માલરો, આન્દ્રે (જ. 1901, પૅરિસ; અ. 1976) : ફ્રાન્સના રાજકારણી અને નવલકથાકાર. તેમણે પૌર્વાત્ય ભાષાઓનો ઘણો અભ્યાસ કર્યો હતો અને ચીનમાં તેમણે ગૉમિંગડાંગ (ચાઇનીઝ નૅશનલ પીપલ્સ પાર્ટી) માટે કામગીરી બજાવી અને ઘણો સમય ગાળ્યો હતો. 1927ની ચીનની ક્રાંતિમાં તેમનો સક્રિય હાથ હતો. તેઓ સ્પેનના આંતરવિગ્રહ દરમિયાન પણ યુદ્ધમાં સક્રિય રહ્યા હતા.

આન્દ્રે માલરો

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સની પ્રતિકાર-લડતમાં જોડાવા અટકાયત છાવણીમાંથી તેઓ ભાગી છૂટ્યા હતા.

1945–46 દરમિયાન તેઓ દ ગોલની સરકારમાં માહિતીપ્રધાન અને 1960થી ’69 દરમિયાન સાંસ્કૃતિક બાબતોના પ્રધાન બન્યા હતા. ‘મૅન્સ ફેટ’ (1937; પ્રિક્સ ગૉનકૉર્ટ ઇનામ વિજેતા) અને ‘મૅન્સ હોપ’ (1937) એ તેમની બહુ જાણીતી નવલકથાઓ છે.

મહેશ ચોકસી