વિટ્ગેન્સ્ટાઇન, લુડ્વિગ અને તેમનું તત્વચિંતન

February, 2005

વિટ્ગેન્સ્ટાઇન, લુડ્વિગ અને તેમનું તત્વચિંતન (જ. 1889, વિયેના; અ. 1951) : વીસમી સદીના અત્યંત પ્રભાવક ચિંતક. વિટ્ગેન્સ્ટાઇન 1908માં ઇંગ્લૅન્ડમાં વિમાનવિષયક ઇજનેરી વિદ્યા ભણ્યા. ઇજનેરીમાંથી ગણિતમાં અને ગણિતમાંથી ગણિતના તત્વજ્ઞાનમાં તેમને રસ પડ્યો. તેમણે બર્ટ્રાન્ડ રસેલના ‘પ્રિન્સિપલ્સ ઑવ્ મૅથેમૅટિક્સ’ એ ગ્રંથનો અભ્યાસ કર્યો અને તેના પ્રભાવ હેઠળ 1912માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો. રસેલ સાથે તેમણે લૉજિક અને તત્વજ્ઞાનના પ્રશ્ર્નો વિચાર્યા. રસેલ પણ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. પહેલા વિશ્વયુદ્ધમાં તેમને ઑસ્ટ્રિયન શાહી લશ્કરમાં પણ જોડાવું પડ્યું હતું. યુદ્ધનાં વર્ષો દરમિયાન અને યુદ્ધકેદી હતા ત્યારે પણ તેમણે પોતાના ગ્રંથ ‘Tractatus Logico  Philosophicus’ ઉપર કામ ચાલુ રાખ્યું. 1921માં જર્મન ભાષામાં તેનું પ્રકાશન થયું અને 1922માં તેનો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો. વિટ્ગેન્સ્ટાઇનના જીવનકાળ દરમિયાન તેમનું આ એક જ પુસ્તક પ્રકાશિત થયું હતું. આ પુસ્તકને લીધે તત્વજ્ઞાનની તમામ સમસ્યાઓ ઉકેલાઈ જાય છે અને એ દિશામાં પછી કશું કરવાનું રહેતું નથી એમ માની વિયેનાના એક ગામમાં તેઓ શાળાના શિક્ષક તરીકે કામે લાગ્યા. 1926માં તેમણે એ કામ છોડીને વિયેનાની બહાર એક સળંગ ‘મૉનેસ્ટરી’માં માળી તરીકેનું કામ સ્વીકાર્યું.

વિયેનામાં મોરિત્ઝ શ્લિકના નેતૃત્વ હેઠળ રચાયેલા ‘વિયેના સર્કલ’ના તાર્કિક પ્રત્યક્ષવાદના પક્ષકાર ચિંતકો માટે તો ‘ટ્રેક્ટેટસ’ ખૂબ મહત્વનો ગ્રંથ બની ગયો હતો. પરંતુ કેમ્બ્રિજમાં ફરી 1929થી જોડાયેલા વિટ્ગેન્સ્ટાઇને પાછળથી ‘ટ્રેક્ટેટસ’ના વિચારોનો અસ્વીકાર કર્યો છે.

લુડ્વિગ વિટ્ગેન્સ્ટાઇન

(I) ‘ટ્રેક્ટેટસ’ : વિટ્ગેન્સ્ટાઇનનું પ્રારંભનું (early) ચિંતન : વિટ્ગેન્સ્ટાઇને ‘ટ્રેક્ટેટસમાં કેવળ વસ્તુનિર્દેશક (referential) ભાષાનું જ તાર્કિક સ્વરૂપ વિચાર્યું છે. તત્વજ્ઞાનમાં કેટલીક સમસ્યાઓ હોય છે; જેમ કે, અસ્તિત્વ, જ્ઞાનનો ઉદ્ભવ, જ્ઞાનનું પ્રામાણ્ય. વિધાનોનો અર્થ, સત્ય અને મૂલ્ય જેવી સમસ્યાઓ. સત્ શું છે ? જ્ઞાન શું છે ? મૂલ્યો વસ્તુલક્ષી છે કે સ્વલક્ષી ? પ્રશ્ર્નો તત્વજ્ઞાનમાં સદીઓથી ચર્ચાયાં કરે છે. બીજું, તત્વજ્ઞાનની સમસ્યાઓ એવી નથી કે જેને વિજ્ઞાનની જેમ પ્રયોગો કે અવલોકનોથી ઉકેલી શકાય. તેથી તે સમસ્યાઓને વિચારો અને દલીલોથી ઉકેલવા તત્વચિંતકો પ્રયત્નો કરે છે.

આ સંદર્ભમાં વિટ્ગેન્સ્ટાઇનનો મત એ છે કે તત્વજ્ઞાનની પરંપરાગત સમસ્યાઓ દર વખતે દરેક યુગે નવેસરથી ઉકેલવાના પ્રયત્નો કરવાને બદલે એટલે કે તેમની સાથે નવેસરથી કામ પાડવાને બદલે ચિંતકોએ એ સમજવું જોઈએ કે તત્વજ્ઞાનની તમામ સમસ્યાઓ જ ભ્રામક (illusory) છે અને ભાષાના તાર્કિક સ્વરૂપ(logic of language)ને ન સમજવાને લીધે આવી સમસ્યાઓ ઉદ્ભવે છે. એક વાર ભાષાનું વ્યાકરણગત નહિ પણ તાર્કિક સ્વરૂપ સમજી લેવામાં આવે તો પછી તત્વજ્ઞાનની કહેવાતી મૂળભૂત સમસ્યાઓ જ અદૃશ્ય થઈ જશે  તેનું વિસર્જન થઈ રહેશે. આમ સમસ્યાઓના તાત્ત્વિક ઉકેલો શોધવાની વ્યર્થ પ્રવૃત્તિ કરવાને બદલે ભાષાના તાર્કિક સ્વરૂપ વિશે પ્રવર્તતી ગેરસમજણોને લીધે ઉત્પન્ન થતી સમસ્યાઓનું વિસર્જન કે વિલીનીકરણ કરવું વિટ્ગેન્સ્ટાઇનની દૃષ્ટિએ તત્વચિંતકોનું કાર્ય છે.

(1) ભાષાની તાર્કિક સંરચના : ‘ટ્રેક્ટેટસ’માં વિટ્ગેન્સ્ટાઇનનો મુખ્ય વિચાર એ છે કે ભાષાને તાર્કિક સંરચના (logical structure) હોય છે. તે સંરચના કે સ્વરૂપને સમજવાથી ‘શું કહી શકાય’ (What can be said) અને ‘શું ન કહી શકાય’ તે બાબત નિશ્ચિત કરી શકાય છે. તથ્યાત્મક ભાષાની કાયમી સીમા (limit) આ રીતે ભાષાના તાર્કિક સ્વરૂપને સ્પષ્ટ કરવાથી નિશ્ચિત થઈ શકે છે. જે કહી શકાય તે અને જેને વિચારી શકાય તે એ બંનેની સીમા એક જ છે, તેથી જે ભાષાની સીમા છે તે જ વિચારની સીમા છે. આ સીમાની અંદર જ કશું અર્થપૂર્ણ રીતે (meaningfully) કહી શકાય અને વિચારી શકાય. આ સીમાની બહાર જે કંઈ કહેવાય અને વિચારાય છે તે અર્થવિહીન (non-sensical) છે. આ સંદર્ભમાં ‘ટ્રેક્ટેટસ’માં વિટ્ગેન્સ્ટાઇન કહે છે કે જે કંઈ કહી શકાય તેવું હોય તે સ્પષ્ટ રીતે કહી શકાય તેવું જ હોય અને જેને વિશે કશું કહી શકાય તેમ ન હોય તેને વિશે મૌન રહેવું પડે.

તત્વજ્ઞાનમાં પણ જે ‘કહી શકાતું હોય’ તે જ કહેવું જોઈએ. તે સિવાય કશું કહેવું ન જોઈએ. પ્રશ્ર્ન એ છે કે શું શું ‘કહી શકાય’ તેવું છે ?   વિટ્ગેન્સ્ટાઇન મુજબ માત્ર પ્રાકૃતિક વિજ્ઞાનોનાં વિધાનો જ ‘કહી શકાય તેવાં’ હોય છે. તત્વજ્ઞાનમાં નીતિશાસ્ત્રનાં, સૌંદર્યશાસ્ત્રનાં કે ધર્મનાં વિધાનો આ અર્થમાં sayable  ‘કહી શકાય તેવાં’  હોતાં નથી, આ ખાસ અર્થમાં તે nonsensical છે. તત્વજ્ઞાન, ધર્મ, નીતિશાસ્ત્ર વગેરેનાં વિધાનોમાં ‘showing’ શક્ય છે એટલે તેને દર્શાવી શકાય છે; પણ ‘saying’ શક્ય નથી એટલે કે તેને ‘કહી શકાય’ નહિ. આ રજૂઆત વિચિત્ર લાગે છે, પણ વિટ્ગેન્સ્ટાઇન નીતિશાસ્ત્ર, ધર્મ વગેરેને હાસ્યાસ્પદ રીતે કે તિરસ્કારયુક્ત રીતે અર્થહીન ગણતા નથી તે નોંધવું જોઈએ. ઊલટાનું તેને વિશે મૌન રહીને તેઓ કંઈક ઊંડું અને રહસ્યમય દર્શાવવા માગે છે. નીતિશાસ્ત્ર વગેરે અગત્યનાં જ નથી તેવું તેઓ માનતા નથી.

ભાષાની સીમાઓની બહાર કશું નથી એમ કહેવામાં વિટ્ગેન્સ્ટાઇનનો આશય એ છે કે તથ્યાત્મક ભાષાની સીમાની બહાર કશું તથ્યાત્મક (factual) નથી. તથ્યાત્મક ભાષામાં ન કહી શકાય તે તથ્યાત્મક સ્વરૂપે અકથનક્ષમ (unsayable) છે તેને માત્ર દર્શાવી જ શકાય (shown). ધર્મવિષયક, મૂલ્યવિષયક કે સૌંદર્યવિષયક વિધાનવ્યાપાર (discourse) તથ્યાત્મક ભાષાના રૂપમાં અકથનક્ષમ છે તેવું વિટ્ગેન્સ્ટાઇન દર્શાવે એટલું જ નહિ, ‘ટ્રેક્ટેટસ’માં પોતે કરેલાં વિધાનો તથ્યાત્મક વિધાનો ન હોવાથી તે પણ અકથનક્ષમ છે અથવા તથ્યાત્મક રીતે અર્થરહિત (nonsensical) છે. ભાષાની સમગ્રતા અને જગતની સમગ્રતાના સંબંધને રજૂ કરતાં વિટ્ગેન્સ્ટાઇનના ‘ટ્રેક્ટેટસ’નાં પોતાનાં વિધાનો પણ વિટ્ગેન્સ્ટાઇન મુજબ તથ્યાત્મક નથી તેથી તે અર્થમાં nonsense છે.

વિટ્ગેન્સ્ટાઇન મુજબ નીતિશાસ્ત્ર, ધર્મ વગેરેનાં વિધાનો તથ્યાત્મક અર્થમાં ‘કહી શકાય તેવાં’ હોતાં નથી અને ‘ટ્રેક્ટેટસ’માં તેને વિશે તેઓ મૌન છે; પરંતુ તે જ તેમને ખરેખર અગત્યનાં જણાયાં છે. ભાષા અને જગતનો સંબંધ સમજાવતાં ‘ટ્રેક્ટેટસ’નાં તત્વજ્ઞાનનાં વિધાનો પણ વિટ્ગેન્સ્ટાઇન મુજબ નિસરણી (ladder) જેવાં છે. એ નિસરણીનો ઉપયોગ કર્યા પછી તેને ફેંકી દેવાની છે. આમ ‘saying’ અને ‘showing’નો ભેદ અહીં મહત્વનો છે. વિટ્ગેન્સ્ટાઇને સૂત્રાત્મક શૈલીમાં લખ્યું છે તેથી તેમનાં ટૂંકાં સૂત્રોના અર્થઘટનના પ્રશ્ર્નો તો રહે છે. નીતિશાસ્ત્ર વગેરેનાં અ-તથ્યાત્મક વિધાનો વિશે વિટ્ગેન્સ્ટાઇન તેમને મહદ્અંશે અનુસરતા તાર્કિક પ્રત્યક્ષવાદીઓ(logical positivists)થી જુદા પડે છે; કારણ કે તાર્કિક પ્રત્યક્ષવાદીઓ નૈતિકને કે ધર્મને ઊંડી રીતે રહસ્યમય (mystical) ગણતા નથી.

ટૂંકમાં નૈતિક, ધાર્મિક કે તાત્ત્વિક વિધાનો વિટ્ગેન્સ્ટાઇન મુજબ એટલા માટે અર્થશૂન્ય છે કે તે તથ્યાત્મક રૂપે અર્થરહિત છે. તે તથ્યાત્મક જગતની બહાર છે. તેને તથ્યાત્મક વિધાનોમાં મૂકી શકાય નહિ. એટલે તેને ‘કહી શકાય’ નહિ.

તત્વજ્ઞાનનાં વિધાનો તથ્યાત્મક ન હોવાથી તત્વજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન નથી. ખરેખર તો તત્વજ્ઞાન વિચારોનું તાર્કિક સ્પષ્ટીકરણ કરતી પ્રવૃત્તિ જ છે. તે કોઈ સિદ્ધાંત સ્થાપતું નથી. તત્વજ્ઞાનની પ્રવૃત્તિ તત્વજ્ઞાનાત્મક (philosophical) વિધાનોમાં પરિણમતી નથી, પણ તત્વજ્ઞાન તો વિધાનોનું સ્પષ્ટીકરણ કરતી પ્રવૃત્તિ છે. શું વિચારી શકાય અને શું વિચારી ન શકાય તે તત્વજ્ઞાન ભાષાનાં તાર્કિક સ્વરૂપનું વિશ્લેષણ કરીને નિર્ધારિત કરે છે. શું કહી શકાય તે દર્શાવીને તત્વજ્ઞાન શું ન કહી શકાય તેનો સંકેત કરે છે. તર્કશાસ્ત્રમાં પણ તથ્યાત્મક વિધાનો હોતાં નથી. તર્કશાસ્ત્ર અનુમાનના માત્ર રૂપલક્ષી પ્રામાણ્યનો વિચાર કરે છે, પણ તેનો અર્થ એ નથી કે તર્કશાસ્ત્ર ઉપયોગી નથી. ઊલટાનું ભાષા અને જગતની મૂળભૂત સંરચના(structure)ને સમજવા માટે આધુનિક તર્કશાસ્ત્ર અનિવાર્ય છે. આ સંરચનાઓ વચ્ચેનું સારૂપ્ય કે સાદૃશ્ય પણ કેવળ દર્શાવી શકાય (it can be shown). તે તથ્યાત્મક ભાષા રૂપે કહી શકાય નહિ, કારણ કે તથ્યાત્મક ભાષા સિવાય કશું અર્થયુક્ત નથી.

2. ભાષા અને જગત : ભાષા અને જગતનો સંબંધ વિટ્ગેન્સ્ટાઇનની દૃષ્ટિએ નીચે મુજબનો છે :

વિટ્ગેન્સ્ટાઇન પ્રમાણે ભાષા એ તમામ વિધાનોની સમગ્રતા (totality) છે. જગત એ વસ્તુસ્થિતિઓની સમગ્રતા છે. પ્રાકૃતિક વિજ્ઞાન એ તમામ સત્ય વિધાનોની સમગ્રતા છે.

ભાષા અને જગત બંનેની ચોક્કસ સંરચના છે. ભાષાથી પ્રારંભ કરીએ તો, (i) ભાષામાં વિધાનો (propositions) હોય છે. (ii) આ વિધાનો પ્રાથમિક કે સાદાં (elementary) વિધાનોનાં સંયોજનોનાં બનેલાં હોય છે, અને (iii) સાદાં વિધાનોમાં નામ(names)નું સંયોજન હોય છે. જગતના પક્ષે કહીએ તો (i) જગત એટલે તથ્યો(facts)ની સમગ્રતા; (ii) તથ્યોમાં વસ્તુસ્થિતિઓનું સંયોજન હોય છે અને (iii) વસ્તુસ્થિતિઓ એ પદાર્થોનું સંયોજન હોય છે.

આ સંદર્ભમાં ભાષા અને જગતનો સંબંધ વિચારીએ તો (i) નામો એ ભાષાના મૂળભૂત ઘટકો છે અને તે જગતના મૂળભૂત ઘટકો-પદાર્થો(objects)નો નિર્દેશ કરે છે; (ii) નામો સાદાં વિધાનોમાં સંયોજાય છે અને તેમને અનુરૂપ જગતમાં વસ્તુસ્થિતિ (states of affairs) હોય છે; (iii) સાદાં વિધાનો સંયોજાઈને (સંયુક્ત) વિધાનો બને છે અને તેમને અનુરૂપ જગતમાં વસ્તુસ્થિતિઓનાં સંયોજનરૂપની હકીકતો હોય છે. ટૂંકમાં નામો સાદાં વિધાનોમાં અને સાદાં વિધાનો વિધાનોમાં સંયોજાય છે અને જગતમાં પદાર્થો વસ્તુસ્થિતિમાં અને વસ્તુસ્થિતિ તથ્યોમાં સંયોજાય છે.

વિટ્ગેન્સ્ટાઇન પ્રમાણે જગત એ તથ્યોની સમગ્રતા (totality of facts) છે, વસ્તુઓ(objects)ની સમગ્રતા નહિ. અસ્તિત્વ ધરાવતી તમામ વસ્તુસ્થિતિઓની સમગ્રતા એટલે જગત. વસ્તુસ્થિતિઓનું તેમાં સમાવેશ પામતા પદાર્થોમાં વિશ્લેષણ કરી શકાય છે; પણ પદાર્થો પોતે સરળ, અવિશ્લેષ્ય છે. કોઈ પણ વસ્તુસ્થિતિમાં સંયોજાતા ન હોય તેવા કોઈ પદાર્થો જ હોતા નથી.

જગતની સંરચના દર્શાવતાં વિટ્ગેન્સ્ટાઇન તથ્યો, વસ્તુસ્થિતિઓ અને પદાર્થોનાં ષ્ટાંતો નથી આપતા. તે જ રીતે ભાષાની સંરચના દર્શાવતાં તેઓ નામો, પ્રાથમિક વિધાનો કે વિધાનોનાં કોઈ ષ્ટાંતો  આપતા નથી. ભાષા જગત સાથે સંકળાઈ શકે તે માટે બંનેનું તાર્કિક સ્વરૂપ કેવું હોવું જોઈએ તેટલું જ તેઓ સ્પષ્ટ કરે છે. કઈ તાર્કિક શરતોને અધીન થઈને ભાષા અને જગતનો સંબંધ સમજી શકાય તે વિટ્ગેન્સ્ટાઇન દર્શાવે છે. રસેલે ‘આ’ કે ‘તે’ એ સર્વનામોને નામ તરીકે અને ઇન્દ્રિયપ્રાપ્ત સંવેદન-સામગ્રી(sense-data)ને objects કે વસ્તુ ગણીને ભાષા અને જગતના સંબંધનું મૂળભૂત સ્તર સ્પષ્ટ કર્યું હતું. વસ્તુઓ અને તથ્યોનો ભેદ સમજવો હોય તો કહેવું પડે કે પથ્થર, વૃક્ષ, ટેબલ કે ગ્લાસ એ વસ્તુઓ છે પણ ‘ટેબલ ઉપર ગ્લાસ છે એવું છે’ – that there is a glass on the table’ એ તથ્ય છે, જગત આવાં તથ્યોની સમગ્રતા છે.

વિધાનોની સમગ્રતા (totality of propositions) એટલે ભાષા. સમગ્ર પ્રાકૃતિક વિજ્ઞાન એ સાચાં વિધાનોની સમગ્રતા છે.

વિટ્ગેન્સ્ટાઇન મુજબ ભાષા અને જગતનો સંબંધ ચિત્ર-સ્વરૂપનો છે. તથ્યોનું તાર્કિક ચિત્ર એટલે વિચાર. વિધાન વાસ્તવનું ચિત્ર છે. વિધાન સત્ય કે અસત્ય બેમાંથી એક જ હોય. વિધાન, સાદાં વિધાનોનું સત્યતા-ફલનલક્ષી (truth functional) સંયોજન છે; દા.ત., p, q સાદાં વિધાનો હોય તો ‘p અને q’, ‘p અથવા q’, ‘જો p તો q’, ‘એવું નથી કે p’ વગેરે વિધાનો તાર્કિક કારકો (અને, અથવા, જો… તો… વગેરે)થી સંયોજાયેલાં સત્યતાફલનલક્ષી વિધાનો છે. તેમની સત્યતા/અસત્યતા સાદાં વિધાનોની સત્યતા/અસત્યતાને આધારે નક્કી થાય છે.

સાદાં વિધાનો વસ્તુસ્થિતિના અસ્તિત્વ વિશે કથન કરે છે. જો તે સત્ય હોય તો વસ્તુસ્થિતિ તે મુજબની છે. જો તે સત્ય ન હોય તે વસ્તુસ્થિતિ તે મુજબ નથી. સાદાં વિધાનોથી સંયોજિત થયેલાં (જટિલ) વિધાનોમાં તદેવાર્થક વિધાનો (tautologies) અને વ્યાઘાતી વિધાનો (contradictions) મહત્વનાં છે. તદેવાર્થક વિધાનો હમેશાં સત્ય હોય છે. જેમ કે, ‘p અથવા p નહિ તેવું છે’ અને વ્યાઘાતી વિધાનો હમેશાં અસત્ય હોય છે, જેમ કે ‘p અને p નહિ તેવું છે.’ દા.ત., વરસાદ આવતો હોય કે ન આવતો હોય તોપણ કાં તો ‘વરસાદ આવે છે’ અથવા ‘એવું નથી કે વરસાદ આવે છે’  એ તદેવાર્થક વિધાન હમેશાં સત્ય જ છે. પરંતુ ‘વરસાદ આવે છે’ અને ‘એવું નથી કે વરસાદ આવે છે’  એ વ્યાઘાતી વિધાન ગમે તે પરિસ્થિતિમાં હમેશાં અસત્ય જ હોય છે. ગણિત અને તર્કશાસ્ત્રનાં સત્યો એ આ અર્થમાં તદેવાર્થક વિધાનો જ છે. ગણિત/તર્કશાસ્ત્રનાં વિધાનો જગત વિશે કશું કહેતાં નથી. તે તથ્યાત્મક વિધાનો નથી. તદેવાર્થક અને વ્યાઘાતી વિધાનોને કોઈ તથ્યાત્મક અર્થ (factual sense) હોતો નથી; પણ તે તથ્યાત્મક અર્થ ધરાવતાં વિધાનો વચ્ચેનો તાર્કિક રીતે અનિવાર્ય સંબંધ વ્યક્ત કરે છે. તાર્કિક સત્યો તદેવાર્થક હોવા છતાં અમુક રીતે તથ્યાત્મક વિધાનો સંયોજાય ત્યારે તદેવાર્થક વિધાનો મળે છે અને અમુક રીતે સંયોજાય ત્યારે વ્યાઘાતી વિધાનો મળે છે એ બાબત પોતે જ વાસ્તવિક જગત વિશે કશુંક કહે છે. નામો પ્રાથમિક વિધાનોમાં સંયોજાય નહિ અને પ્રાથમિક વિધાનો વિધાનોમાં સંયોજાય નહિ તો તદેવાર્થક વિધાનો પણ શક્ય નથી અને એ અર્થમાં ભાષા અને જગતના સંબંધ વિશે તદેવાર્થક વિધાનો કંઈક પ્રકાશ પાડે છે. તદેવાર્થક કે વ્યાઘાતી ન હોય તેવાં વિધાનો નિવાર્ય (contingent) હોય છે – જેમ કે P or Q.

ભાષા અંગેનો ચિત્ર-સિદ્ધાંત : વિટ્ગેન્સ્ટાઇનના ચિત્રવિષયક સિદ્ધાંત (picture-theory) મુજબ વિધાનો એ વાસ્તવનું મૉડેલ છે. કોઈ ચિત્રમાં તે ચિત્રનાં તત્ત્વો ચિત્ર દ્વારા સૂચવાતી વસ્તુઓના પ્રતિનિધિઓ હોય છે. ચિત્રમાં રજૂ થતાં તત્ત્વો નિર્ધારિત રીતે એકબીજાં સાથે સંબદ્ધ હોય છે તે જ રીતે એ ચિત્ર જેનું હોય છે તે વસ્તુઓના ઘટકો પણ પરસ્પરની સાથે એ જ નિર્ધારિત રીતે સંકળાયેલા હોય છે. ચિત્ર અને વસ્તુ વચ્ચે કોઈક સાદૃશ્ય કે સામ્ય હોય છે. ધારો કે એક રૂમના ખૂણામાં ટેબલ ઉપર ડાબી બાજુ એક ગ્લાસ પડ્યો છે અને તેનું ચિત્ર સાચું દોરવું હોય તો ચિત્રમાં ટેબલની ડાબી બાજુ જ ગ્લાસ દર્શાવવો જોઈએ. આમ ચિત્ર અને વસ્તુના સ્વરૂપ વચ્ચેના સામ્યને વિટ્ગેન્સ્ટાઇન pictorial form કહે છે એટલે કે વસ્તુસ્થિતિમાં વસ્તુઓ વચ્ચે જે સંબંધ હોય છે તેવો જ સંબંધ ચિત્રમાં દર્શાવેલાં તત્ત્વો વચ્ચે હોવો જોઈએ. તેથી બંનેના સમાન ચિત્રાત્મક રૂપને લીધે જ ચિત્ર વસ્તુનું પ્રતિનિધાન (representation) કરી શકે છે. ચિત્ર અને વસ્તુ બંનેનો સંબંધ બંનેનાં તત્ત્વોના સહસંબંધને લીધે છે. ચિત્રનાં તત્ત્વો અને વસ્તુના ઘટકો વચ્ચેનો સહસંબંધ જ ચિત્રોને માટે વસ્તુનું પ્રતિનિધાન કરવાનું શક્ય બનાવે છે. દરેક ચિત્ર આ રીતે તાર્કિક ચિત્ર છે, કારણ કે ચિત્ર અને વસ્તુ વચ્ચે સંરચનાગત સામ્ય હોય છે. ચિત્રને ચિત્ર કહેવા માટેની આ તાર્કિક શરત છે. ચિત્રગત રૂપ એ તાર્કિક રૂપ છે. ‘A proposition is a picture of reality’ (વિટ્ગેન્સ્ટાઇન). વિધાન વાસ્તવનું ચિત્ર છે તેથી વિધાન જેનું પ્રતિનિધાન કરે એ તેનો અર્થ (sense) છે. ચિત્ર અને ચિત્ર જેનું છે તે વસ્તુ-એમનામાં કશુંક એકસરખું ન હોય તો પછી ચિત્ર તે વસ્તુનું હોઈ શકે નહિ.

(II) ફિલોસૉફિકલ ઇન્વેસ્ટિગેશન્સ (1953) વિટ્ગેન્સ્ટાઇનનું ઉત્તરકાલીન (later) ચિન્તન :

વિટ્ગેન્સ્ટાઇને ‘ટ્રેક્ટેટસ’ પછીના એક દસકા પછી નવી રીતે વિચારવાનું શરૂ કર્યું. તેમની આ પાછળની (later) ફિલૉસૉફીમાં ‘ટ્રેક્ટેટસ’માં તેમણે રજૂ કરેલા ઘણા મુદ્દાઓને રદબાતલ કર્યા. ખાસ તો તેમણે પોતાના પહેલાંના ચિંતનના નીચેના મુદ્દાઓ રજૂ કર્યા હતા :

(1) ભાષાને એક અચલ અફર સર્વદેશી સ્વરૂપ કે સત્વ (essence) છે.

(2) કથનાત્મક વસ્તુનિર્દેશક અને તથ્યાત્મક કથનરૂપ ભાષા જ ભાષાનું સાચું સ્વરૂપ વ્યક્ત કરે છે.

(3) ભાષા અને જગતને અમુક ચોક્કસ સંરચના છે અને તે સંરચનાઓનું વિશ્લેષણ કરો તો મૂળભૂત સાદાં અવિશ્લેષ્ય (unanalysable) તત્ત્વો મળે.

(4) ફ્રેગે અને રસેલે વિકસાવેલા વિધાનાત્મક અને વિધેયાત્મક તર્કશાસ્ત્ર (propositional and predicate logic) દ્વારા જ ભાષાનું આંતરિક બંધારણ કે ઘડતર પ્રકાશિત થઈ શકે.

(5) ભાષા (કથનરૂપ ભાષા) જગતનું ચિત્ર છે. વિધાનોનો અર્થ તેના વસ્તુનિર્દેશ(reference)માં રહેલો છે એટલે કે શબ્દો વસ્તુઓનો નિર્દેશ કરતા હોવાથી જ અર્થયુક્ત હોય છે. ભાષા જગતનું ચિત્ર છે, કારણ કે ભાષાના શબ્દો જગતની વસ્તુઓનું પ્રતિનિધાન કરે છે.

ભાષા અને જગતનો સંબંધ ઉપર દર્શાવેલા મુદ્દાઓને આધારે જ સમજી શકાય છે તેવો વિટ્ગેન્સ્ટાઇનનો પોતાનો અભિગમ ‘ફિલૉસૉફિકલ ઇન્વેસ્ટિગેશન્સ’ – એ પુસ્તકમાં વિટ્ગેન્સ્ટાઇને પોતે જ સમીક્ષા કરીને પડતો મૂક્યો છે. ઉપર દર્શાવેલા છ મુદ્દાઓનો ‘ઇન્વેસ્ટિગેશન્સ’માં વિટ્ગેન્સ્ટાઇન અસ્વીકાર કરે છે.

‘ઇન્વેસ્ટિગેશન્સ’માં વિટગેન્ટાઇન નીચે મુજબ રજૂઆત કરે છે :

(1) ભાષા કેવળ તથ્યાત્મક અને વસ્તુનિર્દેશક જ છે તેવું નથી. ભાષાનું કોઈ એક અચલ સત્વ નથી.

(2) ભાષામાં તો વસ્તુનો નિર્દેશ કરવા ઉપરાંતની ઘણી પ્રવૃત્તિઓ છે. વર્ણન કરવા માટે, અહેવાલ આપવા માટે, કશાકનો સ્વીકાર કે અસ્વીકાર કરવા માટે આજ્ઞા કરવા માટે, વાર્તા કરવા માટે, નાટ્યપ્રયોગોના સંવાદો માટે, શાપ આપવા માટે, અભિનંદન આપવા માટે, માફી માગવા માટે, આશીર્વાદ આપવા માટે, સમસ્યા ઉકેલવા માટે, અનુવાદ કરવા માટે, વિનોદયુક્ત કટાક્ષો કરવા માટે, લાગણીઓની અભિવ્યક્તિ કરવા માટે કે પ્રાર્થના કરવા માટે-એમ અનેક રીતે ભાષા પ્રયોજાય છે. ભાષા પ્રયોજવાની આ વિવિધ પ્રવૃત્તિઓને વિટ્ગેન્સ્ટાઇન ‘language games’ શબ્દથી ઓળખાવે છે. ભાષા મનુષ્યના વ્યવહારો કે પ્રવૃત્તિઓનો ભાગ છે; તેથી જ ભાષા-વ્યવહારો અનેક રૂપે પ્રવર્તે છે. તેથી ભાષા કેવળ વસ્તુનિરૂપક જ છે અને તેનું એક જ પ્રકારનું ‘ટ્રેક્ટેટસ’માં દર્શાવેલું તાર્કિક સ્વરૂપ (logical form) છે તેવો મત વિટ્ગેન્સ્ટાઇન અહીં પડતો મૂકે છે.

(3) ‘Game’ શબ્દનો અહીં વિટ્ગેન્સ્ટાઇન ખાસ અર્થમાં ઉપયોગ કરે છે. કોઈ અગંભીર મનોરંજક ક્રીડાના અર્થમાં તેઓ ‘લૅંગ્વેજ ગેમ’ શબ્દ પ્રયોજતા નથી. ખરેખર તો ‘game’ શબ્દ પણ કાર્ડ-ગેમ, બૉર્ડ-ગેમ, બૉલ-ગેમ – એમ જુદી જુદી રમતો માટે પ્રયોજાય છે. તે બધામાં કશુંક સમાન હોવું જ જોઈએ તેમ માની લેવા કરતાં ખરેખર એ જોવું જોઈએ કે કશુંક સમાન તેમાં છે કે નહિ. એવી તપાસ કરતાં જણાશે કે ‘games’ શબ્દ દ્વારા સૂચવાતી રમતોમાં કેટલુંક સામ્ય, કેટલીક ભિન્નતા જોવા મળે છે  જેમ એક જ કુટુંબના સભ્યોમાં કેટલીક સમાનતા અને ભિન્નતા જોવા મળે છે તેમ વિટ્ગેન્સ્ટાઇન તેને ‘કૌટુંબિક સામ્ય’ (family resemblance) કહે છે. જેમ બધી રમતોમાં સમાન એવું એક જ તત્વ શોધવાને બદલે વિવિધ રમતોમાં પ્રવર્તતું એક કૌટુંબિક સામ્ય જોઈ શકાય તેમ ભાષાની બધા પ્રકારની પ્રવૃત્તિઓમાં એક જ અફર અચલ સત્વ શોધવાને બદલે જુદાં જુદાં ભાષા-રૂપો કે જુદી જુદી ભાષાપ્રવૃત્તિમાં પણ કૌટુંબિક સામ્ય જોઈ શકાય.

(4) ‘ટ્રેક્ટેટસ’માં વિટ્ગેન્સ્ટાઇને કહ્યું હતું કે શબ્દનો અર્થ તે જે વસ્તુનો નિર્દેશ (reference) કરે છે તેમાં રહેલો છે. અહીં તેઓ કહે છે ભાષાપ્રયોગો(expressions)નો અર્થ તેમના ઉપયોગમાં રહેલો છે. વસ્તુને નામ દ્વારા ઓળખવી એ તો ભાષાનો એક પ્રકારનો ઉપયોગ છે. ભાષાનું સંપૂર્ણ હાર્દ તેમાં જોવું એ તેમની ભૂલ હતી એવું વિટ્ગેન્સ્ટાઇને દર્શાવ્યું છે. નામ અને વસ્તુનો જ સંબંધ દર્શાવવાના વસ્તુનિર્દેશક(denotative) મૉડેલનો તેઓ અહીં અસ્વીકાર કરે છે.

(5) ભાષાપ્રયોગોનો અર્થ ભાષકોના મનમાં સમજ નામની કોઈ અદૃશ્ય માનસિક ક્રિયા દ્વારા સ્ફુટ થાય છે તેવું વિટ્ગેન્સ્ટાઇન સ્વીકારતા નથી. સમજ (understanding) નામની કોઈક આંતરિક માનસિક અવસ્થા ધારવાની જરૂર નથી. ‘લાઇબ્રેરીમાંથી પુસ્તક લાવો’ એ વાક્ય સમજાય છે તેનો અર્થ એ કે તે મુજબનો વાસ્તવિક વ્યવહાર કરી શકાય છે. સમજણ એ ટેકનિક કે કોઈ પ્રૅક્ટિસ ભાષકે વ્યાવહારિક રીતે હસ્તગત કરી છે તે દર્શાવે છે. જુદા જુદા ભાષા-વ્યવહારોમાં ભાષકો ભાષાપ્રયોગોને પ્રયોજવાના નિયમોને અનુસરતા હોય છે. વિટ્ગેન્સ્ટાઇન તેને rule following કહે છે. અહીં તેમને તર્કશાસ્ત્રના નિયમો અભિપ્રેત નથી. સહમતી, પરંપરા અને તાલીમથી ભાષકો જુદી જુદી રીતે નિયમના માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિ કરે છે. નિયમને અનુસરવું એ એક સામાજિક પ્રવૃત્તિ છે.

(6) ભાષાપ્રયોગોનો જુદી જુદી ભાષાપ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવાની ક્ષમતા એટલે સમજણ. આવો ઉપયોગ કરવાની ક્ષમતા તે પ્રવૃત્તિના નિયમોને અનુસરવામાં રહેલી છે.

(7) Language-games એ વિવિધ જીવનશૈલીઓ, જીવન-સ્વરૂપો (forms of life) સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ છે. ભાષા આ અર્થમાં જાહેર (public) છે, ખાનગી/વૈયક્તિક (private) નથી. ભાષા બોલવી એટલે કોઈક જીવન-સ્વરૂપમાં ભાગ લેવો. આ ભાગ લેવાની તાલીમ સામાજિક છે.

(8) વિટ્ગેન્સ્ટાઇને સંવેદનવિષયક ભાષા, વસ્તુવિષયક ભાષા – એમ અનેક રીતે અહીં વિશ્લેષણ કર્યું છે; પણ એ વિશ્લેષણ સામાન્ય ભાષા(ordinary language)નું છે, તાર્કિક ભાષાનું નહિ. જુદાં જુદાં forms of lifeને સમજવાં હોય તો રમત-જગત, વ્યાપાર-જગત, ફિલ્મ-જગત વગેરે શબ્દપ્રયોગોમાં ‘જગત’ શબ્દનો અર્થ છે તે યાદ રાખવો જરૂરી છે.

વિટ્ગેન્સ્ટાઇનના ‘ટ્રેક્ટેટસ’ અને ‘ઇન્વેસ્ટિગેશન્સ’માં એક મહત્વની સમાનતા એ છે કે બંનેમાં તત્વજ્ઞાનની સમસ્યાઓ ભાષાનું સાચું સ્વરૂપ નહિ સમજવાને લીધે ઉદ્ભવે છે તેમ માનવામાં આવે છે, પરંતુ ‘ટ્રેક્ટેટસ’માં તેઓ ભાષાની સંરચના આધુનિક તર્કશાસ્ત્રની મદદથી સ્પષ્ટ કરે છે, જ્યારે ‘ઇન્વેસ્ટિગેશન્સ’માં તેઓ સામાન્ય ભાષા-વિશ્લેષણ અપનાવે છે અને તત્વજ્ઞાનની ઉપચારાત્મક (therapeutic) ભૂમિકા દર્શાવે છે. તત્વજ્ઞાનના પ્રશ્ર્નો ઉકેલવાના હોતા નથી; તેમનું વિસર્જન કરવાનું હોય છે. ‘ઇન્વેસ્ટિગેશન્સ’માં તેઓ કહે છે કે ‘philosophical problems arise when language goes on holiday’. સામાન્ય ભાષાનાં વિવિધ સ્વરૂપો અને કાર્યોને સમજવાથી તત્વજ્ઞાનની કહેવાતી સમસ્યાઓ દૂર થઈ શકે.

વિટ્ગેન્સ્ટાઇનના પુસ્તક ‘ટ્રેક્ટેટસ’ તાર્કિક પ્રત્યક્ષવાદના વિચાર-આંદોલન માટે અને તેમનું ઉત્તરકાલીન તત્વજ્ઞાન સામાન્ય ભાષાના વિશ્લેષણને આગળ કરનારા ચિંતકો માટે પ્રેરણારૂપ બન્યાં છે. આમ એક જ ચિંતક બે જુદા જુદા વિચાર-આંદોલનના પ્રેરક બન્યા તે તત્વજ્ઞાનમાં અનન્ય ઘટના છે. વિટ્ગેન્સ્ટાઇનની અન્ય કૃતિઓમાં The Blue and Brown Books (1958), Notebooks : 1914-1916 (1961) વગેરેનો સમાવેશ થાય છે.

હરસિદ્ધ મ. જોશી, મધુસૂદન બક્ષી