હુજી (હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી – બાંગ્લાદેશ, HUJAI – BD) : બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન. ભારતમાં છેલ્લાં થોડાંક વર્ષોથી સક્રિય બનેલું સંગઠન. આ કટ્ટર ઇસ્લામવાદી સંગઠન ભારતમાં અન્ય આતંકવાદી સંગઠનો સાથે તાલમેલ રાખી આતંકની પ્રવૃત્તિઓને અંજામ આપે છે. હુજીની ગતિવિધિઓ વધવા સાથે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ‘અલ-કાયદા’ સાથે તે સક્રિય બની રહ્યું છે.

1984માં ફઝલુર રહેમાન ખલિલ અને કારી સેફુલ્લા અખ્તરે સૌપ્રથમ જિહાદ્દી સંગઠન તરીકે સોવિયેત-અફઘાન યુદ્ધ વેળા પાકિસ્તાન ખાતે હુજીની સ્થાપના કરી. તે વેળા તેનું લક્ષ્યાંક માત્ર સોવિયેત સૈનિકો પૂરતું સીમિત હતું; પરંતુ અફઘાનિસ્તાનમાંથી સોવિયેત સૈનિકોએ ઉચાળા ભરતાં પાકિસ્તાની સત્તાધીશો અને આઇ.એસ.આઇ.ની છત્રછાયા હેઠળ હુજીએ આતંકવાદની નિકાસ ભારતના કાશ્મીર વિસ્તારમાં કરી; પછી તે બાંગ્લાદેશ સુધી વિસ્તર્યું. ‘અલ-કાયદા’ના સર્વોચ્ચ નેતા ઓસામા-બિન-લાદેનના ‘ઇન્ટરનૅશનલ ઇસ્લામિક ફ્રન્ટ’(IIF)ની મદદથી 1992માં હુજી-બીડીનો વિસ્તાર થયો. 30 એપ્રિલ 1992ના હુજીના કેટલાક નેતાઓએ ઢાકાસ્થિત ‘જાતિયા પ્રેસ ક્લબ’ ખાતે પ્રેસ-કૉન્ફરન્સનું આયોજન કરી બાંગ્લાદેશને સંપૂર્ણ ઇસ્લામિક રાજ્યમાં તબદીલ કરવાની માગણી કરેલી. ત્યાં ઇસ્લામિક હકૂમત સ્થાપવાનો તેનો ઇરાદો છે. આ માટે તેને ઓસામા-બિન-લાદેન અને તાલિબાનોનું સમર્થન છે.

તેણે ‘તાલિબાન બની બાંગ્લાદેશને અફઘાનિસ્તાનમાં તબદીલ’ કરવાનું સૂત્ર વહેતું કર્યું હતું. હુજી પ્રબળ વહાબી અને તાલિબાની અસર ધરાવે છે. સંગીત, નૃત્ય, સિનેમા અને ટેલિવિઝન તથા ઉદારમતવાદને બિનઇસ્લામિક માને છે. હિંદુ અને પશ્ચિમી સંસ્કૃતિની અસરને તે ભૂંસવા મથે છે. હુજીના સભ્ય અને તાલીમાર્થીઓની સંખ્યા પંદરથી વીસ હજારની હોવાનો અંદાજ છે. મદરેસાઓમાં શિક્ષણ પામેલા ઇસ્લામિક મધ્યમવર્ગીઓ તેના સભ્યો છે. બાંગ્લાદેશના કોરમી અને કાશિયા વિસ્તારમાંની છાવણીઓમાં તેના સક્રિય સભ્યોને પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવે છે. વધુ તાલીમ માટે તેમને અફઘાનિસ્તાનમાં કે પાકિસ્તાનમાં પણ મોકલાય છે.

આ કામમાં બાંગ્લાદેશીઓ ઉપરાંત મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમ નિર્વાસિતોની તે ભરતી કરે છે. અન્ય મુસ્લિમ દેશોની બિનસરકારી સંસ્થાઓ દ્વારા તેને નાણાકીય સહાય પ્રાપ્ત થાય છે. તેની પ્રવૃત્તિઓ મુખ્યત્વે દક્ષિણ બાંગ્લાદેશ અને મ્યાનમારમાંના સરહદી વિસ્તારોને આવરે છે.

હૈદરાબાદની મક્કા મસ્જિદ અને 2008માં જયપુર ખાતે થયેલા બૉમ્બ ધડાકાઓમાં તે સક્રિય હતી તેમ માનવામાં આવે છે.

રક્ષા મ. વ્યાસ