વિટો (નિષેધાધિકાર) (veto)

February, 2005

વિટો (નિષેધાધિકાર) (veto) : ખરડો, કાયદો, ઠરાવ કે નિર્ણય નામંજૂર કરવાનો હોદ્દાધારકનો અધિકાર. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘veto’ શબ્દ લૅટિન શબ્દ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે : ‘હું નિષેધ કરું છું.’ (I forbid.) આ જ પ્રમાણે ફ્રેન્ચ શબ્દ ‘vetare’ પરથી ‘veto’ શબ્દ ઊતરી આવ્યો છે. ‘vetare’નો અર્થ પણ ‘નિષેધ કરવું’ એવો થાય છે. ગુજરાતી ભાષામાં આ શબ્દના અર્થને સમજવા માટે તેનાં જે વિવિધ અર્થઘટનો કરવામાં આવ્યાં છે તે આ પ્રમાણે છે : મનાઈ કરવી, નિષેધ કરવો, નામંજૂર કરવું, રોકવું, અટકાવવું વગેરે. નકારાત્મક સંદર્ભમાં જ્યારે નિષેધ કરવાના અધિકારનો સ્વીકાર કરવામાં આવે છે ત્યારે તેને નિષેધાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્યત: વિટો એટલે નિષેધાધિકાર. જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થાને નિષેધાધિકારનો ઉપયોગ કરવાની સત્તા આપવામાં આવે છે ત્યારે તે નિષેધાધિકારની સત્તા (veto power) તરીકે ઓળખાય છે. રાજ્યશાસ્ત્રની પરિભાષામાં આ શબ્દપ્રયોગ પ્રચલિત છે.

‘વિટો’ શબ્દના અર્થને સ્પષ્ટ કરતાં ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ જણાવે છે કે કોઈ વાત, વિચાર કે નિર્ણયને નકારવાનો હક  નકાર-હક આ અર્થઘટન મુજબ જ્યારે એક કરતાં વધુ વ્યક્તિ સંગઠિત થાય છે ત્યારે નકાર-હક અસ્તિત્વમાં આવે છે; પછી તે સંગઠન કૌટુંબિક હોય, સામાજિક હોય કે પછી રાજકીય કે આંતરરાષ્ટ્રીય સ્વરૂપનું હોય.

રાજ્યશાસ્ત્રના સંદર્ભમાં ‘વિટો’ વિશે એવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે વિટો સત્તા એ સરકારની કોઈ એક શાખાને સોંપવામાં આવે છે, જે શાખા આ સત્તા દ્વારા સરકારની અન્ય શાખાએ જે નિર્ણયો લીધા હોય અથવા કાયદાઓનું ઘડતર કર્યું હોય તેમને રદબાતલ કરે છે અથવા તો તેમના અમલને મુલતવી રાખે છે.

રાજ્યશાસનના સંદર્ભમાં ‘વિટો’નો વિચાર સરકારના પ્રકારોના સંદર્ભમાં કરવાનો રહે છે. વિટોના ઉપયોગ બાબતે અલગ અલગ પદ્ધતિઓ જોવા મળે છે. સરકારના પ્રકારોમાં રાજાશાહીએ પશ્ચિમના દેશોમાં તેમજ પૂર્વના દેશોમાં પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવતો એક પ્રકાર હતો. રાજા સમગ્ર સત્તા ધરાવતો હોવાથી તેની સત્તાને પડકારે તેવી વિટો-સત્તા તે સમયે અસ્તિત્વ ધરાવતી ન હતી. ઇંગ્લૅન્ડના ઇતિહાસ પ્રમાણે ત્યાં શરૂઆતની સદીઓમાં સંપૂર્ણ રાજાશાહી અમલમાં હતી.

અઢારમી સદીના પ્રારંભ સુધી તાજ પોતાની સમક્ષ આવેલો ખરડો કાયદો બને તેમ ઇચ્છતો ન હોય તો તે આવા પ્રસંગે ખરડા પર સહી કરવાની ના પાડતો અને ખરડાનો અંત આવતો. આ રીતે રાજારાણી વિટો-સત્તાનો ઉપયોગ કરતાં હતાં. આવો છેલ્લો પ્રસંગ 1707માં બન્યો ત્યારે સ્ટૂઅર્ટ વંશની રાણી એન (1702-14) દ્વારા બંને ગૃહો-આમસભા અને ઉમરાવસભાએ પસાર કરેલા ખરડાને મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો અને આમ કરીને રાણીએ પોતાની વિટો-સત્તા વાપરી. ત્યારપછી હેનોવર વંશના શાસન દરમિયાન સંસદીય લોકશાહી ક્રમશ: મજબૂત બનતાં વિટો-સત્તાનો ઉપયોગ કોઈ પણ રાજા-રાણીએ કર્યો નથી. ત્યાં એવી પ્રણાલિકાનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે બંને ગૃહમાંથી પસાર થયેલા ખરડા પર રાજા-રાણી વિટો-સત્તા વાપરી શકે નહિ. આ પ્રણાલિકા કેટલી બધી અસરકારક છે તેના સંદર્ભમાં લૉર્ડ અશરનું વિધાન ઉલ્લેખનીય છે. તેમના દ્વારા રાજા જ્યૉર્જ પાંચમાને એવું જણાવવામાં આવ્યું હતું કે ‘‘ધારાસભામાં બહુમતી ધરાવતો પ્રધાન રાજાને મૃત્યુદંડ ફરમાવતું આજ્ઞાપત્ર રાજાની મંજૂરી માટે રજૂ કરે તોપણ તેણે તેને મંજૂરી આપવી જ પડે છે.’’ આમ, સાંપ્રત સમયમાં બ્રિટિશ તાજ વિટો-સત્તાનો ઉપયોગ કરતો જ નથી. તેથી તે વિટો-સત્તા ધરાવતો નથી તેમ કહી શકાય.

ભારતે પણ સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી બ્રિટિશ બંધારણને અનુસરીને વેસ્ટમિન્સ્ટર મૉડેલની સંસદીય સરકારનો અમલ કર્યો હોવાથી રાજ્યના વડાનું સ્થાન રાષ્ટ્રપતિ શોભાવે છે.

રાષ્ટ્રપતિ પાસે મર્યાદિત વિટો-સત્તા છે. તે તેનો ઉપયોગ કરીને ખરડાને કાયદો બનતાં અટકાવી શકે છે; પરંતુ જો બંને ગૃહ તે ખરડાને પસાર કરીને રાષ્ટ્રપતિ પાસે મોકલે તો બંધારણ દ્વારા તેમના હાથ બંધાયેલા છે અને તેમણે સહી કરીને ખરડાને સંમતિ આપવી પડે છે.

અમેરિકામાં પ્રમુખીય પદ્ધતિની સરકાર અમલમાં હોવાથી પ્રમુખ રાજ્યના વડા તેમજ સરકારના વડા ગણાય છે. કૉંગ્રેસ(Congress  ધારાસભા)નાં બંને ગૃહ  પ્રતિનિધિઓનું ગૃહ (House of Representatives) અને સેનેટ(Senate)માંથી પસાર થયેલા ખરડાને પ્રમુખની મંજૂરી માટે મોકલવામાં આવે છે. પ્રમુખ તેના પર સહી કરે તે પછી જ ખરડો કાયદો બને છે. જ્યારે પ્રમુખ ખરડા પર સહી કરતા નથી અને પોતાના વિરોધ સાથે તે ખરડો જે ગૃહમાં રજૂ થયો હોય તે ગૃહમાં પાછો મોકલે છે ત્યારે તેમણે વિટો-સત્તાનો ઉપયોગ કર્યો તેમ ગણાય છે.

પરંતુ પ્રમુખની વિટો-સત્તા સંપૂર્ણ નથી. અમેરિકી બંધારણની જોગવાઈ પ્રમાણે પ્રમુખે પોતાના વાંધાઓ સાથે પાછા મોકલેલ ખરડાને જો કૉંગ્રેસના બંને ગૃહ ફરીથી 2/3 બહુમતીથી પસાર કરે અને તેને પ્રમુખની મંજૂરી માટે મોકલી આપે અને જો ખરડો પ્રમુખ પાસે આવ્યો હોય તે તારીખથી દસ દિવસમાં (આ દિવસોની ગણતરીમાં રવિવારના દિવસોને ગણતરીમાં લેવાતા નથી.) પ્રમુખ તેના પર સહી ન કરે કે સંમતિ આપવાની ના પાડે તોપણ તે ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ ઉપરથી પ્રમુખની વિટો-સત્તા મર્યાદિત છે તેવું લાગે; પરંતુ વાસ્તવમાં તે સંપૂર્ણ વિટો-સત્તા બને છે; કારણ કે કૉંગ્રેસ ભારે કાર્યબોજ નીચે દબાયેલી હોવાથી તેમજ 2/3 જેવી ભારે બહુમતી મેળવવાની લગભગ અશક્ય હોવાથી તેને ફરીથી પસાર કરવાની કાર્યવહી હાથ ધરવાનું ઇચ્છતી હોતી નથી. ખરેખર તો પ્રમુખ વિટો-સત્તાનો ઉપયોગ કરવાના છે તેવો ઇશારો મળતાં કૉંગ્રેસ નમતું જોખતી હોય છે. આમ પ્રમુખની મર્યાદિત વિટો-સત્તા ખરેખર તો વાસ્તવિક વિટો-સત્તાનું સ્વરૂપ ધારણ કરે છે.

ઉપર્યુક્ત વિટો-સત્તાની સાથે ‘પૉકેટ વિટો’(pocket veto)ની સત્તા પણ સંકળાયેલ છે. કૉંગ્રેસની બેઠક(session)નો સમય પૂરો થવાને દસ દિવસ બાકી હોય અને તે દરમિયાન પ્રમુખ પાસે ખરડાને મંજૂરી માટે મોકલવામાં આવ્યો હોય અને પ્રમુખ તે ખરડો કાયદો ન બને તેવું ઇચ્છતા હોય તો ખરડા પર સહી કર્યા સિવાય ખરડાને પોતાના ટેબલ પર રાખી મૂકે છે. દરમિયાનમાં કૉંગ્રેસની બેઠક પૂરી થાય તો ખરડાનો આપોઆપ અંત આવે છે. આ પ્રકારનો વિટો ‘પૉકેટ વિટો’ તરીકે ઓળખાય છે.

પ્રમુખને આપેલી વિટો-સત્તાના સંદર્ભમાં બે બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે : (1) વિટો-સત્તા સંપૂર્ણ ખરડાને આવરી લેતી હોવી જોઈએ. પ્રમુખ ખરડાની અમુક જોગવાઈઓ ઉપર જ એટલે કે અંશત: વિટો-સત્તા વાપરી શકે નહિ. આ બાબત કૉંગ્રેસના હાથમાં એવું શસ્ત્ર મૂકે છે કે પ્રમુખને જરૂરી લાગતા ખરડામાં કૉંગ્રેસ એવી જોગવાઈઓ દાખલ કરે છે કે જેના ઉપર પ્રમુખ વિટો વાપરી શકે નહિ અને પરિણામે કૉંગ્રેસને અપેક્ષિત હોય તે ખરડો મંજૂરી મેળવી શકે છે. (2) પ્રમુખ વિટો-સત્તાનો ઉપયોગ માત્ર ખરડાઓના સંદર્ભમાં જ કરી શકે છે. બંધારણીય સુધારાને લગતો ખરડો પસાર કરીને કૉંગ્રેસ જો તેને પ્રમુખની મંજૂરી માટે મોકલે તો પ્રમુખે તેના પર સહી કરવી જ પડે છે.

આ પ્રમાણે બ્રિટન, ભારત અને અમેરિકાના સંદર્ભમાં રાજ્યના વડાની વિટો-સત્તા વિશે જાણ્યા પછી આંતરરાષ્ટ્રીય સ્વરૂપના રાજકીય સંગઠનનો વિચાર કરવો જરૂરી છે : પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછી રચાયેલ રાષ્ટ્રસંઘ (League of Nations) ધ્યાનપાત્ર છે.

રાષ્ટ્રસંઘનાં ચાર અંગોમાં સમિતિ(council)નો સમાવેશ થતો હતો. તેમાં તે સમયની પાંચ સત્તાઓને આ અંગનું કાયમી સભ્યપદ આપવામાં આવ્યું હતું. જ્યારે અન્ય અગિયાર રાજ્યોને બિનકાયમી સભ્યપદ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રસંઘના કરારપત્રમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે અમુક અપવાદ સિવાય સર્વાનુમતિથી નિર્ણય લેવામાં આવે. આ જોગવાઈમાંથી એવું ફલિત થયું કે જો સર્વસંમતિ ન સધાય, મતલબ કે એક કે તેથી વધુ સભ્યો અસંમતિ દર્શાવે તો નિર્ણય લઈ શકાય નહિ. આથી કોઈ પણ એક રાજ્યની અસંમતિ વાસ્તવમાં વિટોમાં પરિણમતી. તે સમયની સત્તાઓ વચ્ચે સુમેળ કરતાં કુમેળ વધારે હતો. પરિણામે સર્વસંમતિની જોગવાઈ વાસ્તવમાં તેમના હાથમાં વિટો-સત્તા બની જતી. આ આંતરરાષ્ટ્રીય સંગઠનની નિષ્ફળતા માટે જે કારણો જવાબદાર હતાં તેમાં આ જોગવાઈને પણ કારણભૂત ગણવામાં આવે છે.

આ જ પ્રમાણે બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન રચાયેલ સંયુક્ત રાષ્ટ્રસંઘ(United Nations)માં પણ સલામતી-સમિતિના 15 સભ્યરાજ્યોમાંથી પાંચ  અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ, તત્કાલીન સોવિયેત સંઘ અને હવે માત્ર રશિયા, ફ્રાંસ અને ચીન  રાજ્યોને કાયમી સભ્યપદ આપવામાં આવેલ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્રમાં 1966માં કરેલા સુધારાની જોગવાઈ પ્રમાણે કાર્યવહીને લગતી બાબતો પર નિર્ણય લેવા માટે સલામતી સમિતિના નવ સભ્યોની સંમતિ જરૂરી છે. પરંતુ કાર્યવહીને લગતી બાબતો સિવાયની અન્ય કોઈ બાબતો પર નિર્ણય લેવો હોય તો સલામતી સમિતિના સભ્યોમાંથી નવ સભ્યરાજ્યોની સંમતિ તો જોઈએ પરંતુ આ નવ સભ્યરાજ્યોની સંમતિમાં પાંચ કાયમી સભ્યરાજ્યોની સંમતિ અચૂકપણે હોવી જ જોઈએ. આથી કોઈ પણ એક રાજ્યની અસંમતિ ‘વિટો’ બની જાય છે.

આમ, સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્રમાં વિટો-સત્તાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નહિ આવ્યો હોવા છતાં પણ આ જોગવાઈ દ્વારા પાંચ કાયમી સભ્યરાજ્યો વિટો-સત્તા ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી ઠંડાયુદ્ધ(cold war)નું રાજકારણ આ બે વિશ્વસત્તાઓ વચ્ચે શરૂ થયું હતું. બંને સત્તાઓ પોતપોતાના પ્રભાવમાં વધારો કરવા સદાય તત્પર હોવાથી જ્યારે એકના હિતમાં – પ્રભાવમાં વધારો થાય તેવા નિર્ણયો લેવાના પ્રસંગો આવ્યા ત્યારે બીજી વિશ્વસત્તાએ પોતાની વિટો-સત્તાનો ઉપયોગ કરી પોતાના પ્રતિસ્પર્ધીને હંફાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે શરૂઆતનાં વર્ષોમાં તો સલામતી સમિતિમાં વિટો-સત્તાનો ઉપયોગ લગભગ છાશવારે થવા લાગ્યો હતો. 3 નવેમ્બર 1950ના રોજ સલામતી સમિતિને વિશ્વશાંતિ જાળવવાનું કામ કરવાનું મુશ્કેલ ન બને તે માટે શાંતિ માટેનો એકતા-પ્રસ્તાવ (uniting for peace resolution) સામાન્ય સભા(General Assembly)ના પાંચમા અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો. તે દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને લગતી બાબત અંગે વિટો-સત્તાનો ઉપયોગ થાય તો સામાન્ય સભા તે બાબત પરત્વે નિર્ણય લઈ વિશ્વશાંતિ જાળવવા માટે સામૂહિક ઉપાયોની ભલામણ કરી શકે. આ ઠરાવ પસાર થયા પછી તુરત જ 1956માં સુએઝ નહેર પરના આક્રમણ પ્રસંગે આ પ્રસ્તાવની મદદથી શાંતિ સ્થાપવામાં આવી હતી.

સમયના વહેણની સાથે ઠંડાયુદ્ધનો બરફ પીગળવા લાગ્યો. અને તણાવ-શૈથિલ્ય-સંબંધસુધાર(Detante, દેતાં)નો યુગ શરૂ થયો ત્યારે વિટો-સત્તાનો ઉપયોગ કરવામાં ઘટાડો થયો. અત્યારે પાંચ કાયમી સભ્યરાજ્યો (અમેરિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, રશિયા અને ચીન) વિટો-સત્તા ધરાવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘને અસરકારક બનાવવા માટે વિટો-સત્તાને દૂર કરવાનો ઉપાય પણ સૂચવવામાં આવ્યો છે; પરંતુ કોઈ પણ મહાસત્તા વિટો-સત્તા ગુમાવવા માંગતી નથી.

આ પ્રમાણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણના સંદર્ભમાં ‘વિટો’નું સ્થાન ધ્યાન ખેંચ્યા સિવાય રહેતું નથી.

હસમુખ પંડ્યા