માલપેકર, અંજનીબાઈ (જ. 22 એપ્રિલ 1883, માલપે, ગોવા; અ. 7 ઑગસ્ટ 1974, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા. મૂળ વતન ગોવામાં હોવા છતાં પરિવારે મુંબઈમાં સ્થળાંતર કર્યું હતું જેને લીધે તેમનું ઔપચારિક શિક્ષણ એ જ નગરમાં થયું હતું. તેમના માતૃપક્ષ અને પિતૃપક્ષ બંનેમાં પેઢીદરપેઢી શાસ્ત્રીય સંગીતના સંસ્કાર અને વારસો ઊતરતા રહ્યા હતા, જેનો લાભ બાળપણથી અંજનીબાઈને મળ્યો હતો. તેમનાં વડદાદી ગુજાબાઈ શાસ્ત્રીય સંગીતનાં જાણકાર હતાં. તેમના દાદા ધ્રુપદ, ધમાર, હોરી તથા ઉપશાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક હતા. તેમનાં માતા નથુબાઈ પણ પ્રથમ પંક્તિનાં ગાયિકા, કાકા ઉત્તમ તબલાવાદક તથા પિતા નારાયણ વ્યવસાયે અભિયંતા (ઇજનેર) હોવા છતાં શાસ્ત્રીય સંગીતમાં સક્રિય રુચિ ધરાવતા હતા. પિતા પંડિત ભાતખંડેના મિત્ર હોવાથી પરિવારમાં શાસ્ત્રીય સંગીતનું વાતાવરણ સતત જામતું રહેતું. અંજનીબાઈ આઠ વર્ષનાં હતાં ત્યારે ભીંડી બજાર ઘરાનાના વિખ્યાત ગાયક નઝીરખાંનાં તેઓ વિધિસરનાં શિષ્યા બન્યાં. અંજનીબાઈના બે ભાઈઓ પણ નઝીરખાં પાસે સંગીત શીખતા હતા. રોજ પરોઢિયે પાંચ વાગ્યે સંગીતની તાલીમ શરૂ થતી અને દિવસના બાકીના સમયમાં નઝીરખાંના ભાઈઓ ખાદિમ હુસેનખાં તથા છજ્જુખાં અંજનીબાઈ પાસે રિયાઝ કરાવતા. શાસ્ત્રીય સંગીતની સાથોસાથ લાવણી નૃત્યની તાલીમ તથા ઉર્દૂ અને સંસ્કૃત ભાષાઓનું શિક્ષણ પણ તેમને આપવામાં આવતું.

અંજનીબાઈ માલપેકર

શરૂઆતમાં નઝીરખાંએ અંજનીબાઈને મહિનાઓ સુધી અવાજ ઘૂંટવાની તાલીમ (voice culture) આપી, જેથી તેઓ સપ્તસ્વરો પર નિયંત્રણ મેળવી શકે. ત્યારપછી ખંડમેરુ પદ્ધતિ દ્વારા સ્વરોની બઢત કેવી રીતે કરી શકાય તેનું શિક્ષણ તેમને આપવામાં આવ્યું. લય પર પ્રભુત્વ પ્રાપ્ત થઈ શકે તે માટે એક જ તાલ ત્રિતાલના જુદા જુદા પ્રકારના 108 પલટા તેમને શીખવવામાં આવ્યા. પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન ગુરુએ પોતાની શિષ્યાને માત્ર એક જ રાગ ‘યમન’ની તાલીમ આપી અને ત્યાર પછીના દોઢ વર્ષ સુધી ‘ભૈરવી’ રાગની તાલીમ આપી. આ બે રાગ તેઓ સારી રીતે શીખી ગયા પછી જ તેમને 24 રાગ અને 200 ઉપરાંતની રાગિણીઓનું શિક્ષણ આપવામાં આવ્યું. આઠ વર્ષ સુધીની તાલીમ (1891–99) પછી 1899માં તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ થયો. નિસર્ગદત્ત મધુર અવાજ, સતત રિયાઝ, સુંદર આલાપ, શુદ્ધ ઉચ્ચાર ઉપરાંત સ્વરોની શુદ્ધતાને લીધે ધીમે ધીમે તેમની કીર્તિ પ્રસરી. ભારતનાં જુદાં જુદાં પ્રદેશો અને નગરોમાં, સંગીત-સંમેલનોમાં અને તીર્થક્ષેત્રોમાં તેમના જાહેર કાર્યક્રમો થવા લાગ્યા. ઘણાં દેશી રજવાડાંઓ તરફથી તેમની મહેફિલો તથા માનસન્માન ગોઠવાયાં.

શાસ્ત્રીય સંગીતના પ્રસાર અને પ્રચાર માટે 1931માં તેમણે બૉમ્બે મ્યૂઝિક આર્ટ સોસાયટીની સ્થાપના કરી અને તેમાં પ્રથમ મહેફિલે મૌસીકી ઉસ્તાદ ફૈયાઝખાં સાહેબની યોજાઈ. ત્યારબાદ દેશના નામાંકિત ગાયકો અને વાદકોની મહેફિલો આ સંસ્થાના નેજા હેઠળ યોજાતી રહી, જેમાં અલ્લાદિયાખાં, રામકૃષ્ણબુવા વઝે, અબ્દુલ કરીમખાં, બાલગંધર્વ, બડે ગુલામ અલીખાં, વિલાયત હુસેનખાં, કુમાર ગંધર્વ, કેસરબાઈ કેરકર, મલ્લિકાર્જુન મન્સૂર જેવા દિગ્ગજોનો સમાવેશ થયો છે.

સમય જતાં તેમની આર્થિક સ્થિતિ બગડતી ગઈ અને જિંદગીનાં પાછલાં વર્ષો દરમિયાન વિખ્યાત ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈનાં પુત્રી ગીતા સારાભાઈએ તેમને સહાય કરી.

માર્ચ 1958માં તેમને રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના હસ્તે ‘સંગીત-નાટક અકાદમી’ની ફેલોશિપ એનાયત કરવામાં આવી. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ સંગીતકાર હતાં.

તેમના જન્મસ્થાન માલપે ખાતે પ્રતિવર્ષ તેમના માનમાં સંગીત-સંમેલન આયોજિત કરવામાં આવે છે, જેમાં દેશનાં અગ્રણી કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરતાં હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે