બૌધાયન (ઈ. પૂ. 600થી ઈ. પૂ. 300) : કૃષ્ણ યજુર્વેદ શાખાના પ્રવર્તક આચાર્ય. તેઓ દક્ષિણ ભારતમાં કૃષ્ણા નદીના અંતર્વર્તી ક્ષેત્રમાં રહેતા હતા. આ શાખાના ઘણા બ્રાહ્મણો આજે પણ આ વિસ્તારમાં રહે છે. પ્રસિદ્ધ વેદભાષ્યકાર સાયણાચાર્ય આ શાખાના હતા. તેમણે રચેલાં શ્રોતસૂત્ર, ધર્મસૂત્ર અને ગૃહ્યસૂત્ર વિખ્યાત છે. ‘શ્રૌતસૂત્ર’માં કૃષ્ણ યજુર્વેદને લગતાં સૂત્રો 17 ખંડોમાં અપાયાં છે, જેના પર સાયણાચાર્ય અને બીજા અનેક વિદ્વાનોએ ભાષ્યો રચ્યાં છે. ગૃહ્યસૂત્રમાં સ્માર્તધર્મના નિયમોની સૂક્ષ્મ ચર્ચા હોઈ તેને ‘સ્માર્તસૂત્ર’ પણ કહેવામાં આવે છે. બૌધાયનની ખ્યાતિ વિશેષત: તેમના ધર્મસૂત્રને કારણે થયેલી છે. ચાર પ્રશ્નો (અધ્યાયો) ધરાવતી આ કૃતિમાં ધર્મનું મૂળ, સ્નાતકના ધર્મ, શરીર તથા મનની શુદ્ધિ, ચાતુર્વર્ણ અને અવાંતર જાતિઓ, રાજધર્મ, લગ્નના આઠ પ્રકારો, દાયભાગ, ગૃહસ્થના ધર્મ, વાનપ્રસ્થના ધર્મ, વેદોના અધ્યયનના પ્રકાર, જપ, તપ, હોમ તથા પ્રાયશ્ચિત્તનું વિશદ નિરૂપણ થયું છે. વેદો, વેદાંગો અને પ્રાચીન ભારતીય કાયદાનું સ્વરૂપ જાણવા માટે બૌધાયનના સૂત્રગ્રંથો ઉપયોગી છે.

બટુક દલીચા

પ્રવીણચંદ્ર પરીખ