ગ્રીસનું સ્વાતંત્ર્યયુદ્ધ

February, 2011

ગ્રીસનું સ્વાતંત્ર્યયુદ્ધ : ઈ. સ. 1453માં સેલ્જુક જાતિના તુર્કોએ કૉન્સ્ટૅન્ટિનોપલ જીતીને યુરોપમાં પ્રવેશ કર્યો અને તે પછીનાં 200 વર્ષમાં તેમણે પૂર્વ યુરોપના ગ્રીસ સહિત ડાન્યૂબ નદીથી ઍજિયન સમુદ્ર વચ્ચેના સમગ્ર બાલ્કન પ્રદેશ (‘બાલ્કન’નો અર્થ તુર્કી ભાષામાં ‘પર્વતીય પ્રદેશ’ એવો થાય છે) ઉપર આધિપત્ય જમાવી દીધું. આમ થતાં તુર્કી સામ્રાજ્ય મધ્ય એશિયામાંથી માંડીને પૂર્વ યુરોપ તથા ઇજિપ્તને આવરી લેતું એક અત્યંત વિશાળ સામ્રાજ્ય બની ગયું. આ સામ્રાજ્યમાં વિવિધ જાતિઓ, વિવિધ ભાષાઓ અને વિવિધ ધર્મોનો અર્થાત્, વિવિધ સંસ્કૃતિઓનો શંભુમેળો જામ્યો હતો. સમય જતાં તુર્કીના સુલતાનો માટે આવી ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓવાળી પ્રજાઓને એકસૂત્રે બાંધી રાખવાનું તથા તેમની ઉપર સારી રીતે વહીવટ ચલાવવાનું મુશ્કેલ બનવા લાગ્યું. વળી, શરૂઆતમાં તેઓ જ્યારે શક્તિશાળી હતા ત્યારે તેમનું શાસન સહિષ્ણુ હતું; પરંતુ પાછળથી ખાસ કરીને ઓગણીસમી સદીમાં, તેઓ જેમ જેમ નિર્બળ બનતા ગયા, તેમ તેમ તેમની આપખુદી અને અસહિષ્ણુતામાં વધારો થતો ગયો ! તેમાં પણ બાલ્કનમાં વસતી સર્બ, બલ્ગાર, ગ્રીક, રુમાનિયન, આલ્બેનિયન વગેરે જાતિઓના ખ્રિસ્તીધર્મી લોકો તેમના અત્યાચારોના વધારે ભોગ બન્યા. પરિણામે બાલ્કનની આ ખ્રિસ્તી પ્રજાઓમાં તુર્કી સુલતાનો પ્રત્યે કદી વફાદારીની ભાવના વિકસી નહિ.

જોકે તુર્કીના સુલતાનો બાલ્કનની અન્ય ખ્રિસ્તી પ્રજાઓ કરતાં ગ્રીક પ્રજા સાથે પ્રમાણમાં ઉદાર વ્યવહાર રાખતા, તેમ છતાં ગ્રીક લોકો પોતાની પ્રાચીન ગ્રીક સંસ્કૃતિની ભવ્યતાને યાદ કરીને તેને ફરી વખત પ્રાપ્ત કરવા માટે હંમેશાં વ્યાકુળ રહેતા. તેવામાં ઈ. સ. 1789ની ફ્રાન્સની ક્રાંતિ અને તેને પગલે પગલે યુરોપભરમાં પ્રસરેલી સ્વતંત્રતા, લોકશાહી, રાષ્ટ્રવાદ, ઉદારમતવાદ વગેરે નૂતન ભાવનાઓએ ગ્રીક પ્રજાને તુર્કીની ધૂંસરીમાંથી મુક્ત થઈને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી. વળી, ફ્રાન્સની ક્રાંતિ પછીના સમયમાં (ઈ. સ. 1820 આસપાસ) યુરોપમાં સ્પેન, પોર્ટુગલ, ઇટાલી, સર્બિયા વગેરે સ્થળોએ થયેલી જનક્રાંતિઓએ ગ્રીસની જનતાની રાષ્ટ્રીય આકાંક્ષાઓને બળ પૂરું પાડ્યું. પરિણામે ઈ. સ. 1814માં ઓડેસામાં ‘મિત્રસમાજ’ (Hetairia Philke) નામની ગુપ્ત ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરવામાં આવી. તે પછી તુરત જ ઍલેક્ઝાન્ડર પિપ્સીલાન્તીની નેતાગીરી નીચે આ સંસ્થાએ ઉત્તર ગ્રીસમાં ક્રાંતિકારી ચળવળ શરૂ કરી. ગ્રીક ક્રાંતિકારીઓને યુરોપની મહાસત્તાઓ તરફથી મદદની આશા હતી; પરંતુ તે સમયની યુરોપની (ઑસ્ટ્રિયા, રશિયા, ઇંગ્લૅન્ડ વગેરે) મહાસત્તાઓને એવો ડર લાગ્યો કે, જો તેઓ ગ્રીક ક્રાંતિકારીઓને મદદ કરશે તો તેમનાં પોતાનાં જ રાજ્યોની જનતાને ક્રાંતિનો ચેપ લાગશે ! આથી તેઓ તટસ્થ રહી અને તુર્કીએ ગ્રીક ક્રાંતિકારીઓને દબાવી દીધા.

પરંતુ તે પછી તુરત જ ઈ. સ. 1821માં મોરેયા(દક્ષિણ ગ્રીસ)માં ક્રાંતિની બીજી લહર ઊઠી. આ ક્રાંતિનું સંચાલન પણ ‘મિત્રસમાજ’ના હાથમાં હતું. આ ક્રાંતિમાં લોકોએ તુર્કી સામે સીધું યુદ્ધ જ શરૂ કર્યું. સુલતાને પણ ક્રાંતિકારીઓને દબાવવા સૈન્ય મોકલ્યું. આ યુદ્ધમાં ગ્રીકોએ અને તુર્કોએ પરસ્પરની ભારે કત્લેઆમ કરી. શરૂઆતમાં તો મહાસત્તાઓ અગાઉની જેમ આ યુદ્ધમાં પણ તટસ્થ રહી; પરંતુ તેવામાં તુર્કોએ કૉન્સ્ટૅન્ટિનોપલના મુખ્ય પાદરીની હત્યા કરતાં રશિયાએ પોતાના ખ્રિસ્તી ગ્રીક બંધુઓને મદદ કરવા યુદ્ધમાં દાખલ થવાની તૈયારી કરી. આમાં રશિયાની ખ્રિસ્તી ધર્મનું કે ગ્રીક સંસ્કૃતિનું રક્ષણ કરવાને બદલે રાજકીય સ્વાર્થ સાધવાની ગણતરી વધારે હતી અને તે બહાને તે દક્ષિણ યુરોપમાં છેક ભૂમધ્ય સમુદ્ર સુધી વર્ચસ્ ફેલાવવા માગતું હતું; પરંતુ તે કારણે જ (અર્થાત્ ભૂમધ્ય વિસ્તારમાં રશિયાનું વર્ચસ્ સ્થપાય તે ડરને કારણે જ) ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા વગેરે મહાસત્તાઓ ગ્રીક રાષ્ટ્રવાદીઓને મદદ કરીને યુદ્ધને વિસ્તારવા માગતી ન હતી. આમ છતાં યુરોપના જુદા જુદા દેશોમાંથી પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના સેંકડો પ્રશંસકો (જેમાં ઇંગ્લૅન્ડનો મહાન કવિ બાયરન પણ હતો) પ્રાચીન ગ્રીક સંસ્કૃતિની પુન:સ્થાપના કરવા માટે ગ્રીક ક્રાંતિકારીઓની મદદે ‘સ્વયંસેવકો’ તરીકે ગ્રીસમાં ઊતરી પડ્યા. આને પરિણામે ગ્રીક ક્રાંતિકારીઓને શરૂઆતમાં સારી સફળતા મળી; પરંતુ તે પછી ઈ. સ. 1825માં તુર્કીના સુલતાને પોતાના ઇજિપ્તના સૂબા મુહમ્મદઅલીની મદદ માગતાં, તેના પુત્ર ઇબ્રાહીમે મોટી સેના સાથે ગ્રીસમાં ક્રાંતિકારીઓ પર કાળો કેર વર્તાવ્યો.

આથી હવે ઇજિપ્તનો મુહમ્મદઅલી ભૂમધ્ય વિસ્તારમાં વધારે પડતો બળવાન બની જશે તેવો મહાસત્તાઓને ડર લાગ્યો. ઇંગ્લૅન્ડનો વિદેશપ્રધાન કૅનિંગ પોતે પ્રાચીન ગ્રીક સંસ્કૃતિનો પ્રશંસક હતો, તેથી તે કોઈ પણ હિસાબે સમાધાન સાધી ગ્રીસને પાયમાલ થતું રોકવા માગતો હતો. પરિણામે તેના પ્રયાસથી ઈ. સ. 1827માં લંડન મુકામે ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને રશિયાનું સંમેલન મળ્યું. આ સંમેલનમાં આ ત્રણ મહાસત્તાઓએ ગ્રીસ-તુર્કીના ઝઘડામાં પોતાની લવાદીની દરખાસ્ત કરી. તે સાથે તેમણે એવું સમાધાન સૂચવ્યું કે ગ્રીસ ભલે તુર્કીના તાબા નીચે રહે; પરંતુ માત્ર કર ભરવા સિવાય બીજી બધી બાબતોમાં તે સ્વતંત્ર રહે. આ સમય દરમિયાન ગ્રીક ક્રાંતિકારીઓ ઇબ્રાહીમની સેના સામે પાછા પડવા લાગ્યા હતા, તેથી તેમણે આ બંને દરખાસ્તો સ્વીકારી લીધી; પરંતુ તુર્કીના સુલતાને તે સ્વીકારવાનો ઇન્કાર કર્યો. આથી ત્રણેય મહાસત્તાઓએ તુર્કી સામે પોતાનાં યુદ્ધજહાજો મોકલ્યાં, જેણે નેવેરિનોની ખાડીમાં તુર્કી તથા ઇજિપ્તના સંયુક્ત નૌકાકાફલાને હરાવ્યો (20 ઑક્ટોબર, 1827).

પરંતુ આ અરસામાં ગ્રીસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા ઇંગ્લૅન્ડના વિદેશપ્રધાન કૅનિંગનું અવસાન થયું. તેના અનુગામી વેલિંગ્ટને ઇંગ્લૅન્ડને આ યુદ્ધમાંથી ખસેડી લેવાનું યોગ્ય ગણ્યું. તેને પગલે ફ્રાન્સ પણ યુદ્ધમાંથી ખસી ગયું. આથી ગ્રીસને પક્ષે માત્ર રશિયા જ યુદ્ધમાં રહ્યું. તેણે ઈ. સ. 1828માં ડાર્ડેનલ્સમાં તુર્કી કાફલાને ફરી વખત હરાવ્યો. આથી તુર્કીના સુલતાને સંધિની માગણી કરી, જે મુજબ ઈ. સ. 1829ના સપ્ટેમ્બરમાં તુર્કી અને રશિયા વચ્ચે ઍડ્રિયાનોપલની સંધિ થઈ. આ સંધિ અનુસાર (1) તુર્કીએ ગ્રીસને સંપૂર્ણ સ્વતંત્રતા આપી, (2) રશિયાએ આ યુદ્ધમાં તુર્કીનો જીતેલો પ્રદેશ પાછો આપ્યો, (3) જ્યારે સામે પક્ષે તુર્કીને કૉકેસસ પ્રદેશમાં આવેલા જ્યૉર્જિયા ઉપર રશિયાનું આધિપત્ય માન્ય રાખવું પડ્યું; મોલ્ડેવિયા તથા વોલેશિયાને ‘રશિયાના સંરક્ષણ નીચે’ આંતરિક સ્વાયત્તતા આપવી પડી તથા ડાન્યૂબ અને કાળા સમુદ્રને બધા દેશોનાં વેપારી જહાજો માટે ખુલ્લાં મૂકવાં પડ્યાં.

આમ ‘સ્વાતંત્ર્યયુદ્ધ’ને અંતે ઈ. સ. 1829માં ગ્રીસનો એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જન્મ થયો. શરૂઆતમાં તેને પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવામાં આવ્યું; પરંતુ પાછળથી ઈ. સ. 1832માં ગ્રીસની જનતાએ જર્મનીના બેવેરિયા પ્રાંતના 17 વર્ષના રાજકુમાર ઑટોની પોતાના રાજવી તરીકે પસંદગી કરતાં, ત્યાં રાજાશાહીની સ્થાપના થઈ.

ગ્રીસનું આ ‘સ્વાતંત્ર્યયુદ્ધ’ ઘણી ર્દષ્ટિએ યુરોપના ઇતિહાસનો મહત્ત્વનો બનાવ ગણાય છે. તે ઓગણીસમી સદીના ઉદારમતવાદ અને રાષ્ટ્રવાદનો પ્રથમ મહત્વનો વિજય હતો. વળી, તેનાથી તુર્કીના આધિપત્ય નીચે પીડાતી બાલ્કનની અન્ય પ્રજાઓને પણ તુર્કી સામે ક્રાંતિ કરવાની પ્રેરણા મળી, જેને પરિણામે સમગ્ર ઓગણીસમી સદી દરમિયાન બાલ્કન પ્રજાઓના તુર્કી સામેના સ્વાતંત્ર્યસંગ્રામો ચાલ્યા કર્યા. આ ઉપરાંત ગ્રીસના સ્વાતંત્ર્યયુદ્ધથી તુર્કી સામ્રાજ્યની નિર્બળતા ખુલ્લી પડી ગઈ; તે ‘યુરોપનું માંદું માણસ’ ગણાવા લાગ્યું અને આ ‘માંદું માણસ’ કાયમ માટે અવસાન પામે તે પહેલાં યુરોપની મહાસત્તાઓ બાલ્કન પ્રજાઓના સ્વાતંત્ર્યસંગ્રામોમાં રસ લઈને એ ‘માંદા માણસ’ પાસેથી બને તેટલો લાભ પડાવી લેવા માટે તત્પર બની. ‘ગ્રીસના સ્વાતંત્ર્યયુદ્ધ’ની આ બધી ‘આડપેદાશો’ હતી, જેણે ઓગણીસમી સદીના પૂર્વ યુરોપના ઇતિહાસને આકાર આપ્યો હતો.

દેવેન્દ્ર ભટ્ટ