સિરિવાલકહા (શ્રીપાળકથા) : નવપદનું માહાત્મ્ય બતાવતી રચના. બૃહદગચ્છના પછીના નાગોરી તપાગચ્છના હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ સં. 1428માં તે રચી હતી. સં. 1400માં આચાર્યપદે આવી સં. 1407માં તેમણે ફિરોઝશાહ તુગલુકને બોધ આપ્યો હતો. ડૉ. વી. જે. ચોકસી દ્વારા ઈસવી સન 1932માં અમદાવાદથી આ કથા પ્રકાશિત થઈ છે. તેના થોડાક ભાગની પ્રો. કે. એમ. પટેલ અને પ્રો. વી. એમ. શાહ દ્વારા સંપાદિત અને પ્રકાશિત બે આવૃત્તિઓ પણ થઈ છે.
‘સિરિવાલકહા’ શ્રીપાળના પરાક્રમ અને તેની સિદ્ધિઓને આવરી લેતું કથાકાવ્ય છે; પણ કથાનો મુખ્ય ઉદ્દેશ તો સિદ્ધચક્રનું માહાત્મ્ય બતાવવાનો છે. કર્મદોષથી કુષ્ઠરોગી બનેલા કથાનાયક રાજકુમાર શ્રીપાળને કર્મ પર અવિચળ શ્રદ્ધા રાખતી તેની પત્ની મયણાસુંદરી નવપદની આરાધનાથી રોગમુક્ત કરે છે. ત્યારબાદ નાયક ઘણાં પરાક્રમો કરી અનેક કન્યાઓ સાથે લગ્ન કરે છે.
1342 પદ્યોમાં લખાયેલા આ કાવ્યની ભાષા સરળ અને સ્વાભાવિક જૈન મહારાષ્ટ્રી (બે અપભ્રંશ પદ્યો સિવાયની) છે. કથા એટલી સરસ છે કે ધાર્મિક ઉદ્દેશ હોવા છતાં નીરસ કે કંટાળાજનક લાગતી નથી. લોકોક્તિઓ અને અલંકારોનો કવિએ સ્વાભાવિકતાથી ઉપયોગ કર્યો છે. વર્ણનો ભભકાદાર અને અલંકારયુક્ત છે. પ્રાકૃત જૈન કથાસાહિત્યમાં આ કથાનું એટલું મહત્ત્વ છે કે જૈન પરંપરામાં આ કથાને લગતી સંસ્કૃત, પ્રાકૃત અને પ્રાદેશિક ભાષાઓમાં અનેક કૃતિઓ મળી આવે છે.
કાનજીભાઈ પટેલ