માલમ, રામસિંહ (અઢારમી સદી) : કચ્છનો કુશળ વહાણવટી, સ્થપતિ અને હુન્નર-ઉદ્યોગનો મર્મજ્ઞ. મૂળમાં સૌરાષ્ટ્રના ઓખામંડળની વાઘેર જાતિના એક વહાણવટીનો આ સાહસિક પુત્ર કિશોરવયે આફ્રિકા જતા વહાણમાં સફરે નીકળ્યો. રસ્તામાં અચાનક ઊભા થયેલા સમુદ્રી તોફાનમાં ફસાઈને તેનું વહાણ તૂટી જતાં રામસિંહ સમુદ્રમાં ફેંકાઈ ગયો. જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા રામસિંહને ડચ વહાણવટીઓએ બચાવી લીધો. સમુદ્રની સફર કરતા એ ડચ વહાણને ભરદરિયે ચાંચિયાઓએ ઘેરી લીધું અને લૂંટવા માંડ્યું, ત્યારે રામસિંહે ચાંચિયાઓને ભગાડી મૂકવામાં ભારે બહાદુરી બતાવી. ડચ નાવિકો આ સાહસિક અને બહાદુર કિશોર પર ખુશ થયા અને તેને આશ્રય આપી પોતાની સાથે હોલૅન્ડ લઈ ગયા.
હોલૅન્ડની ભૂમિ પર રામસિંહના જીવનનો નવો અધ્યાય શરૂ થયો. સાહસિક, મહેનતુ, ઉદ્યમી અને કલાપ્રેમી રામસિંહને હોલૅન્ડ, વેનિસ, આમ્સ્ટરડાડેમ વગેરે સ્થળોના કલાત્મક હુન્નરો શીખવાની અદમ્ય આકાંક્ષા જાગી. પેટ ભરવા માટે તે મજૂરી કરવા લાગ્યો અને વધારે કામ કરી કેવળ ખપ પૂરતા પૈસા લઈ લોકોનાં મન જીતવા લાગ્યો. કહેવાય છે કે રામસિંહે એક યુક્તિ કરી હતી. તે પોતે મૂંગા-બહેરા હોવાનો દેખાવ કરી હુન્નરકલાનાં ક્ષેત્રોમાં મજૂરી કરવા જતો. યુરોપીય ઉદ્યોગપતિઓ અને કારીગરોને આવી સાવ સામાન્ય વ્યક્તિથી સાવધ રહેવાની જરૂર નહિ લાગી હોય; તેથી ચતુર રામસિંહ ઊંડાણથી હુન્નરકલાઓનો મર્મ પામતો રહ્યો. તેણે વહાણ બનાવવા અંગે જરૂરી નૈપુણ્ય પ્રાપ્ત કર્યું. કાચઉદ્યોગનાં રહસ્યો જાણ્યાં, ગૉથિક કલાનું રેખાંકન, સોનાચાંદીનું નકશીકામ અને મીનાકારીનું કૌશલ આત્મસાત્ કર્યું. ધાતુઓને ઢાળીને તેમાંથી યંત્રો અને શસ્ત્રસરંજામ બનાવવાની કલા પણ હસ્તગત કરી. અઢાર વર્ષ સુધી કૌશલપ્રાપ્તિનો પુરુષાર્થ કરી ત્રીસ વર્ષની યુવાનવયે તે સ્વદેશ પાછો ફર્યો.
કચ્છના તે વખતના સાહિત્ય અને કલાના મર્મજ્ઞ મહારાવ શ્રી લખપતજી(1741–1761)એ રામસિંહની પ્રતિભાને પારખી તેને રાજ્યાશ્રય આપ્યો અને તેના કલાકૌશલને સોળે કળાએ ખીલવા માટે બંદોબસ્ત કરી આપ્યો. રામસિંહની દોરવણી નીચે માંડવી, મુંદ્રા અને જખૌ બંદરોએ વહાણવટાના સરંજામ માટે જહાજવાડાની સ્થાપના થઈ. રામસિંહે કચ્છના નાવિકોને એકઠા કરી તેમને નૌવિદ્યાનાં રહસ્યો શીખવ્યાં. પોતે એક શાહી વહાણ પણ બનાવ્યું અને તે વહાણમાં બીજા માલમોને લઈ ‘કૅપ ઑવ્ ગુડ હોપ’ની પ્રદક્ષિણા કરીને ઇંગ્લૅન્ડની સફર ખેડી પાછો ફર્યો. ત્યારથી કચ્છી બનાવટનાં વહાણ અરબી સમુદ્રમાં મશહૂર થયાં. 1750ના અરસામાં રામસિંહ કચ્છના ઉમદા કલાકારો અને કારીગરોને હુન્નર-ઉદ્યોગ અને કલાકૌશલનું અધ્યયન કરાવવા યુરોપના પ્રવાસે લઈ ગયો. રામસિંહનો આ પ્રવાસ ભારતના ઇતિહાસની એક અપૂર્વ ઘટના છે.
રામસિંહે સ્થાપત્યક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓમાં ભુજનો આયના મહેલ, માંડવીનો રાજમહેલ તેમજ રાવ દેસલજી અને રાવ લખપતજીની છતરડીઓ ખાસ ઉલ્લેખનીય છે. એમાં પૂર્વ અને પશ્ચિમની શૈલીઓ તેમજ મુઘલ અને રાજપૂત શૈલીઓનો અદભુત સમન્વય થયેલો જોવામાં આવે છે.
રામસિંહે કચ્છમાં વિશિષ્ટ પ્રકારની કલાત્મક નકશીકલાનો પ્રારંભ કર્યો. ‘કચ્છ વર્ક’ તરીકે ખ્યાતિપ્રાપ્ત આ કલામાં વર્તુળાકાર રેખાઓનું ગુંફન અને એમાં ઉપસાવેલી લતા-પાંદડીઓની સુંદર સંરચનાઓ ચિત્તાકર્ષક છે. રામસિંહની હુન્નરશાળામાં બનાવેલ તલવારો, છરી, જમૈયા, અત્તરદાનીઓ, ગુલાબદાનીઓ, ફૂલદાનીઓ, સંદૂકો, પ્યાલા જેવા મીનાકામના નમૂનાઓ અનેક મ્યુઝિયમોમાં સંગૃહીત છે. રામસિંહે કચ્છમાં પિત્તળને ઢાળીને ઘડિયાળ બનાવવી, લોઢાની સાથે વિવિધ ધાતુઓનું મિશ્રણ કરીને તેમાંથી શસ્ત્રો બનાવવાં, સુતરાઉ બનાદરી ઇલાયચા અને મશરૂનાં કાપડ તૈયાર કરવાના હુન્નર-ઉદ્યોગ પણ સ્થાપ્યા હતા. માંડવીની ચમકતી રેતીમાંથી કાચ બનાવી તેમાંથી ઝુમ્મરો અને બીજાં મનોહર સુશોભન-ઉપકરણો પણ બનાવ્યાં. કચ્છને ભારતમાં અને ભારત બહાર વિદેશમાં વહાણવટું, હુન્નર-ઉદ્યોગ અને વેપાર-વણજમાં યશસ્વી બનાવવામાં રામસિંહ માલમનો ફાળો મહત્વનો હતો.
પ્રવીણચંદ્ર પરીખ