસા સામાજિક નાટકોમાં કરેલી છે. નાટકમાં વસ્તુ પાંખું અને પાત્રો પ્રતીકો છે. તેમાં તખ્તાલાયકી પણ ઓછી છે. કવિનાં નાટકોનું માધ્યમ ડોલનશૈલી છે. મહાકાવ્યને ઉચિત પ્રવાહી પદ્યની શોધમાં તાલ અને ડોલનની મર્યાદા સાચવી કવિએ છંદનું માળખું ત્યજી દીધું. કાવ્યમાં પણ ડોલનશૈલીનો ઉપયોગ સર્વથા સુભગ રહેતો નથી. આજ સુધી આ શૈલી ન્હાનાલાલ પૂરતી જ મર્યાદિત રહી છે. કવિની ડોલનશૈલીની સફળતા તેમનાં ‘ચિત્રદર્શનો’માં જોવા મળે છે.
કવિના ગદ્યસાહિત્યમાં ‘ઉષા’ અને ‘સારથિ’ એ બે નવલકથાઓ; ‘પાંખડીઓ’ વાર્તાસંગ્રહ અને ‘કવીશ્વર દલપતરામ’ ભાગ 1–2–3, ‘આપણાં સાક્ષરરત્નો’ ભા. 1–2 તથા ‘ગુરુદક્ષિણા’ એ ત્રણ ચરિત્રગ્રંથો છે. ‘સાહિત્યમંથન’, ‘‘જગત્કાદંબરીઓમાં ‘સરસ્વતીચંદ્ર’નું સ્થાન’’ અને ‘પ્રસ્તાવમાળા’ એમના વિવેચનગ્રંથો છે. ‘ઉદબોધન’, ‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’, ‘સંસારમંથન’, ‘સંબોધન’ અને ‘મણિમહોત્સવના સાહિત્યબોલ’ ભા. 12 એ એમનાં વ્યાખ્યાનોના સંગ્રહો છે.
બલવંતરાય કલ્યાણરાય ઠાકોર (1869–1952) : તેમણે પોતાની લેખનપ્રવૃત્તિ ન્હાનાલાલ પહેલાં શરૂ કરેલી. કવિત્વશક્તિનો પ્રથમ ઉન્મેષ ‘આરોહણ’ નામના ચિંતનાત્મક ખંડકાવ્યમાં જોવા મળે છે. મુક્ત પૃથ્વી છંદમાં રજૂ થતું, અર્થઘન અને ગંભીર વાણીમાં કરેલું સંસ્કૃતિચિંતન ગુજરાતી કાવ્યકળાનું પણ ઊર્ધ્વ આરોહણ ગણાયું છે. 1888થી શરૂ થયેલું એ કાવ્ય 1900માં પૂરું થયેલું. ઠાકોરનું ઉપનામ ‘સેહેની’ હતું. તેમનો પહેલો કાવ્યસંગ્રહ ‘ભણકાર ધારા–1’ 1917માં અને બીજો ‘ભણકાર ધારા–2’ 1928માં પ્રગટ થયેલા. કવિને મિલ્ટનના ‘પૅરડાઇઝ લૉસ્ટ’ જેવું લાંબું મહાકાવ્ય લખવાના કોડ હતા, તેથી મહાછંદની શોધ આદરેલી. પૃથ્વી છંદનું અગેય, પ્રાસરહિત અને પ્રવાહી સ્વરૂપ અનુકૂળ જણાતાં તેનો પ્રયોગ ગુજરાતી કવિતાના વિકાસનું નવપ્રસ્થાન બન્યો. (યતિ વિનાની છંદોરચનાને કારણે સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાનો પ્રયોગ થઈ શક્યો અને તે લોકપ્રિય પણ બન્યો.) પોચટ આંસુ સારતી કવિતાને સ્થાને અર્થઘન ચિંતનપ્રધાન કવિતાની તેમણે હિમાયત કરી. તેમનાં ઊર્મિકાવ્યો ‘ચિંતનોર્મિકાવ્યો’ કહેવાયાં છે. તેમાં ભાષાના લાલિત્ય કરતાં અર્થ ઉપર વધુ ભાર મુકાયો છે.
ગુજરાતી સાહિત્યને તેમનું બીજું ચિરંજીવી પ્રદાન તે સૉનેટ કાવ્યસ્વરૂપ. ‘પ્રેમનો દિવસ’ અને ‘વિરહ’ – એ બે સૉનેટમાળાઓમાં ઠાકોરની કવિત્વશક્તિના ઉત્તમાંશ જોવા મળે છે. ‘મ્હારાં સૉનેટ’ આ દૃષ્ટિએ શ્રેષ્ઠ સૉનેટ-સંગ્રહ છે. તેમાં ‘પ્રેમની ઉષા’, ‘પ્રેમનો મધ્યાહ્ન’, ‘અષ્ટિદર્શન’, ‘મોગરો’, ‘વધામણી’, ‘જૂનું પિયરઘર’ અને ‘વર્ષાની એક સુંદર સાંઝ’ ભાવમધુર રચનાઓ છે. કવિની કલ્પના વાસ્તવિક અને કલાદૃષ્ટિએ રસેલી હોય છે. ‘એક તોડેલી ડાળ’ કવિએ લખવા ધારેલા મહાકાવ્યનો ખંડ છે.
સમકાલીન જીવનની ઘટનાઓ પ્રત્યે જાગ્રત દૃષ્ટિ રાખીને કવિતામાં તેનું નિરૂપણ કરતાં કવિએ પોતાની કાવ્યબાનીને ‘ભીની’ અને ‘નીતરી’ કહી છે તે સપ્રયોજન. તેમણે વિચારપ્રધાન કવિતાની જિકર કરી. કવિતામાં ઉદાત્તગંભીર ભાવો અને અર્થમધુર પદાવલિનો તેમણે આગ્રહ રાખ્યો. મહાકાવ્યને અનુકૂળ બ્લક વર્સ એટલે સળંગ અગેય પ્રવાહી પદ્યરચના એવી ઠાકોરની કાવ્યવિભાવના ‘લિરિક’, ‘કવિતાશિક્ષણ’ અને ‘આપણી કવિતાસમૃદ્ધિ’ના પ્રવેશકમાં સ્પષ્ટતા પામી છે. નવીન કાવ્યભાવનાના આચાર્ય તરીકે ઠાકોરે કવિતાશિક્ષણનું કાર્ય પણ કર્યું છે. ઠાકોરની દૃષ્ટિએ પરલક્ષી કવિતા જ શ્રેષ્ઠ કવિતા. એમના વિચારોએ નવી પેઢી પર સીધી અસર કરી.
‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં અર્વાચીન ગુજરાતી કવિતાનું વિસ્તૃત અવલોકન છે. વિવેચક અને વિચારક તરીકે ઠાકોર તલસ્પર્શી દૃષ્ટિ ધરાવે છે. ઠાકોરની શૈલી નારિકેલપાક સમી ગણાઈ છે. કવિતાની જેમ ગદ્યને પણ ઠાકોરે નવો વળાંક આપ્યો છે. ઓજસપૂર્ણ અને અરૂઢ, પણ બલિષ્ઠ ગદ્ય પછીની પેઢીના લેખકો ઉપર પણ અસર પાડી શક્યું છે. સાહિત્યક્ષેત્રે એમની વિવિધ સેવાઓમાં વાર્તાસંગ્રહ ‘દર્શનિયું’; ચરિત્રાત્મક કૃતિઓમાં ‘અંબાલાલભાઈ’ અને ‘પંચોતેરમે’; ઇતિહાસવિષયક લખાણોમાં ‘ઇતિહાસદિગ્દર્શન’ અને ‘યુનાઇટેડ સ્ટેટ્સ’ તથા સંપાદનોમાં મધ્યકાલીન કૃતિઓમાં ‘અંબડવિદ્યાધરરાસ’ અને ‘વિક્રમચરિત્રરાસ’ ઉપરાંત અર્વાચીન સંપાદનોમાં ‘કાન્તમાલા’, ‘સાક્ષરજીવન’, ‘ઇંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ’ વગેરેનો ઉલ્લેખ કરવો જોઈએ. ઠાકોરની અનુવાદશક્તિ ‘ગોપીહૃદય’ અને ‘સોવિયેટ નવજુવાની’ તથા હરિલાલ માધવજી ભટ્ટના સહયોગમાં કરેલ ‘પ્લૂટાર્કનાં જીવનચરિત્રો’માં જોવા મળે છે.
પંડિતયુગનું સાહિત્ય આંતરબાહ્ય સ્વરૂપે નવીન મુદ્રા ધારણ કરતું સત્વશાળી અને સમૃદ્ધ બન્યું તેમાં પોતપોતાની રીતે ફાળો આપનારા સાહિત્યકારોની સેવાઓ નોંધપાત્ર ગણવી જોઈએ. રાષ્ટ્રપ્રેમનાં કાવ્યોમાં વિશિષ્ટ શક્તિ દાખવનાર ‘અદલ’ ઉપનામધારી કવિ અરદેશર ફરામજી ખબરદાર (1881–1953) રાસ અને ભજનો પણ આપે છે. ‘ભજનિકા’, ‘કલ્યાણિકા’ જેવા કાવ્યસંગ્રહો પ્રભુભક્તિ સાથે તત્વજ્ઞાનના વિચારો વ્યક્ત કરે છે. ‘દર્શનિકા’ કવિતા સાથે તત્વજ્ઞાનનો સમન્વય સાધતી કૃતિ છે. મુક્તધારાના પ્રયોગવાળી ‘કલિકા’ પ્રેમકાવ્યોની રચનાઓ રજૂ કરે છે. પ્રતિકાવ્યોનો નવીન પ્રકાર ખબરદારે આપ્યો છે. ‘મોટાલાલ’ના ઉપનામથી લખેલાં ‘પ્રભાતનો તપસ્વી’ અને ‘કુક્કુટદીક્ષા’ ન્હાનાલાલના અપદ્યાગદ્યની વિડંબના કરતાં પ્રતિકાવ્યો છે. બ. ક. ઠાકોરના ‘આરોહણ’ની સામે ‘વલ્કલરાય ઠઠ્ઠાખોર’ નામથી ‘અવરોહણ’ લખેલું છે. આ ઉપરાંત ‘ન્યાતનું નોતરું’, ‘લખા ભગતના છપ્પા’, ‘પાઠકની ચેપી છીંક’, ‘સાંબેલું’ જેવી અનેક રચનાઓ એમણે આપેલાં પ્રતિકાવ્યો છે. કવિની ચરિત્રવિષયક રચનાઓ બે છે : ‘શ્રીજી ઈરાનશાહનો પવાડો’ અને ‘ગાંધી બાપુનો પવાડો’. કેશવ હર્ષદ ધ્રુવની ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ પછી તદવિષયક મહત્વની ચર્ચા આપતો ગ્રંથ ‘ગુજરાતી કવિતાની રચનાકળા’ છે.
દામોદર ખુશાલદાસ બોટાદકર (1870–1924) ગૃહજીવનના ભાવોનું નિરૂપણ કરતા પાંચ કાવ્યસંગ્રહો ‘કલ્લોલિની’, ‘સ્રોતસ્વિની’, ‘નિર્ઝરિણી’, ‘રાસ-તરંગિણી’ અને ‘શૈવલિની’ આપીને ‘ગુણદર્શી કવિ’નું બિરુદ પ્રાપ્ત કરે છે. મહાકાવ્યના બે નોંધપાત્ર પ્રયોગોમાં ‘ઇન્દ્રજિતવધ’ (દોલતરામ કૃપારામ પંડ્યા) અને ‘પૃથુરાજ રાસો’ (ભીમરાવ ભોળાનાથ દિવેટિયા) છે. ‘ચંદ્ર’ માસિકના તંત્રી અને પ્રાચ્યવિદ્યા, સાહિત્ય તેમજ વિજ્ઞાનમાં દેશવિદેશમાં પ્રતિષ્ઠા મેળવનાર કવિ હરિ હર્ષદ ધ્રુવે (1856–1896) ‘કુંજવિહાર’ અને ‘પ્રવાસ-પુષ્પાંજલિ’ કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘કલાપી’ના અંતરંગમંડળના કવિઓમાં ‘વિભાવરીસ્વપ્ન’ અને ‘કલાપીનો વિરહ’ જેવી કૃતિઓમાં ગણનાપાત્ર કવિત્વશક્તિ દાખવનાર ‘મસ્તકવિ’ ત્રિભુવન પ્રેમશંકર (1865–1923); ‘થાકેલું હૃદય’ અને ‘દીવાને સાગર12’ જેવા કાવ્યસંગ્રહો આપનાર ‘સાગર’ તરીકે જાણીતા જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી (1883–1936) અને ત્રીજા તે ‘બુલબુલ’ અને ‘ચમેલી’ના કવિ, ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ના લેખક, ‘કાન્હડદે પ્રબંધ’નું સંપાદન-ભાષાંતર કરનાર અને ‘પૌરાણિક કથાકોશ’ના કર્તા વિદ્વાન બૅરિસ્ટર ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી(1857–1937)ની સાહિત્યસેવા અનેક રીતે ઉપયોગી નીવડેલી છે. આ સમયગાળામાં ‘કલાપી’, ન્હાનાલાલ અને ‘કાન્ત’ના સાહિત્યસાથીઓ ‘લલિત’, ‘સંચિત્’ અને ‘જટિલ’ – એ ત્રણ ઉપકવિઓ મળે છે. ‘લલિતનાં કાવ્યો’ના કર્તા જન્મશંકર મહાશંકર બૂચ (1877–1946) ‘મઢૂલી’, ‘વિજોગણ વાંસલડી’ જેવી રચનાઓમાં સંગીત અને કાવ્યત્વનો સુભગ સમન્વય કરી શક્યા છે. ‘સંચિત્’ એટલે રૂપશંકર ઉદયશંકર ઓઝા(1866–1932)ની કવિતા શિષ્ટ અને સ્વચ્છ પદાવલિ આપે છે. તેમનાં કાવ્યોનો સંગ્રહ છે ‘શ્રી સંચિત્નાં કાવ્યો’. ‘કલાપી’ને હમીરજી ગોહેલનું માળખું તૈયાર કરી આપનાર ‘જટિલ’ તે જીવણરામ લક્ષ્મીરામ દવે કવિ, અનુવાદક અને સતેજ બુદ્ધિના વિવેચક હતા. આ ઉપરાંત ‘ગજેન્દ્રમૌક્તિકો’ના કર્તા કવિ ગજેન્દ્ર બૂચ; ‘શાપસંભ્રમ અને બીજી કવિતાઓ’ના કર્તા નર્મદાશંકર પ્ર. ભટ્ટ; ‘કાવ્યપીયૂષ’, ‘સીમન્તિની આખ્યાન’, ‘અનિલદૂત’ જેવી કૃતિઓના લેખક અને ભાસના ‘પ્રતિમા’ નાટકનો અનુવાદ કરનાર મણિલાલ છબારામ ભટ્ટ; લોકપ્રિય ગઝલોના કર્તા ‘મણિકાન્ત’; મોટી સંખ્યામાં રાસસંગ્રહો આપનાર કેશવ હ. શેઠ; રાસકવિ મૂળજીભાઈ શાહ; કિશોરભોગ્ય સાહિત્ય રચનાર કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ; વિખ્યાત ગઝલકાર શયદા (‘ગુલઝારે શાયરી’, ‘અશ્રુ ચાલ્યાં જાય છે’); કવિ ‘કુસુમાકર’; ‘પ્રેમીને પત્ર’ના કર્તા ડાહ્યાભાઈ ધોળશાજી; ‘કાશ્મલન’ જનાર્દન પ્રભાસ્કર, વિઠ્ઠલરાય આવસત્થી, સુમતિ, દીપકબા દેસાઈ, પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટ, અમૃત કેશવ નાયક, મૂળજી દુર્લભજી વેદ વગેરે અનેક કવિઓએ ગુજરાતી સાહિત્યની સેવા બજાવી છે.
ગુજરાતીમાં સાક્ષરયુગ સાહિત્યનો અદ્વિતીય સમૃદ્ધ કાળ છે. પદ્ય કરતાં ગદ્યનું ખેડાણ વિશેષ થયું તે આ ગાળામાં. ‘હું પોતે’ જેવું આત્મચરિત્ર અને ‘ગ્રંથચર્ચા’ જેવો વિવેચનગ્રંથ આપનાર નારાયણ હેમચંદ્ર; ‘ઉષાકાન્ત’ અને ‘કૉલેજિયન’ વગેરે નવલકથાઓના લેખક ભોગીન્દ્રરાવ દિવેટિયા; ગુજરાત સાહિત્યસભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના આદ્યસ્થાપક અને નિબંધો, નવલિકાઓ ઉપરાંત વિચારપ્રેરક લેખો આપનાર રણજિતરામ વાવાભાઈ મહેતા (1881–1917) પણ આ સમયગાળાના.
આ ગાળામાં અધ્યાત્મ-ચિંતનમાં ઉપયોગી પ્રદાન કરનાર શ્રીમદ્ રાજચંદ્રના પત્રોમાં અને ‘રાજપ્રશ્ન’, ‘મોક્ષમાળા’, ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ વગેરે ગ્રંથોમાં ધર્મ અને તત્વજ્ઞાનના અનુભવસિદ્ધ વિચારો મળે છે. શ્રેયસ્સાધક અધિકારીવર્ગના શ્રીમન્નૃસિંહાચાર્ય અને તેમના સુપુત્ર ઉપેન્દ્રાચાર્યનાં લખાણોનું ગદ્ય તાર્કિક અને દૃષ્ટાન્તસભર છે. તે જ વર્ગના અગ્રણી ‘વિશ્વવંદ્ય’ છોટાલાલ જીવણલાલ માસ્તર(1861–1912)ના ‘વિશ્વવંદ્ય કિરણાવલિ’ ભા. 12 અને ‘વિચારરત્નરાશિ’ ગ્રંથોમાં મૌલિક ચિંતન રજૂ થયું છે. વા. મો. શાહ વિશિષ્ટ શૈલીના લેખો લખનાર ધર્મચિંતક હતા. ગુજરાતી રંગભૂમિનો ઉત્કર્ષ સાધનાર નાટ્યકાર ડાહ્યાભાઈ ધોળશાજી, ‘હિન્દ તત્વજ્ઞાનનો ઇતિહાસ’ અને ‘ઉપનિષદ્ વિચારણા’ના કર્તા સમર્થ ધર્મચિંતક નર્મદાશંકર દેવશંકર મહેતા અને ‘કાદંબરી’ના અનુવાદક છગનલાલ પંડ્યાની સાહિત્યસેવા સત્વપૂર્ણ છે. નાટકમાં ગરબાનો સૌપ્રથમ ઉપયોગ કરનાર નાટ્યકાર વાઘજી આશારામ ઓઝાએ પણ રંગભૂમિના વિકાસમાં ફાળો આપ્યો છે. આ સમયમાં સાહિત્યનો ઇતિહાસ લખનાર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી અને હિંમતલાલ ગણેશજી અંજારિયા અનુક્રમે ‘ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો’ અને ‘સાહિત્યપ્રવેશિકા’ આપે છે. ‘સમાલોચક’, ‘વસંત’, ‘ગુજરાત’, ‘યુગધર્મ’, ‘રંગભૂમિ’ જેવાં સામયિકોમાં લેખો લખનાર ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી વ્યુત્પન્નમતિ સાહિત્યકારની પ્રતીતિ કરાવે છે. ‘ઉત્તમલાલની ગદ્યરિદ્ધિ’નાં લખાણો પંડિતયુગની દીપ્તિનો સ્પર્શ કરાવે તેવાં છે. આટલી મોટી સંખ્યામાં પણ ઉમેરો કરવો પડે તેવી લેખકોની નામાવલિમાં મહાત્મા શ્રીમન્નથુરામ શર્મા; રસાયણશાસ્ત્રી ત્રિભુવનદાસ ગજ્જર; વ્યુત્પન્ન પંડિત કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી; ‘ભ્રાન્તિસંહાર’ નાટક, ‘મુકુલમર્દન’ નવલકથા અને ભોળાનાથ સારાભાઈનું ચરિત્ર લખનાર સંગીતજ્ઞ કૃષ્ણરાવ દિવેટિયા; ‘સુંદરીસુબોધ’ અને ‘વાર્તાવારિધિ’ના તંત્રી, ‘બંધુસમાજ’ના સ્થાપક, ‘યોગિની’ અને ‘બાલા’ નવલકથાઓ લખનાર સમાજસુધારક રામમોહનરાય દેસાઈ; ‘વીસમી સદી’ માસિકના સ્થાપક અને લેખકોને પ્રોત્સાહન આપી સાહિત્યની વૃદ્ધિ કરનાર હાજી મહમ્મદ અલારખિયા શિવજી; ‘જ્ઞાનચક્ર’ નામથી ગુજરાતીમાં પ્રથમ જ્ઞાનકોશ તૈયાર કરનાર, અનુવાદક અને નાટ્યકાર રતનજી ફરામજી શેઠના; ‘કહેવતસંગ્રહ’ના કર્તા આશારામ દલીચંદ શાહ; ‘પ્રાચીન કાવ્યસુધા’ અને ‘પ્રાચીન કાવ્યવિનોદ’ના સંપાદક તેમજ ‘ઋતુવર્ણન’ કાવ્યના લેખક છગનલાલ વિદ્યારામ રાવળ; ‘સયાજી સાહિત્યમાળા’ના સંપાદક ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા; સંખ્યાબંધ નવલકથાઓના લેખક નારાયણ વિસનજી ઠક્કુર; ‘એમ.એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી?’ નામની નવલકથાના લેખક સુપ્રસિદ્ધ નટ અમૃત કેશવ નાયક; ‘પ્રાચીન કાવ્યમાલા’નાં કાવ્યો પર ટીકા લખનાર છોટાલાલ નરભેરામ ભટ્ટ; ‘વીતક વાત’ અને ‘સંસારલીલા’ વાર્તાસંગ્રહો આપનાર મટુભાઈ કાંટાવાળા; જૈન ગુર્જર કવિઓ અને જૈન સાહિત્યનો વિસ્તૃત પરિચય કરાવનાર મોહનલાલ દલીચંદ દેસાઈ; લોકપ્રિય ધર્મગ્રંથોના લેખક અને સંપાદક અમૃતલાલ પઢિયાર; મધ્યકાલીન સાહિત્યના વિદ્વાન સંશોધકો અંબાલાલ બુલાખીરામ જાની તથા મણિલાલ બકોરભાઈ વ્યાસ; ‘ગ્રંથ અને ગ્રંથકાર’ શ્રેણીના આયોજક હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ; ‘નિવૃત્તિવિનોદ’, ‘સાહિત્યવિનોદ’ વગેરે શિષ્ટ શૈલીના નિબંધો આપનાર અતિસુખશંકર ત્રિવેદી; ‘સાહિત્યકળા’, ‘રસપાન’ વગેરે વિવેચનગ્રંથો આપનાર મોહનલાલ પાર્વતીશંકર દવે; ‘જીવતી જુલિયટ’ જેવાં નાટકો લખનાર વ્યોમેશચંદ્ર પાઠકજી ઇત્યાદિના સમાવેશથી સાક્ષરયુગની સંસ્કારપ્રવૃત્તિનાં વ્યાપ અને વૈવિધ્યનો યથાર્થ ખ્યાલ આવી શકે છે.
ગાંધીજી : મોહનદાસ કરમચંદ ગાંધી (1869–1948) 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવીને રાજકીય જાગૃતિ અને સાંસ્કૃતિક પુનરુત્થાનના પ્રણેતા બને છે. પ્રજાના ગૌરવને સાચવવા સ્વાતંત્ર્ય અનિવાર્ય છે એવી આત્મપ્રતીતિ સાથે સર્વતોમુખી વિકાસનાં આંદોલનો જગાવનાર આ યુગપુરુષે સત્ય અને અહિંસાનાં મૂલ્યોની વ્યવહારમાં પ્રતિષ્ઠા કરી. લોકશિક્ષણ માટે એમણે લેખનપ્રવૃત્તિ આદરી ‘ઇન્ડિયન ઓપિનિયન’ અને ‘હરિજન’ જેવાં વૃત્તપત્રોના માધ્યમથી નિર્ભીક છતાં સંયમી લખાણો દ્વારા પત્રકારત્વનો ઉચ્ચ આદર્શ રજૂ કર્યો. ‘ગાંધીજીનો અક્ષરદેહ’નાં (અંગ્રેજી : 100 / ગુજરાતી : 80) પુસ્તકોમાં મળતું એમનું આંતર વ્યક્તિત્વ જનહિતની ભાવનાથી આર્દ્ર અને સમગ્ર માનવજાતના ઉદ્ધારક એવા સંતપુરુષનું છે.
‘સત્યના પ્રયોગો’ વિશ્વસાહિત્યને મળેલી ગાંધીજીની અમૂલ્ય ભેટ છે. સત્યગર્ભ અને નિર્વ્યાજ કથન અનાયાસે સુંદર અને કલાત્મક બની શકે છે તેનું દૃષ્ટાન્ત સાહિત્યક્ષેત્રે ગાંધીજીની આત્મકથાએ પૂરું પાડ્યું છે.
દેશભક્ત અને સંસ્કૃતિચિંતક ગાંધીજીએ દોરેલો ભારતના વર્તમાન અને ભાવિનો સ્પષ્ટ નકશો ‘હિંદ સ્વરાજ’માં જોવા મળે છે. યંત્ર અને નગરસંસ્કૃતિ માણસજાત સારુ મોટા ખતરારૂપ છે એવી આગાહી કરીને ભારતીય પરંપરાના નવસંસ્કરણનો રસ્તો તેમાં દર્શાવેલો છે. ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ સત્યાગ્રહના સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે. સમાનધર્મા સૉક્રેટિસનું બચાવનામું આપતું પુસ્તક ‘એક સત્યવીરની કથા’ છે. ગાંધીજીનાં લખાણોમાં નિબંધના સ્વરૂપનો વિકાસ થયેલો છે. આરોગ્ય, કુદરતી ઉપચાર, ખાદી, ગૃહઉદ્યોગ જેવા વિવિધ વિષયો પર અસંખ્ય વ્યક્તિઓને પત્રો દ્વારા માર્ગદર્શન પૂરું પાડતા ‘બાપુના પત્રો’ સંખ્યા અને ગુણવત્તાની બાબતમાં અજોડ છે. તેમાંની સામાજિક પ્રશ્નોની ચર્ચા ઘણી વાર ઊર્મિકાવ્યના જેવું લાલિત્ય ધારણ કરે છે.
‘દિલ્હી ડાયરી’ 139 પ્રાર્થના-પ્રવચનોનો ગુજરાતી છાયાનુવાદ છે. ગાંધીજીને મન એ પ્રવચનો પ્રાર્થનાનું જ અંગ હતાં. સમગ્ર ભારતમાં હિંસા અને દ્વેષનું સામ્રાજ્ય વ્યાપ્યું હતું ત્યારે આ પ્રવચનો શાંતિ અને પ્રેમની અમૃતધારા વર્ષાવતાં હતાં.
ગાંધીજીના જીવને અને લેખને સત્ય, પ્રેમ, બંધુતા અને માનવતાની પ્રતિષ્ઠા કરી. એમનાં જીવનમૂલ્યોએ જીવનને અખંડ અને વ્યાપક દૃષ્ટિથી જોતાં શીખવ્યું. એમની ઉદાત્ત ભાવનાઓએ સાહિત્યમાં દીનદલિત અને શ્રમજીવી સમાજની પ્રતિષ્ઠા કરી. જીવનને દીપ્તિમંત બનાવે તે કલા જ સાર્થ બને એવી ગાંધીજીની દૃષ્ટિ હતી. એમની ગદ્યશૈલી ભવ્ય અને દુર્ગમ વિચારોને પણ સાદી અને તળપદી ભાષામાં મૂકી આપે છે. સીધું કથન અને ટૂંકાં માર્મિક વાક્યો ‘મંગળપ્રભાત’માં જોવા મળે છે. ભારતની અન્ય ભાષાઓની જેમ ગુજરાતી ભાષા અને સાહિત્ય ઉપર પણ ગાંધીવિચાર, વ્યક્તિત્વ અને વાણીની મૂલગામી અસર થઈ છે.
કાકાસાહેબ કાલેલકર – દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષ (1885–1981) : ગાંધીવિચારધારાના સમર્થકોમાં ગાંધીજીના અંતેવાસી કાકાસાહેબ તેમના જ દ્વારા ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ મેળવે છે. ‘કાલેલકરના લેખો’ના બે સંગ્રહોમાં એમનાં શિક્ષણ, સમાજ, ધર્મ, રાજકારણ, સાહિત્ય અને સંસ્કૃતિવિષયક લખાણો છે. તે ‘નવજીવન’ સાપ્તાહિકમાં છપાયેલાં. એમની શૈલીમાં પ્રાસાદિકતા અને કલ્પનારસિત તાજગી છે. તેમની દૃષ્ટિ સૌંદર્યપારખુ છે. એમનાં કલ્પનારંગી અને અલંકારમંડિત વર્ણનો નિબંધને કાવ્યનું ગૌરવ અર્પે છે. ‘ઓતરાતી દીવાલો’માં પશુપક્ષી અને વનસ્પતિ સાથે ગોષ્ઠિ કરતાં તેમણે જેલજીવનમાં પણ જીવનના આનંદને માણ્યો છે. એમનાં પ્રવાસવર્ણનોમાં પ્રકૃતિ અને સંસ્કૃતિનો સુભગ સમન્વય નજરે પડે છે. ‘જીવનલીલા’, ‘હિમાલયનો પ્રવાસ’ અને ‘રખડવાનો આનંદ’ તથા ‘જીવનનો આનંદ’ જેવા ગ્રંથોમાં ભારતની નદીઓ, સાગર વગેરેનું સૌંદર્યદર્શન કરતાં તેમનો આર્યસંસ્કૃતિ માટેનો પ્રેમ અને ચિંતનવિચાર વ્યક્ત થાય છે. નદીઓને ‘લોકમાતા’ કહીને તેમનું સાંસ્કૃતિક દૃષ્ટિએ ગૌરવ કર્યું છે. ‘સ્મરણયાત્રા’ એ કિશોરવય સુધીના ઘડતરની રસાત્મક કથા છે.
કાલેલકર સિદ્ધહસ્ત ગદ્યસર્જક છે. તેમની ગદ્યશૈલી માધુર્ય, ઓજસ, સાત્વિકતા, રંગદર્શિતા, સંયમ અને સ્વૈરવિહારના ગુણોથી શોભે છે. જીવનદૃષ્ટિએ જ સાહિત્યનું મૂલ્ય અંકાય એવી સમજ ધરાવતા કાલેલકર જીવનધર્મી સાહિત્યકાર છે. ‘કાલેલકર ગ્રંથાવલિ’માં એમનું સમગ્ર સાહિત્ય સુલભ છે.
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા (1890–1952) ગાંધીજીના અંગત મંત્રી તરીકે સેવા આપનાર, સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી અને શ્રેયાર્થી સાહિત્યકાર છે. ‘જીવનશોધન’, ‘કેળવણીના પાયા’, ‘અહિંસા-વિવેચન’, ‘ગીતામંથન’, ‘ગીતાધ્વનિ’, ‘સંસાર અને ધર્મ’ અને ‘સમૂળી ક્રાન્તિ’ એમના ગ્રંથો છે. જીવનનાં સનાતન ધોરણોની પુનર્વિચારણા કરી તેમણે મૌલિક અને સ્વતંત્ર વિચારક તરીકે ઉપયોગી કાર્ય કર્યું છે.
મહાદેવ દેસાઈ (1892–1942) ગાંધીજીના અંગત મંત્રી હતા તથા સાહિત્યપ્રીતિ અને સર્જનશક્તિ પણ ધરાવતા હતા. ટાગોરના ‘પ્રાચીન સાહિત્ય’ અને શરદચંદ્રની ‘વિરાજવહુ’ વાર્તાના અનુવાદ ઉપરાંત મોર્લેના ‘ઑન કૉમ્પ્રોમાઇઝ’ના અંગ્રેજી ગ્રંથનો ‘સત્યાગ્રહની મર્યાદા’ નામે અનુવાદ પણ તેમણે આપ્યો છે. ચરિત્રગ્રંથોમાં ‘વીર વલ્લભભાઈ’, ‘બે ખુદાઈ ખિદમતગારો’ અને ‘સંત ફ્રાન્સિસ’ તથા ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’ પણ તેમણે લખ્યાં છે. મહાદેવભાઈની ડાયરીઓ (ભાગ 1થી 23) ગાંધીજીના જીવનની અમૂલ્ય માહિતી પૂરી પાડે છે.
ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદ (હિંમતલાલ રામચંદ્ર દવે) (1887–1976)ના ગ્રંથોમાં ‘અનંત કળા’, ‘આતમનાં મૂલ’, ‘ઈશોપનિષદ’, ‘ઉત્તરાપથની યાત્રા’, ‘કુળકથાઓ’, ‘સંતોના અનુજ’, ‘ગાંધીજીનાં સ્મરણો’, ‘ધરતીનું લૂણ’, ‘નઘરોળ’, ‘માનવતાના વેરી’ વગેરે નોંધપાત્ર છે. ‘ધરતીની આરતી’ એ સ્વામીનાં ઉત્તમ લખાણોનો મૂળશંકર ભટ્ટે કરેલો સંચય છે. ‘શુક્રતારક સમા’ લેખ એ મહાદેવ દેસાઈનું સ્મૃતિચિત્ર છે, જે સ્વામી આનંદે આર્દ્ર હૃદયે લખેલી કરુણ-પ્રશસ્તિ સમું છે.
નિષ્ઠાભરી સાહિત્યસેવા કરનાર નરહરિ દ્વારકાદાસ પરીખ (1891–1957) સંપાદક અને ચરિત્રલેખક છે. મહાદેવભાઈની આરંભની ડાયરીઓ અને ‘નવલગ્રંથાવલિ’નાં સંપાદનો ઉપરાંત સરદાર વલ્લભભાઈ, કિશોરલાલ મશરૂવાળા અને મહાદેવભાઈનાં ચરિત્રો પણ તેમણે લખ્યાં છે. મહીડા પારિતોષિકવિજેતા ‘માનવ અર્થશાસ્ત્ર’ એ અર્થશાસ્ત્રની ગાંધીદૃષ્ટિથી સમજૂતી આપતો ગ્રંથ છે.
આ સમયના અન્ય લેખકોમાં તત્વજ્ઞાન, સાહિત્ય વગેરે વિષયોનાં અંગ્રેજી પુસ્તકોના અધિકૃત અનુવાદ કરનાર ચંદ્રશંકર શુક્લ; ‘સરિતાથી સાગર’ના લેખક શિવશંકર શુક્લ; સત્યાગ્રહના શાસ્ત્ર વિશે લખનાર, ‘જોડણીકોશ’ના એક અગ્રણી સંપાદક, વિદ્યાપીઠના મહામાત્ર અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂકેલા મગનભાઈ દેસાઈ ઉપરાંત ધર્માનંદ કોસંબી, ગોપાલદાસ પટેલ, મુકુલ કલાર્થી, જુગતરામ દવે, બબલભાઈ મહેતા વગેરે પણ ઉલ્લેખનીય છે. તેમણે ગાંધીદર્શનને લગતું કેટલુંક ઉપયોગી સાહિત્ય આપેલું છે.
ગાંધીશાસનના છેલ્લા ઉલ્લેખપાત્ર લેખક નારાયણ દેસાઈ (1924–2015) છે. તેમણે પોતાના પિતા મહાદેવભાઈ દેસાઈનું અપ્રતિમ ચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ ઉપરાંત ગાંધીજીનું બૃહત ચરિત્ર ‘મારું જીવન એ જ મારી વાણી’ ચાર ભાગમાં આપેલું છે; તેઓ ગાંધીકથા કરીને આધુનિક કાળમાં ગાંધીવિચારનો પ્રત્યક્ષ પ્રસાર પણ કરી રહ્યા છે.
કનૈયાલાલ માણેકલાલ મુનશી (1887–1971) : તેમની ભાવનાસૃષ્ટિનું ઘડતર શ્રી અરવિંદની રાષ્ટ્રીય ભાવના અને વિવેકાનંદના નૂતન હિંદુ ધર્મથી થયેલું હતું. ગાંધીજીની સ્વદેશી અને સ્વતંત્રતાની ભાવનાએ પણ જરૂરી બળ પૂરું પાડ્યું હતું. ગાંધીજીના પત્રો દ્વારા પ્રગટ થતા વિચારો અને કાર્યક્રમોએ મુનશીને રૂઢિભંજક બનવા નૈતિક હિંમત પૂરી પાડી હતી. તેમની સર્જક પ્રતિભાએ ગુજરાતી નાટક અને નવલકથાને નવો વળાંક આપ્યો. સમકાલીન જીવનપ્રશ્નોને જીવંત પાત્રોનાં કાર્યો અને વર્તનમાં રજૂ કરી મુનશી આકર્ષણ જન્માવે છે. તેજસ્વી વ્યક્તિઓ નરપુંગવો અને વીરાંગનાઓ વાચકની કલ્પનાને ઉત્તેજી રસાનંદ પૂરો પાડે છે. અસ્ખલિત વાર્તાપ્રવાહ, સબળ અને ધારદાર સંવાદો જેવા અંશો એમની નવલોનું મુખ્ય આકર્ષણ છે. પ્રતાપી પાત્રોનાં દ્વંદ્વોનો સંઘર્ષ નિરૂપતાં મુનશીની સર્જકતા ખીલી ઊઠે છે. સ્ત્રીપાત્રો અને પુરુષપાત્રો વચ્ચેની સ્પર્ધાનાં સચોટ દૃષ્ટાન્તો કાક અને મંજરી, મીનળ અને મુંજાલ, મુંજ અને મૃણાલ વગેરે છે.
લગ્ન કે પ્રણયની બાબતમાં મુનશીનાં પાત્રો સ્વતંત્ર મિજાજ ધરાવે છે. એમની સર્વ નાયિકાઓ પ્રતાપી અને જાજરમાન છે. ‘તર્પણ’ નાટકની સુવર્ણા કે ‘વેરની વસૂલાત’ની તનમન ઐચ્છિક વરને વરનારી છે; પરંતુ અંતે મુનશી સ્ત્રીપાત્રોને કોઈ ને કોઈ નરપુંગવ આગળ નમાવે છે. ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ – એ ત્રણ ઉપરાંત ‘સ્વપ્નદ્રષ્ટા’, ‘પૃથિવીવલ્લભ’ અને ‘ભગવાન પરશુરામ’ જેવી નવલો ગુજરાતી નવલકથાના વિકાસમાં સીમાચિહનરૂપ છે.
નવલકથાઓમાં મુનશીની ગુજરાતભક્તિનાં દર્શન થાય છે તે જ રીતે એમનાં પૌરાણિક નાટકોમાં આર્યત્વનાં ગુણગાન જોવા મળે છે. ગુજરાતી રંગભૂમિના આરંભકાળમાં સાહિત્યતત્વવાળાં અભિનેય નાટકો ‘પુરંદર પરાજય’, ‘અવિભક્ત આત્મા’, ‘તર્પણ’ વગેરે મળે છે. ‘ધ્રુવસ્વામિનીદેવી’ નાટકમાં મુનશીની સર્જનશક્તિનો ઉત્તમ આવિર્ભાવ જોવા મળે છે. સંઘર્ષ અને સંવાદો ઉપરાંત અતિશયોક્તિભર્યાં ઠઠ્ઠાચિત્રો મુનશીનાં નાટકોનું વિશેષ આકર્ષણ છે. જાતીય આકર્ષણને વિષય બનાવતું ‘કાકાની શશી’ તેમનું શ્રેષ્ઠ સામાજિક પ્રહસન છે. મુનશીના અન્ય સાહિત્યમાં ‘ગુજરાતના જ્યોતિર્ધરો’, ‘થોડાંક રસદર્શનો’, ‘આદિ વચનો’, ‘ગુજરાતની અસ્મિતા’ વગેરે નિબંધો છે. તેમણે નરસિંહ અને નર્મદનાં ચરિત્રો તેમજ ‘અડધે રસ્તે’, ‘સીધાં ચઢાણ’, ‘મધ્વરણ્ય’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ જેવી આત્મચરિત્રની કૃતિઓ આપેલ છે. ‘મારી કમલા અને બીજી વાતો’ એ નવલિકાસંગ્રહ; પ્રવાસ અંગેનું પુસ્તક ‘મારી બિનજવાબદાર કહાણી’ અને અંગ્રેજીમાં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આપતું ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’; ‘ભગવદગીતા ઍન્ડ મૉડર્ન લાઇફ’, ‘એન્ડ ઑવ્ ઍન ઈરા’, ‘કૃષ્ણાવતાર’ વગેરે મુનશીના વૈવિધ્યપૂર્ણ અને વિશાળ સાહિત્યનાં પ્રતિનિધિ છે. મુનશીનું ગુજરાતી ગદ્ય સર્જનાત્મક છટાવાળું છે. તેમની પ્રતિભાનો આ ઉન્મેષ સાહિત્યના ઇતિહાસમાં વિરલ ઘટના સમાન છે.
રમણલાલ વસંતલાલ દેસાઈ (1892–1954) : તેઓ નવલકથાકાર મુનશીની લોકપ્રિયતાના શ્રેષ્ઠ સમયમાં ગાંધીયુગના રાજકીય, સામાજિક અને ઐતિહાસિક પરિવેશવાળી નવલો આપીને લોકહૃદય પર પોતાનું પ્રભુત્વ જમાવે છે. ગાંધીપ્રેરિત રાજકીય અને સામાજિક આંદોલનોથી તત્કાલીન યુવાવર્ગ પર અસર કરતી ભાવનાઓ અને મહત્વાકાંક્ષાઓનું તેમણે નિરૂપણ કર્યું છે. વ્યાયામપ્રવૃત્તિ, અહિંસક અસહકાર, સત્યાગ્રહ, અસ્પૃશ્યતાનિવારણ, અંત્યજોદ્ધાર વગેરે પ્રશ્નોની ચર્ચા તેમની આઝાદી પહેલાંની નવલોમાં છે. ‘જયંત’, ‘શિરીષ’, ‘કોકિલા’ અને ‘હૃદયનાથ’ નવલો આપીને તેઓ ‘યુગમૂર્તિ વાર્તાકાર’નું બિરુદ પામે છે; પરંતુ તેમણે ‘ઝંઝાવાત’ અને ‘પ્રલય’માં કોમી વિખવાદ, ભ્રષ્ટાચાર, સત્તાભૂખ, અનીતિ વગેરે ઉપરાંત યુદ્ધખોર માનસનું ચિત્ર ઈ. સ. 2006 સુધીના સમય સુધી વિસ્તારીને વાસ્તવલક્ષી નવલકથાકારની જવાબદારી પણ અદા કરી છે. લેખકે કરેલો વૈજ્ઞાનિક તર્કનો ઉપયોગ ભારતના ઉત્તમ નવલકથાકારોમાં રમણલાલ દેસાઈને સ્થાન અપાવે તેવો છે. ‘ભારેલો અગ્નિ’ સ્વાતંત્ર્યસંગ્રામમાં અહિંસક બલિદાનનું ચિત્ર આપે છે. ‘ગ્રામલક્ષ્મી’માં ગાંધી વિચાર દ્વારા ગૂંથી છે. નવલકથાક્ષેત્રે ગોવર્ધનરામનાં પાત્રો ‘આદર્શ ગુણભંડાર’ જેવાં, મુનશીનાં પ્રતાપી વ્યક્તિત્વથી આંજી દેતાં અને રમણલાલનાં મધ્યમ વર્ગના ગુજરાતી સમાજનાં પ્રતિનિધિ સમાં લાગે છે. ર. વ. દેસાઈની અન્ય સાહિત્યસેવામાં ‘ઝાકળ’, ‘પંકજ’, ‘ભાગ્યચક્ર’, ‘કાંચન અને ગેરુ’ વગેરે નવલિકાસંગ્રહો છે; ‘સંયુક્તા’, ‘શંકિતહૃદય’ અને ‘અંજની’ લાંબાં નાટકો તો ‘પરી અને રાજકુમાર’, ‘ઉશ્કેરાયેલો આત્મા’, ‘કવિદર્શન’ જેવા નાટ્યસંગ્રહો છે; ‘નિહારિકા’ અને ‘શમણાં’ કવિતા છે; ‘ગઈકાલ’ અને ‘મધ્યાહ્નનાં મૃગજળ’ એ આત્મચરિત્રના ગ્રંથો છે; ‘પાવાગઢ’ અને ‘રશિયા અને માનવશાંતિ’ પ્રવાસવિષયક ગ્રંથો છે. ‘ભારતીય સંસ્કૃતિ’માં એમની ઐતિહાસિક દૃષ્ટિનો પરિચય થાય છે. ‘અપ્સરા’ અને ‘ગુજરાતનું ઘડતર’ ચિંતનાત્મક ગ્રંથો છે. ‘જીવન અને સાહિત્ય’ ભાગ 12; ‘ઊર્મિ અને વિચાર’, ‘સાહિત્ય અને ચિંતન’ તથા ‘કલાભાવના’ ર. વ. દેસાઈના વિવેચનગ્રંથો છે.
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી (ધૂમકેતુ) (1892–1966) : તેઓ નવલિકાના પાશ્ચાત્ય સાહિત્યસ્વરૂપને ગુજરાતીમાં કલામય સ્વરૂપે પ્રથમ પ્રયોજનાર પોતાના પુરોગામી વાર્તાલેખકો કરતાં વિશેષ ધ્યાન ખેંચે છે. ‘મલયાનિલ’ની ‘ગોવાલણી’ અને બીજી વાર્તાઓમાં ટૂંકી વાર્તાની ચોટદાર આકૃતિ ઊભી કરવાનો પ્રથમ પ્રયત્ન થયેલો છે. ધનસુખલાલની ‘બા’ વાર્તામાં પાશ્ચાત્ય નવલિકાનો નમૂનો રજૂ કરાયો છે. મુનશીએ બાળલગ્ન, વૃદ્ધલગ્ન જેવી રૂઢિઓ પર પ્રહાર કરતી વાર્તાઓ લખીને પ્રસંગોનું રસમય કથન કરેલું છે. ‘શામળશાનો વિવાહ’ તથા ‘ગોમતીદાદાનું ગૌરવ’ તેમની ઉત્તમ વાર્તાઓ છે; પણ ધૂમકેતુ સૌપ્રથમ નવલિકાના સ્વરૂપને સ્ફુટ કરી આપે છે. રંગદર્શી મિજાજ અને ગ્રામીણ વાતાવરણમાં શ્રમજીવી વર્ગના જીવનપ્રસંગો તેમની કલમે વાર્તાઓનો કલાત્મક ઘાટ પામે છે.
ધૂમકેતુએ આપેલા પચીસ જેટલા વાર્તાસંગ્રહોમાં ‘તણખા’નાં ચાર મંડળો શ્રેષ્ઠ છે. તેમની વાર્તાઓમાં ગ્રામ અને શહેરી જીવન વચ્ચેનો વિસંવાદ, લગ્નજીવનની વિષમતા, મધ્યયુગનાં શૌર્ય અને ટેક, પ્રેમ, સ્વાતંત્ર્ય વગેરે વિષયો પસંદ થયા છે. વાર્તાઓની વૈવિધ્યપૂર્ણ પાત્રસૃષ્ટિમાં જુમો ભિસ્તી, અલી કોચમૅન, નંદનપ્રસાદ, દેવમણિ, રતિ, બ્રહ્મદેવ વગેરે આવે છે. સૌંદર્યષ્ટિ, માનવતા, પવિત્રતા, નેકી ઇત્યાદિ પછાત ગણાતા જીવનમાં પણ હોવાની પ્રતીતિ તેઓ કરાવે છે. ધૂમકેતુની વાર્તાઓ ભાવનાલક્ષી છે. વાચક તેમની વાર્તાઓમાંના અપાર્થિવ ભાવનામય વાતાવરણમાં તલ્લીન બની જાય છે. એમની વાર્તાઓનું બીજું મહત્વનું લક્ષણ છે ઊર્મિમયતા. તેમાં ક્વચિત્ ઊર્મિમાંદ્યનો દોષ પણ જોવા મળે. કોઈ વિચાર કે ચિંતન વાર્તાનું રસબિંદુ બનતું હોય છે. ક્યારેક અંતે પોતાના ઉદ્દેશને વાર્તાકાર સ્ફુટ પણ કરતા હોય છે. તેમની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓમાં ‘ભૈયાદાદા’, ‘પૃથ્વી ને સ્વર્ગ’, ‘પોસ્ટ ઑફિસ’, ‘હૃદયપલટો’, ‘મદભર નેનાં’ અને ‘આંસુની મૂર્તિ’ વગેરે ગણાવી શકાય.
ધૂમકેતુએ મુનશીની જેમ ગુજરાતના ચૌલુક્ય વંશના રાજાઓ અને મંત્રીઓના પ્રભાવને નિરૂપતી નવલકથાઓ લખેલી છે. ‘વાચિનીદેવી’, ‘ચૌલાદેવી’, ‘આમ્રપાલી’, ‘વૈશાલી’, ‘મહાઅમાત્ય ચાણક્ય’ ધૂમકેતુની ઉલ્લેખપાત્ર નવલકથાઓ છે. સુંદર પ્રસંગચિત્રો, ભાવનાપૂર્ણ વાતાવરણ અને વસ્તુગૂંથણીની કલા ધૂમકેતુ પાસે હોવા છતાં તેઓ નવલકથાની કલાત્મક આકૃતિ રચી શકતા નથી. જોકે ઐતિહાસિક નવલકથાની પરંપરા બાંધી આપવામાં ધૂમકેતુની રચનાઓનો મોટો ફાળો છે.
ધૂમકેતુના અન્ય સાહિત્યલેખનમાં ‘જીવનચક્ર’, ‘સર્જન અને ચિંતન’, ‘પાનગોષ્ઠિ’ જેવા નિબંધો છે; ‘જીવનપંથ’ અને ‘જીવનરંગ’ આત્મચરિત્ર છે; ‘હેમચંદ્રાચાર્ય’ અને ‘ઇતિહાસની તેજમૂર્તિઓ’ ચરિત્રગ્રંથો છે. આ ઉપરાંત ભાષાંતરમાં ‘ગીતાંજલિ’, નાટકોમાં ‘ઠંડી ક્રૂરતા અને બીજાં નાટકો’ અને ચિંતનગ્રંથોમાં ‘પદ્મરેણુ’, ‘તુષારબિંદુ’, ‘સાહિત્યવિચારણા’, ‘જીવનવિચારણા’ વગેરે તેમણે આપ્યાં છે.
રામનારાયણ વિશ્વનાથ પાઠક – ‘દ્વિરેફ’ (1887–1955) : તેઓ ફક્ત ચાળીસ વાર્તાઓ આપીને આધુનિક ગુજરાતી નવલિકાનું વિશિષ્ટ સ્વરૂપ સિદ્ધ કરે છે. રહસ્યગર્ભ જીવનઘટનાને તટસ્થ ફિલસૂફની દૃષ્ટિએ વાર્તામાં રજૂ કરતાં પાત્રકથન કે ડાયરાકથન જેવી વિવિધ રીતિઓનો તેઓ આશ્રય લે છે. તેમની વાર્તાઓ દૃઢ બંધવાળી હોય છે. તેમાં હાસ્ય કે કટાક્ષ દ્વારા માનવીય અપૂર્ણતા માર્મિક રીતે રજૂ થતી હોય છે. ‘દ્વિરેફ’ની નવલિકા અંગેની વિભાવના ચેખૉવ અને મોપાસાંની વાર્તાઓ પરથી બંધાઈ હતી. ‘ખેમી’, ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’, ‘એક પ્રશ્ન’, ‘મુકુન્દરાય’, ‘જક્ષણી’, ‘કપિલરાય’, ‘જમનાનું પૂર’ વગેરે તેમની શ્રેષ્ઠ વાર્તાઓ છે.
એમણે ‘શેષ’ ઉપનામથી કાવ્યો લખ્યાં છે. અને ‘સ્વૈરવિહાર’ નામે નિબંધો લખ્યાં છે. ‘શેષનાં કાવ્યો’માં ઊર્મિ, કલ્પના અને ચિંતનનો સુભગ સમન્વય જોવા મળે છે. કવિએ વિષયનાવીન્ય, સ્વરૂપ અને શૈલીપ્રયોગો વગેરેમાં પ્રયોગશીલ સર્જકતાનો અનુભવ કરાવ્યો છે. તેમનામાં ભાવના કે વિચાર પરત્વે ગાંધીપ્રભાવની સ્પષ્ટ અસર છે. ‘છેલ્લું દર્શન’ (સૉનેટ), ‘તુકારામનું સ્વર્ગારોહણ’ (ખંડકાવ્ય), ‘એક રાજપૂત ટેકના મધ્યકાલીન કિસ્સાના દુહા’ (હાસ્યકૃતિ) અને ‘આતમરામને’ (ભજન) તથા સળંગ અગેય પૃથ્વીના પ્રયોગવાળું કાવ્ય ‘ઉદધિને’ શેષની કવિત્વશક્તિનાં ઉત્તમ દૃષ્ટાંત છે. ‘વિશેષ કાવ્યો’ 1959માં પ્રગટ થયેલો તેમનો બીજો કાવ્યસંગ્રહ છે.
રામનારાયણે ‘મનોવિહાર’ અને ‘સ્વૈરવિહાર’માં અનુક્રમે ગંભીર અને હળવા નિબંધો આપ્યા છે. તેમાં લલિત નિબંધની વિશિષ્ટતાઓ સ્પષ્ટ થતી જોવા મળે છે. ફિલસૂફનું હાસ્ય, સુધારકનો કટાક્ષ અને માનવતાયુક્ત સમભાવ તેમાં પ્રતીત થાય છે. ‘કુલાંગાર અને બીજી કૃતિઓ’માં ‘કુલાંગાર’ જેવા એમના મૌલિક નાટક ઉપરાંત સંસ્કૃત નાટકો ‘ઊરુભંગ’ અને ‘ભગવદજ્જુકીયમ્’ના અનુવાદ અને શેક્સપિયરના ‘રોમિયો જુલિયેટ’ તથા ‘મર્ચન્ટ ઑવ્ વેનિસ’નાં વનવેલી છંદમાં ઉતારેલાં કેટલાંક દૃશ્યોનો સમાવેશ થાય છે.
ગુજરાતી વિવેચનોને નવો વળાંક આપવામાં પાઠકની સર્જકપ્રતિભા સાથે તત્વજ્ઞ અને ચિંતકના અંશોનો ફાળો મહત્વનો છે. સંસ્કૃત આલંકારિકોનો અભ્યાસ અને પાશ્ચાત્ય વિવેચનાનું ઊંડું અધ્યયન હોવા છતાં તેઓ ઘણુંખરું સાહિત્યતત્વને લક્ષમાં રાખીને વિવેચન કરે છે. તર્કશાસ્ત્રની શિસ્ત અને મૌલિક વિચારકની શક્તિને લીધે ઊંચા સ્તરનું વિવેચન તેઓ આપી શક્યા છે. ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’, ‘કાવ્યની શક્તિ’, ‘પ્રાચીન ગુજરાતી છંદો એક ઐતિહાસિક આલોચના’, ‘બૃહત પિંગળ’ વગેરે કૃતિઓ પાઠકને ઉત્તમ વિવેચક અને શ્રેષ્ઠ પિંગળશાસ્ત્રી તરીકે પ્રતિષ્ઠા અપાવે તેવી છે.
ઝવેરચંદ મેઘાણી (1896–1947) : ગાંધીજીએ પ્રારંભેલા સ્વાતંત્ર્યયુદ્ધની હાકલથી પ્રેરાઈ અર્વાચીન યુગના સમગ્ર પટ ઉપર જનતાના કવિ તરીકે પ્રતિષ્ઠા મેળવનાર મેઘાણી ‘યુગકવિ’ અને ‘રાષ્ટ્રીય શાયર’નાં બિરુદો મેળવે છે. ‘સિંધુડો’ (1930) જનતાને દેશભક્તિનો પાનો ચઢાવે છે. ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’, ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !’, ‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે’ જેવી પંક્તિઓથી લોકહૈયાં સ્પંદિત બનેલાં. ‘શિવાજીનું હાલરડું’, ‘તલવારનો વારસદાર’, ‘કોઈનો લાડકવાયો’, ‘સૂના સમદરની પાળે’ જેવી પ્રાસંગિક રચનાઓ બુલંદ કંઠે લોક સમક્ષ ગાઈને માતૃભૂમિનો પ્રેમ અને સ્વતંત્રતાની મીઠાશનો આસ્વાદ તેમણે મોટા સમુદાયને કરાવ્યો હતો.
યુગબળોને ઝીલતી ‘યુગવંદના’માં ક્ષુધાર્તોને જાગ્રત થવા અને અન્યાયી સમાજવ્યવસ્થાને ભસ્મીભૂત કરવા કવિ ચાનક ચઢાવે છે. ‘એકતારો’ પણ તેમનો ધ્યાનપાત્ર કાવ્યસંગ્રહ છે. તેમણે ‘વેણીનાં ફૂલ’ અને ‘કિલ્લોલ’માં બાલકાવ્યો તથા કિશોરકાવ્યો આપ્યાં છે. ‘રવીન્દ્રવીણા’ એ ટાગોરનાં કાવ્યોનો અનુવાદ છે. ‘સોના-નાવડી’ તેમની સમગ્ર કવિતાનો સંગ્રહ છે. તેમણે ‘તુલસીક્યારો’, ‘સોરઠ, તારાં વહેતાં પાણી’, ‘વેવિશાળ’, ‘નિરંજન’ જેવી ડઝનેક નવલકથાઓ લખી છે. ‘કુરબાનીની કથાઓ’ ટાગોરની કૃતિનો સુંદર અનુવાદ છે. ‘મેઘાણીની નવલિકાઓ’ અને ‘માણસાઈના દીવા’, આત્મકથા ‘પરકમ્મા’ અને ‘છેલ્લું પ્રયાણ’, પ્રવાસગ્રંથ ‘સોરઠને તીરે તીરે’ વગેરે ગણનાપાત્ર કૃતિઓ છે. આ સર્વમાં લોકસાહિત્યનાં સંપાદન-સંશોધનની એમની સેવા અવિસ્મરણીય છે. ‘સૌરાષ્ટ્રની રસધાર ભા. 1થી 5’, ‘સોરઠી સંતો’, ‘સોરઠી ગીતકથાઓ’, ‘કંકાવટી’, ‘રઢિયાળી રાત ભા. 1થી 4’, ‘ઋતુગીતો’, ‘ધરતીનું ધાવણ’ અને ‘લોકસાહિત્યનું સમાલોચન’ વગેરે દ્વારા મેઘાણીએ ગુજરાતી લોકસાહિત્યના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. 1928માં પહેલો રણજિતરામ સુવર્ણચંદ્રક મેઘાણીને પ્રદાન થયેલો.
ગુણવંતરાય આચાર્ય (1900–1965) : મેઘાણીની સાથે ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકમાં કામ કરનાર બીજા સોરઠી સાહિત્યકાર. સંખ્યાબંધ ઐતિહાસિક નવલકથાઓ ઉપરાંત તેમણે સાહસકથાઓ, પ્રસંગકથાઓ, જાસૂસકથાઓ પણ આપી છે. નવલકથાઓ અને વાર્તાઓ દ્વારા તેમણે કચ્છના ખમીરને અંજલિ આપી છે. દરિયાઈ નવલશ્રેણી બદલ તેમને 1945નો રણજિતરામ સુવર્ણચંદ્રક અપાયો હતો. ‘દરિયાલાલ’ તેમની આ પ્રકારની શ્રેષ્ઠ નવલકથા છે, ‘અખોવન’, ‘આપઘાત’ અને રંગભૂમિ પર સફળ નીવડેલું ‘અલ્લાબેલી’ નાટ્યક્ષેત્રે તેમણે કરેલું અર્પણ છે.
‘પ્રજાબંધુ’ના સંપાદક અને ‘સાહિત્યપ્રિય’ તખલ્લુસથી ગ્રંથવિવેચન કરનાર ચુનીલાલ વર્ધમાન શાહ(1887–1966)ની ઐતિહાસિક નવલકથાઓમાં ‘કર્મયોગી રાજેશ્વર’, ‘રૂપમતી’ વખણાયેલી. સામાજિક નવલકથાઓમાં ‘વિષચક્ર’, ‘તપોવન’, ‘કંટકછાયો પંથ’ ઉપરાંત અર્ધ-વાસ્તવિક અને ચમત્કારોથી ભરેલી પ્રણયકથા આલેખતી ‘જિગર અને અમી’ સહુથી વધુ લોકપ્રિય બનેલી.
ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા(1890–1976)ની લેખનપ્રવૃત્તિ ‘શેરલોક હોમ્સનાં પરાક્રમો’, મેટરલિંકના નિબંધો અને મોલિયેરનાં નાટકોનાં ભાષાંતરોથી આરંભાય છે. ‘હાસ્યકથામંજરી’, ‘વિનોદવિહાર’, ‘વાર્તાવિહાર’ વગેરેમાં કેટલીક મૌલિક અને બાકીની ભાષાંતરિત-રૂપાંતરિત હાસ્યવાર્તાઓ છે. જ્યોતીન્દ્ર દવે સાથે રહીને રચેલી ‘અમે બધાં’ ગુજરાતીમાં હાસ્યપ્રધાન નવલકથાઓમાં પ્રથમ કક્ષાની કૃતિ લેખાય છે. તેના પરથી ‘પંખીનો મેળો’ નાટક (ધીરુબહેન પટેલ) લખાયેલું. ‘છેલ્લો ફાલ’માં નવલિકાઓ અને નાટિકાઓ છે. ‘મીઠી નજરે’માં વિવેચનો છે. ‘આરામખુરશીએથી’ અને ‘સર્જનને આરે’ હળવા તથા ગંભીર વિવેચનના સંગ્રહો છે. ‘સ્નેહનાં ઝેર’, ‘દસ મિનિટ’, ‘મનુની માસી’ તખ્તાલાયક નાટ્યરૂપાંતરો છે. આ ઉપરાંત અન્યના સહયોગમાં લખાયેલ નૃત્યનાટિકા ‘અર્વાચીના’ (અવિનાશ વ્યાસ), નાટક ‘ધૂમ્રસેર’ (ગુલાબદાસ બ્રોકર), ‘સરી જતું સૂરત’ (જ્યોતીન્દ્ર દવે) વગેરેનો ઉલ્લેખ જરૂરી છે. ‘ગરીબની ઝૂંપડી’ એમનું મૌલિક ત્રિઅંકી છે અને ‘રંગમાધુરી’ તથા ‘રસરંજન’ નાટિકાસંગ્રહો છે. ‘આથમતે અજવાળે’ ચિત્રાત્મક શૈલીમાં લખાયેલી તેમની રસિક આત્મકથા છે. તેમની મોટી સેવા નાટ્યકાર અને નાટ્યવિદ તરીકેની છે. તેમણે ‘બિનધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ’ પણ આપેલ છે.
બાલાભાઈ વીરચંદ દેસાઈ – ‘જયભિખ્ખુ’ (1908–1969) : ‘ભગવાન ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ’, ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’, ‘લોખંડી ખાખનાં ફૂલ’ જેવી અનેક ધર્મકથાવસ્તુવાળી સર્વભોગ્ય નવલકથાઓએ લેખકની કલ્પના અને બિનસાંપ્રદાયિકતાને કારણે જૈન અને જૈનેતરોમાં સારી ચાહના મેળવી હતી. ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર’ વગેરે ઐતિહાસિક નવલકથાઓ છે. ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ તેમની સર્જક શક્તિનો શ્રેષ્ઠ ઉન્મેષ છે. ‘માદરે વતન’, ‘કંચન અને કામિની’, ‘પ્રેમપંથ પાવકની જ્વાળા’, ‘પારકા ઘરની લક્ષ્મી’ વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. જયભિખ્ખુની બાલસાહિત્યની કૃતિઓ લોકપ્રિય નીવડી છે. રેડિયો માટે લખાયેલાં નાટકોમાં ‘ગીતગોવિંદનો ગાયક’ તથા ‘રસિયો વાલમ અને બીજાં નાટકો’ ઉલ્લેખનીય છે. ‘નિર્ગ્રંથ ભગવાન મહાવીર’ એમની ચરિત્રકૃતિ છે.
આ સમયના અન્ય સાહિત્યસેવકોમાં પહેલાં ‘સ્ત્રીબોધ’ના મદદનીશ તંત્રી અને પછી ‘સ્ત્રીજીવન’ના તંત્રી મનુભાઈ જોધાણી(1902–1979)ને યાદ કરવા જોઈએ. તેમણે લોકસાહિત્ય ઉપરાંત સ્ત્રીઓ, બાળકો અને કિશોરોને ઉપયોગી સાહિત્ય આપ્યું છે. ‘સોરઠી જવાહિર’, ‘સોરઠી વિભૂતિઓ’, ‘સોરઠી શૂરવીર’ વગેરે શૌર્યવાર્તાઓનું સાહિત્ય છે. તેમની ઉત્તમ સેવા તે ‘જનપદ શ્રેણી’, ‘કાળિયાર ને બીજી પ્રાણીકથાઓ’, ‘ખાટીમીઠી બાળવાતો’, ‘કુમારોની પ્રવાસકથા’ છે. તેમનું વ્યક્તિચિત્રોનું આલેખન આકર્ષક છે. પંખી અને વનસ્પતિસૃષ્ટિનો સુંદર પરિચય આપતાં પુસ્તકોમાં ‘પાદરની વનસ્પતિ’, ‘વનવગડાની વનસ્પતિ’, ‘વનવગડાનાં પંખી’, ‘આંગણાંનાં પંખી’ વગેરે છે.
ગુજરાતી સાહિત્યમાં કેટલીક સ્ત્રી-લેખિકાઓનું પણ નોંધપાત્ર પ્રદાન છે. ગુજરાત વિદ્યાસભા અને ગુજરાત સાહિત્યસભા જેવી સંસ્થાઓનું સંચાલન કરનાર લેડી વિદ્યાગૌરી નીલકંઠ તેમાં પ્રથમ છે. શારદાબહેન મહેતાએ ‘જીવનસંભારણાં’ આત્મકથા આપી છે. હંસાબહેન મહેતાએ ‘હૅમ્લેટ’નું પૃથ્વી છંદમાં ભાષાંતર કર્યું છે અને તે ઉપરાંત રામાયણના બાલકાંડ તથા અયોધ્યાકાંડના પદ્યાનુવાદ આપ્યા છે. ‘અરુણનું અદભુત સ્વપ્ન’ તથા ‘હિમાલયસ્વરૂપ અને બીજાં નાટકો’ જેવું બાલસાહિત્ય પણ તેમણે આપ્યું છે. મ. સ. યુનિવર્સિટીના કુલપતિ તરીકેની તેમની સેવા જેમ આ સેવા પણ ચિરસ્મરણીય છે. લીલાવતી મુનશીએ ‘કુમારદેવી અને બીજાં નાટકો’ તથા ‘રેખાચિત્રો’ આપ્યાં છે.
ગાંધીજીના યુગપ્રવર્તક આદર્શો 1930 પછી આત્મસાત્ કરીને ગુજરાતી સાહિત્ય દીનજનવાત્સલ્ય, વાસ્તવપ્રિયતા, માનવપ્રેમ, વિશ્વબંધુત્વ વગેરે ભાવનાઓનું દીપ્તિમંત સ્વરૂપ રજૂ કરે છે. ત્રીસીની કવિતાના નૂતનયુગમાં આર્થિક અને રાજકીય વિષમતા સાથે પડકારો ઊભા કરતા સામ્યવાદી વિચારોનું પ્રતિબિંબ સમર્થ રીતે ઝિલાયું છે.
‘સુન્દરમ્’ (1908–1991) : મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. ત્રીસીની કવિતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ ઊભું કરનારા બે તેજસ્વી કવિઓ તે સુન્દરમ્ અને ઉમાશંકર. સુન્દરમ્ જેલવાસ દરમિયાન ‘કાવ્યમંગલા’ અને ‘કડવી વાણી’નાં કેટલાંક કાવ્યો રચે છે. કાળી મજૂરી કરતા શ્રમજીવીઓનું થતું શોષણ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’માં અસરકારક રીતે વ્યક્ત થાય છે. ‘તકલી અને મોરલી’, ‘કોડીઓ અને મોતી’ તથા ‘ટિટોડી અને સાગર’ જેવાં રૂપક-કાવ્યો તેમજ ‘ભંગડી’, ‘ત્રણ પડોશી’ જેવાં કથનાત્મક કાવ્યો એ વિષમતાને વાચા આપે છે. ‘રામને મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ’; ‘ભંગડી પહેરે ચૂંદડી રે’, ‘મને કોઈ વાડકો આપો છાશ’ વગેરેમાં દંભ, અંધશ્રદ્ધા અને રૂઢિ સામેનો આક્રોશ સ્પષ્ટ છે. ‘કાવ્યમંગલા’માં ધ્વનિપૂર્ણ ગીતો પણ મળે છે. તેમાં ‘રણગીત’ અને ‘ઝંઝાનિલ’ સ્વાતંત્ર્યને લગતાં છે. ‘કવિનો પ્રશ્ન’, ‘કાવ્યપ્રણાશ’ અને ‘ધ્રુવપદ ક્યહીં ?’ વગેરે કવિતાની સાર્થકતા શેમાં છે એ દર્શાવે છે. ‘બાનો ફોટોગ્રાફ’, ‘પતંગિયું અને ગરુડ’ આસ્વાદ્ય કૃતિઓ છે. ચાહના અને અસુંદરમાં પણ સુંદરતા જોતી કવિષ્ટિ ‘માનવી માનવ’માં ‘હું માનવી થાઉં તો ઘણું’ જેવી ચિંતનગર્ભ અભિવ્યક્તિ સાધે છે. ‘બુદ્ધનાં ચક્ષુ’ અને ‘ત્રિમૂર્તિ’ નવયુગની ભાવના અને કવિતાનો કલ્યાણમંત્ર રજૂ કરતાં સર્વાંગસુંદર કાવ્યો છે. ‘વસુધા’(1939)માં ‘સળંગ સળિયા પરે’, ‘બહુરૂપિણી’, ‘ઈંટાળા’, ‘13-7ની લોકલ’, ‘ધનયુગનો સ્થિતપ્રજ્ઞ’ વગેરે કાવ્યોમાં કવિની કાવ્યકલાની વિવિધ છટાઓ જોવા મળે છે. ગુજરાતી કવિતાનું એક વિશિષ્ટ શિખર ‘યાત્રા’ છે. 1947ના ઑગસ્ટની પંદરમીએ ‘દક્ષિણા’ ત્રૈમાસિકનું સંપાદન શરૂ કરનાર કવિ અતિમનસની ભૂમિકાનાં સંવેદનો કાવ્યમાં રજૂ કરે છે. શ્રી અરવિંદની મંત્રકવિતા અને કાવ્યભાવનાની છાપ ગુજરાતી કવિતા પર પડી છે. પૂર્ણયોગની સાધના તરફ વળેલા કવિએ અધ્યાત્મભાવની કવિતા આપી છે. તેમનો પ્રણય દિવ્યતાની ઝંખનામાં પરિણમે છે. ગાંધીદર્શન પછી અરવિંદદર્શનમાં પ્રવેશતી ગુજરાતી કવિતાનું વિશિષ્ટ સોપાન ‘યાત્રા’ છે. ‘ધખના’માં કલ્યાણમય તત્વને પામવાનો તીવ્ર તલસાટ તો ‘અંગુલિ હો’ વગેરેમાં ચૈતન્યધારાનો પ્રપાત છે. ‘નાચીજની કહાણી’ અને ‘કત્લની રાત’માં રંગદર્શી છટા તથા ‘ભવ્ય સતાર’ અને ‘ફૂલ દીધું’માં સંગીતમય અભિવ્યક્તિ પ્રગટ થાય છે. ‘વરદા’ (1990), ‘મુદિતા’ (1990), ‘ઉત્કંઠા’ (1992), ‘લોકલીલા’ (1995), ‘ઈશ’ (1995), ‘પ્રિયાંકા’ (1997), ‘નયા પૈસા’ (1998), ‘ચક્રદૂત’ (1999) વગેરે અનેક કાવ્યગ્રંથો એમનાં મરણોત્તર પ્રકાશનો છે. ‘મંગલા’માં પત્ની મંગલાને કેન્દ્રમાં રાખી લખાયેલાં કાવ્યો છે.
પ્રગતિશીલ દૃષ્ટિથી સામ્યવાદી રીતે જીવનના પ્રશ્નો ઉકેલવા મથતા લેખકો રૂઢિબદ્ધ શિષ્ટતાની બહુ પરવા કરતા નહિ તેનું દૃષ્ટાન્ત સુન્દરમ્ની ‘ખોલકી’ અને ‘નારસિંહ’ જેવી વાર્તાઓ છે. ‘ખોલકી અને નાગરિકા’, ‘પિયાસી’, ‘હીરાકણી અને બીજી વાતો’ તથા ‘ઉન્નયન’ એમના વાર્તાસંગ્રહો છે. એમની ઉત્તમ વાર્તાઓ છે : ‘માજા વેલાનું મૃત્યુ’, ‘પૅકાર્ડનો પ્રવાસ’, ‘મહેરબાનીની રાહે’, ‘ખાસડા-કટર’ અને ‘મીનપિયાસી’. ‘દક્ષિણાયન’ પ્રવાસગ્રંથ છે. ‘મૃચ્છકટિકમ્’ અને ‘ભગવદજ્જુકીયમ્’ના અનુવાદ ઉપરાંત જર્મન નાટ્યકાર ટૉલર કૃત ‘Transfiguration’નો અનુવાદ ‘કાયાપલટ’ નામે છે. ‘અર્વાચીન કવિતા’ એમનું વિવેચનક્ષેત્રે થયેલું યશસ્વી કાર્ય છે. અભ્યાસપૂર્ણ વિવેચનનો એમનો બીજો ગ્રંથ છે ‘અવલોકના’, જેને સાહિત્ય અકાદમીનું 1968નું પારિતોષિક મળેલું.
સુન્દરમ્ની ગદ્યશૈલી સંસ્કૃત અને અંગ્રેજીના સંસ્કારવાળી છે. ‘ચિદંબરા’ પ્રકીર્ણ લેખોનો સંગ્રહ છે.
કવિતા માટે 1934માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ‘અર્વાચીન કવિતા’ માટે 1946માં મહીડા પારિતોષિક, અને ‘યાત્રા’ કાવ્યસંગ્રહ માટે 1955માં નર્મદ સુવર્ણચંદ્રક તથા 1990માં ‘નરસિંહ મહેતા’ પુરસ્કારથી સુન્દરમ્ની બહુવિધ સાહિત્યસેવાનું ગૌરવ થયેલું છે. શ્રી અરવિંદના ‘સાવિત્રી’ના કેટલાક અંશોનો અનુવાદ ‘દક્ષિણા’માં પ્રગટ થયેલો છે.
ઉમાશંકર જોશી (1911–1988) : તેઓ 1931માં ‘વિશ્વશાંતિ’ કાવ્ય લખે છે તે ગુજરાતની અને ભારતની સાહિત્યસૃષ્ટિમાં વિરલ ઘટના છે. એમની સર્જનપ્રવૃત્તિ ગાંધીયુગ અને અનુગાંધીયુગમાં સ્વાતંત્ર્યોતર સમયમાં પ્રસરેલી છે. ‘વિશ્વશાંતિ’નો પ્રધાન સૂર સંવાદનો છે. ‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી’ જેવા ઉદગારમાં સહકાર અને શાંતિનો સંદેશો છે. સત્ય, પ્રેમ અને સૌંદર્ય અક્ષત રહે તો વિશ્વને અખંડ શાંતિ મળે એવી મુગ્ધ ભાવના કવિ ધરાવે છે. અહીં ગાંધીજીએ આપેલા વિશ્વપ્રેમના યુગસંદેશનો પડઘો છે. ‘ગંગોત્રી’નાં ‘શૂરસંમેલન’ અને ‘બારણે બારણે યુદ્ધ’ જેવાં કાવ્યોમાં સ્વાતંત્ર્યયુદ્ધનો લલકાર છે. ‘એક ચુસાયેલા ગોટલા’માં ગુલામીની વેદના છે. ‘ઘાણીનું ગીત’, ‘હથોડાનું ગીત’ અને ‘મોચી’ જેવાં કાવ્યો પીડિતો પ્રત્યે હમદર્દી રજૂ કરે છે. કવિને એ વખતે મૂંઝવતો એક પ્રશ્ન છે : ‘એક માનવી જ કાં ગુલામ ?’ માનવતાની ઉપાસના કરતા કવિની અભીપ્સા એક જ છે : ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી.’ પ્રકૃતિકાવ્યોમાં ‘બળતાં પાણી’ છે. ‘ધ્રુવતારલી’, ‘વિશ્વતોમુખી’ અને ‘જઠરાગ્નિ’ ઉત્તમ સૉનેટો છે. ‘ભોમિયા વિના’ એ સુંદર ગીતરચના છે. ‘એક બાળકીને સ્મશાન લઈ જતાં’ અને ‘સમયની ભવ્ય આરામગાહે’ ઉત્તમ આસ્વાદ્ય રચનાઓ છે.
‘નિશીથ’માં લયમાધુર્યવાળાં ગીતો, સંસ્કારરમ્ય પ્રણયકાવ્યો, પ્રકૃતિનાં રુદ્રસૌમ્ય સ્વરૂપનું દર્શન કરાવતી રચનાઓ અને યુગપ્રશ્નોની છણાવટ કરતી રચનાઓ મળે છે. ‘ગીત ગોત્યું ગોત્યું’, ‘છેડલો ઊડે પવનમાં’, ‘વિરાટ પ્રણય’, ‘નિશીથ’, ‘આત્માનાં ખંડેર’ની સૉનેટમાળા, ‘પંખીમેળો’, ‘શોધ’ ઉપરાંત પુણ્યપ્રકોપ પ્રગટ કરતી ‘હીરોશીમા’ ઇત્યાદિ કૃતિઓથી ઉમાશંકરની કવિતા વર્તમાનમાંથી સનાતન તરફ પ્રસ્થાન કરે છે.
‘આતિથ્ય’માં બીજા વિશ્વયુદ્ધે જગવેલ ચિંતન, સંસ્કૃતિ, પ્રકૃતિ, કવિ વગેરે વિષયક કાવ્યો મળે છે. તેમાં સંવાદશૈલી અને ખંડશિખરિણી વગેરેનો ઉપયોગ ધ્યાનપાત્ર છે.
‘વસંતવર્ષા’ સ્વાતંત્ર્યોત્તર પ્રકાશન છે. એમાં પ્રકૃતિ અને પ્રણયનાં કાવ્યો ઉપરાંત જગની ર્જીણતા અને મૂલ્યહ્રાસના ઉદગારો છે. ‘રહ્યાં વર્ષો તેમાં’ અને ‘વહ્યાં વર્ષો તેમાં’ આ સંગ્રહનું શ્રેષ્ઠ સૉનેટયુગ્મ છે.
‘અભિજ્ઞા’માં યુગપ્રશ્નોનો કોલાહલ શમી જાય છે. કવિ સૌંદર્યલક્ષી અંતર્મુખતા તરફ વળાંક લે છે. ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’, ‘સપ્તપદી’ સંગ્રહમાં સુધારીને મૂક્યાં છે. અહીં કવિની મેધાના ઉત્કૃષ્ટ અંશ પ્રગટે છે. ‘પંખીલોક’ કાવ્ય આ સંદર્ભમાં સ્મરણીય છે. સૌંદર્યની સેર ઉપસાવે તે ક્ષણાર્ધની કવિ પ્રતીક્ષા કરે છે. ‘ધારાવસ્ત્ર’માં પરિવ્રાજકની વિશ્વપરિક્રમાના અનુભવોની સંવેદનાનો આવિષ્કાર છે.
‘પ્રાચીના’માં સાત સંવાદકાવ્યોપદ્યરૂપકો છે. તેનું વસ્તુ પૌરાણિક ભવ્યતા અને ગૌરવ ધરાવે છે. ‘મહાપ્રસ્થાન’માં પણ વસ્તુ મહાભારત અને રામાયણનું છે. બંનેમાંની ‘કર્ણ-કૃષ્ણ’, ‘19મા દિવસનું પ્રભાત’, ‘ગાંધારી’, ‘મહાપ્રસ્થાન’, ‘અર્જુન-ઉર્વશી’ અને ‘મંથરા’ જેવી રચનાઓ વિશેષ નોંધપાત્ર છે.
ઉમાશંકરે ‘સાપના ભારા’ અને ‘હવેલી’માંનાં મળીને 24 જેટલાં એકાંકીઓ લખ્યાં છે. ‘સાપના ભારા’માં એકાંકીનું સુઘડ સ્વરૂપ સામાજિક વસ્તુ રજૂ કરતી લોકબોલીથી ઉપસાવેલું છે. તેમાં ‘સાપના ભારા’, ‘ઊડણ ચરકલડી’, ‘બારણે ટકોરા’ અને ‘કડલાં’ જેવી રચનાઓ ઉત્તમ છે. તેમાંનાં પાત્રો જીવંત, સંવાદો ધ્વનિપૂર્ણ અને અંત વેધક વળાંકવાળો હોય છે. ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો’માં એમની ટૂંકી વાર્તાઓ છે. એમણે મનોવૈજ્ઞાનિક ભૂમિકાએ વાસ્તવિકતા તથા કલાતત્વનો અનોખો સમન્વય આ વાર્તાઓમાં સાધી બતાવ્યો છે. ‘ગોષ્ઠિ’ અને ‘ઉઘાડી બારી’ એમના નિબંધસંગ્રહો છે. ‘ગાંધીકથા’, ‘હૃદયમાં પડેલી છબીઓ’ના બે ખંડ અને ‘ઇશામુ શિદા અને અન્ય’ તે વ્યક્તિચિત્રોના સંગ્રહો છે. એક જ નવલકથા ‘પારકાં જણ્યાં’ તેમણે લખી છે. તેમણે ‘ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર’, ‘યુરોપ યાત્રા’ (અન્ય સાથે), ‘ચીનમાં 54 દિવસ’ અને ‘યાત્રી’ જેવા પ્રવાસગ્રંથો આપ્યા છે. તેમણે શિક્ષણ, પત્રકારત્વ વગેરેને અનુલક્ષીને પણ ગ્રંથો આપ્યા છે. વિવેચક તરીકે તેમણે સાહિત્યતત્વ અને કાવ્ય વિશેની વિભાવનાને પરિષ્કૃત કરી છે. ‘અખો – એક અધ્યયન’, ‘સમસંવેદન’, ‘અભિરુચિ’, ‘શૈલી અને સ્વરૂપ’, ‘નિરીક્ષા’, ‘કવિની સાધના’ ‘સર્જકપ્રતિભા’ (ભા. 1 અને 2), ‘કવિતાવિવેક’ વગેરે એમના વિવેચનગ્રંથો છે. તેમનું પત્રસાહિત્ય પણ પ્રકાશિત થયું છે. ‘ઉત્તરરામચરિત’ અને ‘શાકુન્તલ’ કવિની અનુવાદકલાનાં ઉત્તમ દૃષ્ટાન્તો છે. સંશોધન-સંપાદનમાં ‘પુરાણોમાં ગુજરાત’, ‘ક્લાન્ત કવિ’, ‘અખાના છપ્પા’, ‘મ્હારાં સૉનેટ’, ‘ગાંધીકાવ્યસંગ્રહ’, ‘કાવ્યતત્વવિચાર’, ‘વિચારમાધુરી’, ‘સ્વપ્નપ્રયાણ’, ‘કાવ્યાયન’, ‘પ્રતિભા અને પ્રતિભાવ’, ‘સર્જકની આંતરકથા’ વગેરે નોંધપાત્ર છે. સાહિત્યસેવા ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, વિશ્વભારતીના કુલપતિ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ વગેરે અનેક રીતે સંસ્કારપુરુષ તરીકે એમણે પ્રશસ્ય કામગીરી બજાવી છે. ‘ગંગોત્રી’ નિમિત્તે 1936માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ‘પ્રાચીના’ નિમિત્તે 1944માં મહીડા પારિતોષિક અને 1967માં ‘નિશીથ’ને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કન્નડ સાહિત્યકાર પુટપ્પાના સહયોગમાં મળેલ તે ઉમાશંકરની બહુવિધ પ્રતિભાનાં દ્યોતક છે.
ઉત્સાહ અને સ્ફૂર્તિથી ભરેલા ગાંધીયુગમાં પોતપોતાની રીતે સાહિત્યસેવા બજાવનારાઓમાં હાઈકુના પ્રથમ પ્રયોગથી જાણીતા થયેલ ‘અર્ઘ્ય’, પનઘટ’, ‘સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ’, ‘અતીતની પાંખમાંથી’ અને ‘નિજલીલા’ જેવા કાવ્યસંગ્રહો આપનારા કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને આત્મકથાકાર ‘સ્નેહરશ્મિ’ અર્થાત્ ઝીણાભાઈ રતનજી દેસાઈ; ‘કોડિયાં’ અને ‘પુનરપિ’ જેવા કાવ્યસંગ્રહો તથા ‘વડલો’ અને ‘પિયો ગોરી’ જેવાં નાટકો આપનાર કૃષ્ણલાલ શ્રીધરાણી; બૉદલેર અને રિલ્કેનો ગુજરાતને પ્રથમ પરિચય કરાવનાર અને ગુજરાતી કવિતાને ચિંતનમાંથી સૌંદર્ય તરફ પ્રેરનાર હરિશ્ચંદ્ર ભટ્ટ (‘સ્વપ્નપ્રયાણ’); ‘મિત્રાવરુણૌ’ તરીકે જાણીતા બેટાઈ (‘જ્યોતિરેખા’, ‘ઇન્દ્રધનુ’, વિશેષાંજલિ, ‘તુલસીદલ’ અને ‘શ્રાવણી ઝરમર’ વગેરે) અને બાદરાયણ (‘કેડી’); કવિ-વિવેચક મનસુખલાલ ઝવેરી (‘અભિસાર’, ‘અનુભૂતિ’, ‘ડૂમો ઓગળ્યો’ વગેરે); ‘અમર ઇતિહાસ’ના કવિ દેશળજી પરમાર (‘ઉત્તરાયન’); જૂના આખ્યાનસ્વરૂપને લોકપ્રિય કરનાર ‘વૈશંપાયન’ તે કરસનદાસ માણેક (‘આલબેલ’, ‘મધ્યાહ્ન’ વગેરે); શ્રીઅરવિંદભક્ત પૂજાલાલ (‘પારિજાત’, ‘પાંચજન્ય’, ‘કાવ્યકેતુ’ વગેરે) અને પ્રજારામ રાવળ (‘પદ્મા’, ‘નાન્દી’ અને ‘નૈવેદ્ય’); જાણીતા ગઝલકાર પતીલ (‘પ્રભાતનર્મદા’ અને ‘પતીલનાં ચૂંટેલાં કાવ્યો’); ‘આંધળી માનો કાગળ’ રચનાર ઇન્દુલાલ ગાંધી, પૃથ્વી છંદમાં પદ્યરૂપકનો પ્રયોગ કરનાર દુર્ગેશ શુક્લ; ‘ધરિત્રી’, ‘તીર્થોદક’, ‘શ્રીમંગલ’ અને ‘પ્રેમામૃત’ના કવિ પ્રેમશંકર ભટ્ટ; ‘બિંદુ’ સંગ્રહમાં ‘વિનાશ અને વિકાસ’ની સૉનેટમાળા પ્રયોજનાર રામપ્રસાદ શુક્લ વગેરેનો ઉલ્લેખ કરવો જોઈએ. રામપ્રસાદ શુક્લની સમગ્ર કવિતા ‘સમય નજરાયો’(1991)માં સમાવિષ્ટ થઈ છે.
ચંદ્રવદન ચી. મહેતા (1901–1992) ‘યમલ’ નામે 14 સૉનેટનો સંગ્રહ 1926માં આપે છે. ઠાકોરે પ્રયોજેલ અગેય, પ્રવાહી પૃથ્વી છંદને સૉનેટમાં અવતારનાર નવી પેઢીના પ્રથમ કવિ તરીકે તેઓ આવકાર પામે છે.
ભાઈબહેનના નિર્દોષ પ્રેમનાં ‘ઇલાકાવ્યો’ 1933માં અને તેની ત્રીજી આવૃત્તિ ‘ઇલાકાવ્યો, રતન અને બીજાં બધાં’ 1952માં તેમજ ‘નેવુંના દાયકાનાં મારાં કાવ્યો’ 1991માં તેમણે આપ્યાં; પરંતુ તેમનું વિશિષ્ટ અર્પણ નાટ્યક્ષેત્રે છે. વિષય, સ્વરૂપ અને શૈલીમાં વૈવિધ્યપૂર્ણ એવાં નાટકોમાં ‘આગગાડી’, ‘ધરા ગુર્જરી’, ‘મૂંગી સ્ત્રી’, ‘દેડકાંની પાંચશેરી’, ‘હોહોલિકા’ અને ‘મદીરા’ ખૂબ વખણાયેલાં છે. ‘પ્રેમનું મોતી’, ‘સંતાકૂકડી’, ‘રમકડાંની દુકાન’ જેવાં બાલભોગ્ય નાટકો પણ તેમણે લખ્યાં છે. નવી રંગભૂમિની જેહાદ એમણે શરૂ કરેલી, નાટ્યક્ષેત્રે એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળેલી. ‘આગગાડી’ માટે 1936નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો. વિવેચનક્ષેત્રે એમની સેવામાં ‘લિરિક અને લગરીક’, ‘નાટ્યરંગ’, ‘યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ’ વગેરે ઉલ્લેખપાત્ર છે. ‘બાંધ ગઠરિયાં’થી શરૂ થઈને ‘આખર ગઠરિયાં : શૂન્યનો સરવાળો’માં સમાપ્ત થતી ચૌદ ગ્રંથોમાં વિસ્તરતી એમની આત્મકથા તેનાં શબ્દચિત્રો અને લેખકના રંગદર્શી વ્યક્તિત્વને કારણે સ્મરણીય બની છે. ચંદ્રવદને ‘ખમ્મા બાપુ’ નવલકથા પણ લખી છે. ‘વાતચકરાવો’માં વાર્તાઓ આપેલી છે.
જયન્તિ દલાલ (1909–1970) : અવેતન રંગભૂમિના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર દલાલને જૂની ધંધાદારી રંગભૂમિનો પ્રત્યક્ષ પરિચય હતો. એમનાં એકાંકીના ચાર સંગ્રહો છે. ‘રેખા’ માસિક દ્વારા તેમણે પ્રગતિની હવા જમાવેલી. ગાંધીજીએ આપેલી રાષ્ટ્રધર્મની દીક્ષાની અસર વિદ્યાર્થી તરીકે તેમના ઉપર પણ થયેલી. મહાગુજરાતની લડત વખતે ‘નવગુજરાત’ દૈનિક ચલાવેલું. અવૈતનિક રંગભૂમિના પ્રત્યક્ષ અનુભવે તેમની પાસે નાટ્યરચનાના પ્રયોગો કરાવ્યા છે. તેમાં ‘સોયનું નાકું’, ‘અંધારપટ’, ‘બસ-કંડક્ટર’ અને ‘અવતરણ’ મુખ્ય છે. વિષયવસ્તુમાં માનસશાસ્ત્રીય પલટો, ચબરાકીભર્યા સંવાદો, વ્યંગ અને અંતમાં આવતી ચમત્કૃતિ વગેરેથી એમનાં એકાંકી બૌદ્ધિક વિલાસ પૂરો પાડે છે. દલાલે અનેક રેડિયોરૂપકો પણ આપ્યાં છે. બોલાતી ભાષાનું સત્ત્વ તેમણે ઉત્કૃષ્ટ રીતે સાહિત્યમાં ઉતાર્યું છે.
જયન્તિ દલાલની પહેલાં નાટ્યક્ષેત્રે જે પ્રયત્નો થયા તેમાં ગુજરાતી નાટક અને રંગભૂમિની અગાઉની સ્થિતિ સુધારવા અવિરત પ્રયત્ન કરનાર નૃસિંહ વિભાકરે સાહિત્યિક ગુણવત્તા અને તખ્તાલાયકીના સુમેળ સારુ લખેલાં નાટકોમાંથી ‘સિદ્ધાર્થ બુદ્ધ’, ‘સ્નેહસરિતા’, ‘સુધાચંદ્ર’, ‘મેઘમાલિની’ વગેરે ધંધાદારી નાટક-કંપનીઓએ ભજવેલાં. બટુભાઈ ઉમરવાડિયા(1899–1950)એ ઇબ્સનની શૈલીમાં એકાંકી લખીને નવપ્રસ્થાન કરેલું. ‘મત્સ્યગંધા અને બીજાં નાટકો’ તથા ‘માલાદેવી અને બીજાં નાટકો’ એમના સંગ્રહો છે. રંગદર્શી વાતાવરણ અને કાવ્યમય વાણીમાં રજૂ થતા સંવાદો ઉપરાંત એમનાં નાટકોનો અંત સચોટ હોય છે.
ઇબ્સન, શૉ અને ઑસ્કર વાઇલ્ડ જેવા પરદેશી નાટ્યકારોના પ્રભાવ નીચે પ્રણાલિકાભંજક વિચારથી એકાંકી લખનાર બીજા નાટ્યકાર છે યશવંત પંડ્યા (1906–1955). ‘મદનમંદિર’, ‘રસજીવન’ અને ‘શરતના ઘોડા’ – એ ત્રણ સંગ્રહો એમણે આપ્યા છે. ‘પડદા પાછળ’ અને ‘અ. સૌ. કુમારી’ તેમનાં લાંબાં નાટકો છે. ત્યારપછી ચંદ્રવદને સાહિત્ય અને રંગભૂમિને નજીક લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. એકાંકીમાં ઉમાશંકર પછી જયન્તિ દલાલમાં નવો ઉન્મેષ જોવા મળે છે.
ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ દલાલનું પ્રદાન મહત્વનું છે. ગુજરાતી વાર્તાને આધુનિકતાની લગોલગ લાવી મૂકવામાં પાત્રના મનોવ્યાપારનું પૃથક્કરણ અને દંભનો ઉપહાસ કરતા સંવાદો મુખ્ય બાબત છે. ‘અડખે પડખે’, ‘યુધિષ્ઠિર’, ‘એ હું ? હું એ ?’, ‘આ ઘેર પેલે ઘેર’ વગેરે રચનાઓ શ્રેષ્ઠ છે. દલાલે ‘ધીમુ અને વિભા’ તથા ‘પાદરનાં તીરથ’ એ બે નવલકથાઓ આપી છે. ‘શહેરની શેરી’, ‘મનમાં આવ્યું’, ‘કથરોટમાં ગંગા’ વગેરેમાં સ્થળચિત્રો, કટાક્ષચિત્રો અને વ્યક્તિચિત્રો મળે છે. રંગભૂમિ અને નાટકના વિવેચનમાં ‘કાયા લાકડાની, માયા લૂગડાની’ અને ‘નાટક વિશે’ એ બે ગ્રંથો તેમણે આપ્યા છે. ‘એક ઉંદર અને જદુનાથ’ને અનુલક્ષીને તેમણે કરેલી ‘ઍબ્સર્ડ’ નાટકની ચર્ચા એમની સજ્જતાના પુરાવારૂપ છે.
ટૉલ્સ્ટૉયની મહાનવલ ‘વૉર ઍન્ડ પીસ’નો અનુવાદ ‘યુદ્ધ અને શાંતિ’ દલાલે અનુવાદક્ષેત્રે કરેલું એક મહત્વનું પ્રદાન છે.
મનુભાઈ રાજારામ પંચોલી – દર્શક (1914–2001) : ગાંધીયુગમાં કવિતા વિષય અને નિરૂપણની બાબતમાં નવાં શિખરો સર કરે છે. નવલકથાક્ષેત્રે પણ આ યુગમાં ગાંધીમૂલ્યોનું નિરૂપણ કરતી નવલકથાઓ સમકાલીન પ્રશ્નોની રજૂઆત કરે છે. મેઘાણી ઐતિહાસિક વાતાવરણ ઊભું કરી શકે છે, પરંતુ ઇતિહાસ અને સંસ્કૃતિની ભૂમિકા સાથે સમકાલીન સામાજિક પ્રશ્નોની ગવેષણા કરતી ‘દીપનિર્વાણ’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ અને ‘સૉક્રેટિસ’ જેવી નવલકથાઓ આપનાર ‘દર્શક’ એટલે મનુભાઈ રાજારામ પંચોલી વાચકવર્ગના પ્રિય લેખક રહ્યા છે. એમની દૃષ્ટિએ આત્માનો ઉત્કર્ષ અને જગતનું સુખ એ જ જીવનનો ઉદ્દેશ હોઈ શકે. દર્શક લેખક હોવા સાથે એક સંસ્કૃતિચિંતક હતા. ભૂત અને વર્તમાનને સાંધતી ‘બંધન અને મુક્તિ’ની ઐતિહાસિક ઘટના પાછળ રહેલી સંસ્કૃતિ અને ફિલસૂફી તેઓ સમજાવે છે. ‘દીપનિર્વાણ’ પણ ગુજરાતની ઐતિહાસિક નવલકથાઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. નજીકના વર્તમાનને આલેખતી અને આંતરરાષ્ટ્રીય ફલક પર કથાપટને વિસ્તારતી લોકપ્રિય નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ શાંતિ અને કરુણાનો સંદેશ આપે છે. ‘સૉક્રેટિસ’ જેવી મહત્વાકાંક્ષી નવલ ગાંધીના અવાજને બુલંદ રીતે સમકાલીન સમાજ સમક્ષ રજૂ કરે છે. ‘કુરુક્ષેત્ર’ મહાભારત પરથી લખાયેલી નવલકથા છે. ‘ચેતોવિસ્તારની યાત્રા’ અને ‘સદભિ: સંગ:’ અનુક્રમે સંસ્કૃતિચર્ચા અને સ્મૃતિકથાના ગ્રંથો છે.
‘જલિયાંવાલા’, ‘અઢારસો સત્તાવન’, ‘પરિત્રાણ’ અને ‘અંતિમ અધ્યાય’ – એ દર્શકનાં નાટકો છે. ઉપરાંત શિક્ષણ અને સંસ્કૃતિને લગતા ‘આપણો વારસો અને વૈભવ’, ‘ધર્મચક્રપ્રવર્તન’, ‘શાન્તિના પાયા’, ‘મહાભારતનો મર્મ’ જેવા ચિંતનગ્રંથો પણ તેમણે આપ્યા છે. તેમણે નાનાભાઈ ભટ્ટનું ચરિત્ર લખ્યું છે. ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ અને ‘મંદારમાલા’ જેવા વિવેચનગ્રંથ અને ‘ગાંધીકાવ્યસંગ્રહ’ જેવાં સંપાદનો દર્શકે આપેલાં છે.
પન્નાલાલ પટેલ (1912–1989) : તેઓ વાસ્તવલક્ષી અને જાનપદી નવલકથાઓનું નખશિખ કલાસ્વરૂપ ઘડનાર લેખક છે. ‘વળામણાં’થી જ તે સિદ્ધહસ્ત લેખક તરીકે આવકાર મેળવે છે. ‘મળેલા જીવ’માં કરુણ પ્રેમકથાનું રંગદર્શી આલેખન છે. લેખકની સૌંદર્યદૃષ્ટિ અને વર્ણનશક્તિના ઉત્તમ નમૂનાવાળી આ કથા વિશ્વસાહિત્યમાં ગુજરાતી કલાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી છે. ‘માનવીની ભવાઈ’ ગ્રામસમાજના જીવનસંઘર્ષની કરુણભવ્ય કથા છે. તેમાં માનવીય પ્રેમની વિવિધ રંગછટાઓનું કાવ્યમય આલેખન છે. ખેડૂત સમાજનું અને દુષ્કાળનું વર્ણન જીવંત ને સચ્ચાઈભર્યું છે. પન્નાલાલ ભારતીય નવલકથાના એક શ્રેષ્ઠ સર્જક હતા. ‘માનવીની ભવાઈ’ના અનુસંધાનમાં આવતી ‘ભાંગ્યાના ભેરુ’ તથા ‘ઘમ્મર વલોણું’ નવલકથાઓ એટલી કલાત્મક નથી.
પન્નાલાલે પચાસેક નવલકથાઓ અને વીસેક નવલિકાસંગ્રહો આપ્યાં છે. ટૂંકી વાર્તાઓમાં પાત્રના મનોભાવોનું – ઊંડાં સંવેદનોનું નિરૂપણ કરતાં લેખક વાર્તાને વળાંક આપે છે. ‘સાચાં શમણાં’, ‘જિંદગીના ખેલ’, ‘સુખદુ:ખનાં સાથી’, ‘વાત્રકને કાંઠે’ અને ‘જમાદારનો બોકડો’ એમની ઉત્તમ વાર્તાઓ છે. ‘જમાઈરાજ’ એમનું લાંબું નાટક છે. અભિનયક્ષમ એકાંકીઓમાં ‘વૈતરણીને કાંઠે’ અને ‘એળે નહિ તો બેળે’ કૃતિઓ પ્રશંસા પામેલ છે. ‘અલપઝલપ’માં કિશોરવયનાં સંસ્મરણો આપ્યાં છે.
તળપદી ભાષાનો સાહિત્યસર્જનમાં સફળ વિનિયોગ એમને હાથે થયો છે. મેઘાણીએ સોરઠી બોલીનો પ્રયોગ કરેલો તેમ પન્નાલાલ ઇડરિયા પ્રદેશની બોલીનો ઉપયોગ સમર્થ રીતે કરે છે. તેમના સર્જનાત્મક કોટિના ગદ્યમાં કહેવતો, રૂઢિપ્રયોગો, ગીતો, વર્ણનો, સંવાદો ઇત્યાદિ સામગ્રીનો યથોચિત ઉપયોગ થયો છે. એમણે કરેલું દુકાળનું વર્ણન ભયંકર, બીભત્સ તથા હૃદયદ્રાવક છે અને ગુજરાતી ગદ્યનું એક શિખર ગણાય તેવું નકશીદાર છે. તેમને 1950નો રણજિતરામ ચંદ્રક અને 1985ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ પણ એનાયત થયેલો છે.
ગ્રામીણ સમાજનાં તાશ અને ભાતીગળ ચિત્રો નવલકથા દ્વારા આપનાર લેખકોની પરંપરામાં પેટલીકર – ઈશ્વર મોતીભાઈ પટેલ (1916–1983) – ઉલ્લેખનીય છે. તેઓ ચોવીસ જેટલી નવલકથાઓ અને બાર જેટલા નવલિકાસંગ્રહો આપે છે. જીવંત પાત્રોના ચિત્રણથી સુંદર વાતાવરણ ઊભું કરતી અને સ્ત્રી-પુરુષ-સંબંધ, કુટુંબજીવન, પોલીસની ફરજ જેવા પ્રશ્નોની ચર્ચા કરતી નવલો અને વાર્તાઓ લેખકનાં વ્યવહારુ ડહાપણ અને માનવસ્વભાવની સમજનો ખ્યાલ આપે છે. તેમની ઉત્તમ નવલકથાઓમાં ‘જનમટીપ’, ‘ભવસાગર’, ‘મારી હૈયાસગડી’ ભા. 1–2 અને ‘ઋણાનુબંધ’ છે. ‘મારી હૈયાસગડી’ની નાયિકા ચિત્રલેખા અંગત જીવનના પ્રશ્નોનો ઉકેલ સમજપૂર્વક લાવે છે. લેખકે પાત્રો દ્વારા વાર્તાકથનનો પ્રયોગ કરેલો છે. ટૂંકી વાર્તાના ક્ષેત્રે ‘કાશીનું કરવત’, ‘અકળલીલા’, ‘દુ:ખનાં પોટલાં’ જેવી લાંબી વાર્તાઓ તેમણે આપી છે. સુંદર કલાસ્વરૂપ દર્શાવતી એમની વાર્તા ‘લોહીની સગાઈ’ છે. સંવેદનાનું ઊંડાણ અને રચનાસૌષ્ઠવને લીધે ભારતની ઉત્તમ વાર્તાઓમાં એની ગણના થઈ છે. ‘જીવનદીપ’ અને ‘લોકસાગરને તીરે તીરે’ એ બે નિબંધસંગ્રહોમાં નિર્ભીક સત્યકથન કરતા ગાંધીયુગના સમાજચિંતકનો પરિચય થાય છે. ‘ગ્રામચિત્રો’માં ગ્રામસમાજના વિવિધ પ્રતિનિધિઓનાં રેખાચિત્રો મળે છે. પેટલીકરને 1965માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો.
નાટક, નવલિકા અને નવલકથાઓમાં વિશિષ્ટ રીતે સૌરાષ્ટ્રનું જીવન અને ભાષાનું તળપદું પોત દર્શાવનાર ચુનીલાલ મડિયા(1922–1968)માં નાટ્યકારની શક્તિ વિશેષ છે. એકાંકીઓમાં ‘દીપનિર્વાણ’, ‘ગટુની બા’, ‘વિષવિમોચન’, ‘મહાજનને ખોરડે’, ‘શરબતી મલમલ’, ‘સમ્રાટ શ્રેણિક’ એ ગંભીર નાટકો છે. ‘વન્સમોર’, ‘વર પધરાવો સાવધાન’ જેવાં એકાંકીઓ સફળ પ્રહસનો છે. સમકાલીન રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રૉબિનહૂડ’ અને મુક્ત હાસ્યનું ‘હું અને મારી વહુ’ એ લાંબાં નાટકો નાટ્યકાર મડિયાની શક્તિનાં દ્યોતક છે.
મડિયાએ આપેલી બાર જેટલી નવલકથાઓમાં (‘વ્યાજનો વારસ’, ‘લીલુડી ધરતી’, ‘વેળાવેળાની છાંયડી’ મુખ્ય) સોરઠી જીવનનું નાટ્યાત્મક નિરૂપણ થયેલું છે. આ નવલશ્રેણી ઘટનાપ્રધાન છે. ‘વ્યાજનો વારસ’ નાયક વિનાની નવલકથા છે. સમાજના એક જ પાસાને સ્પર્શતી હાસ્યપ્રધાન નવલકથાઓ ‘સધરા જેસંગનો સાળો’, ‘ગ્રહાષ્ટક વત્તા એક’ વગેરે મડિયાની નૈસર્ગિક વિનોદવૃત્તિનો પરિચય કરાવે છે. નવલિકામાં પણ મડિયાને સારી સફળતા મળી છે. ‘અંત:સ્રોતા’ અને ‘કમાઉ દીકરો’ તથા ‘વાની મારી કોયલ’ ગુજરાતી સાહિત્યને મડિયાનું ચિરંજીવ અર્પણ છે. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ તે ‘ઘૂઘવતાં પૂર’ છે.
અન્ય લખાણોમાં વિવેચનને લગતા ગ્રંથો ‘વાર્તાવિમર્શ’, ‘કથાલોક’, ‘ગ્રંથગરિમા’ વગેરે છે. ‘ચોપાટીને બાંકડેથી’ હળવી શૈલીના નિબંધો છે. ‘ગાંધીજીના ગુરુઓ’ અને ‘વિદ્યાપ્રેમી ફાર્બસ’ એ ચરિત્રગ્રંથો છે. પૃથ્વી અને મિશ્રોપજાતિ છંદની વધુ ફાવટ દર્શાવતી કાવ્યકૃતિઓ ‘અડીખમ તિજોરી’, ‘ગતિ’, ‘હીરોશિમા’, ‘અડગ થંભ કૉંક્રીટના’, ‘મરણ’ વગેરે સૉનેટકાર મડિયાનો પરિચય કરાવે છે. 1957માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રદાન થયો હતો.
શિવકુમાર જોશી (1917–1988) નાટ્યક્ષેત્રે શિષ્ટ શહેરી મધ્યમવર્ગની લાગણીઓના સંઘર્ષને રજૂ કરતી કૃતિઓ આપે છે. તેમનાં વીસથી વધુ લાંબાં નાટકોમાં કેટલાંક ત્રણ, ચાર અને પાંચ અંકવાળાં પણ છે. ‘પ્રસન્ન દામ્પત્ય’, ‘મુક્તિપ્રસૂન’, ‘ખૂની’, ‘બારી ઉઘાડી રહી ગઈ’ વગેરે ઉત્તમ એકાંકીઓ છે. ગંભીર અભિનેય નાટકોમાં ‘સુમંગલા’, ‘અંગારભસ્મ’, ‘દુર્વાંકુર’, ‘કૃત્તિવાસ’, ‘સુવર્ણરેખા’ અને ‘સાપઉતારા’ તખ્તા ઉપર સફળ નીવડેલાં છે. જિન્સી સંબંધોનાં ઉત્તેજક વર્ણનો આપતી ‘કંચુકીબંધ’ અને ‘અનંગરાગ’ એ બે નવલકથાઓએ બહોળો ચાહકવર્ગ મેળવેલો.
1920 પછી ઓલિયા જોશી, મસ્તફકીર અને જદુરાય ખંધડિયા વગેરેએ લખેલા હાસ્યરસિક નિબંધો મનોરંજક હતા. પણ શુદ્ધ જીવનલક્ષી વિનોદ જ્યોતીન્દ્ર હ. દવે(1901–1980)થી મળે છે. માનવીની નિર્બળતા, વિચિત્રતા કે વિસંગતિ હાસ્યનો વિષય બને છે. રસિક ચાટૂક્તિઓ એમાંનું આકર્ષક તત્વ છે. ‘રંગતરંગ’માં હળવા ગુજરાતી નિબંધના ઉત્તમ નમૂના મળે છે. બીજા લેખકમાં ગુલાબદાસ બ્રોકર (1909–2006) ‘લતા અને બીજી વાતો’, ‘વસુંધરા અને બીજી વાતો’, ‘ઊભી વાટે’, ‘સૂર્યા’, ‘માણસનાં મન’ વગેરે નવલિકાસંગ્રહો આપે છે. ‘જ્વલંત અગ્નિ’માંનાં એકાંકીઓ અને અગાઉ નિર્દેશ્યું છે તેમ, ધનસુખલાલ મહેતા સાથે લખેલું ‘ધૂમ્રસેર’ જેવું સફળ નાટક પણ તેમના તરફથી મળેલાં છે.
કિશનસિંહ ચાવડા (1904–1980) : ‘જિપ્સી’ ઉપનામે સ્વાનુભવના વિશિષ્ટ ચોટદાર પ્રસંગોનું તેમણે કરેલું નિરૂપણ ‘અમાસના તારા’માં મળે છે. તેમાં માર્મિક દૃષ્ટિથી જીવનમાંગલ્ય રજૂ થયેલું છે. કેટલાક પ્રસંગો વાર્તાસ્વરૂપના તો કેટલાક રેખાચિત્રો જેવા છે. ‘અમાસથી પૂનમ ભણી’ એ એમની આત્મકથા છે. ‘શર્વરી’ વાર્તાસંગ્રહ, ‘રવિકિરણો’ અને ‘જ્ઞાનેશ્વરી ગીતા’નો અનુવાદ એમનાં મહત્વનાં પુસ્તકો છે. એમની ‘અમાસથી પૂનમ ભણી’ આત્મકથાત્મક કૃતિ છે. યશોધર મહેતા(1909–1989)નાં ‘રણછોડલાલ અને બીજાં નાટકો’માં ‘રણછોડલાલ’ શ્રેષ્ઠ છે. ‘મંબોજંબો’ તથા ‘ઘેલો બબલ’ તખ્તા ઉપર સફળ નીવડેલાં ત્રિઅંકી છે. ‘સરી જતી રેતી’ નામની નવલકથા શૃંગારનાં ચિત્રો આપે છે. તેમણે ગૂઢવિદ્યા અને અધ્યાત્મરસની નવલકથા ‘મહારાત્રિ’ પણ આપી છે.
નવલકથાના ઇતિહાસમાં પીતાંબર પટેલ (1918–1968) મોટેભાગે ગ્રામીણ અને કંઈક અંશે શહેરી જીવનનું ચિત્ર આપીને જીવનશ્રદ્ધા પ્રગટ કરે છે. તેમની પાસેથી ‘રસિયો જીવ’, ‘ઘરનો મોભ’, ‘પરિવર્તન’, ‘ખેતરને ખોળે’, ‘ઊગ્યું પ્રભાત’, ‘તેજરેખા’, ‘કાંટો કેવડિયાનો’ વગેરે નવલકથાઓ મળી છે.
પુષ્કર ચંદરવાકર (1921–1995) : લોકબોલીના પ્રયોગથી જાનપદી નવલકથાના લેખક તરીકે નોખી ભાત ઉપસાવે છે. ‘માનવીનો માળો’, ‘લીલુડાં લેજો’, ‘બાવડાના બળે’, ‘ભવની કમાણી’ વગેરે નવલકથાઓ તેમણે લખેલી છે. તેમણે લોકસાહિત્યના સંશોધનનું પણ નોંધપાત્ર કાર્ય કર્યું છે. નવલકથાક્ષેત્રે સોપાન, નીરુ દેસાઈ, ધી. ધ. શાહ, પ્રેમશંકર ભટ્ટ, નંદકુમાર પાઠક, પ્રબોધ મહેતા, ઉછરંગરાય ઓઝા, રમણ વકીલ, ચંદુલાલ દલાલ, પ્રાણલાલ મુનશી, ‘વિશ્વમિત્ર’ વગેરેએ ફાળો આપ્યો છે. પરભાષામાંથી અનેક કથાઓનાં ભાષાંતરો-રૂપાંતરો થયેલાં છે. તેમાં બંગાળીમાંથી શરદચંદ્ર, રવીન્દ્રનાથ; હિંદીમાંથી પ્રેમચંદજી, રાહુલ સાંકૃત્યાયન; મરાઠીમાંથી વિ. સ. ખાંડેકર, સાને ગુરુજી ઇત્યાદિની કૃતિઓ વિશેષભાવે ઉલ્લેખનીય છે. પરદેશી લેખકોમાંથી ટૉલ્સ્ટૉય, વિક્ટર હ્યૂગો, સ્ટાઇનબેક, મેરી કોરેલી, જુલે વર્ન વગેરેની કથા–નવલકથાઓ ગુજરાતીમાં ઊતરી છે. ટૂંકી વાર્તાના લોકપ્રિય સાહિત્યપ્રકારને ખેડનારા અનેક લેખકોમાંથી મુરલી ઠાકુર, રમણલાલ સોની, અશોક હર્ષ, બકુલેશ, ‘સ્વપ્નસ્થ’, વિનોદિની નીલકંઠ, ધીરજબહેન પારેખ વગેરે ઉલ્લેખનીય છે. ગુજરાતી નવલિકાના વિકાસમાં વિદેશી સાહિત્યની પડેલી અસરમાં ધૂમકેતુ વગેરે પર ફ્રેન્ચ વાર્તાકાર મોપાસાંની;‘ દ્વિરેફ’, ઉમાશંકર વગેરે પર રશિયન વાર્તાકાર ચેખૉવની અને મડિયા અને પછીની પેઢીના લેખકો પર અમેરિકન વાર્તાકાર સારોયાનની પડેલી અસર નોંધવી જોઈએ.
નાટ્યક્ષેત્રે પ્રમાણમાં ઓછું ખેડાણ થયું છે. તેમાં ‘ચરણરજ’ અને ‘મંગલમંદિર’ના લેખક પ્રાગજી ડોસા; ‘ઘરકૂકડી’ના લેખક ઉમેશ કવિ, ‘રઝિયા બેગમ’ નાટ્યસંગ્રહ આપનાર જશવંત ઠાકર, ‘ઉરતંત્ર અને ત્રણ નાટકો’ના કર્તા રમણ વકીલ, ‘જો હું તું હોત’ના લેખક ધનંજય ઠાકર, ‘છ નાટકો’ આપનાર ફિરોઝ આંટિયા, ‘કોઈને કહેશો નહિ’નાં લેખિકા રંભાબહેન ગાંધી, ‘ઢીંગલીઘર’ અને ‘એ આવજો’ના કર્તા બાબુભાઈ વૈદ્ય; ‘વરઘોડો’, ‘ભોળા શેઠનું ભૂદાન’ વગેરેના લેખક ઇન્દુલાલ યાજ્ઞિક નોંધપાત્ર સર્જકો છે. તેમાંના કેટલાક તો તખ્તાના આધુનિકીકરણમાં પ્રત્યક્ષ રીતે ફાળો આપનારા પણ છે. તેમાં જશવંત ઠાકરની સેવા સ્મરણીય છે.
વિવેચન એ સર્જનની લગભગ સમાંતર ચાલતી પ્રવૃત્તિ છે. ગાંધીયુગમાં તેમાં પણ પ્રગતિ થઈ છે. સંપાદન અને સંશોધનનું પણ કેટલુંક મહત્વનું કાર્ય આ ગાળા દરમિયાન થયું છે. સૈદ્ધાન્તિક અને કૃતિલક્ષી વિવેચનમાં રામનારાયણ પાઠકે નવોદિત લેખકોને માર્ગદર્શન આપેલું છે. ‘પ્રસ્થાન’ના તંત્રીલેખો તેમની અમૂલ્ય સેવારૂપ છે.
રસિકલાલ છોટાલાલ પરીખ (1897–1982) : ‘કાવ્યાનુશાસન’નો સ્વાધ્યાય આપે છે. આ ઉપરાંત ‘શર્વિલક’ અને ‘મેના ગુર્જરી’ નાટક લખ્યાં છે. તેમણે કવિતા ઉપરાંત ‘મૂસિકાર’ તખલ્લુસથી ટૂંકી વાર્તાના પ્રયોગો પણ કરેલા છે.
વિવેચક તરીકે ગ્રંથ અને ગ્રંથકારો વિશે લખાણો આપનાર નવલરામ જ. ત્રિવેદી(1895–1945)ના વિવેચનસંગ્રહો છે ‘કેટલાંક વિવેચનો’ ‘નવાં વિવેચનો’, ‘શેષ વિવેચનો’ વગેરે. ‘સમાજસુધારાનું રેખાદર્શન’ પુસ્તિકા તેમની સંકલન તથા વિવેચનની એમની શક્તિનું સુંદર ફળ છે.
આધુનિક વિવેચનકલાના આદ્યદ્રષ્ટા વિજયરાય કલ્યાણરાય વૈદ્ય (1897–1974) વિવેચનને રસલક્ષી અને કૌતુકરાગી બનાવે છે. ‘ચેતન’, ‘ગુજરાત’, ‘કૌમુદી’, ‘માનસી’, ‘રોહિણી’ વગેરે સામયિકો દ્વારા એમનું મોટાભાગનું વિવેચનકાર્ય થયેલું છે. ‘સાહિત્યદર્શન’, ‘જૂઈ અને કેતકી’, ‘લીલાંસૂકાં પાન’, ‘બત્રીસનું ગ્રંથસ્થ વાઙ્મય’, ‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા’, ‘ગત શતકનું ગુજરાતી સાહિત્ય’ અને ‘સાહિત્યપ્રિયનો સાથી’ વગેરે ગ્રંથો એમણે આપ્યા છે. એમનાં વિવેચનો અરૂઢ શૈલીનાં છે. એમણે સાહિત્ય અને નીતિના પ્રશ્નની માર્મિક વિચારણા કરી છે. આ ઉપરાંત ગ્રંથાવલોકનનાં નવાં ધોરણો પ્રસ્થાપિત કરી આપ્યાં છે.
‘શુક્રતારક’ નામે નવલરામ પંડ્યાનું ચરિત્ર તેમણે લખ્યું છે. ‘ખુશ્કી અને તરી’ તથા ‘નાજુક સવારી’ ‘વિનોદકાન્ત’ના ઉપનામથી લખેલા હળવા નિબંધોના સંગ્રહો છે.
વિશ્વનાથ મ. ભટ્ટ(1898–1968)ના ‘સાહિત્યસમીક્ષા’, ‘વિવેચનમુકુર’, ‘નિકષરેખા’ અને ‘પૂજા અને પરીક્ષા’ – એ ચાર વિવેચનસંગ્રહો છે. ‘સાહિત્યનો સ્વાધ્યાય’ ગ્રંથ ડબ્લ્યૂ. એચ. હડસનના અંગ્રેજી પુસ્તકને આધારે લખાયેલો છે. ‘સાહિત્યમાં અપહરણ’, ‘વિવેચન શાસ્ત્ર કે કલા ?’, ‘કૂપમંડૂકતા’ જેવા લેખો અને ‘પંડિતયુગનું મહાકાવ્ય’ વ્યાખ્યાન વિશ્વનાથની વિવેચકશક્તિનું સામર્થ્ય દર્શાવે છે. એમની દૃષ્ટિ ઊંડી, વિશદ અને તત્વાન્વેષી છે.
વિદ્વત્તાપૂર્ણ અને સર્જક અભિગમવાળાં વિવેચનો વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી(1899–1992)એ આપ્યાં છે. ‘વિવેચના’, ‘પરિશીલન’ અને ‘સાહિત્યસંસ્પર્શ’ એમણે લખેલા સિદ્ધાન્તનિરૂપણ અને ગ્રંથાવલોકનના લેખોના સંગ્રહો છે. સાહિત્યિક પ્રશ્નોની ચર્ચા તેમણે નવેસરથી કરી છે. ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’નું એમણે કરેલું અવલોકન તથા ‘સરસ્વતીચંદ્ર’ વિશેનાં લખાણો એમની વિવેચકશક્તિના સુંદર નમૂના છે. ‘ગોવર્ધનરામ : ચિંતક અને સર્જક’માંનાં વ્યાખ્યાનો તેમની સબળ સ્વાધ્યાયનિષ્ઠાનાં દ્યોતક છે. ડોલરરાય માંકડ(1902–1970)ની વિવેચનપદ્ધતિ પૃથક્કરણાત્મક છે. ‘કાવ્યવિવેચન’ અને ‘નૈવેદ્ય’માં વિવેચન-સંશોધનને લગતાં લખાણો છે. ‘ભગવાનની લીલા’ નામનું દીર્ઘકાવ્ય અને ‘ભગવદજ્જુકીયમ્’નો અનુવાદ તેમણે આપ્યાં છે.
અધ્યાપન નિમિત્તે વિવેચનપ્રવૃત્તિનો વિપુલ રાશિ અનંતરાય મ. રાવળ(1912–1988)ના ‘સાહિત્યવિહાર’, ‘ગંધાક્ષત’, ‘સાહિત્યનિકષ’, ‘સાહિત્યવિવેક’, ‘સમીક્ષા’, ‘સમાલોચના’ અને ‘તારતમ્ય’ એમ સાત સંગ્રહોમાં મળે છે. ઉપરાંત ‘ગ્રંથસ્થ વાઙ્મય’ની સમીક્ષાઓમાં તથા ‘રાઈનો પર્વત’, ‘નળાખ્યાન’, ‘મદનમોહના’, ‘કલાપીનો કાવ્યકલાપ’, ‘ન્હાનાલાલ મધુકોષ’ અને ‘બોટાદકરની કાવ્યસરિતા’ વગેરે સંપાદનોમાં એમની અભ્યાસનિષ્ઠા તથા સમન્વયપ્રિયતાનો પરિચય થાય છે. ‘અર્વાચીન સાહિત્યનાં પ્રેરક બળો’નો લેખ સર્વગ્રાહી અને વિશ્વસનીય માહિતી આપનારો છે. એમની શૈલીનો બંધ સુદૃઢ અને શિષ્ટ છે.
‘થોડા વિવેચનલેખો’, ‘પર્યેષણા’ વગેરે ગ્રંથો આપનાર મનસુખલાલ ઝવેરી; ‘વિવેચનસંચય’ના લેખક ભાઈલાલ કોઠારી; ‘મધુપર્ક’, ‘આચમન’ અને ‘પ્રેમામૃત’ના લેખક પ્રેમશંકર ભટ્ટ વગેરેનું કાર્ય ઉલ્લેખપાત્ર છે. ભાષા, સાહિત્ય અને પ્રાચ્યવિદ્યા અંગે મહત્વનાં સંશોધનો કરનારાઓમાં પંડિત સુખલાલજી, મુનિશ્રી જિનવિજયજી, કે. કા. શાસ્ત્રી, મધુસૂદન મોદી, મંજુલાલ મજમુદાર, કાન્તિલાલ વ્યાસ, ભોગીલાલ સાંડેસરા, હરિવલ્લભ ભાયાણી વગેરે વિદ્વાનોનું કાર્ય પ્રશસ્ય છે. ‘અનાર્યનાં અડપલાં’ના કર્તા જે. એ. સંજાણા; ‘વાલ્મીકિનું આર્ષદર્શન’ આપનાર રતિલાલ મોહનલાલ ત્રિવેદી; ભાલણ અંગે મહત્વનું સંશોધન કરનાર રામલાલ મોદી; ‘લોકક્રાંતિ’ના લેખક ચન્દ્રભાઈ ભટ્ટ વગેરેનું પ્રદાન પણ પ્રશસ્ય છે.
ગુજરાતી સાહિત્યનાં વહેણોમાં આધુનિક વૃત્તિવલણોનો પ્રારંભ ટૂંકી વાર્તાથી થયેલો. તેમાં ‘લોહીનું ટીપું’, ‘તેજ, ગતિ અને ધ્વનિ’, ‘કાળો માલમ’, ‘અમે બુદ્ધિમાનો’ વગેરે ઉત્તમ વાર્તાઓના લેખક જયંત ખત્રી(1909–1968)એ પ્રગતિવાદી વલણ અપનાવેલું. ઘટનાનું પ્રાધાન્ય, વસ્તુની નવીનતા અને ચિત્રાત્મક વર્ણનો સાથે તાજગીપૂર્ણ કલ્પનો એમની વાર્તાઓના પ્રધાન અંશો છે. તેમાં સામ્યવાદની વિચારસરણી પ્રત્યેની પ્રતિબદ્ધતા જોવા મળે છે. ‘ફોરાં’ (1944), ‘વહેતાં ઝરણાં’ (1952) અને ‘ખરા બપોર’ (1968) એમના વાર્તાસંગ્રહો છે.
ગુજરાતી સર્જક સામાજિક, આર્થિક કે ધાર્મિક વિચારશ્રેણીને વળગી ન રહેતાં કલાદૃષ્ટિને જ વિકસાવતો ગયો. કલા પ્રત્યેના સૌંદર્યલક્ષી અભિગમને વીસમી સદીમાં મુનશીએ વાચા આપેલી, પરંતુ ગાંધીયુગની સર્વતોમુખી જીવનદૃષ્ટિએ તેને ગૌણ બનાવી દીધેલો; પરંતુ પશ્ચિમના સાહિત્યના નૂતન ઉન્મેષોના ઘનિષ્ઠ પરિચયથી આધુનિકતાનું વલણ ત્રીસી પછીના કવિઓએ વધુ ઉત્કટતાથી પ્રગટ કર્યું. બીજું વિશ્વયુદ્ધ, બેતાળીસની લોકક્રાન્તિ, બંગાળનો દુકાળ, કોમી રમખાણો વગેરે ઘટનાઓના પ્રચંડ પ્રત્યાઘાતો ઉત્પન્ન થયેલા હોવા છતાં કવિમાનસ પાંચમા દાયકામાં અતલ નિરાશા, વેદના વગેરે ભાવોનું નિરૂપણ કરતાં ‘આંતરદર્શન’ પ્રગટ કરે છે. 1940 પછી આ રીતે ગુજરાતી કવિતામાં નવો સૌંદર્યલક્ષી વળાંક આવે છે. શ્રીધરાણી અને હરિશ્ચંદ્ર ભટ્ટમાં પ્રતીત થતું સૌંદર્યાભિમુખતાનું આ લક્ષણ પ્રહલાદ પારેખ(1912–1962)ના ‘બારી બહાર’થી મૂર્ત રૂપે પ્રગટ થાય છે. બહારની દુનિયાના દર્શને અંતરની હજાર દુનિયા દેખાય છે. ‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો’ જેવી પંક્તિઓ સંવેદનાને ઇન્દ્રિયગ્રાહ્ય બનાવે છે. અમૂર્ત ભાવનો આસ્વાદ કરાવવામાં કવિની વાણીના લય અને ધ્વનિ ઉત્તમ કામ આપે છે. ‘છેલ્લી પૂજા’, ‘દાન’, ‘મુક્ત નિર્ઝર’, ‘શી કસોટી, હાય’ જેવી રચનાઓ રવીન્દ્રનાથની અસર દર્શાવે છે. કવિની શક્તિની ચમત્કૃતિ ‘સરવાણી’ સંગ્રહમાંનાં ગીતો ‘એક ફૂલ ખીલ્યું છે’, ‘વરસે અનરાધાર’, ‘અંધ’, ‘એકલું’, ‘માનવકંઠ’, ‘મારા રે હૈયાને તેનું પારખું’ વગેરેમાં જોઈ શકાય છે.
રાજેન્દ્ર શાહ (1913–2010) : તેમણે અઠ્ઠાવીસ કાવ્યસંગ્રહો આપ્યા છે; ‘ધ્વનિ’ (1951), ‘આંદોલન’ (1951), ‘શ્રુતિ’ (1957), ‘શાંત કોલાહલ’ (1962), ‘ચિત્રણા’ (1967), ‘ક્ષણ જે ચિરંતન’ અને ‘વિષાદને સાદ’ (1968), ‘મધ્યમા’ (1978), ‘ઉદગીતિ’ (1979), ‘ઈક્ષણા’ (1980), ‘પત્રલેખા’ (1981), ‘પ્રસંગસપ્તક’ (1982), ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’ અને ‘દ્વા સુપર્ણા’ (1983), આ સોળ કાવ્યસંગ્રહોનો સંકલિત સંગ્રહ તે – ‘સંકલિત કવિતા’ (1983), ‘નિરુદ્દેશે’ (1973), ‘ચંદનભીની અનામિકા’ (1987), ‘નીલાંજના’ (1989), ‘આરણ્યક’ (1992), ‘સ્મૃતિસંવેદના’ અને ‘વિરહમાધુરી’ (1998), ‘વ્રજ વૈકુંઠ’ (2002), ‘હા…. હું સાક્ષી છું’ (2003), ‘પ્રેમનો પર્યાય’ અને ‘આ ગગન’ (2004), ‘ગતિમુક્તિ’ (2004 – પદ્યનાટક).
‘મોરપીંછ’ (1959, 1985), ‘આંબે આવ્યા મોર’ (1985, 1988), ‘રૂમઝૂમ’ (1989), ‘અમોને મળી પવનની પાંખ’ (1995), ‘રમત અમારી’ (2002), ‘ખુલ્લામાં જઈ રમીએ’ (2002) તેમનાં બાલકાવ્યોના સંગ્રહો છે.
સૉનેટનું સ્વરૂપ ચિંતનોર્મિકાવ્યના ઉત્તમ વાહન તરીકે નીવડેલું હતું ત્યારે રાજેન્દ્રે સો જેટલાં સૉનેટો લખેલાં. પૃથ્વી, મંદક્રાન્તા, શિખરિણી વગેરે સંસ્કૃત છંદોનો તેમણે વધુ ઉપયોગ કર્યો છે. શેક્સપિયરની સૉનેટપદ્ધતિ અને અંતિમ પંક્તિઓમાં છંદપલટો ધ્યાન ખેંચે તેવાં છે. એમણે રમણીય પ્રકૃતિચિત્રો દોર્યાં છે. ‘ક્ષણ જે ચિરંતન’, ‘યોગહીણો વિયોગ’, ‘પૂર્ણિમા નિત્ય રમ્ય’, ‘તમસો મા’, ‘આયુષ્યના અવશેષે’, ‘રાગિણી’ વગેરે ઉત્તમ સૉનેટરચનાઓ છે. છંદોબદ્ધ રચનાઓમાં સંવાદકાવ્ય ‘શેષ અભિસાર’ શ્રેષ્ઠ છે. એમાં અભ્યસ્ત અનુષ્ટુપ વાપર્યો છે. ‘શ્રાવણી મધ્યાહ્ને’માં વાસ્તવિક ચિત્ર ઉપસાવ્યું છે :
‘ત્યાં પંક માંહી મહિષીધણ સુસ્ત બેઠું
દાદુર જેની પીઠપે રમતાં નિરાંતે.’
‘જિંદગી ! જિંદગી !’માં કવિનો આધુનિક વૃત્તિ-વલણનો સૂર સંભળાય છે :
‘આંહીં લાખ લોકનું મિલન છે, રે છતાં
સંગમાં સંગ છે માત્ર પોતા તણો….’
‘ના સ્વપ્ન, જાગ્રત, તુરીય ન, તોય સર્વ’ જેવી પંક્તિમાં કૈલાસનાં પુનિત દર્શનનો અનુભવ માણી શકાય છે. આવી જ બે રચનાઓ છે ‘ભૂલેશ્વરમાં એક રાત’ અને ‘મધ્યરાત્રિએ મુંબઈ’ની. તેની પંક્તિઓમાં પરંપરિત ઝૂલણાનો પ્રયોગ છે. રાજેન્દ્રની કવિતામાં રહસ્યમય આત્મસંવેદનો ગૂંથાયેલાં હોય છે. ખોવાયેલા પરમતત્વને અને પોતાને કવિતામાં એકરૂપ થતાં કવિ જુએ છે : ‘મેં તો મને શોધી લીધો તારી મહીં.’ રાજેન્દ્રની અન્ય છંદોબદ્ધ રચનાઓમાં ‘વિજન અરણ્યે’, ‘ઐકાન્તિક દિન’, ‘ક્ષણનો આધાર’, ‘આજની આ કથા’ વગેરે છે. ‘નિરુદ્દેશે’માં નવીન કવિતાનો એક સૂર અભિવ્યક્તિ પામ્યો છે.
રાજેન્દ્રનાં ગીતોમાં ભાવપ્રાચુર્ય, મૌલિક કલ્પના અને મંજુલ પદાવલિ છે. મસ્તીભર્યો કેફ કવિની વિશેષતા બને છે. ‘કાયાને કોટડે બંધાણો’, ‘મારી સુષુમણાનો તાર’, ‘રે મુજ પ્રીતિ’, ‘કેસરિયો ફાગણ’ જેવાં ગીતો આકર્ષક છે. રાજેન્દ્ર અનુગાંધીયુગની ખાસ મુદ્રા ઉપસાવતા મૂર્ધન્ય કવિ છે. તેમને 1956માં રણજિતરામ સુવર્ણચંદ્રક તથા 2001માં ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ એનાયત થયેલા. તેમણે જયદેવકૃત ‘ગીતગોવિંદ’નો સમશ્લોકી અને સમગાન અનુવાદ (1989), વૉલ્ટ વ્હિટમનના ‘લીવ્ઝ ઑવ્ ગ્રાસ’માંનાં ચૂંટેલાં કાવ્યોનો સંગ્રહ ‘તૃણપર્ણ’ (1991), રવીન્દ્રનાથના ‘બલાકા’નો (1993) અનુવાદ અને ‘દિવ્ય આનંદ’ (1993)માં ડૅન્ટિના મહાકાવ્ય ‘ડિવાઇન કૉમેડી’નો વસંતતિલકા છંદમાં અનુવાદ આપેલ છે.
નિરંજન ભગત (1926–2018) : પાંચમા અને છઠ્ઠા દસકામાં રાજેન્દ્રની સાથે જ તેમની કાવ્યપ્રવૃત્તિ સમાંતર ચાલેલી. રવીન્દ્રનાથ, રિલ્કે, બૉદલેર વગેરેના સાહિત્યનો આસ્વાદ તેમજ બલવંતરાય ઠાકોર અને અન્ય સાહિત્યકારો સાથેનો સ્નેહસંબંધ ઇત્યાદિ પરિબળોથી તેમનું કવિકર્મ પ્રેરિત છે. ‘પ્રવાલદ્વીપ’માં યંત્રપ્રધાન નગરસંસ્કૃતિની છબી મળે છે. તેમાંની રચનાઓ શ્રેષ્ઠ કલાસ્વરૂપ પામેલી છે. ‘છંદોલય’નો મસ્તીભર્યો રંગ અને ‘ઘડીક સંગ’ તથા ‘આષાઢ’ જેવાં ગીતોમાં પ્રગટ થયેલો કૌતુકરાગ ‘સંસ્મૃતિ’થી વળાંક લેતો જણાય છે. વ્યક્તિને સ્થાને હવે સમષ્ટિનું મુખ બનતી કવિતા ‘ફ્લોરા ફાઉન્ટન’, ‘હૉર્ન્બી રોડ’ ઇત્યાદિ રચનાઓ દ્વારા આધુનિક કવિતાની ભૂમિકા રચી આપે છે. ‘પાત્રો’ દ્વારા કવિએ નગરજીવનની રુગ્ણતા દર્શાવી છે. કાચ-કાંકરેટના જંગલ સમી નવીન સંસ્કૃતિ એટલે ‘નઠોર, જૂઠ, સૃષ્ટિ આ ન સાચની’. નિરંજનની કવિતાનો વિશિષ્ટ આવિષ્કાર ‘ગાયત્રી’ છે. તેમાં જીવનની નિસ્સારતા દર્શાવી છે. ‘33 કાવ્યો’માં કવિની સર્જકતાનો આશા અને શ્રદ્ધા સાથે સમાધાનનો સૂર ગુંજે છે. એમની સમગ્ર કવિતાનો સંપુટ 1974માં ‘છંદોલય બૃહત્’ નામે પ્રકાશિત થયો છે. એ પછી ‘પુનશ્ચ’, ‘86મે’ તથા ‘અંતિમ કાવ્યો’ નામના કાવ્યસંગ્રહો પણ પ્રકાશિત થયા છે. ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’, ‘આધુનિક કવિતા : કેટલાક પ્રશ્નો’ ઉપરાંત ‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથોમાંથી નિરંજનની ભાવયિત્રી પ્રતિભાનો મનભર પરિચય મળે છે. ‘સ્વાધ્યાયલોક’ શ્રેણીના ગુજરાતી સાહિત્ય અંગેના ગ્રંથ માટે તેમને દિલ્હીની સાહિત્ય અકાદમીનો 1998નો ઍવૉર્ડ મળ્યો છે. ઑડનનાં કાવ્યોના અને રવીન્દ્રનાથના નાટક ‘ચિત્રાંગદા’ના અનુવાદમાં પણ તેમની સર્જકતાનો સંસ્પર્શ જોવા મળે છે.
સૌંદર્યાનુરાગી લયબદ્ધ ગુજરાતી કવિતાની પરંપરાને પુષ્ટ કરનાર કવિ પ્રિયકાન્ત મણિયાર (1927–1976) અવનવાં કલ્પનોથી પ્રકૃતિ અને પ્રણયનાં સંવેદનો રજૂ કરે છે. પ્રતીકરાગ એમની આગળ પડતી લાક્ષણિકતા છે. ‘પ્રતીક’, ‘અશબ્દ રાત્રિ’, ‘સ્પર્શ’, ‘સમીપ’, ‘પ્રબલ ગતિ’, ‘વ્યોમલિપિ’ અને ‘લીલેરો ઢાળ’ એમના કાવ્યસંગ્રહો છે. એમની સમગ્ર કવિતાનો સંચય 2000માં ‘આ નભ ઝૂક્યું’ નામે પ્રકાશિત થયો છે. ‘કૃષ્ણરાધા’, ‘એ સોળ વરસની છોરી’, ‘(કાણાવાળો) પૈસો’ જેવી તેમની રચનાઓ લોકપ્રિય બનેલી છે. ‘કાળપશુ’ વિશેની રચના ચિંતનોર્મિકાવ્ય છે. ‘ખીલા’ કાવ્યમાં કવિ માર્મિક રીતે કહે છે :
‘મેં મકાનો બાંધવાને જે ઘડ્યા
રે તે ખીલા તો અહીં જડ્યા !’
‘અશબ્દ રાત્રિ’માં યુગચેતનાનું પ્રાકટ્ય છે. વ્યક્તિત્વશૂન્ય માનવજીવનની અર્થહીનતા દર્શાવતી પંક્તિ છે : ‘કોક છાપાની હજારો પ્રત સમા સૌ આપણે !’. ‘કબૂતરો’, ‘ખિસકોલીઓ’ વગેરે રચનાઓમાં પણ માનવસંદર્ભ મુખ્ય છે. આ કવિએ માનવજીવનની અર્થહીનતાની સાથે સાથે પ્રેમ, આનંદ અને મસ્તીને પણ પોતાનાં ગીતકાવ્યોમાં વ્યક્ત કરેલ છે. વાદના વળગણથી દૂર રહેલા પ્રિયકાન્તે વિવિધ ભાવોને સૌંદર્યલક્ષી દૃષ્ટિથી કવિતામાં નિરૂપ્યા છે.
ગુજરાતી કવિતાના વીસમી સદીના છઠ્ઠા દાયકાની વચ્ચે થયેલા ઐતિહાસિક વળાંક અને નવીન વલણોનું ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’ માસિકોએ પ્રતિબિંબ દર્શાવેલું. 1950થી 1960ના ગાળાની રચનાઓમાંથી ‘પ્રવાલદ્વીપ’, ‘નમેલી સાંજ’, ‘અશબ્દ રાત્રિ’ અને ‘ઉદગાર’ જેવી કેટલીક રચનાઓ ‘સંસ્કૃતિ’માં પહેલવહેલી પ્રસિદ્ધ થયેલી. તે સર્વમાં વિચારને સ્ફુટ કરવાનું વલણ સ્પષ્ટ દેખાય છે. હસમુખ પાઠક(1930–2006)નો કાવ્યસંગ્રહ ‘નમેલી સાંજ’ નવીન કવિત્વરીતિનું સુંદર દૃષ્ટાંત બન્યો છે. પોતાને અભિપ્રેત અર્થ કૌંસમાં મૂકવાની પદ્ધતિ તેમાં ધ્યાન ખેંચે છે :
‘અને સંગાથમાં છે ખોલકું
(રે મૂક માનવતા સરીખું)
*
કેવું પરોઢ ઊઘડે (શિશુનું બગાસું!)’
‘કોઈને કંઈ પૂછવું છે ?’માં ‘ક્રૉસ પર જે થાય છે તે થઈ ગયું’ ઉદગાર સમાજની સંવેદન-બધિરતાને ધ્વનિત કરે છે. કૃતિનો વિશિષ્ટ આકાર ઉપસાવવાની કળા વક્તવ્યનો મર્મ ઉપસાવવામાં સહાયરૂપ નીવડે છે. ‘વૃદ્ધ’, ‘આ આયનામાં’ અને ‘સર્જન’ આ પ્રકારની રચનાઓ છે.
1972માં પ્રગટ થયેલા બીજા સંગ્રહ ‘સાયુજ્ય’માં વક્રદૃષ્ટિને સ્થાને સમાધાનનો સૂર સંભળાય છે. ‘અમેરિકા, ઓ અમેરિકા’ જેવી કૃતિ તેનું દૃષ્ટાંત છે. આ ઉપરાંત ‘જાગરણ – પાછલી ખટઘડી’ (1991) અને ‘એકાન્તિકી’ (2004) તેમના અન્ય કાવ્યસંગ્રહો છે.
નલિન રાવળ (1933) આધુનિકતાની સાથે પ્રયોગશીલતા પણ દર્શાવે છે. તેમના પાંચ સંગ્રહો છે : ‘ઉદગાર’ (1962), ‘અવકાશ’ (1972), ‘લયલીન’ (1995), ‘મેરી ગો રાઉન્ડ’ (2001) અને ‘આહલાદ’. (2008) ‘કવિનું મૃત્યુ’માં કલ્પનાની મૌલિકતા છે. ‘સ્હવાર–1’ અને ‘સ્હવાર–2’માં પ્રતિરૂપો દ્વારા પ્રકૃતિનાં ગતિશીલ ચિત્રો મળે છે. ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’ આધુનિક તરેહની સુદીર્ઘ રચના છે.
વિષય અને અભિવ્યક્તિ પરત્વે આધુનિકતાવાદીઓએ નવીન વલણ દર્શાવ્યું તેમાં વૈફલ્ય, નિસ્સારતા અને નિરાશાનો અવાજ બુલંદ બન્યો. મૂલ્યહ્રાસથી કવિ ઉદ્વિગ્ન બનેલો છે; પરંતુ આ સમયગાળામાં જ સૌંદર્યાનુરાગી પરંપરાને ચાલુ રાખનારા સર્જકો થયા છે. તેમની દૃષ્ટિ શ્રદ્ધાયુક્ત રહેલી છે. 2009માં દલપતરામ ઍવૉર્ડ મળ્યો છે.
ગાંધીયુગમાં જેમનું કાવ્યલેખન આરંભાયેલું એવા બાલમુકુન્દ દવે (1916–1993) ‘પરિક્રમા’ (1955), ‘કુંતલ’ (1992), ઉપરાંત બાલકાવ્યોના સંગ્રહો ‘સોનચંપો’ અને ‘અલ્લકદલ્લક’ પણ આપે છે. ‘ચાંદની’ જેવાં કાવ્યોમાં પ્રકૃતિનાં રમણીય ચિત્રો મળે છે. પ્રકૃતિ, પ્રણય અને પ્રભુભક્તિ એમના કવનવિષયો છે. ‘ચણોઠી’, ‘પોયણી’ કે ‘વાદળી’ પાત્ર રૂપે સંવેદનો વ્યક્ત કરીને ચમત્કૃતિ સર્જે છે. ‘તીર્થોત્તમ’ વાત્સલ્યનો મહિમા દર્શાવતી કૃતિ છે. ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ સાદ્યંત સુંદર છે. કરુણનો માર્મિક આસ્વાદ આપતી ઉત્તમ પંક્તિ છે : ‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’ ‘વડોદરાનગરી’ વિનોદી શૈલીમાં પ્રસંગકથન કરતી રચના છે. ભાવની મસ્તી અને લયહિલ્લોળવાળાં ગીતો બાલમુકુન્દની વિશેષતા છે. ‘ચમેલીને ઠપકો’, ‘ભીના વાયરા’, ‘રંગ રંગ હોળી’, ‘શ્રાવણ નીતર્યો’ વગેરે તેનાં ષ્ટાંતો છે. ઘૂંટાયેલો ભાવ અને મીઠી આત્મીય બાની એમનાં અધ્યાત્મરસનાં કાવ્યોની વિશેષતા છે. ‘ફૂલ રે નથી ને ફોરમ ફોરતી’માં ઈશ્વરકૃપાનું અનુભૂત સ્વરૂપ પ્રગટ થાય છે. ‘હરિનો હંસલો’ ગાંધીજીને અંજલિ આપતું શ્રેષ્ઠ કાવ્ય છે.
વેણીભાઈ પુરોહિત(1918–1981)ના ‘સિંજારવ’ (1955), ‘દીપ્તિ’ (1966) અને ‘આચમન’ (1975) – એ ત્રણ સંગ્રહો છે. ‘અખોવન માવડી’ અને ‘જલિયાંવાલા બાગ’ રચનાઓમાં સ્વાતંત્ર્યભાવના આલેખાઈ છે. ‘આખા ભગત’ના તખલ્લુસથી ‘ગોફણગીતા’માં કટાક્ષકાવ્યો આપ્યાં છે અને ‘બગડેલો દિવસ’ તથા ‘બ્લૉટિંગ પેપર’ જેવી હળવી રચનાઓ પણ મળે છે. વેણીભાઈની શક્તિ ભજનો અને ગીતોમાં નોંધપાત્ર રીતે પ્રગટ થયેલી જોવા મળે છે. ‘હેલી’, ‘રામઝરૂખે’, ‘લગની’, ‘વિસામો’ વગેરે ભજનો અનુભૂતિની સચ્ચાઈવાળાં છે. ‘હું પોતે મારામાં છલકું, પંચામૃતનો મુખરિત પારાવાર’માં ભજનિકની આંતરખોજ અને મસ્તી જોવા મળે છે. તેમનું છંદો પર સારું પ્રભુત્વ છે; પરંતુ ‘પરોઢિયાની પદમણી’ અને ‘મને અંધારાં બોલાવે’ જેવાં ગીતો વધુ રોચક લાગે છે. ‘અત્તરના દીવા’, ‘સેતુ’ અને ‘વાંસનું વન’ – એ ત્રણ વેણીભાઈના વાર્તાસંગ્રહો છે.
ઋજુ લલિત ઊર્મિકો જેવી ગીતરચનાઓ 1950ની આસપાસ બધા જ કવિઓ આપતા હતા. સાતમા દાયકાથી ગુજરાતી કવિતા અછાન્દસના પ્રબળ આંદોલનને રસ્તે ગતિ કરે છે અને છંદનો સહજ રીતે સમર્થ ઉપયોગ કરનારા કવિઓ પણ અછાન્દસનો પ્રયોગ કરે છે. ગાંધીયુગ અને અનુગાંધીયુગની ભરપૂર હવા માણનારા પણ સૌંદર્યાનુભૂતિ અને અભિવ્યક્તિની બાબતમાં સ્વકીય પ્રભાવ જન્માવે છે. સ્વભાષાના અને વિશ્વસાહિત્યના શ્રેષ્ઠ સર્જકોનો પ્રભાવ તેમની સર્ગશક્તિએ ઝીલેલો છે. આરંભમાં સમાજાભિમુખતા અને પછી માનવતા, કલાપ્રેમ અને દિવ્ય ચેતના વિશેની શ્રદ્ધાના સૂર એમની હૃદયવીણાએ વહાવ્યા છે. વિષયનું વૈપુલ્ય અને નિરૂપણરીતિનું વૈવિધ્ય બતાવનાર નટવરલાલ કુબેરભાઈ પંડ્યા – ‘ઉશનસ્’(1920–2011)-એ દોઢ ડઝનથી વધુ કાવ્યસંગ્રહો આપ્યા છે. સૉનેટ તેમનું પ્રિય કાવ્યસ્વરૂપ છે અને શિખરિણી તેમનો પ્રિય છંદ. ઉશનસ્ની કવિતાનું પ્રધાન લક્ષણ કલ્પનવૈભવ કહી શકાય. તેમાં ચિંતન ગૂંથાયેલું હોય છે. એમણે ભાવપ્રચુર કુટુંબચિત્રો અને વન્યસૃષ્ટિનાં મનોહર ચિત્રો આપ્યાં છે. ‘કર્ણકુન્તી’ જેવાં સંવાદકાવ્યો પણ તેમણે રચેલાં છે. ઉશનસ્નો પ્રથમ સંગ્રહ ‘પ્રસૂન’ (1955) છે. વસંત, ગ્રીષ્મ અને વર્ષાના રંગો કવિચિત્તમાં સંવેદનો જગાડે છે. ‘તૃણનો ગ્રહ’ પૃથ્વી અને પ્રકૃતિનું તાદાત્મ્ય રસાત્મક રીતે દર્શાવે છે. ઊર્મિસભર સૉનેટોમાં ‘વળાવી બા આવી’ અને ‘હું મુજ પિતા’ શ્રેષ્ઠ રચનાઓ છે. અમેરિકાના પ્રવાસના ફલસ્વરૂપે કવિએ ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ સંગ્રહ આપ્યો છે. આ કવિને 1972નો રણજિતરામ સુવર્ણચંદ્રક કવિતા માટે એનાયત થયો હતો. ‘રૂપ અને રસ’, ‘મૂલ્યાંકનો’ અને ‘ઉપસર્ગ’ એમના વિવેચનસંગ્રહો છે. 1993માં તેમનો ‘પૃથ્વીગતિનો છંદોલય’ (સૉનેટમાળા) પ્રકાશિત થયેલ છે. 1996માં ‘સમસ્ત કવિતા’ કાવ્યસંગ્રહ પ્રગટ થયેલો. તે પછી પણ તેમના અન્ય કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે – ‘મારાં નક્ષત્રો’, ‘ગઝલને વળાંકે’, ‘છેલ્લો વળાંક’, ‘ઉપાન્ત્ય’, ‘ગઝલની ગલીમાં’, ‘વનોમાં પહાડોમાં’ વગેરે. ‘સદ્માતાનો ખાંચો’ એમની આત્મકથાત્મક કૃતિ છે.
જયન્ત પાઠક (1920–2003)ના કાવ્યસંગ્રહોમાં ‘મર્મર’, ‘સંકેત’, ‘સર્ગ’, ‘અન્તરીક્ષ’, ‘બે અક્ષર આનન્દના’, ‘અનુનય’, ‘શૂળી ઉપર સેજ’, ‘ક્ષણોમાં જીવું છું’, ‘દ્રુત-વિલંબિત’ વગેરેનો સમાવેશ થાય છે. એમની કવિતામાં વન્ય-સંસ્કૃતિ-પ્રેમ આગળ તરી આવતું લક્ષણ છે. ‘વગડાનો શ્વાસ’માં એ વરતાય છે. તેઓ અન્યત્ર પણ વન્ય-સંસ્કૃતિ-પ્રેમનો નિર્દેશ કરે છે :
‘આનંદ છે : સંસ્કારથી હું ધન્ય,
આનંદ છે : થોડો રહ્યો છું વન્ય !’
આધુનિકતાના અંશ જેવા શબ્દ અને સમયના સંદર્ભો એમની કવિતામાં મળે છે. એમની કવિતામાં માત્રામેળના પરંપરિત પ્રયોગો અને લોકગીતના ઢાળનો ઉપયોગ સહજ રીતે થયેલો જોવા મળે છે. પાઠકની કવિતામાં અતીતની ઝંખનાનો અણસાર મળે છે. ‘ભલાજી’ જેવાં ગીતોમાં તળપદો ઠેકો અને મસ્તી છે. ‘પ્રેમ અને મૃત્યુ’ તથા ‘જીવી ગયો હોત’ જેવી કૃતિઓમાં ગદ્યલયની સુંદર ભાત ઊપસી આવી છે. ‘વનાંચલ’ એમની પૂર્વવયની કથા છે. ‘આલોક’, ‘કાવ્યલોક’ અને ‘ભાવયિત્રી’માં સાહિત્યતત્વ વિશેનાં વિવેચનો અને કાવ્યરુચિ તથા કાવ્યાસ્વાદ અંગેનાં લખાણો છે.
હરીન્દ્ર દવે(1930–1995)ની પ્રકૃતિ સૌંદર્યપ્રેમી, માનવતાવાદી આસ્તિક, કૌતુકરાગી અને સ્વપ્નશીલ કવિની છે. ‘મૌન’, ‘સૂર્યોપનિષદ’, ‘તમે યાદ આવ્યાં’, ‘ચાલ વરસાદની મોસમ છે’ વગેરે તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. આધુનિક યુગચેતનાનો આવિષ્કાર પણ તેમની કવિતામાં પરંપરાના સાતત્ય સાથે થયેલો છે. એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘આસવ’(1961)માં પ્રણયની વિવિધ ભાવસ્થિતિઓનું આલેખન છે. એમની ગઝલો ઇશ્કે હકીકીના કરતાં ઇશ્કે મિજાજીનું નિરૂપણ વધારે આપે છે. એમની ઉક્તિઓ ચોટદાર હોઈ મુશાયરામાં રંગત જમાવનારી છે. ગોપી, રાધા કે કૃષ્ણ મૂળ પાત્ર રૂપે નિરૂપાયાં છે. એમનાં ગીતો ‘હોઠ મલકે’, ‘વિદાય’, ‘અગ્નિ પ્રજાળ્યો’, ‘— ને તમે યાદ આવ્યાં’ વગેરે કોમળ અને સ્નિગ્ધ ભાવોને સમર્થ પ્રતીકોમાં ઝીલી બતાવે છે.
‘અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયાં નહીં.’
*
‘રાત આખી સૂતો ક્યાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.’
કવિનો મૃત્યુપ્રેમ ‘ગઈ’, ‘હું નથી’, ‘મૃત્યુનો અવાજ’, ‘શું કહેશે ?’, ‘ક્યાં હોય છે ?’ અને ‘સૂર્યોપનિષદ’ જેવી રચનાઓમાં જોવા મળે છે. છેલ્લીમાં વ્યથા છે, વિષાદ છે. સૂર્યનું ઊગવું એટલે વિરાટ શૂન્યતામાં એકલવાયા ચાલ્યા કરવું એવી પ્રતીતિ કવિદિલને થયેલી છે. હરીન્દ્ર દવે વેદના અને આનંદની સહોપસ્થિતિ રચી શકે છે. અદ્યતન ગણાય તેવી રચનારીતિનો પણ તેમણે ઉપયોગ કરેલો છે. ‘અર્પણ’ પ્રાર્થનાસંગ્રહ છે. તેમાં આધ્યાત્મિક અનુભૂતિની લકીર આસ્વાદ્ય છે. ‘અગનપંખી’, ‘સુખ નામનો પ્રદેશ’, ‘માધવ ક્યાંય નથી’ વગેરે નવલકથાઓ પૈકીની છેલ્લીમાં પૌરાણિક પાત્ર શ્રીકૃષ્ણને મળવા માટેની નારદની ઝંખનાનું વ્યાપક ભૂમિકા પર આલેખન થયેલું છે. ‘ગાંધીની કાવડ’ એમની નોખી રીતિની નવલકથા છે. ‘કવિ અને કવિતા’, ‘વિવેચનની ક્ષણો’, ‘કથાથી કવિતા સુધી’ વગેરે વિવેચનસંગ્રહો અને ‘મધુવન’, ‘શબ્દલોક’ જેવાં સંપાદનો તેમણે આપેલાં છે. અનેક અંગ્રેજી પુસ્તકોના અનુવાદોમાં ‘પિંજરનું પંખી’, ‘ધરતીનાં છોરુ’, ‘વાદળ વરસ્યાં નહિ’, ‘જ્યોત સદાય જલે’, ‘ચરણ રુકે ત્યાં’, ‘મરુભૂમિ’ વગેરે નોંધપાત્ર છે. ‘નીરવ સંવાદ’માં નિબંધકાર હરીન્દ્રની મુલાયમ અને માર્મિક ગદ્યશૈલી નાજુક ભાવોનું સુંદર આલેખન કરે છે.
માનવતાપ્રેમી અને સમયના સંદર્ભોને સંવેદનાત્મક ભૂમિકા પર રજૂ કરતા સુરેશ દલાલ (1932–2012) પહેલો કાવ્યસંગ્રહ ‘એકાન્ત’ 1966માં પ્રગટ કરે છે. ‘તારીખનું ઘર’, ‘અસ્તિત્વ’, ‘નામ લખી દઉં’, ‘સિમ્ફની’, ‘પિરામિડ’, ‘સ્કાયસ્ક્રેપર’, ‘ઘરઝુરાપો’, ‘કાવ્યસૃષ્ટિ’ અને ‘અખંડ ઝાલર વાગે’, ‘બે સ્ટેશનની વચ્ચે’ જેવા અનેક સંગ્રહો એમના કાવ્યસર્જનનો ફાલ છે. આંતરિક અનુભૂતિ અને બાહ્ય પરિબળો એમના પ્રેરણાસ્રોત છે. યુરોપ અને અમેરિકાના પ્રવાસે પણ એમની ચેતનાને સ્પંદિત કરેલી છે. બાલકાવ્યો એમની વિશેષતા છે. મનોરમ કલ્પનામંડિત પ્રણયકાવ્યોમાં ‘ઘૂંટડો’, ‘ઇજન’, ‘તમે કહો તે’, ‘કે–’ વગેરે ગણનાપાત્ર છે. કવિએ રાધાભાવનાં કેટલાંક સુંદર ગીતો રચેલાં છે તેમાં ‘નિકટ નહીં ઘનશ્યામ’, ‘નામ મધુર તવ’, ‘વ્હેતું ના મેલો’ અને ‘તો જાણું’ ખાસ ઉલ્લેખપાત્ર છે. ‘મારગ નહીં ક્યાંય’ નગરસંવેદના રજૂ કરતી અછાન્દસ કૃતિ છે. આધુનિક સભ્યતાની નિરર્થકતા અને એકવિધતા ‘કાગળના સમુદ્રમાં ફૂલોની હોડી’ કે ‘એવો એનો ફ્લૅટ’ જેવી કૃતિઓમાં વ્યક્ત કરેલી છે. વક્તવ્યને સચોટ બનાવવા ચિત્રકલાની ‘મૉન્ટાજ’ કે ‘કૉલાજ’ જેવી અદ્યતન ટૅક્નિક પણ તેમણે વાપરી છે. ‘…..ને’ રચનામાં એકધારી ઉક્તિઓ વડે જિંદગીની ગોળ ગોળ ફરતી તંગદિલીને મૂર્ત કરી છે. ‘કોયલની છાતીમાં શબ્દના માળા’ને જોનાર કવિએ મૌનનો મહિમા ગાયો છે. ‘મારી બારીએથી’ ભા. 1થી 18માં એમના નિબંધો છે. વ્યક્તિઓ, પ્રશ્નો, સાહિત્ય, સમાજ, સંસ્કૃતિ, ચિત્ર, સંગીત, રાજકારણ, ફિલ્મ, પત્રકારત્વ જેવા વિવિધ વિષયોને લલિત નિબંધના સ્વરૂપે મઢી આપ્યા છે. ‘કવિતા’ દ્વિમાસિક દ્વારા તેઓ વર્ષોથી ગુજરાતમાં કાવ્યસર્જન અને કાવ્યભાવનની હવા જમાવતા રહ્યા છે.
આ સમયગાળાના અન્ય કવિઓમાં અધ્યાત્મ અને સૌંદર્યની અનુભૂતિ પ્રગટ કરતાં લયમધુર ગીતો આપનાર પિનાકિન ઠાકોર (1916–1995) ‘આલાપ’ તથા ‘ઝાંખી અને પડછાયા’માં ભાવ અને લયની સંવાદિતા સંગીતમય પદાવલિમાં સાધી શક્યા છે. ‘રાગિણી’ અને ‘મેઘદૂતની માધુરી’ ઉપરાંત ‘રૂપની મંઝિલ’, ‘હૈયાને પરાયાં ના’, ‘હે મનવા’, ‘ભવદળદર’, ‘બેદરકારી’, ‘રહસ્યમયી’ ઇત્યાદિ રચનાઓ સુંદર છે; પરંતુ ‘અમૃતને ઝેર’ જેવાં ગીતોથી તેમની યાદ તાજી રહેશે.
હસિત બૂચ(1921–1989)ના કાવ્યસંગ્રહોમાં ‘રૂપનાં અમી’, ‘સાન્નિધ્ય’, ‘નિરંતર’, ‘તન્મય’, ‘અંતર્ગત’ વગેરેનો સમાવેશ થાય છે. ‘બ્રહ્મઅતિથિ’માં ન્હાનાલાલને અંજલિ અર્પી છે. તેમનો છેલ્લો સંગ્રહ છે ‘સૂરમંગલ’.
બીજા નોંધપાત્ર કવિ હેમંત દેસાઈ(1934–2011)ના ‘ઇંગિત’ (1961), ‘મ્હેક નજરોની, ગ્હેક સપનોની’, ‘સોનલમૃગ’ અને ‘વરદાન ફૂલનું’ (1995) કાવ્યસંગ્રહો છે. તેમનું વલણ કૌતુકરાગી રહ્યું છે. તેનું ઉત્તમ દૃષ્ટાંત ‘आन्तर: कोडपि हेतु:’ છે. પ્રણયમાં મિલનનો આનંદ અને વિરહનું દુ:ખ સરલ અને આહલાદક બાનીમાં તેઓ નિરૂપે છે. ‘શરદ’, ‘વર્ષાની રાત’, ‘સાબરતટે પૂર્ણિમા’ વગેરે સુંદર પ્રકૃતિચિત્રો છે. અછાન્દસ રચનાના પ્રયોગો તેમણે કરેલા છે. પ્રણયનાં સંવેદનો છંદોબદ્ધ કૃતિઓમાં સરસ રીતે ઝિલાયાં છે.
ભજનની જૂની પરંપરામાં ‘સુધાંશુ’ એટલે દામોદર કેશવલાલ ભટ્ટ(1913–1983)માં સાચા ભજનિકની મસ્તી અને અધ્યાત્મદૃષ્ટિ છે. ‘રામસાગર’, ‘અલખતારો’ અને ‘સોહમ્’ તેમના કાવ્યગ્રંથો છે. લોકગીતો અને ભજનોના ઢાળમાં લોકબોલીવાળી ધ્રુવપંક્તિ અને લયયુક્ત રચનાઓ કરવાની તેમને સારી ફાવટ છે. ‘જલભેખ’, ‘તુંબીજલ’ જેવી રચનાઓ ઉપરાંત ‘અચલા નાચે ને સાગરિયો સૂર પૂરે’ અને ‘હાલકે લોલકે રે હોડી કરમોની હાલી’ જેવી પંક્તિઓ તેનાં ઉદાહરણો છે. ન્હાનાલાલને અર્ઘ્ય આપતું કાવ્ય ‘તેજ તો ગયાં ને તખત તો રહી ગયાં’ કવિની શક્તિનો ઉત્તમ આવિષ્કાર છે. મનુભાઈ ત્રિવેદી –‘સરોદ’(1914–1972)ના ‘રામરસ’, ‘સુરતા’ અને ‘બંદગી’ સંગ્રહો મળે છે. ‘સોનાવાટકડી’, ‘પાંચ હાથનો પનો’, ‘ફીણ ઝાઝાં ને’, ‘દીવડા ગિરનારી’, ‘લાખાગૃહમાં લ્હાય’ એ રચનાઓમાં મર્માળુતા, સીધું કથન અને ઉપદેશ આગળ તરી આવતાં લક્ષણો છે. ત્યારપછી વિશેષ સત્વ અને વિદગ્ધતા બતાવનાર મકરન્દ દવે(1922–2005)ની કવિતામાં શબ્દનાં ઊંડાણ છે, મૌનનો મર્મ છે. એમની અભિવ્યક્તિમાં અવધૂતની મસ્તી અને સાધના જોવા મળે છે. ‘તરણાં’, ‘જયભેરી’, ‘ગોરજ’, ‘સૂરજમુખી’, ‘સંજ્ઞા’, ‘સંગતિ’, હવાબારી’, ‘ઉજાગરી’ વગેરે તેમના કાવ્યગ્રંથો છે. ‘વાલીડાના વાવડ’, ‘બેહદની બારાખડી’, ‘લીમડાની મહેક’ વગેરે કવિના મિજાજને છતો કરે છે. સહજ અને સચોટ રીતે ભાવને વ્યક્ત કરતી કૃતિઓ ‘ઢોલક હજુ બજાવે છે’, ‘હૈયાનાં વેણ’, ‘ગમતાંનો કરીએ ગુલાલ’ ઉત્તમ છે. કવિની ખૂબી છંદોબદ્ધ રચનાઓ કરતાં ગીતોમાં વિશેષ છે. ‘કાળની કાંટાડાળીએ લાગ્યાં ક્ષણનાં ચણીબોર’ જેવાં તળપદાં રૂપકો જીવનનો મર્મ અનાયાસે ખોલી આપે છે. તેમનાં ગદ્યલખાણોમાં ‘સત કેરી વાણી’, ‘યોગી હરનાથના સાન્નિધ્યમાં’ વગેરે ઉપરાંત સ્વામી આનંદ સાથેનો પત્રવ્યવહાર ધ્યાનપાત્ર છે.
પાંચમા અને છઠ્ઠા દાયકામાં મુશાયરા અને કાવ્યગાનની પ્રવૃત્તિ ઠીક પ્રમાણમાં વિકસેલી. રેડિયો પર અને જાહેરમાં યોજાતા સમારંભોએ કવિઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને કાવ્યરસિકોની રુચિને ઉત્તેજી. તેના પરિણામે ગુજરાતી કવિતાએ મનોહર સંગીતતત્ત્વવાળો પદ્યદેહ ધારણ કર્યો. સુગેયતા, ભાવલાલિત્ય, ધ્વનિમાધુર્ય અને શબ્દતેજ ઇત્યાદિ અંશો પુન: પ્રતિષ્ઠિત થાય છે. નવીન કવિતામાં ઉક્તિવૈચિત્ર્ય, બુદ્ધિચાપલ્ય, માર્મિક કથનરીતિ વગેરે અંશો આગળ તરી આવે છે. કવિતાની મહેફિલોએ ગઝલને વેગ આપ્યો. અભિવ્યક્તિમાં ઉર્દૂ શાયરીની ખાસ છટા પ્રગટી. ગઝલનો ફારસી છોડ ગુજરાતીમાં બાળાશંકરે ઉછેરેલો તે થોડો સમય ઉપેક્ષા પામીને ફરીથી ચેતનવંતો બને છે. તેમાં ‘શયદા’, ‘બેકાર’ અને ‘પતીલ’નો ફાળો મુખ્ય છે. ‘ગાફિલ’ (મનુભાઈ ત્રિવેદી) ગઝલને ‘કલમથી ટપકતાં આંસુ’ કહે છે. ગઝલનાં પ્રતીકો વસ્લ, જુદાઈ, સાકી, કફન વગેરેને સ્થાને સફર, કિનારો, મંજિલ, મઝધાર, રાહ વગેરે વધુ વપરાતાં થાય છે. ગુજરાતી કવિઓ રદીફ અને કાફિયામાં છૂટ લે છે. ‘કાલિંદી’, ‘જાહનવી’, ‘સોનલવરણી સીમ’ વગેરેના કવિ નાથાલાલ દવેની ગઝલ ‘રાત થઈ પૂરી’માં અનિયમિત અંતરે ‘અમારી રાત થઈ પૂરી’ ધ્રુવપંક્તિની જેમ આવે છે અને એ કાવ્યના આસ્વાદમાં ઉપયોગી થાય છે. મીનુ દેસાઈનું ‘પથ્થર’ કાવ્ય પ્રાસ વિના પણ ઉચિત અસર જન્માવે છે. ‘બેફામ’(બરકત વીરાણી)ની ગઝલોમાં ચોટદાર અભિવ્યક્તિ સધાય છે. ગુજરાતી ભાષાની વિવિધ છટાઓમાં જીવનના સંતાપો વ્યક્ત થતા જાય છે. સૈફ પાલનપુરીની ‘સંસ્કૃતિ’ વિશેની નજમ ધ્યાનપાત્ર છે. ચિંતનનો તંતુ ગઝલના પોતને ઘટ્ટ બનાવે છે. તેમાં અમૃત ‘ઘાયલ’ (‘શૂળ અને શમણાં’, ‘રૂપ’, ‘ગઝલ નામ સુખ’, ‘આઠોં જામ ખુમારી’ વગેરે), ‘શૂન્ય’ પાલનપુરી (‘શૂન્યનું સર્જન’, ‘શૂન્યનું વિસર્જન’, ‘શૂન્યના અવશેષ’, ‘શૂન્યનું સ્મારક’, ‘શૂન્યનો વૈભવ’), ‘મરીઝ’ (‘આગમન’, ‘નકશા’), ‘શાહબાઝ’, શેખાદમ આબુવાલા (‘ચાંદની’, ‘અજંપો’, ‘સોનેરી લટ’, ‘ખુરશી’, ‘દીવાને આદમ’), રતિલાલ ‘અનિલ’ (‘ડમરો અને તુલસી’, ‘રસ્તો’) વગેરેનો ફાળો નોંધપાત્ર છે. અન્ય ગઝલકારોમાં મનહર ચોકસી, જમિયત પંડ્યા, અમીન ‘આઝાદ’, આસિમ રાંદેરી, ‘સમીર’, ‘નઝીર’, કિસ્મત કુરેશી, ‘બાદલ’, ‘નકાબ’, ‘સાહિલ’ વગેરે કવિઓની મોટી સંખ્યા છે. પરંપરા સાથે નવા પ્રયોગો પણ ગઝલમાં થતા રહ્યા છે.
આધુનિક સાહિત્ય
વિજ્ઞાન અને યંત્રોદ્યોગને કારણે વિશ્વમાં થયેલા જીવનપરિવર્તનની અસર સ્વાતંત્ર્યોત્તર કાળમાં ભારતમાં સ્પષ્ટ રીતે વરતાઈ. બીજા વિશ્વયુદ્ધે સર્જેલા વિનાશને લીધે જીવનશ્રદ્ધા લુપ્ત થઈ. યુરોપ-અમેરિકામાં અસ્તિત્વવાદી વિચારધારાનું મોટું આંદોલન જન્મ્યું. નગરસંસ્કૃતિના જીવનવિગ્રહે વ્યર્થતા અને વિચ્છિન્નતાનો અનુભવ કરાવ્યો. આઝાદ થયેલાં રાષ્ટ્રો અશાંતિનો ભોગ બન્યાં. સામ્યવાદ અને મૂડીવાદના પડકારોથી વિશ્વશાંતિ માટે જોખમ ઊભું થયું. પરમાણુ-બૉમ્બની ભીતિથી માણસજંતુ છળી ઊઠ્યું ! સાહિત્યમાં ઉપર જણાવેલાં પરિબળોની અસર રૂપે ઉદભવેલા આધુનિકતાવાદનો સૌપ્રથમ શંખ ઓગણીસમી સદીના ફ્રેન્ચ કવિ બૉદલેરે ફૂંક્યો. તેણે પ્રતીકવાદનો પુરસ્કાર કર્યો. અસંગત પ્રતીકોને વિશિષ્ટ સંદર્ભમાં ગોઠવી ઇન્દ્રિય-વ્યત્યય અને ઇન્દ્રિય-સંવેદ્યતા જન્માવવાના પ્રયોગોવાળી રચનાઓ પણ તેણે આપી. કવિતામાં બિંબવાદી આંદોલન એઝરા પાઉન્ડની કવિતાએ જગાવ્યું. તેમાંથી વસ્તુગત સહસંબંધની વિભાવના ઊભી થઈ. કવિતાના મૂલ્યાંકનમાં પણ કવિકર્મનું જ પ્રાધાન્ય ગણાતું થયું. તેમાંથી સંરચનાવાદ અને સ્વરૂપવાદનો પ્રચાર થયો. ચિત્રકલાના ઘનતાવાદની અસર કવિતા પર થતાં વિરૂપ અને બેડોળ શબ્દચિત્રો વડે વિશિષ્ટ સંવેદના જગાડવાના અખતરા થયા. ફ્રૉઇડને અનુસરીને બૉદલેરે સાહિત્યમાં પરાવાસ્તવવાદ પ્રચલિત કર્યો. નાસ્તિવાદ અને ભવિષ્યતાવાદ ઉપરાંત સાર્ત્રની અસ્તિત્વવાદી વિચારધારાનો પણ વ્યાપક સ્વીકાર થયો. આ સંદર્ભમાં ગુજરાતી સાહિત્યમાં 1955 પછી ઝડપભેર આધુનિકતાનો સૂર પ્રસરી ગયો. 1960માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ જ્ઞાનસત્રમાં નવીનતર પેઢીના યુવાનોએ મૂલ્યનિરપેક્ષ સાહિત્યની જોરદાર હિમાયત કરેલી.
કવિતા : આધુનિકતાવાદના આંદોલનને વ્યાપક સ્વરૂપે સાહિત્યમાં પ્રતિષ્ઠિત કરવામાં ફાળો આપનારાઓમાં સુરેશ જોષી (1921–1986) અગ્રેસર રહ્યા. કવિની સામાજિક સંપ્રજ્ઞતા અને રૂપનિર્મિતિને લગતી એમની વિચારણા નવી પેઢીમાં વિદ્યુતવેગે ફેલાઈ ગઈ. વિશ્વની શ્રેષ્ઠ સાહિત્યિક પ્રતિભાઓની શબ્દસૃષ્ટિના પરિશીલનથી એમનાં સર્જન અને ચિંતન સમૃદ્ધ બનેલાં હતાં. ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’ અને ‘ક્ષિતિજ’ જેવાં સામયિકો દ્વારા દેશવિદેશની ઉત્તમ કૃતિઓના અનુવાદ અને આસ્વાદ વડે એમણે આધુનિકતાની જેહાદ જગાવી. ‘ઊહાપોહ’ અને ‘એતદ્’ દ્વારા આધુનિકતાની હવામાં સાહિત્યિક પ્રવૃત્તિને આગળ ધપાવવાનો પુરુષાર્થ આદર્યો. 1959માં સુરેશ જોષીનો ‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થયેલો તે 1960માં જ તેમણે પોતે રદ કર્યો ! ‘અમારું ઘર’ કૃતિમાં પરંપરિત પદ્ય અને કૌંસના ઉપયોગ થયેલા છે. તેમાં આધુનિક યુગચેતનાના પ્રતિનિધિ ‘હું’નો પરિચય મળે છે. એનાં અંગેઅંગમાંથી વેદનાના વ્રણ દૂઝી રહ્યા છે :
‘મારાં જ તીણાં અસ્થિની આ બાણશય્યાની ઉપર
હું સૂતો છું ભીષ્મ સાથે રે સદાયે.’
વેદનાની કુત્સિતતા અને ભીષણતા પ્રગટ કરવા શિષ્ટ પુરાકલ્પનો અસમર્થ લાગવાથી નવાં કલ્પનોનો ઉપયોગ થયો છે. પ્રકૃતિનું માનવીકરણ અને માનવીનું નિર્માનવીકરણ જેવી ખાસ ટૅકનિક, સચોટ ચિત્રકલ્પ પદોની સહોપસ્થિતિ વગેરે વક્તવ્યને ઉઠાવ આપતી રીતિ અનુગામીઓ સારુ દૃષ્ટાન્તરૂપ બને છે. કવિ વિશ્વચેતનાને સ્વસંવેદન રૂપે આત્મસાત્ કરે છે. પ્રકૃતિનાં તત્વો ‘વિષના ફુત્કાર’ જેવાં લાગે છે. માનવીના મન પર મૃત્યુનો ભય ઝળૂંબી રહ્યો છે; તેથી પૂર્ણિમાનો ચંદ્ર પણ કાળી નાગણના ઈંડા સમો લાગે છે ! પ્રિયતમાને પણ એકાદ આંસુ કે મૌનથી વિશેષ કંઈ આપી શકાતું નથી. ‘સૂર્યા’ જેવા સુંદર કાવ્યમાં એકલતા અને વિચ્છિન્નતાનો અનુભવ વ્યક્ત થાય છે. આધુનિક કવિ વિદ્રોહ કરે છે. તે વક્રોક્તિનો સાથ લે છે અને પછી તો શિષ્ટ-અશિષ્ટ, શ્લીલ-અશ્લીલના ભેદ ઓગળી જાય છે. ‘પ્રત્યંચા’, ‘ઇતરા’ અને ‘તથાપિ’ એમના અન્ય કાવ્યસંગ્રહો છે. સુરેશ જોષીએ આધુનિકતાની હિમાયત કરતાં, વિવેચન-પ્રવૃત્તિ અને તેના હેતુ વિશે નવીન પરિમાણો ઊભાં કર્યાં. ‘કિંચિત્’, ‘કથોપકથન’, ‘શ્રુણ્વન્તુ’, ‘અરણ્યરુદન’ વગેરે સંગ્રહોમાં એમણે કાવ્યનો અર્થ તે કાવ્ય પોતે જ એવી સમજ ઉપસાવવાનો સબળ પ્રયત્ન કર્યો છે. 1955માં ‘વિદ્યાર્થી’ની સહીથી લખેલા લેખ ‘નવલકથાનો નાભિશ્વાસ’થી હલચલ મચી ગયેલી. શુદ્ધ સાહિત્યકલા અને રૂપનિર્મિતિની સમજપૂર્ણ આલોચના કરીને તેમણે નવીન સર્જકો પર પ્રભાવ ઊભો કર્યો. યુરોપીય સાહિત્યપ્રવાહો અને વિવિધ આંદોલનોના અભ્યાસ સારુ ઉત્સાહ પ્રગટાવ્યો. કૃતિલક્ષી વિવેચનની પ્રથા ઊભી થઈ. ‘રે’, ‘કૃતિ’, ‘ઉન્મૂલન’, ‘ઊહાપોહ’ વગેરે સામયિકોમાં ઉદ્દંડતા પણ જોવા મળી; તેમ છતાં સર્જકોને પ્રયોગોની મોકળાશ મળી, શુદ્ધ કલાની વિભાવના ઊભી થઈ, શબ્દના સર્જનાત્મક ઉપયોગ વિશે સભાનતા પ્રગટી અને વિશ્વસાહિત્ય સાથે ગુજરાતી સાહિત્ય પણ નવી હવા લેતું થયું – એવા અનેક લાભ પણ પ્રાપ્ત થયા. ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’માં સુરેશ જોષીની રસદૃષ્ટિએ કૃતિનો આસ્વાદ કરાવતી વિશ્લેષણરીતિએ આકર્ષણ જન્માવ્યું હતું. હસમુખ પાઠકના ‘તણખલું’નો આસ્વાદ કરાવતાં ફ્રેન્ચ કવિ વાલેરીનો હવાલો આપીને ખુલાસો કર્યો કે વર્તમાન માનવ પોતે શતધા વિચ્છિન્ન છે અને તેણે પોતાનો શ્રોતા ગુમાવ્યો છે. એમનું કૃતિવિવેચન પછીથી કાર્યશિબિર-વિવેચન (‘વર્કશૉપ-ક્રિટિસિઝમ’) તરીકે ઓળખાયું. કવિકર્મને જોષીએ ‘વિશ્વને અવગત કરવાની ભાવગત રીતિ’ કહ્યું અને પ્રતીક કે કલ્પનનો ધ્વનિ સાથેનો સંબંધ સમજાવ્યો.
એમની દૃષ્ટિએ ભાષા સર્જનનું માધ્યમ છે, કથનનું નહિ. કવિકર્મમાં ભાષાનું નવું રૂપવિધાન સધાય છે. અખંડ ચેતનાપ્રવાહ સાથે મેળ લેતી અભિવ્યક્તિ વિશે પણ સુરેશ જોષીએ ચર્ચા કરેલી છે. ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ નવલકથાઓ એમણે આપેલા નમૂનાઓ છે. ટૂંકી વાર્તામાં પણ ઘટનાનું તિરોધાન અને સંવિધાનકલાની નૂતન પદ્ધતિ ‘ગૃહપ્રવેશ’, ‘બીજી થોડીક’ અને ‘અપિ ચ’ જેવા નવલિકાસંગ્રહો આપીને પ્રત્યક્ષ રીતે સમજાવી છે, ‘ન તત્ર સૂર્યો ભાતિ’ પણ એમનો નવલિકાસંગ્રહ છે. ‘જનાન્તિકે’, ‘ઇદમ્ સર્વમ્’ અને ‘અહો બત કિમ્ આશ્ચર્યમ્’ વગેરે એમના નિબંધસંગ્રહો છે. તેમાં ગુજરાતી નિબંધનું હળવું કલાત્મક સ્વરૂપ પ્રથમ વાર જોવા મળે છે. આ નિબંધો સર્જનાત્મક છે. નાટક કે નિબંધના સ્વરૂપ વિશેની ચર્ચા તેમની પાસેથી મળી નથી, પરંતુ ‘ઍબ્સર્ડ નાટક’માં પ્રતીત થતી સંવેદના વિશે અને તેના ઉદભવ અંગે પ્રસંગોપાત્ત, પોતાના વિચારો દર્શાવ્યા છે. તેમણે ‘મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા’ એ સંશોધન અને ‘નવોન્મેષ’, ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : એક સંકલન’ જેવાં સંપાદનો પણ કરેલાં છે. સમર્થ અનુવાદક તરીકેની તેમની પ્રતિભા ‘પરકીયા’, ‘પંચામૃત’, ‘સાહિત્યમીમાંસા’, ‘ધીરે વહે છે દોન’, ‘અમેરિકી ટૂંકી વાર્તા’ વગેરેમાં જોવા મળે છે.
આ જ ગાળામાં ગુલામ મોહમ્મદ શેખ મનુષ્યજાતિની વેદનાને વાચા આપે છે. ચિત્રકળાની જાણકારીનો ઉપયોગ જેસલમેરનાં ચિત્રકાવ્યોમાં થયેલો છે. ‘સ્મૃતિ’ કાવ્યમાં કીડીનું પ્રતીક, ‘કબ્રસ્તાનમાં’માં કલ્પનોની ગોઠવણી ઇત્યાદિ બાબતોમાં શેખની વિશિષ્ટ કાવ્યરચનાપદ્ધતિ જોવા મળે છે. ‘મૃત્યુ’નું ચિત્ર ઘનતાને પ્રગટ કરતી શેખની બાનીનું સુંદર દૃષ્ટાન્ત છે. ઇન્દ્રિયસંવેદ્ય કલ્પનો વડે ‘અંધકાર અને હું’ કાવ્યમાં વિવિધ રૂપોનું અપૂર્વ સ્વરૂપ ઉપસાવ્યું છે. નરકયાતના ભોગવતી શહેરની ગીચ વસ્તીનું એમણે દોરેલું શબ્દચિત્ર વાસ્તવિક છે. ભાષા સહિત સ્થાપિત વ્યવસ્થાનો વિરોધ પ્રગટ કરવાની વિશિષ્ટ રીત તેમણે અપનાવી છે. ‘કવિ’ કાવ્યમાં કામવૃત્તિ અને રતિ-ક્રીડાનું ઉઘાડું વર્ણન કરે છે. શેખનાં પ્રતીકો અને કલ્પનોમાં વૈવિધ્ય છે. એમનો કાવ્યસંગ્રહ ‘અથવા’ સર્વ રીતે આધુનિકતાને ઉદ્ઘોષિત કરે છે. નૂતન સંવેદનાને મૂર્ત કરતાં કલ્પનોવાળી ‘હું’, ‘માણસ’, ‘જાગીને જોઉં તો’, ‘ક્યાં ટમકતો હોઈશ’ વગેરે રચનાઓથી ધ્યાન ખેંચનાર ‘પ્રાસન્નેય’ (હર્ષદ ત્રિવેદી) પણ આ સમયગાળાના કવિ છે.
વૈશ્વિક સ્તરે સર્જકોની વિક્ષુબ્ધ બનેલી સંવેદનાએ નિરાશા, છિન્નભિન્નતા, નૈતિક મૂલ્યોની અસારતા અને ચાલતી આવેલી જીવનપ્રણાલીની વિડંબના વગેરેને સાહિત્યમાં પ્રતિષ્ઠિત કર્યાં હતાં. આ સમયે ગુજરાતમાં ‘રે’ સામયિક દ્વારા જલદ અને ઉચ્છેદક કૃતિઓના પ્રગલ્ભ પ્રયોગો અને પ્રહારાત્મક વિવેચન થતાં રહ્યાં; પરંતુ આ પ્રવૃત્તિ લાંબી ન ચાલી. તેમ છતાં આધુનિકતાનો પવન અમદાવાદનાં ‘સંસ્કૃતિ’ અને ‘કવિલોક’ તથા મુંબઈનાં ‘કવિતા’ અને ‘સમર્પણ’ જેવાં સામયિકોમાં ઝિલાયો હતો.
‘રે’ મઠના મુખ્ય કવિ લાભશંકર ઠાકર (1935–2017) ‘વહી જતી પાછળ રમ્યઘોષા’, ‘માણસની વાત’, ‘મારા નામને દરવાજે’, ‘બૂમ કાગળમાં કોરા’, ‘પ્રવાહણ’, ‘લઘરો’, ‘કાલગ્રંથિ’, ‘ટોળાં અવાજ ઘોંઘાટ’, ‘કલ્પાયન’, ‘કિચૂડ કિચૂડ’, ‘સમય સમય’, ‘હથિયાર વગરનો ઘા’, ‘ટેવ’, ‘છે’, ‘છે પ્રતીક્ષા’, ‘આઇ ડૉન્ટ નો, સર’, ‘રમત’, ‘આવ’, ‘ઇન અને આઉટ’, ‘મેં કમિટ કર્યું છે શું ?’ જેવા કાવ્યસંગ્રહો આપે છે. પ્રથમ સંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં મુગ્ધ રસિક કવિનું સંવેદન મિશ્રોપજાતિ છંદમાં વ્યક્ત થયેલું છે. અતીતરાગી સંવેદન લાભશંકરની વિશેષતા છે. ‘ચાંદરણું’, ‘અંતિમ ઇચ્છા’ જેવાં કાવ્યોમાં કવિનો રંગદર્શી મિજાજ પ્રગટ થાય છે; પરંતુ કવિની સભાનતા વર્તમાનની વેદનાને શબ્દ્બદ્ધ કરવા ફરજ પાડે છે. ‘તડકાનો ટુવાલ’ નૂતન અભિવ્યક્તિ દર્શાવે છે. ‘સાંજના ઓળા લથડતા જાય’ જેવી ઍબ્સર્ડ લાગે એવી સ્થિતિ દર્શાવતાં કવિ પથ્થરોને ઊડતા અને પંખીઓને બૂડતાં બતાવે છે. શબ્દનું પુનરાવર્તન, વિલક્ષણ પ્રાસવિધાન અને વિરોધી અર્થવાળાં પ્રતીકોની સામસામી ગોઠવણી કટાવ છંદમાં કરીને લાભશંકર વિશિષ્ટ લયવિવર્તો ઉપજાવે છે. ‘તડકો’ કટાક્ષ અને વ્યંગથી વિષાદનો ઘેરો અનુભવ કરાવે છે. પ્રકાશની ભ્રાન્તિનો સંહાર થતાં તડકો અસ્તિત્વની વિરૂપતા, વિકૃતિ અને વ્યર્થતાનો અનુભવ કરાવે છે.
‘માણસની વાત’ કવિતાની આધુનિકતાનું એક શિખર છે. માનવીના વ્યક્તિત્વની વિચ્છિન્નતા એકત્રીસ પાનાંના દીર્ઘ કાવ્યમાં રજૂ કરી છે. આજનો માનવી રોલિંગ શટરની જેમ પ્રકાશ અને અંધકારની વચ્ચે પડ્યો છે.
‘માણસ ઈશ્વરથી ખવાઈ ગયો છે.
માણસ પુસ્તકોથી ખવાઈ ગયો છે.
માણસ ઇચ્છાઓથી ખવાઈ ગયો છે.’
બુદ્ધિ અને મૂર્ખતાનું ફળ એક જ અને તે દુ:ખ. વાચાળતા સહી લઈએ તો આ રચનાનાં કલ્પનો, તેમાંની ભાષાની પ્રૌઢિ, લયની પ્રવાહિતા અને ચિંતનક્રિયા આસ્વાદ્ય બને તેવાં છે. ‘પ્રકાશની ઊધઈ અસ્તિત્વના વટવૃક્ષને કોતરી ખાતી’ હોય એ વિષમતા વેદનાપૂર્ણ છે.
‘મારા નામને દરવાજે’ કૃતિમાં તેઓ કહે છે :
‘મારા મૃત્યુના ટીપામાં તણાતી
ઈશ્વરની લાશને વગે કરવા
બાવીસ વર્ષથી હું કવિતા લખું છું.’
આ અર્થહીન લાગતી વાણી ઊંડો મર્મ સંક્રાન્ત કરનારી છે. રૂઢ ભાષાથી છૂટવા મથતો કવિ શબ્દની શોધમાં છે. વિવિધ ભાષાભંગિઓથી શબ્દના કોચલાને તોડવા મથે છે અને તેવી મથામણ ‘બૂમ કાગળમાં કોરા’ સંગ્રહમાં વિલક્ષણ શૈલીમાં રજૂ થઈ છે.
અલ્પકાલીન જીવનલીલામાં ચિરંતન શબ્દલીલાનો હૃદયંગમ ખજાનો ગુજરાતી કવિતામાં મૂકી જનારા રાવજી પટેલ (1939–1968) ‘અંગત’માં અને મણિલાલ દેસાઈ (1939–1966) ‘રાનેરી’માં આદિમતા અને જિજીવિષા પ્રગટ કરે છે. બંનેને વેદનાનો પ્રત્યક્ષ અનુભવ છે.
મણિલાલ દેસાઈનાં મૃત્યુવિષયક કાવ્યોમાં ઊંડી વેદના છે :
‘જિંદગી…
ત્રાસ ત્રાસ ત્રાસ
મારે જીવવાના પ્રયત્નો છોડી દેવા જોઈએ.’
રાવજી ગ્રામજીવનનાં બાર કાવ્યો આપે છે. રોમેરોમ વતનનો સ્પર્શ અનુભવતો કવિ દૃશ્ય, શ્રાવ્ય અને ઇન્દ્રિયવ્યત્યય દર્શાવતાં કલ્પનો યોજે છે. પ્રણયનું મુગ્ધ સંવેદન અને ઉત્કટ આવેગ – બંનેનાં સરસ ચિત્રો તેણે દોર્યાં છે. કાવ્યસર્જન એને મન રતિક્રીડા છે. એની ભાષામાં ધરતીની સુગંધ છે. ખેડૂતજીવનને પરિચિત શબ્દો અને ઉદગારો રાવજીની કવિતાની વિશેષતા છે. ‘સ્વ. હુંશીલાલની યાદમાં’માં કટાક્ષ, ટીખળ અને નર્મમર્મ વડે દંભ અને જૂઠનો પરિહાસ કરતું મરશિયાનું વાતાવરણ ઊભું કર્યું છે. ‘મિસ જૂલિયટીનું પ્રણયગીત’ પણ કટાક્ષકાવ્ય છે. ‘મેંશ જોઈ મેં રાતી’ ગીતમાં ઇન્દ્રિયવ્યત્યય દર્શાવતાં કલ્પનો છે. રાવજીનો વેદનાસૂર ‘વડ વગરનો છાંયો’, ‘અમે રે અધવચ રણના વીરડા’, ‘રણની વચ્ચે લીલોતરી’ જેવાં ગીતો સંભળાવે છે. અનુભૂતિની તીવ્રતાનું હૃદયવેધી અને ભવ્યસુંદર ચિત્ર મળે છે ‘આભાસી મૃત્યુનું ગીત’માં. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’થી શરૂ થતી પંક્તિઓએ મૃત્યુના સંવેદનને ગુજરાતી ભાષામાં અમર કરી દીધું છે.
સિતાંશુ યશશ્ચંદ્ર (1941) ગુજરાતી કવિતામાં અસંપ્રજ્ઞાત મનોભૂમિકાની વિવિધ વિશૃંખલ સૃષ્ટિના વાસ્તવને રજૂ કરતું પરાવાસ્તવવાદી (surrealistic) વલણ દાખલ કરે છે. ચેતન, અચેતન અને અર્ધચેતન મનનાં સંવેદનો શબ્દબદ્ધ થતાં સર્રિયલ કૃતિ બને છે. સ્વૈરપણે ઊભી કરેલી અરૂઢ અને અનોખી પદ્ધતિ વાસ્તવ જગતની સર્વ ચેષ્ટાઓને વ્યક્તિત્વની વિશિષ્ટ છાપ સાથે રજૂ કરવા સક્ષમ બને છે. આ પ્રકારની રચનાઓમાં સિતાંશુ અગ્રેસર રહ્યા છે. ‘ઓડિસ્યુસનું હલેસું’ કાવ્યસંગ્રહની ‘એક સર્રિયલ સફર’ રચના મનુષ્યની નિરાધારી અને લાચારીની સંવેદના અસરકારક રીતે વ્યક્ત કરે છે. ‘યમદૂત’ બાલવાર્તાની ઢબનું કાવ્ય છે. ‘મૃત્યુ : એક સર્રિયલ અનુભવ’માં શબ્દની નવી શક્તિની ખોજવાળું કવિકર્મ જોવા મળે છે. ‘જટાયુ’ (1986) સંગ્રહમાં ‘મોંએ જો દડો’, ‘જટાયુ’, ‘પૉમ્પાઈ અર્થાત્ બૉમ્બાઈ નગર’ વગેરે દીર્ઘરચનાઓ નગરસંસ્કૃતિની કુત્સિતતાને મૂર્ત કરે છે. શુદ્ધ કવિતાના પ્રયોગમાં વર્ણનાદથી કાવ્યનો હેતુ સિદ્ધ કરવાની રીત ‘ટૅન્ક તળે કચડાતો રે હું’ રચનામાં જોવા મળે છે. કવિ ભાષાને અન્-અર્થ કરતો જણાય છે. છ ‘મગનકાવ્યો’માં કટાક્ષ અને વક્રોક્તિ દ્વારા જીવનની વેદનાને હસી કાઢી છે. ‘ચાંદરણું’, ‘મૌન સરોવર છલક્યાં’ વગેરે ગીતોમાં પણ સર્રિયલ અનુભૂતિની અભિવ્યક્તિ છે.
ચંદ્રકાન્ત શેઠ (1938) ‘પવન રૂપેરી’ (1972) અને ‘ઊઘડતી દીવાલો’ (1974), ‘પડઘાની પેલે પાર’ (1987), ‘ગગન ખોલતી બારી’ (1990), ‘શગે એક ઝળહળીએ’ (1999), ‘એક ટહુકો પંડમાં’ (1996), ‘ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય’ (2004), ‘જળ વાદળ ને વીજ’ (2005), ‘ભીની હવા, ભીના શ્વાસ’ (2008), ‘ગગન ધરા પર તડકા નીચે’ (2008) અને ‘ચિદાકાશનાં ચાંદરણાં’ (2012) જેવા કાવ્યસંગ્રહો આપે છે. શેઠની કવિતામાં વર્તમાન જીવનનાં અનિષ્ટોનાં સંવેદનો ઝિલાયાં છે. તેમાં ‘હું’ની વિડંબના છે. પ્રકૃતિ અને પ્રણયને લગતાં કાવ્યો કરતાં ચિંતનાત્મક કાવ્યો ચંદ્રકાન્તની કવિત્વશક્તિનો વિશિષ્ટ આવિષ્કાર છે. ‘સ્વ’ને શોધતો કવિ પૂછે છે : ‘ચંદ્રકાન્ત ક્યાં છે ?’, ‘રસ્તો ક્યાં છે ?’, ‘પાષાણ એક’ જેવી કૃતિઓમાં લાચારી અને અસહાયતાનો અવાજ છે. ‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ’માં આત્મનિર્ભર્ત્સનાની પરાકાષ્ઠા દર્શાવી છે. ‘જાણનાર જાણે છે’, ‘આવ્યું મનનું માગ્યું જન’, ‘બેડાને ઝાઝું અજવાળ ના’ જેવાં ગીતોમાં પ્રકૃતિ અને પ્રણયનો આનંદ વ્યક્ત થાય છે. અંધકારનું એક ચિત્ર જુઓ :
‘અંધારું ચશ્માં ચઢાવી વાંચે છે શ્રીમદભાગવત
ને ઘરડી દીવાલો આછું સાંભળતી હોંકારો ભણે છે
ગદગદ થઈને.’
કવિને આધુનિક યુગનો માનવી ‘કમાઉ એન્જિન’ જેવો જણાય છે.
દંભ અને કૃતકતા પ્રત્યે તિરસ્કાર દર્શાવતાં કાવ્યોમાં ‘નકલી હું’ ને ‘મીંડું’, ‘એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ’ વગેરે ઉલ્લેખનીય છે.
ગીત અને ગઝલ એ બે કાવ્યસ્વરૂપોમાં નવી તાજગી લાવનાર કવિઓમાં રમેશ પારેખ (1940–2006) ધ્યાનાર્હ છે. તેમના કાવ્યસંગ્રહો છે : ક્યાં’, ‘ખડિંગ’, ‘ત્વ’, ‘સન્ન્ન્’, ‘ખમ્મા ! આલા બાપુને’, ‘મીરાં સામે પાર’, ‘વિતાન સુદ બીજ’, ‘છ અક્ષરનું નામ’, ‘લે તિમિરા ! સૂર્ય’, ‘છાતીમાં બારસાખ’, ‘ચશ્માના કાચ પર’, ‘સ્વગતપર્વ’ વગેરે. તેમની ગીતરચનાઓમાં મૌલિકતા છે. લયસંયોજન અને ભાવની માવજત ઉચ્ચ કોટિનું કવિત્વ દર્શાવે છે. ‘કાચના મકાન તને ખમ્મા’, ‘ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ’, ‘શી/સી/એ’, ‘હસ્તાયણ’ વગેરે સંખ્યાબંધ કાવ્યોમાં વૈવિધ્ય અને પ્રયોગશીલતા જોવા મળે છે. રમેશની કવિતામાં આધુનિક જીવનની વેદનાઓને વિશિષ્ટ વાચા મળી છે. દરિયો પણ એમના ભાવજગતનું અંગ બન્યો છે. રમેશે ગઝલોમાં કથનની તાજગી અને ચમત્કૃતિ સાથે કેટલીક નવી ભાતો ઉપસાવી છે.
‘કદાચ’ કાવ્યસંગ્રહ આપનાર અનિલ જોશી (1940) અને રમેશના સંયુક્ત કર્તૃત્વવાળી કૃતિ છે ‘ડેલીએથી પાછા’. વિરહજન્ય એકલતાની વેદના રજૂ કરતાં ‘કાયમી જુદાઈ’ અને ‘સૂકી જુદાઈની ડાળ’ કાવ્યોમાં અનિલે નાજુક કલ્પનોથી કામ લીધું છે. ‘માણસજી’ની વારતામાં આત્મ-ઓળખની નવતર રીત અપનાવેલી છે. ‘ક્ધયાવિદાય’, ‘બરફનાં પંખી’ અને ‘ખાલી શકુન્તલાની આંગળી’ અનિલનાં અત્યંત લોકપ્રિય બનેલાં ગીતો છે. ‘ગૅસ ચેમ્બર’ દીર્ઘ અછાન્દસ રચના છે. ‘હોઉં’ તથા ‘સતત’ જેવી ગઝલો પણ નોંધપાત્ર છે. ‘ઓરાં આવો તો વાત કરીએ’ ઉપરાંત ‘પાણીમાં ગાંઠ પડી જોઈ’ – એ તેમનો તાજેતરમાં પ્રસિદ્ધ થયેલો કાવ્યસંગ્રહ છે.
શાયરોના મુશાયરાને 1976માં પચીસ વર્ષ પૂરાં થતાં તેની સ્મૃતિ રૂપે ‘ગમી તે ગઝલ’ સંગ્રહ પ્રસિદ્ધ થયેલો. સાતમા દાયકાના કવિઓ અસ્તિત્વવાદી સ્પર્શથી આધુનિક ભાવસંવેદનો ગઝલમાં રજૂ કરતા થયા. તેમાં ગુજરાતી શબ્દો અને સંસ્કૃત પદાવલિઓ પણ પ્રયોજાયાં. રૂઢ પ્રતીકો બદલાતાં ઉલૂક, પડછાયા, સૂર્ય, ચાંદની, ક્ષણ, મૌન વગેરે નવાં દાખલ થયાં. ગઝલની બાંધણીમાં પણ સંખ્યામેળ, અક્ષરમેળ અને માત્રામેળ છંદોનો ઉપયોગ થયો. પ્રયોગોની નવીનતા, નાજુક કલ્પના અને વક્રતાયુક્ત કથને વિષાદને પણ આસ્વાદ્ય બનાવ્યો. આ પ્રકારના ગઝલકારોમાં આદિલ મન્સૂરી (1936–2008). ‘વળાંક’ (1963), ‘પગરવ’ (1966), ‘સતત’ (1970), ‘ન્યૂયૉર્ક નામે ગામ’, ‘મળે ન મળે’, ‘ગઝલના આયનાઘરમાં’ (2003) જેવા કાવ્યસંગ્રહો આપે છે. તેમાં કેટલીક છંદોબદ્ધ રચનાઓ છે, કેટલાંક ગદ્યકાવ્યો છે અને મોટાભાગની ગઝલો છે. આ કવિ પાસે દર્દનું નાજુક સંવેદન, અનુરૂપ કલ્પના અને જીવનના મર્મને સ્ફુટ કરતી ફિલસૂફી છે. કેટલાક યાદ રહી જાય તેવા શેરોમાં
‘માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો,
જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો.’
– એ એક દૃષ્ટાંત છે. તેમણે પ્રાસના નવા પ્રયોગો કરેલા છે. અછાન્દસ રચનાઓમાં ‘વિચારની ખંડિત પાંસળીઓ’, ‘પીળી કવિતા’ વગેરેની કલ્પનામાં કવિને સર્વત: આધુનિકતા વળગેલી છે એમ કહેવું પડે. ‘ઐતરેય ઉપનિષદ’ તેમનું સુદીર્ઘ ચિંતનકાવ્ય છે.
ગઝલ અને અન્ય પ્રકારની કવિતામાં નખશિખ આધુનિક કવિ તે ચિનુ મોદી (1939–2016). ‘વાતાયન’ (1963), ‘ક્ષણોના મહેલમાં (1972) (તેમાં પ્રથમને પણ સમાવી લીધો છે), ‘ઊર્ણનાભ’ (1974), ‘દર્પણની ગલીમાં’ (1975), ‘શાપિત વનમાં’ (1976), ‘દેશવટો’ (1978), ‘ઇર્શાદગઢ (1979), ‘બાહુક’ (1982), ‘અફવા’ (1991), ‘સૈયર’ (2000), ‘ગતિભાસ’ (1912) વગેરે તેમના કાવ્યગ્રંથો છે.
ચિનુ મોદીએ છંદોબદ્ધ, અછાન્દસ, ગીત અને ગઝલ વગેરે સ્વરૂપોનાં માધ્યમનો ઉપયોગ કર્યો છે. એમનાં સૉનેટ શિષ્ટ અને સુગ્રથિત રીતે ભાવનું નિરૂપણ કરનારાં છે. ‘સ્થળાંતર 1–2’, ‘કોક દિન તો’, ‘પછીતના’ વગેરેમાં પંક્તિસંખ્યા અને તેનું વિભાજન યાચ્છિક રીતે કરેલું છે. ‘પિંજરસ્થા’ કૃતિમાં છાન્દસ-અછાન્દસ માધ્યમનું મિશ્ર રૂપ છે. અન્ય કવિઓની જેમ ‘મૃત્યુ’નું ચિત્ર, ‘દૃશ્યવસૂકી આંખ’નું ખાલીપણું વગેરે શબ્દબદ્ધ કર્યાં છે. ઓચ્છવલાલનું વ્યંગચિત્ર પણ દોર્યું છે. ‘મન’ અને ‘ગંજીપાની રાણી’માં સર્જકના વ્યક્તિત્વની મુદ્રા ઊપસી આવી છે. આ કવિને સહુથી વિશેષ ફાવટ ગઝલમાં છે. તેમાં અંતરની વેદના ઠલવાઈ છે. ‘તસ્બી’ના તેમણે યોજેલા નવા પ્રકારમાં પહેલો શેર અંતિમ શેર સાથે જોડાતાં વર્તુળ પૂરું થતું હોય છે. ‘ઇર્શાદગઢ’ની ગઝલોમાં ભાષાની સ્વાભાવિકતા અને ઊંડું દર્દ જોવા મળે છે. કથનની ઊંડી ચોટ નીચેના શેરમાં જોવા મળે છે :
‘‘આપણે ઇચ્છા કર્યાનાં પાપ સ્હેવાનાં, ખુદા
હું જીવી શકતો નથી ને તું મરી શકતો નથી.’’
રાજેન્દ્ર શુક્લે (1942) ‘કોમલ રિષભ’ (1970), ‘સ્વવાચકની શોધ’ (1972), ‘અંતર ગંધાર’ (1981), ‘ગઝલસંહિતા’ના પાંચ ખંડ તથા ‘સેંજલ’ (1912) કાવ્યગ્રંથો આપ્યા છે. તેઓ સંસ્કૃત પદાવલિનો ઉપયોગ ગઝલમાં ફારસી–ઉર્દૂના જેટલી જ સહજતાથી કરી શકે છે. ‘ગઝલગીતિ સુકોમલા – ’ અને ‘શુક્ર અલ્હમ્દુ લિલ્લાહ…’ રચનાઓ તેનાં દૃષ્ટાંતો છે. ‘સભર સુરાહી’માં હિંદી-ગુજરાતી પદાવલિનો સમન્વય રચી આપ્યો છે. ‘ગઝલની પ્રક્રિયા’, ‘ગઝલ પ્રભાતી’ વગેરેમાં કથનરીતિના વિવિધ પ્રયોગો વડે ગુજરાતી ગઝલને નવો વળાંક આપવાનો તેમનો પુરુષાર્થ છે. રાજેન્દ્રની પ્રતિભાનો શ્રેષ્ઠ ઉન્મેષ ગઝલમાં પ્રગટ થયેલો છે. એમનાં ગીતોમાં લય, ઉપાડ અને અંત આકર્ષક હોય છે. એમનું ‘સ્વવાચકની શોધ’ વિચાર અને અભિવ્યક્તિની દૃષ્ટિએ સંપૂર્ણપણે આધુનિક અછાંદસ કાવ્ય છે. તેમને 2006નો કવિતા માટેનો નરસિંહ મહેતા પુરસ્કાર મળેલ છે.
પ્રયોગશીલ કવિ ચન્દ્રકાન્ત ટોપીવાળા (1936) ‘કાન્ત તારી રાણી’(1971)માં શબ્દોનાં ચોસલાંથી સ્થાપત્ય રચીને ભાષાકર્મનું સૌંદર્ય પ્રગટ કરે છે. ‘એક ટેલિફોન ટૉક’ માનવ માનવ વચ્ચેના અંતરનું ચિત્ર આલેખે છે. ‘એકની એક વાતની વાત’ શુદ્ધ કવિતાનું દૃષ્ટાંત છે. તેમાં કાવ્યના શબ્દની બહાર જવાની કવિએ મનાઈ ફરમાવી છે. તેમની કાવ્યયાત્રાની આગેકૂચ ‘પક્ષીતીર્થ’ (1988) તથા ‘બ્લૅક ફૉરેસ્ટ’(1989)માં જોઈ શકાય છે. ‘બીજો સૂર્ય’માં મહેશ દવેએ પુરોગામીઓની માફક સર્રિયાલિસ્ટ અને ક્યૂબિસ્ટ પ્રયોગો કર્યા છે. ‘હોડીમાં દરિયો તરતો જાય’ જેવી અવળવાણી ‘નાસ્તિ’ કાવ્ય સંભળાવે છે. આ કવિ ઈશ્વરને સ્વર્ગમાંથી મુક્તિ માગતો દર્શાવે છે. મધુ કોઠારી વાગ્રીતિના નૂતન આવિષ્કારો માટેની મથામણ કરનારા કવિ છે. ‘ૐ તત્ સત્’ અને ‘એક વધારાની ક્ષણ’ (1993)ના કર્તા મનહર મોદી (1937–2003) પણ પ્રયોગશીલ ગઝલકાર છે. તેમની ગઝલિયતના નૂતન પ્રયોગો ‘11 દરિયા’ (1986) તથા ‘મનહર અને મોદી’(1998)માં જોવા મળે છે. ભગવતીકુમાર શર્મા (1934–2018) ચમત્કૃતિપૂર્ણ ગઝલો આપે છે. ‘સંભવ’ (1975), ‘છંદો છે પાંદડાં જેનાં’ (1987), ‘નખદર્પણ’ (1995), ‘ઝળહળ’ (1995) અને ‘ઉજાગરો’ (2004) એમના સંગ્રહો છે. લોકગીતમાં આધુનિક સંવેદનાને વ્યક્ત કરતા માધવ રામાનુજ (1945) ભાષા, લય અને પ્રતીકનો સુંદર ઉપયોગ કરે છે. ‘તમે’ (1972), ‘અક્ષરનું એકાંત’ (1997) અને ‘અનહદનું એકાંત’ (2012) તેમના કાવ્યસંગ્રહો છે. કન્યાવિદાયના ગમગીન વાતાવરણને ચિત્રિત કરતી ‘પછી’ સુંદર રચના છે. ‘પરદેશી પંખીના ઊઠ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન’ જેવી પંક્તિ મીઠું દર્દ સંક્રાન્ત કરે છે. વીરુ પુરોહિત(1950)નું ‘આંધળા માણસનું ગીત’ કલ્પનાની નવીનતા અને સંવેદનાની તીવ્રતા પ્રગટ કરે છે. ‘અચાનક’ અને ‘અટકળ’માં મનોજ ખંડેરિયા (1942–2003) ગીત-ગઝલ આપે છે. એમની કેટલીક ગઝલો ગુજરાતી કવિતાની એક સિદ્ધિરૂપ છે. ‘હસ્તપ્રત’ (1991) અને ‘અંજની’ (1991) વગેરે તેમના અન્ય કાવ્યગ્રંથો છે. યશવંત ત્રિવેદી (1934) ‘ક્ષિતિજને વાંસવન’ (1971), ‘પરિપ્રશ્ન’ (1975), ‘પરિદેવના’ અને ‘આ વરસાદ લખું શી રીતે ?’ વગેરેમાં પ્રણય, પ્રકૃતિ અને પૃથ્વીનાં ચિત્રો આપનાર વેદનાના કવિ છે.
સુંદર શબ્દચિત્રો દોરનાર સુધીર દેસાઈ (1934) ‘લોહીને કિનારે ઊગેલ વડ’ (1974), ‘સૂર્યને તરતો મૂકું છું’ (1980) અને ‘કાગળ પર તિરાડો’(1980)ના કર્તા છે. જગદીશ જોષી ‘આકાશ’ (1972), ‘વમળનાં વન’ (1976), ‘મૉન્ટા-કૉલાજ’(1979)માં નશ્વરતા, એકલતા અને વિચ્છિન્નતાની સંવેદનાનાં ચિત્રો રચે છે. ‘ધારો કે એક સાંજે આપણે મળ્યાં’ (1998) તેમની સમગ્ર કવિતાનો સંગ્રહ છે. ‘આંસુ અને ચાંદરણું’ના કર્તા રાધેશ્યામ શર્મા (1936) અસ્તિત્વરાગી કવિ છે. ચંદ્રની કાંચળી, કાળોતરી રાત, બાંગની બંદૂક, ખટ્ ખૂલતું તાળું અને કાંચળિયાળો સૂર્યસર્પ વગેરે મૌલિક પ્રતીકોથી કરેલું વર્ણન અને ઘોરખોદિયા સૂર્યની પ્રવૃત્તિ વિશિષ્ટ રસાસ્વાદ આપતી કવિકર્મની સામગ્રી છે. ‘સંચેતના’, ‘નિષ્કારણ’ અને ‘આકાશની ઉડ્ડયનલિપિ’ તેમના અન્ય કાવ્યસંગ્રહો છે.
‘ફીણની દીવાલો’ના કર્તા જ્યોતિષ જાની (1928–2005) કવિતાનો જન્મ વાસ્તવિકતાના હિંસક સ્પર્શથી થતો હોવાનું જણાવી પંખાળા ઘોડા ઉપર ‘હું’ની વિરૂપ સવારીનું દૃશ્ય વર્ણવે છે. ‘રાવણ-રાવણ’ની રમતનું ચિત્ર નવતર શૈલીનો પ્રયોગ છે. ‘હું’ અને ‘વિરતિ’ના કર્તા મહેન્દ્ર અમીન જાહેર કરે છે કે
‘ઈશ્વરનું અવસાન !
એક
દીર્ઘકાલીન મહાભ્રમનું નિરસન !’
એમનાં ભાવચિત્રોમાં વિશદતા અને વસ્તુલક્ષિતા જોવા મળે છે. ભરત ઠક્કર ‘સોનેરી મૌન’માં નવાં કલ્પનો ગોઠવીને મૃત્યુનું મહોરું પહેરેલી અને મૂલ્યોના ભંગાર વચ્ચે ઊભેલી આધુનિક કવિતાના મૌનમાં ચીસ વગરની વેદનાનો અનુભવ કરાવે છે. હરિકૃષ્ણ પાઠક (1938) ‘સૂરજ કદાચ ઊગે’માં ગ્રામસંસ્કૃતિની મધુર સ્મૃતિ આપે છે. ‘સોળમું સેક્ટર થઈને જીવવાનું છે હવે’ એવા ઉદગાર કવિમનની હતાશા સૂચવે છે. ‘અડવા પચીસી’ (1984), ‘જળના પડઘા’ (1995), ‘રાઈનાં ફૂલ’ (2005) ‘ઘટના ઘાટે’ (2009) અને ‘સાક્ષર-બોતેરી’ (2011) એમના કાવ્યસંગ્રહો છે. એમની સમગ્ર કવિતા ‘જળમાં લખવાં નામ’(2011)માં સંગૃહીત થઈ છે. રામચંદ્ર પટેલ (1939) અતીતરાગી સંવેદનાને અસ્ખલિત ગદ્યલયમાં વહાવે છે. ‘મારી અનાગસિ ઋતુ’(1977)ની ‘હું પાછો મારા ખેતરની’ રચના ધ્યાન ખેંચે તેવી છે. યૉસેફ મૅકવાન (1940) ‘સ્વગત’(1969)માંના ‘ખ્યાલ’ કાવ્યમાં સમયને વાઘનું રૂપક આપે છે અને ‘તમિસ્રભાર’નો અનુભવ વર્ણવતાં કહે છે :
‘કૂકડાની કરવતિયા કલગી કાપાકાપ કરે
અંધારાનું ઘાસ –’
‘પ્રવેશ’(1975)નાં લેખિકા પન્ના નાયક (1933) પોતાની ક્ષણોના સૂરને ભેગા કરી એક દિવસ જુએ છે તો તેમને ‘મારી કૂખમાં ઘૂઘવાટી કરતું કાવ્ય’ એવો અનુભવ થાય છે. ‘તરફડાટ’ કાવ્યમાં આધુનિક કલ્પનનો સુંદર નમૂનો મળે છે. ‘વિદેશિની’ (2000) એમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. ‘તમસા’ (1967), ‘વહેતાં વૃક્ષ પવનમાં’ (1984), ‘ફૂટપાથ અને શેઢો’ (1997) તથા ‘બચાવનામું’ (2011)ના કર્તા રઘુવીર ચૌધરી (1938) છાંદસ, અછાંદસ, ગીત અને ગઝલ જેવાં વિવિધ પ્રકારનાં કાવ્યો આપે છે. નગરમાં ભૂલો પડેલો ગ્રામવાસી પૂછે છે : ‘મને કેમ ના વાર્યો ?’ જન્મજન્માન્તર સુધી વિસ્તરતી અદમ્ય ઝંખના એટલે વતનમાં વીતેલા શૈશવ અને સીમખેતરમાં જીવવાની ઇચ્છા કવિએ વ્યક્ત કરી છે. વિપિન પરીખ (1930–2010) ‘આશંકા’ (1975) અને ‘તલાશ’ (1980) સંગ્રહો આપે છે. તેમની આધુનિક સંવેદના ગદ્યાળુ વિધાનોવાળી અછાન્દસ બાનીમાં રજૂ થઈ છે.
માનસશાસ્ત્રની ચમકવાળા ‘એક’(1962)ના કર્તા શ્રીકાન્ત શાહ (1936) મૃત્યુના ભયનું કારણ ‘બચપણમાં તમે સર્પનાં ઈંડાં ફોડી નાખ્યાં હતાં એ છે’ એમ કહે છે. કવિને મન સૂર્ય મૃત્યુનો જનક છે. તે સૃષ્ટિના વ્રણને ખુલ્લો કરે છે. કવિતાની આ અદ્યતન ગતિવિધિમાં ફાળો આપતા સર્જકોમાં ભાનુપ્રસાદ પંડ્યા (1932) (‘અડોઅડ’, ‘ઓતપ્રોત’), પ્રદ્યુમ્ન તન્ના (‘છોળ’), દલપત પઢિયાર (1950) (‘ભોંયબદલો’, ‘સામે કાંઠે તેડાં’), મફત ઓઝા (1944–1997) (‘ધુમ્મસનું આ નગર’, ‘અશુભ’ વગેરે), વિનોદ જોશી (1955) (‘પરંતુ’, ‘શિખંડી’, ‘ઝાલર વાગે જૂઠડી’, ‘તુણ્ડિલતુણ્ડિકા’), હરીશ મીનાશ્રુ (1953) (‘ધ્રિબાંગ સુંદર એણી પેર ડોલ્યા’, ‘તાંદુલ’, ‘સૂનો ભાઈ સાધુ’ વગેરે), કરસનદાન લુહાર (‘લીલો અભાવ’, ‘જળકફન’ વગેરે), કિશોરસિંહ સોલંકી (‘કારણ’,‘મનસાને મેળે’ વગેરે), જયેન્દ્ર શેખડીવાળા (‘કલ્કિ’, ‘કર્દમપલ્લી’ વગેરે), રવીન્દ્ર પારેખ (‘એ તો રવીન્દ્ર છે’, ‘હરિસંવાદ’), પુરુરાજ જોશી (‘નક્ષત્ર’), જયદેવ શુક્લ (‘પ્રાથમ્ય’), દિલીપ મોદી (‘પંથ’, ‘દાખલા તરીકે તું’, ‘હે સખી સોગંદ છે મારા તને’ વગેરે), કૃષ્ણ દવે (‘પ્રહાર’, ‘વાંસલડી ડૉટ કૉમ’), ફિલિપ ક્લાર્ક (‘ટહુકી રહ્યું ગગન’, ‘સૂરજથી ગાજે વન’), દલપત ચૌહાણ (‘ક્યાં છે સૂરજ ?’ વગેરે), મનોહર ત્રિવેદી (‘મોંસૂઝણું’, ‘મિતવા’, ‘છુટ્ટી મૂકી વીજ’ વગેરે), મંગળ રાઠોડ (‘કાષ્ઠશિલ્પ’), કિસન સોસા (‘સહરા’, ‘અનસ્ત સૂર્ય’, ‘અનાશ્રિત સૂર્ય’ વગેરે), યજ્ઞેશ દવે (‘જળની આંખે’, ‘જાતિસ્મર’), સંજુ વાળા (‘કિલ્લેબંધી’ વગેરે), લાલજી કાનપરિયા (‘ઝલમલ ટાણું’ વગેરે), હર્ષદ ત્રિવેદી (‘રહી છે વાત અધૂરી’, ‘તારો અવાજ’ વગેરે), મુકુલ ચોકસી (‘તરન્નુમ’, ‘તાજા કલમમાં એ જ કે’ વગેરે), પ્રવીણ પંડ્યા (‘અજવાસનાં મત્સ્ય’, ‘બરડાના ડુંગર’), યોગેશ જોષી (‘અવાજનું અજવાળું’, ‘જેસલમેર’ વગેરે), પ્રબોધ ર. જોશી (1953–2012) (‘મારે કોઈ નામ આપવું બાકી છે’, ‘પાછો ઉઘાડ નીકળ્યો આ’), રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ (‘તૂટેલો સમય’, ‘છોડીને આવ તું’, ‘કોઈ તારું નથી’), રાજેશ પંડ્યા (‘પૃથ્વીને આ છેડે’), હર્ષ બ્રહ્મભટ્ટ (1954) (‘એકલતાની ભીડમાં’, ‘અંદર દીવાદાંડી’, ‘ખુદનેય ક્યાં મળ્યો છું ?’), પ્રફુલ્લ રાવલ (‘આવતી કાલની શોધમાં’) વગેરે ગણનાપાત્ર છે.
આધુનિક કાવ્યપ્રણાલીમાં નૂતન પ્રતીકો, ગીત-ગઝલોની વિપુલતા, ગદ્ય અને કવિતા વચ્ચેનો લુપ્ત થતો ભેદ વગેરે લક્ષણો આગળ તરી આવે છે. આજનો કવિ શબ્દની શોધમાં નીકળ્યો છે. ‘અમંગલ બોધ’ આજની કવિતાનું અપલક્ષણ ક્યારેક બને છે, છતાં તે અદ્યતન યુગચેતનાના એક આવિષ્કારરૂપ છે. કવિતા હવે વૈશ્વિક સંદર્ભને સ્પર્શતી જણાય છે અને સર્જકો શુદ્ધ કાવ્યતત્વની ઉપાસના કરી રહ્યા છે.
નવલકથા : રચનાવિધાનની દૃષ્ટિએ નવી નવલકથા પ્રગતિ દર્શાવે છે; પરંતુ તેની લોકપ્રિયતાનો આંક નીચો ઊતરી રહ્યો છે. રૂઢ પ્રકારની નવલકથાઓ થોકબંધ છે, જ્યારે અદ્યતન સંવિધાનવાળી ઝાઝી નથી. અદ્યતન નવલકથાકાર આંતરચેતનાપ્રવાહ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. આધુનિકો વિસંગત જણાતી બાબતોનું સાહચર્ય કે સહોપસ્થિતિ દર્શાવતી પદ્ધતિ વાપરે છે. સૌંદર્યપરક અભિવ્યક્તિ ગુજરાતી નવલકથાકારનું ધ્રુવબિંદુ છે. આ નવા સમયસંદર્ભમાં કવિતા કરવાનું સરળ અને નવલકથા લખવાનું અઘરું બન્યું છે. ચીલાચાલુ નવલકથાઓ મોટા જથ્થામાં લખાય છે; પણ નૂતન સર્જનાત્મક ભાતવાળી આધુનિક નવલકથાઓ અલ્પ છે, તેનું કારણ તેના સ્વરૂપમાં થયેલી કાયાપલટ છે. ગુજરાતી લેખકોને નવી વિભાવના યુરોપીય લેખકો પાસેથી મળેલી છે.
આજના નવલકથાકારનું લક્ષ ઘટના પરથી ચેતના પર કેન્દ્રિત થયેલું છે. વસ્તુ કરતાં આકારને મહત્વ મળ્યું છે. 1955માં સુરેશ જોષીએ ‘નવલકથાનો નાભિશ્વાસ’ લેખથી ઊહાપોહ શરૂ કરેલો. નૂતન અસ્તિત્વવાદી સંપ્રજ્ઞતાનો પ્રથમ આવિષ્કાર નવલકથામાં ચંદ્રકાન્ત બક્ષી (1932–2006)ની ‘આકાર’(1963)માં થયેલો છે. તેનો નાયક યશ ન. શાહ આત્મહત્યાને જિંદગીનો યોગ્ય અંત માને છે. બક્ષીએ ‘પડઘા ડૂબી ગયા’ (1959), ‘એક અને એક’ (1965), ‘પૅરેલિસિસ’ (1967), ‘હનીમૂન’ (1971), ‘અતીતવન’ (1973), ‘આકાશે કહ્યું’ (1975), ‘બાકી રાત’ (1979), ‘હથેલી પર બાદબાકી’ (1981), ‘હું કોનારક શાહ…’ (1983), ‘લીલી નસોમાં પાનખર’ (1984), ‘વંશ’ (1986) વગેરે નવલકથાઓ આપી છે.
સુરેશ જોષી (1921–1986) ‘છિન્નપત્ર’ (1965) જેવો પ્રતિનવલનો નમૂનો આપે છે. ‘મરણોત્તર’ (1973) ચેતનાના સૂક્ષ્મપ્રવાહની નવલ છે. શ્રીકાન્ત શાહની ‘અસ્તી’ (1966) ઘટનાવિહીન નવલકથાનો યત્ન છે. મધુ રાય (1942)ની ‘ચહેરા’ (1966) જુદા જુદા ચહેરાઓનું અને ઘટનાઓના ટુકડાઓનું મૉન્ટાજ છે. એમની બીજી નવલકથા ‘કામિની’ (1970) મનોવૈજ્ઞાનિક વાસ્તવનું ચિત્ર દોરે છે. એમની ‘કલ્પવૃક્ષ’ (1987) કમ્પ્યૂટર-નવલકથા છે. રઘુવીર ચૌધરીની ‘પૂર્વરાગ’, ‘પરસ્પર’ અને ‘પ્રેમઅંશ’ પ્રારંભની નવલકથાઓ છે. ‘અમૃતા’ (1965) શ્રદ્ધા અને સંવાદની ભાવના રજૂ કરે છે. લેખકે ભારતીય ષ્ટિએ અસ્તિત્વવાદનું મૂલ્ય આંક્યું છે. ‘વેણુ વત્સલા’ અને ‘ઉપરવાસ’, ‘સહવાસ’, ‘અંતરવાસ’ એ નવલત્રયી ઉપરાંત તેમણે બીજી પણ અનેક નવલકથાઓ આપી છે.
મુકુન્દ પરીખ (1934)ની ‘મહાભિનિષ્ક્રમણ’ (1968) રસ અને ટૅકનિકની દૃષ્ટિએ શુદ્ધ કલાનો આસ્વાદ કરાવે છે. રાધેશ્યામ શર્માની ‘ફેરો’ (1968) ચેતનાનું આંતરવિશ્વ રજૂ કરે છે. ‘સ્વપ્નતીર્થ’ (1979) અજાગ્રત સ્તરમાં પ્રકટતી વિકૃતિઓનાં હૃદયંગમ ચિત્રો આપતી રાધેશ્યામની બીજી નવલ છે. કિશોર જાદવની ‘નિશાચક્ર’ કુત્સિત ચિત્રો આપતી પરાવાસ્તવિક શૈલીની રચના છે. સર્જકે ચેતનાસ્રોતના આદિમ પ્રારંભબિંદુ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. ચરિત્રચિત્રણની દૃષ્ટિએ આકર્ષક અને હળવી પણ આધુનિક ચેતનાને સ્પર્શતી ‘ચાખડીએ ચડીને ચાલ્યા હસમુખલાલ’ (1970) નવલકથા જ્યોતિષ જાનીએ લખી છે. એમની બીજી નવલ છે ‘રચના’ (1980).
રાવજીએ બે નવલ આપી છે : ‘અશ્રુઘર’ (1966) અને ‘ઝંઝા’ (1967). તેમાં પહેલી સીધી કથનપદ્ધતિવાળો વેદનાનો સજીવ તાર ઝંકૃત કરનારી છે. બીજીમાં ડાયરીના માધ્યમથી કથાનાયકનું આંતરવિશ્વ પ્રગટ થયું છે.
અન્ય સાંપ્રતકાળની નવલકથાઓમાં લાભશંકર ઠાકરની ‘કોણ ?’; હરીન્દ્ર દવેની ‘પળનાં પ્રતિબિંબ’ અને ‘સુખ નામનો પ્રદેશ’; ધીરુબહેન પટેલની ‘વડવાનલ’. ‘વાંસનો અંકુર’, ‘આંધળી ગલી’ અને ‘આગન્તુક’; સરોજ પાઠકની ‘નાઇટમેર’; ચિનુ મોદીની ‘ભાવ-અભાવ’; પિનાકિન દવેની ‘વિવર્ત’ અને ‘મોહનિશા’; ભગવતીકુમાર શર્માની ‘સમયદ્વીપ’, ‘અવ્યક્તમધ્ય’, ‘ઊર્ધ્વમૂલ’, ‘અસૂર્યલોક’; બિન્દુ ભટ્ટની ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ અને ‘અખેપાતર’; જયંત ગાડીત (1938–2009)ની ‘આવૃત્ત’, ‘ચાસપક્ષી’, ‘કર્ણ’ અને ‘સત્ય’; ધીરેન્દ્ર મહેતાની ‘ચિહન’, ‘દિશાંતર’, ‘અદૃશ્ય’, ‘આપણે લોકો’ અને ‘છાવણી’; મફત ઓઝાની ‘ઘૂઘવતા સાગરનાં મૌન’, ‘પથ્થરની કાયા, આંસુનાં દર્પણ’, ‘અમે તરસ્યા સાજન’, ‘સાતમો પુરુષ’ વગેરે; પ્રિયકાન્ત પરીખ(1937 2011)ની ‘ઉપર ગગન વિશાળ’, ‘કોશા’, ‘નીલગગનનાં પ્યાસાં પંખી’, ‘વહેતા સમયની વાત’ વગેરે; કુન્દનિકા કાપડિયાની ‘અગનપિપાસા’, ‘સાત પગલાં આકાશમાં’ ઉપરાંત દિગીશ મહેતા(1934–2001)ની લઘુનવલ ‘આપણો ઘડીક સંગ’ (1962) અને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત થયેલી જૉસેફ મૅકવાનની ‘આંગળિયાત’ (1985) તથા અશોકપુરી ગોસ્વામીની ‘કૂવો’ (1994); ધ્રુવ ભટ્ટની ‘સમુદ્રાન્તિકે’, ‘તત્વમસિ’ વગેરે; સુભાષ શાહની ‘નિર્ભ્રાન્ત’, ‘અકથ્ય’, ‘વેંત છેટી મહાનતા’ વગેરે; દલપત ચૌહાણની ‘મલક’, ‘ગીધ’, ‘ભળભાંખળું’ વગેરે; યોગેશ જોષીની ‘સમૂડી’, ‘વાસ્તુ’ વગેરે વીનેશ અંતાણીની ‘નગરવાસી’, ‘એકાંતદ્વીપ’, ‘પ્રિયજન’, ‘કાફલો’ વગેરે ખાસ ઉલ્લેખપાત્ર છે.
નવી નવલકથાનો પ્રવાહ સાહિત્યરસિકો પૂરતો જ મર્યાદિત રહે એમ જણાય છે.
ટૂંકી વાર્તા : ગુજરાતી ટૂંકી વાર્તા પણ બાહ્ય ઘટનાઓને સ્થાને મનોવ્યાપારોના નિરૂપણ તરફ કેન્દ્રિત થયેલી છે. સુરેશ જોષી પોતાના પ્રથમ વાર્તાસંગ્રહ(‘ગૃહપ્રવેશ’, 1957)થી આધુનિક ટૂંકી વાર્તાના પ્રવર્તક ગણાયા છે. આંતરચેતનાની એકબે ક્ષણ પસંદ કરી માનવચિત્તનાં ભીતરી શ્યો તેઓ રજૂ કરે છે. એમના અન્ય સંગ્રહો છે ‘બીજી થોડીક’, ‘અપિ ચ’ અને ‘ન તત્ર સૂર્યો ભાતિ’. ‘થીંગડું’, ‘કથાચક્ર’, ‘કપોલકલ્પિત’, ‘બે સૂરજમુખી’ તથા ‘પદ્મા તને…’ વગેરે તેમની નવી ટૅકનિકની કલાત્મક રચનાઓ છે. ચન્દ્રકાન્ત બક્ષી આધુનિક સંપ્રજ્ઞતા સાથે ઘટનામાંથી વાર્તા ઘડે છે. ‘તમે આવશો ?’, ‘બાર વર્ષે’, ‘આ મુંબઈ શહેરમાં’, ‘રજ્જોનો પતિ’ વગેરે ઘટનાપ્રધાન હોવા છતાં વિષય અને નિરૂપણની બાબતમાં નાવીન્યયુક્ત છે.
કથનના વૈવિધ્ય દ્વારા વસ્તુ અને સંવેદનનો સંબંધ જોડતા મધુ રાય ‘હુગલીનાં મેલાં નીર’, ‘બાંશી નામની એક છોકરી’, ‘એક સોમવાર’, ‘શેષ પ્રહર’, ‘કુમુદ તારું નામ સલોની છે’, ‘કાન’, ‘ટૂ અપ અથવા વન ડાઉન’ વગેરે વાર્તા આપીને એક સમર્થ વાર્તાકાર તરીકે સિદ્ધિ મેળવે છે. પ્રાસાનુપ્રાસવાળા શબ્દની ગોઠવણીથી આકાર ઊભો કરવાની પદ્ધતિ ‘હાર્મોનિકા’, ‘ચ્ચુમ્બન્ન’, ‘તીડ’, ‘ખો’ વગેરેમાં તેમણે પ્રયોજી છે.
પ્રયોગશીલ સર્જક તરીકે કિશોર જાદવ (1939–2017) ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ સંગ્રહમાં સર્રિયલ કથનરીતિ અપનાવે છે. ‘પોલાણનાં પંખી’, ‘આદિમોત્સાહ અને બીજાં હળાહળ’ વગેરેમાં સ્વયંસ્ફુરિત ચેતના નિશ્ચિત આકાર ધારણ કરે છે. ક્ષણે ક્ષણે પરિવર્તન પામતું ભાવજગત અસંબદ્ધ અને અવ્યવસ્થિત શબ્દલીલામાં આકાર પામે તેવી રચનારીતિ ગુજરાતી સાહિત્યમાં કિશોર જાદવે ઉત્કૃષ્ટ રીતે અજમાવી છે. તેમના અન્ય સંગ્રહોમાં ‘સૂર્યારોહણ’, ‘છદ્મવેશ’ વગેરે છે. રાધેશ્યામ શર્માકૃત ‘સાડા ત્રણ ફૂટની ઘટના’, ‘સળિયા’ વગેરે વાર્તાઓ પ્રતીકયોજનાથી નોંધપાત્ર બની છે. પ્રગલ્ભ પ્રયોગોમાં રાચતા ચિનુ મોદી ‘બાઈ ઓખા’ અને ‘દશાનનાખ્યાન’માં પૌરાણિક કથાશૈલીના ઉપયોગથી આધુનિક જીવનરીતિ પર પ્રકાશ ફેંકે છે. પ્રબોધ પરીખ ‘કારણ વિનાના લોકો’માં અસ્તિત્વની નિરર્થકતા પ્રગટ કરે છે. સપ્રમાણ બાંધાવાળી ઘટનામૂલક વાર્તાઓના કસબી રઘુવીર ચૌધરી ‘પૂર્ણસત્ય’, ‘પોટકું’, ‘મુશ્કેલ’, ‘તમ્મર’, ‘સાંકળ’, ‘નષ્ટજાતક’, ‘છટકી ગયેલો માણસ’ વગેરે વાર્તાઓ આપે છે. ‘આકસ્મિક સ્પર્શ’, ‘ગેરસમજ’, ‘અતિથિગૃહ’ વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. જ્યોતિષ જાનીની વાર્તાઓ ‘નાક’, ‘સૂટકેઇસ’ ‘મોરલી વાગી’, ‘તબલચી’ હળવી શૈલીની છે. પિનાકિન દવેના ‘તૃપ્તિ’ સંગ્રહમાં ‘માધવી’ જેવી પૌરાણિક વાર્તા સાથે ‘કેશેણ્ડેક’ જેવી આધુનિક વાર્તા પણ છે. ‘અકસ્માત’ અને ‘તરવરતી માછલીઓ’ પ્રતીકપ્રધાન છે. ‘તૃપ્તિ’, ‘ઝેરી હવા’, ‘માણસ, કૂતરાં ને ચૂંટણી’ વગેરે આંતરજગતનું સૂક્ષ્મ નિરૂપણ કરનારી વાર્તાઓ છે.
ટૂંકી વાર્તાનો સર્જક સંવેદનોના અનંત વિસ્તારને આંબવા મથે છે તેનું ષ્ટાંત ઘનશ્યામ દેસાઈનો ‘ટોળું’ સંગ્રહ છે. તેમની અનેક વાર્તાઓનું કથન ‘હું’થી શરૂ થતું હોય છે. ‘લીલો ફણગો’, ‘રેણ’, ‘પ્રોફેસર : એક સફર’ ઇત્યાદિના કલાસ્વરૂપમાં લેખકનું ભાષાકર્મ ધ્યાન ખેંચે છે.
ભગવતીકુમાર શર્માની ‘નિર્જન વાવમાં ચામાચીડિયાં’, ‘ધડ’, ‘અપ્રતીક્ષા’, ‘બ્લૂ ફિલ્મ’, ‘હું ક્યાં ?’ વગેરે વાર્તાઓનો ‘હું’ આત્મનાશના માર્ગે જાય છે. આધુનિક યુગચેતનાનાં વિચ્છિન્નતા અને ભગ્નાશાનાં સંવેદનો સાદી ભાષા અને સાદી ઘટનાથી એમાં રજૂ થતાં હોય છે.
સુવર્ણાની ‘એક હતી દુનિયા’ની બધી વાર્તાઓમાં એક જ બિંદુ પર મનુષ્યચિત્તની ક્રિયાપ્રતિક્રિયા કેન્દ્રિત થઈને ગૂંથાતી જાય છે. તેમાં હું એટલે વાર્તા અને વાર્તા એટલે હું એવું સમીકરણ રચાય છે. ‘ન્યુરૉટિક’ અને ‘આકાશના કોક ખૂણે’ પ્રથમ પુરુષ વડે કહેવાઈ છે. ઇવા ડેવની ‘આગંતુક’ અને ‘બિચારી જમની’, સરોજ પાઠકની ‘સારિકા પિંજરસ્થા’ ને ‘ન કૌંસમાં ન કૌંસ બહાર’ અને ઉત્પલ ભાયાણીના ‘નિમજ્જન’ તથા ‘ખતવણી’ સંગ્રહની ટૂંકી વાર્તાઓ ઉલ્લેખનીય છે. વૈવિધ્યપૂર્ણ અને અભિવ્યક્તિના પ્રયોગવાળી વાર્તાઓના અન્ય લેખકોમાં નલિન રાવળ, રાવજી પટેલ, વિભૂત શાહ, શશી શાહ, સુધીર દલાલ, રજનીકાન્ત રાવળ, લક્ષ્મીકાંત ભટ્ટ, સત્યજિત શર્મા, કાન્તિ પટેલ, હસમુખ શેઠ, અભેસિંહ પરમાર, સુમન શાહ વગેરે ગણનાપાત્ર છે. પ્રિયકાન્ત પરીખના વાર્તાસંગ્રહોમાં ‘ફંટાતા રસ્તા’, ‘હિમશિલા’, ‘અગનપિછોડી’, ‘નવો ક્રમ’ વગેરે છે.
નાટક : સૅમ્યુઅલ બૅકેટે ફ્રેન્ચમાં લખેલું ‘વેઇટિંગ ફૉર ગૉદો’ નાટ્યક્ષેત્રે સીમાચિહ્ન બન્યું ત્યારથી ઍબ્સર્ડ નાટકનો આધુનિક પ્રવાહ શરૂ થયો. આ પ્રવાહના નાટ્યપ્રયોગોની રજૂઆત-શૈલી પણ ઍબ્સર્ડ હોય છે. નાટ્યકાર તેમાં પરિસ્થિતિનું માત્ર દર્શન કરાવે છે. પાત્રની સંવેદના કેન્દ્રમાં રહે છે તેથી ઘટના દ્વારા કોઈ સંઘર્ષ સધાતો નથી. સંવાદની ભાષામાંથી વિસંગતિની પ્રતીતિ થતાં પ્રેક્ષકના ચિત્તમાં સંઘર્ષ જન્મે છે. વ્યંગ, કટાક્ષ, અવળવાણી, ગીતો અને સૂત્રો સાથે હાસ્યચેષ્ટાઓથી જીવનની અર્થહીનતા દર્શાવવામાં આવે છે. ઍબ્સર્ડનો લેખક કાવ્યાત્મક કલ્પનો અને પ્રતીકોનો પણ ઉપયોગ કરે છે. ચહેરા વગરના માનવી જેવાં એનાં પાત્રો A, B, C કે 1, 2, 3થી ઓળખાય છે. આ પ્રકારનાં નાટકોમાં લાભશંકર ઠાકરનું ‘એક ઉંદર અને જદુનાથ’ (1966), મધુ રાયનું ‘ઝેરવું’ (1966), મુકુન્દ પરીખનું ‘ચોરસ ઈંડાં અને ગોળ કબરો’ (1966), આદિલ મન્સૂરીનું ‘પેન્સિલની કબર અને મીણબત્તી’, શ્રીકાન્ત શાહનું ‘તિરાડ’ વગેરેએ યુવાન પ્રેક્ષકવર્ગ પર પકડ જમાવેલી. લાભશંકરનાં ‘મરી જવાની મઝા’, ‘કાદવકીચડ’, ‘વૃક્ષ’, ‘મનસુખલાલ મજીઠિયા’; મધુ રાયનાં ‘કાગડી ? કાગડા ? માણસો ?’, ‘અશ્વત્થામા’; ચિનુ મોદીના પ્રથમ સંગ્રહ ‘ડાયલનાં પંખી’માંનાં અને ‘કૉલબૅલ’માંનાં નાટકોમાંનું ‘હુકમ, માલિક’; આદિલના સંગ્રહ ‘હાથપગ બંધાયેલા છે’ અને ‘જે નથી તે’માંનાં ‘ખરેખર દરવાજા બંધ છે’ અને ‘ટપાલપેટી’; સુભાષ શાહનાં ‘દીવાલ’, ‘બહારનાં પોલાણ’, ‘સોળ વર્ષ’, ‘બસસ્ટૉપ’ વગેરે અને રમેશ શાહનાં ‘રાક્ષસ’, ‘ચોપગું’, ‘ક્યાં ચાલ્યા ?’ અને ‘કયા માધવલાલ ?’ ઇત્યાદિ નાટક અને રંગભૂમિના સંયુક્ત અભિગમવાળી સર્જકતાનો ફાલ છે.
‘રે’ મઠ તરફથી પાંચ લેખકોના એકાંકીઓનો સંગ્રહ ‘મેઇક બિલીવ’, ‘1967માં પ્રગટ થયેલો. રંગભૂમિ પર તેમાંનાં કેટલાંકનો વારંવાર પ્રયોગ થયેલો. રમેશ શાહના ત્રણ સંગ્રહોનાં ‘રૂમનો ટી. બી. પેશન્ટ’, ‘ચોપગું’ અને ‘શાલિટાકા’માં પાશ્ચાત્ય નાટ્યકાર બૅકેટ અને આયૉનેસ્કોની સીધી અસર જણાય છે. ચાલીસથી વધુ એકાંકીઓ આપતા ‘આકંઠ’ અને ‘સાબરમતી’ના સર્જકોમાં ઉપર જણાવ્યા તે ઉપરાંત સુવર્ણા રાય, ઇન્દુ પુવાર, હસમુખ બારાડી, મનહર મોદી, હિંમત કપાસી, સરૂપ ધ્રુવ, દલપત પઢિયાર, દિવા પાણ્ડેય, બકુલ ત્રિપાઠી, ચંદ્રકાન્ત શેઠ, સુભાષ દવે સતીશ વ્યાસ (‘જળના પડદે’), પ્રવીણ પંડ્યા (‘ઇન્ડિયા લૉજ’) વગેરે સક્રિય ફાળો આપનાર હતાં. તેમાં ભજવણી પહેલી અને લેખન પછી, વાચન, ચર્ચા અને કોઈ પણ જાતની પૂર્વતૈયારી વિનાની રચના જેવી અનેક રીતો અજમાવેલી; તેમ છતાં બાંધણી અને તખ્તાપ્રયોગ બંને દૃષ્ટિએ આ રચનાઓ ચકાસેલી જણાય છે. આ સર્વમાં ઉક્તિઓ વડે ક્રિયા અને પરિસ્થિતિનો મેળ સાધતી અનેક સુંદર રચનાઓ મળી છે. ગુજરાતી નાટ્યક્ષેત્રે ભજવાય તેવી રીતે લખાય એવી સમજ આ પુરુષાર્થથી દૃઢ થઈ એ મહત્વની ઘટના છે.
ઉપર ઉલ્લેખાયેલા નાટ્યકારો ઉપરાંત આધુનિક સંવેદનાને નાટકમાં રજૂ કરતા સર્જકોમાં મહેશ દવે (‘મને દૃશ્યો દેખાય છે’), રઘુવીર ચૌધરી (‘ડિમ લાઇટ’, ‘ત્રીજો પુરુષ’), વિભૂત શાહ (‘લાલ, પીળો ને વાદળી’ તથા ‘શાન્તિનાં પક્ષી’) વગેરેની કૃતિઓ મળે છે.
દીર્ઘ નાટકોમાં સાહિત્યિક દૃષ્ટિએ શ્રેષ્ઠ ગણાયેલા રસિકલાલ પરીખના ‘શર્વિલક’ (1962) પછી નાટકના સર્જનમાં લાંબાં નાટકોના નોંધપાત્ર પ્રયોગો મધુ રાયે કરેલા છે. ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’, ‘કુમારની અગાશી’ અને બર્નાર્ડ શૉના ‘પિગ્મેલિયન’ પરથી રચેલું ‘સંતુ રંગીલી’ તખ્તા પર સફળ નીવડેલાં છે. અવૈતનિક રંગભૂમિએ પણ સારાં નાટકો સંપડાવ્યાં. સ્પર્ધા, પરિસંવાદો અને શિબિરોએ રંગભૂમિના બરનાં નાટકો સારુ હવા જમાવી. પ્રબોધ જોશીએ રંગભૂમિ માટેનાં સંખ્યાબંધ મનોરંજક નાટકો આપ્યાં. આઇ. એન. ટી. જેવી સંસ્થાનો પણ તેમાં નોંધપાત્ર ફાળો ગણાય. ચારસો જેટલાં નાટકો લખનાર રંભાબહેન ગાંધીનાં ‘કોઈને કહેશો નહિ’, ‘પરણું તો તેને જ’, ‘પ્રેક્ષકો માફ કરે’ અને ‘રૉંગ નંબર’ વગેરે રંગભૂમિ ઉપર અનેક વખત ભજવાયાં છે. મધુ રાયનાં નાટકો ઉપરાંત સિતાંશુનાં રૂપાંતર-ભાષાંતર ‘વૈશાખી કોયલ’, ‘તોખાર’ વગેરે નાટકો તખ્તા પર રજૂ થયાં. ‘કહો મકનજી ક્યાં ચાલ્યા ?’ જેવું સફળ નાટક સિતાંશુ તખ્તા અને રેડિયો માટે સારાં નાટકો આપી શકે છે તેની પ્રતીતિ કરાવે છે. તેમનાં ‘ખગ્રાસ’, ‘આ માણસ મદ્રાસી લાગે છે’, ‘અશ્વત્થામા’ વગેરે નાટકો પણ ધ્યાનાર્હ છે. નાટ્યરુચિ પોષવામાં ઉપયોગી નીવડેલી સંસ્થાઓમાં ‘રંગભૂમિ’, ‘ત્રિવેણી’, ‘રૂપકસંઘ’, ‘રંગમંડળ’ વગેરે ઉલ્લેખનીય છે.
નિબંધ : ગુજરાતી ગદ્યના વિકાસમાં વર્તમાનપત્રો અને સામયિકોનો ફાળો નોંધપાત્ર ગણાય. સાહિત્યમાં નિબંધ લલિત અને લલિતેતર એવાં બે સ્વરૂપમાં મળે છે. સુધારક યુગથી ગંભીર ચિંતનાત્મક લલિતેતર લખાણોનો શરૂ થયેલો પ્રવાહ આજ સુધી ચાલુ રહ્યો છે. નરસિંહરાવના ‘વિવર્તલીલા’માં ગંભીર વિષયની ચર્ચામાં પણ મુક્ત અને માર્મિક પદ્ધતિનો ઉપયોગ થયેલો છે. ‘ગોષ્ઠી’માં ઉમાશંકરે ‘વાર્તાલાપ’, ‘જ્યાં ચરણ રુકે ત્યાં કાશી’ અને ‘મિત્રતાની કળા’ જેવા ઉત્તમ નિબંધોમાં સર્જકતાનો સંસ્પર્શ આપીને અનૌપચારિક લઢણથી ચિંતન સાથે નર્મમર્મનો સહારો પણ લીધો છે. સંવેદનાની અનુભૂતિ અને સર્જકના વ્યક્તિત્વની છાપવાળા નિબંધોથી સુરેશ જોષીએ નિબંધના સ્વરૂપનો નવીન તબક્કો શરૂ કર્યો. ‘મનીષા’–‘ક્ષિતિજ’થી અંગત તત્ત્વવાળી કથનરીતિનો પ્રારંભ ગુજરાતી નિબંધમાં થયેલો અને તેમની પાસેથી કેટલીક ઉત્તમ સાહિત્યિક રચનાઓ મળી છે. ‘જનાન્તિકે’માં આ લેખકે ચિત્ત અને વાણીનો મુક્ત વિહાર થવા દીધો છે. સાહિત્યતત્વ, પ્રકૃતિ, માનવ અને ઈશ્વર સુધીના સર્વ વિષયો એમના નિબંધોમાં સ્થાન પામ્યા છે. આધુનિક સંપ્રજ્ઞતાના સૂક્ષ્મ અને ગહન સ્તરો પણ યચ્છાવિહારથી ઉખેળાયા છે. તેમાં કવિસહજ મૃદુતા અને સંવેદનની તીક્ષ્ણતા વરતાય છે. એમનું ગદ્ય અભિવ્યક્તિની અપૂર્વ છટાવાળું છે. દિગીશ મહેતાના ‘દૂરના એ સૂર’(1970)ના નિબંધોમાં માર્મિક વાર્તાલાપનો અનુભવ થાય છે. ગદ્યમાં એમણે વિકસાવેલી વિનોદશૈલી લલિત નિબંધને છટાદાર ઘાટ આપે છે. ચંદ્રકાન્ત શેઠના ‘નંદ સામવેદી’ (1980) સંગ્રહમાં નિખાલસ આત્મકથન અને આત્મનિર્ભર્ત્સના – એ વિશિષ્ટ અંગોનો પરિચય થાય છે. તેમાં ‘ક્યાં છે કૃષ્ણ ?’, ‘આંતરતીર્થની યાત્રા’ જેવા ગંભીર નિબંધો મળે છે. ‘નાથાલાલનું નામદાર નાક’ અને ‘શંકરલાલ સ્ટુડિયો’ જેવાં હળવી શૈલીનાં કટાક્ષચિત્રો પણ છે. જેમના નિબંધો પત્રકારત્વની નીપજ છે એવા પ્રયોગશીલ લેખક ગુણવંત શાહ (1937)ના ‘કાર્ડિયોગ્રામ’, ‘રણ તો લીલાંછમ’, ‘વગડાને તરસ ટહુકાની’, ‘ઝાકળ ભીનાં પારિજાત’, ‘મનનાં મેઘધનુષ્ય’ વગેરે સંગ્રહો છે. એમની શૈલીમાં ભાવનો ઉદ્રેક અને સૂત્રાત્મકતા જોવા મળે છે. ‘પાંચ કિલો પ્રેમ : એક લિટર કરુણા’, ‘અસ્તિત્વને આવી ગયું ઝોકું’, ‘જગતનું સૌથી વિચિત્ર પ્રાણી માણસ’ વગેરેમાં વક્તવ્યની તાજગી અને વાણીની ચમત્કૃતિ પ્રભાવક છે.
ભોળાભાઈ પટેલ (1934–2012)ના ‘વિદિશા’(1980)માં પ્રકૃતિદર્શન અને સંસ્કૃતિદર્શન સાથે સાથે થતાં જાય છે. સાહિત્યના બહુવિધ સંદર્ભો એમના નિબંધોનું મહત્વનું આકર્ષણ છે. ‘વિદિશા’, ‘બ્રહ્મા’, ‘ખજુરાહો’, વગેરેની ગદ્યશૈલી પ્રવાહી, પ્રાસાદિક અને ચિત્રાત્મક છે. એમના અન્ય સંગ્રહોમાં ‘પૂર્વોત્તર’, ‘રાધે તારા ડુંગરિયા પર’, ‘કાંચનજંઘા’, ‘દેવતાત્મા હિમાલય’, ‘બોલે ઝીણા મોર’, ‘દેવોની ઘાટી’ (કેન્દ્રીય સાહિત્ય એકૅડેમી દ્વારા પુરસ્કૃત) છે. પ્રવાસલક્ષી આધુનિક નિબંધસાહિત્યમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ‘નામરૂપ’ (1981) એ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (1937–1981)નો સંગ્રહ વૈચિત્ર્યથી ભરેલી માનવસૃષ્ટિનાં સ્વભાવચિત્રો દોરી આપતા નિબંધો આપે છે. ગ્રામજનોમાં ગપો પંડિત, રહીમ ચાચા, રઘુ, ગોરબાપા, કાનજીકાકા વગેરેનાં વ્યક્તિત્વને માર્મિક અને ચિત્રાત્મક શૈલીમાં ઉઠાવ મળ્યો છે. નામ અને રૂપની આ સૃષ્ટિ માનવીય સંબંધોની લીલા પ્રગટ કરે છે. ચરિત્રનિબંધોનો સંગ્રહ ‘સહરાની ભવ્યતા’ (1980) રઘુવીર ચૌધરીનો છે. તેમાં પચીસ સાહિત્યસર્જકોનાં સ્વભાવચિત્રોનું આલેખન કર્યું છે. લેખકની દૃષ્ટિ વેધક અને વાણી માર્મિક છે. આ સર્જક નિબંધોમાં અંગત સ્પર્શ, નર્મમર્મવૃત્તિ અને બૌદ્ધિક ઉન્મેષોથી સભર ગદ્યશૈલી જેવી વિશિષ્ટતાઓ છે. નરસિંહરાવ, લીલાવતી મુનશી, ઉમાશંકર વગેરેએ આ પ્રકારનાં રેખાચિત્રોની ઊભી કરેલી પરંપરામાં વધુ લાલિત્યસભર નિબંધો મળતા થયા છે. યોગેશ જોષી (‘મોટી બા’), પ્રફુલ્લ રાવલ (‘નોખા-અનોખાં’, ‘નહિ વીસરાતા ચહેરા’) લલિત નિબંધનું ખેડાણ કરનાર અને સર્જકોમાં ‘શિયાળાની સવારનો તડકો’ના લેખક વાડીલાલ ડગલી, ‘હથેળીનું આકાશ’ તથા ‘શાહમૃગ અને દેવહુમા’ના કર્તા વિષ્ણુ પંડ્યા, ‘શબ્દાતીત’ અને ‘નદીવિચ્છેદ’ના લેખક ભગવતીકુમાર શર્મા, ‘નીરવ સંવાદ’ના લેખક હરીન્દ્ર દવે અને ‘મારી બારીએથી’ના લેખક સુરેશ દલાલ વગેરે ગણનાપાત્ર છે. ધીરુભાઈ ઠાકરના ‘શબ્દમાધુરી’, ‘સંસ્કારમાધુરી’ વગેરે નિબંધસંગ્રહો છે. આ ઉપરાંત એમણે વિદેશના પ્રવાસનું પુસ્તક ‘સફર સો દિવસની’ તેમજ મણિલાલ દ્વિવેદી અને કસ્તૂરભાઈ લાલભાઈનાં ચરિત્રો અનુક્રમે ‘મણિલાલ નભુભાઈ જીવનરંગ’ અને ‘પરંપરા અને પ્રગતિ’ (બંને રાજ્ય પારિતોષિક વિજેતા) લખેલાં છે.
રમણભાઈ નીલકંઠ, જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા વગેરેએ લલિત નિબંધની ચાલુ રાખેલી પરંપરામાં આજ સુધી સર્જકતાના અનેક વિવર્તો પ્રગટ થતા રહ્યા છે. આ પ્રકારમાં લેખક-વાચકનો પ્રત્યક્ષ સંબંધ રચાય છે અને તેમાં નિર્ભેળ આનંદનો જ અનુભવ થતો હોય છે. આવા વિનોદપ્રધાન નિબંધોમાં ચુનીલાલ મડિયા (‘ચોપાટીને બાંકડેથી’), ચિનુભાઈ પટવા (‘ફિલસૂફિયાણી’, ‘ચાલો સજોડે સુખી થઈએ’, ‘હળવું ગાંભીર્ય’ વગેરે), બકુલ ત્રિપાઠી (‘સચરાચરમાં’, ‘સોમવારની સવારે’, ‘મન સાથે મૈત્રી’ વગેરે), ‘વિનોદ ભટ્ટ (1938–2018) (‘પહેલું સુખ તે મૂંગી નાર’, ‘ઇદમ્ તૃતીયમ્’, ‘ઇદમ્ ચતુર્થમ્’, ‘વિનોદની નજરે’, ‘અને હવે ઇતિહાસ’ વગેરે), ‘પ્રિયદર્શી’ એટલે મધુસૂદન પારેખ (‘હું, શાણી ને શકરાભાઈ’, ‘સૂડી અને સોપારી’ વગેરે), ચંદ્રકાન્ત શેઠ (‘હેત અને હળવાશ’, ‘એ અને હું’, ‘વહાલ અને વિનોદ’, ‘કાંકરીચાળો ને પથ્થરમારો’ વગેરે), રમેશ ભટ્ટ, પ્રબોધ જોશી, નિરંજન ત્રિવેદી, રમણ પાઠક, નરોત્તમ વાળંદ, ‘વાચસ્પતિ’ દિનકર દેસાઈ (‘વિશ્વબંધુ’), રતિલાલ બોરીસાગર (‘મરક મરક’, ‘આનંદલોક’, ‘ઍન્જૉયગ્રાફી’ વગેરે) વગેરે લેખકો છે. તેમના નિબંધોમાં કોઈ ચાલુ બનાવોની નુક્તેચીની કરતા વ્યંગ હોય છે, વળી કોઈ વ્યક્તિચિત્રો આલેખે છે, કોઈ શ્લેષનો આશ્રય લે છે અને કોઈ કાલ્પનિક બનાવો રજૂ કરી હાસ્ય નિષ્પન્ન કરે છે. અનિલ જોશી (‘સ્ટેચ્યૂ’), મણિલાલ હ. પટેલ (‘કોઈ સાદ પાડે છે’), પ્રવીણ દરજી (‘લીલાં પર્ણ’, ‘વેણુરવ’ વગેરે), પ્રીતિ સેનગુપ્તા (‘દિગ્દિગન્ત’), યજ્ઞેશ દવે, યોગેશ જોષી (‘મોટી બા’), રમેશ દવે, પ્રફુલ્લ રાવલ (‘ફાનસને અજવાળે’, ‘હું અને…’), ભારતી રાણે (‘ઇપ્સિતાયન’), ભગીરથ બ્રહ્મભટ્ટ (‘આથમતાં અજવાળાં’) વગેરેએ વિશિષ્ટ સ્વરૂપના નિબંધો આપ્યા છે.
વિવેચન : ગુજરાતી સાહિત્યમાં સમર્થ નિબંધકારો મોટેભાગે વિવેચકો પણ હોય એમ અમુક અંશે બન્યું છે. વ્યુત્પત્તિ સાથે પૃથક્કરણશક્તિ અને મર્મગ્રાહી દૃષ્ટિ બંને પ્રકારના લેખકોમાં અનિવાર્ય છે. વિષયનું હળવી નજરે અવલોકન કરતા વિવેચકની હાસ્યવૃત્તિ સાથે તત્વબુદ્ધિ પણ ભળેલી હોય છે. આધુનિક વિવેચનની સ્પષ્ટ ભૂમિકા સુરેશ જોષીએ બાંધી આપી. કૃતિનું મૂલ્યાંકન બાહ્ય પરિવેશને આધારે નહિ પણ અંતર્ગત ધોરણે થવું જોઈએ, કૃતિને શબ્દસૃષ્ટિ તરીકે જ તપાસો, વાસ્તવનું કલામાં થયેલું નિરૂપણ જ તપાસનો વિષય છે, રૂપરચના કલાનું હાર્દ છે, પરીક્ષણમાં વસ્તુલક્ષી પદ્ધતિ જ ખપ લાગે – આટલા સિદ્ધાંતો લક્ષમાં રાખી સુરેશ જોષી અને તેમના અનુયાયીઓએ વિવેચનો કર્યાં. ફ્રેન્ચ સાહિત્યમાં પ્રગટેલી નૂતન વિભાવનાઓ ગુજરાતી સાહિત્યમાં દાખલ થઈ તેમાં આકારવાદ મુખ્ય છે. રસિક શાહે 1975માં ‘ઊહાપોહ–41’માં ‘આધુનિક અભિગમ અને આપણાં ગૃહીતો’ વિશેના પોતાના મંતવ્યને સમજાવતાં સંરચનાવાદની જિકર કરી ભાષાકર્મ અને રચનારીતિ તપાસવા પર ભાર મૂક્યો. સુમન શાહે ‘નવ્ય વિવેચન પછી’ (1977) પુસ્તિકામાં કિશોર જાદવની વાર્તા ‘લેબિરિન્થ’ને સંરચનાવાદી અભિગમથી તપાસી છે. કવિ કે કૃતિનું મહત્વ નથી, મહત્વ છે સર્જન અને ભાવનનું. વાણી વડે થતું સંક્રમણ એ સંરચનાવાદમાં રસાસ્વાદની પ્રક્રિયા છે. કૃતિના અર્થ કે રહસ્યથી નહિ, પરંતુ કૃતિની લીલામાં ભાવકની સંડોવણીથી જ વિવેચના સાર્થ બને એવું સંરચનાવાદીઓનું વલણ હતું. હરિવલ્લભ ભાયાણી (1918–2000) ‘સાહિત્યવિચારનો બંધારણવાદી અભિગમ’ એ લેખમાં સંરચનાવાદનાં સર્વ પાસાંની આલોચના કરે છે. કૃતિલક્ષી વિવેચનની મર્યાદાઓ દર્શાવતાં ભાષાવિજ્ઞાન અને સંકેતવિજ્ઞાનની પણ ચર્ચા તેમણે કરેલી છે. ભાષાશાસ્ત્ર ઉપરાંત તેઓ શૈલીવિજ્ઞાન, સૌંદર્યમીમાંસા, તુલનાત્મક સાહિત્ય અને સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યના ઊંડા અભ્યાસી છે. સાહિત્યની પરીક્ષા માટે તેમણે વસ્તુલક્ષી માપદંડની હિમાયત કરી છે. ‘વાગ્વ્યાપાર’, ‘શબ્દકથા’, ‘અનુશીલનો’, ‘થોડોક વ્યાકરણવિચાર’, ‘શબ્દપરિશીલન’, ‘વ્યુત્પત્તિવિચાર’, ‘કાવ્યમાં શબ્દ’, ‘કાવ્યનું સંવેદન’, ‘કાવ્યવ્યાપાર’, ‘રચના અને સંરચના’ ઇત્યાદિ એમના ગ્રંથો છે. ભાયાણીની વિવેચનશક્તિનો ઉત્તમ આવિષ્કાર ‘અર્વાચીન ગુજરાતી કાવ્યવિવેચનની એક દિશાભૂલ’, ‘ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિજ્ઞાન’ તથા ‘આધુનિકવાદી કવિતા અને સંસ્કૃત કવિતા’ – એ ત્રણ લેખોમાં થયેલો છે. પાશ્ચાત્ય સાહિત્યવિભાવનાઓને અનુરૂપ વિભાવો સંસ્કૃત મીમાંસામાં પણ મળે છે અને ગુજરાતી કાવ્યવિવેચન એ પદ્ધતિ છોડીને અંગ્રેજી રોમૅન્ટિક યુગની પદ્ધતિએ ચાલ્યું એ એક દિશાભૂલ હતી એવું એમણે પ્રતિપાદિત કરેલું છે.
ભાષાવિજ્ઞાનક્ષેત્રે ડૉ. પ્રબોધ પંડિત (1923–1975)નું મૌલિક પ્રદાન તે મર્મર સ્વરોનું વિશ્લેષણ છે. નૂતન અભિગમથી તૈયાર થયેલા તેમના ગ્રંથોમાં ‘પ્રાકૃત ભાષા’ (1954); ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ (1966); ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ (1973) અને ‘વ્યાકરણ : અર્થ અને આકાર’ (1978) વગેરે છે. 1967નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક તથા 1973નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત થયેલાં. આ ક્ષેત્રે કાન્તિલાલ વ્યાસે ‘ભાષાવિજ્ઞાન’, ડૉ. યોગેન્દ્ર વ્યાસે ‘ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ’ (1967), ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ’ (1974); ‘ભાષા, સમાજ અને સાહિત્ય’ (1975); ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (1977) અને ‘સામાજિક ભાષાવિજ્ઞાન (1983) વગેરે મહત્વના ગ્રંથો આપ્યા છે. આ વિષયમાં ડૉ. શાંતિભાઈ આચાર્યે ખાસ કચ્છી બોલી અને ભીલી ગુજરાતી તેમજ હાલારી બોલી વિેશેના ગ્રંથો લખ્યા છે તેમાં ‘ગુજરાતી ભીલી વાતચીત’ (1967), ‘ચોધરીઓ અને ચોધરી શબ્દાવલિ’ (1969), ‘ભાષાવિવેચન’ (1973) અને ‘બોલી વિજ્ઞાન : કેટલાક પ્રશ્નો’ (1984) વગેરે નોંધપાત્ર છે.
‘વાઙ્મયવિમર્શ’ અને ‘નાટ્યરસ’ના લેખક રામપ્રસાદ બક્ષી (1984–1989) સંસ્કૃત પરિપાટીના વિવેચક હતા. તેમના ‘કાવ્યનું સ્વરૂપ’, ‘આધુનિક કાવ્ય અને રસસિદ્ધાન્ત’ તથા ‘સાધારણીકરણ અને અભિનય’ જેવા લેખોમાં શાત્રીય સૂક્ષ્મતા પ્રતીત થાય છે. નગીનદાસ પારેખ (1903–1993) (‘ગ્રંથકીટ’) ‘ક્રોચેનું ઇસ્થેટિક્સ અને બીજા લેખો’, ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ ઉપરાંત ‘પરિચય અને પરીક્ષા’, ‘સ્વાધ્યાય અને સમીક્ષા’, ‘વીક્ષા અને અન્વીક્ષા’, ‘વક્રોક્તિજીવિત’ વગેરે ગ્રંથોમાં સુદીર્ઘ સ્વાધ્યાયતપના પરિપાકસમાં લખાણો આપે છે. એમણે આપેલ અભિનવગુપ્તના રસવિચાર અને ક્રોચેના કલાવિચારમાં વિશ્લેષણ અને પરીક્ષણ વિદ્વત્તાપૂર્ણ છે. એમની વિવેચનાનો મોટો ગુણ પ્રમાણભૂતતા છે. ‘સવ્યસાચી’ એટલે ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર(1918–2014)ના દીર્ઘકાલીન અધ્યયન-અધ્યાપનના પરિપાક રૂપે ‘રસ અને રુચિ’, ‘સાંપ્રત સાહિત્ય’, ‘પ્રતિભાવ’, ‘વિક્ષેપ’, ‘વિભાવિતમ્’ અને ‘અભિજ્ઞાન’ (જેને 1992નું ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ ઇનામ મળેલું) વગેરે વિવેચનસંગ્રહો પ્રાપ્ત થયા છે. ઐતિહાસિક અભિગમ અને સમત્વદૃષ્ટિએ કરેલું તેમનું નિરૂપણ સમભાવપૂર્ણ અને પ્રોત્સાહક બનેલું છે.
આધુનિકોમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રનું પરિશીલન કરનારા વિવેચકોમાં એક મહત્વનું નામ જયંત કોઠારીનું ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ની ચર્ચામાં તથા ‘સૌષ્ઠવરાગી અને કૌતુકરાગી વિવેચનપ્રવાહો’ અને ‘વિચારપ્રધાન કવિતાની જિકર’, ‘ગૃહીતોને પડકારતી નવ્ય વિવેચના’, ‘અદ્યતન વિવેચનના અભિગમો’ વગેરેમાં સાહિત્યિક સમસ્યાઓ અંગે વિચાર કરેલો છે. ‘વિવેચનનું વિવેચન’ ગ્રંથમાં સુરેશ જોષીનાં સાહિત્યિક વલણોની તપાસ કરી છે. ‘પ્લેટો અને ઍરિસ્ટોટલની કાવ્યવિચારણા’, ‘ઉપક્રમ’, ‘અનુક્રમ’, ‘અનુષંગ’ અને ‘વ્યાસંગ’ વગેરે તેમના અન્ય વિવેચનગ્રંથો છે. પ્રમોદકુમાર પટેલના વિવેચનગ્રંથો છે : ‘શબ્દલોક’, ‘કથાવિવેચન પ્રતિ’, ‘આધુનિકતાવાદ’ વગેરે. તેમણે ‘વૃત્તિમય ભાવાભાસ’ લેખમાં તે વિષયની પુનર્વિચારણા કરી છે. તેમનાં વિવેચનોમાં કૃતિના મર્મ સુધી પહોંચવાનો અભિગમ છે. આધુનિક સાહિત્ય તથા નવ્ય વિભાવનાઓ એમનું મુખ્ય ચર્ચાક્ષેત્ર છે. ચંદ્રકાન્ત ટોપીવાળા (‘અપરિચિત अ અને અપરિચિત ब’) કૃતિનિષ્ઠ વિવેચનો આપે છે. ભાષા અને છંદની કૃતિમાં ઉપકારકતા કેટલી તે પૃથક્કરણાત્મક રીતે સમજાવે છે. સિતાંશુ યશશ્ચંદ્રનો સંગ્રહ છે : ‘સીમાંકન અને સીમોલ્લંઘન’.
વિવેચનપ્રવાહમાં યશવંત શુક્લ ( ‘ઉપલબ્ધિ’, ‘શબ્દાન્તરે’, ‘કેન્દ્ર અને પરિઘ’); રમણલાલ જોશી (‘સમાન્તર’, ‘પરિમાણ’, ‘વિવેચનની પ્રક્રિયા’, ‘નિષ્પત્તિ’, ‘પરિવેશ’ વગેરે); રઘુવીર ચૌધરી (‘અદ્યતન કવિતા’, ‘વાર્તાવિશેષ’, ‘દર્શકના દેશમાં’, ‘જયન્તિ દલાલ’ વગેરે); ચંદ્રકાન્ત શેઠ (‘કાવ્યપ્રત્યક્ષ’, ‘અર્થાન્તર’, ‘કવિતાની ત્રિજ્યામાં’, ‘સાહિત્ય : પ્રાણ અને પ્રવર્તન’, ‘શબ્દ દેશનો, શબ્દ વિદેશનો’ વગેરે); ભોળાભાઈ પટેલ (‘અધુના’, ‘પૂર્વાપર’, ‘કાલપુરુષ’, ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા’ વગેરે); ચી. ના. પટેલ (‘ગાંધીજીની સાહિત્યસાધના અને બીજા લેખો’, ‘ટ્રેજિડી : સાહિત્યમાં અને જીવનમાં’, ‘કથાબોધ’ વગેરે); હીરાબહેન પાઠક (‘કાવ્યભાવન’, ‘વિદ્રુતિ’, ‘પરિબોધના’); ઉપેન્દ્ર પંડ્યા (‘પ્રતિબોધ’, ‘અવબોધ’); ઈશ્વરલાલ દવે (‘સાહિત્યગોષ્ઠિ’, ‘અનુભાવિત’ વગેરે); ધીરુ પરીખ (‘ક્ષરાક્ષર’, ‘સમકાલીન કવિઓ’, ‘ઉભયાન્વય’ વગેરે); ચિમનલાલ ત્રિવેદી (‘ભાવલોક’, ‘ભાવમુદ્રા’, ‘ભાવબોધ’ વગેરે); ચંદ્રશંકર ભટ્ટ (‘સન્નિધિ’, ‘સમભાવ’, ‘ચાંદનીએ ચીતર્યા સમીર’ વગેરે); કનુભાઈ જાની (‘શબ્દનિમિત્ત’, ‘લોકવાઙ્મય’) રમેશ શુક્લ (‘અનુસર્ગ’, ‘અનુવાક્’, ‘ડોલરરાય માંકડનો સાહિત્યવિચાર’ વગેરે); ચંદ્રકાન્ત મહેતા (‘મધ્યકાલીન સાહિત્યપ્રકારો’, ‘અનુરણન’ વગેરે); હેમન્ત દેસાઈ (‘કાવ્યસંગતિ’, ‘કવિતાની સમજ’ વગેરે); પ્રવીણ દરજી (‘ચર્વણા’, ‘પ્રત્યગ્ર’ વગેરે); મફત ઓઝા (‘ઉન્નતભ્રૂ’, ‘ઉદઘોષ’, ‘ઉન્મતિ’ વગેરે); કુમારપાળ દેસાઈ (‘શબ્દ-સન્નિધિ’, ‘ભાવન-વિભાવન’ વગેરે); અનિલા દલાલ (‘દેશાંતર’, ‘દર્પણનું નગર’, ‘માનુષી’ ‘અન્વેષણ’ વગેરે); ભરતકુમાર ઠાકર (‘ડાહ્યાભાઈ ધોળશાજી : એક અધ્યયન’ વગેરે) વગેરેએ યથાશક્તિ ફાળો આપ્યો છે. વળી પીએચ.ડી.ની ઉપાધિ માટે લખાયેલા પ્રકાશિત અને અપ્રકાશિત શોધનિબંધો પણ વિવેચનક્ષેત્રને સમૃદ્ધ કરે છે.
કેટલીક સંસ્થાઓ પણ વિવેચનને પ્રોત્સાહક પ્રવૃત્તિ કરે છે. ગુજરાત સાહિત્ય સભા દ્વારા પ્રગટ થતી વાર્ષિક સમીક્ષાઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રગટ ગુજરાતી સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ, ગુજરાતીના અધ્યાપક સંઘની ‘અધીત’–શ્રેણી, જયંત કોઠારીસંપાદિત સાહિત્યસ્વરૂપસ્વાધ્યાયશ્રેણી, રમણલાલ જોશીસંપાદિત ગુજરાતી ગ્રંથકારશ્રેણી વગેરેને વર્તમાન વિવેચનક્ષેત્રે થતું ઉપયોગી કાર્ય ગણાવી શકાય.
સંશોધન, સંપાદન અને સંદર્ભગ્રંથોની પ્રવૃત્તિ પણ સાહિત્યને ઉપકારક થતી હોય છે. ‘ગ્રંથ અને ગ્રંથકાર’ શ્રેણી, ‘જ્ઞાનગંગોત્રી’, ‘ગુજરાતની અસ્મિતા’ (સચિત્ર), ‘ગુજરાતી સાહિત્યકોશ’ (પરિષદ), ઉપેન્દ્રરાય સાંડેસરાના બે ગ્રંથો ‘ભારતરત્ન’ અને ‘અંતર્યામી શ્રીકૃષ્ણ’ — એ ગ્રંથોની કામગીરી ગુજરાતી સાહિત્યને માટે પ્રોત્સાહક થઈ છે.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના ડિસેમ્બર 1985માં થઈ. ગુજરાતીમાં વિશ્વકોશ કરવાનું કાર્ય આ સંસ્થા કરે છે. ગુજરાતી વિશ્વકોશના કુલ 25 ગ્રંથો થયા છે. ગુજરાતી વિશ્વકોશમાં 169 વિષયો સમાવિષ્ટ પામ્યા છે. દરેક ગ્રંથ લગભગ 900થી 1000 પૃષ્ઠોનો થાય છે. અત્યાર સુધીમાં 23,090 અધિકરણો પ્રગટ થયાં છે. તેમાં આશરે 300 જેટલા લેખકોનો સહકાર પ્રાપ્ત થયો છે. ગુજરાતી વિશ્વકોશના પ્રથમ નવ ગ્રંથ તો નવસંસ્કરણ પામીને પુન: પ્રગટ થયા છે. આ ગુજરાતી વિશ્વકોશના મુખ્ય સંપાદક ડૉ. ધીરુભાઈ ઠાકર હતા. ‘ગુજરાતી બાળવિશ્વકોશ’ના પણ 10 ગ્રંથો પ્રકાશિત થયા છે.
બાળસાહિત્ય : બાળકોના રસ અને કુતૂહલને સંતોષે તેવું સાહિત્યસર્જન વિશેષ પ્રકારની સજ્જતા માગે છે. દલપતરામ અને ત્રિભુવન વ્યાસ પછી દેશળજી પરમાર (‘ગલગોટા’, ‘ટ્હૌકા’), ચંદ્રવદન મહેતા (‘ચાંદાપોળી’), મેઘાણી (‘કિલ્લોલ’, ‘હાલરડાં’, ‘કંકાવટી’), સુન્દરમ્ (‘રંગ રંગ વાદળિયાં’), સ્નેહરશ્મિ (‘ઉજાણી’, ‘તરાપો’), મકરંદ દવે (‘ઝબૂક વીજળી ! ઝબૂક’), રમણલાલ સોની (‘ગલગલિયાં’ વગેરે), રમણીક અરાલવાળા (‘નગીનાવાડી’), જુગતરામ દવે (‘કૌશિકાખ્યાન’), સુરેશ દલાલ (‘ઇટ્ટાકિટ્ટા’, ‘ધિંગામસ્તી’) ચંદ્રકાન્ત શેઠ (‘ચાંદલિયાની ગાડી’, ‘હું તો ચાલું મારી જેમ’, ‘ઘોડે ચડીને આવું છું’) વગેરેનો નોંધપાત્ર ફાળો છે.
બાળસાહિત્યની સાચી સમજ ગિજુભાઈ બધેકા અને નાનાભાઈ ભટ્ટની દક્ષિણામૂર્તિ સંસ્થા દ્વારા થઈ. બધેકાએ ‘બાલસાહિત્યવાટિકા’ ‘બાલસાહિત્યમાળા’, ‘બાલવાર્તાઓ’, ‘કિશોર-કથાઓ’, ‘ઈસપના પત્રો’ વગેરે વિપુલ સાહિત્ય આપ્યું. નાનાભાઈએ રામાયણ-મહાભારતનાં પાત્રો આપ્યાં. ત્યારપછી ગુજરાતને બાળસાહિત્ય આપનારાઓમાં નટવરલાલ માળવી, નાગરદાસ પટેલ, જીવરામ જોશી, હરિપ્રસાદ વ્યાસ, સોમાભાઈ પટેલ વગેરેને ગણાવી શકાય. સૂરતનું ગાંડીવ સાહિત્ય મંદિર, મુંબઈનું બાલવિનોદ કાર્યાલય, અમદાવાદનાં સસ્તું સાહિત્યવર્ધક અને ‘કુમાર’ કાર્યાલય જેવી સંસ્થાઓ પણ આ પ્રકારના સાહિત્યને પ્રકાશિત કરીને વેગ આપવામાં મદદરૂપ નીવડી છે. ધૂમકેતુ અને જયભિખ્ખુએ સાહસ અને સંસ્કાર પ્રેરતી ઇતિહાસ અને પુરાણમાંથી વાર્તાઓ આપી. મુકુલ કલાર્થી અને ગોપાલદાસ પટેલે પણ શીલકથાઓ અને બોધક વાર્તાઓ આપી. વિજ્ઞાનની પરિચયપુસ્તિકાઓ આપનાર હતા વિજયગુપ્ત મૌર્ય, ન. મૂ. શાહ, બંસીધર ગાંધી. મૂળશંકર ભટ્ટ અને મહેન્દ્ર મેઘાણીએ પરદેશી ભાષામાંથી જંગલકથાઓ અને દરિયાઈ સાહસની કથાઓ ગુજરાતીમાં ઉતારી છે. ‘ગાંધીકથા’ ઉમાશંકર જોશીએ સરળ લોકભોગ્ય શૈલીમાં લખી છે. વાસ્તવિક પ્રસંગોને તાશ રજૂ કરનાર કુમારપાળ દેસાઈ (‘અપંગનાં ઓજસ’, ‘ઝબક દીવડી’ અને ‘વતન તારાં જતન’) ઉપરાંત હરીશ નાયક, નવનીત સેવક, યશવંત મહેતા, લાભશંકર ઠાકર, ઘનશ્યામ દેસાઈ, ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી, ઈશ્વર પરમાર વગેરેથી બાળવાર્તાનું ક્ષેત્ર સમૃદ્ધ બન્યું છે. બાળનાટકોમાં ‘બે કેરી’ (કાલેલકર); ‘આંધળાનું ગાડું’, ‘ખેડૂતનો શિકાર’ (જુગતરામ દવે) હેતુલક્ષી કૃતિઓ છે. ભજવી શકાય તેવાં ‘રમકડાંની દુકાન’, ‘સંતાકૂકડી’ (ચંદ્રવદન મહેતા); ‘બાળનાટકો’ (યશવંત પંડ્યા); ‘બાળારાજા’, ‘સોનાપરી’, ‘વડલો’, ‘પીળાં પળાશ’ (શ્રીધરાણી); ‘ઉત્સવિકા’, ‘ઉલ્લાસિકા’ (દુર્ગેશ શુક્લ); ‘વિનોદી બાળનાટકો’ (નટવરલાલ માળવી); ‘ચાણક્ય’, ‘બાલમંદિરનાં નાટકો’ (રમણલાલ સોની); ‘બાળનાટકો’ (પ્રાગજી ડોસા) વગેરે છે. આધુનિકોમાં ધીરુબહેન પટેલ, સુરેશ દલાલ, ઇન્દુ પુવાર, શ્રદ્ધાબહેન ત્રિવેદી જેવાં થોડાંકે જ બાળનાટક લખવાનો પ્રયોગ કર્યો છે. ‘બાલમિત્ર’, ‘બાલજીવન’ અને ‘રમકડું’ બાળકો અને કિશોરોનાં માસિકોની સેવા જાણીતી છે. હાલ ‘બાલસૃષ્ટિ’, જેવાં થોડાંક જ બાળમાસિકો ટક્યાં છે. ‘ઝગમગ’, ‘બાલસંદેશ’ જેવાં સાપ્તાહિકોની સેવા પણ નોંધપાત્ર રહી છે.
અનુવાદપ્રવૃત્તિ : પરભાષાની સર્જક પ્રતિભાઓનો પરિચય આપતી અને પોતાના સાહિત્ય તથા ભાષાને ઉપયોગી એવી આ પ્રવૃત્તિ છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સંસ્કૃત, અંગ્રેજી, ફારસી વગેરે ભાષામાંથી થયેલા અનુવાદો પછી ગંગોત્રી ટ્રસ્ટ તરફથી બંગાળી ને મરાઠી ઉપરાંત યુરોપની વિવિધ ભાષાઓમાંથી ઉત્તમ કવિતાના અનુવાદ પ્રગટ થયેલા છે. તેમાં ઉમાશંકર, ભોળાભાઈ પટેલ અને નિરંજન ભગતની અમૂલ્ય સેવા મળી છે. હિન્દી, મરાઠી અને તમિળ ભાષામાંથી પણ ગદ્યપદ્યમાં અનુવાદો થતા રહ્યા છે. બંગાળીમાંથી જયંતીલાલ આચાર્ય, રમણલાલ સોની, નગીનદાસ પારેખ, બચુભાઈ શુક્લ, અનિલા દલાલ, નલિની માડગાંવકર, પ્રસાદ બ્રહ્મભટ્ટ અને મરાઠીમાંથી શિષ્ટ અનુવાદો આપનાર ગોપાળરાવ વિદ્વાંસ, જયા મહેતા, પ્રતિભા દવે, અરુણા જાડેજા વગેરેની સેવા નોંધપાત્ર છે. આ પ્રવૃત્તિ અર્થે જ કરસનદાસ માણેક ‘નચિકેતા’ સામયિક ચલાવતા હતા. ડૉ. સુરેશ જોષીએ પણ ‘સેતુ’ દ્વારા એ દિશાનો એક ઉલ્લેખનીય પુરુષાર્થ કરેલો. શેક્સપિયરનાં નાટકો અને ‘શાકુન્તલ’, ‘ઉત્તરરામચરિત’, ‘મેઘદૂત’ વગેરેના એકાધિક અનુવાદો મળ્યા છે.
યુનિવર્સિટી-કક્ષાએ ગુજરાતી માધ્યમ દાખલ થતાં અનુવાદપ્રવૃત્તિને વેગ મળ્યો છે. ગુજરાત યુનિવર્સિટી અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બૉર્ડ દ્વારા સંખ્યાબંધ અનુવાદો પ્રગટ થયા છે. દિલ્હી સાહિત્ય અકાદમી વિવિધ ભાષાઓની ઉત્તમ કૃતિઓના અનુવાદ કરાવે છે. રવીન્દ્રનાથ અને શરદચંદ્રનું સાહિત્ય ગુજરાતીમાં ઊતર્યું છે. મૈત્રેયીદેવીની નવલકથા ‘ન હન્યતે’ની અનેક આવૃત્તિઓ થોડા સમયમાં જ થઈ છે. વિવેચનાત્મક લખાણોના પણ અનુવાદો થતા રહ્યા છે.
ભાવનગરની ભાષાંતરનિધિ અને દિલ્હીની નૅશનલ બુક ટ્રસ્ટ જેવી સંસ્થાઓએ પણ ઉત્તમ પુસ્તકોના અનુવાદ કરાવ્યા છે. જીવનભર એકનિષ્ઠ સાહિત્યસાધના કરનાર ‘રવીન્દ્રતત્વાચાર્ય’ નગીનદાસે ગુજરાતી અનુવાદકલાનો ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરેલો છે.
વીસમી સદીના છેલ્લા ચરણમાં સ્ત્રીલેખકોએ કવિતા, નવલકથા જેવાં સાહિત્યસ્વરૂપોમાં સ્ત્રીના અસ્તિત્વને રૂંધનારી પ્રણાલી સામે વિદ્રોહનો સૂર વહાવ્યો છે. ગુજરાતી કાવ્યોમાં સરૂપ ધ્રુવ, પન્ના નાયક, માલા કાપડિયા, નીતા રામૈયા, સંસ્કૃતિરાણી દેસાઈ, મનીષા જોષી, ઉષા ઉપાધ્યાય વગેરેએ સ્ત્રીના વ્યક્તિત્વને ઉઠાવ આપતી અભિવ્યક્તિ એમની રચનાઓમાં થઈ છે. ‘મિકૅનિકલ ડૉલ્સ’ (1987) અને ‘દાખલા તરીકે સ્ત્રી…’માં અનુક્રમે વિભૂતિ પટેલ ને નીતા રામૈયાએ નારી-અસ્મિતાને અસરકારક રીતે ઉપસાવી છે.
ગુજરાતી સાહિત્યમાં બીજું નોંધપાત્ર આંદોલન તે દલિત સાહિત્યનું છે. તેનો પ્રારંભ 1971થી 1974 વચ્ચે ‘હું’ સામયિકની કૃતિઓમાં દેખાય છે. આ સાહિત્યમાં શિષ્ટ ગણાતા સાહિત્યની ખોખલી પ્રગતિશીલતા અને નિર્માલ્ય ભાવનાપરસ્તી સામે આક્રોશ છે.
મંગળ રાઠોડે ‘દલિત’ને સ્થાને ‘બહુજન’ શબ્દ સૂચવેલો તેમાંથી 1991માં ‘બહુજન સાહિત્ય સંકુલ’ ઊભું થયું. મોહન પરમાર અને હરીશ મંગલમ્ દ્વારા સંપાદિત ‘ગુજરાતી દલિત વાર્તા’ સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું 1987નું પારિતોષિક મળેલું. 1989માં હરીશ મંગલમ્નો નિબંધસંગ્રહ ‘વિદિત’ બહાર પડેલો. દલિત સાહિત્યના અન્ય સર્જકોમાં જૉસેફ મૅકવાન, મધુકાન્ત કલ્પિત, દલપત ચૌહાણ, નીરવ પટેલ, પ્રવીણ ગઢવી, યશવંત વાઘેલા, રાજુ સોલંકી, કિસન સોસા વગેરે છે. ‘આક્રોશ’, ‘કાળો સૂરજ’, ‘ગરુડ’, ‘દલિત બંધુ’, ‘નયા માર્ગ’, ‘હયાતી’ અને ‘દિશા’ જેવાં સામયિકો દલિત સાહિત્ય પ્રકાશિત કરે છે. લોકસાહિત્યની ભાષા ઉપરાંત રાવણ-એકલવ્ય મહાકાવ્યના નાયકો બને અને બુદ્ધ સુદર્શનચક્ર ધારણ કરે તેવી દલિત સાહિત્યની વિશેષતાઓ નોંધપાત્ર છે. આ અરસામાં દલિત અસ્મિતાની કવિતા મળે છે. દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી, મંગળ રાઠોડ, નીરવ પટેલ વગેરે આ આંદોલનના અગ્રણી છે.
અનુઆધુનિક પ્રવાહ : વીસમી સદીની છેલ્લી પચીસી દરમિયાન ગુજરાતી સાહિત્યમાં આધુનિકવાદી સાહિત્યનું સ્થાન અનુઆધુનિક (postmodern) પ્રવાહે લીધું હોવાનું એક નિરીક્ષણ છે. હવેના સાહિત્યમાં સ્વરૂપને બદલે સામગ્રી પર અને કળાના સત્યને બદલે વાસ્તવિક સત્ય પર ભાર મુકાવા લાગ્યો છે. તેમાં ઇતિહાસ અને તેના અંગરૂપ અતીતઝંખા(nostalgia)નું પ્રાબલ્ય વધ્યું છે. કવિતામાં જીવનલક્ષી અભિગમ દર્શાવતો ઇતિહાસ અને સંસ્કૃતિનો સંદર્ભ દર્શાવતા ગીત-ગઝલોના વિપુલ પ્રયોગો થાય છે. અનુ-આધુનિક કવિતા પ્રયોગ તજીને એકંદરે ગીત અને ગઝલની પરંપરાને અનુસરે છે. અગાઉની પેઢીને મુકાબલે તેનું પોત પાતળું અને પટ છીછરો દેખાય છે.
કવિતાને મુકાબલે નવલકથા અને નવલિકા પરત્વે પરંપરાનુસારી વલણ વિશેષ દેખાઈ આવે છે. અદ્યતન વાર્તાલેખકો ઘટનાની પુન:પ્રતિષ્ઠા કરીને જિવાતા જીવનનું વાસ્તવિક પ્રતિબિંબ ઝીલે છે. રજનીકુમાર પંડ્યાએ ‘કુન્તી’ નવલકથા આપી છે. વાર્તામાં તેમણે નક્કર ઘટનાની સાથે માનવચિત્તનાં સૂક્ષ્મ સંચલનોનો સમન્વય સાધવાનો સફળ પ્રયત્ન કરેલો છે. ‘પરભવના પિતરાઈ’, ‘કોઈ પૂછે તો કહેજો’, ‘અવતાર’ વગેરે તેમની બીજી વખણાયેલી નવલકથાઓ છે. રસભર્યું કથન અને માનવમનની ઊંડાઈ સુધી ભાવકને લઈ જતા વીનેશ અંતાણી (‘એકાન્તદ્વીપ’, ‘પ્રિયજન’, ‘પાતાળગઢ’, ‘કાફલો’ વગેરે); ધારાવાહી નવલકથાનું આકર્ષણ સિદ્ધ કરનાર લોકપ્રિય લેખક અશ્વિની ભટ્ટ (‘ઓથાર’, ‘નીરજા ભાર્ગવ’, ‘શૈલજા સાગર’ વગેરે), ઉચ્ચ કોટિની સર્જકતા દાખવનાર દિલીપ રાણપુરા (‘સૂકી ધરતી સૂકા હોઠ’, ‘સંકેત’, ‘પળના પડઘા’, ‘વંચના’ વગેરે); નક્કર વાસ્તવિકતાને રસસમૃદ્ધ કથામાં મઢી આપતા મોહમ્મદ માંકડ (‘ધુમ્મસ’, ‘બંધનગર’, ‘વંચિતા’ વગેરે); ચંબલના ડાકુઓનાં સાહસ નિરૂપનાર હરકિસન મહેતા (‘પીળા રૂમાલની ગાંઠ’, ‘જગ્ગા ડાકુનાં વળામણાં’ વગેરે); ઐતિહાસિક વ્યક્તિ અને ઘટનાને અવલંબીને રસવાહી નવલકથા લખનાર દિનકર જોશી (‘આકાશનો એક ટુકડો’, ‘પ્રકાશનો પડછાયો, ‘વસ્ત્રાહરણ’ વગેરે); નારીવાદ અને નારીજાગૃતિની નવલો આપનાર સ્ત્રી-લેખકો વર્ષા અડાલજા (‘મારે પણ એક ઘર હોય’, ‘ગાંઠ છૂટ્યાની વેળા’ વગેરે); ઇલા આરબ મહેતા (‘આવતીકાલનો સૂરજ’, ‘બત્રીસ પૂતળીની વેદના’ વગેરે) આ ક્ષેત્રનાં ઉલ્લેખપાત્ર સર્જકો છે. તે ઉપરાંત લોકહૃદયને કબજે કરી લેતી નવલકથાઓથી અનુ-આધુનિક સાહિત્યપ્રવાહને ઘૂઘવતો રાખવામાં રવીન્દ્ર પારેખ, કનૈયાલાલ જોષી, રમેશ મોદી, વિઠ્ઠલ પંડ્યા, જશવંત મહેતા, ભૂપત વડોદરિયા, મણિલાલ હ. પટેલ, ચંદુલાલ સેલારકા, યોગેશ જોશી, પરેશ નાયક વગેરે કોડીબંધ લેખકોનો પુરુષાર્થ છે.
ટૂંકી વાર્તા પણ આ અરસામાં રૂપપરક પ્રયોગોમાં રાચવાને બદલે તીવ્ર સંવેદના, તીક્ષ્ણ કથન અને ચમત્કૃતિજનક વળાંક ધરાવતી ધીંગી ઘટનાપ્રધાન રચના તરીકે પ્રભાવ પાડે છે. ટૂંકી વાર્તાના ક્ષેત્રે જે નવા સર્જકો આવ્યા તેમાં હિમાંશી શેલત (‘અંતરાલ’, ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’); વિજય શાસ્ત્રી (‘અહીં તો’, ‘હોવું એટલે હોવું’, ‘ઇતરેતર’); દિલીપ રાણપુરા (‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ’); મણિલાલ હ. પટેલ (‘રાતવાસો’); ઉજમશી પરમાર (‘ઊંચી જાર નીચાં માનવી’); રમેશ મોદી (‘વહેલી સવારનો સૂર્યાસ્ત’); રજનીકુમાર પંડ્યા (‘ખલેલ’, ‘ચંદ્રદાહ’); જયવદન પટેલ (‘જિંદગી તો શમણાંનું ઘર’, ‘ટહુક્યાં ઝાકળપંખી’) તથા સુમંત રાવળને (‘શિલાલેખ’) ગણાવી શકાય. ટૂંકી વાર્તાના ક્ષેત્રે જનક ત્રિવેદી, રમેશ દવે, બિપિન પટેલ, રવીન્દ્ર પારેખ, અનિલ વ્યાસ, કિરીટ દુધાત, પ્રવીણસિંહ ચાવડા, હર્ષદ ત્રિવેદી વગેરેનું તો લઘુકથાના ક્ષેત્રે મોહનલાલ પટેલ, રમેશ ત્રિવેદી, પ્રફુલ્લ રાવલ, જનક ત્રિવેદી, નરેન બારડ, ઇજ્જતકુમાર ત્રિવેદી, તરુલતા દવે વગેરેનું પ્રદાન પ્રશસ્ય છે. સ્ત્રી-વાર્તાકારોમાં વર્ષા અડાલજા (‘શ્રેષ્ઠ વાર્તાઓ’) ઇલા આરબ મહેતા અને તારિણી દેસાઈ (‘રાજા મહારાજાની જે’) ઉલ્લેખનીય છે.
લલિત અને ચિંતનાત્મક નિબંધોની વાત કરીએ તો ચરિત્ર, ચિંતન અને વાર્તાનો રોચક સમન્વય દર્શાવતા નિબંધો ‘ઝબકાર’ અને ‘બિલોરી’ શ્રેણી આપનાર રજનીકુમાર પંડ્યા, ‘જીવનઘડતર’ અને ‘સમાજઘડતર’ની વાતો નિબંધ રૂપે આપનાર ફાધર વાલેસ, ‘સંસારિકા’નાં લેખિકા સરોજ પાઠક, હળવી રમતિયાળ કટાક્ષશૈલીના નિબંધકાર રમણ પાઠક (‘રમણભ્રમણ’ શ્રેણી), પ્રાસાદિક શૈલીમાં વિચારપ્રેરક નિબંધો આપતા મોહમ્મદ માંકડ (‘કૅલિડોસ્કોપ’ શ્રેણી), ભૂપત વડોદરિયા (‘ઘરે-બાહિરે’ શ્રેણી), વીનેશ અંતાણી (‘પોતપોતાનો વરસાદ’), યશવંત દોશી, દિલીપ રાણપુરા, પ્રવીણ દરજી વગેરે અનેકનો આજના નિબંધના વિકાસમાં નોંધપાત્ર ફાળો છે.
એકંદરે અનુ-આધુનિક સાહિત્યની ગતિ જીવનલક્ષી હોઈ તેનું મુખ સમાજાભિમુખ છે. તેનું લોલક પ્રયોગશીલતા તજીને પરંપરા તરફ જાય છે તેથી સર્જક સહેજે લોકપ્રિયતા હાંસલ કરે છે; પણ આગલી પેઢીને મુકાબલે નવી પેઢીના સત્વની પરીક્ષા તો સમય જ કરશે.
સામયિકો : સામયિકો પણ સાહિત્યનું મોટું પોષક બળ બને છે. તેમાં દૈનિકો, સાપ્તાહિકો અને માસિકોનો ફાળો છે. જૂનાં પૈકી ‘બુદ્ધિપ્રકાશ’, ‘કુમાર’, ‘નવચેતન’ ચાલુ છે. ‘પ્રસ્થાન’ બંધ પડ્યું છે. પછીના સમયમાં ‘સંસ્કૃતિ’, ‘વિશ્વમાનવ’ ને ‘ગ્રંથ’ શરૂ થયાં ને બંધ થયાં. ‘સંસ્કૃતિ’ માસિક મટીને ત્રૈમાસિક થયું અને તે પછી બંધ થયું. ‘વસંત’, ‘કૌમુદી’ કે ‘પ્રસ્થાન’ની કક્ષાનું એકમાત્ર સામયિક તે હતું. ‘રુચિ’ તેના તંત્રી મડિયાનું અવસાન થતાં બંધ પડ્યું. ‘ગુજરાત’ કે ‘વીસમી સદી’ જેવી સામગ્રી આજે એક પણ માસિક આપી શકતું નથી. ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ પછી ‘સાયુજ્ય’ સામયિકોએ તેમજ ‘રે’, ‘કૃતિ’, ‘ઉન્મૂલન’ વગેરેએ આધુનિકતાની હવા જમાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ‘અભિવ્યક્તિ’, ‘અનુભૂતિ’, ‘તંત્રમ્’ વગેરે અનિયતકાલિકો હતાં. ‘ગ્રંથ’ માસિક ગ્રંથાવલોકનને વરેલું હતું. રાજેન્દ્ર શાહનું ‘કવિલોક’ અને જન્મભૂમિ સંસ્થાનું ‘કવિતા’ કાવ્યસાહિત્યના આસ્વાદમાં અમૂલ્ય ફાળો આપે છે. નાટક માટેનાં ‘રંગભૂમિ’ (ત્રૈમાસિક), ‘ગુજરાતી નાટ્ય’ (માસિક) અને ‘એકાંકી’ (દ્વૈમાસિક) થોડા સમય ચાલીને બંધ પડેલાં. જયન્તિ દલાલના ‘રેખા’ જેવા પ્રગતિશીલ માસિકની ગુજરાતને આજે ખોટ છે. રમણલાલ જોશીનું સંસ્કાર અને સાહિત્યનું માસિક ‘ઉદ્દેશ’ છે. એમના અવસાન પછી પ્રબોધ ર. જોશીએ તે સફળ રીતે ચલાવી બતાવ્યું હતું. તે પણ પ્રબોધ ર. જોશીના અવસાન પછી બંધ પડ્યું.
સંશોધનને લગતાં સામયિકોમાં ફાર્બસ ગુજરાતી સભાનું ‘ત્રૈમાસિક’, વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિરનું ‘સ્વાધ્યાય’ અને સૂરતના ચૂનીલાલ ગાંધી વિદ્યાભવનનું વાર્ષિક મુખપત્ર ઉલ્લેખનીય છે. હાલ અનિયમિત છે. ગુજરાત યુનિવર્સિટીનું મુખપત્ર ‘વિદ્યા’માં સાહિત્યવિવેચનને લગતા લેખો અવારનવાર પ્રગટ થયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે ‘ભાષા-વિમર્શ’ ત્રૈમાસિક હરિવલ્લભ ભાયાણી વગેરેના તંત્રીપદે કેટલોક વખત ચાલીને બંધ પડ્યું, ઉચ્ચ કક્ષાની સાહિત્યસામગ્રી પીરસતું ‘મિલાપ’ આર્થિક કારણોસર બંધ પડ્યું. એના જેવું કામ ‘નવનીત-સમર્પણ’ જેવા માસિક દ્વારા આજે થાય છે. એક તબક્કે પત્રિકા રૂપે પ્રગટ થતું હતું તે સાહિત્ય પરિષદનું મુખપત્ર ‘પરબ’ સર્જન અને વિવેચનના માસિક રૂપે હાલ ચાલુ છે. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘શબ્દસૃષ્ટિ’ માસિક પ્રસિદ્ધ થાય છે; જેના વિશેષાંકોએ ઉપયોગી સાહિત્યસેવા કરી છે. ‘પ્રત્યક્ષ’ ગ્રંથ-સમીક્ષા માટેનું ત્રૈમાસિક છે. ‘સવિતા’, ‘ચાંદની’, ‘આરસી’, ‘હીરાકણી’, ‘આરામ’, ‘રક્ષા’ વગેરે કેવળ વાર્તાનાં માસિકો રહેલાં. ‘સંસાર’ સામાજિક પ્રશ્નો ચર્ચતું હતું. ‘જનકલ્યાણ’ જેવાં કેટલાંક ધાર્મિક માસિકો છે. કેટલાંક દૈનિકો સાહિત્યવિવેચનનાં કૉલમો પણ ચલાવે છે.
આમ વિવિધ ક્ષેત્રે મૂલ્યવાન સેવા આપનાર ગુજરાતનાં સામયિકોમાં ‘જ્ઞાનસારક’, ‘શાળાપત્ર’, ‘સત્યપ્રકાશ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘પ્રજાબંધુ’, ‘સમાચારદર્પણ’, ‘સૌરાષ્ટ્ર દર્પણ’, ‘સ્ત્રીબોધ’, ‘સુંદરી સુબોધ’, ‘વીસમી સદી’, ‘ગુજરાત દર્પણ’, ‘સુદર્શન’, ‘જ્ઞાનસુધા’, ‘વસન્ત’, ‘સમાલોચક’, ‘ફૂલછાબ’, ‘અખંડ આનંદ’, ‘કુમાર’, ‘પ્રસ્થાન’, ‘રંગભૂમિ’, ‘કૌમુદી’, ‘ઊર્મિ અને નવરચના’, ‘ચેતન’, ‘નવચેતન’, ‘સંસ્કૃતિ’, ‘રુચિ’, ‘ગ્રંથ’, ‘કવિલોક’, ‘એકાંકી’, ‘રેખા’, ‘પરબ’, ‘નિરીક્ષક’, ‘વિદ્યાપીઠ’, ‘એતદ્’, ‘ઉદ્દેશ’, ‘પ્રત્યક્ષ’, ‘સમીપે’, ‘શબ્દસર’, ‘વિશ્વવિહાર’ વગેરેનો ઉલ્લેખ કરી શકાય.
સાહિત્ય–સંસ્થાઓ : ભાષા અને સાહિત્યના વિકાસમાં કેટલીક સંસ્થાઓ ઉપયોગી સેવા બજાવતી રહી છે. સ્વાતંત્ર્ય પહેલાંની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જેની સ્થાપના 1848માં દલપતરામના સહકારથી ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસે કરેલી, તે આજની ગુજરાત વિદ્યાસભાનું મુખપત્ર ‘બુદ્ધિપ્રકાશ’ આજે પણ ચાલુ છે. ‘નેટિવ લાઇબ્રેરી’ની સ્થાપના ‘વર્નાક્યુલર સોસાયટી’એ કરેલી અને તેમાંથી અવતરેલી હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ આજેય ચાલુ છે. ગુજરાત વિદ્યાસભા દ્વારા ઉચ્ચ અભ્યાસ અને સંશોધનની સંસ્થા ‘ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન’(1939)નું અને કૉલેજોનું સંચાલન થાય છે. વ્યાખ્યાન અને પુસ્તકપ્રકાશનની પ્રવૃત્તિ પણ તેનું ઉપયોગી કાર્યક્ષેત્ર છે. ‘નાટ્યવિદ્યામંડળ’ અને ‘નટમંડળ’ જેવી સંસ્થાઓ પણ તેણે ઊભી કરેલી. મુંબઈમાં મન:સુખરામ ત્રિપાઠીએ 1865માં ફાર્બસ ગુજરાતી સભા સ્થાપેલી. તેના દ્વારા હસ્તપ્રતોનો સંગ્રહ તેમજ ભાષાંતર વગેરે પ્રવૃત્તિઓના ફલ રૂપે ‘રાસમાળા’, ‘હસ્તલિખિત પ્રતોની સંકલિત યાદી’, ‘દી. બ. ઝવેરી લેખસંગ્રહ’ વગેરેનાં પ્રકાશનો થયેલાં છે.
1898માં ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યયન-સંશોધનને વેગ આપવા ‘સોશિયલ ઍન્ડ લિટરરી ઍસોસિયેશન’ની સ્થાપના અમદાવાદમાં રણજિતરામે કરેલી. તે 1904માં ગુજરાત સાહિત્ય સભા બની. સાહિત્યને લોક સુધી પહોંચાડવાના ઉદ્દેશથી સાક્ષરોની જયન્તીઓની ઉજવણી, અપ્રસિદ્ધ ગ્રંથોનું પ્રકાશન, શિલાલેખો અને હસ્તલેખોનો સંગ્રહ વગેરે પ્રવૃત્તિઓ આ સંસ્થાએ હાથ ધરી હતી. ઇતિહાસ-સંમેલન, રંગભૂમિ-પરિષદ વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો તેના ઉપક્રમે યોજાયેલા. ‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ’, ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’, ‘ખંભાત’, ‘સોમનાથ’, ‘ગુર્જર સાક્ષર જયન્તીઓ’ ઉપરાંત રવિશંકર રાવળનો ચિત્રસંપુટ પણ તેના દ્વારા પ્રકાશિત કરાયેલાં. સમય જતાં વાર્ષિક સમીક્ષાઓ, જયંતી વ્યાખ્યાનો અને રણજિતરામ સુવર્ણચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રક આદિના પ્રદાન પૂરતી આ સંસ્થાની પ્રવૃત્તિઓ મર્યાદિત બની છે.
ગુજરાતની સૌથી મોટી સાહિત્ય-સંસ્થા છે ગુજરાતી સાહિત્ય પરિષદ. તે 1905માં રણજિતરામના પ્રયત્નથી અમદાવાદમાં સ્થપાયેલી. ગુજરાત અને ગુજરાત બહાર તેનાં અધિવેશનો આજ સુધી ભરાતાં રહ્યાં છે. તેનું સુકાન 1918 સુધી રણજિતરામના હાથમાં હતું. તે પછી રમણભાઈ નીલકંઠ અને આનંદશંકરે માર્ગદર્શન આપ્યું. 1928થી 1955 સુધી તેનો વહીવટ કનૈયાલાલ મુનશીએ સંભાળેલો. ત્યારપછી લોકશાહી બંધારણ થતાં ઉમાશંકર જોશી વગેરેએ તેનો વહીવટ હાથમાં લીધો. 1936માં અમદાવાદમાં ભરાયેલા બારમા અધિવેશનમાં ગાંધીજી પ્રમુખપદે હતા. પ્રમુખો ઉપરાંત વિભાગીય અધ્યક્ષોનાં પ્રવચનો ગ્રંથસ્થ થતાં ગયાં. 1955માં નડિયાદમાં મળેલા સંમેલને લોકશાહી ઢબે બંધારણ રજૂ કરીને સાહિત્યને જ અગ્રસ્થાન આપવાનું નક્કી કર્યું તેમાં જ્ઞાનસત્રની યોજના થઈ. 1960માં મોડાસા ખાતે કાકાસાહેબ કાલેલકરના અધ્યક્ષપદે પહેલું જ્ઞાનસત્ર મળેલું. આજે પરિષદનું પોતાનું વિશાળ મકાન અમદાવાદમાં છે. તેમાં ગ્રંથાલય, સ્વાધ્યાય-મંદિર, વ્યાખ્યાનખંડો, થિયેટર અને અતિથિગૃહનો સમાવેશ થાય છે. પરિષદે સાહિત્યકોશ તૈયાર કર્યો છે. સાહિત્યસર્જનના ઉત્તેજન સારુ ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક, જ્યોતીન્દ્ર હ. દવે પારિતોષિક, શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક વગેરે એનાયત કરે છે. પ્રકાશનપ્રવૃત્તિમાં પરિષદના અમૃત મહોત્સવ નિમિત્તે ત્રણ કાવ્યસંચયો, બે ગદ્યસંચયો, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અને રણજિતરામ શતાબ્દીના ઉત્સવ પ્રસંગે રણજિતરામ ગદ્યસંચય ભા. 1–2, નગીનદાસ પારેખકૃત ‘વીક્ષા અને નિરીક્ષા’ તથા ‘આનંદવર્ધનનો ધ્વનિવિચાર’ જેવા અનેક ગ્રંથો પ્રસિદ્ધ કરેલ છે.
1920માં ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ મૂળ શિક્ષણની સંસ્થા; પરંતુ પછીથી સાહિત્યની અભિવૃદ્ધિમાં તેણે ફાળો આપેલો. ‘ગુજરાત પુરાતત્વ મંદિર’માં પંડિત સુખલાલજી અને પંડિત બહેચરદાસ દોશી જેવા વિદ્વાનોએ સંશોધનકાર્ય કરેલું. ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા’, ‘હરિજન’, ‘પુરાતત્વ’ અને ‘વિદ્યાપીઠ’ એ સામયિકોએ સાહિત્યપોષક પ્રવૃત્તિ કરી છે. ખાસ કરીને ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’નું પ્રકાશન એ ગુજરાતી ભાષા-સાહિત્ય પર એનું મોટું ઋણ છે.
1923માં સૂરતમાં ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ સ્થપાયેલું. તે 1939માં ‘નર્મદ સાહિત્યસભા’ બન્યું. વિવિધ સાહિત્યસ્વરૂપોના શ્રેષ્ઠ સર્જકને તેના તરફથી નર્મદ સુવર્ણચંદ્રક અપાય છે. 1915માં વડોદરામાં સ્થપાયેલી પ્રેમાનંદ સાહિત્ય સભા, કવિતાભવન, કવિલોક ટ્રસ્ટ, ઉપરાંત ભાવનગર સાહિત્ય સભા, મુંબઈમાં વિલેપારલે સાહિત્ય સભા વગેરે સંસ્થાઓ સાહિત્યને પોષક પ્રવૃત્તિઓ કરે છે. લોકોપયોગી સાહિત્ય-પ્રસાર કરનારી પ્રકાશનસંસ્થાઓમાં ‘ગુજરાતી પ્રેસ’, સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, નવજીવન પ્રકાશન મંદિર, પરિચય ટ્રસ્ટ, લોકમિલાપ ટ્રસ્ટ વગેરેની સેવાઓ પ્રશસ્ય છે. વ્યાખ્યાન, પારિતોષિક, પ્રકાશન વગેરે સાહિત્યોપકારક કામગીરી કરનારી અન્ય સંસ્થાઓમાં ભારતીય વિદ્યાભવન, મહાકવિ ન્હાનાલાલ ટ્રસ્ટ, જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, નક્ષત્ર ટ્રસ્ટ, સારાભાઈ ફાઉન્ડેશન, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ નોંધપાત્ર છે. તેલુગુ, મલયાળમ, કન્નડ વગેરે દક્ષિણ ભારતની ભાષાઓની શ્રેષ્ઠ કૃતિઓના અનુવાદ કરાવતી શ્રેણી દક્ષિણ ભારતીય સાહિત્યમાળાને ઉલ્લેખવી રહી.
ગુજરાતમાં રાજ્યસરકારે 1981માં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કરી, જેમાં ભાષા-નિયામક દ્વારા થતી કેટલીક યોજનાઓ ઉપરાંત લોકસાહિત્ય તેમજ અર્વાચીન ભારતીય ભાષાઓની કામગીરી, સિંધી-ઉર્દૂ અને સંસ્કૃતની સલાહકાર સમિતિઓની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો. તે પછી 1993માં રાજ્ય સરકારે ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, હિન્દી, સિંધી, ઉર્દૂ અને કચ્છી – એ રીતે કુલ છ સાહિત્ય અકાદમીઓને સ્વાયત્ત સાહિત્યિક સંસ્થાઓ તરીકે માન્યતા અર્પી. આ અકાદમીઓ બાળસાહિત્ય, લોકસાહિત્ય, પ્રશિષ્ટ સાહિત્ય અને સાંપ્રત સાહિત્ય વગેરેમાં યોજનાબદ્ધ રીતે વિવિધ કામગીરીઓ કરી, સાહિત્ય અને સાહિત્યકારોને મદદ અને પ્રોત્સાહન મળે તથા જનસમાજમાં સાહિત્યનો પ્રચાર-પ્રસાર થાય એ માટે પ્રયત્નો કરે છે. તેના તરફથી ‘શબ્દસૃષ્ટિ’ નામનું મુખપત્ર પણ ચલાવાય છે. સર્જનને પોષક અનેકવિધ પ્રવૃત્તિઓમાં કોઈ પણ ગુજરાતી ગૌરવભેર પરિતોષ અને ધન્યતા અનુભવે તેવી તેમજ ગુજરાતની અસ્મિતાને વિશ્વફલક પર મૂકી આપનારી, ગુજરાતી ભાષામાં જ્ઞાનનાં સર્વ ક્ષેત્રોના સારસંગ્રહરૂપ ‘ગુજરાતી વિશ્વકોશ’ના નિર્માણ-પ્રકાશનની પ્રવૃત્તિ પણ અમદાવાદની ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સંસ્થા ચલાવી રહી છે.
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અને તેની પ્રવર્તમાન પરિસ્થિતિનું અવલોકન વધુ ઉન્નત સોપાનોની અપેક્ષા જગાવે તેવાં છે. સંતોષપ્રદ ઘણું થયું છે, થઈ રહ્યું છે અને તેથી કેટલેક અંશે વિશ્વસાહિત્યમાં ગૌરવપૂર્ણ સ્થાનનું અધિકારી થઈ શકે એવું ગુજરાતી સાહિત્ય છે.
લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય
ભાષા-બોલીનો ઉપયોગ કરતી દુનિયાની લગભગ બધી પ્રજાઓને પોતપોતાનું આગવું લોકસાહિત્ય હોય છે, એમ ગુજરાતનુંય પોતાનું લોકસાહિત્ય છે. ગુજરાતની લોકસાહિત્યની પરંપરા વૈવિધ્યપૂર્ણ છે અને સમૃદ્ધ પણ. આ પરંપરાનું અનુસંધાન વૈદિક તથા પ્રાકૃત, અપભ્રંશ આદિ સાહિત્ય સાથે પણ હોવાના સંકેતો મળે છે. લોકસાહિત્યના કેટલાક અભ્યાસીઓ ‘યમ-યમી સંવાદ’, ‘પુરુરવા-ઉર્વશી સંવાદ’ વગેરે સાથે લોકકથા કે લોકવાર્તાનાં જટિયાં ગૂંથાયેલાં હોવાનું જણાવે છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ કથાસાહિત્યે પણ લોકસાહિત્યની પરંપરાનો સારો એવો લાભ લીધો હશે એમ અનુમાન થઈ શકે છે. લોકકથાઓનાં અનેક કથાઘટકો દેશ-વિદેશના કથાસાહિત્યમાં અવનવા રૂપ-સંદર્ભે મળતાં હોય છે. એ રીતે ગુજરાતી લોકકથાઓનાં મૂળકુલ ભારતીય તેમ વિદેશી કથાસાહિત્ય સાથે હોવાનું ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા વિદ્વાનોએ સષ્ટાંત બતાવ્યું છે.
ગુજરાતી લોકસાહિત્યની પરંપરાનાં સ્પષ્ટ લેખિત પ્રમાણો માટે આચાર્ય હેમચંદ્રના ‘સિદ્ધહૈમ’ પ્રાકૃત વ્યાકરણ સુધી જઈ શકાય છે. એમાં અપભ્રંશની ચર્ચા માટે ટાંકેલા દુહાઓમાં વીર, શૃંગાર ને શાંત રસનાં કેટલાંક ઉત્તમ ઉદાહરણો સાંપડે છે. રાણકદેવીના દુહા તરીકે જાણીતા થયેલા દુહાઓમાં વીર સાથે કરુણનોયે સ્પર્શ મળે છે.
આ લોકસાહિત્ય ધર્મ અને સમાજની વિશાળ છત્રછાયામાં સતત પાંગરતું અને પરિવર્તન પામતું, વિસ્તરતું અને વિકાસ પામતું જોઈ શકાય છે. શ્રમજીવીઓએ શ્રમ કરતાં કરતાં; ખેડૂતોએ વાવણી, લણણી વગેરે કરતાં; દરિયાખેડુઓએ દરિયો ખેડતાં ખેડતાં ગીતો ગાયાં છે અને એવાં ગીતોના અનેક સંચયો પણ ગુજરાતીમાં થયા છે. વહાણવટા ને માછીમારી વગેરે સાથે સંકળાયેલા દરિયાકાંઠાના લોકોનાં જાતભાતનાં ગીતો મળે છે. કોશિયાનાં, ટીપણી કરનારાંનાં, ઘાંચીનાં ને ગોવાળનાં એમ અનેક શ્રમજીવી ને વ્યવસાયી લોકોનાં ગીતો મળે છે.
વળી વ્રત-ઉપવાસ, જાગરણ, જાગ-પૂજા વગેરે સાથે સંકળાયેલું લોકસાહિત્ય પણ મળે છે. ઝવેરચંદ મેઘાણીએ ‘કંકાવટી’માં વ્રતસાહિત્ય આપતાં તેના કેન્દ્રમાં સંઘજીવન હોવાનું તેમજ સૌરાષ્ટ્ર – ગુજરાતની રમ્યતમ લોકઋતુ વર્ષા સાથે મુખ્યત્વે તે સંબદ્ધ હોવાનું જણાવ્યું છે.
શીતળા માતા, નાગદેવતા, ગોરમા, શક્તિપૂજા, શિવ-પૂજા વગેરે સાથે; રામ, કૃષ્ણ વગેરેની ભક્તિ સાથે સંલગ્ન ભજન-કીર્તન આદિનું ઘણું સાહિત્ય ગુજરાતીમાં મળે છે. ભજનોમાં પ્રભાતિયાં, સંધ્યા, આરતી, આરાધ, આગમ, સ્તવનો, પ્યાલા, આંબો, બારમાસી, રામગરી, ધોળ, ચાબખા, કાફી, કટારી જેવા અનેક પ્રકારો મળે છે. માતાજીનાં મનામણાં માટે ગવાતી આરણ્યું, સરજુ, સાવળ્યું વગેરેનો પણ નિર્દેશ કરવો જોઈએ. આ કૃષ્ણભક્તિ ને શક્તિભક્તિ સાથે સંલગ્ન ગરબી – ગરબા– રાસ – રાસડા – હીંચ – હમચી જેવા ગેય પ્રકારો તો સીધા જ લોકનૃત્યો સાથે સંકળાયેલા છે. એમાં ‘તાલીરાસ’ ને ‘લકુટારાસ’ (ડાંડિયારાસ) જેવા પ્રભેદોય ખરા. ગુજરાતમાં ખાસ કરીને નવરાત્રિના નવ દિવસો ચોરે-ચૌટે ગરબા-રાસની જે રમઝટ ચાલે છે તે આજેય નવાં પરિવર્તનો – નવા આવિષ્કારો સાથે અવિચ્છિન્ન રીતે ચાલુ છે. આજેય દયારામની ગરબીઓ ને વલ્લભ ભટ્ટના ગરબાઓ ગાનારા છે તેમ લોકગરબીઓ, લોકગરબા, લોકરાસ ને રાસડાઓ લેનારાયે મળે છે. ગામેગામ એ લોકગીતોના પ્રકારોને ખીલવાખેલવા માટેની ભૂમિકાઓ આજેય ટકી છે.
વળી ગુજરાતીમાં જેમ જેમ હોળીદિવાળી જેવા ઉત્સવોનાં અને મેળાનાં ગીતો છે તેમ મનુષ્યના અંગત જીવનવિકાસ સાથે સંબદ્ધ ગીતો પણ છે. એવાં ગીતોમાં સીમંત કે અઘરણીનાં ગીતો, જન્મસમયનાં વધાઈનાં ગીતો, સલોકા, હાલરડાં, બાલરમતોનાં ગીતો, લગ્નનાં ગીતો, ફટાણાં, સ્ત્રી-પુરુષ-સંબંધનાં – મિલન અને વિરહનાં ગીતો, ખાંયણાં, મૃત્યુનાં – મરસિયાં – રાજિયા – છાજિયાં જેવાં – ગીતો પણ મળે છે. બાળકો માટેનાં જોડકણાં, ઉખાણાં વરત હરિયાળી, નાચણિયાં ને કુદણિયાંનાં ગીતો – એ રીતે બાલગીતો ને બાલકથાઓનુંયે માતબર સાહિત્ય મળે છે.
વળી પ્રશસ્તિગીતો – બિરદાવલીઓ, શૌર્યગીતો, ઋતુગીતો, કથાગીતો વગેરેનું; ભવાઈનાં ગીતોનુંયે એક નોખું ક્ષેત્ર છે.
લોકગીતોમાં મુક્ત આનંદનો – છલકાતા ઉલ્લાસનો, જીવનના ઉત્સવનો સૂર બુલંદપણે સંભળાય છે. લોકજીવન અને નારીજીવન સાથે કુદરતના રંગો પણ એમાં ઊતરે છે. સવાર પડે છે; ઉગમણા આભે ઝળાંહળાં થતો સૂરજ ઊગે છે; ચિરપુરાતન છતાં નિત્યનૂતન એ ચમત્કારને લોકહૃદય કેવાં વધામણાં
આપે છે ? –
‘‘સૂરજ ઊગ્યો રે સરોવરિયાની પાળે
કે વ્હાણેલાં ભલે વાયાં રે.
ભમરા ઊડે રે કેવડિયાની ફણશે
કે વ્હાણેલાં ભલે વાયાં રે.
સૂતા જાગો રે રાધિકાના કંથ
કે વ્હાણેલાં ભલે વાયાં રે.’’
વળી કુંવારી કન્યાની સગાઈ થાય છે. એના અંતરના આનંદમોરલા એકસામટા ટહુકી ઊઠે છે. સ્વપ્નામાં એને શું દેખાય છે ? સ્વામી ગુલાબના ગોટા રૂપે દેખાય છે અને એની ફોરમ પોતાની સૌભાગ્યચૂંદડીમાંથી મહેકી ઊઠે છે :
‘‘આજ રે સ્વપ્નામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો
ફૂલડિયાંની ફોર્યું રે સાહેલી મારા સ્વપ્નામાં રે;
ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો
ફૂલડિયાંની ફોર્યું સાહેલી મારી ચૂંદડીમાં રે.’’
ઝવેરચંદ મેઘાણી કહે છે તેમ, લોકગીતોમાં કુટુંબસંસારનાં નવરંગી ચિત્રો જોવા મળે છે; દા.ત., પહેલા ખોળાનો બેટડો લઈને પિયરથી સાસરે આવતી સૌભાગ્યવતી નારી તો જુઓ ! –
‘ઘુઘરિયાળી વેલ્યમાં નાની વહુ આવે
ખોળામાં બાવલ બેટડો ધવરાવતી આવે
દૂધે ભરી તળાવડી નવરાવતી આવે
ખોળામાં ખારેક ટોપરાં ખવરાવતી આવે
થાળ ભર્યો શગ મોતીએ વધાવતી આવે.’’
દક્ષિણ ગુજરાતમાં ખાંયણાંનો પ્રકાર ઠીક ઠીક ખેડાયો છે. ત્રણ પંક્તિના ખાંયણામાં દીકરીના અંતરની વ્યથા આલેખાયેલી જોવા મળે છે :
‘‘માએ મલાવ્યા ને બાપે લડાવ્યા લાડ
ભાઈઓ ને ભાભીએ
તજાવ્યા ઉંબરા.’’
*
‘‘મા ને દીકરી મળિયાં, સરોવરની પાળે
દીકરીના દુ:ખે બેઉ રડિયાં
કે સરોવર છલકાઈ ગયાં.’’
આ ગીતો ઉપરાંત સોરઠા ને દુહા અને તેના છકડિયા, દુમેળિયા, દોઢિયા જેવા પ્રકારો; ચોપાઈ ને સવૈયા, કુંડળિયા, રામવળા ને ચંદ્રાવળા, ચારણી છંદો–ઢાળોના અનેકાનેક પ્રકારો પદ્યાત્મક લોકસાહિત્યની આશ્ચર્યકર સમૃદ્ધિ ને સિદ્ધિ દાખવે છે.
ગુજરાતી લોકસાહિત્યે પદ્ય-પ્રકારમાં જે શક્તિ ને સિદ્ધિ દાખવ્યાં છે તેનો લાભ મધ્યકાલીન કવિઓએ – નરસિંહ, મીરાં, દયારામ જેવા ભક્તકવિઓ ને અખો, બ્રહ્માનંદ આદિ જ્ઞાની કવિઓએ તો લીધો જ; તે સાથે અર્વાચીન યુગના દલપત-નર્મદથી માંડી ન્હાનાલાલ, સુંદરમ્, ઉમાશંકર, રાજેન્દ્ર શાહથી હરીન્દ્ર દવે, રમેશ પારેખ ને વિનોદ જોશી સુધીના અનેક કવિઓએ પણ લીધો છે.
ગુજરાતી લોકસાહિત્યે ગદ્ય-પ્રકારમાં, ખાસ કરીને લોકકથા – વ્રતકથા – પ્રેમકથા વગેરેમાંયે પોતાનાં વૈશિષ્ટ્ય ને વૈભવ બરોબરનાં દાખવ્યાં છે. ખાસ કરીને વર્ણનાત્મક અને કથનાત્મક ગદ્યચ્છટાની અનેક લાક્ષણિકતાઓ લોકકથાઓ દ્વારા સાંપડી છે; દા. ત.,
લોકકથામાં રાજપૂતાણીએ સોળ શણગાર સજ્યાં હોય ત્યારે એ કેવી હોય ? –
‘‘હાલે ત્યાં કંકુકેસરનાં પગલાં પડે,
બોલે ત્યાં બત્રીસ પાંખડીનાં ફૂલડાં ખરે,
પ્રેમના બાંધ્યા ભમરા ગુંજારવ કરે,
એવી હામકામ લોચના,
ત્રાઠી મૃગલી જેવાં નેણ,
ભૂખી સિંહણના જેવો કેડ્યનો લાંક,
જાણે ઊગતો આંબો,
રાણ્યનો કોળાંબો,
બહારવટિયાની બરછી,
હોળીની ઝાળ,
પૂનમનો ચંદ્રમા,
જૂની વાડ્યનો ભડકો
અને ભાદરવાનો તડકો,
સંકેલી નખમાં સમાય,
ઉડાડી આભમાં જાય,
ઉગમણા વા વાય તો આથમણી નમે,
આથમણા વા વાય તો ઉગમણી નમે,
ચારે દિશાના વા વાય તો ભાંગીને ભૂકો થાય.’’
લોકકથામાં કથક શબ્દોની ઝાકઝમાળ દ્વારા શ્રોતાઓનાં ચિત્તમાં એક ચિત્ર ઊભું કરી દે છે. બંધાણી ડાયરાની વાતનો ઠાઠ ને ઠસ્સો તો જુઓ :
‘‘ગામડુંગામ. બંધાણી દરબારની ડેલી. ડેલીના ખાનામાં ડાયરો જામ્યો છે. ખરલુંમાં કોટાઈ, મિસરી, માળવી, ચિનાઈ અફીણ ને કહૂંબો કસરક ભૂટાક… કસરક ભૂટાક ઘૂંટાય છે. હથેળીમાં કહૂંબાની અંજળિયું લઈને હેતુમિત્રને સામસામી પિવરાવાય છે.’’
આ કહૂંબો કેવો ? તો લોકકવિ કહે છે :
‘‘રાંકાના ઘરની રાબ હોય, પારેઠ ભેંસનું દૂધ હોય, જૂના છાપરાનું ચુવાણ હોય, ધુપેલ તેલ હોય, દૂબળાના ઘરનો દૂધપાક હોય એવો કહૂંબો – બાપ પીએ તો બેટાને ચડે, બેટો પીએ તો બાપને ચડે. બેય ભેળા થઈને લ્યે તો ત્રીજી પેઢીએ ટપ્પો લઈ જાય. ઈમાં મોતીવા વધ્યો હોય ને ‘સૂમ’ કહેતાં કોઈ લોભિયા માણહના ખોરડા માથે નાખ્યો હોય તો કડેડીને ઢગલો થઈ જાય. ઈમાંથી છાંટોક કોઈ ખેડુની ખોખલી ગાડીમાં નાખ્યો હોય તો ગાડી વગર બળદે દોડવા માંડે. ઈનું એક ટીપું ધરતી માથે પડી જાય ને ફરતો ફરતો કોઈ ઉંદરડો આવીને ચાટી જાય તો ઈનો રિકાટ બદલાઈ જાય, મૂછે તા’ દેતો પટમાં આવીને પડકારો કરે… ‘તમારી માનાં મીંદડાં… નીકળો બા’રાં…… આજ તો જોઈ લેવાં છે.’ ’’
વ્રતકથાઓની પોતાની એક વિશિષ્ટ શૈલી હોય છે. ડોલનશૈલી જેવી એ શૈલી ગદ્યને કર્ણપ્રિય બનાવી રહે છે; ઉદા. ત., ‘‘બરાજાદી જેઠાણીએ જવાબ આપ્યો : ‘જા બાઈ જા. એ મારું કામ નઈં, એ તો રાંડીમૂંડીનાં કામ, નવરી નિશાણીનાં કામ, બાળીભોળીનાં કામ કે કાંઠા-કૂબલા કરતી ફરે અને ફરતી ફરે, મારે તો ધણી રાજમાંથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે અને દીકરી સાસરેથી આવે. મારે તો ઘૂમતાં વલોણાં, ઝૂલતાં પારણાં, કેડ્યમાં કીકો, કપાળમાં ટીકો, વાડે વછેરાં, પરવાડે પાડા, કકળતી ખીચડી અને સુવાવડી દીકરી. જા બાઈ જા, મારે નવરાશ નથી.’ ’’
ગિજુભાઈ જેવા બાલકથા-સર્જકે જ નહિ, પ્રૌઢ-કથાસર્જકોએ પણ એ બધા વારસાનો અવારનવાર અત્રતત્ર લાભ લીધો છે. શેણી-વીજાણંદ, મેહ-ઊજળી જેવી કથાઓએ વાર્તા–નવલકથા–નાટકનાં ક્ષેત્રોનેય ફલદાયી કર્યાં છે. મૌખિક કે કંઠ્ય ગાન કે કથનપરંપરાની અનેક એવી બાબતો આ લોકસાહિત્યે આપી છે, જે ગુજરાતી ભાષાની જ નહિ, ગુજરાતી સાહિત્યની શ્રી અને શક્તિ તરીકે સાંપ્રતમાં તેમ ભવિષ્યમાંયે લાભદાયી થઈ શકે.
ગુજરાતી લોકસાહિત્યે ગુજરાતના તળપદ જીવન સાથે – લોકજીવન સાથે જે ગાઢો સંબંધ જાળવ્યો છે તે પણ ધ્યાનાર્હ છે.
ગુજરાતના લોકસાહિત્યનું ક્ષેત્ર વ્યાપક અને વૈવિધ્યવાળું છે. તેમાં ગુજરાતની નીલી ને લીલી બેય પાંખોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠાના તથા સૂરત-વલસાડ બાજુના ખારવા, નળકાંઠાના પઢાર, ઈડર અને પંચમહાલ બાજુના ભીલો, દક્ષિણ ગુજરાતના દૂબળા, ગુજરાતના મુસલમાન અને પારસીઓને – આ રીતે અનેક પ્રદેશોને – કોમો–વર્ણોને વિવિધ પ્રસંગોએ રજૂ કરવાનું નાચવા-ગાવા-માણવા માટેનું પોતાનું લોકસાહિત્ય છે. આ લોકસાહિત્યમાં ગુજરાતના લોકજીવનનું એક દસ્તાવેજી ચિત્રણ મળી રહે છે. ગુજરાતના પ્રજાજીવનમાં જે જીવનમૂલ્યો કેન્દ્રમાં છે તેમને પ્રગટ કરવાનું, તેમને પોષવા અને પ્રચારવાનું સાંસ્કૃતિક કર્મ, કહો કે સંસ્કાર-ધર્મ આ લોકસાહિત્યે સતત અદા કર્યો છે. લોકસાહિત્યની વસ્તુસામગ્રીએ જો એક પ્રકારની સાંસ્કૃતિક પરંપરા પૂરી પાડી છે તો તેની નિરૂપણ-કથન-રીતિએ શ્રાવ્ય કલાની અવનવી શક્યતાઓનો રમણીય ખ્યાલ આપ્યો છે. ગુજરાતનું લોકસાહિત્ય એ રીતે ગુજરાતના અભિજાત કે શિષ્ટ સાહિત્યને પણ સતત પ્રેરક અને ઉપકારક રહ્યું છે.
ગુજરાતમાં લોકસાહિત્યની સમાંતરે ચારણી સાહિત્યની પરંપરા પણ ચાલી છે. લોકસાહિત્ય જો નેસડો, ગામડું, લોકવરણ – અઢારે વરણ, ખેડવાયા અને તેર તાંસળી વચ્ચે ફરતું – તરતું રહ્યું તો ચારણી સાહિત્ય રાજ–રજવાડાંની છાયામાં ભાટ, ચારણ, ઢાઢી, મીર વગેરે દ્વારા ફરતું રહ્યું. ચારણી સાહિત્ય કર્તૃત્વની છાપવાળું ને સ્પષ્ટતયા અભિજાત સાહિત્યના – દરબારી સાહિત્યના જ એક પ્રકારરૂપ લેખાય. એ સાહિત્યના પાઠ લેવા માટે તો ભુજમાં તો એક વેળાએ એક વ્રજભાષાની પાઠશાળા જ રાજ્યાશ્રયે ચાલતી હતી; જેના દ્વારા અનેક ચારણ કવિઓ તૈયાર થયા અને નાનાંમોટાં રજવાડાંમાં રાજકવિઓ તરીકે ગોઠવાયા.
ચારણી સાહિત્યની પરંપરા ‘મારુ ગુર્જર’ના કાળ દરમિયાન પણ હોવાનું આ ક્ષેત્રના તદવિદો જણાવે છે. ચારણ કવિઓમાં આણંદ-પરમાણંદ (બારમી સદી), આલ્હા, આમ, હટ્ટોપવિષ્ટ, રામચંદ્ર ગાગિલ, પ્રથમ ચારણ કવયિત્રી ઊજળી, માવલ, લૂણપાળ વગેરેનાં નામો ગણાવાય છે.
આ સાહિત્યના ક્ષેત્રે ઉત્તમ ગ્રંથો તો છેલ્લાં 200 વર્ષોમાં રચાયા છે. તેમાં ઈસરદાનજી, સાંયાઝુલા, લાંગીદાસ મહેડુ, બ્રહ્માનંદ સ્વામી, વજમાલજી પરબતજી મહેડુ, ભાવનગરના રાજકવિ પીંગળશીભાઈ પાતાભાઈ, જામનગરના રાજકવિ માવદાનજી રત્નુ, રાજકવિ શ્રી નારાયણદાનજી બાલિયા, કચ્છના રાજકવિ કરણીદાનજી, લીમડીના રાજકવિ શંકરદાનજી દેથા, દુલા ભાયા કાગ, ઠારણભાઈ, જીવન રોહડિયા, ઉમા મહેડુ, મેઘાણંદજી, મેરુભા વગેરેનાં નામો ઉલ્લેખનીય છે.
ચારણી સાહિત્યમાં દુહા, છંદ, ઋતુગીતો, બારમાસી, ગીતકથાઓ ઉપરાંત પણ અન્ય અનેક સાહિત્યપ્રકારોમાં કૃતિસર્જનો, ગ્રંથસર્જનો થયાં છે. તેમની અનેક હસ્તપ્રતો, તેમના અનેક મુદ્રિત ગ્રંથો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સચવાયાં છે.
ગુજરાતમાં ચારણોની જેમ ભાટ, મીર, મોતીસર, રાવળ જેવી કોમોએ દુહા, વાર્તા, બિરદાવળીઓ આપીને સંસ્કારસેવા કરી છે. કોસ હાંકતા ખેડુઓએ ગાયેલા રામકથા અને કૃષ્ણચરિત્રના રામાવળા ને કૃષ્ણાવળા નામે ઓળખાતા ચંદ્રાવળા; રાવણહથ્થા સાથે નાથબાવાઓ દ્વારા શેરીએ શેરીએ ગવાતા ગોપીચંદ ને ભર્તૃહરિની કથાનાં, જેસલ-તોરલસંવાદનાં તેમજ બહારવટિયાઓની પ્રશસ્તિનાં ગીતો; ‘ભડલીવાક્ય’ની ગદ્યપદ્યાત્મક ઉક્તિઓ; લોકનાટ્ય ભવાઈના ચોબોલા, હરિયાળી વગેરે; કબીરપંથી, માર્ગી ને નાથસંપ્રદાયના રંગોવાળી ભજનવાણી – આવું ઘણુંબધું લોકસાહિત્યની શ્રી-સંપત્તિ રૂપે શ્રવણગોચર થાય છે. અને તેનાથી ગુજરાતમાં લોકસાહિત્યની લીલી વાડી ખીલેલી જોઈ શકાય છે. લોકસાહિત્યની કૃતિઓના સંગ્રહ-સંપાદનનું કાર્ય ઓગણીસમી સદીમાં આરંભાયું. તેના પ્રારંભિક તબક્કે કવિ દલપતરામ, નર્મદ વગેરેનું કાર્ય નિર્દેશવા જેવું છે. તે પછી મગનલાલ વખતચંદ, પારસી બાનુ શ્રીમતી પૂતળીબાઈ, જેમ્સ ફૉર્બ્સ, ઍલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બ્સ, ફરામજી બહમનજી માસ્ટર, કવિ રુસ્તમ ખુરશેદ ઈરાની, મહીપતરામ રૂપરામ નીલકંઠ, હરગોવિંદદાસ કાંટાવાળા, હરજીવન શુક્લ, ગણેશજી વકીલ, જીવરામ અજરામર ગોર વગેરેએ લોકસાહિત્યના અધ્યયન–સંશોધન–સંપાદનની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે.
સને 1905માં અમદાવાદમાં યોજાયેલી પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદમાં રણજિતરામ વાવાભાઈ મહેતાએ લોકકથા ને લોકગીતને અનુલક્ષીને નિબંધવાચન કર્યું હતું. એ રીતે પહેલી વાર લોકકથા ને લોકગીતને શાસ્ત્રીય વિવેચનાની મજબૂત ભૂમિકા મળી. એ પછી ખીમજી વસનજીએ ‘કાઠિયાવાડી જવાહિર’ નામનો દુહાસંગ્રહ અને રાજકોટના કાનજી ધર્મસિંહે ‘કાઠિયાવાડી સાહિત્ય’ પુસ્તક પ્રગટ કર્યાં. વળી હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીએ ‘કાઠિયાવાડની જૂની વારતાઓ’ આપી તો જગજીવન કાલિદાસ પાઠકે ‘મકરધ્વજવંશી મહીપમાળા’ આપી. એ પછી ધીરસિંહજી વહેરાભાઈ, કળસાકર, તારાચંદ અડાલજા તથા જેઠાભાઈ દૂબળેએ લોકસાહિત્યની દિશામાં પદાર્પણ કર્યું.
એ પછી લોકસાહિત્યના ભેખધારી ઝવેરચંદ મેઘાણી આવ્યા. એક કાળે ગામડિયા ગમારનાં ગાણાં તરીકે ઉવેખાતાં લોકગીતોની – લોકસાહિત્યની તેમણે શિષ્ટ સાહિત્યની હરોળમાં ગૌરવપૂર્વક પ્રતિષ્ઠા કરી અને લોકસાહિત્યને યુનિવર્સિટીનાં દ્વાર ખખડાવતું કર્યું. તેમણે લોકસાહિત્યના સંપાદન–સંશોધનના અનેક ગ્રંથો આપી લોકસાહિત્યવિદ્યાનો શાસ્ત્રીય ભૂમિકાએ મહિમા કર્યો. એ પછી તો આ દિશામાં અનેક સર્જકો–વિદ્વાનો અધ્યયન–સંશોધન માટે પ્રેરાયા. ગિજુભાઈએ બાલભોગ્ય લોકકથાઓ, લોકગીતો પ્રતિ ધ્યાન દોર્યું. ગોકુળદાસ રાયચુરાએ ‘શારદા’ માસિક દ્વારા લોકકથાઓ આપવા માંડી. ‘સ્ત્રીજીવન’ના તંત્રી મનુભાઈ જોધાણીએ લોકવાર્તા-સંગ્રહો આપ્યા. કચ્છના દુલેરાય કારાણીએ જીવરામ અજરામર ગોરના કાર્યમાંથી પ્રેરણા લઈ કચ્છી લોકસાહિત્યના સમુદ્ધારનું સંગીન કાર્ય કર્યું. એ કાર્યને પછી ડૉ. ગોવર્ધન શર્મા, ભાવનાબહેન મહેતા વગેરેએ પણ આગળ ધપાવ્યું. જયમલ્લ પરમારે ‘ઊર્મિ-નવરચના’ દ્વારા લોકસાહિત્યની સરવાણી વહેવડાવી અને લોકસાહિત્ય તેમજ લોકસંસ્કૃતિને અનુલક્ષીને મૂલ્યવાન ગ્રંથો આપ્યા. એ પછી આ ક્ષેત્રે પોતપોતાની રીતે આગવું પ્રદાન કરનાર લોકસાહિત્યના સંપાદકોસંશોધકો ને વિવેચકોમાં મગનલાલ બાપુજી બ્રહ્મભટ્ટ, ડૉ. મંજુલાલ મજમુદાર, જેઠાલાલ ત્રિવેદી, શંભુપ્રસાદ દેસાઈ, જયભિખ્ખુ, પુષ્કર ચંદરવાકર, ખોડીદાસ પરમાર, જોરાવરસિંહ જાદવ, દોલત ભટ્ટ, નાગજીભાઈ ભટ્ટી, શંકરભાઈ તડવી અને રેવાબહેન તડવી, કનુભાઈ જાની, ડૉ. હરિલાલ ગૌદાની, ડૉ. હરિવલ્લભ ભાયાણી, ડૉ. ભગવાનદાસ પટેલ, કાનજી ભુટા બારોટ, ગુણવંત મંગળજી ભટ્ટ, શાંતિભાઈ આચાર્ય, નિરંજન રાજ્યગુરુ, નાથાલાલ ગોહિલ, મકરન્દ દવે, હસુ યાજ્ઞિક, નરોત્તમ પલાણ, કુમારપાળ દેસાઈ જેવાં અનેક નામો ઉલ્લેખનીય છે. ચારણી સાહિત્યમાં પણ રતુદાન રોહડિયા, કેશુભાઈ બારોટ, શિવદાન ગઢવી વગેરેનું કામ ધ્યાનપાત્ર છે.
ગુજરાતી સાહિત્યમાં વિવિધ પ્રદેશો, કોમો-વર્ણો વગેરેનું વિવિધ પ્રકારનું લોકસાહિત્ય એકત્ર કરવાનું કાર્ય ઘણું મોટું અને મહત્વનું છે. સાંપ્રત સમયમાં શહેરીકરણના કારણે પરંપરાગત સામાજિક, ધાર્મિક પરંપરાઓ, રીતરિવાજો વગેરેમાં ઝડપથી પરિવર્તનો આવવા માંડ્યાં છે. લોકજીવનના તોર-તરીકાઓમાં પણ ઠીક ઠીક બદલાવ આવ્યો છે. એ પરિસ્થિતિમાં લોકસાહિત્યમાં આજ દિન સુધીમાં જે વસ્તુસામગ્રી ને રજૂઆતરીતિ પ્રચલિત રહ્યાં છે તેમાંયે ઝડપથી પરિવર્તનો આવે એ સ્વાભાવિક છે. તેથી જ પરંપરાગત લોકસાહિત્ય વિસારે પડે, લુપ્ત થાય તે પહેલાં તેમનું દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોના ઉપયોગથી એકત્રીકરણ કરવાનું – તેમનું દસ્તાવેજીકરણ કરી લેવાનું કામ ઘણું તાકીદનું છે. તેમાં લોકસાહિત્યના સંશોધનની તાલીમ પામેલા ઉત્સાહી અને સંનિષ્ઠ સંશોધકો જોઈશે. લોકસાહિત્ય માત્ર ડાયરાઓની વસ્તુ નથી. મનોરંજન એક મહત્વનું પાસું હોવા સાથે એમાં લોકઘડતર ને લોકશિક્ષણ માટેનીયે અપાર ગુંજાશ છે. એનો પૂરતો લાભ શિક્ષણમાં લેવાવો જોઈએ. લોકસાહિત્યનો વ્યાસંગ આમજનતાને તેમ સાહિત્ય-સંગીતાદિ કલાઓના પ્રયોગકારો–સર્જકોને, શિક્ષણ-સંસ્કારના પ્રચારકો વગેરેને પણ ઘણો લાભદાયી થાય એવો હોઈ, એ દિશામાં સઘનપણે સર્જનાત્મક ને સંશોધનાત્મક પ્રવૃત્તિઓ ચાલતી રહે એ ઇષ્ટ છે.
ગ્રંથભંડારો
ભારતની ત્રણેય ધાર્મિક પરંપરા – વૈદિક, બૌદ્ધ અને જૈનમાં મુખ્યત્વે બે પ્રકારના ગ્રંથભંડારો જોવા મળે છે : એક વ્યક્તિગત માલિકીના અને બીજા સાંઘિક માલિકીના. આ સિવાય છેલ્લાં થોડાં વર્ષોમાં ત્રીજા પ્રકારના ગ્રંથભંડારો અસ્તિત્વમાં આવ્યા છે. તે છે કોઈ સંશોધન કે વિદ્યાસંસ્થા સાથે સંકળાયેલા ગ્રંથભંડારો.
સંસ્થા સાથે સંકળાયેલા ગ્રંથભંડારોમાં મુનિ પુણ્યવિજયજીની પ્રેરણા, શેઠ કસ્તૂરભાઈ લાલભાઈની સખાવત અને પં. દલસુખભાઈ માલવણિયાના માર્ગદર્શન નીચે વિકસેલ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની સંશોધનસંસ્થા સાથે સંકળાયેલ ગ્રંથભંડાર નોંધપાત્ર છે. મુનિ પુણ્યવિજયજીએ પોતે સંગ્રહેલી 10,000 પ્રતો ભેટ આપી આરંભ કરાયેલ આ ભંડારમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી, રાજસ્થાની, વ્રજભાષા, ઉર્દૂ, ઊડિયા, તમિળ વગેરે ભાષામાં લખાયેલી; વિષયની અપેક્ષાએ વેદ, ઉપનિષદ, ભાગવત્, રામાયણ, જૈન આગમગ્રંથો અને તેના ટીકાગ્રંથો, કાવ્યગ્રંથો, આયુર્વેદ, જ્યોતિષ, રત્નપરીક્ષા, વ્યાકરણ, કોષ, અલંકાર, છંદ, નાટક આદિ પરની; અનેક જૈન મુનિઓ અને ટ્રસ્ટોએ ભેટ આપેલ હસ્તપ્રતોનો આશરે 65,000નો સંગ્રહ છે.
ભો. જે. વિદ્યાભવન (ગુજરાત વિદ્યાસભા), અમદાવાદના ગ્રંથભંડારમાં સંસ્કૃતાદિ તથા ફારસી-અરબી ભાષામાં લખાયેલી 9356 હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.
પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરાના ગ્રંથભંડારમાં સંસ્કૃતાદિ ભાષામાં લખાયેલી આશરે 26,000 હસ્તપ્રતો છે.
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ગ્રંથભંડારમાં સંસ્કૃતાદિ ભાષામાં લખાયેલી એકંદરે 586 હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબામાં દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગારમાં વિવિધ વિષયો અને ભાષામાં લખાયેલી હજારો પ્રતો સંગ્રહાયેલી છે. અત્રે તાડપત્રીય પ્રતો પણ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષાભવનમાં લોકસાહિત્ય અને ચારણી સાહિત્યની મૂલ્યવાન હસ્તપ્રતોનો સંગ્રહ થયો છે.
સૂરતસ્થિત ચૂનીલાલ ગાંધી વિદ્યાભવનના ગ્રંથભંડારમાં સંસ્કૃતાદિમાં રચાયેલી 60 હસ્તપ્રતો સચવાયેલી છે.
ઇન્ડોલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શારદાપીઠ(દ્વારિકા)ની શોધ-સંસ્થામાં પણ હસ્તપ્રત ગ્રંથભંડાર છે.
આ બધા ગ્રંથભંડારોની વિશ્વસ્ત યાદીઓ છપાયેલી છે.
સાંઘિક વર્ચસ્ – સંચાલન ધરાવતા ગ્રંથભંડારોમાં અમદાવાદમાં આવેલા 13 ગ્રંથભંડારોમાં નીચેની વિગતે હસ્તપ્રતો છે :
પં. રૂપવિજયગણિ જ્ઞાનભંડાર(ડહેલા ભંડાર – દોશીવાડાની પોળ)માં સંસ્કૃતાદિ ભાષાની આશરે 15,000 હસ્તપ્રતો કાષ્ઠના દાબડામાં ક્રમાનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી છે. આની વિસ્તૃત સૂચિ પણ થયેલી છે.
શ્રી વીરવિજય શાસ્ત્રસંગ્રહ(ભઠ્ઠીની બારી)માં વિવિધ ભાષામાં લખાયેલી 700 પ્રતો સચવાયેલી છે.
શ્રી સંવેગી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર(પગથિયાંની પોળ)માં સંસ્કૃતાદિ ભાષામાં રચાયેલી આશરે 8,000 હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.
શ્રી વિમલગચ્છ શાસ્ત્રસંગ્રહ(દેવશાનો પાડો)માં પણ વિવિધ ભાષામાં લખાયેલી આશરે 6,000 હસ્તપ્રતો છે.
શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનભંડાર(પાંજરાપોળ ઉપાશ્રય)માં વિવિધ ભાષામાં રચાયેલી આશરે 20,000 પ્રતો છે, જેની સૂચિ થવાની બાકી છે.
શ્રી વિજયનીતિસૂરિ જ્ઞાનભંડાર(પાનકોર નાકા)માં સંસ્કૃતાદિ ભાષાની આશરે 3,000 હસ્તપ્રતો છે.
શ્રી નીતિવિજય જૈન પુસ્તકાલય, જ્ઞાનભંડાર(પાનકોર નાકા)માં સંસ્કૃતાદિ ભાષામાં આશરે 3,000 હસ્તપ્રતો સચવાયેલી છે.
શ્રી વિજયધનસૂરિ જૈન ગ્રંથભંડાર(કાલુપુર)માં અનેક ભાષામાં લખાયેલી આશરે 5,000 હસ્તપ્રતો વ્યવસ્થિત સચવાયેલી જોવા મળે છે.
શ્રી સુરેન્દ્રસૂરિ જૈન ગ્રંથભંડાર(પટ્ટણીની ખડકી)માં આશરે 3,000 હસ્તપ્રતો સંસ્કૃતાદિ ભાષામાં લખાયેલી સારી રીતે સચવાયેલી છે.
શ્રી જૈન વિદ્યાશાળા ગ્રંથભંડાર(દોશીવાડાની પોળ)માં પણ વિવિધ ભાષામાં લખાયેલી આશરે 5,000 હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.
શ્રી જૈન પ્રાચ્ય વિદ્યાભવન ગ્રંથભંડાર(પાલડી)માં પ્રાપ્ત 3,500 હસ્તપ્રતો સુંદર રીતે સચવાયેલી છે.
શ્રી પાર્શ્વચંદ્ર જ્ઞાનભંડાર(શામળાની પોળ)માં 3,000 હસ્તપ્રતો હોવાનો અંદાજ છે.
શ્રી ચંદ્રસૂરિ જૈન જ્ઞાનમંદિરના ગ્રંથભંડાર(સાબરમતી)માં પણ સંસ્કૃતાદિ વિવિધ ભાષામાં લખાયેલી હસ્તપ્રતો મળે છે.
આ સિવાય ફાર્બસ ગુજરાતી સભા(મુંબઈ)નો હસ્તપ્રતભંડાર હાલ ફાર્બસ ગુજરાતી સભાના જુહુ સ્કીમના કીર્તનકેન્દ્રના મકાનમાં રાખવામાં આવ્યો છે, જેમાં આશરે 1,800 પ્રતો સચવાયેલી છે. એમાં મોટે ભાગે ગુજરાતી અને સંસ્કૃત ભાષાની હસ્તપ્રતો મળે છે. તેમ જ 19મી સદીના મહત્ત્વના પુસ્તકો સંગ્રહાયેલા છે.
અણહિલવાડ પાટણ એ ગ્રંથભંડારનું મુખ્ય કેન્દ્ર છે. ત્યાં 14–15 ભંડાર આવેલા હતા. એમાંના કેટલાક ગ્રંથભંડારો હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં લાવીને રાખવામાં આવ્યા છે. તેથી હવે પાંચેક ભંડારો અલગ મળે છે.
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથભંડાર(પંચાસરાની પાસે)માં હાલ આશરે 20,000 કાગળની અને 572 તાડપત્રીય હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.
કેસરબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથભંડાર(પંચાસરાની પાસે)માં વિવિધ ભાષામાં લખાયેલી આશરે 5,000 હસ્તપ્રતો મળે છે.
વિમલગચ્છ જૈન ગ્રંથભંડાર(ભાભાનો પાડો)માં સંસ્કૃતાદિમાં લખાયેલી આશરે 24,000 હસ્તપ્રતો સચવાયેલી છે.
ખેતરવસી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર(ખેતરવસીની પોળ)માં વિવિધ ભાષાઓમાં રચાયેલ આશરે 76 હસ્તપ્રતો જોવા મળે છે.
દરિયાપુરી આઠ કોટી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ગ્રંથભંડાર(ચિતારાની ખડકી)માં વિવિધ ભાષાઓમાં લખાયેલી 5,000 હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. આમ આશરે 33,000 હસ્તપ્રતો પાટણના ગ્રંથભંડારમાં સચવાયેલી છે.
વડોદરામાં ત્રણ ગ્રંથભંડાર આવેલા છે. શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાનભંડાર(કોઠીની પોળ)માં સંસ્કૃતાદિ ભાષામાં લખાયેલી આશરે 5,000 હસ્તપ્રતો સચવાયેલી છે.
હંસવિજયજી ગ્રંથભંડાર(નરસિંહજીની પોળ)માં એકંદરે 4,363 હસ્તપ્રતો વિવિધ ભાષામાં લખાયેલી જોવા મળે છે.
કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહ – ગ્રંથભંડાર(નરસિંહજીની પોળ)માં સંસ્કૃતાદિ ભાષામાં લખાયેલી એકંદરે 7,664 પ્રતો સચવાયેલી છે.
વડોદરા સમીપ આવેલા છાણી ગામમાં પણ ત્રણ હસ્તપ્રત ગ્રંથભંડાર આવેલા છે. મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથભંડાર(વાણિયાવાડ)માં વિવિધ ભાષામાં લખાયેલી હસ્તપ્રતો મળે છે.
પ્રવર્તક કાંતિવિજયજી ગ્રંથભંડાર(વાણિયાવાડ)માં પણ વિવિધ ભાષાઓમાં લખાયેલી આશરે 1,121 હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.
પ્રવર્તક હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ – ગ્રંથભંડાર(જૈન દેરાસર પાસે)માં પણ સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓની હસ્તપ્રતો સચવાયેલી છે.
ડભોઈમાં પણ બે ગ્રંથભંડાર આવેલા છે. મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિરના ગ્રંથભંડાર(શ્રીમાળી વંડો)માં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી વગેરે ભાષાઓમાં લખાયેલી આશરે 15,000 હસ્તપ્રતો સચવાયેલી છે. યશોવિજયજી જ્ઞાનમંદિર(ડભોઈ)ના રંગવિજયજી શાસ્ત્રસંગ્રહમાં પણ વિવિધ ભાષાઓમાં લખાયેલી હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.
ડભોઈની સમીપ શિનોર ગામમાં આવેલા અમરવિજયજી જૈન જ્ઞાનમંદિરના ગ્રંથભંડારમાં પણ સંસ્કૃતાદિ ભાષાઓમાં રચાયેલી અનેક પ્રતો સંગ્રહાયેલી છે.
સૂરતમાં આશરે 11 નાનામોટા ગ્રંથભંડાર હોવાની માહિતી મળે છે, જેમાં સંસ્કૃતાદિ વિવિધ ભાષામાં લખાયેલી હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડાર (પ્રત 3,100), શ્રી જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર (પ્રત 1,029), મોહનલાલજી ગ્રંથભંડાર (પ્રત 2,704), હકુમમુનિ જ્ઞાનભંડાર (પ્રત 711), શેઠ નેમચંદ મેળાપચંદ વાડી ઉપાશ્રયનો ભંડાર (પ્રત 91), શેઠ દેવચંદ લાલચંદ જૈન લાઇબ્રેરી ગ્રંથભંડાર (પ્રત 382), ધર્મનાથજી જ્ઞાનભંડાર (દેવસૂરગચ્છ, પ્રત 1,047), આદિનાથજી મંદિર જ્ઞાનમંદિર (આણસૂરગચ્છ, પ્રત 1,612), ચિંતામણિ પાર્શ્વનાથ જ્ઞાનમંદિર (પ્રત 170), સીમંધર સ્વામી જ્ઞાનભંડાર (પ્રત 780) અને બાલુભાઈ અમરચંદ જ્ઞાનભંડાર (પ્રત 338) – એ બધાંમાં થઈને કુલ 11,964 હસ્તપ્રતો છે.
ખંભાતમાં પણ ચાર ગ્રંથભંડાર છે, જેમાં શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડાર(ભોપરાનો પાડો)માં પ્રાચીન તાડપત્રીય પ્રતો વ્યવસ્થિત રીતે સંગ્રહાયેલી છે (પ્રતસંખ્યા આશરે 425). નીતિવિજયજી જ્ઞાનભંડાર અને જ્ઞાનવિમલસૂરિ ભંડાર(અખરટેકરી)માં આશરે 4,000 હસ્તપ્રતો છે. વિજયનેમિસૂરિ જ્ઞાનભંડાર-(ખારવાડા)માં વિવિધ ભાષા અને વિષયની આશરે 2,000 પ્રત હોવાનો અંદાજ છે. પાર્શ્વચંદ્ર ગચ્છના ભંડાર[ભ્રાતૃચંદનો ગ્રંથભંડાર (બોળ લીંબડ)]માં પણ અનેક વિષયો અને ભાષાઓની પ્રતો સંગ્રહાયેલી છે.
ઈડરમાં બે ગ્રંથભંડાર છે : શ્રી દિગંબર જૈન ભટ્ટાર્કીય ગ્રંથભંડાર (પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર) તથા શ્રી આત્મકમલ-લબ્ધિસૂરીશ્વર શાસ્ત્રસંગ્રહ. તેમાં વિવિધ ભાષાઓ અને વિષયોને લગતી હજારો પ્રતો છે.
કપડવંજમાં 5 ગ્રંથભંડાર આવેલા છે : અભયદેવસૂરીશ્વર જૈન જ્ઞાનભંડાર, મુનિશ્રી સૂર્યોદયસાગર જ્ઞાનભંડાર, શ્રી મીઠાભાઈ ગુલાબચંદ જ્ઞાનભંડાર, અષ્ટાપદ જ્ઞાનભંડાર અને માણેકભાઈ જ્ઞાનભંડાર. તેમાં વિવિધ ભાષાઓ અને વિષયોને લગતી હજારો પ્રતો સચવાયેલી મળે છે.
લીંબડીમાં શ્રી ગોપાલસ્વામી ગ્રંથભંડાર અને શ્રી અમરામરજી સ્વામી જ્ઞાનભંડાર(સ્થાનકવાસી) – એમ બે ભંડાર છે, જેમાં વિવિધ વિષયો અને ભાષાઓની હજારો હસ્તપ્રતો જોવા મળે છે.
જામનગરમાં શ્રી જૈન આનંદ જ્ઞાનમંદિર (દેવવાગ ઉપાશ્રય), શ્રી ડુંગરસિંહજી સ્થાનકવાસી જૈન પુસ્તકાલય ગ્રંથભંડાર અને શ્રી અચલગચ્છ ઉપાશ્રય જ્ઞાનમંદિરના ગ્રંથભંડારમાં વિવિધ ભાષાઓ અને વિષયની હજારો હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.
પાલિતાણામાં સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટોલી ભંડારમાં વિવિધ ભાષાઓ અને વિષયોની હસ્તપ્રતો સચવાયેલી છે.
ચાણસ્મામાં નીતિવિજયજી જ્ઞાનભંડારમાં પણ વિવિધ વિષયો અને ભાષાઓની હસ્તપ્રતો છે.
સુરેન્દ્રનગરમાં ભગવાન વાસુપૂજ્ય મંદિર જૈન જ્ઞાનભંડારમાં હજારોની સંખ્યામાં સંસ્કૃતાદિ ભાષાઓ અને અનેક વિષયોને લગતી હસ્તપ્રતો વ્યવસ્થિત રીતે સંગ્રહાયેલી જોવા મળે છે. તેની વિસ્તૃત યાદી પણ થયેલી છે.
ભાવનગરમાં શ્રી આત્માનંદ જૈન સભાના જ્ઞાનભંડાર(ખારગેટ)માં વિવિધ ભાષાઓ અને વિષયોને અનુલક્ષીને લખાયેલી હજારો હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.
આ ઉપરાંત અમદાવાદમાં મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, હઝરત પીર મુહમ્મદ શાહ દરગાહ લાઇબ્રેરી, ગુજરાત યુનિવર્સિટીનું ભાષાસાહિત્યભવન, બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ, દારૂલ ઉલ્મ શાહ આલમ; આણંદમાં જામિયા અરેબિયા તાલીમુલ ઇસ્લામ લાઇબ્રેરી; વડોદરામાં સેન્ટ્રલ લાઇબ્રેરી, સંસ્કૃત મહાવિદ્યાલય, આત્માનંદ જ્ઞાનમંદિર, જૈન જ્ઞાનમંદિર; વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી; રાજકોટની સૌરાષ્ટ્ર રિસર્ચ સોસાયટી; પારડીનાં સ્વાધ્યાયમંડળ અને વૈદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ; ગોંડલની ભુવનેશ્વરી વિદ્યાપીઠ; સૂરતની જામિયા સાહિત્ય લાઇબ્રેરી; વઢવાણ–સુરેન્દ્રનગરનાં સ્વામિનારાયણ મંદિરો; ડાકોર મંદિર કમિટી; જૂનાગઢમાં નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ; પોરબંદરમાં સુદામામંદિર વગેરે પણ ગ્રંથભંડારોની દૃષ્ટિએ ઉલ્લેખનીય છે.
આ સિવાય ઝીંઝુવાડા, ઊંઝા, નડિયાદ, વાવ, લીંચ, જોટાણા, વિજાપુર, વડનગર, પાલનપુર, પાલેજ, માંગરોળ, વાંકાનેર, મોરબી, ભચાઉ, જખૌ, કોઠાર, નળિયા, પત્રી, મુંદ્રા, ભાડિયા, આગલોડ, સાંતલપુર, રાંદેર વગેરે સ્થાનોએ ગ્રંથભંડારો હોવાની માહિતી છે. હાલ કોઈ વ્યક્તિગત ગ્રંથભંડાર જોવા મળતો નથી.
રમણિકભાઈ જાની
ચન્દ્રકાન્ત શેઠ
કનુભાઈ શેઠ
ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધિવેશનો અને પ્રમુખો
શ્રી ગોવર્ધનરામ મા. ત્રિપાઠી | અમદાવાદ | 1905 |
શ્રી કેશવલાલ હ. ધ્રુવ | મુંબઈ | 1907 |
શ્રી અંબાલાલ સા. દેસાઈ | રાજકોટ | 1909 |
શ્રી રણછોડભાઈ ઉદયરામ દવે | વડોદરા | 1912 |
શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા | સુરત | 1915 |
શ્રી હરગોવિંદ દ્વા. કાંટાવાળા | અમદાવાદ | 1920 |
શ્રી કમળાશંકર પ્રા. ત્રિવેદી | ભાવનગર | 1924 |
શ્રી રમણભાઈ નીલકંઠ | મુંબઈ | 1926 |
શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ | નડિયાદ | 1928 |
શ્રી ભુલાભાઈ જીવણજી દેસાઈ | નડિયાદ | 1931 |
શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી | લાઠી | 1933 |
શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી | અમદાવાદ | 1936 |
શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી | કરાંચી | 1937 |
શ્રી અરદેશર ફરામજી ખબરદાર | મુંબઈ | 1941 |
શ્રી વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ | વડોદરા | 1943 |
શ્રી રામનારાયણ વિ. પાઠક | રાજકોટ | 1946 |
શ્રી કનૈયાલાલ મા. મુનશી | નડિયાદ | 1949 |
શ્રી હરસિદ્ધભાઈ વિ. દિવેટિયા | નવસારી | 1952 |
શ્રી કનૈયાલાલ મા. મુનશી | નડિયાદ | 1955 |
શ્રી કાકાસાહેબ કાલેકર | અમદાવાદ | 1959 |
શ્રી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | કલકત્તા | 1961 |
શ્રી રસિકલાલ છો. પરીખ | મુંબઈ | 1964 |
શ્રી જ્યોતીન્દ્ર હ. દવે | સુરત | 1966 |
શ્રી ઉમાશંકર જે. જોશી | દિલ્હી | 1968 |
શ્રી ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’ | જૂનાગઢ | 1970 |
શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ | મદ્રાસ | 1972 |
શ્રી ગુલાબદાસ બ્રોકર | વલ્લભવિદ્યાનગર | 1974 |
શ્રી રામપ્રસાદ બક્ષી | પોરબંદર | 1976 |
શ્રી ચન્દ્રવદન મહેતા | કલ્યાણ | 1978 |
શ્રી અનંતરાય રાવળ | વડોદરા | 1979 |
શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ | હૈદરાબાદ | 1981 |
શ્રી યશવન્ત શુક્લ | સુરત | 1983 |
શ્રી કે. કા. શાસ્ત્રી | પુણે | 1985 |
શ્રી ભોગીલાલ સાંડેસરા | વિલેપારલે, મુંબઈ | 1987 |
શ્રી જયન્ત પાઠક | રાજકોટ | 1989 |
શ્રી નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’ | કોઇમ્બતૂર | 1991 |
શ્રી રાજેન્દ્ર શાહ | જામનગર | 1995 |
શ્રી નિરંજન ભગત | વડોદરા | 1997 |
શ્રી ધીરુભાઈ ઠાકર | વિસનગર | 1999 |
શ્રી રઘુવીર ચૌધરી | પાટણ | 2001 |
શ્રી ધીરુબહેન પટેલ | વલ્લભવિદ્યાનગર | 2003 |
શ્રી બકુલ ત્રિપાઠી | મુંબઈ | 2005 |
શ્રી કુમારપાળ દેસાઈ | માંડવી (જ્ઞાનસત્ર) | 2006 |
શ્રી નારાયણ દેસાઈ | ગાંધીનગર | 2007 |
શ્રી ભગવતીકુમાર શર્મા | નવસારી | 2009 |
શ્રી ભોળાભાઈ પટેલ | જૂનાગઢ | 2012 |
શ્રી વર્ષા અડાલજા | સૂરત (જ્ઞાનસત્ર) | 8-7-2012 |
શ્રી ધીરુ પરીખ | આણંદ | 2014 |
શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા | ભુજ | 2016 |
શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર | સિકન્દરાબાદ | 2018 |
શ્રી પ્રકાશ શાહ | અમદાવાદ | 2020 |
ગુજરાતી સાહિત્યકારોને અપાયેલાં ચંદ્રકો અને સન્માનો
શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક
1928 | સર્વશ્રી ઝવેરચંદ મેઘાણી |
1929 | ગિજુભાઈ બધેકા |
1930 | રવિશંકર રાવળ |
1931 | વિજયરાય વૈદ્ય |
1932 | રમણલાલ દેસાઈ |
1933 | રત્નમણિરાવ જોટે |
1934 | સુન્દરમ્ |
1935 | વિશ્વનાથ ભટ્ટ |
1936 | ચંદ્રવદન મહેતા |
1937 | ચુનીલાલ વ. શાહ |
1938 | કનુ દેસાઈ |
1939 | ઉમાશંકર જોશી |
1940 | ધનસુખલાલ મહેતા |
1941 | જ્યોતીન્દ્ર દવે |
1942 | રસિકલાલ છો. પરીખ |
1943 | પંડિત ઓમકારનાથજી |
1944 | વિષ્ણુપ્રસાદ ત્રિવેદી |
1945 | ગુણવંતરાય આચાર્ય |
1946 | ડોલરરાય માંકડ |
1947 | હરિનારાયણ આચાર્ય |
1948 | બચુભાઈ રાવત |
1949 | સોમાલાલ શાહ |
1950 | પન્નાલાલ પટેલ |
1951 | જયશંકર ‘સુંદરી’ |
1952 | કેશવરામ કા. શાસ્ત્રી |
1953 | ભોગીલાલ સાંડેસરા |
1954 | ચંદુલાલ પટેલ |
1955 | અનંતરાય રાવળ |
1956 | રાજેન્દ્ર શાહ |
1957 | ચુનીલાલ મડિયા |
1958 | કૃષ્ણલાલ શ્રીધરાણી |
1959 | જયંતિ દલાલ |
1960 | હરિપ્રસાદ શાસ્ત્રી |
1961 | ઈશ્વર પેટલીકર |
1962 | રામસિંહજી રાઠોડ |
1963 | હરિવલ્લભ ભાયાણી |
1964 | મનુભાઈ પંચોળી ‘દર્શક’ |
1965 | બાપાલાલ વૈદ્ય |
1966 | હસમુખ સાંકળિયા |
1967 | ઝીણાભાઈ ર. દેસાઈ ‘સ્નેહરશ્મિ’ |
1968 | મંજુલાલ મજમુદાર |
1969 | નિરંજન ભગત |
1970 | શિવકુમાર જોશી |
1971 | સુરેશ જોષી |
1972 | નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’ |
1973 | પ્રબોધ પંડિત |
1974 | હીરાબહેન પાઠક |
1975 | રઘુવીર ચૌધરી |
1976 | જયન્ત પાઠક |
1977 | જશવંત ઠાકર |
1978 | ફાધર વાલેસ |
1979 | મકરન્દ દવે |
1980 | ધીરુબહેન પટેલ |
1981 | લાભશંકર ઠાકર |
1982 | હરીન્દ્ર દવે |
1983 | સુરેશ દલાલ |
1984 | ભગવતીકુમાર શર્મા |
1985 | ચંદ્રકાન્ત શેઠ |
1986 | રમેશ પારેખ |
1987 | સિતાંશુ યશશ્ચંદ્ર |
1988 | બકુલ ત્રિપાઠી |
1989 | વિનોદ ભટ્ટ |
1990 | નગીનદાસ પારેખ |
1991 | રમણલાલ નાગરજી મહેતા |
1992 | યશવન્ત શુક્લ |
1993 | અમૃત ઘાયલ |
1994 | ધીરુભાઈ ઠાકર |
1995 | ભોળાભાઈ પટેલ |
1996 | રમણલાલ સોની |
1997 | ગુણવંત શાહ |
1998 | ગુલાબદાસ બ્રોકર |
1999 | મધુ રાય |
2000 | ચી. ના. પટેલ |
2001 | નારાયણભાઈ દેસાઈ |
2002 | ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા |
2003 | ડૉ. મધુસૂદન પારેખ |
2004 | રાધેશ્યામ શર્મા |
2005 | વર્ષાબહેન અડાલજા |
2006 | રાજેન્દ્ર શુક્લ |
2007 | મોહમ્મદ માંકડ |
2008 | ધીરુ પરીખ |
2009 | ચિમનલાલ ત્રિવેદી |
2010 | મધુસૂદન ઢાંકી |
2011 | ધીરેન્દ્ર મહેતા |
2012 | સુનિલ કોઠારી |
2013 | નલિન રાવલ |
2014 | પ્રવીણ દરજી |
2015 | કુમારપાળ દેસાઈ |
નર્મદ સુવર્ણચંદ્રક
1940–’44 | જ્યોતીન્દ્ર દવે | ‘રંગતરંગ’ |
1941–’45 | રામલાલ મોદી | ‘દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સ્થિતિ’ |
1942–’46 | ચંદ્રવદન મહેતા | ‘ધરાગુર્જરી’ |
1943–’47 | ઉમાશંકર જોશી | ‘પ્રાચીના’ |
1944–’48 | પ્રભુદાસ છ. ગાંધી | ‘જીવનનું પરોઢ’ |
1945–’49 | વિષ્ણુપ્રસાદ ત્રિવેદી | ‘પરિશીલન’ |
1946–’50 | રામનારાયણ વિ. પાઠક | ‘બૃહતપિંગળ’ |
1947–’51 | ચુનીલાલ મડિયા | ‘રંગદા’ |
1948–’52 | સુન્દરમ્ | ‘યાત્રા’ |
1949–’53 | ધૂમકેતુ | ‘જીવનપંથ’ |
1950–’54 | કિશનસિંહ ચાવડા | ‘અમાસના તારા’ |
1951–’55 | હરિપ્રસાદ શાસ્ત્રી | ‘મૈત્રકકાલીન ગુજરાત’ |
1952–’56 | શિવકુમાર જોશી | ‘સુમંગલા’ |
1953–’57 | નિરંજન ભગત | ‘છંદોલય’ |
1954–’58 | ઇન્દુલાલ યાજ્ઞિક | ‘આત્મકથા’ |
1955–’59 | વિજયરાય વૈદ્ય | ‘ગત શતકનું સાહિત્ય’ |
1956–’60 | ભોગીલાલ સાંડેસરા | ‘મહાઅમાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્ય પર તેની અસર’ |
1957–’61 | ધનસુખલાલ મહેતા | ‘ગરીબની ઝૂંપડી’ |
1958–’62 | સુંદરજી બેટાઈ | ‘તુલસીદાસ’ |
1959–’63 | રાવજીભાઈ પટેલ | ‘જીવનનાં ઝરણાં’ |
1960–’64 | રામપ્રસાદ બક્ષી | ‘વાઙ્મયવિમર્શ’ |
1961–’65 | કનૈયાલાલ દવે | ‘ગુજરાતનું મૂર્તિવિધાન’ |
1962–’66 | પ્રાગજી ડોસા | ‘ઘરનો દીવો’ |
1963–’67 | ઉશનસ્ | ‘તૃણનો ગ્રહ’ |
1964–’68 | જયન્ત પાઠક | ‘વનાંચલ’ |
1965–’69 | સુરેશ જોશી | ‘જનાન્તિકે’ |
1966–’70 | કલ્યાણરાય ન. જોશી | ‘ઓખામંડળના વાઘેરો’ |
1967–’71 | વજુભાઈ ટાંક | ‘રમતાં રૂપ’ |
1968–’72 | હીરાબહેન ટાંક | ‘પરલોકે પત્ર’ |
1969–’73 | કમળાશંકર પંડ્યા | ‘વેરાન જીવન’ |
1970–’74 | અનંતરાય રાવળ | ‘ઉન્મીલન’ |
1971–’75 | પ્રવીણભાઈ પરીખ | ‘પ્રાચીન ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી લિપિ વિકાસ’ |
1972–’76 | મધુ રાય | ‘કુમારની અગાશી’ |
1973–’77 | રાજેન્દ્ર શાહ | ‘મધ્યમા’ |
1974–’78 | મુકુન્દ પારાશર્ય | ‘સત્ત્વશીલ’ |
1975–’79 | વાડીલાલ ડગલી | ‘શિયાળાની સવારનો તડકો’ |
1976–’80 | હસમુખ સાંકળિયા | ‘અખંડ ભારતમાં સંસ્કૃતિનો ઉષ:કાળ’ |
1977–’81 | રસિકલાલ છો. પરીખ | ‘મેના ગુર્જરી’ |
1978–’82 | રમેશ પારેખ | ‘ખડિંગ’ |
1979–’83 | ‘સ્નેહરશ્મિ’ | ‘સાફલ્યટાણું’ |
1980–’84 | યશવન્ત શુક્લ | ‘કેન્દ્ર અને પરિઘ’ |
1981–’85 | ડૉ. જે. પી. અમીન | ‘ગુજરાતનું શૈવ મૂર્તિવિધાન’ |
1982–’86 | લાભશંકર ઠાકર | ‘પીળું ગુલાબ અને હું’ |
1983–’87 | ચંદ્રકાન્ત શેઠ | ‘પડઘાની પેલે પાર’ |
1984–’88 | સ્વામી સચ્ચિદાનંદ | ‘મારા અનુભવો’ |
1985–’89 | હરિવલ્લભ ભાયાણી | ‘કાવ્યપ્રપંચ’ |
1986–’90 | ડૉ. રમણલાલ ના. મહેતા | ‘વડોદરા : એક અધ્યયન’ |
1987–’91 | હસમુખ બારાડી | ‘રાઈનો દર્પણરાય’ |
1988–’92 | સુરેશ દલાલ | ‘પદધ્વનિ’ |
1989–’93 | નારાયણ દેસાઈ | ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ |
1990–’94 | ગુણવંત શાહ | ‘ઢાઈ અક્ષર પ્રેમ કા’ |
1991–’95 | વિષ્ણુ પંડ્યા | ‘ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ’ |
1992–’96 | રવીન્દ્ર પારેખ | ‘ઘર વગરનાં દ્વાર’ |
1993–’97 | હરિકૃષ્ણ પાઠક | ‘જળના પડઘા’ |
1994–’98 | યોગેશ જોષી | ‘મોટી બા’ |
1995–’99 | રઘુવીર ચૌધરી | ‘તિલક કરે રઘુવીર’ |
1996–2000 | મુગટલાલ બાવીસી | ‘લીંબડી રાજ્યનો ઇતિહાસ’ |
1997–2001 | સિતાંશુ યશશ્ચંદ્ર | ‘કહો, મકનજી ક્યાં ચાલ્યા ?’ |
1998–2002 | જવાહર બક્ષી | ‘તારાપણાના શહેરમાં’ |
1999–2003 | રતન માર્શલ | ‘આત્મકથાનક’ |
2000–2004 | રતિલાલ અનિલ | ‘આટાનો સૂરજ’ |
2001–2005 | મોહન વ. મેપાણી | ‘17મી અને 18મી સદીનું સુરત’ |
2002–2006 | સતીશ વ્યાસ | ‘જળને પડદે’ |
2003–2007 | રાજેન્દ્ર શુક્લ | ‘ગઝલસંહિતા’ |
2004–2008 | ભગવતીકુમાર શર્મા | ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ |
2005–2009 | નટવરસિંહ પરમાર | જગરું |
2006–2010 | – | – |
2007–2011 | શ્રીકાન્ત શાહ | કૉલબૅલ પાછળનો દરવાજો |
2008–2012 | રઇશ મનીઆર | આમ લખવું કરાવે અલખની સફર |
2009–2013 | હસમુખ શાહ | દીઠું મેં |
2010–2014 | મણિલાલ હ. પટેલ | ધૂળમાં ઊડતો મેવાડ |
2011–2015 | ડૉ. દામિની શાહ | મુસ્લિમ ઘેટ્ટોઆઇઝેશન : એક કરુણ દાસ્તાન |
2012–2016 | ભરત દવે | વાસ્તવવાદી નાટક |
‘કુમાર’-ચંદ્રક
1944 | ડૉ. હરિપ્રસાદ દેસાઈ |
1945 | પુષ્કર ચંદરવાકર |
1946 | યશોધર મહેતા |
1947 | રાજેન્દ્ર શાહ |
1948 | બાલમુકુન્દ દવે |
1949 | નિરંજન ભગત |
1950 | વાસુદેવ ભટ્ટ |
1951 | બકુલ ત્રિપાઠી |
1952 | શિવકુમાર જોષી |
1953 | અશોક હર્ષ |
1954 | ડૉ. શિવપ્રસાદ ત્રિવેદી |
1955 | ઉમાકાંત પ્રે. શાહ |
1956 | ‘સુકાની’ – ચંદ્રશંકર બુચ |
1957 | જયન્ત પાઠક |
1958 | હેમન્ત દેસાઈ |
1959 | ‘ઉશનસ્’ – ન. કુ. પંડ્યા |
1960 | નવનીત પારેખ |
1961 | સુનીલ કોઠારી |
1962 | લાભશંકર ઠાકર |
1963 | પ્રિયકાન્ત મણિયાર |
1964 | ચંદ્રકાન્ત શેઠ |
1965 | રઘુવીર ચૌધરી |
1966 | ફાધર વાલેસ |
1967 | હરિકૃષ્ણ બ્રોકર |
1968 | ગુલાબદાસ બ્રોકર |
1969 | ભાનુપ્રસાદ પંડ્યા |
1970 | રમેશ પારેખ |
1971 | ધીરુ પરીખ |
1972 | મધુસૂદન પારેખ |
1973 | કનુભાઈ જાની |
1974 | મધુસૂદન ઢાંકી |
1975 | ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી |
1976 | વિનોદ ભટ્ટ |
1977 | ભગવતીકુમાર શર્મા |
1978 | અશ્વિન દેસાઈ |
1979 | શંકરદેવ વિદ્યાલંકાર |
1980 | બહાદુર શાહ પંડિત |
1981 | હસમુખ બારાડી |
1982 | પ્રફુલ્લ રાવલ |
1983 | ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’ |
2003 | રજનીકુમાર પંડ્યા |
2004 | રામચન્દ્ર બ. પટેલ |
2005 | બહાદુરભાઈ વાંક |
2006 | પ્રીતિ સેનગુપ્તા |
2007 | સુશ્રુત પટેલ |
2008 | ભગીરથ બ્રહ્મભટ્ટ |
2009 | પરંતપ પાઠક |
2010 | રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ |
2011 | પ્રવીણ દરજી |
2012 | રાધેશ્યામ શર્મા |
2013 | યોસેફ મેકવાન |
2014 | કિશોર વ્યાસ |
2015 | હર્ષ બ્રહ્મભટ્ટ |
2016 | હર્ષદ ત્રિવેદી |
2017 | ભરત દવે |
2018 | કાલિન્દી પાઠક |
2019 | મહેબૂબ દેસાઈ |
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર
1983 | શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી |
1984 | શ્રી સુન્દરમ્ |
1985 | શ્રી ઉમાશંકર જોશી (અસ્વીકાર) |
1986 | શ્રી પન્નાલાલ પટેલ |
1987 | શ્રી સ્નેહરશ્મિ |
1988 | શ્રી ચં. ચી. મહેતા |
1989 | શ્રી હરિવલ્લભ ભાયાણી |
1991 | શ્રી નગીનદાસ પારેખ |
1992 | શ્રી રાજેન્દ્ર શાહ |
1993 | શ્રી નિરંજન ભગત |
1994 | શ્રી ગુલાબદાસ બ્રોકર |
1995 | શ્રી હીરાબહેન પાઠક |
1996 | શ્રી કે. કા. શાસ્ત્રી |
1997 | શ્રી મકરંદ દવે |
1998 | શ્રી ધીરુભાઈ ઠાકર |
1999 | શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ |
2000 | શ્રી નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’ |
2001 | ડૉ. રમણલાલ જોશી |
2001 | ડૉ. રઘુવીર ચૌધરી |
2002 | શ્રી ધીરુબહેન પટેલ |
2002 | શ્રી લાભશંકર ઠાકર |
2003 | ડૉ. મધુસૂદન પારેખ |
2004 | ડૉ. ભોળાભાઈ પટેલ |
2005 | વિનોદ ભટ્ટ |
2006 | ચંદ્રકાન્ત શેઠ |
2007 | અમૃતલાલ વેગડ |
2008 | વર્ષા અડાલજા |
2009 | ડૉ. કુમારપાળ દેસાઈ |
2010 | વીનેશ અંતાણી |
2011 | તારક મહેતા |
2012 | ભગવતીકુમાર શર્મા |
2013 | સિતાંશુ યશશ્ચન્દ્ર |
2014 | સુમન શાહ |
2015 | વિનોદ જોશી |
2016 | માધવ રામાનુજ |
2017 | દિનકર જોશી |
2018 | મોહમ્મદ માંકડ |
2019 | મણિલાલ હ. પટેલ |
સાહિત્ય અકાદમી, દિલ્હી
1955 | મહાદેવ દેસાઈ |
1956 | રામનારાયણ પાઠક |
1958 | પંડિત સુખલાલ |
1960 | રસિકલાલ છો. પરીખ |
1961 | રામસિંહજી રાઠોડ |
1962 | વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી |
1963 | રાજેન્દ્ર શાહ |
1964 | ડોલરરાય ર. માંકડ |
1965 | કાકાસાહેબ કાલેલકર |
1967 | પ્રબોધ બે. પંડિત |
1968 | સુન્દરમ્ |
1969 | સ્વામી આનંદ |
1970 | નગીનદાસ પારેખ |
1971 | ચં. ચી. મહેતા |
1973 | ઉમાશંકર જોશી |
1974 | અનંતરાય રાવળ |
1975 | મનુભાઈ પંચોળી |
1976 | ઉશનસ્ |
1977 | રઘુવીર ચૌધરી |
1978 | હરીન્દ્ર દવે |
1979 | જગદીશ જોશી |
1980 | જયંત પાઠક |
1981 | હરિવલ્લભ ભાયાણી |
1982 | પ્રિયકાન્ત મણિયાર |
1983 | સુરેશ જોશી |
1984 | રમણલાલ જોશી |
1985 | કુંદનિકા કાપડિયા |
1986 | ચંદ્રકાંત શેઠ |
1987 | સિતાંશુ યશશ્ચંદ્ર |
1988 | ભગવતીકુમાર શર્મા |
1989 | જોસેફ મેકવાન |
1990 | અનિલ રામનાથ જોશી |
1991 | લાભશંકર ઠાકર |
1992 | ભોળાભાઈ પટેલ |
1993 | નારાયણ દેસાઈ |
1994 | રમેશ પારેખ |
1995 | વર્ષા મ. અડાલજા |
1996 | હિમાંશી શેલત |
1997 | અશોકપુરી ગોસ્વામી |
1998 | જયંત કોઠારી |
1999 | નિરંજન નરહરિ ભગત |
2000 | વીનેશ અંતાણી |
2001 | ધીરુબહેન પટેલ |
2002 | ધ્રુવ ભટ્ટ |
2003 | બિન્દુ ભટ્ટ |
2004 | અમૃતલાલ વેગડ |
2005 | સુરેશ દલાલ |
2006 | રતિલાલ ‘અનિલ’ |
2007 | રાજેન્દ્ર શુક્લ |
2008 | સુમન શાહ |
2009 | શિરીષ પંચાલ |
2010 | ધીરેન્દ્ર મહેતા |
2011 | મોહન પરમાર |
2012 | ચન્દ્રકાન્ત ટોપીવાળા |
2013 | ચિનુ મોદી |
2014 | અશ્વિન મહેરા |
2015 | રસિક શાહ |
2016 | કમલ વોરા |
2017 | ઊર્મિ દેસાઈ |
2018 | અશ્વિન મહેતા |
2019 | રતિલાલ બોરીસાગર |
2020 | હરીશ મીનાશ્રુ |
શ્રી ધનજી કાનજી ગાંધી ચંદ્રક
1983 | સ્વ. રમેશ પારેખ |
1984 | કુન્દનિકા કાપડિયા |
1985 | સ્વ. પન્નાલાલ પટેલ |
1986 | સ્વ. રાજેન્દ્ર શાહ |
1987 | સ્વ. બાલમુકુન્દ દવે |
1988 | મધુ રાય |
1989 | ડૉ. ધીરેન્દ્ર મહેતા |
1990 | સ્વ. જોસેફ મૅકવાન |
1991 | ડૉ. મધુસૂદન પારેખ |
1992 | સ્વ. રામપ્રસાદ શુક્લ |
1993 | વીનેશ અંતાણી |
1994 | ચિનુ મોદી (અસ્વીકાર) |
1995 | રાધેશ્યામ શર્મા |
1996 | ડૉ. ચિમનલાલ ત્રિવેદી |
1997 | સ્વ. દિગીશ મહેતા |
1998 | સ્વ. મનહર મોદી |
1999 | યોગેશ જોષી |
2000 | ડૉ. રમેશ શુક્લ |
2001 | ડૉ. કુમારપાળ દેસાઈ |
2002 | ડૉ. રતિલાલ બોરીસાગર |
2003 | સ્વ. મનોજ ખંડેરિયા |
2004 | મોહનભાઈ પટેલ |
2005 | ડૉ. પ્રવીણ દરજી |
2006 | યશવન્ત મહેતા |
2007 | ડૉ. મણિલાલ હ. પટેલ |
2008 | સ્વ. ડૉ. જયંત ગાડીત |
2009 | જ્યોતિબહેન થાનકી |
2010 | હરિકૃષ્ણ પાઠક |
2011 | ધ્રુવ ભટ્ટ |
2012 | રવીન્દ્ર પારેખ |
2013 | જોરાવરસિંહ જાદવ |
2014 | ભાનુપ્રસાદ પંડ્યા |
2015 | હર્ષ બ્રહ્મભટ્ટ |
ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ
1967 | શ્રી ઉમાશંકર જોશી (સંયુક્ત) |
1985 | શ્રી પન્નાલાલ પટેલ |
2001 | શ્રી રાજેન્દ્ર શાહ |
2017 | શ્રી રઘુવીર ચૌધરી |
સરસ્વતી સન્માન
1997 | શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ |
મૂર્તિદેવી પુરસ્કાર
1985 | શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ |
2004 | શ્રી નારાયણ દેસાઈ |
નરસિંહ મહેતા ઍવૉર્ડ
1999 | રાજેન્દ્ર શાહ |
2000 | મકરંદ દવે |
2001 | ઉશનસ્ – નિરંજનભગત |
2002 | અમૃત ઘાયલ |
2003 | જયંત પાઠક |
2004 | રમેશ પારેખ |
2005 | ચંદ્રકાન્ત શેઠ |
2006 | રાજેન્દ્ર શુક્લ |
2007 | સુરેશ દલાલ |
2008 | લાભશંકર ઠાકર (અસંમત) |
સિતાંશુ (અસ્વીકૃત) | |
ચિનુ મોદી | |
2009 | ભગવતીકુમાર શર્મા |
2010 | અનિલ જોશી |
2011 | ભાનુપ્રસાદ પંડ્યા |
2012 | માધવ રામાનુજ |
2013 | નલિન રાવલ |
હરિકૃષ્ણ પાઠક | |
2014 | હરીશ મીનાશ્રુ |
2015 | મનોહર ત્રિવેદી |
2016 | જલન માતરી |
2017 | ગુલામ મોહમ્મદ શેખ |
દલપત પઢિયાર | |
2018 | વિનોદ જોશી |
2019 | ખલિલ ધનતેજવી |