સિરેક્યુઝ (Syracuse) (1)

January, 2008

સિરેક્યુઝ (Syracuse) (1) : સિસિલીના અગ્નિકાંઠે આવેલું પ્રાચીન ગ્રીક સામ્રાજ્યનું મહત્ત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : 37° 04´ ઉ. અ. અને 15° 18´ પૂ. રે.. આશરે ઈ. પૂ. 734માં કોરિન્થના ગ્રીકોએ તેની સ્થાપના કરેલી. ઝડપથી તે વિકસતું ગયું અને દક્ષિણ ઇટાલીમાં સામ્રાજ્ય સ્થાપનાર હાઇરો પહેલાના વખતમાં સાંસ્કૃતિક કેન્દ્ર બની રહેલું. હાઇરોના મૃત્યુ બાદ સિરેક્યુઝ ખાતે લોકશાહી સ્થપાઈ. ઈ. પૂ. 415થી 413 સુધી સિરેક્યુઝનો કબજો કરવા આવેલા ઍથેનિયન દળનો આ શહેરે સામનો કરી તેને હરાવેલું. કાર્થેજ તરફથી આંતરસંઘર્ષો અને ધમકીઓને પરિણામે કઠોર સ્વભાવનો લશ્કરી શાસક ડાયૉનિસિયસ પહેલો સત્તા પર આવ્યો. ઈ. પૂ. 367માં તેના મૃત્યુ પછી સિરેક્યુઝનું પતન થયું. ઈ. પૂ. 345 પછી કોરિન્થિયન જનરલ તિમોલિયૉને કાર્થેજિનિયનોને હરાવ્યા અને શહેરનું પુનર્નિર્માણ કર્યું. ઈ. પૂ. બીજી સદીના ગાળામાં હાઈરો બીજાના શાસન દરમિયાન સિરેક્યુઝ રોમ સાથે જોડાયું; પરંતુ આ શહેરે કાર્થેજનો પક્ષ લીધો, તેથી રોમનોએ ઈ. સ. 212માં ત્રણ વર્ષના ઘેરા બાદ આ શહેરને કબજે કર્યું. ગણિતજ્ઞ આર્કિમિડિઝે ઘેરા દરમિયાન પોતે શોધેલાં જુદાં જુદાં રક્ષણાત્મક સાધનો આપીને પ્રતિકાર કરનારાઓને મદદ કરેલી. તે પછી સિરેક્યુઝ સિસિલીના રોમન પ્રાંતનું પાટનગર બન્યું. 878માં મુસ્લિમોએ શહેરનો નાશ કર્યો. આજે આ સ્થળ સિરેક્યુઝા નામથી જાણીતું છે. વસ્તી : 1,26,721 (1998).

ગિરીશભાઈ પંડ્યા