લિયાકતઅલીખાન (જ. 1 ઑક્ટોબર 1895, કર્નાલ, હરિયાણા; અ. 16 ઑક્ટોબર 1951, રાવલપિંડી, પાકિસ્તાન) : પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન અને હિંદના વિભાજન પહેલાના ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના નેતા. લિયાકતઅલી ધનાઢ્ય મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હતા. કર્નાલમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ, તેઓ અલીગઢ ગયા અને 1918માં બી.એ. થયા. 1919માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા, ઑક્સફર્ડની એક્ઝિટર કૉલેજમાં પ્રવેશ મેળવ્યો અને 1921માં બાર-ઍટ-લૉ થઈને ભારત પાછા ફર્યા અને ઉત્તર પ્રદેશમાં સ્થાયી થયા. વકીલ તરીકે ખ્યાતિ મેળવ્યા પછી, તેમણે રાજકારણમાં ભાગ લેવા માંડ્યો. ઉત્તર પ્રદેશની વિધાનપરિષદના 1923માં તેઓ સભ્ય બન્યા. 1936માં તેઓ મધ્યસ્થ ધારાસભામાં ચૂંટાયા અને મુસ્લિમ ધારાસભ્યોના ઉપનેતા બન્યા. 1937માં તેઓ ઑલ ઇંડિયા મુસ્લિમ લીગના મહામંત્રી બન્યા અને 1940માં મધ્યસ્થ ધારાસભામાં મુસ્લિમ લીગ પક્ષના નેતા બન્યા. 1946માં દેશની વચગાળાની સરકારની રચના થઈ, તેમાં નાણાપ્રધાન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. ઑગસ્ટ, 1947માં દેશનું વિભાજન થયું ત્યારે તેઓ પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન બન્યા. 1951માં રાવલપિંડીમાં એક જાહેર સભામાં તેમના ઉપર ગોળીબાર કરીને તેમનું ખૂન કરવામાં આવ્યું.

લિયાકતઅલીખાન

લિયાકતઅલી સ્વભાવથી કોઈ માર્ગદર્શક વિના નિર્ણય લેવા કે જવાબદારીનું કામ કરવા શક્તિમાન નહોતા. તેથી 1930માં મહંમદઅલી ઝીણા ભારતના રાજકારણથી નિરાશ થઈને ઇંગ્લૅન્ડ જતા રહ્યા, ત્યારે લગભગ અસ્તવ્યસ્ત થયેલી મુસ્લિમ લીગમાં પ્રાણ પૂરવા માટે, લિયાકતઅલી તેમને પાછા લાવવા માગતા હતા. આખરે, 1933માં તેમના પ્રયાસો સફળ થયા. ઝીણા દેશમાં પાછા ફર્યા, મુસ્લિમ લીગની આગેવાની સંભાળી અને લિયાકતઅલીને પક્ષના મહામંત્રી બનાવ્યા.

લિયાકતઅલી સ્વભાવે સૌજન્યશીલ હતા અને પોતાના રાજકીય હરીફો પ્રત્યે દુશ્મનાવટ રાખતા નહિ. તેઓ રાજકીય કાવતરાં કરતા નહિ, તેમ છતાં પક્ષમાં અનેક રાજકીય નેતાઓથી તેઓ આગળ વધી ગયા હતા. મહંમદઅલી ઝીણાની સંમતિ મેળવ્યા વિના, લિયાકતઅલી મહત્વની બાબતોમાં ભાગ્યે જ અભિપ્રાય આપતા હતા. તેઓ સમર્થ વક્તા હતા અને ચર્ચાસભાઓમાં ઉત્સાહથી ભાગ લેતા.

1946માં વચગાળાની સરકારના નાણાપ્રધાન તરીકે તેમણે મધ્યસ્થ ધારાસભામાં રજૂ કરેલું બજેટ સીમાસ્તંભ સમાન હતું. તેને ગરીબોના બજેટ તરીકે ઓળખાવવામાં આવ્યું. તેમણે ઉદ્યોગપતિઓ અને મોટા વેપારીઓ ઉપર ભારે કરવેરા નાખ્યા હતા. નાણાપ્રધાન તરીકે, દરેક ખાતાની નાણાકીય જોગવાઈ માટે તેમની મંજૂરી આવશ્યક હતી. કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચગાળાની સરકારમાં પરસ્પર સહકારથી કામ કરી શક્યાં નહિ અને તેમને દેશનું વિભાજન અનિવાર્ય લાગ્યું. વિભાજન પછીના દિવસોમાં ભારત અને પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીના લોકો કોમી ઝનૂનનો ભોગ બન્યા. બંને રાજ્યોમાં તે કાયદો અને વ્યવસ્થાનો આંતરિક પ્રશ્ન હતો; તેમ છતાં, બંને દેશોના વડાપ્રધાનોએ ‘નહેરુ-લિયાકતઅલી કરાર’ કરીને લઘુમતીઓની સમસ્યાઓ ઉકેલવા પ્રયાસો કર્યા.

લિયાકતઅલીએ વડાપ્રધાન તરીકેનાં ચાર વર્ષ દરમિયાન, પાકિસ્તાનમાં ઇસ્લામી રાજ્ય સ્થાપવાની વારંવાર માગણી કરતા ધાર્મિક નેતાઓનો વિરોધ સહન કરવો પડ્યો. પોતાના ધર્મનિરપેક્ષ અને આધુનિક વિચારોને કારણે લિયાકતઅલી તેમની માગણી સ્વીકારી શકતા નહોતા; પરંતુ પાકિસ્તાનના બંધારણમાં તેમણે કેટલીક છૂટછાટો આપી, જેથી પાકિસ્તાન ઇસ્લામી રાજ્ય બને તેવી સુવિધા થઈ.

જયકુમાર ર. શુક્લ