હેરુક : બૌદ્ધ ધર્મના લોકપ્રિય દેવતા. તેમની સ્વતંત્ર રીતે તેમ જ યબ-યૂમ સ્વરૂપે પૂજા થાય છે. તંત્રમાર્ગમાં તેમનું સ્થાન મહત્વનું છે. ‘સાધનમાલા’ અનુસાર આ દેવ નીલવર્ણનાં છે અને તેમના બે સ્વરૂપ દ્વિભુજ હેરુક અને ચતુર્ભુજ હેરુક પ્રાપ્ત થાય છે. યબ-યૂમ સ્વરૂપે એટલે જ્યારે તે પોતાની શક્તિને આલિંગન આપતા હોય છે ત્યારે તે હેવજ્રના નામે ઓળખાય છે. તે શબાસન ઉપર અર્ધપર્યંકાસનમાં ઊભા હોય છે. તેમનાં આયુધોમાં વજ્ર, ખટ્વાંગ, કપાલ વગેરે છે. કંઠમાં અસ્થિની માળા ધારણ કરેલ છે. શરીરે અસ્થિના અલંકારો શોભે છે. નૃત્ય કરતા હેરુકનું ભીષણ સ્વરૂપ શિવના ઉગ્ર સ્વરૂપની યાદ અપાવે છે. જ્યારે દેવ એમની શક્તિ પ્રજ્ઞા સાથે યબ-યૂમ સ્વરૂપે દર્શાવાય છે. ત્યારે તેઓ એક મુખવાળા, દ્વિભુજ, ચતુર્ભુજ, ષડ્ભુજ અને સોળ હાથવાળા દર્શાવાય છે. આ હેવજ્ર સ્વરૂપમાં આયુધોમાં રક્તપાત્ર અને વજ્ર મુખ્ય છે. આ ઉપરાંત હાથ પ્રમાણે ધનુષ, બાણ, તલવાર વગેરે આયુધો દર્શાવાય છે. હેવજ્ર સ્વરૂપ તિબેટ અને ચીનમાં ઘણું લોકપ્રિય છે.

પ્રવીણચંદ્ર પરીખ