હુનાન (Hunan) : મધ્ય ચીનનો દક્ષિણ તરફનો પ્રાંત. આ પ્રાંત યાંગ્ત્સે નદીના મધ્યના ખીણ પ્રદેશમાં આવેલો છે. તેની ઉત્તરે હુબેઈ, પૂર્વે જિયાંગ્ક્સી, દક્ષિણે ગુઆન્ડૉન્ગ અને ગુઆન્ગક્સી તથા પશ્ચિમે સિચુઆન અને ગુઇઝોઉ પ્રાંતો આવેલા છે. આ પ્રાંતનો વિસ્તાર 2,10,565 ચોકિમી. જેટલો છે.

હુનાન પ્રાંતનું પહાડી દૃશ્ય

ભૂપૃષ્ઠ : આ પ્રાંતનો મોટા ભાગનો વિસ્તાર સમુદ્રસપાટીથી 1000 મીટરની ઊંચાઈએ આવેલો છે. હ્સુએહ-ફેંગ હારમાળાના ભાગરૂપે આવેલ તળેટીનો 3 ભાગ 500 મીટરની ઊંચાઈ ધરાવે છે. પશ્ચિમે આવેલો ઉચ્ચપ્રદેશ ઈશાન-નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલો છે. પ્રાંતના મધ્યભાગ સુધી ફેલાયેલ ક્વેઇચોવ ઉચ્ચપ્રદેશ પૂર્વ તરફ આવેલો છે. દક્ષિણે નાનલિંગ હારમાળા સ્વાયત્ત ક્વાંગતુંગ અને ક્વાન્ગ્શી ચુઆંગ પ્રાંતની સીમા રચે છે. આ હારમાળાનું સર્વોચ્ચ શિખર હેંગશાન (1290 મી.) છે. આ સીમાવર્તી વિસ્તારોમાં મેદાની પ્રદેશ પણ આવેલો છે, જેનો વિસ્તાર 9700 ચોકિમી. જેટલો છે.

જળપરિવાહ : યાંગ્ત્સે નદીના હેઠવાસમાં ડોન્ગતિંગ હુ નામનું મીઠા પાણીનું કુદરતી સરોવર આવેલું છે, તે ચીનનું સૌથી મોટું સરોવર ગણાય છે. તેનો વિસ્તાર આશરે 3755 ચોકિમી. જેટલો છે. આ સરોવરમાંથી ચાર નદીઓ નીકળે છે, જેમાં ક્સિયાંગ જિયાંગ, ઝી શૂઈ, યુઆન જિયાંગ અને લી શૂઈનો સમાવેશ થાય છે. ક્સિયાંગ જિયાંગ નદી 1160 કિમી. લંબાઈ ધરાવે છે, તે હુનાન પ્રાંતનાં મુખ્ય શહેરોને લાભકારક બની રહી છે.

આબોહવા : આ પ્રાંતનો ઉત્તર ભાગ તેના દક્ષિણ ભાગ કરતાં વિષમ આબોહવા ધરાવે છે. અહીંના ઉનાળા પ્રમાણમાં લાંબા હોય છે. ભેજનું પ્રમાણ સામાન્ય રહે છે. આ પ્રાંત પશ્ચિમથી પૂર્વ તરફ વાતા ચક્રવાતના  પવનોના માર્ગમાં આવતો હોવાથી અતિવૃષ્ટિ થાય ત્યારે પૂરનાં પાણી ફરી વળે છે. અહીંનો સરેરાશ વરસાદ 1350 મિમી. જેટલો રહે છે. ચાંગ્શા શહેરનું જાન્યુઆરીનું અને જુલાઈનું તાપમાન અનુક્રમે 6° સે. અને 30° સે. જેટલું રહે છે. આ શહેરમાં સરેરાશ વરસાદ 900 મિમી. જેટલો પડે છે.

અર્થતંત્ર : ખેતી અહીંનો મુખ્ય વ્યવસાય છે. ખેતી હેઠળ રહેલા કુલ વિસ્તારના 85 % ભાગમાં ડાંગરનો પાક લેવાય છે; દક્ષિણ તરફના ભાગોમાં ડાંગરનો પાક વર્ષમાં બે વાર લેવાય છે. આ સિવાય શકરિયાં, જવ અને મકાઈની ખેતી પણ થાય છે. રોકડિયા પાકોમાં કપાસ, શણ, તેલીબિયાં અને ચા મુખ્ય છે.

દક્ષિણે આવેલા પર્વતીય વિસ્તારમાં આશરે 6,07,000 હેક્ટર ભૂમિ પર જંગલો છવાયેલાં છે, જેમાં વાંસનું પ્રમાણ અધિક છે. વાંસનો ઉપયોગ મોટે ભાગે કાગળ બનાવવામાં થાય છે.

આ પ્રાંતના દક્ષિણ અને પશ્ચિમ ભાગમાંથી એન્ટિમની, મૅંગેનીઝ, સીસું અને જસત જેવાં ખનિજો મળે છે. એન્થ્રેસાઇટ અને બિટુમિનસ પ્રકારના કોલસાનાં વિશાળ ક્ષેત્રોમાંથી ઇંધન માટે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન લેવાય છે.

પ્રાંતના પૂર્વભાગને રેલમાર્ગની સુવિધા સારા પ્રમાણમાં પ્રાપ્ત થયેલી છે. બેજિંગ અને કૅન્ટોનને જોડતો મહત્વનો રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. પ્રાંતના વિવિધ ભાગો પાકા રસ્તાઓથી સંકળાયેલા છે. યાંગ્ત્સે નદી જળમાર્ગવ્યવહાર માટે ઉપયોગી બની રહી છે.

હ્સિયાંગ ચિયાંગ આ પ્રાંતનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે. આ પ્રાંતમાં નવા ઉદ્યોગો સ્થપાતા જાય છે, જેમાં લોખંડ-પોલાદના, વીજળીનાં યંત્રો બનાવવાના, કાપડ બનાવવાના, ખાદ્ય-પ્રક્રમણના, ચર્મઉદ્યોગના અને કુટિર ઉદ્યોગના એકમોનો સમાવેશ થાય છે.

વસ્તી : આ પ્રાંતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ અધિક છે. પ્રાંતની કુલ વસ્તી 6,44,00,000 (2000) જેટલી છે. ચાંગ્શા તેનું મુખ્ય શહેર છે. પ્રાંતના દરેક ગામમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો અને પ્રાથમિક શિક્ષણની સગવડો ઊભી કરવામાં આવેલી છે. ચાંગ્શા ઉપરાંત અન્ય મહત્વનાં શહેરોમાં હેન્ગયાંગ, ચાંગદે, શોયાંગ મુખ્ય છે. આ શહેરોમાં ઔદ્યોગિક એકમો અને શૈક્ષણિક કેન્દ્રોની ઉત્તમ સુવિધા છે.

નીતિન કોઠારી