હેરિંગ્ટન જ્હૉન (સર)

February, 2009

હેરિંગ્ટન, જ્હૉન (સર) (જ. 1561; અ. 20 નવેમ્બર 1612, કેલ્સ્ટન, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : ઇલિઝાબેથના યુગના દરબારી, અનુવાદક, લેખક અને ‘વિટ’ (ઊંચી કલ્પક કે શોધક બુદ્ધિવાળા). પિતા રાજા હેનરી આઠમાની ગેરકાયદેસર પુત્રીને પરણેલા. એમનાં બીજી વારનાં પત્ની રાજકુમારી ઇલિઝાબેથનાં અનુચરી હતાં. સર જ્હૉનના ઉછેરમાં તેમનો પાલક માતા તરીકે મોટો ફાળો હતો. જ્હૉનનું શિક્ષણ ઈટન, કેમ્બ્રિજ અને લિંકન ઇન લંડનમાં થયેલું. હેરિંગ્ટનનું લગ્ન 1583માં થયેલું.

જ્હૉન હેરિંગ્ટન (સર)

સન્નારીઓ માટે 16મી સદીના જ એક ઇટાલિયન કવિ એરિયોસ્ટો સરજીત વ્યભિચારિણી–સ્વૈરિણી પ્રકારની વારતાનું ભાષાંતર કરીને, સન્નારીઓમાં ફરતી મૂકેલી. પરિણામે દરબારમાંથી તેમને રુખસદ આપવામાં આવેલી. જોકે હેરિંગ્ટન એરિયોસ્ટોના લખેલ મહાકાવ્ય ‘ઓર્લેન્ડો ફુરિયોઝો’નું પૂરેપૂરું ભાષાંતર કરી આપે તો તેમને સજામાંથી મુક્તિ આપવાનો હુકમ થયેલો. 1591માં ભાષાંતર પૂરું થયેલું અને તે મહાકાવ્યનાં ભાષાંતરોમાં ઇલિઝાબેથન યુગના પ્રયત્નોમાં તે આજે પણ આગલી હરોળમાં રહે છે. આ અનુવાદ દરમિયાન હેરિંગ્ટને ફ્લશ-લેવેટરી(પાણીને જોરથી ખખળાવીને ધોવાતું – સાફ કરવામાં આવતું જાજરૂ)ની શોધ કરી હતી અને રિચમન્ડ, સરીમાં આવેલા રાણીના મહેલ માટે તેની જોગવાઈ કરેલી. 1596માં ‘ધ મેટામૉર્ફોસિસ ઑવ્ ઍજેક્સ’(ajakes એટલે કે પ્રિવી)માં હેરિંગ્ટન પોતાની શોધનું વર્ણન સવિશેષ રાબેલાઇઝિયન રીતે કરે છે. રાણી ઇલિઝાબેથે કવિને ફરી એક વાર દેશનિકાલની સજા કરી. 1599માં કવિ આયર્લૅન્ડમાં લશ્કરી ચડાઈમાં જોડાયેલા. આ માટે તેમને ઉમરાવપદ – સરનો ઇલકાબ બક્ષવામાં આવેલો. જોકે રાજા જેમ્સના સમયમાં તેમની ચાતુર્યોક્તિઓ (epigrams) અને સ્વૈરવિહારી લખાણોએ તેમને અપમાનજનક પરિસ્થિતિમાં મૂકી દીધા હતા. ટી. રિચે ‘હેરિંગ્ટન ઍન્ડ એરિયોસ્ટો’ (1940) નામનો અભ્યાસગ્રંથ લખ્યો છે.

વિ. પ્ર. ત્રિવેદી