ગ્રીસ (હેલિનિક પ્રજાસત્તાક)

February, 2011

ગ્રીસ (હેલિનિક પ્રજાસત્તાક)

દક્ષિણ યુરોપનો એક નાનો દેશ. તે ભૂમધ્ય સમુદ્રવિસ્તારના બાલ્કન દ્વીપકલ્પના દક્ષિણ ભાગને આવરે છે. તેની પશ્ચિમે આયોનિયન સમુદ્ર તથા પૂર્વમાં ઍજિયન સમુદ્ર આવેલા છે. તેની ઉત્તરે આલ્બેનિયા, યુગોસ્લાવિયા અને બલ્ગેરિયા છે. આશરે 34° 50´ ઉ.થી 41° 45´ ઉ. અક્ષાંશવૃત્ત તેમજ 19° 20´ પૂ.થી  28° 0´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલા આ દેશનું ક્ષેત્રફળ 1,31,944 ચોકિમી. જેટલું છે. ગ્રીસમાં નાનામોટા થઈને 430થી પણ વધુ ટાપુઓ આવેલા છે; જે દેશનો આશરે 24,000 ચોકિમી. એટલે 20% વિસ્તાર રોકે છે. પ્રાચીન સમયમાં આ દેશ શિક્ષણ, સંસ્કૃતિ અને પ્રજાસત્તાક પદ્ધતિનું કેન્દ્ર હતો.

પ્રાકૃતિક રચના : રચનાની દૃષ્ટિએ જોઈએ તો ગ્રીસ નબળું ભૂસ્તર ધરાવે છે અને દુનિયાના સંભવિત ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં તેનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં ઍજિયન સમુદ્રમાં જ્વાળામુખી-પ્રસ્ફુટન થયું હોવાનું પણ નોંધાયું છે. વળી તેના દક્ષિણના કેટલાક દ્વીપકલ્પીય ભાગો નીચા બેસી ગયેલા હોવાથી તેનો કિનારો અત્યંત ખાંચાખૂંચીવાળો બનેલો છે અને તેમાં સમુદ્ર ફાંટા ઘૂસી ગયેલા છે. આમ, આ ભાગોમાં સંખ્યાબંધ અખાતો બનેલા જોવા મળે છે.

પહાડી બાલ્કન દ્વીપકલ્પમાં મુખ્ય પર્વતીય ધરી રચતી અને વાયવ્યથી અગ્નિ ખૂણામાં લંબાયેલી પિન્ડસ પર્વતમાળા 2500 મીટરની ઊંચાઈએ પહોંચે છે. આ પર્વતમાળા મુખ્યત્વે ચૂનાખડકોની બનેલી છે. તેમાંથી બીજી અનેક પર્વતશાખાઓ કિનારા તરફના ટાપુઓમાં જાય છે અને ત્યાં ખડકાળ અસમતળ ભૂપૃષ્ઠ રચે છે. પર્વતીય ભાગોને અડીને મેદાનો આવેલાં છે. આ પૈકી થેસાલોનીકીનું મેદાન તથા થેસાલિયા થાળું – આ બે સપાટ વિસ્તારોને અલગ પાડતી પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર ઑલિમ્પસ 2917 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઑલિમ્પિક રમતોની સૌપ્રથમ શરૂઆત આ દેશમાં થઈ હતી, તેથી વિશ્વમાં રમાતી આ પ્રકારની રમતોને ઑલિમ્પિક રમતો તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણમાં ‘પેલોપોનીસસ’ નામનો અસમતળ દ્વીપકલ્પ, કૉરિન્થની સામુદ્રધુની દ્વારા તળપ્રદેશ સાથે જોડાયેલો છે. ગ્રીસના બધા ટાપુઓમાં સૌથી મોટો ટાપુ ક્રીટ છે, જે 8331 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે અને તેના પર પેલોપોનીસસ હારમાળાનું અનુસંધાન જોવા મળે છે. આ દેશમાં લગભગ બારેમાસ વહેતી થોડીક નદીઓ છે, જે ચૂનામય ખડકાળ ભાગોમાં થઈને વહે છે, જેથી તેમનાં વહેણ કેટલીક જગ્યાએ જમીન-સપાટી નીચે થઈને પસાર થાય છે. ગ્રીસની લાંબામાં લાંબી નદી આલ્યાકમૉન છે, જે 256 કિમી.ની લંબાઈ ધરાવે છે.

આબોહવા : ગ્રીસના મોટા ભાગના પ્રદેશોમાં, ખાસ કરીને પેલોપોનીસસમાં તેમજ ટાપુઓમાં હૂંફાળા અને ભેજવાળા શિયાળા તેમજ ગરમ અને શુષ્ક ઉનાળા ધરાવતી ભૂમધ્ય પ્રકારની આબોહવા પ્રવર્તે છે. ઍથેન્સનું જાન્યુઆરી અને જુલાઈનું સરેરાશ તાપમાન અનુક્રમે 14° સે. અને 27° સે. જેટલું રહે છે. પૂર્વ કિનારા કરતાં પશ્ચિમ કિનારે વરસાદનું પ્રમાણ વધારે રહે છે. કૉરફૂનો વાર્ષિક વરસાદ 1300 મિમી. છે, જ્યારે ઍથેન્સમાં તેનું પ્રમાણ ઘટીને માત્ર 300 મિમી. જેટલું થઈ જાય છે. અહીં વાર્ષિક વરસાદનું પ્રમાણ 1780 મિમી.થી 2000 મિમી. જેટલું રહે છે. મોટા ભાગનો વરસાદ શિયાળામાં પડે છે. કિનારાથી દૂરના ઊંચા પર્વતીય ભાગોની આબોહવામાં થોડોક ફરક પડે છે. અહીં ભૂમધ્ય પ્રકારની આબોહવા છે, પણ તેના પર ઊંચાઈની અસરો અનુભવાય છે. ખીણો સિવાયના પ્રદેશોમાં ઉનાળાનું સરેરાશ તાપમાન 16° સે. રહે છે અને શિયાળો વધુ તીવ્ર રહે છે. શિયાળામાં ઘણા મહિના સુધી બરફ છવાયેલો રહે છે. ઉત્તરના ભાગોમાં આબોહવા પર ખંડીય અસરો જોવા મળે છે. અહીં શિયાળામાં હિમ પડે છે. થેસાલોનીકી(સૅલોનિકા)નું જાન્યુઆરી તથા જુલાઈનું સરેરાશ તાપમાન અનુક્રમે 4.4° સે. તથા 26° સે. રહે છે. વાર્ષિક વરસાદનું પ્રમાણ 550 મિમી, હોય છે. અહીં વરસાદ બધી ઋતુઓમાં પડે છે, પણ મે અને નવેમ્બર માસમાં તેનું પ્રમાણ વધારે હોય છે. ઊંચા પર્વતીય ભાગો પર ઓક, સ્વીટ ચેસનટ, પાઇન વગેરે વૃક્ષોનાં જંગલો આવેલાં છે. નીચી ટેકરીઓવાળા ભાગો પર જંગલોને સ્થાને હવે ઑલિવ, દ્રાક્ષ તથા ફળફળાદિની ખેતીનો વિકાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં ઢોર પણ ચરાવાય છે.

ભૂમિઉપયોગ અને ખેતી : દેશના અર્થતંત્રમાં ખેતીનું સ્થાન આગળ પડતું છે અને તેનાથી દેશને 50% જેટલી નિકાસ-કમાણી થાય છે. આ ઉપરાંત દેશના લગભગ અર્ધા ભાગના લોકો તેમાંથી રોજી મેળવે છે. આ દેશના 30%થી ઓછા ભૂમિવિસ્તારમાં ખેતીપ્રવૃત્તિ થાય છે, જ્યારે તેના 40% ભૂમિવિસ્તારમાં ગોચરો આવેલાં છે. ગ્રીસના ઊંચા ભાગોની જમીનો સૂકી તથા ખડકાળ છે, જે જંગલો નષ્ટ થવાથી ખુલ્લી અને ઝાંખરાંવાળી બનેલી છે. દેશના લગભગ ત્રીજા ભાગમાં પથરાયેલાં મેદાનો તથા ખીણપ્રદેશની જમીનો ફળદ્રૂપ છે, જ્યાં વિવિધ પાકો ઉગાડવામાં આવે છે.

અહીંની ખેતીપદ્ધતિઓ ચીલાચાલુ અને જૂની છે. સામાન્ય રીતે ખેતરોનું કદ 10 હેક્ટરથી નાનું હોય છે. વળી મૂડીનો અભાવ તથા અસમતળ ભૂપૃષ્ઠ વગેરેને લીધે ખેતીમાં યાંત્રિકીકરણ કરવામાં મર્યાદા આવે છે. અહીં ખેતી ખાસ કરીને થેસાલિયા અને મેસેડોનિયામાં કેન્દ્રિત થયેલી છે. ઘઉં એ અહીંનો મુખ્ય ધાન્યપાક છે અને દેશમાં તેની વપરાશ ઉપરાંત થોડાક પ્રમાણમાં તેની નિકાસ પણ કરવામાં આવે છે. તમાકુ, કપાસ, બીટ, ડાંગર અને ફળો અહીંના રોકડિયા પાકો છે. તમાકુની નિકાસમાં આ દેશ આગળ પડતું સ્થાન ધરાવે છે. પેલોપોનીસસમાં અને ટાપુઓમાં મુખ્યત્વે દ્રાક્ષની વાડીઓ આવેલી છે. ગ્રીસમાંથી કિસમિસ ઉપરાંત અન્ય સૂકાં ફળો તેમજ નારંગી અને લીંબુ જેવાં ખાટાં રસદાર ફળોની નિકાસ કરવામાં આવે છે. મુખ્ય

નકશો 1 : ગ્રીસ દેશનો નકશો

ફળાઉ વૃક્ષ ઑલિવ છે અને દુનિયામાં ઑલિવ તેલના ઉત્પાદનમાં તે ત્રીજો ક્રમ ધરાવે છે. આ સિવાય અહીં સફરજન, પીચ, જરદાળુ તથા શાકભાજીનું ઉત્પાદન પણ થાય છે.

અહીંના વ્લૅક (Vlach) લોકો વંશપરંપરાગત રીતે પશુપાલનપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તે ઋતુ પ્રમાણે સ્થળાંતર પણ કરે છે. ગ્રીસમાં મુખ્યત્વે ઘેટાંબકરાં અને થોડાક પ્રમાણમાં ખચ્ચર, ઘોડા અને ઢોરનું પાલન કરવામાં આવે છે. ઉનાળામાં તેમને શીત પહાડી ક્ષેત્રો પરનાં ઘાસનાં ગોચરોમાં ચરાવવામાં આવે છે.

દેશને 13,676 કિમી. લાંબો સમુદ્રતટ હોવાથી મત્સ્ય-ઉદ્યોગનો સારો વિકાસ થયો છે. લોકોના ખોરાકમાં પણ માછલાં અગત્યનું સ્થાન ધરાવે છે. પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં મ્યુલેટ, સાર્ડિન, તૂની વગેરે માછલાંની જાતો થાય છે.

ખનિજસંપત્તિ અને ઉદ્યોગો : અહીં વિવિધ પ્રકારનાં ખનિજો મળે છે, પણ તેમના અનામત જથ્થા મર્યાદિત છે. ખાસ કરીને પહાડી ક્ષેત્રોમાંથી બૉક્સાઇટ, લોખંડ, મૅગ્નેસાઇટ, તાંબું, ક્રોમાઇટ, સીસું-જસત, ગંધક વગેરે ખનિજસંપત્તિ મેળવાય છે. વળી, અહીં લિગ્નાઇટ પણ મળે છે, જેનો મુખ્યત્વે તાપવિદ્યુત પેદા કરવા માટે ઉપયોગ થાય છે. યુરોપીય દેશોના મૂડીરોકાણ દ્વારા પિન્ડસ પર્વતોમાં જળવિદ્યુતમથકો સ્થાપવામાં આવ્યાં છે. ગ્રીસના પ્રખ્યાત સફેદ આરસ પથ્થરો, ખાસ કરીને ઍટિકાના ડુંગરોમાંથી તેમજ ઍજિયન સમુદ્રમાં આવેલા ઘણા ટાપુઓ પરથી મેળવાય છે. નૅક્સસ ટાપુ આરસ તથા ઍમરી પથ્થરના ઉત્પાદનમાં આગળ પડતું સ્થાન ધરાવે છે.

દેશનું અર્થતંત્ર હજુ પણ ખેતી, વ્યાપાર અને વહાણવટા પર આધારિત છે. માત્ર ઘરઆંગણાની જરૂરિયાતો સંતોષાય તે પૂરતી, ખાસ કરીને, નાના અને મધ્યમ પાયા પરની ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે. પાયરિયસ તથા ઇલ્યૂસસ બંદરો પર ઘણા લાંબા સમયથી જહાજ-બાંધકામ અને તેની મરામત કરવાના ઉદ્યોગોનો વિકાસ થયો છે. અન્ય ઉદ્યોગોમાં ખેતપેદાશો(ઘઉં, તમાકુ, દ્રાક્ષ, ઑલિવ, ટમેટાં વગેરે)નું પ્રક્રમણ કરતા ઉદ્યોગો મોખરાનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત, સિમેન્ટ, કાપડ, રસાયણો અને હળવા ઇજનેરી ઉદ્યોગોનો પણ અહીં વિકાસ થયો છે. છેલ્લા દાયકાઓમાં મોટા પાયા પરની ઔદ્યોગિક વિકાસને લગતી કેટલીક યોજનાઓ પૂરી થઈ છે. તેમાં ડાયાવેટામાં વિરાટ ખનિજતેલ-રિફાઇનરી તથા પેટ્રોરસાયણ-સંકુલ, એલફ્સીસમાં લોખંડ પોલાદ ઉદ્યોગ, ડેલ્ફની નજીક ઍલ્યુમિનિયમ સ્મેલ્ટર તેમજ પૅટ્રાઇનીમાં છૂટક ભાગો જોડીને ટ્રક અને મોટરવાહનો બનાવવાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. મોટા ભાગના ઉદ્યોગો ઍથેન્સ-પાયરિયસ વિસ્તારમાં તેમજ થેસાલોનીકીના પ્રદેશમાં કેન્દ્રિત થયેલા છે. આમ છતાં, અન્યત્ર છૂટાંછવાયાં કેન્દ્રોમાં પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે.

ગ્રીસમાં પ્રવાસન-ઉદ્યોગનો પણ ઉત્તરોત્તર વિકાસ થતો જાય છે, જેનાથી દેશને મોટી આવક થાય છે. વર્ષેદહાડે આશરે 30 લાખ જેટલા પર્યટકો ગ્રીસની મુલાકાતે આવે છે. અહીંની નરમ અને સ્ફૂર્તિદાયક આબોહવા, પુરાતત્વીય જોવાલાયક સ્થળો તથા સમુદ્રતટો (beaches) વગેરેને લીધે અહીં પ્રવાસીઓ આકર્ષાતા રહે છે. અહીં આવતા પ્રવાસીઓ હસ્તકળા-કૌશલની ચીજવસ્તુઓની ખરીદી કરે છે, જેથી તેને લગતા ઉદ્યોગોનો પણ સારો વિકાસ સધાયો છે. અહીંની એપોકેલિપ્સની ગુફા જાણીતી છે.

ઍથેન્સ શહેરના સડકમાર્ગો

વાહનવ્યવહાર અને વ્યાપાર : આંતરિક ભાગો પર્વતાળ હોવાથી ભૂમિપરિવહન સેવાઓનો વિકાસ રૂંધાયો છે. આમ છતાં, અહીં આશરે 2400 કિમી. લંબાઈના રેલમાર્ગો છે. ઓરિયેન્ટ એક્સ્પ્રેસ રેલવે ગ્રીસમાં થઈને પસાર થાય છે. આ ઉપરાંત અહીં લગભગ 36,000 કિમી. લંબાઈના સડકમાર્ગો પથરાયેલા છે. આ દેશ ઘણા સારા સડકમાર્ગો ધરાવે છે. નવો ધોરી માર્ગ ઍથેન્સ અને થેસાલોનીકીને સાંકળે છે. ઑલિમ્પિક ઍરવેઝ નામની ખાનગી કંપની આંતરિક તથા આંતરરાષ્ટ્રીય વાયુસેવાઓ પૂરી પાડે છે. ઍથેન્સ હવાઈ માર્ગોનું મુખ્ય કેન્દ્ર છે. કૉરિન્થ શહેરને સૅરોનિક અખાત સાથે જોડતી 6.4 કિમી. લંબાઈની કૉરિન્થ નહેર ઈ. સ. 1893માં બનાવવામાં આવી હતી, પણ આજે તેનો ઉપયોગ નહિવત્ થાય છે. આ દેશમાં જળમાર્ગો ઘણી અગત્ય ધરાવે છે. વ્યાપારી જહાજી સેવાઓ અથવા વહાણવટાપ્રવૃત્તિથી દેશને ઘણી મોટી આવક થાય છે. દેશનો 60% વિદેશ­વ્યાપાર તેના મુખ્ય બંદર પાયરિયસ દ્વારા ચાલે છે. આ પછી દેશનાં અન્ય મોટાં બંદરોમાં થેસાલોનીકી અને પૅટ્રસનો ક્રમ આવે છે. ટાપુ ટાપુ વચ્ચેનો આંતરિક જળવ્યવહાર દરિયાઈ સ્ટીમરો મારફત નિયમિત રીતે ચાલે છે. નિકાસ, પ્રવાસ અને વહાણવટાપ્રવૃત્તિથી થતી કમાણીમાંથી ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ તથા ઉદ્યોગોનું આધુનિકીકરણ કરવાનાં જરૂરી મૂડીનાં સાધનોની આયાત કરવામાં આવે છે. ગ્રીસ મોટે ભાગે પશ્ચિમ યુરોપના સહિયારા બજાર સાથે સંકળાયેલા દેશો સાથે વ્યાપાર કરે છે. આમ છતાં, તેનો યુ.એસ. સાથેનો વ્યાપારનો હિસ્સો પણ ઘણો મોટો છે. તમાકુ, સૂકાં અને ખાટા રસવાળાં ફળો તથા શાકભાજી, ઑલિવ તેલ, ઍલ્યુમિનિયમ, રૂ, ખનિજો, હસ્તકળાકારીગરીની ચીજો વગેરે દેશની મુખ્ય નિકાસો છે, જ્યારે યંત્રસામગ્રી, વાહનવ્યવહારનાં સાધનો, લોખંડ-પોલાદ, પેટ્રોલિયમ, માંસ, ડેરીપેદાશો, ફાર્માસ્યુટિકલ પેદાશો, કાપડ વગેરે ગ્રીસની મુખ્ય આયાતો છે.

વસ્તી અને વસાહતો : ગ્રીસની વસ્તી 1,04,73,561 (2022) છે. તેમાંની આશરે ચોથા ભાગની વસ્તી પાટનગર ઍથેન્સ તથા તેના બંદર પાયરિયસમાં વસવાટ કરે છે. પાટનગર ઍથેન્સની વસ્તી 31,54,000 (2022) છે. થેસાલોનીકીની વસ્તી આશરે 8,14,000 (2022) કરતાં વધુ છે. ક્રીટ ટાપુમાં લગભગ 6,10,000 કરતાં વધુ લોકો વસે છે, જ્યારે ઇરાક્લિયૉનની વસ્તી 2,05,000 (2022) જેટલી છે. ગ્રીસમાં ઍટિકાનાં સાંકડાં મેદાનો, પેલોપોનીસસનો પશ્ચિમ કિનારો, આયૉનિયન ટાપુઓ, થ્રેસનાં મેદાનો તથા એશિયા માઇનોરના કિનારે આવેલા વિશાળ ટાપુઓ ગીચ વસ્તી ધરાવે છે, જ્યારે તેની સરખામણીમાં પહાડી ક્ષેત્રમાં વસ્તીનું પ્રમાણ ઘણું જ ઓછું છે.

ગ્રીસમાં આજે આધુનિક ગ્રીક ભાષા વપરાય છે. ગ્રીસમાં જાતિમિશ્રણ ઘણા મોટા પ્રમાણમાં થયેલું છે, પણ એક જ પ્રકારની સંસ્કૃતિ તેમજ ભાષાને લીધે લોકોમાં મજબૂત ઐક્યનાં દર્શન થાય છે. ગ્રીક ઑર્થોડૉક્સ એ રાજ્યધર્મ હોવાથી દેશના આશરે 97% લોકો આ ધર્મ પાળે છે. અહીં દરેક ગામ અને શહેરમાં તેના ધર્મગુરુ હોય છે. અહીં ઈસ્ટરના તહેવારની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. ગ્રીસમાં શિક્ષણક્ષેત્રે ઘણી જ પ્રગતિ સધાઈ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 92.5% જેટલું છે. બધી જ જાહેર શિક્ષણસંસ્થાઓમાં મફત શિક્ષણ આપવામાં આવે છે. બાર વર્ષથી વધુ વય ધરાવતાં બાળકોને શારીરિક શિક્ષણની તાલીમ પણ આપવામાં આવે છે. દેશમાં બધી થઈને 20 યુનિવર્સિટીઓ તથા કૉલેજો છે, જેનું સંચાલન ઍથેન્સ તથા સૅલોનિકા યુનિવર્સિટીઓ દ્વારા થાય છે.

ગ્રીસ ખાતે એપિડારિસ શહેરમાં આવેલું થિયેટર

સૅલોનિક અખાતના કિનારેથી આશરે 8 કિમી. અંત:સ્થ ભાગમાં આવેલું ઍથેન્સ, એ દેશનું પાટનગર અને મોટું ઔદ્યોગિક મથક છે. ‘એક્રૉપોલિસ’ નામે ઓળખાતા આ શહેરના હૃદયપ્રદેશમાં વિશ્વવિખ્યાત પ્રાચીન સ્મારકો આવેલાં છે. આ પૈકીનું એથીના દેવીનું પવિત્ર સ્થળ નોંધપાત્ર છે. ઈ. સ. 1833માં ગ્રીસનું પાટનગર બન્યું તે પછીથી ઍથેન્સ ઝડપથી સતત વિકસતું રહ્યું છે. આજે તેનો વ્યાપ ઘણો જ વધી ગયો છે અને તેણે તેના પાયરિયસ બંદરને પણ તેનામાં સમાવી લીધું છે. આ સમગ્ર વિસ્તાર દેશનો મુખ્ય ઔદ્યોગિક પ્રદેશ ગણાય છે. થેસાલોનીકી (સૅલોનિકા) ઍથેન્સ પછીનો ક્રમ ધરાવતું દેશનું બીજું મોટું ઔદ્યોગિક મથક છે. આ બંને નગરો, દેશના બે અલગ અલગ સમૃદ્ધ ખેત-ઉત્પાદક પ્રદેશોમાં આવેલાં છે.

બીજલ પરમાર

ઇતિહાસ

પ્રાચીન યુગ : ગ્રીસનો રાજકીય ઇતિહાસ ઈ. સ. પૂ. 2000 આસપાસ ત્યાં આર્યોની ટોળીઓના આગમનથી શરૂ થયેલો ગણાય. આર્યોની વિવિધ ટોળીઓમાંથી આયૉનિયન અને ડૉરિયન ટોળીઓએ ગ્રીસના ઇતિહાસમાં આગળપડતો ભાગ ભજવ્યો હતો. આયૉનિયનોએ મધ્ય ગ્રીસમાં સત્તા જમાવી. સમુદ્રકાંઠે તેમણે સ્થાપેલું ઍથેન્સ એ તેમનું મુખ્ય નગર હતું. ડૉરિયનોએ ઈ. સ. પૂ. 1200ની આસપાસ દક્ષિણ ગ્રીસમાં, ત્યાંની મૂળ મિસેનાઈ સંસ્કૃતિનો નાશ કરીને સત્તા જમાવી. પર્વતો વચ્ચે સ્થપાયેલું સ્પાર્ટા તેમનું મુખ્ય નગર હતું. ગ્રીસમાં નાના-મોટા પર્વતો અને નદીઓને કારણે એક વિશાળ રાજ્યની સ્થાપના શક્ય ન હતી; તેને બદલે અહીં આવેલી આર્ય-ટોળીઓએ નાનાં નાનાં નગરરાજ્યો સ્થાપ્યાં હતાં. દરેક નગરરાજ્યને તેની પોતાની પ્રાકૃતિક સરહદો હતી; દરેકને પોતાના અલગ કાયદાઓ, અલગ દેવો, અલગ લશ્કર અને નાગરિકોના અલગ અધિકારો હતા. એક નગરરાજ્યના નાગરિકો એક જ જાતિના હોવા છતાં, બીજા નગરરાજ્યમાં પરદેશી ગણાતા !

નકશો 2 : ઐતિહાસિક સંદર્ભમાં ગ્રીસ દેશનો નકશો

આમ છતાં, બધાં જ નગરરાજ્યોના લોકો વચ્ચે જાતિ, ભાષા, પૂર્વજો વગેરેની એકતાને કારણે, તથા ઝ્યૂસ (દેવાધિદેવ), એપૉલો (સૂર્ય), પૉસાઇડન (વરુણ), મહાદેવી એથીના, દેવી ઍફ્રોડાઇડી (પ્રેમની દેવી) વગેરે દેવદેવીઓને કારણે સાંસ્કૃતિક એકતા પણ હતી. તેઓ બધાં દર ચાર વર્ષે ઑલિમ્પિયા પર્વતની તળેટીમાં દેવો સમક્ષ રમતગમતની હરીફાઈ માટે એકઠા થતા. તે સમયે ત્યાં રમતગમત ઉપરાંત કાવ્ય, સંગીત, નૃત્ય વગેરેની પણ હરીફાઈઓ થતી. આ રીતે તેઓ પોતાની સાંસ્કૃતિક એકતા તથા અસ્મિતાને તાજાં કરી લેતાં.

શરૂઆતમાં ગ્રીક નગરરાજ્યોમાં રાજાશાહી હતી. ગ્રીસના આ ‘રાજાશાહી યુગ’ વિશેની માહિતી તેમના મહાન અંધકવિ હોમરે ઈ. સ. પૂ. નવમી સદી આસપાસ લખેલા ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ નામનાં બે મહાકાવ્યોમાંથી મળે છે. આ મહાકાવ્યોમાં અપહૃત રૂપસુંદરી હેલનને પાછી મેળવવા માટે એશિયા માઇનોરના ટ્રૉય નગર સામેનાં યુદ્ધોનાં તથા અન્ય પરાક્રમોનાં વર્ણનો છે.

ગ્રીસમાં બધી જગ્યાએ રાજાશાહીનો અંત લગભગ ઈ. સ. પૂ. 750 આસપાસ આવ્યો અને બધે શાસનતંત્ર ઉપર ઉમરાવશાહીનું વર્ચસ્ સ્થપાયું. આ ‘ઉમરાવશાહી યુગ’ (ઈ. સ. પૂ. 750–600) દરમિયાન ગ્રીસમાં વેપાર-ઉદ્યોગ તથા વહાણવટાનો વિકાસ થયો અને ગ્રીક લોકોએ ભૂમધ્યમાં પશ્ચિમે દક્ષિણ ઇટાલી, ફ્રાન્સ અને સ્પેનમાં તથા પૂર્વ એશિયા માઇનોરમાં, આફ્રિકામાં (ઇજિપ્તમાં) અને કાળા સમુદ્રના હેલસ્પૉન્ટ, ક્રિમિયા, બાઇઝેન્ટિયમ વગેરે સંસ્થાનો સ્થાપ્યાં. આ સંસ્થાનો સાથેના વેપારથી ગ્રીસની સમૃદ્ધિ ઘણી વધી. બીજી બાજુ, આ સંસ્થાનો ગ્રીક સંસ્કૃતિનાં કેન્દ્રો બન્યાં અને તેમના દ્વારા ગ્રીક તથા એશિયા-આફ્રિકાની પ્રાચીન સંસ્કૃતિઓનું પરસ્પર આદાનપ્રદાન થયું.

ગ્રીસની બાઇઝેન્ટાઇન ઇમારતો

સમય જતાં ઉમરાવોનું શાસન અત્યાચારી બનતાં, ઈ. સ. પૂ. 600 આસપાસ વળી બીજો શાસનપલટો થયો અને લગભગ બધાં જ નગર-રાજ્યોમાં મહત્વાકાંક્ષી નેતાઓ જનતાની મદદથી ઉમરાવશાહીને ઉથલાવીને સત્તા ઉપર આવ્યા. આવા સર્વસત્તાધીશ નેતાઓ ‘સરમુખત્યાર’ (tyrants) કહેવાતા. તેમ છતાં તેમનું શાસન (અમુક અપવાદો બાદ કરતાં) પ્રજાપીડક નહિ; પરંતુ પ્રજાકલ્યાણવાદી હતું. તેમણે પોતપોતાના નગરરાજ્યમાં સમૃદ્ધિ આણી તથા સાહિત્ય, સંગીત, કલા વગેરેને સારું પ્રોત્સાહન આપ્યું. આ બાબતમાં કૉરિન્થ, મેગારા, સિક્યોન તથા ઍથેન્સના ‘સરમુખત્યારો’ ઘણા પ્રખ્યાત છે; પરંતુ સમય જતાં આ સરમુખત્યારોનું શાસન પણ આપખુદ અને પીડક બનતાં તેમને ઉથલાવીને લોકશાહી શાસનવ્યવસ્થા અમલમાં આવી અને માત્ર અપવાદ તરીકે એક સ્પાર્ટામાં જ જૂનું ઉમરાવશાહી શાસન ચાલુ રહ્યું.

સ્પાર્ટાની શાસનવ્યવસ્થા તથા સમાજવ્યવસ્થા લાયકરગસ નામના તેના કાયદાશાસ્ત્રીએ (ઈ. સ. પૂ. આઠમી સદીમાં) ઘડેલા કાયદાઓ પ્રમાણે ગોઠવવામાં આવી હતી. તે અનુસાર સ્પાર્ટામાં રાજાશાહીનો નાશ કરવાને બદલે સમાન સત્તાઓવાળા ‘બે રાજાઓ’ની પ્રથા દાખલ કરવામાં આવી હતી. આ બંને રાજાઓ એકબીજા પર અંકુશની ગરજ સારતા. તેમની નિમણૂક ઉમરાવસભા જિંદગી પર્યંત કરતી; પરંતુ શાસનની વાસ્તવિક સત્તાઓ ઉમરાવસભાના હાથમાં હતી. ઉમરાવસભામાં બે રાજાઓ ઉપરાંત ઉમરાવોનાં કુટુંબોમાંથી આમજનતા દ્વારા આજીવન ચૂંટાયેલા 28 ઉમરાવો બેસતા. તેમની ઓછામાં ઓછી ઉંમર 60 વર્ષની ઠરાવવામાં આવી હતી. તે રીતે તે સાચા જ અર્થમાં ‘વડીલોની સભા’ હતી.

સ્પાર્ટાના સમાજમાં નાગરિકો, સ્વતંત્ર પ્રજાજનો (અહીંના મૂળ રહેવાસીઓ) તથા ગણોતિયા ખેડૂતો – એમ ત્રણ વર્ગો હતા; પરંતુ તેમાંથી રાજકીય અધિકારો માત્ર પહેલા વર્ગના નાગરિકોને જ હતા. લાયકરગસે આ નાગરિકોની કેળવણી તથા લશ્કરી તાલીમ માટે કડક અને ઝીણવટભર્યા નિયમો ઘડ્યા હતા. નાગરિકોને બચપણથી જ તેમનું જીવન રાજ્ય માટે જ છે અને રાજ્ય માટે કોઈ પણ ત્યાગ વધારે નથી એમ શીખવવામાં આવતું. બાળકને રાજ્યની માલિકીનું ગણવામાં આવતું. તેના જન્મસમયે રાજ્યની તપાસસમિતિને જો તે નિર્બળ લાગે, તો તેને ટેજિટસ પર્વતના ઢોળાવ ઉપર મરવા માટે મૂકી દેવામાં આવતું. બાળકને સાતમે વર્ષે માતાની પાસેથી લઈને રાજ્યની તાલીમશાળામાં મૂકી દેવાતું. અહીં કડક શિસ્ત નીચે તેનો ઉછેર થતો; તેને લશ્કરી તાલીમ સાથે ભૂખ, તરસ, ઠંડી, ગરમી અને ફટકાઓની સજા સહન કરવાની પણ તાલીમ અપાતી, તેને લખતાંવાંચતાં શીખવવામાં આવતું; પરંતુ કાવ્ય, સાહિત્ય, કલા જેવા ‘નકામા’ ગણાયેલ વિષયોથી તેને દૂર રાખવામાં આવતું ! આવી તાલીમ વીસમે વર્ષે પૂરી થતી. તે પછી તેને લગ્ન કરવાની છૂટ મળતી. તેમ છતાં લગ્ન પછી પણ તેણે સ્ત્રી-બાળકો સાથે ઘરે નહિ; પરંતુ સૌની સાથે છાવણીમાં રહેવું પડતું.

ખાસ નોંધપાત્ર તો એ છે કે, સ્પાર્ટાની છોકરીઓને પણ આવી કડક શિસ્ત નીચે ઉછેરવામાં આવતી. રાજ્યને માટે ખડતલ તથા આદર્શ બાળકોને જન્મ આપવો તે જ તેનું જીવનકાર્ય મનાતું. આથી તેમને અખાડાની તાલીમ આપી ખડતલ બનાવાતી. વખતોવખત તેમની દોડવાની, ભાલા ફેંકવાની, કુસ્તીની અને મુક્કાબાજીની જાહેર હરીફાઈઓ યોજવામાં આવતી. સમાજમાં સ્પાર્ટન સ્ત્રીનું ઘણું માન રહેતું તથા ગ્રીસનાં અન્ય નગરરાજ્યોની સ્ત્રીઓ કરતાં તેઓ વધારે સ્વતંત્રતા ભોગવતી. સ્પાર્ટાની સ્ત્રી પોતાના પતિને કે પુત્રને વીરતાભર્યાં કાર્યો માટે પ્રેરણા આપતી. પોતાનો પતિ કે પુત્ર યુદ્ધમાંથી હારીને પાછો આવે તો તે શરમ અનુભવતી અને યુદ્ધમાં શહીદ થાય તો દેવતાઓનો આભાર માનતી.

સ્પાર્ટાના નાગરિકોમાં ઉચ્ચ પ્રકારનું દેશાભિમાન હતું. તેઓ સમગ્ર ગ્રીસને સાદાઈ, સંયમ અને શિસ્તનો નમૂનો પૂરો પાડતા. અન્ય ગ્રીક નગરરાજ્યના નાગરિકોને તેમના આવા ગુણોની ઈર્ષ્યા થતી; તેમ છતાં, સ્પાર્ટાના નાગરિકો માનવસંસ્કૃતિનાં અન્ય સુંદર પાસાં જેવાં કે સાહિત્ય, સંગીત, કલા, દર્શન, ચિંતન વગેરેથી અજાણ રહ્યા હતા. પરિણામે, તેમનાં જીવન અને સંસ્કૃતિ એકાંગી અને અપૂર્ણ હતાં. માનવસંસ્કૃતિનાં આ સુંદર પાસાંઓનો વિકાસ કરવાનો યશ લોકશાહીની ચેતનપ્રદ હવામાં જીવતા ઍથેન્સવાસીઓને ફાળે ગયો હતો.

ઍથેન્સમાં પણ ઈ. સ. પૂ. આઠમી સદીમાં રાજાશાહી નાબૂદ કરી ઉમરાવોની સત્તા સ્થપાઈ. રાજ્યનો વહીવટ ચલાવવા માટે ઉમરાવોમાંથી જ પહેલાં ત્રણ અને પછી નવ ‘આર્કનો’ નિમાતા – આર્કનોના વહીવટ ઉપર ઉમરાવસભાનો અંકુશ હતો. સમય જતાં શાસનમાં ઉમરાવોના આવા વર્ચસ્ અને એકાધિકાર સામે સમાજના મધ્યમ અને નીચલા વર્ગોમાં અસંતોષ જાગ્યો. આથી ઉમરાવોએ ડ્રેકો નામના એક ઉમરાવને ઍથેન્સના પરંપરાગત કાયદાઓને લેખિત સ્વરૂપ આપવાનું કામ સોંપ્યું. ડ્રેકોએ સંગ્રહ કરેલા કાયદાઓ (જે ‘ડ્રેકોના કાયદા’ તરીકે ઓળખાતા) ઘણા કડક હતા તથા તેના ભંગ માટે ઘણી કડક શિક્ષા નક્કી કરવામાં આવી હતી; તેમ છતાં, લોકોને તેનાથી પણ સંતોષ ન થયો ત્યારે ઉમરાવોએ ફરી વખત પોતાના ડહાપણ માટે પ્રખ્યાત એવા સોલૉન નામના ઉમરાવને બંધારણમાં સુધારા કરવાની ખાસ સત્તા સાથે આર્કન બનાવ્યો. (ઈ. સ. પૂ. 594).

ઍથેન્સમાં લોકશાહીની સ્થાપના : સોલૉન સત્તા ઉપર આવતાંની સાથે જ, જે લોકો દેવાં પેટે ગુલામ બન્યા હોય તેમની મુક્તિની જાહેરાત કરી. આ એક જ પગલાથી તેને ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ. આ ઉપરાંત તેણે ડ્રેકોના કડક કાયદા નાબૂદ કર્યા : લોકો પાસેનાં ઉમરાવોનાં લેણાં માફ કર્યાં; દેવાં પેટે લોકોને ગુલામ બનાવવાની મનાઈ કરી; અને જમીનની ‘ટોચમર્યાદા’ નક્કી કરી, જમીનદારી-નાબૂદીની દિશામાં પગલું ભર્યું. બંધારણીય સુધારામાં તેણે નાગરિકોના કુળને બદલે મિલકતના આધાર ઉપર ચાર વર્ગો પાડ્યા; તેમાંથી પ્રથમ ત્રણ વર્ગોના નાગરિકોને (અર્થાત્, શ્રીમંતોને) રાજ્યના આર્કન સહિતના ઉચ્ચ હોદ્દાઓ ઉપર ચૂંટવાને પાત્ર ગણવામાં આવ્યા. ચોથા વર્ગના ગરીબોને આ હક ન મળ્યો; પરંતુ તેમને આમસભામાં મત આપવાનો અધિકાર મળ્યો. આમસભા જ દર વર્ષે રાજ્યના અધિકારીઓની ચૂંટણી કરતી, તથા વર્ષને અંતે તેમની પાસેથી વહીવટનો જવાબ માગતી. આથી ગરીબોને તેમાં મતાધિકાર આપીને સોલૉને લોકશાહીની સ્થાપનાની દિશામાં પ્રથમ પગલું ભર્યું. આ ઉપરાંત, એક ‘લોક-અદાલત’ નામની નવી સંસ્થા સ્થપાઈ, જેમાં ચારેય વર્ગોના નાગરિકોને ન્યાયાધીશ તરીકે બેસવાનો અધિકાર આપવામાં આવ્યો. અહીં ન્યાયાધીશોની નિમણૂક ચિઠ્ઠી ઉપાડીને થતી, જેથી સામાન્ય કક્ષાનો નાગરિક પણ ન્યાયાધીશ બની શકતો. આ અદાલત રાજ્યના કોઈ પણ અધિકારીના કાર્યની (તે નિવૃત્ત થયા પછી) તપાસ કરી શકતી. આમ, સોલૉને રાજ્યના અધિકારીઓની નિમણૂક કરવાની જેને સત્તા હતી તે આમસભામાં તથા તે અધિકારીઓની કામગીરીની જે અદાલતી તપાસ કરતી તે લોક-અદાલતમાં ચોથા વર્ગના ગરીબ નાગરિકો(જેમની તે બંને સંસ્થાઓમાં બહુમતી હતી)ને અધિકારો આપીને ઍથેન્સમાં લોકશાહીનો પાયો નાખ્યો.

પરંતુ, શાસનમાં લોકશાહીનાં પ્રથમ તત્વો દાખલ થતાંની સાથે જ ઍથેન્સમાં પક્ષીય રાજકારણ અને સત્તા-સંઘર્ષની શરૂઆત થઈ. તેમાં ગરીબોના પક્ષના નેતા પિસિસ્ટ્રેટસે ગરીબોની સંખ્યાના બળે લોકક્રાંતિ કરી, સોલૉનનું બંધારણ ઉથલાવી, સર્વ સત્તા હાથ કરી (ઈ. સ. પૂ. 535). ગ્રીસનાં અન્ય નગરરાજ્યોના ‘સરમુખત્યારો’ની જેમ પિસિસ્ટ્રેટસનું સરમુખત્યારી શાસન કલ્યાણવાદી હતું; પરંતુ તેના પછી સત્તા ઉપર આવેલા તેના પુત્રો આપખુદ અને અત્યાચારી નીવડ્યા. આથી લોકોએ ફરી વખત ક્રાંતિ કરી તેમને સત્તાસ્થાનેથી દૂર કર્યા.

આ પછી સત્તાનાં સૂત્રો ક્લિસ્થનીઝ નામના ગરીબ પક્ષના ઉદારમતવાદી નેતાના હાથમાં આવ્યાં. તેણે લોકશાહીની સ્થાપનાની બાબતમાં સોલૉનનું અધૂરું કાર્ય પૂર્ણ કર્યું. તેણે ઍથેન્સની પુરાણી ચાર જાતિઓ (તેમનાં ગોત્રો અને કુળો સહિત) રદ કરી. તેને બદલે તેણે ઍથેન્સને દસ ‘રહેણાક વિસ્તારો’માં વહેંચી, તે દરેક વિસ્તારને નવી જાતિનું નામ આપ્યું. આને પરિણામે આ ‘નવી જાતિ’માં શ્રીમંતો, ગરીબો, કુલીનો, શ્રમજીવીઓ વગેરે સમાજના બધા વર્ગો આવી જતા હતા. અહીં રહેતા બધા જ પુરુષોને જાતિ, કુળ કે ધનની કોઈ લાયકાતને ધ્યાનમાં લીધા સિવાય 17 વર્ષની ઉંમરે બધા જ નાગરિક-અધિકારો મળી જતા હતા. આ દરેક જાતિ(એટલે કે રહેણાક-વિસ્તાર)નો વહીવટ તેના પોતાના જ બધા નાગરિકોની બનેલી ‘નાગરિક-સભા’ને સોંપવામાં આવ્યો. આ ઉપરાંત, એક નવી ‘લોકસમિતિ’ બનાવવામાં આવી, જેમાં દરેક જાતિ(રહેણાક વિસ્તાર)ના લોકોને 50 પ્રતિનિધિઓ મોકલવાનો અધિકાર આપવામાં આવ્યો. તે રીતે આ લોકસમિતિમાં કુલ 500 પ્રતિનિધિઓ થતા. આ લોકસમિતિ રાજ્યના આર્કનોને આદેશ આપી શકતી, તેમનો જવાબ માગી શકતી અને તેમનો દંડ પણ કરી શકતી. આ ઉપરાંત, રાજ્યના બધા જ નાગરિકોની બનેલી ‘આમસભા’ તો હતી જ, જેની પાસે આર્કનો તથા અન્ય અધિકારીઓની ચૂંટણી, રાજનીતિ વિશેના નિર્ણયો તથા યુદ્ધ કે શાંતિ જાહેર કરવા જેવી મહત્વની બાબતો હતી. આ બંને સંસ્થાઓ(લોકસમિતિ અને આમસભા)માં સ્વાભાવિક રીતે જ આમજનતાની બહુમતી હતી. આ ઉપરાંત, રખે કોઈ લોકપ્રિય નેતા જનતાને નામે લોકશાહીનું ગળું દબાવીને સરમુખત્યારી સ્થાપિત કરે, તે ભય નિવારવા ક્લિસ્થનીઝે એવો નિયમ કર્યો કે દર વર્ષે નક્કી કરેલા સમયે ખાસ મતદાન યોજવામાં આવે. તેમાં જે વ્યક્તિની તરફેણમાં 6000 મત પડે (તેનો અર્થ એ કે તે લોકપ્રિય થતો જાય છે.) તેને ઍથેન્સમાંથી દસ વર્ષ માટે હદપાર કરવામાં આવે. મતદાનની આ પ્રક્રિયા ‘ઑસ્ટ્રેસિઝમ’ નામે ઓળખાતી અને ઍથેન્સમાં તે લગભગ 90 વરસ ચાલી હતી.

ગ્રીસઈરાન વિગ્રહ : પછી થોડા જ વખતમાં ઍથેન્સની ઊગતી લોકશાહીને ઈરાનના વિદેશી આક્રમણની ભારે કસોટીમાંથી પસાર થવું પડ્યું. આયૉનિયાના ગ્રીક સંસ્થાનવાસીઓએ મિલેટસમાં ઈરાની સમ્રાટ દરાયસ સામે બળવો કર્યો ત્યારે ઍથેન્સ અને એરેટ્રિયાએ વહાણો મોકલીને મદદ કરી હતી. તેનો બદલો લેવા માટે દરાયસે ઍથેન્સ અને સ્પાર્ટાને પોતાનું આધિપત્ય સ્વીકારવા જણાવ્યું, ત્યારે ગ્રીક નગરોએ તેનો ઇનકાર કર્યો. તેથી દરાયસે એરેટ્રિયાને તારાજ કર્યું તથા ઍથેન્સને સજા કરવા અને સામ્રાજ્ય વિસ્તારવા માટે ઈ. સ. 485માં ગ્રીસ પર આક્રમણ કર્યું. મૅરેથૉનની ખીણમાં સમુદ્રકાંઠે ગ્રીસની સ્વતંત્રતા નષ્ટ કરવા વિશાળ ઈરાની સૈન્ય આવી પહોંચ્યું. ઍથેન્સે લશ્કરી સહાય માટે ફાઇલિપડીસને સ્પાર્ટા મોકલ્યો. તેણે દોડતાં સ્પાર્ટા જઈને સંદેશો આપ્યો. ત્યારથી મૅરેથૉન-દોડની રમત શરૂ થઈ. ઍથેન્સે પ્લેટિયાના સૈન્યની સહાયથી, સેનાપતિ મિલ્ટિયાડીસની કુનેહ અને લશ્કરી વ્યૂહરચનાથી ઈરાનના ઘણા મોટા લશ્કરને પરાજય આપ્યો. સ્પાર્ટાનું સૈન્ય મોડું આવવાથી પાછું ગયું. ઍથેન્સે જગતના સૌથી પ્રબળ સમ્રાટને હરાવ્યો તે ઍથેન્સનો ગૌરવપ્રદ ઇતિહાસ બન્યો. તેનાથી તેની લોકશાહી અને સંસ્કૃતિનું રક્ષણ થયું.

દરાયસના મૃત્યુ બાદ તેના પુત્ર સમ્રાટ ઝર્સિસે ગ્રીસને હરાવવા એશિયાભરમાંથી એકઠા કરેલા બે લાખ સૈનિકોના કાફલા સહિત દરિયાઈ તથા જમીન માર્ગે ગ્રીસ પર આક્રમણ કર્યું. સ્પાર્ટાના રાજા લિયૉનિડાસના નેતૃત્વ હેઠળ 7000 સૈનિકોના ગ્રીક સૈન્યે થમૉર્પિલીના સાંકડા ઘાટ પાસે ઈરાનના સૈન્યને અટકાવ્યું; પરંતુ એક દેશદ્રોહી ગ્રીકે પર્વતનો ભેદી માર્ગ ઈરાનીઓને બતાવ્યો. તે માર્ગે ઈરાનના સૈન્યે ગ્રીક લશ્કર પર પાછળથી હુમલો કર્યો. થર્મૉપિલીના ઘાટનું રક્ષણ કરતાં, લિયૉનિડાસ અને તેના સૈનિકો વીરતાપૂર્વક લડતાં માર્યા ગયા; પરંતુ તેઓ પોતાની પાછળ વીરતાનો અને ઉચ્ચ પ્રકારની દેશભક્તિનો આદર્શ મૂકતા ગયા.

થર્મૉપિલીના પતન બાદ ગ્રીકોને ફોસિસ, બીટિયા, ઍટિકા વગેરે ગ્રીસના પશ્ચિમ તથા મધ્યના પ્રદેશો છોડવાની ફરજ પડી. થર્મૉપિલીનો માર્ગ ખુલ્લો થવાથી ઈરાનના સૈન્યે ધસમસતા પૂરની જેમ આગળ ધસી ગ્રીક નગરો લૂંટ્યાં તથા બાળ્યાં અને ઍથેન્સ પહોંચ્યા. ઍથેનિયનો ઈરાનના સૈન્યનો સામનો કરવાને અસમર્થ હોવાથી તેમણે નગર છોડીને વહાણોમાં આશ્રય લીધો. તેઓ વહાણવટા તથા નૌકાયુદ્ધના નિષ્ણાત હતા. તેમણે સેલામીસના અખાતમાં તેમના નૌકાદળને જમા કર્યું. આ દરમિયાન ઈરાનના સૈન્યે ઍથેન્સમાં પ્રવેશી ત્યાંનાં દેવળો તથા જાહેર મકાનો બાળ્યાં. થેમિસ્ટોક્લીસની વ્યૂહરચના મુજબ ગ્રીક નૌકાદળ ઈરાનના નૌકાદળને લોભાવીને સેલામીસના સાંકડા અખાતમાં ખેંચી લાવ્યું. પછી અખાતના બંને છેડા ગ્રીક યુદ્ધજહાજોએ બંધ કરીને ઈરાની નૌકાદળને ઘેરી લીધું અને સાંકડા અખાતમાં ફરી શકતી નાની ઍથેનિયન યુદ્ધનૌકાઓએ ઈરાનના નૌકાકાફલા પર હલ્લો કર્યો. ખૂબ મોટાં ઈરાની જહાજો સામનો કરવામાં નિષ્ફળ ગયાં. તેમને પીછેહઠ કરવી પડી. ઈરાની જહાજો નાસવા પાછાં ફરતાં હતાં, ત્યારે અખાતને નાકે પણ ઘેરાઈ ગયાં હતાં. કેટલાંક જહાજો અખાતમાંના ખડકો સાથે અથડાઈને નાશ પામ્યાં. વિજયની આશા રાખતો ઝર્સિસ પોતાના નૌકાકાફલાનો વિનાશ જોતો રહ્યો. થેમિસ્ટોક્લીસની અપ્રતિમ વ્યૂહરચનાને સંપૂર્ણ સફળતા મળી.

ઈરાની સેનાપતિ મારડોનિયસે ઍથેન્સને સ્વતંત્રતા, પ્રાદેશિક વિસ્તાર અને દ્રવ્યની લાલચ આપી; પરંતુ સ્પાર્ટાની સહાયનું વચન મળવાથી ઍથેન્સ અડગ રહ્યું. તેણે સમગ્ર ગ્રીસની સ્વતંત્રતાને મહત્ત્વ આપ્યું. તેથી મારડોનિયસે ઍટિકા પર ચડાઈ કરી. ઍથેનિયનો ફરીથી નગર ખાલી કરી ગયા અને ઍથેન્સનો બીજી વાર વિનાશ કરવામાં આવ્યો; પરંતુ સ્પાર્ટાએ પ્લેટિયાના સંગ્રામમાં ઈરાનના બળવાન ભૂમિદળને સખત પરાજય આપી, મારડોનિયસને મારી નાખ્યો. ત્યારબાદ ઉત્તર અને મધ્ય ગ્રીસમાં રહેલી ઈરાની સત્તાને ઍથેન્સે માઇકેલના દરિયાઈ યુદ્ધમાં ઈરાની નૌકાકાફલાનો નાશ કરીને દૂર કરી. ગ્રીસને સ્વતંત્રતા પાછી મળી. ઈ. સ. પૂ. 478માં સેસ્ટોસ જીતીને ગ્રીકોએ ઈરાન સામેના યુદ્ધની પૂર્ણાહુતિ કરી. ગ્રીસમાં ઈરાની સામ્રાજ્યવાદનો ભય હંમેશ માટે દૂર થયો. ગ્રીસ-ઈરાન યુદ્ધે ગ્રીસને નવું ગૌરવ અને નવો આત્મવિશ્ર્વાસ અર્પ્યાં.

પેરિક્લીઝનો સુવર્ણયુગ : આ પછી ભવિષ્યમાં વિદેશી આક્રમણ સામે ગ્રીસના રક્ષણ માટે ઍથેન્સે પોતાની નેતાગીરી નીચે ગ્રીક નગરરાજ્યોના એક સંઘની સ્થાપના કરી (ઈ. પૂ. 476). આ સંઘનું મુખ્ય મથક ડેલાસ ટાપુમાં હતું. તેથી તે ‘ડેલિયન સંઘ’ તરીકે ઓળખાતો. સમય જતાં સંઘના નેતા તરીકે ઍથેન્સે પોતાના નૌકાબળને જોરે સંઘનાં સભ્ય-રાજ્યો ઉપર જોહુકમી ચલાવવા માંડી. જો કોઈ નગરરાજ્ય સંઘમાંથી છૂટા પડવાની હિલચાલ કરે, તો ઍથેન્સ તેને ‘બળવો’ ગણીને સંઘના જ લશ્કર વડે દબાવી દેતું; એટલું જ નહિ, પરંતુ ભવિષ્યમાં તેની સાથે ખંડિયા રાજા તરીકેનો વ્યવહાર કરતું. થોડા સમય પછી (ઈ. પૂ. 454માં) સંઘની તિજોરી પણ ડેલાસમાંથી ખસેડીને ઍથેન્સમાં લાવવામાં આવી. ટૂંકમાં, સંઘ માત્ર નામનો જ રહ્યો અને વાસ્તવમાં સંઘના નામ નીચે ઍથેન્સનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું. ઍથેન્સના તાબા નીચે આવા લગભગ 260 જેટલા એક વખતના સ્વતંત્ર સભ્યો, પરંતુ હવે ‘ખંડિયા મિત્ર-રાજ્યો’ હતાં.

બીજી તરફ, ઍથેન્સમાં વિવિધ પક્ષો વચ્ચે સત્તા માટેના સંઘર્ષો ચાલુ હતા, જેમાં આખરે પેરિક્લીઝ નામના યુવાન નેતાનો વિજય થયો. પેરિક્લીઝ 30 વર્ષ સુધી (ઈ. સ. પૂ. 460–430) ઍથેન્સનો નેતા અને કર્તાહર્તા રહ્યો. તેની નેતાગીરી નીચે ઍથેન્સે રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિનાં સર્વોચ્ચ શિખરો સર કર્યાં, અને તે ‘સમગ્ર ગ્રીસની પ્રગતિનું મશાલચી’ બન્યું. તેના કારણે ઇતિહાસકારો પેરિક્લીઝના આ ત્રીસ વર્ષના પ્રગતિશીલ સમયને માત્ર ઍથેન્સનો જ નહિ; પરંતુ સમગ્ર ગ્રીક સંસ્કૃતિનો ‘સુવર્ણયુગ’ ગણે છે.

પેરિક્લીઝે બંધારણમાં સુધારો કરી, સમાજના ચોથા વર્ગના નાગરિકોને પણ રાજ્યના ઉચ્ચ અધિકારપદે આવવાનો હક આપ્યો. તે ઉપરાંત આર્કનોને, અન્ય અધિકારીઓને, આમસમિતિના સભ્યોને અને લોક-અદાલતના ન્યાયાધીશોને પણ તેમની સેવા બદલ વેતન આપવાની પ્રથા દાખલ કરવામાં આવી, જેથી ગરીબોને પણ શાસનના સંચાલનમાં ભાગ લેવાનું પોસાઈ શકે. આમ, પેરિક્લીઝના સમયમાં ઍથેન્સમાં લોકશાહી પૂર્ણતા પામી.

પેરિક્લીઝના સમયમાં સબળ નૌકાકાફલાના કારણે ઍથેન્સના દરિયાઈ વેપારનો વિકાસ થયો. આ સમયે દરિયાઈ વેપારથી થતી મબલક આવક, લૉરિયમની ચાંદીની ખાણોની આવક તથા લગભગ 1000 જેટલાં નગરરાજ્યો પાસેથી ડેલિયન સંઘને અપાતા ફાળા(જેનો ઉપયોગ ઍથેન્સ જ કરતું)ની આવકને કારણે ઍથેન્સ ગ્રીસનું સૌથી સમૃદ્ધ રાજ્ય બની ગયું. પેરિક્લીઝે આ સમૃદ્ધિનો ઉપયોગ સાહિત્ય, વિદ્યા અને કલાને ઉત્તેજન આપવામાં કર્યો. તેના સમયમાં ઍથેન્સની મધ્યમાં આવેલ ઍક્રોપોલિસની ટેકરી ઉપર આરસનાં અનેક ભવ્ય મંદિરોનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું. આ મંદિરોમાં ‘પાર્થિનૉન’નું મંદિર સૌથી ભવ્ય અને વિશાળ હતું. તેના બાંધકામનો મુખ્ય સ્થપતિ ફિડિયાસ હતો, જે પેરિક્લીઝનો મિત્ર હતો. તે શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલા – એમ ત્રણેય કલાઓમાં પારંગત હતો. પાર્થિનૉનના દેવળની સ્તંભરચના તથા તેની દીવાલો ઉપર પૌરાણિક કથાઓનાં ર્દશ્યો પણ ફિડિયાસે જ કોતરેલાં. વળી પાર્થિનૉનના દેવળમાં પધરાવવા માટે હાથીદાંતની 11.5 મી. ઊંચી અને સુવર્ણ તથા રત્નજડિત દેવી એથીનાની ભવ્ય મૂર્તિ પણ ફિડિયાસે જ ઘડેલી. મંદિરો ઉપરાંત, નગરના મધ્યસ્થ સભાખંડને પાંચ દરવાજાવાળા પ્રવેશદ્વારથી તથા તેની દીવાલોને પૂરા કદનાં મનોરમ્ય ચિત્રોથી શણગારવામાં આવી હતી. ઇતિહાસકાર વિલ ડ્યૂરાંએ કરેલી ગણતરી મુજબ ઈ. સ. પૂ. 447થી 431 સુધીનાં 16 વર્ષોના સમયગાળા દરમિયાન ઍથેન્સના નાગરિકોએ જાહેર બાંધકામ, શિલ્પ અને ચિત્રકામ પાછળ ખર્ચવા માટે 57 કરોડ 60 લાખ ડૉલર (અત્યારની કિંમતની ગણતરીએ અબજો રૂપિયા) જેટલી રકમ મંજૂર કરી હતી, તે તેમના કલાપ્રેમની સાક્ષી પૂરે છે.

આ ઉપરાંત આ સમયે શિક્ષણ, સાહિત્ય, તત્વજ્ઞાન વગેરેનો પણ સારો વિકાસ થયો. સૉફિસ્ટ તરીકે ઓળખાતા વિદ્વાનો લોકોને વિવિધ વિષયોનું જ્ઞાન આપવા માટે માત્ર ઍથેન્સમાં જ નહિ; પરંતુ ગ્રીસભરમાં ઘૂમતા રહેતા. તેઓ પોતાનાં શિષ્યમંડળો (એકૅડેમી) સ્થાપતા. લોકોને અંધશ્રદ્ધા કે પરંપરા ઉપર આધાર રાખવાને બદલે સત્યની ખોજ માટે પ્રયત્નશીલ રહેવાનો ઉપદેશ આપતા. પેરિક્લીઝના સમયના સૉફિસ્ટ-જ્ઞાનગુરુઓમાં જ્યૉર્જિયાસ, પ્રોટાગોરસ, પ્રૉડિકસ વગેરેનાં નામો ખૂબ જ જાણીતાં છે. પાછળથી થયેલા શ્રેષ્ઠ તત્વજ્ઞાની મહાત્મા સૉક્રેટિસ પણ આ સૉફિસ્ટોની પરંપરામાંના જ એક હતા. પેરિક્લીઝના સમયમાં સાહિત્યના ક્ષેત્રે સૉફોક્લીઝ, યુરિપિડીઝ અને ઈસ્કિલસ નામના નાટ્યકારોની ત્રિપુટી તેમનાં કરુણાંત નાટકો (ટ્રૅજેડી) માટે ઘણી પ્રસિદ્ધ હતી. આ ઉપરાંત, હેરૉડોટસ અને થ્યુસિડાઈડીસ આ સમયના મહાન ઇતિહાસકારો હતા. હેરૉડોટસે ગ્રીક પ્રજાનો વ્યવસ્થિત ઇતિહાસ લખીને ઇતિહાસલેખનનો પાયો નાખ્યો, તેથી તેને ‘ઇતિહાસનો પિતા’ ગણવામાં આવે છે.

પેલોપોનીશિયન વિગ્રહ : આ રીતે ‘પેરિક્લીઝ યુગ’ દરમિયાન ઍથેન્સ સાચા અર્થમાં ‘ગ્રીસનું સંસ્કારસ્વામી અને કલાગુરુ’ બન્યું; પરંતુ પેરિક્લીઝનો આ ‘સુવર્ણયુગ’ બહુ લાંબો ન ચાલ્યો. ગ્રીસના સર્વોપરી નેતા હોવાના તેના દાવાને તુરત જ સ્પાર્ટા તરફથી પડકાર મળ્યો. સ્પાર્ટાએ પણ ઍથેન્સના ‘ડેલિયન સંઘ’ જેવો દક્ષિણ ગ્રીસનાં રાજ્યોનો ‘પેલોપોનીશિયન’ સંઘ રચ્ચો હતો. બંને એકબીજાના સંઘનાં સભ્ય રાજ્યોને ‘બળવો’ કરવાની પ્રેરણા અને મદદ આપતા. આમાંથી આખરે બંને વચ્ચે ગ્રીસમાં સર્વોપરીતા પ્રાપ્ત કરવા માટેનો લાંબો (લગભગ 100 વર્ષ) વિગ્રહ શરૂ થયો, જે ‘પેલોપોનીશિયન વિગ્રહ’ તરીકે ઓળખાયો. તેમાં ગ્રીસનાં લગભગ બધાં જ નગરરાજ્યો એક યા બીજા પક્ષે જોડાયાં હતાં. પ્રથમ પેલોપોનીશિયન વિગ્રહ તો પેરિક્લીઝની હયાતી દરમિયાન જ લડાયો હતો (ઈ. સ. પૂ. 459–445). તેમાં ઍથેન્સનો હાથ ઉપર રહ્યો હતો; પરંતુ દ્વિતીય વિગ્રહ-(ઈ. સ. પૂ. 431–404)માં ઍથેન્સનો સંપૂર્ણ પરાજય થયો અને તેને સ્પાર્ટાનું વર્ચસ્ સ્વીકારવું પડ્યું. જોકે ગ્રીસ ઉપર સ્પાર્ટાનું પ્રભુત્વ લાંબો સમય ચાલ્યું નહિ અને તૃતીય વિગ્રહ(ઈ. સ. પૂ. 395–371)માં થીબ્ઝ સામે તેનો પરાજય થયો; પરંતુ થોડા જ સમયમાં ઍથેન્સ અને સ્પાર્ટાએ એક થઈને થીબ્ઝને પણ પરાજય આપી (ઈ. સ. પૂ. 362) તેની મહત્તાનો અંત આણ્યો. આમ, લગભગ 100 વરસ સુધી ચાલેલા આ આંતરવિગ્રહે ગ્રીક નગરરાજ્યોને તદ્દન નિર્બળ બનાવી દીધાં અને થોડાં જ વર્ષો પછી તેઓ પડોશના મેસેડોનિયાના પ્રતાપી રાજવી ફિલિપના આક્રમણનો ભોગ બની, પોતાની સ્વતંત્રતા ગુમાવી બેઠાં. આથી જ પેલોપોનીશિયન વિગ્રહને ઇતિહાસકારોએ ‘ગ્રીસની આત્મહત્યા’ તરીકે વર્ણવ્યો છે. આ આંતરવિગ્રહે ગ્રીક સંસ્કૃતિનાં ઉમદાં તત્વોને અને ગ્રીક નાગરિકોના ઉમદા ગુણોને પણ હણી નાખ્યાં. આંતરવિગ્રહના આ કલંકિત સમય દરમિયાન જ ઍથેન્સના નાગરિકોએ સૉક્રેટિસને ઝેરનો પ્યાલો આપ્યો હતો.

ઈ. સ. પૂ. 336માં મેસેડોનિયાના રાજવી ફિલિપની હત્યા થતાં ગ્રીક નગરરાજ્યોએ સ્વતંત્રતા પાછી મેળવવાનો પ્રયત્ન કર્યો; પરંતુ ફિલિપના પ્રતાપી પુત્ર સિકંદરે તુરત જ તેમનો ‘બળવો’ દબાવી દીધો. તે સમયથી પ્રાચીન ગ્રીસની સ્વતંત્રતા અને મહાનતાનો અંત આવ્યો; પરંતુ ગ્રીક સંસ્કૃતિનો વિનાશ ન થયો. સિકંદર અ-ગ્રીક હોવા છતાં ગ્રીક સંસ્કૃતિનો ભક્ત હતો; મહાન ગ્રીક તત્વજ્ઞાની ઍરિસ્ટોટલે તેને શિક્ષણ આપી તેના ચારિત્ર્યનું ઘડતર કર્યું હતું. આથી તેણે ગ્રીક સંસ્કૃતિનો વિનાશ કરવાને બદલે તેનું રક્ષણ કરી, પોતાનાં વિજયી લશ્કરોની સાથે સાથે તેનો ઇજિપ્ત અને પૂર્વના દેશોમાં ફેલાવો કર્યો. આનાથી ગ્રીક સંસ્કૃતિ પણ પૂર્વની સંસ્કૃતિઓના ગાઢ પરિચયમાં આવી; અને આ બધી સંસ્કૃતિઓના સમન્વયમાંથી એક નવી ‘મિશ્ર સંસ્કૃતિ’નો જન્મ થયો, જે ‘હેલેનિસ્ટિક સંસ્કૃતિ’ તરીકે ઓળખાઈ. પૂર્વના દેશો ઉપર લગભગ 900 વરસ સુધી તેનો પ્રભાવ રહ્યો.

ગ્રીસનો વારસો : પ્રાચીન ગ્રીક સંસ્કૃતિએ વિશ્વસંસ્કૃતિને બહુમૂલ્ય વારસો આપ્યો છે. રાજકીય ક્ષેત્રે તેણે વિશ્વને ‘લોકશાહી’ની ભેટ આપી. જોકે ગ્રીક લોકશાહી વર્તમાન સમયની ‘પ્રતિનિધ્યાત્મક’ અથવા પરોક્ષ લોકશાહી કરતાં જુદી, પ્રત્યક્ષ લોકશાહી હતી. તેમાં રાજનૈતિક નિર્ણયો કરવામાં બધા જ નાગરિકો પ્રતિનિધિ દ્વારા નહિ; પરંતુ જાતે જ ભાગ લેતા. ગ્રીક નગરરાજ્યો વિસ્તારમાં નાનાં હોઈને આમ કરવાનું શક્ય બનતું. વળી, અહીં ગુલામી પ્રથા પ્રચલિત હતી, તેને કારણે પણ નાગરિકોને રાજકારણમાં ભાગ લેવાની ફુરસદ મળી રહેતી. જોકે આ લોકશાહી વ્યવસ્થામાં સ્ત્રીઓને કોઈ સ્થાન ન હતું, તેટલા પૂરતી તે અપૂર્ણ હતી; પરંતુ વિશ્વને જનસાર્વભૌમત્વના પ્રથમ પાઠો ગ્રીસે જ ભણાવ્યા. આ ઉપરાંત સૉક્રેટિસ, પ્લેટો અને ઍરિસ્ટોટલ તથા પ્રોટાગોરસ, ઝેનો, એપિક્યુરસ અને ડાયોજિનીઝ જેવા ઉત્કૃષ્ટ કક્ષાના દાર્શનિકો; થેલ્સ અને પાયથાગૉરસ જેવા મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી; હિપૉક્રેટીસ જેવા ઔષધવિજ્ઞાનીઓ; મહાકવિ હોમર જેવા મહાકવિ તથા સૅફો અને પિન્ડાર જેવા ઊર્મિકવિઓ; ઈસ્કિલસ, સૉફોક્લીઝ અને યુરિપિડીસ જેવા નાટ્યકારો અને હેરૉડોટસ અને થ્યુસિડાઇડીઝ જેવા ઇતિહાસકારો અને ફિડિયાસ જેવા મહાન સ્થપતિ અને શિલ્પી તથા પૉલિગ્નોટસ અને માઇકૉન જેવા ચિત્રકારો – આ બધા પણ પ્રાચીન ગ્રીસની વિશ્વને અમૂલ્ય ભેટ સમાન હતા. મધ્યયુગના અંત સમયે, ઈ. સ. પૂ. 1453માં કૉન્સ્ટૅન્ટિનોપલનું તુર્કોને હાથે પતન થતાં, ત્યાં વસતા ગ્રીક વિદ્વાનો, કલાકારો, દાર્શનિકો વગેરે યુરોપમાં નાસી આવ્યા. અહીં તેમણે ગ્રીક સંસ્કૃતિનાં ઉમદાં તત્વો વડે મધ્યકાલીન સાંસ્કૃતિક અંધકારમાં ‘નવજાગૃતિ’(renaissance)ની જ્યોત જલાવી, જેના પ્રકાશ દ્વારા આધુનિક યુરોપિયન સંસ્કૃતિનું નિર્માણ થયું. તે રીતે વર્તમાન સમયની યુરોપિયન સંસ્કૃતિના પાયામાં પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ રહેલી છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

મધ્યયુગ અને અર્વાચીન યુગ : ઈ. સ. પૂ. 323માં સિકંદરના અવસાન પછી ગ્રીક નગરરાજ્યો ઉપર મેસેડોનિયાનું માત્ર નામનું જ આધિપત્ય રહ્યું અને તે આધિપત્યનો પણ ઈ. સ. પૂ. 196માં રોમે મેસેડોનિયા જીતી લેતાં અંત આવ્યો; રોમે શરૂઆતમાં ગ્રીક નગરરાજ્યોને પોતાના ‘રક્ષિત મિત્રરાજ્ય’નો દરજ્જો આપ્યો; પરંતુ આખરે ઈ. પૂ. 148માં ‘બળવાખોર’ ગ્રીક નગરરાજ્યોને હરાવવાને બહાને તેણે સમગ્ર ગ્રીસને તાબે કર્યું અને તેને મેસેડોનિયાના રોમન સૂબાના અંકુશ નીચે મૂક્યું. રોમના આ ગ્રીસ-વિજયને કારણે રોમન લોકો ગ્રીક સંસ્કૃતિ સાથે વધારે ગાઢ પરિચયમાં આવ્યા, તેનાથી તેમની સંસ્કૃતિ અને રહેણીકરણી ઉપર ભારે પ્રભાવ પડ્યો. સમય જતાં વહીવટી સરળતા ખાતર રોમન સામ્રાજ્યના પશ્ચિમી તથા પૂર્વીય રોમન સામ્રાજ્ય એવા બે ભાગ પડી ગયા અને ઈસુની ચોથી સદીમાં રોમન સમ્રાટ કૉન્સ્ટૅન્ટાઇને બૉસ્ફરસની સામુદ્રધુની ઉપર આવેલા બાઇઝેન્ટિયમ નગરને પૂર્વીય રોમન સામ્રાજ્યનું પાટનગર બનાવ્યું (જે તેના નામ ઉપરથી કૉન્સ્ટૅન્ટિનોપલ તરીકે પ્રસિદ્ધ થયું), ત્યારે ગ્રીસ પણ પૂર્વીય રોમન સામ્રાજ્યના તાબા નીચે આવ્યું. ઈસુની પાંચમી સદીમાં પશ્ચિમી રોમન સામ્રાજ્યનું પતન થયા પછી પણ પૂર્વનું આ રોમન સામ્રાજ્ય લગભગ એક હજાર વર્ષ સુધી ટકી રહ્યું. તેનું પાટનગર કૉન્સ્ટૅન્ટિનોપલ ગ્રીક ભાષા, સાહિત્ય, કલા, દર્શન વગેરેનું ધામ બની રહ્યું. યુરોપમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થયો ત્યારે પણ પૂર્વીય રોમન સામ્રાજ્યનો ખ્રિસ્તી ધર્મ રોમન પોપના વર્ચસ્વાળા ખ્રિસ્તી ધર્મથી અલગ રહ્યો અને તે ‘ગ્રીક દેવળ’ (ગ્રીક ચર્ચ) તરીકે ઓળખાયો.

ઈ. સ. 1453માં તુર્કોએ કૉન્સ્ટૅન્ટિનોપલ જીતી લીધું ત્યારે ગ્રીસ પણ પૂર્વીય યુરોપના અન્ય પ્રદેશોની સાથે તુર્કી સામ્રાજ્યનો એક ભાગ બન્યું. તે પછી લગભગ પોણા ચારસો વરસ પછી, ઈ. સ. 1821માં ગ્રીસની જનતાએ તુર્કી સામે ‘રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસંગ્રામ’ શરૂ કર્યો ત્યારે ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને રશિયાએ સંયુક્ત રીતે તુર્કી સામે યુદ્ધ કરી તેને હરાવ્યું. તે પછી થયેલી એડ્રિયાનોપલની સંધિથી તુર્કીએ ગ્રીસને સંપૂર્ણ સ્વતંત્રતા આપી દીધી (ઈ. સ. 1828). પાછળથી ઈ. સ. 1832માં ગ્રીસની જનતાએ બેવેરિયા(જર્મનીનું એક નાનકડું રાજ્ય)ના રાજકુમાર ઑટોની પોતાના રાજા તરીકે પસંદગી કરતાં ત્યાં ઇંગ્લૅન્ડ જેવી લોકશાહી વ્યવસ્થાવાળી રાજાશાહીની સ્થાપના થઈ.

નકશો 3 : ગ્રીસ દેશનો નકશો

ઈ. સ. 1914–18ના પ્રથમ વિશ્વવિગ્રહમાં ગ્રીસ જર્મની, તુર્કી અને ઇટાલી વિરુદ્ધ ‘મિત્રરાજ્યો’(ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા વગેરે)ના પક્ષે ભળ્યું. પરિણામે મિત્રરાજ્યોના વિજય પછી પરાજિત તુર્કી સાથે કરવામાં આવેલી ‘સેવ્રેની સંધિ’થી તેને તુર્કી પાસેથી સ્મર્ના અને થ્રેસના પ્રદેશો મળ્યા; પરંતુ તે પછી તુરત જ તુર્કીના રાષ્ટ્રવાદી નેતા મુસ્તફા કમાલ પાશાએ પોતાના દેશમાં ક્રાંતિ કરી, સુલતાનને પદભ્રષ્ટ કર્યો અને ગ્રીસ ઉપર ચડાઈ કરીને સ્મર્ના તથા થ્રેસ જીતી લીધાં. યુદ્ધથી ત્રાસેલાં મિત્રરાજ્યોએ કમાલ પાશાને મનાવવા માટે ‘સેવ્રેની સંધિ’ રદ કરી. તેની જગ્યાએ ‘લોસેનની સંધિ’ કરી (ઈ. સ. 1923). આનાથી તુર્કીને ગ્રીસ પાસેથી સ્મર્ના અને થ્રેસ પાછાં મળ્યાં.

આ પછી ગ્રીસને તુર્કી સાથે રોડ્ઝ અને ડોડિકાનીઝ ટાપુઓ અંગે ઝઘડો થયો; પરંતુ તેનો લાભ લઈને ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીએ એ ટાપુનો જ કબજો લઈ લીધો. આથી બીજા વિશ્વવિગ્રહ (ઈ. સ. 1939–45)માં ગ્રીસે ઇટાલી અને જર્મની વિરુદ્ધ ‘મિત્રરાજ્યો’ને સાથ આપ્યો. આ યુદ્ધમાં ગ્રીસ શરૂઆતમાં ઇટાલીના આક્રમણનો ભોગ બન્યું, અને તેના રાજા જ્યૉર્જ બીજાને નાસી જવું પડ્યું; પરંતુ યુદ્ધમાં અંતે મિત્રરાજ્યોના વિજય પછી લોકમત દ્વારા રાજા જ્યૉર્જ બીજાને પાછો બોલાવી પુન: ગાદીનશીન કરવામાં આવ્યો. ઈ. સ. 1947માં તેના અવસાન પછી તેનો ભાઈ પૉલ ગાદીએ આવ્યો.

પરાજિત ઇટાલી સાથે કરાયેલી સંધિ મુજબ ગ્રીસને ડોડિકાનીઝ ટાપુઓ પાછા મળ્યા. ગ્રીસ ‘યુનો’નું સભ્ય બન્યું. તેને અમેરિકાની ‘યુરોપના પુનર્નિર્માણ માટેની યોજના’ (માર્શલ મદદ યોજના) અનુસાર આર્થિક નવનિર્માણ માટે મદદ મળી. તે દરમિયાન ઈ. સ. 1946માં ગ્રીસના સામ્યવાદીઓએ પડોશના યુગોસ્લાવિયા, આલ્બેનિયા અને બલ્ગેરિયાના સામ્યવાદીઓની મદદથી આંતરવિગ્રહ શરૂ કર્યો, ત્યારે ગ્રીસની વિનંતીથી ‘યુનો’ની સલામતી સમિતિએ એક તપાસપંચ નીમવાની દરખાસ્ત કરી; પરંતુ સામ્યવાદી રશિયાએ દરખાસ્તને ‘વીટો’ સત્તાથી ઉડાડી દીધી. આથી ફરી એક વખત અમેરિકાએ ‘ટ્રુમૅન સિદ્ધાંત’ મુજબ તેને પુષ્કળ પ્રમાણમાં આર્થિક સહાય કરી સામ્યવાદનો શિકાર થતાં બચાવી લીધું. ઈ. સ. 1952માં તે અમેરિકા-પ્રેરિત ‘યુરોપીય સંઘ’માં તથા ‘નાટો’ (ઉત્તર આટલાન્ટિક સંધિ-સંસ્થા) સંરક્ષણ-જૂથમાં જોડાયું.

ગ્રીસની આંતરિક રાજ્યવ્યવસ્થામાં રાજાશાહીની સાથે લોકશાહી તંત્ર સમાંતર રીતે વિકસતું રહ્યું. 1952માં સ્ત્રીઓને મતાધિકાર આપવામાં આવ્યો અને ચૂંટણી-વ્યવસ્થા મુક્ત બનાવવામાં આવી. 1955 સુધી પાયાગોસ વડાપ્રધાનપદે રહ્યા.

રાજા પૉલના મૃત્યુ બાદ નવા રાજવી કૉન્સ્ટૅન્ટાઇન અને સરકાર વચ્ચે અણબનાવ થયો જેને પરિણામે વડાપ્રધાનને દૂર કરવામાં આવ્યા અને સંસદને બરખાસ્ત કરવામાં આવી (1965). ત્યારબાદ, 1967માં લશ્કરી વિદ્રોહ થતાં લોકશાહીનો લોપ થયો. જાહેર માધ્યમોનું સ્વાતંત્ર્ય કુંઠિત થયું અને નવું આપખુદશાહી બંધારણ અમલમાં આવ્યું.

1973માં આ પરિસ્થિતિથી ત્રાસીને નૌકાકાફલાએ બંડ પોકાર્યું અને ગ્રીસને પ્રજાસત્તાક રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું. દસ વર્ષના ગાળા બાદ ફરીને લોકશાહીનાં પગરણ થયાં. મુક્ત ચૂંટણીઓ યોજવામાં આવી અને 1975માં નવું લોકશાહી બંધારણ અમલમાં આવ્યું, 1977માં ન્યૂ ડેમોક્રૅટિક પક્ષ સત્તા ઉપર આવ્યો જે 1980 સુધી સત્તાસ્થાને રહ્યો.

1981માં સમાજવાદી પક્ષે સત્તા ગ્રહણ કરી અને સાથોસાથ ગ્રીસે યુરોપિયન યુનિયનમાં જોડાવાનો નિર્ણય કર્યો. 1990માં ન્યૂ ડેમોક્રૅટિક પક્ષે ફરી સત્તાનાં સૂત્રો ગ્રહણ કર્યાં. એન્ટ્રીઅસ પૅપેન્દ્રુને કૌભાંડો કરવાથી વડાપ્રધાનપદેથી દૂર કરવામાં આવ્યો હતો. સંસદની ચૂંટણીમાં તેના પક્ષને બહુમતી મળવાથી, તે 1993માં હોદ્દા પર પાછો ફર્યો. તેણે વિદેશી નાણાંનાં રોકાણોને ઉત્તેજન આપ્યું. 1995માં સરહદનો ઝઘડો નિવારવા મેસિડોનિયા સાથે કરાર કરવામાં આવ્યા. 1997માં ગ્રીસે આર્થિક પ્રગતિ કરી. 1 જાન્યુઆરી, 2001થી ગ્રીસે યુરોપિયન યુનિયનનું યુરોનું ચલણ સ્વીકાર્યું. જૂન, 2002માં વડાપ્રધાન કૉન્સ્ટૅત્તિનોસ સ્ટીફાનોપૉલસની સરકારે સામાજિક સલામતીના સુધારા કર્યા. તેનાથી નિવૃત્તિવય 60 વર્ષથી વધારીને 65 વર્ષ કરવામાં આવી; પેન્શન વધારીને પગારના 70 ટકા કરવામાં આવ્યું. જાહેરક્ષેત્રના કમદારોને 2002માં પગારના 80 ટકા અને ખાનગી ક્ષેત્રના કામદારોને પગારના 60 ટકા પેન્શન મળતું હતું. 2004માં પાટનગર ઍથેન્સમાં ઑલિમ્પિક રમતો રમાઈ. સંસદની ચૂંટણીમાં ન્યૂ ડેમોક્રૅટિક પક્ષને બહુમતી મળી અને કૉન્સ્ટૅત્તિનોસ સ્ટીફાનોપૉલસે નવી સરકારની રચના કરી. 2007ના ઉનાળામાં ગ્રીસનાં જંગલોમાં વિનાશકારી આગમાં 64 માણસો માર્યા ગયા. આ વર્ષે પણ ગ્રીસનું અર્થતંત્ર વિકાસ કરતું હતું. બેકારીમાં થોડો ઘટાડો થયો અને પ્રવાસન-ઉદ્યોગમાંથી ઘણી સારી આવક થઈ.

રાજકીય : 1973માં ગ્રીસ પ્રમુખીય પદ્ધતિની લોકશાહી ધરાવતું રાજ્ય બન્યું. 1974ના રેફરન્ડમ(લોકપૃચ્છા)ને અંતે રાજાશાહી નાબૂદ કરી નાગરિક સરકારની રચના કરવામાં આવી. જેના વડા કર્નાનલિસ હતા. 1981માં ગ્રીસ યુરોપીય સમુદાયમાં જોડાયું અને પૅપેન્દ્રુ ગ્રીસના સૌપ્રથમ સમાજવાદી વડાપ્રધાન બન્યા. 1990માં તેઓ પ્રમુખ તરીકે પદનશીન થયા. 1995માં કૉન્સ્ટૅત્તિનોસ સ્ટીફાનોપૉલસ સત્તા પર આવ્યા. 1996ની ચૂંટણીઓમાં પાનહેલિનિક સોશિયાલિસ્ટ પક્ષ ચૂંટણી જીત્યો અને 2000માં તે ફરી ચૂંટાયો. 2004માં કોસલાસ કારામેન્લિસ ન્યૂ ડેમોક્રૅટિક પક્ષ ચૂંટાયો અને કારોલોસ પાપોલાઆસ પ્રમુખ બન્યા તેમજ કોસલાસ કારામેન્લિસ માર્ચ, 2004માં વડાપ્રધાન બન્યા.

જૂન 1975માં રચાયેલું બંધારણ તે ધરાવે છે. માર્ચ, 1986 અને એપ્રિલ, 2001માં તેના બંધારણમાં સુધારા કરવામાં આવેલા.

સંસદીય પ્રજાસત્તાક પદ્ધતિ ધરાવતું ગ્રીસ એકગૃહી ધારાસભા ધરાવે છે. તેનું આ ગૃહ ‘ચેમ્બર ઑવ્ ડેપ્યુટીઝ’ તરીકે ઓળખાય છે, જેમાં 300 સભ્યો ચાર વર્ષ માટે પ્રમાણસર પ્રતિનિધિત્વના ધોરણે ચૂંટાય છે. આ ગૃહ દેશના પ્રમુખને ચૂંટે છે. પ્રમુખના હોદ્દાની મુદ્દત પાંચ વર્ષની છે. ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત સર્વોપરી સ્થાન ધરાવે છે.

ગ્રીસ અને સાયપ્રસ, બંને દેશોનું રાષ્ટ્રગીત એક જ છે. 1821–29ના સ્વાતંત્ર્યસંગ્રામ વેળા વાદળી અને સફેદ તે દેશના રાષ્ટ્રીય રંગો હતા. તેનો ધ્વજ આ બે મુખ્ય રંગોનો બનેલો છે. તેમાં નવ ક્ષૈતિજિક (આડી) પટ્ટીઓ આ રંગોની બનેલી છે. આ ધ્વજ અંતે 1970માં સ્વીકારાયો હતો. ઉપર્યુક્ત બે રંગોની બનેલી નવ પટ્ટીઓ નવ શબ્દોના બનેલા યુદ્ધગાનને વ્યક્ત કરે છે, ટૂંકમાં આ શબ્દોનો અર્થ થાય છે ‘સ્વાતંત્ર્ય યા મૃત્યુ’.

આ એક પ્રાચીન દેશ હોવાથી તે ઘણી બેનમૂન ઇમારતો ધરાવે છે. યુનેસ્કોની વિશ્વ વિરાસત યાદી અનુસાર તે 16 બેનમૂન સ્થળો ધરાવે છે.

દેવેન્દ્ર ભટ્ટ

જયકુમાર ર. શુક્લ

રક્ષા મ. વ્યાસ