બૌધ : ઓરિસા રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 50´ ઉ. અ. અને 84° 19´ પૂ. રે.ની આજુબાજુનો 3,444.8 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં સોનેપુર, ઉત્તર અને ઈશાનમાં આંગુલ, પૂર્વમાં આંગુલ અને નયાગઢ, દક્ષિણમાં ફુલબાની તથા પશ્ચિમમાં બાલાંગીર અને સોનપુર જિલ્લા આવેલા છે. જિલ્લામથક બૌધ જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ નદીજન્ય મેદાનોથી બનેલું છે. આ મેદાનો સમતળ, મધ્યમસરનાં ફળદ્રૂપ તથા લંબાઈમાં વિસ્તરેલાં છે. તે ખોંડમાલ પર્વતો, મહા નદી તેમજ તેની શાખા તેલ નદી વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. મહા નદીએ અહીં કાંપના નિક્ષેપો પાથર્યા છે. આ મેદાનો ખેતી તેમજ વસ્તીની ર્દષ્ટિએ ખેડાણયોગ્ય –વસવાટયોગ્ય બની રહ્યાં છે.

જળપરિવાહ : મહા નદી અને તેલ – આ બે અહીંની મુખ્ય નદીઓ છે. આજુબાજુના જળવિભાજકમાંથી નીકળતાં ઝરણાં તેમજ નાની ઉપનદીઓ તેલ અને મહા નદીને મળે છે. તે પૈકી બાઘ અને સલકી બારેમાસ વહે છે, જ્યારે અન્ય બે ઉનાળામાં સુકાઈ જાય છે. વર્ષાઋતુ દરમિયાન તેમાં પૂર પણ આવે છે. આ ઉપનદીઓ જળવાહનવ્યવહાર માટે ઉપયોગી નથી.

ખેતી-પશુપાલન : અહીંનાં નદીજન્ય ફળદ્રૂપ મેદાનોમાં મુખ્યત્વે ડાંગર તેમજ અન્ય ધાન્ય પાકો લેવાય છે. આ ઉપરાંત મકાઈ, કળથી, અડદ, મસૂર અને રાઈ પણ થાય છે. નદીઓ પર જળાશયો તૈયાર કરીને તેમાંથી સિંચાઈની સુવિધાઓ મેળવવામાં આવે છે. ભેંસો, ઘેટાંબકરાં અને ડુક્કરો અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. કેટલાક લોકો મરઘાંઉછેરની પ્રવૃત્તિ પણ કરે છે. જિલ્લામાં થોડાં પશુચિકિત્સાલયો છે અને બૌધ ખાતે એક નાનું ડેરીક્ષેત્ર પણ આવેલું છે.

ઉદ્યોગ-વેપાર : જિલ્લા ખાતે કોઈ મોટા ઉદ્યોગો વિકસેલા નથી. બૌધ ખાતે ચામડાં કમાવવાનું અને બીડીઓ બનાવવાનું કારખાનું તથા એક છાપખાનું આવેલાં છે. જિલ્લાના અમુક ભાગોમાંથી મૃદ, કંકર અને મૅંગેનીઝનાં ખનિજો મળે છે. કંકર ચૂનો બનાવવાના ઉપયોગમાં લેવાય છે. મૅંગેનીઝનાં ખનિજો ઊતરતી કક્ષાનાં છે અને ખોંડેલાઇટ સાથે સંકળાયેલાં છે. આ જિલ્લામાં ટસર, હાથસાળનું સુતરાઉ કાપડ, ચામડાનાં પગરખાં અને લાકડાના રાચરચીલાનું ઉત્પાદન લેવાય છે. વાંસ, લાકડાં અને ટીમરુનાં પાંદડાંની નિકાસ થાય છે તથા ઘઉંનો લોટ, ખાંડ અને કેરોસીનની આયાત થાય છે.

પરિવહન : આ જિલ્લામાં પરિવહન-વિકાસનું પ્રમાણ ઘણું ઓછું છે. ફુલબાની થઈને જિલ્લામથકે જવાય છે. જિલ્લામાંથી કોઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ કે રેલમાર્ગ પસાર થતા નથી. જિલ્લાનાં જુદાં જુદાં સ્થળો સડકોથી જોડાયેલાં છે. બૌધ ભુવનેશ્વરમાં આવેલા ખુદ્રારોડ સાથે સડકમાર્ગે જોડાયેલું છે. ખુદ્રારોડ અગ્નિ-વિભાગીય હાવરા –ચેન્નઈ રેલમાર્ગ પરનું રેલજંક્શન પણ છે. જિલ્લાનો મોટાભાગનો રેલવ્યવહાર મુખ્યત્વે હાવરા–ચેન્નઈ રેલ માર્ગ પરના બહેરામપુરથી થાય છે.

પ્રવાસન : બૌધ તેની સમૃદ્ધ સંસ્કૃતિ-પરંપરા માટે જાણીતું છે. જૂના વખતમાં તેનું ઘણું ધાર્મિક મહત્વ હતું. અહીં આવેલી વિશાળ બુદ્ધ-પ્રતિમાને કારણે તે ઓરિસામાં પ્રખ્યાત બનેલું છે. આ બુદ્ધ-પ્રતિમા પદ્માસનમાં સ્થિત છે. તે પ્રાચીન ઇતિહાસની યાદ અપાવે છે. અહીં આવેલાં રામેશ્વર, ચંદ્રચૂલ, કપાલજીવ, દુર્ગા, માતંગેશ્વરી અને હનુમાનનાં મંદિરો શ્રદ્ધાળુઓ માટેનાં આકર્ષણસ્થળો છે. રથયાત્રા, દોલયાત્રા, શિવરાત્રિ અને દુર્ગાપૂજાનું અહીં ઘણું મહત્વ છે. વારતહેવારે અહીં મેળાઓ યોજાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 3,17,622 જેટલી છે; તે પૈકી 1,59,860 પુરુષો અને 1,57,762 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 3,02,164 અને 15,458 છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બૌધમાં બે કૉલેજો આવેલી છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 1,08,873 છે; તે પૈકી 81,193 પુરુષો અને 27,680 સ્ત્રીઓ છે. અહીં ઊડિયા, કૂઈ, સવારા, ખોંડ, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ બોલાય છે.

વહીવટી સરળતા માટે આ જિલ્લાને એક ઉપવિભાગ(બૌધ)માં, 2 તાલુકાઓમાં, 3 સમાજવિકાસ ઘટકોમાં તથા 58 ગ્રામપંચાયતોમાં વહેંચેલો છે. અહીં માત્ર 1 નગર અને 1,156 ગામડાં છે.

ઇતિહાસ : અગાઉ આ પ્રદેશ બૌધ-ખોંડમાલ નામથી ઓળખાતો હતો. 1800માં તે નાગપુરના ભોંસલે રાજાના મરાઠા શાસન હેઠળ હતો. 1803ના નવેમ્બરમાં બ્રિટિશરોએ મરાઠાઓને હરાવીને કટકનો કબજો મેળવ્યો ત્યારે મરાઠા શંકર બાપુએ બૌધના રાજાના પ્રદેશમાં શરણ લીધેલું; પરંતુ અંગ્રેજોની બીકથી તેણે વધુ રાખવાની નારાજગી દર્શાવી. 1804માં અંગ્રેજોએ બૌધનો કબજો મેળવી લીધો. 1810માં નાગપુરના ભોંસલેએ બૌધ પર પોતાનો દાવો મૂકેલો અને 1818માં બૌધ મેળવ્યું. 1826માં છેવટે માધોજી ભોંસલેએ બૌધ અંગ્રેજોને સોંપી દીધું. 1852માં બૌધના રાજા ચંદ્રશેખર દેવના મરણ બાદ બૌધના પ્રદેશમાંથી અથમલિક સ્વતંત્ર થઈ ગયું. ઓગણીસમી સદીના મધ્યકાળ વખતે ચક્ર બિસોઈના નેતૃત્વ હેઠળ ખોંડ લોકોએ બળવો કર્યો. રાજા કાયદો અને વ્યવસ્થા જાળવી શક્યો નહિ. 1855ના ફેબ્રુઆરીમાં બૌધનો વહીવટ અંગ્રેજોના શાસન હેઠળ આવ્યો. રાજા પીતાંબર દેવના વહીવટ હેઠળ બ્રિટિશ શાસને 1875માં બૌધની સનદ મંજૂર કરી. 1879માં તેનો અનુગામી જોગીદ્ર દેવ ગાદીએ આવ્યો, 1894માં તેને પણ સનદ કરી આપી. 1913માં તે મરણ પામ્યો. ત્યારપછી નારાયણ દેવ ગાદીએ આવ્યો. તેના શાસનકાળ દરમિયાન 1948માં બૌધની જાગીરનું ઓરિસા રાજ્યમાં વિલીનીકરણ થયું. 1993ના નવેમ્બરની 12મી તારીખે મૂળ ફુલબાની જિલ્લાનું વિભાજન કરીને અલગ બૌધ જિલ્લાની રચના કરવામાં આવેલી છે.

ગિરીશભાઈ પંડ્યા