લિયાઉનિંગ (Liaoning)

January, 2004

લિયાઉનિંગ (Liaoning) : ચીનના મંચુરિયા રાજ્યનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 41° 30´ ઉ. અ. અને 123° 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,51,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઈશાન દિશાએ કિરિન, પૂર્વે ઉત્તર કોરિયા, દક્ષિણે પૂર્વ સમુદ્ર, નૈર્ઋત્યમાં હોપેહ અને વાયવ્યમાં સ્વાયત્ત મૉંગોલિયાના વિસ્તારો આવેલા છે. શેનયાંગ (મુકડેન) એ જિલ્લાનું મુખ્ય મથક છે.

ભૂપૃષ્ઠ : લિયાઉનિંગનું ભૂપૃષ્ઠ સીધી રકાબી જેવું છે. મધ્યનો ભાગ નીચો અને આજુબાજુ પર્વતીય હારમાળાઓ અને ઉચ્ચપ્રદેશ આવેલાં છે. પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ આ જિલ્લાને ચાર વિભાગોમાં વહેંચવામાં આવેલો છે : (i) મધ્યનાં મેદાનો, (ii) લાયોતુંગ દ્વીપકલ્પ, (iii) પશ્ચિમી ઉચ્ચપ્રદેશ, (iv) પૂર્વનો પહાડી પ્રદેશ.

ઘસારાની ક્રિયા દ્વારા નિર્માણ પામેલાં મધ્યનાં મેદાનો આર્થિક દૃષ્ટિએ વધુ મહત્વનાં છે. અહીં ટૂંકી નદીઓ વહેતી હોવાથી માર્ગમાં ક્યાંક ક્યાંક પંકપ્રદેશો તૈયાર થયા છે. જ્યાં જ્યાં મેદાનોને નવસાધ્ય કરાયાં છે, ત્યાં ખેતપ્રવૃત્તિ વિકસી છે. પરંતુ પંકભૂમિ અને રેતાળ ભૂમિનો વિકાસ કરી શકાયો નથી. મધ્યના ભૂમિભાગમાં કાંપની પૂર્વ અને પશ્ચિમે કથ્થાઈ રંગવાળી તથા ઉત્તરમાં રાતી જમીનો જોવા મળે છે.

લિયાઉનિંગ દ્વીપકલ્પીય ભાગનું ભૂપૃષ્ઠ પહાડી અને ખડકાળ છે. સમુદ્રસપાટીથી તેની સરેરાશ ઊંચાઈ સ્થાનભેદે 300થી 450 મીટર જેટલી છે, જેમાં વિવિધ પ્રકારના ખડકો મળે છે. શાનતુંગ પર્વતો ગેડપ્રકારના છે. જમીનો રાતી અને લોએસ પ્રકારની પીળી છે. પીળા રંગની જમીનો ફળદ્રૂપ છે. જ્યાં જ્યાં ઢોળાવો ઉગ્ર હોય ત્યાં ઘસારો વધુ થાય છે. આ ઉપરાંત વસાહત અને ખેતીનું પ્રમાણ અધિક હોવાથી વનસ્પતિનું પ્રમાણ નહિવત છે.

મૉંગોલિયાના ઉચ્ચપ્રદેશથી છૂટો પડેલો વિભાગ પશ્ચિમના ઉચ્ચપ્રદેશ તરીકે ઓળખાય છે. તે સરેરાશ 500 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેના ઉગ્ર ઢોળાવવાળા ભાગોમાંથી નીકળતી નદીઓ ઝડપી ગતિથી વહે છે, તેને કારણે ઊંડાં કોતરો અને ખીણો નિર્માણ પામ્યાં છે. અહીં શિયાળા દરમિયાન મોટાભાગે લગભગ પાંચ માસ માટે બરફવર્ષા થાય છે. અહીંની જમીનો કથ્થાઈ રંગની છે અને કેટલાક ભાગોમાં જમીનનું પડ અત્યંત પાતળું પણ છે.

પૂર્વ તરફનો પહાડી પ્રદેશ પ્રમાણમાં વિકસેલો છે. આ વિસ્તાર સરેરાશ 500 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. અહીંની જમીનો કથ્થાઈ તેમજ પૉડ્ઝૉલિક પ્રકારની રાખોડી રંગની જોવા મળે છે. પૂર્વ વિભાગનો સરેરાશ વાર્ષિક વરસાદ 1,000 મિમી. જેટલો પડે છે.

આબોહવા : લિયાઉનિંગ પ્રાંતનું ઉનાળા-શિયાળાનું જુલાઈ-જાન્યુઆરીનું તાપમાન અનુક્રમે 24° સે. અને –13° સે. જેટલું રહે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પડતો સરેરાશ વરસાદ આશરે 650 મિમી. જેટલો પડે છે. અહીંની પ્રાદેશિક પરિસ્થિતિ અનુસાર પ્રદેશભેદે વરસાદનું પ્રમાણ જુદું જુદું રહે છે; તેમ છતાં ક્યાંક ક્યાંક વરસાદની ખેંચ વરતાય છે. હિમમુક્ત દિવસો લગભગ 160થી 140 જેટલા રહે છે.

વનસ્પતિ–પ્રાણીજીવન : પશ્ચિમ વિસ્તારમાં બર્ચ, લાઇમ, ફર, એલ્મ, પાઇન, ઓક, ઍશ, વૉલનટનાં વૃક્ષો જોવા મળે છે. ઉચ્ચપ્રદેશીય વિભાગોમાં ઘાસના ચરિયાણ વિસ્તારો આવેલા છે. અહીં વરુ, શિયાળ, હરણ અને સરીસૃપો સિવાય બીજાં કોઈ હિંસક પ્રાણીઓ જોવા મળતાં નથી.

અર્થતંત્ર : ચીનમાં તેમજ વિશેષે કરીને ઈશાન તરફનાં રાજ્યોમાં લિયાઉનિંગ આર્થિક દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ તથા મહત્વનો ઔદ્યોગિક પ્રદેશ ગણાય છે. અહીં કોલસો અને લોહખનિજો પણ સારા પ્રમાણમાં મળે છે. લોહઅયસ્ક ઓછી ગુણવત્તામાં મળતું હોવા છતાં તેનો જથ્થો પુષ્કળ છે. કોલસાનો અનામત જથ્થો પૂર્વ-પશ્ચિમ અને અગ્નિ દિશામાં સંઘરાયેલો છે. આ ઉપરાંત અહીં તાંબું, સીસું, મોલિબ્ડેનમ, મૅંગેનીઝ, બૉક્સાઇટ, સોનું અને હીરા પણ મળે છે. સમુદ્રકિનારે મીઠું પણ પકવાય છે.

મંચુરિયા રાજ્યમાં ઉદ્યોગોની તુલનામાં ખેતપ્રવૃત્તિનો વિકાસ ધીમો રહ્યો છે. વર્ષ દરમિયાન બે વાર ખેતીના પાક લેવાય છે. અહીંના કૃષિપાકોમાં મકાઈ, ડાંગર, જુવાર, બાજરી, મગફળી, તમાકુ, શર્કરાકંદ અને કપાસ, સફરજન, સૉયાબીન અને શાકભાજીનો સમાવેશ થાય છે. શેતૂરનાં વૃક્ષો પર રેશમ માટે કોશેટાનો ઉછેર તથા વૈજ્ઞાનિક ઢબે ભુંડનો ઉછેર થાય છે. પીળા સમુદ્રને કિનારે મત્સ્યપ્રવૃત્તિ પણ થાય છે.

1930 પછી ચીનમાં ઔદ્યોગિક વિકાસ વધ્યો છે. સમગ્ર ચીનમાં સૌથી વધુ ઉદ્યોગો આ રાજ્યમાં સ્થપાયેલા છે. ભારે અને નાના પાયા પરના ઉદ્યોગો સ્થાપવામાં આવેલા છે. મુખ્ય ઉદ્યોગોમાં પિગઆયર્ન, પોલાદ, સિમેન્ટ, ક્રૂડ ઑઇલ, વીજળીને લગતાં સાધનો, રસાયણો, કાપડ, કાગળ અને ખાદ્યસામગ્રીના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. મોટાભાગના ઉદ્યોગો કોલસા દ્વારા સંચાલિત છે. શેનયાંગ (મુકડેન) એ અહીંનું સૌથી મહત્વનું ઔદ્યોગિક શહેર છે. લિયાઉનિંગ સમુદ્રકિનારે આવેલું ઔદ્યોગિક શહેર હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્વ વધુ છે.

પરિવહન : સમગ્ર ચીનમાં વધુમાં વધુ રેલસુવિધા આ રાજ્યને મળેલી છે. ચાંગ-ચુન અને લુ ટા વચ્ચે નંખાયેલો રેલમાર્ગ શેનયાંગના વિસ્તારમાંથી પસાર થતો હોવાથી હેરફેર અને અવરજવરનું મહત્વ લિયાઉનિંગ માટે ઘણું જ મહત્વનું છે. આ વિસ્તારમાં સડકમાર્ગો તો છે, પણ તેમની ગુણવત્તા સારી નથી. તેથી કેટલાંક સ્થળોમાં માલસામાનની હેરફેર હજી ગાડાંઓ મારફતે થાય છે. આંતરિક જળમાર્ગો ન હોવાથી અહીં સમુદ્ર જળમાર્ગનું મહત્વ વિશેષ છે. લુ ટા (લિયાઉનિંગ) અહીંનું અગત્યનું બંદર ગણાય છે.

વસ્તી : 1997 મુજબ લિયાઉનિંગની વસ્તી આશરે 4,13,80,000 છે. આ રાજ્યમાં હાન (ચાઇનીઝ) લોકો વસે છે. શેનયાંગ, તાન-તુંગ, ચીન-ચાઉ અને લાયોના ખીણવિસ્તારમાં મંચુ જાતિના લોકો વસે છે. મૉંગોલિયાના અંતરિયાળમાં માગોલ જાતિના તેમજ કોરિયાના સરહદી ભાગોમાં કોરિયન લોકો વસે છે. રાજ્ય ઔદ્યોગિક રીતે વિકસિત હોવાથી શિક્ષણનું સ્તર ઊંચું છે. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

નીતિન કોઠારી