હેરેલ ફેલિક્સ

February, 2009

હેરેલ, ફેલિક્સ (જ. 25 એ હેરેલ, પ્રિલ 1873, મૉન્ટ્રિયલ, કૅનેડા; અ. 22 ફેબ્રુઆરી 1938, પૅરિસ) : બૅક્ટેરિયોફેજ વાયરસની શોધ કરનાર ફ્રેન્ચકૅનેડિયન સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી (Microbiologist). બૅક્ટેરિયાભક્ષક વાયરસ અંગેની ખુલાસાવાર માહિતી દ´ હેરેલે પ્રથમ આપી; પરંતુ તેના પહેલાં 1915માં એફ. ડબ્લ્યૂ. ટ્વૉર્ટે બૅક્ટેરિયોફેજ વાયરસ અંગેનો આછો ખ્યાલ આપ્યો હતો. ફ્રેડરિક ટ્વૉર્ટે પ્રથમ વાર એવું જણાવ્યું કે વાયરસ બૅક્ટેરિયા ઉપર હુમલો કરી શકે છે અને તેનો નાશ પણ કરી શકે છે. આમ છતાં ફેલિક્સ દ´ હેરેલે બૅક્ટેરિયલ વાયરસનું અસ્તિત્વ સાબિત કરી આપ્યું. તેમણે શિગેલા ડિસેન્ટ્રીઇ નામના બૅક્ટેરિયાથી થતી ડિસેન્ટ્રીવાળા રોગીના શરીરમાંથી બૅક્ટેરિયલ વાયરસ અલગ પાડ્યા અને અગારના માધ્યમમાં, પેટ્રીડીશમાં સંવર્ધન કર્યું. આ પેટ્રીડીશ ઉપર તેમણે વાયરલયુક્ત પ્રવાહીનો છંટકાવ કર્યો. જ્યાં જ્યાં આ દ્રાવણ કે પ્રવાહીનો છંટકાવ થયો તે તે ભાગોમાં (પેટ્રીડીશમાં) બૅક્ટેરિયાનું કલ્ચર નાશ પામેલું જોવા મળ્યું. એટલું જ નહિ, પણ પેટ્રીડીશમાં જેટલા ભાગમાં બૅક્ટેરિયાનું કલ્ચર નાશ પામ્યું તેના ઉપરથી વાયરલના કણોની સંખ્યા પણ ગણી આપી. આ રીતે કલ્ચરમાં પેદા થતા વાયરલની ગણતરી કરવાની રીતને પ્લેક-એસે (plaque assay) કહે છે. તેમણે એમ પણ પુરવાર કરી આપ્યું કે આ વાયરસ માત્ર જીવંત બૅક્ટેરિયામાં જ પ્રજનન પામે છે અને તેથી બૅક્ટેરિયાનું ભક્ષણ કરનાર વાયરસને ‘ફેજ’ અગર ‘બૅક્ટેરિયોફેજ’ તરીકે ઓળખવામાં આવે છે.

ફેલિક્સ હેરેલ

બૅક્ટેરિયોફેજ વાયરસના શોધક હેરેલ ફેલિક્સનો આયુર્વિજ્ઞાન(Medical science)નો અભ્યાસ પૅરિસ અને લિડેનમાં થયો હતો. મેડિકલ સાયન્સના અભ્યાસ બાદ તેઓ ગ્વાટેમાલામાં (શહેર) મ્યુનિસિપલ હૉસ્પિટલમાં બૅક્ટેરિયોલૉજી પ્રયોગશાળાનું સંચાલન કરવા અને મેડિકલ કૉલેજમાં સૂક્ષ્મજીવાણુશાસ્ત્ર વિષય ઉપર શિક્ષણ આપવા જોડાયા. 1909માં મેક્સિકોની સરકારે માઇક્રૉબાયૉલૉજીમાં વધુ અભ્યાસ માટે તેમને પૅરિસની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં મોકલ્યા. ત્યાં તેમણે 1921 સુધી સંશોધનકાર્ય કર્યું. તેમના પ્રયોગો ‘કીટકો અને અન્ય પ્રાણીઓમાં બૅક્ટેરિયા દ્વારા થતા પાચનમાર્ગના રોગો’ ઉપરના હતા. આ કામના આધારે તેમને ટ્યૂનિસિયામાં તીડને બૅક્ટેરિયા વાપરીને મારવાની કામગીરી સોંપવામાં આવી. આ પ્રકલ્પના અનુભવમાંથી તેમણે ‘અદૃશ્ય સૂક્ષ્મજીવાણુ’નું અતિ મહત્વનું સંશોધન કર્યું. આ અદૃશ્ય સૂક્ષ્મજીવાણુનું નામ આગળ જતાં ‘બૅક્ટેરિયોફેજ’ પાડવામાં આવ્યું.

1921 પછીનાં વર્ષોમાં તેમણે વિશ્વના વિવિધ ભાગોનો પ્રવાસ કર્યો અને બૅક્ટેરિયા દ્વારા થતા રોગોની સામે તેમના ભક્ષક એવા વાયરસની મદદથી ભયંકર ચેપી રોગોના ઉપાયો શોધી આપ્યા. વિવિધ રોગોના જીવાણુઓમાંથી બૅક્ટેરિયોફેજ વાયરસ છૂટા પાડી, તેનું સંવર્ધન કરી, મનુષ્ય અને પ્રાણીઓના રોગો નિવારવાના અને સારવાર આપવામાં સફળતા મેળવી. મરડો (ડિસેન્ટ્રી), કૉલેરા, પ્લેગ અને અન્ય રોગો બૅક્ટેરિયોફેજથી નિવારવામાં સફળ બન્યા અને ઍન્ટિબાયૉટિક દવાઓના દરવાજા ખોલી નાંખ્યા.

હેરેલે 1921માં ‘ધ રોલ ઑવ્ ધ બૅક્ટેરિયોફેજ ઇન ઇમ્યુનિટી’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. બૅક્ટેરિયોફેજ વાયરસને છૂટા પાડી તેનું સંવર્ધન કરવા (viralculture) અંગેના તેમના પ્રયોગો અને સંશોધનોનો અહેવાલ આ પુસ્તકમાં મળી આવે છે. ઍન્ટિબાયૉટિક અને અન્ય દવાઓ શોધાઈ તે પહેલાં ‘બૅક્ટેરિયોફેજ સારવાર’ અસરકારક સારવાર પદ્ધતિ ગણાતી હતી.

યુલે યુનિવર્સિટીમાં તેમણે ‘પ્રોટોબાયૉલૉજી’ અભ્યાસક્રમનું આયોજન કર્યું. તે જમાનામાં આ શબ્દ ‘બૅક્ટેરિયોફેજ’ માટે વપરાતો હતો. રશિયાની સરકારે વાયરસના અભ્યાસ માટેની સંશોધન સંસ્થાઓ સ્થાપવા તેમને સોવિયેત યુનિયનમાં આમંત્ર્યા. ત્યાં તેમણે આવી સંસ્થાઓ સ્થાપી આપી. 1938માં તેઓ પૅરિસમાં અવસાન પામ્યા ત્યાં સુધી હંમેશાં કાર્યરત રહ્યા હતા.

રા. ય. ગુપ્તે