સિરિચિંધકવ્વ (શ્રીચિહ્નકાવ્ય)

January, 2008

સિરિચિંધકવ્વ (શ્રીચિહ્નકાવ્ય) : પ્રાકૃત ભાષામાં કૃષ્ણલીલાશુકે રચેલું મહાકાવ્ય. વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’ અને ત્રિવિક્રમના ‘પ્રાકૃત વ્યાકરણ’ના નિયમોને સમજાવવા ઈ. સ.ની 13મી શતાબ્દીમાં કેરળના કૃષ્ણલીલાશુકે આ ‘શ્રીચિહનકાવ્ય’ની રચના કરી છે.

ભટ્ટિ કવિએ ‘અષ્ટાધ્યાયી’નાં સૂત્રોનાં ઉદાહરણોને ક્રમ મુજબ કાવ્યમાં મૂકીને ‘ભટ્ટિકાવ્ય’(રાવણવધ)ની રચના કરી છે અને હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમ વ્યાકરણ’નાં સૂત્રોનાં ઉદાહરણો અનુક્રમે ગોઠવી ‘દ્વયાશ્રય’ની રચના કરી છે. તે રીતે વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’ અને ત્રિવિક્રમના ‘પ્રાકૃતવ્યાકરણ’ના નિયમોનાં ઉદાહરણોને અનુક્રમે મૂકી કેરળના કૃષ્ણલીલાશુકે ‘શ્રીચિહનકાવ્ય’ અથવા ‘શ્રીગોવિન્દાભિષેક’ની રચના કરી છે. આ કાવ્યના પ્રત્યેક સર્ગના અંતમાં ‘શ્રી’ શબ્દનો પ્રયોગ થયો છે. એથી ગ્રંથને ‘શ્રીચિહન’ કહેવામાં આવેલ છે. આ કાવ્યના 12 સર્ગ છે. તેના કર્તા કૃષ્ણલીલાશુક ‘સાર્વભૌમ’ નામે પ્રસિદ્ધ હતા તેમજ ‘કોદંડમંગળ’ યા ‘બિલ્વમંગલ’ નામે પણ જાણીતા હતા.

કૃષ્ણલીલાશુકે માત્ર 8 સર્ગોની રચના કરી છે. બાકીના ચાર ‘શ્રીચિહનકાવ્ય’ના ટીકાકાર દુર્ગાપ્રસાદ યતિએ લખ્યા છે. દુર્ગાપ્રસાદ યતિની સંસ્કૃત ટીકા વિદ્વત્તાપૂર્ણ છે. ટીકા સિવાય કાવ્યનો અર્થ સમજવો મુશ્કેલ છે. પ્રાકૃત વ્યાકરણનાં સૂત્રોનાં ઉદાહરણો સામેલ કરવાના કારણે કાવ્યમાં કાવ્યસૌન્દર્ય બહુ ઓછું જોવા મળે છે; એટલું જ નહિ, તે નીરસ અને શુષ્ક બન્યું છે. પ્રાકૃત ભાષા બોલચાલની ભાષા મટી ગઈ તેવા સમયમાં પ્રાકૃતવ્યાકરણની સહાયથી લખાયેલ હોઈ આ કાવ્યની ભાષા કૃત્રિમ બની છે.

ડૉ. એ. એન. ઉપાધ્યાયે આ કાવ્યના પ્રથમ સર્ગનું સંપાદન ભારતીયવિદ્યા 3-1માં કર્યું છે.

કાનજીભાઈ પટેલ