હુજે આતમ જો મૌત (1973) : સિંધી નવલકથાકાર લાલ પુષ્પ (જ. 1935) રચિત નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ કૃતિ કથાસાહિત્યમાં એક અસામાન્ય પ્રયોગ ગણાય છે. કારણ તેમાં પરંપરાગત નવલકથાનાં ચીલાચાલુ મૂલ્યો તથા શૈલી સામે લગભગ પડકાર સર્જાયો છે. તેમાં કથાવસ્તુનો લગભગ સદંતર અભાવ છે છતાં જે કંઈ આછોપાતળો કથાપ્રવાહ છે તેમાં એક પ્રકારની અર્થપૂર્ણતા રહેલી છે. નવલકથા માનવમનના ઊંડાણમાં વિહરે છે અને લેખક કથાવસ્તુની પ્રગતિનું સાતત્ય જાળવવાની ચિંતા કરતા નથી. કેટલાંક વાક્યો પૂરાં હોય છે; કેટલાંક અધૂરાં છોડી દેવાયેલાં છે; ક્યાંક અનુમાનોનો અછડતો નિર્દેશ છે – આ બધી શૈલીની વિશેષતા એકમાત્ર પાત્રની આંતરિક ગતિવિધિ ખૂબ સુસંગત બની રહે છે. બાહ્ય સપાટી પર તેની કોઈ અર્થસાધકતા જળવાતી નથી; પરંતુ માનવ-વ્યક્તિત્વના નૈતિક અસ્તિત્વની પોકળતા તેમાંથી જ પ્રતિબિંબિત થાય છે.
મનોવૈજ્ઞાનિક પૃથક્કરણના અભિગમવાળી સૂઝ તથા શાશ્વત મૂલ્યો માટેની કલાત્મક મથામણ જેવી વિશેષતાને કારણે આધુનિકતાના નમૂનારૂપ ગણનાપાત્ર નવલકથા પુરસ્કૃત બની છે.
મહેશ ચોકસી