લિયાદૉવ, ઍનાતોલી

January, 2004

લિયાદૉવ, ઍનાતોલી (જ. 11 મે 1855, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 28 ઑગસ્ટ 1914, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : પ્રસિદ્ધ રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. પિતા રશિયન ઑપેરા સંગીત કંપનીના સંચાલક (conductor) હોવાથી બાળપણથી જ લિયાદૉવને સાંગીતિક વાતાવરણ મળ્યું. માત્ર સ્ટેજ-શો નહિ, પણ રિહર્સલ જોવાના મોકા પણ તેઓ છોડતા નહિ. આ ઉપરાંત રશિયન મ્યુઝિક સોસાયટીના વાદ્યવૃંદના કાર્યક્રમો તથા ફ્રી મ્યુઝિક સ્કૂલના જલસાઓમાં પણ તેઓ શ્રોતા તરીકે અચૂક હાજરી આપતા. બાળપણમાં ઘરે જ પિતાએ વાયોલિન તથા પિયાનોનું વાદન લિયાદૉવને શિખવાડ્યું હતું. 1870માં પંદર વરસની ઉંમરે તેઓ સેંટ પીટર્સબર્ગ કૉન્ઝર્વેટરીમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. પ્રથમ બે વર્ષ તેઓ વાયોલિન અને પિયાનોનું વાદન શીખ્યા અને પછીનાં ત્રણ વર્ષ તેઓ સંગીતના સિદ્ધાંતો શીખ્યા. 1874થી તેઓ નિકોલાઈ રિમ્સ્કીકૉર્સાકૉવ પાસે સ્વરનિયોજન શીખવા માંડેલા, અને ધ માઇટી હૅન્ડફુલ જૂથના સંગીતકારો સાથે પરિચય ગાઢ કરવા માંડેલો. તેમાંથી બાલાકિરેવ સાથે તેમણે ગ્લીન્કાના ઑપેરાના સ્વરાંકન સ્કોરનું સંપાદન કર્યું. 1878માં તેઓ સેંટ પીટર્સબર્ગ કૉન્ઝર્વેટરીમાંથી સ્નાતક થયા. છેલ્લી સ્નાતક પરીક્ષાને અનુલક્ષીને તેમણે ઝાલરના નાટક ‘ધ મેસિના બ્રાઇડ’ના છેલ્લા અંક માટે સંગીત લખ્યું.

1870થી 1880 દરમિયાન લિયાદૉવે ફિલસૂફી, રસશાસ્ત્ર તથા પ્રશિષ્ટ અને આધુનિક સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો.

1878થી લિયાદૉવે સેંટ પીટર્સબર્ગ કૉન્ઝર્વેટરીમાં અધ્યાપન કરવું શરૂ કર્યું; અને માઇટી હૅન્ડફુલ જૂથના સંગીતકારોમાંથી ગ્લાઝૂનૉફ સાથે ઘનિષ્ઠ મિત્રતા સ્થાપી. એ ઉપરાંત પૉઇતર ચાઇકૉવ્સ્કી અને એ. જી. રૂબિન્સ્ટીન સાથે પણ તેમણે ઘનિષ્ઠ મિત્રતા કરી. 1880થી લિયાદૉવે વૉલ્ટ્ઝ, માઝુર્કા, એત્યુદ, એરાબસ્ક, ઇન્ટર્મેત્ઝો અને પ્રિલ્યૂડ સ્વરૂપોમાં એકલા (સોલો) પિયાનો માટેની રચનાઓ રચવી શરૂ કરી. રશિયન વિવેચકોએ તેની પ્રશંસા કરી. એ રચનાઓમાંથી ‘ધ મ્યુઝિકલ સ્નફબૉક્સ’ નામની રચના આજે શ્રેષ્ઠ ગણાય છે.

લિયાદૉવે વાદ્યવૃંદ, ઑપેરા કે ક્વાયર (choir, ગાયકવૃંદ) જેવા વિશાળ ફલક પર કદી સંગીતરચના કરી નહિ. એથી એમની પાસેથી સિમ્ફની, કન્ચર્ટો, ઑપેરા, ઑરેટોરિયો કે કૅન્ટાટા મળી શક્યાં નહિ, પણ એકલ વાદ્ય અને એકલ કંઠ-ગાયનની કૃતિઓ તેમની એટલી સંમોહક નીવડી કે લિયાદૉવને આજે રશિયન સંગીતના ‘મિનિયેચરિસ્ટ’ ગણવામાં આવે છે.

રશિયન લોકસંગીત અને પૉપ સંગીત માટે પણ એમને ખૂબ આકર્ષણ હતું. એમાંથી પ્રેરણાપાન કરીને પણ એમણે કેટલીક ઉત્તમ કૃતિઓ આપી. એમાંથી બાળકો ગાઈ શકે એ માટે સર્જેલાં ગીતો ‘ચિલ્ડ્રન્સ સૉંગ્ઝ’ના ત્રણ ખંડોમાં આજે પણ ઉપલબ્ધ છે અને રશિયામાં ગવાય છે. લોકસંગીત પર આધારિત તેમની બીજી પ્રખ્યાત કૃતિઓમાં ‘પ્રિલ્યૂડ ઓપસ II’ અને ‘પ્રિલ્યૂડ ઓપસ 33’નો સમાવેશ થાય છે.

રશિયન લોકગીતોનું મૂળ સ્વરાંકન સાથે દસ્તાવેજીકરણ કરવાનું ભગીરથ કાર્ય પણ તેમણે 1890થી 1910 સુધી કર્યું. આ રીતે લગભગ 230 લોકગીતોનું દસ્તાવેજીકરણ તેમના દ્વારા થયું. એ પછી એ લોકગીતોમાંથી કેટલાંકનું તેમણે પોતાની સર્જનાત્મકતા સાથે સંયોજન કરી એકલ અવાજ માટેની કે ગાયકવૃંદ સાથે ઑર્કેસ્ટ્રા (વાદ્યવૃંદ) સાથે ગાવાની જુગલબંધીઓ પણ રચી.

1890થી લિયાદૉવ સેંટ પીટર્સ કૉન્ઝર્વેટરીના આચાર્ય અને સંગીત-સંચાલક પણ બન્યા. એમણે અન્યોની વાદ્યવૃંદ માટેની રચનાઓનું સંચાલન કરવું પણ શરૂ કર્યું. લઘુવાદ્યવૃંદો માટે ‘મિનિયેચર’ રચનાઓ પણ તેમણે લખી. તેમાં લઘુ સિમ્ફનિક પોએમ્સ ‘બાબા યાગા’, ‘ધી એન્ચાન્ટેડ લેઇક’, ‘કિકિમોરા’ તથા ‘એઇટ ફોક-સૉંગ્ઝ ફૉર ઑર્કેસ્ટ્રા’નો સમાવેશ થાય છે. આ રચનાઓમાં પણ રશિયન લોકસંગીતની મહેક તથા તાજા તેજસ્વી રંગોની ઝલક ઊભરાય છે. માટે જ મિખાઇલ ગ્લીન્કાના સાચા ઉત્તરાધિકારી લિયાદૉવ ગણાય છે.

અમિતાભ મડિયા